અનેરા પ્રસંગો, પૂર્વાશ્રમના

સંપાદકીય

ગુર્જર ભૂમિ પર આણંદ જીલ્લામાં આવેલ ભાદરણ ગામમાં વસતા તથા ઉચ્ચ કૌટુંબિક, સામાજિક તેમજ ધાર્મિક પ્રતિભા ધરાવતા દંપતિ શ્રી મૂળજીભાઈ પટેલ અને ઝવેરબાના દામ્પત્યજીવનમાં ૭મી નવેમ્બર ૧૯૦૮ (કારતક સુદ ૧૪ વિ. સંવત ૧૯૬૫)નો દિવસ ધન્ય ધન્ય બની રહ્યો. એક 'દિવ્ય ચેતના'નું તેઓને ત્યaાં બાળક સ્વરૂપે અવતરણ થયું. તે દિવ્ય વિભૂતિ 'અંબાલાલ'ના આગમન પાછળના કુદરતના ગુહ્ય સંકેતનો તાગ કોણ પામી શકે ? (પરમ પૂજ્ય દાદાશ્રીનો જન્મ તેમના મોસાળમાં વડોદરા શહેરની પાસે આવેલા તરસાળી ગામમાં થયો હતો.)

માતુશ્રીના ઉચ્ચ સંસ્કાર સિંચને તેઓશ્રીમાં એક આગવી જ પ્રતિભા વ્યક્ત થવા લાગી. સાથે સાથે તેઓ પૂર્વેના સંસ્કારનું પણ આગવું ડેવલપમેન્ટ લઈને આવ્યા હતા. સંસ્કાર અને ગુણોના સુભગ સમન્વયે તેઓમાં એક વિશેષ અને વિરાટ વ્યક્તિત્વ દ્ષ્ટિગોચર થવા લાગ્યું. રોજબરોજના જીવન પ્રસંગોને એક જુદા જ દ્ષ્ટિકોણથી મુલવવાની તેમની સૂઝ અનેરી હતી. કો'ક વિરલ વ્યક્તિ જ જીવનના પ્રસંગોને આગવી રીતે મૂલવી, તેમાંથી તારણ કાઢી સત્નું શોધન કરતા હોય છે. જે પોતાની સાથે સાથે કુટુંબ તેમ જ સમાજના ઉત્કર્ષનું મોટું નિમિત્ત બની જતા હોય છે. આપણે ક્યાં નથી જાણતા કે પરમ પૂજ્ય દાદાશ્રી થકી ઉદયમાં આવેલ અક્રમવિજ્ઞાન એવી અદ્ભૂતતા ધરાવે છે કે જે અનેકોના કલ્યાણનું કારણ બની રહ્યું છે.

એવા અપૂર્વ જ્ઞાની પુરુષના પૂર્વાશ્રમના વિશે જાણવાની ઉત્કંઠતા કોને ના થાય ? તેઓના જીવન પ્રસંગોને આપણે આમ તો જાણીએ છીએ જ પણ તેઓશ્રીના આ જન્મશતાબ્દી ઉજવણી પ્રસંગે તેઓના આ પ્રસંગોની સ્મૃતિની રજૂઆત કરી તેઓની ગૌરવ ગાથા ફરી ફરી દોહરાવાની સ્પૃહા રોકી શકાતી નથી. તે પાછળની ભાવના એ જ છે કે તેઓના જીવન પ્રસંગોને આપણે વિશેષ દ્ષ્ટિથી નિહાળી તેમના અનોખા વ્યક્તિત્વનું દર્શન કરી, આત્મગૌરવ અનુભવીએ.

પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે અમનેે જે જ્ઞાન થયું તે બટ નેચરલ છે પણ કેમ બીજા કોઈને નહીં ને કેવળ 'એ.એમ.પટેલ'ને જ આ જ્ઞાન લાધ્યું ? એવા કેવા ગુણો હશે, જેથી કરીને તેઓ જગત કલ્યાણનું ઉત્તમ નિમિત્ત બન્યા ? જ્ઞાન થયાં પહેલાથી જ આટલું ઊંચું આધ્યાત્મિક ડેવલપમેન્ટ તેઓને કયા ગુણોને આધારે હતું ? તેમજ આપણે તેઓના જીવન પ્રસંગોને સૂક્ષ્મતાએ અભ્યાસ કરીએ તો જરૂરથી સમજાય કે તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા.

તેઓને ૧૩ વર્ષની ઉંમરે અસામાન્ય થવાનો વિચાર આવેલો. પોતાની આગવી સમજથી જીવનનો નિષ્કર્ષ કાઢતા રહ્યા. માતાએ આપેલા સંસ્કારને દિપાવ્યા સાથે સાથે આવા સંસ્કારી માતુશ્રી કેવી રીતે મળ્યા, તેનું 'બુદ્ધિના આશય'નું સૂક્ષ્મ સાયન્સ પણ ખુલ્લું કર્યું.

જીવનમાં તકલીફ તો કોને ના આવે ? પૂર્વ કર્મોના ફળ તો ભોગવવાં જ પડે ને ? પણ એમાંય નિરીક્ષણ કરવાનો તેમ જ સંશોધન કરવાના આગવા ગુણને પરિણામે મતભેદ કે કષાય રહિત વ્યવહાર કરી આદર્શ જીવન જીવ્યા, તેનાં પ્રમાણ તેમના જીવન પ્રસંગોમાં જોવા મળે છે.

તેઓ એમ પણ કહેતા અમને તો પહેલેથી જ આ પાંચ આજ્ઞા વર્તાતી હતી... તેઓનું જીવન પૂર્ણ નહીં તો મહ્દ અંશે આજ્ઞામય જ હતું. જે તેઓના અમુક પ્રસંગોમાં વ્યક્ત થાય છે, તે ઓળખવાનો અત્રે પ્રયાસ કરેલ છે.

તેઓનો અહિંસા અને પરોપકારી સ્વભાવ, ઉદારતા, લાલચરહિતતા, જાણીને છેતરાવાની કળા, દૂરદર્શીતા, પરગજુ અને અપરિગ્રહી આચાર, ટીખળી છતાં વિચારશીલ વગેરે વિશેષ ગુણો સભર આ અસામાન્ય પ્રતિભા તેમના બાળપણથી માંડીને જીવનના દરેક પ્રસંગોમાં દ્ષ્ટિગોચર થતી જણાય છે.

ઉત્તમ વિચક્ષણતા થકી 'હું તો રામની ચીઠ્ઠી લઈને આવ્યો છું' કહી મધરને જ્યોતિષની પકડમાંથી છોડાવવાની કળા, તો કંઠી તૂટી જતા 'પ્રકાશ ના ધરે તેને ગુરુ કેમ કહેવાય' તે પ્રસંગમાં ગુરુની મહત્તા, સ્કૂલમાં ભણવા કરતા ભગવાનમાં વધારે રસ હતો, તે ગણિતના કલાસમાં લ.સા.અ.ના દાખલા ઉપરથી ભગવાનની વ્યાખ્યા શોધી, તો પેનની રમત રમતા-રમતા અકર્તાપણાનું જ્ઞાન લાધ્યું, ઉપરીની ઈચ્છા ન હોવાથી જાણીને મેટ્રીક ફેઈલ થયા. કોઈને પણ દુઃખ ના થાય તેવી ઉત્તમ વ્યવહાર કળા, તેમજ સર્વમાં વિશેષતા નિહાળતા એવા આ વિભૂતિ અંતે નિર્વિશેષ પદને પામી, જગતને 'અક્રમ વિજ્ઞાન' રૂપી વિશિષ્ટ ભેટ ધરી 'દાદા ભગવાન'ના નામે અમરપદને પામ્યા.

એવા આ અપૂર્વ અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના બાળપણના, પૂર્વાશ્રમના પ્રસંગો કે જે તેઓના શ્રીમુખે ઉદ્બોધાયેલા છે, તેનું સંક્ષિપ્ત સંકલન અત્રે રજૂ કરાયેલ છે. જે આપણને તેઓની બાળદશાથી જ વર્તતી અદ્ભૂત વિચક્ષણતા, દૂરદર્શીતા, જ્ઞાનદ્ષ્ટિ તેમજ આદર્શ વ્યવહાર કળાનો પરિચય પ્રાપ્ત કરી, બોધ પમાડીને આપણા જીવનને આદર્શ બનાવવા પ્રેરણારૂપ બની રહેશે એ જ અભ્યર્થના.

અનેરા પ્રસંગો, પૂર્વાશ્રમના

ન વાપર્યું પુણ્ય બીજા કશામાં

પ્રશ્નકર્તા : દાદા, અમને ઘણીવાર ઘણાનું બાળપણ વાંચતા મનમાં થાય કે દાદાનું બાળપણ કેવું હશે ? નાનપણના બધા પ્રસંગો અમને કહોને !

દાદાશ્રી : અમને કશું યાદ ના હોય. આજે સોમવાર છે કે મંગળવાર છે તે જ મને યાદ ના આવે ને !

પ્રશ્નકર્તા : પણ કોઈ કોઈ પ્રસંગો તો યાદ હોય ને !

દાદાશ્રી : આ તો અમને દેખાય આમ ! અમને ઠેઠ, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે, બધા પર્યાય દેખાય. આમ ફર્યા કે તરત પેલું દેખાય એટલે અમે બોલીએ. માફક આવે એવી ચીજ દેખાય તે બોલી નાખીએ. અમે આવું ક્યાં યાદ રાખીએ ?

પ્રશ્નકર્તા : તો પછી જોઈને બધું કહોને, આપના પૂર્વાશ્રમ વિશે.

દાદાશ્રી : એક ભઈ હતા ને, એમણે મને એકવાર પૂછ્યું, 'દાદાજી, એવું શું લાવ્યા કે આ બધું જ તમને તમારી ઇચ્છા પ્રમાણે અનુકૂળ રહે છે. સત્સંગ કરી શકો છો. ઇચ્છા પ્રમાણે ધર્મ કરી શકો છો, ઇચ્છા પ્રમાણે બધું કરો છો.' ત્યારે મેં કહ્યું 'એ જ બુદ્ધિનો આશય છે ને ! બુદ્ધિના જે આશય હોય ને કે મારે આવું જોઈએ, આવું જોઈએ, મારે આ ના જોઈએ. એ જે જોઈએ છે ને, એ બધું ટેન્ડર લાવ્યા છો. એમાં તમારું પુણ્ય બધું ખર્ચાઈ જાય. મેં મારું પુણ્ય વાપરી નથી ખાધું. મેં તો મા-બાપનું ખોળતો'તો ત્યારે એક જ વસ્તુ ખોળેલી કે મારે મા ઉત્તમ જોઈએ.' કારણ કે હું સમજું કે મા ઉત્તમ હોય, તો આજુબાજુનું સર્કલ સારું જ હોય. અને તે જેવું હોય તેવું પણ મા ઉત્તમ છે તો બહુ થઈ ગયું. એટલે બીજું પુણ્ય વપરાયું નહીં. એની ઈકોનોમી કરું.

મળ્યા સંસ્કારી માતુશ્રી, બુદ્ધિના આશય પ્રમાણે

અમારા મધર ઝવેરબાના સંસ્કાર બહુ ઊંચા, અમારા ગામની સાત હજાર માણસની વસ્તી, પણ મધર જેવા કોઈ બાઈ જોયા ન્હોતા. તે પાછું નિષ્પક્ષપાતી રીતે વિચાર કરી જોયેલો કે મારા મધર છે, તેથી મને પક્ષપાત રહે છે કે શું છે ? તે બીજી રીતેય તપાસ કરેલાં. પણ બહુ સરસ, બહુ સુંદર વિચારોવાળા. તમે ગાળ ભાંડીને જાવ ને તરત તમે ફરી પાછા આવો તોય બોલાવે. બહુ કરુણા, કેટલી બધી કરુણાવાળા ! અને ઓબ્લાઇઝીંગ નેચર નિરંતર. એટલે હજુ આપણા હિન્દુસ્તાનના સંસ્કાર છે કંઈ. આપણે બીજી રીતે નાદારીમાં ગયા છે, પણ સંસ્કારમાં નાદાર નથી થયા.

શીખવ્યું 'મા'એ માર ખાતા

એકવાર નાનપણમાં હું એક છોકરાંને મારીને ઘેર આવેલો. તે પેલા છોકરાને લોહી નીકળેલું. તે પછી મધરને ખબર પડી. પછી એમણે મને કહ્યું કે, 'ભઈ, આ એને લોહી નીકળ્યું, એવું તને મારે ને લોહી નીકળે તો મારે તારી દવા કરવી પડે ને ? અત્યારે પેલાની માને દવા કરવી પડતી હશે ને ? અને કેટલું રડતો હશે બિચારો ! એને કેટલું દુઃખ થતું હશે ! માટે તું માર ખઈને આવજે, કોઈ દહાડો કોઈને મારીને ના આવીશ. હું તારી દવા કરીશ.' બોલો હવે, એ મા 'મહાવીર' બનાવે કે ના બનાવે ? એટલે સંસ્કાર પણ મધરે ઊંચા આપેલા. મારા મધર હતાંય એવાંને !

માતાએ સંસ્કાર્યો અહિંસા ધર્મ

અમારા મધર મારાથી છત્રીસ વર્ષ મોટાં. એક દિવસ મેં મધરને પૂછયું કે, 'ઘરમાં માકણ થયા છે તે તમને કૈડતા નથી ?' ત્યારે મધર કહે છે, ''ભઈ, કૈડે તો ખરાં. પણ એ ઓછું કંઈ ફજેટિયું (ટિફિન) લઈને આવે છે બીજાં બધાંની જેમ કે 'આપો, અમને મા-બાપ ?' એ બિચારો કશું વાસણ લઈને આવતો નથી અને એનું ખાઈને પાછો ચાલ્યો જાય છે !'' મેં કહ્યું, ધન્ય છે આવાં મધરને !

હવે અમારે નાનપણમાં બધાં ઉપરથી ચીઢ ઉતરી ગયેલી, પણ માકણ ઉપર ચીઢ રહી ગયેલી. તે પછી શોધખોળ કરીને જડ્યું કે, 'ઊંઘમાં તો પાર વગરના કરડી જાય છે, માટે હવે જાગતા કરડવા દો.' તે જાગતા કરડવા દીધા. પછી અમે તો માકણનેય લોહી પીવા દેતા હતા કે અહીં આવ્યો છે તો હવે જમીને જા. કારણ કે મારી હોટલ એવી છે કે આ હોટલમાં કોઈને દુઃખ આપવાનું નહીં, એ અમારો ધંધો. એટલે માકણનેય જમાડ્યા છે. હવે માકણને ના જમાડીએ તો એમાં કંઈ આપણને સરકાર દંડ કરવાની છે ? ના.

બીજાને સુખ આપવાની ભાવના નાનપણથી જ

પ્રશ્નકર્તા : દાદા, ઝવેરબાના સંસ્કાર સીંચને આપનામાં કેવા ગુણોનો આવિર્ભાવ થયો ?

દાદાશ્રી : એટલે હું નાનપણથી જ શીખેલો કે 'ભઈ, તું મને મળ્યો છે ને જો તને કંઈ પણ સુખ ના થાય તો તને મારું મળેલું ખોટું છે' એવું હું એને કહેતો હતો ! એ ગમે એટલો નાલાયક હોય, તે મારે જોવાનું નથી પણ હું તને ભેગો થયો અને જો કદી મારા તરફની સુગંધી ના આવી તે કેમ ચાલે ? આ અગરબત્તી નાલાયકોને સુગંધી આપે કે ના આપે ? એટલે કંઈક લાભ થવો જ જોઈએ. એવો મારો પહેલેથી નિયમ હતો.

ઓબ્લાઈઝીંગ નેચર, પહેલેથી જ

હું નાનપણમાં શાક લેવા જાઉં, તે ચાર ફલાઁગ દૂર માર્કેટ. તે થાય કે અમારા એકલાનું લઇ આવું તો તો વખત નકામો જાય અને તેથી બાજુવાળા બધાને પૂછી તેમના શાકભાજી લઇ આવતો અને બધાનાં પૈસાનો હિસાબ રાખતો. પોસ્ટઓફીસે કાર્ડ નાખવા જતો તોય બધાને પૂછીને જતો. કાર્ડ લઇ આવવાનું હોય, પોસ્ટમાં નાખવાનું હોય તો લઇ જતો. પહેલેથી મારો ઑબ્લાઇઝીંગ નેચર હતો.

જીવમાત્ર પ્રત્યે અનુકંપા

અમારે રાત્રે બહારથી આવવાનું થાય તો અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંનેય ઊંઘ તો હોય ને ! એમને બિચારાંને પથારી-બથારી તો, રામ તારી માયા ! તો શું એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ? એટલે અમે શેરીમાં પેસીએ ત્યારે બૂટ હાથમાં લઈને ચાલીએ.

''અમારા નાનપણથી આટલા ગુણો ખરાં જ. સરળતા, નિર્લોભતા, નિષ્કપટીપણું એ બધાં ગુણો હતા. ચારિત્ર ઘણા અંશે સારું.''

પૂર્વના ડેવલપમેન્ટે નાનપણથી જ ગજબની સૂઝ

પ્રશ્નકર્તા : દાદા, તમે તમારા પોતાનું પૂર્વભવોનું ડેવલપમેન્ટ પણ લઈ આવ્યા હતા ને, તો તેની વાત કરો ને !

દાદાશ્રી : અમારા જન્મ પછી એક જ્યોતિષ આવ્યો હતો. એ અમારા બાને કહે છે કે, 'યે પુણ્યશાળી લડકા હૈ. એના માટે કંઈ વિધિઓ-બિધિઓ કરવાની જરૂર છે.' બા એમાં ઢીલા થઈ ગયા કે મારો છોકરો આવો પુણ્યશાળી ! વિધિઓ કરવી હોય તો કરાવી લેવડાવું. એટલે ખર્ચો-બર્ચો પૂછવા માંડ્યા. પેલો વધારે નહોતો કહેતો. ૧૦૦-૧૫૦ રૂપિયા ખર્ર્ચો કહેતો હતો. પણ તે દહાડે ૧૦૦-૧૫૦ એટલે અત્યારના ૧૦૦૦ જેવા. ૨૦ રૂપિયે સોનું હતું ત્યારે તો. હું ઉંમરમાં નાનો ને એટલે પછી બાને મેં કહ્યું, 'વિધિ-બિધિ કરાવશો નહીં.' બાએ પેલાને કહી દીધેલું એટલે ફરી આવ્યો. ત્યારે મેં પેલાને કહ્યું, 'તમે અહીં આવો છો ને, તમારો ધક્કો નકામો પડશે. હું તો રામની ચિઠ્ઠી લઈને આવેલો છું. એટલે તમારી જરૂર ન્હોય. તું તો ચિઠ્ઠી લાવ્યો નહીં, ને મારી પાસે રામની ચિઠ્ઠી છે, મૂઆ. મારી ગેરંટી આપનાર તું કોણ ? તારી ગેરન્ટી જોઈએ તો હું આપું. કારણ તું લાલચુ છું, હું લાલચુ નથી. હું નાનપણથી લાલચુ નહીં. લાલચ આટલી એ નહીં, કોઈ દહાડોય નહીં. તમે અમને સોનું આપો તોય અમારે કામનું નહીં.

રાજશ્રી મન, બાળપણથી જ

અમે તો નાનપણથી જ કોઈનીય સાથે વેર બાંધવાથી બહુ ભડકતા હતા. કારણ પૂર્વે બહુ વેર બાંધેલાં, તેના અનુભવોની અમને ખબર. અમે તો અમારી ભૂલ ના હોય તોય ભૂલ કબૂલ કરીને આગળ હેંડીએ. આ તો કોઇ નોંધ લેતું નથી. આપણે તો કામ સાથે કામ છે. અમે પહેલેથી સ્વ-બચાવ કરતા નહીં.

મેં તો નાનપણથી જ ચારેવ બારાં ખુલ્લાં જ રાખેલાં, દરેકનો રાજીપો લેતો. માનીને માન આપતો, લોભીથી છેતરાઈ જઈને, કપટીને તેનું કપટ લેટ ગો કરતો અને ફરી કરવા દઈને સંતોષેલા. આ દુનિયામાંથી કશું જ લઈ જવાનું નથી, તો પછી આપણે સામાને શું કામ રાજી ના રાખીએ ? જેનું મન રાજશ્રી તે રાજા.

અપરિગ્રહ, બાળપણથી જ

નાનપણમાં અમે ખેતરાંમાં જતાં હતાં. કોઠાં-બોરાં-કેરીઓ-વરીયાળી લાવતા. બધા ઘેર પોટલીઓ બાંધી લાવતા, પણ હું ક્યારેય કશુંય ઘેર ન્હોતો લાવતો. ત્યાં જ ખાતો પણ ઘેર નહીં લાવવાનું.

એ જુવારના પોંકનું દળીને ઘી નાખીને પોંકીયું બનાવે છે. તે બધા આટલું બંધાવે પણ હું હાથમાં ઝાલું નહીં કશું. અહીં ખઉં એટલું જ જ્યારે બધા ભાઈબંધો લઈને જાય. બધા લાલચુ લોકો. હું કોણ, મારાથી લેવાતું હશે આવું ? પોંક ખાવા બોલાવે છે તો પોંક ખાઈને જતા રહેવાનું. ભલે અહંકાર હતો પણ એવો ગાંડો અહંકાર ન હતો.

પૈસો વહાલો કે જાત વહાલી ?

એક વખત નાનપણમાં હું પરીક્ષા આપવા શહેરમાં આવેલો. તે બધાએ નક્કી કર્યું કે ત્રણ ઘોડાગાડીઓ કરીને નાટક જોવા જવું. તે દા'ડે નાટકનો એક રૂપિયો હતો. અમે ત્યાં આગળ ગયા. બધા ટીકીટ કઢાવવા માટે રાહ જોઇને ઊભા રહ્યા. મારી પાસે પંદર રૂપિયા હતા. તે મારાથી સહન ના થયું ને હું ટીકીટ કાઢી લાવ્યો પણ પછી મેં નક્કી કર્યું કે આ સોદો આપણને પોષાય નહીં, તે નાટક જોવાનું બંધ કરો, તે બંધ કર્યું પણ કોણ પૈસા કાઢે છે એની ફોઇબાની પેઠે રાહ અમે ના જોઇએ. બધા એ રીતે રાહ જોઇ રહ્યા, તે આપણે કંઇ ફોઇબા છીએ ? પૈસો વહાલો કે જાત વહાલી ? પૈસાનો વિચાર આવે તે આપણી ખાનદાની ના કહેવાય.

પૈસા વપરાઇ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી તો ધર્મમાં પૈસો વાપરવાનું કહેલું, જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય.

ખાનદાની હતી પહેલેથી જ

નાનપણમાં હું અને મારો મિત્ર સર્કસ જોવા ગયેલા. ત્યાં લોટરીની ચાર-ચાર આનાની બે ટીકીટો લીધેલી. તેમાં ઇનામમાં મારો જ નંબર પહેલો બોલાયો. તે ઇનામમાં સાડી એકવીસ રૂા.ની જાપાનની સાઇકલ હતી. પછી બહાર નીકળ્યા પછી મિત્રે મને કહ્યું કે મારા મામાના છોકરાને સાઇકલ આપવી છે તો આવી છે તે નવી ના લેવી પડે. તે મેં કહ્યું કે આપી દો. પેલાનું ચિત્ત સાઇકલમાં ને સાઇકલમાં જ હતું પણ અમારી ખાનદાની નાનપણથી જ અને આપણે પટેલોમાં ખાનદાની ખરી. કો'કને જ સ્વભાવ અવળો પડી ગયેલો હોય, તે પૈસામાં જાગૃતિ રહ્યા કરે કે પૈસો વપરાઇ જશે તો શું થશે ? એટલે આ સ્વભાવ તોડવા પૈસા છૂટથી વાપરવા માંડો.

છેવટે જો મરી જવાનું ના હોય તો આપણે સાઇકલ માંગીએ પણ મરવાનું છે ત્યાં માંગવાનું શું ?

ના બદલે અભિપ્રાય કદી

આ હું નાનો હતો ત્યારે તો જે અભિપ્રાય આપેલા ને હજી તોડ્યા નથી. એટલે શું ? કે એક ઝાડ હોય તે નાનપણથી ઉછેરીએ, મોટું કરીએ ને પછી કોઈ કહે કે 'રસ્તો કરવો છે માટે કાપી નાખો.' તો કહે, 'ભલે કાપી નાખો.' આવું તે હોતું હશે ? તો પછી ઉછેર્યું શા માટે ? આ તો આવા અભિપ્રાય માટે કહે છે. અભિપ્રાય એ તો ઉછેરેલા ઝાડ જેવું, તોડાતા હશે ? આ તો કહીએ, તારો રસ્તો બાજુએથી કાઢ. મારું ઝાડ નહીં કાપવા દઉં. આ તો પચ્ચીસ વર્ષના અભિપ્રાય એક કલાકમાં ફ્રેક્ચર કરી નાખે.

નાના છતાં દૂરદર્શી

પ્રશ્નકર્તા : દાદા, તમારા ઘરની બીજી વ્યક્તિના કોઈ પ્રસંગ કહો ને !

દાદાશ્રી : એકવાર મારા ફાધરે મને કહ્યું કે 'માણસે કંઈક કસરત કરવી જોઈએ, સવારે ફરવાં જવું જોઈએ.' મેં કહ્યું, 'ફરવાનો ટાઈમ નહીં મળતો.' ત્યારે કહે, 'કાઢવો જોઈએ, શરીર સારું રહે.' ત્યારે મેં કહ્યું, 'જઈશું.' ત્યારે કહે, 'કઈ બાજુ જઈશ ?' ત્યારે મેં કહ્યું, 'આમ ભાગોળ તરફ.' ત્યારે કહે, 'ના, પેલું નજીકનું ખેતર છે ત્યાં જજે.' મેં કહ્યું, 'ખેતરમાં જઈને શું કરવાનું ?' ત્યારે કહે, 'ત્યાં આંબા વાવેલાં છે ને, એમાં બહારથી એક થેલીમાં દળ લઈ જવો. તે થોડો થોડો દળ નાખી આવવાનો. રોડ ઉપરથી દળ મહીં લઈ જઈ, નાખીને પાછા આવીએ. એટલે આપણે ફરવાનું થઈ ગયું અને કસરત થઈ ગઈ.' મેં કહ્યું, 'ના, મને એવી આંબાની લાલચ નથી, એ કેરીઓ ખાવાની મને કંઈ આ લાલચ નથી. આ ધંધો મારો ન્હોય. જેને કેરીઓ ખાવી હોય તે નાખે. મારે કંઈ આ ધંધો નથી !' તે થોડાં વખત પછી એ ખેતર વેચ્યું ત્યારે મેં એમને કહ્યું, 'જો આંબા હોત તો અમારી સાચવણી, ધૂળ-બૂળ દાબેલી બધી નકામી જ જાય ને ! એટલે મારાં પિતાએ કહ્યું કે 'આ અંદરખાને જાણતો હશે, આનું આવું થવાનું હશે એવું.' 'તે તમારે જે માનવું હોય એ માનો' કહ્યું. ત્યારે કહે, 'તારાં જન્માક્ષર બહુ ઊંચા છે !'

હું નાનો હતો ત્યારે મારા બાપા પાસે મેં ચાર આના માગ્યા. તે બાપા આપતા નહોતા. તે મારી બાએ સિફારશ કરી કે 'છોકરાને શું કામ રડાવો છો ? આપોને એને.' ત્યારે મેં કહ્યું, 'ના બા, તમારી સિફારશ મારે નથી જોઈતી. હું મારું ફોડી લઈશ.'

નિહાળતાં વિશેષતા સર્વેમાં

અમે તો પહેલેથી બહુ જાતનાં માણસો જોયેલા. તે દરેકમાં શું વિશેષતા છે તે હું માર્ક કરતો. અમારા મોટાભાઇ મણિભાઇ તે તેમની આંખો ભારે પ્રતાપી. વાઘ જેવી તેજસ્વી, અને શરીરની શક્તિ પણ કેવી કે એક જણને ધબ્બો મારેલો, તે પંદર દિવસ સુધી લોહી નીકળતું હતું. મને તો લાગતું કે આ કોઇ યોગી પુરુષ હશે ! પાછા દેખાવડા. અને મરતી વખતેય પણ એવા જ તેજસ્વી ને દેખાવડા દેખાતા હતા. મરતી વખતે એ બોલતા કે 'હું પૂર્વજન્મનો યોગી છું, કંઇક પાપબળે અહીં આવ્યો છે.'' અને અમારાં ભાભી એય યોગીણી જેવાં દેખાતાં હતાં.

એક ટકોરે ઓળખાવ્યો અહંકાર

મારા બ્રધર મણિભાઈ તો સિંહ જેવા, તે આમ બહાર નીકળેને તો સો માણસ તો બીને આઘુંપાછું થઈ જાય ! આંખો દેખીને આઘાપાછા જતા રહે. તે એ દિવસે પાવર કેટલો ? હું હઉ ભડકતો હતો. શું એ પાવર ! જબરજસ્ત પાવરવાળો માણસ ! દેખાવ તો ભવ્ય ! બધી રીત આમ ભવ્ય ! બોલો હવે, પછી પાવર હોયને, આ મગજમાં ? પાવર ચઢી ગયેલો હોયને ? એટલે મારા મોટાભાઈ બહુ અહંકારી હતા. લોક બહાર એમને કહે કે એ અહંકારી છે અને મને બહુ ડાહ્યો કહે. પણ મારા મોટાભાઈ મને શું કહે ? તારા જેવો અહંકારી મેં ગુજરાતમાં જોયો નથી. એટલે મેં એમને પૂછ્યું, 'કઈ રીતે તમે મને અહંકારી કહો છો ? મારામાં ક્યાં અહંકાર દેખાય છે ?' ત્યારે કહે, 'તારો અહંકાર એ છૂપો અહંકાર છે. મને બધું સમજાઈ ગયું છે.' પણ અંદરખાને મારી ઊંડી ગાંઠ અહંકારની ! એ મને કહેતા હતા, પણ મારા માન્યામાં નહોતું આવતું. મેં કહ્યું, 'અહંકારી તો એ છે !' પછી મેં તપાસ કરી, ત્યારે મને એવું લાગ્યું કે આ તો બહુ મોટો અહંકાર છે. તે ઊંડી ગાંઠની પછી મને ખબર પડી, એમના ઓફ થઈ ગયા પછી. મારી ગાંઠ ફૂટીને ત્યારે ખબર પડી કે ઓહોહો ! ખરું કહેતા હતા મણિભાઈ ! અને પછી અહંકાર બહુ કૈડવા માંડ્યો. કૈડે તો સહન ના થાય. શી રીતે સહન થાય ? એ અહંકારની ગાંઠ

પછી જતીય રહી ! તમે જોઈને ? નથી જતી રહી ? બિલકુલ જતી રહી છે. ભગવાન વશ થાય એવા પુરુષ છે ને !

ને સમજાઈ ભૂલ પોતાની

મને એક ફેરો અમારી ઘોડીએ પાડી નાખેલો. પછી મેં ઘેર આવીને અમારા મોટાભાઈને કહ્યું, 'આ ઘોડીએ મને પાડી નાખ્યો. મને વાગ્યું છે.' ત્યારે એ કહે, 'ઘોડી આટલી બધી કિંમતી તે પાડી નાખતી હશે ? તને બેસતા આવડ્યું નહીં હોય.' હું સમજી ગયો. મેં કાનપટ્ટી પકડી. આપણને બેસતાં ના આવડ્યું બા. અક્કરમી પડી જાય ! પાછો લોકોને કહે શું કે, 'ઘોડીએ મને પાડી નાખ્યો.' અને આ ઘોડી એનો ન્યાય કોને કહેવા જાય ? ઘોડી પર બેસતાં તને નથી આવડતું એમાં તારો વાંક કે ઘોડીનો ? અને ઘોડીય બેસતાંની સાથે જ સમજી જાય કે આ તો જંગલી જનાવર બેઠું, આને બેસતાં આવડતું નથી !

ના ગૂંચાયા, લોકસંજ્ઞાથી

અમારા મોટાભાઈ મણિભાઈ ગુજરી ગયા, તે વખતે અમારાં ભાભી ઉંમરમાં નાનાં, તે જે કોઈ આવે તે એમને રડાવે ! ત્યારે મને થયું કે આ ભાભી 'સેન્સિટિવ' વધારે છે, તે આ લોકો આમને બિચારાંને મારી નાખશે ! એટલે પછી મેં બાને કહ્યું કે, 'લોકોને તમે એમ કહેજો કે ભાઈ સંબંધી તમારે વહુ જોડે કશી વાતચીત કરવી નહીં.' આ શું તોફાન ! અલ્યા, વાંદર ઘા જેવા છો ? વાંદરો તો ઘાને પહોળી કરી કરીને મારી નાખે ! એવું તમે કહી કહીને કરો છો ? તો તમારામાં ને વાંદરામાં ફેર શો ? લોકોને રડાવવા માટે આવો છો કે હસાવવા માટે આવો છો ? આ તો આશ્શવાસન આપવા જવાનું, એને બદલે બિચારાને દુઃખ પહોંચાડો છો ? પણ જગતનો કાયદો એવો છે કે આશ્શવાસન આપનારો માણસ પોતે જ દુઃખી હોય તો શું આશ્શવાસન આપે ? એ તો એની પાસે જે છે તે જ આપે. એટલે આજે લોકો દુઃખી છે ને ! એટલે આપણે સામાને એમ કહેવાનું કે કોઈ માણસ સુખી હોય, અંતરના સુખવાળો હોય તો અહીં પધારજો, નહીં તો અહીં પધારશો નહીં અને ઘેર બેઠાં આશ્શવાસન પત્ર લખી નાખજો. આ ભૂતાંને અહીં નકામાં શું કરવાનાં ? ભૂતાં તો આવીને બિચારાને ઊલટાં રડાવે.

કરી સેવા વિના કંઈ ભાર

અમારા ફાધરની તબિયત સારી નહીં. એટલે અમારા મોટાભાઈ મને કહે, 'તું કામ પર રહે, હું ફાધરની ખબર કાઢી આવું.' પછી એ ભાદરણ ગયા. થોડી વાર પછી મને સહજ વિચાર આવ્યો કે મેં તો બધાંને કામ સોંપી દીધું છે, લાવને હુંય ખબર કાઢી આવું. તે પછી હું તો ઊપડ્યો ને ગાડીમાં બેસી ગયો. રસ્તામાં મોટાભાઈ બોરસદથી આવતા હતા. તે સામા ભેગા થયાં. તેમણે મને પૂછ્યું કે, 'તું આવ્યો કે ?' મેં કહ્યું, 'હા, મને મહીંથી વિચાર આવ્યો કે જઉં. તે હું બધાને કામ સોંપીને આવ્યો છું.' ત્યારે એમણે મને કહ્યું, 'તો હવે તું ત્યાં ઘેર જા અને હવે હું કામ પર પાછો જાઉં છું.' હું ફાધર પાસે આવ્યો એટલે એમણે રાત્રે ને રાત્રે જવાની તૈયારી કરી દીધી, ત્યાં સુધી એ જતા ન હતા. એટલે જેને ખભે ચઢવાનું હોય તેને જ ખભે ચઢાય.

મેંય બાની સેવા કરેલી. વીસ વર્ષની એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે બાની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડ્યો. મૂઆ, આવા તો કેટલાય બાપુજી થયા. હવે શું કરીશું ? ત્યારે કહે, 'જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે તું એમની સેવા કર, જો હોય તો, ના હોય તો ચિંતા ના કરીશ. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો.' મા-બાપની સેવા એ પ્રત્યક્ષ-રોકડું છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે.

''હું કશામાં ધ્યાન જ નહોતો આપતો. નવું કંઈ શીખવાનું નહીં કરેલું. આ શીખે તો મારે એટલું પેલામાં રહી જાયને ! એટલે નવું શીખવાનું નહીં.''

ભણવા કરતાં ભગવાનમાં રસ

મને એવું સમજાઈ ગયેલું કે અનંત અવતારથી એનું એ જ ભણે છે ને પાછું આવરાય છે. તે અજ્ઞાનને ભણવાનું ના હોય. અજ્ઞાન તો સહજ ભાવે આવડે. જ્ઞાનને ભણવાનું. મારે આવરણ ઓછું, તે તેરમે વરસે ભાન થયેલું.

મને સીક્સથ(છઠ્ઠા)માં છે તે એક સર હતા, સોમાભાઈ કરીને. તે કહે છે, 'અંબાલાલ, તું લહેર-પાણી કરુંુ છું ને બરોબર ભણતો નથી. તારા ભાઈ મણિભાઈ મારા ફ્રેન્ડ થાય. એટલે મારે એમને કહેવું પડશે. મેં કહ્યું, 'સાહેબ, ખરી હકીકત કહી દઉં, હું ફસાયો છું.' તો તે કહે, 'અરે, ભણવામાં શેનો ફસાયો ?' ભાઈ કોન્ટ્રાક્ટર છે, પૈસા છે, બધું છે ને સારા ઘરનો છું પણ ફસાયો છું. મને આ ગમતું નથી. હું તો મહાત્માની સેવા કરવા જતો રહું છું. પછી મેં કહ્યું, 'આ પંદર વર્ષ આ અંગ્રેજી ભાષા શીખવા માટે કાઢ્યા આ મારી ભૂલ થઈ છે. આટલા વર્ષ જો ભગવાન પાછળ કાઢ્યા હોત ને, તે ભગવાન મને મળી ગયા હોત.' એટલે એ ચૂપ જ થઈ ગયા. આને કંઈ બોલવા જેવું જ નથી. ઊલ્ટો હું આ આમાં ફસાઈ ગયેલો લાગ્યો મને. આ શું બળ્યું ! અને અંગ્રેજી ભાષા શીખવા માટે બે વર્ષ ઈંગ્લેન્ડમાં રહ્યા હોત તો ભાષા આવડી જાય ! અહીં પંદર વર્ષ ચોપડીઓ ગા-ગા કરો. ઞ્બ્ ગો, ઞ્બ્ ગો ! અરે, મેલને પૂળો અહીંથી ! ના, કોઈ લાઈન હોય તો જુદી, પણ આ તો ભાષા શીખવાનું. મેટ્રિક સુધી તો ભાષા શીખવાની !

થયા મેટ્રિક ફેઈલ જાણીને

એકવાર અમારા ફાધર ને બ્રધર, બેઉ ખાનગીમાં વાતો કરતા હતા. તે બ્રધર શું કહે છે, 'આપણા કુટુંબમાં જેઠાભાઈ કરીને સૂબા વિલાયત જઈ આવેલા, ગ્રેજ્યુએટ થઈને. તે આપણે જેઠાભાઈ જેવો આને સૂબો કરવો છે. થોડો ખર્ચો હું વધારે કરીશ પણ આપણે એ મેટ્રિક પાસ થઈ જાય એટલે ત્યાં સીધો જ ઈગ્લેન્ડ જ મોકલવો છે, એક વર્ષ વધારે રાખીશું. અને સૂબો થઈને આવે !' એટલે મેં ધીમે રહીને સાંભળ્યું. કાન સરવા કરીને, ત્યારે તો હું બરાબર સાંભળતો હતો. મેં કહ્યું, 'આ લોકો મારો ઘાટ ઘડે છે. હું મેટ્રિક પાસ થાઉં, ત્યાં ભણવા જઉં ને પછી પાછો હું સૂબો થાઉં. તે મારા ફાધર મારો છોકરો સૂબો છે એ કેફ લઈને ફરે. બ્રધર શું કહે ? મારો ભાઈ સૂબો છે. પણ એમાં મારુંુ શું ?

મારા મનમાં એમ થયું કે લોકો મને સૂબો બનાવવા માગે છે, તો સરસૂબો મને ટૈડકાવશે. માટે આપણે સૂબો થવું નથી. કારણ કે મહાપરાણે આ એક અવતાર મળ્યો અને ત્યાં પાછો કો'ક ટૈડકાવનારો મળે ! ત્યારે જો ટૈડકાવનારો મળે તો આ અવતારને શું કરવાનો ? આપણને કશી મોજશોખની ચીજ જોઈતી નથી અને પેલો ટૈડકાવે એ કેમ પોષાય ? એટલે મેં નક્કી કર્યું કે આપણે પાનની દુકાન કરીશું, પણ આવું ટૈડકાવે એ નહીં ફાવે ! એટલે મેં નક્કી કર્યું કે મેટ્રિકમાં નાપાસ જ થવું. એટલે આ વહેતું જ મૂકેલું.

પ્રશ્નકર્તા : યોજનાબદ્ધ ?

દાદાશ્રી : હા, યોજનાબદ્ધ ! એટલે ફેઈલ થયેલો તે યોજનાબદ્ધ. એટલે મેટ્રિક ફેઈલ પાછો ! ત્યારે લોકો મને કહે કે, 'દાદા, તમે કેટલુંક ભણેલા હશો ?' પેલું 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટસ...' આવું બધું બોલું, એટલે પેલા જાણે કે દાદા તો ગ્રેજ્યુએટથી બહુ આગળ ભણ્યા હશે ! મેં કહ્યું કે, 'ભઈ, એ વાત ઊઘાડવામાં મઝા નથી. ત્યારે કહે કે, પણ કહો તો ખરા, ભણવામાં કેટલું ગયા ? ત્યારે મેં કહ્યું કે, મેટ્રિક ફેઈલ !

એટલે નાપાસ થયા તે ભાઈ કહે છે, 'તું તો નાપાસ થયો. હવે હું શું કરીશ? ફરી ખૂબ મહેનત કર અને પાસ થઈ જા, આપણે વિલાયત જવાનું છે.' મેં કહ્યું, 'આમાં મને આવડશે નહીં. ભલીવાર નહીં આવે.' ત્યારે કહે, 'શું કરીશ ?' મેં કહ્યું, 'મને ફાવે એ કરીશ.' તો એ કહે, 'ના, એ બીજી જગ્યાએ જવાય નહીં, એના કરતા આપણે ઘેર જ રહે. અને આ કોન્ટ્રાક્ટનું કામ કર.' એ મને સારું લાગ્યું, સ્વતંત્ર રહેવાનું ને ! અને ધ્યાન-બ્યાન કરવું હોય તો, વાતચીત કરવી હોય, સત્સંગ કરવો હોય મનમાં, ચોપડીઓ વાંચવી હોય, તો વાંચતા જઈએ ને કામ કરતા જઈએ. અને આ તો હાથ ઘાલું એટલે મને તરત આવડી જાય.

એટલે પછી મેં કહ્યું, 'તમે કહો એ કરીશ.' ત્યારે કહે, 'અહીં કામમાં પેસી જા.' અને છ મહિનામાં તો ઓલરાઈટ થઈ ગયું. મને કહે છે, 'તું તો હોશિયાર થઈ ગયો. મારા મનમાંય ખાત્રી થઈ ગઈ.' પછી થયું કે પૈસા કમાઈએ. હેય ! ધંધો સારો છે એટલે એમાં પડ્યા પાછા. પછી કારખાના નાખ્યા ને બીજું બધું. એમ કરીને દહાડા કાઢ્યા. પણ આ બધું આવડી ગયું.

પછી અમે તપાસ કરી કે આવું ના ભણવાનું કેમ થયું ? મરીચીનું સાંભળેલું અને એમને જેવું બન્યું, તેવો જ દાખલો અમારા જીવનમાં બન્યો. હું કેમ આગળ ના ભણ્યો ? હું નાનો હતો ત્યારે અંગ્રેજી શીખવા માટે પુસ્તક વાંચતો હતો, ત્યારે મોટાભાઇ આવ્યા અને વાંચતો જોઇને કહ્યું કે 'જો આમ વાંચ' અને શીખવાડવા મંડી પડ્યા ! તે આ મારા પિતાશ્રીએ જોયું ત્યારે તે બોલ્યા કે 'આ તું ભણાવવા ક્યાં બેઠો ! એ તો ભણીને જ આવેલો છે.' તે આ 'હું ભણીને આવેલો છે' તેવું મેં સાંભળ્યું એટલે બધું ભણવાનું અટક્યું.

સ્કૂલમાંથી ઊઠ્યા પછી મારું વલણ બુદ્ધિની તીક્ષ્ણ ધારવાળા તરફ વધારે હતું. પણ પછી લાગ્યું કે આ તો નકામું છે, તે પછી અમે ઓછી બુદ્ધિવાળા જોડે બેસતા.

વર્લ્ડમાં કોઈનેય પણ ન હોય તેટલો ઈગોઈઝમ અમને તેર વર્ષની ઉંમરે હતો અને તેટલી જ ચિંતા પણ હતી. અમારે બુદ્ધિ વધારે પડતી કૂદાકૂદ કરે અને અહંકારેય બહુ કૂદાકૂદ કરે.

અમારે જ્ઞાન પહેલાં અહંકાર હતો પણ તે ડાહ્યો અહંકાર, ચાર-પાંચના હ્રદયમાં સ્થાન હતું અને ચાર તો ગાડીઓ (અમારી સલાહ લેવા આવનારની) ઘર પાસે ઊભી રહેતી, તોય તે અહંકાર અમને ખૂંચતો હતો કે, 'આ અહંકાર જાય તો અમને આખી દુનિયાનું રાજ મળે !'

''આસપાસનો સ્ટડી ના કરવો જોઈએ ? હું તો નાનપણથીજ સ્ટડી કરતો. બધા જે લાઈન લે, એ લાઈન અમે ના લઈએ.''

પ્રકાશ ધરે તે સાચા ગુરુ

હું બાર વર્ષનો હતો ત્યારે મારી કંઠી તૂટી ગઈ. ત્યારે બા કહે છે કે, 'આપણે આ કંઠી ફરી બંધાવીએ.' તે મેં કહ્યું કે, 'આપણા બાપ-દાદાઓ આ કૂવામાં પડ્યા હશે, તે દહાડે આ કૂવામાં પાણી હશે. પણ મને તો આ કૂવામાં જોતાં મોટા મોટા પથ્થર પડેલા દેખાય છે, પાણી દેખાતું નથી ને મોટા મોટા સાપ દેખાય છે. હું આ કૂવામાં પડવા માંગતો નથી.' બાપ-દાદા પડે એ કૂવામાં આપણે પડવું એવું કંઈ લખી આપ્યું છે ? મહીં પાણી જુઓ છે કે નહીં, તો પડો. નહીં તો પાણી ના હોય તો આપણે પડીને માથાં ફોડવાનું શું કામ છે તે ?

તે ઘડીએ ગુરુ એટલે પ્રકાશ ધરનાર એવો અર્થ હું સમજતો હતો. જે મને પ્રત્યક્ષ જ્ઞાન ન આપે, મને જો પ્રકાશ ન ધરે તો મારે એવું કંઈ ટાઢાં પાણી છંટાવીને કે ઉપર ઘડા રેડાવીને કંઠી બંધાવવી નથી. પણ મને એમ લાગશે કે આ ગુરુ કરવા જેવા છે, તો હું ટાઢો તો શું, હાથ કાપી લેશે તોય હું હાથ કપાવવા દઈશ. તે અનંત અવતારમાં હાથ હતા જ ને, ક્યાં નહોતા તે ? અને કોઈક ધારિયાથી હાથ કાપી નાખે ત્યારે કપાવવા દો છો જ ને ? તે અહીં આગળ ગુરુ કાપે તો ના કાપવા દેવું ? કોઈક બહારવટિયો કાપી લે, તો લોક ત્યાં કાપવા દે ને ? અને ગુરુ કાપે તો ? પણ ગુરુ કાપે જ નહીં બિચારા ! પણ વખતે એ કાપવાનું કહે તો આપણે એમ ન કરવાનું કંઈ કારણ છે ?

મધરે કહ્યુંને કે તને 'નુગરો' કહેશે, ત્યારે 'નુગરો' શબ્દ એટલે શું એ ખબર નહોતી. તે અમુક ઉંમર પછી સમજી ગયેલો કે નુગરો એટલે શું કહેવા માગે છે. પણ તે દહાડે તો હું સમજું કે આ શબ્દ, એ લોકોનું કંઈ એડજસ્ટમેન્ટ હશે, તે એને 'નુગરો' કહીને ફજેત કરતા હશે. પણ 'ન ગુરુ' એમ તે દહાડે ખબર નહીં કે 'ગુરુ વગરનો' એવી ખબર નહીં. એટલે મેં કહ્યું, કે આ મને 'નુગરો' કહેશે, મને ફજેત કરશે, બહુ ત્યારે શું કહેશે તે ?

વિચાર સ્ફૂર્યો, અસામાન્ય થવાનો

મને તેરમા વર્ષે અસામાન્ય થવાનો વિચાર આવેલો. સામાન્ય એટલે શાકભાજી એવું મને લાગેલું. સામાન્ય માણસને જે તકલીફ પડે છે તે કોઇ તકલીફ, અસામાન્ય માણસને ના પડે. સામાન્ય માણસ કોઇને હેલ્પ ના કરી શકે. જ્યારે અસામાન્ય માણસ હેલ્પને માટે જ હોય. તેથી જ તેને જગત એક્સેેપ્ટ કરે.

પ્રશ્નકર્તા : અસામાન્ય માણસની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : અસામાન્ય એટલે પોતે જગતના બધા લોકોને, દરેક જીવમાત્રને હેલ્પફૂલ થઇ પડે. પોતે સ્વતંત્ર થાય, પ્રકૃતિથી પર થાય ત્યારે અસામાન્ય થાય.

ના, એવો મોક્ષ ના ખપે

એક મહારાજ ભગવા લૂગડાંવાળા હતા. એમની સેવા માટે સ્કૂલમાંથી જઇ પગ દબાવતો'તો. મને કહે છે, 'અંબાલાલ, ભગવાન તને મોક્ષે લઇ જશે.' એટલે મેં તેર વર્ષે મહારાજને કહી દીધું કે 'બાપજી, મારે ભગવાન લઇ જાય એ જોઇતું નથી. કારણ કે મને તે દહાડેથી જ સમજાઇ ગયેલું કે ભગવાન મોક્ષે લઇ જાય અને આપણને અહીં બેસાડ્યા મોક્ષમાં આ જગ્યાએ, સારી જગ્યા હોય, ફર્સ્ટ કલાસ જગ્યા હોય, પછી એમના બીજા ઓળખાણવાળા આવે ત્યારે આપણને કહેશે, 'ઊઠ.' ત્યારે બળ્યો તારો મોક્ષ. એના કરતા મારા બૈરા-છોકરા સારા બધા. તારો મોક્ષ તારે ઘેર રાખ. તું એકલો સૂઇ જા મહીં.

એટલે તેર વર્ષની ઉંમરે આ સ્વતંત્રતા જાગેલી. ઉપર કોઈ બાપો હોય તો એવો મોક્ષ આપણે જોઈતો નથી. અને જો ના હોય તો આપણે એ જ જોઈએ છે કે મારે કોઈ ઉપરી નહીં અને અંડરહેન્ડ પણ જોઈતો નથી. અંડરહેન્ડ મને પસંદ જ નથી.

જ્યાં ઊઠાડે એવો મોક્ષ મારે ના જોઈએ. જ્યાં ઉપરી નહીં, અંડરહેન્ડ નહીં, એવો આ વીતરાગોનો મોક્ષ મને ખપે છે. તે દહાડે ખબર નહીં પડેલી કે વીતરાગોનો આવો મોક્ષ છે. પણ મને ત્યારથી જ સમજણ પડે કે ઉપરી ના જોઈએ. 'ઊઠ અહીંથી.' કહે, એ મારે નથી જોઈતો તારો મોક્ષ ! એ ભગવાન એને ઘેર જાય. મારે શું કામ છે તારું ? તું ભગવાન છે, તો હુંય ભગવાન છું ! ભલે ને, તું મને થોડો વખત તારા કાબૂમાં લેવા ફરતો હોય ! આઈ ડોન્ટ વોન્ટ ! પણ શેને માટે ભૂખ ? આ પાંચ ઈન્દ્રિયની લાલચો માટે ? શી લાલચો છે આમાં ? જાનવરનેય લાલચ છે ને આપણનેય લાલચ છે, તો તેમાં ને આપણામાં ફેર શું રહ્યો ?

એટલે આ તે દહાડેથી મને સમજાઇ ગયેલું. આપણે અહીં બેસાડે, પછી ઊઠવાનું કહે એ મોક્ષ કેમ કહેવાય ? ધેર ઇઝ નો અન્ડરહેન્ડ, નો બોસ. સાદી વાત છે ને ? સમજાય એવી છે ને ? નો અન્ડરહેન્ડ, નો બોસ. મોક્ષ એટલે મુક્તભાવ. કોઇ ઉપરી નહીં. અને એવું જ છે. હું જાતે જોઇને કહું છું. અત્યારે અહીં રહીને દેખી શકું છું. આ ચક્ષુથી નહીં, પણ બીજા ચક્ષુુથી જોઇ શકું છું.

આ તો બધા, હા એ હા કરનારા. એના બાપનું શું જવાનું છે ? કોના બાપની દીવાળી ? આ તો હું કહું કે મારા બાપની દિવાળી છે. આ તો બહુ મોટી જવાબદારીવાળું પદ. ભગવાનને ગાળો ભાંડી શકે એનું પદ કેવડું ઊંચું હશે ? છતાંય આ દુનિયામાં મને કશું આવડતું નથી, એમ કહું છું ને ! કોઇ જાતની આવડત મારામાં નથી. નથી આવડતું તોય ગાડું ચાલે છે ને, નથી ચાલતું ?

ઉપરી હશે તો તે કેમ પોષાશે ? મને એ વિચાર તેરમે વર્ષે બહુ ખૂંચતો હતો.

મારા ઉપરી મા-બાપ. એમણે જન્મ આપ્યો એટલો એમનો ઉપકાર. બીજું મને સમજણ પાડે તો ઉપકાર. બાકી ઉપકાર તો ભગવાનનોય ના માનું ને ! મને શું આપ્યું એણે ? એ તો આપ્યા પછી મેં માન્યા. પેલું તો એમ ને એમ બધા વગર કામના વ્યવહાર ! આપણે એમને લાડવા આપીએ, એ આપે નહીં ત્યારે બળ્યા એ વ્યવહાર શું કામના ? જો તમે અમને આપો તો અમે તમને આપીએ છીએ ને ?

માથે ભગવાન પણ ઉપરી ના જોઈએ. ઉપરી એ મને નહીં ફાવે. તે મારું ડેવલપમેન્ટ (વિકાસ) હું લાવેલો અને અનંત અવતારની ઇચ્છાઓ તે આ અવતારે ફળી. તેથી તો આત્મજ્ઞાન પ્રગટ થયું છે. આ તો સ્હેજેય પેટનું પાણી ના હલે એવું અજાયબ જ્ઞાન છે. મેં કંઈ કર્યું નથી આમાં. અનંત અવતારનું ભેગું થયેલું આ જ્ઞાન ફૂટ્યું છે. અક્રમ વિજ્ઞાન હોય જ નહીં ને !

તમારાથી ભગવાનને કશું કહેવાય નહીં. મારાથી ભગવાનને ગાળો પણ ભાંડી શકાય. મારું બોલેલું બોલશો એ જોખમ છે. કારણ કે મારા પ્રેમથી ભગવાન મારી પાસે રહ્યા છે. અને પ્રેમવાળો બોલી શકે.

એટલે મેં તમને કહ્યું ને, ભય વગરના બનાવી દેવાના. તમારી પર કોઈ ઉપરી જ નહીં અને થોડા દહાડા વ્યવહાર પૂરતો હું છું. તે હું તો બાળક જેવો છું. વઢતો જ નથી ને ! વ્યવહાર પૂરતો ઉપરી છું. બાકી, ખરેખર હું તમારો ઉપરી નથી એની ગેરન્ટી આપું છું.

''તમે લોકોનું શીખીને કરો. હું લોકોનું શીખ્યો નથી. હું પહેલેથી લોક વિરૂદ્ધ ચાલેલો. આ આમના કહેવા પ્રમાણે ચલાય ? લોકસંજ્ઞા નામેય નહીં. લોકોએ જેમાં સુખ માનેલું, મને સુખ એમાં દેખાયેલું નહીં.''

લક્ષ કેવળ આત્મા શીખવા માટે

નાનપણમાં હું સાયકલ ફેરવું, તે બાવન રૂપિયામાં 'રેલે' સાયકલ આવતી હતી. તે સાયકલ ફેરવતો હતો. સાયકલમાં પંકચર પડે એટલે બધાં સૌ-સૌને ઘેર રિપેર કરે. હું તો ઉદાર એટલે એક સાયકલવાળો હતો, ત્યાં આગળ એને કહું કે, 'ભઈ, આ પંકચર રિપેર કરજે.' તો આ બધા મને કહે કે, 'આ રિપેર કેમ તમે બહાર કરાવો છો ? આમાં શું કરવાનું છે ?' મેં કહ્યું કે, 'ભઈ, હું બધું શીખવા માટે આવ્યો નથી. આ દુનિયામાં બધી ચીજો છે, એ બધી શીખવા માટે હું આવ્યો નથી. હું તો આત્મા શીખવા માટે આવ્યો છું. અને જો આ બીજું બધું શીખવા રહું તો પેલું આત્માનું એટલું કાચું પડી જાય.' એટલે હું કશું શીખ્યો જ નહીં. સાયકલ ચલાવવાની આવડતી હતી, તેય કેવી કે સીધું નહીં આવડેલું. પાછલે પૈડે રહીને પાછળની ધરી ઉપર પગ મૂકીને ચઢું તે ! કશું આવડ્યું નહીં. અને શીખવાનો પ્રયત્નેય કરેલો નહીં. આ તો જરૂરિયાત પૂરતું શીખેલો. બાકી શીખવાની જરૂર જ નહીં.

ને દુઃખદાયી થયું ઘડિયાળ

નાનપણમાં એક સેકન્ડહેન્ડ ઘડિયાળ પંદર રૂપિયામાં લાવ્યો હતો. તે વારેઘડીએ શોક લાગ્યા કરે ! નિશાળમાં જવાનું મોડું થાય ને માસ્તર વઢશે તો શું કરીશું ? પછી તે રાત્રે આમ પહેરીને સૂઈ ગયો. તે અહીં કાનમાં દુઃખ્યું પછી. એટલે મેં કહ્યું કે આ તો ઊલટું દુઃખદાયી થઈ પડ્યું. માટે ફરી નથી પહેર્યું ! ત્યારથી જ નક્કી કરેલું કે જે વસ્તુ મને શોક લગાડે તે મને ના ખપે.

ચાવી દેવામાં નથી વેડફયો ટાઈમ

ઘડિયાળને ચાવી આપવી એ મુશ્કેલી, એટલે પછી સાત દહાડાની ચાવીનું ઘડિયાળ લાવ્યા. પણ એક ઓળખાણવાળા આવ્યા, કહે કે, 'બહુ સરસ ઘડિયાળ છે.' તે મેં કહ્યું કે, 'તમે લઈ જાવ, મારે ચાવી આપવાની મુશ્કેલી છે ને !' એટલે કોઈ દહાડોય ઘડિયાળની ચાવી મેં ફેરવી નથી ! અમારા ભાણાભાઈ પંદર વર્ષથી ઘડિયાળની ચાવી ફેરવે છે. અને મારે તો કેલેન્ડર જોવાનું જ ના હોય ! અને મારે કેલેન્ડરને શું કરવાનું ? એને કોણ ફાડે ? કેલેન્ડરનું પેલું કાગળિયું મેં ફાડ્યું નથી. આવી નવરાશ, મને આવો ટાઈમ જ ના હોય ને ! ઘડિયાળની ચાવી ફેરવું તો મારી ચાવી ક્યારે ફરે ? એટલે મેં કોઈ વસ્તુમાં ટાઈમ આપ્યો જ નથી.

રેડિયાને મેડનેસ કહી

અમારા ભઈબંધે મને કહ્યું કે 'રેડિયો લાવો.' મેં કહ્યું કે 'અલ્યા, રેડિયો ? અને તે હું સાંભળું ? તો મારા ટાઈમનું શું થાય ? આ માણસની પાસે સાંભળતા જ કંટાળો આવે છે, તો આ રેડિયો ના હોય અમારી પાસે ! એ બધી મેડનેસ છે !!'

ફોનની ખલેલ પણ વળગાડી નહીં

અમારા પાર્ટનર મને કહે છે કે, 'આપણે ફોન લઈએ ?' મેં કહ્યું, 'ના, એ વળગણ પાછું ક્યાં વળગાડીએ ?' આપણે નિરાંતે સૂઈ ગયા હોય તો ઘંટડી વાગે, એ ઉપાધિ ક્યાં વહોરીએ ? જેને ટાઢ વાતી હશે (મારું કામ હશે), તે આપણે ત્યાં અહીં આવશે. ટાઢ નહીં વાતી હોય તો અહીં આવવાનો નથી. અને આપણને કંઈ ટાઢ વાતી નથી. લોકો તો શોખની ખાતર રાખવાવાળા કે આપણો વટ વધે ! તે વટવાળા વટદાર લોકો માટે ઠીક છે. બાકી, આપણે વટદાર ન્હોય. આપણે મામૂલી આદમી, નિરાંતે સૂઈ રહેનારા, આખી રાત પોતાની સ્વતંત્રતાથી સૂવે ! એટલે એ ટેલિફોન કોણ રાખે ? ઘંટડી પાછી ખખડી કે ઉપાધિ ! ઘંટડી સહેજ ખખડી કે હું જાણું કે આ તો ઊંઘમાં ખલેલ કરી. વખતે માકણ-મચ્છર ખલેલ કરે, તે તો ફરજિયાત છે. પણ આ તો મરજિયાત ખલેલ, એ કેમ પોષાય ?

ફસામણથી ઊભી જંજાળ

અમે પહેલાં ગાડી રાખતા હતા. ત્યારે ડ્રાઈવર કહે, 'સાહેબ, ફલાણા પાર્ટ તૂટી ગયા છે.' હું તો (પાર્ટનું) નામેય ના જાણું. પછી મને થયું, આ તો ફસામણ છે ! ફસામણ તો વાઈફ જોડે થઈ તે થઈ ગઈ ને એની જોડે છોકરાં થયાં. તે એ એક બજાર ઊભું કરવું હોય તો કરાય પણ આ ફસામણનાં બે-ચાર બજાર હોય નહીં. આવાં પછી કેટલાં બજાર માથે લઈને ફર્યા કરીએ ?

આ તો બધી કોમનસેન્સની વાતો કહેવાય ! પેલો ડ્રાઈવર આમ પેટ્રોલ ગાડીમાંથી કાઢી લે ને પછી કહેશે કે, કાકા, પેટ્રોલ નાખવાનું છે ? હવે કાકા જાણે નહીં. આ શી પીડા ? તે પછી અમે ગાડી નહોતા રાખતા !

એક માત્ર શોખ, સરસ કપડાંનો જ ક્ત છેતરાયેલો એટલો જ કે લૂગડાં ફર્સ્ટ ક્લાસ પહેરું. એક ટેવ કહો કે માયા લાવેલો તે એટલી કે લૂગડાં સારાં પહેરવાની ટેવ ! બીજું કશું નહીં. ઓરડીઓ જેવી હશે તેવી ચાલશે.

પ્રશ્નકર્તા : સ્કૂલમાં જતાં જતાં જ પણ સારાં લૂગડાં જોઈએ ?

દાદાશ્રી : સ્કૂલમાં જતાં જતાંય, બધે, ગમે ત્યારે કપડું સરસમાં સરસ જોઈએ.

પણ સત્તર વર્ષે 'હું' ગરમ લોંગ કોટ પહેરતો હતો. એટલે આ કપડાં, એટલામાં જ શક્તિ વપરાયેલી. કપડાં સીવડાવવા માટે પાછું દરજીને કહેવું પડે, કે 'આમ જોજે હં, કોલર આવો હોવો જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ.' બાકી બીજા કશામાં શક્તિ નહીં વાપરેલી. પૈણવામાંય શક્તિ વાપરી નથી.

''મેં આખી લાઈફ રિસર્ચ (શોધખોળ)માં જ કાઢેલી. બધું રિસર્ચ જ કરેલું.''

ટીખળી સ્વભાવ પહેલેથી જ

મને નાનપણમાં મિજાજ જરા પાવરફૂલ હશે ને, તે સળી કરવાની ટેવ. તે મારા ફાધરે મને કહ્યું કે જા, ફલાણા વાણિયા શેઠને ત્યાં જા અને તને ચિઠ્ઠી લખી આપું છું. તે મારે તો રમવા જવું હતું ને ફાધરે આ વળગાડ્યું. એટલે ના કહેવાય નહીં. એટલે પછી એ લઈને ગયો. ત્યારે પેલો શેઠ છે તે કૂતરું રમાડ્યા કરે. પાળેલું કૂતરું હતું ને, તે આમ રમાડ રમાડ કર્યા કરે. મેં ચીઠ્ઠી આપીને પણ તે કશું જવાબ જ ન આપે. ત્યારે મારે ઉતાવળ હતી. મેં કહ્યું, 'આ વાણિયો જવાબ આપવાનો લાગતો નથી.' હું તો નાનો હતો તોય મોટાનેય ગાંઠું નહીં. તે એ કૂતરાને મોઢા પર, કપાળ પર આમ આમ હાથ ફેરવ્યા કરે. અને આ બાજુ કૂતરાનું પંૂછડું. એટલે હું એ બાજુ બેઠેલો, મેં જાણ્યું કે આ વાણિયો આમ સીધી રીતે ઉઠવાનો નથી. તે મેં કૂતરાની પૂંછડી દબાવી સારી કરીને. એવી દબાવી તે કૂતરાંએ બૂમ તો પાડી પણ એને બચકું હઉં ભરી લીધું. હવે એ કૂતરું છે એટલે એને ખબર નથી કે આ કોણે મારી પૂંછડી દબાવી ને એ કોને કરડે છે. પૂંછડી કોણે દબાવી ? મેં દબાવી અને કૈડે છે આ શેઠને. એટલે શેઠ એને મારવા માંડ્યા. ત્યારે મારા મનમાં એમ કે મારે લીધે બિચારા કૂતરાંને માર ખાવો પડે છે. મેં શેઠને કહ્યું, 'શેઠ, એનો દોષ નથી. એની પૂં

છડી મારા પગ નીચે આવી ગઈ.' 'હેં ? હેં ?' કહે છે. મેં કહ્યું, 'હા.' એમ કરીને જૂઠું બોલીને નિકાલ કરી નાખ્યો. આ કૂતરાં છે તે આવા નિમિત્તને બચકાં ભરે. એવી રીતે આપણા લોકોય કરે ! કૂતરાએ નિમિત્તને બચકું ભર્યું, પેલા શેઠને. એને ખબર નથી કે આ કોણ કરે છે. એવું આપણને ખબર નથી કે આ કોણે તોડ્યું અને પેલા નોકરને કૈડ કૈડ કર્યા કરે, નહીં તો 'વાઈફે કઢી ખારી કરી નાખી.' કહેશે. જુઓ, ખોટો આરોપ આપે છે ને ? એટલે આ બધું કૂતરાંની પેઠ, કૂતરું જેમ બચકું ભરે ને એમ આ લોકો ભર્યા કરે છે.

ભાગ્યો ભય, યમરાજનો

યમરાજનો ભય આખા હિન્દુસ્તાનમાં, નાના છોકરાને હોય. મને તેર વર્ષની ઉંમરે એટલો બધો ભય લાગ્યો'તો. આ સાંભળેલું ને કે ભઇ યમરાજ છે તે મરવાનું થાય એટલેે ત્યાં આગળ ફરવા આવે છે ને લઇ જાય છે. એટલે એક ફેરો અમારી જોડે પાડોશમાં એક વૃદ્ધ કાકા હતા તેય મરવાની તૈયારી પર જ હતા. એટલે પછી ત્યાં બધા લોકો જોવા આવે, હું ત્યાં જોવા બેસતો. પછી એક ફેરો રવિવાર હતો, તે બધાને કહેલું કે આજ મારે રવિવાર છે, હું સૂઇ જઇશ. કાકાને દવા આપીશ. એટલે બધા સૂવા ગયા ને હું ત્યાં રહ્યો, કાકાને દવા આપી, દસ-સાડા દસ પછી કાકાને જરા ઊંઘ આવી ગઇ અને અગિયાર થયા, ત્યારે બહારથી કૂતરું રડ્યું. ત્યારે મેં જ્ઞાન સાંભળેલું કે કૂતરું રડે એટલે જાણવું કે આ જમરા આયા, એ સાંભળેલું જ્ઞાન અસર કર્યા વગર રહે નહીં ને ! મેં સાંભળેલું તેનું વાંધો નહીં, પણ સાંભળેલા પર મને શ્રદ્ધા બેઠેલી, જો કૂતરાની સાંભળેલી વાત પર શ્રદ્ધા ના બેસી હોય તો વાંધો ના આવત. પણ મને શ્રદ્ધા બેસી ગયેલી. કોઇ પણ જ્ઞાન સાંભળેલું હોય તેનો વાંધો નથી, પણ શ્રદ્ધા ના બેસે તો કશું અસર ના થાય. એટલે પછી મને તો શ્રદ્ધા બેસી ગયેલી એટલે મને યાદ આવ્યું કે આ કૂતરું રડ્યું. હવે તો કાકાને લઇ જશે. એટલે મને તો ઊંઘ જ ન આવી. કાકા

ઘસઘસાટ ઊંઘ ે અને મને તો હમણાં લઇ જશે, હમણાં લઇ જશે, થયા કરે. પછી થાકીને સવારે થોડીવાર ઊંઘી ગયો અને પછી એકદમ ઝટકો મારીને ઊઠી ગયો તો ત્યારે કાકા ત્યાં ને ત્યાંં જ હતા. ત્યારે મેં કહ્યું, 'આ વાત ખોટી લાગે છે. જમરા આયો નથી, કશું આયું નથી. આ હિન્દુસ્તાનના લોકોનો વિશ્વાસ ના કરશો આવું તેવું.

એટલેે પછી મેં બહાર પાડ્યું, આ બધી તપાસ કરી અને આ જ વીસ-પચ્ચીસ વર્ષ પહેલા બહાર પાડી કે જમરા નામનુ જીવડું આ દુનિયામાં હતું જ નહીં. તે આ ખોટી ભડક છે, કાઢી નાખજો. કોઇ જમરા લેવા નથી આવતો. છે જ નહીં જમરો. જમરાની હયાતી જ નથી. કોઇ જન્મયોય નથી. આ તો તોફાન જ છે ખાલી. તો કહે છે કે 'ત્યારે બે-ચાર જણા આયા.' મેં કીધું, 'ત્યારે તોફાન ના હોય.' 'કંઇક એનું મૂળ તો હશે જ ને,' કહે છે. મેં કહ્યું, 'મૂળ તને કહી દઉં. આ યમરાજ જેવા હતા, નિયમરાજ. નિયમરાજ હતા તેનુ આ લોકોએ 'નિ' કાઢીને યમરાજ કરી નાખ્યું. નિયમરાજ એટલે કુદરતના કાયદાના આધારે આ બોલાવે. એમાં કેવડું મોટું ભૂત ઘાલ્યું ! લોકો સમજે કે હવે આ નિયમરાજ છેે, હવેે વાંધો નથી. આ સમજાય છે ને ? વગર કામના ભૂતા એટલા બધા ઘાલી દીધા છે, આખા દુનિયાના હું ભૂતા કાઢવા માટે આવ્યો છું.

સ્વભાવ, નિરીક્ષણ કરવાનો

નાનપણમાં અમે બિલાડીનું નિરીક્ષણ કરેલું. હું જાતે દહીંનું વાસણ મૂકી છાનોમાનો જોયા કરું. દહીં બગડે એની પડેલી જ નહીં. પણ જોવા ને જાણવા તો મળે ને !

આપણે ત્યાં પહેલાં આવડી નાની માટલીઓમાં દહીં કરતાં હતાં. બિલાડીને દહીં-દૂધ ખાવાની ટેવ હોયને, તે બિલાડી શું કરે ? એ મોઢું ઘાલે ચાખવા હારુ. કારણ કે એને સુગંધી આવી. સુગંધી આવી એટલે સમજી ગઈ કે મહીં દહીં છે. અને હવે છોડે એ બીજો. અને આજુબાજુ કોઈ છે નહીં. જોશથી મોઢું ઘાલતી વખતે સ્ટ્રેન્થ થાય, પણ પાછું ખેંચવું એ સ્ટ્રેન્થ ના થાય. એટલે પછી માટલી લઈને ફર્યા કરે. એવી બિલાડીને મેં જોયેલી. ધન્ય છે ! લોક દહીં ખાય, પણ તેં તો શીખંડ ખાધો !

આ તો આવી પ્રત્યક્ષ ફસામણ જાણ્યા છતાં પાછો ફસાય એવો મૂરખ કોણ ? આ બિલાડીને કેવું કે એક વખત મોઢું ફસાયું હોય છતાં પણ ફરી દૂધનું વાસણ જુએ ને પછી ભૂલી જાય ને છોડે નહીં ને પાછી ફસાય. પછી તે બહુ પસ્તાય, પણ ફસાયા પછી શું થાય ? આ એકવાર ફસામણ થઇ ગઇ હોય, તે પછી તેને યાદ રહેતું હશે કે આવું ફરી નહીં કરાય ? ના, એ તો શિક્ષા કરી હોય તોય ભૂલી જાય. આ માણસો ભૂલી જાય છે તો પછી જાનવરનું શું ગજું? આ દેહ આપણો ના થાય ને 'આ મારો, આ મારો' એવું બધાં કહે છે. અલ્યા, આ દેહ જ તારો નથી ને બીજાં તારાં શી રીતે થશે ?

તે મને આવું જડી આવે. ના હોય તો કોઈક મને દેખાડવા આવે, 'હેંડો મારે ત્યાં.....' તમારે એના માટે ટીખળી થવું પડે. ના થવું પડે ? મારું કહેવાનું કે ટીખળી સ્વભાવ ને, તેથી આ બધું જડેલું.

''મને તો નાનપણથી જ એક ચીજ એક ફેરો કડવી લાગી હોય તો તે ક્યારેય ભૂલાય જ નહીં. તે આ આખોય સંસાર નિરંતર કડવો લાગે છે. તે જુઓને, લોકોથી ભૂલાતો જ નથી !''

સમજાયું પરિણામ, રિસાવાનું

હું તો નાનપણમાં થોડું ઘણું કો'ક દહાડો રિસાયો હોઈશ. બહુ રિસાયેલો નહીં. તોય મેં સરવૈયું કાઢી જોયું કે રિસાવામાં તદ્દન ખોટ છે. એ વેપાર જ તદ્દન ખોટનો છે. એટલે પછી ક્યારેય પણ રિસાવું નહીં, એવું નક્કી જ કરેલું. કોઈ આપણને ગમે તે કરે તોય રિસાવું નહીં. કારણ કે એ બહુ ખોટવાળી વસ્તુ છે.

હું રિસાયેલો ખરો. તે દિવસે સવારનું દૂધ ગયું ! એટલે મેં તો નાનપણથી રિસાવાનું છોડી દીધેલું. મને થયેલું કે બહુ મોટું નુકસાન છે આ તો. તે પછી મેં તે દિવસે શું શું ગયું એનો હિસાબ કાઢ્યો, સાંજે હતા તેનાં તે પાછાં. મનાયા ત્યારે ઊલટું નુકસાન ગયું. તે મેં ખોળી કાઢ્યું. પછી રોફથી માન આપીને મને મનાવ્યો ! પણ સવારનું દૂધને બધું ગયું ને !

ત્યારે આ આડાઈ જ કહેવાય ને ! આપણે હઠે ચઢીએ કે 'મારું દૂધ આટલું ઓછું કેમ ?' અરે મેલને પૂળો, પી લે ને. ફરી વાર આપશે. બાને હું શું કહેતો હતો ? 'બા, તમે મને ને ભાભીને બધાંને સરખાં ગણો છો ? ભાભીને અચ્છેર દૂધ, તે મનેય અચ્છેર દૂધ આપો છો ? એને ઓછું આપો.' મારે અચ્છેર રહેવા દેવું હતું. મારે વધારવું નહોતું. પણ ભાભીને ઓછું કરો, દોઢ પાશેર કરો. ત્યારે બા મને શું કહે છે ? 'તારી બા તો અહીં છે. એની બા અહીં નથી ને ! એને ખોટું લાગે બિચારીને. એને દુઃખ થાય. એટલે સરખું આપવું પડે.' તોય પણ મારે મેળ પડે નહીં. પણ બા મને સમજાવ સમજાવ કરે, થીંગડાં માર માર કરે. એટલે એક ફેરો આડો થયો, તે પછી ખોટ ગઈ. એટલે મેં કહ્યું કે 'હવે ફરી આડું થવું નથી.' નહીં તો ત્યારે બધા કહેશે, 'ત્યારે એને રહેવા દો !' તે પછી એવું જ થાય ને !

''અમે નાનપણથી જ, ત્રણ વર્ષનો હતો ત્યારથી જ અપમાન જોયેલું જ નહીં. પણ નાનપણથી લોકોના અનુભવનો મને લાભ થાય. કશું હિતકારી હું ભૂલ્યો જ નથી...''

જગત છે પોલંપોલ

એક ફેરો ચાલીસેક વર્ષનો માણસ મરી ગયો'તો. તે એના બે મોટા ભાઈઓ હતા. એટલે માથે ઓઢીને પોક મૂકી. ત્યારે થયું કે અવાજ ક્યાંથી નીકળે છે ? ઊંડાણમાંથી અવાજ એવો નીકળ્યો કે મને તો ત્યાં જ રડવું આવી ગયું. ત્યારે હું ઊઘાડે મોઢે ખરેખર રડી પડેલો. પછી જોયું તો પેલાઓને તો કશી અસર જ થયેલી નહીં. પણ પેલાઓનું તે સાવ ખોટું નીકળ્યુંુ. ત્યારથી સમજી ગયેલો કે આ જગતમાં વિચારીને ઊતરવા જેવું છે. આ પગથિયા ઊતરવા જેવાં નથી. આ જગત જોખમકારક છે.

આ અલૌકિક ન્હોય, આ તો લૌકિક છે. લોકોને દેખાડવા હારુ છે. લૌકિક કહે છે ને આને ?

તે હું હઉ નાનપણમાં બહુ છેતરાયેલો. આગળ સાલ્લો ખેંચીને 'ઓ મારા ભાઈ રે' એવી તે બૂમ પાડેને ત્યારે મને તો મહીં રડવું આવી જાય, બળ્યું કે આ લોકો બહુ રડે છે ! તે મને મહીં બહુ દુઃખ થઈ ગયું અને પછી ખબર પડી મહીં સાવ પોલંપોલ છે. એટલે જ્યારે જોયું ત્યારે ખબર પડી કે આ બધું પોલું છે. ત્યાર પછી આપણને કહે કે આ તો લૌકિક છે, તું ન્હોતો સમજતો ? તે તું રડી ઊઠ્યો ?! ત્યારે હું સમજ્યો કે આંખે રડવાનું ન આવે તો આંખે પાણી ચોપડીને પણ બેસવું. નહીં તો પાછાં લોક કહેશે, 'પથરા જેવા કાળજાનો છે.' તે આ બધી દુનિયા પોલંપોલ છે. પણ રસ્તા સારા માટે કરેલા છે, એ ખોટા નથી.

આ જગતનું પોલ બધું હું જોઈ આવેલો. કારણ કે હું સાચો પુરુષ હતો. મને આવું લૌકિક ના ફાવે. આવું લૌકિક તો ફાવતું હશે ? રડવું એટલે રડવાનું જ આવે. પણ પછી મેં જોયું કે આ પોલું જગત છે. આ કંઈ સાચો વેપાર છે ? તમને કેવો લાગે છે ? ત્યારે આ ખોટોય નથી, આ તો લૌકિક છે. આપણે એવું લૌૈકિક કરવાનું. લૌકિક એટલે જેવો વ્યવહાર આપણી જોડે લોકો કરે, એવો આપણેય કરવાનો. તમને એ લૌકિક ગમે ?

આ થબોકા પાડીએ તો પોલા પાડીએ, નહીં તો વાગે ને ! ને લોક પણ કહેશે કે આમણે થબોકો પાડ્યો. એટલે આવો આ વ્યવહાર છે. આ લોક કાંણ કરે છે, કૂટે છે, તે ઘડીએ આપણે જોવા જઈએને, તો આમ કૂટે. તે આપણે જાણીએ કે હમણે આ છાતી ભાંગી નાખશે, પણ ના ભાંગી નાખે. બહુ પાકાં લોક છે ! એને લૌકિક કહે છે ને ?! એમાં કોઈ કાચો હોય તો માર્યો જ જાય, પણ લૌકિકમાં તો એને બીજે દહાડે કોઈક ગુરુ શીખવાડનાર મળી આવે કે, ''આવી રીતે થતું હશે ? જો આવી રીતે કરાય !!!'' એટલે પેલો ફરી એવી ભૂલ ના કરે. એટલે આમ છાતીએ મારે ખરાં, આપણને એવું દેખાય પણ એને વાગે નહીં ! લૌકિક એટલે વ્યવહાર. સબ રોતા હૈ તો આપણે પણ રોવાનું, પણ રડ્યા વગર રોવાનું. આ લૌકિકમાં બધી સમજ પડે છે, પણ આમાં સમજ પડતી નથી. આમાં સાચેસાચું રડે છે.

આમાંય વ્યવહાર વ્યવહારમાં છે ને કેવળ કેવળમાં છે. સબ સબકા બાંટ લિયા, પછી ઝઘડો જ નહીં ને ! આ તો બાંટ્યું નથી તેના ઝઘડા છે ને ! જ્યાં આપણું નથી ત્યાં લોકો ઝાલી પડ્યા છે, પણ બિચારાને સમજણ પડતી નથી ને ઝાલી પડે છે, એનો માર ખાય છે. પાછો ભાર ઊંચકે છે અને માર ખાય છે તે જુદો. અલ્યા, તારે માથે બોજો નથી, આ ભાર બધો ઘોડા પર જ જાય છે ! પણ તોય માથે લઈને ફર્યા કરે છે, એવું આ જગત છે.

એવું છે ને, કે વ્યવહાર બધો ઉપલક છે અને નિશ્ચય સાચો છે. હવે ઉપલક રકમો કંઈ આપણાથી ઓગાળી દેવાય ? આમ ઉપલક રકમો ઓગાળી દેતાં નથીને ? પણ આમાં તો ઉપલકને ઓગાળી ગયા. એ ઉપલકને જ જ્યાં સાચો માન્યો છે ! એટલે વાતને સમજવાની જરૂર છે ને !

પારકી જંજાળની ચિંતા ક્યાં સુધી ?

એક જણ મારા ઓળખાણવાળા હતા. તેમને ત્યાં બહારગામ ઉતર્યો હતો. તે મને કહે કે, 'મારા બનેવીની તબિયત હમણાં બહુ બગડી ગયેલી છે, જરા સીરીયસ છે. એટલે મને તો આખો દહાડો ચેન પડતું નથી. પરમ દહાડે જ ત્યાંથી ખબર જોઈને પાછો આવ્યો છું.' તે આમ ચિંતા કર્યા કરતો હતો. તેમની આ વાત સાંભળીને મનેય ચિંતા થવા માંડી. કારણ કે એમને જવાન ઉંમરના બહેન અને તે વખતે મને 'જ્ઞાન' થયેલું નહીં. પછી રાત્રે અગિયાર થયા ને વાતો કરતાં કરતાં પેલો ભાઈ તો નસકોરાં બોલાવવા માંડ્યો ! અને એના બનેવીની ચિંતાથી મને આખી રાત ઊંઘ ના આવી !! આ દુનિયા આવી હોય ? એના બનેવી હારુ હું જાગું છું, હું ઉપાધિ કરું છું અને એ નસકોરાં બોલાવે છે ! પછી મેં મારી જાતને કહ્યું, 'હું ક્યાં આ ડફોળ બન્યો !' જેનો બનેવી માંદો હતો તે ઊંઘી ગયો ને મેં વાત સાંભળી તો મને અસર થઈ ગઈ ! આ તો આપણે જ ડફોળ છીએ ! ત્યારથી હું દુનિયાને ઓળખતો થયો કે દુનિયા શું છે ? પછી સમજી ગયો કે આ જગત પોલમ્પોલ છે.

લાધી ખરી સમજણ બ્રહ્મચર્યની

નાનપણથી જ મને સારા સારા માણસો ભેગા થયેલા. એવા સંયોગો લઈને આવેલો. તે એક પુરુષ સિત્તેર વર્ષના દેખાવડા હતા. મેં કહ્યું, આ દેખાવડા શી રીતે હશે ? આમાં કંઈ જ્ઞાન-બાન હશે ? જ્ઞાની દેખાવડા હોય કે કાં તો બ્રહ્મચારી થોડો દેખાવડો હોય. એટલે મેં કહ્યું, 'આ પાટીદારમાં કંઈ જ્ઞાન હોય નહીં. માટે આપણે બધી તપાસ કરો.' તે અમારા સગા હતા. ત્યારે મારી સત્તર વર્ષની ઉંમર અને પાટીદારને ધંધો હોય નહીં ? એટલે મહીં તપાસ કરો કે આની પાછળ શું કારણ છે ? એટલે પછી એક દહાડો હું એમને ત્યાં ગયો. ત્યારે મેં કહ્યું, 'કાકા, હું ઘેર જઈ આવું,' એ ડેલામાં બેસી રહે. ઘરેય ખરું ને ડેલુય ખરું. ત્યાં બેસવાનું, બેઠકનો રૂમ. નવું નવું જુદું. ત્યાં ઘરથી બસો-ત્રણસો ફૂટ છેટે. 'ના, બેસને, અહીં ચા મંગાવું છું તું બેસ અહીં. મારી ચા આવશે, તું થોડી ચા પીજે.' ત્યારે મને ગમ્યું, મારે એમની જોડે કોઈપણ રસ્તે વાત કરવી'તી. એટલે પછી મેં કહ્યું, 'કાકા, તમે ક્યાં સૂઈ જાવ છો ?' 'મારે અહીં સૂઈ જવાનું.' મેં કહ્યું, 'કેટલા વર્ષથી ?' ત્યારે કહે, જ્યારથી પૈણ્યો ત્યારથી અહીં. હેં ! હું તો ચમક્યો. ત્યારે હું વધારે ઊંડો ઉતર્યો. કાકા, મને આમાં ઈન્ટરેસ્ટ છે ! તમે થોડી વાત કરો ને. આ કાકી કોઈ

દા'ડો અહીં આવે છે ?

ત્યારે કહે, 'મહિનામાં બે દા'ડો બોલવવાના, બસ.' મેં કહ્યું, 'આ હારો ચમકાટ ? આ શેનું અજવાળું ? ક્યાંથી લાયા ? અને પાટીદાર જેવો ?' ત્યારે મેં કહ્યું, 'શું કરો છો ?' ત્યારે કહે, કોઈ દા'ડો એક પથારીમાં સૂઈ ગયો નથી. એક પથારીમાં જો બેઉ-જણ તો, બેઉ સ્ત્રીઓ થઈ ગઈ. એનો સંગ લાગ્યો. અને મને સંગ લાગ્યો નથી. ધન્ય છે કાકા ! આ ઉંમરમાં ! હું તો સજ્જડ થઈ ગયો. ત્યારથી મને એ ચેપ લાગી ગયો'તો. પછી જુદી પથારી સમજતો થયો. અને અત્યારે તો બાપ દિકરાને કહે છે, જા તું ડબલબેડ લઈ આવ, ભલે ત્રણસો ડોલર લેતા હોય. એટલે પેલો એવું જાણતો નથી કે બાપાયે ડબલબેડમાં હતા. દાદાયે ડબલબેડમાં હશે. મૂઆ, દાદાને હતા નહીં આવા ડબલબેડ ! આવું ના બોલવું જોઈએ છતાં જો બોલું છું ને ! આવું ના બોલવું જોઈએ ને ?

એટલે ઠોકરો ખઈ ખઈને આ જ્ઞાન ઊભું થયું છે, સૂઝ ઊભી થઈ છે. જ્યારે ઠોકર વાગી કે સૂઝ ઊભી થઈ જાય. અને એ સૂઝ મને કાયમ હેલ્પિંગ જ રહે.

અવળું જ સવળું કરશે

૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે, 'અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને આ લોકોની શી દશા થશે ?' પછી બીજો વિચાર આવ્યો કે, 'શું આ વિચારનો ઉપાય આપણી પાસે છે ? આપણી પાસે કોઇ સત્તા છે ? કોઇ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો. જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઇગોઇઝમ છે.' પછી વિચાર આવ્યો કે, 'શું આ હિન્દુસ્તાનનું આમ જ થવાનું છે ?' તે દહાડે અમને જ્ઞાન નહોતું. જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું. ૧૯૫૮માં જ્ઞાન થયું તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ? કંઇ અજ્ઞાન કોઇએ લઇ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરુંં જ ને? પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે, 'જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.' આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા. (દાદાશ્રીનું આ દર્શન આજે સો ટકા સત્ય સિદ્ધ થયું છે. આવાં સાધનોની મદદથી આજે દાદા ભગવાનનું 'અક્રમ વિજ્ઞાન' ઘેર ઘેર પહોંચી ગયું છે.)

રાહ જોવા કરતાં, ઉપયોગની ગોઠવણી

જ્યારે બાવીસ વર્ષનો હતો, એક જગ્યાએ એક મિનિટ માટે બસ ચૂકી ગયો. હાલોલ રોડ ઉપર હતો, ત્યાં એક ગામ છે, ત્યાં આગળ હતો ને બસ આવી. અને હું આમ આવેલો કલાક પહેલેથી, પણ ચા પીવા હોટેલમાં ગયો હતો. તે હોટલમાંથી આવતાં જરાક એક મિનિટ મોડું થયું ને બસ ઊપડી ગઈ. એટલે આ વિષાદનું સ્થાન કહેવાય. જો પહેલેથી જ ના આવ્યા હોત અને તે ઘડીએ જો બસ આવી હોત તો આપણે જાણીએ કે 'લેટ' થયા ચાલો. તો બહુ વિષાદ ના થાય. આ તો પહેલેથી આવ્યા ને ગાડી ના પકડાઈ ! અને દોઢ કલાક પછી બીજી ગાડી આવે.

હવે ત્યાં આગળ મારે જે દોઢ કલાક રાહ જોવાનું થયું ને, ત્યાં સ્થિતિ શું થઈ ? એટલે એય મહીં મશીન ચાલ્યા કરે ! હવે એ ઘડભાંજ કેટલી થાય તે ! મજૂરને પચાસ ઘડભાંજ થાય ને મને લાખ થાય ! તે જરાય કશું ગમે નહીં, ઊભું રહેવાનું ગમે નહીં. કોઈ કહેશે, 'આવો, બેસો' અને ગાદી હોય તોય પણ ગમે નહીં. હવે દોઢ કલાક તો વીસ કલાક જેવા લાગે. એટલે મેં કહ્યું કે, મોટામાં મોટી મૂર્ખાઈ હોય તો આ રાહ જોવી તે છે. કોઈ પણ માણસની કે કોઈ વસ્તુની રાહ જોવી એના જેવી ફુલિશનેસ આ દુનિયામાં નથી !! એટલે ત્યારથી, બાવીસ વર્ષની ઉંમરથી રાહ જોવાનું બંધ કરી દીધું. અને જ્યારે રાહ જોવાનું થાય ને, તે ઘડીએ બીજું કામ સોંપી દીધેલું. રાહ તો જોવી જ પડે, છૂટકો જ નહીં ને ! પણ એને બદલે આપણે જાણ્યું કે આ રાહ જોવાનો ટાઈમ બહુ સરસ છે. નહીં તો ફાંફાં માર માર કરે કે એ ગાડી આવી કે નહીં. એટલે તે ટાઈમ અમે બીજી ગોઠવણી કરી દીધેલી. એટલે પછી અમને નિરાંત ! આપણે કશું ગોઠવણી થાય કે ના થાય ?

કોઈ પણ જાતની ગોઠવણી ! એટલે તે દહાડે હું શું કરતો હતો ? કોઈ સંતોનું હોય અગર તો કૃપાળુદેવનું હોય, એ શબ્દો હું બોલું નહીં, એને હું વાંચું. બોલે ત્યારે ગોખેલું કહેવાય.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે વાંચો, દાદા ? ચોપડી વગર કેવી રીતે વાંચો ?

દાદાશ્રી : ચોપડી વગર વાંચું. મને તો 'હે પ્રભુ' એ પેલાં પદો લખેલાં દેખાય ને હું વાંચ્યા કરું. નહીં તો મન ગોખે, તો પાછું પેલું સંકલ્પ-વિકલ્પ ચાલુ ! અને પેલું ગોખવાનું તો રહ્યું એટલે મન થયું નવરું. 'હે પ્રભુ, હે પ્રભુ' બોલ્યા કરે અને મન નવરું પડ્યા કરતું હોય, તે મન બહાર જતું રહેલું હોય. એટલે મેં એડજસ્ટમેન્ટ લીધેલું. તે આમ સામે દેખાય,

''હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ,

હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.''

એ શબ્દ-શબ્દ સાથે જ બધું, અક્ષર, માતર-બાતર, બધું સાથે દેખાય ! કૃપાળુદેવે બીજો રસ્તો બતાડ્યો હતો, કે ઊંધું બોલ, છેલ્લેથી ઉપર આવ. ત્યારે લોકોને એનીય પ્રેક્ટિસ પડી ગઈ, ટેવ પડી ગઈ. મનનો સ્વભાવ એવો છે કે તમે જેમાં ઘાલોને, એને ટેવ પડી જાય, ગોખી નાખે. અને આ વાંચવાનું એમાં ગોખાય નહીં, આંખે દેખાવું જોઈએ. એટલે આ અમારી મોટામાં મોટી શોધખોળ છે, વાંચવાની. અને પછી આ બધાને શીખવાડેલું કે વાંચીને બોલો.

પ્રશ્નકર્તા : પણ દાદા, આ બાવીસમે વર્ષે આ તાકાત હતી ?

દાદાશ્રી : હા, બાવીસમે વર્ષે એ તાકાત હતી.

મૂંઝવણમાં ખીલી આંતરસૂઝ

એટલે આ મૂંઝાયો માટે આ જ્ઞાન નીકળ્યું. દોઢ કલાક જો મૂંઝાયો ના હોત....

પ્રશ્નકર્તા : એક મિનિટ ચૂક્યા ના હોત...

દાદાશ્રી : એ મિનિટ ચૂક્યાને, તેના ફળરૂપે આ જ્ઞાન ઊભું થયું. એટલે પછી મેં ક્યારેય રાહ જોઈ નથી, બાવીસ વર્ષની ઉંમરથી. ગાડી આજ સાડા ત્રણ કલાક 'લેટ' છે, એટલે આપણે જેમ તેમ ટાઈમ પસાર ના કરીએ અને આપણે ઉપયોગપૂર્વક રહેવાનું.

કરી કળા બહારવટિયા જોડે

અમને આખી જિન્દગીમાં એક ફેરો બહારવટિયા મળ્યા હતા. તે પછી કળા કરી છટકી ગયા. બાવીસ વર્ષની ઉંમરે એક કામ પર જવાનું હતું. તે દહાડે પાંચ વાગ્યાની ગાડીમાં બેસવાનું હતું, વિશ્વામિત્રી સ્ટેશનથી. તે વધારે રૂપિયા નહોતા પણ હજાર રૂપિયા લઈને કામ પર જવાનું હતું. પણ તે દહાડે હજાર રૂપિયા એટલે આજના વીસ હજાર રૂપિયા જેવા ! મારી જોડે એક નોકર હતો. તે મને કહે, 'ચાલો પહેલાં આપણે જરા નાસ્તો-પાણી કરીએ સારી રીતે, પછી જવાય છે.' એટલે નાસ્તો-પાણી કરવા ગયા. ત્યાર હોરો ટાઈમ થઈ ગયો અને ઘોડાગાડી પહોંચી સ્ટેશને, ત્યારે ગાડી ઊપડતી હતી એવું જોવામાં આવ્યું. હવે ઘેર જઈએ તો મોટાભાઈનો તો બહુ ભય ! મારા કરતાં વીસ વર્ષ મોટા હતા, એટલે ભય બહુ ! એટલે મેં કહ્યું, 'આ તો ઉપાધિ થઈ.' પછી મેં પેલાને કહ્યું, 'અલ્યા, આપણે ચાલીને જઈશું ? અહીંથી અગ્યાર માઈલ છે.' ત્યારે પેલો કહે છે, 'હા, કશો વાંધો નહીં, પણ આ રૂપિયા છે પાસે તે ?' મેં કહ્યું, 'એ બધું મારે સાચવવાનું. તું ચાલીશ ખરો ને ?' ત્યારે કહે, 'હા, ચાલીશ ?' તે ત્યાંથી આઠ માઈલ ગયા ત્યારે એક પાદરા કરીને ગામ આવ્યું. ત્યાં ચા-નાસ્તા કર્યા. મને ખબર હતી કે આ નંગોડો, આ ક્વૉલિટી દશ, અગ્યાર કે બાર વાગેને, એટલે ભેગા થયા વગર

રહે નહીં

. એટલે પછી રેલ્વેના પાટે ચાલ ચાલ કર્યું. ત્યાં એક બાવડી આવી, એક તલાવ ! તે જે ગામમાં રેસ્ટહાઉસમાં મુકામ કરવાનો છે, ત્યાં જ આવું આવ્યું. હવે ત્યાંથી રેસ્ટહાઉસ પા કલાકનો રસ્તો થાય. લોકોએ અમને કહેલું કે પેલી બાવડીમાં બહારવટિયા બેસી રહે છે. ત્યાં આવ્યા એટલે હું સમજી ગયો, મને અણસારો માલમ પડ્યો કે આ નીચે બધા બેઠેલા છે. એટલે હું રેલ્વે લાઈન ઉપરથી સ્લોપમાં નીચે ઉતર્યો અને એમના તરફ ગયો. પેલો મારો નોકરેય મારી પાછળ આવ્યો. રૂપિયા મારી પાસે નહીં રાખેલા, એને લંગોટમાં બાંધવા આપેલા. હું તો પેલા બહારવટિયા પાસે જઈને બેઠો ! તે બહારવટિયાઓએ બુકાની બાંધેલી એટલે ઓળખાય નહીં ને અંધારું ઘોર ! સાધારણ દેખાય, આ તારાઓના લીધે અજવાળામાં. તે બહારવટિયા કહે છે, 'ક્યાંથી આવ્યો ?' ત્યારે મેં કહ્યું, 'ભઈ, આ તો ટિકિટના પૈસા નહોતા, તે ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા છીએ.' પછી મેં કહ્યું, 'આ ભઈ મળ્યા, તે મેં કહ્યું કે હેંડ, બીડીઓ પીજે નિરાંતે ! અને અહીંયા તો બહારવટિયાઓનો ભો ને, તે અમને તો ગભરામણ લાગતી હતી. તમને દેખીને તો અમને ગભરામણ બંધ થઈ ! તે આ તમે મળ્યા તો સારું થયું !' ત્યારે બહારવટિયા કહે, 'ઊઠ અહીંથી, હવે આગળ ચાલવા માંડ. બહુ દોઢડાહ્યો, ડહાપણ ના કરીશ !

'

એટલે હું સમજી ગયો કે આ લોકોએ પાસ આપી દીધો આપણને. એટલે ચાલીને પછી અમે ત્યાં રેસ્ટહાઉસમાં ગયા. એટલે ત્યાં રેસ્ટહાઉસમાં પગી કહે છે, 'ક્યાંથી આવ્યા શેઠ ?' મેં કહ્યું, 'આમથી.' 'અત્યારે કઈ ગાડી ?' મેં કહ્યું, 'ગાડી નહીં, ચાલતા આવ્યા.' ત્યારે કહે, 'આ પેલી બાવડી આગળ કોઈ ભેગા ના થયા ? અહીંથી હમણે જ ગયા.' મેં કહ્યું, 'ભેગા થયા ને એમણે પાસ આપ્યો ત્યારે તો અમે અહીંયા આવ્યા.' ત્યારે કહે, 'તમને કર્યું કશું ? માર્યા નથી ને ?' ત્યારે મેં કહ્યું, 'ના, માર્યા નહીં ને પાસ આપી દીધો. એ તો સહેજ તુંકારો કરીને ટૈડકાવે એટલું જ, કે ઊઠ અહીંથી, જા છાનોમાનો.' એ જાણે કે આ તો માથે પડ્યા ! હું સમજું કે આ જરાક નાટક કરીશુંને, એટલે જવા દેશે. એટલે નાટક કરવાનું. અને આ જગત જ નાટક છે ને ! હું આમનો જમાઈ થયો, એ નાટક નથી ? કોઈ સાચો જમાઈ હોતો હશે ?

મને તો બધી કળા આવડે ! રૂપિયા પેલાની લંગોટમાં ભરાઈ રહેલા, અને એના કપડાં મારા કરતાં જરા રાશી ને મારા કપડાં તો ઈસ્ત્રીટાઈટ ! એટલે પેલા લોકો ખંખેરે તો મને ખંખેરી લે ! તો હું તો કહી દઉં કે લે ભાઈ, તું તારે આ કોટમાંથી લઈ લેજે, જે હોય તે. ને મહીં કોટમાં પરચુરણ રાખેલું, દસ-વીસ રૂપિયાનું. હા, નહીં તો એમને ભાગે કશું ના આવેને ! એ જો કાઢી લેત તો આપી દેત. પણ પેલા રૂપિયા લંગોટમાં અનામત રહેત !

રહેવાનું સ્થાન, પણ વિચારણાપૂર્વક

પહેલાં તો અમે પટેલોની પોળમાં રહેતા હતા. અમારા મોટાભાઈ પટેલો જોડે વ્યવહાર રાખતા. તે મને એ વ્યવહાર પોષાતો નહીં. નાનો હતો પણ મને પટેલોની જોડે રહેવાનું પોષાયું નહીં. શાથી ના પોષાયું કે આમ ઉંમર તો બાવીસ વર્ષની, પણ અહીં મુંબઈ અમથો ફરવા આવું ને પાછા જઈએ ત્યારે હલવો લઈ જઈએ. આમ સસ્તો, તે લઈ જઈએ. તે અમારાં ભાભી બધાં પાડોશીને આપે. એવું એક-બે વખત લઈ ગયેલો ને એક વખત ભૂલી ગયો. તે બધા પાડોશીઓ જેને તે મળેને તે કહે કે 'આ ફેરો હલવો ના લાવ્યા ?' મને થયું કે, 'આ પીડા નહોતી ને ક્યાંથી આવી ? પહેલાં આવી પીડા નહોતી. કોઈ ના લાવ્યા એવું તેવું અપમાન કરતું નહોતું. આ લાવ્યા તે જ આપણે ભૂલ કરી. એક વખત લાવ્યા, બે વખત લાવ્યા ને ત્રીજી વખત ના લાવ્યા એટલે વેશ થઈ પડ્યો. લ્યો, આ ન લાવ્યા. તે હવે આપણે ફસાયા. એટલે આ લોકો જોડે વ્યવહાર કરવા જેવો નથી.'

અમે ઘરમાં કહી દીધેલું કે આપણે ત્યાં જે કોઈ લેવા આવે તો તે આપવું. પાછું આપી જાય તો લેવું, પણ માગવું ક્યારેય નહીં. એક ફેરો આપ્યું હોય, બીજી વખત ફરી આપવું પડે, ત્રીજી વખત આપવું પડે, સો વખત આપવું પડે, તોય પાછું માગવું નહીં. આપી જાય તો લેવું. પણ એ વણિકોનો વ્યવહાર એવો સુંદર કે વણિકોને ત્યાં આ હલવાનું આખું ચકતું મોકલાવી આપીએ અને આવતા વખતે અરધો ટુકડો કે પા ટુકડો મોકલાવીએ તોય બૂમ નહીં, બરાડા નહીં. અને એકાદ વખત કંઈ ના મોકલીએ તોય બૂમ-બરાડો નહીં. તે એમની જોડે પોષાય. આપણને બૂમ-બરાડાવાળા જોડે શી રીતે પોષાય ?

બાકી એ ક્ષત્રિય, આમનો વ્યવહાર બધો કેવો હોય ? એ કહેશે કે માથું જરૂર હોય તો અમારું માથું લઈ લેજો પણ તમારું અમને આપજો. માથું જ આપવા-લેવાની તૈયારીઓ. આમના સોદા કેવા ? મોટા જ. સટ્ટાના બહુ મોટા બિઝનેસ, માથા જ લે-મેલ કરવાનાં. એટલે આપણે આ માથું આપવાનું-લેવાનું પોષાય નહીં. આપણને કોઈનું માથું જોઈતુંય નથી અને એ પાછો આપણું માથું લેવા આવે. એવા સોદામાં આપણે પડવું જ નથી. એટલે નક્કી કર્યું કે વણિકોની જોડે રહો. વણિકનો માલ થોડો ક્ષત્રિયમાં નાખીએ અને ક્ષત્રિયનો માલ થોડો વણિકમાં નાખીએ અને પછી જે મિક્ષ્ચર થાય એ બહુ સરસ થાય. ખટ-મીઠું ત્યારે થાયને, ને ત્યારે શ્રીખંડ સરસ થાય.

એક માણસ મને કહે કે રાવણનું રાજ શાથી જતું રહ્યું ? ત્યારે મેં કહ્યું કે, 'શાથી ગયું, મને સમજણ પાડને ?' ત્યારે કહે છે કે 'જો સેક્રેટરી-એનો દિવાન એક વાણિયો રાખ્યો હોતને, તો રાજ ના જાત !' મેં કહ્યું, કે 'શી રીતે ના જાત ?' ત્યારે કહે છે, સીતાની વાત નારદે કરી કે સીતા બહુ રૂપાળી છે, આમ છે ને તેમ છે. તે ઘડીએ રાવણના મનમાં પાણી ચઢી ગયું કે ગમે તે રસ્તે સીતા પ્રાપ્ત કરવી છે. તે વખતે જો વણિક એનો દિવાન હોત તો એમ કહેત કે, 'સાહેબ, થોડી વખત ટકોને, મેં બીજી બહુ સરસ જોઈ છે, એવી સરસ સ્ત્રી જોઈ છે.' એટલે રાવણને અણી ચૂકાવત અને અણી ચૂક્યો સો વર્ષ જીવે. તે આ વાત પેલા માણસે મને કહેલી. મેં કહ્યું, 'વાત તો ડહાપણની છે. આપણને અણી ચૂકાવવા માટે જોઈએને !' એટલે આ વણિકોની જોડે, બે બાજુ વણિક હોયને, તેની જોડે રહેવાનું થયું, આ ચાલીસ વર્ષથી !

લઘુતમ શીખતા જડયા ભગવાન

પ્રશ્નકર્તા : આપ કહેતા હતાને કે 'અમને પાંચ આજ્ઞા પહેલેથી વર્તતી હતી', તો તે અંગે આપના અનુભવ અમારે જાણવા છે.

દાદાશ્રી : નાનપણમાં ગુજરાતી સ્કૂલમાં એક માસ્તરે મને કહ્યું, 'આ તમે લઘુતમ શીખો.' ત્યારે મેં કહ્યું, 'લઘુતમ એટલે શું કહેવા માગો છો ? લઘુતમ શી રીતે થાય ?' ત્યારે કહે છે, 'આ બધી રકમો જે આપી છે એમાં નાનામાં નાની રકમ, અવિભાજ્ય રકમ, જેને ફરી ભાગી ના શકાય એવી રકમ, એ શોધી કાઢવાની છે.' ત્યારે હું તે વખતમાં નાની ઉંમરમાં, પણ માણસોને શું કહેતો હતો ? આ રકમો સારી નથી, શબ્દ એવો બોલતો હતો. તે મને આ વાત માફક આવી. એટલે મને એમ લાગ્યું કે આ 'રકમો'ની અંદર પછી એવું જ છે ને ! એટલે ભગવાન બધામાં અવિભાજ્યરૂપે રહેલા છે.

એટલે ત્યારથી જ મારો સ્વભાવ લઘુતમ ભણી ઢળતો ગયો. તે લઘુતમ થયું નહીં પણ ઢળ્યો ખરો. પણ છેવટે લઘુતમ થઈને ઊભો રહ્યો. અત્યારે 'બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, આઈ એમ કમ્પ્લિટ લઘુતમ' અને 'બાય રિયલ વ્યૂ પોઈન્ટ, આઈ એમ કમ્પ્લિટ ગુરુતમ.' એટલે આ સંસારની બાબતોમાં, જ્યાં સુધી સંસારી વેશ છે, તે બાબતમાં હું લઘુતમ છું. એટલે આ લઘુતમની 'થિયરી' પહેલેથી 'એડોપ્ટ' થઈ ગયેલી.

રમતા રમતા વિચાર્યું, 'કર્તા કોણ'

અમે નાનપણમાં એવું રમીએ. પેનોના નાના ટૂકડા ડબીમાં નાખે. બધા ધારી ધારીને નાખે. તે સાતમાંથી ત્રણ-ચાર ડબીમાં પડીને બહાર નીકળી જાય, ને હું એમ ને એમ ધાર્યા વગર નાખું, તે ચાર-પાંચ પેનો ડબીમાં પડે. તે હું વિચારું કે, 'જો આપણે કર્તા હોત તો મારી એકુંય પેન ડબીમાં ના જાય. કારણ મને તો આવડતું ન્હોતું ને પેલા ધારી ધારીને નાખે તોય ના પડે. આવું છે બધું વ્યવસ્થિત.'

બધાંને રાજી કરી, કર્યો સમભાવે નિકાલ

મારે એવું બનતું કે, જે ફ્રેન્ડને ત્યાં ગયો હોય તે ફ્રેન્ડને ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા હોય, તો કહેશે, 'ના, તમારે જમવા બેસવું જ પડે, તમારે ચાલે જ નહીં.' એટલે હું કહું કે મારી તબિયત નથી સારી જરાક. ફરી કોઈ દા'ડો પણ બહુ આગ્રહ કરે તો જરા જરા ત્યાં ખઉં, પછી બીજી જગ્યાએ હઉ ખઈ લઉં, અને પાછો ઘેર ના ખઉં, તો બા કહેશે, તમે મારી જોડે ખાતા નથી, હું તમારી જોડે ખઉં છું ને ! એટલે પાછો બા જોડે ખઉં !

પ્રશ્નકર્તા : બાને 'ના' કહે તો ના ચાલે ?

દાદાશ્રી : ના, જો હું ના ખાઉં, તો બાને મન દુઃખાય. એટલાં માટે તો હું બધાને ત્યાં થોડું થોડું ખઉં અને ઘેર આવીને થોડુંક ખઉં. નાનપણમાંથી આવો પ્રયોગ કરેલો. ત્રણ વખત દિવસમાં જમવાનું, બપોરે જમવામાં એક વખત હોય તેને બદલે ત્રણ વખત થતું'તું, પણ બધાને રાજી રાખતો'તો. ભઈબંધનેય રાજી રાખતો'તો, પેલાં બીજાનેય રાજી રાખતો'તો ને બાનેય રાજી રાખતો. આવું મારા જેવું તો કોઈ કરતો જ નહીં હોય. પણ બાને તો થાતું હશે ? બાને તો મોટંુ અને પેલા ફ્રેન્ડનેય રાજી રાખવો પડે. કારણ કે એને તો કો'ક દા'ડો ગેસ્ટ આવ્યા હોય ને મારા જેવો ને ના બેસાડે, તો એને પાછું બિચારાને દુઃખ થાય. અમારે તો બધાને યુ આર કરેક્ટ, યુ આર કરેક્ટ ને યુ આર કરેક્ટ.

મને નાનપણથી જ ટેવ હતી કે મને કોઈ જ્ઞાનની વાત કરે ત્યારે હું વિજ્ઞાનમાં લઈ જાઉં. મારો વિજ્ઞાની સ્વભાવ તો નાનપણથી જ હતો. વિજ્ઞાની એટલે મૂળ શબ્દ જડ્યો, તે પછી હું ક્યાંય સુધી પહોંચી જાઉં. વાત જ્ઞાનની ચાલતી હોય તે હું એમાંથી તો કંઈની કંઈ શોધખોળ કરી નાખું.

- જય સચ્ચિદાનંદ