દાદાશ્રીના દામ્પત્યજીવનના પ્રસંગો - ૧

સંપાદકીય

આ કાળનું અદ્ભૂત આશ્ચર્ય એ બની રહ્યું કે ગૃહસ્થી વેશે જ્ઞાની પ્રગટ્યા, અને આપણા અહોભાગ્ય કે એવા અદ્વિતિય જ્ઞાનીનો પરિચય આપણને પ્રાપ્ત થયો. 'ન ભૂતો, ન ભવિષ્યતિ' એવા જ્ઞાની પુરુષનો ગૃહસ્થાશ્રમ જાણવાનો અવસર પ્રાપ્ત થયો.

લગ્નજીવનમાં પગરણ તો ઘણા માંડતા હોય છે પણ એ પછી ડગલે ને પગલે ઊભી થતી વિટબંણાઓમાં અટવાયા વગર જીવનના ધ્યેયને સિદ્ધ કરનારા કેટલા હશે ? પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) કહેતા કે આ લગ્નજીવન શાના માટે છે ? તો કહે, અનુભવ લઈને તારણ કાઢવા માટે છે કે ખરું સુખ શામાં છે. દાદાશ્રી તેમના દામ્પત્યજીવનના દરેક પ્રસંગોમાં અનુભવો કરતા રહ્યા, તારણ કાઢતા રહ્યા અને જીવનના અંતિમ ધ્યેયને સાર્થક કરીને રહ્યા. જેના પરિણામથી આપણે ક્યાં અજાણ છીએ ?

દાદાશ્રીના જીવનના પ્રસંગોથી આપણે પરિચિત છીએ પણ તે જ પ્રસંગોને એક વિશિષ્ટ દ્ષ્ટિથી મૂલવવાની અભિરુચિ આપણામાં ખીલે એ જ મુખ્ય આશય આ સંકલન પાછળ રહેલો છે.

દાદાશ્રીના ગૃહસ્થાશ્રમના પ્રસંગો તો આમ સામાન્ય જ છે પણ એ સામાન્ય પ્રસંગોમાં તેમની જે સૂઝ, કુનેહ, સમજણ અને ચારિત્ર પ્રગટ થાય છે તે અદ્ભૂત છે. આપણે તેમના આ પ્રસંગોમાં દ્ષ્ટિગોચર થતી તેમની આ વિશિષ્ટતાનો જેટલો તલસ્પર્શી અને ઊંડાણથી અભ્યાસ કરીશું તેટલો લાભ આપણને પ્રાપ્ત થશે અને દાદાશ્રી જેવી વ્યવહારકળા આપણા જીવનમાં ઉત્પન્ન થતી અનુભવાશે. તેમજ સમયાંતરે તેવા ગુણો આપણામાં પણ પ્રગટ થશે.

તેમને પ્રાપ્ત થયેલ જ્ઞાનના સુભગ સમન્વયે તેમણે જગતને એક અનેરું આદર્શ વ્યવહાર સહિતનું અધ્યાત્મ પ્રદાન કર્યું. અને એટલું જ નહીં... ફકત તે શબ્દો રૂપે નહીં પણ અનુભવના તારણ રૂપ હતું. જેથી કરીને તેઓના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ તેઓના જીવનની મૂંઝવણોથી પાર પામવાની ચાવી મેળવી ધન્ય બની ગઈ.

તેઓની ભાવના હતી કે ગૃહસ્થી લોકોનો વ્યવહાર આદર્શ થાય. કુંટુંબને 'માય ફેમીલી' કહ્યા પછી તેમાં કષાય રહિત અને પ્રેમપૂર્ણ વ્યવહાર થાય. અને જીવનના ધ્યેયને સમજી તે ધ્યેયને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા થાય. અને તે માટે અધ્યાત્મ જ્ઞાન સાથે આદર્શ વ્યવહાર કળા શીખવી, જેથી અનેકોના જીવનમાં સુખ-શાંતિ ને આનંદની અનુભૂતિ સાથે ઘર સ્વર્ગ સમાન બની ગયાં.

દાદાશ્રી જેવો જ આદર્શ વ્યવહાર કરી, ફાઈલોનો સમભાવે નિકાલ કરી. આપણા મોક્ષના ધ્યેયને સાર્થક કરવાના પુરુષાર્થમાં લાગી જવાના દ્ઢ નિશ્ચયને મજબૂત કરી લઈએ તેજ અભ્યર્થના.

દીપક દેસાઈ

દાદાશ્રીના દામ્પત્યજીવનના પ્રસંગો - ૧

'હું આત્માનું કરીશ ખરો, પણ મને પૈણ્યા વગર નહીં ચાલે. સંસારમાં રહીને પાછો કરીશ. કોઈ પૂછનાર નથી. આપણો ને આપણો નિશ્ચય જ છે.'

બુદ્ધિના આશયમાં માગ્યું'તું 'લગ્ન',

ઉત્કૃષ્ટ વૈરાગ્ય છતાં ન હ્રદય 'ભગ્ન'!

અમે તો અમારી મેળે નક્કી કરેલું પૈણવું છે કે કુંવારા રહેવું છે ? તો ભઈ, પૈણ્યા વગર ના ચાલે. ત્યારે કહે, 'કેવી જોઈશે ?' આપણે પૂછીએ કે 'મારા હાથમાં છે કે કેવી જોઈશે તે ?' ત્યારે કહે, ''બધું તમારા હાથમાં છે, આ તમારી દુનિયા 'તમે' ક્રિયેટ કરી છે. તમને જે ભેગું થાય છે, એના 'પોતે' જ ક્રિયેટર છો.'' એટલે મારા હાથમાં છે સ્ત્રીનું (પત્ની નક્કી કરવાનું)? અત્યારથી મારા હાથમાં શાથી, મારી સત્તામાં છે ? ત્યારે કહે, 'પુણ્ય તમારું જ વપરાવાનું છે. તે તમારું આટલું પુણ્ય છે, તમારે જેમાં જેમાં વાપરવાનું હોય એ નક્કી કરી નાખો.'

બોલો, સ્ત્રી જોઈશે ? ત્યારે કહે, 'એ તો જોઈશે.' 'તો કેવી જોઈશે? ગમે તેવી ચાલશે ?' 'ના, ગમે તેવી નહીં ચાલે, રૂપાળી જોઈશે.' જો એમાં વધારે ટકા ગયા. રૂપાળી કહ્યું ને, શરત કરીને એટલે એમાં પુણ્યના વધારે ટકા ગયા. પછી હાઈ લેવલના કુટુંબની જોઈએ ? તો કહે, 'ના ભઈ, હાઈ લેવલનાં કુટુંબની તો પછી બહુ હોશિયાર થઈ ગયેલી હોયને, તો મને હઉ દબડાવે. હું તો ભલો-ભોળો માણસ.' એ મને ભગવાન જેવા માનતા હોય ત્યાં પૈણવાનું એટલે પૈણ્યોને. હીરાબા (દાદાશ્રીના ધર્મપત્ની) આવ્યાં, ગમ્યાં, ડિઝાઈન પ્રમાણે મને મળ્યાં. 'ગ્રેજ્યુએટ થયેલી જોઈએ ?' મેં કહ્યું, 'ના, બા. ઓછામાં ઓછું ગુજરાતી આવડવું જોઈએ. બીજું કશું નહીં. હું જ મેટ્રિક ફેઈલ થવાનો છું ને !' તો બોલો, અમારે કશી ડખલ નથી. એમને જેમ દોરવણી આપીએ તેમ ચાલે. મતભેદ નહીં, ભાંજગડ નહીં.

મોહના પ્રસંગે આવ્યો વૈરાગ્યનો વિચાર,

રંડાપો આવશે, ન આ કાયમના કરાર !

અમારે તો પૈણતી વખતે જ રંડાપાનો વિચાર આવેલોને ! તે પૈણતી વખતે નવો સાફો બાંધેલો. અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએને, તે દહાડે ફેંટો પહેરતા હતા અને પહેરણ પહેરીને ૧૫-૧૬ વર્ષનો છોકરો, એય રૂપાળો દેખાય. અને ક્ષત્રિયપુત્ર એટલે ચોગરદમ ભરેલા હોય. તે ૧૫ વર્ષે પૈણવા બેઠેલો. અને ધામધૂમથી પૈણેલો. પૈઠણ લીધેલી એટલે. એ ટાઈમમાં 'થ્રી થાઉઝન્ડ રૂપીઝ' લીધેલા. '૨૩ની સાલમાં પૈણેલો. તે દહાડે બહુ જબરજસ્ત મંદી, તોય ધામધૂમથી ચાર ઘોડાની ફેટીન હતી. અને ફેટીનને લાવીએ ને બધું વગાડે. અને પેલા દીવા હતા. ચૂનો ને બધું નાખીને સળગાવે. પછી પૈણવા બેઠો તે માહ્યરાંમાં બેઠો એટલે પછી માહ્યરાંમાં હીરાબાને પધરાવી ગયા. એમના મામા કન્યાને પધરાવી જાયને ત્યારે એ ૧૩ વર્ષનાં અને હું ૧૫ વર્ષનો. તે ફેંટા ઉપર મોટો ફૂલોનો ખૂંપ મૂકેલોને, તે એના ભારથી પેલો ફેંટો સુંવાળો એટલે ખસી ગયો. તે અહીં આંખ ઉપર આવી ગયો. એટલે હીરાબા દેખાયા નહીં. હું જાણું કે વહુને બેસાડીને જશે. પણ પેલું દેખાયું નહીં, એટલે મેં ખસેડીને જોયું. ત્યારે મહીંથી વિચાર આવ્યો, કે અરે છે તો રૂપાળાં. અને એક ફેરો મેં એમને જોયેલાં. મારી સહમતી ફાધર-મધર સમજી ગયેલાં. તે એટલે પછી આ લોકો વાત કરેને, એટલે મનમાં હા-ના કશું

બોલે નહીં. એટલે પેલા સમજી જાય કે છોકરો સમજે છે આ. એટલે એમનો માલેય વેચાયો. એમને ત્રણ હજાર રૂપિયા આવવાના થયા. અને મનેય વાંધો ના આવ્યો !

પછી પેલો ફેંટો ખસી ગયા પછી મહીં વિચાર આવ્યો કે 'આ પૈણવા તો માંડ્યું, છે તો સારાં, મંડાયું ખરું, પણ હવે બેમાંથી એક તો રાંડશેને ?'

પ્રશ્નકર્તા : એટલી ઉંમરે તમને એવા વિચાર આવેલા ?

દાદાશ્રી : હા, ના આવે બળ્યું આ ? એક તો પૈડું ભાંગેને, બળ્યું ? મંડાયું એ રંડાયા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : પણ પૈણતી વખતે તો પૈણ ચઢ્યું હોય, કેટલો બધો મોહ હોય, એમાં આવો વૈરાગ્ય વિચાર ક્યાંથી હોય ?

દાદાશ્રી : પણ તે વખતે વિચાર આવ્યો કે આ મંડાયું ને પછી રંડાપો તો આવશે, બળ્યો. બેમાંથી એકને તો રંડાપો આવશે. કાં તો એમને આવશે, કાં તો મને આવશે.

પ્રશ્નકર્તા : એટલે પછી લગ્નનો આનંદ જતો રહ્યો એ વિચારથી ?

દાદાશ્રી : આનંદ તો હતો જ નહીં. અહંકારનો જ આનંદ હતો. હું કંઈક છું, તેનો આનંદ હતો. લોકોને મોહનો આનંદ હોય. અમારાં સાસુ તો જો જો જ કર્યા કરે. ૧૫ વર્ષના મને ઊંચકી લીધેલો એ બઈએ. કેડમાં ઘાલેલા. સાસુને વહાલા લાગ્યા. આવા જમાઈ મળે નહીં. ગોળ ગોળ મોઢું લાડવા જેવું છે, એવું હઉ બોલેલા. એટલે હવે એ એના મોહમાં ને આપણે અહંકારના. પણ આ પૈડું ભાંગી જવાનું, આમાં રંડાપો આવવાનો જ. પછી શું થાય આપણને ?

ભણેલી સ્ત્રીવાળાને 'દાદા' સુખિયા લાગે,

હીરાબા ક્યારે પણ સામો હરફ ના કાઢે !

પ્રશ્નકર્તા : દાદા, તમારા હીરાબા સાથેના લગ્નજીવનમાં અથડામણ થયેલી ખરી ?

દાદાશ્રી : પહેલાં નાનપણમાં જરાક બે-ચાર વર્ષ તાજેતાજું, તે જરાક આમ અથડામણ થયેલી. કારણ કે સ્ત્રી અને પુરુષ લગ્ન કરે છે ને લગ્ન કરતી વખતે જ પુરુષે મનમાં નક્કી કર્યું હોય છે કે 'આપણે કોઈ દહાડો વહુને જીતવા ના દેવી. એને આગળ આવવા જ ના દેવી.' એટલે આ બેની ભાંજગડો પડ્યા કરે છે. આપણે ત્યાં રૂપિયા રમાડે છે તે તમે રમેલા કે ? તે કોણ એ રૂપિયો સ્ત્રીના હાથમાં જવા દે ? અરે, હું જ કહું કે મેં જ ચૂંટી ખણી હતીને ! વહુ રૂપિયો લઈ લે તો આ બધાની વચ્ચે આબરૂ જાયને ! પરણ્યા ત્યાંથી જ ભાંજગડ છેને ! અંદરથી જ ભાંજગડ છેને ! એટલે આ જગત સમજવા જેવું છે.

ત્યારે શરૂઆતમાં મારો અહંકાર જબરો હતો, તે પેલા પચ્ચીસ ફ્રેન્ડના ટોળામાં ફરીએ ત્યારે મનમાં એમ થાય કે, બધાની સ્ત્રીઓ સિનેમામાં જોડે આવે છે, બીજી વાતચીત કરે, ફ્રેન્ડ જેવી રહે છે અને મારે આવી ક્યાંથી આવી ? આ તો બહુ ભણેલી નહીં, એટલે મને ચેન નહોતું પડતું. પછી તો ભણેલી સ્ત્રીવાળા મને શું કહે, 'તમારા જેવો સુખિયો કોઈ નથી.' જો ને, હીરાબા કશું સામું બોલતા નથી. કોઈ દહાડો સામું બોલ્યા નથી. તમે કહો, ચા તો તરત લાવીને આપી જાય. તે આ મહીં હિસાબ તો ખરો કરી રાખેલો ! ભાઈબંધોને ક્યાં આગળ એની વાઈફ કડવી લાગે છે, તે મને ખબર નહીં. હું તો એની ઉપરથી મીઠાશ જોઉં, ભઈબંધને મહીં કડવી લાગતી હશે ! તે તો એ જાણે, એમના અનુભવ જાણે. તેથી જ તો મને કહે કે, 'તમે ખરા સુખિયા છો.'

એમને હું કોઈ દહાડો સિનેમામાં લઈને ગયો જ નથી. મારી જોડે હીરાબા આવતાંય નહોતાં. એ તો કહેતા 'ના, હું તમારી જોડે નહીં આવું'.

'બધા જ્ઞાન હાજર હોય, અને મને તો 'એટ એ ટાઈમ' દેખાય. બોલો, મારું જ્ઞાન કેવું હાજર રહેતું હશે ! તે મતભેદ પડતા પહેલાં મારું જ્ઞાન હાજર થઈ જાય. એટલે આખી જિંદગી મતભેદ જ નહીં પડેલો.'

અતિશય નોબિલીટી-ઈકોનોમી એ ગાંડપણ,

જોઈએ નોર્માલિટી, કાઢ્યું સાચું તારણ !

અમે તો પાટીદારો, એટલે અમારું જરા જાડું ખાતું. એટલે આમ ઘી મૂકેને, તે પાટિયો (ઘીનો) ધીમે ધીમે ડિગ્રીવાળું નમાવવાનો નહીં, તો શી રીતે અમે નમાવતા હઈશું ? નાઈન્ટી ડિગ્રી (સીધેસીધું) જ અને આ બીજા લોકોને ત્યાં જઈએ તો ડિગ્રી-ડિગ્રીવાળું (ધીમે ધીમે), તે આ હીરાબા ડિગ્રી-ડિગ્રીવાળા હતાં. એટલે મને આ ગમે નહીં કે આ તો આપણી આબરૂ જાય.

પછી મારે ને હીરાબાને નાનપણમાં વઢવાડ થયેલી. મારા મિત્રો આવેલા ને પેલું ચુરમું કરેલું. એ ઘી તો હીરાબા રેડે. ત્યારે પહેલાં આપણામાં રિવાજ તો આમ પાટિયાથી (ઘીની તપેલી) ઘી રેડવાનું હતું. ચમચી-બમચી નહોતી ને ચોખ્ખા ઘી તે દહાડે તો. તે હીરાબાનો સ્વભાવ કેવો કે આમ વ્યાજબી સ્વભાવ, એટલે કે નોર્મલ સ્વભાવ, એટલે જેને જેટલું જોઈતું હોય તેટલું આપવું જોઈએ. ત્યારે એય ખોટું ના કહેવાય. ખાનારને કશું ના થાય. ખાનાર ટેવાયેલા હતા કે 'ભઈ, આપણને જરૂરિયાત પ્રમાણે મૂકશે અને આમ જરૂરિયાત પ્રમાણે મૂકતા'તા બિચારાં. પણ આ અમે નોબલ એવા મોટાં, તે પેલો પાટિયો મારે આમ ઢોળવા જોઈએ. મારો સ્વભાવ તે ઘડીએ જરા એબ્નોર્મલ સ્વભાવ હતો. અત્યારે હવે જ્ઞાન પછી નોર્મલ થઈ ગયો છે, પણ તે દહાડે એબ્નોર્મલ સ્વભાવ હતો. તે પછી હીરાબા આમ ઘી રેડતાં હતાંને એટલે મને રીસ ચઢી ગઈ. ને પેલા બધા ગયા પછી વઢ્યો. મેં કહ્યું, 'આમ ધાર પાડો છો ? આ આવું ના ચાલે. એકદમ પાટિયો વાળી દેવાનો.' ત્યારે એમને કંઈ ખોટું લાગ્યું. તે કહે છે, 'હું આપત ને ધીમે ધીમે આપત. તમે ઢોળી દેવડાવો એનો શું અર્થ ? હું તમારા ભાઈબંધને કંઈ ઓછું મૂકવાની હતી ?' પછી મને કહેવા લાગ્યાં કે 'તમે તો મારું બધાની વચ્ચે

અપમાન કરી નાખ્યું.' પછી હું સમજી ગયો કે આ તો મારી જ ભૂલ થઈ છે. કારણ કે સ્વભાવ બળ્યો એવો ! મારો એબ્નોર્મલ સ્વભાવ, એ તો ગાંડપણ જ છેને, મેડનેસ કહેવાય. આસક્તિ છે એક જાતની ! અતિશય નોબલ થવું એય ગાંડપણ છે અને બહુ કરકસરિયા એય ગાંડપણ, નોર્માલિટી જોઈએ. પછી આમ કરતાં કરતાં અથડાઈ અથડાઈને બે-ચાર વર્ષમાં જ ઠેકાણે આવી ગયું. હું સમજી ગયો. તારણ કાઢી લીધું કે આમાં આમની કરેક્ટ વાત છે અને એ કરેક્ટમાં પછી બીજીવાર નહીં જોવાનું. એકવાર કરેક્ટનેસ નક્કી કરી દીધી કે આ બાબતમાં એ કરેક્ટ છે એટલે પછી કરેક્ટ જ ! પછી બીજું જોવાનું નહીં. બીજું બધું સંજોગવશાત્ અને એ ભગવાનથીય ફેરફાર ના થાય.

પછી તો હીરાબાના હાથે ઘી ઢોળાતું હોયને તોય જોયા કરીએ. કારણ કે અમારું જ્ઞાન હાજર હોય કે, એ ઢોળે જ નહીં. કોઈ દહાડોય હું કહું કે ઢોળો, તોય એ ના ઢોળે. છતાં એ ઢોળે છે, એટલે આપણે જોવા જેવી ચીજ છે, એવું અમારું જ્ઞાન હોય, ઓન ધી મોમેન્ટ (તત્ક્ષણ). પણ એ પ્રકૃતિ ઓળખી લીધેલી કે આ પ્રકૃતિ આવી છે. એટલે આપણે ઢોળીશું તોય વાંધો નહીં આવે, એ ઊહેડી લેશે !

'મતભેદ પડતાં પહેલાં જ અમે સમજી જઈએ કે આમથી ફેરવી નાખો, ને તમે તો ડાબું ને જમણું બે બાજુનું જ ફેરવવાનું જાણો કે આમના આંટા ચઢે કે આમના આંટા ચઢે. અમને તો સત્તર લાખ જાતના આંટા ફેરવતાં આવડે. પણ ગાડું રાગે પાડી દઈએ, મતભેદ થવા ના દઈએ.'

ઊભા થાય મતભેદ તેમની સમજણે,

ટળી જાય તે 'ભૂલ મારી'ની સમજણે!

હું હઉ એક ફેરો હીરાબા જોડે ફસામણમાં આવી ગયો (મતભેદની બાબતમાં). તમારે વાત સાંભળવી હોય તો કહું, બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.

પ્રશ્નકર્તા : હા, એ વાત કહો ને !

દાદાશ્રી : તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તોય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને !

મને કહે છે, 'મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે તેમાં આ પહેલી છોડી પૈણે છે, આપણે લગ્નમાં શું આપીશું ?' તે આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું 'ના' કહું નહીં. મને પૂછ્યું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ (!ં) ક્યાંથી હોય ? પૂછ્યું એટલે મેં શું કહ્યું ? 'આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છેને, તે આપજોને નવું બનાવ્યા કરતાં ! આ નાનાં નાનાં ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે, તે આપજોને એકાદ-બે !' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં 'મારી-તારી' શબ્દ ના નીકળે, 'આપણું-આપણાં' જ બોલાય. તે એ એવું બોલ્યાં કે 'તમારા મામાના દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ને !' હવે 'મારા' ને 'તમારા' બોલ્યાં તે દહાડે, કાયમ 'આપણું' જ બોલે. 'મારા'-'તમારા' ભેદ ના બોલે. પેલા બોલ્યાં. મેં કહ્યું, 'આજ આપણે ફસાઈ ગયા !' હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું ! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય !

એટલે મારી-તારી થઈ તે દહાડે ! 'તમારા મામાના દીકરા' કહ્યું, આટલે સુધી, આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! મેં કહ્યું, 'આ ઠોકર વાગવાની થઈ આજ તો !' એટલે હું તરત જ ફરી ગયો ! મતભેદ પાડવો તેનાં કરતાં ફરી જવું સારું. તરત જ આખોય ફરી ગયો. મેં કહ્યું, 'એવું નથી કહેવા માંગતો. મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. હું એવું નથી કહેતો !' ત્યારે કહે, 'તો શું કહો છો ?' ત્યારે મેં કહ્યું, 'આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.' એટલે કહે છે કે 'તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે ?' એટલે હું સમજી ગયો, આપણે જીત્યા ! પછી મેં કહ્યું, 'તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે.' એટલે ખુશ થઈ ગયાં. 'દેવ જેવા છે' કહે છે.

જો પટ્ટી મારી દીધીને ? હું સમજું કે આપણે પાંચસો કહીએ તો પણ આપે એવા નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ?

પ્રશ્નકર્તા : ના, કંઈ વાંધો નહીં.

દાદાશ્રી : મેં કહ્યું, 'હવે જીત્યા આપણે.' ભોળા કહ્યું કે તરત હું જીત્યો. પણ જીતી ગયો તે દા'ડે. નહીં તો મતભેદ પડત તો ખરેખરો પડત. મારું ને તમારું અને આંટી હઉ રહેત.

હું જાણું કે એમનાથી પાંચસોય અપાવાના નથી, એ આપે તોય હું તો ખુશી હોઉં ! સાચા દિલથી ઇચ્છા ખરી કે આપે, પણ હાથ છૂટવો મુશ્કેલ છે ને ! એ બાર મહિને બે-ત્રણ વખત છે તે વડોદરાથી મુંબઈ આવે તો એરોપ્લેનમાં આવે એટલી મારી ઇચ્છા ખરી, પણ એમને તો હું આજ પંદર વર્ષથી કહે કહે કરું છું. તમારે જ્યારે જ્યાં એરોપ્લેનમાં જવું હોય તો છૂટ. હું જાણુંને જવાનાં નથી તો પછી મારે શું કામ ના કહેવું ? ત્યારે કહે, 'એ પ્લેનમાં તમારે જવાનું, મારે પ્લેનમાં નથી જવું, તમે જજો !' મને એક ફેરો અમેરિકા ગયો ત્યારે મૂકવા આવ્યાં હતાં, પ્લેનમાં આવ્યાં અને પાછાં પ્લેનમાં ગયાં હતાં બસ. એ બાકી આમ બેસે નહીં, આપણે કહીએ તોય ના બેસે. આપણે પ્રકૃતિ ના ઓળખીએ ?

એટલે હું તો એ દહાડે છૂટી ગયેલો. નહીં તો તે દહાડે ભૂલમાં સપડાત. એટલે અમારું ને તમારું એવું બોલાય ? આપણે વન ફેમિલિ, અમારું-તમારું, આમચા-તુમચા બોલે પછી રહ્યું જ શું ત્યારે ?

પ્રશ્નકર્તા : હં, હવે એ વાત શીખી ગયો છું.

દાદાશ્રી : ના, પણ આવું સમજવું નહીં પડે, ભઈ ! જીવન જીવવાની કળા તો સમજવી પડે ને ? એટલે પછી મને કહે છે, 'તમે તો ભોળા છો એવા પાંચસો અપાતા હશે ?' મેં કહ્યું, 'આપણો બધો હિસાબ પતી ગયો. જો આપણું સંધાઈ ગયું. આ આપણાથી લોહી નીકળ્યું ખરું, પણ પાછું પટ્ટી લાગી ગઈ.' એવું ના શીખવું જોઈએ, ભઈ ?

પ્રશ્નકર્તા : પણ ત્યાં તો અહંકાર આવેને, હું ધણી, મારું કેમનું નીચું પાડવું જોઈએ ?

દાદાશ્રી : મૂઆ, તું ધણી ? ધણી તો કેવો નોબલ હોય ! આવાં હોતા હશે !

જે નીચું પડવા દે તે જ ડાહ્યો કહેવાય. આ અમે તો હીરાબાને કહી દેતા હતા, કે અમારી ભૂલ થઈ, હં... કે... અમારી તો બહુ ભૂલો થાય છે. ત્યારે કહે, ના, તમારી ભૂલ નથી થતી. ઊલટા આપણે કહીએ કે ભૂલ થઈ તો આ કહે, નથી થતી અને આપણે કહીએ, નથી ભૂલ થતી તો એ કહે, તમારી થઈ છે. એટલે જાણીજોઈને વાઈફની જોડે છે તે સાચી વાત હોય તો પણ એને સાચી ઠરાવવા ફરીએ તો પછી એનું ફળ તો મળે કે ના મળે ? અને વાઈફમાં આત્મા નથી રહેલો ?

આ તો 'મારા' ભાઈને ત્યાં તમે ઓછું આપો છો, એ વિચારો એમના મનમાં પેસતા હતા. તેને બદલે એમણે એમ કહ્યું કે આટલા બધા ના અપાય.

પ્રશ્નકર્તા : તમે 'ફરી ગયા' કે તમે ઢીલું મૂક્યું ?

દાદાશ્રી : મેં ઢીલું નથી મૂક્યું. એ મારી ભૂલ જ થઈ. આવું કેમ થાય ? મારી-તારી થતું હશે ? હું એવું કેવું બોલ્યો કે એ મારી-તારી બોલ્યા ? મારી ભૂલ મને સમજાઈ, કે ઓહોહો ! મેં આવડી મોટી ભૂલ કરી ? સંસારમાં નીવડેલો માણસ આવું બોલે ? પણ તે તરત મેં ભૂલ ભાંગી. અમને આવડી જાય તરત. તે ઢીલું મૂકેલું નહીં, મારી ભૂલ જ હતી.

પ્રશ્નકર્તા : આપે સુધારી લીધું એમ કહેવાય ?

દાદાશ્રી : હા, સુધારી લીધું. આવું વાસણ આપજો એવું કહેવા ગયો, તેને બદલે આ હું આખો ફરી ગયો. એટલે મેં પાંચસો કહ્યા અને એ તો મારા ખ્યાલમાં જ હોય કે હું પાંચસો રૂપિયા કહીશ તો એ મને શું કહેશે. એટલે રૂપિયા ભેલાડવા નથી બેઠો. મારે તો મતભેદ પાડવો નથી ને રૂપિયા ભેલાડવા નથી. આ તો અણસમજણ ઊભી થવા દેવી નથી.

પ્રશ્નકર્તા : એટલે સાચવી લીધું.

દાદાશ્રી : હા, આ મારી ભૂલ થઈ એ ખુલ્લી કરી મેં. હું સમજી ગયો કે આ ભૂલ થઈ. કોઈ દહાડો આવું બન્યું નથી ને આવો એક્સિડન્ટ થયો ! મેં જાણ્યું કે આ મારી ને તમારી થઈ, માટે આ ઘરમાં આપણો હવે છૂટકારો થઈ ગયો. તે આપણે એવું કેવું બોલ્યા કે એમને આ બોલવાનો વખત આવ્યો. પણ તે બ્રેઈન અમારું બહુ પાવરફૂલ. અમારી પાસે બધી બોધકળા, જ્ઞાનકળા હોય. બધી કળાઓથી સાબૂત હોઈએ. તરત જ બ્રેઈન કહે કે રૂપિયા પાંચસો આપી દેજો. ત્યારે એ કહેશે, 'તમે ભોળા છો !' એટલે આ તો ભૂલ અમારી ને ફસાયા તમે, એવું સમજી જઈએ.

પ્રશ્નકર્તા : જે તૂટવાની તૈયારીમાં હતું, એ સાંધી લીધું દાદાએ અને પાછું રાજી કરીને.

દાદાશ્રી : હા. અને રાજી તો કેવાં હોય, તે મને તો પહેલેથી કહેતાં આવ્યાં છે કે તમે બહુ ભોળા છો. શાથી ? કે કોઈક આવે છે અને કહે કે 'મારે આમ થયું, તેમ થયું' એટલે કબાટમાંથી આપી દો છો. તમે એટલું જ શીખ્યા છો. એટલે હું સમજી ગયેલો કે ભોળપણ તો છે. વાત સાચી છે. પણ મારું ભોળપણ, હું જાણીને આપતો હતો. પેલા મૂરખ બનાવી દે એવું નહીં પણ જાણીને આપું. કારણ કે એને દુઃખ ઓછું થાય છે. છેતરતો હોઈશ તોય દુઃખ તો ઓછું થશે એમ જાણીને આપતો હતો. હું કંઈ ભોળો નથી. આખી દુનિયાને ઓટીમાં ઘાલીને બેઠો છું.

એટલે હીરાબાએ મને ભોળો માની લીધેલો પહેલેથી કે આ બહુ ભોળા છે. ત્યારે મેં કહ્યું કે આ એકલું અવલંબન સારું છે આપણા માટે. એ ભોળા કહેશેને, ત્યાં સુધી એમની કોર્ટમાં નિર્દોષ. એમની હાઈકોર્ટમાં આપણે કાયમના નિર્દોષ ! હું હોંશિયાર હોઉં તો દોષિત થાઉંને ? ભોળા જ, બસ !

જુઓ, આ મારે મતભેદ પડતો હતો, પણ ફરી જઇને કેવો સાચવી લીધો ! સરવાળે મતભેદ ના પડવા દીધો. છેલ્લાં કેટલાંય વર્ષોથી અમારે નામેય મતભેદ નથી થયો. હીરાબા પણ દેવી જેવાં છે ! અમે કોઇ જગ્યાએ મતભેદ પડવા ના દઇએ.

'મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે ? તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત.'

એમના મતે જાણ્યા ભેદ,

ભોળા થઈને બન્યા દેવ !

એક દિવસ હીરાબા મને કહે છે, 'હું તો અહીં મામાની પોળે જ રહીશ. ત્યાં (વડોદરામાં) કોઠી પર નવું ઘર બંધાયું છે, ત્યાં રહેવા નહીં જઉં.' મેં કહ્યું, 'તમને અનુકૂળ આવે ત્યાં રહેવાનું.' હા અમે એમ ના કહીએ કે 'તમે ત્યાં રહેવા જાવ. તમને અનુકૂળ આવે ત્યાં રહો. ઘરધણી માણસના મનમાં એમ થાયને, સહેજ ખટકો થાયને કે પોતાનું ઘર બંધાયું તોય આ ઘર ખાલી કરતા નથી. તો એનું ઘરધણીને થોડુંક વધારે ભાડું આપી દઈશું.' મેં કહેલું, 'ઘરધણી જે માગે એ ભાડું આપી દેવાનું' અને એ ઘરધણીયે એવું સમજે છે કે 'મારે એવું કશું કરવું નથી.' પણ છતાંય અમે એને સંતોષ આપીએ. એમાં બિચારાનો શો ગુનો ? આપણું ઘર જુદું થયું એટલે જુદું રહેવું જ જોઈએ ને ? આપણે ઘેર જવું પડે ને ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : હમણાં એક દહાડો મતભેદ પડી જાય એવું થયું હતું. રાત્રે મેં કહ્યું, 'બેન જમવા બનાવનાર છે તો પછી હવે રસોઈયાની શી જરૂર છે ?' ત્યારે કહે, 'ના, એમના હાથનું હું નહીં જમું !' પછી બીજે દહાડે મેં કહ્યું, 'તમને જ્યારે રસોઈયો જોઈતો હોય ત્યારે બોલાવી લો, એકને બદલે બે.'

હું આવું કેમ બોલ્યો હું ? એમને ઠીક લાગે એ કરે. મારે આ બધી શી જરૂર ? આપણે હાથ ઘાલીને શું કામ છે તે ? તમને શું લાગે છે, આપણે હાથ ઘાલવો જોઈએ ?

પ્રશ્નકર્તા : ના, ના, એ એના સંજોગો ઉપર આધાર છે.

દાદાશ્રી : સંજોગો જોવા પડે. મને તો અત્યારેય હીરાબા ભોળા જાણે. હજુય હીરાબા તો મને કહે છે, 'તમે ભોળા છો, હું ભોળી નથી.'

પ્રશ્નકર્તા : હું પાકી, દાદા ભોળા, એવું કહેતા ?

દાદાશ્રી : હા, દાદા ભોળા માણસ છે. મારે એનું જ કામ છે. ભોળા કહે એટલે છોડી દેને ?

પ્રશ્નકર્તા : હા, છોડી દે.

દાદાશ્રી : પાકા થયા તો છોડે નહીં. ભોળા થવામાં છોડી દે. અને ભૂલચૂક થઈ હોય તો કહેશે કે 'ભોળા છે તે થઈ ગયું.' ભાંજગડ જ નહીં ને ! પહેલેથી ભોળાની છાપ.

હવે ખરી રીતે એ ભોળા છે. હું તો ભોળો જરાય નથી. હું તો બધુંય જાણીને જવા દેતો હતો અને એ એમનું અજાણ્યામાં જતું રહે.

પ્રશ્નકર્તા : અજાણ્યામાં જતું રહે એ તો ભોળું કહેવાય.

દાદાશ્રી : એટલે જ એ ભોળા કહેવાયને અને મને તો કોઈ ભોળો કહેને, તો હું કહું કે મને ભોળો કહેનાર ભોળો છે. તું મને ઓળખતો જ નથી. પણ હું જાણીને જવા દઉં. જે માંગો એ આપી દઉં, કશું રહેવા ના દઉં પાસે, એવો સ્વભાવ હતો. કારણ કે અમને એક લોભ નહોતો, બિલકુલેય લોભ નહીં. કશું જોઈએ જ નહીંને અને પાસે હોયને, તો આપી દઉં પાછો. મારી પાસે કશું રહે નહીં. એટલે અમારા ભાગીદારે કહેલું કે તમારી પાસે રૂપિયા હાથમાં રાખવા જેવા નથી. મેંય કહી દીધું કે મને આપશો જ નહીં. કારણ કે મારી પાસે રહે નહીં.

એટલે હીરાબાય કહે કે 'તમને તો પૈસા અપાય જ નહીં.' ત્યારે મેં કહ્યું, 'ના આપશો. આપશો જ નહીંને ?' બાકી કો'ક આવ્યો. તે ઢીલો થયેલો દેખાય કે કબાટ ઉઘાડીને આપી દેવાનું.

અને મને તો હીરાબા દેવ જેવા કહેતા હતા. આ તો ધણી દેવ જેવા છે, કહે છે. ત્યારે દેવ થવાનું આપણા હાથમાં છેને ! તમને કેવું લાગે છે ?

'હુંય એમના જેવો હોઉં તો પછી એ તો મતભેદ પડી જાય. એ શું કહે છે ને કેવા આશયથી કહે છે, એ શું હેતુથી કહે છે એ તરત સમજી જઉં. એટલે હું એલાઉ કરું કે બરાબર છે.'

ન ગૂંચાયા એ ગૂંચોમાં કદી,

સમજું એમને હોય ગ્રંથિ બધી !

પ્રશ્નકર્તા : દાદા, હીરાબા એવું કહેતા કે હુંય થોડું કપટ રાખું છું, ત્યારે તમે શું એડજસ્ટમેન્ટ લેતા ?

દાદાશ્રી : મને હીરાબા કહેતાં હતાં, 'તમે ના રાખતા હો પણ હું તો કપટ રાખું છું.' ત્યારે મેં કહ્યું, અમને તો કપટ-બપટ હોય નહીં. ત્યારે કહે, 'પણ હું તો કપટ રાખું.' આ સ્ત્રીઓ વાત વાતમાં જૂઠું શાથી બોલે તે હું જાણું ને ! હીરાબાને હું પૂછું કે, 'ક્યાં ગયાં હતાં ?' ત્યારે એ ગયા હોય આ બાજુ ને કહેશે આમ, પછી હું સમજુ કે આ ભયને કારણે બોલે છે. સ્ત્રીઓમાં આ ગ્રંથિ પડેલી હોય છે, વગર કામની. હવે આપણે કશું વઢતા ના હોઈએ, તોય એ ગ્રંથિ પડેલી હોય છે.

એવું બીજાય બોલે પણ તે હું હસું હું સમજું. હવે એવું બોલવામાં વાંધો નહીં. હું તો ગુનો ક્યાં આગળ પકડું ? કે ગુનાહીત વૃત્તિ છે કે નહીં, એટલું જ હું જોઈ લઉં. ગુનાહીત એટલે કંઈ છેતરવાની વૃત્તિ, અન્સિન્સિયારિટી છે કે નહીં, તે જોઈ લઉં. બીજું બધું હું ના જોઉં. બીજો બધો તો વ્યવહાર છે. હું પૂછું, 'ક્યાં ગયા હતા ?' ત્યારે એ કહે, 'અમુક જગ્યાએ.' ત્યારે હું કહું કે 'કશો વાંધો નહીં.' લેટ ગો કરું. અમેય સમજીએ મહીં. કંઈ ના સમજીએ ઓછું ? એ તો મનને બહેકાવવું પડે. ના બહેકાવવું પડે ?

પ્રશ્નકર્તા : એ ના સમજાયું !

દાદાશ્રી : અકળાઈ ગયો હોય તો તે મનને બહેકાવે. તે હવે બહેકાવે, તે ઘડીએ આપણે પૂછીએ તો તે વખતે બ્રેઈન કેમનાય હોય ?! એટલે હુંય હસું. આપણે સમજી જવાનું કે આ મન બહેકાવા જાય છે. મનને બહેકાવે નહીં તો તે પાછું ગાંડું હઉ થઈ જાય. એટલે એને બહેકાવવું પડે.

હું તો આ બધા રસ્તા જોઈને નીકળેલો, એટલે અનુભવ થયેલો. એટલે હવે એ મારે નથી. પણ એ હું જાણું ખરો કે અમુક અમુક જગ્યાઓ આવી હોય છે, ગૂંચો હોય છે અને તેમાં નિર્દોષ હોય છે બિચારા ! વગર કામના માર ખાય છે.

''સમય વર્તે સાવધાન', તે સાવધાનનો અર્થ શું ? તો કહે, બીબી ઉગ્ર થઈ હોય ત્યારે તું ઠંડો થઈ જજે, સાવધ થજે. તે જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર.'

સમય વર્તે સાવધાન થાય,

તો અથડામણ બધી ટળી જાય !

બધાની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે 'સમય વર્તે સાવધાન'. તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઈએ. તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? તે અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછું. પણ લોકોને તો દાળમાં મીઠું વધારે પડ્યું, તે બધા ઉપર રો-કકળાટ, એમ નહીં કે આપણે એડજસ્ટ થઈએ. ત્યારે મુખ્ય વાત એ જ કે ભઈ, આજ દાળમાં મીઠું વધારે છે, તો આપણે સમય આવ્યો એટલે સાવધ થઈ જવાનું અને જરા ઓછી ખાવાની પણ બૂમાબૂમ નહીં કરવાની ને સમય વર્તે સાવધાન થવાનું એટલા સારું કહે છે, પણ સમય પ્રમાણે વર્તતા જ નથીને ! બોલી ઊઠે તરત. અલ્યા મૂઆ, નાના છોકરાનેય ખબર પડશે, ખારી છે તે. ના ખબર પડે ? તે આ પહેલો બોલી જાય !

પછી સ્ત્રીઓ અંદર અંદર શું કહે, 'એ કાળમુખા જ છે !' બીજા બધા શબ્દો બહુ આવડે પણ કહે નહીં. તે મૂઆ આવો તો અપજશ આપણને આપે તેના કરતાં આપણે સીધા રહોને ! પાંસરા થઈ જાવને! કઢી ખારી શેના આધારે થઈ ? ત્યારે કહે, 'આધારના આધારે આવી આ. એનો આધાર છે. એમ ને એમ નથી, નિરાધાર નથી.' આ તો ગાંડપણ. નહીં સમજણ પડવાથી 'એણે કઢી ખારી કરી' કહે. મૂઆ, એ તે કરતી હશે આવી ? એને તો સો રૂપિયા આપીએ તોય કઢી બગાડે નહીં. આ કહે, 'પણ મારા છોકરાનું શું થાય ?' કંઈક આધારથી આ બનાવી છે. બોલો હવે, ક્રમિક માર્ગમાં કઢીનું શું થાય હવે ?

એક ફેરો કઢી સારી હતી, પણ જરાક મીઠું વધારે પડેલું એટલે પછી મને લાગ્યું કે આ તો મીઠું વધારે પડ્યું છે, પણ જરાક ખાવી તો પડશે જ ને ! એટલે પછી હીરાબા અંદર ગયાં ત્યાર હોરું મેં પાણી રેડી દીધું જરા, તે એમણે જોઈ લીધું. એ કહે છે, 'આ શું કર્યું ? મેં કહ્યું, 'તમે પાણી સ્ટવ ઉપર મૂકીને રેડો અને હું પાણી નીચે રેડું.' ત્યારે કહે, પણ ઉપર રેડીને અમે ઉકાળી આપીએ. મેં કહ્યું, 'મારે માટે બધું ઉકાળેલું જ છે. મારે કામ સાથે કામ છે ને !' એટલે કઢી ખારી થાય તો આમ આઘાપાછા થાય એટલે જરા પાણી રેડી દઉં ! ત્યારે પછી કોઈક દહાડો ફરી પાછા કહેશે, 'ફલાણું શાક છે તે ખારું થઈ ગયું હતું તે તમે આજ બોલ્યા જ નહીં !' તે મેં કહ્યું, 'તમને ખબર ના પડે !' જે એ ખાવાના છે એનું આપણે જણાવીને શું કામ છે તે !

એટલે અમે કશી વાત બોલેલા નહીં. કોઈ જાતનું કશુંય અક્ષરે બોલેલો નહીં. કોઈ દા'ડોય એમની આબરૂ નહીં બગાડવાની. એ મારી ના બગાડે. એટલે બધું આવી રીતે એડજસ્ટમેન્ટ લીધેલા, પહેલેથી. બને એટલો કકળાટ ન થાય. બીજું તો સારી રીતે જીવન ગયેલું.

પચાસ વર્ષથી કોઈ દહાડો બોલ્યા નથી, કે આ ખારું થઈ ગયું છે. એ તો જે હોય એ ખઈ લેવાનું, ગમે ત્યાં હોય તોય. હમણે થોડું આ નીરુબેનની જોડે વાત કરું કે આ જરા ફેરફાર કરાવો. કારણ કે આ ઉંમરમાં તબિયતની, પેલી શરીરની અનુકૂળતા ના હોય ત્યારે કહું કે બેન, આનું આમ કરશો. છતાંય જે થઈ ગયું એ તો ચલાવી લેવાનું.

પ્રશ્નકર્તા : પણ દાદા, એ જે તમે કર્યું, એ કેટલી જાગૃતિ કે પાણી નાખ્યું. એમને નથી કહેલું કે આમાં મીઠું વધારે પડ્યું છે, નહીં તો દુઃખ થાય.

દાદાશ્રી : હા, અરે ઘણી ફેરો તો ખીચડી કાચી હોયને, તોય અમે બોલ્યા નથી. ત્યારે લોક કહે છે કે, 'આવું કરશો ને તો ઘરમાં બધું બગડી જશે.' મેં કહ્યું કે, 'તમે કાલે જોજોને.' તે પછી બીજે દહાડે બરોબર આવે.

આ જ્ઞાન તો પચાસમે વર્ષે મને થયું, પણ હું તો પહેલેથી કઢીમાં પાણી રેડી દેતો'તો, ખારી થાય ત્યારે. અરે, નહીં તો હું શું કરું ? થોડો શીરો હોયને, તે કશું ગળપણ હોય ને, તે કઢીમાં ચોળી દઉં અને મોળી કરી નાખું. ગમે તે રસ્તે ખાવાલાયક કરી નાખું. પછી ખાંડ-બાંડ માંગું નહીં. એટલે જાણે નહીં કે આ તો કઢી ખારી થઈ ગઈ. એવું કહેવા-કરવાનું નહીં. કશું માંગું-કરું નહીં. અમારે ત્યાં બધાને પૂછો તો કહે, 'ના, દાદાજી બોલ્યા નથી, કોઈ દહાડોય !' હું શું કરવા બોલું ? બોલનારા બધા છે ને ! હોશિયાર છે ને !

અને આ તો બધી મનની માન્યતાઓ છે. મને આમ માન્યું માટે આમ, નહીં તો કહેશે, બગડી ગયું. પણ કશું બગડે જ નહીં ને ! એની એ જ પાંચ તત્ત્વોની જ દરેક ચીજો છે, વાયુ, જલ, તેજ, પૃથ્વી ને આકાશ ! માટે કશું બગડવા-કરવાનું હોય નહીં.

અમારે ઘેર ઉપર ચા આવે, તે કો'ક વખતે ચામાં ખાંડ જ ના નાખી હોય તો અમે કશું બોલ્યા વગર પી લઇએ. ઘણી વખત તો નીચે ખબરેય ના પડે. ને ખબર પડે તો એ જ્યારે ચા પીએ ત્યારે ખબર પડે. અમારે રોજની બાબતમાં બોલવાનું ના હોય. બોલવાનું ક્યાં હોય કે કંઇ નવીન નાખવાનું હોય તો જ કહીએ ને ખાંડ તો રોજ નાખે જ છે. તે આજે જ ભૂલ્યા છે, તો એમાં બોલવાની જરૂર નથી. ખાંડ નાખવી એ તો વ્યવહાર છે. તે ખાંડ વગરની ચા આવે તો અમે સમજી જઇએ કે આજે આવો વ્યવહાર આવ્યો છે, તો ચા પી લઇએ.

ભાભો ભારમાં તો વહુ લાજમાં,

'માય ફેમિલી' સમજો સાનમાં !

પ્રશ્નકર્તા : હીરાબાથી રસોઈ બરાબર ના થઈ હોય તોય ના લડો ?

દાદાશ્રી : રસોઈ બરાબર ના થઈ એમ નહીં. એ આમ દેવતા લઈને જતા હોય ને મારી પર પડે તોય ના લડું.

પ્રશ્નકર્તા : તો પછી આપનાથી ગભરાય કેમ ?

દાદાશ્રી : એ જ, હું ના લડું એટલે જ ગભરામણ બેસે. લડવાથી માણસનું વજન તૂટી જાય. એક ફેરો કૂતરો ભસ્યો, એટલે પેલાં સમજી જાય કે આનામાં બરકત નથી, બરકત વગરનો છે. એ નહીં બોલવાથી જ વજન પડે અને 'ભાભો ભારમાં, તો વહુ લાજમાં', એ સમજાય એવી વાત છે.

પ્રશ્નકર્તા : બરાબર સમજાયું.

દાદાશ્રી : એટલે હીરાબાને નિરંતર ફફડાટ, કશું બોલું નહીં, વઢીએ નહીં તોય !!

પણ પછી હીરાબા જોડે મતભેદ ઓછા થઈ ગયા, બંધ થઈ ગયા. કારણ કે માય ફેમિલી કહેતાં શીખ્યો. ધીસ ઈઝ માય ફેમિલી. ત્યારે મેં કહ્યું, 'માય ફેમિલીનો અર્થ શું થાય ?' ત્યારે કહે, 'ત્યાં તો ભાંજગડ હોય નહીં. વિચારભેદ હોય પણ ભાંજગડ ના હોય, ક્લેશ તો ના જ હોય. હા, ડખલો પોતાની ફેમિલીમાં ના હોય. બહાર જઈને ડખલ કરો. જો ડખલ કરવી હોય ને, તો બહારવાળા જોડે જઈને કરી આવો, ફેમિલીમાં ના થાય. આ વન ફેમિલી કહેવાય. એટલે કાલથી બંધ કરી દો, એય તમારી જોડે બંધ કરી દેશે.

અમારે ક્ષણે ક્ષણે, ચોવીસેય કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરૂ થયું હતું, આ જ્ઞાન એમ ને એમ થયું નથી. અમે આ જે કંઈ બોલીએ છીએને, તે તમે પૂછો એટલે એ જગ્યાનું દર્શન દેખાય. દર્શન એટલે જે બન્યું તે એમ દેખાય. જેવું બન્યું હતું તેવું આમ દેખાય !

પ્રશ્નકર્તા : એવા બીજા અનુભવો કહોને આપ.

દાદાશ્રી : બહુ અનુભવો થયેલા, કેટલા કહું તમને ?

પ્રશ્નકર્તા : જેટલા યાદ આવે એ.

દાદાશ્રી : એ તો અહીં વાત નીકળે ત્યારે સાચું. આ તો ટેપરેકર્ડ છે, તે નીકળે ત્યારે નીકળે. નહીં તો ના નીકળે.

પ્રશ્નકર્તા : નીકળે તો નીકળવા દો. સાંભળીને બધાને બહુ આનંદ થાય છે.

દાદાશ્રી : હા, આનંદ તો થાય ને. પણ આમાં એવું છેને કે આ બધી જાગૃતિ આવવી જોઈએ. આમ પોલંપોલ કેમ ચાલે ?

'આ તો સંસારના ઋણાનુબંધ છે, હિસાબ લેવાદેવાનાં છે. અમારેય બાબા-બેબી આવ્યા હતાં, પણ તે ગયાં. મહેમાન આવ્યા હતા તે મહેમાન ગયા, એ આપણો સામાન જ ક્યાં છે ?'

ગેસ્ટ પ્રત્યે મમતા જરાય નહીં,

પારકું પોતાનું કદી થાય નહીં !

પ્રશ્નકર્તા : દાદાનાં છોકરાં કેટલાં ?

દાદાશ્રી : એક છોકરો ને એક છોકરી હતા. છોકરાંનો જન્મ થયો ત્યારે મેં ભઈબંધોને પેંડા ખવડાવ્યા. ૧૯૨૮માં જન્મેલો. પછી ૧૯૩૧માં એ ઑફ થઈ ગયો. ત્યારે મેં બધાને પેંડા ખવડાવ્યા. તે પહેલાં તો બધાં એમ જ સમજ્યા કે આ તો કંઈ બીજો છોકરો હશે, તેથી આ પેંડા ખવડાવતા હશે. પેંડા ખવડાવતાં સુધી મેં ફોડ ના પાડ્યો. ખવડાવ્યા પછી મેં બધાને કહ્યું, 'પેલા ગેસ્ટ (પુત્ર) આવ્યા હતા ને તે ગયા !' જો માનભેર આવ્યા હતા, તો આપણે માનભેર કાઢો. એટલે આ માન આપ્યું. તે મને બધા વઢવા જ માંડ્યા. અરે, ના વઢાય, માનભેર જવા દેવા જોઈએ.

પછી બેબીબેન આવ્યાં હતાં. તે એમને માનભેર બોલાવ્યાં અને માનભેર કાઢ્યાં. જે બધા આવ્યા તે જાય બધાં. પછી તો કોઈ છે નહીં. હું ને હીરાબા બે જ છીએ.

અમારો છોકરો ગયો, છોડી ગઈ ત્યારે હું ખુશ થતો હતો. ખુશ થતો એટલે એમ નહીં કે સારું, પણ હોય તોય હા, બરોબર છે અને ના હોય તોય કંઈ વાંધો નથી. કારણ કે એ ગેસ્ટ છે.

કોઈ કોઈનો છોકરો નથી ને કોઈ કોઈનો બાપ થયોય નથી. આ તો ખાલી ઋણનો અનુબંધ છે, માંગતા લેણાનો. તે રૂપિયાનું માંગતું લેણું નહીં, મેં તમને દુઃખ દીધેલું એ દુઃખ દેવા તમે આવો. તે આ લોકો બાંધેલા વેર છોડે છે, એટલે મેં તો છોકરો-છોડી મરી ગયાં હતાં ત્યારે મને તો થયું, 'આપણું કોઈ થયું ?' આ દેહ આપણો નથી થતો, તો વળી આ દેહનો છોકરો તે વળી શી રીતે આપણો થતો હશે ? થાય ખરો ? આ છોકરો દેહનો કે આત્માનો ?

પ્રશ્નકર્તા : ત્યારે હીરાબાને શું પ્રતિભાવ થયો હતો ?

દાદાશ્રી : હીરાબાને સારું ના લાગે. 'આવું કરાતું હશે ?' કહે છે અને અમારા મિત્રોએય કહેલું 'આવું કર્યું ?' મેં એમને સમજણ પાડી કે હું તમને કહેત કે પેલો છોકરો આપણે પેંડા ખવડાવ્યા હતા એ છોકરો મરી ગયો. તો તમારાં મોંઢા ઉપર ઉદાસીનતા ના આવી હોય હાર્ટિલી તોય તમારે બનાવટ કરવી પડે. એના કરતાં આ કશું ભાંજગડ જ નહીં. ખાઈ-પીને મોજ કરો.

છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુઃખ પડે છે. આપણા લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે છે. એટલે તમારે જેમ છે તેમ જાણીને શાંતિપૂર્વક રહેવું જોઈએ. ખોટી માથાકૂટ કરીએ એનો અર્થ શો છે તે ? બધે જ છોકરાં મર્યા વગર કોઈ હોય જ નહીં ! આપણે હઉ નથી જવાનું ? આપણે જીવતાં હોય એને શાંતિ આપો, ગયું એ તો ગયું, એને સંભારવાનુંય છોડી દો. અહીં જીવતા હોય, જેટલાં આશ્રિત હોય એને શાંતિ આપીએ, એટલી આપણી ફરજ.

બાકી મને તો પપ્પો થવાનું નહોતું ગમતું, બળ્યું. હતો જ ને, પપ્પો. ગયો ત્યારે મેં કહ્યું, 'સચ્ચિદાનંદ'. રહ્યો હોત તો વાંધો ન્હોતો. અને બેબીનેય પૈણાવત નિરાંતે. એ વાંધો ન્હોતો.

પ્રશ્નકર્તા : તમને કેમ પપ્પો થવું ન્હોતું ગમતું ?

દાદાશ્રી : ના, ન્હોતું ગમતું એવું નહિ. એટલે ડીસ્લાઈક જેવું નહિ, તેમ લાઇક જેવું નહિ. જે હોય, આપણી દુકાનમાં જે આવ્યા ઘરાક એ ખરાં. જતાં રહ્યા તોય ઘરાક.

પ્રશ્નકર્તા : પણ જતાં રહે ત્યારે હાશ લાગે ને ? જતાં હોય ત્યારે આપણે છૂટ્યાં એવું લાગે ને ?

દાદાશ્રી : ના, એવું નહિ. બંધાયેલાં જ નહોતાં, તે છૂટ્યાં ક્યાંથી ? મને તો એવું લાગ્યું કે, 'આ ગેસ્ટ આવ્યા'તા, તે ગેસ્ટ ચાલ્યા ગયા.' ગેસ્ટ આવે ને જાય.

આપણે ત્યાં કંઈ હિસાબ બાકી છે તેથી આવ્યા. અને નહીં તો લોક ઊંચકીને એમને રમાડે ? ના, હિસાબ બાકી છે ત્યારે જ ને !

આપણે ત્યાં જે આવે તે પધારે ત્યારે કહીએ, 'આવો ભઈ, સારું થયું બા.' એ કંઈ આપણા બાબા છે ? એ તો પોતે મનમાં માની લે છે, ફૂલાયા કરે, બાબાનો હું બાપો ને !

જ્ઞાન થતાં પહેલાં હીરાબા કહે, 'છોકરાં મરી ગયાં, હવે છોકરાં નથી, તે આપણે શું કરીશું ? ઘૈડપણમાં સેવા કોણ કરશે ?' એમને હઉ મૂંઝવે ! ના મૂંઝવે ? ત્યારે મેં તેમને કહ્યું, 'આજનાં છોકરાંઓ તમારો દમ કાઢશે. એ દારૂ પીને આવશે તે તમને ગમશે ?' ત્યારે એ કહે, 'ના, એ તો ના ગમે.' તે પછી જ્યારે એમને અનુભવ થયો ત્યારે મને કહે છે, 'બધાનાં છોકરાં બહુ દુઃખ દે છે.' ત્યારે મેં કહ્યું, 'અમે તમને પહેલેથી કહેતા પણ તમે માનતાં નહોતાં !'

આ પારકું તે વળી પોતાનું થતું હશે કોઈ દહાડોય ? નકામી હાય હાય હાય કરીએ. આ દેહ જ્યાં પારકો, તે દેહનાં પાછાં એ સગાં. પારકો અને પારકાની પાછી મૂડી, તે પોતાની થતી હશે ?

એક બાવો મને કહે છે, 'તુમકો લડકા હો જાયેગા.' મેં કહ્યું, 'થયાં એ શું કરવા જતાં રહ્યાં બેબી-બાબો બન્ને, એ મને કહે, આગળની વાત પછી !' એ મને આશીર્વાદ દેતો'તો ત્યારે 'મારે આશીર્વાદ શું કરવા છે ?' એમ બોલેલો. છોકરાં હોય તોય ભલે ને ના હોય તોય ભલે. એમાં પુણ્ય ખર્ચીને શું કામ છે તે આપણે ! વહુ વગર ચાલે નહીં એવું લાગેલું. પછી વહુએ જે માગ્યું હોય તે વાંધો નથી. છોકરાં નથી તેનોય વાંધો નથી.

પવિત્ર સંબંધે હીરાબા કહ્યા,

પછી કદી ના મતભેદ થયા !

જ્યારે હીરાબાની સાથે મારો વિષય બંધ થયેલો હશે ત્યારથી હું એમને 'હીરાબા' કહું છું. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં પોપટમસ્તી થાય થોડી ઘણી. લોક જાણે કે આ પોપટે એ પોપટીને મારવા માંડ્યું ! પણ હોય પોપટમસ્તી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે તેને લઈને ઠીક છે, નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકારને. એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધો. અને આ કહેશે, 'એણે મને ભોગવી લીધી.' અને અહીં આગળ (આ જ્ઞાન પછી) એ નિકાલ કરે છે, તોય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. પણ તેય અમારે નહોતી, એવો કોઈ જાતનો મતભેદ નહોતો.

'શરૂઆતનાં ત્રીસ વર્ષ સુધી જરા ભાંજગડ થયેલી. પછી વીણી વીણીને બધું કાઢી નાખ્યું ને ડિવિઝન કરી નાખ્યા કે રસોડા ખાતું તમારું અને કમાણી ખાતું અમારું, કમાવવાનું અમારે. તમારા ખાતામાં અમારે હાથ ઘાલવાનો નહીંને. અમારા ખાતામાં તમારે હાથ નહીં ઘાલવાનો.'

સહજીવનનું સમજથી બાંધ્યું બંધારણ,

બન્નેનાં ખાતાં જુદાં, એ જ તારણ !

પ્રશ્નકર્તા : દાદા, તમારી પાસે બીજી એવી કઈ ચાવી હતી કે તમે હીરાબા સાથે કોઈ દિવસ મતભેદ ન પડવા દીધો.

દાદાશ્રી : મેં પહેલેથી ડિવિઝન પાડી દીધેલાં કે આ રસોડા ખાતું એમનું અને ધંધાનું ખાતું મારું. ઘરની સ્ત્રી મને ધંધામાં હિસાબ પૂછે તો મારું મગજ ફરી જાય. કારણ કે હું કહું કે તમારી લાઈન નહીં. તમે વિધાઉટ એની કનેક્શન પૂછો છો. કનેક્શન (અનુસંધાન) સહિત હોવું જોઈએ. એ પૂછે, 'આ સાલ શું કમાયા ?' મેં કહ્યું, ''તમારાથી આવું ના પૂછાય. આ તો અમારી પર્સનલ મેટર થઈ. તમે આવું પૂછો છો ? તો કાલે સવારે પાંચસો રૂપિયા કોઈને આપી આવ્યો હોઉં તો તમે મારું તેલ કાઢી નાખો. કો'કને રૂપિયા આપી આવ્યા તો કહેશે, 'આવું લોકોને રૂપિયા આપો છો ને, જતા રહેશે.' એવું તમે તેલ કાઢી નાખો. એટલે પર્સનલ મેટરમાં તમારે હાથ નહીં ઘાલવાનો.''

એટલે પછી મને કોઈ દહાડોય એ પૂછવા ના આવે કે તમે આને પાંચસો રૂપિયા કેમ આપ્યા ? કે કેમ આવું કરો છો ? શું ચાલે છે ? એવું તેવું કશું પૂછે નહીં. જો સ્ત્રીને (પત્નીને) એમ કહીએ કે 'હમણે નથી ચાલતું' તો એ હઉ ઢીલી થઈ જાય. એટલે આ લાઈનમાં પેસવા ના દેવું. સહુ સહુની લાઈન સારી છે.

અને પેલું અમે રસોડામાં હાથ ઘાલીએ નહીં ને તમારા ડિપાર્ટમેન્ટમાં અમારે અક્ષરેય બોલવાનો નહીં. તમે આખું તપેલું દૂધ ઢોળી દો તોય અમને વાંધો નથી. તમે બધા પ્યાલા ફોડી નાખો તોય અમને વાંધો નથી. કઢી ખારી થાય તોય અમને વાંધો નથી. તમે ગમે તેવા ચોખા રાંધતા હોય, પણ અમને વાંધો નથી આવવાનો. અમારું જુદું ને તમારું જુદું. ડિપાર્ટમેન્ટ જ જુદાં. આ વહેંચણ કરેલી. કોન્સ્ટિટ્યુશન (બંધારણ) જ બાંધેલું આમ.

પ્રશ્નકર્તા : તમારે હીરાબા સાથે ચર્ચા થયેલી કે આ તમારું અને આ મારું કામકાજ ?

દાદાશ્રી : હા. એટલું ડિસાઈડ (નક્કી) થઈ ગયેલું. પણ અમને પૂછવું પડે ખરું. નહીં તો વ્યવહાર, દુનિયાના લોકો શું સમજે ?

પ્રશ્નકર્તા : એ ડીસાઈડ તમે કરેલું કે હીરાબાએ કરેલું ? બન્ને ભેગા થઈને કરેલું ?

દાદાશ્રી : એ તો મેં જ કહી દીધેલું અને એમણે એ એક્સેપ્ટ (સ્વીકાર) કરેલું. ડિવિઝન (ભાગ) પાડ્યું કે આ તમારા કામમાં ફરી હાથ ઘાલીએ નહીં. એટલે એક્સેપ્ટ થઈ જ જાયને. એમનામાં હાથ ઘાલીએ નહીં એટલે પછી એ આપણામાં હાથ ઘાલે તો આપણે કહીએ કે અમે તમારામાં હાથ નથી ઘાલતા, તમે અમારામાં હાથ ના ઘાલો તો સારું કહેવાય. એટલે પછી એ સમજી જાયને. હંમેશાં વહેંચણ થઈ ગયું હોયને તો ફરી ભાંજગડ ના થાય.

પ્રશ્નકર્તા : પણ હીરાબા કહે કે ના, અમારે તો તમારા ડિપાર્ટમેન્ટમાં આવવું જ છે, તો ?

દાદાશ્રી : ના, એમના ડિપાર્ટમેન્ટમાં હું હાથ ઘાલું ત્યારે એ ખોળેને ? રસોડા ડિપાર્ટમેન્ટ, હાઉસહોલ્ડ ડિપાર્ટમેન્ટ બધું એમનું અને બહારનું ફોરેન ડિપાર્ટમેન્ટ મારું, બે ડિપાર્ટમેન્ટમાં કોઈ કોઈનો હાથ ઘાલે નહીં. એમના રસોડામાં એ ઘી ઢોળી નાખે કે પાંચ હજારનું સળગાવી મેલે કે એમના હાથે કંઈક સોનું ખોવાઈ ગયું એ એમનું ડિપાર્ટમેન્ટ !

પહેલાં જૂના જમાનામાંય ડિપાર્ટમેન્ટની લાઈનો નહોતી. જૂના અમારા ઘૈડીયા હતાને, તેય મહીં જઈને રસોડામાં જઈને જોઈ આવે. 'આ હમણે ઘી લાવ્યા છે તે ક્યાં ગયું ?' ત્યારે પેલી કહેશે, 'અરે, ત્યારે હું ખાઈ ગઈ ?' એવા લોક છે. ગોળ જોઈ આવે, ખાંડ જોઈ આવે. મેર ચક્કર, એ એમનું ડિપાર્ટમેન્ટ. આ તો બધી મારી શોધખોળ છે, આ ડિપાર્ટમેન્ટની. તે દહાડે હોમ-ફોરેન બોલતા નહોતું આવડતું. પણ આ એમનું ડિપાર્ટમેન્ટ ને આ મારું ડિપાર્ટમેન્ટ.

પ્રશ્નકર્તા : પણ આજે તો આ બધા ડિપાર્ટમેન્ટ જ બદલાઈ ગયાં છેને ? મિક્સ થઈ ગયાં.

દાદાશ્રી : ના, મિક્સ નહીં, છૂટા પાડવાં હોય તો પાડી શકાય.

અમારા ખાતામાં ન ખપે કોઈનો હાથ,

જરૂર જ્યાં જ્યાં ત્યાં દઈશું સાથ !

અમારે એમનામાં, ઘરની કોઈ બાબતમાં હાથ જ નહીં ઘાલવાનો કોઈ દહાડોય. એમના હાથે પૈસા પડી ગયા, અમે દીઠા હોય તોય અમે એમ ના કહીએ કે 'તમારા પૈસા પડી ગયા, તે જોયું કે ના જોયું ?' એ પણ અમારામાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઈએ, ક્યારે જઈએ, એવી અમારી કોઈ બાબતમાં ક્યારે પણ એ એમ ના પૂછે. કો'ક દહાડો અમને કહે કે, 'આજે વહેલા નાહી લો' તો અમે તરત ધોતિયું મંગાવીને નાહી લઈએ. અરે, અમારી જાતે ટુવાલ લઈને નાહી લઈએ. કારણ કે અમે જાણીએ કે આ 'લાલ વાવટો' ધરે છે. માટે કંઈક ભો હશે. પાણી ના આવવાનું હોય કે એવું કંઈક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઈએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમેય સમજી લોને, કે કોઈ કોઈનામાં હાથ ઘાલવા જેવું નથી.

ફોજદાર પકડીને આપણને લઈ જાય પછી એ જેમ કહે તેમ આપણે ના કરીએ ? જ્યાં બેસાડે ત્યાં આપણે ના બેસીએ ? આપણે જાણીએ કે અહીં છીએ ત્યાં સુધી આ ભાંજગડમાં છીએ. એવું આ સંસારેય ફોજદારી જ છે. એટલે એમાંય સરળ થઈ જવું. ઘેર જમવાની થાળી આવે છે કે નથી આવતી ?

પ્રશ્નકર્તા : આવે છે.

દાદાશ્રી : રસોઈ જોઈએ તે મળે, ખાટલો પાથરી આપે, પછી શું ? અને ખાટલો ના પાથરી આપે તો તેય આપણે પાથરી લઈએ ને ઉકેલ લાવીએ. શાંતિથી વાત સમજાવવી પડે. તમારા સંસારના હિતાહિતની વાત કંઈ શાસ્ત્રમાં લખેલી હોય ? એ તો જાતે સમજવી પડશેને ?

અમારો મારા બ્રધરના વખતમાં કોન્ટ્રાક્ટનો ધંધો હતો. તે અમારાં ભાભી બહુ હોશિયાર હતાં. તે અમારા બે ભાઈનો હિસાબ માગે કે, હમણે શું કમાણી ચાલે છે ને એ બધું ! આ સેકન્ડ વાઈફ એટલે અમારા મોટા ભાઈ જરા માન આપતા, ફર્સ્ટ વાઈફને તો ગાંઠેલા નહીં. તે ભાભી મને કહે, 'હિસાબ કહો ને ?' મેં કહ્યું, 'આપણા ઘરમાં આ વાત ક્યાંથી લાવ્યા ? હિસાબ-બિસાબ સ્ત્રીઓએ ના મંગાય. હું હિસાબ નહીં આપું. કોઈ પણ સ્ત્રીને એ પછી ભણેલી હોય કે અભણ હોય, પણ હિસાબ આપવા હું તૈયાર નથી. અને હિસાબ હું લઈશેય નહીં, એવી કડકાઈ હું નહીં રાખું.' એટલે નાનપણથી અમે જુદા થયા, તોય છે તે મેં હીરાબાને કહી દીધેલું. અને મને તો અહીં આગળ એ એમ કહે કે 'આ સાલ ધંધામાં તમે ધ્યાન ના આપ્યું તેથી ખોટ આવી છે', તે આપણને પોષાય નહીં. શાથી ખોટ આવી એનું તમને એક્સપ્લેનેશન (ખુલાસો) આપવા માટે અમે તૈયાર નથી. અરે, અમે ભગવાનનેય આપવા તૈયાર નથી. એટલા બધા અહંકારનું સેવન અમે રાખીએ છીએ. આ એક્ઝેક્ટ વાત કહું છું, જે છે તે.

એ અહંકાર જતો રહ્યો ત્યારે આ ડાહ્યા થયા. પણ હીરાબાએ અત્યાર સુધી અમારા ધંધામાં હાથ નથી ઘાલ્યો. અને અત્યારેય હાથ ઘાલવાનો નહીં. એ જાણે નહીં કે શું ધંધો ચાલે છે, કેવી રીતે ચાલે છે ! કારણ કે અમારા ભાઈએ શીખવાડ્યું હતું ભાભીને. અમારા ભાઈ ઘરમાં કહે, 'આ સાલ આમ ધંધો ચાલે છે ને તેમ ધંધો ચાલે છે.' તે એમને ખુશ કરવા માટે આ બધું બોલે. તે પછી એમણે ધંધામાં હાથ ઘાલી દીધો. હવે એમને ખુશ કરીને શું કામ છે તે ? બીજી સાડી જોઈતી હોય તો સાડી લઈ આવ તારે ! પૂછવું, તારે જોઈએ છે ? લે, બીજી લાવ હેંડ ! સોનાની બંગડીઓ બનાવવી છે ? તે હીરાના કાપ કરાવવા છે ? બાકી એને આ કહેવાનું હોય કે આ સાલ ધંધામાં આમ છે ? ને ખોટ જાય ત્યારે એ જ આપણને બૂમ પાડશે. 'તમને ધંધો કરતા નથી આવડતું', એવું કહેશે ત્યારે આપણી આબરૂ શી રહી ? એવી વાત કરાતી હશે ? આ જગતમાં લડાઈઓ થઈ છે તે સ્ત્રીઓને વાત કરવાથી જ થઈ છે. આ જરાક ઢીલા હોયને તે સ્લીપ થઈ જાય.

પ્રશ્નકર્તા : તો એને કપટ કહેવાય, એ બનાવટ કરી કહેવાય ?

દાદાશ્રી : બનાવટ નહીં, આ તમારા હિતને માટે છે.

પૂછવાનો રિવાજે દિપવ્યો વ્યવહાર,વિવેક રખાવી શીખવાડ્યા સંસ્કાર !

અમારા ઘરનો રિવાજ તમે જોયો હોય તો બહુ સુંદર લાગે. હીરાબા જ્યાં સુધી શરીર સારું હતું ત્યાં સુધી બહાર પોળને નાકે શાકની દુકાન, ત્યાં જાતે શાક લેવા જાય. તો આપણે બેઠા હોય તો હીરાબા મને પૂછે, 'શું શાક લાવું ?' ત્યારે હું એમને કહું, 'તમને ઠીક લાગે તે.' પછી એ લઈ આવે. એવું ને એવું રોજ ચાલે, એટલે પછી એમને શું થઈ જાય ? એ પછી પૂછવાનું બંધ રાખે. બળ્યું આપણને એ શું કહે છે, તમને ઠીક લાગે તે. તે પાંચ-સાત દહાડા ના પૂછે, એટલે પછી એક દહાડો હું કહું કે, 'કેમ આ કારેલા લાવ્યા ?' ત્યારે એ કહે છે, 'હું તો પૂછું છું ત્યારે તમે કહો છો, તમને ઠીક લાગે એ અને હવે આ લાવી ત્યારે તમે ભૂલ કાઢો છો ?' ત્યારે મેં કહ્યું, 'ના, આપણે એવો રિવાજ રાખવાનો. તમારે મને પૂછવું, શું શાક લાવું ? ત્યારે હું તમને કહું કે તમને ઠીક લાગે એ. એ આપણો રિવાજ ચાલુ રાખજો.' તે એમણે ઠેઠ સુધી ચાલુ રાખેલો. આમાં બેસનારનેય શોભા લાગે કે કહેવું પડે, આ ઘરનો રિવાજ ! એટલે આપણો વ્યવહાર બહાર સારો દેખાવો જોઈએ. એકપક્ષી ના થવું જોઈએ. મહાવીર ભગવાન કેવા પાકા હતા ! વ્યવહાર અને નિશ્ચય બન્નેય જુદા. એકપક્ષી નહીં. વ્યવહારને ના જુએ ? લોકો જુએય ખરા ને રોજેય. ત્યારે કહે, 'રોજ એ બ

ાબત તમને પૂછે ?' મેં કહ્યું, 'હા, રોજ પૂછે.' 'તો થાકી ના જાય ?' કહે છે. મેં કહ્યું, 'અલ્યા, શાના થાકવાના બા ! કંઈ મેડા ચઢવાના કે ડુંગર ઉપર ચઢવાના હતા તે !' આપણા બેનો વ્યવહાર લોકો દેખે એવું કરો.

પ્રશ્નકર્તા : પણ પૂછવું એ કંટ્રોલ કર્યો ના કહેવાય ?

દાદાશ્રી : નહીં, વિનય રાખીએ. બન્નેનો વિનય છે એ તો !

અમે જે ગોઠવેલુંને એ વિનય કહેવાય. પેલા કહે, 'હું કહું તે જ તારે શાક લાવવાનું છે', એ અવિનય કહેવાય. આપણે કહીએ કે ના. તું જ લઈ આવજે અને પછી બૂમ પાડવી તે અવિનય કહેવાય. આ બન્ને વિનયમાં રહે ને ! કો'ક દહાડો આપણને જરૂર હોય કે આજ રીંગણા ખાવા છે. તો બોલીએય ખરા કે ભઈ, આજ રીંગણાં લાવજો. એમ કહેવામાં આપણું શું જાય ?

પ્રશ્નકર્તા : આટલો આપણો હક રહેવો જોઈએ.

દાદાશ્રી : હક એમનોય રહેવો જોઈએ. તો પછી ડખો થાય નહીં.

પ્રશ્નકર્તા : એ એમનો વિનય સાચવતા હતા. તમે તમારો વિનય સાચવતા હતા.

દાદાશ્રી : હં, જગત એ જુએ, સંસ્કાર જુએ. કહેવું પડે ! આપણે એમનું કેટલું માન રાખ્યું કે તમને ઠીક લાગે તે !

પ્રશ્નકર્તા : અને એમણે તમારું માન રાખ્યું પૂછીને કે, શું લાવીએ.

દાદાશ્રી : હા, એ સંસ્કાર કહેવાય. નહીં તો ઉદ્ધતતા થઈ જાય. ઉદ્ધત થઈ શકે પછી. કહેશે, 'ખાવું હોય તો ખાવ' એવું કરે. આ તો પછી ક્વૉલિટી એવી કે સરકતા વાર ના લાગે.

પ્રશ્નકર્તા : એમાં થોડોક ઈગો (અહંકાર) છે.

દાદાશ્રી : નહીં, આ વ્યવહાર છે, વ્યવહાર !

પ્રશ્નકર્તા : પણ એમ થાયને કે મને પૂછ્યું !

દાદાશ્રી : નહીં. મને પૂછ્યું એનો સવાલ નહીં. મને પૂછ્યું એવો જો ઈગો હોયને તો એમને કહું ખરો કે તમને ઠીક લાગે તે ? હું એવું ના બોલું. આ વ્યવહાર કહેવાય. બહારનાને દેખાય કે કહેવું પડે આ ! આ બોલતા નથી કે આ લાવજે ને આ લાવજે અને એમનેય કહેવું પડે કે આ બહેન આટલી ઉંમરે પૂછે છે ! વ્યવહાર સુંદર દેખાય. આપણે આવો વ્યવહાર નભાવવો જોઈએ. તમે વ્યવહાર બંધ કરો તો દુનિયા શું કહે કે બઈ એમને ગાંઠતી જ નથી. એટલે આ વિવેક જો લોકો જોશેને, તો કહેશે કે આ વિવેક કેવો સુંદર છે ! તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : બાકી ઈગો તો હોય જ. ઈગો તો સંસારમાં બધે જ હોય, પણ જે ઈગો સામાને નુકસાન કરતો નથી, એ ફાયદાકારક થાય. હમણાં તમારે ઘેર આવો વ્યવહાર ચાલુ રાખ્યો હોય તો બહુ સુંદર શોભા આવે એમાં, ના રહે ભઈ ? એ પૂછે અને આપણે એમને કહીએ કે તમને ઠીક લાગે તે !

પ્રશ્નકર્તા : બીજા લોકોને માન અને સંપ દેખાય.

દાદાશ્રી : હં, સામસામી બધો પ્રેમ સચવાય. એમના મનમાંય એમ થાય, ઓહોહોહો ! મારી પર છોડી દે છે ! મારી પર કેટલો બધો વિશ્વાસ છે ! અને મારા મનમાં એમ થાય કે હું ધણી છું, એ હજુ એક્સેપ્ટ કરે છે. આ પદ્ધતિસર હોવું જોઈએ. પદ્ધતિસર ના હોવું જોઈએ ?

'વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.'

દાદાઈ વ્યવહાર કેવો સુંદર કહેવાય !જગની હેડઓફિસ તેથી કહેવાય !

પિસ્તાળીસ વર્ષથી વર્લ્ડમાં કોઈની જોડે મારે મતભેદ નથી. ઘરમાં તો નહીં તે નહીં પણ કોઈની જોડે બહારેય નહીં.

પ્રશ્નકર્તા : તમારી પાસે એવું શું સિક્રેટ (રહસ્ય) છે કે મતભેદ ના થાય ?

દાદાશ્રી : એ જ સિક્રેટ (રહસ્ય) આપવા માગું છું તમને. આ તો માઈન્ડ ફ્રેક્ચર થઈ ગયું છે, બધું ફ્રેક્ચર થઈ ગયેલું છે. એ બધી નબળાઈ છે, વીકનેસો બધી ! એ ફ્રેક્ચર ના થવું જોઈએ.

અમારે તો ઘેર મારા વાઈફ હીરાબા છે તે આજ કેટલાંય વર્ષોથી અમારામાં મતભેદ નથી. કોઈ દહાડો એ રૂપિયા નાખી દેતા હોય તોય હું એમ ના કહું કે...

પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં પણ હીરાબા સાથે કોઈ દિવસ મતભેદ નહોતા ?

દાદાશ્રી : હા, પહેલાં થતો. બધા આજુબાજુવાળાય જાણે કે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી આમને કશો કોઈ દહાડોય મતભેદ નથી. રોજ જોડે રહેવાનું તોય મતભેદ નહીં, એ લાઈફ કહેવાય. કશો મતભેદ જ નહીં એવા વ્યવહારની લાઈફ કેવી સુંદર કહેવાય !

અમારા ઘરમાં વાઈફ જોડે મતભેદ નથી પડ્યો. પાડોશી જોડે મતભેદ નહીં. પાડોશીઓનેય લાગે કે ભગવાન જેવા છે. કંઈ મનુષ્યપણું હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? તમારો શો મત છે ?

પ્રશ્નકર્તા : એ તો હોવું જ જોઈએ. પણ પેલા આંતરિક મતભેદ જે હોય તે બીહેવિયરમાં (વર્તનમાં) એનું પરિણામ પામે. એ તો બહુ ભયંકર કહેવાયને ?

દાદાશ્રી : આંતરિક મતભેદોને ? એ તો બહુ ભયંકર !

હું તો ત્રીસ વર્ષનો હતો ત્યારથી બધું રીપેર કરી નાખેલું. ઘરમાં પછી ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં. બાકી અમારે પહેલાં લોચા પડી ગયેલા, અણસમજણના લોચા. કારણ કે ધણીપણું બજાવવા ગયેલા.

પ્રશ્નકર્તા : તમે શું રોફ માર્યા હતા, દાદા ?

દાદાશ્રી : અરે ! બહુ રોફ, આમ કડક બહુ. પછી સમજણ પડી ગઈ, આ તો બધી ભૂલ થઈ રહી છે. એટલે પછી બંધ કરી દીધું. નાનપણમાં તો સમજણ ના પડેને કે આ ભૂલો છે, નરી ભૂલો જ છેને બધી !

પ્રશ્નકર્તા : બધા ધણીપણું બજાવે અને આપ ધણીપણું બજાવો એમાં ફેર તો ખરો જ ને ?

દાદાશ્રી : ફેર ? શાનો ફેર ! ધણીપણું બજાવ્યું એટલે બધું ગાંડપણ, મેડનેસ કહેવાય. અંધારાના કેટલા ભેદ હોય ?

પ્રશ્નકર્તા : તોય આપનું જરા જુદી જાતનું હોયને ? આપનું કંઈક નવી જ જાતનું હોય ને ?

દાદાશ્રી : થોડો ફેર હોય. એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતા. અને પડ્યો હોય તો વાળી લેતાં અમને આવડે. મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં તોય એને અવળું પડી જાય, પછી એનો ઉપાય શો ? આ જગતમાં સારું-ખોટું ગણવા જેવું જ નથી ! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. અમારા તો બધાય રૂપિયા ચાલે. તમારે તો કેટલીક જગ્યાએ નહીં ચાલતો હોય ને ?

પ્રશ્નકર્તા : અહીં દાદા પાસે જ ચાલે. બીજે ક્યાંય ચાલતા નથી.

દાદાશ્રી : એમ ! હશે ત્યારે ! આ ઑફિસમાં ચાલે તોય બહુ થઈ ગયું. આ તો દુનિયાની હેડ ઑફિસ કહેવાય.

અમારા ઘરમાં અમારાં વાઈફ મારી જોડે મર્યાદાપૂર્વકની વાત કરે, તો હુંય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો'ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયાં છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે, પણ મતભેદ ના પડવા દઉં. એમને એમ ના લાગે કે એક મિનિટેય મને દુઃખ દીધું છે. અમનેય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે.

એ ત્યાં (મામાની પોળમાં) રહે છે ને હું અહીં બીજે (સત્સંગ થાય છે ત્યાં) રહું છું. જુદા રહીએ પણ કોઈ જાતની વઢવાડ નથી. રોજ ભેગું થવાનું. મતભેદ જ નહીં ને, ભાંજગડ જ નહીં.

'હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ.'

પરણ્યા એટલે પ્રોમિસ ટુ પે,સાથે રહીશું સદા જે હો તે !

હીરાબાની એક આંખ '૪૩ની સાલમાં જતી રહી. એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું ડૉક્ટર જરા કશું કરવા ગયા, તે આંખને અસર થઈ. આંખને નુકસાન થયું. તે લોકોએ હીરાબાને સમજણ પાડી કે ડૉક્ટર પર એક લાખ રૂપિયાનો દાવો માંડો. ત્યારે હીરાબા કહે છે, 'આ લોકો આવું બોલે છે. ડૉક્ટર સારામાં સારા માણસ છે. મારું સારું કરવા ગયો એમાં એનો શું ગુનો ? અને લોકો કહે છે, દાવો માંડો.' મેં કહ્યું, 'એ લોકો કહે. એને ક્યાં વઢવું ? પણ આપણે જે કરવું હોય એ આપણે કરીએ. એનો શો ગુનો બિચારાનો ? એ તો થવાનો યોગ થયો, ટાઈમ થયો એટલે આંખ ગઈ.'

એટલે લોકોના મનમાં એમ કે આ 'નવો' વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને. અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને (ગમે ત્યાં પરણાવીને) પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. એના માટે આવ્યા. મેં કહ્યું, 'શું છે તમારે ?' ત્યારે એ કહે, 'આવું તમારું થયું ?' હવે તે દહાડે '૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, 'કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?' ત્યારે એ કહે, 'એક તો હીરાબાની આંખ ગઈ છે. બીજું કશું પ્રજા (સંતાન) નથી.' મેં કહ્યું, 'પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું, આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.' વળી તેમને મેં કહ્યું, કે 'હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તોય હાથ પકડીને હું દોરવીશ.' એ કહે, 'તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું ?' મેં કહ્યું, 'તમારી છોડીને કૂવામાં નાખવી છે ? આ હીરાબા દુઃખી થઈ જાય. હ

ીરાબા દુઃખી થાય કે ના થાય ? મારી આંખ ગઈ ત્યારે આ થયું ને ?' અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું.

કોઈ કહેશે કે તમે પૈણ્યા છો ? ત્યારે કહે કે (એકલું) પૈણ્યા જ નથી, પણ પ્રોમિસેય આપેલું છે. પૈણેલા તો મેં બધા બહુ લોકો જોયા, પણ અમે તો પ્રોમિસ આપેલું છે. પૈણતી વખતે પ્રોમિસ, હાથ નથી આપતા ? તે ઘડીએ પ્રોમિસ આપીએ છીએ.

તે પ્રોમિસ આપ્યા પછી ફરી ના જવાય. આપણે એક અવતાર એના માટે, એમાં શું બગડી જવાનું હતું ? બીજા બધા બહુ અવતાર મળવાના છે. લગ્નમાં ચોરીમાં હાથ આપ્યો હતો, આપણે હાથ આપ્યો તે આપણે પ્રોમિસ કર્યું. અને આ બધાની હાજરીમાં પ્રોમિસ કર્યું છે. એ પ્રોમિસ આપણે ક્ષત્રિય તરીકે એને આપ્યું હોય, તો એ પ્રોમિસ માટે એક અવતાર મૂકી દેવો પડે !

'આપણને ચલણ રાખવાનો વિચાર આવેને, ત્યારથી એનું મન જુદું રહે. એવું ના હોવું જોઈએ. તે ચલણ છોડી દીધું હશેને ! મેં તો ચલણ છોડી દીધેલું, તે હીરાબાયે સમજી ગયેલા કે એમણે ચલણ-લગામ છોડી દીધી છે.'

ઘરમાં પોતાને 'હું' ગેસ્ટ માનું, પ્રભુચરણે ના ચલણી નાણું !

મને જ્ઞાન નહોતું તે વખતે એક કિસ્સો બનેલો. તમારા જેવા ઓળખાણવાળા જેમ રોજ આવે છે, એવા એક ભાઈ રોજ આવતા. અને રોજ આવે એટલે હું તેમને માટે કંઈ પણ ચા કે નાસ્તો મૂકવાનું કહું ને નાસ્તો ના હોય તો ચા મૂકવાનું કહું. તમારે ને મારે જેવો સત્સંગનો સંબંધ છે, એવો એમની સાથે સત્સંગનો, પ્રેમનો સંબંધ હતો.

એક દહાડો એ ભાઈ આવેલા ત્યારે તે દહાડે જરા ઉતાવળમાં હતા. તે કહે, 'આજે તો મારે જલદી જવું છે, આપને ખાલી મળીને જવું છે. એટલે મારે કશું જોઈતું નથી.' ત્યારે એ કંઈ મને પૂજ્ય ગણતા ન હતા. હું એમને પૂજ્ય ગણતો ન હતો. અમે બેઉ સત્સંગી તરીકે બેસતા હતા, સમાનભાવે. એટલે તે દિવસે મને કહે છે, 'આજ તો મારે જવું છે.' ત્યારે મેં કહ્યું, 'હવે આવ્યા છો, ત્યારે બેસોને, જરાક ચા પીને જાવ. વાર નહીં લાગે. રોજ ચા-નાસ્તો કરો છો ને આજે ચા-નાસ્તો કર્યા વગર જવાય નહીં.'

એટલે મેં બહારની રૂમમાંથી હીરાબાને બૂમ મારી. બીજા રૂમમાં અમે વાત કરીએ ને રસોડામાં, ચોથા રૂમમાં હીરાબાને મેં કહ્યું, 'બે કપ ચા મૂકજો.' ત્યારે તો ફોન નહીંને ! અહીં બૂમ પાડીએ એટલે ત્યાં પહોંચે. ત્યારે એમણે કહ્યું, 'હા, લાવું છું.' હવે આમને કંઈ બહુ ઉતાવળ હશે, તે દસ મિનિટમાંથી કંઈ સાત મિનિટ થઈ ત્યાં સુધી ચા કંઈ આવી નહીં. મને કહે છે, 'આજે ચા-પાણી રહેવા દો. મને મોડું થયું છે. એના કરતા હું જઉં. ચા મોડેથી પીશું.' ત્યારે મેં કહ્યું 'ના, ચા પીધા વગર ના જવાય. રોજના જેવું જ.' હવે એ 'રહેવા દોને' કહે છે ત્યારે પાછો હું જવા દેતો નથી. હવે હું જ આંતરું છું. શું આબરૂદારની ડંફાસ કેટલી બધી !! પણ આ આબરૂદારની ડંફાસ નહોતી, પ્રેમની ડંફાસ હતી !

ઘરમાં અંદરના એવિડન્સ હું જાણતો નહોતો કે અંદર શું એવિડન્સ બન્યા છે તે ! અને મેં તો બહાર રહીને વાતચીત કરી નાખી. હવે હીરાબા શું જાણે કે રોજ બેસે છે તેવી રીતે નિરાંતે બેસશે ને હું જાણું કે હમણાં જ જવાના છે, એટલે આ જ્ઞાનમાં બધો ફેર પડી ગયો. આ જ્ઞાન મેં એમને કહેલું નહીં કે આ હમણે જ જવાના છે.

તે પછી ચા ના આવી એટલે હું અંદર ગયો. ત્યારે ત્યાં એવિડન્સ જોયા. હવે ત્યાં અંદર તો ચાય મૂકી નહતી અને બહાર ચાની વાતો ચાલે છે. અહીં ચાનું ઠેકાણું નથી. ત્યાં એવિડન્સ બદલાયેલા. વાતમાં તો મારી જ ભૂલ છે. આપણે બૂમ પાડી હોત તો આપણે ભૂંડા દેખાત. પછી મેં કહ્યું, 'કેમ ચા મૂકી નથી ?' ત્યારે મને કહે છે, 'આ સ્ટવ છે તે પાડોશી લઈ ગયા છે. આજે સગડી સળગાવું છું.' તે દહાડે સ્ટવ ને સગડી ચાલતાં હતાં ને હીરાબાના મનમાં એમ કે આ રોજ બેસે છે એમ આજે બેસશે. મેં હીરાબાને કહ્યું, 'ક્યારે આ ચા થાય તે ?' ત્યારે એ કહે છે, 'પણ હું શું કરું ? તમે કહો એ કરું.' પછી સગડી સળગાવીને ચા મૂકી દીધી. પછી મેં પેલા ભાઈને કહ્યું, 'બીજું કંઈ ના લો તો પાપડી શેકીને મંગાવું. તમારે પાપડી ખાધા વગર જવાય નહીં.' એટલે હીરાબાને કહ્યુંં, 'પાપડી શેકીને લઈ આવજો.' તે પાપડી કોઈ કારણસર મોડી થઈ. ગમે તે કારણ હો, એકના ઉપર એક એ ડબ્બા મૂકાઈ ગયા હોય કે બીજા કોઈ પણ કારણથી પાપડી પણ મોડી થઈ. એટલે પેલા કહે છે, હવે ચા પીધી, હવે હું જઉં છું. પાપડીની કંઈ જરૂર નથી. મેં કહ્યું, 'ના, પાપડી ખાધા વગર જવાય નહીં.' તોય પાછો હું પોતે આવો ડખો કરું છું. પછી મેં હીરાબાને કહ્યું, 'પાપડી લાવતાં કે

ટલીવાર થઈ ? આ મોડું થઈ જાય છે.' ત્યારે હીરાબા કહે, 'હમણે લાવું છું.' ત્યારે પેલા ભાઈ કહે છે, 'જવા દોને.' મેં કહ્યું, 'આ તમને મોડું થઈ ગયું એમાં કારણ એટલું જ છે કે આ ઘરમાં મારું ચલણ નથી હવે. એટલે એ ભાઈ મને કહે છે, 'આવું ના બોલાય, આવું ના બોલાય. આવા દેવ જેવા માણસ ને તમે આવું બોલો છો ? ચલણ નથી ?' ત્યારે હોરાં હીરાબા અંદરથી આવ્યા. 'મારી આબરૂ શું કરવા બગાડો છો ? તમે જે કહો તે હાજર કર્યું છે.' મેં કહ્યું, 'તમારી આબરૂ વધારું છું, બગાડતો નથી.'

એટલે કહી દીધું, અમારું કંઈ ચલણ જ નથી. પછી ભાંજગડ નહીં ને ! ના ચલણી નાણું હોયને, તેને ભગવાનની પાસે મૂકવામાં આવે છે, પછી ફરવાનું નહીં એને. કાળાબજારીયા બધા પાસે ફરવાનું નહીં. ભગવાનની પાસે જ બેસી રહેવાનું. એટલે અમે ના ચલણી નાણું થયેલાં, તે હીરાબાને ગમે નહીં. એ કહે કે આવું ના બોલશો, મારી આબરૂ જાય. એટલે મેં કહ્યું, 'મારી સેઈફસાઈડથી કહું છું. તમારી આબરૂ કાઢવા માટે નથી બોલતો.' એટલે પછી હીરાબાને મેં સમજાવ્યા ને કહ્યું, 'આ તો એમના હારુ હું બોલ્યો હતો.'

પણ જ્યારથી ના ચલણી કહ્યુંને ત્યારથી પેલા જે અમારા ઓળખાણવાળા ભાઈ હતાને તેમને જબરજસ્ત પૂજ્યભાવ પેસી ગયો. એ કહે છે કે 'ભગવાન સિવાય આવું કોઈ માણસ બોલી શકે જ નહીં.' મેં એમને કહ્યું, 'બોલી તો જુઓ. ફટાકા મારશે. અલ્યા, એ પોલીસવાળા છે ? તો બોલનેે !' ત્યારે એ કહે, 'તમે ભગવાન છો માટે બોલી શકો છો. તમારા માટે મને ઘણા દહાડાથી એમ થતું હતું ! એ મને ખાતરી થઈ ગઈ.' મેં કહ્યું, 'તમે આવું બોલોને !' ત્યારે કહે, 'મારી તો હજુ જિંદગી જશે તોય આવું નહીં બોલાય.' પણ આ ના ચલણી કહ્યું કે તરત એમણે દર્શન કર્યા.

અમે કહ્યુંને કે અમારાં ચલણ રહ્યાં નથી. ત્યારે હીરાબા કહે છે, 'ચલણ છે ને ના કેમ કહો છો ?' એટલે જેનાં ચલણ નથી, જેનાં કોઈ દહાડો ચલણ ચાલ્યાં નથી, એ બધા કહે છે, મારે ચલણ છે. અલ્યા, શાનું ચલણ છે તે ?

એટલે આવા બધા ખેલ થાય છે. સંજોગ બધા જાતજાતના ઊભા થાય, તે પછી પેલા ઓળખાણવાળા હતાને એમને કહ્યું કે આ તો તમને શીખવાડવા બોલું છું. તમે ઘેર ચલણ ચલાવો છો પણ આ દુનિયામાં કોઈ માણસ ચલણવાળો જન્મ્યો જ નથી કે જેનું ઘેર ચલણ હોય ! એના કરતા મારા જેવા ખુલ્લું કરી દે એ શું ખોટું ?

આ ચલણવાળું જે લોક છે, અમારું ચલણ છે એવું કહેનારા એકાદ જણ મને કહે કે અમારું ચલણ છે, તે એને ત્યાં ઘેર દશ દહાડા મને રાખે, જુઓ એનું ચલણ કહી આપું ! ઢાંકી ઢાંકીને ચલણપણું ક્યાં સુધી રાખવાનું ? ના-ચલણી કહેવાનું હું તમને નથી કહેતો. પણ ચલણવાળાને તો મેં જોયેલા. એક-એક જે ચલણવાળા હતાને, તે ઢાંકી ઢાંકીને ચલણવાળા થાય છે ! ખાનગીમાં પછી માફી માંગી લે છે ! તે ભઈબંધની હાજરીમાં તને ટૈડકાવી'તી, માટે માફી માગું છું ! ત્યારે મૂઆ, બળ્યું તારું ચલણ ! મોટા ચલણવાળા આયા ! રાજાઓને ચલણ હશે નહીં ?

પ્રશ્નકર્તા : ચલણ છોડી દે તોય ઉપાધિ.

દાદાશ્રી : બધાં કલ્પનાનાં જાળાં શું કરવા વીંટો છો ! આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જે પોતાનું ભવિષ્ય સમજી શકે. અમથા ભવિષ્યની કલ્પનાઓ કર્યા કરે કે 'આમ થઈ જશે ને આમ થઈ જશે તો ?' 'જો' ને 'તો' શબ્દ વાપરશો નહીં. આ બે શબ્દો કેટલાંય વર્ષોથી મેં મારી ડિક્શનરીમાંથી કાઢી નાખેલા છે.

હીરાબા મને કહે છે, 'તમે બધાને આપી દો છો.' મેં કહ્યું, 'લ્યો કૂંચી તમારી પાસે રાખો. એટલે મારે આપી ના દેવાય.' આપણે તો આપી દઈએ. આપણા તો હાથમાં રહે નહીંને ! કશુંય ના રહે ! આપણને કશું જોઈતુંય નથી. આ દેહેય ભેલાડવાનો જ છે પણ સારા કામમાં ભેલાડાઈ જાય તો બહુ સારું.

પ્રશ્નકર્તા : એમ જ થઈ રહ્યું છે ને ?

દાદાશ્રી : હા, એમ જ થઈ રહ્યું છે, નહીં તો બીજા રસ્તે તો ભેલાઈ જવાનો જ છેને ! બગીચામાં બેસશે, ત્યાં આગળ વાતો કરશે, પેપરો વાંચશે, ગપ્પાં મારશે. આમ ને આમ તો ભેલાઈ જવાનો જ છેને ! સારે રસ્તે ભેલાડાઈ જાય તો બહુ સારું.

ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું. જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! નાચલણી નાણું હોય તેને શું કરવાનું ? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાય ને ? આપણે તો હવે 'સમભાવે નિકાલ' કરવાનો. ઘરમાં 'વાઇફ' જોડે 'ફ્રેન્ડ' તરીકે રહેવાનું . એ તમારા 'ફ્રેન્ડ' ને તમે એમના 'ફ્રેન્ડ' ! અને અહીં કોઇ નોંધ કરતું નથી કે ચલણ તમારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલીટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હુંય એડજસ્ટ ના થાત. આ તો કોઇ બાપોય નોંધ કરતું નથી !

(આવતા અંકમાં દાદાશ્રીના દામ્પત્યજીવનના વધુ પ્રસંગો પ્રકાશિત થશે.)

- જય સચ્ચિદાનંદ