બુધ્ધિના બળાપા સામે...

સંપાદકીય

આ સંસારમાં બુધ્ધિ વધે તેમ બળાપો વધે. ના હોય ત્યાંથી બળાપા ઊભા કરી નાખે ને ટેન્શનમાં મૂકી દે. પરમ પૂજ્ય દાદા ભગવાન સહેલો રસ્તો બતાવે છે કે જેની જોડે ટેન્શન થયું હોય તો એને પગે લાગીને માફી માંગી લઈએ કે 'મારી ભૂલ થઈ છે, માફી માંગું છું.' એટલે પછી ટેન્શન બંધ થઈ જાય. બાકી બીજાના દોષો જોવાથી ટેન્શન વધે છે અને પોતાના દોષો જોવાથી, બીજાને નિર્દોષ જોવાથી ટેન્શન જતું રહે.

આ બુધ્ધિને ગેટ આઉટ કરવી પડે, તો આપણને હેરાન ન કરે. બુધ્ધિ વાપરવાની બંધ થતી જશે તો જ્ઞાની પુરુષ જેવા થતાં જવાશે. સંસાર વ્યવહાર ચાલે ને સમાધિ રહે. બુધ્ધિ તો શું કરે ? મને અન્યાય થયો છે, એવું દેખાડે ને બળાપો કરાવે અને પછી કોર્ટોની દોડધામમાં જિંદગી ખોઈ નાખે તોય ન્યાય તો છેવટે મળે જ નહીં. દાદાશ્રી કહે છે કે 'જેને કોઈ પણ પ્રકારનો ન્યાય ખોળવો નથી એ મુક્ત થાય. અમારી જિંદગીમાં અમે ન્યાય જ ખોળ્યો નથી.' ન્યાય ખોળે નહીં તો પછી બુધ્ધિ ખલાસ થતી જાય.

સંસારી બુધ્ધિનો એવો ગુણ કે વાતને ચૂંથીને ચીકણું કર કર કરે અને પછી બહુ દુઃખી થાય ને બધાને દુઃખી કરે. એના કરતાં ભોળા સારા કે 'તાવ આવ્યો ને ટપ' કહેશે. એટલે બુધ્ધિના લાઈટને તો ડીમ કર કર કરેલું સારું. જેમ જેમ જ્ઞાનીની આજ્ઞામાં રહેતા જાય તેમ તેમ બુધ્ધિ ડખો ના કરે. ઉલટા બુધ્ધિના ડખાને જ્ઞાન ચોખ્ખું કરે. દૂધ ઢોળાયું તો પાછલી બુધ્ધિ શું કહે, આ સાચવવું હતું ને, નુકસાન થયું. ત્યારે આજનું જ્ઞાન શું કહે, બન્યું તે કરેક્ટ. ડખા કરવાની જરૂર નથી. એટલે બુધ્ધિનો પાઠ પૂરો થઈને બધું ચોખ્ખું થઈ જાય. શાક ખાવાનો વાંધો નથી, પણ શાક બરોબર નથી, બોલ્યા તે ડખો. અને પછી સમજાય કે ભૂલ થઈ આ. આમ બુધ્ધિના ડખા નીકળ્યા વગર રહેશે નહીં ને પોતાને ભોગવટામાં મૂકી દે. ડખા જેમ જેમ ખલાસ થતા જાય તેમ તેમ પોતે સહજ થતો જાય.

બુધ્ધિ તો પાંસરી બેસે જ નહીં. બધે ભાંજગડ કરાવે, કોચ કોચ કરાવે, મૂંઝાવે, ભમાવે, જંપીને બેસવા ના દે. એ બુધ્ધિની કૂદાકૂદ બંધ થાય તો કલ્યાણ થઈ ગયું. બુધ્ધિ છે ત્યાં સુધી ડખો કર્યા જ કરે. એટલે આ જ્ઞાન મળ્યા પછી પોતે જાગૃત રહેવું જોઈએ કે આ તોફાન બુધ્ધિ કરે છે. ઓવરવાઈઝપણું બુધ્ધિ કરે છે. એ બુધ્ધિ જોડે વેર બાંધવા જેવું છે કે તું અમને સલાહ આપીશ નહીં. નહીં તો છેવટે આ બુધ્ધિ જ જ્ઞાનીથી પોતાને જુદા પાડશે. નહીં તો બીજી કોઈ તાકાત જ્ઞાનીથી પોતાને જુદા પાડી શકે એમ છે નહીં. કારણ કે જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે.

પ્રસ્તુત સંકલનમાં બુધ્ધિથી મોક્ષમાર્ગે ને સંસારમાં ઊભા થતા પ્રશ્નોના સમાધાન સંકલિત થયાં છે, જે સાધકને પ્રગતિ માટે આશીર્વાદ સમ નીવડશે.

દીપક દેસાઈ

બુધ્ધિના બળાપા સામે....

ટેન્શનથી છૂટકારો....

પ્રશ્નકર્તા : મગજ ઉપર હવે ટેન્શન રહ્યા કરે છે.

દાદાશ્રી : ટેન્શન થાય તો મગજ બગડે. જ્યારે ત્યારે ટેન્શન વગરના થવાનું છે.

પ્રશ્નકર્તા : અંદરખાને એવી ખબર પડે છે કે આ ખોટું થઈ રહ્યું છે, મગજ પર ખોટું ટેન્શન છે, આનાથી તબિયત વધારે બગડશે. એવી જાગૃતિ રહ્યા કરે છે, પણ પછી પાછું કન્ટિન્યુઅસ (ચાલુ) રહે છે.

દાદાશ્રી : ફાધર જોડે ખોટું થઈ જાય ને, તો એ મનમાં રાખ્યે દહાડો ના વળે, ત્યાં તો તરત એમને પગે લાગીએ ને, તો એ બાજુ ટેન્શન ઓછું થઈ જાય. જેની જોડે ટેન્શન થાય, ઘોડાગાડીવાળા જોડે ટેન્શન થયું હોય, તોય પણ એને પગે લાગીએ તો ટેન્શન બંધ થઈ જાય. આપણે ટેન્શન લઈને શું કામ ઘેર જઈએ ?

પ્રશ્નકર્તા : મનમાં તો એવું કરું છું, દાદા.

દાદાશ્રી : અરે, મનમાં નહિ, આમ કરીએ 'મિયાં તુમકો સલામ' એટલે એ ટેન્શન જતું રહે. આપણી 'સેફસાઈડ' માટે કરવાનું છે ને કે મિયાંભાઈની આબરૂ વધારવા માટે કરવાનું છે ? મિયાંભાઈની આબરૂ તો એની વાઈફ વધારશે. આપણી 'સેફસાઈડ' માટે કરવાનું. 'ટેન્શન' પછી ઘરમાં લાવીએ તો વધી જાય ઊલટું. બહારથી 'ટેન્શન' ઘરમાં ના લાવવું. ત્યાં ને ત્યાં, જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં જ પતાવવું કે 'આ મારી ભૂલ થયેલી છે, હું માફી માગું છું, બા.' એટલે પછી ટેન્શન બંધ થઈ જાય. એટલું ના કરીએ તો ટેન્શન ઘેર આવે અને માફી રૂબરૂમાં માંગીએ તો વિચારોય બંધ થઈ જાય, 'સ્ટોપ' થઈ જાય. આ તો મહીં ચાલુ રાખીએ છીએને, આપણે હજુ તાંતો છે મહીં. તાંતો છોડી દેવો. અમે તો કશાય ગુનામાં ના હોઈએ ને પેલો કહેશે, 'તમે ગુનામાં છો', તોય અમે માફી માંગી લઈએ. છોડને અહીંથી, બા ! વળી, ગુનો ને ના ગુનો કોને કહેવાય છે અત્યારે તો ?

પ્રશ્નકર્તા : તે દિવસે તમે કીધેલું કે ખોટ ખાઈને પણ આમ નિકાલ કરી નાખવો જોઈએ.

દાદાશ્રી : હા, નિકાલ કરીને ઊંચું મૂકી દેવું. નહીં તો મગજ ખલાસ કરી નાખે. હવે પછી સારું થશે ને પણ ?

પ્રશ્નકર્તા : ચોક્કસ થશે.

દાદાશ્રી : થયું ત્યારે, વાંધો નહીં.

ટેન્શન વધે, દોષો જોવાથી...

પ્રશ્નકર્તા : પણ દોષો બીજાના બહુ દેખાય છે. પહેલાંના કરતાં હમણાં વધારે દેખાય છે. પહેલાં દોષો નહોતા દેખાતા.

દાદાશ્રી : બીજાના દોષો જોવાથી ટેન્શન વધે. બીજાના દોષો જોયા ત્યાંથી ટેન્શન વધે. કારણ કે આપણું જ્ઞાન શું કહે છે કે જગત નિર્દોષ છે. એને દોષિત જોયું એટલે પછી ટેન્શન વધે. તું જ્ઞાનથી નથી માનતો એ માન્યતા ? તું જ્ઞાનથી કબૂલ કરે છે આવું ?

પ્રશ્નકર્તા : એ કબૂલ છે તો પણ હવે પેલું થઈ જાય છે.

દાદાશ્રી : પણ આપણે ચેતવું પડે. સામાને નિર્દોષ જોવા. દોષિત દેખાય છે, પછી કહી દેવું કે, 'તમે દોષિત દેખાવ છો પણ ખરો દોષિત હું જ છું. હું માફી માગું છું તમારી.' તો બુધ્ધિ ટાઢી પડે. તું એવું કરતો નથી ને ?

પ્રશ્નકર્તા : નથી કરતો એવું.

દાદાશ્રી : તો રહે હજુ ટેન્શનમાં !

પ્રશ્નકર્તા : ના, કાઢવાનું છે, દાદા.

દાદાશ્રી : તો ક્યારે કાઢવાનું ? જવાની પૂરી થાય પછી ? જવાનીમાં તો આપણી પાસે જોર હોય, સુખ આપણી પાસે છે ને જાણી જોઈને આપણને ભોગવતાં ના આવડે એ કઈ જાતનું ?

કચકચ કરવા કરતાં...

ફર્સ્ટ ક્લાસનું રિઝર્વેશન કરીએ અને પેલાની જોડે આપણે કચકચ કરીએ ! 'અલ્યા, તું આ ઊભો થઈને પાછો કચકચ કરે છે ? સૂઈ જા ને છાનોમાનો. તારું આ રિઝર્વેશન છે.' આખી રાત નકામી જાય. તે પેલો કચકચ કરવા પેસેને ત્યારે કહીએ, 'ભઈ, તમે મોટા માણસ છો ને મારું ગજું નહીં. આ તો હું ફર્સ્ટ ક્લાસમાં આવી પડ્યો છું એટલું જ છે, બાકી તમે મોટા માણસ છો. આપ આરામ કરો.' એમ કરીને પતાવી દઈને આપણે સૂઈ જઈએ. આખી રાત એની જોડે ક્યાં કચકચ કરીએ !

હેરાનગતિ બુધ્ધિથી !

પ્રશ્નકર્તા : પેલો બુધ્ધિનો ડખો હોય એમ મને લાગે છે, દાદા.

દાદાશ્રી : બુધ્ધિ કરે છે, પણ એ તો બુધ્ધિનો સ્વભાવ છે. હવે આ જ્ઞાન હોય ને, ત્યાર પછી આપણે સમજીએ કે કોઈ દોષિત છે જ નહીં. એ બધું ખોટું દેખાય છે, એ બુધ્ધિ દેખાડે છે ને આપણને હેરાન કરે છે આ. આપણી બુધ્ધિ આપણું ખાઈને આપણને હેરાન કરે. ખાય છે આપણું, રહેવું છે આપણા મકાનમાં ને પછી હેરાન પણ આપણને કરે છે.

પ્રશ્નકર્તા : પણ બુધ્ધિ 'ગેટ આઉટ' કેમ નથી થતી ?

દાદાશ્રી : એ 'ગેટ આઉટ' ના થાય. એ તો આપણે અત્યાર સુધી પોષેલીને, મોટી કરેલીને, તે એકદમ ગેટ આઉટ ના થાય. એ તો આપણા લાગમાં આવવી જોઈએ ત્યારે થાય. લાગમાં આવતી નથી ને ? લાગમાં કેમ કરીને આવે એ તપાસ કર્યા કરવાની.

બુધ્ધિ કરાવે વ્યથિત !

ટેન્શન માણસને ખલાસ કરી નાખે અને આ જ્ઞાન ના હોય તો ટેન્શન છે જ બધું. જગત વ્યથિત જ છે ને ? આ જજ સાહેબેય વ્યથિત હોય. પણ કોર્ટમાં પેઠા પછી વ્યથિત બંધ કરી દે. કારણ કે એ શેનાથી બંધ કરે ? એમની પાસે માન ખરું ને ? 'લોક જોઈ જશે' કહે. આમ તો કોઈકને કાઢી મૂકે કે કોર્ટની બહાર ઊભા રાખે, પણ એય ઘેરથી વ્યથિત થઈને આવ્યા હોય ! ડખો થયા વગર કોઈને રહે નહિ ને, મેજીસ્ટ્રેટ હોય કે મોટો પ્રધાન હોય, પણ ઘેર તો ડખો થાય ને, ના થાય ?

પ્રશ્નકર્તા : થાય દાદા, થાય.

દાદાશ્રી : બધાને, ભલે ને ગમ્મે એવો મોટો હશે, પણ આમ સંડાસ જોડે દોસ્તી ખરીને ? ત્યાંથી અમે સમજી ગયા ! બધેય વ્યથિત, વહુ જોડેય વ્યથિત. માટે ચેતતો રહેજે. બહુ ચેતવા જેવું છે. એ ટેન્શન તો ખલાસ કરી નાખે. આવું જ્ઞાન મળેલું છે, તેય પછી જતું રહે. પછી ફરી કંઈ તાલ ખાશે નહીં. સામાની ભૂલ હોય તોય માફી માગી લેવી.

પ્રશ્નકર્તા : થોડો અહંકાર એવો રહ્યા કરે છે. માફી જલદી મંગાતી નથી. પહેલા એવું થતું કે ભૂલ થાય કે તરત જ માફી માગીને નિકાલ થઈ જાય.

દાદાશ્રી : એટલે તારે ફરી એ ગોઠવણી કરવી જોઈએ.

બુધ્ધિ ના વાપરે તો જ્ઞાની !

આ શેઠિયાઓ બુધ્ધિ વાપરે છે. મૂઆ, બુધ્ધિના તો ચાર આનાય કોઈ ના આપે ! આ બુધ્ધિથી લોકો બળી મર્યા છે. બુધ્ધિની જરૂર નહીં. આ નાના છોકરાં વગર બુધ્ધિથી કેવું સરસ સામ્રાજ્ય ચલાવે છે ! આ બુધ્ધિએ તો બખેડા કર્યા છે. આ મારું જ્ઞાન આપ્યા પછી જો બુધ્ધિ ના વાપરે તો જ્ઞાની પુરુષ જેવો રહે.

પાંચ આજ્ઞાથી અખંડ સમાધિ !

એક માણસ સાત વર્ષથી ઘર ચલાવે છે. ખેતરાં ખેડે છે, ગાયો-ભેંસો રાખે છે. હમણાં છોકરી પૈણાવી. તે બધા મહાત્માને બોલાવ્યા'તા. મને કહે છે, કે 'ભઈ, સાત વર્ષથી એક મિનિટ પણ અસમાધિ થઈ નથી, આ દાદાના જ્ઞાનથી. દુકાળ પડે છે તોય અસમાધિ નથી થઈ. સુકાળ પડે તોય અસમાધિ નથી થઈ.' એનું કારણ શું ? તેને પૂછયું, તો એ કહે, 'દાદાએ પાંચ આજ્ઞા આપી છે, તેનાથી ક્યાંય ડખલ નહીં કરવાની, નામેય. પાંચ આજ્ઞામાં જ રહું છું. બીજું કાંઈ હું સમજું નહિ. આ સુંદર વિજ્ઞાન છે !' અને આ ડખો બુધ્ધિને લઈને છે.

'જ્ઞાન' પ્રાપ્તિ પછી, બુધ્ધિને વિદાય !

બીજું કાંઈ હું સમજું નહિ. આ સુંદર વિજ્ઞાન છે ! અને આ ડખો બુધ્ધિને લઈને છે. બુધ્ધિની ક્યાં સુધી જરૂર છે ? જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય. જ્ઞાન મળ્યા પછી બુધ્ધિની જરૂર નથી. બુધ્ધિ તો હંમેશાં એની મેળે પેસી જાય છે. બુધ્ધિ જ એને જીવવા નથી દેતી.

નાના છોકરાંનું બહુ સરસ ચાલે, કંઈ દાદરા પરથી પડી જતાં નથી અને બાપ બિચારો કહે, 'પડી જશે, પડી જશે, પડી જશે.' મૂઆ, કોઈ બાપોય કોઈ દહાડો પડ્યો નથી. મુંબઈ શહેરમાં છોકરાં કોઈ દહાડો પડ્યાં નથી. અને બાપ પડેલા, એની ચિંતા કરનારા. આ ડફોળ કહેવાય ! જ્ઞાન મળ્યા પછી જે બુધ્ધિનો આશરો લે એ ડફોળ કહેવાય.

અમે એક ફેરો અહીંથી માથેરાનની જાત્રાએ જતા'તા. તે દાદર સ્ટેશન પર બેઠા'તા. તે સવારના સાડા છ થયા, તે બત્તીઓ બધી એકદમ બંધ થઈ ગઈ. ત્યારે મેં બધાને કહ્યું કે 'આ બત્તીઓ કેમ એકદમ બંધ કરી ?' ત્યારે કહે, 'દાદા, અજવાળું થયું એટલે.' ત્યારે મેં કહ્યું, 'આપણે આત્માનું અજવાળું થયું છે, હવે બત્તી (બુધ્ધિ) બંધ કરી દો. કોઈ મૂરખેય ચાલુ ના રાખે.' એ બત્તીને લઈને તો આ બધો ડખો છે. એ બત્તીઓની જરૂર નહીં. બંધ કરી દેવી જોઈએ. આ બુધ્ધિને લઈને તો મોઢાં દિવેલ પીધાં જેવાં દેખાય. મોઢાં પર જાણે દિવેલ ફરી વળ્યું હોય !

બુધ્ધિની જરૂર નહીં. આપણે બુધ્ધિને કહી દેવાનું કે તું બેસ. બહુ દહાડા તેં કામ આપ્યું છે, તે હવે તને પેન્શન આપી દઈશું. તારું પેન્શન ચાલુ છે. હજુ તો બુધ્ધિનો અમલ આવે છે. જ્યાં આવડો મોટો પ્રકાશ થયો, આખા વર્લ્ડનો પ્રકાશ ઉત્પન્ન થયો, ત્યાં હવે આ બુધ્ધિનો દીવો શું કામ સળગાવી રાખ્યો છે ? એટલે અબુધ થવાની જરૂર છે. અમે શા માટે કહીએ છીએ કે અમે અબુધ થઈને બેઠા છીએ. આ બુધ્ધિવાળા તો ક્યારે બુધ્ધુ થઈ જાય તેનું ઠેકાણું નહીં. આ બધા બુધ્ધુ થઈ ગયા. દાદાને બુધ્ધિ સોંપી દેવી, એ બહુ સારું. ગીરો નહીં મૂકવાની, કાયમની સોંપી દેવાની.

ન્યાય નથી ખોળતો, એ મુક્ત !

આખું જગત ન્યાય ખોળે છે. હવે ન્યાયમાંય જો સંકલ્પ-વિકલ્પ પૂરા થતા હોય તો સારું. ત્યારે કહે, 'પહેલી કોર્ટમાં ન્યાય કર્યો, પણ મને હજુ સંતોષ નથી થતો.' જો ન્યાય કર્યો તોય પાછો વિકલ્પ જાગે છે. તે પછી બીજી ઉપરની કોર્ટમાં જાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય. ન્યાયને પણ કહે છે, 'ના, હજુ મને સમાધાન નથી થતું.' પછી એથી ઉપરની હાઈકોર્ટમાં જાય, ત્યાં પણ સમાધાન થાય નહીં. પછી સુપ્રિમ કોર્ટમાં જાય અને ત્યાંથી પ્રેસિડેન્ટ પાસે જાય. પણ તેય પછી એનું કશું વળે નહીં ને, ત્યારે કહેશે, 'આખું ન્યાયખાતું જ ઠેકાણા વગરનું છે.' પોતાના જેવો કોઈ ન્યાયાધીશ નથી એવું જાણે એ ! આનું નામ સંસાર. અને ન્યાય નથી ખોળતો એ મુક્ત થાય. જેને કોઈ પણ પ્રકારનો ન્યાય ખોળવો નથી એ મુક્ત થાય. મારી જિંદગીમાં મેં ન્યાય જ ખોળ્યો નથી !

કરે ચીકણું ને થાય દુઃખી !

પ્રશ્નકર્તા : જ્ઞાન બરાબર ફીટ થઈ ગયું હોય તો ચિત્ત પ્રસન્નતા રહે ?

દાદાશ્રી : હા, અગર તો બીજા કેટલાક માણસો એવા ભોળા હોય છે ને, એમને ચિત્ત પ્રસન્ન રહે છે જ, બીજી બહુ પડેલી ના હોય. બુધ્ધિથી ચીકણું કર કર ના કરે એ. આ ચીકણું કરનારા તો ચૂંથીને ચીકણું કર કર કરે, એને બહુ દુઃખ.

પ્રશ્નકર્તા : ચીકણું કરનારાને તો કાયમ જ દુઃખ ?

દાદાશ્રી : હા, કાયમ જ દુઃખ, પરમેનન્ટ દુઃખનો એ સ્વભાવ જ લઈને આવેલો હોય ! એટલે ચીકણું નહીં કરવાનું. 'તમારા ફાધર કેમ મરી ગયા ?' ત્યારે કહીએ, 'તાવ આવ્યો ને ટપ' એવું કહી દીધું એટલે ચીકણું કરે નહીં. 'જો ફલાણા ડૉક્ટરને મળ્યો' એમ કહે ત્યારે લોકો કહેશે, 'તો પેલાને કેમ ના બોલાવ્યા ? પેલા બીજાને કેમ ના બોલાવ્યા ?' એમ લોક બધા આવે, માથાફોડ કરીને તેલ કાઢી નાખે, એના કરતાં 'તાવ આવ્યો ને ટપ' કહ્યું, પછી પૂછે જ નહીં ને વધારે.

બુધ્ધિનું લાઈટ, ડીમ કરો આમ !

પ્રશ્નકર્તા : જે બુધ્ધિવાળો હોય ને, બુધ્ધિના ડેવલપમેન્ટવાળો હોય ને એ ઇચ્છા-અનિચ્છાએ પણ એમાં આમ ખૂંપી તો જાય જ ને ? કારણ કે એને બધું દેખાય એટલે.

દાદાશ્રી : એટલો માર પડે. એટલે પછી એ પોતે બુધ્ધિના ડેવલપમેન્ટવાળો પાછો ફરે. ફરી બુધ્ધિ વાપરવાની બંધ કરી દે કે આ જગ્યાએ સ્વીચ દબાવવાની નહીં.

પ્રશ્નકર્તા : પણ એ બુધ્ધિનો સવળો ઉપયોગ કેવી રીતે વધારે થાય ?

દાદાશ્રી : સ્વીચ દબાવવાની જરૂર નહીં, વગર કામની.

પ્રશ્નકર્તા : એ તો મશીનને બેસાડી રાખવા જેવું થાય ?

દાદાશ્રી : બેસાડી રાખવાનું નહીં, લાઈટ ચાલુ રાખવાની. પણ લાઈટ ઉપર લાલ લૂગડું કે ગમે તેવું કાળું લૂગડું બાંધી દઈએ ને પછી વાંધો નહીં. ગોળો તો એકસોનો હોય. એ કંઈ આછો ના થાય. એ તો આપણે કાળું લૂગડું બાંધીએ તો એના પંદર સેન્ટ જેવું અજવાળું આવે. એટલે આપણને મહીં સાપ પેસી ગયેલો દેખાય નહીં. નહીં તો સાપ પેસી ગયેલો દેખાય. જેણે જોયો તેને તો પછી આખી રાત ઊંઘ ના આવે. એ તો જ્યારે સાપ નીકળી ગયો એવું દેખાય, ત્યારે ઊંઘ આવે.

પાછલી આદતો તોડો આજ્ઞાથી !

પ્રશ્નકર્તા (મહાત્મા) : આ જ્ઞાન લીધા પછી પણ આ બુધ્ધિ જે ઊભી થયા કરે છે, તે હવે જો જ્ઞાન હોય તો બુધ્ધિ ઊભી ન થવી જોઈએ, અને બુધ્ધિ હોય ત્યાં જ્ઞાન ના હોય, તો એ કેમ થયા કરે છે ?

દાદાશ્રી : ના, પણ આ જે થયા કરે છે ને, આ તમને પહેલાંની આદત છે એટલે બુધ્ધિનો દુરુપયોગ થાય છે. તેથી અમે આજ્ઞા આપીને. જો આજ્ઞામાં રહો તો બુધ્ધિનો ઉપયોગ ના થાય. પણ પહેલાંની તમને આદત છે ને, તે આદત ખસતી નથી. એટલે આદતને લઈને આ દેખાય છે, આવું બધું. એ આદત જવા માટે અમુક વર્ષો થશે, ત્યારે એ આદત જશે અને બુધ્ધિ જો ખલાસ થઈ ગઈને, તો પછી આ ડિસ્ચાર્જ (નિર્જરા થતો) અહંકાર, તે પણ ખલાસ થઈ જશે.

પ્રશ્નકર્તા : એ ડિસ્ચાર્જ અહંકાર જ્યાં સુધી છે, ત્યાં સુધી બુધ્ધિનાય પર્યાય ઊભા તો થવાના ?

દાદાશ્રી : ઊભા રહેવાના ને ! પણ તે ડિસ્ચાર્જ અહંકાર અમુક સ્ટેજમાં આવશે, ત્યારે બુધ્ધિ ગયા બરાબર જ થઈ ગઈ કહેવાય. એટલે જ્યાં સુધી આ હાયર સ્ટેજમાં છે ત્યાં સુધી ઓછી થતી જાય, પછી રાગે પડી જાય, પછી તમને એમ નહીં લાગે કે બુધ્ધિ છે મારામાં.

પ્રશ્નકર્તા : એટલે જેમ આજ્ઞામાં વધુ રહેતા જઈએ, તેમ તેમ ડખો ઓછો થાય ?

દાદાશ્રી : પછી ડખો નહીં કરે. બુધ્ધિને મેલો પૂળો ! થઈ જાવ શુધ્ધાત્મા, હું શુધ્ધાત્મા છું !

બુધ્ધિ બંધ તેમ સંસાર વિલય !

જેટલું મૌન પકડશો એટલી બુધ્ધિ બંધ થશે. બુધ્ધિ બંધ થશે એટલે મૌન થાય. એટલે આ જે વાણી બોલાવ બોલાવ કરે છે, તે બુધ્ધિ બોલાવ બોલાવ કરે છે. બુધ્ધિ અને અહંકાર બે ભેગા થઈને વાણી બોલાવ બોલાવ કરે છે. અને મૌન થશે ત્યાર પછી બધું પાછું ફરશે.

બુધ્ધિનાં બારણાં બંધ થાય ત્યારે મોક્ષની તૈયારી થાય. બુધ્ધિને લઈને સંસાર છે. જેને બુધ્ધિ નથી એનો સંસાર વિલય થયા કરે છે. આ જનાવરો-બનાવરોને બુધ્ધિ નહિ, અહંકાર ખરો. બુધ્ધિ નહીં એટલે અહંકાર વિલય થયા કરે, નિરંતર વિલય જ થયા કરે. નર્કગતિના જીવોને વિલય થયા કરે, જાનવરોને વિલય થયા કરે, દેવલોકોને વિલય થયા કરે, બુધ્ધિ નહીં ને ! આ બુધ્ધિના ડખાવાળા લોકો, પુણ્યશાળી લોકો (!)

બુધ્ધિ કરાવે અજંપો !

પ્રશ્નકર્તા : બુધ્ધિનો બહુ ડખો રહ્યા કરે, કે આમ થઈ જશે, તેમ થઈ જશે. આ બુધ્ધિના ડખા પણ આખો દિવસ બહુ ચાલ્યા કરે.

દાદાશ્રી : હા, 'શું થઈ જશે ?' આપણે કહીએ, આ કારખાનું એમનું એમ ચાલ્યા કરે છે. ખોટો જતી નથી, ભાઈઓ બધા જીવતા છે અને શું થઈ જશે ? કશું જ થવાનું નથી, કહીએ.

પ્રશ્નકર્તા : એ વાત કરેક્ટ છે, દાદા. છતાં બુધ્ધિ પોતાનું ઊભું કરી નાખે છે. આટલા નાનાને આવડું મોટું કરી બતાવે છે.

દાદાશ્રી : હા, એ ઊભું કરી નાખે તો પછી આપણે એને શું કરવું ? બુધ્ધિની ભઈબંધી કરવી ?

પ્રશ્નકર્તા : ઉડાડી મૂકવી એને.

દાદાશ્રી : હા, ઉડાડી મૂકવી. 'આવો જવાન માણસ તું !'

મંદી આવશે ત્યારે, 'શું થશે ? શું થશે ?' 'અલ્યા, શું થશે ?' દુનિયા એવી ને એવી રહી છે. શું થઈ જવાનું છે ? આપણે જીવતા ને જીવતા રહીએ છીએ. આ સ્ટીમર ત્યાંથી ઇંગ્લેન્ડથી નીકળે, તે અહીં સુધી સાજી આવે અને રસ્તામાં ત્રણ વખત હાલી તો 'શું થશે ? શું થશે ?' અલ્યા, મૂઆ, હમણે જશે એ તો ! ખાઈ-પીને, નાસ્તા કરીને ભગવાનનું નામ દે, ક્રાઈસ્ટનું નામ દો. સ્ટીમર મહીં ડૂબી જાય કે ના હાલી જાય ? હવે તે વખતે 'શું થશે ? શું થશે ? શું થશે ?' તે કોણ શીખવાડે છે ? આ બુધ્ધિ અકળાવે છે. બુધ્ધિ હેરાન કર્યા કરે છે, 'શું થઈ જશે ? શું થઈ જશે ?' અરે, શું થઈ જવાનું છે ? કાં તો ડૂબી જવાનું છે કાં તો તરવાનું છે. બેમાંથી એક થવાનું છે. માટે ભગવાનનું નામ દે ને છાનોમાનો. બેથી ત્રીજું કંઈ થાય કશું ? અને મહીં ડૂબી તો જવાની. એ તો કો'ક જ ફેરો ડૂબે.

બુધ્ધિનો દીવો ઓલવી નાખો !

અમારે બુધ્ધિ કામ નથી કરતી. બુધ્ધિ કામ કરે તે ઘડીએ મન કચકચ કર્યા કરે. બુધ્ધિએ જે ઘડીએ કામ કર્યું કે કચકચ ચાલુ થઈ જાય એને, 'કકળાટ શું કામ કરે છે', આપણે ના કહીએ ? વળી તું તો સાસુની સાસુ છે, આપણે ક્યાં સુધી મેળ રાખ્યા કરીએ ?

પ્રશ્નકર્તા : પણ બુધ્ધિ વગર તો ચાલે નહીંને ?

દાદાશ્રી : એવું છે ને, કાં તો આ લાઈટ હોય તો ચાલે ને આ લાઈટ ના હોય તો પેલું અજવાળું જોઈએ. દીવો જોઈએ કે ના જોઈએ ? ત્યારે બુધ્ધિ એ દીવા જેવું છે. અમે જ્ઞાન આપ્યું છે, તો આવું જો સળગેલું હોય તો પેલાની જરૂર નથી અને આ ના હોય તો પેલાની જરૂર છે. બે દીવા કોણ રાખી મેલે ? અત્યારે કોઈ મીણબત્તી સળગતી હોય તો અહીં આગળ પેલું તરત હોલવી નાખે ને ? અને ના હોલવી નાખે તો પેલો શું કહે ? અલ્યા, પેણે મીણબત્તી જોતો નથી, આને હોલવી નાખને, એવું કહે કે ના કહે ?

જેમ 'વેલકમ' કહેવાથી આ બુધ્ધિ રાજીખુશીથી આવે છે તેમ 'રાંડ' કહેવાથી એ તો ચીડ ચડાવીને જતી રહે. એનો વાંધો નથી આપણને.

ઓછું મળ્યું, તેની યે કચકચ !

આપણને સવારના પહોરમાં ચાનું કંઈ ઠેકાણું ના પડતું હોય ત્યાં કો'કે અરધો કપ આપ્યો, ત્યાં બુધ્ધિ ઊભી થાય કે, 'અરધા કપમાં શું પીવાનું ? આમ છે તેમ છે', ત્યારે આપણે બુધ્ધિને કહીએ કે, 'રાંડ, આટલી ચા પીવા દે ને મને. આટલીય જંપીને પીવા નથી દેતી ? કઈ જાતની આ છે.' અરે, મહાપરાણે અરધો કપ પીવા મળ્યો છે, તે કંઈ ગળે તો ઉતરવા દે. એ જંપીને પીવા દે તો કેવું સરસ લાગે ? અરધો કપ તો અરધો કપ, જેટલી ચા પીધી એટલું તો દિમાગ ઠેકાણે આવે ને ? પણ તે ય ના, મોઢે લગાડતા પહેલાં જ અપશુકન કરે. હપૂચો ના પીધો હોય એના કરતાં અરધો મળે તો દિમાગ પાંસરું ના થાય ?

પ્રશ્નકર્તા : બુધ્ધિ દેખાડે આ અરધો કપ, પછી આવું જે ટકટક કરે ને, તે મન કરે ?

દાદાશ્રી : બુધ્ધિ સળવળી, કે મનને સળવળાટ મળી ગયો. પછી મન કચકચ કરે, અરે મૂઆ, આવી સરસ ચા છે ! દૂધ-ખાંડ જુદાં છે, ચા જુદી છે, ચા કિંમતી છે પણ પેલું પીવે નહીં અને દિમાગ બગાડી નાખે. પહેલેથી જ અપશુકન બોલે, હંઅ..., અરધા કપમાં શું પીવાનું ? મેરગાંડિયા, અપશુકન કર્યાં ! તે ઘડીએ આપણે ફરી વળીએ ને, લાકડી લઈને ! પહેલાં એવું થતું'તું ને ?

પ્રશ્નકર્તા : આવું જ થતું.

દાદાશ્રી : અમારે એવું ના હોય. અમારે તો અરધો આવે તો કહીએ, 'ચાલ બા, વ્યવસ્થિત છે ને. અરધો તો મળ્યો ને ?' કચકચ કરે તો આપણે એને કહેવામાં શું જાય છે ? આવતાં પહેલાં જ અપશુકન કર્યા? 'રાંડ' કહીએ એને. એ ક્યાં દાવો માંડવા જવાની હતી ? પણ 'રાંડ' કહીએ ને, એટલે સમજે કે આપણું અપમાન કરે છે. આપણો હવે રોફ પડતો નથી. પહેલા તો આવી બુધ્ધિ ઉત્પન્ન થાય ત્યારે 'આવો, વેલકમ', 'વેલકમ'નાં બોર્ડ મારી રાખ્યાં હોય.

એકસેસ (વધારાની) બુધ્ધિ નુકસાનકારક !

પ્રશ્નકર્તા : જ્ઞાન અને પ્રજ્ઞામાં અમે જો પૂરેપૂરા ના રહીએ તો વ્યવહારમાં તો અમે બુધ્ધિથી જ કામ કરીએ છીએ ને ?

દાદાશ્રી : તે વ્યવહારમાં તમે બુધ્ધિથી કામ કરો છો, એટલું કહેવા પૂરતું જ છે. બાકી, બુધ્ધિ એનો વ્યવહાર કરી જ લે છે. હું કહું છું ને, મારે બુધ્ધિ નથી. મારે બુધ્ધિનો અભાવ છે એમ કહું છું, તોય વ્યવહારમાં (ડિસ્ચાર્જ) બુધ્ધિ એનું કામ કર્યે જ જાય છે. આ શાક ચડેલું છે, આ નથી ચડેલું, એવું કામ કર્યે જ જાય છે.

પ્રશ્નકર્તા : એટલે ઉપયોગ પૂરતી જ બુધ્ધિ વાપરવી ?

દાદાશ્રી : ના, એની મેળે બુધ્ધિ વપરાઈ જ જાય. આ જે વધારે બુધ્ધિ છે, 'મારી જરૂરિયાત છે' કહે છે એ જ બધી એક્સેસ (વધારે) બુધ્ધિ છે, અને એ જ બુધ્ધિ નુકસાનકારક છે, એ જ વિપરીતતા છે.

બુધ્ધિથી અહંકાર જુદો, એ પુરુષાર્થ !

દવાખાનામાં પોતાનો સગો ભાઈ દાખલ કર્યો હોય, ત્યાં જવા અહીંથી ટ્રેનમાં બેઠા પછી, 'ટ્રેઈન ક્યારે પહોંચશે, ક્યારે પહોંચશે' એવા વિચાર કરે તો ? એમાં તમારા જેવા હોય તે કહે, 'લ્યો, ચા પીવો.' ત્યારે ભઈ પાછા આબરૂ રાખવા માટે, 'હા, લાવો, લાવો' કહે, પણ ફરી પાછો ખોવાઈ જ ગયેલો હોય. અલ્યા, ગાડીમાં બેઠો, હવે ગાડી તને કૂદીને લઈ જવાની છે ? કઈ જાતના ચક્કરો છો તે ? ત્યાં જંપીને બેસાય કે ના બેસાય ? પણ આ તો ગાડીમાં આઘાપાછા થાય, દોડધામ દોડધામ કરે !

પ્રશ્નકર્તા : આપે કહેલું કે બુધ્ધિ નવું કશું દેખાડતી જ નથી. અહંકારને સહી જ કરી આપે છે, તો આ અહંકાર કૂદાકૂદ કરે છે કે બુધ્ધિ કૂદાકૂદ કરે છે ?

દાદાશ્રી : એવું છે, બુધ્ધિ અહંકારની સહી લે. અહંકારની સહી લે પછી તરત બધું કાર્ય થઈ જાય છે. હવે જે કાર્ય ના થવાનું હોય તેમાં અહંકાર બુધ્ધિથી જુદો પડી જાય. અહંકાર વાંધો ઊઠાવે, કે નહીં. અહીં નહીં ચાલે.

પ્રશ્નકર્તા : હવે આ જરા વધારે સમજાવો કે બુધ્ધિને અને અહંકારને છૂટાં પાડવાં એ જ વ્યવહારમાં પુરુષાર્થ છે એમ આપે કહેલું.

દાદાશ્રી : હા, બુધ્ધિ ને અહંકાર છૂટાં પાડવાં, એ વ્યવહારમાં પુરુષાર્થ છે. વ્યવહારમાં બુધ્ધિ ને અહંકાર એકાકાર થઈ જાય, એમાં તો કશો પુરુષાર્થ થયો જ નહીં. બુધ્ધિ ને અહંકાર વ્યવહારમાં બે જુદાં રહેવાં જોઈએ, ત્યારે પુરુષાર્થ થયો કહેવાય. આપણે અહીં (અક્રમ માર્ગમાં) તો એની જરૂર નથી.

આપણો ભાઈ બહુ સખત માંદો હોય ને 'જલદી આવો' કહે, પછી ટ્રેનમાં આપણે ત્યાં શું કરવું જોઈએ ? કંઈક ગોઠવણી આપણી હોવી જોઈએ ને ?

પ્રશ્નકર્તા : બુધ્ધિમાન માણસો ગાડીમાં ઊંચા-નીચા થતાં નથી.

દાદાશ્રી : એ તમને ના લાગે. મહીં શું થાય છે એ બધું મને દેખાય. અને પાછો બહાર આબરૂ રાખે. એના કરતાં ડફોળો સારા. હેય, ચા પી આવે, સિગારેટ પી આવે, તોય ગાડી તો પહોંચે જ છે.

બધે ભાંજગડ કરાવે બુધ્ધિ !

પ્રશ્નકર્તા : સંયોગો બહુ જ અનુકૂળ મળ્યા અને પ્રગટ પરમાત્મા સ્વરૂપ મળી ગયા, એ વાત બિલકુલ નિઃશંક રીતે બેસી ગઈ, એટલે પછી બીજી બધી ભાંજગડમાંથી વૃત્તિઓ બધી ખસી ગઈ.

દાદાશ્રી : એ ભાંજગડ બધી બુધ્ધિ કરાવડાવે છે. જેની બુધ્ધિ સીધી બેસે ને, તો બધું કામ નીકળી જાય. બુધ્ધિ પાંસરી બેસે નહીંને ! રાતે ઊંઘવા ના દે. આપણે કહીએ, 'પરમાત્મા સ્વરૂપ છે', ત્યારે એ કોચ કોચ કરે. અલ્યા, શું કરવા પજવે છે તે ? જંપીને બેસવા દે ને ? તે તમને કોચતી નથી, એટલી તમારી બુધ્ધિ સારી. નહીં તો એ બુધ્ધિ કેવી કેવી વકીલાત કરે છે ? કંઈ પાર વગરની વકીલાતો કરે.

પ્રશ્નકર્તા : આપની નવ વાત સમજાઈ તો છેલ્લી દસમી ના સમજાઈ, ત્યારે એવું લાગે કે નવ સમજાઈ તો દસમી આપોઆપ સમજાશે. એટલે દસમી માટે આપના ખુલાસા માગવા નથી આવતો.

દાદાશ્રી : નવ વાત સમજાઈ છે, તો એક વાત સિલક રહેવા દેવી. જ્યારે કાળ આવશે ત્યારે સમજાશે, પણ એનું પૃથક્કરણ પોતે જાતે કરવાની જરૂર નથી.

હવે આ જે પદ છે, વર્લ્ડનું અજાયબ પદ છે ! આ જો ઓળખાઈ જાય તો કલ્યાણ જ થઈ જાય ! ઓળખે તો ને ? અમે કહીએ, બૂમો પાડીએ, કે લાસ્ટ (છેલ્લું) સ્ટેશન આવ્યું. પણ એને શું સમજણ પડી ? એને અનુભવ હઉ કરાવીએ, પણ અનુભવ પહોંચે તોય બુધ્ધિ એને જંપવા ના દે ને ! અને બીજો, ચારિત્રમોહ એને જંપીને બેસવા ના દે ને ! જુઓ ને ! આ બધા કેવા જંપીને બેસી ગયા !

બુધ્ધિ મહીં કૂદાકૂદ ના કરે તો જાણવું કે કલ્યાણ થઈ ગયું. એટલે બુધ્ધિએ તમને (આ જ્ઞાન મળ્યા પછી) સહેજેય હેરાન કર્યા નથી ? અહીં આવતા પહેલાં હેરાન કર્યા હશે ?

પ્રશ્નકર્તા : બહુ કરેલા.

દાદાશ્રી : હા, અહીં આવતા પહેલાં બહુ ચકાસી જોયું અને ચકાસવાથી લેટ (મોડું) થયું ઊલટું. બુધ્ધિ ગોદા મારે ને, તો મારી નાખે બધાને. જંપીને બેસવા ના દે.

પ્રશ્નકર્તા : બુધ્ધિ ગોદા મારે છે, પણ આપે જે કીધું તે પ્રમાણે બુધ્ધિને બહાર ચંપલ અગાડી (જોડે) મૂકીને આવો તો કામ થાય.

દાદાશ્રી : એ ડહાપણવાળું. એવું છેને, મને ભેગા થયા પહેલાં બુધ્ધિ ગોદા મારે, એ તો સ્વાભાવિક છે. પણ તમારી શક્તિ નહીં ને ? હવે તમે બુધ્ધિને બહાર બેસાડો, કહીએ, 'બેસ બહાર, અમે જઈ આવીએ છીએ.' હવે આપણે પુરુષ થયા.

પ્રશ્નકર્તા : દાદા, અને જ્યારે બુધ્ધિને બહાર બેસાડીએ છીએ ત્યારે બુધ્ધિ ચંપલ સારી રીતે સાચવે છે.

દાદાશ્રી : સારી રીતે સાચવે. બુધ્ધિ ચઢી બેસે નહીં, નહીં તો ચઢી બેસે.

દાખવો બુધ્ધિ સાથે અસહકાર !

આ દુનિયામાં કશું ના જોઈતું હોય, એનું નામ જ્ઞાની પુરુષ. જે પોતાના દેહના પણ માલિક નથી, મનના માલિક નથી, વાણીના માલિક નથી એવા જ્ઞાની પુરુષ, ત્યાં આગળ ડખો કરવાની શી જરૂર ? આપણે સૂઈ જવાનું કહે તો નિરાંતે સૂઈ જવાનું. એ તો સારું કહે છે કે આ ખોટું કહે છે ?

પ્રશ્નકર્તા : આ જમાનામાં બુધ્ધિ જ હેરાન કરે છે ને ? ડખો એ કરાવે છે ને ?

દાદાશ્રી : હા, બુધ્ધિ ડખો કરાવે છે. પણ બુધ્ધિને આપણે ઓળખવી જોઈએ કે ,'બુધ્ધિબેન, હવે તમે જાવને, કહીએ. તમે અહીં ને અહીં સાસરીમાં ને સાસરીમાં કંઈ સુધી પડ્યા રહેશો ? તમારે પિયર જાવ. બાર મહિને હજાર રૂપિયા મોકલી આપીશ.' એને વળાવીએ તો એ જાય ને ? એને બોલાવવી જ ના પડે. એને આપણે મોટી કરીએ એટલે ચઢી વાગે જ ને ! બુધ્ધિને મોટી કરનારા આપણે જ ને ! એ તો બુધ્ધિ છે ત્યાં સુધી એની મેળે ડખો કર્યા કરે ને !

પ્રશ્નકર્તા : પણ ડખો કરવાથી બગડે જ છે ને !

દાદાશ્રી : તેમાં શું બગડે છે તે આપણે જોયા કરીએ બધું. એને જે ડખા કરવા હોય તે કરે. તો આપણે શું કરવું ? જોવું કે આપણે હઉ મહીં પેસી જવું ? આપણે જોયા કરવું.

ડહાપણ કરાવે ડખલો !

પ્રશ્નકર્તા : દાદાજી જે કહેવા માંગે છે એ સમજાય છે, પણ પછી બુધ્ધિ એટલું બધું તોફાન કરતી હોય છે કે...

દાદાશ્રી : બુધ્ધિ તોફાન કરે તો તોફાન, આપણે જાણીએ ને કે બુધ્ધિ તોફાન કરે છે.

પ્રશ્નકર્તા : પણ એ જાણપણામાં નથી રહેવાતું, એ લપસી પડાય છે.

દાદાશ્રી : એ લપસી પડાય તે લપસી પડાતું નથી, એ તો લાગે એવું.

પ્રશ્નકર્તા : લાગે પણ, એ તમારા જેવું નથી થઈ શકાતું.

દાદાશ્રી : બુધ્ધિ ડખલ કરે ખરી, પણ બુધ્ધિને જાણવી જોઈએ કે આ બુધ્ધિની ડખલ છે. એવું આપણે સમજીએ નહીં ? આપણા ઘરમાં પેલી બેન આવી, એક છોકરો ને એક છોકરી હોય તો આપણે ના સમજીએ કે આ બેન ડખલ કરે છે. એ તો આપણે ડખલને જાણવી જોઈએ, બીજું કંઈ નહીં. ડખલ કોની છે, આપણને ખબર ના પડે ?

પ્રશ્નકર્તા : પાછળથી ખ્યાલ આવી જાય છે.

દાદાશ્રી : ના, એ નહીં. એ તો આવી જાય છે, માટે છે તે આ કશું બનતું નથી. તમે ડખલને ડખલ રૂપે જાણો ને, એટલે પછી કશું જ નહીં.

પ્રશ્નકર્તા : બુધ્ધિ ગૂંચો પાડે, એ શું છે ?

દાદાશ્રી : ગૂંચો એ આ ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) છે. ઓવરવાઈઝનેસ એટલે શું કે પોતાનાં ડહાપણે બધું જ કામ કરવા જાય. દરેકમાં પોતાનું એ ડહાપણ વાપર્યા કરે. આમ જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે, પણ તોય પોતાનું ડહાપણ વાપરે કે દવા ત્રણ વાગે પીવાની કહી છે, હવે સવા ત્રણ વાગે પીશું તો શું વાંધો છે ? એટલે પોતાનું ડહાપણ મૂક્યા વગર રહે નહીં. એની બધી ગૂંચો ઊભી થઈ જાય.

હવે બુધ્ધિ ઉપર વેર બાંધજો આજથી.

ડખલોથી થઈ જાય ડખો !

અને આમાં પછી બુધ્ધિ આડી આવશે. તે બુધ્ધિ કેવી રીતે આડી આવશે ? એક માણસને ત્યાં પંદર-વીસ માણસો ગેસ્ટ આવવાના હતા. તે શ્રીખંડ બનાવવા માટે દહીં બનાવવું હતું. હવે પોતાનો ઓળખાણવાળો ભૈયો હતો, તેને કહે છે, 'તું મને મારે ઘેર દહીં બનાવી આપ.' એટલે ભૈયો આવ્યો અને અધ (અડધો) મણ દૂધ હતું, એને ગરમ કરાવડાવી એને ઠંડું પડવા દઈને આટલું દહીં નાખી અને હલાવી આપ્યું. પછી કહે છે કે, 'હવે તું આને મૂકી રાખ.' ત્યારે પેલાએ કહ્યું, 'મારે શું કરવાનું પણ હવે ?' ત્યારે કહે, 'તારે કંઈ નહીં કરવાનું. તું સૂઈ જજે.' ત્યારે કહે, 'એમ તે થાય કંઈ, સૂઈ જવાનું ?' ત્યારે એ કહે, 'ના, તું સૂઈ જજે ને ! ઘસઘસાટ ઊંઘી જજે. સવારમાં ઊઠશે એટલે દહીં ત્યાં ચોસલાં થયેલાં હશે.'

પણ પેલો અક્કલવાળો ખરો ને ! તે રાત્રે એક વાગે ઊઠ્યો. એના મનમાં એમ કે એમ ને એમ તો થાય શી રીતે ? જોવું તો પડે ને ? તપાસ તો કરવી પડે ને ? રાત્રે એક વાગે ઊઠ્યો તે મૂઆએ આંગળી ઘાલી. દહીંનો ડખો થઈ ગયો ! પેલાએ કહેલું કે, 'સવારમાં ઊઠીને જોજે.' એટલે આ બુધ્ધિ છે તે ડખો કરે. તે આજની રાત એમ કહેજો કે, 'હે બુધ્ધિ ! કાલે બાર વાગે જમવા આવજે. ત્યાં સુધી ના આવીશ.' તમે એને કહેશો કે તરત એ માની જશે. કારણ કે એ રોજની જોડે રહેનારી, તમારી જોડે ઝઘડો કરીને કેટલા દહાડા કાઢે ?

બુધ્ધિ સામે જુદાપણાની જાગૃતિ !

અહીં તો બધી વાત સાંભળવી. અહીં તો લાખો ચાવીઓ મળે એવી છે. આપણે અહીં સાંભળવું ને એડજસ્ટ કરવું. બુધ્ધિ પાછું મહીં આડુંઅવળું દેખાડે તો એ બુધ્ધિને કહીએ, 'બેસ બા, અમે સંસાર શીખવા નથી આવ્યા. અમે તો મોક્ષમાર્ગી છીએ. માટે તું અમને સલાહ આપીશ નહીં.' વચ્ચે પછી બુધ્ધિ આવે, ડખો કરવા આવે કે ના આવે ? આપણી બુધ્ધિ અવળું દેખાડે તો આપણી જ ભૂલ ને !

એક ડગલું જ ફેર રહ્યો...

એવું છે ને, જે માર્ગ ઉપર હું ચાલ્યો છું એ માર્ગ ઉપર તમને ચલાવું છું અને હું તો તમારી આગળ જ, એક ડગલું જ આગળ છું. તમે ખાલી મને ફૉલો કરો (અનુસરો) છો એટલું જ. હું કંઈ વધારે આગળ રહ્યો નથી. મેં મારી પાસે હતી, એ બધી વસ્તુ તમને આપી દીધી. ગુપ્ત રાખે, તે કોણ રાખે ? જેને ગુરુ રહેવું હોય તે. ગુરુ બધી ચાવીઓ શિષ્યોને ના આપે. મારે તો ગુરુ રહેવું જ નથી. મને તો તમે મારા જેવા થાવ, એ જ ઇચ્છા. હું પાછો ગુરુનો ધંધો ક્યાં લઈ બેસું, કાયમ ગુરુ થયા કરવાનો ? બિઝનેસ છે ને એ તો ?

પ્રશ્નકર્તા : દાદા, એવો તમારો ભાવ છે કે અમે તમારાથી નજીક છીએ, પણ સાચે જ અમે નજીક છીએ એટલા તમારાથી ?

દાદાશ્રી : હા. તમને તાવ આવતો હોય તેથી મને વાંધો નથી, પણ તમે મારી જોડે છો અને તમારો તાવ મટી જશે થોડા વખતમાં, પછી તમે મારી જોડે જ છો. લિફ્ટ માર્ગ છે આ તો. હા, તમે મારી જોડે વાંકા થઈ જાવ તો બગડે તમારું. મારામાં કોઈ એવા લક્ષણ નથી કે તમે મારી જોડે વાંકા થાવ. મારું એવું લક્ષણ વાંકું હોય ને તમે વાંકા થાવ તો જુદી વાત છે. તમે તમારી મેળે વાંકા થાવ, તે ન હોવું જોઈએ.

પોતાની બુધ્ધિ, જુદા પાડે જ્ઞાનીથી !

તમારા કર્મો તમને વાંકા કરે, એટલે મહીં કર્મ અવળું દેખાડે તો એ તમારે સમજી લેવાનું ને એવું તમારે પોતાની જાતને કહેવું જોઈએ કે 'ભઈ, અહીં હઉ તું આ જગ્યાએ પાંસરો નથી રહેતો ? તને ડિસમિસ કરીશ.' બુધ્ધિ તમને ખોતરે, છતાંય અક્રમ છે તે રક્ષણવાળું છે, ઠેઠ સુધી રક્ષણવાળું છે. અમને ગાળો દઈ ગયો હોય તેનીય અમે રક્ષા કરીએ છીએ. કારણ કે ગાળો દે છે, તે એના પોતાના હિસાબથી નથી દેતો. એને મહીં કર્મના ભૂતાં ફરી વળ્યા છે. એવું ના ફરી વળે ? છતાંય આપણી શી ફરજ હોય ત્યાં ? કોઈને એક્સિડન્ટ થયો હોય તો આપણી ફરજ શી હોય ?

પ્રશ્નકર્તા : બચાવવાની, મદદ કરવાની.

દાદાશ્રી : હા, એને કેમ કરીને પાટો બાંધી દેવો, કેમ કરીને રાગે પાડી દેવું, આપણી ફરજ આ હોય.

બુધ્ધિ પછી શું કરાવડાવે ?

બુધ્ધિ સ્વચ્છંદ કરાવડાવે. મહાવીર ભગવાનની પાસે બેસી રહેતો હોય તોય સ્વચ્છંદ કરાવે, 'ભગવાન તો કહે પણ આપણે તો આમ....' આ બુધ્ધિ આવું કરાવે.

આપણા એક મહાત્માએ બુધ્ધિને એક ફેરો ફટકારી હતી. આવું ઊંધું બોલીને એક ફેરો, તે એને હંટરથી ફટકારીને તેલ કાઢી નાખ્યું કે, 'શું સમજે છે તું ? આ હું સમજી શકું છું. તું મને મૂરખ બનાવે છે ? આમનાં વાક્યો પર તું આટલી બધી વકીલાત કરે છે ? જેનાં વાક્યો છેલ્લાં વાક્યો કહેવાય, ત્યાંય પણ પાંસરી નથી રહેતી ?' બુધ્ધિ તો બૈરી જોડે કચકચ કરાવે કે છોકરા જોડે કચકચ કરાવે, પણ અહીંયાં ? બુધ્ધિ તો જંપીને બેસવા ના દે.

બુધ્ધિ ભમાવે સંસારમાં !

પ્રશ્નકર્તા : દાદાના ચરણમાં આવ્યા પછી તો મોક્ષ જ છે ને ?

દાદાશ્રી : પણ એ ઘડીકમાં પાછું ત્યાં જાયને, પાટિયાં બેસી જાય. પાછળથી. બુધ્ધિ પાછી ભમાવ ભમાવ કર્યા કરે. બીજા બધા છે તે કોઈને ભમાવતી નથી ને આમને એકલાને જ ભમાવ્યા કરે. બુધ્ધિ ભમે ત્યારે એનો કોઈ ઉપાય જ નહીં ને ? જ્યાં ઉપાય નહીં ત્યાં કશું કામ થાય નહીં. જ્યારે બુધ્ધિ ભમાવે ને, ત્યારે કશું કામ થાય નહીં. ના ઘરનું સારું થાય ને ના ભગવાનનું સવળું થાય. એટલે આ તમને રસ્તો બતાડી દીધો. પ્રતિક્રમણ કર કર કરવાનું કે ભગવાન કેવી દશામાં મેં કર્મ કરેલાં !

પ્રશ્નકર્તા : એક પ્રશ્ન એવો થાય છે કે બુધ્ધિનો જ્યારે વેપાર કરતા હતા, ત્યારે આપનો એક અક્ષરેય પરિણામ પામતો નહોતો અને બુધ્ધિ જ્યારે ચપ્પલની જોડે મૂકીને, ત્યારે આપ જે બોલો છો, એ સીધું મહીં ઊતરી જાય છે, એ શાથી ?

દાદાશ્રી : એ બુધ્ધિ જ વચ્ચે ડખો કરે છે ને ! બુધ્ધિને લઈને બુધ્ધુ થઈ જાય છે. પછી બુધ્ધુ થઈને ફર્યા કરે છે. લોકોય કહે કે, 'બુધ્ધુ છે આ તો.' બુધ્ધિ જ બધું હેરાન કરે છે ને ! તે મારામાં બુધ્ધિ નથી, તેથી હું ફાવી ગયો ને ! તમારી બુધ્ધિ ધીમે ધીમે જતી રહેશે. મારી બુધ્ધિ ખલાસ થઈ ગઈ એટલે તો કામ થઈ ગયું.

'જ્ઞાની' જ મારો આત્મા !

પ્રશ્નકર્તા : પ્રશ્ન ન હોય તોય દાદા પાસે આવવાનું દિલ કેમ થાય છે ?

દાદાશ્રી : પ્રશ્ન એ તો બુધ્ધિનો ડખો છે ખાલી. જંપ ના વળે ને એટલે બુધ્ધિના ડખા કર્યા કરે છે. બાકી, પ્રશ્ન ના હોય તો સારું. પ્રશ્ન ના હોય અને અહીં આવવાનું ગમે એનું શું કારણ ? દાદા એ તમારું સ્વરૂપ છે. એમની પાસે જ બેસી રહેવાનું ગમે. એટલે શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું કે, 'જ્ઞાની પુરુષ એ જ દેહધારી પરમાત્મા છે.' અમે તો એમ જ કહીએ કે અમે નિમિત્ત છીએ. પણ તમારે આવું માનવું પડે. પ્રશ્ન બંધ થાય એટલે દેહ સહજ થાય.

બુધ્ધિ-અહંકાર વિનાની સહજ દશા !

પ્રશ્નકર્તા : સહજાત્મ સ્વરૂપ એટલે શું ?

દાદાશ્રી : આ દેહ સહજ થઈ જાય તો આત્મા તો સહજ જ છે. આ બધો રિલેટિવ ભાગ છે, એ સહજ થઈ જાય તો પેલો તો સહજ જ છે. પોતાને તો કશી ભાંજગડ જ નથી. આને સહજ કરવાનો છે, સહજ ! બુધ્ધિ ડખો કરે છે ને આ બધો.

પ્રશ્નકર્તા : જ્ઞાની પાસે પડી રહો, એવું જે કીધું તે પડી રહીએ પછી જ જ્ઞાનીનું આ બધું જોવાનું ને ?

દાદાશ્રી : હા. એમની સહજતા આખો દહાડો જોવા મળે. કેવી નિર્મળ સહજતા ! કેટલા નિર્મળ ભાવ !! અને અહંકાર વગરની દશા કેવી હોય !!! બુધ્ધિ વગરની દશા કેવી હોય એ બધું જોવાનું મળે. અહંકાર વગરની દશા ને બુધ્ધિ વગરની દશા, એ બે દશાઓ તો જોવાની મળે જ નહીં ને ! જ્યાં ને ત્યાં બુધ્ધિશાળીઓ ! તે આમ વાત કરે ને, તો ય નાક આમ ચઢેલું હોય ! નાક હઉ ચઢેલું હોય ! કશું સહજ ના હોય. ફોટો પાડે ને તો તે ઘડીએ નાક ચઢી જાય ! અને ફોટાવાળા અમને જુએ તો એને ફોટો ના લેવો હોય તોય લઈ લે કે ફોટો પાડવા જેવો છે ! એ સહજતા ખોળે ! નાકની કડકાઈ દેખે તો ફોટો સહજ ના આવે.

આદર-અનાદરથી પર, સહજ !

સહજતામાં મળ્યું હોય તે ભલે ને દૂધપાક-પૂરી ને માલપૂડા ખા, જેટલા ખવાય એટલા. અને પછી રોટલો ને શાક મળ્યું હોય તો તેય ખા. માલપૂડા ને દૂધપાક ખસેડીશ નહીં અને રોટલા માંગ માંગ કરીશ નહીં. હવે એકનો આદર કરે ને પેલાનો અનાદર કરે, ધંધો જ શો ?

પ્રશ્નકર્તા : સહજ કેવી રીતે થવાય, તે આ દાખલા પરથી વાત બેસી જાય.

દાદાશ્રી : એકનો અનાદર નહીં ને એકનો આદર નહીં, એ સહજ. આવી પડેલું એનું નામ સહજ. પછી છોને જલેબી-બલેબી ખાય, 'તળેલું છે, તળેલું છે' કરે. મેલને પૂળો મૂઆ, તળેલું તો વિકૃત બુધ્ધિવાળાને નડે. સહજને કશું નડે નહીં. આવી પડેલું ખા. આવી પડેલું દુઃખ ભોગવ, સુખ ભોગવ. જ્ઞાનીને સુખ-દુઃખ હોતું જ નથી ને ! પણ આવી પડેલું. અને કડવું લાગે તો રહેવા દે ?

પ્રશ્નકર્તા : ના, કડવું કાઢી નાખે.

દાદાશ્રી : એ મોઢું કડવું થતું હોય તો થવા દેવું. એમાં આપણે ડખલ કરવાની ના હોય, એનું નામ સહજ. આ માર્ગ સહજનો છે બધો. તેથી કૃપાળુદેવ કહે છે, મોક્ષમાર્ગ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે એવા પ્રાપ્ત પુરુષ મળવા મુશ્કેલ છે ! એ દુર્લભ છે, દુર્લભ છે, દુર્લભ તે સો વખત લખ્યું છે !!!

પ્રશ્નકર્તા : આપની પાસે આવીને માત્ર સહજ થઈ જવાનું છે ?

દાદાશ્રી : સહજ જ ! અમારો સહજ સ્વભાવ છે ને, એ દેખીને સહજ થઈ જાય માણસ. એ દેખીને એમ નક્કી કરે તો એ સહજ થઈ જાય.

પ્રશ્નકર્તા : પછી આપ એમ કહો છો કે, બુધ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી તમને સહજ નહીં થવા દે.

દાદાશ્રી : આ બુધ્ધિ જ સંસારમાં ભટકાવે છે અને બુધ્ધિને લઈને સંસાર ઊભો રહ્યો છે અને બુધ્ધિ હોય ત્યાં સુધી સહજ થાય નહીં. જેટલી બુધ્ધિ ઓછી થઈ એટલો વધુ સહજ થયો.

સહજ, અજ્ઞાનતાથી-સજ્ઞાનતાથી !

નાનાં બાળક જેવું હોય અમારું. એટલે એ જ્ઞાનવાદ હોય, બુધ્ધિવાદ ના હોય. બુધ્ધિવાદ હંમેશાં ઈમોશનલ કરે અને મારા-તારાનો ભેદ બતાવે, અને જ્ઞાનવાદ ભેદ બતાવે નહીં ને ઈમોશનલ ના કરે.

પ્રશ્નકર્તા : પ્રાણીઓને પણ સહજ સ્વભાવ હોય છે અને જ્ઞાનીનોય સહજ સ્વભાવ, તો એ બેમાં ફરક શું ?

દાદાશ્રી : પ્રાણીઓનો, બાળકનો અને જ્ઞાનીનો, આ ત્રણેયના સહજ સ્વભાવ હોય. જ્યાં બુધ્ધિ જોરદાર હોય ત્યાં આગળ સહજ સ્વભાવ નહીં. લિમિટેડ બુધ્ધિ ત્યાં સહજ સ્વભાવ. બાળકને લિમિટેડ બુધ્ધિ, પ્રાણીઓને લિમિટેડ બુધ્ધિ અને જ્ઞાનીને તો બુધ્ધિ જ ખલાસ થઈ ગઈ હોય. એટલે જ્ઞાની તો બિલકુલ સહજ હોય.

પ્રશ્નકર્તા : પણ ફેર શું પડે, જ્ઞાનીમાં ને બાળકમાં ?

દાદાશ્રી : બાળક અજ્ઞાનતાથી અને જ્ઞાની સજ્ઞાનતાથી છે. પેલું અંધારામાં અને આ પ્રકાશમાં. પ્રકાશ વગર માણસ સહજ રહી શકે નહીં ને ! એટલે બુધ્ધિ જ્યારે જાય ત્યારે પછી સહજ રહી શકે, નહીં તો ઈમોશનલ થયા વગર રહે નહીં. બુધ્ધિ ઈમોશનલ જ કરે. જ્યાં સુધી જડતા હોય ત્યાં સુધી ઈમોશનલ ના થાય. કેટલા માણસોને આપણે ટૈડકાવ ટૈડકાવ કરીએ છીએને, પછી આપણે જાણીએ કે આ હાલતો કેમ નથી ? પણ શાનો હાલે ? એને વાત હજુ પહોંચી જ નથી તે ! અને બુધ્ધિશાળીને તો બોલતાં પહેલાં વાત પહોંચી જાય. વિચાર કરે ને તોય પેલાને પહોંચી જાય ને !

એટિકેટના ભૂતથી અસહજ !

એટલે આ હાર્ટિલી જોઈશે. હાર્ટિલી એટલે બુધ્ધિ વપરાય નહીં ને બુધ્ધિ વપરાય તે એટિકેટ. ગાંડપણ-બાંડપણ ભેગું થઈને ભૂતાં વળગ્યાં હોય. બીજા ઓછાં ભૂતાં વળગ્યાં હતાં કે પાછાં એટિકેટના ભૂતાં વળગાડ્યાં ? એટિકેટ જોયેલી તમે ?

પ્રશ્નકર્તા : પહેલાં એટિકેટમાં જ રહેતા હતા ને, દાદા !

દાદાશ્રી : એમ ! હવે નથી ગમતી ?

પ્રશ્નકર્તા : એ તો બોજારૂપ થઈ જાય.

દાદાશ્રી : ભૂતાં લાગે, ભૂતાં ! મારે ત્યાં તો કેટલાયની એટિકેટ જતી રહી. હું કહું, 'આ ભૂતાં કંઈ વળગાડીને આવ્યાં છો તમે ?' જે બોજારૂપ લાગે, બેસતાં જ 'જરા કરચલી પડી ના જાય' કહેશે. અલ્યા, મહીં કેટલીય કરચલીઓ પડે છે ? બહારની છોડ ને એટલી ! એટિકેટનાં ભૂતાં જોયેલાં કે બધાં ? દાદાને કશી ભાંજગડ છે ? જે ભલા-ભોળા, ગામડિયા જેવા દેખાય ને ચોખ્ખા છે કે નહીં ? આ તો એટિકેટનાં ભૂત ! અણસમજણ છૂટી જાય તો ભૂતાં જાય પણ અણસમજણ છૂટે નહીં ને ? અણસમજણ છૂટે કે ?

ચીઢ કઢાવી, બનાવે સહજ !

બુધ્ધિવાળાને તો બુધ્ધિ મહીં એવું દેખાડે કે શું જોઈને થબાકા પાડતા હશે ? એવું અવળું દેખાડે. મને મોટા મોટા ભણેલા માણસો મુંબઈમાં પૂછે છે કે 'તમારે ત્યાં આવીને થબાકા પાડે છે, એનો શો અર્થ છે ?' મેં કહ્યું, 'જેની પહેલાં અનંત અવતાર ચીઢ કરી છે ને, તે ચીઢ કાઢવા હારુ કરે છે.' પાછું કાઢવું તો પડશે ને ? ચીઢ લઈને જવાય કે ત્યાં મોક્ષે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એ ચીઢ કરેલી તે કાઢવા હારુ. આ તમારી જાતે કરો એટલે નીકળી જાય. હા, નહીં તો મારે આ ધંધો કરીને શું કામ છે ? હું જ્ઞાની પુરુષ અને જ્ઞાનમાં આવું હોય નહીં ને ! કારણ કે અક્રમ વિજ્ઞાન છે. ક્રમિકમાં એવું ના થાય. ક્રમિકમાં તો જોડે જોડે લઈ લઈને માર ખા ખા કરવાનો. અહીં તો ખાલી જ કરી નાખવાનું. શુધ્ધાત્મા થયા પછી રહ્યું શું તે ?

પ્રશ્નકર્તા : બુધ્ધિને કેમ બંધ કરવી, એ ડખો કર્યા કરે તો ?

દાદાશ્રી : જ્ઞાન લીધેલું છે ?

પ્રશ્નકર્તા : નથી લીધું.

દાદાશ્રી : હમણે સમજણ ના પડે. જ્ઞાન લીધેલું હોય ને, તેને સમજણ પાડેલી કામની. નહીં તો બુધ્ધિ ઉપર તો બધો આધાર છે એમનો. જ્ઞાન લીધા પછી બુધ્ધિ ઉપર આધાર રહ્યો નહીં.

ઓળખી લો બુધ્ધિની સલાહને !

પ્રશ્નકર્તા : તમારી છાયામાં આવ્યા પછી, બુધ્ધિ જો છેતરે તો એના જેટલો દુર્ભાગી જીવ કોઈ નહીં.

દાદાશ્રી : તોય છેતરે. બહુ હોશિયારને પણ છેતરે. માટે તમે ઓળખી રાખો. હું તમને શું કહું છું, બુધ્ધિ કંઈ પણ સલાહ આપવા આવે ને ત્યારે કહીએ, તું તારી મેળે પિયર જા અને હવે મારે તારું કામ નથી. બુધ્ધિ એકલીની સલાહ ના સંભળાય.

પ્રશ્નકર્તા : દાદા કહે છે ને કે બુધ્ધિબેનને કહો કે તમે પિયર જાવ. પણ એક વખત કહેવાથી નથી જતી.

દાદાશ્રી : એ ન જાય. પણ આપણે એક ફેરો કહ્યું ને, ત્યારથી એ સમજી જાય કે હવે અળખામણી થઈ છું, હવે વહાલી નથી એવું સમજી જાય. આપણે જેને ડાયવોર્સ આપવાના હોય, તેને એકાદ ફેરો બોલીએ નહીં, 'તમે જાવ અહીંથી.' તો એ શું સમજે ? માટે એને કહી દઈએ કે તારે ને મારે છૂટું થવાનું. એવું કહી દઈએ ત્યારથી એને વહેમ પડી જાય ને પછી બુધ્ધિ જોર ના કરે અને કહેવા આવે ને, તોય દબાતી દબાતી આવે કે એના મનમાં એમ કે, વઢશે કે શું કરશે ? વઢશે કે શું કરશે ?

બુધ્ધિ ભમાવે ત્યારે આપણને મૂંઝવે. એટલે આપણે પહેલેથી જ કહી દેવું, 'તું મને સલાહ જ ના આપીશ. મારે તારી સલાહ જોઈતી નથી. બહુ દહાડો તારી સંસારમાં સલાહ કામ લાગી. છોકરો પૈણાવતી વખતે, છોડી પૈણાવતી વખતે, બધા વખતે તારી સલાહ કામ લાગી છે પણ હવે તો મારે મોક્ષે જવું છે. તારી સલાહનું હવે કામ નથી.'

બુધ્ધિએ તો અત્યાર સુધી કામ કર્યું સંસારમાં. દાદાનું જ્ઞાન નહોતું ત્યારે કંઈ એમ ને એમ સ્થિર પડ્યા'તા ? ત્યારે કહે, ''ના, જીવતા'તા ને ! પાનેય ખાતા'તા ને બધું કરતા'તા.'' પણ તે આ બુધ્ધિએ કામ કર્યું ને આપણું. બુધ્ધિએ ચલાવ્યું'તું ને ! ત્યારે એ નહોતું ચલાવ્યું ? પણ એ મોક્ષમાં ના જવા દે. એની હદ સંસારમાં રાખવા પૂરતી. ટોપ ઉપર બેસાડે પણ અહીંથી બહાર નીકળવા ના દે.

ઉપાય, બુધ્ધિ ઘટાડવાનો !

પ્રશ્નકર્તા : બુધ્ધિનો ત્યાગ કેવી રીતે કરી શકીએ ?

દાદાશ્રી : બુધ્ધિનો ત્યાગ કરવાનો નથી. બુધ્ધિ એ આમ ત્યાગ કરી શકીએ એવી વસ્તુ નથી. એ તો મહીં ભાવ રાખવાનો કે મારે હવે બુધ્ધિની જરૂર નથી. એવો ભાવ રાખવાથી, એ દહાડે દહાડે ઘટતી જાય અને બુધ્ધિની જરૂર છે એવો ભાવ હોય ત્યાં સુધી બુધ્ધિ વધતી જાય.

પ્રશ્નકર્તા : એટલે આપણો ભાવ ઠેઠ સુધી અબુધ થવાનો હોવો જોઈએ ?

દાદાશ્રી : હા, બસ એટલું જ થવાની જરૂર છે. એ ભાવ એકલો જ આપણા હાથમાં છે, કર્તવ્ય આપણા હાથમાં નથી. કર્તવ્ય તો અજ્ઞાન છે ત્યાં સુધી કર્તવ્ય છે. આ જ્ઞાનથી કર્તવ્ય રહેતું નથી.

નહીં માનવું કે નિકાલ કરવો ?

પ્રશ્નકર્તા (મહાત્મા) : બુધ્ધિ એ ફાઈલ ખરી ? બુધ્ધિ એ ફાઈલમાં ના ગણાય ?

દાદાશ્રી : ના. છતાં ફાઈલમાં ગણવી હોય તો ગણો. ના ગણવી હોય તો જરૂર નથી. ફાઈલને શું લેવાદેવા ? આપણે એનું ના માનવું હોય તો કોણ મનાવનાર છે ? મેં નક્કી કર્યું હોય કે ઘરમાં આ માણસ કહે છે એ મારે માનવું નથી. એવું કહે છે ને ?

પ્રશ્નકર્તા : એટલે એ સમભાવે નિકાલ કરવાની વાત નથી ?

દાદાશ્રી : 'ના માનવું' એટલે મેં મનમાં નક્કી જ કરી રાખેલું છે કે, છો ને બોલતો, મારે નથી માનવું. એની સલાહ મારે ના જોઈએ ને ફાઈલનો તો સમભાવે નિકાલ કરવો પડે. પણ ફાઈલ નથી એ. આ તો 'વે ટુ તાજમહાલ' લખ્યું છે, તો એ વાંચીને પછી આપણે તાજમહાલ જવું હોય તો જાવ, લબદાવા માટે. આજ્ઞામાં આ વસ્તુ આવતી નથી. વગર કામની પીડા છે આ તો. આજ્ઞાની બહાર કશું કરવાનું નથી. તો જ્યારે ઊભી થાય ત્યારે કહી દેવાનું કે, 'આજ્ઞામાં નથી આવતી, માટે જાવ.'

પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ ફાઈલ છે, તો પછી એ (બુધ્ધિ) ફાઈલનો ભાગ છે ને ? ફાઈલનો એક કાગળ તો ખરો કે નહીં, બુધ્ધિ ?

દાદાશ્રી : ના, બુધ્ધિ એ ફાઈલ નથી. આપણે તો ફાઈલનો નિકાલ કરવાનો ચંદુભાઈ જોડે અને ચંદુભાઈએ બુધ્ધિનો નિકાલ કરવાનો છે. ચંદુભાઈએ બુધ્ધિનું ના માનવું જોઈએ. ચંદુભાઈએ બધાની વાત સાંભળવી, પણ બુધ્ધિની વાત સાંભળવી નહીં.

પ્રશ્નકર્તા : એટલે 'આપણે' ચંદુભાઈને સમજાવવાના કે આ બુધ્ધિનું સાંભળશો નહીં ?

દાદાશ્રી : હા, બસ, કહો ચંદુભાઈને !

નિદિધ્યાસનમાં ડખલ બુધ્ધિની !

પ્રશ્નકર્તા : દાદાનું કે કોઈનું પણ નિદિધ્યાસન થાય નહીં, ફોટો પડે જ નહીં, એનું શું કારણ ?

દાદાશ્રી : એ તો બુધ્ધિ છે. એ ડખલ કરનારી બુધ્ધિ છે.

પ્રશ્નકર્તા : તો શું કરવું ?

દાદાશ્રી : કશુંય નહીં. બુધ્ધિ ડખલ કરે છે, એવું આપણે જાણીએ છીએ કે આ ડખલ કરનારી છે. એ ડખલ કરનારને લીધે આવું દેખાય છે. કેટલાક માણસ કહે છે કે, 'દાદા, નિદિધ્યાસનમાં એક્ઝેક્ટ મોઢું નથી દેખાતું.' મેં કહ્યું, 'એ બુધ્ધિ ડખલ કરે છે' પણ આપણે એક્ઝેક્ટ છે એવું જ જોઈ લઈએ.

પ્રશ્નકર્તા : બુધ્ધિ કઈ રીતે ડખલ કરે છે ?

દાદાશ્રી : એ તો આપણને, હમણે નિદિધ્યાસન કરતા હોય ને, તો બીજામાં ઢસેડ ઢસેડ કરે.

પ્રશ્નકર્તા : અથવા તો બુધ્ધિ એમ કહ્યા કરે કે નિદિધ્યાસન નથી આવતું.

દાદાશ્રી : હા, બસ. 'નથી આવતું' એવું હઉ કહેવા લાગે. સંસારમાંથી મોક્ષ તરફ ખસવા નહીં દેવાની એની દલીલો હોય બધી. બંધનમાં જ રાખવાની દલીલો હોય અને એટલે ડખલેય એવી કરે.

પ્રશ્નકર્તા : આપણે ના કરવું હોય એવું કરાવડાવે.

દાદાશ્રી : હા, એવું કરાવડાવે. એટલે નિદિધ્યાસન બેસે નહીં, એ બુધ્ધિની ડખલો હોય. અને નિદિધ્યાસન બેઠા પછી ખસતુંય નથીને લોકોને, એક સેકંડેય ખસતું નથી પછી !

પ્રશ્નકર્તા : એકવાર બેસે પછી ન ખસે, પણ આ તો નિદિધ્યાસન નથી આવતું એની જ વાત છે.

દાદાશ્રી : એ બેસે ક્યારે કે જ્યારે આપણને અડચણ આવે છે ત્યારે બેસે છે. શારીરિક અડચણ આવે છે ત્યારે આપણને દુઃખમાં ચિત્ત રહે, તે વખતે નિદિધ્યાસન રહે તો જરા શાંતિ રહે. ત્યારે વધારે સારું બેસી જાય. રસ્તામાં ગાડીમાં જતા હોય કે, આંખ મીંચી કે દાદા દેખાય એવું નિદિધ્યાસન થઈ ગયેલું હોય છે લોકોને. પછી ઉપાધિ જ નહીં ને ! દાદા સાક્ષાત્ રહેતા હોય પછી ઉપાધિ જ નહીં ને ! તમે તો એમ કહેતા હતા ને કે મારે તો દાદાની પાછળ જ પડવું છે. એટલે રૂબરૂ નિદિધ્યાસન સારું આપણે તો.

પ્રશ્નકર્તા : આ નિદિધ્યાસન કહ્યું, એ આખી મૂર્તિની કલ્પના કરવી જોઈએ ને ? પહેલાં તો આભાસ થવો જોઈએ ને ?

દાદાશ્રી : નિદિધ્યાસન એટલે ગમે તેવું બિંબ દેખાવું. બુધ્ધિ એક્ઝેક્ટ નિદિધ્યાસન ના દેખાડે.

પ્રશ્નકર્તા : ઓળો પડે ?

દાદાશ્રી : હા, ઓળો પડે, બસ. પણ બુધ્ધિ એક્ઝેક્ટ ના દેખાડે. બુધ્ધિ હોય તે, એક્ઝેક્ટનેસને ભૂંસી નાખે.

પ્રશ્નકર્તા : તો પછી એનું શું કરવાનું ?

દાદાશ્રી : કશો વાંધો નહીં. ઓળો પડે એટલે બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : નિદિધ્યાસનમાં પ્રતિબિંબ પડવું જોઈએ ?

દાદાશ્રી : તો જ એમની ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થાય.

બુધ્ધિને કહેવું આમ...

આ જ્ઞાનવિધિ વખતે બુધ્ધિ આમાં ડખો કરે એટલે આપણે બુધ્ધિને કહીએ કે આજનો દહાડો બહાર બેસી રહેજે. આટલું અમને પૂરું કરી લેવા દે. આવું કહીએ ત્યારે પછી છે તે બુધ્ધિ ડખો ના કરે. એટલા માટે તો આ ડૉક્ટરો માણસને બેભાન કરીને પછી ઓપરેશન કરે. હા, નહીં તો બુધ્ધિ ડખો કરેને તો આખો કેસ બગડી જાય. અને આપણે અહીં તો જ્ઞાન આપીને ભાનમાં લાવવાના છે. એટલે પછી તમારે એટલું કહી દેવાનું કે આજનો ટાઈમ, અત્યારે સાડા નવ વાગ્યા સુધી બહાર બેસી રહે. એટલે પછી તમે તમારે ઘેર જાઓને, તો ત્યાં ભેગી થાય. પછી જમાડજો. એટલે આજનો દહાડો બુધ્ધિને બહાર બેસ એવું કહેવાય કે ના કહેવાય ? એક દહાડો રજા આપવી.

જોવું, રાઈટ બિલિફથી !

પ્રશ્નકર્તા (મહાત્મા) : આપે બે આજ્ઞા કહી કે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, એ દ્ષ્ટિથી જોવું. એટલે ગાયને રિલેટિવમાં ગાય છે અને ખરેખર શુધ્ધાત્મા છે. એની એક્ઝેક્ટ દ્ષ્ટિ એ કેવી રીતે હોય ?

દાદાશ્રી : આ તમને આત્માનું જ્ઞાન આપ્યું તેમાં એક્ઝેક્ટ દ્ષ્ટિ આપી હતી કે ખાલી બિલીફ જ છે. રોંગ બિલીફ ફ્રેકચર કરી આપી, તે રાઈટ બિલીફ થઈ ગઈ, બસ. બુધ્ધિની તો વચ્ચે ડખલ છે જ નહીં અને તે સમજણ બુધ્ધિથી સમજાય એવી છે. બુધ્ધિથી સમજાય ત્યારે તો એવું કરે છે. પછી જોવાનું કેમનું છે ? આ આંખથી દેખાતું હશે ?

પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે અમને એક-એક જીવમાં શુધ્ધાત્મા દેખાય ?

દાદાશ્રી : અમારી વાત જુદી છે ને તમારી વાત જુદી છે. એ કંઈ કહેવાય નહીં. તમારે અર્થ કાઢવાનો કે બુધ્ધિથી સમજાય એવું કેમ નથી ?

પ્રશ્નકર્તા : એ સમજાય.

દાદાશ્રી : બધા બુધ્ધિવાળા કબૂલ કરે કે આ સમજાય એવું છે. પછી શો વાંધો છે ? આંખનું આંખથી દેખાવું, બુધ્ધિથી દેખાવું જોઈએ તો સાચી શ્રધ્ધા બેસે. લોકોને કહેશે કે, 'તું અહીંયાં સારું કામ કર તો પુણ્ય બંધાશે.' તો કંઈ એને દેખાય છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : બુધ્ધિથી બતાવેલું બધા એક્સેપ્ટ (સ્વીકાર) કરે. તારું કેમ આવું થઈ ગયું છે ?

પ્રશ્નકર્તા : ના, આ તો વિશેષ જાણવા મળે, દ્ષ્ટિ મળે એટલા માટે.

દાદાશ્રી : ચાલો. પછી આંખથી પાંચ ઈન્દ્રિયોનું પૂતળું દેખાય. બુધ્ધિથી એથી વિશેષ દેખાય.

પ્રશ્નકર્તા : બરાબર. અને જ્ઞાનથી સંપૂર્ણ દેખાય ?

દાદાશ્રી : એ તો સહેજેય સમજાય એવી વાત છે. સામાને સંતોષ ના થાય, પણ પેલી વાતનો સંતોષ થાય છે ને ? કો'કને સારું કામ કરવાનું કહીએ અને કહીએ કે એનાથી પુણ્ય બંધાશે, તે તરત એને પોતાને સમજાય છે ને ? બુધ્ધિથી નથી સમજાતું ?

પ્રશ્નકર્તા : સમજાય.

દાદાશ્રી : અને આશરે એમ ને એમ કહે કે, 'ભઈ, બધામાં ભગવાન છે.' તો બુધ્ધિ એને એક્સેપ્ટ ના કરે. બુધ્ધિએ એક્સેપ્ટ કરવું જોઈએ. હું કહું કે, 'બધામાં ભગવાન છે, બધામાં ભગવાન જો જો', બુધ્ધિ એક્સેપ્ટ ના કરે ને તો એનો અર્થ નથી, એ મિનિંગલેસ છે. એવું કહેવાથી કંઈ બધામાં ભગવાન જોવાતા નથી, પણ આ વાત ઠીક છે, એવું બિલકુલ ના બોલે, તેના કરતાં સારું છે અને ખરેખર તો છે જ ને ભગવાન, એમાં વાત ખોટી તો નથી ! પણ જ્યાં સુધી બુધ્ધિ એક્સેપ્ટ ના કરે, ત્યાં સુધી જેવું જોઈએ તેવું ફળ ના મળે. આ તો આપણી જ્ઞાનવિધિ પછી રોંગ બિલીફ ફ્રેકચર થાય છે, રાઇટ બિલીફ બેસે છે. એટલે પછી બુધ્ધિ એક્સેપ્ટ કરે છે. અને બુધ્ધિએ એક્સેપ્ટ કર્યા, પછી ફળ મળે છે.

કૃપાથી પ્રાપ્ત પ્રતીતિ !

દાદાને જોયા કરવા એ જ મોટામાં મોટો સત્સંગ. એવી જો મહીં કંઈ અડચણ પડી હોય, જરા સમજણ ના પડતી હોય, તો પૂછવા જેવું પૂછવું. નહીં તો એ બુધ્ધિનો વિલાસ ! બુધ્ધિ ફરવા નીકળે, રોફ મારવા નીકળે.

પ્રશ્નકર્તા : દાદા, આ જે દર્શનમાં આવે છે, એ દર્શન એ પ્રજ્ઞાનો ગુણ કે બુધ્ધિનો ?

દાદાશ્રી : પ્રજ્ઞાને દેખાડનારી વસ્તુ છે. દર્શન એટલે પ્રતીતિ કે આપણે આત્મા છીએ ને પ્રજ્ઞા જ છીએ, એની પ્રતીતિ રહે પેલી અને પ્રતીતિ બેસે તો એ પ્રાપ્ત થાય.

પ્રશ્નકર્તા : એ પ્રતીતિ કોને પ્રજ્ઞાને બેસે છે ?

દાદાશ્રી : ના. પ્રજ્ઞા નથી કરાવતી. આ જ્ઞાન હોવું જોઈએ. આ પુષ્ટિ એ કરાવે છે અને દાદા ભગવાનની કૃપા કરાવે છે. હું જ્ઞાન આપું છું અને દાદા ભગવાનની કૃપાથી ખરેખર આમ જ છે એવું લાગે. આ જ સુધીમાં આ ખોટું છે, આજ સુધીના વિચારો કપાય ને ! એટલે આટલું કહેજો તો બહુ સારું પડશે.

નાના છોકરાની બુધ્ધિ તો વળી જ જવાનીને, ને આ મોટી ઉંમરનાને બહુ આવરણોને ? છોકરાઓ બધા બહુ જલદી તૈયાર થઈ જવાના.

પ્રશ્નકર્તા : મોટી ઉંમરનાને આવરણ નીકળી જાય ?

દાદાશ્રી : નીકળી જવાનાં ને. પણ તે આમના જેવો લાભ ના ઉઠાવે.

પ્રશ્નકર્તા : તો શું કરવું ?

દાદાશ્રી : શું કરવાનું ? આપણી બુધ્ધિ તો વળી જ જવાનીને. આ બુધ્ધિ તો જુદી પડી ગયેલી. બુધ્ધિની જરૂર જ નહીં આ માર્ગમાં. બુધ્ધિ તો આખો દહાડો ડખો કર્યા કરે. આપણું આ જ્ઞાન, એ જ્ઞાન પ્રકાશ કર્યો છે. પ્રકાશ કર્યા પછી બુધ્ધિની જરૂર નહીં.

જ્ઞાનીકૃપાથી બુધ્ધિથી છૂટાય !

પ્રશ્નકર્તા : ધારો કે, મારી ઇચ્છા એવી છે કે, આ સંસાર કરતાં કરતાં મારી પોતાની રીતે અંતરમુખ થવું છે. મારે બુધ્ધિ દૂર કરવી છે, પણ સાચી વસ્તુ જોવી છે. તો એને માટે કોઈ રસ્તો ખરો ?

દાદાશ્રી : એવું છે ને, બુધ્ધિ દૂર કરે, એ થાય એવી નથી. બુધ્ધિ દૂર કરવાનું જે કહે છે ને, તે કોણ કહે છે ? બુધ્ધિનો ખાસ ફ્રેન્ડ (અહંકાર) એમ કહે છે કે મારે બુધ્ધિ દૂર કરવી છે. એ બુધ્ધિ ખાસ ફ્રેન્ડથી ખસે નહીં પાછી, એટલે આમાં કશું વળે નહીં.

પ્રશ્નકર્તા : તો બુધ્ધિનો ઉપયોગ નહીં કરવો જોઈએ ?

દાદાશ્રી : બુધ્ધિનો ઉપયોગ ના કરે, તે બહુ ઉત્તમ કહેવાય. પણ કર્યા વગર રહે નહીં ને ! લાઈટ હોય એટલે તમે ના ઉપયોગ કરો તોય અજવાળું થઈ જ જાય ને એટલે તમે એ બાજુ જુઓ, બુધ્ધિ તો લાઈટ છે, પર પ્રકાશક છે. એટલે અમારામાં બુધ્ધિ હોય જ નહીં, પછી બુધ્ધિ વપરાય જ નહીં.

પ્રશ્નકર્તા : આ સાઠ વર્ષમાં બુધ્ધિ ચારે તરફથી ભેગી કરી હોય, તેને હવે તમે કહો કે એને કાઢી નાખો તો એ કેવી રીતે નીકળે ?

દાદાશ્રી : એને તમારે કાઢી નાખવાની નહીં. એ તો હું કરી આપીશ. એ તો જે બુધ્ધિ વગરનો હોય તે કાઢી આપે. બુધ્ધિ તો આપણે બંધ કરવી હોય ને, તો બંધ ના થાય. એ તો જ્ઞાનીની કૃપાથી બંધ થાય. અબુધ થવા તો બહુ કૃપા જોઈએ. એવું છે ને, ચોરને દહાડો ના ગમે. દહાડો થાય એટલે ચોરને કંટાળો આવે. એ તો રાતે ચંદ્રમા ક્યારે આવે ને ક્યારે બહાર જઈએ એમ કરે. એવી રીતે આ બુધ્ધિને અંધારું જ ગમે અને ડખો કર્યા જ કરે. એ માણસને ઈમોશનલ કરે. બાકી બુધ્ધિની જેટલી જરૂર છે, એ તો એની મેળે કુદરતી રીતે છે જ.

બુધ્ધિ ખલાસ કરવાનો ઉપાય !

પ્રશ્નકર્તા : આ બધાની બુધ્ધિ ખલાસ કરી નાખો.

દાદાશ્રી : બુધ્ધિ ખલાસ જેને કરવી હોય તેને થાય. એક બાજુ શું કહે છે, કે બાજરી વાવવી નથી અને બાજરીનો પોંક ગમે છે. તે વાવ્યા વગર રહે નહીં ને ? થોડી વાત સમજાય છે તમને બધાંને ? બહુ ઊંડી વાત છે.

એવું છે ને, જ્ઞાન આપણી પાસે હોય તો બુધ્ધિ કાઢી નાખવાની. બુધ્ધિ કાઢી નાખે એટલે પતી ગયું.

પ્રશ્નકર્તા : આ બુધ્ધિનું પૂર્ણ વિરામ ક્યારે આવે ? એ ક્યારે ખલાસ થઈ જાય ?

દાદાશ્રી : એ ખલાસ થાય કે ના થાય, એને આપણે પાણી ના પાઈએ એટલે સૂકાઈ જ જવાની છે. એટલે આપણે સાંભળીએ નહીં એટલે સૂકાઈ જવાની છે. આપણે અમુક સાંભળીએ એટલે એને ફૂડ મળી ગયું અને ફૂડ જ ના રહ્યું પછી એ જીવે શી રીતે ?

પ્રશ્નકર્તા : એને સાંભળીએ નહીં તોય મહીં રહેને એક્ચ્યુઅલી તો ? એના કરતાં એને સમાધાન કરાવી આપીએ તો એ બંધ થઈ જાય ને ?

દાદાશ્રી : ના, એ સમાધાન આપવા જઈએ તો તો પછી આપણે વળગ્યા. સમાધાન નહીં આપવાનું. બુધ્ધિ હેરાન કરે, તે બુધ્ધિને તમે કહો કે, 'મારે રાખવી છે,' તો રહે. એને કહીએ, 'તમારો બહુ ઉપકાર છે. આખી જિંદગી ચલાવ્યું છે તમે. હવે ચલાવ્યું તેનું ઋણ ભૂલાય એવું નથી. પણ હવે તમે જાઓ એટલે હું છૂટો ને તમેય છૂટાં.' એટલું તો કહેવું પડે. માનભેર કહેવું પડે. ઉપકાર તો ખરો ને ? નહીં તો કહેશે. 'અત્યાર સુધી તો જો આટલું આટલું કામ કર્યું, છેવટે દગો કર્યો' કહેશે. આપણે હવે બુધ્ધિને શાથી કાઢીએ છીએ ? કારણ કે અહંકાર મૂળ જગ્યાએ બેસી ગયો છે. આપણને 'હું શુધ્ધાત્મા છું' એ ભાન થઇ ગયું છે.

આ બુધ્ધિને જન્મેય આપણે આપ્યો, મોટી કરનારેય આપણે અને હવે એને ના કહી દેનારેય આપણે કે, 'હવે તારી જરૂર નથી. હવે તારું કામ પૂરું થાય છે. હવે તારી ફરજો બધી પૂરી થઈ ગઈ. માટે તારો ઉપકાર માનીએ છીએ. અત્યાર સુધી તેં બધો નિવેડો કર્યો, નભાવણી કરી ! નભાવણી સારી કરી છે, નહીં ? ને નભાવણી કરી માટે તારો ઉપકાર માનું છું. હવે તારી નભાવણીની જરૂર નથી. હવે અબુધ દશા નભાવણી કરશે.'

પ્રશ્નકર્તા : બુધ્ધિનું જે ન માને તો તે સમયે એની ઉદાસીનતા ઊભી થાય ને, કે પછી બુધ્ધિ ઊભી થાય ?

દાદાશ્રી : બુધ્ધિનું માનવું અગર ન માનવું, તે બન્નેમાં ઉદાસીનવૃત્તિ એટલે રાગ-દ્વેષ રહિતતા.

પ્રશ્નકર્તા : એ બુધ્ધિ ખલાસ થાય એવાં કંઈ આશીર્વાદ આપોને.

દાદાશ્રી : હા, પણ એ બુધ્ધિ એ ધીમે ધીમે ખલાસ થઈ રહી છે. આપણું જો ડિસિઝન કાચું પડે તો મહીં બુધ્ધિ ફરી વળે. આપણે જો ચોક્કસ છીએ તો બુધ્ધિ શું બૂમ પાડે તે ? મન, બુધ્ધિ એ તો બધાં આસિસ્ટન્ટ છે.

અહંકાર, બુધ્ધિ ગેરહાજર તો જ્ઞાન હાજર !

પ્રશ્નકર્તા : તો જેટલી માત્રામાં બુધ્ધિ ઓછી થતી જાય તેટલું જ્ઞાન પ્રગટ થતું જાય ?

દાદાશ્રી : એ આપણી બુધ્ધિ ઓછી થતી જ જવાની, આ જ્ઞાન લીધા પછી. આ વિજ્ઞાન એવું છે કે બુધ્ધિ ઓછી કરતું જ જાય. કારણ કે દ્વેષ પહેલો ઊડે છે ને ! એટલે વીતદ્વેષ થયેલો છે ને ! એટલે હંમેશાં બુધ્ધિ ઓછી થતી જ જાય અને આગળ આગળ વધતો જાય.

પ્રશ્નકર્તા : બુધ્ધિને વળાવી દો કહ્યું છે, એ શું છે ?

દાદાશ્રી : આ બુધ્ધિને લઈને અહંકાર ઊભો રહ્યો છે. અહંકાર લઈને સંસાર ઊભો રહ્યો છે. જ્યારે બુધ્ધિ, અહંકાર બેઉ વપરાશે નહીં, ત્યારે મુક્તિનો માર્ગ પ્રકાશ થશે, સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ થશે !

તમને જ્ઞાન થયું છે, પણ તે તમારા આત્માનું, તમે કોણ છો તેટલું જ જ્ઞાન થયું. હજુ જેમ જેમ બુધ્ધિ ખેંચાતી જશે, બુધ્ધિ વપરાશે નહીં તેમ અહંકાર ઓછો થશે. અહંકાર ઓછો થાય કે આખું કેવળજ્ઞાન દેખાયા કરશે. અમારે બુધ્ધિ વાપરવાની નહિ.

પ્રશ્નકર્તા : હવે અમે તો બુધ્ધિના સ્તરમાં જ છીએ ને ? એટલે અમે બુધ્ધિના છેડે પહોંચી જઈએ, ત્યાર પછી પેલો પ્રકાશ છે ને ?

દાદાશ્રી : ના, એ તો ધીમે ધીમે ઓગળતી જ જવાની. એ એની મેળે જ ઓગળ્યા કરવાની, જેમ અહંકાર ઘટતો જશે તેમ તેમ. અત્યારે તમને ખાતરી છે કે, 'હું કરતો નથી આ ?

પ્રશ્નકર્તા : હા, એ સમજમાં બેસવા માંડ્યું છે.

દાદાશ્રી : ત્યારે અહંકાર ઘટતો જાય છે, દિવસે દિવસે અને તેમ તેમ બુધ્ધિ ઘટતી જાય. સોલ્યુશન (ઉકેલ) એની મેળે જ આવ્યા કરે છે. તમારે કશું કરવાનું નહીં. મેં જે પાંચ વાક્યો આપ્યાં છે, એટલે બધું સોલ્યુશન આવશે.

આનંદ ઊભરાય બુધ્ધિ ગયા પછી....

તન્મયાકાર કોણ કોણ થાય છે ? આંગળી ઊંચી કરો જોઈએ ? સાત-આઠ જ જણ ! ભાઈને તે ઘડીએ શું અનુભવ થાય છે કહો.

પ્રશ્નકર્તા : તન્મયાકાર થતો નથી પણ તદાકાર થાય છે.

દાદાશ્રી : તદાકાર થાય છે ! તન્મયાકાર થાય એટલે આખો ધોધ પડે. એ તો હવે તદાકાર થાય. એ તો હવે બુધ્ધિ થોડી નીકળી ગઈ. હજુ બુધ્ધિ નીકળ્યા પછી આનંદ ખૂબ વધતો જાય. આ મેં જે આપ્યું છે તે આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. જે બુધ્ધિ સંસારમાં હેલ્પ કરતી હતી, જ્ઞાન લીધા પછી હવે એ બુધ્ધિ હવે ડખલ કરે છે.

પ્રશ્નકર્તા : આ રિએક્શનરી આનંદ નથી, એનાથી ઊંચો આનંદ થાય છે અહીં.

દાદાશ્રી : ઊંચો એટલે, આત્માનું જે મૂળ આનંદ સ્વરૂપ છે. તે આનંદ જ આપ્યો છે, તમને ! પણ એમાં જે બુધ્ધિ છે, તે સંસારમાં મોટા બનાવતી હતી, જે બુધ્ધિ આપણને વધુ મોટો ઝંડો દેખાડતી હતી, એ બુધ્ધિ અત્યારે રહી નહીં.

આટલું બધું સુખ ઉત્પન્ન થયું, કેટલી બધી સમાધિ વર્તે છે છતાં પછી જો કદિ બુધ્ધિ ગાંડાં કાઢે ને, તો આપણે બુધ્ધિને કહીએ કે, 'હે બુધ્ધિ, તને તો મૂકી આવીશ આંદામાનના ટાપુમાં.'

ન કરાય વિકલ્પ દિવ્ય કર્મો ત્યાં !

બુધ્ધિનો ઉપયોગ કરવાની ના પાડી છે. બુધ્ધિનો ઉપયોગ જ કરાય નહીં. અત્યારે જે આ પાંચ આજ્ઞા, એનું કશું જાણવા જેવું જ નથી રહ્યું. મેં તમારું કશું જાણવાનું બાકી રાખ્યું નથી. પેલું ચિંતા ના થાય, છતાંય એની ચરબી પાછી ઊંચી થાય. નવરો ખોળી કાઢે કંઈનું કંઈ.

આ તો બધી વૈજ્ઞાનિક રીત છે. તેથી જ ભગવાને કહેલું ને કે, જ્ઞાની પુરુષના, ભેદવિજ્ઞાની પુરુષના બધાં કર્મો દિવ્યકર્મ છે. મહીં બુધ્ધિ પૂરવા ના દેશો.

પ્રશ્નકર્તા : બરોબર છે, બુધ્ધિથી નહીં જોવાનું.

દાદાશ્રી : દિવ્યકર્મ છે. એ બુધ્ધિથી જોવા જશો ને, તો શું થઈ જાય ?

પ્રશ્નકર્તા : જ્ઞાન ઊડી જાય.

દાદાશ્રી : જ્ઞાન ઊડી જાય પણ એને એમાં વિરાધના બેસી જાય. ત્યાં જોવાનું જ નહીં. આમ ઊંધું નહીં જોવાનું. જેના થકી આપણે તર્યા, તોય અવળું જોયું ? જેના થકી આપણે તર્યા, ત્યાં તો એ મારી નાખે તોય બીજો વિકલ્પ ના કરીશ, એવું કહે છે. બુધ્ધિ તારી પાંસરી રહે છે કે ?

પ્રશ્નકર્તા : રહે છે.

દાદાશ્રી : ઊંધું-ચત્તું જોઈ લે કંઈ ?

પ્રશ્નકર્તા : કોઈ દિવસ ના જુએ.

દાદાશ્રી : હા, બુધ્ધિને સમજાવી દઈએ.

પ્રશ્નકર્તા : સમજાવવી જ પડે છે.

દાદાશ્રી : નહીં તો પાછું પોતાને ખબર ના હોય ને કે બુધ્ધિ એ શું જોવું ને શું ના જોવું ? વિવેક ના હોય ને ?

પ્રશ્નકર્તા : નહીં જ વળી.

દાદાશ્રી : જોખમ ત્યાં.

પ્રશ્નકર્તા : હા, જોખમ, જોખમ. લપસવાનું જ છે બધે.

દાદાશ્રી : લપસવાનું. લપસેલા તો સારા. પેલું તો એક જ અવતાર બગડે ને આ તો અનંત અવતાર ખલાસ કરે !

આત્મબુધ્ધિ, આત્મામાં કે દેહમાં ?

પ્રશ્નકર્તા : આત્મસ્વરૂપમાં રમણતા કહ્યું ને, તો એ આત્મસ્વરૂપ કેવું ?

દાદાશ્રી : દેહાધ્યાસ કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : શારીરિક વસ્તુ જે આપણે જોઈએ તે દેહાધ્યાસ.

દાદાશ્રી : જોઈએ એટલે જરૂર પડે કે દર્શન કરીએ ? જોઈએ એટલે જોવું કહો છો કે જોઈએ કહો છો ?

પ્રશ્નકર્તા : જોવું.

દાદાશ્રી : જોવું તો એ શું જુઓ, તમે આ દેહમાં ?

પ્રશ્નકર્તા : આ બાહ્ય જે વસ્તુઓ દેખાય છે તે.

દાદાશ્રી : એ તો આંખથી દેખાય છે ને ? આંખથી દેખાય એને દર્શન ના કહેવાય.

પ્રશ્નકર્તા : એ આત્મસ્વરૂપમાં જવું, રમણ કરવું, એ આત્મસ્વરૂપમાં કેવી રીતે જવાનું ?

દાદાશ્રી : દેહાધ્યાસ છૂટ્યો ? દેહમાં આત્મબુધ્ધિ છે એ છૂટી છે તમારી ? આત્મબુધ્ધિ છૂટી જાય એટલે સમજાયું ?

પ્રશ્નકર્તા : આ દેહ જુદો છે ને આત્મા જુદો છે.

દાદાશ્રી : ના, પણ આત્મબુધ્ધિ છૂટી ગઈ ? આ દેહ તે હું છું, એવી તમારી આત્મબુધ્ધિ છૂટી ગઈ ? આ દેહ તે હું છું, આ મન છે તે હું છું, આ વાણી છે તે હું છું, એ આત્મબુધ્ધિ તમારી છૂટી ગઈ છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો આત્મબુધ્ધિ જ્યાં સુધી દેહમાં હતી ત્યાં સુધી પરરમણતા હતી. હવે એ રમણતા તૂટી એટલે સ્વરમણતા ઉત્પન્ન થઈ. એટલે તમને રમણતા ઉત્પન્ન થયેલી છે ને એનો જ તમે પ્રશ્ન પૂછો છો. શાનો પ્રશ્ન પૂછો છો ? એ પોતે ખાય છે, એ પોતે બટાકાનું શાક ખાય છે ને પછી કહે છે કે બટાકા શું છે ? તો એય પ્રશ્ન જ છેને, એક જાતનો ? કે માથાફોડ કહેવાય ?

પ્રશ્નકર્તા : વાણીવિલાસ.

દાદાશ્રી : ના, હવે આ સમજીને નથી બોલતા એ. પણ એ જ્યારે સમજીને બોલે ત્યારે આપણે કહીએ કે આ વાણીવિલાસમાં ચાલ્યો, પણ આ તો પોતે ફોડ પાડવા માટે બોલે છે, એ જિજ્ઞાસાથી પૂછે છે. એ બરોબર છે. આપને સમજાયું ને ? અહીં રમણતા ના હોય તો ત્યાં રમણતા છે જ અને ત્યાં રમણતા નથી તો અહીં છે જ, 'આઈધર' (બેમાંથી એક જગ્યાએ) !

તમને દાદા યાદ રહ્યા હતા ને ?

પ્રશ્નકર્તા : હંમેશાં.

દાદાશ્રી : એટલે એ દાદા, એ જ આપણું સ્વરૂપ છે અને એ જ દાદા મહીં બેઠેલા છે અને આ દેખાય છે ને, એ બધાં તો ખોખાં છે, પેકીંગ છે બધાં ! પેકીંગમાં જેને આત્મબુધ્ધિ છે તેનાથી સંસાર ઊભો થયો છે !

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થાય કે બુધ્ધિને દેહાધ્યાસ સાથે જ સંબંધ છે ?

દાદાશ્રી : બુધ્ધિને દેહાધ્યાસ સાથે જ સંબંધ છે. બીજો કોઈ સંબંધ જ નથી. આપણે અહીં આગળ માનીએ કે હું ચંદુલાલ છું. તે દેહમાં હુંપણું મનાયું. એ દેહમાં આત્મબુધ્ધિ મનાઈ એ દેહાધ્યાસ. આત્મામાં આત્મબુધ્ધિ નથી એને. દેહમાં આત્મબુધ્ધિ છે, માટે દેહાધ્યાસ. આત્મામાં આત્મબુધ્ધિ થાય એટલે મૂળસ્વરૂપમાં આવી ગયો. દેહાધ્યાસ એટલે શું ? દેહમાં આત્મબુધ્ધિ, દેહ તે જ હું, નામ તે જ હું.

લોકોને શું ભાન છે કે 'આ દેહ તે હું છું' દેહમાં આત્મબુધ્ધિ છે અને જ્યારે આત્મામાં આત્મબુધ્ધિ થશે એનું નામ મોક્ષ થયો કહેવાય અને દેહમાં આત્મબુધ્ધિ એ સંસાર ! આ દેહમાં આત્મબુધ્ધિ એટલે શું કે જ્યાં પોતે નથી ત્યાં પોતાને આત્મબુધ્ધિ થઈ છે. એટલે આત્મામાં આત્મબુધ્ધિ થઈ જાય એટલે કામ થઈ ગયું.

બુધ્ધિને કરવી અર્પણ !

પ્રશ્નકર્તા : બુધ્ધિ પાછી પેસી નથી જતી. એ ઉછાળા મારતી હતી, પણ હવે કહ્યાગરી થઈ છે. એને કહું છું, બિંદુની જેમ ના રહે, સાગરમાં આવી જા.

દાદાશ્રી : હા, અર્પણ કરી દેવાની. બરોબર છે, મૂકી દો.

પ્રશ્નકર્તા : તો પછી બુધ્ધિ પાછી કહ્યાગરી બને છે.

દાદાશ્રી : ના, એ તો એવું છે ને, એ અર્પણ કરે ને તોય એનો અમુક ભાગ અર્પણ થઈ જાય અને પછી પાછી વળગે. એટલે આપણે ભાવ જ એવો રાખવાનો. બુધ્ધિને એમ કહેવાનું કે તેં ઘણા ઉપકાર કર્યા છે. માટે હવે તો તને બધું છૂટું કરીએ. તારે જે જોઈતું હોય તે તું માગી લે. જ્યારે ત્યારે છૂટું જ થવું પડશે. પછી અમે અબુધ થયા, તે શી રીતે થયા, એ રીતે અબુધ થવું પડશે. અબુધ થયા વગર છૂટકો નથી.

પ્રશ્નકર્તા : મેં બુધ્ધિ બાજુ પર મૂકી દીધી.

દાદાશ્રી : બુધ્ધિ બાજુ પર મૂકી દે ને, તો આ જગત બહુ સરસ ચાલે એવું છે.

વીતરાગ થવા કાજે....

જ્ઞાન પ્રગટ થયું ક્યારે કહેવાય ? વીતરાગતા ઉત્પન્ન થાય ત્યારે. વીતરાગતા ઉત્પન્ન ક્યારે થાય ? બુધ્ધિનો અભાવ થાય ત્યારે. એનાં બધાં કનેક્શન મળવાં જોઈએ ને ? આ તો આપણું જ્ઞાન એવું છે કે ધીમે ધીમે આપણે એના ઉપર દ્ષ્ટિ રાખીશું તો ઓગળ્યા કરે બધું. એટલે આપણા મહાત્માઓને તો પેલું મીણબત્તીનું (બુધ્ધિનું) સળગતું રહે છે, એનાથી જુએ છે. અલ્યા, આનાથી (જ્ઞાનથી) જો ને ! આ સ્વ-પર પ્રકાશક છે !

- જય સચ્ચિદાનંદ