મૌન ધારણના પરિણામો ! સંપાદકીય સંસાર વ્યવહારમાં વાતચીત કર્યા વિના છૂટકો નથી. પણ વાતચીતમાં કંઈ પણ આગ્રહ, અપેક્ષા, અભિપ્રાય આવી જાય ત્યાં અથડામણ થઈ જાય છે. પછી એક વખત આંટી પડી તેને વાતચીત કરી સૉલ્વ કરવા જાવ તો વધારે ગૂંચાય. જ્યાં આવા ગૂંચવાડા થઈ જાય ત્યાં ઉપાય શો ? સમજીને મૌન ધારણ કરવંુ. અંદર કંઈ સમજ ગોઠવવી. સામો જે કંઈ ઊંધો વ્યવહાર કરે છે, તે આપણી ભૂલનો દંડ આપવા નિમિત્ત છે. માટે સામાનો શો દોષ ? આપણો હિસાબ ચૂકવાય છે. અત્યારે કોણ ભોગવે છે ? ભોગવે એની ભૂલ. આમ જ્ઞાનની યથાર્થ સમજણ અંદર હાજર રાખીએ અને સામી વ્યક્તિ સાથે મૌન ધારણ કરીએ તો ધીમે ધીમે હિસાબ ચૂકતે થઈ વ્યવહારનો અંત આવે. આમાં બુદ્ધિ ન્યાય ખોળવા જાય, ત્યારથી ડખા શરૂ થાય. 'આવંુ નહીં કરીએ તો શંુ થશે ? આવંુ સામંુ બોલીએ તો જ સુધરશે'. જાતજાતના બુદ્ધિના ફણગા ડખા કરાવે અને ઈમોશનલ કરાવી નાખે. છેવટે બોલીને વ્યવહાર બગાડી નાખે. અહીં પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે 'જેટલંુ મૌન પકડશો, એટલી બુદ્ધિ બંધ થશે. અને બુદ્ધિના બારણા બંધ થાય ત્યારે મોક્ષની તૈયારી થાય. બુદ્ધિને લઈને સંસાર છે. જેને બુદ્ધિ નથી એનો સંસાર વિલય થયા કરે છે.' સ્થૂળ મૌન ધરી રાખવાથી જાગૃતિ રહે અને જ્ઞાતા-દ્રટાપદમાં રહેવાની શક્તિ વધતી જાય. પરમ પૂજ્ય દાદાશ્રીએ મૌન શબ્દ બે જગ્યાએ ઉપયોગ કર્યો છે. સામી વ્યક્તિ જોડેના ડખાના ઉપાયમાં સ્થૂળ વાણી ન બોલવી એ મૌન ધારણ કરો. અને બીજંુ, પ્રજ્ઞા શક્તિ અને અહંકાર વચ્ચે જુદાપણાની જાગૃતિ રાખવા માટે વાતચીતનો પ્રયોગ ગોઠવવાનો છે. 'ચંદુભાઈ' સાથે વાતચીત કરો ત્યારે પોતે જુદો છે એને જાગૃતિ રહી કહેવાય. 'ચંદુભાઈ' સાથે વાતચીત ન કરે, મૌન હોય તો ચંદુભાઈમાં તન્મયાકાર છે, એને અજાગૃતિ કહી. એ ઉપયોગ ચૂક્યા કહેવાય. તેનાથી કર્મ પેન્ડીંગ રહે, આવતા ભવની સિલ્લક રૂપે. પ્રસ્તુત સંકલનમાં મહાત્માઓને માટે વ્યવહારના ગૂંચવાડા ઉકેલવાની વ્યવહારની ચાવી અને જોડે જોડે આંતરિક જાગૃતિમાં પ્રગતિ માટેની જ્ઞાનની ચાવી તેમજ મૌનના જુદા જુદા સ્વરૂપોની સૂક્ષ્મ સમજ, પરમ પૂજ્ય દાદાશ્રીની અનુભવજ્ઞાન વાણીમાં સંકલિત થઈ છે. જે જ્ઞાનદશામાં પ્રગતિ માટે ઉપયોગી નિવડશે. દીપક દેસાઈ મૌન ધારણના પરિણામો ! ગૂંચો ઉકેલવા મૌન ધારણ ! આ જ્ઞાન પ્રાપ્તિ પછી આ જગત 'વ્યવસ્થિત' છે. તે 'વ્યવસ્થિત શક્તિ', જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે. તેને આવવા દેવી અને આપણે આપણા સમભાવમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તોય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી. આ ગુનેગારી બે પ્રકારની છે. અમને ફૂલો ચઢાવે તેય ગુનેગારી અને પથરા પડે તેય ગુનેગારી. ફૂલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે ? પહેલાં જે ભૂલો કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય. જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતા ભાવે નિકાલ કરવાનો, એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય ? કાળ આવે એટલે ભૂલ આવે અને તે ભોગવાઈ ને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છે ને ! માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે. 'જ્ઞાની પુરુષે' ગૂંચો પાડેલી નહીં. તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાને અત્યારે આ અવતારમાં 'જ્ઞાની પુરુષ' મળી ગયા છે. માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી, નવી ગૂંચો ફરી ના પાડશો. તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે. એટલે આપણે ભૂલ તો ભાંગવી પડશે ને ? પ્રશ્શનકર્તા : પણ ભૂલ શું શું છે એ બધી દેખાવી જોઈએ ને ? દાદાશ્રી : એ તો ધીમે ધીમે દેખાતી જશે. તમને આ વાત કરું છું તેમ તેમ દેખાશે. તમારી ભૂલ જોવાની દ્ષ્ટિ ઉત્પન્ન થશે. તમારી ઇચ્છા થશે કે મારે હવે ભૂલ ખોળી કાઢવી છે તો જડ્યા વગર રહે નહીં. હવે જે તમારા ઉદય છેને, તે ઉદયમાં જે દોષ છે તે રીઝર્વોયર (સરોવર)નો માલ છે. એટલે એમાં નવી આવક નથી અને જાવક ચાલુ છે. તે પહેલાં જોશબંધ હોય, તે બે-પાંચ વરસ પછી ખાલી થઈ જાય. પછી બૂમ પાડો તોય ના પડે અને અમુક વર્ષો પછી તો આની ઓર જ દશા આવશે ! અને તે અમે (કચરાથી) સેફસાઈડ કરી આપેલું છે. તમારે એટલું લક્ષમાં રહેવું જોઈએ કે સેફસાઈડ કરેલું (કચરો) યાદ ન આવવું જોઈએ. સુટેવો ને કુટેવો બેઉ સેફસાઈડ નથી કરી આપણે ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : પછી 'દાદા, મને આમ કેમ થાય છે ? આજે ગુસ્સો થઈ ગયો હતો.' અરે, ગુસ્સે થઈ ગયો, તેને જો ને ? તેં જાણ્યું છેને ? પહેલાં જાણતા નહોતા, પહેલાં તો 'મેં જ કર્યું' એમ કહેતા હતા. તે હવે જુદું પડ્યું ને ? પ્રશ્શનકર્તા : હા. છેવટે મૌન જ થવાનંુ, નહીં તો... પ્રશ્શનકર્તા : સંસાર એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે. દાદાશ્રી : તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. 'હું ચંદુભાઈ છું' બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, 'તું મને ચંદુ કહે છે ?' આ અણસમજણથી બોલ્યો તોય અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ઘાલે તો એ છોડે કે ? ડખોડખલ એ જ અંતરાય છે. તમે પરમાત્મા છો, ને પરમાત્માને શાના અંતરાય હોય ? પણ આ તો ડખોડખલ કરે છે, કે 'એય આમ કેમ કર્યું ? એય આમ કર.' અરે, આમ શું કરવા કરો છો તે ? પ્રશ્શનકર્તા : એટલે મૌન થઈ જાય તો સારંુ ? દાદાશ્રી : મૌન જ થવાનું છે. વાણી તો બોલશો જ નહીં. આ કાળની વાણી તો ગાંડી જ છે. બોલે કે તરત ગાંડપણ બહાર પડી જાય. પ્રશ્શનકર્તા : તો બોલવું જોઈએ ને ? બહાર પડી જાય તે સારંુ ને ? દાદાશ્રી : નહીં. એ ખોટું કહેવાય. આમાં બોલવા જેવું રહેતું જ નથી. 'આ જ્ઞાન' જ એવું પ્રકાશમય છે કે બોલવાની જરૂર જ ના રહે. પ્રશ્શનકર્તા : પણ વાતાવરણ જ એવું હોય તે કોઈ વખત બોલાઈ જાય. દાદાશ્રી : બોલાઈ જવાય, તો આપણે કહેવું કે 'આ ચંદુભાઈનું મગજ જરા એવું વસમું જ છે.' આપણે ચંદુભાઈનું અવળું બોલ બોલ કરવું. ચંદુભાઈની જોડે વહાલ રહ્યું નથી ને, તમને ? કે બહુ વહાલા લાગે છે ? પ્રશ્શનકર્તા : ના. દાદાશ્રી : તો પછી હકીકત કહી દેવી. 'ચંદુભાઈ' 'તમારા'થી જુદા છે, એવી રીતે તમારે વાત કરવી. પ્રશ્શનકર્તા : 'ચંદુભાઈ'નું હથિયાર ઉપાડવું જ નથી, એવી વાત છે. દાદાશ્રી : બસ, એ ખરેખરંુ. હથિયાર ઉપાડવાનું નહીં. અનંત અવતારથી હથિયાર ઉપાડીને પારકાનું રક્ષણ કર્યું. વધારે પડતું બોલ્યા એટલું ગાંડપણ લાગે ને ? વખતે એવું ગાંડપણ નીકળી જાય, એટલે તમારે કહેવા લાગવું કે 'આ ચંદુભાઈ બોલ્યા છે ને, તેને હું ઓળખું છું. જરા વસમું ખાતું છે' એવું કહેવું. અમારા ભત્રીજાને હું કહેતો હતો કે, 'કાકા પહેલેથી જ એવા હતા, આજના નહીં.' ત્યારે એ કહે છે, 'તમે એવું કેમ બોલો છો ?' 'તમે' ને 'કાકા' બે જુદા છે, પણ એ એમને સમજ ન પડે ને ? હવે તમને તો ખબર પડી જાયને કે અવળું બોલ્યા ? તમે તો વધારે જાગૃત છો. પ્રશ્શનકર્તા : હા, ખબર પડી જાય. દાદાશ્રી : અને તમે એવું બે-ચાર વખત બોલશો ને, એટલે સામેવાળો પણ પોતાની જાતને 'વાંકા છે' એવું પોતે કહેશે. પણ તમે એને એમ કહો કે 'તમે ખોટા છો', તો એ તમને પકડી લે. માટે બીજાને ખોટા કહેવાનું છોડી જ દો અને કોઈનેય ખોટા કહેવાનું હોય જ નહીં. આ તો આપણી મૂર્ખાઈ છે. કોઈને ખોટો કહેવો, બ્લેઈમ કરવો, એવું બોલવું એ આપણી ફૂલીશનેસ (મૂર્ખતા) છે. બંધ કરો બુદ્ધિનાં બારણાં, મૌનથી ! જેટલું મૌન પકડશો એટલી બુદ્ધિ બંધ થશે. બુદ્ધિ બંધ થશે એટલે મૌન થાય. એટલે આ જે વાણી બોલાવ બોલાવ કરે છે, તે બુદ્ધિ બોલાવ બોલાવ કરે છે. બુદ્ધિ અને અહંકાર બે ભેગા થઈને વાણી બોલાવ બોલાવ કરે છે. અને મૌન થશે ત્યાર પછી બધું પાછું ફરશે. બુદ્ધિનાં બારણાં બંધ થાય ત્યારે મોક્ષની તૈયારી થાય. બુદ્ધિને લઈને સંસાર છે. જેને બુદ્ધિ નથી એનો સંસાર વિલય થયા કરે છે. આ જાનવરો-બાનવરોને બુદ્ધિ નહિ, (ડિસ્ચાર્જ) અહંકાર ખરો. બુદ્ધિ નહીં એટલે ડિસ્ચાર્જ અહંકાર વિલય થયા કરે, નિરંતર વિલય જ થયા કરે. નર્કગતિના જીવોને વિલય થયા કરે, જાનવરોને વિલય થયા કરે, દેવલોકોને વિલય થયા કરે, બુદ્ધિ નહીં ને ! આ મનુષ્યો તો બુદ્ધિના ડખાવાળા લોકો, પુણ્યશાળી લોકો (!) પ્રશ્શનકર્તા : બુદ્ધિનો બહુ ડખો રહ્યા કરે, કે આમ થઈ જશે, તેમ થઈ જશે. આ બુદ્ધિના ડખા પણ આખો દિવસ બહુ ચાલ્યા કરે. દાદાશ્રી : હા, 'શું થઈ જશે ?' આપણે કહીએ. 'આ કારખાનું એમનું એમ ચાલ્યા કરે છે. ખોટો જતી નથી, ભાઈઓ બધા જીવતા છે અને શું થઈ જશે ? કશું જ થવાનું નથી', કહીએ. પ્રશ્શનકર્તા : એ વાત કરેક્ટ છે દાદા, છતાં બુદ્ધિ પોતાનું ઊભું કરી નાખે છે. આટલા નાનાને આવડું મોટું કરી બતાવે છે. દાદાશ્રી : હા, એ ઊભું કરી નાખે તો પછી આપણે એને શું કરવું ? બુદ્ધિની ભઈબંધી કરવી ? પ્રશ્શનકર્તા : ઉડાડી મૂકવી એને. દાદાશ્રી : હા, ઉડાડી મૂકવી. 'આવો જવાન માણસ તું !' મંદી આવશે ત્યારે, 'શું થશે ? શું થશે ?' 'અલ્યા, શું થશે ?' દુનિયા એવી ને એવી રહી છે. શું થઈ જવાનું છે ? આપણે જીવતા ને જીવતા રહીએ છીએ. આ સ્ટીમર ત્યાંથી ઇંગ્લેન્ડથી નીકળે, તે અહીં સુધી સાજી આવે અને રસ્તામાં ત્રણ વખત હાલી તો 'શું થશે ? શું થશે ?' અલ્યા મૂઆ, હમણે જશે એ તો ! ખાઈ-પીને ભગવાનનું નામ દે. સ્ટીમર મહીં ડૂબી જાય કે ના જાય ? હવે તે વખતે શું થશે ? શું થશે ? શું થશે ? તે કોણ શીખવાડે છે ? આ બુદ્ધિ અકળાવે છે. બુદ્ધિ હેરાન કર્યા કરે છે. 'શું થઈ જશે ? શું થઈ જશે ?' અરે, શું થઈ જવાનું છે ? કાં તો ડૂબી જવાનું છે કાં તો તરવાનું છે. બેમાંથી એક થવાનું છે. માટે ભગવાનનું નામ દે ને છાનોમાનો. બેથી ત્રીજું થાય કશું ? અને મહીં ડૂબી તો જવાની. એ તો કો'ક જ ફેરો ડૂબે. ઈમોશનલ થયે, મૌન ટકે નહીં ! પ્રશ્શનકર્તા : આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? કંઈક વાત થાય તો બુદ્ધિ દોડાવી, બુદ્ધિ ઊભી થઈ કહે છે, તો બુદ્ધિ શું ? દાદાશ્રી : અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તોય વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી. એ તમને 'ઈમોશનલ' કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે 'હે બુદ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવાદેવા નથી.' સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી. અમને બુદ્ધિ ના હોય. અમે અબુધ હોઈએ. પ્રશ્શનકર્તા : તો પછી મૌન રહેવું, તે બુદ્ધિ ના દોડાવી કહેવાય ? દાદાશ્રી : મૌન રાખ્યું રહે નહીં. પ્રશ્શનકર્તા : ના, પણ કોઈથી મૌન રહ્યું તો ? દાદાશ્રી : શી રીતે રહે ? બુદ્ધિ 'ઈમોશનલ' જ રાખ્યા કરે. 'મોશન'માં રાખે જ નહીં. શાંતિથી ઘડીવાર તમને બેસવા જ ના દે. બુદ્ધિ રાત્રે બે વાગ્યેય ઉઠાડે ! જો કૂદાકૂદ ! જો કૂદાકૂદ ! જંપીને આરામેય ના કરવા દે. પ્રશ્શનકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તો જ બુદ્ધિ ના વપરાય ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહે પછી બુદ્ધિનો વાંધો નહીં. પછી તો બુદ્ધિ વપરાય જ કેવી રીતે ? પછી તો છેલ્લું 'સ્ટેશન' આવે પણ બુદ્ધિ જ્ઞાતા-દ્રષ્ટા રહેવા જ ના દે. શાક લેવા માર્કેટ ગયા હો ને તમારે સત્સંગમાં જવાની ઉતાવળ હોય તોય એ બુદ્ધિ ચાર દુકાને ફેરવે, ત્યારે એ છોડે, બુદ્ધિ રખડાવ રખડાવ કરે. પ્રશ્શનકર્તા : જ્યાં જે મળ્યું, ઘૈડા ભીંડા લાવીને ઘેર આવે. એટલે બુદ્ધિ ના દોડી એમ ? દાદાશ્રી : તમને શી ખાતરી કે ઘૈડા આવશે કે જવાન આવશે ? કેટલાક તો દુકાને જઈને ખાલી બોલે જ ભીંડા તોલી આપજો ને સરસ ભીંડા આવે ! અને ઘૈડા આવે તોય શું બગડી ગયું ? સંસારમાં તો એવું ચાલ્યા જ કરે. રોજ ઘૈડા ના આવે, કો'ક ફેરો જ આવે. પણ પછી એનું પુણ્ય હોય ને ? ભલા માણસને તો બધી પુણ્યૈ ભલી જ હોય. તે આગળ આગળ તૈયાર જ હોય. ખટપટિયાને જ બધી પુણ્યૈ ખટપટી હોય. ક્રોધ કરવા કરતાં, મૌનનંુ હથિયાર ! પ્રશ્શનકર્તા : બુદ્ધિશાળી કોને કહેવાય ? દાદાશ્રી : જે પોતાના ઘરમાં, ધંધામાં, ગમે ત્યાં ઓછામાં ઓછી અથડામણ ઊભી થાય એ રીતે વ્યવહાર કરે એ બુદ્ધિશાળી કહેવાય. બાકી સામાને રાજી રાખવા પંડિતાઈ કરે, એ એક જાતનું 'ઓવરવાઈઝ'પણું છે. બુદ્ધિથી સામાને હેલ્પ થવી જોઈએ. સવારમાં ચા ને મીઠાઈ આવી. તે આપણે મીઠાઈ ખાઈને પછી ચા પીએ ને પછી બૂમાબૂમ કરીએ કે ચા કેમ મોળી છે ? તો તેને બુદ્ધિશાળી કેમ કહેવાય ? અને વખતેય ચા એમ ને એમ મોળી આવી હોય તોય કેમ બૂમાબૂમ કરાય ? ચાર આનાની ચા માટે બૂમાબૂમ કરી ને ઘરમાં બિચારાં કેટલાંય ફફડી જાય ! બુદ્ધિશાળી તો તેનું નામ કહેવાય કે કોઈ માણસ આપણાથી ફફડે નહીં એવી રીતે બુદ્ધિ વાપરતો હોય. અને જ્યાં બીજા કોઈ ફફડે છે ત્યાં કુબુદ્ધિ છે. એનાથી ભયંકર પાપો બંધાય. એટલે બુદ્ધિના ભાગ તો સમજવા જોઈએ ને ? આપણે ઘેર કોઈને હેલ્પ થતી ના હોય, મતભેદ ઘટતા ના હોય, તો એ બુદ્ધિને શું પૂળો મૂકવાનો ? અને ધંધામાંય ખોટ જાય એ સ્વાભાવિક છે પણ ધંધાની મરામતમાં ભૂલ ના થવી જોઈએ. તમને કેમ લાગે છે ? પ્રશ્શનકર્તા : બરાબર છે. દાદાશ્રી : આપણે તો અહીં ચોખવટ કરવા બેઠા છીએ. બરાબર છે એવું કહેવડાવવા માટે નહીં. પ્રશ્શનકર્તા : કોઈ જગ્યાએ કપટ થતું હોય, ઘરમાં કે બહાર તો ફફડાવવા પડે ને ? દાદાશ્રી : આપણા ફફડાવવાથી જો સામાનું કપટ મટી જતું હોય તો ફફડાવવા જોઈએ, પણ કપટ કાયમ રહેતું હોય તો ફફડાવવાનો કોઈ અર્થ નથી. તમને ફફડાવતાં આવડતું નથી, એમ કરીને તમને જેલમાં ઘાલી દેવા જોઈએ કે, 'કેમ આમને ફફડાવ્યા ?' પ્રશ્શનકર્તા : ફફડાવવાનું નહીં, તો બીજું શું કરવાનું ? દાદાશ્રી : એ કયે રસ્તે સુધરે એ જોવાનું. પ્રશ્શનકર્તા : આપણી જોડે કોઈ કપટ કરે તો સ્વાભાવિક રીતે એના ઉપર ગુસ્સો તો થઈ જાય ને ? દાદાશ્રી : પાંચ વાર ગુસ્સે થવાથી એનું કપટ જો જતું રહેતું હોય તો બરાબર છે ને ના જાય તો તમને જેલમાં ઘાલી દેવા જોઈએ. આ દવાથી એને મટતું નથી, ઊલટું આવી દવા પાઈને એને મારી નાખો છો ? પ્રશ્શનકર્તા : એ માણસ એ જ રીતે ચાલે. પછી એનો ઉપાય શો કરવાનો ? દાદાશ્રી : આ તમારો ઉપાય એ નુકસાનકારક છે. આ ન હોય ઉપાય. આ તો એક જાતનો 'ઈગોઈઝમ' છે. હું આને આમ સુધારંુ, તેમ સુધારંુ એ 'ઇગોઇઝમ' છે. આપણે શું કહેવા માગીએ છીએ કે પહેલો તું સુધર. તમે એકલા જ બગડેલા છો. એ તો સુધરેલા જ છે. આ તમે બધાને ફફડાવીને હેરાન કરી નાખો છો તે તમને શોભે નહીં. પ્રશ્શનકર્તા : તો પછી શું કરવું ? દાદાશ્રી : પોતાનો ફેરફાર કરવાનો છે. પોતે એવો બને કે ક્યારેય કોઈ એની પાસે કપટ કરે જ નહીં. મારી પાસે કોઈ કપટ કરતું જ નથી. આપણા મનમાં કપટ હોય તો જ સામો માણસ કપટ કરે અને આપણા મનમાં કપટ ના હોય તો કોઈ કપટ કરે જ નહીં. આ બધો આપણો જ ફોટો છે. પ્રશ્શનકર્તા : આપણી લેણદેણ (હિસાબ) હશે, તેથી સામો કપટ કરે છે ? દાદાશ્રી : હિસાબને તો આપણે 'લેટ ગો' કરીએ છીએ. હિસાબ નિવારી શકાય એમ નથી. હિસાબ તો મને મળ્યો, તેય નિવારી ના શકાય. કશો તમારાથી ફેરફાર થાય એમ નથી. આ બૂમો પાડવાનો અર્થ જ શો છે તે ? પહેલાંનું પેલાનું કપટ તો તેવું ને તેવું જ રહે છે. ઊલટો એ વધારતો જાય. તમે બૂમાબૂમ કરો એટલે પેલો મનમાં કહેશે કે આમનામાં કશી બરકત નથી અને ખોટી બૂમાબૂમ કરે છે. એટલે પેલો પોતાની ભૂલ વધારતો જ જાય અને તમને પી જાય. પ્રશ્શનકર્તા : એનો રસ્તો શો ? દાદાશ્રી : એના ઉપર આપણો એવો પ્રભાવ પડે કે એ કપટ જ ના કરે. આપણે આ બીજા બધા રસ્તા કરવાની જરૂર નથી. ગુસ્સો કરો છો, એના કરતાં મૌન રહો ને. ગુસ્સો એ હથિયાર નથી. પ્રશ્શનકર્તા : કપટથી કોઈ માણસ માલ ચોર્યા કરતો હોય તે આપણે જોયા કરવું ? દાદાશ્રી : એના માટે ગુસ્સો એ હથિયાર નથી. બીજાં કોઈ હથિયાર વાપરો. એને બેસાડીને સમજાવીએ, વિચારણા કરવા કહીએ, તો બધું ઠેકાણે આવી જાય. પ્રશ્શનકર્તા : ડૉક્ટરે કહ્યું કે 'તમને બ્લડ પ્રેસર છે.' તો એણે અમુક ના ખાવું જોઈએ. છતાં એ ના માને અને ખાય, તો મારે ડૉક્ટરની પાસે દોડવું જ પડે ને ? દાદાશ્રી : મારંુ કહેવાનું કે ડૉક્ટરને જ 'બ્લડ પ્રેસર' થયેલું હોય છે ને ? 'આ શા આધારે ખાય છે' તે તમે જાણતા નથી. આપણે તો એક ફેરો કહી જોવાનું કે ડૉક્ટરે તમને મરચાં ખાવાની ના પાડી છે. પછી જો આપણો પ્રભાવ પડ્યો તો સાચો ને ના પડ્યો તોય સાચો. તમારોય પ્રભાવ પડતો નથી ને ડૉક્ટરનોય પ્રભાવ પડતો નથી. પ્રશ્શનકર્તા : અમે મરચું ખાતા રહીએ ને બીજાને મરચું બંધ કરાવીએ તો તેનો પ્રભાવ પડતો નથી ને ? દાદાશ્રી : એવું હું કરાવતો જ નથી. મને જેટલો ત્યાગ વર્તે છે એટલો જ ત્યાગ તમને હું કરાવડાવું છું અને તેય તમારી ઇચ્છા હોય તો, નહીં તો હું કહું કે પૈણ બા. આપણે કચકચ કરીએ કે અથાણું ના ખાશો, મરચું ના ખાશો. એટલે પેલા મનમાં ચિડાયા કરે કે આ સામો ક્યાં આવ્યો ? તમારા મનમાં કદી એમ થાય કે હું ના હોઉં તો શું થાય ? ત્યારે 'આપણે નથી જ' એવું માનો, વગર કામના ઇગોઇઝમ કરવા કરતાં. 'મરચાં ના ખાશો' એ ડૉક્ટરનું જ્ઞાન આપણે હાજર કરવું. પણ એનો સ્વીકાર કરવો કે ના કરવો, એ તો એની મરજીની વાત છે. મેં કોઈને કહ્યું હોય કે, 'આમ કરજે.' ત્યારે એ જુદું જ કરે. એટલે હું એને કહું કે, 'આવું કરવાથી શો ફાયદો થશે ?' એટલે એ કહે કે હવેથી નહીં કરંુ. તેના બદલે જો હું એમ કહું, 'તું આવું કેમ કરે છે ? તું આવો છે ને તું તેવો છે.' ત્યારે એ ઢાંકશે, 'ઓપન' નહીં કરે. પ્રશ્શનકર્તા : આવી આવડત કંઈ એકદમ આવડે છે ? દાદાશ્રી : ના, એ તો આવું સાંભળ્યું હોય, તેથી કો'ક ફેરો આવડે. જ્ઞાન સાંભળ્યું હોય તો કામ લાગે. આ મારી રીત, કેમ કરીને હું 'જગતજીત' થયો છું, તે તમને જણાવું છું. છેવટે જગતને જીતવું તો પડશે જ ને ? સમજાવો, નહીં તો મૌન ! ચાલતી ગાડીમાં ડખલ ના કરવી. એની મેળે એ ચાલ્યા કરશે. એમાં કંઈ અટકવાનું નથી. પ્રશ્શનકર્તા : આ 'ઈન્ટરફિયર' (ડખલ) થયો એમ કહે છે, તે જ ડખલનો અર્થ ? દાદાશ્રી : 'ઇન્ટરફિયર' તો થવું જ ના જોઈએ. એ ડખલ જ કહેવાય. ડખલ થાય એટલે ડખો થઈ જાય. જે ચાલે છે તેને ચાલવા દેવું પડે. આપણી આ ટ્રેન ચાલતી હોય તેમાં કંઈ ખટક ખટક થતું હોય તો તે ઘડીએ આપણે સાંકળ ખેંચીને બૂમાબૂમ કરવી ? ના, એને ચાલવા જ દેવાની. પ્રશ્શનકર્તા : આ જરાક ચૂં ચૂં બોલતું હોય તોય નીચે પાછા 'ઓઈલ' પૂરવા જાય. દાદાશ્રી : હા, જાય. ડખલ કરવાની જરૂર નથી. શું ચાલે છે તે 'જોયા' કરવાનું. અને અમે જો ડખલ કરીએ તો તો અમારી શી દશા થાય ? જે થાય તે ચાલવા દેવાનું. પ્રશ્શનકર્તા : ખોટું હોય તોય ચાલવા દેવું ? દાદાશ્રી : તમે ખરંુ કે ખોટું શું ચાલવા દેવાના હતા ? માણસોમાં ચલાવવાની શક્તિ જ નથી. આ તો ખોટો અહંકાર કરે છે કે હું ખોટું નહીં જ ચાલવા દઉં. એનાથી ઊલટી વઢવાડો થાય છે, ડખા થાય છે. કોઈનાથી ખોટું થતું હોય તો આપણે એને સમજાવવું, નહીં તો મૌન રહેવું. પ્રશ્શનકર્તા : પણ આપણને અન્યાય થતો હોય તો ? દાદાશ્રી : અન્યાય થયો તો માર ખાવને નિરાંતે ! નહીં તોય ક્યાં જશો ? કોર્ટમાં જાવ. વકીલ ખોળી કાઢો, વકીલ મળી આવે છે ને ! પ્રશ્શનકર્તા : વકીલ લાવ્યા, તે ડખોડખલ કહેવાય ને ? દાદાશ્રી : પછી વકીલ તમને ટૈડકાવશે, 'અક્કલ વગરના મૂરખ માણસો સાડા દસે આવ્યા ? વહેલા કેમ ના આવ્યા ?' તે પાછો એ ગાળો દેશે. માટે પાંસરા થઈને આપણે આપણું ઝટપટ પતાવી દો ને ! ડખલમાં ઊતરવા જેવું નથી. આ કાળ વિચિત્ર છે. સારંુ બોલતાં મેં કોઈને જોયો જ નથી. એવું બોલે કે આપણને 'હેડેક' થાય (માથું દુઃખી જાય). આ કંઈ ભાષા કહેવાતી હશે ? પ્રશ્શનકર્તા : તો આ હિસાબે સારંુ કહેવું કે ખોટું કહેવું, એ પણ ડખોડખલ થઈને ? દાદાશ્રી : કશું બોલવું જ નહીં. એ પૂછે એટલો જ જવાબ આપવો. લાંબી ભાંજગડ ના કરવી. આપણે શી લેવાદેવા ? આનો પાર ના આવે. ગજવું કપાયું, ત્યાં મૌનનો ઉપાય ! કુદરત હંમેશાં ન્યાયી રહે છે. આ જગતમાં એક ક્ષણવાર પણ આ કુદરતે અન્યાય નથી કર્યો. આ કોર્ટમાં અન્યાય થાય પણ આમાં અન્યાય ના થાય. માટે અત્યારે મોટા લોકો લૂંટે છે તેય બરોબર છે, લોક કાળાબજાર કરે છે તેય બરોબર છે, કાળાબજારનું આવું થશે તેય બરોબર છે, એનું પરિણામ આવું આવશે તેય બરોબર છે. માટે કુદરત બધું નિયમસર જ કરે છે, એક્ઝેક્ટ કાયદેસર જ કરે છે. કાયદાની બહાર નથી જતી. આ કુદરત એક ક્ષણવાર અન્યાયી થઈ નથી. પ્રશ્શનકર્તા : એટલે હમણાં જે ભોગવે છે ને પછી પામશે એમ ? દાદાશ્રી : એવું નહીં. ભોગવે કે ના ભોગવે, કુદરત દંડ આપ્યા જ કરે છે. જેનું ગજવું કપાય છે તેને જગતનાં લોકો આશ્વાસન આપે છે કે, 'લો ચા પીવો, આમ કરો, તેમ કરો, આમ છે, તેમ છે.' હવે કુદરત શું કહે છે ? ગજવું કપાયું એ જ ગુનેગાર છે, એ આજે પકડાયો. બે જણ જોડે બેઠા હતા, તો એનું જ ગજવું કેમ કપાયું ? એટલે પહેલાં જે કરેલું તેનું ફળ આજે આવ્યું. પેલો ચોર તો પકડાશે ત્યારે ગુનેગાર થશે, અત્યારે તો એ જલેબી ખાય છે અને ગજવું કપાયું એ અત્યારે ભોગવે છે. માટે ભોગવે એની ભૂલ. 'અત્યારે કોણ રડે છે' એ જોઈ લેવાનું. રડતાને જાણવું કે આ જ ગુનેગાર છે. ભોગવે એની ભૂલ. પેલો ભોગવશે ત્યારે એની ભૂલ. આ જગતનો ન્યાય જુદો છે અને કુદરત શું કહે છે ? ભોગવે એની ભૂલ. માટે બૂમાબૂમ ના કરશો. કોણ ભોગવી રહ્યું છે એ જોઈ લો, એની ભૂલ. આ બહુ ઊંડી વાત છે. આ વાત જો સમજાય તો ઠેઠ મોક્ષે જાય, ઝીણવટથી વિચારે તો ઠેઠ મોક્ષે પહોંચાડી દે અને બુદ્ધિથી ભૂલ જોવા જાય ને, તો કોઈ દહાડો સંસારની બહાર નીકળશે નહીં. ભોગવે એની ભૂલ પરથી તમારે જાણવું કે આ તો આપણે ભોગવીએ છીએ, માટે આપણી ભૂલ છે અને એ જ મોક્ષે જવાનો માર્ગ છે. આ જગતમાં કોઈનું બંધન નથી. લાખો ચોરો વચ્ચે રહેવાનંુ હોય અને તમે રાત્રે સૂઈ ગયા હો ને તમારા ગજવામાં વધારે રૂપિયા હોય, પણ કોઈ ચોરથી તમારા ગજવાને અડાય નહીં, આવું આ નિયમવાળું જગત છે ! અને આ જગતનું રેગ્યુલેટર પણ એવું છે ને, તે એટલું બધું રેગ્યુલેશનમાં જગતને રાખે છે ! એટલે આ જગત કંઈ ગપ્પું નથી. આ ક્રોધ-માન-માયા-લોભ એ જ દુઃખ દેનારાં છે; બહારના કોઈ દુઃખ દેતા નથી. આ ક્રોધ-માન-માયા-લોભ આપણને એવું શીખવાડે કે આ દુઃખ છે, એવા તમને ઊંધા પાટા દેખાડે. બાકી બહાર તો આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. પ્રશ્શનકર્તા : આપણું કર્મ દોષિત છે એમ જ ને ? દાદાશ્રી : ના, તમે પોતે જ દોષિત છો, દોષ બીજા કોઈનોય છે નહીં. તમારંુ ગજવું કપાય તો ગજવું કાપનારનો દોષ નથી, તમારા જ દોષને લઈને આ ગજવું કપાય છે. પૂર્વજન્મના હિસાબ બધા ચૂકતે થાય છે. એમાં પેલો કાપનારો તો અત્યારે મોજ કરતો હોય, પણ તમે આજે પકડાયા છો. પ્રશ્શનકર્તા : કોઈ આપણી પાસે પચ્ચીસ હજાર રૂપિયા લઈ ગયું ને પાછા ના આપે તો એ પણ આપણે પૂર્વજન્મનું ઋણ જ ચૂકવતા હોઈશુંને ? દાદાશ્રી : બધો હિસાબ જ છે, માટે વરીઝ કરશો નહીં. એ સામો મળે તોય એની પર ચીડ ના ચઢાવશો, નહીં તો એક તો રૂપિયા ગયા અને ઉપરથી એની જોડેનાં કર્મ બંધાય. પ્રશ્શનકર્તા : 'એ ભલે લઈ ગયો' એમ કહેવાનું ? દાદાશ્રી : 'ભલે લઈ ગયો' એવું પછી નહીં બોલવાનું, ત્યાં મૌન રહેવું. 'એ ભલે લઈ ગયો' એવું બોલીએ તોય ગુનો કહેવાય. અંદરખાને સમજી જવાનું કે આપણી ભૂલનું પરિણામ છે આ, મોઢે કશું બોલવાનું નહીં. નહીં તો પેલો માણસ પછી ચઢી બેસે ! મોઢે તો એમ જ કહેવાનું કે, 'ભઈ, અનુકૂળ આવે એટલા કંઈક તો આપો', એટલું બોલવું. અંદરખાને જાણવું કે આવશે તો ઠીક છે ને ના આવ્યા તો કંઈ નહીં, પણ મોઢે બોલવું તો જોઈએ. બાકી હિસાબ વગર ભેગા થાય જ નહીં ને ! બીજા કોઈને ના આપ્યા અને એને જ કેમ અપાયા ? માટે હિસાબ છે. એકવાર તો હિસાબ વગર ભેગો જ ના થાય. અમને જગત આખું નિર્દોષ દેખાય. દોષિત કોઈ છે જ નહીં એવું જગત આખુંય દેખાય. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશે ને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવને, તોય બધું બહુ કામ લાગે. આત્માને ગજવું હોય નહીં. જો તમે આત્મા છો તો તમને ગજવું હોય નહીં, તો તમારંુ કશું કપાય પણ નહીં. કપાયું એ 'ચંદુભાઈ'નું કપાયું, પણ 'તમે' કહો છો 'મારંુ ગજવું કપાયું' એટલે 'તમે' 'ચંદુભાઈ' થઈ ગયા, એ મિથ્યાત્વ છે. પ્રશ્શનકર્તા : હું એક સંસારી તરીકે વાત કરંુ છું કે મારંુ ગજવું કપાતું હોય અને હું જાતે જોતો હોઉં, મને ખ્યાલ હોય કે ગજવું કપાય છે, તો મારે શું કરવું એ વખતે ? દાદાશ્રી : અત્યારે તો તમારંુ ગજવું કપાતું હોય ત્યારે તમે તમારી મેળે એ જ કરો, પેલાને પકડીને કે, 'તું મારંુ ગજવું કેમ કાપે છે ?' ને એને ગાળો ભાંડો ને આમતેમ બધું કરો. પણ ખરી રીતે શું કરવું જોઈએ એ તમે પૂછવા માંગો છો ? તો હું શું કહું કે, 'તમારંુ ગજવું કાપે એટલે તરત જ તમને ભગવાનની વાત યાદ આવવી જોઈએ કે આ ગજવું કાપે છે, એ એક બાજુ બસ્સો રૂપિયા પડ્યા છે એ નથી કાપતો અને આ પાંચ હજાર રૂપિયાવાળું ગજવું કાપે છે, માટે આ મારાં જ કર્મનો ઉદય છે.' એ જે ગજવું કાપે છે તે ઘડીએ તમને શો સારો જોગ બેસે છે કે મોટામાં મોટું ધર્મધ્યાન ઉત્પન્ન થવાનો જોગ બેસે છે, ત્યારે તમે રૌદ્રધ્યાન કરો છો. ગજવું કાપે છે, ત્યારે તમારાં કર્મના ઉદયથી આ ભાઈ ભેગો થયો છે ને આ બસ્સો રૂપિયાવાળું નથી કાપતો અને આ પાંચ હજાર રૂપિયાવાળું ગજવું એને ભાગ આવ્યું છે, માટે આ આપણો હિસાબ ચૂકવાય છે. પ્રશ્શનકર્તા : આ તો કપાઈ ગયા પછી આપે કહ્યું એ પ્રમાણેનું ધર્મધ્યાન કરવાનું, પણ જે ઘડીએ કપાતું હોય તે ઘડીએ શું કરવું ? એને અટકાવવું કે કપાવા દેવું ? દાદાશ્રી : એવું કપાવવા યે દેવું નહીં. પ્રશ્શનકર્તા : મને ખબર પડી કે આ માણસ ગજવું કાપે છે તો મારે શું કરવું ? દાદાશ્રી : તમારી દ્ષ્ટિ હોય તો પકડવો એને. અને પકડાયા પછી એની ઉપર રૌદ્રધ્યાન નહીં કરવાનું. એને કહેવું કે, 'ભઈ, શા હારુ મારંુ ગજવું કાપે છે ? મેં તારંુ શું બગાડ્યું છે ? તને અડચણ હોય તો લે આ સો રૂપિયા હું આપું, તું લઈ જા. આ તો મારે પાંચ હજાર રૂપિયા ત્યાં ભરવા જવાના છે.' તો પચાસ-સો રૂપિયા એને આપીએ એનો વાંધો નહીં, પણ આવું સમાધાનપૂર્વક હોવું જોઈએ. પકડવો તો જોઈએ. એવું ના કહેવાય કે, 'ભઈ હા, કાપી લે. મારા ભગવાને કહ્યું છે કાપી લે.' એવું ના કહેવાય. પણ એ ગજવું કાપી ગયો પછી કકળાટ કરે તો એ બધો નકામો છે. ગજવું કાપનાર ગજવું કાપે છે, તેમાં ખોટું હોતું નથી. આ જગત એક મિનિટેય કાયદાની બહાર ચાલ્યું નથી. છતાં લોક કહે છે કે, 'આજ લોક નાલાયક થઈ ગયાં છે.' ના, એવું કશું નાલાયક થઈ ગયું જ નથી. આ બધું જ કુદરત કરાવડાવે છે અને આ માણસો તો વચ્ચે નિમિત્ત છે અને એ ઇગોઈઝમ કરે છે કે, 'મેં કર્યું, મેં કર્યું' એટલું જ. એટલે કોઈનોય દોષ કાઢશો નહીં, કારણ કે દોષ કાઢશો તો તમે પાછા જોખમદાર થશો. જોખમદારી લેવી નથીને ? વ્યાજ વસૂલાત વખતે મૌનનો ઉપાય ! અમુક કોમવાળાનું એક અક્કલવાળું પોઈન્ટ એ છે કે વ્યાજ નહીં લેવું જોઈએ. વ્યાજ ખાનારો માણસ ક્રુઅલ (દુષ્ટ) થતો. સ્ત્રી-બેનને રૂપિયા વ્યાજે આપ્યા હોય તોય ક્રુઅલ્ટી કરે. પણ અત્યારે આપણી પાસે એવું નથી. માટે બેન્કો લે તે પ્રમાણે લેવું. ખાસ કરીને કોઈને ધીરવા નહીં. એનાથી ના આપી શકાય ત્યારે દુઃખેય થાય એટલું, ભયંકર દુઃખ થાય ! કોઈ માણસને અંગત ના ધીરવું જોઈએ. નહીં તો માણસનું મન પછી ખાટકી થઈ જાય. એટલે અમે તો અમારા ભાગીદારને પહેલેથી કહેલું કે આપણે વ્યાજ આપીને લાવો અને આપણે વ્યાજ ના લેવું. પ્રશ્શનકર્તા : અહીં એવું છે કે આપણે કોઈને ધંધા માટે હજાર બે હજાર ડૉલર આપ્યા પછી પાછા માગીએ તો એ કહે કે ક્યારે તમે આપેલા ? એમ એ લોકોને એટલું કહ્યું હોય કે હું વ્યાજ લઈશ, બેન્કમાં જેટલું થાય છે તેટલું લેવાનું. દાદાશ્રી : વ્યાજ લેવામાં વાંધો નહીં. આ તો વ્યાજ લેવાનો વ્યાપાર કર્યો હોય, ધંધો વ્યાજ-વટાવનો. તમારે શું કરવું જોઈએ ? જેને ધીર્યા એને કહેવું જોઈએ કે બેન્કમાં જે વ્યાજ છે તે તારે મને આપવું પડશે. હવે છતાં એક માણસની પાસે વ્યાજેય નથી, મૂડીયે નથી તો એની પાસે મૌન રહેવું. એને દુઃખ થાય એવું નહિ વર્તવું. એટલે આપણા પૈસા ગયા છે એમ માનીને ચલાવી લેવું. દરિયામાં પડી જાય તેને શું કરીએ ? પ્રશ્શનકર્તા : પછી પાછું આપ્તવાણીમાં કહ્યું છે કે પૈસા આપતી વખતે એમ કહેવાનું કે ક્યારે પાછા આપવાનો છે ? વરસે-દોઢ વરસે આપી જજે, પણ અંદરખાને એમ માનવાનું કે ગયા ખાતે જ છે. દાદાશ્રી : ગયા એવું માનીને જ તમે ચાલો, 'નો પોઝિટિવનેસ'. દરિયામાં પડી ગયું હોય ત્યારે શું કોઈની પાસે ખોળીએ છીએ ? ના ખોળીએ ને ? હવે આ હીરાની વીંટી પહેરીને ફરતા હોય ને કોઈ ગુંડો આવીને કહેશે કે 'એય, આપી દો.' તો બધું આપી દેવું પડે કે ના આપી દેવું પડે ? ત્યાં ક્લેઈમ છે કોઈ જાતનો ? એટલે આ અહીં આપો તો પેલું નહીં મળે, નહીં તો પેલું મળશે. નાણાંનો સ્વભાવ કેવો ? જતું રહેવાનો. ટાઈમે જતું રહે. માટે એનો ઉપાય આ જ હોય. મનમાં આ ભાવ તોડી નાખો ને નક્કી કરો કે બળ્યો આ વ્યાજનો ધંધો જ નથી કરવો. પ્રશ્શનકર્તા : દસ વરસ થયા. નવો કંઈ ધંધો નથી. દાદાશ્રી : એ તો એવું છે, નવો નથી. એ તો ફસાવે એટલે બધાને વૈરાગ્ય આવે. હવે ફસાવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે આ ટાઈમ ફસાવાનો છે. કારણ કે અત્યાર સુધી લે લે કર્યા, સીઝનો સારી આવી. પણ હવે સીઝન ઊડી જાય છે. અનંત અવતાર બહુ ભટક્યા. ધોળા વાળ આવ્યા ને ત્યાંથી સિગ્નલ પડી ગયો. ઊતરવાનું પ્લેટફોર્મ આવ્યું અને તોય રૂપિયા છોડ્યા નહિ, એટલે ભગવાને કહેલું શાસ્ત્રમાં કે જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કરજો. બે ઝઘડે ત્યારે શું કરવું ? પ્રશ્શનકર્તા : વ્યવહારમાં આપણે જ્ઞાતા-દ્રષ્ટાભાવ કેળવવાનો. હવે એમાં બે જણ ઝઘડતા હોય ને એક જણ ખોટો હોય, તો આપણે મૌન રહેવું ? કારણ કે આપણે પેલાને કહીએ એટલે સાચું માને નહીં. દાદાશ્રી : મૌન રહેવા-કરવાનું નહીં. શું થાય છે એ 'જોવું'. મૌન રહેવાનું કહીએ તોય બગડ્યું અને કહેવાનું કહીએ તોય બગડ્યું. ચંદુભાઈ (વાચકે ચંદુભાઈની જગ્યાએ પોતાને સમજવું) એની મેળે જ કૂદશે, તમેે જો જો તો ખરા. એ ઘડીએ ચંદુભાઈ શું કરે છે એ 'જોવાનું'. પ્રશ્શનકર્તા : ખોટું થઈ રહ્યું છે છતાં ચંદુભાઈને એમ લાગે કે નથી બોલવું, તો ? દાદાશ્રી : ના. એ ખોટું થઈ રહ્યું છે જેને લાગેને તે જ બોલે. ચંદુભાઈ શું કરે છે એ 'જોવું'. ચંદુભાઈને આપણે દોરવણી નહીં આપવી કે આમ કરો કે તેમ કરો. તમે ઉત્તરમાં જાવ, દક્ષિણમાં જાવ. આપણે કહેવાની જરૂર નહીં. એ ઉત્તરમાં જાય છે કે દક્ષિણમાં જાય છે એ 'જોવું'. એટલે પેલા બેમાંથી એક જણને ધોલ મારી દેશે તો તેય 'જોવું'. ધોલ માર્યાનોય વાંધો નથી, પણ શું કરે છે એ 'જુઓ'. પ્રશ્શનકર્તા : વચ્ચે કોઈ એવી ધોલ આપણને મારી જાય તેય 'જોવું' ? દાદાશ્રી : તેય 'જોવું'. પણ તો જ અભ્યાસ કરતાં કરતાં થાયને ? છેવટે તો એ અભ્યાસ ઉપર આવવું પડશેને ? આજે નહીં ને આવતા અવતારમાં પણ એવો રોજ અભ્યાસ તો કરવો પડેને ? અત્યારથી જ કરી રાખ્યો હોય થોડોઘણો તો શું ખોટો ? અભ્યાસ પણ કરી રાખ્યો હોય તો સારુંને ? થોડોઘણો જેટલો થાય એટલો. ત્યાં ચંદુભાઈ શું કરે છે એ 'જોયા' કરવાનું. અમેય 'આ પટેલ' શું કરે છે એ 'જોયા' કરીએ. શું ખાય છે ? શું પીવે છે ? શાનો શોખ છે ? એ બધું 'જોયા' કરીએ. શોખ હોય તો મારે વઢીને બંધ કરાવવો નથી, જે હો તે ભલે હો. આ તો કો'ક ફેરો એવું આઘુંપાછું થઈ જાય, બાકી જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા ચંદુભાઈનો દોષ દેખાડે અને ચંદુભાઈ પેલા સામેવાળાનો દોષ દેખાડે. પ્રશ્શનકર્તા : અંદરથી એવું થાય કે આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું છે, કશું કરવું નથી અને બહારથી વર્તન એવું થાય કે પેલાને લાફો મારી દઈએ. દાદાશ્રી : ચંદુભાઈ શું કરે છે એ 'જુઓ'. પછી આપણે કહેવું, 'ચંદુભાઈ, આવું શા સારુ કરો છો ? આનાં પ્રતિક્રમણ કરો', એટલું કહેવું. પ્રશ્શનકર્તા : એટલું કહીએ તો પહોંચી જાય ? દાદાશ્રી : બધું જ પહોંચી જાય. ટકોર જ કરવાની. ઓછા ચંદુભાઈ અભણ હતા ? બધું જાણતા હતા પણ પ્રકૃતિને આધીન થઈ ગયું ! પ્રશ્શનકર્તા : જ્યારે આવું થાય ત્યારે દરેક વખતે પેલો અંદરથી વિચાર આવે છે કે આ ખોટું થાય છે. આવું કેમ થાય ? દાદાશ્રી : ખોટું થાય છે ને ખરું થાય છે, એની ભાંજગડમાં આપણે ઉતરવાનું નથી. એ એની મેળે ચંદુભાઈ કરશે. ચંદુભાઈ શું કરે છે, તે આપણે 'જોયા' કરવાનું. ડિસ્ચાર્જ એટલે જે માલ ભર્યો છે તે જ નીકળે, ગલન થાય છે. એટલે અત્યારનું જ્ઞાન એમ કહે છે કે ડખો નથી કરવો. પહેલાના આધારે ડખો થઈ જાય છે અથવા એના પક્ષમાં પડી જવાય છે. એ બેની વચ્ચે ઘર્ર્ષણ ચાલ્યા કરે છે. એ ચાલ્યા જ કરેને ! પણ ડખો નથી કરવો, એ તો આજે આપણું જ્ઞાન કહે છે. પણ તે તો આત્માનો ભાગ છે અને ડખો થઈ જાય છે તે ચંદુભાઈ જ કરે છે. પ્રશ્શનકર્તા : એટલે આપણે એમાં એવું ખંખેરી નાખવાનું કે આપણે એમાં કંઈ લેવાદેવા નથી ? દાદાશ્રી : લેવાદેવા નથી અને આપણે એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. વધારે પડતું કંઈક કોઈને મૂંઝવણ કરે ને કોઈને દુઃખ થઈ જાય તો આપણે કહેવું, 'તમે શા સારુ આમ કરો છો વગર કામના ? તે હવે કેટલા દહાડા બંધાવું છે ?' આમતેમ જરા કહી છૂટવું. તેય એની જોડે ચીડાવું નહીં. એની જોડે ચીડાયા તો શો અર્થ ? પ્રકૃતિ, જેમ પમ્પ મારી મારીને ચેતન ભરેલું. એમાં શું ખોળો છો ? અને થઈ જાય તો એને વઢવાથી શું વળે ? પ્રશ્શનકર્તા : તે આ જે મહીંથી રહ્યા કરે છે કે ડખો નથી કરવો. અત્યારનું જ્ઞાન એવું બતાવે અને... દાદાશ્રી : એ નથી કરવો એ આજનું જ્ઞાન કહે છે. જ્ઞાન એટલે આત્મા. આ જે પ્રાપ્ત થયેલો આત્મા. ડખો નથી કરવો એ જ્ઞાન છે. ડખો થઈ જાય છે એ પ્રકૃતિ, એ અજ્ઞાન છે. જે ડખો થાય છે એને આત્મા 'જુએ' છે, બસ. જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં આવી ગયો એ. એ ભૂલ થયેલી જાણેને તો એ આત્મા. પોતાની ભૂલને જુએ અને જાણે, એનું નામ આત્મા. ડખો થઈ ગયો એ ભૂલ, એને તમે જુઓ એટલે એ ભૂલ નીકળીને ચાલી ગઈ. ભૂલ 'જોયા' સિવાય, 'જાણ્યા' સિવાય એ જાય નહીં. પકડાવી જોઈએ. 'દીઠા નહીં નિજદોષ તો તરીયે કોણ ઉપાય ?' તને તો દોષ દેખાય છે ને બધા ? પ્રશ્શનકર્તા : દેખાય છે. દાદાશ્રી : બધાય દેખાય છે ને ? એને જ વિજ્ઞાન કહ્યું. કોઈ વિજ્ઞાન એવું નથી કે પોતાના દોષ દેખાડે. પ્રશ્શનકર્તા : હા. એ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ દેખાડે છે. દાદાશ્રી : સૂક્ષ્મમાં સૂક્ષ્મ, નાનામાં નાનો. મહીં પ્રતિક્રમણ હઉ ચાલુ કરાવે ! અથડામણમાં મૌન હિતકારી ! પ્રશ્શનકર્તા : અથડામણ ટાળવાની, 'સમભાવે નિકાલ' કરવાની આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો આપણે શું કરવું ? દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું 'પઝલ' 'સોલ્વ' કર્યા કરવું. પ્રશ્શનકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે ? દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે. અને તેય પેલો 'ડ્રામેટિક' અહંકાર. જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવા દેતાં નથી. આપણે તો નાનું બાળક સામું હોય તોય કહીએ, હવે છૂટકારો કર. તમને કોઇએ અન્યાય કર્યો ને તમને એમ થાય કે 'મને આ અન્યાય કેમ કર્યો', તો તમને કર્મ બંધાય. કારણ કે તમારી ભૂલને લઇને સામાને અન્યાય કરવો પડે છે. હવે અહીં ક્યાં મતિ પહોંચે ? જગત તો કકળાટ કરી મેલે ! ભગવાનની ભાષામાં કોઇ ન્યાયેય કરતું નથી ને અન્યાયેય કરતું નથી, 'કરેકટ' કરે છે. હવે આ લોકોની મતિ ક્યાંથી પહોંચે ? ઘરમાં મતભેદ ઓછા થાય, ભાંજગડ ઓછી થાય, આજુબાજુનાનો પ્રેમ વધે તો સમજીએ કે વાતની સમજણ પડી. નહીં તો વાતની સમજ પડી નથી. જ્ઞાન કહે છે કે તું ન્યાય ખોળીશ તો તું મૂર્ખ છે, માટે એનો ઉપાય તપ છે ! કો'કે તમને અન્યાય કર્યો હોય તો તે ભગવાનની ભાષામાં 'કરેક્ટ' છે; જે સંસારની ભાષામાં 'ખોટું કર્યું' એમ કહેશે. આ જગત ન્યાયસ્વરૂપ છે, ગપ્પું નથી. એક મચ્છર પણ એમ ને એમ તમને અડે તેમ નથી. મચ્છર અડ્યો માટે તમારંુ કંઇક કારણ છે. બાકી એમ ને એમ એક સ્પંદન પણ તમને અડે તેવું નથી. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. તમને કોઇની આડખીલી નથી. પ્રશ્શનકર્તા : અથડામણમાં મૌન હિતકારી ખરંુ કે નહીં ? દાદાશ્રી : મૌન તો બહુ હિતકારી કહેવાય. પ્રશ્શનકર્તા : પણ દાદા, બહાર મૌન હોય, પણ અંદર તો બહુ ઘમસાણ ચાલતું હોય તેનું શું થાય ? દાદાશ્રી : એ કામનું નહીં. મૌન તો પહેલામાં પહેલું મનનું જોઇએ. ખરાબ કર્યું, ત્યાં સેવો મૌન ! પ્રશ્શનકર્તા : સામો નિર્દોષ દેખાય એ જાગૃતિ સતત રહેવી જોઈએને ? દાદાશ્રી : નિર્દોષ દેખાતાં તમને બહુ વાર લાગશે. પણ દાદાએ કહ્યું છે, તેથી તમને નિર્દોષ દેખાય વખતે, તો તે કહેવા માત્રથી. પણ તમને એક્ઝેક્ટ (યથાર્થ) ના દેખાય. પ્રશ્શનકર્તા : એવો અનુભવ અમને ના થાય ? દાદાશ્રી : અત્યારે તમને અનુભવ ના આવે. પ્રશ્શનકર્તા : અમે મનમાં માની લઈએ કે હા, એ નિર્દોષ જ છે, તો ? દાદાશ્રી : આ જ્ઞાન થયું પણ એ અનુભવ જ્યારે ત્યારે થશે, પણ અત્યારે તો આમ પહેલાં નક્કી કરી નાખ્યું એટલે આપણને ભાંજગડ નહીંને ! નિર્દોષ છે એવું કહીએ, એટલે પછી આપણું મન બગડે નહીં. કોઈકને દોષિત ઠેરવો કે તમારું મન પહેલું બગડે અને તમને દુઃખ આપે જ. કારણ કે દોષિત ખરેખર છે જ નહીં. તમારી અક્કલથી જ તમને દોષિત દેખાય છે અને એ જ ભ્રાંતિની જગ્યા છે. હા, હવે તમે મને કહે કહે કરો પણ હું કોની ફરિયાદ સાંભળું ? પ્રશ્શનકર્તા : હમણાં આપે શું કહ્યું કે તમે મને કહે કહે કરો ? દાદાશ્રી : હા, પણ આવી બધી વાત કરો છો, ફલાણો આમ કરતો હતો, ફલાણો આમ કરતો હતો, એવું તમને સમજણ પડી કે આ બધું ખોટું છે ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : આ ટાઈમ બધો નકામો ગયો. બધાં નિર્દોષ છે એવું સમજ્યા કે ઉકેલ આવી ગયો. પ્રશ્શનકર્તા : આપણું કોઈ ગજવું કાપે તો તરત આપણે એમ કહીએ કે આ મારા કર્મનો ઉદય થયો, તો તરત તે માણસ નિર્દોષ દેખાય ? દાદાશ્રી : આ મારા જ કર્મનો ઉદય છે, એટલું જો જ્ઞાનમાં આવી ગયું, તો એ નિર્દોષ દેખાય તે બરાબર, એ અનુભવપૂર્વકનું કહેવાય. પ્રશ્શનકર્તા : આપણો કર્મનો દોષ છે એમ દેખાય તો ? દાદાશ્રી : હા, એ જ કે આ મારા જ કર્મનો ઉદય છે, એનો દોષ નથી આ. આ છે તે જાગૃતિ કહેવાય. અને એમ ને એમ તમે બોલો કે જગત આખું નિર્દોષ છે, એ હજુ તમને પૂરું અનુભવમાં નથી આવ્યું. એટલે આ અમુક બાબતમાં તમારું આવું ડીસાઈડ (નક્કી) થઈ જાય. અને અમુક બાબતો એવી રહેશે કે જેમાં ડીસીઝન (નિર્ણય) નહીં થાય એટલે તમારે માની જ લેવાનું. પછી છે તે ટાઈમ આવશે ત્યારે એ ડીસાઈડ થઈ જશે. આપણે જવાબ જાણતા હોય તો પછી હિસાબ લખતાં લખતાં જવાબ આવી ગયો એટલે ખબર પડી જાય. જવાબ જાણતા હોય તો સારુંને ? પ્રશ્શનકર્તા : હા. હવે કોઈ પણ આપણને ફળ મળે કે કોઈ પણ કાર્ય થાય, પ્લસ કે માઈનસ (અધિક કે ઓછું) પણ એ આપણાં કર્મના આધીન જ છે, એવું માની લેવામાં આવે... દાદાશ્રી : હા, બીજું કશું છે જ નહીં. આપણું જ છે બધું. માઈનસ કહો તોય આપણું અને પ્લસ કહો તોય આપણું. પણ વ્યવહારમાં આપણે પેલાને કહેવું જોઈએ કે ભઈ, તમે સારું કામ કરી બતાવ્યું એવું બોલવું જોઈએ અને ખરાબ કર્યું હોય તો એને એમ ન કહેવું જોઈએ કે તમે ખરાબ કર્યું. પ્રશ્શનકર્તા : તો એને શું કહેવાનું ? દાદાશ્રી : એને કશું જ નહીં કહેવાનું. એના પ્રત્યે મૌન રહેવાનું. કારણ કે સારું ના કહીએ તો એને એન્કરેજમેન્ટ (પ્રોત્સાહન) ના મળે. એના મનમાં એમ થાય કે આ શેઠ તો કશું બોલતા જ નથી. એ તો એમ જ જાણે છે ને કે 'મેં કર્યું આ !' આપણા કર્મના ઉદયે એ કરે છે, એવું એ જાણતો નથી. એ તો કહેશે, 'મેં મહેનત કરીને કર્યું છે આ.' તો આપણે 'હા' પાડવી પડે. ...વ્યવહારની સેફસાઈડ, મૌનથી ! ડિપ્રેશન આવે તે ઘડીએ 'આ મારું સ્વરૂપ નહોય', 'હું શુદ્ધાત્મા છું, આ ડિપ્રેશનને જાણું છું', તે જુદું છે એવું નક્કી થઈ જાય, તો થઈ ગયું કલ્યાણ. જાગૃતિને જ સાચવ સાચવ કરવાની, એને જ પોષ પોષ કરો, એ જ શુદ્ધાત્મા છે. પ્રશ્શનકર્તા : અને ખરેખર પોતે જાણકાર જ હોય છે ને ? ડિપ્રેશન ક્યારે આવ્યું, કેટલું આવ્યું, ગયા વખત કરતાં આ ઓછું છે કે વધારે છે ? દાદાશ્રી : હા, બધું જાણે. પ્રશ્શનકર્તા : જેમ ડિપ્રેશનને જાણનારા આત્મા તરીકે રહેવાનું છે એવું એલીવેશન વખતે જાણનારા તરીકે રહે તો ડિપ્રેશનનો વખત ના આવે ને ? દાદાશ્રી : કંઈક સાંભળે તે ઘડીએ ટાઈટ થયો હોય એટલે આત્મા જાણી જાય કે છાતી કાઢી. એલીવેટ થયું છે માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં. પ્રશ્શનકર્તા : તો એલીવેશન વખતે એવી અંદર જાગૃતિ રાખવાની કે તમે ટાઈટ થયા ? દાદાશ્રી : એવી જાગૃતિ રહે તો કલ્યાણ થઈ ગયું. પ્રશ્શનકર્તા : એટલે જેટલું એલીવેશન થાય એટલું જ ડિપ્રેશન વધારે થાયને ? દાદાશ્રી : દોઢસો ફૂટ ઊંચી ખુરશી પર બેઠો હોય તો દોઢસો ફૂટથી પડે. બેનની કંઈ ભૂલ થાય તો ભાઈ એને ડિપ્રેશન લાવે એવું બોલે, પણ બેનને પોતાને ડિપ્રેશન આવે નહીંને ! એ તો 'તું બહુ ખરાબ માણસ' એવું કહી દે. એટલે પોતે ડિપ્રેશનનો માર ખાધો અને સામાને ડિપ્રેશનનો માર ખવડાવ્યો. એટલે ડબલ ગુનો થયો. ભોગવટોય એવો જ આવે. એટલે એ તો જબરજસ્ત ભોગવટો આવે. પોતાની ભૂલ હોય તોય સામા પર એટેક કરે અને સામાને દબડાવી મારે એ ડબલ ગુનો. એનું રિએક્શન પેલું ડિપ્રેશન વધી જાય. પણ તે ઘડીએ પાછો આનંદ ભોગવે, મેં એને કેવી ચપોડી દીધી. પ્રશ્શનકર્તા : પાછી પેલી ગણતરી હોયને કે આવું ચોપડીશ એટલે બીજી વખતે મારી જોડે આવું ડિલિંગ નહીં કરે. દાદાશ્રી : એવી બધી ગણતરી હોય. પ્રશ્શનકર્તા : સામો દબડાવે તો તે વખતે પોતે કેવી રીતે રહેવું ? દાદાશ્રી : દબડાવે તો હસવાનું. એ દબડાવતો હોય તો આપણેય કહેવું જોઈએ કે 'હેં ચંદુભાઈ, શું તમે એવા ગુના કર્યા'તા, તે લોકો આવું કહી જાય. તમને શરમ નથી આવતી ?' પ્રશ્શનકર્તા : એવું કહેવું જોઈએ. બરોબર છે. પણ એનું દબડાવવું એ આપણા કર્મના ઉદય જ ગણાય ને ? દાદાશ્રી : બીજું શું ? પ્રશ્શનકર્તા : એટલે આ મૂળ જાગૃતિ રાખવી જોઈએ અને વ્યવહારમાં કેવું રાખવું જોઈએ ? દાદાશ્રી : વ્યવહારમાં સેફસાઈડ જોઈતી હોય તો મૌન રાખવું જોઈએ. પ્રશ્શનકર્તા : મૌન જોઈને એ વધારે દબડાવે ને ? દાદાશ્રી : એ બોલી જાય તો એને ભાર લાગશે, આપણને શું ? એ તો છે જ એવા ! ડિપ્રેશન થાય તે ઘડીએ 'કેવો વટ મારતો'તો' એવું આપણે કહીએ એ જ આત્મા ! ડિપ્રેશન ભોગવનાર પેલો, જે ચઢ્યો'તો એ ઉતરે. એને જાણનાર આત્મા. ડિપ્રેશન થયેલું છેતે ય ખબર પડે, તે કોને ? આત્માને. એટલે તારે તો ઊલટું તે ઘડીએ એમ કહેવું જોઈએ, 'જો કૂદાકૂદ કરીને ચઢ્યો'તો, તે કાઢ્યો સ્વાદ ?' એ બોલીએ એટલે બહુ ફળ મળે, જબરજસ્ત ફળ મળે. દરેક ફેરો આવું બોલીએ ને તો એ પ્રતિક્રમણેય ના કરવાં પડે. અમેય કહીએ, 'મરચું ખાવું છે ને, ઉધરસનો રોફ પડે છે તમારો ?' પેલાં તળેલાં આખા ને આખા મરચા ખાઈ જાય ! બંધ કરી દીધાં પણ. બંધ અમે કરીએ નહીં. અમે નક્કી કરીએ કે હવે આ ના હોય. કારણ કે બધી શરીર પર અસર પડે ને ! આત્મા ક્યાં છે તે સમજી લીધું ને ? જે ચઢે-ઉતરે તે કોણ ? પ્રશ્શનકર્તા : ઘણીવાર તમે અંદર તો આવું જુદું કહેતા હશો, પણ ઘણીવાર મોઢેથી બહાર પણ આવું જુદાપણાનું બોલો છો. દાદાશ્રી : હા, બોલું છું ને બહાર. પ્રશ્શનકર્તા : એટલે એ બહાર બોલે એ વધારે ઇફેક્ટિવ ? દાદાશ્રી : બહુ અસર પડે. એટલે જુદા થઈ ગયા ને ! બહાર દેખવાવાળા યે જુદા થઈ ગયા ને ! અને છે જુદું જ બધું. એવું તમારે કહેવું, 'લ્યો, મોટા ડૉક્ટર થઈને બેઠા, લ્યો, કાઢોને સ્વાદ ? શું કાઢશો ? ચાલ્યું નહીં કશું ?' પ્રશ્શનકર્તા : પેલી વાણી અવળી નીકળે ને તો હું બોલું કે તમે ડાકણ જેવા લાગો છો. દાદાશ્રી : ડાકણ ! એવું કહો ? એટલે પછી બધા સંબંધ તૂટતા જાય. સંબંધ તોડવાનો છે એવું બોલીએ એટલે સંબંધ તૂટી જાય. કારણ કે પ્રકૃતિને ખોટું લાગ્યા વગર રહે નહીં. કોઈ જક્કે ચઢે, ત્યાં જ્ઞાની મૌન ! પ્રશ્શનકર્તા : દાદાનું 'જ્ઞાન' મળ્યા પછી સાધારણ રીતે જીવન કેવું હોવું જોઈએ ? દાદાશ્રી : ખેંચ વગરનું જીવન જીવવું જોઈએ. પ્રશ્શનકર્તા : ખેંચાતું કેવી રીતે હશે ? દાદાશ્રી : તમે મારી જોડે વાત કરતા હો તો હું એનો તમને જવાબ આપું. અને તે તમારી વાત ખરી કરાવવા માટે તમે ફરી વાત કરો, એ ખેંચ કહેવાય. એવી વારેઘડીએ ખેંચ રાખે. જો 'જ્ઞાન' લીધું હોય તો ખેંચ જ ના હોયને ? અને ખેંચ હોય તો કાઢી નાખવી. કારણ કે એ ભૂલ છે. અને કાઢી નાખીએ તોય ના નીકળે તો વાંધો નહીં. ખેંચ હોય તો ખેંચને પણ 'તમારે' જોવી, તો 'તમે' છૂટ્યા ! ખેંચને પણ તમે જુઓ તો છૂટ્યા, તો તમે આપણા કાયદામાં છો ! આ ખેંચ એ જુદી વસ્તુ છે. ખેંચ એટલે, હું કહું કે, 'ભઈ, ના, આમ છે.' એટલે પછી એનું પોતાનું સત્ય કરાવવા માટે વારેઘડીએ ખરંુ કર કર કરવું, એ ખેંચ કહેવાય. અને ખેંચવાળા પાસે, ખેંચ જ્યાં હોય ત્યાં કોઈ પ્રકારનું સત્ય હોતું નથી. ખેંચ એ જ મોટામાં મોટું દૂષણ છે. એટલે આ ખેંચ નથી એટલે શું કે તમે કહો કે 'નથી ગમતું' ત્યારે એ કહેશે, 'બંધ રાખીએ, લો.' બીજી ભાંજગડ નહીંને ! પ્રશ્શનકર્તા : પોતાનું ખરંુ કરવા એ માણસ ખૂબ દલીલો ઉપર ચઢે અને પોતાનું ખરંુ કરવા પ્રયત્ન કરે, ત્યારે સમજવું કે 'બેઝ' ખોટું છે ? દાદાશ્રી : પણ તે, દલીલોય પોતાની જાગૃતિપૂર્વક નથી કરાતી. અજાગૃતિ હોય ત્યારે જ દલીલ કરેને ! માણસ અજાગૃત હોય ત્યારે દલીલ કરે. જાગૃતિવાળા દલીલ કરતા હશે ? પ્રશ્શનકર્તા : દલીલ કરવી એ ખોટું છે કે સારંુ છે ? દાદાશ્રી : એ સંસારમાં સારંુ છે. સંસારમાં જો તમારે કંઈક કરવું હોય તો સારંુ છે, પણ મોક્ષે જવું હોય તો ખોટું છે. સંસારમાં જો તમે દલીલ ના કરો તો તમારંુ લોકો લઈ જશે. અને અહીં સત્સંગમાં દલીલ વસ્તુ જ ખોટી છે. 'જ્ઞાની પુરુષે' કહ્યું એમાં બોલવાનું ના હોય. આ સત્સંગની બાબત હોય, એમાં બોલવાનું ન હોય. વ્યવહારમાં બોલવાનું હોય. વ્યવહારમાં તમારે એમ કહેવું કે, 'દાદાજી, આ ગાડીમાં ના જશો, આમાં જાવ.' પણ આ સત્સંગમાં ? શું ડાહ્યા ! દોઢ ડાહ્યા !! 'ઓવરવાઈઝ' કહેવું પડે અમારે. આ તો 'સાયન્ટિફિક' વિજ્ઞાન છે. કેટલાક તો મને કહે છે, 'કાયદા કરો, આમ કરો, તેમ કરો.' અલ્યા, કઈ જાતના માણસ છો, તે તમને આવું વિજ્ઞાન મળ્યું તોય તમે ડાહ્યા ના થયા ? કેવું વિજ્ઞાન ! સહેજેય અથડામણ ના થાય એવું. પ્રશ્શનકર્તા : કાયદાઓ કરીને જ અત્યાર સુધી લોકોને ડાહ્યા કરવાનો રસ્તો હતો. દાદાશ્રી : હા, લોકોને માટે બરોબર છે પણ આપણે તો મોક્ષમાર્ગે જવું છે. લોકોને તો સંસારમાં ભટકવું છે, એમને કાયદો જોઈએ. બાકી, કાયદાથી તો અથડામણ થાય ને અથડામણથી પાછો સંસાર ઊભો થાય. પ્રશ્શનકર્તા : મોક્ષમાર્ગે જવામાંય કાયદા બતાવ્યા છે ? દાદાશ્રી : મોક્ષમાર્ગે જવામાં કાયદો ના હોય. અને અહીં તો કાયદો કે કશુંય નહીં, સહજ ! સહજ પ્રમાણે જે બને એ ખરંુ. પ્રશ્શનકર્તા : આપે કહ્યુંને, કે 'મોક્ષ છે ત્યાં કાયદો નથી, કાયદો છે ત્યાં મોક્ષ નથી, પરમ વિનયથી મોક્ષ છે.' તો પરમ વિનયમાં બધું આવી ગયું ? દાદાશ્રી : હા, પરમ વિનયમાં બધું આવી ગયું. કાયદો કરવા જશે એટલે પછી, આ તુલસી રોપી એટલે ઊંદરડો તુલસી કાપી ગયો, માટે બિલાડીને રાખે. બિલાડીએ દૂધ બગાડ્યું માટે કૂતરાને રાખો. આનો પાર આવે ખરો ? એટલે આ 'નો લૉ લૉ'નો કાયદો છે. અને આ તો 'વિજ્ઞાન' મૂકેલું છે. આમાં આઘુંપાછું કરવા જાય, ડખો કરવા જાય, એ જ એનું ગાંડપણ છે. એ તો 'ઓવરવાઈઝ'પણું છે. અમે તો બધું કહી દઈએ, જેમ છે તેમ. પછી જક્કે ચઢે ત્યારે અમે જાણીએ કે બહુ ભયંકર અજ્ઞાનતા છે, એ પોતાનું અહિત જ કરી રહ્યો છે. એટલે બોલીએ નહીં પછી. અમે મૌન રહીએ. જક્કે ચઢે એટલે એને દેખાતી જ નથી ને, મારી વાત ? દેખાય તો જક્કે ચઢે ? એટલે અહીં આગળ તો કેવું છે ? બહુ ડાહ્યા રહેવાનું. પરમ વિનય શબ્દ કહ્યો એનો અર્થ એટલો સમજી જવાનો કે વગર કામનું કશું બોલવા-ચાલવાનું નહીં. કામનું હોય તો બોલવું. પોતાનું ડહાપણ કે પોતાની અક્કલ અહીં ઊઘાડી કરવાની નહીં. તમારી અક્કલો બધી નકલ કરેલી છે, દરઅસલ નથી. એટલે લોકોનું જોઈને શીખ્યા, ચોપડીઓનું શીખ્યા ! અને પાછા ચડસે ચઢે તે અટકતાયે નથી. અલ્યા, ચડસે ચઢે ત્યારે તમને ખબર નથી કે આ ચડસે ચઢી રહ્યું છે ? ચડસે ચઢવું એટલે પોતાનું સ્થાન છોડીને નીચે પડવું. પ્રશ્શનકર્તા : પહેલાં તો આપ તરત ટકોર કરો કે એ પડ્યો, પડ્યો, પડ્યો ! દાદાશ્રી : તે તો અત્યારેય કહું છું ને, પણ તેય કોને કહેવાય પાછું ? તે અમુક જ માણસને 'પડ્યો, પડ્યો' કહેવાય. બીજાને તો આપણે ચલાવી લેવું પડે. હજુ એનામાં શક્તિ જ આવી નથી, કશું કહે તો બિચારો જતો રહે પાછો. જેણે મારંુ 'હિત-અહિત' છે એવું જાણી લીધું હોય, એને એવું કહીએ. એટલે મજબૂત થયા પછી કહીએ. બધાને એવું ના કહેવાય. નહીં તો તરત જતાં રહે એ તો. 'આ હેંડ્યા. અમારે ઘેર વહુ છે, બા છે, બધાય છે. કંઈ કુંવારા છીએ ?' એમ કહેશે. 'ના ભાઈ, તું પૈણેલો છે, તું બધી રીતે બરાબર છે. પણ આ અહીંથી ભટક્યો તો આ સ્ટેશન ફરી નહીં મળે, લાખો અવતાર જતાંય.' એટલે બાળકની પેઠ સમજાવીને બેસાડવા પડે. પાછા ગોળીઓ આપી આપીને. મેં બધાને કહ્યું છેને, કે કોણે આ સમજીને જ્ઞાન લીધું છે ? આ બધાને 'આવ, આવ, આ તો આમ છે, તેમ છે !' એમ પટાવી પટાવીને જ્ઞાન આપ્યું છે. આક્ષેપો પચાવો મૌનથી ! કોઈ કહે કે, 'તમે તો નાલાયક છો ?' ત્યારે કહીએ, 'ભઈ, તેં તો આજે જાણ્યું, અમે તો પહેલેથી જાણીએ છીએ આ.' એટલે નિકાલ થઈ ગયો. એ આપણે પહેલેથી ના જાણતા હોઈએ ? પ્રશ્શનકર્તા : આપણે એમ કહીએને, કે 'અમે તો પહેલેથી જ નાલાયક હતા, તેં આજે જાણ્યું.' તો કહેશે કે, 'નાલાયક તો છો, પાછા શરમ વગરનાય છો.' એમ કહે પાછા. દાદાશ્રી : તો કહેવું, 'ભઈ, બાકી અમને તો આવી સમજણ પડી.' બાકી બનતાં સુધી બોલવું નહીં. મૌનથી પતે તો પતાવી દેવું. પણ આ તો આપણા મનને કહેવું. મન સમાધાન માગે કે ના માગે ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : એટલે ડ્રામેટિક એનું નામ કે એ હાર્ટિલી જ હોય. હાર્ટ જ આખું ડ્રામામાં જાય છે. આપણે ડ્રામાની બહાર છીએ. હાર્ટિલી ડ્રામા ! પ્રશ્શનકર્તા : તો હાર્ટિલી ડ્રામેટિક વાતચીત કરીએ ત્યારે એ પણ જાગૃતિ હોવી જોઈએને કે બીજાને કિંચિત્માત્ર દુઃખ ન થાય ? દાદાશ્રી : એ જાગૃતિ એની મેળે હોય જ. ડ્રામેટિક તમે બોલશોને એટલે તમને હાર્ટિલી વાણી હોય જ. એ તો જાગૃતિ ઓછી હોય તો ડ્રામેટિક કહેવાય નહીંને ! જાગૃતિ ફૂલ, એનું નામ જ ડ્રામેટિક. (નાટકમાં) બહાર હું ભર્તૃહરિ રાજા, અંદર હું લક્ષ્મીચંદ તરગાળો, આ બધી જાગૃતિ હોવી જોઈએ. ડ્રામેટિક બોલશે તો કોઈ ફાઈલ જોડે બગડશે નહીં અને આ ફાઈલ જોડે આવવાની છે. આ ફાઈલો કંઈ એકદમ ડિસમિસ થવાની નથી. એ જોડે આવવાની છે. હા, કારણ કે રિએક્ટ થઈ છે ને ! માટે ફાઈલો બગાડશો નહીં. એ છૂટી જવાની નથી. આ ફાઈલનો નિકાલ કરવા માટે આરોપિત ભાવે 'હું છું', એ ડ્રામેટિક ભાવ રાખવો. ડ્રામાનો નિકાલ તો કરવો પડેને ? મૌનમ્ ધારયતે ! સમભાવે નિકાલ કરતાં કરતાં કોર્ટ થાય, બીજું થાય તોય પણ આગળ ચાલવામાં તો એનો વાંધો નથી. એ તો ભઈ પહેલાંનો હિસાબ તમે કરેલો, ગાંડો હિસાબ, તે બધી ગોઠવણી થાય. તે આપણે એકલા કરવું પડે. મનમાં એમેય થાય કે બળ્યું, આ કોર્ટ ને એવું આ કરવાનો વખત આવ્યો ? તે પછી સંજોગ ઊભા થઈ જાય. પણ આપણે તો જરાય કશું બન્યું નથી એવી રીતે જ રહો. પ્રકૃતિ પ્રકૃતિ જોડે લડે છે, એમાં આપણું શું ? અને આ પ્રકૃતિ લાખ રૂપિયા આપ્યા છે એટલે પાછા લેવા માટે લડે છે અને પેલી પ્રકૃતિ લાખ નહીં આપવા માટે લડે છે એ જોવાનું. એની ફરિયાદ જ ના હોય. ફરિયાદ કરવી એય ગુનો છે. આ મશીનના ગીયર હોય છે, એની મહીં આંગળી આવે તો એ કંઈ છોડી દે ? આપણે બનાવેલું હોય, તો આપણને કંઈ છોડી દે ? ત્યાં બૂમાબૂમ કરીએ કે ભઈ, મેં બનાવેલું છે તને. તો એ ગીયર છોડી દે ? પ્રશ્શનકર્તા : ના છોડી દે. દાદાશ્રી : આ ગીયરો છે બધાં. માણસો દેખાય છે, છતાં પણ ગીયરો છે. તો બૂમ પાડવાનો અર્થેય નહીંને એ ટાઈમ પૂરો થઈ જશે. પછી એવો ટાઈમ પાછો આવશે જ નહીં. હિસાબ ચૂકતે કરવાના છે. ત્યાં સુધી આપણે શું કરવું પડે ? મૌનમ્... ધારયતે ! મૌન રાખી ઉકેલો ચીકણી ફાઈલ ! ચીકણી ફાઈલ આપણી નજીકમાં જ હોય પાછી, બહાર આઘીપાછી ન હોય. ચીકણી એટલે આમ ધો ધો કરીએને, સાબુ લઈને ધોઈએ તોય ના જાય. જેમ ડામરવાળું કપડું થયું હોયને, એને સાબુ ઘસીએ તો શું થાય ? ઊલટો ડામર સાબુ પર ચોંટી જાય. આ આવી ફાઈલો ! ત્યાં આગળ જાગૃતિ મૂકવી પડે છે કે સાહેબ, હવે હું શું કરું ? મારો તો સાબુ ઊંચા ભાવનો અને આ સાબુ ઘસ્યો તો સાબુને આ ચોંટે. જ્યારે જ્ઞાની પુરુષ ઘાસલેટ લાવશે એની મહીં બોળી નાખવાનું. બે લીટર બગડે, પણ આ બોળી નાખવાનું કે પત્યું. જ્ઞાની પુરુષ રસ્તો દેખાડે. નહીં તો એ પાણીએ જાય નહીં. જેમ જેમ પાણી રેડો તેમ વધારે ચીકણું થાય. આપણા લોકો પાણી રેડ રેડ કરે, ચીકણી ફાઈલ માટે ! પ્રશ્શનકર્તા : ચીકણી ફાઈલોનો નિકાલ કરવા જન્મ તો લેવા જ પડે છે ને ? આ ફાઈલોને લઈને જ ભાંજગડ છે ને ? દાદાશ્રી : ખરું કહે છે, ફાઈલોના નિકાલ માટે જ છે ને ! જો જો, ફાઈલો સાથે ફરીથી વેર ના બંધાય. વેરને લઈને આ હિસાબો ઊભા રહ્યા છે. ફાઈલો છેવટે મૂકીને જ જવાની છે ને. ચીકણી ફાઈલ ના હોયને તો સંસાર સારો લાગે. મોક્ષ માટે એ નુકસાન કરે છે. પ્રશ્શનકર્તા : દાદા, આવી ચીકણી ફાઈલો હોય, એનો નિકાલ કરવાની કળા દેખાડો. દાદાશ્રી : એનો નિકાલ કરવાનો. એક જ વાત કે જાણે આપણું મગજ બોબડું ના થઈ ગયું હોય એવું મૌન પકડવું જોઈએ. બીજો કોઈ ઉપાય નહીં, બોલ્યા કે બગડ્યું. પ્રશ્શનકર્તા : આપણે મૌન રહીએ છતાંય સામેવાળાનો ડખો આપણને રહ્યા જ કરે... દાદાશ્રી : હા, રહ્યા જ કરે. પ્રશ્શનકર્તા : તો એવી કળા શીખવાડો કે સામેવાળી ફાઈલ ખુશ રહે અને નિકાલ થાય. દાદાશ્રી : ખુશ રહેવું એ બહુ અઘરું. એમનું ધારેલું ના થાય એટલે એ ખુશ રહે જ નહીં. પ્રશ્શનકર્તા : દાદા, મારા પ્રસંગમાં એવું છે કે સામેના માણસને ખુશ કરવો હોય તો જાણીને જ છેતરાવું પડે છે, તો જ એ ખુશ થાય, નહીં તો ના થાય. એટલે અત્યારે આપણને જે દુઃખ વર્તે છે અથવા તો એને દુઃખ વર્તે છે, તે આપણે આપણી પકડ રાખીએ છીએ અને એ એની પકડ રાખે છે. દાદાશ્રી : પકડ રાખે. પકડ છોડી દઈએને એટલે ઉકેલ આવે. પ્રશ્શનકર્તા : દાદા, જો ઘરનાં એમની પકડ રાખે ને આપણે આપણી પકડ છોડી દઈએ તો સત્સંગ ગુમાવવો પડે. દાદાશ્રી : એ જો સત્સંગ ગુમાવાતો હોય તો આપણી પકડ રાખીએ પણ સત્સંગ ના ગુમાવવો. પછી દેખ લેંગે. ઓછામાં ઓછી ખોટ જાય એવો ધંધો કરવો. ઓછામાં ઓછી ખોટ એટલે શું, કે સત્સંગમાં જાય તો સો નફો મળે. ત્યાં પકડ પકડ્યાના ત્રીસ રૂપિયા દંડ થાય તોય સિતેર આપણા ઘરમાં રહ્યાને ! પ્રશ્શનકર્તા : કહેવું પડે વીતરાગનું વિજ્ઞાન ! બરાબર, તોય નફો રહે ! દાદાશ્રી : એટલે આપણે નફો કંઈક રહેતો હોય તો ભલે, આ તો બીજું કશું નફો-ખોટ જતાં જ નથી. એ તો અહંકારનું પ્રોજેક્શન છે. સંસાર એટલે શું ? અહંકારનું પ્રોજેક્શન. સામાને મારવું ને જીતવું. પ્રશ્શનકર્તા : સત્સંગમાં આવું છું તે ઘરવાળાને ગમતું નથી. બાકી આપણે એમની સાથે કોઈ દહાડો અવળો વ્યવહાર કરતા નથી, છતાંય ખુશ કેમ થતા નથી ? દાદાશ્રી : તારે હિસાબ ભોગવવાનો છે, ત્યાં સુધી ખુશ કેમ કરીને થાય ? પ્રશ્શનકર્તા : ખુશ ના થાયને તોય વાંધો નહીં, પણ નોર્મલ રહેને તોય આપણને ગમે. દાદાશ્રી : નોર્મલ રહે જ નહીં. નોર્મલ ના હોય તોય આપણે 'ખુશ જ છે' એમ માનવું. એમને આપણે નથી ગમતા. આપણા આચાર-વિચાર છે એ એમને ગમતા નથી એવું જાણીએ છતાંય આપણે એમની જોડે બેસીને ખાવું પડે, રહેવું પડે, ઊંઘવું પડે, હા કહેવી પડે. શું થાય ? છૂટકો જ નહીંને ! એ કર્મ ભોગવ્યે જ છૂટકો. જે કાળે, જે ક્ષેત્રે, જે દ્રવ્ય-ભાવ બધુંય સાથે થઈને જે ભોગવવું, એમાં ચાલે જ નહીં. નાસી જાવ તો ક્યાં સુધી નાસી જાવ ? આ આપણી જોડે આશરો લેવા આવેલા હોયને, એ લોકો આશરો લેવા આવ્યા છે ને આપણે આપવાનો છે, બેઉ એગ્રીમેન્ટ તો પૂરાં થવાં જોઈએને ? રાગપૂર્વક નહીં, ટાઈમપૂર્વક. ટાઈમ જવો જોઈએ. લેણાદેણા ચૂકતે કરી નાખો. ફાઈલો જ છેને ? ફાઈલોને 'મારું, મારું' કરીને છાતીએ વળગાડી, નહીં ? આ પુસ્તકને હું 'મારું' ન કહું ત્યાં સુધી પુસ્તકને સારું લાગે. મારું કહ્યું કે પુસ્તકને ખરાબ લાગે, રીસ વાળવા તૈયાર થાય. બધાનું એવું ને ? મારું કહ્યું કે ચોંટ્યું, ભૂત વળગ્યું. છતાં મારું બોલવાનો વાંધો નથી. ડ્રામેટિક મારું બોલવાના હોય તો બોલોને ? ડ્રામામાં બોલે જ છેને ? આ મારું રાજ્ય, આવડું મોટું છે, આમ છે, તેમ છે. એવું બધું નાટક જ કરાવવાનું છે પણ સાવચેતીથી. પૂર્ણતા પામવા મૌન ધરવંુ ! જ્યાં સુધી પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી (બહાર લોકો જોેડે સત્સંગ) બોલવાની વાતમાં પડશો નહીં. એ પડવા જેવી વસ્તુ નથી. હા, આપણે કોઈને એટલું કહી શકીએ કે, 'ત્યાં આગળ સત્સંગ સારો છે. આમ છે, તેમ છે, ત્યાં આગળ જાવ.' આટલી વાતચીત કરવી. ઉપદેશ તરીકે ના અપાય. એ ઉપદેશ આપવા જેવી વસ્તુ નહોય. આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ 'દાદા'નું જ્ઞાન જે પામ્યા છે, એ જ્ઞાનથી માલ નીકળે ને, એ સાંભળીને તો જગત બધું ધરી દે. અને ધરી દે એટલે શું થાય ? લપટાયો પછી ! બધા પેલાં ઉપશમ થયેલાં ને, તે ફટાફટ જાગી ઉઠે. આકર્ષણવાળી વાણી છે આ. આ જ્ઞાન આકર્ષક છે. માટે મૌન રહેવું. જો પૂરું હિત કરવું હોય તો મૌન રહેવું. અને દુકાન કાઢવી હોય તો બોલવાની છૂટ છે અને દુકાન ચાલવાનીયે નથી. દુકાન કાઢશો તોયે નહીં ચાલે, ઊડી જશે. કારણ કે 'આપેલું જ્ઞાન' છે ને, તે ઊડી જતાં વાર નહીં લાગે. દુકાન તો પેલા ક્રમિક માર્ગમાં ચાલે. બે અવતાર, પાંચ અવતાર કે દસ અવતાર ચાલે ને પછી એય ઊડી જાય. દુકાન કાઢવી એટલે સિદ્ધિ વેચવી. આવેલી સિદ્ધિને વેચવા માંડી, દુરુપયોગ કર્યો. ગોશાળો જે હતો ને, એ તો પહેલાં મહાવીર ભગવાનનો શિષ્ય હતો, ખાસ શિષ્ય. પણ છેવટે એ સામો થઈને ઊભો રહ્યો. ગોશાળો મહાવીર ભગવાન પાસે બહુ વખત રહ્યો. પછી એને એમ લાગ્યું કે મને આ બધું જ્ઞાન સમજાઈ ગયું, એટલે ભગવાનથી છૂટો પડીને કહે છે કે 'હું તીર્થંકર છું, એ તીર્થંકર નથી.' અને કેટલીક વખત એવુંયે બોલતો હતો કે, 'એય તીર્થંકર છે ને હુંય તીર્થંકર છું.' હવે એ રોગ પેઠો, પછી શી દશા થાય એની ? હવે મહાવીર ભગવાન પાસે હતો, તોય ત્યાં પાંસરો ના રહ્યો. તો અમારી પાસે બેઠેલો શી રીતે પાંસરો રહે ? જો કાચું કપાય તો શી દશા થાય ? અને તે તો ચોથા આરાની વાત હતી. આ તો પાંચમો આરો, અનંત અવતાર ખરાબ કરી નાખે. અનાદિથી આવા જ માર ખાધા છે ને, લોકોએ ! આના આ જ માર ખા ખા કર્યા છે. જરાક સ્વાદ મળી ગયો કે, ચઢ્યો જ છે ઉપર (!) જુદા રહીને ચેતવો, પ્રતિક્રમણ કરાવો ! પ્રશ્શનકર્તા : તો પછી પ્રતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : જે અતિક્રમણ કરે છે તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવામાં આવે છે. પ્રશ્શનકર્તા : અહીંયાં મને સ્થૂળ વાત કહો ને, કે આ પ્રતિક્રમણ શરીર કરે ને ? હું પેલા ભાઈને જઈને કહું કે 'મેં તમને કાલે દુઃખ આપેલું, મને માફ કરો.' એ પ્રતિક્રમણ શરીરે જઈને કહે એટલે આ સ્થૂળ વસ્તુ થઈ તો એમાં સૂક્ષ્મ વસ્તુ કંઈ છે ? દાદાશ્રી : કેમ ? અંદર જે પ્રતિક્રમણ કરવાનો ભાવ થયો તે સૂક્ષ્મ છે અને આ બહાર જે થયું એ સ્થૂળ છે. આ સ્થૂળ ના થયું હોય તોય ચાલે. એટલે સૂક્ષ્મ કરે તો બહુ થઈ ગયું. અને જેણે અતિક્રમણ કર્યું તેને જ પ્રતિક્રમણ કરાવડાવીએ, કે ભઈ, તું કર, બા. તે અતિક્રમણ કર્યું માટે તું પ્રતિક્રમણ કર ને શુદ્ધ થઈ જા. એટલે આ અતિક્રમણવાળાને (જેણે ગુણાકાર કર્યા છે તેને) ભાગી નખાવડાવાનું કે ભાઈ, હવે શું કામ આમ કરો છો ? પ્રતિક્રમણ જેવો કોઈ રસ્તો નથી. પ્રશ્શનકર્તા : કાયમ 'શુદ્ધાત્મા છું' એવું ભાન રહેવું જોઈએ ? દાદાશ્રી : 'શુદ્ધ જ છે' એ ભાવ છૂટે નહીં. અને સામો આપણને ગાળ ભાંડતો હોય ને માર મારતો હોય તોય એ 'શુદ્ધ જ છે' એવો ભાવ ના છોડવો જોઈએ. પોતે શુદ્ધ જ છે. ચંદુભાઈના હાથે કંઈ જીવ મરી ગયો તો પણ પોતાની શુદ્ધતા ન ચૂકે, એનું નામ જ્ઞાન કહેવાય. પોતાને ભ્રાંતિ ઉત્પન્ન ના થાય કે આ મેં માર્યો. કારણ કે મારનાર આપણે છીએ જ નહીં. આપણે શુદ્ધ સ્વરૂપ છીએ. કર્તા-ભોક્તા આપણે છીએ જ નહીં. કર્તા-ભોક્તા છે તેનો આ ગુનો છે. એટલે તમારે તો 'ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું.' અને જીવ તેમના હાથે મરી જાય તો આપણે જરા સલાહ આપવી કે 'ચંદુભાઈ, જરા સાચવીને ચાલો તો સારું.' જો સાયન્ટિફિક રીતે જ્ઞાન રહેતું હોય તો મૌન રહો તોય વાંધો નથી પણ સાયન્ટિફિક રીતે આપણા લોકોને રહેતું નથી. એટલે તમારે આવું કંઈક (ચંદુભાઇ સાથે વાતચીતનો પ્રયોગ) બોલવું જોઈએ. કારણ કે એ બોલે છે તે શુદ્ધાત્મા નથી બોલતો, એ છે તે પ્રજ્ઞા નામની શક્તિ બોલે છે. એટલે શુદ્ધાત્માને બોલવાનું હોય જ નહીંને ! એટલે પ્રજ્ઞા નામની શક્તિ કહે કે, 'આવું કેમ કરો છો ? આવું ન હોવું જોઈએ.' એટલું કહે તો બસ થઈ ગયું. અગર તો કો'કને ખરાબ લાગે એવું વર્તન થયું તો પ્રજ્ઞા નામની શક્તિ ચંદુભાઈને કહે કે 'તમે પ્રતિક્રમણ કરી નાખો, પ્રત્યાખ્યાન કરો.' બસ, એટલું જ. આમાં કંઈ અઘરું છે કશું ? પ્રશ્શનકર્તા : ના, ના. તદ્દન સહેલું. દાદાશ્રી : અને આવી વખતે પ્રત્યાખ્યાન ના થયું હોય તો બે અવતાર વધારે થાય પેણે આગળ (આવતે ભવ). પણ અહીં આગળ (આ ભવમાં) કરવું સારું. આમાં અઘરું નથી કશું. વાતચીતના પ્રયોગથી બોલ્યા, તે જાગૃતિ; જુદાપણાથી ચેતવે નહીં, તે મૌન, તે પ્રમાદ ! મહીં અંતઃકરણ તન્મયાકાર થઈ રહ્યું છે, તેને આપણે 'જાણવું' પડે ને 'જોવું' પડે ? મહીં અંતઃકરણ તન્મયાકાર ના થાય તો કોઈ કાર્ય જ ના થાય. તન્મયાકાર તો થવું જ જોઈએ ને ? અમે અહીં ગાડીમાં આવવા નીકળીએ એટલે અંદર બધું તન્મયાકાર જ હોય ને, પણ અમે 'જોઈએ' ને 'જાણીએ'. અમે છૂટા રહીને કામ કરીએ. તમારાથી એટલું બધું કામ ના થાય પણ તમને લક્ષ રહ્યા કરે કે 'હું શુદ્ધાત્મા છું'. કોઈ ફેરો લક્ષ ભૂલી જવાય તો પ્રતીતિ રહ્યા કરે. બાકી મહીં અંદર બધું ચાલ્યા જ કરે. આપણે 'જોયા' કરવાનું. પ્રશ્શનકર્તા : વિચાર આવે, પછી તન્મયાકાર થાય. ચિત્ત ફોટો બતાવે, તે તન્મયાકાર દશા કહેવાય ને ? દાદાશ્રી : પણ એ તો ડિસ્ચાર્જ જ ને, એનો વાંધો નહીં. એ આપણે 'જાણ્યું', ત્યારથી આપણે છૂટા અને એ છૂટા. 'જાણનારો' છૂટો જ હોય. 'કરનારો' ભાંજગડવાળો હોય, આપણે છૂટા ને છૂટા. પ્રશ્શનકર્તા : એ એવું જ રહે છે કે આ બધું ચંદુભાઈ જ કરે છે. પહેલાં ઉદયની અંદર તન્મયાકાર થવાતું'તું, તેને બદલે આપણે આપણો ઉદય હવે જોઈએ છીએ. દાદાશ્રી : આપણે ઉદયનેે જોઈએ. પ્રશ્શનકર્તા : આપણા ઉદયને જોઈએ છીએ કે મારો આવો ઉદય આવ્યો. દાદાશ્રી : હવે બધા ઉદયને 'જોવાના', એનું નામ અક્રમ. પ્રશ્શનકર્તા : આપણે 'જોવાનું' ચૂકીએ તો જ બુદ્ધિ ડખો કરે ને ? દાદાશ્રી : હા, પણ ચૂકો છો, એ 'જોઉં' છું ને બધે ? એનો વાંધો નહીં. આપણે હજુ તો આ કેવળજ્ઞાનમાં અટક્યા છીએ. બીજું કશું નહીં. આ બધી ઝીણી વસ્તુઓ જ કેવળજ્ઞાન અટકાવે છે. પ્રશ્શનકર્તા : એમાં બે વાત થઈ ચંદુભાઈની બુદ્ધિ ડખો કરતી હોય તો એ ડખો કરે અને 'હું' તેને જાણું. દાદાશ્રી : તમે 'જાણો' એટલે તમે છૂટા અને ચંદુભાઈ યે છૂટા. જો તમે 'જાણો' તો બેઉ છૂટા અને ના 'જાણો' તો બેઉ બંધાયેલા. પ્રશ્શનકર્તા : કારણ કે પછી બુદ્ધિના ડખાનો કોઈ અર્થ રહ્યો નહીં. દાદાશ્રી : કશોય અર્થ રહ્યો નહીં. બુદ્ધિના અર્થની અહીં ગણતરી જ નથી. આના ઉદયકર્મથી આ આને આપે છે ને એના ઉદયકર્મથી એ લે છે. આણે એના ઉદયકર્મથી આણે પાંચ લાખ રૂપિયા ધીર્યા અને એના ઉદયકર્મથી એણે લીધા. પછી એનો ડખો જ ક્યાં રહ્યો તે ? હવે પેલાનું ઉદયકર્મ આવે પાછા આપવાનું ત્યારે એ આપે ને પેલાનું લેવાનું ઉદયકર્મ હોય તો લે, નહીં તો ના લે. પ્રશ્શનકર્તા : તો ચોપડો ન લખે તોય ચાલે ? દાદાશ્રી : ચોપડા લખવાની જરૂર જ ક્યાં રહે છે ? આ બધી ઝીણી વાતો, તીર્થંકરના ઘરની જ વાતો આ બધી ! પ્રશ્શનકર્તા : આપે કહ્યુંને આ તમે 'જાણો' તો ચંદુભાઈયે છૂટા ને તમેય છૂટા, એ બેઉ છૂટા. એ ના સમજાયું. દાદાશ્રી : કેમ ના સમજાય આમાં ? ચંદુભાઈ છૂટા થયા એટલે 'પોતે' છૂટો જ છે. પેલા તો ઉદયકર્મને આધીન છે. ઉદયકર્મને આધીનમાં જોખમદારી હોતી નથી. પ્રશ્શનકર્તા : નહીં, જરા એ ગોટાળો થાય છે. પેલા ઉદયકર્મને આધીન છે તો પેલા કોણ ? ઉદયકર્મને આધીન જે છે એ કોણ ? દાદાશ્રી : એ ચંદુભાઈ છે. પ્રશ્શનકર્તા : ઉદયકર્મને આધીન 'ચંદુભાઈ' અને જાણનાર 'પોતે' છે ? દાદાશ્રી : હા. પોતે કે પોતાની એ પ્રજ્ઞા જ ! પ્રશ્શનકર્તા : હવે જો જાણનાર પોતે હોય પ્રજ્ઞાશક્તિ તો ડખો ના કરેને ? દાદાશ્રી : મહીં ડખો તો ચંદુભાઈ કરે, ઉદયકર્મના આધીન હોય તો. પણ તેમાં 'આને' પ્રજ્ઞાશક્તિની જાગૃતિ ના હોય તો એ ભેગો થઈ ગયો. જાગૃતિ ના હોય, તે ઘડીએ ડખો થઈ જાય પેલામાં. પ્રશ્શનકર્તા : પ્રજ્ઞા ભેગી થઈ જાય ? દાદાશ્રી : ના, પ્રજ્ઞા ભેગી ના થાય. પ્રજ્ઞા તો એનું કામ કર્યા કરે, પણ જાગૃતિ ના હોય તો ડખો થઈ જાય. આપણને ખબરેય પડે કે આ ડખો થયો. પ્રશ્શનકર્તા : પ્રજ્ઞા જો જાગૃતિમાં ના હોય તો ભેગો કોણ થઈ જાય છે ચંદુભાઈ જોડે ? ચંદુભાઈના ડખા જોડે કોણ ભેગું થઈ જાય છે ? દાદાશ્રી : અજાગૃતિ. એટલે બોલવું નહીં, મૌન રહેવું, એનું નામ ડખો. જોયું-જાણ્યું નહીં એનું નામ મૌન રહ્યા. અજાગૃતિ એટલે એનું નામ ડખો. બીજું કોણ ભેગું થવાનું ? એને પાછી મીઠાશ હઉ વર્તે, એટલે એનું નામ ભેગા થઈ ગયા કહેવાય. પ્રશ્શનકર્તા : મીઠાશ કોને વર્તે ? દાદાશ્રી : આ એનો જે ડિસ્ચાર્જ અહંકાર છે તેને. હવે જો ત્યાં આગળ 'જોનારો' હોત તો બેઉ છૂટા થઈ જાત. આનો હિસાબ બાકી રહ્યો, તે આવતા ભવને માટે સિલ્લક રહી, શેષ વધી અને તીર્થંકર નિઃશેષ હોય. આને શેષ વધી. ફરી પાછો ભાગાકાર કરવો પડશે. શેષ વધે નહીં એવો જોઈએ. પ્રશ્શનકર્તા : ઉદયકર્મ અને ચંદુભાઈ એ બેઉ જુદા છે ? કારણ કે આપે કહ્યુંને કે ચંદુભાઈ ઉદયકર્મમાં ડખો કરે પણ 'આપણે' એમાં ભળીએ નહીં. દાદાશ્રી : ચંદુભાઈ તો ડખો કરે. એ તો ઉદયકર્મમાં ડખો કરાવવાનો સ્વભાવ જ છે અજ્ઞાનતાનો. ચંદુભાઈ એટલે અજ્ઞાનતા. અને એનો સ્વભાવ જ છે ડખો કરવાનો. પણ તેને આપણે જો 'જાણીએ' તો બેઉ છૂટા. જાણીએ નહીં એટલે મૌન રહે. અને મૌન રહીએ એટલે પેલામાં સહી થઈ ગઈ. પ્રશ્શનકર્તા : આપણે તન્મય થયા, એમાં એકાત્મ થઈએ ને મૌન, એટલે તો પછી એમાં એક થઈએ એવું ? દાદાશ્રી : અરે, ટૈડકાવે છે, તોય ખબર નથી રહેતી કે હું આ ખોટું કરી રહ્યો છું. બોલો હવે, કેવાં કેવાં મોટાં ઉદયકર્મ જતાં રહેતાં હશે ? પ્રશ્શનકર્તા : ઉદયકર્મમાં જે ડખો થતો હોય તે ઘડીએ મૌન રહીએ એટલે સહી થઈ ગઈ. એ મૌન રહેવું ત્યાં ન હોવું જોઈએ એવું ? દાદાશ્રી : ઉદયકર્મમાં જેમ હોય તેમ થવા દેને ! કશું કરવાનું તો રહ્યું નથી. હવે જાણવાનું રહ્યું છે. મૌન એટલે શું ? ઉદયકર્મ સામસામી લડે તેમાં તમે 'જોયું' નહીં માટે મૌન રહ્યા. ઉપયોગ ના દીધો એટલે પ્રમાદમાં ગયું, એ મૌન. પ્રમાદ એ મૌન. આપણા આવતા ભવની સિલ્લકેય જોઈએને ? બધું કંઈ વટાવી ખઈએ તો ચાલે ? પ્રશ્શનકર્તા : ને એ મૌન ના હોય, તો કેવું હોય ? દાદાશ્રી : બેઉ છૂટા થઈ જાય. ચંદુભાઈ પેલાની જોડે ડખો કરતા હોય તેને આપણે 'જોયું' અને 'જાણ્યું' એટલે આપણેય છૂટા અને ચંદુભાઈ યે છૂટા. ચંદુભાઈને ફરી કર્મનું કોઈ કારણ રહ્યું નહીં અને આપણેય ના રહ્યું. પ્રશ્શનકર્તા : મૌન ન હોય તો શું હોય ? જેને આપ જાગૃતિ કહો છો, એની સામેનો શબ્દ શું છે ? દાદાશ્રી : અજાગૃતિ. અજાગૃતિને મૌન કહીએ છીએ આપણે. જાગૃતિ ના રહે, એનું નામ પ્રમાદ. જાગૃતિ એટલે અપ્રમત્ત. જય સચ્ચિદાનંદ |