જ્ઞાની બનાવે વિકારીમાંથી નિર્વિકારી !

સંપાદકીય

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ના અક્રમ વિજ્ઞાનમાં બે કલાકમાં જ 'આત્મ દ્ષ્ટિ' થાય છે. પછી જ ખરંુ બ્રહ્મચર્ય પાળતો થાય છે. કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયે જાગૃતિ ઉત્પન્ન થાય છે, તેનાથી જેમ છે તેમ જોતો થાય છે. આરપાર જોતો થાય કે વૈરાગ્ય આવે ને તો જ વીતરાગ થઈ શકે. જાગૃતિ ડિમ (મંદ) થવાથી મોહ ઉત્પન્ન થાય છે. મૂળ પોતે વિષયી હોવાથી કપડાં, સ્ત્રી, બાહ્ય નિમિત્તો વધુ મોહ કરાવે છે. પણ પોતાની દ્ષ્ટિ ચોખ્ખી થઈ, તો ક્યાંય મોહ થવાનંુ કારણ રહેતંુ નથી.

આ કાળમાં દ્ષ્ટિદોષ ભયંકર ગુનો છે. જ્યાં જ્યાં દ્ષ્ટિ બગડે, તો એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્યની શક્તિ માંગવી કે 'હે શુદ્ધાત્મા ભગવાન ! મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.' બાકી દ્ષ્ટિ માંડીએ તો દ્ષ્ટિ બગડે એવો કાળ છે, તેથી ભાવમાં નક્કી જ કરી નાખવંુ, શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મને જોઈતી નથી. તેને સિન્સિયર રહીને આગળ વધાય.

દ્ષ્ટિ કેમ બગડી જાય છે ? કારણ કે જાગૃતિ રહેતી નથી. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, અમને 'થ્રી વિઝન' નિરંતર રહે છે, ચામડીની ચાદરે બાંધેલંુ માંસ જ છે, પછી મોહ શી રીતે ઉત્પન્ન થાય ?

વિષયમાં વિચાર બે પાંદડે ઉખેડીને ફેંકી દે, સહેજ પણ આકર્ષણ થાય ત્યાં વિરોધ દાખવે ને ખૂબ પ્રતિક્રમણ કરે અને પરજાતિનો સ્પર્શ થતાની સાથે ઝેર જેવંુ લાગે, તો બ્રહ્મચર્ય સચવાય. અને વર્તનની ભૂલ તો કોઈ કાળેય ન ચલાવી લેવાય. તેવી ભૂલને એક વખત અહંકારે કરીને પણ ખલાસ કરી નાખો. નહીં તો પછી આ સત્સંગને દગો દીધો, જ્ઞાનને દગો દીધો, તેના ભયંકર દંડ છે, મોક્ષ તો ક્યાં ગયો પણ સંસારમાંય દુઃખી થવાય. અને જેણે બ્રહ્મચર્ય વ્રત લીધું, વ્યવહાર ચારિત્ર ગ્રહણ કર્યું તેને તો આત્મ આનંદનો પાર નહીં રહે.

અને પરમ પૂજ્ય દાદાશ્રી શીલવાનના લક્ષણો બતાવે છે કે શીલવાનમાં મોરાલિટી, સીન્સીયારિટી, બ્રહ્મચર્ય હોય, સહજ નમ્રતા, સહજ સરળતા, સહજ સંતોષ, સહજ ક્ષમા હોય. આવી કેટલીય ચીજોમાં સહજતા હોય ત્યારે એ શીલવાન કહેવાય.

પ્રસ્તુત અંકમાં વિષયવિકારમાંથી નિર્વિકાર થઈ, ચારિત્ર ધારણ કરી શીલવાન થવાય તેવી ઘણી બધી સમજણો અત્રે સંકલિત થઈ છે, જે સાધકને બ્રહ્મચર્ય માટે જાગૃતિ વધારવામાં ઉપયોગી નીવડશે.

દીપક દેસાઈ

જ્ઞાની બનાવે વિકારીમાંથી નિર્વિકારી !

ખરું બ્રહ્મચર્ય, જાગૃતિના આધારે !

પ્રશ્શનકર્તા : સ્ત્રી-પુરુષનો ભેદ ભૂલવો પડશે ને ?

દાદાશ્રી : ભેદ ભૂલવાનો નથી. ભેદ તો આપણને મૂર્છાને લઈને લાગે છે અને એમ ભૂલવાથી એ ભૂલાય એવો છે નહીં. એણે જાગવું પડશે, એવી જાગૃતિ જોઈશે.

આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે 'આત્મદ્ષ્ટિ' થઈ ને, એટલે હવે જાગૃતિ વધશે ને તેમ તેમ એય આરપાર જોતો થશે. આરપાર જોતો થયો કે એની મેળે જ વૈરાગ આવે. જોયું એટલે વૈરાગ આવે જ છે અને તો જ વીતરાગ થઈ શકાય, નહીં તો વીતરાગ થઈ શકાતું હશે ? અને ખરેખર એક્ઝેક્ટ એમ જ છે.

'ફૂલ' જાગૃતિ થાય, ત્યારે એ જાગૃતિ જ કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે.

પ્રશ્શનકર્તા : બ્રહ્મચર્ય પાળવું છે એવો નિશ્ચય થાય છે ને, ત્યારથી જ જાગૃતિ વધી જાય છે.

દાદાશ્રી : ના, આપણે 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે જાગૃતિ ઉત્પન્ન થાય છે. નહીં તો જાગૃતિનો બીજો ઉપાય જ નથી. આ બહારના લોકો બ્રહ્મચર્ય પાળે જ છે ને, પણ એમાં જાગૃતિ નથી હોતી.

વિકારી દ્ષ્ટિથી કપડાંના મોહ !

બ્રહ્મચર્ય આ જાગૃતિના આધારે છે ને ? જાગૃતિ 'ડિમ' થવાથી જ આ મોહ ઉત્પન્ન થાય છે. નહીં તો આમાં હાડ, પરું ને માંસ નથી ભરેલું ?

પ્રશ્શનકર્તા : એટલે આ વિષયની બાબતમાં કપડાંને લીધે મોહ ઉત્પન્ન થાય છે ને ? આમ આ દ્ષ્ટિ પડે, તે પહેલાં કપડાં પર પડે છે, એટલે ત્યાંથી મોહ ઉત્પન્ન થાય છે ને ?

દાદાશ્રી : મૂળ તો પોતે વિષયી છે, તેથી કપડાં વધારે મોહ કરે છે. પોતે વિષયી ના હોય તો કપડું કશું મોહ ના કરે. આ અહીં સારાં સારાં કપડાં પાથરીએ તો મોહ ઊભો થાય ? એટલે પોતાને વિષયની મઝા-આનંદ છે, એની ઈચ્છા છે, તેથી પેલો મોહ ઉત્પન્ન થાય છે. વિષયની ઈચ્છા વગરના માણસોને શી રીતે મોહ ઉત્પન્ન થાય ? આ મોહ કોણ ઊભો કરે છે ? પાછલાં પરિણામ મોહ ઊભા કરે છે. તે એને આપણે ધોઈ નાખીએ. બાકી કપડાં બિચારાં શું કરે ? પહેલાંનું બીજ નાખેલું છે, તેનું આ પરિણામ આવ્યું. પણ એ બધા ઉપર મોહ ના થાય. હિસાબ હોય ત્યાં જ મોહ થાય. બીજે મોહનાં નવાં બીજ પડે ખરાં, પણ મોહ ના થાય. આ તો કપડાંને લીધે મોહ ઉત્પન્ન થાય છે, નહીં તો કપડાં કાઢી નાખે તો ઘણો ખરો મોહ ઓછો થઈ જાય. ફક્ત ઊંચી નાતોમાં જ મોહ ઓછો થઈ જાય. આ તો બિચારાના કપડાંને લીધે ભ્રાંતિ રહે છે અને કપડાં વગરનું જુએ તો એમ ને એમ વૈરાગ આવી જાય. તેથી આ દિગંબરીઓની શોધખોળ છે ને !

કોઈને મોહ થવામાં નિમિત્તનો ગુનો !

આપણે રૂપાળાં કપડાં પહેર્યાં હોય, તો કોઈને મોહ થાય ને ? એ કોનો ગુનો કહેવાય ? એટલે આપણા પર કોઈને મોહ થયો, તો એ આપણો જ ગુનો છે ! તેથી વીતરાગો કહે છે કે, '(સંસારમાંથી) નાસી છૂટો. આપણાથી સામાને મોહ થઈ જાય તો તે બિચારો દુઃખી થાય, તે આપણા નિમિત્તે જ ને !' ત્યારે આ વીતરાગોનું વિજ્ઞાન કેવું હશે ! ત્યારે વીતરાગો કેવા ડાહ્યા હશે ! તમને કેવા લાગે છે ? ડાહ્યા નથી લાગતા ? સામાને દુઃખ ના થાય, એટલા માટે પોતાના વાળ ચૂંટી કાઢે.

પહેલાં સાધુ-આચાર્ય મહારાજ રૂપાળા હોય, તોય તે માથે વાળ વધારીને, રૂપનાં છૂંદણા ના કરે, રૂપ કેવી રીતે દબાય એવું ખોળ ખોળ કરે. દાઢીઓ વધારે, લોચ કરે, આમ કરે, તેમ કરે ! પણ એ લોકો બહુ જાગૃતિપૂર્વક રહેવાના. કારણ કે 'મારા રૂપથી કોઈને દુઃખ થશે' એમ એ કહે.

પ્રશ્શનકર્તા : કોઈને સુખ પણ થાય ને ?

દાદાશ્રી : જેને સુખ થયું હોય, તેનું પરિણામ દુઃખ આવવાનું જ. કારણ કે એનું પરિણામ દુઃખદાયી છે. એટલે એનાથી સુખ થાય તોય તેનું પરિણામ દુઃખદાયી છે !

અત્યારે તો માણસોને રૂપ જ નથી હોતું. જે થોડુંઘણું રૂપ હોય છે, તે પછી અહંકારને લઈને કદરૂપો દેખાય !

ગોરી ચામડી, મોહી માલ !

પ્રશ્શનકર્તા : મોહ કોને વધારે થાય, રૂપાળી ચામડીવાળાને કે કાળી ચામડીવાળાને ?

દાદાશ્રી : રૂપાળી ચામડીવાળાને. જેની રૂપાળી ચામડી હોય તો જાણવું કે લોકોના હાથે એ વધારે ભોગવાઈ જશે.

પ્રશ્શનકર્તા : જે રૂપાળી ચામડીવાળો હોય, તેના પુદ્ગલમાં શું મોહ વધારે ભરેલો હોય ?

દાદાશ્રી : હા, ત્યારે જ રૂપાળી ચામડી હોય ને ! એવું છે, રૂપાળી ચામડી એટલે ગોરી ચામડીને નથી ગણાતી. ઘઉંરંગી ચામડીને 'બેસ્ટ' ગણેલી છે, આપણા હિન્દુસ્તાનને માટે. મારો ને તમારો રંગ ઘઉંરંગ કહેવાય. એને 'બેસ્ટ' રંગ કહ્યો છે અને એ જ છેલ્લામાં છેલ્લો રંગ છે. રૂપાળી ચામડીવાળા તો ગોરાગબ જેવા હોય, તે મોહી વધારે હોય. તેથી એ વધારે ભોગવાઈ જાય. એવું આ બધા કુદરતના નિયમ છે. આપણને તો હવે આ 'જ્ઞાન' હાજર રહેવું જોઈએ.

જે જે આકર્ષણવાળો માલ હોય, આકર્ષક માલ હોય, તે બધો વેચાઈ જાય. છોકરા-છોકરીઓ બધું જ વેચાઈ જાય !

પ્રશ્શનકર્તા : આવો આકર્ષણવાળો માલ શાના આધારે હોય ?

દાદાશ્રી : મોહ વધારે હોય એટલે પછી એ આકર્ષક માલ થાય. એને મૂર્છિત કહેવાય. મોહ ઓછો થયા પછી અંગ બધું ઘાટીલું હોય, પણ ચામડી આકર્ષક ના હોય. ઘાટીલા હોય એટલે એને રૂપાળા કહેવાય. ચામડી આકર્ષક હોય, એ રૂપ ના કહેવાય. એ તો એક જાતનો બજારૂ માલ કહેવાય. જેની લે-વેચ, લે-વેચ થયા જ કરે. આ બધાને કેરીઓ લેવા મોકલીએ તો તે કેવી લાવે ? ઉપરથી રૂપાળી દેખાતી હોય એ લાવે. પછી મહીંથી એ ખાટી નીકળશે કે કેવી, એ તો પછી ભગવાન જાણે !

પ્રભાવશાળી ? તો રૂપ !

પ્રભાવશાળી હોય, તેને જોતાં જ પ્રભાવ થાય એટલે કે આપણો ભાવ ફરી જાય, જ્યારે પેલાને જોતાં એવાં ભાવ થાય કે અધોગતિમાં લઈ જાય. બોલો, ત્યારે જોતાં જ જે માલ અધોગતિએ લઈ જાય, તે માલ કેવો હશે ? તેથી આપણા લોકો કહે છે કે ભઈ, પ્રભાવશાળીને મળજો. જેથી આપણા ભાવ આગળ વધે, પ્રભાવ કરે. અને પેલાને જોતાંની સાથે જ જ્ઞાન હોય તેય જતું રહે.

પ્રશ્શનકર્તા : દાદા, આપણો આ જે ભરેલો માલ છે, તે આ જ ભવમાં બદલાઈ જશે ને ?

દાદાશ્રી : એ તો બધું બદલાઈ જાય. આપણે ફેરવવા ધાર્યું એટલે બધું બદલાઈ જ જવાનું ને ! આ તો બધી જૂની ખોટ. હવે એ ધંધો બંધ કરી દીધો.

તીર્થંકર ભગવાન મહાવીરની ચામડી આકર્ષક નહોતી. ભગવાન ઘાટીલા હોય. એમનામાં મોહની પ્રકૃતિ જ નહીં ને ! મોહ પ્રકૃતિ એ જ આકર્ષક ચામડી છે. મોહ પ્રકૃતિવાળાની આંખોય વિકારી હોય. એને પાછા આજનાં જીવડાં શું માને છે કે હું કેવો રૂપાળો છું ! અલ્યા, તારી કિંમત જ નથી દુનિયામાં ! પ્રભાવ ના થાય. ઊલટું, જોતાંની સાથે જ ભાવ એવો થાય કે અધોગતિએ લઈ જાય ને જ્ઞાન હોય તેય જતું રહે. પુરુષો છોકરીઓને જુએ છે, તો જોતાંની સાથે જ જ્ઞાન જતું રહે. આ છોકરીઓ પુરુષોને જુએ, તો જોતાંની સાથે જ જ્ઞાન જતું રહે. એટલે આ માલ જોવો જ નહીં. જેનાથી પ્રભાવ ઉત્પન્ન થાય, આપણા ભાવ ફરે, વિચાર ફરે, એ માલ જુઓ. આ તો બધો કચરો માલ, 'રબીશ', વેચાણીઓ માલ !

આવું જગતમાં કોઈ કહે જ નહીં ને ! આવી વાત જ ઉઘાડી પાડેલી ના હોયને ! જગત જાણતું જ નથી આ ! લોકો એમ સમજે છે કે કેવો દેહકર્મી છે આ ! અલ્યા, દેહકર્મીને શું તોપને બારે ચઢાવવાનો છે ? એનાથી તો લોકોની અધોગતિ થાય છે ! મનુષ્ય તો કેવો હોય ? પ્રભાવશાળી હોય કે જેને આમ જોતાં જ આપણા મનના વિચારો સરસ આવે, આપણે સંસાર ભૂલી જઈએ. તેથી તો આપણા લોકો પ્રભાવશાળીને વખાણતા. ચામડીની કિંમત તને સમજાઈ ને ?

પ્રશ્શનકર્તા : 'ઝીરો વેલ્યુએશન'.

દાદાશ્રી : આ (શરીર) રેશમી ચાદરથી બાંધેલો માલ છે, એમાં માંસ, લોહી, પરુ, બધોય ગંદવાડો છે. ગટર ને એ બધુંય આમાં છે. આ તો બેભાનપણે લોકો, ભાન વગર ચાલે છે. આ માલ ચાદર બાંધ્યા વગર આપે તો કેટલાં લોકો ખુશ થઈ જાય ?

પ્રશ્શનકર્તા : કોઈ અડે જ નહીં.

દાદાશ્રી : અરે ! જુએ નહીં. આમ જુએ તોય તરત બહાર થૂંકે ! અલ્યા, ત્યારે આ તારા પેટમાં શું છે ? આ તો પાછો હાથેય ફેરવ ફેરવ કરે અને પછી વિષયની આરાધનાઓ ચાલે.

નિશ્ચય જોડેે સિન્સીયારિટી ખપે !

અત્યારે તો ઉંમર નાની ને, તે મોહનીય પરિણામ હજુ આવ્યાં નથી. પેલા કર્મના ઉદય એ તો આવેલાં જ નહીં ને ? એટલે અત્યારથી આપણે આ ગોઠવી રાખેલું હોય તો કશી ભાંજગડ ના આવે. આ જ્ઞાન, આ નિશ્ચય બધું આપણે એવું ગોઠવી રાખીએ કે આ મોહનીય પરિણામમાંય આપણને ડગાવે નહીં. આ કાળની બહુ વિચિત્રતા છે કે આ કાળના લોકો બધા મહા મોહનીયવાળા છે. માટે તેમને મોઢે 'કેમ છો' બોલવું પણ એમની જોડે આંખ પણ ના માંડવી, આંખ મીલાવીને વાતચીત પણ ના કરવી. કારણ કે આ એક જ વિષયરસ એવો છે કે સર્વસ્વ ખોવડાવી નાખે તેમ છે. અબ્રહ્મચર્ય એકલું જ મહામુશ્કેલીવાળું છે, નહીં તો સવારના પહોરમાં નક્કી કરી નાખવું કે આ જગતની કોઈ પણ ચીજ મને ખપતી નથી, પછી તેને સિન્સીયર રહેવું. મહીં તો બહુ લબાડો છે કે જે સિન્સીયર ના રહેવા દે, પણ જો એને સિન્સીયર રહે તો પછી એને કોઈ ચીજ નડતી નથી.

જેટલો તું સિન્સીયર એટલી તારી જાગૃતિ. આ તને સૂત્રરૂપે અમે આપીએ છીએ ને નાનો છોકરોય સમજે એવું ફોડવાર પણ આપીએ છીએ. પણ જે જેટલો સિન્સીયર, એટલી એની જાગૃતિ. આ તો સાયન્સ છે. જેટલી આમાં સિન્સીયારિટી એટલું જ પોતાનું થાય અને આ સિન્સીયારિટી તો ઠેઠ મોક્ષ ભણી લઈ જાય. સિન્સીયારિટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. જે થોડો થોડો સિન્સીયર હોય અને જો એ સિન્સીયારિટીના પથ પર ચાલ્યો, એ રોડ ઉપર ચાલ્યો, તો એ મોરલ થઈ જાય. સંપૂર્ણ મોરલ થઈ ગયો, એટલે પરમાત્મા પ્રાપ્ત થવાની તૈયારી થઈ ગઈ, એટલે પહેલા સિન્સીયારિટી જોઈએ. મોરાલિટી તો પછી આવે.

એક વખત તું સિન્સીયર થા. જેટલી વસ્તુને તું સિન્સીયર, એટલી એ વસ્તુ જીત્યા અને જેટલી વસ્તુને અનસિન્સીયર, એટલી જીત્યા નથી. એટલે બધે સિન્સીયર થાઓ તો તમે જીતી જશો ! આ જગત જીતવાનું છે. જગત જીતશો તો મોક્ષે જવાશે. જગત જીત્યા સિવાય કોઈ મોક્ષે જવા દેશે નહીં.

વ્યાખ્યા, સિન્સીયારિટી ને મોરાલિટીની !

આખા જગતનું 'બેઝમેન્ટ', 'સિન્સીયારિટી' અને 'મોરાલિટી' બે જ છે. એ બે સડી જાય તો બધું પડી જાય. આ કાળમાં 'સિન્સીયારિટી' અને 'મોરાલિટી' હોય એ તો બહુ મોટામાં મોટું ધન કહેવાય. હિન્દુસ્તાનમાં એ ઢગલે ઢગલા હતું, પણ હવે આ લોકોએ એ બધું ફોરેનમાં એક્સપોર્ટ કરી દીધું, અને 'ફોરેન'થી બદલામાં શું 'ઇમ્પોર્ટ' કર્યું તે તમે જાણો છો ? તે આ 'એટિકેટ'ના ભૂતાં પેઠાં ! એને લીધે આ બિચારાંને જંપ નથી રહેતો. આપણે એ 'એટિકેટ'ના ભૂતની શી જરૂર છે ? જેનામાં નૂર નથી તેના માટે એ છે. આપણે તો તીર્થંકરી નૂરના લોક છીએ, ઋષિમુનિઓનાં સંતાન છીએ ! તારું ફાટેલું લૂગડું હોય તોય તારું નૂર તને કહી આપશે કે 'તું કોણ છે ?'

પ્રશ્શનકર્તા : 'સિન્સીયારિટી' અને 'મોરાલિટી'નો 'એક્ઝેક્ટ' અર્થ સમજાવો.

દાદાશ્રી : 'મોરાલિટી'નો અર્થ શું ? પોતાના હક્કનું અને સહજ મળી આવે તે બધું જ ભોગવવાની છૂટ. આ છેલ્લામાં છેલ્લો 'મોરાલિટી'નો અર્થ છે. 'મોરાલિટી' તો બહુ ગૂઢ છે. એના તો શાસ્ત્રોનાં શાસ્ત્રો લખાય. પણ આ છેલ્લા અર્થ પરથી તમે સમજી જાઓ.

અને 'સિન્સીયારિટી' તો જે માણસ પારકાને 'સિન્સીયર' રહેતો નથી, તે પોતાની જાતને 'સિન્સીયર' રહેતો નથી. કોઇને સ્હેજ પણ 'ઇનસિન્સીયર' ના થવું જોઇએ, એનાથી પોતાની 'સિન્સીયારિટી' તૂટે છે.

દ્ષ્ટિ માંડીએ, તો દ્ષ્ટિ બગડે ને ?

ગમે તે એક બાજુ હ્રદય તો લાગેલું જ રહે છે, કાં તો આ બાજુ (સત્સંગમાં) લાગેલું રહે કાં તો આ બાજુ (કુસંગમાં) રહે. અહીં છૂટી જાય તો પેણે લાગી જાય, એના માટે આપણે બેસી ના રહેવું પડે. માટે બહુ ચેતવા જેવું છે. આપણે અહીંથી છોડીએ ત્યારે જ પેણે લાગેને ? અને ત્યાં ચોંટવાનું થાય, તે પહેલાં ચેતી જવું. દ્ષ્ટિ તો માંડવી જ નહીં, નીચું જ જોઈને ચાલવું.

દુષમકાળમાં આંખને સંભાળવી. આ દુષમકાળ છે, માટે ચેતો, હજુ ચેતો. દ્ષ્ટિ તો બિલકુલ શુદ્ધ રહેવી જોઈએ. આ પ્રતિક્રમણ તો એક મિનિટ ચૂકશો નહીં. ખાધે-પીધે વાંકું થયું હશે તો ચાલશે, પણ આ દ્ષ્ટિ જ કેમ કરાય ? સંસારમાં મોટામાં મોટો રોગ જ આ છે. આને લઈને સંસાર ઊભો રહ્યો છે. વિષયના મૂળિયા ઉપર સંસાર ઊભો રહ્યો છે, વિષય જ મૂળ છે.

વિષય તો દરેકને ના જ ગમે, પણ આ પહેલી વખતના હિસાબ થઈ ગયા છે ને આંખ માંડી ત્યારથી હિસાબ ચાલુ થઈ ગયો. તે પછી ના છોડે. આ બધી સ્ત્રીઓ કંઈ આપણને આકર્ષતી નથી, જે આકર્ષે છે તે આપણો પાછલો હિસાબ છે; માટે ત્યાં ઉખેડીને ફેંકી દો, ચોખ્ખું કરી નાખો. આપણા જ્ઞાન પછી કશો વાંધો નથી આવતો, માત્ર એક વિષય માટે અમે ચેતવીએ છીએ. દ્ષ્ટિ માંડવી જ ગુનો છે અને એ સમજ્યા પછી જોખમદારી ખૂબ વધી જાય છે, માટે કોઈની જોડે દ્ષ્ટિ જ ના માંડવી. દ્ષ્ટિ માંડવાથી જ બધું બગડે છે. દ્ષ્ટિ બગડે છે, તેય એકદમ નથી બગડતી, પહેલાંનો હિસાબ હોય તો જ આકર્ષણ થાય. મૂળ દ્ષ્ટિ ના બગડે, બગડેલી જ દ્ષ્ટિ બગડે.

જોવંુ, શુદ્ધાત્મા સ્વરૂપે !

સ્ત્રી સંબંધી તો આંખ પહેલી બગડે. આંખ બગડે પછી આગળ વધે છે. જેની આંખ ના બગડી તેને કશું જ ના થાય. હવે તારે જો સેફસાઈડ થવું હોય તો આંખ બગડવા ના દેવી અને આંખ બગડી હોય તો પ્રતિક્રમણ કરવું.

પ્રશ્શનકર્તા : એ વિષય-વિકારી દ્ષ્ટિના પરિણામ કેવા ?

દાદાશ્રી : અધોગતિ. આ તો આખો દહાડો 'ચા' સાંભરે. 'ચા' દેખે ને દ્ષ્ટિ બગડે, તો તે ચા પીધા વગર રહે કે પછી ? દ્ષ્ટિ ના બગડે એ મોટામાં મોટો ગુણ કહેવાય.

ભગવાને કહેલું કે જગતમાં બધી ચીજો ખાજો, પણ મનુષ્ય જાતિની આંખને ના જોશો અને એના મોઢાને ધારી ધારીને ના જોશો. જુઓ તો સામાન્ય ભાવે જોજો, વિષય ભાવે જોશો નહીં. આ કેરીઓ જોઈએ અને બાજુએ મૂકીએ તો પડી રહે, એને એક જ બાજુ છે; પણ આ જીવતી જીવાત તો ચોંટી પડશે, પછી બાજુએ મૂકશો તો દાવો માંડશે. આ લગનમાં દરવાજે ઊભા હોય ને દરેક માણસ આવે, એને ધારી ધારીને જુએ છે ? ના. એ તો એક આવે ને એક જાય એમ સામાન્ય ભાવે જુએ, એવું જોવાનું છે. અમારે જ્ઞાન થતાં પહેલાં નક્કી જ રાખેલું કે સામાન્ય ભાવે જોવું.

આ બધા લોકો ના હોત તો સારું ને ? આપણા ભાવ જ બગડત નહીં ને ?!

પ્રશ્શનકર્તા : ના, એ તો આપણી મહીં જ એવા ભાવ છે, એટલે સામાં નિમિત્ત ભેગાં થયાં છે ને ? એટલે આપણા ભાવ જ આપણે તોડી નાખવા જોઈએ, તો નિમિત્ત વળગે નહીં ને !

દાદાશ્રી : ખરું કહ્યું. એટલે જ અમે કહીએ છીએ કે આપણે ભાવનિદ્રા ટાળો. સર્વ પ્રકારના ભાવ આવે એવા આ લોકો છે, તેમાં ભાવનિદ્રા ના આવવી જોઈએ, દેહનિદ્રા આવે તો ચાલશે.

પ્રશ્શનકર્તા : પણ ભાવનિદ્રા જ આવે છે ને ?

દાદાશ્રી : એવું કેમ ચાલે ? આ ટ્રેન સામેથી આવતી હોય તો ભાવનિદ્રા નથી રાખતો. ટ્રેન તો એક અવતારનું મરણ લાવે તેવું છે, પણ આ તો અનંત અવતારનું જોખમ છે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે, એમાં તારે તારી મેળે સમજી લેવાનું છે. ભાવનિદ્રા આવે છે કે નહીં ? ભાવનિદ્રા આવે તો જગત તને ચોંટશે. હવે ભાવનિદ્રા આવે તો ત્યાં એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય માટેની શક્તિઓ માંગવી કે, 'હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.' અમારી પાસે જો શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ, જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગી લેવું એ સારામાં સારું.

પ્રશ્શનકર્તા : ના જોવું હોય તોય સુંદર સ્ત્રી દેખાઈ જાય, તો ત્યાં શું કરવું ?

દાદાશ્રી : તે ઘડી આંખ ના મિલાવવી.

પ્રશ્શનકર્તા : આંખ મિલાઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : આપણી પાસે પ્રતિક્રમણનું સાધન છે, તેનાથી ધોઈ નાખવું. આંખ મળે તો તો પ્રતિક્રમણ તરત જ કરી નાખવું જોઈએ. તેથી તો કહ્યું છે ને કે ચિતરામણવાળી સ્ત્રીનો ફોટો કે મૂર્તિ ના મૂકશો.

પ્રતિક્રમણોથી દ્ષ્ટિદોષ ધોવાય !

અત્યારે તો બધું ઓપન બજાર જ થઈ ગયું છે ને ! એટલે સાંજ પડ્યે દેખાય કે કશોય સોદો જ નથી કર્યો, પણ એમ ને એમ બાર સોદા લખી નાખ્યા હોય ! આમ જોવાથી જ સોદા થઈ જાય ! બીજા સોદા તો થવાના હશે તે થશે, પણ આ તો જોવામાત્રથી જ સોદા થઈ જાય ! આપણું જ્ઞાન હોય તો એવું ના થાય. સ્ત્રી જતી હોય તો એની મહીં તમને શુદ્ધાત્મા દેખાય, પણ બીજા લોકોને શી રીતે શુદ્ધાત્મા દેખાય ? જોવાથી તને સોદો થાય છે હવે ? નથી થતો ને ? ને જ્ઞાન પહેલાં તો કેટલાં થતાં'તાં સાંજ સુધીમાં ?

પ્રશ્શનકર્તા : દસ-પંદર થઈ જાય.

દાદાશ્રી : અને કોઈના લગનમાં જઉં તો ? કોઈને ત્યાં લગનમાં ગયા હોઈએ, તે દહાડે તો આપણે બહુ બધું જોઈએ ને ? સોએક સોદા થઈ જાય ને ? એટલે એવું છે આ બધું ! એ તારો દોષ નથી. બધા મનુષ્યમાત્રને એવું થઈ જ જાય. કારણ કે આકર્ષણવાળું દેખે એટલે દ્ષ્ટિ ખેંચાઈ જ જાય. એમાં સ્ત્રીઓનેય એવું ને પુરુષોનેય એવું, આકર્ષણવાળું દેખે કે સોદો થઈ જ જાય ! જેમ આપણે માર્કેટમાંથી શાક આકર્ષણવાળું હોય તો સાંજે લઈને જ આવીએ છીએ ને ? ના લેવું હોય તોય લે છે ને ? કહેશે, 'બહુ સરસ શાક દેખાયું એટલે લઈને આવ્યો !' લોક કેરીઓ આકર્ષણવાળી નથી લાવતા ? સરસ રૂપાળી દેખાતી હોય તો ? રૂપાળી દેખી તો સોદો કરી નાખે છે ને ? પછી કાપ્યા પછી મોઢું ખાટું થાય ત્યારે કહેશે કે પૈસા છૂટી પડ્યા ! આવું છે આ જગત !! આ તો બધા આંખના ચમકારા છે ! આંખ દેખે છે અને ચિત્ત ચોંટે છે, આમાં આંખનો શો ગુનો ? કોનો ગુનો ?

પ્રશ્શનકર્તા : મનનો.

દાદાશ્રી : મનનોય શો ગુનો ? ગુનો આપણો કે આપણે કાચા પડ્યા, ત્યારે મન ચઢી બેઠું ને ! ગુનો આપણો જ. પહેલાં તો એવોય વિચાર કરતા હતા કે અહીં આપણાથી ના જોવાય, આ તો બહેન થાય, આ તો મામાની દીકરી થાય, ફલાણું થાય. અત્યારે તો કશું જોવામાં બાકી જ નથી રાખતા ને ? આ તો બધી પાશવતા કહેવાય ! થોડું-ઘણું વિવેક જેવું ના હોય ?

દ્ષ્ટિનો જરા વિચ્છેદ ના થવો જોઈએ. કોઈની પ્રત્યે આપણી દ્ષ્ટિ ખેંચાય તો આખો દહાડો પ્રતિક્રમણ કરવું પડે. તે કેવડું મોટું બીજ નાખેલું કે આપણી દ્ષ્ટિ ખેંચાયા કરે !

આકર્ષણના કારણોનંુ પૃથ્થકરણ !

ચોરી કરવાની ગમે છે ? જૂઠું બોલવાનું, મરવાનું ગમે ? ત્યારે પરિગ્રહ ગમે ? તો બસ વિષયમાં એવું મહીં શું પડ્યું છે કે ગમે છે ?

પ્રશ્શનકર્તા : બિલકુલ ગમતું જ નથી, તોય આકર્ષણ થઈ જાય છે. એનો બહુ ખેદ રહ્યા કરે છે.

દાદાશ્રી : એ ખેદ રહે તો પેલું જાય. એક આત્મા જ જોઈએ, તો પછી વિષય શેનો થાય ? બીજું જોઈએ, તો વિષય થાય ને ? વિષયનું તને પૃથક્કરણ કરતાં આવડે છે ?

પ્રશ્શનકર્તા : આપ જણાવો.

દાદાશ્રી : પૃથક્કરણ એટલે શું કે વિષય એ આંખે ગમે એવા હોય છે ? કાને સાંભળે તો ગમે ? અને જીભથી ચાટે તો મીઠું લાગે ? એકુંય ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને ? અરે, બહુ સુગંધ આવે ને ? અત્તર ચોપડેલું હોય ને ? એટલે આવું પૃથક્કરણ કરે, ત્યારે ખબર પડે. આખું નર્ક જ ત્યાં પડ્યું છે, પણ આવું પૃથક્કરણ નહીં હોવાથી લોક મૂંઝાયું છે. ત્યાં જ મોહ થાય છે એય અજાયબી જ છે ને !

પ્રશ્શનકર્તા : તો એ આકર્ષણ શેનું રહે છે ?

દાદાશ્રી : અણસમજણનું. જેમ આ અણસમજણથી તાર જોઈન્ટ રહી ગયો હોય તો તેનું આકર્ષણ થયા કરે. પણ હવે સમજણ આવી કે આ તો આવું છે. પહેલાં તો આપણે સાચું જાણતા નહોતા ને આવું પૃથક્કરણ કરેલું જ નહીં ને ! લોકોએ માન્યું તેવું આપણે સાચું માન્યું કે આ જ ખરો રસ્તો છે, પણ હવે જાણ્યું ત્યારથી આપણે સમજી ગયા કે આ આમાં તો પોલું ખાતું છે. એમાં તો ઓહોહોહો.... એટલાં બધાં જોખમ છે કે એના લીધે તો આખો સંસાર ઊભો રહ્યો છે અને આખો દહાડો માર પણ એને લીધે જ પડે છે. એમાંય જો ઇન્દ્રિયોને ગમે એવું હોય તો ઠીક, પણ આ વિષય તો એકુંય ઇન્દ્રિયને ગમતો જ નથી.

પ્રશ્શનકર્તા : ચિત્ત હજી ખેંચાયા કરે છે, દ્ષ્ટિ બગડે છે.

દાદાશ્રી : આપણી બેન હોય, ત્યાં શી રીતે જોવાય છે ?

પ્રશ્શનકર્તા : ત્યાં તો કશું ના થાય.

દાદાશ્રી : કેમ, એ સ્ત્રી જ છે ને ? ત્યાં શાથી વિકાર ના થાય ? એની પર કેમ વિચાર નહીં બગડતા હોય ? બેન એ સ્ત્રી નથી ?

પ્રશ્શનકર્તા : પરમાણુની અસર હશે તેથી ?

દાદાશ્રી : આ તો આપણે જ્યાં ભાવ કર્યો હોય ત્યાં જ આપણી દ્ષ્ટિ બગડે. બેન ઉપર કોઈ દહાડોય ભાવ કર્યો નથી, તેથી દ્ષ્ટિ બગડેય નહીં અને કેટલાંક લોકોએ બેન ઉપરેય ભાવ કર્યો હોય તો ત્યાંય દ્ષ્ટિ બગડે !

પ્રશ્શનકર્તા : છતાં, આમ વ્યવહારમાં સ્ત્રીના સંજોગો તો ભેગા થાય છે, તે આમ દ્ષ્ટિ પડી જ જાય છે.

દાદાશ્રી : દ્ષ્ટિ પડી જાય, એ તો સ્વાભાવિક છે. એમાં પૂર્વભવનો દોષ છે. પણ હવે આપણે શું કરવું ? દ્ષ્ટિ પડી જવી, એમાં તો કંઈ ચાલે એવું નથી. આપણે ગમે એટલું પકડી રાખો તોય આંખનો સ્વભાવ છે જોવાનો, એ જોઈ લીધા વગર રહે જ નહીં. હિસાબ છે, એટલે જોયા વગર નહીં રહે.

પ્રશ્શનકર્તા : આવું દહાડામાં બે-ચાર વખત થઈ જાય. બે-ચાર વખત તો એમ લાગે કે આ કંઈ બરોબર રહેતું નથી.

દાદાશ્રી : એ ને આપણે બે જુદા જ છીએ ને ? અને એ તો ફરે નહીં. અફરને આપણે ફેરવવા જઈએ તો શું થાય ? પણ આ પ્રતિક્રમણથી દહાડે દહાડે ફેરફાર થતો જાય ને ?

પ્રશ્શનકર્તા : હા. એ બાજુની આમ સ્થિરતા વધે છે.

એ મીઠાશ લાગે બેભાનતાથી !

દાદાશ્રી : હવે ક્યાંય મીઠું લાગે છે કે ?

પ્રશ્શનકર્તા : મીઠું તો લાગી જાય છે, પણ એ જોખમદારી છે એવું સમજાય.

દાદાશ્રી : જ્યાં સુધી મીઠું લાગે છે ને, જોખમદારી ભલે લાગતી હોય, પણ મીઠું લાગે ત્યાંથી જોખમદારી કો'ક દહાડો ભૂલાડી દે. કર્મના ઉદય એવા એવા આવે કે જોખમદારી ભૂલાવી દે. અને આ કયા હિસાબે મીઠું લાગે છે, એ જ મને સમજાતું નથી. આમાં કયો ભાગ મીઠો છે ?

પ્રશ્શનકર્તા : એ ભ્રાંતિથી મીઠું લાગે છે ?

દાદાશ્રી : ભ્રાંતિથી મીઠું લાગતું હોય તોય સારું, આ તો ભ્રાંતિયે ન હોય. આને કોણ મીઠું કહે ?

આ મુંબઈમાં પાણી એટલું બધું ઓછું થઈ જાય કે નહાવાનો તાલ જ ના પડે, તો આ લોકોની શી દશા થાય ? ઘરમાં એક રૂમમાં બધાથી બેસાય નહીં, એવાં તો ગંધાઈ ઊઠે ! આ તો રોજ નહાય છે, તોય ગંધાય છે ને ? અને જો ના નહાય તો માથું ફાટી જાય એવા ગંધાય. આ નહાય છે તોય બપોરે બે વાગે કપડું ઘસીને જો પાણીમાં નીચોવીએને, તો પાણી ખારું થઈ જાય. છતાં આ દેહ કિંમતી કેમ ગણ્યો છે ? કારણ કે મહીં ભગવાન પ્રગટ થયા છે, વ્યક્ત થયા છે. એટલા માટે બધા દેહ કરતાં આને (મનુષ્ય દેહને) કિંમતી ગણ્યું; ત્યારે લોકો એને કિંમતી બીજી રીતે લઈ ગયા.

પ્રશ્શનકર્તા : વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે, તો કયા આધારે માનેલી છે ?

દાદાશ્રી : એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી, એટલે એને વિષયમાં બહુ મીઠાશ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંદવાડો ત્યાં જ છે, પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે. એટલે એને ખબર નથી પડતી. જો આ વિષય એ ગંદવાડો સમજાય, તો એની બધી મીઠાશ ઊડી જાય.

(વિષયના આકર્ષણના) ગલગલિયાંથી જ જગત ફસાયેલું છે. ગલગલિયાં થાય કે તરત જ જ્ઞાન મૂકી દેવાનું, એટલે તેનાથી બધું જુદે જુદું દેખાય ને તેનાથી છૂટાય.

'થ્રી વિઝન' પ્રયોગે થયા નિર્વિકારી !

મારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતાં પહેલાંય જાગૃતિ રહેતી હતી. આમ (કોઈ સ્ત્રીએ) સુંદર કપડાં પહેર્યાં હોય, બે હજારની સાડી પહેરી હોય તોય જોતાંની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં દેખાય, આંતરડાંમાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ! આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્ષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય ? લોકોને આવું આરપાર દેખાય નહીં ને ! લોકોને એવી દ્ષ્ટિ નહીં ને ! એવી જાગૃતિયે ક્યાંથી લાવે ? આવું દેખાય, એ તો મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એટ-એ-ટાઈમ આ ત્રણેય જાગૃતિ હોય. આ મને જે જાગૃતિ હતી, તે તમને કહું છું. જે રીતે હું જીત્યો છું, એ રીતે તમને બધાને, આ જીતવાનો રસ્તો દેખાડ્યો. રસ્તો તો હોવો જોઈએને ? અને તે કંઈ જાગૃતિ વગર તો કોઈ દહાડોય બને જ નહીં ને ?

આ તો કાળ એવો વિચિત્ર છે, પહેલાં તો લિપસ્ટિકો અને મોઢે પાવડર, એ બધું ક્યાં ચોપડતા હતા ? જ્યારે અત્યારે તો એવું બધું ઊભું કર્યું છે કે ઊલટું ખેંચાણ કરે માણસને, એવું બધું મોહબજાર થઈ ગયું છે ! પહેલાં તો શરીર સારું હોય, દેખાવડી હોય તોય આવા મોહનાં સાધન નહીં. અત્યારે તો નર્યું મોહબજાર જ છેને ? તે કદરૂપા માણસેય રૂપાળા દેખાય છે, પણ આમાં શું જોવાનું ? આ તો નર્યો ગંદવાડો !

એટલે મને તો બહુ જાગૃતિ રહે, જબરજસ્ત જાગૃતિ રહે. આપણું જ્ઞાન જાગૃતિવાળું છે, એટ-એ-ટાઈમ લાઈટ કરવું (જાગૃતિ રાખવી) હોય તો થાય એવું છે !! હવે જો તે ઘડીએ આવી જાગૃતિનો ઉપયોગ ના કરે તો માણસ માર્યો જાય. આપણે ઘણુંય શુદ્ધાત્મા જોવા જઈએ તો પણ એ દ્ષ્ટિ સ્થિર થવા ના દે, એટલે આવો ઉપયોગ જોઈએ. તે અમને જ્ઞાન થતાં પહેલાં આવો ઉપયોગ (થ્રી વિઝન) ગોઠવાયેલો, નહીં તો આ મોહબજાર તો મારી જ નાખે આ કાળમાં. આ તો સ્ત્રીઓને જોવાથી જ રોગ પેસી જાયને ! હવે શું એ પૈણેલા નથી ? પૈણેલા હોય તોય એવા ! કારણ કે આ કાળ જ એવો છે ! આ થ્રી વિઝન યાદ રહેશે કે ભૂલી જશો ?

પ્રશ્શનકર્તા : દ્ઢ નિશ્ચય હોવા છતાં કોઈ સ્ત્રી તરફ વારંવાર દ્ષ્ટિ ખેંચાય છે અને થ્રી વિઝન જાણવા છતાં 'જેમ છે' તેમ દેખાતું કેમ નથી ?

દાદાશ્રી : એ થ્રી વિઝન જાણેલું નથી, થ્રી વિઝન જાણે તો એને છે તે દ્ષ્ટિ ખેંચાય જ નહીં. થ્રી વિઝન દેખાય એટલે હાથ જ ઘાલે નહીં. પછી આ તો દ્ષ્ટિ પડે તો ઊલટું પાછું જોઈ લે.

પ્રશ્શનકર્તા : થ્રી વિઝન નથી દેખાતું, એ મોહને લીધે ?

દાદાશ્રી : જાણતો જ નથી, થ્રી વિઝન શું છે તે જ જાણતો નથી. મોહને લીધે ભાનમાં જ ના આવે ને મોહ એટલે બેભાનપણું !

પ્રશ્શનકર્તા : એટલે હવે થ્રી વિઝન દેખાય, એનો ઉપાય શું ?

દાદાશ્રી : એ કંઈ દેખાવાનું જ નથી. એનો ઉપાય જ ક્યાં કરવાનો ? એ જેને દેખાય, એ માણસ જ જુદી જાતના હોય, અફલાતુન માણસ હોય.

આ કાળમાં એટલો બધો વૈરાગ રહે નહીં માણસને ! એટલે આ થ્રી વિઝન બહુ ઊંચી વસ્તુ છે. એનાથી પછી વૈરાગ રહે. અમે નાની ઉંમરમાંથી આવો પ્રયોગ કરેલો. શોધખોળ કરી કે આ (વિષયનો) જ રોગ છે, મોટામાં મોટો. પછી આ જાગૃતિથી પ્રયોગ કરેલો, પછી તો અમને સહજ થઈ ગયું. અમને એમ ને એમ બધું સહેજે દેખાય. બે-ચાર વાર ગટરનું ઢાંકણું ઉઘાડવાનું હોય, પછી ખબર ના પડે કે મહીં શું છે તે ? પછી એવી ગટર આવે તો ખબર ના પડે ? વખતે બે-ચાર વાર ભૂલ થઈ જાય, પણ પછી તો આપણને ખબર રહેને ?

પ્રશ્શનકર્તા : એટલે આ થ્રી વિઝનનો પ્રયોગ કન્ટીન્યુઅસ રાખવાનો ?

દાદાશ્રી : એ એમ જ છે ! આ તો લૂગડાં ઢાંકીને ફરે એટલે રૂપાળું દેખાય, બાકી મહીં એવું જ છે. આ તો માંસને રેશમી ચાદરથી બાંધ્યું છે, એટલે મોહ થાય છે. માંસ એકલું હોય તોય વાંધો નહીં, પણ આ તો મહીં આંતરડાં બધું કાપે તો શું નીકળે મહીંથી ? એટલે એની પર વિચાર જ નથી કર્યો. એ જો વિચાર કર્યો હોય, તો તો ત્યાં દ્ષ્ટિ ફરી જાય જ નહીં. આ તો ભ્રાંતિથી મૂર્ખાઈમાં માણસે સુખ કલ્પેલું છે. બધાએ કલ્પ્યું એટલે આણેય કલ્પ્યું, એવું ચાલ્યું છે. સીત્તેર-એંસી વર્ષની સ્ત્રીઓ જોડે તું પૈણું ખરો ? કેમ નહીં ? પણ એના અંગ બધું સારું દેખાય કે નહીં ? એ જોવાનું મન જ ના થાય ને ?

પ્રશ્શનકર્તા : એવો કોઈ રસ્તો નથી, શોર્ટકટ નથી કે થ્રી વિઝન પહેલાં જ આરપાર ચોખ્ખું દેખાય ?

દાદાશ્રી : આ જ શોર્ટકટ ! મોટામાં મોટો શોર્ટકટ જ આ ને ! આ થ્રી વિઝનથી અભ્યાસ કરતો કરતો આગળ જાય એટલે 'જેમ છે તેમ' એને દેખાય, પછી વિષય છૂટી જાય. થ્રી વિઝન સિવાયનો રસ્તો ઊંધે રસ્તે ચાલવાનો શોર્ટ રસ્તો કહેવાય, નહીં તો પૈણવું હોય તો કોણે ના પાડી છે ? નિરાંતે પૈણો ને ! કોણે બાંધ્યા છે તમને ?

અમને આરપાર બધું દેખાય. આ જ્ઞાન એવું છે કે જ્યારે ત્યારે તમને આવી દ્ષ્ટિ કરાવશે. કારણ કે જ્ઞાન આપનારાની દ્ષ્ટિ આવી છે, મારી આવી દ્ષ્ટિ છે. એટલે જ્ઞાન આપનારાની જેવી દ્ષ્ટિ હોય તેવી દ્ષ્ટિ થાય. જેને આરપાર દેખાયા કરે, તેને કેમનો મોહ થાય તે ?

વૈજ્ઞાનિક શબ્દો, વૈરાગ્ય જન્માવે !

આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ તો બહુ અજાયબ વિજ્ઞાન છે. જગત જ્યારે જાણશે ત્યારે કૂદાકૂદ કરશે.

તમને સ્ત્રી ઉપર વૈરાગ આવ્યો કે ના આવ્યો ? કેટલી વારમાં ? અત્યારે પા કલાકમાં જ ? ત્યારે જ્ઞાનીઓની ચાવીઓથી કેવા વૈરાગ આવે છે ! અને આમ પહેરો ભરીએ, તે ક્યારે પાર આવે ? આમ પહેરો ભરે તો પેલી બાજુ પેસી જશે. અમે કોઈની ઉપર પહેરો જ ભરીએ નહીં ને ! અમે ક્યાં પહેરો ભરીએ ? આ ગંદવાડામાં જેને લબદાવું જ છે, તેને પછી અમે છોડી દઈએ.

અહીં આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે એ તો સહજ સ્વભાવે રહે, એક ક્ષણ પણ ચૂક્યા સિવાય નિરંતર રહે.

કૂંપણો તોડી નાખો, વિષય બીજની !

મનમાં વિષયનો વિચાર આવ્યો કે તરત તેને ઉખેડી નાંખવો જોઈએ અને કંઈક આકર્ષણ થયું કે એનું તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ બે શબ્દ પકડે તેને બ્રહ્મચર્ય કાયમ રહે. આપણને એમ લાગે કે આ વિષય-વિકારનું આકર્ષણ થયું કે તરત પ્રતિક્રમણ કરવું જોઈએ અને કોઈ વિષય-વિકારનો મહીંથી વિચાર ઊગ્યો તો એ છોડવો તરત જ ઉખેડીને બહાર ફેંકી દેવો. બસ, આ બે કરે, એને પછી વાંધો ના આવે.

પ્રશ્શનકર્તા : પણ જાગૃતિ અને આ બે એકી સાથે રહે ?

દાદાશ્રી : ના, જાગૃતિ હોય તો જ આ થાય, નહીં તો થાય નહીં ને !

આ છોડવો ઉગતો હોય તો, ત્યાંથી જ સમજી જવું કે આ છોડવો કૂંચનો છે. એટલે એને ઉગતાંની સાથે જ ઉખેડીને ફેંકી દેવું. નહીં તો ચોંટશે તો એ કૂંચથી આખા શરીરે લ્હાય બળશે. માટે ફરી ઊગે નહીં એવી રીતે ફેંકી દેજો. એવું આ મિશ્રચેતનના વિચાર આવે તો ઉગવા જ ના દેશો. એને તો નિંદી જ નાખજો, તો એક દહાડો આનાથી ઉકેલ આવશે. નહીં તો એક જો ઉગ્યું તો કેટલાંય અવતાર બગાડી નાખે. ભગવાને વિષયના છોડવાને જ નિંદી નાખવાનું કહ્યું છે. બીજા છોડવા તો છો ને ઊગે, એ જોખમી નથી. પણ મિશ્રચેતન જોખમી છે. અનાદિકાળનો અભ્યાસ એટલે મન પાછું આનું આ જ ચિંતવન કરે. ત્યારે પાછો વિષયનો છોડવો ઊગે. આ મગને પાણી નાખે તો ઊગે, તે નીચે મૂળિયું નાખે. એટલે ત્યાંથી આપણે જાણીએ કે આ તો છોડવો થશે. એટલે આવું આમાં વિચાર આવ્યો એટલે ત્યાંથી જ એને ઉખેડીને ફેંકી દેવો. આ વિષય એકલો જ એવો છે કે આવડો સહેજ છોડવો મોટો થયા પછી જતો નથી. એટલે એને મૂળમાંથી જ ઉખેડીને ખેંચી કાઢવો.

જાગૃતિથી જ જીતી જવાય !

હવે જો આવી જાગૃતિ રહે તો માણસ આરપાર જઈ શકે, નહીં તો આ તો બેભાનપણું છે. આ તો ચાદરે વીંટેલું માંસ છે. આખી દુનિયાનો બધો કચરો આ શરીરમાં છે, છતાંય આ ચાદરને લીધે કેવો મોહ થાય છેે ! એ મોહ શાથી ઉત્પન્ન થાય છે ? અજાગૃતિથી ! પછી પાછળથી પસ્તાવુંય પડે છે ને ? પસ્તાવો એટલે શું ? પશ્ચાતાપ. પશ્ચાતાપ એટલે મહીં ડંખ્યા કરે. એના કરતાં જાગૃતિ હોય તો કેવું સરસ ! જાગૃતિ જો ના રહેતી હોય તો પછી શાદી કર. આપણને તેનો વાંધો નથી. શાદી એટલે નિકાલી બાબત. નહીં તો જાગૃતિ રાખવી પડે. અત્યાર સુધી નરી અજાગૃતિ જ હતી. આ તો તેમાંથી આ જાગૃતિ કરવાની બાકી રહી. એકસો ને આઠ દીવા હોય, તે બાર દીવા તો સળગાવ્યા. પછી તેરમો, ચૌદમો એમ સળગાવ્યે જવાના.

પ્રશ્શનકર્તા : જાગૃતિપૂર્વક ભાનમાં હોવા છતાં ખેંચાઈ ગયા, આપણું ત્યાં આગળ કશું ચાલ્યું નહીં, તો શું કરવું ? એનો કેટલો દોષ બેસે ?

દાદાશ્રી : દોષ તો ખરો જ ને ! વૈદે કહ્યું હોય કે મરચું ના ખાશો ને આપણે મરચું ખઈએ, તો શું થાય ? પણ એવાં તો કંઈ બહુ ફૂલિશ નીકળે નહીં, થોડાંક જ નીકળે અને એણે મરચું ખાધું, તે પછી એનો રોગ વધે.

પ્રશ્શનકર્તા : પણ હવે એણે કરવું શું ? ઉપાય તો હોવો જોઈએને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. બીજું શું ?

પ્રશ્શનકર્તા : પણ જ્ઞાનીને કહેવાનું નહીં ? જેણે આજ્ઞા આપી હોય, એને કહેવું તો પડશે ને ?

દાદાશ્રી : હા, કહે તો પણ પ્રતિક્રમણ કરવાનું. બાકી પેલો મરચું ખાય, એમાં જ્ઞાની કંઈ ઓછા ઝેર ખાય ?

ભયંકર રોગ સામે ચેતો !

કોઈક દહાડો મહીં ખરાબ વિચાર ઉગ્યા અને એને કાઢી નાખતાં વાર લાગી તો જરા મોટું પ્રતિક્રમણ કરવું પડે. નહીં તો વિચાર ઉગ્યો કે તરત કાઢી નાખવાનું, ઉખેડીને તરત ફેંકી દેવાનું. બાકી આ વિષય-વિકાર એવો છે કે એક સેકન્ડેય જરાય રહેવા ના દેવાય. નહીં તો ઝાડ થતાં વાર ના લાગે. એટલે ઉગ્યો કે તરત ઉખેડીને ફેંકી દેવાનો. જેમ આપણે ઘઉં વાવવાના હોય ને તમાકુનો છોડવો ઊગી નીકળે તો એને તરત કાઢી નાખીએ. એવું આમાંય વિષયને ઉખેડી નાખવાનો.

પ્રશ્શનકર્તા : વિષયનું અજ્ઞાન એ શું છે ?

દાદાશ્રી : બગીચામાં શું રોપ્યું છે, એ ઊગે ત્યારે ખબર પડે કે આ તો ધાણા ઊગ્યા, આ તો મેથી ઊગી, એના પાંદડાં પરથી ખબર પડે ને ? તેવું વિષયના બીજનું છે, તેને ઊગે ત્યાંથી જ ખેંચી નાખીએ.

જે પડેલાં બીજ ઉખેડી નાખે છે, એ ઉખેડી નાખ્યા પછી જે વિષયો છે, એ વિષય જ નથી. ઝાડ છે તો ભલે રહ્યું, વરસાદ પડે તો ભલે પડે. એમ માનોને, અહીં બોરડીનું ઝાડ હોય, તે એનું બીજ તો ફર્લાંગ છેટે ઊગે. પવન છે તે બીજને ગમે ત્યાં ખેંચી જાય એટલે આપણે બોરડી નીચે જ નહીં, પણ આજુબાજુ બધે ઊગેલા બીજને ઉખેડી નાખવાનાં. બીજ કોને કહેવાય ? અન્ય સંયોગ ભેગા થાય ત્યારે બીજ પડે તો એ ઊગે, તો ઊગતાંની સાથે એને ઉખેડી નાખવું.

બે પ્રકારના વિષય, એક ચાર્જ ને બીજો ડિસ્ચાર્જ. ચાર્જના બીજને ધોઈ નાખવાનું. ખરી રીતે તો વિચાર જ ના આવવો જોઈએ. જ્ઞાની પુરુષને લક્ષ્મીના, વિષયના વિચાર જ ના આવે, એટલે બીજ પડવાની ને ઊગવાની વાત જ ક્યાં રહી ?! જો તમને વિચાર આવે તો તમે એને ઉખેડી નાખજો, તો પછી વિચારો ના ઊગે. એક-એકને આમ ઉખેડી નાખવાનાં. આ તો અક્રમ જ્ઞાન છે, તે અજ્ઞાન ગયું છે, પણ પાછલો માલ રહ્યો છે તેથી ચેતવણી આપવી પડે. આ બીજનો સ્વભાવ કેવો છે કે પડ્યા જ કરે. આંખો તો જાત જાતનું જુએ એટલે મહીં બીજ પડે, તો એને પછી ઉખેડી નાખવાનું. આ હોટલ દેખે તો ખાવાની ઇચ્છા થાયને ? એના જેવું છે. આપણે તો મોક્ષે જવું છે માટે ચેતવાનું છે. આંખથી જોવાથી કંઈ પણ ખેંચાણ થાય એ ભયંકર રોગ છે એમ માનો. જ્યાં સુધી બીજ રૂપે છે ત્યાં સુધી ઉપાય છે, પછી કશું ના વળે.

સંસારી જંજાળમાં જકડાયેલાને ચાવી...

પ્રશ્શનકર્તા : મારે ધંધાને લીધે બહાર બધે ફરવાનું બહુ થાય છે. (તેથી વિષયના વિચારો બહુ પજવે.)

દાદાશ્રી : હા, પણ એ સંજોગોમાં આપણે ચેતતા રહેવાનું, એ વિચારો ચડી બેસે તો ચડી બેસવા નહીં દેવાનું. એ મન ન્યુટ્રલ (નાન્યતર) છે ને આપણે છે તે પુરુષ છીએ. ન્યુટ્રલ, પુરુષને જીતે નહીં કોઈ દહાડોય.

માંસાહારની દુકાને જઉં તોય વિચાર ના આવે, તે શું ? કારણ કે એ માલ ભર્યો જ નથી ને ! એટલે પછી આપણે ના સમજી લઈએ કે ભઈ, ભરેલો હોય હવે તે જ કૂદે છે. ના ભર્યો હોય તો નથી કૂદવાનો. એ સમજણ પડે કે ન પડે ?

પ્રશ્શનકર્તા : એ બરાબર છે. પણ બહુ વિચારો આવે ને એટલે પેલું એ થઈ જાય કે આવું બધું ?

દાદાશ્રી : બહાર લોકો બૂમાબૂમ કરતાં હોય, તેથી કરીને આપણે બારણું વાસીને એક બાજુ બેઠા હોય, તો ભાંજગડ છે ? આપણે એની જોડે વ્યવહાર કરવો જ નહીં. તો પછી આપણે રહી શકીએ. એટલે એ ઝંઝાવાત આવે તે પછી પાર નીકળી જાય ને ઝંઝાવાત ઊડી જાય. વંટોળીયા કંઈ રોજ હોય ? બે દહાડા. આખો દહાડો ચાલે તોય ઉડાવી દઈએ. આ બધા કહે ને, આમને કંઈ વંટોળીયા નહીં આવતા હોય ? હવે આને કેટલાય વંટોળીયા આવે છે, પણ શું કરે ?

પ્રશ્શનકર્તા : ચંદ્રેશ વિષય ભોગવતો હોય એવા વિચારો આવે, આવું તેવું બધું દેખાય, ફોટાઓ બધા પડે અંદર. પછી અંદર કશું ગમે નહીં.

દાદાશ્રી : ભલેને ના ગમે. ના ગમે તોય ચંદ્રેશને ને ? તને તો નહીં ને ? તું તો જુદોને આમાં ! વિષય ના હોવો જોઈએ, બીજી કોઈ ભૂલો હોય તો ચલાવી લેવાય.

પ્રશ્શનકર્તા : એવો વિચાર આવે કે આપણને ઈન્ટરેસ્ટ પડે છે, માટે દાનત ચોર હશે તો જ ઈન્ટરેસ્ટ પડે. નહીં તો ઈન્ટરેસ્ટ પડવો જ ના જોઈએ.

દાદાશ્રી : આપણે ઈન્ટરેસ્ટ પડે એવો માલ લાવ્યા છીએ. આપણને ખબર પડે. ઓહો ! ઈન્ટરેસ્ટ પડે એવો છે. એટલે કહીએ, 'ઈન્ટરેસ્ટ વાપરો તમે. પૈણો હઉ, કોણ ના પાડે છે ?'

આત્માને આમાં ઈન્ટરેસ્ટ હોતો જ નથી, એ ઈન્ટરેસ્ટ છે, આહારીને. આહારી જોયેલાં તે ! વધારેય ખઈ જાય છે તો દુઃખ થઈ જાય અને ઉપવાસ કરવા હઉ બેસે, પાછા એ જ આહારી !

પ્રશ્શનકર્તા : પછી એવા વિચાર આવે કે આ નિશ્ચયમાં કચાશ છે કે દાનત ચોર છે કે આવું કેમ થાય છે ?

દાદાશ્રી : ના, એ તો ભરેલો માલ છે ને ટાઈમ થયો છે. આજુબાજુના સંજોગો એવા છે એટલે ફૂટે છે.

પ્રશ્શનકર્તા : પહેલાં એવી સ્થિતિ હતી કે હું આ બધા બ્રહ્મચારીઓથી જુદો પડું ને, એટલે બ્રહ્મચર્ય રહે જ નહીં. સહેજ ટોળામાંથી જુદો રહું કે એકલો ઘેર રહું ને તો બધા વિચારો ફરી વળે.

દાદાશ્રી : વિચારો ફરી વળે, એમાં આપણે શું જાય છે તે ? આપણે તેને જોનાર છીએ ! આ કંઈ હોળીમાં કેમ હાથ નથી ઘાલતો ? હોળીનો દોષ કાઢે એ ખોટું ને ! દોષ તો આપણે હાથ ઘાલીએ એ કહેવાય.

વિચાર તો બધી જાતના ફરી વળે. મચ્છરાં ફરી વળતા હોય, એને આપણે આમ આમ કરીએ તો રહે નહીં. તે આમ તો હાથ દુઃખે, પણ આ તો કુદરતનો તો હાથ જ દુઃખે એવો નથી. આપણે કહીએ કે મચ્છરાં અડવા નથી દેવા, તો મહીં એવુંય બને. એ નિશ્ચય કરો ત્યાં બ્રહ્મચર્ય કેવું સરસ પળાય !

એમ કરતાં કરતાં છૂટી ગયા !

અમે તો કેટલાંય અવતારથી ભાવ કરેલા. તે અમને તો વિષય માટે બહુ જ ચીઢ, તે એમ કરતાં કરતાં છૂટી ગયા. વિષય અમને મૂળથી જ ના ગમે પણ શું કરવું ? કેમ છૂટવું ? પણ અમારી દ્ષ્ટિ બહુ ઊંડી, બહુ વિચારશીલ, આમ ગમે તેવાં કપડાં પહેરેલાં હોય તોય બધું આરપાર દેખાય નર્યું, એમનું એમ દ્ષ્ટિથી ચોગરદમનું બહુ દેખાય. એટલે રાગ ના થાય ને ? અમને બીજું શું થયું કે આત્મસુખ પ્રાપ્ત થયું. જલેબી ખાઈએ, ત્યાર પછી ચા મોળી લાગે. એમ આત્માનું સુખ જેને પ્રાપ્ત થઈ ગયું, તેને વિષયસુખ બધા મોળાં લાગે, તને મોળું નથી લાગતું ? પહેલાં જે લાગતું હતું, એવું હવે ના લાગે ને ?

પ્રશ્શનકર્તા : મોળું લાગે તો ખરું, પણ પાછો મોહ ઉત્પન્ન થઈ જાય.

દાદાશ્રી : મોહ તો ઉત્પન્ન થઈ જાય. એ તો કર્મના ઉદય હોય. કર્મ બંધાયેલાં છે, તે મોહ ઉત્પન્ન કરાવે. પણ તમને આમ લાગે ખરું કે ખરું સુખ તો આત્મામાં છે ?

પ્રશ્શનકર્તા : હા, એ બરાબર લાગે. આ વિષયમાં સુખ નથી, એ તો પાકું સમજાઈ ગયું છે.

દાદાશ્રી : બીજી કોઈ સ્ત્રીને જોઉં, તો તને વિચાર નથી થતો ને ?

પ્રશ્શનકર્તા : થાય કોઈ વાર.

દાદાશ્રી : એવું થાય એટલે હજુ કચાશ છે.

પ્રશ્શનકર્તા : ખાલી આમ સાધારણ મોહ જ થાય, બીજું કંઈ નહીં.

દાદાશ્રી : મોહ તો પછી ઢસડી જ જાય ને ! આ વિષયની બાબત તો જીતવી બહુ અઘરી વસ્તુ છે. આ આપણા જ્ઞાનથી જીતી શકે એમ છે. આ જ્ઞાન કાયમ સુખદાયી છે ને તો જીતાય.

ચાલુ લીંક તૂટે તે ઉપાય કરો !

જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો સમજાય કે વિષયમાં કશુંય છે નહીં.

પ્રશ્શનકર્તા : આપના જ્ઞાન પછી અમે આ અવતારમાં જ વિષય બીજથી એકદમ નિર્ગ્રંથ થઈ શકીએ ?

દાદાશ્રી : બધું જ થઈ શકે. આવતા ભવ માટે બીજ ના પડે. આ જૂનાં બીજ હોય એ તમે ધોઈ નાખો, નવાં બીજ પડે નહીં.

પ્રશ્શનકર્તા : એટલે આવતા અવતારમાં વિષય માટે એકેય વિચાર નહીં આવે ?

દાદાશ્રી : નહીં આવે. થોડું ઘણું કાચું રહી ગયું હોય તો પહેલાના એટલા થોડા વિચાર આવે પણ તે વિચાર બહુ અડે નહીં. જ્યાં હિસાબ નહીં, તેનું જોખમ નહીં. એ તો લીંક ચાલુ હોય તેનું જોખમ આવે. અમથા અમથા તો માણસને એની નજીક રહેતી વ્યક્તિઓ જોડેનોય વિષયનો વિચાર આવે. પણ તે લીંક નહીં એટલે ઊડી જાય પછી.

વિષયનું સહેજ ધ્યાન કરે કે જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય. 'હતો ભ્રષ્ટ, તતો ભ્રષ્ટ' થઈ જાય. જલેબીનું ધ્યાન કરે તો એવું ના થાય, આ યોનિ વિષયનું ધ્યાન કરે તો તેવું થઈ જાય.

રુચિને મૂળમાંથી કાઢો !

પ્રશ્શનકર્તા : રુચિ મહીં રહેલી છે, એ ખબર કેમ પડતી નથી ?

દાદાશ્રી : એ ખબર ના પડે એટલું જાડું ખાતું છે.

પ્રશ્શનકર્તા : પણ આમ તો એવું લાગે છે કે આપણે આ વિષય તો ભોગવવો જ નથી.

દાદાશ્રી : એ તો એવું લાગે ખરું, પણ એ બધું શબ્દોથી છે. હજુ મહીં જે રુચિ છે, એ ગઈ નથી. રુચિનું બીજ અંદર હોય છે, તે ધીમે ધીમે તને સમજાશે. જે ડેવલપ થયેલો માણસ હોય, તેને સમજાઈ જાય.

પ્રશ્શનકર્તા : ક્ષત્રિયને વિષય સામે ક્ષત્રિયપણું ના આવી જાય ?

દાદાશ્રી : આવે ને ! પણ વિષયમાં ક્ષત્રિયપણું આવે એવું નથી. ક્ષત્રિયપણું હોત, તો તો એને વિષય કાપી નાખવાનું કહેત, પણ આ વિષય એ સમજણનો વિષય (સબ્જેક્ટ) છે. એટલે બહુ વિચારે કરીને વિષયો જાય. એટલા માટે વિષયથી છૂટવા માટે મેં આ ત્રણ વિઝન બતાડ્યા છે ને ? પછી એને રાગ થાય નહીં ને ! નહીં તો સ્ત્રીએ આમ સારા ઘરેણાં ને સારાં કપડાં પહેર્યાં હોય તો બધું ભૂલી જાય ને મોહ ઉત્પન્ન થઈ જાય.

પ્રશ્શનકર્તા : હજુ તો વિષયમાં રુચિ અંદર હોય છતાં ખબર નથી પડતી કે રુચિ છે કે નહીં.

દાદાશ્રી : એટલું જાણ્યું તોય સારું તારે.

પ્રશ્શનકર્તા : વિષયોમાં જે ઈન્ટરેસ્ટ ઊભો થાય છે એ રુચિ પડી, એના આધારે ઊભો થાય છે ?

દાદાશ્રી : હા. રુચિ ના હોય તો કશું નહીં. અરુચિ ઉપર વિષય ઊભો કેમ થાય ? અરુચિ ઉપર વિષય કેમ ઊભો થાય ? કોઈ સ્ત્રી હાથે દાઝી ગઈ હોય, રોજ આખા શરીરે પુરુષ અડતો હોય, પણ હાથે દાઝી ગયેલું હોય ને પછી ફોલ્લાં પડે અને પછી પરું નીકળતું હોય, એ ઘડીએ પેલી સ્ત્રી કહે કે 'અહીંયા આ જરા ધોઈ આપો.' તો શું કહે ?

પ્રશ્શનકર્તા : ના પાડે.

દાદાશ્રી : હવે એ રુચિ હતી, તે ત્યાં આવું જોઈને અરુચિ થઈ જાયને ! પછી ફરી રુચિ ઉત્પન્ન ના થાય. પણ સ્ટેબીલાઈઝ રહેવું જોઈએ. આ તો આમ પાછાં સાજા થઈ જાય તો, ત્યારે હતા તેવાં ને તેવાં થઈ જાય, એવું નહીં. સ્ટેબીલાઈઝ થઈ જવું જોઈએ.

પ્રશ્શનકર્તા : સ્ટેબીલાઈઝ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો આ અહીં આગળ છે તે, આ રોડ ઉપર જઈને પૂછી આવજે ને ! એ લોકો કરે છે એવી રીતે તુંય કરજે. આ કાંકરા-મેટલ નાખીને ત્યાં રોલર ફેરવે છે, એ સ્ટેબીલાઈઝ થઈ જાય એવું જોઈ લે.

પ્રશ્શનકર્તા : પણ અહીં કયું રોલર ફેરવવું પણ ?

દાદાશ્રી : એ તો પેલા રોલરથી, આપણે પસ્તાવો કરી કરીને, દોષને કાઢવાના.

બ્રહ્મચર્ય એ વ્યવહાર ચારિત્ર !

ચારિત્ર્યનો સ્ટ્રોંગ થઈ ગયો, એટલે જગત જિતાઈ જશે. જગત જીતવા માટે ચારિત્રનો સ્ટ્રોંગ એટલું જ જોઈશે. ગમે તે કપડાં પહેરતાં હોય, તે વાંધો નથી. વ્યવહાર ચારિત્રને અને કપડાંને કંઈ લેવાદેવા નથી. કપડામાં તો એકનો એવો મત છે, બિલકુલ કપડું ના જોઈએ. કોઈ એકનો એવો મત છે કે ધોળું કપડું વીંટવું જોઈએ. પણ તમે કોટ-પાટલૂન પહેરો તોય વાંધો નથી. એ બધા મત વ્યવહારના છે. ખાવાની વસ્તુ કંઈ ભ્રાંતિ જેવી વસ્તુ નથી. મોટા માણસનેય જલેબી મોઢામાં મૂકે તો ગળી લાગે ને ? ના લાગે ? એટલે એકલું 'ચારિત્ર્ય' જિતાયું કે આખું જગત જીતી ગયા. બાકી ખાવ, પીઓ તેનો મને વાંધો નથી. વધારે-ઓછું ખાવ તો કોઈ વાંધો ના ઉઠાવે ને ? તમે અત્તર નાખતા હો તો લોક વાંધો ઉઠાવે ? અને આવડી આવડી મૂછો રાખો, થોભિયા રાખો તોય જગત વાંધો ના ઉઠાવે. જગત તો જ્યાં વાંધો છે ત્યાં જ વાંધો ઉઠાવે. જગતને આ બીજી બધી વસ્તુઓમાં વાંધો જ નથી. અને આ અણહક્કમાં તો જોખમદારી બહુ જ છે, ભયંકર અધોગતિમાં ફેંકી દે છે !!! જગત તો અરીસા સ્વરૂપ છે, તે આપણને આપણું રૂપ દેખાડે છે. જે જે ટકોર કરનારા છે ને, એ આપણો જ અરીસો છે.

ખરેખર તો, વિષયમાં સુખ નથી જ. જે સુખ માન્યું છે ને, તે સાવ રોંગ બિલિફનીય રોંગ બિલિફ છે. આ જલેબીમાં સુખ લાગે છે. હવે કો'કને જલેબી ના ભાવતી હોય તો એને શીખંડ ભાવે, એટલે આ વસ્તુઓય સુખદાયી લાગે છે. જ્યારે વિષય એ તો દરાજ વલૂરે એના જેવું છે. એ વસ્તુ નથી છતાં એમાં સુખ આવે છે ને ?! એટલે વિષય એ રોંગ બીલિફની યે રોંગ બીલિફ છે. અને એ પાછું જગતમાં ચાલ્યું એ ચાલ્યું પછી. સાચી સમજણ જ નથી ને !

હું આ બધાને એટલા માટે બ્રહ્મચર્યની સમજ પાડું છું. કારણ કે ચારિત્રના પાયા ઉપર મોક્ષમાર્ગ ઊભો રહ્યો છે. આપણે ખાવું-પીવું હશે તેનો વાંધો નથી. એક દારૂ કે માંસાહાર નહીં કરવાનો. બીજું બધું ભજિયાં- જલેબી ખાવાં હોય તો ખાજો, એનો ઉકેલ લાવી આપીશ. હવે આટલી બધી છૂટ આપવા છતાંય તમે આજ્ઞામાં સારી રીતે ના રહી શકો તો શું થાય ? કૃપાળુદેવે એટલે સુધી કહેલું કે તારી ભાવતી થાળી બીજાને આપી દેજે. આપણે અહીં તો શું કરવાનું કહ્યું છે કે તને શાંતિ શેનાથી આવે છે, તે તું કર. તું ભાવતી થાળી બીજાને ના આપી દઈશ, નિરાંતે ખાજે. આપણે તો ચારિત્રનો પાયો મજબૂત રાખવો. મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ મૂળ વસ્તુ છે.

'ફાઈલ' સામે ચંચળતા થાય ત્યારે...

પ્રશ્શનકર્તા : અમુક ટાઈમે એ સમજ રહેતી નથી.

દાદાશ્રી : આપણો ફોર્સ તૂટી જાય, તો એ સમજ ઉડી જાય. તે આપણો નિશ્ચય તૂટી જાય એટલે સમજ ઉડી જાય. આપણા નિશ્ચયને લઈને જ રહે. નહીં તો પુદ્ગલ એવું નથી બિચારું. પુદ્ગલને સારું-ખરાબ નથી લાગતું. એ તો 'બહુ સારી વસ્તુ, સારી વસ્તુ, સારી વસ્તુ છે' એમ કર્યું એટલે પછી એ ધક્કો મારે. 'ખરાબ છે, ખરાબ છે' એમ કરીએ તો પછી પેલું તૂટી જાય. જ્યાં મન ખેંચાતું હોય, તે ફાઈલ આવે તે ઘડીએ મન ચંચળ જ રહ્યાં કરે. તે ઘડીએ મન ચંચળ થાય ને અમને મહીં બહુ દુઃખ થાય. આનું મન ચંચળ થયું હતું. એટલે મારી આંખ કડક થઈ જાય.

ફાઈલ આવે તે ઘડીએ મહીં કૂદાકૂદ કરી મેલે. ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, નીચે જાય. એના વિચાર આવતાંની સાથે, એ તો મહીં નર્યો ગંદવાડો ભરેલો છે, કચરો માલ છે. મહીં આત્માની જ કિંમત છે.

ફાઈલ ગેરહાજર હોય ને યાદ રહે તો બહુ જોખમ કહેવાય. ફાઈલ ગેરહાજર હોય તો યાદ ના રહે પણ એ આવે કે તરત અસર કરે એ સેકંડરી જોખમ. આપણે એની અસર થવા જ ના દઈએ. સ્વતંત્ર થવાની જરૂર. આપણી તે ઘડીએ લગામ જ તૂટી જાય. પછી લગામ રહે નહીં ને !

છૂટકારો થવાનો ઉપાય !

પ્રશ્શનકર્તા : સામી ફાઈલ એ આપણા માટે ફાઈલ નથી, પણ એના માટે આપણે ફાઈલ છીએ એવું આપણને ખબર પડે તો આપણે શું કરવું ?

દાદાશ્રી : તો તો વધારે વહેલું ઉડાડી દેવું. વધારે કડક થવું. એ ચીતરવાનું જ બંધ કરી દેને. ના હોય તો ગાંડું હઉં બોલવું. એને કહેવું કે 'ચાર ધોલો મારી દઈશ, જો તું મારી સામે આવીશ તો ! મારા જેવો ચક્રમ નહીં મળે કોઈ.' એવું કહીએ એટલે પછી ફરી પેસે નહીં. એ તો આવી જ રીતે ખસે.

પ્રશ્શનકર્તા : આવું ક્રેક બોલવાનું મને સારું ફાવે.

દાદાશ્રી : હા. તને આવું કડક બોલતાં સારું ફાવે ને આ બધાંને શિખવાડવું પડે. તને સહજ આવડે.

આકર્ષણની ફાઈલથી છૂટવાનો રસ્તો !

પ્રશ્શનકર્તા : (કોઈ વ્યક્તિ સાથે આકર્ષણ સંબંધમાં આવીએ, તે એ) જબરજસ્ત અહંકાર કરીને પણ આ વિષયને ઉડાડી મેલવાનો છે.

દાદાશ્રી : હા. પછી આ અહંકારની દવા કરી લેવાય. પણ પેલો રોગ કે જ્યાં બળવો થવાનો ત્યાં દાબી દેવો પડે. આ તો દાનત ચોર એટલે મીઠાં રહે છે. હું સમજી જાઉં.

પ્રશ્શનકર્તા : જ્યાં દાનત ચોર છે, તો એને સુધારવા માટે શું ? એનો ઉપાય શું ? નિશ્ચય સ્ટ્રોંગ કરવો એ જ ને ?

દાદાશ્રી : આપણું નુકસાન કરે તો એની ઉપર દ્વેષ જ રહે, ખરાબ દ્ષ્ટિ જ રહે. આપણને ભેગું થતાં જ એે ભડકે. કડક થઈ ગયો છે, ખબર પડી જાય. એવું કડક થયું કે પછી અડે નહીં. પછી બીજું ખોળે એ.

પ્રશ્શનકર્તા : આપના જ્ઞાન પછી ખબર પડે કે આની જોડે આટલો કડક છું ને આટલો નરમ છું.

દાદાશ્રી : હા. પણ નરમ રહેવું એ પોલ છે. હું તો જાણુંને બધું કે આ પોલ છે.

પ્રશ્શનકર્તા : જ્યાં નરમ રહેવાય ત્યાં કોઈ દિવસ ગુસ્સાવાળી વાણી નીકળી જ નથી. બીજે તો ભયંકર ગુસ્સો થાય છે. આપની વાત બિલકુલ સાચી છે.

દાદાશ્રી : દાનત ચોર છે. અમે તરત જ સમજી જઈએ ને ! બહાર તો નરમ ઘેંસ !

પ્રશ્શનકર્તા : આપ કહો છો, તે હજુ અમને ખબર નથી પડતી.

દાદાશ્રી : તે પણ અમે જાણીએ ને ! અમે જમે કરીએ નહીં ! તમે ગમ્મે એવું પ્રોમિસ આપો તોય જમે કરીએ નહીં. અમે જમે ક્યારે કરીએ ? એવું વર્તન જોઈએ ત્યારે.

પ્રશ્શનકર્તા : આ એક બહુ મોટો રોગ થઈ ગયો છે. પોતા ઉપર વધારે પડતો ખોટો વિશ્વાસ થઈ ગયો છે.

દાદાશ્રી : કોઈ પણ જાતનું ભાન જ નહીં ને ! પોતા ઉપર અને પારકા ઉપર ભાન જ નહીં.

પ્રશ્શનકર્તા : આપણે ફાઈલનો તિરસ્કાર કરીએ તો અંદરથી એવું બતાડે કે એ આપણને ઊંધું સમજશે.

દાદાશ્રી : ઊંધું સમજવું જ જોઈએ. એને આપણે ગાંડા છીએ એવું લાગવું જોઈએ. આપણે જે તે રસ્તે તોડી નાખવાનું ને પછી એની દવા થાય. આ વેર બંધાયું હોય તેની દવા થાય.

પ્રશ્શનકર્તા : જ્યાં સુધી એક જગ્યાએ પણ ઝલાયેલું હોય ત્યાં સુધી બીજી શક્તિ પછી પ્રગટ થતી નથી.

દાદાશ્રી : આ તે ગળ્યું પોઈઝન છે, પોઈઝન ને પાછું મીઠું !

અને 'ફાઈલ' આવે, તે ઘડીએ તો કડક જ થઈ જવું. તો 'ફાઈલ' ધ્રુજે ! 'યુઝલેસ ફેલો' એમ હઉ કહી દો ખાનગીમાં, એટલે એ ચિઢાય તોય વાંધો નહીં. ચિઢાય એટલે રાગ ઊડી જાય, આસક્તિ ઊડી જાય બધી. અને એ સમજીયે જાય કે હવે ફરી આ આપણા લાગમાં ના આવે. નહીં તો પછી એ લાગ ખોળ્યા કરે. આ હવે સાચવજો બધું.

ફાઈલ તો આપણી નજીક આવે ને ત્યાંથી જ મનમાં કડવું ઝેર થઈ જવું જોઈએ, આ ક્યાં અત્યારે ?! આ તો દાનતચોર છે. આટલું જ ચેતવા જેવું છે. બીજું બધું ખાજો-પીજો ને, હું ક્યાં ના કહું છું ?

દાદા સિવાય ન અડાય કોઈથી !

અમે તો તમે જે માંગો એ આપીએ. કારણ કે અમે અખંડ બ્રહ્મચારી છીએ. જેને કોઈ દા'ડો (વિષયનો) વિચાર જ નહીં આવ્યો, આજ અઠ્ઠાવીસ વર્ષથી જ્ઞાન થયા પછી. એટલે અમને સ્ત્રીઓ ચરણે અડી શકે. નહીં તો સ્ત્રીને ના અડાય. આપણામાં પચાસ હજાર માણસો છે પણ એકુયને એવી છૂટ નહીં કે તમે સ્ત્રીઓને અડો. કારણ કે એ સ્પર્શનો ગુણ એટલો બધો વસમો છે. બધાં એવા હોય છે, એવું નહીં. પણ બનતાં સુધી એમાં હાથ નહીં ઘાલવો જોઈએ. અમને છૂટ, કારણ કે અમે તો કોઈ જાતિમાં ના હોઈએ કે મેસ્કયુલીન કે ફીમેલ એવંુ કોઈ જાતિમાં ના હોઈએ. અમે જાતિની બહાર નીકળી ગયેલા હોઈએ.

સ્ત્રી-પુરુષોએ એકબીજાને અડાય નહીં, બહુ જોખમ છે. જ્યાં સુધી પૂર્ણ થયાં નથી ત્યાં સુધી અડાય નહીં. નહીં તો એક પરમાણુ પણ વિષયનું મહીં પેસે તો કેટલાંય ભવ બગાડી નાખે. અમારામાં તો વિષયનું પરમાણુ જ ના હોય. એક પરમાણુ પણ બગડે તો તરત જ પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કરે તો સામાને ભાવ ઉત્પન્ન ના થાય.

(પર)સ્ત્રીને અડવાનો અધિકાર કોઈનેય નથી. કારણ કે સ્ત્રીને અડે તો પરમાણુની અસર થયા વગર રહે નહીં. પરસ્ત્રીને સહેજ અડ્યા હોય, તો કલાક સુધી (પ્રતિક્રમણથી) ધોવું પડે. 'જ્ઞાની પુરુષ' એકલાને જ ચરણે અડીને સ્ત્રીઓ વિધિ કરે. 'જ્ઞાની પુરુષે' તો વિષયના બધાં બીજ ઉખેડીને ફેંકી દીધાં હોય. એમનામાં વિષયનું બીજ જ ના હોય. અડવાનો અધિકાર કોને ? નવમું ગુંઠાણું ઓળંગી ગયેલો હોય તેને. કારણ કે એને તો વિષય સંબંધી વિચાર જ ના આવે ને ! એ વિચારો જ બંધ ને ! એવું થાય પછી તો એને મગજમાં બધા ઊર્ધ્વ જ વિચારો થાય, બધી શક્તિઓ ઊર્ધ્વ જ જાય.

આ જ્ઞાન થયા પછી અમને કોઈ દિવસ વિષયનો વિચાર આવ્યો નથી. વિષયનો વિચાર આવ્યો ના હોય, જેનું મનોબળ જબરજસ્ત જ્ઞાનપૂર્વક થઈ ગયું હોય, પછી તેને વાંધો નહીં. તેથી અમને સ્ત્રીઓ આમ ચરણે અડીને વિધિ કરી શકે ને ! પણ બીજા કોઈનેય સ્ત્રીઓને અડવાની છૂટ નહીં અને સ્ત્રીઓએ પણ કોઈનેય અડવાની છૂટ નહીં, અડાય જ નહીં. બીજાને તો સ્ત્રી અડતાં પહેલાં જ વિષય વિચાર ઊભો થાય. અમને તો 'થ્રી વિઝન'થી એક જ સેંકડમાં બધું આરપાર દેખાય છે. અમારું એટલું બધું ઊંચું દર્શન હોય, પછી શી રીતે રોગ ઊભો થાય ?

અને અમને પુદ્ગલ ઉપર રાગ જ નહીં ને ! આ મારા જ પુદ્ગલ ઉપર અમને રાગ નહીં. પુદ્ગલથી હું તદ્દન છૂટો રહું છું. પોતાના પુદ્ગલ ઉપર જેને રાગ હોય, તેને બીજાના પુદ્ગલ ઉપર રાગ થાય. અનંત અવતારથી આનું આ જ ભોગવ્યું તો પણ છૂટતું નથી એ અજાયબી જ છે ને ! કેટલાંય અવતારથી વિષયસુખનો વિરોધી થયેલો હોય, વિષયસુખને આવરણિક દ્ષ્ટિ રહિત ખૂબ ખૂબ વિચાર્યું હોય, જબરજસ્ત વૈરાગ ઉત્પન્ન થયેલો હોય તો એ છૂટે. વૈરાગ ક્યારે ઉત્પન્ન થાય ? એને મહીં જેવું છે તેવું દેખાય ત્યારે.

વર્તનની ભૂલ ન ચલાવી લેવાય !

આ વિષય બાબતમાં સંયોગ થાય તો અમારી કડવી નજર ફરી જાય, અમને તરત બધી ખબર પડી જાય. એ 'દાદા'ની નજર કડવી રહે છે, તેય વિષય એકલામાં જ, બીજી બાબતમાં નહીં. બીજી બાબતમાં કડવી નજર નહીં રાખવાની. બીજી ભૂલો થાય પણ 'આ' તો ન જ હોવી જોઈએ. અને થઈ તો અમને કહી દેવી તો રિપેર કરી આપીએ, છોડાવી આપીએ.

પ્રશ્શનકર્તા : અહીં છૂટવા માટે તો દાદા પાસે આવવાનું છે બધી રીતે.

દાદાશ્રી : એનો વાંધો નહીં. એટલા માટે તો આ આપ્તપુત્રોને મેં બધું લેખિત લીધું કે મારે કાઢી ના મેલવા પડે, તમારી મેળે જ જતું રહેવાનું.

પેલો વિષય એ 'સંયોગ'રૂપે થતો હોય ને, તેને અમારી કડવી નજર થાય ને એટલે એ છૂટી જાય, એની મેળે જ. તાપ જ છોડાવી નાખે. અમારે વઢવું ના પડે. એવી કડવી નજર પડે, પેલાને તાપથી રાતે ઊંઘ ના આવે. એ સૌમ્યતાનો તાપ કહેવાય. પ્રતાપનો તાપ તો જગતના લોકો પાસે છે. પ્રતાપ તો મોંઢા પર તેજ હોય બધું, આમ બ્રહ્મચર્ય સારંુ, બળવાન હોય શરીર, વાણી એવી પ્રતાપશીલ, વર્તન એવું પ્રતાપશીલ. એ પ્રતાપ તો હોય સંસારમાં, સૌમ્યતાનો તાપ ના હોય કોઈની પાસે. હવે આ બે ભેગું થાય ત્યારે કામ થાય. સૂર્ય-ચંદ્ર બંનેના ગુણો. એકલા પ્રતાપી પુરુષો ખરા પણ થોડા, બહુ આવા દુષમ કાળમાં તો હોય જ નહીં ને !

પ્રશ્શનકર્તા : અને આપણું આ જ્ઞાન જ એવું છે ને કે મહીંથી જ આમ ગોદા મારીને ચેતવ્યા કરે.

દાદાશ્રી : હા, એ ગોદા મારે.

પ્રશ્શનકર્તા : એટલે સહેજ કંઈ આઘંુપાછું થયું હોય ને, તો મહીં પેલી બૂમાબૂમ મચી જાય કે આ ચૂક્યા, પાછા ફરો અહીંથી. એટલે મહીં સેફમાં જ આખું ખેંચી લાવે આપણને.

દાદાશ્રી : હારવાની જગ્યા થાય તો મને કહી દેવું. એક અવતાર અપવિત્ર નહીં થાય તો મોક્ષ થઈ ગયો, લીલી ઝંડી અને લગ્ન કરો તોય વાંધો નહીં, તોય મોક્ષને વાંધો નહીં આવે.

પ્રશ્શનકર્તા : આપણે ઈચ્છાપૂર્વક કોઈને અડીએ, એને વર્તનમાં આવ્યું કહેવાય ને ?

દાદાશ્રી : ઈચ્છાપૂર્વક અડીએ ? તો તો વર્તનમાં જ આવ્યું કહેવાય ને ! ઈચ્છાપૂર્વક દેવતાને અડી જોજે ને ?!

પ્રશ્શનકર્તા : ખ્યાલમાં આવ્યું.

દાદાશ્રી : એ પછી આગળની ઇચ્છા તો, ઇચ્છા થઈ ત્યાંથી જ કાઢી જ નાખવી જોઈએ, મૂળમાં ઉગતાં જ, બીજ ઊગતાં જ આપણે જાણીએ કે આ શેનું બીજ ઉગે છે ? ત્યારે કહે કે વિષયનું. તો તોડીને કાઢી નાખવાનું. નહીં તો એને અડતાં આનંદ થયો એટલે પછી તો ખલાસ થઈ ગયું. એ જીવન જ નહીં ને માણસનું ! હવે કાયદા સમજીને કરજો આ બધું. જેને વર્તનમાં આવ્યું એટલે અમે બંધ કરી દઈએ. કારણ કે નહીં તો આ સંઘ તૂટી જાય. સંઘમાં તો વિષયની દુર્ગંધ આવે જ નહીં. એટલે આવું હોય તો મને કહી દેજે. પૈણું તોય ઉપાય છે કે પૈણું તો મોક્ષ કંઈ નાસી જવાનો નથી. તને ઉપાય રહે એવું કરી આપીશું.

સ્પર્શસુખ, એ બગડેલી માન્યતાનો દોષ !

પ્રશ્શનકર્તા : પેલી સ્પર્શની વાત કરી ને, તે વર્તે છે એવું, તો પછી કરવું શું ? એનો ઉપાય શું ? એટલે આ સ્પર્શમાં સુખ નથી એ બધી વાત પોતે જાણે પણ છતાંય વર્તનમાં જ્યારે સ્પર્શ થાય ત્યારે એમાં સુખ લાગે.

દાદાશ્રી : એ લાગે પણ તે તો આપણે તરત કાઢી નાખીએ ને, આપણને શું ? એ સુખ લાગ્યું, એ તો આપણી બિલીફ છે તેથી, નહીં તો બીજાને તો આમ સ્પર્શ થતાંની સાથે ઝેર જેવું લાગે. કેટલાંક માણસ તો આ અડેય નહીં. સ્ત્રીને અડે નહીં, ઝેર જેવું લાગે. કારણ કે એ એણે એવો ભાવ કર્યો છે. પેલો સ્પર્શને સુખ માનતો હોય એવો માલ ભરેલો છે. એ બેના જુદા જુદા માલ ભરેલાં છે, એટલે એને આ જન્મમાં આવું થાય છે. ઝેરેય ના લાગવું જોઈએ અને સુખેય ના લાગવું જોઈએ. અમે જેમ સહજ રીતે, આમ જેમ પુરુષોની માફક અમે અડીએ છીએ બીજાને, એવી રીતે રહેવું જોઈએ. એ વિષયમાં કંઈ સ્ત્રી દોષિત નથી. એ આપણો દોષ છે, સ્ત્રીનો દોષ નથી.

'પવિત્રતા' બનાવે કલ્યાણનું નિમિત્ત !

જેને બ્રહ્મચર્યનો નિશ્ચય છે ને એ રહી શકે છે ! જ્ઞાની પુરુષનો માથે આધાર છે. જ્ઞાન લીધેલું છે, સુખ તો મહીં તો હોય ને, પછી શાના માટે બધું કૂવામાં પડવાનું ?

હું એમને કહું છું, પૈણો નિરાંતે. પણ કહે છે નથી પૈણવું. હું ના નથી કહેતો. તમે પૈણો. પૈણશો તોય મોક્ષ આમાં જતો નહીં રહે એટલે અમારા માથે આરોપ ના આવે. તમને વહુ ના પોષાતી હોય, તેમાં હું શું કરું તે ? ત્યારે કહે, અમને પોષાતી નથી. એવો ખુલાસો કરે છે ને ! એટલે તારે પોષાય તો પૈણજે અને ના પોષાય તો મને કહેજે.

મહીં માલ ભરેલો હોય, તો પૈણીને પછી એનો હિસાબ પૂરો કરો. એ પૈણ્યા એટલે કાયમ કોઈ ધણી થઈ બેસતો નથી. બધા રસ્તા હોય છે.

મન બગડે તો પ્રતિક્રમણ કરવા પડે, તે શૂટ ઑન સાઈટ જોઈએ. મનથી દોષો થાય તે ચલાવી લેવાય. તે અમારી પાસે ઉપાય છે, અમે તે વાપરીને ધોઈ નાખીશું. વાણીથી ને કાયાથી થાય તો ના ચલાવી લેવાય. પવિત્રતા જોઈશે જ ! અપવિત્રતા તો બિલકુલ ચાલે નહીં. અહીં બિલકુલ પવિત્ર પુરુષોનું કામ. પવિત્રતા હોય તો ત્યાં ભગવાન આઘાપાછા થાય નહીં.

મેં બધાને કહ્યું છે, 'ભઈ, આવું પોલ તો ના ચાલે. એ અનિશ્ચય છે, આ આપ્તપુત્રો પૈણ્યા નથી પણ નિશ્ચય છે એટલે વર્તન બગડવા નહીં દેવાનું. જો પવિત્ર માણસો તૈયાર થયા છે, જગતનું કલ્યાણ કરશે ! સ્ત્રી-પુરુષમાં વિકાર ના હોય એ પવિત્ર.

તમે જેટલો કામનો બદલો આપો, તેના કરતાં વધારે બદલો તમને મળે. એટલે આ કરવાનું. જગત કલ્યાણ થાય અને આપણું.

ચારિત્રનું સુખ કેવું ગજબનંુ વર્તે !

જ્ઞાની પુરુષની પાસે ચારિત્ર ગ્રહણ કરે, ખાલી ગ્રહણ જ કર્યું છે, હજી તો પળાયું જ નથી. ત્યારથી તો બહુ આનંદ છૂટે. તને કંઈ આનંદ છૂટ્યો છે ?

પ્રશ્શનકર્તા : છૂટ્યો છે ને, દાદા ! તે ઘડીથી જ મહીં આખો ઉઘાડ થઈ ગયો.

દાદાશ્રી : લેતાંની સાથે જ ઉઘાડ થઈ ગયો ને ! લેતી વખતે એનું મન ક્લીયર જોઈએ. એનું મન તે વખતે ક્લીયર હતું, મેં તપાસ કરી હતી. આને ચારિત્ર ગ્રહણ કર્યું કહેવાય ! વ્યવહાર ચારિત્ર ! અને પેલું 'જોવું'-'જાણવું' રાખીએ, તે નિશ્ચય ચારિત્ર ! ચારિત્રનું સુખ જગત સમજ્યું જ નથી. ચારિત્રનું સુખ જ જુદી જાતનું છે.

અમે આ સ્થૂળ ચારિત્રની વાત કરીએ છીએ. એ ચારિત્ર જેને ઉત્પન્ન થાય, એ બહુ પુણ્યશાળી કહેવાય. આ છોકરાઓ બધાં કેટલાં પુણ્યશાળી કહેવાય ! એમણે બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લીધેલી, તે એમને આનંદેય કેવો રહે !

પ્રશ્શનકર્તા : આવો આનંદ તો મેં કોઈ કાળમાં જોયો ન હતો, નિરંતર આનંદ રહે છે !

દાદાશ્રી : અત્યારે આ કાળમાં લોકોનાં ચારિત્ર ખલાસ થઈ ગયાં છે. બધે સારા સંસ્કાર જ રહ્યા નથી ને ! આ તો અહીં આવી ગયાં, તે વળી આ જ્ઞાન મળ્યું એટલે રાગે પડ્યું છે. આ તો પુણ્યશાળી છે ! નહીં તો ક્યાંના ક્યાંય રખડી મર્યા હોત. ચારિત્રમાં માણસ જો બગડી જાય તો યુઝલેસ લાઈફ થઈ જાય, દુઃખી, દુઃખી થઈ જાય ! વરીઝ, વરીઝ, વરીઝ ! રાત્રે ઊંઘમાંય વરીઝ ! આ તો એમને બહુ આનંદ રહે.

પ્રશ્શનકર્તા : હા, પહેલાં તો જીવવા જેવું જ ન હતું.

દાદાશ્રી : એમ ? હવે જીવવા જેવું લાગે ? ઘરનાં બધાંની ઇચ્છા હોય કે છોકરો ચારિત્ર લે, તો એ એના 'વ્યવસ્થિત'માં એવું છે એમ સમજાય. એ જ પુરાવો છે. અમે આમાં હાથ ના ઘાલીએ પછી. 'વ્યવસ્થિત'માં હોય તો જ ઘરના બધાંને ઇચ્છા રહે. કોઈની પણ બૂમ હોય તો 'વ્યવસ્થિત' ફેરવાળું લાગે. કારણ કે 'વ્યવસ્થિત' એટલે શું ? કોઈની બૂમ નહીં. બધા લીલો વાવટો ને લીલો વાવટો જ ધરે તો જાણવું કે 'વ્યવસ્થિત' છે.

બ્રહ્મચર્યની આજ્ઞા મળ્યા પછી કોઈ બોમ્બ ફેંકવા (વિષયના એટેકો કરવા) આવે તો આપણે સાબદા થઈ જવું. આ આજ્ઞા મળી છે, એ તો બહુ જ મોટી વસ્તુ છે ! આ આજ્ઞા પાછળ દાદાની ખૂબ શક્તિ વપરાય છે. જો તમારો નિશ્ચય ના છૂટે તો દાદાની શક્તિ તમને હેલ્પ કરે ને તમારો નિશ્ચય છૂટી જાય તો દાદાની શક્તિ ખસી જાય. બ્રહ્મચર્ય તો બહુ મોટો ખજાનો છે ! લોક તો લૂંટી જાય. નાના છોકરાંને બોર આપીને કલ્લઈ કાઢી લે, તેના જેવું છે. બોરની લાલચમાં છોકરું ફસાય ને કલ્લઈ આપી દે, એમ જગત લાલચમાં ફસાયું છે.

બ્રહ્મચર્યવ્રત લીધા પછી આનંદ બહુ વધી ગયો છે ને ? આ અવ્રતને લઈને જ આ બધી ભાંજગડ ઊભી થઈ છે. એનાથી આત્માના સાચા સ્વાદની સમજણ પડતી નથી. મહાવ્રતનો આનંદ તો જુદો જ ને ! આનંદ તો પછી બહુ વધે, પુષ્કળ આનંદ થાય !

દેહ છૂટે પણ નિશ્ચય ન તૂટે !

પહેલાં તો ચારિત્રની સ્થિરતા આવી અત્યાર જેવી નહીં. આ અત્યારે તો બેભાન માણસો છે. આ તો જ્ઞાન લીધાં પછી જો વિષયની આરાધના થાય તો શું થાય ? સત્સંગને દગો દીધો અને જ્ઞાનીને દગો દીધો, તે અહીંથી નર્કે જઈશ. અહીં વધારે દંડ મળે, તેનું શું કારણ હશે ?

પ્રશ્શનકર્તા : જવાબદારી છે ને ?

દાદાશ્રી : ના, આ સત્સંગને દગો દીધો, જ્ઞાનીને દગો દીધો. મોટો દગાખોર કહેવાય. આવું તે હોતું હશે ? શું પોતે સમજતો નથી કે આ ખોટું છે એવું ? આ તો જાણીજોઈને ચલાવી લે કે કંઈ વાંધો નહીં, નહીં તો 'સમભાવે નિકાલ' કરવાનો દુરુપયોગ કરે, નહીં તો 'વ્યવસ્થિત છે' કરીને દુરુપયોગ કરે. આવું બધું તમે સાંભળેલું નહીં ને, પહેલાં ?

પ્રશ્શનકર્તા : આવું તો સાંભળેલું નહીં.

દાદાશ્રી : હવે તમને બધું લક્ષમાં રહેશે કે છટકી જશે ? આપણને ના હોવું જોઈએ. આ તો મોઢું દેખાડાય નહીં, એવી વસ્તુ બની જાય. શોભે નહીં આપણને. અહંકારે કરીને જે થયું હોય તે આટલું કર્મ બંધાઈ જાય કે 'ઓવર ડ્રાફટ' એટલો લીધો. પણ વિષય તો ના જોઈએ, એમ હોવું જોઈએ. જે બહાર વિષય આરાધતો હોય, એને પોતાની બૈરી-છોકરી ગમે ત્યાં જાય તો વાંધો ના હોય. એટલે એને ચારિત્રની કિંમત જ નથી ને !

હવે બધું ગોઠવી દો. છેવટેય તો, કાલે દેહ છૂટી જાય, તો એની મેળે જ વિષય છૂટી જવાનો જ છે ને ?! તે જીવતાં કરીએ એ શું ખોટું ? મારી-ઠોકીને કુદરત કરાવડાવે, એના કરતાં જીવતાં આપણે જાતે કર્યું હોય તો આમાંથી છૂટ્યા ! આ વિષયનું કર્મ એણે અટકાવ્યું, તે બદલ બીજું કર્મ એને બંધાયું પાછું. ભલે એ સહજભાવ ના કહેવાય. અને એટલે બીજું દેવું ઊભું કર્યું. આ બીજું દેવું સારું પણ આ વિષયનું દેવું તો બહુ જ ખોટું !

ચારિત્ર્યનો પાયો, મોક્ષપંથે આધાર !

આપણે અહીં જ્ઞાન લીધા પછી ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં. એટલે આ વ્યવહાર ચારિત્ર બહુ ઊંચું કહેવાય. જે ક્રોધ-માન-માયા-લોભ થાય છે એ નિકાલી બાબતનાં થાય છે, એ નિર્જીવ છે. એટલે ખરેખર ક્રોધ-માન-માયા-લોભ નથી. માટે આ વ્યવહાર ચારિત્ર બહુ ઊંચું કહેવાય, પણ આ બ્રહ્મચર્ય બરોબર નહીં સચવાવાથી બધું ચારિત્ર કાચું પડી જાય. હવે બ્રહ્મચર્યને માટે એવું જોર કરીને, તાણીને લાવવા જેવું નથી. બ્રહ્મચર્ય એની મેળે સહેજે ઉદયમાં આવે તો કામનું છે. આપણો ભાવ બ્રહ્મચર્યને માટે હોવો જોઈએ. જ્યાં સુધી બ્રહ્મચર્ય બરોબર સચવાતું નથી, ત્યાં સુધી આ પૌદ્ગલિક સુખ અને આત્મસુખ એમ બેનો ભેદ સમજવા નહીં દે.

વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ જ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દ્ષ્ટિ ના બગાડે. મુદતબંધી ચારિત્ર તો સારંુ કહેવાય. અભ્યાસ તો થાય ને ! ચારિત્ર લીધું એટલે ભાંજગડ જ મટી જાય ને ! પછી એ વિચારો એવું જાણે કે આમને અપમાન લાગશે, એટલે જાણી-જોઈને ઓછાં આવે.

'જ્ઞાની પુરુષ'ના આધારે ચારિત્ર એ તો મોટામાં મોટી વસ્તુ છે. જ્યારે 'જ્ઞાની પુરુષ'નું ચારિત્ર તો બહુ જ ઊંચું હોય, મન પણ કોઈ દહાડો બગડે નહીં.

વિષયનો વિચાર પણ આવવો ના જોઈએ અને વિચાર આવ્યો તો તેને ધોઈ નાખવો. વિષયનો મનમાં ભાવ એકલો જ ઉત્પન્ન થાય, પણ વાણીમાં ના હોય, વર્તનમાં ના હોય, વિચારમાં ના હોય અને કો'ક વખત સહેજ વિચાર મનમાં આવે તો તેનું પ્રતિક્રમણ કરી નાખવું. આને વ્યવહાર ચારિત્ર કહેવાય. નિશ્ચય ચારિત્રમાં તો ભગવાન થઈ ગયો.

પ્રશ્શનકર્તા : વ્યવહાર ચારિત્ર માટે બીજું વિશેષ શું કરવાનું ?

દાદાશ્રી : કશું નહીં. આ વ્યવહાર ચારિત્ર માટે તો બીજું શું કરવાનું ? જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ વ્યવહાર ચારિત્ર અને તેમાં જો કદી આ બ્રહ્મચર્યનો ઉમેરો થાય તો બહુ ઉત્તમ અને તો જ ખરંુ ચારિત્ર કહેવાય. ત્યાં સુધી વ્યવહાર ચારિત્ર પૂરેપૂરું કહેવાતું નથી, વ્યવહાર ચારિત્રની પૂર્ણાહુતિ થતી નથી. જ્યારે બ્રહ્મચર્યવ્રત આવે, ત્યારે 'વ્યવહાર ચારિત્ર'ની પૂર્ણાહુતિ થાય.

કેવાં લક્ષણો શીલવાનનાં !

પ્રશ્શનકર્તા : શીલવાનના શા શા લક્ષણ છે, એ જાણવા છે.

દાદાશ્રી : શીલવાનમાં મોરાલિટી, સીન્સીયારિટી, બ્રહ્મચર્ય એ બધું હોય પછી સહજ નમ્રતા હોય. સહજ એટલે નમ્રતા કરવી ના પડે. સહેજ જ સામાનાં આગળ નમ્ર થઈને જ બોલે. પછી સહજ સરળતા હોય. સરળતા કરવી ના પડે. જેમ વાળો તેમ વળે. એનો સંતોષ સહજ હોય. આટલો જ ભાત ને કઢી આપણે ધરીએને તો એ ઊંચું જુએ નહીં. સહજ સંતોષ ! એની ક્ષમા પણ સહજ હોય. એમનો અપરિગ્રહ-પરિગ્રહ બન્ને સહજ હોય. એટલે આવી બધી કેટલીય ચીજો એવી સહજ હોય ત્યારે જાણવું કે આ ભઈ શીલવાનમાં આવ્યા !

પ્રશ્શનકર્તા : પણ એ શીલવાન પુરુષ મોક્ષે જાય ખરો ?

દાદાશ્રી : એ જ મોક્ષ બીજાને આપી શકે !

પ્રશ્શનકર્તા : એ તો જ્ઞાન વગર સંભવે જ નહીં. તો તો શીલ પણ જ્ઞાન વગર તો સંભવી જ ના શકે ને ?

દાદાશ્રી : એ બધું એક જ છે ને વસ્તુ પણ જુદી પાડે ત્યારે આમ.

પ્રશ્શનકર્તા : સહજ ક્ષમા, હવે હું ક્ષમા કરું છું.

દાદાશ્રી : એ કામની નહીં. મોટા ક્ષમા કરવાવાળા આયા ! સહજ હોવી જોઈએ ! આપણે ધોલ મારીએ અને પછી એની આંખ જુએ તો આપણને ક્ષમા આપતી હોય ત્યારે એનું નામ સહજ ક્ષમા. 'મને ક્ષમા જોઈએ છે' એવું કહેવું ના પડે. આપણે ધોલ મારીએ ને એનાં આંખમાં સાપોલીયા ના રમે !

અંતે શીલવાન દશા સિદ્ધ થાય !

શીલવાન એટલે શું ? કે એ ગાળો દેવા આવ્યો હોય ને તે અહીં આવે ને બેસી રહે. આપણે કહીએ કે કંઈક બોલો, બોલોને, પણ એનાથી અક્ષરેય બોલાય નહીં. એ શીલનો પ્રભાવ ! એટલે આપણે તૈયારી કરીએ ને તો શીલ તૂટી જાય. એટલે તૈયારી નહીં કરવાની. જેને જે કરવું હોય તે કરો. બધે હું જ છું, કહીએ.

પ્રશ્શનકર્તા : પણ એ આપણને ખેંચી જવાના પ્રયત્નો થતા હોય તો ?

દાદાશ્રી : એ ગમે તે ખેંચી જવાનું પણ આપણે નથી ખેંચાવું, તો એ ગમે તે કરેને એનું કશું ચાલવાનું નથી.

પ્રશ્શનકર્તા : પણ એ નથી ખેંચાવું એટલા સંકલ્પમાં તો રહેવું જ પડે ને ?

દાદાશ્રી : નહીં. એ નથી ખેંચાવું એ આપણે આપણા સ્વાધિન જ રહેવું.

પ્રશ્શનકર્તા : એટલે આપણી સહજસ્થિતિમાં જ રહેવું ?

દાદાશ્રી : હા, સહજસ્થિતિમાં જ અને સંજોગવશાત્ જવું પડે, આવું કંઈ ખેંચાવું પડે, તો ફરી એ બાબતમાં આપણે એ લપ્પન-છપ્પન નહીં રાખવાની.

પ્રશ્શનકર્તા : તન્મયાકાર ન થવું ?

દાદાશ્રી : એમાં બિલકુલેય તન્મયાકાર નહીં થવાનું. પહેલું શીલવાનપણું ઉત્પન્ન થવા દો. આ 'જ્ઞાન' આપ્યા પછી માણસ દહાડે દહાડે શીલવાન થતો જાય. જેને આ બહાર પ્રભાવશાળી કહે છે એ તો બહુ નાની વસ્તુ છે. એ તો આ બહારના માણસોનેય હોય છે. પણ શીલવાનપણું તો ભગવાન આગળેય પોતાની ઇન્ફિરીયારિટી કોમ્પ્લેક્સ ના લાગે અને જેને ભગવાન આગળ ઇન્ફિરીયારિટી કોમ્પ્લેક્સ ના લાગે તો પછી આ મનુષ્યો આગળ તો ના જ લાગે ને ? શીલવાન ! શીલ તો બધી રીતે રક્ષા કરે. દેવલોકથી રક્ષા કરે, આ સાપ, જીવડાં ને બધાં જાનવરોથી રક્ષા કરે, બધાથી રક્ષા કરે, માટે શીલની જ જરૂર છે.

જય સચ્ચિદાનંદ