દિપાવો જીવન, સેવાના સિંચનથી...

સંપાદકીય

મનુષ્ય જીવનની સાર્થકતા શામાં રહેલી છે એવું આપણે કદી વિચાર્યું છે ખરું ? યશ, નામ, કિર્તી, લક્ષ્મી ઉપાર્જનમાં કે પછી બીજુ કાંઈ ? પોતાના સિવાય, મા-બાપ, ગુરુ, સમાજ માટે પણ આપણી કોઈ ફરજ તો હશે ને ? મા-બાપ, વડીલો, ગુરુ, સમાજ વગેરેનો ઉપકાર જીવનમાં કેમ કરીને ભૂલી શકાય ? એ ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકાય ? દરેક ધર્મ એક જ વાત દોહરાવે છે કે આ ઉપકારનો બદલો માત્ર સેવાધર્મથી જ વાળી શકાય ! ખરી માનવતા કે માનવધર્મ એ જ છે કે સેવાના સિંચનથી આપણું જીવન દિપે ને આપણાથી બીજાને સુખ થાય.

પૂજ્ય દાદાશ્રી કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો સુખની દુકાન કાઢો પ્રમાણિકતા અને ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકાર ભાવ) ક્યારેય વિસરાવા ના જોઈએ. એથીય આગળ વધીને કષાય રહીત કે કોઈપણ અપેક્ષા વગર સમાજ સેવા કરો. અને એટલેથી અટકાવાનું તો નથી જ. રિલેટિવ ધર્મ કરતાં કરતાં રિયલ ધર્મમાં આવવાનું છે. સ્વની પ્રાપ્તિનો ધ્યેય ના જ ચૂકાવો જોઈએ ! આત્મજ્ઞાન પ્રાપ્ત કર્ર્યા પછી, સમાજ સેવા કરતાં કરતાં, સ્વની સેવામાં આવવાનું લક્ષ પણ ના ચૂકાવવું જોઈયે. પોતાની સેવા કરનારા આ જગતમાં કોઈ પણ જીવને દુઃખ ના આપે અને બીજા એને દુઃખ આપે તો પણ તેમના માટે કિંચિત્માત્ર ભાવ ના બગાડે અને જ્યારથી સામાના સુખ માત્રનો જ વિચાર કરે ત્યારથી કારુણ્યતાની શરૂઆત થાય છે, એ કારુણ્યતા વધતા વધતા અંતે જ્ઞાની પદમાં લાવીને મૂકી દે છે.

જ્ઞાન મળ્યા પછી જ્ઞાનીની સેવા મળે એ તો ઉત્તમ જ છે પણ 'દાદાશ્રી' કહે છે કે એ સેવા પ્રાપ્તિની 'ઇચ્છા' તો ના જ હોવી ઘટે. કારણ કે ઇચ્છા પ્રગટ અગ્નિ છે, હા ભાવ જરૂર રાખજો. સહજાસહજ સેવા મળી તો સારું ને ના મળે તો તેના માટે દ્વેષ પરિણામ ના ઊભા થવા જોઈએ. પાંચ આજ્ઞાની સેવા એજ 'દાદા'ની સેવા બરોબર છે. 'દાદા'ના દેહની સેવા તો કદાચ બધાને ના પણ મળે, પણ ધ્યેયની સેવા તો બધા અચૂક કરી શકે. અને એક ધ્યેયવાળા હંમેશા ભેગા જ હોય. માટે દેહની સેવાનો આગ્રહ રાખવાને બદલે ધ્યેયની સેવાની ભાવના રાખવી જોઈએ.

ખરી સેવા તો મૂંગી સેવા જ છે, જેમાં તમે સેવા કરો પણ કોઈને પણ ખબર ના પડે એ ખરી સેવા કહેવાય. એટલે દાદાશ્રી કહે છે કે 'સેવ્ય પદ છુપું રાખીને સેવક ભાવે સેવા કરો.' અને એ જ સેવા તમને સેવ્યપદમાં લાવીને મૂકી દે તો કશું કહેવાય નહીં !

દાદાશ્રી કહે છે આ આપણા મહાત્માઓ જીવતા જાગતા દેવ છે તેમની તન-મન-ધનથી સેવા કરો. આવો અવસર ફરી ફરી નહીં મળે. મહાત્માઓની સેવા કરો એ દાદાની સેવા કર્યા બરાબર છે.

અત્રે પૂજ્ય દાદાશ્રી ઉદબોધિત આ સંકલનમાં સેવાના વિવિધ પાસા અંગે દાદાશ્રી અદ્ભૂત ફોડ પાડે છે જે આપણા મન-વચન-કાયાને જગત કલ્યાણ યજ્ઞની સેવામાં વાળવા અચૂક સહાયભૂત થશે !

દીપક દેસાઈ

મનુષ્ય જીવનની સાર્થકતા

પ્રશ્નકર્તા : મનુષ્યના કર્તવ્ય સંબંધી આપ કંઈક પ્રકાશ પાડશો !

દાદાશ્રી : મનુષ્યના કર્તવ્યમાં, જેણે પાછું મનુષ્ય જ રહેવું હોય તો એની લિમિટ બતાવું. ઊંચે ના જવું હોય કે નીચે ના જવું હોય, ઊંચે છે તે દેવગતિ છે અને નીચે છે તે જાનવરગતિ છે ને એનાથીયે નીચે નર્કગતિ છે. બધી બહુ જાતની ગતિઓ છે. તે તમારે મનુષ્ય પૂરતું જ કહો છો ?

પ્રશ્નકર્તા : દેહ છે ત્યાં સુધી તો મનુષ્ય તરીકેના જ કર્તવ્યો બજાવવા પડશે ને ?

દાદાશ્રી : મનુષ્યના કર્તવ્ય બજાવે છે તેથી તો મનુષ્ય થયા. આપણે એમાં પાસ થયા તો હવે શેમાં પાસ થવું છે ? જગત બે રીતે છે. એક તો મનુષ્ય જન્મમાં આવી પછી ક્રેડીટ ભેગી કરે છે, તો ઊંચી ગતિમાં જાય છે. ડેબીટ ભેગી કરે છે તો નીચે જાય છે અને જો ક્રેડીટ-ડેબીટ બેઉનો વેપાર બંધ કરી દે તો મુક્તિમાં જાય, આ પાંચ જગ્યાઓ ખુલ્લી છે. ચાર ગતિઓ છે. દેવગતિ ખૂબ ક્રેડીટમાં, ક્રેડીટ વધારે ને ડેબીટ ઓછી એ મનુષ્યગતિ, ડેબીટ વધારે ને ક્રેડીટ ઓછી એ જાનવરની ગતિ અને સંપૂર્ણ ડેબીટ એ નર્કગતિ. આ ચાર ગતિઓ અને પાંચમી છે તે મોક્ષની ગતિ. આ ચારેય ગતિઓ મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે અને પાંચમી ગતિ તો હિન્દુસ્તાનના મનુષ્યો જ પ્રાપ્ત કરી શકે છે.

હવે એને મનુષ્ય થવું હોય તો એણે વડીલોની, મા-બાપની સેવા કરવી જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, લોકોની જોડે ઓબ્લાઈઝીંગ નેચર રાખવો જોઈએ. અને વ્યવહાર ચોખ્ખો રાખો એટલે સામાની સાથે કશું લેણું-દેણું ના રહે એવી રીતે વ્યવહાર સાચવો, સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર.

માનવતામાં તો, કો'કને માર મારતી વખતે અથવા તો તે પહેલા ખ્યાલ આવે, માનવતા હોય તો ખ્યાલ આવવો જ જોઈએ કે મને મારે તો શું થાય ? એ ખ્યાલ પહેલો આવવો જોઈએ તો માનવતા, માનવધર્મ રહી શકે, નહીં તો રહી શકે નહીં. એટલે એ ખ્યાલ રહીને બધંુ જો કામ કરવામાં આવે તો ફરી મનુષ્યપણું થાય. નહીં તો મનુષ્યપણું ફરી મળવું તેય મુશ્કેલ છે.

અર્થ માનવતાનો

માનવતા એટલે મારું હું ભોગવું ને તારું તું ભોગવ. મારે ભાગે આવ્યું તે મારું ને તારે ભાગે આવ્યું તે તારું. પરાયામાં દ્ષ્ટિ ના કરે એ માનવતાનો અર્થ. પછી પાશવતા એટલે મારું એ ય મારું અને તારું એ ય મારું ! અને દૈવીગુણ કોને કહેવાય ? તારું એ તારું અને મારું એ ય તારું. પરોપકારી હોય એ પોતાનું હોય, તેય બીજાને આપી દે. એવા દૈવીગુણવાળા હોય કે ના હોય ?

આ છે માનવતાથીય ઊંચો ગુણ

પછી માનવતાથી ઉપર 'સુપર હ્યુમન' કોને કહેવાય ? તમે દસ વખત આ ભાઈનંુ નુકસાન કરો તો ય એ ભાઈ તમારું કામ હોય તે ઘડીએ તમને 'હેલ્પ' કરે ! તમે ફરી એમને નુકસાન કરો તો ય તમારે કામ હોય તે ઘડીએ તમને હેલ્પ કરે. એમનો સ્વભાવ જ હેલ્પ કરવાનો છે. એટલે આપણે જાણવંુ કે આ ભાઈ 'સુપર હ્યુમન' છે. એ દૈવીગુણ કહેવાય. એવાં તો કો'ક જ માણસ હોય. અત્યારે તો એવા માણસ મળે નહીંને ! કારણ કે લાખ માણસમાં એકાદ હોય એવું પ્રમાણ થઈ ગયું છે !

ઉપયોગ, 'શુભ' - 'શુભાશુભ'

ઘરનાં ભૂખે ટળવળતાં હોય, છતાંય પેલો તો એમ જ કહે કે, કોઈને મારીને મારે ભૂખ નથી મટાડવી. તે આત્માનો શુભ ઉપયોગ, પારકા માટે સારી ભાવના રાખે, લોકોનું ભલું કરે, ઓબ્લાઈજ (પરોપકાર) કરે. દિલ સાચું નીતિમય રાખે તે શુભ ઉપયોગ. એકલો શુભ ઉપયોગ તો કો'કને જ હોય. બધેય શુભાશુભ ઉપયોગ હોય. શુભાશુભ ઉપયોગ તે ફર્સ્ટ ક્લાસના પેસેન્જર. મનુષ્યગતિ તેનું ફળ. જ્યારે એકલા શુભ ઉપયોગમાં જ જે રહે તે તો એરકન્ડિશન્ડ ક્લાસના પેસેન્જર જેવા છે એ દેવગતિ પામે.

આપણા જીવનનો હેતુ શંુ ?

આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? કંઈક હેતુ તો હશે ને ? નાના હતા, પછી ઘૈડા થાય છે ને પછી નનામી કાઢે છે. નનામી કાઢે છે ત્યારે આપેલું નામ લઈ લે છે. અહીં આવે કે તરત નામ આપવામાં આવે છે, વ્યવહાર ચલાવવા ! જેમ ડ્રામામાં ભર્તૃહરિ નામ આપે છે ને ? 'ડ્રામા' પૂરો એટલે નામ પૂરું. એમ આ વ્યવહાર ચલાવવા નામ આપે છે અને એ નામ ઉપર બંગલા, મોટર, પૈસો રાખે છે અને નનામી કાઢે છે ત્યારે એની જપ્તી થઈ જાય છે. લોકો જીવન ગુજારે છે ને પછી ગુજરી જાય છે ! આ શબ્દો જ 'ઇટસેલ્ફ' કહે છે કે આ બધી અવસ્થાઓ છે, ગુજારો એટલે વાટખર્ચી ! હવે આ જીવનનો હેતુ મોજશોખ હશે કે પછી પરોપકાર માટે હશે કે પછી નામ કાઢવા માટે હશે ? પણ નામ તો અહીંનું અહીં જ રહેવાનું છે ને જોડે શું લઈ જવાનું છે ? તમારી ગૂંચો !

જીવન જીવવાની કળા આ કાળમાં ના હોય. મોક્ષનો માર્ગ તો જવા દો, પણ જીવન જીવતાં તો આવડવું જોઈએને ? વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું ? ના સમજાય તો 'દાદા'ને પૂછવું, તો 'દાદા' તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે.

જીવનમાં, મહત્ કાર્ય જ આ બે

આ હિન્દુસ્તાનના મનુષ્યનો અવતાર શેને માટે છે ? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, 'એબ્સોલ્યુટ' થવા માટે છે અને જો આ 'એબ્સોલ્યુટ' થવાનું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો તું પારકાંના સારંુ જીવજે. આ બે જ કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મ છે. આ બે કામ લોકો કરતાં હશે ? લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી જાનવરમાં જવાની કળા ખોળી કાઢી છે !

ભગવાન શું કહે છે કે જો તારે મોક્ષ જોઇતો હોય તો 'જ્ઞાની પુરુષ' પાસે જા અને સંસારમાં સુખ જોઇતું હોય તો મા-બાપની ને ગુરુની સેવા કરજે. મા-બાપની સેવામાં તો અપાર સુખ પ્રાપ્ત થાય તેમ છે.

યોગ ઉપયોગ પરોપકારાય

પ્રમાણિકતા ને પરસ્પર 'ઓબ્લાઈઝિંગ નેચર'. બસ, આટલાની જ જરૂર છે. પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લ્હાવો છે ! આ જગતમાં બે પ્રકારનાને ચિંતા મટે, એક જ્ઞાની પુરુષ ને બીજા પરોપકારીને.

ભગવાન કહે છે કે તારાં મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ બીજાને માટે કર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે.

લોકોએ જેમાં સુખ માન્યું તેમાં આપણે પણ સુખ માનવું એ લોકસંજ્ઞા છે. અને આત્મામાં જ સુખ છે એમ માનવું એ જ્ઞાનીની સંજ્ઞા છે.

એક માણસ ભગવાનને રોજ પ્રાર્થના કરે કે, 'હે ભગવાન ! મને સુખી કરો, સુખી કરો.' બીજો માણસ પ્રાર્થના કરે ત્યારે બોલે કે, 'હે ભગવાન ! ઘરનાં બધા માણસો સુખી થાય'. એમાં પોતે તો આવી જ જાય. ખરો સુખી બીજો માણસ થાય, પહેલાંની અરજી નકામી જાય. અને આપણે તો જગતકલ્યાણની ભાવના ભાવીએ તેમાં પોતાનું આંત્યતિક કલ્યાણ આવી જાય.

જીવન ઝગાવો મીણબત્તી સમ

આપણું જીવન કોઈના લાભ માટે જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છેને ? સામાના ફાયદા માટે કરે છેને ? તેવી રીતે આ માણસો સામાના ફાયદા માટે જીવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમેય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ત્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર. તો શું કરવું જોઈએ ?

સમાજસેવાનો અર્થ શો ? એ ઘણું ખરું 'માય' તોડી નાખે છે. 'માય'(મારું) જો સંપૂર્ણ ખલાસ થઈ જાય, તો પોતે પરમાત્મા છે ! એને પછી સુખ વર્તે જ ને !

ભાવના તો કારુણ્યતાની જ

મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ 'જ્ઞાન' પ્રગટ થાય.

પરોપકાર, પરિણામે લાભ જ

અને આ લાઈફ જો પરોપકાર માટે જશે તો તમને કશીય ખોટ નહીં આવે, કોઈ જાતની તમને અડચણ નહીં આવે. તમારી જે જે ઈચ્છાઓ છે તે બધી જ પૂરી થશે અને આમ કૂદાકૂદ કરશો તો એકેય ઈચ્છા પૂરી નહીં થાય. કારણ કે એ રીતે તમને ઊંઘ જ નહીં આવવા દે.

ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછયું કે, ઊંઘતો સારો કે જાગતો સારો ? ભગવાને કહ્યું કે, 'એક હજારમાંથી નવસો નવ્વાણું માણસો આ જગતમાં ઊંઘતા જ સારા, પણ એકાદ પરોપકારી જીવ જાગતોય સારો.'

સેવાભાવનું ફળ ભૌતિક સુખો છે અને કુસેવાભાવનું ફળ ભૌતિક દુઃખો છે. સેવાભાવથી પોતાનું 'હું' ના જડે. પણ જ્યાં સુધી 'હું' ના જડે ત્યાં સુધી ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખશો.

શુદ્ધાત્મા ભગવાન શું કહે છે કે જે બીજાનું સંભાળે છે, તેનું હું સંભાળી લઉં છું અને જે પોતાનું જ સંભાળે છે, તેને હું તેના ઉપર છોડી દઉં છું.

જીવનનો ધ્યેય

જેનાથી કંઈક આપણા ધ્યેય તરફ પહોંચી શકાય. આ ધ્યેય વગરનું જીવન, એનો અર્થ જ નથી. લક્ષ્મી આવે છે અને ખઈ-પીને મોજ કરીએ અને આખો દહાડો ચિંતા-વરીઝ કર્યા કરીએ, એ જીવનનો ધ્યેય કેમ કહેવાય ? મનુષ્યપણું મળ્યું એ એળે જાય એનો શો અર્થ છે ? એટલે મનુષ્યપણું મળ્યા પછી આપણા ધ્યેયને પહોંચવા માટે શું કરવું જોઈએ ? સંસારના સુખો જોઈતા હોય, ભૌતિક સુખો, તો તમારી પાસે જે કંઈ હોય તે આપો લોકોને. કંઈ પણ લોકોને સુખ આપો તો તમે સુખની આશા રાખી શકો છો. નહીં તો સુખ તમને મળે નહીં અને જો દુઃખ આપો તો તમને દુઃખ મળશે.

આ દુનિયાનો કાયદો એક જ વાક્યમાં સમજી જાવ, આ જગતના તમામ ધર્મોનો કે જે માણસને સુખ જોઈતાં હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે આપો. હવે કોઈ કહેશે કે સુખ લોકોને અમે કેવી રીતે આપીએ, અમારી પાસે પૈસા નથી. તો પૈસાથી અપાય છે એવું એકલું જ નથી, એની જોડે ઓબ્લાઈઝિંગ નેચર કરી શકાય, એનો ધક્કો ખઈ શકાય અને સલાહ આપી શકાય, બધી અનેક રીતે ઓબ્લાઈઝ કરી શકીએ એમ છે. (સેવાઃ૫-૬) અને સેવા ના થાય, તો કોઈને દુઃખ ના થાય એવું જોવું પડે. ભલેને નુકસાન કરી ગયો હોય. કારણ કે એ પૂર્વનો કંઈક હિસાબ હશે. પણ આપણે એને દુઃખ ના થાય એવું કરવું જોઈએ.

ધર્મ એટલે કંઈ ભગવાનની મૂર્તિઓ પાસે બેસી રહેવું, એનું નામ ધર્મ નથી. ધર્મ તો આપણે ધ્યેયને પહોચવું, એનું નામ ધર્મ છે. જોડે જોડે એકાગ્રતાને માટે આપણે કોઈ પણ સાધન કરીએ એ વાત જુદી વસ્તુ છે, પણ એકાગ્રતા આમાં કરો તો બધું એકાગ્ર જ છે આમાં. ઓબ્લાઈઝિંગ નેચર રાખો, નક્કી કરો કે મારે ઓબ્લાઈઝ જ કરવા છે હવે, તો તમારામાં ફેરફાર થઈ જશે. નક્કી કરો કે મારે વાઈલ્ડનેસ કરવી નથી.

સેવા એ રિલેટિવ ધર્મ

પ્રશ્નકર્તા : ઘણાંને એમ લાગે કે 'હું ધર્મને રસ્તે જ જઈ રહ્યો છું.' મારે બીજું કશું જાણવાની જરૂર નથી. એ શું ?

દાદાશ્રી : સીધા માણસને સેવાભાવ એટલે જ ધર્મ લાગે. સેવાભાવ એટલે કોઈને સુખ આપવું, કોઈની અડચણો દૂર કરવી, એનું નામ ધર્મ. પણ તે ખરો ધર્મ નથી ગણાતો.

ધર્મ બે પ્રકારના છે. એક સ્વાભાવિક ધર્મ, એને રિયલ ધર્મ કહેવાય છે. અને બીજો વિભાવિક ધર્મ, એને રિલેટિવ ધર્મ કહેવાય છે. જ્યારે 'શુદ્ધાત્મા' પ્રાપ્ત થાય ત્યારે સ્વાભાવિક ધર્મમાં આવે. સ્વાભાવિક ધર્મ જ ખરો ધર્મ છે. એ ધર્મમાં સારું-ખોટું કશું વીણવાનું છે જ નહીં. વિભાવિક ધર્મમાં બધું વીણવાનું છે.

દાન આપવું, લોકોની ઉપર ઉપકાર કરવો, ઓબ્લાઈઝિંગ નેચર રાખવો, લોકોની સેવા કરવી એ બધાને રિલેટિવ ધર્મ કહ્યો. એનાથી પુણ્ય બંધાય. અને ગાળો ભાંડવાથી, મારામારી કરવાથી, લૂંટી લેવાથી પાપ બંધાય. પુણ્ય અને પાપ જ્યાં છે ત્યાં રિયલ ધર્મ જ નથી. પુણ્ય-પાપથી રહિત રિયલ ધર્મ છે. જ્યાં પુણ્ય-પાપને હેય (ત્યજવા યોગ્ય) ગણવામાં આવે છે અને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) પોતાનું આત્મ સ્વરૂપ ગણવામાં આવે છે. એ 'રિયલ' ધર્મ છે. એટલે આ 'રિયલ' અને 'રિલેટીવ' બન્ને ધર્મ જુદા છે.

'રિલેટિવ ધર્મો' છે એ સંસાર માર્ગ છે, સમાજસેવાનો માર્ગ છે. મોક્ષનો માર્ગ સમાજસેવાથી પર છે, સ્વ રમણતાનો છે.

જ્યાં સુધી 'હું કોણ છું' જાણે નહીં ત્યાં સુધી પુણ્ય ઉપાદેય રૂપે જ હોય અને પાપ હેય રૂપે હોય. પુણ્ય ને પાપ હેય થયું ત્યાં આગળ સમકિત ! ભગવાને કહ્યું કે પાપ-પુણ્ય બેઉની ઉપર જેને દ્વેષ કે રાગ નથી તે 'વીતરાગ' છે !

પરોપકારથી બંધાય પુણ્ય

પ્રશ્નકર્તા : પુણ્યૈ કેવી રીતે સુધરે ?

દાદાશ્રી : જે આવે તેને 'આવ ભઈ, બેસ.' તેની આગતા-સ્વાગતા કરીએ. આપણી પાસે ચા હોય તો ચા ને નહીં તો જે હોય તે, ઢેબરું કકડો હોય તો તે આપીએ. પૂછીએ કે, 'ભઈ, ઢેબરું થોડું લેશો ?' આવો પ્રેમથી વ્યવહાર કરીએ એટલે પુણ્યૈ બધી ભેગી થાય. પારકા સારુ કરવું, એનું નામ પુણ્યૈ. ઘરનાં છોકરાં માટે તો સહુ કોઈ કરે.

પ્રશ્નકર્તા : પુણ્યની વૃદ્ધિ થાય એટલા માટે શું કરવું ?

દાદાશ્રી : આખો દહાડો લોકો પર ઉપકાર કર કર કરવા. આ મનોયોગ, વાણીયોગ અને દેહયોગ લોકોને માટે વાપરવા, એનું નામ પુણ્ય. (પાપ-૪૪)

પુણ્યાનુબંધી પુણ્ય

પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય ? કે જે આજ પુણ્ય હોય છે, મસ્ત સુખ ભોગવતાં હોઈએ, કોઈ અડચણ પડતી ના હોય અને પછી પાછું ધર્મનું ને ધર્મનું, આખો દિવસ કર્યા કરે એ પુણ્યાનુબંધી પુણ્ય. એવા વિચાર આવે ને ધર્મના ને ધર્મના, સત્સંગમાં રહેવાના જ વિચાર આવે. અને જે પુણ્યથી સુખસગવડો બહુ ના હોય, પણ વિચારો ઊંચા આવે કે કેમ કરીને કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરું, ભલે પોતાને થોડી અડચણ પડતી હોય, તેનો વાંધો નહીં. પણ કોઈને ઉપાધિમાં ના મૂકું એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય એટલે નવા અનુબંધ પણ પુણ્યનાં થાય. પુણ્ય ભોગવે ને સાથે આત્મકલ્યાણ અર્થે અભ્યાસ, ક્રિયા કરે. પુણ્ય ભોગવે ને નવું પુણ્ય બાંધે, જેથી અભ્યુદયથી મોક્ષફળ મળે.

પ્રશ્નકર્તા : પુણ્યાનુબંધી પુણ્યનો દાખલો આપો.

દાદાશ્રી : આજે કોઈ માણસને મોટર-બંગલા બધાં સાધનો છે, સ્ત્રી સારી, છોકરાં સારાં, નોકરો સારા, એ જે સારું મળ્યું છે તેને શું કહેવાય ? લોકો કહે કે, 'પુણ્યશાળી છે.' હવે એ પુણ્યશાળી શું કરી રહ્યો છે, તે આપણે જોઈએ તો આખો દહાડો સાધુસંતોની સેવા કરતો હોય, બીજાની સેવા કરતો હોય અને મોક્ષ માટે તૈયારી કરતો હોય. એવું તેવું કરતાં કરતાં એને મોક્ષનું સાધને ય મળી આવે. અત્યારે પુણ્ય છે અને નવું પુણ્ય બાંધે છે અને ઓછું પુણ્ય મળે પણ વિચાર પાછા તેના તે જ આવે, 'મોક્ષે જવું છે' એ પુણ્યાનુબંધી પુણ્ય. આ તમે મને ભેગા થયા એ તમારું કંઈ પુણ્યાનુબંધી પુણ્ય હશે ને, તેના આધારે ભેગા થયા. જરાક અમથો છાંટો પડી ગયો હશે, નહીં તો ભેગા જ ના થવાય.

બધાં હઠથી કરેલાં કામ, હઠાગ્રહી તપ, હઠાગ્રહી ક્રિયા એથી પાપાનુબંધી પુણ્ય બંધાય. જ્યારે સમજીને કરેલું તપ, ક્રિયાઓ, પોતાના આત્મકલ્યાણ હેતુસર કરેલાં કર્મોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ને કો'ક કાળે જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય ને મોક્ષે જાય.

ચઢિયાતો અંતે તો મોક્ષમાર્ગ

પ્રશ્શનકર્તા : આ સેવાધર્મથી મોક્ષમાર્ગ ચઢિયાતો છે એ મને સમજાવો.

દાદાશ્રી : મોક્ષમાર્ગ તો ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ના હોય. અહીં જ એ ચઢિયાતો છે. અને પેલી તો ઉપાધિઓ બધી. ઘેર બૈરી વઢે. ગમે એટલી સેવા કરો પણ રાત્રે ભાંજગડ થઈ કે બીજે દહાડે બગડી જાય પાછું અને દૂધપાક કરવાનો હોય તેને બદલે દહીં થઈ ગયું હોય. પાછું એ લોકો શાસ્ત્રોની વાતો જ કરે છેને ? આમ કરો, તેમ કરો, પુસ્તકોય બોલે છે ને એય બોલે છે. કોઈએ કરી બતાવ્યું ? એને ધર્મ ના કહેવાય. ધર્મ તો કરી બતાવે એનું નામ ધર્મ. એ તો પુસ્તક બોલે છે ને, આમ કરો, સત્ય બોલો, જૂઠું બોલશો નહીં. ફલાણું કરો, દાન આપો, બધાની સેવા કરો, માણસની સેવા કરો. એવુંય બોલે છે. કેમ લાગે છે તને ? તને પોતાને ફીટ થાય તો બરોબર છે. બાકી બધાને મોક્ષની મહીં ઇચ્છા ના થાય.

અને શેના આધીન છે પોતે ? પોતે કરતો નથી. આ તો ઇગોઇઝમ કરે છે કે મેં આ સેવા કરી. પણ જે જાણે કે હું નથી કરતો, બીજી શક્તિ કરે છે, તો સારું કહેવાય. એટલે એ સારા છે, બહુ સારું કામ કરે છે. લોકો કુસેવા કરે છે એના કરતા સુસેવા સારી, પણ બધું ઇગોઇઝમ છે. અને મોક્ષ તો ઇગોઇઝમ વગર હોય. મારે, ગાળ ભાંડે તોય ઇગોઇઝમ ના હોય ત્યાં મોક્ષ થાય.

પ્રશ્નકર્તા : મોક્ષનો સરળ ઉપાય શો ?

દાદાશ્રી : કષાય રહિત 'જ્ઞાની પુરુષ'ની સેવાથી મોક્ષમાર્ગ સરળ થાય.

પ્રશ્નકર્તા : કયા કયા સાધનથી મોક્ષ થાય ?

દાદાશ્રી : જ્ઞાનથી મોક્ષ થાય. સદ્જ્ઞાનથી, આત્મજ્ઞાનથી મોક્ષ થાય.

વ્યવહાર સંગે સંગે ચિત્તશુદ્ધિ...

પ્રશ્નકર્તા : સંસારમાં રહીને ચિત્તશુદ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : સંસારમાં ચિત્તશુદ્ધિ કરવા માટે બહુ પ્રમાણિક નિષ્ઠાથી રહેવું જોઈએ અને ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખવો પડે. પ્રમાણિક નિષ્ઠાથી એટલે કોઈનું કંઈ પણ ખોટું આપણા ઘરમાં ના આવે, એવી રીતે રહેવું જોઈએ. આપણું કો'કને ત્યાં જવું જોઈએ. એટલે જેટલું આપણું લોકોને ત્યાં ગયું એટલી ચિત્તશુદ્ધિ થાય.

પણ છેવટે આત્માને જાણવો પડે, જ્ઞાની પુરુષ પાસેથી ! આત્મજ્ઞાની સિવાય કોઈ દહાડો ચિત્તની શુદ્ધિ ના થાય. આત્મજ્ઞાની મળે તો આપણો ઉકેલ આવે. નહીં તો પછી આ ભાંજગડ છે. રમી રમવા જાય તેના કરતાં જ્યાં છે ત્યાં બેસી રહે તે સારું. એ જગ્યાએ બેસી રહ્યો હોય, તે લપસી ના પડાયને ! એટલે ઉકેલ કરવો હોય તો આત્મજ્ઞાની સિવાય ઉકેલ ના થાય.

જ્ઞાનીનો 'વિનય', એજ સેવા

'જ્ઞાની પુરુષ'નાં દર્શન કર્યા તેથી તો ઊંચામાં ઊંચા ફળ અભ્યુદય અને આનુષંગિક મળે છે અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે ! સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંનેય સાથે જ રહે.

વીતરાગ ભગવાનનાં દર્શન જો કરતાં આવડે તો, ભલેને એ મૂર્તિ છે, છતાં અભ્યુદય અને આનુષંગિક ફળ મળે ! પણ એ દર્શન કરવાનું તો 'જ્ઞાની પુરુષ' સમજાવે તો આવડે. નહીં તો કોઇને આવડે નહીં ને? 'જ્ઞાની પુરુષ'નાં દર્શન માટે તો કોટી જન્મોની પુણ્યૈનો ચેક વટાવવો પડે. હજારો વર્ષે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, અને તેમાં ય આ તો અક્રમ જ્ઞાની; તે કશા જ જપ નહીં, તપ નહીં ને વગર મહેનતે મોક્ષ ! 'જ્ઞાની પુરુષ' પાસે દ્ષ્ટિફળ મળે અને એનાથી મોક્ષફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યુદય થાય. અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા. અહીં 'જ્ઞાની પુરુષ'ને કંઇ ખોટ હોય ? એ કશાના ભિખારી ના હોય. ફૂલનો વિનય એ જ સેવા ! જેને સાંસારિક અડચણ હોય તે 'જ્ઞાની પુરુષ'ને ફૂલાં ચઢાવે તો અડચણો દૂર થાય. ભગવાને ભાવપૂજા અને દ્રવ્યપૂજા બંને સાથે રાખી છે. ફૂલ તોડીને તમે સૂંઘો કે બીજો ઉપયોગ કરો તો તે તમને નુકસાન એટલું જ છે, પણ જો ખાલી તોડશો જ તો તોડવાનું નુકસાન છે. પણ જો ભગવાનને ચઢાવવા ફૂલ તોડયાં છે તો ફાયદો વિશેષ થશે. આનુષંગિક અને અભ્યુદય એમ ભાવપૂજાનાં બે ફળો છે, મોક્ષમાં પણ લઇ જાય અને વૈભવ પણ સાથે રહે. સંસારીએ દ્રવ્યપૂજા કરવાની છે અને આત્મજ્ઞાનીઓએ ભાવપૂજા એકલી જ કરવાની હોય. પણ આ કાળે આ

ક્ષેત્રથી મોક્ષ નથી, માટે હજી બે

-ત્રણ અવતાર કરવાના હોવાથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા બંને કરવી જોઇએ.

અનોખી ગુરુદક્ષિણા

પ્રશ્નકર્તા : વિદ્યાગુરુ નિઃસ્પૃહી હોય તો તેને ગુરુદક્ષિણા કઈ રીતે ચૂકવી શકાય ?

દાદાશ્રી : વિદ્યાગુરુ નિઃસ્પૃહી હોય તો એની સેવા કરીને, શારીરિક સેવા અને બીજા ધક્કા ખઈને ચૂકવાય. બીજી રીતે ય બધી બહુ હોય છે. નિઃસ્પૃહીને ય બીજે રસ્તે સેવા કરી શકાય એવું છે.

પ્રશ્નકર્તા : આધ્યાત્મિક ગુરુ નિઃસ્પૃહી હોય તો તેને ગુરુદક્ષિણા કઈ રીતે આપી શકાય ?

દાદાશ્રી : એની આજ્ઞા પાળવાથી. એની આજ્ઞા જો પાળીએ ને તો એને ગુરુદક્ષિણા પહોંચી જાય. આ અમે પાંચ આજ્ઞા આપીએ છીએ, તે પાળે એટલે અમારી દક્ષિણા પહોંચી ગઈ.

મા-બાપની સેવા અંતે એક ફરજ

આ દુનિયામાં ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો જ નથી. ફાધર, મધર અને ગુરુનો ! આપણને જેમણે રસ્તો ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી.

પ્રશ્શનકર્તા : આ બધાંયના મા-બાપો ભેગા છે ને છોકરાઓ છે, તો આ સામાજિક જીવન એમને જીવવું કેવી રીતે ? મા-બાપે કેવી રીતે જીવવાનું, છોકરાએ કેવી રીતે જીવવાનું, આ એક મોટો કોયડો થઈ ગયો છે, તો આ એવો કંઈ રસ્તો નીકળવો જોઈએ કે એમને સમજાય કે સામાજિક જીવન કેવી રીતે જીવે ?

દાદાશ્રી : પરસ્પર બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે. ને દુઃખ તો આપવું જ નહીં. સુખ જ આપવાનો પ્રયત્ન કરે.

પ્રશ્નકર્તા : સુખની વ્યાખ્યા ? કેવી રીતે આપવું ?

દાદાશ્રી : એ મા-બાપને ગમે એ રીતે પોતે વર્તે, પોતે એમના આધીન જ રહેવું પડે. આ જ્ઞાન હોયને, તો આત્મા છૂટો પડતો જાય એનો. છોકરાઓ બાપના આધીન વર્ત્યા કરે, બાપના કહ્યા પ્રમાણે, ના ગમે તો ય બાપના આધીન વર્ત્યા કરે, પછી વિચાર કરે, તો એને શાંતિ વળે, સુખ થાય મહીં, અવળો જો ના ચાલે તો. એ સુખ ક્યાંથી આવ્યું ? ત્યારે કહે, આ પરાધીન હતું. તે દુઃખ જ હતું. સ્વાધીનપણાનું પછી સુખ ઉત્પન્ન થાય મહીં.

પ્રશ્નકર્તા : એ સ્વાધીનપણાનું સુખ કેવી રીતે ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : બાપના કહ્યા પ્રમાણે ચાલે. તો પરવશતા તો પોતાને લાગે કે આ પરવશતા છે, પણ પછી સુખ લાગે એમાં.

પ્રશ્નકર્તા : એટલે મા-બાપના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ. એ નક્કી વાત થઈ.

દાદાશ્રી : ચાલવું જ જોઈએ ને ! સંસાર એનું નામ જ કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે મા-બાપનો રાજીપો મેળવવો જોઈએ ?

દાદાશ્રી : ત્યાં તો મા-બાપનો રાજીપો મેળવવો જોઈએ, બધુંય કરવું પડે.

પ્રશ્નકર્તા : સંસારમાં પહેલી ફરજ તો આ જ કહેવાયને, મા-બાપને કિંચિત્માત્ર દુઃખ ન થાય, મન-વચન-કાયાથી કોઈપણ રીતે, એ પહેલી વાત.

દાદાશ્રી : દરેકની, મા-બાપ એકલાની નહીં. કાકો, મામો, ફૂવો બધાની, દરેકની. અને બાપે છોકરાંની, છોકરાની વહુની, છોકરાં-વહુની જોડે 'કેવી રીતે ફરજ રાખવી' એ બાપે સમજવું જોઈએ. બધાં જોડે ફરજ બજાવવાની છે.

ચૂકવી ના ફરજો 'આપણી'

પ્રશ્નકર્તા : સાંસારિક ફરજો અને ધર્મ કાર્ય વચ્ચે સમન્વય કેવી રીતે સાધવો ?

દાદાશ્રી : સાંસારિક ફરજો તો ફરજિયાત જ છે. મા-બાપે માનવું કે છોકરાંની આપણે ફરજો બજાવી એ છે તે ફરજિયાત છે. છોકરાએ એમ માનવું જોઈએ કે મારી ઉપર ઉપકાર કર્યો છે, એટલે એમના તરફ મારે ભાવ રાખવા જોઈએ, એવી માન્યતા હોવી જોઈએ. નહીં તો પછી પેલો મીકેનિકલ થઈ જાય. ફરજિયાત થયું એટલે, મા-બાપ પ્રત્યેની સેવાનો ભાવ ઊડી જાય ને !

કરજો જતન મા-બાપનંુ

મા-બાપ એટલે મા-બાપ. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવું સાધન હોય તો મા-બાપ. સેવા કરીશ એમની ?

પ્રશ્નકર્તા : હા, ચાલુ જ છે સેવા. ઘરકામમાં મદદ કરું છું.

દાદાશ્રી : લ્યો, એ તો બધું નોકર રાખ્યો હોત તો તે ય કરે.

પ્રશ્નકર્તા : એમાં પૈસા જાય ને !

દાદાશ્રી : તે તારી પાછળ નથી આપતા પૈસા ? કપડાં પહેરાવાનું કરવાનું, જમાડે ને એ બધું. તેમાં તેં શું કર્યું ? સેવા તો ક્યારે કહેવાય? એમને દુઃખ થતું હોય, પગ ફાટતા હોય અને આપણે પગ એમને દબાવી આપીએ એવું તેવું બધું....

પ્રશ્નકર્તા : હા, એ હું કરું છું ને !

દાદાશ્રી : કરું છું ?! એમ ! મોટો થઈશ ત્યારે પપ્પા-મમ્મીને શું કરીશ ?

પ્રશ્નકર્તા : સેવા કરીશ.

દાદાશ્રી : શી રીતે સેવા કરીશ ? તું તો નોકરી કરીશ કે સેવા કરીશ ? જો બહાર કરીશ નોકરી અને ઘેર આવું તો વહુની ભાંજગડમાં પડવું પડશે, તો એમની ક્યારે સેવા કરીશ તું ? બહારનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું, અંદર ઘરનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું. એમનું ડિપાર્ટમેન્ટ કયું આવશે ? તને કેમ લાગે છે ? કે પૈણ્યા વગર રહેવાનો છું ?

ચૂકશો ના ફરજ સેવા તણી

પ્રશ્નકર્તા : એ પણ વાત સારી છે. પરણવું નહીં. જો સેવા કરવી હોય તો પરણવું નહીં, એ વાત સાચી છે ?

દાદાશ્રી : હા, પણ ના પૈણે તો ચાલશે શી રીતે ? રહેવાશે ? ત્યાગી તરીકે રહેવાશે, સાધુ તરીકે ? એટલી શક્તિ છે તારી ?

પ્રશ્નકર્તા : હા, રહેવાશે.

દાદાશ્રી : એમ ! એ તો પૈણવાનું ના કહે છે આ તો. એ પહેલેથી જ એવું કહે છે નહીં ! એટલે લફરું વળગે નહીં એટલે ભાંજગડ જ નહીં ને. બહુ મજા નથી, પણ એ તો પછી છેવટે પૈણવું પડે. પછી ઘૈડી જોડે પૈણવું પડે, એનાં કરતાં જવાન જોડે પૈણને. એટલે પૈણજે મોટો થઈને. બે-પાંચ-સાત વર્ષ પછી પૈણજે અને પૈણે ને વહુને ય એમ કહેવું કે તુંય સેવા કર અને હુંય સેવા કરું. બેઉ સાથે સેવા કરવી એમની.

પ્રશ્નકર્તા : નહીં, એ નહીં. લગ્નની વાત જવા દો. લગ્નની વાત બાજુમાં રાખીએ આપણે. પણ સેવા કરવી જ જોઈએ ને !

દાદાશ્રી : સેવા તો કરવી જ જોઈએ.

પ્રશ્નકર્તા : એમની સેવા કરવી જોઈએ ને નિર્મળ પ્રેમથી, વિનયથી, પરમ વિનયથી ?

દાદાશ્રી : એ બધું સો ટકા.

પ્રશ્નકર્તા : એમનો પ્રેમ સંપાદન કરવો જ જોઈએ.

દાદાશ્રી : હા, તે વાંધો નથી. બાકી બધી ફરજો પૂરી કરવાની.

આપણા વાંકે ભેગું થયું વાંકું

પ્રશ્નકર્તા : પણ દાદા, કેટલાંકના મા-બાપ બહુ સંસ્કારી હોય છે. પણ એમનાં છોકરાં બહુ રાશી હોય છે, તો તેનું શું કારણ ?

દાદાશ્રી : હા. અને છોકરા ખરાબ પાકે ! અને કેટલાક છોકરા મા-બાપની સેવા કરે છે, એવી સેવા કરે, ખાધા-પીધા વગરે ય સેવા કરે છે. તેમને માટે એવું નથી. બધો આપણો જ હિસાબ છે. આપણા વાંકથી ભેગું થયું આપણને.

છોકરા નાલાયક એટલે તમારે સમજી લેવું કે મારામાં નાલાયકી દેખાતી નથી, પણ આ નાલાયકી મારી જ છે એવું સમજી લેવું. આપણી નાલાયકી આમાં દેખાય છે. પ્રત્યક્ષ ફોટા રૂપે તમને સમજાયું ?

જૂની ગાડી થાય જલ્દી ગરમ

પ્રશ્નકર્તા : મારા ફાધર તો બહુ ગરમ થઈ જાય, ખાવાનું સહેજ બરાબર ફાવ્યું નહીં તો.

દાદાશ્રી : એમ નહીં, પણ સામી સેવા કરવી જોઈએ. આ વડીલોની સેવા કરવી એ તો મોટામાં મોટો ધર્મ છે. જુવાનીયાનો ધર્મ શું ? ત્યારે કહે, વડીલોની સેવા કરવી. જુની ગાડીઓને ધકેલીને લઈ જવી અને તો જ આપણે ઘૈડા થઈશું તો આપણને ધકેલનારા મલશે. એ તો આપીને લેવાનું છે. આપણે ઘૈડાઓની સેવા કરીએ તો આપણી સેવા કરનારા મળી આવે અને આપણે ઘૈડાઓને હાંક હાંક કરીએ તો આપણને હાંક હાંક કરનારા મળી આવે. જે કરવું હોય તે છૂટ છે.

કરી છૂટવી મદદ બનતી બધી !

પ્રશ્નકર્તા : બધા પોતપોતાનાં કર્મો ભોગવે છે, તો આપણાં મા-બાપ બિમાર થયા હોય તો આપણે એમને એમનાં કર્મો ભોગવવા દેવાનાં, કઈ કરવાનું નહીં ?

દાદાશ્રી : ના, નહીં. આપણે કાં તો ત્યાં જવું, ચાકરી કરવી. ચાકરી ના કરવી હોય તો વગર કામનાં બોલબોલ કરવાનો અર્થ નહીં, છેટે રહીને તાલીઓ પાડવાની જરૂર નથી. તમે જો લાગણીવાળા હોય તો પહોંચી જાવ. લાગણીવાળાએ મા-બાપની સેવા કરવી જોઈએ અને લાગણી નથી તો અમથા અમથા બૂમો પાડવી, એનો અર્થ નથી.

પ્રશ્નકર્તા : દાદા, પહોંચી જવાથી થોડા કંઈ એ લોકોના કર્મો ને પીડામાં ફેર થવાનો છે ?

દાદાશ્રી : એ ગપ્પું કહેવાય. ત્યાં પહોંચી જાવ એટલે કંઈ ત્યાં હેલ્પ થયા વગર રહે નહીં. એ તો ગપ્પું માર્યું કહેવાય ! એ તો ગુનો કહેવાય. લાગણી થતી હોય તો ત્યાં પહોંચી જવું જોઈએ. લાગણી થાય ને કરવું નહી, અહીંથી બૂમાબૂમ કરવી એનો અર્થ નહીં અને લાગણીવાળા કોઈએ પૈસા મોકલ્યા ? એ લોકોના હેલ્પ માટે ઘણાં લોકો ગયા છે ત્યાં આગળ. એમના માટે પૈસા ખર્ચે. તેં મોકલ્યા છે પૈસા ?

પ્રશ્નકર્તા : હા, મોકલ્યા છે દાદા.

દાદાશ્રી : આપણે જો જાતે જવાય નહીં તો પૈસા મોકલીને પણ હેલ્પ કરવી. આપણે હેલ્પ તો કરવી જ જોઈએ, એવું છોડી ના દેવાય એના કર્મ ઉપર.

કેમ ભૂલાય ઉપકાર ઉપકારીનો ?

પ્રશ્નકર્તા : આ જે બેનો છે, એમને અત્યારે આપ એવું કંઈક કહો કે જેથી કરીને એમને પોતાને લાભ થાય અને સમાજને પણ લાભ થાય.

દાદાશ્રી : આ બેનોના બધાં પ્રતિક્રમણ વાંચ્યા, બહુ ભાંજગડો હોતી નથી એમને. બહુ ત્યારે મા-બાપની જોડે કે ભાઈ જોડે ભાંજગડ થયા કરે છે, મા-બાપ બોલે ને એટલે આ ગુસ્સે થયા કરે. ને આ આવડું બોલે એટલે મા-બાપ પછી પાછું બીજે દા'ડે ટાઢાં પડી જાય. તે રાગ-દ્વેષથી ઊભું રહ્યું છે. તે મા-બાપનો જો ગુણ માને આ લોકો કે મા-બાપે આપણને અવતાર આપ્યો છે ને એ અવતાર મોક્ષને માટે લાયક છે. તો આવો ઉપકાર ભૂલે નહીં. મા-બાપનો ઉપકાર જો ભૂલે તો આવું એમના સામું થાય. નહીં તો એ ગમે તે કહે, પણ એ ઉપકારી છે. ઉપકારી બોલે તેનું 'લેટ ગો' કરવું પડે. એવું જો સમજવામાં આવે તો ઉકેલ આવે, નહીં તો આનો ઉકેલ જ નથી આવે એવો. જો મારું અસ્તિત્વ હું જાહેર કર્યા કરું, એનો અર્થ જ નથી. મા-બાપ પોતે મોટાં કરે છે એ કંઈ ગમે તે ફરજીયાત હશે, ભલે ફરજીયાત હશે, તમારા પુણ્યના આધારે છે એ પણ વ્યવહારમાં દેખાય છે. પણ છતાં ઉપકારી છે એ. એટલે ઉપકારીનો ઉપકાર ઓળંગવો ના જોઈએ. એમના તરફે કંઈ પણ ભાવ ના બગડે અને બગડે તો પશ્ચાતાપ કર્યા જ કરવો પડે.

જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા'ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે ?

તું સમજી ગયો ? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. એ અવળું બોલે તો આપણે એને શું કરવાનું ? ઇગ્નોર કરવાનું એ અવળું બોલે તો, કારણ કે મોટા છે ને ! કે તારે અવળું બોલવું જોઈએ ?

પ્રશ્નકર્તા : ના બોલવું જોઈએ. પણ બોલી જવાય તેનું શું ? મિસ્ટેક થઈ જાય તો શું ?

દાદાશ્રી : હા, કેમ લપસી નહીં પડાતું ? ત્યાં પાકો રહું છું અને એવું લપસી પડયું તો તે ફાધરે ય સમજી જશે કે આ લપસી પડયો બિચારો. આ તો જાણી જોઈને તું એ કરવા જઉં, તો 'તું અહીં કેમ લપસી પડયો ?' તે હું જવાબ માંગું. ખરું-ખોટું ? એટલે એઝ ફાર એઝ પોસીબલ આપણને હોવું ના ઘટે અને તેમ છતાં ય તારાથી, તારી શક્તિ બહાર થઈ ગયું હશે તો તો એ બધાં સમજી જશે, કે આવું કરે નહીં આ.

એમને ખુશ રાખવા. એ તને ખુશ રાખવા ફરે કે નહીં ? તને સુખી રાખવાની ઇચ્છા ખરી કે નહીં એમને !

પ્રશ્નકર્તા : હા.

પ્રશ્નકર્તા : દાદા ઘણીવાર એવું થાય કે મારી કંઈ ભૂલ જ નથી. કો'ક વાર ભૂલ મારી મને ખબર પણ પડે અને ઘણીવાર મારી કંઈ ભૂલ થતી જ નથી, એમનો જ વાંક છે એવું લાગે.

દાદાશ્રી : એવું લાગે તને પણ પછી પ્રતિક્રમણ કરવું ત્યારે !

પ્રશ્નકર્તા : હં. પછી એમને પણ જરા કઢાપો-અજંપો વધારે થઈ જાય ત્યારે થાય કે હવે આપણા નિમિત્તે આવું ના થવું જોઈએ. એવું થાય પછી.

દાદાશ્રી : ના, પણ એવું નહીં. 'મારી ભૂલ થઈ' એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે, તું અવળું બોલી તેનાં.

પ્રશ્નકર્તા : મને અમુક વાર ભૂલ લાગતી નથી મારી પોતાની, તેમની જ ભૂલ છે.

દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુઃખ અપાય જ નહીં ને આપણી ભૂલ થાય તો કો'કને દુઃખ થાય.

પ્રશ્નકર્તા : મને તો એવું લાગે કે એમની પ્રકૃતિ જ એવી છે એવું લાગ્યા કરે.

દાદાશ્રી : આ બધા લોક સારી પ્રકૃતિ કહે છે ને તું એકલી કહું, એટલે ઋણાનુબંધ છે, હિસાબ છે.

પ્રશ્નકર્તા : એટલે દાદા એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.

દાદાશ્રી : હા, તો એથી કરીને એ તારી ભૂલ છે એમાં, ભૂલ તારી છે. એટલે મા-બાપને કેમ દુઃખ થયું એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ થવું તો ના જોઈએ, હવે 'સુખ આપવા આવી છું' એવું મનમાં હોવું જોઈએ. 'મારી એવી શી ભૂલ થઈ' કે મા-બાપને દુઃખ થયું.

થાઓ મુક્ત હિસાબ ચૂકવી બધા

પહેલાંની થયેલી ભૂલોનો હિસાબ ચૂકતે કરી નાખે, નવી ભૂલ થવા ના દે, એવું આપણું વિજ્ઞાન છે. આ બાવા કરવાનો માર્ગ નથી, આ તો ઋણાનુબંધ પતાવવાનો માર્ગ છે. ઋણાનુબંધ પતાવ્યા વગર દોડધામ કરીને બાવો થઈ જાય એમાં કંઈ દહાડો વળે નહીં. એટલે ઋણાનુબંધ પતાવવાનાં. આ તો કરેલાંના ફળ ભોગવવાનાં છે. જે આપણે કર્યું હોયને, તેના ફળ ભોગવવાનાં છે. છોકરો સેવા ય કરે ને મેવા ય કરે. જેની ગાળો ખાવાની હોય તેની ગાળ ખાવાનું, જેનો માર ખાવાનો હોય તેનો માર ખાવાનો, જેની સેવા કરવાની હોય તેની સેવા કરે, પણ હિસાબ બધાં ચૂકવવાં પડે. ચોપડામાં ચિતરેલું છે તે ચોખ્ખું તો કરવું પડે ને ?

અંડરહેન્ડ પણ ઉપકારી થાય

તમારે ત્યાં કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારેય પણ તરછોડશો નહીં, છંછેડશો નહીં, બધાને માનભેર રાખજો. કોઈક માણસથી આપણને શુંય લાભ થઈ જાય ! આજે તમને આમના થકી ઘણો લાભ થઈ ગયો. મારી જોડે પરિચય થયો ને, એ જ ઘણો લાભ થઈ ગયો. આને અપૂર્વ લાભ કહેવાય છે, કોઈ કાળે સાંભળ્યો ના હોય એવો લાભ કહેવાય છે. માટે કોઈને છંછેડશો નહીં. ઘર આગળ કૂતરું બેઠું હોય તેને પણ છંછેડશો નહીં. એ કૂતરું કોઈકને ફરી વળે તો પેલો માણસ આપણાં ઘરમાં પેસી જાય અને આપણને સત્સંગ કરાવડાવે. કૂતરું જો જ્ઞાની પુરુષને ફરી વળ્યું એટલે જ્ઞાની પુરુષ આશરો ખોળે ને અને પેલાના ઘરમાં પેસી ગયા ! જો કૂતરું કામ લાગે છે ને !! બધું કામ લાગે એવું છે આ જગતમાં ! બધામાં પરમાત્મા રહેલા છે અને જીવમાત્ર રાત-દહાડો તમારી સેવામાં જ છે, પણ આ સેવા ઉઠાવતાં નથી આવડતું, લાભ લેતાં નથી આવડતું.

જ્યાં જુઓ ત્યાં બોસ, બોસ ને બોસ ! અને તમે પણ પાછાં કોઈકના બોસ. તે બોસ પેલા અંડરહેન્ડને ટૈડકાવી ટૈડકાવીને બિચારાનું તેલ કાઢી નાખે, જંપીને બેસવાય ના દે. એટલે આપણે એટલું સરસ ન્યાયી જીવન જીવવું જોઈએ કે કોઈને ય દુઃખ ના થાય. બોસને દુઃખ ના થાય, અંડરહેન્ડને દુઃખ ના થાય, ઘેર વાઇફને દુઃખ ના થાય, છોકરાંને દુઃખ ના થાય, એવું જીવન જીવવા માટે આપણે 'મશીનરી'ને જ્ઞાની પુરુષ પાસે 'ઓવરહૉલ' કરાવવી પડે. ઓવરહૉલ કરાવવાનું ટેન્ડર લાવ્યા છો ?

પ્રશ્નકર્તા : આપની વાણીમાં પણ કોન્ટ્રાક્ટરની ભાષા નીકળે છે.

દાદાશ્રી : હા. એવી જ નીકળે ! અમે કોન્ટ્રાક્ટરને, એટલે આ ટેન્ડરોને એ બધું જાણીએ.

સેવા - કુસેવા, પ્રાકૃત સ્વભાવ

આ તમે જે સેવા કરો છો એ પ્રકૃતિ સ્વભાવ છે અને એક માણસ કુસેવા કરે છે તે પણ પ્રકૃતિ સ્વભાવ છે. આમાં આપનો પુરુષાર્થ નથી ને પેલાનો ય પુરુષાર્થ નથી, પણ મનથી એમ માને છે કે 'હું કરું છું.' હવે 'હું કરું છું' એ જ ભ્રાંતિ છે. અહીં 'આ' જ્ઞાન આપ્યા પછી પણ તમે સેવા કરવાના તો છો જ, કારણ કે પ્રકૃતિ એવી લાવ્યા છો પણ એ સેવા પછી શુદ્ધ સેવા થશે. આ જ્ઞાન પછી સામા માણસને ગમે તે થાય, પણ તમને દુઃખ થાય નહીં ને એનું દુઃખ દૂર થાય, પછી તમને કરુણા ભાવ રહેશે.

...કલ્યાણની શ્રેણીઓ જ ભિન્ન

સમાજસેવા તો જેણે ભેખ બાંધી છે ને ભેખ લીધી છે, એટલે ઘરમાં બહુ ધ્યાન નથી આપતો ને બહારના જ લોકોની સેવામાં એ પડેલો છે, એ સમાજસેવા કહેવાય; અને આ બીજા તો પોતાના આંતરિક ભાવો કહેવાય, એ ભાવો તો પોતાને આવ્યા જ કરે. કોઈની ઉપર દયા આવે, કોઈના પર લાગણીઓ થાય અને આવું બધું તો પોતાની પ્રકૃતિમાં લાવેલો જ હોય, પણ છેવટે આ બધો જ પ્રકૃતિ ધર્મ જ છે. પેલો સમાજસેવા એ પણ પ્રકૃતિ ધર્મ છે, એને પ્રકૃતિ સ્વભાવ કહે છે કે આનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ આવો છે. કોઈનો દુઃખ દેવાનો સ્વભાવ હોય છે. કોઈનો સુખ આપવાનો સ્વભાવ હોય છે. આ બેઉના સ્વભાવ એ પ્રકૃતિ સ્વભાવ કહેવાય, આત્મ સ્વભાવ નહીં. પ્રકૃતિમાં જેવો માલ ભર્યો છે, એવો એનો માલ નીકળે છે.

સમાજકલ્યાણ કરે છે, એ કંઈ જગતનું કલ્યાણ કર્યું ના કહેવાય. એ તો એક સંસારિક ભાવ છે, એ બધું સમાજ કલ્યાણ કહેવાય. એ જેટલું સહુ સહુનાથી બને તેટલું કરે, એ બધી સ્થૂળ ભાષા કહેવાય અને જગત કલ્યાણ કરવું એ તો સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભાષા છે ! ખાલી એવા સૂક્ષ્મતમ ભાવો જ હોય છે કે તેનાં છાંટણાં જ હોય છે.

સેવા ખરી હ્રદયપૂર્વકની

લોકસેવા તો હ્રદયની હોવી જોઈએ. હ્રદયપૂર્વકનંુ હોય તો બધે પહોંચે. લોકસેવા અને પ્રખ્યાતિ બે ભેગી થાયને તો મુશ્કેલીમાં મૂકી દે, માણસને. ખ્યાતિ વગરની લોકસેવા હોય ત્યારે સાચું. ખ્યાતિ તો થાય જ જાણે કે, પણ ખ્યાતિની ઈચ્છારહિત થાય એવું હોવું જોઈએ.

પરોપકાર એ તો બહુ ઊંચામાં ઊંચી સ્થિતિ છે. આ પરોપકારની લાઈફ, આખા મનુષ્યના જીવનનો ધ્યેય જ એ છે.

આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાનાં ફળ બીજાને આપો તો કુદરત તમારું ચલાવી લેશે. આ જ ગુહ્ય સાયન્સ છે. આ પરોક્ષ ધર્મ છે. પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે, આત્મધર્મ છેલ્લે આવે. મનુષ્યજીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકાં માટે વાપરો.

ન હોય દુઃખ આ જગતમાં કોઈનેે

એટલા માટે અમે બધાને કહીએ છીએ કે ભઈ, સવારના પહોરમાં બહાર નીકળતી વખતે બીજું કશું ના આવડે તો એટલું બોલજો ને કે 'આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર મન-વચન-કાયાથી દુઃખ ન હો.' એવું પાંચ વખત બોલીને નીકળજે. બીજી જવાબદારી મારી ! જા, બીજું નહીં આવડે તો હું જોઈ લઈશ ! આટલું બોલજેને ! પછી કોઈને દુઃખ થઈ ગયું, એનું હું જોઈ લઈશ. પણ આટલું તું બોલજે.

કંઈ ભારે ખરું ? સાચા દિલથી 'દાદા ભગવાન'ને યાદ કરીને બોલો ને, પછી વાંધો શો છે ?

ન હોજો યાચકપણંુ જ્ઞાનીની સેવા માટે

કેવા સરસ સુખ ! દાદાની જોડે પાર વગરનાં સુખો. બેસી રહેવાનું ગમે અહીં આગળ, તે ખોઈ નાખે આ બધા !

પ્રશ્નકર્તા : અમારે દાદા, કેવું રહે ? કે આજે મને નવડાવવા મળ્યું હોય તો મને વિચાર આવે કે આવતી કાલે બીજો કોઈ આવશે એટલે મને નહીં મળે.

દાદાશ્રી : એ તો બધું ખોટું, જૂઠું કહેવાય. મને જુદો પાડો છો એટલે કોણ છો તમે ? આપણે શું લેવાદેવા ? એ ભીખારા હોય તો હાથ ધરે. આપણે કંઈ ભીખારા નથી. હાથ ધરે તો કશું વળે નહીં. એનાં ટાઈમે જ પાકે છે. એટલે અમે ઈચ્છા કરવાની ના કહી છે ને ! લોકો એ જાણતા નથી, એટલે ઈચ્છા થયા કરે. બધાં ટાઈમલી બોમ્બ છે ! આપણે ના કહીએ તો ય આપણે જે જોઈતું હોય તે સામું આવે.

આવું ભીખારીપણું ! કોણ આટલાં બધાં સુખ ભોગવે ? વર્તમાનમાં રહો !

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ માટે ભીખારીપણું શું લાગવાનું, દાદા ? આત્મપુરુષ માટે આવંુ રાખીએ ?

દાદાશ્રી : એ ભીખારીપણું જ કહેવાય, તે જ્ઞાની પુરુષ પાસે કે ગમે તેની પાસે ભીખારી જ કહેવાય. આપણું આ સુખ જે ચાલુ સુખ વર્તતું હોય તે ખોઈ નાખીએ.

કોઈપણ જાતની ઈચ્છા રાખવી નહીં. ઈચ્છા એ તો પ્રગટ અગ્નિ છે. ઈચ્છા થાય તો કાઢી નાખવી !

જ્ઞાની પુરુષની શી સેવા કરવાની ? અને તે સેવા એમને જોઈએ છે જ ક્યાં આગળ ?!

પ્રશ્નકર્તા : પણ પોતાનાં માટે કરવાનું છે ને ! તમારે નથી જોઈતી સેવા પણ...

દાદાશ્રી : ના, પણ એ અર્થ જ નહીં ને ! એ તો ગાંડપણ છે એક મેડનેસ ! સેવા તો એમની કૃપાદ્ષ્ટિ મેળવવી એ સેવા કહેવાય. કૃપા પ્રાપ્ત કરવી. ત્યારે એ કૃપા ક્યારે પ્રાપ્ત થાય, અમારી આજ્ઞામાં રહો ત્યારે.

પ્રશ્નકર્તા : એ મુખ્ય વસ્તુ છે, દાદા.

દાદાશ્રી : મુખ્ય વસ્તુ જ આ છે. સેવામાં રહેવાનું નથી, આજ્ઞામાં રહેવાનું છે. સેવા તો મા-બાપની કરવાની છે.

પ્રશ્નકર્તા : એ મા-બાપની સેવામાં ખેંચેય ના થાય અને ભાવેય ના થાય.

દાદાશ્રી : એ જ ગાંડા ને ! એ ગાંડા માણસ કહેવાય. માબાપની સેવા. જે માબાપ આટલો ઉપકાર કરે તેને ના સમજે અને જ્ઞાનીનો ઉપકાર નથી તેને સમજવા જાય, એ ગાંડપણ કહેવાય. એટલે માબાપની સેવા પહેલી, બીજે નંબરે જ્ઞાનીની સેવા.

પ્રશ્નકર્તા : પણ મા-બાપ કરતાં સર્વસ્વ જ્ઞાનીને જ માન્યા હોય.

દાદાશ્રી : ના, મા-બાપની સેવા ના કરે એ માણસ માણસ જ ના કહેવાય ને ! તે જાનવર કહેવાય. પહેલામાં પહેલી મા-બાપની સેવા પછી જ્ઞાની પુરુષની કે ગુરુની. પછી ત્રીજો નંબરે ભગવાનની આવે. ભગવાનનો નંબર ત્રીજો. હા, ભગવાન તે આપણે કંઈ અહીંની સગઈ થાય ? સગાઈ તો આ મા-બાપની અને ગુરુ છે તે આપણને સમજણ પાડે, તેમની સગઈ.

પ્રશ્નકર્તા : અમારે દાદાની સેવા બાબતમાં એવું એમ થોડું રહે !

દાદાશ્રી : સેવાની ભૂખ રહેવી ના જોઈએ. સેવા પ્રાપ્ત થઈ એ જ સેવા આપણી, જેમાં સો ટકા સુખ પડે. ઈચ્છા થઈ એટલે એ પછી એ અગ્નિ થાશે. ભયંકર રોગ કહેવાય એ તો. ઈચ્છા શેની ? તે ભીખારા મૂઆ છે તે કોઈની ભીખ માંગીએ ?

પ્રશ્નકર્તા : દાદા, અમારી ઉંમરે આપને જ્ઞાની મળ્યા હોય.

દાદાશ્રી : અરે બળ્યું તારી ઉંમરે મને મળ્યા હોત તો તો હું કામ કાઢી નાખત.

પ્રશ્નકર્તા : તો આપને ઈચ્છા ના થાત, એમની સેવા કરવાની ?

દાદાશ્રી : ના થાય. ના. મને જરાય ના થાય. મને તો આવું શીખવાડે એટલે તો હું તો બહુ ખુશ થઈ જઉં.

પ્રશ્નકર્તા : તો એમની સેવા કરવાની ઈચ્છા ના થાય ?

દાદાશ્રી : ના, ના. સેવા કરવાની શી ઈચ્છા છે આપણે ? એ કહે કે 'હા, ચાલો.' તો ઠીક છે. ને એ કહે 'નહીં.' તો બેસી જવાનું આપણે. શું કહ્યું ? આપણે શી ભાંજગડ ?

પ્રશ્નકર્તા : દાદા, અત્યારે આપને તીર્થંકર ભગવાનની માટે કંઈ ઈચ્છા ના થાય ?

દાદાશ્રી : ના થાય. ઈચ્છા એ તો પ્રગટ અગ્નિ થતી હશે ?

પ્રશ્નકર્તા : ભાવના રાખવી સેવાની, પ્રાપ્ત થાય તો આનંદ ને ના થાય તો વાંધો નહીં.

દાદાશ્રી : હા, ભાવના કરવાની કે આ સેવા મને પ્રાપ્ત થાવ. થઈ તોય સાચી અને ના થઈ તોય. સાચી દાદા પાસે જવાની ભાવના તો રાખવી જોઈએ નહીં તો જવાય નહીં. ઈચ્છા થઈ કે એ મહીં કંટાળો. સળગ્યું પછી એ ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી સળગ્યા જ કરે ત્રિવિધ તાપ. એટલે આ પ્રાપ્ત સુખોને આ ખોઈ નાખે આ તાપ.

જ્ઞાની પુરુષની સેવાનંુ ફળ

પ્રશ્નકર્તા : હવે જ્ઞાનીની દ્ષ્ટિ પડી, એનંુ ફળ શું ?

દાદાશ્રી : એ તો કામ કાઢી નાખે. જ્ઞાની પુરુષની દ્ષ્ટિ મળી એટલે મોક્ષ મળે. જ્ઞાની પુરુષની સેવા કરવાથી અભ્યુદય ફળ થાય. આ સેવા જે કરોને, એનંુ સેવા ફળ કહેવાય. હવે આ સેવાનંુ ફળ ભૌતિક નહીં પેલંુ ફળ મળે એટલંુ બધું ઊંચંુ ફળ મળે કે પોતે સેવક હોય ને, તે પછી સેવ્ય થઈ જાય. આ દુનિયામાં જેટલા સેવ્ય બનેલા, એ સેવકપદમાંથી જ બનેલા. તમે ક્યારે સેવ્ય થશો ? સેવ્યની જો તમે સેવા કરશો સેવક થઈને, તો તમે સેવ્ય થશો.

પ્રશ્નકર્તા : આ સેવ્યનંુ કંઈ લાભ નથી. સેવ્યનંુ જોખમદારી બહુ છે.

દાદાશ્રી : એ જેવા તેવા થાય એવંુ જ નથી. તમારે એનો અભ્યાસ થાય એવંુ જ નથી. એટલે તમે એના કરતા ના થાય એ જ સારંુ છે ને !

સેવા જોખમકારી હોય જ નહીં કોઈ દહાડો. સેવાનો આંકડો ય ના આવડતો હોય અને સેવા મળી ગઈ એનંુ કામ કાઢી નાખે. જેને આંકડોય ના આવડતો હોય એને સેવા મળે એ સેવ્ય પદ લાવનારંુ હોય.

પ્રશ્નકર્તા : સેવ્યપદમાં જોખમ નહીં ? અમુક સ્ટેજ આવ્યા વગર, સેવ્ય પદમાં જોખમ નહીં ?

દાદાશ્રી : કશું જોખમ નહીં, એ મળવંુ જોઈએ એ મળ્યંુ એટલે ચાલ્યંુ.

પ્રશ્નકર્તા : જે સેવા કરે એને માટે નહીં જે સેવા લે અને તે લાયક ના હોય અને હંુ કોઈની સેવા લઉં તો મારે માટે જોખમકારક કે નહીં ? સેવા કરનારને તો કોઈ દહાડો જોખમ છે જ નહીં ને !

દાદાશ્રી : ના પોતે સેવા લીધી હોય તો બહુ જોખમ છે.

પ્રશ્નકર્તા : હંુ એ જ કહેવા માંગું છું પોતે લાયક ન થયો હોય.

દાદાશ્રી : હા, એટલે બહુ જોખમ છે. બહુ જોખમ એના જેવંુ જોખમ કોઈ નહીં ! બહુ મોટંુ જોખમ !

પ્રશ્નકર્તા : જ્ઞાની સેવ્ય પદમાં મૂકી દે ?

દાદાશ્રી : એ તો એના સ્વભાવથી જ થયા કરે. એના સ્વભાવથી થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી જોખમ ના રહ્યંુ ?

દાદાશ્રી : કોઈ મૂકવાનંુ કોઈને અધિકાર જ નથી ને કશો ? એટલે તાત્કાલિક ફળ મળે !

પ્રશ્નકર્તા : પણ પછી તો જોખમ ના રહ્યંુ ને !

દાદાશ્રી : જોખમ હોતંુ નથી કશું. જ્ઞાની પુરુષની પાસે જે કંઈ કરવામાં આવે ત્યાં જોખમ નથી. અજ્ઞાની પાસે હોય ત્યાં જોખમ થાય. અહીં તો કોઈ જાતનંુ જોખમ જ નથી.

સેવા, જ્ઞાનીની દ્ષ્ટિએ

પ્રશ્નકર્તા : પણ દાદા, સેવા એ તો બધું કન્ટિન્યુઅસ મળયા કરે ને ? સેવાને એ બધું કાયમ મળે ને આમ ?

દાદાશ્રી : શું સેવા કરવાની ? આ બે-ચાર વખત દવા આપીએ સેવા કહે છે ? શું સેવા ? શેને સેવા કહો છો ? ઘરમાં નોકર રાખે એ ના આપે ? સેવા માટે કંઈ આવડા ઓફીસર રખાતા હશે ?

તંુ કોને કહે છે સેવા ? આ તમે નવડાવો એટલે અમે નાહીએ. નહીં તો અમે, પેલા નોકરને કહીએ કે હંુ એની પર બેસંુ છું અને તંુ ડોલ ભરીને મૂકી દે એટલે અમે નાહી લઈએ. આ વળી અમારે શું કરવંુ છે ? સેવા શું કરવાની ? સેવા તો ક્યારે ? કે ત્યાં આગળ ઉપદેશ આપવા જવાનંુ હોય, લોકોનંુ કલ્યાણ થાય એવંુ કરવાનંુ હોય. કેટલાં જણને ઉપદેશ આપી આવ્યો ? લોકોનું કલ્યાણ કરે તેનંુ નામ અમે સેવા કહીએ. અમારો જે ધ્યેય પૂરો કરે ને એનંુ નામ સેવા કહીએ. આ તમે બધું લખો એને અમે સેવા કહીએ. બે આપ્તવાણીઓ તૈયાર થઈ જાય એટલે એટલી સેવા કરી એમણે.

સેવા તો હંુ ૧૦૦ રૂપિયાની નોટ આપંુ ને તમે ૧૦૦ રૂપિયાની નોટના છૂટા લઈ આવો તેમાં તમે શું સેવા કરી ? પણ એમાં ભાવના કેવી હતી તે અમે જોઈ લઈએ, બીજું કશું જોયંુ નથી.

બાકી સેવા તો એનું નામ કે તું કામ કરતો હોય તે મને ખબરેય ના પડે, એને સેવા કહેવાય. મૂંગી સેવા હોય. ખબર પડે, એને સેવા ના કહેવાય. આપણું સેવ્યપદ છૂપું રાખીને સેવકભાવે આપણે કામ કરવું.

કાઢવી સુખની દુકાન આપણે બસ

મારો ધંધો જ એ છે કે સુખની દુકાન કાઢવી. આપણે દુઃખની દુકાન કાઢવી નહીં. સુખકી દુકાન, પછી જેને જોઈતું હોય તે સુખ લઈ જાવ અને કોઈક દુઃખ આપવા આવે તો આપણે કહીએ કે ઓહોહો, હજુ બાકી છે મારું, લાવો, લાવો. એને આપણે બાજુએ મૂકી રાખીએ. એટલે દુઃખ આપવા આવે તો લઈ લઈએ. આપણો હિસાબ છે તો આપવા તો આવે ને ? નહીં તો મને તો કોઈ દુઃખ આપવા આવતું નથી. માટે સુખની દુકાન એવી કાઢો કે બસ, બધાને સુખ આપવું. દુઃખ કોઈને આપવું નહીં અને દુઃખ આપનારા તો વેર વાળે છે ને ? એ એમ ને એમ વેર નથી વાળતા, દુઃખનો બદલો લે છે.

જ્ઞાની આખા જગતના સેવક

'જ્ઞાની પુરુષ' એ તો આખા 'વર્લ્ડ'ના સેવક અને સેવ્ય કહેવાય. આખા જગતની સેવા પણ 'હું' જ કરું છું ને આખા જગતની સેવા પણ 'હું' લઉં છું. આ જો તને સમજાય તો તારું કામ નીકળી જાય તેમ છે !

હું મારું એક જ જાતનું 'પ્રોડકશન' રાખું છું ! 'જગત આખું પરમ શાંતિને પામો ને કેટલાક મોક્ષને પામો !' એનું મને 'બાય પ્રોડકશન ફ્રી ઓફ કોસ્ટ' નથી મળતું ? મળ્યા જ કરે છે ને !

નહીં તો કરો પોતાની સેવા

જગતની કંઈ પણ સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે. જગતની સેવા ના થાય તો પોતાની સેવા કરો. જે પોતાની સેવા કરે છે એ જગતની સેવા કર્યા કરતાંય વધારે છે. કારણ કે પોતાની સેવા કરનારો કોઈનેય દુઃખ ના દે !

પ્રશ્નકર્તા : પણ પોતાની સેવા કરવાનું સૂઝવું જોઈએ ને !

દાદાશ્રી : એ સૂઝવું સહેલું નથી.

'પોતાની સેવા'નાં લક્ષણો

પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં લક્ષણો કયાં ?

દાદાશ્રી : કોઈને દુઃખ ન દે એ પહેલામાં પહેલું લક્ષણ. એમાં બધી જ ચીજ આવી જાય. એમાં એ અબ્રહ્મચર્યે ય ના સેવે. અબ્રહ્મચર્ય સેવવું એટલે કોઈને દુઃખ દીધા બરોબર છે. અગર એમ માનો કે રાજીખુશીથી અબ્રહ્મચર્ય થયું હોય, તો કેટલાં જીવો મરી જાય છે ! માટે એ દુઃખ દીધા બરાબર છે. એટલે એનાથી સેવા જ બંધ થઈ જાય છે. પછી જૂઠું બોલાય નહીં, ચોરી ના કરાય, હિંસા ના કરાય, પૈસા ભેળા ના કરાય. પરિગ્રહ કરે, પૈસા ભેળા કરવા એ હિંસા જ છે. એટલે બીજાને દુઃખ દે છે, આમાં બધું આવી જાય છે.

પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં બીજાં લક્ષણો કયા કયા ? પોતાની સેવા કરી રહ્યો છે એમ ક્યારે કહેવાય ?

દાદાશ્રી : 'પોતાની' સેવા કરનારાને આ જગતના તમામ માણસો દુઃખ દે, પણ એ કોઈને ય દુઃખ ના દે. દુઃખ તો આપે નહીં, પણ એને ખોટા ભાવ પણ ના કરે કે તારું ખરાબ થજો ! 'તારું સારું થજો' એમ કહે.

હા, છતાં સામો બોલે તો વાંધો નહીં. સામો બોલે કે તમે નાલાયક છો, બદમાશ છો, તમે દુઃખ દો છો, એનો આપણે વાંધો નથી. આપણે શું કરીએ છીએ એ જોવાનું છે.

ભાવ મુજબ પ્રાપ્ત સેવા

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું હોય પણ સ્વભાવ તો પ્રકૃતિનો બદલાવાનો નહીં જ ને ?!

દાદાશ્રી : બદલાય ને ! એ ચઢ-ઉતરનાં પરિણામ રહેતાં જ હોય અંદર, એટલે કોઈમાં સહેજ બદલાઈ જાય, બંધ થઈ જાય એ પ્રકૃતિ. કારણ કે પૂરી થવા આવી હોય અને પેલો જાણે કે મેં પુરુષાર્થ કર્યો.

આ પ્રકૃતિ કંઈ એવી નથી કે આમ જ હોય છે, એને જેટલી સમજણ પાડે એ પ્રમાણે ચાલે. પ્રકૃતિ મૂળ બંધાયેલી, કડક થઈ ગયેલી. પછી બીજું સમજણ પાડેને તો ફરે. એટલે પણ મહીં ફરવાના સ્કોપમાં જ ફરે પણ એથી બહાર ના ફરી શકે. તમે પ્રકૃતિમાં એવું નક્કી કર્યું હોય કે મારે સંત પુરુષોની સેવા કરવી. તો પછી સંત પુરુષ કોઈ પણ આવે, તમે સેવા કરો અને પ્રકૃતિ ફરે એટલે આવી રીતે નક્કી કરેલું હોય. આ એક-એક પોઈન્ટ ટુ પોઈન્ટ નક્કી નથી કરેલું કે આમ જ હો. એ તો જ્ઞાન પ્રમાણે પ્રકૃતિ રાખવી છે એવું જેણે ગયા અવતારે ભાવ કર્યો હોય, તેને કોઈ આવું જ્ઞાન કહે એ પ્રમાણે પ્રકૃતિ બદલાઈ જાય. એવો ભાવ કરેલો હોય તેને બદલાઈ જાય.

પ્રકૃતિ ખપે સત્સંગ-સેવાથી

પ્રશ્નકર્તા : પ્રકૃતિ દેખાય પણ એ વાળી ના શકાય ?

દાદાશ્રી : એવો અનુભવ થયેલો કોઈ ?

પ્રશ્નકર્તા : હા. ખરંુને, દાદા. નહાવામાં પહેલું દોડવાનું ને, જાત્રામાં વધારે દેખાય.

દાદાશ્રી : એ ચડવામાં, ઉતરવામાં, બધાંમાં સ્વાર્થી. એનો એક્કો જુદો જ હોય.

પ્રશ્નકર્તા : એની નજર જ ત્યાં હોય, એનું લક્ષ્ય જ ત્યાં હોય.

દાદાશ્રી : એ પ્રકૃતિને ભલે હોય, પણ એને ગમે છે માટે, હજુ તો એને ખબર જ નહીં પડી હોય. આ તો મેં સમજણ પાડી ત્યારે. તે દરેક વખતે સમજણ પડવી જોઈએ. આમ ન હોવું જોઈએ. એમ કેમ થાય છે ? તો જે થાય છે એ પ્રકૃતિ. પણ તમનેે ખબર પડવી જોઈએ કે આમ કેમ થાય, આમ ન થવું જોઈએ હવે.

પ્રશ્નકર્તા : તો એ પ્રકૃતિ.

દાદાશ્રી : હા. હજુ નહાવાની કેમ ઉતાવળ થાય છે, વહેલું ખઈ લઉં એ કેમ ઉતાવળ થાય છે, એ બધું ભાન રહેવું જોઈએ. ના રહેવું જોઈએ ? તો એ ભાન નહીં રહ્યું, તેની આ ભૂલ થયેલી. એ જે પ્રકૃતિ લાયો છે, એની રીતે આ પ્રકૃતિ ઉકલે છે.

સાડા છએ ઉઠનારો ભઈ, આજ સાડા પાંચમાં કેમ આઘાપાછા થયા કરે છે. ત્યારે જાણવું કે આ સ્વાર્થી છે મૂઓ ! સંડાસ જઈ આવું નહીંતર આ લોકો પેસી જશે. ખબર પડેને આપણને ? હવે સ્વાર્થી છે એનો ય વાંધો નથી, પણ તેની જાગૃતિ જોઈએ. આ થાય છે એ ખોટું થાય છે. એની પ્રકૃતિ એવી છે. પ્રકૃતિ ય ના દેખાય એવું ય છે બધું. ધીમે ધીમે સત્સંગમાં રહેવાથી સેવાભાવથી આગળ વધશે.

સેવા, વ્યવસ્થિતને આધીન

પ્રશ્નકર્તા : ધાર્યું કરાવવાની માથાકૂટ બુદ્ધિ જ કરતી હોય છે. એથી એને પેલું ધાર્યા પ્રમાણે નથી થતું, માટે ડખો થાય છે.

દાદાશ્રી : તારે શી શી બાબતમાં થાય, ખાવાની બાબતમાં ? સૂઈ જવાની બાબતમાં ?

પ્રશ્નકર્તા : સેવા કરવાની બાબતમાં વધારે થાય.

દાદાશ્રી : સેવાની બાબતમાં શું ?

પ્રશ્નકર્તા : કોઈવાર કોઈ કાઢી મૂકે. કોઈવાર ના આવવા દે, એવું તેવું બધું આવું થાય ત્યારે ડખો થાય મહીં.

દાદાશ્રી : કાઢી મૂકે એ તો બહુ ન્યાય કહેવાય. કાઢી કોઈ મૂકે ખરું ? નહીં તો આપણે સવાસો રૂપિયા આપીએ તો કાઢી નાખે ! એવું મળે છે ખરું, ઇનામ કોઈ વખત ?

પ્રશ્નકર્તા : મળેને કોઈવાર.

દાદાશ્રી : એમ ને, બહુ સારું કહેવાય ? હું તો નોંધ રાખું. બહુ સારું કહેવાય, તને કાઢી મૂકે તો કોઈનો નથી દોષ.

પ્રશ્નકર્તા : પણ પેલું અહીં પેસવું હોય એવો ફોર્સ હોય ત્યારે કાઢી મૂકવાની ઉપાધિ થાય ને ?

દાદાશ્રી : હં. ફોર્સને લઈને ! ઊંધો ફોર્સ હોય ત્યારે કાઢી મેલેને ! નહીં તો દુનિયામાં કોઈ કાઢી ના મૂકે. ઊંધો ફોર્સ હોય તો જ્યાં પોલીસવાળા આંતરતા હોય ત્યાં પેસવા જાય તો તો પછી મારે ડંડો ! અને કાઢી મૂકે તે વ્યવસ્થિત સમજે તો બહુ આનંદ થાય.

પ્રશ્નકર્તા : દાદા, 'વ્યવસ્થિત છે' એવું રહે, કાઢી મૂકે તેનો ય દોષ ના દેખાય. પણ પોતાને મહીં થાય કે કેવાં અંતરાય કર્મ લઈને આવ્યા છે તે નીકળી જવું પડે છે ? એટલે એ આધારે પછી પેલું મહીં એ થાય.

દાદાશ્રી : પાંચ માણસોને વાત પૂછેને કે આમાં કોનો દોષ ?

જેને કાઢી મૂક્યો છેને એનો જ દોષ. પછી આપણે વાત જ કરીએ તો મૂર્ખા જ કહેવાઈએ ને ? હક્કનું તો મળ્યા વગર રહે જ નહીં. અણહક્કનું ખોળે તોય ના મળે. માર ખાય તોય ના મળે. એના કરતાં ડાહ્યા જ થઈ જઈએ, તે શું ખોટું ? તું ડાહ્યો થઈ ગયો ને ? ધાર્યું કરાવવાની અપેક્ષા એ તો આપણે ઘેરેય ના થાય. અને તમને તો વળી સેવા જ ક્યાં કરતાં આવડે છે ? તમને આ બધા ટોળામાં, બધા લોકોને સેવા જ કરતાં નથી આવડતી ને ? જ્યારે સેવામાં નવરાશ હોય ત્યારે એ જ કયે ગામ ગયા હોય ! પછી કો'ક પેસી ગયો હોય ત્યારે એને કાઢવાની તૈયારી કરે.

પ્રશ્નકર્તા : એટલે તે ઘડીએ 'વ્યવસ્થિત' કહીને કેસ ઊંચો મૂકી દેવાનો ?

દાદાશ્રી : નહીં. ઊંચો મૂકી દેવાનો નહીં. વ્યવસ્થિતને ઊંચે મૂકવાની જરૂર જ નહીં. આપણે તો તે ઘડીએ જોઈને આનંદ થવો જોઈએ કે ઓહોહો ! વ્યવસ્થિત આમના તાબામાં આવી ગયું, કેવું આવ્યું છે ! તેવો આપણને આનંદ થવો જોઈએ તો હેલ્પ કરે અને આપણા તાબામાં ય આવે ! પેલાં બધાં ક્યાંય ખસી ગયાં અને આપણે ભાગે જ સેવા આવી જાય.

ભક્તિ કરે તે રૂપ થાય

પ્રશ્નકર્તા : મારું કેવું હોય છે કે આખો વખત આપની જ સેવામાં હોઉં એટલે આત્મા યાદ ના આવે, આજ્ઞા યાદ ના આવે...

દાદાશ્રી : ના. એ તો આ તમારે યાદ ના રહે તો વાંધો નહીં. આ દાદાની સેવા તો, આ તો ગજબની વસ્તુ કહેવાય. એને આત્મા યાદ રાખવાની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા : દાદા જ યાદ રહે તે વખતે પછી.

દાદાશ્રી : પણ ભક્તિ શેની થાય છે એ જોવાની જરૂર છે. આત્મા યાદ રહે કે ના રહે, એ તો મેં લક્ષ આપેલું છે, એટલે તમને જ્યારે ત્યારે લક્ષ આવીને ઊભું રહેશે, પણ એ છે તે ભક્તિ કોની છે એ જોવાનું. જેની ભક્તિ કરોને, તે રૂપ થયા કરે.

પ્રશ્નકર્તા : તો તો બહુ ઊંચું જ છે, દાદા.

દાદાશ્રી : હા, તે ઊંચું છે તેથી કહું છુંને આ બધાને કે ભઈ, આ ઊંચું તમને મળી આવ્યું છે. તમારી પુણ્યૈ જાગી છે. પુણ્યૈ કો'કની જાગેને ? હું સેવા આપું એવો માણસ નથી. સેવા આપું એવો કાચો માણસ, બિલકુલેય નહીં. પગ ભાંગ્યોને આ નીરુબહેનને સેવા આપવાનું બન્યું. નહીં તો હું આપું નહીં. કોઈનીય સેવા મેં જિંદગીમાં નથી લીધી.

આત્માનો સ્વભાવ જેની ભક્તિ કરેને, તેવો થઈ જાય. તેથી કહુંને, નીરુબેનની પુણ્યૈ બહુ જ મોટી જાગી છે. એવું કહું છું તે લોકોને શાથી કહું છું ? નહીં તો કહુંયે નહીંને લોકોને !

પ્રશ્નકર્તા : દાદા, મનેય આજે વધારે સમજાઈ એ પુણ્યૈ !

દાદાશ્રી : તને સમજાય છે ? જોખમ શેમાં છે ને જોખમ શેમાં નથી એવું. શેની ભક્તિ કરી તેથી આ અજવાળું થઈ ગયું ? જેવો ચિંતવેને આત્મા તેવો થઈ જાય. આત્માનું મૂળ લક્ષણ એ કે જેવું ચિંતવે, જેની ભક્તિ કરે તે રૂપ થાય. તેથી બધાંને કહું છુંને કે જ્ઞાની પાસે પડી રહેવાનું. પણ કેમ જવા દઈએ છીએ ? ફાઈલો છે એટલે ફાઈલોનો નિકાલ તો કરવો જ પડે.

અને 'આમને' જો આમ બીજી જાગૃતિ રહેતી ન હોયને તોય હું ધ્યાન ના આપું, એનું શું કારણ ? કે ખરું કારણ તો સેવાઈ રહ્યું છે. આવું જ્ઞાનીની ભક્તિ-સેવા મળે નહીંને ! આ કારણ જ ના મળે !

'અમે' એટલે સુધી જવાબદારી લઈએ કે કોઈ માણસ, અમને મળવા આવ્યો તો એને 'દર્શન'નો લાભ થવો જ જોઈએ. 'અમારી' કોઈ સેવા કરે તો અમારે માથે એની જવાબદારી આવી પડે અને અમારે એને મોક્ષે લઈ જ જવો પડે.

આજ્ઞાની સેવા એ જ દાદાની સેવા

પ્રશ્નકર્તા : આ જ્ઞાની પુરુષનો એક શબ્દેય નીકળવો એ આજ્ઞા રૂપે જ સ્વીકાર થઈ જવો જોઈએ આખો.

દાદાશ્રી : તોય એ આજ્ઞા કરી હોય એ વાત જુદી ! એ આજ્ઞાને શાસ્ત્રકારોએ ચોખ્ખું લખ્યું, આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. એમાં બધું આવી જાય. આજ્ઞામાં રહેવાનું ભાવ થાયને, નિરંતર ? અત્યારે તને કહે કે તું અમદાવાદ ચાલ્યો જા, તો ?

પ્રશ્નકર્તા : જતો રહું.

દાદાશ્રી : તરત ? આજ્ઞા બહુ કામ કરે. જેટલું બને એટલું આજ્ઞામાં રહો તો સારું. એટલે આજ્ઞાની જ કિંમત છે. આજ આજ્ઞા મળી હોય તે આખો દહાડો આનંદ રહે પછી ભલેને અહીંથી કાઢી મેલ્યો હોય પણ એવી આજ્ઞા મળીને ! એની બહુ ખુમારી રહે.

પ્રશ્નકર્તા : એ પછી એનું ફળ શું આવે, દાદા ? ઉલ્લાસમય આજ્ઞા પાળે, એનું પરિણામ શું મળે ?

દાદાશ્રી : એ જ મોક્ષને !

પ્રશ્નકર્તા : અને ઉલ્લાસમય ના પાળે અને ના છૂટકે પાળે તો એનું શું ફળ આવે ?

દાદાશ્રી : ના છૂટકે પાળે એનો અર્થ જ નહીંને ! એ તો ભેંસને બાંધીને દવાખાને લઈ જાય અને પાછળ મારે, એના જેવું. જ્ઞાની પુરુષની આજ્ઞા તો ક્યાંથી મળે ? લોક આજ્ઞા સારુ તો મારી પાસે બેસી રહ્યા હોય છે. કંઈક આજ્ઞા કરો.

દાદાની સેવા કરવી એટલે આજ્ઞાની સેવા કરવી તે ! આજ્ઞાની સેવા કરવી અને દાદાની સેવા કરવી એક જ.

પ્રશ્નકર્તા : સેવા કરતાં આજ્ઞા ચઢી જાય ?

દાદાશ્રી : આજ્ઞા ચઢી જાય. એ જ આજ્ઞાની સેવા. એ જ આ દાદાની સેવા. બીજું બધું તો ફાંફાં.

કામ કાઢી લેવંુ હવે

પ્રશ્નકર્તા : આજ્ઞા પાલન કરનાર મહાત્માથી કોઈ પરોપકાર થઈ જતો હોય તો તેનું શું ?

દાદાશ્રી : પરોપકાર થઈ જતો હોય અને પર-અપકાર થઈ જતો હોય તો ય તેનો નિકાલ થઈ ગયો. જે નિકાલી બાબત હોય, એને સંભારવાની જ ના હોય ને ? પર-ઉપકાર કર્યો કે પર-અપકાર કર્યો એ બધું ડિસ્ચાર્જ ! જ્ઞાન ના હોય તો પારકાં ઉપર ઉપકાર કરવો, પરોપકાર કરવો એ તો પુણ્યને માટે છે. પણ જ્ઞાન લીધા પછી કંઈ પણ કોઈને અપકાર કરવો ને કો'કને પરોપકાર કરવો બે ય સામસામી શબ્દો છે, એને ને આજ્ઞા પાળવા જોડે લેવા-દેવા નથી. આજ્ઞા પાળવાની જોડે તો કોઈ વસ્તુ અડે નહીં. આખા શાસ્ત્રમાં કોઈ વસ્તુ એવી નથી કે જે આજ્ઞાની જોડે અડે. પણ આજ્ઞા આપનાર એક્ઝેક્ટ હોવો જોઈએ.

બસ હવે કામ કાઢી લેવાનું છે. પછી ભલે આપણું મન જાડું હોય તો આપણે વધારે બેસી રહેવું. પણ ઉકેલ લાવોને ! કળિયુગનો માલ છેને, તે બહુ માલ ભરેલો હોય. આપણે તો આ જ્ઞાન પામ્યા તે જ મોટી પુણ્યૈ કહેવાય, જબરજસ્ત પુણ્યૈ કહેવાય.

શાને કાજે સેવા તન-મન-ધનથી ?

કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષની તન, મન, ધનથી સેવા કર્યા વગર મોક્ષ નથી. હવે જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ?

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ને ધનને કંઈ કનેક્શન જ નથી લાગતું.

દાદાશ્રી : ત્યારે તનની સેવા એમને શું કરવી છે ?

પ્રશ્નકર્તા : તનથી તો એ નોખા છે. આ તો સામાના ભલા માટે છે.

દાદાશ્રી : તમારા પોતાના માટે કરવાનું છે. ધનને શું કરશો ? લોભની ગાંઠ તમારી તૂટે એટલે જ્ઞાની કહે એ સારી જગ્યાએ પૈસા નાખો, એટલે આવતે ભવ તમને કામ લાગશે. અને અત્યારે લોભની ગાંઠ છૂટે. સારી જગ્યાએ નાખો એટલે આવતા ભવનો એ ઓવરડ્રાફ્ટ નહીં ? હેં ? કે વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ? આપણે મોજમઝામાં વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ગણાય ? ત્યારે એ રેસમાં નાખી આવે તે ઓવરડ્રાફ્ટ નહીં ?

પ્રશ્નકર્તા : એ ઊંધો ઓવરડ્રાફ્ટ થઈ ગયો.

દાદાશ્રી : એ બધું ગટરમાં ગયું. તમે જેટલું વાપરશો એ બધું ગટરમાં. માટે ભગવાને આ પ્રમાણે કહ્યું કે સારી જગ્યાએ નખાવડાવ ! એટલે લોભની ગાંઠ તૂટી જશે. પછી ચિત્ત એમાં ને એમાં રહે. પછી 'આપણું' ગાડું ચાલ્યા કરશે. હરકત આવે નહીં અને જેણે કોઈ પણ સારી જગ્યાએ પૈસા નાખ્યા એને દુઃખ આવે જ કેમ કરીને ? દુઃખ એને માટે રાહ ના જોતું હોય. રાહ જુએ કોના માટે ? જે પોતાના હારુ વાપરે છે, તેને માટે દુઃખ રાહ જુએ છે.

સેવા, જીવતા જાગતા દેવની !

પ્રશ્નકર્તા : આપે કહેલંુ ને કે જે જ્ઞાનીની સેવા કરે છે તેની સેવા કરો એ જ્ઞાનીની સેવા કર્યા બરોબર છે અને મહાત્માઓની સેવા કરો એ જ્ઞાનીની સેવા કર્યા બરોબર છે ?

દાદાશ્રી : હા બધી ભૂલો ભાંગવા સ્વ-પુરુષાર્થ કરવો પડશે અથવા તો મહાત્માઓની સેવા કરવી એવો યજ્ઞ માંડવો પડશે.

બને તો આપણા મહાત્માઓ પાછળ ખૂબ જ ખર્ચો કરાવો, કસર જ નહીં કરવાની. કારણ કે બીજા જાગતા દેવ હોતા નથી. જાગતા દેવ તો આ જ છે. ફરી આવો ચાન્સ ના મલે. અને આમાંય જો કદી આપ્તપુત્રોનું થાય, તો ઓર પાછું. એ કેટેગરી જુદી પાછી. કારણ કે જેને કશું લેવાય નહીં ને દેવાય નહીં એટલે આ મહાત્માઓની સેવા થાય ને એ ઘણું ઉત્તમ કહેવાય.

આ સત્સંગ ભરાય છે, ઘેર ઘેર બધા જમાડો છો, તો કેટલો આનંદ થાય તે દા'ડે ?

પ્રશ્નકર્તા : બહુ સરસ, જબરદસ્ત.

દાદાશ્રી : એવો આમને કેટલો આનંદ થયો હશે ! રોજ જલેબી બનાવવાની અને ફણાણું બનાવવાનું ફરી ફરી આવો તાલ મલે નહીં.

પ્રશ્નકર્તા : પણ એક ખટકો રહી જાય છે કે માણસ જોઈએ એટલું આવતું નથી દાદા. આ બધી બહેનો હેલ્પ કરે ને આપણે ખવડાવીએ. પણ ખટકો એ રહી જાય કે દાદા પબ્લિક જાગતું નથી.

દાદાશ્રી : બરોબર છે. સંજોગ કેવાં મળી આવે છે ત્યારે કરી આલનારાય મળી આવે !

કારણ કે બીજા જાગતા દેવ કોઈ જગ્યાએ દેખાતા નથી. જીવતા જાગતા દેવ આટલા જ છે. કે જેને મારંુ તારંુ કશું રહ્યું નથી હવે.

પ્રશ્નકર્તા : અહીં મહાત્માઓ, બધા મહાત્માઓને સરસ સાચવે.

દાદાશ્રી : એટલે જ કહંુ છું ને ઇન્ડિયામાંય લોકોને કહી દીધેલંુ, લોકો બધા સેવા કર કર કર્યા કરે. જે મલ્યું એ આપણે ઓછું હોય તો ઓછું, પણ જમાડો. કો'ક ચા પાઓ છેવટે. ચા ના થાય તો પાપડ ખવડાવી દો.

આ તો દેખાતા દેવ, ને જલેબી ખાતા હોય પાછા. ચાર ચકતા ખઇ ગયાં હોય અને બીજી બે મૂકીએ તો ખાય, એવા દેવ.

પ્રશ્નકર્તા : અને ખવડાવે હઉં આપણને. પોતે લઇને આપણને હઉ ખવડાવી દે.

દાદાશ્રી : હા ખવડાવી દે.

પ્રશ્નકર્તા : દાદા, મહાત્માને જમાડવાની તો ભાવના મારામાં પહેલેથી છે, પણ આજે આપે બહુ સરસ ઉઘાડ કર્યો, કે જાગતા દેવ છે.

દાદાશ્રી : જાગતા દેવ, સાચા દેવ. જેને કશું જોઇતું નથી એ દેવ કહેવાય બધા.

પ્રશ્નકર્તા : તો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, દરેક મહાત્માનો જો, જે ભૂતકાળમાં દોષ થયો હોય અથવા વેરો આંતરો થયો હોય.

દાદાશ્રી : ના ના. આપણે ત્યાં તો કાયદો છે ને, વેરો આંતરો જે જુએ ને, એ મહાત્મા જ ન હોય. દેખીતો આમ દેખાય છતાં, પણ વેરો આંતરા તરીકે તો, વેરો-આંતરો તો ત્યાં જોવાનું હતું આપણે પેલી દ્ષ્ટિ હતી ત્યારે. અત્યારે તો આપણને જે પ્રાપ્ત મલ્યું એ કરેક્ટ એ જ વ્યવસ્થિત. પાપડ આપ્યો તોય શું અને ના આપ્યો તોય. શું ? દાદા હારંુ જલેબી બનાવી અને મહીં બે ચકતા કોઇને આપ્યા તોય શું, અને ના આપ્યા તોય શું ?

પ્રશ્નકર્તા : અમારે ત્યાં તો મેં કોઇ વસ્તુ દાદા માટે, એકલા માટે બનાવી જ નથી.

દાદાશ્રી : બરોબર છે.

પ્રશ્નકર્તા : બધી જ જલેબી મિઠાઇઓ બધા જ માટે બનાવવાની.

દાદાશ્રી : બનાવો તોય વાંધો નહીં, ના બનાવો તોય વાંધો નહીં.

પ્રશ્નકર્તા : દાદા, અમુક મહાત્માના ઘરમાં એવું થતું જ નથી,...

દાદાશ્રી : ના, ના થતું હોય, એવું, એવંુ રોફના મારવો. રોફ મારવામાં કો'ક દહાડો રોફ ઉડાડી દેશે પાછા. એના કરતાં જે બન્યું એ કરેક્ટ પણ આપણે બનતા સુધી ના થાય તો સારંુ આવું, અને થાય તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : આટલું બધું આપણે મહાત્માનું કરવાનું, હવે તો કરકસર નહીં કરીએ, આપે જાગતા દેવ કીધા, પણ અમારાથી કોઇની કશી વાત થઇ ગઇ હોય એની હવે બધી માફી જ માંગી લઇએ. કોઇવાર મહાત્મા મહાત્માની વાતો થઈ જાય અમારાથી, તો એનીએ માફી માંગી લઉં છું.

દાદાશ્રી : એ તો એ તો યાદ કરીને આપણે માફી માંગી લેવાની. જ્યાં સુધી હજુ કાગળ પોસ્ટમાં નાખ્યો નથી, ત્યાં સુધી કાગળમાં છેકો મારી શકાય. જન્મ બદલાય તો બધું ઊડી જાય. એનો એ જ જન્મ છે ત્યાં સુધી બધું ચોખ્ખું કરી શકાય.

વ્યવસ્થિત સમજે પ્રગટે સહજતા

અને પોતાને ખબર પડે કે આ ભૂલ ખાધી જરા, એટલે સહજ થવું છે એવો ભાવ રાખવો. આપણે દ્ષ્ટિ કેવી રાખવાની ? સહજ. જે વખતે શું બને છે એ જોવું. અને ધ્યેય કેવો રાખવો કે દાદાજીની સેવા કરવી છે અને ભાવ સહજ રાખવો. દાદાની સેવા મળવી એ તો બહુ મોટી વસ્તુ છેને ! એ તો બહુ મોટી પુણ્યૈ હોય તો મળે, નહીં તો મળે નહીંને ! આમ હાથ જ ના અડાડાયને ! એક ફેરો આમ હાથ અડાડવું તે ય બહુ મોટું પુણ્યૈ કહેવાય ને ભેગું થાય તો મનમાં માનવું કે ઘણા દહાડે પ્રાપ્ત થયું એટલું ય કંઈ ઓછું છે ?! બાકી ગમે તે રસ્તે શુદ્ધ ઉપયોગમાં રહેવું.

પ્રશ્નકર્તા : સહજ તો ત્યારે જ થાયને, સંપૂર્ણ વિજ્ઞાન અંદર ખૂલી જાય તો જ સહજ થઈ શકે.

દાદાશ્રી : એ 'વ્યવસ્થિત' સંપૂર્ણ સમજાય ત્યારે સંપૂર્ણ સહજ થાય. હવે એ તો એની મેળે થયા જ કરે છે. એની બહુ એ નહીં રાખવાની કે આ મહેમાનોને માટે રાહ જોઈને બેસવાનું નહીં. રાહ જોઈએ તેનો પાર જ ના આવે. પણ વ્યવસ્થિત સમજાય કે તરત સહજ થઈ જાય.

કેમ રે વિસરાય કરુણા જ્ઞાનીની

પ્રશ્નકર્તા : પણ દાદા, તમે જ્ઞાનીની નિશાનીઓ બતાવતાંને, તેમાંની એક આ નિશાની છે કે તારાં ગમે તે પ્રશ્શન હોય, તે પ્રશ્શનનાં દરેકનાં જવાબ આપવા એને બદલે તને એવી જ વસ્તુ દેખાડી દઉં કે તું તારા પ્રશ્શનોનું તું સમાધાન કરી લે.

દાદાશ્રી : તારા પ્રશ્શનો તું સોલ્યુશન કરી લે. હું ક્યાં માથાકૂટો કરું ? અને હજુ તો પચાસ હજાર માણસો આવશે, લાખ માણસ આવે, શું કહેવાય કાલે પાછું ? હું ભાંજગડમાં ક્યાં પડું ? મારો હેતુ શો છે કે જે સુખ પામ્યો છું તે સુખ તમે પામો. મારો હેતુ પૂરો થઈ ગયો. બસ થઈ ગયું ! કેટલાંય માણસો કહે છે, 'દાદાજી, અમારાથી છ-છ મહિના સુધી નથી અવાતું.' મેં કહ્યું, 'તમને આનંદ રહે છે ને ?' ત્યારે કહે, 'અમારી પૂર્ણાહૂતિ લાગે છે. દાદા મને હાજર રહે છે.' તે બહુ થઈ ગયું, પછી અમારે કંઈ અહીં આવો કે જાવ એવું એ નથી આ. જેનંુ અવલંબન લીધંુ હોય, ત્યાં એમને આપણી પાસેથી કંઈ જોઈતું હોય ત્યારે આપણને ભાંજગડ થાય. અહીં અમારે તો કોઈની પાસેથી કંઈ જોઈતું જ નથી.

પ્રશ્નકર્તા : એટલે પેલું કહે છે ને, લેશમાત્ર પણ જેને ઈચ્છા ન હોય.

દાદાશ્રી : હા, લેશમાત્ર, કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. જ્યાં ભગવાન પાસે ઈચ્છા નથી રાખી, તમારી પાસે શી રીતે રાખું ? આ તો ઘણું પામ્યા છે. આવું તો કોઈ બાવો પામેલો નહીં એવું પામ્યા છે. હવે એનો અસંતોષ ન રાખતા.

જ્ઞાન બધું આપી દીધેલું છે. આગળ તો, એક ફક્ત મારી સ્થિતિને લઈને જ હું આગળ રહી શક્યો છું. આગળ તરતો જ હોઉં તમારા કરતાં. એટલે એ તમને લાભ થાય છે જોડે રહેવાથી. બાકી બીજાં બધાં જે ગુપ્ત રાખી મેલતાં થોડું ઘણું એ તો બહુ ગોટાળિયું છે. એવું ના હોવું જોઈએ. કારણ કે પેલો જે હોય તે આપી દે. ભલેને પછી એ ના આવે આપણી પાસે. આપણે કંઈ એની પાસે આ સેવા માટે નથી આપ્યું આ. એનાં ઉદ્ધાર માટે આપ્યું છે. અને મારે સેવા જોઈતી નથી. મને તો ઉદ્ધાર થઈ ગયેલો છે, બધું થઈ ગયું છે, મારે શેના માટે સેવા જોઈએ ? એટલે બધું પૂર્ણ જ આપી દઈએ છીએ, જેને હોય તેને.

- જય સચ્ચિદાનંદ