|
અહો... અહો... અહો... ન વિસરાશે કદી જગમાં 'આ અનુપમ અક્રમ વિજ્ઞાની' અક્રમની આ લબ્ધિ 'અમને' વરી પ્રશ્નકર્તા : આપ મુક્તિમાં વિચરો છો પણ એ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઇ ? દાદાશ્રી : આ અમને પ્રાપ્ત થયું નથી, આ અમને લબ્ધિ છે. 'ધીસ ઇઝ બટ નેચરલ.' અને તેય ૧૯૫૮માં સુરતના સ્ટેશને બાંકડા ઉપર બેઠેલો ત્યારે ભયંકર ભીડમાં આ જ્ઞાન પ્રગટ થયેલું ! લોક મને પૂછે છે કે તમને આ જ્ઞાન કેવી રીતે થયું ? મેં કહ્યું, તમે નકલ કરવા માંગશો તો આ નકલ થાય એવી નથી. જો નકલ કરવા જેવી હોત તો હું કહેત કે 'ભઈ, હું આ રસ્તે ગયો, આમ ગયો, આમ ગયો, તે મને આ પ્રાપ્ત થયું.' અને જે રસ્તે હું ગયો હતોને, તે રસ્તે તો આવું મોટું ઈનામ મળે એવું તો હતું જ નહીં. હું તો કંઈ સાધારણ ફાઈવ પરસેન્ટની આશા રાખતો હતો. એ ફાઈવ પરસેન્ટ નહીં, એનાય વન પરસેન્ટની આશા રાખતો હતો કે આપણી મહેનત બળ આપે તો આમાંથી આપણને એકાદ પરસેન્ટ મળી જાય.' પ્રશ્નકર્તા : આપને 'બટ નેચરલ' જ્ઞાન થયું તે શું ? એ કેવી રીતે ? તે સમજાવો. દાદાશ્રી : આ કેવી રીતે એટલે કે એના સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થવાથી પ્રગટ થયું. આ લોકોને સમજાવવા માટે મારે 'બટ નેચરલ' કહેવું પડ્યું. 'બટ નેચરલ' જ્ઞાન કો'કને જ થાય. કોઇ કહેશે કે, 'મેં જાતે કર્યું છે.' તો તે જ્ઞાન અધૂરું રહે છે. આ તો 'નેચરલી', એની મેળે થયું છે. જો કર્યું હોય તો ૮૦ ટકા વિકલ્પ ઓછો થયો તો ૨૦ ટકા બાકી રહે. આ તો ૧૦૦ ટકા નિર્વિકલ્પ છે, આ વીતરાગ વિજ્ઞાન છે. બધા બહુ જાતનાં એવિડન્સો મળ્યાં ને! આખા જગતનું કલ્યાણ થવાનું હશે, તેય કાળ પાક્યો હશેને, અને તેથી કંઈ નિમિત્ત તો જોઈએ ને? ત્યાં વર્ત્યું અદ્ભુત સુખ પ્રશ્નકર્તા : તમને જ્ઞાન થયેલું ત્યારે ખ્યાલ આવેલો ખરો કે આ મને જ્ઞાન થયું ? દાદાશ્રી : અરે, ખ્યાલ શું ? તે ઘડીએ સિદ્ધગતિમાં બેઠો હોઉં એવું પાર વગરનું સુખ વર્ત્યું, તે પછી એમાં ખ્યાલ કેમ ના આવે ? બાંકડા પર બેઠો હતો તોય સિદ્ધગતિનું સુખ વર્તે ! મારી જોડે સેવામાં બેઠેલા તેમને તો એમ ને એમ મોક્ષ થઇ ગયો ! આ અક્રમ તો અજાયબ નીકળ્યું છે !!! પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન કેટલા અવતારનું સરવૈયું છે ? દાદાશ્રી : અક્રમ જ્ઞાન જે પ્રગટ થયું છે, તે ઘણા અવતારનું સરવૈયું બધું ભેગું થઈ એની મેળે કુદરતી જ આ પ્રગટ થઈ ગયું છે. મને ખબર જ નહીં કે આવું જ્ઞાન થશે ! મને તો આવું થશે એવું હતું જ નહીં ને ! આવું તો કલ્પનામાં ના આવેલું હોય ! મેં જાણ્યું કે કંઈક થોડું અજવાળું થશે, કંઈ સાધારણ, તે શાંતિ રહેશે. પણ આ તો જાણે શુંનો શું ઉઘાડ થયો ! ઘણાં લોકોનું કલ્યાણ થઈ જવાનું છે. કારણ કે સહેજાસહેજ કલ્યાણ થાય એવો મોક્ષમાર્ગ કોઈ ફેરો નીકળ્યો હોય તો આ ફેરો નીકળ્યો છે. હિન્દુઓ, પારસીઓ, મુસલમાનો, બધાય ફાવ્યાને ! કોઈ એક કોમ ના ફાવે એવું નથી; બધાને માફક આવે એવું જ્ઞાન છે. સ્થિતિ, જ્ઞાન વખતની પ્રશ્નકર્તા : આપને જ્ઞાન થયુંુ તે વખતની આપની સ્થિતિની અમને જરા વાત કરશો ? દાદાશ્રી : સ્થિતિ તો આની આ જ. રીત-બીત હોય નહીં એમાં. અને હેય... મહીં આવરણ તૂટી જાય. મહીં આવરણ ખુલ્લું થઈ જાય. અને તમને ગૂંચાવ છો ત્યારે મહીં સૂઝ પડે છે ખરી કે નથી પડતી?! એ આવરણ તૂટે છે એટલે સૂઝ પડે. એવું આ આવરણ તૂટે છે એટલે બધો ખ્યાલ ખુલ્લો થઈ ગયો. પહોંચ્યા જ્ઞાનના કિનારે પ્રશ્નકર્તા : આપને જ્ઞાન થયું એટલે શું અનુભવ થયો ? દાદાશ્રી : આ બધો અહંકાર ઓગળી ગયો. આ કિનારેથી પેલે કિનારે હું પહોંચી ગયો એવું લાગ્યું. આ અજ્ઞાનતાના કિનારેથી જ્ઞાનના કિનારે હું પહોંચી ગયો એવું લાગ્યું. અને તે એની હવા જે આવે તે ! અહંકાર જતો રહ્યોને ! આપણે ખોળીએ તોય એ જડે નહીં, અને જગતના બધા ફોડ પડી ગયા. કોઈ જાતનું પઝલ જ ના રહ્યું ! 'ભગવાન કોણ ? જગત કેવી રીતે ચાલે છે ? કર્મ શી રીતે બંધાય છે ? દેવગતિ શું છે ?' વીધ ઈન વન અવર મને દેખાયું ! મને ચેન્જ થયું એટલે ના સમજી જઉં કે મારું હારુ આવડો મોટો ચેન્જ ! અને એ જે સુખ એક વખત ચાખ્યુંને, એ ફરી ત્યાર પછી ક્યારેય ના જાય! પ્રશ્નકર્તા : એ જાતની અવસ્થા કેટલો વખત ટકી ? દાદાશ્રી : એક જ કલાક ! એક કલાકમાં તો બધું એક્ઝેક્ટ જ આવી ગયું. પછી છે તે બધો જ ફેરફાર થયેલો દેખાયો. અહંકાર તો મૂળમાંથી જતો રહ્યો. ક્રોધ-માન-માયા-લોભ, નબળાઈ બધી જ જતી રહી. મેં આવી તો આશાય નહીં રાખેલી. તે દિનથી 'હું' જુદા જ સ્વરૂપમાં પ્રશ્નકર્તા : આપને જે જ્ઞાન લાધ્યું એ પ્રસંગનું આપ જરા વર્ણન કરોને ! એ વખતે આપને કેવી લાગણીઓ હતી, એ કહો ને ! દાદાશ્રી : અનુભવ તો, એવું છે ને, એ તમને કેટલો કહી શકું ? કે મને આનંદ થયો, મને જગત વિસ્મૃત થઈ ગયું હતું. મારામાં લાગણીઓનો કોઈપણ જાતનો ચેન્જ હતો નહીં. હું તો સોનગઢ-વ્યારા છે, આ બાજુ તાપ્તિ રેલ્વે લાઈને, ત્યાં મારો બિઝનેસ હતો. તે ત્યાં આગળ હું ગયેલો. ત્યાંથી આવતી વખતે સુરત સ્ટેશને આવ્યો હતો. હવે મારી જોડે એક ભઈ કાયમ રહેતા. તે ત્યારે હું વહેલું જમી લેતો હતો, સૂર્યનારાયણ અસ્ત થયા પહેલાં. એટલે ટ્રેનમાં મેં જમી લીધું હતું અને અહીં આગળ સુરત સ્ટેશને છ વાગે ઉતર્યા. તે પેલા ભાઈ, જમેલાં વાસણ હતાં તે ધોવા લઈ ગયા અને હું બાંકડા પર એકલો બેસી રહ્યો. મને તે ઘડીએ આ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું કે 'વર્લ્ડ શું છે ને કેવી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ને આ બધું કેવી રીતે ચાલે છે ?' એનો બધો હિસાબ જોઈ લીધો. એટલે તે દિવસે મારો ઈગોઈઝમ ને બધું ખલાસ થઈ ગયું. પછી હું જુદા જ સ્વરૂપમાં રહેવા માંડ્યો, વિધાઉટ ઈગોઈઝમ ને વિધાઉટ મમતા ! એ.એમ.પટેલ તે રીતે જ હતા પણ 'હું' જુદું સ્વરૂપ થઈ ગયેલો !! પછી નિરંતર સમાધિ સિવાય મેં જોયું નથી, એક સેકન્ડ પણ! અવક્તવ્ય અનુભવ, મૌલિક તત્ત્વનો ત્યાંથી મને એકદમ જ આ બધું સ્ફૂરણા થઈ અને આ 'અંબાલાલ છું' એ ખ્યાલ જતો રહ્યો બધો અને એટલી બધી જાગૃતિ વધી, તે આખું બ્રહ્માંડ પ્રકાશમાન થયું. અને બધું મેં જોયું કે 'આનો કર્તા કોણ, જગત કેવી રીતે ચાલે છે, ભગવાન કોણ છે, ક્યાંથી થયું, નિમિત્ત કોણ, અવતારો શું છે, આ બધા સગાંવહાલાં શું છે, તમે કોણ છો, હું કોણ છું ? આ કોણ છે ? એ બધું શેના આધારે ભેગું થાય છે ?' એ બધા ફોડ પડી ગયા. એક કલાકમાં એ બધું વિવરણ મને જણાયું અને અપાર સુખ..., પાર વગરનું સુખ અનુભવાયું અને પરમાનંદ થયો ! પછી બધો ફોડ પડી ગયોને ! શાસ્ત્રોમાં પૂરું લખેલું ના હોય. શાસ્ત્રોમાં તો વર્ણન જ્યાં સુધી શબ્દ હોય ત્યાં સુધી લખેલું હોય અને જગત તો શબ્દની બહુ આગળ છે. હવે એ ફોડ પડ્યા કે મને જે સમજાય, એ વાણીમાં ઉતરે એવા નથી. એ તો તમે જ્યારે જાતે એ ચાખશો ત્યારે તમને સમજાશે. પણ આ બધું હું શબ્દોથી તમને સમજાવું છું. મૂળ વસ્તુ તો તમે જાણી શકશો જ નહીં. કારણ કે ત્યાં શબ્દો નથી. વિગતવાર વાણીમાં આવે નહીં. આ તો શબ્દો જેટલા બોલી શકાય, એટલા બહારના ભાગમાં હું તમને વાત કરું છું. એ મૂળ વસ્તુ તો નહીં ને ! એ તો તમે એ જગ્યાએ આવો ત્યારે તમને ખબર પડે કે શું હતું ! ભીડમાં એકાંત ને પ્રગટ્યા ભગવાન પ્રશ્નકર્તા : સુરતના સ્ટેશને જે અનુભૂતિ થઈ, જે એકદમ ડિરેક્ટ પ્રકાશ આવ્યો, એ એની મેળે ઓચિંતો જ ? દાદાશ્રી : હા, ઓચિંતો જ, એની મેળે જ ઊભો થઈ ગયો. પછી બધું પૂરું દેખાયું, ત્યાર પછી બધો ફેરફાર જ થઈ ગયો. પ્રશ્નકર્તા : પણ એ વખતે દુનિયાના બધા માણસો તો એના એ જ હોય ને ? દાદાશ્રી : હા, પણ પછી તો માણસોનાં પેકિંગ દેખાવા માંડ્યાં ને પેકિંગની મહીં માલ છે તે પણ દેખાવા માંડ્યો. વેરાઈટિઝ ઓફ પેકિંગ અને માલ એક જ પ્રકારનો ! એટલે તરત જ બધું જગત જ જુદું દેખાયું ત્યાં! પ્રશ્નકર્તા : ભક્તિપદમાં જે 'ભીડનું એકાંત ને કોલાહલમાં શુક્લધ્યાન' લખ્યું છે, એનું થોડું વિવરણ કરોને ! દાદાશ્રી : 'ભીડનું એકાંત' એ શું કહે છે કે એકાંતમાં એકાંત રહી શકે નહીં માણસને, કારણ કે મન છે ને ! એટલે ભીડ હોય ત્યારે એકાંત! પછી 'કોલાહલમાં શુક્લધ્યાન' ઉત્પન્ન થયું. આજુબાજુ ઓહોહો! કોલાહલ, ભીડ બધું ચાલ્યા કરે અને હું મારા શુક્લધ્યાનમાં હતો. એટલે બધું જગત આખુંય મને જ્ઞાનમાં દેખાયું, જેમ છે તેમ દેખાયું ! ૧૯૫૮નું એ અદ્ભુત દર્શન પ્રશ્નકર્તા : આપને ૧૯૫૮માં સુરતમાં જે દર્શન થયું તે કેવું થયેલું ? દાદાશ્રી : આ દેહમાંથી જાણે છૂટા થઇ ગયા હોઇએ એવું લાગ્યું. પ્રશ્નકર્તા : એ છૂટાપણું કેવું લાગેલું ? દાદાશ્રી : 'એબ્સોલ્યુટ' છૂટું જ, એ દશા જુદી જ હતી! તેનું વર્ણન થાય તેમ નથી !! પ્રશ્નકર્તા : એ 'મોમેન્ટ' હતી તેના પહેલાં આપને કંઇક લાગેલું કે કંઈક થવાનું છે ? દાદાશ્રી : શાંતિ ઘણી રહ્યા કરતી. પણ એ અહંકાર સાથેની શાંતિ કહેવાય, તે કામની નહીં. એ તો અજ્ઞાનીનેય રહે. પ્રશ્નકર્તા : તે સમયે સ્ટેશન ઉપર આપનો આનંદ અનેરો હતો ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ બધા ગુણ સાથે છૂટો પડી ગયેલો. દેહમાં નહીં, વચનમાં નહીં, મનમાં નહીં એવો છૂટો પડી ગયેલો, એને જ્ઞાન લાધ્યું કહેવાય. જ્ઞાન એ જ આત્મા છે. પ્રશ્નકર્તા : આપને જ્ઞાન પ્રગટ થયું પછી જ્ઞાનપ્રકાશ એટલો જ રહે કે વધ્યા કરે ? દાદાશ્રી : અમારે તો આ 'અનુભવજ્ઞાન' છે. એમાં બે પ્રકારનો પ્રકાશ ના હોય, નિરતંર એક જ પ્રકારનો પ્રકાશ રહે. અમને આત્માનો સ્પષ્ટ અનુભવ હોય. જ્યાં સુધી આત્માનો સ્પષ્ટ અનુભવ ના હોય ત્યાં સુધી જ્ઞાન વધ્યા કરે, પણ સ્પષ્ટ અનુભવ થઇ જાય એટલે એ જ્ઞાન પૂરું થઇ જાય. પ્રશ્નકર્તા : આત્માનો અનુભવ પુદ્ગલને થયો ? કોને થયો એ અનુભવ ? દાદાશ્રી : એ અનુભવ, પોતે પોતાને જ જાણ્યો, બીજું કશું નહીં. પારકાંને 'હું' માનતો હતો, તે પોતે પોતાને જાણ્યો કે, 'આ હું છું, આ ન્હોય.' જુદું પડી ગયું ! તારીખની પણ નહીં પડેલી પ્રશ્નકર્તા : દાદા, આપને જ્ઞાન થયું એ કઈ તારીખ હતી ? દાદાશ્રી : એ સાલ તો અઠ્ઠાવનની હતી પણ તારીખની, આપણને શું ખબર કે આની નોંધ કરવાની જરૂર પડશે ! અને કોઈ નોંધ માંગશે એવીય ખબર નહીં ને ! મેં તો જાણ્યું કે આપણો હવે ઉકેલ આવી ગયો! પ્રશ્નકર્તા : એનો ઉપયોગ મૂકીને શોધવું તો પડશેને ? દાદાશ્રી : ના, ના, એ તો એની મેળે તારીખ જડવાની હશે તો જડશે ! આપણે ક્યાં ભાંજગડ કરીએ અત્યારે ?! એ ચોમાસા ને ઉનાળા એ બેની વચ્ચેની સીઝન હતી. એ જૂન મહિનો હતો. આપણને તો એવી પડેલીય નથી. આપણે તો જે અજવાળું પડ્યું તેની પડેલી. સમજ, ક્રમ ને અક્રમની પ્રશ્નકર્તા : આપને જે કંઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ તે પહેલા આપે પણ ક્રમિકમાર્ગે કંઈક કર્યું હશેને ? દાદાશ્રી : ઘણું, આ બધું ક્રમિક માર્ગનું જ કરેલું પણ ઉદય આવ્યો અક્રમનો. કારણ કે કેવળજ્ઞાનમાં નાપાસ થયા ને ! એટલે આ ઉદયમાં અક્રમ આવીને ઊભું રહ્યું. પ્રશ્નકર્તા : આપના થકી પ્રવર્તનમાં આવેલ આ 'અક્રમમાર્ગ' અંગે વિશેષ સમજ આપશો ? દાદાશ્રી : અહંકારનો 'ફૂલ સ્ટોપ', એનું નામ 'અક્રમ વિજ્ઞાન' અને અહંકારનો 'કાઙ્ખમા', એનું નામ 'ક્રમિક વિજ્ઞાન'. આ આંતર વિજ્ઞાન કહેવાય છે, જે પોતાને સનાતન સુખ તરફ લઈ જાય છે. એટલે પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મ વિજ્ઞાન કહેવાય અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટવાળું સુખ આપે, એ આ બધું બાહ્ય વિજ્ઞાન કહેવાય. બાહ્ય વિજ્ઞાન તો છેવટે વિનાશી છે ને વિનાશ કરનારું છે અને 'આ' (આંતર વિજ્ઞાન) સનાતન છે અને સનાતન કરનારું છે. પ્રશ્નકર્તા : એ ક્રમિકમાર્ગથી કઈ રીતે જુદો પડે છે ? દાદાશ્રી : ક્રમિક એટલે પગથિયે પગથિયે ચઢવાનું. જેમ જેમ પરિગ્રહ ઓછા કરતાં કરતાં જાવ તેમ તેમ મોક્ષે પહોંચાડે, તેય ઘણા કાળે અને આ અક્રમ વિજ્ઞાન એટલે શું ? પગથિયાં નહીં ચઢવાનાં, લિફ્્ટમાં બેસી જવાનું ને બારમે માળે પહોંચવાનું. એવો આ લિફ્્ટમાર્ગ નીકળ્યો છે. તે આ લિફ્્ટમાર્ગમાં જે બેસી ગયા તેનું કલ્યાણ થઈ ગયું. હું તો નિમિત્ત છું. આ લિફ્્ટમાં જે બેઠાં એનો ઉકેલ આવી જાય. આ અક્રમ વિજ્ઞાન છે એટલે આટલું જલદી સમકિત થાય છે, નહીં તો ક્રમિકમાર્ગમાં આજે સમકિત થાય એવું છે જ નહીં. આ અક્રમ વિજ્ઞાન તો બહુ ઊંચી જાતનું વિજ્ઞાન છે. આત્મા ને અનાત્મા વચ્ચે એટલે તમારી ને પારકી ચીજ એમ બે વહેંચણી કરી આપીએ. આ તમારો ભાગ અને આ ભાગ તમારો નહીં, બે વચ્ચે વિધિન વન અવર લાઈન ઑફ ડિમાર્કેશન નાખી આપું. પછી તમને પોતાને એમ લાગે કે હું સેફસાઈડ ઊતરી ગયો છું. તમે જાતે માથાકૂટ કરવા જાવ તો લાખ અવતારેય ઠેકાણું નહીં પડે. કામ કાઢી લો 'અમે' જગત કલ્યાણના સ્વામી નથી, નિમિત્ત છીએ. જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠાં લાભ લઇ જાય ! પુણ્યશાળીઓનું ફળ તે આ 'અક્રમ માર્ગ' છે! નહીં તો અક્રમ તે હોતું હશે ? આ તો પાછળથી ઇતિહાસ રચાશે ત્યારે લોક પસ્તાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં ? પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દહાડે તે પાંત્રીસ માળના ફ્લેટ બાંધવાના કામમાં પડ્યો હતો ! બધા સંજોગ ભેગા થાય પણ આ 'અક્રમ જ્ઞાન'નો સંજોગ ભેગો થાય તેમ નથી. અહીં 'સત્ સંજોગ' છે. એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દહાડે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય ! પ્રશ્નકર્તા : અમને એમ સમજાય છે કે આપનો જે માર્ગ છે તે બહુ અલૌકિક માર્ગ છે. દાદાશ્રી : અલૌકિક, બહુ અલૌકિક ! આવો જ્ઞાનાવતાર દસ લાખ વર્ષે એક ફેરો થાય છે. અહીં કલાકમાં મોક્ષ થાય છે. તે અહીં તો આપણું કામ કાઢી નાખવાનું છે. એટલે કામ કાઢી લેજો. આ તો કામ કાઢી લેવા જેવું સ્ટેશન છે. આ ધર્મ નથી. આ અહીં આગળ મંડન નથી. જો મંડન કરે તો બીજાનું ખંડન કરવું પડે. અહીં કોઈનું ખંડન-મંડન નથી. અહીં તો ચોખ્ખા ભગવાન પ્રગટ થયેલા છે. આ તો જેટલાનું કલ્યાણ થાય એટલાનું કલ્યાણ કરી જાઓ. ન કોઈ ગુરુ પ્રત્યક્ષ આ ભવમાં પ્રશ્નકર્તા : આપના ગુરુની ઓળખાણ આપશો ? દાદાશ્રી : ગુરુ તો, આ ભવમાં પ્રત્યક્ષ મળ્યા હોયને તો એ ગુરુ કહેવાય. પ્રત્યક્ષ કોઈ મળ્યું નથી. એવા સાધુ-સંતો મળેલા પણ ગુરુ કરવા જેવા કોઈ મળેલા નહીં. એમની જોડે સત્સંગ કરેલો, એમની સેવા કરેલી પણ કોઈ ગુરુ કરવા જેવા નહીં. દરેક ભક્તોનું, જે બધા જ્ઞાનીઓ થઈ ગયેલા, એ બધાનું વાંચેલું પણ રૂબરૂ કોઈ નહીં મળેલા. એટલે એવું છે ને, શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ અમારે મનાય નહીં. કારણ કે રૂબરૂ હોય તો ગુરુ મનાય! (રૂબરૂ ભેટો નહોતો થયો.) બીજા પુસ્તકોનો આધાર હતો પણ શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તકોનો વધારે આધાર હતો ! હું તો શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તકો વાંચતો હતો, મહાવીર ભગવાનનાં શાસ્ત્રો વાંચતો હતો, કૃષ્ણ ભગવાનની ગીતા વાંચતો હતો, વેદાંતના ભાગ વાંચતો હતો, સ્વામીનારાયણનું વાંચતો હતો અને મુસ્લિમના હઉ વાંચતો હતો. અને આ બધા શું કહેવા માગે છે, બધાનો કહેવાનો આશય શું છેને હેતુ શો છે એ જાણી લીધેલું. બધાનું સાચું છે પણ સહુ સહુની કક્ષાએ. પોતપોતાની ડિગ્રીમાં સાચું છે. ત્રણસો સાઠ ડિગ્રી હોય તો કોઈ પચાસ ડિગ્રી સુધી આવેલા છે, કોઈ એંસી ડિગ્રી સુધી આવેલા છે, કોઈ સો ડિગ્રી સુધી આવેલા છે, કોઈ દોઢસો ડિગ્રી સુધી આવેલા છે. સાચું બધાનું છે પણ ત્રણસો સાઠ ડિગ્રી કોઈની પાસે નથી. ભગવાન મહાવીરની ત્રણસો સાઠ ડિગ્રી હતી. ૩૬૦ ડિગ્રીએ સંપૂર્ણ ભગવાન કહેવાય ને આ 'પટેલ' ૩૫૬ ડિગ્રી પર છે. એમનામાં ચાર ડિગ્રી ઓછી છે. એટલે એ જુદા પડ્યા, નહિ તો 'આ' પણ 'મહાવીર' જ કહેવાત! જગત રહસ્યના ફોડ, જ્ઞાની પાસે ૩૬૦ ડિગ્રીનું એક્સેપ્ટ (સ્વીકાર) કરે, તેને જ્ઞાન કહેવાય. અમને બધીય ૩૬૦ ડિગ્રીઓ માન્ય હોય. માટે અમે જ્ઞાની છીએ. કારણ કે અમે સેન્ટર (કેન્દ્ર)માં બેઠેલા છીએ અને તેથી અમે ફેક્ટ બતાવી શકીએ. આ જગત કોઈએ બનાવ્યું જ નથી. પઝલસમ થઈ પડવાથી પઝલ કહેવું પડે છે. બાકી તો જગત ઈટસેલ્ફ બનેલું છે અને તે અમારા જ્ઞાનમાં અમે જાતે જોયેલું છે. આ જગતનું એક પણ પરમાણુ એવું નથી કે જેમાં હું ફર્યો ના હોઉં. જગતમાં રહીને અને એની બહાર રહીને હું આ કહું છું. આ પઝલને જે સોલ્વ (ઉકેલ) કરે, તેને પરમાત્મપદની ડિગ્રી મળે છે અને સોલ્વ ના કરી શકે, તે પઝલમાં જ ડિઝોલ્વ (ઓગળી) થઈ ગયા છે. અમે આ પઝલ સોલ્વ કરીને બેઠા છીએ અને પરમાત્મપદની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અમને આ ચેતન અને અચેતન બન્નેય જુદાં દેખાય છે. જ્ઞાની કરાવે ઓળખાણ 'દાદા ભગવાન'ની પ્રશ્નકર્તા : આપશ્રીને 'દાદા ભગવાન' કેમ કહે છે ? દાદાશ્રી : આપશ્રી તમે કોને ઓળખો છો ? આ જે દેખાય છે, તેમને કહો છો ? તમે તો એને જ ઓળખો ને ? આ જે દેખાય છે, એ તો ભાદરણ ગામના પટેલ છે અને 'કોન્ટ્રાક્ટ'નો ધંધો કરે છે. અને હું તો જ્ઞાનીપુરુષ છું. 'દાદા ભગવાન' તો અંદર જે વ્યક્ત થયા છે, આત્મા વ્યક્ત થયો, પ્રગટ થયો, એ 'દાદા ભગવાન' છે. જેને સંસારીઓ 'પ્રગટ પુરુષ' કહે છે. આ જે દેખાય છે, તે તો 'અંબાલાલ મૂળજીભાઈ પટેલ' છે અને મહીં બેઠા છે પ્રગટ પરમાત્મ સ્વરૂપ, તે 'દાદા ભગવાન' છે! અને તે ચૌદ લોકનો નાથ છે. એટલે જે ક્યારેય સાંભળવામાં ના આવ્યું હોય એવાં આ અહીં પ્રગટ થયેલા છે. એટલે દાદા ભગવાન તો જુદા છે ને હું જુદો છું. હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. કારણ કે મારે ત્રણસોને સાઠ ડિગ્રી પૂરી કરવાની છે. અમે આ અંબાલાલ મૂળજીભાઈની જોડે એક ક્ષણ પણ તન્મયતા નથી કરી. જ્યારથી અમને જ્ઞાન ઉપજ્યું ત્યારથી ધીસ ઈઝ માય ફર્સ્ટ નેબર (આ મારા પહેલા પાડોશી છે). પાડોશીની જેમ રહીએ છીએ. હવે આ ભેદની લોકોને લાંબી સમજણ પડે નહિ. દાદા ભગવાન પ્રગટ થયેલા છે, કો'ક જ વખત આવો ચૌદ લોકનો નાથ પ્રગટ થાય છે. હું જાતે જોઈને કહું છું. માટે કામ કાઢી લો. સ્વરૂપ, દાદા ભગવાનનું એમનું સ્વરૂપ શું છે ? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-એ એમનું સ્વરૂપ છે ! જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આધારે જે અનુભવમાં આવે છે તે 'દાદા ભગવાન' છે. બાકી આ તો પટેલ છે. કાલે આ પરપોટો ફૂટી જાય તો લોકો એને બાળી મૂકે અને 'દાદા ભગવાન'ને કોઈ બાળી ના શકે. કારણ કે અગ્નિ સ્થૂળ સ્વરૂપ છે ને આત્મા સૂક્ષ્મ છે. સ્થૂળ સૂક્ષ્મને શી રીતે બાળે? એવા જ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ સ્વરૂપે રહેલા 'દાદા ભગવાન' તમારી મહીં પણ બિરાજેલા છે. તે તમે પોતે જ છો ! એ બે, એકના એક જ પ્રશ્નકર્તા : આ બધા જે કીર્તન કરે છે, 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો', એમાં દાદા ભગવાનની ઓળખાણ કેવી રીતે આપો છો ? દાદાશ્રી : જે સાચા દાદા ભગવાન, જે આખા વર્લ્ડના માલિક છે, આખા વર્લ્ડના ભગવાન છે, તે દાદા ભગવાનની વાત કરીએ છીએ. આ દાદા ભગવાન નહીં, મહીં પ્રગટ થયા છે, ચૌદ લોકના નાથ પ્રગટ થયા છે, હું હઉ એ ભગવાનને નમસ્કાર કરું છું અને ધીસ ઈઝ ધી કેશ બેન્ક ! બોલતાંની સાથે જ તરત ફળ આપનારું છે. પ્રશ્નકર્તા : આ બધા દાદા ભગવાનનું કીર્તન કરતા હતા ત્યારે આપ પણ કંઈ બોલીને કીર્તન કરતા હતા, તે કોનું ? દાદાશ્રી : હું હઉ બોલતો હતો ને ! હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. ભગવાનને ત્રણસો સાઠ ડિગ્રી છે. મને ત્રણસો છપ્પન ડિગ્રી છે. મારે ચાર ડિગ્રી ખૂટે છે. તેટલા હારુ મેં પહેલું બોલવાની શરૂઆત કરી. તેથી આ બધા બોલે. એમનેય ખૂટે છે. તમારે નથી ખૂટતી ? મુક્તિ તો સીમંધર સ્વામીના દર્શનથી જ પ્રશ્નકર્તા : એ દાદા ભગવાન આપ જેને બોલાવો છો તે અને આ સીમંધર સ્વામી, એમનામાં શું ફરક છે આમ ? દાદાશ્રી : ઓહોહો ! એ તો એકના એક જ છે પણ આ સીમંધર સ્વામીને બતાડવાનું કારણ એ કે હજુ હું દેહ સાથે છું એટલે મારે ત્યાં જવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી સીમંધર સ્વામીના દર્શન થાય નહીં, ત્યાં સુધી મુક્ત ના થાય, એક અવતાર બાકી રહે. મુક્તિ તો આ મુક્ત થયેલાના દર્શનથી મળે. જો કે મુક્ત તો હુંય થયેલો છું પણ એ સંપૂર્ણ મુક્ત છે. અમારું જ્ઞાન ૩૫૬ ડિગ્રીનું છે. ચાર બીજા ઉમેરવા ત્યાં જવાનું. અમે અમારું જેટલું છે એટલું આપી શકીએ. બીજું જ્ઞાન લેવાનું રહેતું નથી. જ્ઞાન તો સંપૂર્ણ આપી દીધેલું જ છે પણ એમનાં દર્શન કરવાથી જ, એ મૂર્તિ જોવાથી જ આપણે એવાં થઈ જઈએ, બસ. એટલે ખાલી એમના દર્શન જ બાકી રહ્યા. જ્ઞાની તે કોને કહેવાય ? પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમે જ્ઞાનીપુરુષ છીએ તો જ્ઞાની કોને કહેવાય ? દાદાશ્રી : જ્યાં કાયમ પ્રકાશ હોય, બધું જ જાણતા હોય, કશું જાણવાનું બાકી જ ના હોય. જ્ઞાની એટલે અજવાળું. અજવાળું એટલે કોઈ જાતનું અંધારું જ ન હોય ! જ્ઞાની કોઈક ફેરો વર્લ્ડમાં એકાદ હોય. જ્ઞાની થવું એ નેચરલ એડજસ્ટમેન્ટ છે. જ્ઞાની, એ પોતે જાતે કોઈ થઈ શકે નહીં! જ્ઞાનીપુરુષ તો છૂટેલા હોય, મુક્ત હોય, અજોડ હોય. કોઈ એની સ્પર્ધા કરી શકે નહીં. કારણ સ્પર્ધામાં હોય એ જ્ઞાની નહીં. જે સત્ના અનુભવમાં જ રહે છે એવા જ્ઞાનીપુરુષ, એ તો કો'ક ફેરો જ જ્ઞાનાવતાર હોય, કાયમ એ હોય નહીં. તેથી એમને દુર્લભ, દુર્લભ, દુર્લભ કહ્યા છે. જ્ઞાનીપુરુષની ઓળખાણ પ્રશ્નકર્તા : જ્ઞાનીપુરુષને ઓળખવા કેવી રીતે ? દાદાશ્રી : એમનો શબ્દેશબ્દ શાસ્ત્રરૂપે હોય, જો સમજણ પડે તો. એમના વાણી-વર્તન ને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. એટલે બધા બહુ લક્ષણો હોય. જ્ઞાનીપુરુષમાં બુદ્ધિનો છાંટો ના હોય ! એ અબુધ હોય. હવે બુદ્ધિનો છાંટો ના હોય એવા કેટલાં હોય? કો'ક ફેરો કો'ક જન્મ હોય એ, અને ત્યારે લોકોનું ત્યાં કલ્યાણ થઈ જાય, ત્યાં લાખો માણસ તરી પાર નીકળી જાય. જ્ઞાની પુરુષ અહંકાર વગરના હોય, સહેજેય અહંકાર ના હોય. હવે અહંકાર રહિત તો આ જગતમાં કોઈ માણસ હોય નહીં. એકલાં જ્ઞાની પુરુષ જ અહંકાર રહિત હોય. સેન્ટ અહંકાર પણ ના હોય. દેહના માલિક ના હોય, વાણીના માલિક ના હોય, મનના માલિક ના હોય. આવી વાત તો દુનિયામાં ક્યારેય પણ સાંભળેલી ના હોય. બાકી આ બધું શાસ્ત્રોમાં લખેલું નથી. અમારામાં બુદ્ધિ નહીં તે અમારી વાત, અમારો એક-એક શબ્દ સાંભળવા જેવો અને એટલે જ એ કમ્પ્લીટ-હંડ્રેડ પરસેન્ટ (કરેક્ટ) વાત હોય. અમારી આ વાત હજારો વર્ષ સુધી કોઈ ચેકી ના શકે. અહીં આગળ આખા વર્લ્ડનું સાયન્સ છે, તમામ શાસ્ત્રોનું સાયન્સ છે. આખા જગતનાં બધાં શાસ્ત્રોના ખુલાસા તમને અહીં મળે. વેદાંત એકલું નહીં, ભગવદ્ ગીતા એકલી નહીં, પણ મુસલમાનોનાં, જૈનોનાં, બધાનાં શાસ્ત્રોના ખુલાસા ભેગા થાય ત્યારે સાચી વાત માલૂમ પડે. જ્ઞાનીપુરુષ તો હજારો વર્ષે એકાદ પાકે. બાકી, સંતો-શાસ્ત્રજ્ઞાનીઓ તો બધા બહુ હોય. જે આત્માના જ્ઞાની હોય ને, તે તો પરમ સુખી હોય અને દુઃખ કિંચિત્માત્ર હોય નહીં. એટલે ત્યાં આગળ આપણું કલ્યાણ થાય. જ્યાં પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય, તે આપણું કલ્યાણ કરે. જ્ઞાનીપુરુષ નિમિત્ત છે એટલે એ કર્તા નથી. માટે બધું જ કરી શકે. પોતે કર્તા નથી, એટલે નિમિત્ત ભાવે ચાહે સો કરે. જ્ઞાનીને ભગવાન વશ જ્ઞાનીપુરુષ તો વર્લ્ડની અજાયબી કહેવાય. ભગવાનનાં ઉપરી કહેવાય. પ્રશ્નકર્તા : પણ એ ભગવાનનાં ઉપરી કેવી રીતે કહેવાય ? કયા અર્થમાં ? દાદાશ્રી : ભગવાન એમને વશ થયા છે, માટે એ ભગવાનનાં ઉપરી છે. એમનાં કહ્યા પ્રમાણે ભગવાન ચાલે. મહીં જે બેઠા છે દાદા ભગવાન, એ મારા પણ ભગવાન છે. પણ એ ઉપરીપણું ના કહે છે અને કહે છે, 'તમે મારા ઉપરી.' મેં કહ્યું, 'કેમ એમ ?' ત્યારે કહે કે 'તમે મને બહુ દહાડા ઉપરી તરીકે ભજ્યો છે. માટે હવે મારે તમને ઉપરી તરીકે રાખવાના કે તમે આ લોકોનું કલ્યાણ કરો.' મેં કહ્યું, 'તમે કલ્યાણ કરોને.' તો કહે છે, 'મારાથી શી રીતે કલ્યાણ થાય ? મારે તો વાણી નહીં, કશુંય નહીં.' એટલે ભગવાને અમને ઉપરીનું પદ જાતે આપ્યું. તેમણે કહ્યું કે 'અમે પાત્ર શોધતા હતા, તે અમને તમારામાં દેખાયું. અમે તો હવે સંપૂર્ણ વીતરાગ થઈ મોક્ષમાં બેઠા છીએ. હવે અમે કોઈનુંય કાંઈ ધોળી ના શકીએ. માટે તમે પ્રગટ સ્વરૂપે સર્વ શક્તિમાન છો. દેહધારી હોવા છતાં સંપૂર્ણ વીતરાગ છો. તેથી અમે તમને અમારુંય ઉપરીપણું આપીએ છીએ ! ને તમે જગતનું કલ્યાણ કરો !' તે અમે ભગવાનનાય ઉપરી થયા છીએ! ચૌદ લોકના નાથના અમે આજે ઉપરી છીએ. સર્વ સિદ્ધિ સહિત આ જ્ઞાનાવતાર પ્રગટ્યો છે ! મૂઆ, તારો દીવડો સળગાવીને ચાલતો થા, બહુ ફેંદ ફેંદ ના કરીશ. ત્યારે ભગવાન વશ વર્તે મારો કોઈ ઉપરી નથી. ભગવાન પણ મને વશ થઈ ગયેલા છે, તો પછી હવે બીજું રહ્યું શું ? લોકો મને કહે છે, 'તમે દાદા ભગવાન કહેવડાવો છો ?' મેં કહ્યું, 'ના. હું શું કરવા કહેવડાવું ? જ્યાં ભગવાન પોતે જ મને વશ થઈ ગયા છે, પછી એ કહેવડાવાની શી જરૂર ? ચૌદ લોકનો નાથ મને વશ થઈ ગયેલો છે અને જો તમે મારું કહેલું સેવન સેવો તો તમને પણ તમારો નાથ વશ થઈ જશે.' વશ થયેલું કામનું, પણ ભગવાન થઈને શું કાઢવાનું ? જે છે એને ભગવાન રહેવા દો ને ! અને ભગવાન થવું એ બહુ મોટું જોખમ કહેવાય. એટલે જો હું (મારી જાતને) ભગવાન કહું તો મારે માથે જોખમદારી આવે, તમને તો શું જાય ? અને હું શું કરવા એવું પેસું પણ ? મારે પેસીને શું કામ છે ? મારે ભગવાન વશ થયેલા છે, તે શું ખોટા છે ? ભગવાન દરેકને વશ થઈ શકે છે. જેનામાં અહંકાર ઓછો રહેલો હોય તો વાંધો નહીં પણ જેની મમતા ગયેલી છે, એને ભગવાન વશ થયા વગર રહે જ નહીં. જેની મમતા સંપૂર્ણ ગઈ, એને ભગવાન વશ થયા વગર રહે નહીં. આટલો ફેર, જ્ઞાની ને ભગવાનમાં પ્રશ્નકર્તા : આપનામાં 'જ્ઞાની' કોણ અને 'દાદા ભગવાન' કોણ એ નથી સમજાતું. દાદાશ્રી : જ્ઞાનનાં વાક્યો જે બોલે છે એમને વ્યવહારમાં 'જ્ઞાની' કહેવાય છે અને મહીં પ્રગટ થયા છે એ વગર તો જ્ઞાનવાક્યો નીકળે નહીં. મહીં પ્રગટ થયા છે એ 'દાદા ભગવાન' છે. અમારે પણ એ પદ લેવું છે એટલે અમે પણ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરીએ. જ્ઞાનીમાં અને ભગવાનમાં એટલો ફેર કે જ્ઞાની સમજી શકે, બધુંય જોઈ શકે, જાણી શકે નહીં. પ્રશ્નકર્તા : આપ તો આત્મા છો તો પછી આપનામાં જ્ઞાની કયો ભાગ? દાદાશ્રી : જેટલો આત્મા થયો એટલો આ જ્ઞાની. જેટલો ત્રણસો છપ્પનનો આત્મા થયો, એટલો ત્રણસો છપ્પનનો જ્ઞાની. આત્મા જ્ઞાની જ છે પણ તેનું આવરણ ખસવું જોઈએ. જેટલું આવરણ ખસ્યું, ત્રણસો સાઠ ડિગ્રીનું ખસ્યું તો સંપૂર્ણ થઈ ગયો. ત્રણસો છપ્પનનું ખસ્યું તો ચાર ડિગ્રીનું આવરણ છે. તમારે તો વધારે ડિગ્રીનું આવરણ છે. ધીમે ધીમે તમારું આવરણ તૂટતું જશે. આવરણ તૂટવું એ જ્ઞાની જ છે પોતે. આવરણને લઈને અજ્ઞાની દેખાય છે. ત્રણસો છપ્પન ડિગ્રી અંતરાત્માની અને ત્રણસો સાઠ પરમાત્માની. આ જ્ઞાન મળ્યા પછી તમેય અંતરાત્મા છો અને અમેય અંતરાત્મા છીએ. અમારી ડિગ્રી ૩૫૬ છે. પ્રશ્નકર્તા : દર્શનમાં ત્રણસો સાંઠ ડિગ્રી છે, જ્ઞાનમાં નથી આવતી એટલે જ આવું છે ને ? દાદાશ્રી : પણ એ પદ ગણાય નહીંને ! છતાં શ્રીમદ્ રાજચંદ્રે ખુલ્લા દિલથી કહ્યું કે જ્ઞાનીપુરુષ એટલે દેહધારી પરમાત્મા જ છે. એ શા માટે કહ્યું? એટલે એમની આબરૂ વધારવા માટે નહીં. એમની પાછળ પડશો તો તમારું કામ થશે, નહીં તો કામ જ નહીં થાય. દેહધારી પરમાત્માના પ્રગટપણા સિવાય કોઈ દા'ડો કામ નહીં થાય. દેહધારી રૂપે પરમાત્મા જ છે. (શ્રીકૃષ્ણ) ભગવાને કહ્યું કે, 'જ્ઞાની એ જ મારો પ્રત્યક્ષ આત્મા છે. એ તો પોતાનાં પાપકર્મોનો ગોટો વાળી બાળી મેલે અને સામેવાળાનાં પાપોને પણ પોતે ગોટો વાળી બાળી મેલે ! તેવા 'અમે' જાતે 'જ્ઞાનીપુરુષ' છીએ ! જગત પૂર્ણ જોયું પણ જાણ્યું નહીં અમે તમારી, અમારી અને કેવળી ભગવાનની વચ્ચે બહુ ફેર નથી રાખ્યો. કાળને લઈને અમને કેવળજ્ઞાન અટક્યું છે, તે ચાર ડિગ્રી ના પચ્યું. ૩૫૬ ડીગ્રીએ અટક્યું છે પણ અમે તમને સંપૂર્ણ કેવળજ્ઞાન આપીએ છીએ. પ્રશ્નકર્તા : ચાર અંશ બાકી રહ્યા એ કયા ? દાદાશ્રી : આ જે દેખાય છે, આ ચારિત્રમોહ જે દેખાય છે તમને, તે ભલે મને એની મૂર્ચ્છા ના હોય, છતાં સામાને દેખાય છે માટે એટલા અંશ બાદ થઈ જાય છે. અને બીજું મને જગત સમજાય છે ખરું, પણ જાણ્યામાં નથી આવ્યું હજુ. કેવળજ્ઞાન એટલે જાણ્યામાં આવવું જોઈએ. આ તો સમજવામાં આવી ગયું છે. પ્રશ્નકર્તા : આ જાણ્યું નથી પણ સમજમાં આવ્યું છે, એ જરા સમજાયું નહીં. દાદાશ્રી : સમજમાં એટલે 'આ જગત શું છે, કેવી રીતે ઉત્પન્ન થયું, મન શું છે, મનના ફાધર-મધર કોણ છે, આ બુદ્ધિ શું છે, આ ચિત્ત શું છે, અહંકાર શું છે, માણસનો જન્મ શાથી થાય છે, ફલાણાનો જન્મ કેમ થાય છે, આ બધું કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, ભગવાન ચલાવે છે કે બીજું કોઈ ચલાવે છે, હું કોણ છું, તમે કોણ છો,' એ બધી જ વાત અમારી સમજમાં આવી ગયેલી હોય. અને દિવ્યચક્ષુથી આત્મા બધે જ દેખાતો હોય, દરેક જીવમાત્રમાં દેખાતો હોય. એટલે બધું સમજમાં આવી ગયેલું હોય, એટલે એને કેવળદર્શન કહીએ છીએ. પ્રશ્નકર્તા : 'કેવળજ્ઞાન' વગર 'કેવળદર્શન' હોઈ શકે ? દાદાશ્રી : ક્રમિક માર્ગમાં 'કેવળજ્ઞાન' વગર 'કેવળદર્શન' હોય નહીં. 'અક્રમ માર્ગ'માં 'કેવળદર્શન' થાય. પછી 'કેવળજ્ઞાન' થતાં અમુક ટાઈમ (એક-બે અવતાર) લાગે. આ બધા બુદ્ધિના વિષય નથી, આ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનીની કરુણા દુનિયામાં બીજા બધા ભેગા થાય પણ હું, જ્ઞાની, અંબાલાલ (હું-બાવો-મંગળદાસ) ભેગા ના થાય. 'હું' કોણ ? 'હું' એ 'દાદા ભગવાન' છે, આ 'જ્ઞાની' છે અને અંબાલાલ એ 'પટેલ' છે. આ જોગ બેસે નહીં, બીજા બધા જોગ બેસે. ભગવાન પોતે હાજર ના થાય. આ થઈ ગયા તે આખા બ્રહ્માંડના ભગવાન હું કહું છું, એની ગેરેંટી આપું છું. આ જેટલો સાંધો મેળવી લે એટલો એના બાપનો. ખરી રીતે આ ત્રણ તો હું પાડંુ છું. હું, જ્ઞાની અને અંબાલાલ - ત્રણ ભેદ પાડંુ છું એની પાછળ કરુણા છે કે અહીં આવેલો રખડી ના મરે. ખરી રીતે બે જ ભેદ છે - દાદા ભગવાન અને અંબાલાલ, બે જ છે. પણ ત્રણ પાડવાના શું કારણ કે આ દુષમકાળના જીવ છે ને શંકાવાળા છે. વગર કામની શંકાઓથી એનું બગડે ઉલટાંનું. એટલે આ જુદા પાડ્યા, શંકા ઊભી ના થાય ને ? આ એને ઠંડક રહે. હા, હવે એનું ગાંડપણ ઊભું ના થાય એટલા હારુ. કૃપાળુદેવે તો કહ્યું છે કે જ્ઞાનીપુરુષ એ દેહધારી પરમાત્મા જ છે. આ રિલેટિવ છે અને રિયલમાં શુદ્ધ, વિજ્ઞાન છે. અમે બે બાજુ છીએ. એક વિજ્ઞાન સ્વરૂપ છે અને બાવા સ્વરૂપે છે એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન રિલેટિવ છે અને પેલું વિજ્ઞાન રિયલ છે. આ અમારું રિલેટિવ બંધ થયું કે પેલું પૂરું થઈ ગયું. રિલેટિવ એકાદ-બે અવતારમાં બંધ થઈ જાય. એટલે પેલું પૂરું થઈ જાય. એટલે 'અમે' વિજ્ઞાન જ છીએ પણ અત્યારે જ્ઞાન સ્વરૂપ છીએ. વિજ્ઞાનઘન આત્મા જ્ઞાન એટલે આત્મા અને વિજ્ઞાન એટલે પરમાત્મા. આ તો 'સાયન્સ' છે. આત્મા-પરમાત્માનું 'સાયન્સ' એટલે સિદ્ધાન્ત ! એમાં કોઇ જગ્યાએ અંશ માત્ર 'ચેન્જ' ના થાય અને ઠેઠ આરપાર કાઢી નાખે. જ્ઞાનઘન આત્મામાં આવ્યા પછી, અવિનાશી પદને પામ્યા પછી વિજ્ઞાનઘનને જાણવું જોઇએ. વિજ્ઞાનઘન એટલે બધામાં 'હું જ છું.' એવું દેખાય એ વિજ્ઞાનઘન આત્મા કહેવાય. બંધાયેલો છતાંય મુક્ત રહે ! 'જ્ઞાની પુરુષ' વિજ્ઞાનઘન આત્મા હોય ! 'થીયરી ઓફ એબ્સોલ્યુટીઝમ'માં જ નહીં પણ પોતે 'થીયરમ ઓફ એબ્સોલ્યુટીઝમ'માં હોય. આખા 'વર્લ્ડ'નું પુણ્ય જાગ્યું કે આ 'અક્રમ વિજ્ઞાન' નીકળ્યું, વિજ્ઞાનઘન આત્મા નીકળ્યો! 'જ્ઞાની' કૃપાથી જ 'પ્રાપ્તિ' પ્રશ્નકર્તા : આપે જે અક્રમ માર્ગ કહ્યો તે આપના જેવા 'જ્ઞાની' માટે બરાબર છે, સહેલો છે પણ અમારા જેવા સામાન્ય, સંસારમાં રહેતા કામ કરતા લોકોને માટે એ અઘરો છે, તો એને માટે શો ઉપાય? દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ'ની મહીં ત્યાં ભગવાન પ્રગટ થઇ ગયેલા હોય, ચૌદ લોકના નાથ પ્રગટ થયેલા હોય; એવા 'જ્ઞાની પુરુષ' ભેગા થાય તો શું બાકી રહે ? તમારી શક્તિથી કરવાનું નથી. એમની કૃપાથી થવાનું છે. કૃપાથી બધો જ ફેરફાર થાય. માટે અહીં તો તમે માંગો તે બધોય હિસાબ પૂરો થાય. 'જ્ઞાન' જો 'જ્ઞાની' એકલા પાસે રહે તો જ્ઞાન રસાતળ જાય. 'જ્ઞાન' તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કો'ક ફેરો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે ! 'ધીસ ઈઝ બટ નેચરલ !' તો પછી એમાંથી જેટલા દીવા કરવા હોય તેટલા થાય. બાકી, દીવામાં ઘી તો બધાય લોકોએ પૂરી રાખ્યું છે. મહાપુણ્યશાળીઓ માટે 'અક્રમ જ્ઞાન' પ્રશ્નકર્તા : દાદા, કંઈ પણ કર્યા વગર આ જ્ઞાન પ્રાપ્ત થવું, એ સમજાતું નથી. દાદાશ્રી : 'અક્રમ વિજ્ઞાન' હંમેશ જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થાય અને 'ક્રમિક'માં તો ખરી જ, પણ એમાં ગુરુ કહે એવું કર કર કરવું પડે. 'અક્રમ'માં કર્તાપદ ના હોય. અહીં તો સીધું જ્ઞાન જ, 'ડાયરેક્ટ' જ્ઞાન. એટલે બહુ સરળ થઈ પડે. તેથી આને 'લિફ્ટમાર્ગ' કહ્યો. 'લિફ્ટમાર્ગ' એટલે મહેનત વગેરે કશું કરવાનું નહીં, આજ્ઞામાં રહેવાનું. એટલે નવું 'ચાર્જ' ના થાય. પછી તમારે વિસર્જન થયા જ કરે. જેવા ભાવે સર્જન થયેલું હતું, તેવા ભાવે વિસર્જન થયા કરે. આ જ્ઞાન બધાંને માટે ના હોય, એ તો મહાપુણ્યશાળીઓ માટે છે. આ 'અક્રમ જ્ઞાન' ઊભું થયું, એમાં લોકોની કંઇ પુણ્યૈ હશે ને ! આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે. આ 'દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઇ જશે. સંસારી વેશે વીતરાગ ભગવાન મહાવીર સુધી દશ આશ્ચર્ય થયાં ને આ અગિયારમું આશ્ચર્ય છે. જ્ઞાની પુરુષ વેપારી રૂપે (હોવા છતાં) વીતરાગ છે, (બહાર) વેપારી ભાવે (છે પણ અંદર) વીતરાગ છે. એવાં દર્શન થાય એ અજાયબી કહેવાયને ! જુઓને, આ અમારે કોટ ને ટોપી ! આ તે કંઈ જ્ઞાનીમાં હોતું હશે ? એમને પરિગ્રહ શું કરવા છે ? જેને કંઈ જોઈતું નથી, છતાંય એ પરિગ્રહમાં ફસાયા છે. એમને કશું જોઈતું નથી, છતાંય છે છેલ્લી દશામાં ! પણ લોકોના ભાગ્યમાં નહીં હોય, તેથી આ સંસારી વેશે છે. એટલે ત્યાગી વેશ હોય તો તો લાખો-કરોડો માણસોનું કામ થઈ જાય. પણ આ લોકોનાં પુણ્ય એવાં કાચાં છે! કળિકાળે દર્શન વીતરાગના પ્રશ્નકર્તા : વીતરાગ કોણ હોઈ શકે ને વીતરાગની કેવી દશા હોય એનાં વર્ણનો શાસ્ત્રોમાં વાંચેલાં, પણ દેહધારી વીતરાગ જોવા નહીં મળેલા... દાદાશ્રી : ના મળે. વીતરાગનાં તો દર્શન કરવાનાં ના મળે. આ કાળમાં તો હું કેવળજ્ઞાનમાં નાપાસ થયેલો, એટલે આ બધાંને દર્શન કરવાનાં મળ્યા ! નહીં તો આ કેવળજ્ઞાનની થોડુંક નજીક પહોંચેલા, એમનાં દર્શન કરવાનાંય ના મળે. આ તો દર્શન કરવાના મળ્યા તો વીતરાગતાનું વર્ણન સમજી શકે કે વીતરાગતા કેવી હોય ! અને અમે તેવું રહીએ. સદા વર્ત્યા, કલ્યાણની ભાવના પ્રમાણે પ્રશ્નકર્તા : આપ વીતરાગીને લોકસંપર્કનો શું સંબંધ ? દાદાશ્રી : વીતરાગી ભાવ, બીજો કોઈ સંબંધ નથી. પણ તે તો આ અત્યારે વીતરાગ છે જ નહીં ને! તમે જેને પૂછો છો એ અત્યારે વીતરાગ નથી ! અત્યારે તો અમે ખટપટિયા વીતરાગી છીએ. ખટપટિયા એટલે કેવું કે જગતનું કલ્યાણ થાવ. અને કલ્યાણ માટે ખટપટ કરે. બાકી વીતરાગીને ને જનસંપર્કને કશું લેવાદેવા જ નથી. વીતરાગી તો ફક્ત દર્શન આપ્યા કરે. બીજી ખટપટ કે કશું ના કરે, જરાય ખટપટ ના કરે. પ્રશ્નકર્તા : પણ વીતરાગી જે લોકસંપર્ક કરે છે એ પોતાનાં કર્મ ખપાવવા ? દાદાશ્રી : પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, બીજાને માટે નહીં. એમને બીજી ભાવના નથી. અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ. જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ, એવી ભાવના અમારી હોય. વીતરાગીને એવું ના હોય. બિલકુલ ભાવના નહીં, સંપૂર્ણ વીતરાગ ! અને અમારે તો આ ભાવના છે એક જાતની. પછી સવારે વહેલા ઊઠીને બેસીએ છીએ ને નિરાંતે ! સ્કૂલ (સત્સંગ) ચાલુ કરી દઈએ છીએ ને! તે ઠેઠ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હોય છે ને ! એટલે એ અમારી ભાવના છે. કારણ કે અમારા જેવું સુખ હરેકને હો ! શા માટે આટલાં બધાં દુઃખ !! ખરેખર દુઃખ છે નહીં ને નકામાં દુઃખો ભોગવી રહ્યા છે. એ અણસમજણ નીકળી જાય તો દુઃખો જાય. હવે અણસમજણ ક્યારે નીકળે ? કહેવાથી ના નીકળે. દેખાડો તો નીકળે. તમે કરી બતાવો તો નીકળે. તે અમે તો કરી બતાવીએ. એ મૂર્ત સ્વરૂપ કહેવાય. તે શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. પ્રશ્નકર્તા : એટલે આપ કહો છો કે અમે ખટપટીયા વીતરાગ છીએ! દાદાશ્રી : હા, તો બીજું શું કહેવાય ? ખટપટિયા પણ વીતરાગ છે. ખટપટિયો ખોળી લાવોને, વીતરાગ હોય તો ! કોઇ દિવસ એવો નથી આવ્યો કે (રાત્રે) સાડા અગિયારથી ઓછું થયું હોય. એટલે અમને નવાઇ કશી હોતી જ નથી ને ! અને પછી રાત્રે ત્રણ કે સાડા ત્રણે ઉઠવાનું. તે પછી દોઢ કલાક પદ્માસન વાળીને બેસવાનું અને બધું ફોરેન ને ફોરેન બધે ફરવાનું (આખા જગતના કલ્યાણ માટે વિધિઓ કરવાની). અમે પાછું ઘડીવાર પાછાં સૂઇ જઇએ. સાડા પાંચ-છ થાય ત્યારે, એટલે અડધો કલાક સૂઇ જઇએ. બાકી શરીરે પીડા ના કરે, કશું કરે નહીં. ભેખ, અમારો જગત કલ્યાણનો 'દાદાની સાંકળ' ખેંચે તેનું કામ થઈ જાય. કારણ કે કોઈ કાળે વીતરાગ હોતા નથી ને અને આ કાળમાં પૂરા વીતરાગ હોય નહીં, પણ તમામ જીવો માટે અમે તો સંપૂર્ણ વીતરાગ જ છીએ. ફક્ત અમારા કર્મો જોડે જ અમારે કર્મો ખપાવવા પૂરતો રાગ રહે છે. થોડોક રાગ રહી ગયો, તેય જગત કલ્યાણ કરવાની ખટપટ માટે, ને તે નુકસાનકારક હોય નહીં ને ! આ અમારે તો હજુ એક-બે અવતાર બાકી હોય એટલે ખટપટીયા હોઇએ, ખટપટીયા વીતરાગ ! અમે તો કહીએ, પેલા ભઇને અહીં તેડી લાવજો બા. આમ કરજો, તેમ કરજો. અને એ (પૂર્ણ) વીતરાગને તો કશુંય નહીં. એમના દર્શનથી જ આપણું કલ્યાણ થઇ જાય. સાચાં દર્શન કરતાં આવડવા જોઇએ. જેવું જેને આવડે એવો એને લાભ. પણ એ વીતરાગતા જેટલી જેટલી ઓળખી એટલો એને લાભ. એ વીતરાગ પોતે કશું આવી બાબતમાં હાથ ઘાલે નહીં. વાણી સહજ ભાવથી નીકળ્યા કરે, બસ. એટલે એ ખટપટીયા નહીં, અમે ખટપટીયા. કારણ કે અમે જાણીએ છીએ કે અમારો છેલ્લો અવતાર નથી. એટલે અમારાથી આ બધું બોલાય અહીં આગળ. અને એ એવું ના બોલે કે તમારો કોઇ ઉપરી નથી કે તમારામાં કોઇ આંગળી ઘાલી દે એવું નથી. એવું તેવું ના બોલે. કારણ કે એમને તો જે મોક્ષમાં જવાના હોય તે દર્શન કરીને પામો, ન જવાના હોય તે ન પામો અને અમારે આટલો આગ્રહ હોય. હજુ અમે ખટપટ કર્યા કરીએ. લોકો કેમ કરીને શાંતિને પામે એને માટે જ ભેખ લીધેલો છે. રોજ અગિયાર કલાક આ સત્સંગ કરું છું. ખટપટ પણ પાછળ છે કરુણા પ્રશ્નકર્તા : આપને એ કરુણાભાવ પ્રગટ થયો છે ? દાદાશ્રી : હા, કરુણાભાવ. પણ તેય છે તે ખટપટ તો ખરી જ ને! કરુણાભાવ તો તીર્થંકરોમાંય છે પણ એ એક અક્ષરેય બોલે નહીં. કોઈ આમ ખાડામાં પડતો હોય તોય બોલે નહીં. પોતે જ્ઞાનમાં જુએ પણ કશું બોલે નહીં. પેલો સીધો થાય તો એને બધુંય આપે અને વાંકો થાય તો કશુંય બોલે નહીં. અને અમે તો પેલો વાંકો થાય તો કહીએ, 'ભઈ, શું કરવા વાંકો થાય છે ?' શાથી ? અમારી આમાં શી લાલચ છે? અમને મનમાં એક ઇચ્છા છે કે અમારા જેવું સુખ આમને બધાને વર્તો. આ દુઃખમાંથી બચો. આવી કંઈ પણ ઇચ્છા છે ને ! એ ખટપટપણું જ છે ને! આને ખટપટિયું ના કહેવાય ? અમને લોક પૂછે છે ને, 'તમે વીતરાગ છો?' ત્યારે મેં કહ્યું, 'અમે ખટપટિયા વીતરાગ છીએ.' અને મહાવીર ભગવાન ખટપટિયા નહીં, ચોખ્ખા વીતરાગ ! એટલે એ તમને મહીં મુશ્કેલી નહીં કરે. જેટલો ઉદય હોય એટલું જ કરે, પણ અમારો ખટપટિયો ઉદય હોય. ઉદય ખટપટ મિશ્રિત હોય અને ભગવાનને મિશ્રિત ના હોય. એટલે અમે ખટપટિયા વીતરાગ છીએ. પ્રશ્નકર્તા : હા, ખટપટિયા વીતરાગ વિશે હવે સમજ પડી. દાદાશ્રી : ખટપટિયા ના હોય ને, તો ગાડું કેમ ચાલે ? જલેબી ખવડાવીને વીતરાગ બનાવે. બધું ખાવ-પીવો-મઝા કરો ને વીતરાગ થાવ. કેવો સરળ રસ્તો ! સરળ માર્ગ ઉપર રાખીને વીતરાગ બનાવે. ખટપટ ના હોય તો ચાલે નહીં ને ! અને આજના લોકો ખટપટ વગર ભેગા ના થાય. જો સંપૂર્ણ વીતરાગતા હોય ને, તો મને કોઈ ભેગો જ ના થાય. નિરાલંબ દશા, 'જ્ઞાની'ની પ્રશ્નકર્તા : તમારી દશા છે, અમે જોઈએ છીએ પણ અમને કંઈ ખ્યાલ નથી આવતો. પરમ જ્ઞાનની અંદર જે દશા હોય છે એ દશા કેવી હોય? દાદાશ્રી : હા, એ દશા અમે જ જાણીએ. હું સમાધિની બહાર નીકળતો જ નથી. અત્યારેય મારી સમાધિ નિરંતર ચાલ્યા કરે છે. આ અંબાલાલ પટેલ તે હું ન્હોય, આ અહંકાર તે હું ન્હોય, આ ચિત્ત તે હું ન્હોય, બધી ચીજની પાર હું છું. આ શુદ્ધાત્માય હું ન્હોય. શુદ્ધાત્મા તો આ લોકો બન્યા છે તે. હું તો શબ્દરૂપેય નથી. હું દરઅસલ સ્વરૂપે છું, નિરાલંબ સ્વરૂપે છું પણ ચાર ડિગ્રી હજુ ખૂટે છે. જે મારી પૂરી થઈ નથી, ત્યાં સુધી મારી ઈચ્છા શું છે કે 'આ જે સુખ હું પામ્યો છું એવું સુખ લોકો પામો' એટલી ઈચ્છા રહી. જ્ઞાની બે પ્રકારના. એક જેમણે શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરેલું હોય અને તેના અનુભવમાં જ રહેતા હોય તે. પણ શુદ્ધાત્મ સ્વરૂપ એ શબ્દનું અવલંબન છે અને બીજા પ્રકારના જ્ઞાની કે જે નિરાલંબ હોય. નિરાલંબ તીર્થંકરો હોય. તેમ છતાંય અમે પણ નિરાલંબમાં છીએ. અમને શુદ્ધાત્મ સ્વરૂપ શબ્દમાં નથી. અમે નિરાલંબ આત્મામાં છીએ. જેનું અવલંબન જ કોઈ નથી. પેલું શબ્દનું અવલંબન અને આ નિરાલંબ છે. જ્ઞાની પુરુષ પોતે અઙ્ખબ્સોલ્યુટ થયા હોવાથી એમને આધાર-આધારી સંબંધ રહ્યો નથી. ભલેને આ જગત કલ્યાણની ભાવના રહી, પણ પોતે અઙ્ખબ્સોલ્યુટ થયા છે ! અઙ્ખબ્સોલ્યુટ એટલે નિરાલંબ. કોઈ અવલંબનની એમને જરૂર નહીં ! સ્વતંત્ર કેવળ, કેવળ જ, બીજું કંઇ મિક્ષ્ચર (ભેળસેળ) નહીં. અમે નિરાલંબ સ્વરૂપને પકડેલું હોય એટલે જગતની કોઈ ચીજ અમને અડે નહીં, નડેય નહીં. એટલે એ નિરાલંબ સ્થિતિમાં અમે બેઠેલાં. એ સ્થિતિ એટલે અમને તો કોઈ જગ્યાએ મતભેદ ના હોય, કશું જ ના હોય ને ! કારણ કે કોઈ અવલંબન જ અડે નહિ ને ! અમારી દશા નિરાલંબ!! એટલે અમે સમજી શકીએ કે જો અમે અત્યારે આ દશાએ પણ નિરાલંબ રહી શકીએ છીએ, તો વીતરાગો કેવાં નિરાલંબ રહેતાં હશે? અમે બિલકુલ નિરાલંબ હોઈએ. છતાં બધાની વચ્ચે રહું છું, ખઉં છું, પીઉં છું, હરું છું, ફરું છું, બધું જ છે. આ દેહ હોવા છતાં અમે નિરાલંબ સ્થિતિને જોઈ શકીએ ને અનુભવી શકીએ છીએ અને બંધન સ્થિતિનેય અનુભવી શકીએ છીએ. બંને સ્થિતિને અનુભવી શકીએ છીએ. છેલ્લી વાત, નિરાલંબ ! તો જ મોક્ષ કહેવાય. આ અક્રમ વિજ્ઞાન એવું છે કે નિરાલંબ થઈ શકે એમ છે. માટે જેની જેની ભાવના હોય, તે થઈ શકે છે. વર્તે જ્ઞાની, નિરંતર સ્વપરિણતિમાં ! પ્રશ્નકર્તા : દાદા, તમને જ્યારે જોઇએ ત્યારે આમ મુક્ત, 'મૂડ'માં જ દેખાઓ છો, એનું શું કારણ? દાદાશ્રી : અમે એક ક્ષણ પણ પરપરિણતિમાં નથી રહેતા, સ્વપરિણતિમાં જ હોઇએ. જો એક કલાક જ મને પરપરિણતિ ઉત્પન્ન થાય તો મારા મોઢા ઉપર તમને ફેરફાર દેખાય, 'જ્ઞાની'ને પરપરિણતિ જ ના હોય. આખા 'વર્લ્ડ'ની અજાયબી છે કે નિરંતર તે સ્વપરિણતિમાં રહે છે ! એક ક્ષણ પણ જો કોઇ સ્વપરિણતિમાં આવી ગયો તો તેને શાસ્ત્રકારોએ ઘણું મોટું પદ આપ્યું છે. કૃપાળુદેવે કહ્યું કે, જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે. એટલે તો કહ્યું કે બીજે ક્યાં પરમાત્મા ખોળે છે ? દેહધારી રૂપે આવ્યા હોય તેવા જ્ઞાનીપુરુષને ખોળો. દેહધારી પરમાત્મા કોને કહેવાય કે જેને પરપરિણતિ જ ના હોય, નિરંતર સ્વપરિણતિ હોય તે. નિરંતર સ્વભાવ પરિણતિ હોય. રાત્રે-દિવસે ગમે ત્યારે સ્વભાવ પરિણતિ હોય, પરપરિણામ ના હોય, જેનાં વાણી, વર્તન, વિનય મનોહર હોય, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન સર્વાંશે ન હોય અને અહંકાર શૂન્ય થવાથી, ટેન્શન નહીં હોવાથી મુક્ત હાસ્ય નિરંતર રહે. અનંતગુણના ભંડાર હોય. 'દાદા'ની નિરંતર એક જ પરિણતિ હોય! નિરંતર આત્મરમણતામાં ને પરમાનંદમાં જ હોય !! 'જ્ઞાની'ની પ્યૉરિટી હું તો લોકોની પાસે પૈસા લઉં તો મને તો લોકો જોઈએ એટલા પૈસા આપે. પણ મારે પૈસાને શું કરવાના ? કારણ કે એ બધી ભીખ ગયા પછી તો મને આ જ્ઞાનીનું પદ મળ્યું ! હું તો મારા ઘરનું, મારા પોતાના ધંધાની આવકનું-મારા પ્રારબ્ધનું ખાઉં છું ને લૂગડાં પહેરું છું. હું કંઈ કોઈનો પૈસો લેતોય નથી ને કોઈનું આપેલું પહેરતોય નથી. આ ધોતિયાં પણ મારી કમાણીનાં પહેરું છું. અહીંથી મુંબઈ જવાનું પ્લેનનું ભાડું મારા ઘરના પૈસાનું ! પછી (બીજાના) પૈસાની જરૂર જ ક્યાં રહી? હું તો એક પૈસો લોકોની પાસે લઉં તો મારા શબ્દો લોકોને માન્યામાં જ કેમ આવે તે ?! એટલે મારું કહેવાનું કે જેટલું ચોખ્ખું રાખશો એટલું આ જગતને લાભદાયી થઈ પડશે. મુક્તિ સર્વે દુઃખોથી, 'જ્ઞાની શરણે' હું આ દુનિયાના દુઃખો લેવા આવ્યો છું. તમારા સુખ તમારી પાસે રહેવા દો. એમાં તમને વાંધો ખરો? તમારા જેવા મને પૈસા આપે તો મારે પૈસાનું શું કરવાનું ? હું તો દુઃખ લેવા આવ્યો છું. જ્યાં જ્ઞાની હોય ત્યાં પૈસાની લેવડદેવડ ના હોય. જ્ઞાની તો ઉલટાં તમારાં બધાં દુઃખો કાઢવા માટે આવ્યા હોય, દુઃખ ઊભાં કરવા માટે ના આવ્યા હોય. તમારા દુઃખો મને સોંપી દો. અને જો તમને વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. એટલે તમારે કંઈક દુઃખો હોય તો મને કહેવું કે, 'દાદા, આટલાં દુઃખ મને છે, તે હું તમને સોંપી દઉં છું.' એ હું લઈ લઉં તો નિવેડો આવે, નહીં તો નિવેડો કેમ આવે ? આપણે શું કહીએ છીએ કે સર્વ દુઃખોના ક્ષય કરો. આ દુઃખો અમારાથી જોવાતાં નથી. છતાં અમને 'ઇમોશનલ'પણું થતું નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે એનો અને એ જ કારુણ્ય છે અમારું ! આદર્શ વ્યવહાર સદા, જ્ઞાનીનો 'જ્ઞાની પુરુષ'ને સ્વ-પરનો વિવેક તો બહુ ઊંચામાં ઊંચો હોય. અમારો વ્યવહાર આદર્શ હોય. અમે સંસારી રૂપે છીએ છતાં પણ અમારો પાડોશીઓ જોડે વ્યવહાર બહુ આદર્શ હોય. આદર્શ વ્યવહાર એટલે ભગવાને કહ્યું છે તેવો વ્યવહાર હોય, ભગવાનને કહેલામાં એક મીનમાત્ર ફેરફાર ના હોય. અમારે ફક્ત આ કપડાં સિવાય બીજો કોઈ ફેરફાર ના હોય. જ્યાં આદર્શ વ્યવહાર છે ત્યાં આગળ બધું કામ થાય. વ્યવહાર આદર્શ વગર કોઈ દહાડોય નિશ્ચય આદર્શ થાય નહીં. 'જ્ઞાનીપુરુષ' વ્યવહારમાં કોઇ જગ્યાએ કાચા ના પડે. લૌકિકમાંય એક્ઝેક્ટ ડ્રામા કરે. ડ્રામામાં ક્યાંય ના ચૂકે તેનું નામ જ્ઞાની. જ્યાં, જે વખતે, જે ડ્રામા કરવાનો હોય તે 'અમે' સંપૂર્ણ અભિનય સહિત કરીએ. આ અમે કામ ઉપર જઇએ ત્યાં બધા કહે કે, 'શેઠ આવ્યા, શેઠ આવ્યા.' તે ત્યાં અમે શેઠનો ડ્રામા કરીએ. મોસાળમાં જઇએ તો ત્યાં બધા કહે કે, 'ભાણાભાઇ આવ્યા.' તે ત્યાં અમે ભાણાભાઇનો ડ્રામા કરીએ. ગાડીમાં અમને પૂછે કે, 'તમે કોણ ?' તો અમે કહીએ કે, 'પેસેન્જર છીએ.' અહીં સત્સંગમાં આવીએ ત્યારે 'જ્ઞાની પુરુષ'નો વેશ ભજવીએ અને જાનમાં જઇએ તો જાનૈયા થઇએ ને સ્મશાનમાં જઇએ તો ડાઘુ થઇએ. પછી એ ડ્રામામાં જરાય ફેરફાર ના હોય, એક્ઝેક્ટ અભિનય હોય. ડ્રામામાં કાચા પડે એ જ્ઞાની ન્હોય. એટલે અમારો વ્યવહાર આદર્શ જ હોય. જગતે જોયો ના હોય એવો અમારો વ્યવહાર હોય. અમારો વ્યવહાર મનોહર હોય, વર્તન મનોહર હોય, વિનય પણ મનોહર હોય. વ્યવહારને ખસેડીને કોઈ છે તે આત્મા પામેલો નહીં. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની 'રિયાલીટી'માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી. આ વ્યવહારને તરછોડે નહીં તે જ સૈદ્ધાંતિક વસ્તુ હોય. એટલે આ 'રિયલ સાયન્સ' છે, 'કમ્પ્લિટ સાયન્સ' છે. લઘુત્તમ સ્વરૂપ, જ્ઞાનીનું પ્રશ્નકર્તા : આમાં આપ આપને કઈ કોટીમાં માનો છો ? દાદાશ્રી : હું મારી જાતને આખા જગતનો શિષ્ય માનું છું અને લઘુતમ સ્વરૂપ છું. આ સિવાય મારું બીજું કોઈ સ્વરૂપ નથી અને 'દાદા ભગવાન' એ ભગવાન છે, અંદર પ્રગટ થયા છે તે. આ વર્લ્ડમાંય કોઈ મારાથી લઘુ નથી એવો લઘુતમ પુરુષ છું. જો નાનો થાય તો તો એ બહુ મોટો, ભગવાન થઈ જાય. આપણને એ પદ જોઈતું નથી. શેને માટે એ પદ જોઈએ ? 'હું જ્ઞાની છું' એ પદ ઓછું છે ? અને આખા જગતના શિષ્યરૂપે જ્ઞાની છું, લઘુતમ પુરુષ છું. પછી આથી મોટું પદ કયું ? લઘુતમ પદથી ક્યારેય પડી ના જવાય એવું મોટું પદ ! એટલે 'આ' તો કોણ છે ? લઘુતમ પુરુષ ! લઘુતમ પુરુષનાં દર્શન ક્યાંથી હોય ?! આવાં દર્શન જ ના હોય ને ! વર્લ્ડમાં એક માણસ ખોળી લાવો કે જે લઘુતમ હોય ! આપણા 'વિજ્ઞાન'માં તો 'દાદા' તમારા શિષ્ય થાય છે. આટલા બધાને 'જ્ઞાન' આપ્યું, એ બધાયનો હું શિષ્ય છું. હું તો આખા 'વર્લ્ડ'નો શિષ્ય છું. આખા 'વર્લ્ડ'નો ઉપરી કોણ થઈ શકે ? જે આખા 'વર્લ્ડ'નો શિષ્ય થયો એ આખા 'વર્લ્ડ'નો ઉપરી થાય. ગુરુ તો આખા જગતને કરવા જેવું છે. જ્યાંથી કંઈ આપણને જ્ઞાન મળે તે પ્રાપ્ત કરી લેવું. અમે આખા જગતના શિષ્ય થઈને બેઠા છીએ. 'હું કેમ નાનો થઉં' એમ લઘુતમ અહંકારમાં જશો તો જ્ઞાન જબરજસ્ત પ્રગટ થશે ! ગુરુતમ અહંકાર હંમેશાં જ્ઞાનને આવરણ લાવે છે અને લઘુતમ અહંકાર જ્ઞાન પ્રગટ કરે છે. જગતના શિષ્યને જ જગત સ્વીકારશે પ્રશ્નકર્તા : દાદાએ કોઈને શિષ્ય બનાવ્યા છે ? દાદાશ્રી : હું આખી દુનિયાનો શિષ્ય થઈને બેઠો છું. શિષ્યોનોય શિષ્ય હું છું. મારે શિષ્યોને શું કરવા છે ? એ પાછું ક્યાં વળગાડું આ બધાંને ? પ્રશ્નકર્તા : તો આપની પાછળ શું થાય પછી ? કોઈ શિષ્ય ના હોય તો પછીથી શું થાય ? દાદાશ્રી : કશી જરૂર જ નથી ને ! અમારે શિષ્ય એકુંય નથી પણ રડનારા બહુ છે. પ્રશ્નકર્તા : પણ આપના પછી કોણ ? દાદાશ્રી : એ તો 'વખત' તે ઘડીએ બતાવશે કે પછી કોણ છે તે! પ્રશ્નકર્તા : આપ કહો છો કે મારી પાછળ ચાલીસ-પચાસ હજાર રડનારા હશે, પણ શિષ્ય એકુંય નહીં. એટલે તમે શું કહેવા માગો છો? દાદાશ્રી : મારો શિષ્ય કોઈ નથી. આ કંઈ ગાદી નથી. ગાદી હોય તો વારસદાર થાય ને ! આ ગાદી હોય તો લોક વારસદાર થવા આવે ને ! અહીં તો જેનું ચાલે તેનું જ ચાલશે. જે બધાનો, આખા જગતનો શિષ્ય થશે, તેનું કામ થશે ! અહીં તો લોક જેને 'એક્સેપ્ટ' કરશે, તેનું ચાલશે !! જ્ઞાનીઓની લીંક અમારા પછી જ્ઞાનીઓની લીંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિ ખોળજો. એના વગર ઉકેલ આવે તેમ નથી. હું તો કેટલાંક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ? 'લઘુતમ'-'ગુરુતમ' પદમાં 'જ્ઞાની' અમારી એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી, પણ આ 'વિજ્ઞાન' ફેલાવું જોઈએ અને 'વિજ્ઞાન' લોકોને લાભ કરવું જોઈએ. તેથી ખુલાસો કરવા માટે હું આવ્યો છું. મને નવરાશ છે. મારે કોઈ કામ નથી. તદ્દન બુદ્ધિ વગરનો હું એકલો જ છું. એટલે મને કશી ભાંજગડ નથી. તમારે તો ભાંજગડ હોય. બાકી, હું કંઈ તમારાથી મોટો નથી, એ તમને લાગે એવું? આ તો વ્યવહારને ખાતર આ ઊંચે પદે બેઠા છીએ. અને પાછું મારી 'હાઈટ' કેટલી છે, તે તમે જાણો છો ? લઘુતમ. લઘુતમ એટલે શું ? આ દુનિયામાં જેટલા જીવ છે, એમાં સૌથી નાનામાં નાનો હું છું. એ મારી 'હાઈટ' છે. પછી આ તમને કંઈ હરકત કરે એવું છે કશું ? એટલે આ ભૌતિકમાં, આ નામમાં-રૂપમાં-પૈસા-માન-તાન એ બધી બાબતમાં લઘુતમ અને આ બીજી હાઈટ એટલે સેલ્ફે કરીને અમે ગુરુતમ છીએ. એટલે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં અમે ગુરુતમ અને 'ફોરેન ડિપાર્ટમેન્ટ'માં લઘુતમ ! અમારું આ લઘુતમ સ્વરૂપ છે, એટલે લોકોનું કલ્યાણ કરી નાખશે. વ્યવહારથી લઘુતમમાં છું અને નિશ્ચયથી ખરી રીતે ગુરુતમમાં છું. હું કોઈનો ગુરુ થયો નથી. આખા જગતને ગુરુ તરીકે માનું છું. અમે અમારા મોક્ષમાં રહીએ ને લઘુતમ રહીએ. છતાં વૈભવ અમે ગુરુતમનો ભોગવીએ. અમારો દેખાવ, વર્તન બધું લઘુતમનું. જગતના માટે તો હું સૌથી નાનામાં નાનો છું, લઘુતમ પુરુષ છું અને આ 'જ્ઞાન' જેને જાણવું છે તેને માટે તો હું સૌથી મોટામાં મોટો છું, ગુરુતમ છું. એટલે જો તારે મોક્ષ જોઈતો હોય તો હું ગુરુતમ છું, અમારાથી કોઈ મોટો નથી અને તારે સંસારમાં મોટા થવું હોય તો લઘુતમ છું. ભાવમાં તો લઘુતમ જ એટલે હું કંઈ તમારો ઉપરી નથી. તમે મારા ઉપરી છો. મેં મારી જાતને ઉપરીપણું કોઈ દહાડોય માન્યું નથી. આ તો તમે મને વઢો પણ હું તમને નહીં વઢું. હું વઢું તો હું ભૂલથાપ ખઈ ગયો કહેવાઉ. અને તમે વઢો તો, તમારી સમજણફેરને લઈને વઢી પડો. કચાશ એટલે વઢી પડોને? બાકી, આખું જગત અમારું ઉપરી છે. કારણ કે હું લઘુતમ છું. લઘુતમ એટલે નીચે ઊતરવું. એ તો રમતાં રમતાં નીચે ઊતરી જવાય. ના ઊતરી જાય રમતાં રમતાં? અમે તો નિરાંતે રમતાં રમતાં ઊતરી ગયા હતા. માટે ભાવ લઘુતમનો જ રાખવો. જેટલું લઘુતમનો ભાવ રાખશો એટલું ગુરુતમમાં આગળ વધશો. અને લઘુતમ થાય તો ગુરુતમ પદ મળે છે. હું બધાને કહું છું ને, તમે અવિનય કરશો તો ચાલશે પણ મારાથી અવિનય ના કરાય. કારણ કે એમને જવાબદારીનો ખ્યાલ નથી અને મને જવાબદારી છે. તેથી કોઈને આજ સુધી વઢ્યો જ નથી. આ બધાને કહી દીધેલું કે તમારો શિષ્ય હું છું. 'બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ' હું બધાનો શિષ્ય છું, લઘુતમ છું. 'બાય રીયલ વ્યૂપોઈન્ટ' હું ગુરુતમ છું. એટલે વ્યાવહારિક દ્ષ્ટિથી, મારાથી કોઈ નીચો નથી, મારાથી બધા મોટા છે અને ખરી દ્ષ્ટિથી, ભગવાનની દ્ષ્ટિથી મારાથી કોઈ મોટો નથી. જીવમાત્રની જોડે, આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદદ્ષ્ટિ રાખવી અને લઘુતમભાવમાં રહેવું એ જ આ અક્રમ વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' છે. આ વિજ્ઞાન કંઈ એમ ને એમ 'ફાઉન્ડેશન' વગર નથી. કેવળજ્ઞાન પછી અભેદ સ્વરૂપે વ્યવહારમાં લઘુતમ અને નિશ્ચયમાં ગુરુતમ પાછાં. હમ સે બડા કોઈ નહીં. હં ! ભગવાન બડા હતા, તે તો અમને વશ થઈ ગયેલા. ભગવાન અમને વશ થયેલા હોય, અમારી ભક્તિ જોઈને! અમે ને ભગવાન એકાકાર જ છીએ અને જુદાય છીએ, આમ બેઉ રીતે છીએ. કેવળજ્ઞાન થાય ત્યારે પોતે એકાકાર થઈ જાય. થોડી વખત અમે ભગવાન તરીકે રહીએ, થોડીવાર આ દર્શન કરાવીએ, 'દાદા ભગવાનના અસીમ જય જયકાર' કરે તે ઘડીએ ભગવાન તરીકે રહેવાનું. તેથી બધા ઉલ્લાસમાં આવીને આમ આમ કર્યા કરેને ! જે સ્વરૂપે સમજશો તે સ્વરૂપ થાશો (૧૯૫૮માં જ્ઞાન થયા પછી) હું તો આ શરીરમાં એક મિનિટ પણ રહેતો નથી, પચ્ચીસ વર્ષથી એક મિનિટ પણ રહ્યો નથી. આ મન-વચન-કાયાથી હું તદ્દન જુદો રહું છું. એટલે આને ગાળો ભાંડે-મારે તોય મને વાંધો ના આવે ને ! લોકો મને ઓળખતા જ નથી ! શી રીતે મને ગાળ દઈ શકે ? અને જે મને ઓળખે છે તે તો પરમાત્મા તરીકે ઓળખે છે. એટલે એ બધા લોકો મને ગાળ દેય નહીં ને કશું આવું તેવું એ બાજુનું વર્તન જ ના હોય ને ! અને લોકો તો 'એ.એમ.પટેલ' તરીકે ઓળખે છે અગર તો ગુરુ તરીકે ઓળખે છે. પણ હું કોઈનો ગુરુ થઈ બેઠો જ નથી. હું તો લઘુતમ પુરુષ છું. જ્ઞાની તરીકે હું બિલકુલ લઘુતમ છું. હવે તમે મારું સ્વરૂપ જ્ઞાની સમજશો તો જ્ઞાની થશો. તમે મારું સ્વરૂપ આચાર્ય સમજો તો તમે આચાર્ય સ્વરૂપ થશો. મારું સ્વરૂપ આચાર્ય તમે સમજો તો મને વાંધો નથી, પણ તમે આચાર્ય સ્વરૂપ થશો. તમારે જે જરૂર હોય એ સ્વરૂપ અમારું જાણશો, તે તમે થશો. મારે કશું થવું નથી. હું તો થઈને બેઠો છું. એટલે અમારું પદ જેને જે સમજવું હોય એટલો એ રૂપ થશે. આ વાત સમજાય તો કામ નીકળી જાય. પૂર્ણ લઘુતમ, ત્યાં પૂર્ણત્વ ! જે 'રિલેટિવ'માં ડિવેલ્યુએશન થઈ ગયો, તે 'રીયલ'માં પરમાત્મા થઈ ગયો. એટલે 'રિલેટિવ'માં ડિવેલ્યુએશન' થવાની જરૂર. 'ડિવેલ્યુએશન' કરવામાં કશું નુકસાન નથી, ઊલટો નર્યો નફો છે. હેય! આનંદથી રહેવાનું. તે આ અમે જો 'ડિવેલ્યુએશન' કરીને બેઠા છીએ, એટલે જો કેવી મઝા આવે છે ! હવે હું શું કહું છું ? 'રિલેટિવ'માં તમે જેટલા 'ડિવેલ્યુએશન' થશો એટલું 'રીયલ'માં પરમાત્મા પદ ખીલશે. એટલે સહેલામાં સહેલો રસ્તો છે ને ! એટલે આપણે 'રિલેટિવ'માં લઘુતમ થવાનો પ્રયત્ન કરો તો કુદરતી રીતે પેલામાં ગુરુતમ થાય અને પૂર્ણત્વ થાય. વ્યવહારમાં વાત કરવી હોય તો 'મારાથી કોઈ જીવ નાનો નહીં અને સહુથી નાનામાં નાનો હું' એવું ભાન રહે એટલે બહુ થઈ ગયું. હવે તમે લઘુતમ થશો તો જ તમને મૂળ પદ પ્રાપ્ત થશે અને તો જ તમારું ભગવાન પદ થશે. જ્ઞાનીની કરુણા સભર વાણી પ્રશ્નકર્તા : આપની આ વીતરાગ વાણી, પણ કોઈ વાર કડક નીકળે તે શાને આધારે હોય ? દાદાશ્રી : અમને તો અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ અમે જાતે નિર્દોષ દ્ષ્ટિ કરીને આખાય જગતને નિર્દોષ જોઈએ છીએ ! તાત્ત્વિક દ્ષ્ટિએ જોઈએ તો દોષ કોઈનોય નથી, સંજોગો એવા છે તેથી. પણ આ અમે કડક બોલીએ છીએ, તે સામા માટે સંપૂર્ણ કરુણા હોવાથી, એનો રોગ કાઢવા બોલીએ છીએ. વીતરાગો પણ કોઈને વઢ્યા નથી. વીતરાગો કેવા ડાહ્યા છે ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં, એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણે પણ એ જ ધ્યેય છે ને ? આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાવ, પાછળ 'દાદા' થવાના છે ત્યાં જાવ. તે 'અમારા' ભાગે આવ્યું છે. 'અમારો' ઠપકો તો 'કરુણા'નો ઠપકો છે. 'અમારો' સ્વભાવ તો વીતરાગ છે. પણ 'જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે.' જેવો સામે રોગ હોય, તેવી આ નૈમિત્તિક વાણી નીકળે. કરુણાનો જ અવતાર છે આ. કારુણ્યમૂર્તિ છે આ ! હા, જે તે રસ્તે આપણો ઉકેલ લાવવો. આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળેય નહીં હોય અને કોઈ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે! અભેદ પ્રેમ ત્યાં બુદ્ધિનો અંત ભગવાન કેવા છે ? અનાસક્ત ! કોઈ જગ્યાએ આસક્ત નહીં. પ્રશ્નકર્તા : અને જ્ઞાનીયે અનાસક્ત જ ને ? દાદાશ્રી : હા. તેથી અમારો નિરંતર પ્રેમ હોય ને ! તે બધે સરખો, સમાન પ્રેમ હોય. ગાળો ભાંડે તેની પર સમાન, ફૂલ ચઢાવે તેની પર સમાન અને ફૂલ ના ચઢાવે તેની પરેય સમાન. અમારા પ્રેમમાં ભેદ ના પડે અને અભેદ પ્રેમ છે, ત્યાં તો બુદ્ધિ જતી રહે પછી. ભેદ નહીં પાડવો, એનું નામ પ્રેમ ! અભેદતા થઈ એ જ પ્રેમ. એ પ્રેમ નોર્માલિટી કહેવાય છે. અભેદ પ્રેમ ઉત્પન્ન થાય કે બુદ્ધિ ખલાસ થઈ એટલે અહંકાર ખલાસ થયો. પછી કશું રહ્યું નહીં અને મમતા ના હોય ત્યારે જ પ્રેમ સ્વરૂપ થઈ શકે. અમે તો અખંડ પ્રેમવાળા ! અમારે આ દેહ ઉપર મમતા નથી, આ વાણી ઉપર મમતા નથી અને મન ઉપરેય મમતા નથી. જ્ઞાની, પ્રેમ સ્વરૂપ પ્રશ્નકર્તા : સાચો પ્રેમ કોનું નામ કહેવાય? દાદાશ્રી : સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ ! અમારો જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એવો અમારો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે. 'જ્ઞાનીપુરુષ'નો શુદ્ધ પ્રેમ જે આમ ઉઘાડો દેખાય, એ જ પરમાત્મા છે. પરમાત્મા એ બીજી કોઈ વસ્તુ જ નથી. શુદ્ધ પ્રેમ જે દેખાય છે, જે વધે નહીં, ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા, ઉઘાડા-ખુલ્લા પરમાત્મા ! અને જ્ઞાન એ સૂક્ષ્મ પરમાત્મા, એ સમજતાં વાર લાગે. પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ તો એ અહંકાર સિવાય ધારણ કેવી રીતે થાય ? દાદાશ્રી : અહંકાર છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ આવે જ નહીં ને ! અહંકાર ને શુદ્ધ પ્રેમ, બે સાથે રહી શકે નહીં. શુદ્ધ પ્રેમ ક્યારે આવે? અહંકાર ઓગળવા માંડે ત્યારથી શુદ્ધ પ્રેમ આવવા માંડે અને અહંકાર સંપૂર્ણ ઓગળી જાય એટલે શુદ્ધ પ્રેમની મૂર્તિ થઈ જાય. શુદ્ધ પ્રેમની મૂર્તિ એ જ પરમાત્મા છે. ત્યાં આગળ તમારું બધી જ જાતનું કલ્યાણ થઈ જાય. એ નિષ્પક્ષપાતી હોય, કોઈ પક્ષપાત ના હોય. શાસ્ત્રોથી પર હોય. ચાર વેદ ભણી રહે, ત્યારે વેદ 'ઈટસેલ્ફ' બોલે કે 'ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ.' તો 'જ્ઞાની પુરુષ' કહે છે, ધીસ ઈઝ ધેટ, બસ ! 'જ્ઞાની પુરુષ' તો શુદ્ધ પ્રેમવાળા એટલે તરત જ આત્મા આપી દે. પ્રેમ તો વીતરાગોનો જ આ જગત આસક્તિથી ચાલી રહ્યું છે. પ્રેમ એ તો 'જ્ઞાની પુરુષ'થી તે ઠેઠ તીર્થંકર ભગવાન સુધી બધા પ્રેમવાળા હોય. એ લોકોને પ્રેમનું લાયસન્સ હોય. એ પ્રેમથી જ લોકોને સુખી કરી દે. એ પ્રેમથી જ બાંધે પાછા, છૂટાય નહીં. અલૌકિક પ્રેમ, જેમાં લૌકિકતા નામેય ના હોય. આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેનાથી 'જ્ઞાની' ખુશ થાય. ફક્ત આપણા પ્રેમથી જ ખુશ થશે. કારણ કે એ એકલા પ્રેમવાળા છે. એમની પાસે પ્રેમ સિવાય બીજું કશું છે નહીં. આખા જગત જોડે એમને પ્રેમ છે. પ્રેમ પ્રગટાવે આત્મઐશ્ચર્ય પ્રશ્નકર્તા : પ્રેમ અને કરુણાનો શું સંબંધ છે ? દાદાશ્રી : કરુણા ક્યારે વપરાય ? સામાન્ય ભાવે બધાના દુઃખ પોતે જોઈ શકે છે, ત્યાં કરુણા રાખે. એટલે કરુણા એટલે શું ? એક જાતની કૃપા છે. અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમ તો એને વિટામીન કહેવામાં આવે છે. એવો પ્રેમ જુએને એટલે એનામાં વિટામીન ઉત્પન્ન થાય, આત્મવિટામીન. દેહના વિટામીન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામીન ચાખ્યું નથી ને ! એનામાં આત્મવીર્ય પ્રગટ થાય છે, ઐશ્ચર્યપણું પ્રગટ થાય. હવે એ શુદ્ધ ચેતન એટલે શુદ્ધાત્મા અને એ જ પરમેશ્વર છે. એનું નામ ક્યારે યાદ આવે કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવેને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવા આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને 'દાદા' યાદ આવે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમને તમારી પર પ્રેમ છે, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો ? કારણ કે 'દાદા'એ કંઈક સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને! એ યાદ કરવાનું હોય જ નહીં. એક જ હથિયાર, શુદ્ધ પ્રેમનું પ્રશ્નકર્તા : અમને આપને માટે જે ભાવ જાગતો હોય... દાદાશ્રી : એ તો અમારો પ્રેમ તમને પકડે છે. સાચો પ્રેમ આખા જગતને પકડી શકે. પ્રેમ ક્યાં ક્યાં હોય ? પ્રેમ ત્યાં હોય કે જ્યાં અભેદતા હોય. એટલે જગત જોડે અભેદતા ક્યારે કહેવાય કે પ્રેમસ્વરૂપ થાય તો. આખા જગત જોડે અભેદતા કહેવાય. એટલે ત્યાં આગળ પ્રેમ સિવાય બીજું કશું દેખાય નહીં. અમારી ઉપર જે પ્રેમ રહે છે તેનો વાંધો નહીં. એ તમને હેલ્પ કરશે. એનાથી બીજે આડી જગ્યાએ વપરાતો પ્રેમ ઉઠી જશે. પ્રશ્નકર્તા : એટલે અમારામાં જાગતો ભાવ એ આપના જ પ્રેમનું પરિણામ છે ? દાદાશ્રી : હા, પ્રેમનું જ પરિણામ છે. એટલે પ્રેમના હથિયારથી જ ડાહ્યા થઈ જાય. મારે વઢવું ના પડે. હું કોઈને લડવા માગતો નથી. મારી પાસે તો પ્રેમનું એક જ હથિયાર છે. ક્રોધ-માન-માયા-લોભના એ હથિયાર મેં નીચે મૂકેલાં છે એટલે હું વાપરતો નથી. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. 'જ્ઞાની' બંધાયા પ્રેમથી પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન લીધા પછી બે-ત્રણ ભવ બાકી રહે તો તેટલા સમય પૂરતી તો સંપૂર્ણ કરુણા-સહાય કરવાને તો આપ બંધાયેલા છો કે નહીં ? દાદાશ્રી : બંધાયેલા એટલે જ કે અમે પ્રેમથી બંધાયેલા છીએ. તે તમે જ્યાં સુધી પ્રેમ રાખો ત્યાં સુધી બંધાયેલા. તમારો પ્રેમ છૂટ્યો કે અમે છૂટા. અમે તમારો સંસાર પ્રતિ પ્રેમ વળી ગયો તો છૂટા થઈ જશો અને આત્મા પ્રતિ પ્રેમ રહ્યો તો બંધાયેલા છીએ. તમને કેમ લાગે છે ? બંધાયેલા તો ખરા જ ! પ્રેમથી તો બંધાયેલા જ છીએ ને ! અજોડ પ્રેમાવતાર એટલે તો 'દાદા' સૂક્ષ્મભાવે આખા વર્લ્ડમાં ફર્યા કરે છે. હું સ્થૂળભાવે અહીં હોઉં ને દાદા સૂક્ષ્મભાવે બધે આખા વર્લ્ડમાં ફર્યા કરે છે, બધે ધ્યાન રાખે છે. એટલે આ પ્રેમાવતાર છે. તે જ્યાં કોઈને કંઈક સહેજ મન ગૂંચાયું કે ત્યાં પોતે આવીને હાજર! એટલે આ બધું થયા જ કરે છે. છતાંયે આમાં ચમત્કાર જેવી વસ્તુ નથી. આ સ્વાભાવિક છે. કોઈ પણ માણસની આવરણરહિત સ્થિતિ થાય અને થોડું કંઈક કેવળજ્ઞાનને અંતરાય કરે એટલું આવરણ રહ્યું હોય અને જગતમાં જેનો જોટો ના જડે એવા પ્રેમાવતાર થયેલા હોય, ત્યાં બધું જ થાય. છતાં રહ્યો ફેર ચૌદશ-પૂનમમાં એટલે જગતમાં ક્યારેય પણ જોયો ના હોય એવો પ્રેમ ઉત્પન્ન થયો છે. કારણ કે જ્યાં પ્રેમ ઉત્પન્ન થાય એવી જગ્યા હતી, તે સંપૂર્ણ વીતરાગ હતા. એટલે ત્યાં પ્રેમ દેખાય નહીં. અમે કાચા રહી ગયા, તે પ્રેમ રહ્યો ને સંપૂર્ણ વીતરાગતા ના આવી. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમે પ્રેમ સ્વરૂપ થયા પણ ત્યારે સંપૂર્ણ વીતરાગતા ના ઉત્પન્ન થઈ, એ જરા સમજવું હતું. દાદાશ્રી : પ્રેમ એટલે શું ? કિંચિત્માત્ર કોઈના તરફ સહેજ પણ ભાવ બગડે નહીં, એનું નામ પ્રેમ. એટલે સંપૂર્ણ વીતરાગતા, એનું નામ જ સંપૂર્ણ પ્રેમ કહેવાય. જેટલો વીતરાગ થયો એટલો પ્રેમ ઉત્પન્ન થયો. સંપૂર્ણ વીતરાગને સંપૂર્ણ પ્રેમ ! એટલે વીતદ્વેષ તો તમે બધા થઈ ગયેલા જ છો. હવે વીતરાગ ધીમે ધીમે થતા જાવ દરેક બાબતમાં, એમ પ્રેમ ઉત્પન્ન થતો જાય. પ્રશ્નકર્તા : ત્યારે અહીં આપે કહ્યું કે અમારે પ્રેમ કહેવાય, પણ વીતરાગતા ના આવી એ શું ? દાદાશ્રી : વીતરાગતા એટલે આ અમારો પ્રેમ છે. તે આમ પ્રેમ દેખાતો હોય ને આ વીતરાગોનો પ્રેમ આમ દેખાય નહીં. પણ ખરો પ્રેમ તો એમનો જ કહેવાય અને અમારો પ્રેમ લોકોને દેખાય, પણ તે ખરો સંપૂર્ણ પ્રેમ ના કહેવાય (તીર્થંકરોના સંપૂર્ણ પ્રેમની અપેક્ષાએ). એક્ઝેક્ટલી જેને પ્રેમ કહેવામાં આવે છેને, એ ના કહેવાય. એક્ઝેક્ટલી તો સંપૂર્ણ વીતરાગતા થાય ત્યારે સાચો પ્રેમ અને અમારે તો હજુ ચૌદશ કહેવાય, પૂનમ ન્હોય! પ્રશ્નકર્તા : સંપૂર્ણ વીતરાગતા હોય ને પ્રેમ વગરનો હોય, એવું તો બને જ નહીં ને ? દાદાશ્રી : પ્રેમ વગર તો હોય જ નહીંને એ! પ્રશ્નકર્તા : એટલે દાદા, ચૌદશ અને પૂનમમાં આટલો ફેર પડી જાય છે, આટલો બધો તફાવત એમ? દાદાશ્રી : આ તો આપણને પૂનમ જેવો લાગે પણ તે ઘણો તફાવત ! તીર્થંકરોના હાથમાં તો બધું જ ! છતાં પણ અમને પૂનમ જેટલો સંતોષ રહે ! અમારી શક્તિ, પોતાના માટે શક્તિ એટલી કામ કરતી હોય કે પૂનમ આપણને થયેલી હોય એવું લાગે! કલ્યાણ, જ્ઞાનીના દર્શનથી પ્રશ્નકર્તા : જ્ઞાનીપુરુષના દર્શનનું મહાત્મય શું ? એનું શું ફળ મળે ? દાદાશ્રી : 'જ્ઞાનીપુરુષ' શલ્ય રહિત હોય. પોતે પ્રસન્ન ચિત્તવાળા હોવાથી સામાને એ પ્રસન્નચિત્તનાં દર્શન કરવાથી જ એને આનંદ પ્રગટે. 'જ્ઞાની'નાં દર્શન માત્રથી અનેક અવતારોનાં પાપો ભસ્મીભૂત થઇ જાય! 'જ્ઞાનીપુરુષ'ને વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે જે આપણે આપીએ તો એમને કામ લાગે. કારણ કે એમને કોઈ ચીજની ભીખ જ ના હોય. એમને લક્ષ્મીની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, નિરિચ્છક એવા 'જ્ઞાનીપુરુષ', જેના દર્શન માત્રથી જ પાપ ધોવાઈ જાય! એમની પાસે બેસવાથી અપાર શાંતિનો અનુભવ થાય. અમને કોઇ પણ સંજોગોમાં પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અમારી આંખોમાં બીજો કશો ભાવ ના દેખાય, એટલે લોકો દર્શન કરે. કોઇ પણ જાતનો ખરાબ ભાવ આંખોમાં ના વંચાવો જોઇએ. ત્યારે એ આંખોને જોતાં જ સમાધિ થાય ! આ દર્શન વર્લ્ડની અજાયબી કહેવાય. આ તો અગિયારમું આશ્ચર્ય છે. કોઈ પણ જાતના પ્રશ્નો પૂછો, કરોડો પ્રશ્ન પૂછો. એ જ્ઞાનીપુરુષ જોઈને કહેશે. શાસ્ત્રનો શબ્દ ના હોય. અહીં એક મિનિટમાં તો ઘણું કામ થાય. પ્રશ્નકર્તા : પ્રશ્ન નથી પણ અમારે આ રસ્તે ચાલવું છે. દાદાશ્રી : હા, બસ, બસ. આ દર્શન જ કર્યા કરવાનાં. દર્શન કરવાથી બધું થઈ જાય. આપણને પ્રશ્ન હોયને તો પ્રશ્ન પૂછવાના. બાકી પ્રશ્નો ઊભા ના થાય. ખાલી આ દર્શનથી જ પ્રશ્નો પૂરા થઈ જાય. આપણા મનમાં ખુલાસા થાય. પણ જ્યાં ખુલાસાની જ તમારે જરૂર નથી. અહીં હિન્દુસ્તાનમાં જન્મ લે ને, જો જ્ઞાનીપુરુષનાં દર્શન થાય ને, તો કલ્યાણ થઈ ગયું. એકડો ઘૂંટતો હોય કે ગમે તે ઘૂંટતો હોય, જ્ઞાનીપુરુષ ભેગા થાય એટલે કલ્યાણ થઈ જાય ! ફળ, જ્ઞાનીના દર્શનનું ''સત્સંગ છે પુણ્યૈ સંચાલિત, ચાહું અભ્યુદય-આનુષંગિક.'' 'જ્ઞાનીપુરુષ'ને મળે ત્યારથી બે ફળ મળે. એક, અભ્યુદય એટલે સંસારનો અભ્યુદય થતો જાય, સંસારફળ મળે અને બીજું, 'આનુષંગિક' એટલે મોક્ષફળ મળે ! બંને ફળ સાથે મળે. અને તેથી તો ઊંચામાં ઊંચી શાંતિ રહે છે. સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંનેય સાથે જ રહે. જો બંને ફળ સાથે ના મળે તો તે 'જ્ઞાનીપુરુષ' નથી. આ તો પાર વગરના ઓવરડ્રાફ્ટ છે, તેથી દેખાતું નથી. આ સત્સંગ કરો છો, માટે એ ઓવરડ્રાફટ પૂરા થવાનાં જ. પૂર્ણદશાએ ખીલે આતમચંદ્ર આપણે ત્યાં ત્રણ દિવસ ઉત્તમ, એક બેસતું વર્ષ, એક આ જન્મજયંતી અને આ ગુરુપૂર્ણિમા. તે દહાડે અમારે બીજા જોડે ભાંજગડ ના હોયને, એટલે અમે પૂર્ણ સ્વરૂપે એકાકાર હોઈએ. હું (જ્ઞાની પુરુષ) પેલા સ્વરૂપની અંદર (દાદા ભગવાન જોડે) એકાકાર હોઉં, એટલે ફળ તેનું મળે. તેથી દર્શન કરવાનું માહાત્મ્યને! સમભાવ, સર્વે ધર્મો પર પ્રશ્નકર્તા : આપ સાક્ષાત્કારી પુરુષ છો, હવે આપ મંદિરોમાં જાવ, એનાથી મંદિરમાં જવા માટેની પ્રતિષ્ઠા નથી ઊભી થતી ? દાદાશ્રી : અમે જ્યાં જઈએ ત્યાં બધે દર્શન કરવા જઈએ. દેરાસરોમાં, મહાદેવના મંદિરમાં, માતાજીની દેરીમાં, મસ્જિદમાં બધે જ દર્શન કરવા જઈએ. અમે ના જઈએ તો લોકોય ના જાય. એનાથી ચીલો અવળો પડે. અમારાથી ચીલો અવળો ના પડે, એની અમારી જવાબદારી હોય. લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય એવા અમારા રસ્તા હોય. આ પ્રેરણા છે કુદરતી પ્રશ્નકર્તા : આપને આ ધર્મપ્રચારની પ્રેરણા કોણે આપી ? દાદાશ્રી : પ્રેરણા બધી કુદરતી છે આ ! મને પોતાને જે સુખ ઉત્પન્ન થયું, એટલે ભાવના ઉત્પન્ન થઈ કે લોકોને આવું સુખ ઉત્પન્ન થાવ, એ જ પ્રેરણા ! મને લોકો કહે છે, 'તમે કેવી રીતે જગત કલ્યાણનું નિયાણું પૂરું કરશો ? આ ઉંમર તો થઈ હવે ! સવારમાં ઊઠો છો ત્યાર પછી ચા પીતાં પીતાં દસ તો વાગી જાય છે.' અરે ભઈ, અમારે આ સ્થૂળ નથી કરવાનું, બધું સૂક્ષ્મ થઈ રહ્યું છે. ફક્ત આ સ્થૂળ દેખાવ કરવાનો છે. સ્થૂળના ટેકા દેવા પડશે ! 'હું' 'સ્વરૂપ'માં અને 'પટેલ' જગત કલ્યાણની વિધિમાં ઘણો ખરો ટાઈમ 'હું' 'મૂળ સ્વરૂપ'માં રહું છું, એટલે 'પાડોશી' તરીકે રહું છું અને થોડોક જ ટાઈમ આમાં આવું છું. 'મૂળ સ્વરૂપ'માં રહું એટલે પછી ફ્રેશનેસને બીજું કશું અડે જ નહીંને ! ને રાતેય કોઈ દહાડો ઊંઘ્યો નથી. પાએક કલાક જરા મટકું વાગી જાય એટલું જ, બે વખત થઈને પા કલાક, બાકી ફક્ત આંખ મીંચેલી હોય. આ કાને જરા ઓછું સંભળાય એટલે પેલા સમજી જાય કે દાદાજી ઊંઘી ગયા છે ને હુંય સમજું બરોબર છે. મારે વિધિઓ હોય બધી, તે હું મારામાં (મૂળ સ્વરૂપમાં) હોઉં અને એ.એમ.પટેલ વિધિમાં હોય. એટલે આ જગતનું કલ્યાણ કેમ થાય, એની બધી વિધિ કર્યા કરે. એટલે એ નિરંતર વિધિઓમાં હોય, દહાડેય હોય ને રાતેય હોય!!! પ્રકૃતિને આમ વાળે જ્ઞાની બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે, એ વાતમાં માલ નથી. આ સિત્યોતેરમે વર્ષે એક કલાક સુધી પદ્માસન વાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું. અમારે આ દેહ ઉપર પ્રીતિ કેટલી ? આ દેહે મોક્ષ તો મળ્યો, પોતાનું કલ્યાણ તો થઈ ગયું, હવે લોકોના કલ્યાણ માટે આ દેહ ખર્ચાય એટલા પૂરતું જ એનું જતન, એટલા પૂરતી જ એની પ્રીતિ ! બાકી એને પણ અમે તો એક પાડોશીની જેમ નિભાવીએ છીએ. આ દેહનો અધિકાર આપણા પોતાનો છે જ નહીં. જેનો જેનો હશે તે લઈ લેશે. આપણે તો આ દેહને મિત્ર સમાન ગણીને આપણું કામ કાઢી લેવાનું છે. બાકી આ દેહમાં ક્યારે શું થઈ જાય તે કશું જ કહેવાય નહીં. બાકી આપણા પોતાના (શુદ્ધાત્માના) પ્રદેશને કંઈ જ થાય તેમ નથી. જે દેહે મોક્ષે જવાનું છે તે દેહ બહુ મજબૂત હોય, નિર્વાણ પામનારો દેહ 'ચરમ શરીરી' કહેવાય. હાજરી જ કલ્યાણ કરે પ્રશ્નકર્તા : આપના જેવી વ્યક્તિનું પછી જગતમાં પ્રદાન કયા પ્રકારનું હોય છે અથવા જગત કલ્યાણ માટે એનું શું મહત્વ છે ? દાદાશ્રી : એની હાજરી જ જગતનું કલ્યાણ કરે. હાજરી જ, પ્રેઝન્સથી જ. જગતનું કલ્યાણ થવાનું હોય ત્યારે એ હાજર થાય. એની હાજરી જ કલ્યાણ કરે. પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિતે આપને પસંદ કર્યા ? દાદાશ્રી : વ્યવસ્થિતના નિયમે. કોઈએ કહ્યું ન્હોતું. પહેલેથી ભાવના જ હતી કે આ જગત આવું ન હોવું જોઈએ, કલ્યાણ થવું જોઈએ. તે આ કારણો છોડ્યા! એ જ્ઞાન કોઈને થજો અને લોકોનું કલ્યાણ થાય એવું. અને તે આ જ્ઞાન મને જ થઈ ગયું. મને ખબર નહીં કે આવું જ્ઞાન થશે ! અને કેવું જ્ઞાન પ્રગટ થયું? મારા ધાર્યા પ્રમાણે દરેક લોકોનું કલ્યાણ થાઓ ને કલ્યાણ થાય એવું પુણ્ય નીકળ્યું. એટલે હવે તમારે જે માગણી કરવી હોય તે કરજો. સૂક્ષ્મ દાદા હજારો વર્ષ સુધી... પ્રશ્નકર્તા : દાદા ભગવાન તો ચૌદ લોકના નાથ છે, એના સિવાય અમારે બીજંુ શું જોઈએ ? દાદાશ્રી : ચૌદ લોકનો નાથ છે પણ એ આપણા હાથમાં પકડાય શી રીતે? આ દેહમંદિર છે ત્યાં સુધી પકડાય. પછી આ મંદિર જ ઊડી ગયું તો ? હા, આ આંખે દેખાતાને જ દાદા માને છે. બાકી, મૂળ દાદા ભગવાન જુદા. આ દેખાય એ દાદા જુદાં અને પાછો વચ્ચેનો ભાગ, સૂક્ષ્મ દાદા. પ્રશ્નકર્તા : તો જે આપે ભાવના કહી, એ ભાવના કઈ હોવી ઘટે, સૂક્ષ્મ દાદાની ? દાદાશ્રી : જ્યાં સુધી નિદિધ્યાસન રહે, ત્યાં સુધી કોઈ જાતનો વાંધો નહીં આવે. આ સ્થૂળ હાજરી ખોળે તો વાંધો આવશે. પ્રશ્નકર્તા : અને આ જ મૂર્તિનું નિદિધ્યાસન હશે, તો વાંધો નહીં આવે? દાદાશ્રી : ફર્સ્ટક્લાસ રહેશે, હાઈક્લાસ રહેશે. હાલતું-ચાલતું, બોલતું બધું રહેશે. એ જોડે દેખાય એટલું જ નહીં, પોતાની જોડે જ લાગે એવું. વાતો હઉ કરતાં દેખાય. તે કાયમ ટકે. અમે ના હોય તોય સૂક્ષ્મ દાદા હજારો વર્ષો સુધી ચાલશે. કલ્યાણની ભાવના પમાડશે પૂર્ણ દશા જગતનું કલ્યાણ કોણ કરી શકે ? પોતાનું જે કલ્યાણ કરે, તે બીજાનું કરે. આ લોકોનું કલ્યાણ કેમ થાય એ જ અમારે જોવાનું. અને એટલા જ માટે આ અમારો અવતાર થયો છે. આ અડધા જગતનું કલ્યાણ અમારા હાથે થશે અને બાકી અડધા જગતનું કલ્યાણ આ અમારા ફોલોઅર્સને હાથે થશે. આપણું કલ્યાણ થઈ ગયું, હવે બીજાનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. એ જ આપણને સંપૂર્ણ-પૂર્ણ દશા ઉત્પન્ન કરાવશે. 'બધાનું કલ્યાણ થાઓ' એ ભાવના, પહેલાં પોતાનું જ કલ્યાણ કરે! ભાવો ભાવના જગત કલ્યાણની પ્રશ્નકર્તા : આપણી જે જગત કલ્યાણની ભાવના છે, એ જ ભાવના એકલી જીવનની અંદર હોય તો? દાદાશ્રી : હા, તે ભાવનાનું ફળ બહુ મોટું મળશે. તીર્થંકરોએ જગત કલ્યાણની જ ભાવના ભાવેલી, બસ ! એનું ફળ શું મળ્યું કે આ તીર્થંકર થાય. જ્યાં પગ પડે ત્યાં તીર્થ કહેવાય. એવું, હું એ જ ભાવના કરું છું, તમારી એ જ ભાવના છે તે ભાવના ફળશે. એક જ સાચો માણસ હોય તો જગત કલ્યાણ કરી શકે ! સંપૂર્ણ આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે. આ ભાવના ભાવી છે તો ભાવનાનું જતન કરજે. આવાં પાંચની જ જરૂર જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે ! આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યાં છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારીભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ 'દાદા'ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવાં એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !! આ 'વિજ્ઞાન' દબાઈ જવાનું નથી પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના આપની કૃપા થકી અમને બધાને થઈ છે. તો આ જ્ઞાનરૂપી સમુદ્રને જાણે કે પછી સમજાશે પણ જગત એ જાણે એવુંય કેવી રીતે કરાય ? દાદાશ્રી : તમારે તો મહીં આ ભાવના જ રાખવાની કે જગત કલ્યાણને પામો. એ ભાવના સાચા દિલની છે. જગત તો પામવાનું જ છે, એમાં બે મત જ નથી. કુદરત જ આમાં હેલ્પ કરશે. બીજું કોઈ હેલ્પ નહીં કરી શકે. તે એવી ખરેખરી હેલ્પ કરશે ! જગત પામવાનું છેે એ નક્કી ! આ એમ ને એમ જવાનું નથી. આવું 'વિજ્ઞાન' જે પ્રગટ થયું છે એ એમ ને એમ દબાઈ જવાનું નથી. અને આ સીમંધર સ્વામી ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે ! એમના નિમિત્તથી આખા વર્લ્ડનું કલ્યાણ થશે. કારણ કે એ જીવતા હાજર છે. ટેકો દેવો, કલ્યાણના કાર્યને આ લોકોનું, હિન્દુસ્તાનનું કેમ કરીને કલ્યાણ થાય, એની માટેની પેરવીમાં છું. હું આત્મા થઈને, હું પુરુષ થઈને બોલું છું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છું. કેમ કરીને હિન્દુસ્તાન અને ફોરેન પર અસર થાય, એટલા માટે આ મારું બધું કાર્ય કરી રહ્યો છું. આ તંબુમાં જેમનાથી ટેકો દેવાય તે દેજો. આપણે તંબુ ઊભો કર્યો છે, તે ટેકો દેવો જોઈએ ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને આખું પૂઠિયું જ ફરી જવાનું છે. નવા ઉપદેશકો ઊભાં થશે. જૂના ઉપદેશકો રિટાયર થઈ જશે. જે સુખ હું પામ્યો, તે આખું જગ પામો મનમાં એમ ભાવ છે કે 'જેવું હું સુખ પામ્યો એવું બધા પામો.' બીજું કંઈ જોઈતું નથી, દુનિયામાં કોઈ ચીજ જોઈતી નથી. પણ એય ભાવ છેને ! ભાવ છે ત્યાં સુધી એ ડિગ્રી ઓછી. કંઈ પણ ભાવ છે ત્યાં સુધી સંપૂર્ણ વીતરાગ નહીં. એટલે ચાર ડિગ્રી અમારી ઓછી છે. પ્રશ્નકર્તા : દાદા, ત્રણસો સત્તાવન, અઠ્ઠાવન ને ઓગણસાઇઠનું શું પછી? દાદાશ્રી : એ તો ડિગ્રી પછી વધતી હોયને ! એ દશા બહુ ઓર ઊંચી હોય, એ દશા ઘણી ઊંચી હોય ! પ્રશ્નકર્તા : ત્રણસો સાઠવાળાને આ જગત કેવું દેખાય ? દાદાશ્રી : કોઈ જીવ દુઃખી છે નહીં, કોઈ સુખી છે નહીં, કોઈ દોષિત નથી. બધું રેગ્યુલર જ છે. સર્વ જીવો નિર્દોષ જ દેખાય, અમનેય નિર્દોષ દેખાય છે પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય છે. શ્રદ્ધામાં અને જ્ઞાનમાં, ચારિત્રમાં નથી એટલે અમે બોલીએ કે આ તેં ખોટું કર્યું, આ આનું સારું. સારું-ખોટું બોલે છે ત્યાં સુધી વર્તનમાં નિર્દોષ નથી દેખાતા ! પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય છે ખરા, પણ એ હજુ વર્તનમાં આવ્યું નથી. તે વર્તનમાં આવશે ત્યારે અમારી ત્રણસો સાઠ પૂરી થઈ જશે. હું કહું છુંને કે સત્યાવીસ વર્ષથી તો હું મુક્ત જ છું અને વિધાઉટ ટેન્શન. એટલે 'એ.એમ.પટેલ'ને ટેન્શન થતું'તું, કંઈ મને નહોતું થતું પણ 'એ.એમ.પટેલ'નેય ટેન્શન થાય છે ત્યાં સુધી આપણે બોજો જ છે ને! એ પૂરું થાય ત્યારે આપણે જાણવું કે આપણે છૂટ્યા અને તોય દેહ છે ત્યાં સુધી બંધન. અને તે તો અમને વાંધો નથી હવે. બે અવતાર થાય તોય વાંધો નથી. આ ભાવના કંઈક પૂર્વભવે ભાવેલી હશે કે આ જે સુખ હું પામ્યો છું એ લોકો પામે. એટલા પૂરતી આ ક્રિયા છે. એ ભાવનાનું ફળ છે આ. અમે છેલ્લે જઈશું પ્રશ્નકર્તા : જગતકલ્યાણ માટે તમે જ કહો છો ને, કે મારે ઉતાવળ જ નથી, ભલે એક-બે અવતાર થતા ! દાદાશ્રી : ઉતાવળ નથી, એનુંુ હું શું કહેવા માગું છું કે મને જ્યાં સુધી કુદરતી નિયમ હોય ત્યાં સુધી ભલે રાખે. હવે મોક્ષને માટે જવાનું આવે તોય હું તૈયાર છું, પણ (હમણે) એ મોક્ષની ઇચ્છા નથી. ઉતાવળ નથી એનો શો અર્ર્થ ? અમને તો મોક્ષ જ વર્તે છે. હવે લોકોનું કલ્યાણ થતું હોય તો ભલે થાય. હવે મારી ઇચ્છા છે કે લોકોનું કલ્યાણ થાવ. એ પછી નિરાંતે જઈશું. જ્ઞાની, શાસનના શણગાર જ્ઞાની પુરુષ કો'ક ફેરો હોય છે. દરેક પાંચમા આરામાં હોય છે જ. નહીં તો આ જગતનું, આ છેલ્લા તીર્થંકરના શાસનનું શું થાય? જંગલ થઈ જાય. એટલે આવું કંઈ ને કંઈ એક પુષ્ટિ હોય છે. એ હોય છે ને તે ચાલ્યા કરે છે. અને આ શાસન દીપશે. અત્યારે બહુ સરસ દીપશે. આ શાસન અમારું ના ગણાય. અમે ભગવાન મહાવીરના શાસનના શણગારકહેવાઈએ ! અમારે શાસનને (માલિક થઈને) શું કરવું ? આ પીડા અમે ક્યાં લઈએ ? આ તો ભગવાન મહાવીરનું શાસન કહેવાય. એ તીર્થંકરને શોભે. અમને શોભે નહીં આ. અમે તો વચ્ચે એમાં પુષ્ટિ દેનારા. અમારું આ નિમિત્ત છે. એ પૂરું કરીને અમે ચાલ્યા જવાના. 'જય સચ્ચિદાનંદ.' - જય સચ્ચિદાનંદ |