દાદાશ્રીના દામ્પત્યજીવનના પ્રસંગો - ૨ સંપાદકીય ભારતીય સંસ્કૃતિમાં આલેખાયેલા મહાપુરુષોના જીવનચરિત્ર એક અણમોલ ખજાનો ગણાય છે. એનું માહાત્મ્ય શું ? ત્યારે કહે, એમના થકી આચરવામાં આવેલ વ્યવહાર કે ઉપદેશાયેલ જ્ઞાનવાણી આ કાળમાં કે પછીની પેઢીને વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે પથદર્શક બની રહેતા હોય છે. એ મહાપુરુષ પછી ત્યાગી હો, સાધુ હો, આચાર્ય હો, સંસારી હો કે પછી જ્ઞાની હો, દરેક થકી થતા જ્ઞાનસિંચન અનેક જીવોને ભવસાગર તરવા માટે એક સહારો બની જતા હોય છે. એવા જ આ કાળના મહાન જ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) થકી ઉદ્બોધાયેલ અક્રમજ્ઞાન જેટલું અધ્યાત્મ ઉન્નતિ માટે ઉપયોગી છે, તેટલું જ તેમનું વ્યવહાર જ્ઞાન પણ વ્યવહારને આદર્શ કરવા માટે અત્યંત ઉપયોગી છે. દાદાશ્રીએ જે દ્ષ્ટિથી અને જે સમજથી જીવન વ્યવહારને ન્યાય આપ્યો છે તે અત્યંત પ્રશંસનીય છે તેમજ સામાન્ય જન માટે એક આદર્શ ઉદાહણ રૂપ છે. અત્રે આલેખાયેલ તેમના દામ્પત્યજીવનના પ્રસંગોને સમજપૂર્વક અભ્યાસ કરીશું તો, આપણને આશ્ચર્ય થશે કે કેટલી સહજતાથી અને સરળતાથી પ્રેમપૂર્ણ જીવન જીવી શકાય એમ છે ! દાદાશ્રીએ તેમના પત્ની હીરાબા સાથેના દામ્પત્યજીવનના વ્યવહારમાં ધણીપણાના કેફથી કેવી સમજણથી દૂર રહ્યા અને પછી પોતાની આગવી સૂઝ અને વ્યવહાર કળાથી 'સમય વર્તે સાવધાન' થઈ કદી કષાયો કે મતભેદ ના થવા દીધા, 'પ્રોમીસ ટુ પે' કહી પત્નીનો સાથ નિભાવ્યો, ગમે તેવા જરૂરના પ્રસંગે તેઓ પ્રત્યે નાટકીય છતાં પ્રેમપૂર્ણ વ્યવહાર કર્યા, તેમજ અંતિમ સમય સુધી સાથ નિભાવી જગતને માટે એક આદર્શ સિદ્ધાંતરૂપ બની રહ્યા અને એટલું જ નહીં પોતે ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્ય સિદ્ધ કરી આધ્યાત્કિમ ઉન્નતિ માટે તેનું મહત્વ, તેમ જ તેની સૈદ્ધાંતિક અને અનુભવપૂર્ણ સમજ આપી જગતના લોકો ઉપર મહાન ઉપકાર કર્યો છે, તે કેમ કરીને ભૂલી શકાય ! દાદાશ્રીના ગૃહસ્થાશ્રમના પ્રસંગો તો આમ સામાન્ય જ છે પણ એ સામાન્ય પ્રસંગોમાં તેમની જે સૂઝ, કુનેહ, સમજણ અને ચારિત્ર પ્રગટ થાય છે તે અદ્ભૂત છે. તેમના આ ગુણો તેમજ આદર્શ વ્યવહારના અનુભવનો તલસ્પર્શી અભ્યાસ કરી, તેમાંથી સારભૂત નિચોડ કાઢી આપણે આપણા પ્રકૃતિ દોષોથી મુક્ત થઈ એક આદર્શ વ્યવહાર પ્રસ્થાપિત કરી, જીવન વ્યવહારને, 'પાંચ આજ્ઞા પાલન થકી તેમજ દાદાશ્રીએ અનુભવના તારણરૂપ આપેલ ટેકાજ્ઞાનને સહારે,' સુખમય બનાવવાના પુરુષાર્થમાં લાગી જઈએ તે જ અભ્યર્થના. દીપક દેસાઈ દાદાશ્રીના દામ્પત્યજીવનના પ્રસંગો - ૨ આપણે કુદરતના 'ગેસ્ટ' છીએ, નથી કોઈના ધણી કે નથી કોઈના ભાઈ કે નથી કોઈના બાપ ! આપણે જ્યાં ત્યાંથી ઉકેલ લાવવાનો છે. આપણે તો છીએ કુદરતના ગેસ્ટ,ગેસ્ટ તરીકે જીવ્યે ખરો ટેસ્ટ ! અમારે કશું જોઈતું નથી, એવું આ 'પટેલ'ને કશું જોઈતું નથી. એમને આકારેય નથી જોઈતો ને વિકારેય નથી જોઈતો. એમનું બધું સામાન લઈને આવેલા છે. એટલે ગુણાકાર-ભાગાકારે સર્વસ્વ છે. તેથી કવિએ લખ્યું ને, 'ગુણાકાર-ભાગાકારે પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ, અવિભાજ્ય નિર્વિશેષ મૂળ પરમેશ છું.' એ શું કહે છે, કશી શેષ વધી નથી. તમારે તો જ્યારે ભાગાકાર કરો ત્યારે શેષ વધે છે અને ગુણાકાર કરો ત્યારે બધું વધે છે ! અમે તો કહીએ છીએ કે અમારે કંઈ જોઈતું નથી. અમે તો આ દેહસ્વરૂપ નથી અને આ દેહને કશી જરૂર નથી. કારણ કે ગુણાકાર-ભાગાકારે આ દેહ સર્વસ્વ છે. જેને ગુણાકાર-ભાગાકારે સર્વસ્વ ના હોય, તેને તો 'ભિક્ષાન્ દેહી' કરવા જવું પડે. અહીં તો કશું હાથ ધરવા જવાની જરૂર નથી, એવા આ વીતરાગ છે. કોઈના ઉપાશ્રયમાં પડી રહેવાની જરૂર નથી. ઘરમાં રહીએ છીએ છતાં ઘરના મહેમાન તરીકે રહીએ છીએ. હીરાબાના મહેમાન અમે ! ગેસ્ટ ! એ કહે કે આમને ઘરમાં આવવા દો તો અમે આવવા દઈએ, નહીં તો અમે ના બોલાવીએ કે તમે આવો. અમે તો મહેમાન. મહેમાનથી કેવી રીતે બોલાવાય ? અને અમે તો જ્ઞાની પુરુષ. એટલે અમારે 'આવો ને જાવો' એ શબ્દ ના હોય. અમારે તો સર્વસ્વ બધું તમારું ને તમે અમારા. અમારું ચલણેય નથીને ઘરમાં એવું ચોખ્ખું જ કહી દીધેલું. એટલે પછી કોઈ ચા યે માંગે નહીંને ! અને હીરાબાને ચા પાવી હોય તો પાય ને જમાડવા હોય તો જમાડે ! એમાં અમારે લેવાય નહીં ને દેવાય નહીં ! અને હીરાબાને કહું છુંને 'અમે તમારા ગેસ્ટ, અનઇન્વાઇટેડ ગેસ્ટ (વણનોતરેલા મહેમાન) !' ઘર અમારું હોય તો મહેમાનોને મારે સાચવવા પડે ને એટલે 'પછી આપણે જરા શીરો બનાવજો, ફલાણું બનાવજો' કહેવું પડે. અને આ ચલણ જ નથી રહ્યું એટલે પછી તે શીરો ખવડાવે કે લાડુ ખવડાવે કે રોટલા ખવડાવે, આપણે એમાં ભાંજગડ જ નહીં ને ! અમને ખરા દિલથીય નહીં, દિલથી તો કેટલાય કાળથી વોસરાવી દીધેલું. આ ડખો જોઈએ જ નહીં ! આખું રાજ આપે તોય અમને કામનું નથી, એવું કેટલાય વખતથી બેસી ગયેલું. અમારે આ મહીંલી બધી સાહેબી ! કેવી સરસ સાહેબી ! પ્રશ્નકર્તા : પણ આ ખરું, એક વખત એવું જો સમજાઈ જાય કે ચલણ ના રાખવું અને નથી ચલણ તો ઘણો છૂટકારો થઈ જાય. દાદાશ્રી : છૂટકારો તો જ થાય, નહીં તો છૂટકારો થાય નહીં. આ જ્ઞાની પુરુષના એક-એક અભિપ્રાય જો લેવામાં આવે તો છૂટકો જ છે. અહીં સંસારમાં રહ્યા મુક્ત જ છે એવા એમના અભિપ્રાય હોય એક-એક ! ના-ચલણી નાણું !! સમજાયું ને ? ઘરમાં 'ગેસ્ટ' તરીકે રહો. અમેય ઘરમાં 'ગેસ્ટ' તરીકે રહીએ છીએ. કુદરતના 'ગેસ્ટ' તરીકે તમને જો સુખ ના આવે તો પછી સાસરીમાં શું સુખ આવવાનું છે ? જેના 'ગેસ્ટ' હોઈએ ત્યાં આગળ વિનય કેવો હોવો જોઈએ ? હું તમારે ત્યાં ગેસ્ટ થયો તો મારે 'ગેસ્ટ' તરીકેનો વિનય ના રાખવો જોઈએ ? તમે કહો કે 'તમારે અહીં નથી સુવાનું, ત્યાં સુવાનું છે', તો મારે ત્યાં સૂઈ જવું જોઈએ. બે વાગે જમવાનું આવે તોય શાંતિથી જમી લેવું જોઈએ. (બીજાના) ઘરમાં ડખો કરવા જાય તો તમને કોણ ઊભું રાખે ? તમને બાસુંદી થાળીમાં મૂકે તો તે ખાઈ લેજે. ત્યાં એમ ના કહેતો કે 'અમે ગળ્યું નથી ખાતા.' જેટલું પીરસે એટલું નિરાંતે ખાજે, ખારું પીરસે તો ખારું ખાજે. બહુ ના ભાવે તો થોડું ખાજે પણ ખાજે ! 'ગેસ્ટ'ના બધા કાયદા પાળજે. ગેસ્ટને રાગ-દ્વેષ કરવાના ના હોય. 'ગેસ્ટ' રાગ-દ્વેષ કરી શકે ? જેને ત્યાં 'ગેસ્ટ' તરીકે રહ્યાં હોઈએ, તેને હેરાન નહીં કરવાના. અમારે બધી જ ચીજ ઘેર બેઠાં આવે. સંભારતાં જ આવે અને ન આવે તો અમને વાંધોય નથી. કારણ કે ત્યાં 'ગેસ્ટ' થયા છીએ. કોને ત્યાં ? કુદરતને ઘેર ! 'ગેસ્ટ' તો શું કરે ? એમ ના કહે કે આજે કેમ વેઢમી ના કરી ? કેમ આજે બટાકાનું શાક ના કર્યું ? એવું બોલે ? અને પેલા પૂછે તો શું કહીએ કે બહુ સારું છે, બહુ સારું છે. જો નાટક કરે છેને, કે સાચું બોલતો હશે ? એ જાણે કે આપણે અહીં તો ગેસ્ટ છીએ એટલે આપણે શું ? માથે પડેલા છીએ. એટલે એ જે આપે છે એ જ ઉપકાર છે ને ! તેવી રીતે કુદરતના ગેસ્ટ છે. તે એને કુદરત બધું સપ્લાય કરે છે. આ હવા-પાણી એ બધું કુદરત સપ્લાય કરે છે. કુદરત જો એનું સપ્લાય બંધ કરી દેને તો બધું જગત ખલાસ થઈ જાય. ત્રણ કલાક જ જો હવા બંધ કરી દેને તો બધા જીવડાં ખલાસ થઈ જાય ! કંઈ દુકાળ પાડવાનીય જરૂર નથી. ફક્ત હવા જ બંધ કરી દેને ! એટલે આપણે કુદરતના 'ગેસ્ટ' છીએ. ગેસ્ટ કઢી હલાવવા ના આવે. તારે તો ગેસ્ટ રૂમમાં જ બેસવાનું હોય, તોય આ રસોડામાં જાય, તે ઘરના માણસ સમજી જાય કે આ યુઝલેસ ગેસ્ટ (નકામા મહેમાન) છે. એટલે ગેસ્ટ રૂમમાં બેસી રહે, જમવા બોલાવે તો જાય ને ના બોલાવે તો ના જાય. પછી ભૂ ખ લાગી હોય તોય બેસી રહે. ગેસ્ટ કેવું વર્તન કરે એવું એનું વર્તન હોય. પ્રશ્નકર્તા : પણ અમારે બહેનોને એવું ગેસ્ટ જેવું ના ચાલે ને ? અમારે તો રસોડામાં બધુંય કરવું પડે. દાદાશ્રી : હા, કરવું પડે, પણ આપણે તો 'ગેસ્ટ' છીએને ! કરવું પડે એ તો કુદરત કરાવડાવે છે, પણ આપણે તો ગેસ્ટ છીએ ! કુદરત સંડાસ કરાવડાવે તો જ સંડાસ જઈએને ? અને મહીંથી ખસે નહીં તો ? તો કોઈ જાય જ નહીં. એટલે એ જેટલું કરાવડાવે એટલું આપણે કરવાનું. અમે વડોદરા જઈએ તો ઘરમાં હીરાબાના ગેસ્ટની પેઠ રહીએ. ઘરમાં કૂતરું પેસી ગયું તો હીરાબાને ભાંજગડ થાય, ગેસ્ટને શી ભાંજગડ ? કૂતરું પેસી ગયું ને ઘી બગાડ્યું તો જે માલિક હોય એને ચિંતા થાય, ગેસ્ટને શું ? ગેસ્ટ તો આમ જોયા કરે. પૂછે કે શું થઈ ગયું ? ત્યારે કહેશે, ઘી બગાડી ગયું. ત્યારે ગેસ્ટ કહેશે, 'અરે, બહુ ખોટું થયું.' એવું મોઢે બોલે પણ નાટકીય. પાછું બોલવું તો પડે કે 'બહુ ખોટું થયું.' નહીં તો આપણે કહીએ કે 'સારું થયું' તો આપણને કાઢી મૂકે. આપણને ગેસ્ટ તરીકે રહેવા જ ના દે. ઘરમાં પ્રેસિડન્ટ રૂપે ચાલે સહી અમારી, હીરાબા પ્રાઈમ મિનિસ્ટર રૂપે, વાત માને સારી! અમે પછી સીધો રસ્તો ખોળી કાઢેલો કે 'હીરાબાનું જ ચલણ છે' એવું કહી દઈએ. આપણે પ્રેસિડન્ટ અને પેલાં પ્રાઈમ મિનિસ્ટર ! પ્રશ્નકર્તા : દાદા, એટલા માટે કીધું છે કે 'કિંગ કેન ડુ નો રોંગ' એટલે કે રાજા પોતે કંઈ ખોટું કરતો જ નથી. દાદાશ્રી : ના, એ રોંગ કરે તો પૂછનાર કોણ ? એને પૂછાય નહીં એટલે પછી આવું લખે ! 'કેન ડુ નો રોંગ' એટલે શું અર્થ છે, એટલે એ રોંગને કાઢનાર, ભૂલ કાઢનાર કોણ ? એવું આ બધી કહેવત છે, પણ આ હું જે કહેવા માગું છું, પ્રેસિડન્ટે સહી કરવાની, એટલે શું કે ના-ચલણી ! એટલે ચલણ અમારું નહીં. આ તો રૂટિન રૂપે સહી અમારી, કારણ અમે મૂછોવાળા એટલે સહી અમારી જોઈએ, રૂટિનની. એમને મૂછો નહીં, તે સહી કોણ કરે ?(!) તો પછી ડખો થાય નહીં. હીરાબાને પૂછીએને તો એ બહુ ત્યારે એટલું કહે કો'ક દહાડો, 'દાદા બહુ કડક સ્વભાવના છે, તીખા ભમરા છે.' કારણ કે કંઈક બધું વધારે પડતું બગાડેને એટલે જરા કડક થવાનું. તે કડક થયેલો, નહીં થયેલા કડક ? એ એમને સ્થિર પકડે. એમની ડિરેલમેન્ટ ના થાય પછી. ડિરેલમેન્ટ જોવું તો પડેને ? એટલે એમના મનમાં આટલો અભિપ્રાય રહી જવાનો, કે તીખા ભમરા જેવા છે, આપણે એમનું નામ દેવાય નહીં. અને અમે ચાલવાયે દઈએ. એટલે આ કામ કર્યા કરે. રુ રુ રુ 'કડકાઈ શાથી કે એ ઠોકર ના ખઈ જાય એટલા માટે કડકાઈ રાખજે. એટલા માટે એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમ રાખવો.' ત્રાગું કરી કાઢ્યો રોગ, કરપ રાખી રાખ્યો રોફ! પ્રશ્નકર્તા : દાદા, તમે ગેસ્ટ તરીકે રહેતા હતા તો પછી હીરાબા એવું કેમ કહેતા કે દાદા તીખા ભમરા જેવા છે ? દાદાશ્રી : એ તો વાત એવી હતી, અમને જ્ઞાન થયા પછી મામાની પોળમાં બિચારી છોડીઓ વિધિ કરવા આવે. તે હીરાબાને તો બિચારાંને કશો રોગ નહીં, બિચારાં સરસ માણસ. પણ સામા બારણે બેસે ને, તે પેલાં બધાં બૈરાએ એમને ચઢાવેલાં કે 'હાય હાય બાપ, આ બધી નાની નાની છોડીઓ દાદાને આમ પગે પડીને 'સ્પર્શ' કરે છે. બહાર બધું ખોટું દેખાય. આ તો સારું દેખાય ? દાદાજી સારા માણસ છે, પણ આ ખોટું દેખાય છે. આમાં દાદાની શી આબરૂ ?' લોક જાત જાતના આરોપ કરે અને તે આવું ઘાલી દીધું ! તે આ હીરાબા ગભરાઈ ગયેલાં કે આ તો આપણી આબરૂ જાય છે. આમ પોતે સારાં માણસ તે લોકોએ મહીં મીઠું નાખ્યું ! દૂધમાં મીઠું નાખે તો શું થાય ? પ્રશ્નકર્તા : ફાટી જાય. દાદાશ્રી : તે હું જાણતો હતો કે આ લોકોએ મીઠું નાખવા માંડ્યું છે, તે ફાટશે જ્યારે ત્યારે ! પણ મેં રાહ જોયેલી. પણ એક દહાડો એક બેન વિધિ કરતી હતી. તે હીરાબાએ પૂંજો વાળતાં વાળતાં બારણું આમ ખખડાવ્યું. કોઈ દહાડો એવું કરે નહીં. અમારે ત્યાં ઘરમાં આવો રિવાજ જ નહીં. પેલી છોડી ભડકીને જતી રહે એટલા હારુ જ કરેલું, મને ભડકાવવા માટે નહીં. છોડીઓ જાણે કે હમણાં હીરાબા વઢશે. તે છોડી આમ વિધિ કરતી કરતી ધ્રૂજી ગઈ. હું સમજી ગયો કે આની પાછળ ચાળા છે. આ ચાળા ના સમજણ પડે, બળ્યા ? અત્યારના જેવો ભોળો હોઈશ તે દહાડે ? પછી મેં કહ્યું, 'હવે તમારે ને અમારે, બેઉનું જુદું કરી નાખીએ. આ તો ના પોષાય. એટલે હવે તમે ભાદરણ રહો. અને ત્યાં તમારે રૂપિયા પાંચસો-સાતસો જેટલા જોઈતા હોય એટલા મહિને મોકલી આપશે. હવે આપણે બેને ભેગું રહેવાનું નહીં. હીરાબા ફરી પાછાં ચા મૂકવા માંડ્યા. તે સ્ટવ ખખડાવ્યો હડહડાટ, તે 'સ્ટવ' રડી ઊઠે એવો ! મેં કહ્યું, 'આજ ખખડામણ ચાલી છે, આપણે 'સ્ક્રુ' ફેરવો. (કળા કરો) નહીં તો ઊંધું ચાલ્યું ગાડું.' તે મેં તો મહીં જઈ ચાના, ખાંડના, તેલના, ઘાસતેલના ડબ્બા બધા ઉપરથી નીચે ફેંક્યા. બધું ફેંકાફેંક કર્યું, બધું હડહડાટ. જાણે ૪૦૦ વૉલ્ટ પાવરનું અડ્યું ! બધાનો રગડો કર્યો. સામેથી પેલા ચઢાવવાળાં બેન આવ્યાં. આજુબાજુથીય બધા આવ્યા. તેમને મેં કહ્યું, 'આ હીરાબા આવાં દેવી જેવાં બઈ, એમનામાં 'પોઇઝન' કોણે નાખ્યું ?' પડોશવાળા કહે, 'ભઈ, તમારાથી આવો ક્રોધ ના થાય. જ્ઞાની પુરુષ છો તમે.' મેં કહ્યું, 'જ્ઞાની પુરુષનો ક્રોધ જોવા જેવો છે, જુઓ તો ખરાં.' પછી મેં કહ્યું, 'આ મહીં (ઝેર) નાખ્યું ત્યારે જ આ દશા થઈને ! શું કરવા આવું નાખ્યું ? તમારું શું બગાડ્યું છે ?' ત્યારે એ કહે, 'ભઈ, અમે કશું નાખ્યું નથી. અમે વાત કરી હતી એટલી જ.' 'આ શા હારુ ? તમે લોકોએ એમની જિંદગી ખરાબ કરી છે.' ત્યારે કહે, 'શું જિંદગી ખરાબ કરી ?' મેં કહ્યું, 'હવે એમને છૂટું રહેવાનું થયું. હવે ભાદરણ આપણું નવું મકાન બાંધ્યું છે, તેની મહીં હીરાબાએ રહેવાનું. મહિને બધો ખર્ચ આપીશું.' ત્યારે એ કહે, 'ભાઈ, એવુ ં ના થાય, એવુ ં ના થાય. ઘૈડે ઘૈડપણ થતું હશે ?' મેં કહ્યું, 'જે માટલાને તિરાડ પડી એ માટલું શું કામમાં લાગે ? એ તો પાણી ઝમે. પાણી ગમે એટલું ભરીએ તોય બહાર નીકળી જાય. માટલાને તિરાડ પડી હોય તેને રખાય ?' આમ કહ્યું એટલે પડોશીઓ ગભરાઈ ગયા. 'આવું બોલો છો ? માટલાને તિરાડ પડી ગઈ ?' લોક સમજી ગયાં કે હવે હીરાબાને જુદું થવાનું. હા, ધર્મ ઉપર આફત ના આવવી જોઈએ. એટલે અમે ત્રાગું કર્યું હતુંને ! એ વાસણો બધા, ખાંડના ડબ્બા, ચાના ડબ્બા, ઘાસતેલના ડબ્બા ને તેલના ડબ્બા બધું ફેંકાફેંક કરેલું. બધો રગડો કરેલો. ઓરડામાં બધો રગડો રગડો થઈ ગયો. પ્રશ્નકર્તા : ધાર્યું કરાવવા ? દાદાશ્રી : હા, આખી જિંદગીમાં એટલું જ ત્રાગું કરેલું. એને ત્રાગું કહેવાય. દબાવી મારવા, તેય પારકા હારુ, ધર્મને માટે કરવું પડેલું. મારા પોતાના માટે કશું કરેલું નહીં. કારણ કે હીરાબાને અમે કહ્યું કે આવું તમારાથી વર્તન ના કરાય. તે દહાડે ખાંડ-બાંડ, ચા બધું ભેગું કરી દીધું પણ વીતરાગ ભાવમાં ! સહેજે પેટમાં પાણી હાલ્યા વગર ! ચંદ્રકાંતભાઈ, ભાણાભાઈ બધા બેઠા હતા. બધાને કહ્યું, 'શીખજો ઘેર.' પછી બીજે દહાડે એનું ફળ શું આવ્યું ? પેલા પાડોશીઓ હીરાબાને ઊલટા સમજણ પાડ પાડ કરે કે 'ભઈને ઉપાધિ થાય એવું ના કરશો. કોઈ આવે તો છો આવે. આપણે માથાકૂટમાં ના પડવું.' ઊલટા હવે સવળું શીખવાડવા માંડ્યા. કારણ કે એમના મનમાં ભડક પેસી ગઈ કે હવે જે કંઈ થશે તે આપણા માથે જ આવવાનું છે, માટે આપણે હવે ચેતતા રહેવું. મેં કર્યું હતું જ એવું કે ફરી આ લોકો કરતા હોય તો ખો ભૂલી જાય. પછી કોઈ દહાડો ફરી એવું કરવું પડ્યું નથી. એટલી દવા કરેલી. હજુ એમને યાદ હશે. એ તો એમનેય ચગ્યું હતું. કોઈ દહાડો ચગે નહીં. આ પેલા લોકોએ બધું શીખવાડી રાખેલું કે જરાક વધારે કરશો તો છોડીઓ જતી રહેશે, પછી પેસશે નહીં. કો'ક વખત આ જ્ઞાનીનો અવતાર હોય ને બિચારી છોડીઓ દર્શન કરવા આવેને ? એને અશાંતિ રહે છે તેથી આવી છે ને ! લોકોને જંપીને દર્શન તો કરવા દો. તે એટલે સુધી શીખવાડેલું કે દાદા આ છોડીઓ જોડે પૈણશે ! એવુંય શીખવાડ્યું હતું કે આ દાદાને લઈ જશે ! અરે, એવું હોતું હશે ? કેટલા વર્ષનો હું ડોસો થયેલો માણસ, તે કઈ જાતનું આવું શીખવાડેલું ! પણ એમનો બિચારાંનો શો દોષ ? હીરાબાને એમ પણ સમજાય કે આ મારી ભૂલ છે. આ છોકરીઓ સત્સંગમાં આવતી હતીને, પણ એમને પોતાને સો ટકા ખાતરી હતી કે આ તો મોરલ ને સિન્સિયર છે. પણ આ તો લોકોમાં ખોટું દેખાય, એટલા માટે 'તમે છોડી દો એવું કહેલું' ત્યારે કંઈ છોડ્યું છૂટે એવું છે ? આ તો 'વ્યવસ્થિત' અને એ તો અણસમજણમાં બોલે. એ તો કંઈ દહાડો વળતો હશે ? અને આ રેલવેલાઈન ઊખેડી નખાય ? ત્યારે આપણે રસ્તો તો કરવો પડે. એટલે પછી પેલા બૂચથી ના ચાલે. એ તો આંટાવાળો બૂચ મારવો પડે. આંટાવાળો બૂચ મારીએ એટલે પછી ઊખડી ના જાયને ! પ્રશ્નકર્તા : પેલું જે નાટક કર્યું હતું એ કપટ નહીં ? દાદાશ્રી : ના, આમાં કપટ નહીં. એ તો દૂધ ઊભરાતું હોય ને લાકડાં કાઢી લઈએ એ કંઈ કપટ ના કહેવાય. દૂધપાક ઊભરાતો હોય તો લાકડાં કાઢી લઈએ, એ કપટ કહેવાય ? પ્રશ્નકર્તા : પણ આશય તો કંઈ સારું કરવાનો ખરોને ? દાદાશ્રી : એમને ચોખ્ખા કરવાનો. તે ઘડીએ બધા બેઠા હતા. તે સજ્જડ થઈ ગયેલા ! બધા બેઠા હોય ત્યારે જ આબરૂ લઉં, નહીં તો એમ ને એમ આબરૂ લઉંય નહીં. નહીં તો એ ગળી જાય. કહેશે, 'ઓહોહો ! કોઈ હતું જ નહીંને !' તે ગળી જાય ને આપણી મહેનત નકામી જાય. હીરાબાને અનુભવ, તે અમને જાણે કે સિન્સિયર ને મોરલ છે જ. એ તો પેલા એકલા કેસમાં જ છે તે એમના મનમાં જરા પેસી ગયું. તે પેલું કાઢવું મુશ્કેલ પડ્યું અને તે સ્યાદ્વાદ રીતે ના નીકળ્યું. એટલે આ બીજી રીતે કાઢવું પડ્યું, પણ દવા એવી કરી કે ફરી હીરાબા કશું કરવા જાય ત્યારે કહે, 'એ ના કરશો, આપણે ભાઈનામાં પડવું જ નહીં. ભાઈનો સ્વભાવ બહુ કડક છે. આવો કડક સ્વભાવ, તે મહાદેવજી જોઈ લો ને !' એટલી બધી છાપ પાડી દીધી ને, હીરાબા જાણે. તે હજીય 'તીખા ભમરા જેવા' કહે છે. એ તો 'જ્ઞાની' થઈને બેસવું સહેલું નથી. કોઈને આવા ફણગા ફૂટે તો બધા મૂળમાંથી કાઢી નાખે. નહીં તો એ ફણગા તો મોટા ઝાડ થઈ જાય. જુઓને પછી એ 'કશું બોલવું નહીં. તમારે કશું બોલવું નહીં,' એમ હીરાબાને કહેતાં. મેં કહ્યું, 'હું કશું કરવાનો નથી. દાદાને કોણ કશું કરવાનું છે ? આ છોડીઓ તો શું કરવાની હતી ?' પછી એ લોકો કહે છે, 'આપણે નકામો ઝઘડો વહોરી લીધો. હવે આપણે માથે આવશે.' મેં તો એમને મોઢે જ ઠાલવ્યું કે તમે જ બધાએ બગાડ્યું. માટલાને તિરાડ પડી, હવે શું કરવાનું ? આ આટલો વખત માટલાને લાખ કરીશું. બાકી ફરી વાર લાખેય કરવાના નથી. પછી મૂકી આવીશું. તિરાડને લાખ કરી દીધી કે એક વખત સાંધો આપણે ! પ્રશ્નકર્તા : એમણે પેલું બારણું પછાડ્યું, સ્ટવ પછાડ્યો એટલે એ પણ આડાઈ કહેવાયને ? દાદાશ્રી : ત્યારે આડાઈ નહીં તો બીજું શું ? પણ એ ત્રાગું કહેવાય. પોતાનું ધાર્ર્યું ના થાય ત્યારે ત્રાગાં કરે. ધાર્યું કરાવવા માટે કરે એ ત્રાગું કહેવાય. પોતાનું ધાર્યું કરાવવા માટે બીજા બધાં માણસોને બીવડાવવા માટે તાગડો રચવો એનું નામ ત્રાગું. માર તોફાન, માર તોફાન ! કોઈ માણસ હ્રદયના પોચા હોય, ઢીલાં હોય તે બધા ગભરાઈ જાય બિચારાં ! એમણે નાના પ્રકારનું ત્રાગું કરેલું, મેં મોટા પ્રકારનું ત્રાગું કર્યું ! પ્રશ્નકર્તા : એટલે એ નાના પ્રકારના ત્રાગાંને કાઢી નાખવા માટે સામે એવો ફોર્સ મૂકવો પડે ? દાદાશ્રી : હા, મેં જાણીજોઈને ત્રાગું કરેલું. ને એમણે એમના કર્મના નિયમથી ત્રાગું કરેલું. આ તો જાણીબૂઝીને કરે ને હું તો મારા જ્ઞાનમાં રહીને બધું કરુંને ! બધા મહાત્માઓ પાંચ-સાત-દસ જણ બેઠેલા. તે એક કહે, 'આવું કરાતું હશે ?' ત્યારે મેં કહ્યું, 'શીખ, તને શીખવાડું છું. ઘેર બીબી હેરાન કરશે ત્યારે તું શી રીતે રીપેર કરીશ ? પ્રશ્નકર્તા : આપે કહ્યુંને કે હું જ્ઞાનમાં રહીને કરું, કઈ રીતે જ્ઞાનમાં એ તમે કહો. દાદાશ્રી : જ્ઞાન જ 'આ' કર્યા કરે. 'અંબાલાલભાઈ' કર્યા કરે. જ્ઞાન કંઈ ઓછું હીરાબાને પૈણેલું છે ? જુઓને ! વગર મતભેદે વર્ષો કાઢ્યાં ને !' અત્યારેય મતભેદ પડતાં પહેલાં ઉડાડી દઈએ છીએ. ફરી એમણે 'જ્ઞાન' હઉ લીધું, હીરાબાએ ! પછી એમને સ્વપ્નામાં દાદા આવ્યા. પ્રશ્નકર્તા : બા તો બહુ ભોળાં છે, ભદ્રિક છે. દાદાશ્રી : આ ભદ્રિક, પણ લોકો શીખવાડે એ પાછા શીખી જાયને. એ તો કહે, 'હું તો કોઈનું શીખું એવી નથી.' એ મનમાં પાવર રાખે છે, પણ લોક નાખી જાયને. બાકી પોતે શીખે એવાં નથી. પણ બહુ દહાડા નાખ નાખ કરેને, તે પછી પેસી જાય. આમ શીખે એવાં માણસ નથી, સારાં માણસ છે. એક ભાઈએ હીરાબાને પૂછ્યું, 'દાદાનો સ્વભાવ બહુ સારો ! પહેલેથી આવો ?' ત્યારે એમણે કહ્યું કે, 'પહેલાં તો તીખા ભમરા જેવા હતા. હમણે આવા થયા.' એ એમણે જોયેલું જાય નહીંને ! અમે ફિલમ બદલ્યા કરીએ ને પાછલી ફિલમ કાઢીએ નહીં. એ તો પાછલી ફિલમ હઉ દેખાડે. અમે તો આ ચાલુ ફિલમ હોય એ દેખાડીએ. છતાં એમને દુઃખ થાય એવું નહીં કરવાનું. કારણ કે સહેજ એ થાય તોય એમને દુઃખ થઈ જાય છે, કારણ કે પ્યોરિટીને બધી. સહજ ભાવે જે આવે એ બોલવાનું ને ! ડખોડખલ નહીં કે કોઈની શરમ-બરમ રાખે નહીં. પેલો ડૉક્ટર બિચારો હીરાબાનું ઓનરરી કામ કરતો હતો. તોય એને કહેશે કે, 'આ તો તીખો લહાય જેવો છે.' મેં કહ્યું, 'આવું ના બોલાય આપણાથી.' સહજ ભાવે બોલ્યા'તા, એટલે પેલો હસે, આમ સહજતાથી બોલે. એટલે ખોટું ના લાગે. મહીં કશું પાપ નહીં, પ્યોરિટી બધી. હીરાબા ચોખ્ખું બોલે. મારે ને તારે નહીં ફાવે એવુંય કહી દે. સ્વાર્થની ભાંજગડ નહીં કે આ મારી સેવા કરે છે, એવું તેવું કશું નહીં. મારી જોડેય ચોખ્ખું બોલે. અમને શું કહે ? તીખા ભમરા જેવા છો. હવે એ એમ કોઈ દહાડો ના જાણે કે આ તીખાપણું નથી એમનામાં. પ્રશ્નકર્તા : આપે બહુ કરપ રાખેલો ? દાદાશ્રી : કરપ તો રાખેલોને. કરપ રાખ્યા વગર તો એવું છેને, આ તો સ્ત્રીજાતિ કહેવાય. કરપ તો રાખવો પડે. ને લાગણીઓય રાખવી પડે. બેઉ સાથે રાખવું પડે. છતાં અમને તો એ બહુ વહમા છે, કહેશે. એ એમ ને એમ જ બનાવટ રાખેલી. દાબેદાબ પોટલી ઉઘાડીને દેખાડીએ ત્યારેને. થોડું વજન જોઈએ. બાકી હું બહુ કડક. પેલો તાપ લાગ્યા કરે. ગરમ ના થઉં, પણ એમ ને એમ તાપ લાગ્યા કરે. તે કડક ના હોય તો શી રીતે ચાલે ? કારણ કે અમારે પ્રતાપ અને સૌમ્યતા બન્ને હોય. બાકી કોઈની જોડે ઊંચા અવાજે અમે ચાળીસ વર્ષથી નહીં બોલેલા. એ તો બધાય લોકો જાણે. લોકો કહેય ખરાં કે એ તો ભગવાન જેવા છે. એટલે એક આંખમાં ધમક રાખવાની અને એક આંખમાં ફ્રેન્ડશીપ રાખવાની. અને એ તો પુરુષને બધું આવડે ! અમે ઘેર આવતા હતા, હું ત્રીસ-પાંત્રીસ વર્ષનો હતોને, ઘેર આવુંને, તે હીરાબા એકલા નહીં, બધી સ્ત્રીઓ મને દેખે તે એક આંખમાં કડકઈ દેખે અને એક આંખમાં પૂજ્યતા દેખે, તો બધી સ્ત્રીઓ માથે ઓઢીને બેસે અને આમતેમ બધી ટાઈટ થઈ જાય. અને હીરાબા તો મહીં ઘરમાં પેસતાં પહેલાં ભડકે. બૂટ ખખડ્યો કે ભડકાટ પેસી જાય. એક આંખમાં કડક, એકમાં નરમ. એના વગર સ્ત્રી રહે જ નહીં. એમ સહેજે થથરાવાનું નહીં. ઘરમાં પેસીએ.... કે ચૂપ, બધું ઠંડુંગાર જેવું થઈ જાય, બૂટ ખખડે કે તરત ! પ્રશ્નકર્તા : એ નાટકની ખબર પડી જાયને એમને ? દાદાશ્રી : એટલી સમજણ ના હોય. એ તો એમ જ જાણે કે સ્વભાવ આકરો છે. રુ રુ રુ 'અમેય બધો અનુભવ મેળવી લીધો. પછી તારવણી કરી કે ભઈ, હવે જો ગોદાગોદ કરીશું, તો ફરી છમકલાં રહેશે. એના કરતાં આપણે હિસાબ ચોખ્ખો કરો ને !' જ્ઞાની વદે વર્તનમાં જેટલું,અનુભવે તારણ મૂકયું સહેલું! ભાવ બગડે નહીં એની ઉપર ક્યારેય પણ. એ અવળું કરે તોય ભાવ ના બગડે. શા માટે આપણું બગાડવાનું ? એક અવતાર પાનાં પડ્યાં, તે પાનાં પૂરા કરવાનાં ને ! જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી અને ના થાય તો એ છોડી દેવાનું. હવે આ વેપાર (સંસાર) માંડ્યો ત્યારે આ ભાંજગડ ને ! વેપાર જ ના માંડ્યો હોય તો. અને માંડ્યો હોય તો બ્રહ્મચારી થઇને જોડે રહીએ એની જોડે તો ભાંજગડ છે કશી ? માંડ્યો તો પછી મિત્રાચારીની જેમ રહો. મિત્રાચારીથી આખી જીંદગી રહો. અમારે ને હીરાબાને ચાલતું જ તું ને. અત્યારે મને પૂછે આ ફેરો તમે મુંબઇ વધારે રહ્યા ત્યારે હું કહું કે મને પણ ગમતું નથી પણ શું કરું ? એટલે એમને એવું લાગે કે ઓહોહો ! આ ફેરો તો મને યાદ કર્યાં. ના લાગે બળ્યું, મિત્રાચારી છે ને ! અને અવળો વિચાર સ્વપ્નેય નહીં આવેલો. પ્રશ્નકર્તા : માટે એ પ્રેમ, દાદા. દાદાશ્રી : ના, ના, કેમ કરીને એમને કિંચિંત્માત્ર દુઃખ ના પડે એની નિરંતર જાળવણી, ભાવના એવી. એ અમને કહી જાય, એમની ભૂલ ચૂક થઇ જતી હોય તેનો અમને વાંધો નથી. એમની ભૂલ ચૂક થઇ જાય, એ એમનો પોતાનો ઇરાદો હોતો નથી. એટલે એ એમની કચાશ છે. કચાશનો વાંધો નથી. પ્રશ્નકર્તા : આ તો આખા દા'ડો કચકચ કરતાં હોય એટલે પછી શું થાય, દાદા ? આમ આવી રીતે જાળવણી કરો તો ક્યાંય એ દુઃખ ના થાય. દાદાશ્રી : હા, એક ક્ષણવાર દુઃખ ના થાય એવી જાળવણી. મારે આ ભાંજગડ ના જોઇએ. મારે તો દુનિયામાં કશું બોજો જ નથી ને ! હીરાબા જોડેય છૂટું કરી નાંખ્યુંને. ઘર જોડેય છૂટું કર્યું. બધું છૂટું કર્યું છતાં વ્યવહારમાં હીરાબાને ત્યાં જઇએ-આવીએ પણ મનથી તો છૂટું કરી નાખ્યુંને ! આંકડોય છોડી દીધો. આ તમે રેલ્વેનું એન્જીન જોયેલું, એની પાછળ સો ડબા વળગેલા હોય અને સો ડબા આંકડાથી ગૂંથાયેલા હોય, પણ એનો પહેલો જ ડબો જો છોડી નાખીએ તો ? સો ડબા છોને ગૂંથાયેલા હોય પણ પહેલા ડબાનો આંકડો કાઢી નાખ્યો હોય તો એન્જિીન એકલું ફર્યા કરે ને ?! બીજું કશું કરવાનું નથી. પ્રશ્નકર્તા : દાદા, તો હીરાબાને દુઃખ ના થાય ? દાદાશ્રી : નહીં, નહીં, નહીં, છોડી દીધેલું. આ બધાથી, આખા જગતથી છોડેલુંને, આ દેેહથી છોડેલુંને ! પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : વ્યવહાર બધું કરવું પડે. હીરાબા કહે, 'બહુ મોડા આવ્યા છો ?' તો હું કહું કે 'મને તમારા વગર ગમતું જ નથી.' શું કરું ? એમનું મનનું સમાધાન કરવું પડે ને કંઇક. એમને કિંચિંતમાત્ર દુઃખ ના પડેે. પ્રશ્નકર્તા : દાદા, તમે હીરાબાને છેતર્યા એમ ના કહેવાય ? દાદાશ્રી : બધું જગત જ છેતરેલું છે ને ! પ્રશ્નકર્તા : ના, પણ આટલો બધો ઊંચો વ્યવહાર. દાદાશ્રી : એ આત્માથી તો હોય નહીંને ! આત્મા તો આવું કરતો જ ન'તો. એ જ આપણે છીએ. આ તો આપણે ગરજા-ગરજી છે. આપણને પૂછે છે એટલું જ. એ. એમ. પટેલ. પીરસે છે એમનું પણ હું નથી. પ્રશ્નકર્તા : દાદા આખી દુનિયાના છે, હીરાબાના એકલાનાં નહીં, નથી એમ ? દાદાશ્રી : આખી દુનિયાનાં. મેં સત્યાવીસ વરસથી ટેન્શન જોયું નથી. દુનિયા સમજવી તો પડશેને. ક્યાં સુધી આવું ગપ્પું ચાલ્યા કરશે ? આમ તદ્ન ગપ્પું હોય ? રુ રુ રુ 'હું પ્રેમસ્વરૂપ થઈ ગયેલો છું. એ પ્રેમમાં જ તમે મસ્ત થઈ જશો તો જગત ભૂલી જ જશો, જગત બધું ભૂલાતું જશે. પ્રેમમાં મસ્ત થાય એટલે સંસાર તમારો બહુ સરસ ચાલશે પછી, આદર્શ ચાલશે.' 'તમારા વિના ના ગમે અમને'નાટક કરી ખુશ રાખે તેમને ! હીરાબા અમને અત્યારે એમ કહે, 'બહાર અંધારું થઈ ગયું છે,' તો અમે કહીએ, 'હીરાબા, અમે વિનંતી કરીએ છીએ. જરા તપાસ કરો. અજવાળું છે હજુ.' ત્યારે એ કહે, 'નહીં, અંધારું થઈ ગયું છે.' ત્યારે અમે કહીએ કે, 'બરોબર છે.' અમારે મતભેદ નથી. લોકો કહે છે, એવું નથી. અમે સાયન્ટિફિક રીતે કહીએ કે બરોબર છે, અમારે મતભેદ નહીં. લોકો કહે તે જુદી રીતે કહે. એ તો આપણા નોકરો છે તે શેઠના કહ્યા પ્રમાણે 'હા શેઠ, હા સાહેબ, હા સાહેબ' કરે, એવું નહીં અમારું. આપણું તો સાયન્ટિફિક. મતભેદ પડે નહીં. મારે તો કોઈની જોડે મતભેદ પડ્યો જ નથી. તો મનભેદ તો હોય જ નહીંને ! મતભેદ ના હોય તો મનભેદ તો હોય જ નહીં. અમે તો પ્રેમસ્વરૂપ ! બધું મારું પોતાનું જ છે. એ પ્રેમથી જ બધું આ છે. એટલે આપણને ઘરમાં બેસવાનું ગમે નહીં એવું હોય તોય પછી વાઈફને કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એય કહે કે તમારા વગર મને ગમતું નથી. આવું રહેતા આવડે તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છેને, તો મોક્ષે જવાશે. પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ? દાદાશ્રી : હા. હીરાબાને હું હજુય કહું છું ને ! આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું, તે મનેય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, નહીં રેડે તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! મને કહે છે, 'હું હઉ તમને સાંભરું ?' મેં કહ્યું, 'સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?' અને ખરેખર સાંભરેય ખરાં, ન સાંભરે એવું નહીં ! અમારી લાઇફ આદર્શ હોય. હીરાબાયે કહે, 'તમે વહેલા આવજો.' પ્રશ્નકર્તા : આપે હીરાબા પાસે રજા માંગેલી ખરી કે અમે હવે જઈએ ? દાદાશ્રી : હા. એ આપે. 'વહેલા આવજો' એવુંય કહે અને કહે, 'બધા લોકોનું ભલું થાય એવું કરો.' પ્રશ્નકર્તા : એમની એક મોટામાં મોટી મહાનતા એ કે આ ઉંમરે દાદાને જગતકલ્યાણ માટે વિશ્વભરમાં ફરવા જવા દેતાં. દાદાશ્રી : એ પોતે આશીર્વાદ આપતાં હતાં અને જ્યારે હોય ત્યારે કહેશે, 'બધું સારું કરીને આવો.' તમે જાણો કે દાદાને કોઈ નથી. એ રહ્યા અમારે હીરાબા ઘેર છે ને, એમની લાગણી મને ના થાય ? તમને તમારાં બૈરી-છોકરાંની થાયને ! તે બે દહાડાથી કહેવડાવ કહેવડાવ કરે છે. 'વહેલા આવજો, વહેલા આવજો.' ગઈ સાલ તો ખંભાતની જન્મજયંતી ઉપર આવ્યા હતા અને જોડે ને જોડે બગીમાં બેઠા હતા. આ જુઓને, મને ૭૫ વર્ષ થયાં ને એમને ૭૩ વર્ષ થયાં છે. એમને આ વાંકા પગની ઉપાધિઓ જ ને બધી ! પણ જુઓ, આખો દહાડો આનંદમાં રહે છે, આખો દહાડો મસ્તીમાં. કારણ કે બીજો વિચાર જ નહીંને કોઈ જાતનો. એ ખરાબ છે કે સારું છે, એ ભાંજગડ નહીંને ! સબ અચ્છા. પણ હું વડોદરામાં હોઉં ત્યારે મારે હાજરી આપવા જવું પડે. જેમ ઘણા માણસને પોલીસ ગેટ ઉપર રોજ હાજર નથી થવું પડતું ? હાજર થવું પડે. આ તો વિધિ કરી આપ્યા પછી પાછા આવવાની છૂટ. એમને વિધિ કરી આપવાની. એ ત્યાં ના આવી શકે એટલે મારે ત્યાં વિધિ કરાવવા જવું પડેને ! એમને મોક્ષે લઈ જવાનાં છે ને ! પ્રશ્નકર્તા : તમને કફ થઈ ગયો. તે આખી રાત ઊંઘ્યા નથી, એ જ્યારે વાત કરતા હતા, ત્યારે હું એમના મોઢાના ભાવ જોતો હતો. મને કહે છે, 'ઊંઘ્યા નથી. આટલી બધી શરદી થઈ ગઈ છે.' દાદાશ્રી : પછી મેં ગમ્મત કરી. મેં કહ્યું, 'હીરાબાને કહોને. દાદાને જોવાય ના આવ્યા ? ત્યારે એમણે કહેવડાવ્યું કે 'હું શી રીતે આવું ? મારાથી ચલાતું નથી.' ત્યારે મેં કહ્યું, 'તો હું આવું છું.' તે પછી હું ત્યાં જોવા ગયો. ત્યારે કહે, 'તમે શું કરવા આવ્યા ?' મેં કહ્યું, 'મારે સારું છે.(તબિયત સારી છે)' મેં કહ્યું, 'તમને સારું હોય તો તમે આવો.' ત્યારે કહે છે, 'મારાથી પગથી ચલાતું નથી.' પણ મેં તો કહ્યું, 'અહીં જોવા ન આવ્યા દાદા ભગવાનને ? લોક બધું જોવા આવે ને તમે એકલા જ ના આવ્યા ? જોવા આવવું પડેને ?' પ્રશ્નકર્તા : આવવું પડે પણ આ બધાય ભલેને જોવા આવી ગયા. પણ એમનામાં જે ભાવ રહેલો. દાદાશ્રી : બસ. એટલે ભાવની જ કિંમત છે, બીજી શી કિંમત છે ? કિંમત જ ભાવની છે ને ! રુ રુ રુ ભિન્ન ભિન્ન પ્રકૃતિની ઓળખે ના રહે ડખલ,ઝીણવટથી ઓળખ્યે જીવવું બને સરલ! મેં તો એક બુદ્ધિના ડિવીઝનથી બધા મતભેદ બંધ કરી દીધેલા. પણ ઓળખાણ ક્યારે મને પડી ? સાઠ વર્ષે હીરાબાની ઓળખાણ પડી. ત્યારે પંદર વર્ષનો હતો ત્યારે પૈણ્યો, તે ૪૫ વર્ષ સુધી એમને નિરીક્ષણ કર કર કર્યા કરીએ ત્યારે મેં એમને ઓળખ્યા, કે આવા છે. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન થયા પછી ? દાદાશ્રી : હા, જ્ઞાન થયા પછી, નહીં તો ઓળખાણ ના પડે. માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને જ ઓળખી શકતો નથી, કે હું કેવો મૂઓ છું ? પ્રશ્નકર્તા : દાદા, તમે હીરાબાને કઈ રીતે ઓળખ્યા ? શું કર્યું કે જેથી ઓળખાણ પડી ? દાદાશ્રી : બધી પ્રકૃતિ કેવી છે તે બધું જોઈ લીધું. જોવાનો અભ્યાસ કરવા માંડ્યો, તે બધી પ્રકૃતિ કેવી છે તે અને મનુષ્ય જીવમાત્ર પ્રકૃતિના આધીન છે, સ્વાધીન નથી. એક ફેરો અમારે એવું બનેલું કે રાત્રે સાડા અગિયારે મહાત્માઓ આવેલા. તે સૂઈ ગયેલા ને એમાં એક અમારા સગાવહાલાની વાઈફ આવેલા. તે ત્રણ વાગે ઊઠી ને એ બંબો સળગાવવા માંડ્યા. મેં કહ્યું, આ કંઈ જાતનું ? હમણે સૂઈ ગયા છીએ ને ત્યારે બંબા ચાલુ થયા ? પછી મેં તો બહુ ધીરજ પકડી, કશું બોલ્યો નહીં. જેમ તેમ કરીને રાત કાઢી. અમે જ્ઞાની, એટલે જ્ઞાનમાં તો રાત કાઢીએ, પણ તપાસ કરી કે આ શું છે, આની પાછળ રહસ્ય શું છે ? ત્યારે એનો ધણી મને કહે છે, 'રોજ ત્રણ વાગ્યે વહેલા ઊઠે, એની પ્રકૃતિ એવી. હવે એને શું કરું ? ત્યારે મને એક દહાડો પોષાયું નહીં, તો એના ધણીને તો શી રીતે રોજ પોષાતું હશે ?! તે વિચારમાં પડ્યો કે આ ધણી મૂઆ મજબૂત જ કહેવાય ને ! મેં કહ્યું, 'આ હું જ્ઞાની છું તોય બોજો સહન નથી થતો. અને ધણી શી રીતે બોજો સહન કરતો હશે ?' એકબીજાની પ્રકૃતિની ઓળખાણ પડે તો આ ડખલ જ નથી. એનાં ઓળખાણ પડવાનો પ્રયત્ન શાથી કરીએ છીએ કે પ્રેમથી એની જોડે રહેવાનું છે. આપણે બંધન નથી જોઈતું. છતાં ત્યાં રિયલી સ્પિકીંગ બંધ નથી અને પ્રેમથી બાંધવું છે ને, એટલે ઝીણવટથી એને ઓળખ ઓળખ કરીએ છીએ. અને આ તો 'માર ઊંધું ને કર સીધું.' એ રીતે ઓળખવાનો પ્રયત્ન કરાય નહીં. પ્રશ્નકર્તા : એ સમજાવો કે કઈ રીતે ઓળખવું ? ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પ્રેમથી પતિએ પત્નીને કેવી રીતે ઓળખવી એ સમજાવો. દાદાશ્રી : ઓળખાણ ક્યારે પડે ? એક તો સરખાપણુંનું દાવ આપીએ ત્યારે, એને સ્પેસ આપવી જોઈએ. એને દાવ આપવો જોઈએ. જેમ આપણે સામાસામી ચોકડાં રમવા બેસીએ, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. અમે સરખાપણાનો દાવ આપીએ. પ્રશ્નકર્તા : પ્રેક્ટિકલી કેવી રીતે આપો ? દાદાશ્રી : મનથી. એમને બીજું જાણવા ના દઈએ. એ અવળું-હવળું બોલે તોય પણ સરખા હોય એવી રીતે. એટલે પ્રેસર ના લાવીએ. આ કહે છે ને, રમા રમાડવી સહેલ છે, વિફરી મહામુશ્કેલ છે. તે મેં કોઈ દહાડો વિફરવા ન્હોતાં દીધા. પ્રશ્નકર્તા : વિફરે તો શું કરવું ? દાદાશ્રી : વિફરે તો ધણી ત્રણ દહાડા હતો ન્હોતો થઈ જાય. ત્યાં સુધી સ્ત્રી પહોંચે. માટે ચેતતા રહેજો. રમા રમાડવી સહેલ છે, વિફરી મહામુશ્કેલ છે. આજની સ્ત્રીઓને તો વિફરતા આવડતું નથી. પ્રશ્નકર્તા : આ લોકોને (સ્ત્રીઓને) વિફરવાનું શીખવતા નહીં. નહીં તો અમારું આવી બન્યું. દાદાશ્રી : ના, શીખવું નહીં. એ દોરી અવળી વીંટશે. એ તો વિફરતી હોય તો એને બંધ કરાવી દેવડાવું. એમાં સુખ નથી. એ ઊંધો રસ્તો છે, માર ખાવાનો રસ્તો. ને આ તો આગળના અનુભવીઓએ શોધખોળ કરી હતી. રુ રુ રુ 'આપણું કરેલું આપણે જ ભોગવવું પડે. એમાં ચાલે નહીં.'ગમ્મત કરતા-કરાવતા જાય, વ્યવહાર સમજે ઉકેલતા જાય ! એક દહાડો હીરાબા કહેતાં'તાં, 'હું ગબડી પડી તે મને કશુંય ના થયું. વાગ્યું પણ આવું ફ્રેક્ચર કશું ના થયું ને તમે કશું નહોતું કર્યું તોય અત્યારે આ પગે ફ્રેક્ચર થઈ ગયું. તમારી પુણ્યૈ કરતાં મારી પુણ્યૈ ભારે.' ત્યારે મેં કહ્યું, 'પુણ્યૈ તો ભારે જ કહેવાયને ! અમને પૈણ્યા એ તમારી જેવી તેવી પુણ્યૈ છે ?' હું ગમ્મત કરું કો'ક દહાડો. મેં કહ્યું, 'આ મારે ઘૈડપણ લાવવું નહોતું પણ ઘૈડપણ પેસી ગયું આ મને. ત્યારે એ કહે, 'એ તો બધાને આવે. કોઈને છોડે નહીં.' એમને મોઢે કહેવડાવું. (હીરાબાના અંતિમ દિવસોમાં) અમે ત્રણ મહિના સાથે રહ્યાં હતાં, જોડે ને જોડે ચોવીસેય કલાક. રાતે વિધિ-બિધિ બધું કરે. પહેલાં પ્રેશર હતું તે માથા પર પગ મૂકીને વિધિ કરતા હતા તે બંધ થઈ ગયેલું બધું. ઠેઠ સુધી રોજ વિધિ કરતાં હતાં. છેલ્લે દહાડે પણ એ જ કરેલું. પહેલું માથા પર બે પગ મૂકી અને અહીં વિધિ કરવાની પહેલી વખત. પછી માથા પર એમ કરીને દરરોજની દસ મિનિટ કાઢવાની. બીજું શરીર તો અમારાથી ઊંચકાય નહીં. અને અડવા દેય નહીં કોઈ દહાડો. આટલું વિધિ કરી આપજો. ને પછી જય સચ્ચિદાનંદ બોલે. અમે વિધિ કરીએ કે તરત જય સચ્ચિદાનંદ કહે. જય સચ્ચિદાનંદ બોલે, જેટલો અવાજ નીકળે એટલો પણ મને સંભળાય જ નહીં. પણ આ બીજા બધા કહે કે બોલ્યાં. ના સંભળાય તેથી કંઈ નથી બોલ્યા એવું આપણાથી કેમ કહેવાય ? એમને કોઈ ચાકરી કરનારું હશે ? છોકરાં નથીને ! પ્રશ્નકર્તા : પુણ્યૈ એવી છેને, ચોવીસે કલાક કોઈ હોય છે જ. દાદાશ્રી : પછી એ પુણ્યૈ ઓછી કહેવાય ? જુઓને, એમને નથી છોકરું કે છોકરાની વહુ, પણ સેવા કરનારા કેટલા છે ! ખડે પગે બધા સેવા કરે. જ્યારે કેટલાકને તો ચાર-ચાર છોકરાઓ હોય છતાં પાણી પારકો માણસ આવીને પાય ત્યારે. છોકરાં કંઈ કામ લાગે તે વખતે ? એ ક્યાંયે પરદેશમાં કમાવા ગયો હોય ! આવું જગત છે. અમે તો હીરાબાને કહેતા'તા કે મને તમારા વગર ગમતું નથી. આ પરદેશ જઉં, પણ તમારા વગર મને ગમે નહીં. એટલું કહીએ તો એ ખુશ થઈ જાય બસ, હું તો આવું બોલીને હીરાબાનેય ખુશ કરી નાખું. હીરાબા ઉપરથી મને કહે, 'હં, તમે તો બહુ સારા માણસ, આવું શું બોલો છો ?!' પ્રશ્નકર્તા : બાને સાચુંય લાગે. દાદાશ્રી : હા, સાચું જ હોય. મહીં અડવા ના દઈએ. પ્રશ્નકર્તા : એટલે એ કેમનું સાચું હોય ? દાદાશ્રી : સાચું જ હોય પણ અંદર અડવા ના દઈએ, છેતરપીંડી નહીં. એ હોય સાચું, પણ વ્યવહાર પૂરતું જ. બહારનું બહાર, તમેય જુદા ને હુંય જુદો, તમારે અંબાલાલભાઈની જોડે સંબંધ, મારી જોડે તો નહીં. એટલે અમે બધા જોડે એડજસ્ટ થતા. નાટકીય છતાં હીરાબાને વ્યવહાર સાચો લાગે, દાદા ભજવી અભિનય, હિસાબ પૂરો કરતાં લાગે! એટલે અમારું બધું ડ્રામા જ હોય. હીરાબા ૭૩ વર્ષનાં તોય મને કહે છે, 'તમે વહેલા આવજો.' મેં કહ્યું, 'મનેય તમારા વગર ગમતું નથી.' એ ડ્રામા કરીએ તો કેટલો એમને આનંદ થઈ જાય ! 'વહેલા આવજો, વહેલા આવજો' કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ! એટલે અમેય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ. બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો આપણે બોલ બોલેલો કામનો જ શું તે ? આજેય હીરાબાને અમે કહીએ આટલી ઉંમરે કે તમારા વગર અમને ગમતું નથી, એટલું કહીએ. તો એ ખુશ થઈ જાય બસ. પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો તો તમારું બધું બરાબર જ લાગે છે, સાચું જ લાગે છે અને આ બોલે તો કે છેતરે છે એવું લાગે છે. દાદાશ્રી : ભઈ, મેં તો પિસ્તાળીસ વર્ષથી ધણીપણું છોડી દીધેલું છે. બોલો, તમે છોડ્યું કદી ? ધણીપણું છોડી દીધું ત્યારે વિશ્વાસ બેઠો છે અને અત્યાર સુધી લગામ પકડેલી હોય એ વિશ્વાસ તે ઘડીએ શી રીતે બેસે ? ધણીપણું પિસ્તાળીસ વર્ષથી છોડી દીધેલું ત્યારે વિશ્વાસ બેઠો. નહીં તો વિશ્વાસ બેસે નહીં ને વિશ્વાસ ! ફાઈલોનો સમભાવે નિકાલ કરવાથી બધું શુદ્ધ થઈ જાય. ક્લિયરન્સ કરી નાખવાનું. અમારે તો એકેય રીતે ભૂલ ચલાવાય નહીં. ભૂલ થતાંની સાથે જ અમારે મશીન ચાલુ હોય મહીં. એટલે ભૂલો જ ના રહે. આપણે ઘરમાં જમીને તરત ચિઢાઈ બે-ચાર શબ્દો આપીને અહીંથી ગયા, એટલે પછી એનેય આખો દહાડો બોજો રહે ઠેઠ સુધી, તમે ફરી ભેગા ના થાવ ત્યાં સુધી રહે અને તમનેય ત્યાં સુધી બોજો રહે. અને આપણે એ ધીમે રહીને પછી બેસી જરા દવાખાનામાં મોડું થાય તો વાંધો નહીં. 'લાવો, જરા મહીંથી ઈલાઈચી લાવો, લવિંગ લાવો,' કહીને પછી બધું સંકેલી લેવું અને 'અમારી ભૂલો થાય છે. વળી તમે બહુ સારા માણસ છો. જુઓને, ઉતાવળમાં અમારી કેવી ભૂલ થઈ ગઈ !' એટલે નિવેડો આવી જાય. એમાં વાંધો ખરો ? એટલે આમ કરીને વાળી લેવું. આપણી દાનત ખોરી નથી. વાળી લેવામાં કદી સંસારી ચીજ આપણે એની પાસેથી પડાવી લેવી હોય તો ખોટું. આપણે તો એનું મન સ્વચ્છ કરવા માટે વાળી લેવું. આપણે જે પથરા નાખ્યા છે, એ પથરા તો વેર બાંધે, મૂઆ ! ગમે એવો ઢીલો માણસ હોય, આપણી જોડે એનું ચાલતું ના હોય, તો પણ જો એના મનને પથ્થર વાગ્યા હોયને તો વેર બાંધે. એટલે ત્યાંય આડાઅવળી કરીને મન ચોખ્ખું જ કરી નાખવું. 'પહેલેથી જ આવો હતો હું અને આ ચક્કર છાપ છું.' ત્યારે એ કહેશે, 'સારો માણસ છે પણ આ થઈ ગયું.' તરત આપણું નામ ચોપડીમાંથી ફાડી નાખે આમ. નોંધ ફાડી નાખે તે. તમને બોલતાં ના ફાવે, આ ચક્કર છે એવું ?! નાટકીય મમતા તો હોય નહીં ને ! બાકી અમે નાટક જ કરીએ છીએ ને ! અમે કેવી હીરાબાની ખબર રાખીએ છીએ ! અને પંદર દહાડે એક ફેરો હીરાબા છે તે ભાણાભાઈને કહે, 'આજે કહેજો, જમવા આવે દાદા.' એટલે અમારે જવું જ પડે. ગમે એટલું કામ હોય તો પણ જવું પડે. એમને રાજી રાખવા પડે. એ ચિઢાય તો આપણી આબરૂ ગઈ. આ થોડીઘણી આબરૂ રહી છે તેય જતી રહે. પણ એ ચિઢાય એવું મેં રાખ્યું જ નથી. એટલે અમે હીરાબાને ત્યાં જઈને જમી આવીએ છીએ. હીરાબા કહે, 'કાલે જમવા આવજો.' તો પાછા અમે ત્યાં જઈએ છીએ. બધા લોકોય કહે, 'દાદા, આજ જમવા આવ્યા હતા.' પણ કેવું નાટક કર્યું ! હીરાબા એ ના જાણે કે આ નાટક કરે છે, તોય હું કહું કે 'તમારા વગર મને ગમતું નથી.' એ ના જાણે કે આ નાટક કરે છે, આ તો તમને કહું છું. 'એ તો મારા હ્રદયમાં છે' એવું મનમાં રાખીએ તો ના ચાલે. હ્રદય ત્યાં વ્યવહારમાં ચાલે શી રીતે ? વ્યવહાર તો હોવો જોઈએ. અમેય હીરાબાને પૂછીએ, 'કેમ છે તબિયત ? સારી છે ? કેમ હસતા હતા એ કહો.' ત્યારે એ કહે, 'હું તો રડું છું હઉ !' ત્યારે મેં કહ્યું, 'પાછા રડો છો શા હારુ ?' ત્યારે કહે છે, 'અહીં દુઃખે છે તો રડવું આવે, નહીં તો હસવું આવે.' એટલે પૂછવું પડે. વ્યવહાર તો કરવો પડે. રુ રુ રુ 'લોકોને અહિત ના થાય એવું કરવું જોઈએ. એ તો બિચારા અણસમજુ છે જ. પણ આપણે આપણા નિમિત્તે એવું ના હોવું જોઇએ. બંને એટલું ઓછું કરવું.' સામાનો આનંદ એ અમારો ધર્મ, લોક શું કહેશે, એમાં ન કોઈ મર્મ! હજુય હું હીરાબા જોડે બધી વાતો કરું છું. ગમ્મત કર્યા કરવાનો. એટલે એમને સારું લાગે પછી. આનંદ થાય એવીય વાત કરીએ. 'હજુ દાદા આવડા મોટા ભગવાન થયા પણ જુઓ, મારા આગળ તો ટાઢા પડી જાય છે ને !' એવું એમને લાગે. અને મારી આબરૂ તો ગયેલી જ છે. હવે ક્યાં મારી બીજી જવાની છે આબરૂ ? છે જ ક્યાં આબરૂ તે ? એટલે 'મારો રોફ છેને' એવું એમને લાગે. એમને આખી રાત સારી ઊંઘ આવેને ! પ્રશ્નકર્તા : બધે એવું જ કરો છો. દાદાશ્રી : પણ આમાં હીરાબાને કંઈ છેતરવાના છે ? સામાને આનંદ શી રીતે થાય એ અમારો ધર્મ. બીજું બધું આ લોક વ્યવહારમાં શું કહેશે, એ અમારે કશું જોવાનું નહીં. લોક વ્યવહારમાં તો બધું કહેતા જ આવ્યા છેને, ક્યાં નથી કહેતા કે 'આવા છે, તેવા છે,' ના કહે ? સારું કહીએ તોય લોક તો ઊંધું કહે છે, એવું નથી કહેતા ? એટલે આપણે સામાને આનંદ કેમ થાય એ જોઈએ છે. પ્રશ્નકર્તા : નિર્દોષ આનંદ. દાદાશ્રી : હા અને હીરાબા એ પોતે નિર્દોષ માણસ. એમને ખરાબ વિચાર તો કોઈને માટે આવેલો નહીં. એ મને કહેય ખરાં કે 'તમારા કરતાં લોકોનો મારા પર વધારે ભાવ છે.' મેં કહ્યું, 'હા, તેથી તમારા લીધે તો મારા પ્રત્યે ભાવ છે ને !' કારણ કે આપણા લોકોય કહેને, 'બા, તમારી વાત તો જુદી.' એટલે બા માની લે બિચારાં, સીધાં-સરળને ! વ્યવહારિક પ્રસંગોમાં દાદા હીરાબાને વખાણે,પુણ્યશાળી તો 'તમે' કહી પોઝિટિવ દ્ષ્ટિ આણે! અમારા એક ભત્રીજા આવ્યા. તે હીરાબા એમનાં કાકી થાય. 'કાકી, મારા કાકાને તમે મોક્ષે લઈ જશો એવાં કાકી છો !' એવું કહે એટલે હીરાબા મને કહે, 'જુઓ, લોકો તો મને એવું કહે છે.' મેં કહ્યું, 'હા, તમારા લીધે તો મારો મોક્ષ થવાનો છે, એમાં મારે શું વાંધો છે ?' પ્રશ્નકર્તા : તમારે લીધે મારે મોક્ષે જવાનું છે એવું આપ બોલી શકો, મારાથી એવું ના બોલી શકાય. દાદાશ્રી : એ તો એવું છેને, આવું ના બોલીએ ત્યાં સુધી આપણામાં શક્તિ આવે નહીં ને ! પછી અમારા ભત્રીજાએ એવું કહ્યુંને કે, અમારાં કાકી મોક્ષે જવાનાં ને તે તમને મોક્ષે લઈ જશે. ત્યારે મેં કહ્યું, 'બહારની દુનિયામાં પૂછી આવો કે આવાં કાકી મળે ?' એ કહે છે, મને મળ્યાં છેને પણ ? ત્યારે આ તમને મળ્યાં એટલે તમે પુણ્યશાળી ખરા ? મેં કહ્યું, 'આ ઓછું પુણ્ય ના કહેવાય !' એવું છે ને, હીરાબાને વખાણે તોય બહુ થઈ ગયું. મને નહીં વખાણો તો ચાલે. એ વખાણવા જેવાં છે. ઝવેરબા (દાદાનાં મધર) હતાં પછી એ હતાં, તો એમણે ઘરમાં સાચવ્યું. બાના જેવી ખુરશી એમણે સાચવી. પછી હવે આપણે બીજું શું સાચવીએ ? કોઈને વઢ્યા નથી, કોઈને દુઃખ દીધું નથી. કોઈને આઘુંપાછું નથી કર્યું. જ્યાં સુધી ખાવાનું કરતા હતા, બધાને સારી રીતે ખવડાવ્યું. પછી ના થયું ત્યારે છોડી દીધું. કોઈ મહેમાનને તરછોડે નહીં. થતું હતું ત્યાં સુધી બધું કર્યું છે. રાખી ન આશા આશ્વાસનની કદિ,કોઈને કહીને શા માટે વહોરવી ઉપાધિ! અમને તો ત્રણ ડિગ્રી તાવ હોય ત્યાં વડોદરામાં તોય હીરાબાને કોઈ દહાડો ખબર નથી આપી કે તાવ આવ્યો છે. એ આશ્વાસનનો શું ફાયદો ? હીરાબા તો ઝટ 'આમ લઈ આવું ને તેમ લઈ આવું ને ફલાણું લાવું' કરી મૂકે. ઊલટાં લોકોને કહે. લોકો જોવા આવે ને બહાર મારે ઉપાધિ થઈ પડે. એના કરતાં 'એક નન્નો સો દુઃખને હણે'. લોકોથી કશું થાય નહીં. વગર કામની ઉપાધિ ! પાછો જોવા આવ્યો હોય, તે આપણે 'આવો' કહેવાનું, જોડે બેસવું પડે. અરે મૂઆ, તે આ પાછી ડખલ ક્યાં ઊભી કરી ? જોવાવાળો જાણે કે હું ના જઉં તો એમને ખરાબ લાગશે. હું જાણું કે અત્યારે આ ક્યાં આવ્યો ? કેમ છે ને બધું પૂછવું પડેને, વગર કામનું. નહીં તો આપણે તો એની મેળે બેસી રહીએ. હીરાબા કહે, 'તમને તાવ છે ?' તો હું કહું, 'ના બા. જરાય તાવ નથી.' પ્રશ્નકર્તા : ધારો કે આમ હાથ લગાડે ને કહે કે તાવ આવ્યો છે, પછી શું કરવાનું ? દાદાશ્રી : તો આપણે કહીએ કે, 'આ આવ્યો છે, તે હમણાં ઊતરી જશે. અને બહાર હમણાં આ વાત કરવા જેવી નથી.' ત્યારે કહે, 'સારું ત્યારે.' નહીં તો અમુકનો ઉકાળો કરી લાવો એટલે ઉતરી જશે. તેનો વાંધો નહીં. પણ બહુ એની જાહેરાત કરીને શું કરવાનું ? અને લોક જે આવે એ કોઈ દુઃખ લઈ લે ? પણ આ જેને તમે વાત કરો, એ દુઃખ લઈ લે ?! આ બધા મહાત્માઓ, એમાં કોઈ મને કહે કે, 'દાદા, આવું થયું ને મને તેવું થયું.' તે હું કહું, 'કશો વાંધો નહીં, હું છુંને.' તે હું કંઈ એમાંથી લઈ લેવાનો છું ? પણ માણસને આશ્વાસન રહે ! રુ રુ રુ 'અમારે વ્યવહાર આદર્શ હોય. બાકી ટોપ ક્લાસ એવો વ્યવહાર માણસને ના હોય.' જ્ઞાનીનો આ અજોડ ઇતિહાસ,પત્ની અંગૂઠે વિધિ કરે ખાસ ! એક દહાડો હીરાબા મને કહે છે, 'કૃષ્ણનું નામ દઈશ, તમારું નહીં દઉં.' એમને પહેલેથી પેસી ગયેલું કે આ જૈન ધર્મ પાળે છે. એટલે બધું જૈન છે આ. પણ અત્યારે તો વિધિ-બિધિ કરે છે. આમ જ્ઞાનેય લીધેલું. પણ એ પાછલું હજુ થોડુંક જાય નહીં. 'ચાર વાગે ઊઠીને કૃષ્ણનું નામ દઉં છું.' કહે છે. એમને કહ્યું કે 'આ દાદા ભગવાન ?' તો હીરાબા કહે 'એય ભગવાન, પણ આ અમારા ને !' પ્રશ્નકર્તા : એમને કહીએ છીએ કે 'બા, આ જાતે જ કૃષ્ણ છે,' તો હીરાબા કહે, 'ના, એ નહીં. મારા તો પેલા જ.' દાદાશ્રી : એમની સમજણ પર આપણી સમજણ ઠોકી બેસાડવાની નથી. એમની છે એ કરેક્ટ છે, આ આપણુંય એનું એ જ છે ને ! અને પેલુંય એનું એ જ છે. બેઉ કાગળિયાં જ ને ! કોઈ સુંવાળો કાગળ કે કોઈ ગ્રાફ પેપર હોય ને કોઈ પેલો કાગળ હોય, પણ છેવટે કાગળિયાં ફેર જ ને ! પછી હીરાબા મને કહે છે, 'તમે ભગવાન શાના ?' મેં કહ્યું, 'હા, બરાબર છે. તમારી વાત સાચી છે.' પછી થોડા વખત પછી મેં કહ્યું, 'ભગવાન એ ભગવાન છે, હું કંઈ ભગવાન છું ?' ત્યારે હીરાબા કહે, 'તમે જ ભગવાન છો. નહીં તો આટલું બધું લોક આવતું હશે ? કંઈ બધા અમથા આવે છે ? બધા લોક ગાંડા છે કે પાછળ ફરે તે ? તમે જ ભગવાન છો.' એવાં એ આમ કહે તો આમ ને આમ કહે તો આમ. અમે મર્યાદામાં રહીએ. હીરાબાને હીરાબા કહીએ. ભાભીને દીવાળીબા કહીએ. અરે, ભત્રીજાવહુનેય કાશીબા કહીએ. મોટી ઉંમરનો પુરુષ હોય તેને તું કહીએ પણ સ્ત્રી નાની હોય તોય તેને માનથી બોલાવીએ. સ્ત્રી એ તો લક્ષ્મી છે. એક જણે મને પૂછ્યું કે, 'અત્યારે તમારે તમારી પત્ની જોડે કેવો વ્યવહાર છે ? લ્યો-લાવો કહો છો ?' મેં કહ્યું, 'એ આવડા છોતેર વર્ષનાં ને હું અઠ્ઠ્યોતેર વર્ષનો તો લ્યો-લાવો કહેવાતું હશે ? હું હીરાબા કહું છું.' પછી એ મને કહે છે, 'તમારા તરફ પૂજ્યભાવ ખરો કે ?' મેં કહ્યું, 'હું જ્યારે વડોદરા જઉં છુંને, ત્યારે એ વિધિ કરીને પછી બેસવાનાં. અહીં ચરણે કપાળ અડાડીને વિધિ કરવાનાં. તે રોજેય વિધિ કરવાનાં. આ બધાએ જોયેલું, તો અમે કેવાં સાચવ્યાં હશે કે એ વિધિ કરે ! કોઈ જ્ઞાનીની સ્ત્રીએ એમની વિધિ કરેલી નહીં. એ પરથી તમને બધું સમજાયું ? અત્યારેય ત્યાં આગળ જઈએ ને, તે દસ મિનિટ તો પહેલી એમની વિધિ કરાવડાવાની અહીં આગળ (પગના અંગૂઠે). માથે પગ મૂકવાનો, તે દસ મિનિટ કરાવડાવે, બસ. એટલે દાદાની આટલી સેવા. અમે શું સેવા કરીએ ? અમારાથી ઊંચકાય નહીં અને હાથ-પગ છે તે, એક પગ એ થઈ ગયેલો, હાથ એ થઈ ગયેલો ને બેસી રહે. ઊંચકીને સંડાસ લઈ જવા પડે. હવે સંડાસ અહીંયાં કરે નહીં એવા પાછા અક્કલવાળા. ત્યાં લઈ જાવ, કહેશે. તે બધા બહુ સારી સેવા કરે. અમારે પણ આટલી સેવા રોજ કરવાની. તે એમને નીચે નમવાનું નહીં. ચાર છોકરા અમારી ખુરશી ઊંચકી રાખે અને અમારા પગે અહીં માથું અડાડવું. આમ ઊંચે અમારી ખુરશી ધરી રાખી તે પગે માથું અડાડીને બેઠેલાં હોય. અમારે વિધિ કરવાની ને એમને બોલાવું, 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એમ હીરાબા બોલે. અત્યારેય હીરાબા અહીં આગળ નમસ્કાર કરી, દર્શન કરેને રોજ સવારમાં, રોજ રાત્રે દર્શન કરી પછી છે તે વિધિ કરે છે. અમારો અત્યારેય વ્યવહાર આવો છે. અમારો વ્યવહાર બગાડેલો નહીં ને. એમણેય મારી પાસે આ મોક્ષે જવાનું જ્ઞાન લીધેલું. મારેય મોક્ષે જવું છે, કહે છે. રુ રુ રુ 'આ તો બધું સંયોગ સંબંધ છે ને ! કોઈ દસ વર્ષ રહે, કોઈ વીસ વર્ષ, કોઈ પાંચ મિનિટ રહે, કોઈ દસ મિનિટ રહે. એની મેળે વિયોગ થયા જ કરે.' સ્મશાન સુધી હીરાબાને વળાવ્યા માનભેર, લોક જ્ઞાનીને જુએ પણ જ્ઞાનમાં ન કશો ફેર! અત્યાર સુધી હીરાબાએ પાછળ બૂમ પાડી નથી ને દુઃખ પડ્યું નથી, સહેજેય દુઃખ પડ્યું નથી. પ્રશ્નકર્તા : આવી વેદનામાં તો બીજા તો ચીઢિયાં કરે. દાદાશ્રી : ચીઢિયું તો ખાધું જ નથી. એ બીજા લોકો ચીઢિયાં કરે છે, એનું કારણ શું ? પોતાને દુઃખ થાય છે, તે સહન થતું નથી. આમને તો દુઃખ જ થતું નથી ને ! એમને રોજ શાતા વેદનીય રહેતી હતી અને મરતી વખતે સમાધિ મરણ જ હોયને ! મને મનમાં રહ્યા કરે કે એમને કોઈ અશાતા આવી પડે તો ? એટલે હું રોજ પ્રાર્થના કરું કે એમને અશાતા ના આવે. આવાં સુંવાળા માણસને અશાતા દુઃખરૂપ થાય. પ્રશ્નકર્તા : હીરાબાના દેહવિલયના સમાચાર મળ્યા ત્યારે આપનો શું પ્રતિભાવ હતો ? દાદાશ્રી : અમે પથારીમાં રાત્રે બેઠા હતા ત્યારે એક મહાત્મા નીચેથી કહેવા આવ્યો કે હીરાબા ગયા. રાત્રે સારી રીતે વાતો-બાતો કરતો'તો. ત્રણ વાગે ગામ આખું છોડી દીધું. પ્રશ્નકર્તા : રાત્રે ત્રણ વાગે ખબર કેવી રીતે પડી, દાદા ? દાદાશ્રી : એ તો જાગ્યા'તા ને બધા. રોજ જાગીને જુએ ને ! ત્યારે થોડું થોડું એ થયું પછી જતાં રહ્યા. બસ આવો છે આ સંસાર. એમને અઢાર વર્ષથી બૂમ પાડતા નથી જોયા. એક બૂમ પાડતા કોઈએ જોયા નથી. નહીં તો મને આમ થયું કે તેમ થયું, બૂમ પાડે કે તરત જ સોડ વાળે. પણ એમને તે ઠેઠથી, પહેલેથી મુશ્કેલીમાંય સમાધિ હતી ને ! અમે બધાં સાથે જ બેઠા હતા. કશી એવી વાતચીત જ નહોતી. બધી પાછલી જ વાતો કરતા હતા. એ પોતે હઉ સૂઈ ગયા એટલે પછી અમેય સૂઈ ગયા. પછી આ લોકો તપાસ કરવા ગયા ત્યારે પછી ઉપર આવીને મને મહાત્માએ કહ્યું. પછી મેં કહ્યું, 'હું વિધિ કરું છું. ત્યાં સુધી તમે બધું કરો. મારે એક કલાક વિધિ ચાલવાની.' સવારમાં જે લોક તૂટી પડ્યું છે ! મહીં હાર, હાર, હાર ! પોણો-પોણોસો હાર સુખડના હશે, બીજા કેટલા બધા હાર ! એ તો એના સાથે જ બાંધ્યાં હતા, રસ્તામાં બધા હાર સાથે. ત્યાં જ મૂકીને પછી બધા મને કહે છે કે 'તમે આવશો કે ?' મેં કહ્યું, 'હા, જરૂર. હીરાબા જાય છે, હું મૂકવા ના આવું તો ખોટું કહેવાય ને ! એટલે હું હીરાબાને મૂકવા આવું છું. હીરાબા કંઈ ગયા છે ? નામ ને ઠામ બે જ ગયું ને, જે રહેતા હતા એ ઘર.' હું યે સ્મશાન ગયો'તો. મેં કહ્યું, 'હેંડું છું, હેડું છું એટલે આ વ્હીલચેર ઉપર.' બધા કહે, 'ગાડીમાં ?' એટલે મેં કહ્યું, 'ગાડીઓમાં સ્મશાનના રસ્તા ભેગા થાય નહીંને !' પ્રશ્નકર્તા : આજકાલ બધા ગાડીઓમાં જાય છે, દાદા. દાદાશ્રી : ના, એ તો બધા રોફવાળા. મારે કોઈ રોફ નહીંને ! હું તો એમની જોડે ને જોડે ગયો, વ્હીલચેરમાં. અમે તો જ્ઞાની થઇ બેઠેલા એટલે લોકો હીરાબા મરી ગયા ત્યારે મારા સામું જુએને, કે દાદા કેટલા જ્ઞાનમાં છે ને કેટલા આમાં છે તે ! પણ એક ક્ષણવાર બીજું દેખી શકે નહીં, નિરંતર જ્ઞાન. સમયે સમયે દરેક પળે પળે નહીં, સમયે સમયે. સમયસારનું જ્ઞાન રહ્યું'તું. પ્રશ્નકર્તા : દાદા, એમ કેમ બોલ્યા ? જ્ઞાની થઇ બેઠા એમ નહીં, જ્ઞાની છો જ. દાદાશ્રી : નહીં, એ પણ ભઇ... અજ્ઞાની માણસ તો એવું જ બોલે ને ! 'જ્ઞાની થઇ બેઠેલા જુઓ તો ખરા ! કેમનું પોલ ચાલે છે !' પછી હું તો પેલી વ્હીલચેરમાં નીકળ્યો. વ્હીલચેર છોકરાઓ ધકેલે. પછી ગાડીઓવાળા કહે છે કે 'દાદા, વ્હીલચેરમાં તો બહુ ટાઈમ લાગશે, ગાડીમાં બેસી જાવ.' મેં કહ્યું, 'ના, આજ તો હીરાબાની જોડે ને જોડે ઠેઠ સુધી એમની પાછળ પાછળ આવીશું.' ધીમે ધીમે લોકોય જુએ કે દાદાજીના આ શું વેશ થયા છે, અને લોક પછી ઓળખી કાઢે, બેસણાનું પેપરોમાં વાંચે ને ત્યારે ! અમે જૂને ઘેર રહેતા હતા ત્યાં લઈ જઈને બે મિનિટ ઊભા રાખ્યા હતા. ત્યાં આગળ લોકો મને જુએ. પણ અમે તો નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા. અમને એવું સરસ જ્ઞાન એટલે અસર ના થાય ને ! આખો ચોખ્ખા ઘીનો ડબ્બો મંગાવ્યો અને મુંબઈમાં મળતા હતા તે સુખડના લાકડાં જેટલા મળ્યા લઈ આવ્યા. આ રીતે (અગ્નિસંસ્કારમાં) બધું ચોખ્ખું થઈ ગયું. બળીને રાખ થાય છે એટલું જ જુએ છે ને ! તે એમના માટે નહીં, લોકને માટે. નહીં તો લોકમાં વાતાવરણ ને બધી હવા-બવા બગડે. એટલે આ બધું જે કર્યું તે લોકોએ લોકોના માટે કરેલું. બાળવા-કરવાની ક્રિયા કરવાની, ફૂલા નાખવાની ક્રિયા કરી તેય બધું પોતાના માટે. હીરાબા ગયા અખંડ સૌભાગ્યવતી થઈને,પ્રોમિસ પાળ્યું દાદાએ ઘરે હાજર રહીને! હીરાબાને તો મેં પૂછેલું. પહેલા મેં કહ્યું આપણે જવું પડશે ? એ વગર છૂટકો જ નહીં કહે છે અને મેં કહ્યું, 'મારે ઘૈડપણ આવી ગયું.' 'તે આવેને, બૂમો શું કરવા પાડો છો ? એ તો આવે જ' કહે છે. ગમ્મત કરવા સારુ મેં કહ્યું, આ લોકો મને કહે છે તમે ઘૈડા થઈ ગયા ? તે તો આવવાનું, ઘૈડપણ ના આવ્યું હોય તોય આવે. જવાનું આપણે તો. મને પૈણતી વખતે વિચાર આવેલો કે આ પૈણીએ છીએ ખરા પણ બેમાંથી એક જણે રાંડવું પડશે. તે કાલે છતું થયું. કાલે એ બન્યું, એ જોયું ને ? કો'ક પૂછે કે દાદા ? ત્યારે કહે, રાંડેલા જ છે. કંઈ માંડેલા ઓછા કહેવાય ? હીરાબા હતા ત્યાં સુધી માંડેલા અને ગયા એટલે રાંડેલા ! પછી વિધુર કહેશે પણ દેશી ભાષા એ સાચી. રાંડવું ને માંડવું. ગામઠી ભાષા મોક્ષે લઈ જાય. રાંડવા-માંડવાનું જ્ઞાન હોય તો મોક્ષે જાય, બળ્યો. પ્રશ્નકર્તા : હીરાબાની એક વાત સાચી પડી ગઈ. એ કહેતા હતાં કે હું જ્યારે જઈશ, ત્યારે દાદા હાજર હશે. હા, મને પ્રોમિસ છે. આ બાજુ માંદા થઈ ગયાં ને તમે ન હો, મુંબઈ હો, તો ગભરામણ ના થાય. દાદાશ્રી : એવી ખાતરી. પ્રશ્નકર્તા : ખાતરી. કારણ કે તમે અહીં આવી જાવને, પછી બહુ ચિંતા ના થાય કે દાદા છે. કેટલાંય વર્ષ ઉપર મને કહેલું. તમે પંદર દહાડા મુંબઈ જાવ, અને વાતમાં ને વાતમાં કહેલું. એમને આપણે પ્રોમિસ છે, કે હું દેહ છોડીશ ત્યારે એ હાજર હશે. દાદાશ્રી : બહુ ખાતરી કહેવાય. એવી પોતાની જાતની ખાતરી હોય તો કામ કર્યા વગર રહે જ નહીંને ! એ મને રોજ કહેતાં'તાં કે મારે પહેલું જવાય એવું કરો. હું અખંડ સૌભાગ્યવતી થઈને જઉં. પ્રશ્નકર્તા : તે એવું જ થયું. દાદાશ્રી : એટલે પછી આપણાથી બોલાય જ નહીંને ! પ્રશ્નકર્તા : એમની ઇચ્છા પૂરી થઈ. દાદાશ્રી : બધી ઇચ્છા પૂરી. બીજી કશી ઇચ્છાઓ રહી નહોતી. સંયોગી સંયોગ પૂરો થતાં છોડીને ચાલ્યા, સુગંધિત જીવનના ફળે પ્રેમ એવો પામ્યા! સુવાસ મૂકતાં ગયાં થોડી ઘણી ? પ્રશ્નકર્તા : ઘણી સુવાસ મૂકતા ગયાં. દાદાશ્રી : જુઓને, ઓહોહો ફૂલોની કેટલી બધી માળાઓ હતી ઉપર, બધો ઢગ જ હતોને ! માળાઓ હતી તેય બધી મહીં નાંખેલી. મહાત્માઓએ ખૂબ પ્રેમ વરસાવ્યોને ! હવે આમાં રડવા જેવી વાત જ ક્યાં છે ? આ તો અહીંથી છૂટા પડ્યા છે. હું અમેરિકા જઉં એવી રીતે આ જાય છે. '૨૩માં પૈણ્યા'તા ને '૮૬માં છૂટાં પડ્યાં. જુઓ, સંયોગ વિયોગી સ્વભાવનો ને ? અને તે લગનમાં જ મને તો માંડવામાં જ વિચાર આવ્યો હતો કે બેમાંથી એક જણ રાંડશે ને ? પોતે સંયોગી તો ચાલ્યા ગયા. એવા સંયોગ સંબંધ કેટલે સુધી પહોંચ્યા છે એ ખબર હતી. અમારા ૧૯મે વર્ષે ફાધરના સંયોગ પૂરા થઈ ગયા. ૨૦મે વર્ષે બ્રધરનો સંયોગ પૂરો થયો. પછી ઝવેરબાનો ૪૮મે વર્ષે અને હીરાબાનો છે તે ૭૯માં વર્ષે ૧૯૮૬માં સંયોગ પૂરો થયો. અમે વ્યવહારમાં આદર્શ. જુઓને, સ્મશાનમાં આવ્યા'તાને. પ્રશ્નકર્તા : એ જોયુંને, બધાએ જોયું. ઘણા પૂછે કે દાદા આવ્યા હતા ? મેં કહ્યું, દાદા આવ્યા હતા, ઠેઠ આવ્યા હતા. દાદાશ્રી : સ્મશાનમાં ન આવે તો લોક જાણે કે ફરી પૈણવાના છે. આપણે ત્યાં કહેવત છે. ૩૦-૪૦ વર્ષના હોય ને ફરી પૈણવાનો હોય તો સ્મશાનમાં જાય નહીં. એવા લોકો સમજી જાય કે સ્મશાનમાં આવ્યા નથી, ફરી પૈણશે. ખરેખર એમ જ છે. સ્મશાનમાં ગયો એટલે ફરી પૈણાય નહીં. આ જુઓને, અમે ઊઘાડું આવીને કહી દીધુંને, 'ભઈ, નથી પૈણવાના.' ગયાં કે રહ્યાં બન્ને સ્થિતિ સરખી જ હોય,વ્યવહારેય જ્ઞાનીનો હંમેશાં આદર્શ હોય! લોકો એમ જાણે કે દાદાને બહુ દુઃખ થયું હશે. દાદાનો 'તાવ' જુએ ત્યારે ખબર પડે કે હીરાબા ગયાં કે રહ્યાં છે, એ બન્ને સ્થિતિ સરખી જ હોય. રહ્યા તોય સરખી, ગયા તોય સરખી, બન્ને સ્થિતિ સરખી હોય. હજુ અમને પેટમાં પાણીમાં હાલ્યું નથી. પણ વ્યવહારમાં અમે કહીએ કે મહીં થાય તો ખરું જ ને ! તમને બધાને ના કહીએ, પણ બહાર તો વ્યવહારમાં અમે કહીએ. એ કહેશે, 'હીરાબાનું તમને થાય ને ?' મેં કહ્યું, 'હા, થાય તો ખરુંને ! ના થાય એવું હોય ?' નહીં તો એને ગણતરી ઊંધી લાગે. કહેશે, 'આ કઈ જાતની ગણતરી ? આવું શી રીતે બને ?' તમને કહું તે સાચું લાગે પણ અસર જ ના હોય કોઈ જાતની. આ વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે અમને અસર કરે ! તમારા દુઃખ જ લઈ લીધાં તો મારી પાસે દુઃખ જ ક્યાંથી હોય ? તમને કોઈ જાતનું દુઃખ છે ? થયું ત્યારે, દાદા મળ્યા ત્યારથી દુઃખ જ નથીને ! અમને જો દુઃખ થતું હોય તો અમે જ્ઞાની જ ના કહેવાઈએ. અમને કોઈ રીતે દુઃખ જ ન થાય. અમને દુઃખ અડે નહીં, કોઈ દહાડોય ! પ્રશ્નકર્તા : પણ સ્વાભાવિક દુઃખ અડે નહીંને ? દાદાશ્રી : ગમે તે રીતે દુઃખ જ થાય નહીં, સ્વાભાવિક કે અસ્વાભાવિક એનું નામ જ્ઞાની. અમે આ શરીરમાં જ રહેતા નથી. શરીરમાં રહે તો દુઃખ થાય ને ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે અમને દુઃખ જ ના હોય. અમે રડીએ તોય દુઃખ ના હોય. આ અંબાલાલ રડે તોય દુઃખ ના હોય. એટલે આ બહુ જુદી જાતની દશા ! આમાં આઘાત લાગવાનું અમને હોય નહીં. પ્રશ્નકર્તા : એ હકીકત હું સમજી શકું છું. દાદાશ્રી : અમને એકલાને નહીં, આ બધાને દુઃખ ના હોય. આ બધાને કહેલું કે એક દુઃખ થાય તો જવાબદારી મારી છે. માણસને દુઃખ કેમ થવું જોઈએ ? શું ગુનો કર્યો તે માણસને દુઃખ થાય ? એટલે એમનેય કોઈ ઘેર કોઈ મરી જાય તો દુઃખ ના થાય. હીરાબા મારા વાઇફ છે એ એક્ઝેક્ટ મારી માન્યતા હોય નિશ્ચય-વ્યવહારથી, તો મને રડવું આવ્યા વગર રહે નહીંને ! પણ આમાં તો હું હસુંય નહીં અને રડુંય નહીં. લોકોએ ઠેઠ સુધી હીરાબાની પાછળ મને જોયો, સામે જોયું. કશું દેખે નહીંને ! એક ક્ષણવાર અમે (ઉપયોગ) ચૂકીએ નહીં, નહીં તો અમને કોઈની આંખમાં પાણી જોઈએ તો ડૂસકું ભરાય. અમને મરેલા પર રડવું ના આવે, જીવતા માણસને રડતા દેખીએ ત્યારે મનમાં ડૂસકું ભરાય. અમારાથી એ જોઈ શકાય નહીં. એટલે આમાં અમે જીવતા માણસને રડતાં જોઈએને, પણ કશું અસર ના થાય એટલું બધું તાળું મારી દઈએ, ઠેઠ સુધી. સ્મશાનમાં બેઠા તોય નહીં. અસર જ નહીં, નો ઇફેક્ટ. લૌકિકને સાચું માની રડી ઊઠે બિચારાં,આ તો પોતપોતાનું સંભારી રડે છે સારાં! પ્રશ્નકર્તા : તે દિવસે ચંદ્રકાંતભાઈ વખતે એક વાત થઈ હતી, ડૂમો ભરાયો હતો આપને ! દાદાશ્રી : હા, થયું હતું. ત્યાં આગળ એવું જોવાઈ ગયું અને એટલો બધો ઉપયોગ મૂકાયો નહીં. એ તો એક્ઝેક્ટ ઉપયોગ મૂકી દેવો પડે. એ ઉપયોગ સહેજ ખસી ગયો કે થઈ ગયું'તું. અહીં ઠેઠ સુધી થયું નહીં. અને પથારીમાં રસિકભાઈ કહેવા આવ્યા તોય મેં કહ્યું, કશો વાંધો નહીં. તમે બધું આ પ્રમાણે-આ પ્રમાણે કરો. પછી એમના ભત્રીજા આવ્યા, એમના ભાઈના દીકરાઓ. તે બે જણ આવ્યા. તે એમને ઢીલા પડતા જોયા, એટલે મેં જાણ્યું કે હમણે ડૂસકું આવશે ને રડશે. એટલે મેં કહ્યું કે તમે બહાર બેસો. એટલે એમને બહાર બેસાડ્યા હતા, કારણ કે મને મુશ્કેલીમાં મૂકે ને એ ખૂબ રડે એટલે થોડું ઘણું બે ટપકાં પડી જાય પછી. એ ટપકાં પડે એનો વાંધો નથી, પણ એ વ્યવહાર ન કહેવાય. આ તો બધું લૌકિક છે. એમાં સાચા માણસ રડી ઊઠે બિચારાં અને તે રડવું આવવું જોઈએ માણસને. કારણ કે એ મમતાનું પરિણામ છે. રડવું ના આવે તો મહીં ગભરામણ થઈ જાય. એ પરમાણુ નીકળી જવા જોઈએ. એવું છે ને, રડનાર માણસ આગલે દહાડે કેમ રડતા નથી ? એ હું એમને પૂછું છું. શું એ જાણતો નથી કે જવાના છે ? હું એમને પૂછું કે પછી રડો છો શું કરવા ? ને પહેલાં કેમ રડતા નથી ? પ્રશ્નકર્તા : તમે કહો ને ? દાદાશ્રી : મનમાં બધું જાણે છે કે આ જવાના છે, તો રડવું કેમ નથી આવતું ? ત્યારે મનમાં એમ કહે કે ભઈ, એમને સાયકોલોજી ઈફેક્ટ થાય એટલા હારુ નથી રડતા. તે એમની ગેરહાજરીમાં રડે. આ તો રડવું એક-એકનું જુએ છે ને, એનું આવે છે ને બીજા કોઈને રડવું આવે છે ? જેને ખોટ ગઈ તેને. જેને ખોટ ગઈ ને, તેને રડવું આવે. બાકી ગોરાણીઓ મને કહેતી'તી. મેં કહ્યું, આ બધા રડે છે ને બિચારા દુઃખી થાય છે. ત્યારે કહે, સહુ સહુના ઘરનું સંભારીને રડે. ત્યારે મેં કહ્યું, આ છાતીઓ ફૂટે છે ને ! ત્યારે કહે, 'ભઈ, તમે જાણતા નથી. એ તો હાથ પર હાથ ઠોકે છે. એટલે તમે જાણો કે આ છાતી કૂટવા માંડી. છાતીને અડે નહીં. તે આ લૌકિક કહેવાય. લૌકિક એટલે શું ? એના જેવું પણ તેવું એક્ઝેક્ટ નહીં. જેવું તમને જણાય તેવું એક્ઝેક્ટ નહીં, પણ એના જેવું. હવે આ બધી ગૂંચો માણસને શી રીતે સમજણ પડે ? હું તો બધી અવસ્થામાંથી બહાર નીકળેલો છું. એટલે પેલી ગૂંચો જોઈને સોલ્યુશન આપું. અને આ ઠેઠ સુધીનું પારદર્શક હું જોઈ શકું છું. પ્રશ્નકર્તા : આપે પ્રશ્ન કર્યો ને કે આગલે દહાડે કેમ નથી રડતા ? એમને સમજાવો. દાદાશ્રી : એવું છેને, માણસ મરી ગયા પછી સ્વાર્થનું રડે છે. અને કોઈ કહેશે, હું પ્રેમથી રડું છું. તો એનો પ્રેમનો સ્વાર્થ છે. પ્રેમ એનું નામ કહેવાય કે જીવ મરે તોય પ્રેમ રહી શકે છે. એટલે આ બધું સ્વાર્થનું રડે છે. તે એ ગયા પછી જ રડે. નહીં તો ખરું રડવું આવતું હોય ને તો પહેલેથી રડવું આવે કે હવે મારું શું થશે ? આ તો બધું ઠીક છે, લૌકિક કહેવાય. હું નાનો ૧૦-૧૨ વર્ષનો હતો ને, ત્યારે અમારા કુટુંબમાં એક ભાઈ મરી ગયેલા. તે બધા એમના ભાઈઓએ પોક મેલી. તે આ પોક કેવી રીતે મેલી ? માથે આટલે સુધી ઓઢેલું ખેંચે, અહીં સુધી. એટલે મોઢું દેખાય નહીં, આંખ દેખાય નહીં. મહીં અંદર શું કરી રહ્યા છે, પોક મેલી રહ્યા છે કે એ રેડિયો વગાડી રહ્યા છે, આપણને ખબર પડે નહીં. એટલે આમ પોક મેલી અને એવો અવાજ (!) આવ્યો કે મને ઊઘાડી આંખે રડવું આવ્યું, વિષાદ રસ ઉત્પન્ન થાય એવું બોલ્યો. અને વિષાદ તે આંખમાંથી પાણી આવી ગયા, એટલે મેં જાણ્યું કે અત્યારે હું આટલું રડ્યો તો આ કેટલું રડ્યાં હશે ? અને મહીં પોલંપોલ. પછી આ બધું જોઈ લીધેલું. આ બધું નાટક છે ખાલી. પ્રશ્નકર્તા : એ ૨૦માં વર્ષની વાત પછી ૮૦ વર્ષ સુધીમાં તમે કેટલી વખત રડ્યા ? દાદાશ્રી : પછી બંધ થતું ગયું. રડાય તો ખરું પણ અમુક સ્ટેજે. અને પછી બંધ થતું જાય. એ તો બા (ઝવેરબા) મરી ગયાં ત્યારે રડાયેલું. કારણ કે એ જો ન રડું ને તો મહીં ડૂમો ભરાય ને દુઃખ થાય. એટલે જાણીને રડેલો. એટલે મારી આંખમાંથીય પાણી નીકળે. કારણ કે અમારું હાર્ટ કૂણું હોય. તે કોને પાણી ના નીકળે ? જેનું હાર્ટ મજબૂત થયેલું હોય ને બુદ્ધિ પર લઈ ગયો હોય ત્યારે. અમારું હાર્ટ તો બહુ કૂણું હોય. બાળક રડે એવું રડે. પણ આ જ્ઞાન હાજર રહેને. અમારે જ્ઞાનને હાજર રાખવું પડે. એક સેકન્ડનો નાનામાં નાનો ભાગ જો ખસ્યા હોત તો તરત પાણી નીકળી જાય. જેની આંખમાં બહુ પાણી આવતું હોય તેનાથી અમે છેટા બેસીએ. અને ત્યાં હાસ્ય અમારે બંધ કરવું પડે. જગત વ્યવહાર છે આ તો. અને કાચી બુદ્ધિવાળો તો કહેશે કે જુઓને, હ્રદય પથરા જેવું છે તે હજુ તો હસે છે. એવું કહે, ટીકા કરવાની મળે. પછી અમારા મહાત્માઓની હાજરીમાં અમે હસીએ. બીજાની હાજરીમાં ના થાય એવું. હવે રડવું એટલે શું કરવાનું ? કે ઉપયોગ છોડી દેવાનો એટલે લોકોને જુએ એટલે આપણને રડવું આવે હડહડાટ. ઉપયોગ તો નિરંતર હોય. આ હીરાબા વખતે તો ઉપયોગ હતો ! એક સેકન્ડ પણ કંઈ પાણી હાલ્યું નથી, જેવો હતો તેવો. હીરાબાની ઇચ્છા નહોતી કે તમે રડજો. આ તો બોલે ના. મનમાં કહેશે કે પથરા જેવા છે એટલે રડવું પડે. પણ મને એવું કોઈ પથરા જેવો કહે નહીં. પ્રશ્નકર્તા : હીરાબા ગયા ત્યારે તમે કંઈ રીતે સ્થિરતા રાખેલી ? દાદાશ્રી : અમારે તો એ હોય તોય સ્થિરતા હોય ને એ ના હોય તોય સ્થિરતા જ હોય. હું આ દેહમાં જ ના હઉં ને, હું દેહથી જુદો રહું છું. આ દેહનો છે તે સંબંધ એમને. મારે કોઈ જાતનો સંબંધ નહીં. એટલે હું જુદો રહું છું પણ વ્યવહાર સુંદર, હીરાબાને 'હીરાબા' કહીને બોલાવતો હતો. અમારે સ્થિરતા જ હોય. કોઈ દહાડો મને ગાળો ભાંડે, માર મારે, ધોલો મારે તોય સ્થિરતા જ હોય. અમારી સ્થિરતા જાય નહીં. ધીસ ઈઝ ધી કેશ બેન્ક ઑફ ડિવાઈન્ડ સોલ્યુશન. આ દાદા ભગવાન પ્રગટ થયા છે ને તે કેશ બેન્ક છે. એટલે આનંદ થાય જ, નહીં તો આનંદ કોઈ વસ્તુથી ના થાય. એકાગ્રતાથી શાંતિ થાય, અહીં તો આનંદ તમે જોયો ને ! ના પાડી હતી હીરાબાએ પાછળ શોક રાખવા,સારી ઉંમરે સારું મરણ, નવો દેહ પામવા! પ્રશ્નકર્તા : હીરાબાની ઉંમર કેટલી હતી, દાદા ? દાદાશ્રી : મારાથી બે જ વર્ષે નાનાં. એટલે એમને સીત્યોતેરમું બેઠું હશે. સારી ઉંમર થઈ ગઈ. સારી ઉંમરમાં સારું મરણ, બે ભેગું થાય નહીં ! પણ જુઓ આ પુણ્યૈ કેવી સરસ ! દાદાશ્રી : પંદર વર્ષે લગ્ન થયા'તા, તે સાઈઠેક વર્ષે પછી કહે છે કે જઉં છું. એ સંગાથ તો મોટો કહેવાય ને ? પ્રશ્નકર્તા : મોટો જ કહેવાય. દાદાશ્રી : ઓછો ના કહેવાય. પછી એની પાછળ શોક હોય જ નહીંને ! મેં તો કહ્યું, બેન્ડ હોય તો બેન્ડ વગાડાવો. પણ લોક માન્ય ના કરે ને !! મેં કહ્યું, દુકાન ભાંગી હોય ને તો બીજી નવી બાંધવી સારી. ત્યાં થાંભલો પડી ગયો હોય. બીજો પડવાની તૈયારી હોય, નળીયા પડતા હોય ને તોય રહેનારને કહે, ના, મારે આમાં જ રહેવું છે. ગમે નહીં નીકળવું. કેમ બોલતાં નથી ? પ્રશ્નકર્તા : ઘર છોડવાનું ગમે જ નહીં. દાદાશ્રી : છોડવાનું નથી ગમતું એય અજાયબી છે ને ! હીરાબા ૭૭ વર્ષનાં હતાં. તે હવે ઘૈડું પાન થયું હતું. એટલે મેં તો બધાને કહ્યું કે આજ તો મારે ત્યાં છોડી હોત તો હું વાજાં વગાડાવાત !!! કે આવા ભાંગલા તૂટલા દેહમાંથી આત્મા સારી રીતે નીકળ્યો. તોય આપણા લોકો એને કાણમોકાણ જેવું બનાવી દે. પ્રશ્નકર્તા : દીકરો મરી જાય ને તો પેંડા વહેંચો. જન્મે ત્યારે તો વહેંચે પણ મરી જાય ત્યારે વહેંચો. એ વાત તે દહાડે કાઢેલી. અને આજ આ વાત નીકળી કે બેન્ડવાજાં વગાડત. દાદાશ્રી : મેં તરત એક-બે જણને કહ્યું હતું, કે બેન્ડ હોત તો આજ બેન્ડ વગાડત. હીરાબાને આપણે પૂછ્યું હોત કે અમે તમારા પછી શોક રાખીએ ? ત્યારે કહેત કે ના, શાંતિથી રહેજો. આ તો લોકોને દેખાડવા માટે લોક આવું કરે છે. સંસારવ્યવહારમાં રહે એ વ્યવહાર સારો ગણાય,સારા-ખોટા માટે નહીં, એમની ઈચ્છાને માન અપાય! પ્રશ્નકર્તા : હીરાબાની બાબતમાં તમે આ પાછળ વાપર્યું એ વ્યવહારમાં કેવું કહેવાય ? દાદાશ્રી : આ સંસાર વ્યવહારમાં સારું કહેવાય એ. પ્રશ્નકર્તા : આપણે રહેવાનું સંસાર વ્યવહારમાં જ. દાદાશ્રી : આ સંસારના વ્યવહારમાં ખરું, એમાં સારું દેખાય આ. અને એ તો સારું દેખાય એટલા માટે હું ના કરું. એ તો હીરાબાની ઇચ્છા હતી એટલે મેં કર્યું આ. મને સારું-ખોટાની પડેલી ના હોય, તે છતાં ખોટું ના દેખાય એવું રહેતા હોઈએ. આપણે જીવતા જ છીએને. મરવાના નહોતા ? પણ હવે તો ખબર પડીને ? પહેલાં ખબર નહોતીને ? આ જાત એમ જાણે કે મરી ગયા. જેવી દ્ષ્ટિ એવું દેખે. જે પોતાને મરી ગયો એમ જાણતો હોય એ બીજાને મરી ગયા જ જાણે. એ આત્મા ના હોય. આત્મા છે તો બધો વ્યવહાર છે. એટલે આ અમારે લૌકિક વ્યવહારની બધી જરૂર. એ હીરાબાની ઠાઠડી જોડે ને જોડે જ ગયેલો. તે ઠેઠ સુધી બધો વ્યવહાર. વ્યવહાર હોય તો આત્મા છે. વ્યવહાર ના હોય તો આત્મા એક બાજુ જતો રહ્યો. આત્મા એટલે આદર્શ વ્યવહાર. દુનિયાની દ્ષ્ટિએ સમજદાર હોય, એ વિષાદ રહેવા દે અને દુનિયાની દ્ષ્ટિએ સમજદાર ના હોય એ વિષાદ કાઢી નાખે. આ બે દ્ષ્ટિઓ છે. કોઈ પણ વસ્તુ દુનિયામાં બને કે તરત 'આ શું છે ?' એવું જોડે બીજું અમારું બનેે. દુનિયામાં બને એ તો વ્યવહારનું બન્યું પણ નિશ્ચયનું અમારે બની જાય કે 'ખરેખર આમ છે.' એ એની મેળે જ બની જાય, સ્વાભાવિક રીતે જ ! કહીએ એવું વારેઘડીએ, કામ કાઢી લો હવે, આત્માનું કરતાં વ્યવહારશુદ્ધિ બાયપ્રોડક્ટમાં આવે! 'કામ કાઢી લો !' એટલું અમે વારેઘડીએ કહીએ છીએ. મારું કામ નીકળી ગયું છે, માટે તમારું કામ કાઢી લો. પેલું બધું તો કોઇ વસ્તુના તાબે છે, તમારે તાબે નથી ને એનેય તાબે નથી. પ્રશ્નકર્તા : એ તો આપે બાય પ્રોડક્ટ છે એમ કહ્યું છે ને ! દાદાશ્રી : બાય પ્રોડક્શન ગયા અવતારે જે કરેલું, એનું બાય પ્રોડક્ટ ફ્રી ઓફ કોસ્ટ મળેલું છે. અત્યારે જેટલું જેટલું આપણે આત્માનું કરીએ, તે આપણું પ્રોડક્શન કહેવાય. અને આત્માનું કરતા હોય, વ્યવહાર ચોખ્ખો રહે, એ આપણું છે તે એનું બાય પ્રોડક્ટ આવે. પ્રશ્નકર્તા : બાય પ્રોડક્ટ એ પુણ્ય કહેવાય ને ? દાદાશ્રી : એ તો આપણે બાય પ્રોડક્ટ એટલા માટે કહીએ છીએ, કે લોકોને સમજણ પડે. એટલે આપણે આ કારખાનું કરીએને, એમાં બાય પ્રોડક્ટ એટલે એમાં કંઇ એના હેતુ માટે આપણે બનાવ્યું નથી, એ તો ફ્રી ઓફ કોસ્ટ જ મળ્યા કરે. નફો તો બાય-પ્રોડક્ટ બાદ કરીને નથી કરવાનો, બાય પ્રોડક્ટ તો એમ ને એમ જ રહેવા દેવું અનામત જ. નફો તો બીજી રીતે કાઢવાનો છે. - જય સચ્ચિદાનંદ |