|
અક્રમ માર્ગે જ્ઞાન પ્રાપ્તિ સરળ, સુગમ, સહજ ! સંપાદકીય આ કાળમાં પ્રત્યક્ષ-પ્રગટ અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન મોક્ષદાતા થયા, તેથી મોક્ષ ખીચડી કરતાંય સુલભ થઈ પડ્યો. જ્ઞાની પુરુષ કોઈ કાળે ભેગા થવા દુર્લભ હોય છે. ભેગા થાય તો ઓળખાણ પડવી મુશ્કેલ હોય છે. ઓળખાણ પડે તો 'જ્ઞાન' મળવાનો અંતરાય હોય છે. જ્ઞાન મળે તો સત્સંગનો જોગ ફરી ફરી પ્રાપ્ત થતો નથી. છતાં પોતાનો નિશ્ચય હોય જ કે મારે આત્મા જાણવો જ છે, મને આત્મજ્ઞાની ભેગા થાવ, તો લિંક પ્રાપ્ત થઈ, મોક્ષનો સાંધો મળી જ જાય છે. એટલે આ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ મહા પુણ્યશાળીઓ માટે છે. અહીં પુણ્યનો પાસપોર્ટ લઈ આવે, તો 'જ્ઞાન' કૃપાથી જ પ્રાપ્ત થઈ જાય. બીજું કંઈ જ કરવાનું નથી, આવડતની જરૂર નથી. તેથી કહ્યું છે કે, વીતરાગોનો મોક્ષમાર્ગ સહજ છે, સુગમ છે, સરળ છે પણ મોક્ષદાતા મળે તો ! આ અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી આત્મા સહજ થઈ જાય છે. હવે પ્રકૃતિને સહજ કરવાની બાકી રહે છે. પ્રકૃતિ સહજ થાય ને આત્મા સહજ થાય, તો પૂર્ણાહુતિ થઈ કહેવાય. સહજ એટલે ત્યાગેય નહીં, ગ્રહણેય નહીં, કંઈ જ કર્તાપણું નહીં, તે સહજ કહેવાય. કંઈ પણ પ્રયત્ન કરવા એ સહજ ના કહેવાય. સહજ થયો તેટલો ભગવાન થયો. મન-વચન-કાયા પ્રત્યે, સંજોગમાત્ર પ્રત્યે માલિકીપણું નહીં, કર્તાપણું નહીં એટલે સહજ ! જેટલો સહજ થાય એટલું આત્મઐશ્ચર્ય પ્રગટ થાય. સહજ થયેલાનું એક વાક્ય પણ સાંભળે તો હિતકારી થઈ પડે. ક્રમિક માર્ગે 'હું સાધુ છું' એ છૂટે ને 'હું ઉપાધ્યાય છું' પદ પકડે. પછી એ પદ છોડે ને 'હું આચાર્ય છું' એ પદ પકડે. આમ અહંકારનો કોમા ',' જ હોય. અહીં અક્રમમાં 'હું શુદ્ધાત્મા છું' પછી પોતાના પદ માટે કોમા રહ્યો નહીં, ફૂલસ્ટોપ '.' આવી ગયું. હવે પ્રકૃતિને સહજ કરવાની, નિકાલ કરવાની રહી. ત્યાગ-ગ્રહણની કડાકૂટો રહી નહીં. પરમ પૂજ્ય દાદા ભગવાનની પાંચ આજ્ઞા એવી છે આત્મા ને પ્રકૃતિને જુદાપણામાં જ રાખે, અકર્તાભાવમાં રાખે અને પ્રકૃતિનો સમભાવે નિકાલ કરવાનું શીખવાડે. આ તો કર્મો ખપાવ્યા સિવાય આત્માનું જ્ઞાન મળ્યું છે. ડૉક્ટર, વકીલ, એન્જીનિયરનું ભણ્યા, તે ભણતર સાથે એટીકેટનો રોગ પણ પેસી ગયો. પછી સત્સંગમાં ભક્તિ કરવાની આવે, તાળીઓ પાડવાની આવે, નીચે જમીન પર બેસવાનું આવે તો એટીકેટનું ભૂત વચ્ચે નડે, સહજ ન થવા દે. તે દાદાશ્રી કહે છે, અમે જાતે તાળીઓ પાડીને ગવડાવીએ એટલે સામો પણ તાળીઓ પાડીને ગવડાવે. એરપોર્ટ પર, રેલ્વે સ્ટેશને ગરબા ગવડાવે, હાર પહેરાવે, તે બધા એટિકેટના રોગ કાઢી સહજ બનાવવા માટે. સહજ એટલે કોઈ માણસની શરમ ના લાગે, સંકોચ ના રહે, લોક ભય ના રહે, મારું ખરાબ લાગશે, આબરૂ જતી રહેશે, એ અહંકાર-બુદ્ધિના ડખા જતા રહે તો સહજ દશા આવે. બીજા બધા કરતા હોય તેવું કર્યા કરે, તે જુદાઈ ના રાખે. અને અંદર પોતે શુદ્ધાત્મા પદે રહીને પ્રકૃતિ શું કરે છે તે જોયા કરે, તે થઈ ગયું સહજ. પ્રસ્તુત સંકલનમાં સહજ થવાના પ્રયોગો કરાવી પરમ પૂજ્ય દાદાશ્રી અહંકારના રોગ કાઢી સહજ બનાવે છે, તે વાણી સંકલિત થઈ છે, જે વાચકને અસહજતાની અટકણની આંટી તોડી સહજતાની સમજ બક્ષશે. દીપક દેસાઈ અક્રમ માર્ગે જ્ઞાનપ્રાપ્તિ સરળ, સુગમ, સહજ ! મોક્ષદાતા પુરુષ પ્રગટ્યા અહીં ! વીતરાગોનો માર્ગ દરઅસલ મોક્ષ આપે એવો છે. પણ એનાં જ્ઞાની જોઈએ અને મોક્ષદાતા પુરુષ જોઈએ. તે હોતાં નથી. બાકી માર્ગ સરળ છે, સુગમ છે, સહજ છે આ. મોક્ષ સહજ છે. ખીચડી બનાવવી અઘરી અને મોક્ષ સહેલો, પણ તે મોક્ષનાં દાતા જોઈએ. કૃપાળુદેવે શું કહ્યું ? મોક્ષના દાતા હોવાં જોઈએ. દાતા વગર આ દાન મળે એવું નથી. મોક્ષદાતા પુરુષ જોઈએ. સર્વ કર્મોથી મુક્તિ અપાવડાવે અને મોક્ષની ટિકિટ કાઢી આપે તો કામ ચાલે. તે કો'ક ફેરો એ જ્ઞાની પાકે. (કાયમ) હોય નહિને ! જ્ઞાની ક્યાંથી લાવે ? અક્રમ માર્ગે પ્રાપ્તિનું રહસ્ય ! ભગવાનને ત્યાં કશું કરવાનું નથી. 'વસ્તુ' સહજ છે, સરળ છે, સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે. પ્રાપ્તિ કેમ દુર્લભ છે ? કારણ કે પ્રાપ્ત કરાવનાર એવાં પુરુષ અત્યંત અત્યંત દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ હોય છે. કો'ક ફેરો એવાં પ્રાપ્તિ થયેલા પુરુષ એ જાતે આવે, તો એમના નિમિત્તથી બધું જ થઈ જાય છે. એ પુરુષ નિષ્પક્ષપાતી હોય. જૈનોનેય પ્રિય લાગે, વેદાંતીઓનેય પ્રિય લાગે. મુસ્લિમોને, અંગ્રેજોને, આ ફોરેનવાળાનેય પ્રિય લાગે. આ કરવું-ના કરવું એનાં પુણ્યને આધીન છે, પણ એ કહેશે કે આ વાત એક્ઝેક્ટ છે. પચ્ચીસસો વરસથી આ ક્રમિક માર્ગ બંધ થઈ ગયો. શાથી બંધ થઈ જાય ? ત્યારે કહે, મન-વચન-કાયાની એકાત્મવૃતિ હોય ત્યાં સુધી એ માર્ગ ચાલુ રહે. અને મનમાં જુદું હોય, વાણીમાં જુદું બોલે ને વર્તનમાં જુદું કરે એ ક્રમિક માર્ગ ઊડી ગયો. તે આ બધા બહાર ધર્મો ચાલે છેને, તે ક્રમિક માર્ગ ઊડી ગયો ને દુકાનો ચાલુ છે. દીવામાં ઘી નથી અને ત્યાં બેસી રહ્યા છે. હમણાં સળગશે, સળગશે, સળગશે. એટલે ધર્મ પાળતા આટલા દુઃખી થયા એનું કારણ શું ? કે માર્ગ આખો ઊડી ગયો, ખલાસ થઈ ગયો. મન-વચન-કાયાની એકાત્મવૃતિ હોય ત્યાં સુધી ક્રમિકમાર્ગ ચાલે, સ્ટેપ બાય સ્ટેપ. આ તો મનમાં હોય જુદું, વાણીમાં બોલે જુદું અને વર્તનમાં જુદું કરે. વાણીમાં જુદું બોલે એ તો નહીં પણ લખેલું હોય તોયે ફરી જાય, મૂઆ. એવું નહીં ? ફેરફાર દેખાય છે ને લોકોમાં ? તે આપણા ઈન્ડિયનમાં વધારે ફેરફાર હોય. પેલા લોકોને ના હોય, ઓછો હોય ફોરેનર્સમાં. કારણ કે આપણા ઈન્ડિયન આધ્યાત્મિકમાં ફુલ ડેવલપ થયેલા છે. નાની ઉંમરનો છોકરો અક્કલવાળો બહુ હોય કે મોટી ઉંમરનો ? જેમ અક્કલવાળો થાયને તેમ ડેવલપ થતો જાય. એ તો બાળ ઉંમરનાં છે બિચારા, ફોરેનનાં બધાં બાળ-બચ્ચા છે, આ હિન્દુસ્તાનનાં એકલા ડેવલપ પ્રજા છે. જ્યારે વધારે ડેવઅક્રમ મ ાર્ગે જ્ઞાન પ્રપ્તિ સરળ, સુ ગમ, સહજ !થી લાવે ? નાશ કે નવસર્જન ? પ્રશ્નકર્તા : આજે ભારતની આખી સંસ્કૃતિ કેમ ખતમ કરવી એ વેસ્ટર્ન ડીક્ટેશનથી ચાલે છે. દાદાશ્રી : આ સંસ્કૃતિને આ નાશ કરવા ફરે છે ને, તે આપણે જે મકાન તોડવાનું હતું તે જ તે તોડી રહ્યા છે. એટલે આપણે લેબરર્સ નહીં મંગાવવા પડે. હું કે' દા'ડાનો જાણું છું કે આ લેબરર્સ બહારથી આવી રહ્યા છે. હવે નવું બાંધવાનું છે, આ જૂનું મકાન કામ ના લાગે. આ જર્જરીત થઇ ગયેલું મકાન અને જેમાં ને તેમાં ભૂતાં ભરાઇ રહેલાં છે, એવું આ ડિમોલીશ કરો. ત્યારે ડિમોલીશનું ટેન્ડર કાઢવાનું હતું, તે અરસામાં આ લોકો આવી ગયા. એટલે ટેન્ડર કાઢવાનું બંધ રાખ્યું છે. મેં કહ્યું છે કે ટેન્ડર ના કાઢશો આપણે. પૈસા ખરચવા મટ્યા. એની મેળે ઘેર બેઠાં કામ થઈ રહ્યું છે. આ વીતરાગોનો મત એવો છે કે એની મેળે સરળતાથી આગળ ચાલી જાય, એની મેળે સરળ ભાવે, કારણ કે સહજ માર્ગ છે, વિકલ્પી માર્ગ નથી આ. એટલે એ બધું તોડફોડ કરવા દોને, એને કહીએ કે ભઇ, આપણે એમાં પડવાની જરૂર નહીં. આપણે એમને એનકરેજ ના કરીએ કે તમે તોડફાડ કરો. એ પોતે એમ જાણી રહ્યો છે કે હું ઊંધું કરી રહ્યો છું. આપણે છત્તું થવાનું છે, પણ એને તો એમ જ લાગે છે ને આ ઊંધું કરી રહ્યા છીએ, હિન્દુસ્તાનની સંસ્કૃતિ તોડી નાખીએ છીએ. એટલે ઊંધું કર્યાની આપણે એને પ્રરૂપણા કરી કહેવાય, અનુમોદના કરી કહેવાય. એ પોતે એમ માને છે કે હું ઊધું કરી રહ્યો છું ને આપણે એમ કહીએ કે ભાઇ, તું આ કર, એવું આપણે ના કહીએ પણ જે કરી રહ્યા છે એ કરેક્ટ છે. માટે આખી સંસ્કૃતિ તોડફાડ, ફ્રેકચર કરી નાખવા દો. આખું ડિમોલીશન કરવાનું છે. આ તો નવેસરથી જ બિલ્ડીંગ બંધાવાનું છે. બધી કોમના કલ્યાણનો માર્ગ ! પ્રશ્નકર્તા : પણ દાદા, આ કર્મ બાંધ્યું હશે ને પાછું ? આ ઝાડુ મારવાનું કર્મ, લોકોને રીપેર કરવાનું, જગતકલ્યાણ કરવાનું કર્મ બાંધ્યું હશે ને ? દાદાશ્રી : હા, એ કર્મ બાંધેલું જ. પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત ને ? દાદાશ્રી : હા, વ્યવસ્થિત છે બધું પણ ભારે આવ્યું છે એમ કહું છું. છે વ્યવસ્થિત, અમારું જ છે પણ ભારે આવ્યું છે. પણ ઘણાં લોકોનું કલ્યાણ થઈ જવાનું છે. કારણ કે સહજાસહજ કલ્યાણ થાય એવો મોક્ષમાર્ગ આ ફેરો નીકળ્યો છે. પારસીઓ, મુસલમાનો, બધાય ફાવ્યાને ! કોઈ એક કોમ ના ફાવે એવું નથી ને બધાને માફક આવે એવું જ્ઞાન છે. ભગવાનનું જ્ઞાન અઘરું છે નહીં. વીતરાગોનું જ્ઞાન બહુ સરળ છે. મોક્ષ તો બહુ સરળ છે. સરળ છે, સહજ છે, સુગમ છે. ફક્ત પ્રાપ્તિ જ્ઞાની પુરુષ હોય તો થાય, નહીં તો કોઈ દહાડોય મોક્ષ પ્રાપ્ત થાય નહીં. કારણ કે મોક્ષદાતા એવા જ્ઞાની પુરુષ મોક્ષનું દાન આપવા આવેલા હોય ત્યારે થાય, નહીં તો ના થાય. અતિ દુર્લભ થયું અતિ સુલભ ! આખા જગતના તમામ જીવો માટે આ 'જ્ઞાની પુરુષ' એ ઉત્તમ નિમિત્તનો સંયોગ છે. 'તેમ ભવી સહજ ગુણે હોવે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે.' નજીકના મોક્ષે જનારને સહજ રીતે ઉત્તમ નિમિત્ત મળી આવે ! મોક્ષ અતિ સુલભ છે અને મોક્ષદાતાનો સંયોગ ભેગો થવો અતિ અતિ દુર્લભ છે. એની દુર્લભતા અવર્ણનીય છે. બધાંય અવતારમાં ભટકી ભટકીને આવ્યો છે, ક્યાંય સાચું સુખ મળ્યું નથી. ત્યાં અહંકારની ગર્જનાઓ અને વિલાપ જ કર્યા છે. છૂટવાની ઇચ્છા તો છે પણ માર્ગ મળતો નથી. માર્ગ મળવો અતિ અતિ દુર્લભ છે. આ 'જ્ઞાની પુરુષ'નો સંયોગ ભેગો થવો જ મુશ્કેલ છે. બધા જ સંયોગો ભેગા થઈને વીખરાઈ જવાના પણ જ્ઞાની પુરુષના સંયોગથી 'કાયમની ઠંડક' પ્રાપ્ત થાય. હવે તો કામ કાઢી લેવાનું છે. જ્ઞાની પુરુષ પાસે પડ્યા રહેવું છે એવી ભાવનાથી પરાક્રમ ઊભું થાય. પછી ગમે તેવો સંયોગ આવે તો પણ પરાક્રમથી પહોંચી વળાય. માર્ગ સરળ છે, સહેલો છે, સહજ છે પણ તેની પ્રાપ્તિ દુર્લભ છે. 'જ્ઞાની પુરુષ' ભેગા થવા બહુ મુશ્કેલ વસ્તુ છે. ભેગા થાય તો 'જ્ઞાન' મળવું મુશ્કેલ વસ્તુ છે. કેટલાક સાત-સાત વર્ષથી ધક્કા ખાય છે, તોયે 'જ્ઞાન' નથી મળ્યું. કેટલાક ત્રણ વર્ષથી ધક્કા ખાય છે અને 'જ્ઞાન' નથી મળતું ને કેટલાકને એક કલાકમાં મળી ગયેલું. એવું સહુ સહુના સંજોગો જુદી જાતના હોય ને ! મોક્ષની સ્થિતિ અહીં જ ! પ્રશ્નકર્તા : મોક્ષની સ્થિતિ ક્યારે પ્રાપ્ત કરી ગણાય ? દાદાશ્રી : મોક્ષની સ્થિતિ તો (આ જ્ઞાન લીધા પછી) તમે કો'કને ગાળ ભાંડોને, તોય તમો મોક્ષમાં છો અને કો'ક ગાળ ના ભાંડે, તોય મોક્ષમાં નથી, તે શી રીતે સમજાય આ લોકોને ? આત્માની સહજ સ્થિતિ અને દેહની સહજ સ્થિતિ એ જ મોક્ષ. દેહની સહજ સ્થિતિ એટલે તમે કો'કને ધક્કો માર્યોને તોય હું જાણું કે આ છે તે આત્મા નથી કરતો, તમે નથી કરતા. તમને ખબર પડે ને કે તમે કરતાં નથી એવું ? તમારી ઈચ્છા નથી છતાં થાય છે એ જોવાનું, એ દેહની સહજ સ્થિતિ છે. એમાં ડખોડખલ કરવી તેય પાછી સહજ સ્થિતિ ઊડી જાય. પ્રશ્નકર્તા : આત્માની આવી સહજ સ્થિતિ પ્રાપ્ત થયા પછી કેટલો સમય બધાને ટકે ? દાદાશ્રી : કાયમને માટે ટકે. આ તો કાયમનું હોય તો જ મોક્ષ કહેવાય ને ! અહીં જ મોક્ષ થઈ જવો જોઈએ. અહીં પંદરેક હજાર (૧૯૭૫માં) માણસોનો મોક્ષ થઈ ગયેલો છે જ, બીજાં બધા એની તૈયારીમાં છે. કેટલાંકને થઈ ગયો છે, કેટલાંક થતાં જાય છે. પહેલી ચિંતા બંધ થઈ જવી જોઈએ. પ્રશ્નકર્તા : અમારો નંબર લાગશે કે કેમ ? દાદાશ્રી : તમારી ઈચ્છા હશે તો લાગશે, તમારી ઈચ્છા નથી તો નહીં લાગે. અત્યાર સુધી ન હતી તે ના લાગ્યો. જો ઈચ્છા થશે તો લાગશે. આ બધાનો લાગ્યો ને તમારો કેમ ના લાગે ? કારણ કે તમને સમજાયું નહોતું, આ શું છે ? આ વર્લ્ડમાં શી રીતે સમજાય ? આ અલૌકિક વસ્તુ દસ લાખ વર્ષે એક જ વખત પ્રગટ થાય ત્યારે આ હું તો નિમિત્ત બન્યો છું. બધું કામ કાઢી લેવાનું છે. અક્રમ વિજ્ઞાનથી સ્ત્રી-પુરુષો સંસારમાં રહીને મોક્ષ ભોગવે. તમને સંસારમાં બધી જો છૂટ આપીને ! અક્રમ માર્ગની લોટરી વિજેતા... આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે આવો માર્ગ નીકળે છેને ! પ્રત્યક્ષ વગર કાંઈ વળે નહીં. 'વીતરાગોનું વિજ્ઞાન' પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી અને આ તો 'અક્રમ વિજ્ઞાન', એમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેન્ક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ ! આવું જ્ઞાન આ સાડા ત્રણ અબજની (આજે સાત અબજની) વસતીમાં કોને ના જોઈએ ? બધાને જોઈએ. પણ આ જ્ઞાન બધાને માટે ના હોય, એ તો મહા પુણ્યશાળીઓ માટે છે. આ 'અક્રમ જ્ઞાન' ઊભું થયું, એમાં લોકોની કંઈ પુણ્યૈ હશેને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા-ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને, તેમને માટે 'આ' માર્ગ નીકળ્યો છે. આ તો અહીં સહેજાસહેજ આવી પડે, એનો પુણ્યનો પાસપોર્ટ લઈ આવે ને સાચી ભાવનાથી માગણી કરે તેને જ્ઞાન આપી દઈએ. 'દાદા'ની કૃપા મેળવી ગયો તેનું કામ થઈ ગયું ! લોકોને આના માટે કંઈ કહેવા જવાનું નથી હોતું. આ 'દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઈ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં જેને ભાવના થઈ ને 'દાદા'નાં દર્શન કર્યાં તો એ દર્શન ઠેઠને પહોંચે છે. 'દાદા' એ આ દેહના નિકટના પાડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આત્મા પ્રાપ્તિ કરાવનાર દુર્લભ ! એટલે શાસ્ત્રકારોએ લખ્યું છે કે આત્મા સહજ છે, સ્વભાવિક છે, સુગમ છે, સહજ છે એટલે સહેજે પ્રાપ્ત થાય એવી વસ્તુ છે. પણ તે આમ પ્રાપ્ત થવું દુર્લભ છે. જ્ઞાની મળે નહીં અને દા'ડો વળે નહીં. અને જ્ઞાની મળે તો દા'ડો વળી જાય એવું છે. અમે સંસારમાં નથી છતાં સંસારમાં કહેવાઈએ છીએ. અમે બે રૂપે રહીએ અને સંપૂર્ણ વીતરાગ થઈને ફરીએ છીએ. પ્રશ્નકર્તા : પણ ભાગ્યશાળીઓને જોવા મળ્યાં વીતરાગ. દાદાશ્રી : આ જોવા મળ્યાં એ વીતરાગ જોવાના મળે નહીં ને ! પ્રશ્નકર્તા : વર્ણનમાં સાંભળવા ના મળે, જોવા ના મળે. દાદાશ્રી : વર્ણનમાં સાંભળવા નાય મળે, જોવા ના મળે. આપણે જોડે બેસીએ તો થાય હઉ કે આ હોવા જોઈએ ! કેવી મજાની વાત ! નો ડેકોરેશન ! છે ડેકોરેશન કોઈ જાતનું ? ત્યાં તો બેસવાનુંય ડેકોરેશન, પલોઠી વાળીને બેસો. અલ્યા મૂઆ, જંપીને બેસોને. આ બાજુ દુઃખે છે. જંપીને બેસવાય ના દે, પલંગ હોય તોય. એ પાછો એક જણ એવું જ જોયા કરતો હોય. પ્રશ્નકર્તા : હા, કે કોણ બરોબર નથી બેઠું, એનો બધો ઉપયોગ લગભગ એમાં જ હોય. દાદાશ્રી : અને આપણે અહીંયા અમુક આચાર થયા છે પણ ઉપયોગ બધો અહીં. ઊલટા આચાર સહીત આવ્યા બધા. ત્યાં તો ઓર્નામેન્ટલ થયેલું છે. ત્યાં એ મોક્ષમાર્ગ નથી. પણ વીતરાગ માર્ગ તો સહજ હોય. અત્યારે હિન્દુસ્તાનમાં કોઈ પણ માર્ગ એવો નથી કે જે સહજ હોય. કરાંજવાનું ના હોય ત્યાં. એટલે સહજ થાય તો જ મોક્ષે જાય. આનો માર્ગ જ નહોય ને ! આ તો સંસાર માર્ગ છે ડેકોરેટીવ, ડેકોરેશનવાળો ધર્મ. ડેકોરેશન ધર્મ, ઓર્નામેન્ટલ કહેવાય, ત્યાં મૂળ તો ધર્મ જેવી વસ્તુ જ નથી રહી. મુક્ત કરે એનું નામ ધર્મ. કોઈ આપણા ઉપરી ન હોય, એનું નામ યથાર્થ ધર્મ કહેવાય. પેલો ભ્રાંત ધર્મ કે જેમાં અહંકાર સાથે છે. તે અશુભ છોડવાનું ને અહંકારને શુદ્ધ કરવાનો, એ ભ્રાંતિનો ધર્મ અને પેલો યથાર્થ ધર્મ, કોઈ ઉપરી જ ન હોય. ઉપરી શેના માટે હોવો જોઈએ ? શું આપણે બગાડ્યું છે ? કોઈ આપણો ઉપરી હોઈ શકે નહીં. તો ધર્મનો માર્ગ અત્યારે ઓર્નામેન્ટલનો છે. આ વીતરાગ માર્ગ જ ન્હોય ને ! આ તો ગચ્છમત બધા કહેવાય. અને તેથી જ શ્રીમદ્ રાજચંદ્રે સારી વાત કરી છે. 'ગચ્છમતની જે કલ્પના તે નહીં સદ્વ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર.' તું ચાલું છું એ તો બધી કલ્પનાઓ છે. આ તો સ્યાદ્વાદ છે, અનેકાંત છે. આપણે એમનું ખોટુંં નથી કહેતા. એમના માટે બરાબર છે. જેને મોક્ષે જવું છે તેના માટે બરાબર નથી આ. એટલે એમની ભૂલ કાઢશો નહીં, કોઈની. આ ભૂલ કાઢવા માટે નથી કહેતો. અગર તો એમને હાનિ કરવા માટે નથી કહેતો. એ જે રીતે જીવી રહ્યા છે એવી રીતે જીવવા દો. એ કહે કે મારા ધર્મથી મને સંતોષ નથી થતો, તો વાત કરજો. નહીં તો આ વાત કરવી એ ગુનો છે. આ તો અનેકાંત માર્ગ છે, મહાવીર ભગવાનનો. એટલે આ એકાંતે આજ સાચું છે એવું કહેવાય જ નહીં. જેને જે એકાંતમાં આવ્યો હોય, તે એકાંત પ્રત્યે એની દ્ષ્ટિ હોય, તે દ્ષ્ટિમાં જ એને બરાબર હોય. કારણ કે અવલંબન છે એનું. આ પકડે નહીં ને પેલું છોડી દે, તો માર્યો જાય. બાકી છે બધું ઓર્નામેન્ટલ. આ કેવું હોય ? સહજ હોય, કાયદો ના હોય, આમ ન હોય, કે આમ કેમ બેઠા ને આમ કેમ ? એવું અહીં નહીં. અહીં તો સહજ થવા દો ને ! શું કરવા પલોઠીઓ વળાય વળાય કરો છો ? હું તો એક જગ્યાએ ધર્મમાં ગયો'તો એક ફેરો, મારો તો પગ દુઃખતો'તો, જરા મારા હાથ પગ આમ ઊંચા કરું, તો મને પેલા લોકો કહે છે, 'એય ફરી આવું નહીં કરવાનું.' મારા મનમાં નક્કી કર્યું, મેં કહ્યું, 'અહીં ફરી નહીં આવું.' જયાં સહજ નથી, પોલીસવાળા છે, તે ત્યાં આગળ મોક્ષમાર્ગ કેમ હોઈ શકે ? સહજ માર્ગ ઉપર પોલીસ ગેટ હોય નહીં અને ત્યારે પેલું ટીક ટીક કરે, તે ટાઈમકિપરેય ના હોય. પ્રશ્નકર્તા : દાદા, સહજ માર્ગ ઉપર અભિનિવેશ ન થઈ જાય ને ? દાદાશ્રી : અભિનિવેશ નહીં એનું નામ જ સહજ, બીજું આખું જગત અભિનિવેશમાં જ પડ્યું છે. એટલે દ્ષ્ટિરાગ કે 'આ જ બરોબર', આ એકાંતિક થઈ ગયેલા છે. અનેકાંતને સમજવું જોઈએ. અનેકાંત સમજીને એકાંતમાં રહેવાની જરૂર છે. એકાંતમાં રહેવુંય પડે, જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય, ત્યાં સુધી કોઈપણ એકાંતમાં હોઈ શકે. પણ સહજતા એનો છેલ્લામાં છેલ્લો માર્ગ. સહજતા એટલે ઈઝી, ઈઝીનેસ રીતે રહે. એક જણ મને કહે છે, મારે ત્યાં ખુરશીઓ લઈ આવ્યો. ઈઝીચેર લાવ્યો છું. જે દા'ડાના ઈઝીચેર પર બેઠા, તે અનઈઝી દેખાતા'તા, બળ્યાં. આ ઈઝીચેરનેય વગોવી તમે તો ! ચેર ઈઝી બની પણ ભઈ ઈઝી ના બની શક્યા ! આને ધર્મ કેમ કહેવાય ? આ તો ઈગોઈઝમ છે ખાલી. ધર્મના નામનો ઈગોઈઝમ છે ખાલી. ધર્મ તો કેવો હોય ? સુગંધી આવે. એક અગરબત્તીને અહીં આગળ સળગાવો જોઈએ, ત્યારે એ રૂમમાં સાધારણ સુગંધ ફેલાવે છે. માણસની સો-સો માઈલ આગળ આમ સુગંધી આવવી જોઈએ. આ તો ઘરમાં પૂછયું હોય ત્યારે કહેશે, 'જવા દો ને વાત. બહુ કરશો નહીં.' ઘરમાં સુગંધ ના જોઈએ ? ત્યાર પછી કેમ આ ? પાડોશમાં જ પાડોશીને સુગંધ ના આવવી જોઈએ ને ? આદર્શ જીવન ના જોઈએ ? જીવન કેવું હોવું જોઈએ ? આદર્શ હોવું જોઈએ. આને જીવન કેમ કહેવાય ? આદર્શ થવું જોઈએ. આ વિજ્ઞાન જ સહજ બનાવે ! પ્રશ્નકર્તા : દાદા, પહેલાં બધામાં એવું વાંચવામાં આવેલું કે તમે સહજ થાઓ, સહજ થાઓ પણ સહજ થવું કેવી રીતે ? દાદાશ્રી : આ અસહજ ક્રિયાઓ કરે છે અને સહજ થવા ફરે છે એ ક્યારેય ના બને. આ અક્રમ વિજ્ઞાન જ માણસને સહજ કરે છે. જે બુદ્ધિને પણ ગાંઠતું નથી એ વિજ્ઞાન, એ સહજ જ કરે છે માણસને. પ્રશ્નકર્તા : સહજભાવે જ આ... દાદાશ્રી : માર્ગ જ આપણો બિલકુલ સહજ. પૂર્ણ વિજ્ઞાન છે આ ! પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન જે છે તે સહજ યોગથી કંઇ ફેર ખરો ? દાદાશ્રી : સહજ યોગ જ છે આ. સહજ યોગ એટલે અસહજ નહીં. આ બધું જગત તો કલ્પિત છે અને આ સહજ છે. અક્રમ વિજ્ઞાન એ પૂર્ણ વિજ્ઞાન છે. આ પૂર્ણ વિજ્ઞાન એટલે અધૂરું હોય ત્યાં સુધી અસહજ. પૂર્ણ થયું એટલે સહજ થઇ ગયું. પ્રશ્નકર્તા : હું એમ માનું છું કે આ જે અક્રમ વિજ્ઞાન છે એટલે જે પેલું રેગ્યુલર જે યોગ છે, યમ-નિયમ-આસન-ધારણા-ધ્યાન-સમાધિ એની કોઇ જરૂર પડતી નથી ? દાદાશ્રી : એની જરૂર જ નહીંને ! અષ્ટાંગયોગ પૂર્ણાહુતિ થાય ત્યારે આ પદ પ્રાપ્ત થાય. એ પૂર્ણાહુતિ થાય તો જ સહજ થાય ને નહીં તો સહજ થાય નહીંને ! અષ્ટાંગયોગ એ ધોરી રસ્તો છે અને આ કોઇ ફેરો અપવાદ રસ્તો છે. કો'ક વખત આ ઉત્પન્ન થાય. બાકી મૂળ ધોરી રસ્તો પેલો છે. આ માર્ગ કાયમ રહેતો નથી. અપવાદમાં જેટલાને દિશા મળી ગઇ, એટલાનું કામ થઇ ગયું. જે તરણતારણ થયેલા હોય તે તારે. જે મોક્ષનું દાન આપતા હોય તે, બાકી બીજા કોઇ મોક્ષનું દાન આપી શકે નહીં. એટલે એમની જોડે બેસીને એમના જેવા થઇ જવાનું છે. જ્ઞાની પુરુષ પાસે બેસે ત્યારે એને મોક્ષ શું છે એવું સમજાય. વાતાવરણ એટલું બધું ઊંચું હોય કે મોક્ષ શું છે એ વાતાવરણ ખબર પડી જાય. જેમ અહીં આગળ નજીકમાં બરફ પડેલો હોય તો નજીક બેઠા હોઈએ તો પવન અડીને આવે ને ઠંડું લાગે તો આપણે સમજી જઇએ કે આટલામાં બરફ હોવો જોઇએ. એવું જ્ઞાની પુરુષનું વાતાવરણ મોક્ષનો અનુભવ કરાવે. જગત વિસ્મૃત રહે. જગત વિસ્મૃત થયું ત્યારથી જ મોક્ષનો અનુભવ થવા માંડ્યો. નહીં તો જગત વિસ્મૃત થાય એવો કોઇ રસ્તો નથી. હા, બીજો રસ્તો છે. નીચે ઉતરી જનારને રસ્તો મળી આવે. તે ઘડીયે બે બહારવટિયાની વાતો વાંચે તે ઘડીએ વિસ્મૃત થઇ જાય બધું. પણ તે નીચે ઉતરવાનો રસ્તો, ચઢવાનો નહીં. જગત ભૂલાય એને સમાધિ કહેવાય. અને સમાધિ કરવા માટે લોકોએ યોગમાર્ગ પકડ્યો. આમ પકડ્યું તે બધું હેન્ડલ મારી ને પંખા ફેરવવા એના જેવી વાત. ભગવાનને ત્યાં તો એલાઉડ નહીં ને ભગવાનને ત્યાં તો સાહજિક હોય, બીજા નોટ એલાઉડ. ખાતા-પીતાં, ઊઠતાં-બેસતાં સમાધિ ના જાય એ સમાધિ. ક્રમિક માર્ગે આત્મા પ્રાપ્તિ મુશ્કેલ ! આત્માનું લક્ષ ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે ખ્યાલ આવે. તે લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોય ને ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોય ને, એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે, આવો છે... તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય. એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય. એની મેળે પ્રાપ્ત થાય અને પ્રયત્ન કરવો પડે એનું નામ અનુભવ નહીં. પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે. આપણે કહીએ તમને આત્મા પ્રાપ્ત થયો છે ? ત્યારે 'હજુ બરોબર નહીં' એવું કહે. કારણ કે બરોબર કહે, તો પેલો કંઈક પૂછે તો જવાબ દેતા આવડે નહીં કશું. શું કરે તો ફલાણું ગુંઠાણું થાય, ફલાણું થાય ? ફલાણું ગુઠાણું કેવું હોય ? એ બધું પૂછવા જાય તો એને આવડે નહીં. આત્માનુભવી જ્ઞાની ! આત્માનો અનુભવ જેને સંપૂર્ણ થયો છે એ 'જ્ઞાની પુરુષ' કહેવાય. એ આખા બ્રહ્માંડનું વર્ણન આપી શકે. બધા જ જવાબો આપી શકે. ગમે તેનું પૂછે, ખુદાનું પૂછે, ક્રાઈસ્ટનું પૂછે, કૃષ્ણનું પૂછે કે મહાવીરનું પૂછે તોય 'જ્ઞાની' તેનાં જવાબ આપી શકે. આ 'અક્રમ વિજ્ઞાન' થકી તમને પણ આત્માનુભવ જ પ્રાપ્ત થયો છે. પણ તે તમને સહજ પ્રાપ્ત થયેલો છે. તેથી તમને પોતાને લાભ થાય, પ્રગતિ મંડાય. 'જ્ઞાની'ના પરિચયમાં વિશેષ વિશેષ રહીને સમજી લેવાનું છે. કરવાનું કશુંય નથી. ક્રમિક માર્ગમાં તો કેટલો બધો પ્રયત્ન કરે ત્યારે આત્માનો ખ્યાલ આવે, તેય ઝાંખો ઝાંખો અને લક્ષ તો બેસે જ નહીં. એમને લક્ષમાં રાખવું પડે કે આત્મા આવો છે અને તમને અક્રમ માર્ગમાં તો સીધો આત્માનુભવ જ થાય છે. સહજ થયે છકે નહીં ! પ્રશ્નકર્તા : 'હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન છે ? દાદાશ્રી : ના. એ જ્ઞાન તો વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તો આ શબ્દમાં લખેલું છે એને જ્ઞાન કહેવાય. જે કરવું પડે એનું નામ જ્ઞાન અને કરવું ના પડે, એની મેળે સહજ થયા કરે એ વિજ્ઞાન. 'આત્મજ્ઞાન સરળ-સીધું સહજ થયે છકે નહીં !' આત્મજ્ઞાન સહજ થયું હોય તો એને છાક ના ચઢે એટલે કેફ ના ચઢે. પણ કેફ કરતાંયે છકે શબ્દ બહુ કઠણ છે. જ્ઞાનક્રિયા : અજ્ઞાનક્રિયા પ્રશ્નકર્તા : આ જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે તો એ ક્રિયા કઈ ? દાદાશ્રી : જ્ઞાન, આપણને પ્રાપ્ત થયું ત્યાર પછી જે ક્રિયા છે, જે કર્મ-અકર્મ જુએ છે તે જ્ઞાનક્રિયા છે. જે ક્રિયાનું બીજ ના પડે તે જ્ઞાનક્રિયા. એ સહજ હોય. બીજ ના હોય. અહીં કેરીઓ ખાધી ને ગોટલા ફેંકી દીધા તે અજ્ઞાનક્રિયા કહેવાય. સરકારે એમ કહ્યું હોય કે કેરીઓ ખાજો પણ આંબા રોપશો નહીં, નહીં તો ગુનો ગણાશે. પણ આ ખબર નથી એટલે કેરીઓ ખાઈને ગોટલા ફેક્યાં, એ આંબો રોપતો નથી પણ છતાંય આ કેરીઓ ઊગી. હવે અહીં જ્ઞાનક્રિયા કઈ ? ત્યારે કહે, પોતે ગોટલાને શેકી નાખે ને ફેંકે તે જ્ઞાનક્રિયા ! ત્યાગાત્યાગથી પર સહજ ! ગ્રહણ-ત્યાગથી સંસાર ઊભો રહ્યો છે ને ! બાકી મોક્ષ તો સહજતાથી છે. ત્યાગેય નહીં, ગ્રહણે નહીં. જ્યાં ગ્રહણ-ત્યાગ કંઈ છે જ નહીં, ત્યાં મોક્ષ છે. તમે ડુંગળીનો ત્યાગ કરો એટલે ડુંગળી તમે દેખો તો તમને તિરસ્કાર આવે, ગમે નહીં. એવું જાણો છો તમે ? એટલે ડુંગળી પર દ્વેષ નહોતો, તે ડુંગળી પર દ્વેષ ઊભો થયો. તે આવા બટાકા પર દ્વેષ, ડુંગળી પર દ્વેષ કર્યા છે. તારે ના ખાવા હોય તો ના ખાઈશ પણ આ દ્વેષ શું કરવા ? ભાવથી છોડી દેને ! અહીં બધું પૂછવાનો અધિકાર ! પ્રશ્નકર્તા : હું બહુ સહજ સ્વભાવે બોલું છું અને તમારી પાસે એટલો બધો ઓપન થઈ ગયો છું. દાદાશ્રી : અહીં સહજ થવાય, એને અપમાન ન કહેવાય. અહીં તમને દરેક વસ્તુ પૂછવાનો અધિકાર હોય. ખુલાસા થાય તો આ જ્ઞાન પચે, નહીં તો પચે નહીં. કારણ કે બધું અજીર્ણ થાય એનું તો. એટલે આ બધાં ખુલાસા થવા જોઈએ. હું તો લોકોને એમેય કહું છું કે તમારે મને ગાળો બોલવાની છૂટ, મારે તને ભંડાય નહીં. મારે વિવેકમાં રહેવું જોઈએ. વાડાબંધી તો વિભાવિકતા ! પ્રશ્નકર્તા : તો શુદ્ધાત્માનું જે જ્ઞાન આપની પાસેથી લઈએ, તે એક મંડળ કે વાડો નથી થતો ? દાદાશ્રી : ના, આને વાડો હોય જ નહીં ને ! જ્યાં વિભાવિકતા હોય ત્યાં વાડો હોય. સ્વાભાવિકતા હોય ત્યાં સહજતા ઉત્પન્ન થાય, ત્યાં વાડો હોય જ નહીં ને ! કારણ કે એ ઝાડ-પાન, ગાય-ભેંસ, બધા જીવમાં શુદ્ધાત્માના દર્શન કરે, પછી એમાં જુદાઈ, વાડો જ ક્યાં રહ્યો ? 'એવરીવ્હેર' બધે ભગવાન દેખાય એને ! અક્રમમાં ઉદાસીનતાની નહીં જરૂર ! પ્રશ્નકર્તા : સ્વરૂપજ્ઞાન થયા પછી સંસારમાં ઉદાસીનતા જ રહેને ! પછી તો ક્યાંય રસ ના આવેને, અનુભવ થયા પછી ? દાદાશ્રી : ઉદાસીનતાની જરૂર જ નથી. ઉદાસીનતાનો માર્ગ જ ન્હોય આ. આ તો નિકાલ કરવાનો માર્ગ. કેરી ઘોળીને રસ લાવતા હોયને, તો આપણે કહીએ, 'જુઓ, મહીં રસમાં ફલાણા મસાલા-બસાલા નાખજો, હં.' અને પછી ખા. આ એવું નહીં કે થાળી સારી આવી તો લોકોને આપી દેવાની. આ તો ભોગવતાં ભોગવતાં જવાનું. આ એવું ઉદાસીનતા લાવવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : ઉદાસીનતા લાવવાની નહીં, સહજ ઉદાસીનતા થાય. દાદાશ્રી : પણ સહજ ઉદાસીનતાની જરૂર જ નથી, આ લાઈનમાં. આ તો અમારી આજ્ઞા પાળીને સમભાવે નિકાલ કરો. કેરી આવે તો કેરી ખાવ, જે આવે એ ખાવ બધું. વિચાર નહીં, થાળીમાં જે આવે એ ખાવ. ઉદાસીનતા થઈ જાયને, એ તો આ વૈરાગ માર્ગમાં. વૈરાગથી ઉદાસીનપણું આવે. આમાં વીતરાગપણું આવે. આપણે અહીં ઉદાસીનપણું બિલકુલેય ના હોય, સીધી વીતરાગતા જ. આ વેઢમી-લાડવાં બધું જ ખાવાની છૂટ આપી, તેનું કારણ શું ? નહીં તો, ના કહી દેત કે ભાઈ, આવું બધું ખાવાનું નહીં. જે આવે એ બધું ખાવ, અમે એ જ્ઞાનથી જોયેલું છે કે વોટ ઇઝ ડિસ્ચાર્જ એન્ડ વોટ ઇઝ ચાર્જ. એ અમે ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કહેલું છે. અમે તમને ડિસ્ચાર્જમાં આઘુંપાછું કરો, એવું કશું કહેતા નથી. જગત આખુંય ડિસ્ચાર્જને ચાર્જ સમજે છે. એટલે જગતને ઉદાસીન થવાની જરૂર છે. અક્રમ માર્ગે સહજ લક્ષ આત્માનું ! તમને આ જે 'જ્ઞાન' થયું ને, તેમાં શાસ્ત્રનાં બધાંય વાક્યો મહીં આવી જાય છે. શાસ્ત્રમાં જેટલુંુ કહ્યું છે એટલું કરેક્ટ છે. તેથી આગળ બાકી રહ્યું એનંું નામ અક્રમ વિજ્ઞાન ! શાસ્ત્રમાં આત્મા અને એ બધું લખે પણ બધા ગુણ ના આવે. આ અમે બધા જ ગુણો બહાર પાડીએ છીએ. તો આત્મા પ્રાપ્ત થાય, નહીં તો આત્મા પ્રાપ્ત ના થાય. ક્રમિક માર્ગમાં જેટલા ગુણો પ્રાપ્ત થાય એટલા અંશે આત્મા પ્રાપ્ત થાય પણ લક્ષ ના બેસે. લક્ષ એટલે કયું ? કે એમને પેલું યાદગીરીનું લક્ષ બેસે અને આપણું આ સહજ લક્ષ કહેવાય. રાતે જાગો તો સામું આવે, યાદ કરવું ના પડે. એ તો યાદ રહ્યા જ કરે અને જે યાદ કરવું પડે તે પુદ્ગલ કહેવાય. આમાં આત્મા યાદ કરવાનો ના હોય. આત્મા પોતાનું સ્વરૂપ જો જોઈન્ટ થઈ ગયું, પછી યાદ શેનો કરવો પડે ? વિચાર કરવો પડે, યાદ કરવું પડે એ બધુંય પુદ્ગલ. ક્રમિક માર્ગમાં વિચારણાનું ફળ આત્માની સહજ સ્થિતિ થવી તે. અને આમાં આ વ્યવસ્થિત સમજાયાનું ફળ. આમાં વિચારણા શબ્દ જ ના હોયને. વિચાર માત્ર જ્ઞેય છે. અક્રમ તે પૂર્ણ ભેદ વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : ભેદ વિજ્ઞાનને અક્રમ વિજ્ઞાન કહી શકાય ખરું ? દાદાશ્રી : હા, ભેદ વિજ્ઞાન ને અક્રમ વિજ્ઞાન એક જ છે. પણ આ અક્રમ વિજ્ઞાનનું ભેદ વિજ્ઞાન એ ફુલ સ્ટોપ છે, જ્યારે ક્રમિકનું ભેદ વિજ્ઞાન કોમા છે. એટલે આને પછી કશું કરવાનું નથી હોતું. કશું કરવાનું નહીં એનું નામ અક્રમ વિજ્ઞાન. કરવાનું નહીં ત્યારે શું થાય ? ત્યારે કહે, સહજ સ્વરૂપે થયા કરવું નિરંતર. પ્રશ્નકર્તા : સહજ સ્વરૂપને જરા વિસ્તારથી કહોને ? દાદાશ્રી : અત્યારે આપણે અસહજ થયેલા છીએ. એટલે વિકલ્પી થઈ ગયેલા છીએ. પ્રશ્નકર્તા : પણ વિકલ્પીને અન્નેચરલ કહી શકાય ? સહજ થવું એટલે તો નેચરલ ! દાદાશ્રી : નેચરલને અન્નેચરલ કેમ કરીને કહી શકાય ? વિકલ્પી ને નિર્વિકલ્પ બંને નેચરલ છે. પ્રશ્નકર્તા : બન્ને નેચરલ છે ? એટલે થોડું જરા એને સમજાવો. દાદાશ્રી : નેચર એટલે શું ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. ટુ એચ ને ઓ ભેગું થાય ને પાણી પડે એનું નામ નેચર કહેવાય. એમ આ એવિડન્સ ભેગા થાય એટલે એ નેચર કહેવાય. તે અમુક જાતના એવિડન્સ ભેગા થાય ત્યારે સહજ થાય નહીંતર વિકલ્પી થાય. એટલે આ સહજની ક્રિયા છે અહીં આગળ. મોક્ષમાર્ગ સહજ છે, સુગમ છે, સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કારણ કે મોક્ષમાર્ગના દાતા મોક્ષદાતા પુરુષ કો'ક કાળે હોય છે અને મોક્ષદાતા પુરુષનામાં વિશેષ-વિશેષ શું હોય ? ત્યારે કહે, એમનામાં એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય. એક સેન્ટ પણ બુદ્ધિ હોય ત્યાં સુધી એ જ્ઞાન કહેવાય જ નહીં. અપ્રયત્નતા, સુખ માટે પણ ! પ્રશ્નકર્તા : એટલે આ કોઈ શોર્ટકટ (ટૂંકો રસ્તો) છે ? દાદાશ્રી : બિલકુલ ડિરેક્ટ રસ્તો, બિલકુલ શોર્ટકટ ! પ્રશ્નકર્તા : પણ આનો અંતિમ ધ્યેય શું છે ? દાદાશ્રી : સનાતન સુખ પ્રાપ્ત કરવાનું, સ્વતંત્ર થવાનું, નિરાલંબ થવાનું ! પ્રશ્નકર્તા : સનાતન સુખમાં શું હોય ? એની વ્યાખ્યા શું છે ? દાદાશ્રી : જે સુખને માટે આપણે કોઈ પ્રયત્ન આપણે ના કરવો પડે, કોઈપણ જગ્યાએ સહજ રીતે પ્રાપ્ત થયા કરે ! નિરંતર રહ્યા કરે, દુઃખ જોવામાં જ ના આવે, એનું નામ સનાતન સુખ ! પ્રગટે આત્મઐશ્વર્ય, સહજપણામાંથી ! સહજ એટલે શું ? પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એના જેવું. પાણી પાછું આમ ચાલ્યું જાય તો એમ ચાલ્યું જાય, પોતાપણું નહીં. પોતે પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એવું. સહજ એટલે શું ? એક મિનિટ પણ સહજ થયો એટલે એ ભગવાન પદમાં આવ્યો. જગતમાં કોઈ સહજ થઈ શકે નહીંને ! એક મિનિટ પણ ના થઈ શકે. સહજ તો આ અક્રમ વિજ્ઞાનથી તમે થયા છો ! નહીં તો આ વકીલાત કરતાં કરતાં સહજ થવાતું હશે ? વકીલ તે સહજ થતા હશે ? પાછા કેસ લઈને બેસેને ? પણ જો સહજ થવાયું ને ! એય અજાયબી છેને ! આ મોટામાં મોટા ચમત્કાર કહેવાય. છતાંય આપણે કહીએ કે ચમત્કાર જેવી વસ્તુ નથી. સમજણ નહીં પડવાથી લોકો કહે કે ચમત્કાર છે. બાકી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધા ! અત્યારે તો આ વિજ્ઞાન જે તમને આપ્યું છે, તે તમને હવે નિરંતર સહજ જ કરી રહ્યું છે. અને સહજ થઈ ગયું એટલે મારા જેવા થઈ ગયા. મારા જેવા થઈ ગયા એટલે બ્રહ્માંડના ઉપરી કહેવાય. દાદા ભગવાનને બ્રહ્માંડના ઉપરી કહેવાય. એનું શું કારણ કે આ દેહના માલિક નહીં. એટલે આ દેહનો માલિક કોણ ? ત્યારે કહે કે આ પબ્લિક ટ્રસ્ટ. પ્રશ્નકર્તા : દાદા, આપે બધાને થોડું થોડું દરેકની શક્તિ પ્રમાણે આત્માનું ઐશ્વર્ય બતાવી દીધું. દાદાશ્રી : કેવડું મોટું ઐશ્વર્ય બતાવ્યું ! જુઓને, મોઢા પર કેવો આનંદ છે, નહીં તો દિવેલ ચોપડેલું હોય ! સહજ થયેલાનું એક જ વાક્ય બહુ હિતકારી હોય લોકોને ! સહજ થયેલો જ નહીં ને ! સહજતાનો ઉપાય આપણે ત્યાં છે આ. હવે જેટલો ડાહ્યો થાય, પાંસરો થાય એટલો. પાંસરો થઈ ગયો કે, સહજ થઈ ગયો. અમે અમેરિકા ગયેલા, તે પોટલાની પેઠ ગયેલા ને પોટલાની પેઠ આવેલા. આ અમેરિકામાં બધે ગયેલા, ત્યાંય એવું ને બધે એવું. અમારું કશું નહીં. 'વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત !' એના જેવું. પ્રશ્નકર્તા : આત્માનું જે ઐશ્વર્ય છે, તે સહજપણામાંથી પ્રગટ થતું હશે ? દાદાશ્રી : સહજમાંથી જ, જેટલો સહજ થાય એટલું ઐશ્વર્ય પ્રગટ થાય. હવે સહજ તો ફોરેનવાળાય રહે. આપણાં બાળકોય સહજ છે, પણ એ અજ્ઞાન સહજતા. એટલે આ જ્ઞાનપૂર્વકની સહજતા હોય તો થાય. પ્રશ્નકર્તા : આ લૌકિક ઐશ્વર્ય હોય છે તો એનો મોડો-વહેલોય થાક લાગે છે. દાદાશ્રી : નર્યો થાક જ લાગે. એ ઐશ્વર્યનો થાક જ લાગે. મારી પાસે આટલા વીઘા જમીન છે, મારે આટલા બંગલા, બધું વજન માથા પર પડે. જેટલું 'મારું' બોલેને એટલું માથા પર પડે. હા, બોલ્યા પછી શું થાય ? માથે પડ્યા પછી, ગભરામણ થાય એને, પછી છોડતાં આવડે નહીંને ! 'ન્હોય મારું' બોલે એટલે છૂટી જાય પણ એ આવડે નહીંને ! ઓર જાતનો આનંદ ક્યારે રહેશે ? પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં તો બોલવું પડેને, 'મારું છે' એમ ? દાદાશ્રી : હા, બોલવું પણ વ્યવહારથી બોલવું એટલે તો, નાટકના જેવો બોલ હોવો જોઈએ. પ્રશ્નકર્તા : એટલે અંદર એને સ્પષ્ટ હોવું જોઈએ કે આ મારું ન્હોય ? દાદાશ્રી : ના, એને તો, નાટકમાં તો એને પોતાને એમ ખબર પડે કે હું તો ચંદુલાલ છું અને આ ભર્તૃહરિનું નાટક મારે ભજવવાનું છે. એને સ્પષ્ટ હોય, એ પોતે ઊતરેલો છે એટલે અને એનું રીહર્સલેય કરેલું છે. અને આમને તો આ ઉતરેલું નથી, રીહર્સલે કરેલું નહીંને ? રીહર્સલ કરેલું હોય તે આમનેય રહે. પ્રશ્નકર્તા : ક્રમિકની અંદર ઘણી મહેનત કરવા છતાં આનંદ નહોતો અને આની અંદર આનંદ સહજમાં રહે છે. એટલે કેટલીક વખત એવો પીરીયડ આવે ત્યારે એમ લાગે છે કે આ જે આનંદ જે રહે છે આવો, સહજ રહે છે, તો 'કશું નહીં કરવાનું' ? આપે જે કીધેલું છે કે 'આપણે કશું નથી કરતા' એ કેવું ? દાદાશ્રી : હજુ તો 'કશું નથી કરતા' એ ભાન છે એટલે થોડો આનંદ ઓછો થાય છે. જ્યારે સહજ થશે, ત્યારે આખો દહાડો આનંદ ઓર જ જાતનો થશે ! 'કશું કરતા હતા' તે ભાન હતું, તે પછી હવે 'નથી કરતા' એનું ભાન છે. પણ 'મૂળ વસ્તુ' બેથી પર છે. અહમ્કારનો ફૂલસ્ટોપ, તે અક્રમ ! ''આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોષાય યા ના પણ પોષાય છતા હું કંઈ જ કરતો નથી. એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ 'કેવળ દર્શન' છે.'' (આપ્તસૂત્ર-૩૭૭૬) આ વાક્ય તમે તમારા થર્મોમીટરથી જોઈ લો, એવું અમે સ્ટ્રોંગલી કહીએ છીએ. બીજી જોખમદારી અમારી છે, એમ કહીએ છીએ. આ વાક્યની પાછળ જોખમદારી અમારી છે. કેવળદર્શનની બહુ મોટી વ્યાખ્યા છે આ. મામાની પોળમાં એક દિવસ નાહીને બહાર નીકળ્યા ને તરત જ નીકળેલું આ વાક્ય. આ વાક્ય બનાવેલું નથી. પ્રશ્નકર્તા : સહજ નીકળેલું છે. દાદાશ્રી : સહજ નીકળેલું છે. આપણું આ આખું વિજ્ઞાન જ સહજ રીતે નીકળેલું છે, બધું સહજ. પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન છે, એમ ક્રમ વિજ્ઞાન પણ કંઈ હશે કે નહીં ? દાદાશ્રી : ક્રમિક વિજ્ઞાન છે ને ! ક્રમિક સ્ટેપ બાય સ્ટેપ છે. અક્રમ એટલે શું ? પૂર્ણવિરામ. અને ક્રમિક એટલે અલ્પવિરામ. એમાં ગમે તેટલું આગળ વધ્યા તોય પાછું અલ્પવિરામ જ કરવું પડે. અને આ પૂર્ણવિરામ કરવું પડે. પ્રશ્નકર્તા : તો આ અક્રમમાં પૂર્ણવિરામ પર સીધું જવાય ? દાદાશ્રી : પૂર્ણવિરામનો જ માલ આ. પેલું અલ્પવિરામનું બધું. તેમાં અલ્પવિરામ એક-બે નહીં, કરોડો કહેતાય સારું છે, કરોડો તો ગણાય પણ આ તો અસંખ્યાત હોય. પ્રશ્નકર્તા : ક્રમિક વિજ્ઞાનમાં માનો કે ૧૦૦૧મા પગથીયેથી પણ આત્મા પાછો પડે છે, જ્યારે અક્રમ વિજ્ઞાનમાં લિફટમાં બેઠાં પછી એને પાછા પડવાનો કંઈ એવો ભય નથી ને ? દાદાશ્રી : ત્યાં ચઢવાનું, આ ચઢવાની ચીજ જ ન્હોય. આ તો લિફટમાં બેસી જવાની ચીજ છે. આ તો લિફટમાં બેસવાનો માર્ગ, સમજવાનું જ, બસ. પ્રશ્નકર્તા : પણ અહીં પડવાનો સંભવ ખરો કે નહીં ? દાદાશ્રી : પડવાનો સંભવ નહીં. જેને પડવાની ઇચ્છા હોય તે પડે. ઇચ્છા થાય તો પડે. પ્રશ્નકર્તા : આ ફિઝીકલ લિફટ જે હોય છે, તે ક્યાંક કરંટ બંધ થઈ જાય કે બગડી જાય તો ઊભી રહી જાય ક્યાંક.... દાદાશ્રી : ના, આ કરંટ બંધ થઈ જાય નહીં ને ! આ તો અહીં કહે છે, હાથ-બાથ બહાર કાઢશો નહીં. એટલુંુ જ. અહીંથી પડ્યા લિફટમાંથી, એટલે એક હાડકાનો ટૂકડો નહીં જડે એટલી બધી હાઈટ ઉપર ગયા છો. પાંચ આજ્ઞા પાળે તો જાણવું કે લિફટ ચાલુ છે. પાંચ આજ્ઞાને વાંચવી પડતી જ નથી. અમારું વચનબળ જ એવું છે કે એ લક્ષમાં રહે જ. એ વાંચવા-કરવાની જરૂર નહીં. અક્રમ એ પૂર્ણવિરામ, એટલે કમ્પ્લીટ માલ. તમારે કશું કરવું ના પડે. એક ફેરો આજ્ઞામાં રહ્યા ત્યારથી જ પછી અક્રમ તમારે શરૂ થઈ ગયો. આ બધા એક મિનિટેય આજ્ઞાની બહાર ના હોય. આ તમારો એકુંય ભાઈ આજ્ઞાની બહાર ના હોય. પેલા ભાઈ જરા કાચા પડી જાય, પેલા ત્યાં વાળા. એ જરા આજ્ઞાની બહાર હોય. કારણ કે એક્ઝેક્ટનેસ સમજાય નહીં ને ! આ આમની માફક ખેંચી લાવીને પરાણે પાઈ દીધેલું. એટલે એમાં કશું ભલીવાર ના આવે. આમને ઊઠાવી લાવીને પાઈ દીધેલું, એમનાં ભઈ ઊઠાવી લાવ્યા'તા. એ રોગો કાઢવાની કળા ! આ અક્રમ વિજ્ઞાનમાં લૉ જ નથી, આ થબોકા પાડવાનો (જોરથી તાળી પાડવાનો). આ તો થબોકા નહીં પાડવાનું, એટિકેટ જેને છે, તેનો રોગ કાઢવા માટે છે. પ્રશ્નકર્તા : પણ દાદા, પછી બહુ સહજપણે બોલાય. હવે તો થાય છે. હવે તો ચેન નથી પડતું. દાદાશ્રી : એ એટિકેટનો રોગ કાઢવા માટે છે આ. એટિકેટ ગયા સિવાય કોઈ દહાડો ધર્મ પરિણામ ના પામે. જે એટિકેટની બહાર રહે છે ત્યાં આગળ ધર્મ પરિણામ પામે. એટલે આય એવું કહેતા'તા, અહીં થબોકા પાડવાનું ? ત્યારે મેં કહ્યું, રોગ કાઢવા માટે છે આ. પોતાની બુદ્ધિથી કોઈપણ માણસ એટિકેટ શીખ્યો નથી. બુદ્ધિ હોય જ નહીં ને ! આ તો એટિકેટ તો બધી નકલો કરેલી. તે આ રોગ પેસી ગયેલો. તે આ રોગ કાઢવા માટે મેં આ કરેલું (થબોકા પાડવાનું). પ્રશ્નકર્તા : એ દાદા, બરોબર છે. અમે ટાઈ પહેરીએ છીએ એ સમજીને કોઈ દહાડો ટાઈ પહેરતા નથી. બધા પહેરે છે, માટે અમે પહેરીએ છીએ. દાદાશ્રી : બધું જોઈને જ આ એટિકેટ શીખ્યા છે. આ હિન્દુસ્તાનમાં બધુંં એટિકેટ શીખ્યા છે ને, અને જ્યાં સુધી એટિકેટ છે ત્યાં સુધી ધર્મ જેવી વસ્તુ જ નથી. જ્યાં કંઈ પણ એટિકેટ છે ત્યાં ધર્મ જેવી વસ્તુ નથી. જ્યાં સહજતા છે ત્યાં ધર્મ છે. બધાનાં મનવશ વર્તે, જ્ઞાનીને ! પ્રશ્નકર્તા : દાદા, આટલાં બધાં માણસોને દાદા જોડે અભેદતા રહે, એ કેવી રીતે આ થતું હશે ? દાદાશ્રી : એ જ અજાયબી છે ને ! અને લગભગ પચ્ચીસ હજાર માણસ અભેદતા રાખે છે. આ પચ્ચીસ હજાર માણસો છે, પણ બધાંય માણસોનાં સંપૂર્ણ મન વશ વર્તતા નથી. ત્રણ-ચાર હજાર માણસનાં સંપૂર્ણ મન વશ વર્તે છે. પ્રશ્નકર્તા : આપને આ બધી ખબર પડે ? દાદાશ્રી : બધી જ ખબર પડે ને ! કે આ માણસના સંપૂર્ણ મન વશ વર્તે છે. સંપૂર્ણ મન વશ વર્તે એટલે શું કે આપણે જે કહીએ, તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય ! જ્યાં એટીકેટ ના હોય, જ્યાં સહજભાવ હોય ત્યાં ધર્મ હોય. સહજભાવ જેટલો હોય એટલો જ ધર્મ. સહેજાસહેજ જે બની આવે ને એ ! પ્રશ્નકર્તા : આ તમે જરા વિસ્તરણથી દાખલા સાથે કહો ને, તો બધા એક્ઝેટલી (જેમ છે તેમ) સમજશે. દાદાશ્રી : એવી જગ્યાએ તમે ગયા હોય, ત્યાં દશ માણસો પી.એચ.ડી. હોય, દશ માણસો ગ્રેજ્યુએટ થયેલાં, દશ માણસો મેટ્રિક થયેલાં, દશ માણસો ગુજરાતી જ ભણેલાં, દશ માણસો બિલકુલ ભણેલાં જ નહીં, દશ નાના છોકરાંઓ દોઢ-બે વર્ષનાં, દશ ઘરડાં ડોસા સાંઠ-પાંસઠ વર્ષનાં, એ બધાં ભેગાં થઈને જાય તો ત્યાં ધર્મ છે. એટલે જ્યાં આગળ નાનાં બાળકોય બેસી રહે, સ્ત્રીઓ બેસી રહે, ઘૈડી ડોશીઓ બેસે, પૈણેલા બેસી રહે, ત્યાં ધર્મ છે. કારણ કે સામાનું મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે. નહીં તો બેસી ના શકે. સામાનું મન વશ તો પોતાનું મન વશ થયેલું હોય તો જ કરી શકે. જે સ્વતંત્ર ચાલે છે, મન જેને સંપૂર્ણ વશ છે ત્યાં કામ થાય ! મન વશ થાય તો તમે બધું જ કરી શકો. લોક તમારા કહેવા પ્રમાણે ચાલે અને નહીં તો તમે શીખવાડવા જાવને તો કોઈ અક્ષરેય નહીં શીખે ને ઊંધો ચાલશે. આ કળિયુગની હવા એવી છે કે ઊંધું ચાલવાનું. કોઈ ઊંધું ચાલ્યો હોય તે, એ ઊંધું-ચત્તું બોલે તોય અમે સાથ ના છોડીએ. નો લૉ લૉ, ત્યાં સહજતા ! આખા જગતમાં બધે સાધુ-સંન્યાસી પાસે કાયદા છે. તેમાં આમ બેસવું ને તેમ કરવું. તે લૉઝ તો સંકલ્પ-વિકલ્પ ઊભા કરે અને આત્મા સહજ છે. કાયદો એ બંધન છે. સંઘમાં નિયમ કરે છે ને ? નિયમ એ જ બંધન છે. એ તો યમમાંથી નિયમમાં આવે તેને માટે છે. યમ એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અને નિયમ એટલે સેકન્ડ સ્ટાન્ડર્ડ. ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવે તેને માટે કાયદા છે. મોક્ષ માટે એની જરૂર નથી. મોક્ષ માટે તો આત્માને સહજ વર્તવા દો. સહજ વર્તવા દો તો સહજ મોક્ષ વર્તે ! કાયદો રિલેટિવમાં હોય, રિયલમાં કાયદો ના હોય. કારણ કે રિયલ એટલે સહજ થવાની ભૂમિકા. સહજ થવાની ભૂમિકામાં જો કાયદો હોય તો સહજતા ઊડી જાય. એટલે આ તો નો લૉ લૉ. આપણે ત્યાં સત્સંગમાં નો લૉ ! આપણે ત્યાં તો લૉ વગરનો લૉ. 'અક્રમ' એટલે 'નો લૉ. આખા જગતમાં લૉ વગરની પાર્ટી હોય તો આ 'દાદા'ના ફોલૉઅર્સ પાસે. તેમને કોઇ જગ્યાએ લૉ ના હોય. જગતના લોકો લૉ વગર રહી જ ના શકે. લૉ વગરનો રહે તો મોક્ષે જાય ! લૉ ના હોય તો સહજ થાય. લૉથી અસહજ થાય. લૉ વગરનો કાયદો એટલે સહજ હોય. જે એક્સેસ થાય, એટલે કે વધારે થાય તેનો અભાવ આવે. અને કન્ટ્રોલ થાય તો ત્યાં જ ચિત્ત જાય. ખાંડનો કન્ટ્રોલ કર્યો હોય તો ચિત્ત ખાંડમાં જ રહે કે ક્યારે લઇ આવું ? કન્ટ્રોલ એવી ચીજ છે, તે મનને ઉછાળે ચઢાવે. તેથી જ 'અમે' કહીએ છીએ કે ડીકન્ટ્રોલ કરી નાખો. બહાર તો કન્ટ્રોલ કર કર કરે છે, તેથી મન આખો દિવસ ઉછાળે રહ્યા કરે છે. પ્રશ્નકર્તા : હમણાં હમણાં તો તમે એનું કહ્યું કે બહારની પ્રકૃતિ સહજ થાય ત્યારે બધાં ભગવાન કહે અને એ રીત બધાંને દાખલ કરવી પડશે. દાદાશ્રી : એ તો સંપૂર્ણ સહજ થાય ત્યારે. અંદર અંદર સહજ થઈ રહ્યું છે કે નહીં, બેનો (રિયલ-રિલેટિવનો) સાંધો સહજ થઈ રહ્યો છે કે નહીં એ અમને માલૂમ પડી જાય. સહજ કોને કહેવાય ? આપણા સત્સંગમાં આ જે બોલીએ છીએ, કરીએ છીએ, એ બધું બહારથી આવેલા માણસો, 'જ્ઞાનવાળા કેવા હોય એવું એમના લક્ષમાં જુદું હોય', તે આવું જુએ એટલે મનમાં એમ થાય કે જ્ઞાન શેનું નામ કહેવાય ? પણ એમને ખબર નથી કે આ લોકો જ્ઞાન કરી ગ્રહણ રહ્યા છે અને અજ્ઞાન છોડી રહ્યા છે. કારણ કે આપણે કંઈ આ બધા આમ થબાકા પાડે એવા નહોતા. પણ એ માન્યતા ખોટી છે એવું માનેલું, એના તરફ તિરસ્કાર વર્તતો હતો. તે માન્યતા આપણે સમભાવે નિકાલ કરી નાખીએ છીએ. આપણે થબાકા પાડીએ તો છૂટી જઈએ. તિરસ્કાર વર્તતો હોય તે ઉડાડી મેલવો અગર રાગ આવતો હોય તે ઉડાડી મેલો. બન્ને ઉડાડી મેલો અહીંયાં આગળ. આની ઉપર તિરસ્કાર હોય કે ના હોય લોકોને ? તે એ તિરસ્કાર ક્યાં લઈ જવાનો છે જોડે ? એટલે અહીં જ ઉડાડી દેવાનો. પ્લસ-માઈનસ કરી દેવું. નહીં તો અમારે ત્યાં બહારવાળા તો એવું જ કહે કે બધાં આ પાછું શું કરો છો ? આવા ભણેલા-ગણેલા થઈને શું દાદાની પાસે રંગ લાગ્યો છે ? તમે આ ગ્રહણ કરેલો માલ રોંગ બિલિફો તે નિકાલ કરો છો. તે એમને બિચારાને ખબર નથી. અમે બધા જ પર્યાયો સમજીએ કે આવો પર્યાય હોવો જોઈએ. પણ કોને માટે ? ક્રમિક માર્ગમાં આવેલા માટે ના હોય. કારણ કે બધું ખપાવી ખપાવીને આવ્યા હોય. અને અહીં તો ખપાવ્યા સિવાયનો માલ. એટલે આ રીતે ખપાવવાથી સહજ થાય. જે તે રસ્તે દેહને સહજ કરવાનો છે. થબાકા ના પાડવા એ એક જાતની રોંગ બિલિફ છે. થબાકા પાડવા એય રોંગ બિલિફ છે. થબાકા ના પાડવા એ એક જાતની બિલિફ અહંકારને વધારનારી છે અને આ અહંકારને નાશ કરનારી છે. અને તમે એના કર્તા નથી. આ તો ચંદુભાઈ કરે છેને, તમે ક્યાં કરો છો ? એટલે આપણે અહીં બધી ક્રિયાઓ રોંગ બિલિફો છોડવા માટે છે. ઘણીખરી બિલિફો તો મેં ફ્રેક્ચર જ કરી નાખી. પણ હજુ કેટલીક મહીં ભરાઈ રહેલી હોય. પણ સહેજાસહેજ નીકળી જાય. અહીં કોઈ વાંધોય ઉઠાવતું નથીને ! પોતાનું સ્ટેજ જ ભૂલી જાય છે. પહેલાં તો મારાથી આવું ના થાય, નહીં ? પણ તોય તમારે ક્યાં કરવાનું છે ? તમારે કરવાનું રાખ્યું હોય તો બતાવો. તમારે તો ચંદુભાઈ શું કરે છે તે જોયા કરવાનું, કે 'અહોહો ! ચંદુભાઈએ કેવા થબાકા માર્યા, મોક્ષે જવા. તમારેય છૂટવું છે ને એમનેય છોડવવા છે.' નહીં તો કંઈ થબાકા પાડવાના ચંદુભાઈને ગમતા હશે ? આ તો હું પાડીને તમને શીખવાડું. બાકી હવે મારે કંઈ જરૂર નથી. તમને શીખવાડીને નિવેડો લાવી આપું છું. આ બધી ક્રિયા કરવાની મારે કંઈ જરૂર છે ? આ તો નિવેડો લાવવાનો છે. આ કંઈ કોલેજેય નથી ને સ્કૂલેય નથી. આ તો ઉકેલ લાવવાનો જે તે રસ્તે. આમાં જો બુદ્ધિ વાપરીને તો બુદ્ધિ આખી રાત ઊંઘવા નહીં દે. અને બુદ્ધિથી બેસે એવું છે ? પણ તે તમારી સમજણમાં ફેર પડી જશે તો આખી રાત ઊંઘમાંયે થશે કે દાદા, આવું કેમ કરાવે છે ? અલ્યા પણ તમારે કરવાનું ક્યાં છે ? જેણે તિરસ્કાર કર્યા તેણે કરવાનું છે. એને પ્લસ-માઈનસ કરી નાખવું જ જોઈએને ? સહજ એટલે શું ? બધા કરે એ કરે, પોતાનું નહીં. પોતાપણું ના રાખવું જોઈએ. આ તો સહુ સહુનું અલગ રાખી મેલેને ? પછી મહીં ધૂંધવાયા કરે. અને બધા કરે એમ કરીએને તો પોતાપણું ના રહે. સહજ થાય, સહજતા ઊભી થાય. અમને એ બહુ ગમે. પ્રકૃતિની અસહજતાથી આત્મા અસહજ થયો. એટલે મૂળ આ પ્રકૃતિને સહજ કરવાની છે. જે ઘડીએ બધા બોલતા હોય તે ઘડીએ બોલવા લાગે. ગાતા હોય તે ઘડીએ ગાવા લાગે, તેથી તો આપણે ત્યાં ગવડાવીએ છીએ. નહીં તો ગવડાવાનું કારણ શું ? પ્રકૃતિ સહજ કરવા માટે છે. મનમાંથી નીકળી જાય કે મારાથી આવું ના થાય ને મારાથી આવું થાય, એવું બધું નીકળી જાય. સત્સંગમાં જુદાઈ ના પાડવી. બધા જેવું કરે તેવું આપણે કરવું. અંદર આપણે સ્થિર કરવું હોય તો આપણે આમ સ્થિર થઈ જઈએ તો થાય. એ પ્રકૃતિ સહજ એટલે શું કે બહારનું અમે જે કરીએ એટલું જ કરવાનું, પોતાનું જુદું કરવા જાયને, એટલે પેલો એક્સ્ટ્રા ફોટો પડે નહીં. જુદું કરનારાને ઓળખો તમે ? હવે આ ભાઈ, આ બીજા પાંચ-સાત જણ છે તે જુદી ટોળી બેઠી હોય. અરે ભાઈ, જ્ઞાની પુરુષ જાતે આવડી મોટી રાડો પાડી પાડીને બોલાવે છે, તો કંઈ હશે કે નહીં હોય ? પણ આ બધું ઓવરવાઈઝપણું. એટલે ફોટો એક્સ્ટ્રા ના પડે. પછી શું થાય ? આ પ્રકૃતિ સહજ કરશે તો કામ થશે. સહજ એટલે વર્ક વ્હાઈલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઈલ યુ પ્લે. એવો પછી ફોટો પડશે. આ બધા ભળીને ચાલવાવાળા. તમે તો સંપૂર્ણ પ્રકારે બધા ભળો અને આ તો જુદાઈ પાડે એવા માણસ, પણ ધીમે ધીમે બધું ઓછું કરી નાખ્યું, ભળતા થઈ ગયા. જુદાઈ પાડવામાં શું થાય ? ફોટો જુદી જાતનો પડ્યા કરે. એટિકેટ નીકળે તો થાય સહજ ! પ્રશ્નકર્તા : તે દાદા, તે વખતે આ જે તાળીઓ પાડવામાં હું વિરોધ કરતો'તો તો આજે બધાનાં કરતાં જોરથી હું તાળી પાડું છું. તે આવું કેમ બનતું હશે ? આ વર્સ્ટ જે કરતાં હોય તે લોકોને પછી વધારે એનું કન્ફેશન કરવું પડતું હશે, આપની પાસે આવીને ? દાદાશ્રી : એવું છે ને, કે તાળીઓ પાડવાથી કંઈ મોક્ષે જાય છે એવો કંઈ નિયમ નથી હોતો, તેમ સૂનમૂન બેસી રહી અને વાંચ વાંચ કરીએ એય કંઈ મોક્ષે જવાનો નિયમ નથી હોતો. મોક્ષે જવાનો નિયમ એટલે કેવો ? સહજ માણસ રહે છે કે નહીં, એટલું જ, સહજ. સૂનમૂન બેસી રહેવું આમ અને તાળી-બાળી ના પાડવું, વાંચવું, એમાં એટિકેટ આવ્યું, થોડુંક છીટ આવ્યું. અને આ લોકો કહેશે, ચિત્તભંગ થઈ ગયો તાળી પાડી એટલે આ બન્નેની જરૂર નથી. આ જે ચીડ ચઢેલીને, એ ચીડ કાઢવા માટે આપણે કરીએ છીએ આ. અનંત અવતાર ચીડ પેસી ગયેલી, તે ચીડ કાઢવા માટે પ્લસ-માઈનસ કરીને સહજ કરવાનું છે. એ ચીડ બનાવે અસહજ ! મુંબઈમાં અમને પૂછે છે કે તમારે ત્યાં આવીનેય તાળી પાડે છે એનો શો અર્થ છે ? મેં કહ્યું, એની પહેલા અનંત અવતાર ચીડ કરી છે ને, તે ચીડ કાઢવા સારુ કરે છે. પછી કાઢવી તો પડશે ને, ચીડ ત્યાં લઈને જવાય કે ? એટલે એ થબાકા મારે છે ને ! ત્યાં આગળ એ ચીડ કરેલી તે કાઢવા સારુ. આ તમારે જાતે કરો એટલે એ નીકળી જાય. નહીં તો મારે આ ધંધો કાઢીને શું કામ ? હું તો જ્ઞાની પુરુષ અને જ્ઞાનમાં આવુંુ હોય નહીં ને ! કારણ કે અક્રમ વિજ્ઞાન છે, આ તો બધું ખાલી કરી નાખવાનું. ક્રમિકમાં એવું ના ચાલે. ક્રમિકમાં તો જોડે ને જોડે લઈને માર ખા ખા કરવાનું. અહીં તો ખાલી જ કરી નાખવાનું. શુદ્ધાત્મા થયા પછી રહ્યુંુ શું તે ? તેવી રીતે ક્રમિકમાં શુદ્ધાત્મા થઈ શકતો નથી અને જ્યારે શુદ્ધાત્મા થાય, તે અવતારે મોક્ષે જાય. અને આપણે શુદ્ધાત્મા હોય તો વેપારી વેપાર કરી શકે, એવું આપણું અક્રમ. જો ને આ ભાઈ કરે છે ને નિરાંતે ! તમને સમજાયું ? પ્રશ્નકર્તા : હા, સમજાયું મને. દાદાશ્રી : તમે આ લાઈન ઉપર વિચાર કરજો હવે. પ્રશ્નકર્તા : હા, જરૂર. દાદા કરાવે પ્રયોગો સહજતા કાજે ! દાદાશ્રી : આપણે ત્યાં થબાકા શા માટે પાડવામાં આવે છે ? સહજતા લાવવા માટે, જે અસહજપણું હતું તે ઉડાડી મેલવા માટે છે બધું આ. સહજ પ્રયોગ છે આ. સહજતા આવે પછી કોઈ જાતનો ભો જ નહીંને ! ભો હોય નહીં ને ભડકાટેય નહીં. આમ કરાય ને આમ ના કરાય, એવું જેના મનમાં વિકલ્પ છે તેને ભો હોય. આપણને તો ભો જ નહીંને કોઈ જાતનો. ભૂતાં બધાં નીકળી જવાં જોઈએ. રસ્તામાં કપડાં કાઢી લે તો પછી આપણને સંકોચ રહ્યા કરેને કે ના રહ્યા કરે ? પ્રશ્નકર્તા : હવે ના રહે. દાદાશ્રી : હવે કશો સંકોચ ના રહે. એટલા માટે આ સહજતા કરાવડાવીએ છીએ કે કોઈ પણ સ્થિતિમાં સંકોચ ના ઉત્પન્ન થાય. વડોદરામાં ઘડિયાળી પોળમાં ઉપાશ્રય છે તે જ્ઞાન પહેલાં હું ત્યાં ગયેલો, એ ઉપાશ્રયમાં દર્શન કરવા માટે, કોઈ મહારાજ આવ્યા હશે તે. તે દહાડે લાંબો સફેદ કોટ પહેરું અને બૂટ અત્યાર જેવાં નહોતો રાખતો, જરા ચકચકિત રાખતો. તે દહાડે જરા વટબટ બધું ખરું ! ત્યાં આગળ દોઢ કલાક બેઠો પછી બહાર નીકળ્યો તે ચકચકિત બૂટ હતા તે ઉપડી ગયાં. પગરખાં સારાં હોય તે જ પહેલાં ઉપાડે ને ? તે ઉપડી ગયાં, તેનો ખેદ ના થયો પણ હવે બજારમાં શી રીતે જઈશ ? લાંબો કોટ ને પગમાં બૂટ નહીં. તે મહીં સંકોચ થયો. તે ત્યાં ઘડિયાળી પોળમાં નીકળતાં જ તરત રીક્ષા કરી લીધી અને ઘેર આવતો રહ્યો. પણ આવો સંકોચ થયેલો અનુભવ્યો મેં. એટલે મને એમ વિચાર આવે કે પછી કો'ક કહે, કપડાં કાઢી લો તો શું કરું ? તો સંકોચ થયા વગર રહેવાનો છે ? માટે સંકોચ પહેલેથી દૂર કરો. સહજતા લાવો. એટલે આ સહજતાના પ્રયોગ બધા કરાવડાવીએ છીએ. જ્ઞાન તો તમને છે જ પણ સહજતા હોવી જોઈએને ? કોઈ પણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ, ગમે તેવી સ્થિતિમાં. સહજ થશો તો મોક્ષ થશે. ભગવાન સ્વરૂપ થશો. પોતે ભગવાન છો એવું ભાન થશે. અને આ તો અસહજથી આ બધાં એટિકેટનાં ભૂતાં છેને, ત્યાં કશું જ ના હોય. એટલે સહજ થવાની જરૂર છે. છેવટે સહજ થવાનું છે. દિવસે દિવસે સહજ થવાનું છે. અહીં આ બધા સહજ થવાનાં સાધનો છે. પ્રશ્નકર્તા : દાદા કહે છે એવી પૂર્ણ સહજ સ્થિતિ કેવી રીતે આવે ? દાદાશ્રી : જે આ દાદાને ભજેને એ સહજ સ્થિતિને જ ભજી રહ્યા છે. એટલે તમે એટલા સહજ થઈ જશો. પ્રકૃતિ સહજ કરે ગરબા ! આપણે ત્યાં આ ગરબામાં પેઠા છે, એ સહજ થયા છે અને પેલા અસહજ. એટલે આ અમે શા સારુ વચ્ચે બેસીએ, અમારે બેસવાનું કંઈ કારણ ? તમને સહજ કરવા છે જે તે રસ્તે, સહજ થાવ. આ તે કંઈ જ્ઞાનીને શોભે એવી ક્રિયા છે આ બધી ? જ્ઞાની આવું થબાકા પાડતા હશે ? આપણું વિજ્ઞાન કેવું છે કે સહજ કરો, જે તે રસ્તે સહજ થાવ. એટલે અમે જાત્રાએ ગયા હતા ને તે એકસોને પંદર માણસની બે બોગી. જોઈન્ટ કરેલી. એટલે રસોડું ઠેઠ સુધી ચાલ્યા કરે. ચા-પાણી ઠેઠ સુધી ચાલ્યા કરે. રસોડું ત્યાંનું ત્યાં જ બધું. હવે જાત્રાએ નીકળેલા બધા, આમ ગાડીમાં ને ગાડીમાં ક્યાં સુધી બેસી રહે ? એટલે મોટું સ્ટેશન આવે એટલે ત્યાં આગળ ઉતરવાનું. ત્યાં વીસ મિનિટ ગાડી ઊભી રહે એટલો વખત બધા ગોળ ગરબા ફરે, ગરબા કરવાના. પ્રશ્નકર્તા : તો એ શું રસ્તા પર નાચતા નાચતા જઈએ તો સહજ થયું કહેવાય ? દાદાશ્રી : સહજ જ થયું કહેવાય. સહજ એટલે શું, લોકોથી ડરવું નહીં. કોઈથી ડરવું નહીં, એનું નામ સહજ. આપણે ત્યાં એક ભાઈ આવે છે, એક દહાડો એમને ફૂલની માળા પહેરાવી. મેં કહ્યું, 'લ્યો, હવે આ માળા પહેરીને અહીંથી ઘેર જાવ.' એટલે આ આજ્ઞા તો થઈ. એટલે હવે એમને આજ્ઞા પાળ્યા વગર છૂટકો નહીં. તેઓ પછી શું થયું ? એ પોળમાંથી બહાર નીકળ્યા એટલે એમના મનમાં એમ લાગ્યું કો'ક જોઈ જશે તો ? એટલે એમણે શું કર્યું કે રસ્તો એવો કંઈક ખોળી કાઢું કે માળા કાઢવી પડે નહીં, આજ્ઞા પળાય અને લોકોના સકંજામાં આવીએ નહીં. એટલે એમણે ત્યાંથી જ રીક્ષા પકડીને મહીં આંખો મીંચીને બેસી ગયા અને ઘરના બારણા આગળ ઊભી રખાવી. અને પછી બીજે દહાડે મને આ પ્રમાણે કહ્યું. ત્યારે મેં કહ્યું, 'શેના સારુ ભડકો છો ? આ ગાય-ભેંસોથી કેમ ભડકતા નથી ? એમનામાંય એવો જ આત્મા છે ને આમનામાંય આવો આત્મા છે. આમનાથી કેમ ભડકતા નથી ?' ત્યારે કહે, 'ત્યાં તો શરમ ના આવે.' ત્યારે મેં કહ્યું, 'એમાં ને આમાં ફેર નથી. ફક્ત ફોટો પડે આ માણસનો એટલો જ છે ફેર.' પ્રશ્નકર્તા : છતાં પણ અમુક અમુક હોય તો પ્રકૃતિ ન જ કરવા દે, તો શું કરવું ? દાદાશ્રી : હા, ના કરવા દે તો આપણે એને પણ જાણીએ. તમારી ઇચ્છા છે અને નથી કરવા દેતી, એને માટે તમે જોખમદાર નથી. આ જાત્રામાં તો દરેક સ્ટેશને જઈને આ બધું આવું કરવાનું. તે પાછો થાકે નહીં. મુક્ત મને, કોઈથી દબાવાની જરૂર નહીં, કોઈની શરમ શેની ? શરમ રહે તો આપણે ના સમજીએ કે ચંદુભાઈ કાચા પડે છે. પ્રશ્નકર્તા : બીજાનું તો કંઈ રહેતું જ નથી, પોતાનું જ અંદર હોય છે. દાદાશ્રી : પોતાનો જ ભય ઉપરી, બીજો કોઈ તો નવરો જ નથી. અંતઃકરણ શુદ્ધિના સાધનો પ્રશ્નકર્તા : અંતઃકરણ શુદ્ધ કરવાનું સાધન કયું ? દાદાશ્રી : અહીં ડૉક્ટરો બધા ભેગા કર્યા હોય તો 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલે ? કેટલા બોલે ? એકેય ના બોલે. બુદ્ધિ એવી પેસી ગઈ ને, તે શુક્લ અંતઃકરણ ઊડી ગયું ! પ્રશ્નકર્તા : એટલે બૌદ્ધિક પરિગ્રહ વધ્યા, બુદ્ધિ વધી એટલે ? દાદાશ્રી : હા, એટલે સહજ થવાની જરૂર છે. તેમાં સહજ એવું હોવું જોઈએ, સાથે સાથે પાછાંંંં પ્રતિક્રમણ કરવાં કે 'મારાથી બોલાતું નથી. કેટલા વખતથી મારે આ બોલવાની ઇચ્છા છે, તો મને આ અંતરાય દૂર કરો.' એમ કરતાં કરતાં બેસી જશે ને સારી રીતે બોલાશે. તન્મયાકાર થઈને સારી પેઠે બોલાશે. બુદ્ધિ થોડીક વધી કે શુક્લ અંતઃકરણ ઊડી જાય. પોતે જુદો પડ્યો એટલે પોતાની જાત જુદી પાડી. અને 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' ગાવામાં તન્મયાકાર થાય એટલે મનમાં જે વિચારો આવતા હોય તેય ઊડી જાય ! અંતઃકરણ ચોખ્ખું થતું જાય. પ્રશ્નકર્તા : એટલે ભણતરથી બુદ્ધિ વધી ને ? તો એ હિસાબે તો અભણ રહેવુંુ સારું ? દાદાશ્રી : હવે આ શી રીતે ખબર પડે લોકોને ? કૃપાળુદેવે એટલું કહ્યું કે શુક્લ અંતઃકરણ. પણ શુક્લ અંતઃકરણ કોને કહેવું એ બધું સમજાય શી રીતે ? મોક્ષમાર્ગ આખો હાર્ટલી માર્ગ છે. અમારામાં સેન્ટ બુદ્ધિ નથી ત્યારે તો જો તે મોક્ષમાર્ગ આખો ખુલ્લો થયો ને ? પ્રશ્નકર્તા : પણ દાદા, તમારી જોડે તો જ્ઞાન પહેલા પણ તમને મળતા'તા તો બુદ્ધિ બાજુએ મૂકી દેતાં હતા. દાદાશ્રી : હા, હાર્ટલી માર્ગ છે ને ! સંકુચિત મન, ઉછીની અક્કલ... જેટલું મન મોટું એટલો સ્કોપ વધારે તમારે. આ બાઉન્ડ્રી જગતની ! જેટલા સંકોચ એટલા જ તમારે એરિયા. એ જ તમને અજંપો છે ને આ બધો ! મન એક્સપાન્ડ થાય તો એરિયા એક્સપાન્ડ થઈ જાય. એટલે આપણી જ ભૂલથી આ બધી અક્કલ આપણને પજવે છે. હવે અક્કલ તો બે પ્રકારની, એક તો સહજભાવે પ્રાપ્ત થયેલી બુદ્ધિ. અને અક્કલ તો લોકોની ઉછીની લીધેલી. લોકોનું જોઈને શીખ્યા હોય. તો હવે અક્કલ કોને કહેવાય છે ? કમ અક્કલની પાસેથી શીખ્યા એનું નામ અક્કલ. કમ અક્કલની પાસે ગયા ને શીખ્યા. હા એટલે હું અક્કલ શીખ્યો નહોતો. કમ અક્કલ પાસે શીખીને વળી અક્કલ કરવી એને શું કરવાનું ને ? એ બધી નકલ કહેવાય. અને આપણી બુદ્ધિ સાચી હોય અને તે બુદ્ધિ યે વિપરીત ક્યાં સુધી ? કે સામાજીક રીતે વાપરીશું તો બુદ્ધિ વિપરીત નહીં ગણાય. બધાને હેલ્પફૂલ થવું જોઈએ. અને તમે જેટલું મોટું મન રાખશો એટલું તમારે માટે મોટો સ્કોપ છે અહીં આગળ. જગત વિશાળ છે. તમારુંુ મન વિશાળ થવાની જરૂર છે. મોટા દાન આપે તો એ સાવ ભિખારા થઈ જાય છે ? એમને ખાવાનું નથી હોતું ? પ્રશ્નકર્તા : નહીં, એવું નથી બનતું. દાદાશ્રી : આપવાની હિંમત નહીં ચાલતી. બુદ્ધિ એને હેરાન કરે છે. પ્રશ્નકર્તા : આપવાથી કંઈ ખૂટતું જ નથી. આ છે કલ્યાણનો માર્ગ... પ્રશ્નકર્તા : કેટલાક માણસો એમ કહે છે, આ તાળીઓ પાડવામાં જીવ હિંસા થાય છે, તાળીઓ ના પડાય. દાદાશ્રી : એ ને કહેવું, અમારે વાંધો નથી, અમારે દાદા એવું ના પાડે છે. અમારું નફા સાથે કામ છે. ખોટની સાથે કામ નથી. આ તો લાભાલાભને, નુકસાન છે તેમ નફો પણ છે. તાળીઓ પાડવી, એ બધું જે કરવું, એનું નામ સહજતા કહેવાય અને સહજતા વગર મોક્ષમાર્ગ નથી. જ્યાં સુધી બુદ્ધિની આડખીલી છે કે આવું મારે ના થાય, ત્યાં સુધી આ બંધન છે. પછી એ જતું રહેશે. પછી આ તો બધું બુદ્ધિની આડખીલી કરી દે ને. તે પેલામાં મંડ્યા છે કે આવી કાંઈ મોક્ષમાર્ગમાં જરૂર નથી. પણ બુદ્ધિ આડખીલી કરી આવેને ત્યાં કે આવું થતું હશે ? શું અક્કલના કોથળા, જેને વ્યવહાર કરતાં ના આવડે. પાપ જ, બધેય હિંસા બાંધેલી અને તે જવા માટે આપણો આ માર્ગ છે, સાચી વસ્તુ પામવા માટે. નહીં અડપલું બુદ્ધિનું જરીકે... પ્રશ્નકર્તા : સહજ એટલે બધાની સાથે સરળ ? દાદાશ્રી : સરળ નહીં, સહજ એટલે પોતાનું કોઈ પણ જાતનું બુદ્ધિનું અડપલું નહીં. અને અસહજ એટલે બુદ્ધિનું અડપલું. અડપલું શબ્દ તમે સમજો ? તે આ બુદ્ધિનું અડપલું અહીં કરો એ સહજ નહીં. આ બહુ સાયન્ટિફિક રસ્તો છે બધો. જેટલા સમજી જાય તેટલાને મોક્ષે લઈ જવાના. એટલે આ બધા શું કરે છે એમાં તમારે ચંદુભાઈને 'એ માર્ગે રહો', કહીએ. અને પછી તેમાં તમારી બુદ્ધિનો ઉપયોગ ના થયો, એની મેળે સહજ થયા જ કરે. મોક્ષ એટલે સહજ થવું. આ દેહ, આ પ્રકૃતિને સહજ કરો તો આત્મા સહજ છે જ. તમે જરાક અસહજ કરો તો આત્મા અસહજ. એટલે આ છે તે અહીં સહજ કરવાની ક્રિયા છે. અહીં કશું એને ગોખવાની જરૂર જ નહીં. અહીં તો બોલનારને એ ભક્તિ છે, ગાનારને એ કિર્તન ભક્તિ છે અને આ થબાકા પાડનારને સહજતા છે, બુદ્ધિનું અડપલું ના કરે તો. પ્રશ્નકર્તા : બહુ પહેલાં એવું થતું હતું, કંઈ મહત્ત્વ છે નહીં એમ માનીને પાછા દૂર બેસી રહીએ. દાદાશ્રી : એ જુદાપણું એ જ બેભાનપણું છે. હું કંઈક જુદો છું, એ બુદ્ધિનું અડપલું કર્યા બરોબર છે. તમે તો આત્મા જ થઈ ગયા હવે, આને સહજ કરવાનું છે. જ્ઞાન લીધેલું હોય તેને માટે સહજ. બહારનું કોઈ પણ સહજ થઈ શકે નહીં. જ્ઞાન લીધેલું ના હોયને, એને સહજ શબ્દ બોલવાનો અધિકાર જ નથી. કારણ કે પ્રકૃતિથી પોતે કરી રહ્યો છે. એ તો પ્રકૃતિમાં જ તન્મયાકાર. અને પ્રકૃતિથી સહજ હોઈ શકે નહીં. એ પારકી સત્તા સંપૂર્ણ. આ એક્ઝેક્ટ વાત કરી રહ્યો છું. ગમે તે જ્ઞાનથી આત્મા જુદો થઈ ગયો હોય તો જ સહજ થઈ શકે, નહીં તો સહજ ના થઈ શકે. એટલે આપણા આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ પણ સહજ ના થઈ શકે, અસહજ જ હોય. સહજ કોઈ થઈ શકે નહીં. તમને તો આ અક્રમ આપ્યું છે એટલે સહજ થાય. જ્યાં સુધી ક્રમિક માર્ગમાં 'હું છું' રહેવાનું અને હું કેટલું બાદ થયું, તે પણ અમુક રહેવાનું. બાદ જે થયું એટલા પૂરતો સહજ થાય અને જે રહ્યું છે એટલા પૂરતો અસહજ. એટલે એ સંપૂર્ણ સહજ કેવી રીતે થાય ? અહીં તો સંપૂર્ણ સહજ થાય. આ તો અલૌકિક વસ્તુ છે. આ જો સમજણ પડે ને તો કામ કાઢી નાખે અને અવિરોધાભાસ છે. આ બધું સંસારમાં બહાર જે પદો (ભજનો-સ્તવનો) બોલાય છે ને તે સમજવા માટે, કીર્તન ભક્તિ માટે બોલાય છે. અને અહીં જે બધું બોલાય છે પદો-બદો બીજું બધું, એ શેને માટે બોલાય છે ? પ્રશ્નકર્તા : નિકાલ માટે. દાદાશ્રી : હં, સહજ કરે છે બધાને, સહજ એ જે બધા ક્રિયા કરતા હોય એ ક્રિયામાં આપણે બધાય એકાકાર રહે તો સહજ થતો જાય માણસ. સહજ થવાની બીજી કોઈ ક્રિયા નથી. તે આ ઊંચામાં ઊંચી ક્રિયા છે સહજ થવાની, પણ એ લોકોને ખ્યાલ નહીં હોવાથી સહજનો લાભ લેતા નથી. એ તો સહજ થવાની જરૂર છે. હું હઉં ગાવા લાગી જઉં ને ! ત્યારે આપણા લોક શેને અડપલું કહે છે ? પ્રશ્નકર્તા : કોઈ આમ બેઠો હોય ને આપણે કંઈક એવું બોલીએ કે પેલાને અડપલું થાય. દાદાશ્રી : અડપલું થાય. આ ભાઈ જેવાને તે આ થબાકા પાડવાનું ગમતું નહોતું. પણ સાયન્ટિફિક સમજ્યાને ? પ્રશ્નકર્તા : હા. ભક્તિમાં સાહજિકતા ! પ્રશ્નકર્તા : આ બધા સવાલો પૂછાશે, દાદા પૂછશે, કેમ ગરબામાં જોડાણા નથી ? દાદાશ્રી : ના, એમાં પૂછીએ નહીં, એનો ખુલાસો ના હોય. અમારે ત્યાં ખુલાસો ના હોય. આ તો અમે સમજણ પાડીએ કે આ શા ફાયદા માટે ? ત્યારે કહે, સહજ થવા માટે. અમને તો તમે જોઈ લીધું ને કે જેમાં ને તેમાં સહજ જ, કશી ડખલ નહીં. પ્રશ્નકર્તા : એટલે તો તમને પકડ્યા છે ને, દાદાજી. દાદાશ્રી : હા, જોડે ને જોડે રહે છે. પ્રશ્નકર્તા : આડો અહંકાર કેમ રહે, દાદા ? દાદાશ્રી : એ એને સમજણ નહીં હોવાથી. આ છોડતો નથી, 'મારી બુદ્ધિ', પોતાની બુદ્ધિ પર સભર રહે છે. બુદ્ધિના કહેવાથી 'હું કંઈક છું', ત્યારે આપણે પૂછીએ કે 'શું છે ? મેલને પૂળો અમથો. કંઈ આવડતું તો છે નહીં', ત્યારે પાંસરો થાય એવો છે આ પૂળો ? આ તો કહેવું પડે, બહારવાળો કહેને તો સામા થઈએ. પણ 'આપણે' ચંદુભાઈને કહેવુંુ કે 'ભઈ, તે આ શું ધંધો માંડ્યો ?' એવું વઢવું પડે. તમે જોયું હતું ને ? નાગ ડોલે એમ બધા ડોલતા'તા. તે કલ્યાણ કરી નાખે. એ બધું તન્મયાકાર, નિરંતર આખો દહાડો તન્મયાકાર. એટલે અંદરોઅંદર ઓર જ જાતનો આનંદ રહ્યા કરે. મને ભેગા થાય કે ના થાય, તે બધા બોલતા હતા. જોયું હતું તે તમે ? પ્રશ્નકર્તા : હા, હા, બરાબર જોયું હતું. દાદાશ્રી : એટલે આ તમને સમજણ પાડી કે આની પાછળ ફેર શું છે ? તે આ બધાને ફેરફાર કેમ હોય છે ! એમના મધર, કાકી, બેન બધા તન્મયાકાર, એમાં ઘણા ખરા તન્મયાકાર હોય. પણ આ તો તમારે સમજી લેવાનું. એ આમ હાલતા હતા, જાણે નાચતા હોય ને ! તમને સમજાયો આ ભેદ ? તમને એવું વિચાર ના આવે કે શાથી આ બધું કહીએ છીએ ? પ્રશ્નકર્તા : પોતે હલકો થઈ જાય ને ! દાદાશ્રી : ના, બુદ્ધિવાળાને તો એવું મહીં બુદ્ધિ દેખાડે, 'શું જોઈને થબાકા પાડ પાડ કરે છે ?' એવું અવળું દેખાડે. મોટા મોટા ભણેલા માણસોને ! જ્ઞાન મળ્યા પછી આવે સાહજિકતા ! પ્રશ્નકર્તા : આપણે અહીંયા જે પદ ગાઈએ છીએ અને સહજતા કેળવીએ છીએ એવી રીતે બીજા કોઈ સત્સંગ ગ્રુપમાં મીરાનું પદ કે નરસિંહના ભજન એ બધું ગાય તો સહજતામાં લાવે કે નહીં ? આ જ સિદ્ધાંત ત્યાં લાગુ પડે ? દાદાશ્રી : એ જ્ઞાન લીધેલું હોય તો સહજતા લાવે, જ્ઞાન લીધેલું ના હોય તો સહજતા ના લાવે. જ્ઞાન ના લીધેલું હોય તો એને સહજ શબ્દ જ લખવા જેવો નહીં. દેહની અસહજતા તૂટે આમ ! અજ્ઞાની દેહને આંતર આંતર કરે, 'આવું ના થાય' એવું કહે. જો આંતરતો નથી ત્યારે દેહ કેવું કૂદે છે ? આટલો આટલો ઊંચે કૂદે છે અને આંતરનાર હોય તો ? આવું ના થાય, એવું કહે. 'ગરબા યે ના ગવાય', એવું કહે અને જો આંતરનાર નથી ત્યારે કેવો અંદર કૂદે છે ! અને એ કૂદે ને, એટલે સહજતા આવતી જાય. સહજતા આવે એટલે દુઃખો ઊભાં ના થાય અને આ દેહ સહજ થયો, એટલે આત્મા તો સહજ જ છે જ. આ દેહની અસહજતાને લઈને આત્મા અસહજ દેખાય છે. એટલે આ અમારી શોધખોળ બહુ ઊંચી છે. આખું સાયન્સ છે આ તો. જો કોઈને વઢવું પડે છે ? આટલું આટલું કૂદે છે, તોયે વઢીએ છીએ ? કાલે ત્યાં આગળ એટલું બધું કૂદ્યા'તા... અમે જાણીએે કે આ બધો માલ નીકળે છે... અંદર ફર્સ્ટ ક્લાસ થઈ જશે. બી.ઈ. ભણેલા... બધાંયે કૂદે એટલે આપણે ના સમજીએ કે આ કંઈ ઓછા ચક્રમ હશે ? ના, આ તો અંતરાઈ રહેલું છે. પોતે જ આંતરે કે 'ના થાય આપણાથી, આમ ના થાય...' શું યે પોતાની જાતને કલ્પી લે, જાણે ઈન્દ્રનો દીકરો ના હોય ! ખોટું ગાંડપણ, મેડનેસ કહેવાય અને કહ્યું, મેડનેસ કાઢી નાખને... રામચંદ્રજીનીયે આબરૂ આ દુનિયામાં નહીં રહેલી, તે તારી શી રીતે રહેશે ? માટે જ્ઞાની પુરુષને શરણે આવી જાવ એટલે કશી ભો જ નહીં ને ભડકાટ જ નહીં ને જે બન્યું એ વ્યવસ્થિત, બનવાનું હશે તેય વ્યવસ્થિત. ભો-ભડકાટ તો નહીં. અને અડધા તો દુઃખો પોતાનાં, જેમ આ દેહને આંતરે છે ને, એવું આવકને આંતરે છે. હમણે ધંધો કરવા જેવો નથી હં, હમણે બેસી રહેજો બે વરસ, આવકને આંતરે છે. ગભરાવાનું તો કોઈ દહાડોયે નહીં. ગમે તેવું થયું હોય તો ગભરાશો નહીં. કારણ કે હમણે પરીક્ષા થશે તો આવતે ફેરે સારું થશે. પણ કંઈ બગડવાનું તો નથી જ હવે. આત્મા પ્રાપ્ત કર્યા પછી કોઈ ફેરો પરીક્ષા આવે ખરી, તે રાહ જોવાની જરા અને આ કંઈ કાયમનું વસ્તુ છે ? આ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. હવે ભય-બય કશો લાગે નહીં ને ? આબરૂ સાચવવા એટિકેટ પેઠી ! એ તો એવું બનેલું કે હું ને મારા મિત્ર મુંબઈ જઈએ. તે ભીડ હોય, તે પાટિયા પર બેસવાનું ના મળે તો છે તે પેલા અમારા મિત્ર હોય તે ઊભા રહે અને હું તો નીચે પાથરીને બેસી જઉં... ને પછી પેલાને કહું કે બેસી જાવને ! ત્યારે કહે, આબરૂ જતી રહે. આ લોક.... મૂઆ અહીં કોણ તને એવો જોનાર છે જે આબરૂદાર હોય ? તેં દીઠો આબરૂદાર ? આ દુનિયામાં તમને આબરૂદાર દેખાય છે ? મને તો આબરૂદાર એકેય દેખાતો નથી. જેમ ગાયો-ભેંસો ઊભી હોય તે ત્યાં કેમ નથી શરમાતો ? ત્યારે કહે, 'એ તો માણસ નહીં.' મેં કહ્યું, 'આ એમાંનો જ છે માલ, આવતે ભવ ત્યાં જ જવાનું છે. તું શું કરવા ભડકું છું તે મૂઆ !' એંસી ટકા તો ત્યાં જ જવાના છે અને વીસ ટકા અહીં રહેશે, ત્યારે ત્યાં જશે તે જોઈ લેવાશે, કહ્યું. આબરૂદાર !! મૂઆ હતી જ ક્યાં આબરૂ તે ? કોટ ફાટ્યો હોય તો ત્રણ દહાડા સુધી સહજ ના રહેવા દે. સીવી નાખ, સીવી નાખ, નહીં તો લોક દેખી જશે, લોક દેખી જશે. ત્યારે મૂઆ સીવવાથી આબરૂ રહી ? બળ્યો, તારો અવતાર. આબરૂવાળા આયા ! આબરૂ તો કોઈને દુઃખ ના કરે, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ કરવાની જે ઇચ્છા કરતો નથી, જેને દુઃખ દેવાના ભાવ નથી એ આબરૂદાર. આ તો મનમાં ને મનમાં ક્યારે વહુ લાગમાં આવે એવું તારા મનમાં રહ્યા કરે. લાગ ખોળે છે, મૂઓ ? ભૂતાં નીકળી જવાં જોઈએ. છે મારે કશું એટિકેટ-બેટિકેટ ? પ્રશ્નકર્તા : આપ તો રિટાયર્ડ થઈ ગયા એટલે ચાલે, દાદા. એ તો કોઈ... દાદાશ્રી : ના, પણ સાહજિકતા શીખો. એટિકેટ ખોવડાવે સભ્યતા ! એટિકેટને લીધે તું આમ બેસું છું. આમ સજ્જડ બેઠાં. અલ્યા મૂઆ, આ ભૂત અહીંથી, અંગ્રેજો ભૂત ઘાલવા નહોતા આવ્યા. અંગ્રેજો તો સભ્યતા લઈને આવ્યા'તા. એટિકેટ એમની સભ્યતા હતી. અને તમે એનાં ભૂતાં વળગાડ્યાં. આપણી સભ્યતા ભૂલી ગયા અને ભૂતાં વળગાડ્યાં ? ને ભૂતાંમાંથી મહાન દુઃખો. એટિકેટના ભૂતાં કાઢી નાખું છું. એ ભૂત તો કાઢવાં જ પડે ને ? માણસ સુખી થઈ જાય, હળવો થઈ જાય ! એટિકેટનું ભૂત આપણને કેમ શોભે ? આપણે આર્ય પ્રજા ! આપણે ત્યાં એટિકેટ હોતું હશે ? સભ્યતા હોય. કેવી સભ્યતા હોય ? પ્રશ્નકર્તા : સહજભાવે વર્તન જે હોય એ જ સારુંુ લાગે. એટિકેટ ઉડાડ આમ, થા સહજ ! દાદાશ્રી : આ ભણેલા છે તે બધા કહે છે કે દાદાએ થબાકા પાડતા અમને કરી દીધા. હું હઉ પાડું છું ને, પણ હું જ્ઞાની, મારે કંઈ જરૂર છે ? છતાં શા સારું પાડું છું ? તમને શીખવાડું છું, સહજ બનાવવા માટે. શેને માટે ? સહજતામાં આવવા માટે ! એટિકેટ, એટિકેટ, એટિકેટ. પાછળ આમ જોતા જાયને, પેટને ઝાપટ મારે ! અલ્યા મૂઆ, શું કરવા મારે છે આ, આમ ધંધો માંડ્યો છે, મૂઆ ? જ્યાં સુધી એટિકેટ હોય ત્યાં સુધી ધર્મ આટલોય પેસે નહીં. સહજ આવવું જોઈએ. તે આ સહજતા માટે છે. જ્યાં કંઈપણ એટિકેટ છે ત્યાં મોક્ષ નથી અગર ધર્ર્મેય નથી, ધર્મ તો સાહજિકતામાં હોય. સહજ જોવાથી થાય પૂર્ણાહૂતિ ! પુદ્ગલ સંસારી સંપૂર્ણ નાચ કરે ને આત્મા જુએ તો જ ફૂલસ્ટોપ થયું કહેવાય. સંસારી સર્વ નાચ કરે, એમ નહીં કે ભઈ, આ અમારે ના જોઈએ. આમ થશે તો આમ થઈ જશે, મને ચોંટી પડશે. ફિલ્મમાં કાપકૂપ કરવાની ના હોય. અમુક ભાગ કાઢી નાખે તો કનેકશન મળે નહીં. એટલે બધી સહજ ફિલ્મ હોવી જોઈએ. જે છે ને સંસારી સહજ ફિલ્મ બહુ સારી. ત્યાગીને ત્યાગીની સહજ ફિલ્મ હોય તો ચાલે. એને સહજ હોવી જોઈએ. પણ વચ્ચે કટ ઓફ કરેલી એવી ના જોઈએ. મારે આ ના ખપે અને મારે આ ખપે. અલ્યા મૂઆ, તું આમ કાપ કાપ શું કરવા કરે છે ફિલ્મને ? જે બન્યું એ ચાલવા દેને અહીંથી ! બહુ દહાડા એવું કર્યું છે. હવે ઠેકાણે આવી ગયું છે. પાછું એને ફરી ઊંધું શું કરવા કરે છે ? એવું કરી કરીને તો આ બધું ઠેકાણે આવ્યું છે. આ જોઈએ, આ ના જોઈએ, એમ કરતાં કરતાં ઠેકાણે આવે કે ના આવે ? હવે ઠેકાણે આવ્યા પછી પાછું એવું કરવાનું ? હવે મને છ વિગઈ છોડી દેવી છે, કહે છે. અલ્યા મેલને પૂળો, વિગઈ છોડીશ તો તું ખાઈશ શું ? ગોળ, ઘી, દહીં, માખણ-બાખણ, તેલ-બેલ તે બધું વિગઈમાં ગણાયને ? મૂઆ, છોડવાની ભક્તિ કરું છું કે ભગવાનની કરું છું ? ભગવાનની ભક્તિ કરે છે ? ભગવાન એ કોને ઘરે રહ્યા, એ કોની ભક્તિ કરે છે ? કોઈ નાચમાં રસ ના લે તો સંપૂર્ણ આવી ગયું. રસ ના લેવો જોઈએ. રસ ક્યારે ના લે કે પોતે પૂર્ણ સ્વરૂપ હોય તો જ. તે તમને પૂર્ણ સ્વરૂપ આપ્યું છે, રસ ના લે એવું જ આપ્યું છે. અને અધૂરું સ્વરૂપ રસ લે. આ ત્યાગવું પડશે, આમ કરવું પડશે. ડખો મૂઆનો. ક્યારે ત્યાગ નથી કર્યો ? કયા અવતારમાં ત્યાગ નથી કર્યો ? અને એનું એ જ પાછું ગ્રહણ કરે છે. આ સાધુઓ થાય છે ને, તે આ અવતારમાં સાધુ થાય, પછી ઘૈડપણ આવવાનું થાય એટલે કંટાળે કે બળ્યું આમાં... એના કરતાં સંસારી સારું હતું. એટલે આપણે કહેવું કે પુદ્ગલનો સંપૂર્ણ નાચ, જ્યારે આત્મા જુએ ત્યારે જાણવું કે ફૂલસ્ટોપ (પૂર્ણાહૂતિ) આવ્યું !!! - જય સચ્ચિદાનંદલપ થાયને ત્યારે આ બાજુ જવાનં રસ્તા ના મળે ત્યારે છીંડા પાડે અને પેલા તો ઘેટાની પેઠે અંતરાય જાય, ઊભા રહે. આ તો છીંડા પાડે, ધાડ પાડે, બધું જ કરે. ડેવલપ ખરીને બુદ્ધિ અને પેલી તો સાહજિક કોમ છે. સાહજિકનો અર્થ તમને સમજાવું. ના મારકણી ગાય હોય તેનું નાનું છોકરુંં શીંગડું ઝાલે તોય મારે નહીં અને મારકણી હોય તો તેનું નામ તમે ના દો તોયે એ મારવા જાય એનું નામ સાહજિક. એ ત્યાંના લોક તેવા. નાશ કે નવસર્જન ? પ્રશ્નકર્તા : આજે ભારતની આખી સંસ્કૃતિ કેમ ખતમ કરવી એ વેસ્ટર્ન ડીક્ટેશનથી ચાલે છે. દાદાશ્રી : આ સંસ્કૃતિને આ નાશ કરવા ફરે છે ને, તે આપણે જે મકાન તોડવાનું હતું તે જ તે તોડી રહ્યા છે. એટલે આપણે લેબરર્સ નહીં મંગાવવા પડે. હું કે' દા'ડાનો જાણું છું કે આ લેબરર્સ બહારથી આવી રહ્યા છે. હવે નવું બાંધવાનું છે, આ જૂનું મકાન કામ ના લાગે. આ જર્જરીત થઇ ગયેલું મકાન અને જેમાં ને તેમાં ભૂતાં ભરાઇ રહેલાં છે, એવું આ ડિમોલીશ કરો. ત્યારે ડિમોલીશનું ટેન્ડર કાઢવાનું હતું, તે અરસામાં આ લોકો આવી ગયા. એટલે ટેન્ડર કાઢવાનું બંધ રાખ્યું છે. મેં કહ્યું છે કે ટેન્ડર ના કાઢશો આપણે. પૈસા ખરચવા મટ્યા. એની મેળે ઘેર બેઠાં કામ થઈ રહ્યું છે. આ વીતરાગોનો મત એવો છે કે એની મેળે સરળતાથી આગળ ચાલી જાય, એની મેળે સરળ ભાવે, કારણ કે સહજ માર્ગ છે, વિકલ્પી માર્ગ નથી આ. એટલે એ બધું તોડફોડ કરવા દોને, એને કહીએ કે ભઇ, આપણે એમાં પડવાની જરૂર નહીં. આપણે એમને એનકરેજ ના કરીએ કે તમે તોડફાડ કરો. એ પોતે એમ જાણી રહ્યો છે કે હું ઊંધું કરી રહ્યો છું. આપણે છત્તું થવાનું છે, પણ એને તો એમ જ લાગે છે ને આ ઊંધું કરી રહ્યા છીએ, હિન્દુસ્તાનની સંસ્કૃતિ તોડી નાખીએ છીએ. એટલે ઊંધું કર્યાની આપણે એને પ્રરૂપણા કરી કહેવાય, અનુમોદના કરી કહેવાય. એ પોતે એમ માને છે કે હું ઊધું કરી રહ્યો છું ને આપણે એમ કહીએ કે ભાઇ, તું આ કર, એવું આપણે ના કહીએ પણ જે કરી રહ્યા છે એ કરેક્ટ છે. માટે આખી સંસ્કૃતિ તોડફાડ, ફ્રેકચર કરી નાખવા દો. આખું ડિમોલીશન કરવાનું છે. આ તો નવેસરથી જ બિલ્ડીંગ બંધાવાનું છે. બધી કોમના કલ્યાણનો માર્ગ ! પ્રશ્નકર્તા : પણ દાદા, આ કર્મ બાંધ્યું હશે ને પાછું ? આ ઝાડુ મારવાનું કર્મ, લોકોને રીપેર કરવાનું, જગતકલ્યાણ કરવાનું કર્મ બાંધ્યું હશે ને ? દાદાશ્રી : હા, એ કર્મ બાંધેલું જ. પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત ને ? દાદાશ્રી : હા, વ્યવસ્થિત છે બધું પણ ભારે આવ્યું છે એમ કહું છું. છે વ્યવસ્થિત, અમારું જ છે પણ ભારે આવ્યું છે. પણ ઘણાં લોકોનું કલ્યાણ થઈ જવાનું છે. કારણ કે સહજાસહજ કલ્યાણ થાય એવો મોક્ષમાર્ગ આ ફેરો નીકળ્યો છે. પારસીઓ, મુસલમાનો, બધાય ફાવ્યાને ! કોઈ એક કોમ ના ફાવે એવું નથી ને બધાને માફક આવે એવું જ્ઞાન છે. ભગવાનનું જ્ઞાન અઘરું છે નહીં. વીતરાગોનું જ્ઞાન બહુ સરળ છે. મોક્ષ તો બહુ સરળ છે. સરળ છે, સહજ છે, સુગમ છે. ફક્ત પ્રાપ્તિ જ્ઞાની પુરુષ હોય તો થાય, નહીં તો કોઈ દહાડોય મોક્ષ પ્રાપ્ત થાય નહીં. કારણ કે મોક્ષદાતા એવા જ્ઞાની પુરુષ મોક્ષનું દાન આપવા આવેલા હોય ત્યારે થાય, નહીં તો ના થાય. અતિ દુર્લભ થયું અતિ સુલભ ! આખા જગતના તમામ જીવો માટે આ 'જ્ઞાની પુરુષ' એ ઉત્તમ નિમિત્તનો સંયોગ છે. 'તેમ ભવી સહજ ગુણે હોવે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે.' નજીકના મોક્ષે જનારને સહજ રીતે ઉત્તમ નિમિત્ત મળી આવે ! મોક્ષ અતિ સુલભ છે અને મોક્ષદાતાનો સંયોગ ભેગો થવો અતિ અતિ દુર્લભ છે. એની દુર્લભતા અવર્ણનીય છે. બધાંય અવતારમાં ભટકી ભટકીને આવ્યો છે, ક્યાંય સાચું સુખ મળ્યું નથી. ત્યાં અહંકારની ગર્જનાઓ અને વિલાપ જ કર્યા છે. છૂટવાની ઇચ્છા તો છે પણ માર્ગ મળતો નથી. માર્ગ મળવો અતિ અતિ દુર્લભ છે. આ 'જ્ઞાની પુરુષ'નો સંયોગ ભેગો થવો જ મુશ્કેલ છે. બધા જ સંયોગો ભેગા થઈને વીખરાઈ જવાના પણ જ્ઞાની પુરુષના સંયોગથી 'કાયમની ઠંડક' પ્રાપ્ત થાય. હવે તો કામ કાઢી લેવાનું છે. જ્ઞાની પુરુષ પાસે પડ્યા રહેવું છે એવી ભાવનાથી પરાક્રમ ઊભું થાય. પછી ગમે તેવો સંયોગ આવે તો પણ પરાક્રમથી પહોંચી વળાય. માર્ગ સરળ છે, સહેલો છે, સહજ છે પણ તેની પ્રાપ્તિ દુર્લભ છે. 'જ્ઞાની પુરુષ' ભેગા થવા બહુ મુશ્કેલ વસ્તુ છે. ભેગા થાય તો 'જ્ઞાન' મળવું મુશ્કેલ વસ્તુ છે. કેટલાક સાત-સાત વર્ષથી ધક્કા ખાય છે, તોયે 'જ્ઞાન' નથી મળ્યું. કેટલાક ત્રણ વર્ષથી ધક્કા ખાય છે અને 'જ્ઞાન' નથી મળતું ને કેટલાકને એક કલાકમાં મળી ગયેલું. એવું સહુ સહુના સંજોગો જુદી જાતના હોય ને ! મોક્ષની સ્થિતિ અહીં જ ! પ્રશ્નકર્તા : મોક્ષની સ્થિતિ ક્યારે પ્રાપ્ત કરી ગણાય ? દાદાશ્રી : મોક્ષની સ્થિતિ તો (આ જ્ઞાન લીધા પછી) તમે કો'કને ગાળ ભાંડોને, તોય તમો મોક્ષમાં છો અને કો'ક ગાળ ના ભાંડે, તોય મોક્ષમાં નથી, તે શી રીતે સમજાય આ લોકોને ? આત્માની સહજ સ્થિતિ અને દેહની સહજ સ્થિતિ એ જ મોક્ષ. દેહની સહજ સ્થિતિ એટલે તમે કો'કને ધક્કો માર્યોને તોય હું જાણું કે આ છે તે આત્મા નથી કરતો, તમે નથી કરતા. તમને ખબર પડે ને કે તમે કરતાં નથી એવું ? તમારી ઈચ્છા નથી છતાં થાય છે એ જોવાનું, એ દેહની સહજ સ્થિતિ છે. એમાં ડખોડખલ કરવી તેય પાછી સહજ સ્થિતિ ઊડી જાય. પ્રશ્નકર્તા : આત્માની આવી સહજ સ્થિતિ પ્રાપ્ત થયા પછી કેટલો સમય બધાને ટકે ? દાદાશ્રી : કાયમને માટે ટકે. આ તો કાયમનું હોય તો જ મોક્ષ કહેવાય ને ! અહીં જ મોક્ષ થઈ જવો જોઈએ. અહીં પંદરેક હજાર (૧૯૭૫માં) માણસોનો મોક્ષ થઈ ગયેલો છે જ, બીજાં બધા એની તૈયારીમાં છે. કેટલાંકને થઈ ગયો છે, કેટલાંક થતાં જાય છે. પહેલી ચિંતા બંધ થઈ જવી જોઈએ. પ્રશ્નકર્તા : અમારો નંબર લાગશે કે કેમ ? દાદાશ્રી : તમારી ઈચ્છા હશે તો લાગશે, તમારી ઈચ્છા નથી તો નહીં લાગે. અત્યાર સુધી ન હતી તે ના લાગ્યો. જો ઈચ્છા થશે તો લાગશે. આ બધાનો લાગ્યો ને તમારો કેમ ના લાગે ? કારણ કે તમને સમજાયું નહોતું, આ શું છે ? આ વર્લ્ડમાં શી રીતે સમજાય ? આ અલૌકિક વસ્તુ દસ લાખ વર્ષે એક જ વખત પ્રગટ થાય ત્યારે આ હું તો નિમિત્ત બન્યો છું. બધું કામ કાઢી લેવાનું છે. અક્રમ વિજ્ઞાનથી સ્ત્રી-પુરુષો સંસારમાં રહીને મોક્ષ ભોગવે. તમને સંસારમાં બધી જો છૂટ આપીને ! અક્રમ માર્ગની લોટરી વિજેતા... આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે આવો માર્ગ નીકળે છેને ! પ્રત્યક્ષ વગર કાંઈ વળે નહીં. 'વીતરાગોનું વિજ્ઞાન' પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી અને આ તો 'અક્રમ વિજ્ઞાન', એમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેન્ક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ ! આવું જ્ઞાન આ સાડા ત્રણ અબજની (આજે સાત અબજની) વસતીમાં કોને ના જોઈએ ? બધાને જોઈએ. પણ આ જ્ઞાન બધાને માટે ના હોય, એ તો મહા પુણ્યશાળીઓ માટે છે. આ 'અક્રમ જ્ઞાન' ઊભું થયું, એમાં લોકોની કંઈ પુણ્યૈ હશેને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા-ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને, તેમને માટે 'આ' માર્ગ નીકળ્યો છે. આ તો અહીં સહેજાસહેજ આવી પડે, એનો પુણ્યનો પાસપોર્ટ લઈ આવે ને સાચી ભાવનાથી માગણી કરે તેને જ્ઞાન આપી દઈએ. 'દાદા'ની કૃપા મેળવી ગયો તેનું કામ થઈ ગયું ! લોકોને આના માટે કંઈ કહેવા જવાનું નથી હોતું. આ 'દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઈ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં જેને ભાવના થઈ ને 'દાદા'નાં દર્શન કર્યાં તો એ દર્શન ઠેઠને પહોંચે છે. 'દાદા' એ આ દેહના નિકટના પાડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આત્મા પ્રાપ્તિ કરાવનાર દુર્લભ ! એટલે શાસ્ત્રકારોએ લખ્યું છે કે આત્મા સહજ છે, સ્વભાવિક છે, સુગમ છે, સહજ છે એટલે સહેજે પ્રાપ્ત થાય એવી વસ્તુ છે. પણ તે આમ પ્રાપ્ત થવું દુર્લભ છે. જ્ઞાની મળે નહીં અને દા'ડો વળે નહીં. અને જ્ઞાની મળે તો દા'ડો વળી જાય એવું છે. અમે સંસારમાં નથી છતાં સંસારમાં કહેવાઈએ છીએ. અમે બે રૂપે રહીએ અને સંપૂર્ણ વીતરાગ થઈને ફરીએ છીએ. પ્રશ્નકર્તા : પણ ભાગ્યશાળીઓને જોવા મળ્યાં વીતરાગ. દાદાશ્રી : આ જોવા મળ્યાં એ વીતરાગ જોવાના મળે નહીં ને ! પ્રશ્નકર્તા : વર્ણનમાં સાંભળવા ના મળે, જોવા ના મળે. દાદાશ્રી : વર્ણનમાં સાંભળવા નાય મળે, જોવા ના મળે. આપણે જોડે બેસીએ તો થાય હઉ કે આ હોવા જોઈએ ! કેવી મજાની વાત ! નો ડેકોરેશન ! છે ડેકોરેશન કોઈ જાતનું ? ત્યાં તો બેસવાનુંય ડેકોરેશન, પલોઠી વાળીને બેસો. અલ્યા મૂઆ, જંપીને બેસોને. આ બાજુ દુઃખે છે. જંપીને બેસવાય ના દે, પલંગ હોય તોય. એ પાછો એક જણ એવું જ જોયા કરતો હોય. પ્રશ્નકર્તા : હા, કે કોણ બરોબર નથી બેઠું, એનો બધો ઉપયોગ લગભગ એમાં જ હોય. દાદાશ્રી : અને આપણે અહીંયા અમુક આચાર થયા છે પણ ઉપયોગ બધો અહીં. ઊલટા આચાર સહીત આવ્યા બધા. ત્યાં તો ઓર્નામેન્ટલ થયેલું છે. ત્યાં એ મોક્ષમાર્ગ નથી. પણ વીતરાગ માર્ગ તો સહજ હોય. અત્યારે હિન્દુસ્તાનમાં કોઈ પણ માર્ગ એવો નથી કે જે સહજ હોય. કરાંજવાનું ના હોય ત્યાં. એટલે સહજ થાય તો જ મોક્ષે જાય. આનો માર્ગ જ નહોય ને ! આ તો સંસાર માર્ગ છે ડેકોરેટીવ, ડેકોરેશનવાળો ધર્મ. ડેકોરેશન ધર્મ, ઓર્નામેન્ટલ કહેવાય, ત્યાં મૂળ તો ધર્મ જેવી વસ્તુ જ નથી રહી. મુક્ત કરે એનું નામ ધર્મ. કોઈ આપણા ઉપરી ન હોય, એનું નામ યથાર્થ ધર્મ કહેવાય. પેલો ભ્રાંત ધર્મ કે જેમાં અહંકાર સાથે છે. તે અશુભ છોડવાનું ને અહંકારને શુદ્ધ કરવાનો, એ ભ્રાંતિનો ધર્મ અને પેલો યથાર્થ ધર્મ, કોઈ ઉપરી જ ન હોય. ઉપરી શેના માટે હોવો જોઈએ ? શું આપણે બગાડ્યું છે ? કોઈ આપણો ઉપરી હોઈ શકે નહીં. તો ધર્મનો માર્ગ અત્યારે ઓર્નામેન્ટલનો છે. આ વીતરાગ માર્ગ જ ન્હોય ને ! આ તો ગચ્છમત બધા કહેવાય. અને તેથી જ શ્રીમદ્ રાજચંદ્રે સારી વાત કરી છે. 'ગચ્છમતની જે કલ્પના તે નહીં સદ્વ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર.' તું ચાલું છું એ તો બધી કલ્પનાઓ છે. આ તો સ્યાદ્વાદ છે, અનેકાંત છે. આપણે એમનું ખોટુંં નથી કહેતા. એમના માટે બરાબર છે. જેને મોક્ષે જવું છે તેના માટે બરાબર નથી આ. એટલે એમની ભૂલ કાઢશો નહીં, કોઈની. આ ભૂલ કાઢવા માટે નથી કહેતો. અગર તો એમને હાનિ કરવા માટે નથી કહેતો. એ જે રીતે જીવી રહ્યા છે એવી રીતે જીવવા દો. એ કહે કે મારા ધર્મથી મને સંતોષ નથી થતો, તો વાત કરજો. નહીં તો આ વાત કરવી એ ગુનો છે. આ તો અનેકાંત માર્ગ છે, મહાવીર ભગવાનનો. એટલે આ એકાંતે આજ સાચું છે એવું કહેવાય જ નહીં. જેને જે એકાંતમાં આવ્યો હોય, તે એકાંત પ્રત્યે એની દ્ષ્ટિ હોય, તે દ્ષ્ટિમાં જ એને બરાબર હોય. કારણ કે અવલંબન છે એનું. આ પકડે નહીં ને પેલું છોડી દે, તો માર્યો જાય. બાકી છે બધું ઓર્નામેન્ટલ. આ કેવું હોય ? સહજ હોય, કાયદો ના હોય, આમ ન હોય, કે આમ કેમ બેઠા ને આમ કેમ ? એવું અહીં નહીં. અહીં તો સહજ થવા દો ને ! શું કરવા પલોઠીઓ વળાય વળાય કરો છો ? હું તો એક જગ્યાએ ધર્મમાં ગયો'તો એક ફેરો, મારો તો પગ દુઃખતો'તો, જરા મારા હાથ પગ આમ ઊંચા કરું, તો મને પેલા લોકો કહે છે, 'એય ફરી આવું નહીં કરવાનું.' મારા મનમાં નક્કી કર્યું, મેં કહ્યું, 'અહીં ફરી નહીં આવું.' જયાં સહજ નથી, પોલીસવાળા છે, તે ત્યાં આગળ મોક્ષમાર્ગ કેમ હોઈ શકે ? સહજ માર્ગ ઉપર પોલીસ ગેટ હોય નહીં અને ત્યારે પેલું ટીક ટીક કરે, તે ટાઈમકિપરેય ના હોય. પ્રશ્નકર્તા : દાદા, સહજ માર્ગ ઉપર અભિનિવેશ ન થઈ જાય ને ? દાદાશ્રી : અભિનિવેશ નહીં એનું નામ જ સહજ, બીજું આખું જગત અભિનિવેશમાં જ પડ્યું છે. એટલે દ્ષ્ટિરાગ કે 'આ જ બરોબર', આ એકાંતિક થઈ ગયેલા છે. અનેકાંતને સમજવું જોઈએ. અનેકાંત સમજીને એકાંતમાં રહેવાની જરૂર છે. એકાંતમાં રહેવુંય પડે, જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય, ત્યાં સુધી કોઈપણ એકાંતમાં હોઈ શકે. પણ સહજતા એનો છેલ્લામાં છેલ્લો માર્ગ. સહજતા એટલે ઈઝી, ઈઝીનેસ રીતે રહે. એક જણ મને કહે છે, મારે ત્યાં ખુરશીઓ લઈ આવ્યો. ઈઝીચેર લાવ્યો છું. જે દા'ડાના ઈઝીચેર પર બેઠા, તે અનઈઝી દેખાતા'તા, બળ્યાં. આ ઈઝીચેરનેય વગોવી તમે તો ! ચેર ઈઝી બની પણ ભઈ ઈઝી ના બની શક્યા ! આને ધર્મ કેમ કહેવાય ? આ તો ઈગોઈઝમ છે ખાલી. ધર્મના નામનો ઈગોઈઝમ છે ખાલી. ધર્મ તો કેવો હોય ? સુગંધી આવે. એક અગરબત્તીને અહીં આગળ સળગાવો જોઈએ, ત્યારે એ રૂમમાં સાધારણ સુગંધ ફેલાવે છે. માણસની સો-સો માઈલ આગળ આમ સુગંધી આવવી જોઈએ. આ તો ઘરમાં પૂછયું હોય ત્યારે કહેશે, 'જવા દો ને વાત. બહુ કરશો નહીં.' ઘરમાં સુગંધ ના જોઈએ ? ત્યાર પછી કેમ આ ? પાડોશમાં જ પાડોશીને સુગંધ ના આવવી જોઈએ ને ? આદર્શ જીવન ના જોઈએ ? જીવન કેવું હોવું જોઈએ ? આદર્શ હોવું જોઈએ. આને જીવન કેમ કહેવાય ? આદર્શ થવું જોઈએ. આ વિજ્ઞાન જ સહજ બનાવે ! પ્રશ્નકર્તા : દાદા, પહેલાં બધામાં એવું વાંચવામાં આવેલું કે તમે સહજ થાઓ, સહજ થાઓ પણ સહજ થવું કેવી રીતે ? દાદાશ્રી : આ અસહજ ક્રિયાઓ કરે છે અને સહજ થવા ફરે છે એ ક્યારેય ના બને. આ અક્રમ વિજ્ઞાન જ માણસને સહજ કરે છે. જે બુદ્ધિને પણ ગાંઠતું નથી એ વિજ્ઞાન, એ સહજ જ કરે છે માણસને. પ્રશ્નકર્તા : સહજભાવે જ આ... દાદાશ્રી : માર્ગ જ આપણો બિલકુલ સહજ. પૂર્ણ વિજ્ઞાન છે આ ! પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન જે છે તે સહજ યોગથી કંઇ ફેર ખરો ? દાદાશ્રી : સહજ યોગ જ છે આ. સહજ યોગ એટલે અસહજ નહીં. આ બધું જગત તો કલ્પિત છે અને આ સહજ છે. અક્રમ વિજ્ઞાન એ પૂર્ણ વિજ્ઞાન છે. આ પૂર્ણ વિજ્ઞાન એટલે અધૂરું હોય ત્યાં સુધી અસહજ. પૂર્ણ થયું એટલે સહજ થઇ ગયું. પ્રશ્નકર્તા : હું એમ માનું છું કે આ જે અક્રમ વિજ્ઞાન છે એટલે જે પેલું રેગ્યુલર જે યોગ છે, યમ-નિયમ-આસન-ધારણા-ધ્યાન-સમાધિ એની કોઇ જરૂર પડતી નથી ? દાદાશ્રી : એની જરૂર જ નહીંને ! અષ્ટાંગયોગ પૂર્ણાહુતિ થાય ત્યારે આ પદ પ્રાપ્ત થાય. એ પૂર્ણાહુતિ થાય તો જ સહજ થાય ને નહીં તો સહજ થાય નહીંને ! અષ્ટાંગયોગ એ ધોરી રસ્તો છે અને આ કોઇ ફેરો અપવાદ રસ્તો છે. કો'ક વખત આ ઉત્પન્ન થાય. બાકી મૂળ ધોરી રસ્તો પેલો છે. આ માર્ગ કાયમ રહેતો નથી. અપવાદમાં જેટલાને દિશા મળી ગઇ, એટલાનું કામ થઇ ગયું. જે તરણતારણ થયેલા હોય તે તારે. જે મોક્ષનું દાન આપતા હોય તે, બાકી બીજા કોઇ મોક્ષનું દાન આપી શકે નહીં. એટલે એમની જોડે બેસીને એમના જેવા થઇ જવાનું છે. જ્ઞાની પુરુષ પાસે બેસે ત્યારે એને મોક્ષ શું છે એવું સમજાય. વાતાવરણ એટલું બધું ઊંચું હોય કે મોક્ષ શું છે એ વાતાવરણ ખબર પડી જાય. જેમ અહીં આગળ નજીકમાં બરફ પડેલો હોય તો નજીક બેઠા હોઈએ તો પવન અડીને આવે ને ઠંડું લાગે તો આપણે સમજી જઇએ કે આટલામાં બરફ હોવો જોઇએ. એવું જ્ઞાની પુરુષનું વાતાવરણ મોક્ષનો અનુભવ કરાવે. જગત વિસ્મૃત રહે. જગત વિસ્મૃત થયું ત્યારથી જ મોક્ષનો અનુભવ થવા માંડ્યો. નહીં તો જગત વિસ્મૃત થાય એવો કોઇ રસ્તો નથી. હા, બીજો રસ્તો છે. નીચે ઉતરી જનારને રસ્તો મળી આવે. તે ઘડીયે બે બહારવટિયાની વાતો વાંચે તે ઘડીએ વિસ્મૃત થઇ જાય બધું. પણ તે નીચે ઉતરવાનો રસ્તો, ચઢવાનો નહીં. જગત ભૂલાય એને સમાધિ કહેવાય. અને સમાધિ કરવા માટે લોકોએ યોગમાર્ગ પકડ્યો. આમ પકડ્યું તે બધું હેન્ડલ મારી ને પંખા ફેરવવા એના જેવી વાત. ભગવાનને ત્યાં તો એલાઉડ નહીં ને ભગવાનને ત્યાં તો સાહજિક હોય, બીજા નોટ એલાઉડ. ખાતા-પીતાં, ઊઠતાં-બેસતાં સમાધિ ના જાય એ સમાધિ. ક્રમિક માર્ગે આત્મા પ્રાપ્તિ મુશ્કેલ ! આત્માનું લક્ષ ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે ખ્યાલ આવે. તે લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોય ને ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોય ને, એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે, આવો છે... તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય. એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય. એની મેળે પ્રાપ્ત થાય અને પ્રયત્ન કરવો પડે એનું નામ અનુભવ નહીં. પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે. આપણે કહીએ તમને આત્મા પ્રાપ્ત થયો છે ? ત્યારે 'હજુ બરોબર નહીં' એવું કહે. કારણ કે બરોબર કહે, તો પેલો કંઈક પૂછે તો જવાબ દેતા આવડે નહીં કશું. શું કરે તો ફલાણું ગુંઠાણું થાય, ફલાણું થાય ? ફલાણું ગુઠાણું કેવું હોય ? એ બધું પૂછવા જાય તો એને આવડે નહીં. આત્માનુભવી જ્ઞાની ! આત્માનો અનુભવ જેને સંપૂર્ણ થયો છે એ 'જ્ઞાની પુરુષ' કહેવાય. એ આખા બ્રહ્માંડનું વર્ણન આપી શકે. બધા જ જવાબો આપી શકે. ગમે તેનું પૂછે, ખુદાનું પૂછે, ક્રાઈસ્ટનું પૂછે, કૃષ્ણનું પૂછે કે મહાવીરનું પૂછે તોય 'જ્ઞાની' તેનાં જવાબ આપી શકે. આ 'અક્રમ વિજ્ઞાન' થકી તમને પણ આત્માનુભવ જ પ્રાપ્ત થયો છે. પણ તે તમને સહજ પ્રાપ્ત થયેલો છે. તેથી તમને પોતાને લાભ થાય, પ્રગતિ મંડાય. 'જ્ઞાની'ના પરિચયમાં વિશેષ વિશેષ રહીને સમજી લેવાનું છે. કરવાનું કશુંય નથી. ક્રમિક માર્ગમાં તો કેટલો બધો પ્રયત્ન કરે ત્યારે આત્માનો ખ્યાલ આવે, તેય ઝાંખો ઝાંખો અને લક્ષ તો બેસે જ નહીં. એમને લક્ષમાં રાખવું પડે કે આત્મા આવો છે અને તમને અક્રમ માર્ગમાં તો સીધો આત્માનુભવ જ થાય છે. સહજ થયે છકે નહીં ! પ્રશ્નકર્તા : 'હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન છે ? દાદાશ્રી : ના. એ જ્ઞાન તો વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તો આ શબ્દમાં લખેલું છે એને જ્ઞાન કહેવાય. જે કરવું પડે એનું નામ જ્ઞાન અને કરવું ના પડે, એની મેળે સહજ થયા કરે એ વિજ્ઞાન. 'આત્મજ્ઞાન સરળ-સીધું સહજ થયે છકે નહીં !' આત્મજ્ઞાન સહજ થયું હોય તો એને છાક ના ચઢે એટલે કેફ ના ચઢે. પણ કેફ કરતાંયે છકે શબ્દ બહુ કઠણ છે. જ્ઞાનક્રિયા : અજ્ઞાનક્રિયા પ્રશ્નકર્તા : આ જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે તો એ ક્રિયા કઈ ? દાદાશ્રી : જ્ઞાન, આપણને પ્રાપ્ત થયું ત્યાર પછી જે ક્રિયા છે, જે કર્મ-અકર્મ જુએ છે તે જ્ઞાનક્રિયા છે. જે ક્રિયાનું બીજ ના પડે તે જ્ઞાનક્રિયા. એ સહજ હોય. બીજ ના હોય. અહીં કેરીઓ ખાધી ને ગોટલા ફેંકી દીધા તે અજ્ઞાનક્રિયા કહેવાય. સરકારે એમ કહ્યું હોય કે કેરીઓ ખાજો પણ આંબા રોપશો નહીં, નહીં તો ગુનો ગણાશે. પણ આ ખબર નથી એટલે કેરીઓ ખાઈને ગોટલા ફેક્યાં, એ આંબો રોપતો નથી પણ છતાંય આ કેરીઓ ઊગી. હવે અહીં જ્ઞાનક્રિયા કઈ ? ત્યારે કહે, પોતે ગોટલાને શેકી નાખે ને ફેંકે તે જ્ઞાનક્રિયા ! ત્યાગાત્યાગથી પર સહજ ! ગ્રહણ-ત્યાગથી સંસાર ઊભો રહ્યો છે ને ! બાકી મોક્ષ તો સહજતાથી છે. ત્યાગેય નહીં, ગ્રહણે નહીં. જ્યાં ગ્રહણ-ત્યાગ કંઈ છે જ નહીં, ત્યાં મોક્ષ છે. તમે ડુંગળીનો ત્યાગ કરો એટલે ડુંગળી તમે દેખો તો તમને તિરસ્કાર આવે, ગમે નહીં. એવું જાણો છો તમે ? એટલે ડુંગળી પર દ્વેષ નહોતો, તે ડુંગળી પર દ્વેષ ઊભો થયો. તે આવા બટાકા પર દ્વેષ, ડુંગળી પર દ્વેષ કર્યા છે. તારે ના ખાવા હોય તો ના ખાઈશ પણ આ દ્વેષ શું કરવા ? ભાવથી છોડી દેને ! અહીં બધું પૂછવાનો અધિકાર ! પ્રશ્નકર્તા : હું બહુ સહજ સ્વભાવે બોલું છું અને તમારી પાસે એટલો બધો ઓપન થઈ ગયો છું. દાદાશ્રી : અહીં સહજ થવાય, એને અપમાન ન કહેવાય. અહીં તમને દરેક વસ્તુ પૂછવાનો અધિકાર હોય. ખુલાસા થાય તો આ જ્ઞાન પચે, નહીં તો પચે નહીં. કારણ કે બધું અજીર્ણ થાય એનું તો. એટલે આ બધાં ખુલાસા થવા જોઈએ. હું તો લોકોને એમેય કહું છું કે તમારે મને ગાળો બોલવાની છૂટ, મારે તને ભંડાય નહીં. મારે વિવેકમાં રહેવું જોઈએ. વાડાબંધી તો વિભાવિકતા ! પ્રશ્નકર્તા : તો શુદ્ધાત્માનું જે જ્ઞાન આપની પાસેથી લઈએ, તે એક મંડળ કે વાડો નથી થતો ? દાદાશ્રી : ના, આને વાડો હોય જ નહીં ને ! જ્યાં વિભાવિકતા હોય ત્યાં વાડો હોય. સ્વાભાવિકતા હોય ત્યાં સહજતા ઉત્પન્ન થાય, ત્યાં વાડો હોય જ નહીં ને ! કારણ કે એ ઝાડ-પાન, ગાય-ભેંસ, બધા જીવમાં શુદ્ધાત્માના દર્શન કરે, પછી એમાં જુદાઈ, વાડો જ ક્યાં રહ્યો ? 'એવરીવ્હેર' બધે ભગવાન દેખાય એને ! અક્રમમાં ઉદાસીનતાની નહીં જરૂર ! પ્રશ્નકર્તા : સ્વરૂપજ્ઞાન થયા પછી સંસારમાં ઉદાસીનતા જ રહેને ! પછી તો ક્યાંય રસ ના આવેને, અનુભવ થયા પછી ? દાદાશ્રી : ઉદાસીનતાની જરૂર જ નથી. ઉદાસીનતાનો માર્ગ જ ન્હોય આ. આ તો નિકાલ કરવાનો માર્ગ. કેરી ઘોળીને રસ લાવતા હોયને, તો આપણે કહીએ, 'જુઓ, મહીં રસમાં ફલાણા મસાલા-બસાલા નાખજો, હં.' અને પછી ખા. આ એવું નહીં કે થાળી સારી આવી તો લોકોને આપી દેવાની. આ તો ભોગવતાં ભોગવતાં જવાનું. આ એવું ઉદાસીનતા લાવવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : ઉદાસીનતા લાવવાની નહીં, સહજ ઉદાસીનતા થાય. દાદાશ્રી : પણ સહજ ઉદાસીનતાની જરૂર જ નથી, આ લાઈનમાં. આ તો અમારી આજ્ઞા પાળીને સમભાવે નિકાલ કરો. કેરી આવે તો કેરી ખાવ, જે આવે એ ખાવ બધું. વિચાર નહીં, થાળીમાં જે આવે એ ખાવ. ઉદાસીનતા થઈ જાયને, એ તો આ વૈરાગ માર્ગમાં. વૈરાગથી ઉદાસીનપણું આવે. આમાં વીતરાગપણું આવે. આપણે અહીં ઉદાસીનપણું બિલકુલેય ના હોય, સીધી વીતરાગતા જ. આ વેઢમી-લાડવાં બધું જ ખાવાની છૂટ આપી, તેનું કારણ શું ? નહીં તો, ના કહી દેત કે ભાઈ, આવું બધું ખાવાનું નહીં. જે આવે એ બધું ખાવ, અમે એ જ્ઞાનથી જોયેલું છે કે વોટ ઇઝ ડિસ્ચાર્જ એન્ડ વોટ ઇઝ ચાર્જ. એ અમે ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કહેલું છે. અમે તમને ડિસ્ચાર્જમાં આઘુંપાછું કરો, એવું કશું કહેતા નથી. જગત આખુંય ડિસ્ચાર્જને ચાર્જ સમજે છે. એટલે જગતને ઉદાસીન થવાની જરૂર છે. અક્રમ માર્ગે સહજ લક્ષ આત્માનું ! તમને આ જે 'જ્ઞાન' થયું ને, તેમાં શાસ્ત્રનાં બધાંય વાક્યો મહીં આવી જાય છે. શાસ્ત્રમાં જેટલુંુ કહ્યું છે એટલું કરેક્ટ છે. તેથી આગળ બાકી રહ્યું એનંું નામ અક્રમ વિજ્ઞાન ! શાસ્ત્રમાં આત્મા અને એ બધું લખે પણ બધા ગુણ ના આવે. આ અમે બધા જ ગુણો બહાર પાડીએ છીએ. તો આત્મા પ્રાપ્ત થાય, નહીં તો આત્મા પ્રાપ્ત ના થાય. ક્રમિક માર્ગમાં જેટલા ગુણો પ્રાપ્ત થાય એટલા અંશે આત્મા પ્રાપ્ત થાય પણ લક્ષ ના બેસે. લક્ષ એટલે કયું ? કે એમને પેલું યાદગીરીનું લક્ષ બેસે અને આપણું આ સહજ લક્ષ કહેવાય. રાતે જાગો તો સામું આવે, યાદ કરવું ના પડે. એ તો યાદ રહ્યા જ કરે અને જે યાદ કરવું પડે તે પુદ્ગલ કહેવાય. આમાં આત્મા યાદ કરવાનો ના હોય. આત્મા પોતાનું સ્વરૂપ જો જોઈન્ટ થઈ ગયું, પછી યાદ શેનો કરવો પડે ? વિચાર કરવો પડે, યાદ કરવું પડે એ બધુંય પુદ્ગલ. ક્રમિક માર્ગમાં વિચારણાનું ફળ આત્માની સહજ સ્થિતિ થવી તે. અને આમાં આ વ્યવસ્થિત સમજાયાનું ફળ. આમાં વિચારણા શબ્દ જ ના હોયને. વિચાર માત્ર જ્ઞેય છે. અક્રમ તે પૂર્ણ ભેદ વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : ભેદ વિજ્ઞાનને અક્રમ વિજ્ઞાન કહી શકાય ખરું ? દાદાશ્રી : હા, ભેદ વિજ્ઞાન ને અક્રમ વિજ્ઞાન એક જ છે. પણ આ અક્રમ વિજ્ઞાનનું ભેદ વિજ્ઞાન એ ફુલ સ્ટોપ છે, જ્યારે ક્રમિકનું ભેદ વિજ્ઞાન કોમા છે. એટલે આને પછી કશું કરવાનું નથી હોતું. કશું કરવાનું નહીં એનું નામ અક્રમ વિજ્ઞાન. કરવાનું નહીં ત્યારે શું થાય ? ત્યારે કહે, સહજ સ્વરૂપે થયા કરવું નિરંતર. પ્રશ્નકર્તા : સહજ સ્વરૂપને જરા વિસ્તારથી કહોને ? દાદાશ્રી : અત્યારે આપણે અસહજ થયેલા છીએ. એટલે વિકલ્પી થઈ ગયેલા છીએ. પ્રશ્નકર્તા : પણ વિકલ્પીને અન્નેચરલ કહી શકાય ? સહજ થવું એટલે તો નેચરલ ! દાદાશ્રી : નેચરલને અન્નેચરલ કેમ કરીને કહી શકાય ? વિકલ્પી ને નિર્વિકલ્પ બંને નેચરલ છે. પ્રશ્નકર્તા : બન્ને નેચરલ છે ? એટલે થોડું જરા એને સમજાવો. દાદાશ્રી : નેચર એટલે શું ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. ટુ એચ ને ઓ ભેગું થાય ને પાણી પડે એનું નામ નેચર કહેવાય. એમ આ એવિડન્સ ભેગા થાય એટલે એ નેચર કહેવાય. તે અમુક જાતના એવિડન્સ ભેગા થાય ત્યારે સહજ થાય નહીંતર વિકલ્પી થાય. એટલે આ સહજની ક્રિયા છે અહીં આગળ. મોક્ષમાર્ગ સહજ છે, સુગમ છે, સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કારણ કે મોક્ષમાર્ગના દાતા મોક્ષદાતા પુરુષ કો'ક કાળે હોય છે અને મોક્ષદાતા પુરુષનામાં વિશેષ-વિશેષ શું હોય ? ત્યારે કહે, એમનામાં એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય. એક સેન્ટ પણ બુદ્ધિ હોય ત્યાં સુધી એ જ્ઞાન કહેવાય જ નહીં. અપ્રયત્નતા, સુખ માટે પણ ! પ્રશ્નકર્તા : એટલે આ કોઈ શોર્ટકટ (ટૂંકો રસ્તો) છે ? દાદાશ્રી : બિલકુલ ડિરેક્ટ રસ્તો, બિલકુલ શોર્ટકટ ! પ્રશ્નકર્તા : પણ આનો અંતિમ ધ્યેય શું છે ? દાદાશ્રી : સનાતન સુખ પ્રાપ્ત કરવાનું, સ્વતંત્ર થવાનું, નિરાલંબ થવાનું ! પ્રશ્નકર્તા : સનાતન સુખમાં શું હોય ? એની વ્યાખ્યા શું છે ? દાદાશ્રી : જે સુખને માટે આપણે કોઈ પ્રયત્ન આપણે ના કરવો પડે, કોઈપણ જગ્યાએ સહજ રીતે પ્રાપ્ત થયા કરે ! નિરંતર રહ્યા કરે, દુઃખ જોવામાં જ ના આવે, એનું નામ સનાતન સુખ ! પ્રગટે આત્મઐશ્વર્ય, સહજપણામાંથી ! સહજ એટલે શું ? પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એના જેવું. પાણી પાછું આમ ચાલ્યું જાય તો એમ ચાલ્યું જાય, પોતાપણું નહીં. પોતે પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એવું. સહજ એટલે શું ? એક મિનિટ પણ સહજ થયો એટલે એ ભગવાન પદમાં આવ્યો. જગતમાં કોઈ સહજ થઈ શકે નહીંને ! એક મિનિટ પણ ના થઈ શકે. સહજ તો આ અક્રમ વિજ્ઞાનથી તમે થયા છો ! નહીં તો આ વકીલાત કરતાં કરતાં સહજ થવાતું હશે ? વકીલ તે સહજ થતા હશે ? પાછા કેસ લઈને બેસેને ? પણ જો સહજ થવાયું ને ! એય અજાયબી છેને ! આ મોટામાં મોટા ચમત્કાર કહેવાય. છતાંય આપણે કહીએ કે ચમત્કાર જેવી વસ્તુ નથી. સમજણ નહીં પડવાથી લોકો કહે કે ચમત્કાર છે. બાકી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધા ! અત્યારે તો આ વિજ્ઞાન જે તમને આપ્યું છે, તે તમને હવે નિરંતર સહજ જ કરી રહ્યું છે. અને સહજ થઈ ગયું એટલે મારા જેવા થઈ ગયા. મારા જેવા થઈ ગયા એટલે બ્રહ્માંડના ઉપરી કહેવાય. દાદા ભગવાનને બ્રહ્માંડના ઉપરી કહેવાય. એનું શું કારણ કે આ દેહના માલિક નહીં. એટલે આ દેહનો માલિક કોણ ? ત્યારે કહે કે આ પબ્લિક ટ્રસ્ટ. પ્રશ્નકર્તા : દાદા, આપે બધાને થોડું થોડું દરેકની શક્તિ પ્રમાણે આત્માનું ઐશ્વર્ય બતાવી દીધું. દાદાશ્રી : કેવડું મોટું ઐશ્વર્ય બતાવ્યું ! જુઓને, મોઢા પર કેવો આનંદ છે, નહીં તો દિવેલ ચોપડેલું હોય ! સહજ થયેલાનું એક જ વાક્ય બહુ હિતકારી હોય લોકોને ! સહજ થયેલો જ નહીં ને ! સહજતાનો ઉપાય આપણે ત્યાં છે આ. હવે જેટલો ડાહ્યો થાય, પાંસરો થાય એટલો. પાંસરો થઈ ગયો કે, સહજ થઈ ગયો. અમે અમેરિકા ગયેલા, તે પોટલાની પેઠ ગયેલા ને પોટલાની પેઠ આવેલા. આ અમેરિકામાં બધે ગયેલા, ત્યાંય એવું ને બધે એવું. અમારું કશું નહીં. 'વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત !' એના જેવું. પ્રશ્નકર્તા : આત્માનું જે ઐશ્વર્ય છે, તે સહજપણામાંથી પ્રગટ થતું હશે ? દાદાશ્રી : સહજમાંથી જ, જેટલો સહજ થાય એટલું ઐશ્વર્ય પ્રગટ થાય. હવે સહજ તો ફોરેનવાળાય રહે. આપણાં બાળકોય સહજ છે, પણ એ અજ્ઞાન સહજતા. એટલે આ જ્ઞાનપૂર્વકની સહજતા હોય તો થાય. પ્રશ્નકર્તા : આ લૌકિક ઐશ્વર્ય હોય છે તો એનો મોડો-વહેલોય થાક લાગે છે. દાદાશ્રી : નર્યો થાક જ લાગે. એ ઐશ્વર્યનો થાક જ લાગે. મારી પાસે આટલા વીઘા જમીન છે, મારે આટલા બંગલા, બધું વજન માથા પર પડે. જેટલું 'મારું' બોલેને એટલું માથા પર પડે. હા, બોલ્યા પછી શું થાય ? માથે પડ્યા પછી, ગભરામણ થાય એને, પછી છોડતાં આવડે નહીંને ! 'ન્હોય મારું' બોલે એટલે છૂટી જાય પણ એ આવડે નહીંને ! ઓર જાતનો આનંદ ક્યારે રહેશે ? પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં તો બોલવું પડેને, 'મારું છે' એમ ? દાદાશ્રી : હા, બોલવું પણ વ્યવહારથી બોલવું એટલે તો, નાટકના જેવો બોલ હોવો જોઈએ. પ્રશ્નકર્તા : એટલે અંદર એને સ્પષ્ટ હોવું જોઈએ કે આ મારું ન્હોય ? દાદાશ્રી : ના, એને તો, નાટકમાં તો એને પોતાને એમ ખબર પડે કે હું તો ચંદુલાલ છું અને આ ભર્તૃહરિનું નાટક મારે ભજવવાનું છે. એને સ્પષ્ટ હોય, એ પોતે ઊતરેલો છે એટલે અને એનું રીહર્સલેય કરેલું છે. અને આમને તો આ ઉતરેલું નથી, રીહર્સલે કરેલું નહીંને ? રીહર્સલ કરેલું હોય તે આમનેય રહે. પ્રશ્નકર્તા : ક્રમિકની અંદર ઘણી મહેનત કરવા છતાં આનંદ નહોતો અને આની અંદર આનંદ સહજમાં રહે છે. એટલે કેટલીક વખત એવો પીરીયડ આવે ત્યારે એમ લાગે છે કે આ જે આનંદ જે રહે છે આવો, સહજ રહે છે, તો 'કશું નહીં કરવાનું' ? આપે જે કીધેલું છે કે 'આપણે કશું નથી કરતા' એ કેવું ? દાદાશ્રી : હજુ તો 'કશું નથી કરતા' એ ભાન છે એટલે થોડો આનંદ ઓછો થાય છે. જ્યારે સહજ થશે, ત્યારે આખો દહાડો આનંદ ઓર જ જાતનો થશે ! 'કશું કરતા હતા' તે ભાન હતું, તે પછી હવે 'નથી કરતા' એનું ભાન છે. પણ 'મૂળ વસ્તુ' બેથી પર છે. અહમ્કારનો ફૂલસ્ટોપ, તે અક્રમ ! ''આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોષાય યા ના પણ પોષાય છતા હું કંઈ જ કરતો નથી. એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ 'કેવળ દર્શન' છે.'' (આપ્તસૂત્ર-૩૭૭૬) આ વાક્ય તમે તમારા થર્મોમીટરથી જોઈ લો, એવું અમે સ્ટ્રોંગલી કહીએ છીએ. બીજી જોખમદારી અમારી છે, એમ કહીએ છીએ. આ વાક્યની પાછળ જોખમદારી અમારી છે. કેવળદર્શનની બહુ મોટી વ્યાખ્યા છે આ. મામાની પોળમાં એક દિવસ નાહીને બહાર નીકળ્યા ને તરત જ નીકળેલું આ વાક્ય. આ વાક્ય બનાવેલું નથી. પ્રશ્નકર્તા : સહજ નીકળેલું છે. દાદાશ્રી : સહજ નીકળેલું છે. આપણું આ આખું વિજ્ઞાન જ સહજ રીતે નીકળેલું છે, બધું સહજ. પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન છે, એમ ક્રમ વિજ્ઞાન પણ કંઈ હશે કે નહીં ? દાદાશ્રી : ક્રમિક વિજ્ઞાન છે ને ! ક્રમિક સ્ટેપ બાય સ્ટેપ છે. અક્રમ એટલે શું ? પૂર્ણવિરામ. અને ક્રમિક એટલે અલ્પવિરામ. એમાં ગમે તેટલું આગળ વધ્યા તોય પાછું અલ્પવિરામ જ કરવું પડે. અને આ પૂર્ણવિરામ કરવું પડે. પ્રશ્નકર્તા : તો આ અક્રમમાં પૂર્ણવિરામ પર સીધું જવાય ? દાદાશ્રી : પૂર્ણવિરામનો જ માલ આ. પેલું અલ્પવિરામનું બધું. તેમાં અલ્પવિરામ એક-બે નહીં, કરોડો કહેતાય સારું છે, કરોડો તો ગણાય પણ આ તો અસંખ્યાત હોય. પ્રશ્નકર્તા : ક્રમિક વિજ્ઞાનમાં માનો કે ૧૦૦૧મા પગથીયેથી પણ આત્મા પાછો પડે છે, જ્યારે અક્રમ વિજ્ઞાનમાં લિફટમાં બેઠાં પછી એને પાછા પડવાનો કંઈ એવો ભય નથી ને ? દાદાશ્રી : ત્યાં ચઢવાનું, આ ચઢવાની ચીજ જ ન્હોય. આ તો લિફટમાં બેસી જવાની ચીજ છે. આ તો લિફટમાં બેસવાનો માર્ગ, સમજવાનું જ, બસ. પ્રશ્નકર્તા : પણ અહીં પડવાનો સંભવ ખરો કે નહીં ? દાદાશ્રી : પડવાનો સંભવ નહીં. જેને પડવાની ઇચ્છા હોય તે પડે. ઇચ્છા થાય તો પડે. પ્રશ્નકર્તા : આ ફિઝીકલ લિફટ જે હોય છે, તે ક્યાંક કરંટ બંધ થઈ જાય કે બગડી જાય તો ઊભી રહી જાય ક્યાંક.... દાદાશ્રી : ના, આ કરંટ બંધ થઈ જાય નહીં ને ! આ તો અહીં કહે છે, હાથ-બાથ બહાર કાઢશો નહીં. એટલુંુ જ. અહીંથી પડ્યા લિફટમાંથી, એટલે એક હાડકાનો ટૂકડો નહીં જડે એટલી બધી હાઈટ ઉપર ગયા છો. પાંચ આજ્ઞા પાળે તો જાણવું કે લિફટ ચાલુ છે. પાંચ આજ્ઞાને વાંચવી પડતી જ નથી. અમારું વચનબળ જ એવું છે કે એ લક્ષમાં રહે જ. એ વાંચવા-કરવાની જરૂર નહીં. અક્રમ એ પૂર્ણવિરામ, એટલે કમ્પ્લીટ માલ. તમારે કશું કરવું ના પડે. એક ફેરો આજ્ઞામાં રહ્યા ત્યારથી જ પછી અક્રમ તમારે શરૂ થઈ ગયો. આ બધા એક મિનિટેય આજ્ઞાની બહાર ના હોય. આ તમારો એકુંય ભાઈ આજ્ઞાની બહાર ના હોય. પેલા ભાઈ જરા કાચા પડી જાય, પેલા ત્યાં વાળા. એ જરા આજ્ઞાની બહાર હોય. કારણ કે એક્ઝેક્ટનેસ સમજાય નહીં ને ! આ આમની માફક ખેંચી લાવીને પરાણે પાઈ દીધેલું. એટલે એમાં કશું ભલીવાર ના આવે. આમને ઊઠાવી લાવીને પાઈ દીધેલું, એમનાં ભઈ ઊઠાવી લાવ્યા'તા. એ રોગો કાઢવાની કળા ! આ અક્રમ વિજ્ઞાનમાં લૉ જ નથી, આ થબોકા પાડવાનો (જોરથી તાળી પાડવાનો). આ તો થબોકા નહીં પાડવાનું, એટિકેટ જેને છે, તેનો રોગ કાઢવા માટે છે. પ્રશ્નકર્તા : પણ દાદા, પછી બહુ સહજપણે બોલાય. હવે તો થાય છે. હવે તો ચેન નથી પડતું. દાદાશ્રી : એ એટિકેટનો રોગ કાઢવા માટે છે આ. એટિકેટ ગયા સિવાય કોઈ દહાડો ધર્મ પરિણામ ના પામે. જે એટિકેટની બહાર રહે છે ત્યાં આગળ ધર્મ પરિણામ પામે. એટલે આય એવું કહેતા'તા, અહીં થબોકા પાડવાનું ? ત્યારે મેં કહ્યું, રોગ કાઢવા માટે છે આ. પોતાની બુદ્ધિથી કોઈપણ માણસ એટિકેટ શીખ્યો નથી. બુદ્ધિ હોય જ નહીં ને ! આ તો એટિકેટ તો બધી નકલો કરેલી. તે આ રોગ પેસી ગયેલો. તે આ રોગ કાઢવા માટે મેં આ કરેલું (થબોકા પાડવાનું). પ્રશ્નકર્તા : એ દાદા, બરોબર છે. અમે ટાઈ પહેરીએ છીએ એ સમજીને કોઈ દહાડો ટાઈ પહેરતા નથી. બધા પહેરે છે, માટે અમે પહેરીએ છીએ. દાદાશ્રી : બધું જોઈને જ આ એટિકેટ શીખ્યા છે. આ હિન્દુસ્તાનમાં બધુંં એટિકેટ શીખ્યા છે ને, અને જ્યાં સુધી એટિકેટ છે ત્યાં સુધી ધર્મ જેવી વસ્તુ જ નથી. જ્યાં કંઈ પણ એટિકેટ છે ત્યાં ધર્મ જેવી વસ્તુ નથી. જ્યાં સહજતા છે ત્યાં ધર્મ છે. બધાનાં મનવશ વર્તે, જ્ઞાનીને ! પ્રશ્નકર્તા : દાદા, આટલાં બધાં માણસોને દાદા જોડે અભેદતા રહે, એ કેવી રીતે આ થતું હશે ? દાદાશ્રી : એ જ અજાયબી છે ને ! અને લગભગ પચ્ચીસ હજાર માણસ અભેદતા રાખે છે. આ પચ્ચીસ હજાર માણસો છે, પણ બધાંય માણસોનાં સંપૂર્ણ મન વશ વર્તતા નથી. ત્રણ-ચાર હજાર માણસનાં સંપૂર્ણ મન વશ વર્તે છે. પ્રશ્નકર્તા : આપને આ બધી ખબર પડે ? દાદાશ્રી : બધી જ ખબર પડે ને ! કે આ માણસના સંપૂર્ણ મન વશ વર્તે છે. સંપૂર્ણ મન વશ વર્તે એટલે શું કે આપણે જે કહીએ, તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય ! જ્યાં એટીકેટ ના હોય, જ્યાં સહજભાવ હોય ત્યાં ધર્મ હોય. સહજભાવ જેટલો હોય એટલો જ ધર્મ. સહેજાસહેજ જે બની આવે ને એ ! પ્રશ્નકર્તા : આ તમે જરા વિસ્તરણથી દાખલા સાથે કહો ને, તો બધા એક્ઝેટલી (જેમ છે તેમ) સમજશે. દાદાશ્રી : એવી જગ્યાએ તમે ગયા હોય, ત્યાં દશ માણસો પી.એચ.ડી. હોય, દશ માણસો ગ્રેજ્યુએટ થયેલાં, દશ માણસો મેટ્રિક થયેલાં, દશ માણસો ગુજરાતી જ ભણેલાં, દશ માણસો બિલકુલ ભણેલાં જ નહીં, દશ નાના છોકરાંઓ દોઢ-બે વર્ષનાં, દશ ઘરડાં ડોસા સાંઠ-પાંસઠ વર્ષનાં, એ બધાં ભેગાં થઈને જાય તો ત્યાં ધર્મ છે. એટલે જ્યાં આગળ નાનાં બાળકોય બેસી રહે, સ્ત્રીઓ બેસી રહે, ઘૈડી ડોશીઓ બેસે, પૈણેલા બેસી રહે, ત્યાં ધર્મ છે. કારણ કે સામાનું મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે. નહીં તો બેસી ના શકે. સામાનું મન વશ તો પોતાનું મન વશ થયેલું હોય તો જ કરી શકે. જે સ્વતંત્ર ચાલે છે, મન જેને સંપૂર્ણ વશ છે ત્યાં કામ થાય ! મન વશ થાય તો તમે બધું જ કરી શકો. લોક તમારા કહેવા પ્રમાણે ચાલે અને નહીં તો તમે શીખવાડવા જાવને તો કોઈ અક્ષરેય નહીં શીખે ને ઊંધો ચાલશે. આ કળિયુગની હવા એવી છે કે ઊંધું ચાલવાનું. કોઈ ઊંધું ચાલ્યો હોય તે, એ ઊંધું-ચત્તું બોલે તોય અમે સાથ ના છોડીએ. નો લૉ લૉ, ત્યાં સહજતા ! આખા જગતમાં બધે સાધુ-સંન્યાસી પાસે કાયદા છે. તેમાં આમ બેસવું ને તેમ કરવું. તે લૉઝ તો સંકલ્પ-વિકલ્પ ઊભા કરે અને આત્મા સહજ છે. કાયદો એ બંધન છે. સંઘમાં નિયમ કરે છે ને ? નિયમ એ જ બંધન છે. એ તો યમમાંથી નિયમમાં આવે તેને માટે છે. યમ એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અને નિયમ એટલે સેકન્ડ સ્ટાન્ડર્ડ. ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવે તેને માટે કાયદા છે. મોક્ષ માટે એની જરૂર નથી. મોક્ષ માટે તો આત્માને સહજ વર્તવા દો. સહજ વર્તવા દો તો સહજ મોક્ષ વર્તે ! કાયદો રિલેટિવમાં હોય, રિયલમાં કાયદો ના હોય. કારણ કે રિયલ એટલે સહજ થવાની ભૂમિકા. સહજ થવાની ભૂમિકામાં જો કાયદો હોય તો સહજતા ઊડી જાય. એટલે આ તો નો લૉ લૉ. આપણે ત્યાં સત્સંગમાં નો લૉ ! આપણે ત્યાં તો લૉ વગરનો લૉ. 'અક્રમ' એટલે 'નો લૉ. આખા જગતમાં લૉ વગરની પાર્ટી હોય તો આ 'દાદા'ના ફોલૉઅર્સ પાસે. તેમને કોઇ જગ્યાએ લૉ ના હોય. જગતના લોકો લૉ વગર રહી જ ના શકે. લૉ વગરનો રહે તો મોક્ષે જાય ! લૉ ના હોય તો સહજ થાય. લૉથી અસહજ થાય. લૉ વગરનો કાયદો એટલે સહજ હોય. જે એક્સેસ થાય, એટલે કે વધારે થાય તેનો અભાવ આવે. અને કન્ટ્રોલ થાય તો ત્યાં જ ચિત્ત જાય. ખાંડનો કન્ટ્રોલ કર્યો હોય તો ચિત્ત ખાંડમાં જ રહે કે ક્યારે લઇ આવું ? કન્ટ્રોલ એવી ચીજ છે, તે મનને ઉછાળે ચઢાવે. તેથી જ 'અમે' કહીએ છીએ કે ડીકન્ટ્રોલ કરી નાખો. બહાર તો કન્ટ્રોલ કર કર કરે છે, તેથી મન આખો દિવસ ઉછાળે રહ્યા કરે છે. પ્રશ્નકર્તા : હમણાં હમણાં તો તમે એનું કહ્યું કે બહારની પ્રકૃતિ સહજ થાય ત્યારે બધાં ભગવાન કહે અને એ રીત બધાંને દાખલ કરવી પડશે. દાદાશ્રી : એ તો સંપૂર્ણ સહજ થાય ત્યારે. અંદર અંદર સહજ થઈ રહ્યું છે કે નહીં, બેનો (રિયલ-રિલેટિવનો) સાંધો સહજ થઈ રહ્યો છે કે નહીં એ અમને માલૂમ પડી જાય. સહજ કોને કહેવાય ? આપણા સત્સંગમાં આ જે બોલીએ છીએ, કરીએ છીએ, એ બધું બહારથી આવેલા માણસો, 'જ્ઞાનવાળા કેવા હોય એવું એમના લક્ષમાં જુદું હોય', તે આવું જુએ એટલે મનમાં એમ થાય કે જ્ઞાન શેનું નામ કહેવાય ? પણ એમને ખબર નથી કે આ લોકો જ્ઞાન કરી ગ્રહણ રહ્યા છે અને અજ્ઞાન છોડી રહ્યા છે. કારણ કે આપણે કંઈ આ બધા આમ થબાકા પાડે એવા નહોતા. પણ એ માન્યતા ખોટી છે એવું માનેલું, એના તરફ તિરસ્કાર વર્તતો હતો. તે માન્યતા આપણે સમભાવે નિકાલ કરી નાખીએ છીએ. આપણે થબાકા પાડીએ તો છૂટી જઈએ. તિરસ્કાર વર્તતો હોય તે ઉડાડી મેલવો અગર રાગ આવતો હોય તે ઉડાડી મેલો. બન્ને ઉડાડી મેલો અહીંયાં આગળ. આની ઉપર તિરસ્કાર હોય કે ના હોય લોકોને ? તે એ તિરસ્કાર ક્યાં લઈ જવાનો છે જોડે ? એટલે અહીં જ ઉડાડી દેવાનો. પ્લસ-માઈનસ કરી દેવું. નહીં તો અમારે ત્યાં બહારવાળા તો એવું જ કહે કે બધાં આ પાછું શું કરો છો ? આવા ભણેલા-ગણેલા થઈને શું દાદાની પાસે રંગ લાગ્યો છે ? તમે આ ગ્રહણ કરેલો માલ રોંગ બિલિફો તે નિકાલ કરો છો. તે એમને બિચારાને ખબર નથી. અમે બધા જ પર્યાયો સમજીએ કે આવો પર્યાય હોવો જોઈએ. પણ કોને માટે ? ક્રમિક માર્ગમાં આવેલા માટે ના હોય. કારણ કે બધું ખપાવી ખપાવીને આવ્યા હોય. અને અહીં તો ખપાવ્યા સિવાયનો માલ. એટલે આ રીતે ખપાવવાથી સહજ થાય. જે તે રસ્તે દેહને સહજ કરવાનો છે. થબાકા ના પાડવા એ એક જાતની રોંગ બિલિફ છે. થબાકા પાડવા એય રોંગ બિલિફ છે. થબાકા ના પાડવા એ એક જાતની બિલિફ અહંકારને વધારનારી છે અને આ અહંકારને નાશ કરનારી છે. અને તમે એના કર્તા નથી. આ તો ચંદુભાઈ કરે છેને, તમે ક્યાં કરો છો ? એટલે આપણે અહીં બધી ક્રિયાઓ રોંગ બિલિફો છોડવા માટે છે. ઘણીખરી બિલિફો તો મેં ફ્રેક્ચર જ કરી નાખી. પણ હજુ કેટલીક મહીં ભરાઈ રહેલી હોય. પણ સહેજાસહેજ નીકળી જાય. અહીં કોઈ વાંધોય ઉઠાવતું નથીને ! પોતાનું સ્ટેજ જ ભૂલી જાય છે. પહેલાં તો મારાથી આવું ના થાય, નહીં ? પણ તોય તમારે ક્યાં કરવાનું છે ? તમારે કરવાનું રાખ્યું હોય તો બતાવો. તમારે તો ચંદુભાઈ શું કરે છે તે જોયા કરવાનું, કે 'અહોહો ! ચંદુભાઈએ કેવા થબાકા માર્યા, મોક્ષે જવા. તમારેય છૂટવું છે ને એમનેય છોડવવા છે.' નહીં તો કંઈ થબાકા પાડવાના ચંદુભાઈને ગમતા હશે ? આ તો હું પાડીને તમને શીખવાડું. બાકી હવે મારે કંઈ જરૂર નથી. તમને શીખવાડીને નિવેડો લાવી આપું છું. આ બધી ક્રિયા કરવાની મારે કંઈ જરૂર છે ? આ તો નિવેડો લાવવાનો છે. આ કંઈ કોલેજેય નથી ને સ્કૂલેય નથી. આ તો ઉકેલ લાવવાનો જે તે રસ્તે. આમાં જો બુદ્ધિ વાપરીને તો બુદ્ધિ આખી રાત ઊંઘવા નહીં દે. અને બુદ્ધિથી બેસે એવું છે ? પણ તે તમારી સમજણમાં ફેર પડી જશે તો આખી રાત ઊંઘમાંયે થશે કે દાદા, આવું કેમ કરાવે છે ? અલ્યા પણ તમારે કરવાનું ક્યાં છે ? જેણે તિરસ્કાર કર્યા તેણે કરવાનું છે. એને પ્લસ-માઈનસ કરી નાખવું જ જોઈએને ? સહજ એટલે શું ? બધા કરે એ કરે, પોતાનું નહીં. પોતાપણું ના રાખવું જોઈએ. આ તો સહુ સહુનું અલગ રાખી મેલેને ? પછી મહીં ધૂંધવાયા કરે. અને બધા કરે એમ કરીએને તો પોતાપણું ના રહે. સહજ થાય, સહજતા ઊભી થાય. અમને એ બહુ ગમે. પ્રકૃતિની અસહજતાથી આત્મા અસહજ થયો. એટલે મૂળ આ પ્રકૃતિને સહજ કરવાની છે. જે ઘડીએ બધા બોલતા હોય તે ઘડીએ બોલવા લાગે. ગાતા હોય તે ઘડીએ ગાવા લાગે, તેથી તો આપણે ત્યાં ગવડાવીએ છીએ. નહીં તો ગવડાવાનું કારણ શું ? પ્રકૃતિ સહજ કરવા માટે છે. મનમાંથી નીકળી જાય કે મારાથી આવું ના થાય ને મારાથી આવું થાય, એવું બધું નીકળી જાય. સત્સંગમાં જુદાઈ ના પાડવી. બધા જેવું કરે તેવું આપણે કરવું. અંદર આપણે સ્થિર કરવું હોય તો આપણે આમ સ્થિર થઈ જઈએ તો થાય. એ પ્રકૃતિ સહજ એટલે શું કે બહારનું અમે જે કરીએ એટલું જ કરવાનું, પોતાનું જુદું કરવા જાયને, એટલે પેલો એક્સ્ટ્રા ફોટો પડે નહીં. જુદું કરનારાને ઓળખો તમે ? હવે આ ભાઈ, આ બીજા પાંચ-સાત જણ છે તે જુદી ટોળી બેઠી હોય. અરે ભાઈ, જ્ઞાની પુરુષ જાતે આવડી મોટી રાડો પાડી પાડીને બોલાવે છે, તો કંઈ હશે કે નહીં હોય ? પણ આ બધું ઓવરવાઈઝપણું. એટલે ફોટો એક્સ્ટ્રા ના પડે. પછી શું થાય ? આ પ્રકૃતિ સહજ કરશે તો કામ થશે. સહજ એટલે વર્ક વ્હાઈલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઈલ યુ પ્લે. એવો પછી ફોટો પડશે. આ બધા ભળીને ચાલવાવાળા. તમે તો સંપૂર્ણ પ્રકારે બધા ભળો અને આ તો જુદાઈ પાડે એવા માણસ, પણ ધીમે ધીમે બધું ઓછું કરી નાખ્યું, ભળતા થઈ ગયા. જુદાઈ પાડવામાં શું થાય ? ફોટો જુદી જાતનો પડ્યા કરે. એટિકેટ નીકળે તો થાય સહજ ! પ્રશ્નકર્તા : તે દાદા, તે વખતે આ જે તાળીઓ પાડવામાં હું વિરોધ કરતો'તો તો આજે બધાનાં કરતાં જોરથી હું તાળી પાડું છું. તે આવું કેમ બનતું હશે ? આ વર્સ્ટ જે કરતાં હોય તે લોકોને પછી વધારે એનું કન્ફેશન કરવું પડતું હશે, આપની પાસે આવીને ? દાદાશ્રી : એવું છે ને, કે તાળીઓ પાડવાથી કંઈ મોક્ષે જાય છે એવો કંઈ નિયમ નથી હોતો, તેમ સૂનમૂન બેસી રહી અને વાંચ વાંચ કરીએ એય કંઈ મોક્ષે જવાનો નિયમ નથી હોતો. મોક્ષે જવાનો નિયમ એટલે કેવો ? સહજ માણસ રહે છે કે નહીં, એટલું જ, સહજ. સૂનમૂન બેસી રહેવું આમ અને તાળી-બાળી ના પાડવું, વાંચવું, એમાં એટિકેટ આવ્યું, થોડુંક છીટ આવ્યું. અને આ લોકો કહેશે, ચિત્તભંગ થઈ ગયો તાળી પાડી એટલે આ બન્નેની જરૂર નથી. આ જે ચીડ ચઢેલીને, એ ચીડ કાઢવા માટે આપણે કરીએ છીએ આ. અનંત અવતાર ચીડ પેસી ગયેલી, તે ચીડ કાઢવા માટે પ્લસ-માઈનસ કરીને સહજ કરવાનું છે. એ ચીડ બનાવે અસહજ ! મુંબઈમાં અમને પૂછે છે કે તમારે ત્યાં આવીનેય તાળી પાડે છે એનો શો અર્થ છે ? મેં કહ્યું, એની પહેલા અનંત અવતાર ચીડ કરી છે ને, તે ચીડ કાઢવા સારુ કરે છે. પછી કાઢવી તો પડશે ને, ચીડ ત્યાં લઈને જવાય કે ? એટલે એ થબાકા મારે છે ને ! ત્યાં આગળ એ ચીડ કરેલી તે કાઢવા સારુ. આ તમારે જાતે કરો એટલે એ નીકળી જાય. નહીં તો મારે આ ધંધો કાઢીને શું કામ ? હું તો જ્ઞાની પુરુષ અને જ્ઞાનમાં આવુંુ હોય નહીં ને ! કારણ કે અક્રમ વિજ્ઞાન છે, આ તો બધું ખાલી કરી નાખવાનું. ક્રમિકમાં એવું ના ચાલે. ક્રમિકમાં તો જોડે ને જોડે લઈને માર ખા ખા કરવાનું. અહીં તો ખાલી જ કરી નાખવાનું. શુદ્ધાત્મા થયા પછી રહ્યુંુ શું તે ? તેવી રીતે ક્રમિકમાં શુદ્ધાત્મા થઈ શકતો નથી અને જ્યારે શુદ્ધાત્મા થાય, તે અવતારે મોક્ષે જાય. અને આપણે શુદ્ધાત્મા હોય તો વેપારી વેપાર કરી શકે, એવું આપણું અક્રમ. જો ને આ ભાઈ કરે છે ને નિરાંતે ! તમને સમજાયું ? પ્રશ્નકર્તા : હા, સમજાયું મને. દાદાશ્રી : તમે આ લાઈન ઉપર વિચાર કરજો હવે. પ્રશ્નકર્તા : હા, જરૂર. દાદા કરાવે પ્રયોગો સહજતા કાજે ! દાદાશ્રી : આપણે ત્યાં થબાકા શા માટે પાડવામાં આવે છે ? સહજતા લાવવા માટે, જે અસહજપણું હતું તે ઉડાડી મેલવા માટે છે બધું આ. સહજ પ્રયોગ છે આ. સહજતા આવે પછી કોઈ જાતનો ભો જ નહીંને ! ભો હોય નહીં ને ભડકાટેય નહીં. આમ કરાય ને આમ ના કરાય, એવું જેના મનમાં વિકલ્પ છે તેને ભો હોય. આપણને તો ભો જ નહીંને કોઈ જાતનો. ભૂતાં બધાં નીકળી જવાં જોઈએ. રસ્તામાં કપડાં કાઢી લે તો પછી આપણને સંકોચ રહ્યા કરેને કે ના રહ્યા કરે ? પ્રશ્નકર્તા : હવે ના રહે. દાદાશ્રી : હવે કશો સંકોચ ના રહે. એટલા માટે આ સહજતા કરાવડાવીએ છીએ કે કોઈ પણ સ્થિતિમાં સંકોચ ના ઉત્પન્ન થાય. વડોદરામાં ઘડિયાળી પોળમાં ઉપાશ્રય છે તે જ્ઞાન પહેલાં હું ત્યાં ગયેલો, એ ઉપાશ્રયમાં દર્શન કરવા માટે, કોઈ મહારાજ આવ્યા હશે તે. તે દહાડે લાંબો સફેદ કોટ પહેરું અને બૂટ અત્યાર જેવાં નહોતો રાખતો, જરા ચકચકિત રાખતો. તે |