આત્મજ્ઞાન ત્યાં મુનિપણું !

સંપાદકીય

જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી, ત્યાં સુધી અજ્ઞાન દશામાં 'મોઢેથી વાણી નથી બોલતા' એને મૌન કહેશે. અને સામાન્ય માણસો પોતે બોલ્યા વગર રહી શકતા નથી. બાપજીએ મૌન ધારણ કર્યું એટલે એમને મહાન ગણે. પણ જ્યારે આત્મજ્ઞાન થાય ત્યાં મૌનનું સાચું રહસ્ય જડે કેે વાણી બોલે છતાં 'હું બોલતો નથી, ટેપરેકર્ડ બોલે છે' આમ માલિકી વગરની વાણી હોય, વાણીના જ્ઞાતા-દ્રષ્ટા હોય. પોતાની વાણીનેય પોતે સાંભળતા હોય તો એ જ સાચું મૌન છે. બીજું આત્મા-પરમાત્મા સંબંધી વાણી આખો દિવસ બોલાયા કરતી હોય, સંસારલક્ષી એમાં એક શબ્દેય ના હોય તો એ જ્ઞાનીઓની ભાષામાં મૌન જ છે.

વાણી નથી બોલતો, આજનો દહાડો મૌન પાળ્યું છે, એવું મૌન લીધા પછી પાછો ચા પીવાની હોય તો ઈશારા કરે, સંકેતો કરે, પાટીમાં લખીને બતાવે, તો એ ખરેખર મૌન ગણાતું નથી. અજ્ઞાનતામાંય મૌનમાં તો એક ઈશારો, સંકેત કે હાથથી પણ કોઈ ચાળા ના હોય અને વાણી પણ ન બોલે. અને આખો દિવસ પોતે સાક્ષીભાવે રહે. મનના વિચારોનો, દેહની ક્રિયાનો અને સહજ દશાનો અભ્યાસ કરે. એને ખાવાના ટાઈમે ખાવાનું સહજ ભેગું થાય છે, કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય કે વાણી બોલ્યા સિવાય, તો એને કર્તાપદનો અહંકાર ઓછો થાય એવો સ્કોપ મળે ને સહજ દશાની સાધનામાં આગળ વધે. એ હેતુ સ્થૂળ મૌનનો હોય છે.

છતાં વ્યવહારમાં જે માણસની વાણી બધાને ઘા મારી દેતી હોય, ઉશ્કેરાટ કરાવી નાખતી હોય, બધાને જ દુઃખદાયી થઈ પડતી હોય તો એવા માણસ જ્ઞાની પુરુષની આજ્ઞા લઈને મૌન ધારણ કરે અઠવાડિયે એકાદ દિવસનું, તો એને સ્થૂળ મૌનથી સ્થૂળ અહંકાર વેરણછેરણ થઈ જાય, લોકોનેય એક દિવસ શાંતિ. ભલેને ઈશારાથી વ્યવહાર કરી નાખે છતાં એને વાણીના સંયમનો ફાયદો મળે અને ધીમે ધીમે શક્તિ વધતી જાય.

સ્થૂળ મૌન લેવા કરતાંય ઊંચામાં ઊંચું તો પોતાની વાણી કોઈને દુઃખદાયી નથી થતીને, તપાસ કર્યે રાખવા જેવી છે એ જાગૃતિ રાખવી સારામાં સારી. અને બીજાને દુઃખદાયી થઈ જતી હોય તો તેનો હ્રદયપૂર્વક પસ્તાવો લે લે કરવો તો ધીમે ધીમે દુઃખદાયી વાણી ઘટતી જશે. અને આવી દુઃખદાયી વાણી ન હોજો એ ભાવથી કોડ ચેન્જ થઈ જવાથી આવતે ભવ વાણી સુંુદર થઈ જાય.

પ્રસ્તુત સંકલનમાં મૌન સંબંધી સાચું જ્ઞાન, સાચી સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે નીકળેલી જ્ઞાનવાણી દ્વારા પ્રાપ્ત થાય છે. જે વાણી સુધારવાના પ્રયોગો માટે જાગૃતિ બક્ષશે તેમ જ છેલ્લા મૌનપદને પ્રાપ્ત કરાવનારું નિવડશે.

દીપક દેસાઈ

આત્મજ્ઞાન ત્યાં મુનિપણું !

ન વાણી બંધ, છેલ્લી દશા સુધી !

પ્રશ્નકર્તા : સત્સંગમાં છેલ્લી અવસ્થામાં મૌન સત્સંગ હોય છે કે ?

દાદાશ્રી : મૌન સત્સંગ એટલે ?

પ્રશ્નકર્તા : તમારી હાજરીમાં, મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર તમારામાં સ્થિર કરીને, મનમાં જ મૌન રહે, શાંત રહે એ જ ઊંચામાં ઊંચો સત્સંગ હોય છે ને ?

દાદાશ્રી : ના, ના, મન તો શાંત જ હોય છે ને ! પછી બીજું શું હોય છે ?

પ્રશ્નકર્તા : તે ઘડીએ બધાં મૌન જ બેઠાં હોય.

દાદાશ્રી : ના, મૌન ઉપર એવુંય નહીં. એ તો શબ્દ નાય બોલાય.

પ્રશ્નકર્તા : પણ વિચાર વગરની વાણી કેમની નીકળે ?

દાદાશ્રી : વિચારવાની જરૂરત જ નહીં. વાણી અને વિચાર બે જુદી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : વિચાર વગરની વાણી હોય છે ખરી ?

દાદાશ્રી : બિલકુલ મને સહેજેય વિચાર નથી આવતો અને આ બધી વાણી નીકળે છે.

પ્રશ્નકર્તા : પણ મન-વચન-કાયા જુદાં હોય છે ? તમે તો ઉપર છો, પણ નીચલી અવસ્થામાં હોય ત્યારે વિચાર વગરની વાણી કેવી રીતે નીકળે ?

દાદાશ્રી : નીચલા ભાગમાં જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી વિચારવાળી જ વાણી હોય. અને અજ્ઞાનથી પછી જ્ઞાનમાં પેઠો એટલે પેલી ભૂમિકા તૈયાર થતી જાય ધીરે ધીરે.

પ્રશ્નકર્તા : આત્માની પ્રતીતિ થાય, ત્યારે વાણી બંધ ના થઈ જાય ?

દાદાશ્રી : વાણી બંધ થઈ જાય, તો આત્માની પ્રતીતિ થઈ જ નથી.

આ અંધારાયુગમાં ઠોકી બેસાડેલું આ લોકોની પર, તે આટલું જ જરા અમથું દેખતો હોય, એને સર્વદર્શી કહ્યા ! દેખતો હોય આટલું જ. કારણ કે કોઈ એટલુંય દેખતો ન હતો. એટલે પછી બધા શું કરે તે ? એને પછી સર્વદર્શી (!) કહ્યા. એ એવાં વાક્યો છે બધાં. એ ચાલે નહીં. પોલું ચાલતું હશે ત્યાં આગળ ? 'વાણી બંધ થઈ ગઈ, ફલાણું બંધ થઈ ગયું.' તે કશું બંધ થતું હશે ? એનો એ જ. એ 'પોતે' જુદો પડી ગયો.

વાણી બંધ કરવાની હોય નહીં. બધું ખાવાનું-પીવાનું, દાળ-ભાત-લાડવા-શાક બધું ખાવાનું. આ તો બધા લોકોને મૂંઝવી માર્યા છે, મૂળ રસ્તો નહીં જાણવાથી. વસ્તુઓનો ત્યાગ કરવાનો નથી, મૂર્છાનો ત્યાગ કરવાનો છે. માણસથી વસ્તુઓનો ત્યાગ શી રીતે થઈ શકે ? કેટલે સુધી કરી શકશે ?

દેશના રૂપે વાણી, છતાં મૌન !

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું, પછી જ એમણે દેશના આપી. ત્યાં સુધી મૌન રહ્યા ?

દાદાશ્રી : પછી દેશના આપી. તે પહેલાં અપાય નહીં.

પ્રશ્નકર્તા : પણ મહાવીર ભગવાનને તો જન્મથી ત્રણ જ્ઞાન હતાં, છતાં દેશના તો ક્યારે આપી ? સંપૂર્ણ શુધ્ધ થયા પછી દેશના આપી. તો ભગવાને આટલી મોડી દેશના કેમ આપી ?

દાદાશ્રી : એવું છે ને, દેશના ત્યારથી અપાય છે કે જ્યારથી એ પોતે વાણીનો માલિક નથી. ત્યાંથી દેશના આપવાની શરૂઆત થાય છે. જેને દેશના આપવી હોય તેને છૂટ છે. વાણીનું સંપૂર્ણ માલિકપણું છૂટી ગયું એટલે દેશના આપી શકવાની છૂટ જ છે. પણ એમને તો તીર્થંકર નામ ગોત્ર હતું ને ! એટલે એમને પૂર્ણદશા થયા પછી જ એ નીકળે. તેથી ભગવાન મહાવીરે પૂર્ણજ્ઞાન થયા પછી દેશના આપી. એટલે મહાવીર ભગવાનથી આટલી મોડી અપાઈ તેય પધ્ધતિસરની જ છે.

પ્રશ્નકર્તા : તીર્થંકરની દેશનાને મૌન કહ્યું. ગુણે કરીને એનું પ્રાધાન્ય સમજાવો.

દાદાશ્રી : એમની દેશના પોતે બોલતા ન હતા, ટેપરેકર્ડ બોલતી હતી. ટેપરેકર્ડ બોલે એટલે એમને બોલવાનું નહીં ને ! એટલે મૌન જ કહેવાય ને !

અને સાધુ-સંન્યાસીઓ બધાને ઉપદેશ હોય. પણ આ સાધુ-સંન્યાસીઓને તો આદેશ હોય છે ! ઉપદેશ તો સમકિતવાળા સાધુ થયા હોય ત્યાં હોય. આમને સમકિત નથી, એટલે આદેશ કહેવાય. આદેશ એટલે હુકમ.

ભગવાનનો સ્વર કેવો હતો, વીતરાગોનો ? હેય, જાણે મધુર વાજિંત્ર વાગ્યા કરતું હોય તેમ ! આપણા મધ કરતાંય ઉત્તમ ગણાયું છે ! બીજી હરેક મીઠાશ કરતાં ઉત્તમમાં ઉત્તમ શબ્દ ભગવાનનો કહેલો છે.

મૌનમાં જોખમો ઓછાં !

પ્રશ્નકર્તા : વ્યવહારમાંય બધા ઉપદેશ આપે, એનું શું ?

દાદાશ્રી : વ્યવહારમાં જોખમદારી નથી. એ માણસ કોઈ ડિગ્રીધારી નથી. જોખમદારી તો ડિગ્રીધારીને હોય. ઉપદેશ આપવાની ડિગ્રી જે ધરાવતો હોય ને, ત્યાં લોકો સો ટકા એની વાત સત્ય માની લે. એટલે લોકો ઊંધા ચાલે. એની જોખમદારી પેલા લોકોને આવે છે.

અને વ્યવહારમાં તો તમારું સાંભળે કે નાય સાંભળે. એ જાણે કે 'તમારામાં શું અક્કલ છે.' પણ બાપજીમાં તો એ જાણે કે એમણે કહ્યું એ સો ટકા જ સાચું ! તેથી જોખમદારી આવે ને ! બાકી, વ્યવહારમાં કોઈ જાતનો વાંધો નથી.

છતાં દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. માટે જો બોલતા ના આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઊડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો વગર માંગ્યે જ બધા ઉપદેશ આપે છે.

દાદાશ્રી : હા. અને સામાને વાત અવળી પડે તો તરત કહી દે ને, કે 'તમે અક્કલ વગરની વાતો કરો છો.' પણ બાપજીને ના કહેવાય. એ જાણે કે મારી ભૂલ થતી હશે, બાપજી કંઈ ખોટું કહે નહીં.

વચનગુપ્તિમાં ઉપાય, મૌન !

પ્રશ્નકર્તા : મનોગુપ્તિ એવો શબ્દ આવે છે એનો અર્થ શું થાય ?

દાદાશ્રી : આ મનોગુપ્તિ, વચનગુપ્તિ, એ તો શું કહેવા માંગે છે, કો'કને ગાળો દેતા હોય તો મનમાં ખરાબ વિચાર આવતા હોય તો બંધ કરો. તે હવે બંધ શી રીતે થાય ? એ તો આવ્યા જ કરવાના. બંધ થાય નહીંને ! એનો ઉપાય છે બંધ કરવાનો, પણ તે આવતે ભવ બંધ થાય. આ ભવમાં ના થાય. એનો ઉપાય કરે આ ભવમાં, તો આવતે ભવ બંધ થાય. એ નિશ્ચય કરે કે કોઈ માણસને ગાળ ભાંડવી, એને માટે ખરાબ વિચાર કરવા એ ગુનો છે. એવો નિશ્ચય કરે એટલે આવતે ભવ બંધ થાય, પણ આ ભવમાં બંધ ના થાય. જે ભરાઈ ગયો માલ, એ તો નીકળ્યા જ કરશે. પણ નવો ભરીશ હવે, તે ફરી પાછો આવશે.

આપણે તો ગુપ્તિઓ-બુપ્તિઓ રહી નહીંને ? ગુપ્ત જ થઈ ગયુંને ? આપણે સમભાવે નિકાલ કરવાનો. ગુપ્તિઓ-બુપ્તિઓ તો જેને આ જ્ઞાન ના હોય ને, તેને ગુપ્ત કરવું પડે બધું. હા, બને એટલું ઓછું બોલવાનું, આમ તેમ મૌન લે, ઉપાયો કર્યા કરે, પણ આપણે તો હવે સમભાવે નિકાલ કરો.

બોલ બોલ કરવાની કુટેવ !

પ્રશ્નકર્તા : મારી ઈચ્છા મૌન રહેવાની છે.

દાદાશ્રી : પણ ફાયદો શું ?

પ્રશ્નકર્તા : હું જરૂર કરતાં વધારે બોલું છું, એટલે મારે મૌનની ઈચ્છા છે.

દાદાશ્રી : તો મૌન રહોને !

પ્રશ્નકર્તા : આપ અમને મૌન બનાવી દો એટલે આ બધું બોલવાનું અંદર જે બધું છે એ નીકળી જાય ને અંદર કંઈ સ્થિરતા થાય.

દાદાશ્રી : પછી વકીલાત શી રીતે કરશો ?

પ્રશ્નકર્તા : પણ મારાથી મૌન રહેવાતું નથી. હું આ બહુ બોલ બોલ કેમ કરું છું ?

દાદાશ્રી : એવું છે ને, આ દુનિયામાં બધા બોલે છે તે મનમાં એમ જાણે છે કે, 'હું બોલું છું' પણ એ જુદી વસ્તુ છે. તમારા હાથમાં સત્તા જ નથી. એ તો અમે અમુક આશીર્વાદ આપીએ એટલે એ ઓછું થઈ જાય. બાકી તમારી ઈચ્છા ના હોય તોય બોલી જવાય. આખા જગતનેય બોલી જવાય છે. આ વકીલો હઉ બોલી જાયને, એટલે કોઈનું ચાલે નહીં.

પણ મનમાં ભાવ થયો કે 'આ ખોટું છે', ત્યારથી ફેરફાર થવાની તૈયારી થાય. એટલે અહીં આવજો, આશીર્વાદ આપીશું.

સુધરે મૌનથી વૈખરી !

પ્રશ્નકર્તા : હું બહુ બોલ બોલ કરું છું અને મારે હવે મૌન રહેવું છે, એવું એમને પોતાને કેવી રીતે લાગ્યું ?

દાદાશ્રી : પોતાને લાગે જ ને. કારણ કે પોતે જુદા છે. આ ખોટું થઈ રહ્યું છે તેય જાણે અને સારું થયું છે તેય જાણે. કારણ કે ખરેખર આમાં પોતે જુદો છે. આ તો એક જાતની બડબડ કરવાની ટેવ હોય, તે મૌન લે એટલે આ વૈખરી એટલી બંધ થાય. બીજું બધું મહીં અંતરદાહ ચાલુ જ હોય.

પ્રશ્નકર્તા : મૌન વખતે અંદર-બહાર અંતરદાહ ન હોય એવું ન બને ?

દાદાશ્રી : અંતરદાહ તો હોય જ. આ દુનિયામાં અંતરદાહ ના હોય એવો માણસ જ નહીં હોય. એ તો આ કાળમાં આપણા આ અક્રમ જ્ઞાનને પ્રતાપે અંતરદાહ ન હોય તેવા થયા છે !

બહાર મૌન, મહીં મોકાણ !

પ્રશ્નકર્તા : તો મૌન એનું નામ, કે બોલવાની ઇચ્છા જ ન ઊગે ?

દાદાશ્રી : બોલવાની ઈચ્છા ક્યારે ન ઊગે, કે કંઈ ધક્કો વાગ્યો હોય ત્યારે ! કો'કના તરફથી ધક્કો (તરછોડ) લાગ્યો હોય ને એણે આવડું ચોપડાવી દીધું હોય, તો પછી એની જોડે બોલવાનું મન જ ના થાય અને ગલીપચી કરેને તો તરત બોલે. 'આવો, આવો સાહેબ', તો એ બોલે એની મેળે.

પ્રશ્નકર્તા : કોઈ ગુસ્સો કરતો હોય અને મૌન લીધું હોય, તો એ વખતે તો બોલાય જ નહીં ને ! એટલે ક્રોધ ના થાય ને ?

દાદાશ્રી : પણ એ મહીં ગુસ્સો કર્યા કરે ને !

પ્રશ્નકર્તા : પણ વાણીથી જે કર્મો બંધાય, એ તો અટકી ગયાં ને ?

દાદાશ્રી : મહીં ગુસ્સો કરે ને, એટલે કોઈ કર્મ અટકે નહીં. કશું અટકે નહીં. આ અજ્ઞાની જે જે કરે ને, એ બધું એમ ને એમ અંધારામાં જાય.

પ્રશ્નકર્તા : મૌનથી સ્થૂળ તો અટકે ને ?

દાદાશ્રી : પણ આમ મહીં તો કષાયમાં જ રહેતો હોય ને !

પ્રશ્નકર્તા : પણ જો બોલીએ તો વધારે અસર કરે. આવેશ આવે ત્યારે કદાચ બોલી જઈએ તો વધારે અસર કરે અને મૌનથી એ અસર તો ના થાય ને ?

દાદાશ્રી : એ ના થાય, અસર થતી અટકી જાય. પણ અંદર ને અંદર એ કાવાદાવા કર્યા કરે, બોલીએ તો સામાને તરત અસર થાય ને પેલું અંદરની લોકોને ખબર ના પડે ને ! આમ બોલીએ તો ભડકો થયો કહેવાય. એટલે ત્યાં બોલવું તેના કરતાં મૌન સારું છે. કશું બોલે તો ઊંધું થઈ જાય એના કરતાં ના બોલે તો સારું છે. એક દહાડો તો પાંસરો રહ્યો. અને મૌન રહે તો પાંચ જણને ઠપકા તો ના આપે, ભસ ભસ ના કરે ને ! એટલે વૈખરી વાણી એકલી બંધ થાય, પેલું બધું મહીં તો ચાલુ જ હોય. આમ મૌન રાખે ને મહીં તો ગાળો હઉ દે.

આ તો બરકત હોય નહીં ને વગર કામના બધાનામાં બોલ બોલ કરીએ, તેનો શો અર્થ છે ? બધી લાઈનમાં કંઈ બરકત હોય માણસની ? એકાદ લાઈનમાં હોય વખતે માણસને, પછી મોટા માણસો બોલે એ વાત જુદી છે. વ્યવહારમાં મોટા માણસ હોય, એને તો કોઈ વઢનાર ના હોય. પણ આપણે તો આગળ વધવાનું છે ને ! એટલે જેને આગળ વધવાનું છે, તેણે તો પૂરેપૂરું મૌન થઈ જવું જોઈએ. જેટલું મૌન પકડશે, એટલી બુધ્ધિ ઠેકાણે આવશે.

આજ્ઞાપૂર્વક મૌન...

આવું મૌન લે પછી આપણું ધાર્યુ બોલાય. આ તો તીર છૂટી ગયા પછી વાગી બેસે કો'કને. આપણે તીર છોડ્યા પછી ખબર પડે. એટલે (જ્ઞાન લીધા પછી) આ ભાઈએે મૌન લઈ લઈને બધું રાગે પાડી દીધું.

પ્રશ્નકર્તા : દાદા, રજા હોયને તો વધારે બોલાય છે.

દાદાશ્રી : એમ ? તો એટલું મૌન લઈ લે ને મૌનથી ફાયદો થઈ જશે. અમે તને આજ્ઞા આપીશું, એ પ્રમાણે આખો દિવસ મૌન રહેવું. વાતચીત કરવી હોય તો કાગળમાં લખીને આપવું પણ મોઢેથી બોલવું નહીં.

એમણે મને આવીને કહ્યું કે દાદા, મારી ઈચ્છા નથી, છતાં બોલાઈ જવાય છે. એટલે બીજાએ શું સમજવું જોઈએ કે આ રેકર્ડ બોલે છે. એટલે આપણે બહુ અસર ના થવા દેવી જોઈએ. અમે કહ્યું છે કે, (આ વાણી એ) રેકર્ડ છે. રેકર્ડની અસર ના થવી જોઈએ. તેટલા માટે અમે રેકર્ડ કહ્યું ને ! પોતાના હાથની સત્તા નથી. એ તો અમે આ રસ્તો કરીશું. અમે આ મૌન આપીને, એવું તેવું બધું આપીને રસ્તો કરીશું, પણ એ સત્તાની વાત નથી એ બધી.

સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો ને વાણીના સંજોગો પર છે ને પરાધીન છે. એ રેકર્ડ કહેવું એટલે કોઈ બોલે તો આપણે જાણવું કે આ રેકર્ડ વાગી.

ખરાબ વાણી નીકળે એ પોતાના હાથની સત્તા નથી. એ પોતાને જ બહુ પસ્તાવો થાય છે ને એને. અહીં આગળ મને કહે છે, વિધિ કરી આપો કંઈક. એટલે આપણે કહેવું જોઈએ કે ભઈ, પસ્તાવો કરીશ એટલે ધીમે ધીમે એવી વાણી ઓછી થઈ જશે.

બહુ બોલ બોલ કરવાની આદત હોય તેને એમ કહેવું કે ભઈ, તું રવિવારને દહાડે દાદાની પાસે આજ્ઞા લઈને છે તે મૌન લે, બાધા લે, જેમ ચોથા મહાવ્રતની બાધા લે એવું એ આજ્ઞાપૂર્વક. આમાં કશું કરવાનું ના હોય, પણ આજ્ઞા આપે એ કાર્ય આજ્ઞાપૂર્વક થાય. એટલે કર્તા થાય તો ઉપાધિ થઈ જાય પછી. એટલે આજ્ઞા લઈને કર્યું એટલે તમે કર્તા નહીં. જે કાર્ય કરવું હોય એ આજ્ઞા લઈને કરવું.

આજ્ઞાપૂર્વક મૌન જોડે વાણીના પ્રતિક્રમણો !

વાણીનો કંટ્રોલ કર્યો હોય તો બહુ શક્તિઓ વધી જાય. વાણીનો કંટ્રોલ કરો છો કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : થતો નથી.

દાદાશ્રી : જ્ઞાનીની આજ્ઞા લઈને મૌન લે તો હિતકારી છે. બીજું, વાણીના કંટ્રોલ માટે પ્રતિક્રમણ કરાય.

પ્રશ્નકર્તા : વાણીનું તપ એટલે શું ?

દાદાશ્રી : તપ એટલે બે પ્રકારનાં વાણીનાં તપ થાય છે. એક આજ્ઞા લઈને ના બોલવું અને એક જાતે ના બોલવું (જ્ઞાનથી સમજણપૂર્વક). એ વાણીનાં તપ બહુ સારાં કરે તો એનાથી ફાયદો ઘણો છે. નરી શક્તિ જ વાણીમાં વપરાઈ જાય છે.

સાધકને મૌનની ઉપયોગિતા...

પ્રશ્નકર્તા : મૌન, અલ્પાહાર, એકાંતવાસ, આ બધાં સાધનો ઉપયોગી ખરાં કે નહીં ?

દાદાશ્રી : ખરાં ને ! સાધકને ઉપયોગી ખરાં.

પ્રશ્નકર્તા : મૌન-ઉપવાસ એ મનની શાંતિ માટે સાધન ખરાં ?

દાદાશ્રી : મનની શાંતિ માટે સારું છે. મૌન કરવાથી માનસિક બળ વધે જરા. ઉપવાસ કરવાથી શારીરિક બળ વધે, મનોબળ વધે. આ બધું ફાયદાકર્તા જ છે. જે અનુકૂળ આવે, તે કરવું આપણે.

પ્રશ્નકર્તા : મૌન અને અમૌન, એ બેમાં શું ફેર ? મૌન તો સમજ્યા પણ અમૌન કોને કહેવાય ?

દાદાશ્રી : આ બોલવું એ અમૌન કહેવાય. બોલવું, બકવું, ભસવું, ભાંભરવું, આ બધું અમૌન કહેવાય.

સાચું મૌન, તે આ...

પ્રશ્નકર્તા : મૌનનો ખરો અર્થ શું છે, એ સમજાવશો.

દાદાશ્રી : ચાર પ્રકારની વાણીમાંથી એકુંય વાણી ન બોલવી. મોઢેથી ન બોલવું અગર તો કોઈ જાતના ઈશારા ન કરવા, આંખનો ઈશારો કે હાથનો ઈશારો કશું કરવું નહીં. એ સ્થૂળ મૌન કહેવાય અને સાચું મૌન કયું કહેવાય ? આત્મા-પરમાત્મા સંબંધી આખો દહાડોય વાત કરે અને સંસારસંબંધી એક શબ્દેય બોલે નહીં, તો એ સાચું મૌન છે. નહીં તો ત્યાં સુધી સ્થૂળ મૌન પાળવું સારું છે, એય બહુ હિતકારી છે. કારણ કે વાણીમાં બહુ શક્તિ વપરાઈ જાય છે, ઘણી શક્તિ વેડફાઈ જાય છે. એટલે સ્થૂળ મૌન પાળવું, બહુ ઉત્તમ વસ્તુ છે. છેવટે નિશાનીઓ કરીને, ઈશારાઓ કરીનેય સ્થૂળ મૌન પાળવું બહુ સારું છે. એકલી વૈખરી વાણી બંધ કરશોને તોય બહુ ફાયદાકારક છે. એવું મૌન તો બહુ ફાયદો કરે. અનંત અવતારનું પાપ ધૂળધાણી કરીને કાઢી નાખે.

મૌન પાળવાનો દેખાવ કરનારા !

પ્રશ્નકર્તા : આ સંતો, મહંતો ને સાધુ પુરુષો મૌન પાળે છે, તેથી લોકોને શું ફાયદો ?

દાદાશ્રી : આ બોલ બોલ કરે છે તેથી જ બધું બગડી ગયું છે ને ઊંધું ચાલ્યું છે. કારણ કે અક્ષરેય જાણતા નથી ને વગર કામની રેકર્ર્ડો બોલ્યા કરે છે. આજે આ કાળમાં બધા બોલે છે તે વિકારી વાણી છે. આ તો એમનામાં જ ભલીવાર ક્યાં છે ? નહીં તો આ મનુષ્યોની આવી સ્થિતિ હોતી હશે ? આ તો ઠેર ઠેર નર્યો કકળાટ ને કકળાટ જ છે. આના કરતાં તો મૌનની અસર વધારે થાય. મૌનમાં તપ બહુ રહેલું છે. તેનાથી લોકો ઉપર સારી અસર પડે. આ તો બધી રેકર્ડોની વાણી સંસારી જ છે.

પ્રશ્નકર્તા : એક માણસ દર સોમવારે મૌન રાખે છે, અને લોકો જાય એટલે પાટી લઈને લખવા બેસી જાય છે. સવાલ-જવાબ પાટીથી કરે છે. આ વ્રતની ઠેકડી આમ ઉડાડી કહેવાય ?

દાદાશ્રી : આ વાતોમાં કશો માલ જ નથી ને ! આ ટાઈમ જાય આવી વાતો કરવામાં તો, વેસ્ટ ઑફ ટાઈમ એન્ડ એનર્જી. આ વાતોનો અર્ર્થ શું તે ? લોકો લખીને આપવાના એને મૌન કહેવાય ?

પ્રશ્નકર્તા : એટલે તમે કહો, મૌનનો અર્થ. તમે જે સમજતા હોય એ, તમે જે માનતા હોય એ, આમની ભાષામાં !

દાદાશ્રી : મૌન તો આ મુનિ લોકો લે, તે આપણા લોકોય જાણે કે 'ઓહો ! મૌન લીધું છે, બાપજી બોલતા નથી. આજ બાપજી પાંસરા રહ્યા છે.' પાછળથી શું ચાલે ? પાટી રાખી હોય ને, તે લખીને આપે. 'પાણી પીવું છે, લાવજો.' ત્યારે મૂઆ એના કરતા બોલતો હોય તો શું ખોટું છે ? તારા બાપે ઊંચો બાંધ્યો'તો ? બોલ ને મૂઆ અહીંથી. આ તો લોકોની પાસે ડોળ કરવા હારુ કરે બધું. નહીં તો કહેશે, ના બોલાય. મૌન એનું નામ કહેવાય કે કોઈ જાતનો ચેન નહીં, ચાળો નહીં, કંઈ પણ નહીં. તમારા સાધુઓ જેમ અભિગ્રહ કરે છે ને, એવું મૌન કહેવાય. અભિગ્રહ કરે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જો કોઈ ચેનચાળો દેખાડે છે ? તે મૌન !

સ્થૂળ મૌનમાં શું શું ના ચાલે...

પ્રશ્નકર્તા : મૌન માટેના નિયમો કયા અને તેનું આચરણ કેવું જોઈએ ?

દાદાશ્રી : મૌનમાં ઈશારો કશું કરાય નહીં કે સ્લેટમાં લખાય નહીં. આમ સંજ્ઞાય ના થાય, આમ કે આમ. સંડાસ જવું હોય તો 'આમ આમ' ના કરવું પડે. ત્યારે એ મૌન કહેવાય. કશું કરવું ના પડે. સામો પૂછવા આવે કે 'સંડાસ જવું છે ?' ત્યારે એ જોડે જાય.

મૌન તો સહજ હોવું જોઈએ. મૌન તો અંતર સાથે હોવું જોઈએ. પણ આ તો કોઈ પણ સંકેત તો હોવાનો જ એની પાસે. નહીં તો કહી રાખ્યું હોય આગલે દહાડે કે 'દસ વાગે મને ચા આપજો. અગિયાર વાગે આમ કરજો.' પણ સંકેત હોય ત્યાં મૌન હોય જ નહીં. અગર તો મહીં સંકલ્પ-વિકલ્પ થયા જ કરે છે. તે 'ચા લાવો, ફલાણું લાવો' એવા મહીં વિચાર થયા જ કરતા હોય છે.

પ્રશ્નકર્તા : આ મૌન લેવાનું કહે છે ને, તો એમાં બોલવાનું નહીં. તો એમાં જે આપણી ફિલિંગ્સ (લાગણીઓ) છે, એને દાબી દેવાની વાત છે.

દાદાશ્રી : આ લોકો મોઢું દબાવી દે છે અને લખી લખીને આખી સ્લેટ ભરે છે, એને મૌન કહેવાતું નથી. સ્લેટમાં લખે કે 'ચા લાવો', એ બધું મૌન કહેવાતું નથી. સહજ આવી મળે તે જ પીવાનું, તેનું નામ મૌન કહેવાય. આ તો સ્લેટમાં લખે એવું જોયેલું કે નહીં તમે ?

પ્રશ્નકર્તા : હા, પાછા સ્લેટમાં લખે ને !

દાદાશ્રી : અરે, સ્લેટમાં તો સારી રીતે લખે. નહીં તો 'આમ આમ' ઇશારા પણ કરે.

પ્રશ્નકર્તા : મહીં એવા વિચાર ન થાય અને સમજણથી મૌન રાખે તો ?

દાદાશ્રી : એ ઊંચું કહેવાય, પણ એવું હોય નહીંને ! ક્યાંથી લાવે ? મૌનમાં કશું બોલાય નહીં. મન-વચન-કાયાની ચપળતા બિલકુલ હોવી જોઈએ નહીં. જેટલી ચંચળતા ઓછી થાય એટલી સારી. સહેજ પણ ચંચળ પરિણામ જ્યાં સુધી હોય ત્યાં સુધી મૌન ના કહેવાય.

ઊંધું બોલવું, એના કરતાં એવું મૌન સારું છે. ઊંધું બોલવામાં તો બહુ શક્તિ વપરાઈ જાય છે. એના કરતાં સંજ્ઞા કરે, એમાં જરા શક્તિ ઓછી વપરાય.

પ્રશ્નકર્તા : એ સ્થૂળ મૌન લેવા માટે ખોરાકનો કંઈ ફેરફાર કરવો પડેને ?

દાદાશ્રી : ખોરાકમાં ફેરફારની જરૂર નહીં. આ જગ્યાએ તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરજોને, એટલે તમને હેલ્પ થશે. બીજો કોઈ ઉપાય નથી.

મૌનના હેતુ પ્રમાણે ફળ !

પ્રશ્નકર્તા : મૌન રાખે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય ?

દાદાશ્રી : મૌન રાખે તો વધારે બંધાય. કારણ કે મૌનનો અહંકાર છે એને, કે 'હું મૌન રાખું છું.' તેનાથી કર્મ બંધાય.

પ્રશ્નકર્તા : મૌનમાં અહંકાર રહે, એમ ?

દાદાશ્રી : મૌન લેનારો અહંકારી હોય, તો જ લે ને ! આત્મા તો મૌન જ છે. પોતે અહંકારે કરીને કહે છે કે 'મારે મૌન લેવું છે.'

અહંકારે કરીને મૌન લેવું, એનું નામ મૌન લેનારો ને મુનિ થનારો, એકનો એક જ છે. બાકી, મુનિ તો ત્યાં જોયેલા ને ? હવે એ મુનિઓ બધા મૌન લઈને પછી શું કરે ? નિરીક્ષણ કરે મહીં. એટલે મહીં શું ચાલી રહ્યું છે ને, એ બધું જોયા કરે, બહાર ચાલી રહ્યું છે તે. એટલે એને સાક્ષીભાવ કહે છે ને ? નિરીક્ષણ કરીને સાક્ષીભાવ કરે. પણ બધું અહંકારે કરીને કરેલું.

અહંકારે કરીને જે કંઈ પણ કરવામાં આવે છે, એનું ફળ પુણ્યમાં આવે છે, મુક્તિ નહીં. એટલે આવતે ભવ જરા સારી વાણી નીકળશે, સારી વાતો નીકળશે, જે એવું તેવું સારું મળશે ને મઝા કરવાની પછી !

મોક્ષ, મૌનથી કે વાણીથી ?

પ્રશ્નકર્તા : આપણે વાત થઈ, એ મૌન મોક્ષમાર્ગ તરફ ક્યારે અભિમુખ કરે ?

દાદાશ્રી : મૌન કોઈ દહાડો મોક્ષમાર્ગે લઈ જાય નહીં. એ તો આ મનુષ્ય સિવાય ઈતર મૌન જ છે ને, એ બધા મોક્ષમાર્ગે જવાનાં છે ? એ તો ભાંભરડે, તો મોક્ષમાર્ગે જાય ?

પ્રશ્નકર્તા : એમ નહીં, ચેતન હોય અને છતાંય જડની જેમ રહે તો ?

દાદાશ્રી : હા, આ છે તે ઝાડો-બાડો બધાં રહે છે ને ! ઝાડો એ જડની માફક જ રહે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કોઈ બહારવટિયા જાય, કોઈ ગમે તે કરવા જાય, તો આઘાંપાછાં થાય નહીં. આમ જડ જ છેને બિચારાં. અને આ પેલા ઘઉં આપણે બાફવા હોય તો આપણે કહીએ કે 'ઘઉંને બાફવાના છે' તોય આઘાંપાછાં ના થાય. એટલે ચેતન છે ને જડ જેવાં વર્તે છે, મૂઆ ! એ ઘઉંની પાંચશેરી બંધાય પણ દેડકાની પાંચશેરી બંધાય ? આ આમથી આમ નાખીએ ત્યારે આમથી આમ કૂદી નીકળી જાય, પાંચશેરી બંધાય નહીં.

પ્રશ્નકર્તા : ઘઉંનો મોક્ષ થાય, એવું શાસ્ત્રમાં કહે છે ?

દાદાશ્રી : મોક્ષ શી રીતે થાય તે ? મોક્ષ તો ક્યારે થશે કે આ જે વાણી બોલાય છે ને, તે પોતાની વાણી પોતે જ્યારે સાંભળશે, ત્યારે મોક્ષ થશે !

મૌન જેવી કડકાઈ !

આ લોકો મને શું કહે છેે ? દાદા તમે કોઈને વઢતા નથી. ૫૦ હજાર માણસ મારાથી ભડકતું રહે છે. હું બોલતો જ નથી. કોઈને વઢ્યો જ નથી. હું ના જ કહું છું, તમને વઢવાનો જ નથી. તમે સામા સળી કરશો તોય વઢવાનો નથી.

મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ તો વેડફાઈ જાય. મારા મૌનથી જ બધા માણસો સુધરે. હું બોલું તો સામાને બહુ અસર થઈ જાય. આ દાદાને ગમે તેની પાસે બધી બોલવાની છૂટ, છતાં મૌન રહે, એ મૌન તપોબળ કહેવાય.

સ્થૂળ મૌન પણ હિતકારી !

પ્રશ્નકર્તા : સ્થૂળ બોલવાનું બંધ કરીને મૌન પાળે તે હિતકારી ખરું ?

દાદાશ્રી : સ્થૂળ મૌન સ્થૂળ અહંકારને બહુ વેરણ-છેરણ કરી નાખે છે. આ સંસારની જંજાળ જ શબ્દમાંથી ઊભી થયેલી છે. મૌનથી તો ખૂબ જ શક્તિઓ વધી જાય.

પણ સારું છે મારા ભાઈ, જાડું ખાતું તો બંધ કર્યું, ગુડ્સ ટ્રેઈન બધી બંધ થઈ ગઈ. હવે પેલી લોકલ માણસની ગાડીઓ છે. ગુડ્સ ટ્રેન બધી બંધ ને ?

પ્રશ્નકર્તા : પણ દાદા, આ કાળમાં એટલું બધું મૌન શક્ય ના હોય ને ?

દાદાશ્રી : ના, ના બને, બની જ ના શકે. મૌનની કિંમત તો બહુ જ છે. આપણા આ ભાઈ પાળે છે ને, પણ મહીં બધોય ડખો. મહીં અંદર લખે... પણ તોયે સારું છે. એવું છે ને, આ બહારની વાણીથી જ લોકોને દુઃખ થાય છે અને તેથી જ સંસાર ઊભો રહ્યો છે. બહારની વાણી પથરાની પેઠ વાગે. તે આ ભાઈ બોલે નહીં તો વાગે નહીંને કશું. એમને મૌન હોય તે દહાડે આપણને કશી ઉપાધિ નહીંને !

પ્રશ્નકર્તા : બહુ એક્સિડન્ટ ના થાય તે દિવસે.

દાદાશ્રી : એક્સિડન્ટ જ નહીંને કશો. ઘણુંય બોલવું હોય પણ બોલાય જ નહીંને ! એટલે એ લાભ બધો.

અને મૌન એ સંયમ લાવે છે. આ જાડું જાડું મૌન એય પણ સંયમ લાવે છે. યાદ રહ્યા કરેને, 'હું શુધ્ધાત્મા છું'. પેલું અહંકારનું મૌન કહેવાય ને આ શુધ્ધાત્માનું મૌન કહેવાય. 'હું શુધ્ધાત્મા છું' એ રીતે જાગૃત રહે અને પેલા લોકો મૌન રાખે તે અહંકારનું.

પ્રશ્નકર્તા : મોઢે બોલીએ નહીં પણ મહીં ગુસ્સો આવે, તેનું રિએક્શન આવે ?

દાદાશ્રી : નહીં આ મોઢે બોલ્યાના રિએક્શન ઓછા છે, પેલાના રિએક્શન બહુ છે. આ મોઢે બોલ્યા કે ટપલી મારી ગયું તેના રિએક્શન બહુ નથી. રિએક્શન અંદરના જ છે બધા.

પ્રશ્નકર્તા : આપણને અંદર ક્રોધ આવતો હોય, એના માટે આપણે બોલીએ નહીં કે નથી કહેવું એને કાંઈ તો પછી આપણા અંદર તો ગુસ્સો આવતો હોય.

દાદાશ્રી : તેથી આપણે કહીએ છીએને કે ભઈ, વાણીથી તું ગમે તેવું બધાને ખોટું લાગે એવું બોલતો હોય. તારું વર્તન ગાંડુંઘેલું થઈ જાય, પણ છેવટે તું ભગવાન પક્ષમાં રહેજે. આ શૈતાન પક્ષમાં આ બધું થઈ ગયું હોય પણ મન છે તે ભગવાન પક્ષમાં રાખજે. પેલા શૈતાન પક્ષમાં મત આપી દીધો તો મન ખલાસ થઈ ગયું. મન ભગવાનને મત આપે. અમે સમજણ પાડીએ, પછી આ મત ગમે તેને, તારે જેને આપવા હોય તેને આપજે ને !

પ્રશ્નકર્તા : આ બધી બાબતમાં મન જ વધારે કામ કરે છે ને ?

દાદાશ્રી : મનને લઇને આ સંસાર ઊભો થયો છે. એક મનથી સંસાર આથમ્યા કરે છે ને એક મનથી ઊભો થાય છે.

પ્રશ્નકર્તા : સામાનો વ્યૂ પોઇન્ટ સમજાય નહીં તો શું કરવું ?

દાદાશ્રી : મૌન રહેવું. મૌન રહેવાથી અક્કલહીણા માણસો શાણા ગણાયા. વખતે કહે કે, 'તારામાં છત નથી.' તો મૌન રહેવું. અને તે વખતે જો આપણે સામા થઇએ તો તે પેલાને યાદ રહેશે અને કહેશે કે, 'આ તો છત વગરનો જ છે.'

આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. સુષમકાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોત ને, તો મોક્ષ તો સહજાસહજ છે. માટે કોઇના માટે અક્ષરેય બોલાય નહીં. કોઇને ખોટું કહેવું તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલે તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેનીય મહીં પોતાની ઉપર ધૂળ પડે. એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય.

જેટલા સેન્સિટિવ હોય, એણે મૌન રાખવાની જરૂર. મૌન રાખવા કરતાં તો આપણી વાણી બીજાને શી અસર કરે છે, એ લક્ષમાં હોય તો વધારે સારું.

મૌન તપોબળ !

પ્રશ્નકર્તા : મૌનને તપોબળ કહે છે તે કયા અર્થમાં ?

દાદાશ્રી : મૌન તપોબળ એટલે માણસ અમુક જગ્યાએ મૌન ના રહી શકે ત્યાં જો મૌન રહે તો એ મૌન તપોબળમાં જાય. નોકરે પ્યાલો ફોડ્યો, ત્યાં મૌન રહે તે તપમાં જાય. એટલે મૌન જેવી કડકાઇ આ જગતમાં કોઇ નથી. બોલેને તો કડકાઇ બધી વેડફાઇ જાય. મોટામાં મોટું તપ તે મૌન. બાપ જોડે ઝઘડો થાય ત્યાં મૌન પકડે તો તપ થાય. તે તપમાં મહીં બધું ઓગળે ને એમાંથી સાયન્સ ઊભું થાય. આજે તો લોક મૌન પકડે ને બીજે દહાડે સામટો ઉકાળો કાઢે ! મૌન તપોબળ તો બહુ કામ કાઢી નાખે. આખા જગતનું કલ્યાણ કરી નાખે. તેથી કવિએ લખ્યું છે ને, ''સત્ પુરુષનું મૌન તપોબળ, નિશ્ચય આખા જગને તારે !''

પ્રશ્નકર્તા : મૌન કોને કહેવાય ?

દાદાશ્રી : આત્માર્થે જે જે બોલે તે બધું મૌન જ ગણાય.

પ્રશ્નકર્તા : તો પછી મૌન કેવું હોવું જોઇએ ?

દાદાશ્રી : મૌન કોને કહેવાય કે જેમાં નોકષાય ના હોય, હાસ્ય, શોક, જુગુપ્સા એ બધું ના હોય. મહીં સૂક્ષ્મ વાણી પણ ના હોય. મૌન વખતે સ્થૂળ તો બોલે જ નહીં, ને લખે તેય વાણી જ છે. તે લખવાનું પણ મૌનમાં ના હોય. મૌનમાં બધી ચંચળતા બંધ કરી દે. લખીને કહેવાનું, ઇશારો કરવાનું એ બધું ના હોય, ત્યારે એ સાચું મૌન કહેવાય.

મૌન, અંતિમ સરવૈયું સંસારનું...

પ્રશ્નકર્તા : મૌન રાખે, તેનાથી વચનબળ વધે ?

દાદાશ્રી : ના, એનાથી વચનબળ ના આવે. વચનબળ તો કોઈ માણસને દુઃખ થાય જ નહીં એવી વાણી થાય ત્યારે ઉત્પન્ન થાય, દુશ્મનનેય દુઃખ ના થાય એવી વાણી હોય.

પ્રશ્નકર્તા : પછી તો મૌન થઈ જાય ને ?

દાદાશ્રી : ભલે ને, મૌન થઈ જાય. મૌન એ જ આ જગતનું સરવૈયું છે. છેવટે મૌન ઉપર આવવા માટે કહ્યું, કારણ કે મૌન એ તો ખરું 'જોવાનું' સાધન છે. વ્યવહારમાં મૌન લે છે, એ તો 'જગત કેવી રીતે ચાલે છે' એ જોવાનું સાધન છે. ટાઈમ થાય એટલે ચા આપી જાય, ટાઈમ થાય ને બીજું અમુક રહીયે જાય મહીં, તો આપણે લેટ ગો કરવું પડે. જ્યારે મૌન થશો, ત્યારે જગત સમજ્યા ગણાશે.

જગતનો સંપૂર્ણ સારાંશ શું ? જગત સંબંધી એક અક્ષરેય બોલવા જેવો નથી અને આત્મા સંબંધી જ બોલવા જેવું છે.

મુનિઓનું મૌન !

આત્મા-પરમાત્મા માટે બોલવું તેમાં સંસારનો ભાગ જ નથી. તેને ભગવાને 'મૌન' કહ્યું છે.

પ્રશ્નકર્તા : ઋષિ તો સમજ્યા પણ ઋષિને પાછા મુનિયે હોય છે, એમ કેમ કીધેલું ?

દાદાશ્રી : એ તો આપણા લોકો ઋષિને જ મુનિ કહેતા હતા. કહેશે, ઋષિમુનિ આવ્યા. કેટલાક વાણી ના બોલે, મૌન હોય, એ ઋષિમુનિ કહેવાય ને ખરો મુનિ તો બોલે છે તોયે મુનિ કહેવાય. ભગવાન એને માટે કહે છે કે આ બોલે છે છતાં મુનિ છે અને પેલા ના બોલે તો મુનિ ના કહેવાય. એને ઋષિમુનિ કહે પછી આપણા લોકો, કારણ કે એ તો વાણી બંધ કરેલી છે, વાણીને સીલ મારેલું છે.

કેવળ આત્માર્થે વાણી એ જ સાચું મૌન !

પ્રશ્નકર્તા : મુનિ કોને કહેવાય ?

દાદાશ્રી : મુનિ તો સંસાર સંબંધી એક અક્ષરેય બોલે નહીં, સંસારી વાત કરે જ નહીં અને અધ્યાત્મ તરફ લઈ જનારી બધી વાણી બોલે, અધ્યાત્મની જ વાત કરે, તો જ એને સંપૂર્ણ મુનિપણું કહેવાય છે. એ અર્થ સમજાયો આપને ?

આત્મા સંબંધી, અધ્યાત્મ સંબંધી આખો દહાડો બોલે અને સંસાર હેતુ માટે શબ્દ બોલે નહીં, ત્યારે મુનિ કહેવાય. આખો દહાડો બોલ બોલ કરે, રેકર્ડ વાગતી હોય એમ વાગ્યા કરે, તેથી શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું કે 'આત્મજ્ઞાન ત્યાં મુનિપણું'.

આ અમારી આખો દહાડો રેકર્ડ ચાલે પણ છતાંય અમે મૌન છીએ. આત્માર્થ સિવાય બીજા કોઈ અર્થે અમારી વાણી ના હોય. એવું મૌન પાળે તે મુનિ ! પણ આ મુનિ તો બહારનું મૌન પાળે ને મહીં અજંપો રહ્યા કરે છે, તેને મુનિ શી રીતે કહેવાય ? અમે મહામુનિ છીએ ! સંપૂર્ણ મૌન છીએ ! આને પરમાર્થ મૌન કહેવાય છે.

સંસારી શબ્દ છતાં આત્મલક્ષી વાણી !

એવું છે ને, કે વાણીને આ અનુભવીઓએ શું કહ્યું ? શાસ્ત્રકારો અનુભવી કહેવાય, અનુભવીઓની વાણી કહેવાય. એટલે આ જે વાણી આત્માના હેતુ માટે બોલાય, તેને મૌન કહ્યું એ લોકોએ. અને લોકો આ વાણીને મૌન કરે. પણ બીજા કંઈ પણ સંકેત ચાલુ છે ત્યાં સુધી મૌન ના કહ્યું ભગવાને. સંકેત કરે છે ને ? કેટલી જાતના ?

પ્રશ્નકર્તા : આમ હાથથી ચાળા કરે, લખીને કરે.

દાદાશ્રી : બધા અનેક જાતના. એ એને મૌન ના કહ્યું. મૌન આને કહ્યું છે, આખો દહાડો દાદા બોલે એને અમે મૌન કહીએ છીએ. શાથી ? ત્યારે કહે, એમાં સંસારી વાત નથી હોતી. સંસારલક્ષી વાત નથી હોતી. સંસારી શબ્દ હોય વાતોમાં, પણ સંસારલક્ષી વાત નથી હોતી, આત્મલક્ષી હોય છે. જે વાતો હોય સંસારને અંગે, તેય પણ છેવટે આત્મા હેતુ એટલે આત્મલક્ષી હોય છે. માટે એને મૌન કહ્યું. આ અમે મુનિપણામાં બોલીએ છીએ. આખો દહાડો અમે બોલીએ તોયે અમારા બોલને ભગવાને મૌન કહ્યું છે.

શાસ્ત્રકારોએ શું કીધું ? ભૌતિકવાણી બોલીએ એને બોલ્યા કહેવાય અને આત્મા માટે બોલવું એને મૌન કહેવાય. એવું જાણોને તમે ? તે આ દ્ષ્ટિ ઓળખાય નહીં કોઈ દહાડો. આત્માની વાણી બોલવીને, તે આમ નીકળે નહીં બહાર.

જ્ઞાનીની અનોખી ચેતવણી !

અમે બોલતું ઉપનિષદ, જીવતું ઉપનિષદ કહેવાઈએ ! પેલું પુસ્તક કહેવાય. એટલે કયું ઉપનિષદ સાચું ? જીવતું ઉપનિષદ સાચું. એટલે અત્યારે અમારા શબ્દો જો સાચા માને તો એનો ઉકેલ આવશે અને પેલા શબ્દો બુધ્ધિથી લખેલા છે અને આ બુધ્ધિ વગરનાં શબ્દો છે.

પ્રશ્નકર્તા : ઉપનિષદની શ્રુતિ મેં વાંચેલી છે. ભગવદ્ગીતા પરની કોમેન્ટ્રી મેં વાંચેલી છે અને સાંખ્ય ભાષ્ય પણ મેં વાંચ્યા છે પણ દાદાના સત્સંગમાં આવ્યા પછી એ ભાષ્ય પણ કોઈક કોઈક જગાએ ખોટા દેખાય છે. કારણ કે એમાં છે ને, પોતાની રીતે જ અર્થ કરી લીધેલો છે.

દાદાશ્રી : બસ, બસ, એવું જ છે.

પ્રશ્નકર્તા : હા, એમાં કાં તો કહેનારનું કહેવાનું જુદું હોય ને સમજનાર પોતાની રીતે લખ્યા કરતો હોય. એની ઇંગ્લીશ કોમેન્ટ્રી કરી છે. મને તો આ 'જ્ઞાન' દાદાનું પ્રાત્પ થયા પછી એ તદ્દન બોગસ જ લાગે છે, એ સમજતા ના હોય એવું લાગે છે.

દાદાશ્રી : એવું છે ને, સહુ સહુની બુધ્ધિથી લખાયેલું છે. આ તો જ્ઞાનીની ફ્રેશ વાણી સાંભળવી એ નવું શાસ્ત્ર કહેવાય.

જ્ઞાની હોય ને ત્યાં શાસ્ત્ર-પુસ્તકનું કશું લેવાય જ નહીં, અવલંબન જ ના લેવાય. એ શાષ્ટા પુરુષનાં લખેલા છે, તે જ્ઞાની જાતે ના હોય તો વાંચવા માટે ચાલે. એમાં જ્ઞાન હોય નહીં. એ તો સ્થૂળ વસ્તુ છે. શબ્દો એ શું છે ? શબ્દો સ્થૂળ વસ્તુ છે. ત્યાં સૂક્ષ્મ ના હોય ને સૂક્ષ્મતરેય ના હોય ને સૂક્ષ્મતમેય ના હોય, કશુંય ના હોય. એ તો બધો સ્થૂળ ખોરાક છે. એટલે જ્યારે જ્ઞાની હોય ત્યારે શબ્દ કામ ના લાગે. ચાર વેદ હોય કે જૈનોનાં ચાર અનુયોગ હોય પણ કામ લાગે નહીં. જ્ઞાની એ બધાનાં, વેદના, અનુયોગના ઉપરી કહેવાય. એટલે બધું આ ત્યાં કામ લાગે નહીં. જ્ઞાની પુરુષના શબ્દો એકેએક એક્ઝેક્ટ હોય. એટલે શાસ્ત્ર સુધારવું હોય તો આનાથી સુધરે.

પ્રશ્નકર્તા : જ્ઞાનીની વાણીથી ?

દાદાશ્રી : હા, નવેસરથી આપણે સુધારવું હોય, મેં પુસ્તકમાં લખ્યું છે કે બધું સુધારી લો અત્યારે હવે. જ્ઞાની પુરુષની સહજ વાણી કહેવાય, દેશના કહેવાય, પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. સરસ્વતી હોય ત્યાં ભૂલ ના હોય. એટલે આ કોઈ શાસ્ત્રની વાત ના કહીએ, તેનું કારણ જ એ ને !

પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ જો હાજર હોય તો પછી સબ્સ્ટિટ્યુટનો તે વખતે ઉપયોગ નહીં કરવો.

દાદાશ્રી : ઊલટું નુકસાન કરીએ છીએ આપણે ! એટલે આમાં પુસ્તક-બુસ્તક કામ લાગે નહીં, જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ ! કોઈ એવું પુસ્તક નથી કે જે જ્ઞાની પુરુષ આગળ કામ લાગે. જ્ઞાની પુરુષ તો પુસ્તકો સુધારવા માટે એમની વાણી હોય. એટલે જે ભૂલચૂકવાળા લાગતા હોય તે સુધારી લો. અમે જૈનોનેય અને મહારાજને કહ્યું, ચાર અનુયોગ સુધારી લો. અમને પૂછશો તો બધો સુધારો મળી જશે. કારણ કે સુધારવાની તક કો'ક વખત નીકળે. નહીં તો આ તો બધાં પુસ્તકો રચેલાને તે 'સર્વજ્ઞનું કહેલું હું કહું છું' એવી રીતે લખેલા. એટલે એમાંનું ચાલે નહીં ને કશું, સર્વજ્ઞનું તો એક વાર કહેલું ધારણ કરવું મુશ્કેલ છે. ધારણ કરેલામાં પાછું એ કહે છે કે સમજવું મુશ્કેલ છે, તો લખનાર પાછો કેવી રીતે સમજ્યો હશે ?

એક ભાઈ મનુસ્મૃતિની વાત કરવા આવ્યા. મને કહે છે, 'મનુસ્મૃતિ તો જ્ઞાની પુરુષના વાક્ય જોડે સરખાવાય ને ?' મેં કહ્યું, 'તમને વાંચતા નથી આવડતું ? મનુસ્મૃતિનો અર્થ શું થાય ? કે મનુને યાદ રહ્યું એટલું આ છે.' એનું નામ મનુસ્મૃતિ. આ તો કંઈ ખોરાક ન હોય તો આ બધો દુકાળમાં ખાવાનો ખોરાક, જ્યારે જ્ઞાની પુરુષ ના હોય ત્યારે.

પ્રશ્નકર્તા : આમાં તો આપે બધો ફોડ પાડી દીધો.

દાદાશ્રી : જ્ઞાની પુરુષ હોય ત્યારે તો બધાં શાસ્ત્રો સુધારી લેવા જોઈએ. હવે અમારી પાસે શાસ્ત્રનો અર્થ કરાવવા માગે, શું થાય ? મને કહે, 'આના અર્થ કરો.' તો હું કહેત કે તમારી ભૂલ થાય છે, ના ચાલે. શાસ્ત્ર ચાલતું હશે કે ? શાસ્ત્ર તો શાષ્ટા પુરુષોનાં લખેલાં, અને આ તો જ્ઞાની પુરુષ એટલે શાષ્ટાથી ઉપરી હોય. તીર્થંકરથી નીચો નંબર અને બધા શાષ્ટા પુરુષના ઉપરી. જ્યારે પ્રત્યક્ષ જ હોય દીવો, અજવાળું હોય ત્યારે મીણબત્તીઓ બાળીને શું કામ છે તે ? ના હોય ત્યારે મીણબત્તીની જરૂર પડે આપણને !

પ્રશ્નકર્તા : આજે આપની જે વાણી નીકળે એમાં અમારાં ઘણાંના, ભલભલાનાં અભિનિવેશો નીકળી જાય. કારણ કે આમ વારંવાર ગમે તેમ કરીએ છીએ, છતાં પાછું એ સોનેરી અક્ષરવાળું પુસ્તક વળી પાછું અમે વાંચવા બેસી જઈએ છીએ.

દાદાશ્રી : ના. એટલે આ મારે કહેવું પડ્યું ક્યારે ? આવું કંઈક હોય ત્યારે. નહીં તો એવું છે ને, પુસ્તકનું અપમાન કરવું તે ગુનો છે. પણ જ્યારે આવી વાત નીકળી હોય ત્યારે અપમાનેય કરી નાખીએ અમે, તમારું હિત થતું હોય તો. પુસ્તકનું અપમાન કરવું એટલે શ્રુતજ્ઞાનનું અપમાન કરવા બરોબર છે. તે ગુનો છે પણ અમુક ટાઈમે જો ગુનો ના કરીએ તો બીજી રીતે અવળે રસ્તે તમે ચાલ્યા જાવ.

તેથી મેં કહ્યું ને, બીજા કોઈ પુસ્તકનું એક વાક્ય વાંચવાની જરૂર નથી. છતાં તમને ટેવ પડી હોય તો વાંચજો. નહીં તો વાંચવાનું હોતું હશે, જ્ઞાની પુરુષ મળ્યા પછી ! તમામ શાસ્ત્રો, તમામ વેદો, તમામ ઉપનિષદો, બધું આ પાંચ આજ્ઞામાં આવી જાય છે. સમજાય એવી છે ને આ વાત ?

પ્રશ્નકર્તા : હા, પાંચ આજ્ઞામાં આવી જાય છે બધુંય !

દાદાશ્રી : નહીં તો બીજા કોઈના વાક્ય હું ના વાંચવાનું કહું ? આવું સરસ એક-એક વાક્ય, કેવી વાણી ! પણ બોધરેશન કરીને શું કામ છે ? એ બધું પારાયણ થઈ ગયું, પૂરું થઈ ગયું અને આવી ગયું. આપણે રસ પી લીધો, પછી હવે રહ્યું કંઈ મહીં ? આપણે જેનો રસ પી લઈએ, પછી કશું રહ્યું નહીં ને ?

કપિલમુનિ ને એ બધાં મોટાં મોટાં મુનિઓ થઈ ગયેલા, પણ ચોખ્ખા બધાં. મેં શાસ્ત્રો વાંચેલા. કપિલમુનિએ ચોખ્ખું લખ્યું છે કે 'સર્વજ્ઞનું કહેલું હું કહું છું.' અને પછી છૂટી જાય. પોતે બોધરેશન ના લે, જવાબદારી ના લે, 'વચ્ચે હું તો લાવનારો છું.' એમની બહુ ઊંચી સ્થિતિ હતી પણ છતાં એ માથે લેતાં નથી. કારણ કે એ ભૂલચૂક થાય તો હું શું કરું ? આ તો નર્કે જવાની નિશાની. આ શબ્દ ચૂંથાય નહીં !

અમેય બોલીએ નહીં, મૌન રહીએ પણ શું થાય ? તમે અવળે રસ્તે ચાલ્યા જાવ અને આ અમને ગમે નહીં. ના બોલવું સારું લાગે. હવે આની પાછળ અમારે પ્રતિક્રમણ વિધિ કરવી પડે, પા કલાક. અમે શ્રુતજ્ઞાન ઉપર ઘાત કર્યો. એટેક કર્યો, તે વિધિ કરવી પડે, તમને અવળે રસ્તે નહીં જવા દેવા.

પ્રશ્નકર્તા : પણ સમર્થન મળતું હોય તો એમાં એને વાંધો શો ?

દાદાશ્રી : ના, એટેક તો કહેવાય જ ને ! આ શાસ્ત્ર એની મેળે બેસી રહ્યું'તું. તમે શા આધારે એટેક કરો છો ? ગમે તેવું હતું, તોય એની મેળે સ્વતંત્ર હતું. એટલે મહીં એટેક કર્યો. અમે એક દોષ જવા ના દઈએ ! એકેએક દોષ ધોઈ નાખવો પડે. આ જાણીજોઈને દોષ કર્યો, નહીં તો આમના મનમાં અવળું ભૂસું પેસી ગયું, તે પાછા પેલાં પુસ્તક વાંચીને માથાફોડ કર્યા કરે. અને એટેક એટલે એટેક ! હું કંઈ ઓછો સમજતો નથી ? અમારે તો ના કહેવાનું કશું હોય જ નહીં. અમને તો 'યસ'માં જ મોક્ષ છે. 'હા'થી મુક્તિ, પણ કો'ક ફેરો ઊંધે રસ્તે ચડી જતું હોય ગાડું, ત્યારે એમને કહેવું પડે ને ? સમજાયું ને ?

ચેતવ્યા છતાં પ્રતિક્રમણ કરવા પડે !

પ્રશ્નકર્તા : સત્ય વાત હોય તો પછી એનું પ્રતિક્રમણ કેમ કરવાનું ?

દાદાશ્રી : આ સત્ય એ જ અસત્ય છે. જે જે સત્ય છે, એ બધુંય અસત્ય છે. કઈ વાત સત્ય છે એ તમે કહો. કઈ વાત તમને સત્ય લાગે છે ? હું તમને કહી આપું કે આ અસત્ય છે.

પ્રશ્નકર્તા : આપણે સાચું કહીએ, આપણે સામું કહી દઈએ તો એને ખરાબ લાગે તો પછી એનું પ્રતિક્રમણ કેમ ?

દાદાશ્રી : સાચું કોઈ કહી શકતો નથી. આ હિન્દુસ્તાનમાં કોઈ માણસ એવો પાક્યો નથી કે જે સાચું કહી શકે. માણસ સાચું કેવી રીતે કહી શકે ? એ તો સહુ સહુની સમજણથી સાચું છે. બીજાની સમજણથી ખોટું લાગે છે ને ?

અમને કોઈ દોષિત દેખાતું જ નથી. આ વાણી નીકળે છે તેની જોડે પાછું પ્રતિક્રમણ હોય છે. એટલે 'આમ ન હોવું જોઈએ' એમ અમારો અભિપ્રાય જુદો હોય છે કે આવું છે નહીં. દેખાય છે કેવું ? નિર્દોષ દેખાય છે અને આ વાણી કેમ આવી નીકળે છે ? અવર્ણવાદ ના હોવા જોઈએ. અમારે તો મૌન રહેવું જોઈએ. હવે મૌન રહે તો તમે બધા જાણો નહીં કે આપણે કયે માર્ગે છીએ ? પણ આ સત્ય કહેવાય નહીં.

માલિકી વગરની વાણી તે મૌન !

આ તમારી જોડે વાણી બોલે છેને, એ તો ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. અને આ જે ટેપરેકર્ડ છે તે સેકન્ડરી કહેવાય. આ વર્લ્ડમાં ઓરિજિનલ ટેપરેકર્ડ અમે પહેલી વખત બોલ્યા છીએ. એનો ફોડ પાડી દીધો કે મૂઆ, આ ન્હોય તારા બાપનું ! આ તો મહીં શી રીતે ટેપરેકર્ડ થાય છે તે તમે જાણો છો ?

મહીં આત્માનું જે સ્પંદન થાય છેને, તેને શબ્દો નથી હોતા, ભાવ હોય છે. કહેવા માંગે તેનો ભાવ એકલો જ. અને એનો કોડવર્ડ થઈ જાય છે. પછી શોર્ટહેન્ડ જેવા થઈ જાય છે. અને પછી એ ઉદયમાં આવે છે ત્યારે એ અથડાઈ અથડાઈને જીભમાંથી બહાર નીકળે છે ત્યારે શબ્દો સુંદર દેખાય છે. એટલે આ ટેપરેકર્ડ છે, ઓરીજિનલ ટેપરેકર્ડ.

પ્રશ્નકર્તા : દાદા, આ સૂક્ષ્મ રાગને લીધે બંધાય છે એમ કહેવાય ? ટેપરેકર્ડનું મૂળ બંધારણ રાગને લીધે છે ?

દાદાશ્રી : એ તો રાગ ને દ્વેષ બેઉથી ઊભી થાય. દ્વેષથી હોય તો દ્વેષની વાણી નીકળે, રાગ હોય તો રાગની. સંસાર જ એનું કારણ છે. અને બીજું અહંકાર છે કે હું બોલ્યો. હવે હું આટલું બધું બોલું તોય પણ હું મૌન કહેવાઉં છું, શાથી ? ત્યારે કહે, માલિક નથી. અને આ લોકો ના બોલે તોય એ છે તે માલિકી છે. માલિક હોય તેને મૌન ના હોય. અમે તો માલિક જ નથીને ત્યાં આગળ !

'કોડ' બદલાવવાની કળા !

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતના ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે ?

દાદાશ્રી : ના. એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. અને પછી આજે શું થાય ? છપાયા પ્રમાણે જ વાગે.

પ્રશ્નકર્તા : પાછું અત્યારે બોલીએ, તે વખતે જાગૃતિ રાખીએ તો ?

દાદાશ્રી : અત્યારે તમે કોઈને દફડાવો. પછી મનમાં એવું થાય કે 'આને દફડાવ્યો, તે બરાબર છે.' એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો. અને 'આને દફડાવ્યો, તે ખોટું થયું.' એવો ભાવ થયો, તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. 'આ દફડાવ્યો, એ બરોબર છે' એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. અને 'આ બહુ ખરાબ થઈ ગયું, આવું ના બોલવું જોઈએ, આવું કેમ થાય છે ?' એવું થાય તો કોડ નાનો થઈ ગયો.

પ્રશ્નકર્તા : હવે 'આ બરોબર કર્યું' એવુંય ના થાય ને 'બરોબર ના કર્યું' એવુંય ના થાય, તો પછી કોડ ઊભો થાય ?

દાદાશ્રી : એ તો મૌન નક્કી કરીએ તો મૌન થઈ જાય.

પ્રશ્નકર્તા : ઘણી વખત મોઢે ના બોલાય, પણ અંતરવાચા હોય ખરી ને ? મહીં અંદર ભાવ બગડ્યા કરે, તેનું શું ?

દાદાશ્રી : તમારે પોતાની જાતને અંદર કહી દેવાનું કે 'આવું ખોટું ના હોવું જોઈએ. આવું સુંદર હોવું જોઈએ.'

પ્રશ્નકર્તા : પછી સુંદરનો કોડ આવી જાય ને ?

દાદાશ્રી : સુંદરનો કોડ તો આવે જ ને !

પ્રશ્નકર્તા : તે પાછો નવો કોડ થાય, તેના માટે નવો દેહ ધારણ કરવો પડે ? એના કરતાં કોડ જ ના થાય એવું અમારે જોઈએ.

દાદાશ્રી : આ તો એકાદ ભવ પૂરતું જ છે. આગળ તો તમારા કોડ આવા રહેવાના જ નથી. જેની આજે ખરાબ ભાષા નથી, તે લોકોએ કોડ બદલ્યો નથી અને જેની ખરાબ ભાષા છે, તેમણે કોડ બદલ્યા છે. એટલે પેલા કાચા પડી ગયા છે ને આ પાકા થયા છે. જે કહે કે 'દાદા, મારી આ વાણી ક્યારે સુધરશે ?' ત્યારથી આપણે ના સમજીએ કે આ કોડ બદલે છે.

પ્રશ્નકર્તા : જેને મોક્ષે જવું હોય, તેને તો કોઈ કોડ દાખલ જ નહીં કરવાનો ને ? એના માટે શું કરવું ?

દાદાશ્રી : મોક્ષમાં જતાં સુધી કશી હરકત થાય તેમ નથી. મોક્ષે જતાં જેવા કોડ જોઈએ, તે આવતા ભવમાં ઉત્પન્ન થશે. અત્યારે મને પૂછીને જેટલો માલ ભરે, તેનો આવતા ભવમાં પછી એવો જ કોડ ઉત્પન્ન થશે. હજી એક અવતાર છે ને !

પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીના કોડ કેવા હોય છે ?

દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય. ઝાડનુંય પ્રમાણ ના દુભાય. એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય.

આજ્ઞાપૂર્ર્વક મૌનવ્રત, વાણી સુધારે !

પ્રશ્નકર્તા : વાણીને સુધારવાનો રસ્તો શો છે ?

દાદાશ્રી : વાણીને સુધારવાનો રસ્તો જ અહીં છે. અહીં બધું પૂછી પૂછીને સમાધાન કરી લેવું જોઈએ.

'સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.' આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તોય આપણને જરાય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે 'એક્ઝેક્ટ' છે, તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દનું માન રાખીને ચાલો. 'એક્ઝેક્ટ' આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ છો.

પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે, તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ?

દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને !

હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે.

પ્રશ્નકર્તા : વાણી જડ છે છતાં 'ઈફેક્ટિવ' કેમ છે ?

દાદાશ્રી : હા, વાણી જડ છે છતાં વધારેમાં વધારે 'ઇફેક્ટિવ' વાણી જ છે. એને લીધે તો આ જગત ઊભું રહ્યું છે. વાણીનો સ્વભાવ જ 'ઇફેક્ટિવ' છે.

પ્રશ્નકર્તા : વાણી ઉપર કંટ્રોલ શી રીતે લાવવો ?

દાદાશ્રી : વાણી ઉપર કંટ્રોલ તો... એક તો જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌન ધારણ કરે તો થાય. નહીં તો પોતે મૌન ધારણ કરવું, પણ એ તો પોતાને આધીન નથી. ઉદયથી એની મેળે મૌન નહીં આવે. કારણ કે ઉદય તો બધું વ્યવસ્થિતને આધીન છે. માટે જ્ઞાનીની આજ્ઞા લઈને મૌન લે તો હિતકારી છે. બીજું વાણીના કંટ્રોલ માટે પ્રતિક્રમણ કરે તો થાય. વાણી ટેપરેકર્ડ છે. તે છપાયેલાની બહાર વધારે કે ઓછું કશું બોલાવાનું નથી.

પ્રશ્નકર્તા : પૂર્વભવમાં કે બીજા ભવમાં એ જ સંયોગો ને એ જ માણસો ભેગા થવાના છે ને એ જ વાણી નીકળવાની છે એવું છે ? ટેપ થયેલું છે, એનો અર્થ શો ?

દાદાશ્રી : આપણે અહીં સાહેબ ઝપાટાબંધ બોલે છે અને પેલો લખી લે છે, તે શી રીતે લખી લેતો હશે ? એ શું ભાષા હોય છે ?

પ્રશ્નકર્તા : 'શોર્ટહેન્ડ.'

દાદાશ્રી : અને એનાથી આગળ કશુંક નવું નીકળેલું છે ને ? પેલું 'કોડ લેન્ગવેજ' કહે છે કે શું ?

પ્રશ્નકર્તા : હા, 'કોડ લેન્ગવેજ.'

દાદાશ્રી : આ બધું 'કોડ લેન્ગવેજ' અને 'શોર્ટહેન્ડ'માં બધું અંદર 'ટાઈપ' થાય છે. આપણો ભાવ અંદર થયો કે, 'ભલભલાને બેસાડી દઉં એવી વાણી બોલું એવો હું છું.' એટલે આટલા 'કોડવર્ડ'થી આખું પેલું પ્રકાશમાન થઈ જાય. એને હું 'ટેપરેકર્ડ' કહું છું. તમે 'કોડવર્ડ' જે મહીં કર્યા છે, તેનું આ ટેપ થઈ ગયેલું છે.

અને ગમે તેવી કઠોર ભાષા બોલનારોય સંત પુરુષ પાસે સુંદર વાણી બોલે છે, ત્યારે આપણે ના સમજીએ કે આ કઠોર વાણીવાળો છે કે મધુર વાણીવાળો છે.

પ્રશ્નકર્તા : વાણી નીકળે ત્યારે કઈ જાતની અને કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : પેલાને છાતીનાં પાટિયાં બેસી જાય એવો મોટો પથરો મારીએ, તો તે વખતે આપણી જાગૃતિ ઊડી જ જાય ! નાનો પથરો મારીએ તો જાગૃતિ ના ઊડે. એટલે પથરો નાનો થશે ત્યારે એ જાગૃતિ આવશે.

પ્રશ્નકર્તા : એટલે આપણે પથરો કેવી રીતે નાનો કરવો ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી !

પ્રશ્નકર્તા : ટેપ થઈ ગયેલી વાણી ફેરવાય કઈ રીતે ?

દાદાશ્રી : તમે ફક્ત જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌનવ્રત ધારણ કરો તો એનો ઉપાય છે. બાકી, એ તો કુદરતને ફેરવવા જેવી વસ્તુ છે. માટે 'જ્ઞાની પુરુષ' પાસેથી આજ્ઞા લઈને કરે, તો 'જ્ઞાની પુરુષ' જોખમદાર બનતા નથી અને જોખમદારી એમ ને એમ અધવચ્ચે ઊડી જાય છે. એટલે આ એક જ ઉપાય છે.

વાણી વખતે કઈ જાગૃતિ ?

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે 'આ બોલ બોલવામાં કોને કોને, કેવી રીતે પ્રમાણ દુભાય છે' એ જોવાનું છે.

પ્રશ્નકર્તા : પાંચ જણને એક જ શબ્દ કહીએ છીએ, તો બધાને જુદા જુદા પ્રમાણમાં મન દુભાય છે. તો એનું શું કરવું ?

દાદાશ્રી : આપણે જાગૃતિ રાખવી ને પછી બોલવાનું. આપણને જેટલી સમજ પડે એટલું કરવાનું. એનો ઉપાય નથી. આ 'ચંદુભાઈ' ન્યાયનું બોલતા હોય છતાં સામાને દુઃખ થાય એવુંય ઘણીવાર બને. હવે એનો ઉપાય શો ? પણ તે અમુક જ માણસો જોડે થાય, બધે નથી થતું. એટલે ત્યાં આગળ બીજા દારૂખાનું ના ફોડે તો જ તમારું દારૂખાનું બંધ થશે, નહીં તો એક જણ ફોડશે એટલે તમારે ના ફોડવું હોય તોય ફૂટી જાય. એટલે બધાય નક્કી કરે કે આપણે દારૂખાનું બંધ કરો તો એ બંધ થાય, નહીં તો નહીં થાય.

પ્રશ્નકર્તા : નવો કોડ હોય તે આવતા જન્મમાં 'ઇફેક્ટ' આપે કે આ જન્મમાં પણ 'ઇફેક્ટ' આપે ?

દાદાશ્રી : આ કુંભાર માટલાં બનાવે છે, તે માટલાંને નિભાડામાં સળગાવીને કલાક પછી કાઢી લે, તો શું થાય ?

આવતા ભવે બધું સારું થશે એવું તમે માન્યું, તેથી તો તમને મારી ઉપર શ્રધ્ધા આવી, નહીં તો અહીં બેસાય શી રીતે ? આ ભવમાં તો શું થાય કે જે તમારી કોડવાળી ભાષા છે, તે પૂરી થઈ જશે અને પછી તમારી એવી ભાષા જ નહીં નીકળે.

પ્રશ્નકર્તા : એટલે પછી મૌન થઈ જવાનું ?

દાદાશ્રી : મૌન જ થઈ જવાનું. મૌન એટલે એવું મૌન નહીં કે અક્ષરેય બોલવાનો નહીં. મૌન એટલે વ્યવહાર પૂરતી જ વાણી રહેશે. કારણ કે એક ટાંકીનો ભરેલો માલ, તે ખાલી તો થઈ જ જવાનો.

અપવાદરૂપ ફેરફાર, જ્ઞાનીની આજ્ઞાથી !

પ્રશ્નકર્તા : આપને પૂછેલું કે, અમારી આ જે વાણી છે એ વાણી બરાબર નથી. વાણી સુધારવા માટે શું કરવું ? કે અમારી વાણી જે છે, એ તો આગળથી ચાર્જ થયેલી બેટરી છે અને પછી 'ડિસ્ચાર્જ' થાય. તો વાણીમાં મારે ફેરફાર કરવો છે. તો આપે કહ્યું કે, જ્ઞાનીની આજ્ઞા લો. જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને મૌન ધારણ કરીને પછી ફેરફાર થઈ શકે.

દાદાશ્રી : તે આજ્ઞા મળે નહીં ને ! એ તો કોઈ આપે નહીંને આજ્ઞા. આજ્ઞા આપે તો ફેરફાર થાય.

પ્રશ્નકર્તા : હા, પણ આજ્ઞા આપે તો ફેરફાર થાય ને ?

દાદાશ્રી : પણ આપે નહીંને કોઈને, એ તો કો'ક વખત મળી જાય.

પ્રશ્નકર્તા : હા, પણ જ્યારે પણ મળી જાય, કોઈક વખત મળી જાય.

દાદાશ્રી : મળી જાય, (સામાન્ય રીતે) એ આપે નહીં. એ આજ્ઞા તો કૃપા ઊતરે તો થાય, નહીં તો થાય નહીં.

પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત ચેન્જ થઈ શકે છે ?

દાદાશ્રી : એટલું જ આ વ્યવસ્થિતમાં ચેન્જ છે. જ્ઞાની કર્તા હોવાથી પુરુષાર્થ સહિત છે.

પ્રશ્નકર્તા : તો પછી પ્રકૃતિય ચેન્જ થાય કે નહીં ?

દાદાશ્રી : પુરુષાર્થ હોય તો બધું કોઈ પણ કરી શકે. જ્યાં સુધી પુરુષાર્થ નથી ત્યાં સુધી એ સ્ત્રી પણ નથી, નાન્યતર જાતિ છે. એટલે કશું થાય નહીં.

પ્રશ્નકર્તા : 'વ્યવસ્થિત' આમાં બદલી શકાય ?

દાદાશ્રી : એ જ્ઞાની પુરુષ એકલા જ કરી શકે. વચનબળ હોય, પુરુષાર્થ હોય, બધું. પણ તે કો'કને જ થાય, બધાને ના થાય. કૃપા ઉતરવી સહેલી વસ્તુ નથી.

પ્રશ્નકર્તા : હવે વાણીમાં સુધારો કરવો હોય તો શું કરવું ?

દાદાશ્રી : વાણી પોતે પોતાની મેળે સુધારી ન શકે, એ ટેપરેકર્ડ થઈ ગયેલી છે.

પ્રશ્નકર્તા : હા, એટલે જ ને ! એટલે વ્યવસ્થિત થયેલું છે ?

દાદાશ્રી : વ્યવસ્થિત થયેલું છે, એ હવે અહીં આગળ 'જ્ઞાની પુરુષ'ની કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ છે.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે બધું ડિસ્ચાર્જરૂપ જ ને ? તો કૃપા તો ડિસ્ચાર્જમાં લઈને આવેલા હોય ને ? અત્યારની કૃપા તો કામમાં ના આવે ને ?

દાદાશ્રી : વ્યવસ્થિત એટલે શું ? કૃપા થયા પછીનું આવે તે વ્યવસ્થિત. અવકૃપા, વિરાધના થઈ હોય તેનુંય વ્યવસ્થિત આવે ને આરાધના થઈ હોય તેનુંય વ્યવસ્થિત આવે. બે વસ્તુનું વ્યવસ્થિત આવે. આ વિરાધનાનું ફળ અને આ કૃપાનું ફળ, બેનું ફળ વ્યવસ્થિત આવે.

પ્રશ્નકર્તા : પણ તમે તો અત્યારે બધાને સરખી કૃપા કરો છોને ?

દાદાશ્રી : હા, એ સરખી દેખાય ખરી. પણ કોઈને સરખી હોય નહિ.

પ્રશ્નકર્તા : એટલે કૃપા તો વ્યવસ્થિત પ્રમાણે જ હોય ?

દાદાશ્રી : ના, ના, વ્યવસ્થિત પ્રમાણે નહિ. કૃપા પ્રમાણે વ્યવસ્થિત આવીને ઊભું રહે.

પ્રશ્નકર્તા : તો તમારા માટે તો બધાં સરખાં જ હોય ને ?

દાદાશ્રી : અમને બધાંય સરખાં અને કૃપા જુદી જુદી.

પ્રશ્નકર્તા : તમને જો બધાં સરખાં હોય તો કૃપા કેવી રીતે જુદી જુદી હોય ?

દાદાશ્રી : અમને સરખાં છે ખરાં પણ બધાં જુદાં જ છે ને ! વાણીય જુદી છેને બધાંની ?

પ્રશ્નકર્તા : તો પછી કૃપાનું મૂળ કારણ શું ?

દાદાશ્રી : સોગિયું મોઢું કરીને બેસી રહ્યો હોય એની પર કૃપા શી રીતે થાય ? સોગિયું મોઢું કરીને બેસી રહે અને કહેશે, 'મારી પર કૃપા ઉતારો.' અરે, આવું ના ઉતરે ! બુધ્ધિ વાપરે ત્યાં કૃપા જરા ઓછી થાય.

પ્રશ્નકર્તા : તો એ સામેવાળાનું વ્યવસ્થિત જ થઈ ગયું ને, કારણ કે એને એટલી કૃપા ઓછી મળવાની હોય એટલે એ બુધ્ધિ વાપરે. કૃપા ઓછી મળવાની હોય એટલે સામેનો માણસ સોગિયું મોઢું લઈને જ બેસે.

દાદાશ્રી : ના, એવું નહિ. એણે ભાવ રાખવાના છે, 'મારે કૃપા પ્રાપ્ત કરવી છે' એવો ભાવ ! જેમ ચેતતો કેવો રહે છે ને કે 'વિરાધના ના થાય, વિરાધના ના થાય !' અરે, કંઈ નહિ થઈ જાય. પણ ના, એ ચેતતો રહે. તમને નથી લાગતું, વિરાધના ના થાય એટલા માટે ખૂબ ચેતે લોકો ? ભગવાનની કોઈ જગ્યાએ વિરાધના ના થાય. એવું આરાધના અવશ્ય કરો. એટલે કૃપા અવશ્ય પ્રાપ્ત થાય.

પ્રશ્નકર્તા : દાદા, આપની કૃપાથી વ્યવસ્થિત બદલાઈ જાય ?

દાદાશ્રી : હા, વ્યવસ્થિત એ કૃપા પછી આવે. પહેલું વ્યવસ્થિત પછી કૃપા, એવું નહીં.

પ્રશ્નકર્તા : પણ વ્યવસ્થિત તો ગયા અવતારના બધા કોઝીઝના પરિણામરૂપે છે ને ?

દાદાશ્રી : હા, પણ આ કૃપા એનો એક સંજોગ, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસમાં એક એવિડન્સ છે.

પ્રશ્નકર્તા : પણ જો વ્યવસ્થિતમાં એ ન હોય તો કૃપા ન ઉતરે ?

દાદાશ્રી : નહીં, એ બધું, બુધ્ધિમાં લીધા ના કરશો.

પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત ચેન્જ થઈ શકે છે ?

દાદાશ્રી : એટલું જ, આ વ્યવસ્થિતમાં આટલો જ ચેન્જ છે. પણ જે વાણી છે એ ઈફેક્ટ છે અને કોઝિઝ કર્યા છે એ પ્રમાણે નીકળે છે. હવે એને સુધારવી છે તો જ્ઞાનીની આજ્ઞા ને તારો નિશ્ચય ફેરફાર કરી શકે. આ ઈફેક્ટમાં આજ્ઞા એકલી જ એને કામ કરે છે. એ આજ્ઞા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જેમ અહીં અમદાવાદમાં ફાંસી અપાતી હતી ત્યારે સર બેરો નીકળે અને સર બેરોની દ્ષ્ટિ પડે તો એને ફાંસી ઉપરથી ઉતારી દેવો પડે, એવું જ્ઞાનીની આજ્ઞાથી બને.

પ્રશ્નકર્તા : પણ આપે તો ત્યાં સુધી કહેલું કે જ્ઞાનીની આજ્ઞાથી વ્યવસ્થિત તૂટે છે.

દાદાશ્રી : હા, તે બધું જ તૂટી જાય. હા, બરોબર છે. જ્ઞાનીની આજ્ઞાથી શું ના થાય ?

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત બદલાય ? વ્યવસ્થિત આખું ઊડી જાય ?

દાદાશ્રી : આખું બધું ના ઊડે, અમુક ભાગ એનો ઊડે. જ્ઞાનીની આજ્ઞાથી બધું સુધરી શકે. કારણ કે ભવમાં દાખલ થવાને માટે એ વાડ સમાન છે. ભવની અંદર દાખલ ના થવા દે.

પ્રશ્નકર્તા : ભવની અંદર એટલે શું ?

દાદાશ્રી : ભવમાં ઘૂસવા ના દે. ભવમાં એટલે સંસારમાં આપણને ઘૂસવા ના દે.

માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહીં. એ બધું જ તોડી નાખે, પણ એણે જ્ઞાનીને ખુશ કરતાં આવડવા જોઈએ, રાજી કરતાં આવડવા જોઈએ. બધું ભસ્મીભૂત કરી નાંખે. જો એક કલાકમાં આટલું બધું ભસ્મીભૂત થાય છે લાખો અવતાર જેટલું, તો પછી બીજું શું ના કરી શકે ? કર્તાભાવ નથી. આ માલિકી વગરની વાણી હોઈ શકે નહીં અને માલિકી વગરની વાણીને કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ન બને, એવું. ખરેખર આટલો આ અપવાદ નથી, પણ આ વસ્તુસ્થિતિ છે. પછી હિસાબ કાઢવો હોય તો આય વ્યવસ્થિત, એય વ્યવસ્થિત, પેલુંય વ્યવસ્થિત, એમ તારણ કાઢીને પછી નીકળે. પણ એ એનો લાભ ના મળે જેવો જોઈએ એવો.

પ્રશ્નકર્તા : આવતા ભવમાં આ બધું સ્મૃતિમાં લાવજો.

દાદાશ્રી : હા. તમે નક્કી કરો કે મારે 'દાદા ભગવાન'ના જેવી જ વાણી જોઈએ. અત્યારે આવી મારી વાણી ગમતી નથી, એટલે એ પ્રમાણે થશે. તમારા નક્કી કરવા ઉપર આધાર રાખે છે. ટેન્ડર ભરતી વખતે નક્કી કરો. જેવા વાણી-આચાર જોઈતા હોય તેવાં અને ટેન્ડરમાંથી બધું તમારું ડિસીઝન આવશે.

પ્રશ્નકર્તા : નક્કી કરવાની બધી બહુ વસ્તુઓ છે. એના કરતાં એક જ નક્કી કરવું કે દાદા જેવું હોજો.

દાદાશ્રી : બસ.

આત્માર્થે વાણી તે મૌન !

પ્રશ્નકર્તા : બધા એવું માને છે કે સાઈલન્સ ઈઝ ગોલ્ડન ! એટલે 'મૌન રાખવું સુવર્ણ છે' અને 'બોલવું' એ શક્તિનો વ્યય થાય છે.

દાદાશ્રી : આ ઓગણ્યાએંસીમું વર્ષ મને બેસવાનું થયું ત્યારે દસ કલાક દરરોજેય હું બોલું છું. દિવાળીને દહાડે વધારે બોલું છું, છતાં આ મૌન કહેવાય છે. વાણીનો કંટ્રોલ કોઈ દહાડો કરો છો તમે ?

પ્રશ્નકર્તા : પ્રયત્ન કરીએ છીએ.

દાદાશ્રી : હા, પ્રયત્ન કરો. અને ભગવાને તો અમે બોલ બોલ કરીએ તોય આ વાણીનો સંયમ કહ્યો. અમે બોલીએ તોય મૌન ! ભગવાને શું કહ્યું કે જ્યાં સંસારી વાણી નથી, આત્મા-પરમાત્માની વાણી છે, એને મૌન કહેવું. સંસારી વાણીને વાણી કહેવી. ત્યારે ભગવાન ડાહ્યા હશે કે ગાંડા હશે ? કેવા ડાહ્યા છે ! આત્મા-પરમાત્મા સિવાય સંસારની વાણી જ ના હોય મહીં. એટલે અમે બધું બોલીએ, એ બધું મૌનમાં જાય.

સંસાર હેતુ માટે મૌન લીધું હોય તોય કહે છે કે મૌન નથી, અમૌન છે. આત્મહેતુ માટે ચોવીસેય કલાક બોલે, જે કંઈ પણ બોલે તો એ સંપૂર્ણ મૌન છે. આત્મા સંબંધી વાણી બોલવી, એને શાસ્ત્રકારોએ મૌન શાથી કહ્યું, કે એની દેહ પર અસર જ પડતી નથી. અમે આખો દહાડો બોલીએને, તે અસર પડતી હોય તો તો ખલાસ કરી નાખે માણસને.

પ્રશ્નકર્તા : આત્માની વાતચીત થતી હોય ને, એક અડતાલીસ મિનિટ થઈ જાય તો પછી માણસ હળવો ફૂલ જેવો લાગે.

દાદાશ્રી : પેલામાં તો બહુ શક્તિ વપરાઈ જાય. સંસારી વાણીમાં તો એકદમ શક્તિ ડિસ્ચાર્જ થયા કરે. અને આ શક્તિ ડિસ્ચાર્જ ના કરે અને શરીરનેય અસર ના થાય. કારણ કે આમાં પોતાના અંગત સ્વાર્થને માટે હોતી નથી એ અને સ્વ-પર હિતકારી હોય. આત્મજ્ઞાની પાસે બધી વાત સ્વ-પર હિતકારી હોય. સ્વનું હિત તો કરે જ, પણ પરનુંય હિત કરે.

જળવાય શક્તિ, મૌનથી !

આ બોલ બોલ કરો તો માણસની શક્તિ ઘટી જાય. મૌન લો તો જરા શક્તિ સારી રહે. બોલવાથી શક્તિ વેડફાય અને મૌનથી શક્તિ જળવાય.

વધારેમાં વધારે શક્તિ વપરાતી હોય તો આ દેહમાં વપરાતી નથી, વાણીમાં બહુ વપરાઈ જાય છે. જે આ બધો આપણે ખોરાક લઈએ છીએ ને, એનું સરવૈયું શું આવે છે ? વીર્ય બને છે, એ ખોરાકનો સાર કહેવાય છે. તેય સાર શામાં વપરાય ? એ વધારેમાં વધારે વાણીમાં વપરાય. તેથી વાણી જો ઓછી વપરાય તો સારું. નહીં તો પરહિત માટે વપરાતી હોય તો સારી. અને નહીં તો કેવળ આત્મા માટે જ વાણી બોલવામાં આવે, તેમાં શક્તિ બહુ વપરાય જ નહીં ને !

સો સુશબ્દ બોલે ને એક કુશબ્દ બોલે, તેમાં આત્માની બહુ શક્તિ વપરાઈ જાય. સો સારા શબ્દો બોલે, એમાંય શક્તિ તો વપરાઈ જાય અને ખરાબમાં, એક જ શબ્દમાં બહુ શક્તિ વપરાઈ જાય. તું ખરાબ બોલું ખરો ને કે ના બોલું ? તે તારી શક્તિ વપરાઈ જાય. સુશબ્દમાંય શક્તિ વપરાઈ જાય. જેટલા શબ્દ બોલેને, એ શક્તિ વપરાઈ જાય. એક ફક્ત આત્માના હેતુ માટે બોલેને, એને ભગવાને મૌન કહ્યું. આખો દહાડો બોલે તોય શક્તિ વપરાય નહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, તમે પછી એ શક્તિ તરત મેળવી લોને ? અને બીજી સેકન્ડમાં જ પાછા તમે પોતાની સ્વશક્તિમાં આવી જાવ છો.

દાદાશ્રી : એ તો લોકોના પુણ્ય છે, તો પાછી મળી જાય છે. મારે તો દસ-દસ કલાક બોલવામાં જાય છે. એમાં જે શક્તિ વપરાય છે, તે આ શારીરિક શક્તિમાંથી ફીડ થાય છે. એ આમાં બધી શક્તિ વપરાઈ જાય છે. મને વાંધોય નથી. મારી ઈચ્છા એવી છે કે આમાં (આત્મકલ્યાણમાં) બધી શક્તિ વપરાઓ.

મૌનથી, વેદનાના ભોગવટામાં ફેર...

પ્રશ્નકર્તા : દાઢ દુઃખે ત્યારે આપણે કહીએ કે 'દાઢ મારી નથી', પણ ત્યાં ખેંચાણ થાય તે શું ?

દાદાશ્રી : 'મને દાઢ દુઃખે છે' બોલે તેને જબરજસ્ત 'ઇફેક્ટ' થાય, એકસો પચ્ચીસ ટકા દુઃખ થાય અને બીજો માણસ દાઢ દુઃખે છતાં મૌન સેવે તેને સો ટકા વેદના થાય. તે કોઇ અહંકારથી બોલે કે, 'આવી દાઢ તો ઘણા વખત દુઃખે છે', તો પચાસ ટકા દુઃખ થઇ જાય.

મૌનથી ટેપરેકર્ડ ખલાસ !

આ જે લોક કહે છેને કે અમે આત્માની સત્તાએ ગયા, એ બધા અહંકારની સત્તામાં ગયા છે.

પ્રશ્નકર્તા : આપ આત્માની સત્તામાં ગયા છો એમ અમે માનીએ છીએ, છતાં પણ આપને દેહનું કષ્ટ કેમ આવે ?

દાદાશ્રી : એ તો આવે. લેવાદેવા નહીંને, આને ને એને કશી લેવાદેવા નહીં, તદ્દન જુદો જ. વીસ વર્ષથી આના દસ્તાવેજ અમે ફાડી નાખેલા છે. આ તમારી જોડે વાત કોણ કરે છે ? ટેપરેકર્ડ. આ તો લોક અહંકાર કરે છે કે 'હું બોલું છું' એવું. બોલે છે કો'ક અને પોતે માથે લઈ લે છે.

પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડ તમે કહ્યું તો એનો અર્થ એવો કે કંઈ કોઈનાથી પહેલાં રેકોર્ડ થયેલું છે આ ?

દાદાશ્રી : એ અહંકારથી ટેપરેકર્ડ થાય છે. અહંકારથી ફરી પાછી ટેપરેકર્ડ ઉતરે છે. ફરી પાછી અહંકારથી ટેપરેકર્ડ થાય છે. અહંકાર ના હોય તો ટેપરેકર્ડ થાય નહીં.

પ્રશ્નકર્તા : આપ બોલો છો એ કઈ રીતે બોલાય છે ?

દાદાશ્રી : આ ટેપરેકર્ડ ઉતરેલી છે તે.

પ્રશ્નકર્તા : કોણે ઉતારી ?

દાદાશ્રી : એ ગયા અવતારના અહંકારે ઉતારી. હવે ના ઉતરે. જે ચાર્જ થયેલી છે તે આ ડિસ્ચાર્જ થઈ રહી છે, એક્ઝોસ્ટ થઈ રહેલી છે.

પ્રશ્નકર્તા : આ ક્યાં સુધી ચાલવાની ?

દાદાશ્રી : આ દેહ હશે ત્યાં સુધી ચાલ્યા કરશે. અગર દેહ પહેલાં, એ ટેપરેકર્ડ ખલાસ થઈ જાય, એટલે મૌન થઈ જાય. પણ આ ડિસ્ચાર્જ છે, એક્ઝોસ્ટ થઈ રહેલું છે. વાણી એક્ઝોસ્ટ થઈ રહેલી છે. અને આ ભવમાં જ્યાં સુધી 'હું બોલું છું' એમ કહો છો ત્યાં સુધી પેલું ડિસ્ચાર્જ થાય છે અને નવું ચાર્જ થાય છે. બે બેટરીઓ ચાલ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે આપણે આ જે બોલીએ છીએ તે અહંકાર ઓછો થઈ જાય, ધીમે ધીમે 'હું બોલું છું' એવું ઓછું થતું જાય, તો પછી એ ટેપ છે તો ચાર્જ ના થાય.

દાદાશ્રી : આ 'હું બોલું' એવું ઓછું થતું જાય, તોય પણ અહંકાર જીવતો રહેને !

પ્રશ્નકર્તા : અહંકાર ઓછો થઈ જાય તો ?

દાદાશ્રી : એ તો બોલવામાં ઓછો થઈ જાય, બીજામાં વધી જાય.

પ્રશ્નકર્તા : અહંકાર ઓછો થાય જ નહીં ?

દાદાશ્રી : ના, અહંકાર ઓછો ના થાય. અહંકાર જ્ઞાની એકલા જ ઓછો કરી આપે. ઊડાડી મેલે હપૂચો, ઓછો કર્યે ન પાલવે. બિલકુલ ફ્રેક્ચર કરી નાખે.

આપણે કોઇને કહીએ કે ભઈ, ઘડીવાર એક અરધો કલાક એમ ને એમ બેસી રહેજો, કશું બોલશો-કરશો નહીં. તોય બોલ્યા વગર રહે નહીંને ! કારણ કે અહંકાર છે, એટલે બોલ્યા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : 'મારે સુધરવું છે' એવું જે કહે છે, એટલે એ કોને સુધરવું છે ?

દાદાશ્રી : એવું છેને, એ જે બગડી ગયેલો છે તે કહે છે કે મારે સુધરવું છે.

પ્રશ્નકર્તા : તે અહંકાર ?

દાદાશ્રી : અહંકાર જ, બીજું કંઈ નહીં. આત્માને લેવાદેવા નથી. જે બગડ્યો છે એ સુધરવા માટે પ્રયત્ન કરે છે.

પ્રશ્નકર્તા : એટલે સાબુથી કોલસાને ધોઈએ એના જેવું ?

દાદાશ્રી : હા, એના જેવું. ઊલટું મહેનત નકામી જવાની બધી.

પ્રશ્નકર્તા : કોલસામાંથી ડાયમન્ડ નથી બનતો.

દાદાશ્રી : હા, બને જ છેને બધા. એ તો આપણા લોક ડાયમંડ કહે છે, એ પણ એક જાતનો કોલસો જ છેને ! સ્વભાવથી જ. સ્વભાવ, ગુણધર્મ તો કોલસાના જ છેને !

જ્ઞાનનું પરિણામ, મૌન !

પ્રશ્નકર્તા : 'વાણી એ ખુલ્લો અહંકાર છે' એ જરા સમજવું છે.

દાદાશ્રી : વાણી બંધ થઈ જાય તો ખલાસ થઈ ગયું, મોક્ષે જાય. વાણીથી જ બધો અહંકાર ઊભો થયો છે.

પ્રશ્નકર્તા : પેલું વાક્ય છે ને, 'સૂક્ષ્મ અહંકારી, વાણીનું હથિયાર.' એટલે અહંકાર અને વાણીને સંબંધ છે ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : અહંકારનું હથિયાર, એને વાણી કીધી. તો અહંકારી એ વાણીને હથિયાર રૂપે વાપરે છે, એવું થયું ને ?

દાદાશ્રી : એ હથિયાર નહીં, અહંકાર જ છે. વાણીથી જ બધો અહંકાર ઊભો થયો છે.

પ્રશ્નકર્તા : વાણીથી અહંકાર ઊભો થયો છે કે અહંકારથી વાણી નીકળે છે ?

દાદાશ્રી : મૂળ શરૂઆત વાણીથી અહંકાર ઊભો થયો છે. પછી એ અહંકાર નીકળ્યા કરે છે. એટલે કાર્ય-કારણ હોય પાછું મહીં.

વાણી બંધ થઈ જાય તો ખબર પડી જાય. વાણીની શરૂઆત પહેલાં, અહંકારથી શરૂઆત થઈ અને વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ જાય. એ એનો તાળો.

પ્રશ્નકર્તા : એટલે વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ ગયો. પણ અહંકાર પહેલાં ખલાસ થયા પછી, એના પરિણામે વાણી ખલાસ થાય છે ?

દાદાશ્રી : ના, વાણી નીકળવાથી અહંકાર શરૂ થાય છે અને વાણી નીકળવાની બંધ થઈ કે અહંકાર બંધ થયો.

પ્રશ્નકર્તા : એટલે વાણી નીકળે છે એ બધો અહંકાર નીકળે છે, એવું કહો છો ?

દાદાશ્રી : હા. એટલે પછી જ્ઞાનીને એમ કહેવું પડે કે આ ટેપરેકર્ડ છે. હવે મારી ઈચ્છા નથી છતાં નીકળે છે.

પ્રશ્નકર્તા : એમાં અહંકાર ના હોય ? વાણી માત્ર અહંકારનું સ્વરૂપ જ કીધું ને, તો તીર્થંકરોની વાણી કેવી કહેવાય ?

દાદાશ્રી : એને દેશના કહી, એટલે આજે અહંકાર નથી એમાં.

પ્રશ્નકર્તા : આજે અહંકાર નથી, માટે દેશના ?

દાદાશ્રી : આજનો અહંકાર નથી, આ પહેલાંનો કરેલો છે.

પ્રશ્નકર્તા : તો આપણા જ્ઞાનનું પરિણામ મૌનપણું આવે ?

દાદાશ્રી : પછી મૌન જ હોય એને. ભગવાનેય કહે, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. એટલે અંદરથી બોલવાનું બંધ થયું ને બહારથી રહ્યું.

પ્રશ્નકર્તા : બહારથી બોલવાનું ખબર પડે એવું છે પણ અંદરથી બોલવાનું બંધ, એ કેવું હોય ?

દાદાશ્રી : અમે કહ્યું ને, બધાય જ્ઞાનીને હોય એવું. દેશના રૂપે કહે, ટેપરેકર્ડ. એ અંદર બંધ થઈ ગયું ને !

પ્રશ્નકર્તા : અને પેલો વચલો માલિકીભાવ ઊડી ગયો. જે અંદરથી બોલવાનો, તે અહંકાર ભાવ ઊડી ગયો.

દાદાશ્રી : આત્મસ્વરૂપ જ થઈ ગયો. અક્રિયતા આવી, રહ્યું જ નહીં ને હવે કાંઈ. કામમાં લાગે એવી વાત કર. આમાં શું ? આત્મઅજ્ઞાન એટલે અહંકાર, ત્યાં વાણી. તાળો મેળવી જુએ તોય ખબર પડે.

વાણીથી જગત ઊભું થયું છે ને વાણીથી જગત બંધ થઈ જાય છે. એ જ વાણી જગતને બંધ કરે છે. વાણીથી અહમ્ સ્મૃતિ, સ્વરૂપની વિસ્મૃતિ થઈ ને એ જ વાણીથી અહમ્ની વિસ્મૃતિ ને સ્વરૂપની સ્મૃતિ થાય છે. આ સમજાય છે ? તમને સમજ પડી આમાં ?

પ્રશ્નકર્તા : સમજ પડી.

દાદાશ્રી : તો આ સમજવા જેવું છે. સમજે તો ઉકેલ આવે એવો છે. આ બધી વાત વૈજ્ઞાનિક છે.

જ્ઞાનનો અર્થ જ જેટલું પરિણામ પામ્યું એટલો તું મૌન અને જેટલું આ બોલે છે એટલું અજ્ઞાન. હવે જ્ઞાની પુરુષ બોલે છતાં મૌન કહેવાય, એનું શું કારણ ? ત્યારે કહે છે કે એમાં સંસારહેતુ નથી એમનો, એમની વાણી સંસાર હેતુ નથી. આત્મા- પરમાત્માની હેતુ માટે છે.

પ્રશ્નકર્તા : અને સ્વભાવિક પણ ખરી ને ?

દાદાશ્રી : ના, સ્વભાવિક ના કહેવાય. સ્વભાવિક એટલે પોતાના ગુણધર્મે આવેને, પણ આત્માના ગુણધર્મમાં વાણી છે જ નહીંને !

- જય સચ્ચિદાનંદ