ભયસંજ્ઞા છૂટ્યે, થયો નિર્ભય-વીતરાગ !

સંપાદકીય

ચાર પ્રકારની સંજ્ઞા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવમાત્રને હોય જ, આહાર, મૈથુન, નિદ્રા, ભય. ગર્ભમાં પેસે ત્યારથી ઠેઠ મરતા સુધી આ સંજ્ઞા વણાયેલી જ હોય છે અને તેના દ્વારા કાર્યો થયા કરે છે. નાનું કૂરકૂરિયંુ પણ રસ્તા પર બેસી રહેલંુ હોય પણ ગાડીનો હોર્ન સાંભળી ઊભંુ થઈને ચાલવા માંડે. શાથી ? ભય સંજ્ઞાના આધારે મરી જઈશ તો, એવો ભય લાગે. જો ભય સંજ્ઞા ન હોત તો કુરકુરિયંુ યે રસ્તા ઉપરથી ખસે નહીં ને રસ્તામાં ટ્રાફિકની મુશ્કેલીઓ સર્જાય. તેમ ગાય ખાવાનંુ વાસણ લઈ જઈએ તો દોડતી આવે. શાથી ? આહાર સંજ્ઞાથી એને ખબર પડે.

ભય ઉત્પન્ન શી રીતે થાય ? જેટલો પોતાની જાતને વિનાશી માને છે, તેટલો ભય ઉત્પન્ન થાય. જ્યારે 'પોતે અવિનાશી છે' એવંુ ભાન થાય ત્યારથી નિર્ભય થતો જાય. પોતાને 'હંુ શુદ્ધાત્મા છંુ' ભાન થયા પછી પણ કોઈ વખત, કોઈ કોઈ જગ્યાએ ગયા હોય તો ભય લાગે, તે ભરેલો માલ કહેવાય. કોઈ ફેરો વિચિત્ર અવાજ થાય તો આખંુ શરીર ધ્રૂજી જાય, તે સંગી ચેતનાનો ભય કહેવાય, એને ભડકાટ કહેવાય. છતાં આત્મા આનાથી જુદો છે, તે અસરોથી મુક્ત છે.

આત્મ અનુભવની શ્રેણી ચઢતો જાય તેમ તેમ ભય ખલાસ થતો જાય. વીતરાગ થાય તે પરિણામે નિર્ભય હોય. મરણનો પણ ભય જેને રહ્યો નથી તે અક્ષરધામમાં આવ્યો કહેવાય. મરણનો ભય રહે છે તો ક્ષરધામમાં જ છે એ !

સંસારમાં વૈરાગી હોય, સંસાર ભોગવવાનો મોહ ના હોય, ત્યારે તો એને સંસારનો નિરંતર ભય લાગ્યા કરતો હોય, તેવાને કષાયો વાળી શકાય તેવા થયેલા હોય, તો પછી એ ત્યાગી થવાનો અધિકારી કહેવાય. ધર્મસ્થાનકોમાં ધર્મની આરાધના કરાવવા અનેક પ્રકારના ભય દેખાડવામાં આવતા હોય છે. સમજાવીને વાળવાને બદલે, ભડકાવીને ધર્મમાં વાળવાનો રસ્તો કરે છે. પરિણામે સામાન્ય માણસો મંુઝાય છે અને સાચો ધર્મ પામી શકતા નથી. એવી કંઈક સાચી સમજણ હોવી જોઈએ જેથી ભય જ ના લાગે. વીતરાગોનંુ જ્ઞાન છે તે નિર્ભય કરનારંુ છે. બધા ધર્મોમાં છેવટે વીતરાગ અને નિર્ભય થવાની વાત છે.

ગમે તે મનુષ્ય હોય પણ જો વીતરાગ થયો, નિર્ભય થયો, તો તે પ્રકૃતિની પાર નીકળી ગયો. તેની વાણી ઓર હોય, સ્વતંત્ર થયા હોય, દુનિયાના સ્વામીની પેઠ ફરતા હોય ! અને ત્યાં જ આત્મા અંદર પ્રગટ થયો છે કહી શકાય.

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની જ્ઞાનવાણીમાં ભય-નિર્ભયના સ્વરૂપોની સમજણ સંકલિત થઈ છે, જે નિર્ભય દશાની પારાશીશી પ્રાપ્ત કરાવશે.

દીપક દેસાઈ

 

ભયસંજ્ઞા છૂટ્યે, થયો નિર્ભય-વીતરાગ !

જીવ માત્રને ચાર સંજ્ઞાઓ !

પ્રશ્શનકર્તા : ભય હોય તો જ આટલી જાગૃતિ રહે, નહીં તો ના રહે. એટલે ભયથી થાય એવંુ કેમ ?

દાદાશ્રી : ભયથી જ આ જગતમાં બધંુ પાંસરંુ રહ્યંુ છે.

ભય તો કૂતરાં, ગધેડાં, બધાંને શાનો ભય હોય એમને ? નથી છોડીઓ, નહીં છોકરાં, એમને શાનો ભય ? ત્યારે કહે, 'ના, ભય જીવમાત્રમાં હોય.' આહાર, ભય, મૈથુન, નિદ્રા આ ચાર હોય જ. એટલે ભય ના હોય ને તો કૂતરાં રોડ પરથી ઊઠે જ નહીં. માર માર કરો તોય નાય ઊઠે. તો ય હજુ કેટલાંક નંગોડ થઈ ગયાં છે, હવે નહીં ઊઠતાં !

પ્રશ્શનકર્તા : આ જે ચાર સંજ્ઞાઓ - આહાર, ભય, મૈથુન અને નિદ્રા છે એ સંજ્ઞાઓ મનુષ્યમાં પણ છે અને પશુઓમાં પણ છે ને ?

દાદાશ્રી : હા, દરેક જીવમાત્રમાં એ ચાર સંજ્ઞાઓ છે. આ ઝાડમાંય એ સંજ્ઞાઓ ખરી ને !

પ્રશ્શનકર્તા : તો મનુષ્યમાં એટલો ભાગ પશુનો ખરો ને ?

દાદાશ્રી : ના, ના, એવંુ નથી. મનુષ્યમાં તો શંુ, પણ આ બધા જીવમાત્રમાં આહાર, ભય, મૈથુન અને નિદ્રા એ ચાર સંજ્ઞા સ્વભાવિક રીતે હોય જ. મનુષ્યમાં વધારે શંુ છે કે એનંુ અંતઃકરણ એ ફૂલ ડેવલપ થયેલંુ છે એટલે અન્લિમિટેડ મન છે. જ્યારે પેલા આહાર, ભય, મૈથુન, નિદ્રાવાળાને લિમિટેડ મન છે. એ લોકો અમુક લિમિટની બહાર જઈ શકે નહીં. લિમિટની અંદર રહે એટલે એને સંજ્ઞા કહેવામાં આવે છે અને આઉટ ઑફ લિમિટ એટલે તમારંુ મન તો ઠેઠ ભગવાન થઈ શકે, એટલંુ બધંુ વિચારી શકે.

પ્રશ્શનકર્તા : અમનેય આહાર, ભય, મૈથુન અને નિદ્રા વળગેલા જ છે ને ?

દાદાશ્રી : એ તો ચારેય સંજ્ઞા સહેજે રહેવાની જ, સ્વભાવિક રીતે બધાને જ રહેવાની. જીવ છે તો આ ચાર સંજ્ઞા છે જ.

પ્રશ્શનકર્તા : આ ચાર સંજ્ઞાઓ જે છે આહાર, ભય, મૈથુન અને નિદ્રા એનો જીવના આવાગમન સાથે કોઈ નિયમ છે ખરો ?

દાદાશ્રી : જીવનો સ્વભાવ જ સંજ્ઞા સાથે હોય છે. હા, અમુક જ ટાઈમ ભૂખ વેઠી શકે. વધારે ટાઈમ ભૂખ વેઠી શકે નહીં. પછી ભલે દેહવાળો હોય કે દેહ વગરનો હોય તોયે ભૂખ વેઠી ના શકે. કારણ કે આહાર સંજ્ઞાવાળા છે. એ ચારેય સંજ્ઞાઓ એને રહે છે. અને એ સંજ્ઞા રહિત તો થયો નથી એટલે અહીંથી પહેલો માતાના પેટમાં જાય છે ત્યારે શેનો આહાર કરે છે ? ત્યારે કહે, માતાનંુ રજ અને પિતાનંુ વીર્ય, તે આમ ભેગંુ થતાંની સાથે જ આખંુ એ ચૂસી લે છે. જેમ આ લોખંડનો ગોળો હોય ને ખૂબ ગરમ કર્યો હોય એની પર પાણી પડે તો શંુ થાય ? પાણી બહાર ઢળેલંુ દેખાય ? એવંુ બધંુ એ માતાનંુ રજ ને પિતાના વીર્યથી જે ખોરાક ઉત્પન્ન થયો એ ચૂસી લે છે, એનંુ બોડી બંધાય છે. એટલે આ ભૂખ વગર રહી શકે નહીં ને ! આ ઇલેક્ટ્રિકલ બોડી પોતે જ ભૂખ લગાડે એવી છે.

ચાર સંજ્ઞા એ પ્રકાર અશાતાના !

ચાર પ્રકારની અશાતા. એમને બીજી અશાતા ના હોય. એમને નાગા ફરે છે તેની ચિંતા નથી, તેની અશાતા જ નથી. નહાવાનંુ નથી મળતંુ તેનીયે અશાતા નથી. આ તો મનુષ્ય લોકોએ કલ્પિત બધંુ વધાર્યું છે. અન્નેસેસરી પ્રોબ્લેમ કર્યા છે. પણ જે નેસેસરી છે જેમ કે ઊંઘ, તે આખો દહાડો ભટક ભટક કરે ને ઊંઘવા જાય તો લોકો આવીને ઢેખાળો મારે. તે જંપીને ઊંઘવાયે ના દે. એની અશાતા થાય. પછી આહાર, ભય, મૈથુન ને નિદ્રા ચાર પ્રકારની એમને અશાતા છે. બીજી કોઈ જાતની અશાતા નથી. શેનો ભય ? તે મારી નાખશે, મારી નાખશે, એ ભય !

ભય સંજ્ઞા ચલાવે જીવોને !

પ્રશ્શનકર્તા : એમ કહે છે સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એવા બે પ્રકારના જીવો હોય છે. એટલે સંજ્ઞી પંચેન્દ્રિય હોય, તે મોટર જતી હોય તો પોતાની જાતને બચાવવા ત્યાંથી ખસી જાય અને અસંજ્ઞી હોય તો ત્યાંથી ખસે નહીં.

દાદાશ્રી : ના ખસે. સંજ્ઞી પંચેન્દ્રિયમાં ભય, મૈથુન, નિદ્રા કામ કરતી હોય. એટલે મોટર જાય એટલે એને મહીંથી ભય ઊભો થાય. અંદરથી ભય ઊભો થાય એટલે પછી ખસી જાય.

ભય સંજ્ઞા ઉઠાડે...

આ જાનવરોને જાગૃતિ આટલી કે હમણે હંુ મારા ઘરમાંથી આવડંુ એક વાસણ લઈને નીકળંુ, બહાર કશંુ નાખવા આવીએ છોડા-બોડા, તે ગાય ત્યાંથી સમજી જાય કે કશંુ નાખવા આવ્યા, તે આમ દોડતી આવે. તને કોણ કહી ગયંુ ? ત્યારે કહે, હંુ સમજી ગઈ મારી સંજ્ઞાથી કે આ કશંુ નાખવા આવ્યા, એ સંજ્ઞા. આહાર સંજ્ઞા એને થઈ. કારણ કે એણે પહેલાં આવંુ જોયેલંુ હોય અને પછી આમ આગળ ખાવાનંુ લાવ્યો હોય તો ગાય ખાવાનંુ જોઈ લે અને પાછળ લાકડી રાખી મેલી લાવ્યો હોય એ લાકડી આમ ઊંચી કરે એટલે પછી ના આવે, પાછી જતી રહે.

પ્રશ્શનકર્તા : એ ભય સંજ્ઞા છે.

દાદાશ્રી : હા, ભય સંજ્ઞા છે. એટલે આ ભય સંજ્ઞા ના હોય ને, તો ગવર્નમેન્ટના બધા રોડ નકામા જાત. કારણ કે સુંવાળા રોડ એટલે ગાયો-ભેંસો બેસી જ જાત ઉપર, તે ખસત જ નહીં. કારણ કે માટી-બાટી કશંુય નહીં. સંુવાળા, ફર્સ્ટ કલાસ. પછી ગાયો-ભેંસો ખસે જ નહીં ને ! અને આ રોડ ઉપર એકુય મોટર ના જવા દે. અને આપણાં માણસમાંયે જો કદી ભય સંજ્ઞા જતી રહે ને તો રસ્તામાં ઊભા રહે. એટલે આ દેહને ભય સંજ્ઞા જોઈએ જ. કાયદાથી ચાલવા માટે અવશ્ય જોઈએ.

કુદરતની સંુદર ગોઠવણી !

હવે આ ચાર સંજ્ઞા છે તો સારંુ છે. આ પેલા લાલ ઝંડાવાળા ક્રાંતિકારી લોકો હોય છે ને, તે કહેશે કે અમે તમારી ગાડીઓ આજ નહીં જવા દઈએ. તે રસ્તા રોકે છે કે નહીં રોકતા ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એવંુ આ ચાર સંજ્ઞાઓ ના હોય ને તો આ જાનવરો પણ રસ્તા રોકત. આ જાનવરો રસ્તા પરથી ઉઠત જ નહીં. કહેશે, તમારાથી થાય તે કરજો. પણ આ સંજ્ઞા એને ઉઠાડે છે. ભય સંજ્ઞા એને ઉઠાડે છે, નહીં તો કોઈ દહાડોય ના ઊઠે. પેલો હોર્ન મારે ને એટલે ઊઠે. પણ તોય મહીં કેટલીક નઠોર થઈ ગઈ હોય છે, ખસતી જ નથી. 'જા તારે થાય એ કરજે' કહે છે. એ આપણા દેશમાં, પણ બીજા કોઈ દેશમાં આવંુ ના હોય. કારણ કે આ દેશમાં ચલાવી લીધેલંુ આવંુ તેથી. એટલે આ સંજ્ઞાઓને લીધે જગત ચાલી રહ્યંુ છે. ભગવાનને કશંુ ચલાવવંુ નથી પડતંુ એટલી બધી ગોઠવણી સંુદર છે !

બિલાડીને ભય વધારે કે બચ્ચંુ ચાલશે કે નહીં ચાલે ? મરી જશે કે શંુ ? તે બિચારી બચ્ચાને ઊંચકીને ફરે ! જેવો ભય એવંુ બચ્ચંુ ! તે બિલાડી ઊંચકે. જો વાંદરી ભય રાખે છે ? નિરાંતે કૂદવાનંુ. તે બચ્ચાં પણ એને પકડી રાખે છે ને ! પણ બચ્ચંુ આમ કેવંુ પકડે છે ને ! અને વાંદરી પણ નિર્ભય કૂદે છે ને, પડી જશે કે નહીં, એની ચિંતા નથી કરતી ! કોઈ ફેરો બચ્ચંુ પડી જાય ત્યારે નીચે આમ તેમ બધે જુએ. જો કોઈ ના હોય તો ધીરે રહીને નીચે ઉતરીને બચ્ચાને પછી લઈ આવે. આ કૂતરાને કંઈક વસ્તુ આપીએ ને એને કંઈક ભય લાગે તો છોડી દે, નહીં તો ના છોડે.

લંબકર્ણને ભય ઓછો !

આ કૂતરાંની ભાષા જ જુદી જુદી નથી લાગતી ? કો'ક ફેરો જુદું ભસે છે, કો'ક ફેરો જુદી જાતનું ભસે છે. તે દરેક વખતે અવાજ જુદા જુદા પ્રકારનો એટલે ભાષા જુદી હોય. કેટલાંક તો કહે 'નાલાયક લોકો, કેમ આવ્યા છો અહીં આગળ ?' કૂતરાંઓ એમેય બોલે !

પ્રશ્શનકર્તા : પણ એ ટેપ થયેલું જ બોલાય છે ?

દાદાશ્રી : હા, ટેપ થયેલું જ છે. આપણે જાણીએ કે આ કૂતરંુ આ જાતનું ભસે છે, માટે આવું કંઈ કારણ છે. પણ એ ભસે છે ને, એય ટેપરેકર્ડ બોલે છે. આ ગધેડું બોલે છે, તેય ઓરિજિનલ ટેપરેકર્ડ છે. આપણે ઘરમાં બેઠા હોય, તો આપણને સમજણ પડે કે લંબકર્ણ (ગધેડા) બોલી રહ્યા છે. લંબકર્ણ તમે જોયેલા કે નહીં ?

પ્રશ્શનકર્તા : જોયેલા.

દાદાશ્રી : એ બોલી રહ્યા છે આમ, રોફથી બોલે પાછાં. ડર કશોય નહીં. આ મારો અવાજ થશે, કોઈને બીક લાગશે, દુઃખ થશે, એમને એવું કશું નહીં. એ તો રોફથી બોલે. શેરી વચ્ચે રાજાનું ઘર હોય તોય બોલે. 'આ તો મોટા રાજા છે, મારાથી કેમ બોલાય ?' એવું એને કશું હોય નહીં. એ તો એની ટેપરેકર્ડ જ્યારે વાગી ત્યારે ખરી અને આપણી ટેપરેકર્ડ (વાણી)વિવેકપૂર્વકની હોય, રાજા આવે તે ઘડીએ અમુક (ખરાબ) વાગે નહીં. હવે પહેરગીર હોય ને, તેય આપણે બોલીએ તો આપણને બૂમાબૂમ કરે ને આ લંબકર્ણને બોલવા દે !

ડફણાં ખાવા કરતાં...

એક દહાડો હું ઓટલે બેઠો હતો ને બે-ચાર જણ એક બળદને ખેંચીને લઈ જતા હતા. તે બળદનું નાક ખેંચાઈને તૂટું તૂટું થઈ રહ્યું હતું ને ઉપરથી પાછળથી ડફણાં પડે, આરો મારે તોય મૂઓ ખસે જ નહીં. તે મેં પેલા માણસોને પૂછયું કે 'ભાઈ, કેમ આમ કરો છો ? બળદ કેમ ચાલતો નથી ?' તે તેમણે કહ્યું કે, 'આગલે દહાડે બળદને દવાખાને લઈ ગયેલા તે તેને તેની ભડક પેસી ગયેલી એટલે આજે જતો નથી.' આ તો જેમ તેમ કરીનેય ગયા વગર છૂટકો જ નહોતો. નાક ખેંચાય, ડફણાં પડે ને આરો ઘોંચાય ને જવું પડે, તેના કરતાં એમ ને એમ જવું શું ખોટું ? ડફણાં ખાઈનેય છેવટે કરવું તેના કરતાં રાજીખુશીથી શા માટે ના કરવું ? અલ્યા, બધું જ ફરજિયાત છે. માટે પાંસરો થઈને છાનોમાનો ચાલને ! નહીં તો બળદની જેમ તને પણ જગત ડફણાં મારશે !

આજના મનુષ્યોની સ્થિતિ...

આજના મનુષ્યો એટલે એમને ખાવાનંુ જ્ઞાન હોય, ઊંઘનંુ જ્ઞાન હોય, ટાઈમ મળ્યો અને એકાંત મળ્યંુ કે બેસવંુ નિરાંતે, આરામ લે, ઊંઘ લે. પછી એમને ભયનંુ જ્ઞાન હોય. જો ભયનંુ જ્ઞાન જાનવરોમાં ના હોત તો આજ રોડ ઉપર મોટર કદી ફરી શકત નહીં. આ રોડ ઉપર જે મોટરો ફરે છે, તમે હોર્ન વગાડો એટલે એને ભયનંુ જ્ઞાન છે, તરત ઊભંુ થઈને બહાર નીકળી જાય છે. હંુ મરી જઈશ એવો ભય છે. અને ચોથંુ એમને આ સંસાર જ્ઞાન છે. એમને છોકરાં-બોકરાં થાય છે ને ? એટલે સંસાર જ્ઞાન એમને યે છે. અને મનુષ્યોનેયે સંસાર જ્ઞાન છે, બીજા કશા જ્ઞાન નથી. એમને એવંુ નથી કે હંુ ભેળંુ કરી રાખંુ, સાંજના માટે ભેળંુ કરી રાખંુ એવંુ એમને જ્ઞાન નથી. એમાં કોઈ કોઈ જીવને હોય છે. તે થોડંુક સહેજ જ ડેવલપમેન્ટ આ કાગડા હોય છે ને તે અહીંથી લઈ પેણે મૂકી રાખે ને પાછો ત્રણ વાગે ફરી આવીને ત્યાં ખાય. એ બહુ જુજ ડેવલપમેન્ટ હોય છે. પણ એ ડેવલપમેન્ટ નથી થયેલંુ. અને આ મનુષ્યનંુ જેટલંુ ડેવલપમેન્ટ કરવંુ હોય તેટલંુ થઈ શકે છે.

આશ્રિત જીવો દુનિયાભરના !

આ મનુષ્ય સિવાય બધી જાતિ છે, તેમને પોતાની જાત પરનો વિશ્વાસ ખલાસ નથી થતો. આ એકલાં મનુષ્યો જ બિલકુલ પામર જીવો છે, બુદ્ધિ વાપરે છે એટલે પામર થયેલા છે. આને ભગવાને નિરાશ્રિત કહેલા છે, બીજાં બધાં આશ્રિત છે. આશ્રિતને ભો ના હોય. કાગડા, બધાં પંખીઓ એ બધાંને કશુંય દુઃખ છે ? જે જંગલમાં ફરનાર છે, શિયાળ, એ બધાનેય કશાં દુઃખ નથી. ફક્ત આ મનુષ્યોનો સંગ કર્યો, એ કૂતરાં, ગાયો એ બધાં દુઃખી હોય છે. બાકી, આ મનુષ્ય એ મૂળ તો દુઃખી છે અને એમના સંગમાં આવે છે તે બધાંય દુઃખી થાય છે.

ભય ત્યાં સુધી ફેઈલ !

ભય તને લાગે છે કે ? વાઘ આવે તો ? એ તો નિમિત્ત વગર ખબર ના પડે ને ? એવું છે ને, કે વર્તમાન ભય તો લાગે જ. એ ભયનાં પરમાણુ ના હોત તો આ રોડ ઉપર હોર્ન વગાડ વગાડ કરે તોય ગાયો ઊઠે જ નહીં, બેસી જ રહે પણ જાનવરોને એ ભયસંજ્ઞા હોય છે ને તેથી તો નાનું કૂરકરિયું હોય તોય ગાડી દેખીને ઊઠીને હેડતું થઈ જાય, તે ભયસંજ્ઞા એને ઊઠાડે છે !

ભયની જરૂર છે કે જરૂર નથી ? એટલે આ જગત ભયથી જ ચાલી રહ્યું છે, આ માણસોનેય ભયની જરૂર છે. જ્ઞાની પુરુષને જે ભેગા થાય ને જ્ઞાની પુરુષને એમ લાગે કે આમને ભયની જરૂર નથી તો એ ભય કાઢી આપે અને પછી પાસ માર્કમાં મૂકી દે, નહીં તો આ તો અત્યારે 'ફેઈલ' થયેલા છે. જેને ભય છે એ 'ફેઈલ' થયેલા છે. ભય જાય તો કામ થાય, નહીં તો ચાલે જ નહીં ને !

સંજ્ઞા, ગાંઠ સ્વરૂપે !

પ્રશ્નકર્તા : આહાર, ભય, નિદ્રા અને મૈથુન- આ ચાર સંજ્ઞાઓ, એ ગાંઠો છે કે પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ છે ?

દાદાશ્રી : એ પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ નથી. પ્રતિષ્ઠિત આત્મા એ 'ઇગોઇઝમ'નું પૂતળું છે. જેટલા ભાવ ભરેલા, તેટલા ભાવ ઊભા થયા. આહાર દીઠો કે આહારની ગાંઠ ફૂટે. લાકડી દીઠી તો ભયની ગાંઠ ફૂટે. આહાર, ભય, મૈથુન, નિદ્રા એ સંજ્ઞાઓ ગાંઠો સ્વરૂપે છે; સંયોગ મળ્યો કે ગાંઠ ફૂટે.

ભયનું મૂળ કારણ !

પ્રશ્શનકર્તા : આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? આ બધું કેવી રીતે એનું ચાર્જ ને ડિસ્ચાર્જ થાય છે ?

દાદાશ્રી : ભય તો જેટલો પોતાની જાતને ટેમ્પરરી (વિનાશી) સમજે એટલો વધારે ભય લાગે.

પ્રશ્શનકર્તા : એ સમજાણું નહીં. પોતાની જાતને ટેમ્પરરી સમજે એટલે શું ?

દાદાશ્રી : 'હું ચંદુભાઈ જ છું' એ ટેમ્પરરી અને એવું પોતાની જાતને માને, એટલે ભય લાગ્યા કરે. 'હું શુદ્ધાત્મા છું. મને કંઈ જ ના થાય, હું તો સનાતન છું', તો ભય શેનો લાગે ?

પ્રશ્શનકર્તા : પછી ના લાગે.

દાદાશ્રી : ફોરેનના લોકોને છે તે ટેમ્પરરી વધારે લાગે, આપણા લોકોને ટેમ્પરરી ઓછું લાગે. કારણ કે કર્તાભાવ થયો. હું કરું છું ને આ કર્મ મારાં કરેલાં થાય છે. એટલે અહીં જરા ફોરેનનાં કરતાં ઓછા ભયવાળું. ફોરેનવાળા તો ચકલાંની પેઠે ઊડી જાય.

જ્યાં તારી સત્તા નથી, ત્યાં તું હાથ નાખે તો શું થાય ? કલેક્ટરની સત્તામાં કારકૂન સહી કરે તો ? આખો દહાડો તેને ભય રહ્યા કરે. કારણ કે પરસત્તામાં છે તેથી. જગતના મનુષ્યો પણ નિરંતર પરસત્તામાં જ રહે છે. 'હું ચંદુલાલ' એ જ પરસત્તા. પોતાની સત્તા તો જોઈ નથી, જાણી નથી ને પરસત્તામાં જ મુકામ કર્યો. તેથી નિરંતર ભય, ભય ને ભય જ લાગ્યા કરે છે.

સ્વરૂપની માત્ર શ્રદ્ધા જ બેસે, તો જગતમાં કોઈ જગ્યાએ ડર લાગે જ નહીં, ભય જતો રહે.

ભરેલા ભયના જ વિચારો આવે !

સંસારનું આ સ્વરૂપ અમને નાની ઉંમરથી દેખાતું હતું, ભયંકર વિકરાળતા ! ક્ષણે ક્ષણે ભયવાળું, ક્ષણે ક્ષણે દુઃખવાળું, ક્ષણે ક્ષણે ઉપાધિવાળું !! એટલે પછી કોઈ જગ્યાએ અમને મૂર્છા જ ના થાય ને કોઈ જગ્યાએ ટેસ્ટ જ ના આવે ને !!! નનામી ક્યારે નીકળે તેનું શું ઠેકાણું ? પણ આ તો શું હોય છે ? જે ભય ભરેલો છે એ ભય એને દેખાય. જે ભય ભર્યો નથી, તે ના દેખાય.

પાંચ જણ અહીંથી અંધારામાં જંગલમાં જતા હોય, તો એકને એવો ભય હોય કે હમણાં વાઘ બૂમ મારશે, હમણાં વાઘ બૂમ મારશે.' એવું થયા કરે. બીજાને 'સાપ અથડાઈને કરડી ખાશે તો ?' એવો ભય હોય. ત્રીજાને મનમાં એવું થાય કે, 'બહારવટિયા મળશે ને મારશે તો ?' એટલે બધાને ભય જુદા જુદા હોય જેને જેવો ભય ભર્યો હોય તે જ ભય દેખાય, બીજા ના દેખાય. એટલે વાતમાં તો કશો માલ છે નહીં.

કેટલાકને તો આખો દહાડો મોટરો ફરે છે, પણ 'હું અથડાઈ પડીશ' એવો વિચાર જ નથી આવતો, કારણ કે એ માલ જ ભરેલો નહીં ને ! અને જો એ માલ ભરેલો હોય તો ડ્રાઈવરો ડ્રાઈવીંગ કરી શકે જ નહીં, અથડાઈ જ પડે ! એટલે જે માલ ભરેલો નથી એનો વિચાર સરખોય ના આવે. કેટલાકને તો રાત્રે એકાંતમાં એકલા હોય તોય ભય ના લાગે અને બીજાને તો એકલો પડ્યો કે ભૂત યાદ આવ્યા કરે. ટેકનિકલી સંશોધન કરે તોય સમજાય કે ભરેલા ભયનો જ વિચાર આવે છે.

આ સ્ત્રી-પુરુષો પૈણે છે, પણ એવો માલ નથી ભર્યો કે 'રાંડીશ તો શું થશે ?' એટલે એને એવો વિચાર પણ નથી આવતો કે રાંડે તો શું થશે ? સાચે તો કો'ક જ આવું રાંડે, ખાસ કરીને એવું બનતું નથી; પણ છેવટે તો રંડાપો જ છે ને ! પણ એવો ભય જ નથી લાગતો ને ! અને એવાં તે શા માંડ્યા, તે વળી રંડાવાનું બાકી રહ્યું ? મંડાવામાં તો જાહોજલાલી હોય ને મંડપ ને એ બધું હોય, પણ આ મંડપ રોજ રોજ ના હોય. આ તો પૈણ્યા તે દહાડે જ મંડપ અને તેય ભાડાના લાવીને બાંધે છે ને ! આ છોકરાઓ ઢીંગલા-ઢીંગલીને નથી પૈણાવતા ? પ્રસાદ હઉ વહેંચે છે. છતાં મંડાપો-રંડાપો એ 'ઈલ્યુઝન' નથી (કારણ કે રિલેટિવ સત્ય છે) અને ખસેડ્યે ખસે એવો પણ નથી (કારણ કે હિસાબ છે).

સંગી ચેતનાનો ભય શરીરમાં !

અત્યારે આપણે વાત કરીએ છીએ છતાંય બહાર કશો ભડાકો થાય, ત્યારે ભડાકામાં મન ગયંુ નથી, છતાંય શરીર અહીં આગળ ધ્રુજે. મન ગયા વગર ધ્રુજે એનંુ શંુ કારણ ?

પ્રશ્શનકર્તા : આંદોલન જે આવે એની અસર થાય.

દાદાશ્રી : ના, આંદોલન નહીં. અમુક પ્રકારના અવાજથી એ ટેવાયેલો નથી એટલે નવી પ્રકારનો અવાજ હોય તો એ ભડકે. અને પછી એમાં ટેવાઈ જાય તો પછી ના ભડકે. એટલે એ પૂર્વભવનો આવો હિસાબ લઈને આવેલો છે. અમનેય અહીં વિધિ કરતા હોય ત્યારે કંઈક અવાજ થાય તો કોઈક વખત અમારંુ શરીરેય ભડકે. જવલ્લે જ બે-ચાર-છ મહિને એકાદ વખત એવંુ કંઈક થાય તો અમારંુ શરીરેય જરા ભડકે. કારણ કે દેહમાં સંગી ચેતનાનો ભય રહેલો છે. મૂળ ચેતનાનો ભય નહીં, સંગી ચેતનાનો ભય રહેલો છે.

કોઇ વખત અમારોય દેહ હાલે. ના હાલે એવું કશું નહીં. એવંુ છે ને, અમે એવી જાતનો અવાજ સાંભળ્યો હોય, જે નવી જાતનો હોય તો અમારો દેહ હઉ ભડકે. તમને વિધિ કરતી વખતે એમ લાગે કે આ દાદા ચમક્યા ! પણ આત્મા આમાં તદ્દન જુદો છે !

પ્રશ્શનકર્તા : ભૂતનો ભડકાટ નથી છતાં રહ્યા કરે.

દાદાશ્રી : નથી કશું તોય પણ ભડકાટ ઊભો રહે, એવો મનુષ્યનો સ્વભાવ છે. અહીં કોઈ વિધિ કરતો હોય અને બહાર નવી જાતનો અવાજ થયો ચિચૂડાનો તો એ ભડકે. તે ઘડીએ હું એમ ના સમજું કે આત્મા ભડક્યો. હું જાણું કે આ સંગી ચેતના ભડકી. ભરેલો માલ ભડક્યો. નવો માલ નથી ભડકતો આ. અને જોડે વિધિ કરનારોય પેલોય સમજે. અને ઘણા ફેરા દાદાના પગ હઉ ભડકેને. પણ અમારે તો કો'ક જ દહાડો ભડકે.

અણસમજણથી ભય !

પ્રશ્શનકર્તા : આત્મા અરૂપી છે અને કર્મ રૂપી છે, તો અરૂપી ને રૂપી કેવી રીતે લાગ્યા ?

દાદાશ્રી : આ કર્મ લાગ્યાં, તે ભ્રાંતિથી લાગે છે કે 'મને વળગ્યું.' પણ એવું નથી. ઘરમાં ચંદુલાલ શેઠ એકલા હોય ને રાત્રે સૂતા હોય, તે બે વાગે રસોડામાં કંઇક ખખડે તો આખી રાત ભૂત છે કરીને ફફડ્યા કરે. સવારે જઈને બારણું ખોલે તો મહીં મોટો ઉંદરડો ખખડાવતો હોય ! તારી અણસમજણથી જ વળગ્યું છે !

પ્રશ્શનો પૂછનારને બનાવે નિર્ર્ભય !

પ્રશ્શનકર્તા : ખરેખર આવાગમન આત્માને છે કે દેહને છે ?

દાદાશ્રી : એવો પ્રશ્શન છે ભાઈનો ? ઊભો થા, ઊભો થા, આગળ નજીક આવ. ભડકીશ નહીં. હું ફોરેનવાળો નથી. આપણે બધા એક જ ધર્મના છીએ. એક જ દેશના છીએ. મારે ને તમારે જુદાઈ છે નહીં. મારાથી ભડકવાનું કોઈ કારણ નથી. તું મને ટૈડકાવે તો ચાલશે પણ હું તમને નહીં ટૈડકાવું એ નક્કી માનજે.

જે અહંકાર છે તેને જ આવાગમન છે. એ આત્માને નથી, અહંકારને જ આવાગમન છે. આ દેહ છે એ એનું બધું સાધન લઈને આવે છે પણ મૂળ આવાગમન કોણ કરે છે ? અહંકાર. જેનો અહંકાર ખલાસ થઈ ગયો તેનું આવાગમન બંધ થઈ ગયું.

કર્તા કોણ ?

હવે અહંકાર શી રીતે ઊભો થયો ? ત્યારે કહે, આત્મા અને આ જડ, પુદ્ગલ પરમાણુ બે જોડે થયાં, આમ પરિવર્તન થતાં થતાં બે નજીક નજીક આવી ગયાં એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થયાં. હવે ક્રોધ-માન-માયા-લોભ કોના ગુણ છે ?

પ્રશ્શનકર્તા : જડના.

દાદાશ્રી : જો જડના ગુણ હોય તો લ્યો આ મશીન ચિડાય છે ? જડના જો ગુણ હોય તો આને ચિડાવું જોઈએ. નથી ચિડાતુંને ? એ જો જડના ગુણ કહીએ, તો જડ છે તે બૂમાબૂમ કરે. ચેતનના ગુણધર્મ કહીએ તો મોક્ષમાં ના જઈ શકે. મોક્ષમાં જાય તો એ ગુણ જોડે હોય.

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : તો કોના ગુણધર્મ ? એ લોક પ્રૂફ (પુરાવો) આપી શકતા નથી. લોકો શાસ્ત્રો વાંચીને કૂદાકૂદ કરે છે. તો કહે, 'ચેતનના ગુણ ?' મેં કહ્યું, 'મૂઆ ! હવે ત્યાં આગળ મોક્ષમાં જશે ત્યારે પાછું ત્યાં એ ગુણ જોડે આવે !' ગુણો પોતાના કાયમના હોય, તેને ગુણધર્મ કહેવાય.

એટલે આ દરિયો છેને, તે દરિયાને એક દહાડો આપણે ટૈડકાવીએ, કે તું વરાળ કેમ ઊભી કરે છે ? અહીં આગળ નકામી ડખલ કરું છું. ત્યારે દરિયો કહેશે, 'એય મારી જોડે રોફ ના મારીશ. હું કરતો નથી ને નકામાં મારા ઉપર આક્ષેપ મૂકો છો ?' તો આપણે વિચારમાં પડીએ કે આ દરિયો નથીં કરતો, તો કોણ કરે છે એ આ ? અને એ કડક બોલે છે માટે કંઈક ચોક્કસ હશે. એટલે આપણે સમજીએ કે આ સૂર્યનારાયણ કરતા હશે. સૂર્યનારાયણને પૂછીએ કે કેમ તું હવે આ વરાળ ઉત્પન્ન કરું છું અહીં આગળ ? તો એય નીડર રીતે બોલે, 'હું તો કરતો નથી, મારી પર આક્ષેપ ના ચલાવો. અને જો હું કરતો હોઉં તો પ્લોટો(સપાટ જમીન) પર નીકળવી જોઈએ.' પ્લોટ ઉપર વરાળ નીકળે ? ના નીકળે. તો આ કોણ કરે છે ? દરિયોય કરતો નથી, સૂર્યનારાયણ કરતા નથી, ત્યારે કહે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. વૈજ્ઞાનિક રીતે બે વસ્તુઓ ભેગી થઈ અને આ તીસરો ગુણ, વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય. એટલે પોતાના ગુણધર્મ પોતાની પાસે, પેલાના ગુણધર્મ એની પાસે, પણ એ બે ભેગા થાય તેથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય.

જગતની વ્યવસ્થા કેવી ?

પ્રશ્શનકર્તા : અનંતા જીવો મોક્ષે ગયા હશે, અનંતા જીવો મોક્ષે જશે, તો અહીં દુનિયામાં જીવો ખલાસ નહીં થઈ જાય ?

દાદાશ્રી : એનો ગભરાટ તમે ના રાખશો. એનો ગભરાટ રાખવા જેવો નથી. આ જગત આવંુ ને આવંુ અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેશે. કંઈ ફેરફાર થવાનંુ નથી. એટલે અહીંથી આ દુનિયામાંથી જેટલા જીવો મોક્ષે જાય છે, એટલા જીવો અવ્યવહાર રાશિમાંથી અહીં વ્યવહારમાં આવે છે. એટલે અહીં જીવો સરખા ને સરખા જ રહે છે. એક જીવ ઓછોય થતો નથી ને વધારેય થતો નથી.

પ્રશ્શનકર્તા : પણ મોક્ષે જાય એટલા જીવો તો અહીં ઘટેને ?

દાદાશ્રી : ના. એ ઘટે તો તો વ્યવહાર ઘટી પડે ને ? તો તો સુથાર, કડિયા બધા મળે નહીં. પણ એવંુ નથી એને બદલે બીજા જીવો આવીને સુથાર, કડિયા થઈ જાય. અહીંથી પાંચ હજાર જીવો મોક્ષે ગયા એટલે પાંચ હજાર જીવો બીજી જગ્યાએથી (અવ્યવહાર રાશિમાંથી) અહીં આવે.

આ વ્યવહાર છે. અને વ્યવહાર એટલે શંુ ? જેનંુ નામરૂપ પડ્યું એ બધો વ્યવહાર કહેવાય. જેનંુ નામ પડ્યંુ કે આ ગુલાબનો છોડ, એટલે એ જીવ વ્યવહારમાં આવ્યો કહેવાય. અને વ્યવહારમાં એક જીવ વધતો નથી ને એક જીવ ઘટતો નથી. મોક્ષે નિરંતર જયા કરે છે એટલંુ પેલી બાજુથી અવ્યવહાર રાશિમાંથી અહીં વ્યવહારમાં આવ્યા કરે છે. પણ વ્યવહાર એટલો ને એટલો જ રહે છે. વ્યવહારમાંથી જીવો ઓછા થઈ જાય તો કશંુ જ મળે નહીં. પણ આ જગતમાં તો બધી જ ચીજ મળે છે.

પ્રશ્શનકર્તા : આવંુુ જગત ના સર્જાણંુ હોત તો શંુ વાંધો હોત ?

દાદાશ્રી : ના. પણ આ જગત ઈટ સેલ્ફ પઝલ થયેલંુ છે. કોઈને કરવંુ પડ્યંુ નથી. આ પઝલ સોલ્વ કરે એટલે કામ થઈ ગયંુ.

આત્મ અનુભવીના લક્ષણો !

પ્રશ્શનકર્તા : મારો એક પ્રશ્શન એ છે કે બુદ્ધિ સ્વયં આત્મસાક્ષાત્કારનું ડાયરેક્ટ સાધન નથી, એ તો બધાં શાસ્ત્રો, ઉપનિષદો બધાય કહે છે. પરંતુ બુદ્ધિની નિર્મળતા વગર આત્મસાક્ષાત્કાર સુધીના દરવાજા સુધી પહોંચાય કઈ રીતે ? અને બુદ્ધિની નિર્મળતા અમુક સાધનો અપનાવ્યા વગર થાય કઈ રીતે ?

દાદાશ્રી : એ સાધનો કરવાવાળાઓ તો અહંકારના ટોપ ઉપર જઈને બેઠા. એટલે બુદ્ધિ તો મૂઈ ગાંડી થયેલી હોય તો સારી. સાધન ના કરતા હોય તો સારા. અહંકારને ઘટાડવાનો છે. તે અહંકાર વધી ગયો ઊલટો. એનાં કરતાં અમારી પાસે એક સેન્ટ બુદ્ધિ નહીં.

પ્રશ્શનકર્તા : સાધનો કેટલીક વખતે અહંકાર ફુલાવવા માટે વપરાય. જ્યારે કોઈ પ્રમાણિકપણે સાધનો દ્વારા આત્મશુદ્ધિ કરવા ઇચ્છતો હોય તો એને માટે કોઈ સાધન ખરું કે નહિ ?

દાદાશ્રી : આ અત્યારે જે સાધનો દેખાડવામાં આવે છે, આ સાધનો જ ન હોય. આ સાધનોમાં એવી કોઈ જગ્યાએ બૂમ પડે છે કે ભઈ, અમુક જગ્યાએ જાવ, બહુ સુંદર છે, બહુ આનંદ છે ? એક માણસ નિર્ભય બની ગયો એમની પાસે, એવી બૂમ પડે છે કે કોઈ જગ્યાએ ? કોઈ જગ્યાએ બૂમ પડી જોઈ નથી. પણ પોતે નિર્ભય થયેલો હોય તો સામાને કરે ને ?

પ્રશ્શનકર્તા : આત્માનો અનુભવ થઈ શકે ?

દાદાશ્રી : એ તો જે આત્મ અનુભવી હોય, જેને બુદ્ધિનો છાંટો ના હોય, ત્યાં આત્માનો અનુભવ થઈ શકે. બુદ્ધિવાળાને પોતાને આત્માનુભવ હોય જ નહીં. અને બુદ્ધિવાળા હોય ત્યાં સુધી આત્માનુભવનો આપણને ફાયદો મળેય નહીં. જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં આત્માનો અનુભવ થાય.

જીવ-શિવના ભેદ મટે તો...

''જો તું જીવ તો કર્તા હરિ, જો તું શીવ તો વસ્તુ ખરી.''

અખા ભગત (ગુજરાતમાં થઈ ગયેલા સંત) ખરંુ કહે છે ને ? એટલે જીવ-શિવની ભેદબુદ્ધિ છૂટી કે પછી તું શુદ્ધાત્મા છે, તું જ પરમાત્મા છે ! આ તો કહેશે, 'ભગવાન જુદા ને હું જુદો.' પણ જ્યારે જીવ-શિવની ભેદબુદ્ધિ સમજાઈ જશે કે આમાં કશો ભેદ જ નથી, ત્યારે થઇ ગયો છૂટ્ટો !

વાત તો એક દહાડો સમજવી પડશે ને ? બાકી, છેવટે આત્મા તો જાણવો પડશે ને ? આત્મા જાણેને એટલે પેલી જીવ-શિવની ભેદબુદ્ધિ તૂટી ગઈ, ને જીવ-શિવની ભેદબુદ્ધિ તૂટી તો ભય તૂટી જાય ને પછી વીતરાગતા રહે.

મરણનો ભય નહીં તે અક્ષર !

વચ્ચે એક જગ્યાએ બંગલા ઉપર લખ્યંુ'તું 'અક્ષરધામ', એને આપણાથી ના કહેવાય નહીં ને ?

પ્રશ્શનકર્તા : એમનો જ બંગલો છે.

દાદાશ્રી : એમનો છે ? આપણાથી કંઈ ના કહેવાય ! મેં વાંચ્યંુ, પછી જાતજાતનાં નામ આપે.

પ્રશ્શનકર્તા : પણ એમાં પ્રભુને જ વસાવવા છે ને ?

દાદાશ્રી : ના, એટલે મારંુ કહેવાનંુ, નામ આપવાનો વાંધો શંુ છે ? લોકો જાતજાતનાં નામ આપે છે. અક્ષરધામ શંુ છે ? એ વાત જ જુદી છે. ક્ષરધામમાં રહેવંુ અને અક્ષરની વાતો કરવી છે. આપણાથી કંઈ ના કહેવાય નહીં. બધાં સ્વતંત્ર છે ને !

સહજાનંદ સ્વામી મહારાજે અક્ષરધામેય મૂકેલંુ, માટે કંઈ ભેદ છે એનો. કંઈ જેવી તેવી વસ્તુ નથી. કંઈ જેવંુ તેવંુ સ્ટેશન નથી. અક્ષરમાં આવ્યા પછી મરણનો ભો ના હોય. સંસારમાં રહે પણ મરણનો ભો ના હોય તે અક્ષરધામ ! આ તો મરવાનો ભો છે, એટલે ક્ષરમાં રહે છે અને અક્ષરની વાતો કરે છે. માંદો પડે ત્યારે મહીં વિચાર આવે 'મરી જવાશે કે શંુ થશે ?' અક્ષરધામ(વાળા)ને આ ભય ના હોય.

મૂળ આત્મા, અદ્વૈતથી આગળ !

પ્રશ્શનકર્તા : કેટલાક કહે છે કે 'જગતમાં આત્મા અદ્વૈત છે' એ ખરંુ છે ?

દાદાશ્રી : એ કહે, પણ આ તો અદ્વૈત દ્રષ્ટિ જ ઉત્પન્ન થઇ નથી ને આત્માને અદ્વૈત કહેવું એ ગુનો છે. આત્મા વસ્તુ જ ઓર છે અને આ તો ખાલી અદ્વૈત ભાવ ઉત્પન્ન કરે છે, પણ જ્યારે કોઇ મારે કે ગજવું કાપે ત્યારે એ અદ્વૈત ભાવ ક્યાં જતો રહે છે ? ત્યારે ખબર પડે કે આત્મા પ્રાપ્ત છે કે નહીં ! આત્મા પ્રાપ્ત કરેલાને તો નિર્ભયતા-સ્વતંત્રતા ઉત્પન્ન થઇ જાય, પણ છતાં અદ્વૈત ભાવ એ રિલેટિવ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય અને એવા તો હિંદુસ્તાનમાં ઘણા છે.

ક્ષેત્રથી ભાવો ઉપજે !

પ્રશ્શનકર્તા : આત્મા ક્ષેત્ર તરીકે કેવી રીતે રહેલો છે ?

દાદાશ્રી : આત્માનું સ્વક્ષેત્ર, પોતાનો અનંત પ્રદેશી ભાગ છે તે. એનું ખરેખર ક્ષેત્ર નથી કહેવા માગતો. એ તો પરક્ષેત્રમાંથી કાઢવા માટે સ્વક્ષેત્રનું વર્ણન કર્યું છે.

પ્રશ્શનકર્તા : આત્માનું દ્રવ્ય બદલાય ?

દાદાશ્રી : આત્માનું સ્વદ્રવ્ય ના બદલાય પણ આત્માને જે દ્રવ્ય આ સંસારભાવથી લાગુ થયાં છે તે બધાં બદલાયા કરે. ક્ષેત્ર બદલાયા કરે, કાળ બદલાયા કરે અને તેના આધારે ભાવ બદલાયા કરે. ભયવાળી જગ્યાએ ગયા ત્યાં ભય ઉત્પન્ન થાય. જીવમાત્રને સમયે સમયે ભાવ બદલાયા કરે.

ગુરુથી ભય ?

પ્રશ્શનકર્તા : માણસને સદ્ગુરુ કરવાની શી જરૂર છે ?

દાદાશ્રી : આપણે આ સ્કૂલના માસ્તરોની ક્યારે જરૂર હોય ? આપણે ભણવું હોય તો ને ?

પ્રશ્શનકર્તા : હા, તો જ ને !

દાદાશ્રી : અને ભણવું ના હોય તો ? તો સદ્ગુરુયે છે તે આપણને બીજો કશો લાભ જોઈતો ના હોય તો સદ્ગુરુ કરવાની જરૂર જ નથી. જો લાભ જોઈતો હોય તો સદ્ગુરુ કરવા. એ ફરજીયાત નથી આ કશું. આ બધું તમારે મરજીયાત છે. તમારે ભણવું હોય તો માસ્તરો કરો. તમારે આધ્યાત્મિક જાણવું હોય તો સદ્ગુરુ કરવા જોઈએ અને ના જાણવું હોય તો કશું નહીં. કંઈ કાયદો નથી કે આમ કરો જ એવો.

પ્રશ્શનકર્તા : એટલે સદ્ગુરુ કરવાથી શું ફાયદો થાય ?

દાદાશ્રી : જીવમાત્ર સુખ ખોળે છે ને સારા સદ્ગુરુ મળ્યા હોય તો વધારે પડતા સારા સુખ મળે એવો આપણને રસ્તો જડી આવે અને ખરાબ ગુરુ મળી આવે તો અવળે રસ્તે લઈ જાય.

એક જણને તો સુરતમાં એક ગુરુ મળ્યા, તે એ માણસ મને કહે છે કે આ મારા ગુરુએ મને એમ કહ્યું કે 'હું તને ખેદાનમેદાન કરી નાખીશ', તો મારું શું થશે હવે ? ત્યારે મેં કહ્યું, 'ભઈ, તને તારા ગુરુએ એવું તે શા હારુ કહ્યું એ મને કહે. તારો એની જોડે એવો શું વ્યવહાર થયો છે તે આટલું બધો તનેે ભારે કહ્યંુ કે, હું તનેે ખેદાનમેદાન કરી નાખીશ.' ત્યારે કહે, 'ના, અત્યાર સુધી મેં સવા લાખ રૂપિયા એમને આપ્યા અને ઉપરાંત બીજા હજુ પચાસ હજાર માગે છે.' અને કહે છે કે 'જો તું નહીં આપું તો તને ખેદાનમેદાન કરી નાખીશ.' તે પછી પેલો કહે છે, 'હવે મારી પાસે છે નહીં, તે શી રીતે આપું ? ત્યારે મેં કહ્યું, 'તે ગુરુના નામ પર કશું કર્યું હતું ?' ત્યારે કહે, 'હા, એમના ફોટા હતા તે પૂજતો'તો, તે પછી તાપી(નદી)માં નાખી આવ્યો પછી, આવું બહુ કરે છે એટલે.' અલ્યા મૂઆ, તો તે પૂજ્યા શું કરવા ? પછી તાપીમાં નાખ્યા શું કરવા ? ગુરુએ તને એમ નહોતું કહ્યું કે 'તું પૂજીને તાપીમાં નાખજે.' એટલે કાં તો પૂજીશ જ નહીં પહેલેથી. હવે પૂજ્યા માટે જોખમદારી તારી થઈ. એટલે પછી મેં એને વિધિ કરી આપી ને બિચારાને છોડાવડાવ્યો અને કહ્યું, હવે ભય ના પામીશ. કોઈ બાપોય નામ નથી દેવાનો.

એટલે આ વર્લ્ડમાં કોઈને સંડાસ જવાની શક્તિ જ નથી. ગુરુને સંડાસ જવું પડે કે ના જવું પડે ? શું કરવાના હતા ? તમારે મોઢે એમ કહેવું નહીં કે 'તું શું કરવાનો ?' નહીં તો અહંકારે કરીને ઊંધું કરે મૂઓ. અહંકાર શું ના કરે ? એટલે એને ચિડવવો નહીં એટલે કૃપા કરે, તો ફાયદો થાય.

તમારે સાક્ષાત્કાર કરવો છે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : શું ફાયદો થશે ?

પ્રશ્શનકર્તા : બધા સંતોને સાક્ષાત્કાર થઈને ફાયદો થઈ ગયો, એવું કરવું છે.

દાદાશ્રી : શાનો કરવો છે ?

પ્રશ્શનકર્તા : ગુરુનો.

દાદાશ્રી : ગુરુનો સાક્ષાત્કાર ? સંડાસ જતો હોય એવા ગુરુનો ?

પ્રશ્શનકર્તા : અવિનાશી.

દાદાશ્રી : અવિનાશી ગુરુ ? ત્યારે ભગવાનનો જ કહોને, ભગવાન મહીં બેઠાં છે તેનો સાક્ષાત્કાર કહોને. એ અહીં આગળ તમને થશે.

ખરો બળવાન કોણ ?

પ્રશ્શનકર્તા : આત્મદર્શનને માટે જે કોઈએ સાધના કરવી હોય, એણે દરેક રીતે શારીરિક, માનસિક, બૌદ્ધિક, લૌકિક બધી રીતે સંપત્તિમય હોવું જોઈએ. નિર્બળ ન હોવો જોઈએ. કહેવાય છે કે નિર્બલ કે બલ રામ. એમાં તપબળ, બાહુબળ, સંપત્તિ બધંુ નકામંુ. હવે નિર્બલ જો જાગી જાય તો આત્મદર્શન કરી શકે ?

દાદાશ્રી : એમાં સ્થૂળ આવે છે. એમાં સ્થૂળ આત્મા પ્રાપ્ત થાય. ચોપડીમાં લખેલો તે શબ્દ આત્મા નહીં. શબ્દ આત્માથી પણ નીચો એવો સ્થૂળ આત્મા પ્રાપ્ત થાય. શબ્દ આત્મા તો સારો, એને શબ્દબ્રહ્મ કહેવાય છે. પણ એનાથી નીચેનો આત્મા પ્રાપ્ત થાય. આ તો ખાલી ભાવના છે, એ તો શબ્દો છે, બધી જંજાળ !

બળ તો કેવંુ હોવંુ જોઈએ ? આખા બ્રહ્માંડમાં નીડર થઈને ફરતો હોય, ભગવાનનોય પણ ડર ના હોય. કોઈ જાતનો ડર ન હોય ત્યારે નીડર થયો કહેવાય. એમના આશ્રયે જઈએ એટલે નીડર થવાય. બીજો રસ્તો શો તે ? અલ્યા, તંુુ એકલો તે શી રીતે પંપ મારીશ ?

જ્યારે છેવટનો ભય જશે ત્યારે કામ થાય, નહીં તો ભય ના જાય. ગમે ત્યાં, પણ એ ભય જાય નહીં. નિરંતર તરફડાટ, ભય રહ્યા જ કરે.

પોતાના ગુણ જાણ્યે નિર્ભય !

આ સાયન્સ તો બાહ્ય સાયન્સ છે, બાહ્ય વિજ્ઞાન છે. વિજ્ઞાન બે પ્રકારનું; એક બાહ્ય વિજ્ઞાન. એમાં ટેમ્પરરી સુખ હોય, પણ એને પોતાને ભય, બીજી બહુ જાતની લાગણીઓ રહ્યા કરે છે. એમાં એને ટેમ્પરરી સુખ લાગે, પણ ભય, બીજી બધી લાગણીઓ પુષ્કળ રહે છે તેને. અને જેને સાચું સુખ જોયેલું હોય, તેને કોઈ પણ પ્રકારનો ભય ના લાગે. બધી લાગણીઓ જ ના હોય. કારણ કે પોતે નિર્ભય છે. પોતે છે નિર્ભય પણ એનું ભાન નથી પોતાને. પોતે જે છે એનું તો ભાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? પોતે જે છે, ચંદુભાઈ હોય તો ચંદુભાઈનું ભાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? કે એમ ને એમ નામથી જ ચંદુભાઈ ? નામથી જાણે નહીંને ?

પ્રશ્શનકર્તા : એ તો પોતાને ખબર હોયને, પોતાના ગુણ કેવાં હોય તે ?

દાદાશ્રી : ના, એવી કોઈનેય ખબર ના હોય. એવો એક પણ માણસ નથી કે જેને પોતાના ગુણની ખબર હોય. એ જે પોતાના ગુણ કહે છેને, તે પારકાના ગુણ છે. તારા જેટલાં અત્યારે ગુણ તને દેખાય છે, તે બધા તારા ગુણ નથી, એ આરોપિત ગુણ છે. તારા નથી છતાં તું કહું છું કે મારા છે.

પ્રશ્શનકર્તા : મારા થોડા ખરાબ છે ને થોડા સારાયે છે.

દાદાશ્રી : ના, એ બેઉ આરોપિત ગુણો છે, એ બન્નેય ખોટી વાત છે. કલ્ચર્ડ વાત છે. તારા ગુણ નથી. તારા ગુણ તો ઓર જાતના છે. તે જોયા જ નથી, જાણ્યા જ નથી. એકુય ગુણ જાણ્યો નથી તે તારો. લોકોએય જાણ્યો નથી. એ જાણવા માટે આ બધા લોકો અહીં આવે છે. કારણ કે એમને એન્ડલેસ સુખ જોઈએ છે. આ સુખ જોઈતું નથી. અત્યારે જે ગુણો છેને એ તો ચંદુભાઈના ગુણો, તારા ગુણો નહીં. ચંદુભાઈ અને તું બેઉ જુદા છો. આ શરીરમાં તુંયે જુદો છું ને ચંદુભાઈયે જુદો છે. મને બેઉ દેખાય છે. ચંદુભાઈયે દેખાય છે ને તુંયે દેખાય છે. તું કોણ છું ? રિયલી સ્પિકીંગ કોણ છું ? એનું ડિસીઝન લેવું જોઈએ.

સાચો આત્મા પ્રાપ્ત થયે...

જે ખુદ તીર્થંકરોના અને ભગવાનના પ્રતિનિધિ હોવા જોઈએ, એવા જ્ઞાની પુરુષ શ્રદ્ધા બેસાડી આપે.

આપણા લોકો જે ચેતન માને છે, બહારના તો ચેતનને સમજતા નથી. કોન્સિયસનેસને સમજે છે. પણ આપણા લોકો ચેતન માને છે એને ઠીક છે. કંઈક સારો અર્થ છે. પણ મૂળ ચેતનને તો સમજતા જ નથી. સાધુ સંન્યાસી કોઈ સમજતું જ નથી.

પ્રશ્શનકર્તા : પણ તમે કહો ને મૂળ ચેતન.

દાદાશ્રી : એ તો કહંુ ને, આપણે આ તો પાવર ચેતન ઊભંુ થયેલંુ છે, તે ચેતનનો પાવર આપે છે. હવે ત્યાં એને ચેતન માને, એ લોકોને સમજાય શી રીતે ? આ સમજણ પડે બળ્યંુ ? ભગવાને કહ્યંુ, 'આ ચેતનના ગુણો કયા ?' ત્યારે કહે છે કે એ એને અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં, એવા બધા ગુણો કહ્યા. લોક મૂંઝાયા કે ફાયરપ્રુફ-વોટરપ્રુફ તો આ ઘડીયાળેય હોય છે. તે હવે એના જેવો જ હશે. એટલે લોક આત્મા ખોળતા રહ્યા તે એ આત્માનો અક્ષરેય પામ્યા નથી અને પાછા આત્મજ્ઞાની થઈને કહેવડાવેય ખરા. એક અક્ષર નહીં એનો છાંયડો પામ્યા નથી. જગત જો આત્માનો છાંયડો પામે તોય કલ્યાણ થઈ જાય. સાહેબનો છાંયડો ખોળી કાઢે ને સાહેબને ખોળી કાઢે. આત્મા-આત્માની વાતો કરે એટલી બધી વાતો. ત્યારે એ સુખેય એવંુ જ આવે ને ? અને સાચો આત્મા પ્રાપ્ત થાય એનંુ સુખ કેવંુ હોય ? ભય-બય બધું ઓગળી ગયંુ. વીતરાગ, નિર્ભયતા. જો અમારી ખરી આજ્ઞા પાળનારો હોય ને તે તો એ કહે કે આ ભગવાનેય ઉપરી શેના માટે જોઈએ ?

જ્ઞાની બક્ષે, ભયરહિત દશા !

પ્રશ્શનકર્તા : શાંતિ કેવી રીતે મળે ?

દાદાશ્રી : સાચી શાંતિ ? એ તો તમે મારી પાસે આવો ત્યારે. આટલો બધો પગાર મળતો હોય, તમે શી રીતે અહીં આવો તે ? ઓછા પગારવાળો તો અહીં આવે. વધારે પગારવાળાને જોખમદારી બહુ હોય ને તમારે તો ? તમને કોઈ રજા આપે નહીંને ?

પ્રશ્શનકર્તા : અહીં આવે તો જ શાંતિ મળે ?

દાદાશ્રી : ના, અમે એવી કંઈક મશીનરી બધી ગોઠવી દઈએ.

પ્રશ્શનકર્તા : ના, પણ ઘરે દરરોજ ભગવાનની પૂજા ભક્તિ જે દરરોજ કરતા હોઈએ...

દાદાશ્રી : ના, એક દહાડો અમારી પાસે આવોને એટલે અમે આમ માથે હાથ ફેરવી આપીએ, ને તમને ભય પેસે નહીં, આવંુ જુવો તોય ભય ના પેસે, એવંુ કરી આપીએ. એવી દ્ષ્ટિ આપીએ, એવી હિંમત આપીએ. એવી શક્તિ આપીએ તમને. તે પછી ભય નહીં લાગે તમને. પછી કાયમની શાંતિ રહેશે. પરમેનન્ટ શાંતિ જોઈએ કે ટેમ્પરરી ?

પ્રશ્શનકર્તા : પરમેનન્ટ.

દાદાશ્રી : તો આવોને પરમેનન્ટ તો શાંતિ અહીં આગળ મળે છે. આ બધા પરમેનન્ટ શાંતિવાળા બેઠા છે.

છૂટેલો છોડાવે !

દાદાશ્રી : તને ટેમ્પરરી સુખ ગમે કે પરમેનન્ટ ?

પ્રશ્શનકર્તા : પરમેનન્ટ (સનાતન) સુખ.

દાદાશ્રી : આ ટેમ્પરરી એને ગમતા નથી. આ બધા કલ્પિત સુખો છે, વિનાશી. કલ્પિત ભય, નિરંતર ભયવાળા, ભય તેં જોયેલો ?

પ્રશ્શનકર્તા : હા, અનુભવાય છે.

દાદાશ્રી : હા, અનુભવાય. જે જાગ્રત હોયને, તેને ભય નિરંતર જ લાગે. અને કેવી રીતે જીવે ? કાકલૂદીથી જીવે. જીવન ગમે નહીં. શંુ થાય પણ ? કરે શંુ તે પણ આ ? બંધન એવંુ છે કે ક્યાંથી છૂટે ? કોઈ છૂટેલા હોય તો છોડાવડાવે પણ છૂટેલા મળે નહીં. કો'ક ફેરો મળે ત્યારે આપણને ટાઈમ ના હોય. એવો યોગ બાઝવો જોઈએ ને ?

સંસારમાં અજંપો મોક્ષે ઘકેલે !

પ્રશ્શનકર્તા : અજંપો કેવી રીતે મોક્ષે લઈ જાય ? અજંપો ના રહેતો હોય તો ?

દાદાશ્રી : આ અજંપો ના થાય તો એમાં આવંુ સુખ છે અને અજંપો થાય તો એમાં આવંુ દુઃખ છે, એવંુ એને જ્ઞાન વર્તે છે. એટલે એને અજંપો ના થવો જોઈએ. 'આ ખોટંુ છે' એ જે જાગૃતિ વર્તે છે, એ જાગૃતિ જ એને મોક્ષે લઈ જશે. માણસને અજંપો કેમ સહન થાય ? આ તો અજંપો ગમતો નથી, છતાં લોક શંુ કહે છે કે, પણ સંસારમાં તો એ જ હોય ને ? જો એ જ હોય ત્યારે જીવ્યાનો અર્થ જ શંુ છે ? તો મિનિંગલેસ છે. અને અજંપા સાથે તે શંુ સુખ ભોગવ્યંુ ? ઉપર તલવારો હોય અને તે પડશે એવો ભય હોય તો તેં ખાધંુ શી રીતે ? પેલા જનક રાજાએ અષ્ટાવક્રને જમાડેલા ને, આમ ઉપર પેલો ઘંટ બાંધેલો, પેલા તપસ્વી માણસ ભોળા તે રાજાએ પૂછયંુ કે, 'ભજિયાં કેવાં હતાં ? શીખંડ કેવો હતો ?' ત્યારે પેલા તો ભોળા માણસ, તે કહી દીધંુ કે, 'રાજા, હંુુ તો ઉપરથી ઘંટ પડશે એવા ભયમાં ને ભયમાં જ રહ્યો. હંુ ખાતો હતો, પણ મારંુ ચિત્ત તો પેલામાં હતંુ, એટલે હંુ કશંુ જાણતો નથી કે ટેસ્ટ કેવો હતો !' રાજાએ પૂછયંુ કે, 'તમે ખાધંુ તો ખરંુ ને ?' ત્યારે પેલા કહે, 'હા, ખાધંુ ખરંુ.' 'તો એ ટેસ્ટેડ ખાધંુ ?' ત્યારે કહે, 'ના, એ હંુ જાણતો નથી.' ત્યારે રાજાએ કહ્યંુ કે, 'આવંુ ટેસ્ટેડ હતંુ, છતાં તમને આનો ટેસ્ટ કશો માલૂમ ના પડ્યો, કારણ કે

તમારંુ ચિત્ત ઘંટમાં હતંુ. એવંુ આ રાણીઓ જોડે આમ ગળે હાથ નાખીએ છીએ છતાં અમારંુ ચિત્ત ભગવાનમાં રહે છે !'

ત્યાગનો અધિકારી કોણ ?

પરવશતા તો છે જ કષાયમાં, પણ પછી પોતે વાળી લે તો એને સ્ત્રી-છોકરાં છોડવાનો અધિકાર છે. આ ગમે તે માણસ બૈરા-છોકરાં છોડીને ભાગી જાય. એનો કંઈ રાઈટ હોય કે ના હોય ? કંઈ સ્ટાન્ડર્ડ હોય કે નહીં ?

ભગવાને શંુ કહ્યંુ, કે જેને સંસારનો ભય લાગતો હોય, નિરંતર સંસારનો ભય લાગતો હોય તો તેને ત્યાગ લેવો. હવે પોતાનામાં કષાય સ્વવશ થયેલા હોવા જોઈએ તો તેને ત્યાગ લેવો, કહે છે.

આ સાધુઓને પાંચ ઈન્દ્રિયના મોહ બધા ઓગળી ગયેલા હોય. એટલે સાધુ-ત્યાગીઓને આ સંસાર ભઠ્ઠી જેવો લાગે. સંસાર તો ક્યાં સુધી સારો લાગે ? કોઈ વિષય સુખવાળો હોય એને વિષયમાં સુખ લાગતંુ હોય તો જ આ સંસાર સારો લાગે, મીઠો લાગે, નહીં તો ભઠ્ઠી જેવો લાગે. પણ આ ત્યાગીઓને વિષય છૂટ્યા ત્યારે કષાય રહ્યા. હંુ આટલંુ જાણંુ છંુ, એટલંુ જાણંુ છંુ, અજ્ઞાન ઊભંુ રહ્યંુ. તે વળી એથી વધારે વસમંુ !

પ્રશ્શનકર્તા : આ ત્યાગીઓને વિષય સુખ જોઈતંુ તે ફક્ત નિશ્ચયથી જ નથી જોઈતંુ કે કઈ રીતે નથી જોઈતંુ ?

દાદાશ્રી : નિશ્ચયથી જોઈતંુ નથી.

પ્રશ્શનકર્તા : બધા ત્યાગીઓને એવંુ હોય ?

દાદાશ્રી : ના, બધા ત્યાગીઓ નહીં. ત્યાગીઓમાં સાચા ત્યાગી હોવા જોઈએ, સમ્યક્ ત્યાગી જોઈએ.

આત્માની એક્ઝેક્ટનેસ ક્યારે કહેવાય ? ત્યાગ કરવાની વસ્તુ હોય તેની ઉપર ચીડ ના ચઢે ત્યારે એક્ઝેક્ટનેસ કહેવાય. ત્યાગ કરવાની વસ્તુઓ તો બધી છે જ, પણ ચીડ ના ચઢવી જોઈએ. ત્યાગ અને ગ્રહણ એ બધી સ્થૂળ વસ્તુઓમાં છે અને ચીડ થવી અને પ્રેમ થવો એ સૂક્ષ્મ છે. એટલે બેને ગુણાકાર થાય નહીં, એવંુ કામ તમે શા માટે કરો છો ? બેને લેવાદેવા નથી. આ આત્માએ વિષય ક્યારેય પણ ભોગવ્યો નથી.

મોક્ષ માટે તો ગૃહસ્થીઓને કે ત્યાગીઓને કંઈ ફેર નથી. મોક્ષ તો જ્ઞાનથી છે. ત્યાગીને ઓછી હરકત, ઓછી ઉપાધિ રહે તેટલો તેને વધારે ફાયદો થાય. સંસારીને વધારે હરકત હોય પણ તેમાં રસ્તો કાઢતો હોય તો વાંધો નથી, કારણ કે લોકો જે ત્યાગ કરે છે, તેને ભગવાને ત્યાગ નથી કહ્યો. ભગવાનની ભાષામાં ત્યાગ જુદી વસ્તુ છે. ભગવાન કહે છે કે તારી પાસે આખા રાજપાટ જેટલી વસ્તુઓ હોય પણ જો તને મૂર્છા નથી તો તંુ ત્યાગી છંુ ! ભગવાને મૂર્છાના ત્યાગને ત્યાગ કહ્યો છે. જો તંુ ઉપાધિમાં બેઠો અને તને બધી મૂર્છા છે તો તંુ ત્યાગી નથી. એટલે ભગવાનનો શબ્દ જુદો છે. લૌકિક ભાષા જુદી છે. ત્યાગીનો અર્થ જુદો છે.

કોઈ કહેશે, સ્ત્રી સાથે કોઈ દહાડો કોઈનો મોક્ષ ના થાય. તો આ પૈણેલાને કરવાનંુ શંુ ? ભટક ભટક જ કરવાનંુ ? કેટલાય ગૃહસ્થીઓને જ્ઞાન થયેલાં. એટલે ત્યાગીઓ સાથે મોક્ષને કંઈ લેવાદેવા નથી. તેથી કરીને આપણે એમ ના કહી શકીએ કે ગૃહસ્થીઓથી જ મોક્ષ થાય છે. આપણે કહેવંુ પડે કે ત્યાગીઓનો માર્ર્ગ સારો. કારણ કે એમાં વાદળ ઓછાં આવે અને ગૃહસ્થીઓને તો વાદળ વધારે આવે તે એણે બહુ સ્ટ્રોંગ રહેવંુ પડે. માર્ગ તો આય ચોખ્ખો છે ને પેલોય ચોખ્ખો છે. એટલે અહીં સ્ટ્રોંગ રહેનાર હોય તો વાંધો નથી. આ તો હંુ ગૃહસ્થીઓના મનમાંથી ભય કાઢી નાખવા બોલંુ છંુ કે ભાઈ, તંુ મનમાં એમ ના ગભરાઈશ કે હંુ પૈણેલો છંુ અને આ સ્ત્રી મને નર્કે લઈ જશે. લગ્ન જુદી વસ્તુ છે અને મોક્ષમાર્ગ એય જુદી વસ્તુ છે. આત્મા તદ્દન જુદો છે. આ દેહની અંદર આત્મા તદ્દન જુદો છે. બેને લેવાદેવાય નથી, એવો જુદો છે. આ તો ફક્ત ભ્રાંતિ છે. એથી મનમાં ભટકાટ રહ્યા કરે.

નર્કના અધિકારી કોણ ?

પ્રશ્શનકર્તા : નવ લાખ નવકાર મંત્ર ગણીએ તો નર્કમાં ના જવાય એ વાત સાચી ?

દાદાશ્રી : નર્કમાં એમ ને એમ યે જવાના નથી. ત્યાં તો ચાર નર્કોની બારીઓ તો બિલકુલ બંધ જ થઈ ગઈ છે અને બાકીની ત્રણ નર્કોમાં પેસવા દેવાતંુ નથી. આ લોકોને તો બે પગ વધારાના મળે. બે ને બે ચાર પગ થશે ને એક પૂછડંુ થશે એટલો જ આમને દંડ, વધારે મોટો દંડ નથી આ લોકોનો. બે પગને બદલે ચાર પગ થશે ને એક પૂછડંુ. નર્કે જાય એવા બિચારા જીવો જ નથી આ.

પ્રશ્શનકર્તા : શ્રેણિક રાજા નર્કમાં ગયા એવંુ કહેવામાં આવે છે.

દાદાશ્રી : શ્રેણિક રાજાની વાત જુદી છે. એ તો રાજા હતા. આ જીવો બિચારાને ક્યાં નર્ક ? આ આખો દા'ડો કકળાટ કર્યા કરે છે, દુઃખના માર્યા. આમને નર્ક શાના માટે ? આ તો બિચારા દયા ખાવા જેવા જીવો, મોઢાં પર તો દિવેલ પીધેલંુ હોય એવંુ દેખાય ! અહીં તમારા ગામમાં દિવેલ પીધેલા જેવંુ મોઢંુ દેખાય છે કોઈનંુુ ? મોઢા પર જાણે દિવેલ પીધેલંુ હોય એવંુ દેખાય. આમને નર્ક શાનંુ બિચારાને ! આ (મનુષ્યો) તો જીવડાં જ 'બિચારાં' છે. આમને નર્ક-બર્ક ના હોય. નર્ક તો મજબૂત માણસને, ભલભલાને મારી નાખે ને ભલભલાને ઉઠાવી જાય ! એ તો આમ ગલોલા જેવો ફરતો હોય એને નર્ક હોય. આ ભેળસેળ કરે બિચારા છાનંુમાનંુ, ચોખ્ખા ઘીની મહીં પેલું (ભેળસેળવાળું) ઘી ભેગંુ કરી વેંચી ખાય. આમને નર્ક હોતી હશે ?

પ્રશ્શનકર્તા : ભય અમને જ બતાવવામાં આવે છે. આ જીવોને જ ભય બતાવવામાં આવે છે, એટલે પછી મૂંઝાયા કરે છે મહીં.

દાદાશ્રી : ના, નર્કની બીકેય ના રાખશો. ચાર નર્કો, મોટી નર્કો તો બંધ થઈ ગઈ છે. ચોથી, પાંચમી ને છઠ્ઠી ને સાતમી. અને આ ત્રણ નર્કો ખુલ્લી છે, તે એના લાયક કર્મો કરતા નથી આ લોકો. આ તો બહુ ત્યારે વહુ જોડે કકળાટ થાય તો મૂઓ, ભૂખ્યો સૂઈ રહે આખી રાત. વહુને મારી નાખીને ટુકડા કરી ના નાખે. પહેલાં તો ટુકડા કરી નાખતા'તા. તે એને નર્ક હતંુ. આ તો કશંુ નહીં. આ તો મોળી છાસ જેવા લોક.

પ્રશ્શનકર્તા : એટલે એ પુણ્યશાળી આત્મા કહેવાય ને ?

દાદાશ્રી : પુણ્યશાળી શાનો તે ? આ બે પગના ચાર પગ થાય એ પુણ્યશાળી ? પૂછડાં સાથે ! ભેળસેળ કરે. કોને કોને આ બે પગના ચાર પગ થવાના ? ત્યારે કહે, જે ભેળસેળ કરતા હોય. પછી અણહક્કનંુ ખાઈ જતા હોય, અણહક્કનંુ ભોગવી લેતા હોય, પોતે જે સ્ત્રીને પરણેલા હોય તેની જોડે હક્ક છે, બીજી કોઈ પણ સ્ત્રીને ખરાબ દ્ષ્ટિથી જોવી તોયે અણહક્ક. અલ્યા મૂઆ, તારા હક્કનંુ છે તે તેને જોવાનંુ, બીજંુ તારે જોવાની જરૂર નહીં. તો અણહક્કનંુ ભોગવતા હશે લોકો ? અણહક્કનંુ ખઈ જતા હશે, પૈસા-બૈસા ? અણહક્કનંુ ખઈ જાય કે હક્કનંુ ખાય ?

પ્રશ્શનકર્તા : હક્કનંુ લે છે.

દાદાશ્રી : હક્કનંુ ખાનારા કેટલા અહીં તમારા ગામમાં ?

પ્રશ્શનકર્તા : આપણે એવો ભય લાગેને કે આપણે પણ કંઈક પાછા આવા બટાકાની મહીં જીવ જેમ થઈશંુ તો ?

દાદાશ્રી : શંુ કરવા બટાકામાં જાઓ તે ? તમને કોણ એવંુુ બધંુ લઈ જનારંુ છે બટાકામાં ? કંઈ નવરા છે, લોકો લઈ જવા માટે ? તમારે એવંુ ભડકવા-બડકવાનંુ નહીં. બટાકામાં કોઈને જવાનો વારો જ નથી આવવાનો. અહીંથી પાંચ-પચાસ-સો વર્ષ જાનવરમાં જઈને પાછા આવવંુ પડે. બીજંુ તો બહુ એટલંુ બધંુ ભટકવાનંુ નથી. એવંુ ભડકશો નહીં. આ તો બધા લોકોએ ભડકાવ ભડકાવ કરીને ધર્મમાં મારી નાખ્યા હપુચા !

પ્રશ્શનકર્તા : આપ જે કહો છો ભય તો ઓછો થઈ જાય છે. નહીં તો આમ નીકળી જશે તો આમ થશે, આમ થશે. તે માણસ મૂંઝાયા કરે અને મનની શાંતિ પણ ગુમાવી નાખે છે, એવંુ બને છે.

દાદાશ્રી : ભય ઘાલ્યા છે તેથી શાંતિ જતી રહી છે ને ? તને ભય છે ? વિજ્ઞાન નહીં જાણનારા ને આગેવાન થઈ બેઠા છે. ભગવાનનંુ વિજ્ઞાન, તે કેવંુ વિજ્ઞાન ! કોઈ ભય પામે નહીં એવંુ વિજ્ઞાન ! તે ભગવાનના શાસનમાં અત્યારે લોકોને ભય, ભય, ભય ! આખો દા'ડોયે તરફડાટ, તરફડાટ, તરફડાટ ! જાણે જવાનંુ ના હોય અહીંથી, તો એને મનમાં એમ થાય કે આ ઘર રહી ગયંુુ, ફલાણંુ રહી ગયંુ, આ કરો, આ કરો, પણ અહીંથી આપણે તો જવાનંુ, આ અહીં આવ્યા આ પ્લેટફોર્ટ પર આવ્યા ને જતા રહેવાનંુ. તમને જવાનંુુ છે, એ જાણતા નથી ?

પ્રશ્શનકર્તા : જાણંુ છંુ.

દાદાશ્રી : તો પછી ચિંતા શેની થાય તે આપણને ? ચિંતા જે કાયમનો રહેવા આવ્યો હોય તે કરે, કાયમને માટે.

પ્રશ્શનકર્તા : જવાનંુ છે એ ખબર છે, પણ ક્યાં જવાનંુ છે એ નથી ખબર.

દાદાશ્રી : એ આપણે જરૂર નથી. ક્યાં જવાનંુ છે એની કંઈ જરૂર નથી. તમે અહીં ચિંતા નહીં કરો, તો આ સારામાં સારંુ સ્ટેશન આવવાનંુ છે અને ચિંતા કરશો તો નર્ક-બર્ક નથી આવવાની પણ ચાર પગ ને પૂછડંુ મળશે અને પછી મારો રોફ ! અને પછી બોંગડો, બોંગેડવાનંુ. બોલવાનંુ નહીં, બોંગેડો-ભસો. ભસે એટલે ટુ સ્પીક, બોંગેડવંુ એટલે ટુ સ્પીક ! એ બધું ટુ સ્પીક છે. આપણે તો કાયમ રહેવાનંુ હોય તો ચિંતા કરીએ, આપણે રહેવાનંુ નહીં ? આપણે શી ચિંતા ?

પ્રશ્શનકર્તા : આપ તો એમ કહો છો ને કે અમુક કર્મ થાય એટલે પછી પાછો જાનવરમાં જઈને પાછો માણસમાં આવે ?

દાદાશ્રી : હા, આજના જીવોને માટે નર્કે જશે એવંુ નથી એ તો ત્રીજા આરા ને ચોથા આરાના જીવો માટે. આજના પાંચમા આરાના, આમનો શો દોષ બિચારાનો ?

વીતરાગો ડર્યા જેનાથી....

કોઈએ દેવ-દેવીની ભક્તિ કરી તો મિથ્યાત્વી થઈ ગયો, કહેશે. અલ્યા પણ સમકિતી જ ક્યાં છે તે મિથ્યાત્વી થઈ જવાના'તા તે ? સમકિતી હોય તે મિથ્યાત્વી થઈ જાય. કોઈ દેવીની ભક્તિ કરી તો એને આવંુ ક્યાં ઊંધે રસ્તે ચઢાવો છો ? વીતરાગો આવંુ નથી બોલ્યા. વીતરાગો જે શબ્દો બોલતાં ડર્યા છે તે આ ડરતા નથી, એમાં નીડર થઈને બોલે છે. ધન્ ભાગ છે ને ! આય કાળની વિચિત્રતા કહેવાય ને ?

સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. તે ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં !

મોક્ષે જવા ભયંકર (અથાગ) પ્રયત્નો કરે છે. એમાં એમનો દોષ નથી, એમને સંજોગ બાઝતો નથી. સમકિતનાં સાધનો આમ તો બહુ ભેગાં કર્યાં છે પણ સમકિતનો સંજોગ બાઝતો નથી.

ક્રમિક માર્ગના જ્ઞાની પાસે તો કેટલો બધો વિનય રાખવો પડે. જરા અવાજ કર્યો હોય તો જ્ઞાની પાસે બેઠેલા હોય તો કાઢી મેલે. કેમ અવાજ કર્યો ? અને અહીં તો કૂદમકૂદા કરી મૂકે છે. સાધુઓની, ત્યાગીઓની, ગુરુઓની કે ક્રમિક માર્ગના જ્ઞાનીઓની આજ્ઞા લેવી પડે. જેમ જેમ અણસમજણ, અજ્ઞાન દશા હોય એમ વધારે આજ્ઞા લેવી પડે, જંપવા જ ના દે. બધાને બીવડાવ બીવડાવ કર્યા કરે. ભડકાયેલા ને ભડકાયેલા, જંપવા ના દે ઘડીવાર. આપણે અહીં આગળ (અક્રમ માર્ગમાં) રામરાજ છે. છતાં અવળંુ નહીં થાય એવંુ અમે જાણીએે છીએ. અમારંુ જ્ઞાન જ એવંુ છે કે છટકી ના શકે. અવળંુ કરવા જાય તોયે થાય નહીં. પછી જાણીજોઈને અવળંુ કરવું હોય તો એનો પાર ના આવે.

નિરાગ્રહી ત્યાં વીતરાગ ધર્મ !

એક કહેશે, આ વાત સાચી ને બીજો કહેશે, આ વાત સાચી. એકનંુ આ ઝાડ ને બીજાનંુ પેલંુ ઝાડ. તોયે હજુ કાઢી નહીં નાખતા, નહીં ? ના કાઢે. અને ભગવાન શંુ કહે છે ? જે કંઈ પણ આગ્રહ, સ્થૂળ આગ્રહ રાખે છે એ વીતરાગ ધર્મમાં નથી. એક આત્મહેતુ માટેનો જ આગ્રહ રાખવાનો છે, બીજા બધા સ્થૂળ આગ્રહ કહેવાય. એ વીતરાગધર્મમાં પણ નથી. લોક ભાષા અને ભગવાનની ભાષા, એ બેમાં બહુ ફેર. મેં તો આવા ડાહ્યા પુરુષ કોઈ જોયા નથી. ગજબના ડાહ્યા પુરુષ, ચોવીસ તીર્થંકરો ! કેવળી બધા બહુ થઈ ગયા પણ એ તો એમની કૃપાથી. પણ કૃપા કોની ? પેલા બહુ ડાહ્યા એમની કે જે નિર્ભય થયેલા, કોઈ પણ પ્રકારનો ભય નહીં.

અને હંુયે તમને કહુંં છંુ ને, કે કોઈ બાપોય તમારો ઉપરી નથી. અને જો કોઈ ઉપરી હોય તો આ અહીં દેખાતા એકલા દાદા છે, તે તો બાળક જેવા છે બિચારા, વઢતા જ નથી. પછી શંુ ભો રહ્યો, કહો. પછી ભો રહ્યો કોઈ જાતનો ? જગતના લોકોને પોતાના બ્લંડર્સ અને મિસ્ટેકનો ભો હતો. તે બ્લંડર્સ તોડી નાખ્યા, હવે મિસ્ટેક તમને જેમ જેમ દેખાતી જશે, એમ બહાર નીકળતી જશે. મિસ્ટેક પૂરી થઈ ગઈ, એટલે ફાઈલ પૂરી થઈ ગઈ. અને ફાઈલ છે ત્યાં સુધી તમે ઈન્ટ્રિમ ગવર્નમેન્ટ છો અને ફાઈલ પૂરી થઈ જશે, મિસ્ટેક પૂરી થઈ એટલે ફૂલ ગવર્નમેન્ટ. નહીં તો આયે વીતરાગધર્મનો આંકડો કોણ સમજી શકે ? આ તો બધી વાતો છે, મોઢાં પરની શબ્દો ગોખીને, શી રીતે એમનો આશય સમજાય ? ચોથા આરામાં જે ભગવાનનો આશય શંુ છે તેય સમજતા નહોતા, તો આજે શી રીતે સમજાય ?

પરિણામ આવે તો સાચો ધર્મ !

સામસામી મનનંુ સમાધાન થાય એનું નામ ધર્મ. અસમાધાન થયું એ અધર્મ કહેવાય. મનનું સમાધાન થઈ જવું જોઈએ. મનનું સર્વ પ્રકારે સમાધાન રહેવું જોઈએ. જ્ઞાન શેનું નામ કહેવાય ? સમાધાન કરાવડાવે. તે તમે ગાળો ભાંડો તો શી રીતે સમાધાન કરી શકો ? કયા જ્ઞાનથી તમે સમાધાન કરી શકો ?

પ્રશ્શનકર્તા : આપણી ભૂલ થઈ હોય ને એણે ગાળ ભાંડી હોય, તો આપણે એની માફી માંગીએ.

દાદાશ્રી : હા, પણ ભૂલ ના થયેલી હોય ને ભાંડે તો ?

પ્રશ્શનકર્તા : તો આપણે એને ક્ષમા કરવી જોઈએ. એની સામે ક્રોધ નહીં કરવાનો.

દાદાશ્રી : ના, પણ આ તો એક જાતનું જ્ઞાન થયું. એવી રીતે રહે છે ?

પ્રશ્શનકર્તા : રાખવા પ્રયત્ન કરંુ છું.

દાદાશ્રી : એમાં આપણે શું ધર્મ થયો ? ચેતતા રહેવું પડે, એટલે આપણે આપણું રક્ષણ કર્યું. પોલીસવાળાની પેઠ, આપણે પોલીસવાળા થયા. એમાં આપણને શંુ ફાયદો થયો ? ભય જ ના લાગે તો કામનંુ. ગાળો ભાંડી જાય છતાંય ભય ના લાગે. ના ભાંડી જાય છતાંય ભય ના લાગે, એવું શું ખોટું ?

વીતરાગોનું જ્ઞાન છે તો કોઈ જાતની હરકત ના આવે. એને કંઈક અંશેય ધર્મધ્યાન કહેવાય. ભગવાનના દર્શન કર્ર્યાં માટે ધર્મધ્યાન કહેવાય. પણ ભગવાન કહે છે કે મારા દર્શન કર્યા કરે છે પણ મારી આજ્ઞામાં નથી રહેતા, તે મારી જીભ ઉપર પગ મૂકું છું. તે બહુ ખરાબ છે. તમારો નોકર તમારા દર્શન કરે ને તમારંુ એકુય વાક્ય માને નહીં, પગ દાબ દાબ કરે અને તમે કહો કે આટલું લઈ આવ, તો પેણે જઈને પાછો આવે, કામ કરે નહીં એટલે તમને કેવો લાગે ? પગ દબાવતો હોય તોય ના ગમે ને ?

પ્રશ્શનકર્તા : ના ગમે.

દાદાશ્રી : એવી રીતે આપણે ભગવાનનાં દર્શન કરીએ છીએ ને પણ એમની આજ્ઞા નથી સ્વીકારતા. એમણે આપણને જે આજ્ઞા કરી છે એમાંથી કશું સ્વીકાર કરતા નથી, તો ભગવાન શી રીતે રાજી થાય ?

ભય બીન પૂજા નહીં !

પ્રશ્શનકર્તા : પૂજામાં ઊંડે ઊંડે કોઈ ભય ના હોય ? માણસના હ્રદયમાં કોઈ ભય હોય, એના આધારે જ પૂજા ના હોય ?

દાદાશ્રી : હા, તે બધા ભયથી જ, આ બધંુ જગત ભયથી પૂજે છે ! ને ભયથી જ આ લોકો દોડધામ કરે છે. તે મંદિરોમાં, દેરાસરમાં ને જ્યાં ને ત્યાં જાય છે ને આવે છે ને એ બધંુ ભયથી જ છે ને ! નિર્ભય થયેલો કોણ આમાં હાથ ઘાલે ? નિર્ભય થયેલાને શી જરૂર ? નિર્ભય થયેલો વીતરાગ હોય. વીતરાગ થયા સિવાય માણસ નિર્ભય થઈ શકે નહીં. નિર્ભય પહેલો ના થઈ શકે, વીતરાગ પહેલો થઈ શકે.

ગીતાનો એ જ સંદેશ !

કૃષ્ણ ભગવાન ગીતામાં છેલ્લું સ્ટેશન કયું કહેવા માગે છે ? એમાં સ્થિતપ્રજ્ઞ દશા એ જ છેલ્લું સ્ટેશન છે. 'આ સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કર' એમ કહે છે, પણ લોકોએ એમને પૂછવું પડ્યું કે, 'સ્થિતપ્રજ્ઞ શું ખાય છે, એ શું પીએ ?' ત્યારે ભગવાનને સમજાવવું પડ્યું કે, જે પ્રજ્ઞામાં સ્થિર થયા છે, એ અસારને બાજુએ કરે છે અને સારને ગ્રહણ કરે છે, એ સ્થિતપ્રજ્ઞ દશા !' અને આ જ્ઞાન લીધા પછી તમારી શુદ્ધાત્મા દશા એ તો એથીય ઘણી ઊંચી દશા છે. કૃષ્ણ ભગવાને લખેલું છેને કે તું વીતરાગ થઇશ તો નિર્ભય થઇશ ! વીતરાગતા આવે એટલે નિર્ભય થાય. અને રાગ-દ્વેષ છે ત્યાં સુધી ભય છે. જો કે એ શબ્દ બોલ્યા નથી છતાં આપણે સમજી જવું જોઈએ કે વીતરાગતા છે ત્યાં નિર્ભયતા છે. વીતરાગતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને ત્યારે કહેશે, અત્યારે શું છે ? વીતરાગ થયો નથી ત્યાં સુધી તો કે નર્યો ભય. એ ભયમાંથી પાછું રાગ-દ્વેષ થયા. એટલે જો તારે મોક્ષ જોઈતો હોય અને છૂટવું હોય તો વીતરાગ થા અને નિર્ભય થા.

જ્યાં અનંત અવતારના મરણનો ભય !

વેદાંતે કહ્યંુ, કે મળ વિક્ષેપ ને અજ્ઞાન, આ ત્રણ જાય એટલે મુક્તિ થાય. જૈનો કહે છે, રાગ-દ્વેષ ને અજ્ઞાન જાય તો મુક્તિ થાય. હવે બન્ને એક અજ્ઞાનની વાતમાં સરખા છે, વાતમાં કશો લાંબો ફેર નથી. બીજી બાજુ કૃષ્ણ ભગવાન એ કહે છે કે વીતરાગ થવાનંુ છે, તો ભય જશે, નહીં તો ભય જાય નહીં જગતમાં. બધા પ્રકારના ભય લાગ્યા જ કરે. બધાને ભય લાગે.

એક માણસ કહે કે, 'હું ચાર વેદ ભણી ગયો છું અને મને તો ચારેય વેદ ધારણ થઇ ગયા છે !' ત્યારે મેં તેને કહ્યું, 'ચાર વેદ ઇટસેલ્ફ શું બોલે છે ? ધીસ ઇઝ નોટ ધેટ. તું જે આત્મા ખોળે છે. તે આ વેદમાં નથી સમાતો, માટે ગો ટુ જ્ઞાની.' અમે કહીએ છીએ કે, 'અમારી પાસે આવો અને કલાકમાં જ તને ધીસ ઇઝ ધેટ બતાવી આપું!' વેદો તો માર્ગદર્શન કરે છે, એ તો કહે છે કે, 'અમુક જગ્યાએ મુંબઈ આવ્યું.' પણ આ માર્ગદર્શનથી આત્મા ના મળે, એ માટે તો 'જ્ઞાની' જોઇશે. આ ડૉક્ટરને પૂછયા વગર પ્રિસ્ક્રિપ્શન બનાવાય નહીં, કારણ કે તેને મરણનો ભય છે; ને જ્યાં અનંત અવતારના મરણનો ભય છે ત્યાં જાતે દવા બનાવે છે ને પાછો કોઇ 'જ્ઞાની પુરુષ'ને પૂછયા વગર પી લે છે ! શાસ્ત્રો એ શસ્ત્રો છે, વાપરતાં ના આવડે તો મરી જઇશ !

દ્રષ્ટા ભાવ કરવો એનો કંઈ જેવો તેવો અર્થ નથી ! તેથી તો આખંુ જગત બધંુ ફફડીને હાલી ઊઠ્યું છે ! એ તો ફક્ત જ્ઞાની પુરુષો એકલા જ કરી આપે.

વીતરાગ, નિર્ભય જે થાય, તે ભગવાન !

પ્રશ્શનકર્તા : કૃષ્ણને ભગવાન કહે છે, પછી વળી પાછાં કહે છે કે તમારી અંદર ભગવાન છે, તો દાદાની દ્ષ્ટિએ યથાર્થ રીતે ભગવાન એટલે શું સમજવું ?

દાદાશ્રી : જ્યાં સુધી રાગ અને દ્વેષ હોય, ત્યાં સુધી જીવાત્મા કહેવાય અને વીતરાગ થાય એટલે ભગવાન. જેને ગાળ ભાંડીએ તો દ્વેષ નથી, ફૂલ-હાર ચઢાવે તો રાગ નથી એ ભગવાન. દ્વંદ્વથી પર થયા, એનું નામ ભગવાન. દ્વંદ્વ તમે સમજ્યા કે નહીં ? શેને સમજો છો ? એક હોય ત્યારે બીજું હોય જ, અવશ્ય હોય. નફો હોય ત્યાં ખોટ હોય જ. દ્વંદ્વથી પર થઈ ગયા હોય, એને દુઃખેય નહીં, સુખેય નહીં. ગાળો ભાંડવાથી દુઃખ નહીં, ફૂલ-હાર ચઢાવે તો સુખ નહીં, વીતરાગ કહેવાય, નિર્ભયતા હોય.

મૂળ આત્મા તો વીતરાગ છે. આત્મા જે અંદર છે તે પરમાત્મા કહેવાય. બહાર ભગવાન થયેલો હોય, તેનો અંદર આત્મા પરમાત્મા હોય. અંદર 'પોતે' પરમાત્મા સ્ટેજ ઉપર થાય ત્યારે આ ખોખું (શરીર) પણ ભગવાન થઈ ગયું હોય. આ હું શું કહેવા માંગું છું એ થોડું સમજાયું, પોઈન્ટ ઑફ વ્યૂ ?

પ્રશ્શનકર્તા : તો પછી આ કૃષ્ણ ભગવાન જે કહેવાય છે...

દાદાશ્રી : હા, એવું જ, એવું જ. ગમે તે થઈ શકે, કોઈનું લાઈસન્સ નથી આ મહાવીરનું કે કૃષ્ણનું, આ જે થઈ શકે એના બાપનું !!! વીતરાગ થઈ શકે અને નિર્ભય થઈ શકે એ ભગવાન.

પ્રશ્શનકર્તા : એટલે ભગવાન એ ગુણ છે, એ કોઈ વ્યક્તિ નથી. ભગવાન એ વિશેષણ જ છે ?

દાદાશ્રી : આ પુદ્ગલની છેલ્લી કક્ષા છે. આ પુદ્ગલની છેલ્લી કક્ષા જ્યારે ભગવાનની હોય ત્યારે આત્માની છેલ્લી કક્ષા પરમાત્મા હોય. તે ભગવાન આત્માને કહેતા નથી. એટલે અમે કહીએ છીએ કે અમે ભગવાન નથી. અમને ભગવાન જો અમે કહીએ તો આત્મા મહીં પરમાત્મા થઈ ગયો ને પરમાત્મા આત્માને ખટપટ ના હોય. અમે તો ખટપટ કરીએ કે ચંદુભાઈ આવજો. મારા પોતાની જાત, અંગત માટે નહીં, તમારા માટે. મેં શું નક્કી કર્યું હોય કે હું જે સુખ પામ્યો છું એવું સુખ બીજા પામો. એ તો મને ગરજ પડી છે આ લોકો સુખને પામે, મોક્ષે જાય, જ્યારે પરમાત્માને ગરજ ના હોય કોઈ જાતની.

પ્રશ્શનકર્તા : પણ દાદા, એ આપને જે ગરજ થઈ છે એ તો નિષ્કામ કરુણાને ?

દાદાશ્રી : નિષ્કામ કરુણા એ કરુણા પણ ગરજ છેને ! એ પદ આવ્યા પછી છે તે પેલું પદ આવે. આ પદ આવ્યા પછી જે છેલ્લું પદ આવે છે તે જગત ખુશ થઈ જાય એવું આવે છે. એ તીર્થંકર પદ છે. લોકોના કલ્યાણ માટે જ જીવે એ. પોતાના માટે જીવતા ન હોય. થોડું સમજાયું હું શું કહેવા માગું છું ?

પ્રશ્શનકર્તા : હા. દાદાને જ્યારે જ્ઞાન થયું ત્યારે આ જગત કલ્યાણ કરવાનું કોણે કીધું ? કઈ શક્તિએ કીધું ?

દાદાશ્રી : કોઈએ કહ્યું ન્હોતું. પહેલેથી ભાવના જ હતી કે આ જગત આવું ન હોવું જોઈએ, કલ્યાણ થવું જોઈએ. તે આ કારણો છોડ્યા ! લોકોનું કલ્યાણ થાય એવું જ્ઞાન કોઈને થજો અને તે એવું જ્ઞાન મને જ થઈ ગયું ! મને ખબર નહીં કે આવું જ્ઞાન થશે !

પ્રશ્શનકર્તા : એટલે વ્યવસ્થિતે આપને પસંદ કર્યા.

દાદાશ્રી : હા, વ્યવસ્થિતના નિયમે.

પ્રશ્શનકર્તા : પુદ્ગલને તો કંઈ ઈચ્છા હોય જ ના કે મને બધા ભગવાન કહે.

દાદાશ્રી : પણ પુદ્ગલની ઇચ્છા ના હોય પણ પુદ્ગલ એના જેવું જ થાય, એક્ઝેક્ટ, ભગવાન સ્વરૂપ જ પડછાયો થઈ જાય.

પ્રશ્શનકર્તા : ત્યારે જ છૂટાય ને !

દાદાશ્રી : હા.

વીતદ્વેષમાંથી વીતરાગતા તરફ !

પ્રશ્શનકર્તા : રાગથી શું થાય ?

દાદાશ્રી : મૂર્છા થાય. બેભાનપણું ! એ રાગનું ફળ બેભાનપણું હોય અને દ્વેષનું ફળ ભય. આ બે જાય ત્યારે વીતરાગ થાય. ત્યાં સુધી વીતરાગ ના થાય. આપણા મહાત્માઓ વીતરાગ થવાને માટે તૈયારી કરી રહ્યા છે. કોઈ પૂછે કે કંઈક થયા છે ? ત્યારે કહે, હા, થયા છે ખરાં. વીતદ્વેષ થયા છે.

હવે વીતરાગ થવાનું છે. બે હતું, તેમાં એક ઓછું થયું. ત્યારે કહે, વીતદ્વેષ થયા પછી રાગ ક્યાં રહ્યો ? ત્યારે કહે, જ્ઞાની ઉપરનો રાગ થાય. જ્ઞાની ઉપર, મહાત્માઓ ઉપર, તે આ સંસારમાંથી રાગ ઉઠ્યો ને અહીં પેઠો. પણ આ રાગ પ્રશસ્ત રાગ કહેવાય છે.

એ પ્રશસ્ત રાગ વીતરાગતાનું કારણ છે. આ એકલો જ રાગ એવો છે કે જે વીતરાગ બનાવે. આપણા આ બધા મહાત્માઓની ઉપર તમને રાગ બેઠો કે નથી બેઠો ?

પ્રશ્શનકર્તા : બેઠો.

દાદાશ્રી : જ્ઞાની પુરુષ ઉપર બેસે, મહાત્માઓની ઉપર બેસે એ રાગ હિતકારી રાગ કહેવાય છે. એ પ્રશસ્ત રાગનું ફળ શું, ત્યારે કહે, વીતરાગ. આનું ફળ જ આવશે એ. એમ ને એમ, બીજું કશું કરવાનું નહીં, આનું ફળ જ. આપણે બીજ રોપ્યું, મકાઈનો દાણો રોપીએ, પાણી નાખ્યું, બધું નાખ્યું પછી ડૂંડો એની મેળે આવે ને કે આપણે મહીં બનાવવું પડે ?

પછી ઠેઠ સુધી નિર્ભયતા !

પ્રશ્શનકર્તા : આપણને મુક્તિ મળે તો આપણે નિર્ભય થઈ જઈએ. અભય અવસ્થા ! કોઈ જાતનો ભય ના રહે. તો એ નિર્ભયતા એ જ મુક્તિની નિશાની છે કે બીજી કોઈ ખરી ?

દાદાશ્રી : હા, એ જ. અને મુક્તિ સિવાય નિર્ભયતા ઉત્પન્ન થાય જ નહીં. આત્મજ્ઞાનથી માંડી અને ઠેઠ સુધી નિર્ભયતા હોય.

આ બધા 'રિલેટિવ' ધર્મો છે, એ બધા પ્રાકૃત ધર્મો છે. જેને ભય ગમતો હોય, તેને માટે પ્રાકૃત ધર્મો બરાબર છે. પણ જેને નિર્ભયતા જોઈતી હોય, વીતરાગતા ગમતી હોય, તેને 'રિયલ' ધર્મમાં આવવું પડશે !

પ્રકૃતિ ધર્મ શું કહે છે ? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું. પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. જ્ઞાતા-દ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે. આ પ્રાકૃત કેવું છે ? એક પ્રાકૃત નિર્ભય બનાવે, જ્યારે બીજું બિહામણું બનાવે. અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે. આ પ્રકૃતિને છેવટે ભગવાન રૂપે થવું પડશે. આ આપણું જ્ઞાન જ એવું છે કે, પ્રકૃતિ ભગવાન રૂપે થઇ જાય ને પરમાનંદ વર્તાય !

રિયલ 'પોતે' 'પુરુષ' છે અને રિલેટિવ 'પ્રકૃતિ' છે. 'પોતે' પ્રકૃતિની બહાર નીકળવું મુશ્કેલ છે. પ્રકૃતિની બહાર કોઈ નીકળી ના શકે. પ્રકૃતિની બહાર નીકળે એની વાણી ઓર જાતની હોય ! એ સ્વતંત્ર થયો હોય અને એની નિર્ભિકતા બતાવે. દુનિયાના સ્વામીની પેઠ ફરતો હોય એ ! અને બીજા બધા તો ભગતો ! ભગત ને ભગવાન જુદા. આ પ્રકૃતિની પાર ગયો, એ પોતે જ ભગવાન થઈ ગયો.

તમારે ભડક શી ? તમે પરમાત્મા છો ! પરમાત્મા ભડકે તો જગત ભડકી જશે ! 'આપણે' પ્રકૃતિને પેલે પાર છીએ.

પાંચ આજ્ઞા એ શુદ્ધ ઉપયોગ !

પ્રશ્શનકર્તા : નિશ્ચય ભાષી (અદ્વૈતવાદ જેવું, એકાંતે તત્ત્વને જ સત્ય માનનારા) થવાનો ભય અને પ્રમાણ જ્ઞાનનો લોભ રહેવાથી સત્યમાર્ગ દેખાતો નથી.

દાદાશ્રી : નિશ્ચય ભાષી થવાનો ભય રાખવો જ નહીં આપણે. આ વર્લ્ડમાંય કોઈ પણ શુદ્ધ વ્યવહારમાં રહી શક્યો નથી. વ્યવહાર તો (જ્ઞાન પ્રાપ્ત થયા પછી) આપણને દાદાએ આપ્યો ને તે શુદ્ધ વ્યવહાર આપ્યો છે. માટે નિશ્ચય ભાષી ના કહેવાય. શુદ્ધ વ્યવહાર અને એના બેઝમેન્ટ ઉપર શુદ્ધ નિશ્ચય ઊભો રહ્યો છે. એટલે શુદ્ધ વ્યવહારનું બેઝમેન્ટ નથી તો શુદ્ધ નિશ્ચય છે જ નહીં. માનવું જ નહીં. એટલે આ પાંચ આજ્ઞા જ શુદ્ધ વ્યવહાર છે. આ સદ્વ્યવહારેય નહોય, શુદ્ધ વ્યવહાર ! આ અજાયબીવાળો માર્ગ છે, એટલે કોઈ ભય રાખવાનો નહીં. નિશ્ચય ભાષી થઈ ગયા છે, એય ભયવાળા છે. તમારે હવે ભય નહીં.

સમજવાની તૈયારી તો સહેલંુ !

અહીં કશી શર્ત નહીં. આમ બેસો કે તેમ બેસો. આમ પગ ઘાલીને બેસે, કોઈ આમ ધરીને બેઠંુ હોય. અહીં તમે સાડા છ વાગે આવો તો વાંધો નહીં, સાતે આવો તોય વાંધો નહીં, સાડા સાતે આવો તોય વાંધો નહીં, આઠ વાગે આવે તોય વાંધો નહીં. અહીં કાયદો ના હોય. કાયદા વિરુદ્ધ જવાય નહીં. એમને ભય જ નહીં. નો લૉ. લૉ ખરો પણ નો લૉ લૉ. વિરુદ્ધ જાય જ નહીં ને કોઈ.

અહીં આગળ કોઈ દહાડોય વાદવિવાદ નથી થયો. અહીં પાંચસો-પાંચસો માણસ ભેગંુ થયંુ પણ વાદ નહીં, વિવાદ નહીં. અમે જેટલા શબ્દો બોલીએ એ શબ્દો દરેકનો આત્મા કબૂલ કરવો જ જોઈએ. અમે જેટલંુ બોલીએ તે બધંુ જ સામેવાળો કબૂલ કરે.

પ્રશ્શનકર્તા : આ આટલું સરસ દાદાનું લોજીક છે, એની પણ સમજવાની માણસોની તૈયારી નથી.

દાદાશ્રી : તે જ કહું છું. સમજવાની તૈયારી નથી. લોકો આ બાજુ ઊંડા ઉતરવા માગતા જ નથી. કંઈક આ નવી જાતનું છે ને ઊંધું જ છે આ. એવો એમને ભય લાગી ગયો.

પ્રશ્શનકર્તા : દુનિયા ચાલે છે એના કરતાં આ કંઈ જુદું છે એટલે ખોટું છે એવું માને.

દાદાશ્રી : હા.

પ્રશ્શનકર્તા : અને બીજું શું કે મેં આખી જિંદગી જે કર્યું એ છોડી દઉં ?

દાદાશ્રી : હા, એ મારું કરેલું નકામું જશે ? આ બીક કાઢી નાખવી પડશે ને !

બુદ્ધિથી માપતા, દેખાશે છેલ્લી દશા !

આમાં ભલભલા બુદ્ધિશાળીઓ માર ખાઈ જાય. તે બુદ્ધિશાળીઓ નથી પહોંચી શકતા અને જો એક બુદ્ધિશાળી મને માપી લે, એણે કહી દેવું જોઈએ કે આ જ છેલ્લામાં છેલ્લો માર્ગ છે, બાકી બીજું તોફાન છે. મને માપ એકવાર, જેટલો મપાય, જેવી રીતે માપવું હોય એ રીતે માપ અને પછી કહી દે.

બુદ્ધિશાળી સમજી જાય કે તદ્દન હંડ્રેડ પરસેન્ટ કરેક્ટ છે આ. ગમે તેવા બુદ્ધિશાળી સમજી જ જાય. તો પછી બીજાને કહી દેને કે બીજું બધું ઊંધું છે. પણ ડરે છે કે બીજું ઊંધું કહીએ ને વખતે સાચું હોય તો ? અલ્યા, સત્ય બે હોય નહીં, સત્ય એક જ હોય.

દાદા ભગવાન કોનામાં પ્રગટયા ?

પ્રશ્શનકર્તા : આપણા સંઘમાંયે આ ભય ખરો ?

દાદાશ્રી : કયો ?

પ્રશ્શનકર્તા : આ પૂજાવાની કામનનો ?

દાદાશ્રી : એ અહીં ના હોવો જોઈએ. એ તો અમે હોય તો કાઢી નાખીએ. કોઈ માણસને જો પૂજાવાની કામના હોય ને, તો એ કામનાને સમજાવીને કાઢી નાખીએ. નહીં તો પછી કહીએ છૂટો થઈ જા, કારણ કે એ અહીં ચાલે નહીં. પૂજાવાનો માર્ગ ન હોય આ. પૂજાવું એટલે ઊંધંુ પડવું, અધોગતિમાં જવું. આ તો પૂજવાનો માર્ગ છે.

પ્રશ્શનકર્તા : તો પછી, દાદા પછી કોને પૂજવાનું ?

દાદાશ્રી : એ પછી એની મેળે કુદરતી ઊભું થશે તે દહાડે...

કોનામાં દાદા ઉતરે છે અને પ્રગટ થાય છે એ જોવાનું. એ શક્તિ કોનામાં પ્રગટ થાય છે એ જોવાનું.

પ્રશ્શનકર્તા : પણ એ ખબર કેવી રીતે પડે, દાદા ?

દાદાશ્રી : એ તો વીતરાગી પુરુષ તરત ખબર જ પડી જાય. એવી કંઈ ઈચ્છાઓ-બિચ્છાઓ ના હોય કંઈ એને. આંખથી ખબર પડે. લોકો આંખમાં જુએને તો કહેશે, જવા દો, ખરાબ છે, દ્ષ્ટિ ખરાબ છે એવું કહે ને ભડકે સ્ત્રીઓ. પછી કેટલાક વેપારીઓ શું કહે ? મૂઆ, ચોર લાગે છે ! અને આ તો વીતરાગ, એમાં કશું બીજું વાંચવાનું ના હોય ! આ બધું પકડાશે, બધું પકડાશે (ખબર પડશે કે કોનામાં 'દાદા ભગવાન' પ્રગટ થયા), વાણી નીકળે, વાણી અલૌકિક નીકળે. ત્યારે જાણવું કે મહીં પ્રગટ થયું છે ! અહીં તો જે બધાનો, આખા જગતનો શિષ્ય થશે, તેનું કામ થશે ! અહીં તો લોક જેને 'એક્સેપ્ટ' કરશે, તેનું ચાલશે !!

જય સચ્ચિદાનંદ