રે ! ઘાટવાળો સ્વાર્થી સંસાર !

સંપાદકીય

આ સંસારમાં જ્યાં પ્રેમ, એકતા, પોતાનાં લાગે છે. જેના આધારે પોતે જીવી જવાની ધારણા કરે છે, પણ છેલ્લે ત્યાં જ દગો નીકળે છે. ત્યારે તારણમાં સંસારની પોકળતા સમજાતી નથી, પણ નિમિત્ત પ્રત્યે દ્વેષ, વેર બંધાઈ જાય છે. પરંતુ જ્ઞાનીઓ તો આ સંસારને ઘાટવાળો કેટલાય કાળથી ઓળખી ગયેલા હોય છે. પોતે તો સંસારના ઘાટવાળા સંબંધોમાં ફસાતા નથી પણ લોકોને પણ આ રહસ્ય જ્ઞાન ખુલ્લું કરી આપે છે કે જ્યાં પોતાનો આધાર માન્યો છે, ત્યાં જ્યારે સ્વાર્થ નીકળશે, દગો-ફટકો પડશે ત્યારે આશા ભંગ થયાનું ભયંકર દુઃખ થશે.

પરમ પૂજ્ય દાદાશ્રી સંસારની વાસ્તવિકતા ખુલ્લી પાડે છે, જેને જગતના લોકો પ્રેમ કહે છે. ત્યાં એક-એક પુરાવા ધરી દેખાડી દે છે કે આ પ્રેમ જ નહોય, આ તો આસક્તિ છે. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એને પ્રેમ કહેવાય. આ તો સારું થાય ત્યારે પ્રેમ વધી જાય, ખરાબ થાય ત્યારે પ્રેમ ઘટી જાય, તો આવા પ્રેમમાં ક્યાં સુધી પડી રહેવું ?

માનો પ્રેમ ઊંચામાં ઊંચો ગણાયો છે. કારણ એમાં ઓછામાં ઓછો સ્વાર્થ અને માનું બલિદાન છે, છતાં છોકરો પરણાવ્યા પછી વહુઘેલો થાય જ્યારે માના ઉપર આક્ષેપ આવે ત્યારે એજ માનો પ્રેમ ઊતરી જાય, કકળાટ થઈ જાય, ત્યારે સમજાય કે આ પ્રેમ સંપૂર્ણ નથી. પતિ-પત્ની વચ્ચેના પ્રેમ પણ ખૂબ ઊંડાણે ઉતરે ત્યારે સમજાય કે સામસામે ગરજાગરજીના સોદા છે. બાપ-દીકરા વચ્ચે પણ છેવટે બાપનો સ્વાર્થ હોય છે ને છોકરો પોતાના ઘાટમાં હોય છે અને વ્યવહાર ચાલ્યા કરે છે. આ તો દેહ સાથે સાચો સંબંધ નથી તો વાઈફ-છોકરાં, ધણી, મા-બાપ સાથે સાચો સંબંધ શી રીતે હોઈ શકે ? પણ આ વાત ફક્ત અંદરથી સમજી રાખવાની છે. બહાર નાટકની જેમ વ્યવહાર પૂરો કરવાનો છે. સામસામે દુઃખ ના પડે, વેર ના બંધાય, એવી રીતે. પણ અંદરથી તમામ ઘાટવાળા સંબંધોથી મુક્ત થઈ પોતાના આત્મા જોડેના શાશ્વત સંબંધમાં આવી જઈ મોક્ષ પામવાનો છે. અને તે આત્મા તરફ દ્ષ્ટિ કોણ ફેરવી આપે ? આ સંસાર પ્રત્યેની મોહ દ્ષ્ટિ કોણ છોડાવી આપે ? એ તો જે સંપૂર્ણ ઘાટ વગરના છે, શુધ્ધ પ્રેમ સ્વરૂપ થયા છે, એવા જ્ઞાની પુરુષ જ !

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની જ્ઞાનવાણીમાં ઘાટવાળા સ્વાર્થી સંસારની જેમ છે તેમ ખુલ્લી હકીકતો મૂકાઈ છે, જે મોહથી છૂટી મોક્ષ તરફ વળવાની દ્ષ્ટિ દ્ઢ કરાવશે.

જય સચ્ચિદાનંદ.

રે ! ઘાટવાળો સ્વાર્થી સંસાર !

જ્ઞાની સિવાય બધે ઘાટ !

દુનિયામાં સ્વાર્થ હશે કે પરમાર્થ હશે ?

પ્રશ્નકર્તા : બધોય ઘાટ.

દાદાશ્રી : ક્યાં ક્યાં ?

પ્રશ્નકર્તા : એ જ્ઞાની સિવાય બીજે બધે જ ઘાટ.

દાદાશ્રી : બધે જ ઘાટ. નર્યો સ્વાર્થ ! એક મોક્ષમાર્ગમાં સ્વાર્થ ના હોય કશો.

સ્વાર્થ સિવાયનો સ્નેહ નહીં સંસારમાં !

પ્રશ્નકર્તા : માતાનો પ્રેમ વધારે સારો ગણાય, આ વ્યવહારમાં.

દાદાશ્રી : પછી બીજા નંબરે ?

પ્રશ્નકર્તા : બીજા કોઈ નથી. બીજા બધા સ્વાર્થના પ્રેમ.

દાદાશ્રી : એમ ? ભાઈ-બઈ બધાય સ્વાર્થના પ્રેમ ? ના, તમે અખતરો નહીં કરી જોયો હોય.

પ્રશ્નકર્તા : બધાય અનુભવ છે.

દાદાશ્રી : અને આ લોક રડે છે ને, તેય સાચા પ્રેમનું રડતા નથી, સ્વાર્થનું રડે છે. અને આ તો પ્રેમ જ ન્હોય. આ તો બધી આસક્તિ કહેવાય. સ્વાર્થથી આસક્તિ ઉત્પન્ન થાય.

એટલે સાચા પ્રેમની વ્યાખ્યા શું ? ફૂલ ચઢાવનાર અને ગાળ દેનાર, બન્ને પર સરખો પ્રેમ હોય, એનું નામ પ્રેમ. બીજી બધી આસક્તિઓ. આ પ્રેમની ડેફિનેશન કહું છું. પ્રેમ એવો હોવો જોઈએ. એ જ પરમાત્મપ્રેમ છે અને જો એ પ્રેમ ઉત્પન્ન થયો તો બીજી કશી જરૂર જ નથી. આ તો પ્રેમની જ કિંમત છે બધી !

સાચો પ્રેમ તો અમારો, કોઇ દહાડો વધે નહીં, ઘટે નહીં, જ્યારે તમે જુઓ ત્યારે એવા ને એવા જ દેખાય. તમારી ઉપર પ્રેમ એ સાચો પ્રેમ કહેવાય. વધે નહીં, ઘટે નહીં. વધી જાય તો આસક્તિ કહેવાય, ઘટી જાય તો આસક્તિ કહેવાય. અને પ્રેમ એ જ પરમાત્મા છે, બીજું કશું છે નહીં. વધઘટ વગરનો પ્રેમ એ જ પરમાત્મા.

તે ઘરમાં બધાની જોડે વધઘટ વગરનો પ્રેમ રાખવો, પણ એમને શું કહેવું કે તમારા વગર અમને ગમતું નથી. પ્રેમ તો વધઘટ વગરનો રાખવાનો છે. પણ એવું મોઢે કહી દઇએ આપણે, ત્યારે કહેશે, કે આ તો હવે ટિકિટ ચોંટશે જ નહીં આપણને. એટલે એવું મોઢે કહી ના દેવાય. કહેવાનું આવું હોય, વ્યવહારથી બોલવું પડે ને કે તમારા વગર મને ગમતું નથી.

ઓછામાં ઓછો સ્વાર્થ, માતાના પ્રેમમાં !

પ્રશ્નકર્તા : પણ શાસ્ત્રમાં લખેલું છે કે મા-બાપને પોતાનાં બાળકો પ્રત્યે સરખો જ પ્રેમ હોય, એ બરાબર છે ?

દાદાશ્રી : ના, મા-બાપ કંઈ ભગવાન નથી બિચારાં કે સરખો પ્રેમ રહે ! એ તો મા-બાપ છે. એ તો પક્ષપાતી હોય જ. સરખો પ્રેમ તો ભગવાન જ રાખી શકે, બીજું કોઈ રાખી શકે નહીં. આ મને અત્યારે સરખો પ્રેમ હોય બધાનાં ઉપર.

બાકી, આ તો લૌકિક પ્રેમ છે. અમથા લોકો 'પ્રેમ પ્રેમ' ગાયા કરે છે. આ તો બૈરી જોડેય પ્રેમ હોતો હશે ? આ બધાય સ્વાર્થનાં સગાં છે અને આ મા છેને, તે તો મોહથી જ જીવે છે. પોતાના પેટે જન્મ્યું એટલે એને મોહ ઉત્પન્ન થાય છે અને ગાયનેય મોહ ઉત્પન્ન થાય છે પણ છ મહિના એનો મોહ રહે છે અને આ મધરને સાઠ વર્ષનો થાય તોય મોહ ના જાય.

પ્રશ્નકર્તા : પણ માને બાળક ઉપર જ્યારે પ્રેમ હોય છે ત્યારે નિષ્કામ જ છે ને ?

દાદાશ્રી : ન્હોય એ નિષ્કામ પ્રેમ. માને બાળક ઉપર નિષ્કામ પ્રેમ ના હોય. એ તો છોકરો પછી મોટી ઉંમરનો થાય ત્યારે કહે કે, 'તમે તો મારા બાપની વહુ થાવ', તો ? તે ઘડીએ ખબર પડશે કે નિષ્કામ હતો કે નહીં ? તે દહાડે માનો મોહ ઊતરી જાય કે 'તું મોઢું ના દેખાડીશ.' હવે ફાધરના વાઈફ એટલે મા નહીં ? ત્યારે મા કહે, 'પણ આવું બોલ્યો કેમ ?' એનેય મીઠું જોઈએ છે. માટે બધો મોહ છે.

એટલે એ પ્રેમ પણ નિષ્કામ નથી, એ તો મોહની આસક્તિ છે. જ્યાં મોહ હોય ને આસક્તિ હોય ત્યાં નિષ્કામતા હોય નહીં. નિષ્કામ પ્રેમ તો આસક્તિરહિત હોય.

પ્રશ્નકર્તા : એ તમારી વાત સાચી. એ તો બાળક મોટું થાય પછી એવી આસક્તિ વધે, પણ જ્યારે બાળક છ મહિનાનું નાનું હોય ત્યારે ?

દાદાશ્રી : તે ઘડીએય આસક્તિ જ છે. આખો દહાડોય આસક્તિ જ છે. જગત આસક્તિથી જ બંધાયેલું છે. જગતમાં પ્રેમ હોઈ શકે નહીં કોઈ જગ્યાએ.

પ્રશ્નકર્તા : એવું બાપને હોય એવું માની શકું, પણ 'મા'નું બરોબર હજી મગજમાં ઊતરતું નથી મને.

દાદાશ્રી : એવું છે ને, બાપ સ્વાર્થી હોય. જ્યારે મા છોકરા તરફ સ્વાર્થી ના હોય. એટલે આટલો ફેર હોય. માને શું હોય ? એને બસ આસક્તિ જ ! મોહ !! બીજું બધું ભૂલી જાય, ભાન ભૂલી જાય. એમાં નિષ્કામ એક ક્ષણવારેય ના હોય. નિષ્કામ તો હોઈ શકે નહીં માણસ. નિષ્કામ તો 'જ્ઞાની' સિવાય કોઈ હોઈ શકે નહીં. અને આ જે બધા નિષ્કામ થઈને ફરે છેને, તે દુનિયાનો લાભ ઉઠાવે છે. નિષ્કામનો અર્થ તો સમજવો જોઈએને !

...આમાં માની ગરજ કે છોકરાની ?

મા પોતાના બાળકને ધવડાવતી હશે, તે નામ કાઢવા સારુ ? તે શા હારુ ધવડાવતી હશે ? શી ગરજ હશે એને ?

પ્રશ્નકર્તા : દાદાએ એક વખત કહેલું, જો ના ધવડાવેને તો એને પોતાને બહુ દુઃખ થાય પાછું.

દાદાશ્રી : માને પોતાને બહુ દુઃખ થાય. કારણ કે કુદરતનો નિયમ છે કે, આ જે મહીં ખોરાકનો રસ થઈને મહીં દૂધ રૂપે ત્યાં ધાવણમાં આવે. તે પેલીને ચેર (ચળ) થાય આમ. એટલે (બાળક) ધાવે ત્યારે ચેર મટે.

તે જન્મતાંયે કૂતરાને, ગધેડાને, બચ્ચાંને દાંત ના હોય, નહીં તો મૂઆ એય બચકાં ભરી લે. આ જીવો કંઈ પાંસરા નહીં. ધવડાવે તેનેય બચકું ભરી લે. જ્યારે દાંત આવે ત્યારે છે તે બીજું ખવાય.

સ્વાર્થ ત્યાં મોહ !

ખરો પ્રેમ તો કોઈ પણ સંજોગોમાં તૂટવો ના જોઈએ. એટલે પ્રેમ એનું નામ કહેવાય કે તૂટે નહીં. આ તો પ્રેમની કસોટી છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે માનો પ્રેમ હોઈ શકે, બાપને ન હોય. તો આમને (બાપને) ખોટું નહીં લાગે ?

દાદાશ્રી : છતાં પણ માનો પ્રેમ છે, એની ખાતરી થાય છે. મા છોકરાને જુએ એટલે ખુશ. આનું કારણ શું છે, કે ભઈએ આપણે ઘેર જ, આપણા શરીરમાં જ નવ મહિના મુકામ કર્યો હતો. એટલે માને એમ લાગે કે મારે પેટે જન્મ્યો છે અને પેલાને એમ લાગે કે માને પેટે હું જન્મ્યો છું. એટલી બધી એકતા થઈ ગઈ છે. માએ જે ખાધું તે જ એનું લોહી થાય છે. એટલે આ એકતાનો પ્રેમ છે એક જાતનો. છતાં ખરેખર 'રિયલી સ્પિકિંગ' પ્રેમ નથી આ, 'રિલેટિવલી સ્પિકિંગ' પ્રેમ છે. એટલે ફક્ત પ્રેમ કોઈ જગ્યાએ હોય તો માની સાથે હોય. ત્યાં પ્રેમ જેવી કંઈક નિશાની દેખાતી હોય. તેય પણ પૌદગલિક પ્રેમ છે અને એ પ્રેમ છે તેય કેટલા ભાગમાં ? કે જ્યારે મધરને ગમતી ચીજ હોય, તેની પર છોકરાની તરાપ પડે તો એ બે લડે, તો પ્રેમ ફ્રેકચર થઈ જાય. છોકરો જુદો રહેવા જતો રહે. કહેશે, 'મા, તારી જોડે નહીં ફાવે.'

આ રિલેટિવ સગાઈ છે, રિયલ સગાઈ નથી. સાચો પ્રેમ હોય ને તો બાપ મરી ગયોને, તેની સાથે છોકરો વીસ વર્ષનો હોય તેય જોડે જાય. એનું નામ પ્રેમ કહેવાય. એવું જાય ખરો એકુય છોકરો?

પ્રશ્નકર્તા : કોઈ ગયો નથી.

દાદાશ્રી : અપવાદ નહીં કોઈ ? બાપ મરી જાય એટલે છોકરાને 'મારા બાપા મરી ગયા', તે એટલી બધી અસર થાય અને એ પણ એની જોડે મરી જવા તૈયાર થઈ જાય, એવું અહીં મુંબઈમાં દાખલા બનેલા ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે સ્મશાનમાં શું કરે ત્યાં જઈને પછી ?

પ્રશ્નકર્તા : બાળી નાખે.

દાદાશ્રી : એમ ? પછી આવીને ખાતો નહીં હોય, નહીં ? ખાય ને ? તે આ એવું છે, ઔપચારિકતા છે. બધા જાણે કે આ રિલેટિવ સગાઈ છે. ગયો એ તો ગયો. પછી ઘેર આવીને નિરાંતે ખાય.

પ્રશ્નકર્તા : તો પછી કોઈ વ્યક્તિ મરી જાય તો આપણે એના પરના મોહને લીધે રડીએ છીએ કે શુધ્ધ પ્રેમ હોય એટલે રડીએ છીએ ?

દાદાશ્રી : શુધ્ધ પ્રેમ કોઈ જગ્યાએ હોતો જ નથી દુનિયામાં. આ બધું મોહનું જ રડે છે. સ્વાર્થ વગર તો આ દુનિયા છે જ નહીં અને સ્વાર્થ છે ત્યાં મોહ છે. મા જોડેય સ્વાર્થ છે. લોકો એમ જાણે કે મા જોડે શુધ્ધ પ્રેમ હતો, પણ સ્વાર્થ વગર તો માય નથી. પણ એ લિમિટેડ સ્વાર્થ છે એટલે વખાણ્યો છે એને. ઓછામાં ઓછો, લિમિટેડ સ્વાર્થ છે. બાકી, એય મોહનું જ પરિણામ છે.

પ્રશ્નકર્તા : એ બરોબર, પણ માનો પ્રેમ તો નિઃસ્વાર્થ હોઈ શકે છે ને ?

દાદાશ્રી : હોય છે જ નિઃસ્વાર્થ, ઘણે ખરે અંશે. તેથી તો માના પ્રેમને પ્રેમ કહ્યો.

પ્રશ્નકર્તા : છતાં એને આપ 'મોહ છે', એમ કહો છો ?

દાદાશ્રી : એવું છે, કોઈ કહેશે, 'ભઈ, પ્રેમ જેવી વસ્તુ આ દુનિયામાં નથી ?' તો પુરાવા તરીકે દેખાડવું હોય તો માનો પ્રેમ એ પ્રેમ છે. એવું દેખાડાય, કે અહીં કંઈક પ્રેમ છે. બાકી, બીજી વાતમાં કશો માલ નથી. છોકરા પર માનો પ્રેમ હોય છે અને અત્યારે બધા પ્રેમ કરતાં એ પ્રેમ વખાણવા જેવો છે. કારણ કે એ પ્રેમમાં બલિદાન છે.

પ્રશ્નકર્તા : મધરની જો આ પ્રમાણે હકીકત હોય, તો પિતાજીનો કેવો ભાગ હોય, આ પ્રેમ....

દાદાશ્રી : પિતાજીનો ઘાટવાળો પ્રેમ. મારું નામ કાઢે એવો છે, કહેશે. એક માનો એકલો સહેજ પ્રેમ, તેય સહેજ જ પાછો. તેય મનમાં હોય કે મોટો થશે, મારી ચાકરી કરશે અને શ્રાધ્ધ સરાવશે તોય બહુ થઈ ગયું મારું. કંઈ પણ એની પાછળ લાલચ છે ત્યાં પ્રેમ નથી. પ્રેમ એ વસ્તુ જ જુદી છે. અત્યારે તમે અમારો પ્રેમ જોઈ રહ્યા છો, પણ જો સમજણ પડે તો. આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી, તમે લાખો ડૉલર આપો કે લાખો પાઉન્ડ આપો, આખા જગતનું સોનું આપો તો મારે કામનું નથી. જગતની સ્ત્રીસંબંધી મને વિચારે ના આવે. હું આ શરીરથી જુદો રહું છું, પડોશી તરીકે રહું છું.

શુધ્ધ પ્રેમ ત્યાં સ્વાર્થ નહીં !

આ સંસારમાં જો કોઈ કહેશે, 'આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ નહોય ?' ત્યારે હું સમજાવું કે જે પ્રેમ વધે-ઘટે એ સાચો પ્રેમ નહોય. તમે હીરાના કાપ લાવી આપો તે દહાડે બહુ પ્રેમ વધી જાય એ પછી કાપ ના લાવો તો પ્રેમ ઘટી જાય, એનું નામ પ્રેમ ના કહેવાય.

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ વધઘટ ના હોય તો તેનું સ્વરૂપ કેવું હોય ?

દાદાશ્રી : એ વધઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. આ તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો તમારી જોડે પ્રેમ રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ ?

એ તો ધણી જુએ કે આ બઈની પાસે આટલી બધી સાડીઓ છે અને છતાં લેવા જાય છે, માટે એ મોહ છે. સાડી ના હોય ને લેતા હોય તો ઠીક છે ! એટલે આ બધા મોહ જ છેને !

બાકી, આ તો જગતમાં સ્વાર્થ છે. 'હું છું' એવો અહંકાર છે ત્યાં સુધી સ્વાર્થ છે. અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ રહી શકે નહીં ને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ રહી શકે નહીં.

એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુધ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? 'મારી-તારી' ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. 'મારું-તારું' છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે અને 'મારું-તારું' જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને લઈને 'મારું-તારું' થયું. 'મારા-તારા'ને લીધે સ્વાર્થ છે ને સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ના હોય. અને 'મારી-તારી' ક્યારે ના હોય ? 'જ્ઞાન' હોય ત્યારે 'મારી-તારી' ના હોય. 'જ્ઞાન' વગર તો 'મારી-તારી' ખરી જ ને ? તો પણ જગતના લોકોને આ સમજાય એવી વસ્તુ નથી.

જગતનાં લોકો પ્રેમ કહે છે તે ભ્રાંત ભાષાની વાત છે, છેતરવાની વાત છે. અલૌકિક પ્રેમની હૂંફ તો બહુ જુદી જ હોય. પ્રેમ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે.

સંસારી પ્રેમ, ત્યાં અણગમો !

પ્રેમ જેવું હતું તેય સત્યુગમાં હતું. સત્યુગમાં સારું હતું. કળિયુગમાં આ તો બધા એવા વિચિત્ર છેને, આમ ખોળીને સારો ધણી લઈ આવે, રૂપાળો બમ જેવો અને પછી કડવો નીકળે તે આખી જિંદગી બગડે બિચારીની. એક જ દહાડો જો ખાવાનું સારું ના બનાવ્યું હોય તો પ્રેમવાળો ધણી હોય તે કકળાટ કરતો હશે ? પણ ના, આ કકળાટ કરી મૂકે. 'તારામાં અક્કલ નથી ને તું આમ છે ને તું તેમ છે,' કહેશે. રોજ સારું બને ત્યારે ઈનામ નથી આપતો અને એક જ દહાડો ખાવાનું બગડે તે દહાડે આવી બને ! એટલે પ્રેમ જેવું નથી. પ્રેમ જ નથી ને, સ્વાર્થ છે બધો !

જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. જેની જોડે પ્રેમ હોયને, માંદા થઈએ ત્યારે તેની જોડે જ કંટાળો આવે. એ ગમે નહીં આપણને. 'તમે જાવ અહીંથી, આઘા બેસો', એવું કહે ધણી જોડે પ્રેમની આશા રાખવી નહીં અને એ આપણી પાસે પ્રેમની આશા રાખે તો એ મૂરખ છે. આ તો આપણે કામ પૂરતું કામ. હોટલવાળાને ત્યાં ઘર માંડવા જઈએ છીએ આપણે? ચા પીવા માટે જઈએ તો પૈસા આપીને પાછા. એવી રીતે કામ પૂરતું કામ કરી લેવાનું આપણે.

સ્ત્રીને પુરુષો વખાણે, મહીં ઘાટ તેથી !

પ્રશ્નકર્તા : વચમાં જે પેલી વાત થયેલી. પુરુષે ઉત્તેજન આપ્યું છે, કપટ કરવા માટે, તો એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે. અમારો જે જીવનવ્યવહાર અને એમનું જે કપટ, એમની જે ગાંઠ, એમાં જો હું કંઈ જવાબદાર હોઉં તો એ માટે વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું.

દાદાશ્રી : હા, વિધિ કરી આપીશું. એમને કપટ વધ્યું તે એને માટે આપણે પુરુષો રિસ્પોન્સિબલ છીએ. એ ઘણા પુરુષોને આ જવાબદારીનું ભાન બહુ ઓછું હોય છે. એ જો બધી રીતે મારી આજ્ઞા પાળતો હોય તો પણ સ્ત્રીને ભોગવવા માટે પુરુષ સ્ત્રીને શું સમજાવે ? સ્ત્રીને કહેશે કે હવે આમાં કશો વાંધો નથી. એટલે સ્ત્રી બિચારી ભૂલ-થાપ ખઈ જાય. એને દવા (વિષય વિકાર સંબંધ) ના પીવી હોય....અને ના જ પીવાની હોય. છતાં પ્રકૃતિ પીવાવાળી ખરી ને ! પ્રકૃતિ તે ઘડીએ ખુશ થઈ જાય. પણ એ ઉત્તેજન કોણે આપ્યું ? તો આપણે એના જવાબદાર. જેમ અજ્ઞાની માણસ હોય ને તે સીધો રહેતો ના હોય કોઈની જોડે. કોઈ સ્ત્રી હોંશિયાર થયેલી હોય બિચારી. એને પેલો માણસ શું કહે ? તું તો બહુ જ અક્કલવાળી છું. ખૂબ એના વખાણ કરે ને, એટલે એની ઇચ્છા ના હોય તોય એ પુરુષ સાથે જોઈન્ટ થઈ જાય. હવે માણસો સ્ત્રીને ગમતું છે તે બોલે તો એ સ્ત્રી એને વશ થઈ જાય. પોતાને ગમતું કોઈ પુરુષ બોલે, બધી બાબતમાં કહેને, 'કરેક્ટ, બહુ સારું.' અને એનો ધણી જરા વાંકો હોય અને બીજો પુરુષ છે તો પછી આવું મીઠું બોલે, તો અવળું થાય ખરું ?

પ્રશ્નકર્તા : થાય, દાદા.

દાદાશ્રી : આ બધી સ્ત્રીઓ એના લીધે જ સ્લિપ થયેલી. કોઈ મીઠું લગાડે કે ત્યાં સ્લિપ થઈ જાય. આ બહુ ઝીણી વાત છે. સમજાય એવું નથી.

પ્રશ્નકર્તા : સમજાય, દાદા.

દાદાશ્રી : હવે પુરુષ તો પેલું સ્વાર્થ કાઢવા માટે કરે છે અને પેલીને રોગ પેસી જાય, કાયમનો. અને પુરુષ તો સ્વાર્થી નીકળે, એટલે ચાલ્યું. એ તાંબાનો લોટો નીકળ્યો આ. ધોઈ નાખ્યો એટલે સાફ પણ પેલીને ચઢ્યો કાટ. એનો કપટનો સ્વભાવ બંધાઈ જાય. એને ઇન્ટરેસ્ટ આવે એટલે પછી સ્ત્રીનો સ્વભાવ બંધાઈ જાય.

તમને બીજો એક દાખલો આપું. આપણે ઘેર છોકરો હોય, તે અવળું કરે ત્યારે વઢીએ-મારીએ, પછી એ રિસાઈને જતો રહેતો હોય, એવું પાંચ-સાત-દસ વખત ઘડાયું (થયું) હોય, તો થોડું કંટાળે તો ખરો ને ?

પ્રશ્નકર્તા : કંટાળે, હા.

દાદાશ્રી : મા-બાપને કામ લેતાં ના આવડે એટલે. આજના બધા છોકરા પાસે મા-બાપને કામ લેતાય નથી આવડતું. એ છોકરો કંટાળી જાય ને? હવે પડોશી શું કહે ? એય બાબા, આય બા. તે આવે. અલ્યા, લાવો મહીંથી જરા પેલો નાસ્તો લાવો. એટલે પછી ભઈને પછી જે કહે એ કરી આપે કે નહીં એને ?

પ્રશ્નકર્તા : કરી આપે અને મા-બાપો માટે ઘૃણા ઉત્પન્ન થઈ જાય.

દાદાશ્રી : અને આના ઉપર ?

પ્રશ્નકર્તા : એના માટે પ્રેમ ઉત્પન્ન થાય. એ કહે એ બધું કરવા તૈયાર થાય.

દાદાશ્રી : એવી રીતે સ્ત્રીને પોતાના ધણીથી ઘૃણા ઉત્પન્ન થાય એટલે પછી. કારણ કે એને વિષય ગમે છે અને પેલો પુરુષ છે તે સારું બોલવા માંડ્યો. એટલે એ રૂપાળો દેખાતો જાય. એનું કામ કાઢી લેવા માટે એન્કરેજ કરે આને અને એ જાણે કે ઓહોહો મારે અક્કલ નથી, છતાં આટલી બધી અક્કલ થઈ ગઈ આ, એમ કહે છે. એટલે લપટાયા કરે. સમજાય એવી વાત છે આ ?

પ્રશ્નકર્તા : સમજાય છે, દાદા.

આત્માર્થ સિવાયનો સ્વાર્થ તે પરાર્થ !

દાદાશ્રી : ખરો સ્વાર્થ કયો ? સ્વ એટલે આત્મા અને સ્વને અર્થે, આત્માને અર્થે જે કરવું એનું નામ ખરો સ્વાર્થ કહેવાય. અને જગતમાં જે સ્વાર્થ ચાલે છે તે તો પરાર્થ છે. બધું પારકાં માટે જ કરવાનું. એમાં પોતે જોડે કશું લઈ જવાનું નથી. કોઈ કહેશે કે આ છોકરાં પોતાના ન્હોય ? આ દેહ જ પોતાનો થતો નથી, તો છોકરો કયે દહાડે પોતાનો થવાનો છે તે ! છતાં વ્યવહારમાં છોકરાને છોકરા તરીકે રાખવો જોઈએ અને વ્યવહારમાં આપણી ફરજો બજાવવાની અને તે કુદરતી રીતે જ બંધન છે અને એવી રીતે થઈ જ જાય છે, એની વરીઝ (ચિંતા) કરવા જેવું નથી. છોકરો હોય તે આખો દહાડો સોડમાં ઘાલ ઘાલ કરીએ તે સારું લાગે ? છોકરો પછી કંટાળી જાયને તો બચકાં ભરે આપણને. એટલે રીતસરનું બધું સારું.

આ છોકરાં એ તો બધા પૂર્વભવનાં ઋણાનુબંધ છે અને તે આસક્તિના જ બધા બંધ છે. આસક્તિથી વેર બંધાયા છે અને વેરનો જ બંધ છે, તે વેર પ્રમાણે વેર વાળીને જાય.

પ્રશ્નકર્તા : આ છોકરાંઓ વેર વાળીને જાય એ ના સમજાયું.

દાદાશ્રી : એવું છે ને, એ છોકરાને આપણી જોડે સ્નેહ બંધાયેલો હશે ને, તો સ્નેહ વાળીને જાય અને વેર બંધાયેલું હોય તો ગમે તેટલું એની જોડે વહાલ કરો તો પણ એ વેરને વેર જ વાળ્યા કરે. માટે સ્નેહનો તો આપણે નિકાલ કરી નાખીએ, સ્નેહનો તો વાંધો નહીં આવે પણ વેર બંધાયેલું હશે ત્યાં બહુ મુશ્કેલી ઊભી થશે. આપણે વેરને શાથી આગળ મૂકીએ છીએ કે આ વેર એ મુશ્કેલીવાળું છે. સ્નેહનું બંધાયેલું હોય તો એ મુશ્કેલી વગરનું છે પણ આ દુષમ કાળમાં સ્નેહનાં બંધન ઓછાં હોય છે, નર્યાં વેર જ વધારે હોય છે.

આ કાળની વિચિત્રતા છે કે ઘરનાં માણસો જ સામસામી આરોપ આપે કે તમે આમ કરી નાખ્યું, તમે આમ કરી નાખ્યું. અલ્યા ભઈ, મેં નથી કર્યું આ. તો એ કહેશે કે ના, તમે જ કરી નાખ્યું છે. એટલે નફો આવે ને ત્યાં સુધી શેઠને 'આવો શેઠ આવો શેઠ' કરે. અને ખોટ જાય ત્યારે, 'તમે જ ઊંધું બગાડ્યું, તમે આમ કર્યું. તમારામાં અક્કલ નથી,' આમ બધા આક્ષેપો આપ આપ કર્યા કરે. તે વખતે કડવું ઝેર જેવું લાગે. પછી મનમાં આંટી રાખે કે મને સપડાવ્યો અને મારી પર આક્ષેપ આપે છે, પણ એ મારા લાગમાં આવે તો હું એની પર આપીશ. તે વખત આવે ત્યારે પેલો આની પર આક્ષેપ આપે ને પાછું વેર વાળે. એટલે જ્યારે આપણે સપડાઈ ગયા હોઈએ ને ત્યારે એણે આપણને આક્ષેપ આપ્યા હોય, ત્યારે આપણે સહન કરી લઈએ. પણ ફરી એ લાગમાં આવે ને, એ સપડાય ત્યારે પાછા આપણે એને આક્ષેપ આપીએ. એવી રીતે આ સંસાર ઊભો રહેલો છે.

વેરબીજથી આ સંસાર ઊભો રહ્યો છે. પ્રેમમાં કંઈ સંસાર બંધાય એવો નથી, પણ આસક્તિમાંથી જ વેર ઊભું થયેલું છે. વેર શેમાંથી ઊભું થાય છે ? આસક્તિમાંથી જ. એટલે છોકરા ઉપર અભાવ નથી કરવા જેવો, તેમ છતાં એને છાતીએ વળગાડ વળગાડ કરવા જેવોય નથી. બધામાં આસક્તિ નહીં, નોર્માલિટી. બધું નોર્માલિટીમાં જોઈએ.

ઈન્શ્યોરન્સ કોને માટે ?

પ્રશ્નકર્તા : સ્વાર્થી થવું હોય તો લાઈફ ઈન્શ્યોરન્સ લેવાની જરૂર ખરી ? ને છોકરાં ભૂખે ન મરે ?

દાદાશ્રી : એક વાર તો ઈન્શ્યોરન્સ કરાવવી પોતાની જાતને, તે મકાનનું ઈન્શ્યોરન્સ લઈ શકાય પણ જાતનું ઈન્શ્યોરન્સ ના લઈ શકાય.

પ્રશ્નકર્તા : કેમ લોકો લાઈફ ઈન્શ્યોરન્સ કઢાવે છે ને ?

દાદાશ્રી : એ તો સંપૂર્ણ પરાર્થ માટે, મારે શું કામમાં લાગવાનું ? મારી પાસે એક ફેરો ઈન્શ્યોરન્સવાળા આવ્યા, મેં કહ્યું કે મને શું હેલ્પફુલ થાય એ સમજાય ?

પ્રશ્નકર્તા : લાઈફ ઈન્શ્યોરન્સ તો આપણાં બૈરાં-છોકરાં માટે લઇએ ને, આપણા માટે તો લેતા જ નથી ને ?

દાદાશ્રી : ના, એ છોકરા એ તમારા હોતા નથી, તમારી એ રોંગ બિલીફો છે. તમારા છોકરાને તો એક કલાક જો ટૈડકાવો, તો ખબર પડી જાય કે તમારો છે કે નહીં તે ? તમારા હોતા જ નથી.

પ્રશ્નકર્તા : આપણે મરી જઈએ ત્યારે છોકરાઓ તો તૈયાર જ હોય મિલકત લેવા માટે.

દાદાશ્રી : તૈયાર ને ના તૈયાર થાય તો પહેલાના વખતમાં ગાદી નહોતા આપતાને, તે બાદશાહને ઝેર આપીને મારી નાંખતા'તા શાહજાદા, રાજગાદી ભોગવવા માટે.

ગાદીના સ્વાર્થ માટે મારતાં બાપને !

એટલે અમે બતાડીએ છીએ. આ રસ્તો, એ જીવન જીવવાની કળા છે. નહીં તો બાપ થઈને રકમ આપશો બધી, તે એ રકમ ખલાસ કરીને પછી કહેશે, 'તમારે બીજી રકમ આપવી પડશે.' 'અલ્યા, મારી જાત કમાણી છે આ.' ત્યારે કહે, 'જાત કમાણી છે માટે શું થઈ ગયું ? નહીં આપો તો છરો દેખાડીશ.' કારણ કે ઘણાં ખરા બાદશાહોને છોકરાઓએ મારી નાખેલા, દિલ્હીમાં. સાંભળેલું તમે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : શા માટે મારી નાખે ? ગાદી લેવા માટે ! મૂઓ, આ બૂઢો ક્યાં સુધી જીવશે હવે? આ બૂઢો જીવશે તો આપણી ગાદી હાથમાં આવશે નહીં. મોડી ગાદી આવે તો કામની શી, અત્યારે જવાનીમાં ના આવી તો ? એમ કરીને બાપાને ખલાસ કરી નાખેલા.

આ તો ગમ્મત છે. વાત મહીં ગમતી હોય તો લેવી. આપણને ના ગમતી હોય તો રહેવા દેવું. પટેલનું ઘર છે, ના ગમતું અહીં પડી રહેશે તો પૂંજો વાળવામાં કાઢી નાખશે એ લોકો. વાત થોડી ગમી આમાંથી ?

પ્રશ્નકર્તા : બરાબર છે, બિલકુલ સાચી વાત છે.

દાદાશ્રી : આ વાત મારે કહેવામાં મારો કેટલો સ્વાર્થ હશે ?

પ્રશ્નકર્તા : કશો જ નહીં.

સંસાર, સગો સ્વાર્થનો !

અમારે ત્યાં પાડોશમાં એક આંધળાં ડોસી અને તેનો દીકરો રહે. ડોસી આખો દહાડો ઘર સાચવે ને કામ કર્યા કરે. તે ભાઈને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા. આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ ! બંને ઘેર આવ્યા. તે ભાઈસાહેબને થયું કે મારી આંધળી માને મારો સાહેબ જોશે, તો મારી આબરૂ જશે. તે મૂઓ સાહેબની સામે પોતાની માને કહે કે આંધળી ઊઠને, મારા સાહેબ આવ્યા છે ! મૂઆએ માને લાત મારીને સાહેબ પાસે પોતાની આબરૂ ઢાંકી ! મોટો સાહેબ ના જોયો હોય તો ! આ મૂઓ આબરૂનો કોથળો ! 'મા'ની આબરૂ સાચવવાની હોય કે સાહેબની ?

આપણે કલકત્તાથી આવતાં સારી કેરી દીઠી હોય ને ત્યાં મજૂર ના મળે, કરંડિયા ના મળે, તોય સાચવીને અહીં લાવીએ. અને અહીં લાવ્યા પછી કેરીઓ ખાઈએ અને ખાઈ લીધા પછી ગોટલા ને છોતરાં નાખી દઈએ. અલ્યા, આટલી મહેનત કર્યા પછી નાખી દીધું ? તો કહે કે હા, માત્ર રસનું જ કામ હતું. એમ આ માણસોનેય ગોટલા-છોતરાં રહે, રસ ના રહે ત્યારે છોકરાંય મા-બાપને લાતો મારે !

આ કેરી શાથી લાવો છો ? તો કહે કે રસ માટે, સ્વાદ માટે. આ તો સ્વાર્થનું જગત ! માટે આપણા માંહ્યલા ભગવાન સાચા, ને મોક્ષે ગયા તો કામ થયું. નહીં તો આ તો 'ઊઠ આંધળી' એવું કહે !

નાનપણમાં મેં નજરોનજર જોયેલું. એક આંધળા ડોસા હતા. એ ખાતા હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલા કંટાળીને ચિઢાય ને બૂમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઈ જાય ને વધારે કાંકરા નાખે ! એવું આ જગત છે! અને પાછા આવા કેટલા અવતાર થવાના છે, એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે-ત્રણ અવતારમાંય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી છતાંય આ જગત પર લોકોને કેટલો મોહ છે !

નર્યો માર ખા ખા કર્યો, અનંત અવતાર મોહનો માર ખા ખા કર્યો છે ! હવે હિન્દુસ્તાનમાં આવ્યા પછી આપણે મોહનો માર ખાઈએ તો એ આપણને શોભે નહીં. કારણ કે બહાર હોય ત્યાં સુધી મોહનો માર ખાવાનો વાંધો નથી.

આ સંસાર જ એવો છે કે ખરે ટાઇમે કોઇ સગું ના થાય. આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોય ને એક દહાડો વહુના પેટમાં દુઃખે તો સાસુ કહેશે કે, અજમો ફાકી લે. આવું તો બધા કહેશે. પણ સાસુ કંઇ વહુનું દુઃખ લઇ લેશે ? અરે ! ધણી કે છોકરાંય કોઇ લઇ લેશે ? આ જગત કેવું છે કે આ બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે. પણ જ્યારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે ! આ બાપા કમાઇ લાવતા હોય કે કામ કરતા હોય તો બાપા વહાલા લાગે પણ પછી જો કામ કરતા બંધ થાય એટલે ઘરનાં બધાં શું કહેશે કે 'તમે હવે આમ આ બાજુએ બેસો. તમારામાં અક્કલ નથી !' એવું છે આ જગત ! આખો સંસાર દગો છે ! જો થોડોય સગો હોત તો આ 'દાદા' તમને ના કહેત, કે આટલી સગાઇ સાચી છે. પણ આ તો સંપૂર્ણ દગો જ છે. ક્યારેય સગો નથી. જીવતો ભમરડો જંપવા દે નહીં. અરે, અહીં સત્સંગમાં આવવું હોય, ખાલી દર્શન કરવા આવવું હોય તોય ના આવવા દે. આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.

બિલાડી લાલચની મારી મોઢું જોશથી વાસણમાં નાખી દે છે. પછી નીકળે નહીં. એ શા માટે મોઢું નાખે છે ? સ્વાર્થ ને લાલચ માટે જ ને ! એ સ્વાર્થ અને લાલચ એ જ અજ્ઞાન છે. એટલે આપણે શું શીખવાની જરૂર છે કે,

આપણે કોણ છીએ ?

આની જોડે આપણે શી લેવાદેવા છે ?

આ મારાં થશે કે નહીં ?

આ પાંસઠ વર્ષથી દાંત ઘસ ઘસ કરીએ છીએ, તોય એ ચોખ્ખા ના થયા ! તો આપણી સમજમાં બળ્યું ના આવે કે વસ્તુ સાચી કે જૂઠી ? આખી જિંદગી આ જીભની લીલ (ઉલ) ઉતારી તોય મૂઇ ચોખ્ખી ના થઇ ! રોજ દાંતની કેટલી માવજત કરી, ઘસ ઘસ કર્યા પણ છેવટે એય સગો તો ના જ થયો ને આ આજે દાઢ દુઃખવા લાગી જ ને એવું છે આ જગત !

બાપને છોકરાંં પ્રત્યે સ્વાર્થ, તેથી...

તમે કોઈ કામ મરજિયાત કરેલું ખરું ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : તો ફરજિયાત કરેલું ? ફરજિયાતનું ઈનામ હોય ?

પ્રશ્નકર્તા : ના હોય.

દાદાશ્રી : હં. મરજિયાતનું ઈનામ હોય. એક ભઈ ફરજિયાતનું ઈનામ ખોળવા માંગતા હતા! આખું જગત ઈનામ ખોળે છે ને કે 'મેં આટલું આટલું કર્યું, તમને ભાન નથી, તમને ગુણ નથી મારો.' અલ્યા મૂઆ, શાનો ગુણને ખોળે છે, આ તો જે કર્યું, એ તો ફરજિયાત કર્યું તેં ! એક જણ છોકરાંને બોલતો હતો. હું વઢ્યો પછી. પેલો કહેતો હતો, 'દેવું કરીને મેં તને ભણાવ્યો. નહીં તો હું દેવું ના કરત તો તું શું ભણવાનો હતો, રખડી મરત.' મૂઆ, શું કરવા બોલ બોલ કરે છે અમથો વગર કામનો ! એ તો ફરજિયાત છે, આવું બોલાય નહીં. એટલે છોકરો ડાહ્યો છે ને ? તમને કોણે ભણાવ્યા એમ પૂછે તો શું કહું ? ગાંડું બોલે છે ને, લોકો? અભણ લોકો, સમજણ નહીં, ભાન વગરના. આ બાબતમાં ભાન નહીં. વૈજ્ઞાનિક બાબતમાં ભાન નહીં, આ સ્વાર્થમાં ભાન, બધે જ્યાં ને ત્યાં સ્વાર્થ આવડે એને. હવે એ સ્વાર્થ તે પરાર્થ છે પાછો.

'મને ફી આપો છો, તો તમને કોણે આપી હતી ? એમાં શું નવાઈ કરો છો ?' છોકરો કહેશે. એ તો ફરજિયાત છે, એમાં શું આપ્યું તમે ? ફરજો બજાવતા નથી, આ તો ફરજિયાત છે. સમભાવે નિકાલ કરો આ ફાઈલોનો, તો આબરૂ રહેશે, નહીં તો આબરૂ નહીં રહે. એટલે ફાધરથી એવો અહંકાર ના કરાય કે મેં તને ભણાવ્યો. કારણ કે આ ભણાવવું એ બધું ફરજિયાત છે.

સમજાવનારો નિસ્વાર્થ તો સાચું સમજાય !

હિન્દુસ્તાનમાં આપણા લોકો કરતાં અહીં અમેરિકાના (ઈન્ડીયનો) સારા છેને આ લોકો. બધા હસે જ છેને ? કંઈ છે ? કોઈની જોડે કંઈ સામાસામી રાગ-દ્વેષ કે કંઈ ભાંજગડો છે કોઈ જાતની ? બહુ સારું !

પ્રશ્નકર્તા : પછી ચોખ્ખી વાત કરી દે પાછા.

દાદાશ્રી : આને સમજાવનાર જોઈએ. સમજાવો તો બહુ સુંદર ચાલે એવા છે. સમજાવનાર નથી તેની આ ભાંજગડ છે અને જે સમજાવવા આવે છે એ પોતાના સ્વાર્થથી સમજાવવા આવે છે. પોતાના સ્વાર્થવાળો માણસ સમજાવી શકે નહીં તમને સાચી વાત. જેને કંઈ પણ સ્વાર્થ નથી એ જ લોકો સાચી વાત સમજાવી શકે.

પ્રશ્નકર્તા : અમારે અહીંયાં વડીલો નથી હોતા એટલે સમજાવે કોણ ?

દાદાશ્રી : હા, તે સમજાવનારો ના હોય એટલે માણસ ગૂંચાયા કરે છે. શું થાય ?

પ્રશ્નકર્તા : આ ગૂંચાઈએ, કોઈ સમજાવનારું ના હોય વડીલો, તો એનો રસ્તો શું ?

દાદાશ્રી : આપણે ભગવાનને પ્રાર્થના કરવી, તે ભેગા કરી આપે આપણને.

એટલે છોકરાંઓને આ બાબતમાં જાણવા માટે બીજી બધી વસ્તુઓ હોય, તે આમ જાણતાં જાણતાં ફીટ થઈ જાય એમના જીવનમાં. વાઈફ જોડે કેમ વર્તવું જોઈએ ? મધર જોડે કેમ વર્તવું જોઈએ ? ફાધર જોડે કેમ વર્તવું જોઈએ ? પોતે પોતાની જોડે, માગતાવાળા જોડે કેમ વર્તવું જોઈએ? આપણે જેની પાસે માંગતા હોઈએ તેની જોડે કેમ વર્તવું જોઈએ ? આવું બધું એને સમજાવવામાં આવે તો કામ ચાલે. નહિ તો એ તો મુંઝાયા જ કરે છે! અને પાછું કેવું ? આ જગતમાં પાછા લોકો શું કહે? અમે તારા દુઃખને લઈ લઈશું, એવા સંતો હોય છે. સાંભળેલું ખરું એવું ?

પ્રશ્નકર્તા : સાંભળેલું.

દાદાશ્રી : માન્યું ખરું એવું તમે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : માનેલું નહીં, પણ સાંભળેલું ખરું ને ? હવે એવું કંઈક માનનારા હશે ને ? જો એ દુઃખ લેનારા છે તો માનનારાય હશે ને ? માનનાર હોય તો જ આ પછી આવા ઊભા થાય ને, લાલચુ લોકો ? મારા છોકરાને ઘેર છોકરા થાય એટલી લાલચ ! અરે મૂઆ પણ તારો છોકરો તો છે, તો હવે છોકરાના છોકરા માટે લાલચ શું કરવા રાખું છું તું ? પણ આ લાલચુ લોકો ! તે માણસે કેવું જીવન જીવવું ? એ સ્વતંત્ર જીવન જીવવાનું હોવું જોઈએ. ભલે ભ્રાંતિવાળું તો ભ્રાંતિવાળું, પણ પોતાનું સ્વતંત્ર હોવું જોઈએ. આવું ના હોવું જોઈએ.

આખું જગત આવું વ્યવહાર જ્ઞાન ખોળે છે અને આ ધર્મ નથી. આ સંસારમાં રહેવાનો ઉપાય છે. સંસારમાં એડજસ્ટ થવાનો ઉપાય છે. વાઈફ જોડેનાં એડજસ્ટમેન્ટ કેમ લેવાં, છોકરા જોડે એડજસ્ટમેન્ટ કેમ લેવાં, તેના ઉપાય છે.

ઘરમાં ભાંજગડો થાય, તે આ વાણીના શબ્દો એવા છે કે બધાને ભાંજગડો મટી ગઈ. એટલે આ વાણીથી બધું રાગે પડે છે. જેનાથી દુઃખ જાય એ વાણી ખોળે છે લોકો. કારણ કે કોઈએ આવા ઉપાય જ નથી બતાવ્યા ને ! સીધા એપ્લાય થાય એવા ઉપાય જ નથી ને !

પ્રશ્નકર્તા : અને એક-એક ઉપાય આપના સચોટ છે.

દાદાશ્રી : હા, સચોટ છે.

છોકરાંનો મોહ કઢાવે, સાચી સમજણથી !

અમારા મામાના એક દીકરા કંટ્રાક્ટર હતા. તે છોકરાંની બહુ ઘાલમેલ ઘાલમેલ કર્યા (મોહ રાખ્યા) કરે. મેં કહ્યું, 'અમારા મામાનો ફોટો તમે રાખતા નથી ?' ત્યારે કહે, 'છે ને ફોટો.' મેં કહ્યું, 'તો પૂજા કશું કરો છો ?' ત્યારે કહે, 'પૂજા તો કંઈ નથી કરતા.' ત્યારે મેં કહ્યું, 'તો આ છોકરાં આપની પૂજા કરશે, હવે ?' ત્યારે એ કહે, 'એ તો કોઈ ના કરે.' મેં કહ્યું, 'જરા જંપોને, આ શું કરવા મોહનો માર ખાવ છો ? જરા પાંસરા પડો ને !' ત્યારે કહે, 'હવે મને સમજણ પડી. નહીં તો મને તો એમ જ લાગતું હતું કે આ તો આપણે કરવું જ પડે ને !' પછી મેં સમજણ પાડી કે, છોકરાને ભણાવીએ નહીં તો ખોટું દેખાય. પૈણાવીએ નહીં તોય લોક કહેશે, 'એને પૈણવું છે તોય પૈણાવતા નથી ?' પૈણાવ્યા પછી નોકરીએ કંઈ રાગે પડી ગયો, પછી આપણે લેવાદેવા નહીં. પછી આપણે ઘાલમેલ કરીએ ત્યારે લોક કહેશે, 'હજુ આ ડોસા છોડતા નથી. એ ત્યાં ને ત્યાં ટળ્યો રહે છે.' અલ્યા ભાઈ, પહેલાં આવું એના પક્ષમાં બોલતા હતા, તે હવેય એના પક્ષમાં બોલો છો ? પણ એ લોકન્યાય કહેવાય. આ સમજવા જેવું છે. બધા માર ખઈને પરાર્થ કરે છે અને તેને જરાય ઉપકાર જેવું છે નહીં. છોકરો ઉપકાર જો માનતો હોય કે મારા બાપે બહુ ઉપકાર કર્યો તો કર્યું કામનું

.પ્રશ્નકર્તા : એ પણ નહીં માને.

દાદાશ્રી : હા, કોઇ ઉપકાર માને નહીં !

પછી લોક કહે, હવે આટલો દાદાનો ધર્મ પામ્યા તોય મહીં છોકરામાં ને છોકરામાં વૃત્તિઓ રહે છે ? ત્યારે ના સમજીએ આપણે કે લોક કાયદેસર કહે છે, નહીં તો કશુંય તમને કહે નહીં. હવે આપણે એને રાગે પાડી દીધો. તે પછી તમારે કશું એ છોકરો હકદાર છે નહીં. એટલે આપણે આપણું કરી લેવું પછી. પૈસો બધું હોય તેય આપણું, એય છોકરાનું નહીં. એટલે છોકરા પ્રત્યેની ફરજો ક્યાં સુધી મેં કહી, કહો.

પ્રશ્નકર્તા : એ ભણી રહે અને કમાતો થાય ત્યાં સુધી.

દાદાશ્રી : એ કમાતો થાય અને રાગે પડે ત્યાં સુધી આપણે જરા ધ્યાન દેવાનું. અને પછી એની પાસે, વારેઘડીએ જઈને, 'તું ધંધો બરોબર સમો કરતો નથી.' એવું કહે કહે કરે તો શું થાય? વહુ શું કહે ? કે 'આ સસરા બહુ ખરાબ છે.' એવું અહીં આવીને અમને કહી જાય છે. છૂટાં રહીએ છીએ તોય જંપીને રહેવા નથી દેતા. લે, તું તો છોકરાનું સમું કરવા ગયો ત્યારે વહુએ ઈનામ(!) આપ્યું ! તે પોતે એવો માર ખાય છે. છોકરો જ્યારે એમ કહે છે કે 'હવે કશો વાંધો નહીં.' અલ્યા, તને મુક્ત કરે છે; તમને કેમ લાગે છે ? લોકોય કહે કે 'દાદાનું જ્ઞાન પામ્યા છો ને, હવે છોકરાનું શું કામ વધારે કરો છો ?' લોક તો આમેય કહે ને આમેય કહે ! જો ફી ના આપતા હોય તો તેમેય કહે. એટલે લોકનું માનવું પડે આપણે. છોકરા પ્રત્યેની કેટલી ફરજો તે આપણે સમજી લેવાની ! એ રાગે પડી ગયા પછી કહીએ, 'અડચણ હોય તો અમને કાગળ લખી જણાવજે.' પછી એ કહે કે 'હું બાપુજી બહુ ખુશ છું', પછી મહીં સળી નહીં કરવી.

છોકરા સાથે પૈસાના વ્યવહારની કળા !

આપણી ગાંઠ (મૂડી) આપણી પાસે મૂકી દેવી. ગાંઠને આપીએ-કરીએ નહીં, નહીં તો આપ્યા પછી 'આપ, આપ' કરીએ તો એ (છોકરો) પાછા ના આપે. પછી આપણે કહીએ કે 'દસેક હજાર આપ જોઈએ, મને.' ત્યારે એ કહેશે, 'હં, મારે ભીડમાં અત્યારે ક્યાંથી આપું ?' ત્યારે આપીને હવે ડચકાં મારે છે ? અંધારી રાતે બળદિયા છોડીએ અને પછી 'આવ આવ' કરીએ તો આવે ? અને છોકરાને કહેવાનું કે 'તમે તમારું ચલાવી લો. મારું ચાલશે.'

પ્રશ્નકર્તા : તો એમાં આપણો સ્વાર્થ ન લાગે ?

દાદાશ્રી : વળી સ્વાર્થ ને પરમાર્થ ક્યાં જોવા ગયા તે ! આ સ્વાર્થ તો છે જ નહીં, નર્યો પરાર્થ છે. પારકા હારુ જીવી રહ્યા છે. પરાર્થ ! નથી પરમાર્થ, નથી સ્વાર્થ. સ્વાર્થ તો કોનું નામ કહેવાય ? અમે 'જ્ઞાની પુરુષ' સ્વાર્થી કહેવાઈએ. અને તમને બધાને સ્વાર્થી બનાવ્યા. તે આત્માર્થે જીવવું એનું નામ સ્વાર્થ ! 'સ્વ' કોણ ? 'આત્મા' ! આ તો 'ચંદુભાઈ'ને 'હું' કહે છે. અલ્યા, આ તો પરાર્થ ! સ્મશાનમાં એ ટાઈમે છોકરો નિરાંતે નાસ્તા-પાણી કરશે ! ને તમે જાણો કે છોકરાં આપણા હારુ કંઈ કરશે, નહીં ?

અરે, આપણે એને બે લાખ રૂપિયા આપ્યા. પછી આપણે કહીએ, 'એક દસેક હજાર કાલે જરા મારે પેલાને ત્યાં આપવાના છે, તે લાવ જોઈએ.' ત્યારે કહેશે, 'મારે ભીડમાં હાથ ઘાલશો નહીં. તમારે જોઈતા હોય તો સો-બસો લઈ જાવ.' આપણે સમજી જાવ કે જય સચ્ચિદાનંદ. આવતે અવતાર તો હવે ભૂલું નહીં. મેં ગાંઠ વાળી દીધી, કહીએ. મેં તો ગાંઠો વાળેલી છે આ, તે ગાંઠો મને યાદ છે આ બધી. ફરી ભૂલવાનું હોય ? એક ફેરો 'જય સચ્ચિદાનંદ' કહીને આપણે જાણીએ કે આ છેતરાયા એ છેતરાયા, બાકી હવે છેતરાઉં નહીં. તમને કેમ લાગે છે ? છોકરા પર એ (મોહ) બહુ રાખવાનું નહીં. એને અડચણ આવી હોય તો પછી આપણી પાસે હોય તો આપવાનું. પણ છોકરાની મહીં અમથા વગર કામનાં ઘાલમેલ કરીએ (મોહપૂર્વક એનું ધ્યાન રાખીએ), એનો અર્થ શો છે તે ?

ડોસો સવારમાં ત્યાં જઈને ઊભો રહે. વહુને કહેશે, 'કેમનો ધંધો બરાબર ચાલતો નથી. આ અત્યારે કંઈ કમાયા દેખાતા નથી.' ત્યારે વહુ કહેશે, 'એ સંડાસ ગયા છે. હમણે આવે ત્યારે કહેજો.' હવે છોકરાને કહીએ ત્યારે એ ચિઢાયા કરતો હોય કે 'બાપુજી, તમારે ચા પીવી હોય તો પીઓ નિરાંતે. મને જંપીને બેસવા દો ને !' એટલે આપણે સમજી જઈએ કે હું બાપુજી છું કે આ બાપુજી ? આ સંસારમાં આટલો આટલો માર ખાધો તો હજુ આ જતું નથી ! ભયંકર માર ખાધા છે! કોના ? બચ્ચાંના જ ! કંઈ પારકાં માર દેતા હશે? બચ્ચાં જ માર માર કરે. છતાં એમના તરફથી બૂમ નહીં આવવી જોઈએ. એ ફરજો છે. ફરજ ને ફરજિયાત છે પાછી. એય કંઈ એવું ગપ્પું નથી. લોકો શું સમજે કે મરજિયાત છે. સમજશો આ બધું કે નહીં સમજો ?

પ્રશ્નકર્તા : સમજાય છે.

દાદાશ્રી : ત્યારે સારું છે. સમજે ને તો ઊકેલ આવે. અનંત અવતાર ગયા છે બધા. તમને સમજાયું ને બધું ? ગાંઠ (પોતાની જરૂરિયાતની રકમ) વાળી કે નહીં ? તે વાળજો ગાંઠ મોટી. અમે કેવા ગાંઠ વાળીને બેઠા છીએ ! તમને તો એટલી શ્રધ્ધાને કે મારા છોકરા જેવો કોઈ છોકરો નહીં ! પણ એ તો જ્યારે ચાખશો ત્યારે ખબર પડશે.

પચ્ચીસ વર્ષનો છોકરો ને પચાસ વર્ષનો પિતા, તો બે અહંકારનું શું થાય ? ટકરાય પછી કે એકતાર થઈ જાય ?

પ્રશ્નકર્તા : ના. પણ આપણે અહંકાર રાખીએ નહીં તો ના ટકરાય ને ?

દાદાશ્રી : એ ના રાખીએ તોય નિયમ છે કુદરતનો, કે એક દહાડો ટકરાયા સિવાય રહેશે નહીં. તે દહાડે વૈરાગ આવશે, તેના કરતાં પહેલેથી જ ચેતીને જ વૈરાગ આવે એ શું ખોટું ? આ તો તે દહાડે વૈરાગ આવે, કે હવે આ લોકોની જોડે ઊભું ના રહેવાય; ત્યારે પહેલેથી જ ચેતવું હતું ને ! દાદાએ શીખવાડ્યું હતું ત્યાંથી ચેતવું હતું ને કે ભાઈ, આપણી ફરજ કેટલી !

કૉમનસેન્સથી ટાળો અથડામણો !

અનંત અવતારથી પૈણે છે, છતાં સ્ત્રીનો મોહ જાય છે ? દરેક અવતારમાં બચ્ચાં પેદા કર્યાં છતાં બચ્ચાંનો મોહ જાય છે ? અલ્યા, કયા અવતારમાં બચ્ચાં નથી થયાં ?

પ્રશ્નકર્તા : આ અથડામણો-કષાયો થાય છે, એનું મૂળ વિષય જ ને ?

દાદાશ્રી : હા, બધું વિષયને લઈને જ છે. એ વિષયમાં એક્સપર્ટ થઈ ગયેલો હોય. વિષયમાં 'ટેસ્ટફૂલ' થયેલો છે, એટલે મહીં સ્વાર્થ હોય અને સ્વાર્થને લઈને અથડામણ થાય. સ્વાર્થમય પરિણામ હોય ત્યાં કોઈ દહાડો કશું દેખાય નહીં. સ્વાર્થી હંમેશાં આંધળો હોય. સ્વાર્થી, લોભી, લાલચુ બધા આંધળા હોય. આ દુનિયાનો બધો આધાર પાંચ ઇન્દ્રિયોના વિષય ઉપર જ છે. જેને વિષય નથી, તેને અથડામણ નથી.

પ્રશ્નકર્તા : પોતાને વિષય નથી, પણ એના લીધે બીજાને અથડામણ ઊભી થઈ શકે ?

દાદાશ્રી : બીજાને શા માટે થાય ? અને હા, કો'કને થાય તો, તે એની ભૂલ છે. ન્યાયપૂર્વક હોય તેને દુઃખ ના થાય, પણ પછી પોતાની જાતે માનીને દુઃખ વહોરી લે, તેનું શું થાય ? બનતાં સુધી જો તેને વાળી લેતાં આવડે તો સારું કહેવાય.

પ્રશ્નકર્તા : જ્ઞાન જોડે હોય તો તરત 'બ્રેક' મારી શકે ?

દાદાશ્રી : કશું કહેવાય નહીં, ફરી લપસીય પડે. જ્ઞાનવાળા પણ સ્લિપ થઈ જાય. આ તો કોમનસેન્સવાળો હોય, કોમનસેન્સ એટલે શું કે એવરીવ્હેર એપ્લિકેબલ, એવો કોઈ હોય એ માર્ગ કાઢી આપે. બધાં તાળાં ઉઘાડીને માર્ગ કાઢી આપે. અથડામણમાંથી રસ્તો કાઢે, પણ એ એક્સપર્ટ ના હોય.

પ્રશ્નકર્તા : કોમનસેન્સવાળાને બળતરા હોય ?

દાદાશ્રી : ના. જો બળતરા હોય તો કોમનસેન્સ ઉત્પન્ન થાય જ નહીં. બળતરા વિષયવાળાને હોય. બળતરા છે ત્યાં સુધી વિષય ઊભો રહેલો છે અને વિષય હોય ત્યાં સુધી બળતરા ઊભી રહી છે.

ઘાટ, ત્યાં પૂર્ણતા નહીં !

પ્રશ્નકર્તા : જેને 'કોમનસેન્સ' હોય, એને પોતાને કશું ના થાય પણ એના નિમિત્તે સામાને દુઃખ થાય ?

દાદાશ્રી : એ તો થાય ને, સામેવાળો નબળો હોય તો દુઃખ થાય. આ દુનિયામાં નબળા માણસને દુઃખ થાય. જેટલી નબળાઈ એટલું દુઃખ એને. નબળાને દુઃખ થાય એમાં બળવાન શું કરે ? કોઈ રાક્ષસ જેવો શરીરે બાંધો હોય, એવો માણસ જતો હોય, તેને દેખીને લોકો ભડકીને નાસી જાય, તેમાં પેલો શું કરે ? પેલાનો શો ગુનો ?

પ્રશ્નકર્તા : એમાં પોતાનું વર્તન, વાણી એવાં હોય કે સામાને દુઃખ ના થાય, રાજી રાખી બધું કામ કરાવી દે, એવી એને 'ગિફ્ટ' હોય ને ?

દાદાશ્રી : એ બધું હોય, પણ મૂળ એ સ્વાર્થમય પરિણામ હોય છે તે નહીં સારાં. એ 'કમ્પ્લીટ કોમનસેન્સ' ના આવે. સહેજેય ઘાટ હોય ને, ત્યાં 'કોમનસેન્સ' પૂરી ના હોય. ઘાટ ના હોય ત્યારે ખરું. પછી સામાને રાજી રાખે તે ઘાટ વગરનું રાજી રાખે, એને દુઃખ ના થાય એટલા માટે. બાકી, જગત તો પોતાના ઘાટને માટે રાજી રાખે એટલે 'કોમનસેન્સ' પૂરી થાય નહીં એની. કારણ કે ઘાટમાં વપરાઈ એ !

નિસ્વાર્થપણાથી 'કોમનસેન્સ' સર્વાંગી !

પ્રશ્નકર્તા : વ્યવહારુકતા એને જ કહે ને કે વ્યવહારમાં જે માણસ 'એક્સપર્ટ' હોય ?

દાદાશ્રી : હા, લોકો એ જ કહે ને ! એને લોક 'એક્સપર્ટ' કહે. પણ 'એક્સપર્ટ' કરતાંય વ્યવહારિકતા વધી જાય. વ્યવહારિકતા એટલે 'કોમનસેન્સ'. 'કોમનસેન્સ' સર્વાંગી હોય અને આ છે તે 'એક્સપર્ટ' એ 'વન સાઈડેડ' હોય, પણ એમાં એ 'એક્સપર્ટ' હોય. આ 'કોમનસેન્સ'વાળો 'એક્સપર્ટ' ના હોય. એક 'સાઈડ'માં એક્સપર્ટ થવા જાય તો બીજી 'સાઈડ' બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : 'એક્સપર્ટ' 'લિમિટેડ ફીલ્ડ'માં જ થાય ?

દાદાશ્રી : અમુક 'લિમિટેડ ફીલ્ડ'માં જ, બીજે બધે કાચું પડી જાય.

પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ'ની રીતે વ્યવહારને જુએ એટલે એને બધી ગણતરી હોય. અને જ્ઞાનની રીતે જુએ તો પોતે કોઈને કર્તા ના જુએ, 'વ્યવસ્થિત'ને તાબે જુએ, તો એ બંનેમાં વ્યવહારમાં 'સોલ્યુશન' લાવવામાં શું ફેર પડે ?

દાદાશ્રી : આપણા જ્ઞાનનું 'સોલ્યુશન' જુદી જાતનું.

પ્રશ્નકર્તા : બંનેમાં ઊંચું 'સોલ્યુશન' કયું ?

દાદાશ્રી : 'કોમનસેન્સ'નું. બાકી, જ્ઞાનનું 'સોલ્યુશન' તો એટલું હોય જ નહીં ને !

પ્રશ્નકર્તા : જ્ઞાનનું 'સોલ્યુશન' આવે તો પોતાને બળતરા બંધ થઈ જાય.

દાદાશ્રી : બળતરા બંધ થઈ જાય, પણ બહારનું, વ્યવહારનું કામ ના થાય ને ! તે આપણા બધાય 'મહાત્મા'ઓને વ્યવહારમાં જ્ઞાન કામ ના આવે. એમને 'કોમનસેન્સ' છે જ નહીં ને ! વહુને પૈણ્યા, તે એની જોડે નિકાલ કેમ કરવો તે ના આવડે. આ સાધુ-આચાર્યોને પૈણાવીએ તો ત્રીજે દહાડે નાસી જાય ! શાથી નાસી જાય ? એ લાઈનનું જાણતા જ નથી કે હવે કેમનો આનો ઉકેલ લાવવો ?

પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ'વાળાને આ જ્ઞાનનો લાભ જેવો થવો જોઈએ એવો ના થાય ને ? કારણ કે એની દ્ષ્ટિ આ 'વ્યવહાર' તરફની હોય.

દાદાશ્રી : એ 'કોમનસેન્સ' ના ગણાય. એ તો સ્વાર્થમય પરિણામ બધાં, 'વન સાઈડેડ' હોય. કોમનસેન્સ તો 'એવરીવ્હેર એપ્લીકેબલ', ૩૬૦ ડિગ્રીનું હોય. પણ 'એક્સપર્ટ' કોઈ બાબતમાં ના હોય.

પ્રશ્નકર્તા : પણ 'એક્સપર્ટ' તો વ્યવહારિકતામાં જાય ?

દાદાશ્રી : 'એક્સપર્ટ' છે તે અમુક જ વ્યવહારમાં પડેલા હોય. એ બાબતમાં જ 'એક્સપર્ટ' થયેલા હોય, બીજી બાબતમાં ના હોય. એ બીજી બાબતમાં તો 'ઝીરો' હોય. જ્યારે પેલો કોમનસેન્સ-વાળો 'ઝીરો' ના હોય કોઈ બાબતમાં.

પ્રશ્નકર્તા : દાદા, આ 'કોમનસેન્સ' અને 'જ્ઞાન', એ બેને કંઈ લેવાદેવા ખરી ?

દાદાશ્રી : જ્ઞાનને એટલું જ લેવાદેવા કે નિઃસ્વાર્થપણું હોય 'જ્ઞાન' ! 'જ્ઞાન' જે પામવાના હોય તે નિઃસ્વાર્થપણા ઉપર હોય. તે 'કોમનસેન્સ' ખીલતી જાય અને જ્ઞાનેય જોડે જોડે ખીલતું જાય. બાકી 'કોમનસેન્સ'ને અને જ્ઞાનને કશું લેવાદેવા નથી. 'જ્ઞાન' તો તમને બધાને છે જ ને ? ક્યાં નથી? પણ નિઃસ્વાર્થપણાને લઈને 'કોમનસેન્સ' અને જ્ઞાન બેઉ ખીલતાં જાય. અને સ્વાર્થી હોય તેને 'કોમનસેન્સ' 'વન સાઈડેડ' થઈ જાય અને જ્ઞાન બિલકુલેય ખીલે નહીં.

પ્રશ્નકર્તા : પણ સ્વાર્થ હોય, એને વ્યવહારિકતા ખીલે ને ?

દાદાશ્રી : વ્યવહાર ખીલે પણ 'વન સાઈડેડ', અમુક જ 'સાઈડ'માં હોય. 'વન સાઈડેડ'ને 'કોમનસેન્સ' ગણાતી નથી. તેથી મેં અંગ્રેજી શબ્દ મૂક્યો કે 'એવરીવ્હેર એપ્લીકેબલ', કે જેથી લોક એમની ભાષામાં (કોમનસેન્સનો અર્થ) સમજી ના જાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, એને રાગ-દ્વેષ તો અંદર હોય કે ના યે હોય, એવું હોય ?

દાદાશ્રી : નિઃસ્વાર્થ ઉપર જાય ને, તો રાગ-દ્વેષ ઓછા થતા જાય. બધું સ્વાર્થીને જ બધાં રાગ-દ્વેષ છે.

પ્રશ્નકર્તા : અને 'કોમનસેન્સ'વાળાને રાગ-દ્વેષ ?

દાદાશ્રી : એને રાગ-દ્વેષ ઓછા થતા જાય દહાડે દહાડે, જ્ઞાન ચઢતું જાય, 'કોમનસેન્સ' ખીલતી જાય, બધુંય ચઢતું જાય.

પ્રશ્નકર્તા : અથડામણો થાય એમાંથી 'કોમનસેન્સ' ખીલે, એમાંથી તારણ કાઢતાં આવડતું હોય તો ?

દાદાશ્રી : એને પેલું નિઃસ્વાર્થને લઈને તરત તારણ નીકળી જ જાય. સ્વાર્થીને તો ખબર જ ના પડે. એવા એવા પ્રસંગો બને પણ પ્રસંગો 'ફ્રી ઓફ કોસ્ટ' (નકામા) જતા રહે. પ્રસંગો બધા બહુ બને છે, પણ ભૂલી જાય આખું જગત. જ્યારે પેલું તો બધું તારણ નીકળી જ જાય.

પ્રશ્નકર્તા : તારણ નીકળી જ જાય ? એને કશું કરવું ના પડે ?

દાદાશ્રી : ના, કશું નહીં. એની મેળે જ તારણ નીકળી જાય. અને પેલું ત્યાં તારણ કાઢી નાખે એટલે જ્ઞાન પ્રગટ થાય.

પ્રશ્નકર્તા : જ્ઞાનમાં જેમ પેલું દેખાતું હોય કે આ 'રિયલ', આ 'રિલેટિવ', કર્તા કોણ, આ કોણ, એવું બધું દેખાય અંદર. જ્યારે 'કોમનસેન્સ'વાળાને બીજું કંઈક 'લાઈટ' હશે ને ?

દાદાશ્રી : 'કોમનસેન્સ'વાળા તો દરેક તાળાં જે ના ઊઘડતાં હોય તે ઊઘાડી આપે.

પ્રશ્નકર્તા : કયા 'સોલ્યુશન'થી, કઈ ચાવીઓથી ખુલે એ ?

દાદાશ્રી : નહીં, એ સ્વાભાવિક એને, એ અનુભવજન્ય હોય. દરેક પ્રસંગોમાંથી અનુભવજન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય, એ ચાવીઓ હોય. પ્રસંગોમાંથી અનુભવજન્ય જે વસ્તુ હોય ને, તે ચાવીઓના આધારે બધું કામ કરે એ. અને 'એક્સપર્ટ' હોય ત્યાં એય છેતરાય.

પ્રશ્નકર્તા : પણ 'કોમનસેન્સ'વાળો ગૂંચાય નહીં ને ?

દાદાશ્રી : ગૂંચાય નહીં, પણ છેતરાય ખરો. છેતરાઈને પણ પોતે એ ગૂંચ કાઢી નાખે. આ વકીલો 'એક્સપર્ટ' હોય, બીજા જાતજાતના 'એક્સપર્ટ' હોય. પોતાની લાઈનમાં એ 'એક્સપર્ટ' હોય ને, પણ એ છેતરાઈ જાય. જેટલો વધારે વિશ્વાસુ (લોકો ઉપર વિશ્વાસ રાખતો) હોય એટલી 'કોમનસેન્સ' વધારે ખીલે. (લોકોથી) છેતરાય વધારે એટલે કોમનસેન્સ વધી જાય, નિઃસ્વાર્થપણું વધતું જાય.

પ્રશ્નકર્તા : એક રીતે તો તમે કહો છો કે 'કોમનસેન્સ'વાળો કોઈ જગ્યાએ ગૂંચાય નહીં. તો પાછો છેતરાય ખરો ?

દાદાશ્રી : એ તો 'કોમનસેન્સ' ખીલી ગયા પછી ના ગૂંચાય. ખીલતી વખતે તો ગૂંચાય ને ! છેતરાય ને ! લોકોથી છેતરાઈને જ એ 'કોમનસેન્સ' શીખ્યો હોય.

પ્રશ્નકર્તા : હવે એ જે તારણ કાઢે, એમાં જે પોતાની ભૂલ ખોળે, એમાં ખાલી સ્થૂળ ભૂલ જ જોઈ શકે ને ?

દાદાશ્રી : ના, ના, સ્થૂળ ભૂલો જોઈ શકે નહીં. પણ સામા માણસ કેવા હોય છે બધા, છેતરનારા, એ બધો એનો અભ્યાસ બહુ હોય.

પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ'વાળાને સામાની પ્રકૃતિનો 'સ્ટડી' હોવો જોઈએ ને ?

દાદાશ્રી : એ હોય જ. એનું નામ જ 'કોમનસેન્સ' કહેવાય. ત્યારે જ એ તાળું ઊઘડે ને !

પ્રશ્નકર્તા : કો'કની જોડે આપણને બનતું ના હોય, બગડ્યું હોય, હવે એની જોડે આપણે સાંધો મેળવવો હોય, તો હવે આમ જો એની નજદીક જાય સાંધો મેળવવા તો પેલો બગડે. એટલે એનાથી દૂર રહીને એની જોડે કામ લે ?

દાદાશ્રી : એ કોઈ કળા કરે, એનાથી સોલ્વ ના થાય તો બીજી કળાથી કામ લે.

પ્રશ્નકર્તા : તો એને 'કોમનસેન્સ' કહેવાય ?

દાદાશ્રી : હા, એય 'કોમનસેન્સ'માં ગણાય ને ?

પ્રશ્નકર્તા : તો દાદા, એ હિસાબે તમારી 'કોમનસેન્સ' બહુ 'ટોપ' પર છે ?

દાદાશ્રી : અમારી આ જુદી જાતની 'કોમનસેન્સ' કહેવાય. આ તો બધા નિઃસ્વાર્થપણે અનુભવ જ જોયેલા, અનુભવ બધા દેખાય. આ તો સ્વાર્થને લઈને અનુભવ દેખાતા નથી. અનંત અવતારથી સ્ત્રી પૈણે છે, પણ સ્ત્રીનો મોહ જાય છે લોકોને ? અને મારેય બહુ ખાય છે.

પ્રશ્નકર્તા : પણ એમાંથી તારણ નીકળે નહીં, તારણ ના કાઢે ?

દાદાશ્રી : તારણ ના કાઢે. સ્વાર્થથી એ બધું તારણ ના નીકળે. આ સાધુ, આચાર્યો કે જેમણે ભાવના કરેલી હોય છે ને, કે 'હવે પૈણવું જ નથી.' તે તો તારણ કાઢેલું તેને લીધે.

નિર્ભેળ પ્રેમ ત્યાં ભગવાન !

પ્રશ્નકર્તા : પ્રેમ અને મોહ, એમાં મોહમાં ન્યોચ્છાવર થવામાં બદલાની આશા છે અને અહીં પ્રેમમાં બદલાની આશા નથી, તો પ્રેમમાં ન્યોચ્છાવર થાય તો પૂર્ણ પદને પ્રાપ્ત કરે ?

દાદાશ્રી : આ દુનિયામાં કોઈ પણ માણસ સત્ય પ્રેમની શરૂઆત કરે તે ભગવાન થાય. સત્ય પ્રેમ નિર્ભેળ હોય. એ સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય, એવો નિર્ભેળ પ્રેમ એ ભગવાન બનાવે, સંપૂર્ણ બનાવે. રસ્તા તો બધા સહેલા છે પણ એવું થવું મુશ્કેલ છેને !

સ્વાર્થી મોહમાં દગો-ફટકો !

બહુ માર ખાય ત્યારે જે મોહ હતોને, તે મોહ છૂટી જાય બધો. ખાલી મોહ જ હતો, તેનો જ માર ખા ખા કર્યો.

પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ આ બન્નેની ભેદરેખા શું છે ?

દાદાશ્રી : આ ફૂદું છે ને, આ ફૂદું દીવાની પાછળ પડી અને યાહોમ થઈ જાય ને ? એ પોતાની જિંદગી ખલાસ કરી નાખે છે, એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, એ મોહ ના હોય.

મોહ એટલે 'યુઝલેસ' જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાંની પેઠે ફરે અને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય, એમાં તો આખી જિંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલિક સુખ ખોળે એવું નહીં ને !

એટલે આ બધા મોહ જ છે ને ! મોહ એટલે ઉઘાડા દગા-ફટકા. મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ દગા નીકળેલા.

પ્રશ્નકર્તા : પણ આ મોહ છે ને આ પ્રેમ છે એવું સામાન્ય જનને કેવી રીતે ખબર પડે ? એક વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને કઈ રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ તો ટૈડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચીડાઈ જાય એટલે જાણીએને કે આ યુઝલેસ છે! પછી દશા શું થાય ? એના કરતાં પહેલેથી ખખડાવીએ. રૂપિયો ખખડાવી જોઈએ, કલદાર છે કે બહેરો છે એ તરત ખબર પડી જાય ને ? કંઈ બહાનું ખોળી કાઢી અને ખખડાવીએ. અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો ! સ્વાર્થના માટે હઉ કોઈ પ્રેમ દેખાડે. પણ એક દહાડો ખખડાવી જોઈએ તો ખબર પડે કે આ સાચો પ્રેમ છે કે નહીં ?

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય ?

દાદાશ્રી : એ ખખડાવે તોય શાંત રહીને પોતે એને નુકસાન ન થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે સાવ બદમાશ હોય ને તો એય ત્યાં ગળી જાય.

પ્રશ્નકર્તા : તો હવે એ ખબર કેવી રીતે પડે કે આ સાચો પ્રેમી છે કે આ બદમાશ છે ?

દાદાશ્રી : પછી એ બદમાશને ઓળખવા માટે બીજું હથિયાર ખોળવું પડે પાછું. આપણે સમજી જઈએ કે આ નફ્ફટ છે. પણ બનતા સુધી આટલાથી, હું આ જે ઔષધ કહું છુંને એટલાથી બધું આવી જાય છે. ખખડાવીએ એટલે એને મહીં પહોંચે તરત. તે 'એટેક' કર્યા વગર રહે નહીં. અને જ્યાં એટેક હોય ત્યાં આગળ પ્રેમ જ ના હોય ને ? પ્રેમમાં 'એટેક' ના હોય. શબ્દની જરા લે-મેલ હોય પણ 'એટેક' ના હોય.

ઘાટ વિનાનો શુધ્ધ પ્રેમ !

ઓળખ્યા વિનાનો પ્રેમ નાશવંત છે અને આજે બધી ઓળખાણ છે તે પ્રાકૃત છે, પ્રકૃતિની છે. અને તે પ્રાકૃત ગુણોને લઈને પ્રેમ થાય તે પ્રેમ શું કરવાનો ? શુધ્ધ પ્રેમથી બધા જ દરવાજા ખુલે.

મનુષ્યો તો રૂપાળા હોય તોય અહંકારથી કદરૂપા દેખાય. રૂપાળા ક્યારે દેખાય ? ત્યારે કહે, પ્રેમાત્મા થાય ત્યારે. ત્યારે તો કદરૂપોય રૂપાળો દેખાય. શુધ્ધ પ્રેમ પ્રગટ થાય ત્યારે જ રૂપાળો દેખાવા લાગે. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય.

સંસારમાં આ ઝઘડાને લીધે જ આસક્તિ થાય છે. આ સંસારમાં ઝઘડો તો આસક્તિનું વિટામિન છે. ઝઘડો ના હોય તો વીતરાગ થવાય.

ઘાટવાળા પ્રેમે, વધાર્યો સંસાર !

'ઘાટ વિનાના નિર્મળ પ્રેમની પંદરે ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ..'

ઘાટ વગરનો પ્રેમ શીખી લાવો બધાં. એ શીખવા જેવું છે. આમ પ્રેમ તો સહુ કોઈ રાખે છે, પણ ઘાટ વગરના પ્રેમની તો વાત જ જુદીને આ બધાં રાખે છે ને, તે પ્રેમ નથી રાખતાં ? પણ હવે ફક્ત મહીંથી ઘાટ કાઢી લઈએ તો શું થયું ? પંદર ક્ષેત્રોમાં સુવાસ ફેલાય, એવું કહે છે ! આ કંઈ બુધ્ધિપૂર્વકનું નથી લખ્યું, એ તો સહજભાવે નીકળેલું છે. જે સત્ય હતું તે બહાર પડ્યું છે, આખું સત્ય જ બહાર પડ્યું છે.

મહીંથી બધો ઘાટ કાઢી લઈએ, પછી રહ્યું શું ? નિર્મળ પ્રેમ રહ્યો ! 'આ મારે કામનો છે' એવો વિચાર આવવો જ કેમ જોઈએ ? કેટલાંકને તો કશું થયું ના હોય, તોય ડૉક્ટર આવે તો ઊભો થઈને કહે, 'આવો ડૉક્ટર, આવો !' મનમાં કહેશે કે 'કો'ક દહાડો કામના છે.' 'અલ્યા, તું માંદો પડે ક્યારે ને આ ભેગો થાય ક્યારે ? આ ક્યાં સુધીનો કામનો છે ?' અરે, રસોઈયો રસ્તામાં મળે તો તે તેને, 'અલ્યા, આવ આવ' કરે ! 'અલ્યા ભઈ, કેમ આને તમે આટલું બોલાવ, બોલાવ કરો છો ?' ત્યારે કહે, 'કો'ક દહાડો કામ પડે ત્યારે રસોઈયાને બોલાવાયને !' શું ઘાટવાળા ! જાણે અહીંથી જવાનું ના હોય ને, એવી વાતો કરે છે ને ! નનામી ના કાઢવાની હોય, એવી વાતો કરે છે ને !

શાના ઘાટ રાખો છો, નનામી નીકળવાની ત્યાં ? જ્યાં નનામી નીકળવાની હોય ત્યાં ઘાટ તો હોતો હશે ? 'કો'ક દહાડો કામ લાગશે.' અલ્યા, નનામી કાઢવાની હોય એ દેશમાં 'કો'ક દહાડો' તો હોતો હશે ? થોડા દહાડા પછી નનામી નીકળવાની ! જે ડૉક્ટરની આશા રાખી તે ડૉક્ટર અહીંથી જતો રહે, છતાંય પણ લોક એવું એવું જુએ ખરાં ને, કે 'ડૉક્ટર કામના છે, વકીલ કામના છે', એવું ના જુએ ? હા, કોઈ શેઠ આવે તોય કહે, 'હા, કામના છે', તે 'આવો આવો શેઠ, આવો' કરે. કો'ક દહાડો સો રૂપિયા માગીશું તો મળશે ! લોક ઘાટમાં જ બોલાવ બોલાવ કરે છે ને ! બધો ઘાટવાળો પ્રેમ, તે આવું ન હોવું જોઈએ.

ચોખ્ખો, નિર્મળ પ્રેમ ! એ સિવાય કોઈની એની કોઇની પાસે કંઈ આશા જ રાખવી નહીં. આ બે હાથવાળા મનુષ્યો પાસે શું આશા રાખવા જેવી ? ક્યાંય પાંચ હાથવાળા મનુષ્યો જોયાં ? જુલાબ લીધો હોય ને, તો મોટો કલેક્ટર હોય તોય દોડધામ કરે ! અરે, તું કલેક્ટર છે, તો જરા ધીમે રહીને ચાલને ! ત્યારે કહે કે, 'ના, જુલાબ થઇ ગયો.' આ તો સંડાસ થાય ત્યારે દોડ દોડ કરે, એની તે શી આશા રાખવાની ? અરે, જુલાબ લીધો હોય ને, તો મોટો કલેક્ટર હોય તોય દોડધામ કરે !!! અરે, તું કલેક્ટર છે, તો જરા ધીમે રહીને ચાલને ! ત્યારે કહે કે, 'ના, જુલાબ થઈ ગયો છે !' ત્યારે ન્હોય તારી પાસે આશા રાખવા જેવી, તું આશા રાખવા જેવો માણસ જ ન્હોય. આમની પાસે શું આશા રાખવાની ? આ ઘાટ રાખવા જેવું છે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : દાદા કહે છે, એમ જ છે.

દાદાશ્રી : હા, માટે ચોખ્ખું કરી નાખો ને, હજુ કંઈ જરા મેલું હોય તો ! ઘરમાં હઉ ચોખ્ખું રાખવું. ઘાટવાળો પ્રેમ ન જોઈએ. 'આ મારે કામ કશું લાગશે' એવું ના હોવું જોઈએ.

શુધ્ધાત્મા તરફ દ્ષ્ટિ એ જ પ્રેમ ! પછી વહુને અહીં આગળ મોટી મોટી રસોળી નીકળી હોય તોય આપણને મનમાં ક્લેશ ના થાય. નહીં તો મોઢું સારું દેખાય ત્યાં સુધી એના પર ભાવ રહ્યા કરે ને અહીં રસોળી નીકળી કે ચૂન ચૂન ચૂન થાય; આવું થાય કે નહીં ?

પ્રશ્નકર્તા : થાય, દુર્ભાવ થાય.

દાદાશ્રી : અરે, અભાવ થાય, અભાવ !

હવે બધું ઘાટવાળું થઈ ગયું. મેલોને પૂળો, કશા હારુ ઘાટ ના કરીશ. એની મેળે જો આપી જાય તો ઠીક છે, નહીં તો એમ ને એમ ચલાવજે ને ! આ ભૌતિક માટે વળી ઘાટ શા કરવા ? ઘાટ એટલે તો આ સ્ત્રી ઉપર કુદ્ષ્ટિ કરીએ અને ઘાટ કરીએ, એ બે સરખું છે ! બાપને દીકરાની ઉપર ઘાટ હોય છે અને દીકરાને બાપ ઉપર ઘાટ હોય છે ! શું ઘરમાંય ઘાટ નથી ?

એટલે આ બધું નર્યું ઘાટવાળું છે. આ આપણે અહીં એકલું જ ઘાટ વગરનું સ્થાન છે ! તેથી અહીં આગળ બધા એકતા અનુભવે છે. જ્યાં ઘાટ ના હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય. ઘાટથી ભગવાન વેગળા હોય. તેથી અહીં આ બધાને આનંદ આવે છે, બધાને એકતા કેવી લાગે છે ! હમણાં અહીં પાંચ કપમાં ચા લાવ્યા હોય તો આ બધાંય પાંચ કપમાં પી લે અને બહાર તો ત્રીસ માણસમાં પાંત્રીસ કપ ચા આપીએ તોય તેમને મહીં ઓછું પડી જાય, કારણ કે મહીં પાંચ-સાત જણ બે-બે કપ ચા પીનારા નીકળી આવે, એટલે પછી બીજાને ખૂટે.

તમે ઘાટવાળા માણસ જોયેલા કે ? ને જ્યાં ઘાટવાળા છે, એનો અર્થ જ એ કે આ લોકો આપણને શાકભાજી કરવા માંગે છે ! એની છરીથી શાક કરી ખાશે ! આવા ઘાટવાળામાં ભેગા રહેવાય જ કેમ ? બધા જ ઘાટવાળા છે ને ! એ સ્વાર્થની લિમિટને કે ઘાટની લિમિટને આપણે 'એક્સેપ્ટ' કરી છે. એની લિમિટ ઓળંગે છે, એટલે આપણે ત્યાં એનો વ્યવહાર વગોવાય છે.

જ્ઞાનીનો અભેદ પ્રેમ !

વિખૂટા નહીં પડવું, એનું નામ જ પ્રેમ. ભેદ નહીં પાડવો, એનું નામ પ્રેમ ! અભેદતા થઈ એ જ પ્રેમ. એ પ્રેમ નોર્માલિટી કહેવાય છે. ભેદ હોય તો સારું કામ કરી આવે ને, તો ખુશ થઈ જાય. પાછો થોડીવાર પછી નબળું કામ, ચાના પ્યાલા પડી ગયા તો ચિડાઈ જાય. એટલે એબૉવ નોર્મલ, બિલો નોર્મલ થયા કરે. પેલું એ કામ જુએ નહીં. મૂળ સ્વભાવનાં દર્શન કરે. કામ તો આપણે નોર્માલિટીમાં કરીએ તો પ્રોબ્લેમ ના થાય, એવાં જ કામ થાય.

પ્રશ્નકર્તા : અમને આપને માટે જે ભાવ જાગતો હોય એ શું છે ?

દાદાશ્રી : એ તો અમારો પ્રેમ તમને પકડે છે. સાચો પ્રેમ બધે આખા જગતને પકડી શકે. પ્રેમ ક્યાં ક્યાં હોય ? પ્રેમ ત્યાં હોય કે જ્યાં અભેદતા હોય. એટલે આખા જગત જોડે અભેદતા ક્યારે કહેવાય, કે પ્રેમસ્વરૂપ થાય તો. એટલે ત્યાં આગળ બીજું કશું દેખાય નહીં, પ્રેમ સિવાય.

આસક્તિ ક્યારે કહેવાય છે, કે જ્યારે કોઈ સંસારી ચીજ લેવી હોય ત્યારે. સંસારી ચીજનો હેતુ હોય ત્યારે. આ સાચા સુખને માટે તો ફાયદો થશે, એનો વાંધો નહીં. અમારી ઉપર જે પ્રેમ રહે છે તેનો વાંધો નહીં. એ તમને હેલ્પ કરશે. બીજે આડી જગ્યાએ વપરાતો પ્રેમ ઊઠી જશે.

પ્રશ્નકર્તા : એટલે અમારામાં જાગતો ભાવ એ આપના હ્રદયના જ પ્રેમનું પરિણામ છે એમ જ ?

દાદાશ્રી : હા, પ્રેમનું જ પરિણામ છે. એટલે પ્રેમના હથિયારથી જ ડાહ્યા થઈ જાય. મારે વઢવું ના પડે.

હું કોઇને લડવા માગતો નથી. મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. કારણ કે ક્રોધ-માન-માયા-લોભના એ હથિયાર મેં નીચે મૂકેલાં છે. એટલે હું વાપરતો નથી. જગત એ હથિયારને લઈને એ સામા થાય છે. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું ડિપ્રેસ ન થઉં ને હાર ચડાવો તો એલીવેટ ન થઉં, એનું નામ પ્રેમ કહેવાય. સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ દેહના ભાવમાં ફેર પડે પણ શુધ્ધ પ્રેમમાં નહીં. આ તો કુદરતનો 'લૉ' છે, નેચરલ લૉ ! કારણ કે પ્રેમ એ ખુદ પરમાત્મા છે.

સ્વાર્થ દ્ષ્ટિ છૂટે તો ન્યાય સમજાય !

આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર હોય છે પણ કર્મ જગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ, 'ભોગવે એની ભૂલ.' આ એક જ ન્યાય છે. તેનાથી આખું જગત ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખોય ઊભો છે.

એક ક્ષણવાર જગત કાયદા વગર રહેતું નથી. ઈનામ આપવાનું હોય તેને ઈનામ આપે છે, દંડ આપવાનો હોય તેને દંડ આપે છે. પણ કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે. સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે પણ સામાની દ્ષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી. એ દ્ષ્ટિ નિર્મળ થશે ત્યારે ન્યાય દેખાશે. સ્વાર્થ દ્ષ્ટિ હોય, ત્યાં સુધી ન્યાય કેમ દેખાય ?

પ્રશ્નકર્તા : આપની દ્ષ્ટિએ વિનાશ થતાં દ્શ્યો જે દેખાય છે, એ આપણા માટે શ્રેય જ છે ને ?

દાદાશ્રી : વિનાશ થતું દેખાય, એને શ્રેય શી રીતે કહેવાય ? પણ વિનાશ થાય છે એ પધ્ધતિસર સાચું જ છે. કુદરત પેણે વિનાશ કરે છે તેય બરોબર છે અને કુદરત જેને પોષે છે તેય બરોબર છે. બધું રેગ્યુલર કરે છે, ઓન ધી સ્ટેજ ! આ તો પોતાના સ્વાર્થને લઈને લોકો બૂમો પાડે છે કે મારા કપાસ બળી ગયા. ત્યારે પેલા નાના કપાસવાળા કહે છે, અમે ફાવ્યા. એટલે લોક તો પોતપોતાના સ્વાર્થને જ ગાય છે.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે કુદરત ન્યાયી છે, તો પછી ધરતીકંપો થાય છે, વાવાઝોડાં થાય છે, વરસાદ ખૂબ પડે છે, એ શા માટે ?

દાદાશ્રી : એ બધું ન્યાય કરે છે. વરસાદ વરસે છે, બધું અનાજ પકવે છે. આ બધું ન્યાય થઈ રહ્યું છે. ધરતીકંપ થાય છે એય ન્યાય થઈ રહ્યો છે.

પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?

દાદાશ્રી : જેટલા ગુનેગાર હોય એટલાને જ પકડે, બીજાને નહીં. આ જગત બિલકુલ ડિસ્ટર્બ થયેલું નથી. એક સેકન્ડ પણ ન્યાયની બહાર કશું ગયું નથી.

સ્વાર્થથી ભાસે અન્યાય જીવનમાં !

પ્રશ્નકર્તા : કુદરત ન્યાયી છે, એનો આધાર શું ? ન્યાયી કહેવા માટે કોઈ બેઝમેન્ટ તો જોઈએ ને ?

દાદાશ્રી : એ ન્યાયી છે. એ તો તમારે જાણવા પૂરતું જ છે. તમને ખાતરી થશે કે ન્યાયી છે. પણ બહારનાં લોકોને કુદરત ન્યાયી છે એવું ક્યારેય પણ ખાતરી થવાની નથી. કારણ કે પોતાની દ્ષ્ટિ નથી ને !

બાકી, અમે શું કહેવા માંગીએ છીએ ? આફ્ટર ઓલ, જગત શું છે, કે ભઈ, આમ જ છે. એક અણુ પણ ફેરફાર ના થાય એટલું બધું ન્યાય સ્વરૂપ છે, તદ્દન ન્યાયી છે.

કુદરત બે વસ્તુની બનેલી છે. એક સ્થાયી, સનાતન વસ્તુ અને બીજી અસ્થાયી વસ્તુ, જે અવસ્થા રૂપે છે. તેમાં અવસ્થા બદલાયા કરવાની અને એ એમાં કાયદેસર બદલાયા કરવાની. જોનાર માણસ પોતાની એકાંતિક બુધ્ધિથી જુએ છે. અનેકાંત બુધ્ધિથી કોઈ વિચાર કરતો જ નથી, પણ પોતાના સ્વાર્થથી જ જુએ છે.

કોઈને એકનો એક છોકરો મરી જાય, તોય ન્યાય જ છે. એ કંઈ કોઈએ અન્યાય કર્યો નથી. આમાં ભગવાનનો, કોઈનો અન્યાય છે નહીં. આ ન્યાય જ છે ! એટલે અમે કહીએ છીએ ને જગત ન્યાય સ્વરૂપ છે. નિરંતર ન્યાય સ્વરૂપમાં જ છે. કોઈનો એકનો એક છોકરો મરી ગયો, તો એમાં ઘરનાં માણસો જ રડે છે. બીજાં આજુબાજુવાળાં બધા કેમ રડતાં નથી ? તે પોતાનાં સ્વાર્થથી રડે છે. જો સનાતન વસ્તુમાં આવો તો કુદરત ન્યાયથી જ છે.

તાળો મળે છે આ બધી વાતમાં ? તાળો મળે તો જાણવું કે બરોબર છે. કેટલાં દુઃખ ઓછાં થઈ જાય, જ્ઞાન ગોઠવી જુએ તો !

અને એક સેકન્ડ પણ ન્યાયમાં ફેરફાર નથી થતો. જો અન્યાયી હોત ને, તો કોઈ મોક્ષે જ જાત નહીં. આ તો કહેશે, સારા માણસને અડચણો કેમ આવે છે ? પણ લોકો એવી કોઈ અડચણ કરી શકે નહીં. કારણ કે પોતે જો કશામાં ડખલ નહીં કરે તો કોઈ તાકાત એવી નથી કે તમારું નામ દે. પોતે ડખલ કરી છે તેથી આ બધું ઊભું થયું છે.

એ સ્વાર્થ રડાવે-ભટકાવે...

પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં આપે 'વ્યવસ્થિત'ની વાત કરી છે, તો એ 'વ્યવસ્થિત' કઈ શક્તિ છે ?

દાદાશ્રી : એ 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. એને આપણે ગુજરાતીમાં 'વ્યવસ્થિત શક્તિ' કહીએ છીએ અને એ નિરંતર જગતને વ્યવસ્થિત જ રાખે છે, અવ્યવસ્થિત થવા જ નથી દેતી.

એકનો એક છોકરો મરી જાય તોય એ 'વ્યવસ્થિત' થાય છે, પણ આ તો એ એના લોભને લઈને, એના સ્વાર્થને લઈને રડે છે. એટલે એ અવ્યવસ્થિત માને છે. આ ગજવું કપાય છે તેય વ્યવસ્થિત જ છે; પણ પાછો સ્વાર્થને લઈને, લોભને લઈને બૂમાબૂમ કરે છે, નહીં તો રડારડ કરવાથી પાછું આવે ? કેમ, છ મહિના સુધી રડ રડ કરે તો ?

પ્રશ્નકર્તા : તોય ના આવે.

દાદાશ્રી : છતાં લોકોને કલ્પાંત કરતાં જોયેલાં ને ? શાથી કલ્પાંત કહેતા હશે ? એક આખા 'કલ્પ'ના અંત સુધી ભટકશે. રડે, માથા ફોડે અને પછી કહેશે, 'ડૉક્ટર બોલાવી લાવો.' આપણે કહીએ, ફરી ડૉક્ટર ના બોલાવવાના હોય તો ફોડજો, નહીં તો હમણે રહેવા દોને !

પ્રશ્નકર્તા : આટલાં બધાં વર્ષો બગડે છે એવી સમજણ નહીં તેથી ને ?

દાદાશ્રી : એમને ભાન જ નથી ને ! આટલાં માટે પુસ્તકોમાં આ બધું આપણે લખ્યું છે કે 'કલ્પ'ના અંત સુધી ભટકવાનું થશે તારે. એનું નામ કલ્પાંત. કલ્પાંતનો અર્થ કોઈએ કર્યો નથી ને! તમે આજ પહેલી વખત સાંભળ્યોને ?

પ્રશ્નકર્તા : પહેલી વખત સાંભળ્યો.

દાદાશ્રી : એટલે આ 'કલ્પ'ના અંત સુધી ભટકવાનું થાય અને લોક શું કરે ? બહુ કલ્પાંત કરે. અરે મૂઆ, કલ્પાંત એટલે પૂછ તો ખરો, કે કલ્પાંત એટલે શું ? તે કો'ક જ માણસ કલ્પાંત કરે. કલ્પાંત તો એકનો એક છોકરો હોય ને, આવી સ્થિતિ હોય ને તો જ કલ્પાંત કરે ને !

ભગવાન કહે છે કે ચિંતા કરનારાને બે દંડ છે અને ચિંતા ના કરનારાને એક જ દંડ છે. એકનો એક જવાન છોકરો અઢાર વર્ષનો મરી જાય તેની પાછળ જેટલી ચિંતા કરે છે, જેટલું દુઃખ કરે છે, માથું ફોડે, બીજું બધું જે જે કરે, તેને બે દંડ છે અને આ બધું ના કરે તો એક જ દંડ છે. છોકરો મરી ગયો એટલો જ દંડ છે અને માથું ફોડ્યું તે વધારાનો દંડ છે. અમે એ બે દંડમાં કોઈ દહાડોય ના આવીએ. એટલે અમે આ લોકોને કહ્યું છે કે, 'પાંચ હજાર રૂપિયાનું ગજવું કપાય એટલે 'વ્યવસ્થિત' કરીને આગળ ચાલવાનું ને નિરાંતે ઘેર જવાનું !'

આ એક દંડ તે આપણો પોતાનો હિસાબ જ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી. તેથી મેં 'વ્યવસ્થિત' કહ્યું છે, એક્ઝેક્ટ 'વ્યવસ્થિત' છે. માટે થઈ ગયું છે એને તો 'બરાબર, કરેક્ટ' એમ કહીએ ! એકનો એક છોકરો મરી ગયો તો 'કરેક્ટ' છે એમ કોઈને ના કહેવાય. ત્યાં તો એમ કહેવું પડે કે, 'બહુ ખોટું થઈ ગયું.' દેખાડો કરવો પડે. 'ડ્રામેટિક' કરવું પડે. બાકી અંદરખાને 'કરેક્ટ જ છે' એમ કરીને ચાલવું.

રડવાનું કારણ...

એવું છે ને, રડનાર માણસ આગલે દહાડે કેમ રડતા નથી ? શું એ જાણતો નથી કે જવાના છે ? હું એમને પૂછું કે પછી રડો છો શું કરવા ને પહેલાં કેમ રડતા નથી ?

પ્રશ્નકર્તા : તમે કહો ને !

દાદાશ્રી : મનમાં બધું જાણે છે કે આ જવાના છે, તો રડવું કેમ નથી આવતુંુ ? ત્યારે મનમાં એક કહે કે ભઈ, એમને સાયકોલોજી ઈફેક્ટ થાય એટલા હારુ નથી રડતા, તે એમની ગેરહાજરીમાં રડે.

આ તો રડવું એક-એકનું જુએ છે ને, એવું આવે છે. ને જાજુ રડવું કોને આવે છે ? જેને ખોટ ગઈ ને, તેને રડવું આવે.

હવે આ બધી ગૂંચો શી રીત સમજણ પડે માણસને ? હું તો બધી અવસ્થામાંથી બહાર નીકળેલો છું. એટલે પેલી ગૂંચો જોઈ ને આય જોયું. અને આ ઠેઠ સુધીનું પાર દર્શન હું જોઈ શકું છું.

પ્રશ્નકર્તા : આપે પ્રશ્ન કર્યો ને કે આગલે દહાડે નથી રડતા, એ મને સમજાવો.

દાદાશ્રી : એવું છે ને, માણસ મરી ગયા પછી સ્વાર્થનું રડે છે. અને કોઈ કહેશે, હું પ્રેમથી રડુંુ છું. તો એનો પ્રેમનો સ્વાર્થ છે. પ્રેમ એનું નામ કહેવાય કે જીવે-મરે તોય પ્રેમ રહી શકે છે. એટલે આ બધું સ્વાર્થનું રડે છે. તે એ ગયા પછી જ રડે. નહીં તો ખરું રડવું આવતું હોયને તો પહેલેથી રડવું આવે કે હવે શું થશે મારું ? આ તો બધું ઠીક છે, લૌકિક કહેવાય.

પ્રશ્નકર્તા : એ ૨૦માં વર્ષે છોકરાના મરણ બાદ આપે મિત્રોને પેંડા ખવડાવેલા પછી ૮૦ વર્ષ સુધીમાં તમે કોઇ વખત રડ્યા હતા ખરા ?

દાદાશ્રી : રડાય તો ખરું પણ અમુક સ્ટેજે અને પછી બંધ થતું જાય. એ તો બા મરી ગયાં ત્યારે રડાયેલું, કારણ કે એ જો ન રડું તો મહીં ડૂમો ભરાય ને દુઃખ થાય એટલે જાણીને રડેલો.

કાણ-મોકાણ કરે, સ્વાર્થની સગાઈમાં !

આપણે ત્યાં 'કાણ કાઢો, લૌકિક કરો' કહે છે. 'કાણ કરો, મોકાણ કરો' તે શાથી, કે એમ કરીને બધું ઠંડું પાડી દો. આ રડે એટલે એની ભાવના બધી નીકળી જવા દો, કહેશે. આંસુ ના નીકળી જાય તો માણસ ગાંડો થઈ જાય. એટલે રડવા દેવો પડે. રડવાનુંય ઓબ્સ્ટ્રક્ટ ના કરાય નેે હસવાનુંય ઓબ્સ્ટ્રક્ટ ના કરાય, નહીં તો માણસ 'મેડ' (ગાંડો) થઈ જાય. એટલે આપણે ત્યાં જે થાય છે એ બરાબર થાય છે, છતાં હવે આપણે ત્યાં કાણ ને એ બધું નીકળી ગયું. આપણાં લોક સમજી ગયાં કે આમાં સાર વગરની વાતો છે. અને બાઈસાહેબેય સમજી ગયાં કે, 'મેલોને છાલ, ગયા તે ઓછા આવવાના છે ? પણ બેંકમાં ત્રીસ હજાર મેલતા ગયા છે ને !' એટલે આ બધી સ્વાર્થની સગાઈ છે. આમાં કો'ક જગ્યાએ મહીં સારી ભાવનાઓ હશે પણ બહુ જૂજ જગ્યાએ. મૂળ સંસ્કારો બહુ જૂજ જગ્યાએ રહ્યા હશે, બાકી બધું સ્વાર્થમાં, ઘાટમાં ને ઘાટમાં પેસી ગયુંુ છે !

કાણ કરવી હોય તો તમારી પોતાની કરો. એટલે અજ્ઞાનથી જગત માર ખાઈ ખાઈને મરી ગયું છે. દુકાનમાં ખોટ જતી હોય તો પછી એક દહાડો રાત્રે હિસાબ કાઢે તેય લૌકિક જ્ઞાનના આધારે. લૌકિક જ્ઞાન એને હાજર થઈ જાય. હિસાબ માંડે, કેલ્કયુલેશન હઉ માંડે પાછો, કે 'હવે નાદારી જવાની જ.' અલ્યા, આ મરવાનાં કેલ્યુલેશન માંડે છે કે જીવવાનાં ? દુકાન તો હજુ ખલાસ થશે ત્યારે થશે પણ આ ચોપડે તો થઈ જ ગઈને ! અને મહીં (ભાવમાં) નક્કી થઈ ગયું એટલે બહાર આચરણ ના થયું હોય તોય કરવું જ પડે કુદરતને. કારણ કે ધણીએ જ નક્કી કર્યુ છે કે હવે ખાલી થઈ જવાનું છે, તો પછી શું થાય ? આવા હિસાબ કઢાતા હશે ? આપણે છીએ તો એ (દુકાન) છે, કંઈ એ દુકાનને લીધે આપણે નથી !

સંસારે તારે, કરુણાસાગર જ્ઞાની !

જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સંપ ના થાય. પરમાર્થ થાય ત્યારે સંપ કરે.

આપણે શું અવલંબન લેવાનું, પ્રાપ્તને ભોગવો. અપ્રાપ્તનો વિચાર નહીં કરવાનો. પ્રાપ્ત જે આવ્યું, જેટલું ઠીક લાગે ને, એટલું ખાઈને ઊભું થઈ જવું. કોઈને કષાય ઉત્પન્ન ના થાય એવું વાતાવરણ રાખવું. આપણા નિમિત્તે કોઈને કષાય ના થાય, એવું આપણું નિમિત્ત રહેવું જોઈએ. અને કોઈ માણસ કહેશે, 'ભઈ, તો આ સુધરે કેમ કરીને ?' એ તો જમી રહ્યા પછી ધીમે રહીને કહેવું, કે 'આજ દાળ છેને, તેમાં જરાક સહેજ મીઠું વધારે પડતું હતું, તમને લાગ્યું ?' ત્યારે કહે, 'હા, મનેય લાગ્યું છે.' હવે કાલે ફેરફાર સહેજ કરજો, કહીએ. પણ મોળી ના થઈ જાય એટલું રાખજો. એ પાછું ચેતવવું જોઈએ. પેલો કિનારો કહેવો પડે. પેલો કિનારો ના કહીએ તો પાછું એ કિનારાની આઉટ ઓફ જતું રહે.

પ્રશ્નકર્તા : બરાબર છે પણ આ આપે દાદા દ્ષ્ટાંત જે આપ્યું, પરમાર્થમાં જો લેવાય તો અમારું તો કલ્યાણ થઈ જાય. આ કંઈ લૌકિકની વાતો આપની પાસે હોતી નથી.

દાદાશ્રી : બરાબર છે. એટલે લૌકિક સમજ જો હોયને તોય બહુ થઈ ગયું, ઘરમાં શાંતિ થઈ જાય. વગર કામની તો અથડામણ એની જ થાય છે બધી ! સંસાર સ્વાર્થનો સગો છે. બધી રિલેટિવ સગાઈઓ છે. એક જ્ઞાની પુરુષ એકલાની રિયલ સગાઈ છે. એ તમારા પ્રત્યે અત્યંત કરુણાવાળા હોય. એ પોતે આત્મસ્વરૂપ થયેલા હોય તેથી તમારો ઉકેલ લાવી આપે.

- જય સચ્ચિદાનંદ