વ્યવહાર ઉકેલની કળા, જ્ઞાનીની દ્ષ્ટિએ

સંપાદકીય

અક્રમ માર્ગની રિયલ ધર્મની જ્ઞાનભાષામાં તો યથાર્થ નિશ્વય પ્રાપ્ત કર્યા પછી યથાર્થ વ્યવહારની શરૂઆત થાય છે. યથાર્થ વ્યવહાર એ આત્યંતિક મુક્તિનું પ્રથમ સોપાન છે.

જ્ઞાનીઓ, તીર્થંકરો જગતને નિર્દોષ જોઈ, વ્યવહાર ઉકેલીને કર્મના બંધનોથી છૂટી મુક્તિને પામી ગયા. અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) પોતે પણ આ જ રસ્તે પૂર્ણ વીતરાગતાને પામ્યા અને આપણને એ જ અંગુલિનિર્દેશ કરે છે કે છૂટવું હોય તો આ રસ્તે પગરણ માંડો.

આપણા જીવનના રોજબરોજના વ્યવહારમાં જે રાગ-દ્વેષ રૂપી કષાયો ભા થાય છે, તેના મૂળમાં આગ્રહ, અભિપ્રાય કે દોષ દ્ષ્ટિ રહેલી હોય છે અને તેના કારણે આત્માના આનંદની અનુભૂતિ આવરાતી હોય છે.

વ્યવહારમાં વ્યવહાર દ્ષ્ટિ ના રાખતા તેને નિશ્વય દ્ષ્ટિથી ઉકેલવાનો છે. રિયલ ભાવમાં રહી રિલેટીવ વ્યવહાર કે જે ટેમ્પરરી છે તેને સુપરફલુઅસલી, નાટકીય રીતે, કોઈને પણ દુઃખ ના થાય, કોઈને પણ અડચણ ના થાય, કોઈની પણ સાથે અથડામણ ના થાય તે રીતે ઉકેલવાનો છે.

વ્યવહાર એટલે શું ? વ્યવહાર કેવો હોવો જોઈએ ? આદર્શ વ્યવહાર કોને કહેવાય ? એની અત્યંત ગુહ્ય સમજ દાદાશ્રીની અનુભવ સિદ્ધ વાણીથી આપણને ઉપલબ્ધ થાય છે. તેને આપણે આપણા જીવનમાં સમજણથી ગોઠવ-ગોઠવ કરીને વ્યવહારને આદર્શ કરી લેવાના ધ્યેયને સિદ્ધ કરવાના પુરુષાર્થમાં લાગી જવાની આવશ્યકતા ભૂલાવી તો ના જ જોઈએ ને ? શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ પછી હવે જે વ્યવહાર કે જે ડિસ્ચાર્જ કર્મો રૂપે છે, તે વ્યવહારને સ્વપદમાં રહીને નિકાલ કરવાનો રહે છે, જ્યાં સુધી તેનો નિકાલ નહીં થાય, ત્યાં સુધી ધ્યેયને કેમ સિદ્ધ કરી શકાશે ?

વ્યવહારને વ્યવહારમાં રાખવો ને નિશ્વયને નિશ્વયમાં રાખવો એ જ ખરો પુરુષાર્થ છે અને મહાત્માઓ હવે આજ પુરુષાર્થમાં લાગી જવાનું છે. અને તે પછી જીવનના દરેક પ્રસંગોમાં, સંયોગોમાં સંપૂર્ણ સમાધાનકારી જ્ઞાન જાગૃતિ રહે અર્થાત્ અસમાધાન માત્રથી વિરામ પામવાનું બને છે.

અત્રે પ્રસ્તુત સંકલનમાં મહાત્માઓને જીવન વ્યવહારમાં સમભાવે નિકાલ કરી, સુમેળ સાધીને સમતામાં રહેવા માટેની અનેક ચાવીઓ નિઃશંક ઉપલબ્ધ થશે, જે મુક્તિના પંથે પ્રગતિ સાધવામાં દીવાદાંડી સમ બની રહેશે.

દીપક દેસાઈ

વ્યવહાર ઉકેલની કળા, જ્ઞાનીની દ્ષ્ટિએ

વ્યવહાર કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : વ્યવહાર કોને કહેવાય ?

દાદાશ્રી : જે બધું રિલેટિવ એ બધો વ્યવહાર કહેવાય. વ્યવહાર બધો વિનાશી ચીજોનો છે. ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ (સાપેક્ષ બધું વિનાશી છે), એ બધો વ્યવહાર છે અને રિયલ ઇઝ ધી પરમેનન્ટ એડજસ્ટમેન્ટ (નિર્પેક્ષ કાયમનું છે), પરમેનન્ટનો વ્યવહાર કરવાનો નથી. આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટનો વ્યવહાર કરવાનો છે. જો 'વ્યવહાર શું છે' એટલું જ જો સમજે તોય મોક્ષ થઈ જાય.

વ્યવહાર છે પરાશ્રિત

વ્યવહાર પરાશ્રિત છે. તમારા હાથમાં આટલુંય નથી. લોકો પરાશ્રિતને સ્વાશ્રિત માને છે. એકે માન્યું, બીજાએ માન્યું એટલે પોતે પણ માની લીધું. પછી આ સંબંધી કશો વિચાર જ આવતો નથી. એક વખત રોગ પેઠો, પછી નીકળે કઈ રીતે ? પછી તો આ સંસારરોગ વધતો 'ક્રોનિક' થઈ ગયો. રોગ 'ક્રોનિક' થયો ન હતો, ત્યારે નીકળ્યો નહીં. તે હવે 'ક્રોનિક' થયા પછી શી રીતે નીકળે ? આ વિજ્ઞાન મળે તો છૂટે.

નિઃશેષ વ્યવહારે ઉકેલ

ભગવાને શું કહ્યું કે 'એક વ્યવહાર છે અને બીજું નિશ્ચય છે'; વ્યવહારનો તો નિઃશેષ ભાગાકાર થઇ રહ્યો છે, નહીં તો ઉકેલ ક્યાંથી આવે ? નિરંતર વ્યવહારને વ્યવહારમાં રાખવો અને નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો. અને વ્યવહારમાં તો જેટલું હશે તેટલું તો સામે આવશે જ ને ? વ્યવહાર તો તમે જેટલો વ્યવહાર લાવેલા તેટલું રોકડું જ આપે. વ્યવહાર શું કહે છે ? કાયદેસર અઢાર આપવા જોઇએ અને આઠ જ કેમ આપ્યા ? કારણ કે આઠનો જ વ્યવહાર હતો માટે આઠ આપ્યા, એટલે વ્યવહાર શૂન્ય થઇ જાય, પાછલાં કર્મો શૂન્ય થઇ જાય. પણ 'જ્ઞાની પુરુષે' જ્ઞાન આપ્યું હોય તો ચાર્જ ના થાય, નહીં તો ચાર્જ થઇ જાય.

વ્યવહાર એટલે બન્નેની વાત શૂન્યતાને લાવે તે. સ્થૂળ કર્મો, પંચેન્દ્રિયથી દેખાતાં, અનુભવાતાં કર્મો, શૂન્યતાને પામે એ વ્યવહાર. સ્વરૂપના અજ્ઞાનીને એ કર્મો ચાર્જ કરીને જાય અને અમે જેને જ્ઞાન આપ્યું હોય, જેને સ્વરૂપનું ભાન હોય તેને તો ડિસ્ચાર્જ થઇ જાય અને નવું ચાર્જ ના થાય. ડિસ્ચાર્જ કોઇ પણ પ્રકારનું હોય પણ તે જેવો સામાનો વ્યવહાર હશે તેવું જ ડિસ્ચાર્જ થશે.

ઉપકાર-અપકાર, બધું જ વ્યવહાર

કેટલાક એવા હોય છે કે, તમે ઉપકારથી ભાગતા હો તોય તે અપકારથી ભાગતા હોય ! એમાં ન્યાય કરવા જાવ તો ગાંડા બનો. સરકાર, વકીલ બધા ગાંડા બને. એમાં તો આ ઉપકાર કરે છે એ વ્યવહાર છે અને પેલો અપકાર કરે છે એય વ્યવહાર છે. એમાં ન્યાય કરવા જાવ અને લવાદને બોલાવો તો લવાદ ઉપરથી પહેલાં જ કહેશે, એય, ચા-પાણી-નાસ્તા લાવો !

જ્યાં વ્યવહાર કહ્યું ત્યાં ન્યાય ખોળવાનો જ કયાં રહ્યો ? તું આ સમજીશ નહીં તો વ્યવહાર પોતે જ તને મારી-ઠોકીને વ્યવહાર કરાવશે. માટે સમજી જાને કે આ તો વ્યવહાર જ છે !

વ્યવહાર આદર્શ તો નિશ્ચય આદર્શ

વ્યવહાર બહુ જાણવાનો છે. નિશ્ચય તો છે જ પોતાનો. એમાં જાણવાનું કશું નહીં, વ્યવહાર જો ચોક્કસ રહ્યો તો નિશ્ચય ચોક્કસ થાય. વ્યવહાર આદર્શ થયો તો નિશ્ચય આદર્શ. વ્યવહાર ડખો રહી ગયો તો નિશ્ચય ડખો રહી ગયો. નિશ્ચય તો વ્યવહારનો ફોટો છે.

ત્યારે એ લોકોએ શું કહ્યું, 'નિશ્ચય' પર જ ભાર દેવાનો, આ પેણે ભાર ઓછો થઈ જશે, એટલે પહેલું આરાધવાનું. આપણે શું કહ્યું ? જેનાથી બંધાયા છો, તેની જોડે છોડવાની ચિંતા કરવાની. આ 'નિશ્ચયે' તો છોડેલો જ છેને, એ તો આપણું પોતાનું જ સ્વરૂપ છે. અહીં મસ્કા મારવાની જરૂર નથી, ત્યાં મસ્કા મારવાની જરૂર. જેનાથી બંધાયા છો તેને જાણોને. આત્માને મસ્કા મારવાની જરૂર છે ?

પહેલા શું, વ્યવહાર કે નિશ્ચય ?

પ્રશ્નકર્તા : વ્યવહાર પહેલો કે નિશ્ચય પહેલો ?

દાદાશ્રી : વ્યવહાર પહેલો પણ એનો અર્થ પાછો એવો નહીં કે વ્યવહારનો રાગ કરવો.

પ્રશ્નકર્તા : ત્યારે વ્યવહારના નિરાગી થઈ જવાનું ?

દાદાશ્રી : રાગ કરે તો સિંગલ ગુનો છે ને નિરાગી થાય તો ડબલ ગુનો છે. નિરાગીયે ના રહેવાય.

પ્રશ્નકર્તા : નિરાગી એટલે કઈ રીતે ?

દાદાશ્રી : વ્યવહારથી નિઃસ્પૃહ થઈ જાય તે. વ્યવહારથી નિઃસ્પૃહ એટલે પોતાની 'મધર' કહેશે કે 'કેમ તું મારી વાત માનતો નથી ?' ત્યારે પુત્ર કહે, 'હું આત્મા થઈ ગયો છું !' આવું ના ચાલે. વ્યવહારમાં વિનય, વિવેક બધું જ હોવું જોઈએ. આપણા વ્યવહારમાં કોઈની બૂમાબૂમ ના પડવી જોઈએ.

કોઈપણ વસ્તુમાં ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે અને ઉતાવળ ના કરવી એ ડબલ ગુનો છે.

તમારે કયા ખાડામાં પડવું છે ?

પ્રશ્નકર્તા : એકુંય નહીં.

દાદાશ્રી : માટે વાતને સમજી જાવ. ઉતાવળ નહીં કરું તો ગાડી કંઈ તારી રાહ જોવાની છે ? અને ઉતાવળ કરીશ તો કારને અથાડી મારીશ !

શેષ ના વધે તે વ્યવહાર

વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું, જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?

ન્યાય શું કહે છે ? નવને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઇ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, 'એ આવું આવું બોલ્યા, તે તમારે આવું આવું બોલવું જોઇએ.' પણ તમે એક વખત બોલો એટલે પેલા બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બંને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો, વ્યવહાર ભગાઇ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે.

વ્યવહારમાં 'ન્યાય' કયો ?

આ સંસારમાં વ્યવહાર જ બધે મૂંઝવે છે ને ! વ્યવહારને અને ન્યાયને લાગતું-વળગતું નથી. લોકો ન્યાય કરવા જાય છે, ન્યાયને બોલાવાનો જ ના હોય. જે વહુને સાસુ પજવતી હોય તેય વ્યવહાર ને જે વહુને સાસુ જમાડ જમાડ કરતી હોય તેય વ્યવહાર છે. આખો દા'ડો કેસર ઢોળે એ વ્યવહાર છે અને પજવે એય વ્યવહાર છે. જો વ્યવહાર ના હોય તો તો પુદ્ગલ આવે જ નહીં ને ! આ વ્યવહાર છે, એમાં ન્યાય-બ્યાય જોવા જાય તો ઉકેલ જ ના આવે.

ભગવાન જોડે ૧૧ શિષ્યોનો વ્યવહાર હતો, એમાં કો'ક શિષ્યને કો'ક દા'ડો ખોટું લાગી જાય તો એ શિષ્ય આખી રાત ઘે નહીં, એમાં ભગવાન શું કરે ? એમાં કયાંય ન્યાય જોવાનો હોય ? જો વ્યવહારને વ્યવહાર સમજે તો ન્યાય સમજી ગયો ! પાડોશી અવળું કેમ બોલી ગયા? કારણ કે આપણો વ્યવહાર એવો હતો તેથી. અને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રતિક્રમણ મોક્ષે લઇ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તોય ના બંધાય. કારણ કે આપણે સામાનાં આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને 'સ્વરૂપ જ્ઞાન' ના હોય તેણે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ જ રાખવો હોય તો સામો અવળું બોલ્યો તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.

ન કોઈ દોષિત આ જગમાં

વ્યવહારમાં લોકોને પોતાના દોષ દેખાતા નહીં હોય ને ?

પ્રશ્નકર્તા : ના દેખાય.

દાદાશ્રી : કેમ ? એનું શું કારણ હશે ? આટલા બધા બુદ્ધિશાળી લોકો છે ને ?

પ્રશ્નકર્તા : બીજાના બધા દોષ દેખાય.

દાદાશ્રી : એય સાચા દોષ નથી દેખાતા. પોતાની બુદ્ધિથી માપી માપીને સામાના દોષ કાઢે. આ જગતમાં અમને તો કોઈનોય દોષ દેખાતો નથી.

પ્રશ્નકર્તા : દાદા, આખું જગત નિર્દોષ છે, એ 'રીયલ' ભાવે બરોબર છે પણ 'રીલેટિવ' ભાવે તો એ વસ્તુમાં દોષ રહ્યા કરે જ ને ?

દાદાશ્રી : હા, પણ આપણે હવે 'રીલેટિવ'માં રહેવા માગતાં જ નથી ને ! આપણે તો 'રીયલ' ભાવમાં જ રહેવું છે. 'રીલેટિવ' ભાવ એટલે સંસારભાવ. તમને 'રીલેટિવ'માં ગમે છે કે 'રીયલ'માં ?

પ્રશ્નકર્તા : 'રીયલ'માં જ ગમે છે, દાદા ! પણ રહેવું પડે બન્નેમાં ને ? અમે નિશ્ચયથી સમજીએ કે બધા નિર્દોષ જ છે, પણ જ્યારે વ્યવહારમાં ઘણી વખત પેલું જોવું પડે ને ?

દાદાશ્રી : ના, વ્યવહાર એમ નથી કહેતો કે સામાના દોષ જોવા પડે. વ્યવહારમાં તો 'અમે' રહીએ જ છીએ ને ! છતાં અમને જગત નિર્દોષ જ દેખાયા કરે છે.

જગતમાં દોષિત કોઈ છે જ નહીં. દોષિત દેખાય છે એ આપણી જ ભૂલ છે. છતાં આટલી બધી કોર્ટો, વકીલો, સરકાર, બધાં દોષિત જ કહે છે ને ?

પ્રશ્નકર્તા : આપણે કેવી રીતે ગણવાનું ? વ્યવહારથી તો દોષિત છે જ ને ?

દાદાશ્રી : વ્યવહારથી કોઈ દોષિત નથી.

શુદ્ધ વ્યવહારથી કોઈ દોષિત છે જ નહીં. નિશ્ચયથી બધા શુદ્ધાત્મા થયા, એટલે એમને દોષ હોય જ નહીં ને !

અને દોષિત હોત તો મહાવીરને કો'ક દોષિત દેખાત, પણ ભગવાનને કોઈ દોષિત ના દેખાયું. આવડાં આવડાં માકણ કરડતા હતા, પણ તે દોષિત ના દેખાયા.

સંસાર, પારસ્પરિક સંબંધો

વ્યવહારના સંબંધો ચ્યુત સ્વભાવના છે અને તમે અચ્યુત છો. સંસારના સંબંધો ક્યારે ફસકી જાય, તે શું કહેવાય ?

પ્રશ્નકર્તા : એવા જ છે. એવું તો અનુભવમાં આવી ગયું.

દાદાશ્રી : તારે હઉ અનુભવમાં આવી ગયું ? તારાં મમ્મી હઉ ચ્યુત સ્વભાવનાં છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : સહુ કોઈ સાથે ચ્યુત થનારો સંબંધ છે પણ એ તો મનમાં આપણે સમજવાનું, વ્યવહારમાં તો એવું બોલવાનું, 'મમ્મી, મને તારા વગર ગમતું નથી.'

મમ્મીય બોલે, 'બાબા, મને તારા વગર ગમતું નથી.' અને મહીં જાણે કે, આ (સંબંધો) ચ્યુત સ્વભાવના છે. આ બધું 'ડ્રામેટિક' છે. તમે મહીં 'હું શુદ્ધાત્મા છું' એમ જાણો ને આ 'ચંદુભાઈ'ના નામનું નાટક ભજવવાનું. આ ડ્રામામાં રાગ-દ્વેષ ના હોય. ડ્રામામાં મારામાર કરે વઢંવઢા કરે, પણ મહીં રાગ-દ્વેષ ના હોય. આ ડ્રામા જે ચાલી રહ્યો છે, એ તો તું 'રિહર્સલ' કરીને જ આવેલો છે. તેથી તો અમે 'વ્યવસ્થિત' છે એમ કહીએ છીએ, નહીં તો ક્યારનોય આ બધું ફેરવી ના નાખે ?

આ દુનિયામાં ડ્રામા કરવાને બદલે લોકો કલેક્ટરની જગ્યા મળી હોય તો તે ઘેર પાંસરો બેઠો હોય, પણ ઑફિસની ખુરશીમાં તો આડો થઈ જાય. ઘેર આપણે જઈએ તો, 'આવો, બેસો કરે' ને ખુરશીમાં હોય તો ચું જુએ પણ નહીં ! 'શું આ ખુરશી તને કૈડે છે ?' એ તને ગાંડપણ વળગાડે છે ? 'હું છું, હું છું' કરે. 'અલ્યા, શેમાં છે તું ?' ઘેર તો તને વહુ ટૈડકાવે છે !

કંઈક તો સમજવું જોઈએ ને ? બધા જોડે પારસ્પારિક સંબંધ છે. જગત એટલે શું ? પરસ્પર સદ્ભાવના ! કલેક્ટર હોય કે પછી નોકર હોય, પણ પરસ્પર સદ્ભાવના હોવી જોઈએ અને 'હેલ્પિંગ નેચર', 'ઓબ્લાઈજિંગ' નેચર હોવો જોઈએ.

વિનાશી વ્યવહાર, 'ચંદુલાલ'નો

પ્રશ્નકર્તા : અમે જ્યારે જ્યારે અમારા વ્યવહારમાં ને વર્તનમાં આવીએ છીએ ત્યારે, 'હું શુદ્ધાત્મા છું' કે 'ચંદુલાલ છું' એની કંઈ જ સમજ પડતી નથી.

દાદાશ્રી : એ સમજી લેવાની જરૂર છે. 'તમે' ચંદુલાલેય છો ને 'તમે' 'શુદ્ધાત્મા'ય છો. 'બાય રિલેટિવ વ્યુપોઇન્ટ'થી તમે 'ચંદુલાલ' ને 'બાય રિયલ વ્યુ પોઈન્ટ'થી તમે 'શુદ્ધાત્મા' છો. 'રિલેટિવ' બધું વિનાશી છે. વિનાશી ભાગમાં તમે ચંદુલાલ છો. વિનાશી વ્યવહાર બધો ચંદુલાલનો છે અને અવિનાશી તમારો છે. હવે 'જ્ઞાન' પછી અવિનાશીમાં તમારી જાગૃતિ હોય.

સમજવામાં જરા ખામી આવે તો આવી કો'કવાર કો'કને ભૂલ થાય, બધાને થાય નહીં.

તમે ચંદુલાલ એકલા નથી. કોઈ જગ્યાએ તમે સર્વિસ કરતા હો તો તમે એના નોકર છો. તે આપણે નોકર તરીકેની બધી ફરજો પૂરી કરવાની. કોઈ કંઈ કાયમનો નોકર નથી.

પ્રશ્નકર્તા : અતિક્રમણ એટલાં બધાં હોય છે કે એક પ્રસંગ પૂરો ના કર્યો હોય, ત્યાં બીજો તૈયાર હોય. ત્યાં આગળ પ્રતિક્રમણનો ઉપયોગ કરવા જતાં બીજો ફોર્સ એટલો બધો આવે છે કે એને 'પેન્ડિંગ'માં રાખવું પડે છે.

દાદાશ્રી : એ તો ઢગલેબંધ આવે. ઢગલેબંધનો સમભાવે નિકાલ કરશો, ત્યાર પછી ધીમે ધીમે એ જોર ઓછું થશે. આ બધું પુદ્ગલ છે, એટલે શું કે જે પૂરણ કરેલું છે તે અત્યારે ગલન થાય છે, તેનો સમભાવે નિકાલ કરો.

એટલે આપણે અમુક અપેક્ષાએ ચંદુલાલ છીએ, અમુક અપેક્ષાએ શેઠ પણ છીએ, અમુક અપેક્ષાએ આના સસરા પણ છીએ, પણ તે આપણે આપણી 'લિમિટ' જાણીએ કે ના જાણીએ કે કેટલી અપેક્ષાએ હું સસરો છું ? પેલો ચોંટી પડે કે તમે કાયમના આના સસરા છો. ત્યારે આપણે કહીએ, 'ના ભઈ, કાયમનો સસરો તો હોતો હશે ?'

આપણે તો 'શુદ્ધાત્મા' છીએ ને 'ચંદુલાલ' તો વળગણ છે. પણ અનાદિકાળનો પેલો અધ્યાસ છે, તેથી એ બાજુ ને એ બાજુ જ ખેંચી જાય છે. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથને વાપરશો નહીં, તોય જમણો હાથ થાળીમાં ઘાલી દે ! પણ 'આ' જાગૃતિ એવી છે કે તરત જ ખબર પડી જાય કે આ ભૂલ થઈ. આત્મા એ જ જાગૃતિ છે, આત્મા એ જ જ્ઞાન છે પણ પહેલાંની અજાગૃતિ આવે, એટલે અજાગૃતિનો થોડો વખત માર ખાય.

પ્રશ્નકર્તા : આ દીકરો મારો, આ દીકરી મારી એમ થાય, એને પાછું 'હું શુદ્ધાત્મા છું' ને 'આ તો ન હોય મારું, ન હોય મારું' એમેય થાય.

દાદાશ્રી : મહીં ગુણાકાર થાય, તેના પાછા ભાગાકાર કરી નાખીએ. મહીં બધા જાત જાતના 'કારકો' છે. એક-બે જ નથી. આ તો બધી માયા છે. એટલે એ તો આપણને જાતજાતનું દેખાડે. આ બધાને આપણે ઓળખવા પડશે. આ આપણો હિતેચ્છુ છે, આ દુશ્મન છે, એમ બધાને ઓળખવા પડશે.

'વ્યાકુળતા' એ ન સ્થાન આપણું

પ્રશ્નકર્તા : અમારે તો મહીં અવળી-હવળી બધી જ જમાતો ભેગી છે, આ તો રોજનું જ છે.

દાદાશ્રી : કોઈ પણ ભાવ આપણને મહીં ઉત્પન્ન થાય અને તેનો આમળો ચઢે તો ત્યાંથી છોડી દેવું બધું. આમળો ચઢે કે તરત બધું ધે રસ્તે છે, એવી ખબર પડી જાય. જ્યાં હતા ત્યાંથી 'હું શુદ્ધાત્મા છું' કરીને ભાગી જવું. નિરાકુળતામાંથી જરાક વ્યાકુળતા ઉત્પન્ન થઈ કે 'આ આપણું સ્થાન ન હોય' કરીને ભાગી જવું.

પ્રશ્નકર્તા : અહીં જ મારી ભૂલ થાય છે. આકુળતા-વ્યાકુળતા થાય ત્યારે હું ભાગી જતો નથી, પણ સામો બેસી રહું છું.

દાદાશ્રી : અત્યારે બેસવા જેવું નથી. આગળ ઉપર બેસજો. હજી શક્તિ બરાબર આવ્યા વગર બેસીએ તો માર ખાઈએ. 'આપણો' તો નિરાકુળતાનો પ્રદેશ ! જ્યાં કંઈ પણ આકુળતા-વ્યાકુળતા છે, ત્યાં કર્મ બંધાશે. નિરાકુળતાથી કર્મ બંધાય નહીં. વ્યાકુળ થઈને આ સંસારનો કંઈ પણ ફાયદો થવાનો નથી ને જે થશે એ તો 'વ્યવસ્થિત' છે, માટે નિરાકુળતામાં રહેવું. જ્યાં સુધી શુદ્ધ ઉપયોગ રહે, ત્યાં સુધી નિરાકુળતા રહે.

અભિપ્રાયોથી જ બંધન

અમારે નાનપણમાં આવી બુદ્ધિ હતી. સામાને માટે 'સ્પીડી' અભિપ્રાય બાંધી દે. ગમે તેના માટે સ્પીડી અભિપ્રાય બાંધી દે. એટલે હું સમજી જાઉં કે તમારું આ બધું શું ચાલતું હશે ?

ખરી રીતે તો, કોઈનાય માટે અભિપ્રાય રાખવા જેવું જગત જ નથી. કો'કને માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે ને કોઈના અભિપ્રાય રહ્યા નહીં એ આપણો મોક્ષ છે. કો'કને ને આપણને શું લેવાદેવા ? એ એનાં કર્મ ભોગવી રહ્યા છે, આપણે આપણાં કર્મ ભોગવી રહ્યા છીએ. સૌ સૌનાં કર્મ ભોગવી રહ્યાં છે. એમાં કોઈને લેવાદેવા જ નથી. કોઈનો અભિપ્રાય બાંધવાની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા : હવે અમારે અભિપ્રાય ક્યાં બંધાય છે, વ્યવહારમાં બંધાય છે. આ તો એવું બને કે મને ખબર પણ ના હોય ને કહેશે, આ ચંદુલાલને કહ્યું છે, તમને ૫૦૦૦ રૂપિયા આપી ગયા ને ? ત્યારે મને ખબરેય ના હોય કે આ મારા નામે ખોટું બોલીને આવ્યો છે. એટલે પછી અભિપ્રાય પડે કે આ જૂઠો છે; ખોટો છે.

દાદાશ્રી : ભગવાને તો એટલે સુધી કહ્યું છે કે ગઈ કાલે આપણા ગજવામાંથી સો રૂપિયા એક માણસ લઈ ગયો ને આપણને અણસારાથી કે આજુબાજુના વાતાવરણથી એ ખબર પડી. પછી બીજે દહાડે એ આવે તો એના પર દેખતાંની સાથે શંકા કરવી એ ગુનો છે.

પ્રશ્નકર્તા : અને આ અભિપ્રાય રહે છે કે આ જૂઠો છે, તો એ ગુનો છે ?

દાદાશ્રી : શંકા કરવી ત્યાંથી જ ગુનો ઉત્પન્ન થાય છે. ભગવાને શું કહ્યું છે કે ગઈકાલે એનાં કર્મના ઉદયથી ચોર હતો ને આજે ના પણ હોય, આ તો બધું ઉદય પ્રમાણે છે.

પ્રશ્નકર્તા : પણ તો અમારે વર્તવું કેવી રીતે ? અમે જો અભિપ્રાય નથી રાખતા, તો એ પેંધી પડ્યો કે આ તો ઠીક છે, આ કંઈ બોલવાના નથી. માટે આપણે રોજ રોજ આક્ષેપો નાખતા જાવ.

દાદાશ્રી : નહીં, આપણે તો એને અભિપ્રાય આપ્યા સિવાય ચેતીને ચાલવું. આપણે ગજવામાં પૈસા રાખતા હોય ને આપણે જાણ્યું કે આ માણસ અહીંથી ઉઠાવી ગયો છે, તો કોઈની ઉપર અભિપ્રાય ના બંધાય. એટલા માટે આપણે પૈસા બીજી જગ્યાએ મૂકી દેવા.

અપના ગુના, અપના સ્પંદન

પ્રશ્નકર્તા : એમ નથી, આ તો એક માણસ પોતાનો કોઈ બીજો લેણદાર હોય, એને એમ કહેશે, 'મેં ચંદુભાઈને કહ્યું છે, એમણે તમને પૈસા મોકલી આપ્યા છે.' ત્યારે મને થાય કે હું તને મળ્યો નથી, તું મને મળ્યો નથી ને આટલું જૂઠું બોલે છે ? દાદા, મારે આવું બને, ત્યાં હવે કેવી રીતે વર્તવું ?

દાદાશ્રી : હા, એવું બધું ખોટુંય બોલે, પણ એ બોલ્યો શાથી ? કેમ બીજાનું નામ ના દીધું ને ચંદુભાઈનું જ દે છે ? માટે આપણે કંઈક ગુનેગાર છીએ. આપણા કર્મનો ઉદય એ જ આપણો ગુનો છે.

પ્રશ્નકર્તા : પણ અહીંયાં મારે વર્તવું કેમ ?

દાદાશ્રી : રાગ-દ્વેષથી આ સંસાર ભો થાય છે. આનું મૂળ જ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ કેમ થાય છે ? ત્યારે કહે કે કોઈનામાં ડખલ કરી કે રાગ-દ્વેષ ભો થયો. એ ઘરમાંથી ચોરી ગયો હોય છતાંય તમે એને ચોર માનો, તો તમારો રાગ-દ્વેષ ભો થયો. કારણ કે 'આ ચોર છે' એવું તમે માનો છો અને એ તો લૌકિક જ્ઞાન છે. અલૌકિક જ્ઞાન તેવું નથી. અલૌકિકમાં તો એક જ શબ્દ કહે છે કે તે તારા જ કર્મનો ઉદય છે. એનો કર્મનો ઉદય અને તારા કર્મનો ઉદય, એ બે ભેગા થાય એટલે એ લઈ ગયો. તેમાં તું ફરી પાછો શા માટે અભિપ્રાય બાંધે છે કે આ ચોર છે ?

અમે તો તમને કહીએ ને કે, ચેતીને ચાલો, હડકાયેલું કૂતરું મહીં પેસી જાય છે એમ લાગે કે તરત 'આપણું' બારણું વાસી દો. પણ તેની પર તમે એમ કહો કે આ હડકાયેલું જ છે, તો એ અભિપ્રાય બાંધ્યો કહેવાય.

પ્રશ્નકર્તા : અરે દાદા, કૂતરું પેસી જશે, માટે બારણું વાસવાને બદલે હું સામો જોર કરું અને બારણું બંધ કરતાંય બારણાનો ફજેતો કરું ને કૂતરાનોય ફજેતો કરું !

દાદાશ્રી : આ બધું લૌકિક જ્ઞાન છે. ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે કે કોઈની ઉપર આરોપેય ના આપશો, કોઈની ઉપર અભિપ્રાય ના બાંધશો. કોઈના માટે કશો ભાવ જ ના કરશો. 'જગત નિર્દોષ જ છે' એવું જાણશો તો છૂટશો. જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું, મારા જ દોષે કરીને બંધાયેલો છું, એવી દ્ષ્ટિ થશે ત્યારે છૂટાશે.

દોષિત દેખાય દોષદ્ષ્ટિથી

ભગવાને જગત નિર્દોષ જોયું, મને પણ કોઈ દોષિત દેખાતું નથી. ફૂલહાર ચઢાવે તોય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તોય કોઈ દોષિત નથી અને જગત નિર્દોષ જ છે. આ તો માયાવી દ્ષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્ષ્ટિનો જ દોષ છે.

પોતાના કર્મને વેદે ત્યાં કોણ દોષિત ?

દાનેશ્વરી માણસ દાન આપે છે તેને એ કહે, 'આ દાન આપે છે એ કેવા સરસ લોકો છે !' ત્યારે ભગવાન કહે છે કે તું શું કરવા રાજી થાય છે ? એ એનાં કર્મના ઉદય ભોગવી રહ્યો છે. દાન લેનારાય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. તું વચ્ચે વગર કામનો શું કરવા ભાંજગડ કરે છે ? ચોરી કરનારા ચોરી કરે છે, એય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. જગત આખુંય પોતપોતાનાં કર્મને જ વેદે છે.

અમે તમને જ્યારથી જોયા, જ્યારથી ઓળખ્યા, ત્યારથી અમારો તો કોઈ દિવસ અભિપ્રાય ના બદલાય. પછી તમે આમ ફરો કે તેમ ફરો, એ બધું તમારા કર્મના ઉદયને આધીન છે.

જ્યાં સુધી પોતાના દોષો દેખાતા નથી અને પારકાના જ દોષો દેખાયા કરે છે, એવી દ્ષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસાર ભો રહેવાનો. અને જ્યારે પારકાના એકુય દોષ નહીં દેખાય અને પોતાના બધા જ દોષો દેખાશે, ત્યારે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. બસ આટલો જ દ્ષ્ટિફેર છે.

પારકા દોષ દેખાય છે એ આપણી જ દ્ષ્ટિમાં ભૂલ છે. કારણ કે આ બધા જીવો કોઈ પોતાની સત્તાથી નથી, પરસત્તાથી છે. પોતાનાં કર્મના આધારે છે. નિરંતર કર્મોને ભોગવ્યા જ કરે છે. એમાં કોઈ કોઈનો દોષ હોતો જ નથી. જેને આ સમજણ પડી તે મોક્ષે જશે. નહીં તો વકીલાત જેવી સમજણ પડી, તો અહીંનો અહીં જ રહેશે. અહીંનો ન્યાય તોલશે તો અહીંનો અહીં જ રહેશે.

જગત, વ્યવહાર સ્વરૂપ

આ જગત 'ન્યાય' સ્વરૂપ નથી, 'વ્યવહાર' સ્વરૂપ છે. ભગવાને કહ્યું છે કે, ન્યાય જોશો નહીં, નહીં તો બુદ્ધિ વિભ્રમ થઇ જશે. વ્યવહાર જોજો પણ ન્યાય જોશો નહીં. એટલે વ્યવહારમાં ન્યાય કરવા જેવો નથી. વ્યવહાર જેવો છે તેવો છે, એટલું સમજી લેવાનું છે.

આ પંખો ફુલ સ્પીડમાં ચાલતો હતો. તેનું રેગ્યુલેટર બગડી ગયેલું, અમને ખબર નહીં તેથી કહ્યું કે, 'પંખો જરા ધીમો કરો.' તો કહે કે, 'પંખો ધીમો નથી થતો.' એટલે અમે તરત જ સમજી ગયા કે, આનો વ્યવહાર જ આવો છે તો ફરી એનો ન્યાય કરવા ક્યાં બેસું ? એટલે વ્યવહારમાં ન્યાય કરવાનો ના હોય.

આ ઘરમાં છોકરા-છોકરીઓ સાથે જે વ્યવહાર છે તે જ કરવો. એમાં ન્યાય શો કરવાનો ? ધણી પજવે તો શું કરવું ? ડાઇવોર્સ કરવા? અલ્યા, આ તો આવો જ વ્યવહાર છે, એમાં ન્યાય શું કરવાનો રહે ?

આ ન્યાય જોવા જાય છે એમાં જ ફસાય છે. વ્યવહાર તો ઉકેલાયા કરે છે અને જેવો લાવ્યા હોય તેવો પાછો મળે. જ્યારે ન્યાય તો શું છે કે સામો આવો હોવો જોઇએ, તેવો હોવો જોઇએ એવું દેખાડે. ન્યાય કોને માટે છે ? જેને 'મારી ભૂલ છે' એમ સમજાય છે, તેને તે ભૂલ ભાંગવા ન્યાય છે ને જેને 'મારી ભૂલ જ થતી નથી' એમ છે એને સમજવા માટે વ્યવહાર છે. ન્યાય એ તો કોમન લૉ છે. જેને મોક્ષે જવું હોય તેણે ન્યાયને જોઇ જોઇને કામ આગળ ચલાવવું, અને જેને મોક્ષની પડી નથી અને સંસારમાં જ રહેવું છે એને અને કોમન લૉને કંઇ લેવાદેવા નથી. ન્યાય તો થર્મોમીટર છે. આપણે જે કર્યું એ જોઇ લેવાનું કે આપણે કર્યું એ ન્યાયમાં છે કે ન્યાયની બહાર. ન્યાયમાં હશે તો ઉર્ધ્વગતિમાં જઇશ અને ન્યાયની બહાર હશે તો અધોગતિમાં જઇશ.

રમણીય વ્યવહાર, જ્ઞાનીનો

પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં મહીં બળ્યા કરે એ તરછોડ કહેવાય ને ?

દાદાશ્રી : એ તો એની જોડે રમણીય વ્યવહાર સચવાયેલો નહીં તેથી એવું બને, આ વ્યવહારમાં કોઇને અમે વઢતા હોઇએ પણ એમાં અમારો પોતાનો જરાય સ્વાર્થ ના હોય તો તે રમણીય વ્યવહાર હોય. એનું ફળ સુંદર આવે. પણ સ્વાર્થ માટે લઢે, પક્ષાપક્ષી માટે લઢે તેનું ફળ કડવું આવે. અમારો વ્યવહાર રમણીય હોય. વગર કાર્ય કર્યે જશ મળે. એમ ને એમ પગલાં પડે ને ફેરફાર થઇ જાય તે પૂર્વભવનો રમણીય વ્યવહાર છે. હવે તો આપણે જેટલો અને જેવો વ્યવહાર છે તે ભૂંસી નાખવાનો છે અને હવે આપણે નવો વ્યવહાર ક્યાં કરવાનો છે ? હવે તો તમારે વ્યવહારના જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદમાં રહેવાનું છે.

હવે કોઇ માણસ પૂછવા આવે કે, 'મારો છોકરો આવું કરે છે, ફલાણાએ આવું કર્યું, એવું તે કરાતું હશે ?' તો હું કહું કે, 'જે થઇ રહ્યું છે એ જ ન્યાય છે.' ન્યાય તો થર્મોમીટર છે. દરઅસલ સંજ્ઞા એ દરઅસલ ન્યાય છે; જે થઇ રહ્યું છે તેને જ અમે 'વ્યવસ્થિત' કહીએ છીએ. એમાં પછી ન્યાયાન્યાય ખોળવાનું ક્યાં રહ્યું ?

સબ સબ કી સંમાલો

આ તો ભારે ફસામણવાળું જગત છે. એમાં તલ ભારેય પોતાનું નથી. આપણું ઘર હોય તો તેનું ભાડું આપીએ તો પોતાનું, મારું ઘર થઇ જાય. આ ઘરમાં ચકલી રહેતી હોય તો એ શું જાણે કે આ ભાઇની માલિકીનું ઘર છે ? ના, એ તો પોતે રહી એટલે એની જ માલિકી જગ્યા. આ તો ઘરમાં ગરોળી રહેતી હોય તો તેય જાણે કે મારી માલિકીની જગ્યામાં હું રહું છું. આ તો સૌ સૌની માલિકીનું જગત છે.

ભગવાને શું કહ્યું કે, 'સબ સબ કી સંમાલો, મૈં મેરી ફોડતા હૂં !' એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા ભૈયાઓ એક મેદાનમા તરેલા. બધા સૌ સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાંલ્લીમાં મૂકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે, તેને પોતાની હાંલ્લી જડી જ નહીં. તેને ચિંતા થઇ કે, મારી પેલી કે પેલી ? આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ? ને પાછો તે વિચાર કરવા માંડ્યો કે, બીજાની લઇશ તો મને બધા 'ગાંડો' કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢ્યો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડ્યો, 'સબ સબ કી સંમાલો, મૈં મેરી હાંલ્લી ફોડતા હૂં.' તે તરત બધાએ પોતપોતાની હાંલ્લી પકડી લીધી અને પેલાને એની હાંલ્લી મળી ગઇ!

આ તો આપણી હાંલ્લી સંમાલીને ચાલવા જેવું છે. આ તો મછવામાં ભેગું થયેલું માણસ, તે એ તો એનો કિનારો આવશે એટલે તરી પડશે. અને આ કહેશે કે, 'મને એના વગર નહીં ચાલે.' આવું 'એના વગર ના ચાલે' એ કેમ ચાલશે ? આ તો ઋણાનુબંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા, ચપટીક ખાવું ને ગામ આખાનું માથે લઇને ફરવું ને પગ દુઃખે તો કોઇ જોવાયે આવે નહીં. એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે. શું તમે નહોતા જાણતા કે, આ બધી રીલેટિવ સગાઇ છે ? રીયલ હોય તો તો આપણે બધું જ કરી છૂટીએ. પણ આ તો રીલેટિવ સંબંધ તે ક્યારે ફ્રેકચર થઇ જાય, તેનું કશું ઠેકાણું નહીં. જો રીયલ સગાઇ હોય તો બાપ મરે, મા મરે તો છોકરો જોડે મરી જ જાય. આ મુંબઇ શહેરમાં એવું કોઇ મરે છે ? ના, કોઇ ના મરે; માટે આપણે પહેલેથી જ ના જાણીએ કે, આ રીલેટિવ સંબંધ છે ? અને રીલેટિવ સંબંધમાં ખેંચ ના રાખવી. રીયલ હોય તો તો આપણે જ પકડીને બેસી રહીએ. પણ આ ઘડીમાં ફ્રેકચર થઇ જાય એવી સગાઇમાં શી જક કરવાની ? માટે પહેલેથી જ જાણવું કે, આ તો રીલેટિવ છે ને પછી 'મૈં મેરી ફોડતા હૂં' કરવાનું.

ફેમિલી વ્યવહાર માત્ર છે નિકાલી

સંસારમાં ડ્રામેટિક રહેવાનું છે. 'આવો બેન', 'આવ બેબી', આમ બધું છે તે સુપરફલ્યુઅસ કરવાનું છે. ત્યારે અજ્ઞાની શું કરે કે સોડમાં ઘાલ ઘાલ કરે, તો પેલી બેબીયે એની પર ચિઢાયા કરે. અને જ્ઞાની પુરુષ વ્યવહારમાં 'સુપરફલ્યુઅસ' રહે તો બધાય ખુશ રહે એમની પર. કારણ કે લોકોને 'સુપરફલ્યુઅસ' જોઈએ છે. બહુ આસક્તિ લોકોને નથી ગમતી. એટલે આપણે પણ બધું 'સુપરફલ્યુઅસ' રહેવું, આ બધા તોફાનોમાં પડવું નહીં.

'જ્ઞાની' શું સમજે ? કે બેબી પૈણી, તે પણ વ્યવહાર અને બેબી બિચારી રાંડી, તે પણ વ્યવહાર. 'રીયલ' ન હોય આ. એ બન્ને વ્યવહાર છે, 'રીલેટિવ' છે અને કોઈથી ફેરવી ના શકાય એવું પાછું ! હવે આ લોક શું કરશે ? જમાઈ મરી ગયો ને પાછળ માથાં ફોડે ? તે લટાં ડૉક્ટરને બોલાવવા પડે. એટલે એ રાગ-દ્વેષને આધીન છે ને ! વ્યવહાર વ્યવહાર સમજાયો નથી તેથી ને !

છોકરાંને વઢવું પડે, બઈને બે શબ્દ કહેવાં પડે. પણ નાટકીય ભાષામાં, ઠંડકથી ગુસ્સો કરવાનો. નાટકીય ભાષા એટલે શું કે ઠંડકની સાંકળ ખેંચીને ગુસ્સો કરવાનો એનું નામ નાટક !

જેમ નાટકમાં ડ્રામા કરે છે ને, એના જેવું 'સુપરફ્લ્યુઅસ' છે, પણ આ બધી ક્રિયા છે, તેને પોતાની ક્રિયા માની લીધી. એ ખોટી 'બીલિફ' થઈ છે. આને મનમાં રાખી મૂકવા જેવું ન્હોય. ચિત્તમાં ફોટોગ્રાફી લેવા જેવું ન્હોય, આ 'સુપરફ્લ્યુઅસ' છે. આ તેથી આપણે કહીએ છીએને કે તમને 'આ' જ્ઞાન આપ્યું છે, તમે 'હોમ ડીપાર્ટમેન્ટ'માં (આત્મ સ્વરૂપમાં) તમારી રૂમમાં રહો અને 'ફોરેન'માં 'સુપરફ્લ્યુઅસ' રહેજો. આ વ્યવહાર બધો 'ફોરેન' છે. જેટલો વ્યવહાર દેખાય છે, વ્યવહાર જેટલો બધો કહેવાય છે, એ બધો 'ફોરેન' છે. અને આ 'રીલેટિવ' છે, એ બધો વ્યવહાર જ છે, 'રીયલ' એકલું જ નિશ્ચય છે, હકીકત સ્વરૂપ છે, વાસ્તવિક છે.

વ્યવહારમાં પણ જાગૃતિપૂર્વક થાય ત્યારે 'પ્રોગ્રેસ' કહેવાય. વ્યવહારમાં પોતાનો છોકરો છે એવું કહે ખરો, પણ મહીં પોતાનો છે એવા પરિણામ ના વર્તતા હોય. આત્મા કોઈનો છોકરો થાય નહીં, આત્મા કોઈનો પુત્ર કે પિતા થાય ? એટલે એ જાગૃતિપૂર્વકનું હોવું જોઈએ. આમ વ્યવહારમાં વાતોચીતો કરીએ, પણ નાટકની પેઠે અને અંદર જાગૃતિ રહેવી જોઈએ કે કોઈ કોઈના બાપ નહીં અને કોઈ કોઈનો છોકરો નહીં. એ આત્મા જ છે, આપણે આત્મા જ છીએ, એવું રહેવું જોઈએ. બધાનામાં શુદ્ધાત્મા જો જો કર્યા કરવા. બીજું આમાં શું કરવાનું છે? બીજો વ્યવહાર વચ્ચે લવાય નહીં. બીજો વ્યવહાર તો વ્યવહાર કરવા માટે છે. મોક્ષે જવું હોય તો તમારાં કોઈ પુત્ર-પુત્રી છે નહીં. સંસારમાં રહેવું હોય તો પુત્ર-પુત્રી તમારાં જ છે.

'મ્યૂઝિયમ'ની શરતો

આ મમતા બેસે છે તે ખાલી શેનાથી બેસે છે ? સંસારી સ્વભાવથી. બંધન સ્વભાવથી મમતા બેસે છે. અને બુદ્ધિએ કંઈ ઓછું કામ કર્યું છે ? બુદ્ધિથી આ બધું જગત રૂપાળું બમ્ જેવું કર્યું છે ? પણ આમાં ફસાવાની ના કહી છે. તું જો, ફર, ખા, પી પણ ફસાઈશ નહીં. પણ તોય આપણા લોક ચોંટી પડે. ના ચોંટીશ. ચાખીને ઘી જા ને !

આ દુનિયા શું છે ? કે મોટામાં મોટું મ્યૂઝિયમ છે ! આ આપણા અહીં બરોડાનું મ્યૂઝિયમ છે ને, એવું આ એક મોટું મ્યૂઝિયમ છે. તે મ્યૂઝિયમમાં ટિકિટ લઈને પેસતી વખતે શું શરત હોય છે કે 'અંદર જાવ તમે. અંદર જુઓ, ફરો, જેટલા કાળ સુધી બધું જોઈ ના રહો ત્યાં સુધી ફર્યા કરો. ખાવાની ચીજો ખાજો-પીજો. ભલે ચા પીવો. ભૂખ લાગી હોય તો નાસ્તો કરવાનો. ભોગવવાની ચીજ ભોગવજો પણ કશું લેવાનું નહીં. છેલ્લે દરવાજે બહાર નીકળવાનું થાય તે ઘડીએ કશું લઈને નહીં નીકળતા. નહીં તો ગુનો લાગુ થશે.' તે એમાં પેઠાં પછી પાછી ભાંજગડ શી કરવાની ? સંગ્રહસ્થાન જોયા કરવાનું. પણ શેને માટે આ ધમાલ પાછી ? પાછું બહાર નીકળતી વખતે કશું લઈ જવાનું નહીં. એવા આ (જગતરૂપી) સંગ્રહસ્થાનમાં પેઠા છો. ત્યારે એ કહે છે, 'સાહેબ, હાથમાં લઈએ ત્યારે ભાંજગડ ને.' પણ ના, મનમાંય લઈને ના નીકળતા અને વાણીમાંય લઈને ના નીકળતા. કશું લેશો-કરશો નહીં. છતાં આ ભોગવવાની છૂટ આપી છે, તો શું ખોટું કહે છે ?

પ્રશ્નકર્તા : પણ એ સંગ્રહસ્થાન જ એવું હોય છે કે બધી લાલચો ભી કરે છે.

દાદાશ્રી : સંગ્રહસ્થાન એવું જ હોય છે. પણ જોડે લઈ જવાનું નહીં એવી શરત, એટલે પછી શું ? તમારા ગામમાં જોડે લઈ જવાનો રિવાજ ખરો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી શા હારુ 'હાય, હાય' આ બધી ? જોવું-જાણવું ! કેરીઓ આવી તે કંઈ નાખી દેવાની છે ? હાફૂસની કેરી આવી તો નિરાંતે ખાવી, પંખો ચાલુ કરીને. 'એરકન્ડિશન' ચાલુ કરો, વાંધો નહીં. પણ જોડે લઈ જવાનું નહીં ને 'હાય, હાય' કરવાની નહીં. એટલે જગત આખું સંગ્રહસ્થાન છે. એમાં ખાવ-પીવો નિરાંતે. 'ટેસ્ટફુલી' ખાવ. આમ તો ભોગવતાયે નથી. માથા ઉપર તલવાર લટકતી હોય, અને નીચે જમવાનું. બળ્યાં, તારાં જમવાનાં ! મેલ પૂળો અહીંથી. નહીં તો તલવારનો ભય લાગતો હોય તો એને કહીને બેસ કે 'જ્યારે પડવું હોય તો પડજે. અહીં જમવા બેઠા છીએ.' નહીં તો આમ માથે તલવાર અને નીચે જમવાનું, એવી એકેએક માણસની આ દશા છે. અને તે મોઢાં પર દિવેલ ફરી વળેલું જ હોય. દિવેલ ફરી વળેલું જોવામાં આવે કે ના આવે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે બધું ખાજો-પીજો. (સાત્વિક ખાણું-પીણું) જે તમને અનુકૂળ આવે તે ખાજો. ના પૈણવું હોય તો પૈણશો નહીં ને પૈણો તોય તે વ્યવહારથી પૈણજો, નિશ્ચયનું પૈણશો નહીં. આ લોક તો નિશ્ચયથી પૈણી જાય છે. નિશ્ચયથી નહીં પૈણતા હોય ?

પ્રશ્નકર્તા : હા, પૈણે છે ને !

દાદાશ્રી : હવે એ લોકો પૈણે છે અને તમેય પૈણો છો. પણ એ લોકો 'મારી, મારી' કર્યા કરે છે ને તમે ફાઈલનો નિકાલ કરો છો, 'જ્ઞાન' લીધું છે એટલે. પણ 'મારી, મારી' કહેલી કોઈ ચીજ જોડે લઈ જવાય ખરી ? કોઈ લઈ ગયેલા ખરા ?

પ્રશ્નકર્તા : ના, કોઈ હજુ સાથે નથી લઈ ગયું.

દાદાશ્રી : જો જોડે લઈ જવાની શરત ના હોય તો શા સારુ આ 'હાય, હાય' કર્યા કરતાં હશે લોકો ? એટલે મહીંથી કશું લેશો નહીં, બહુ ગમે તોય. લેશો તો જોખમદારી આવશે. પણ આપણા લોકો ગજવામાં ઘાલી લે છે અને પેલી બાજુ નીકળી જાય. પછી ત્યાં પકડે એટલે જોખમદારી આવે. એટલે આ કશું લેશો નહીં, ભોગવજો બધુંય અને 'મારું' કરશો નહીં કોઈ.

ટ્રાફિકના લૉથી ટળે અથડામણ

જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ ને ! પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અથાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે. પણ આપણો નુકસાન કરવાનો ઈરાદો ન હોવો જોઈએ. આપણે એને નુકસાન કરવા જઈએ તો આપણને નુકસાન થવાનું છે એ. એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો ને તેની સાથે તમને દુઃખ એમ ને એમ ઓન ધી મોમેન્ટ (તે જ ક્ષણે) પડ્યા વગર રહે જ નહીં. એ અથડામણો છે. એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપરના વાહનવ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે માટે કોઈની જોડે અથડાશો નહીં. એ એવી રીતે આ વ્યવહારિક કાર્યોમાં પણ અથડાશો નહીં. અથડાવામાં જોખમ જ છે હંમેશાં. અને અથડાવાનું કોઈક દહાડો બને છે, કંઈ મહિનામાં બસો વખત થાય છે ? મહિનામાં કેટલા વખત આવે છે એવું ?

પ્રશ્નકર્તા : કો'ક વખત ! બે-ચાર વખત.

દાદાશ્રી : હં, તે એટલા સુધારી લેવા આપણે. મારું કહેવાનું, શા માટે આપણે બગાડીએ ? પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં. આ છે તે ટ્રાફિકના લૉઝ બધા. એ ટ્રાફિકના લૉના આધારે ચાલે છે. એમાં પોતાની સમજણે કોઈ ના ચાલેને ? આ ટ્રાફિકના લૉમાં અને આમાં પોતાની સમજણે જ કાયદા નહીં ? આ તો કોઈ દહાડો અડચણ નથી આવતી. એ કેવું સરસ ટ્રાફિક ગોઠવાયેલું છે ! હવે આ જો કાયદા તમે સમજીને ચાલો તો ફરી અડચણ નહીં આવે. એટલે આ કાયદાઓ સમજવામાં ભૂલ છે. કાયદા સમજાવનાર સમજદાર હોવો જોઈએ.

આ ટ્રાફિકના લૉઝ પાળવા માટે તમે નિશ્ચય કરેલાં હોય છે, તો કેવા સરસ પળાય છે ! કેમ એમાં અહંકાર જાગતો નથી કે ભલે એ કહે પણ આપણે આમ જ કરવું છે.

પ્રશ્નકર્તા : પેલો ટિકિટ આપી દેને ! (પોલીસવાળો દંડ કરેને !)

દાદાશ્રી : કારણ કે એ ટ્રાફિકના લૉઝમાં એ પોતે જ, બુદ્ધિ એટલું બધું સમજી શકે છે, સ્થૂળ છે એટલે, કે હાથ કપાઈ જશે, તરત મરી જઈશ. એવું આ અથડામણ કરીને આમાં મરી જઈશ એ ખબર નથી. પેલી બુદ્ધિ પહોંચી શકતી નથી. આ સૂક્ષ્મ વસ્તુ છે. આના નુકશાન બધાં સૂક્ષ્મ થાય છે !

એટલે એડજસ્ટ થતાં ના આવડે એ માણસને માણસ કેમ કહેવાય ? સંજોગોને વશ થઈને એડજસ્ટ થઈ જાય એ ઘરમાં કશુંય ભાંજગડ ના થાય. અમેય હીરાબાને એડજસ્ટ થતાં જ આવ્યા હતા ને ! એમનો લાભ ઉઠાવવો હોય તો એડજસ્ટ રહો. આ તો લાભેય કોઈ વસ્તુનો નહીં અને વેર બાંધશે તે જુદું ! કારણ કે દરેક જીવ સ્વતંત્ર છે. અને પોતે સુખ ખોળવા આવ્યા છે. બીજાને આપવા એ આવ્યો છે, એવું નથી. એને શું ? પોતે ખોળવા આવ્યો છે. હવે એને સુખને બદલે દુઃખ મળે એટલે પછી વેર બાંધે, પછી બૈરી હોય કે છોકરો હોય.

પ્રશ્નકર્તા : સુખ ખોળવા આવે ને દુઃખ મળે એટલે પછી વેર બાંધે ?

દાદાશ્રી : હા, એ તો પછી ભઈ હોય કે બાપા હોય પણ મહીં અંદરખાને વેર બાંધે એનું. આ દુનિયા આવી બધી, આ વેર જ બાંધે ! સ્વધર્મમાં વેર કોઈની જોડે ના થાય.

કેળવો કળા એડજસ્ટ થવાની

પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું તો 'એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએને ?

દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પડોશીય કહે કે, 'બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં. આપણે એને 'ફીટ' થઈએ, તો આ દુનિયા સરસ છે. અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર' ! આપણે એને ફિટ થઈએને તો વાંધો નથી.

પ્રશ્નકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે 'એડજસ્ટમેન્ટ' એક જ વાત પર લેવાનું હોય તો તે જ વખતે બધે શી રીતે પહોંચી વળાય ?

દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તેય લઈ શકાય. એક પૂછે, 'મારું શું કર્યું ?' ત્યારે કહીએ, 'હા બા, તારા કહ્યા પ્રમાણે કરીશું.' બીજાનેય એમ કહીએ, 'તમે કહેશો તેમ કરીશું.' 'વ્યવસ્થિત'ની બહાર થવાનું નથી, માટે ગમે તે રીતે ઝઘડો ના ભો કરશો. મુખ્ય વસ્તુ 'એડજસ્ટમેન્ટ' છે. 'હા'થી મુક્તિ છે. આપણે 'હા' કહ્યું તો પણ 'વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું છે ? પણ 'ના' કહ્યું તો મહા ઉપાધિ !

ઘરનાં ધણી-ધણિયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે 'એડજસ્ટ' થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે 'એડજસ્ટ' થઈ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુખતો હતો, પણ તે બીજાને નહોતો કહેતો પણ બીજા હાથે હાથ દબાવીને 'એડજસ્ટ' કર્યું. એવું 'એડજસ્ટ' થઈએ તો ઉકેલ આવે.

આ 'એડજસ્ટ એવરીવ્હેર' નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો તેથી જ ગાંડા થયા. આ કૂતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે પણ પછી તો બહુ છંછેડ છંછેડ કરીએ તો એય બચકું ભરી લે. એય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં : 'એડજસ્ટ એવરીવ્હેર'.

જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ 'એડજસ્ટમેન્ટ' આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. આ બહારવટિયા મળી જાય તેની જોડે 'ડિસ્એડજસ્ટ' થઈએ તો એ મારે. એના કરતાં આપણે નક્કી કરીએ કે એને 'એડજસ્ટ' થઈને કામ લેવું છે, પછી એને પૂછીએ કે, 'ભઈ, તારી શી ઇચ્છા છે ? જો ભઈ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ.' તેને એડજસ્ટ થઈ જઈએ.

આ તો બધી રિલેટિવ સગાઈઓ

આ મધર જોડે જે સંબંધ છેને, એ રિલેટિવ સંબંધ છે, રિયલ સંબંધ નથી. મધર જોડે બ્લડ રિલેશન (લોહીનો સંબંધ) છે ને પેલો નેબર રિલેશન (પડોશી સંબંધ) છે પણ બેઉ રિલેટિવ સંબંધ છે. રિલેટિવ એટલે તું જેવું રાખું એવું એ રાખશે.

આ વાઈફ જોડે રિલેટિવ સંબંધમાં પણ તને આ સાચવતા ના આવડ્યું ? ત્યારે મને કહે કે હું તો એમ જાણું કે આ રિયલ સંબંધ છે. મેં કહ્યું કે સ્ત્રી જોડે રિયલ સંબંધ હોતો હશે ? આ દેહ જોડે જ રિયલ સંબંધ નથી ને, તો દેહના ઓળખાણવાળા જોડે શી રીતે રિયલ સંબંધ હોય ? એટલે આ બધા સંબંધ રિલેટિવ સંબંધ છે. રિલેટિવનો અર્થ શું કે આપણે એની જો જરૂર હોય તો એ ફાડવા બેઠી હોય તોય આપણે આખી રાત સાંધ સાંધ કરવું. આપણેય ફાડીએ અને એ ફાડે તો સવારમાં શું થઈ જાય ?

પ્રશ્નકર્તા : ડિવોર્સ (છૂટાછેડા).

દાદાશ્રી : એટલે એ ફાડ ફાડ કરે ને, આપણે સાંધ સાંધ કરવાનું આખી રાત. નહીં તો સવારમાં કોઈ સંબંધ રહેશે નહીં. રિલેટિવનો અર્થ શો ? કે સાંધો. એક ફાડે તો બીજાએ સાંધ સાંધ કરવું. એટલે બેઉ સાચવે. ત્યારે કહે કે મારે શી રીતે સાંધવું ? મેં કહ્યું કે એ જો આખી રાત તારે માટે બહુ વિચાર કરતી હોય કે બહુ ખરાબ છે, બહુ ખરાબ છે તો તારે આખી રાત એમ કહેવું કે 'એ સારી છે, બહુ સારી છે. આ તો મારી ભૂલ થાય છે, એ તો બહુ સારી છે.' એટલે સવારમાં સંધાઈ જશે. કાલે પાછું એ ફાડવા માંગતી હોય તો તું ફરી સાંધજે. એ ખરાબ કહે છે ને આપણેય ખરાબ કહીએ તો ફાટી જાય. સુધારવાનું કોને હોય, કે જે રિયલ સગાઈ હોય એને. તેના સારુ સુધારવાનું કે ભલે સો અવતાર જાય તોય ભલે, પણ એને સુધારવી જ રહી મારે. આ રિલેટિવ સગાઈ, પહેલાંનો હિસાબ પતવા માટેની સગાઈ, એ હિસાબ ચૂકતે થઈ જાય એટલે જુદું પડી જાય, ફરી ભેગી થાય નહીં. એને સુધારવાની ક્યાં ભાંજગડો ?

જરૂર પોતાને ડાહ્યા થવાની

પ્રશ્નકર્તા : 'પોતાની ભૂલ છે' એવું સ્વીકારી લઈને પત્નીને સુધારી ના શકાય ?

દાદાશ્રી : સુધારવા માટે પોતે જ સુધરવાની જરૂર છે. કોઈને સુધારી શકાતો જ નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધા અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જ જાય. મેં એવાયે જોયેલા છે કે જે બહાર બધો સુધારો કરવા નીકળ્યા હોય છે ને ઘરમાં એમની 'વાઈફ' આગળ આબરૂ નથી હોતી, મધર આગળ આબરૂ નથી હોતી. આ કઈ જાતના માણસો છે ? પહેલો તું સુધર. 'હું સુધારું, હું સુધારું' એ ખોટો 'ઇગોઇઝમ' છે. અરે, તારું જ ઠેકાણું નથી, તે તું શું સુધારવાનો છે ? પહેલાં પોતે ડાહ્યા થવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ના સુધરે, પણ વ્યવહાર તો સુધારવો જોઈએને ?

દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કો'ક દહાડો આવડ્યો હોત, અરે અડધો કલાકેય આવડ્યો હોત તોય ઘણું થઈ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે 'રિલેટિવ' સત્ય. તે અહીંની નોટો સાચી હોય કે ખોટી હોય, બેઉ 'ત્યાં'ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને અને આપણે 'આપણું' કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઈ કહે કે, 'ભઈ, તમારામાં અક્કલ નથી.' તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું. આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઈને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે, એનો નિશ્ચય નિશ્ચય છે.

હું આને આમ સુધારું, તેમ સુધારું આ તો એક જાતનો 'ઇગોઇઝમ' છે. આ તમારો ઉપાય એ નુકસાનકારક છે. આ ન હોય ઉપાય. આપણે શું કહેવા માંગીએ છીએ કે પહેલો તું સુધર. તમે એકલા જ બગડેલા છો, એ તો સુધરેલા જ છે.

આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બંનેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું 'મિક્ષ્ચર' કરી નાખીએ એટલે પછી અસર ના રહે. 'એડજસ્ટ એવરીવ્હેર'ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડેય ને ખોટું કહેતો હોય તેની જોડેય 'એડજસ્ટ' થા. અમને કોઈ કહે કે, 'તમારામાં અક્કલ નથી' તો અમે તરત તેને 'એડજસ્ટ' થઈ જઈએ ને તેને કહીએ કે, 'એ તો પહેલેથી જ નહોતી. હમણાં તું ક્યાં ખોળવા આવ્યો છું ? તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું.' આમ કહીએ એટલે ભાંજગડ મટીને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો 'આપણે ઘેર' ક્યારે પહોંચાય ?

એડજસ્ટમેન્ટનું વિજ્ઞાન

પ્રશ્નકર્તા : 'એડજસ્ટમેન્ટ'ની વાત છે, એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં આવવું ?

દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે, અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. 'દાદા'નું 'એડજસ્ટમેન્ટ'નું વિજ્ઞાન છે. અજાયબ 'એડજસ્ટમેન્ટ' છે આ અને જ્યાં 'એડજસ્ટ' નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશેને તમને ? આ 'ડિસ્એડજસ્ટમેન્ટ' એ જ મૂર્ખાઈ છે. 'એડજસ્ટમેન્ટ'ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દુરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચઢે એનાથી ચઢાવીએ, છેવટે ગટરના પાણીએ પણ ચઢાવીએ !

સંસારમાં બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તો વાંધો નથી, પણ એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં એડજસ્ટ થતાં શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતાં ના આવડે તો માર્યો જઈશ.

આદર્શ વ્યવહારથી સુધરે સંસાર

ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. 'વાઈફ'ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઈ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી 'વાઈફ' પણ ક્યારેય ના મળે ! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરા !

વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જો વ્યવહારમાં ચીકણા થયા તો કષાયી થઈ જવાય. આ સંસાર તો મછવો છે, તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું પણ જાણવાનું છે કે આનાથી કિનારે જવાનું છે. તમને ઠીક લાગતું હોય તો આ પ્રમાણે કરજો, નહીં તો તમને જે ગમતું એ કરજો. મારે કંઈ તમને દબાણ નથી આ. હું તો તમને સમજણ પાડું કે આ રીતે કરશો તો લાઈફ બહુ સારી જશે અને ભગવાન તમારે ઘેર રહેશે અને બરકત આવશે.

પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાતજાતના માર ખાય છે.

ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધારૂપ ના થઈ પડીએ. એટલો વ્યવહાર સાચવજો. કો'ક કહેશે, ભા રહો, તો આપણે શૂન્યવત્ રહીએ તો શું થાય ?

આ બીજી બધી વાતો સમજી લેવાની છે. આ ઇલેક્ટ્રિકના પોઈન્ટ બધા ગોઠવેલા હોય તે એક-એક પોઈન્ટ આપણે સમજીએ તો પછી વાંધો ના આવે. નહીં તો પંખાને બદલે લાઈટ થાય ને લાઈટને બદલે પંખો થાય એવું થયા કરે.

'જ્ઞાની પુરુષ' જે સમજણ આપે, તે સમજણથી છૂટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. આ વ્યવહારની વાતો કોઈએ કહી નથી. વ્યવહાર સુધરે જ નહીં કોઈ દહાડો, આવી વાત સમજણ પડ્યા વગર. આ તો વ્યવહાર સુધરે તો તમે મુક્ત થશો, નહીં તો મુક્તેય શી રીતે થવાય તે ? અશાંતિ ના રહેવી જોઈએ, ચિંતા ના થવી જોઈએ.

ઘર્ષણથી ઘડતર

'આ' બધું ખાલી 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. બાળકો જેમ રમકડાં રમે તેમ આખું જગત રમકડાં રમી રહ્યું છે. પોતાના હિતનું કશું કરતો જ નથી. નિરંતર પરવશતાના દુઃખમાં જ રહ્યા કરે છે અને ટકરાયા કરે છે. સંઘર્ષણ ને ઘર્ષણ એનાથી આત્માની અનંત શક્તિઓ બધી ફ્રેકચર થઈ જાય.

બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી. સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ ! સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ. ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી આ દેહ જવાનો હોય તો જાય, પણ ટકરામણમાં ના આવવું જોઈએ.

આખું જગત ઘર્ષણ અને સંઘર્ષણમાં પડેલું છે. આ દિવાળીને દહાડે બધા નક્કી કરે કે આજે ઘર્ષણ નથી કરવું. માટે તે દહાડે સારું સારું ખાવાનું મળે, સારાં સારાં કપડાં પહેરવાનાં મળે, બધું જ સારું સારું મળે. જ્યાં જાવ ત્યાં 'આવો, આવો' કરે એવો પ્રેમ મળે. સંઘર્ષ ના હોય તો પ્રેમ રહે. ખરું-ખોટું જોવાની જરૂર જ નથી. વ્યવહારિક બુદ્ધિ વ્યવહારમાં તો કામ લાગે જ, પણ એ તો એની મેળે એડજસ્ટ થયેલી જ છે. પણ બીજી વિશેષ બુદ્ધિ છે, એ જ હંમેશાં સંઘર્ષ કરાવે છે.

ઉકલે ગૂંચ કોમનસેન્સથી

વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ ? 'કોમનસેન્સ કમ્પ્લીટ' જોઈએ. સ્થિરતા-ગંભીરતા જોઈએ. વ્યવહારમાં 'કોમનસેન્સ'ની જરૂર. 'કોમનસેન્સ' એટલે 'એવરીવ્હેઅર એપ્લિકેબલ'. સ્વરૂપજ્ઞાન સાથે 'કોમનસેન્સ' હોય તો બહુ દીપે.

પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ' કેવી રીતે પ્રગટ થાય ?

દાદાશ્રી : કોઈ પોતાને અથડાય પણ પોતે કોઈને અથડાય નહીં, એવી રીતે રહે તો 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો 'કોમનસેન્સ' જતી રહે. ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ.

કરો નિકાલ, ફાવ્યા કે ન ફાવ્યા

પ્રશ્નકર્તા : પતિનો ભય, ભવિષ્યનો ભય, 'એડજસ્ટમેન્ટ' લેવા દેતા નથી, ત્યાં આગળ 'આપણે એને સુધારનાર કોણ ?' એ યાદ રહેતું નથી ને સામાને ચેતવણી રૂપે બોલાઈ જાય છે.

દાદાશ્રી : એ તો 'વ્યવસ્થિત'નો ઉપયોગ કરે, 'વ્યવસ્થિત' ફીટ થઈ જાય તો કશો વાંધો આવે તેમ નથી. પછી કશું પૂછવા જેવું જ ના રહે. ધણી આવે એટલે થાળી-પાટલો મૂકીને કહીએ કે, 'ચાલો જમવા !' એમની પ્રકૃતિ બદલાવાની નથી. જે પ્રકૃતિ આપણે જોઈને, પસંદ કરીને, પૈણીને લાવ્યા તે પ્રકૃતિ ઠેઠ સુધી જોવાની. માટે પહેલે દહાડે શું નહોતાં જાણતાં કે આ પ્રકૃતિ આવી જ છે ? તે જ દહાડે છૂટું થઈ જવું હતું ને ? શું કરવા વધારે વટલાયા ? આ કચકચથી સંસારમાં કશો ફાયદો થતો નથી, નુકશાન જ થાય છે. કચકચ એટલે કકળાટ ! તેથી ભગવાને એને કષાય કહ્યા.

ગૃહસ્થધર્મ ઉત્તમ શાથી ?

પ્રશ્નકર્તા : ગૃહસ્થીધર્મ ઉત્તમ શાથી કહેવાય છે ? ગૃહસ્થી ભોગવતા ભક્તિ સાચી કે ગૃહસ્થમાં પ્રવેશ્યા પછી તેને ત્યાગીને ભક્તિ સાચી છે ?

દાદાશ્રી : ત્યાગ કરવામાં કોઈને દુઃખ ન થયું હોય ઘરમાં કોઈ પણ માણસને, બધા ખુશી ખુશી થઈને રહેતા હોય તો એ ભક્તિ સારી કહેવાય. પણ ત્યાગમાં લોકોને દુઃખ થયું હોય એનાં કરતાં તો ગૃહસ્થ રહીને ભક્તિ કરવી સારી. બધાને પોષણ તો કરવું જોઈએને ? જેની જોડે આપણા લગ્ન થયા, છોકરાં હોય તે બધા આશ્રય ભાવના રાખે નહીં ? આશ્રય રાખે. તે આશરો તમારે આપવો પડેને. એને નિરાશ્રિત ન કરાય. અહીં ઘરનાં બધાં માણસ રાજીખુશી થઈને કહેતા હોય, 'ના, ના. તમે ત્યાગ લો તો અમારે વાંધો નથી. અહીં દુઃખ નથી.' તો વાંધો નથી. અને નહીં તો આપણે ઘરમાં રહીને ભક્તિ કરીએ એ સાચી. તો બહુ સારામાં સારું. એના જેવું એકુય ચું નહીં. પણ સાચી ભક્તિ, ધર્મ ક્યારે થયો કહેવાય ? કે ઘરનાં કોઈ માણસને આપણા થકી દુઃખ ના હોય. ઘરનાં માણસ થકી આપણને દુઃખ થાય પણ આપણાથી એને દુઃખ ના હોય, એ સાચી ભક્તિ.

ગૃહસ્થધર્મ તો ઉત્તમ શાથી ગણાય છે ? કે કસોટી ધર્મ છે આ. ત્યાગીને તો કસોટી જ નહીં ને ! ઇન્કમટેક્સ નહીં, સેલટેક્સ નહીં, ભાડું નહીં, કશું જ નહીં ! અને આપણે તો બધાની વચ્ચે રહીને સમતા રાખવાની એટલે ઉત્તમ ગણાય. કસોટી એની હોય. એ તો ટેસ્ટેડ હોવું જોઈએ. આ ત્યાગી હોય ને, તેને કહીએ કે મહિનો તમે પૈણી જુઓ જોઈએ ! પૈણ્યા પછી મહિનોય રહે નહીં. પાછો જતો રહે. કારણ પેલી કહે, આજે દાળ લઈ આવો ને જરા ખાંડ લઈ આવો. પેલાને સમજણ ના પડે કે એ ક્યાંથી લાવવું, એટલે એ નાસી જાય. આર્થિક પીડા હોય એય ગમે નહીં, તરત ભાગી જાય ! એટલે ગૃહસ્થધર્મ તો ઉત્તમ જ કહેવાય.

સંબંધ માત્ર ટેમ્પરરી

એક દહાડો એક માણસે મને એના સસરા દેખાડ્યા કે મારા સસરા છે, પેલાં આવ્યા તે. પછી છ મહિના પછી એના સસરા ભેગાં થયાં, ત્યારે મેં કહ્યું, તમે ફલાણા ભાઈના સસરા થાઓને ? તો કહે, 'હું શેનો એમનો સસરો ?' ત્યારે હું વિચારમાં પડ્યો કે આ મારી ભૂલ થઈ, સમજવામાં ભૂલ થઈ. ત્યારે મેં કહ્યું, કેમ ? તો કહે, 'મારી છોડીએ ડાયવોર્સ લીધાં, હવે હું શાનો સસરો ?'

હવે આવું ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં ડાયવોર્સ કેમ થાય, ભાઈ ? કારણ કે વન ફેમિલી રહેતાં નથી એટલે. તમે કોઈ જાત્રાએ ગયા હોય, તો ત્યાં કોઈક વાંકો હોય તો સાચવી સાચવીને વઢંવઢા ના થાય એટલાં હારુ સાચવીએ કે નથી સાચવતાં ? કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એવું આ પચાસ-સાઠ વર્ષ સાચવવાનું છે.

બાકી આ જગત બધું પોલંપોલ છે. છતાં વ્યવહારથી ના બોલે તો પેલાના મનમાં દુઃખ થાય. સ્મશાનમાં જોડે જઈને ત્યાં ચિતામાં કોઈ પડ્યું નહીં. ઘરના બધાય પાછાં આવે, બધાં ડાહ્યા ડમરા જેવા છે. એની મા હોય તો એય રડતી રડતી પાછી આવે.

પ્રશ્નકર્તા : પાછું એનાં નામનું કૂટે કે કશું મૂકી તો ના ગયા. અને બે લાખ રૂપિયા મૂકી ગયા હોય તો કશું બોલે નહીં.

દાદાશ્રી : હા, એવું. આ તો નથી મૂકી ગયો તેનું રડે છે કે 'મરતો ગયો અને મારતો ગયો' એવું હઉ અંદર બોલે. કશું મેલ્યું નહીં ને અમને મારતો ગયો. હવે પેલાએ ના મૂક્યું એમાં પેલી બઈનું નસીબ કાચું એટલે ના મૂકાયું. પણ પેલાને ગાળ ખાવાની લખેલી તે ગાળોય ખાધી ! આવડી આવડી ચોપડે. વળી પાછાં લોક પણ આવીને પૂછે કે તમારા ધણી કશું મૂકી ગયા નથી ? ત્યારે પાછું એવું બોલે કે ના, ના, બધુંય મૂકી ગયા છે. એમ તો ખાવા-પીવાનું બધું જ છે. હવે બધા આગળ બહાર આવું બોલે ને મનમાં પેલું બોલે ! એટલે શું છે, હકીકત આની પાછળ ?

કેવું સંસારનું સ્વરૂપ !

આ સંસાર જ એવો છે કે ખરે ટાઈમે કોઈ સગું ના થાય. આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોયને, એક દહાડો વહુના પેટમાં દુખે, તો સાસુ કહેશે કે, અજમો ફાકી લો. આવું તો બધા કહેશે. પણ કંઈ સાસુ વહુનું દુઃખ લઈ લેશે ? અરે ! ધણી કે છોકરાંય કોઈ લઈ લેશે ? આ જગત કેવું છે કે બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે. પણ જ્યારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે ! આ બાપા કમાઈ લાવતા હોય કે કામ કરતા હોય તો, બાપા વહાલા લાગે. પણ પછી જો કામ કરતા બંધ થાય, એટલે ઘરનાં બધાં શું કહેશે કે તમે હવે આમ આ બાજુએ બેસો. તમારામાં અક્કલ નથી. એવું છે આ જગત ! આખો સંસાર દગો છે ! જો થોડોય સગો હોત તો આ 'દાદા' તમને ના કહેત કે આટલી સગાઈ સાચી છે. પણ આ તો સંપૂર્ણ દગો જ છે. ક્યારેય સગો નથી. જીવતો ભમરડો જંપવા દે નહીં. અરે, અહીં સત્સંગમાં આવવું હોય, ખાલી દર્શન કરવા આવવું હોય તોય ના આવવા દે. આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.

આ મોહ કોની ઉપર ? જૂઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક-વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે, એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય. એવા સંબંધમાં મોહ શો રાખવો ?

આ સંસાર ઘરના જ માણસોને લીધે ભો રહ્યો છે, બીજા કશાથી નહીં. ઘરનો લાભ લેતાં આવડતું નથી. આ તો પાંચ-છ જણાનું એસોસિયેશન છે. ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે. માટે આપણે ના ચેતીએ ? સબ સબ કી સમાલો.

આ હકીકતમાં શું છે ? કે આ રિલેટિવ વ્યૂપોઈન્ટથી આપણા છે બધા. અને રિયલ વ્યૂપોઈન્ટથી આપણા નથી. આ દેહ પણ રિલેટિવ વ્યૂપોઈન્ટ છે.

'નિશ્ચય', આદર્શ વ્યવહારનો

એટલે જ્ઞાન વસ્તુ સત્ય છે, યથાર્થ જ્ઞાન છે આ ! એટલે શુકલધ્યાન છે આ. એમાં જેમ છે તેમ જુઓ ! અને આ તો સાસુ-વહુએ ન્હોય, મામીએ ન્હોય ને કાકીએ ન્હોય. વ્યવહારથી તમારે બધું કરવામાં વાંધો નથી, પણ નિશ્ચયથી કરે તો ભૂલ છે. લોક નિશ્ચયથી વર્તે છે ને ?

પ્રશ્નકર્તા : પણ વ્યવહાર ધર્મમાં તો રહેવું પડે ને ?

દાદાશ્રી : વ્યવહાર ધર્મમાં તો તમે કોઈ દહાડો રહ્યા જ નથી. વ્યવહાર હંમેશા આદર્શ હોય. જે માણસ નિશ્ચય ચૂક્યો ને, એનું નામ વ્યવહાર ના કહેવાય. નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો અને વ્યવહારને વ્યવહારમાં રાખવાનો, એનું નામ આદર્શ વ્યવહાર. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. મારે ઘેર આજુબાજુ પૂછવા જાવને તો બધાય કહેશે, કોઈ દહાડો એ લઢ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી. એવું બધા આજુબાજુવાળા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નકર્તા : કહેવાય.

દાદાશ્રી : અને તમારા માટે આજુબાજુ પૂછવા જઈએ તો ? એવું કહે કે, એ કોઈ દહાડોય ચા સાદે બોલ્યા નથી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે તમે તો વ્યવહારેય બગાડ્યો અને આ નિશ્ચય પણ બગાડ્યો. વ્યવહાર એટલો જ કરવાનો છે કે બાપ થયો માટે છોકરાનાં ધક્કા તું ના ખાઈશ, નહીં તો છોકરાને ખરાબ લાગશે. અને છોકરો થયો છે એના માટે વ્યવહાર એટલો કરવાનો છે કે બાપના ધક્કા તું ખાજે, નહીં તો ખોટું દેખાશે. એવો વ્યવહાર-વિવેક ચૂકવાનો નથી.

સમજો વાત શાનમાં

જગત નાકામનું નથી, પણ કામ લેતાં આવડવું જોઈએ. બધા જ ભગવાન છે અને દરેક જુદાં જુદાં કામ લઈને બેઠાં છે. માટે ના ગમતું રાખશો નહીં.

છોકરાં તો બધાંને છે, પણ બધા વ્યવહારનાં છે. નિશ્ચયનો કોઈનો છોકરો હોતો હશે ખરો ? કેમ બોલતાં નથી ? નિશ્ચયનો છોકરો હોય તો ઠેઠ સુધી એનું કરવું. ટકરામણ થાય તોય વાંધો નથી, પણ નિશ્ચયનો છે ? એટલે કાયમનો છે ને, આપણો જ છે ને ?

પ્રશ્નકર્તા : પણ હોતો જ નથી ને એવો.

દાદાશ્રી : આ તો ઘડી પછી, યે ક્યા હો ગયા ? એટલે સહુ સહુને કર્મના ઉદયે નીકળી જવાનું બધું.

આ તો કહેશે, એટલો બધો સંપ છે કે અમે જુદા થઈએ એવાં છીએ જ નહીં. મેં કહ્યું, કરાર લખી આપો મને ને સહીઓ લઈ આવો બધાંની. આ તો સારી રીતે નાણું આવે છે ને ત્યાં સુધી. નાણું ખૂટ્યું એટલે શું થાય ? આ કહેશે, 'તમે બગાડ્યું.' એટલે પેલો ભાઈ કહેશે, 'તે મારા હારુ કરતો હતો ? આ બધા હારુ જ કરતો હતો.' 'પણ તમે આ બધું બગાડ્યું, તમને અક્કલ નહીં ને !' આ સંપ(!) માટે ચેતીને ચાલીએ કે ઉંમરલાયક થાય કે તમે જુદા થઈ જાવ. કારણ કે સંપનો વળી નિયમ હોય, એની બાઉન્ડ્રી હોય, લિમિટ હોય. ને નહીં તો પછી ઝઘડાં કર્યા પછી જુદા થઈએ. પછી સામાસામી મોઢાં ના જુએ, એના કરતાં આપણે સમજીએ કે હવે ધાણીઓ ફૂટવા માંડી. તાવડો ઉતારી દો, હડહડાટ ! નહીં તો આ ફૂટી ફૂટીને ફૂટમ્ ફૂટા થઈ જશે !

ચેતીને ચાલવું સંસારમાં

વ્યવહારમાંય ચોખ્ખું રહ્યા સિવાય મોક્ષ પામે નહીં. વ્યવહાર ચોખ્ખો જોઈશે, આદર્શ જોઈશે. આ તો સત્યુગની આપણી આદત હતી કે બધાએ સંપમાં રહેવાનું. કારણ કે સત્યુગમાં કંઈ ભાંજગડ હતી જ નહીં. દાદો બેઠો હોય ને તે દાદો કહે એ પ્રમાણે બધાં કર્યા કરે. પણ અત્યારે તો આ ? આ જીવાત (માણસો) તે કાંઈ પાંસરી રહેતી હશે ? એના કરતાં સહુ સહુનું છૂટું. કારણ કે દરેકનો અહંકાર હોય ને, ટકરાયા વગર રહે નહીં. ટકરાય ત્યારે મજા આવે, નહીં ? ટકરાય ત્યારે તો તણખા ઝરે ! ચકમકને આમ મારોને ત્યારે તણખા ઝરે, એવા તણખા ઝરે, ટકરાય ત્યારે. એટલે બધું પ્રમાણસર સારું. આપણા આત્માનું કરી લેવું. આ શા હારુ શિખવાડું છું ?

પ્રશ્નકર્તા : આત્માનું કરવા માટે.

દાદાશ્રી : હા, છોકરાનું બધુંય કરવું જોઈએ. પણ છોકરાં કહે કે બાપુજી, હવે બહુ થઈ ગયું. તોય બાપો છોડે નહીં પાછો. તો શું થાય ? છોકરાં લાલ વાવટો ધરે તો આપણે ના સમજવું જોઈએ ? તમને કેમ લાગે છે ?

પછી એ કહેશે, મારે ધંધો કરવો છે. તો આપણે એને કંઈક ધંધાનો રસ્તો કરી આપવાનો. પછી વધારે ડા ઉતરે એ બાપ મૂરખ. અગર તો એ નોકરીમાં લાગી ગયો એટલે પોતાની પાસે જે હોય એ ગાંઠે મૂકી દેવાય. કોઈ ફેરો અડચણમાં આવે તો બે હજાર મોકલવા પાછા. આ તો એને પૂછ પૂછ કરે પાછો. ત્યારે છોકરો કહેશે, 'તમને ના કહું છું ને, મારામાં ડખલ ના કરશો.' ત્યારે આ શું કહેશે, 'હજુ અક્કલ નથી ને એટલે આવું બોલે છે.' અલ્યા, આ તો નિવૃત થઈ ગયા, ભલું થયું ભાંગી જંજાળ. એ પોતે જ ના કહે છે ને ! અરે, પાડોશીઓય એમ કહે કે ડોસો મહીં પેસ પેસ કરે છે. અને નોકરીએ ના લગાડતા હોય તો એ જ પાડોશીઓ કહેશે, 'વગર કામનો ડોસો સૂઈ રહે છે.' એવું કહે કે ના કહે ? એટલે આપણી પાસે જે હોય એ ગાંઠે મૂકી દેવા હડહડાટ, પાછું નિષ્ઠુર નહીં થવાનું. એ કહેશે, મારે રૂપિયા દશ હજારની બહુ અડચણ પડી છે. ત્યારે આપણે અઢી હજાર આપવા. નહીં તો દશ હજાર લીધાં પછી આપણી પાસે આવશે નહીં. અને દશ હજાર લીધા પછી ત્રણ હજાર પેલો ફાલતું વાપરી નાખે. તે બહુ માંગતો હોય તો અઢી હજાર જ આપીએ. એટલે આ પદ્ધતિસર જીવન જીવીએ. આ વ્યવહાર બહુ સમજવા જેવો છે.

વ્યવહાર વ્યવહારમાં છે ને કેવળ કેવળમાં છે. સબ સબ કા બાંટ લિયા, પછી ઝઘડો જ નહીં ને ! આ તો બાંટ્યું નથી તેના ઝઘડા છે ને ! જ્યાં આપણું નથી ત્યાં લોકો ઝાલી રડ્યા છે, પણ બિચારાને સમજણ પડતી નથી ને ઝાલી પડે છે, એનો માર ખાય છે. પાછો પોતે ભાર ચકે છે અને માર ખાય છે તે જુદો. અલ્યા, તારે માથે બોજો નથી, આ ભાર બધો (તું જે ઘોડા પર બેઠો છે તે) ઘોડા પર જ જાય છે ! પણ તોય માથે લઈને ફર્યા કરે છે, એવું આ જગત છે.

એવું છે ને, કે વ્યવહાર બધો ઉપલક છે અને નિશ્ચય સાચો છે. હવે ઉપલક રકમો કંઈ ઓગાળી દેવાય આપણાથી ? આમ ઉપલક રકમો ઓગાળી દેતાં નથીને ? પણ આમાં તો ઉપલકને ઓગાળી ગયા, એ ઉપલકને જ સાચો માન્યો છે જ્યાં ! એટલે વાતને સમજવાની જરૂર છે ને !

અવળા આગળ એડજસ્ટમેન્ટ

પ્રશ્નકર્તા : બીજાની સમજણે ખોટું લાગતું હોય તો શું કરવાનું ?

દાદાશ્રી : આ બધાં સત્ય છે એ વ્યવહાર પૂરતા સત્ય છે. મોક્ષમાં જવું હોય તો બધાંય જૂઠાં છે. બધાંનું પ્રતિક્રમણ તો કરવું જ પડે. હું આચાર્ય છું, એનુંય પણ પ્રતિક્રમણ કરવું પડશે. મેં મારી જાતને આચાર્ય માન્યો એનુંય પ્રતિક્રમણ કરવું પડશે. કારણ કે હું શુદ્ધાત્મા છું.

એટલે આ બધું જૂઠું છે, તમને એવી સમજણ પડે કે ના પડે ? આ નહીં સમજવાથી એવું કહે છે કે 'હું સત્ય કહું છું.' અરે, સત્ય કહે તો કોઈ સામો અવાજ ના કરે. આ હું અહીં આગળ બોલું છું, તો સામો અવાજ આપવા કોઈ તૈયાર થાય છે ? વિવાદ હોય છે ? હું જે બોલ બોલ કરું છું એ બધાં સાંભળ્યા જ કરે છે ને ?

પ્રશ્નકર્તા : હા, સાંભળ્યા જ કરે છે.

દાદાશ્રી : વિવાદ નથી કરતા ને ? એ સત્ય છે. એ વાણી સત્ય છે ને સરસ્વતી છે. અને જેના સામે અથડામણ થાય એ વાણી ખોટી, સંપૂર્ણ ખોટી. પેલો સામો કહે, 'અક્કલ વગરના તમે બોલ બોલ ના કરશો.' એટલે પેલોય ખોટો ને આયે ખોટો અને સાંભળનારાય ખોટા પાછાં ! સાંભળનારા કશું ના બોલ્યા હોય તે બધાય, આખું ટોળું ખોટું.

પ્રશ્નકર્તા : આપણા કર્મના ઉદય એવાં હોય તો સામેવાળાને આપણું સાચું હોય તોય ખોટું જ લાગતું હોય તો ?

દાદાશ્રી : સાચું હોતું જ નથી. કોઈ માણસ સાચું બોલી શકતો જ નથી. જૂઠું જ બોલે છે. સાચું તો સામો કબૂલ જ કરે તે સાચું, નહીં તો પોતાની સમજણનું સત્ય માનેલું છે. પોતે માનેલા સત્યને કંઈ લોકો સ્વીકાર ના કરે.

એટલે ભગવાને સત્ય કોનું કહ્યું ? ત્યારે કહે, વીતરાગ વાણી એ સત્ય છે. વીતરાગ વાણી એટલે શું ? વાદી કબૂલ કરે અને પ્રતિવાદીયે કબૂલ કરે. એને પ્રમાણ ગણવામાં આવે. આ તો બધી રાગી-દ્વેષી વાણી, જૂઠી-લબાડી. જેલમાં ઘાલી દેવા જેવી. આમાં સત્ય હોતું હશે ? રાગી વાણીમાંય સત્ય ના હોય ને દ્વેષી વાણીમાંય સત્ય ના હોય. એ લાગે છે તમને, કે એમાં સત્ય હોય ? આ અમે અહીં બોલીએ છીએ, તે તમારો આત્મા કબૂલ કરે છે. અહીં વિવાદ ના હોય. આપણે અહીં કોઈ દહાડો વિવાદ થયો છે ? કો'ક માણસ જરા કાચો પડી ગયો હશે ! દાદાના શબ્દો ઉપર ફરી કોઈ બોલ્યો નથી. કારણ કે આત્માની ચોખ્ખી-પ્યૉર વાત છે. અને રાગી-દ્વેષી વાણીને સાચી કહેવાય ?

પ્રશ્નકર્તા : ના કહેવાય, પણ વ્યવહાર સત્ય કહેવાય ને ?

દાદાશ્રી : વ્યવહાર સત્ય એટલે નિશ્ચયમાં અસત્ય છે. વ્યવહાર સત્ય એટલે સામાને જો ફીટ થયું તો એ સત્ય અને ફીટ ના થયું તો અસત્ય. વ્યવહાર સત્ય તો ખરેખર સત્ય છે જ નહીં.

પ્રશ્નકર્તા : આપણે સત્ય માનતા હોઈએ ને સામાને ફીટ ના થયું તો ?

દાદાશ્રી : ફીટ ના થયું તો એ બધું જૂઠું.

અમે હઉ કહીએ છીએ ને ! કો'કને જરા અમારી વાત ના સમજાઈ હોય તો અમે એની ભૂલ નથી કાઢતા. અમારી ભૂલ કહીએ છીએ કે 'ભઈ, અમારી એવી કેવી ભૂલ રહી કે એને વાત ના સમજાઈ. સમજાવી જ જોઈએ.' અમે અમારો દોષ જોઈએ. સામાનો દોષ જ ના જોઈએ. મને સમજાવતાં આવડવું જોઈએ.

એટલે સામાનો દોષ હોતો જ નથી. સામાનો દોષ જુએ છે, એ તો ભયંકર ભૂલ કહેવાય. સામાનો દોષ તો અમને લાગતો જ નથી, કોઈ દહાડો લાગ્યોય નથી.

આ તો અમને પૂછે એટલે જવાબ આપવો પડે. ને પાછું અમારે પ્રતિક્રમણ કરવું પડે. હવે સત્ય તો પ્રતિક્રમણપૂર્વકનું જ કહેવાય છે હંમેશાં. પ્રતિક્રમણ ના હોય તો એ સત્ય સત્ય જ નથી. આ જગતનું સત્ય નિશ્ચયમાં અસત્ય છે.

વ્યવહારની સૂક્ષ્મ શોધ

અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તેય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તેય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. ક્રમિક માર્ગ એટલે શુદ્ધ વ્યવહારવાળા થઈ શુદ્ધાત્મા થાઓ અને અક્રમ માર્ગ એટલે પહેલાં શુદ્ધાત્મા થઈને પછી શુદ્ધ વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહારમાં વ્યવહાર બધોય હોય, પણ તેમાં વીતરાગતા હોય. એક-બે અવતારમાં મોક્ષે જવાના હોય ત્યાંથી શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય.

શુદ્ધ વ્યવહાર સ્પર્શે નહીં તેનું નામ 'નિશ્ચય'. વ્યવહાર એટલે પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં. પછી વ્યવહારે ગમે તે પ્રકારનો હોય.

ચોખ્ખો વ્યવહાર ને શુદ્ધ વ્યવહારમાં ફેર છે. વ્યવહાર ચોખ્ખો રાખે તે માનવધર્મ કહેવાય અને શુદ્ધ વ્યવહાર તો મોક્ષે લઈ જાય. બહાર કે ઘરમાં વઢવાડ ના કરે તે ચોખ્ખો વ્યવહાર કહેવાય અને આદર્શ વ્યવહાર કોને કહેવાય ? પોતાની સુગંધી ફેલાવે તે.

હવે શુદ્ધ વ્યવહાર ક્યારે કહેવાય ? જ્યારે આડોશી પાડોશી બધા એમ કહે કે ચંદુભાઈ બહુ સારા માણસ છે. ઘરનાને પૂછીએ, ઘૈડા ડોશીમાને પૂછીએ કે કેમ છે ચંદુભાઈ ? તો એય કહેશે કે એનો તો બહુ સારો સ્વભાવ છે.

અમારો વ્યવહાર આદર્શ હોય. આજુબાજુ પૂછવા જાવ, વાઇફને પૂછવા જાવ તો કહે કે એ તો ભગવાન જ છે ! તોય એક ફેરો કોઈને વ્યવહારમાં મારી કંઈ ભૂલ દેખાઈ. તે મને કહે છે કે 'તમારે આમ કરવું જોઈએને ? આ તમારી ભૂલ કહેવાય'. મેં કહ્યું કે 'ભઈ, તેં તો આજે જાણ્યું, પણ હું તો નાનપણથી જાણું છું કે આ ભૂલવાળો છે.' ત્યારે કહે કે 'ના, નાનપણમાં એવા ન્હોતા. હમણે થયા છો.' એટલે આ બધું પોતપોતાની સમજણથી છે એટલે અમે અમારું પહેલું જ દેખાડી દઈએ કે અમે જ કાચા છીએ પહેલેથી ! એટલે અથડામણ થાય જ નહીંને ! પેલાનેય ટાઈમ બગાડવાનો રહ્યો જ નહીંને ! ને એને દુઃખેય થવાનું રહ્યું નહીં.

જાગૃતિ, રોજીંદા જીવનમાં

પ્રશ્નકર્તા : હવે રોજીંદા જીવનમાં જાગૃતિ કેમ આવે ?

દાદાશ્રી : વ્યવહારમાં ક્લિયર(ચોખ્ખો) રહે, તો જાગૃતિ આવે. વ્યવહારમાં લોકો આંગળી કરે એ વ્યવહારમાં જાગૃતિ ના આવે. તમે વેપારી હો અને પછી એક દહાડો ત્રણ વાગે દુકાન ઉઘાડો, એક દહાડો પાંચ વાગે ઉઘાડો તો તમારામાં જાગૃતિ આવે નહીં અને તમારો વ્યવહાર બગડ્યો કહેવાય. વ્યવહારમાં આંગળી કરનાર ના જોઈએ. તારી પાછળ આંગળી કરે છે લોકો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : માટે એ વ્યવહારમાં તું વ્યવહારિક થઈ જા. કોઈ આંગળી ના કરે, તો જાગૃતિ સારી આવશે.

પ્રશ્નકર્તા : ના. પણ જ્ઞાતા-દ્રષ્ટા થયા તોય વ્યવહાર તો રાખવો જોઈએને ?

દાદાશ્રી : વ્યવહાર થાય. તે એની મેળે થયે જ જાય. જ્ઞાતા-દ્રષ્ટામાં તો વ્યવહાર રહે જ. જ્ઞાતા-દ્રષ્ટા થાય એટલે, નિશ્ચય નિશ્ચયમાં થઈ ગયો તો વ્યવહાર વ્યવહારમાં થઈ જાય. પણ એકંદરે ધ્યાન હોય જ એ તો. કારણ કે એ ધ્યાન આત્માને રાખવું નથી પડતું, એ ચિત્તનું હોય છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, આવું કેમ થતું હશે કે કોઈવાર જાગૃતિ રહ્યા કરે અને પછી બીજે વ્યવહારનું કરવાનું હોય એમાં ગુલ્લા વાગ્યા કરે.

દાદાશ્રી : પણ એય વ્યવહારનું ત્યાંય રેગ્યુલર થવું જોઈએ ને ?

પ્રશ્નકર્તા : પણ એવું તૂટતું કેમ હશે ?

દાદાશ્રી : એ તો આપણે ગોઠવીએ તો જાગૃતિ રહે જ. આપણે ચંદુભાઈને કહીએ કે ભઈ, વ્યવહાર બગાડવો ના જોઈએ, ચોખ્ખો રહેવો જોઈએ. વ્યવહારમાં કશું બૂમ ના આવવી જોઈએ.

કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી 'લાઈટ' કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને એ એમ તો કહે કે 'ભાઈ, આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે' એવું કહે છેવટે ! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. ૩૬૦ ડિગ્રીનો ને ૩૫૬ ડિગ્રીનો પણ વિરોધ હોય છે જ. એવી રીતે આ બધે વિરોધ તો હોય. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચાર શ્રેણી પર માણસ આવી શકે નહીં. કારણ કે મનુષ્યોની વિચાર શ્રેણીની ચૌદ લાખ યોનિઓ છે. બોલો, કેટલા 'એડજસ્ટ' થઈ શકે આપણને ? અમુક જ યોનિ 'એડજસ્ટ' થઈ શકે, બધી ના થઈ શકે ને !

સિદ્ધાંત, અક્રમ વિજ્ઞાનનો

આ 'અક્રમ વિજ્ઞાન' વ્યવહારને છંછેડતું નથી. દરેક 'જ્ઞાન' વ્યવહારને તરછોડે છે. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની 'રિયાલિટી'માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી. વ્યવહારને તરછોડે નહીં તે જ સિદ્ધાંતિક વસ્તુ હોય. સિદ્ધાંતિક વસ્તુ કોને કહેવાય કે જે ક્યારેય પણ અસિદ્ધાંતપણાને ના પામે, તેનું નામ સિદ્ધાંત કહેવાય. કોઈ એવો ખૂણો નથી કે અસિદ્ધાંતપણાને પામે. એટલે આ 'રિયલ સાયન્સ' છે, 'કમ્પ્લિટ સાયન્સ' છે. વ્યવહારને કિંચિત્માત્ર ના તરછોડાવે !

- જય સચ્ચિદાનંદ