સ્વાર્થ, પરમાર્થ, પરાર્થ !

સંપાદકીય

વ્યાવહારિક ભાષામાં શબ્દોના જે પ્રચલિત અર્થ છે, તેના કરતાં જ્ઞાની પુરુષ પાસે યથાર્થ અર્થ સમજવા મળે અને ઠેઠ પરમાર્થ સુધીનો ફોડ મળે, જે પ્રચલિત અર્થ કરતાં સાવ અલગ હોય છે છતાં હ્રદય સોંસરવો ઊતરી જાય તેવો સચોટ હોય છે.

સંસારમાં મનુષ્ય કંઈક અપેક્ષા સાથે કરતો હોય, પોતાનાં બૈરી-છોકરાના ફાયદા માટે કરતો હોય, તેમાં કંઈ વધારે પડતી લુચ્ચાઈ કરી બીજાને છેતરે, પોતાના ઘર ભેગું કરે ત્યારે લોક એને સ્વાર્થી કહેશે. ત્યારે જ્ઞાની પુરુષ એને પરાર્થી કહે છે કે જે ઘર, બૈરી, છોકરાં પોતાનાં થયાં નથી, થવાનાં નથી, થશે નહીં, તેને માટે દગાફટકા કરી, ચોરીઓ કરી, અપમાન સહન કરી રોજના કલાકો સુધી મજૂરી કરીને ભેગું કર્યું અને તેય પોતે ભોગવે નહીં, પાપનાં પોટલાં બાંધીને છેવટે ઠાઠડીમાં જતો રહે અને પાછળ છોકરાંને ભાગે મૂકતો જાય, આ પરાર્થ નહીં તો શું ?

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, સાચો સ્વાર્થી તો દુનિયામાં હું એકલો છું અને બધાને સાચા સ્વાર્થી બનાવું છું. સ્વ એટલે આત્મા અને સ્વ અર્થે જીવે તે સ્વાર્થી. સંસારમાં નિઃસ્વાર્થી હોય છે, પરોપકારી ભાવે જીવે મીણબત્તીની જેમ, પોતાના કુટુંબ સિવાય જન કલ્યાણાર્થે, તો એ પરમાર્થ કહેવાય. પોતાના ઘર પરિવાર માટે જીવતો હોય તે કોઈ સ્વાર્થ વગર હોતું જ નથી, છતાં નોર્માલિટીની લિમિટની અંદર સ્વાર્થ હોવાથી સ્વાર્થ ગણાતો નથી. પછી એમાં લોભ, લાલચ પેસે, બીજા કરતાં વધારે પડાવી લે ત્યારે બધા એને સ્વાર્થી કહેશે. પણ એ બધુંય પરાર્થ જ છે. ખરો પરમાર્થ તો પારકાનું કલ્યાણ કરવાની જે ભાવના છે, તેય પોતાના સ્વાર્થ માટે છે. પરમાર્થ કરતાં કરતાં સ્વાર્થ પ્રાપ્ત થાય. અને સ્વાર્થ પૂરેપૂરો સધાઈ ગયો એટલે પછી પરમાર્થ કરવાનો રહેતો નથી. આવી સૂક્ષ્મ સમજ જ્ઞાની પુરુષ વિના ક્યાંથી પ્રાપ્ત થાય ?

બીજી બાજુ શાસ્ત્રો શબ્દ રૂપ છે. શબ્દોનો ભાવાર્થ સમજે તે મુમુક્ષુ કહેવાય અને શબ્દોનો પરમાર્થ સમજે તો જ્ઞાની કહેવાય, શબ્દાર્થ સુધી પંડિતો પહોંચ્યા હોય પણ પછી એની આગળ અર્થનો અર્થ, એટલે પરમ અર્થ જાણે ત્યાં આત્મા છે, ત્યાં મોક્ષ છે.

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાં સ્વાર્થ, પરાર્થ ને પરમાર્થ સ્વરૂપનું સાચા ફોડ સંકલિત થયા છે, જે વાચકને ભ્રાંતિના સ્વાર્થથી મુક્ત કરાવી સાચા સ્વાર્થી બનવાની દ્ષ્ટિ ખુલ્લી કરી આપવામાં સહાયક થશે !

દીપક દેસાઈ

સ્વાર્થ, પરાર્ર્થ, પરમાર્થ !

આ તો સ્વાર્થી કે પરાર્થી ?

પ્રશ્નકર્તા : જગતમાં સ્વાર્થની માયા મોટી દેખાય છે.

દાદાશ્રી : આ હિન્દુસ્તાનમાં સ્વાર્થી તો મેં કોઈ જોયા જ નથી. સ્વાર્થી એવા પોતાનો 'સ્વ'નો અર્થ કરે. આ તો બધા પરાર્થી છે. પરાર્થી એટલે શું ? પારકા હારુ જીવે છે. અને ભેળું કરે, આમથી ભેળું કરે, આમથી ભેળું કરે ને પછી પાછો છેલ્લે સ્ટેશને ઉપડ્યો, હાર્ટ ફેઈલ થઈને ! અને ત્યાં આગળ લાકડામાં જાય. સ્વાર્થી, હું એકલો પહેલો સ્વાર્થી છું. મને લોક છેતરી જતા હતા, ત્યારે હું ખુશ થતો હતો કે આ જો ને, એનામાં જે કંઈ તપોબળ છે, તે મને આપે છે ને મને છેતરીને લઈ જાય છે, થોડો ઘણો. સો-બસો રૂપિયા લઈ જાય પણ ખરું નૂર તો મને આપે છે ને ? એનું રિટર્ન તો હોયને દરેકનું ? બાકી આ સ્વાર્થી ના કહેવાય, આ તો પરાર્થી છે.

શા હારુ જીવી રહ્યો...

આ લોકો તો શેમાં ચોક્કસ છે ? લક્ષ્મી અને વિષયોમાં ચોક્કસ છે. બીજા બધામાં આમને ચોકસાઈ નથી, ધર્મમાંય નહીં ને ! વોટ આપવામાંય ચોકસાઈ નથી. કોને વોટ આપવાનો, એવું બીજાને પૂછશે. અલ્યા, તમારે ત્યાં ઊભા છે, તોય એને જાણો નહીં ? કશું વિચારો કરો નહીં ? ત્યારે કહે, 'એવું આપણે ક્યાં ધ્યાન રાખીએ, આપણને શી જરૂર ?' એટલે લોકોના અભિપ્રાયને જોઈને વોટ આપે. બહુ જુજ માણસો એવા હોય છે કે જે બેમાંથી કોણ હિતકારી છે, એવું જાણતા હોય અને એને વોટ આપે. હવે આપણા લોકો કંઈ બુધ્ધિ વગરના નથી. પણ બુધ્ધિ બધી શેમાં ઘાલી છે ? સ્વાર્થમાં. બધી બુધ્ધિ સ્વાર્થમાં ઘાલી છે ! મેરા ભલા હો, એમાં જ બધી બુધ્ધિ ઘાલી છે ! હવે એ જે કરી રહ્યો છે એને શાસ્ત્રકારોએ પરાર્થ કહ્યું છે, પરમાર્થ નહીં !

હવે આત્માર્થી એટલે સ્વ અર્થી. પછી બીજો નંબર આવે પરમાર્થી અને ત્રીજા નંબરે પરાર્થી એટલે બૈરા-છોકરાં જે પોતાની વસ્તુ થવાની નથી, થઈ નથી, તેને જ મારા માને ને તેમના હારુ જ જીવી રહ્યો છે. કસર કરે છે, ચોરીઓ કરે છે દગાફટકા, લુચ્ચાઈ કરે છે, અપમાન ખમી રહ્યો છે તેય પારકા હારુ. ભાન નહીં હોવાથી આવું બધું કરી રહ્યો છે. વાત તો છેવટે સમજવી પડશે ને ? સત્ય તો છેવટે જાણવું પડશે ને ?

સ્વાર્થ નહીં, એ તો બધો પરાર્થ !

જે તમે સ્વાર્થ માનો છો ને, એ ખરેખર સ્વાર્થ નથી. જગત આખું જે સ્વાર્થ માને છે તે બધું પરાર્થ છે પણ એ ભ્રાંતિથી એને સ્વાર્થી માને છે. સ્વાર્થી તો હું એકલો જ આ દુનિયામાં હતો. મારો સ્વાર્થ મેં કરી લીધો અને હવે લોકોને કહું છું, તમે સ્વાર્થી થાવ. ત્યારે કહે, અમે તો સ્વાર્થી પહેલેથી જ છીએ.' ત્યારે મેં કહ્યું કે, 'ના બા, એવા નથી. એ પરાર્થી હતા.' એ એમ જાણતો હતો કે આ બધું કમાઉં છું, ને આ બધું મારા પોતાના છોકરાં ખાશે ને ! અલ્યા નહીં, છોકરાં તારા હોય નહીં. આ દેહ જ તારો થાય નહીં. પછી છોકરાને ને તારે શું લેવાદેવા ? એટલે આ પરાર્થ છે ?

સ્વાર્થ એટલે સ્વ કોણ ? અને એને માટેનો પોતાનો અર્થ કરી લેવો એનું નામ સ્વાર્થ. એટલે અમે સાચા સ્વાર્થી છીએ અને તમને સાચા સ્વાર્થી થવાનું શીખવાડીએ છીએ. પેલું સ્વાર્થીપણું ખોટું છે. એ તો અનંત અવતાર કર્યું. તેમાંય એને વ્યવહારમાં સ્વાર્થી નથી ગણાતું. વ્યવહારમાં ઘરમાં બધાય સ્વાર્થી હોય સામસામી પણ એ ખરી રીતે સ્વાર્થી હોય નહીં, પરાર્થી જ હોય. અને આ સ્વાર્થી તો ભ્રાંતિના સ્વાર્થી છે. પરાર્થી છે ખરી રીતે તો. પારકા હારુ જીવે છે વગર કામના ને પારકા હારુ બધા ખોટા કર્મ બાંધે છે. કારણ કે પોતાના છોકરાં-બોકરાં કશું હોતું નથી. આ તો એક પોતાની રોંગ બિલીફો જ છે. કોઈ આત્મા પિતા-પુત્ર થઈ શકે જ નહીં. આ તો રોંગ બિલીફ છે. હવે આમાં છોકરા માટે બંગલા બાંધવાના ને આમ બધું ખોટું કરીને, બધા ઊંધું કરીને ફસાયા. કર્મનો ભારો પોતે લઈ જવાનો. પેલા છોકરાએ સાચો જવાબ આપ્યો ને કે તે જોડે નથી લઈ જવાતું તે સારું છે. નહીં તો બાપા ત્રણ લાખનું દેવું મૂકીને જોડે લઈ જાય તો તમે શું કરો ?

જૂઠો સ્વાર્થી કે સાચો સ્વાર્થી ?

પ્રશ્નકર્તા : શાંતિ પોતાને માટે શોધવી એને સ્વાર્થ ના ગણાય?

દાદાશ્રી : ના, કો'કની પાસેથી લે ત્યારે સ્વાર્થ કહેવાય. આ તો પોતે પોતાનું જ ગ્રહણ કરે એમાં સાચો સ્વાર્થ કહેવાય. જ્યારે કો'કનું ગ્રહણ કરે, જૂઠો સ્વાર્થ કહેવાય, ખોટો સ્વાર્થ કહેવાય. કોઈ સ્વાર્થી છે ક્યાંય ?

પ્રશ્નકર્તા : બધા જ છે.

દાદાશ્રી : મને ના દેખાયો. આ તો બિચારાં કંઈ સ્વાર્થી છે ? આ તો પરાર્થી છે બિચારાં ! પારકા હારુ ઊંધા-ચત્તાં કરી અને પારકાને હારુ મૂકીને જાય છે. પરાર્થી લોકો છે, એમાં સ્વાર્થી ક્યાં છે તે ? સ્વાર્થી તો પોતાનું જ કામ કરે, બીજા કોઈનું ના કરે. આ તો પરાર્થી ! લાખો રૂપિયા લોકોની પાસે ઊંધી-ચત્તી ખટપટ કરીને ભેગાં કરીને પછી આ છોકરાં-છૈયાને બધાને આપીને જતો રહે મૂઓ ! પોતે કશું લઈ જાય નહીં જોડે, એ પરાર્થી. પારકાં હારુ જીવવાનું ને ખટપટો કરીને મરી જવાનું, છોકરાં જીવતા'તા, ત્યાં સુધી ટૈડકાવતા'તા અને તેને જ પાછું આપવાનું. અને આપણે આપવાનું ના કહીએ ને, ત્યારે કહેશે, 'અમે દાવો કરીને લઈશું, અમારો હક્ક છે.'

કુંટુંબ સિવાય પરાર્થ, કંઈકેય સારો !

નહોય એ સ્વાર્થ. આ તો પરાર્થી છે. એ પરાર્થી આ લોકો, તે નાટકવાળાયે પસંદ ના કરે આ પરાર્થીનું. એક નાટકવાળો ગાતો'તો કે, 'જો મરણ આ જીંદગીની છે રે છેલ્લી દશા, તો પરાર્થે અર્પવામાં આ જીવનના મોહ શા ?' તે પરાર્થનો અર્થ લોકો એ શું કહેવા માંગે છે કે આ પારકા લોકોને આપવાનું, પણ એ તો પરમાર્થ થાય. આ તો છોકરાંને આપે છે એટલે એ પરાર્થ. પરાર્થમાં છોકરાં માટે તો લોકોનું હઉ ચોરી જાય ! પરાર્થે. જેને આપણે લેવાદેવા નથી તેમને માટે, તો આ જીવનના મોહ શા ? જો મરણ જ આવવાનું હોય તો અને ના આવવાનું હોય તો આપવાની જરૂર શું છે ? આપણને ના જોઈએ ? જોઈએ કે ના જોઈએ ?

પ્રશ્નકર્તા : પણ એ એક ચાવી નથી મળીને ! મરણ કયારે આવવાનુંુ છે, કેવી રીતે આવવાનું છે, કેવા સંજોગોમાં આવવાનું છે, એ ચાવી હજી નથી મળી.

દાદાશ્રી : ચાવી તો બધી મળી ગઈ છે, ધોળા આવી ગયા ત્યાંથી ના જાણે એ ? આ છે તે સિગ્નલ પડી ગયું છે એવું ના સમજે એ ? બધીય ખબર પડે છે પણ એને મનમાં એમ માને છે કે 'મને કશું થવાનંું નથી'. કહેશે 'બધાને થાય પણ મને કશું થવાનું નથી.' એમ કરતાં કરતાં કરતાં છેવટે લાકડા ભેગું થવું જ પડે.

જીવન જલાવો, મીણબત્તી જેમ !

પ્રશ્નકર્તા : સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થને જરા બરોબર સમજાવો.

દાદાશ્રી : એવું છે ને, કે અહીં આગળ તમારા ગામમાં કોઈ સ્વાર્થી માણસ છે ખરો ?

પ્રશ્નકર્તા : સાચા સ્વાર્થી નથી મળતા.

દાદાશ્રી : ના, એ પણ સાચા સ્વાર્થી નથી. જ્યાં સુધી 'હું ચંદુભાઈ છું', ચંદુભાઈ જ તમારું સ્વરૂપ છે, ત્યાં સુધી તમે સ્વાર્થી ગણાતા જ નથી અને તમે જે જે કરો છો એ બધું પરાર્થ જ છે.

આ સ્વાર્થ તો ખોટો સ્વાર્થ છે, પણ પરમાર્થમાં હજીયે કોઈકના લાભ માટે આપણું જીવન જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છેને ? સામાના ફાયદા માટે કરે છેને ? તેવી રીતે સામાના ફાયદા માટે જીવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમેય મરવાનું તો છે જ, એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ત્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર. તો શું કરવું જોઈએ ?

પ્રશ્નકર્તા : પરોપકાર અર્થે જ જીવવું જોઈએ.

દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલાં રીએક્શનો તો આવે, એટલે પાછા તમે કંટાળી જાવ કે આ તો મારે હજુ સહન કરવું પડે છે, પણ થોડા વખત સહન કરવું પડશે. ત્યાર પછી તમને કોઈ દુઃખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલાં રીએક્શન તો આવવાનાં જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેનાં ફળ તો આવે જ ને !

પરાર્થ એટલે શું ? પારકા માટે, છોકરાં માટે જીવવાનું ત્યારે તેમાં તારું શું વળ્યું ? અહીં કરોડ રૂપિયા ભેગા કરે, અણહક્કનું લે, અણહકનું બધું ભોગવી લે ને પછી છોકરાં હારુ બધું મૂકીને ચાલ્યો જાય, એવું છે આ જગત !

એબવ નોર્મલ ત્યાં વિકૃતિ !

પ્રશ્નકર્તા : દાદા, વિભાવ થયા પછીનું જે સ્વરૂપ છે એ વિકૃત કહેવાય ?

દાદાશ્રી : એ તો પેલી દ્ષ્ટિએ વિકૃત, નહીં તો સંસારમાં તો વિકાર છે નહીં એને, નોર્મલ હોય. દરેક નોર્મલ સ્વાર્થી હોય ને એને સ્વાર્થી ના કહેવાય. ઘરમાં જે વધારે પડતો સ્વાર્થી હોય ને તેને બધા કહે કે આ તો મૂઓ સ્વાર્થી છે. નોર્મલ તો જે મનુષ્ય માત્રને, બૈરી, ભાયડો, છોકરો બધે સ્વાર્થથી જ ભેગું થયેલું છે આ. ગુરુ-શિષ્ય બધા જ સ્વાર્થથી ભેગા થયેલા. આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ દા'ડો ભેગું થાય નહીં. પાછું એ સ્વાર્થ હદથી બહાર હોયને ત્યારે એને સ્વાર્થી કહે લોકો આપણા, ત્યારે એ વિકૃત કહેવાય, સંસારી વિકૃત કહેવાય. કારણ કે બધાય એક જ જાતનાં, બધાય છે તે કેદી હોય, તે પોતાની જ્ઞાતિ જ થઈ ગઈ. તેમાં અવળવાણીનો હોય ત્યારે એની ભૂલ કાઢે. બીજા સરખા બધાની ભૂલ ના કાઢે. એટલે અહીં સંસારમાં બધા સરખા થઈ પડ્યા પછી, પણ એમાં વધારે પડતો સ્વાર્થ કરતો હોય તેને પકડે, આ સ્વાર્થી છે. તમારો સ્વાર્થ વધારે છે કે મોટાભાઈનો ?

પ્રશ્નકર્તા : ના, સ્વાર્થ નથી કંઈ.

દાદાશ્રી : વહેંચણી કરતી વખતે ખબર પડી હશે ને ? વહેંચ્યું હશે ત્યારે ખબર પડી હશે ને ?

પ્રશ્નકર્તા : ના, એમ સમભાગે વહેંચ્યું છે.

દાદાશ્રી : એમ કે ? સમભાગે વહેંચ્યુ'તું ? એ તો 'હા' કહે છે ને જુઓ. સાચી વાતમાં તો 'હા' કહે જ ને ?

ખરી રીતે તો સ્વાર્થી કોઈ હોતો જ નથી. સ્વનો અર્થ કરે એ સ્વાર્થી, પોતે આત્મા અને આત્મા પોતે સ્વ સ્વભાવમાં રહે એ સ્વાર્થી. સ્વભાવમાં એટલે આત્મભાવમાં રહે એ સ્વનો અર્થ, સ્વાર્થી કહેવાય.

સ્વાર્થ ન સધાય ત્યારે...

પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિ, સામી વ્યક્તિ જ્યારે નિઃસ્વાર્થપણે બધું કરતી હોય ત્યાં પછી મતભેદને અવકાશ ક્યાં ? મારે માટે કંઈક ચાલીને કે પોતાને માટે ચાલીને કે એવું કંઈક કોઈના સ્વાર્થ ખાતર કર્યું હોય તો બીજાને મતભેદનો અવકાશ રહે ?

દાદાશ્રી : હા, બરોબર છે. પણ નિઃસ્વાર્થ હોય નહીંને કોઈ ?

પ્રશ્નકર્તા : હું મારા પોતાના પત્નીની વાત કરું છું.

દાદાશ્રી : હા, પણ નિઃસ્વાર્થ કોઈ હોય નહીંને ! વાઈફેય નિઃસ્વાર્થ હોય નહીંને ! સ્વાર્થથી તો વાઈફ થઈ છે. બાપેય સ્વાર્થમાં ને ! સ્વાર્થી કહેવાતું કેમ નથી ? ત્યારે કહે છે કે નોર્માલીટીમાં છે ત્યાં સુધી બરોબર છે અને એબોવ નોર્મલ એને સ્વાર્થી કહીએ છીએ. બાકી આમ સ્વાર્થ જ છે બધો. આપણા તરફનો સ્વાર્થ ના સચવાય તો જોઈ લોને પછી દશા ! આપણા તરફનો સ્વાર્થ એમને સાધવાનો મળે નહીં એટલે પછી દશા જોઈ લો કે સ્વાર્થી છે કે નિઃસ્વાર્થી છે ? હું કહું છું એ સમજાય છે તમને ?

પ્રશ્નકર્તા : હા, આપણા તરફ નોર્માલીટી દેખાતી હોય એટલે સ્વાર્થ નથી, એમ ગણાય.

દાદાશ્રી : પણ નોર્માલિટી હોય ત્યાં સુધી એમ ના કહે કે 'આ ભઈ સ્વાર્થી છે.' પણ એક જરા એબવ નોર્મલ હોયને, તો એને કહે કે, 'તું જરા સ્વાર્થી છું.' એબવ નોર્મલ છે માટે, નહીં તો વ્યવહારમાં સ્વાર્થી નથી ગણાતું. પણ પેલું એબવ નોર્મલ હોય. ભઈબંધ જોડે એબવ નોર્મલથી કરતો હોય તો કહે, આ સ્વાર્થી છે. પણ એ સાચો સ્વાર્થ નથી, એ બધી ભ્રાંતિ છે.

અજ્ઞાનતામાં સ્વાર્થી જ !

પ્રશ્નકર્તા : મારા માનવા પ્રમાણે દરેક મનુષ્ય લગ્ન કરીને સંસારમાં પડીને થોડે ઘણે અંશે સ્વાર્થી બને છે, તો આવી સલાહ આપો છો કે, જો શક્ય હોય તો લગ્ન ના જ કરવા જોઈએ ?

દાદાશ્રી : નહીં તો સ્વાર્થી નથી હોતા ?

પ્રશ્નકર્તા : પછી તો સ્વાર્થી થવાની જરૂર ના પડે ને ?

દાદાશ્રી : નહીં તોય સ્વાર્થ જ કરે ને ? ખાવું-પીવું જોઈએ કે સ્વાર્થી. ગાડીમાં ક્યાં આગળ જગ્યા છે તે વહેલો ચડવા માટે પ્રયત્ન, ઉતરવા માટે વહેલો પ્રયત્ન, આ બધું જ્યાં જાવ ત્યાં સ્વાર્થ. એકલો હોય, તોય મૂઓ સ્વાર્થ જ બળ્યું. એ તો એને હોય જ સ્વાર્થ, મમતા છે ત્યાં સુધી સ્વાર્થ, એટલે મમતા કાઢી નાખવી.

પ્રશ્નકર્તા : આ સંસારની મમતા થાય, એ જ પ્રોબ્લેમ છે ને ?

દાદાશ્રી : એ જ પ્રોબ્લેમ છે. મમતા રહિત થઈ જાય તો ભગવાન છે. આય વિધાઉટ માય ઈઝ ગોડ. અને તમે 'માય' છોડી દીધી નથી પણ 'માય'ને તમે મને સોંપી દીધી એટલે તમે ભગવાન જેવા થયા. એટલે 'માય' તો તમારી પાસે જ છે. તમે પણ મારાપણું છોડી દીધું, તો ભગવાન જેવા થઈ જાવ. એટલે આ સ્વાર્થી જ છે. પહેલેથી જ (સંસારી) સ્વાર્થી જ છે, (સંસારમાં) નવરો હતો ત્યારથી જ.

જગતની ભાષામાં સ્વાર્થી !

સ્વાર્થવાળા સ્વાર્થી, કપડામાં સ્વાર્થી, સંડાસ જવામાંય એ સ્વાર્થી હોય. એ જાણે કે આ બધા ઊઠશે, તે મોડું થઈ જશે, તે વહેલો ઊઠે, બહુ સ્વાર્થી. ત્યાં સુધીના સ્વાર્થી હોય તે બધા કંટાળી જાય ને કે મૂઓ, સ્વાર્થી જ છે આ માણસ.

જગતની ભાષામાં જે સ્વાર્થ કહેવામાં આવે છે એ સ્વાર્થ નથી પણ પરાર્થ છે. એ સમજાય એવી વાત છે કોઈને ?

પ્રશ્નકર્તા : એનો દાખલો આપોને પરાર્થનો.

દાદાશ્રી : આ બાપો ખરાં-ખોટાં કરીને ભેગું કરે સ્વાર્થ કરીને, ભઈઓને દગા કરે, બધાને દગા કરીને ભેગું કરે. અને પછી એ પોતાને વાપરવા પોતે રહેતો નથી, પાછો ચાલ્યો જાય છે અહીંથી. ત્યારે કહે, કોને માટે આ કર્યું ? તો કહે, પરાર્થ, આ છોકરાં-બોકરાં પારકાં, એ લેવાય નહીં ને દેવાય નહીં, તેનાં હારુ પરાર્થ અને આ તો બધા છોકરા હારુ કરે છે ને ? એ તો પરાર્થી કહેવાય. પારકા હારુ જીવે છે અને મૂઓ પાપ બાંધીને ગયો હશે. છોકરા કંઈ પોતાના હોતા નથી, આ તો ઋણાનુબંધ છે. એ પરાર્થી કહેવાય. તેને આપણા લોક કહે કે સ્વાર્થ, એ તો મૂઆ ન્હોય સ્વાર્થ, આ તો ભ્રાંતિ છે. પરાર્થી છે આ લોકો. જ્યાં સ્વાર્થ નથી, છે પરાર્થ અને માને સ્વાર્થ છે. પારકા સારુ આ ખરા-ખોટા, ડખોડખલ બધું કર્યું, પાર વગરના દુઃખ (સહન કરવાં) એ પરાર્થ કહેવાય. એને સ્વાર્થ માને. એને પાછા કહેશે, આ ભાઈ બહુ સ્વાર્થી છે. અલ્યા મૂઆ, સ્વાર્થી હોતા હશે ? આ તો પરાર્થી હોય. પરાર્થ કોનું નામ કહેવાય ? પોતાનો સ્વાર્થ બગાડે, એનું નામ પરાર્થ કહેવાય. અને જગતના લોકો કહેશે, બહુ સ્વાર્થી છે.

એક્સેસ થયો તો ગણાય સ્વાર્થી !

આપણા લોકો જેને સ્વાર્થી કહે છે, એને વીતરાગો પરાર્થી કહે છે. પરાર્થી એટલે પારકા હારુ જ આ લોચા કર કર કરે છે અને ભયંકર કર્મો બાંધે છે. કાં તો પરમાર્થી સારો ને કાં તો સ્વાર્થી સારો. સાચો સ્વાર્થ સારો. આ સ્વાર્થ તો પરાર્થ છે. બૈરી-છોકરાં માટે ઊંધા-સવળા લોચા વાળે, પછી કર્મો બાંધીને પોતે જાય ને ખાશે-પીશે બધું એના છોકરાંઓ અને પોતે બિચારો પાપો બાંધીને જશે. માટે એની પર તો કરુણા રાખવા જેવું છે.

પ્રશ્નકર્તા : સ્વાર્થ અને નિઃસ્વાર્થ, આ બેમાં કઈ રીતે ફરક પાડવો ?

દાદાશ્રી : કોઈ સ્વાર્થી માણસ તમે જોયો છે ?

પ્રશ્નકર્તા : બધાને સ્વાર્થ તો પોતાનો હોય જ ને !

દાદાશ્રી : ના, એ સ્વાર્થ નહોય, આ તો પરાર્થ છે. પરાર્થને જ લોકો સ્વાર્થ કહે છે. સ્વાર્થી તો મારા જેવો કોઈક જ હોય, જે પોતાનો સ્વાર્થ કરીને ચાલ્યો જાય. આ તો પરાર્થ, પારકા હારુ જીવે, મહેનત પણ પારકાં હારુ કરવાની. આ જે સ્વાર્થ કહેવાય છે, તે ભ્રાંતિની ભાષામાં કહેવાય છે. આ તો સમજણ જ નહીં, તેથી ફોરેન ડીપાર્ટમેન્ટને જ હોમ કહે છે. ફોરેનને હોમ કહીએ તો ફાયદો થાય ખરો ? આપણને ભ્રાંતિથી દેખાય છે કે આ વાઇફ મારી છે, આ છોકરાં મારાં છે અને આ બધું જે દેખાય છે એ ભ્રાંતિથી પોતાનું લાગે છે, એ ખરેખર પોતાનાં નથી. અને એ પોતાનું નથી જ એવુંય નથી. એ પોતાનું છે, પણ એ ડ્રામેટિક હોવું જોઈએ. એ ડ્રામેટિક તમે રાખતા નથી ને ?

પ્રશ્નકર્તા : આમ તો દુનિયાના મંચ ઉપર બધા એક્ટર જ છે ને ?

દાદાશ્રી : એક્ટર ખરા, પણ બધા ગૂંચાયેલા જ છે ને ! આ ગૂંચવાડો તો એનો જ છે ને ! સ્વાર્થ જેને માને છે એ સ્વાર્થ નથી. સ્વાર્થ તો 'સ્વ'નો અર્થ કરવો. હોમ ડીપાર્ટમેન્ટમાં રહી અને 'સ્વ'ને 'સ્વ' માને તો એ હોમ ડીપાર્ટમેન્ટનો લાભ ઊઠાવે. બાકી આ તો ફોરેનને હોમ માને છે તે સ્વાર્થ નહીં, પરાર્થ કહેવાય.

જગતના લોકો આગ્રહ, એ તો એક્સેસ પરિણામને આગ્રહ કહે છે, સંસારના જરૂરિયાત પરિણામને આગ્રહ નથી કહેતા. એવી જ રીતે જરૂરિયાત પરિણામને સ્વાર્થ નથી કહેતા. માને અને છોકરાંને સ્વાર્થ જ છે ને ? પણ જરૂરિયાત પરિણામને સ્વાર્થ નથી કહેતા, એક્સેસ હોય ત્યારે સ્વાર્થ છે. તેમ આગ્રહ એક્સેસ હોય ત્યારે એ આગ્રહ કહેવાય. જરૂરિયાત પરિણામનો તો કોઈ વાંધો જ ના ઉઠાવેને ! આ દાળમાં કશી વસ્તુ જરૂરિયાત પ્રમાણે નાખી હોય તો કોઈ વાંધો ઉઠાવે ?

આ જગતમાં બધા લોકોને સ્વાર્થી નથી કહેતા. ખરેખર તો આ જગત આખું સ્વાર્થી જ છે, પણ એ બિલીફમાં છે એટલે એને સ્વાર્થ કહેવાતો જ નથી, પણ એક્સેસ થયો કે એને સ્વાર્થ કહેવાય. અને ખરો સ્વાર્થ તો કયો ? કે પોતે પોતાનો સ્વાર્થ કરવો, સ્વયં શુધ્ધાત્માનો અને તે પણ 'હું શુધ્ધાત્મા છું' એવું ભાન થાય ત્યારે એ સાચો સ્વાર્થ થયો કહેવાય. આ તો બધું પરાર્થ કહેવાય. અહીં સ્વાર્થ કરી બધું ભેગું કરે, પછી નનામી કાઢે !

આઈ વિધાઉટ માય ઈઝ ગોડ. આઈ વીથ માય ઈઝ જીવાત્મા. આ 'માય'નું ભૂત બધું. એટલે સ્વાર્થ તો 'માય'નુંય 'માય' પાછું. 'માય' સુધી તમને છૂટ છે. 'માય' કહેવાની. લિમિટ છે એની. પણ સ્વાર્થી તો 'માય'નુંય 'માય', જે લોકોય વગોવે, કે મૂઓ સ્વાર્થી છે. જવા દોને એને ! સ્વાર્થ એટલે કેવું ? નોર્મલ હોવો જોઈએ, કે લોકોને દબાણ ના થાય. સામાને ચીડ ચઢે એવું ના હોવુંુ જોઈએ. પણ તે એ તમે જોયા હશે કે નહીં ? નહીં જોયેલા ? અને સ્વાર્થ તો કેટલે સુધી ? ગાડીમાં સારી બેઠક પર બેસવાનોય સ્વાર્થ પાછો ! આ પૈસા એકલામાં રાખતા હોય ઠીક, દરેક બાબતમાં સ્વાર્થ ! અને બધાય સ્વાર્થી હોય છે એવુંય નથી પાછું.

સ્વાર્થી થાય તો મોક્ષ માટે લાયક !

પ્રશ્નકર્તા : સ્વાર્થી એટલે કેવા હોય ?

દાદાશ્રી : સ્વાર્થી તો પોતાનું ઘર રાખે એવા હોય, પણ મોહ ના હોય.

પ્રશ્નકર્તા : એ સ્વાર્થી નથી એ મૂર્ખો છે ?

દાદાશ્રી : મૂર્ખો એટલે ફૂલીશ, એવું જ છે બધે અત્યારે તો. (આત્મિક) સ્વાર્થી હોત તો હુશિયાર હોય. સ્વાર્થી ક્યાંથી લાવે અત્યારે ? આ એકુય છોકરામાં સ્વાર્થ કોઈને આવડે છે ? સ્વાર્થી જુદા. સ્વાર્થ તો અક્કલનું કારખાનુંુ છે. તેથી મોક્ષને લાયક થયો ને ! અને સ્વાર્થ વગર મોક્ષને લાયક ના થાય. એય પાછી મુશ્કેલી, અનફિટ ફોર મોક્ષ. કમઅક્કલને હોય, ઓછામાં ઓછી અક્કલ હોય તેને સ્વાર્થ વધારે હોય.

પ્રશ્નકર્તા : પણ દાદા, સામાન્ય રીતે એ માણસ એમ સમજે છે કે પોતે કેટલો બધો સમજણવાળો છે. એ એમ સમજે કે મારી પાસે કેટલી સૂઝ છે !

દાદાશ્રી : એ તો એવું જ માને. એ તો ચોર લોકો એવું જ માને છે ને કે જો આ લોકો મહેનત કરી કરીને મરી જાય અને આપણે જુઓ થોડીકવારમાં લઈ આવ્યા ને નિરાંતે ! એ તો સહુસહુની મેળે ખુશ થઈ જાય છે.

અને (સાંસારિક) સ્વાર્થ એ ફુલીશની નિશાની છે. સહેજ વધુ પડતો સ્વાર્થ દેખાય, હું સમજી જઉં કે આ ફુલીશ માણસ છે. માટે એની જોડે એવી રીતે વર્તન કરું કે છેતરાઉં હું. એની જોડે છેતરાઈએને એટલે પેલાને સંતોષ થઈ જાય, બસ ! હવે ત્યાં વાંકું બોલો તો પેલાને વાંકું પડી જાય. કો'ક જ એવો હોય કે જેને સ્વાર્થ ઓછો હોય તેને નિઃસ્વાર્થી કહેવાય. ત્યારે એ સમજણ બહુ ગજબની ઊંચી સમજણ કહેવાય ત્યારે નિઃસ્વાર્થીપણું આવે.

સ્વાર્થ છૂટે ક્યારે ?

પ્રશ્નકર્તા : સ્વાર્થ ભાવ સાથે કંઈ પણ કરે તો કોઈ દિવસ ફળ મળે જ નહીં ?

દાદાશ્રી : માણસ સ્વાર્થ કેવી રીતે છોડી શકે ? જ્યાં સુધી તમે ચંદુભાઈ છો, ત્યાં સુધી સ્વાર્થ ક્યારેય પણ ન છૂટે. તમે આત્મા થઈ જાવ ત્યારે સ્વાર્થ છૂટે.

સ્વાર્થનું કારણ...

પ્રશ્નકર્તા : દાદા, માણસમાં સ્વાર્થ કેમ હોય છે ?

દાદાશ્રી : માણસનામાં ? આ ઇન્દ્રિય વિષયો છે ને આપણે ઘેર જલેબી આવી હોય એટલે ચાર ભઈઓ અને બે બહેનો વચ્ચે એટલે તે બધાને જલેબી પ્રમાણસર વહેંચે. તોય જે લોભિયો હોય ને, જેને બહુ ભાવતી હોય તે મનમાં ઇચ્છા રાખે, પેલો આડું જુએ તો આની એક લઈ લઉં, એ જ સ્વાર્થ. એમાંથી જ સ્વાર્થ પછી ઊભો થાય દા'ડે દા'ડે. પોતાનું એ કરી લેવા માટેનું.

સ્વાર્થ, લિમિટની અંદર !

પ્રશ્નકર્તા : પોતાના લાભ માટે સામાને દુઃખ થાય એ પ્રમાણે સ્વાર્થ કરે છે. એવું જાણે છે તોય કેમ કરે છે ?

દાદાશ્રી : એટલે સ્વાર્થ કોને કહેવાય છે કે આખું જગત જ સ્વાર્થ જ કરી રહ્યું છે આ છોકરાં, બૈરી બધાં સ્વાર્થ જ કરી રહ્યા છે. પણ એની લિમીટ સુધી કરે. લિમીટ સુધી સ્વાર્થ ગણાતો નથી. લિમીટ ઓળંગે ત્યારે પછી સ્વાર્થ કહેવાય છે. એટલે લિમીટ ઓળંગેને તે સ્વાર્થી હોય. તેનાથી જરા છેટા રહેવું આપણે. લિમીટ ઓળંગીને સ્વાર્થી હોય તો જરા છેટા રહેવું. કારણ કે સ્વાર્થી જોડે આપણને શી રીતે પોષાય તે ? નહીં તો આપણા સ્વભાવને બગાડે. આપણને સ્વાર્થી બનાવે.

પ્રશ્નકર્તા : મને એમ થાય છે કે માણસ એવો સ્વાર્થી કેમ હોય છે ?

દાદાશ્રી : આ સ્વાર્થ ના હોય, બેન આ ખરી રીતે તો આ પરાર્થી છે. આ સ્વાર્થી તો હું એકલો કે જે એ ટેન્શન રહિત થઈને બેઠો છું. 'સ્વનો અર્થ' આત્માનો અર્થ કરે એ જ સ્વાર્થી કહેવાય ખરો. તે આત્માનો અર્થ હું કરીને બેઠો છું એથી સ્વાર્થી અને આ તો એ અહીં સ્વાર્થ કરી ખેતરાં વધારે, ઘરાં વધ્યાં, આમ-તેમ કરી, તે ભઈઓને દગા દીધા અને સ્વાર્થ કરી અને ચાલ્યા સૂતા સૂતા ત્યાં ઠાઠડીમાં પાછા. એને સ્વાર્થ કેમ કહેવાય ? એને પરાર્થ કહેવાય, પરમાર્થેય ના કહેવાય. પરમાર્થ હોય તો આત્માનું કલ્યાણ થાય. આ સ્વાર્થ આત્માનો થયો હોય તો કામનું. આ તો દેહનો સ્વાર્થ તે લોકોને જોઈને કહેશે કે હુંય આમ કરું.

'કામ લાગશે' આશામાં...

બાપ હોય તે શું કહે, 'છોકરો કામમાં લાગશે ને, બહુ સારો છે. 'જમાઈ છે તે કામના છે, કોઈ દહાડો, હં.' સસરો શું કહે, 'જમાઈ ઈન્કમટેક્ષમાં છે ને, તે કોઈ ફેરો ઈન્કમટેક્ષમાં આપણને કામ લાગશે.'

હું એક ફેરો બેઠો હતો, સીટીંગ રૂમમાં બાંકડા ઉપર, તે મારી જોડે બેઠેલા તેમાંનો એક જણ એનો સાળો આવ્યો તે 'આવો' એવું બોલ્યો નહીં. પછી એક ડૉક્ટર આવ્યો, તે ઊભો થઈને બે-ત્રણ વખત 'ડૉક્ટર પધારો, ડૉક્ટર પધારો, ડૉક્ટર પધારો.' એટલે આ બધું થઈ ગયા પછી મેં એમને પૂછયું, મેં કહ્યું, 'હવે શાંતિથી વાતો કરો જરા.' ત્યારે કહે, 'શાંત જ છે, મારે વાંધો નહીં. શાંત કરવાનું નથી.' મેં કહ્યું, 'આ બે ફેર હતો, કેમ આવું, તે આમાં ને એમાં ફેર કેમ ?' ત્યારે કહે, 'સાળો આપણો જ છે ને અને આ ડૉક્ટર કોઈ દહાડો કામના.' મેં કહ્યું, 'આ મરી જવાના થાય ત્યારે કામના ને ? આપણે મરી જતા હોઈએ, ત્યારે તો સાળો ઊભો હોય છે બિચારો, અને આ તો મરી જાવ ત્યાર પછી કામના. એવી ઇચ્છા કરી ડૉક્ટરની, ત્યારે ભેગો થયો. એ ઇચ્છા ના કરત તો શું થાત ? ખોટી આશા રાખીને બેસી રહીએ !

એક બેન અમારા ભાભી થતા હતા, એમનો એકનો એક દીકરો, તે આફ્રિકા ગયો હતો. એમના કાકા સસરા એમને લઈ ગયેલા. એ તો પછી ત્યાં આગળ નિરાંતે રહેવા માંડ્યો. એની માએ પૈસા માંગ્યા. માને પૈસા જોઈએે એટલા મોકલે. પણ માંદા પડ્યા એટલે માએ કાગળ લખ્યો, કે મારી તબિયત સારી નથી, માટે તું આય હવે. હવે નાનપણમાં બધી આશા રાખેલી. એકનો એક મારો બાબો છે ને, મારી સદ્ગતિ કરાવશે. મરતી વખતે મારે કામ લાગશે, મારી સેવા કરશે. તે મરવાને તૈયાર થયા ને ત્યાં સુધી, 'ભઈ આવ્યો', પૂછ પૂછ કરે. એટલે મને અંદરખાને હસવું આવ્યું કે બળ્યું, આ તમારો છોકરો આવે નહીં... આશામાં ને આશામાં દહાડા કાઢવાના. જે બનવાનું છે એને આગળથી બાંધકામ કરવાની શી જરૂર ? એનું 'પ્લાનીંગ' (યોજના) કરવાની જરૂર શું છે ? આજનું જરૂરિયાત એટલું જ પ્લાનીંગ કરવું આગળનું, અગર તો છ મહિના સુધીનું સાધારણ.

વ્યવહાર બધો પ્રારબ્ધાધીન !

પ્રશ્નકર્તા : દાદા, વિશ્વાસ રહે નહીં એવું બધું થઈ ગયું છે. મહાત્માઓની વાત નથી પણ બીજા જે બધા લોકો હિન્દુસ્તાનથી અહીંયાં (ફોરેનમાં) આવીને રહ્યા હોય, એમની વાત છે.

દાદાશ્રી : ના, પણ એ તો હવે વિશ્વાસ શી રીતે ? અત્યારે તો આ કળિયુગમાં બૈરી પાછળેય વિશ્વાસ રખાય એવું નહીં ને !

પ્રશ્નકર્તા : પણ અત્યારે તો કોઈને કહીએ કે 'આ એક આટલું કામ છે, જરા આ કરી નાખજો ને ભઈ ? તો એ વ્યક્તિ કહે, 'હા, થઈ જશે', પણ કશું જ ના થયું હોય. એવું અનેક વાર બને છે.

દાદાશ્રી : અહીં (ફોરેન)વાળા તો કંઈકેય કરે પણ ત્યાં (ઈન્ડિયામાં) અત્યારે એટલું બધું બગડી ગયું છે કે ત્યાં હવે તો બિલકુલ કરતા જ નથી.

પ્રશ્નકર્તા : અમે તો સત્યુગ જોઈને અહીંયાં આવ્યા'તા એ સમયે.

દાદાશ્રી : અહીંવાળા તો કંઈકેય કરે છે, હજુ કંઈ કોરા છે, ત્યાં તો સાવ ખલાસ થઈ ગયું છે. કશું કામ જ નહીં કરતા. કારણ કે બધાનાં મન બગડી ગયાં છે. સ્વાર્થી મન થઈ ગયાં. એને 'સ્વાર્થ' ખરો કહેવાતો નથી. 'સ્વાર્થી' મન તો કોનું નામ કહેવાય કે બધાની જોડે એકતા રાખે એનું નામ સ્વાર્થ કહેવાય.

પ્રશ્નકર્તા : સમજ નહીં પડી, દાદા.

દાદાશ્રી : આ 'સ્વાર્થ' એટલે શું, કે 'સ્વ'નો અર્થ, સ્વ એટલે આત્માનો અર્થ અને આ દેહના અર્થે સ્વાર્થ કહેવાય, એ તો જોખમ કહેવાય. એટલે હું એકલો જ ખરો સ્વાર્થી હતો, તેમાંથી બધાને સ્વાર્થી કર્યા, શીખવાડયું તમને. આત્માનો જ સ્વાર્થ કરવાનો છે, બીજો સ્વાર્થ શું કરવાનો ? બીજું તો અહીં ભટકવાનું સાધન છે, રખડી મરવાનું.

એટલે આત્માનો સ્વાર્થ કરવા જેવો છે, બેસ્ટ. બીજા બધા સ્વાર્થ શું કરવાના છે, પ્રારબ્ધાધીન છે બધું, સામો મદદ કરશે કે નહીં, એ એના હિસાબમાં હશે, આપણા હિસાબમાં હશે ત્યારે થઈ જશે. આપણે કહ્યું કે મારે નથી જોઈતું તોય પેલો કરવા આવશે ઘેર, સામેથી આવે.

વ્યવહારમાં રહેવું, ડ્રામેટિક !

વ્યવહાર એટલે શું ? બન્નેને સામસામે સંતોષ થવો જોઈએ. વ્યવહારથી તો રહેવું પડશે ને ? બહુ ઊંચી જાતનો સુંદર વ્યવહાર આવે ત્યારે 'શુધ્ધ ઉપયોગ' રહે.

પ્રશ્નકર્તા : વ્યવહાર ઊંચો રાખવો હોય તો શું કરવું ?

દાદાશ્રી : ભાવના રાખવી. લોકોનો વ્યવહાર જોવો, અમારો વ્યવહાર જોવો. જોવાથી બધું આવડી જાય. વ્યવહાર એટલે સામાને સંતોષ આપવો તે. વ્યવહારને 'કટ ઓફ' ના કરાય. એ તો આપઘાત કર્યો કહેવાય. વ્યવહાર તો ધીમે ધીમે ખલાસ થવો જોઈએ. આ વિનાશી સત્ય છે એટલે છોડી દેવાનું નથી. આ તો બેઝિક એરેન્જમેન્ટ છે એક જાતની. એટલે પૈણવાનુંય ખરું, મારા વાઈફ છે એવું કહેવાનુંય ખરું. વાઈફને એમેય કહેવાનું કે 'તારા વગર ગમતું નથી.' એ તો કહેવું જ પડે. એવું ના કહીએ તો ગાડું શી રીતે ચાલે ? અમેય હજુ હીરાબાને એમ કહીએ છીએ કે 'તમે હો ત્યારે મઝા સારી આવે છે. અમારાથી રહેવાતું નથી ને હવે ?'

પ્રશ્નકર્તા : નિઃસ્વાર્થ કપટ !

દાદાશ્રી : હા, નિઃસ્વાર્થ કપટ ! એને ડ્રામા કહેવાય. ધીસ ઈઝ ડ્રામેટિક ! એટલે આ અમેય બધો અભિનય કરીએ છીએ તમારી જોડે. અમે જે દેખાઈએ છીએ ને, જે વાતો કરીએ છીએ, એ રૂપ અમે નથી. આ તો બધું તમારી જોડે અભિનય કરીએ છીએ, નાટક-ડ્રામા કરીએ છીએ.

એટલે વ્યવહાર સત્ય કોને કહેવાય, કે કોઈ જીવને નુકસાન ના થાય એવી રીતે વસ્તુ લે, વસ્તુ ગ્રહણ કરે, કોઈ જીવને દુઃખ ના થાય એવી વાણી બોલે. કોઈ જીવને દુઃખ ના થાય એવું વર્તન હોય. એ મૂળ સત્ય છે, વ્યવહારનું મૂળ સત્ય આ છે. એટલે કોઈને દુઃખ ના થાય એ મોટામાં મોટો સિધ્ધાંત. વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે, વ્યવહાર સત્ય છે, તેય પાછું ખરેખર 'રિયલ' સત્ય નહીં. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે.

પ્રશ્નકર્તા : તો પછી સત્યને પરમેશ્વર કહે છે એ શું છે ?

દાદાશ્રી : આ જગતમાં વ્યવહાર સત્યનો પરમેશ્વર કોણ ? ત્યારે કહે, જે મન-વચન-કાયાથી કોઈને દુઃખ નથી દેતો, કોઈને ત્રાસ નથી આપતો, તે વ્યવહાર સત્યનો ભગવાન અને કોમન સત્યને કાયદાના રૂપમાં લઈ ગયા. બાકી એય સત્ય નથી. આ બધું વ્યવહાર સત્ય છે.

ભૌતિક સ્વાર્થ, ત્યાં કકળાટ ટાળે !

મતભેદ શેને માટે પડે છે આ લોકોને ?

પ્રશ્નકર્તા : મતભેદ પડવાનું કારણ સ્વાર્થ છે ?

દાદાશ્રી : સ્વાર્થ તો એનું નામ કહેવાય કે ઝઘડો ન કરે. સ્વાર્થમાં હંમેશાં સુખ હોય.

પ્રશ્નકર્તા : પણ આધ્યાત્મિક સ્વાર્થ હોય તો એમાં સુખ હોય, ભૌતિક સ્વાર્થ હોય તો એમાં દુઃખ જ હોયને !

દાદાશ્રી : હા, પણ ભૌતિક સ્વાર્થેય ડાહ્યો હોય. પોતાનું સુખ જે છે તે જતું ના રહે, ઓછું ના થાય. વધે એવું રાખે. આ તો કકળાટ કરીને ભૌતિક સુખ જતું રહે છે. વાઈફના હાથમાંથી પ્યાલા પડી ગયા, એમાં વીસેક ડોલરનું નુકસાન થાય એવું થયું તો તરત જ એના મનમાં એમ અકળામણ થાય કે વીસ ડોલરનું નુકસાન કર્યું. અલ્યા મૂઆ, ન્હોય નુકસાન કર્યું, આ તો પડી ગયા એના હાથમાંથી, તારા હાથમાંથી પડી જાય તો શું ન્યાય કરું ? એવી રીતે ન્યાય આપણે કરવો જોઈએ.

પણ ત્યાં આપણે શું ન્યાય કરીએ, કે આણે નુકસાન કર્યું. પણ એ કંઈ બહારનું માણસ છે અને બહારનું હોય તોય પણ નોકર હોય તોય આવું ના કરાય. કારણ કે એ શા કાયદાથી પડી જાય છે ? એ પાડે છે કે પડી જાય છે, એનો વિચાર નહીં કરવો જોઈએ ? નોકર પાડે ખરો જાણીજોઈને ?

એટલે ધર્મ શું પાળવાનો છે ? કોઈ પણ નુકસાન કરે, કોઈ પણ આપણો વેરવી દેખાય તે ખરેખર વેરવી નથી, નુકસાન કોઈ કરી શકે એમ છે નહીં. માટે એના તરફ દ્વેષ નહીં રાખવાનો. હા, પછી આપણા ઘરના માણસ હોય, નોકરથી પ્યાલા પડી જાય, તો નોકર નથી પાડતો એ. એ પાડનાર બીજું છે. માટે નોકર તરફ બહુ ક્રોધ ના કરવો. ધીમે રહીને કહેવું કે ભઈ, ધીમે રહીને આસ્તે રહીને ચાલ. તારા પગે દઝાયો નથી એટલું પૂછવું. આ તો આપણા દસ-બાર પ્યાલા ફૂટી ગયા એટલે મહીં કઢાપો-અજંપો ચાલુ જ થઈ ગયો હોય. અને આ બધા બેઠા હોય ત્યાં સુધી તો કઢાપો ના કરે, મહીં અજંપો કર્યા કરે. બધા ગયા પછી પેલાને 'આપી' દે. આવું કરવાની જરૂર નથી. બહુ મોટામાં મોટો ગુનો આ છે. કોણ કરે છે એ જાણતો નથી. આંખે દેખાય છે, એ નિમિતને જ બચકાં ભરે છે જગત.

મેં આવડા નાના છોકરાને કહેલું કે જા, આ કપ બહાર નાખી આવ, તો આ ખભા ચઢાવે, ન્હોય નાખવાનું. કોઈ નુકસાન જ ન કરે. એક છોકરાને મેં કહ્યું, આ દાદાના બૂટ છે એ બહાર નાખી આવ, તો ખભા ચઢાવે. કહે છે, ના નખાય. સરસ સમજણ છે. એટલે એ તો કોઈ નાખે નહીં. નોકરેય તોડે નહીં. આ તો મૂર્ખ લોકો, નોકરોને હેરાન કરી નાખે છે. અલ્યા, તું નોકર થઈશને તો તને ખબર પડશે ત્યારે. એટલે આપણે એવું ન કરીએ તો આપણો કોઈ વખત નોકર થવાનો વખત આવે તો આપણને શેઠ સારો મળી આવે.

પોતાને બીજાની જગ્યાએ રાખવો, એનું નામ માનવધર્મ. બીજો ધર્મ તો વળી અધ્યાત્મ એ તો એથી આગળ રહ્યો. પણ આટલો માનવધર્મ આવડવો જોઈએ.

એવો સ્વાર્થ ત્યાં માનવતા નથી !

પછી કો'કના પંદર હજાર રૂપિયા, સો-સો રૂપિયાની નોટનાં બંડલ આપણને રસ્તામાંથી જડ્યાં તો આપણા મનમાં એમ થાય કે મારા આટલા રૂપિયા પડી જાય તો મને કેટલું દુઃખ થાય, તો આને કેટલું દુઃખ થતું હશે ? એટલે આપણે જઈને પેપરમાં જાહેરખબર આપવી જોઈએ કે, 'ભાઈ, જાહેરખબરના પૈસા આપી, માલસામાનનો પુરાવો આપીને તમારી વસ્તુ લઈ જાવ.' બસ, આટલી જ રીતે માનવતા સમજવાની છે. કારણ કે જેવું આપણને દુઃખ થાય એવું સામાને દુઃખ થતું હશે, એવું આપણે સમજી શકીએને ! આવી રીતે તમને હરેક બાબતમાં આવા વિચાર આવવા જોઈએ. પણ અત્યારે આ માનવતા તો વિસારે પડી ગઈ છે ને ઊડી ગઈ છે ! તેના દુઃખ છેને આ બધા ! લોક તો એકલા પોતાના સ્વાર્થમાં જ પડ્યા છે. એ માનવતા ન કહેવાય.

તે અત્યારે તો લોક કહે છે કે જે મળ્યું એ તો મફતનું જ છેને ! ત્યારે ભઈ, તારું ખોવાયું તેય પેલાને મફતનું જ છે ને !

પ્રશ્નકર્તા : પણ મને આ પૈસા મળ્યા તો હવે બીજું કંઈ નહીં, મારી પાસે નથી રાખવા પણ ગરીબમાં હું વહેંચી દઈશ તો ?

દાદાશ્રી : ના, ગરીબને નહીં, એ માણસને કેમ પહોંચે એવું એ તપાસ-બપાસ કરી અને એને ખબર આપીને તે પહોંચાડી દે, એમ છતાંય જો એ માણસનું ઠેકાણું ન પડે, પરદેશી હોય, તો પછી આપણે એ પૈસાનો ગમે તે સારો ઉપયોગ કરવો પણ આપણી પાસે ન રાખવા.

અને તમે પાછું આપ્યું હશે તો તમારું પાછું આપનારા મળી આવશે. તમે જ પાછું ન આપો તો તમારું શી રીતે પાછું આવશે ? એટલે ડેવલપમેન્ટ આપણું ફેરવવું જોઈએ. આવું ના ચાલે, આ માર્ગ જ ના કહેવાયને ! આટલા આટલા રૂપિયા અહીં કમાઓ છો તોય સુખી નહીં, એ કઈ જાતનું ?

અત્યારે તમે બે હજાર કો'કના લાવ્યા અને પછી આપવાની સગવડ નથી ને મનમાં ભાવ થયો, 'હવે આપણે ક્યાં આગળ એનું ખાતું પાડી આપીશું ? આપણે ના કહી દઈશું.' એ ભાવ થયો ત્યારથી જ મનમાં વિચાર આવે કે મારી પાસેથી લઈ ગયો હોય અને કો'ક આવો ભાવ કરે તો મારી શું દશા થાય ? એટલે આપણે ભાવ બગડે નહીં એવી રીતે રહેવું, એનું નામ માનવધર્મ.

કોઈને દુઃખ ના થાય એ મોટામાં મોટું જ્ઞાન. આટલું સાચવી લેજો. કંદમૂળ ના ખાતા હોય, પણ માનવતા ના સાચવતાં આવડે તો નકામું છે. એવા તો લોકોનું દબાવીને કેટલાય જાનવરમાં ગયા છે, હજી પાછા આવ્યા જ નથી. આ તો કાયદાનું રાજ છે, અહીં પોપાબાઈનું રાજ નથી. અહીં પોલ ચાલે નહીં, પોલમ્પોલ. પોપાબાઈનું રાજ હશે ? રાજમાં કાયદાનું રાજ કે પોપાબાઈનું રાજ ?

પ્રશ્નકર્તા : સ્વાભાવિક રાજ છે.

દાદાશ્રી : હા, સ્વાભાવિક રાજ છે. ના, ચાલે નહીં. મને જેટલું દુઃખ થતું હશે, એવું એને થતું હશે કે નહીં ? આવો વિચાર આવે એ બધો માનવધર્મ, નહીં તો માનવધર્મ જ કેમ કહેવાય ?

કીડીયે સ્વાર્થમાં ચોક્કસ !

આપવાનું શીખ્યો ત્યારથી સદ્બુધ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડોય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને ! તેમાં જાનવરમાં હતો તોય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં ! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષ ભણી વળે છે. કોઈને આપવાનું તને ગમે છે કશું ?

પ્રશ્નકર્તા : હું તો બહુ આપી દઉં.

દાદાશ્રી : ત્યારે સારું, બાકી અનાદિ અવતારથી ગ્રહણ કરવાનું શીખેલો, આ કીડીઓ હઉ બધી સ્વાર્થમાં ચોક્કસ, એમાં કશુંક મંકોડો લઈ જતો હોય ને, તો કીડીને ગમે નહીં, હા, એમની ક્વૉલિટીની બધી કીડીઓ હોય તો એ જાણે કે આપણા સ્ટોરમાં જ લઈ જાય છે એટલે એ વઢે નહીં, અને મંકોડા લઈ જાય ત્યાં લડવા જ માંડે !

સંસારી સ્વાર્થ....

ઇન્કમટેક્ષનો માણસ આવતો હોયને, એને દેખીએ તો મહીં આનંદ બહુ થાય ખરો ? રીફન્ડ હોય તો બહુ આનંદ થાયને ? અને દંડ હોય તો દંડમાં દુઃખ થાય. શાથી ? રીફન્ડમાં આનંદ થાય છે એટલે દંડમાં દુઃખ જ થાય, સ્વાભાવિક રીતે જ દુઃખ થાય. અરે ! ઇન્કમટેક્ષના પૈસા ભરવાના હોયને, તોયે ઉપાધિ લાગ્યા કરે અને એટલે સુધી કહેશે કે ઇન્કમટેક્ષવાળા ના હોય તો સારું. આનું નામ જ અજંપો ને ઉપાધિ ! અને આમાં પૈસા ભરવાના આવ્યા એ ફરજ બજાવવાની નહીં ? ફરજ બજાવવામાં તો આપણે ઇન્કમટેક્ષના કાયદા પ્રમાણે રહેવું જ પડેને ? આ તો ફરજ બજાવતા નથી એનું નામ સ્વાર્થ કહેવાય. આ સંસારી સ્વાર્થ કહેવાય.

પ્રશ્નકર્તા : સ્વાર્થ ને પરમાર્થ બે શબ્દો સાંભળ્યા હોય, પણ પરાર્થ એ દાદાનો શબ્દ, પહેલી વખત સાંભળ્યો !

દાદાશ્રી : ના, પણ પરાર્થ જાય છે આ બધું. પરમાર્થનો તો વાંધો નહીં. સામાન્યભાવે બધાને કહું તો પરમાર્થ એટલે જ્યાં સગાંવહાલાં એવું તેવું નહીં ને ત્યાં એમના હિતને કારણ છે, જ્યારે પોતાનો સ્વાર્થ તો પોતાના આત્માના જ હિતનું કારણ, અને આ પરાર્થ એ તો 'ગધેને ખાયા, નહીં ખેત કે નહીં ખુદ.' ગધેડાને જમાડીએ આટલું બધું લાડવા ને બાડવા, એના કરતાં કોઈ માણસને બિચારાને દુઃખી હોય એને લાડવા જમાડીએ તો કંઈક પુણ્ય થાય. અને ગધેડો ખાય, એને તો કાગળિયાથી ચાલે છે, એને લાડવાનું શું કામ છે ? અને ખવડાવવું હોય તો, એને જમાડવું હોય તો બહુ ત્યારે આ કુશી હોય તો એને જમણ જમ્યા જેવું, હવે આ તો એને લાડવાં આપે પાછાં એ પરાર્થ !

સ્વાર્થ સાધવા કરવો પરમાર્થ !

પ્રશ્નકર્તા : અત્યારે તો એક-એક માણસ આમ જોઈએ તો સ્વાર્થમાં રચ્યોપચ્યો છે અને અર્થપરાયણતામાં જ રચ્યોપચ્યો છે.

દાદાશ્રી : ના, સ્વાર્થ એને ના કહેવાય. સ્વાર્થ તો આવ્યા પછી તો થઈ ગયું, એ પરમાત્મા થાય. જે સ્વાર્થી હોય એ પરમાત્મા થાય. આ તો પરાર્થ છે બધું. પારકા હારુ ભેળું કરોને પછી અહીં નનામી કાઢે, ત્યારે જતું રહેવાનું બધું. આ સ્વાર્થ ના કહેવાય, પરાર્થ કહેવાય. સ્વાર્ર્થ તો સ્વનો અર્થ કરી લે. તમારા બધામાં સ્વાર્થી કોઈ હોય છે ? સ્વાર્થી હોય જ નહીં ને, પરાર્થી બધા. પારકા હારુ ભેળું કર્યું ને પછી મરી જવાનું. કશું લેવાય નહીં ને દેવાય નહીં.

સાચો સ્વાર્થ તો પોતાનો મોક્ષ અને પોતાનું સ્વરૂપ એ જ સાચો સ્વાર્થ. બીજું કશું સાચો સ્વાર્થ નહીં. એટલે લોકોને હું કહેતો'તો, હું એકલો જ સ્વાર્થી છું આ દુનિયામાં.

પ્રશ્નકર્તા : એટલે ભૌતિક સ્વાર્થ નહીં પણ આત્માનો સ્વાર્થને ?

દાદાશ્રી : ભૌતિક સ્વાર્થ નહીં, કશાયનો સ્વાર્થ નહીં. ભૌતિક નામેય નહીં પણ આત્માનો, તે પરમાર્ર્થે છે તે સ્વાર્થને માટે છે. હા, પરમ અર્થે, પારકાનું કલ્યાણ કરવાની જે ભાવના છે તેય પોતાના સ્વાર્થને માટે છે. કરવાનુંુ શું છેવટે ?

પ્રશ્નકર્તા : એ સ્વાર્થ છેક સુધી રહેવાનો ?

દાદાશ્રી : નહીં, અને સ્વાર્થ એ જ હિસાબ પોતાનો. પછી કશું કામ જ ના રહે. પરમાર્થ કરતાં કરતાં સ્વાર્થ પ્રાપ્ત થાય.

પ્રશ્નકર્તા : તો પરમાર્થમાં સ્વાર્થનું પણ કરતાં જવાનંું, એને જ વ્યવહાર નિકાલ કરતાં જવાનું...

દાદાશ્રી : ના, એની મેળે પરમાર્થ, એમાંથી જ સ્વાર્થ ઊભો થાય. સ્વાર્થનું કશું કરવાનું નહીં. કરવાનુંુય હોય ત્યારે તો કર્તાપદ થઈ જાય.

સ્વાર્થ માટે જ જ્ઞાન અપાયેલું છે. પેલો બધો ખોટો હતો, એ તો પરાર્થ હતો બધો. આપણે એ વિદ્યામાં પડેલા જ નહીં. આમાં શું શીખવાનું તે ? ફલાણાને આવડે, આમાં સ્વાર્થ, તેમાં સ્વાર્થ, જેમાં કોઈને ના આવડે એવો સ્વાર્થ ખોળી કાઢો એટલે પછી મેં ખોળી કાઢયું. મને હિસાબ બધો જડ્યા કરે એવો તેવો. તે આ સ્વાર્થ તો નાના છોકરાંનેય કરતા આવડે. તમારા કરતાં વધારે કરી આપે. જોયેલો કે નહીં ? એનાં કરતા પેલો સ્વાર્થ શું ખોટો આપણે ? આપણે કહીએ કે લ્યો ને કરો. એમ કરીને ચઢાવીએ તોય ના ચઢાય.

પ્રશ્નકર્તા : પરમાર્થ કરતાં કરતાં જો સ્વાર્થ ઉત્પન્ન થાય, તો પરમાર્થ કરતાં કરતાં એમાં શું આવે ? એમાં શું શું સમાય ?

દાદાશ્રી : સ્વાર્થને માટે જ પરમાર્થ કરવાનો છે. પોતાનો સ્વાર્થ સધાઈ ગયો એટલે પછી પરમાર્થ કરવાનો રહ્યો નહીં. ત્યાં સુધી કોઈને પરમાર્થ કર, કહે છે.

પ્રશ્નકર્તા : એ પરમાર્થ કેવી રીતનો ?

દાદાશ્રી : લોકોનું કલ્યાણ કરવું, આમ કરવું, તેમ કરવું એ બધી ભાવના જ કહેવાય ને ? લોકોને કેવી રીતે સુખી કરવા, લોકોને આમ શાંતિ થાય. એટલે એ આત્મા પ્રાપ્ત કરવાની નિશાની.

જ્યાં કંઈપણ (સાંસારિક) સ્વાર્થ ના હોય ત્યાં સત્સંગ થાય.

જ્ઞાની પાસે કામ કાઢી લો !

પણ આ જ્ઞાન જુદી જાતનું છે, એટલે બધું આપણું કામ નીકળી જાય એવું છે. એટલે આપણું કામ કાઢી લેવું.

પ્રશ્નકર્તા : કામ કાઢી લઈએ, એ તો સ્વાર્થ કહેવાય ને ?

દાદાશ્રી : ના, સ્વાર્થ શબ્દના બે અર્થ છે, એક રિલેટિવ સ્વાર્થ છે અને એક રિયલ સ્વાર્થ છે. રિયલ સ્વાર્થ એ સ્વનો અર્થ છે અને રિલેટિવ સ્વાર્થ એે સાંસારિક સ્વાર્થ કહેવાય, લુચ્ચાઈ કહેવાય, ખોટું કહેવાય છે એને.

પ્રશ્નકર્તા : દુનિયામાં એવો જ સ્વાર્થ છે.

દાદાશ્રી : એ ભ્રાંતિ છે ને ! ભ્રાંતિની ભાષા છે ! અને આ આપણી રિયલ ભાષા. એટલે વસ્તુ સ્થિતિ, વાત સમજી લેવાની જરૂર છે. માટે કામ કાઢી લેજો. આ બધા લોકોને શું કહું, કામ કાઢી લો. સ્વાર્થી થઈ જાવ. લોક કહે છે, દાદા, તમારી જોડે સ્વાર્થ રખાય ? મેં કહ્યું, સ્વાર્થ મારી જોડે જ રાખવો, બીજા કોઈની જોડે સ્વાર્થ રાખવા જેવો છે જ નહીં જગતમાં. સ્વાર્થ રાખવા જેવો જ મારી જોડે છે. બહાર તો તમારું કરેલું ને, તે બધું પરાર્થમાં જશે. તારા હાથમાં યે નહીં રહે. અને અહીં આ સ્વાર્થમાં સ્વનો અર્થ થશે. એ અહીં સચવાશે. પેલું પરાર્થમાં જશે. અને પક્કાઈને શું કરવાની ? આ જે સંસારમાં સ્વાર્થ ગણાય છે એ સ્વાર્થ તો આ સંસારના લોકો એને કહે છે. આમ વિચારશીલ માણસ એને પરાર્થ કહે છે, પારકા માટે. જે પોતાનું નહીં. બે કરે તો સારું, પરમાર્થ કરે તો સારું, કે સ્વાર્થ કરે તો સારું પણ આ તો પરાર્ર્થ કરે છે. પોતાનો આત્મા છે અને એના અર્થ માટે જીવન જીવે છે એ સાચા સ્વાર્થી.

'સ્વાર્થ' સધાયા પછી દેશના...

આ આત્મા પ્રાપ્ત કર્યો, તેય પણ પરમાર્થ કહેવાય. આત્મા પ્રાપ્ત કર્યો તે શું કર્યું છેે ? ત્યારે કહે, પરમ અર્થ થયો, પરમાર્થ થયો. આમાંય સ્વાર્થ છે નહીં. સ્વાર્થ તો મહાવીર ભગવાને આ બધું થઈ રહ્યું અને પછી દેશના આપી.

પ્રશ્નકર્તા : કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ?

દાદાશ્રી : કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી, ખરો સ્વાર્થ. જ્ઞાની પુરુષને તો હંમેશાં સ્વાર્થ, એક જ લક્ષ હોય એમનું.

પ્રશ્નકર્તા : પરમાર્થ કરતા હોવા છતાંય સ્વાર્થી ગણાયા ?

દાદાશ્રી : ના, લક્ષ એમનું સ્વાર્થમાં જ હોય. પરમાર્થમાં પરની ઇચ્છા કે એવું તેવું નહીં.

ભાવાર્થ ત્યાં મુમુક્ષુ, પરમાર્થ ત્યાં જ્ઞાની !

પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે અંતિમકાળે પાવાપુરીમાં એમની દેશના આપી. તે દેશના આપવા મહાવીર ભગવાન જાતે ચાલીને ગયેલા. તો એમણે બોલવાનું કર્મ અને ચાલવાનું કર્મ કર્યું. એનું ફળ તો એમને લાગે ને ?

દાદાશ્રી : મહાવીર ભગવાનને કોઈ કર્મ અડે નહીં.

પ્રશ્નકર્તા : એમણે કર્મ તો કર્યું, એમ આ લોકો કહે છે.

દાદાશ્રી : એ કર્મ તો લોકોને આંખે દેખાય છે, પણ આ ક્રમિકવાળા લોકોને ખબર નથી કે એમનું ડિસ્ચાર્જ કર્મ છે.

પ્રશ્નકર્તા : એ ડિસ્ચાર્જ કર્મ ગણવું ?

દાદાશ્રી : હા, ડિસ્ચાર્જ કર્મ છે એટલે એમને કર્મ બંધાય નહીં. એ કર્મ ખરે છે, નિર્જરા થાય છે.

પ્રશ્નકર્તા : પણ એ આ લોકો માનતા નથી.

દાદાશ્રી : એ માનવાના જ નથી.

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાન ચાલ્યા ને બોલ્યા, એ કર્મ કર્યું. માટે કર્મ લાગે. તો એ મોક્ષે કેવી રીતે જાય ?

દાદાશ્રી : પણ આ કર્મ જ ન હોય. એ સમજણ જ નથી ને ! તેથી તો આ મુશ્કેલી ઊભી થઈ છે. એવું છે ને, આ આશ્રવ ને નિર્જરા નહીં સમજાવાથી બધું રખડી મર્યું છે.

પ્રશ્નકર્તા : તો પછી ભગવાનનો મોક્ષ કેવી રીતે થયો, એવો લોકોને પ્રશ્ન થાય.

દાદાશ્રી : એ એને સમજણ જ ના પડે ને ! ભાન જ નથી. આ તો કહેશે, 'અમે નવ તત્ત્વ સમજીએ છીએ.' અને એ નવ તત્ત્વ શબ્દથી બોલતા આવડે છે પણ શબ્દનો ભાવાર્થ કોઈ સમજતા નથી. શબ્દનો ભાવાર્થ સમજે તો મુમુક્ષુ કહેવાય અને શબ્દનો પરમાર્થ સમજે તો જ્ઞાની કહેવાય.

અર્થ-ભાવાર્ર્થ સમજે કોણ ?

પ્રશ્નકર્તા : વાણી સંભળાય છે, તે સાંભળનાર કોણ ? શબ્દ કાને પડતાં તેના શબ્દાર્થથી માંડીને ભાવાર્થ કે પરમાર્થ સુધી તે જ ક્ષણે બધા ફોડ પડી જાય છે, તે કેવી રીતે ? ત્યારે મૂળ આત્મા તો પ્રકાશક રૂપે રહે છે, તો પછી વચ્ચે કયા મિકેનિઝમથી મહીં ફોડ પડે છે ?

દાદાશ્રી : વાણી સંભળાય છે, તે સાંભળનાર કોણ ? એ અહંકાર. સાંભળનાર કોણ, એટલું જ જાણવાની જરૂર. સાંભળનારો એ અહંકાર. બીજું બધું જેટલું પછી આગળ લંબાવો, એ બધું અહંકારને ત્યાં પહોંચે. એવું ના સમજાય ?

પ્રશ્નકર્તા : સમજાયું.

દાદાશ્રી : એ સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, સૂક્ષ્મતર હોય, સૂક્ષ્મતમ હોય. એટલે સંભળાય છે તે મશીનરી જુદી છે. વાણી બોલે છે તે ટેપરેકર્ડ જુદી છે. આ સંભળાવનારી મશીનરી છે. બધાનો માલિક એક અહંકાર છે, બસ !

પ્રશ્નકર્તા : પણ એ અહંકાર તો એમ અહંકાર જ કરે છે ને, કે મેં સાંભળ્યું, હું બોલ્યો ?

દાદાશ્રી : એ જ અહંકાર ને !

પ્રશ્નકર્તા : અને મહીં એના જે બધા ફોડ પડે છે એ ?

દાદાશ્રી : એ ફોડ કુદરતી રીતે જ પડે છે. એમાં આત્મા નથી, મિશ્રચેતન છે.

પ્રશ્નકર્તા : મિશ્રચેતન, એમાં કયો ભાગ ફોડ પાડી આપે ?

દાદાશ્રી : અહંકાર ને બુધ્ધિ, એ બે ભેગું જ છે, બસ. આ એવા તો એક મિનિટમાં કેટલાય ફોડ મહીં પડી જાય ! આ તો ફોડ જ ના કહેવાય. આ તો જાડી જાડી વાતો છે. પણ એક મિનિટ તો કેટલાય ફોડ પડે એટલી બધી અંદર શક્તિ ધરાવે છે !

પ્રશ્નકર્તા : હા, તો એ શક્તિ કોની ?

દાદાશ્રી : એ અહંકારની-બુધ્ધિની, બેની જ છે.

પ્રશ્નકર્તા : હજુ રહ્યું ને, કશું ?

દાદાશ્રી : ના, એકનું એક જ છે, બીજું કશું નહીં.

પ્રશ્નકર્તા : પણ રશિયન ભાષામાં નીકળેલી વાણી કંઈ જ ફોડ પાડતી નથી.

દાદાશ્રી : એ સમજણ ના પડે. અહંકાર જાણતો નથી ને ! અહંકાર જે ભાષા જાણે છે, એ ભાષામાં જ એને સમજણ પડે.

પ્રશ્નકર્તા : અને કેવળજ્ઞાનીને તો બધા જ ફોડ પડી જાય ?

દાદાશ્રી : ના. એમને તો આવું કશું હોય જ નહીં ને ! એમને તો બધું મૂળ સ્વરૂપે દેખાય. આવું તેવું કશું દેખાય નહીં ને !

પ્રશ્નકર્તા : મૂળસ્વરૂપે એટલે ?

દાદાશ્રી : તત્ત્વસ્વરૂપે, એનું નામ કેવળજ્ઞાન !

આરાધના, શબ્દોની કે ભગવાનની ?

પ્રશ્નકર્તા : મુંબઈની ભાષા પોલિશ્ડ અને તમારી દેશી સીધી ભાષા.

દાદાશ્રી : અમારી વાતો બધી ખુલ્લંખુલ્લી, સાદી ભાષામાં ! લોકોએ અર્થને સાચવ્યા, ભાષાને સાચવી, આત્માને સાચવ્યો નથી. લોકો પરમાર્થને જાણતા નથી ને અર્થને સાચવવા ગયા.

પેલી પોલિશ્ડ ભાષાને લીધે તો બહેનોને સમજણ ના પડે એટલે એમને ના ફાવે. ત્યાંથી પછી પાછાં આવતાં રહે. અને તમે તો ત્યાં જાવ. હવે તમે ત્યાં ભાષાની આરાધના કરો છો. ત્યારે બહેનો જાણે કે 'આ શું કામનું ?' એટલે આમાં એમને કંટાળો આવે. એટલે જ્યાં બહેનો પાછાં આવતાં રહે તો જાણવું કે ત્યાં કશું હતું નહીં. અને અહીં છે કશી ભાષા ? અહીં તો ભગવાનની આરાધના છે ને ! અને આ ભાષા એવી નીકળે ને તેથી આ વેદાંત અને જૈન ભેગા થાય છે, નહીં તો ભેગા ના થાય. પેલી ભાષા હોયને તો વેદાંતવાળા જતા રહે. પણ આ તો ભાષા જ નવી જાતની ઊભી થઈ એટલે બધા ભેગા થાય છે. એટલે બધાને ગમે છે ને ?

પ્રશ્નકર્તા : કોઈને ઊઠવાનું મન નથી થતું.

દાદાશ્રી : હા, આવડા નાના છોકરાનેય ગમે. આ નાના નાના આવડા આવડા છોકરાઓ અહીંથી ઊઠતા જ નથી ને ! આ લોકો તો કંઈ ભાષાની આરાધના, શબ્દોની આરાધના, મોટી મોટી હાઈ લેંગવેજની આરાધના, પારિભાષિક શબ્દોના અર્થ કરે, તેમાં કલાકોના કલાક કાઢે. પણ આરાધના કોની ? પારિભાષિક શબ્દોની ને ? એમાં ભગવાનને શું લેવાદેવા ? પછી કશું રહે નહીં એમની પાસે. આ બધી સિલક આપણે કો'કને કહીએ કે 'તમારી સિલકમાં આ છે.' તો એમની પાસે શું રહે ? ભગવાનને પહોંચે એવું છે કશું આમાંનું ? ના, કશુંય નહીં. પણ આ લોકો ક્યાં પડેલા છે ? હેય, મોટા પારિભાષિક શબ્દોના અર્થ કરે. તે લોક ખુશ થઈ જાય કે 'કહેવું પડે !' પણ એ ભજના કોની કરે છે ? આરાધના પારિભાષિક શબ્દોની કરે છે, તો ભગવાનને શું લેવાદેવા ? કારણ કે આ શાસ્ત્રોની આરાધના એ પારિભાષિક શબ્દોની આરાધના થઈ !

શબ્દનો અર્થ, ભાવાર્થ ને પરમાર્થ !

પ્રશ્નકર્તા : એ પરમાર્થ મને હજી નથી સમજાતો.

દાદાશ્રી : પરમાર્થ એટલે શું, કે આ જગતના બધા શબ્દોનો અર્થ અને તેનો પરમાર્થ શું ? ત્યારે કહે, આત્મા. એ બીજી જગ્યાએ પરમાર્થ વાપરવામાં આવે છે એ છે તે રેગ્યુલરીટી નથી. પરમાર્થ એ જ છે. આત્મા સિવાય પરમાર્થ વસ્તુ આ દુનિયામાં કોઈ નથી. પછી આ તો ધર્મનાં કારણોને પરમાર્થ કરે છે આ આમતેમ માનીને લોકોએ આગળ ચાલુ કર્યું.

પ્રશ્નકર્તા : પરમાર્થે પહોંચવું એનું નામ આત્માર્થ.

દાદાશ્રી : સમજમાં પૂરું આવી જાય એ પરમાર્થ. એનો અર્થ પરમાર્થ થાય છે. એટલે આ બધું બોલ બોલ કરવાનું આ ફરી ફરી બોલ બોલ કરવાનું. અર્થમાંથી પડ પર પડ કાઢીએ તોય અર્થનો અર્થ. છેલ્લું પડ નીકળે ત્યારે પરમાર્થ થાય.

શબ્દોનો પરમાર્થ...

શબ્દનો પરમ અર્થ એટલે મોક્ષ. વસ્તુનો છેલ્લામાં છેલ્લો અર્થ તે મોક્ષ.

પ્રશ્નકર્તા : એટલે આત્માની શ્રધ્ધા થાય, આત્મા પ્રાપ્ત થાય ત્યારે ?

દાદાશ્રી : તો પછી નિકાલ, ત્યાં સુધી નિકાલ ના થાય. કારણ કે જગતે એકેય શબ્દનો પરમાર્થ નથી કાઢ્યો, એનો અર્થ એટલે સુધી જ પહોંચ્યા છે. એક શબ્દનો અર્થ, જો પરમાર્થ કાઢેને, તો ફરી એ શબ્દ સમજી જ જાય. અર્થ સુધી પહોંચેલા. ક્યાં સુધી પહોંચેલા ? આનો શો અર્થ, કહેશે. અલ્યા મેલને છાલ, અર્થ તો બહુ દહાડા જાણ્યો, પરમાર્થ જાણ, પરમ અર્થ જાણ ! પણ અર્થમાં છે જગત. હા, લાડવાનો પરમાર્ર્થ જાણી જાય, લાડવા બહુ સરસ હતા એવુંુ કહે.

ભગવાને શું કહ્યું ? 'આ જ્ઞાન મૂક્યું છે એનો અર્થ તું સમજીશ નહીં, તો પરમાર્થ ક્યારે સમજીશ ?' આત્મા તો પરમાર્થ સ્વરૂપ છે. અર્થનો અર્થ, એનો અર્થ, એ જ તારણ છેલ્લે કાઢે ત્યારે પરમાર્થ જડે, એ આત્મા.

શબ્દાર્થ ન પમાડે પરમાર્થ !

પ્રશ્નકર્તા : જેમ જેમ માણસની સાધના ઊંચી થતી જાય, તેમ તેમ એનું એ જ શાસ્ત્ર વિશિષ્ટ દ્ષ્ટિ આપતું જાય ?

દાદાશ્રી : હા, જરૂર ! પણ આ શાસ્ત્ર તો શું છે ? શબ્દરૂપ છે. એ શબ્દ છે, એના અર્થ ખૂલતા ખૂલતા એનો અર્થ થાય છે, શબ્દનો અર્થ એટલે શબ્દાર્થ થાય છે. પછી એ અર્થ આગળ વધે છે ત્યારે એ અર્થ ખૂલતા ખૂલતા પરમાર્થને પહોંચે છે. ત્યાં સુધી દ્ષ્ટિ પહોંચી જાય છે. પણ શાસ્ત્રથી દ્ષ્ટિ બદલાશે નહીં. દ્ષ્ટિ બદલવા માટે જ્ઞાની પુરુષ જોઈશે. આમની (વ્યવહાર) દ્ષ્ટિને લઈને જ તો આ બધો સંસાર ઊભો થઈ ગયો છે. અને આમ (આત્મા ભણી) જુએ તો મોક્ષ જ છે. એટલે ખાલી દ્ષ્ટિનો જ ફેર છે. તે જ્ઞાની પુરુષ દ્ષ્ટિ ભેદ કરી આપે.

અર્થમાં નહીં, પરમાર્થમાં વર્તે જ્ઞાની !

પ્રશ્નકર્તા : એ હિતકારી વચનોનું અર્થઘટન કરીને બહાર પાડો ને !

દાદાશ્રી : પૂછે તેના જવાબ અપાય, પૂછયા વગર કેમ જવાબ અપાય ?

પ્રશ્નકર્તા : જ્ઞાનીને શું કામ મોકલે છે ? જ્ઞાની પાછા આવે છે ને અર્થ કરે છે ? એ આખી વ્યવસ્થા એવી જાતની છે ને ?

દાદાશ્રી : હા. જ્ઞાની સૉલ્યુશન આપે. આ તો લોકોને અર્થ સમજાય નહીં તો પરમાર્થ તો ક્યારે સમજાય ! અર્થનો અર્થ, તેનો અર્થ, તેનો અર્થ એમ છેલ્લામાં છેલ્લો અર્થ એ પરમાર્થ.

પ્રશ્નકર્તા : હવે તમારો અર્થ કહો.

દાદાશ્રી : મારો કોઈ બીજો અર્થ હોતો જ નથી, હું તો આ અર્થમાં પડ્યો જ નથી. હું તો જ્ઞાનમાં જ પડ્યો હતો. પંડિતાઈના અર્થમાં તો એક આ આમ કહે, પેલો આમ કહે, બીજો આમ કહે ને બધાની વાત મને સાચી લાગે અને એ બધાને સામાસામી વાત જૂઠી લાગે.

આ તો મૂળ શું હતું અને રહ્યું શું અત્યારે ? જૂની વાતો બધી જૂની થઈ ગઈ છે. અત્યારે એમાં મેળ પડતો નથી. જૂની વાતમાં ને અત્યારમાં મેળ પડતો નથી. કારણ કે શબ્દાર્થ ફરી જાય, બીજું બધું ફરી જાય ને !

એનો એ જ શબ્દ પરમાર્થ છે, જે શબ્દ છે તે પરમાર્થ સ્વરૂપ છે. પણ લોકો તો તેના અર્થને સમજે. પરમાર્થને સમજે નહીં ને ! લોક ક્યાં સુધી પહોંચે બહુ ત્યારે ? એના અર્થને. પણ પરમાર્થને પહોંચવું એ બહુ મોટી વાત છે. એના એ શબ્દમાં જ પરમાર્થ છે. એનો જે છેલ્લામાં છેલ્લો અર્થ, એની આગળ બીજો અર્થ ન થાય એવો પરમાર્થ.

આગળ કોઈ અર્થ જ નથી. અને આ જગત અર્થનો અર્થ, અર્થનો અર્થ, અર્થનો અર્થ કર્યા કરે. પરમાર્થની વાતો હોતી નથી. પરમાર્થ એટલે છેલ્લી વાત. પરમ અર્થ, અર્થનોય પરમ અર્થ એ પરમાર્ર્થ.

પરમાર્થ ત્યાં નિર્વિકલ્પ !

પોતે જાતે પરમાર્થને પામે નહીં. કારણ કે પોતે પોતાની જાતે પરમાર્થને પામી શકે તો તો કોઈની જરૂર જ ના રહી ને ! એ અર્થનો જે પરમાર્થ છે, પરમ અર્થ, તે એક શબ્દ હોય ને, એના લાખો અર્થ હોય. સહુ સહુની ડિગ્રીએ, સહુ સહુની દ્ષ્ટિએ એનો અર્થ થાય. પછી શબ્દોનો પરમાર્થ એ આત્મા. જ્યાં સુધી પરમાર્થ નથી પહોંચ્યો ત્યાં સુધી વિકલ્પો. પરમાર્થ પહોંચ્યો એટલે નિર્ર્વિકલ્પ.

પરમાર્થ એ શબ્દનો અર્થ જ છે, ખાલી. પરમાર્થ બીજું કશું છે નહીં. શબ્દનો છેલ્લામાં છેલ્લા પ્રકારનો અર્થ જે થાય તે પરમ અર્થ !

શબ્દાર્થ, લક્ષાર્થ, ગૂઢાર્થ !

પ્રશ્નકર્તા : એટલા માટે જે ત્રણ વસ્તુ મૂકીને, શબ્દાર્થ, લક્ષાર્થ અને ગૂઢાર્થ. શબ્દાર્થ આવડે અમને, પણ લક્ષાર્થમાં કે ગૂઢાર્થમાં ચાંચ ન બૂડે. એટલા માટે તમારી પાસે આવવાનું.

દાદાશ્રી : શબ્દાર્થ દેખીતી વસ્તુ છે અને એય મહીં પાછું થોડું ગુહ્ય છે. અહીં મળી આવે કો'ક. તે એને શબ્દાર્થ સમજાવે. પણ ગૂઢાર્થ શી રીતે સમજણ પડે ? તેથી તો કૃષ્ણ ભગવાને કહ્યું, કે હું તનેે આ ગુહ્ય જ્ઞાન આપું છું. ગુહ્ય જ્ઞાન એટલે ગૂઢાર્થ. ગૂઢાર્થ તો જે જોઈને બોલતો હોય તેની પાસે હોય. જોઈને બોલતા હોયને તે કહે કે, 'હું તો આ ડુંગર ઉપર રહીને બોલું છું'. તો એ કહીએ કે, 'તો બધો ગૂઢાર્થ કહી દોને, ગુહ્ય શું હકીકત છે ?' ત્યારે કહે, 'અહીં રહી આવજો. આમ પેણે ભોંયરાં છે, આનું આમ છે.' એ બધું ગુહ્ય બતાડી દે.

શાસ્ત્રો વાંચવા સામે ચેતવણી !

પુસ્તક વાંચવાનું કહ્યુંુ છે. પુસ્તક વાંચવું હોય તો આ જે જ્ઞાનીઓ થઈ ગયાં તેમના પુસ્તકો વાંચવા. પણ એના અર્થ ના કરવા. આ કોઈથીય અર્થ ના થાય. અર્થ કરે તેના તો દંડ ભોગવવા પડશે.

પ્રશ્નકર્તા : અર્થ સમજણ ના પાડે તો લોકોને ફાયદો શું થાય ?

દાદાશ્રી : લોકોને શું ફાયદો જોઈએ ? એમ ને એમ, એનું એ જ વિચાર વિચાર કરે તો કંઈક એની મહીંથી શક્તિ ઉત્પન્ન થાય. અર્થ સમજણ પાડવાથી બુધ્ધિ વધે ને બુધ્ધિ વધે એટલે બુધ્ધુ થતો જાય. ક્યાં મોક્ષ કહ્યો ને ક્યાં આગળ અહીં આવીને ઊભા રહ્યા, કયે કિનારે આવીને !

પંડિતાઈ એ શબ્દના અર્થની જંજાળ છે. એક જંજાળમાં ફસાયેલા છે એ લોકો. પણ જેને પંડિતાઈની જરૂર હોય એને હેલ્પીંગ છે પણ એમાં આપણું કંઈ કલ્યાણ થાય નહીં. આત્યંતિક કલ્યાણ ના થાય.

તીર્થંકરની દ્ષ્ટિએ ક્યાંથી સમજાય ?

બાકી આ જે શબ્દો તો બધા કહીએ ને, તે એક-એક શબ્દ આપણે કાલે પેપરમાં આપીએ કે આ આરંભ પરિગ્રહ છે તે તીર્થંકરની ભાષામાં શું હોવો જોઈએ ? તે જે લખી લાવે તો ઈનામ ! એક માણસ નહીં મળે. આ તીર્થંકરની ભાષાનો એક અક્ષરેય સમજાય એવો નથી અને આ ગીતાનો એક અક્ષરેય સમજાય એવો નથી. વૈષ્ણવોને ગીતા ના સમજાય ને આ જૈનોને આ અનુયોગો ના સમજાય. સમજ્યા વગરનું શું ગા ગા કરે ?

શાસ્ત્રોના અર્થ ક્યાં સુધી કરે ? એની મતિ પહોંચે ત્યાં સુધી. એ ક્યાં સુધી ? તે કેવળજ્ઞાન સુધીના નહીં. એ અર્થ જ્યારે પરમાર્થ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય. જેના પછી અર્થ રહ્યો જ નહીં, એનું નામ પરમાર્ર્થ.

ક્યાં પંડિતાઈનો અર્થ, ક્યાં જ્ઞાનીની દ્ષ્ટિ !

આ બધી શાસ્ત્રોની વાતો લોકો શું સમજશે ? એ જ્ઞાની પુરુષ એકલા જ સમજે. આ બધી તીર્થંકરોની ભાષાની વાતો તો જ્ઞાની પુરુષ જ સમજે, બીજા કોઈનું કામ નહીં. આ બધી વાતો કરે તે બધાં ચૂંથણાં. ચૂંથણાં પંડિતાઈ ભાષાનાં. પંડિતાઈ ભાષામાં પરમાર્થ પામે નહીં. પરમાર્થ તો જ્ઞાની પુરુષ અર્થના ઉપરના પડ ઉખાડતા ઉખાડતા જ્યારે અર્થનો પરમાર્થ થાય ત્યારે સાચી વાત છે. અર્થનો જ પરમાર્થ થાયને પણ તે અર્થ લોકો સમજતા સમજતા, પડ ઉખાડતા ઉખાડતા છેવટે પરમાર્થ થઈને ઊભું રહે. અને જ્ઞાની પુરુષની વાણી પરમાર્થની હોય બધી. અને હું તો જોઈને બોલુંુ છું. જેટલું ભગવાન મહાવીર જોઈને બોલ્યા છે એટલું જ, ચાર જ ડિગ્રી ઓછી છે ફક્ત. બધું જોઈને જ બોલું છું હું. હું કંઈ પુસ્તકનો એક અક્ષરેય બોલતો નથી. એક અક્ષરેય પુસ્તકનો હોય તો આ બધા વૈષ્ણવોને શી રીતે ફાવે ? તમને લાગ્યું કોઈ દહાડો જૈનનું ? મારી વાણી તો બધા ધર્મોવાળાને માફક આવે. એવું નિષ્પક્ષપાતી હોવું જોઈએ. અને વીતરાગોય નિષ્પક્ષપાતી હતા.

એટલે આ આરંભપરિગ્રહ એટલા માટે વંચાવ્યું. આ બિચારા ક્યારે સમજે આરંભપરિગ્રહ ? આ કૃપાળુદેવની વ્યાખ્યા શી રીતે સમજે ? અને જે સમજે તે પંડિતાઈ સમજે છે.

આરાધન, શાસ્ત્રોનું કે આત્માનું ?

વળી ભગવાન મહાવીરનો એક અક્ષર સમજવાવાળો એકુય અત્યારે હશે ? એક અક્ષરેય ના સમજે. અક્ષર સમજ્યો ક્યારે કહેવાય ? એના અર્થમાંથી પરમાર્થમાં પહોંચે ત્યારે. એ અર્થ ઉપરથી આવરણ ખસતાં ખસતાં ખસતાં પરમાર્થને પહોંચે ત્યારે એ અર્થ ભગવાનનો સમજ્યો કહેવાય. એવું સમજ્યા વગર ચોપડવાની (દવા) પી ગયા ! અને તે સમકિત તો ના થયું, પણ ઊલટું મિથ્યાત્વ ગાઢ થયુંુ છે. તે કેટલાય અવતાર સુધી ફરી એ સાચું મિથ્યાત્વ ના થાય. કંઈક તો સમજવું પડે ને ? ભગવાનની ઉપરેય કંઈક લાગણી રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ ? પછી બહુ શાસ્ત્રોનું આરાધન કરીએ ને, તો તે શાસ્ત્રમાંથી પાછી જડબુધ્ધિ થઈ જાય. શાસ્ત્રમાં શબ્દ હોય, એમાં રહસ્યાર્થ ના હોય. રહસ્યાર્થ જ્ઞાનીની પાસે છે.

પરમાર્થનો અર્થ શું ?

પ્રશ્નકર્તા : એટલે શબ્દો જેટલા દેખાય છે એટલા સાદા નથી હોતા, અંદર બહુ રહસ્ય હોય છે.

દાદાશ્રી : હા, નર્યા અર્થના જ ભરેલા છે આ શબ્દો બધા. એ ઉપરનો અર્થ કરવાનો નહીં. એનો પરમાર્થ મહીં રહ્યો છે અંદર. પણ તે કેટલાય પડ જાય ત્યારે પરમાર્થ પ્રાપ્ત થાય.

પ્રશ્નકર્તા : પરમાર્થ શબ્દનો શો અર્થ ?

દાદાશ્રી : પરમાર્થ એટલે જેની આગળ કંઇ જાણવાનું ના રહ્યું, અર્થનો પરમ અર્થ. આ બધા અર્થ છે ને, તેનો પરમ અર્થ જ્યારે પામે ત્યારે છેલ્લું આવી ગયું, ફુલ સ્ટોપ. આત્માને પરમાર્થ કહેવાય. તેથી કૃપાળુદેવે પરમાર્થ સમકિત કહ્યું ને !

મૂળ તત્ત્વ તમે જાણ્યું તે, 'હું શુધ્ધાત્મા છું' એ તત્ત્વ. એ ચિન્હ્યો એટલે જાણ્યો નહીં, ત્યાં સુધી સાધના બધી જૂઠી.

પદો છે ગાવા માટે, અર્થ જરૂર નહીં !

એટલે અહીં ગાતા હોય તે ઘડીએ ગાવું. અમેય એવી રીતે રહીએ છીએ ને ! ઘડી પછી શું કરવાનું એવું કશું ના હોય, કે આનો શો અર્થ થાય છે. એના અર્થને મેલો ને ! અર્થનો પરમાર્થ સમજ્યા એટલે પછી અર્થની જરૂર નહીં. અર્થનો પરમાર્થ સમજ્યા. પરમાર્થ ફક્ત આત્મા છે. જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય એવો આત્મા છે. કેવો છે ? યત્નેય ના હોય ને પ્રયત્ને ના હોય.

'આત્મા' શબ્દ બોલ્યા, હું મન-વચન-કાયાથી તદ્દન જુદો છું એ અર્થ અને તે અનુભવાય એ પરમાર્થ. સ્વરૂપનો જ અનુભવ થવો તે પરમાર્ર્થ.

એટલે મૂળ અર્થ એને શાસ્ત્રકારોએ પરમાર્થ સ્વરૂપ કહ્યું. પરમાર્થ ક્યારે થાય ? નિર્ગ્રંથ હોય ત્યારે. નિર્ગ્રંથ ક્યારે થાય ? મનની ગ્રંથિઓ ના હોય ત્યારે.

પ્રશ્નકર્તા : એ ગ્રંથિઓ કઈ રીતે તૂટે ?

દાદાશ્રી : જેની એ ગ્રંથિઓ તૂટી ગઈ હોય ત્યાં આગળ બેસી રહીએ એટલે તૂટી જાય, ખાલી બેસી રહેવાથી જ. નહીં તો ગ્રંથિઓ વધ્યા કરે.

પ્રશ્નકર્તા : નિર્ગ્રંથ અને નિર્વિકલ્પ એ બન્ને એક જ ગણાય ?

દાદાશ્રી : એક જ. ગ્રંથિ વિકલ્પ કરાવે છે.

આત્મા શું હશે ? શબ્દબ્રહ્મથી તો બધાય જાણે છે કે અનંત ગુણવાળો છે. યથાર્થ આત્મજ્ઞાન તો ક્યારે કહેવાય ? જ્યારે તે ગુણો પરિણામ પામે ત્યારે. બાકી 'હું હીરો છું' બોલ્યે કંઇ હીરો ના પમાય. આત્મજ્ઞાન થવા આત્મા ગુણધર્મસહિત જાણે અને તે પરિણામ પામે તો આત્મજ્ઞાન થાય.

આત્માના મુખ્ય બે ગુણ છે : જ્ઞાન અને દર્શન. બીજા તો પાર વગરના ગુણો છે, 'અનંત જ્ઞાન - અનંત દર્શન - અનંત શક્તિ - અનંત સુખ' !

ક્ષણે ક્ષણે જાગૃત રાખે આ વિજ્ઞાન !

અમે જ્ઞાન આપીએ છીએ તે સીધી જ અનુભૂતિ થાય છે, એને પરમાર્થ સમકિત કહે છે. તેથી પ્રજ્ઞા ઉત્પન્ન થાય એટલે સીડી કે પગથિયાં ચઢવાં ના પડે પણ સીધા જ ઉપર પહોંચી જવાય.

અમે 'સ્વરૂપ જ્ઞાન' આપીએ એટલે પ્રજ્ઞાને બેસાડી દઈએ. પછી એ પ્રજ્ઞા તમને ક્ષણે ક્ષણે ચેતવે. ભરત રાજાને તો ચોવીસેય કલાક ચેતવવા નોકરો રાખવા પડતા હતા ! ગમે તેવા વિકટ સંયોગો આવે ત્યારે અમારું જ્ઞાન હાજર થઈ જાય, અમારી વાણી હાજર થઈ જાય, અમે હાજર થઈ જઈએ અને તમે જાગૃતિમાં આવી જાવ ! ક્ષણે ક્ષણે જાગૃત રાખે તેવું અમારું આ 'અક્રમ જ્ઞાન' છે. આ કામ કાઢી લેવા જેવું છે. સાંધો જો એક ફેર મેળવી લીધો હોય તો કાયમી ઉકેલ આવી જાય !

અક્રમ માર્ગે પ્રાપ્ત પરમાર્થ સમકિત !

પ્રશ્નકર્તા : દાદા, તો પછી આ લોકોને કઈ શ્રેણીમાં ગણવા ? અનુભવ, લક્ષ અને પ્રતીતિ એ ત્રણેયમાં ગણવા કે ?

દાદાશ્રી : આ ત્રણથી નીચે ઊતરે નહીં, એ આપણું અક્રમ વિજ્ઞાન. અને શ્રીમદ્ રાજચંદ્રે આને શું કહ્યું ? પરમાર્થ સમકિત કહ્યું. એટલે ક્ષાયક સમકિત કહ્યું.

કૃપાળુદેવ આત્મસિધ્ધિમાં બોલ્યા કે, 'વર્તે નિજ સ્વભાવનું, અનુભવ, લક્ષ અને પ્રતીત'. તે તમને પોતાના આત્મસ્વભાવની પ્રતીતિ રહે છે અને લક્ષમાં 'હું શુધ્ધાત્મા છું' તેય રહે છે અને અનુભવ ચેતવે છે તેય રહે છે. આ ત્રણેય શબ્દનું વર્તે છે. 'વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.' વૃત્તિ પહેલાં જે બહાર રખડવા માગતી હતી બધી, જે અનાદિકાળથી વૃત્તિઓ બહાર વહેતી'તી, આમ કરું કે તેમ કરું. તમારી ઉંમરનાં થયેલાં હોય ને, તેની વૃત્તિઓ ક્યાં જાય ? ઠેઠ ફોર્ટમાં જઈને આ કરીએ કે તે કરીએ, કંઈ રૂપિયા હાથમાં આવ્યા છે, તે કશુંક કરીએ, ફલાણો ધંધો કરું, ફલાણું કરું, એ બધું બંધ થઈને પોતાના સ્વભાવમાં પાછી ફરવા માંડી વૃત્તિઓ. તે હવે વૃત્તિઓ બહાર ના જાય. પાછી વળે બધી. ઊલટી જે બહાર ગયેલી હોયને, તે પાછી વળે. તમારે પાછી વળે છે કે નથી વળતી ? પાછી ના વળે તો તમને કૈડ ઊભી થઈ જાય. અને ચિંતા ઊભી થઈ તો જાણવું કે પાછી નથી વળતી.

આ તો ચિત્તવૃત્તિઓ પાછી ફરે. ભટકવા બહાર જતી હતી, એ હવે ભટકવાની નહીં. એ ચિત્તવૃત્તિઓ બધી પાછી ફરવા માંડી. જેમ સાંજ પડે ને ગાયો-ભેંસો બધી પાછી આવે એવી રીતે આ પાછી આવવા માંડી. પેલું સવારમાં જાય અને સાંજે પાછી આવે એવી રીતે અજ્ઞાનતાથી ચિત્તવૃત્તિ ભટકે અને જ્ઞાનથી પછી ભટકતી બંધ થઈ જાય. સંસારની વિસ્મૃતિ એના જેવો કોઈ મોક્ષ નથી. નવરી પડી કે વૃત્તિઓ બહાર જાય ફરવા. બેનને ત્યાં જાય, ભાઈને ત્યાં જાય, આમ જાય, તેમ જાય, ચૂંથારા જ કર્યા કરે. અને હવે નવરી પડે તો ના જાય અને ગઈ હોય તો પાછી આવતી રહે.

પ્રશ્નકર્તા : એટલે પછી વૃત્તિ જે આત્મામાં હોય એ બહાર નીકળે જ નહીં ?

દાદાશ્રી : ના. બહાર નીકળે ને અંદર હોય, બહાર નીકળે ને અંદર હોય, એવું થયા કરે.

પ્રશ્નકર્તા : પણ અંદર વહી જાય પાછી.

દાદાશ્રી : બહાર નીકળે નહીં એ તીર્થંકરને. પણ આપણે ત્યાં સુધી જઈ શકીએ કે જ્યાં અંદર-બહાર બન્ને જ રહે.

પ્રશ્નકર્તા : આ દાદાનું જ્ઞાન આપેલું છે, એને આધારે છે તો વૃત્તિઓ બહાર ગમે એટલી જાય તો પાછી ખેંચાઈ આવે છેને ?

દાદાશ્રી : એ તો આવે ને પાછું બહાર જાય, તે પાછી આવી જાય પણ આ અહીંનું અહીં આટલામાં રહે, આ આપણી બાઉન્ડ્રીમાં ને બાઉન્ડ્રીમાં જ રહે. બહાર વેપારમાં જો ગયેલી હોય તો પાછી આવતી રહે.

આ જાગૃતિ રહે ને બીજું કશું નહીં. જાગૃતિ ને આ આટલું દાદાનું મોઢું યાદ આવે, તે ઘડીએ પાછા આત્મામાં પેસી ગયા કહેવાય. યાદ આવ્યું કે મહીં પેઠું પાછું એના ઘરમાં !

એ વૃત્તિઓ બહાર શું કરવા જાય છે ? તે બહાર ભટકતી હતી, તે સુખના હારુ ભટકતી હતી. તે જ્યાં ત્યાં ભટક ભટક કરી સુખ ખોળે છે. વૃત્તિઓ બધી સુખને ખોળ્યા કરે. તે ક્યાંય કંઈ સુખ મળ્યું નહીં પણ અહીં તો ચોખ્ખું-રોકડું મળે છે, પછી શા હારુ બહાર ભટકે ?

દરેક વસ્તુનો નિયમ એવો કે પહેલું આપણને પ્રતીતિ બેસી જાય કે આ કરેક્ટ છે. વર્તનમાં ના હોય. પ્રતીતિ બેઠાં પછી ઘણે કાળે વર્તનમાં આવે. આ ભણે છે, તે ભણવામાંય આપણને પહેલી પ્રતીતિ બેસે પછી ધીમે ધીમે અનુભવ થતા જાય અને પછી વર્તનમાં આવતું જાય. મોક્ષ એટલે સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર. સંસાર આખો મિથ્યા જ્ઞાન-દર્શન-ચારિત્ર.

ખસ્યે ચારિત્ર મોહનીય, પ્રગટે પૂર્ણત્વ !

પ્રશ્નકર્તા : પરમાર્ર્થ સમકિત એટલે શું ?

દાદાશ્રી : તમને 'હું શુધ્ધાત્મા છું' એ નિરંતર લક્ષમાં રહે છેને, એ પરમાર્થ સમકિત.

પ્રશ્નકર્તા : તો એ ચારિત્રની ભૂમિકામાં આવે ?

દાદાશ્રી : હા, એ ચારિત્રની ભૂમિકામાં આવ્યું. પણ તે પૂર્ણ ચારિત્ર નહીં. જ્યાં સુધી ચારિત્રમોહનીય જાય નહીં ત્યાં સુધી પૂર્ણ ચારિત્ર ના કહેવાય.

પ્રશ્નકર્તા : મોહનીય સાથે પણ ચારિત્રની ભૂમિકા તો ખરીને ? લક્ષ તેનું તે તરફ તો ખરું ને ?

દાદાશ્રી : હા, લક્ષ આવે ને એ ચારિત્રની ભૂમિકા કહેવાય અને આ છે તે પ્રતીતિની ભૂમિકા કહેવાય. પણ આ થયુંુ હોય ને તોય ઘણું કહેવાય.

કૃપાળુદેવે કહ્યું છે કે 'જેમ આવી પ્રતીતિ જીવની રે' પછી જેમ 'હું શુધ્ધાત્મા છું' એ શબ્દથી એને સમજાય અને આ બધું 'ન્હોય હું' તેમ પછી શું થાય ? 'જાણે સર્વથી ભિન્ન અસંગ'. એ અસંગ જ છે પોતે.

પ્રશ્નકર્તા : અસંગ થઈ જાય, ભિન્ન થઈ જાય તે પૂર્ણ ચારિત્ર ખરું ?

દાદાશ્રી : ના. અસંગ અને ભિન્ન એને પ્રતીતિમાં બેસે.

એટલે ચારિત્રની ભૂમિકા ધીમે ધીમે તૈયાર થાય. પણ એ તૈયાર ક્યારે થાય ? ચારિત્ર મોહનીય જેમ ઘટે ને તેમ થાય. જેમ ચારિત્ર મોહનીય ઘટતી જાય ને એક બાજુ શુધ્ધ ચારિત્ર વધતું જાય.

પરમાર્થ ત્યાં શુધ્ધ વ્યવહાર !

પ્રશ્નકર્તા : શ્રીમદ્ કહે છે કે 'એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર સમંત.'

દાદાશ્રી : હા, પણ તે 'વ્યવહાર સમંત' એટલે વ્યવહાર સહિત, શુધ્ધ વ્યવહાર જોઈએ. પરમાર્થમાં શુભાશુભ વ્યવહાર ના હોય. પરમાર્થમાં શુધ્ધ વ્યવહાર જોઈએ. તે વ્યવહાર શુધ્ધિ જોઈએ તો જ પરમાર્થને પામે. નહીં તો પામે કેમ કહેવાય ? જ્યાં ક્રોધ-માન-માયા-લોભ કષાયો સંયમમાં આવી ગયા હોય ત્યાં પરમાર્થ કહેવાય. કષાય હોય તેને પરમાર્થ કેમ કહેવાય ? એટલે શુધ્ધ વ્યવહાર જોઈએ. પેલા ભઈ બેઠાં છે ને તમારી જોડે તે વ્યવહાર શુધ્ધ છે એટલે બોલે છે. અત્યારે તમે એમને મારો તો એમને કષાય ઉત્પન્ન ના થાય. મારતી વખતે તમને કષાય થાય પણ એમને ના થાય.

પરમાર્થના પ્રતિપાદન કર્યા સિવાય જે વ્યવહાર કરવામાં આવે છે તે સંસાર વધારનાર છે ! જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન ના કરે તે વ્યવહાર, વ્યવહાર કહેવાય નહીં.

નક્કી કર્યું તે જ શુધ્ધ વ્યવહાર !

પ્રશ્નકર્તા : પણ આપણો જે વ્યવહાર છે અને પરમાર્થ મૂળ વ્યવહાર જે કીધો છે, એ કેવો ?

દાદાશ્રી : ના, એવું નહીં. આપણો વ્યવહાર તો શુધ્ધ વ્યવહાર છે, એટલે પરમાર્થ મૂળની વાત જ ના રહી. પરમાર્થ મૂળ વ્યવહાર તો કયો કહેવાય ? સદ્વ્યવહાર. એટલે પરમાર્થ સુધી જવાનું, એ તો સદ્વ્યવહારમાં. આપણે તો સદ્વ્યવહાર નહીં, આપણો આ તો શુધ્ધ વ્યવહાર હોય. તે કાચો પડતો હશે, એનો સદ્વ્યવહાર થઈ જતો હશે પણ સદ્વ્યવહારથી નીચે ના જાય. આપણે ત્યાં શુધ્ધ નિશ્ચય ને શુધ્ધ વ્યવહાર છે. કારણ કે પાંચ આજ્ઞા એ શુધ્ધ વ્યવહાર રૂપે આપેલી છે.

સામો ગાળો ભાંડશે, પણ તું ફાઈલનો સમભાવે નિકાલ કર. પછી આ સામો અવળું બોલી જતો હોય, તોય પોતે નક્કી કર્યું હોય કે મારે સમભાવે નિકાલ કરવો છે. એ નક્કી કર્યું છે, એ જ વ્યવહારમાં ગણાય છે. આ બોલ્યો એ વ્યવહારમાં ગણાતું નથી. વઢમ્વઢા, મારામારી થઈ તે વ્યવહાર નથી, પણ 'મારામારી નથી કરવી' એવું એણે જે નક્કી કર્યું છે, કે સમભાવે નિકાલ કરવો છે, એ જ એનો વ્યવહાર છે.

પ્રશ્નકર્તા : આ તમે જે કહ્યું, એ આશયને પહોંચે કેટલા ?

દાદાશ્રી : આશયને પહોંચે તો ઓછાં પણ તોય કંઈક હપૂચું સાવ વેરાન થઈ ગયેલું, એમાંથી કંઈક તો ઊગશે ખરુંને ?

પ્રશ્નકર્તા : વ્યવહાર જે ડિસ્ચાર્જ રૂપે છે, તો પછી એ શુધ્ધ વ્યવહાર કરવાની કે થવાની વાત કેવી રીતે આવી ?

દાદાશ્રી : એ ડિસ્ચાર્જ રૂપે છે. તે આપણે જ્ઞાન આપ્યું હોય તેના માટે છે. અને છતાંય આપણો અંદરનો જે વ્યવહાર છે, તે આદર્શ છે. આ બહારના ભાગનો ડિસ્ચાર્જ છે. અંદરનો શુધ્ધ વ્યવહાર છે.

પ્રશ્નકર્તા : અંદરનો વ્યવહાર એ જરા સ્પષ્ટ કરો, એ જરા સમજાયું નહીં.

દાદાશ્રી : એ છે તે 'આમ ન હોવું જોઈએ' એ વ્યવહાર છે. બહાર ગુસ્સે થતા હોય એ જોડે જોડે અંદર 'આમ ન હોવું' એ વ્યવહાર છે. આ શુધ્ધ વ્યવહાર છે. આત્મા જાણકાર અને 'આમ ના હોવું જોઈએ' એ વચ્ચે શુધ્ધ વ્યવહાર હોય છે.

પ્રશ્નકર્તા : આમ ન હોવું જોઈએ, એ કહેનાર કોણ ?

દાદાશ્રી : એ બધું આ પ્રજ્ઞામાંથી છે, પણ તે શુધ્ધ વ્યવહાર છે એ જાતનો. એટલે કોઈ ગાળ દેતું હોય તો પણ અંદર આપણો એના તરફનો વ્યવહાર ઊંચો હોય. મન બગાડ્યા વગરનો વ્યવહાર હોય.

શુધ્ધ સિવાયનો બધો વ્યવહાર અહંકારી...

પ્રશ્નકર્તા : દાદા, એટલે જે પેલો 'વ્યવહાર મૂળ વ્યવહાર' જે કીધો છે અને 'પરમાર્થ મૂળ વ્યવહાર' જે કીધો છે, એ રીતે 'વ્યવહાર મૂળ વ્યવહાર' એટલે શુભ-અશુભ વ્યવહાર ?

દાદાશ્રી : હા, વ્યવહાર મૂળ વ્યવહાર એ તો શુભાશુભ વ્યવહાર કહેવાય અને આ પરમાર્થનો વ્યવહાર હોયને ત્યાં પાછો અહંકાર હોય, પોઈઝનસ હોય. ક્રમિક માર્ગમાં પરમાર્થ વ્યવહાર હોય, તે પણ પોઈઝનસ હોય.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયોને કે નિશ્ચય પ્રાપ્ત થયા વગરનો વ્યવહાર એ અહંકારી વ્યવહાર એવું થયુંને ?

દાદાશ્રી : અહંકારી જ કહેવાયને ! ત્યારે બીજું શું કહેવાય ? આ શુભાશુભ વ્યવહાર એટલે અહંકારી વ્યવહાર.

પ્રશ્નકર્તા : તો સદ્વ્યવહારમાં અહંકાર હોય ?

દાદાશ્રી : હા, સદ્વ્યવહારમાં અહંકાર હોય. અને અહંકાર ના હોય તો સહજ ભાવે હોય.

પ્રશ્નકર્તા : સદ્વિચાર ને સદ્વ્યવહારમાં અહંકાર ના હોય તે વધારે સારું ને ?

દાદાશ્રી : અહંકાર ના હોય તો તો એના જેવું ઉત્તમ કોઈ નહીંને ! અહંકાર જ પોઈઝનસ છે.

પ્રશ્નકર્તા : એ સદ્વ્યવહારમાં અહંકાર છે ત્યાં સુધી એ કચાશ તો ખરીને ?

દાદાશ્રી : કચાશ એટલે કેવી કચાશ ? આ કાચા બટાકાનું શાક ખઈએ એવી કચાશ !

પ્રશ્નકર્તા : દાદા, સદ્વ્યવહારમાં અહંકાર તો હોય જ ને, જ્ઞાન નથી થયું ત્યાં સુધી ?

દાદાશ્રી : હા, એ તો હોય જ. આપણને અહંકાર વગર સહજભાવે એ વ્યવહાર હોય ને આપણો જે નિકાલી વ્યવહાર છેને, તે સહજભાવે છે.

- જય સચ્ચિદાનંદ