ન કરાય રક્ષણ અહંકારનું-પ્રકૃતિનું

સંપાદકીય

અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી મહાત્માઓને જાગૃતિ શરૂ થઈ જાય છે. પોતાના દોષો દેખાવા માંડે છે. સામાને નિર્દોષ જોવાનો પુરુષાર્થ શરૂ થાય છે. પ્રાકૃતિક ભરેલા માલ નીકળે, પણ અનુભવની કચાશને લઈને નિકાલ કરવાના માલનું અણસમજણથી અને પૂર્વેના અભ્યાસને લઈને રક્ષણ થઈ જતું હોય છે. એમાં ક્યારેક અપમાન આવે તો અહંકારનું રક્ષણ થઈ જાય અને સામાને દોષિત જોવાઈ જાય. ત્યાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાના સ્વ અનુભવથી આ અહંકારને કેટલા બધા ફેઝિઝથી જોયો અને એનું રક્ષણ ન થાય તેની કઈ રીતે પોતે જાગૃતિ રાખી અને નિકાલ કર્યો તે સર્વ નિખાલસતાથી પ્રસ્તુત અંકમાં જ્ઞાન પામેલા મહાત્માને સમજાવે છે કે હસતે મુખે ઝેર પીવું અને પીતી વખતે શું સમજણ રાખી, તે એમની વિશેષતા જણાવે છે, જાત સાથે જુદાપણાની જાગૃતિ રાખી, વાતચીત કરી અને એક કાયદો કાયમ જાગૃતિમાં જ રાખેલો, ભૂલના ઉપરાણા ક્યારેય હજારો માણસો વચ્ચેય નહોતા લીધા.

અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાન મળતા જ ચાર્જ અહંકાર ખલાસ થઈ જાય છે અને ડિસ્ચાર્જ અહંકાર રહે છે. એ અહંકારનું ઉપરાણું લેવાઈ જવાથી કે આજ્ઞા ઓછી-વધતી પળાય તો અહંકાર સજીવન થતો નથી. પણ તે કાયમ માટે પાંચ આજ્ઞા જ પાળવાની છોડી દે તો પછી તેનો અહંકાર સજીવન થઈ, અજ્ઞાની જેવી દશા પાછી થઈ જાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી વૈજ્ઞાનિક સમજણ અત્રે આપે છે કે પ્રકૃતિને માફ કરી શકાય પણ એનું ઉપરાણું ના લેવાય. કારણ કે માફીમાં પોતે જુદો રહી શકે, તન્મયાકારપણું ઊભું થતું નથી, પછી ગમે તેવી પ્રકૃતિ નીકળે, તેનો નિકાલ જ થાય છે.

મહાત્માઓને બધી જ્ઞાનની સમજણ હોય છે પણ આડી-અવળી પ્રકૃતિ નીકળ્યા જ કરતી હોય અને આ બાજુ જીવતા અહંકારનું સાધન નથી કે એને બદલી શકે, તો શું કરવું ? તો પરમ પૂજ્ય દાદાશ્રી સરસ ચાવી આપે છે કે પ્રકૃતિ માટે વીતરાગ રહો, રાગ કે દ્વેષ નહીં, ઉપરાણું પણ એનું લેશો નહીં. પણ માફી આપી દો.

દોષથી છૂટવા પરમ પૂજ્ય દાદાશ્રી, દરેક લેવલની સમજણ આપે છે. પહેલા તો ઘણા ફેઝિઝથી દોષની ઓળખાણ આપે છે કે આપણા માટે કયું હિતકારી ને કયું નહીં. એમાંથી બહાર નીકળવાના રસ્તા પણ બતાવે છે અને છેવટે વિજ્ઞાનની વાતો જેમ છે તેમ કહી જાય છે કે પ્રકૃતિનું ઉપરાણું લેવાઈ જાય તોય એને જાણો. જાણનારને મૂળ પોતાના સ્થાનમાં લાવી દે છે.

આમ પ્રકૃતિ (મંગળદાસ) સામે, અહંકાર (બાવા) સામે કેવી જાગૃતિ ગોઠવીએ તેથી એ દોષના રક્ષણ ન લેવાય અને જ્ઞાનદશામાં ઊંચી શ્રેણીઓ ચઢાય, તેના સોપાનો પ્રસ્તુત સંકલનમાં અંકિત થયા છે, તે મહાત્માઓને સૂક્ષ્મ પુરુષાર્થમાં જાગૃતિ બક્ષશે.

દીપક દેસાઈ

ન કરાય રક્ષણ અહંકારનું-પ્રકૃતિનું

અહંકાર ઓળખ્યે, કાર્ય બને સરળ

પ્રશ્નકર્તા : આપણે ગમે તેટલું કરીએ, પણ સામો ના સુધરે તો શું કરવું ?

દાદાશ્રી : પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા. તેનાથી લોક ઊલટા બગડ્યા. સુધારવા જાય કે બગડે. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે. આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ, એ 'મીનિંગલેસ' (અર્થહીન) છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. તમે કહો કે, 'આવું ના કરીશ.' ત્યારે સામો કહે કે, 'જાવ, અમે તો એવું જ કરવાના.' આ તો સામો ઊલટો વધારે અવળો ફર્યો !

આમાં અહંકારની જરૂર જ નથી. અહંકારથી સામાને દબડાવીને કામ કરાવવા જઈએ, તો સામો વધારે બગડે. જ્યાં અહંકાર નથી, ત્યાં તેને બધા કાયમ 'સિન્સિયર' (નિષ્ઠાવાળા) હોય, ત્યાં 'મોરાલિટી' (નૈતિકતા) હોય.

આપણો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર બધાને ખૂંચે છે. નાના છોકરાનેય જરાક 'અક્કલ વગરનો', 'મૂરખ', 'ગધેડો' એમ જો કહ્યું તો તેય વાંકો ફાટે. અને 'બાબા, તું બહુ ડાહ્યો છે' કહીએ કે તરત એ માની જાય.

પ્રશ્નકર્તા : અને એને 'બહુ ડાહ્યો' કહીએ તોય એ બગડશે ?

દાદાશ્રી : 'મૂરખ' કહીએ તોય બગડી જાય ને (વધારે પડતું) 'બહુ ડાહ્યો' કહીએ તોય બગડી જાય. કારણ કે ડાહ્યો કહીએ એટલે એના અહંકારને 'એન્કરેજમેન્ટ' મળી જાય અને 'મૂરખ' કહો તો 'સાયકોલોજિકલ ઈફેક્ટ' અવળી પડે. ડાહ્યા માણસને ૨૫-૫૦ વખત 'મૂરખ' કહો તો તેના મનમાં વહેમ પડી જશે કે, 'ખરેખર શું હું ગાંડો હોઈશ ?' એમ કરતો કરતો એ ગાંડો થઈ જાય. એટલે હું ગાંડાનેય 'તારા જેવો ડાહ્યો આ જગતમાં કોઈ નથી' એમ કરી કરીને 'એન્કરેજમેન્ટ' (હિંમત) આપું છું. આ જગતમાં હંમેશાં 'પોઝિટિવ' લો. 'નેગેટિવ' તરફ ચાલશો નહીં. 'પોઝિટિવ'નો ઉપાય થશે. હું તમને ડાહ્યો કહું ને જો વધારે પડતો અહંકાર તમારો ખસ્યો, તો મને તમને થાપોટ મારતાંય આવડે, નહીં તો એ અવળે રસ્તે ચાલે અને એને 'એન્કરેજ' ના કરીએ તો એ આગળ વધેય નહીં.

'અહંકાર નુકસાનકર્તા છે' એવું જાણી લો, ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે.

અહંકારનું રક્ષણ શાને ?

અહંકાર એ તો જ્ઞેય સ્વરૂપે છે, તમે 'પોતે' જ્ઞાતા છો. જ્ઞેય-જ્ઞાતાનો જ્યાં સંબંધ છે, ત્યાં જ્ઞેયનું રક્ષણ તો ના જ કરાય ને ? એક અહંકાર (જ્ઞેય)નું રક્ષણ કરો એટલે બધાયનું રક્ષણ કરવું પડે. કેમ કે બધા જ જ્ઞેય છે, અનંત જ્ઞેય છે.

હવે તો તપ અદીઠનું કરવાનું. અહંકાર વગેરે હોય છે તેમાં તન્મયાકાર ના થવાય એ ધ્યાન રાખવાનું. જાગૃતિ રાખવાની એ જ તપ, અદીઠ તપ. આ અદીઠ તપ કરવું પડે. કારણ અનાદિની તન્મયાકાર થવાની ટેવ પડી છે, એ મોળી પડતી જાય. અહંકાર મોળો પડતો જાય એટલે ઉકેલ આવતો જાય. એક નિશ્ચય કર્યો એટલે તપ થયા જ કરે.

જે અહંકારમાં કશી બરકત ના આવી, જ્યાં ને ત્યાં ઠોકર વાગી, દરેક જગ્યાએ રૂપાળો હોવા છતાં કદરૂપો દેખાડે, એ અહંકાર શા કામનો ? 'જ્ઞેય' 'જ્ઞાતા' ના થઈ જાય એ જાગૃતિ, એ જ અદીઠ તપ. અહંકારનો રસ ઓગાળી મૂકવા જે જાગૃતિ રાખવી પડે તે જ અદીઠ તપ.

અંતરાય બહારથી આવે તેમ અંદરથી પણ આવે. અહંકાર અંતરાય રૂપ છે. તેની સામે તો બરાબર તૈયાર થઈ જવું પડશે.

માન દે તો પણ સહન થાય તેવું નથી. જેને અપમાન સહન કરતાં આવડે તે જ માન સહન કરી શકે. કોઈ દાદાને કહે, 'લોકો તમને ફૂલ ચઢાવે છે તે તમે શા માટે સ્વીકારો છો ?' ત્યારે દાદાએ કહ્યું, 'લે બા, તને પણ ચઢાવીએ ! પણ સહન નહીં થાય.' લોકો તો હારોના ઢગલા જોશે તો છક્ક થઈ જશે ! કોઈને પગે લાગો કે તરત જ તે ઊભો થઈ જશે !

બધેય માન ને અપમાનની જ પડેલી છે ને ?

પ્રશ્નકર્તા : પણ દાદા, પહેલેથી આ ચાલ્યું આવતું હશે ?

દાદાશ્રી : અનાદિકાળથી બધો આનો આ જ માલ. મનુષ્યમાં આવ્યો ત્યારથી માન ને અપમાન. નહીં તો બીજી વંશાવળીમાં કશુંય નહીં. બીજી યોનિમાં નહીં, અહીં આગળ બહુ અને દેવલોકોમાં બહુ.

પોતાની વાતનું રક્ષણ એ છે ટોપમોસ્ટ હિંસા

પ્રશ્નકર્તા : આપે કહ્યું હતું કે વાણી છે તે અહંકારથી નીકળે છે ?

દાદાશ્રી : વાણી બોલો તેનો વાંધો નથી, પણ 'અમે સાચા છીએ' એમ એનું રક્ષણ ના હોવું જોઈએ. પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે એવું ઠસાવવા જાય તે જ હિંસા છે. આ વાણીથી આખું જગત ઊભું રહ્યું છે. જો વાણી ના હોત તો તો આ જગત આવું ના હોત. એટલે વાણી જ મુખ્ય આધાર છે.

પ્રશ્નકર્તા : રક્ષણ ના હોવું જોઈએ, એનો અર્થ આપણે સાચા છીએ એવી ભાવના ના હોવી જોઈએ એમ ?

દાદાશ્રી : અમે સાચા છીએ, એનું નામ જ રક્ષણ કહેવાય. અને રક્ષણ ના હોય તો કશું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈનેય વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે, તેનાથી બહુ વાગે છે.

હું નાના છોકરાને બહુ મારું તોય તેમને કશુંય ના થાય અને જો રીસમાં જરાક તમે ટપલી મારી હોય તો એ રડારોળ કરી મૂકે ! એટલે એને વાગ્યાનું દુઃખ નથી, અહંકાર ઘવાયો તેનું દુઃખ છે !

ઓળખી રાખો આ અહંકારને

શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે અહંકાર એક એવો ગુણ છે કે જે બધા માણસને આંધળોભૂત બનાવે. ભાઈઓમાં પણ દુશ્મની થઈ જાય. સગો ભાઈ ક્યારે પાયમાલ થઈ જાય એવું વિચારે ! અરે, સગો બાપ પણ છોકરાને એવો આશીર્વાદ ! આપે કે ક્યારે એ પાયમાલ થઈ જાય ! અહંકાર શું નુકસાન ના કરે ? એટલે આપણે અહંકારને ઓળખી રાખવો જોઈએ કે 'આ આપણો કોણ છે તે ?'

પ્રશ્નકર્તા : પણ અમારું કામ કરવા માટે અમારે અહંકાર તો જોઈએ જ ને ?

દાદાશ્રી : એ કામ કરવાનો અહંકાર હોય જ. એની કોણ ના પાડે છે? પણ એ અહંકારને જાણવો જોઈએ કે અહંકારમાં આવા ગુણો છે. એટલે આપણને એની પર પ્રેમ રહે નહીં, આસક્તિ રહે નહીં.

ન શોભે ગાંડો અહંકાર કદી

જેને લોકો એક્સેપ્ટ ના કરે ને અહંકાર પોતે 'હું કંઇક છું' એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય. ચક્રવર્તીને અહંકાર હોય, પણ વાળો તેમ વળી શકે એવો હોય. લોકો એ અહંકારને માન્ય કરે, એ ડાહ્યો અહંકાર કહેવાય અને આ તો નર્યો ગાંડો જ ! એ ગાંડા અહંકારને આપણે પૂછીએ કે, 'તમે કયા ખૂણામાં શાંતિથી સૂઇ રહેતા હતા ? એવું દુનિયામાં કોણ છે કે જે તમને કહે કે, 'આવો, આવો, તમારા વગર તો ગમતું નથી ?' પણ આ તો લોક કહેશે કે, 'તમારાથી તો પહેલાં અજવાળું હતું તેય અંધારું થઇ ગયું.' આવાં અપમાન ખાધાં છે ! અપમાનનો પાર ના આવે એટલાં અપમાન થયાં છે ! એ અહંકારને શું તોપને બારે ચઢાવવો છે ? એ તો કદરૂપો અહંકાર, એનું શું રક્ષણ કરીએ? એનો પક્ષ શો લઇએ ?

અહંકાર તો રૂપાળો હોવો જોઇએ, લોકોને ગમે તેવો હોવો જોઇએ, વાળો તેમ વળી જાય એવો. આ અહંકારને પૂછીએ કે, 'તમારો ચોપડો દેખાડો કે તમને ક્યાં માન મળ્યું ? ક્યાં ક્યાં અપમાન ખાધાં ? કઇ કઇ જાતનું સુખ આપ્યું ? લોકોમાં તમારી ક્યાં ક્યાં કિંમત હતી ?' ભાઇ પાસે, બાપા પાસે, જો કિંમત જોવા જાય ને તો ચાર આનાયે કિંમત ના હોય ! 'તમે કોઇના હ્રદયમાં બેઠા નથી.' ચાર જણના હ્રદયમાં બેઠા હો તોય સારું, તો એ અહંકાર ગાંડો ના કહેવાય, રૂપાળો કહેવાય. આ તો જ્યાં જાય ત્યાં દરેક લોક 'આ જાય તો સારું' એવું મનમાં રાખે, એ જ કદરૂપો અહંકાર ! કોઇ મોઢે ચોખ્ખું ના બોલે, મનમાં કહેશે કે, 'આપણે શું ? એનાં પાપે મરશે.' સૌ સૌના ઘાટમાં, સૌ ઘાટવાળા જ હોય, એમાં એક 'જ્ઞાની પુરુષ' મોઢે ચોખ્ખું કહી દે !

પાછો આ તો ચક્રમ અહંકાર પોતાની પોઝીશન તૂટી જતી હોય એટલે જોડે ના ફરે કે 'મારી શી કિંમત ?' અમારેય જ્ઞાન પહેલાં અહંકાર હતો, પણ તે ડાહ્યો અહંકાર, ચાર-પાંચના હ્રદયમાં સ્થાન હતું અને ચાર તો ગાડીઓ ઘર પાસે ઊભી રહેતી, તોય અમને તે અહંકાર ખૂંચતો હતો કે, 'આ અહંકાર જાય તો અમને આખી દુનિયાનું રાજ મળે !' અહંકાર તો રૂપાળો હોવો જોઇએ. દેહ રૂપાળો હોય ને અહંકાર કદરૂપો હોય તો શું કામનું ? દેહ કદરૂપો હોય તો ચાલે, પણ અહંકાર કદરૂપો ના જોઇએ. કેટલાક તો મોઢે સાવ કદરૂપા દેખાય, પણ અહંકાર એવો રૂપાળો લાવેલો હોય, તે લોક 'આવો સાહેબ, આવો સાહેબ' કહે !

આ અહંકાર શેના હારુ ? એને જીવતો જ કેમ રખાય ? જેણે અનંત અવતાર મુશ્કેલીમાં મૂકી દીધા એ તો પાકો શત્રુ છે. આખી દુનિયાનું સામ્રાજ્ય છોડીને, 'આ અમારું, આ તમારું' એ શાને માટે ?

આ અહંકાર તો ગાંડી વસ્તુ કહેવાય. એને રસ્તા પર નાખી દીધેલી હોય તો ય ના લેવાય ! આત્મામાં જ રહેવાનું, આત્મા જ થઇને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય તો લપાટ મારીને કાઢી મૂકવાનો.

ઝેર તો તમારે પીવાં જ પડશે

તે પછી અમે તો આખા જગતમાં જેણે જેણે ઝેરના પ્યાલા આપ્યા તે હસતે મોઢે, ઉપરથી આશીર્વાદ આપીને પી ગયા અને મહાદેવજી થયા.

ઝેર તો તમારે પીવાં જ પડશે. હિસાબી છે, માટે પ્યાલો તો સામે આવશે જ. પછી તમે હસતાં હસતાં પીઓ કે મોઢું બગાડીને પીવો, પીવું તો પડશે જ. અરે, તમારે લાખ ના પીવું હોય તોય લોકો બળજબરીથી તમને પાઈ જશે, એનાં કરતાં હસતાં હસતાં પીને ઉપરથી એને આશીર્વાદ આપીને શા માટે ના પીવું ? તે સિવાય નીલકંઠ થવાય જ શી રીતે ? આ પ્યાલા આપી જાય છે તે તો તમને ઊંચું પદ આપવા આવે છે. ત્યાં જો મોઢું બગાડશો તો એ આઘું જતું રહેશે.

'હું ચંદુલાલ છું' ત્યાં સુધી બધું કડવું લાગે પણ આપણને તો આ બધું અમૃત થઈ પડ્યું છે. માન-અપમાન, કડવું-મીઠું એ બધાં દ્વંદ્વ છે. તે હવે આપણને ના રહે. આપણે દ્વંદ્વાતીત છીએ. એટલા માટે તો આ સત્સંગ કરીએ છીએને ! છેવટે બધાયને દ્વંદ્વાતીત દશા જ પ્રાપ્ત કરવી છે ને !

જો સામો કડવું પાય ને તમે હસતે મોઢે આશીર્વાદ આપીને પી જાવ તો એક બાજુ તમારો અહંકાર ધોવાય ને તમે એટલા મુક્ત થાવ ને બીજી બાજુ સામાવાળાને કડવું પાનારાને પણ રીએક્શન આવે અને એ પણ ફરી જાય. એને પણ સારું રહે. એય સમજી જાય કે કડવું પાઉં છું તે મારી નિર્બળતા છે અને આ હસતે મોઢે પી જાય છે તે ભારે શક્તિશાળી છે.

જો કડવું પીવાનું કહ્યું હોય તો આપણે જાતે ઓછા પીએ ? આ તો સામેથી કડવું પાય એ તો કેટલું બધું ઉપકારી ! પીરસનાર તો મા કહેવાય. પાછું લીધા વગર ચાલે તેમ નથી. નીલકંઠ થવા કડવું પીવું પડશે.

જાણો ઝેર પીનાર-પીવડાવનારને

'આપણે' તો 'ચંદુભાઈ'ને કહી દઈએ કે તારે સો વખત આ કડવું પીવું પડશે. બસ પછી એ ટેવાઈ જાય. કડવી દવા બાળકને જબરદસ્તીથી પીવડાવવી પડે. પણ જો એ સમજી જાય કે આ હિતનું છે એટલે પછી જબરદસ્તીથી પીવડાવવું ના પડે. એની મેળે જ પી લે. એક વખત નક્કી કર્યું કે જે કોઈ કડવું આપે તે બધું જ પી લેવું છે એટલે પછી પીવાય. મીઠું તો પીવાય જ પણ કડવું પીતાંય આવડવું જોઈએ. જ્યારે ત્યારે તો પીવું જ પડશે ને ? આ તો પાછો નફો છે, તો પીવાની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ ને ?

જો બધા વચ્ચે ઉતારી પાડે તો ખોટ લાગે પણ એમાં તો ભારે નફો છે. એ સમજાય પછી ખોટ ના લાગે ને !

'હું શુદ્ધાત્મા છું' બોલો તો છો, તો પછી એવા જ પદમાં રહેવું છે ને ? એના માટે તો અહંકાર ધોવડાવવો પડશે. તનતોડ મહેનત કરી નિશ્ચય કરો એટલે ધોવાય જ.

એક વાઘરીને રાજા બનાવ્યો હોય અને ગાદી પર બેઠા પછી જો એમ કહે કે 'હું વાઘરી છું', તે કેવું કહેવાય ? 'શુદ્ધાત્મા'નું પદ પામ્યા પછી બીજું હવે આપણને ના હોય.

બનાવો અહંકારને નિરસ

કડવા-મીઠા અહંકારના પદમાંથી તમારે ખસવું છે ને ? પછી એમાં પગ શા માટે રાખો છો ? નક્કી કર્યા પછી બન્ને બાજુ પગ રખાય ? ના રખાય. રિસાવાનું ક્યારે બને ? જ્યારે કોઈકે કડવું પીરસ્યું હોય ત્યારે. આપણે વિધિ વખતે બોલીએ છીએ કે 'હું શુદ્ધાત્મા છું.' તો પછી શુદ્ધાત્માનું રક્ષણ કરવાનું કે બીજી બાજુનું ? અહંકારને જાતે નિરસ કરવો બહુ કઠિન કામ છે. એથી જો કોઈ નિરસ કરી આપતો હોય તો બહુ સારું. એનાથી અહંકાર નાટકીય રહે અને અંદરનું બહુ સારું ચાલે. તો આટલું બધું નફાવાળું છે તો અહંકારને નિરસ બનાવવા માટે કડવું હસતે મુખે જ શા માટે ના પીએ ? અહંકાર સંપૂર્ણ નિરસ થાય એટલે આત્મા પૂરો. એટલું નક્કી કરો કે અહંકાર નિરસ કરવો જ છે. એટલે એ નિરસ થયા જ કરશે.

આ કડવી દવા જો સદી જાય તો બીજો ડખો જ ના રહેને ! અને પાછા તમે હવે જાણી ગયા કે આ નફાવાળો છે ! જેટલો મીઠો લાગે છે એટલો જ કડવો ભરેલો છે. માટે કડવો પહેલાં પચાવી જાવ. પછી મીઠો તો સહેજે નીકળે. એને પચાવવાનું બહુ ભારે નહીં લાગે. આ કડવી દવા પચી એટલે બહુ થઈ ગયું ! ફૂલો લેતી વખતે સહુ કોઈ હસે પણ ઢેખાળા પડે ત્યારે ?

ભૂલોથી છૂટવા વાતચીતનો પ્રયોગ

અજ્ઞાન અત્યારેય આનું (અહંકારનું) ઉપરાણું લે છે. આપણે (પ્રજ્ઞા) એને (અહંકારને) કહીએને, તો રાગે પડી જાય.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : (મોક્ષે જવા માટેનું) પ્લાનિંગ મોટું છે. મારી હાજરીમાં જ્ઞાનમાં પ્રગતિ કરવી નથી ? નહીં તો આવું તો કહેતાંની સાથે જ ફાઈલ નંબર વન સાથે વાત કરવા માંડે.

હું એ. એમ. પટેલ સાથે બહુ વાતો કરતો'તો. મને મઝા આવે એવી વાતો કરવાની. અમે હઉ આવડા મોટા છોંત્તેર વર્ષના અંબાલાલભઈને એવું કહીએ ને !!! 'છોંતેર વર્ષોથી કંઈ ડાહ્યા થયા છો ? એ તો ઘડતરથી ડાહ્યા થયા !'

પ્રશ્નકર્તા : તમે ક્યારથી વાતો કરતા'તા ?

દાદાશ્રી : જ્ઞાન થયા પછી. પહેલાં તો કેવી રીતે વાત કરું હું ? 'હું જુદો છું' એવું ભાન થયું ને પછીથી !

જે પૈણવા બેઠા'તા એય યાદ કરીને અંબાલાલને કહીએ કે, 'ઓહોહો, તમે તો કંઈ પૈણવા બેઠા'તા ને ! પછી માથેથી પાઘડી ખસી ગયેલી, ત્યારે પછી રાંડવાનો વિચાર આવેલો તમને.' એવું હઉ કહું હું. કેવી પાઘડી ખસી ગયેલી હતી ને કેવું બધું પૈણવામાં માંહ્યરું હતું, તે બધું દેખાય. વિચાર કરતાંની સાથે દેખાય. અમે બોલીએ અને અમને આનંદ આવે. આવી વાત કરીએ એટલે એ ખુશ થઈ જાય !

ન રક્ષી ભૂલ કદી જ્ઞાનીએ

બીજું અમે અમારી ભૂલોનું રક્ષણ નથી કર્યું. ભૂલ થઈ હોય, પણ એનું આયુષ્ય શી રીતે વધે તે હું જાણતો હતો. એટલે શું કરું ? બધા બેઠા હોય ને કો'ક એક જણ આવ્યો ને કહે, 'મોટા જ્ઞાની થઈ બેઠાં છો, આ ભૂલ તો છૂટતી નથી.' એમ બધું બોલેને, ત્યારે હું કહું કે 'મહારાજ, આ આટલી ઊઘાડી નબળાઈ છે એ હું જાણું છું.' તમે આજ જાણ્યું, હું તો પહેલેથી જ જાણું છું. જો હું એમ કહું કે, 'અમારા જ્ઞાનીઓને કશું અડે નહીં.' એટલે પેલી ભૂલ મહીં અંદર સમજી જાય કે અહીં આપણું વીસ વર્ષનું આયુષ્ય વધ્યું ! કારણ કે ધણી સારા છે, ગમે તે કરીને રક્ષણ કરે છે. એ એવો હું કાચો નથી. કોઈ દહાડો રક્ષણ નથી કર્યું. લોક રક્ષણ કરે કે ના કરે ?

એક સાહેબ છીંકણી સુંઘતા હતા, આમ કરીને. મેં કહ્યું, 'સાહેબ, આ છીંકણીની તમારે જરૂર છે ?' ત્યારે એ કહે, 'છીંકણીનો તો કંઈ વાંધો નહીં.' મેં કહ્યું, 'આ સાહેબને ખબર જ નથી કે આ છીંકણીનું મહીં આયુષ્ય વધારી આપો છો !' કારણ કે આયુષ્ય એટલે શું ? કોઈ પણ સંયોગ છે તે વિયોગનું નક્કી થયા પછી સંયોગ ભેગો થાય. આ તો નક્કી થયું હોય એનું પાછું આમ આયુષ્ય વધારે ! કારણ કે જીવતો માણસ ગમે એટલું વધ-ઘટ કરાવડાવે એટલે શું થાય પછી ? આ બધા આયુષ્ય વધારે છે, દરેક બાબતમાં એનું રક્ષણ કરે છે કે 'કશો વાંધો નહીં, અમને તો અડે જ નહીં.' ખોટી વસ્તુનું રક્ષણ કરવું એ તો ભયંકર ગુનો છે.

ભાગે ભૂલ જ્યારે જાણે ભૂલને ભૂલ

જેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલ રહી હોય તેને ભાંગી નાખવી છે, તે પરમાત્મા થઈ શકે છે. આપણે આપણી ભૂલથી બંધાયા છીએ. ભૂલ ભાંગે તો પરમાત્મા જ છીએ ! જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે. આ ભૂલ શું કહે છે ? તું મને જાણ, મને ઓળખ. આ તો એવું છે કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા. તે ભૂલનો સ્વભાવ કેવો છે કે તે આપણી ઉપર અમલ કરે. પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાગે. પછી ઊભી ના રહે, ચાલવા માંડે. પણ આ તો શું કરે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછો એનું ઉપરાણું લે. તેથી ભૂલને ઘરમાં જ જમાડે.

કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીયે ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માંગી જમા કરી લેવું.

બુદ્ધિની વકીલાતે, જીતે દોષ

જાગૃત થયા એટલે બધી ખબર પડે કે અહીં ભૂલ થાય છે, આમ ભૂલ થાય છે. નહીં તો પોતાને પોતાની એકુંય ભૂલ જડે નહીં. બે-ચાર મોટી ભૂલ હોયને, તે એને પોતાને એટલી જ દેખાય. કોઈક ફેરો બોલેય ખરાં કે જરા ક્રોધ ખરો ને સહેજ લોભેય ખરો એમ બોલે ખરાં, પણ આપણે કહીએ 'તમે ક્રોધી છો'. એટલે પોતાના ક્રોધનું રક્ષણ કરે, બચાવ કરે, વકીલાત કરે. અમારો ક્રોધ એ ક્રોધ ગણાય નહીં એવી વકીલાત કરે અને જેની વકીલાત કરો, એ હંમેશાં તમારી પર ચઢી બેસે.

જગતના બધા લોકોને ક્રોધ-માન-માયા-લોભ કાઢવાં છે. કોને કાઢવાની ઇચ્છા ના હોય ? એ તો વેરવી જ છે, એવું બધા જાણે છે છતાં રોજ જમાડે છે ને મોટાં કરે છે. પોતાની ભૂલ જ દેખાય નહીં પછી માણસ ભૂલોને ખોરાક જ આપે ને !

લોભનું રક્ષક કપટ ને માનનો રક્ષક ક્રોધ

ક્રોધ-માન-માયા-લોભમાં લોભનો તાંતો ભારે હોય. લોભ એટલે કંઇક ઇચ્છા રાખવી તે. લોભિયાને કોઇ ટૈડકાવે તોય તે હસે. જ્ઞાની પણ હસે પણ લોભિયા લોભની ગાંઠ વધારે મોટી કરીને હસે !

જ્યારે માનીને કોઇ ટૈડકાવે તો તે ના હસે. તરત જ તેનો ક્રોધ ભભૂકી ઉઠે પણ લોભિયાને ક્રોધ આવે નહીં.

ભગવાને કહ્યું, કે ક્રોધ અને માનને લીધે લોકોને દુઃખ થાય છે. માનને લીધે તિરસ્કાર થાય. માન પ્રગટ તિરસ્કાર કરે છે. ક્રોધ બળે ને બાળે. એનો ઉપાય ભગવાનનાં વાક્યો સાંભળીને લોકો કરવા ગયા. ક્રોધ ના કરાય, માન ના કરાય. તે ત્રિયોગ સાધના કરવા લાગ્યા. ત્રિયોગ સાધનાથી ક્રોધ-માન કંઇક ઓછાં થયા ને બુદ્ધિનો પ્રકાશ વધ્યો. બુદ્ધિનો પ્રકાશ વધવાથી લોભનું રક્ષણ કરવા કપટ વધાર્યું. ક્રોધ ને માન ભોળાં હોય. કોઇકેય બતાડનાર મળે, જ્યારે આ લોભ અને કપટ તો એવાં કે ધણીનેય ખબર ના પડે. એ તો પેઠા પછી નીકળવાનું નામ ના લે.

લોભિયો ક્યારે ક્રોધ કરે ? છેક છેલ્લી ઘડીએ જ્યારે મોટામાં મોટો લોભ હણાતો હોય ને કપટેય કામ ના કરતું હોય ત્યારે એ ક્રોધનો સહારો લે.

જન્મ્યો ત્યારથી જ લોભિયાનો લોભનો દોરો તૂટે જ નહીં. એક ક્ષણ પણ તેનો લોભ જાય નહીં. નિરંતર તેની જાગૃતિ લોભમાં ને લોભમાં જ હોય. માની તો બહાર નીકળે ત્યાંથી જ માનમાં ને માનમાં જ રહે. રસ્તામાંય જ્યાં જાય ત્યાં માનમાં જ અને પાછો આવે તોય માનમાં જ. પણ જો કોઇ અપમાન કરે ત્યાં તે ક્રોધ કરે.

મોક્ષે જતાં કોણ રખડાવે છે ? ક્રોધ, માન-માયા-લોભ. લોભનું રક્ષણ કરવા માટે કપટ છે, તે કપડું વેચતાં આંગળ જેટલું કાપી લે. માનનું રક્ષણ કરવા ક્રોધ છે. આ ચારેયને આધારે લોક જીવી રહ્યાં છે !

ક્રોધ-માન કરતાં કપટ અને લોભની ગાંઠો ભારે. તે જલદી ના છૂટે. લોભને ગુનેગાર શાથી કહ્યો ? લોભ કર્યો એટલે બીજાનું લૂંટી લેવાનો વિચાર કર્યો તે. એક જ જણ પોતાના ઘરના પાણીના બધા જ નળ ખોલી નાખે તો બીજાને પાણી મળે કંઇ ?

કષાયો ભાગે, એનો ખોરાક બંધ થયે

કેટલાંક માણસો જાગૃત હોય છે, તે બોલે છે ખરાં કે આ ક્રોધ થાય છે એ ગમતું નથી. ગમતું નથી છતાં કરવો પડે છે. અને કેટલાંક તો ક્રોધ કરે છે ને કહે, 'ક્રોધ ના કરે તો ચાલે જ નહીં મારું ગાડું, મારું ગાડું બંધ થઈ જાય.' એવુંય કહે.

ક્રોધ-માન-માયા-લોભ નિરંતર પોતાનું જ ચોરી ખાય છે, પણ લોકોને સમજાતું નથી. આ ચારેયને જો ત્રણ વરસ ભૂખ્યાં રાખો તો તે ભાગી જાય. પણ તે જે ખોરાકથી જીવી રહ્યાં છે તે કયો ખોરાક ? તે જો જાણો નહીં તો તે શી રીતે ભૂખ્યાં મરે ? તેની સમજણ નહીં હોવાથી તેમને ખોરાક મળ્યે જ જાય છે. એ જીવે છે શી રીતે ? ને તેય પાછાં અનાદિકાળથી જીવે છે ! માટે તેનો ખોરાક બંધ કરી દો. આવો વિચાર તો કોઈનેય નથી આવતો ને બધા મારી-ઠોકીને તેમને કાઢવા મથે છે. એ ચાર તો એમ જાય તેવાં નથી. એ તો આત્મા બહાર નીકળે એટલે મહીં બધું જ વાળીઝૂડીને સાફ કરીને પછી નીકળે. તેમને હિંસક માર ના જોઈએ. તેમને તો અહિંસક માર જોઈએ.

આચાર્ય શિષ્યને ક્યારે ટૈડકાવે ? ક્રોધ થાય ત્યારે. તે વખતે કોઈ કહે, 'મહારાજ, આને શું કામ ટૈડકાવો છો ?' ત્યારે મહારાજ કહે, 'તેને તો ટૈડકાવવા જેવો જ છે.' બસ ખલાસ, આ બોલ્યા તે ક્રોધનો ખોરાક. કરેલા ક્રોધનું રક્ષણ કરે તે જ તેનો ખોરાક.

કો'ક ઝીણા સ્વભાવનો તમને ચાની પડીકી લાવવા કહે ને તમે ૩૦ રૂપિયા લાવો તો તે કહે કે, આટલી મોંઘી તે લવાતી હશે ? આવું બોલ્યો તેથી લોભ પોષાય અને કો'ક એંસી રૂપિયા ચાની પડીકી લાવ્યો. તો લાફો માણસ કહે કે, આ સારી છે. તો ત્યાંય પણ લાફાપણાનો લોભ પોષાય, આ થયો લોભનો ખોરાક. આપણે નોર્મલ રહેવું.

હવે કપટ શું ખાતું હશે ? રોજ કાળાબજાર કરતો હોય પણ કપટની વાત નીકળે ત્યારે મૂઓ બોલી ઊઠે કે આવાં કાળાબજાર અમે ના કરીએ. આમ તે ઉપરથી શાહુકારી બતાવે, તે જ કપટનો ખોરાક.

અને માનનો ખોરાક શું ? ચંદુલાલ સામા મળે ને આપણે કહીએ, 'આવો ચંદુલાલ' ત્યારે ચંદુલાલની છાતી પહોળી થઇ જાય, અક્કડ થાય અને ખુશ થાય એ માનનો ખોરાક.

આત્મા સિવાય આ બધું જ ખોરાકથી જીવે છે. આપણે તો આ ક્રોધ-માન-માયા-લોભને, ચારેયને કહીએ કે આવો, બેસો પણ તેમને ખોરાક ના આપીએ.

ઉપરાણાથી બગડ્યા અનંત અવતાર

જ્ઞાની પુરુષ તમારી ભૂલ માટે શું કરી શકે ? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે, રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે 'આપણે તો આ દુનિયામાં રહેવું છે, તે આમ શી રીતે કરાય ?' અલ્યા, આ તો ભૂલને પોષી ઉપરાણું ના લઈશ. એક તો મૂઓ ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો 'કલ્પ' (કાળચક્ર)ના અંત સુધી રહેવું પડશે !

ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાંક કાપડ ખેંચી ખેંચીને આપે છે અને ઉપરથી કહે છે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું. આ તો આવડું મોટું રૌદ્રધ્યાન અને પાછું એનું ઉપરાણું ? ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઈને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને પાંચસો રૂપિયા કમાય. એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે. અનંત અવતાર પોતે જ પોતાના બગાડી દે છે.

ઉપરાણાથી રહ્યા બાવો ને મંગળદાસ

મંગળદાસ (દેહ-પ્રકૃતિ)નું જો ઉપરાણું લઈએ તો આપણે બાવા (અહંકાર) જ રહેવાના અને બાવાનું ઉપરાણું લઈએ તો આપણે ફરી મંગળદાસ જ થવાના. એમને એમનો હિસાબ હોય એ મળ્યા કરવાનો, આપણે જોયા કરવાનું. શું બને છે એ જુઓ એ જ આપણો માર્ગ.

આ ભાઈ કહે છે, 'અમારા દોષો કેમ દેખાડતા નથી ?' મેં કહ્યું, 'જોવામાં આવે તો દેખાડીએને ? અમારા હાથમાં આવે, તો એ ફાઈલ કાઢીએ. હાથમાં ના આવે, એટલે મેં જાણ્યું કે દોષો કાઢી નાખેલા હશે. એ જ્યારે આવે ત્યારે પાછાં દેખાડી દઈએ.

અને પોતાની ભૂલ પોતાને જ્યારે દેખાશે ત્યારે ડિસીઝન આવી ગયું. બાવો હવે બહુ ટાઈમ રહેવાનો નથી. હવે ભગવાન થઈ જવાનો. પોતાની ભૂલ પોતે જુએ ત્યારથી એ ભગવાન થવાની તૈયારી થાય.

એટલે 'મને ગાડીમાંથી ઉતારી પાડે તો શું થાય' એ જોઈ લેવું.

પ્રશ્નકર્તા : બરાબર, દાદા. સામાની પોઝીશનમાં આવી જવાનું તરત.

દાદાશ્રી : હા. સામા જોડે ભૂલ થઈ હોય, તે પાછું વાળી લેવું. છતાં એ એમની મેળે ગૂંચાય તેના માટે આપણે જવાબદારી નહીં. આપણે લીધે ગૂંચાય તો આપણી જોખમદારી. કેટલીક ભૂલો દેખાડાય નહીં. અને હું તો એવો નિયમવાળો છું કે પૂછું એમને કે 'તમને ભૂલો કહીશ તો તમને તાવ નહીં ચડેને ?' ત્યારે કહે, 'ના દાદા, એ તો મારે તમારી પાસે જાણવી છે એટલે હું દેખાડી દઉં. હવે તાવ ચડવાનો જ ક્યાં રહ્યો છે ? બાવા મટી જવું જ છે ત્યાં. અને બાવા છો ત્યાં સુધી ભૂલ થવાનો સંભવ છે.

પ્રશ્નકર્તા : તમારે મનેય કહેવાનું, દાદા. કારણ કે હજુ પુદ્ગલમાં કંઈક એવી ખામી હોય કે સ્થૂળ દેખી શકાય, પણ સૂક્ષ્મ કંઈક હોય તો ખબર નહીં પડે.

દાદાશ્રી : બરોબર છે. ઘણાં દોષો દેખાતા થઈ ગયા છે. પણ હજુ મહીં અમુક અમુક રહે. એ પછી અમે કહી આપીએ. આપણે તો કોઈ પણ રીતે બાવાપણું મટાડવું છે. બાવાપણું છૂટી જવું જોઈએ. અનંત અવતાર આ જ ધંધો માંડ્યો હતો. હવે જે તે રસ્તે છૂટવું જ છે. આપણો બધાનો દ્ઢ નિશ્ચય છે.

હું ભૂલ વગરનો થયો તો બીજાને ભૂલ દેખાડી શકું છું. તમને તમારી ભૂલ હજુ જડતાં વાર લાગશે. પોતે કરે ને પોતે જાણે એ મુશ્કેલ છે. મેં જ્ઞાન આપ્યું એટલે જાણતાં થયાં, કે પોતે કોણ છે ? બાવો તો એ જાણે જ નહીંને ! તમે 'હું' છો તો બાવાની બધી ભૂલો જોઈ શકો. પણ હજુય કેટલીક વખત બાવા થઈ જાવ છોને !

ચૂકયે આજ્ઞા, અહંકાર સજીવન

પ્રશ્નકર્તા : કોઈ મને કહે કે તમે આવા છો, તેવા છો, પાગલ છો એવું કહે, તો તેનું ઉપરાણું ના લેવું, રક્ષણ ના કરવું. કહેવું કે અમે તો પહેલેથી જ આવા છીએ. ઉપરાણું લીધું કે રક્ષણ કર્યું તો નિર્જીવ અહંકાર છે તે સજીવ થઈ જાય એ વાત સાચી ?

દાદાશ્રી : એ અહંકાર સજીવ થઈ જતો નથી પણ ઉપરાણું લીધું એટલે આપણે ડખો વધારે કરવો પડે. (કર્મોના નિકાલ માટે ફરીથી વધારે પુરુષાર્થ કરવો પડે.) ઉપરાણું લીધું એટલી વખત તો આખી રાત ડખામાં જાય. એ કહે કે તમે કહો એવા, તો ઉકેલ આવી ગયો. આપણે એની જોડે પ્લસ-માઈનસ કરવા જઈએ તો આખી રાત પળોજણનો નિવેડો ના આવે. એટલે આપણે કહીએ કે તમે કહો છો એવા છીએ. એવી વાત કરીએ એટલે ફાઈલનો કંઈક નિકાલ થઈ ગયો !

પ્રશ્નકર્તા : નિકાલ થઈ ગયો, પછી ?

દાદાશ્રી : પછી આપણે શું ?

પ્રશ્નકર્તા : એની પાસે આપણે હાર કબૂલ કરી લીધી એનું શું ? તમે કહો છો એવા છીએ.

દાદાશ્રી : જે હાર કબૂલ કરે છે, એને પછી બીજું કરવાનું રહ્યું શું ? આ તો અમે જે રીતે ચાલ્યા તે અમારી રીત બતાવી દીધી.

અને એ જો પાંચ આજ્ઞા ચૂક્યો કે અહંકાર સજીવ થવા માંડ્યો. વાર ના લાગેને ! ઘણાં લોકોને પાછો સજીવ થઈ ગયોને ! આજ્ઞા ચૂક્યા, પાંચ આજ્ઞા કાયમની છોડી દો એટલે બધું સજીવ થઈ જાય. જેટલાએ છોડી દીધી છે, એને અહંકાર સજીવ થઈ ગયો છેય ખરો. આ અહંકાર સજીવ થયો એટલે પહેલાં જે મૂળ હતોને ત્યાં આવીને ઊભો રહ્યો. પાંચ આજ્ઞા નહીં હોય તો આ તમારું કુસંગ ખઈ જશે. આ ચોગરદમ કુસંગ છે તે તમારી અહંકારની નિર્જીવતાને આખી ખઈ જશે.

કરો માફ, પણ નહીં સાથ

પ્રશ્નકર્તા : આપના સત્સંગમાં આપનું વચન આવેલું કે પોતાની પ્રકૃતિને માફ કરી શકાય, પણ પ્રકૃતિનું ઉપરાણું ન લઈ શકાય, એનો બચાવ ન કરી શકાય. એ જરા ભેદ સમજાવોને દ્ષ્ટાંતથી.

દાદાશ્રી : ઉપરાણું લઈએ અને બચાવ કરીએ તો આપણે પ્રકૃતિની જોડે જ થયા. એટલે પરના માલિક થયા. પ્રકૃતિએ ઊંધું કર્યું હોય તો એને માફ કરી શકાય. કારણ કે એ આપણે પોતાનામાં રહીને માફ કરી શકીએ છીએ અને પેલું તો પરમાં આવીને કરવું પડે છે. પરના માલિક થઈ જાય છે. એ ગમે તેવો ગુનો કર્યો હોય તો માફ કરી શકાય. માફ કરવું એ પોતે છેટા રહીને કરી શકાય અને પેલું છે તે બચાવ કરે, ઉપરાણું લે એટલે પોતે પરના માલિક થઈને જ કરે. એ પક્ષનો થઈ ગયોને ! અને માફ કરવું એ પક્ષનો ના કહેવાય. માફ કરવું એ તો પોતાનો સ્વભાવ જ છે.

પ્રશ્નકર્તા : પ્રકૃતિને માફ કરી શકાય એટલે એમાં પોતાના સ્વભાવમાં રહીને એટલે એ શું ?

દાદાશ્રી : પ્રકૃતિ ગમે તેવી ખોટી હોય તો માફ ન કરીએ તો એ સિવાય બીજો કોઈ ઊંચો રસ્તો નથી. બીજા બધા રસ્તા તન્મયાકાર થનારા છે. એટલે માફ કરી શકાય તો છેટા રહ્યા. પ્રકૃતિ ખરાબ હોય, એનો બચાવ કર્યો તો એ પક્ષમાં ગયો. ઉપરાણું લે તો પ્રકૃતિ વધી જાય. પ્રકૃતિ ફાવતી જ આવી જાયને, એને રાગ થયો કહેવાય. ઉપરાણું લેવું એટલે પ્રકૃતિ ઉપર રાગ. બચાવ કરવો તેય રાગ થયો.

પ્રશ્નકર્તા : આ પ્રકૃતિને જ માફ કરો, એટલે શું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરનાર કરે છેને ! એટલે જે દોષ થયેલો છે, તેની માફી માગે છે. એટલે પ્રતિક્રમણ કરનાર પ્રકૃતિ છે અને માફ કરનાર ભગવાન છે. એટલે માફી માંગનારા જુદા છે ને માફી આપનારા જુદા છે. એ બેને બીજો સંબંધ નથી એમાં. અને બચાવવામાં તો બહુ મોટો સંબંધ. મોટો જબરજસ્ત સંબંધ હોય તો બચાવવાનું થાય.

પ્રશ્નકર્તા : હા, રાગ વગર બચાવે નહીં.

દાદાશ્રી : એ રાગ કહો કે ગમે તે. પણ મોટામાં મોટો સંબંધ એ પરનો માલિક હોય તો બચાવ કરે જ. બીજો કોઈ બચાવવાનો શબ્દ રહ્યો નહીંને !

પ્રશ્નકર્તા : તો પ્રકૃતિનું પોષણ કરવું નહીં, રક્ષણ કરવું નહીં ?

દાદાશ્રી : હા, રક્ષણ કરવું નહીં એટલે શું કે આત્મા થયા અને પછી પ્રકૃતિનું ઉપરાણું લઈએ તે ખોટું કહેવાય. વધારાનું ઉપરાણું લે એટલે તો એ પક્ષના જ થઈ ગયા પછી. આ પ્રકૃતિનો બચાવ કરીને આ ઉપરાણું લઈને જ આ મુશ્કેલી ઊભી થઈ અને પ્રતિક્રમણથી ધોવાઈ જાય છે.

પ્રશ્નકર્તા : આપે દ્ષ્ટિ અમને આપી તે ધોવાની દ્ષ્ટિ આપી તોય પ્રકૃતિનું ઉપરાણું કેમ લેવાઈ જવાય છે ?

દાદાશ્રી : એ તો હજુ પ્રકૃતિ પક્ષના છો એટલે જ. અમને તો પ્રકૃતિનું ઉપરાણું ના લેવાય. પ્રકૃતિનો તો જ્યાંથી દોષ દેખાયો કે તરત માફ ક્યારે થઈ જાય એના માટેની તૈયારી હોય. હજુ ઉપરાણું લેવાયને, એ તો ભયંકર ગુનો છે. એ છાવરેને તો ય ઉપરાણું, એ ય ગુનો. તમે કહો કે હા દાદા, આ ખોટું છે. એટલે મારે કહી દેવું જોઈએ કે ભઈ, ખોટું છે. હું બચાવ કરવા માટે બીજા શબ્દો વાપરું, વકીલાત કરું તે ગુનો છે.

પ્રશ્નકર્તા : એ છાવરવું એ નબળાઈ છે.

દાદાશ્રી : એ ગુનો જ કહેવાય.

પ્રશ્નકર્તા : અને દાદા, બીજાની પ્રકૃતિ માફ કરી શકાય પણ પોતાની પ્રકૃતિને માફ કરી શકાય ?

દાદાશ્રી : એ કરી શકાયને ! માફ કરવું જ જોઈએ. માફ ના કરો તો બીજો કોઈ એવો રસ્તો નથી કે જે એટલું બધું સરળ હોય.

પ્રશ્નકર્તા : દાદા, એ પણ માફ એટલે પણ એક જાતનું જજમેન્ટ થયું.

દાદાશ્રી : હા, એ જજમેન્ટ કહો કે બીજું ગમે તે કહો. આ પ્રકૃતિના આધારે જજમેન્ટ અને અહીં જ્ઞાનમાં જજમેન્ટ નથી હોતું. જજમેન્ટ પેણે અહંકારના સોદા હોય ત્યાં જજમેન્ટ કહેવાય.

પ્રશ્નકર્તા : પ્રકૃતિને માફ કેવી રીતે કરી શકાય ?

દાદાશ્રી : એની ઉપર ચીડ નહીં કે કંઈ નહીં, પોતાની પ્રકૃતિ ઉપર ચીડ નહીં ખાવી, ઉપરાણું લેવાનું નહીં. અને માફ કરી દેવું એટલે એના તરફ રાગ નહીં, દ્વેષ નહીં, વીતરાગતા. ખરાબ તો નીકળે જ. જ્ઞાનીનેય ખરાબ નીકળે કોઈ વખત, પણ એના તરફ અમે વીતરાગ થઈ જઈએ તરત !

પ્રકૃતિથી જે જે બને છે, એ શેમાં છે ? ઉદયમાં આવ્યું છે. પ્રકૃતિને જે ભોગવવાનું આવ્યું, તે ભોગવો છો. આ હું જે બોલું, તે પાછું મનમાં એમ થાય કે આ શા સારુ બોલ્યો'તો ? પણ તે ચાલે નહીં આપણું, કારણ કે પ્રકૃતિમાં વણાયેલું છે તે એ બોલે જ, તે આપણે જોયા જ કરવાનું. હું કહેવા માગું છું એ સમજાયું કે ના સમજાયું ? કમ્પ્લિટ (પૂરું) સમજાય તો બહુ કામ થઈ જાયને !

દેખાય તો 'આપણે' બોસ ને ના દેખાય તો 'પ્રકૃતિ' બોસ

પ્રશ્નકર્તા : ધારો કે કોઈની પ્રકૃતિ કાયમ જ ડખોડખલ કરવાની હોય, તો 'મારી પ્રકૃતિ એવી છે' એમ કરીને એનું ઉપરાણું તો ના જ લેવાયને ?

દાદાશ્રી : ઉપરાણું લે, તેનેય આપણે જાણવું જોઈએ. ઉપરાણું લેનારી પ્રકૃતિ છે.

પ્રશ્નકર્તા : પણ પુરુષાર્થમાં રહેવા એ પ્રકૃતિને આપણે ઘોડો બનાવી લગામ લઈને ઉપર બેસવાનું. એક વાર આપણે ના પાડી, બીજી વાર ના પાડી તો આપણે ના સમજવું જોઈએ કે એ પ્રકૃતિ આપણા ઉપર સવાર થઈ ગઈ છે ! તો આપણે પ્રકૃતિ પર કેવી રીતે સવાર થઈ જવાનું ?

દાદાશ્રી : આપણને પ્રકૃતિ દેખાય ત્યાં સુધી આપણે સવાર છીએ, દેખાય નહીં એટલે એ આપણી પર સવાર.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ થયો કે આ ખરાબ પ્રકૃતિ જોઈએ, એટલે ખરેખર આપણે એના પર સવાર થયા જ છીએ ! ધારો કે શંકા કરવાની મારી પ્રકૃતિ થઈ, તે એવા સંજોગો ઊભા થાય કે શંકા થવા માંડી, તો એ પ્રકૃતિ તો તદ્દન ખરાબ છે. કારણ કે શંકા તો હોવી જ ના ઘટે. તો એવી વખતે પ્રકૃતિને સીધી લાવવા શું કરવું ?

દાદાશ્રી : આપણે સીધું થઈ જવાનું.

પ્રશ્નકર્તા : એટલે એ જે કરે એ કરવા દેવાનું એને ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : પણ આમ સામાન્ય રીતે પોતાને જોઈએ ત્યારે પોતાની પ્રકૃતિને જોતાં હોય એવું લાગ્યા કરે, સવારથી સાંજ સુધી પ્રકૃતિ શું કર્યા કરે છે !

દાદાશ્રી : પ્રકૃતિ જ જોવાની છે.

પ્રશ્નકર્તા : અને આજુબાજુ જોઈએ તો બીજાની પ્રકૃતિ હઉ દેખાય એવું થાય છે.

દાદાશ્રી : બધું દેખાય. તે દેખાયને એમાં જોવું જોઈએ. આપણે ક્યાં ખોડો કાઢવી છે ? પ્રકૃતિ દેખાય. પ્રકૃતિમાં ખોડ કોને કહેવાય છે ?

પ્રશ્નકર્તા : દાદા, એવું ને પણ પહેલાંની ઘણી ટેવોને એટલે કો'ક ફેરો બોલી જાય કે આમ ના થવું જોઈએ, આવું થાય છે તે ના કરવું જોઈએ.

દાદાશ્રી : ના, એમ નહીં. પ્રકૃતિમાં ખોડ કોણ જુએ છે કે જેનામાં હજુ ભ્રાંતિના ગુણો છે તે જુએ છે. બાકી, ભગવાનને ત્યાં ખોડ જેવું છે જ નહીં. બધું જ્ઞેય જ છે. ભગવાનને ત્યાં આ સારું ને આ ખોટું એવો ભાવ ત્યાં નથી. દ્વંદ્વ નથી ત્યાં આગળ. એટલે પછી ત્યાં એવું જોવાનું નથી. એટલે અમે બીજું ખરાબ હોય તેય જોઈએ સારી રીતે. બધું જ જોઈએ પણ મહીં અમારા ભાવ ન બગડે. અમારું જ્ઞાન ના બગડે. આ તો સારું-ખોટું તો સમાજે પાડેલું છે. આપણું ખોટું હોય એ બીજાંને સારું લાગતું હોય. મને જલેબી ભાવતી હોય ને તમે ના કહેતા હોય. એટલે સારા-ખોટાનો સવાલ જ ક્યાં રહ્યો ? આ તો જ્ઞાની પાસેથી ફેક્ટ (હકીકત) સમજી લેવાની જરૂર છે. અમે નિરંતર આવી રીતે રહીએ છીએ. તમારી અડચણ પૂછી લેવાની અને તમે અડચણ પૂછો એટલે જવાબ આપું. આ તો બધું ભ્રાંતિમાં હતું જ ને ! સારું ને ખોટું તો ક્યાં નહોતું તે ?

પ્રશ્નકર્તા : અત્યાર સુધી બધું એ જ કરેલું ને !

દાદાશ્રી : ના, એમ નહીં, ભ્રાંતિમાં હતું જ ને આ. પણ સેટિંગ કરતાં કરતાં આવું બધું આવે, એટલે પાછું પૂછો એટલે નીકળી જાય પાછું. વળી પાછો થોડો વખત જાય એટલે ભૂલી જવાય પાછું. વળી આવે, પાછું ભૂલી જવાય એમ કરતાં કરતાં આ છે તે ઘટતું જાય. છેલ્લામાં છેલ્લું સ્ટેજ કયું કે ચંદુભાઈ શું કરે છે, તેને તમે જુઓ-જાણો. અને બની ગયું એ કરેક્ટ છે. આ બે વસ્તુ છેલ્લામાં છેલ્લી સ્ટેજ. રહી શકાય કે ના રહી શકાય ?

પ્રશ્નકર્તા : રહી શકાય.

દાદાશ્રી : હં, પછી શું ? એટલે વસ્તુ આપણા હાથમાં આવી ગઈ છે. જ્યારે પતંગનો દોરો હાથમાં આવેને એ પછી ગમે એટલી ગુલંાટ ખાય પછી શો વાંધો છે ? ખેંચીએ એટલે રાગે પડી જાય. પહેલાં તો પતંગનો દોરો જ હાથમાં નહોતો. પછી ગુલાંટ ખાય એ શી રીતે હાથમાં આવે ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિની લગામ હાથમાં આવી ક્યારે કહેવાય ?

દાદાશ્રી : પ્રકૃતિ જ્યારે વાળી શકાય તે દહાડે આપણને ખબર પડે કે આજે વાળી શકાય હવે. અમારી ખબર ના પડે ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિ દેખાય પણ એ વાળી ના શકાય.

દાદાશ્રી : એટલે પાછું એ જરા વધારે કહેવાય. જ્યાં સુધી ગાંઠે નહીં ત્યાં સુધી એની જોડે ચાલુ રાખવું પડે ને પછી જ્યારે ત્યારે ગાંઠે હંમેશાં. પ્રકૃતિ જેને જીતવી જ છે, એને હરાવનાર કોઈ છે નહીં.

રોંગ સીટમાં બેઠા તેથી...

પ્રશ્નકર્તા : દાદા, ચંદુભાઈને જે કરવું છે, એના કરતાં ચંદુભાઈએ જે કરવું જોઈએ એ બે વસ્તુ જુદી છે. એટલે દાખલા તરીકે ચંદુભાઈને સિનેમા જોવા જવું છે અને ઘરમાં ખૂબ મહેમાન આવ્યા હોય તો એને ઘરમાં કામ કરવું જોઈએ, એવી એને ખબર છે. પણ એમાં એની સિન્સીયારીટી નથી. તો એમાં સિન્સીયારીટી કેવી રીતે લાવવી ?

દાદાશ્રી : તમે થોડી ધીરજ પકડો ને શું થાય છે એ 'જોયા' કરો. એટલે બસ થઈ ગયું. એટલે કમ્પ્લિટ સિન્સિયારિટી આવી ગઈ.

પ્રશ્નકર્તા : પણ ચંદુભાઈ એવા છે કે આગમાં જ હાથ ઘાલવા જાય.

દાદાશ્રી : ના, તોય આપણે 'જોવું' જોઈએ કે ચંદુભાઈએ કેટલો હાથ ઘાલ્યો, આટલો હાથ ઘાલ્યો કે આટલો હાથ ઘાલ્યો એ 'જોવું'. તમે તો ક્લિયર છો, મેં તમને ક્લિયર જગ્યા ઉપર બેસાડેલા છે. તમેે શા માટે અનક્લિયર થાવ છો ? તમેે કઈ જગ્યા ઉપર બેસો છો ? તમારા રિઝર્વેશન ઉપરને ! તમારું રિઝર્વેશન કર્યું છે ત્યાં બેસો છોને કે અનરિઝર્વડ જગ્યાએ બેસો છો ? ચંદુભાઈ તો શોખીન છે એટલે અનરિઝર્વડ જગ્યા ઉપર બેસી આવે એવા છે.

પ્રશ્નકર્તા : એ પેલી બીજી સીટમાં જે બેસાઈ જવાય છે, તે ત્યાં કેવી રીતે ના બેસવું અને પેલામાં જ કેવી રીતે ચોંટી રહેવું ? એટલે કર્તાપણામાં આવી જાય છે વારેવારે !

દાદાશ્રી : પેલી સીટ ઉપર બેસી ગયા અને શૉક લાગે એટલે જાણવું કે આપણી ન્હોય આ. અને શૉક લાગે એટલે ઊઠી જવું. શૉક લાગે એ ખુરશી આપણી ન્હોય.

પ્રશ્નકર્તા : શૉક લાગે પણ ઊઠતો નથી, તો ઊઠે કઈ રીતે ? કારણ કે જ્ઞાતા-દ્રષ્ટા એનાથી રહેવાતું નથી, તો એ કઈ રીતે રહેવું ?

દાદાશ્રી : ઊઠતા નથી, એને તમે જુઓને ! જે ઊઠતાં નથી, તે તમેે ન્હોય. એક 'ચંદુભાઈ' છે અને એક 'તમે' છો. તે ઊઠતા નથી એ ચંદુભાઈ. ચંદુભાઈને કહીએ, 'ચાલો સૂઈ રહો, બેસવું હોય તો બેસો બા, ગમતું હોય તો ! હું 'જોયા' કરીશ અને તમે બેસી રહો.' સોલ્યુશન તો હોવું જોઈએને !

પ્રશ્નકર્તા : એટલે બધું થાય છે એ નોંધ કર્યા કરવાની ?

દાદાશ્રી : બધી ક્રિયાને 'જોવાની'. એ જો કચકચ કરતો હોય તો એનેય પાછો જોવો આપણે કે 'તેય મારું સ્વરૂપ ન્હોય' કહીએ. એવું આ દાદાનું જ્ઞાન છે. ઉપર કોઈ નહીં, વિધાઉટ બોસ. ઉપરીના ઉપરી એ દાદા ભગવાન !

પ્રશ્નકર્તા : એટલે કચકચ કરે છે, એ કયો ભાગ ?

દાદાશ્રી : એ બીજો ભાગ છે એ ચંદુભાઈના પક્ષનો.

પ્રશ્નકર્તા : એટલે એ જે કચકચ કરે છે એને પણ જોવાનું.

દાદાશ્રી : એનેય પણ જોવો !

પ્રશ્નકર્તા : એટલે જે જુએ છે એ તો કશું બોલતા જ નથી, ખાલી જુએ જ છે.

દાદાશ્રી : જુએ છે એનો ઉપરી કોઈ નથી. એને કોઈ વઢનાર ના હોય, કશું ના હોય. અનંત શક્તિઓ પડેલી છે. પણ ચંદુભાઈનું રક્ષણ કરો છો ને, એટલે બધી શક્તિઓ આવરણમાં બેસી રહે છે. ચંદુભાઈનું રક્ષણ કરો છો ને ? ઉઘાડે છોગે કરો છો ને ? એટલે જ શક્તિઓ ખીલતી નથી. આ આજ્ઞા પાળીને રહે ને, તોય નિરંતર સમાધિ જાય નહીં. તમે તમારી ખુરશી ઉપર અને ચંદુભાઈ એમની ખુરશી ઉપર બેસ્યા કરે. ચંદુભાઈની ખુરશી ઉપર બેસવા જાવ છો, તેની આ ઉપાધિ છે. પહેલાંની ટેવ પડેલી છે તે !

તમારે તો બહારથી ખસી જઈને, પોતાની સીટ ઉપર બેસવાનું છે. હવે આપણી સીટ કઈ ? મહીં ચાર-પાંચ જાતની સીટો છે. તે આપણી કઈ સીટ કે જ્યાં એકદમ ઇઝી લાગે, એ આપણી સીટ. સહેજ ઘસારો લાગે તો જાણવું કે આ બીજી સીટ આવી. ખૂંચે તો જાણવું અગર શૉક લાગે તો સમજી જવું કે આ શૉક લાગ્યો. એ બધી સીટ ઉપર નહીં બેસતાં, આપણી સીટ ઉપર બેસવું.

કો'ક તો મસાલો ચોપડે, 'ચંદુભાઈ સાહેબ, તમે તો બહુ લાયક માણસ છો, ઘણા સારા છો.' પણ એ ચોપડે તો આપણે ચોપડાવવું ? ચંદુભાઈ એ સીટ આપણી નથી. ત્યાંથી તો દાદાએ ખસેડ્યા. 'હું ચંદુભાઈ છું' એટલે તો માર ખાતા હતા.

કંઈ પણ ભોગવટો આવે તો સમજાય કે આ હું બીજી સીટ પર બેઠો છું, આ સીટ મારી ન્હોય. તે ત્યાંથી ઊઠીને પાછું શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવું. આપણી સીટ ઉપર બેસી જવું પણ તું તો ત્યાં બેસી રહું છું, જાણે ડબલ ચાર્જ આપવાનો હોય એ રીતે ! કંઈ પણ મન અવળું વિચાર કરે કે તરત જ આપણે જાણવું કે આ બીજી-ઊંધી સીટ ઉપર છું, આ મારી સીટ ઉપર નથી. પોતાની સીટ ઉપર જતા રહેવું તરત. બહુ વાર બેસી રહું છું, નહીં ?

પ્રશ્નકર્તા : હા, દાદા. એવું થાય છે.

દાદાશ્રી : તેથી તારું મોઢું બગડેલું દેખાય છે. મેં કહ્યું, 'આ મોઢું કેમ બગડેલું છે ?' કોઈ પણ અડચણ આવે, તો આપણી પોતાની સીટ ઉપર જતું રહેવું તરત. જે દોષો થઈ ગયાં તેની પાછી માફી માંગવાની.

ગૂંચાયા કરવા જેવું જગત ન્હોય. ગૂંચામણ થાય, કશું શરીરમાં ગૂંચાવા માંડ્યું કે તરત ઊઠીને આપણી સીટ પર બેસી જવું. એને 'જોયા' કરવું, 'ચંદુભાઈ, કેમ ગૂંચાવ છો તમે ?' કહીએ.

જ્ઞાનની પાછળ આવે જ વર્તન

હવે હું એવું વર્તન નથી માંગતો કે તમારે તમારી પ્રકૃતિનું રક્ષણ ના કરવું. પણ આપણા મનમાં એમ લાગવું જોઈએ કે તમને આ જ્ઞાન આવું હોવું જોઈએ. વર્તન હું નથી માગતો. વર્તન તો ક્યારે આવે ? એ શ્રદ્ધા-પ્રતીતિ ફીટ થઈ જાય, પછી એ જ્ઞાન પરિણામ પામે. જ્ઞાન એને અનુભવમાં આવતું જાય દહાડે દહાડે, ત્યારે વર્તનમાં આવે.

એક ફેરો ઉતારી પાડ્યા હોય તો અસર થઈ જાય, તે વળી પાછું મહીં જરા ટાઢું પડ્યું ત્યારે જ્ઞાન યાદ આવે. એમ કરતું કરતું ફીટ થઈ જાય. પહેલું પ્રતીતિમાં આવે, પછી અનુભવમાં આવતાં આવતાં તો પહેલાં થોડીવાર જ્ઞાનમાં ગોથાં ખાયાં કરે ને પછી વર્તનમાં આવે. પણ થોડું ઘણું અનુભવમાં આવ્યું તોય બહુ થઈ ગયું ને !

એકાદ-બે ફેરા યે જો ગાડીમાંથી ઊતરીને મોઢું ઉતર્યા સિવાય પાછો બેસવા આવે, તોય ઘણું સારું કહેવાય. હા, નહીં તો મોઢું કઢી ઊતરી ગયા જેવું થઈ જાય ને ?! તમને એવું ના થાય મને લાગે છે, નહીં ? એવો વખત આવે તો એક ફેરો ઊતરી જો જો ને ફરી મોઢું બગાડ્યા સિવાય બેસવાનું.

પ્રશ્નકર્તા : આપ કહો છો એવું સહેલું નથી.

દાદાશ્રી : સહેલું હોય નહીં. પણ આ શું છે ? આ વાત શા સારુ કરીએ ? કે આ વાત એને શ્રદ્ધામાં બેસી જાય ને, તો ધીમે ધીમે અનુભવ થતાં જાય.

નિવેડો આવે જ્ઞાનથી

આ કરવાનું અમે નથી કહેતા. આ જાણી રાખવાનું છે કે આવી રીતે આપણે પ્રકૃતિનું રક્ષણ કરતું બંધ થવું પડશે. જેટલું પ્રકૃતિનું રક્ષણ કરીએ એટલું ખોટું ને ! પાડોશી તરીકે એની ફરજ બજાવવાની. પણ કંઈ આવું રક્ષણ ઓછું કરાય ? કોઈ ઉતારી પાડે તો ઉતરી જવાનું કહીએ ને ફરી બોલાવે તો બેસવાનું કહીએ.

પ્રશ્નકર્તા : દરેક પ્રસંગે આ પ્રકૃતિ છે એ ખ્યાલ નથી રહેતો.

દાદાશ્રી : એ જાગૃતિ એટલી બધી ના રહે ને ! એટલા માટે તો આ અમે હલાવ હલાવ કરીએ આવું કે જેથી જાગતાં રહે. પણ આ તો આપણે ઊઠાવીએ ત્યારે એ 'હા ઊઠ્યો, હા ઊઠ્યો' કહીને પાછું પાસું ફેરવીને સૂઈ જાય.

આપણી પાસે 'વ્યવસ્થિત'નું આટલું સરસ જ્ઞાન છે ને ! સાધન નથી 'વ્યવસ્થિત'નું ?

પ્રશ્નકર્તા : છે સાધન, બહુ સરસ છે.

દાદાશ્રી : નિવેડો આવશે ને ? નિવેડો આવશે એ ખાતરી થઈ ગઈ ને ?

વિજ્ઞાનથી છૂટે પોતાપણું

પ્રશ્નકર્તા : પણ આપણા જ્ઞાનમાં 'વ્યવસ્થિત'ની બરોબર સમજણ પડે તો પોતાપણું છૂટી જાય ?

દાદાશ્રી : છૂટી જાય ને ! 'વ્યવસ્થિત' એ પોતાપણું છોડવા માટે જ મેં આપેલું છે ને એક્ઝેક્ટ' છે એ. 'વ્યવસ્થિત' એટલે 'સાયન્ટિફિક' વસ્તુ છે. એ કંઈ તમને અડસટ્ટે આપેલી વસ્તુ નથી. અવલંબન ખોટું આપ્યું નથી, 'એક્ઝેક્ટ' છે.

પ્રશ્નકર્તા : આ તો પોતાપણું છોડવું નથી અને પોતાપણું છોડ્યા વગર વસ્તુ પ્રાપ્ત કરવાની જે વાત રાખે છે, એ કેવું ?

દાદાશ્રી : હા, એટલે અમે શું કહીએ છીએ કે પોતાપણું છૂટી જાય તો એની મેળે ચાલ્યા કરે એવું છે. વગર કામનો શું કરવા પકડી રાખે છે ? છોડી દે ને, અહીંથી. પણ તે છોડે નહીં ને ! કહેશે, 'આમ થઈ જશે ને આમ થઈ જશે.'

આ 'જ્ઞાન' લીધું એટલે 'પોતે' આત્મા થઈ ગયો. 'પ્રકૃતિ મારી ન્હોય' એમ કહે છે, પણ પછી પાછો શું કરે ? પ્રકૃતિનું રક્ષણ કરે. પ્રકૃતિનું રક્ષણ કરવામાં શૂરો. કરે કે ? કોઈ ના કરે ? કોઈ રક્ષણ કરતાં હશે ખરાં ?

પ્રશ્નકર્તા : એ જ કરે છે ને !

દાદાશ્રી : શું વાત કરો છો ? રક્ષણ કરે ! આ રક્ષણ થઈ જાય એ જ જાણવાનું છે. આ જાણે એટલે એની મેળે ધીમે ધીમે બધું છૂટ્યા કરે. એકદમ છૂટે એવું કરવાની જરૂર નથી. એકદમ કશું થાય નહીં. નહીં તો તાવ ચઢી જાય.

પ્રકૃતિનું રક્ષણ એ જ 'પોતાપણું'

પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ ?

પ્રશ્નકર્તા : આપણે તો જોનારા છીએ, કરવાનું શું ને ન કરવાનું શું ?

દાદાશ્રી : હા, 'જોનારા'ને પોતાપણું હોય જ નહીં ને ! પણ આ તો જ્યાં હજુ પ્રકૃતિનું રક્ષણ કરે છે, તેને માટે વાત છે.

તમે આમ રહીને જતાં હોય અને પેણે સુધી ગયા ત્યાર પછી કોઈ કહે, 'ના, આમ રહીને જવાનું.' તે ઘડીએ જરા મહીં આંચકો લાગે છે ને ? હા, એ જ પ્રકૃતિનું રક્ષણ ! નહીં તો એટલી જ 'સ્પીડ'થી પાછું આ બાજુ વળી જાય. એવી 'સ્પીડ'થી અને એવા જ 'ટોન'થી અને એવા જ 'મુડ'થી. જે 'મુડ' હતો ને, તેનો તે જ 'મુડ'. આ તો છેલ્લી દશાની વાત કરી !

'ટેસ્ટ', પોતાપણાનો

અગર તો હમણે કશે ગાડીમાં જવાનું હોય ને તમને કહ્યું 'આવો.' ને બેસાડ્યા પછી બીજા એક જણે કહ્યું કે 'ઉતરો અહીંથી. હમણે એક જણ બીજા આવવાના છે.' તે વખતે શું કરો ? બેસી રહો ને ? 'નહીં ઊતરું' એવું કહો ને ?

પણ પછી આગળથી થોડેક છેટે જઈએ, ને પછી બોલાવે 'આવો'. તો આવે ને ? મોઢા પર ફેરફાર કશો ના થાય ને ?

એટલે મેં શું કહ્યું છે ? આવું નવ વખત રહે તો હું કહું કે તું 'દાદો' થઈ ગયો જા. આવું નવ વખત કરે ને નવ વખત ઊતરી જાય અને નવેય વખત ઉતારનારને તું કર્તા ના માને, બોલાવનારનેય કર્તા ના માને, 'વ્યવસ્થિત'ને જ કર્તા માને. અને પાછા બોલાવે તોય મનમાં કશુંયે નહીં, પણ હસતાં હસતાં પાછાં આવવાનું ને હસતાં હસતાં ઊતરવાનું, જો મઝા આવે, જો મઝા આવે ! ત્યારે શું કહેવાય એ ? કે આ ભઈ પ્રકૃતિનું રક્ષણ કરતો નથી અને એટલે આનું પોતાપણું ગયું.

પોતે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. આ તો જે પ્રકૃતિથી છૂટવું છે તેનું જ રક્ષણ કરે છે.

રક્ષણ, તે લક્ષણ પોતાપણાનાં

પોતાપણું છે કે નથી ?

પ્રશ્નકર્તા : કોઈ વાર ઊભું થઈ જાય.

દાદાશ્રી : નહી તો શું રહે ? આત્મા તરીકે રહે ? પોતાપણું ના રહે એ નિરંતર જાગૃત હોય. જેટલી જાગૃતિ નથી એટલું બધુંય પોતાપણું જ છે. કોઈ તમને કહે કે 'તમે ખરાબ છો' તો તરત પોતાપણું ઊભું થાય ને ?

પ્રશ્નકર્તા : કોઈક વાર થઈ જાય.

દાદાશ્રી : કોઈક વાર થાય કે રોજેરોજ થાય ? ક્યારે ના થયું એ કહો ને ! આ તો બધું પોતાપણું જ છે ને ! જે પોતે રક્ષણ કરે ત્યાંથી પોતાપણું. પોતાનું રક્ષણ કરે ત્યાંથી પોતાપણું. આ પ્રકૃતિનું રક્ષણ કરે એ બધું પોતાપણું. પ્રકૃતિનું એ માલિકીપણું આમ શ્રદ્ધાએ તૂટ્યું છે, પણ તે હજુ પોતાપણું જતું નથી ને !

પ્રશ્નકર્તા : 'મારું ખરું છે' એ જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાપણું જ રહે ને ?

દાદાશ્રી : ખરું-ખોટું હોતું જ નથી. એ પોતાપણાનો વાંધો નહીં. બીજાં બધાં બહુ પોતાપણા હોય ને ! સહેજ કહેતાં પહેલાં તો ફાટી જાય. પ્રકૃતિનું રક્ષણ કરે, તે રક્ષણ તો કરે પણ કપટ કરીને અવળું હઉ ફેરવી નાખે. ત્યાં આગળ પોતાપણું ડબલ થઈ ગયું. પોતાની તનતોડ રક્ષા કરવી, એનું નામ પોતાપણું. અત્યારે તો પોતાપણું સાચવે, પણ પાછાં કળા કરીનેય ખસી જવા માગે એવું હઉ કરે. એટલે ઉપરથી કળા હઉ કરે. કળા એટલે કપટ.

પોતાપણાનો અર્થ સમજી ગયાં ને ? હજુ પોતાની જાતની રક્ષા કરે છે અને તે કપટ કરીને, કળા કરીનેય રક્ષા કરે છે.

પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે એ પોતાપણું કહ્યું, તો પછી એ ભાગ કપટમાં ક્યારે જાય ?

દાદાશ્રી : બધું પોતાપણું પ્રકૃતિનાં રક્ષણમાં જ જાય પણ અમુક કપટપણું ના હોય એ પોતાપણું સારું કહેવાય, સુંવાળું કહેવાય ને પેલું કપટવાળું એ ખરાબ કહેવાય.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. કળા કરીનેય રક્ષણ કરે, કપટ કરીનેય રક્ષણ કરે, એ ડબલ પોતાપણું.

દાદાશ્રી : હા, એ ડબલ પોતાપણું. છોકરાઓ પણ રક્ષણ કરે છે, પણ કળા કરીને ના કરે.

પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ કપટ કર્યું, કળા કરીનેય પોતાની પ્રકૃતિનું રક્ષણ કર્યું, તો એ શું કહેવાય ?

દાદાશ્રી : તે એટલું પાતળું કપટ હોય તો ખબર પડે. કપટીનેય ખબર પડે. જાડું કપટ હોય તો ખબરેય ના પડે.

'એટેક' ત્યાં ડબલ પોતાપણું

પોતાપણું છોડવાની ઈચ્છા છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પણ પહેલું તો આપણાથી કોઈકને દુઃખ થતું અટકશે ત્યાર પછી પેલાં પડળ જાય.

પ્રશ્નકર્તા : કયાં પડળ ?

દાદાશ્રી : પોતાપણાનાં ને બીજાં બધાં પડળો. અને આ તો પોતાપણું કરે છે ખરું, પણ પાછું 'એટેક'વાળું પોતાપણું. રક્ષણવાળું પોતાપણું જુદું ને 'એટેક'વાળું પોતાપણું જુદું.

પ્રશ્નકર્તા : આ મોટી વાત નીકળી. એક રક્ષણવાળું ને બીજું 'એટેક'વાળું.

દાદાશ્રી : હા, એટલે 'એટેક'વાળું જાય તો પછી રક્ષણવાળું આવે. ત્યારે ખરું પોતાપણું કહેવાય. નહીં તો ત્યાં સુધી એને હિંસકભાવ જ કહેવાય. અને 'એટેક'વાળું પોતાપણું છૂટે ત્યાર પછી પેલું રક્ષણવાળું પોતાપણું છૂટવાની શરૂઆત થાય.

પ્રશ્નકર્તા : 'એટેક'વાળું પોતાપણું એ જરા વધારે સમજાવો ને !

દાદાશ્રી : કોઈકને દુઃખ થાય એવું પોતાપણું શું કામનું ? પોતાપણું આપણી પ્રકૃતિના રક્ષણ કરવામાં હોત તો વાત જુદી છે. એને પોતાપણું કહેવાય. નહીં તો પેલું તો પોતાપણું યે ના કહેવાય.

લોકોનું તો હજુ પોતાપણું કેવું છે ? પ્રકૃતિનું રક્ષણ કરવાની તો વાત છે જ, પણ ઊલટું 'એટેક' હઉ કરે છે, સામા ઉપર પ્રહાર હઉ કરે છે. એટલે આ મોટું પોતાપણું કાઢવાનું છે ને ! પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. રક્ષણ કરતા હશે ખરા આપણા મહાત્માઓ ? તેથી જ સહજ થતું નથી, બળ્યું. આ તો જરાક અપમાન કરે તે પહેલાં રક્ષણ કરે, જરાક બીજું કંઈ કરે ત્યાં રક્ષણ કરે. એ બધું સહજપણું થવા જ ના દે ને !

પ્રકૃતિનું રક્ષણ અમુક રીતે રહે, પણ બીજું બધું પોતાપણું જવું જોઈએ. 'તમારામાં અક્કલ નથી' કહ્યું ત્યાં રક્ષણ નહીં કરવાનું. આનો સ્વામી કોણ છે ? અહંકાર. પ્રતિકાર કરે તે અહંકાર. પણ અહંકાર તો ગયો છે ને ખાલી ખોટું રક્ષણ કરે છે ને !

એ તો જેટલું થાય એટલું સાચું. પણ આવી પ્રકૃતિનું રક્ષણ કરવાની વાત શાસ્ત્રમાં હોય નહીં. કારણ કે પ્રકૃતિનું રક્ષણ કોણ ના કરે ? ભગવાન સિવાય બીજાં બધાંય પ્રકૃતિનું રક્ષણ કરે. અને તમે પ્રકૃતિ પારકી છે છતાંય રક્ષણ કરો છો. પારકી છે એવું જાણો છો, છતાંય પારકી જણેલીને પૈણવાની તૈયારી કરો છો એય અજાયબી છે ને ! અહંકાર ને મમતા ગયાં છે પણ પોતાપણું રહ્યું છે. જુઓ ને, આ અજાયબી જ છે ને !!

મહાત્મા, રિહર્સલ કરી રહો તૈયાર

જો તમે આત્મા થઈને રહો છો તો બધા કર્મની નિર્જરા છે ને આત્મા થઈને નથી રહેતા, તે જરાક ડખરાયાં કે એ કર્મના જરાક કંઈક ડાઘ પડશે. કારણ કે જે છે એ માન્યતા તમારી નથી, ભૂલ થાય છે ત્યાં.

પ્રશ્નકર્તા : સ્વપદમાંથી પરપદમાં ખસી જાય ?

દાદાશ્રી : ના, ખસી જતું નથી. પરપદમાં જતું નથી. પણ એના મનમાં એમ થાય છે કે 'આ કોણ છે તે ? મારી જ ભૂલ છે ને આ ?' પણ તે 'મારી ભૂલ' તો ક્યારે ? જ્યાં સુધી 'આપણે' 'ચંદુભાઈ' હતા, ત્યાં સુધી ભૂલ હતી. હવે તો 'આપણે' 'શુદ્ધાત્મા' થયા. શુદ્ધાત્મા તો એવી ભૂલવાળો છે જ નહીં. એટલે બહુ એ થાય તો આપણે કહેવું કે, 'ચંદુભાઈ, ઓહોહો, બહુ ભૂલો કરી છે. ભારે કરી છે.' તેનાથી એ શું થઈ જાય છે ? એ આપણે બોલીએ ને, એ જ છૂટાપણું દર્શાવે છે અને 'તમારી' જવાબદારી એન્ડ થાય ત્યાં આગળ !

આપણું જ્ઞાન તો કેવું છે કે કોઈ કહે કે તમે અમારું ઘડિયાળ ચોરી ગયા. ત્યારે કહીએ કે 'ભઈ, તમને જે લાગે એ ખરું.' આપણે આત્મસ્વરૂપ થઈને જવાબ આપવાના. પછી તે ઘડીએ તમે ચંદુભાઈ થઈ જાવ, પાછું આત્મા આપેલો જતો રહે. એટલે આપણા અક્રમ વિજ્ઞાનમાં આ ઉપાધિ છે. (કર્મો ખપાવ્યા વગર આત્મજ્ઞાન થયું છે, તેથી આક્ષેપ આવવાથી ડિસ્ચાર્જ અહંકાર ઊછળી પડે છે.)

પ્રશ્નકર્તા : ઉપાધિ હોવા છતાંય જાગૃતિ તે વખતે કેળવાતી જાય. જાગૃતિ કેળવવા માટેનો આ માર્ગ છે.

દાદાશ્રી : હા. જાગૃતિ એકદમ વધી જાય. જાગૃતિ બહુ ઊંચી જતી રહે. જાગૃતિ તો બહુ વધે છે પણ વસ્તુસ્થિતિમાં અત્યારે જરાક સહેજ ડખો રહેતો હોય તો તરત સ્વીકારી લે છે. 'મેં ક્યાં ચોરી કરી છે ?' અલ્યા, રક્ષણ શું કરવા કરો છો તે ? તારું નથી, તેનું તું રક્ષણ શું કરવા કરે છે ? જે તારી વાત જ નથી, તેનું રક્ષણ કરવાની તારે જરૂર નથી. સ્વીકારી લઈએ પછી આપણી ભૂલ કહેવાયને ? પછી એને ખબર પડી જાય કે આપણી ભૂલ થઈ ગઈ. પછી ખબર પડે પણ એટલી જાગૃતિ તો છે.

આ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું છે. પણ તમારી જાગૃતિથી એને બહુ હેલ્પ કરવી જોઈએ પછી, પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષ થયા પછી પુરુષાર્થ હોય. પ્રકૃતિ ને પુરુષ બે જુદા થયા. જ્યાં સુધી તમે 'ચંદુભાઈ' હતા, ત્યાં સુધી પ્રકૃતિ હતી. તે પ્રકૃતિ જેમ નચાવે તેમ તમે નાચતા હતા. તમેે પુરુષ થયા ને પ્રકૃતિ જુદી થઈ ગઈ. પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થમાં એ જાગૃતિ તો છે જ. પુરુષાર્થમાં તો ફક્ત બીજું શું ? આપણે નક્કી કરવું જોઈએ. સ્થિરતાપૂર્વક બધી વાતચીત કરવી જોઈએ.

પ્રશ્નકર્તા : આનો અર્થ એ થયો કે આ ખોટું કે સાચું, એનો આગ્રહ નહીં રાખવો.

દાદાશ્રી : ખોટું-સાચું તો જાણે છે જ નહીં. એ તો આગ્રહ રાખવાનો જ નથી. પણ આપણે કોઈ દહાડો ચાખેલું નહીં. અને તમને કહે કે તમે ચોરી કરી એટલે સાંભળેલું નહીં ને કોઈ દહાડો પ્રેક્ટિસ નહીં થયેલીને, એકદમ સાંભળવાનું થાય ત્યાં આગળ શું થાય ? એટલે ઇમોશનલ થાય. એટલે આપણે ચંદુભાઈને કહ્યું કે, 'ભઈ, ચોર જ છો. કો'ક ચોર કહે તો ગભરાશો નહીં.' એવું પહેલેથી આપણે કહી રાખવું પડે. હા, 'કોઈ કહે તો ગભરાશો નહીં. કોઈ ધોલ મારે તોય ગભરાશો નહીં.' એવું આપણે કહી રાખીએ. નહીં તો પછી કો'ક ધોલ ના મારે ને અમથો અમથો આમ આમ કરે તોય છે તે અસર થઈ જાય. એટલે એવી પ્રેક્ટિસ પાડી રાખવી પડે. એવું રિહર્સલ કરાવી રાખવું. ના કરાવવું પડે ? કરાવી રાખેલું સારું. કો'ક ફેરો મુશ્કેલી આવે તે ઘડીએ, રિહર્સલ કરેલું ફળ આપે. નહીં તો આ જ્ઞાન તો, ઘણાંખરાંને, કેટલાંય માણસોને સમાધિ આપે છે નિરંતર !

તમે 'ચંદુ' કે શુદ્ધાત્મા ?

હવે શું પ્રશ્ન છે ? શું કહેવા માગે છે તું ?

પ્રશ્નકર્તા : દાદા, મેં પ્રશ્ન નહોતો પૂછ્યો, આ બેને પૂછ્યો હતો.

દાદાશ્રી : એ ગમે તેણે પૂછ્યો હોય પણ તારો પ્રશ્ન છે એવો જ અવાજ આવ્યો.

પ્રશ્નકર્તા : મારો પ્રશ્ન નહોતો, દાદા.

દાદાશ્રી : એમાં તમને શું લાગે-વળગે છે તે ? તમે શુદ્ધાત્મા, તમારે શું લેવાદેવા ? તમે શુદ્ધાત્મા થયા તોય ચંદુભાઈનો પક્ષ લો છો ?

પ્રશ્નકર્તા : ના લેવાય, દાદા.

દાદાશ્રી : આ પક્ષ લીધો ને, આ બધો ઉઘાડો જોઈ ગયા બધા. ગમે તેનો પ્રશ્ન હોય, પણ પ્રશ્ન તો તમે પૂછ્યો ને ! હું તો એમ જ જાણું કે તમે પૂછ્યો છે. પણ તમે એટલે કોણે પૂછ્યો ? એ ચંદુભાઈએ પૂછ્યો ને ? તમેે શુદ્ધાત્મા છો, તમારેે શું લેવાદેવા છે ? એટલે આપણે કહીએ કે ચંદુભાઈએ પ્રશ્ન પૂછ્યો, પણ ચંદુભાઈનો પોતાનો નથી આ. પછી અમે પૂછીએ કે કોનો ત્યારે ? ત્યારે કહે, આ બેનનો. અને એમનો પોતાનોય નથી આ. એય શુદ્ધાત્મા એ બધું લક્ષમાં રહેવું જોઈએ. આ જ્ઞાન એનું નામ કે રિલેટિવ ને રિયલ બધું લક્ષમાં ના રહેવું જોઈએ ?

પ્રશ્નકર્તા : રહેવું જોઈએ, દાદા.

દાદાશ્રી : હા એ હા કરો છો પણ રહેતું નથી ને પછી બૂમો પાડો. લક્ષમાં રહેવું જોઈએ ને ? તમારું નક્કી હોવું જોઈએ કે આ મારે લક્ષમાં રાખવું છે. પછી દાદાની કૃપા ઉતરે. તમારું જ એક વાર નક્કી નથી ને ! એવો નિશ્ચય નથી ને !

પ્રશ્નકર્તા : આપ તો બધા આવરણો ખોલી આપો છો. બાકી આ જેટલું જાણ્યું હોય કે જેટલું સાંભળ્યું હોય, જેટલું વાંચ્યું હોય એ સિવાય આગળ નવું ઊભું ના થાય. આપ બતાડો એટલે તરત ખબર પડે કે આ તો વાત હતી પણ આ દેખાતી જ ન્હોતી.

દાદાશ્રી : નહીં તો એ દેખાય નહીં નેે !

પ્રશ્નકર્તા : પેલું આપે કહ્યું કે એ તો ચંદુભાઈનો પ્રશ્ન છે, તું તો શુદ્ધાત્મા ! તારે શું લેવાદેવા ? એટલે આમ બન્ને બાજુ જુદાપણું સમજીને...

દાદાશ્રી : એ જુદું એનું નામ જ જ્ઞાન કહેવાય. અમે જે આપેલું છે તે એવું જ્ઞાન આપેલું, પણ આ તમને તમારી પેલી પહેલાંની ટેવો ખરીને, તે છોડે નહીં ને ! પહેલાંથી ટેવાઈ ગયેલાં ને ! તે ટેવ ભણી જતું રહે. તેનોય વાંધો નહીં. પ્રકૃતિ છે એટલે એવું થઈ જ જાય પણ જાગૃતિમાં રહેવું જોઈએ કે આવું ન થવું જોઈએ.

સમજવી વાત, જ્ઞાનીના જ્ઞાનથી

જ્ઞાની પુરુષની આગળ પોતાની જાતનું રક્ષણ કરવું એ ભયંકર ગુનો છે. પોતાની જાતનું રક્ષણ કરવું એને ગાંડામાં ગાંડી બુદ્ધિ કહેવાય. જ્ઞાની પુરુષ જેને રાગ-દ્વેષ નથી, ત્યાં આગળ પોતાનું સાચું કરે છે ?

પ્રશ્નકર્તા : 'જ્ઞાની' સિવાય આખા જગતના લોકોની વાતો પોતાના 'વ્યૂ પોઈન્ટ'ની જ હોય છે ને ?

દાદાશ્રી : પોતાના 'વ્યૂ પોઈન્ટ'ની જ હોય. અને તે 'વ્યૂ પોઈન્ટે'ય સાચો હોય તો બરોબર છે. એય પાછું એની સમજણથી સાચું હોય. હવે ત્યાં આગળ સાંભળવું, હા પાડવી અને પછી દહાડા કાઢવા. અને નહીં તોય વળે કશુંય નહીં. જેટલું સાચું હોય એટલું વળે.

સહુ પોતપોતાની ભાષાની વાત કરે ને ! અને હુંય એવું કહું કે એની ભાષામાં એ જે કહે છે 'એ કરેક્ટ છે.' પણ મારી ભાષામાં મેળ જ ના પડે ને !

પ્રશ્નકર્તા : આપની ભાષાનું કેવું હોય ? એ શુદ્ધ ઉપયોગ નિરંતરનો કેવો હોય ?

દાદાશ્રી : એ તો તમે જોયોય નથી, સાંભળ્યોય નથીને ! એ તો અનુભવની વસ્તુ છે. એ તો એની મેળે આવીને ઊભું રહે. અત્યારે તો આ સ્થૂળ સૂઝ ઊભી હોય, સ્થૂળ ! પેલું સૂક્ષ્મતમ હોય ! હવે સહુ સહુની ભાષાની જ વાત કરેને ! તમે સૂક્ષ્મ સમજતા હો, પેલો સ્થૂળ કહેતો હોય. હવે પેલો થોડો સૂક્ષ્મતમ સમજવાનો હતો ? પેલો તો સ્થૂળ જ કહે ને !

આ અમારી પાસે જ્ઞાન જે સાંભળ્યું છે ને, તે આ જ્ઞાન જ કામ કર્યા કરે. અમે જે રસ્તે ગયા તે રસ્તાનું જ્ઞાન તમે સાંભળો છો, તે રસ્તો જ તમારું કામ કાઢી નાખશે. આપણે તો કહીએ, 'દાદા, તમારી પાછળ પાછળ આવવું છે.' એટલે પછી અમે અમારો રસ્તો તમને દેખાડી દઈએ.

'મેઈન લાઈન' પર ચઢી ગયા એટલે વાંધો નહીંને ! ગાડી બીજે પાટે ચઢી હતી એવું જાણેને, તોય ઉકેલ આવે. જાણ્યા વગર પડી રહે તો મુશ્કેલી. એ તો એમ જ જાણે કે આપણી ભૂલ નથી.

પ્રશ્નકર્તા : એવું પાછું માને ?

દાદાશ્રી : હા, ઉપરથી પાછો રક્ષણ કરે. પણ કોઈનીયે ભૂલ દેખાય તો એ જ આપણી ભૂલ છે. એની ભૂલ એણે જોવાની છે. આપણને એની ભૂલ જોવાનો શું અધિકાર ? આ તો વગર કામના ન્યાયાધીશ થાય છે ! કંઈ ભૂલ છે કે નહીં, તે ખાતરીયે નથી તો શાના બોલો છો ? આ તો પોતાના સ્વાર્થથી બોલો છો. સામાની ભૂલ છે કે નહીં એની ખાતરી શું ?

મનમાં 'લેવલ' પોતાની મેળે કાઢવું નહીં, નહીં તો માણસ અટકી જાય. પોતાની મેળે 'લેવલ' કાઢવું નહીં, બીજા કાઢી આપે તો જ કામનું.

પ્રશ્નકર્તા : એ મનમાં 'લેવલ' કઈ બાબતનું ?

દાદાશ્રી : આ મોક્ષમાર્ગમાં દરેક પોતે પોતાનું 'લેવલ' કાઢીને બેઠો હોય. અને તે સાવ ખોટું હોય, એમાં અક્ષરેય સાચો ના હોય. અને 'લેવલ' માનીને બેસે તો માણસ અટકી જાય ત્યાં. હજી તો ગાડી પાટા પરથી ખસી જતાં વાર નહીં લાગે. આટલી બધી નબળાઈઓમાં આ પૂર્ણતાએ લાવવું, એટલે બધું સમજવું પડશે. પહેલું તો કપટ જ જવું જોઈએ.

આ તો જે આપણું નહીં, ત્યાં જ બધી શક્તિ વપરાઈ જાય છે.

પ્રશ્નકર્તા : અને કપટથી એને જ પાછું ઢાંકવાનું !

દાદાશ્રી : હા, એને જ ઢાંકવાનું. અપના કુછ નહીં, તોય એનો પક્ષ કરે. અલ્યા, નક્કી કર્યું કે અપના કુછ નહીં, તોય એનો પક્ષ કર્યો ? ત્યારે એ કહે છે, 'ભૂલી ગયો.'

પ્રશ્નકર્તા : એ ભૂલી જાય છે કે પક્ષ હજુ એટલો છૂટ્યો નથી ?

દાદાશ્રી : પક્ષ છૂટ્યો નથી. એ તો ભૂલી ગયો એમ બોલે તત્પૂરતું પણ પક્ષ છૂટે નહીં ને !

એટલે ચેતો, બધી રીતે ચેતો, બહુ ચેતવાનું છે.

પ્રશ્નકર્તા : એ ખરી વસ્તુ છે. આજે મોક્ષમાર્ગનો ધ્યેય નક્કી થયો છે, પણ એનાં જે બાધક અથવા અનુમોદક કારણોનું સ્પષ્ટ વિભાજન ના થાય ત્યાં સુધી 'આ' પાટે ગાડી સ્થિર રહેવી અને પૂર્ણાહુતિ થવી એમાં બહુ બહુ મુશ્કેલી દેખાય છે.

દાદાશ્રી : મુશ્કેલી બોલે તો પછી કામ જ નહીં થાય. માટે એવું કહીએ કે આ વિજ્ઞાન તમે એવું આપ્યું છે કે કોઈ મુશ્કેલી છે જ નહીં !

નીકળે ભૂલો બધી, જો કદી ના રક્ષે તો

આ લોકો કહે છે કે હવે અમે અમારા દોષો છે એ અમે જાણ્યા. પણ હવે કાઢી આપો. તમે અમને મારો-કરો, જે કરવું હોય એ કરો પણ દોષ કાઢી આપો. હવે એના માટે શું રસ્તો ?

એટલે આ વિજ્ઞાન જ બધા દોષ કાઢશે. નહીં તો બીજું કોઈ વિજ્ઞાન દોષ કાઢે નહીં. પછી કંઈ એવો તાલ ફરી બેસે નહીં. માટે ચેતી જઈને કામ કરવું સારું.

દોષ કેવી રીતે પેઠો, એ તમે તપાસ કરો. ત્યાર પછી ખબર પડે. દોષ નીકળે કેવી રીતે ? પેઠો તે ઘડીએ ઘાલવો નથી પડતો. એટલે કાઢવા વખતે કાઢવો ના પડે. જે વસ્તુ ઘાલેલી હોય તે કાઢવી પડે. આ તો મને કહે છે, 'દોષ કાઢી આપો !' અલ્યા પણ એ શાથી પેસી ગયાં ? ત્યારે કહે, 'એક માણસ એવા કુસંગમાં ગયો. તે એને ખાતરી થઈ કે 'આ મઝા કરે છે અને આ રસ્તો બહુ સરસ. બહુ સરસ સુખનો.' એને એ જ્ઞાન પર શ્રદ્ધા બેસી ગઈ, પ્રતીતિ બેસી ગઈ.

એવી રીતે હું આમને શું કરું છું ? જે એમની ભૂલો છે એ નકારે છે કે 'અમારામાં એવી બિલકુલેય ભૂલ નથી, લોકોનામાં ભૂલ છે.' એ એમની ભૂલ એમને દેખાડું છું. પછી એમને પ્રતીતિ બેસે છે, હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) કે આ બધી ભૂલો જ છે. એ અમે એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ છીએ. 'આ ભૂલ અમને કાઢી આપો.' કહે. મેં કહ્યું, હવે કાઢવાનું ના હોય. પ્રતીતિ બેસી ગઈ, એ જ નીકળવા માંડી. તારે ફક્ત મન ખુલ્લું રાખવાનું કે તમે ચાલી જાવ. બસ, એટલું જ બોલવાની જરૂર. પ્રતીતિ બેસવાથી જ ભૂલ જતી રહે ને પ્રતીતિ બેસવાથી ભૂલ પેસે. ઘાલવા-કાઢવાનું ના હોય એ તો. આ તો કંઈ કારખાના છે ? તે એક ભૂલ કાઢવી હોય તો કેટલોય વખત થાય તે ! અવતારોના અવતારો જાય. આ બધી સમજાય એવી વાત છે ને ?

પ્રતીતિમાં ડાઘ ના પાડવો જોઈએ. શ્રદ્ધાથી પેઠું. એ પ્રતીતિ સંપૂર્ણ બેઠી એટલે એ પેઠું. અને પ્રતીતિથી ઊતરે. સંપૂર્ણ પ્રતીતિ થવી જોઈએ કે આ દોષ જ છે. એટલે નીકળી જશે. આ જ નિયમ છે. પછી એને રક્ષણ ના કરે તો ચાલી જાય. પણ પાછો રક્ષણ આપે જ. આપણે કહીએ, 'સાહેબ, આ છીંકણી સુંઘો છો હજુ ?' ત્યારે કહે, 'એ વાંધો નહીં.' એ રક્ષણ કર્યું કહેવાય. મનમાં જાણે કે આ ખોટું છે. પ્રતીતિ બેઠી હોય, પણ પાછું રક્ષણ આપે. રક્ષણ ના આપવું જોઈએ. આપે ખરા રક્ષણ ?

પ્રશ્નકર્તા : હા, રક્ષણ આપે જ ને !

દાદાશ્રી : આબરૂ જતી રહેલી. છે જ ક્યાં આબરૂ ? આબરૂવાળો તો આ કપડાં પહેરીને ફરતો હશે ? આ તો આબરૂ ઢાંક ઢાંક કરે છે ! ઢાંકી ઢાંકીને આબરૂ રાખ્યા કરે છે. ફાટે ત્યારે સાંધી લે છે. અલ્યા, જોઈ જશે, સાંધી કાઢ.

પ્રશ્નકર્તા : આપ સીમ્પટમ્સ્ (લક્ષણો) જોતાં નથી અને મૂળ કૉઝની (કારણની) દવા કરો છો, એવાં ડૉક્ટર ક્યાં મળે !

દાદાશ્રી : એવાં ડૉક્ટર નથી તેની તો આ ભાંજગડ છે ને ! એવા ડૉક્ટર મળ્યા નથી અને દવાય મળી નથી, એટલે પછી આ ચાલ્યું તોફાન ! એટલે પછી પરિણામને ઝૂડ ઝૂડ કરવા માંડ્યા, ઈફેક્ટને !

જોયા કરો પ્રકૃતિને હવે

પ્રશ્નકર્તા : હવે પ્રકૃતિ જે એનું કામ કર્યા કરે છે, તે કયું કામ ? ગલન થવાનું ને ?

દાદાશ્રી : હા, ગલનનું.

પ્રશ્નકર્તા : ગલનનું જ કામ. અને એ જો ગલન થયા કરતું હોય એની અંદર જો ડખોડખલ ના કરીએ તો પ્રકૃતિ એની મેળે બધી વિસર્જન થઈ જાય છે.

દાદાશ્રી : એ ડખોડખલ ના હોય તો ! અને પુરણ થાય તો પછી ઠેઠ સુધી ચાલ્યા કરે. એટલે આપણે કઈ જાતની પ્રકૃતિ ઓછી થઈ જાય છે આ ? કો'કને એમ લાગે છે કે પ્રકૃતિ હવે ઓછી થઈ ગઈ દાદાની જોડે રહેવાથી. પણ પેલું પુરણ થતી હતી ને તે બંધ થઈ ગઈ. ગલન તો છોડે નહીં ને !

એની પ્રકૃતિનો અમુક ભાગ તો અમે ભસ્મિભૂત કરી નાખીએ, પાણી અને વરાળરૂપે જે ભાગ છે તે. અને જે સન્મુખ થયા હતા ફળ આપવા માટે, જે બરફરૂપે હતા તે આ એકલા રહ્યા. નહીં તો પ્રકૃતિ ઉત્પન્ન ના થાય ને ! આ જ્ઞાન આપીએ છીએ તે ઘડીએ બધો ફેરફાર થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી આપ જે કહો છો તેનું એવી રીતે સમજાય છે કે આપે જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન આપ્યા પછીથી હવે કશું જ કરવાનું નથી, માત્ર પ્રકૃતિ જે હવે ગળ્યા કરે છે તે 'જોયા' કરો.

દાદાશ્રી : 'જોયા' કરો. પણ તે હવે કશું કરવાનું નથી, છતાં પ્રકૃતિના ભાગ જુદી જુદી જાતના હોય. પ્રકૃતિ એતો આ નળ હોય પાણીનો નળ, અરધા ઇંચનો પાઈપ હોય તો આંગળી ધરીએ તો જીરવી શકે. પણ કોઈના કર્મ વધારે હોય તો દોઢ ઇંચનો હોય તો આંગળી ખસી જાય, ખસી જાય એટલે પ્રકૃતિ ખપી ના કહેવાય. પ્રકૃતિ ઊભી રહી અને એ ટાઈમ ગયો એટલે ફરી ખપાવવી રહી.

પ્રશ્નકર્તા : પણ આપ જે જ્ઞાન આપો છો તે વખતે જે આ લક્ષ બેસાડી દો છો. એ લક્ષ બેસાડી દીધા પછીથી તો માત્ર પ્રકૃતિ જ રહી ને !

દાદાશ્રી : હા. બીજું કશું જ રહ્યું નથી.

પ્રશ્નકર્તા : હવે જે પ્રકૃતિ રહી એ પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે કે સહજપણે એ ગળ્યા કરે છે.

દાદાશ્રી : બસ, હવે એ વહ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : ત્યારે હવે આપ આધાર અમને જે આપો છો તે પાંચ આજ્ઞાનો આધાર આપો છો.

દાદાશ્રી : પાંચ આજ્ઞાનો આધાર એટલા માટે આપીએ છીએ કે તમારે હવે બહારની અસરો ન થાય. એટલે પ્રોટેક્શન છે એ !

બહાર કલીયરન્સ રહે એટલા માટે પાંચ આજ્ઞા છે. કારણ કે બહાર આખું જગત જ્યાં જુઓ ત્યા કુસંગ હશે. એટલે કુસંગની અસર ઝેર, પોઈઝન ન થાય, એટલા માટે આ પાંચ આજ્ઞા છે.

એટલે ડિસ્ચાર્જ એની મેળે ચાલ્યા કરે. આ તો ચલાવા જાય, પછી એના માલિક થાય, ને માલિક થયા એટલે માર ખાવ. આ ડિસ્ચાર્જ છે તે એની મેળે ચાલ્યા જ કરશે. સૂઈ જાય તો ય ચાલ્યા કરે. તો જાગતો રહે તો, 'કેવી રીતે ચાલે ?' એનો ડખો કર્યા કરે !

આમાં અમે જે જે કરીએ ને, તેમાં અમારું કર્તાપણું ના હોય પાછું, એ પૂર્વથી લઈને આવેલા એવું એટલે અમારું ડિસ્ચાર્જ જ આ બધું કર્યા કરે. કર્તાભાવ હોય તો ડહાપણ કરું અત્યારે કે મેં કર્યું આ. અમારું કર્તાપણું ના હોય. ડિસ્ચાર્જ જ એવું લઈને આવેલા કે બધું આમ ચાલ્યા કરે ને ઓછું થયા કરે.

- જય સચ્ચિદાનંદ