સ્વાર્થ-પરમાર્થ : સાંસારિક, ધાર્મિક

સંપાદકીય

લોક દ્ષ્ટિ અને જ્ઞાની દ્ષ્ટિ વચ્ચે આભ-જમીનનંુ અંતર હોય છે. લોકો ક્રિયાઓ જુએ છે, જ્યારે જ્ઞાની ભાવની કિંમત ગણે છે. એની એજ ક્રિયા સ્વાર્થ ભાવે કરે તો પાપ બંધાય, નિઃસ્વાર્થ ભાવે કરે તો પુણ્ય બંધાય અને કર્મફળ ભોગવવા સંસારમાં આવવંુ જ પડે. ક્રિયાઓ અહીંની અહીં રહી પડશે, પાપ-પુણ્ય જોડે આવશે. માટે દરેક કાર્ય પાછળ ભાવ સુધારો. ભાવને બગડવા ના દેશો. દાન આપવામાંય મહીં ફળ લેવાનો સ્વાર્થ રહ્યો હોય છે.

પોતાની જાતને અજ્ઞાનતામાં ઓળખી નહીં ને જે નામ મળ્યંુ, દેહ મળ્યો, તે રૂપે જ પોતે રહ્યો, તેને જ પોતાનો માન્યો. તેથી સ્વાર્થ બુદ્ધિ ઊભી થઈ, પોતાના સુખને માટે જ પછી એ બુદ્ધિ વાપરી. બીજાનંુ જે થવંુ હોય તે થાય, એવી સ્વાર્થ બુદ્ધિથી અંતર શાંતિ ગુમાવી દીધી. એ સ્વાર્થ બુદ્ધિ મોક્ષે જતા ભયંકર બાધક થઈ પડે. જેને બુદ્ધિથી પોતાના માન્યા તે, દેહ, વાઈફ-છોકરાં, તેય ખરેખર આત્માની અપેક્ષાએ પરાયાં છે, એટલે એ સ્વાર્થ તો પરાર્થ થયો. ગાયને દોહીને કૂતરાને પાઈ દીધંુ, લોકોને નુકસાન કરી ભેગંુ કર્યું અને છોકરાના મોહમાં એને બધંુ આપી પોતે ભોગવ્યા વગર, પાપ કર્મ બાંધીને નનામીમાં ચાલી ગયા.

બુદ્ધિ તો 'હંુ'-'તંુ'ના ભેદ પડાવી દે. એ તો જ્ઞાની પુરુષ બુદ્ધિથી ઉપર જ્ઞાન દશામાં હોય, એમને બુદ્ધિ ખલાસ થઈ હોય. એવા જ્ઞાની પાસેથી જ્ઞાન મળે આત્મ દશા પ્રાપ્ત થાય, તો જ્ઞાનથી અભેદતા ઉત્પન્ન થાય.

ધર્મમાંય ગુરુ-શિષ્ય વચ્ચે કિંચિત્માત્ર સ્વાર્થનો આંકડો હશે તો બન્નેનંુ બગડશે.

ભગવાનની ભક્તિમાંય કંઈ પણ સંસારી સ્વાર્થ હશે તો ભગવાનના સાક્ષાત્કારમાં એ ભક્તિ જ નડશે.

સંસારી સ્વાર્થ ક્યાં સુધી ઊભો રહ્યો છે ? જ્યાં સુધી સ્વરૂપની અજ્ઞાનતા છે અને તેનાથી ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયા છે અને તેનાથી સંસારી સ્વાર્થ ઊભો રહ્યો છે. જ્યારે પોતાના સ્વરૂપનંુ ભાન થાય કે હંુ ખરેખર કોણ છંુ ? ત્યારથી પોતાના સાચા સ્વરૂપનંુ ભાન થાય. ત્યારથી સાચો સ્વનો અર્થ સ્વાર્થ ઊભો થાય. જે સ્વ-પર કલ્યાણકારી હોય.

સંસારમાં કોઈ પ્રત્યે કિંચિત્ સ્વાર્થ રાખવા જેવો નથી. ફક્ત જ્ઞાની પુરુષ પ્રત્યે સ્વાર્થ રાખવા જેવો છે, તે પણ પૂર્ણ કામ થવાના હેતુપૂર્વકનો. તો તે આત્યંતિક કલ્યાણ પમાડે.

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે નીકળેલી જ્ઞાનવાણીમાં સાંસારિક, ધાર્ર્મિક, સ્વાર્થ, પરમાર્થના વિવિધ ફોડ અત્રે સંકલિત થયા છે. જે સાધકને સાચી દ્ષ્ટિ બક્ષશે.

દીપક દેસાઈ

સ્વાર્થ-પરમાર્થ : સાંસારિક, ધાર્મિક

નિઃસ્વાર્થ ભાવ ત્યાં પુણ્ય !

પ્રશ્શનકર્તા : પુણ્યકર્મ ને પાપકર્મ કેવી રીતે બંધાય ?

દાદાશ્રી : બીજાને સુખ આપવાનો ભાવ કર્યો, એનાથી પુણ્ય બંધાય અને દુઃખ આપવાનો ભાવ કર્યો, એનાથી પાપ બંધાય. માત્ર ભાવથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયામાં એવું હોય કે ના પણ હોય, પણ ભાવમાં જેવું હોય તેવું કર્મ બંધાય. માટે ભાવને બગાડશો નહીં.

કોઈ પણ કાર્ય સ્વાર્થ ભાવે કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ ભાવે કરે ત્યારે પુણ્યકર્મ બંધાય. પણ બન્નેય કર્મ છે. પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે.

કમાણી અહીં રહી, ગુના જોડે આવે !

પરદેશની કમાણી પરદેશમાં જ રહેશે. આ મોટર-બંગલા, મિલો, બૈરી-છોકરાં બધું જ અહીં મૂકીને જવું પડશે. આ છેલ્લે સ્ટેશને તો કોઈનાય બાપનું ચાલે તેમ નથી. માત્ર પુણ્ય અને પાપ સાથે લઈ જવા દેશે. બીજી સાદી ભાષામાં તને સમજાવું તો અહીં જે જે ગુના કર્યા તેની કલમો સાથે આવશે. એ ગુનાની કમાણી અહીં જ રહેશે અને પછી કેસ ચાલશે. કલમોના હિસાબે નવો દેહ પ્રાપ્ત કરી, ફરીથી નવેસરથી કમાણી કરીને દેવું ચૂકવવું પડશે. માટે મૂઆ, પહેલેથી જ પાંસરો થઈ જાને ! 'સ્વદેશ' (આત્મા)માં તો બહુ જ સુખ છે પણ 'સ્વદેશ' જોયો જ નથીને !

પ્રશ્શનકર્તા : મનુષ્ય અવતારમાં સત્કાર્યો કર્યા બાદ તેના દેહવિલય બાદ એ આત્માની પરિસ્થિતિ કઈ ?

દાદાશ્રી : સત્કાર્યો કરે તો પુણ્યૈ બંધાય. એ ક્રેડિટ થાય, તો મનુષ્યમાં સારે ઘેર અવતાર મળે. રાજા થાય કે વડો પ્રધાન થાય અગર એથીય વધારે સત્કાર્યો કર્યાં હોય તો દેવગતિમાં જાય. સત્કાર્ય કરે એ ક્રેડિટ કહેવાય, એ પછી ક્રેડિટ ભોગવવા જાય અને ખરાબ કાર્યો કરે એ ડેબિટ ભોગવવા જાય પછી, બે પગના ચાર પગ થાય ! આ તમે એસ.ઈ. થયા છો, તે ક્રેડિટને લઈને ! અને ડેબિટ હોય તો મિલમાં નોકરી કરવી પડે. આખો દહાડો મહેનત કરે તોય પૂરું જ ના થાય. એટલે આ ક્રેડિટ-ડેબિટના આધારે આ ચાર ગતિ અને ક્રેડિટ-ડેબિટ ઉત્પન્ન ના થયું તો મોક્ષગતિમાં જાય.

દાન, સ્વાર્થ હેતુએ !

પ્રશ્શનકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે ?

દાદાશ્રી : એવું છે ને, એ દાન આપીને પોતે કંઈક લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. લોકોને સુખ આપો તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે, પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી જતું રહે છે.

પ્રશ્શનકર્તા : ઉપવાસ કરવો સારો કે કંઈક દાન કરવું સારું ?

દાદાશ્રી : દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવવું. ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. અને ઉપવાસ કરવાથી મહીં જાગૃતિ વધશે. પણ શક્તિ પ્રમાણે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું છે.

પ્રશ્શનકર્તા : દાદા, આ દાન તો બહાર આટલું બધું કરે છે.

દાદાશ્રી : એ દાન કરે પણ આમ સગાંવહાલાંને કાયદાથી બહાર ના આપે. દાન કરે કારણ પોતાને એનું ફળ લેવાનું ને ! એનું ફળ મારે લેવાનું છે ને એ તો સ્વાર્થ છે, એક જાતનો. દાન એ તો સ્વાર્થ છે. પણ આ સગાંવહાલાંને ના આપે. કાયદાની બહાર ના આપે. એ તો મેં બધી નાતમાં જોયેલું.

સંસારી બુદ્ધિ રાખે સ્વાર્થમાં !

પૈસો-બૈસો શું છે ? પૂરણ-ગલન છે. પૂરણ થયું એટલે ગલન થવાનું જ. ચોપડાના હિસાબ છે. એમાં લોક બુદ્ધિ વાપરીને ડખો કરી મેલે છે. આ તો મૂઆ, પૂરણ-ગલનમાં શક્તિઓ વેડફે છે. પૈસો તો બેન્ક બેલેન્સ છે, હિસાબ છે, નક્કી થયેલું છે. એમાં પૈસા કમાવામાં બુદ્ધિ વાપરે છે એ પોતાનું ધ્યાન બગાડે છે અને આવતો ભવ બગાડે છે.

અધૂરામાં પૂરું ટ્રીકો કરતાં શીખી ગયા છે. ટ્રીક એટલે સામાની ઓછી બુદ્ધિનો ગેરલાભ ઉઠાવી પોતાની વધારે બુદ્ધિથી સામાનું છેતરીને પડાવી લેવું તે. તે ટ્રીકવાળો બહુ ચપળ હોય. બીજો, ચોર પણ ચપળ હોય. ટ્રીકવાળો તો ભયંકર અધોગતિ પામે.

વણિકો તો બુદ્ધિથી એવી વાડો કરી લે કે પોતપોતાનું જ સંભાળે, પાડોશીનું ના જુએ. તે વ્યવહારમાં સારા શાથી દેખાય ? બુદ્ધિની વાડથી. એ તો પોતાના જ ભણી દ્ષ્ટિ કરતો હોય. સ્વાર્થમાં ને સ્વાર્થમાં જ હોય. તે સ્વાર્થને માટે મગનું નામ મરી ના પાડે. જો તેમને ન્યાય કરવા કહ્યો હોય તો તેમાં સામાને સુખ થશે કે દુઃખ થશે એ જોવા બેસે. એટલે ન્યાય એવો કરે કે સામાને ખોટું ના લાગે. તે મૂઓ સામાને ખોટું ના લગાડવા જૂઠું બોલે, ખોટો ન્યાય કરે. તે ભગવાન તો મહીં બેઠેલા તે જુએ કે આને તો બેઉ બાજુ પડદો રાખ્યો છે. અલ્યા, ચોખ્ખે ચોખ્ખું બોલીએ, કડવું ના લાગે તેવું સત્ય કહીએ. પણ આ તો પડદો રાખી જૂઠો ન્યાય કરે. તે ભયંકર જોખમદારી વહોરી કહેવાય. સામો જૂઠો હોય તેને સાચો ઠરાવવો તે બહુ મોટી જોખમદારી લીધી કહેવાય. જેમ છે તેમ કહી દેવું જોઈએ.

આ બધું શાનાથી ઊભું થયું છે ? તો કહે કે સામાને ના દેખાય ત્યાં સુધી સ્વાર્થમાં રહે છે તેથી. સંસારમાં શાંતિ રહે એટલા સારુ નઠારો સંગ્રહ કર્યો, તે મોક્ષે જતાં કૈડી કૈડીને એ માલ જશે. આ માલ બહુ પજવશે. સીધી રીતે મોક્ષે નહીં જવા દે.

સમજીને છેતરાય ત્યાં પરમાર્થ !

સમજીને છેતરાવા જેવો કોઈ પરમાર્થ નથી અને આખી જિંદગી હું જાણી જોઈને જ છેતરાયેલો છું. લોકો કહે છે, 'એનું ફળ શું ?' ત્યારે મેં કહ્યું કે, 'જાણીને છેતરાય એને શું પદ મળે ? કે દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટ હોય છે ને, તે સુપ્રીમ કોર્ટના જજનેય ટૈડકાવે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.' એટલે શું ? કે જજનીય ભૂલો કાઢે એવું હાઈક્લાસ પાવરફૂલ મગજ થઈ જાય. કાયદામાં લઈ લે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. જે જાણી જોઈને છેતરાય છે, જે કોઈને છેતરતો નથી એનું મગજ એવું હાઈ લેવલ પર જાય ! પણ એવું જાણી જોઈને છેતરાય કોણ ? એવો કયો પુણ્યશાળી હોય ? અને આ સમજણ જ શી રીતે એડોપ્ટ થાય ? આ સમજણ જ કોણ આપે ? છેતરવાની સમજણ આપે, પણ આ જાણીને છેતરાવાની સમજણ કોણ આપે ?

સ્વાર્થ કેવો ? માન-અપેક્ષાનો !

એટલે પહેલાં અમારા મનમાં એમ જ કે હું જ છું, આ દુનિયામાં મારા સિવાય કોઈ છે જ નહીં. જો, પોતાની જાતને શું માની બેઠેલા ! મિલકતમાં કશું નહીં. દસ વીઘા જમીન અને એક ઘર, એ સિવાય બીજું કશું નહીં અને ચરોતરનો રાજા હોય એવું મનમાં રોફ રહે. કારણ કે આજુબાજુના છ ગામવાળા લોકોએ અમને ચગાવેલા. પૈઠણિયા વર, માગો એટલી પૈઠણ આપે ત્યારે આ વર ત્યાં પૈણવા જાય. એની આ મગજમાં તુમાખીઓ ભરાઈ ગયેલી. અને કંઈ પૂર્વભવનું લાવેલો, તેથી આ ખુમારીઓ બધી હતી.

તેમાંય મારા મોટાભાઈ જબરજસ્ત ખુમારીવાળા હતા. મારા મોટાભાઈને હું માની કહેતો હતો, ત્યારે એ મને માની કહેતા હતા. તોય એક દહાડો મને શું કહે છે ? 'તારા જેવો માની મેં જોયો નથી.' મેં કહ્યું, 'શેમાં મારંુ માન જુઓ છો ?' ત્યારે કહે, 'દરેક બાબતમાં તારંુ માન હોય છે.' અને તે પછી મેં તપાસ કરી, તો બધી બાબતમાં મારું માન નીકળ્યું અને તે જ કૈડતું હતું. અને માનને માટે શું કર્યું ? જે કોઈ હોય, તે કહે કે 'અંબાલાલભાઈ, અંબાલાલભાઈ !' હવે 'અંબાલાલ' તો કોઈ કહે જ નહીં ને ! છ અક્ષરથી બોલે. અને પછી ટેવ પડી ગઈ, 'હેબિચ્યુએટેડ' થઈ ગયા તેમાં. હવે માન બહુ ભારે એટલે માનનું રક્ષણ કરે તે પછી 'અંબાલાલભાઈ'ના છ અક્ષર ના બોલાય અને કો'ક ઉતાવળમાં 'અંબાલાલ' બોલી ઊઠે, એ કંઈ એનો ગુનો છે ? છ અક્ષર સામટા એકદમ ઉતાવળમાં તો શી રીતે બોલાય તે ?

પ્રશ્શનકર્તા : પણ તમે એવી આશા રાખો ને ?

દાદાશ્રી : અરે, હું પછી તોલ કરંુ કે ''આ મને 'અંબાલાલ' કહ્યું પાછું ? શું સમજે છે ? શું 'અંબાલાલભાઈ' ના બોલાય એનાથી ?'' ગામમાં દસ-બાર વીઘાં હોય ને બીજો કશો રોફ નહીં તોય મનમાં શું માની બેઠા ? અમે છ ગામના અમીન, વાંકડાવાળા !

હવે સામાએ 'અંબાલાલભાઈ' ના કહ્યું હોય તો મને આખી રાત ઊંઘ ના આવે, અકળામણ થાય. લે ! એમાં શું મળી જવાનું ? આમાં મોઢું કંઈ મીઠું થઈ જવાનું ? કેવો સ્વાર્થ માણસને હોય છે ! એ સ્વાર્થ, તે એમાં કશોય સ્વાદ ના હોય. છતાંય માની બેઠેલો છે, તેય લોકસંજ્ઞાથી. લોકોએ એમાં મોટા બનાવ્યા ને લોકોએ મોટા માન્યાયે ખરા ! અરે, આ લોકોના માનેલાનું શું કરવાનું તે ?

આ ગાયો-ભેંસો આપણા સામું જોઈ રહે, અને પછી કાન હલાવતી હોય તો આપણે એમ સમજી જવાનું કે આપણને માન આપે છે આ ? એવું છે આ તો બધું. આપણા મનમાં માનીએ કે આ લોકો બધા માનથી જોઈ રહ્યા છે, મનમાં માનીએ ! એ તો સહુસહુનાં દુઃખમાં છે બિચારા, સહુસહુની ચિંતામાં છે. એ તમારા સારંુ કંઈ પડી રહ્યા છે ? નવરા છે ? સહુ સહુની ચિંતામાં ફર્યા કરે છે !

સ્વાર્થ બુદ્ધિ ત્યાં અંતર અશાંતિ !

માણસો અંતરશાંતિ માટે બહાર દોડધામ કરે છે, પણ એમ દોડધામથી શાંતિ મળે ? અંતરશાંતિ હોય તો જ બહાર શાંતિ મળશે. માટે પહેલાં અંતરમાં સુખ છે એવું શ્રદ્ધામાં બેસવું જોઇએ તો અંતરશાંતિ મળે.

ભગવાને શું કહ્યું હતું કે અંતરસુખ ને બાહ્યસુખનો કાંટો જોયા કરજે. અંતરસુખ ઘટે ને બાહ્યસુખ વધે તો જાણજે કે મરવાનો થયો. કાંટો થોડોઘણો ઊંચોનીચો હોય તો ચલાવી લેવાય, પણ આ તો અંતરસુખની દાંડી સાવ ઊંચે જતી રહી તે તારી શી દશા થશે ? આ બહારનાં સુખ વધારી દીધાં, ચાલીસ લાખના ફ્લેટ લીધા હોય, ખાવા-પીવાનું પાર વગરનું હોય, ટોપલે ટોપલા ફ્રુટના હોય ત્યારે સાહેબને 'બ્લડ પ્રેશર' ને 'હાર્ટએટેક' આવેલા હોય ને બાઇ સાહેબને 'ડાયાબિટિસ' થયેલો હોય ! તે બેઉને મોઢે ડૉક્ટરે શીકી બાંધી દીધી હોય !!! પછી આ બધું ખાય કોણ ? ત્યારે કહે, ઘરના પેલા ઉંદરડા ઘાટી અને રસોઈયો, ખાઇ-પીને લાલ ગલોલા જેવા થયેલા હોય ! 'ફ્લેટ'માં જાવ તો જાણે સ્મશાનમાં ના પેઠા હોય ! શેઠ જોડે વાત કરો તોય નર્યા અહંકારથી વાત કરે એ. શેઠ મોંઘા ભાવની ચા પાય, પણ જ્યાં સુધી ભાવરૂપ દ્રવ્ય પડ્યું નથી ત્યાં સુધી ગમે તેવું સોળ આની સોનું હોય તોય નકામું છે. શેઠનું મોઢું જોઇએ તો જાણે શેઠ હસવાનું જ ભૂલી ગયેલા હોય તેવું લાગે ! આ બાહ્યસુખની કેવી ભેટ(!)?

અંતરશાંતિ તૃપ્તિ આપે ને બાહ્ય શાંતિથી લોભ વધ્યા કરે. જયાં સ્વાર્થ બુદ્ધિ છે ત્યાં અંતરશાંતિ ના રહે.

સુખ આપવામાં સ્વાર્થ ના ઘટે !

સંસારમાં જો સુખ જોઈતું હોય તો દરેક જીવોને તમે સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે આપો એ તમને મળશે.

પ્રશ્શનકર્તા : બિલકુલ એકદમ સરળ અને સાચી વાત છે.

દાદાશ્રી : આટલો જ શબ્દ જો, આટલી જ સમજણ લઈને કામ કરે ને, તો બહુ થઈ ગયું. પછી શાસ્ત્રો વાંચવાની જરૂર નથી.

બધાને સુખ આપો છેવટે. હા, પૈસાથી ના અપાય તો ધક્કો ખાઈને આપો, સલાહ આપીને આપો. પણ સલાહમાંય તમારો સ્વાર્થ ના હોવો જોઈએ. તમારી બુદ્ધિ વધી તે લોકોને સલાહ આપવામાં જાય તો પેલા લોકોનું બહુ કામ કાઢી નાખે.

પણ લોકોએ તો આ બુદ્ધિનો દુરુપયોગ કર્યો. બુદ્ધિથી ગોળીબાર કર્યા આ લોકોએ. વધારે બુદ્ધિશાળીઓએ ઓછા બુદ્ધિવાળાને ગોળીબાર કર્યા. એને ભગવાને આર્તધ્યાન નથી કહ્યું, અપધ્યાન કહ્યું છે. વધુ બુદ્ધિશાળીએ ઓછા બુદ્ધિશાળીનો લાભ ઊઠાવ્યો, એટલે એને ગોળી મારી. બુદ્ધિથી મારવાનું તો કોઈ કાળમાં હતું જ નહીં. આ કાળમાં જ નવું લફરું ઊભું થયું આ.

જ્ઞાતા-દ્રષ્ટા એક સેકન્ડ થયો, તો થઈ ગયો પરમાત્મા ! સર્વથી રહિત થઈને ઊભો રહે. તેને પાડોશી કહેવાય. સર્વથી રહિત ! નહીં તો ત્યાં સુધી એ દેહાધ્યાસ કહેવાય. ભગવતીસૂત્રમાં સારું લખેલું છે, સાક્ષીભાવ રાખ. પણ સાક્ષીભાવ કો'કને રહે. લાખોમાં બે-પાંચને રહે, જો પ્રયત્ન કરે તો. બાકી, મેણો ઊતરે નહીંને ! આ મોહ ઊતરે નહીં ને એ સાક્ષી રહેવા ના દે. સાક્ષી રહેતો હોય તો ભૂલ કરે નહીં મૂઓ. પોતાની ભૂલો ખબર પડે તો, સાક્ષીભાવ રહેતો હોયને, તે પોતાના દોષ કહી આપે અને પેલાને તો યાદ જ ના રહેને !

સાક્ષીભાવ કોને કહેવાય ? અહંકાર સહિત જ્ઞાતા-દ્રષ્ટા થવું એને સાક્ષીભાવ કહ્યો અને આ તો અહંકારરહિત જ્ઞાતા-દ્રષ્ટા ભાવ. સાક્ષીભાવ એ ભ્રાંતિ કહેવાય અને આ યથાર્થ જ્ઞાન કહેવાય. એટલે કંઈ હરકત નથી આ.

એ સ્વાર્થી વિપરીત બુદ્ધિથી !

સ્વાર્થી તો બહુ પાકા હોય !

પ્રશ્શનકર્તા : બુદ્ધિ છે, તે સ્વાર્થ બતાવે છે ?

દાદાશ્રી : સ્વાર્થ બતાવે એને બુદ્ધિ ના કહેવાય, પણ એને વિપરીત બુદ્ધિ કહેવાય.

પ્રશ્શનકર્તા : ભેદ પણ બુદ્ધિ જ કરાવે છે ને ?

દાદાશ્રી : હા, બુદ્ધિ જ કરાવે ને તે વિપરીત બુદ્ધિ જ. બુદ્ધિ જ આ બધું કામ કરે છે.

પ્રશ્શનકર્તા : મારે તો બુદ્ધિ કામ જ નથી કરતી ને !

દાદાશ્રી : બહુ સારું, ના કામ કરતી હોય તો સારંુ. અમારે પણ ક્યાં કામ કરે છે ? મારે બુદ્ધિ જરાય કામ કરતી નથી.

બુદ્ધિથી 'હું' ને 'તું' ભેદ પડી ગયા. જ્ઞાનથી એક જ છે બધું.

પ્રશ્શનકર્તા : પણ એ પ્રતીતિ થવી જોઈએ ને ?

દાદાશ્રી : એ પ્રતીતિ આવે ને, તો જ કામ થઈ જાય કે આ બુદ્ધિથી જુદા પડ્યા છીએ અને જ્ઞાનથી એક જ થઈ જાય. જ્ઞાનપ્રકાશ એક જ છે, એક જ પ્રકારનો. બુદ્ધિથી ભેદ પડ્યા છે અને 'હું છું' ત્યાં સુધી બુદ્ધિ છે. અહંકાર છે ત્યાં સુધી બુદ્ધિ ઊભી રહી છે અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર ઊભો રહે. બેઉનો સહિયારો વેપાર છે.

સંસારનો સ્વાર્થી ત્યાં મોક્ષના અંતરાય !

'મારે શંુ' એટલે એ બધાથી જુદો થયો એટલે સંસારનો સ્વાર્થી, સંપૂર્ણ સ્વાર્થી થયો. અને 'મારે શંુ' બોલ્યા કે મોક્ષ અટક્યો કાયમને માટે.

સંસારી સ્વાર્થ અપેક્ષા રખાવે !

પાછા લોક આપણને કહેય ખરા કે વ્યવહારમાં રહેતો નથી. ત્યારે કહે, એ તો હંુ યે જાણંુ છું, એમાં નવંુ શંુ છે ? એ સહુસહુના સ્વાર્થની બધી વાતો. શી રીતે વ્યવહારમાં રહેવંુ ? જે ફિલ્મ છે, તેથી નવી જાતનંુ ખોળવંુ ? એ પછી બુદ્ધિથી પેલંુ લાગે એવંુ અને પહેલાંની કટેવો છે. એટલે આપણે કહેવંુ કે કાચો પડે તો સંભાળી લેજો. હા, તમે મોટા મનના છો તો સંભાળી લેજો. એટલંુ કહીએ કે પછી ચાલ્યંુ.

આત્મા સિવાયનંુ ગયંુ પરાર્થમાં !

પ્રશ્શનકર્તા : ખરો વ્યવહાર તો જ્ઞાની પાસેથી જાણવા મળે ને ?

દાદાશ્રી : હા, વ્યવહાર એટલે શું ? સામાને બાધક ના થાય, સામાને આનંદ રહે, આપણને આનંદ રહે, એનું નામ વ્યવહાર; નિશ્ચય નહીં. છોકરાં નિશ્ચયનાં હોત તો તો એ ગાળો દેત તોય આપણે એની પાસે રહેત. એ મરી જાય એટલે આપણે મરી જવું જોઈએ. આ તો બાપા ગયા પછી રસ્તામાં જ ચા-પાણી કરે. આપણે ટીકા નથી કરતા. એ તો એય બાપ થવાનો છે. એમાં નવું નથી. પણ આપણે સમજી લેવું કે દાદાનું જ્ઞાન મળ્યું છે તો મારે હવે ક્યાં ઊભા રહેવું, નહીં તો આ લોકોનું બધું અફળ જાય છે ને પરાર્થે વપરાય છે. એ નથી સ્વાર્થમાં. સ્વાર્થ એટલે આત્માનું કરો એ સ્વાર્થ. નથી પરમાર્થમાં. પરમાર્થ એટલે શું ? કે લોકોપકાર. આ તો પરાર્થે જાય છે. મારા નથી તેને મારા માનીને દૂધ પાઉં છું, તે પરાર્થે ગયું ! પરાર્થ એટલે શું સમજ્યા ? આ લોકો જે સ્વાર્થ કરે છે એ પરમાર્થ નથી, સ્વાર્થેય નથી ને પરાર્થ છે.

પ્રશ્શનકર્તા : એ જરા સમજાવો.

દાદાશ્રી : પારકા માટે ગાય દોહવી અને કૂતરાને પાઈ દે. તારંુ શું આમાં ? લોકોનું નુકસાન કરી કરી અને આમથી તેમ આઘાપાછા કરીને પાંચ કરોડ ભેગા કરી, છોકરાને આપીને હેંડ્યા ત્યાં ઠાઠડીમાં હડહડાટ. જવાબદારી પોતાની, છોકરાં મજા કરશે હવે. જવાબદારી પોતાની બધી. આંટી-ઘૂંટી કરી, એ જવાબદારી.

મુખ્ય ધર્મ, આત્મકલ્યાણ સાધો !

પ્રશ્શનકર્તા : અમે અહીંયાં સત્સંગ-ભજનમાં અવારનવાર આવીએ તો ઘરનાં એમ સમજે કે આ પોતાની ફરજ ચૂકી જાય છે. અને પોતાનેય એમ લાગે છે કે હું વધારે જો ભગવાન પ્રત્યે પ્રીતિ રાખું અથવા આવી રીતે સત્સંગમાં જઉં છું તો બાળકો રખડી પડે. તો શું કરવું જોઈએ ? ઘેર બેસીને ભજન કરવું જોઈએ કે આપની પાસે અહીંયાં આવવું જોઈએ અને વધારે સમય બેસવું જોઈએ ?

દાદાશ્રી : આ મન, બુદ્ધિ, અહંકાર શું કરે છે તેને જુઓ. એટલે જે કરતા હોય તે કરવા દેજો. અહીંયાં આવતા હોય તેય કરવા દેવું અને ઘેર પાછા જતા રહે તેય કરવા દેવું. પોતાના છોકરાં માટે બેસી ના રહેશો કે આના માટે બેસી ના રહેશો.

પ્રશ્શનકર્તા : સાચો રસ્તો કયો ? અમારે ત્યાં છોકરાંઓ સાચવવાં કે અમારંુ પોતાનું કલ્યાણ કરવા માટે સત્સંગમાં આવવું ?

દાદાશ્રી : છોકરાં તો સચવાઈ રહ્યાં છે. છોકરાંને તમે શું સાચવવાના ? તમારંુ કલ્યાણ કરવું એ જ મુખ્ય ધર્મ. બાકી આ છોકરાં તો સચવાઈ રહેલાં છે ને ! છોકરાંને કંઈ તમે મોટા કરો છો ? બગીચામાં ગુલાબના છોડ બધા રોપ્યા હોય તે રાતે ઊંચા થાય કે ના થાય ? એ તો આપણે સમજીએ કે ગુલાબ મારો, પણ ગુલાબ તો એમ જ સમજે ને કે હું પોતે જ છું, કોઈનોય નથી. બધા પોતે પોતાના સ્વાર્થથી આગળ છે. અત્યારે તો આપણે ગાંડો અહંકાર કરીએ, ગાંડપણ કરીએ.

પ્રશ્શનકર્તા : આપણે જો ગુલાબને પાણી ના રેડીએ તો ગુલાબ તો કરમાઈ જાય ?

દાદાશ્રી : ના રેડીએ એવું બને જ નહીં ને ! ના રેડીએ તો છોકરો બચકું ભરે, નહીં તો ઢેખાળો મારે.

સાંસારિક ફરજો : ધર્મ કાર્ય

પ્રશ્શનકર્તા : સાંસારિક ફરજો અને ધર્મ કાર્ય વચ્ચે સમન્વય કેવી રીતે સાધવો ?

દાદાશ્રી : સાંસારિક ફરજો તો ફરજિયાત જ છે. મા-બાપે માનવું કે આપણે છોકરાની ફરજો બજાવી એ છે તે ફરજિયાત છે. છોકરાએ એમ માનવું જોઈએ કે મારી ઉપર ઉપકાર કર્યો છે, એટલે એમના તરફ મારે ભાવ રાખવા જોઈએ. એવી માન્યતા હોવી જોઈએ. નહીં તો પછી પેલો મીકેનિકલ થઈ જાય. (છોકરા માટે) ફરજિયાત થયું એટલે મા-બાપ પ્રત્યેની સેવાનો ભાવ ઊડી જાય ને !

હવે, સંસારની ફરજો બજાવતી વખતે ધર્મ કાર્ય વચ્ચે સમન્વય શી રીતે થાય ? ત્યારે કહે છે કે, છોકરો અવળું બોલતો હોય તોય આપણે આપણો ધર્મ ચૂક્યા વગર ફરજ બજાવવી. તમારો ધર્મ શું ? કે છોકરાનું પાલન-પોષણ કરી મોટો કરવો, એને સદ્રસ્તે ચઢાવવો. હવે એ અવળું બોલતો હોય તો તમે અવળું બોલો તો શું થાય ? એ બગડી જાય. એટલે તમારે પ્રેમથી એને ફરી સમજણ પાડવી કે બેસ ભઈ, આમ છે, તેમ છે. એટલે બધી ફરજોમાં ધર્મ હોવો જ જોઈએ. ધર્મ નહીં પેસવા દો તો એ વેક્યુમમાં અધર્મ પેસી જશે. ઓરડી ખાલી નહીં રહી શકે. અત્યારે આપણે અહીં ખાલી ઓરડીઓ રાખી હોય તો તાળાઓ ઊઘાડીને પેસી જાય કે ના પેસી જાય ?

પ્રશ્શનકર્તા : હા, બરાબર.

દાદાશ્રી : તો ત્યાં આગળ ખાલી ના રખાય. ત્યાં ધર્મને ઘાલી જ રાખવાનો. નહીં તો અધર્મ પેસી જાય. એટલે દરેક ફરજો ધર્મ સહિત કરવી જોઈએ. મનમાં આવે એવી ફરજો નહીં, મનમાં આવે તેમાં પાછું ધર્મ નાખીને સરખી કરીને પછી બજાવવી જોઈએ. એ સમજાયું, સમન્વય કરવાનું ?

પ્રશ્શનકર્તા : એટલે આ ફરજ અને ધર્મ એ બે, એક જ બનાવીને વર્તવું એમ ?

દાદાશ્રી : ના. ફરજો એટલે ફરજિયાત છે. ધર્મ એટલે નેચરલ લૉ છે. બે પ્રકારના ધર્મ. એક આત્મધર્મ અને એક દેહાધ્યાસ રૂપી ધર્મ, જેમાં સુખી થવાય. એટલે અશુદ્ધ અને અશુભ એ અધર્મ છે અને શુભ એ ધર્મ છે. કોઈનું સારંુ કરવું, કોઈને સુખ આપવું, કોઈને હેલ્પ કરવી, કોઈને દાન આપવું, એ બધું ધર્મ કહેવાય છે. પણ એ દેહાધ્યાસ રૂપી ધર્મ કહેવાય, તે મુક્તિધર્મ નથી. મુક્તિધર્મ તો આત્મધર્મ, સ્વધર્મમાં આવે ત્યારે. તો એ, સ્વધર્મ પાળવા માટે કાલે હું તમને બોલાવું છું. તમે પેલા ધર્મ તો બહુ દહાડા કર્યા, અનંત અવતાર કર્યા. એનું ફળ આવ્યું શું ? પુણ્યૈ આવી. અને પુણ્યનું ફળ ભોગવતી વખતે પાપ બંધાયાં. સમન્વય સમજાયું તમને થોડું ઘણું ?

પ્રશ્શનકર્તા : હા જી.

દાદાશ્રી : ઘરમાં સ્ત્રીઓનો સાચો ધર્મ કયો ? કે આજુબાજુની બધી સ્ત્રીઓ, આજુબાજુના બધા પુરુષો એમ કહે કે કહેવું પડે આ બઈ ! એવી ફરજો બજાવે કે આજુબાજુના લોકો ખુશ થઈ જાય. એટલે સ્ત્રીનો સાચો ધર્મ છે તે છોકરાંને મોટાં કરવાં, છોકરાંને સંસ્કાર આપવા, ધણીમાં સંસ્કાર ઓછા હોય તો સંસ્કાર રેડવા. બધું સુધારવું આપણું, એનું નામ ધર્મ. ના સુધારવું પડે ?

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

પ્રશ્શનકર્તા : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ જીવનનાં ચાર પુરુષાર્થ જરા સમજાવો.

દાદાશ્રી : અર્થ એટલે આપણા લોકો સાંસારિક સ્વાર્થ કહે છે તે. ત્યાંથી માંડીને ઠેઠ પરમાર્થ સુધીનો અર્થ એ અર્થ છે. ઠેઠ પરમાત્મા સુધી અર્થ રહે છે.

પરમાર્થનો અર્થ શો ? આત્મા સંબંધી જ જ્યાં સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ જ નથી, આત્મા સિવાય સંસાર સંબંધી કોઈ સ્વાર્થ જ નથી એ પરમાર્થ કહેવાય. અને આત્મા સંબંધી સ્વાર્થી તો 'જ્ઞાની પુરુષ' હોય.

અર્થ પછી જે સ્વાર્થમાં લઈ જાય છે તે વખતે તે સકામમાં પરિણામ પામે છે અને જ્યારે અર્થ પરમાર્થમાં જાય છે ત્યારે નિષ્કામમાં પરિણામ પામે છે. એનો એ જ કામ મોક્ષે લઈ જાય છે ને એનો એ જ કામ સંસારમાં રખડાવે છે.

ધર્મમાંય એનો એ જ ધર્મ સંસારમાં રખડાવે છે ને એનો એ જ ધર્મ મોક્ષે લઈ જાય છે.

પ્રશ્શનકર્તા : ધર્મની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : આ સંસારમાં રખડાવે એ શુભ ધર્મ છે અને મોક્ષે લઈ જાય એ શુદ્ધ ધર્મ છે.

ધર્મનું નામ કેમ પડ્યું ? ત્યારે કહે કે અધર્મ હતો માટે ધર્મ પડ્યું. એટલે આ ધર્માધર્મ છે. સંસારના ધર્મિષ્ઠ પુરુષો શું કરે ? અધર્મના વિચારો આવે તેને આખો દહાડો ધક્કા માર માર કરે. અધર્મને ધક્કા મારવા એને ધર્મ કહ્યો.

પ્રશ્શનકર્તા : ધર્મનું પાલન કરે તો અધર્મ 'ઓટોમેટિકલી' નીકળી જાય ને ?

દાદાશ્રી : ધર્મ બે પ્રકારના છે. એક સ્વાભાવિક ધર્મ અને બીજો વિશેષ ધર્મ છે. જ્યારે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય ત્યારે સ્વાભાવિક ધર્મમાં આવે. સ્વાભાવિક ધર્મ જ ખરો ધર્મ છે, એ ધર્મમાં કશું 'વીણવાનું' છે જ નહીં. વિશેષધર્મમાં બધું વીણવાનું છે.

લૌકિક ધર્મ કોને કહેવાય ? દાન આપવું, લોકોની ઉપર ઉપકાર કરવો, 'ઓબ્લાઇજિંગ નેચર' કરવો, લોકોની સેવાઓ કરવી, એ બધાંને ધર્મ કહ્યો. એનાથી પુણ્ય બંધાય અને ગાળો ભાંડવાથી, મારામારી કરવાથી, લૂંટી લેવાથી પાપ બંધાય. પુણ્ય અને પાપ જ્યાં છે, ત્યાં સાચો ધર્મ જ નથી. પુણ્ય-પાપથી રહિત સાચો ધર્મ છે. જ્યાં પુણ્ય-પાપને હેય ગણવામાં આવે છે અને ઉપાદેય પોતાનું સ્વરૂપ ગણવામાં આવે છે એ 'રિયલ' ધર્મ છે. એટલે આ 'રિયલ' અને 'રિલેટિવ', બન્ને ધર્મ જુદા છે.

અર્થ સાંસારિક સ્વાર્થમાં પરિણમે તેનું નામ અધર્મ અને આત્મિક સ્વાર્થમાં પરિણામ પામે તેનું નામ ધર્મ કહેવાય. એવું જ સકામ અને નિષ્કામનું છે.

પ્રશ્શનકર્તા : ધર્મ વગર કોઈ જીવ રહી શકે ખરો ?

દાદાશ્રી : કોઈ જીવ ધર્મની બહાર હોતો જ નથી. ધર્મમાં હોય કે અધર્મમાં હોય, એ સિવાય ના હોય.

પ્રશ્શનકર્તા : કેટલાક ઈશ્વરને માનતા નથી ને ?

દાદાશ્રી : આ જગતમાં ઇશ્વરને ના માનવાવાળાઓને આપણે નાસ્તિક કહેવા નહીં. એમને નાસ્તિક કહેવું એ ભયંકર ગુનો છે. એનું શું કારણ ? જેને 'હું છું' એવું પોતાના અસ્તિત્વનું ભાન છે એ બધા આસ્તિક કહેવાય અને ધર્મ બધા જુદી જુદી રીતે હોય છે. કોઈ નીતિનું પ્રમાણ માને, કોઈ સત્યનું પ્રમાણ માને, કોઈ મનુષ્યોને બચાવવાનું પ્રમાણ માને, એ પણ એક ધર્મનું પગલું જ છે. કંઈ મંદિરો બંધાવવાં એનું નામ જ ધર્મ એવું નથી. જે પૂર્ણ નીતિપરાયણ છે તે કોઈ દહાડો મંદિરમાં દર્શન કરવા ના જાય તોય ચાલે. તેને બીજા કશાની જરૂર નથી. પ્રામાણિકતા તો મોટામાં મોટું ધર્મનું સાધન છે. પ્રામાણિકતા ને નીતિ જેવું મોટું બીજું ધર્મમાં સાધન જ નથી. આ તો નીતિ, પ્રામાણિકતા જેવું કશું નથી રહેતું, એટલે પછી પોતે ધર્મમાં જઈને, મંદિરમાં જઈને, 'હે પ્રભુ ! હું કપડું ખેંચીને વેચું છું પણ મને માફ કરજો', એમ કહે. આ વેપારીઓ કપડું વેચતી વખતે ખેંચે છે તે શા માટે ખેંચે છે ? હું એમને પૂછું છું કે આ ભગવાનની ભક્તિ કરો છો ને પાછા આ કપડું શા માટે ખેંચો છો ? ત્યારે એ કહે કે, 'બધા ખેંચે છે એટલે હુંય ખેંચું છું.' મેં કહ્યું, 'બધા તો કૂવામાં પડશે, તમે પડશો ? તમે શા માટે ખેંચો છો ?' ત્યારે વેપારી કહે, 'ચાલીસ મીટર કાપડ આપીએ તેમાં ખેંચી ખેંચીને આપીએ તો પા મીટર વધે છે !' અલ્યા, આ ખેંચવાની કસરત શા માટે કરે છે ? અલ્યા, આ તો વારેવારે તું રૌદ્રધ્યાન કરે છે ! તારી શી દશા થશે ? મહાવીરની સભામાં બેસતાં મેં તને જોયેલો હતો. તે લોકો જ અહીં આગળ અત્યારે કપડાં ખેંચાખેંચ કરે ને તે આ લોકોને મોક્ષે જવાનો વારો આવતો નથી. આ તો ચટણી હારુ બેસી રહ્યા છે, આખા થાળ માટે કંઈ આ લોક બેસી નથી રહ્યા.

પ્રશ્શનકર્તા : સત્ય, અહિંસા, પ્રામાણિકતા, આ બધા જે દિવ્ય ગુણો છે. એમાંથી એકાદ ગુણની ઉપાસના કરે તો એવું ખરંુ કે બાકીનો 'ઓટોમેટિક' આવી જાય ?

દાદાશ્રી : એક પકડી લે એટલે બધા આવી જાય. એકને પકડી બેસી જાય એટલે બધું જ આવી જાય.

યથાર્થ લૌકિક ધર્મ !

જગતના લોકોને અમે લૌકિક માર્ગ બહુ સરળ આપીશું. આ ક્રિયાકાંડના તોફાન નહીં આપવાનાં. કોઇ ગામડાનો માણસ આવે તેને કહીએ કે 'સત્ય બોલજે, ચોરી કરીશ નહીં, દયા રાખજે, જૂઠું કરીશ નહીં.' તો એ બધું સાંભળીને બાજુ પર મૂકી દે. પણ એને 'અમે' એક જ વાક્ય કહીએ કે 'ભઇ, તું ગૂંચો ના પાડીશ.' તો પછી એ પૂછે કે 'ગૂંચો એટલે શું ?' તો એને અમે ફરી સમજ પાડીએ, 'આ તારા સામેના ખેતરમાં ગલકાં દીઠાં ને મન થાય તો તું તે કાઢી લે. તો એ કોઇનું વગર પૂછયે લઇ લેવું એ ગૂંચ કહેવાય. સમજાયું તને ?' તો એ તરત જ કહેશે, 'હા, સમજી ગયો ગૂંચને. હવે એવી ગૂંચ નહીં પાડું. આવી તો મેં બહુ ગૂંચો પાડી છે.'

પછી એ એની બૈરીને લઇ આવે તો એને આ ગૂંચની સમજણ પાડું. તેની બૈરી કહે કે, ''દાદા, 'એ' મારી જોડે બહુ ગૂંચો પાડે છે.'' તે પછી તેનેય હું ગૂંચની સમજણ પાડી દઉં. આ પછી જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં. 'અમે' તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે, આ તો ગૂંચ શબ્દથી તરત જ સમજણ પડે. આ લોકો 'સત્ય, દયા, ચોરી નહીં કરો' એ સાંભળીને તો થાકી ગયા છે.

આ લૌકિક ધર્મ તો ઘડીકમાં જ અમે સમજાવી દઇએ ! પણ અલૌકિક ધર્મ માટે જરા ટાઇમ લાગે.

નિઃસ્વાર્થ ભોમિયાથી સાચો માર્ગ જડે !

પ્રશ્શનકર્તા : મારે હંમેશાં વ્યાખ્યાનમાં જવાનું એવો નિયમ છે.

દાદાશ્રી : રોજ નાહીએ ને શરીરનો મેલ ના જાય તો શા કામનું? આ તો રોજ વ્યાખ્યાનમાં જાય; પણ મનનો, વાણીનો, બુદ્ધિનો મેલ ના જાય તે શું કામનું ? આપણું દળદર ના ફીટે તો શું કામનું ? વ્યાખ્યાન આપનાર ગમે તેટલું જાણતા હોય, પણ આપણું દુઃખ ના ઘટે તો નકામું જ ને ! આપણાં દુઃખ ગયાં એ દર્શન કરેલાં કામનાં, નહીં તો દર્શન કરેલાં કામનાં નહીં. સામાને ઘેર પચાસ બંગલા હોય, પણ એનાં દર્શનથી આપણને ઝૂંપડુંય ના મળે તો એ દર્શન નકામાં જ ને ? જે મહારાજનાં દર્શન કરે ને દુઃખ ના જાય તો એ પોતે કેટલા દુઃખી હશે ?

આ ઘાંચીનો બળદ જોયો છે ને ? એ દાબડો પહેરીને મનમાં માને કે, 'હું ચાલ્યો છું' ને દાબડા ખોલે તો એની એ જ જગ્યા ! એવું આ જગત ઘાંચીના બળદ માફક ચાલ્યા કરે છે અને મહેનત નકામી જાય છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મહેનત બધી નકામી જાય છે. આ સ્ટેશનનો રસ્તો હું જાણતો ના હોઉં તો ભૂલો પડું, ને ચારગણો રસ્તો કપાય તોય ઠેકાણું ના પડે. આ તો સ્ટેશનના રસ્તામાં ભૂલા પડાય છે, તો આ સાચો રસ્તો જડવા માટે એવી કેટલી બધી ભૂલો થાય ? માટે તપાસ તો કરવી જોઇએ ને ? પોતાને સંતોષ ના થાય તો એ રસ્તો બંધ કરી બીજો રસ્તો ખોળી કાઢવો પડે. મોક્ષની એક જ કેડી છે ને તેય પાછી ભુલભુલામણીવાળી છે. અન્ય માર્ગ અનેક છે ને પાછા ઓર્નામેન્ટલ છે. કોઇ સાચા ભોમિયા હોય, તેને જ મોક્ષનો માર્ગ પૂછાય અને એય પાછા નિઃસ્વાર્થી ભોમિયા હોવા જોઇએ.

જ્ઞાન સિવાય ન ખસે સંસારી સ્વાર્થ !

પ્રશ્શનકર્તા : જીવનની એક પણ પળ નિઃસ્વાર્થપણે કેવી રીતે નીકળી શકે ?

દાદાશ્રી : જ્ઞાન સિવાય ના બને. જ્ઞાન સિવાય કશંુ બને નહીં. આત્માનંુ જ્ઞાન હોવંુ જોઈએ. નહીં તો જ્યાં સુધી આત્માનંુ જ્ઞાન થયંુ નથી, જ્યાં સુધી સ્વ અને પરનંુ ભાન નથી. ત્યાં સુધી નિઃસ્વાર્થપણે એક પળ પણ નીકળે નહીં, આ તો પર છે, 'પર'માં પોતાપણું છે, ત્યાં સુધી એક સેકન્ડ પણ સ્વાર્થ વગર જાય નહીં. જ્યારે જ્ઞાન આપીએ ત્યારે કાયમને માટે જાય, પરમેનન્ટ માટે. તે આમાં ઘણાખરા પરમેનન્ટ બધાને સ્વાર્ર્થ જ નથી, એવંુ દશેક હજાર માણસ છે, જેને એક સેકન્ડ પણ સ્વાર્થ નથી અને નહીં તો લોક, કોઈને, સાધુનેય એક સેકન્ડ પણ સ્વાર્થ જાય નહીં. સાધુ-આચાર્યોનેય ન જાય ને ! આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી નકામંુ.

પ્રશ્શનકર્તા : આત્મા માટેનંુ જ્ઞાન એ પણ સ્વાર્ર્થ નથી ?

દાદાશ્રી : નહીં, એ સ્વાર્થ તો બધાને જ છે. આ સ્વાર્થ જે કહેવાય છે ને તે ભ્રાંતિનો સ્વાર્થ. તે આ ખરેખર સ્વાર્થ નથી. આત્મા થાવ ત્યારે સંસારી સ્વાર્થ જાય. ત્યાં સુધી સંસારી સ્વાર્થ જાય નહીં. અને આ તો ખરેખર સ્વાર્થ નથી. ખરો સ્વાર્થ તો આત્મા થયા પછી થાય છે. આત્મા એ 'સ્વ' છે ને આ (શરીર) 'પર' છે. આ નામ એ 'પર' છે, ભ્રાંતિ છે. એ અહીં ભેગંુ કર્યું ને, તે નનામી કાઢે એટલે બધંુ વેરવિખેર થઈ જવાનંુ અને કર્મો બાંધીને જાય ઊલટા નકામા. ભારે કર્મો બાંધી, ચીકણાં બાંધીને ભયંકર દુઃખો ભોગવે. અનંત અવતારથી જીવે આવંુ ને આવંુ જ કર્યું છે. દુઃખો ભોગવે છે, ધર્મ કરે છે, તે અધર્મને ધક્કા માર માર કરે છે, ધર્મથી સોનાની બેડી મળે અને અધર્મથી લોખંડની બેડી મળે. પણ શંુ કરે ? બેઉ બંધન છે, ત્યાં સુધી એક સેકન્ડેય પણ સ્વાર્થ ના જાય. એમનો પ્રશ્શન બહુ ઊંચો છે. આ જેવો તેવો પ્રશ્શન નથી. તો અહીં બધા પ્રશ્શનો તમારા પાંચ-પચાસો હોય ને, તો અમે બધા ખુલાસા આપીએ. તમામ શાસ્ત્રોના, તમારા બધા શાસ્ત્રોના ખુલાસા. એનો ખુલાસો કરી જાવ.

પ્રશ્શનકર્તા : મારી પાસે એવંુ કંઈ જ્ઞાન છે કે હંુ કંઈ એવંુ ધર્મનંુ ભણ્યો નથી. આ તો લોકોએ બેસાડી દીધો છે. બાકી મારી કોઈ હેસિયત છે જ નહીં.

દાદાશ્રી : પણ એમ નહીં. તમારો આ પ્રશ્શન કંઈ જેવો તેવો નથી. એક મિનિટ પણ સ્વાર્થ જાય નહીં, હા, એક પળ પણ !

નિઃસ્વાર્થી એવા ગુરુ કરજો !

કિંચિત્માત્ર સ્વાર્થ ના હોય તો તેને તું ગુરુ કરજે. એવો કોઈ મળ્યો ?

એટલે ગુરુ કોનું નામ કહેવાય ? કંઈ કરવાનું ના કહે, એનું નામ ગુરુ. આ તો રસ્તે ચાલતા ગુરુ થઈ બેઠા છે. પાછા કહેશે, 'પંગું લંઘયતે ગિરિમ્.' અરે, આવું કહો છો, પણ અમને તમે તો કહો છો કે 'તું ચાલ.' તમે જ તો મને કહો છો કે 'મને તારે ખભે બેસાડી દે.' ગુરુ શું કહે છે ? 'મને ખભે બેસાડી દે.' 'અરે હું પાંગળો અને તમે મારે ખભે બેસવાનું કહો છો ?' આ વિરોધાભાસ ના કહેવાય ? તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : એનો અર્થ એવો થયો કે શિષ્યે કશી તસ્દી નહીં લેવાની, બધી તસ્દી ગુરુએ જ લેવાની ?

દાદાશ્રી : હા, ગુરુએ જ કરવાનું. તમારે જો કરવાનું હોય તો તમારે એમ કહેવું જોઈએ, 'ત્યારે સાહેબ, તમારે શું કરવાનું ? કહો. જો તમારે કશું કરવાનું નહીં ને આ હુકમ જ કરવાનો હોય, તો એના કરતાં હું મારે ઘેર મારી વાઈફનો હુકમ માનીશ. વાઈફેય પુસ્તકમાં જોઈને કહેશે ! તમેય જો પુસ્તકમાં જોઈને, શાસ્ત્રમાં જોઈને કહો છો, તો એય પુસ્તકમાં જોઈને કહેશે. 'આમ કરો' કહેવાથી નહીં ચાલે. તમે કંઈક કરવા લાગો. મારાથી ના થાય એ તમે કરો ને તમારાથી ના થાય એ અમે કરીએ. એવું વહેંચણ કરી લો.' ત્યારે પેલા ગુરુઓ શું કહે ? 'અમે શાના કરીએ ?' ત્યારે આપણે કહીએ, 'ત્યારે તમારી પાસે શુક્કરવાર વળે નહીં અને શનિવાર મારો થાય નહીં.' એવું કહી દેવું જોઈએ ને ?

પ્રશ્શનકર્તા : પણ સામેવાળી વ્યક્તિ બરાબર ન હોય તો શું ?

દાદાશ્રી : સામેવાળી વ્યક્તિને જોવાની જરૂર નથી. ગુરુ સારા હોવા જોઈએ. વ્યક્તિ તો છે જ એવી, સમર્થ નથી જ બિચારી. એ તો એમ જ કહે છે ને કે, 'સાહેબ, હું સમર્થ નથી, ત્યારે જ તમારી પાસે આવ્યો છું. અને મારે કરવાનું હોતું હશે ?' ત્યારે એ કહે, 'ના, તારે કરવું પડશે.' તો એ ગુરુ જ ન્હોય. જો મારે કરવું પડતું હોય તો આપના શરણે શું કરવા આવું ? આપના જેવા સમર્થને ખોળી શું કરવા કાઢત ? એટલું જરા તમે વિચારો તો ખરા ! આપ સમર્થ છો અને હું તો નબળો જ છું. મારાથી થતું જ નથી તેથી તો આપના શરણે આવ્યો, ને મારે જો કરવાપણું રહેવાનું હોય તો આપ કેવા ? નબળા જ કહેવાઓને ! આપ સમર્થ કહેવાઓ કેમ કરીને ? કારણ કે સમર્થ તો બધું કરી શકે.

આ તો ગુરુમાં બરકત છે નહીં, એટલે જ સામી વ્યક્તિને બોજો હોય. અને ગુરુઓમાં બરકત નથી, ત્યારે સામી વ્યક્તિનો દોષ કાઢે. ધણીમાં બરકત ના હોય તો બૈરીનો દોષ કાઢે. 'નબળો ધણી બૈરી પર શૂરો,' એવી કહેવત ચાલે છે સંસારમાં. એવી રીતે આ ગુરુઓ નબળા છે ને, તે શિષ્ય પર શૂરા થાય છે ને શિષ્યનું તેલ કાઢી નાખે છે કે 'તમારાથી કાંઈ થતું નથી.' ત્યારે તમે શું કરવા અહીં આગળ મોટા ગુરુ થઈને આવ્યા છો તે ? અરે, વગર કામના શિષ્યોને શું કરવા વઢો છો ? બિચારા એ દુઃખી છે તેથી તો તમારી પાસે આવ્યા છે, ને ત્યારે તમે વઢો છો પાછા ઉપરથી ! ઘેર બૈરી વઢે અને અહીં તમે વઢો, ત્યારે એનો પાર ક્યારે આવે તે ?

ગુરુ તો એનું નામ કે શિષ્યને વઢે નહીં, શિષ્યને રક્ષા આપે, શિષ્યને આશરો આપે. આ કળિયુગના ગુરુઓને ગુરુ જ કેમ કહેવાય તે ? આખો દહાડો શિષ્યને ગોદા માર માર કરે. એ રસ્તો જ ન્હોય ને !

પરમાર્થ હેતુનો ક્રોધ છતાં બાંધે પુણ્ય !

ભગવાને કહ્યું છે કે પારકાને માટે ક્રોધ કરે છે, પરમાર્થ હેતુ માટે ક્રોધ કરે છે, એનું ફળ પુણ્યૈ મળે છે.

હવે આ ક્રમિક માર્ગમાં તો શિષ્યો ભડક્યા જ કરે કે 'હમણાં કશું કહેશે, હમણાં કશું કહેશે' ને પેલા યે આખો દહાડો સવારના પહોરથી અકળાયેલા ને અકળાયેલા જ બેઠા હોય. તે ઠેઠ દસમા ગુંઠાણા સુધી આનો આજ વેષ ! તે આંખ લાલ કરે, તે મહીં લહાય બળે ! આ વેદના કેટલી બધી વેદવી પડતી હશે ? ત્યારે ક્યાંથી પહોંચાય ? એટલે મોક્ષે જવું એ કંઈ એમ ને એમ લાડવા ખાવાનો ખેલ છે ? આ તો કોઈક ફેરો અક્રમ વિજ્ઞાન પામે છે !

ગુરુને સ્વાર્થ ન હોવો ઘટે !

કળિયુગને લઈને ગુરુમાં માલ કશો હોતો નથી. કારણ કે એ તમારા કરતાં વિશેષ સ્વાર્થી હોય છે. એમાં એ પોતાનું કામ કરાવવા ફરે છે, તમે તમારંુ કામ કરાવવા ફરો છો. આ રસ્તો ગુરુ-શિષ્યનો ના હોવો જોઈએ.

પ્રશ્શનકર્તા : બુદ્ધિશાળી માણસો ઘણી વખત આવા ખોટા ગુરુને વર્ષો સુધી એમ જ માને છે કે આ જ સાચા ગુરુ છે.

દાદાશ્રી : એ તો બધી લાલચો હોય છે. ઘણા ખરા લોકો તો લાલચોથી જ ગુરુઓ કરે છે.

અત્યારના આ ગુરુ એ કળિયુગના ગુરુ કહેવાય. કંઈક ને કંઈક ઘાટમાં જ હોય, કે 'શું કામમાં લાગશે' એવું પહેલેથી જ વિચારે ! આપણા ભેગા થતા પહેલાં જ વિચારે કે શું કામમાં લાગશે ? વખતે આ ડૉક્ટર ત્યાં આગળ જાય ને એમને જુએ ત્યારથી વિચાર આવે કે કો'ક દહાડો કામના છે. એટલે 'આવો, આવો ડૉક્ટર' કહેશે. અરે, તારે શું કામના ? 'માંદો થઉં ત્યારે કો'ક દહાડો કામ લાગે ને !' એ બધા ઘાટવાળા કહેવાય. ઘાટવાળા પાસે કોઈ દહાડો આપણું કામ ના થાય. જેને ઘાટ નથી, કશું જ જોઈતું નથી, ત્યાં જવું. આ ઘાટવાળામાં તો, એ સ્વાર્થી ને આપણેય સ્વાર્થી ! ગુરુ-શિષ્યમાં સ્વાર્થ હોય તો એ ગુરુપણુંયે નથી ને એ શિષ્યપણુંયે નથી. સ્વાર્થ ના હોવો જોઈએ.

આપણે જો ચોખ્ખા છીએ તો એ ગુરુને કહી દઈએ કે, 'સાહેબ, જે દહાડે તમારામાં જરાય સ્વાર્થ દેખાશે, તો હું જતો રહીશ. બે ગાળો ભાંડીનેય જતો રહીશ. માટે તમારે મને જોડે રાખવો હોય તો રાખો. હા, ખાવા-પીવાનું જોઈતું હોય તો તે તમારે અડચણ નહીં પડવા દઉં. પણ તમારે સ્વાર્થ નહીં રાખવાનો.'

હા, સ્વાર્થ ન દેખાય એવા ગુરુ જોઈએ. પણ અત્યારે તો લોભી ગુરુ ને લાલચુ શિષ્ય, બે ભેગા થાય તો શું દહાડો વળે ? પછી 'દોનોં ખેલે દાવ' એવું ચાલ્યા કરે !

મૂળમાં લોક લાલચુ છે, તેથી આ ધુતારા બધાનું ચાલ્યા કરે છે. સાચો ગુરુ ધુતારો ના હોય. હજુ એવા સાચા છે. એવા કંઈ નથી ? આ દુનિયા કંઈ ખાલી થઈ નથી. પણ એવા મળવાય મુશ્કેલ છે. પુણ્યશાળીને એવા મળે.

ભેદ, ગુરુ-શિષ્ય વચ્ચે...

પ્રશ્શનકર્તા : સામાન્ય રીતે બહાર ગુરુ-શિષ્ય વચ્ચે અંતર ખરંુ ને કે એકાકાર રહે ?

દાદાશ્રી : એકાકાર થાય તો તો બેઉનું કલ્યાણ થઈ જાય. પણ શિષ્યથી પ્યાલો ફૂટે તો ગુરુ ચિડાયા વગર રહે નહીં. બાકી ગુરુ-શિષ્ય જો કદી એવા પુણ્યશાળી હોય ને બેઉ એકાકાર રહે તો બેઉનું કલ્યાણ થઈ જાય. પણ એવું રહે નહીં. અરે, ઘડીવાર પોતે પોતાની જાત ઉપર જ એને વિશ્વાસ આવે નહીં એવું આ જગત છે, તો શિષ્યોનો વિશ્વાસ તો આવતો હશે ? અને એક દહાડો બે પ્યાલા ફોડી નાખ્યા હોય ને, તો ગુરુ આમ લાલ આંખ કર્યા કરે.

જો ઉપાધિઓ, આખો દહાડો ઉપાધિઓ ! ને ગુરુને કહેતાય નથી કે 'સાહેબ, મારી ઉપાધિઓ લઈ લો તમે.' હા, એમેય પૂછાય કે, 'સાહેબ, ચિડાવ છો શું કરવા, મોટા માણસ થઈને તમે ?'

પ્રશ્શનકર્તા : પણ આપણાથી ગુરુને પૂછાય કેવી રીતે ? આપણે તો ગુરુને પૂછી ના શકીએ ને ?

દાદાશ્રી : ગુરુને પૂછીએ નહીં, ત્યારે ગુરુને શું કરવાના ? શિષ્ય જોડે મતભેદ પડતો હોય, તો ના સમજીએ કે તમારે શિષ્ય જોડે મતભેદ પડે છે, તો તમે શાના ગુરુ ? જો એક શિષ્ય જોડે પાંસરા નથી રહેતા તો તમે દુનિયા જોડે ક્યારે રહેશો તે ? આમ બધાને સલાહ આપે કે 'ભાઈ, કશું ઝઘડો ના કરશો.' પણ તમારે તો કોઈ સગું નથી, વહાલું નથી, એકલા છો, તોય આ શિષ્યની જોડે શું કરવા, શેને માટે તમારે કકળાટ છે ? તમારે પેટે અવતાર તો લીધો નથી, તો તમારે બેને શાના કષાય છે ? કષાય તો આ વ્યવહારવાળા લોકોને હોય. પણ આ તો બહારથી આવીને બિચારો શિષ્ય થયો છે, ત્યાંય કષાય કર્યા કરો છો ?

પુસ્તક આડુંઅવળું મૂકાઈ ગયું હોય તો ગુરુ શું બોલે ? કેટલાં લપકાં કરે કે 'તારામાં અક્કલ નથી. તને ભાન નથી.' ત્યારે શિષ્ય શું કહે ? 'પુસ્તક હું ખાઈ ગયો હોઈશ ? અહીં ને અહીં પડ્યું હશે. તમારી ઝોળીમાં નહીં હોય તો ખાટલા નીચે હશે.' પણ શિષ્ય 'ખાઈ ગયો હોઈશ ?' એવું બોલે ! આના કરતાં તો ઘરમાં ભાંજગડ સારી. એના કરતાં બૈરીના શિષ્ય થવું, તો વઢે પણ પછી પાછાં ભજિયાં ખવડાવે ને ! કંઈક સ્વતંત્રતા જોઈએ ને ? આવા ગુરુ મળે, આટલી આટલી ચાકરી કરીએ તોય ગાંડું બોલે તો શું થાય ?

પ્રશ્શનકર્તા : બાઈડી સ્વાર્થનું વઢતી હોય અને પેલો ગુરુ નિઃસ્વાર્થપણે વઢતા હોય, એ બેમાં ફેર નહીં ?

દાદાશ્રી : ગુરુનું વઢવાનંુ નિસ્વાર્થ હોય નહીં. જગતમાં નિઃસ્વાર્થી માણસ કોઈ હોય નહીં. એ નિઃસ્વાર્થી દેખાય ખરો, પણ જ્યાંથી ને ત્યાંથી સ્વાર્થ કરી અને બધું આમ તૈયારી જ કરતો હોય. એ બધા સ્વાર્થી, પોલમ્પોલ છે બધું. એ તો જરા સમજણમાં બેસે જેને, તે ઓળખી જાય.

બાકી, શિષ્ય ને ગુરુ એ બે વઢતા જ હોય, બેને જામેલી જ હોય આખો દહાડો. આપણે ગુરુને જરા મળવા જઈએ ને કહીએ કે 'કેમ, આ શું છે ?' ત્યારે એ કહે, 'પેલો સારો નથી. શિષ્ય એટલો બધો ખરાબ મળ્યો છે !' આપણે એ વાત શિષ્યને જણાવી ના દેવી. અને પછી શિષ્યને આપણે પૂછવું કે, 'કેમ ભઈ, આ શું હતું ?' ત્યારે એ કહે, 'આ ગુરુ રાશી મળ્યા છે, એવા ખરાબ મળ્યા છે !' આમાં કોની વાત સાચી ? આમાં એમનો દોષ નથી. કારણ કે કાળ એવો આવ્યો છે. તે કાળને લઈને આ બધું ઊભું થયું છે. પણ આવો કાળ આવે તે દહાડે જ્ઞાની પુરુષ પાકે.

શિષ્યને ગમે એટલું આવડતું હોય, પણ આ ગુરુઓ બધા એવા મળવાના ને ? કળિયુગના ગુરુઓ કેવા હોય ? શિષ્ય હોય તે કહે કે 'હું તો અજ્ઞાની છું, હું કશું જાણતો નથી' તોય પેલા છે તે આ બિચારાને માર માર કરે, આગળ ના વધવા દે. એ ગુરુઓ મરતાં સુધી ભૂલ કાઢે ને શિષ્યને હેરાન હેરાન કરી નાખે, તેલ કાઢી નાખે. છતાંય શિષ્યને મહીં જાળવી રાખનારા કોઈક હોય છે. પણ છેવટે દારૂખાનું માનવાનું, છેવટે એક દહાડો ફોડ્યા વગર રહે જ નહીં.

આ કાળમાં શિષ્યોની સહનશક્તિ નથી, ગુરુમાં એવી ઉદારતા નથી. નહીં તો ગુરુમાં તો બહુ ઉદારતા જોઈએ, બહુ ઉદાર મન જોઈએ. શિષ્યનું બધું ચલાવી લેવાની ઉદારતા હોય.

સ્વાર્થ, વિનાના તેથી ન ગાંઠ્યા !

હું બાર વર્ષનો હતો ત્યારે ગુરુ મહારાજે બાંધેલી કંઠી તૂટી ગઈ. એક મહારાજ પાસે કંઠી બંધાવેલી. તે મેં જોયેલું, એ પિચકારીઓ મારતા. એમના તાલ બધા જોયેલા. એ બારમે વર્ષે મારી બુદ્ધિ એવી કે આ શું છે ? એ જોયેલું બધું. અને પાછું ટાઢું પાણી રેડી દે આપણી ઉપર, ફરી કંઠી બંધાવા સારું. મેલને મૂઆ, તારી કંઠીને મારે શું કરવી છે ?

ક્યાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, એકડિયાના માસ્તરો ! હું કંઈ ગાંઠું એવો માણસ નહીંને ! મમતા હોય તે ગાંઠે, સ્વાર્થવાળો ગાંઠે. જેને મમતા જ નથી, તે શેને માટે ગાંઠે ? મારે બિલકુલેય સ્વાર્થ નહીં ને મમતાય નહીં, અહંકાર એકલો જ. પાછો ગાંડો અહંકાર. એય પાછો ડાહ્યો હોય તો બહુ સારું કહેવાય. એ પૈણાવા જેવો હોય. આ તો પૈણાવાયેય નહીં એવો ગાંડો અહંકાર.

યથાર્થ જ્ઞાન, તો દેહાધ્યાસ તૂટે !

આખું જગત દેહાધ્યાસમાં ખૂંચેલું છે. કહે છે ખરા કે આ દેહ મારો નથી, મન મારું નથી પણ જો કહ્યું કે, 'ચંદુલાલ, તમારામાં અક્કલ નથી', તો આખી રાત ઈફેક્ટ થાય. આ તો આત્મજ્ઞાન થાય ત્યાં સુધી દેહાધ્યાસ તૂટે તેવો નથી. હું ચંદુલાલ, હું આનો મામો, આનો કાકો, આનો ધણી, આનો બાપ એ જ દેહાધ્યાસ. જ્યાં સુધી દેહાધ્યાસ તૂટે નહીં ત્યાં સુધી સ્થૂળ અને સૂક્ષ્મ વળગણા રહે, શુભ અને અશુભ રહે. 'હું શુદ્ધાત્મા છું' એનું યથાર્થ જ્ઞાન થાય તો દેહાધ્યાસ તૂટે. પછી એકનો એક છોકરો મરે તોય દ્વંદ્વ ના થાય, પન્ચીંગ ના થાય. સારું કે ખોટું એવું રહે નહીં.

જેવો દેહાધ્યાસ થયો છે તેવો આત્માધ્યાસ થવો જોઈએ. ઊંઘમાં, ભરનિદ્રામાંય આત્માનું ભાન રહેવું જોઈએ. અમે આપીએ છીએ એ જ્ઞાનથી સર્વ અવસ્થાઓમાં આત્માધ્યાસ જ રહે છે. આ તો અજાયબ જ્ઞાન છે ! જેમ દહીંને વલોવ્યા પછી માખણ અને છાશ છૂટાં જ રહે તેવું આ જ્ઞાન છે. દેહ ને આત્મા છૂટા ને છૂટા જ રહે.

આગળ જ્ઞાનીઓ ઘાણીએ પિલાઈ પિલાઈને ગયેલા, તે એમ કહે કે તું આત્મા છે તો દેહને ઘાણીમાં પીલાવું હોય તો પીલાવા દે. દેહનું તેલ કઢાવાનું હોય તો તેલ કઢાવા દે. આત્મા પીલાવાનો નથી તેવી કસોટીમાંથી પાર ઊતરી ગયેલા.

કષાયો કરાવે સંસારી સ્વાર્થ !

ક્રોધ-માન-માયા-લોભ છે એનાથી સ્વાર્થ ઊભા રહે છે. એટલે ભાન નથી કે કોનું મરણ થાય છે ને કોનો જન્મ થાય છે. આ તો બિલીફ જ રોંગ બેઠેલી છે. પણ ઘણા કાળે આગળ વધતાં વધતાં 'જ્ઞાની પુરુષ' મળે તો ભાન થાય કે જન્મ-મરણ એ તો અવસ્થા છે.

સ્વાર્થ નહીં ત્યાં વ્યવહાર રમણીય !

પ્રશ્શનકર્તા : દાદા, વ્યવહારમાં મહીં બળ્યા કરે એ તરછોડ કહેવાય ને ?

દાદાશ્રી : એ તો એની જોડે રમણીય વ્યવહાર સચવાયેલો નહીં તેથી એવું બને, આ વ્યવહારમાં કોઇને અમે વઢતા હોઇએ પણ એમાં અમારો પોતાનો જરાય સ્વાર્થ ના હોય તો તે રમણીય વ્યવહાર હોય. એનું ફળ સુંદર આવે. પણ સ્વાર્થ માટે લડે, પક્ષાપક્ષી માટે લડે, તેનું ફળ કડવું આવે. અમારો વ્યવહાર રમણીય હોય. વગર કાર્ય કર્યે જશ મળે. એમ ને એમ પગલાં પડે ને ફેરફાર થઇ જાય તે પૂર્વભવનો રમણીય વ્યવહાર છે. હવે તો આપણે જેટલો અને જેવો વ્યવહાર છે તે ભૂંસી નાખવાનો છે અને હવે આપણે નવો વ્યવહાર ક્યાં કરવાનો છે ? હવે તો તમારે વ્યવહારના જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદમાં રહેવાનું છે.

સ્વાર્થ ત્યાં મમતા !

જ્યાં પોતાને સ્વાર્થ છે, જ્યાં આગળ કંઈક મમતા છે ત્યાં કંઈ પણ કલ્યાણ ના થાય. સહેજ મમતા હોય ત્યાં કલ્યાણ ના થાય. અને મમતા ના હોય ત્યાં ભગવાન પ્રગટ થઈ જાય. મમતાને લીધે જ અહંકાર ઊભો રહ્યો છે.

પ્રશ્શનકર્તા : પણ એવું થાય કે મમતાને કારણે અહંકાર થાય ને અહંકારને લીધે રાગ થાય ?

દાદાશ્રી : ના. મમતાને લઈને જ આ બધું ઊભું રહ્યું છે. 'આઈ' શેને લઈને ઊભું રહ્યું છે ? 'માય'ને લઈને. નહીં તો 'આઈ' એ પરમાત્મા છે. 'માય એટલે મમતા. 'આઈ' અને 'માય' એનું 'સેપરેશન' થઈ જાય તો રહ્યું શું ? 'આઈ.' અને એ જ પરમાત્મા છે.

પ્રશ્શનકર્તા : આ નિર્મમત્વ જો બધાને થાય તો બધા જ્ઞાની થઈ જાય ને ?

દાદાશ્રી : હા. નિર્મમત્વ થાય તો એ જ્ઞાની જ થયો ને પછી ! કારણ કે તીર્થંકરો જેટલા થયેલા એ બધા નિર્મમત્વ ! ત્યાં મમત્વ ઊભું ના હોય.

પ્રશ્શનકર્તા : આ મમત્વ થાય છે એ શેના આધારે થાય છે ?

દાદાશ્રી : લાલચના આધારે, કોઈપણ લાલચને લીધે.

પ્રશ્શનકર્તા : એ બધું ગયા જન્મમાં કરેલું હોય એને લીધે હોય કે ?

દાદાશ્રી : એ તો તમે આ 'જ્ઞાન'માં આવ્યા પછી સમજ્યા કે આ ગયા જન્મનું કરેલું. સંસારના લોકોને તો સમજણ પડે જ નહીં ને ! એ લાલચ છે એમની. ઉઘાડી, ખુલ્લી લાલચ દેખાય અને લાલચ હોય ત્યાં મમતા રહે જ, અવશ્ય. અમને લાલચ પહેલેથી નહોતી, માન બહુ હતું.

પ્રશ્શનકર્તા : તો આ જે અહંકાર ઊભો છે, એ લાલચ અને મમતાને લીધે જ ઊભો છે ?

દાદાશ્રી : 'માય'ને લીધે 'આઈ' ઊભો રહ્યો છે. નહીં તો 'આઈ' 'ક્લીઅર' થાય તો પરમાત્મા જ છે. 'આઈ' જ્યાં સુધી 'માય' સાથે છે ત્યાં સુધી અહંકાર છે. જેનું 'માય' ગયું તેનો અહંકાર ગયો, તે પરમાત્મા થયો ! દીવા જેવી વાત છે.

દાદા પ્રત્યે સ્વાર્થ, તે પરમાર્થ !

તમે લાલચ જોયેલી ?

પ્રશ્શનકર્તા : અરે, અમે જ લાલચુ હતા ને !

દાદાશ્રી : એમ ? શી બાબતમાં ?

પ્રશ્શનકર્તા : અરે, ગમે તે બાબતમાં, સત્સંગની બાબતમાં લાલચુ જ હતા ને !

દાદાશ્રી : આ મારી જોડે લાલચુ એ લાલચુ કહેવાતા નથી. બીજી બધી બાબતોમાં લાલચુ કહેવાય. આ લાલચ ના કહેવાય. મારી જોડે તો આ સ્વાર્થેય ના કહેવાય. મારી જોડે તમે જે સ્વાર્થ રાખો, એનું નામ જ પરમાર્થ !

પ્રશ્શનકર્તા : હવે દાદાના લાલચુ છીએ અમે તો.

દાદાશ્રી : ના, આ લાલચ ના કહેવાય. મારી જોડે લાલચ ના કહેવાય. મારી જોડે તો સ્વાર્થેય ના કહેવાય તમારો. મારી જોડે તમે જે સ્વાર્થ રાખો, એનું નામ જ પરમાર્થ. અને જગતની જોડે પરમાર્થ કરો તોય તમારો સ્વાર્થ છે. એટલે લોકો મને કહે, દાદા, તમારી જોડે સ્વાર્થીપણું મારાથી કેમ રખાય ? અરે, સ્વાર્થીપણું રાખવા માટે જ હું તમને કહું છું. મારી પર સ્વાર્થ રાખજે. એ જ પરમાર્થ ગણાય છે.

પ્રશ્શનકર્તા : હું અહીં ખેંચાઈને આવ્યો છું પણ જ્ઞાન મેળવવાની લાલચથી જ આવ્યો છું ને ?

દાદાશ્રી : એ લાલચ સારામાં સારી ! એ ઉત્તમમાં ઉત્તમ લાલચ !! આ લાલચ તો ના રાખેને, તેને અમે કહીએ કે, 'જરા કચાશ છે તમારામાં, પાકા નથી.' લાલચ તો આની રાખવા જેવી છે. બાકી, સંસારમાં કોઈ ચીજની લાલચ રાખવા જેવી છે નહીં. લાલચ તો આની રાખવા જેવી છે. તમે રાખી એ ઉત્તમ કામ કર્યું.

પ્રશ્શનકર્તા : પણ આ જ્ઞાનની લાલચ કહેવાય ?

દાદાશ્રી : લાલચ તો શું હેતુ માટે છે, એ જોવાય છે. કારણ કે લાલચ તો બહુ સરસ કામ કરે છે, જો હેતુ સારો હોય તો.

પ્રશ્શનકર્તા : આ શુભ હેતુની લાલચ છે, એમ ગણાય ને ?

દાદાશ્રી : શુભ હેતુ નહીં, આ પૂર્ણકામની લાલચ ! શુભ હેતુ તો, હમણે દાન શીખ્યા કે ફલાણું શીખ્યા એમાં શુભ હેતુ છે જ. પછી પાછો અશુભ હેતુ આવશે. પણ જ્યાં શુદ્ધ હેતુ છે કે જ્યાં પૂર્ણકામ થવાનું છે, પછી કોઈ કામ બાકી ના રહે એવું પૂર્ણકામસ્વરૂપ હોય, એ શુદ્ધ હેતુ છે.

આત્માર્થે ખોટું તોય પરમ સત્ય !

પ્રશ્શનકર્તા : પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ લાગે ?

દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, એનો દોષ લાગતો નથી. અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે અને સારંુ કરવામાં આવે તો ગુણ લાગે. આત્મહેતુ હોયને, એનાં જે જે કાર્ય હોય, તેમાં કોઈ દોષ નથી. સામાને આપણા નિમિત્તે દુઃખ પડે તો એ દોષ લાગે.

જૂઠું બોલીનેય આત્માનું કરતા હશો તો વાંધો નથી અને સાચું બોલીનેય દેહનું હિત કરશો તો વાંધો છે. સાચું બોલીને ભૌતિકનું હિત કરશો તોય વાંધો છે પણ જૂઠું બોલીને આત્મા માટે કરશો ને, તો હિતકારી છે.

સ્વાર્થ માટેના શબ્દો, હણે વચનબળ !

પ્રશ્શનકર્તા : વચનબળ કેવી રીતે પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : લોકો મને પૂછે છે કે, 'આપનામાં વચનબળ કેમ છે ને અમારંુ વચનબળ નથી.' પૂછે કે ના પૂછે ? તો પછી આપ્તસૂત્રમાં જવાબ લખ્યો છે, વાંચો જોઈએ.

પ્રશ્શનકર્તા : ''એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય. પોતાનું માન વધે એટલા માટે વાણી ન બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધિ થાય.'' (આપ્તસૂત્ર-૧૮૯૨)

દાદાશ્રી : આ જવાબ આપને સમજમાં આવે છે ? જવાબ બરાબર લાગે છે ? આ પ્રમાણે કરે તો પોતાને ફાયદો ન થાય ? ભલે અજ્ઞાન દશામાં છો, પણ આ પ્રમાણે કરે તો અવશ્ય વચનબળ ઉત્પન્ન થાય.

મશ્કરીથી તૂટે વચનબળ !

પ્રશ્શનકર્તા : પોતાના માનને માટે અને સ્વાર્થને માટે બરોબર છે પણ મશ્કરી કરી, તેમાં શો વાંધો છે ?

દાદાશ્રી : મશ્કરી કરી તે તો બહુ ખોટું. એના કરતાં માન આપો તે સારંુ ! મશ્કરી તો ભગવાનની થઈ કહેવાય ! તમને એમ લાગે છે કે આ ગધેડા જેવો માણસ છે. 'આફટર ઓલ' એ શું છે, એ તપાસ કરી લો !! 'આફટર ઓલ' એ તો ભગવાન જ છે ને !

તેથી અમે કહીએ છીએ ને, 'મશ્કરી કરો તો બહુ ખોટું કહેવાય. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. જીવમાત્રમાં ભગવાન જ રહેલા છે ને ? મશ્કરી કોઈની કરાય નહીં ને ? આપણે હસીએ ને, તો ભગવાન જાણે કે 'હા, હવે આવી જાને, તારો હિસાબ લાવી આપું છું આ ફેરો.'

કોઈ આમ આમ (લંગડાતા) ચાલતા હોય, એને આપણા લોકો હસે. અલ્યા, શું મશ્કરી કરે છે ? મહીં ભગવાન બધું સમજી ગયા ! એની આવી દશા થઈ, તેની પર તું મશ્કરી કરંુ છું એમ ? તારી દશાય એવી થશે ! આવો નિયમ જ છે. માટે આ દશાઓ સાચવો.

પ્રશ્શનકર્તા : મારાથી તો મોટાની મશ્કરી થઈ જાય છે.

દાદાશ્રી : એવું છે કે તમે તો અત્યારે આ વાત જાણી કે મશ્કરી કરવી એ ગુનો છે, હું તો નાની ઉંમરમાં જાણતો હતો, તોય આઠ-દસ વર્ષ સુધી મશ્કરી થયા કરી. તમને તો બહુ ઝપાટાબંધ જતી રહેશે.

છતાંય એવી મશ્કરી કરવામાં વાંધો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય અને બધાને આનંદ થાય. એને નિર્દોષ ગમ્મત કહી છે. એ તો અમે અત્યારેય કરીએ છીએ, કારણ મૂળ જાય નહીં ને ! પણ એમાં નિર્દોષતા જ હોય !

વચનબળનો વિનાશ આમ...

પ્રશ્શનકર્તા : પછી ''પોતાની સેફસાઈડ માટે જૂઠું બોલો તો ક્યાંથી વચનબળ રહે ?'' (આપ્તસૂત્ર)

દાદાશ્રી : હા. પોતાની સેફસાઈડ માટે જૂઠું બોલવાનું થાય તો ક્યાંથી પછી વચનબળ ઉત્પન્ન થાય ? વચનબળ કોને હોય ? જેને જગતસંબંધી કોઈ સ્પૃહા ના હોય, પછી ભલે આત્મા પ્રાપ્ત ના કર્યો હોય. પણ એ વચનબળ થોડું જ હોય. વચનબળ શી રીતે જતું રહ્યું છે ? આ વાણીનો દુરુપયોગ કર્યો તેથી. લોકોને મુશ્કેલીમાં મૂક્યા, લોકોને ખખડાવ્યા, કૂતરાને બીવડાવ્યા, પ્રપંચ કર્યાં, તેથી વચનબળ તૂટી જાય. જૂઠું બોલીને સ્વબચાવ કરે, સત્યના આગ્રહ ને દુરાગ્રહ કરે તોય વચનબળ તૂટી જાય. તેથી બધી વાણી નબળી પડતી જાય, વીક થતી જાય. અને 'વીક' થતી જાય એટલે પછી અહંકારે કરીને કાર્યકારી કરવી પડે કે 'જવું જ પડશે, કરવું જ પડશે.' બાકી આમ સહેજે કાર્યકારી ના હોય.

વચનને સિદ્ધ તો કરવું પડશે ને ? વચનબળ માટે તો વચનના નિયમોમાં આવવું પડશે ને ? આ તો જૂઠું બોલીને, છેતરીને વાણીને જેણે વ્યભિચારી કરી છે, એનું કોણ માને ?

છોકરાને ટૈડકાવે, 'અલ્યા, સીધો બેસ.' તેથી છોકરાં આગળ વચનબળ ના રહે. જો વાણી એવી નીકળે કે સામાના હ્રદયને ઘા કરે તો બીજા ભવમાં વાણી હપૂચી ખેંચાઈ જાય, દસ-પંદર વર્ષ મૂંગો રહે.

એકલું જ સત્ય બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વાણીનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે, તેથી તો મન-વાણી બધું ફ્રેકચર થઈ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે !

વાણીનો ખોટો-અવળો ઉપયોગ કરે તેથી વચનબળ જતું રહે. વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય, વાણીને કોઈ પણ વિભાવિક સ્વરૂપે ન લઈ જાય તો વચનબળ ઉત્પન્ન થાય.

જેટલું તને સમજાય, તેટલું સત્ય બોલજે. ના સમજાય ત્યાં ના બોલે, તેનો વાંધો નથી. તો એટલું વચનબળ ઉત્પન્ન થાય. 'કોઈને દુઃખ થાય એવું નથી બોલવું' એમ નક્કી કરવું ને 'દાદા' પાસે વચનબળની શક્તિ માગ માગ કરવી, એનાથી તે પ્રાપ્ત થશે. અમારંુ વચનબળ અને તમારી દ્રઢ ઇચ્છા હોવી જોઈએ. અમારંુ વચનબળ તમારા સર્વ અંતરાયો દૂર કરી આપે. તમારી પરીક્ષા થાય પણ પાર ઉતારે.

નહીં સ્વાર્થ, ત્યાં કહી હકીકત !

નામકર્મમાં જોડે યશનામકર્મ હોય. કો'ક ગમે એટલા ધક્કા ખાય અને પછી આપણને કહેશે, 'હું એના એટલા બધા ધક્કા ખાઉં છું તોય મને અપજશ આપે છે.' અલ્યા મૂઆ, તું અપજશ લઈને આવ્યો છું એટલે અપજશ આપેને ! તું ગમે એટલા ધક્કા ખાઈશ તોય અપજશ જ મળશે, અક્કરમી. તને જશ નહીં મળે અને જશનામકર્મ લઈને આવ્યો હશે ને, તો કશુંય ના કર્યું હોય તોય જશ મળ્યા કરે. એટલે આ લઈને જે આવ્યા છો, એ મળેને !

પ્રશ્શનકર્તા : બીજા સંતોની જેમ આપની પાસે પણ કેટલાય ચમત્કારોના બનાવો મેં જોયેલા છે. અમુક મને પોતાને પણ અનુભવમાં આવેલા છે. આપને ક્યારેય પણ જોયા ના હોય, છતાં આપના ફોટાથી પણ ઘણાને એવા ચમત્કારોનો અનુભવ થયો હોય છે. તો એ શંુ છે આપની પાસે ?

દાદાશ્રી : મારી પાસે ચમત્કાર છે જ નહીં. હંુ તો જાદુગર નથી. હંુ તો આ ચમત્કાર કરતો નથી.

પ્રશ્શનકર્તા : તો એ કઈ રીતે બને છે ?

દાદાશ્રી : અમે તો જ્ઞાનીપુરુષ એટલે અમારંુ યશનામકર્મ બહુ ઊંચંુ હોય, એટલે ખાલી હાથ અડે, તે પેલાનું કામ થઈ જાય ને કહેશે, 'દાદાએ આ કરી નાખ્યંુ.' મેં કર્યુંયે ના હોય. ખાલી હાથ અડે ને કામ થઈ જાય.

અને અપયશ નામકર્મ એટલે શંુ ? તમે કામ કરો તોય અપજશ મળે અને હંુ કશંુ જ ના કરંુ તોય જશ મળ્યા કરે. તે હંુ કશંુ કરતો નથી. વગર કામના જશ આપ્યા કરે છે એ યશનામકર્મ છે એ એક જાતનંુ અને એને લોક ચમત્કાર માને છે. ચમત્કાર જેવી વસ્તુ આ દુનિયામાં છે જ નહીં, એની હન્ડ્રેડ પરસેન્ટ ગેરેન્ટી આપંુ છું.

પ્રશ્શનકર્તા : આપ આવું કહો છો એ જ મોટો ચમત્કાર છે. બીજા બધા તો પોતાને માથે લઈ લે કે હા અમે....

દાદાશ્રી : એ બીજા બધાને કંઈક સ્વાર્થ રહેલો છે, કંઈનો કંઈ સ્વાર્થ રહેલો છે. હંુ તો પ્યૉર જે છે એ ફેક્ટ વસ્તુ કહેવા આવ્યો છું. હંુ જે 'છે' એને 'નથી' એવું નહીં કહંુ. જે 'નથી' એને 'છે' એવું ક્યારેય પણ હંુ મોઢેથી નહીં બોલંુ.

પ્રશ્શનકર્તા : પણ દાદા, એ સંત પુરુષો હોય અને કો'કને એવી સિદ્ધિ હોય, કે એમની કૃપાથી સામાને સારું કરી આપે, તો એ અહંકારે કરીને?

દાદાશ્રી : ના, એ તો એવું છે ને કે હંમેશાં સંત પુરુષોને યશરેખા હોય. તે યશ એટલો મોટો હોય, સહુ સહુના ગજા પ્રમાણે આ યશ કામ કર્યા કરે છે. કોઈનામાં અપયશ હોય અને કોઈનામાં યશ હોય. તે યશ એટલું બધું કામ કરે છે, તે હાથ અડાડે ને પેલાને કામ થઈ જાય. એને યશનામકર્મ કહે છે. બીજું તો માણસ કશું કરી શકે એવું નથી. આ જ્ઞાનીઓથી કશું થતું નથી ને !

પ્રશ્શનકર્તા : ના, પણ ઘણા સંતપુરુષો એવા હોય છે, તે પોતાની કૃપાથી બીજાનો રોગ હોય તે મટાડી દે છે.

દાદાશ્રી : એ કૃપા એ જ યશનામકર્મ. એ જેને છે ને તેને છે, બીજાને ના હોય.

પ્રશ્શનકર્તા : જેને ઉપલબ્ધ થયું હોય તેને જ હોય.

દાદાશ્રી : હા. અમને એવું તેવું કશું ના હોય. અમને તો ફક્ત એટલું જ કે બધી પ્રકારનો યશ છે જ. માટે તું તારી મેળે બોલ્યા કરજે નામ. તારું થઈ જાશે કામ. એટલે કામ થઈ જાય. અમારે એમાં લેવાદેવા નથી અને યશનામકર્મ પૂરેપૂરંુ છે. કશું ના કર્યું હોય તોય યશ અહીં આવીને ઊભો રહે. મારે યશ જોઈતો ના હોય તોય પણ યશ તો આવી જાય. કારણ કે નામકર્મ બહુ ઊંચું લાવેલો છે. આદેય નામકર્મ, યશનામકર્મ, બધી જાતના નામકર્મ ઊંચા લઈને આવ્યો છું.

બીજાની ભૂલ દેખાય, પોતાના સ્વાર્થથી !

પ્રશ્શનકર્તા : 'જ્ઞાની' સિવાય આખા જગતના લોકોની વાતો પોતાના 'વ્યૂ પોઈન્ટ'ની જ હોય છે ને ?

દાદાશ્રી : પોતાના 'વ્યૂ પોઈન્ટ'ની જ હોય. અને તે 'વ્યૂ પોઈન્ટે'ય સાચો હોય તો બરોબર છે, એય પાછું એની સમજણથી સાચું હોય. હવે ત્યાં આગળ દહાડા કાઢવા, સાંભળવું, હા પાડવી અને પછી દહાડા કાઢવા. અને નહીં તોય વળે કશુંય નહીં. જેટલું સાચું હોય એટલું વળે.

પ્રશ્શનકર્તા : આ સમજાયું નહીં કે એ જે કહે એ સાંભળવું પડે, હા પાડવી પડે અને દહાડા કાઢવા પડે.

દાદાશ્રી : એ કહેને, તો આપણે 'ઓબ્સ્ટ્રક્ટ' નહીં કરવું. જાણે સાચું માનીને બેઠા હોય, એવું આપણે સાંભળવું પડે. અને બીજું બધું આપણા હાથમાં જ હોય ને ? આપણે તો સમ્યક્ ઉપર આધાર રાખવો. સમ્યક્ કાંટો ક્યાં જાય છે ? 'સિન્સિયર' તો, એમનું સાંભળીએ એટલા પૂરતા 'સિન્સિયર'. એમનું સાંભળીએ, 'ઓબ્સ્ટ્રક્ટ' ના કરીએ.

સહુ પોતપોતાની ભાષાની વાત કરે ને ! અને હુંય એવું કહું કે એની ભાષામાં એ જે કહે છે 'એ કરેક્ટ છે.' પણ મારી ભાષામાં મેળ જ ના પડે ને ?

પ્રશ્શનકર્તા : આપની ભાષાનું કેવું હોય ? એ શુદ્ધ ઉપયોગ નિરંતરનો કેવો હોય ?

દાદાશ્રી : એ તો તમે જોયોય નથી, સાંભળ્યોય નથીને !

પ્રશ્શનકર્તા : એ થોડુંક કહો ને !

દાદાશ્રી : ના, એ મોઢે ના કહેવાય. એ તો અનુભવની વસ્તુ છે. એ તો એની મેળે આવીને ઊભું રહે. અત્યારે તો સ્થૂળ આ સૂઝ ઊભી હોય, સ્થૂળ ! પેલું સૂક્ષ્મતમ હોય ! હવે સહુ સહુની ભાષાની જ વાત કરેને ? તમે સૂક્ષ્મતમને સમજતા હો, પેલો સ્થૂળ કહેતો હોય. હવે પેલો થોડો સૂક્ષ્મતમ સમજવાનો હતો ? પેલો તો સ્થૂળ જ કહે ને !

આ અમારી પાસે જ્ઞાન જે સાંભળ્યું છે ને, તે આ જ્ઞાન જ કામ કર્યા કરે. અમે જે રસ્તે ગયા તે રસ્તાનું જ્ઞાન તમે સાંભળો છો, તે રસ્તો જ તમારંુ કામ કાઢી નાખશે. આપણે તો કહીએ, 'દાદા, તમારી પાછળ પાછળ આવવું છે.' એટલે પછી અમે અમારો રસ્તો તમને દેખાડી દઈએ.

'મેઈન લાઈન' પર ચઢી ગયા એટલે વાંધો નહીંને ! ગાડી બીજે પાટે ચઢી હતી એવું જાણેને, તોય ઉકેલ આવે. જાણ્યા વગર પડી રહે તો મુશ્કેલી. એ તો એમ જ જાણે કે આપણી ભૂલ નથી.

પ્રશ્શનકર્તા : એવું પાછું માને ?

દાદાશ્રી : હા, પાછું ઉપરથી રક્ષણ કરે. પણ કોઈની યે ભૂલ દેખાય તો એ જ આપણી ભૂલ છે. એની ભૂલ એણે જોવાની છે. બીજાની ભૂલ જોવાનો એને શું અધિકાર ? આ તો વગર કામના ન્યાયાધીશ થાય છે ! કંઈ ભૂલ છે કે નહીં, તે ખાતરી યે નથી તો શાના બોલો ? આ તો પોતાના સ્વાર્થથી બોલો છો. સામાની ભૂલ છે કે નહીં એની ખાતરી શું ?

એટલે આ વિજ્ઞાન જ બધા દોષ કાઢશે. નહીં તો બીજા કોઈ વિજ્ઞાન દોષ કાઢે નહીં. પછી કંઈ એવો તાલ ફરી બેસે નહીં. માટે ચેતી જઈને કામ કરવું સારંુ.

મનમાં 'લેવલ' પોતાની મેળે કાઢવું નહીં, નહીં તો માણસ અટકી જાય. પોતાની મેળે 'લેવલ' કાઢવું નહીં, બીજા કાઢી આપે તો જ કામનું.

'સ્વ' ઓળખ્યા પછી સ્વાર્થ !

પ્રશ્શનકર્તા : દોષિત અને સ્વાર્થી, બેમાં ફેર શું ?

દાદાશ્રી : દોષિત જુદી વસ્તુ છે પણ સ્વાર્થી આ જગતમાં કોઈ છે નહીં, મેં જોયો નહીં. કોઈ સ્વાર્થી માણસ, જાનવરોય સ્વાર્થી નથી અને દેવોય સ્વાર્થી નથી. સ્વાર્થી તો હું એકલો હતો, તે મારો સ્વાર્થ કરી લીધો.

સ્વાર્થ તો કોને કહેવાય ? સ્વને માટે અર્થ. સ્વ તો જાણ્યો જ નથી તો શી રીતે સ્વાર્થ કરી શકાય ?

પ્રશ્શનકર્તા : આ કાળમાં દરેક માણસ સેલ્ફીસ જ છે.

દાદાશ્રી : આખી દુનિયામાં કોઈ સેલ્ફીસ માણસ મેં જોયો જ નથી. સેલ્ફીસ હંુ એકલો જ છંુ અને બીજા મારી જોડે દસ હજાર માણસો છે, એ સેલ્ફીસ છે. સેલ્ફીસ એટલે સ્વનો અર્થ, સ્વ એટલે આત્મા, એનો અર્થ કરે, એ સ્વાર્થી કહેવાય. અને સ્વાર્થી તો જ્ઞાની પુરુષ હોય. બધો જ સ્વાર્થ પોતાનો કરી અને ચાલ્યા જાય. બીજાને સ્વાર્થી બનાવે. આત્માનો અર્થ કરવો એ સ્વાર્થ કહેવાય અને દેહનો અર્થ કરવો એ પરાર્થ કહેવાય. હવે આપનંુ કહેવાનંુ એવંુુ છે કે અત્યારે આ સાચો પોતાનો સ્વાર્થ તો 'પોતાનો મોક્ષ' અને 'પોતાનંુ સ્વરૂપ' એ જ. એટલે સ્વાર્થી તો મેં જોયા જ નથી કોઈ. હું લોકોને સ્વાર્થી બનાવું છું. સ્વાર્થી થવાનું કહું છું. તમારો અર્થ ફળે. સ્વાર્થી થાય પછી દુઃખ ન હોય.

સ્વાર્થમાં જાગૃતિ વગર સ્વાર્થ કહેવાય જ નહીં ને ? સ્વાર્થમાં જાગૃતિ એનું નામ જ સ્વાર્થ કહેવાય. સ્વાર્થમાં જાગૃતિ નહીં, એ તો બેભાનપણું કહેવાય. સંસારમાંય બેભાનપણું કહેવાય. બાકી ખરી રીતે આ સ્વાર્થ જ નથી. સ્વાર્થ એટલે પોતે પોતાનો અર્થ. એટલે આત્માનો અર્થ. તું તો દેહના અર્થને સ્વાર્થ માનું છું. આ તો દેહાર્થ કહેવાય છે.

સ્વાર્થી, પરાર્થી, પરમાર્થી !

જગતમાં સ્વાર્થનંુ પ્રમાણ બહુ વધી ગયંુ છે. અહીં વાતો શાની ચાલે છે ? અહીં પરમાર્થની વાતો ચાલે છે. પરમાર્થ હિન્દુસ્તાનમાં હોય નહીં. કો'ક ફેરો એકાદ પરમાર્થી હોય ! પરમાર્થી પુરુષ હોય નહીં. બધાય દુકાનદારો પરમાર્થી કહે છેને ? ત્યારે કહે, તે પરમાર્થી નથી તો સ્વાર્થી છે ? ત્યારે કહે, ના, સ્વાર્થી નથી, પરાર્થી છે. સ્વાર્થી તો નથી, કારણ કે બૈરાં-છોકરાં છોડ્યાં ને બાવા થયા, એનો શો અર્થ ? પણ પરાર્થી છે એ, પરમાર્થી નહીં. પરમાર્થી તો મોક્ષ તરફ લઈ જાય, એ પરમાર્થી પુરુષ ! પરમ અર્થને જે સાધે તે ! પરમ અર્થ ! તો જ એ મોક્ષ ! અને પરમાર્થ વાણીયે જુદી હોય, પરમ અર્થનું વર્તન જુદું હોય. એ વાણી, વર્તન ને વિનય મનોહર હોય. આપણા મનનું હરણ કરી લે. અને આ લોકો દુકાનો કાઢીને બેસે છે અને 'અમે પરમાર્થી, પરમાર્થી' કહે છે. પણ તે પરમાર્થી કે સ્વાર્થી તો ના કહેવાય પણ પરાર્થી કહેવાય. એના ચાર શિષ્યો હોયને, તે શિષ્યમાં જ લીન રહે પણ એ પર છેને ? પરાર્થી, તેમાં તારું શું ? નહીં તો છોકરાંયે પર છે ને પરાર્થી જીવન જીવે છે. એ પરમાર્થી જીવન નથી, પરાર્થી છે. જેટલા સ્વાર્થી આ દુનિયામાં હતા એ બધાંય પરાર્થે મરી ગયેલા. પારકા અર્થે બધું જપ્તીમાં જતું રહેલું તો આમ પર

માર્થ કરતા હોય તો કેવું ડાહ્યું સારું થઈ જાય ! પરમાર્થે લક્ષ્મી વાપ

રે તો કામની. આ તો પરાર્થે બધું જાય છે.

જય સચ્ચિદાનંદ