દોષોથી વિમુક્ત થવાનો ઉપાય - 'પ્રતિક્રમણ'

સંપાદકીય

અતિ દુર્લભ એવા આ મનુષ્ય જીવનમાં ધ્યેય શું હોવો જોઈએ ? સાંસારિક ધ્યેય ભલે ગમે તે હોય પણ આત્મધ્યેય તો સર્વે દોષોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરવાનો જ હોવો જોઈએ. નિર્દોષ દ્ષ્ટિ કેળવી, દોષ રહિત થવાનો પુરુષાર્થ ના ચૂકાવો જોઈએ.

આપણા રોજબરોજના વ્યવહારમાં, સાંસારિક સંબંધોમાં જાણે-અજાણે ઘરનાને, વડીલોને, સગા-સંબંધીઓને, મિત્રોને, આશ્રિતોને મન-વચન-કાયાથી દુઃખ અપાઈ જાય છે. ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી અતિક્રમણ થઈ જાય છે અને અતિક્રમણોથી સર્જાય છે, કષાયો ને દુઃખની પરંપરા... સુખ-શાંતિ ને આત્યંતિક મુક્તિ માટે અતિક્રમણોથી છૂટવા માટેનો ઉપાય શો ? અક્રમ વિજ્ઞાની જ્ઞાનીપુરુષ દાદાશ્રી આ રહસ્યનો ફોડ પાડે છે કે માણસનો દોષ થવો સ્વાભાવિક છે પણ એનાથી વિમુક્ત થવાનો રસ્તો છે એક માત્ર 'પ્રતિક્રમણ.' પ્રતિક્રમણ એટલે સમજપૂર્વક પોતાની ભૂલો-દોષોથી પાછા ફરવું તે. જેમ કપડાં પર ચાનો ડાઘ પડતાં તરત ધૂએ છે તેમ અંતઃકરણમાં ઊભા થતાં દોષોનું પણ શૂટ ઓન સાઈટ (દોષ થતાં તુરંત જ) પ્રતિક્રમણ હોવું જરૂરી છે અને તો જ આત્માનો સાચો આનંદ અનુભવાય.

જગત ઊભું થયું છે જ અતિક્રમણથી, જે વિરમે પ્રતિક્રમણથી. જ્યારે આપણે સર્વ કષાયો (ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ) ને વિષયવિકાર દોષોથી પ્રતિક્રમણ કરીને મુક્ત થઈશું ત્યારે જ ખરા અર્થમાં મુક્તિના અધિકારી થઈશું. જ્ઞાનીપુરુષ દાદાશ્રી વાણીથી, વિચારથી, તિરસ્કાર-તરછોડથી, પકડો-આગ્રહોથી, મશ્કરી કરવાથી, શંકા કરવાથી, વેર-ઝેર રાખવાથી થતાં અતિક્રમણો સામે કેવી રીતે યથાર્થ પ્રતિક્રમણ કરી એ દોષોમાંથી છૂટાય તેની સાચી સમજ આપે છે. સાધુ-સાધ્વી, ધર્મ સંબંધી કે મૃત્યુ પામેલાનો અવર્ણવાદ ન કરાય તેની જોખમદારી સામે લાલબત્તી ધરી પ્રતિક્રમણથી હળવા થવાનો માર્ગ બતાવે છે. જ્ઞાનીપુરુષ પોતાનાથી થતાં સૂક્ષ્મ દોષોનું વર્ણન કરી પ્રતિક્રમણથી જ સર્વ દોષોથી મુક્ત થવાય તેની સચોટ સમજણ આપે છે. દાદાશ્રી જ્ઞાન થયા પછી ચાર વર્ષ સુધી પોતાના ઘરનાં, મિત્રો, સગા-સંબંધીઓ તમામ પરિચિત વ્યકિતઓના પ્રતિક્રમણ કરી કરીને તમામ દોષોથી મુક્ત થયા હતા.

આપણે જ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્મા થયા પણ આ પુદ્ગલ (દેહ-ફાઈલ નં.૧) નો છૂટકારો તો થવો જોઈએને, એટલે જ્યાં સુધી એને દોષોના પ્રતિક્રમણ નહીં કરાવો ત્યાં સુધી છૂટકારો નહીં થાય. દાદાશ્રી કહે છે કે આ પ્રતિક્રમણના પંપનો ફોર્સ એવો છે કે તે વાપરવાથી પાંચ આજ્ઞા પાળવાનો ફોર્સ વધતો જશે. પ્રતિક્રમણ જ તમને જ્ઞાનજાગૃતિના ટોપ પર લઈ જશે અને દોષરહિત થયે એક દિવસ ભગવાનપદ આવીને ઊભું રહેશે.

જ્ઞાની પુરુષ દાદાશ્રી એમની મૌલિક જ્ઞાનવાણીમાં પ્રતિક્રમણ કેવી રીતે કરવાના, કોણે કરવાના, સાચા પ્રતિક્રમણ કોને કહેવાય વગેરેનો અદ્ભૂત ફોડ આપેલ છે, જે અત્રે પ્રસ્તુત સંકલનમાં સંકલિત થયેલ છે. જે સર્વ મુમુક્ષુઓ-મહાત્માઓને અતિક્રમણ દોષોમાંથી મુક્ત થવા અવશ્ય સહાયક બનશે.

દીપક દેસાઈ

 

જીવનમાં કરવા યોગ્ય...

પ્રશ્નકર્તા : મનુષ્યે આ જીવનમાં મુખ્યપણે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : મનમાં જેવું હોય, એવું વાણીમાં બોલવું, એવું વર્તનમાં કરવું. આપણે જે વાણીમાં બોલવું છે અને તે માટે મન ખરાબ હોય તો તેનું પ્રતિક્રમણ કરવાનું અને પ્રતિક્રમણ કોનું કરવું ? કોની સાક્ષીમાં કરશો ? ત્યારે કહે, 'દાદા ભગવાન'ની સાક્ષીએ પ્રતિક્રમણ કરો. આ દેખાય છે તે 'દાદા ભગવાન' ન્હોય. આ તો ભાદરણના પટેલ છે, એ. એમ. પટેલ છે. 'દાદા ભગવાન' અંદર ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયેલો છે, એટલે એના નામથી પ્રતિક્રમણ કરો કે હે દાદા ભગવાન, મારું મન બગડ્યું તે બદલ માફી માગું છું. મને માફ કરો. હું પણ એમના નામનું પ્રતિક્રમણ કરું છું.

પસ્તાવાથી પ્યૉરિટી

પ્રશ્નકર્તા : આ સંસારમાં આવ્યા એટલે કર્મ તો કરવાં જ પડેને ? જાણે-અજાણે ખોટાં કર્મ થઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : થઈ જાય તો એનો ઉપાય હોયને પાછો. હંમેશાં ખોટું કર્મ થઈ ગયું તો તરત એની પછી પસ્તાવો હોય છે, અને ખરા દિલથી, સિન્સીયારિટીથી પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરવા છતાં ફરી એવું થાય એની ચિંતા નહીં કરવાની. ફરી પસ્તાવો લેવો જોઈએ. એની પાછળ શું વિજ્ઞાન છે એ તમને ખ્યાલ ના આવે એટલે તમને એમ લાગે કે આ પસ્તાવો કરવાથી બંધ થતું નથી. શાથી બંધ થતું નથી એ વિજ્ઞાન છે. માટે તમારે પસ્તાવો જ કર્યા કરવાનો. ખરા દિલથી પસ્તાવો કરે છે એનાં બધાં કર્મ ધોવાઈ જાય છે. ખરાબ લાગ્યું એટલે એનો પસ્તાવો કરવો જ જોઈએ.

અવળા ચાલ્યા તે અતિક્રમણ

આખા દહાડામાં જે વ્યવહાર કરીએ છીએ, તેમાં શ્યારે કંઈક અવળો વ્યવહાર થઈ જાય છે, તો આપણને ખબર પડે છે કે આની જોડે અવળો વ્યવહાર થઈ ગયો. ખબર પડે કે ના પડે ? તે આપણે વ્યવહાર કરીએ છીએ, એ બધું ક્રમણ છે. ક્રમણ એટલે વ્યવહાર. હવે કો'કની જોડે અવળું પડી ગયું. એવું આપણને ખબર પડે કે આની જોડે મારે કડક શબ્દ બોલાયો કે વર્તનમાં અવળું થયું. ખબર પડે કે ના પડે ? તો એ અતિક્રમણ કહેવાય.

અવળા ચાલ્યા એનું નામ અતિક્રમણ અને એટલું જ સવળા પાછા આવ્યા એનું નામ પ્રતિક્રમણ.

પ્રતિક્રમણ એટલે પાપથી પાછા વળવું...

દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું ? એ તમે જાણો છો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તમે જેવું જાણતા હો તેવું કહો.

પ્રશ્નકર્તા : પાપથી પાછા વળવું.

દાદાશ્રી : પાપથી પાછા વળવું ! ભગવાને કેવો સરસ ન્યાય કર્યો છે કે પાપથી પાછા વળવાનું એનું નામ પ્રતિક્રમણ ! પણ હજુ પાપ તો ઊભાં જ રહ્યાં છે, તેનું શું કારણ ?

પ્રશ્નકર્તા : એ તો તમે જ સમજાવો. એક તો આલોચના, બીજું પ્રતિક્રમણ અને ત્રીજું છે પ્રત્યાખ્યાન, આ ત્રણ શબ્દો કમ્પ્લીટ હજી મને ક્લિયર નથી થતા.

દાદાશ્રી : પ્રત્યાખ્યાન એટલે હું એ વસ્તુને આજે છોડી દઉં છું, ત્યાગ કરું છું એ એનો ભાવાર્થ છે. વસ્તુને છોડી દેવી હોય તો પ્રત્યાખ્યાન કરું છું.

પ્રશ્નકર્તા : પસ્તાવો કરું છું એ પ્રતિક્રમણ અને કહે કે આ પ્રમાણે નહીં કરું એ પ્રત્યાખ્યાન ?

દાદાશ્રી : હા. પસ્તાવો એ પ્રતિક્રમણ કહેવાય. હવે પ્રતિક્રમણ કર્યું તો પછી ફરી એવું અતિક્રમણ ન થાય. તો 'ફરી હવે નહીં કરું' એનું નામ પ્રત્યાખ્યાન. ફરી નહીં કરું, એનું પ્રોમિસ આપું છું, એવું મનમાં નક્કી કરવાનું અને પછી ફરીવાર એવું થાય તો એક પડ તો ગયું, તે પછી બીજું પડ આવે, તો એમાં ગભરાવાનું નહીં, વારેઘડીએ આ કર્યા જ કરવાનું.

પ્રશ્નકર્તા : મનમાં માફી જ માંગી લેવાની.

દાદાશ્રી : હા, માફી માંગી લેવાની.

કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળે ને તો મોક્ષે જતો રહે !

આમ થાય પ્રતિક્રમણ

પ્રતિક્રમણ શીખવું પડે અને અતિક્રમણ તો એની મેળે આવડે. કોઈકને ગોદો મારવો હોય તો શીખવા ના જવું પડે, એ તો કોઈકનું જોઈને શીખેલો જ હોય. હવે અતિક્રમણ કરીએ તો પ્રતિક્રમણ કરવું પડે. આમ આ વ્યવહારમાં બધા બેઠાં છે, એમાં કશું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આ તો કોઈકને ગોદો માર્યો હોય કે કોઈની મશ્કરી કરી હોય, એ અતિક્રમણ કર્યુ, તો એનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?

દાદાશ્રી : આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું, હે ભગવાન ! પશ્ચાત્તાપ કરું છું, માફી માગું છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ ! ખોટું થયું હોય તો તરત ખબર પડી જાય ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એનું પ્રતિક્રમણ કર્યું એટલે ધોવાઈ ગયું.

પ્રશ્નકર્તા : ધોવાઈ જાય ખરું એ ?

દાદાશ્રી : હા, હા, ચોક્કસ વળી, પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને ! બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય પણ હાથથી અડીએ તો ખરી પડે.

પ્રશ્નકર્તા : એ પસ્તાવો કેવી રીતે કરું ? બધાને દેખતાં કરું કે મનમાં કરું ?

દાદાશ્રી : મનમાં. આ મારી ભૂલ થઈ છે, હવે ફરી નહીં કરું - એવું મનમાં દાદાજીને યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભુલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય. આ મેં તમને પ્રતિક્રમણ એ મોટું હથિયાર આપ્યું છે. કારણ કે આખા જગતના બંધનોને કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ આ જ છે. અતિક્રમણ થયું એ દોષ થયો. એ તને ખબર પડી. એટલે દોષ 'શૂટ ઍટ સાઈટ' કરવો જોઈએ આપણે. દોષ દેખાયો કે તરત જ શૂટ કરો.

આ એક જ માર્ગ એવો છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતાં કરતાં દોષ ખલાસ થતા જાય.

શૂટ ઓન સાઈટ

કપડાં પર ચાનો ડાઘ પડે કે તરત તેને ધોઈ નાખો છો તે શાથી ?

પ્રશ્નકર્તા : ડાઘ જતો રહે એટલા માટે.

દાદાશ્રી : એવું મહીં ડાઘ પડે કે તરત ધોઈ નાખવું પડે. કંઈપણ કષાય ઉત્પન્ન થયો, કશું થયું કે તરત ધોઈ નાખે તે સાફ ને સાફ, સુંદર ને સુંદર રહે !

આપણું શૂટ ઓન સાઈટ પ્રતિક્રમણ કહેવાય. અમારાં તો બધાં કપડાં ધોવાઈને ચોખ્ખા થઈ ગયાં. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય કે કપડાં ધોવાઈ ને ચોખ્ખાં થઈ જાય.

જેટલા દોષ દેખાય એટલા ઓછા થાય. આમને (નીરુબેનને) રોજના પાંચસો દોષ દેખાય છે. હવે બીજાને નથી દેખાતા, એનું શું કારણ ? હજુ કાચું છે એટલું. કંઈ દોષ વગરનો થઈ ગયો છે, તે નથી દેખાતા ?

ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો (દોષો ધોવાના કહ્યા હતા), તે અત્યારે બાર મહિને ચોપડો લખે છે, શ્યારે પર્યુષણ આવે છે ત્યારે. ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય ? એમાં કઈ રકમ યાદ હોય ?

ક્રમણ, અતિક્રમણ, પ્રતિક્રમણ

આ જગત ઊભું કેમ થયું ? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. આપણે હોટલમાં કંઈ વસ્તુ મંગાવીને ખાધી ને બે રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, તે ચાલ્યું પાછું. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરવું પડે છે. અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો. બીજું બધું ક્રમણ તો છે જ. સહેજાસહેજ વાત થઈ એ ક્રમણ છે, એનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : આ અતિક્રમણ થયું એની પોતાને ખબર કેવી રીતે પડે ?

દાદાશ્રી : અતિક્રમણ થયું તે સામાને ખબર પડે ને આપણનેય ખબર પડે કે એના મોઢા પર અસર થઈ ગઈ છે અને તમનેય અસર થઈ જાય. બન્નેને અસર થાય. એટલે એનું પ્રતિક્રમણ હોય જ.

ક્રોધ-માન-માયા-લોભ એ બધાં અતિક્રમણ કહેવાય. અતિક્રમણ થયું ને તેનું પ્રતિક્રમણ કર્યું, તો ક્રોધ-માન-માયા-લોભ જાય.

પ્રતિક્રમણની પરિભાષા....

પ્રશ્નકર્તા : આપણને અણગમતું એવું કંઈક બનતું હોય અને એ સહી લેવું એને આપ પ્રતિક્રમણ કહો છો ?

દાદાશ્રી : ના, સહન ના કરવું જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ. એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે આપણે સમજી જવું જોઈએ કે આ અપમાનનો ગુનેગાર કોણ છે ? એ કરનાર ગુનેગાર છે કે ભોગવનાર ગુનેગાર છે, એ આપણે પહેલું ડિસીઝન લેવું જોઈએ. તો અપમાન કરનાર એ બિલકુલેય ગુનેગાર નથી હોતો. એ નિમિત્ત હોય છે અને આપણા જ કર્મના ઉદયને લઈને એ નિમિત્ત ભેગું થાય છે. એટલે આ આપણો જ ગુનો છે. હવે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એના પર ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ કરવાં જોઈએ. એના તરફ નાલાયક છે, લુચ્ચો છે, એવો મનમાં વિચાર આવી ગયો હોય તો પ્રતિક્રમણ કરવાનું. અને એવો વિચાર ના આવ્યો હોય અને આપણે એનો ઉપકાર માન્યો હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. બાકી કોઈ પણ ગાળ ભાંડે તો એ આપણો જ હિસાબ છે, એ માણસ તો નિમિત્ત છે. ગજવું કાપે તે કાપનાર નિમિત્ત છે અને હિસાબ આપણો જ છે. આ તો નિમિત્તને જ બચકાં ભરે છે અને એના જ ઝઘડા છે બધા.

ભૂલ નહીં ત્યાં નહીં ભોગવટો !

કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચાનીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીયે ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માંગી જમા કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તો ઉધાર થાય પણ તરત જ કૅશ - રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તોય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચન-કાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની.

ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ, તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિગ (બાકી) ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.

પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરીને ?

દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. 'આ' 'જ્ઞાનીપુરુષો'ની કૂંચી કહેવાય. તેનાથી ગમે-તેવાં તાળાં ઊઘડી જાય.

એટલે પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. કાં તો જ્ઞાનીપુરુષ તમને તારે તો થઈ જાય. જ્ઞાનીપુરુષ તારી શકે. તમે એમ કહો કે, મને બચાવો, તો બચાવે. એમને એમ નથી કે મારે કશી ફી લેવાની. આ તો અમૂલ્ય ચીજ કહેવાય. એટલે આનું મૂલ્ય ના હોય, અમૂલ્ય !

દોષ તો થયા વગર રહે જ નહીં ને ! નર્યા દોષ જ થયા કરવાના. એ દોષ તમને દેખાયા કરે. દોષ દેખાયા એટલે એ દોષનું પ્રતિક્રમણ કરવાનું. પશ્ચાત્તાપ કરવાનો અને ફરી એવું નહીં કરું એવું પ્રત્યાખ્યાન કરવાનું. એ 'શૂટ ઑન સાઈટ' કહેવાય. દોષ થયો કે તરત એને ધોઈ નાખો.

'એ' છે પુરુષાર્થ

કોઈને કિંચિત્માત્ર દુઃખ ન થવું જોઈએ. આ તો અજાણ્યે પાર વગરનાં દુઃખ થાય છે. સામાને દુઃખ ના થાય એવી રીતે તમે કામ લો, એ ક્રમણ કહેવાય. પણ અતિક્રમણ ક્યારે કહેવાય ? તમારે ઉતાવળ હોય ને અહીં ચા પીવા ગયો હોય, પછી એ આવે કે તરત તમે બૂમાબૂમ કરો કે, ક્યાં ગયો હતો ? 'નાલાયક છે ને આમ તેમ' એવું બધું કરો તે અતિક્રમણ કર્યું કહેવાય. અને એ સ્વાભાવિક તમારાથી થઈ જાય. તેમાં તમારે કંઈ ઇચ્છા નથી હોતી.

અતિક્રમણ થવું એ સ્વાભાવિક છે પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. એટલે એ જે અતિક્રમણ કર્યું હોય એ ભૂંસાઈ જાય. પ્રતિક્રમણથી પડેલો ડાઘ તરત ભૂંસાઈ જાય.

ઓહો, એનાંય પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય, એના જ કરવાના ને ?

દાદાશ્રી : બીજાના દોષ એકલા નહીં, દરેક બાબત, ખોટું બોલાયું હોય, અવળું થયું હોય, જે કંઈ હિંસા થઈ ગઈ હોય, ગમે તે પાંચ મહાવ્રત તોડાયાં હોય, એ બધાના પ્રતિક્રમણ કરવાનાં.

અન્ડરહેન્ડની ન જોવી ભૂલ

પ્રશ્નકર્તા : બીજાના દોષ દેખાતા હોય, પોતાના દોષ દેખાતા હોય તો તે જોયા કરવાના ? બીજું શું કરવાનું ?

દાદાશ્રી : પોતાના દોષ દેખાતા હોય તો અમુક માણસને કહેવાય, અમુક માણસને ના કહેવાય અને અમુક માણસના દોષ દેખાતા હોય તેનું પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકવા, આમ ત્રણ રસ્તા છે. કાં તો દોષ દેખાતા હોય તો પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકી દેવા અને પ્રતિક્રમણ નહીં કરો તો દોષ દેખાતા હોય તો કોના કહેવા, પોલીસવાળાના, મેજીસ્ટ્રેટોના, એમના બધા દોષ કહેવા, કે તમે બધા આવા છો. પણ આ બધા અન્ડરહેન્ડ (આશ્રિત) છે, એના દોષ ના કહેવા.

દરેક વસ્તુ ભૂલથી જ ભરેલી હોય. એટલે બધી ભૂલ તો હોય જ ને ! ભૂલ વગર તો કોઈ ના હોય. કો'કની ભૂલ કાઢવી એ મૂરખનું કામ છે. તને ભૂલ કાઢવી ગમે ?

પ્રશ્નકર્તા : બીજાનો દોષ દેખાયો ને એ જે ભૂલ થઈ, એનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : લોકોનો દોષ દેખાય એટલે પડતું મૂકે પછી આગળ આપણે શું કરવાનું, કે 'ઓહોહો ! હજુ તમે બીજાના દોષ જુઓ છો ? એનાં પ્રતિક્રમણ કરો', એ આપણો દોષ જોયો કહેવાય.

બીજાના દોષ જોવાનો અધિકાર જ નથી. એટલે એ દોષનું પ્રતિક્રમણ કરવું. પરદોષ જોવાની તો પહેલેથી હેબીટ (ટેવ) હતી જ ને, એમાં નવું છે જ નહીં. એ હેબીટ એકદમ છૂટે નહીં. એ તો પછી આ પ્રતિક્રમણથી છૂટે. શ્યાં દોષ દેખાયા ત્યાં પ્રતિક્રમણ કરો, શૂટ ઑન સાઈટ !

સમક્તિ થકી સાચાં પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ?

દાદાશ્રી : સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. દ્ષ્ટિ સવળી થયા પછી, આત્મદ્ષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું. આત્મદ્ષ્ટિ ના થઈ હોય અને જગતના લોક ખોટું થયા પછી પસ્તાવો કરે ને પ્રતિક્રમણ કરે, તો એનાથી પાપ ઓછાં બંધાય. પ્રતિક્રમણ-પસ્તાવો કરવાથી કર્મો ઊડીયે જાય !

એની રીત આવડવી જોઈએ !

સામા માણસને કિંચિત્માત્ર દુઃખ ના થવું જોઈએ. એ ધ્યેયપૂર્વકનું જીવન હોય. દુઃખ આવવા માટે આપણે આવ્યા નથી. બને તો બીજાને સુખ થાઓ એ આપણો ધ્યેય છે. અગર તો દુઃખ કોઈને ન હોવાં જોઈએ. એટલે અણસમજણથી, આપણી ભૂલથી જ સામાને દુઃખ થાય. એની ભૂલથી થતું હોય તે પણ આપણને ન હોવું જોઈએ. એની ભૂલથી, એટલે એ ભૂલવાળો છે જ, એને તમે સુધારવા નીકળ્યા છો તો એને દુઃખ કર્યા વગર જ સુધારવાનો પ્રયત્ન સહેજાસહેજ કરવો જોઈએ.

શંકામાંથી નિઃશંકતા

પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર કરવી ?

દાદાશ્રી : ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માંગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી તેથી શંકા આવે છે.

પ્રશ્નકર્તા : આપણા કર્મના ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાયને ?

દાદાશ્રી : ઓછું થાય. અને 'આપણને' ભોગવવું નથી પડતું. 'આપણે' 'ચંદુભાઈ'ને કહીએ, 'પ્રતિક્રમણ કરો' એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાયને ! પછી રાગે પડી જશે.

આ તો કર્મના ઉદયથી બધા ભેગા થયેલા છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાનીયે ફેરવી શકવાના નથી, તો આપણે શા માટે બે ખોટ ખાવી ?

પ્રશ્નકર્તા : પેલું બરાબર કહ્યું દાદા, કે આ જગત પહેલેથી આવું જ છે.

દાદાશ્રી : આમાં બીજું છે જ નહીં. આ તો ઢાંક્યું છે એટલે એવું લાગે છે. અને શંકા જ મારે છે. એટલે શંકા આવે તો આવવા ના દેવી ને પ્રતિક્રમણ કરવાં.

કોઈના માટે સહેજ પણ અવળોસવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો થોડીક જ વાર રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડેય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : એના માટે આપણે શું કરવું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરી ભૂંસી નાખવું તરત જ. પ્રતિક્રમણ ના થાય તો 'દાદા'ને યાદ કરીને કે તમારા ઈષ્ટદેવને યાદ કરીને ટૂંકામાં કહી દેવું કે, 'આ વિચાર આવે છે તે બરોબર નથી, તે મારા નથી.'

કરો નિકાલ શંકાનો, પ્રતિક્રમણથી

જંગલમાં જાય ત્યારે લૌકિકજ્ઞાનના આધારે બહારવટિયા મળશે તો એવા વિચાર આવે અથવા વાઘ મળશે તો શું થશે એવો વિચાર આવે. તે ઘડીએ પ્રતિક્રમણ કરી નાખવું. શંકા પડી એટલે બગડ્યું. શંકા ના આવવા દેવી. કોઈ પણ માણસ માટે કોઈ પણ શંકા આવે તો પ્રતિક્રમણ કરવું. શંકા જ દુઃખદાયી છે.

શંકા પડી તો પ્રતિક્રમણ કરી લઈએ. અને આપણે આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય ? માણસ છીએ તે શંકા તો પડે, પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરી લઈએ.

જેના માટે શંકા આવે એનું પ્રતિક્રમણ કરવાનું. નહીં તો શંકા તમને ખાઈ જશે.

આર્ત-રૌદ્રધ્યાનમાંથી ધર્મધ્યાન

પ્રશ્નકર્તા : ઘણીવાર એવું બને કે, આપણે આર્તધ્યાનમાં ને રૌદ્રધ્યાનમાં ઊંડા ને ઊંડા ઘૂસતા જઈએ છીએ અને છતાં આપણે જાણતા નથી, તો એ કેમ જાણી શકાય ?

દાદાશ્રી : એ તો દુઃખ થાય એટલે આર્તધ્યાન થયું જ ને ! અને રૌદ્રધ્યાનમાં બળતરાનું દુઃખ થાય, વધારે પડતું દુઃખ થાય. એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન બધું માણસને દુઃખદાયી છે. એ અશાતા વેદનીય જ છે બધી.

પ્રશ્નકર્તા : એ પણ ક્ષણે ક્ષણે થયા કરે છે. એમાંથી મુક્ત થવા માટે શું કરવું ?

દાદાશ્રી : એ આપણે જોયા કરવું કે આ ખરેખર એ કંઈ દોષિત છે નહીં, આ તો મારા કર્મના ઉદયે મને દેખાય છે. પણ ખરેખર એવું નથી. એટલે એ દોષિત દેખાય તો નિર્દોષ છે, એવું કર્યા કરવું અને પ્રતિક્રમણ કરવાનું.

આપણને કોઈ માણસને માટે ખરાબ વિચાર આવ્યા, એટલે આપણે હિસાબ કાઢવો કે ભઈ, આ મારા જ કર્મના ઉદય છે, એમાં આનો શો દોષ બિચારાનો ! એટલે એ દોષિત દેખાતો બંધ થઈ જાય અને તો એ ધર્મધ્યાન કહેવાય. શ્યાં રૌદ્રધ્યાન થવાનું હતું, ત્યાં જ ધર્મધ્યાન થયું અને તે અંદર બહુ આનંદ આપે. મારા જ કર્મના ઉદયે એ દોષિત દેખાય છે. એ તો નિમિત્ત માત્ર છે. અત્યારે સામો ખરેખર દોષિત હોતો જ નથી. તે નિમિત્ત જ હોય છે.

આપણા જ કષાયો આપણા શત્રુ

તમારે નિમિત્ત આવે કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : કોઈક વખત આવે.

દાદાશ્રી : હા, એ તો નિમિત્ત જ છે, ખરેખર નથી. આ ચોર આપણા ગજવામાંથી રૂપિયા કાપી જાય, તે નિમિત્ત છે. એ ખરેખર ગુનેગાર નથી. ખરેખર ગુનેગાર આપણા કષાય છે.

પોતાના દુશ્મનો, પોતાના કષાય જ છે. બીજું કોઈ બહાર દુશ્મન છે જ નહીં. અને એ કષાય જ એને મારી રહ્યા છે. એને બહારનો કોઈ મારતો નથી.

પશ્ચાત્તાપ પરિવર્તાવે ધ્યાન

હવે જબરદસ્ત રૌદ્રધ્યાન કર્યું હોય, પણ પ્રતિક્રમણથી તે આર્તધ્યાન થઈ જાય છે. બે જણાએ રૌદ્રધ્યાન એક જ પ્રકારનું કર્યું. બે જણે કહ્યું કે ફલાણાને હું મારી નાખીશ. એવું બે જણે મારવાનો ભાવ કર્યો. તે રૌદ્રધ્યાન કહેવાય. પણ એકને ઘેર જઈને પસ્તાવો થયો કે 'બળ્યો મેં આવો ભાવ ક્યાં કર્યો.' એટલે એ આર્તધ્યાનમાં ગયું અને બીજા ભાઈને રૌદ્રધ્યાન રહ્યું.

એટલે પસ્તાવો કરવાથી રૌદ્રધ્યાન પણ આર્તધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી નર્કગતિ અટકીને તિર્યંચગતિ થાય છે. અને વધુ પસ્તાવો કરે તો ધર્મધ્યાન બંધાય. એક વખત પસ્તાવો કરે તો આર્તધ્યાન થાય ને વધુ પસ્તાવો કર કર કર્યા કરે તો ધર્મધ્યાન થઈ જાય. એટલે ક્રિયા તેની તે જ, પણ ફેરફાર થયા કરે છે.

રૌદ્રધ્યાન પર પશ્ચાત્તાપનો પૂંઠ દીધો કે ફેરફાર થાય અને આનંદનો પૂંઠ દીધો કે 'એને મારવો જ જોઈએ. મેં વિચાર કર્યો તે બરોબર હતો' એવું કહે ત્યારે એ નિગોદ સુધી પહોંચે. ફરી મનુષ્યમાં આવવુંય મુશ્કેલ થઈ જાય ત્યાં સુધી પેસે. એટલે રૌદ્રધ્યાનમાં આનંદ એ નિગોદ સુધી પહોંચી જાય.

એટલે રૌદ્રધ્યાન કરીશ જ નહીં અને રૌદ્રધ્યાન થઈ જાય તો પશ્ચાત્તાપ કરજે. આર્તધ્યાન કરીશ જ નહીં અને આર્તધ્યાન થઈ જાય તો પશ્ચાત્તાપ કરજે.

પ્રતિક્રમણથી પુદ્ગલ પામે ધર્મધ્યાન

'દાદા'ના નામથી પસ્તાવો કરજો, તો ત્યાં આગળ એનું ધર્મધ્યાન થઈ જશે. જેટલું આવડ્યું તેટલું તો હેંડ્યું ! રૌદ્રધ્યાન થાય તોય પસ્તાવો કરજો અને આર્તધ્યાન થાય તોય પસ્તાવો કરજો. માટે આ રૌદ્રધ્યાન અને આર્તધ્યાન પર પસ્તાવો કરીને ધર્મધ્યાન કરી નાખજો. ધર્મધ્યાન માણસને સીધી રીતે નથી આવડે એવું આ કાળમાં. કારણ કે ભગવાનનાં દર્શન કરે ને, તે ઘડીએ ધ્યાન બહાર જોડામાં હોય. એટલે ભગવાન ખુદ જ કહે છે ને કે મારાં દર્શન કરે છે, તે ઘડીએ જોડે જોડાનાં દર્શન કરે છે. એટલે ફોટો જોડે લે છે. હું શું કરું તે ?!

એટલે આ કાળમાં ધર્મધ્યાન થઈ શકતું નથી. એટલે આ દાદા શું કહે છે, જેટલાં આર્તધ્યાન થાય તેનો પસ્તાવો કરો, તો ધર્મધ્યાનનું ફળ મળશે. અને ધર્મધ્યાન વગર આ પુદ્ગલ છૂટે એવું નથી. આ પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં કોઈ દહાડોય !

એટલે આર્તધ્યાન થાય તેનો વાંધો નથી પણ તેને ધર્મધ્યાનમાં ફેરવી શકાય છે. આપણે કહીએ, 'ચંદુલાલ, શું કરવા તું આર્તધ્યાન કર્યા કરે છે ? હવે આર્તધ્યાન કર્યું, તે માટે પસ્તાવો કરો, પ્રતિક્રમણ કરો.' એટલે ધર્મધ્યાન થઈ ગયું.

પ્રશ્નકર્તા : 'આપણે' પોતે છૂટા રહીને પ્રતિક્રમણ કરાવડાવીએ તો એ શું થયું કહેવાય ?

દાદાશ્રી : એવું છે ને, આપણે શુદ્ધાત્મા થયા, પણ આ પુદ્ગલનો છૂટકારો થવો જોઈશે ને ? એટલે શ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો, ત્યાં સુધી છૂટકારો નહીં થાય. એટલે શ્યાં સુધી પુદ્ગલને ધર્મધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી છૂટકારો નહીં થાય. કારણ કે પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં. માટે પુદ્ગલને ધર્મધ્યાનમાં રાખો. એટલે પ્રતિક્રમણ કરાવ કરાવ કરવાં. જેટલી વખત આર્તધ્યાન થાય, એટલી વખત પ્રતિક્રમણ કરાવવું.

આર્તધ્યાન થવાનું એ પૂર્વની અજ્ઞાનતા છે. એટલે થઈ જાય તો 'આપણે' એની પાસે પ્રતિક્રમણ કરાવવું.

પ્રશ્નકર્તા : ખોટું કરનારો જુદો છે પછી કેમ પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : જુદો છે એમ નહીં, પોતે નથી કરતો. ખોટું કરનાર પાસે પ્રતિક્રમણ કરાવડાવે છે. પ્રતિક્રમણ શુદ્ધાત્મા પોતે નથી કરતો.

કષાયોની મંગાવો માફી, જાત કને

તાંતો અને હિંસકભાવ આ બે હોય તો એ ક્રોધ કહેવાય, તો માન કહેવાય, કષાય કહેવાય, એ તીર્થંકર ભગવાને કહેલી વાત છે.

જો ગુસ્સો થવા માંડે, કો'કને બહુ દુઃખ થાય એવું બોલાઇ ગયેલું હોય, તો આપણે ચંદુભાઈને કહેવું કે, ચંદુભાઈ જરા પાંસરા રહો ને ! પ્રતિક્રમણ કરો, પશ્ચાત્તાપ કરો. શા માટે આવું કર્યું ? કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નકર્તા : કહેવાય, કહેવું જ જોઈએ.

દાદાશ્રી : ચંદુભાઈ આમ ભલે ગવર્ન્મેન્ટ (સરકાર)ના મોટા ઑફિસર (સાહેબ) હોય, ત્યાં એમની શરમ નહીં રાખવી જોઈએ. કોઈને વધારે પડતું દુઃખ થયું હોય તો. ક્રમણનો વાંધો નથી, અતિક્રમણનો વાંધો છે. એટલે અતિક્રમણ થાય તેનો સરકારેય ગુનો ગણે છે. આ બધા બોલે એનો વાંધો નથી. નવી જ જાતનું, તૃતીયમ બોલે, અને આ બધાના મનમાં એમ થાય કે, અરેરે, આવું કેવું બોલે છે, એ અતિક્રમણ કહેવાય.

ગુસ્સો થાય અને સામા માણસને દુઃખદાયી થઈ પડ્યો હોય, તો પોતે શુદ્ધાત્મા છે પણ જેણે અતિક્રમણ કર્યું છે, તેની પાસે પ્રતિક્રમણ કરાવો. એટલે અતિક્રમણ કરનાર ચંદુભાઈ, તે તમારે ચંદુભાઈને કહેવું પડે કે પ્રતિક્રમણ કરો. તમારે નહીં કરવાનું.

હવે ક્રોધ-માન-માયા-લોભ થવાનાં નહીં, પણ દીકરી જોડે એકદમ બહુ આકરા થઈ ગયા હોય તો તમારે ચંદુભાઈને કહેવું કે, 'આટલા બધા આકરા શું કરવા થાવ છો ? બેબીને કેટલું ખરાબ લાગે ! અંદરખાને માફી માગી લો.' બેબીને મોઢે કહેવાનું નહીં પણ અંદરખાને માફી માંગી લો. ફરી આવું નહીં કરું. અને નહીં તો પછી માફી માંગવાની હોતી નથી, જો આપણે કશી કચકચ કે દુઃખ થાય એવું ના કર્યુ હોય તો.

વાણીથી કર્મબંધન વધારે

મનનો એટલો બધો વાંધો નથી, વાણીનો વાંધો છે. કારણ કે મન તો ગુપ્ત રીતે ચાલતું હોય પણ વાણી તો સામાની છાતીએ ઘા વાગે. માટે આ વાણીથી જે જે માણસોને દુઃખ થયાં હોય તે બધાની ક્ષમા માગું છું, એમ પ્રતિક્રમણ કરાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી વાણીના એ બધા દોષો માફ થઈ જશેને ?

દાદાશ્રી : દોષો ઊભા રહે, પણ બળેલી દોરી જેવા દોષ ઊભા રહે. એટલે આવતે ભવ આપણે 'આમ' કર્યું કે ખંખેરાઈ જાય બધા પ્રતિક્રમણથી. એમાંથી રસકસ ઊડી જાય બધો.

કર્તાનો આધાર હોયને તો કર્મ બંધાય. હવે તમે કર્તા નથી. એટલે પાછલાં કર્મ હતાં તે ફળ આપીને જાય. નવાં કર્મ બંધાય નહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, સામા માણસને 'ઇફેક્ટ' શું થાય પછી ?

દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરીએ પછી તેનું આપણે જોવાનું નહીં. આપણે પ્રતિક્રમણ વધારે કરવાનાં.

પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ થઈ ગયું કહેવાયને ?

દાદાશ્રી : હા, એ દુઃખ તો આપણી ઇચ્છા વિરુદ્ધ થયું છેને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે તે ચૂકવાઈ ગયો.

પ્રશ્નકર્તા : આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગેને ?

દાદાશ્રી : હા, એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગેને ! હિસાબ ચૂકવવો પડે તે તો ચૂકવવો જ પડેને ! એમાં છૂટકો જ ના થાય.

પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે.

દાદાશ્રી : હા. એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું. બસ. બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને ફરી એવું નહીં કરું, એવું નક્કી કરવું જોઈએ.

પછી નવરા પડીએ એટલે એનાં પ્રતિક્રમણ કર્યા જ કરવાનાં. એટલે બધું નરમ થઈ જાય. જે જે કઠણ ફાઈલ છે એટલી જ નરમ કરવાની છે, તે બે-ચાર ફાઈલ કઠણ હોય, વધારે ના હોયને !

અતિક્રમણ ને આક્રમણ

પ્રતિક્રમણ આ બે શબ્દોનું કરવાનું હોય. એક અતિક્રમણ અને બીજું આક્રમણ. આક્રમણ વસ્તુ આપણામાં ન હોવી જોઈએ. આક્રમણ એટલે એટેકીંગ નેચર. આક્રમણ એટલે વાતવાતમાં, શબ્દમાંય એટેક કરી નાખે. શબ્દમાં એટેક થાય, એ એટેકીંગ નેચર કહેવાય, આક્રમણ કહેવાય.

અતિક્રમણ ને આક્રમણમાં ફેર શો ?

પ્રશ્નકર્તા : આક્રમણ એટલે સીધો જ એટેક થયો ?

દાદાશ્રી : હા, એટેક જ બસ ! હુમલો કરવો, આક્રમણ ! અને ક્રમણ એટલે શું ? ત્યારે કહે, વ્યવહારિક વાતચીતો ચાલતી હોય એવી રીતે વાતો કર્યા કરીએ. અને કોઈને દુઃખ ના થયું હોય તો આપણે જાણવું કે એ ક્રમણ કહેવાય. સહેજેય કોઈને 'જોક' (ગમ્મત) કરી હોય અને સામો જરા કાચો હોયને, જરા ચલાવી લેતો હોય, પણ મહીં એને દુઃખ થાય તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે બધાની 'જોક' કરીએ પણ કેવી ? નિર્દોષ 'જોક' કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળો બનાવવા માટે 'જોક' કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. એ જોક કોઈને દુઃખી ના કરે !

વેર છૂટે, આત્માનંદથી

એવું છે, આ જ્ઞાન તમને મળ્યું પછી વેર લે, તે શાનું વેર લે છે ? વેરનું વેર લે છે. પછી આત્માએ કરીને વેર ના લે. આત્મા તરીકે તમે જાણશો કે આ વેર લે છે પણ તોય ઉકેલ આવી જશે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો સો વેરવી હોયને તોય નિકાલ થઈ જાય. અને જ્ઞાન પ્રાપ્ત થયું ના હોયને તો એક જ વેરવી હોયને તોય ફરી પાછાં કેટલાંય વેરનાં બીજ પડે. જ્ઞાન પછી હવે વેરનાં બીજ ના પડે. કર્મ 'ચાર્જ' ના થાય, કર્મ બંધાય જ નહીં.

ભગવાને કહેલું કે આ અવતારમાં તું નવું વેર વધારતો નહીં ને જૂનું વેર છોડી દેજે. જૂનું વેર છોડીએ તો શાંતિ થાયને ! નહીં તો આપણા લોક તો પહેલાં મૂંછો મરડતા જાય ને વેર વધારતા જાય. પણ હવે વેર વધારવાનું નહીં. દહાડે દહાડે વેર ઓછું કરવાનું. આ 'દાદા'ને કોઈ વેરવી નથી. કારણ કે વેરનો નિકાલ કરીને આવેલા છે. બધાં વેરનો નિકાલ કરીને આ ભવમાં આવેલા અને તમને એ જ શીખવાડીએ છીએ કે આ ભવમાં હવે વેર વધારશો નહીં.

વેર ક્યારે છૂટે ? પોતાને આનંદ રહે તો. તે કેવો આનંદ ? આત્માનો આનંદ, પેલાં પૌદ્ગલિક આનંદ નહીં. પુદ્ગલના આનંદમાંય વેર વધ્યા કરે અને જ્ઞાનીપુરુષ પાસે સત્સંગમાં એ આત્માનો આનંદ મહીં ઉત્પન્ન થયો કે પછી બધાં વેર છૂટી જાય.

દ્વેષ થયો ત્યાં પ્રતિક્રમણ

આ તો બધી જંજાળ છે. તને એમના માટે જેટલા ખરાબ વિચાર આવે, એટલાં પ્રતિક્રમણ કર કર કરવાં. જે દહાડે કો'ક અવળા વિચાર આવે, તેનાં પ્રતિક્રમણ કર કર કરવાં બસ. એ ભૂંસી નાખવાં તરત. પ્રતિક્રમણ કરવાથી આપણા બધા એટેકના વિચાર બંધ થઈ જાય પછી. એટલે પછી મનને દ્વેષ ના આવે. જેના તરફ મન અકળાતું હોય એનાં પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય પછી.

વાણીના ઘા તો એક અવતાર નહીં, સો-સો અવતાર સુધી પણ રૂઝાતા નથી. તેથી અમે કહીએ છીએને કે આ તરછોડ વાગે એવું બોલીશ તો ભવોભવનું વેર બાંધીને તારું શું થશે ? એક જ જીવ એવો નીકળેને તે નક્કી કરે કે મારું જે થવાનું હશે તે થશે પણ આને તો મોક્ષે ના જ જવા દઉં. પોતાને હોડમાં મૂકી દે આખો જ, તો મોક્ષે ના જવા દે. કારણ કે વેરનો સ્વભાવ એવો છે, હોડ મૂકે, સત્તામાં જ ઘાલી દે અને મોક્ષે જવા ના દે અને પોતે જાય નહીં. જીવન જીવતાં જ ના આવડે ત્યારે શું થાય ? જીવન જીવવું એ તો બહુ મોટી કળા છે. તે આપણે એકલા જ શીખવાડીએ છીએ. બીજે કોઈ જગ્યાએ જીવન જીવવાની કળા નથી હોતી.

જુઓને, આ જીવન છે ને લડે કરે.... સામસામી લડે જ. આમ દેખીતી (બહાર) વઢવાડ ના કરે, એ મહીં વઢવાડ કરનારા. બહારની વઢવાડ તો એકાવતારી હોય. એક અવતારમાં એ શૂન્યતાને પામે અને અંદરની વઢવાડ તો સો-સો અવતાર સુધી ચાલ્યા કરે !

પ્રશ્નકર્તા : ઘણી વખત એવો પ્રશ્ન થતો કે ભગવાનની માફી માંગીએ છીએ, પૂજા કરીએ છીએ, તે શા માટે ?

દાદાશ્રી : એ તો દુનિયાના ગુના થયેલા, તેની માફી માંગીએ છીએ. જેને ગુના નથી તેને માફી શેને માટે માંગવાની ?

અંડરહેન્ડને ટૈડકાવ્યા તેનાં પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલા.

દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નહીં. તમારે પોતાને માટે નહીં, સરકારને માટે એ સિન્સીયારિટી (વફાદારી) કહેવાય.

પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાંને તો દુઃખ થયું હશે ને ?

દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ કડક સ્વભાવથી લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું, એ જુદું જુદું નહીં કરવાનું.

પ્રશ્નકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવને લઈને સરકારનું કામ કરવામાં, જે જે દોષો, લોકોને દુઃખ થાય એવું કર્યું છે, એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું.

ભેગું પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં જે જે દોષ થયા હોય, તેને યાદ કરીને આપણે ક્ષમા માગીએ છીએ. તો દોષો ઘણા બધા હોય અને એમાં અત્યાર સુધી આપણે ભૂલી ગયા હોઈએ, તો ફરી એની યાદ તાજી કરીને શા માટે દુઃખી થવું ?

દાદાશ્રી : એ દુઃખી થવા માટે નથી. જેટલો ચોપડો ચોખ્ખો થયો એટલું ચોખ્ખું થયું. એ છેવટે ચોપડો તો તમારે ચોખ્ખો કરવો પડશે. નવરાશનો વખત કલાક એમાં કાઢો, તો શું બગડી જાય ?

પ્રશ્નકર્તા : દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે.

દાદાશ્રી : એ લાંબું બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું.

મશ્કરી કરવી એ મોટું જોખમ

મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (તેજ મગજ) હોય તે કરે. હું તો બધાની મશ્કરી કરતો હતો. સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.

પ્રશ્નકર્તા : મને તો હજુએ મશ્કરી કરવાનું મન થયા કરે છે.

દાદાશ્રી : મશ્કરી કરવાનાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી કરવાની શક્તિ હોય છે જ અને એનું જોખમેય એટલું જ છે પછી. એટલે અમે જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું.

પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં શું શું જોખમ આવે ? કઈ જાતનાં જોખમ આવે ?

દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. એટલે પછી ત્યાં આગળ ભગવાન કહેશે, 'આને બુદ્ધિ નથી તેનો આ લહાવો લે છે.' ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામાવાળિયા કર્યો. પેલાને ધોલ મારી હોત તો એ સમજી ગયો, એટલે પોતે માલિક થાય. પણ આ તો બુદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે 'ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે તેને તું સપડાવે છે ! આવી જા.' એ તો પછી આપણા સાંધા તોડી નાખે.

પ્રશ્નકર્તા : અમે તો આ જ ધંધો મુખ્ય કરેલો.

દાદાશ્રી : પણ હજુ એનાં પ્રતિક્રમણ કરી શકો ને ! અમે એ જ કરેલું ને ! અને એ તો બહુ ખોટું. મારે તો એ જ ભાંજગડ પડી હતી. પેલી બુદ્ધિ અંતરાઈ રહી હતી તે શું કરે ? બળવો તો કરે જ ને ! તે વધુ બુદ્ધિ થઈ તેનો આટલો બધો લાભ (!) ને ! તેથી આ મશ્કરીવાળાને વગર લેવાદેવાનું દુઃખ ભોગવવાનું.

કોઈ આમ આમ ચાલતા હોય, ને એને જો હસીએને, મશ્કરી કરીએને, તો ભગવાન કહેશે, 'લ્યો આ ફળ.' આ દુનિયામાં મશ્કરી કોઈ પણ પ્રકારની ના કરશો. મશ્કરી કરવાને લઈને જ આ બધાં દવાખાનાં ઊભાં થયાં છે. આ પગ-બગ બધા જે ભંગાર માલ છે ને, તે મશ્કરીઓનું ફળ છે. તે અમારુંય આ મશ્કરીનું ફળ આવેલું છે.

તેથી અમે કહીએ છીએ ને, 'મશ્કરી કરો તો બહુ ખોટું કહેવાય. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. ભલેને, ગધેડો છે પણ આફ્ટર ઓલ (અંતે તો) શું છે ? ભગવાન છે. હા, છેવટે તો ભગવાન જ છે ને ! જીવમાત્રમાં ભગવાન જ રહેલા છે ને ! મશ્કરી કોઈની કરાય નહીં ને ! આપણે હસીએને, તો ભગવાન જાણે કે 'હા, હવે આવી જા ને, તારો હિસાબ લાવી આપું છું આ ફેરો.'

પ્રશ્નકર્તા : હવે એના ઉપાયમાં પ્રતિક્રમણ તો કરવાં જ પડેને ?

દાદાશ્રી : હા, કરવાં જ પડેને ! છૂટકો જ નહીં.

પ્રશ્નકર્તા : દાદા આપની સાક્ષીએ જાહેર કરીને માફી માગીને પ્રતિક્રમણ કરું છું, કહીએ તો ?

દાદાશ્રી : 'દાદા ! આપની સાક્ષીએ' બોલોને, તોય ચાલે. 'આ વાણી દોષથી જે જે લોકોને દુઃખ થયું હોય તે બધાની ક્ષમા માગું છું.' તો પહોંચી જાય.

એનાથી છૂટું પડતું જાય...

પ્રશ્નકર્તા : અમુક જે પકડો પકડાયેલી હોય તે આપણે જાણીએ કે એ ખોટી છે. આવું ના હોવું જોઈએ. ઇચ્છા ના હોય છતાં પણ એ પકડ પકડાઈ જાય. પછી પસ્તાવો થાય, પ્રતિક્રમણ થાય પણ તે પકડો કેમ છૂટતી નથી ?

દાદાશ્રી : જો પ્રતિક્રમણ કરીએ તો છૂટી જાય. એનાં પ્રતિક્રમણ કરીએ તેમ તેમ વેગળી થાય. જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલી વેગળી થતી જાય.

પ્રશ્નકર્તા : પછી દાદાના ફોટા પાસે આવીને રડુંય ખરી.

દાદાશ્રી : હા, પણ જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલું છૂટું. એક પ્રતિક્રમણ થયું ને ધક્કો માર્યો. બીજું પ્રતિક્રમણ કર્યું ને ધક્કો માર્યો. એમ જેમ છેટું થઈ જાય તેમ ઓછું થતું જાય. આ બેન હવે ત્રણ મહિનામાં એક વખતે જ ઘરમાં ભાંજગડ કરે છે. રોજ બે-ચાર વાર કરતી હતી એટલે નેવું દિવસમાં ત્રણસો સાઈઠ વાર કરતી હતી, તેને બદલે એક જ વાર કરે છે. એવું તમારેય થઈ જશે. આની જેમ બીજી એક બેન પણ રોજ ઘરમાં વઢંવઢા કરે, ઊંધું ઊંધું બોલ્યા કરે. એને આ પ્રતિક્રમણ કરવાથી જ એનું છૂટું થવા માંડ્યું. એ રોજ પ્રતિક્રમણ કરે છે.

પ્રશ્નકર્તા : આ સંસારની એક પણ ચીજ ભોગવવી નથી એવો નિશ્ચય છે, પણ શ્યારે અંદરથી અમુક એવી ઇચ્છા નીકળે છે તો એ પ્રમાણે વર્તાઈ જવાય છે, તો શું કરવું ?

દાદાશ્રી : એનું પ્રતિક્રમણ કરવું. માફી માંગવી કે નવી ઇચ્છાઓ ન હોવા છતાં આ ગુનો કર્યો તે બદલ ક્ષમા માગું છું. ફરી આવું ન કરું માટે શક્તિ આપજો.

પ્રશ્નકર્તા : મા-બાપ સાથે જે વિનય-વિવેક જોઈએને તે નથી રહેતો.

દાદાશ્રી : એ ના હોવું જોઈએ, ખોટું કહેવાય. સો ટકા રોંગ છે, ચાલે નહીં. વિનયી વર્તન ઊંચું હોવું જોઈએ. મા-બાપનો ઉપકાર કેમ ભૂલાય ? મા-બાપનો ઉપકાર ભૂલાય નહીં.

પ્રશ્નકર્તા : ઘણી વખત એ લોકો તો એવા શબ્દ બોલે છે ને, તે મને બહુ આઘાત લાગે છે. એટલે આમ આખો દિવસ મને પછી ગભરામણ થાય ને એવું બધું થયા કરે.

દાદાશ્રી : આ નોંધ રાખતો નથી, મધર જે બોલે છે તે રેકર્ડ બોલે છે ! જ્ઞાનપૂર્વક નોંધ-બોંધ કરવી જોઈએ. એવું અહીં ચાલે નહીં. મારી નાખે તો મરી જવું જોઈએ, પણ તે મા-બાપનો વિનય-વિવેક ના તોડાય.

પ્રશ્નકર્તા : હું એકસેપ્ટ કરું છું, દીકરા તરીકે મારા વિનય-વિવેક નથી બરાબર. પણ એવા સંયોગો આવી જાય છે કે બોલાઈ જવાય છે, મારી ઇચ્છા નથી હોતી પણ બોલાઈ જવાય છે. પછી એનું પ્રતિક્રમણ પણ કરું છું.

દાદાશ્રી : એ તો માફી માંગી લેવી તરત. બોલાઈ જવાય પણ આપણું 'જ્ઞાન' જે છે તે હાજર થઈ જાય, ક્યાંક ભૂલ થઈ કે તરત માફી માંગી લેવી જોઈએ કે આ બોલાઈ ગયું એ ભૂલ થઈ. મમ્મીને કહેવું કે 'ફરી આવી ભૂલ નહીં કરું.' આ તો મને ખરાબ લાગે. અમારી કેળવણી આવી હશે ? અમને એવું થાય. બહારનાંને ત્રાસ નથી આપવાનો ત્યારે આ તો ઘરનાં બધા...

પ્રશ્નકર્તા : દાદાના જે આજ્ઞાંકિત હોય, એના ઘરમાં તો એકદમ વાતાવરણ પ્રફુલ્લિત જ હોવું જોઈએ. પણ આ તો કહે, એનો મગજ ઉપર કાયમ બોજો જ રહ્યા કરે છે.

દાદાશ્રી : એ તો અત્યારે વિનય ધર્મની વાત કરે છે. વિનય ધર્મ તારે કેવો રાખવાનો ? તું શું કહું છું ? બહાર તો હોવો જ જોઈએ, તો ઘરમાં કેવો હોવો જોઈએ ?

પ્રશ્નકર્તા : આદર્શ હોવો જોઈએ.

દાદાશ્રી : એટલે હવે તારાથી શબ્દો નીકળી જાય છે, એ વાત ઉપરથી કહીએ છીએ. પણ એની પાછળ જાગૃતિ, આપણું જ્ઞાન હોય એટલે તરત માફી માંગી લઈએ. એટલે એને ઘા ના લાગે.

પ્રશ્નકર્તા : હા, દાદાની હાજરીમાં ક્ષમા માંગું છું.

દાદાશ્રી : બસ, તારું કામ થઈ ગયું.

તરછોડના ફળ, અતિ વસમા

આપણા ઘરનાં બધાંને, પત્નીને, નાની બેબીને, કોઈ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય.

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ એ બેમાં શું ફેર ?

દાદાશ્રી : તરછોડ અને તિરસ્કારમાં, તિરસ્કાર તો વખતે ખબર નાય પડે. તરછોડ આગળ તિરસ્કાર એ બિલકુલ માઇલ્ડ વસ્તુ છે, શ્યારે તરછોડનું તો બહુ જ ઉગ્ર સ્વરૂપ છે. તરછોડથી તો તરત જ લોહી નીકળે એવું છે. આ દેહનું લોહી ના નીકળે પણ મનનું લોહી નીકળે એવી તરછોડ એ ભારે વસ્તુ છે.

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડનાં, બેઉનાં ફળ કેવાં કેવાં પ્રકારનાં હોય ?

દાદાશ્રી : તિરસ્કારનું ફળ બહુ મોટું ના આવે, શ્યારે તરછોડનું ફળ તો બહુ મોટું આવે. તિરસ્કાર તો મનુષ્યોને સ્વભાવિક રીતે રહે જ. જેને રાગ હોય એને દ્વેષ હોય જ. અને દ્વેષ એટલે તિરસ્કાર. એ બટાકા ના ખાતો હોય, એટલે એને બટાકા ઉપર તિરસ્કાર રહ્યા જ કરે. દેખે ત્યાંથી એને તિરસ્કાર થાય. શ્યાં ત્યાગ કર્ર્યો હોય ત્યાં તિરસ્કાર વર્તે. તરછોડ સામાના બધાય દરવાજા બંધ કરી દે. જેને આપણે તરછોડ મારી હોયને, એ એનો દરવાજો કાયમ ઉઘાડે નહીં. એ શું કહેશે કે બધાને જવા દઉં પણ તને નહીં જવા દઉં. આપણી તરછોડની એની પાસે ક્ષમા માગી લઈએને તો એ બધું ઊડી જાય.

આપણા મધર હોય એને આપણે કહીએ કે તું અક્કલ વગરની છે, આમ છે, તેમ છે, તને કશું ખાવાનું બનાવતાં આવડતું નથી. એ બધો તિરસ્કાર કહેવાય. પણ એને એમ કહીએ કે તું મારા બાપની વહુ થઉં તો ? તો પછી એને તરછોડ વાગે. આ તરછોડ તો એવી વાગે કે એના મનને મહીં લોહી નીકળ્યા કરે. હવે એમાં આપણે શું ખોટું કહ્યું છે ? એ બાપની વહુ ન હોય ? વાત તદ્દન સાચી છે પણ વ્યવહારિક વસ્તુ નથી એ. સત્ય છે પણ નગ્ન સત્ય છે, એવું ના ચાલે. ત્યાં વ્યવહારિક સત્ય જોઈએ. વ્યવહારિક સત્ય કેવું હોય કે સત્યની જોડે સામાને પ્રિય લાગે તેવું હોય, સામાને હિતકારી હોય. સામાને અહિતકારી સત્ય એ સત્ય નથી. અને મિત હોય, થોડા શબ્દોમાં હોય. રેડિયાની પેઠ ગા ગા ના કર્યા કરે. એટલે જે સત્ય હિત-પ્રિય-મિત હોય એનું નામ સત્ય, બાકી બીજું બધું અસત્ય છે.

પણ આ બધી અણસમજણની તરછોડ કહેવાય, શ્યારે પેલી તો સમજણવાળી તરછોડ, એનાથી તો આખું મન કપાઈ જાય. અણસમજણની તરછોડથી તો લોહી નીકળે પણ પાછું મટી જાય, રુઝાઈ જાય, શ્યારે સમજણપૂર્વકની તરછોડથી તો પેલાનાં મનનાં બે ટુકડા જ થઈ જાય. એવી જાત જાતની તરછોડ મારે છે અને પછી જગતમાં સુખી થવાની ઇચ્છા રાખે છે, પણ કેવી રીતે સુખી થાય ?

એ તરછોડો કોને મારે છે ? પેલા સામા માણસને નથી મારતો, (એની મહીં રહેલા) ભગવાનને મારે છે. એટલે તમે અહીં જે જે કરો, જે જે ગાળો દેશો તો એ ભગવાનને જ પહોંચે છે, એ માણસને પહોંચતી નથી.

વાગે તેનાથી જ રૂઝે

કોઈને સહેજેય તરછોડ ના વાગે ને, એવું આપણું જીવન હોવું જોઈએ. તમે તરછોડને ઓળખો કે ના ઓળખો ? સારી રીતે ? કો'કને વાગી જાય ખરી ?

પ્રશ્નકર્તા : મહીંથી સૂક્ષ્મ રીતે વાગી જાય.

દાદાશ્રી : તે સૂક્ષ્મ વાગે તેનો વાંધો નહીં. સૂક્ષ્મ વાગે, તે તો આપણને નુકસાનકર્તા છે. જો કે સામાને વિરોધ કર્તા તો છે જ. કારણ કે સામો એકતા નહીં અનુભવે.

પ્રશ્નકર્તા : ધારો કે સ્થૂળ તરછોડ વાગી ગઈ હોય તોય પ્રતિક્રમણ તરત થઈ જ જાય.

દાદાશ્રી : હા, તરછોડ વાગી ગયા પછી પ્રતિક્રમણ કરવાના. અને બીજું, ફરી પાછાં એની જોડે સારું બોલી અને ફેરવી નાખવાનું.

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ છે તે જીવનવ્યવહારમાં પળે પળે અનુભવમાં આવે છે.

દાદાશ્રી : હા, દરેકને આ જ થઈ રહ્યું છેને ? જગતમાં દુઃખ જ એનાં છે. અવળવાણી એવી તે નીકળે, 'દુકાળ પડો' એમ બોલે !

પ્રશ્નકર્તા : અવળવાણીના તો અત્યારે રાજા હોય છે.

દાદાશ્રી : અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો, તરછોડનું કેટલું બધું નુકસાન છે ! તેથી મજૂરોનેય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે એ સાપ થઈનેય કૈડે ! તરછોડ બદલો લીધા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?

દાદાશ્રી : એના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. શ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, 'ભઈ, મારી તો બહુ ભૂલ થઈ. હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.' એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂઝાય.

પ્રશ્નકર્તા : પગે પડીનેય માફી માગી લેવાની.

દાદાશ્રી : ના, પગે પડીએ તો ગુનો થાય. એવું નહીં. વાણીથી વાગ્યું હોય ને, તે વાણીથી ફેરવો. પગે પડવાથી તો એ પાછો મનમાં તે ઘડીએ અવળો ફરેલો માણસ અવળું માને. માટે એવી મીઠી વાણીથી એને ફેરવો, તે પાછો રાગે આવી જાય. બિચારાને સંતોષ થઈ જાય. પછી એ સહી કરી આપે તરત. હમણે જ થયું ને હમણે જ તરત સહી કરી આપે. એટલે પછી એની જોડે એકતા ના તૂટે. મને બહુ જાતના લોક મળે, પણ હું એમની જોડે એકતા નથી તૂટવા દેતો.

પ્રશ્નકર્તા : એ તો ગજબની વાત કહેવાય.

દાદાશ્રી : આ હું એકતા ના તૂટવા દઉં બિચારાની. એકતા તૂટે તો પછી એની શક્તિ ના રહે. શ્યાં સુધી મારી એકતા છે, ત્યાં સુધી એની શક્તિ છે. એટલે સાચવવું પડે. આપણે જે પ્રયોગશાળામાં બેઠા છીએ, ત્યાં પ્રયોગો બધું જોવું પડે ને !

વિચારોને કરો નિર્માલ્ય, પ્રતિક્રમણથી

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ?

દાદાશ્રી : સૂક્ષ્મનાં હોય.

પ્રશ્નકર્તા : વિચારનાં કે ભાવનાં ?

દાદાશ્રી : ભાવનાં. વિચારની પાછળ ભાવ હોય જ. અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અતિક્રમણ તો મનમાં આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે 'વિચાર સારો હોવો જોઈએ' એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે આ નાલાયક છે, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી-નાલાયકી જોવાનો રાઈટ (અધિકાર) નથી. અને બાધેભારે બોલવું હોય તો બોલવું કે, 'બધા સારા છે.' 'સારા છે' કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય. એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે.

એટલે ફરી પાછો આવો વિચાર આવે તો તે ભરેલો માલ છે, તેથી વિચાર આવવાના. સ્ટોક તો જેવો હોય તેવો નીકળ્યા કરશે. અને એક માણસમાં કશી સમજણ નથી છતાં પણ મનમાં એમ લાગે કે હું બહુ ડાહ્યો છું. એ સ્ટોક થયેલું. એ કંઈ એને નુકસાન કરતો નથી. એટલે એને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી.

વિચાર આવે તો ખરા પણ તેને નિર્માલ્ય કરી નાખવા. પ્રતિક્રમણ કરી નાખવું. વિચાર નિર્જીવ છે.

એના શુદ્ધાત્માને કેવી રીતે પહોંચે ? 'દેહધારી ચંદુભાઈ, ચંદુભાઈ નામની સર્વ માયા, ચંદુભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ! તમારા પ્રત્યે મારામાં આ વિચાર આવ્યો તે બદલ હું એની ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરું છું. હવે ફરી નહીં કરું.

આંટી પડ્યા વગર વિચાર જ ના આવે. જેવો વિચાર આવે તેનું અવશ્ય પ્રતિક્રમણ કરવું. એટલે સામટાં પ્રતિક્રમણ કરવાં. આ દશ મિનિટમાં જે જે વિચાર આવ્યા હતા, એ બધાનું સામટું પ્રતિક્રમણ હું કરું છું.

પ્રતિક્રમણ, સામાના મૂળ આત્મા પાસે !

આ બધાં આપણાં જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે.

આપણે તો સામાના કયા આત્માની વાત કરીએ છીએ ? પ્રતિક્રમણ કરીએ છીએ, તે જાણો છો ? પ્રતિષ્ઠિતને નથી કરતા, આપણે એના મૂળ શુદ્ધાત્માને કરીએ છીએ. આ તો એ શુદ્ધાત્માની હાજરીમાં આ એની જોડે થયું તે બદલ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ શુદ્ધાત્માની પ્રતિ આપણે ક્ષમા માંગીએ છીએ.

છૂટક છૂટક થાય તે જ સાચું

બધા દોષ દેખાશે તેમ પ્રતિક્રમણ થશે. ત્યારે છૂટ્યા. તમારે જેટલાં પ્રતિક્રમણ થયાં એટલો છૂટકારો થઈ ગયો. જેટલાં બાકી રહ્યાં એટલાં રહ્યાં, તે ફરી પ્રતિક્રમણ કર્યા જ કરવાનાં.

પ્રશ્નકર્તા : આપણે આખા જગતના જીવોની ક્ષમા માગી લઈએ તો પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો ક્યારે થયું કહેવાય ? એ છૂટક છૂટક કરીએ ત્યારે.

પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પહેલાં જે કર્મ કર્યાં છે, હવે એનું સરવૈયું કાઢવા બેઠા છે કે આ કર્યું છે, તે ક્યારે પ્રકાશમાં આવશે ?

દાદાશ્રી : જેટલાં યાદ આવે એટલાં પ્રતિક્રમણ કરવાં. નહીં તો પછી અહીં આગળ અમે સામાયિક કરાવીએ છીએ, તે દહાડે બેસવું. તે આખું એક્ઝેક્ટ કરવું. તે દહાડે થોડું ધોવાઈ જાય. એમ કરતું કરતું બધું ધોવાઈ જાય.

અવર્ણવાદ - પરોક્ષ કે મૃત્યુ પામેલાનો

પ્રશ્નકર્તા : 'હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.' (નવ કલમો)

આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ, એ એને પહોંચે ખરું ?

દાદાશ્રી : એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો, તો તમે ભયંકર દોષમાં પડો. આમાં એવું કહેવા માગે છે. એટલે અમે કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું. બાકી પહોંચાડવા-ના પહોંચાડવાનો સવાલ નથી પણ મરી ગયેલાનું નામ ના દેવું. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ પછી એનું ભૂંડું ના બોલવું.

અત્યારે રાવણનું અવળું ના બોલાય. કારણ કે હજુ એ દેહધારી છે. એટલે એને 'ફોન' પહોંચી જાય. 'રાવણ આવો હતો ને તેવો હતો' બોલે, તે તેને પહોંચી જાય.

આપણાં કોઈ સગાંવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું, વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એનેય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના હોવું જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. એમાં બહુ મોટું જોખમ છે.

તે વખતે પહેલાંના 'ઓપીનિયન'થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે.

મૃત્યુ પામેલાનાં પ્રતિક્રમણો

પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું ?

દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોઢું યાદ હોય, તો કરાય. મોઢું યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથીય કરાય, તો એને પહોંચી જાય બધું.

જે વ્યક્તિ જોડે આપણાથી ગૂંચો પડી ગઈ હોય ને તે મરી ગયા હોય તો, તેને યાદ કરીને ગૂંચો ધોઈ નાખવી. જેથી ચોખ્ખું થઈ નિકાલ થઈ જાય ને ગૂંચો ઉકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. કારણ કે સ્મૃતિ મરેલાનીયે આવે ને જીવતાનીયે આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર 'એ' જીવતો જ છે, મરતો નથી. આનાથી તેના આત્માનેય હિતકર છે, અને આપણે પ્રતિક્રમણ કરીએ તો, આપણે એની ગૂંચમાંથી છૂટી જઈએ.

એવું છે ને, આ ૧૦૦ રૂપિયાનાં કપ-રકાબી છે તે શ્યાં સુધી આપણો હિસાબ છે, ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. પણ હિસાબ પૂરો થયા પછી રકાબી ફૂટી જાય. તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસોય પ્યાલા-રકાબી જ છે ને ! આ તો દેખાય છે કે મરી ગયા. પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ શ્યાં હોય ત્યાં એને પહોંચે.

પ્રશ્નકર્તા : એટલે મરી ગયેલી વ્યક્તિ માટે પ્રતિક્રમણો કેવી રીતે કરવાનાં ?

દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મરી ગયેલી વ્યક્તિનું નામ તથા તેના નામની સર્વ માયાથી, નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના, ને પછી 'આવી ભૂલો કરેલી' તે યાદ કરવાની (આલોચના). તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં થાય એવા દ્ઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). 'આપણે' પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ચંદુભાઈએ કેટલાં પ્રતિક્રમણ કર્યા, કેટલાં સુંદર કર્યા અને કેટલી વાર કર્યા.

પ્રતિક્રમણ છોડાવે ઋણાનુબંધ

પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં ફરજિયાત રહેવું જ પડતું હોય, તો શું કરવું જોઈએ કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા હતા ? તો કહે, પૂર્વભવમાં એની જોડે અતિક્રમણ કર્યું હતું, તેનું આ ભવમાં ફળ આવ્યું એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઇનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે. નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી બહુ દોષિત જો જો કરે એટલે તિરસ્કાર વધે અને સામાના પ્રત્યે તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે. એને દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે

દોષો કર્યા હોય, હે ભગવાન, હું ક્ષમા માગું છું. આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તે અંદર તમે ભગવાન પાસેથી માફી માંગ માંગ કરો તો બધું ધોવાઈ જશે.

સાધુ-સાધ્વીઓનું પ્રતિક્રમણ

પછી આ ભવ, ગતભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં દાદા ભગવાનની સાક્ષીએ કોઈ પણ ધર્મની, સાધુ, આચાર્યની જે જે અશાતના, વિરાધના કરી - કરાવી હોય તો તે બદલ ક્ષમા માગું છું. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગું છું. કિંચિત્માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો.

ટૂંકું ને પદ્ધતિસરનું પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ક્રિયા સમજાવોને. ઘણા એવું કહે છે મેં બસ્સો પ્રતિક્રમણ કર્યા, તો એ કેવી રીતે કરે ?

દાદાશ્રી : એવું છેને, જેમ જેમ વધારે ઊંડો ઉતરતો જાયને, તેમ પોતાના વધારે દોષ દેખાતા જાય.

પ્રશ્નકર્તા : મને તો મારા જ દોષ દેખાય.

દાદાશ્રી : એ તો અત્યારે જ્ઞાન આપ્યું છે એટલે નહીં તો પહેલાં ક્યાં દેખાતું હતું ? અત્યારે દેખાય છેને ? હવે એ દેખાય એની માફી માગવી પડે. એનાં પ્રતિક્રમણ કરે એટલે દોષ દેખાવા માંડે પછી. તે કોઈને રોજના પચ્ચીસ દોષ દેખાય, કોઈને પચાસ દેખાય, કોઈને સો દેખાય. પાંચસો-પાંચસો દોષ દેખાય એવી દ્ષ્ટિ ખીલી જાય, દર્શન ખૂલતું જાય.

તમારી જોડે કંઇ વાતચીત થાય, તો કડક બોલે. પણ જોડે એમને દોષેય દેખાય કે આ ખોટું થઈ ગયું. અને તને દેખાય કે ના દેખાય ?

પ્રશ્નકર્તા : હા, મારા દોષો મને દેખાય છે.

દાદાશ્રી : તો કલ્યાણ જ થઈ ગયું ને !

પ્રતિક્રમણ તો આપણા મહાત્માઓ કેવું કરે છે ? 'શૂટ ઑન સાઈટ', એવું પ્રતિક્રમણ કરે છે. એટલે પછી દોષ જ ઊભો ના થાયને !

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે પ્રતિક્રમણની આખી લાંબી વિધિ બોલવાની કે પછી આપણે ભાવથી ટૂંકામાં કરવાની ?

દાદાશ્રી : ભાવથી ટૂંકામાં જ કરી નાખવાની. એ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ તો આપણે લખીએ (તે સમજૂતી પૂરતું) એટલું જ છે. બાકી એને ટૂંકું કરીએ તોય ચાલી જાય.

પ્રશ્નકર્તા : તો દાદા, ટૂંકું પ્રતિક્રમણ કેવું કરવાનું ?

દાદાશ્રી : આ થયું એ બરાબર નથી, એવું આપણને લાગવું જોઈએ.

પ્રશ્નકર્તા : હા, પણ ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ આમ કરવાનું કેવી રીતે ?

દાદાશ્રી : દાદા ભગવાનની સાક્ષીએ આ દોષ થયો તેની હું ક્ષમા માગું છું. હવે ફરી નહીં કરું. બસ એટલું જ. એ ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ. એના મન-વચન-કાયાને, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ એવું બધું બોલવાની કંઈ જરૂર નથી. એ તો નવા માણસોને શીખવાડવા માટે છે.

અત્યારે શ્યારે કોઈ માણસને બીજા જોડે વેર હોયને, ત્યારે પહોંચાડવા માટે આ પદ્ધતિસર બોલવું પડે. તો વેર છૂટું થાય. એમ પદ્ધતિસરનું બોલ બોલ કરેને, આખું વિગતવાર લાંબું તો બધાનું વેર છૂટતું જાય. અને સાથે પેલાનેય ખબર પડે કે હવે મારું મન એમના તરફ સારું થતું જાય છે. પ્રતિક્રમણ તો એટલી બધી જબરદસ્ત શક્તિ છે.

પ્રશ્નકર્તા : દોષો માટે આપણે બોલીએ કે આ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવથી વાણીના દોષ થયા હોય, રાગ-દ્વેષના, કષાયના દોષ થયા હોય, એ બધું બોલવાનું ?

દાદાશ્રી : હા, તે બધું બોલવું જોઈએ. બીજા લોકોની જોડે હોય તો એમને એમ થાય. ક્ષમા માંગી લઈએ, પસ્તાવો કરી લઈએ તો ચાલી જાય.

તે થઈને રહે ભગવાન

આ નીરુબેન રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે, કેટલાય વર્ષથી. તે આજે એનો ઉકેલ આવવા માંડ્યો છે. બીજું કશું કરવાનું નથી. આ આજ્ઞા જ લેવાની છે ને 'શૂટ ઑન સાઈટ' પ્રતિક્રમણ કરવાનું છે. મહીં કો'ક આવ્યો અને આપણા મનમાં એમ થાય કે, 'આ વળી આટલી ભીડમાં શું કરવા આવ્યા ?' એ આપણે એના તરફ વિરાધના કરી, માટે એનો આત્મા મહીં જાણી ગયો બધુંય. એટલે આપણે તરત જ પોતાની (જાતને) કહેવું કે, 'ચંદુભાઈ, આવી કેમ ભાવના કરી ? અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.'

આ પ્રતિક્રમણનો માર્ગ છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન, 'શૂટ ઑન સાઈટ'નો માર્ગ છે. રોજ ત્રણસો-ત્રણસો ભૂલો, ચારસો-ચારસો ભૂલો દેખાશે. પોતાની એક જ ભૂલ જેને દેખાય તે ભગવાન થાય. અને માણસમાં દોષ ના હોત, તો બધે ભગવાન જ હોત ! દોષરહિત જે માણસ થયો એ ભગવાન કહેવાય !

તમારું કામ નીકળી ગયું ! હજુ જેમ જેમ શક્તિ વધશે ને એમ દેખાતા જશે. અત્યારે સ્થૂળ દોષો દેખાય. પછી સૂક્ષ્મ દેખાય. જેટલા દેખાયા એટલા જાય. નિયમ એવો છે કે જે આપણી અંદર દોષો છે, જેટલા દેખાયા એટલા ગયા. જેમ આપણે ઊંઘી ગયા હોય ને ચોર પેઠો હોય, અને જાગીએ તો ? ચોર ભાગવાની તૈયારી કરે, જાગ્યા એટલે. એવું આ દોષો ભાગવાની તૈયારી કરે, જાગ્યા કે તરત !

સૂક્ષ્મતા, જ્ઞાનીનાં પ્રતિક્રમણોની

પ્રશ્નકર્તા : આપની પાસે આવવાનું ખૂબ વિચારીએ પણ અવાતું નથી.

દાદાશ્રી : તમારા હાથમાં શું સત્તા છે ? અવાતું નથી એનો મનમાં ખેદ રહેવો જોઈએ. આપણે એમને (પોતાની જાતને) કહીએ કે, ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો, જલદી ઉકેલ આવે. નથી જવાતું માટે પ્રતિક્રમણ કરો. પ્રત્યાખ્યાન કરો, આવી ભૂલચૂક થઈ માટે હવે ફરી ભૂલચૂક નહીં કરું.

અને અત્યારે જે ભાવો આવે છે તે શાથી ભાવો વધારે આવે છે અને કાર્ય નથી થતું ? ભાવ શાથી આવે છે કે કમીંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ! (બનવાનું તેના પડઘા પહેલેથી પડે.)

પ્રશ્નકર્તા : આ ચિંતા થઈ જાય એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?

દાદાશ્રી : આ મારા અહંકારને લઈને આ ચિંતા થાય છે. હું કંઈ આનો કર્તા ઓછો છું ? એટલે દાદા ભગવાન ક્ષમા કરો. એનું કંઈક તો કરવું પડેને ? ચાલે કશું ?

પ્રશ્નકર્તા : આપણે બહુ ઠંડી પડી, બહુ ઠંડી પડી કહીએ તો એ કુદરતની વિરુદ્ધ બોલ્યા તો તેનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો શ્યાં રાગ-દ્વેષ થતાં હોય, 'ફાઈલ' હોય ત્યાં કરવાનું. કઢી ખારી હોય તેનું પ્રતિક્રમણ નહીં કરવાનું. પણ જેણે ખારી કરી (તેના પ્રત્યે દ્વેષ થાય) તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે.

પેશાબ કરવા ગયો ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ. ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ 'ડિસ્ચાર્જ' રૂપે છે, પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો ? જાગૃતિ કેમ મંદ થઈ ? તેનો દોષ લાગે.

વાંચતી વખતે પુસ્તકને નમસ્કાર કરીને કહેવું કે, 'દાદા, મને વાંચવાની શક્તિઓ આપો.' અને જો કોઈવાર ભૂલી જવાય તો ઉપાય કરવો. બે વાર નમસ્કાર કરવા અને કહેવું કે 'દાદા ભગવાન, મારી ઇચ્છા નથી છતાંય ભૂલી ગયો તો તેની માફી માગું છું. તે ફરી આવું નહીં કરું.'

ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોઈએ ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ.

અમે બે જણને છૂટાં પાડીએ તેનો દોષ બેસે, તેથી પ્રતિક્રમણ કરીએ.

પ્રશ્નકર્તા : તમે કર્તાભાવથી ના કરો તોય ?

દાદાશ્રી : ગમે તે ભાવથી કરે પણ સામાને દુઃખ થાય તેવું કર્યું એટલે પ્રતિક્રમણ કરવું પડે.

'ડિસ્ચાર્જ'માં જે અતિક્રમણો થયેલાં હોય છે તેનાં આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાને દુઃખ પહોંચાડે તેવા 'ડિસ્ચાર્જ'નાં પ્રતિક્રમણો કરવાનાં. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેનાં પ્રતિક્રમણ ના હોય, પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે.

'અમે' આમ કરેલું નિવારણ વિશ્વથી

આપણને હવે ચંદુભાઈમાં જે જે દોષો હોય તે બધા દેખાય. જો દોષો ના દેખાતા હોય તો આ જ્ઞાન કામનું શું ? એટલે કૃપાળુદેવે શું કહ્યું હતું ?

''હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ,

દીઠા નહીં નિજ દોષ, તો તરીયે કોણ ઉપાય ?''

તે પોતાના દોષ દેખાય. દોષ છે તેનો વાંધો નથી. તે કોઈનામાં પચ્ચીસ હોય કે કોઈનામાં સો હોય, અમારામાં બે હોય, તેની કંઈ કિંમત નથી. ઉપયોગ જ રાખવાનો. ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે. બીજું કશું કરવાનું નથી.

'ચંદુભાઈ'ને 'તમારે' એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક-એક માણસનું, આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમ ને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. ત્યારે તો આ છૂટકો થયો. શ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે શ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. એટલે આલોચના મારી રૂબરૂમાં નહીં કરવાની, પણ તમે શુદ્ધાત્મા છો તે વખતે તમારા શુદ્ધાત્માની રૂબરૂમાં ચંદુભાઈ આલોચના કરે. ચંદુભાઈને કહીએ, આલોચના કરી લો પછી પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરાવડાવો. તે કલાક-કલાક કરાવડાવો. ઘરનાં દરેક માણસના કરાવડાવો. જેની જોડે સંબંધ હોય તેનાંય કરવાં પડે.

અજ્ઞાન દશામાં પ્રતિક્રમણ થાય ?

પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ જે છે એ ફક્ત મહાત્માઓ માટે જ છે કે જેમણે જ્ઞાન નથી લીધું એમના માટે પણ છે ?

દાદાશ્રી : એવું છેને, કે જ્ઞાન નથી લીધું તેને માટે આ પ્રતિક્રમણ તો છે, તે આમ શબ્દ બીજા બધાને માટે વપરાય. તે આમ શબ્દ જ, પણ બીજા લોકોને પ્રતિક્રમણ રહે શી રીતે ? જાગૃતિ હોય જ નહીંને ! જાગૃતિ વગર રહે શી રીતે ?

એ જાગૃતિ કયા કાળમાં હતી ? ઋષભદેવ ભગવાન ગયા પછી બાવીસ તીર્થંકરના વખતમાં બધા શિષ્યો જાગૃત રહેતા હતા. તે નિરંતર 'શૂટ ઑન સાઈટ' પ્રતિક્રમણ કરતા'તા.

આપણે જ્ઞાન આપીએ તો જ એની જાગૃતિ હોય, નહીં તો જાગૃતિ હોય નહીં. બાકી એ તો ઊઘાડી આંખે ઊંઘે છે, એવું શાસ્ત્રકારોએ કહેલું.

પ્રશ્નકર્તા : જેને જ્ઞાન નથી, તેઓ અમુક પ્રકારના દોષો જ જોઈ શકે ?

દાદાશ્રી : એ બસ, એટલું જ. દોષની માફી માગતાં શીખો એવું ટૂંકમાં કહી દેવું. જે દોષ તમને દેખાય, તે દોષની માફી માંગવાની અને તે દોષ બરાબર છે એવું ક્યારેય પણ ના બોલશો, નહીં તો ડબલ થઈ જશે. ખોટું કર્યા પછી ક્ષમા માંગી લ્યો.

પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું નથી, એને પોતાની ભૂલો દેખાય છે તો એ કેવી રીતે પ્રતિક્રમણ કરે ?

દાદાશ્રી : જ્ઞાન ના લીધું હોય, પણ એવા થોડા જાગૃત માણસો હોય છે, કે જે પ્રતિક્રમણને સમજે છે. તે એ કરે. બીજા લોકોનું કામ જ નહીં, પણ પ્રતિક્રમણ શબ્દનો અર્થ આપણે એને પશ્ચાત્તાપ કરવાનું કહેવાનું.

પ્રતિક્રમણની એક્ઝેક્ટનેસ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને અથવા બોલીને ?

દાદાશ્રી : મનથી જ. મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તે રીતે કરીએ કે, મારો એના પ્રત્યે જે દોષ થયો છે, તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તોય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં.

ફક્ત આપણે પુરુષાર્થ શું કરવાનો છે ? આપણે નિશ્ચય રાખવાનો કે મારે આમ જ કરવું છે. કોઈનું બૂરું નથી કરવું, આપણે સારું થવા દેવું જ છે, સારું કરવું જ છે. એવો નિશ્ચય રાખવાનો. તેમ છતાં અવળું થઈ જાય, આપણે તેના જોખમદાર નથી. તેને માટે પણ આપણે ક્ષમા માગીએ છીએ કે આવું ના થવું જોઈએ.

અજાગૃતિનાં પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : હું શ્યારે દાદાનું નામ લઉં કે આરતી કરું, તોય મન બીજે ભટક્યા કરે. પછી આરતીમાં કંઈ જુદું જ ગાઉં. પછી લીટીઓ જુદી જ ગવાઈ જાય. પછી વિચાર આવે એમાં તન્મયાકાર થઈ જવાય. પછી થોડીવાર રહીને પાછો આવી જઉં એમાં.

દાદાશ્રી : એવું છેને, તે દહાડે પ્રતિક્રમણ કરવું. વિચાર આવે તો વાંધો નથી. વિચાર આવે ત્યારે આપણે 'ચંદુલાલ'ને જોઈ શકતા હોઈએ, કે 'ચંદુલાલ'ને વિચારો આવે છે, એ બધું જોઈ શકતા હોઈએ તો આપણે ને એ બે જુદા જ છે. પણ તે વખતે જરા કચાશ પડી જાય છે.

પ્રશ્નકર્તા : જાગૃતિ જ નથી રહેતી તે વખતે.

દાદાશ્રી : તે એનું પ્રતિક્રમણ કરી લેવું કે આ જાગૃતિ ના રહી, તે બદલ પ્રતિક્રમણ કરું છું. હે દાદા ભગવાન, ક્ષમા કરજો.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું બહુ મોડું યાદ આવે કે આ માણસનું પ્રતિક્રમણ કરવાનું હતું.

દાદાશ્રી : પણ યાદ આવે ખરું ને ? સત્સંગમાં વધારે બેસવાની જરૂર છે. બધું ઝીણવટથી પૂછી લેવું પડે. આ તો વિજ્ઞાન છે. બધું પૂછી લેવાની જરૂર.

એ હું તમને વિધિ કરી આપીશ. તમારી ઇચ્છા છતાંય નથી થતું ?

પ્રશ્નકર્તા : હા, ઇચ્છા તો ખરી જ.

દાદાશ્રી : હા. ઇચ્છા હોવા છતાંય નથી થતું ? અરે ! પ્રેક્ટિસ પડી નથી. તે એ પ્રેક્ટિસ પહેલી પાડવી પડે. પહેલાં બે-ત્રણ-ચાર દા'ડા પ્રેક્ટિસ આપણે પાડવી પડે.

આપણને ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં તોય જમતી વખતે જમણો હાથ મહીં પેસી જાય.

પ્રશ્નકર્તા : સતત તમારો ખ્યાલ હોય તો પ્રયત્ન નથી કરવો પડતો. સહેજાસહેજ થઈ જાય છે.

દાદાશ્રી : હા, આ બધું સહેજાસહેજ થઈ જાય એવું છે. આમાં કશું કરવું નથી પડતું.

પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ કરું છુંને, તે આનંદ થાય છે, ગમે છે. પણ દોષો દેખાવા જોઈએને, એ થતું નથી.

દાદાશ્રી : એ હવે દેખાશે, હજુ વાર લાગશે. એ તો પાતળું થશે ત્યારે દેખાશે. હજુ તો જાડું ચાલે છે બધું. પણ આ પ્રતિક્રમણ કરવાથી પાતળું થશે તારું.

દોષ દેખાવા સહેલી વસ્તુ નથી. પાછા એકદમ અમે તો ઉઘાડ કરી આપીએ, પણ એની દ્ષ્ટિ હોય કે મારે દોષો જોવા છે તો દેખાયા કરે. એટલે પોતે જમવાની થાળીમાં હાથ તો ઊંચો કરવો પડેને ? એમ ને એમ કંઈ જમવાનું મારા મોઢામાં જાઓ, એમ કંઈ ચાલે ? પ્રયત્ન તો હોવા જ જોઈએ ને ?

માણસનો દોષ થવો સ્વભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલા 'જ્ઞાની પુરુષ' જ એ દેખાડે, 'પ્રતિક્રમણ'.

પંપ, પ્રતિક્રમણનો

આપણે પાંચ આજ્ઞામાં વધારે રહેવું. બીજું કશું કરવા જેવું છે નહીં. સવારથી નક્કી કરવું કે પાંચ આજ્ઞામાં જ રહેવું છે ને ના રહેવાય તો રાત્રે પ્રતિક્રમણ કરી લેવું. એટલે બીજે દહાડે રહેવાય. પછી આગળ ફોર્સ વધતો જશે. એને કંઈ બીજા પંપો નથી હોતા, આ જ પંપ.

પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણનો પંપ.

દાદાશ્રી : પ્રતિક્રમણનો પંપ. એટલે મેં શું કાયદો કરેલો કે ભઈ, જેટલી આજ્ઞાઓ તમારાથી પળાય એટલી પાળો. તમારાથી ન પાળી શકાય તો દાદાની પાસે ક્ષમા માગો કે દાદાજી જેટલી પળાય એટલી પાળું છું ને ન પળાય એનું હું શું કરવાનો હતો ? એટલે માટે તમારી ક્ષમા માગું છું. એટલે તમારી બધી આજ્ઞા પૂરી થઈ ગઈ. પણ આ ઈરાદાપૂર્વક આવું ધકેલવા માટે આવું ના કરતા.

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : હાર્ટીલી રીતે તમારાથી ન થાય તે તમે આવી રીતે કરો તો અમારી બધી આજ્ઞા પાળો છો એવું હું સ્વીકારી લઈશ.

કારણ કે માણસ કેટલું કરી શકે ? જેટલું થાય એટલું કરે. અને બાકીનું માફી માગીએ. પછી એનું તો હું બધું ભગવાનને કહી દઉંને કે શું વાંધો છે આનો, તમારી આજ્ઞામાં જ છે. ના પળાય તો એ શું કરે ?

એટલે આપણે તો બધા કાયદા બહુ સુંદર ! પ્રતિક્રમણ કરી લેવું પડે. અને એ પ્રતિક્રમણ તમને ટોપ ઉપર લઈ જશે.

આપણે રસ્તા છે એટલે એમાં રહેવાની જરૂર છે. ટેન્શન (ચિંતા) રાખવાની કંઈ જરૂર નથી. આ આમાં કંઈ ખોટ જતી નથી. રસ્તા પકડવાની જરૂર છે. જ્ઞાન જ પકડવાની જરૂર છે.

- જય સચ્ચિદાનંદ.