|
અક્રમ જ્ઞાને નિર્ભયતા અપાર ! સંપાદકીય અક્રમ જ્ઞાન જ્યારે જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થાય છે, પણ તે કર્મો ખપાવવા વગર, કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે શું મળ્યું છે તે સમજવા માટે જ્ઞાની પુરુષનો પરિચય ખૂબ ખૂબ જરૂરી છે. પોતાની રોંગ બિલિફો છૂટી અને 'હું શુધ્ધાત્મા છું'ની રાઇટ બિલીફ બેઠી. હવે શુધ્ધાત્મા પદ એ જ નિર્ભય પદ છે. હવે જ્ઞાન લીધા પછી મહાત્માઓએ પોતે નિર્ભય કઈ રીતે થઈ ગયા છે, ભય ક્યાં ઊભો થાય છે, કોનામાં ઊભો થાય છે, ભય પમાડનારા કોણ, પોતે ભયથી કેવી રીતે જુદું રહેવું, પાંચ આજ્ઞારૂપી જ્ઞાન કેવી રીતે ગોઠવવું કે જેથી પોતાના નિર્ભય પદને આંચ ના આવે, એ જાણવું ખૂબ જરૂરી છે. 'ચંદુભાઈ' (વાચકે પોતાનું નામ સમજવું)માં ભય ઉત્પન્ન થાય, તો એને 'પોતે' જ્ઞાને કરીને અડવા દેવાનો નથી. આત્માને ભય શો ? આત્મા એ કંઈ ચોરી જવાની વસ્તુ ના હોય, એના પર કોઈ ગોળીબાર કરી શકે નહીં, એને કોઈ કશું કરી શકે નહીં તો પોતાને ભય ક્યાં રહ્યો ? લૂંટાઈ જવાનો ભય તો પણ આ ચંદુભાઈને છે, ગજવું જેનું છે તેને, એના તમે માલિક થયા છો. જ્ઞાનદ્ષ્ટિથી સમજણ ફીટ થાય તો પોતાને કશો ભય અડે એમ નથી. 'હું ચંદુભાઈ છું' ત્યાં સુધી ભયવાળા છો ને 'હું શુધ્ધાત્મા છું' તો નિર્ભય છો. ચંદુભાઈને ભય આવે તે 'વ્યવસ્થિત છે', ન્યાયથી છે. મહીં ભય લાગે ને જ્ઞાનદ્ષ્ટિ ન રહે તો દાદા માથે છે ને, મને કંઈ થાય નહીં એમ કરીને રહો. આપણે હાલવાનું નહીં, તો કોઈ શક્તિ નામ ના દે. હાલનારને હલવા દેવું, આપણે ના હલવું. અસર થાય તે રિલેટીવને છે ને પોતે રિયલ જુદો છે. પછી પોતાને અસર ના જ થવી જોઈએ. કોઈ વખત નવી જાતનો અવાજ થાય તો ભય લાગે, પણ તે ભય નથી, ભડકાટ છે. તે શરીરમાં ભરેલો માલ છે, સંગી ચેતનાનો ભડકાટ રહે. શુધ્ધાત્માને કોઈ ભય ના હોય. 'આપણે' ભડકાટને જાણવાનો છે. પોલીસવાળા લઈ જવા આવે, તોય ચંદુભાઈને લઈ જશે, શુધ્ધાત્માને કોઈ ઓળખતું જ નથી, શી રીતે પકડે ? ફાંસીએ ચઢાવે તોય આત્માને ફાંસી નથી, આ બધી પુદગલની કરામત છે. ફાંસીએય પુદગલ છે, ફાંસી ચઢનારેય પુદગલ છે, ફાંસી ચઢાવનાર એય પુદગલ છે. આત્મા કોઈ દહાડો ફાંસીએ ચઢ્યો નથી, જે આપણે પોતે છીએ. આમ બધી રીતે સંસાર 'ચંદુભાઈ'ને અડે, પોતે ચંદુભાઈથી અસંગ-નિર્લેપ એવો શુધ્ધાત્મા જુદો, જ્યાં એવી સમજ રહે પછી ભય પરિણામ હોય જ નહીં. આમ અક્રમ જ્ઞાનમાં પરમ પૂજ્ય દાદા ભગવાન અનેક પ્રકારની જ્ઞાનચાવી સમજાવી દે છે, જે પ્રસ્તુત અંકમાં સંકલિત થઈ છે. જુદાપણાંની જાગૃતિપૂર્વક એ ચાવીએ ફીટ કરીએ તો સંસારે નિર્ભયદશા વર્તે. દીપક દેસાઈ અક્રમ જ્ઞાને નિર્ભયતા અપાર ! છૂટે જ્ઞાનીના સંગથી તમામ ભય ! પ્રશ્નકર્તા : દાદા, ભયની ગાંઠ કેવી રીતે ઓગાળાય ? દાદાશ્રી : આપણું આ જ્ઞાન મળ્યા પછી ભય બધા ઓછા થઈ જાય. પ્રશ્નકર્તા : કાલ્પનિક રીતે કોઈને આમ ભય રહેતા હોયને ? દાદાશ્રી : ના. ઘણાખરા ભય, એટલે જે મોટા હાઉ લાગતા હતા, એ બધા ઊડી જાય. પ્રશ્નકર્તા : પણ આમ બિલકુલ નિર્ભય ક્યારે થાય ? દાદાશ્રી : નિર્ભય તો, જ્ઞાની પુરુષની જોડે રહેવું પડે. બે મહિના-ચાર મહિના ભેગા રહેવું પડે. જોડે ને જોડે રહેને એટલે પેલો ભય પછી ઊડી જાય બધો. ભય એ પોતે કંઈ 'વસ્તુ' નથી, સમજફેરથી છે. પણ તે જ્ઞાની પાસે રહેવાથી માલૂમ પડી જાય કે આ સમજફેર થઈ અને પેલું એકલા રહેવાથી સમજફેરનું ત્યાં ગૂંચાઈ જાય. પ્રશ્નકર્તા : જે ભરેલો માલ હોયને, એ ભરેલો માલ નીકળતો... દાદાશ્રી : આ નવો માલ નથી, ભરેલો માલ છે એટલે નીકળી જવાનું એ બધું. આપણે અહીં માર્ગ જ એવો છેને કે બધું નીકળતું જ જાય. એક પછી એક નીકળતું જાય. નીકળ્યા જ કરે બધું ! બધું સંપૂર્ણ નિર્ભયપદ આપ્યું. માર્ગ જ એવો સુંદર ને સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ માર્ગ. એક તો કેટલા બધા ભય કાઢવા માટે તો 'વ્યવસ્થિત' આપી દીધું. કેટલા બધા ભય દૂર કરી દીધા ! કોઈ ભય રાખવાનું કારણ નથી. પ્રશ્નકર્તા : બધા જ ભય કાઢવા માટે વ્યવસ્થિત છેને ? દાદાશ્રી : હા, પણ તે વ્યવસ્થિત જેટલું સમજાતું જાયને, તેમ બીજા ભયો જતા જાય અને 'વ્યવસ્થિત' સંપૂર્ણ સમજાય એટલે કેવળજ્ઞાન થઈ જાય. પ્રશ્નકર્તા : હા. એટલે સંપૂર્ણ વ્યવસ્થિત સમજાય, એટલે બધા પ્રકારના ભય જતા રહેને ? દાદાશ્રી : જવા જ જોઈએ. વ્યવસ્થિતને જેમ છે તેમ જાણવું, તેથી બધા ભય જતા રહે. આટલે સુધી તો જાણ્યું આપણે. હવે જોડે બેસવાથી જાણતા જઈશું. કોઈ વખત પંદર દહાડા ભેગું રહેવાનું થાય તો ઘણું બધું જાણી લેવાય. તૈયારી કરી રાખી હોય તો પછી પંદર દહાડા ભેગું રહેવાનું થાય. જોડે બેસવાનું, જોડે ખાવાનું, જોડે પીવાનું, જોડે સૂઈ જવાનું, જોડે વાતો કરવાની, એક જ મકાનમાં હોઈએ. ભો વગરના હોય જ્ઞાની ! જ્યારે છેવટનો ભય જશે ત્યારે કામ થશે. લોકોને ભય ના જાય. ગમે ત્યાં પણ એ ભય જાય નહીં. નિરંતર તરફડાટ, ભય રહ્યા જ કરે. રસ્તામાં જવાનું હોય, કોઈ કહેશે, 'આગળ બહારવટિયો મળે એવું છે.' હવે ત્યાં ગયા વગર ચાલે એવું ના હોય, એટલે મહીં શું થાય પછી ? એ જ્ઞાન સાંભળ્યું એટલે તરફડાટ. આપણા જગતમાં તરફડાટ કેમ આવ્યો ? આ જગત આપણું, માલિક આપણે અને તરફડાટ કેમ આવ્યો ? કારણ કે એને પારકું જગત દાબી રાખવું છે. નહીં તો તરફડાટ હોતો હશે જરાય ? ચોર-બહારવટિયા બધા આવે. એ તો એમનો ધંધો છે, એમાં તરફડાટ શો ? ધંધો નહીં એમનો ? વેપાર છે અને તે આપણે ઘરાક સારા હોઈએ તો આપણને માલ આપે. નહીં તો માલ ના ય આપે ! કહેશે કે બળ્યો, આમને ક્યાં આપીએ માલ ? નકામો જાય. કોઈ પણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ. ભય છે ત્યાં સુધી કશું પામ્યા નથી. હવે તમને તો જ્ઞાન મળ્યા પછી ભય ઉત્પન્ન થાય તો તમે એને જ્ઞાને કરીને ફેરવી નાખો એટલે નીકળી જાય. આત્માને ભય શો ? આત્મા એ કંઈ ચોરી જવાની વસ્તુ ના હોય. એને કોઈ ગોળીબાર કરી શકે નહીં. એને કોઈ કશું કરી શકે નહીં, એને ભય ક્યાં રહ્યો ? ત્યારે કહે, 'લૂંટાઈ જવાનો ભય તો પણ આ ચંદુભાઈને છે, ગજવું જેનું છે તેને. તમે એના માલિક થયા છો. એમ ને ? અને એ જાણે કે ચિંતા-ઉપાધિ કરીએ તો પછી ના લૂંટે, નહીં ? તારા માથે ઉપાધિ જોઈને વહેલો લૂંટશે, મૂઆ. મારી મારીને દમ કાઢી નાખશે ! ચાર જીત્યા તેણે જીત્યું જગત ! જે ચાર બહારવટિયાથી ડગતો ના હોય, પણ પંદર-વીસનું ટોળું બૂમ પાડવા આવે ને જો ધ્રૂજી જાય તો પછી થઈ રહ્યુંને, ખલાસ થઈ ગયુંને ! જે ચારથી ના ડગ્યો તો ચાલીસથી ના ડગ્યો ને ચાલીસથી ના ડગ્યો, એ ચાર હજારથી ના ડગ્યો ને ચાર હજારથી ડગ્યો નહીં એટલે ચાર લાખથી ના ડગ્યો, ને ચાર કરોડથી ના ડગ્યો અને છેવટે આનો અંત આવશે. જે કોઈથી ડગી ગયો નથી, એને મૂઆ ચારનો શો હિસાબ તે ? આવા ચાર લાખ હોય તોયે શો હિસાબ ને ચાર અબજ હોય તોયે શો હિસાબ ? દાદા એ જ કહેવા માગે છેને કે ભઈ, આટલો આ અજ્ઞાનનો ભય ગયો કે સર્વ ભય ગયા. ભય અજ્ઞાનનો છે, ભય બીજા કોઈ છે જ નહીં. લોકોનો ભય શું રાખવાનો ? આ તો બિચારા ભમરડા છે, એ એમની મેળે ફર્યા કરે છે. કોઈકને વાગીય બેસે કો'ક ફેરો, પણ એમની પોતાની સત્તા નથી કોઈની. 'હું ચંદુભાઈ છું' ત્યાં સુધી ભયવાળા છો. 'હું શુધ્ધાત્મા છું' તો નિર્ભય છો. આપણે શુધ્ધાત્મા, પછી રહ્યો આ પડોશી. તે પાડોશીને કોઈ વઢવા આવે તો ન્યાયથી છે. સ્થિરને ન હલાવી શકે કોઈ ! આપણે સ્થિર હોઈએને, તો દુનિયામાં કોઈ શક્તિ આપણું નામ દે એવી નથી. આપણે સહેજ હાલ્યા તો બીજી બધી શક્તિ ખઈ ગઈ. આપણે હાલવાની જરૂર નથી. મહીં ભય લાગે તોય દાદા માથે છે ને, મને કંઈ થાય નહીં એમ કરીને રહો. આપણે હાલવાનું નહીં, તો કોઈ શક્તિ નામ નહીં લે. શક્તિ શું જુએ છે કે હાલ્યો ? હાલ્યો એ જોઈ લે. સહેજે હાલવાની જરૂર નહીં. આપણે હાલીએ તો ચંદુભાઈનું આવી બને. આપણે હાલીએ જ નહીં તો ? પ્રશ્નકર્તા : તો કશું ના આવે. દાદાશ્રી : હાલવાના સંજોગો તો હોય જ, એનું નામ સંસાર. સંસાર શેનું નામ કહેવાય કે નિરંતર હાલવાના સંજોગો જ હોય. હલાવ હલાવ હલાવ કરે, પણ હાલનારને હલવા દેવું, આપણે ના હાલવું. સ્થિરતા રહેને એવી ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કોઈ ભય લાગતો નથીને ? આ બધાને ભય લાગતો નથી, તો એ અજાયબી છેને ! કારણ કે સ્થિરતા હોય એટલે પછી ભય ના લાગે. પ્રશ્નકર્તા : એવા બે-ચાર જણ પોલીસવાળા ઓળખાણમાં રાખવા જોઈએ કે મહાત્માઓને આવી આવીને ટેસ્ટ કરી જાય. દાદાશ્રી : આપણા અમુક મહાત્માઓનો ટેસ્ટ થઈ જાય. એ બધા તૈયાર થઈ ગયા. કોઈ ચીજથી ડરે નહીં. કારણ કે રાત-દહાડો તૈયાર કરેલા, ગોદા મારી મારીને. પ્રશ્નકર્તા : એ તો ટેસ્ટિંગનો સામાન પણ મળતો રહેને ? દાદાશ્રી : હા. એટલે મને ખાતરી થઈ ગઈ કે આ લોકો તૈયાર, રેડી. ગમે તે કરોને, ફાંસીની સજા માટે તૈયાર થાય એવા તૈયાર થઈ ગયા છે. 'ચંદુભાઈ છે કે ?' કરીને હાથકડી લઈને આવે તો ? પ્રશ્નકર્તા : તો 'લઈ જા' કહું. દાદાશ્રી : એમ ? યાદ ના આવે કે આ લોકો મને શું કહેશે, એ બધું ? અમે ફોજદારને કહ્યું હતું કે 'સારું થયું દોરડું લઈને આવવું હતુંને, વાંધો નહીં. ઊલટા લોકો કહેશે, 'અંબાલાલભાઈ આવા છે. તે લોકોને આનંદ થાય બિચારાને !' એટલે ફોજદાર તો ગભરાઈ જ ગયો. એટલે બધી પરિસ્થિતિ માટે તૈયાર થાવ. ગમે તે પરિસ્થિતિ આવે. કારણ કે વ્યવસ્થિત છેને ! વ્યવસ્થિતની બહાર નથીને કશું ? હવે સમભાવે નિકાલ તો કરવો પડેને ? તો શું જવાબ આપીએ એ લઈને આવ્યો હોય તો ? એ જાતે લઈને આવ્યો છે ? ના, એનેય બાય ઓર્ડર, કો'કનો ઓર્ડર છે. પ્રશ્નકર્તા : એના હાથમાં નથી કંઈ. દાદાશ્રી : એનેય બાય ઓર્ડર અને પેલો ઓર્ડર કરનાર સાહેબના હાથમાંય કંઈ નથી, બધું આપણા કર્માધીન. પ્રશ્નકર્તા : આમાં તો અંદરનું પરમાણુ ન હલવું જોઈએ. દાદાશ્રી : એક પરમાણુ હાલવું ના જોઈએ. એ જ વાત હોવી જોઈએ. જગત આખું ભડકીને પરસેવો થઈ જાય, વગર ઉનાળે. શિયાળાને દહાડે પરસેવો થાય ! મારી-ઠોકીને કડક કરું છું તે, મારી જોડે બેસી રહેલા બધા. આમથી આમ અથાડું, આમથી આમ અથાડું. ભય રાખવા જેવી ચીજ જ ક્યાં છે ? કોઈથી ભય ના પામો, એવાં બનો ! આ બધું 'રિલેટિવ' છે. તેની પોતાને અસર થાય છે, તે ભયંકર નિર્બળતા છે. આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુ બની, તેની પોતાને અસર ના થવી જોઈએ. વીતરાગ ક્યારે કહેવાય ? આ જગતમાં કોઈ ચીજ સંબંધી ભય ના લાગે ત્યારે. વીતરાગનો સાર શો ? નિર્ભયતા ! આ જગતમાં કોઈ કંઈ પણ ના કરી શકે એવું આ જગત નિયમસર છે, માટે ભડકો નહીં. અને ભડકાટ આવવાનો છે, તે તમારા કોઈ ઉપાયે છૂટવાનો નથી. કારણ કે મેં તો જગત નિર્દોષ જોયેલું, દોષિત કોઈ છે જ નહીં. એ જોયેલું મેં. આ જગતમાં કોઈ જીવ દોષિત નથી, એ મારી દ્ષ્ટિમાં રહ્યા જ કરવાનું નિરંતર. જે કંઈ દોષ છે તે મારા જ કર્મનું પરિણામ છે. કોઈ જીવ એવો નથી કે તમારી ચીતરેલી ડિઝાઈનને તોડી નાખે. તમારી ડિઝાઈન જ છે આ બધી. કોઈનીય ડખલ નથી. અડધોઅડધ લૂંટનારા એ રસ્તા ઉપર હોય તોય લાખો રૂપિયાના દાગીના પહેરીને તમે જઈ શકો પણ કોઈ તમારું નામ ના લે એવું આ જગત છે. કોઈ રીતે ભડકવાની જરૂર નથી. કોઈ ભય ના પામે, એવું જીવન બનાવો ! જ્યાં પોતે પોતાનો ભડકાટ કોઈને લાગે નહીં એવું કરી નાખ્યું હોય, તેને આ દુનિયામાં કોઈ રીતે ભડકવાની જરૂર નથી. પોતાનો ભડકાટ લાગવો ના જોઈએ. આ તો જતાં પહેલાં ચકલીયે ઊડી જાય. અલ્યા મૂઆ, એવો કેવો પાક્યો કે ચકલી ઊડી જાય ? પણ ચકલાનેય થોડો વિશ્વાસ આવે, જાનવરને પણ વિશ્વાસ આવે. ના આવવો જોઈએ ? અત્યારે લાખ સાપ આવેને તો એ જુએ છે આંખો તરફ કે આ કેવો પોઈઝનસ માણસ છે ! એ પોતે તો પોઇઝનસ છે એવું જાણે જ છે, પણ જો એ પોઇઝનસ હોય તો 'ડંખ મારું' કહેશે. અને એનામાં કંઈ એ ના દેખાય, તો એ કંઈ કર્યા વગર ચાલ્યો જાય છે. પ્રશ્નકર્તા : બીજાને ભડકાવી મારે એ શું કહેવાય ? તેનું કેવું ફળ આવે ? દાદાશ્રી : એનાથી આપણે ભડકવાની જરૂર છે નહીં. બીજાને ભડકાવવાની ઇચ્છા જ ના હોય. કોઈ ભય ના પામે, એવું જીવન હોવું જોઈએ. એવું જીવન અહીં બનાવો. જોડે શું લઈ જવાનું છે, નકામું ભય પમાડીને ? મહાત્માઓને ભય નહીં પણ ભડકાટ ! આપણે હવે શુધ્ધાત્મા પદને પામ્યા છીએ. શેની ખોટ રહી છે હવે ? કશાની ખોટ રહી નથી. પ્રશ્નકર્તા : ખોટ કોઈ દેખાતી નથી પરંતુ જરા ભય રહે છે. દાદાશ્રી : એ ભય નથી. આ જ્ઞાન ના આપીએ તેને ભય લાગે. આખું જગત ભયમાં સપડાયેલું છે. અને આપણા મહાત્માઓ આ જ્ઞાન પછી ભયમાં ન હોય, પણ ભડકાટમાં હોય. ભય એ અજ્ઞાનથી છે. ભડકાટ એ દેહનો ગુણ છે. પ્રશ્નકર્તા : ભડકાટ એટલે શું ? દાદાશ્રી : દેહનો ગુણ છે એટલે એક રમકડામાં ચાવી આપી હોય, તે જેવી ચાવી આપી હોય તેવું જ રમકડું ચાલે. એનો મૂળ ગુણ નથી. તેવી રીતે દેહમાં ભડકાટ વણાઈ ગયેલો છે. એટલે આપણે ના કરવું હોય તોય થઈ જાય છે. અહીંયાં કોઈ ભડાકો કરે તો આપણી આંખ આમ બંધ ના કરવી હોય તોય થઈ જાય, એવો એ ભડકાટ છે. તે જ્ઞાન આપ્યા પછી ભડકાટ રહે અને અજ્ઞાન હોય તો ભય રહે. ભય અજ્ઞાનથી છે. આ જગતને ભય રહે છે, તે અજ્ઞાનનો ભય છે. અજ્ઞાનનો ભય ગયો એટલે ભય રહ્યો નહીં, ભડકાટ રહ્યો. અત્યારે કોઈ નવી જાતનો અવાજ થાયને ત્યાં અમારું શરીર હઉ કંપી જાય, આમ આમ. હવે કો'ક કહેશે કે ભઈ, દાદા ખરેખર કંપ્યા છે. ત્યારે કહે, ના, દાદા મહીં પેટમાં પાણી હાલે એવા નથી ! પણ આ ભડકાટ. એ સંગી ચેતના કહેવાય છે. સંગથી પોતે ચેતન ભાવને પામેલી છે. આત્માના અજ્ઞાનથી ભય રહે છે અને સંગી ચેતનાથી ભડકાટ રહે છે. ભડકાટ-ફફડાટ એ સંગી ચેતનાનો ગુણ છે. સંગી ચેતના એટલે આરોપિત ચેતના. વિધિ કરતો હોય કે ધ્યાનમાં હોય ને કંઈક મોટો અવાજ થાય ને જે શરીર ઓટોમેટિક હાલી ઊઠે, તે સંગી ચેતના કહેવાય. ડિફેક્ટને જાણનારો આત્મા ! પ્રશ્નકર્તા : દાદા, મારે મોટી ડિફેક્ટ એ જ છે કે... દાદાશ્રી : ડિફેક્ટ છે પણ જાણો છોને, તો તમે આત્મા છો. તમારે ક્યાં ડિફેક્ટ છે ? ડિફેક્ટ તો આ પુદગલ આવું છે, બંધ આવો બંધાયેલો છે. તેમાં આપણને શું નુકસાન છે ? દાદા માથે છે ને પુદગલ રાશી હોય તો દાદા ચલાવી લે, પણ આપણે શા માટે માથે લઈએ ? તમે ચંદુભાઈ હતા, ત્યાં સુધી તો માથે લેવું પડે. હવે ચંદુભાઈ નથી તો ચંદુભાઈનો ભાર આપણે શું લેવાનો ? પાડોશીને તો રીતસર હોય. એ રડે તો આપણે રડવા લાગવું ? આ ચંદુભાઈ આવા છે એવું જાણીએ, એનું નામ જ જ્ઞાન. તું આત્મા છે ને આ પુદગલ છે, મૂઆ. તારો ભડકાટ થયો કે ચઢી બેસે. આખું વર્લ્ડ આઘુંપાછું થાય. આ દેહને તાવ આવે કે પક્ષાઘાત થાય કે સળગે પણ ભડકે એ બીજા, કહીએ. પુદગલ કી ખોટ હે, અપને કો ખોટ કભી નહીં હોતી. ખોટ જશે તો પુદગલને ઘેર. આપણે ઘેર કોઈ દહાડો ખોટ જતી નથી. બેઉનો વ્યવહાર જુદો, વેપાર જુદો. શેઠ અને દુકાન જુદા હોય કે એક હોય ? પ્રશ્નકર્તા : જુદા જુદા. દાદાશ્રી : ત્યારે દુકાન સળગે છે ત્યારે જાણે કે હું સળગ્યો. અલ્યા, તું ક્યાં સળગે છે ? દુકાન સળગે છે. હેંડ, આપણે ચા પીએ. ત્યારે 'હું સળગ્યો, હું સળગ્યો', પારકી વસ્તુ માથે લઈને ફરે. પ્રશ્નકર્તા : આવા બનાવ કંઈક બને ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય છે તો ખરું જ. પછી પ્રતિક્રમણેય કરું. દાદાશ્રી : એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન એને ના કહેવાય. એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન તમારે નથી થતું. તમે તો આત્મા છો. એ તો ચંદુભાઈને થાય છે. તે એમાં ચંદુભાઈને આપણે વધુ પડતું હોય ત્યારે કહેવું, 'ભઈ, આમ જરા આસ્તેથી કામ લો.' અને વાત કરે ત્યારે આ ફાઈલ નંબર વન તારી, તે સામી વ્યક્તિ જોડે વાત કરે. તેને તુંય 'જાણું' અને એય 'જાણે', શું વાતચીત થઈ તે. આપણે જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી. આપણો સ્વ-ભાવ આપણામાં. ચંદુલાલને ડહાપણ આવ્યું હોય તો ડહાપણને જુઓ, 'ઓહોહો ! બહુ ડાહ્યા છે.' ગાંડપણ આવે તો ગાંડપણને જુઓ. ચકડોળે ચડેલું હોય તો ચકડોળે ચડેલું જુઓ. એ સિવાય બીજું શું થવાનું છે ? નાનપણમાં તમે કોઈ દહાડો ઇમોશનલ થયેલા ? પ્રશ્નકર્તા : થયેલા. હજુ પણ થવાય છે. પણ જ્ઞાન લીધા પછી ઓછું થઈ ગયું. દાદાશ્રી : હા. પણ જ્ઞાન લીધા પછી તમારે માથે જવાબદારી નથી ને ? એ તો પછી ચંદુભાઈની જવાબદારીને ? તો તમે જુદા, ચંદુભાઈ જુદા. ચંદુભાઈ ઈમોશનલ થાય, પણ તમે તો થતા નથી ને ? પ્રશ્નકર્તા : નહીં. કોઈ વખત પાછું ભેગું થઈ જાય છે ને કોઈ વખત જુદું થઈ જાય છે. દાદાશ્રી : ભેગું થઈ જાય છે એ વાત જુદી છે. પણ એ તો જુદું થયેલું છે. તે એક દહાડો ખરેખર જુદું રહેશે પછી. અત્યારે બીજી રૂમો બરાબર ખાલી થઈ નથી ને ? એટલે હમણાં ભેગું થવું પડે. બીજી રૂમો જેમ જેમ ખાલી થશે તેમ જુદું થઈ જશે, જુદા થયા માટે. ડરો તો પૌદગલિક ભૂતા વળગે ! પુદગલ ભય એ પૌદગલિક ભૂતાં છે. તેનાથી આપણે ડરવાનું ના હોય. આ પૌદગલિક ભૂતાં કહ્યાં. 'આપણે' 'ચંદુભાઈ'ને કહીએ, 'આમ વણિકની પેઠે કરો, એ ના ચાલે. ક્ષત્રિય થાવ. બીજા દુઃખો હજી આવવાં હોય તો આવો. પગ ફાટો, માથું દુઃખો' કહીએ. એ પુદગલ છે, આપણે આત્મા જુદા ! આ તો બધાં ભૂતો છે. તમે ડરો તો ભૂત વળગી જશે. મહીં બૂમ પડે કે ફાંસીએ ચઢાવશે તો ? ત્યારે કહીએ કે 'હા, કરેક્ટ છે.' આત્માને ફાંસી નથી. આત્માને કશું નથી. બધી પુદગલની કરામત છે. ફાંસી એ પુદગલ છે ને ફાંસીએ ચઢાવનાર હઉ પુદગલ છે. આત્મા કોઈ દહાડો ફાંસીએ ચઢ્યો નથી. આ તો દ્ષ્ટિમાં બેસતું નથી એટલે ગભરામણ થાય છે. પણ 'જ્ઞાની'ની દ્ષ્ટિએ એની દ્ષ્ટિ મળી ગઈ કે થઈ રહ્યું. એના માટે 'જ્ઞાની' પાસે પરિચયમાં રહેવું પડે. આત્મપ્રકાશ સદા નિર્લેપ ! પ્રશ્નકર્તા : અમારી પ્રકૃતિ છે તે કેટલીક પ્રકૃતિ ઊંચે જતી હોય છે ને કેટલીક નીચે જતી હોય છે. દાદાશ્રી : તે બધી પ્રકૃતિને જોવાની જ છે. આ મોટરની લાઈટ છે તે વાંદરાની ખાડીના કાદવને અડે, ખાડીના પાણીને અડે, ખાડીની ગંધને અડે, પણ લાઈટને કશું અડે નહીં. એ લાઈટ કાદવને અડીને જાય પણ કાદવ એને ના અડે, ગંધ ના અડે. કશું જ ના અડે. આપણે ભય રાખવાનું કોઈ કારણ જ નથી કે લાઈટ કાદવવાળું થઈ જશે, ગંધવાળું થઈ જશે કે પાણીવાળું થઈ જશે. આ લાઈટ જો આવું છે, તો આત્માનું લાઈટ કેવું સરસ હોય ! આત્મા લાઈટ (પ્રકાશ) સ્વરૂપ જ છે ! આવી ય પ્રેક્ટિસ પાડી રાખવી ! આ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું છે. પણ તમારી જાગૃતિથી એને બહુ હેલ્પ કરવી જોઈએ, પછી પુરુષાર્થ કરવો જોઈએ. જ્યાં સુધી તમે 'ચંદુભાઈ' હતા, ત્યાં સુધી પ્રકૃતિ હતી. તે પ્રકૃતિ જેમ નચાવે તેમ તમે નાચતા હતા. તમેે પુરુષ થયા ને પ્રકૃતિ જુદી થઈ ગઈ. પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થમાં એ જાગૃતિ તો છે જ. પુરુષાર્થમાં તો ફક્ત બીજું શું ? આપણે નક્કી કરવું જોઈએ. સ્થિરતાપૂર્વક બધી વાતચીત કરવી જોઈએ. પ્રશ્નકર્તા : આનો અર્થ એ થયો કે આ ખોટું કે સાચું, એનો આગ્રહ નહીં રાખવો ? દાદાશ્રી : ખોટું-સાચું તો જાણે છે જ નહીં. એ તો આગ્રહ રાખવાનો જ નથી. પણ આપણે કોઈ દહાડો ચાખેલું નહીં. અને તમને કહે કે તમે ચોરી કરી એટલે સાંભળેલું નહીં ને કોઈ દહાડો પ્રેક્ટિસ નહીં થયેલીને, એકદમ સાંભળવાનું થાય ત્યાં આગળ શું થાય ? એટલે ઇમોશનલ થાય. એટલે આપણે ચંદુભાઈને કહ્યું કે, 'ભઈ, ચોર જ છો. કો'ક ચોર કહે તો ગભરાશો નહીં.' એવું પહેલેથી આપણે કહી રાખવું પડે. હા, 'કોઈ કહે તો ગભરાશો નહીં. કોઈ ધોલ મારે તોય ગભરાશો નહીં' એવું આપણે કહી રાખીએ. નહીં તો પછી કો'ક ધોલ ના મારે ને અમથો અમથો આમ આમ કરે તોય છે તે અસર થઈ જાય. એટલે એવી પ્રેક્ટિસ પાડી રાખવી પડે. એવું રિહર્સલ કરાવી રાખવું. ના કરાવવું પડે ? કરાવી રાખેલું સારું. કો'ક ફેરો મુશ્કેલી આવે તે ઘડીએ, રિહર્સલ કરેલું ફળ આપે. નહીં તો આ જ્ઞાન તો ઘણાખરાંને, કેટલાંય માણસોને સમાધિ આપે છે નિરંતર ! છૂટું રાખવા, સમજી લેવું આમ ! એટલે ચંદુભાઈનું વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે. ત્યારે તમારે તો એ જોયા જ કરવાનું, ચંદુભાઈ શું કરે છે ને શું નહીં ? મન-બુધ્ધિ-ચિત્ત ને અહંકાર, એમાં કશામાં આપણે હાથ ઘાલવાની જરૂર નહીં. એ બુધ્ધિ શું કરી રહી છે તે જોયા કરવાનું. આડું કરતી હોય તેય આપણે જોયા કરવાનું, ખોટું કે સારું કરતી હોય તેય જોયા કરવાનું. પણ ત્યાં આપણે હાથ ક્યારે ઘાલવાનો કે ચંદુભાઈને સાંસારિક બહુ મુશ્કેલી આવી ગઈ હોય, ત્યારે આપણે 'હું શુધ્ધાત્મા જ છું. હું તમારી જોડે છું.' એમ કહીએ એટલે ઓલરાઈટ થઈ જશે. સાંસારિક મુશ્કેલીઓ આવે હાથની-પગની, બહુ મુશ્કેલી થતી હોય તે ઘડીએ 'છોને થાય, હું છું ને, ગભરાશો નહીં.' કહીએ અને નહીં તો બહુ શરીરને કંઈ અડચણ થતી હોય તો 'મારું ન્હોય' એમ કહો કે છૂટું રહે. કારણ કે લાઈન ઑફ ડિમાર્કેશન પાડી છે. આ તમારું ને આ તમારું ન્હોય, એવું બધું. એટલે આને રેગ્યુલર કોર્સમાં જરા સમજી લેવાની જરૂર છે. આ ભૂલશો નહીંને, હું બોલું છું તે ? ભરેલો માલ ખાલી થવાનો ! પ્રશ્નકર્તા : દાદા મળ્યા પહેલાંનાં બરફ જેવાં કર્મો હતાં, હવે એ સામાયિકથી ઓછાં થાયને ? દાદાશ્રી : ઓછાં થઈ જાય. પ્રશ્નકર્તા : પણ એ તદ્દન નિર્મૂળ તો નહીં થાયને એમ. દાદાશ્રી : ના. દેખાય, ભડકાવે ને પછી જતાં રહે, ભડકાવેય ખરાં. બાકી એની મેળે પેટી ખાલી થાય. પેટી ખાલી થઈ જાયને એટલે પછી તમે મહીં ખોળશો તોય જડશે નહીં. ઓછાં થવા નથી માંડ્યાં ? ઓછાં થતાં જાય, જેમ ટાંકીની મહીં ખલાસ થતી જાયને તેમ. ન બોલાય 'હવે વાંધો નથી' ! ઘણા લોકોના આચાર સારા હોય છે પણ અંદર બહુ જ ખરાબ હોય છે અને આચાર ભલે આપણા મહાત્માઓના ખરાબ હોય તોય પણ અંદર કેવા ડાહ્યા ! પ્રશ્નકર્તા : આ વાત સિધ્ધાંતની છે પણ કેટલીક વખતે અમારાથી શું થાય છે કે દાદાનું આ વચન છેને, તે આ એકાંતિક વચન પકડી લેવાય છે કે અમારા આચાર-બાચારનું કંઈ નહીં, હવે એ બધું અંદરનું જુઓ. દાદાશ્રી : એ પકડી લે છે, બસ. એ પકડી લેવાની જરૂર નથી. તમારે સમજવાની જરૂર છે કે ભય નહીં રાખવો જોઈએ, આવું બની જાય તો. પણ પકડી લો તો તમારું કાચું રહી જશે. પ્રશ્નકર્તા : પકડી લઈએ છીએ ને એના બચાવમાં બેસી જઈએ છીએ. દાદાશ્રી : નહીં, બચાવમાં ના બેસાય. હંમેશાં એવું છે ને કે જેમ કૂવામાં નથી પડવું એવો નિશ્ચય તમારો દ્ઢ હોય છે ને ? સો-બસો કૂવા હોય અહીં આગળ અને તેમાં રહીને રસ્તે આવવા-જવાનું હોય, તો અંધારામાં કંઈ પડતા નથી. કારણ કે તમારો નિશ્ચય છે કે મારે ગમે તે થાય પણ કૂવામાં નથી પડવું, એટલે એ ના પડાય. પણ તમે જો કૂવાના બચાવમાં જાવ તો પડાય. નિશ્ચય તો જોઈએ ને તમારો ? આ તો હું શેના માટે કહું ? તમને પકડી લેવા માટે નહીં, તમને ભયરહિત બનાવવા માટે કહું છું. તમારા આ બાહ્યાચાર આવા છે, વાંકા છે, તેનો વાંધો રાખશો નહીં. એનો અર્થ તમારે પકડી લેવાની જરૂર નથી, તમારે તો એમ જ રાખવાનું કે આ ન જ થવું જોઈએ, બસ. પછી થઈ ગયું, એને લેટ ગો કહીએ છીએ. આપણે 'વ્યવસ્થિત' કોને કહીએ છીએ કે ભઈ, ઊઘાડી આંખે ગાડી હાંક અને તે સાવધાનીપૂર્વક હાંક અને પછી અથડાઈ, તે 'વ્યવસ્થિત'. પછી ગુનો તમારો થઈ જાય તેનો વાંધો નથી, એ 'વ્યવસ્થિત' છે પણ આ સાવધાનીપૂર્વક હોવું જોઈએ. પ્રશ્નકર્તા : દાદા, એ નિર્ભય બનવા માટે આપ કહો છો પણ સાથે સાથે આ વર્તણૂંક અત્યારની મારી આવી છે એ જોઈને મને એવો વિચાર ના થવો જોઈએ કે આ મેં કેવો માલ ભર્યો છે ? દાદાશ્રી : એ તો આવવો જ જોઈએ કે મેં બળ્યો, આવો માલ ભર્યો ! પણ એ થાય બધાને. બધાય થાકે-કંટાળે ને બધાને ગમેય નહીં આ, પણ શું થાય ? કોઈ ઉપાય જ નહીં ને બીજો ! એટલે તમારે ફક્ત એટલું ન બોલવું જોઈએ કે હવે મારે કશો વાંધો નહીં. એવું તમારે બેફામ ન બોલવું જોઈએ. એટલું અમે કહેવા માંગીએ છીએ. બાકી અમે જે આપેલું છે, એ તો તમને કશું થવાનું નથી એવું જાણીને જ આપેલું છે, તમે બેફામ ના બોલો તો. પ્રશ્નકર્તા : પણ દાદા, આપનું જ્ઞાન આ થયું, બધું થયું, હવે હું એમ કહું કે હવે મને વકીલાત કરવાનો કોઈ વાંધો નથી, તો પછી ? દાદાશ્રી : ના, એ એવું ન બોલાય. તમે વકીલાત કરો, જેટલો વખત કરવી હોય એટલો વખત, પણ 'આ વાંધો નથી' એમ બોલ્યા એ પેલા કાયદાને તોડે છે. જોખમ ના ઊભું કરો. એ તો જોખમ ઊભું કરવું એ બે પાટા વચ્ચે ફીશ પ્લેટ કાઢી નાખવી અને એ બે સરખું છે. એ ગાડી ડીરેલ થઈ જશે. એવું બોલાય નહીં. બોલવાનું શા માટે ? અમે તો એટલા માટે કહ્યું છે ને 'બેફામપણે બોલશો નહીં, કે મને કંઈ જ નડવાનું નથી.' હવે એવું બોલશો નહીં. કારણ કે લોકો કો'કને આ દેખાડવા માટે પાવરમાં બોલે છે કે 'હવે અમને દાદા માથે છે, અમને કંઈ ના થાય'. તો એ પાવર નડશે, ના બોલાય એવું. પ્રશ્નકર્તા : આપે તો એટલો બધો સરળ-સુગમ માર્ગ બતાવી દીધેલો છે, પણ પછી જો સતત જાગૃતિ નહીં રાખીએ અને પાંચ આજ્ઞાઓ જો નહીં પળાય તો દાદાએ જે જ્ઞાન આપ્યું છે તે શસ્ત્રરૂપે પરિણમશે. દાદાશ્રી : તો રખડી જાય. છતાં ડહોળાઈ ગયેલું ઘી દિવેલમાંથી નહીં જાય, ઘણા અવતાર ઓછા થઈ જશે. પણ આ જે તમે ધારો છો એ સ્થાને જલદી નહીં પહોંચો, પાંચ આજ્ઞાઓ બંધ થઈ ગઈ તો. આ કાળ જ આખો કુસંગનો છે. ઘરમાં કુસંગ, ઓફિસમાં કુસંગ, વ્યાપારમાં કુસંગ, જ્યાં જુઓ ત્યાં કુસંગ, કુસંગ, કુસંગ. આ આજના જે સત્સંગો બહાર ચાલે છે તેય નર્યો કુસંગ જ છે. જો તમે અહીંયાંથી બીજે જાવ ને તો એ તમારા માટે કુસંગ છે. હવે એવા કાળમાં જો આ પાંચ આજ્ઞા ના હોય તો એ કોઈ કુસંગ એને ખાઈ જાય. એટલે પાંચ આજ્ઞા પાળે એટલે કુસંગ અડે નહીં એને. નહીં તો અહીં પડી રહો, પાંચ આજ્ઞા ના પાળવી હોય તો મારી જોડે પડી રહો, તોય કુસંગ નહીં અડે. છતાં આ જ્ઞાન લે છે ત્યારથી પોઝિટિવ ભાવ તો થઈ જ જાય મહીં એને. પ્રશ્નકર્તા : થઈ જ જાય, બરોબર છે, દાદા. આપે કીધું કે પોઝિટિવ થયા એટલે સંજોગો મળી આવે. દાદાશ્રી : માણસમાં નેગેટિવ હોય છે તે ગૂંચવાડામાં નાખે છે. માટે પોઝિટિવ જ રહો. આ જગતમાં જ્યાં સુધી માણસ ભયથી ધ્રૂજે છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ધર્મ પામી શકે નહીં. અમે 'તમારો કોઈ બાપોય ઉપરી નથી' કહીને તમારો ભય-ફફડાટ ચોગરદમનો કાઢી નાખીએ છીએ ને બીજું કંઈ ભય લાગતો હોય તો એ તમારો કાઢી નાખીએ, તેનો અર્થ નેગેટિવમાં લઈ જાવ તો ખરાબ થાય, એવી છૂટ આપવા નથી માગતા ! પ્રશ્નકર્તા : દાદા, અમને અમારા વિકાસની અંદર કયા કયા ભયસ્થાનો છે તે પણ આપને પૂછી લઈએ. કારણ કે પછી આપનું કોઈ વાક્ય એવું અમે નોધારું ઊપાડી લઈએ, એના કરતાં અહીંયાં પૂછી લઈએ તો શું વાંધો છે ? દાદાશ્રી : નોધારું વાક્ય ઊપાડવાથી બહુ મુશ્કેલી પડી જાય. મને પૂછોને તો વાંધો ના આવે અને હવે 'મને કશું અડવાનું નથી' એવું બોલવામાં એ એકલું જોખમ છે. અમે કહ્યું છે ને કે 'વિષયો વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે.' એટલે મને કહે છે કે 'હવે મને કંઈ થાય નહીં, દાદાનો થઈ ગયો છું એટલે.' નિડરતા થઈ એ જ વિષ છે. બેફામ થઈ ગયો કે થઈ રહ્યું, ખલાસ. એ સ્થાન જ નહોય એ તો. નથી તમે આત્મામાં કે નથી તમે ફાઈલમાં, આવું બેફામપણું ? 'મને કોઈ અડે નહીં' એ ક્યાંથી આવ્યું આ ? પ્રશ્નકર્તા : બરોબર છે, પેલા આત્મામાંય નથી અને ફાઈલમાંય નથી. દાદાશ્રી : આમાં બેઉ જગ્યાએ નથી અને આ નવો ક્યાંથી આવ્યો ? એટલે એ જોખમવાળું છે. એટલે અમે કહીએ છીએ ને કે 'ભઈ, અમે તમને એ ભય કાઢી નાખવા કહીએ છીએ કે વિષયો વિષ નથી, પણ વિષયોમાં નિડરતા એ વિષ છે.' કારણ કે આ આચારનાં જોખમ નથી, તે બધું મેં જ્ઞાનથી જોઈને કહ્યું છે. નહીં તો આટલી બધી કોણ વહોરે આ જોખમદારી ? એ તો બહુ જોખમદારી કહેવાય. અને તો જ તમે એકદમ નિવૃત્ત જ થઈ જાવ અને તો જ તમે આ ભયથી છૂટો. ભયથી છૂટી જાવ ને બીજી તમારી શંકા-કુશંકા એ બધું જે વહેમ હતા એ ઊડી જાય બધા. આમ થઈ જશે કે તેમ થઈ જશે, એ કશું થવાનું નથી, મૂઆ. તને કશું થવાનું નથી, હું છું ને તું છું. શુધ્ધતામાં રહેવા માટે 'શુધ્ધાત્મા' ! પ્રશ્નકર્તા : આપણે શુધ્ધાત્મા છીએ ત્યાં દ્વંદ્વ નથી એ બરાબર છે પણ શુધ્ધ શબ્દ શું કામ વાપરવો પડે છે ? દાદાશ્રી : હા, એ બહુ જ જરૂરિયાત છે, એ તો બહુ વૈજ્ઞાનિક શબ્દ છે, શુધ્ધ બોલવાનું. કેમ આત્મા ના બોલ્યા ? બીજો શબ્દ કેમ ના મૂક્યો ? ત્યારે કહે છે, જ્ઞાની પુરુષે તને શુધ્ધાત્મા પદ આપ્યું. અને તે પછી ચંદુભાઈથી દુનિયા આખી નિંદા કરે એવું અઘટિત કાર્ય થયું તોય તું શુધ્ધ છું એ છોડીશ નહીં, તો તારો કોઈ વાળ વાંકો કરનાર નથી. અને તારી શ્રધ્ધા ડગી કે માર ખાધો. તું શુધ્ધતા છોડીશ જ નહીં. એ કર્મ જતું રહેશે. કર્મ એનું ફળ આપીને જતું રહેશે. નહીં તો મનમાં રહી જાય કે આ ખરાબ કામ થયું એટલે હું બગડી ગયો. બગડ્યો એટલે ગોન. એટલે ગમે તેવું ખરાબ કાર્ય થાય, આખું જગત નિંદા કરે તોય તમારું શુધ્ધાત્મા પદ તૂટતું નથી, એવું આ અમારું જ્ઞાન મેં આપેલું છે. છતાં મનમાં કોઈ જો એમ કહે કે મને હવે કશો વાંધો નથી આવવાનો તોય એ લટક્યો. હા, ડરતા રહેવું. ડરતા તો રહેવું જ જોઈએ. આપણે કહેવું, 'ચંદુભાઈ ડરીને ચાલો, મહાવીર ભગવાન પણ ડરીને ચાલ્યા હતા.' શું કહેવાનું પાડોશીને ? ભય ના રાખો, પણ ડરો. એવો નિશ્ચય છોડાવે લાલચો ! એટલે 'કોઈ વસ્તુ ના ખપે' એવું નક્કી કર્યું, ત્યારથી લાલચ શબ્દ જ ઊડી જાય. નહીં તો લાલચ જ જોખમ ને ? ક્રિયા એ જોખમ નથી, લાલચ જોખમ છે. 'કોઈ પણ વસ્તુ ના ખપે', પછી આપણે લઈએ એ વાત જુદી છે. બાકી, આપણને લાલચ હોય નહીં. લાલચ તો નર્કે લઈ જાય અને જ્ઞાન પચવા ના દે. પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' પછી પણ આ લાલચો બધી રહેવાની ખરી ? દાદાશ્રી : કો'કને રહે. પ્રશ્નકર્તા : એને આ લાલચોમાંથી છૂટવું હોય તો તે શી રીતે છૂટે ? દાદાશ્રી : એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને ? પોતાનાં હિતને માટે છે ને ? નિશ્ચય કર્યા પછી, છૂટ્યા પછી પેલી બાજુ સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ મારું સુખ જતું રહેશે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે. પ્રશ્નકર્તા : પણ એ ભય નીકળે નહીં ત્યાં સુધી પેલો લાભ થાય નહીં ને ? એને પેલો ભય છે એટલે આ બાજુ નિશ્ચય ત્યાં સુધી થવા ના દે ને, એને ? દાદાશ્રી : એટલે ભયને લઈને એની લાલચ છૂટે નહીં ને એને ભય છે કે 'આ સુખ મારું જતું રહેશે.' અરે, જતું રહેવા દેને, અહીંથી. તો જ પેલું આવશે. ભય પમાડનારાને જુદા ઓળખો ! આપણું તો આ આત્મજ્ઞાન છે ! કંઈ જેવી તેવી વસ્તુ નથી. આ તો અજાયબ વસ્તુ તમને પ્રાપ્ત થયેલી છે ! અને આ જે બધા ભાવો આવે છે ને, મનના ભાવો, બુધ્ધિના ભાવો, તે બધા ભાવો ખાલી ભય પમાડનારા જ છે. એક ફેરો સમજી જવાનું કે આ લોકો ખાલી ભય પમાડનારા છે અને બુધ્ધિ જ્યાં સુધી વપરાય ત્યાં સુધી ડખો જ કર્યા કરે. ભયની ગાંઠ, મનમાં ! મન એટલે તો એ કોઠી ફૂટે એમ ફૂટ્યા કરે. મહીં ભરેલો માલ. ગયા અવતારના જ્ઞાનના પ્રમાણે માલ ભરેલો. આ અવતારના જ્ઞાનને ફીટ થાય નહીં એટલે સંઘર્ષ થયા કરે. પ્રશ્નકર્તા : માનની ગાંઠ હોય તો ? દાદાશ્રી : માનની ગાંઠો હોય તો એ ગાંઠ ફૂટે ને આપણને ભય, ભય ને ભય, એવું તેવું બધું દેખાડે. એ લૌકિક જ્ઞાન છે તે બધું, તે ભય ને એ બધું દેખાડે. એ બધી ગાંઠો ફૂટે. તેમાં કઈ વધારે ફૂટે છે આખા દહાડામાં, એ ગાંઠ મોટી. પ્રશ્નકર્તા : જ્યાં ભય લાગે ને ત્યાં જ મન જાય જાય કરે. દાદાશ્રી : મનને અને આપણે લેવાય નહીં ને દેવાય નહીં, નહાવાનુંય નહીં ને નીચોવવાનુંય નહીં. બાજુની રૂમમાં લોક ધાંધલ કરતાં હોય, વાતો કરતાં હોય, ઉપર માથાફોડ કરતાં હોય તો આપણે શું લેવાદેવા ? એવું આ જોડેની રૂમમાં મન છે, બુધ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, બધા કૂદાકૂદ કરતાં હોય ને તો આપણે શું ? આપણે જોયા કરવાનું. એ આપણી સાત પેઢીનો પિતરાઈ નથી. એ તો સાત પેઢીનો પિતરાઈ હોય ત્યાં નહાવાનું હોય ! અનાદિનો અજ્ઞાનનો પરિચય હતો ને, તે હજુ અજ્ઞાન ઊભું થયા કરે. તે આપણે એમને કહીએ કે 'હવે તમે ગમે તેવી બૂમો પાડો તોય અમે સાંભળવાનાં નથી.' તો પણ અનાદિનો પરિચય, તે ટેવ જાય નહીં. ટ્રેનમાં ભયંકર ભીડને લઇને મન પોતાની રક્ષા કરવાનું ખોળે છે, એટલે વિચારો આવે નહીં, તે ઘડીએ ખરી મજા આવે ! મન તો બહુ જાતના ખીચડા (ગૂંચવાડા) ભરી લાવે. પ્રશ્નકર્તા : મન તો ભરી લાવે પણ પાછું ચિત્ત, બુધ્ધિ, અહંકાર-કાયાને હલાવતું હલાવતું ચાલી જાય છે ને. મન એકલું સીધું રહેતું હોય, તો વાંધો નહીં, પણ આ તો બધાને હલાવતું જાય છે. દાદાશ્રી : આ તો બધું સામ્રાજ્ય જ એક જાતનું ને ! અનાત્મા વિભાગ આખો, ફોરેન ડિપાર્ટમેન્ટ આખું. જેવું ભર્યું હોય એવું ડિસ્ચાર્જ થયા કરે. એની મેળે ડિસ્ચાર્જ થાય છે. એમાં આપણે કશી લેવાદેવા નથી. ડિસ્ચાર્જ થઈ ગયા પછી આપણને હરકત કરતું નથી. એ ન હોય આત્મશક્તિ ! પ્રશ્નકર્તા : ક્યારેક એમ થાય છે કે વિચાર એ આત્માની શક્તિ છે ? દાદાશ્રી : ના, એ મનનો સ્વભાવ છે. અને મન પૌદગલિક વસ્તુ છે. બીજું શું પૂછવાનું છે ? પ્રશ્નકર્તા : આત્માને જો વિચારશક્તિ ન હોય, તો આપણને જે દોરવે છે એ મન-બુધ્ધિ દોરવે છે, તો આપણે દોરવાવું એનાથી, તે કેવી રીતે કરવું ? શું કરવું ? દાદાશ્રી : દોરવાવાનું નહીં. એ બધું જોયા કરવાનું. મન શું વિચાર કરે છે. મન ખરાબ વિચાર કરે તોય જોવાનું, સારા વિચાર કરે તોય જોવાનું, બસ જોયા કરવાનું. બહાર ભેગા થાય તે સ્થૂળ સંયોગો અને મન જે દેખાડે, ખરાબ વિચાર કરતું હોય, સારા વિચાર કરતું હોય, કો'કનું ખરાબ ચિંતવન કરતું હોય એ સૂક્ષ્મ સંયોગ કહેવાય. એ બધું આપણે જોયા કરવાનું. એની પર નિરીક્ષણ કરવાનું છે ફક્ત. બીજું કંઈ આપણે કરવાનું નથી. વિચાર એ આપણી શક્તિ નથી. એ શક્તિને પોતાની માનવાથી જ આ સંસાર ઊભો થયો છે. પછી એમ કહેશે, 'રસ્તામાં કંઈ ગાડી અથડાશે, તો શું થશે ?' ત્યારે કહીએ, 'શું થશે, તે આપણે જોઈ લઈશું. આપણે તો જોનાર છીએને ? જાણનાર ને જોનાર છીએ. બીજું શું થવાનું ?' મન આપણને બીવડાવે કે શું થશે રસ્તામાં ? પણ જે થશે તે જોઈશું અને તે 'વ્યવસ્થિત' છે. 'વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું નથી. એવું 'વ્યવસ્થિત' ગોઠવાયેલું છે કે જરાય અવ્યવસ્થિત ના થાય. મનનું વિરોધાભાસી વલણ ! પ્રશ્નકર્તા : મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે છે. દાદાશ્રી : વિચાર તો, એ તો એવું છે ને, આ મન છે તે તમને ઇન્ફોર્મ (જાણ) કરે છે. આ સારું છે, આ ભયવાળું છે, આ આમ છે, તેમ છે, એવું એ એનો ધર્મ બજાવે છે. નહીં તો એ ભયની જગ્યાએ ના ઇન્ફોર્મ કરે તો એને માટે ગુનેગાર ગણાય. એમાં જેટલું તમારે ગ્રહણ કરવા જેવું લાગે એટલું ગ્રહણ કરવું ને બીજું છોડી દેવાનું. મન તો ધર્મ બજાવે છે. આ અમે સાંતાક્રુઝથી અહીં આગળ ટેક્ષીમાં આવતા હોય, ને કોઈ જગ્યાએ કોઈ ગાડીઓની અથડામણ થયેલી હોય ને, તો અમારું મનેય કહે કે 'આગળ એક્સિડન્ટ થાય એવું છે.' ત્યારે મેં કહ્યું, 'ભઈ, અમે નોંધ લીધી. તારી વાત બરોબર છે. અમારે જાગૃત રહેવું જોઈએ.' પછી બીજો વિચાર આવે કે 'એવું કશું નથી કે જે તમને એક્સિડન્ટ કરાવે.' ત્યારે આપણે એમ કહેવું કે 'એ અમે નોંધ કરી.' પછી આગળ બીજી વાત કરે. એને એવું કશું નથી કે તમને મારવા જ છે. મનનો એવો સ્વભાવ નથી કે એક જ વાત ઉપર બેસી રહે. તમે મનની તપાસ કરેલી એવી કે એ એક જ વાત પર બેસી રહે છે ? પ્રશ્નકર્તા : ફર્યા જ કરે. દાદાશ્રી : આપણે જો એક વાત પર બેસી રહીએ ને, તો એ બેસી રહે. નહીં તો આપણે કહીએ કે તારી વાતની નોંધ કરી લીધી. તો એ આગળની બીજી વાત કરે. અને આપણે કહીએ કે 'હા, તારું કહેવું ખરું છે. હવે શું થશે ?' તો પછી કલાકો સુધી ચાલ્યા કરે. શાના શાના વિચાર આવે છે, એ ખબર પડે આપણને. મહીં મન બગડે કે 'આજે તમારા સાસુ મરી જાય તો શું થાય ?' ત્યારે કહીએ, 'સમજી ગયા અમે.' પછી કહે, 'તમારું મોત થાય તો શું થાય ?' ત્યારે કહે, 'એય સમજી ગયા. હવે આગળ ત્રીજી વાત કર' પાછું એવું હઉ બતાડે કે 'કાલે મરી જઈએ તો આ બધાનું શું થાય ?' ત્યારે આપણે કહીએ, 'એ અમે નોંધ્યું.' અરે, આટલી મોટી ઉંમરેય શાદી કરવાની વાત કરે, એવું આ મનનું, ક્યારે કેવું કહે એ કહેવાય નહીં. પણ તે આપણે આમાં સાંભળીને કંઈ ગુસ્સે થવાની જરૂર શું ? રાંડવાનું હઉ કહે, 'રંડાપો આવશે તો શું કરીશું ?' ત્યારે કહીએ, 'ભઈ, રાંડ્યા ચાલને. હવે આગળની બીજી વાત કર ને !' મનને છે તે કચ કચ કરવાની ટેવ પડેલી છે. આપણે ગણતરીમાં જ નહીં લેવાનું એને. એક માણસ પાછળ રહીને જતો હોય, એ આપણું શું કરવાનો હતો ? એના જેવું સમજી લેવાનું. વિચાર તો એની મેળે જ આવે છે, શું શું આવે છે, એને જોયા કરવાના. બસ, બીજું કશું નહીં. મનને એવું કશું નથી કે આમ જ બોલવું છે. તમે વાંકા થાવ તો એ વાંકું છે. એટલે નોટેડ ઇટ્સ કન્ટેન્ટસ્ (વિગતોની નોંધ કરી) એવું કહેવાનું. હા, નહીં તો કહેશે, 'મારું માન નથી રાખતા.' તારું માન પહેલું રાખવાનું, તો મન કંઈ દુઃખ દે ? નહીં. પ્રશ્નકર્તા : પણ એ જે તમને ઇન્ફોર્મ કર્યું જેણે, કે એક્સિડન્ટ થાય એવું છે, એ મન બોલે છે ? દાદાશ્રી : એ મન બોલ્યું અને પછી આપણે એક્સેપ્ટ કરીએ કે 'ભઈ, તારું કહેવું બરોબર છે.' એટલે પછી આગળની વાત કરે. આગળ પછી સત્સંગની વાત કરે. એને એવું નથી કે આ તમને ગમતું નથી. એ તો એને જેવું દેખાય એવું બોલી જાય. એટલે આ બધું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (સંયોગી પૂરાવા) છે. એટલે એની આપણે નોંધ લેવી જોઈએ. એ ભડકાવે ને આપણે ભડકીએ તો પછી ખલાસ થઈ ગયું ને ! એ તમને ભડકાવવા નથી કરતું. એ તો તમે 'ચેતો, બીવેર (ચેતો)' એમ કહે છે. અમે એવું બીએ નહીં. અજ્ઞાનીને બિવડાવી મારે. 'એક્સિડન્ટ થશે તો,' તેટલો વખત તન્મયાકાર થઈ જાય. એકાગ્રતા, ડ્રાઈવિંગ ટાણે ! કોઈ દહાડો અહીંથી મુંબઈ સુધીનું ડ્રાઈવિંગ કરો ને તો બધું એકાગ્ર રહે, ઘરબાર બધું ભૂલી જવાનું, જો એકાગ્ર રહે છે કે નહીં ? પૂછી જોજો એ લોકોને ! એ એકાગ્ર રહે છે, તેથી શેઠિયાઓ ડ્રાયવર થાય છે ને ડ્રાયવરને કહે છે કે, 'ભઈ, તું મહીં (શેઠની જગ્યાએ) બેસ !' લોકો કહે છે કે આ શેઠિયાઓને આવો શો શોખ હોતો હશે, ગાડી હાંકવાનો ? પણ એમનું એકાગ્ર થાય છે ને ! પેલું વ્યગ્ર થયું હોય ને, તે ઠીક થઈ જાય છે, તે આનંદ થાય છે. આખો દહાડો વ્યગ્ર, વ્યગ્ર, ભટક, ભટક કર્યા કરતો હોય છે અને ગાડી ચલાવવા બેઠો ને તે એકાગ્રતા ! અને આમાં એકાગ્ર ના થાય તો અથડાઈ પડે. એટલે કાં તો ભયથી એકાગ્ર થાય કે કાં તો ભગવાનનો તમને ખૂબ ભય લાગતો હોય તો તમે એકાગ્ર થાવ. કાં તો એની ઉપર રુચિ ઉત્પન્ન થતી હોય, રૂપિયા જેવી, લક્ષ્મી જેવી રુચિ ઉત્પન્ન થતી હોય તો થાય. એ રુચિ ઉત્પન્ન કરવા માટે શું કરવું ? તે માટે પ્રયત્ન કરવા જોઈએ, બસ ! મન વર્તે રડાર જેમ ! મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે ? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય છે ને, તે રડારમાંથી દેખાય કે આ બાજુથી ત્રણ એરોપ્લેન લડવા માટે આવી રહ્યાં છે. તે ઘડીએ એ જોનારો ભડકે નહીં. તે ભડકવા માટે રડારમાં નથી દેખાતું. તે વખતે જોનારો દિશા બદલી નાખે કે આ દિશામાંથી આવે છે, માટે આપણે આ બીજી દિશામાં ચાલો. એવો સદુપયોગ કરવાનો છે. આ રડાર જેવો સ્વભાવ છે એનો. તે જે એને નજદીકમાં ભય દેખાય, તો બૂમાબૂમ કરી મેલે. જેમ રડાર ભડકાવેને પેલાને, એવું અહીં મન ભડકાવે. એ કહેશે, 'એય પાછળ પ્લેન આવ્યા, એય પ્લેન આવે છે બધાં.' આપણે કહીએ, 'હા, અમે વાળીએ છીએ. સમજી ગયો.' એટલે કેટલીક ફેર રડારની પેઠે હેલ્પ કરે છે. આ તો ખાલી મહીં મન છે ને, તે ટિમિડતાવાળું હોય. અમથું જ બૂમાબૂમ કરી મેલે કે 'એ આવ્યા, એ આવ્યા.' ત્યારે કહીએ, 'ભઈ, આવવા દેને, અમે આ બાજુ જઈએ છીએ. તું શું કરવા બૂમાબૂમ કરે છે.' પછી પાછું સત્સંગની વાત કાઢે. પછી એ વાતને પકડી રાખે એવું કશું નથી. આપણે વાંકા છીએ. આપણે ભડકી જઈએ છીએ ને, પછી પેલું મન ખસતું નથી. એને સમજાવીએ એટલે પછી ભડકે નહીં. મન રડારને જુદું જાણો ! પ્રશ્નકર્તા : આ મન જ્યારે કહે છે, ત્યારે પર્યાય એનાં કંઈક હોય તો જ કહે ને ? દાદાશ્રી : તમને ચેતવણી આપે છે અને જેવી લાગે એવી દેખાડે છે તમને, એમાં એનો ગુનો શો બિચારાનો ? એને એવા સંજોગો લાગે ને, તેથી આપણને ચેતવે છે. નહીં તો બોલે નહીં પણ સંજોગો બધા જેવા દેખાય છે તેવા નથી હોતા. પણ એને તો પોતાને જેવું દેખાય છે તેવું કહી દે. એ એની ફરજ છે. મન ડ્યુટી બાઉન્ડ (ફરજથી બંધાયેલું) છે. એટલે રડાર તો જોઈએ જ ને ! ત્યારે લોકોને આ રડાર કાઢી નાખવું છે. અલ્યા, માઈન્ડ વગર તો કેમ ચાલે ? માઈન્ડ તો જોઈએ જ. એ ભય સૂચવે અગર તો આનંદની જગ્યા હોય તો ત્યાં દેખાડે કે બહુ સરસ, આનંદની જગ્યા છે. જગતના લોકો શું કહે છે ? આવો ભય ના બતાવશો. એમને મન ભય બતાડે તે નથી ગમતું. પણ આપણને ભય બતાડે તો શુધ્ધાત્મામાં પેસી જવું. એબ્નોર્મલ વિચારો આવે ત્યારે... એટલે દરેકે (મહાન પુરુષોએ) એમ કહેલું કે ચિંતા શું કરવા કરો છો વગર કામની ? તમારે તો ફક્ત શું કરવાનું ? વિચાર સહજ ભાવે કરવાના. અને વિચાર એબ્નોર્મલ (પ્રમાણ કરતાં વધી) જાય એટલે ચિંતા થઈ કહેવાય. વિચારમાં એબ્નોર્મલ થયું એટલે ચિંતા થાય, ત્યાં તમારે બંધ કરી દેવાનું. જેમ વાવાઝોડું બહુ આવતું હોય તો આપણે બારણા ક્લોઝ (બંધ) કરીએ છીએ ને ? એવી રીતે મહીં વિચારો એબ્નોર્મલી આગળ ચાલ્યા એટલે બંધ કરી દેવાના. નહીં તો એ પછી ચિંતાના રૂપમાં થઈ જાય. પછી જાતજાતના ભય દેખાડે ને જાતજાતનું દેખાડે. એટલે એ દિશામાં જવાનું જ નહીં. આપણે જરૂરિયાત પૂરતા વિચાર, બાકી બંધ. ન આશ્ચર્ય પામવું જગમાં ક્યાંય ! પ્રશ્નકર્તા : આશ્ચર્ય ના હોય ને ભય હોય તોય મન અટકે ? દાદાશ્રી : એ ભય કહો કે આશ્ચર્ય કહો ત્યાં મન અટકી જાય. આ બધાંને જ્ઞાન આપીએ છીએ ને, એટલે ભય જતો રહે છે પણ છતાં આ એક આશ્ચર્ય એને થઈ જાય છે કે આ શું થયું પાછું ? 'ખાંડ નથી' એવું સાંભળ્યું કે થોડો વખતેય, બે મિનિટ-ત્રણ મિનિટેય, વધારે ના ગૂંચાય પણ ત્રણ મિનિટેય ગૂંચાય. વિચાર હઉ આવે કે શું કરીશું, આ આમ કરીશું, તેમ કરીશું. રસ્તા ખોળે ને એમાં ને એમાં પાછો ગૂંચાયા કરે. જાણે અત્યારે ને અત્યારે જ લઈ આવવાની હોય, એવું ! હજુ તો કાલે લાવવાનો છે પણ અત્યારે શું કરવા ગૂંચાવાની જરૂર છે ? પ્રશ્નકર્તા : મનમાં ગોઠવે ને કે કેવી રીતે લાવવું ? દાદાશ્રી : એ ગોઠવણી સવારમાં કશું રહેતી નથી. એ સવારમાં ભૂલી ગયો હોય. આ તો એને કટેવ જ પડેલી છે ખાલી ! હવે તો આધાર તોડવો, એ જ પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : નિશ્ચિંત અને નિર્ભય ના થાય તો આપેલો આત્માય જતો રહે ? દાદાશ્રી : ના, એ તો એમાં પછી રહ્યું નહીં ને ! આપણે ત્યાં બને નહીં. પણ વસ્તુસ્થિતિમાં પ્રયોગ કરવો જોઈએ. અનાદિકાળથી સંસાર શેના આધારે ઊભો રહ્યો છે ? જે આધાર હજી તૂટ્યો નથી. એટલે એને આધાર તોડ તોડ કરવો પડે. આપણું જ્ઞાન લીધા પછી શું તોડ તોડ કરવું પડે ? પ્રશ્નકર્તા : આધાર તોડવો જોઈએ. દાદાશ્રી : જેના આધારે આ જગત ઊભું રહ્યું છે, સંસાર ઊભો રહેલો છે, તે આધાર તોડ તોડ કરવાનો છે. બીજું કશું નહીં. હવે શેનાં આધારે જગત ઊભું રહ્યું છે ? ત્યારે કહે, મનના જે પર્યાયો છે, મનની જે અવસ્થાઓ છે, તેમાં આત્મા તન્મયાકાર થાય છે, તેથી સંસાર ઊભો રહ્યો છે. નથી બુધ્ધિ પજવતી કે નથી બીજું કોઈ પજવતું. આ તો આત્મા એની મહીં તન્મયાકાર થયો, તેથી સંસાર ઊભો રહ્યો છે. એટલે મનનાં પર્યાયોને તોડ તોડ કરવાં જોઈએ. આ 'મારા ન હોય, મારા ન હોય', ત્યાં બેઠાં બેઠાં હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે કે છૂટો થઈ ગયો. અનાદિનો અભ્યાસ છે ને, તે છૂટો થવા દેતો નથી. એમાં મીઠાશ વર્તે છે. એ મીઠાશ શુધ્ધાત્માને નથી વર્તતી, એ અહંકારને વર્તે છે. એટલે એ તોડ તોડ કરવું પડે. બેને છૂટું જોવું. છૂટું જ જોવું પડે, તો જ ઉકેલ આવે. વિચારોનો સ્વભાવ, વિચિત્ર ! વિચારોનો સ્વભાવ કેવો છે ? ખાટકી વાડે (કતલખાને) જાય તેવા વિચાર આવે. 'શેષા મે બાહિરાભાવા.' ત્યારે કહે, 'બાહિરાભાવા કેમ ઓળખાય ? બાહિરાભાવ શું કર્યા છે તે ?' ત્યારે કહે, 'સવ્વે સંજોગ લખ્ખણા.' સંજોગ લખ્ખણ ઉપરથી. ચોરી કરીએ તો આપણને ના સમજણ પડે કે, કયો ભાવ કર્યો હતો ? આપણા પૈસા કોઈ ઘાલી જનાર ના મળ્યો, તો આપણે ના સમજીએ કે આ કયો ભાવ કર્યો હતો ? હા, કોઈને દબાવવાનો વિચાર કર્યો તે જ આપણને દબાવી જાય. આપણા એ વિચારનું પરિણામ છે આ. ક્રિયાનું પરિણામ નથી, વિચારનું પરિણામ છે. લોક તો શું સમજે ? મેં ઘાલ્યા હશે તો એ દબાવી જાય. ના, એવું નથી આ. તેં ઘાલવાના વિચાર કર્યા, તેથી જ તારા ઘાલ્યા. માટે વિચારને જાણજે. આ બધું ભયંકર જોખમ છે. 'વિચાર' શબ્દથી તો ભયંકર જોખમ છે. ક્યાં સુધી જોખમ છે ? જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી. જ્ઞાન મળ્યા પછી વિચાર હોય જ નહીં. વિચરે તો વિચાર. એટલે સંજોગ લખ્ખણ ઉપરથી ખોળી કાઢવાનું. એક દહાડો મનમાં વિચાર આવ્યો હોય કે અથડાઈ પડ્યા તો શું વાંધો છે ? એક જ દહાડો બોલ્યા હોય તો વિચાર એવા આવે. રોજ મનમાં ભાવ કર્યો હોય કે ક્યારેય અથડાવું નથી; અથડાવું નથી, વિચારેય ના આવે તો અથડાવાય નહીં. પણ એક જ દહાડો આવો વિચાર આવ્યો ને, તે અથડાયા વગર રહે નહીં. એટલે અવિરોધાભાસ જોઈએ. આ તો જગત બહુ સમજીને ચાલવા જેવું છે. જોખમવાળું, નર્યું જોખમ જ ભરેલું છે. જ્ઞાન બદલાયે નિર્ભયતા ! મનના કહેવા પ્રમાણે આપણે ચલાય નહીં. મનને આપણા ધ્યેય પ્રમાણે ચલાવવાનું છે. આપણે મકાન વેચ્યું હોય, તે છોકરાં જાણતાં ના હોય અને મકાન બળતું હોય તો છોકરાં ધૂંવાંપૂંવાં થઈ જાય ! પછી ઘેર છોકરાં બૂમો પાડતા પાડતા આવે કે 'આપણું મકાન સળગ્યું છે, હેંડો, હેંડો, હેંડો.' તો બાપ કહે, 'અલ્યા ભઈ, કાલે વેચ્યું. હવે મેલ છાલ !' તો પછી કશુંય નહીં. ઊંધા જ્ઞાનથી માર ખાય છે ને છતા જ્ઞાનથી માર છૂટી જાય. છતું જ્ઞાન થયું કે 'ભઈ, હવે આપણે વેચી દીધું છે', તો એ હતો એનો એ જ માણસ પાછો ફેરફાર થઈ જાય ને ? મારી જોડે તમે બધાં આવતા હોવ અને જંગલ આવ્યું ને ત્યાં પછી વાઘની બૂમ પડી. તો તું કહે કે આ વાઘની બૂમ સંભળાય છે. ત્યારે હું કહું કે 'વાઘ પાંજરામાં છે.' એટલે ચાલ્યું ગાડું ! એવી રીતે આ દુનિયા ચલાવવાની, આશરે આશરે. નહીં તો દુનિયામાં માણસ મરી જાય. પાંજરામાં હોય તોય એને ખબર ના હોય એટલે એને બીક લાગે જ ને પછી ! 'આવ્યો, આવ્યો, આવ્યો' કરે. વગર કામના મરતા પહેલાં મરી જવું એ કોના ઘરની વાત ?! મરાય ત્યારે કહીશું કે મરી ગયા. પણ મરતાં પહેલાં મરી જવું કે, 'હાય બાપ, મરી ગયો.' એવું દોઢસો વખત બોલે છે પણ મરતા એકુંય વખત નથી. એ બોલવાની જરૂર જ શું છે તે ? મનનું સાંભળવું નહીં ! ડરે નહીં તો બધા ઈનામ મળે. ડર્યો એની પાછળ બધાં ભૂતાં ફરી વળે. તને સમજાઈ આ વાત ? પ્રશ્નકર્તા : સમજાઈ ને. દાદાશ્રી : તો તું શું નિશ્ચય લાવ્યો ? પ્રશ્નકર્તા : નિશ્ચય તો નથી લાવ્યો. દાદાશ્રી : નિશ્ચય ના આવે ત્યાં પછી મહીં કોણ બોલે છે ? પાર્લામેન્ટમાં કોણ બોલે છે ? પાછું કોનું કહેલું બોલે છે ? મનનું કહેલું ? મનનું તો મનાય જ શી રીતે ? જ્ઞાની થયા પછી મનનું માને કોણ ? મનનું માનવાનું હવે થોડું છૂટતું જાય છે ને ? પણ તે બધું બંધાઈ ગયેલું જ છે ને ? મનનું બંધાયેલું. આ જ્ઞાનથી છોડી શકાય એવું છે. પણ એને શું ટેસ્ટ પડે છે કે મનનું કબૂલ કરે છે. હું આપણા મહાત્માઓને શું કહું છું કે મનનું એક અક્ષરેય માનશો નહિ. મનનું સાંભળવાનું જ છોડી દેવું. મનને ને તારે શું એટલો બધો સંબંધ છે ? એવી ભૂલો હોય ખરી ? તેથી અમે આ તમને પાછળ બહુ નુકસાન ના થાય એટલા હારુ તમને ચેતવીને કહીએ કે આમાં 'મન કા ચલતા' છોડી દો છાનામાનાં, તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવું અને જરૂર ના હોય તો થયું, બાજુએ રાખો એને. પણ આ મન તો પંદર-પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. મોટા મોટા સંતોય ભડકી ગયેલા, તો તમારું તો શું ગજું ? જોડા પહેરતાં તો આવડતું નથી તમને ! મન તો જ્ઞાનીને વશ વર્તે ! અમારી મનની માનેલી વસ્તુ કોઈ હોય નહીં. અમારે મન વશ થઈ ગયેલું હોય. અમારું મન કશું બોલે જ નહીં. અમને હમણાં ધોલો મારેને તોય કશું નહીં, આશીર્વાદ આપીએ. કોઈ ગાળો ભાંડે તોય આશીર્વાદ આપીએ. જેલમાં ઘાલે તોય આશીર્વાદ આપીએ, પોલીસવાળાને. પોલીસવાળાને શું કહીએ ? ઘેર તો મારે બારણું વાસવું પડતું હતું, આ તમે જાતે વાસી આપશો. છે કશી ભાંજગડ ? બોમ્બ પડે તોય પેટમાં પાણી ના હાલે એવી શક્તિ ઉત્પન્ન થવી જોઈએ. આ તો ફટાકા મારે આમ આમ. ભય, ભય, ભય. આ તો જીવન જ કેમ કહેવાય ? તમારે નિર્ભય થવું છે કે નથી થવું ? નિરંતર ભય ના થાય એવું રહેવું છે ને ? વિચારોમાં તન્મયતા નહીં ! પ્રશ્નકર્તા : વિચારો સતાવતા હોય ને ચિંતા ઊભી કરાવતા હોય, તેને કેવી રીતે અટકાવવા ? દાદાશ્રી : વિચારવું એ આત્માનો ધર્મ નથી, મનનો ધર્મ છે. તમે નક્કી કર્યું હોય કે આ બધા ગાળો દે છે તે આપણે કશું સાંભળવું નથી, તોય પણ કાનનો સ્વભાવ સાંભળી લેવાનો છે. તે સાંભળ્યા વગર રહે નહીં. એવો મનનો સ્વભાવ છે, તે આપણને ના ગમતા હોય તોય તે વિચારો મહીં આવે. એ મનનો સ્વાભાવિક ધર્મ છે. વિચારો એ જ્ઞેય છે ને 'આપણે' જ્ઞાતા છીએ. એટલે જે વિચારો આવે, તેને 'આપણે' જોયા જ કરવાના, નિરીક્ષણ કર્યા જ કરવાનું. એ સારા છે કે ખોટા છે, એનો અભિપ્રાય આપણે આપવાનો નહીં. ગમે તેવા ખોટા વિચારો આવે તેનો વાંધો નથી. જેવા ભાવે પૂર્વબંધ પડ્યા છે તેવા ભાવે નિર્જરા થાય છે. તેને આપણે જોયા કરવાનું છે કે આવો બંધ પડેલો તેની નિર્જરા થઈ રહી છે. આ 'જ્ઞાન' આપણું 'સંવર'વાળું (નવું ચાર્જ બંધ થઈ ગયેલું) છે, એટલે નવું કર્મ બંધાય નહીં. વિચારોમાં તન્મયાકાર થઈએ તો કર્મ બંધાય. પ્રશ્નકર્તા : આ વિચારોનું પરિણામ શું આવશે ? દાદાશ્રી : પરિણામ 'વ્યવસ્થિત'ને સોંપી દીધું. આપણે કશી લેવાદેવા નહીં. આપણે તો નિરાંતે ગાડીમાં બેસી રહેવાનું. મન કહે, 'ગાડી આગળ અથડાશે તો ?' તેને આપણે જોયા જ કરવાનું, બસ. એનું પરિણામ 'વ્યવસ્થિત'ને સોંપીને આપણે આરામથી બેસી રહેવાનું. પ્રશ્નકર્તા : એટલું બધું સરળ નથી ને આ ? દાદાશ્રી : સરળ છે. જ્યારથી નક્કી કરીએ ત્યારથી રહી શકાય. કારણ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. પારકાના તાબામાં હોય, તેમાં આપણે હાથ ઘાલવા જઈએ તો મૂરખ બનીએ ઊલટા. તમારા તાબામાં તો આટલું જ છે, 'જોવું અને જાણવું' કે શું હકીકત બની રહી છે. કશું ઊંધું-ચત્તું કરવાનું હશે તે 'વ્યવસ્થિત' કરશે. ખરેખર 'વ્યવસ્થિત' એવું હોતું નથી કે કશું બગડે. માણસ સિત્તેર વરસે મરે છે, પણ તે પહેલાં તો 'મરી ગયો, મરી ગયો' એમ અમથો અમથો બૂમો પાડ પાડ કરે છે ને ભયથી ત્રાસ પામે છે. એવું ભય પામવા જેવું જગત જ નથી. મન અમને પણ દેખાડે કે ''આગળ 'એક્સિડંટ' થશે તો ?'' તો અમે કહીએ કે તેં કહ્યું તેની અમે નોંધ કરી. પછી એ બીજી વાત કરે. મનને એવું નથી કે આગલી જ વાત પકડી રાખે. મનની જોડે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મનના બધા 'ડિસ્ચાર્જ' ભાવો છે. એ 'ડિસ્ચાર્જ' ભાવમાં જો 'આપણે' કદી તન્મયાકાર થઈએ તો 'ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય. આપણે 'એલીવેશન' કે 'ડિપ્રેશન' માથે ના લેવું. કશું થવાનું નથી, કશું બગડતું નથી. હું ક્ષણવારેય સંસારમાં રહેતો નથી, તોય કશું બગડતું નથી. પ્રશ્નકર્તા : એટલે ભય નહીં રાખવાનો ? દાદાશ્રી : ભય હોય જ નહીં 'આપણ'ને ! 'આપણે શુધ્ધાત્મા', તે 'આપણ'ને કોઈ દેખી શકે એમ નથી, નુકસાન કરી શકે એમ નથી, મારી શકે એમ નથી, કોઈ નામ પણ દઈ શકે તેમ નથી ! આ તો પોતાના (કલ્પિત) ભડકાટથી જગત ઊભું થયું છે. કોઈની વચ્ચે ડખલ નથી. અને 'ચંદુભાઈ' જરા નરમ થયા હોય તો 'આપણે' અરીસા સામું ઊભા રાખીને આમ ખભો થાબડીને કહેવું કે ''અમે છીએ ને તમારી જોડે ! પહેલાં તો એકલા હતા, મૂંઝાતા હતા. કોઈને કહેવાય એવું નહોતું. હવે તો જોડે જ છીએ. ગભરાઓ છો શું કરવા ? અમે 'ભગવાન' છીએ ને તમે 'ચંદુભાઈ' છો. માટે ગભરાશો નહીં.'' જો ચંદુભાઈ બહુ 'એલીવેટ' થતા હોય તો તેમને કહેવું કે 'અમારી સત્તાને લીધે તમારો આટલો રોફ પડે છે.' એટલે આપણે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં બેઠાં બેઠાં 'ફોરેન'નું પતાવ્યા કરવું. આ નિર્લેપ 'જ્ઞાન' છે, કશું અડે નહીં એવું છે ! ચિત્ત જ ભડકાવે... પ્રશ્નકર્તા : હવે ચિત્તનું જરા બરાબર સમજાવો કે ચિત્ત ક્યાં ક્યાં ગરબડ કરે છે ? દાદાશ્રી : ચિત્ત બધું જોઈ આવે છે. ગયા અવતારની જે ફિલ્મ પડેલી છે, તેને ચિત્ત જુએ છે અને એમાં મન છે તે ખાલી અભિપ્રાય આપે છે કે આ સારું છે ને આ ખરાબ છે. પ્રશ્નકર્તા : મન એ અભિપ્રાય અને ગાંઠોથી બનેલું છે ને ? દાદાશ્રી : મન એ તો વસ્તુ જ નથી, એ તો તમારા ખાલી અભિપ્રાય જ છે. અને તે તમારા શું અભિપ્રાય હતા એ દેખાડે છે. પ્રશ્નકર્તા : તો પછી આપણા સંસારનું મુખ્ય કારણ મન છે કે ચિત્ત છે ? દાદાશ્રી : ચિત્ત છે. તમે છે તે કોઈ જગ્યાએ ગયા હોય અને ભડક્યા હો, તો તમારું ચિત્ત વારેઘડીએ ત્યાં જ જાય. તે તમને ઘેર બેઠાં ભડકાય ભડકાય કરે. પ્રશ્નકર્તા : અભિપ્રાય તો મન આપે છે ત્યારે ભડકાવે છે શું ? દાદાશ્રી : અભિપ્રાય તો મન બાંધે છે, બાકી ચિત્ત જ ભડકાય ભડકાય કરે છે. ભડકવાની ફિલ્મ જોઈ, તે ભડકાટ ભડકાટ કર્યા કરે. ચિત્ત બધું જોયા કરે છે. હવે એ અભિપ્રાય તો એને જે જ્ઞાન મળેલું છે, તેનાં આધારે એ આપે છે. પ્રશ્નકર્તા : પણ માણસને બાંધે છે શું ? દાદાશ્રી : ચિત્ત જ બાંધે છે ને ! ચિત્ત જ પોતાની ગમતી જગ્યાએ અને ભયની જગ્યાએ વિશેષ ભટકે છે. બપોરે રૂમમાં સાપ જોયો હોય તો સૂતી વખતે પણ સાપ યાદ આવે. ચિત્તને ભય લાગે છે ત્યારે ત્યાંનું ત્યાં જ જાય છે. એવો વખતેય આવશે કે ડૉક્ટરોનાં ચિત્ત ક્યાંનાં ક્યાં ભટકશે ! પણ ઓપરેશન વખતે ચિત્ત હાજર રહે છે એ તો સારું. જો ચિત્તની હાજરી વગર ઓપરેશન કરે તો તે દર્દી મર્યા પછી, બળી ગયા પછી મહીંથી કાતર નીકળે ! તેથી જ તો બીકના માર્યા ડૉક્ટરો ઓપરેશન વખતે ચિત્તને હાજર રાખે છે ! આ વકીલોને તો આવું રોજ થાય છે. તે પાછો હું શીખવું છું ત્યારે એ ઠેકાણે આવે છે. આ વકીલનેય ઘેર ખાતી વખતે ચિત્ત કોર્ટમાં પહોંચી ગયું હોય. સાચી રીતે તો કો'ક જ ખાતો હશે. બાકી અગિયાર વાગી ગયા કે ઘડિયાળ જોતો હોય ને એ તો જજની પાસે ત્યાં પહોંચી ગયો હોય. આ તો આપણે અહીં 'જ્ઞાન' આપ્યા પછી વકીલો નિરાંતે ખાય છે. ત્યારે એને અનુભવેય થાય છે કે કશું કામ બગડતું નથી. તે મને કહી જાય કે, 'દાદા આજે તો, હું સવા અગિયારે કોર્ટમાં ગયો હતો. મને એમ લાગતું'તું કે આજે મોડું થઈ જશે. પણ તમે ચિત્ત હાજર રાખીને જમવાનું કહ્યું હતું, તે ચિત્ત હાજર રાખીને હું જમ્યો. પછી 'વ્યવસ્થિત'ને જોયું. ત્યારે ત્યાં તો જજ સાહેબ જ સાડા અગિયારે આવ્યા અને કેસ મારો જ પહેલો ચાલવાનો હતો'. મેં કહ્યું કે, 'આવું જ હોય.' માટે શું કામ ભડકો છો ? આ નથી ભડકવા જેવું જગત ! જજનીય માલિકી છે ને તમારીય માલિકી છે, આરોપીનીય માલિકી છે અને ફરિયાદીનીય માલિકી છે. બધાની માલિકીવાળું આ જગત છે. અને બધાના 'એડજસ્ટમેન્ટ' લેવાય છે, એ કંઈ ગપ્પું નથી આ. એક અવતાર ભડક કાઢી નાખો ! પ્રશ્નકર્તા : આપણે સમભાવે નિકાલ કરીએ, એનો દુરુપયોગ કરે તો કરવા દેવો ? દાદાશ્રી : દુરુપયોગ કરવાની કોઈની શક્તિ નથી. અને જે દુરુપયોગ થવાનો, એમાં કોઈ બંધ થવાનો નથી. જેટલો દુરુપયોગ થવાનો છે, એમાં કશું ફેરફાર થાય એવું નથી. અને નવો દુરુપયોગ કરવાની કોઈની શક્તિ નથી. એટલે ભડક રાખશો નહીં. બિલકુલ ભડક કાઢી નાખજો. એક અવતાર પૂરતી તો ભડક કાઢી નાખજો તમે. એની ગેરન્ટી અમારી પાસે છે. ડિસ્ચાર્જમાં કયાં ભૂલ કાઢવા જેવું ? એટલે આ દુનિયામાં બધું ડિસ્ચાર્જ છે. હવે ડિસ્ચાર્જની ખોડ કાઢવી, એમાં કશો સ્વાદ નહીં આવે. ડિસ્ચાર્જની ખોડોથી તો આ જગત ઊભું રહ્યું છે. જેને તમે પરિણામ કહો છો, તેને જગત કૉઝીઝ કહે છે અને તેથી જ જગત ગૂંચાઈ રહ્યું છે. અને 'આ તમે જ કર્યું' કહેશે અને તમે કહો કે 'ના, આ પરિણામ છે, આ ડિસ્ચાર્જ છે.' એટલે તમને ભય નથી. તમારા ડિસ્ચાર્જ એને કૉઝીઝ લાગે છે અને કહેશે, 'આવું કેમ વર્તન કરો છો ?' અલ્યા મૂઆ, અમને ભય નથી લાગતો ને તને શાનો ભય લાગે છે ? અને લાગે તો દાદાને ભય લાગે કે, ભઈ, આ બધા મારા ફોલોઅર્સ આવા કેવાં તે ? પણ હું તો જાણું છું કે આ જે માલ ભરેલો છે તે નીકળે છે. નવો ક્યાંથી કાઢવાનો છે ? કામ કર્યે જાવ, 'વ્યવસ્થિત' છે ! ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો એટલું જ કામ કરવાનું છે. આ તો 'વ્યવસ્થિત' જ છે, એમાં ચિંતા-ઉપાધિ કરવા જેવું છે જ નહીં. કામ કર્યે જાવ. આપણે શું કહીએ છીએ ? કામ જેટલું થાય એ કર્યા કરો. પછી વ્યવસ્થિત છે. પણ તમારે ભય રાખવાનું કોઈ કારણ નથી. શું બને છે તે જોયા કરો ! પ્રશ્નકર્તા : આજે કોઈ આડાઈ કરતો હોય, પણ આપણને સજા કરવાની સત્તા ના હોય, પણ આપણા ઉપરી હોય એને સજા કરવા માટે રીપોર્ટ કરીએ. હવે ઉપરીએ સજા કરી પણ રીપોર્ટ તો મેં કર્યા. તેથી નિમિત્ત હું થયોને ? દાદાશ્રી : ના, પણ મનમાં ભાવ આપણા નથીને ? આ તો ચંદુભાઈ કરે છેને ? તો તમારે શું કરવાનું ? ચંદુભાઈ જે કરે એ જોયા કરવાનું. જગત તો ચાલ્યા કરવાનું. એનો કશો ભો નહીં રાખવાનો. મનમાં એવા ભાવ રાખવા કે કોઈ જીવને દુઃખ ના હો. પછી તમે તમારે રૂટિન કરવું. જે રૂટિન થાય તેમાં તમારે હાથ નહીં ઘાલવાનો. શંકા-કુશંકા નહીં કરવાની. તમારે તમારા સ્વરૂપમાં રહેવું. બાકી, ફરજો તો બજાવવી જ પડેને ! આ છે એકાવતારી જ્ઞાન ! આ તો જ્ઞાન જ એક અવતારી છે ને ! એક અવતારેય શેને લીધે ? અમે તમને આજ્ઞા આપીએ છીએ, તે આજ્ઞા પ્રમાણે કરો છો. આજ્ઞા પાળો છો, એમાં કર્તાભાવ છે. એનું પુણ્યફળ મળે છે અને પુણ્યફળ ભોગવવા જવું પડે. એટલે એક અવતાર છે. પ્રશ્નકર્તા : આજ્ઞા પાળે તોય દુઃખ ને ન પાળે તોય દુઃખ. દાદાશ્રી : પાળે તો દુઃખ નથી, પાળે તો ફાયદો. ના પાળે તો ભય, જોખમ ! બે-ત્રણ અવતાર વધારે થાય. મોક્ષે જનારાંઓને... પ્રશ્નકર્તા : મોક્ષમાં જવાનું સહેલું પડે એવી વાત હોય એ કહો. દાદાશ્રી : કોઈ વાત તને અઘરી નથી પડતી ? પ્રશ્નકર્તા : એ આપ બતાવો એટલે ખબર પડે ને ? દાદાશ્રી : ના, પણ અઘરી પડતી હશે ને, તને ? ગૂંચાતો હોય તો અઘરી કહેવાય. બીજી વાર ક્યાં ગૂંચાતો નથી તું ? પ્રશ્નકર્તા : એવું ગૂંચાતું નથી. એવું ક્યાંય ગૂંચાતું નથી. દાદાશ્રી : થોડું ઘણું ગૂંચાયને ? હમણે પોલીસવાળા આવ્યા હોય અને હાથકડી લઈને પહેરાવતા હોય ત્યારે... એકદમ ગૂંચાઈ જાય. મોક્ષે જતાં આ તો સહેલું કરવું પડશેને, એમાં ચાલતું હશે ? એ તો પોલીસવાળાને તો આપણે કહેવું જોઈએ કે 'ભઈ, તમે બહુ મોડું કર્યું. શા હારુ આવું મોડું કર્યું ?' પોલીસવાળા હાથકડી લઈને આવ્યા હોય, ખોળતા હોય કે 'ભઈ, ચંદુભાઈ ક્યાં છે ?' એટલે પછી ચંદુભાઈના મનમાં શું થાય ? પ્રશ્નકર્તા : ગૂંચાય. દાદાશ્રી : ગૂંચાવવાનું તો મેં રાખ્યું નથી. મેં જ્ઞાન એવું આપ્યું છે કે ગૂંચાય નહિ. કોઈ પણ પરિસ્થિતિમાં ગૂંચાય નહિ એવું આ જ્ઞાન આપ્યું છે. હાથકડી લઈને આવે તો શું થાય, એ આપણે તપાસ કરવી. અને લઈ જવાનો તો છે જ. આ તો લઈને આવ્યો છે, તે કંઈ એમ ને એમ જવાનો છે કંઈ પાછો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આપણે એને શેકહેન્ડ કરીને જઈએ, એ શું ખોટું ? આવ્યો છે તે તેડી ગયા વગર રહેવાનો નથી. હવે આપણું જ્ઞાનેય આપણને કહે કે 'વ્યવસ્થિત છે, સમભાવે નિકાલ કરો, ફાઈલ આવી છે.' તે બધી રીતે આપણને જ્ઞાન મળી ગયું. એટલે આપણે એને કહીએ, 'લાવો, તમને શેકહેન્ડ કરીએ, નહીં તો ચા પીને જાવ'. શું વાંધો ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : આ મને નથી લાગતું એટલું ટેસ્ટ થયેલું હોય ? ટેસ્ટેડ જોઈએ ને ? આમ કંઈ ચાલતું હશે ? જ્ઞાનદશામાં સ્પંદનો શમાયા ! આ કળિકાળમાં તો સારાં કર્મો કરવાનાં ભાગમાંય નથી આવતાં અને ખોટાં કર્મોમાં ભાગી થવાનું આવે છે ! જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને ખોટાં કર્મોમાં ખોટું થઈ રહ્યું છે, તે જ્ઞાને કરીને તો ના ગમે. એટલે કે કાર્ય ખોટું કે ખરું હોય તો પણ તે નિકાલી બાબત થઈ અને તે પૂરતું જ સ્પંદન ઊભું થાય, તે શમી જવાનું છે. પણ જેને આ ખોટું થઈ રહ્યું છે તેવું પણ મૂઢાત્મ દશામાં નથી થતું તેથી તો એક્શન એટલે કે કાર્યનાં સ્પંદનો અને અજ્ઞાનથી નવાં ઊભાં થતાં રિએક્શનના ભાવોનાં સ્પંદનો, એમ ડબલ સ્પંદન થાય છે. અજ્ઞાન છે એટલે સ્પંદન ક્યારે ઊભું થઈ જશે, તે ના કહેવાય. પછી તે ગમે તે હો- સંસારી હો કે ત્યાગી હો. કારણ કે જ્યાં અજ્ઞાન છે ત્યાં ભો-ભડકાટ છે અને જ્યાં ભો-ભડકાટ છે, ત્યાં સ્પંદનો અવશ્ય થવાનાં. ગુપ્ત તત્ત્વ આરાધ્યે, મોક્ષ ! હવે ભય, કશું ફફડાવાનું નથી ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : શુધ્ધાત્મા ત્યાં ભય નહીં ને ભય છે ત્યાં શુધ્ધાત્મા નહીં. શાસ્ત્રકારોએ કહ્યું છે કે એક સમય પણ જો આત્મા પામે તો બહુ થઈ ગયું ! એક સમય પણ આત્મા થઈને બોલે તો કામ થઈ ગયું ! તમને જ્ઞાન આપ્યા પછી તમે શુધ્ધાત્મા ફરી બોલો છો, તે તમે આત્મા થઈને 'હું શુધ્ધાત્મા છું' બોલો છો અને એ એની મેળે આવે છે. માટે તમે આત્મા થઈ ગયા. એક ક્ષણ પણ જો આત્મા થઈને આત્મા બોલ્યો એટલે મહાવીર ભગવાને કહ્યું, છૂટ્યો. એવું તમે આત્મા થઈને તો કેટલાય વખતથી બોલ બોલ કરો છો. અને આ બીજા લોકો 'હું શુધ્ધાત્મા' એ થઈને નથી બોલતા. 'હું શુધ્ધાત્મા છું' એવું આત્મા થઈને એક જ ફેરો બોલ. એટલે બસ થઈ ગયું. અને સમજી ગયો કે આ મારું ને આ બીજું બધું તકલાદી, મારું ન્હોય, તોય કામ થઈ ગયું. પ્રશ્નકર્તા : 'એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.' એવું કહ્યું છેને ? દાદાશ્રી : હા, શુધ્ધાત્માને જે આરાધે છે, શુધ્ધાત્મા થઈને શુધ્ધાત્મા બોલે છે તે પ્રત્યક્ષ અમૃતને પામે અને નિર્ભય થાય છે. કારણ કે અહીં આગળ નિરંતર જ્યાં સુધી જ્ઞાન ના પ્રાપ્ત હોય શુધ્ધાત્માનું, ત્યાં સુધી 'હું ચંદુભાઈ છું' ત્યાં સુધી મહીં વિષનાં ટપકાં પડ્યા કરે નિરંતર, એટલે બધી વાણી વિષવાળી, વર્તન વિષવાળું, મન-વિચારો વિષવાળા અને આપણે જ્ઞાન આપીએને, તે અંદર પછી એ તરત જ અમૃતનાં ટપકાં પડવાનાં શરૂ થઈ જાય. તે જો વિચારો, વાણી, વર્તન ધીમે ધીમે અમૃતમય થતું જાય. અનૌપચારિક વ્યવહારમાં કર્મબંધ ક્યાં ? પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે. એ વાત બરાબર છે પણ એમાં કોઈક ક્યાંક અનૌપચારિક વ્યવહાર હોય છે, તો ત્યાં આગળ 'ચાર્જિંગ'નું ભયસ્થાન ક્યાં ? દાદાશ્રી : 'ચાર્જ' થઈ જાય એવાં ભયસ્થાનો હોતાં જ નથી. પણ શંકા પડે ત્યાં આગળ 'ચાર્જ' થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન 'ચાર્જિંગવાળું' માનવું. શંકા એટલે કેવી શંકા, કે ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં. કારણ કે જે શંકા પડી એ પછી ભૂલી જઈએ, એ શંકાની કિંમત જ નથી. પ્રશ્નકર્તા : તો પછી બિન્દાસ રહેવાનું ? નીડર ને બેફામ રહેવાનું ? દાદાશ્રી : ના. બેફામ રહે તો માર પડશે. બેફામ થાયને, નિષ્ફિકરો થાય, તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા ? પ્રશ્નકર્તા : તો પછી ત્યાં ઔપચારિક 'એક્શન' કયું લેવું જોઈએ ? દાદાશ્રી : બીજું શું 'એક્શન'માં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલું જ 'એક્શન' છે. અક્રમમાં લપસવાના ત્રણ સ્થાનકો ! પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી સંસારમાં લપસી પડવાના ક્યાં સ્થાનકો છે ? દાદાશ્રી : જ્ઞાન મળ્યા પછી સંસારમાં લપસી પડવાની ત્રણ જ વસ્તુ છે. બીજું બધું ખાજો-પીજો, કપડાં પહેરજો, ચશ્માં પહેરજો, સિનેમા જોવા જજો, ગમે તે વસ્તુ ખાજો પણ એક માંસાહાર કરાય નહીં, બીજું, દારૂનો છાંટો અડાય નહીં અને ત્રીજું, પરસ્ત્રી નહીં. પરસ્ત્રીનો વિચાર આવે તો પ્રતિક્રમણ કરવું. આ ત્રણ જ વસ્તુ પડવાનાં સ્થાનક છે. બીજી કોઈ વસ્તુ પાડનારી નથી. પડવાના એટલે ફરી ઠેકાણું નહીં પડે. એટલા હારુ અમે કહીએ છીએ કે અમારી જોડે આવશો નહીં અને આવશો તો પડ્યા પછી હાડકું જડે નહીં એવું છે. આ તો બહુ ઊંચા-હાઈ લેવલ પર જઈએ, એના કરતાં થોડે ગયા હોય તો પડી જાય તો થોડા હાડકાં તો જડે ! બીજા કશા પડવાનાં ભયસ્થાનક નથી. બીજું તો ધંધા-રોજગાર કરો, બધું કરો, ચા પીવો તેનો વાંધો નથી. ચા એ ઇન્ટોક્સિકેશન છે, પણ તોય પીવો તો વાંધો નહીં. પેલું કેફ ના ચડાવેને ! આ દારૂ પીવો તો આત્મા બેભાન થઈ જાય એટલે થઈ રહ્યું. પછી જ્ઞાન બધું ખલાસ થઈ ગયું. પછી નર્કગતિ થાય એની અને પર-સ્ત્રીમાંય એવું. પર-સ્ત્રીસંબંધમાં નિવેડોય ના થાય. આ દારૂ સંબંધમાં નિવેડોય ના થાય. માંસાહાર સંબંધમાં નિવેડોય ના થાય. નોંધી રાખજો. પડવાના સ્થાનક ગમતા નથીને કે ગમે છે ? પ્રશ્નકર્તા : ના, નથી ગમતા. 'હું જાણું છું' એ આપઘાતી કારણ ! પ્રશ્નકર્તા : આ મોક્ષમાર્ગમાં મોટામાં મોટું બાધક કારણ 'હું જાણું છું, હું સમજું છું' એ કહી શકાય ? દાદાશ્રી : હા, એ આપઘાતી કારણ છે. પ્રશ્નકર્તા : એનો જરા વધારે ફોડ પાડો. એ છૂટે તો કેવાં લક્ષણો હોય ? એ દોષ વર્તતો હોય તો કેવાં લક્ષણો હોય ? અને એની સામે કેવી રીતે જાગૃતિ રહી શકે ? દાદાશ્રી : આ નાનાં છોકરાં મોટી ઉંમરનાં માણસોથી ભડકે છે. કારણ કે એની અક્કલનો તાપ એ છોકરાં ઉપર પડે છે, એટલે છોકરું ભડકે પછી. એટલે શું કરવું પડે ? બાળક જેવું થઈ જવું પડે. એના જેવાં જ અણસમજણવાળાં બાળક ! 'ડિલિંગ' જ બાળક જેવું કરવું પડે, ત્યારે એ સામા છોકરાં રમે આપણી જોડે. મારી જોડે બધાં, આવડું દોઢ વર્ષનું છોકરું હઉ રમે, આમ સરખે સરખાં જ હોઈએ એવું રમે. એવું કંઈ પરિણામ તો આવવું જોઈએ ને ? આને વિચારજો ને તો એક દહાડો સમજાશે. જાણ્યું એટલે જડે અને નિષ્પક્ષપાતી વલણ હોવું જોઈએ. છતાં મહીં અજાગૃતિને લીધે નાયે જડે, તો પછી ધીમે રહીને કો'ક દહાડો જડે. મોક્ષમાર્ગના ભયસ્થાનો ! માટે મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને પોતાનો ધ્યેય ચૂકે નહીં, ગમે તેવાં કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ. તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ? અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં ? પ્રશ્નકર્તા : એટલે મહીં 'હેન્ડલ' મારવાનું ચાલુ રાખવું પડે. દાદાશ્રી : ચાલુ રાખવું પડે ? પણ એ મહીંવાળા માને ખરા ? તરત જ ? પ્રશ્નકર્તા : તરત જ. દાદાશ્રી : તરત, વાર જ નહીં ? એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા એનાથી આપણે છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે 'પોતે' લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. 'પોતે' સ્વાદ લઈ આવે, પછી 'પેલા' ના માને. આ વ્યવહાર તો પેલી બાજુ જ લઈ જાય ને ? અનાદિથી એક આરાધેલો માર્ગ એ જ ને ? વ્યવહાર તો હંમેશાં એ બાજુનું ટેવાયેલો જ હોય ને ! એટલે એ બાજુ જાય તોય આપણે આપણા ધ્યેય પ્રમાણે હાંકવાનું. બળદ તો જૂનો રસ્તો દેખે તો એ રસ્તે જ ચાલ્યા કરે. આપણે હવે આપણા રસ્તે ધ્યેય પ્રમાણે જવાનું. આ રસ્તે નહીં, આ બીજે રસ્તે જવાનું. 'આમ હેંડ' કહીએ. એટલે પોતે લાંચ ના લે તો પેલાં કહ્યા પ્રમાણે તરત જ ફરે. પણ લાંચ લે તો એ પછી માર ખવડાવે, બધી બાબતમાં માર ખવડાવે. એટલે ધ્યેયમાં પાછું નહીં પડવું જોઈએ. પ્રશ્નકર્તા : એ લાંચ કેવી હોય ? દાદાશ્રી : ચાખી આવે. અને ચાખતી વખતે પાછું મીઠું લાગ્યું હોય ને, તે બેસે ત્યાં આગળ. 'ટેસ્ટ' કરી આવ્યો એટલે પછી ફરી થોડુંક એકાદ-બે બોટલ પી આવે. આ બધી ચોર દાનત કહેવાય. ધ્યેય પર જવું છે એ અને ચોર દાનત, એ બે સાથે કેમ કરીને રહી શકે ? દાનત ચોક્કસ રાખવી જોઈએ, કોઈ પણ લાંચ-રુશ્વત સિવાય. આ તો એ મસ્તી ચાખવાની ટેવ હોય છે, એટલે આમ ત્યાં બેસીને જરા એ મસ્તીના આનંદમાં રહે. પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિની મસ્તી ? દાદાશ્રી : ત્યારે બીજી શી ? એ એમાં જ ટેવાયેલો છે ને ? એટલે 'આપણે' કહીએ કે, 'ના, અમારે તો હવે આમ જવાનું છે. મારે મસ્તી નથી જોઈતી. અમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું છે.' આ પ્રકૃતિની મસ્તીઓ તો ભૂલભૂલામણીમાં લઈ જાય. ધ્યેય તોડાવડાવે એ આપણા દુશ્મન. આપણું ધ્યેય નુકસાન કરાવે એ કેમ પોષાય ? નહીં તો બ્રહ્મચર્ય પાળવું હોય અને અબ્રહ્મચર્યના વિચાર કરવા, એના જેવું થાય. વિચારમાં મીઠાશ તો આવે, પણ શું થાય ? એ ભયંકર ગુનો છે ને ! પછી પોતાનાં ધ્યેયમાં 'ટી.બી.' જ થાય ને ! સડો જ પેસવા માંડે ને ! અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને, કે આ ભવમાં જે થાય, ભલે દેહ જાય, પણ આ ભવમાં કંઈક 'કામ' કરી લઉં એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આપણી ઢીલાશ ના રાખવી. આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાશ ના રાખવી. પછી જે થાય તે ખરું. એની એવી ભાંજગડ નહીં રાખવાની ને ના થયું એની યે બહુ ભાંજગડ નહીં રાખવાની. એ તો બધું મળી આવે. પોતાની પાસે અધિકાર શો છે ? ભાવ, કે આટલું મારે કરી લેવું છે. નિશ્ચય, એ પોતાનો અધિકાર વાપરવો. અને બીજો બહારનો રોગ પેસી ના જાય કે 'લાવ, હું પાંચ જણને સત્સંગ સંભળાવું કે એવું તેવું.' એની કાળજી રાખવાની. નહીં તો એય પાછા બીજા નવી જાતના રોગ પેસી જાય અને કંઈનું કંઈ રસ્તે ચઢી જાય, તો પછી શું થાય ? કોઈ બચાવનાર મળે નહીં. માટે આપણે મોક્ષે જવું હોય તો આ 'વાત કરવા'માં પડશો નહીં. કશું પૂછે તો કહેવું કે 'હું ના જાણું.' આ તો અમે આ ભયસ્થાનો બધાં બતાડી દઈએ. ભયસ્થાનો ના બતાવીએ ને, તો ઊંધું થઈ જાય. આ બધા પુણ્યશાળી હોય છે ને, વાતેય પ્રગટ થઈ ને ! નહીં તો વાત શી રીતે ખબર પડે ? ને હું આમાં ક્યાં ઊંડો ઊતરવા જાઉં ? આ તો વાત નીકળી ત્યારે નીકળી, નહીં તો કોણ જાણતું હતું કે આવું બધું ચાલતું હશે ? આ અપૂર્વ વિજ્ઞાન છે. પૂર્વે વાંચેલું ના હોય, જાણેલું ના હોય, એવું આ અપૂર્વ વિજ્ઞાન છે. એટલે કલાકમાં પઝલ બધું સોલ્વ કરી આપે છે. પછી ફરી પઝલ ઊભું જ ના થાય એવી કલાકમાં દવા કરી આપે છે. પછી ભય ના લાગે અને સંસાર ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : ખરેખર ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે. દાદાશ્રી : એ જ આત્મા. એવું છેને, ડિપ્રેશન આવે ત્યારે આપણે એલિવેશન કરવાની જરૂર છે. બીજું શું કરવાનું ? એના બદલે આ તો ટાઢાંટપ થઇ જાય. રોજ રોજ એલિવેશન કરવાની જરૂર નથી. ડિપ્રેશન આવે તો જ કરવાની જરૂર કે 'હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનું ધામ છું' એમ એલિવેટ કરવો જોઇએ. ડિપ્રેશન ના થાય એ જગ્યા આપણી. જ્યાં આનંદ જતો ના હોય એ જગ્યા આપણી. જ્યાં જગતનું કલ્યાણ થાય, એ જગ્યા આપણી ! એવું કહીશ ને, તો સપાટાબંધ પગથિયાં ચઢી જવાય. - જય સચ્ચિદાનંદ |
|---|