|
'આજ્ઞા' પાળવા, ખપે દ્ઢ નિશ્ચય ! સંપાદકીય શ્રીમદ્ રાજચંદ્ર, મહાન જ્ઞાની પુરુષ આ કાળમાં થઈ ગયા. એમના વચનામૃતમાં દરેક પાને મોક્ષ પ્રાપ્ત થવા, આત્મજ્ઞાન પ્રાપ્ત થવા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને શોધ, એમ ઠોકી ઠોકીને લખ્યું છે. અને જ્ઞાની પુરુષ મળ્યે એમની આજ્ઞા પાળ કહ્યું છે. અને પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે. એવી ગેરેન્ટી આપી છે. એવી જ વાત વર્તમાન જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી દોહરાવે છે કે 'મને ભેગા થયા પછી જો અહીંયા જ મોક્ષ ના વર્તે, તો હું જ્ઞાની સાચો નથી અને મોક્ષેય સાચો નથી. મોક્ષ અહીં જ, આ પાંચમા આરામાં જ વર્તાવો જોઈએ.' પરમ પૂજ્ય દાદા ભગવાનના અક્રમ જ્ઞાન દ્વારા બે કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પહેલા સ્ટેજનો મોક્ષ એટલે કે અજ્ઞાનથી મુક્તિ અહીં જ પ્રત્યક્ષમાં અનુભવમાં આવે છે, જ્ઞાન બીજની રક્ષા માટે પાંચ આજ્ઞા પ્રાપ્ત થાય છે, જે છેલ્લો મોક્ષ આત્યંતિક કલ્યાણ, પૂર્ણાહુતિ કરાવનાર છે. મહાત્મા જેમ જેમ પાંચ આજ્ઞા પાળતા જાય છે, તેમ તેમ જ્ઞાન દશાની બીજમાંથી ત્રીજ, ચોથ.... પૂનમ થવાના માર્ગમાં આગળ વધાય છે. આત્મજ્ઞાન મળે છે ત્યારે અનંત અવતારનું અજ્ઞાન જાય છે અને 'પોતે' શુદ્ધાત્મા પદને પામે છે, પુરુષ પદને પામે છે. પુરુષનો પુરુષાર્થ શરૂ થાય છે અને તે આજ્ઞા પાળવા રૂપી પુરુષાર્થ છે. જ્ઞાની પુરુષની આજ્ઞા સંસારમાં પેસવા માટે પ્રતિબંધક છે, આત્મરમણતા કરાવનારી છે. કળિયુગના જીવો માટે જ્ઞાની પુરુષ કેટલો સહેલો રસ્તો કરી આપે છે કે 'તારે આજ્ઞા પાળવાની જ છે ફક્ત, આજ્ઞા પ્રમાણે થયું કે ના થયું એ આપણે જોવાનું નથી. આજ્ઞા પાળવી છે એવો દ્ઢ નિશ્ચય કર અને જેટલી ના પળાઈ, ચૂકી ગયા તો એનું પ્રતિક્રમણ કરો કે 'હે દાદા! મારે તો આજ્ઞા આ જગ્યાએ પળાઈ નહીં, તો મને ક્ષમા કરો, ફરી આવી ભૂલ નહીં કરું.' એટલું જો બોલો ને તોય દાદાશ્રી કહે છે કે, 'આખુંય પાસ થઈ ગયું, હંડ્રેડ પરસેન્ટ માર્ક મૂકી દઈશું, નવ્વાણું નહીં કરવાના, પછી હવે વધારે શું જોઈએ ?' કરુણાનો, કૃપાનો માર્ગ છે ને ! આ આજ્ઞા તે તો આખા વર્લ્ડના તમામ શાસ્ત્રોનો અર્ક જ છે બધો. જેમ જેમ આ આજ્ઞા પાળવાનો દ્ઢ નિશ્ચય કર્યો અને પછી તેને નિરંતર સિન્સિયર રહ્યા તો એની મેળે નિરંતર સહજ થતું જાય અને દશા આગળ વધતી જાય. પાંચ આજ્ઞામાં રહેવું એ ભાવ રાખવો અને આજ્ઞાને બરોબર સમજી લે એ બેમાં આજ્ઞા સમજી લે એના જેવું ઉત્તમ એકુય નહીં. સમજ્યા વગર પાળવા જાય તો ભલીવાર ના આવે અને એથી આગળ પહેલું 'આ' વિજ્ઞાન સાંભળે, સમજે અને પછી એનું રક્ષણ કરવા માટે આ પાંચ આજ્ઞાઓ છે. પેલું વિજ્ઞાન ખોવાઈ ના જાય એટલા માટે આ પાંચ આજ્ઞા છે. છતાં જેનો દ્ઢ નિશ્ચય છે આજ્ઞા પાળવાનો, તો એનાથી પાંચ આજ્ઞા પળાય. વિજ્ઞાન પૂરું સમજી લે તો પાંચ આજ્ઞા પાળવાની શક્તિ ઉત્પન્ન થાય. આપણો નિશ્વય અને દાદા ભગવાનના આશીર્વાદ અને કૃપા - બેથી અવશ્ય આજ્ઞા પળાય અને તે જ આવા હળહળતા કળિયુગમાં પણ પૂર્ણદશા, આત્માનું સ્પષ્ટ વેદન સુધી પહોંચાડશે જ, એ જ અભ્યર્થના. દીપક દેસાઈ 'આજ્ઞા' પાળવા, ખપે દ્ઢ નિશ્ચય ! મુક્તિ, બે સ્ટેજે ! બે પ્રકારની મુક્તિ : પહેલી અજ્ઞાનમુક્તિ એટલે આત્મા આત્મસ્વભાવમાં આવી ગયો તે અને બીજું છે તે સંપૂર્ણ દેહમુક્તિ, સિદ્ધગતિ મળે તે. અહીંથી એકાવતારી થઈ શકાય છે. અજ્ઞાનમુક્તિ થાય એનાથી ફાયદો શું થાય ? સંસારી દુઃખોનો અભાવ રહ્યા કરે. મનુષ્યો શું ખોળે છે ? પ્રશ્નકર્તા : દુઃખનો અભાવ. દાદાશ્રી : આત્મા સ્વભાવે સુખિયો જ છે ને પછી દુઃખનો અભાવ થયો, પછી રહ્યું શું ? પ્રશ્નકર્તા : આત્મા જાણવાની કંઈ ચાવીઓ તો હશેને ? દાદાશ્રી : ચાવીઓ-બાવીઓ કશુંયે ના હોય, જ્ઞાની પાસે જઈને કહી દેવાનું કે 'સાહેબ, હું અક્કલ વગરનો સાવ મૂરખ છું. અનંત અવતારથી ભટક્યો, પણ આત્માનો એક અંશ, વાળ જેટલો આત્મા મેં જાણ્યો નથી. માટે આપ કંઈક કૃપા કરો અને મારું આટલું કામ કાઢી આપો.' બસ આટલું જ કરવાનું છે. 'જ્ઞાની પુરુષ' તો મોક્ષનું દાન આપવા જ આવ્યા છે. અને પછી લોકો પાછા બૂમો પાડે કે વ્યવહારનું શું થાય ? આત્મા જાણ્યા પછી જે બાકી રહ્યો તે બધો વ્યવહાર. અને વ્યવહારનુંય 'જ્ઞાની પુરુષ' પાછું જ્ઞાન આપે. પાંચ આજ્ઞા આપે, કે 'આ પાંચ આજ્ઞા મારી પાળજે જા, તારો વ્યવહારેય શુદ્ધ અને નિશ્ચયેય શુદ્ધ ! જોખમદારી બધી અમારી ! મોક્ષ અહીંથી વર્તવો જોઈએ. અહીંથી જ ના વર્તે તે સાચો મોક્ષ નથી. મને ભેગા થયા પછી જો અહીંથી મોક્ષ ના વર્તે તો એ જ્ઞાની સાચા નથી અને મોક્ષેય સાચો નથી. મોક્ષ અહીં જ, આ પાંચમા આરામાં વર્તાવો જોઈએ, અહીં જ આ કોટ-ટોપી સાથે ! ત્યાં તો વર્ત્યાનું શું ઠેકાણું ? પુરુષાર્થ આજ્ઞા પાળવી તે જ ! પ્રશ્નકર્તા : દાદા, આપે અજ્ઞાન દૂર કરીને પુરુષ બનાવ્યા, તે પુરુષ કયો ભાગ કહેવાય ? દાદાશ્રી : જ્ઞાન એ જ પુરુષ અને અજ્ઞાન એ છે તે પ્રકૃતિ. જ્ઞાન-અજ્ઞાનનું ભેગું સ્વરૂપ એ પ્રકૃતિ અને જ્ઞાન એ જ પરમાત્મા, એ જ પુરુષ. પ્રશ્નકર્તા : પુરુષે પુરુષાર્થ શું કરવાનો હોય છે ? દાદાશ્રી : આ આજ્ઞારૂપી, બીજો કયો ? 'તમારે' આજ્ઞારૂપી, મારે આજ્ઞા વગર. એની એ જ વસ્તુ મારે આજ્ઞા વગર થાય, તમારે આજ્ઞાથી થાય. છેવટે પછી આજ્ઞા જતી રહેશે ધીમે ધીમે અને તેનું મૂળ રહી જશે, જેમ જેમ પ્રેક્ટિસ પડશે તેમ તેમ. પ્રશ્નકર્તા : પરમાત્માનો જ્ઞાતા-દ્રષ્ટાનો સ્વભાવ ખરો કે ? દાદાશ્રી : મૂળ એનો સ્વભાવ જ જ્ઞાતા-દ્રષ્ટાનો. પણ પુરુષ એટલે શું ? હજુ પુરુષોત્તમ થયો નથી. પુરુષોત્તમ થાય એ પરમાત્મા કહેવાય. આ પુરુષ થયા પછી એ પુરુષોત્તમ થઈ રહ્યો છે. પ્રશ્નકર્તા : આત્મા તો શુદ્ધ જ છે, પછી એને પુરુષોત્તમ થવાનું ક્યાં રહ્યું ? દાદાશ્રી : 'આત્મા' શુદ્ધ છે તે તો 'તમારી' પ્રતીતિમાં છે, નહીં કે તમે થઈ ગયા છો. તમારે થવાનું છે એવું. શી રીતે થવાનું ? ત્યારે કહે, આજ્ઞા પાળીને. પ્રશ્નકર્તા : આજ્ઞા કોણ પાળે છે ? પ્રતિષ્ઠિત આત્મા પાળે છે ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્માને પાળવાનો સવાલ જ ક્યાં છે આમાં ! આ તો 'તમારે' જે આજ્ઞા પાળવાની છે ને, તે તમારી જે પ્રજ્ઞા છે તે 'તમને' બધું કરાવડાવે છે. આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે તે. એટલે બીજું ક્યાં રહ્યું તે ? વચ્ચે ડખલ જ નથી ને કોઈની, એ આજ્ઞા પાળવાની. અજ્ઞાશક્તિ નહોતી કરવા દેતી ને પ્રજ્ઞાશક્તિ કરવા દે. એ આજ્ઞા પાળવી એટલે 'તમારે' છે તે પ્રતીતિમાં છે 'હું શુદ્ધાત્મા છું' એ અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડો છે પણ તે રૂપ થયા નથી હજુ. એ થવા માટે પાંચ આજ્ઞા પાળે ત્યારે તે રૂપ થાય. પ્રકૃતિના ફોર્સની સામે આત્મશક્તિ ! પ્રશ્નકર્તા : પ્રકૃતિનો ફોર્સ કેમ એટલો બધો હોય કે જોવાનું પણ ભૂલાવી દે છે ? દાદાશ્રી : એટલી આત્માની શક્તિ ઓછી. શક્તિ વધારે હોય તો ગમે તેવી ફોર્સવાળી હોય તોય 'એ' જુદો થઈ જાય. પ્રશ્નકર્તા : આત્માની શક્તિ તો બધાની સરખી જ હોયને ? દાદાશ્રી : જેટલો આત્મારૂપ થાય એટલી શક્તિ જ હોય. 'પોતે' આત્મારૂપ કેટલો થયો ? પ્રશ્નકર્તા : આત્મારૂપ કોને થવાનું છે ? દાદાશ્રી : પોતે જ, પોતાને થવાનું છે ને ! સેલ્ફને ! જે આત્મા આપેલો છે તે જ ! તને જે આત્મા આપેલો છે તે જ વળી મૂળ આત્મા. પ્રશ્નકર્તા : શક્તિવાળો કેવી રીતે થવાનું એ સમજાયું નહીં. દાદાશ્રી : જેટલી આજ્ઞા પાળે એટલી શક્તિ વધતી જાય. એટલે કે પ્રગટ થતી જાય. મૂળ આત્માની શક્તિ બધાની સરખી હોય પણ આ આજ્ઞા ઓછી વધતી પાળે તેના પ્રમાણમાં ઓછી-વધતી શક્તિ પ્રગટે. ધીમે ધીમે વધતી વધતી ઠેઠ સુધી પહોંચે. પ્રશ્નકર્તા : એ શ્યાં સુધી પેલો પ્રકૃતિનો ફોર્સ હોય ત્યાં સુધી આજ્ઞા પણ નહીં પાળવા દે. બધું પ્રકૃતિને લીધે ઊભું છે. પોતાની ઇચ્છા હોય છે. દાદાશ્રી : પ્રકૃતિને લીધે કશો વાંધો નહીં. નિશ્ચય કરે તો બધું રાગે પડી જાય. 'પોતે' ચેતન છે ને પ્રકૃતિ એ નિશ્ચેતન ચેતન છે. એટલે ચેતનને છે તે નિશ્ચેતન ચેતન શું કરી શકવાનું ? પ્રશ્નકર્તા : એ સાથે છે ત્યાં સુધી તો આમાં બાધકરૂપ થાય છે. દાદાશ્રી : 'પોતે' મજબૂત થયો તો બાધકરૂપ ના થાય. પ્રશ્નકર્તા : તો શ્યારે આ જ્ઞાન લીધા પછી જે પોતાની પ્રકૃતિને જુએ છે, એ 'પોતે' કોણ જુએ છે ? દાદાશ્રી : એ આત્મા જ જુએને, બીજું કોણ ? બધું આત્માને માથે. આત્મા એટલે પ્રજ્ઞા પાછી એ. અહીં પાછું સીધું આત્મા ના ગણવો. આત્મા એટલે પહેલાં પ્રજ્ઞા જ આ બધું કાર્ય કરે છે પણ અમે આત્મા બોલીએ. બોલીએ એટલું જ ! પ્રશ્નકર્તા : એ પ્રકૃતિને જુએ છે, એ પ્રકૃતિ શુદ્ધ ગણાય છે કે શ્યારે એના તત્ત્વોને જુએ છે ત્યારે શુદ્ધ ગણાય છે ? દાદાશ્રી : પ્રકૃતિને શ્યારથી જોવા માંડી, શ્યારે તત્ત્વ સ્વરૂપ થયો 'પોતે', ત્યારે પ્રકૃતિ યે શુદ્ધ થઈ ગઈ. શ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પ્રકૃતિ શુદ્ધ કહેવાય નહીં. નિશ્ચય કરે કોણ ? પ્રશ્નકર્તા : નિશ્ચય કોણ કરે ? એક નંબરની ફાઈલ નિશ્ચય કરે ? દાદાશ્રી : તમારે જ કરવાનો ! 'તમારે' પોતાને નિશ્ચય કરવાનો. પ્રશ્નકર્તા : એટલે શુદ્ધાત્મા નિશ્ચય કરે ? દાદાશ્રી : ના, ના, શુદ્ધાત્મા નહીં, એની પેલી પ્રજ્ઞાશક્તિ. એ નિશ્ચય કરાવ્યા વગર રહે જ નહીં. આ તો જ્ઞાન મળતાંની સાથે નિશ્ચય કરી જ નાખે. પ્રશ્નકર્તા : 'તારે આજ્ઞા પાળવાની વાત નથી આમાં. તું નિશ્ચય કર કે આજ્ઞામાં તારે રહેવું છે બસ, બીજું બધું મારા પર છોડી દે.' આપ એમ કહો છો ને ? દાદાશ્રી : આજ્ઞા પાળવાની જ છે ફક્ત. આજ્ઞા પ્રમાણે થયું કે ના થયું એ આપણે જોવાનું નથી. એમાં પાળવી છે એવું નક્કી કરે, બસ. પ્રશ્નકર્તા : એટલે નિશ્ચય કરવાની જે વાત છે, એમાં આપણે કહીએ છીએ કે તારે કરવાનું કંઈ નથી. પછી પાછું એમ કહીએ છે કે નિશ્ચય કર. દાદાશ્રી : એ તો શબ્દો છે ને, શબ્દો એવી રીતે ખાલી. ડ્રામેટિક શબ્દો, એમાં કંઈ કર્તાભાવ ના હોય. પ્રશ્નકર્તા : હા, એટલે એ તો ભાષા પૂરતી વાત થઈ. પણ આ જે નિશ્ચય છે, એ નિશ્ચય કોણ કરે છે ? દાદાશ્રી : એ જ પોતાને થયો છે. તે આ પ્રજ્ઞાશક્તિ છે ને, એ જ નિશ્ચય કરે છે. પ્રશ્નકર્તા : પણ એમાં શ્યારે જ્ઞાન નહોતું ત્યારે અહંકાર નિશ્ચય કરતો હતો, ત્યારે પ્રજ્ઞા નહોતી કરતી ? દાદાશ્રી : બરોબર છે. એ અહંકાર નહીં પણ અજ્ઞા કરતી હતી. હવે પ્રજ્ઞા કરે છે. અજ્ઞાનીને બધાં નિશ્ચય અજ્ઞા કરે અને આ જ્ઞાન પ્રાપ્ત થયું, એને પ્રજ્ઞા કરે. અજ્ઞા અને પ્રજ્ઞા બે શક્તિઓ છે. અજ્ઞા છે તે રોંગ બિલિફ છે અને પ્રજ્ઞા એ રાઈટ બિલિફ છે. પ્રશ્નકર્તા : એ નિશ્ચય કરે છે એ કહેવું એના કરતાં નિશ્ચય રાખવો એમ કહેવું ? દાદાશ્રી : કરવો કે રાખવો જે શબ્દ કરે, જેનાથી આપણું ધારેલું સિદ્ધ થાય એ કરવું. શબ્દો ગમે તે બોલોને, કરો કે રાખવો એનો કંઈ સવાલ નથી. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા નિશ્ચય કરે છે કે કરાવડાવે છે ? દાદાશ્રી : એ નિશ્ચય કરે છે, કરાવડાવે, બધું એમાં એકમાં જ આવે. એટલે એ કંઈ જુદા જુદા હોતાં નથી. પ્રજ્ઞામાં કઈ રીતે રહેવું તન્મય ? બધું પ્રજ્ઞાશક્તિનું જ કામ છે આ. પણ શ્યારે પ્રજ્ઞાશક્તિ એનું કામ ના લે, ત્યારે પેલો 'ડિસ્ચાર્જ' અહંકાર બધો કામ કર્યા કરે. તે એમ કરતો હોય તેને 'આપણે' જોવાનું, એ શેમાં તન્મયાકાર થયેલો ! આમાં પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવો જોઈએ, તેને બદલે પેલામાં તન્મયાકાર, સ્લીપ થઈ જાય. એ 'જાગૃતિ' હોય તો પ્રજ્ઞામાં રહે. પેલામાં જાય એટલે 'અજાગૃતિ' રહે. પ્રશ્નકર્તા : આપે જે જ્ઞાન આપ્યું એટલે એને જાગૃતિમાં તો રહેવું હોય છે. દાદાશ્રી : એની ઈચ્છા તો હોય પણ રહે નહીં. એ ટેવ પડેલીને ! પેલી ટેવ પડેલી એટલે એ બાજુ થઈ જાય પછી. પણ જેનો સ્ટ્રોંગ ભાવ છે, એ તો ગયેલો હોય તોય પાછો બોલાવે કે એય નથી જવાનું. પોતાને ખબર તો પડેને ? પ્રશ્નકર્તા : પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવાનું કહ્યું તો જરા બરાબર ખુલાસો કરીને સમજાવો. દાદાશ્રી : સિન્સીયર રહેવું. સિન્સીયર કોને છે ? હવે આપણે જો મોક્ષે જવું હોય તો પ્રજ્ઞાને સિન્સિયર રહો. અને જો લટાકા-પટાકા ચાખવા હોય તો આમાં જાવ થોડીવાર. અત્યારે કર્મના ઉદય લઈ જાય એ વાત જુદી છે. કર્મનો ઉદય ઢસેડી જાય તોય આપણે આ બાજુનું રાખવું. નદી આ બાજુ ખેંચે ને આપણે છે તે કિનારે જવાનું જોર રાખવું. ના રાખવું જોઈએ કે એ ખેંચે તેમ ખેંચાઈ જવું ? પ્રશ્નકર્તા : એટલે એનો નિશ્ચય જો પાકો હોય તો સિન્સિયર રહે ને ? દાદાશ્રી : પાકો હોય તો જ રહેવાય ને ! નહીં તો તો પછી નિશ્ચય જ નથી, તેને શું પછી ? નદી જે બાજુ ખેંચે તે બાજુ જાય, કિનારો તો ક્યાંય રહી ગયો ! અને આપણે તો કિનારા તરફ ખેંચવું જોઈએ. આપણે બાથોડિયા આમના મારવાં જોઈએ. થોડું ઘણું જે ખસ્યું એ ખરું, ત્યારે હોરુ તો મહીં જમીનમાં આવી જાય ! એટલે આ વિજ્ઞાનથી મોક્ષમાં એને ચેતવનારી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પછી એણે પોતે પોઝીટીવ રહેવું જોઈએ. નેગેટીવ સેન્સ નહીં રાખવી જોઈએ. પોઝીટીવ એટલે આપણી ખુશી હોવી જોઈએ એમાં અને પોઝીટીવ સેન્સ રાખે છે બધાં અને આ સંસારની કોઈ અડચણ ના અડવા દે પાછી. જો એ પોતે બરોબર રહે ને તો સંસારની અડચણ ના અડવા દે એવી ગોઠવણી થઈ જાય છે અંદર. કારણ કે આત્મા પ્રાપ્ત ન્હોતો થયો એટલે ભગવાન પ્રાપ્ત ન્હોતા થયા તોય સંસાર ચાલતો હતો, તો આત્મા પ્રાપ્ત થયા પછી એ બગડી જાય ? ત્યારે કહે, ના બગડે. જાગૃતિ વર્તે સહેજે ! પ્રશ્નકર્તા : જ્ઞાનની જાગૃતિ સતત રાખવા માટે બીજા કોઈ અભ્યાસની જરૂર ખરી ? દાદાશ્રી : જ્ઞાનની જાગૃતિ સતત જ રહે છે. બીજા કોઈ અભ્યાસની જરૂર જ નથી, ફક્ત તમારે નિશ્ચયમાં એમ રહેવું જોઈએ કે આ સતત રહેવી જ જોઈએ. કેમ સતત નથી લાગતી ? તો બીજા બધાં કારણો શું અંતરાય કરે છે, તે જોવા જોઈએ. એટલે જ્ઞાનની જાગૃતિ સતત રહે છે, પણ આપણું નિશ્ચય બળ જોઈએ. એ જાગૃતિ નથી રહેતી એવું બોલ્યો કે ના રહે. 'રહેવી જ જોઈએ. કેમ ના રહે' તો રહેશે. ને વિઘ્નો આવવાનાં છેય નહીં. તમે સત્સંગમાં રહેજોને ! આજ્ઞા પળાય તેમ સહજ ! પ્રશ્નકર્તા : એ આજ્ઞા યે પછી કેટલીક વખત સહજ થઈ જાય છે. દાદાશ્રી : ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાળવી છે, તેને સહજ થાય છે. એટલે પોતાનું મન જ એવી રીતે વણાઈ જાય છે. જેને પાળવી છે ને નિશ્ચય છે, એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું સરસ વિજ્ઞાન છે અને નિરંતર સમાધિ રહે. ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોયે સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓ મહીં અંદર બધી વણાઈ જાય છે ? દાદાશ્રી : વણાઈ જાય. પ્રજ્ઞાશક્તિ પકડી જ લે. પ્રશ્નકર્તા : દાદા, આ પાંચ આજ્ઞાનો જે નિશ્ચય છે તો એ શેમાં ગણાય ? દાદાશ્રી : એ બધું આત્મામાં નહીં, આત્માની રક્ષા માટે. પુદ્ગલ ગણાય એ. (રિલેટિવ-રિયલ બધું, ૯૯ સુધી પુદ્ગલ) પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલ એમાં ભળી ના જાય એના માટે છે ? દાદાશ્રી : એકાકાર ના થઈ જાય અને બહારનું વાતાવરણ અડે નહીં આત્માને, એ વચ્ચે રક્ષા-વાડ છે બસ ! વાડ, પ્રોટેક્શન ! પ્રશ્નકર્તા : એટલે કર્મના ઉદયે અમે કદાચ ભળી જતાં હોઈએ, પણ આ જો નક્કી હોય તો આ અમને હેલ્પ કરે ? દાદાશ્રી : હા, ઉદય વખતે રક્ષણ કરે. તમે આજ્ઞા પાળો એટલે કર્મના ઉદય તમને અડે જ નહીં. જેને આજ્ઞા પાળવી છે, એને કશું અડે નહીં. પ્રશ્નકર્તા : દાદા, હંડ્રેડ પરસેન્ટ આજ્ઞા એટલે સો ટકા ઉપયોગ થઈ ગયોને ? દાદાશ્રી : સો ટકા હોય જ નહીં માણસને ! મેં કહ્યું છેને, સિત્તેર ટકા પાળે તો બહુ થઈ ગયુંને ! સો ટકા પાળે તો ભગવાન થઈ ગયો કહેવાય. આજ્ઞા ચૂક્યા ? ત્યાં પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : દાદા, એટલે અમે શ્યાં શ્યાં આજ્ઞા ચૂકીએ છીએ, ત્યાં ત્યાં ઉપયોગ ચૂકીએ છીએ ? દાદાશ્રી : ચૂક્યાને વળી એ તો ! એ બહુ ચિંતા નહીં કરવાની. આપણે હવે પ્રગતિ કેમ મંડાય તે જોવાનું. એ તો ચૂકવાનું તો છે જ, ભૂલો તો થવાની જ છે. ભૂલો તો જેટલી 'જોવાઈ' એટલી જતી રહે અને જતી રહે એટલી શક્તિ આપીને જાય. ભૂલને લઈને જે અશક્તિ આવી હતી, એ ભૂલ જવાથી શક્તિ ઉત્પન્ન થાય. ભૂલો ઉપરી છે, બીજું કોઈ ઉપરી નથી. બ્લંડર્સ તો ગયું ! આપણું જ્ઞાન એવું છે કે એની મેળે નિરંતર સહજ થતું જ જાય. જેમ જેમ વખત જાયને, તેમ સહજતાને પામતું જાય. તમારે ફક્ત અમારી આજ્ઞા આરાધવી છે એવું નક્કી રાખવું. ના આરાધાય કે આરાધાય એનો સવાલ નથી મારે. તમારે નક્કી રાખવું કે આપણે આજ્ઞા ચૂકવી નથી. પછી ચૂકી જવાય, તેને માટે તમે જોખમદાર નથી. આ દુષમકાળમાં આટલી બધી છૂટ આપે નહીં તો કોણ મોક્ષ પામે ? પ્રશ્નકર્તા : કો'કવાર આજ્ઞા ભૂલી જવાય ખરી, પણ અંતરમાં તો ખરું કે પાળવી જ છે. દાદાશ્રી : એ ભૂલી જવાય તેનું પ્રતિક્રમણ કરવું. હંમેશાં જેટલું માણસ ભૂલી જાય, તેમાં તેનો ગુનો નથી. ત્યારે મેં તમને ઉપાય બતાડ્યા છેને કે એ ભૂલી ગયા એવું યાદ આવે ત્યારે તમારે પ્રતિક્રમણ કરવું કે, 'દાદા, મારે તો આજ્ઞા પળાઈ નહીં. બે કલાક તો સમૂળગા એમ ને એમ નકામા ગયા. મને ક્ષમા કરજો. ફરી આવી ભૂલ નહીં કરું.' એટલુંય જો બોલોને તો એ આખુંય બધું પાસ થઈ ગયું. હંડ્રેડ પરસેન્ટ માર્ક મૂકી દઈશું, નવ્વાણું નહીં કરવાના. પછી હવે વધારે શું જોઈએ ? આજ્ઞામાં રહો એટલે તમારાં કામો સહજ ભાવે નીકળ્યા જ કરે. તેમાં લોક કહે, 'દાદા, તમારી કૃપાથી નીકળી ગયું.' અલ્યા, આમાં કૃપા ના હોય. કૃપા તો કો'ક દહાડો મુશ્કેલી હોય ત્યારે હોય. આ તો આજ્ઞામાં રહે તેથી સહજ ભાવે નીકળી જાય. આ તો વિજ્ઞાન છે. પ્રથમ સમજે પછી વર્તે ! પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞામાં રહેવું છે, એવો જે ભાવ કરે અને આજ્ઞાને બરોબર સમજી લે, તો એ બેમાં ફળ કોનું વહેલું મળે ? દાદાશ્રી : આજ્ઞા સમજી લે ને, તે એના જેવું તો એકુંય નહીં ! સમશ્યા પછી એની મેળે સહેજે પળાય. અને સમશ્યા વગરની આજ્ઞા પાળવા જાય તો ભલીવાર ના આવે ! છતાંય મહાત્માઓ કંઈક ને કંઈક કરશે, એની પાછળ પડ્યા છે ને ! પ્રશ્નકર્તા : એટલે હવે માત્ર આજ્ઞા એક્ઝેક્ટ સમજવાની છે અને જે આત્મા પૂર્ણ સ્વરૂપે છે એને પણ એક્ઝેક્ટ સમજવાનો છે. દાદાશ્રી : આત્મા તો મેં આપી દીધેલો જ છે. આ આજ્ઞા સમજે તો બધું આત્મા એની પાસે સમજેલો જ હોય. એટલે હવે આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. પણ એ તો તમને નવરાશ મળે જ નહીંને કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : આજ્ઞા વસ્તુ એવી છે કે એમાં ટાઈમ ફેક્ટરની જરૂર જ નથી. દાદાશ્રી : હા. એમાં ટાઈમ ફેક્ટર જ નહીંને ! પ્રશ્નકર્તા : શ્યારથી અનુસંધાન તૂટ્યું હોય તો ત્યાંથી ફરી સાંધીને પણ આજ્ઞા ચાલુ રખાય એવું છે. દાદાશ્રી : હા, સાંધી લે. પ્રશ્નકર્તા : દાદાનું જે સાયન્સ છે એ પહેલાં સમજે તો પાંચ આજ્ઞામાં રહી શકાય કે પાંચ આજ્ઞા સમજે તો દાદાના વિજ્ઞાનની શરૂઆત થાય છે ? દાદાશ્રી : પહેલું વિજ્ઞાન સાંભળે અને સમજે, ત્યાર પછી એનું રક્ષણ કરવા માટે પાંચ આજ્ઞા છે. પેલું વિજ્ઞાન ખોવાઈ ન જાય, એટલાં માટે પાંચ આજ્ઞા છે. પ્રશ્નકર્તા : હવે આ જે મન-બુદ્ધિ-ચિત્ત એને આપણે ક્યારે સમજી શકીએ ? શ્યારે સંપૂર્ણ પાંચ આજ્ઞામાં રહેતો હોય તો પછી એની પર ઉપયોગ આવી શકેને ? દાદાશ્રી : એવો ઉપયોગ ના રહે તો કશો વાંધો નથી. મન-બુદ્ધિની આપણને જરૂર નથી. પાંચ આજ્ઞામાં રહેને, તો ફાવી ગયા. પાંચ આજ્ઞા પાળે તો બહુ થઈ ગયું. મન-બુદ્ધિની કંઈ જરૂર જ નહીંને ! પ્રશ્નકર્તા : ઘણીવાર એમ થાય કે દાદાનું પહેલાં વિજ્ઞાન સમજી લઈએ તો પછી આજ્ઞા 'ઓટોમેટિક' પળાય એવું છે. દાદાશ્રી : પાળવા માંગે તો પળાય. એ પોતે માને, નિશ્ચય હોય તો પળાય. વિજ્ઞાન પૂરું સમજી લે તો આજ્ઞા પાળવાની શક્તિ ઉત્પન્ન થાય. આ તો તીર્થંકરો સિવાય આત્માથી કોઈ નિઃશંક થયેલો નહીં. ફક્ત ક્ષાયક સમકિતી હતા, કૃષ્ણ ભગવાન જેવા, તે આત્માથી નિઃશંક થયેલા અને તમે આત્માથી નિઃશંક થઈ ગયા છો. તમને હવે શંકા નથી ને કે આત્મા આવો હશે કે તેવો હશે કે કંઈ શંકા પડે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : માટે આત્માથી નિઃશંક થઈ ગયા. અબજો રૂપિયા આપે તોય આ પદ નથી મળે એવું, તે આજના લોકને એ સમજાતું નથી. આ તો એટલું બધું ઊંચું પદ છે. વ્યવસ્થિતની શોધનું કરેલું નિયાણું ! અત્યાર સુધી આ જ્ઞાન અપાયું નથી. તેથી જ આ અપૂર્વ વિજ્ઞાન કહેવાય છે. આ વ્યવસ્થિતની શોધખોળ ઘણાકાળની છે મારી. આ જ ખોળતો'તો કે આ જગત શા આધારે ચાલી રહ્યું છે અને કેટલો ભાગ ચાલી રહ્યો છે અને કેટલો ભાગ નથી ચાલતો ? એની શોધખોળ કરેલી અને પછી આ વ્યવસ્થિત મૂકેલું છે. પછી તો વ્યવસ્થિત જાણી ગયો એટલે પછી થઈ રહ્યું, ખલાસ થઈ ગયું પછી, રહ્યું શું ? બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જ જાય. આ અમે જે વ્યવસ્થિત આપ્યું છે ને, તે એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. અમને આ શોધખોળ જડશે તો જ અમારે મોક્ષે જવું છે એવું નક્કી કરેલું, અમારું નિયાણું હતું. તે આ અમને જડ્યું અને આ બધાને આપ્યું, એક્ઝેક્ટ વ્યવસ્થિત. વ્યવસ્થિત એ ગપ્પું નથી ! ગપ્પું ચાલે નહીં, આજ્ઞા તરીકે ના અપાય. વ્યવહારિક શબ્દ આજ્ઞા તરીકે ના અપાય. આ નિશ્ચય-વ્યવહારનો શબ્દ છે. અહંકાર છૂટ્યે બધું વ્યવસ્થિત ! પ્રશ્નકર્તા : આ બધું કમ્પ્લીટ વ્યવસ્થિત છે ? એમ આ પ્રશ્ન આવીને ઊભો રહે. દાદાશ્રી : ના, બધું વ્યવસ્થિત નથી. જો આ અહંકાર જતો રહેને, તો આ બધું વ્યવસ્થિત છે. પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન લીધા પછી.... દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી 'બિલકુલ વ્યવસ્થિત છે.' અમારી બીજી બિલીફ છે જ નહીં, જો આજ્ઞા પાળે તો. આજ્ઞા ના પાળે તો પેલા જેવો જ થઈ ગયોને ! પ્રશ્નકર્તા : હવે આજ્ઞા કેમ પાળે ને કેમ ન પાળે ? દાદાશ્રી : આજ્ઞા પાળવાનો નિશ્ચય છે, એ સીત્તેર ટકા પાળે તો અમારે વાંધો નથી. પણ નિશ્ચય એનો હોવો જોઈએ. પાંચ આજ્ઞા એ નથી વ્યવસ્થિત આધીન ! પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવાનો, એટલે એ નિશ્ચય વ્યવસ્થિતના તાબે નહિને ? દાદાશ્રી : ના, એ વ્યવસ્થિતના તાબે નહિ. એ ફક્ત નવો પુરુષાર્થ છે, આવતા ભવની પુણ્યૈ બંધાય એવો. એ ભવમાં ત્યાં આગળ પાછા પ્રભુની પાસે બેઠાં બેઠાં, ઘેર બેઠાં બેઠાં મહેનત કર્યા વગર બધું મળી આવે, સંજોગો એવાં જોઈએને ? તેની બધી તૈયારી છે, અપર કલાસની. નિશ્ચય આપણે કરવો પડે. વ્યવસ્થિત નિશ્ચય ના કરે. નિશ્ચય તો કરવો જ પડે ! પ્રશ્નકર્તા : તમે ઘણીવાર એમ કહો છો, કે ભાવ કરો, ભાવ કરો. તો તમે આ જ્ઞાન આપો છો તે ભાવ તો તમે કાઢી નાખો છો. દાદાશ્રી : એ તો આ ભાવ તો નિશ્ચય છે. પુરણ ભાવ ઊડી ગયો, ગલન ભાવ રહ્યો. જીવતો ભાવ ઊડી ગયો, નિર્જીવ ભાવ રહ્યો હવે, ડિસ્ચાર્જ ભાવ. પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ ભાવમાં પછી કરવાનું કંઈ રહ્યું નહીં ને ? એ તો એની મેળે થયા જ કરે છે ને ? દાદાશ્રી : પણ ભાવ નક્કી કરવો જોઈએ ને ? આપણે જે ગામમાં (ધ્યેય) જવું છે એ નક્કી તો કરવું પડે ને ? પ્રશ્નકર્તા : એટલે ભાવનો અર્થ નિશ્ચય થયો ? દાદાશ્રી : જે ના થતું હોય તેનો આપણે નિશ્ચય કરવો પડે. હા, (ધ્યેય માટેના) નિશ્ચય કરો તો થાય ને ! વ્યવસ્થિતમાં છે એમ કરીને બેસી રહીએ તો ચાલે કંઈ ? વ્યવસ્થિતનો અર્થ એવો નહીં કરવાનો. બધું થયા કરે છે પણ એવું ના બોલાય કે, બધું થયા કરે છે, એટલે પ્રયત્નને ખસેડ્યો કહેવાય. એટલે પોતે, શું થાય છે એ જોયા કરે, તો વ્યવસ્થિત છે. પણ એવું ભાન હોય નહીં. અને પછી કહે, બધું ચાલ્યા જ કરે છે, એવું તેવું બોલે તો અવળું થાય બધું. 'ચંદુભાઈ શું કરે છે' એ તમારે જોયા કરવાનું. એટલું જ તમારે કરવું જોઈએ. જોવાથી જાય બધાં પડળો ! કશું કરવાનું ના હોય, શું થાય છે એ જોવાનું. ભાવ કર્યા, (વ્યવહાર માટેનો) નિશ્ચય થયો એ બધું. પછી નિશ્ચયના પ્રમાણે શું થયું એ જોયા કરવાનું. આ તો પૂર્વભવની જે ડિઝાઈન છે તે પ્રમાણે નીકળે છે. એટલે આપણે કશું કરવાનું ના રહે ને ! પ્રશ્નકર્તા : આપણે એમ કહીએ કે ભાવ કરવાની સત્તા છે ? દાદાશ્રી : ના, એય પોતાની સત્તા નથી. આ તો ગયા અવતારની ડિઝાઈન બોલે છે એ. આપણે કશું લેવાદેવા નહીં. એ આપણે જોયા કરવાનું છે. શું થઈ રહ્યું છે એ જ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : જે પડ આવે ત્યારે જોયા કરવાનું, બસ. દાદાશ્રી : તો એ પડ જાય, નહીં તો જોયા ના કર્યું તો 'મને આવું કેમ થયું' થાય તો પછી બોજો વધે. અને આ પડ જાય નહીં. પ્રશ્નકર્તા : ઊંધું-છતું હોય તોય જોયા કરવું ? દાદાશ્રી : ઊંધું-છતું હોતું જ નથી. ઊંધું બુદ્ધિ દેખાડે. ઊંધું હોય તો શું કરો, પડ આવે તો ? છતું હોય તો જોયા કરવું અને ઊંધું હોય તોય જોયા કરવું. પ્રશ્નકર્તા : બેઉ જોયા જ કરવાનું. દાદાશ્રી : બેઉમાં સમાનતા રાખવી એ જ્ઞાન. પ્રશ્નકર્તા : બન્ને ડિસ્ચાર્જ જ છે. દાદાશ્રી : બેઉ ડિસ્ચાર્જ છે એટલે અમે જે કહીએ છીએ એ શબ્દેશબ્દ જો સમજી લે ને તો કામ થઈ જાય. પ્રશ્નકર્તા : હવે લક્ષ એ તરફ જ છે કે દાદાનું વિજ્ઞાન સમજવું છે. દાદાશ્રી : હા. શક્તિ પામવી જ્ઞાની પાસેથી ! પ્રશ્નકર્તા : આજ્ઞા પાળવા માટે બહુ શક્તિ જોઈએ. દાદાશ્રી : આપણું જ્ઞાન રહે તો બહુ થઈ ગયું, બસ. એટલું જ જોવાનું. આપણું જ્ઞાન શુદ્ધાત્માને ચોપડે સારી રકમ જમે કરે. પાંચ આજ્ઞા જેટલી વધારે પાળે એટલું વધારે જમે થાય. તમે ઓછું જમે કરાવો છો ? તે વધારે કરાવો તો શો વાંધો છે ? એમાં કંઈ આજ્ઞા ભારે, અઘરી કોઈ છે નહીં. પ્રશ્નકર્તા : તમારા આશીર્વાદ અને શક્તિ મળે તો કંઈ અઘરું નથી. દાદાશ્રી : અમારા આશીર્વાદ ને શકિત નિરંતર ચાલુ જ હોય છે. પ્રશ્નકર્તા : બાકી આજ્ઞા એટલી સહેલી નથી. આપની શક્તિ મળે તો જ થાય એમ છે. દાદાશ્રી : એટલે શક્તિ અમારી એટલા માટે જ ચાલુ રાખેલી છે. એ એની મેળે જ નળ બંધ કરે તો એને બંધ થાય. બાકી ચાલુ જ રાખેલી છે. નહીં તો આજના આ મોહના તોફાનમાં શી રીતે આ માણસ જીવી શકે ? કેવડું મોટું મોહનું તોફાન ! પ્રશ્નકર્તા : આમાં આગળ જવાય તો શું કામ ના જવું ? દાદાશ્રી : જવાય એવું છે, માર્ગ કરી આપું. આ પુરુષ થયા પછી જેટલો પુરુષાર્થ કરો એટલો તમારો. પ્રશ્નકર્તા : પુરુષાર્થમાં કચાશ ના રહે, એવું બળ પણ તમારે આપવું જોઈએ સાથે. દાદાશ્રી : અમે તો આ વિધિમાં દરેક વખતે આપીએ છીએ. પ્રશ્નકર્તા : તો એવાં આશીર્વાદ આપી દો કે થઈ જાય. આ જ જોઈએ છે એ આપી દો. દાદાશ્રી : એવું જ આપેલું છે પણ તમે બીજું કંઈ આઘુંપાછું કરવા જાવ એટલે પેલું આઘુંપાછું થયા કરે. બધાને એ જ આપેલું છે ચોખ્ખું, એટલે હવે પાંચ આજ્ઞામાં જરા જોર રાખીએ તો એ બાજુ આવી જાય પાછું કમ્પ્લિટ ! પાંચ આજ્ઞા પાળવામાં જરા જોર વધારે આપો. આ પૂરું કરી લેવું છે કે નહીં, ઝપાટાબંધ ? શક્તિ તો મેં આપી દીધી છે. હવે પાંચ આજ્ઞામાં રહો એટલે શક્તિઓ પ્રગટ થાય. ફક્ત અમારી આજ્ઞા જો બરાબર ના પળાય, એટલી જ કચાશ જો હોય તો પાકી કરજો. કારણ કે પુરુષ થયેલા છો, પુરુષાર્થ સહિત છો. અને આજ્ઞા પછી કશુંય બાકી રહેતું નથી. દાદાની આજ્ઞામાં જેને રહેવું છે, એવું જેને નક્કી હોય છે, તેને આ દુનિયામાં કોઈ મૂંઝવે એવું નથી. પછી પળાય તો ઠીક અને ના પળાય તો ઠીક, એવો જો ભાવ થયો તો બધું બગડ્યું. આ આજ્ઞાઓ જ ઠેઠ મોક્ષે લઈ જાય એવી છે. તમારે કશી ગાડી ચલાવવી ના પડે, એ ગાડી જ એવી છે. પ્રશ્નકર્તા : અને બીજું એ નક્કી કરે કે હવે આમાં ઉપયોગ ચૂકવો નથી, તો... દાદાશ્રી : હા, નિશ્ચય કરીએ તે બહુ કામ કરે. 'થાય તો ઠીક છે, નહીં તો કંઈ નહીં' તો કામ થાય નહીં. અને 'થવાનું હશે તે થશે, કરવું જ છે' એવું નક્કી થયું તો બાર આની યે થશે. પ્રશ્નકર્તા : નિશ્ચય થઈ જાય અને પછી આપોઆપ બધું એ રીતનું થઈ જાય ? દાદાશ્રી : નિશ્ચય કરો એટલે એ બાજુ બધી શક્તિઓ વળી જાય. આપણે નિશ્ચય કરીએ કે નીચે જવું છે, એટલે પછી પગથિયાં-બગથિયાં, બધામાં સાચવી સાચવીને લઈ જાય. પ્રશ્નકર્તા : નિશ્ચય તો છે જ. દાદાશ્રી : નિશ્ચય હોય તો વાંધો નહીં. બધાંને નિશ્ચય છે. પછી એ સિત્તેર ટકા પાળતો હોય કે સાઇઠ ટકા પાળતો હોય તોય વાંધો નથી. રોજ પાંચ વખત નિશ્ચયથી બોલો કે 'મારે નિશ્ચયથી આજ્ઞા પાળવી જ છે, જે થાય તે.' ને પછી જો ના પળાય તો તે અમે બોનસમાં આપીએ છીએ. પણ કોઈ એવો નિશ્ચય કરતો જ નથી. પ્રતિક્રમણથી થાય ભરેલો માલ ચોખ્ખો ! પ્રશ્નકર્તા : સવારના ઊઠીને હું નક્કી કરું કે મારે પાંચ આજ્ઞામાં જ રહેવું છે, કોઈને દુઃખ નથી દેવું, તોય પાછું દેવાઈ જાય એવું કેમ ? દાદાશ્રી : દુઃખ દેવાઈ જાય એ તો બધું મહીં માલ ભરેલો છે એટલે. હવે આપણે નક્કી કર્યુંને, નવેસરથી વ્યાપાર ચોખ્ખો કરવો છે એટલે હવે ચોખ્ખો થઈ જશે. પ્રશ્નકર્તા : ઘણી વખત આપણે ગમે એટલું નક્કી કર્યું હોય તોય બોલી જ જવાય. દાદાશ્રી : ના બોલવું હોય તોય બોલી જ જવાય. ગોળી છૂટી જાય, આપણા હાથમાં નથી એ ગોળી. એ બે-ચાર કલાક સુધી દબાવી રાખીએ તોય પાછું ફૂટે. પ્રશ્નકર્તા : હું આમ મનમાં નિશ્ચય કરું કે આવું નહીં કરવું જોઈએ, છતાં બોલાઈ જાય. દાદાશ્રી : એ ચાલે નહીં. ફક્ત આપણે એનું પ્રતિક્રમણ કરવું એટલો ઉપાય. બીજો કોઈ ઉપાય ના મળે. એ બંધ કરવાનું નથી પણ 'આવું ના હોય તો સારું', એવું આપણે ચંદુભાઈને કહેવાનું. છતાં જે માલ છે તે નીકળ્યા વગર રહેશે જ નહીં. ટાંકીમાં ડામર ભરેલો હશે તો ડામર નીકળશે અને કેરોસીન ભર્યું હશે તો કેરોસીન નીકળશે. જે ભર્યું હશે એવું નીકળ્યા કરશે. પણ આ અક્રમ વિજ્ઞાન છે એટલે પોતાનાં કર્મો ખીચોખીચ ભરેલાં છે, નિકાલ કરવાનાં બધાં બહુ બાકી છે ને આ જ્ઞાન પ્રગટ થયું છે એટલે શું થયું ? તે પોતાને ચિંતાઓ ને એ બધું બંધ થઈ ગયું અને આ નિકાલ કરવાનો એકલો બાકી રહ્યો. નિકાલ કરી રહે, તેમ આનંદ વધતો જાય, ચિંતા બંધ થઈ જાય, ઉપાધિ બંધ થઈ જાય. તમારે કોઈ ઉપાધિ-ચિંતા રહે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એટલે પેલો ફાઈલોનો નિકાલ થયા કરે તેમ તેમ બોજાં ઓછાં થતાં જાય. ચૌદ વર્ષે ફાઈલો ખલાસ થઈ જાય. કારણ કે ટાંકી ભરેલી છે, બીજી આવક નથી. પછી એ ટાંકી ખાલી થાય છે અને અમુક વર્ષે એનો ઉકેલ આવે છે. બહુ ચીકણો માલ ભરેલો છે, તે પાંચ-સાત વર્ષ વધારે થાય પણ ખાલી થયા કરે. પ્રશ્નકર્તા : ચૌદ વર્ષ પહેલાં ખાલી ન થાય ? દાદાશ્રી : થાય ને ! એ તો જેવો જેનો પુરુષાર્થ. ત્રણ વર્ષમાં ખાલી કરે, એક કલાકમાં ખાલી કરી નાખે એવા માણસો હોય છે. એવો પુરુષાર્થ પણ હોય છે. પણ ચીકણો માલ એવો લાવ્યા છો કે એ પુરુષાર્થ તમારો જાગ્રત જ ના થાય. નડે પાછલા કરારો ! પ્રશ્નકર્તા : આજ્ઞા અઘરી નથી પણ પાળવાનો પ્રયત્ન તો કરીએ પણ કેટલીક વખતે એમ લાગે કે આજ્ઞામાં નથી રહેવાતું. દાદાશ્રી : નથી રહેવાતું, એ આપની ઇચ્છા છે જ નહીં. નથી રહેવાતું માટે કોઈની ડખલ છે. હવે એક બાજુ હું શું કહું છું કે આ જગતમાં કોઈ તમારામાં ડખલ કરનાર છે નહીં, પણ તમે આ જેે પહેલાંની સહીઓ કરી આપી છ, તે બૂમાબૂમ કરે છે, તેની ડખલો છે. જ્ઞાન થતાં પહેલાં સહીઓ કરેલી કે નહીં કરેલી ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે તમારી પોતાની જ ઊભી કરેલી આ ડખલો છે અને એ જ ડખલ કરે છે, એ ડખલનો તો અંત આવવો જ જોઈએ. તમે બધાંયે પુરુષાર્થ માટે તૈયાર જ છો. હું જાણું છું કે પુરુષાર્થ કરી શકો એમ છો, છતાં પુરુષાર્થ નથી થતો તેનું શું કારણ ? પહેલાં જે સહીઓ કરેલી, કરારો કરેલાં, તે કરારો પાકે તે સવારે આવીને ઊભો રહે. 'અલ્યા, તું શું કરવા આવ્યો ? હવે હું સુખમાં પડ્યો છું.' ત્યારે કહે, 'ના, તે અમારો હિસાબ તો ચૂકવી દો. પછી સુખમાં પડો.' એટલે કરારી માલ છે. એમાં શુદ્ધ ઉપયોગ તમારો જતો નથી રહેતો. એ જેમ જેમ સમભાવે નિકાલ થાય તેમ તેમ સંયમ વધતો જાય. સંયમને જ પુરુષાર્થ કહેલો છે અને જેમ જેમ સંયમ વધતો જાય તેમ તેમ પેલો નિકાલ જલદી થતો જાય. નિકાલ જલદી થતો જાય એમ સંયમ વધતો જાય. ઓટોમેટિક બધું થતું થતું કેવળજ્ઞાન પર આવી જાય. તમારે કશું કરવાનું નહીં. દાદાની આજ્ઞા પાળવી છે અને તેય આજ્ઞા ન પળાય તેનીય ચિંતા નહીં કરવાની. આજ્ઞા પાળવી છે એવો દ્ઢ નિશ્ચય. તમારે આજ્ઞા પાળવી. તમે કહો કે દાદા, મારાં સાસુ લઢે છે. તો તમારે સાસુ દેખાય તે પહેલાં મનમાં નક્કી કરવાનું, ફાઈલ આવી, તે દાદાની આજ્ઞાથી, સમભાવે નિકાલ કરવો છે નક્કી કરવું અને પછી સમભાવથી નિકાલ ના થાય તેના જોખમદાર તમે નથી. તમે આજ્ઞા પાળવાના અધિકારી. તમારાં નિશ્ચયના અધિકારી, એ કાર્યના અધિકારી તમે નથી. શેના અધિકારી છો ? તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે, પછી ના પળાઈ અને પછી એક ધોલ મરાઈ ગઈ તો તેનો ખેદ તમારે નહીં કરવાનો. ધોલ મારી દેવાય તો પછી બીજે દહાડે મને પૂછી જજે કે શું કરું હવે ? તે હું તને દેખાડું કે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરજે. આટલો સરળ, સીધો, સુગમ માર્ગ જ સમજી લેવાનો છે. નિકાલ કરો, ડખલ કરનારાનો ! પ્રશ્નકર્તા : એવાં તો બહુ હિસાબો ચૂકવવાના છે તે લાંબું ચાલે. દાદાશ્રી : ના, લાંબું ચાલે એવું નહીં. એનો નિયમ છે એવો, આ આંબાની કેરીઓ હોયને, તે કેટલી હોય ? ગણવા જાય તો પાર ના આવે, પણ અષાઢ મહિનો થયો કે આંબા ઉપર ના હોય. એટલે ભડકશો નહીં. આ કેરીઓને જોઈ ભડકશો નહીં, ક્યારે ઊતરી રહેશે ને ક્યારે ગણીએ ને ક્યારે ખલાસ થાય ? કશું ગણતાં નહીં. એનો ટાઈમિંગ હોય છે એટલે એ બાબતોમાં ભડકશો નહીં. ફક્ત એ જ ઘડીએ આવે કરારવાળો. ત્યારે કહીએ, 'આવો બા, હવે દાદા મળ્યા છે, હવે બધાં કરાર મારે પૂરાં કરવા છે. તમારું પેમેન્ટ લઈ જાવ. હજુ લઈ જાવો. હજુ ચાર જ જણ કેમ આવ્યા છો ? રાત્રે બાર વાગ્યા સુધી પેમેન્ટ કરીશ, પણ લઈ જાઓ હવે.' પેમેન્ટ કર્યા વગર છૂટકો જ નથી. જે કાર્ય કર્યા વગર છૂટકો નથી અને તે ડખલ કરનાર છે, તો ડખલ કરનારનો પહેલો નિકાલ કરવો જોઈએ. આ જે રસ્તે અમને ડખલો નીકળી ગઈ છેને એ રસ્તો હું કહું છું તમને આ. અમને ડખલો બધી નીકળી ગયેલી, એ બધી જોયેલી મેં. તે આ રસ્તો મેં તમને બતાવ્યો છે. અને અષાઢ મહિનામાં આંબા પર કેરીઓ ના દેખાયને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કેમ આટલી બધી હતીને ? અરે, હમણાં વૈશાખ મહિના સુધી દેખાતી હતી, પછી ઉપર નહીં રહે. એ તો કાળ પાક્યો એટલે ઊભી ના રહે. એને વેદના ના હોય કે નીચે પડી જવાય, પણ કશી ઊભી નથી રહેતી. ખાનાર ના હોય તો ચકલા ખઈ જાય, પણ એનો ઉકેલ આવી જાય બધો. માટે ગભરાશો નહીં. તે પેમેન્ટ ચૂકવવાનાં આવે ત્યારે ઊલટું એમ કહેવું, 'આવો, જલદી પેમેન્ટ લઈ લો. આવી જાઓ.' આપણે કરાર કર્યો તે પૂરો કરવો પડેને ? તું કહે કે મારે આવું આવ્યું. હવે મારા સાસુ પજવે છે. અલ્યા, સાસુ જોડે કરાર એવો છે તે એને પૂરો કરને ! આ કંઈ સાસુ પજવે છે ? આ તો કરાર જ કરેલો છે. જેવો કરાર કર્યો હોય, તે કરાર તો આપણે પૂરો કરવો પડેને ? પ્રશ્નકર્તા : હા. આજ્ઞામાં રહેવાનો નિશ્ચય માત્ર ! પ્રશ્નકર્તા : આપે જે પાંચ આજ્ઞાઓ કહી તો એના આધારે જીવવાનું, એવું નહિ ? દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળવાની. તેથી આત્માને રક્ષણ થાય, આ જ્ઞાનને રક્ષણ થાય. એમાં અઘરી નથી ને ? પ્રશ્નકર્તા : ના, અઘરી તો છે જ. તમે જે સમભાવ રાખવાનો કહ્યો, તે કોઈની ઉપર ગુસ્સે ના થવું, બોલવાનું નહીં ? દાદાશ્રી : ના, એ તો તમારે મનમાં નક્કી કરવાનું કે 'મારે સમભાવે નિકાલ કરવો' એટલું જ. બીજું તમારે કંઈ જોવાનું નહીં. થયું કે ના થયું એ જોવાનું નહીં. પ્રશ્નકર્તા : જે રીતે થાય, એમ ? દાદાશ્રી : એ ભાંજગડમાં તમારે પડવાનું નહીં. ભગવાનને ત્યાં સત્ય અને અસત્ય, બેઉ હોતું જ નથી. આ તો અહીંની બધી સમાજ વ્યવસ્થા છે. હિન્દુઓનું સત્ય, મુસ્લિમોનું અસત્ય થાય ને મુસલમાનોનું સત્ય, તે હિન્દુઓને અસત્ય થાય. ભગવાનને ત્યાં સાચું-ખોટું કશું હોતું જ નથી. ભગવાન તો એટલું કહે છે કે, કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવું. આપણાથી દુઃખ ના થવું જોઈએ. તમે 'ચંદુભાઈ' હતા, એ અહીંયા દુનિયામાં સાચા. બાકી ભગવાનને ત્યાં તો એ 'ચંદુભાઈ' યે નહીં. આ સત્ય ભગવાનને ત્યાં અસત્ય છે. સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. 'ચંદુભાઈ' જૂઠું બોલે, તેય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું, તે આપણે 'ચંદુભાઈ'ને કહીએ, 'પ્રતિક્રમણ કરી લો.' જૂઠું બોલવાનો પ્રકૃતિ ગુણ છે. એટલે બોલ્યા વગર રહે નહીં. જૂઠું બોલવાને માટે હું વાંધો ઉઠાવતો નથી. હું જૂઠું બોલ્યા પછી પ્રતિક્રમણ ના કરવાનો વાંધો ઉઠાવું છું. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય, તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે. લોક ધર્મધ્યાન શું છે એને ખોળે છે. જૂઠું બોલાય, ત્યારે 'દાદા' પાસે માફી માગવી અને ફરી જૂઠું બોલાય જ નહિ તેવી શક્તિઓ માગવી. પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ થઈ ગયું કહેવાયને ? દાદાશ્રી : હા, એ દુઃખ તો આપણી ઈચ્છા વિરુદ્ધ થયું છે ને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે, તે ચૂકવાઈ ગયો. પ્રશ્નકર્તા : આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગે ને ? દાદાશ્રી : હા, એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગેને ! હિસાબ ચૂકવવો પડે, તે તો ચૂકવવો જ પડેને ! એમાં છૂટકો જ ના થાય. પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે. દાદાશ્રી : હા, એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું, બસ બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને એવું ફરી નહીં કરું. એવું નક્કી કરવું જોઈએ. પછી નવરાં પડીએ એટલે એનાં પ્રતિક્રમણ કર કર કર્યા જ કરવાનાં. એટલે બધું નરમ થઈ જાય. જે જે કઠણ ફાઈલ છે એટલી જ નરમ કરવાની છે, તે બે-ચાર ફાઈલ કઠણ હોય, વધારે ના હોયને ! ત્યાં ઉપાય આજ્ઞામાં રહેવું ! પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની, 'સમભાવે નિકાલ' કરવાની આપણી વૃતિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો શું કરવું આપણે ? દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું પઝલ સોલ્વ કર્યા કરવું. પ્રશ્નકર્તા : આ અથડામણ થાય છે, તે 'વ્યવસ્થિત'ના આધારે જ હશેને ? દાદાશ્રી : હા. અથડામણ છે તે 'વ્યવસ્થિત'ના આધારે ખરી પણ એવું ક્યારે કહેવાય ? અથડામણ થઈ ગયા પછી. 'આપણે અથડામણ નથી કરવી' એવો આપણે નિશ્ચય હોય. સામે થાંભલો દેખાય એટલે આપણે જાણીએ કે થાંભલો આવે છે, ફરીને જવું પડશે, અથડાવું તો નથી જ, પણ એમ છતાં અથડામણ થઈ જાય ત્યારે આપણે કહેવું, 'વ્યવસ્થિત છે.' પહેલેથી જ 'વ્યવસ્થિત છે' માનીને હેંડીએ તો તો 'વ્યવસ્થિત'નો દુરુપયોગ થયો કહેવાય. નિકાચિત કર્મમાં જોરદાર પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : 'સમભાવે નિકાલ' કરવાનો દ્ઢ નિશ્ચય હોવા છતાંય ઝઘડો ઊભો રહે, એ શાથી ? દાદાશ્રી : કેટલી જગ્યાએ એવું થાય છે, સોએક જગ્યાએ ? પ્રશ્નકર્તા : એક જ જગ્યાએ થાય છે. દાદાશ્રી : તો એ નિકાચિત કર્મ છે. એ નિકાચિત કર્મ શાનાથી ધોવાય ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એનાથી કર્મ હલકું થઈ જાય. ત્યાર પછી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે. જેટલા 'ફોર્સ'થી નિકાચિત થયું હોય તેટલાં જ 'ફોર્સ'વાળા પ્રતિક્રમણથી એ ધોવાય. ચીકણા કર્મો કઈ રીતે ખપે ? પ્રશ્નકર્તા : આપને પ્રશ્ન પૂછેલો કે અનુભવ થાય છે પણ આનંદ થતો નથી. તો આપે કહેલું કે ચીકણાં કર્મો છે તેથી, તો એ ચીકણાં કર્મો કેવી રીતે જલ્દી ખપે ? દાદાશ્રી : શુદ્ધાત્મામાં રહીએ તો જલદી ખપી જાય. જો ચીકણાં કર્મોમાં આપણે ના ચોંટીએ ને આપણે પેલું 'જોયા' કરીએ એટલે જલ્દી ખપી જાય. પ્રશ્નકર્તા : એ પ્રોસેસ તો ચાલુ જ છે. દાદાશ્રી : બસ, તો ખપી જવાનાં, વાર નહીં લાગે. ઘરની ફાઈલો જોડે ચીકણાં કર્મ લાવ્યાં હોય, બહારની ફાઈલ જોડે મોળાં હોય. ઘરની ફાઈલ જોડે ચીકણાં હોય એવો અનુભવ ખરોને ? હમણે કોઈ જોડે ગાડીમાં ઓળખાણ થઈ ને કોઈએ ચા પાઈ, તો એ બધી મોળી ફાઈલો. પણ આ ચીકણી ફાઈલોનો નિકાલ કરવો બહુ અઘરો હોય. તમે સમભાવે નિકાલ કરો તોય ફરી ફરી ચીકાશ આવે પાછી. 'સમભાવે નિકાલ જ કરવો છે' એટલું જ તમારે બોલવાનું, એની મેળે થઈ જશે. કારણ કે ઘણાં કાળની આ ફાઈલો ચોંટેલી છે અને ઘણો હિસાબ ગોઠવાઈ ગયેલો છે. એક ચીકણી ફાઈલ આવવાની હોય ને તેનો સમભાવે નિકાલ કરવો હોય તો, હવે એને માટે આવતાં પહેલાં જ આપણે એનો શુદ્ધાત્મા પહેલો જોઈ લેવો જોઈએ. રિલેટિવ ને રિયલ જોઈ લીધું. પછી આપણે એનો સમભાવે નિકાલ કરવાનું નક્કી કરેલું હોય, તે સમભાવે નિકાલ થઈ જાય. સામી ફાઈલ વાંકી હોય તો નિકાલ ના થાય, તે તમારે એ જોવાનું નથી. તમારો તો નિશ્ચય કે સમભાવે નિકાલ કરવો છે, પછી શું બન્યું એ જોવું. પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ કે અમુક ફાઈલો ચીકણી છે, પણ એ ચીકાશ કોની ? એ ચીકણી કરે કોણ ? દાદાશ્રી : એ તો કરનાર ભોગવે છેને અત્યારે. ચીકણી કરી ત્યારે તો આ કરનારને ભોગવવી પડેને ! પ્રશ્નકર્તા : તો પછી એટલે ચીકાશ દૂર કેવી રીતે કરવી ? દાદાશ્રી : વીતરાગતાથી. ચીકાશ તો ઓગળ્યા જ કરે નિરંતર, પણ આપણે ચીકાશ કરીએ તો પછી ફરી ઊભી થાય. આપણે વીતરાગતા દાખવીએ એટલે છૂટ્યા કરે. એટલે આપણે સમભાવે નિકાલ કરવાનો છે, એ વીતરાગતાનો જ ભાગ છે. પ્રશ્નકર્તા : પણ વધારે પડતું આપણાથી ચીકણું થવાનું થયું તો પછી પ્રતિક્રમણ કરવું પડેને ? દાદાશ્રી : હા. જો જરૂર પડે તો પ્રતિક્રમણ કરો, તેય આપણે કરવાનું નથી. તેય ચંદુભાઈને કહેવાનું, 'ભઈ, પ્રતિક્રમણ કરો.' આ અતિક્રમણ આપણે ક્યાં કરીએ છીએ ? અતિક્રમણ ચંદુભાઈએ કર્યું ત્યાં ચંદુભાઈને કહેવાનું, પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : સંસારનું મોટામાં મોટું કાર્ય સમભાવે નિકાલ કરો. દાદાશ્રી : બસ, આ ફાઈલોની જ ભાંજગડ છે. આ ફાઈલોથી જ તમે અટક્યા છો. આ ફાઈલોએ જ આંતર્યા છે, બીજા કોઈ આંતરનાર નથી. બીજે બધે વીતરાગ છો તમે. ન તોડાય ભાવ, સમભાવનો ! પ્રશ્નકર્તા : હવે એ ફાઈલ મોક્ષમાર્ગમાં રૂકાવટ કરતી હોય અને સમભાવે નિકાલ થતો નથી, તો એ ફાઈલને પછી લાલ લૂગડે બાંધીને અભરાઈ ઉપર મૂકી દઈએ. પછી કહીએ, 'હું શ્યારે સાવધાન થઈશ ત્યારે જોઈશ. પણ હમણાં તું જા.' તો ચાલે કે ના ચાલે ? દાદાશ્રી : એવું કંઈ કરવાનું નહીં. 'સમભાવે નિકાલ કરવો છે' એવી તમારે ભાવના રાખવાની, બીજું કશું નહીં. એટલે સામા માણસને માટે આપણો ભાવ બગડે નહીં. થયો કે ના થયો, એની તમારે શી ભાંજગડ ? સહેલું મૂકીને અઘરું શું કરવા કરો છો ? એટલે આવું સરળ છે, સહેલું છે. સરળ એટલા માટે કે આજ્ઞા જ તમારે પાળવાની છે. તમારે બીજું જોવાનું નથી. બીજું તો માણસથી બની શકે નહીં. આમ સમભાવે નિકાલ તો ના થાય ત્યારે શું કરવું ત્યાં ? માથું ફોડવું ? નાળિયેર વધેરીએ એમ કંઈ માથું વધેરાય ? જે થયું એ સાચું, કરેક્ટ. પણ તમારો ભાવ એક્ઝેક્ટ હોવો જોઈએ. પ્રશ્નકર્તા : કેટલીક વખત અમે એવું આપની પાસેથી માગીએ છીએ કે દાદા, આ ફાઈલોનો નિકાલ કરવા માટેની આપ શક્તિ આપો. દાદાશ્રી : હા, એ માંગણીયે કરવી. પણ માંગણી કરીને પાછા આપણા કામમાં પડી રહેવું. માંગણી છોડવી નહીં. માંગણી તો ફાઈલ જોરદાર હોય એટલે આપણે માંગણી કરવી પડે. પણ માંગણી કરીને રાહ નહીં જોવાની, રાહ જોવી એ ગુનો છે. પ્રશ્નકર્તા : દાદા, એવું છે કે સામાના મનનું સમાધાન શ્યારે ના થાય ત્યારે બૂમો પાડે. દાદાશ્રી : એવું કશું નથી, એ બૂમો બધું કર્મના આધીન પાડે છે. સમાધાન થયા પછીયે પાડે, બળ્યું. આપણે શું નક્કી કરવાનું કે દરેક ફાઈલનું સમાધાન કરવું છે. એ સામે ગમે તે થાય, એ વળી ગમે તે હોય તો પણ સમાધાન જ કરવું તેવો નિશ્ચય રહેવો જોઈએ. થયું કે ના થયું એ જોવાનું નહીં. એ તો કયા કર્મને ઉદયે શું થાય એ તને ના સમજણ પડે. પણ આ તમે કોઈકનો ગુનો નહીં કરવાનું નક્કી કર્યું, ત્યારથી જ તમે બિનગુનેગાર ઠર્યા. ગમે તેવી ખરાબ ફાઈલ હોય, ગમે તેવી સારી હોય, મારો ગુનો હોય કે એનો ગુનો એ મારે જોવાનું નહીં, ફાઈલનો સમભાવે નિકાલ જ કરવાનો મારો ધર્મ. આપણે નક્કી કર્યું છે એટલે પછી વાંધો જ નહીં. આપણે જવાબદાર કેટલા છીએ ? આપણે નક્કી નથી કર્યું તેના જવાબદાર છીએ. લોક તો અવળા જોડે અવળું, સવળા જોડે સવળું, ઊંધું-છતું કર કર કરે, પણ આપણે તો અવળા જોડેય સવળું રહેવું જોઈએ ને સવળા જોડેય સવળું રહેવાનું ને બધા જોડે સવળું રહેવું છે. કારણ કે આપણે બીજા ગામના પ્રવાસી છીએ, આ ગામના પ્રવાસી નથી. આપણે મોક્ષમાર્ગના પ્રવાસી છીએ, આ સંસારમાર્ગના પ્રવાસી નથી. સંસારમાર્ગના પ્રવાસી હોય તો ખોટું છોડવાનું ને સારું કરવાનું છે પાછું. પ્રશ્નકર્તા : દાદા, છતાં કો'ક દિવસ એકદમ બોમ્બ ફોડી દે છે. દાદાશ્રી : એ તો ફૂટી જાય, વાંધો નહીં. એવું ગભરાવાનું નહીં. ફૂટી જાય તેય જોવું કે 'ઓહોહો ! ચંદુભાઈ, તમારું તો કહેવું પડે.' ચંદુભાઈ જોડે જરા માથાકૂટ કરવી, તેય બહુ વઢવું નહીં. આપણો નિશ્ચય ના તૂટવો જોઈએ. 'આ આવો ને આની ભૂલ, તારી ભૂલ છે ને મારો શાનો ગુનો ?' એ બધું ના હોવું જોઈએ. આપણી જ ભૂલ. કોની ભૂલ છે, તેનો સવાલ નથી. સમભાવે નિકાલ કરવાનો. પરિણામને ના જોશો, આજ્ઞા પાળ્યે જાવ ! પ્રશ્નકર્તા : આપણને એમ લાગે કે આ રીતનું સામાને સમાધાન થાય તો આપણે સમભાવે નિકાલ થઈ ગયો કહેવાય, પણ ઉદયમાં એવું નથી આવતું હોતું. દાદાશ્રી : સમાધાન થાય કે ના યે થાય, એ આપણે જોવાનું નથી. એવું મેં તમને નથી કહ્યું. મેં તો તમને એ આજ્ઞા કરી છે કે સમભાવે નિકાલ કરજો. મારી આજ્ઞા તમે પાળશો, પછી નિકાલ થયો કે ના થયો એ આઈ ડોન્ટ વૉન્ટ (મને જરૂર નથી). એ તો સામાની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. ઊલટું સમભાવે નિકાલ કરવા જાય તો એ બૂટ લઈને ફરી વળે. એ એની પ્રકૃતિ પર આધાર છે. એવી આપણી આજ્ઞા નથી. આપણી આજ્ઞા તો તમે સમભાવે નિકાલ કરો, એવું તમારું ડિસિઝન હોવું જોઈએ. ડિસિઝન નહીં બદલાવું જોઈએ. સમાધાન થાય કે ના થાય એ આપણે જોવાનું નહીં, આપણે દાદાની આજ્ઞા પાળી કે નહીં ? પછી આપણે શોધખોળ કરવી હોય કે કેવી રીતે સમાધાન કરવું, એનો વાંધો નથી. પણ તે ઘડીએ તો એ સમાધાન ના યે થાય. એ તો સામાની પ્રકૃતિને આધીન છે. પ્રશ્નકર્તા : જો સામાનું સમાધાન ના થાય તો પછી બધાને શંકા પડે કે અમે સમભાવમાં છીએ કે નથી ? દાદાશ્રી : ના, સમભાવમાં છે કે નથી એ જોવાની જરૂર નહીંને ! દાદાની આજ્ઞા પાળવી એ આપણું નક્કી છે કે નહીં ? શંકા રાખવાની આપણે શી જરૂર ? આપણે દાદાની આજ્ઞા પાળી છે. મેં કહ્યું કે અહીંથી આ ભાઈને ત્યાં જાવ, પાછળ જોશો નહીં. તો તમે નક્કી કર્યું હોય કે પાછળ નથી જોવું છતાં આંખે જોઈ લીધું એ વાંધો નહીં. તમારું નક્કીપણું જોઈએ. પછી બે વખત જોઈ લીધું, તેનો મને વાંધો નથી. તમારું નક્કીપણું ના છૂટવું જોઈએ. જોઈ લીધું તે ઘડીએ શંકા ના પડવી જોઈએ કે જોવાઈ ગયું, તે દાદા શું કહેશે ? એવું નહીં. દાદાની આજ્ઞા મારે પાળવી જ છે. પ્રકૃતિ તો જોઈ લે, બધું જોઈ લે. તમારે તો દાદાની આજ્ઞા પાળવી છે એમ નક્કી કરવું એ જ મોટામાં મોટી વસ્તુ. પ્રશ્નકર્તા : રોજ સવારના ઊઠીને નિશ્ચય કરું છું કે દાદાની આજ્ઞામાં જ રહેવું છે. પછી પ્રકૃતિ એ પ્રમાણે થવા દે કે નથીયે થવા દેતી. દાદાશ્રી : ના થવા દે, એથી કરીને આપણે એમ ના માનવું કે પ્રકૃતિ એ નથી થવા દેતી. માટે આપણે ઢીલું કરવું ? પ્રકૃતિને કહીએ, 'તારે જે કરવું હોય તે કર.' આપણે એટલું જ સ્ટ્રોંગ રહેવું. પ્રશ્નકર્તા : પછી મનમાં એય થાય કે આપણે નિશ્ચય કર્યો છે છતાંય આજ્ઞામાં નથી રહેવાતું, તો તે દાદાની અવજ્ઞા તો નથી કરતાને ? દાદાશ્રી : ના. એ અવજ્ઞા નથી કરતા પણ એ જોડે જોડે પ્રકૃતિ તમને ફસાવે નહીં એ જોજો. એ તો પોતે ગલીપચી કરશે. પ્રકૃતિ તો શું ના કરે ? એ નિશ્ચેતન ચેતન છે, જેવી તેવી વસ્તુ નથી. આપણે તો આજ્ઞા પાળવી છે એમ નક્કી રાખવું. કળાની જરૂર નહીં, નિશ્ચયની જરૂર ! આપણે જીવન જીવવાની કળા જાણવી પડે. પ્રશ્નકર્તા : દાદા, તો પછી સમભાવે નિકાલ કરવામાં અમુક કળા પણ જોઈએ એવું થયુંને ? દાદાશ્રી : એ કળા નહીં હોય, તો પણ એવું બોલશે તોય એને કળા આવડી જશે પછી. એટલું બોલેને, 'દાદાની આજ્ઞા પાળવી છે.' પછી કળા નહીં આવડતી હોય તોય આજ્ઞા પાળે છે માટે આવડશે. પ્રશ્નકર્તા : પણ એ પૂરેપૂરો નિકાલ ના થાયને, આવી રીતના કળા સાથે એડજસ્ટમેન્ટ જો ના આવડ્યું તો ? દાદાશ્રી : વળી કળા ક્યાંથી હોય તે આ કાળમાં ? જીવતાં જ નથી આવડતું તો ત્યાં કળા ક્યાંથી આવડે ? આ બધી સ્ત્રીઓ મારી પાસે આવે અને કહેશે, આ ધણીની પરીક્ષા લો જોઈએ. તો લાખોમાં બે-ત્રણ પાસ થાય, તેમાં નિષ્પક્ષપાતી લઉં તોય, ધણી થાય તો કકળાટ કેમ થાય છે ? મતભેદ કેમ પડે છે ? મતભેદ પડે છે, માટે તને ધણી થતાં આવડતું નથી. આ તો સમભાવે નિકાલ કરવાનો કહ્યો, એનો અર્થ એટલો જ કે જે પૈણ્યા છો, એનો તો ઉકેલ લાવવો જ પડેને ! અને તેય છે તે છુટકારો થાય તો એના જેવું ઉત્તમ એકુય નથી ! છુટકારો તો કરવો જ પડશેને શ્યારે ત્યારે, ત્યાં સુધી નવમુું ગુંઠાણું (સંપૂર્ણ બ્રહ્મચર્યનું) ઊંચકાય જ નહીંને ! ને નવમું ગુણસ્થાનક જાય નહીં ને દહાડો વળે નહીં. 'સમભાવે નિકાલ' નક્કી થયે ઉકેલ ! આ 'અક્રમ'નો 'સમભાવે ફાઇલોનો નિકાલ' - એ તો એક અજાયબ વસ્તુ છે ! આ અમારી આજ્ઞા પાળવાનું તમે નક્કી કરો કે 'ફાઇલોનો સમભાવે નિકાલ' કરવો જ છે, તો એ તમને હાજર થઇ જશે. આપણો નિશ્ચય જોઇએ કે નિકાલ કરવો છે. આ શબ્દો જ જ્ઞાન રૂપે છે. પછી બહારનું બધું 'વ્યવસ્થિત'ને આધીન છે. તમારી ભાવના દ્ઢ જોઇએ કે આ આજ્ઞા પાળવી જ છે. 'સમભાવે નિકાલ' કરવો એટલે સંજોગોને અનુસરીને કામ લેવું. સમતામાં એવું નથી હોતું. ના ફાવતો માણસ આવે એટલે મહીં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું જ કૂદાકૂદ કરે. તે ઘડીએ આપણે કહીએ કે સમભાવે નિકાલ કરવાનો છે. એટલે બધું ચૂપ થઇ જાય. સમભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ સામા માણસ પર એની અસર પડે ને સામો પણ ઠંડો થઇ જાય. કોઇ વખત બહુ ચીકણો હિસાબ હોય તો ઠંડો ના પણ થાય ! તે આપણે જોવાનું નહીં, આપણે તો દ્ઢ નિશ્ચય કરવાનો કે સમભાવે નિકાલ કરવો જ છે. મોડો-વહેલો ય એ નરમ પડ્યા વગર રહે જ નહીં. બધું 'વ્યવસ્થિત' પ્રમાણે થાય જ. જ્ઞાની કરે, સર્વનો સમભાવે નિકાલ ! એક શબ્દ એવો બોલો કે જેમાં બધી ફાઈલ આવી જાય, કોઈ ફાઈલ બાકી ના રહે. એટલે એક જ શબ્દમાં કહેવું હોય તો જે જે આપણને સંયોગ થાય એ બધી ફાઈલ. સંયોગ શબ્દમાં બધી ફાઈલો આવી જાય કે ના આવી જાય, ગણતરી કરતાં ? જેટલા સંજોગો એટલી બધી ફાઈલ. એ પછી મનુષ્ય રૂપે હો કે બીજા રૂપે હો કે આ રૂપે હો. જેટલા સંજોગો એટલી ફાઈલ અને તે વિયોગી સ્વભાવના છે. માટે સમભાવે નિકાલ કરજો. આ ત્રણ જણ આવ્યા, સમભાવે નિકાલ કરી નાખ્યો, છે કાંઈ બૂમાબૂમ ? રોજ અમારે દસ-પંદર ફાઈલ આવતી હશે કે નહીં આવતી હોય ? પ્રશ્નકર્તા : ઘણી બધી. દાદાશ્રી : એ બધાંનો નિવેડો લાવું, સમભાવે નિકાલ કરું. કોઈ અવળા સ્વભાવનો હોય, કોઈ એવા સ્વભાવનો, બધાનો સમભાવે નિકાલ તો કરવો પડેને ? એ તો અમારા લક્ષમાં હોય જ કે આ શુદ્ધાત્મા છે અને અત્યારે મારે આ ફાઈલ રૂપે છે. ફાઈલને મારે શું કરવું, તે મારે સમજવાનું. બે દ્ષ્ટિ હોય અમારી, નિશ્ચયથી તો નિર્દોષ છે, વ્યવહારથીયે નિર્દોષ છે અને પછી આ ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો. હવે મારા નામનો ક્લેઇમ ના નોંધાય કોઈ જગ્યાએ. એટલે કોઈ સંયોગ નડતો નથી એવું વિજ્ઞાન આપ્યું છે. એટલે સુધી સંયોગ કે પોતાની બેગ ઊઠાવી જતો હોય તો વ્યવહારથી કચકચ કરે, પણ અંદરથી પેટમાં પાણી ના હાલવું જોઈએ. બધું સંયોગ જ છે ને ! અને એ કંઈ કાયમને માટે હોતું નથી. સંયોગો વિયોગી સ્વભાવના જ છે. કોઈ પણ સંજોગ તને બાઝશે, એ વિયોગી સ્વભાવના છે. માટે તમારે એને ખસેડવો નહીં પડે. નહીં તો વીતરાગ કોઈ થાત નહીં. 'સમભાવે નિકાલ' ભાવમાં ચોક્કસ ! પ્રશ્નકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ? દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે ? તમે તમારું જ હિત જોઈ શકતા નથી, તે બીજાનું હિત શું જુઓ છો ? સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઈએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઈએ. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ? દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો 'સામાનું સમાધાન કરવું છે' એટલું નક્કી રાખવું. 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષેય થશે. 'વાઇફ'ના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, મા-બાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે શ્યારે ત્યારે 'આપણે સમભાવે નિકાલ કરવો છે' એટલે એક દહાડો એ નિકાલ થઈ રહેશે, એનો અંત આવશે. શ્યાં ચીકણાં ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે. આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઈએ, બોલી જવાનોય વાંધો નથી પણ બોલી જવાની પાછળ આપણે 'સમભાવે નિકાલ' કરવો છે એવો નિશ્ચય રહેલો છે. તેથી દ્વેષ રહેતો નથી. બોલી જવું એ પુદ્ગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી કરી કામ કર્યે જાવ, હિસાબ ચૂકતે થઈ જ જશે. ન ે આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે, હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે, પણ માંગનારો લઈ જ જશે. નક્કીપણું તેવી અસરો ! પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરવાનો એમાં કોઈ ક્રિયા છે ? દાદાશ્રી : ક્રિયા કશું છે નહીં. મનમાં નક્કી કરવાનું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે. સમભાવે નિકાલ કરવો છે, એ જ બસ. પછી ક્રિયા કશું કરવાની નથી. સમભાવે નિકાલ કરવો છે એ જ તમારો ભાવ. પછી શું થયું એ જુદી વસ્તુ છે. પણ એની સાયન્ટિફિક અસર છે એ. તમે જો મહીં નક્કી કરો આ પ્રમાણે, તો એની છે તે સામા માણસ ઉપર અસર પડે છે અને સાયન્ટિફિક રસ્તે હેલ્પ થાય છે અને તમે નક્કી કરો મહીંથી કે મારે એને આજ સીધો કરી નાખવો છે, તોય એની અસર પેલા ઉપર પડશે. એટલે આ બહુ સુંદરમાં સુંદર હથિયાર આપ્યું છે, સમભાવે નિકાલ કરો. પુરુષ થયા પછી પુરુષાર્થની જ જરૂર છે. ફાઈલનો તો એની મેળે નિકાલ થઈ જ જવાનો. તમારે કશું કરવાની જરૂર નથી. આપણા મનમાં જે પહેલાં રહેતું હતું કે આ માણસ શું સમજે છે એના મનમાં, એ આપણા ભાવ અવળા થતા હતા. એ હવે ના હોવા જોઈએ. એ તમને ગમે તે કરે, સામો માણસ કૂદાકૂદ કરતો હોય તો આપણને એનો વાંધો નથી; આપણે સમભાવે નિકાલ કરવો છે એવું નક્કી કરવાનું. પછી એવું જ થયા કરે. પકડો સમભાવ, છોડો ફાઈલનો ભાર ! પ્રશ્નકર્તા : દાદાજી, આ જ્ઞાન આપે આપ્યું, હવે ન બોલવાની કળા અને બધામાં આપણે શુદ્ધાત્મા જોઈએ અને અંદર એને નમસ્કાર કરીએ, એટલે ચીકણી ફાઈલનો નિકાલ થઈ જાયને ? દાદાશ્રી : ફાઈલ એટલે વિચાર આવ્યા વગર રહે નહીં, બોલ્યા વગર રહેવાય નહીં. ના બોલવાની કળા ત્યાં ચાલે નહીં. પ્રશ્નકર્તા : પણ એની રીત તો હશેને, દાદાજી. દાદાશ્રી : એ તો આપણે નિયમ રાખવાનો કે વખતે આપણે બોલવું નથી. છતાં બોલાઈ જવાય એ ફાઈલની નિશાની. જેટલી ફાઈલ ચીકણી હોય એટલું બોલાય. નહીં તો આપણા ધાર્યા પ્રમાણે ના બોલવું હોય તો ના યે બોલાય. જે ફાઈલ ચીકણી છે તેની સાથે ના બોલવું હોય તો બોલાઈ જવાય. પણ આ નથી બોલવું એવું નક્કી રાખવું જોઈએ. એને માટે આપણે નથી બોલવું, નથી વિચારવું કે નથી વર્તવું, એ આપણા મનમાં નક્કી રાખી અને પછી એ ફાઈલનો નિકાલ કરવો. ફાઈલો કહી, આ ફાઈલો ગણાય. 'ફાઈલ મારે આમ નડે છે' એવું બોલાય નહીં ! ફાઈલ તો એની મેળે નિકાલ થઈ જ જાય. નડે છે શું ? જાગૃતિ કાચી રહી એ નડે. ફાઈલ તો નિકાલ થઈ જાય, જે આવી એ ફાઈલ છ મહિને-બાર મહિને પણ નિકાલ થઈ જાય. એને બહુ ધ્યાનમાં લેવાની નહીં. નિકાલ કરવો છે એવું નક્કી રાખવું. તો શ્યારે ભેગી થાય ત્યારે નિકાલ કરવો છે એ નિશ્ચય હાજર રહે. પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ પૂરી હોય તો ફાઈલ કંઈ નડતી જ નથી. અને આ જે નડે છે એ જાગૃતિની કચાશ છે હજુ. દાદાશ્રી : આપણે નિકાલ કરવો છે અને એને નથી નિકાલ કરવો. તોય કહીએ, 'આવી જા', અમારે નિકાલ કરવો જ છે. તોય પણ આપણે જીતીશું, એ જીતવાના નથી. કારણ કે એ પૌદ્ગલિક કાયદાની બહાર છે. આ તો પૌદ્ગલિક કાયદાની અંદર છે. એ કહેશે, મારે મોક્ષે જવા દેવા નથી. આપણે કહીએ, મારે જવું છે. તો આપણે જઈશું અને એ થોડો વખત હરાવડાવી, હંફાવડાવી અને પછી ભાગી જશે. કમઠ તરીકે દસ અવતાર સુધી પાર્શ્વનાથ ભગવાનનો ભઈ થયો. પણ છેવટે એને ભાગવું પડ્યું, ભગવાન ના ભાગ્યા. વળગી રહો નિશ્ચયને ! પ્રશ્નકર્તા : ઘણીવાર સમભાવે નિકાલ કરવાનો ચૂકી જવાય છે. દાદાશ્રી : ચૂકી ના જવાય ત્યારે ખરું કહેવાય. પ્રશ્નકર્તા : મને ખેદ રહ્યા કરે છે કે દાદાનું જ્ઞાન મળ્યા પછી સમભાવે નિકાલ કેમ નથી કરી શકતો ? દાદાશ્રી : તારે સમભાવે નિકાલ કરવો છે, એવો તારો નિશ્ચય જોઈએ. ના રહેવાય તેને માટે અમે તને લેટ ગો કરીએ છીએને ! આ ફાઈલનો નિકાલ કરતી વખતે એ નિશ્ચયને તે ઘડીએ ભૂલી જઉં, એવી અજાગૃતિ ના હોવી જોઈએ. ત્યાં પુરુષાર્થ ધર્મ જોઈએ. ભૂલી જવું ના જોઈએ. પ્રશ્નકર્તા : ના. પણ હું એમ કહેવા માંગું છું કે હું નિશ્ચય કરું અને સતત મારા ભાવમાં રાખું કે મારે આ ફાઈલોને સમભાવે નિકાલ કરી નાખવો છે, તો એ બરાબર કહેવાય ? દાદાશ્રી : નિશ્ચય એ બરાબર છે. પણ ધીમે ધીમે પછી આગળ પાછું નિશ્ચય પ્રમાણે વર્તે છે કે નહીં, તે પણ 'જોવું' પડેને ! પ્રશ્નકર્તા : એ તો હું જોઈશ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. દાદાશ્રી : તો વાંધો નહીં, તો કરેક્ટ. નિશ્ચય એ સ્વાધીન છે, વ્યવહાર પરાધીન છે અને પરિણામ તો પરાધીનનું યે પરાધીન છે. વ્યવહારમાં તો આપણે છીએ, આ બધું છે પણ પરિણામનું શું થાય ? એટલે આપણે નિશ્ચય એકલો કરવો. વ્યવહારનું પરાધીન છે. વ્યવહારની કશી માથાકૂટ ના કરવી. આપણે નિશ્ચય કરવાનો કે દાદાની આજ્ઞા પાળવી છે. પછી વ્યવહારમાં પળાઈ કે ના પળાઈ એ વ્યવહારને આધીન. તમારા મનમાં જરાય પોલ ના આવવી જોઈએ કે હશે, આમાં ઢીલી કરી નાખોને ! ઢીલી કરવાની તમારે જરૂર જ નથી. તમે નિશ્ચય કરો, કે પાંચ આજ્ઞા મારે પાળવી જ છે. નથી પળાતી તેનો બોજો નહીં રાખવાનો. હું ય નથી જાણતો કંઈ ? હું યે જાણું છું ને કે વ્યવહાર પરાધીન છે. પણ જાણી જોઈને દુરુપયોગ કરવો નહીં. મહીં એવું ના રાખવું કે નહીં પાળીએ તો શું થઈ ગયું ? પળાશે તો ઠીક છે, એવુંય ના રાખવું. આજ્ઞા પાળી અમે કોને કહીએ છીએ કે જેટલી પળાય એટલી સહેલાઈથી પાળો. ના પળાય એટલું મનમાં જાગૃતિ રાખો કે આમ ના હોવું ઘટે. બસ, એટલે એ પાળ્યા બરોબર છે ! ચાલવું ધ્યેય પ્રમાણે, મન પ્રમાણે નહીં ! પ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે. પાંચ આજ્ઞામાં રહેવું છે અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : લે. શું કરવું જોઈએ એટલે ? મન કહે કે 'આમ કરો' તો આપણે જાણીએ કે આ આપણા ધ્યેયની બહાર છે. ઊલટું દાદાજીની કૃપા ઓછી થઈ જશે. એટલે મનને કહીએ કે 'નહીં, આ આમ કરવાનું ધ્યેય પ્રમાણે.' દાદાજીની કૃપા શી રીતે ઊતરે એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ. એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાથી, આ બધી ભાંજગડ થાય છે. ઘણાં વખતથી બોલ્યો છું આને. આ જ સમજ પાડ પાડ કરું છું. એટલે પછી મનનાં કહ્યા પ્રમાણે નહીં ચાલવાનું. આપણા ધ્યેય પ્રમાણે જ જવું જોઈએ. નહીં તો એ તો કયે ગામ જવું, તેને બદલે કયે ગામ લઈ જશે ! ધ્યેય પ્રમાણે ચાલવું, એનું નામ જ પુરુષાર્થ ને ! એ તો મનના કહ્યા પ્રમાણે તો આ અંગ્રેજો-બંગ્રેજો બધા ચાલે જ છેને ! આ બધા ફોરેનરોનું મન કેવું હોય ? લાઈનસરનું હોય અને આપણું ડખાવાળું મન. કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન આપણા કહ્યા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આ વાત નીકળેને એટલે પંદર-વીસ દિવસ એ પ્રમાણે ચાલે. પાછું કંઈક એવું બની જાયને, તો પાછું ફરી જાય. દાદાશ્રી : ફરી જાય પણ તે મન ફરી જાય, આપણે શું કરવા ફરી જઈએ ? આપણે તો એનાં એ જ ને ! નિશ્ચય જ ખપે આજ્ઞા માટે ! આજ્ઞા ના પળાય તેનો વાંધો નથી પણ નથી પાળવી એવું મનમાં ના હોવું જોઈએ. પાળવાનો નિશ્ચય બસ કે મારે પાળવી જ છે. પછી ન પળાય તેનો ગુનો તમને લાગુ નથી થતો. તમે પાળવી છે એવું નક્કી કર્યું છે એને માટે જવાબદાર હું ! પછી ન પળાય એની જોખમદારી અમારે માથે આવે. તમે નક્કી કર્યું ને પછી નથી પળાતી, એમાં કોણ ગુનેગાર ? તમારે ફક્ત 'પાંચ આજ્ઞા પાળવી છે' એવું નક્કી રાખવાનું છે, એ દ્ઢતા તમારી એકુંય દહાડો તૂટવી ના જોઈએ. અને આના સામાવાળિયા થવું છે, એવું ના થવું જોઈએ. નિશ્ચય-વ્યવહાર સમાય પાંચેય આજ્ઞામાં ! પ્રશ્નકર્તા : ગઈકાલે સત્સંગમાં આવ્યું કે પાંચ આજ્ઞામાંથી ત્રણ વ્યવહારની છે ને બે નિશ્ચયની છે તે જરા સમજવું છે, કેવી રીતે ? દાદાશ્રી : એટલે શુદ્ધાત્મા જોવું અને રિલેટિવ એનું ખોખું જોવું એ બે નિશ્ચય સ્વરૂપ છે. અને ત્રણ વ્યવહારિક છે ફક્ત. એ ત્રણ વ્યવહારની ને આ બે નિશ્ચયની. વ્યવહાર-નિશ્ચય સાથેનો આપણો આ માર્ગ બધો. નિશ્ચયથી શુદ્ધાત્મા છે અને વ્યવહાર દ્ષ્ટિથી બકરી એકલી જ દેખાય. માટે એ બંને નિશ્ચયમાં જ જાય છે અને પેલાં ત્રણ વ્યવહારનાં છે અને વ્યવહાર-નિશ્ચય બંનેની સમતુલા રાખે. આ પાંચ આજ્ઞા ઠેઠ મોક્ષે લઈ જતાં સુધી કામ કર્યાં કરે અને સરળ-સીધી, વાંકી નહીં, ચૂંકી નહીં. કશું છોડવા-કરવાનું કહેલું નથી. પાંચ આજ્ઞામાં સંપૂર્ણ વ્યવહાર ધર્મ ! શ્યાં શુદ્ધ વ્યવહાર નથી, શ્યાં વ્યવહારનું ફાઉન્ડેશન જ નથી, ત્યાં નિશ્ચય જેવી કોઈ વસ્તુ જ નથી. અને વ્યવહાર શુદ્ધિ વગર નિશ્ચય કોઈ દહાડો કામ કરે જ નહીં. શુદ્ધ વ્યવહારના બેઝમેન્ટ ઉપર શુદ્ધ નિશ્ચય ઊભો છે. શુદ્ધ વ્યવહારનું બેઝમેન્ટ જેટલું કાચું એટલું નિશ્ચય પામશો નહીં. કારણ કે નિશ્ચયનો નિયમ એવો છે કે શુદ્ધ વ્યવહાર થાય તો જ નિશ્ચય શુદ્ધ થાય. અને આપણે અહીં તો 'ફૂલ' વ્યવહાર સાથેનો ધર્મ છે. 'ફૂલ' નિશ્ચય અને 'ફૂલ' વ્યવહાર. અમારી જે પાંચ આજ્ઞા આપી છેને, એ સંપૂર્ણ વ્યવહાર ધર્મ છે. એટલે આપણે તો શું કહીએ છીએ કે આપણે શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય એવો માર્ગ છે આ, અક્રમ વિજ્ઞાન છે. અમે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાને આધીન તમારો શુદ્ધ વ્યવહાર છે. પછી ન પાળે, ઓછી પાળે એ વાત જુદી છે પણ આજ્ઞાધીન વ્યવહાર છે એ શુદ્ધ વ્યવહાર છે. પાંચ આજ્ઞામાં તમામ ધર્મોનું દોહન ! હવે તે શુદ્ધ ઉપયોગ તો આપણી આજ્ઞામાં આવી જાય છે કે નથી આવી જતો ? પ્રશ્નકર્તા : આવે છે ને ! દાદાશ્રી : એટલે આજ્ઞા એ જ શુદ્ધ ઉપયોગ છે ને, તમને કેમ લાગે છે ? કે આજ્ઞા ફરી સુધારવી પડશે ? રિમોલ્ડિંગ કરવી પડશે ? પ્રશ્નકર્તા : કંઈ બાકી જ ના હોયને ત્યાં. દાદાશ્રી : હા. ધીઝ આર ધી ફન્ડામેન્ટલ સેન્ટેન્સિસ (આ મૂળભૂત વાક્યો છે). આ શું છે ? આખા વર્લ્ડને તારી લે એવાં આ સેન્ટેન્સ છે. વ્યવહાર-નિશ્ચયનાં ભેદ સહિત છે. નહીં તો બીજાં તો કાં તો આ ખાડામાં હોય ને કાં તો આ ખાડામાં હોય. બસ, આ પાંચ વાક્યોમાં આખા વર્લ્ડનું બધું સાયન્સ આવી જાય છે. કોઈ જગ્યાએ એને કંઈ બાકી રહેતું નથી. આ પાંચ આજ્ઞામાં બધાં શાસ્ત્રો સમાઈ જાય છે. પ્રશ્નકર્તા : બધાંનું આ દોહન છે એમ કહીએ તો ચાલે ? દાદાશ્રી : આખા વર્લ્ડનું દોહન જ છે આ ! મહાવીરના પીસ્તાળીસ આગમોનું દોહન ! પાંચ આજ્ઞામાં બધું આવી જ જાય છે. આ તો બધું હમણે ફોડ પાડવા માટે, સમજણ માટે કહું છું. બાકી ઝીણવટથી જુઓ તો બધી જ ચીજ આવી જાય છે. કોઈ બાકી નથી રહેતી. અક્રમ થકી વ્યવહારમાં અવતરણનિશ્ચયનું ! આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય અને છે પાછું સૈદ્ધાંતિક, જે કોઈ જગ્યાએ સહેજે ય વિરોધાભાસ ન હોય અને વ્યવહારમાં ફીટ થાય, નિશ્ચયમાં ફીટ થાય, બધે ફીટ થાય, ફક્ત લોકને ફીટ ના થાય. કારણ કે લોકો લોકભાષામાં છે. લોકભાષા ને જ્ઞાનીની ભાષામાં બહુ ફેર છે. જ્ઞાનીની ભાષા કેવી સારી છે, કશી અડચણ જ નહીં ને ! જ્ઞાની ફોડવાર બધા ફોડ આપે ત્યારે ઉકેલ આવે. આપણું આ 'અક્રમ વિજ્ઞાન' જગતમાં બહાર પડે તો લોકોનું બહુ કામ કાઢી નાખે. કારણ કે આવું વિજ્ઞાન નીકળ્યું નથી. આ વ્યવહારમાં, વ્યવહારની ઊંડાઈમાં કોઈએ કોઈ જાતનું જ્ઞાન મૂકેલું નહીં. વ્યવહારમાં કોઈ પડેલું નહીં. નિશ્ચયની જ વાતો બધી કરેલી. વ્યવહારમાં નિશ્ચય આવેલો નહીં. નિશ્ચય નિશ્ચયમાં રહેલો અને વ્યવહાર વ્યવહારમાં રહેલો. પણ આ તો વ્યવહારમાં નિશ્ચય લાવીને મૂક્યો છે, અક્રમ વિજ્ઞાને. અને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે અને તે સાયન્ટિફિક પાછું. આમાં કોઈ જગ્યાએ વિરોધાભાસ ના થાય. પણ હવે આ 'અક્રમ વિજ્ઞાન' બહાર શી રીતે પડે ? બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય ! પ્રશ્નકર્તા : એનો સંજોગ પણ આવશે ને ? દાદાશ્રી : હા, આવશે ને ! આજ્ઞા એ જ અમારી પ્રત્યક્ષ હાજરી ! પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞા પાલન કરવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : કરવાનું કશું ના હોયને ! એનો ભાવ નક્કી કરવો જોઈએ કે મારે પાળવી છે. પ્રશ્નકર્તા : અવરોધ બહુ આવે છે. દાદાશ્રી : અવરોધ તો હોયને ! અવરોધ વગર દુનિયાના લોકો હોય જ નહીંને, પણ એની સામે અનંત શક્તિવાળો છે ! પ્રશ્નકર્તા : આપની હાજરીમાં બહુ શાંતિ રહે છે પણ બહાર જઈએ પછી બહુ અવરોધો રહે છે. દાદાશ્રી : પાંચ આજ્ઞા એ મારી હાજરી જ છે. એ આજ્ઞા હાજરી જેટલું જ ફળ આપે. એટલે જેને આ આજ્ઞામાં રહેવું છે, તેને કશું અડતું નથી. જેને આ સંસારમાં લોચા વાળવા છે, તેને ભાંજગડ છે. પ્રશ્નકર્તા : દાદા, પણ હજી વ્યવહારમાં બહુ ગૂંચવાઈ જવાય છે. દાદાશ્રી : એ તો કર્મના ઉદય આવે, પણ તે વખતે આપણે આજ્ઞામાં રહીએ તો બધા ગૂંચવાડા ઊડી જાય. આજ્ઞા તો બહુ ઊંચી વસ્તુ છે. બાકી આ પાંચ આજ્ઞા કોઈ પણ જગ્યાએ અને ગમે તે ટાઈમે સર્વ સમાધાન આપે એવી છે. માટે આ હોય તો સમાધાન રહેશે. એટલે એ સેફસાઇડ છે તમારી, કમ્પ્લિટ સેફસાઈડ ! બહુ સહેલું થઈ ગયું છે આ, જો વાત સમજે તો. આ જ્ઞાન આપવાથી બિલકુલ સહેલું. તમારે શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. આ પાંચ આજ્ઞા જો કદી પળાય તો ઘણું છે. આપણાથી પુરુષાર્થ થયો છે માટે હવે પકડી શકાય એવું છે. તેમાં અંતરાય કરનારાં છે, એવું હું ના નથી કહેતો. પાછલાં હજુ રિઝલ્ટ છે. તેમાં ધક્કા માર માર કરે, પણ તે આપણે જાગૃત રહ્યા કરવાનું. પ્રતિક્રમણ કર્યા કરવું, તો જાગૃતિ રહે. જેટલી જાગૃતિ એટલું ફળ મળે અને સંપૂર્ણ જાગૃતિ, એનું નામ કેવળજ્ઞાન. પાંચ આજ્ઞા પાળતો હોય તો એ અમારી પ્રત્યક્ષ હાજરી છે ! પાંચ આજ્ઞાની અનુભૂતિઓદાદાશ્રીની ! આજ્ઞા પાળે તો નિરંતર સમાધિ રહે, મોક્ષ જ વર્તે ! આ તો અમારી ચાખેલી વસ્તુ આપી છેને ! અનુભવેલી વસ્તુ આપી છેને ! પ્રશ્નકર્તા : આપે પાંચ આજ્ઞા કેવી અનુભવી છે ? દાદાશ્રી : આ બધાએ જેવી રીતે અનુભવી એવી રીતે. એમને પૂછી જો જોને, એટલે ખબર પડશે. પ્રશ્નકર્તા : આપે કહેલું કે આપ અક્રમમાંથી નથી આવ્યા. દાદાશ્રી : ના, હું ક્રમિકમાંથી આવ્યો છું. પ્રશ્નકર્તા : એટલે અક્રમનો અનુભવ આપને નથી, પણ અક્રમ જ્ઞાને કરીને આપે જોયું છે એમ આપે કહેલું. દાદાશ્રી : હા, બરોબર છે. પણ આ ક્રમમાંથી કમાયેલા છીએ અને ઉદયમાં આવ્યું અક્રમ. પણ મહેનત બહુ કરેલી. પ્રશ્નકર્તા : એટલે એ તમારા અનુભવ જુદી જાતના હોયને, દાદા ? દાદાશ્રી : પણ એ તો બહુ લાંબા હોય. મોટો ઇતિહાસ થાય બધો. એ કંઈ બે શબ્દોમાં કહેવાય એવી વસ્તુ નથી. પ્રશ્નકર્તા : દાદા, પાંચ આજ્ઞામાંથી સૌથી વધારે કઈ આજ્ઞા તમને અનુભવમાં આવેલી ? દાદાશ્રી : વ્યવસ્થિત વધારે અનુભવમાં આવેલી. પહેલેથી 'વ્યવસ્થિત' લાવેલો. તેથી આ પાંચ આજ્ઞામાં વ્યવસ્થિતની શોધખોળ છે. મૂળ શોધખોળ અમારી વ્યવસ્થિતની. નહીં તો ભવિષ્યની ચિંતા વગરનું આ જગત જ નથી. એને અગ્રશોચ કહેવાય છે. અગ્રશોચ એટલે 'શું થશે ?' આખું જગતેય, આ સાધુ-સંન્યાસીઓ એમાં છે. એની જ ચિંતામાં હોય. એ ચિંતા, અગ્રશોચ આ વ્યવસ્થિતે ઊડાડી મેલ્યું. પ્રશ્નકર્તા : એ ઊડાડી મૂકે એટલે બધા પ્રોબ્લેમ ગયાને ? દાદાશ્રી : બધા પ્રોબ્લેમ છૂટી ગયા અને પાછું એવું અનુભવમાં આવ્યું કે 'ના, ખરેખર વ્યવસ્થિત જ છે.' ગોઠવેલું હોય તો ઊડી જાય. પ્રશ્નકર્તા : પછી આ પહેલી બે આજ્ઞા તો આપને ૧૯૫૮ પછી, જ્ઞાન થયા પછી અનુભવમાં આવી હશેને ? દાદાશ્રી : હા, જ્ઞાન થતી વખતે અનુભવમાં આવ્યું. આ શું છે ને આ શું છે એ અનુભવમાં આવ્યું. પ્રશ્નકર્તા : એ પહેલાં એ બે આજ્ઞાનો કંઈ ખ્યાલ ખરો ? દાદાશ્રી : આ વ્યવહાર ને આ નિશ્ચય એટલું સમજમાં રહેતું હતું. પ્રશ્નકર્તા : એક્ઝેક્ટનેસ તો પછી, જ્ઞાન થયું તે વખતે દેખાયું ? દાદાશ્રી : જ્ઞાન વખતે જ અનુભવમાં આવી ગયું. પ્રશ્નકર્તા : પછી ફાઈલોનો સમભાવે નિકાલ... ? દાદાશ્રી : એ તો પહેલેથી કરતાં જ આવ્યા હતાને, જ્ઞાન ન હતું તોયે ! કૃપાળુદેવનું વાંચતા હતા, તે ઉકેલ જ લાવતા હતાને ! તે તદ્દન સમભાવે નિકાલ નહીં, પણ એ સાધારણ એનો તડજોડ કરતા હતા, મનમાં અકળાઈને. મનમાં અકળાઈને ટાઢું પાડી દઈએ. પણ આ તો આપણું 'સમભાવે નિકાલ' તો મનમાં અકળાવાનું નહીં અને કશું નહીં. આશીર્વાદ આપીને ચોખ્ખું કરવાનું. પ્રશ્નકર્તા : આ આશીર્વાદ આપીને સમભાવે નિકાલની એક વધારાની વાત છે અને આપનો શુદ્ધાત્માનો ચોપડો ક્યારથી ખૂલ્યો ? દાદાશ્રી : જ્ઞાન થયું તે દહાડાથી જ. પ્રશ્નકર્તા : દાદા, અમે તો તમારાં દર્શન કરી કરીને શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરી, આપે કઈ રીતે કરી ? દાદાશ્રી : શાની જમે કરવાની ? એક જ દહાડામાં પ્રગટ થયું ત્યાં ! ગઈ કાલે 'એ. એમ. પટેલ' હતા ને આજે શુદ્ધાત્મા થઈ ગયા, દ્ષ્ટિ માત્રથી. દ્ષ્ટિફેર થઈ ગયોને ત્યાં ! પ્રશ્નકર્તા : આપને એક જ કલાકમાં કેવી રીતે દ્ષ્ટિ સશ્જડ થઈ ગઈ ? દાદાશ્રી : કૃપાથી શું ના થાય ? ભગવાનની કૃપા ઊતરે એટલે શું ના થાય ? પ્રશ્નકર્તા : અમને તો આપની અંદર પ્રગટ થયા છે તે દાદા ભગવાનની કૃપા ઊતરે, આપને કેવી ઊતરી ? દાદાશ્રી : મારે કેવી ઊતરી એ શું ખબર પડે ? મને કોઈએ ફેરવ્યો ! એટલે હું 'બટ નેચરલ' (કુદરતી રીતે જ) કહું છુંને !! - જય સચ્ચિદાનંદ |