|
સાધક, મોક્ષના ધ્યેયનો... સંપાદકીય હિન્દુસ્તાનમાં જન્મેલો માણસ ધર્મમાં કંઈક ને કંઈક સાધના કરતો જ હોય છે અને કંઈક અંશે મોક્ષના ધ્યેય, આત્મસાક્ષાત્કાર પામવાના ધ્યેયની શરૂઆત થઈ હોય છે. તે ધ્યેય પ્રાપ્તિ થવા અર્થે ધ્યાન કરે, યોગ સાધના કરે, શાસ્ત્ર વાંચન કરે, ભક્તિ કરે કે કોઈ ધાર્મિક ક્રિયા કરતો હોય છે. બહુ ઊંડે ઊંડે કાચો છતાં અદ્બદ એવો ધ્યેય કો'ક સાધકના ખ્યાલમાં હોય છે, બાકી બધા તો ધ્યેય જ ભૂલી જઈ સાધનોની સાધનામાં અટવાઈ જતા હોય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે 'જો સાધનોના બંધનમાંથી છૂટયા નથી તો એ ધ્યેય પ્રાપ્ત થયો નથી.' છતાં કંઈક સાધનોની સાધનામાં પડ્યો છે એટલે ધ્યેય તરફના રસ્તે જઈ રહ્યો છે, એમ કહી શકાય. બહારનાં સાધનો પછી અંતઃકરણ એ પણ અંદરનંુ સાધન છે. એ ધ્યેયને સહકાર આપતંુ હોય તો સાધકે તેની વાત સ્વીકારવી ને ધ્યેયથી કંઈક આડફેટંુ જતંુ હોય તો પોતાનો ધ્યેય જાગૃત રાખી તે વાત છોડી દેવી. પણ આમાં મુખ્ય વાત પોતાનો ધ્યેય ચોક્કસ પણે જાણતો હોવો જોઈએ તો જ એ જાગૃતિ રહે. કેટલાકને શિખવાડવામાં આવે છે, ભગવાનનો સાક્ષાત્કાર પામવા માટે ધ્યાન કરો. પણ શેનંુ ? તે કલ્પિત સમજણના આધારે જેવંુ આવડે એવંુ પોતાની માન્યતાનંુ ધ્યાન સાધક કરતા હોય છે. ખરેખર જ્ઞાની પુરુષની દ્ષ્ટિએ એ ધ્યાન જ નથી, એકાગ્રતા જ છે. સાચંુ ધ્યાન તો સદ્ગુરુ કે ક્રમિક માર્ગના જ્ઞાની પુરુષ પાસે આત્માના ગુણો શબ્દથી જાણે અને તેને ધ્યેય સ્વરૂપ બનાવે કે એવા ગુણધામ સ્વરૂપી આત્માનો મને સાક્ષાત્કાર થાય, તો પોતે ધ્યાતા બને, પેલંુ ધ્યેય નક્કી થાય, તો ધ્યેય-ધ્યાતાના અનુસંધાનથી ધ્યાન એની મેળે ઉત્પન્ન થાય. એ કરવંુ ના પડે. કંઈ પણ ધ્યાન કરવા બેસે છે એ ધ્યાન નથી પણ એકાગ્રતા છે. એ પછી મન જોડે એકાગ્રતા થાય તો મનોયોગ થાય. દેહના ચક્રો પર એકાગ્રતા કરે તો દેહયોગ છે. કેટલાક જપ કરે તે જપયોગ, વાણીનો યોગ છે. પણ આત્મા જાણ્યા સિવાય આત્મયોગ શી રીતે થઈ શકે ? એ તો પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષ મળે તો એમની કૃપાથી આત્મસાક્ષાત્કાર પામી જાય. અક્રમ વિજ્ઞાનમાં પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપાથી જ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય છે, શુદ્ધાત્માનાં અનુભવ-લક્ષ-અખંડ પ્રતીતિ શરૂ થઈ જાય છે. બીજનો ચંંદ્રમા થયા પછી પૂનમ સુધી પહોંચવા જ્ઞાનીની આજ્ઞા એજ તપ ને આજ્ઞા એજ ધર્મ હોય છે. અને આજ્ઞામાં રહેવા પ્રત્યક્ષ સત્સંગ અને ધ્યેય સ્વરૂપે વર્તતા નિરાલંબ જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ પરિચયથી મૂળ સ્વરૂપની યથાર્થતાએ ઓળખાણ થતી જાય છે. પ્રસ્તુત સંકલનમાં નિયાણંુ મોક્ષનંુ અને ધ્યેય શબ્દાવલંબન દશામાંથી નિરાલંબ દશા સુધી પહોંચવાનો, તેનાં સર્વ સોપાન ખુલ્લાં થતાં જાય છે, જે આત્મદ્ષ્ટિ પામેલા મહાત્માઓને પૂર્ણાહુતિનો ધ્યેય દ્ઢ થવા અર્થે ઉપકારક નિવડશે. દીપક દેસાઈ સાધક, મોક્ષના ધ્યેયનો... સાધનના બંધન છૂટ્યે, ધ્યેય પ્રાપ્તિ ! ધર્મ એટલે ધ્યેય પ્રાપ્ત કરવાની સાધના. પ્રશ્શનકર્તા : સાધનના પરિણામે જે શક્તિ ઉત્પન્ન થાય, તેનો ઉપયોગ ધ્યેય પ્રાપ્તિમાં જાગૃતપણે જો કરી શકાય, તો તે સાધનનાં બંધનમાંથી છૂટાય કે કેમ ? જેમ એક સાધનનો ઉપયોગ પતી જતાં, બીજા તેનાથી ઉતરતાં સાધનોનું ગ્રહણ શરૂ થાય તેમ. દાદાશ્રી : સાધનના પરિણામે જે શક્તિ ઉત્પન્ન થાય, તેનો ઉપયોગ ધ્યેય પ્રાપ્તિમાં જાગૃતપણે જો કરી શકાય તો તે સાધનનાં બંધનમાંથી છૂટી જ જવાય છે. છૂટવાનામાં કંઈ કારણ રહેતું નથી. અને જે સાધનનાં બંધનમાંથી છૂટ્યા નથી, તો એ ધ્યેય પ્રાપ્ત થયો નથી અને આ તો રસ્તે જતાનો ધ્યેય કહેવાય છે. આપણે ત્રણસે માઈલ જવાનું હોય, તો સોમાં માઈલમાં આવીએ એટલે કહેશે, ભઈ, જમવાનું કાઢો હવે, સોમાં માઈલ તો આયા, આટલા તો આવ્યા. એ ધ્યેય નથી આપણો. હજુ તો બીજા બસ્સો માઈલ ચાલવાનું. પણ આને રસ્તે ધ્યેય માનવું પડે. ખુલાસો થઈ ગયો ? ગમે તેવા સંજોગ ભેગા થાય પણ સ્થિરતા ના તૂટે, ધ્યેય ના બદલાય, એ ધર્મ પામ્યો કહેવાય. ધ્યેય કાજે અંતઃપ્રેરણાની મૂલવણી ! પ્રશ્શનકર્તા : અંતઃપ્રેરણાની યોગ્યતા અને ઉપયોગિતા કેટલી અને કેવી રીતે નક્કી કરવી ? દાદાશ્રી : અંતઃપ્રેરણા આપણને આપણા જ્ઞાનના આધારે વ્યાજબી લાગે, તો એ પ્રેરણા પ્રમાણે ચાલવું અને જ્ઞાનના આધારે ખોટું લાગે તો પ્રેરણાને ઊડાડી દેવી. જ્ઞાનનો આધાર હોવો જોઈએ. આપણે ધ્યેય પર પહોંચવાનું છે. આપણે જો મુંબઈ જવું હોય તો ધ્યેયને માટે પ્રેરણા બરોબર સત્ય બતાવતી હોય તો ચાલવું અને અસત્ય બતાવતી હોય તો છોડી દેવું. ધ્યેયને પહોંચી વળવા માટે શું જરૂરી છે ? એ પ્રેરણા જો આપણને આવતી હોય તો એ રસ્તે ધ્યેય પર પહોંચાય. એવું હોય તો પ્રેરણા માફક ચાલવું અને ના પહોંચાય એવું હોય તો એની પ્રેરણા છોડી દેવી. મુખ્ય વસ્તુ ધ્યેયને પહોંચવું એ છે. પ્રશ્શનકર્તા : અંતઃપ્રેરણા કોઈ વખતે ગેરરસ્તે લઈ જાય ખરી ? દાદાશ્રી : હા, ઊંધે રસ્તે જ લઈ જાય. વધુ વખતે ઊંધે રસ્તે લઈ જાય. આ અંતઃપ્રેરણા જ આ બધાને અવળે રસ્તે લઈ જાય છે. પ્રશ્શનકર્તા : આપણને એમ લાગે કે આ આપણા ધ્યેય પ્રમાણે અંતઃપ્રેરણા આપી રહી છે પણ છતાંય કોઈ વાર ઊંધું નીકળે ખરું ? દાદાશ્રી : ના, આપણે જો ધ્યેયને ચોક્કસ જાણતા હોઈએ તો ધ્યેયના પ્રમાણે હોય તો ઊંધું ના લઈ જાય. અને છતાંય એ ધીમે રહીને ઊંધું ફેરવવા જતી હોય તો આપણે સમજી જઈએ કે 'એય, શું કરે છે ? ના ચાલે', કહીએ. બળદ તો અવળા ફરે જ, આપણે ફરવા કેમ દઈએ ? આપણા ધ્યેયને પહોંચવા દે એ અંતઃકરણ આપણું અને બીજું આપણું દુશ્મન. ધ્યાતા - ધ્યેય - ધ્યાન પ્રશ્શનકર્તા : દાદાશ્રી, ધ્યાન બરોબર થતું નથી તો શું કરવું ? દાદાશ્રી : ધ્યાનમાં તો હું તમને હમણાં જ બેસાડી આપું, પણ તે પછી અનંત પગથિયાં રહ્યાં તો તે ધ્યાનને શું કરવાનું ? હું તમને સીધા મોક્ષમાં જ બેસાડી દઇશ, આવજો. આપણે તો રિયલ જ આખું માંગી લેવું. રિલેેટિવ ધ્યાન શું કામ માગવું ? તે તો અધૂરું છે. પ્રશ્શનકર્તા : એ તો બહુ મુશ્કેલ છે ને ? દાદાશ્રી : હું આપનાર છું ને પછી શેની મુશ્કેલી ? એક પ્રધાનની ઓળખાણથી બધા કામ થાય, તો જ્ઞાની પુરુષની 'ઓળખાણ'થી શું ના થાય ? અમારે પક્ષાપક્ષી ના હોય, વીતરાગતા હોય. સાચો હોય તે ભેેગો થાય તેને આપીએ. આ તમે ધ્યાન કરો છો પણ શેનું ધ્યાન ? ધ્યેય શું ? ધ્યાતા કોણ ? ધ્યેયને ઓળખ્યા વગર, નક્કી કર્યા વગર ધ્યાન શેનું કરવાનું ? ધ્યાન એ સાધન છે ધ્યેય સ્વરૂપનું ને ધ્યાતા 'શુદ્ધાત્મા', તો જ તે ધ્યાન ફળે. બાકી 'હું ચંદુભાઇ' અને તે ધ્યાતા માનીને પોતાની કલ્પનાએ કરીને ધ્યેય નક્કી કરે ને પોતાની જ કલ્પનાથી આવડે તેવું ધ્યાન કરે, તેનો શો ફાયદો ? એમ ક્યારે દહાડો વળે ? અમે તમને જ્ઞાન આપીએ ત્યારે તમને રિયલ ધ્યાતા બનાવી તમારા સ્વરૂપમાં જ બેસાડી આપીએ. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા એક જ સ્વરૂપે થાય. સ્વરૂપ સ્વરૂપમાં જ રહે ત્યારે જ મોક્ષ વર્તાય. બાકી આ તો તમે ધ્યાન કરવા બેઠા હોય ને નક્કી કરે કે આજે ધ્યાન કરતી વખતે ફલાણો ઇન્કમટેક્ષનો કે વિષયનો વિચાર ના આવે તો સારું. તે બેઠા ત્યાં જ પહેલાં ના ગમતા વિચારોનો જ ધડાકો થાય, તેને ધ્યાન શી રીતે રહે ? એક શેઠ ધ્યાનમાં બેઠા હતા. બહાર કોઇ તેમને પૂછતું આવ્યું કે, શેઠ ક્યાં ગયા છે ? શેઠાણીએ કહ્યું, 'ઉકરડે'. શેઠ મનોમન પત્નીને નમી પડ્યા. ખરેખર શેઠના ધ્યાનમાં વિષયો હતા તે સમયે ! જો આ ધ્યાનને યથાર્થ રીતે કરવામાં આવે તો તેનામાં ગજબની શક્તિ છે ! ધ્યાનની વ્યાખ્યા સમજો. ધ્યેય નક્કી થાય, તેથી ધ્યાતા થાય. ધ્યાતા અને ધ્યેયને જે જોઇન્ટ કરે છે તે ધ્યાન છે. જો પદ્ધતિસરનું ધ્યાન થાય તો ધ્યેયનો સાક્ષાત્કાર અવશ્ય થવો જ જોઇએ, પણ આ તો રીત જ ખોટી હોય તો જવાબ શી રીતે આવે ? ધ્યાનથી તો પરમાત્મા પણ પ્રાપ્ત થઇ શકે તેમ છે. ધ્યાનમાં ગજબની શક્તિ છે. પણ ધ્યાન સમજમાં આવે તો કામ થાય. આ 'દાદા' ક્યારેય ના બન્યું હોય તેવું ભગવાનપદ તમને પચાસ મિનિટમાં આપે છે, તો બીજું શું ના મળે ? જો આઠ મિનિટ સુધીયે ધ્યાન રહે તો તે જમે થતું થતું પચાસ મિનિટ થઇ જાય. આઠ મિનિટનું ધ્યાન જમે થાય, સાતનું ના થાય. પ્રશ્શનકર્તા : 'પોતાના' (શુદ્ધાત્માના) ગુણધર્મ અનંત જ્ઞાન, અનંત દર્શન તેનું ધ્યાન કરે તો પ્રાપ્ત થાય ? દાદાશ્રી : થાય, અવશ્ય થાય ! આત્માના ગુણો જેટલા જ્ઞાની પાસેથી જાણ્યા અને તેટલાનું ધ્યાન કર્યું તો તેટલા ગુણધર્મો પ્રાપ્ત થાય. યોગસાધનાથી પરમાત્મદર્શન ? પ્રશ્શનકર્તા : યોગસાધનાથી પરમાત્મદર્શન થાય ? દાદાશ્રી : યોગસાધનાથી શું ના થાય ? પણ શેનો યોગ ? પ્રશ્શનકર્તા : મનની એકાગ્રતા થાય તેવો યોગ. દાદાશ્રી : તેમાં આત્માને શો ફાયદો ? તમારે મોક્ષ જોઈએ છે કે મનને મજબૂત કરવું છે ? પ્રશ્શનકર્તા : ખાલી પરમાત્માનાં દર્શનની વાત કરંુ છું. દાદાશ્રી : તો પછી મનને બિચારાને શું કામ વગર કામના હેરાન કરો છો ? એકાગ્રતા કરવાનો વાંધો નથી પણ તમારે પરમાત્માનાં દર્શન કરવાં હોય તો મનને હેરાન કરવાની જરૂર નથી. પ્રશ્શનકર્તા : એકાગ્રતાથી શૂન્યતા આવે ખરી ? દાદાશ્રી : આવે ખરી, પણ તે શૂન્યતા 'રિલેટિવ' છે, 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. પ્રશ્શનકર્તા : તે વખતે આ મન અને બુદ્ધિ શું કરે ? દાદાશ્રી : થોડી વાર સ્થિર થાય પછી તેનું તે જ. એમાં 'આપણું' કશું નહીં. આપણો ધ્યેય પૂરું થાય નહીં અને યોગ 'ઍબવ નોર્મલ' થઈ ગયો તો એ મહાન રોગિષ્ઠ છે. મારી પાસે યોગવાળા ઘણા આવે છે. તે અહીં દર્શન કરવા અંગૂઠે અડે તે પહેલાં તો એનું આખું શરીર ધ્રૂજે, કારણ કે 'ઇગોઇઝમ' ઊભરાય. જ્યાં જ્યાં કરો તેનો કર્તાપણાનો અહંકાર વધશે તેમ પરમાત્મા છેટા જશે. આત્મયોગથી મોક્ષ ! ચાર પ્રકારના યોગ. એક દેહયોગ, દેહમાં પાછળ ચક્રો હોય છે ત્યાં આગળ એકાગ્રતા કરવી એને દેહયોગ કહે છે. એ યોગની કિંમત કેટલી ? ત્યારે કહે, વ્યગ્રતાનો રોગ છે એટલે એકાગ્રતાની દવા ચોપડે છે. એકાગ્રતાની જરૂર તો જેને વ્યગ્રતાનો રોગ છે તેને છે. જેને જે જે રોગ હોય તેને તેવી દવાની જરૂર છે. એ તો માત્ર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એનાથી તો માત્ર ટેમ્પરરી રીલીફ મળે છે. આ રીલીફને જો છેલ્લું સ્ટેશન માને તો એનો ક્યારે ઉકેલ આવે ? જો આ એકાગ્રતાની દવાથી ક્રોધ-માન-માયા-લોભ જતાં હોય તો એ કામનું. આ તો પચીસ વર્ષ સુધી એકાગ્રતા કરે, યોગસાધના કરે ને જો ક્રોધ-માન-માયા અને લોભ ના જાય તો શું કામનું ? જે દવાથી ક્રોધ-માન-માયા અને લોભ જાય એ દવા સાચી. આ યોગસાધના તું કરે છે તે કોની કરે છે, જાણેલાની કે અજાણ્યાની ? આત્માનો તો અજાણ્યો છે, તે તેની સાધના શી રીતે થાય? દેહને જ જાણે છે અને દેહની જ યોગસાધના તું કરે છે, તેનાથી તે આત્મા ઉપર શો ઉપકાર કર્યો ? અને તેથી તું મોક્ષને ક્યારે પામી શકીશ ? બીજો યોગ તે વાણીનો યોગ, તે જપયોગ; એમાં આખો દહાડો જપ જપ્યા કરે. આ વકીલો વકીલાત કરે છે તેય વાણીનો યોગ કહેવાય. ત્રીજો યોગ તે મનોયોગ, કોઇપણ પ્રકારનું માનસિક ધ્યાન કરે તે. પણ ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કરે તેનાથી કશું વળતું નથી. ગાડીએ જઇએ ને સ્ટેશન માસ્તરને કહેવું પડે છે ને કે મને આ સ્ટેશનની ટિકિટ આપો. સ્ટેશનનું નામ તો કહેવું પડે ને ? આ તો 'ધ્યાન કરો, ધ્યાન કરો,' પણ શાનું એ તો કહે ? પણ આ બધું ઠોકાઠોક ચાલ્યું છે. ધ્યેય વગરનું ધ્યાન એ તો ઠોકાઠોક કહેવાય. એવા ધ્યાનમાં તો આકાશમાં પાડો દેખાય અને એને લાંબું પૂંછડું દેખાય, એવું ધ્યાન શું કામનું ? નહીં તો અડસટ્ટે ગાડી ચાલી તે કયા સ્ટેશને રોકાશે એનુંય નક્કી નહીં. ધ્યેય તો એક 'જ્ઞાની પુરુષ' પાસે જ છે, ત્યાં જીવતો ધ્યેય પ્રાપ્ત થાય, તે સિવાય 'હું આત્મા છું' બોલે તો કામ થાય નહીં. એ તો 'જ્ઞાની પુરુષ' પાપ બાળે, જ્ઞાન આપે ત્યારે ધ્યેય નક્કી થાય. સ્વરૂપ જ્ઞાન આપે તો ધ્યેય પ્રાપ્ત થાય, એ સિવાય 'હું શુદ્ધાત્મા છું' બોલે તો કશું વળે નહીં. એ કોના જેવું છે ? ઊંઘમાં 'હું વડો પ્રધાન છું' એવું બોલે તે કશું ફળે ? મનના યોગમાં ધ્યાન, ધર્મ કરે પણ એ બધા રીલીફ રોડ (ટેમ્પરરી શાંતિ આપનાર) છે. છેલ્લો આત્મયોગ, એ થયા સિવાય કંઇ જ વળે તેમ નથી. આત્મયોગ પ્રાપ્ત થયો નથી તેથી જ સ્તો આ બધા પઝલમાં ડિઝોલ્વ થઇ ગયા છે ને ! આપણે અહીં 'શુદ્ધાત્મા'માં રહીએ એ આત્મયોગ છે. સ્વરૂપનું જ્ઞાન એ આત્મયોગ એટલે કે પોતાનું સ્થાન છે, બાકી બીજા બધા દેહયોગ છે. ઉપવાસ, તપ, ત્યાગ કરો એ બધા જ દેહયોગ છે. એ ત્રણેય યોગ (મન-વચન-કાયા) ફીઝીકલ છે. આ ફીઝીકલ યોગને આખું જગત છેલ્લો યોગ માને છે. આ બધા યોગ માત્ર ફીઝીકલ પ્રાપ્ત કરવા માટે છે છતાં આ ફીઝીકલ યોગને સારો કહ્યો છે. આવું આવું કંઇકેય નહીં કરે તો દારૂ પીને સટ્ટો રમશે, એના કરતાં આ કરે છે એ સારંુ છે. અને આનો ફાયદો શો છે કે બહારનો કચરો મહીં ના પેસે ને રીલીફ મળે અને મનોબળ મજબૂત થાય, બાકી છેલ્લા આત્મયોગમાં આવ્યા સિવાય મોક્ષ થાય તેમ નથી. ધ્યાન : ધ્યેય, ધ્યાતાનું અનુસંધાન ! પ્રશ્શનકર્તા : ધ્યાનનું ઉદ્ભવસ્થાન શું છે ? દાદાશ્રી : ધ્યાનનો અર્થ શું કે કોઇ પણ ધ્યેય નક્કી કરવો ને તેની જોડે સાંધો લગાડે તે ધ્યાન. જેટલી વાર સાંધો રહે તેટલી વાર ધ્યાન રહે. તમે મુંબઇ જવાનું નક્કી કર્યું ને મુંબઇની ટિકિટ લીધી એટલે ગાડીમાં મુંબઇનું ધ્યાન તમને સહેજે રહે જ. ધ્યાનમાં ધ્યાતા નક્કી થવો જોઇએ ને ધ્યેય નક્કી થવું જોઇએ. તમે પોતે ધ્યાતા ને નક્કી કરેલું ધ્યેય, આ બંનેનું અનુસંધાન રહે એ ધ્યાન કહેવાય. ધ્યેય અને ધ્યાતા તન્મયાકાર થાય એ ધ્યાન કહેવાય. ધ્યાતા તો તમે છો જ, ધ્યેયની જગ્યાએ તમે શું મૂકેલું છે ? પ્રશ્શનકર્તા : 'કોન્સન્ટ્રેશન' કરવાનું છે તે. 'સ્વ' ઉપર જ કરવાનું છે ને ? દાદાશ્રી : હા, 'સ્વ' ઉપર જ કરવાનું છે. પણ 'સ્વ'ને સમજ્યા વગર શી રીતે થાય ? 'સ્વ' શું છે તે સમજવું પડશે ને ? 'સ્વ' પુસ્તકમાં નથી રહેલું, કોઇ શાસ્ત્રમાં નથી લખેલું. શબ્દરૂપે લખેલું હશે, પણ જે ખરેખર છે એ તો શબ્દરૂપે નથી. એટલે તમે એને શી રીતે નક્કી કરો ? પ્રશ્શનકર્તા : 'સપોઝ' કરીને ના નક્કી થાય ? દાદાશ્રી : અમદાવાદ જવું છે ને 'સપોઝ' કરીને ઉત્તરને બદલે દક્ષિણમાં ચાલીએ તો એ 'સપોઝ' કેમ ચાલે ? 'રેગ્યુલર સ્ટેજ'માં 'સપોઝીશન' હોવું જોઇએ. 'સપોઝ' એની 'બાઉન્ડ્રી'માં હોવું જોઇએ. 'આઉટ ઓફ બાઉન્ડ્રી' ના હોવું જોઇએ. ધ્યાન તો ત્યારે થાય કે ધ્યેય સ્વરૂપે ઓળખવું જોઇએ ને પોતે ધ્યાતા સ્વરૂપ થવું જોઇએ. 'હું ચંદુલાલ છું' એ રીતે તમે ધ્યાતા થાવ છો ને ? ચંદુલાલ તો તમારંુ નામ છે, તમે ધ્યાતા શી રીતે થાવ છો ? પ્રશ્શનકર્તા : 'હું શુદ્ધાત્મા છું' એ રીતે. દાદાશ્રી : શુદ્ધાત્મા તે કોણ પણ ? એનું ભાન થયેલું છે તમને ? પ્રશ્શનકર્તા : ના, નથી થયેલું. દાદાશ્રી : તો આત્માનું ભાન થયા વગરનું કહો, તો તે બધાં ગપ્પાં કહેવાય. આત્માનું ભાન થવું જોઇએ. ભાન ના થયું હોય તો પણ પ્રતીતિ તો બેસવી જ જોઇએ, અને તે પ્રતીતિય તૂટે નહીં એવી હોવી જોઇએ. 'હું શુદ્ધાત્મા છું' એ ભાન થાય ત્યારથી જ એનું ધ્યાન એની મેળે જ રહ્યા કરે, તમારે કરવું ના પડે. જ્યાં કંઇ પણ કરવાપણું છે તે તો સંયોગોને આધીન છે. સંયોગ હોય તો થાય ને ના હોય તો ના થાય. અને આ તો શુદ્ધાત્માનું એક ફેરો ભાન થયું કે ધ્યાન એની મેળે ઉત્પન્ન થાય જ. એક હીરો કોઇ જગ્યાએ મૂક્યો હોય ને તમે એકલા જ જાણતા હો તો તે તમારા ખ્યાલમાં હોય કે અમુક જગ્યાએ મૂક્યો છે, તો તમારંુ ધ્યાન ત્યાં રહ્યા જ કરે. સાસરીમાં બેઠા હો તોય તમારંુ ધ્યાન ત્યાં હોય. ભૂલી જાવ તે ઘડીએ પ્રતીતિ રૂપે હોય. નહીં તો ખ્યાલ રૂપે તો હોય જ. ધ્યાનનો ભાઇ જ ખ્યાલ છે. અહંકાર-ધ્યાનમાં નહીં, પણ ક્રિયામાં ! પ્રશ્શનકર્તા : ધ્યાન મારે કેવી રીતે ધરવું ? બરાબર થતું નથી. મારે શીખવું છે. દાદાશ્રી : ધ્યાન તમે કરો છો કે બીજું કોઇ કરે છે ? પ્રશ્શનકર્તા : હું કરંુ છું. દાદાશ્રી : કોઇ વખત ના થાય એવું બને ખરંુ ? પ્રશ્શનકર્તા : હા, બને. દાદાશ્રી : એનું કારણ છે. જ્યાં સુધી 'આપ ચંદુલાલ છો' ત્યાં સુધી કોઇ કામ કરેક્ટ થાય નહીં. 'તમે ચંદુલાલ છો' એ વાત કેટલા ટકા સાચી હશે ? પ્રશ્શનકર્તા : સો ટકા. દાદાશ્રી : જ્યાં સુધી આ રોંગ બિલિફ છે ત્યાં સુધી 'મેં આટલું કર્યું, આમ કર્યું' એ ઇગોઇઝમ છે. જ્યાં જ્યાં કરો તેનો કર્તાપણાનો ઇગોઇઝમ થશે અને કર્તાપણાનો ઇગોઇઝમ વધશે તેમ ભગવાન છેટા થશે. જો તમારે પરમાત્માપદ જાણવું હોય તો ઇગોઇઝમ જશે તો કામ થશે. ધ્યાન એટલે કોઇને આવડે નહીં, એનું નામ ધ્યાન. જે કરવામાં આવે છે તે અહંકારે કરીને છે. તેથી તે ધ્યાન ના કહેવાય, એ એકાગ્રતા કહેવાય. જ્યાં અહંકાર હોય નહીં ત્યાં ધ્યાન હોય. ધ્યાન અહંકારે કરીને થઇ શકે નહીં. ધ્યાન તો સમજવા જેવી વસ્તુ છે, કરવાની નથી. ધ્યાન અને એકાગ્રતામાં બહુ ફેર. એકાગ્રતા માટે અહંકારની જરૂર. ધ્યાન તો અહંકારથી નિર્લેપ છે. અહંકાર ઘટે-વધે તે તમારા ધ્યાનમાં રહે કે ના રહે ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : અહંકાર વધ્યો કે ઘટ્યો તે ધ્યાનમાં રાખે એનું નામ ધ્યાન કહેવાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાનમાં પણ અહંકાર વપરાતો નથી. પ્રશ્શનકર્તા : ધર્મધ્યાનમાં અહંકાર ખરોને ? દાદાશ્રી : તેમાંય અહંકાર નહીં. ધ્યાનમાં અહંકાર નથી, ક્રિયામાં અહંકાર છે. પ્રશ્શનકર્તા : રૌદ્રધ્યાન ને આર્તધ્યાનમાં નિમિત્ત તો અહંકાર ખરો ને ? દાદાશ્રી : નિમિત્ત એકલું જ નહીં, પણ ક્રિયા પણ અહંકારની છે. ક્રિયા એ ધ્યાન નથી, પણ ક્રિયામાંથી ઉત્પન્ન થતું પરિણામ એ ધ્યાન છે. અને જે ધ્યાન ઉત્પન્ન થાય છે તેમાં અહંકાર નથી. આર્તધ્યાન થઇ જાય, તેમાં 'હું આર્તધ્યાન કરંુ છું' એમ ના હોય, તેથી ધ્યાનમાં અહંકાર ના હોય. અહંકાર બીજી જગ્યાએ વપરાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય. પ્રશ્શનકર્તા : ધ્યાનમાં અહંકાર નથી, કર્તા નથી, તો કઇ રીતે બંધાય? દાદાશ્રી : આર્તધ્યાન થયા પછી 'મેં આર્તધ્યાન કર્યું' એ માને, ત્યાં કર્તા થાય છે ને તેનું બંધન છે. પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે ધ્યેય નક્કી થાય અને પોતે ધ્યાતા થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય, તેમાં અહંકારની જરૂર નહીં ને ? દાદાશ્રી : એમાં અહંકાર હોય કે ના પણ હોય. નિર્અહંકારી ધ્યાતા હોય ને તો શુક્લધ્યાન ઉત્પન્ન થાય અને નહીં તો ધર્મધ્યાન થાય કે આર્ત કે રૌદ્રધ્યાન થાય. પ્રશ્શનકર્તા : એટલે ધ્યાતાપદ અહંકારી હોય કે નિર્અહંકારી હોય, પણ એનાં પરિણામ સ્વરૂપ જે ધ્યાન ઉત્પન્ન થાય તેમાં અહંકાર નથી ? દાદાશ્રી : હા, અને શુક્લધ્યાન પરિણામ આવશે ત્યારે મોક્ષ થશે. પ્રશ્શનકર્તા : ધ્યેય નક્કી થાય છે, તેમાં અહંકારનો ભાગ ખરો ? દાદાશ્રી : ધ્યેય અહંકાર જ નક્કી કરે છે અને મોક્ષનો ધ્યેય અને ધ્યાતા નિર્અહંકારી, એટલે શુક્લધ્યાન કહેવાય. પ્રશ્શનકર્તા : ધર્મધ્યાનનાં ધ્યેયમાં અહંકારની સૂક્ષ્મ હાજરી ખરી ? દાદાશ્રી : ખરી. અહંકારની હાજરી વગર ધર્મધ્યાન થાય નહીં ને! પ્રશ્શનકર્તા : આર્ત, રૌદ્ર ને ધર્મધ્યાન એ પુદ્ગલ પરિણતિ કહેવાય કે ? દાદાશ્રી : હા. એ પુદ્ગલ પરિણતિ કહેવાય અને શુક્લધ્યાન એ સ્વાભાવિક પરિણતિ છે. પ્રશ્શનકર્તા : એટલે શુક્લધ્યાન એ આત્માનું પરિણામ કહેવાય કે ? દાદાશ્રી : હા. પ્રશ્શનકર્તા : શુક્લધ્યાન હોય તો એમાંથી જે કર્મો થશે તે સારાં થશે અને ધર્મધ્યાનમાં હોય તો એનાથી થોડાં ઊતરતાં થશે એ વાત ખરી ? દાદાશ્રી : શુક્લધ્યાન હોય ને તો કર્મો ક્રમિક માર્ગમાં થાય નહીં; આ તો અક્રમ માર્ગ છે એટલે થાય છે. તેય પણ પોતાને કર્તાપણે નથી થતાં, નિકાલી ભાવે થાય છે. આ તો કર્મ ખપાવ્યા સિવાય 'જ્ઞાન' પ્રાપ્ત થયેલું છે ને ! યોગ માર્ગે સાક્ષાત્કાર ! પ્રશ્શનકર્તા : પ્રાણાયામથી આત્મસાક્ષાત્કાર થાય ? દાદાશ્રી : પ્રાણાયામ કરવાથી ફાયદો થાય પણ આત્મસાક્ષાત્કાર ના થાય. આત્મસાક્ષાત્કાર તો જ્ઞાન વગર થશે નહીં. બીજો કોઈ ઉપાય નથી ! યોગથી પણ ના થાય. યોગ તો આત્મયોગ હોય તો જ સાક્ષાત્કાર થાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ-આ યોગનાં બધાં અષ્ટાંગ, અહીં આ જ્ઞાન મળ્યું એટલે તમારે પૂરાં થઇ ગયાં. તેથી આગળ આત્માનું લક્ષ પણ તમને બેસી ગયું છે. આપણે અહીંયાં તો દેહનેય સહજ રાખવાનો ને આત્માને સહજ રાખવાનો. તમને આત્માનો અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહ્યા કરે. પ્રતીતિથી નીચેના સ્ટેજમાં તમે ક્યારેય ઊતરો નહીં. જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું ? ધ્યેયનો ફોટો જોઇ આવ્યો નથી, તો શેનું પાડાનું ધ્યાન કરે છે ? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ભગવાને શબ્દ-આત્માનું ધ્યાન કરવાનું નહોતું કહ્યું. ધ્યાન તો કોને કહેવાય ? આત્માના બધા જ ગુણો એટ એ ટાઇમ ધ્યાનમાં લે, તો આત્માના ગુણો એ ધ્યેય કહેવાય અને ધ્યાતા તું પોતે થાય તો એ તારંુ ધ્યાન કહેવાય. આ બધું એટ એ ટાઇમ કંઇ રહેતું હશે ? આ લોકને સમાધિની શી જરૂર છે ? દહાડે આધિમાં, રાત્રે વ્યાધિમાં અને લગન્માં ઉપાધિમાં રહે તે એ શું જોઇને સમાધિ માગે છે ? નિર્વિકલ્પ સમાધિ એટલે... યોગમાર્ગની સમાધિમાં મન-વચન-કાયાની બળતરા થાય ત્યારે યોગથી દેહની શાન્તિ લાગે ખરી પણ 'મુક્તિસુખ' અનુભવમાં ના આવે. એ સુખ તો આત્મયોગી જ અનુભવી શકે. સમાધિ કોને કહેવાય ? આ દેહયોગની કષ્ટે કરીને પ્રાપ્ત કરેલી સમાધિ એટલે જેટલી વાર હેંડલ મારોે તેટલી વાર ઠંડક લાગે. કાયમની ઠંડક તો નિર્વિકલ્પ સમાધિ ઉત્પન્ન થાય ત્યારે જ મળે. નિર્વિકલ્પ સમાધિ એટલે સહજ સમાધિ ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અરે, ઝઘડતાંય સમાધિ ના જાય. એવી સમાધિ ઉત્પન્ન થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય. વિકલ્પી ક્યારેય પણ નિર્વિકલ્પી ના થઇ શકે. એ તો જે પોતે નિર્વિકલ્પી નેચરલ થઇ ગયા છે, તે જ બીજાને નિર્વિકલ્પપદ આપી શકે. દેહ અને આત્મા બિલકુલ છૂટા ને છૂટા રહે, ક્યારેય તન્મયાકાર ના થાય. પછી ગમે તે અવસ્થા હોય, તેનું જ નામ નિર્વિકલ્પ સમાધિ. સંકલ્પ-વિકલ્પ બંધ થાય ત્યારે આત્મા નિર્વિકલ્પ થાય. નિર્વિકલ્પનું જ્ઞાન લીધા વગર નિર્વિકલ્પ ના થાય. એવા કેટલાક યોગીઓ છે કે બધા જ સંકલ્પ-વિકલ્પ કાઢી નાખે અને એક જ સંકલ્પ-વિકલ્પ ઉપર આવે અને તે 'હું છું' જ હોય, લાઇટ ના હોય. તે દશા ઊંચી થાય, તેજ આવે પણ જ્ઞાન ના થાય. વસ્તુ (આત્મા)ને પોતાનો સ્વગુણ હોય, સ્વધર્મ હોય, સ્વઅવસ્થા હોય. ભગવાન અલખ નિરંજન છે. તે જ્ઞાની પુરુષના લક્ષમાં આવે. ધ્યેય જ્યાં સુધી જાણ્યો ના હોય ત્યાં સુધી ધ્યેય સ્વરૂપ ના થવાય. હજારો ઉલ્કાપાત આવે તો પણ સહજ સમાધિ ના જાય. ધારણા તો કલ્પિત હોય. ઇનડાયરેક્ટ પ્રકાશ એ રિલેટિવ આત્મા છે. રિયલ આત્મા એન્ડલેસ રહ્યા કરે, તેમાં ફક્ત જ્ઞાતા-દ્રષ્ટાપણું જ રહે છે. સર્વ રીતે મનનું સમાધાન રહે, તેનું નામ જ્ઞાન. પાંચેય ઇન્દ્રિયો જાગૃત હોય અને સમાધિ રહે તે જ સાચી સમાધિ છે. પ્રત્યેક અવસ્થામાં અનાસક્ત યોગ એ જ પૂર્ણ સમાધિ. નાક દબાવીને તે કંઇ સમાધિ થતી હશે ? આ નાના બાળકને નાક દબાવી જુઓ, તો તરત જ બચકું ભરશે. એનાથી તો ગૂંગળાઇ જવાય. આધિ, વ્યાધિ અને ઉપાધિ ન હોય, તેને સમાધિ કહેવાય. છેલ્લે જવાનું થાય (મરણ વખતે) ત્યારે 'પોતાનો' ભાગ બધો જ સંકોચી લે અને તેની જ સમાધિમાં રહે. અમારા સમ્યક દ્ષ્ટિવાળા મહાત્માઓને સમાધિ મરણ હોય. 'શુદ્ધાત્મા'ના લક્ષ સાથે જ દેહ છૂટે. બેભાનપણંુ કે સમાધિ ? નિર્વિકલ્પ સમાધિ કોઇ સમજતું જ નથી ને સહુ પોતપોતાની ભાષામાં લઇ ગયા. આત્મા પણ પોતાની ભાષામાં લઇ ગયા ને છતાં કહે છે કે, 'મારે આત્મજ્ઞાન જાણવું છે.' સંત પુરુષો થયેલા હોય તે તેમની ચિત્તની મલિનતા ઓછી થયેલી હોય. તેમને જ્યારે સંસારની ઇચ્છા થાય ત્યારે શરીરને ગોદા માર માર કરે કે આવી ઇચ્છા કરે છે ? આંખમાં મરચાં પણ નાખે. આ તો આંખની ભૂલને લીધે આંખમાં મરચાં નાખે છે તે એમાં આંખનો શો દોષ ? મહીં જોનારાનો દોષ છે. હિન્દુસ્તાનમાં તો લોક મોઢાંનેય તાળાં મારે એવાં છે ! આ લોકો તો શરીરનું ભાન જતું રહે તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. કારણ કે ઇન્દ્રિયનું ભાન ગયું ને માનશે કે અતીન્દ્રિયમાં પેઠો. ના, અતીન્દ્રિય તો બહુ છેટે છે. ઇન્દ્રિયનું ભાન જતંુ કર્યું, અતીન્દ્રિયમાં પેઠા નથી તો શામાં છો ? નિરિન્દ્રિયમાં, તે નિરિન્દ્રિયમાં જ 'હમ હમ' કરે ને એને નિર્વિકલ્પ સમાધિ માને છે. છતાં આ લોકોની દાનત સાચી રહેલી છે. આંખમાં મરચાં નાખે છે એમાં એમની દાનત સારી છે, માટે કો'ક દહાડો મોક્ષને પામશે. ક્રમિક માર્ગમાં નિર્વિકલ્પ સમાધિ તો ઠેઠ મોક્ષે જવાનો થાય ત્યારે તેની શરૂઆત થાય; જ્યારે અહીં અક્રમ માર્ગમાં તમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ ગઇ છે ! ક્રમિકમાં તો ઠેઠ સુધી લોચ કરવાનો, બીજા જે ત્યાગ લખ્યા હોય તે કરવાના; 'આ વિધિ કરવાની છે, આ ત્યાગ કરવાનો છે, પેલું કરવાનું છે', એ બધું રહે. ત્યાં કર્તા જુદો, કર્મ જુદું, જ્ઞાતા જુદો ને જોડે જોડે પાછો કહેશે કે, 'મારે હજી ધ્યાન કરવાનું છે.' ત્યાં કર્તા જુદો, ધ્યેય જુદું ને ધ્યાનેય જુદું. એમાં તો ત્રણેય જ્યારે એક થાય ત્યારે કાંઇક નિર્વિકલ્પનો સ્વાદ ચાખવા મળે, પણ ક્રમિકમાં ઠેઠ સુધી કર્તાપણું રહે; તેથી 'ધ્યાનનો હું કર્તા છું' એમ કહેશે. ધ્યેય નિર્વિકલ્પી અને ધ્યાતા વિકલ્પી; તે ધ્યાન કેવું કરે ? છતાં નિર્વિકલ્પીનું ધ્યાન વિકલ્પી કરે છે માટે નિર્વિકલ્પી થશે એમ શાસ્ત્રો કહે છે. પણ આ નિર્વિકલ્પી ના થવા દે ને કહેશે, 'મારે આ કરવાનું છે ને પેલું કરવાનું છે.' જરા ઊંઘ આવી જાય તો ખાવાનું ઓછું કરવું છે, તે ખાવાનું ત્યાગ કરવાનું રહ્યું ! તે વિકલ્પના ખાડામાંથી નીકળવા નિર્વિકલ્પીનું ધ્યાન કરે છે ! (આત્મસાક્ષાત્કાર થયા પછી...) અક્રમમાં નિર્વિકલ્પ સમાધિ, કૃપાથી પ્રાપ્ત ! અમે તમને અહીં એકલો નિર્લેપ આત્મા જ નથી આપ્યો, નિર્વિકલ્પ સમાધિ પણ આપી છે. ક્રમિક માર્ગમાં ઠેઠ સર્વાંગ શુદ્ધ આત્મા થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય. જ્યાં કંઇ પણ ત્યાગ-ગ્રહણ કરવાનું છે ત્યાં વિકલ્પ છે. મોટી વસ્તુ ગ્રહણ કરે ને નાની વસ્તુ ત્યાગ કરે એટલે વિકલ્પ થયા વગર રહે નહીં, વિકલ્પ એક ના હોય પણ પાર વગરના હોય. શિષ્યો જોડે કડક થાય તેય વિકલ્પ. જેને જોતાં જ સમાધિ થાય એ દર્શનને 'દર્શન' કહેવાય, એ દર્શન સાચાં. આ અમારા બધાં દર્શન શાથી કર્યા કરે છે ? આ દેખાય છે એ જ બધાને સમાધિ કરાવ્યા કરે. એ સમાધિ તો કેવી છે ? એને તમે કાઢો તોય જાય નહીં ! એ સમાધિને કહીએ કે, 'હે સમાધિ, થોડા દિવસ પિયર તો જઇ આવ.' તો એ કહેશે, 'ના, આ સાસરી વગર મને નહીં ફાવે.' સમાધિને કહીએ કે, 'આ દેહને જરા ડખો કરાવવો છે, માટે તું જાને !' તો એ કહેશે કે, 'પહેલાં કહેવું હતું ને ! હવે એ ના બને.' હવે તો સહજ સમાધિ કાઢે તોય ના જાય, હવે તો 'ખાય-પીએ, ઊઠે-બેસે, તેને જુએ જ્ઞાનાકાર.' ભગવાને કહ્યું, 'જો તું કલ્પનામાં છે તો વિચાર ના કરે તો ગુનેગાર છે ને જો તું નિર્વિકલ્પ છે ને વિચાર કરે તો ગુનેગાર છે.' ધ્યાતા કોણ ? પાયામાં ભૂલ ! અહીં બધું નવું સાંભળવાનું મળે. રિલેટિવમાં બીજે બધે જે સાંભળવાનું મળતું હતું તે બધો સાધન માર્ગ હતો અને આ સાધ્ય માર્ગ છે. અનંત અવતાર સાધનોનું જ રક્ષણ કર્યું ને ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કર્યા કરે છે. ધ્યાન તો ક્યારે થાય ? પોતે ધ્યાતા થાય ત્યારે. આપણે પૂછીએ કે 'તું કોણ ?' ત્યારે કહેશે, 'હું મેજિસ્ટ્રેટ.' 'અલ્યા, ધ્યાન કરતી વખતે ધ્યાતા નહોતો ? મેજિસ્ટ્રેટ હતો ?' આ તો ધ્યાતા ક્યારે થાય કે જગતમાંનું બધું વિસ્મૃત થાય ત્યારે. આ તો એનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે, એટલે ધ્યેય ક્યાંથી નક્કી થાય ? આ તો ધ્યેય વડોદરા જવાનો હોય પછી પોતે ધ્યાતા થાય કે શેમાં જઇશું ? પણ આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ ને પેલું તો ભાન જ ના હોય; ને એ તો અતિન્દ્રિય પ્રત્યક્ષ ! આ તો લોકો આબરૂ રાખવા માટે સારા રહે છે કે પછી અવળા પાટાના સંજોગ ભેગા ના થાય એટલે સારા રહ્યા! આપણો ધ્યેય 'શુદ્ધાત્મા' ને મોક્ષ, એટલે બીજું કશું અડે જ નહીં. પરપરિણતિ અડે જ નહીં. અત્યારે લોકો આખો દહાડો પરપરિણતિમાં રહે છે ને મોક્ષ ખોળે છે. મોક્ષે જવું હોય તો એ એક જ ધ્યેય જોઇએ. ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એ ત્રણે એકરૂપ થાય ત્યાર પછી જ 'લક્ષ' બેસે. એટલે અહીં અમારી હાજરીમાં તમારે તો ધ્યાન કરવાની જરૂર નહીં. લક્ષ વધારે રહે એ અનુભવ કહેવાય. શુદ્ધાત્માના ધ્યાનમાં રહ્યા તે શુક્લધ્યાન. આપણે શુદ્ધાત્માના ધ્યાનમાં હોઇએ ને 'ફાઇલ' આવે તો એનો 'સમભાવે નિકાલ' કરીએ એ ધર્મધ્યાન. સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઇ ગયા પછી સાધનની શી જરૂર ? ધ્યેય પ્રાપ્ત થઇ ગયા પછી ધ્યાતા ને ધ્યાનની શી જરૂર ? ચાર પ્રકારનાં ધ્યાન ! ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે ? પ્રશ્શનકર્તા : 'હું શુદ્ધાત્મા છું' એ ધ્યાન. દાદાશ્રી : એ તો લક્ષ કહેવાય. પણ ધ્યાન ક્યારે કહેવાય કે ધ્યાતા થાય તો. પણ આપણે તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય પૂરંુ થયું ને યોગનાં આઠેય અંગ પૂરાં કરીને લક્ષમાં આવ્યા. અત્યારે કહે તમને કે, 'ચાલો ઊઠો, જમવા ચાલો', તો ત્યારેય તમે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે, 'તમારે અહીં જમવાનું નથી.' તોય જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહેવાય તો એને શુકલધ્યાન કહ્યું. દુકાનમાં ઘાલમેલ કરે, કપડું ખેંચીને આપે એ રૌદ્રધ્યાન કહ્યું. આ ભેળસેળ કરે તે રૌદ્રધ્યાનમાં જાય. આ દુકાને બેઠો બેઠો ઘરાકની રાહ જુએ તો એને ભગવાને આર્તધ્યાન કહ્યું ! પોતે પોતાની ચિંતા કરે તે આર્તધ્યાન. છોડી નાની છે, પૈસા છે નહીં, તો હું શું કરીશ ? કેવી રીતે તેને પૈણાવીશ ? એ આર્તધ્યાન. છોડી નાની છે ને ભવિષ્ય ઊલેચે છે તે આર્તધ્યાન. આ તો ઘેર ના ગમતો માણસ આવે ને ચાર દિવસ રહેવાનો હોય, તો મહીં થાય કે, 'જાય તો સારંુ. મારે ત્યાં ક્યાંથી આવી પડ્યો ?' એ બધું આર્તધ્યાન ને પાછું 'આ નાલાયક છે' એવી ગાળો ભાંડે તે રૌદ્રધ્યાન. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે. દૂધ ચોખ્ખું હોય ને એનો દૂધપાક કરવાનો હોય તો તેમાંય મીઠું ના નાખવું પણ ખાંડ નાખવી. ચોખ્ખા દૂધમાં ખાંડ નાખવી તે ધર્મધ્યાન. આ તો મારા જ કર્મના દોષે મારી જ ભૂલથી આ દુઃખો આવી પડે છે. એ બધું ધર્મધ્યાનમાં સમાય. એક બાજુ ભગવાન મહાવીરે ૪૫ આગમો કહ્યા અને એક બાજુ ચાર શબ્દો કહ્યા. આ બન્નેના તોલ સરખા કહ્યા. ભગવાન મહાવીરના આ ચાર શબ્દ શીખી ગયો તો પેલી બાજુ ૪૫ આગમો ભણી ગયો. એ ચાર શબ્દો કયા ? રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. જગત કેવું છે ? તારો ઘરાક હોય તો તું સોળના સાડાસોળ કહું તોય જતો રહેવાનો નથી અને તારો ઘરાક નહીં હોય, તો તું પંદર કહું તોય જતો રહેવાનો છે. એ ભરોસો તો રાખ ! વિજ્ઞાન, દ્ષ્ટિ-દ્રષ્ટાતણું ! પ્રશ્શનકર્તા : ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, આમાં ધ્યેય તો આપણે જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરવો છે તે છે, તો આમાં ધ્યાતા કોણ ? દાદાશ્રી : ધ્યાતા આ સમ્યક દ્ષ્ટિ, 'પોતે'. 'પોતે' હવે સમ્યક દ્ષ્ટિવાળો થયો. પહેલાં 'પોતે' મિથ્યા દ્ષ્ટિવાળો હતો. તે ધ્યાતા થયો ત્યારે સમ્યક્ દ્ષ્ટિવાળો થયો. એનો એ અહંકાર મિથ્યા દ્ષ્ટિવાળો હતો, પછી એનો એ અહંકાર સમ્યક દ્ષ્ટિવાળો થયો. એટલે પોતે ધ્યાતા થયો. ધ્યાતા થયો એટલે નિરંતર આત્માના ધ્યાનમાં રહેવો જોઈએ. ધ્યેય છે આત્મા, એ તમારા ધ્યાનમાં નિરંતર રહે એ જ મોક્ષ. પ્રશ્શનકર્તા : અને ધ્યાન શું ? દાદાશ્રી : 'તમે શુદ્ધાત્મા છો' એ ધ્યાન તમને રહે છે કે ભૂલી જવાય છે ? પ્રશ્શનકર્તા : નથી ભૂલાતું. દાદાશ્રી : તો એ જ ધ્યાન. એ શુક્લધ્યાન છે. આ રોંગ બિલીફો ફ્રેક્ચર કરી નાખે ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફો એટલે સમ્યક્ દર્શન. એટલે પછી હું ચંદુભાઈ ન હોય, 'હું શુદ્ધાત્મા છું' એવી બિલીફ બેસી જાય. બંને અહંકારની જ દ્ષ્ટિ છે. પેલી દ્ષ્ટિ એ દ્શ્યને જોતી હતી, ભૌતિક વસ્તુને અને આ દ્ષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્રષ્ટા છે અને પેલું બીજું બધું દ્શ્ય છે. ચેતનના દ્રષ્ટા અને જ્ઞાતા બન્ને ગુણ છે. પ્રશ્શનકર્તા : દ્ષ્ટિ એ દ્રષ્ટાનું કાર્ય છેને ? દાદાશ્રી : ના. પ્રશ્શનકર્તા : તો દ્ષ્ટિ શું છે ? દાદાશ્રી : દ્ષ્ટિ તો અહંકારને છે, આત્માને દ્ષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે. મહીં પોતાની અંદર જ બધું ઝળકે ! પ્રશ્શનકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ? દાદાશ્રી : એ અહંકારને દ્ષ્ટિ થાય છે. પેલી મિથ્યા દ્ષ્ટિ હતી તેના કરતાં 'આમાં' (આત્મામાં) વધારે સુખ પડ્યું એટલે પછી એ અહંકાર ધીમે ધીમે ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરને તેલમાં નાખીએ તો ઓગળે નહીં પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દ્ષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે, ત્યાં સુધી અહંકાર છે. ખોટી માન્યતા છોડી દેવી, અંતિમ ધ્યેય ! એ ધ્યેયમાં અહંકાર એકાકાર થઈ જાય છે, ધ્યેયની અંદર. ધારણા, ધ્યાન અને ધ્યેય, તે ધ્યેયમાં એકાકાર થઈ જાય છે. બહારનંુ ભાન જરા ભૂલી જાય છે, નારીને ભૂલી જાય. પ્રશ્શનકર્તા : પણ એય છેલ્લે તો સહજ થવંુ જોઈએને ? દાદાશ્રી : ના, એ છેલ્લંુ પદ નથી. પ્રશ્શનકર્તા : છેલ્લંુ પદ નથી પણ આના પછીનંુ સહજ પદ જોઈશે ને ? દાદાશ્રી : એના પછી બહુ છેટંુ રહ્યંુ છે. પ્રશ્શનકર્તા : કોઇ વ્યક્તિ સહજ સમાધિની સ્થિતિમાં રહી શકે કે નહીં ? દાદાશ્રી : કો'ક જ માણસ રહી શકે. સહજ સમાધિમાં રહે એ જ ભગવાન કહેવાય. પ્રશ્શનકર્તા : માનવીનો અંતિમ ધ્યેય તો આ જ હોય ને ? દાદાશ્રી : પોતાની ખોટી માન્યતાઓ છોડી દેવી, એ અંતિમ ધ્યેય. ખોટી માન્યતાઓના લીધે અસહજ થયેલું છે આ. માન્યતાઓ ખોટી છૂટી જાય તો સહજ જ છે. એકબીજાને પૂરક ધ્યેય ! પ્રશ્શનકર્તા : દાદા, ધ્યેય તો કેટલા બધા હોય, કે આવંુ કરવંુ છે... દાદાશ્રી : ધ્યેયને ને આપણે લેવાદેવા નહીં. પ્રશ્શનકર્તા : એટલે એ પ્રમાણે બધા નિશ્ચય થયા કરે ને ? દાદાશ્રી : નિશ્ચય તો આપણે જે કરવંુ છે એનો નિશ્ચય કરવાનો. પ્રશ્શનકર્તા : દાદા, આમ શંુ થાય કે બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય કરે, પાંચ આજ્ઞામાં રહેવાનંુ એ કરે, એટલે બધંુ ડાઈવર્ટ થાયને પાછું ? દાદાશ્રી : એનો વાંધો નહીં, પણ એ તો આપણે અહીંથી છે તે ત્યાં કોલેજમાં જવાને માટે નિશ્ચય કરવો પડે, પછી ત્યાં પરીક્ષા આપવાનો નિશ્ચય ના કરવો પડે ? પ્રશ્શનકર્તા : કરવો પડે. દાદાશ્રી : એમાં નિશ્ચય કરવામાં શંુ વાંધો છે ? પ્રશ્શનકર્તા : દાદા, જગત કલ્યાણનો નિશ્ચય કરે, એ નિશ્ચય થઈ જાય છે, એમાં બીજંુ બધંુ આપોઆપ બધંુ આવી જાય છે ને ? દાદાશ્રી : આવી જાય. શુદ્ધાત્માના ધ્યાનની શી રીત ? પ્રશ્શનકર્તા : શુદ્ધાત્માનું ધ્યાન કેવી રીતે કરવાનું ? દાદાશ્રી : હવે તમારે ધ્યાન કરવાનું કશું રહ્યું નથી. ધ્યાન ક્યારે કરવાનું હોય કે ધ્યેય પ્રાપ્ત કરવાનો હોય ત્યારે. ધ્યેય નક્કી કરે, ધ્યાતા પોતે થાય અને પછી ધ્યેય ને ધ્યાતાનું અનુસંધાન ધ્યાનથી થાય. દરેક માણસ પોતાનો ધ્યેય નક્કી કરેને કે મારે સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તો એ તમારું સ્વરૂપ શુદ્ધાત્મા છે અને અત્યારે તમે ચંદુભાઈ છો એટલે તમે ધ્યાતા થયા ને શુદ્ધાત્મા એ ધ્યેય છે અને એ બેનો સાંધો મળે ત્યારે ધ્યાન કહેવાય. એ બે એકતાર થાય, તે એકતાને ધ્યાન કહે છે. હવે એ ધ્યાનથી પોતે શુદ્ધાત્મા થઈ જાય. હવે એ ક્રમિક માર્ગનો રસ્તો છે. ધ્યાતા, ધ્યેય ને ધ્યાનનો ! અને આ અક્રમ માર્ગમાં તો તમે પોતે ધ્યેય સ્વરૂપ જ થઈ ગયાને ! પોતાને શુદ્ધાત્માનું લક્ષ બેઠું કે 'હું શુદ્ધાત્મા છું', એટલે પછી ધ્યાન કરવાનું એને રહ્યું નહીં હવે ! શુક્લધ્યાન તો આ કાળમાં ક્રમિક માર્ગે ઉત્પન્ન થાય તેવું છે જ નહીં. આ તો આ જ્ઞાન આપીએ છીએને તેથી ઉત્પન્ન થાય છે. શુક્લધ્યાન ને આત્મધ્યાન એક જ ગણાય છે. હવે આ તો કમ્પ્લીટ આત્માનું ધ્યાન થયું, એનું નામ શુક્લધ્યાન. કોણ ધ્યાતા ને કોનું ધ્યાન ? પ્રશ્શનકર્તા : ધ્યાતા, ધ્યેય, ધ્યાન કોને કહેવાય ? ધ્યાતા શુદ્ધાત્મા છે કે પ્રતિષ્ઠિત આત્મા છે ? દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી ધ્યાતા એ પ્રજ્ઞા છે, પ્રતિષ્ઠિત આત્માયે નહીં. એ પ્રજ્ઞા ધ્યાતા પછી ધ્યેય એ 'પોતે' 'હું શુદ્ધાત્મા છું' એ ધ્યેય. ધ્યાતા અને ધ્યેયની એકતા થઈ જાય એથી ધ્યાન ઉત્પન્ન થાય મહીં. પ્રશ્શનકર્તા : અત્યારે ધ્યાતા શુદ્ધાત્મા ન કહેવાય ? દાદાશ્રી : શુદ્ધાત્મા તો આપણો ધ્યેય છે. શુદ્ધાત્મા થવું એ આપણંુ ધ્યેય છે. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે, એ જે કહો એ છે. ધ્યાતા પ્રજ્ઞા છે, ધ્યેય શુદ્ધાત્મા છે. કારણ કે આ શુદ્ધાત્મપદ આપ્યંુ તમને, તે પ્રતીતિપદ આપેલંુ છે. તમે શુદ્ધાત્મા થઈ ગયા નથી. પણ તેથી કરીને અપલક્ષણો ઊભા થાય તો તમારી જાતને એમ ના માનશો કે મારંુ બગડી ગયંુ. એટલા માટે શુદ્ધાત્મા કહ્યંુ. અત્યારે છે તે શુદ્ધાત્માને પ્રજ્ઞા સ્વરૂપ કહો કે અંતરાત્મ દશા કહો, દશા અંતરાત્મા કહેવાય. પણ અંતરાત્મ દશા ક્યાં સુધી, પ્રજ્ઞાસ્વરૂપ ક્યાં સુધી કે જ્યાં સુધી ફાઈલોનો નિકાલ કરવાનો છે ત્યાં સુધી. એ ફાઈલો નિકાલ થઈ રહે એટલે પેલંુ ફુલ ગવર્નમેન્ટ એટલે પરમાત્મા. સૂક્ષ્મ ભેદ, હેતુ અને ધ્યેયમાં... જગતના લોકો બધા હેતુ વગરની ક્રિયા કરે છે. હેતુ કંઈ નક્કી હોય જ નહીં. પ્રશ્શનકર્તા : હેતુને ધ્યેય કહી શકાય ? દાદાશ્રી : ધ્યેય ને હેતુ બે જુદા. પ્રશ્શનકર્તા : તો આ બધીય ક્રિયા તો ધ્યેય વગરની જ છે ને ? દાદાશ્રી : ધ્યેય વગરની ના કહેવાય, પણ હેતુ વગરની કહેવાય. ધ્યેય તો હેતુવાળાનોય હોય કે નાય હોય. પ્રશ્શનકર્તા : હેતુ અને ધ્યેય એ બે વચ્ચે કેવી રીતે ફેર પડે છે ? દાદાશ્રી : હેતુવાળાને ધ્યેય હોય કે નાય હોય. એટલે ધ્યેય તો છેલ્લામાં છેલ્લી વસ્તુ છે. ભૌતિક સુખો પ્રાપ્ત કરવાનો હેતુ હોય છે, એને ધ્યેય ના કહેવાય. ધ્યેય એટલે તો છેલ્લા સ્ટેશને લઈ જાય, એનું નામ ધ્યેય. પ્રશ્શનકર્તા : તો ભૌતિકમાં ધ્યેય વસ્તુ ન જ રહી ? દાદાશ્રી : એ ધ્યેય બોલે એટલું ખોટું. એને ધ્યેય ના કહેવાય, હેતુ કહેવાય. ધ્યેય બોલે, પણ ધ્યેય શબ્દ એને ફીટ થતો નથી. હેતુ એટલે આપણો એ વિવેક, સદ્વિવેક સચવાય, એનું નામ હેતુ કહેવાય. સદ્વિવેક એટલે શું ? પોતાને જે સુખની ભાવના છે. એટલે દરેક જીવ પ્રત્યે હેતુપૂર્વકનું રાખે એટલે કે વિવેક રાખે કે આનાથી દુઃખ થશે. કારણ કે દરેક જીવ સુખની ઈચ્છાથી વર્તે છે, સુખ જ ખોળે છે, દુઃખ ગમતું નથી. ફેર, નિશ્ચય ને ઈચ્છામાં ! પ્રશ્શનકર્તા : આપે આપ્તવાણીમાં એવું કહ્યંુ છે કે વીલ પાવરથી અંતરાય તૂટે અને બીજી બાજુ આપણે જાણીએ છીએ કે ઈચ્છા કરવાથી તો અંતરાય પડે છે. દાદાશ્રી : ઈચ્છા કરવાની નહીં, નિશ્ચય કરવાનો કહ્યો છે. નિશ્ચય કર્યો એટલે ગમે તેવો અંતરાય તૂટી જ જાય. પ્રશ્શનકર્તા : આપણે કોઈ વસ્તુની સતત ઈચ્છા રાખીએ, નિશ્ચય કરીએ કે આ વસ્તુ મારે મેળવવી છે, તો પછી આ ઈચ્છાથી અંતરાય પડે, તો એવું ના થાય ? દાદાશ્રી : નિશ્ચય જોઈએ, ઈચ્છાનો સવાલ ક્યાં આવ્યો ? પ્રશ્શનકર્તા : એ નિશ્ચય અને ઈચ્છામાં શંુ ફેર એ જરા સમજાવો ને ! દાદાશ્રી : બહુ ફેર. ઈચ્છા એટલે તો પોતાની ગમતી વસ્તુ અને નિશ્ચય તો એક્ઝેક્ટનેસ છે. અનિચ્છા એ ના ગમતી વસ્તુ, ઈચ્છા એ ગમતી વસ્તુ. અને નિશ્ચયને ને એને કશંુ લેવા-દેવા નથી. નિશ્ચય તો નિર્ધાર કર્યો આપણે. પ્રશ્શનકર્તા : નિશ્ચય અને ઈચ્છાના દાખલા સાથે સમજાવો ને ! દાદાશ્રી : એમાં શાના દાખલા તે ? મનગમતી વસ્તુ, આપણે કેળા લેવા જવું હોય તો ઈચ્છા કરવી પડે. કોઈ કાર્ય કરવું હોય તો નિશ્ચય કરવો પડે. અનિચ્છાવાળી ચીજ લેવાં જતાં કેટલો સ્પીડી ચાલે એ માણસ ? પ્રશ્શનકર્તા : બેસી જ જાય. દાદાશ્રી : અને ઈચ્છાવાળી ? પ્રશ્શનકર્તા : દોડે. દાદાશ્રી : અને નિશ્ચય એ બેથી પર હોય. પ્રશ્શનકર્તા : એટલે દાદા, આપ જે કહો છો કે પાંચ આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવો જોઈએ. દાદાશ્રી : બસ, નિશ્ચય કરવો જોઈએ. એટલે એની મેળે પળાઈ જ જશે. નિશ્ચય તમારો જોઈએ. એને ઢીલંુ મૂકો તો પછી ઢીલંુ. તમે કહો કે ભઈ, દાદા પાસે અમારે જવું છે. ત્યારે કહે, ગમે તેટલાં અંતરાય હશે એ તૂટી જશે, નિશ્ચય કર્યો તો અને (પહેલેથી) 'વ્યવસ્થિત છે ને' કહેશે તો પછી બગડી જાય. પ્રશ્શનકર્તા : આ તો દરેક વસ્તુમાં આવી શકે કે નિશ્ચયબળ હોય તો અંતરાય તૂટી જ જાય. દાદાશ્રી : હંઅ, નિશ્ચયબળ મોક્ષે લઈ જાય. અને અનિશ્ચય તેનાથી જ આ બધંુ અટક્યું છે. પ્રશ્શનકર્તા : અનિશ્ચય અને અનિર્ણય, બે એક જ ને ? દાદાશ્રી : એક જ. પણ અનિશ્ચયનું જોર વધારે છે. અનિશ્ચય એ જ અંતરાય ! આપણો નિશ્ચય હોય તો કોઈ રોકનાર જ નથી. અદબદ રાખવાની જરૂર નથી. લપસણું આવ્યું હોય, એક માઈલ સુધી અને મનમાં થાય કે લપસી પડીશ તો ? તો પછી એનો ઉપાય નથી. 'ના જ લપસું, કેમ લપસાય ?' એવો નિશ્ચય જોઈએ. તો એવી વ્યવસ્થા પગ કરશે, મન ને બધાં સીધાં રહેશે. 'કેમ લપસાય ?' કહીએ, એવો નિશ્ચય કર્યો કે બધું ચોખ્ખું ! તેમ છતાંય પછી લપસી પડે તો 'વ્યવસ્થિત' ! પ્રશ્શનકર્તા : એટલે નિશ્ચયની અંદર અંતરાય તોડવાની શક્તિ ખરી ? દાદાશ્રી : હા, બધા અંતરાય તોડી નાખે. કોઈ અંતરાય પડવા ના દે. પ્રશ્શનકર્તા : ત્યારે અંતરાય જે નડે છે તે નિશ્ચયની ખામી ? દાદાશ્રી : નિશ્ચયની જ ખામી છે. પોતે કરેલાં અંતરાય, પોતે ઊભા કરેલા, તે નિશ્ચયથી ઊડી જાય. કેમ જમવામાં અંતરાય નહીં પડતો હોય, કોઈ દહાડો ? ચામાં અંતરાય કેમ પડવા નથી દેતો ? આ બધાં અંતરાયો જાણીજોઈને પાડેલા છે. અજાણે અંતરાય પડતાં હોય તો ચામાં, બીજામાં બધામાં પડે, પણ ત્યાં તો કશું પડતા નથી. બહુ પાકાં લોક છે ને ! એ પાકાઈએ જ એમને માર્યા, કાચો હોત તો સારો. પ્રશ્શનકર્તા : નિશ્ચય એ ફરજિયાત છે ? દાદાશ્રી : ના, ફરજિયાત કશુંય નથી. નિશ્ચય એટલે તો આપણો ધ્યેય છે. એ ધ્યેય તરફ લઈ જનારી વસ્તુ. પ્રશ્શનકર્તા : છતાં ઘણી વાર અંદર દ્વિધા ઉત્પન્ન થાય કે 'ટુ બી ઓર નોટ ટુ બી'. દાદાશ્રી : હા, દ્વિધા ઉત્પન્ન થાય. એમાં કશો ભલીવાર ના હોય. એ તો નિશ્ચય જોઈએ કે મારે સવારમાં જવું જ છે. તે એ ચાલ્યો જ, જાણો ને ! પ્રશ્શનકર્તા : એટલે એવો નિશ્ચય કર્યો તો તે અહંકાર કર્યો ના કહેવાય ? દાદાશ્રી : તમને આ જ્ઞાન લીધા પછી (મહાત્માઓને) અહંકાર રહ્યો જ નહીં, પછી કરવાનો ક્યાં રહ્યો ? અને જે હશે તે 'ડિસ્ચાર્જ' અહંકાર છે. મૂળ વસ્તુ પામવી એ જ ધ્યેય ! એનો ધ્યેય તો જોઈએ ને ! આપણે હંમેશાં ધ્યેય વગર કશંુ કામ ના થાય. તારો ધ્યેય શું થવું છે ? પ્રશ્શનકર્તા : દાદા જેવા થવું છે. દાદાશ્રી : એ પાછું ક્યાં ઘાલ્યું ? દાદા જેવા થઈને શું કાઢવું છે ? શુદ્ધ થવાનું રાખને ! આપણે મોક્ષે જવાની વાત કરો. આમ દાદા જેવા થવું છે, આમ થવું છે, એવો કશો ભાવ ના કરવો જોઈએ. એ મર્યો જાણો, લટક્યો. આપણી પાસે શુદ્ધ ઉપયોગને એ બધાં સાધન છે અને શુદ્ધ થયા એટલે દાદાથી વધ્યા. દાદા જેવા નહીં, દાદાથી વધ્યા. આપણે આમ થવું છે, શા માટે ? આવો હેતુ બાંધવો નહીં. શુદ્ધ જ રહો. પ્રશ્શનકર્તા : પછી જે થાય તે. દાદાશ્રી : એનું ફળ જે આવે તે. બાકી આમ થવું છે એ ભાવ તો બંધનકારી છે. પ્રશ્શનકર્તા : અમુક ધ્યેય નક્કી કર્યો હોયને તો એ પ્રમાણે થોડું જલદી ચાલ્યા કરે. દાદાશ્રી : ધ્યેય આ જ નક્કી કરવાનો, શુદ્ધ ઉપયોગ. ને શુદ્ધ જ છીએ આપણે. નહીં તો પેલું પોતાપણું રહ્યા કરે ત્યાં. તમારે શુદ્ધ ઉપયોગ પોતાપણારહિત કહેવાય. 'હું શુદ્ધાત્મા છું' એ જ ધ્યેય ! પ્રશ્શનકર્તા : એટલે ધ્યેયપૂર્વક રહેવાનું અને આ પ્રકૃતિ ખપાવવાની, એ કેવી રીતે બને ? દાદાશ્રી : આજ્ઞામાં રહે તો. આજ્ઞા એવી ચીજ છે કે બધું તમારું પાર લાવી દે અને પાછું આપણે કંઈ ના ખાવાનું ઓછું કહ્યું છે. થાળીમાં રસ-રોટલી આવી તો સમભાવે નિકાલ કરજો. એ ફાઈલનો શું વાંધો છે ? પ્રશ્શનકર્તા : કશો વાંધો નથી. દાદાશ્રી : હં. આ બે બાબા છે તે પૈણાવજો, બેબીને પૈણાવજો, કંઈ ના પાડીએ છીએ ? પણ સમભાવે નિકાલ કરજો. દસ-પંદર લાખ રૂપિયા ખર્ચ કરીને નહીં, રીતસરથી નોર્મલ માણસો કરે એવું. પ્રશ્શનકર્તા : મહાત્માઓને આજ્ઞા પાળવી એ ધ્યેય ગણાય ને ? દાદાશ્રી : ના, આજ્ઞા પાળવી એ ધ્યેય નહીં. ધ્યેય તો આત્મા, પણ ધ્યેય પ્રાપ્તિ માટે આજ્ઞા પાળવાની. નહીં તો ધ્યેય પ્રાપ્ત નહીં થાય. પ્રશ્શનકર્તા : 'હું શુદ્ધાત્મા છું' ભાન થયું મહાત્માઓને, એટલે ધ્યેય પ્રાપ્ત થયો કહેવાયને ? દાદાશ્રી : પણ એ ધ્યેયની પૂર્ણાહુતિ થવી જોઈએને ! પૂર્ણાહુતિ ધ્યેયની. એટલે 'હું શુદ્ધાત્મા છું' એ ધ્યેયપૂર્વક જ ચાલવાનું. ભયંકર પરિષહ આવે ત્યારે ધ્યેયપૂર્વક ! સખત ઠંડી પડી હોય તો ઓઢવાનું યાદ ના આવે ને આત્મા જ યાદ રહ્યા કરે. પ્રશ્શનકર્તા : એ ધ્યેયપૂર્વક કહેવાય ? દાદાશ્રી : એ ધ્યેય. પ્રશ્શનકર્તા : હવે આજ્ઞાપૂર્વકવાળો કેવો હોય ત્યાં ? આજ્ઞામાં રહેતો હોય તો એને ઠંડી પડે ને તો એ કેવી રીતે એડજસ્ટમેન્ટ હોય એનું ? દાદાશ્રી : એ તો આજ્ઞાપૂર્વક રહેતો હોયને, તેને વાંધો નહીં, સમભાવે નિકાલ કરતો હોય. પણ ખરો ધ્યેયવાળો તો પેલો કહેવાય. બહુ જ ઠંડી પડે ત્યારે ઓઢવાનું ખોળે નહીં પણ આત્મામાં હોય. છતાં આત્મા પ્રાપ્ત કરવાથી કકળાટ ગયો એ બહુ મોટામાં મોટો તમને ફાયદો, કકળાટ નહીંને ! પ્રશ્શનકર્તા : તો પણ પેલું કીધુંને, પેલું ધ્યેયપૂર્વક ના હોય તો એ ગાદી ઉડાડી દે. દાદાશ્રી : થોડા અવતાર વધારે થાય. પ્રશ્શનકર્તા : થોડા એટલે કેટલા ? દાદાશ્રી : પણ એ ગણતરીના અવતારમાં આવી ગયો. એક જ અવતાર ક્લેશ વગરનું જીવન જીવ્યો તોય લિમિટમાં આવી ગયો. પ્રશ્શનકર્તા : સખત ઠંડી પડતી હોય ત્યારે ઓઢવાનું ના ખોળેને ! અને આત્મામાં આવી જાય... દાદાશ્રી : ઓઢવાનું યાદ ના આવવું જોઈએ. પ્રશ્શનકર્તા : હં... તો એ આત્મામાં કેવી રીતે પેસી જાય તો ? દાદાશ્રી : ત્યારે આત્મા જ છેને એ. પ્રશ્શનકર્તા : એ ધ્યેયની જાગૃતિ કીધી. દાદાશ્રી : આત્મા તો છે જ, આ ઓઢવાનું હોય એટલે (આત્મામાંથી) બહાર નીકળે છે. પ્રશ્શનકર્તા : એટલે વધારે ઠંડી પડે તો આત્મા થઈ જાય ? દાદાશ્રી : મૂળ સ્વરૂપમાં આવી જાય. પ્રશ્શનકર્તા : આ દેહથી છૂટો પડી જાય તે વખતે ? દાદાશ્રી : છે જ છૂટો, છૂટો તો મેં પાડી આપેલો છે. હવે આ ઓઢવાનું હોય એટલે રોફથી પછી બહાર નીકળે છે. અને એ સ્વાદ ચાખે છે તે ઘડીએ પેલો સ્વાદ બંધ થઈ જાય છે. કોઈ પણ વિષયનો સ્વાદ ચાખે એટલે આત્માનો સ્વાદ આવતો બંધ થઈ જાય. તેથી બ્રહ્મચારીઓને કહેલું ને, બ્રહ્મચર્યનું સુખ અલાયદું હોય. પ્રશ્શનકર્તા : ક્રમિક માર્ગવાળો હોય, એને આ આત્માનો ધ્યેય હોય ? એની જાગૃતિ કેવી હોય ? દાદાશ્રી : બહુ સરસ હોય. આત્માના ધ્યેયવાળા બહુ જૂજ માણસો હોય. કારણ કે ઘણાંખરાં આ સંસારના ભૌતિક સુખોની લાલચમાં જ પડેલા હોય બધા. ઊંચે જાય તેમ ઊંચી લાલચો, ઠેઠ સુધી લાલચો. પ્રશ્શનકર્તા : આ ક્રમિક માર્ગમાં પેલા બધા તપ કરે છે. પેલું જંગલમાં જઈને એકાંતનો ભય ને બધા ઉપસર્ગ-પરિષહ સહન કરે એ આત્માનું એટલે આ ધ્યેયપૂર્વક ? દાદાશ્રી : શું દાનત છે એ ખબર પડે નહીં આપણને ! કૃપાળુદેવનું તે આત્માનું, એ સિવાય કોઈ બીજી કોઈ વસ્તુ જ નહીં. પ્રશ્શનકર્તા : એટલે એવા કઠિન ઉપસર્ગ-પરિષહમાં આત્મા તરીકે રહી શકીએ એવી જાગૃતિ કેળવેલીને ? દાદાશ્રી : હા. પ્રશ્શનકર્તા : બીજા લોકોનું કંઈ કહી ના શકાય. બીજા એવાં તપ કરતા હોય, એનું કહી ના શકાય ? દાદાશ્રી : નકામું જાય. હાથી ન્હાય ખરો પણ પછી ધૂળ ઉડાડે છે. ગજસ્નાનવત્.... આપણે કહીએ છીએને કે, 'મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.' એ મોહનીય અનેક પ્રકારની એટલે કઈ કઈ પ્રકારની ? જે ત્યાગ કર્યો એ મોહનીય, પેલાં કપડાં પહેરે છે એ મોહનીય, આ બધું કરે છે એ બધી જ મોહનીય. પ્રશ્શનકર્તા : ઠંડી પડતી હોય અને ઓઢવાનું સાંભરે એય મોહનીય ? દાદાશ્રી : મોહનીય. પ્રશ્શનકર્તા : એટલે જે જે બાબત આત્મા ચૂકાવે... દાદાશ્રી : એ મોહનીય. અનેક પ્રકારની મોહનીય હોય. આ જે લોકો મોહ છોડવા નીકળ્યા છે ને, તેય એક પ્રકારની મોહનીય ! છોડવા નીકળે મોહનીય અને છોડવાની ક્યાં જરૂર હતી ? તું તારી જગ્યાએ જતો રહેને ? પ્રશ્શનકર્તા : એટલે ધ્યેયવાળો મોહનીય ખસેડવામાં ના જાય. પોતે છે તે રૂપ થાય. દાદાશ્રી : અનેક પ્રકારની મોહનીય છે. પ્રશ્શનકર્તા : પણ આ પ્રકૃતિ તો મોહનીયવાળી જ કહેવાય ને ? દાદાશ્રી : બધી મોહનીય જ હોય. પ્રશ્શનકર્તા : પેલું જંગલમાં જાય, વાઘ-સિંહ બેઠા હોય ત્યાંય પોતાની સ્થિરતા ડગે નહીં. દાદાશ્રી : એ બધોય મોહ કહેવાય. પ્રશ્શનકર્તા : એ પણ મોહ ? દાદાશ્રી : જો આ ભગવાનને પૂછે છે કે, સાહેબ, આ હું કરી રહ્યો છું એ શું કહેવાય ? તો કહે, આ મોહ છે. પણ આ મોહ એ ધ્યેયને માટે છે. પ્રશ્શનકર્તા : મોહ ખસેડવાના પ્રયત્નો કરે છે, ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે, એમાં ધ્યેય ન કહેવાય ? દાદાશ્રી : એને ધ્યેય શી રીતે કહેવાય ? એ તો શું છે ? એકને ખસેડે તો બીજાને જ સંઘરે. આ હું જ્ઞાની પુરુષ છું, તોય હું આ જે ફરું છું એ બધો મોહ જ કહેવાય. પ્રશ્શનકર્તા : હવે આપનું તો ધ્યેયપૂર્વકનું હોય. દાદાશ્રી : ધ્યેયપૂર્વક નહીં, ધ્યેયરૂપ જ થઈ ગયો હોઉં તોય પણ આ ક્રિયા બહાર દેખાતી એ તો મોહની જ હોયને ! પ્રશ્શનકર્તા : તો આ મોહની ક્રિયા થતી હોય અને ધ્યેયસ્વરૂપ રહેવું એ કેવી રીતે બની શકે ? દાદાશ્રી : બન્યું જ છેને ! પ્રશ્શનકર્તા : કેવી જાગૃતિપૂર્વક હોય ? દાદાશ્રી : આ ક્રિયા ડિસ્ચાર્જ છે એટલે એની મેળે જ થયા કરે. પોતાને કરવી ના પડે. કરવી પડે ત્યાં આગળ છે તે મોહ. એ ધ્યેયપૂર્વક ના કહેવાય. ધ્યેયરૂપ થાય તો કશું છે જ નહીં. પુદ્ગલ મોહી જ હોય અને તે પુદ્ગલના સ્વભાવમાં જ છે. પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં છે અને આત્મા આત્માના સ્વભાવમાં રહે છે જ મહીં, બેઉ જુદા છે. ધ્યેય, નિશ્ચય ને નિયાણું... પ્રશ્શનકર્તા : ધ્યેય અને નિશ્ચય, એ બેને કંઈ સંબંધ ખરો ? દાદાશ્રી : નિશ્ચય તો નાનો કહેવાય. ધ્યેય તો જુદી વસ્તુ. નિશ્ચય તો જુદા જુદા કરવા પડે. ધ્યેય તો એક જ આત્મા પ્રાપ્ત કરવાનો ને મોક્ષે જવાનો જે કહો તે. એક જ શબ્દ ધ્યેય. નિશ્ચય તો જાતજાતના. પ્રશ્શનકર્તા : નિશ્ચય બધા વ્યવહારિક પણ હોય ? દાદાશ્રી : નિશ્ચય એ ગણતરીમાં જ ગણાય. પ્રશ્શનકર્તા : આ નિયાણું કહે છે, મોક્ષનું નિયાણું. દાદાશ્રી : નિયાણું એટલે અત્યાર સુધી બધું જે જે કર્યું હોય આપણે, આત્મા માટે તપ-જપ બધું કર્યું હોય, તે આપણે કર્યું એટલે આપણી પાસે છે સિલ્લક, એને જેના માટે વાપરવી હોય તેમાં વાપરવાની છૂટ હોય આપણને. એટલે પેલો દેશ ખલાસ થઈ જાય, એવું નિયાણું કરેને એટલે પછી બધી આપણી સિલ્લક ત્યાં વપરાઈ જાય. પ્રશ્શનકર્તા : એટલે નિયાણું સંસાર હેતુમાં વપરાઈ જાય. દાદાશ્રી : હા, પોતે આમ અહંકાર કરે ને તે વપરાઈ જાય. આમ કરી નાખું, એમાં વપરાઈ જાય પછી. પ્રશ્શનકર્તા : ત્રણ શબ્દો - મોક્ષનું નિયાણું, શુદ્ધાત્માનો નિશ્ચય અને કલ્યાણની ભાવના, એટલે કે આ ત્રણનો શું સંબંધ એમ ? દાદાશ્રી : નિયાણું મોક્ષનું કરવું, નહીં તો કોઈ જોડે ચડસાચડસી થઈ જાય. મોક્ષ સિવાય બીજું કંઈ જ જોઈએ નહીં એવું નિયાણું હોય. એટલે આપણી બધી કમાણી એમાં વપરાય પછી. 'હું શુદ્ધાત્મા છું' એ નિશ્ચય ડગવો ના જોઈએ. એ જે નિર્ણય થયો છે એ નિર્ણય બદલાવો જોઈએ નહીં. પ્રશ્શનકર્તા : અને જગત કલ્યાણની ભાવના એમ. દાદાશ્રી : બસ, આપણું જે કલ્યાણ થયું એવું લોકોનું હો. પ્રશ્શનકર્તા : આ મહાત્માઓને શુદ્ધાત્માનો ધ્યેય પ્રાપ્ત થયો છે, મોક્ષનો ધ્યેય, તો આ ધ્યેયમાંથી ચલિત થાય, તો ફરી ધ્યેયમાં સ્થિર થવું હોય તો કેવી રીતે બની શકે ? દાદાશ્રી : ચલિત થાય, એનું નામ ધ્યેય ના કહેવાય. ધ્યેય એટલે બધું જ મારું આ, સર્વસ્વ બધું. પ્રશ્શનકર્તા : એટલે પહેલાં ધ્યેય મજબૂત થવાની જરૂર. તો એ મજબૂત કેવી રીતે થઈ શકે ? દાદાશ્રી : ધ્યાતા છે તે ધ્યેયનું ધ્યાન કરી અને ધ્યેય સ્વરૂપ થઈ જાય. પ્રશ્શનકર્તા : એમાં ધ્યાતા કોણ ? દાદાશ્રી : 'પોતે'. પ્રશ્શનકર્તા : અને ધ્યેય ? દાદાશ્રી : આત્મસ્વરૂપ. પ્રશ્શનકર્તા : એ ધ્યેયસ્વરૂપ થવા માટે કેવી રીતે ધ્યાન કરે ? દાદાશ્રી : આ આજ્ઞા આપી છે. એ 'હું શુદ્ધાત્મા છું' એ ધ્યાન રહેવું જોઈએ. નિયાણંુ કરી નાખો મોક્ષનંુ ! નિયાણાનો અર્થ એવો કે એક જ ધ્યેય કે આમ જ, બીજું કાંઈ નહીં. કૃષ્ણ ભગવાને નિયાણું કર્યંુ કે મારંુ જપ-તપ બધુંય છે તે મારી કીર્તિ ગાય તેમાં જાય. આખું જગત કીર્તિ ગાય તેમાં વપરાઈ જાય ને અત્યારેય છોકરાં ઝંૂપડીઓ-બૂપડીઓ બાંધે છે ને કૃષ્ણનાં નામ ગા ગા કરે છે. પાંચ હજાર વર્ષ થયાં તોયે ગા ગા કરે છે, કારણ કે નિયાણું કરેલું. હવે એ આવતી ચોવીશીમાં તીર્થંકર મહારાજ થશે. ત્યાં સુધી હવે તમારે બેસી રહેવું છે કે જવું છે મોક્ષમાં ? પ્રશ્શનકર્તા : જેટલું વહેલા થાય એટલું વહેલું. દાદાશ્રી : વહેલું જવાય એટલું સારંુ ! જ્ઞાન આપ્યા પછી અમે જે કહીએને કે પાંચ આજ્ઞામાં રહેવાનું. તે પછી નિરંતર સમાધિ રહેશે. લોકોને તો નિવૃતિ હોય ત્યારે જગત વધારે કૈડે. જગત આખું બધંુ કૈડ કૈડ કર્યા કરે. શાકેય સાંભરે, શાક શું ભાવે લાવ્યા અને પ્રવૃતિ હોય તો શાક-બાક કશું સાંભળે નહીં. પ્રવૃતિ હોય તો પ્યાલો ફૂટે તો સાંભળે નહીં. નિવૃતિ થઈને પ્યાલો ફૂટ્યો તો કહેશે કે શું ફૂટ્યું. અરે ! મેલોને પૈડ. પ્યાલા વગર બીજું શું ફૂટવાનું ? પ્યાલા ફૂટશે, બીજું બધું ફૂટશે, માણસો ફૂટશે. બધા કાચની રકાબી જેવાં જ છે ને ! કપ-રકાબી જેવાં નથી ? કારણ સમજણ અવળી છે, જ્ઞાન અવળું છે. પોતે કોઈ દહાડો સુખી થયા નહીં ને છોકરાંને સુખી કરવા નીકળ્યા. જે પોતે સુખી થયો હોય ને તે બીજાને સુખિયો કરેે. જ્ઞાની પુરુષ પોતે પરમ સુખી થયા હોય. હવે તો ભેખ માંડવાની છે કે એક જ, બીજું નહીં. ના હોય તો મોક્ષનું નિયાણું કરી નાખવાનું. એટલે લાંબા અવતાર ના થાય. બે-ત્રણ અવતાર થવાના હોય તેય ના થાય. મેલ ને, આ તો ભંગજાળ છે બધી. છેવટે આ એક જ ધ્યેય ! પ્રશ્શનકર્તા : એક પુદ્ગલને જોવાનો આપણે પ્રયત્ન કરીએ પણ થોડીવાર રહે પછી ખસી જાય. દાદાશ્રી : આપણે બહારનો અભ્યાસ વધારેને ! લોકોને જુદાપણાનો બિલકુલ અભ્યાસ જ નથી ને ! કોઈ પુદ્ગલની વસ્તુ એવી તેવી હોય, તેની ઉપર આપણે ઉપયોગે કરીને નિરીક્ષણ કરતાં હોય તો ખ્યાલમાં રહેને, એવું એ પોતાના પુદ્ગલને જોવાનું છે. પ્રશ્શનકર્તા : એટલે પોતાના એક જ પુદ્ગલની બહાર કોઈ ડખલ નહીં ? દાદાશ્રી : બીજું શું ? એક પુદ્ગલ જોવાય તો બહુ થઈ ગયું. જોઈ શકાય જ નહીંને ! બહાર જ ડખલ કરે, એવું કહેવા માંગે છે. આપણે જોવાનો અભ્યાસ કરો પણ થાય નહીં. થોડી થોડી વાર રહે પાછું ચૂકી જાય, બાકી બહાર જ જતું રહે. પ્રશ્શનકર્તા : એ સ્ટેજ આવવાની તો ખરી જ ને ? દાદાશ્રી : એનો પ્રયત્ન એ જ હોય, પણ થાય નહીંને, રહે નહીંને ! જાય ને આવે, જાય ને આવે, એ જાણી રાખવાનું છે. એક જ પુદ્ગલ જોવાનું છે. ચંદુભાઈનું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યાં છે, બધું નિરંતર એનું નિરીક્ષણ કરવું કે એ શું છે ? એ જ કમ્પ્લિટ શુદ્ધાત્મા ! પ્રશ્શનકર્તા : ધારો કે, ભગવાન મહાવીર પુદ્ગલને જુએ છે અને એ વખતે ગૌતમ સ્વામી એમને પ્રશ્શન પૂછે તો એ જવાબ નીકળે ને ? દાદાશ્રી : તોય એ પોતે તો એક જ પુદ્ગલને જોતાં હોય. પ્રશ્શનકર્તા : તો એ જવાબ બહારનો ભાગ આપે ને ? દાદાશ્રી : પોતે જવાબ ના આપે, તે ઘડીએ જે પુદ્ગલ ભાગ હતો, તેનો તે જ ભાગ જવાબ આપે. પ્રશ્શનકર્તા : બરોબર છે. પણ બહારનો ભાગ આપણે કોને કહીએ છીએ, એક પુદ્ગલ અને તે સિવાયનો ભાગ ? દાદાશ્રી : જોનાર અને જાણનાર છે, એને બહારનો ભાગ હોતો નથી. આ તું બોલી રહ્યો છું ને તેને જુએ-જાણે એને જ્ઞાન કહેવાય. પ્રશ્શનકર્તા : તો એવી સ્ટેજ એની મેળે આવશે ? દાદાશ્રી : આપણે તો એ પ્રયત્નમાં રહીએ ને, આ કરવાનું એવું બધું હોયને ! પ્રશ્શનકર્તા : એક જ ભાવમાં રહેવાનું ? દાદાશ્રી : એક જ ભાવમાં, જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં જ રહેવાનું. પ્રશ્શનકર્તા : અત્યારે તો એ કઠિન પડે, એમ કહે છે. દાદાશ્રી : ના, અત્યારે એ ના હોયને ! અત્યારે બહાર જોવું પડે આપણે. પણ તે એટેચમેન્ટ વગરનું હોય તો એ છે તે જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય અને એટેચમેન્ટ સહિત હોય તો છે તે ઇન્દ્રિયજ્ઞાન કહેવાય. (એટેચમેન્ટ એટલે પાછું અજ્ઞાની જેવું એક થઈ જવું.) પ્રશ્શનકર્તા : તન્મય થઈ જાય તો ઇન્દ્રિયજ્ઞાન આવી જાય ? દાદાશ્રી : ના. કોઈવાર તન્મય થઈ જાય તોય નહીં, એટેચમેન્ટ સહિત હોય તો જ ઇન્દ્રિયજ્ઞાન કહેવાય. એટેચમેન્ટ નથી તોય પણ તન્મય થઈ જાય કોઈ જગ્યાએ. પણ એ તન્મય થવું એ પદ્ધતિસર નથી. એ ફરી કો'ક વખત છૂટું કરવું પડશે એને. એકધારું જ હોવું જોઈએ. તન્મય થાય તો જાણવું કે ગ્રંથિ છે આપણામાં. તે ગ્રંથિ છૂટવી જોઈશે. પછી વ્યવહાર જ આખો એટેચમેન્ટ વગરનો થઈ જાય છે. વીતરાગ વ્યવહાર થઈ જાય છે. ઘણાં માણસોને વીતરાગ વ્યવહાર થઈ ગયેલો છે. પણ તે અમારા પરિચયમાં રહેવાના. આ તે ઠેઠ દૂરથી દોડધામ દોડધામ કરે, પરિચયમાં ના રહેવું પડે ? જ્ઞાનીનું સાંનિધ્ય એ જ મોક્ષ ! હજુ કેટલા કલાકનો તમારો મારો પરિચય કહો ? બધો મૂળ તો લોક પરિચય, એના માટે આખી જિંદગી કાઢતા હતા. મોક્ષમાર્ગને પામવા હારુ કાઢતા હતા. પણ આ તો રોકડો મોક્ષ મળે છે એના માટે. પેલો મોક્ષમાર્ગ તો આગળ પાછો ભૂલોય પડે, છતાં તેને માટે આખી જીંદગીઓ કાઢતા હતા. તો આને માટે પરિચય ના જોઈએ ? જ્ઞાન મળ્યું એનો અર્થ એવો કે આપણે લોક પરિચયથી મુક્ત થઈ ગયા. છતાં આપણે એવી સ્ટ્રોંગ ભાવના જોઈએ કે જ્ઞાનીનો પરિચય મળવો જોઈએ. નિરંતર આવતાં-જતાં ગમે ત્યારે, જેટલો આ પરિચય એટલો લાભ. પ્રશ્શનકર્તા : બીજું શું થાય છે કે મારી તબિયત જરા નબળી રહેને એટલે દાદાનો લાભ લેવાય નહીં, એ જરાક અંતરાય છે. દાદાશ્રી : એવું છે ને, આ દાદાનો લાભ તો જેટલા દહાડા મળ્યો એટલા દહાડા ખરો. એટલે જેટલો લેવાય એટલો લેવો. હવે અહીં આવે કે તરત લેવો. ના આવે ત્યાં સુધી નિદિધ્યાસનમાં રહેવું. દાદા એટલે કોણ ? નિદિધ્યાસનથી દાદા હાજર થાય, પણ આજ્ઞા એ મુખ્ય દાદા. એમની આજ્ઞા પાળવાનો જ મોટો ધ્યેય રાખવાનો, બીજું કશું કરવા જેવું નથી. આ દેખાય છે એ દાદા ન્હોય. આ દાદાથી 'અમે' તો છૂટા થઈ ગયા છીએ. તમે સંભારો તો 'દાદા' તમારી જોડે જ હોય. પ્રશ્શનકર્તા : આ દાદાથી પણ આપ છૂટા થયા છો ? દાદાશ્રી : છૂટા રહીએ છીએ. તેથી તમને બધાને લાભ થાયને ! અહીંયાં જે સંભારે તેનું ત્યાં પહોંચી જાય. અમે બોલીએ છીએને, કે ભઈ, અમે છૂટા છીએ. આ દાદા એ દાદા ન્હોય, આ તો પબ્લિક ટ્રસ્ટ ! જેના હાથમાં આવ્યું તેના બાપનું. અમારા હાથમાંય નથી. અંતે સત્સંગેય આલંબન ! છતાં અમારે તો આ સત્સંગેય થતો નથી. આ સત્સંગ અમને બોજાવાળો લાગે છે. પ્રશ્શનકર્તા : પણ અમને તો આ સત્સંગથી પ્રેરણા મળે છે ને ! દાદાશ્રી : હા, તમારા માટે આ સત્સંગની જરૂર છે પણ મારે માટે આ સત્સંગ બોજાવાળો છે ! આ સત્સંગ કરીએ છીએ પણ તમારે એવો ધ્યેય રાખવો કે આપણે એવા સત્સંગ ઉપર જવું છે કે જ્યાં આપણે પોતે પોતાના જ સત્સંગમાં રહેવું. બીજાં કોઈની જરૂર ના પડે. એ સિવાય બીજું તો અવલંબિત થયું. બીજાની જરૂર પડી કે અવલંબિત થયું અને એટલે પરતંત્ર થયું અને પરતંત્ર થયું એટલે આપણને પૂરુંં સુખ ના હોય. સુખ નિરાલંબ હોવું જોઈએ. કોઈ અવલંબન ના જોઈએ. જ્ઞાનીનો વિરહો છતાં જાગૃતિ ધ્યેયની ! પ્રશ્શનકર્તા : દાદાથી દૂર થવાનો સંયોગ થાય તો વિરહ ખૂબ લાગે, સહન ના થાય. દાદાશ્રી : એ તો બધાને લાગે જ ને ! સ્વાભાવિક રીતે લાગે ને પણ બધું એ વ્યવસ્થિત છે ને છૂટકો જ ના હોય, આપણે તો જે તે રસ્તે મોક્ષે જવું છે. એક આપણો ધ્યેય એટલે ધ્યેયમાં અંતરાય ના આવવા જોઈએ. જ્ઞાની પુરુષની પાસે રહેવાનું મળે તો તો અત્યંત ઉત્તમ. એનાં જેવો એક કલાક પણ ના મળે. પણ તે ઘડીએે ઠેકાણે રહેવું જોઈએ ને, બધો ધ્યેય નક્કી કરવો પડે કે આમ જ થવું છે, મરી જવાય તોય આમ થવું છે. નીરુબેને કહ્યું કે 'મારી નાખશો તોય અહીંથી ખસવાની નથી.' એટલે હું સમજી ગયો કે આમનો ધ્યેય સારો છે. મેં કહ્યું, જ્યારે જવું હોય ત્યારે જજો, એમ કહેલું. અમારાથી એવું કહેવાય નહીં કે 'રહો જ' અને 'ના રહેશો' એવુંય કહેવાય નહીં. તે અમે બેઉ છૂટ આપીએ કે 'ભઈ, જ્યારે અનુકુળ આવે ત્યારે જજો. પણ મને કહીને જજો.' એટલું કહું. 'એમ ને એમ ભાગી ના જશો.' પ્રશ્શનકર્તા : જ્ઞાનીપુરુષ એ જ પોતાનો આત્મા છે, એવું કહ્યા પછી કેમ ખસાય અહીંયાંથી ? દાદાશ્રી : ના, પણ એ તો પછી કડવું બહુ સહન ના થાય ને ! પ્રશ્શનકર્તા : કડવું પણ દવા છે ને ? હિતકારી છે ને ? દાદાશ્રી : હા, પણ એનો ટાઈમ હોય ને, પાછો ? મુદત હોય ને, પૂરી થવાની ? તે ઘડીએ રિસાઈને ના જશો. મને કહીને જજો કે 'હવે મારે વખત થઈ ગયો છે. હું જઉં છું. કાયમ કૃપા રાખજો.' પ્રશ્શનકર્તા : હેં દાદા, ક્યાં જવાનું ? દુનિયામાં ક્યાંય જવા જેવી જગ્યા નથી. દાદાશ્રી : તોય પણ પાછા જતાં રહે તે વખતે પછી પાછાં આવે. પણ જતાં રહે ખરાં. નીરુબેનની તો બહુ પરીક્ષા આવી. પુણ્યશાળી છે ને એ અજાયબી છે, ટક્યા છે ! પ્રશ્શનકર્તા : હવે તમને ના છોડું, દાદા. હવે મરતાં સુધી ના છોડું, દાદા. દાદાશ્રી : હા, એ જ મોટો ધ્યેયને ! જ્ઞાન આપેલા છે આ, એમાંથી બધાય પણ પૂરા પૂર્ણ ના થાય. બીજા પાંચ-છ હજાર માણસો, ભક્તિમાં ચઢી જાય મારી. નિરંતર મને યાદ કરીને ભક્તિમાં ચઢી જાય, જ્ઞાનમાં રહેનારા બે-ત્રણ હજાર માણસો અને તેમાંય પાછા પૂરેપૂરા આજ્ઞામાં રહેનારા અમુક જ માણસો, પણ બધાં એક અવતારી, બે અવતારી, પાંચ અવતારી થઈને પણ ઉકેલ આવી જાય. અને પેલા ભક્તિમાં ચઢયાં છે. એમનો ઉકેલ જલ્દી આવશે. કારણ કે બધી બીજી ઉપાધિ મટી ગઇને ! પ્રશ્શનકર્તા : આપણો ધ્યેય હોવો જોઈએ. દાદાશ્રી : શુદ્ધાત્મા તો થઈ ગયા પણ હવે બહારનો ભાગ ક્યાં સુધી પહોંચવો જોઈએ ? ધ્યેય સુધી પહોંચવો જોઈએ. ઘણા કાળના પેલા અવળા હોય ને, તે અવળા નીકળતા જાય એટલે આપણે ધીમે ધીમે ડિસ્ચાર્જ થતંુ જાય તેમ તેમ 'દાદા' જેવા થઈ જવંુ જોઈએ. હૂંફ લો તો જ્ઞાનીની જ ! પ્રશ્શનકર્તા : એટલે જેને જ્ઞાનીની હૂંફ મળી હોય એ પછી એ જ્ઞાનીની હૂંફે હૂંફે પછી નિરાલંબ થઈ શકે ને ? દાદાશ્રી : થાયને ! નિરાલંબ થવાનો રસ્તો જ એ છેને ! પ્રશ્શનકર્તા : જ્ઞાનીની હૂંફ ના મળે તો પછી નિરાલંબ ના થવાય ? દાદાશ્રી : તો બિચારો વહુની હૂંફ ખોળે. વહુની હૂંફ ના મળતી હોય તો ભઈબંધની ખોળે, પણ કો'કની હૂંફ તો ખોળેને ! પ્રશ્શનકર્તા : પછી એ ભટકી ના મરે ? જ્ઞાનીની હૂંફ ના મળે તો... દાદાશ્રી : ભટકી જ મર્યા છેને કેવાં, જોને ! પ્રશ્શનકર્તા : એટલે જ્ઞાનીની જ હૂંફ હોવી જોઈએ ? દાદાશ્રી : હા, પણ જ્ઞાની હોય નહીંને ! કો'ક કાળે હોય. પ્રશ્શનકર્તા : હોય તો ભેગા થવા જોઈએને ? ભેગા થાય તોય જ્ઞાનીની હૂંફ મળવી જોઈએને ? દાદાશ્રી : ભેગા ના થાય. જગત આખંુય હૂંફ ખોળે, હૂંફ ! આપણો ગુજરાતી શબ્દ ! હવે હૂંફને લઈને તો જીવે લોકો. 'ફલાણા ભાઈની હૂંફ છે, તે મારે સારંુ છે' કહેશે. તેમાં બૈરી છે તે ધણીની હૂંફમાં હોય, છોડી છે તે વળી બાપની હૂંફમાં હોય પણ હૂંફ હોય કોઈની. હૂંફના આધારે રહે. એક જ્ઞાનીને હૂંફ-બૂફ જરૂર નહીં. એ હૂંફ હોયનેે તે તો પરતંત્રતા. હૂંફ ના જોઈએ. ભગવાનનીય હૂંફ ના જોઈએ. ભગવાનેય, પરતંત્રતા વળી પાછી ઉપાધિ. આપણે શંુ લેવા દેવા ? આપણે હૂંફની જરૂર નહીં. આ તો ધ્યેય કહું છું. હજુ તો કામ કાઢવાનંુ તમારે બધંુ બાકી રહ્યંુ છે. આ તો ધ્યેય તમારે રાખવાનો. છેવટે જ્યારે ત્યારે નિરાલંબ થવંુ પડશેને ? ત્યાં સુધી અવલંબન તો લેવંુ પડશે ! સત્ના અવલંબન લેવા પડશે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન થયા પછી નિરાલંબ થવા માંડે ત્યારથી હજુ સંપૂર્ણ નિરાલંબ ન થઇ ગયેલા હોય. નિરાલંબ થવાની શરૂઆત થઇ ગઇ, ત્યાં સુધી હૂંફ ખોળ્યા જ કરે. આખી રાતમાં કોઇ ખાઇ જવાનું છે? આ પેલો ઊંઘી જાય ને એય ઊંઘી જાય. શાની હૂંફ ખોળું છું ? પણ સંસારજાગૃતિ હોય ત્યાં સુધી હૂંફ. પણ આત્મા થયા પછી હૂંફ ના રહે. ધીમે ધીમે ભય ઓછા થતાં જાય. તમે આત્મા થઇ ગયાને, હવે ભય ઓછા લાગે છે ને ? પ્રશ્શનકર્તા : કોઇનોય ભય નથી, નિર્ભય ! દાદાશ્રી : અને આ જગતના લોકો તો રાતે એકલંુ રહેવાનું હોય તોય હૂંફ ખોળે. એકલાને તો ઊંઘેય ના આવે. જગતના લોકો હૂંફ ખોળે. હવે મેં તમને નિરાલંબ બનાવ્યા છે. હવે જે હૂંફ ખોળો છો ને, એ તો બધી ડિસ્ચાર્જ છે. પણ હાલ તમે નિરાલંબ છો પણ તમારું નિરાલંબ એક્ઝેક્ટ નિરાલંબ કહેવાય નહીં. તમે શબ્દાવલંબન સ્થિતિમાં આવ્યા છો, બહુ મોટી સ્થિતિ કહેવાય. આ પદ તો દેવલોકોનેય ના હોય. મોટાં મોટાં ઋષિ-મુનિઓએ કોઈએ જોયેલંુ નહીં એવું પદ છે આ બધંુ. માટે કામ કાઢી લેજો. એટલી બધી સેફસાઈડ ને એટલો આનંદ. મહીં સુખ માટે એને બીજા કોઈની જરૂર જ નથી. પોતે પોતાના સ્વભાવથી જ સુખમય, એટલે નિરાલંબ છે, ઓળંબો જ નથી જેને એવો આત્મા આપ્યો છે. દાદા કેવા ઈઠ્યોતેર વર્ષે રહે છે, નહીં ? અવલંબનને લઈને તો પરવશતા થઈ. અવલંબન એ જ પરવશતાને ! નિરાલંબની પ્રાપ્તિ, છેલ્લો ધ્યેય ! અત્યારે હું નિરાલંબ સ્થિતિમાં છું. છતાં અવલંબનેય છે અને નિરાલંબેય છે. નિરાલંબ સ્થિતિને હું અનુભવી શકું છું. પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે 'મારે આલંબન પણ છે ને હું નિરાલંબ પણ છું.' તો આપને શેનું આલંબન હોય ? દાદાશ્રી : આ તમારા બધાનું. પ્રશ્શનકર્તા : દેહનું આલંબનેય ખરંુને, દાદા ? દાદાશ્રી : દેહનું આલંબન તો ખાસ નથી. જેટલું તમારંુ આલંબન છે એટલું આ દેહનું નથી. કારણ કે મારો ધ્યેય છે કે આ મારંુ સુખ એમને કેમ પ્રાપ્ત થાય ને કેમ જલ્દી પ્રગટ થાય ! આ દેહમાં તો કંઈ આલંબન નહિ, દેહ તો પાડોશી તરીકે, ફર્સ્ટ નેબરર તરીકે છે. એનું ટાઈટલ મેં ફાડી નાખ્યું છે. એટલે હું મનનો માલિક નથી, આ દેહનો માલિક નથી અને વાણીનો માલિક હું નથી. ફક્ત કેવળ જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ એ જ પરમ જ્યોતિ છે. કેવળ, ભેળસેળવાળંુ નહીં. નિર્ભેળ એ પરમ જ્યોતિ છે અને એ જ્યોતિ અમે જોઈ લીધી અને નિરાલંબ થયેલા છીએ. છતાં આલંબનમાં રહીએ છીએ. નહીં તો છેલ્લી વાત, ઠેઠની વાત કોઈ બહાર ના પડે. આ ઠેઠની વાત બહાર પડી આજે. પ્રશ્શનકર્તા : નિરાલંબ રહીએ છીએ છતાં આલંબનમાં છીએ એ જરા વધારે ફોડ પાડોને. દાદાશ્રી : લેવું જ પડે ને અવલંબન. એવું છે ને કે અમે અમારા સ્વભાવે કરીને નિરાલંબમાં રહીએ છીએ અને આ છે તે વિશેષભાવમાં એટલે દેહભાવમાં અવલંબન છે. તે (દેહભાવવાળો) અવલંબનવાળો રોફ મારતો હોય તો એ ટાઈમે 'અમે' નિરાલંબ થઈ જઈએ, બસ. રોફ નથી મારતા ત્યાં સુધી અવલંબનમાં રહીએ. એ રોફ મારે એટલે અમે નિરાલંબ થઈ જઈએ. એને શંુ કહીએ કે બસ, બહુ થઈ ગયંુ. આઈ ડોન્ટ વોન્ટ. રોફ મારે એટલે સમજી ગયા ? પ્રશ્શનકર્તા : હા, સમજી ગયો. દાદાશ્રી : બસ, તેના પૂરતંુ જ છે. પ્રશ્શનકર્તા : એટલે એ જે આઈ ડોન્ટ વોન્ટ એ બહુ મહત્વની વસ્તુ છે. પણ એમાંથી એ થાય ધેન વોટ ડુ યુ વોન્ટ ? દાદાશ્રી : વોન્ટ નથી કરતો ને આ. આ તો એને સમજાવવા માટે આ વાક્ય બોલવું પડે. એ જાણે કે મારા વગર ચાલશે કે નહીં ? પણ નિરાલંબ છું, પછી નહીં ચાલે, મૂઆ ? આ તો તું કહું કે મને ટેકો દો, તો હું હાથ કરીને ટેકો દઉં. તું ખસી જઉં તો ટેકો મળે ? પ્રશ્શનકર્તા : નિરાલંબ થવા પ્રયત્ન કરીએ છીએ પણ તોય ઘણી વખત થવાતું નથી. દાદાશ્રી : ના થવાય. હજુ તો એ કંઈ એવી સ્થિતિ નથી કે તરત પ્રાપ્ત થાય. આ તો જાણવા માટે કહીએ છીએ કે આમ થઈ શકાય એવી સ્થિતિ છે. એ છે તો મારા કેટલાં કેટલાં અવતારોનું આ ભેગું કરેલું ફળ છે. આ વિજ્ઞાન એવું છે કે આમ થઈ શકે એમ છે. પોતે નિશ્ચયે કરીને એની પાછળ પડે તો થઈ શકે એમ છે. પહેલાં સ્થૂળમાં નિરાલંબ થાય, પછી સૂક્ષ્મમાં નિરાલંબ થાય. પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. નિરાલંબ એટલે શું ? 'શુદ્ધાત્મા છું' એ અવલંબન શબ્દનુંય ના જોઈએ. મૂળરૂપ જેણે જોયું હોય તેને છે તે અવલંબન હોય ? પ્રશ્શનકર્તા : એટલે એ ત્રણ વસ્તુ થઈને, દાદા. સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. એ આખી વસ્તુ. દાદાશ્રી : એટલે એ ક્યારે બને ? આ માથે આવી પડેલું ખાય, આવી પડેલાં કપડાં પહેરે, આવી પડેલું બધું વાપરે તો એ કામ થાય. પથારીયે આવી પડેલી. અમારે આજે રીક્ષા આવી પડી તો રીક્ષામાં આવ્યા નિરાંતે. અમારે એવું નથી કે આ જ જોઈએ. શું આવી પડ્યું એ જોવાનું. રીક્ષા ના હોત તો ધીમે ધીમે ચાલતા આવીએ, નહીં તો પેલી ખુરશીમાં બેસીને આવીએ પણ આવીએ, તોય સત્સંગ બંધ ના રાખીએ કદી. કેડીલેક(ગાડી) ના હોય ત્યારે કેડીલેક મોટી કે સત્સંગ મોટો ? જય સચ્ચિદાનંદ |