અહંકાર છૂટે ત્યાં સહજ !

સંપાદકીય

'જ્ઞાની પુરુષ'ની દશા સહજાત્મસ્વરૂપ હોય છે, પણ સહજ આત્મસ્વરૂપ એટલે શું, કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, દરેકને પ્રાપ્ત થઈ શકે ? હા, થઈ શકે. અક્રમ વિજ્ઞાન માણસને સહજાત્મસ્વરૂપ સુધી પહોંચાડી શકે છે, પોતાનો પુરુષાર્થ ખપે છે. એક કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને 'હું દિપક છું' એ રોંગ બિલિફ છૂટી જાય છે. સૂક્ષ્મતમ અહંકાર, જે કર્મ ચાર્જ કરતો હતો તે ખલાસ થાય છે, હવે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, તે ખલાસ થવા અર્થે પરમ પૂજ્ય દાદા ભગવાને પાંચ આજ્ઞા આપી કે જે ઉપયોગમાં લેતા જઈએ તેમ તેમ ડિસ્ચાર્જ અહંકાર, પોતાપણુ ખલાસ થતું જાય અને સહજતા ભણી જવાય. જ્ઞાન મળતાની સાથે આત્મા સહજ થયો, હવે પ્રકૃતિ મન-વચન-કાયા સહજ કરવાનાં છે. અને સહજ થવા માટે કરવાનું કશું જ નથી, આત્મ વિજ્ઞાન સમજવાનું છે અને જે થઈ રહ્યું છે તેમાં આજ્ઞા ગોઠવવાની છે, જેથી બહારનો ભાગ સહજ થતો જાય. બન્ને સહજ થયા કે જ્ઞાનદશાની પૂર્ણાહુતિ થાય.

આ સંસાર મનુષ્ય સિવાય ઈતર પ્રાણીઓનો સહજ ચાલે છે, કારણ કે મન લિમિટેડ છે, બુધ્ધિ, અહંકાર બહુ જુજ છે. મનુષ્યોને બુધ્ધિ, અહંકારનો વિસ્તાર પાર વગરનો છે. તે અહંકાર ને બુધ્ધિ જ સહજ રહેવા દેતા નથી. એનાથી કર્તાપણું, મમતાપણું, હુંપણું થાય પછી ચિંતા-ઉપાધિ-ભોગવટામાં રાખે. અરે આ ઊંઘ એની મેળે આવે તેનોય પોતે અહંકાર કરે કે હું તરત ઊંઘી ગયો, ઊઠી જવાય તેમાંય પોતે અહંકાર કરે કે 'આજે મારાથી મોડું ઊઠાયું.' 'મારું સારું દેખાશે, મારુંુ ખરાબ દેખાશે, મને લોકો કેવા માનશે, મારાથી આ કરાય કે નહીં. મારાથી આ થાય, આ મારાથી ના થાય, મારે આ કરવું છે, હું આ નથી કરવાનો.' આમ અહંકાર પ્રકૃતિની દરેક ક્રિયાનો કર્તા થઈ ડખો કરે છે ને સહજિકતા રહેવા દેતો નથી. જે ડિસ્ચાર્જ સહજ છે, તેનો કર્તા થઈ જવાથી, અસહજ થવાય ને ડિસ્ચાર્જમાં અકર્તા થાય, તેવી જાગૃતિ આ જ્ઞાનથી ગોઠવા ગોઠવા કરે તો સહજ થવાય.

પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાનદશામાં ટોચ ઉપર રહીને સહજ રહી શકયા. તેની સામે બાજુ અજ્ઞાનતામાં- બાળકની અથવા તો જાનવરની સહજતા હોય. જે ઉદય આવે તે ટાઈમે તેમ થઈ જાય.

જ્ઞાન પછી પૂર્ણતા પામવા સહજતાનો ધ્યેય લક્ષમાં રાખી બુધ્ધિ અહંકારના ફણગાને ઓળખી જ્ઞાને કરી, પાંચ આજ્ઞામાં રહીને ઓગાળીશું, તેમ તેમ સહજ દશા વર્તશે. તે અર્થે પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીની સહજ વાણી સંકલિત થઈ છે, જે વાચકને આંતરિક પુરુષાર્થની સમજ બક્ષસે.

દીપક દેસાઈ

અહંકાર છૂટે ત્યાં સહજ !

'હું'નું સ્થાન ફેર !

આ 'હું ચંદુલાલ છું' એ અહંકાર છે. કારણ કે જ્યાં 'હું' નથી ત્યાં 'હું'નો આરોપ કર્યો એનું નામ અહંકાર.

પ્રશ્નકર્તા : હું ચંદુલાલ છું, કહે એમાં અહંકાર કયાં ? 'હું આમ છું હું તેમ છું.' એમ કરે એ જુદી ચીજ છે, પણ સહજભાવે બોલે તેમાં કયાં અહંકાર ?

દાદાશ્રી : સહજભાવે બોલે તોય અહંકાર કંઈ જતો રહે છે ? 'મારું નામ ચંદુલાલ છે' એ સહજભાવે બોલે તોય એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી તે આરોપ કરો છો, એ બધો અહંકાર જ છે ને !

તમે ચંદુલાલ છો એ ડ્રામેટિક વસ્તુ છે. એટલે 'હું ચંદુલાલ છું' એ બોલવામાં વાંધો નથી, પણ 'હું ચંદુલાલ છું' એ બિલિફ ના બેસવી જોઈએ.

પ્રશ્નકર્તા : હા, નહીં તો 'હું' પદ આવી ગયું.

દાદાશ્રી : 'હું' 'હું'ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. 'હું' મૂળ જગ્યાએ નથી. આરોપિત જગ્યાએ છે માટે અહંકાર. આરોપિત જગ્યાએથી 'હું' ઊડી જાય અને મૂળ જગ્યાએ પેસી જાય તો અહંકાર ગયો. એટલે 'હું' કાઢવાનું નથી, 'હું' એની એક્ઝેક્ટ પ્લેસ (યથાર્થ સ્થાન)માં મૂકવાનું છે.

કરવાનું નથી, સમજવાનું છે !

પ્રશ્નકર્તા : પચાવવાની કોશીષ કરું છું, સાંભળું છું, આપ બોલો છો તે, અને પચાવવાની કોશીષ કરું છું.

દાદાશ્રી : પચાવવાની કોશીષ ના કરશો. પચાવવાં જેવી વસ્તુ જ નથી. આ કોશીષ કરશોને, એ તો બધુ અહંકારથી કોશીષ કરશો, એટલે અહંકાર વધશે ઊલટો શું ?

પ્રશ્નકર્તા : તો શું કરવાનું ?

દાદાશ્રી : સહજ થવાનું સહજ.

પ્રશ્નકર્તા : કોશીષ તો કરવી જ પડે ને ?

દાદાશ્રી : ના, ના. કોશીષ કરવું તે તો અહંકાર વધે, સહજ થવાનું, સહજ. કરવાનું કશું નથી, જાણવાનું છે, સમજવાનું છે. ખાલી સમજવાનું છે. કરવાનું તો તો આ સંડાશ આપડા હાથમાં શક્તિ છે ? તે અટકે ત્યારે ખબર ના પડે ? એ અટકે ત્યારે કંઈક ફાકી જોઈએ, કે ડૉક્ટરને બોલાવવો પડે, એવું બધુ ના કરવુ પડે ?

પ્રશ્નકર્તા : કરવું પડે.

દાદાશ્રી : અને ડૉક્ટરને અટકે ત્યારે ? મેં ફોરેનનાં ડૉક્ટરો બધાં ભેગાં કર્યા, અને પછી આવું બોલ્યો, કૂદાકૂદ કરતા'તા. મેં કહ્યુ, કૂદાકૂદ ના કરશો. તમને અટકશે ત્યારે ખબર પડશે. ત્યારે કહે, યસ, યસ, યસ કહે છે. ત્યારે મેં કહ્યું. સંડાશ જવાની શક્તિ નથી તમારામાં કઈ શક્તિ બીજી છે, તે અમથા બૂમાબૂમ કરો છો, વગર કામનાં ! આ બધું ચલાવી લે છે, આ બીજી એક શક્તિ છે તે બધુ ચલાવી લે છે, અને આ લોકો, નિમિત્ત માટે, પોતે મનમાં એમ માની લે છે કે આ હું કરું છું, બસ. ગાડા નીચે કૂતરું ચાલે ને, તે એ કૂતરું એમ જ માને કે ઓહો ! હું ખેંચુ છું !

છંછેડો તો ફેણ માંડે અહંકાર !

પ્રશ્નકર્તા : દાખલા તરીકે મારે ઇન્કમટેક્ષમાં એક ફાઈલ બાકી છે. હવે ઇન્કમટેક્ષના ઓફિસરને આ જ્ઞાન નથી, એટલે એને અહંકાર છે. હવે એ અહંકારે કરીને મારું બગાડી શકે ખરો ?

દાદાશ્રી : ના, તમારું કશું ના બગાડે, તમે એનો અહંકારે કરીને જો જવાબ ન આપો તો.

પ્રશ્નકર્તા : હું એની પાસે જતોય નથી. મારે એની પાસે જવાની જરૂર નથી પણ આ ફાઈલ રૂટીનમાં આવે છે.

દાદાશ્રી : એનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : પણ એ અહંકારી ઓફિસર હોય તો મને કંઈ કરી ન શકે ?

દાદાશ્રી : એને સંડાસ જવાની શક્તિ નથી તો તમને શું કરે ? તમારું ક્યારે કરે કે તમે કહો કે એવા ઓફિસરને હું જોઈ લઈશ.

પ્રશ્નકર્તા : એવું તો કોઈ કરે નહીં.

દાદાશ્રી : હા, તમે સહજ છો, નમ્ર છો, તો તમને કંઈ ન થાય. તમે કંઈ ગોદા મારતા નથી, ત્યાં વ્યવસ્થિતમાં કોઈ ફેરફાર ના થાય. એની શક્તિ જ નથી બિચારાની !

પ્રશ્નકર્તા : હવે એક તરફથી એની સંડાસ જવાની શક્તિ નથી કહો છો અને બીજી તરફથી કહો છો એને અહંકાર છે.

દાદાશ્રી : એ તો ગોદો મારીએ તો, એ સામો ગોદો મારવાની એ એની શક્તિ છે. એટલે કોઈ શબ્દને આપણે ઉછાળવા ના જોઈએ.

અહંકારથી ચિંતા, ચિંતાથી...

સંસારમાં બાયપ્રોડક્ટ નો અહંકાર હોય છે તે સહજ અહંકાર છે જેનાથી સહજાસહજ ચાલે એવું છે. ત્યાં આખું અહંકારનું કારખાનું જ કાઢ્યું અને મોટો અહંકાર વિફર્યો, એટલો વિસ્તાર્યો કે ચિંતાઓનો પાર નહીં. અહંકારને જ વિસ્તાર વિસ્તાર કર્યો. સહજ અહંકારથી આ સંસાર ચાલે એવું છે. નોર્મલ અહંકારથી. જરૂર જ નથી ત્યાં આગળ, અહંકાર વિસ્તારીને. પછી કાકા આટલી ઉંમરે કહે કે મને ચિંતા થાય છે. એ ચિંતા થાય એનું ફળ શું ? આગળ જાનવર ગતિ આવશે, માટે ચેતો હજુ ચેતવા જેવું છે. મનુષ્યમાં છો ત્યાં સુધી ચેતશો. ચિંતા હશે ત્યાં જાનવરનું ફળ આવશે.

સંસાર વિસ્મરણ, જ્ઞાની શરણે !

તમે સંસાર ભૂલી જાઓ છો ? તમે બધા તમારી સંસારની હદ બધી ભૂલી જાઓ છો ? સ્મરણ રહ્યા જ કરે, સહેજે રહ્યા કરે અને મને સંસાર એક ક્ષણવાર સ્મરણમાં જ ના હોય. મને આજ શું વાર હોય એ ખબર ના હોય. તારીખ, વારેય ખબર ના હોય. આ દેહનું શું નામ છે, તે ખબર ના હોય મને. કારણ કે આને લેવાદેવા જ નહીં. આની જોડે સંબંધ જ ના રહ્યો પછી. સંબંધ હોય ત્યાં સુધી અને તમે સંસાર ભૂલવા જાઓ તોય ના ભૂલાય. અત્યારે મારી પાસે બેસો એટલો વખત ભૂલાય. પછી બહાર નીચે ગયા કે વળગી પડશે. નીચે ગયા કે વળગી પડે કે ના વળગી પડે ? માયા છે ને ? માયા તરત ચોંટી પડે ઓળખી ઓળખીને.

પ્રશ્નકર્તા : એટલે તો અકળામણ થાય છે.

દાદાશ્રી : અકળામણ તે એવી થાય કે સહન જ ના થાય. શી રીતે ઊંઘ આવે ? પાસા ફેરવ ફેરવ કરે તોય દહાડો વળે નહીં, ઊંઘવાનું પોતાના હાથમાં નથી, જાગવાનું પોતાના હાથમાં નથી અને અહંકાર પાછો શું કહેશે ? 'હું ઊંઘી ગયો સાડાદસ વાગે. હું સવારમાં પાંચ વાગે ઊઠ્યો.' અલ્યા મૂઆ તું ઊંઘવાનું હાથમાં નથી અને શું બોલ બોલ કરે છે અમથો ? ગાંડાની હોસ્પીટલમાં છે કે શું છે આ ? ઇગોઇઝમ કરે છે ખાલી.

અક્રમજ્ઞાને રહ્યું માત્ર ડિસ્ચાર્જ કર્મ !

પ્રશ્નકર્તા : બધી બાબતમાં બીજું કોઈ કરાવી રહ્યું છે એવું નહીં, આપણે પણ થોડું કાંઈ કરીએ છીએ.

દાદાશ્રી : હા. કરીએ છીએ એ વાત ખરી. પણ કરીએ છીએ તે આવતાં ભવનું કરીએ છીએ. અને આ ભવનું બધું કરાવી રહ્યું છે, ડિસ્ચાર્જ બધું કરાવી રહ્યું છે. ચાર્જ એકલું આપણે કરીએ છીએ.

આ જ્ઞાન લીધા પછી આપણે કહીએ છીએ ને, આ નવા કર્મ ચાર્જ થતા તમારા અટકી ગયા. તમારા કરેલા કર્મનો આ ભવમાં ભોગવટો છે. હવે તમે નવું ફળ કરતા નથી. માટે આ ભોગવટો પૂરો કરીને તમે તમારે ગામ (મોક્ષે) ચાલ્યા જાવ.

પ્રશ્નકર્તા : કર્તાપદ વિના કાર્ય કેવી રીતે સંભવી શકે ?

દાદાશ્રી : એવું છે કે ને (આ જ્ઞાન મળ્યા પછી) જો 'હું કર્તા છું'નું ભાન ના હોય તો એને કાર્ય તો નિરંતર ડિસ્ચાર્જ રૂપે થયાં જ કરે છે, પણ અંદર 'હું કર્તા છું' એ ભાન રહે તો એને પાછું ફરી નવું કર્મ ચાર્જ થાય છે. એટલે કર્તાપદનું ભાન હોય તો ફરી નવું કર્મ બંધાય, અને અકર્તા પદનું ભાન હોય તો કર્મ ન બંધાય. એટલો જ ફેર છે !

અહંકાર બંધ કરવો સહેલો !

પ્રશ્નકર્તા : પણ એ કર્તાપણા સાથે અહમ્નો ભાવ સંકળાયેલો છે.

દાદાશ્રી : હા, તે ?

પ્રશ્નકર્તા : આ સંસારી જીવો ખરાં, એને જે કર્તાપણાનો કે જે કંઈ અહમ્ હોય છે તે મીટાવી દેવો એ કંઈ સહેલી વસ્તુ નથી !

દાદાશ્રી : ના, સહેલામાં સહેલી વસ્તુ જ એ છે. સહજમાં સહજ વસ્તુ એ અહંકાર બંધ કરવું તે ! ક્રોધ-માન-માયા-લોભ બંધ કરવા એ બધું સહજમાં સહજ વસ્તુ છે. બાકી કષ્ટે કરીને કોઈ દહાડોય ક્રોધ- માન-માયા-લોભ જાય નહીં. ગમે એટલાં કષ્ટ સેવે, ગમે તેટલાં કષ્ટ કરે તોય એ અહંકાર જાય નહીં.

ડખો નહીં તે સહજ !

આત્મા તો સહજ જ છે, સ્વભાવથી જ સહજ છે. દેહને સહજ કરવાનો છે. એટલે એનાં પરિણામમાં ડખો નહીં કરવો. એની જે ઈફેક્ટ હોય તેમાં કોઈપણ જાતનો ડખો નહીં કરવો, એનું નામ સહજ કહેવાય. પરિણામ પ્રમાણે જ ફર્યા કરે. ડખો કરવો એ ભ્રાંતિ. ડખો કરનારો માણસ મનમાં એમ માને છે કે 'હું કંઈક કરું છું.' 'હું કંઈક કરું છું' એ ભ્રાંતિ.

વ્યવહારમાં જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર ના હોય, ત્યાં સુધી સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થયો નથી. એટલે સહજાત્મ સ્વરૂપ વ્યવહારમાં, એટલે કોઈ કોઈને ડખલ નહીં સામસામી. આમ થાય કે આમ ના થાય એ ડખલ નહીં. કોઈ કોઈની મહીં ડખલ જ નહીં. પોતપોતાના કાર્ય કર્યે જાય. કર્તા પુરુષ જે કરે, એને જ્ઞાતા પુરુષ નિરંતર જાણ્યા જ કરે. બંનેય પોતપોતાના કાર્યોમાં રહે.

જો અજાયબી, કેવી અજાયબી ! આખા દસ લાખ વર્ષમાં આ મોટામાં મોટી અજાયબી છે. ઘણાં લોકોનું કલ્યાણ કરી નાખ્યું.

'આ મારાથી થાય ને આ મારાથી ના થાય, આ અમારે ત્યાગ કરવાનું છે,' ત્યાં સુધી બધું અધૂરું. ત્યાગ કરનારો અહંકારી. આ અમારાથી ના થાય એ કહેનારો અહંકારી, આ અમારાથી થાય એ કહેનારો અહંકારી. આ બધું અહંકાર જ છે. એટલે આ પૂર્ણ પ્રગટ તમારું થયું છે, એટલે બધી જ ક્રિયા થઈ શકે એમ છે. સંસારની સર્વસ્વ ક્રિયા થઈ શકે અને આત્માની સર્વસ્વ ક્રિયા, બંને પોતપોતાની ક્રિયામાં રહે છે. વીતરાગતા, સંપૂર્ણ વીતરાગતામાં રહીને ! એવું આ અક્રમ વિજ્ઞાન છે !

વ્યવહાર આત્મા સહજ તો દેહ સહજ !

દાદાશ્રી : આત્માની સહજતા તો આત્મા તો પોતે સહજ જ છે. આ બહારનું સહજ થાયને તો પોતે સહજ જ છે. બહારનું સહજ થતું નથી ને ?!

પ્રશ્નકર્તા : આ બરાબર સમજાયું નહીં હજુ.

દાદાશ્રી : આત્મા સહજ થાય તો દેહ એની મેળે સહજ થાય, એટલે એ શું કહે છે ? આ વ્યવહાર આત્મા સહજ થાય તો દેહ સહજ જ થઈ જાય, પણ મૂળ આત્મા તો સહજ છે. આ વ્યવહાર આત્માની જ ભાંજગડ છે બધી.

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, સહજ ભાવે ધોલ મારવાની, તો સહજ ભાવે ધોલ હોઈ શકે ?

દાદાશ્રી : હા, હોઈ શકે ધોલ.

પ્રશ્નકર્તા : દાદા જે બધાને પ્રસાદી આપે છે ને, બૂટની.....

દાદાશ્રી : એ બધું સહજ ભાવે. સહજ ભાવ એટલે 'હું મારું છું' એ ભાન ના હોય, 'હું મારું છું' એ જ્ઞાન ના હોય ને 'હું મારું છું' એ શ્રધ્ધા ના હોય, એનું નામ સહજ ભાવ. અને સહજ ભાવથી અમે મારીએ, એટલે દુઃખ લાગે નહીં કોઈને !

પ્રશ્નકર્તા : સહજ ભાવે ધોલ મારવી એ જ્ઞાની સિવાય બીજો કોઈ મારી શકે ખરો ?

દાદાશ્રી : હા, સહજ ભાવે હોય તો મારી શકે.

પ્રશ્નકર્તા : જો જ્ઞાની સિવાય કોઈ બીજા કોઈ મારે ધોલ તો સામાને દુઃખ થયા વગર રહે જ નહીં.

દાદાશ્રી : દુઃખ થાય તો તો પછી એ સહજતા નથી. કંઈકેય બગાડ છે એમાં, નહીં તો દુઃખ ના થવું જોઈએ.

અમારું સહજ હોય બધું. એટલે સહજતા પર જવાનું છે. આ સહજતાનો માર્ગ. નો લૉ લૉ, સહજતા પર લઈ જવા માટેનો છે. લૉ (કાયદો) હોય તો સહજતા કેમ થાય ? અત્યારે હું અહીં બેઠો છું, એવું બેસે નહીં. આવું કશું આવ્યું હોયને તો અડે નહીં. એ બધી વાત એ સાહજિકતા નહીં. સાહજિક એટલે જેમ અનુકૂળ આવે તેમ રહે. બીજો વિચાર જ ના આવે કે આ લોકો મને શું કહેશે કે એવું તેવું બધું ના હોય. એટલે આ સાહજિકતા ને આ બધું આમ જોશો તો તમને ખબર પડી જાય કે આ ભઈ આવાં છે.

પ્રશ્નકર્તા : અહંકાર પણ સાહજિક આવે કે નહીં ?

દાદાશ્રી : એ ઓળખાઈ જાય આપણને, અહંકાર આંધળોને મૂળ. તે ગમે ત્યાં જાય પણ આંધળો એટલે ખબર પડે. અથડાયા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : હા, તો પછી ત્યાં સાહજિક નહીં ?

દાદાશ્રી : ના. અહંકાર હોય ત્યાં સાહજિક હોય જ નહીં ને !

એકતા માની અહંકારે !

પ્રશ્નકર્તા : એટલે એવું થયું કે અસહજ જે છે તે સહજને બાંધી લે છે ?

દાદાશ્રી : એકતા માની છે ને ત્યાં સુધી !

પ્રશ્નકર્તા : એકતા કોણે માની છે ?

દાદાશ્રી : અહંકારે એકતા માની છે એટલે.

પ્રશ્નકર્તા : જ્યાં સુધી ભેદજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એ સમજમાં બેસે કેવી રીતે ?

દાદાશ્રી : સમજમાં બેસે જ નહીંને ! એ અહંકાર છે ત્યાં સુધી 'ઈટ હેપન્સ' કેમ કહેવાય ? અહંકાર છે ત્યાં સુધી કઈ ટાઈપનું ગાંડું કાઢે એ શું કહેવાય ? અને તમારો અહંકાર 'જ્ઞાન' લીધાથી જતો રહે છે અમુક ભાગનો. જે ચાર્જ અહંકાર, જે ડખલ કરનારો અહંકાર જતો રહે છે અને તે ઈટ હેપન્સવાળો (ડિસ્ચાર્જ) અહંકાર રહે છે. તેથી સમજમાં બેસે છે.

પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ કરવા માટે, નિકાલ કરવા માટેનો અહંકાર રહે છે.

દાદાશ્રી : 'ઈટ હેપન્સ'માં જોઈએ, એ ડિસ્ચાર્જ અહંકાર રહે છે.

વેગ, આવેગ ને ઉદ્વેગ !

પ્રશ્નકર્તા : વેગ, આવેગ અને ઉદ્વેગ એ સમજાવો.

દાદાશ્રી : વેગ સાહજિક વસ્તુ છે અને આવેગ અસહજ છે. પોતે કર્તા થઈને 'આવેગ' થાય છે ! અને ઉદ્વેગ તો પોતાને ન કરવું હોય તોય થાય. પોતાની ઈચ્છા ના હોય તોય ઉદ્વેગ થાય, ને તે ઉદ્વેગ માથું ફાડી નાખે એવો ઉદ્વેગ થાય. માથું ફાટું ફાટું થઈ રહ્યું હોય. વેગ તો જ્ઞાનીઓનેય હોય, આવેગ ના હોય અને ઉદ્વેગ તો હોય જ નહીં ને !

કર્તા ભાવે ક્રિયા !

પ્રશ્નકર્તા : અને ખાઈએ-પીઇએ નહીં, તો એ બધી ક્રિયા કરી કહેવાય ? એને શું કહેવાય ?

દાદાશ્રી : ના, એ ક્રિયા ના કહેવાય. 'કરું છું' એમ કહે તો ક્રિયા. સહજાસહજ થાય તેને, કશું નહીં. 'હું કરું છું, મારે ન્હાયા વગર ચાલે નહીં', એ બધી ક્રિયા કહેવાય. પોતે કર્તા થયો કહેવાય.

ઈફેક્ટનો કર્તા, ત્યાં કૉઝ !

'ઈફેક્ટ' તો તેની મેળે થયા જ કરે છે. પણ પોતે અંદર 'કૉઝિઝ' કરે છે, આધાર આપે છે કે 'મેં કર્યું, હું બોલ્યો'. ખરી રીતે 'ઈફેક્ટ'માં કોઈને કરવાની જરૂર જ નથી. 'ઈફેક્ટ' એની મેળે સહજભાવે થયા જ કરે છે. પણ આપણે તેને ટેકો આપીએ છીએ કે 'હું કરું છું' એ ભ્રાંતિ છે અને એ જ 'કૉઝિઝ' છે.

પ્રશ્નકર્તા : એ 'કૉઝ'નું 'કૉઝ' શું છે ?

દાદાશ્રી : અજ્ઞાનતા. 'રૂટ કૉઝ' અજ્ઞાનતા છે. 'જ્ઞાની પુરુષ' અજ્ઞાનતા દૂર કરે.

આજ્ઞા પાળવાથી થાય સહજ !

પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની સહજતા અને આત્માની સહજતા એ વિશે જરા સમજાવોને.

દાદાશ્રી : આત્મા સહજ છે જ. જ્ઞાન આપ્યા પછી શુધ્ધાત્મા જે લક્ષમાં આવે છેને, એની મેળે જ લક્ષમાં આવે. આપણે યાદ ના કરવું પડે. જેને યાદ કરીએ એ વસ્તુ ભૂલી જવાય. આ નિરંતર લક્ષ રહે. એ સહજ આત્મા થયો કહેવાય. હવે પછી મન-વચન-કાયા સહજ કરવા માટે એક જ્ઞાની પુરુષની આજ્ઞા જેમ જેમ પાળતા જાય તેમ તેમ મન-વચન-કાયા સહજ થતાં જાય.

પ્રશ્નકર્તા : એમાં સહજ ભાવે નિકાલ કરવો એમ આપ કહો છો તો સહજ ભાવ કેળવવાની રીત કઈ છે ?

દાદાશ્રી : સહજ ભાવ એટલે શું ? આ જ્ઞાન મળ્યા પછી તમે શુધ્ધાત્મા થયા એટલે તમે સહજ ભાવમાં જ છો. કારણ કે અહંકાર હાજર ના હોય ત્યારે સહજ ભાવ જ હોય. અહંકારની એબ્સન્સ એ સહજ ભાવ.

આ જ્ઞાન લીધું એટલે તમારો અહંકાર એબ્સન્ટ છે. તમે જે 'હું ચંદુભાઈ છું' માનતા હતા. હવે માનતા નથી ને ? થઈ રહ્યું !

'મેં વકીલાત કરી ને મેં છોડાવ્યો ને મેં એને આમ કર્યું ને !' 'હું સંડાસ જઈ આવ્યો', કહેશે. ઓહોહો ! કાલે કેમ નહોતા ગયાં ? ત્યારે કહે, 'કાલે તો ડૉક્ટરને બોલાવવો પડ્યો, અટક્યું'તું મહીં.'

સક્રિયતા ઊલટી વધે આમાં. અહંકારને લઈને સક્રિયતા છે. અહંકારને લઈને બધું બગડી ગયું છે. એ અહંકાર દૂર થઈ જાય એટલે બધું રેગ્યુલર થઈ જાય, સાહજિક થાય પછી. અહંકાર બધું બગાડે છે, પોતાનું જ બગાડે છે અને સાહજિકતા હોય તો બધું સુંદર હોય.

અહીં જગની વિસ્મૃતિ, સત્ની સ્મૃતિ !

સંસાર ભૂલવા જાય, તો એની જ સ્મૃતિ આવી હોય. વિસ્મૃત થાય કે તરત સ્મૃતિ એની જોડે હોય જ. એટલે સંસાર વિસ્મૃત થાય એવો નથી. એક કલાક વિસ્મૃત કરવો હોય તો વધારે ને વધારે સ્મૃતિમાં આવે. જેને ભુલવા માંગોને તે વધારે સ્મૃતિમાં આવે. જ્ઞાની પુરુષ એ પોતે ભૂલેલા સંસાર છે, માટે એમની જોડે બેસવાથી, સત્સંગથી પોતે ભૂલી જાય. પછી જે સંસાર ભૂલેલા હોય તેની જોડે બેસવાથી ભૂલી જાય. કારણ કે પર પરિણીતીમાં જ ના હોય. જ્ઞાની પુરુષ પર પરિણતીમાં જ ના હોય. બધી વાતોચીતો કરે, સંસારનો બધો વ્યવહાર કરે પણ વ્યવહાર આદર્શ હોય એમને. એ જ્ઞાની પુરુષ તો પર પરિણતીમાં હોય નહીં. વ્યવહાર આદર્શ હોય.

આદર્શ વ્યવહાર હોય અને એ વ્યવહારમાં પોતે ના હોય. વ્યવહાર વ્યવહાર રીતે ચાલ્યા કરે. પોતાની ગેરહાજરીમાં વ્યવહાર ચાલ્યા કરે. અને વ્યવહાર ખરેખર એવો છે જ એવો. પણ આ ભ્રાંતિથી એકતા થાય છે. આ ભ્રાંતિ શેના આધારે ઊભી રહી છે ? જાગૃતિ નથી એટલે. જાગૃતિની મંદતાથી ભ્રાંતિ ઊભી રહી છે. પાછા ચૂકે, પાછા જાગૃતિ ઉત્પન્ન થાય પણ આ વ્યવહાર જાગૃતિ છે, નિશ્ચય જાગૃતિ નથી. વ્યવહાર જાગૃતિમાં તો બધો વ્યવહાર યાદ આવ્યા જ કરે. ઉલટો વધારેમાં વધારે યાદ આવે અને વ્યવહારમા તો લોકોને જેમ જાગૃતિ રહે ને એમ ઠોકર વાગે. વ્યવહારમાં જાગૃતિ રહે તો ઠોકર વાગે. વ્યવહારમાં સહજ ભાવે રહે, સહજ ભાવે. અજાગૃતિ કામની નહીં, જાગૃતિ યે કામની નહીં, સહજ ભાવે ઠોકર ના વાગે. જ્ઞાની પુરુષનો સહજ ભાવ હોય. ક્યારે શું બોલીશું? શું વિચારીશું ? એવું એમનું ગોઠવેલું ના હોય. સહજ ભાવે નીકળે, અને તે વાણી આ બધી આ ટેપરેર્કડ બોલે. જાતે બોલે નહીં.

અહંકારની ડખલ નહીં તે સહજ !

દેહ સહજ એટલે સ્વભાવિક એમાં આપણી ડખલ ના હોય. અહંકારની ડખલ ના હોય, એનું નામ એ સહજ દેહ કહેવાય. આ અમારો દેહ સહજ થયેલો કહેવાય એટલે આત્મા સહજ જ હોય. અહંકારની ડખલ સમજ્યા તમે ? અહંકાર ઊડે એટલે ગયું બધું ઈગોઈઝમને લઈને છે આ સંસાર બધોય. બધો ઈગોઈઝમનો જ આધાર છે બીજું કશું જ નડતું નથી આ ઈગોઈઝમ નડે છે. 'હું' 'હું' !

અહંકાર ત્યાં સુધી અસહજતા !

પ્રશ્નકર્તા : જેને દુઃખ જ ન્હોય, જે દુઃખ ભોગવતો જ ન હોય તેને મોક્ષ નથી ?

દાદાશ્રી : ના. એને મોક્ષ જ છે ને. એને મોક્ષ જ છે. પણ એવું બને નહીં. એવું બને, તે કોણ બને ? જ્ઞાની સિવાય કોઇ બને નહીં. કારણ કે એ હોમ ! ડિપાર્ટમેન્ટમાં જ રહેતા હોય ત્યારે દુઃખનો અનુભવ ના થાય. મોક્ષ સ્વરૂપ હોય. હોમ. એ ફોરેનમાં પેસતા જ ના હોય. ફોરેન જોડે વ્યવહાર, વ્યવહાર જ ના હોય. સચળ વ્યવહાર બંધ થઇ ગયો છે જેનો. અને સચળ છે તે, તે છતાંય સચળ સાહજીક ચાલ્યા કરે છે. સાહજીક જેની અવસ્થા છે બધી. ખાવું, પીવું બેસવું, ઉઠવું બધું સહજ છે. જેમાં અહંકારની જરૂર ના પડે એવું સહજ છે.

પ્રશ્નકર્તા : તો દાદા અહંકાર અસહજ છે.

દાદાશ્રી : અહંકારથી જ, એ અહંકારને અસહજ.... એવો અહંકાર હોતો નથી ને એવો થયો કે એ શુધ્ધાત્મા જોડે એક જ થઇ જાય. એવો થતાંની સાથે જ. થોડીવાર રહેવા ના પામે, અહંકાર રહિત થતાંની સાથેજ એક થઇ જાય.

કર્તાભાવથી ભવ બંધાય !

પ્રશ્નકર્તા : જ્યાં એને એમ લાગે કે મારા વગર ન ચાલે, તેને તમે સજીવ અહંકાર કહો છો ?

દાદાશ્રી : આ દરેક ક્રિયા કરે છે, તે 'હું કરું છું' એવું ભાન છેને, એ જ સજીવ અહંકાર છે. આ ગાંયજાનેય નક્કી કરવું પડે કે મારે આમની હજામત કરવી છે. એટલે એ થઈ જ જાય. અને જો કદી 'હું કરું છું, મારા વગર કોઈ ના કરી શકે' કહે, તો ઊલટો લોહી કાઢશે !

એટલે સહજ થાયને, તો સો ટકા ફળ મળે અને જો કદી બીજું કરવા ગયા તો ચાલીસ ટકા ફળ મળે. એટલે સહજનું ઊંચું ફળ મળે ! અહંકાર આંધળો છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી અને આવતો ભવ બાંધે છે પાછો, એ જુદું !

જ્ઞાન થકી અહંકાર જાય સહજમાં !

સહજ રીતે અહંકાર બિલકુલ જાય. એનો ઉપાય જ સહજ છે ! પણ પોતે સહજ કરી શકે નહીં ને ! પોતે વિકલ્પી છે, તે નિર્વિકલ્પી કેમ કરીને થઈ શકે ? એ તો જે અકર્તાપદ પ્રાપ્ત થયેલાં હોય, જે મુક્ત પુરુષ હોય ત્યાં આગળ પોતે જઈએ તો ત્યાં આપણને સહજ રીતે જ કામ કરી આપે.

એટલે અહંકાર એ સહજ નીકળી જાય એવી વસ્તુ છે. કારણ કે એ સહજ રીતે જ ઊભો થયો છે. એ કંઈ કષ્ટો કરીને ઉભો થયો નથી અને આથમી જાય છે તેય સહજ રીતે ! આ જેટલાં કષ્ટ કરે ને, તેમ તેમ અહંકાર વધતો જાય ઊલટો !

પરિણામમાં કર્તા કોણ ?

પૂર્વના કરેલાં કર્મના આધારે આ ભવમાં કાર્ય થાય. લોકો શું જાણે ? કે 'આ આણે કર્યું હમણે'. આ ભવમાં કરીએ છીએને, તે પૂર્વકર્મના દબાણથી જ કરવું પડે છે. આપણા પોતાની સહીંથી નહીં. અને લોકો જાણે કે આ અત્યારે પોતાની મરજીથી કર્યું એણે. એટલે એ નોટ રિસ્પોન્સિબલ ટુડે ! ગયા અવતારે રિસ્પોન્સિબલ હતા. આજે રિસ્પોન્સિબલ નથી. આજ એણે નથી કર્યું. તો કરનાર કોણ છે ? આ પરિણામે કર્યું છે. એણે કર્યું તેનું પરિણામ આવ્યું અને એ પરિણામનું કરેલું, આ બન્યું તે !

છૂટે દેહાધ્યાસ ત્યાં સહજતા !

પ્રશ્નકર્તા : હવે જે આત્માના ભાનમાં આવ્યો એનો વ્યવહાર પછી જે છે તે સહજ વ્યવહાર હોય બધો ?

દાદાશ્રી : પોતાના ભાનમાં આવ્યો એટલે પછી વ્યવહાર વ્યવહારની કશી લેવીદેવા રહી નહીંને ! વ્યવહાર ચાલ્યા કરે.

પ્રશ્નકર્તા : એટલે ઉદયરૂપ વ્યવહાર હોય એનો.

દાદાશ્રી : બસ, બીજું કશું હોય જ નહીં. કર્તાપણું છૂટે ત્યાર પછી એ આત્માના ભાનમાં આવે. જો કર્તાપણું છૂટે એટલે ઉદય સ્વરૂપ રહ્યું. આ એની મેળે ચાલે છે ને આય એની મેળે, એ બન્ને પોતપોતાની રીતે જ ચાલ્યા કરે છે.

દેહાધ્યાસ જતો રહેવાથી, આત્મા એના સ્વભાવમાં રહે છે. અને આ દેહ એના સ્વભાવમાં રહે છે. દેહાધ્યાસ બેનો સાંધો હતો, એકાકાર થવાનો, તે દેહાધ્યાસ ઉડી ગયો, એટલે આ દેહ દેહના કામમાં અને આત્મા એના કામમાં, એનું નામ સહજતા.

ડખલ કરનારો નહીં ત્યાં સહજતા !

પ્રશ્નકર્તા : હવે જ્ઞાન પછી તો આત્મા પોતાના સ્વભાવમાં જ આવી જાય છેને ?

દાદાશ્રી : અને પુદગલ એના સ્વભાવમાં આવ્યું. પુદગલ કાયદામાં આવી ગયું. કારણ કે ડખલ કરનારો હતો એ ખસી ગયો. પુદગલ હમેશાં કાયદેસર જ હોય છે પણ જો ડખલ કરનારો ના હોય તો. આ એન્જિનને મહીં બધું કોલસા-બોલસા ભરી બીજું બધુંય કમ્પ્લિટ કરી અને ડ્રાઈવર ના હોય તો બસ ચાલ્યા કરવાનો એનો સ્વભાવ જ છે. મહીં ડખલ કરનારો પેલો બેઠો હોય તો ઊભી રાખે, પાછું ચાલુ કરે. પુદગલને જો ડખોડખલ ના થાયને, તો આ ચોખ્ખું થયા જ કરે. પણ આ ડખોડખલ કરે છે. ડખો કરે ને પછી ડખલ થઈ જાય. ડખોડખલ કરનારી કોણ ? તે અજ્ઞાન માન્યતાઓ અને પછી વાંધા ને વચકા !

દેહ સહજ તે આનું નામ !

પ્રશ્નકર્તા : દેહ સહજ થાય, એને દેહાધ્યાસ કહેવાય ?

દાદાશ્રી : સહજ તમે શેને સમજ્યા ? સહજની ભાષામાં સહજ સમજ્યા છો કે તમારી ભાષામાં ? ગજવું કાપી લે ને તમને અસર ના કરે તો દેહાધ્યાસ ગયો. દેહને કોઈ કંઈ પણ સળી કરે ને જો પોતે સ્વીકારે તો તે દેહાધ્યાસ છે. 'મને કેમ કર્યું ?' તો તે દેહાધ્યાસ. જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો.

જેટલો સહજ તેટલી સમાધિ !

પ્રશ્નકર્તા : દેહ સહજ થયો ક્યારે ગણાય ?

દાદાશ્રી : આપણને દેહને કંઇ પણ કોઇ કશું કરે તો રાગ-દ્વેષ ન થાય. આ અમારો દેહ સહજ કહેવાય છે. તમારે અનુભવમાં જોઇ લેવાનું. અમને રાગ-દ્વેષ થતા નથી માટે અમારો દેહ સહજ છે. માટે સહજ કોને કહેવાય, સમજી લેવાનું. સહજ એટલે સ્વભાવિક. કુદરતી રીતે સ્વભાવિક. એમાં વિભાવીક દશા નહીં. 'પોતે હું છું' એવું ભાન નહીં.

પ્રશ્નકર્તા : એ તો આપે દેહ સહજનો પ્રકાર કહ્યો, પણ એ સહજ ક્યારે થાય ?

દાદાશ્રી : સહજ તો પોતે આ જ્ઞાન જે આપ્યું છેને આપણને, તે જ્ઞાનમાં પરિણામ પામીને આ બધા કર્મો ઓછા થઇ જાય, એટલે સહજ થતો જાય. સહજ થઇ રહ્યો છે અત્યારે. પણ અંશે થઇ રહ્યો છે, તે અંશે, અંશે સહજ થતો થતો સંપૂર્ર્ણ સહજ થઇ જાય. અત્યારે સહજ ભણી જ જઇ રહ્યો છે. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જ્યા કરે. એટલે અત્યારે સહજ જ થઇ રહ્યો છે. જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ ઉત્પન્ન થાય.

આ બધી વાત અમે સહજ સમાધિમાં કરીએ છીએ. અમે સહજ ઉપર હોઇએ આખો દહાડોય. કારણ કે આ દેહના માલિક અમે ક્ષણવારેય ના હોઇએ. આ વાણીના માલિક નહીં અને આ મનના માલિક નહીં. શરીરનું માલિકીપણું છવ્વીસ વર્ષથી જતું રહ્યું અને છવ્વીસ વર્ષથી સમાધિ જાય નહીં એક સેકન્ડેય. અમને ધોલો મારે તોય અમારી સમાધિ. અમે આશીર્વાદ આપીએ એને. સહજ સમાધિ જોવી હોય તો અમારી પાસે આ પ્રત્યક્ષ જોવી !

હવે તમને ખાતરી થઈ ગઈ છે ને કે માર્ગ મળી ગયો છે ?

ડિસ્ચાર્જનો કરવો નિકાલ !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અહંકાર પ્રતિષ્ઠા કરીને પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે, તે બે વાર 'આત્મા' શબ્દ વાપર્યો. એ ફરી સમજાવો.

દાદાશ્રી : એક મૂળ આત્મા છે અને આ અહંકાર છે તે પ્રતિષ્ઠિત આત્મા છે, પહેલાંનો. આ ફરી છે તે પ્રતિષ્ઠા કરે છે. 'હું કરું છું ને મારું છે' એ ઘટમાળ ચાલ્યા જ કરે છે, નવી પ્રતિષ્ઠા ઊભી કરીને. આપણે છે તે પ્રતિષ્ઠા બંધ કરાવીએ છીએ. એટલે આપણે ચાર્જ થતું બંધ થાય છે. પ્રતિષ્ઠા બંધ થાય એટલે બધું બંધ થઈ ગયું ! નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો.

પ્રશ્નકર્તા : નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો અને પછી એ જે વિભાગ રહ્યો, તેને જ આપણે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ગણીએ છીએને ?

દાદાશ્રી : હા, અને હવે જે છે એનો નિકાલ કરી નાખીએ. એ નિકાલ થવા માટે જ આવ્યો છે ને નિકાલ કરવાનો છે.

પ્રશ્નકર્તા : નિકાલ થવામાં ડખલ કરે છે એ જ નિશ્ચેતન ચેતન ?

દાદાશ્રી : એમાં ડખલ કરેને, એ નિશ્ચેતન ચેતન નહીં, એ મડદાલ અહંકાર. હા, પણ એમાં ડખલ કરે એ બગાડે છે. બાકી, એ તો એની મેળે નિકાલ થવા માટે જ આવ્યું છે.

પ્રશ્નકર્તા : એટલે પ્રતિષ્ઠિત આત્મા તરીકે જે જુદો પડ્યો, એની અંદર જો કોઈ પણ પ્રકારની ડખલ ન કરે તો એની મેળે ગલન થઈ જાય ?

દાદાશ્રી : હા, એની મેળે સહજ રીતે છૂટે.

પ્રશ્નકર્તા : ડખલ કરે તો તેની અંદર ડખો થયા કરે ?

દાદાશ્રી : બસ, ડખલ એ પાછલો અહંકાર કરે છે. મડદાલ અહંકાર ડખલ કરે છે. અને તે મડદાલ અહંકારને બુધ્ધિ છે તે પપલાવે છે. બુધ્ધિ હેરાન કરે છે, બસ. નહીં તો સહજભાવે ઊકલ્યે જ જાય છે.

'હું' - 'મારું' ગયે વીતરાગ !

દાદાશ્રી : આ મિશ્રચેતનમાં, જે હુંપણું છે, મારાપણું છે તે કાઢી લીધું એટલે થઈ રહ્યું મિશ્રચેતન વીતરાગી થઈ ગયો.

પ્રશ્નકર્તા : એ તો આ જ્ઞાન હોય તો જ બની શકે ને ?

દાદાશ્રી : હા, પણ નહીં તોય વીતરાગી છે. પણ હું-મા૪રાપણાને લીધે જ રાગ-દ્વેષ થાય છે. હું-મારાપણું વાપરે નહીં, જ્ઞાન ના હોય તોય વીતરાગ જ છે.

ડિસ્ચાર્જ થતો અહંકાર...

આ વ્યવહાર આત્મા સહજ થાય તો મૂળ આત્મા તો સહજ જ છે.

એટલે બધી રીતે અહંકાર તો ઉપયોગી જ છે. અહંકાર વગર ચાલે નહીંને ગાડું. મૂળ અહંકાર ઊડી ગયો, મૂળ અહંકાર. જેનાથી સંસાર ઊભો થતો'તો એ અહંકાર ઊડી ગયો. હવે તો આ ડિસ્ચાર્જ થતો જે અહંકાર છે, ખાલી કરવાનો છે. એ અહંકાર ઊભો થયા સિવાય તો ખાલી થાય નહીંને. ક્રોધ-માન-માયા-લોભ જે ભરેલાં છે, તે અહંકારથી જ બધાં ખાલી થાય ને !

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધું હોય એના માટે ને ?

દાદાશ્રી : હા, એના માટે. બીજાને તો આમાં કામનું જ નહીં. વાત સાંભળીનેય કામનું નહીં. શી રીતે સાંધો મળે ? કયા ગામની ટિકિટ અને ટ્રેન ક્યાં જતી હોય !

પ્રશ્નકર્તા : પછી છેવટે તો સૂક્ષ્મ અહંકાર રહેતો હશેને આખરીમાં, ડિસ્ચાર્જ થઈ ગયાં પછી ?

દાદાશ્રી : સૂક્ષ્મ અહંકાર પણ એ અહંકાર સ્થૂળેય હોય વખતે પણ એ અહંકાર ભમરડા જેવો. એટલે આપણને હેરાન ના કરે.

પ્રશ્નકર્તા : એ તો ડિસ્ચાર્જમાં પણ આપને અહંકાર કેવો હોય ?

દાદાશ્રી : સૂક્ષ્મ અહંકાર ? એટલે ભમરડાનો અહંકાર ?

પ્રશ્નકર્તા : ના, આપને તો ભમરડાનો અહંકાર ના હોય ને ? આપનો પ્રકૃતિમાં તો હવે...

દાદાશ્રી : એ સહજ થયેલું હોય. એટલે સહજ થાય ત્યાં અહંકાર ના હોય.

...ત્યારે આવે સહજ દશા !

ડિસ્ચાર્જ અહંકાર પૂરો થાય ત્યાર પછી દેહ ક્રિયા કરે છે એ સહજ ક્રિયા કહેવાય છે, તદ્દન સહજ. તે ઘડીએ આત્માય સહજ ને આય સહજ. બન્ને જુદા ને સહજેય બન્ને.

એટલે આ ડિસ્ચાર્જ અહંકારેય પૂરો થઈ જાય, ત્યારે સહજ આવે. સહેજાસહેજે. જેમ ભૂખ લાગવા માટે આપણે કશું કરવું નહીં પડતું, એવું સહેજે થાય.

પ્રશ્નકર્તા : સહજ ક્રિયા જે કંઈ થતી હોય, તેની અંદર કોઈ કર્મ બંધાતું નથી ?

દાદાશ્રી : હોય જ નહીંને ! આ તમારે ડિસ્ચાર્જમાંય કર્મ નથી બંધાતું. ડિસ્ચાર્જ અહંકાર કર્મ બાંધી શકે એવો નથી. એ કર્મ છોડવા માટેનો અહંકાર છે. બંધાયેલા છોડવા સારુનો અહંકાર છે. જે બંધાયેલા છે, તેને છોડવા માટે કો'ક જોઈએ તો ખરોને ? એટલે છોડવાનો અહંકાર છે એ.

જોવાથી જાય અંતરાયો !

પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવો એ સહજ છે. એ સહજમાં જે અંતરાયો આવે છે, એને રોકવા એ પુરુષાર્થ છે. તો સમજાવો એ અંતરાયો કયા કયા ?

દાદાશ્રી : એ આપણા પૂર્વભવની ફાચર છે, આપણી ડખલો છે.

પ્રશ્નકર્તા : હા. પણ કઈ કઈ, દાદા ?

દાદાશ્રી : આ બધી ડખલો આવે છે તો પછી ખબર પડે છેને ! કડવું ફળ આવે તો જાણીએ કે આપણે કો'કને દુઃખ દીધેલું. મીઠું આવે તો એ કો'કને સુખ આપેલું છે. આવું એને માલુમ પડી જાયને !

પ્રશ્નકર્તા : આ બધાં અંતરાયો થયા એને નિવારવા, એને ટાળવા, એને કાઢવા એમાં પુરુષાર્થ રહેલો છે એમ ?

દાદાશ્રી : હા. પણ એ પુરુષાર્થ એટલે 'જોવાનો' છે ખાલી, અંતરાયો જોવાના છે. બીજું કશું કરવાનું નથી. ખસેડવામાં તો ખસેડનાર જોઈએ પાછો. એટલે સંયોગોને ખસેડવા એ ગુનો છે. જે સંયોગ વિયોગી સ્વભાવના છે એને ખસેડવું એ ગુનો છે. એટલે આપણે જોયા જ કરવાનું.

પ્રશ્નકર્તા : પણ દાદા, આ વાત સત્ય કે મોક્ષ મેળવવો એ પુરુષાર્થમાં કંઈ કરવાપણું નથી, એ બરોબર ?

દાદાશ્રી : સહજ છે વસ્તુ.

પ્રશ્નકર્તા : એટલે એ આપણો સ્વભાવ છે આત્માનો ?

દાદાશ્રી : એ તો આત્માનો સ્વભાવ છે. આ પાણી જેમ મિસીસીપી નદીમાંથી નીકળે તે ત્રણ હજાર માઈલ સુધી એમ ને એમ દરિયાને ખોળી જ કાઢે. એનો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે.

પ્રશ્નકર્તા : એ સ્વભાવમાં આવવા માટે પુરુષાર્થ કરવો પડેને ?

દાદાશ્રી : વિભાવિક પુરુષાર્થ કરે તો મળે ? ગાંડો માણસ પુરુષાર્થ કરે ને ડાહ્યો થાય એવું બને ખરું ? એટલે ડાહ્યા માણસની તાબે જવાનું છે કે આપ કૃપા કરો, કહીએ.

પ્રશ્નકર્તા : ના. તમે કહો છોને, દાદા. મોક્ષ બે કલાકમાં મળે. પહેલો, જો જ્ઞાનીનો અંતરાય જાય તો !

દાદાશ્રી : હા. પણ એ અંતરાય જાય નહીંને ! અંતરાય કરેલાંને !

પ્રશ્નકર્તા : હા. પણ એ તમે કહ્યું, 'ખાલી એને જોવાનું જ કીધું, જ્ઞાતા-દ્રષ્ટા ભાવે.'

દાદાશ્રી : જોયે જ છૂટકો. જે અંતરાય છે એ સંયોગ સ્વરૂપે આવે છે અને એ એની મેળે વિયોગી સ્વભાવના છે. એને જોયે જ છૂટકો થાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, એમાં તો કેટલાં જન્મો જોઈએ એના માટે ? એટલે આ બધું નિકાલી છે એમ ?

દાદાશ્રી : નિકાલી જ છે. આ લોકોએ નહીં સમજવાથી જ આ ગરબડ કરી છે. નિકાલી તો સમજી લોને ! જો ગ્રહણીય કરે તો ચોંટી પડે. જો ત્યાગ કરે તો અહંકાર ચોંટી પડે. ત્યાગનારેય અહંકારી જ હોય અને ત્યાગનું ફળ આગળ આવે. આપણા લોકોય કહે છે, 'ત્યાગે ઇસકુ આગે.' એ જો તમારે દેવગતિનું, સુખ ભોગવવું હોય તો અહીંયાં એક સ્ત્રી છોડ, કહે છે. એટલે આપણે તોે ત્યાગ ને ગ્રહણ, બેઉ ના જોઈએ. નિકાલ જોઈએ.

સંયોગો બધા વિયોગી સ્વભાવના છે. અને સંયોગો આપણી ડખલથી ઊભા થયા છે. આ ડખલ ના કરી હોત તો સંયોગો ઊભા ના થાત હજુ. જ્યાં સુધી જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી ડખલ કર્યા જ કરતા હતા અને મનમાં ગુમાન લઈને ફરતા હતા, કે હું ભગવાનનો ધર્મ પાળું છું !

પ્રશ્નકર્તા : સંયોગમાંથી સહજમાં ગયો એટલે પછી છૂટી ગયું ને પછી સહજમાં જ આવી ગયો ને ?

દાદાશ્રી : સહજમાં રહ્યો એેટલે સંયોગ છૂટી જાય. પોતે સહજમાં ગયો એટલે સંયોગ છૂટી ગયા. સંયોગમાંથી પોતે સહજમાં જઈ શકે અને સહજમાં ગયા પછી સંયોગ છૂટી જાય (ખરી પડે).

પ્રશ્નકર્તા : હવે સંયોગ એ પણ સહજમાં જાય ?

દાદાશ્રી : નહીં, સંયોગમાંથી સહજમાં જાય. સંયોગ સહજ થાય નહીં ને ? સહજ વસ્તુ જુદી છે ને સંયોગ વસ્તુ જુદી છે.

સહજ ભાવ ત્યાં 'હું'પણું નહીં !

પ્રશ્નકર્તા : ભગવાનની કૃપાથી કે કદાચ આપણાં કર્મબળને લઈને સંસ્કારના ઉદયથી વખતે હોય, પણ અત્યાર સુધી પ્રમાણિકપણું, ચારિત્ર્યવાન કે ખૂબ જ સંતોષી રહ્યા છીએ અને ધનના ઢગલા અથવા વિપુલ સાધનો છતાંય સાદાઈ અપનાવતાં શીખ્યા હોય, તે પણ સહજભાવે, તો પણ તેમાં 'હું'પણું આવતું હશે ?

દાદાશ્રી : ના, સહજભાવ હોય ત્યાં 'હું' ના હોય અને 'હું' હોય ત્યાં સહજપણું ના હોય, બે ભેગા રહી શકે નહીં, એક જગ્યાએ. એ આ અમારી બધી સહજ ક્રિયા હોય, ડ્રામેટિક. એ થઈ ગઈ પછી કશુંય નહીં. લેવાય નહીં ને દેવાય નહીં. આજ શું વાર તેય ખબર નહીં. તમે કહો કે આ વાર થયો તો અમે 'હા' કહીએ અને તમે ભૂલથી અમને કહેવડાવો કે આજે બુધવાર થયો તો અમે બુધવારેય કહીએ. અમારે એવું નહીં, પણ સહજભાવ.

સારું કરવામાંય અહંકાર !

પ્રશ્નકર્તા : પણ એ સંતોને ઇગોઇઝમ બહુ ઓછો થઈ ગયો છે.

દાદાશ્રી : તીર્થંકરોની વાત બરોબર કોઈએ જાણી નથી. પણ આ બધા સેવાભાવી છે, સારું છે. એટલે સંપૂર્ણ મોક્ષ નથી. જો એમના કહેવા પ્રમાણે થાય અને એ પ્રમાણે ચાલે તો, આ જાનવરમાં નહીં જવું પડે અને નર્કગતિમાં નહીં જવું પડે, અહીં ફરી માનવ થશો. કારણ કે એ માનવધર્મ છે. સંત છે ત્યાં સુધી અહંકાર અને જ્ઞાની પુરુષ હોય ત્યાં અહંકાર ના હોય. એ અહંકાર પક્ષમાં પડેલા ના હોય. સંત એટલે સારું કરવાના, એને ખરાબ કરવાનું ફાવતું નથી. લોકોનું ભલું કેમ થાય, કેમ આગળ વધે, ધર્મ કેમ કરી શકે એ બધો અહંકાર. હવે એ અહંકારી નમે શી રીતે ? હવે હું ના નમુંં, એ પાછી એક નબળાઈ છે.

અહંકાર એ જ જીવન !

તે મેં એક દાખલો આપ્યો હતો. એક ઠાકોર હતા. તેને ત્યાં એક સાધુ હતા, તે જમીનની અંદર બેસીને સમાધિમાં રહે અને પછી આઠ દહાડે નીકળે. માટી વચ્ચે જગ્યા રાખે, એની મહીં પોતે કહ્યું હોય એવો ખાડો કરાવે ને પછી પોતે મહીં સમાધિમાં બેસે. પણ પેલા ઠાકોરના મનમાં બહુ લાગી ગયેલું કે, ઓહોહો ! આ તો બહુ અજાયબી કહેવાય. એટલે ઠાકોરે કહેલું કે અમે તમને સુખપાલો લઈને, હાથી લઈને તમે બહાર નીકળો ત્યારે સામા તેડવા આવીશું, સામૈયું લઈને આવીશું. એટલે જ્યારે પેલો બહાર નીકળ્યો ત્યારે હાથી ને બધું લાવીને સામૈયું થયું. એટલે પેલાને સંતોષ થઈ ગયો. અને પછી ફરી છ મહિના પછી પાછો ફરી પેઠો. અને તે દહાડે સહજાનંદ સ્વામી ઠાકોરને ત્યાં આવી ચડેલા. ઠાકોર તો સહજાનંદ સ્વામીનેય માને અને પેલાનેય માને. એટલે પછી સહજાનંદ સ્વામી ભેગા થયા એટલે કહે છે, શું છે ઠાકોર ? ત્યારે પેલા કહે છે કે, 'આ પેલા સાધુ, એ તો દુનિયાની અજાયબી છે.' એટલે સહજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ કઈ જાતનું ? પછી સહજાનંદ સ્વામીએ ઠાકોરને એમ કહ્યું કે, 'કયે દહાડે તમારે સામૈયું કરવા જવાનું છે ?' ત્યારે કહે છે, 'આઠ દહાડા પછી સામું જવાનું'. ત્યારે સહજાનંદ સ્વામી કહે છે, 'આપણે નવમે દહાડે જજો.' અને પેલા આઠમે દહાડે નીકળ્યાને, તે 'કિધર હે રાજા, હાથી કિધર હૈ, યે કિધર હૈ, સુખપાલ કિધર હૈ ?' આ આશાથી મહીં જીવતો હતો. તે પછી બહાર નીકળીને કિધર હૈ, કિધર હૈ કરતો મરી ગયો. આના આધારે જીવતો હતો, જો આ ભેગું થયું હોત તો જીવત. પણ પેલા શોખે મારી નાખ્યો ! એટલે આ લોકો આવી રીતે 'હું આ કરું છું' આના આધારે ચાલે છે આ બધું. આપને સમજમાં આવ્યું ને ગેડ બધી પડીને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ હિન્દુસ્તાનમાં તો બધા બહુ જાતના, કંઈ પાર વગરના બાવાઓ છે. અહંકારને લઈને જીવી રહ્યા છે. અહંકારને નાખી દેવાનો હોયને તો એ મરી જાય. તે અહંકાર તો જીવાડે છે.

યોગી ને જ્ઞાનીમાં ફેર !

પ્રશ્નકર્તા : યોગી પુરુષનું વર્ણન છે કે સગાંસંબંધીઓ યોગી પુરુષનાં કેવાં છે ? ધૈર્ય એનો પિતા છે, ક્ષમા એની માતા છે, સત્ય એનો દીકરો છે અને શાંતિ એની બેન છે. આ દિશાઓ વસ્ત્ર સમાન છે, ભૂમિ એનો પલંગ છે, શૈયા છે. એટલે આ બધા યોગીનાં સ્વજનો છે. તો એ છતાંય યોગીને ભય કેમ ? એ મારો પ્રશ્ન છે.

દાદાશ્રી : એ યોગી છે પણ જ્ઞાની નથીને ! જ્ઞાનીને આવું તેવું હોય નહીંને ! જ્ઞાનીને બધું સહજ હોય. ઓઢાડો તો ઓઢીનેય બેસે અને સ્ત્રીનાં કપડાં પહેરાવો તો સ્ત્રીનાં કપડાંય પહેરે અને નાગા કરી નાખો તો નાગા ફરે. એટલે યોગીમાં ને જ્ઞાનીમાં તો બહુ જ ફેર હોય. જ્ઞાની નિર્ભય હોય.

પ્રશ્નકર્તા : એટલે યોગીમાં અહંકાર હોય ?

દાદાશ્રી : અહંકાર વગર તો આ ભૂમિ પર સૂઈ રહે, એવું બધું હોય જ નહીંને ? સહજ વસ્તુ શું છે કે ભૂમિ આવી તો ભૂમિ ઉપર, ગોદડું આવ્યું તો ગોદડા ઉપર. તમે કહો કે, ના દાદા, આ ત્રણ ગોદડામાં તમે સૂઈ જાવ તો અમે ના ન પાડીએ. આ સાપેક્ષ વસ્તુ છે કે મોક્ષે જતાં જતાં આવાં સ્ટેશનો આવે, તેથી કંઈ કાઢી નાખવા જેવું નથી. કારણ કે મૂળ સ્ટેશનને જાણીને આ કાઢી નાખવા જેવું નથી. આ ખોટું નથી પણ એની આગળ તો ઘણું જવાનું છે. આ કંઈ છેલ્લું સ્ટેશન નથી. જેમ કોઇ માને કે સુરત એ બોમ્બે સેન્ટ્રલ છે ને, એમ માની ને ત્યાં સુરત ઊભો રહીને વાત કરે, એવી આ વાત છે.

જ્ઞાનીના જ્ઞાનથી છૂટકારો !

પ્રશ્નકર્તા : યોગીઓને આ બધાં ચક્રો સિધ્ધ થઈ જાય પછી એ બહાર ભટકવા જાય ખરું ?

દાદાશ્રી : ચિત્ત ભટકતું ક્યારે અટકે ? જો જ્ઞાની પાસેથી જ્ઞાન લઈને જ્ઞાનીની આજ્ઞા પાળે તો ચિત્ત ભટકતું અટકે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી એ જ્ઞાની પુરુષની પાસે ના આવે ત્યાં સુધી એ ચિત્તવૃત્તિ કોઈ દહાડો પાછી જ ના આવે ?

દાદાશ્રી : 'જ્ઞાની' ના મળે ત્યાં સુધી કશું વળે નહીં. આ બધી ભાંગફોડ કરેલી નકામી છે. જ્યાં સુધી 'જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી ભૂખ્યા બેસી રહેવાય ? કંટ્રોલના ઘઉં મળે તો એ ખાવાના. જે બાવો મળ્યો તે બાવાની પાસે બેસવાનું. કંઈ ભૂખ્યું બેસી રહેવાય નહીં. બાકી જ્ઞાની મળશે તો છુટકારો છે, બીજે ગમે ત્યાં જશે પણ છુટકારાનો રસ્તો નથી.

પ્રશ્નકર્તા : પતંજલિએ યોગની વ્યાખ્યામાં કીધું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. અને આપ એમ કહો છો કે એની મેળે પાછી આવે. પેલામાં પ્રયત્ન છે અને આમાં પ્રયત્ન નથી.

દાદાશ્રી : હા, પેલામાં તો નિરોધનો પ્રયત્ન કરવાનો અને આ તો સહજ આવ્યા કરે, પાછી આવે. પહેલાં ચિત્તવૃત્તિઓ જે બહાર ભટક ભટક કરતી હતી, બધી પાછી આવે એ. જાય ખરી પણ ગયેલી પાછી વળી જાય. એવી નથી વળતી ? આપણે હાંકવા ના જવું પડે. અને પહેલાં તો હાંકવા જઈએ તોય પાછી ના વળે.

વેદનામાં સ્થિર તે અહંકારી !

પ્રશ્નકર્તા : પણ કહેવાય છે કે ગજસુકુમારને માથે મોક્ષની પાઘડી બાંધેલી, તો તે વખતે ગજસુકુમાર આત્માની રમણતામાં હતા, એટલે એમને ઉપર પેલી પાઘડીની ખબર ના રહી.

દાદાશ્રી : પાઘડીની ખબર ના રહી હોત તો મોક્ષ ના થાત. તે પાઘડીની ખબર રહી. માથું બળ્યા કરે છે તે જોયા કર્યું. તેમાં જે સમતા ધરી કે હું શુધ્ધાત્મા છું, આ જુદું છે એ જોયું પણ એમને જે સમતા રહી એ જ મોક્ષ છે. મહીં બળતરા થાય, બધી ખબર પડે. ના ખબર પડે એ તો બેભાનપણું છે.

કેટલાક લોકો એવા હોય છે કે આમ કરીને બળી મરે છે તે લોકો આવીને મને કહે છે કે એ જરાય હલ્યા નથી. મેં કહ્યું, અહંકારનો કાંકરો છે. જ્ઞાની પુરુષ તો હાથ બળતો હોય તો રડે-બડે બધુંય. જો રડે નહીં તો જ્ઞાની જ નહોય. એમને સહજભાવ હોય. આ તો અહંકારનો કાંકરો. કાંકરો આમ નાખો તોય કશું ના થાય. તે કોઈને ખબર નહીં પડવા દે આ લોકો. ના ચાલે આ બધું. આવો ફોગટનો ઈલાજ નહીં ચાલે. આ દાદો આવ્યો છે. હા, અત્યાર સુધી ચાલ્યું. આ જેમ છે તેમ જ કહેવું છે. અત્યારે તો ખોટું નાણું જ કઢાવ્યું હોય એ જ ચાલે. પણ હવે અહીં નહીં ચાલે.

વેદના જાણ્યા કરે ત્યાં સહજ !

પ્રશ્નકર્તા : એટલે એના પાછલાં કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી એ એને વેદ્યા કરે ને જાણ્યા કરે, વેદ્યા કરે ને જાણ્યા કરે ?

દાદાશ્રી : હા, વેદ્યા કરે ને જાણ્યા કરે.

પ્રશ્નકર્તા : એ જ્યારે જ્યારે પેલી શુધ્ધાત્માની સ્થિતિ આવે ત્યારે એની અસર મટી જાય એને તે વખતે ?

દાદાશ્રી : હા, વેદવી પડે. કારણ કે અસરનું બળ એટલું બધું હોય કે શુધ્ધાત્માને જાણતો હોવા છતાં પણ અસર વેદવી પડે. અસર હલકી હોય તો ના વેદવી પડે. આમ ને આમ પાંચ-સાત મછરાં કૈડી ગયાં હોય તો ના વેદવી પડે.

પ્રશ્નકર્તા : પણ દાદા, શારીરિક આ જે બધું એને થયું હોય, ત્યારે જ્ઞાની પુરુષ પણ શરીરની વેદના થઈ હોય તો બૂમો પાડે ?

દાદાશ્રી : જ્ઞાની પુરુષ બૂમ પાડે નહીં, શરીર બૂમ પાડે અને શરીર બૂમ ના પાડે તો જ્ઞાની ન હોય. બીજાં લોકો જાણી જાય તેથી અજ્ઞાની અહંકારે કરીને દબાવે.

પ્રશ્નકર્તા : એના અહંકારથી દબાવે ?

દાદાશ્રી : અહંકારથી બધું બંધ થઈ જાય. અહંકાર તો બહુ કામ કરે. અહંકાર જતો રહેલો એ જ્ઞાની. આમને પૂછો તો ખરા કે ઇન્જેક્શન આપતી વખતે અમને શું થાય છે ? ટાઢું કરવું પડે, ટાઢું. અહંકાર જતો રહેલો તેથી. નહીં તો મારો અહંકાર હતોને ત્યારે છે તે એક દીવાસળી સળગાવી ને મારો અંગૂઠો આમ ઉપર મૂકેલો. મેં કહ્યું, 'અહીં ધર.' તે બે દીવાસળી સળગતી રહી ત્યાં સુધી રહેવા દીધું હતું. અહંકાર શું ના કરે ? અહંકાર બધું જ કરી શકે અને આ સહજતા ના કરી શકે.

શરીર સ્થિર રાખે અહંકારી !

પ્રશ્નકર્તા : ના રડે તો અહંકારી ?

દાદાશ્રી : અહંકારી કહેવાય. એમનો દેહ સહજભાવમાં ના હોય.

પ્રશ્નકર્તા : એ કેમ અહંકારી કહેવાય, દાદા ?

દાદાશ્રી : અહંકાર હોય તો જ સ્થિર થાય. દેહને સ્થિર કરે એ અહંકારી ગણાય. એ બધાં અહંકારથી સ્થિર કરે છે. જ્ઞાને કરીને સ્થિર કરે એવાં હોય તે જુદા.

પ્રશ્નકર્તા : દાદા, યોગમાં બધું એમ જ કરે છેને ?

દાદાશ્રી : એ તો અહંકારે કરીને કરે છે ને.

એક ફેરો મહાવીર સ્વામીના કાનમાં બરું ઠોકી ઘાલેલું તે એમનાથી નીકળતું નહતું. તે બીજાએ કાઢી આપ્યું ત્યારે તો એ ગયું (નીકળ્યું) ? તે ઘડીએ ભગવાન 'ઓ ઓ' કરતા હતા ને આંખમાંથી પાણી નીકળ્યું હતું. તે જોઈને લોક કહે કે આ ભગવાન શાના ? ત્યારે અહંકારી હોય તે પાણી નીકળવા ના દે. સહજ સ્વભાવી હોય તેને તો પાણી નીકળે, 'બાપા, બાપા' હઉ કહે ! અહંકારી હોય તે તો બધું જ કરે. અહંકારી હોય તે તો આંખમાંથી પાણી ના નીકળવા દે ને બૂમેય ના પાડે ! અને ભગવાનને તો આ બરું કાઢ્યું તેની સાથે ઓ.. ઓ.. કરીને બૂમ પડી ત્યારે સાચા પુરુષ એ જાણ્યા કે ખરા ભગવાન તો આ જ છે. સહજમાં છે, સાહજિક છે અને અહંકારી સાહજિકતામાં ન રહે.

પ્રશ્નકર્તા : એને દુઃખ થતું હોય તો પણ દુઃખની લાગણી થવા ન દે, ખાસ દેખાવા ન દે.

દાદાશ્રી : એ અહંકાર છેને. અહંકાર શું ન કરે ત્યાં ? અહંકાર એ બહુ શક્તિવાળો છે. પ્રગટ ના થવા દે કે દુઃખ મારે હતું. એવું મહાવીરને નહીં. સહજ સ્વભાવમાં. એમના મનમાં એમ ના થાય કે આ હું જો હમણે રડીશ એટલે આ લોકોને ખોટું લાગશે આપણું જ્ઞાન. ભલે ખોટું લાગે. તે સહજતામાં હોય.

તેથી કૃપાળુદેવે કહ્યુંને કે જ્ઞાની પુરુષને સનેપાત થાય, લોકોને આવડી આવડી ગાળો દેતા હોય એ તો પણ તોય તું બીજું જોઈશ નહીં કહે છે. આ બાહ્ય લક્ષણોથી જોઈશ નહીં. એ સંયોગાધીન છે કહે છે. તું અસંયોગીને જો. એના એ જ છે એ. કૃપાળુદેવે ચેતવ્યા છે ઘણી ખરી બાબતમાં.

પ્રશ્નકર્તા : બહુ ઝીણી વાત. મહાવીરને ખીલા ખોડ્યા અને જો બૂમ ન પાડી તો અહંકાર છે.

દાદાશ્રી : હંઅ.

પ્રશ્નકર્તા : આ તો એવી ઝીણી માર્મિક વાત છે.

દાદાશ્રી : શરીર ઊંચું-નીચું થાય, કોઈ દઝાડે તો હાલી જાય એ બધો દેહનો સહજ સ્વભાવ. અને આત્મા પરપરિણામમાં નહીં, એ સહજ આત્મા. સહજ આત્મા એટલે સ્વપરિણામ.

બન્ને સહજ તો કામ પૂરું !

નિર્વિકલ્પી યોગ એનું નામ સહજયોગ કહેવાય. અને છેવટે આત્મા તો સહજ જ છે. આ દેહ જો સહજ થઈ જાય તો બધું કામ પૂરું થઈ ગયું. આત્મા સહજ જ છે. આત્મા અસહજ થતો જ નથી. પણ આ દેહ અસહજ થવાથી આત્માને સ્પંદન થયા કરે છે. દેહ સહજ થઈ જાય એટલે થઈ ગયું.

દ્ષ્ટિ કોની ?

દ્ષ્ટિ તો અહંકારને છે, આત્માને દ્ષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે. મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે !

પ્રશ્નકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ?

દાદાશ્રી : એ અહંકારને દ્ષ્ટિ થાય છે. પેલી મિથ્યા દ્ષ્ટિ હતી, તેનાં કરતાં 'આમાં' વધારે સુખ પડ્યું એટલે પછી એ અહંકાર ધીમે ધીમે 'આમાં' ઓગળતો જાય છે. અહંકાર શુધ્ધ થયો કે એ શુધ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરની પૂતળી હોય ને, તેલમાં નાખીએ તો ઓગળે નહીં પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુધ્ધાત્માની દ્ષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે, ત્યાં સુધી અહંકાર છે.

... તેનો મહાન ઉપકાર !

મૂળ વસ્તુ પામ્યા. પછી હવે અહંકારનો રસ ખેંચી લેવાનો છે. કોઈ રસ્તે ચાલતાં કહે, 'અરે, તમે અક્કલ વગરના છો, સીધા ચાલો.' એ વખતે અહંકાર ઊભો થાય. તે અહંકાર સહેજે તૂટી જાય. ખેંચાઈ જાય, રીસ ચઢે. એમાં રિસાવાનું ક્યાં રહ્યું ? આપણને હવે રીસ ચઢવા જેવું રહેતું જ નથી. અહંકારનો જે રસ છે તે ખેંચી લેવાનો છે.

બધાંને અપમાન ના ગમે. પણ અમે કહીએ છીએ કે એ તો બહુ હેલ્પીંગ છે. માન-અપમાન એ તો અહંકારનો કડવો-મીઠો રસ છે. અપમાન કરે તે તો તમારો કડવો રસ ખેંચવા આવ્યો કહેવાય. 'તમે અક્કલ વગરના છો' એમ કહ્યું એટલે એ રસ સામાએ ખેંચી લીધો. જેટલો રસ ખેંચાયો એટલો અહંકાર તૂટ્યો અને એ પણ વગર મહેનતે બીજાએ ખેંચી આપ્યો. અહંકાર તો રસવાળો છે. જ્યારે અજાણતાં કોઈ કાઢે ત્યારે લ્હાય બળે. એટલે જાણીને સહેજે અહંકાર કપાવા દેવો. સામો સહેજે રસ ખેંચી આપતો હોય એના જેવું તો વળી બીજું શું ? સામાએ કેટલી બધી હેલ્પ કરી કહેવાય.

અનિત્ય રૂપનોય અહંકાર ?

હવે આ રૂપ રહેવાનું નથી. આ રૂપ કદરૂપું થતાં વાર નથી લાગે એવું. ઘડીકમાં કંઈ 'બળિયા બાપજી' નીકળે તો શું નીકળે એનું રૂપ ? 'બળિયા' નીકળે તો પછી રૂપ રહ્યું ?! ગમે તેવું રૂપાળું હોય તોય ? કંઈ આપણા હાથમાં છે આ સત્તા બધી ? એટલે એનો અહંકાર ના કરાય. 'મારા જેવો કોઈ રૂપાળો નથી' એ અભિમાનમાં ગયું. માટે 'હું ગોરો છું' એવું એ બોલે છે, એ અહંકાર નથી. આ લોકો તો અહંકારને સમજતા જ નથી. ને અભિમાની તો તરત ઓળખાય.

પ્રશ્નકર્તા : ગ્રુપ ફોટો જ્યારે પાડવાનો હોય ત્યારે અભિમાન તરત જ દેખાઈ આવે.

દાદાશ્રી : હા. અરે, પેલો ફોટોગ્રાફર જ સમજી જાય કે આ અભિમાનમાં આવ્યો છે. પણ એ ફોટોગ્રાફર અમને જોતાં તરત જ સ્વીચ દબાવી દે. એ જાણે કે આ બિલકુલ અભિમાન રહિત દેખાય છે. અને પેલો અભિમાની તો આમ ચોક્કસ થઈ જાય તે ઘડીએ. અલ્યા, ચોક્કસ શું કરવા થઈ જાય છે ?! જ્યારે અમારે સાહજિકતા હોય.

'હું જાણતો નથી' એ સાત્ત્વિક અહમ્ !

પ્રશ્નકર્તા : એ તામસ અહમ્ કહેવાય. એ સાત્ત્વિક અહમ્ ના કહેવાય ને ? સાત્ત્વિક અહમ્ હોય તો પ્રાપ્તિ થાય કે ના થાય ?

દાદાશ્રી : સાત્ત્વિક અહમ્ રહેવો મુશ્કેલ છે ને ! એની વ્યાખ્યા કરવી બહુ મુશ્કેલ છે. સાત્વિક અહમ્ કેવો હોય કે 'હું કંઈ જ જાણતો નથી.'

પ્રશ્નકર્તા : જે સહજભાવે જ થાય.

દાદાશ્રી : ના. એવો અહમ્ જ કે, 'હું કંઈ જ જાણતો નથી.' એટલે આ બધા લોકો ફાંફા મારે છે, આખી દુનિયા ફાંફા મારી રહી છે. એક અક્ષર જડે એવી વસ્તુ નથી. આ સત્ય જડે એવું નથી. જે સત્ય આ લોકોને જડ્યું છે એ વિનાશી સત્ય છે.

અજ્ઞાન દશાના અહંકાર !

તે અમે અહંકાર નહીં પણ અભિમાનમાં આવેલા. અરે, તુંડમિજાજી હઉ થયેલા. અને વળી કેટલાક એમેય કહેતા કે ઘેમરાજી બહુ છે. કારણ કે અમારે જ્ઞાન નહોતું થયું તોય એ પૂર્વનો સામાન બધો એવો ઊંચો ભેગો થયેલો, એટલે મને એમ ખરું કે આપણી પાસે કંઈક છે. એટલી ખબર ખરી અને તેની જરા ઘેમરાજી રહ્યા કરે.

એટલે અહંકાર ક્યાં હોવો ઘટે, અભિમાન ક્યાં હોવું ઘટે, એ બધું ક્યાં ઘટે, એ બધું મારાં લક્ષમાં છે. હવે આજ અહંકારી પુરુષ એકુંય મળે નહીં, વિકૃત તો થયેલો જ હોય, અભિમાન સુધી તો ગયેલો જ હોય.

અહંકારી પુરુષ તે તો સાહજિક કહેવાય. એ સહજ અહંકાર છે અને તે અહંકારી હોય જ નહીં ને, આ કાળમાં ! ક્યાંથી લાવે અહંકારી ? આજ તો અભિમાની હોય. અહંકાર તો શું છે ? કે 'હું ચંદુભાઈ છું' એ જ અહંકાર છે. પણ એ તો સાહજિક વસ્તુ છે. એમાં એનો ગુનો નથી. અને અભિમાન શું ? કે આ પેલું કારખાનું અમારું, આ દવાખાનું યે અમારું, એટલે બતાડ બતાડ કરતા હોય તો આપણે સમજી જવું કે આ કોણ બોલી રહ્યું છે ? એમનું અભિમાન બોલી રહ્યું છે.

જ્ઞાનીને ઉન્મત્તતા નથી !

પછી બીજો કયો ગુણ ?

પ્રશ્નકર્તા : ઉન્મત્તતા નથી.

દાદાશ્રી : હા. ઉન્મત્તતા એટલે શું ? આપને સમજાય છે ? હું તમને તમારી ભાષામાં દેખાડી દઉં.

આ લોકો અહંકાર તો કેવો કરે તે ? અહીંથી આમ જતો હોય ને, ત્યારે સીધો 'સ્ટ્રેઈટ ફોરવર્ડ'ની રીતે જતો હોય, આમ સાહજિક રીતે પધ્ધતિસર ચાલતા હોય. અને પાછો આવતો હોય, તે ઘડીએ આપણે જાણીએ કે આ આનામાં કેમ ફેરફાર થઈ ગયેલો લાગે છે ? 'ફેસ' બદલાયેલો લાગે આપણને. પાછો આવતો હોય ત્યારે રોફભેર આવતો હોય. એટલે આપણે જાણીએ કે આ કંઈ ફેરફાર થયો છે કંઈક, આને 'ઇફેક્ટ' છે કંઈ.

એટલે એને આપણે કહીએ કે, 'આવો આવો, જરા ચા પીને જાવ.' આપણે પેલું તપાસ કરવા માટે ચા પાઈએ છીએ, એમના રોફ સારુ નથી પાતા. ત્યારે એ જાણે કે એનાં રોફને લીધે ચા પાય છે. આપણે ચા-પાણી પાઈને પછી પૂછીએ કે, 'કઈ બાજુ ગયા હતા ?' ત્યારે એ કહે, 'પેલા પાંચ હજાર રૂપિયા લેવાના હતા ને, તે લાવ્યો.'

ગજવામાં પાંચ હજાર આવ્યા, તે પાછું આ ચઢ્યું ! ઉન્મત્ત થઈ જાય. એને રોગ પેઠો છે આ, ઉન્મત્તતાનો રોગ ! એટલે એ રીંગણું થઈ ગયું પાછું 'ટાઈટ' ! નહીં તો 'આમ' થઈ જાય રીંગણું.

બોલો હવે, એ પાંચ હજાર જો માણસને 'ટાઈટ' કરતું હોય, માણસ ઉન્મત્ત થઈ જાય, તો અમને તો, 'જ્ઞાની પુરુષ'ને તો આખા ભગવાન જ વશ થઈ ગયેલા છે ! બોલો, અમારે 'ટાઈટ' કેટલું બધું હોય ?! પણ તોય ઉન્મત્તતા નથી જરાય. એ અજાયબી જ છે ને ! પાંચ હજાર જો આટલું 'ટાઈટ' કરતા હોય, તો ભગવાન - આખો ત્રણ લોકનો નાથ, જેને વશ થતો હોય તે કેવા 'ટાઈટ' હોય ?! પણ ના, ખરી લઘુતા ત્યાં જ હોય ! અમે તો નાના બાળક જેવા હોઈએ.

'હમ'નું સ્વરૂપ !

જ્યારે કંઈ કોઈ ચીજ ના હોય, ત્યારે 'હમ'નો જન્મ થાય ! ને અહંકાર તો કઈ પરિસ્થિતિમાં ઊભું થયું, તે પરિસ્થિતિ યે હોય. હવે અહંકાર તો ક્યારે ઓછો થાય ? કો'ક બહારવટિયો રસ્તામાં કપડાં કાઢીને સારો કરીને માર માર કરે તે અહંકાર બધો ઓછો થઈ જાય.

પ્રશ્નકર્તા : એ પેલા અજ્ઞાની માટે વાત છે ?

દાદાશ્રી : એ તો અજ્ઞાનીની વાત ! જ્ઞાનમાં તો અહંકાર હોય જ નહીં ને ! અહંકારવાળાને એ અહંકાર ઘટે નહીં. અહંકાર વધે એવાં જ બધાં સાધનો મળી આવે. પણ ઘટવાનાં સાધનમાં આવાં કોઈ બહારવટિયા મળે ને સારો કરીને મારે ને, તો અહંકાર ઊતરી જાય. અગર તો દસ લાખ રૂપિયાની મિલકત હોય અને પંદર લાખની ખોટ ગઈ તો અહંકાર ઊતરી જાય !

પ્રશ્નકર્તા : પણ એ બીજા ખૂણામાં પેસેને, પાછો ?

દાદાશ્રી : ના, ઓછો થઈ જાય, વધે નહીં. અહંકાર ને મમતા એ તો સહજ પ્રાપ્ત થયેલી વસ્તુ છે, એ ઊભી કરેલી વસ્તુ ન્હોય. અને 'હમ' તો ઊભી કરેલી વસ્તુ છે.

મૂળમાંથી જાય તો કામનું !

પ્રશ્નકર્તા : એ અહંકારનો નશો તો દારૂ કરતાં વધારે હોય છે, તે તો ઊતરે જ નહીં, નિરંતર ઊતરે નહીં.

દાદાશ્રી : આ સાધુ એમ નક્કી કરે કે મારામાં 'વંક જડાય પછીમાં' એ હોવું ના જોઈએ, આ મહાવીર ભગવાને કહ્યું હતું એવું. તો પછી 'વંક જડાય પછીમાં' ઉપર લક્ષ રાખ્યા કરવાનું. તો એનો ઉકેલ આવે એવો છે. એવી રીતે આપણામાં 'વંક જડાય પછીમાં'ની ભાંજગડ નથી પણ અહંકારનો ડખો લક્ષમાં રહેવો જોઈએ. ગાંડો અહંકાર હોય જ. એના ઉપર લક્ષ રાખ્યા જ કરવું પડે. હજુ નીકળે છે કે નથી નીકળતો એ ગાંડો અહંકાર ? હજુ છે ?

પ્રશ્નકર્તા : હવે બહુ નથી. થોડો થોડો પડ્યો છે, બહુ નથી.

દાદાશ્રી : ના, પણ એ બેસી રહેલો હોય. આટલો નાનો થઈને બેસી રહ્યો હોય. તો કાલે વધતાંય એને વાર ના લાગે. જડમૂળથી ઉખાડી નાખવો જોઈએ તો કામ નીકળી ગયું.

પ્રશ્નકર્તા : કેવી રીતે ઉખાડવો ? ભાવના કરવાની ?

દાદાશ્રી : ના, લક્ષ જ રાખ્યા કરવાનું. એટલે બીજી બાજુ પ્રયત્ન થાય, ઊંધું ચાલે ત્યાં આગળ કહેવું કે 'વંક જડાય પછીમાં' છો ?

અહંકાર ઉપયોગી !

પ્રશ્નકર્તા : અહંકાર હંમેશાં અવરોધકારક કે ઉપયોગી પણ ખરો?

દાદાશ્રી : અહંકાર વગર તો આ દુનિયામાં આ વાતેય લખાય નહીં. આ ચીઠ્ઠી લખવી હોયને તેય અહંકારની ગેરહાજરીમાં ના લખાય. અહંકાર બે પ્રકારના. એક ડિસ્ચાર્જ થતો (મડદાલ) અહંકાર, જે ભમરડા જેવો છે અને બીજો ચાર્જ થતો (જીવતો) અહંકાર, જે શૂરવીર જેવો છે. લડે હઉ, ઝઘડો કરે, બધું જ કરે. પેલાનાં તો હાથમાં કશુંય નહીં બિચારાનાં, જેમ ભમરડો ફરે. એટલે અહંકાર વગર તો દુનિયામાં કશું થાય જ નહીં. આ ચિઠ્ઠીય ના લખાયને ! પણ એ અહંકાર ડિસ્ચાર્જ થતો છે. તમને હેરાન ના કરે. અહંકાર વગર તો કાર્ય જ ના થાય. આપણે બોલવું પડે ખરું કે હું સંડાસ જઇ આવ્યો, મારે સંડાસ જવું છે. એ અહંકાર સહી કરે તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય ના થાય.

એક્ઝેક્ટ સહજતા, પણ અજ્ઞાનદશામાં!

શરીર તો આ ગાયો, ભેંસો છે ને ?

પ્રશ્નકર્તા : આ ચાલે છે એ પણ અહંકારથી, આ બેસે છે એ પણ અહંકારથી, ખાય છે પણ અહંકારથી. બધું અહંકારથી જ છે ?

દાદાશ્રી : બધું બધું અહંકારનું બધું તોફાન જ અહંકારનું ને ?

પ્રશ્નકર્તા : આ ગાય, ભેંસ ખાતા હોય એ પણ અહંકારથી જ ?

દાદાશ્રી : હા, એ અહંકાર જ હોય, એટલે અહંકાર સિવાય ચાલે નહીં ને એમનું બધું. લિમિટેશનવાળું હોય અને એમનો અહંકાર કેવો ? ચાર્જ કરે એવો નહીં, ડિસ્ચાર્જ થતો.

પ્રશ્નકર્તા : હા, ડિસ્ચાર્જ અહંકાર.

દાદાશ્રી : એટલે મડદાલ અહંકાર, નવું કાર્ય ન કરે, જૂના કાર્યનો નિવેડો લાવે.

પ્રશ્નકર્તા : પણ એ વસ્તુ હવે જ્ઞાન લીધું હોય એનો પછીની એવી વાત રહી ને ?

દાદાશ્રી : એવું જ રહ્યું પછી. અહંકાર એ ડખલ ના હોય ગાયો, ભેંસોને ત્યાં. એ જે રસોડામાં ઊભી હોય ને ત્યાં જ છે તો યુરીન બાથરૂમ જે છે એ જ બધું ત્યાં ને ત્યાં જ, એને એવું કશું ના હોય. એ જે ટાઈમે એ જેવો ઉદય. તે આપણે અહીં આગળ છે તે બુધ્ધિ જોર કરે.

પ્રશ્નકર્તા : બુધ્ધિ, બુધ્ધિ જાગૃત રાખે એ રીતે.

દાદાશ્રી : હા, અહીંયા વિવેક ઉત્પન્ન થયો કે આમ ના હોય, ત્યાં વિવેક ના હોય.

પ્રશ્નકર્તા : વિવેક બુધ્ધિથી જ ઊભો થાય કે સાહજિક હોય શકે ?

દાદાશ્રી : હા, બુધ્ધિથી, બુધ્ધિ વગર ના થાય. બુધ્ધિના પ્રકાશથી વિવેક પડેલો છે.

પ્રશ્નકર્તા : બુધ્ધિના પ્રકાશથી અને વિનય ?

દાદાશ્રી : વિનય હઉં બુધ્ધિના પ્રકાશથી.

પ્રશ્નકર્તા : બન્નેય બુધ્ધિના પ્રકાશથી જ છે.

દાદાશ્રી : અને પરમ વિનય જ્ઞાનના પ્રકાશથી.

આત્મા : શુધ્ધ ઉપયોગ !

આ દેહની સાથે આત્મા છે, તે આત્માને ઉપયોગ હોવો ઘટે. મનુષ્યો ચાર પ્રકારના ઉપયોગ કરી રહ્યા છે. આ જાનવરો આત્માનો ઉપયોગ કરતા નથી. ઉપયોગ ફકત અહંકારીઓને જ છે. જાનવરો તો સહજભાવે છે. આ ગાયો, ભેંસોને સહજભાવે રહે કે આ ખવાય ને આ ના ખવાય.

આત્માના ચાર ઉપયોગ છે. અશુધ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુધ્ધ ઉપયોગ.

પ્રશ્નકર્તા : આત્માના ઉપયોગ, તે 'શુધ્ધાત્મા'ના કે 'પ્રતિષ્ઠિત આત્મા'ના ?

દાદાશ્રી : પહેલા ત્રણ ઉપયોગ પ્રતિષ્ઠિત આત્માના છે અને શુધ્ધ ઉપયોગ તે શુધ્ધાત્માનો અને તેય ખરી રીતે પ્રજ્ઞાનો છે.

આ ઉપયોગમાં મૂળ આત્મા પોતે કંઇ કર્તા નથી.

ફેર, શુભ અને શુધ્ધ વ્યવહારમાં !

પ્રશ્નકર્તા : શુધ્ધ વ્યવહાર અને શુભ વ્યવહાર, આમાં ફેર શું ?

દાદાશ્રી : શુભ વ્યવહાર તો અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે. કારણ કે જ્ઞાનીને શુભ વ્યવહાર કરવાનો હોતો નથી, થઈ જાય એની મેળે. અને પેલો કરે છે એ. અહંકાર ખરોને એટલે શુભ વ્યવહાર કરે. એટલે તમે છે તે એમને કહો કે તમે અમને નુકસાન કરો છો. મારે તમારી જોડે કામ નથી કરવું, તો પેલો ભઈ શું કહે ? નુકસાન થયું હોય તે ભૂલી જાવ, પણ હવે નવેસરથી આપણું સારું કામ કરોને ! એટલે આપણે અશુભ કર્યું, પણ પેલો શુભ કરે છે. જ્યાં ચીઢાવાનું ત્યાં ચીઢાતો નથી ને ઊલટું આપણને વાળી લે છે. હમણાં અત્યાર સુધી જે થયું એ ભૂલી જાવ અને નવેસર જાણે કશું થયું ના હોય, કશું ગુનો ના કર્યો હોય, આવું ભૂલાડી દેને ? તો ગાડી આગળ ચાલે, નહીં તો ગાડી ઊભી રહે ડીરેલ થઈને. ડીરેલમેન્ટ થયેલા તમે જોયેલા બધા ?! એટલે આ એ શુભ વ્યવહાર અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે છે. જ્ઞાનીને સહજભાવે થાય છે, અજ્ઞાનીને કરવું પડે છે.

વ્યવહાર જાગૃતિપૂર્વકનો હોય, તેને આત્માનો ઉપયોગ કહેવાય. પછી શુભાશુભ વ્યવહાર જાગૃતિપૂર્વકનો હોય તોય આત્માનો ઉપયોગ. અને શુધ્ધ વ્યવહાર હોય તેય જાગૃતિ છે. પેલો શુધ્ધ વ્યવહાર એ આત્માના અનુભવ સહિતનો વ્યવહાર છે અને પેલો શુભ વ્યવહાર આત્માના અનુભવ સિવાયનો વ્યવહાર છે. પણ આત્માનો સ્વીકાર કરેલો છે, ત્યાર પછી જાગૃતિ આવે.

જ્ઞાની, અંતઃકરણથી જુદા !

પ્રશ્નકર્તા : અમારામાં જે મન છે, એવું દાદા પાસે મન છે. અમારે બુધ્ધિ છે, વિચારો છે એય દાદા પાસે છે.

દાદાશ્રી : આત્મા એકલો જ સરખો બધાને, બીજું બધું ફેરફાર છે બધો. બીજું બેઠક તમારી ને મારી ફેરફાર, એટલે હિસાબ બધો ફેરફાર. બીજો બધો માલ તો જુદો જુદો હોય, આત્મા બધો સરખો.

અત્યારે તો મન સરસ છે ને ? જ્ઞાની પુરુષની હાજરીમાં મન બહુ સારું રહે. એનું શું કારણ છે કે એમની હાજરીમાં જો આપણું મન આટલું સારું રહે છે તો એમનું મન કેવું સુંદર હશે ? એમને મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર હઉ હોય પણ સુંદર હોય. આવાં ગાંડાં ના હોય. સુંદર એટલે એ અહંકારેય આપણને મનોહર લાગે. મનોહર એટલે મનનું હરણ કરનારો લાગે. હવે જેટલી શક્તિ એક મનુષ્યમાં છે એટલી બીજામાં શક્તિ ખરી કે નહીં ? ઇન્ડિયામાં બર્થ (જન્મ) છે, અહીંનો જન્મેલો છે, તો શક્તિ બધામાં ખરી જ ને એને ડેવલપ કરવાની જરૂર.

જ્ઞાનીનું અંતઃકરણ કેવી રીતે કાર્ય કરતું હોય ? 'પોતે' જો ખસી જાય તો 'અંતઃકરણ'થી 'આત્મા' જુદો જ છે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્ય અંતઃકરણથી ચાલ્યા કરે. છૂટું પાડ્યા પછી જ્ઞાનીનું અંતઃકરણ પોતે જ સ્વભાવિક કામ કર્યા કરે. કારણ કે ડખોડખલ બંધ થઈ ગઈ ને, એટલે અંતઃકરણનું કાર્ય સારામાં સારું ને જ્યાં જરૂર હોય ત્યાં જ થાય ને લોકોને ઉપયોગી થઈ પડે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્યો અંતઃકરણથી ચાલ્યા કરે. એનું નામ જ સહજ !

મન, બુધ્ધિ, ચિત્ત ને અહંકાર હાજર ને હાજર રહે, તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે. વીતરાગ જ રહે.

પ્રકાર પોતાપણાના !

પ્રશ્નકર્તા : આ મોટી વાત નીકળી. એક રક્ષણવાળું ને બીજું 'એટેક'વાળું.

દાદાશ્રી : હા, એટલે 'એટેક'વાળું જાય તો પછી રક્ષણવાળું આવે. ત્યારે પોતાપણું ખરું કહેવાય. નહીં તો ત્યાં સુધી એને હિંસકભાવ જ કહેવાય. અને 'એટેક'વાળું પોતાપણું છૂટે ત્યાર પછી પેલું રક્ષણવાળું પોતાપણું છૂટવાની શરૂઆત થાય.

પ્રશ્નકર્તા : 'એટેક'વાળું પોતાપણું એ જરા વધારે સમજાવો ને !

દાદાશ્રી : કોઈકને દુઃખ થાય એવું પોતાપણું શું કામનું ? પોતાપણું આપણી પ્રકૃતિના રક્ષણ કરવામાં હોત તો વાત જુદી છે. એને પોતાપણું કહેવાય. નહીં તો પેલું તો પોતાપણું યે ના કહેવાય.

લોકોનું તો હજુ પોતાપણું કેવું છે ? પ્રકૃતિનું રક્ષણ કરવાની તો વાત છે જ, પણ ઊલટું 'એટેક' હઉ કરે છે, સામા ઉપર પ્રહાર હઉ કરે છે. એટલે આ મોટું પોતાપણું કાઢવાનું છે ને ? પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. કરતા હશે ખરા આપણા મહાત્માઓ ? તેથી જ સહજ થતું નથી, બળ્યું. આ તો જરાક અપમાન કરે તે પહેલાં રક્ષણ કરે, જરાક બીજું કંઈ કરે ત્યાં રક્ષણ કરે. એ બધું સહજપણું થવા જ ના દે ને !

ઉદયમાં તન્મયાકાર ઊંધી સાહજિકતા !

પ્રશ્નકર્તા : એ જ્ઞાન પછી સાહજિકતા કેવી હોય ? એ સમજાવો ને !

દાદાશ્રી : ઉદય આવેલો એટલું જ કરે. પોતાપણું ના રાખે. અને પેલું સાહજિક પોતાપણા સહિત હોય. પતંગ ચડાવવા ગયો તે સાહજિક. દાદાએ ના કહી, એને નહોતું જવું હોય તોય ગયા...

પ્રશ્નકર્તા : એ તો દાદા આજ્ઞાની વિરુધ્ધ ગયો કહેવાય ને ?

દાદાશ્રી : વિરુધ્ધ ને વળી સાહજિક કહેવાય પાછું. ભેંસ બનાવે, એ સાહજિકતા.

પ્રશ્નકર્તા : ભેંસ બનાવે ?

દાદાશ્રી : ત્યારે શું થાય તે ? શરીર તો જાડું મળે. કેટલા કિલોની હોય ?

પ્રશ્નકર્તા : ૨૦૦ કિલોનો આસપાસ હશે ?

દાદાશ્રી : એમ ! ૨૦૦ કિલોથીય વધારે હોય.૨૦૦ કિલો એટલે તો બે ગુણો એના જેવડી દેખાય છે !

બુધ્ધિ રહિત ત્યાં સાહજિક !

દેહ દાંતીયા કરતો હોય ને તેને પેલા જુએ, આત્મા જાણે, તો બેઉ સહજ કહેવાય. એ દાંતીયા કરવા ગેરકાયદેસર નથી આ, ગેરકાયદેસર હોય તો લોકો વાંધો કરે ને ? પણ તેનાથી છૂટો રહે, એને એમ ના થતું હોય કે હું કરું છું આ.

પ્રશ્નકર્તા : દેહ કરે છે, હું નથી કરતો.

દાદાશ્રી : દેહ કરે છે. ખરાબ અગર ખોટું હોતું નથી. ત્યાં આગળ સહજ આગળ. જોનારને ખરાબ-ખોટું હોતું નથી. કરનારને હોય છે. જેને બુધ્ધિ છે ત્યાં સુધી ખરાબ છે. જોનાર થયો એટલે જ્ઞાની થયો એને ખરાબ ખોટું હોતું નથી. એટલે આ કષાયો વિદાયગીરી લે છે.

દાદાની અનોખી સાહજિકતા !

પ્રશ્નકર્તા : જ્ઞાની પાસે પડી રહો એવું જે કીધું તે, પડી રહો ને એટલે પછી આ જ બધું જોવાનુંને ?

દાદાશ્રી : હા. એમની સહજતા આખો દહાડો જોવા મળે. કેવી સહજતા ! કેવી નિર્મળ સહજતા છે, કેટલાં નિર્મળ ભાવ છે ! અને અહંકાર વગરની દશા કેવી હોય, બુધ્ધિ વગરની દશા કેવી હોય, એ બધું જોવાનું મળે. એ બે દશાઓ તો જોવાની મળે જ નહીં ને ! અહંકાર વગરની દશા ને બુધ્ધિ વગરની દશા જોવાની ન મળે. જ્યાં ને ત્યાં બુધ્ધિશાળીઓ ! તે આમ વાત કરે ને, તોય નાક આમ ચઢેલું હોય ! કશું સહજ ના હોય. ફોટો પાડેને તે ઘડીએ નાક ચઢી જાય ! અને ફોટાવાળા અમને જુએ તો એને ફોટો ના લેવાં હોય તોય લઈ લે, કે આ ફોટો પાડવા જેવા છે ! એ સહજતા ખોળે. નાકની કડકાઈ દેખે તો ફોટો સહજ ના આવે.

એટલે કો'કની જોડે જઈએ ને, કો'કના ટોળામાં, ત્યાંય આપણું મોઢું ચઢેલું ના દેખે એટલે પેલા સમજી જાય કે ના, ધેર ઈઝ સમથીંગ. લોકોને જોતાં બહુ સરસ આવડે છે. પોતાનું રાખતા નથી આવડતું. પોતાનું મોઢું વીતરાગ રાખતા નથી આવડતું પણ સામાનું મોઢું વીતરાગ છે તે એ જોતાં બહુ સરસ આવડે છે, બહુ ઝીણવટપૂર્વક. મોઢું ચઢી ગયેલું સારું ના દેખાય, નહીં ? ફોટામાં જુએ તોય ખબર પડે કે આ ચઢી ગયેલું મોઢું છે. તેથી આ ફોટોગ્રાફરો ફોટો લે ને, તે સામો અસહજ થયેલો હોય એનો ફોટો લેતાં એમને ના ફાવે. એ સહજતા જુએ. અને અમારા માટે ખુશ જ. જેમ ફરીએ તેમ એ ખુશ. કારણ કે સહજ હોય. એ બહુ ખુશ થઈ જાય. સહજતા એમને જોઈતી હોય એ સહેજે મળે. અને પેણે તો કહેવું પડે, જરા સીધાં બેસજો. અને નહીં તોય ફોટો પડાવતી વખતે આપણાં લોકો તેમાં અસહજતા હોય અને તે રૂપાળાય ના દેખાય એ ફોટા. સહજ ફોટો રૂપાળો દેખાય. સારો કયો દેખાય ? સહજ. પેલો અહંકાર મહીં ફેલાયેલો હોય.

તમે ફોટા લો તો તમે એમ કહો કે તમે હાથ જોડો તો અમે હાથ જોડીએ, બસ. બીજું મારે શું ? કારણ કે અમને એવું ના મનમાં થાય કે આ મારો ફોટો લે છે, નહીં તો વિકૃત થઈ જઈએ. અમે સહજમાં જ હોઈએ. બહાર ગમે એટલાં ફોટા લેવા આવે તો ફોટાવાળાય સમજી જાય કે સહજમાં જ છે દાદા. તરત જ ચાંપ દબાવે.

અહંકારથી અટકી પૂર્ણાહૂતિ !

પ્રશ્નકર્તા : અહંકાર હંમેશાં અવરોધકારક કે ઉપયોગી પણ ખરો?

દાદાશ્રી : અહંકાર વગર તો આ દુનિયામાં આ વાતેય લખાય નહીં. આ ચીઠ્ઠી લખવી હોયને તે ય અહંકારની ગેરહાજરીમાં ના લખાય. અહંકાર બે પ્રકારના. એક ડિસ્ચાર્જ થતો (મડદાલ) અહંકાર, જે ભમરડા જેવો છે અને બીજો ચાર્જ થતો (જીવતો) અહંકાર, જે શૂરવીર જેવો છે. લડે હઉ, ઝઘડો કરે, બધું જ કરે. પેલાનાં તો હાથમાં કશું ય નહીં બિચારાનાં, જેમ ભમરડો ફરે. એટલે અહંકાર વગર તો દુનિયામાં કશું થાય જ નહીં. આ ચિઠ્ઠીય ના લખાયને ! પણ એ અહંકાર ડિસ્ચાર્જ થતો છે. તમને હેરાન ના કરે. અહંકાર વગર તો કાર્ય જ ના થાય. આપણે બોલવું પડે ખરું કે હું સંડાસ જઇ આવ્યો, મારે સંડાસ જવું છે. એ અહંકાર સહી કરે તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય ના થાય.

પ્રશ્નકર્તા : આપને સહજ થયેલું હોય બધું ?

દાદાશ્રી : તો ય કોઇ જગ્યાએ હાથ અડાડતાંની સાથે (ડિસ્ચાર્જ) અહંકાર ખલાસ થાય એટલે સહજ થાય. એ સહજ, તો ય પણ આ કોઇ કોઈ જગ્યાએ આ રહી ગયા હોય ટપકાં. કારણ કે રસ્તો પૂર્ણ થયો નથી ત્યાં સુધી અમુક ટપકાં રહે. ત્યારે જ પૂર્ણ ના થાય ને ! તેના માટે નહીં પણ જે ટપકાં રહી ગયા, તે સિવાય શું ? તો કહે, બધું સહજ છે. અને તમારે ય અમુક અમુક સહજ થતું જાય, પણ પેલાં ટપકાં વધારે છે. એટલે તમને એમ જ લાગે કે રાતું જ દેખાય છે.

પ્રશ્નકર્તા : એને જ ચિતરામણ કહેવાય છેને ?

દાદાશ્રી : એ તો હિસાબ આપણે ચૂકવ્યો નથી. ચિતરામણ તો એવું છે ને પ્રોજેક્ટ કરેલો હોય તે વસ્તુ ચિતરામણમાં આવે. પ્રોજેક્ટ ! એ ચિતરામણ રૂપકમાં આવે પછી એને લાગતું-વળગતું નથી આ. આ છે તે જેટલાં સહજ ના થયાં હોય એ બધાં ટપકાંવાળા હોય, ઘણા ખરાં સહજ થઇ ગયેલાં હોય. સહજ સ્વભાવે જ વર્તે.

પ્રશ્નકર્તા : એટલે એક જગ્યાએ જે આખો અહંકાર વર્તતો હોય અમસ્તો સાધારણ રીતે બધો ટાઇમ, એના બદલે અમારે વધારે વર્તતો હોય, ઓછો વર્તતો હોય, પછી આપને સાવ ઓછો થઇ ગયો હોય ?

દાદાશ્રી : ના, તમારે છે તે પાંચ-પાંચ મિનિટે જરાક બ્રેકડાઉન થાય. પછી વધતું જાય. સહજતા વધતી જાય તેમ પેલું ઓછું થાય. જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી સહજતા વધતી જશે અને પેલું ઓછું થતું જશે. અને મૂળ સરવાળે શું ? છેલ્લું સ્ટેશન શું ? ત્યારે કહે, આત્મા સહજ સ્થિતિમાં અને દેહ પણ સહજ સ્થિતિમાં, એ જ છેલ્લું સ્ટેશન. બન્ને પોતપોતાના સહજ સ્વભાવમાં.

પ્રશ્નકર્તા : કલ્પના કરવી મુશ્કેલ છે એ સહજતાની.

દાદાશ્રી : હા, એ કલ્પના કલ્પના હોય નહીંને ! કલ્પનામાં એ આવે નહીંને ! કલ્પનાનું ઝાળું એનું સરકમફરન્સ એરિયા(પરિઘ એરિયા) આટલું નાનું હોય, પેલો તો બહુ મોટો એરિયા.

સહજતા એટલે જ અપ્રયત્ન દશા !

પ્રશ્નકર્તા : પેલી ચરણવિધિમાં છેને, મન-વચન-કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાય, તો એ સહજતા કેવી છે ? એટલે સહજતાની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : સહજતા એટલે કોઈ પણ જાતનો આમ, જાડી ભાષામાં કહે તો અપ્રયાસ દશા. કોઈ પણ પ્રયાસ નહીં. આત્માએ કરીને પ્રયાસ નહીં અને દેહે કરીને ય કોઈ પ્રયાસ નહીં. માનસિકેય પ્રયાસ નહીં ને બુધ્ધિનો ય પ્રયાસ નહીં. પ્રયાસ નહીં, અપ્રયાસ દશા.

પ્રશ્નકર્તા : એ પછી મન-વચન-કાયાનો સુમેળ તો હોયને ?

દાદાશ્રી : અનાયાસ દશા થઈ. બસ, પ્રયાસ નહીં. અને એમાંથી પ્રયાસ કરનારો નીકળી જાય. મન-વચન-કાયા કામ કરનારા છે, પણ પ્રયાસ કરનારો નીકળી જાય. પ્રયાસ કરનારની ગેરહાજરી એ છે તે સહજદશા અને પ્રયાસ કરનારની હાજરી એ અસહજ. એટલે એ પ્રયાસ કરનારો જવાથી સહજ. પછી જે ક્રિયા થતી હોય તે એ ક્રિયાનો વાંધો નથી. પ્રયાસ કરનારનો વાંધો છે.

પ્રશ્નકર્તા : એટલે આ પ્રયાસ કરવાની પેલી આંટી જ પડેલી છે એને.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : આ કોઈ પણ પ્રક્રિયામાં પ્રયાસની ખરેખર જરૂર જ નથી ?

દાદાશ્રી : પ્રયાસની જરૂર, પેલું એનો કરનારો ના હોવો જોઈએ. પ્રયાસની જરૂર નહીં, એમ કહીએ તો તો પછી લોકો કામ કરવાનું છોડી દે બધું. છોડી દેવાનો ભાવ કરે. એટલે પ્રયાસની જરૂર.

પ્રશ્નકર્તા : પણ હકીકત શું છે અંદરની, એક્ઝેક્ટનેસ ?

દાદાશ્રી : એ પ્રયાસ કરનારો જ જતો રહે એટલે બસ થઈ ગયું.

પ્રશ્નકર્તા : આ જે મન-વચન-કાયાની પ્રક્રિયા થાય છે તે વખતે પ્રયાસ કરનારો ખરેખર હોય છે ખરો ?

દાદાશ્રી : પ્રયાસ કરનારો છે તે માટે જ આ પ્રયાસ કહેવાય છે. એ સહજ નથી કહેવાતું. પ્રયાસ કરનારો જતો રહે એટલે એની એ જ વસ્તુ પછી સહજ કહેવાય.

પ્રશ્નકર્તા : તો આ મન-વચન-કાયાની જે પ્રક્રિયા પ્રયાસ કરનારો કરે છે ત્યારે જે બની જાય છે અને પ્રયાસ કરનારો જતો રહે છે ત્યારે જે બને છે એ ખરેખર તો બન્ને મિકેનિકલ જ હતુંને ?

દાદાશ્રી : વસ્તુ એકની એક જ છે બનવામાં, બનવામાં ચેન્જ નથી.

પ્રશ્નકર્તા : એટલે આણે જો પ્રયાસ કર્યો ના હોત તોય એ જ બનત ?

દાદાશ્રી : પ્રયાસમાં ડખલ છે, એ ભાંજગડ છે.

પ્રશ્નકર્તા : ડખલનો ભોગવટો પોતાને આવે છે કે ડખલથી મન-વચન-કાયાનો ફેરફાર થાય છે ?

દાદાશ્રી : એ ફેરફાર થવાનોય નથી. પ્રયાસ કર્યો માટે અપ્રયાસ ના કહેવાય.

પ્રશ્નકર્તા : એ ખરું છે પણ એ પ્રયાસ થાય છે, તેનાથી મન-વચન-કાયાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે ?

દાદાશ્રી : કશોય ફેરફાર નહીં !

પ્રશ્નકર્તા : તો પછી પ્રયાસ કરવાથી શું પરિણામ ઊભું થાય છે ?

દાદાશ્રી : એ તો એનો અહંકાર છે ખાલી, 'હું કરું છું' !

પ્રશ્નકર્તા : એનાથી આવતા ભવની જવાબદારી ગણાય ?

દાદાશ્રી : હા, આવતા ભવની જવાબદારી લે છે. કારણ કે એ રોંગ બિલિફ છે.

પ્રશ્નકર્તા : અને એ રોંગ બિલિફ છૂટી જાય તો પ્રયાસ કરનારો જતો રહ્યો કહેવાય ?

દાદાશ્રી : પછી અપ્રયાસ દશા, સહજ થઈ ગયો. અમે ખાઈએ-પીએ એ બધું સહજ કહેવાય.

પ્રશ્નકર્તા : તો રોંગ બિલિફ હતી ત્યારે પ્રયાસ કરનારો કહેવાયો, એ રોંગ બિલિફ ગયા પછી શું બને છે એ ?

દાદાશ્રી : કશુંય નથી બનતું, ડખો જતો રહે છે.

પ્રશ્નકર્તા : પણ જેને રોંગ બિલિફ હતી એનું અસ્તિત્વ હોય છે પછી ?

દાદાશ્રી : એક બાજુ આત્મા ને એક બાજુ આ દેહ, અપ્રયાસ દેહ, મન-વચન-કાયા. એ પછી પુદગલ તો છે જ. પણ તે વચ્ચે ઇગોઇઝમ ભાગ ઊડી ગયો.

જેને સ્ટ્રેઈન પડતો હતો એ ચાલ્યો ગયો, થાકતો હતો તે ચાલ્યો ગયો. કંટાળી જતો હતો તે ચાલ્યો ગયો, વો સબ ચલે ગયા.

પ્રશ્નકર્તા : તો રહ્યો કોણ ?

દાદાશ્રી : કશુંય નહીં. આ સહજ રહ્યું. બીજા કોઈની મહીં ડખલ ના રહી.

પ્રશ્નકર્તા : આ દેહની ક્રિયા કરવાની હોય, વાણી છે, પણ એમાં પેલો અહંકારની જરૂર પડે છેને ?

દાદાશ્રી : કશી જરૂર નહીં. કૉઝિઝ કરનારો જ ચાલ્યો ગયો ત્યાં ! ઇફેક્ટ એકલી રહી.

પ્રશ્નકર્તા : તો પછી પેલું કહો છોને તમે કે અહંકાર સહી ના કરે ત્યાં સુધી ક્રિયામાં ના આવે, તો એ કયો અહંકાર પછી ?

દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર.

પ્રશ્નકર્તા : તો આ ડિસ્ચાર્જ અહંકારની ક્રિયામાં, એના પરિણામમાં શું ફેર હોય ?

દાદાશ્રી : સહજ ! પ્રયાસ કરનાર ના હોય, સહજ હોય.

પ્રશ્નકર્તા : હા, પણ એ સહજ હોય એમાં, પેલો પ્રયાસ કરનારો અહંકાર ના હોય, પણ ડિસ્ચાર્જ અહંકાર તો હોયને એમાં ?

દાદાશ્રી : એનો વાંધો નહીં. એ તો હોય જ ને ! એ તો એનું બધું મડદાલ. એનું નામ જ સહજ ક્રિયા.

- જય સચ્ચિદાનંદ