|
સહજાત્મસ્વરૂપ 'આ' જ્ઞાની ! સંપાદકીય આ કાળમાં જેમની થકી અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું, એવા આ જ્ઞાની પુરુષ, એમને ૧૯૫૮માં જ્યારે જ્ઞાન પ્રગટ થયું, ત્યારથી દેહ જુદો, પોતે આત્મસ્વરૂપે જુદા, એ દશા નિરંતર વર્તે છે. દેહ સંપૂર્ણ સહજ અને પોતે સંપૂર્ણ સહજાત્મસ્વરૂપ. ધંધાનો વ્યવહાર હોવા છતાં પોતે અંદર રાગ-દ્વેષ રહિત રહે છે. ઘર વ્યવહારના ઉદયમાં કિંચિત્માત્ર મમતા નહીં, પરિગ્રહ નહીં, એ દશામાં વર્તે છે, જેમને પોતાપણું ખલાસ થઈ ગયું છે, એવા સંસારમાં વીચરતા જ્ઞાની પુરુષને ઓળખવા સામાન્ય મનુષ્યથી મુશ્કેલ છે, એ તો કોઈ મુમુક્ષુ જ જ્ઞાનીને ઓળખી શકે. જ્યાં અબજો રૂપિયાનો હીરો હોય અને ઝવેરીની અછત હોય, તો હીરાનું મૂલ્ય કોણ કરે ? તેથી હીરો જાતે જ બોલે કે મારું મૂલ્ય આવું અબજોનું છે, એના જેવી વાત છે આ. જ્ઞાની પુરુષની દશા કેવી હોય, તેનું વર્ણન પરમ પૂજ્ય દાદાશ્રી જાતે કરી નાખે છે. લોકો જાતજાતના પ્રશ્નો પૂછે, પણ સહજ ભાવે વાણી નીકળી જાય, અને તેમની આંતરિક દશાના લક્ષણો ખુલ્લા થઈ જાય, ત્યારે આ કાળમાં આવા મહાન જ્ઞાની પુરુષ થયા, 'ન ભૂતો, ન ભવિષ્યતિ', તેના લોકોને 'અહો ! અહો !' ભાવ થયા વગર રહી જ ના શકે ! 'મને આત્મા સિવાય કોઈ વસ્તુ ગમતી નથી, હું મન-વચન-કાયાથી તદ્દન જુદો રહું છું. મારો હાથ કાપી નાખો તોયે વીતરાગતા રહે. આ નિરીચ્છક દશા થઈ છે.' પરિગ્રહોમાં રહેવા છતાં અપરિગ્રહી રહે છે ને કેટલાંય અવતારથી મમતા નથી. અમારું સંપૂર્ણ નિરાંતરાય પદ હોય. સામાને કૃપાથી જ એક જ કલાકમાં સ્વરૂપનું ભાન કરાવી શકે, એટલી બધી સિધ્ધિ ધરાવતા હોય છતાં બાળક જેવાં સરળ-સહજ હોય. એમને રાગ-દ્વેષ જ ખલાસ થઈ ગયા છે, તેના પરિણામે સંસારમાં યાદગીરી રહી નથી. અરે ! એમની હાજરીમાં જગતની વિસ્મૃતિ બધાને થઈ જતી ને ! શરીરે તકલીફો આવે, પગે ફ્રેકચર આવ્યું છતાં સહજ દશા, મુક્ત હાસ્ય! આવી નિરંતર સહજ દશા તે જોઈને શીખવાની છે. જ્ઞાની પુરુષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નિરંતર અપ્રતિબધ્ધપણે વિચરે, એટલે એમને વ્યવહાર સહજ, એટલે એ સહજાત્મસ્વરૂપ કહેવાય. પ્રગટ સ્વરૂપે સહજતા જોવા મળે એ આ કાળનું ગજબનું આશ્ચર્ય છે. ('પ્રત્યક્ષ દાદા' વીસીડીઓમાં એમની સહજતા-વીતરાગતાના દર્શન થાય છે.) જ્ઞાની પુરુષને સહજ ક્ષમા, સહજ ઋજુતા, સહજ મૃદુતા, સહજ કરુણા, શુધ્ધ પ્રેમ, વીતરાગતા તમામ સહજ ગુણો પ્રગટ્યા હોય, છતાં સામાના કલ્યાણ માટે ખટપટિયા થઈ જાય, તે એમની કરુણા છે, આ કાળના જીવો પ્રત્યે ! સહજાત્મસ્વરૂપ 'આ' જ્ઞાની પુરુષ વર્તમાન કાળે આપણને સુપ્રાપ્ત થયા, તેમની સહજ વાણીમાં સહજ દશાના તમામ લક્ષણો અત્રે સંકલિત થયા છે, જે જ્ઞાન પછી ધ્યેય તરફી પ્રગતિ માટે માર્ગદર્શક થશે. દીપક દેસાઈ સહજાત્મ સ્વરૂપ 'આ' જ્ઞાની ! પ્રિયાત્ પ્રિય, 'આત્મા' ! પ્રશ્નકર્તા : આપને સૌથી વધુ પ્રિય વસ્તુ કઇ ? દાદાશ્રી : 'મને' 'આત્મા' સિવાય કોઇ વસ્તુ પ્રિય નથી. પ્રશ્નકર્તા : આધ્યાત્મિક માટે આપના અનુભવો, વિચારો જણાવો. દાદાશ્રી : 'હું' મન-વચન-કાયાથી તદ્દન જુદો રહું છું, તદ્દન નિરાળો રહું છું. છતાં કેવળ જ્ઞાન થયું નથી, કાળને આધારે ચાર ડિગ્રી તે પચ્યું નથી. સઘળું કરતાં, સ્વ નહીં કર્તા ! પ્રશ્નકર્તા : સંસારથી આપ શી રીતે અલિપ્ત રહી શકો છો ? દાદાશ્રી : સંપૂર્ણ વીતરાગતાથી. ધંધો-વેપાર કરીએ, 'ઇન્કમટેક્ષ'-'સેલટેક્ષ' બધું ભરીએ, સંસારની સેકડો તલવારો નીચે પણ વીતરાગતામાં રહીએ. હાથ કાપી નાખે તોય વીતરાગતા રહે. પ્રશ્નકર્તા : આટલું હોવા છતાં આપને ધંધાની અગત્ય લાગે ? દાદાશ્રી : અમારે કોઇ ચીજની અગત્ય ના હોય, છતાં કરવું પડે છે. પોલીસવાળો પકડીને લઇ જાય ને કરાવડાવે તે કરવું પડે તેના જેવું છે. પ્રશ્નકર્તા : ધંધામાં નફો થાય તો ? દાદાશ્રી : એવી કોઇ વૃત્તિ જ નહીં. નફાનો વિચાર જ નથી આવ્યો, બધું સહજપણે થાય. કોઇ પણ જાતની ઇચ્છા જ નહીં, આ નિરીચ્છક દશા થઇ છે ! પરિગ્રહોમાં અપરિગ્રહી ! અમારે કેવું હોય, કે આ મકાન બળતું હોય તોય તેનો પરિગ્રહ ના હોય, સહજ હોય. આ અમારી સામે ખાવાની થાળી મૂકી હોય અને કોઇ ઉપાડીને લઇ જાય તો અમે તેને વિનંતી કરીએ કે, 'ભાઇ, સવારનો ભૂખ્યો છું'. જો ભૂખ્યા હોય તો વિનંતી કરીને માગીએ ને છતાંય ઉપાડીને લઇ જ જાય તો અમને વાંધો નથી. માગવું એને પરિગ્રહ ના ગણાય. ભલે 'જ્ઞાની' હોઇએ, પણ માગવું પડે. અમને જમવાની થાળીની મૂર્ચ્છા ના હોય. આ બધા જ પરિગ્રહો છે, એમાં અપરિગ્રહી થાય તો અંત આવે, 'સત્સુખ'ને પામે. મહીં જે છે એ સંપૂર્ણ દરઅસલ વીતરાગ છે ! આ તો અજાયબી ઊભી થઇ ગઇ છે ! આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે અને તે 'વિક્રમ' ટોચ પર છે !!! મમતા નહીં કેટલાય અવતારથી ! અમારી મમતા તો ગયા અવતારથી નથી, કેટલાય અવતારથી નથી. આ તો બધું એની મેળે ચાલ્યા કરે છે, ઉદયના આધીન. અમારે કશું આમાં કરવું ના પડે. કોઈ દહાડો ઇચ્છાયે નહીં, વિચાર સરખોય નહીં અને તે પેલું પોતાપણુંયે નહીં. વર્લ્ડમાં પોતાપણું ના જાય. એવા માણસ હોય નહીં, પોતાપણું ગયું એ ભગવાન કહેવાય. આ તો લોકોને વિરાધના થાય એટલા માટે નથી કહેતા. ના પાડી છે કે 'ભગવાન છીએ' અમને બોલશો નહીં. મહીં છે એને ભગવાન કહો, નહીં તો લોક વિરાધના કરે અને નકામા પાપ બાંધે એ. અમને ભગવાન થવાનો કંઈ સ્વાદ આવતો નથી. અમે જે જગ્યા પર છીએ ત્યાં ઘણો સ્વાદ છે. દિલના સાચાને 'સાચું' મળ્યું ! પ્રશ્નકર્તા : પણ આપને અક્રમ જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું ? એમ સહજ એની મેળે કે પછી કંઈ ચિંતન કર્યું ? દાદાશ્રી : એની મેળે, 'બટ નેચરલ' થયું ! અમે કશું આવું ચિંતન કરેલું નહીં. અમને તો આટલું બધું હોય ક્યાંથી ? અમે તો એવું માનતા હતા કે કંઈક આ બાજુનું ફળ આવે એવું લાગે છે. સાચા દિલના હતા, સાચા દિલથી કરેલું હતું, એટલે એવું કંઈક ફળ આવશે, કંઈક સમકિત જેવું થશે, એવું લાગેલું. કંઈક સમકિતનો આભાસ થશે, એનું અજવાળું થશે, તેને બદલે આ આખું અજવાળું થઈ ગયું ! ઈચ્છા ત્યાં અંતરાય ! પ્રશ્નકર્તા : સંસાર જ એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે. દાદાશ્રી : તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. 'હું ચંદુભાઇ છું' બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, 'તું મને ચંદુ કહે છે ?' આ અણસમજણથી બોલ્યો તોય અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ઘાલે તો એ છોડે કે ? મહીં પરમાત્મા બેઠા છે, અનંત શક્તિ છે મહીં, તે જેટલી જોઇએ તેટલી મળે તેમ છે. પણ જેટલા અંતરાય પાડે એટલી શક્તિ આવરાય. ઇચ્છા કરો ત્યાં અંતરાય પડે. જે ચીજની ઇચ્છા થાય એનો અંતરાય થાય. આ હવાની ઇચ્છા થાય છે ? તેથી એનો અંતરાય ઊભો થતો નથી. પણ પાણીની થોડી થોડી ઇચ્છા હોય છે તેનાથી એના અંતરાય ઊભા થાય. 'જ્ઞાની પુરુષ'ને કોઇ વસ્તુની ઇચ્છા ના હોય એટલે એમને નિર્અંતરાય પદ હોય, હરેક વસ્તુ સહજાસહજ આવીને પડે. 'જ્ઞાની'ને કોઇ ચીજની ભીખ ના હોય. ભિખારીપણું છૂટે તો તમે પોતે જ પરમાત્મા છો. ભિખારીપણાથી જ બંધન છે. આ તો તમને કલાકમાં જ સ્વરૂપનું ભાન 'અમે' કરાવી આપીએ છીએ, તેથી આ બધું સહજ પ્રાપ્ત થઈ જાય છે, બાકી લાખ અવતારેય ઠેકાણું પડે તેમ નથી ! જ્ઞાનીની આજ્ઞા તો સહજ હોય, ઊલટી હેલ્પફૂલ થાય, મદદ કરે, રક્ષા કરે. યાદગીરીનું કારણ રાગ-દ્વેષ ! પ્રશ્નકર્તા : અમારા માટે આપે જે પાંચ આજ્ઞાની દિવાલ મૂકી છે ને, છૂટું રહેવા ? એવું આપે આ 'ટેપરેકર્ડ' કહીને દિવાલ મૂકી દીધી છે. દાદાશ્રી : હા. કારણ કે આ વાણી સહેજે નીકળે. આમાં કશો પ્રયત્ન નહીં ને પ્રયાસેય નહીં. યાદગીરી તો મને છે જ નહીં. કોઈપણ માણસની આટલીય યાદગીરી મને નથી. આજે શું વાર થયો, તે મારે પૂછવું પડે, તારીખ શું થઈ એ પૂછવી પડે. એ યાદગીરી નથી તેથી ને ? આજ પૂછી હોય, તે પાછું કાલે તારીખ પૂછું ! ત્યારે 'ભઈ, કાલની તારીખ યાદ નથી ?' ત્યારે કહે, 'નથી.' એનું કારણ શું ? ચોખવટ કરી કે યાદગીરી એ ગાંડપણ છે કે ડહાપણ છે ? પછી એનો જ્ઞાનમાં જવાબ એ આવ્યો કે યાદગીરી શેનું પરિણામ છે ? મેમરી (યાદગીરી) ઈઝ રિઝલ્ટ ઓફ રાગ-દ્વેષ. જેને રાગ-દ્વેષ ના હોય એને મેમરી ના હોય. જેને શાસ્ત્ર પર રાગ હોય તો શાસ્ત્ર બધું મોઢે એટલે રાગ-દ્વેષ. હમણાં હું શું બોલ્યો, ભૂલી ગયોને ? ટેપરેકર્ડ શું બોલી ? પ્રશ્નકર્તા : મેમરી ઈઝ ધી રિઝલ્ટ ઓફ રાગ-દ્વેષ. દાદાશ્રી : હવે એમાં કંઈ ગ્રામેટીકલ મિસ્ટેક્સ હોય તો ફેરફાર કરવો આપણે. પ્રશ્નકર્તા : પ્યૉર છે. દાદાશ્રી : એટલે હવે એ રાગ-દ્વેષને બદલે એટેચમેન્ટ-ડીટેચમેન્ટ બોલ્યા હોય તો ચાલત, પણ આ તે ઘડીએ યાદ ના રહ્યું. મેમરી નહીંને, બિલકુલ. અમને તો જે છે તે આ ને તમે કહો છો કે 'તમને શી રીતે પછી આ ખબર પડે છે બધી ?' તો અમને દેખાય. તમે કહો કે 'આ તે દહાડે આપણે ગયા'તા જાત્રામાં, તે આવું આવું થયું'તું, તે બરોબર છે કે નહીં ?' ત્યારે હું કહું કે 'બરોબર છે.' પણ અમે દેખાયેલું કહીએ અને તમે યાદગીરીમાં કહો. બોલતાંની સાથે દેખાય આમ, એક્ઝેક્ટ દેખાય. પ્રશ્નકર્તા : દર્શનમાં આવે બધું ? દાદાશ્રી : દેખાય. દર્શનમાં નહીં, એક્ઝેક્ટ દેખાય. પ્રશ્નકર્તા : એ દેખાય શેનાથી ? દાદાશ્રી : દર્શન, ચોખ્ખું ક્લીયર થયેલું. એ ટ્રાન્સપેરેન્ટ છે આખું, બિલકુલ પ્યૉર. પ્રશ્નકર્તા : એમાં ઉપયોગ મૂકવો પડે કે સહજ દેખાય ? દાદાશ્રી : નહીં, સહજ જ દેખાય. ઉપયોગ મૂકનારો, ઉપયોગ મૂકનાર કોણ ? એ અહંકાર હોય તો ઉપયોગ. ઉપયોગ મૂકનાર જુદો હોય. પ્રશ્નકર્તા : એમાં સહેજ પણ ઉપયોગ મૂકવો પડતો નથી કે શું ? દાદાશ્રી : ના, કશું જ નહીં. પ્રશ્નકર્તા : ઉપયોગ એમાં દેવાઈ જાય, તેથી પેલું શરૂ થાય છે, એવું પણ નથી ? દાદાશ્રી : ના. ઉપયોગ ના મૂકાય એટલે સહજ કહેવાય. દેહનું સહજ સ્વરૂપ કહેવાય. કેવો સહજ ઉપયોગ ! વિજ્ઞાન આપણું બહુ જુદી જાતનું છે. ઘણી ફેર અમે હઉ, અમારેય પેલું દુઃખથી છેટું ના થઈ શકે અમુક બાબતમાં. અમુક બાબતમાં છેટું જ હોય પણ એ અમુક દુઃખની બાબતમાં મહીં ચોંટેલું હોય કોઈ જગ્યાએ. ચોંટ્યો હોય તે, તેને અમે ઉખાડ ઉખાડ કરીએ. પ્રશ્નકર્તા : ત્યાં વધારે ઉપયોગ મૂકો ? દાદાશ્રી : ઉપયોગ મૂકીએ વધારે પણ છતાં ઉપયોગ મૂકવો પડે. પેલો સહજ ઉપયોગ હોય. દાંત દુઃખે ત્યારે પોતે જાણતો જ હોય. ફક્ત જાણનારો તો જાણ્યા જ કરે, અંદર દુઃખે નહીં. દુઃખે પ્રકૃતિને, ચંદુભાઈને દુઃખે અને પોતે કહે કે મને દુખ્યું એટલે ચોંટ્યું, જેવો ચિંતવે એવો તરત થાય. પણ હવે એ બહુ ઊંડા ઉતરવાની ના પાડું છું. એ તો આવતો ભવ રહ્યો જ છે ને એક. એ બધું નીકળી જશે. દેહ સાચવે, કલ્યાણાર્થે ! પદ્માસન વાળીને બેસવાનું કારણ તે ધર્મને લીધે નહીં, પણ મારી શારીરિક પ્રકૃતિ સચવાઈ જાય તે માટે. કારણ કે મને ખોરાક પચતો નથી. શી રીતે પચે ? ચાલવાનું નહીં. તે આ બધું કઈ ધર્મને માટે નથી. 'નિશ્ચય' તો મારો પૂરો થઈ ગયો. પણ આ શરીર ટકે સારી રીતે અને આખો દહાડો કામ કરી શકે એ હેતુ. એ કર્તાભાવે નહીં, સહજ ભાવે. કો'ક દહાડો ના થાય તો કંઈ નહીં, એવું નહીં કે આમ જ ! સહજ ભાવે !! ફ્રેકચર વેળાએય મુક્ત હાસ્ય ! આ આરોપિત દ્ષ્ટિથી તમારી આ દશા છે. જો પોતાની સાચી દ્ષ્ટિમાં આવે તો આત્માની તો અનંત શક્તિ છે. નર્યું અનંત સુખનું ધામ જ છે. પછી સુખ ખોળવાનું નથી. સહજ સુખ છે, એટલે કંઈ ખોળવા જવાનું ના હોય. કોઈ ચીજ હોય-ના હોય, કશુંય નહીં. બધું મળ્યા જ કરે. નિરંતર મળ્યા કરે. મારે ઓચિંતો આ પગ ફ્રેકચર થયો'તો. હવે આખી જિન્દગી છે ત્યાં આગળ, મોટી મોટી જેટીઓ બાંધી, ત્યાં બધે ફર્યા દરિયામાં, પણ કોઈ દા'ડો પગને કશું થયું નહીં અને અહીં પલંગમાંથી ઊઠતાં જ પગ ફ્રેકચર થયો. જુઓ કુદરતના ખેલ ! એટલે પછી ડૉક્ટરો સવારમાં ઘરે આવ્યા, ડૉક્ટર કહે છે કે દવાખાનામાં જ આવવું પડશે, નહીં ચાલે. ડૉક્ટરો બધા ઓળખેને, જાણે બધા અને સત્સંગ કરેલા બધા ડૉક્ટરો. એટલે મોટા મોટા ડૉક્ટરો બધા ત્યાં આગળ આવી અને ત્યાં આગળ લઈ ગયા મને, અને ત્યાં લઈ જઈને બધું જોયું અને પછી મોટા ડૉક્ટરોએ નાના ડૉક્ટરોને કહ્યું કે, 'જાવ, દાદાને જોઈ આવો.' ત્યારે કહે કે 'શું જોવાનું છે ?' ત્યારે કહે, 'ફ્રેકચર થયેલા માણસ રડે કે હસે ?' તે ફ્રેકચર થયા પછી એક ક્ષણ હાસ્ય નથી ગયું. એ ડૉક્ટરે અજાયબીની નોંધ કરી, કે આત્મા જુદો છે, એનો આ પુરાવો છે. એવી એમને ખાતરી થઈ ગઈ ને ! નહીં તો, કહે છે, ફ્રેકચરવાળાને તો બધાને કંઈક રડવું આવેલું, કંઈ દુઃખોની બૂમો પાડે, કલ્પાંત તો કર્યા વગર રહે જ નહીં ! પણ મને તો એક ક્ષણેય વિચાર જ નહીં. જાણે મને કશું થયું જ નથી અને આ નીરુબેન નિરંતર સેવામાં રહેતા'તા, પણ મેં બીજું કશું જોયું નથી. નિરંતર પરમાનંદી, સહજ. કશું મહેનત કરવાની નહીં, કશુંય નહીં, એમ ને એમ આવ્યા જ કરે. પોતાનું સુખ અંદર પોતાના (આત્માના) સુખમાં જ છે. આ મહેનત કરવાથી કલ્પિત સુખો મળે, વિનાશી સુખો, તેય જો સ્ટવ સારો હોય તો ચા સારી બને, નહીં તો ના બને. અને વગર મહેનતે થાય, એનું નામ મોક્ષ કહેવાય. મોક્ષ હંમેશાં વગર મહેનતે હોવો જોઈએ. કષ્ટદાયી ના હોવો જોઈએ. મોક્ષ જો કષ્ટદાયી હોય, કષ્ટદાયી પ્રયોગથી જો મોક્ષ થતો હોય, તો એ મોક્ષમાર્ગ હોય જ નહીં. ફ્રેકચરનો કાળ વેદના વિના વીત્યો ! પ્રશ્નકર્તા : પણ એક નવાઈ લાગે છે કે જ્ઞાન થયા પછીથી આ બધું સમજી શકો, અત્યારના દ્ષ્ટિબિન્દુથી, પણ કટોકટીનો વખત તો જ્યારે તમને પેલા પોલીસવાળા પકડવા આવ્યા'તા ને ત્યાં આ કર્યું ને એ વખતે તમે 'તું તારે બાંધને' એ સામાન્ય રીતે કોઈ દિવસ કોઈના એવા ઉદ્ગારો નથી હોતા. આ જ્ઞાનીની અવસ્થા તો પાછળથી આપે પ્રાપ્ત કરી અને આ તો એનાં પહેલાનાં ઉદ્ગારો ! દાદાશ્રી : હા, એ શ્રેણી મજબૂત ખરી પહેલેથી. આ શરીર છે છતાં આ પગ ભાંગ્યો ને મહીં વેદના થવી જોઈએ, એ વેદનાથી જે તકલીફ થાય, બેસવાની પ્રક્રિયા, એમાં જો કંઈક દુઃખ આવવું જોઈએ, પણ એ દુઃખ પડ્યું નથી. અત્યારે સંડાસ જવું પડે, એ બધી ક્રિયા થાય, તોય શરીરને કશી અસર નથી થતી. બેઠા પછી ઊઠું તોય અસર થતી નથી, એક મિનિટેય અસર થતી નથી. તમને આ શરીર જુદું છે, પણ જુદાપણાનો હજી એવો 'એક્ઝેક્ટ' અનુભવ નથી થયો ને ! જુદા છે, પ્રત્યક્ષ જુદા દેખાય છે, એ બધી વાતેય ખરી છે પણ જ્યાં સુધી શરીર વળગેલું છે ત્યાં સુધી વેદના ઉત્પન્ન કર્યા વગર રહે નહીં. મન-બુધ્ધિ-ચિત્ત ને અહંકાર એટલા બધા સુંદર ડેવલપ થયેલા કે એ વીસ વર્ષથી આઘુંપાછું થયા નથી, ડીપ્રેસ નથી થયા કે એલીવેટ નથી થયા. એટલે અમારે આ મન કેટલું બધું ડેવલપ થયેલું ! ચિત્ત કેવું સુંદર ડેવલપ થયેલું ! અહંકાર કેટલો બધો આમ ડેવલપ થયેલો ! હવે આવું સુંદર ડેવલપ થયેલું હોય ત્યાં આ પગને સાંધવા માટે પેલી શીશી સુંઘાડવાનો વખત આવે, તે આવા સ્થૂળ આના માટે, મારે મહીં મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર કેવાં ડેવલપ થયેલાં, તે બગડી જાયને ! અને આ પગ ટૂંકો થાય તોય મારે વાંધો નથી, મારે ચાલવાની બહુ જરૂર હોતી નથી. જીવિત કે મરણે, નહીં ન્યુનાધિકતા ! એવું છે ને, અમારે કંઈ આને જીવાડવાની ઇચ્છાયે નથી. અમારે તો આ દેહ રહે કે ના રહે, એની પણ કંઈ પડી નથી. મરવું એવુંય નથી, જીવવું એવુંય નથી, એની મેળે દેહ જ્યારે છૂટી જાય તો છૂટી જાય અહીંથી ! લોક તો શાના હારુ આ બધું કરે છે કે વધુ જીવવા હારુ બધા ઘાટ પ્રપંચ કરે છે કે 'ડૉક્ટર સાહેબ, મને આમ કરો, મને સારો કરો, મને બચાવો.' અમારે તો જે સહજાસહજ થઈ જાય ને, તે સારું. આ બધા ડૉક્ટરો અહીં આવીને આ બધું કરી જાય છે. ડૉક્ટરોની ઇચ્છા એવી ખરી કે આમને અહીંથી 'છૂટવા' નથી દેવા, હજી પાંચ-દસ વર્ષ વધુ રહે તો સારું, હજુ જગતને કામ લાગશે. એટલે આ ડૉક્ટરો બધા ટેકો આપવા માંગે છે. બાકી, હવે ચુમ્મોતેર વર્ષ તો થઈ ગયાં (૧૯૮૧ની સાલમાં) ! શરીર સ્વભાવે સાહજિક ! જે પરપરિણામો છે, કે જે ડિસ્ચાર્જરૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની જરૂર છે. બીજો ઉપાય જ નથી. એ તો મહાવીર ભગવાનને પેલાં બરુ માર્યાં ને, તોય ભગવાન વીતરાગ રહ્યા અને બરુ ખેંચી કાઢ્યા પેલાએ, તે ઘડીએય વીતરાગતા જ. ભલે પછી દેહનું ગમે તે થયું, દેહે બૂમ પાડી હશે, તેને લોકોએ બધું ઊંધુંં માન્યું. પણ જ્ઞાનીનો દેહ તો હંમેશાંય બૂમ પાડે, રડે, બધું જ કરે. જ્ઞાનીનો દેહ જો આમ સ્થિર થઈ જતો હોય, તો તે જ્ઞાની નથી. પ્રશ્નકર્તા : બધા લોકો તો એવું જ માને છે કે જ્ઞાનીને જરા આમ કરે તો હાલે નહીં, ટસમસ ના થાય. દાદાશ્રી : લોકોને લૌકિક જ્ઞાન છે. લૌકિકની બહાર જગત નીકળ્યું નથી. આમ સ્થિર બેસે અને બળી મરતો હોય, તો લોક એને જ્ઞાની કહેશે. પણ જ્ઞાની તો જોતાં જ ખબર પડી જાય કે આ જ્ઞાની છે, હાલી જાય આમ. આ બધું હાલી જાય અને અજ્ઞાની ના હલે. કારણ કે અજ્ઞાની નક્કી કરે કે મારે હાલવું જ નથી. જ્ઞાનીને અહંકાર ના હોય ને એ સહજ હોય. સહજ એનું નામ કે જેવો શરીરનો સ્વભાવ છે ને, ઊંચું-નીચું બધું થયા કરે. શરીર ઊંચા-નીચું થાય એ સહજ અને આત્માના પરપરિણામ નહીં એ સહજ. સહજ આત્મા એટલે સ્વપરિણામ અને શરીર ઊંચા-નીચું થાય, એ એના સ્વભાવમાં જ કૂદાકૂદ કરે આમ. આમ દીવાસળી સળગતી હોયને, નાખી પછી નીચેથી છેડો ઊંચો થઈ જાય, એ શું ? એ સહજ પરિણામ છે. દેહના બધા જ પરિણામ બદલાય. અજ્ઞાનીને ના બદલાય. અજ્ઞાની આમ સ્થિર થયો, તેવોને તેવો. અહંકાર છે ને ! આને અહંકાર નહીં, એટલે આંખો રડે, બધું જ કરે. પ્રશ્નકર્તા : તે વખતે એ એની પ્રકૃતિ રડે ત્યારે એ અંદર પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર હોય ? દાદાશ્રી : બરોબર છે. પ્રશ્નકર્તા : એ પ્રકૃતિને કંઈ કંટ્રોલ કરતા નથી ? દાદાશ્રી : પ્રકૃતિ, પ્રકૃતિના ભાવમાં જ હોય છે, એને કંટ્રોલ કરવાની તમારે જરૂરત નથી. તમે સહજ ભાવમાં આવ્યા તો આ સહજ ભાવમાં જ છે. અહીં આગળ છે ને, આરસના પથરા ઉપર રહીને મારે બૂટ વગર જવાનું હોયને તે બૂમાબૂમ કરું, એય દઝાયો દઝાયો દઝાયો તો એ જ્ઞાની, નહીં તો આમ દબાવી દે, બોલે નહીં તો જાણવું કે અજ્ઞાની મૂઓ છે, હજુ ચોક્કસ કરે, ચોક્કસ રાખે. સહજ એટલે શું ? જેમ છે તેમ કહી દે. જેને કેવળજ્ઞાન ઉપજ્યું હોય ને તેનો દેહ સહજ હોય. દોડવાના ટાઈમે દોડે, રડવાના ટાઈમે રડે, હસવાના ટાઈમે હસે. ત્યારે કહે છે, ભગવાન મહાવીરના કાનમાંથી ખીલા કાઢ્યા તો કેમ રડી પડ્યા ? અલ્યા મૂઆ, એ રડી પડ્યા, તેમાં તારું શું જાય છે ? એ તો રડે જ. એ તો તીર્થંકર છે. એ કંઈ અહંકારી ના હોય, કે આંખ્યો આમ સ્થિર એ રાખે ને આમ તેમ કરે, અને અહંકારી હોય તો કઠણ કરી નાખે. બરૂ મારતી વખતે કરુણાનાં આંસું હતાં અને કાઢતી વખતે વેદનાનાં આંસું હતાં. અને તે આંસું આત્માને હોય નહીં. આ દેહ આસુંવાળો હતો. મેં કહ્યું, જો આસું ના આવે તો આપણે સમજવાનું કે મેન્ટલ થઈ ગયો છે કાં તો અહંકારી મૂઓ છે, ગાંડો છે. બધી સાહજિક ક્રિયા હોય. જ્ઞાની હોય એનાં શરીરમાં બધી સાહજિક ક્રિયા હોય ! હવે આ વાત બધી લૌકિક જ્ઞાનથી બહુ છેટી છે. એટલે જલદી બેસે નહીં ને ફીટ ના થાય ને, આ વાત ? અલૌકિક વાત છે આ. મહાવીર બિલકુલ ભાન વગરના હતા નહીં. તેમને જ્યારે ખીલા ખેંચવામાં આવ્યા ત્યારે રડયા'તા હઉ. હસે હઉ, બધી સાહજિક ક્રિયા હોય. જ્ઞાની રડે હઉ, હસે હઉ, બધી ક્રિયા સાહજિક હોય. પોતાપણું છૂટ્યે, પૂર્ણ સહજતા ! અમારી આ સાહજિકતા કહેવાય. સાહજિકતામાં કશો વાંધો નહીં. ડખલ જ નહીં ને કોઈ જાતની. તમે આમ કહો તો આમ ને તેમ કહો તો તેમ, પોતાપણું નહીં ને ! અને તમે કંઈ ઓછું પોતાપણું છોડી દો એવા છો ? અમને તો 'ગાડીમાં જવાનું છે' કહે તો તેમ. એ પાછા કાલે કહેશે કે 'આમ જવાનું છે' તો તેમ. 'ના' એમ નહીં. અમારે કંઈ વાંધો જ નહીં. અમારે પોતાનો મત ના હોય, એનું નામ સાહજિકપણું. પારકાના મતે ચાલવું એ સાહજિકપણું. અમારે સાહજિકતા જ હોય, નિરંતર સાહજિકતા જ રહે. એક ક્ષણવાર સાહજિકતાની બહાર નહીં જાય. એમાં અમારે પોતાપણું હોય નહીં, તેથી કુદરત જેમ રાખે તેમ રહીએ. પોતાપણું છૂટે નહીં ત્યાં સુધી ક્યાંથી સહજ થવાય ? પોતાપણું હોય ત્યાં સુધી સહજ શી રીતે થાય પણ ? પોતાપણું મૂકી દે તો સહજ થાય. સહજ થાય એટલે આત્માના ઉપયોગમાં રહેવાય. દેહ છતાં દેહાતીત ! અમે સહજ હોઈએ આખો દહાડોય. કારણ કે આ દેહના માલિક અમે ક્ષણવારેય ના હોઈએ, એમાં આ વાણીના માલિક નહીં અને આ મનના માલિક નહીં. શરીરનું માલિકીપણું છવ્વીસ વર્ષથી જતું રહ્યું અને છવ્વીસ વર્ષથી સમાધિ જાય નહીં એક સેકન્ડેય. અમને ધોલો મારે તોય અમારી સમાધિ ! અમે આશીર્વાદ આપીએ એને. વિલક્ષણતા જ્ઞાનીની ! જ્ઞાની પુરુષ કોનું નામ કે જેને ત્યાગ અગર અત્યાગ સંભવે નહીં, સહજ ભાવે હોય. એ રાગ-દ્વેષ ના કરે. ફક્ત એમનામાં વિશેષ વિલક્ષણતા શું હોય કે રાગ-દ્વેષ ના હોય. એટલી જ વિલક્ષણતા હોય, બીજી કોઈ વિલક્ષણતા ના હોય ! મૂર્તિનો ફોટો પડે, પોતે અમૂર્તમાં સહજ ! પ્રશ્નકર્તા : ફોટો લેતી વખતે, આપને મહીં શું રહે ? કારણ કે આ તો મારો ફોટો લે છે, પછી આમને આમ અક્કડ રહે, તો આપને અંદરમાં કેવું પરિણામ હોય ? આપને કેવો ઉપયોગ રહે તે વખતે ? દાદાશ્રી : કશું લેવાદેવા નહીં. કશું જ નહીં બન્યું એવું. એક પેલાને એ ના લાગે, કે મારો ફોટો ખરાબ દેખાય એવું કર્યું, એટલે હું એની સામું જોઉં જરા એટલું જ ને હાથ જરા જોડું. મહેનત નકામી ના જાય ને ! અને એ કહેશે, મારે સહજ જેમ ફાવે એમ બેસો, ત્યારે એમ બેસું. આમેય કરું. તુંય સહજ થઈશ એટલે તારા ફોટા લેવાશે. સહજ થવું જોઈએ. ફોટોગ્રાફર ખોળતો હોય છે, સહજ કોણ છે આ બધા સો માણસ બેઠાં હોય એમાં. એ ખોળતો જ હોય. ફોટોગ્રાફરને એ પરીક્ષા સારી હોય. ફોટોગ્રાફર સમજી જાય કે આટલા બધામાં આમનો ફોટો લેવા જેવો છે, હું હમણે તમારી જોડે નીચે બેસું ને પછી ફોટોગ્રાફરને કહીએ કે ખોળી કાઢ કે કોનો ફોટો લેવા જેવો છે ? ત્યારે કહે, આમનો લેવા જેવો. સ્થિરતા જુએ. ફોટોગ્રાફર હંમેશા સ્થિરતા જુએ. કેટલી સ્થિરતા ને સહજતા છે, એ જુએ. સહજતા તમે સમજ્યા ? તમેય છે તે અમથા આમ અક્કડ થઈ જાવ, નહીં થાવ ? પ્રશ્નકર્તા : થઈ જાય. પાછું મને કોઈ જુએ છે કે નહીં, એમ બધે જોયા કરે. દાદાશ્રી : એને જોવામાં વાંધો નથી પણ તે રેગ્યુલર જોતો નથી. એ જોવાનો સહજભાવ તૂટી જાય છે. પ્રશ્નકર્તા : પાછો કહે, મારો ફોટો લે છે. દાદાશ્રી : હા, એટલે જે માણસને ફોટામાં લેતા હોય ત્યારે સહજ થાય ને, એના ફોટા બહુ પડે, પુષ્કળ પડે. પ્રશ્નકર્તા : એવો નિયમ છે ? દાદાશ્રી : નિયમ જ ને બધા. બધાં નિયમથી જ ચાલે ને જગત. પ્રશ્નકર્તા : આ પાછું દાદા એવુંય કહે, કે આ મારો ફોટો કેવો સહજ છે ! આ નેચરલ ફોટો છે મારો ! દાદાશ્રી : એક માણસ તો કહે છે, આમ દોઢ ડોલર ફી લેતો'તો, ત્યાં ને ત્યાં તરત ફોટોગ્રાફ આપે, તૈયાર કરીને. તે કહે છે, મારે આમનો ફોટો લેવો છે. લઈને તરત ફોટો આપ્યો ને પૈસા ના લીધા ! જેને (દાદાનો ફોટો) લેવો હોય એની ગરજે લે કે ! ત્યાર પછી ફોટા સરસ આવ્યા હોય ! હવે તો નીરુબેન હઉ ફોટાગ્રાફર થઈ ગયાં છે ને, કેમેરા-બેમેરા લઈને ! પ્રશ્નકર્તા : ત્યારે તમે કહો છો, ફોટોગ્રાફર થઈ ગયા, એટલે પછી. દાદાશ્રી : એ તો કહું, એ તો બધી રમૂજની વાતો બધી. એ તો રમૂજ ના જોઈએ થોડી ઘણી ? પ્રશ્નકર્તા : જોઈએ. દાદાશ્રી : આ ભઈ જોડે કેટલી રમૂજ કરું છું ? નથી કરતો ? તમને ખબર પડી જાય ને કે આ રમૂજ કરે છે ? ગેલ તો કરવું જ પડે ને ? રમૂજ તો હોય ને ! રમૂજ વગર દુનિયામાં ગમે શી રીતે ? તારી જોડે નથી કરતો ? આમણે (દાદાનો) ૩૬ કલાકનો વિડિયો કર્યો, ત્યારે એમને ફોટાની કેટલી ઇચ્છા હશે ? ૩૬ કલાકનો વિડિયો એટલે કેટલા કલાક ચાલે ફિલ્મ ? જોઈએ છીએને, આપણે સિનેમા ? એવું બાર દહાડા જોઈએ ત્યારે એ પૂરું થાય ! આખા અમેરીકામાં (મારી જોડે) ફર્યો, બધે જ (વીડીયો) લઈને ! ૩૬ કલાકની એટલે બોલતાં-ચાલતાં બધું જ ! કહે છે, રોજ જોયા જ કરીએ છીએ. એ જ જોઈએ છીએ, મારે બીજું શું જોવાનું ? બાર કલાકની બધી આમ સરસ થોડી થોડી લઈને અહીં અમેરીકાથી ત્યાં ઈન્ડિયા મોકલવાના છે. બહુ સારું કહેવાય. લોક જુએને ? સહજ, ટેન્શનરહિત દશા ! લોકો મને કહે છે, 'દાદાજી, તમારો ફોટોગ્રાફ ગમે તે ટાઈમે માણસ લઈ શકે ?' મેં કહ્યું, હું સહજ ભાવે રહું છું, ગમે તે ટાઈમે, હું આમ બેઠો કે આમ બેઠો, એટલે મારો ફોટો સારો જ હોય. કંઈ વઢ્યો હોય તો મારો ફોટો બગડેલો હોય, પણ મને ટેન્શન જ નહીં. 'નો ટેન્શન' જેને, તો પછી ફોટો કેવો હોય ? જેને ટેન્શન જ નથી કોઈ દહાડો, પચ્ચીસ-પચ્ચીસ વર્ષથી ટેન્શન ઉત્પન્ન નથી થતું, એનો ફોટો કેવો હોય ? પ્રશ્નકર્તા : સરસ. દાદાશ્રી : સહજ હોય, સાહજિક હોય. આમ બોલે, તેમ બોલે. અને નહીં તો ફોટો પડાવા જનાર તો... અલ્યા, શું છે આ ? ફોટોગ્રાફરેય સમજી જાય. ફોટોગ્રાફર સમજે કે નવે નવો છે નિશાળિયો. તે પાંચ-પચાસ વખત ફોટો પાડ્યો હોય તો પછી એ પાછું નીકળી જાય એ બધું. પણ ટેન્શન તો મોઢા પર દેખાય જ ને ? ટેન્શન શી રીતે જાય માણસને ? ટેન્શન જાય તો કામ નીકળી જાય ને ! તે આ જ્ઞાન ટેન્શનરહિત કરનારું છે ! વિધાઉટ એની ટેન્શન, નો ટેન્શન ! સર્વ સમાધાની જ્ઞાન. એટલે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તે ટાઈમે આ જ્ઞાન હાજર થવાનું જ અને ત્યાં આગળ તમને રોકડું ફળ આપશે જ. સર્વ સમાધાની જ્ઞાન કહેવાય. એટલે આને જો સાચવો તો કામ નીકળી જાય એવું છે. હું તમને કહી છૂટું, પછી સાચવવું-ના સાચવવું એ તમારા હાથની વાત. મારી તો ઇચ્છા હોય કે ગમે તેમ આમને સચવાય તો સારું. આ લોકો શાંતિપૂર્વક જીવે અને આવતી સાલ હું આવું ત્યારે આ કહે છે એવું થોડું ઘણું સંતોષ બતાવે, તો મારા મનમાં સારું લાગે કે આપણી મહેનત કરેલી ફળી. મહેનત ફળશે ને આ ફેરે ? સારું. ત્યાગ નહીં, સહજ ખરી પડ્યું ! વ્યસનને શું કહેવાય ? પ્રતિબધ્ધતા કહેવાય. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય ? જેને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અપ્રતિબધ્ધપણું હોય ત્યારે એને જ્ઞાની પુરુષ કહેવાય. તે અમુક ટાઈમ થાય એટલે હું ચા માંગું. એટલે પ્રતિબધ્ધ ખરુંને ! એટલે એ છૂટી ગઈ. જ્ઞાની થયો એટલે નિર્અહંકારી થયો. એટલે અમારાથી છોડાય નહીં. સંત પુરુષ છોડી શકે. એ અહંકારી હોય. અને અમે જ્ઞાની નિર્અહંકારી હોઈએ. એટલે તેથી કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે નહીં. પછી જે રહી ગયું એ રહી ગયું. પછી ફેરફાર થાય નહીં. એનું શું કારણ ? કે ફરી અહંકાર ઊભો કરવો પડે. ગયેલો અહંકાર ફરી ઊભો કરવો પડે. એટલે અમારે શું કરવું પડે ? એની મેળે ખરી પડે ત્યાં સુધી જોયા કરવું પડે. આ ખરી પડે એ વાત તમને સમજાય ખરી ? એની મેળે ખરી પડતું જાય, દા'ડે દા'ડે. ત્યાગ એ અહંકારનો ગુણ છે. અહંકાર હોય તો જ ત્યાગ થઈ શકે, નહીં તો ત્યાગ થઈ શકે નહીં. તે ચા મારી ખરી પડી. ચા જોડે ૫૫ વર્ષની ઓળખાણ હતી, ફ્રેન્ડશીપ હતી. વચ્ચે તો રોજના ૧૮-૧૮ કપ ચા પીતો હતો, કંટ્રાક્ટનો ધંધો કરું એટલે ! એ એની મેળે જ અલોપ થઈ ગઈ ! ત્યારે મેં એને કહ્યું, 'બેન, આ ૫૫ વર્ષની ભઈબંધી, મને કહીને તો જવું હતું. આમને આમ તું જતી રહી ? કેટલું ખરાબ લાગે આપણને ? તે કહેવા તો રહેવું હતું !' કહેવાય ના રહી ને ખરી પડી ! છેલ્લી ચા પીધી પછી મને એ યાદ નથી આવી ! એનું નામ ખરી પડી કહેવાય. છોડવું ન હતું ને છૂટી, એની મેળે જ છૂટી જાય. સહજ છૂટી જાય બધું. અપ્રતિબધ્ધપણે વિચરે... તેથી કૃપાળુદેવે લખ્યું ને કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી એ અપ્રતિબધ્ધપણે નિરંતર વિચરે છે. તમે તો ભાવથી પ્રતિબધ્ધ કરો છો મહીં ડખો કરવા, આમ કેમ થાય ? મને આમ કેમ થાય ? તમને થાય છે કે પુદગલને થાય છે ? અને પુદગલનો તો, ગલન થવું એનો સ્વભાવ જ છે. એના સ્વભાવમાં છે એને શું કરવા ડખો કરો છો ? આ તો તમને પહેલાની પેલી ટેવ પડી ગઈ છે ને, આ સારું ને આ ખોટું. આવું થાય તો સારું ને આવું થાય તો ખોટું. એવુંુ પુદગલમાં છે જ નહીં કશું. પુદગલ પુદગલના સ્વભાવમાં જ છે. તેથી કહ્યું ને કૃપાળુદેવે, કે એ બોલો જોઈએ, દ્રવ્યથી... પ્રશ્નકર્તા : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જે નિરંતર અપ્રતિબધ્ધપણે વિચરે છે. દાદાશ્રી : એવા જ્ઞાની પુરુષ, જેમના ચરણાવિંદ જેણે સેવ્યાં છે. હવે તમે હઉ જ્ઞાની થયા છો. પણ તમારે આજ્ઞાપૂર્વક રહેવાનું છે ને મારે આજ્ઞા નહીં. તમે આજ્ઞાપૂર્વકમાં જ્ઞાની એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી. ક્ષેત્ર બંધનવાળું લાગે છે કોઈ જગ્યાએ ? અમદાવાદ સાંભરતું નથી ને કોઈ ફેરો અહીંયાં આવ્યા પછી ? ક્ષેત્ર બંધનવાળું નહીં લાગતુંુ ? ગરબામાં ભૂલી જવાય છે, પેલું છોડ્યા પછી ભૂલી જવાય છે ને ? ક્ષેત્ર બંધનવાળું થતુંુ નથી. પછી દ્રવ્ય એટલે વસ્તુ જે ભેગી થાય ને, તેનું બંધન ના હોય. આપણને કોઈ વસ્તુ, સંયોગો ભેગા થયા ને, એ સંયોગો બધા દ્રવ્ય સ્વરૂપ છે. તેનુંુ બંધન ના થવું જોઈએ. કોઈ સંયોગમાં ચોંટવાનું નહીં, જોયા કરવાનું બસ. દ્રવ્યથી બંધન નથી, ક્ષેત્રથી બંધન નથી, ભાવથી બંધન નથી અને કાળથી બંધન નથી. આ ત્રણના બંધન ના હોય એટલે કાળથી બંધન હોય નહીં. અપ્રતિબધ્ધપણે, અહીંના બદલે નીચે લઈ જાય તો તેમ. અહીંથી કહેશે, આમ લઈ જાવ, તો તેમ. અહીંથી આમ લઈ જાય તો તેમ. સહજ વ્યવહાર, ત્યાં સહજ આત્મા ! હવે વ્યવહારની શુધ્ધતા ક્યારે કે તન્મયાકાર ના થાય, ચોંટે જ નહીં. અડે ખરું પણ ચોંટે નહીં ત્યારે શુધ્ધ કહેવાય, નહીં તો શુધ્ધ થવાનાં કારણો ઊભાં થશે. એ થોડા વખત પછી શુધ્ધ થશે. શુધ્ધ એટલે સહજ, સહજ વ્યવહાર અને જેનો સહજ વ્યવહાર, તેનો આત્મા સહજ આત્મા કહેવાય. સહજાત્મ સ્વરૂપ એટલે શું કે જેનો સહજ વ્યવહાર છે એવા આત્મસ્વરૂપને સહજ આત્મા કહેવાય. પછી ક્રમિકનો અર્થ એમાં જરાક કાચો થાય. કારણ કે એમાં જ્ઞાનીઓ છે ને જેટલા ભાગમાં સહજ થયા એટલા થાય ને ? બીજા અશુધ્ધ રહ્યા ત્યાં તો અસહજ રહ્યા ને ? અને આ તો સહજ જ થઈ જાય. જોઈને શીખો આટલું જ ! અત્યાર સુધી એકુય માણસ અમને 'ડીસ્એડજસ્ટ' થયો નથી. જ્યારે આ લોકોને ઘરનાં ચાર માણસોય 'એડજસ્ટ' થતાં નથી. અમારું જોઈનેય તમને આ 'એડજસ્ટ' થવાનું આવડે કે ના આવડે ? એવું થઈ શકે કે ના થઈ શકે ? આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડેને ? આ જગતનો નિયમ શો છે ? કે જેવું તમે જોશો એટલું તો આવડે જ. એમાં કંઈ શીખવવાપણું રહેતું નથી. કયું ના આવડે ? કે હું તમને આમ જે ઉપદેશ આપ્યા કરું છુંને, તે આવડે નહીં. પણ મારું વર્તન તમે જોશો તો સહજ આવડી જાય. જ્ઞાનીનું ચારિત્ર જુઓ તેવું આવડે ! પ્રશ્નકર્તા : દાદાના ચારિત્રના જેમ જેમ દર્શન થાય છે, નજીકથી જોવા મળે છે, ત્યારે એમ જ થાય અમારામાં આ ચારિત્ર પ્રગટ થાવ. દાદાશ્રી : એ તો થઈ જાય, તમારે ચિંતાય ના કરવી પડે. જોતાં આવડવું જોઈએ, બસ. આમાં પ્રયત્ન કરનારો રહ્યો જ ક્યાં તે ? પ્રયત્ન કરનાર તો પોતે અકર્તા થયો છે. અકર્તા પ્રયત્ન શી રીતે કરે ? પ્રશ્નકર્તા : પ્રયત્ન રહ્યો ન હોય ત્યારે સહજ પ્રાપ્ત થાય છે ? દાદાશ્રી : પ્રયત્ન થાય તેય સહજ કહેવાય. કારણ કે એ ભોક્તાપદનો અહંકાર છે, કર્તાપદનો અહંકાર નથી. એ ભોક્તાપદનો અહંકાર પ્રયત્ન કરે તેય સહજ જ છે. એ પ્રયત્ન કહેવાય નહીં, પણ એ તો આપણે બોલવું પડે, શબ્દ પહોંચતો જ નથી ત્યાં. પ્રશ્નકર્તા : દાદાજીનું ચારિત્ર જોતાં આવડે અને પ્રગટ થઈ જાય, એ શું ? સંપૂર્ણ ચારિત્ર પ્રગટ થયેલું છે દાદામાં, છતાં એવી કઈ ભૂલ છે કે દેખી શકાતું નથી ? દાદાશ્રી : ચારિત્ર સમજ્યો જ નથી ત્યાં આગળ ! ચારિત્રનું બાહ્ય લક્ષણ શું ? ત્યારે કહે, વીતરાગતા, રાગ-દ્વેષ થાય નહીં. ચારિત્ર અંદર છે કે નહીં તે ખોળવું હોય તો બાહ્ય લક્ષણ જોવું પડે. ગાળ ભાંડે તો પણ એની પર દ્વેષ નહીં અને ફૂલહાર ચડાવે તો એની પર રાગ નહીં, તો અંદર ચારિત્ર વર્તે છે એ નક્કી થઈ ગયું. આત્મજ્ઞાની પુરુષનું ચારિત્ર જોશો તો બહુ છે. આ નવી જ જાતનું ચારિત્ર છે. તે ચારિત્ર જ જોયા કરવાનું છે. આ શીખવા-કરવાનું કશું નથી, જોયા કરો. જુઓ ને જાણો, જુઓ ને જાણો. આ સમ્યક ચારિત્ર પછી કેવળચારિત્ર ઉત્પન્ન થશે. કેવળચારિત્ર હોય તેમાં આવું તેવું કશું કરવાનું ના હોય. સ્વ ને પર ભેગું ના થઈ જાય, એના માટે ઝાલી રાખવું પડે, એવું કેવળચારિત્રમાં ના હોય. પ્રશ્નકર્તા : એની મેળે સહજ થાય ? દાદાશ્રી : સહજ રહે એ તો ચારિત્ર જ જુદું હોય એ. અને જ્યાં સુધી પરમાં જવાનું અટકાવવું એ સમ્યક ચારિત્ર કહેવાય. બેને ભેગું ના થઈ જવા દેવું એ સમ્યક ચારિત્ર. અને પેલું તો કેવળજ્ઞાનમય ચારિત્ર એ તો બહુ ઊંચી વસ્તુ હોય. ભેગું થઈ જવા દેવું એ મિથ્યા ચારિત્ર કહેવાય. ભેગું ના થવા દેવું એ સમ્યક ચારિત્ર અને કેવળજ્ઞાનીને કેવળચારિત્ર વર્તે. એમને આવું ભેગું ના થવા દેવું એવું તેવું અટકાવવાનું ના હોય. સંપૂર્ણ સહજતા, પ્રગટ સ્વરૂપે ! જ્ઞાની પુરુષ બધું જોવાના, બધું નિરીક્ષણ કરવાના પણ એમને કંઈ અડે નહીં ને નડે નહીં. અડે-નડે એ અજ્ઞાની. મન-વચન-કાયા આ આત્માને ક્યારેય અડ્યા નથી ને તમારેય અડતા નથી. સહજતા પ્રગટ સ્વરૂપે જોવા મળે જ નહીં. આ તો ગજબનું આશ્ચર્ય પ્રગટ થયું છે, તે સંપૂર્ણ સહજતા પ્રગટ સ્વરૂપે જોવા મળે છે ! તે જોઈને શીખી લેવાની છે. વાંચ્યા કર, એક પોતાની જ ચોપડી ! પ્રશ્નકર્તા : દાદાએ કહ્યું છે, 'તારી જ ચોપડી વાંચ્યા કર, બીજી ચોપડી વાંચવા જેવી નથી. આ પોતાની જે પુદગલ ચોપડી છે, આ મન-વચન-કાયાની એને જ વાંચ, બીજી વાંચવા જેવી નથી.' દાદાશ્રી : આ વાંચવું સહેલું નથી, બા. એ 'વીર'નું કામ છે. સહેલું હોવા છતાં સહેલું નથી. અઘરું હોવા છતાં સહેલું છે. અમે નિરંતર આ જ્ઞાનમાં રહીએ. પણ મહાવીર ભગવાન જેવું ન રહેવાય. એ તો 'વીર' રહી શકે ! અમને તો ચાર અંશેય ખૂટતા ! એટલુંય ના ચાલે ને ત્યાં આગળ ! પણ દ્ષ્ટિ ત્યાંની ત્યાં જ રહેવાની. તીર્થંકર ભગવાન પોતાના જ્ઞાનમાં જ નિરંતર રહે. જ્ઞાનમય જ પરિણામ હતાં. જ્ઞાનમાં કેવું રહેતા હશે ? જે કેવળજ્ઞાનની સત્તા પર બેઠેલા પુરુષ, એમને એવું કયું જ્ઞાન બાકી છે કે તેમાં રહેવા જેવું હોય ? ત્યારે કહે, પોતાના એક પુદગલમાં જ દ્ષ્ટિ રાખીને જોયા જ કરતા હોય. ભગવાન મહાવીર જોયા જ કરતા હોય કે શું કરે છે, શું નહીં ? દેવોએ ઉપદ્રવ કર્યો માંકણનો, તે આમ પાસાં ફેરવે ને આમ પાસાં ફેરવે. એને એ પોતે જુએ. 'મહાવીર' આમ પાસાં ફેરવે, શરીરનો સ્વભાવ છે. 'મહાવીર' હો કે ગમે તે હો, ફક્ત અહંકારી લોકો ચાહે સો કરે. માંકણ તો શું પણ બાળે તો એ હાલે નહીં. કારણ કે આખી આત્મશક્તિ એમાં જ છે. હા, જે થવું હોય તે થાય, પણ હાલવું જ નથી એવું નક્કી કર્યું છે. પણ જુઓ, આત્મશક્તિ કેટલી ! અને આ તો સહજભાવી, કેવળજ્ઞાનીઓ ને બધા જ્ઞાનીઓ સહજભાવી. રડે હઉ, આંખમાંથી પાણી નીકળે, બૂમ પાડે. માંકણ કરડે ને, તો પાસું ફેરવે. આમ ફેરવે ને તેમ ફેરવે. બધું જુએ. પહેલાં કર્મ ખપાવવામાં ગયું. પછી જોવામાં ગયું, નિરંતર જોયું. એક જ પુદગલમાં દ્ષ્ટિ રાખે. બધા જ પુદગલનું જે છે એ. એક પુદગલમાં છે. પોતાના પુદગલનું જ જોવાનું છે કે જે વિલય થઈ જાય ! સહજને જોવાથી થવાય સહજ ! એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભઈ, આત્મા તો સહજ છે. તું હવે આ પુદગલને સહજ કર. હવે સહજ શી રીતે થાય ? સહજને જોવાથી સહજ થઈ જાય છે. જ્ઞાનીને જોવાથી, એમની સહજ ક્રિયાઓને જોવાથી સહજ થઈ જાય છે. ત્યારે કહે, 'કૉલેજમાં ના શીખાય ?' કૉલેજમાં ના આવડે એ. કારણ કે એ પ્રોફેસરોને જ ભાન નથી, ત્યાં કૉલેજમાં શી રીતે આવડે ? અને શબ્દરૂપ નથી આ જ્ઞાન, આ તો સહજ ક્રિયા છે. જેમ બહારવટિયા પાસે છોકરાને મૂક્યો હોય તો એ છ મહિનામાં તો ફર્સ્ટ ક્લાસ બહારવટિયો થઈ જાય ને વીસ વર્ષ સુધી એની કૉલેજમાં ભણવા જાય તોય ના થાય. એવું આ જ્ઞાની પુરુષની પાસે રહ્યો, તે એની મેળે સહજતા ઉત્પન્ન જ થઈ જાય છે. અનાદિ કાળથી પાર વગરની ચંચળતા ઉત્પન્ન થઈ છે, તે ચંચળતા ધીમે ધીમે ધીમે ઠરતી ઠરતી સહજતા ઉત્પન્ન થઈ જાય છે. કોઈ મને ગાળ ભાંડતો હોય, તે વખતે મારી સહજતા જોઈને તમને મનમાં એમ થાય કે ઓહોહો ! આવું ! તે તમને તરત આવડી ગયું. જોયું કે આવડી ગયું. પછી તમને ગાળ ભાંડે તોય સહજતા આવડી જાય. નહીં તો લાખ અવતારેય શીખાય નહીં. જ્ઞાની પુરુષ પાસે રહેવાથી બધા જ ગુણો પ્રગટ થયા કરે એની મેળે, સહજ પ્રગટ થાય. અક્રમ વિજ્ઞાન કહે છે તેય એનો કહેવાનો ભાવાર્થ એટલો જ કે સહજ થતું જાય. નિરંતર વ્યવહારમાં સાહજિકતા ! પ્રશ્નકર્તા : જ્ઞાનીની સાહજિકતા સમજાવો ને ? દાદાશ્રી : સમજાવો શેનું, જોયા કરને ! આ સાહજિકતા આખો દહાડો જોડે છેને, એને સમજાવાનું હોતું હશે ? અમારી સાહજિકતા જોયા કર. પ્રશ્નકર્તા : આ બીજા બધા કોઈ પણ કામ જુએ, ધારો કે કંસ્ટ્રક્શન તો એની પેલી જાડી દ્ષ્ટિ હોય એટલે કંઈ ના દેખાય અથવા તો બે-પાંચ ભૂલ દેખાય. અને તમારી ઝીણી દ્ષ્ટિ તો પાંચસો દેખાય પણ કોઈને ખબર ના પડે કે દાદાને ભૂલ દેખાય છે છતાં એની ભૂલ પણ કાઢી આપો અને તમારામાં ફેરફાર કશોય ના દેખાય. દાદાશ્રી : એક તો ભૂલ કાઢવાની મહેનત કરી અને ઉપરથી અપજશનો ટોપલો લેવો, એવો ધંધો કોણ કરે ? અને જો ભૂલ ના કાઢીએ તો ગુનેગાર છીએ. કારણ કે દાદાએ પાસ કરી દીધું. એ અવળે રસ્તે ચાલે પછી. એટલે અમારે કહેવું પડે પણ અપજશનો ટોપલો કોણ લે ? પ્રશ્નકર્તા : તમે તો ભૂલ દેખાડો તો પણ જશ પણ મળે કે દાદાએ જો કેવી મને સરસ દ્ષ્ટિ આપી, એમ થાય. દાદાશ્રી : એવું છે ને, બનતાં સુધી ખોટી ભૂલ તો અમે કાઢીએ નહીં. એમાંય દબડાવાની ઇચ્છા ના હોય કે મહીં એને હીન કરવાનું કે પાડી નાખવાની ઇચ્છા ના હોય. એને ઉપર ચઢાવવાની ઇચ્છા હોય. પણ ભૂલ તો દેખાડવી જ પડે ને ? પ્રશ્નકર્તા : તે ભૂલ દેખાડતી વખતે, કઈ દ્ષ્ટિ આપની હોય ? દાદાશ્રી : અમારી દ્ષ્ટિ જ, અમે આત્મારૂપ હોઈએ તે ઘડીએ, એટલે દેહ સાહજિકતામાં હોય અને આને જ ખરી સાહજિકતા કહેવાય છે. ડખલ નહીં, આત્માની ડખલ નહીં. સાહજિકતા એટલે ચેતનની ડખલ નહીં આમાં, મનના કહ્યા પ્રમાણે જ ચાલે. એ કેવી સાહજિકતા ! અમારું જ્ઞાનથી ચાલે. જ્ઞાનીની દ્ષ્ટિની નિર્દોષતા ! પ્રશ્નકર્તા : નિર્દોષતા કોને કહેવાય ? કોઈ પણ વ્યક્તિ નિર્દોષ ક્યારે દેખાય ? નિર્દોષતા સહજ હોય કે કેમ ? દાદાશ્રી : હવે આપણે સંપૂર્ણ નિર્દોષ થઈએ તો જ સામો નિર્દોષ દેખાય, નહીં તો દેખાય નહીં. જ્યાં સુધી આપણે દોષિત છીએ ત્યાં સુધી એ દોષિત દેખાય. એટલે મને આખું જગત નિર્દોષ જ દેખાય છે. મને એટલે આ દાદા ભગવાન તરીકે હું જ્યારે રહું ને, ત્યારે આખું જગત નિર્દોષ દેખાય અને વખતે 'અંબાલાલ'માં આવું તે વખતે દેખાય ખરું નિર્દોષ, પ્રતીતિમાં ખરું પણ વર્તનમાં ના પણ હોય. તે વખતે તમારી ભૂલ પણ કાઢી નાખું. બાકી અમને નિર્દોષ જ દેખાય તો પછી ભૂલ ક્યાંથી દેખાઈ ? પણ તે તો પછી અમારું જરા ધોઈ નાખીએ ને, તરત ને તરત, ઓન ધી મોમેન્ટ બધું સાફ, ક્લિયર પણ દેખાય ખરું વચ્ચે. હું કંઈ તમારી પ્રકૃતિના દોષો જોવા નથી આવ્યો, હું તમારી પ્રકૃતિ જોવા આવ્યો છું. નિરીક્ષણ કરવા આવેલો છું. તમારી પ્રકૃતિના ને હું મારી પ્રકૃતિનાય દોષો જોવા નથી આવ્યો, હું તો પ્રકૃતિનું નિરીક્ષણ કરવા આવ્યો છું, જોવા-જાણવા આવ્યો છું. પ્રશ્નકર્તા : અને નિર્દોષતા સહજ હોય કે કેમ એ ? દાદાશ્રી : એ સહજ હોય તો જ એ નિર્દોષ કહેવાય, નહીં તો નિર્દોષ ના કહેવાય. અસહજ થયો એટલે દોષિત. હવે પેલું જે છે આગળની વાત, કે આપણા મહાત્માઓ શું કરે ? છોકરાને જે ઠપકો આપે, એવું તેવું બધું કરે છે. તે મહાત્માઓ જાણે છે, એ નિર્દોષ છે એય એના લક્ષમાં છે, આત્માએ કરીને નિર્દોષ છે પણ દેહે કરીને નથી. એટલે ઠપકોય આપે. એ ક્યાં સુધી ઠપકો આપશે ? ત્યારે કહે, જ્યાં સુધી 'હું એને સુધારું નહીં' એવો અભિપ્રાય છે ત્યાં સુધી. એટલે સુધારવા માટે આ બધું કરે છે. એટલે અમે બીજાની પ્રકૃતિ આમ જોયા જ કરીએ. પણ સાવ નજીક રહેતા હોય આ નીરુબહેન જેવા, એને જરા સુધારવાના ભાવ રહી ગયેલા હોય અને એ ખોટું છે. કોઈ વખત બોલી જઈએ અમે, ભૂલ કાઢી બેસીએ. પ્રકૃતિની ભૂલ જોવાય નહીં. જ્ઞાની એનું નામ કહેવાય, સંપૂર્ણ જ્ઞાની એટલે ભગવાન. ભગવાન કોને કહેવાય કે પ્રકૃતિનો દોષ જુએ જ નહીં. જો કે અમે નિર્દોષ તો જોઈએ છીએ. અમને દોષિત કોઈ દેખાતું જ નથી, પણ આ સહજ પણ ભૂલ ન નીકળવી જોઈએ કોઈની. એના હાથથી દેવતા પડે અમારી પર, તો અમને ના ભૂલ દેખાય, પણ નાની નાની બાબતની ભૂલો દેખાય કે આ હજુ એમનો દોષ ક્યારે ખસશે, એવું મનમાં ભાવ થઈ જાય. પણ ખસેડવાની જરૂર જ નથી પ્રકૃતિને. પ્રકૃતિ પ્રકૃતિનો ભાવ ભજવ્યા વગર રહે જ નહીં અને આ સંસારના લોકો શું કરે છે ? સામાને સુધારે છે પણ તે પોતાના સો ખોઈને સુધારે છે પેલાને. પણ એના બાપેય સો ખોયા હતા અને ત્યારે એ સુધર્યા'તા. પ્રશ્નકર્તા : એ દાદા, હવે સો જે ગુમાવ્યા, સો ખોઈને પેલાને સુધાર્યો, એ કયા સો એણે ખોયા ? દાદાશ્રી : આત્માના. એ પણ એના બાપેય એવી રીતે જ ખોયા હતા ને ! એક જણ તો એવું કહેતો હતો, 'સમજતો નથી, હું તારો બાપ થઉં !' મેરચક્કર, કઈ જાતનો પાક્યો, મૂઆ ? આવું બોલ્યો ? અને કોલેજીયન છોકરાની જોડે ? મૂઆ, કેવા ફાધર છે ? પછી મેં બહુ ઠપકો આપ્યો હતો. તે પણ એને સમજણ પાડીએને કે બળ્યું, આવું બોલાય છોકરાં જોડે ? તમારી શી દશા થશે ? પણ અમે તો આવા જ્ઞાની થયા, અમારાથી કશું બોલાય જ નહીં બધું આવું ! અમને નિર્દોષ દેખાય છે હંડ્રેડ પરસેન્ટ, એમાં બે મત જ નહીં. આખા જગતના જીવમાત્ર નિર્દોષ દેખાય છે. અમને સહેજ પણ દોષિત ના દેખાય, તમનેય દોષિત દેખાતું નથી પણ તમારા દોષ આમાં ડિસ્ચાર્જમાં વર્તે છે. જો દોષિત દેખાય તો દ્વેષ રહ્યો અને દ્વેષ છે એને કાઢવો પડશે. પૂર્ણતામાં કમી ટપકાં જેટલી ! પ્રશ્નકર્તા : આપને સહજ થયેલું હોય બધું ? દાદાશ્રી : તોય કોઇ જગ્યાએ હાથ અડાડતાંની સાથે (ડિસ્ચાર્જ) અહંકાર ખલાસ થાય એટલે સહજ થાય. એ સહજ, તોય પણ આ કોઇ કોઈ જગ્યાએ આ રહી ગયા હોય ટપકાં. કારણ કે રસ્તો પૂર્ણ થયો નથી ત્યાં સુધી અમુક ટપકાં રહે. ત્યારે જ પૂર્ણ ના થાય ને ! તેના માટે નહીં પણ જે ટપકાં રહી ગયાં, તે સિવાય શું ? તો કહે, બધું સહજ છે. અને તમારેય અમુક અમુક સહજ થતું જાય, પણ પેલાં ટપકાં વધારે છે. એટલે તમને એમ જ લાગે કે રાતું દેખાય છે. પ્રશ્નકર્તા : એને જ ચિતરામણ કહેવાય છેને ? દાદાશ્રી : એ તો હિસાબ આપણે ચૂકવ્યો નથી. ચિતરામણ તો એવું છે ને પ્રોજેક્ટ કરેલો હોય તે વસ્તુ ચિતરામણમાં આવે. પ્રોજેક્ટ ! એ ચિતરામણ રૂપકમાં આવે પછી એને લાગતું-વળગતું નથી આ. આ છે તે જેટલા સહજ ના થયા હોય એ બધા ટપકાંવાળા હોય, ઘણા ખરા સહજ થઇ ગયેલા હોય. સહજ સ્વભાવે જ વર્તે. પ્રશ્નકર્તા : એટલે એક જગ્યાએ જે આખો અહંકાર વર્તતો હોય અમસ્તો સાધારણ રીતે બધો ટાઇમ, એના બદલે અમારે વધારે વર્તતો હોય, ઓછો વર્તતો હોય, પછી આપને સાવ ઓછો થઇ ગયો હોય ? દાદાશ્રી : ના, તમારે છે તે પાંચ-પાંચ મિનિટે જરાક બ્રેકડાઉન થાય. પછી વધતું જાય. સહજતા વધતી જાય તેમ પેલું ઓછું થાય. જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી સહજતા વધતી જશે અને પેલું ઓછું થતું જશે. અને મૂળ સરવાળે શું ? છેલ્લું સ્ટેશન શું ? ત્યારે કહે, આત્મા સહજ સ્થિતિમાં અને દેહ પણ સહજ સ્થિતિમાં, એ જ છેલ્લું સ્ટેશન. બન્ને પોતપોતાના સહજ સ્વભાવમાં. પ્રશ્નકર્તા : કલ્પના કરવી મુશ્કેલ છે એ સહજતાની ? દાદાશ્રી : હા, એ કલ્પના, કલ્પના હોય નહીંને ! કલ્પનામાં એ આવે નહીંને ! કલ્પનાનું ઝાળું એનું સરકમફરન્સ (પરિઘ) એરિયા (ક્ષેત્ર) આટલું નાનું હોય, પેલો તો બહુ મોટો એરિયા. જ્ઞાનીની દ્ષ્ટિ અનુયાયીઓ તરફ ! સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દ્ષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય ! તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે. કારણ કે દોષો સ્થૂળ નથી. પ્રશ્નકર્તા : તમને અમારા પણ દોષ દેખાય ? દાદાશ્રી : દેખાય બધા દોષો. પણ અમારી દોષ ભણી દ્ષ્ટિ ના હોય. પણ અમારી તો તમારા શુધ્ધાત્મા ભણી જ દ્ષ્ટિ હોય. અમારી તમારા ઉદયકર્મ ભણી દ્ષ્ટિ ના હોય. બધાંના દોષોની અમને ખબર પડી જાય. દોષ દેખાય છતાં અમને મહીં એની અસર થાય નહીં. તેથી જ કહ્યું છે ને, ''મા કદી ખોડ કાઢે નહીં. દાદાનેય દોષ કોઈના દેખાય નહીં !'' અમે જાણીએ કે આ પ્રમાણે નિર્બળતા હોય જ. એટલે અમારે સહજ ક્ષમા હોય એટલે અમારે કોઈને વઢવું ના પડે. બહુ મોટા દોષમાં પડી જાય એવું લાગતું હોય તો અમે એને બોલાવીને બે શબ્દ કહીએ. અહીંથી લપસી પડે એવું લાગે, એ 'સ્લીપ' થાય એવું હોય તો જ કહીએ. અમે જાણીએ કે આજે નહીં જાગે તો કાલે જાગશે. કારણ કે જાગૃતિનો માર્ગ છે આ. નિરંતર 'એલર્ટનેસ' (જાગૃતિ)નો માર્ગ છે આ ! જ્ઞાનીનેય પ્રતિક્રમણ ! મારેય પ્રતિક્રમણ કરવાનાં હોય. મારા જુદી જાતનાં ને તમારેય જુદી જાતનાં હોય. મારી ભૂલ તમને બુધ્ધિથી ના જડે એવી હોય. એટલે એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય. તેના અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચૂક્યા તે અમારે તો પોષાય જ નહીં ને ! અમારે આ બધાં જોડે વાતોય કરવી પડે, સવાલોના જવાબોય આપવા પડે, છતાં અમારા ઉપયોગમાં જ રહેવાનું હોય. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારેય કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. પ્રગટ્યા સહજ દશાનાં સર્વ લક્ષણો ! પ્રશ્નકર્તા : દાદા, પૂછવામાં જરા અવિનય થયો હોય તો મને માફ કરજો. દાદાશ્રી : ના, અમારે માફ કરવાનું નહીં. અમારી માફ કરવાની વાત કરી દઉં બધાને, કે અમારી સહજ ક્ષમા હોય. અમે એક માણસ ધોલો મારતો હોય, કહેશેે કે તમે મને ક્ષમા કરો. ના, અમારી સહજ ક્ષમા હોય જ. સહજ મૃદુતા, સહજ ઋજુતા, સહજ શૌચ બધું સહજ હોય. કો'ક અવળું કરે, એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા કરવી ના પડે. ક્ષમા આત્માનો ગુણ નથી. પછી સહજ ક્ષમા, સહજ મૃદુતા. મૃદુતા એટલે શું ? કોમળતા. કોમળતા વગર મોક્ષ નથી. પછી સહજ ઋજુતા જોઈશે. ઋજુતા એટલે ? સરળતા. દાદામાં સરળતા હશે ? સરળતા તમે જોયેલી ? એ બધાં સહજ ગુણો હોવા જોઈએ. સહજ સ્વભાવ જ અમારો વણાઈ ગયેલો કે માફી જ બક્ષે. તું ગમે તે કરું તોય માફી જ બક્ષે. જ્ઞાનીનો એ સ્વાભાવિક ગુણ થઈ જાય છે. આત્મપ્રાપ્તિનું લક્ષણ, સહજ ક્ષમા ! તમારી નિર્બળતા અમે જાણીએ છીએ. અને નિર્બળતા હોય જ. એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં, મળી જાય, સહજપણે. ક્ષમા મોઢેથી આપવાની ના હોય. સહજ ક્ષમા હોય જ. આત્મા પ્રાપ્ત થયાની નિશાની જ સહજ ક્ષમા છે. એટલે દોષ તો બધાના અમને સહજાસહજ ખબર પડી જાય. પણ તે અમારી સહજ ક્ષમા હોય. એટલે ક્ષમા રાખવી ના પડે. ક્ષમા રાખવી એ તો મહેનત કહેવાય. અને મહેનત કરવી પડે, એને કંઇ જ્ઞાન નથી કહેવાતું. તો એ આત્મજ્ઞાન નથી ગણાતું. આત્મજ્ઞાનમાં મહેનત ના હોય. અમારે તો સહજ ક્ષમા છે. ક્ષમા એ આત્માનો ગુણ જ નથી. ક્ષમા નામનો ગુણ એ પુદગલનો ગુણ છે, છેલ્લી દશાનો એ ગુણ છે, ચરમ દશા પહેલા બે-ત્રણ અવતારથી એ ગુણ વર્તતો હોય. જે ચરમ પુદગલ હોય, તેના પાછલા અવતાર વખતે ક્ષમા ઉત્પન્ન થઇ જાય. અને આ તો સહજ ક્ષમા હોય. તે સહજ ક્ષમાનો તો પ્રેમ દેખાય. અને જે પ્રેમ વધે-ઘટે નહીં એને શુધ્ધ ઉપયોગી પ્રેમ કહ્યો. એ એકધારો જ રહે. તમારામાં સો દોષો દેખાય છતાં અમારો પ્રેમ તેનો તે જ રહે અને આ ભાઇમાં બહુ ગુણો દેખાય તોયે અમારો તેનો તે જ પ્રેમ રહે. અમારો પ્રેમ વધે-ઘટે નહીં. અમારો પ્રેમ સામાના ગુણને આધીન નથી. આ જગતનોે પ્રેમ કેવો હોય ? વધ-ઘટ થયા કરે. એને આસક્તિ કહેવાય. અને વધે-ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય. લોકો પ્રેમને પોતાની ભાષામાં લઇ ગયા. અમને સહજાસહજ બધાના દોષ દેખાય. સો માણસો ઊભા હોય આરતી વખતે, તો કોના કોના શું દોષો થાય છે તેય ખબર પડે. આરતી વખતે કોઇએ સહેજ ભૂલ કરી હોય તેય દેખાય. બધા વિનયમાં રહેવાનો પ્રયત્ન કરે છે છતાં દોષ તો થઇ જ જાયને ! અહીં તો કાયદો નહીંને !! નો લૉ- લૉ !!! દંડને પાત્ર, ત્યાં સહજ માફી ! સામો આડું કરે છે કે સવળું કરે છે એ વ્યવસ્થિતને આધીન કરે છે. પ્રશ્નકર્તા : પણ અનાદિકાળથી આડું જોવાની ટેવ પડી છે તેનું શું ? દાદાશ્રી : હા, પણ આપણે ઉપયોગ શુધ્ધ રાખવાનો અને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું. પ્રશ્નકર્તા : અપમાનના ભાવથી પોતાને આઘાત લાગ્યો, તો એને કઈ રીતે સુધારે ? કઈ રીતે પ્રતિક્રમણ કરે ? દાદાશ્રી : સામાએ અપમાન કર્યું ને આપણને આઘાત લાગે તો ? પ્રશ્નકર્તા : હા, તો કઈ રીતે પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : તેનું પ્રતિક્રમણ આપણે કરવાનું ના હોય, એણે કરવાનું હોય. પ્રશ્નકર્તા : એને કયા ભાવથી સુધારાય ? દાદાશ્રી : એ સુધારે, આપણે સુધારવાનું નહીં. આપણે તો ક્ષમા આપવાની. પ્રશ્નકર્તા : તો આપણે ભાગે એ ક્ષમા આપવાની રહીને ? દાદાશ્રી : જે થઈ ગયેલું હતું તેને વ્યવહારની રીતે કહેવું પડે કે ક્ષમા, બાકી આ વીર પુરુષની ક્ષમા નથી એ. પ્રશ્નકર્તા : ફરજિયાત છે ? દાદાશ્રી : નહીં, વ્યવસ્થિત જ છે. એમાં પેલાનું શું કર્યું તે ? એમાં નવું શું કર્યું તે ? સહજ ક્ષમા અમારી હોય, સામાની ભૂલ થાય તો એ મનમાં પસ્તાય. મેં કહ્યું, 'પસ્તાશો નહીં જરાય. બરાબર છે.' એટલે એની પાછળ અમારી સહજ ક્ષમા હોય જ. ક્ષમા સહજ હોવી જોઈએ. પ્રશ્નકર્તા : દાદા પાસે ભૂલ થઈ અને બીજી સેકન્ડે આપણને એવો અનુભવ થાય કે દાદાની બહુ જ કરુણા વરસી ગઈ આપણા ઉપર. દાદાશ્રી : હા, એટલે સહજ ક્ષમા ! પેલી ક્ષમા એ છે તે નથી આત્માનો ગુણ કે નથી અનાત્માનો ગુણ. એવી વસ્તુ છે ક્ષમા. તેને આ લોકો સંસારમાં લઈ જાય છે, એ ક્ષમા આપે છે છતાં સારું છે. ભાષા તરીકે રાખવું સારું છે. ભાષા તરીકે 'ઓર્નામેન્ટલ' (શૃંગારિક) શબ્દ છે. મોટા માણસ નાના માણસને ક્ષમા આપે. લોકો કહેશે, 'સાહેબ, મને ક્ષમા આપો.' ત્યારે એ કહે, 'હા, ક્ષમા આપું છું', એ 'ઓર્નામેન્ટલી' સારું કહેવાય. બાકી ક્ષમા તો સહજ ગુણ છે. અમને આવા બહુ મળેલા. છતાં અમે વીતરાગ રહીએ. એ વાંકો થાય પણ અમે વીતરાગ રહીએ. એને દંડ આપવામાં અમારો હાથ જાય તો, એ તો દંડાય પણ અમને ડાઘ લાગેને ! અમારી પાસે જેટલા દંડને યોગ્ય છે તેમને પણ માફી હોયને, માફી પણ સહજ હોય. સામાને માફી માગવી ના પડે. જ્યાં સહજ માફી આપવામાં આવે છે ત્યાં તે લોકો ચોખ્ખા થાય છે. અને જ્યાં કહેવામાં આવે છે કે 'સાહેબ માફ કરજો' ત્યાં જ મેલાં થાય છે. સહજ માફ થાય ત્યાં તો બહુ ચોખ્ખું થઈ જાય. પ્રશ્નકર્તા : જો તમારી પાસે સહજ માફી મળી જાય, ઓટોમેટિક, તો પછી અમારે પ્રતિક્રમણ ન કરવાં પડે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાં જ પડે. પ્રતિક્રમણ ના કરે તો એને નુકસાન થાય. પણ માફી અમે અપાવીએને, તે સહજ માફી અમારે એકલાને જ હોય, બીજા કોઈ આપે નહીંને ! અમારાં પ્રતિક્રમણ કરો તો તમારું કલ્યાણ જ થઈ જાયને ! અમારા પ્રત્યે કોઈને પ્રતિક્રમણ હોય જ નહીં. અમારો એક પણ ગુનો એવો ના હોય કે સામાને પ્રતિક્રમણ કરવું પડે. તમારો ગુનો હોય તે તો તમે પ્રતિક્રમણ કરોને તો એટલો જ ફાયદો રહે. બાકી સહજ માફી તો અમારે હોય જ, પણ ફાયદો તમારે એટલો જ રહે. પ્રશ્નકર્તા : તમે સહજ માફ કરો છો, પછી પ્રતિક્રમણની મહેનત અમે શું કામ કરીએ ? દાદાશ્રી : હા, પણ તમારું બગડેલું રહ્યુંને ! અમે માફી આપીએ પણ તમારું બગડેલું હોય તેનું શું થાય ? માફી એટલે અહીંથી તમને હવે દંડ નહીં મળે. પ્રેમ પ્રગટાવે આત્મઐશ્ચર્ય ! કરુણા એ સામાન્ય ભાવ છે ને એ બધે જ વર્ત્યા કરે કે સાંસારિક દુઃખોથી આ જગત ફસાયું છે, તે દુઃખો કેમ કરીને જાય ! પ્રશ્નકર્તા : પ્રેમ અને કરુણાનો શું સંબંધ છે, એ મારે જાણવું છે. દાદાશ્રી : અમુક દ્ષ્ટિ હોય ત્યારે કરુણા કહેવાય અને અમુક દ્ષ્ટિ હોય ત્યારે પ્રેમ કહેવાય. કરુણા ક્યારે વપરાય ? સામાન્ય ભાવે બધાનાં દુઃખ પોતે જોઈ શકે છે, ત્યાં કરુણા રાખે. એટલે કરુણા એટલે શું ? એક જાતની કૃપા છે. અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમ તો એને વિટામીન કહેવામાં આવે છે. એવો પ્રેમ જુએને એટલે એનામાં વિટામીન ઉત્પન્ન થાય, આત્મવિટામીન. દેહના વિટામીન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામીન ચાખ્યું નથી ને ! એનામાં આત્મવીર્ય પ્રગટ થાય છે, ઐશ્ચર્યપણું પ્રગટ થાય. પ્રશ્નકર્તા : એ સહજ જ થાયને, દાદા ? દાદાશ્રી : સહજ. પ્રશ્નકર્તા : એટલે એમાં પેલાને કોઈ પ્રકારનું કશું કરવાનું રહેતું નથી ? દાદાશ્રી : કશું નહીં. આ બધો માર્ગ જ સહજનો છે. એ ગુણ કે લક્ષણો ? પ્રશ્નકર્તા : કરુણાને આત્માનો મૂળ ગુણ કહી શકાય ? દાદાશ્રી : આત્માનો ગુણ જ નહોય એ કરુણા. કરુણા તો આત્મા પ્રાપ્ત થયો છે, એ વીતરાગ થયા છે એનું લક્ષણ છે. લક્ષણ ઉપરથી શું વસ્તુ છે એની આપણને ખબર પડે. આ ક્રોધ એ મૂળ ગુણ નથી આત્માનો, ચેતનનો અને જડનોય મૂળ ગુણ નથી. એ વ્યતિરેક ગુણ છે. ત્યારે એનો સામો પ્રતિપક્ષ એ ક્ષમા પણ આત્માનો ગુણ નથી. ક્ષમા ઉપરથી તમે જાણી શકો કે આ વીતરાગ થયેલા છે. ક્ષમા પણ સહજ ક્ષમા હોવી જોઈએ. 'અમે તમને ક્ષમા આપીએ છીએ' એવું નહીં. તેય ક્ષમા માંગવીય ના પડે, આપ્યા જ કરે. એટલે આટલા ગુણો સહજ હોય. સહજ વિનમ્રતા હોય. ક્ષમા સહજ હોય. સરળતા સહજ હોય. સરળતા કરવી ના પડે. પછી સંસારમાં સંતોષ સહજ હોય. એટલે બધાં સહજ ગુણો ઉત્પન્ન થયેલા હોય. પણ એ આત્માનાં ગુણો નથી. આ ગુણો ઉપરથી આપણે માપી શકીએ કે આત્મા આટલે સુધી પહોંચ્યો. આત્માના ગુણો નહીં. આત્માના ગુણો પોતાના ત્યાં ઠેઠ જાય છે એ બધા ગુણો આત્માના. અને વ્યવહારમાં આ આપણે કહેલાં તે લક્ષણ છે એનાં. આપણે કોઈને ધોલ મારીએ અને એ આપણી સામો હસે, ત્યારે આપણે જાણીએ કે આમને સહજ ક્ષમા છે. ત્યારે આપણને સમજાય કે ના, વાત બરોબર છે. પ્રશ્નકર્તા : કરુણાની જેમ વીતરાગતા પણ લક્ષણ જ કહેવાયને ? દાદાશ્રી : વીતરાગતા એ લક્ષણ કહેવાય. એનો ગુણ નથી. રાગ-દ્વેષેય એનો ગુણ નથી અને વીતરાગતાય એનો ગુણ નથી. આ તો વ્યવહારને લઈને લક્ષણ ઊભાં થયાં. કારણ કે ત્યાં શબ્દરૂપ કશું છે નહીંને ! આ શબ્દ છે ત્યાં સુધી વ્યવહાર છે. એ શબ્દવાળા ગુણ જ નથી ત્યાં. કરુણા ને કારુણ્યતા ! પ્રશ્નકર્તા : કરુણાવાળાને કેવું વર્તે ને કારુણ્યતાવાળાને કેવું વર્તે ? દાદાશ્રી : કારુણ્યતાવાળા, કારુણ્યતા એ સહજ કહેવાય. કારુણ્યતા તો સહજ કહેવાય. એની મેળે જ ઉત્પન્ન થાય અને કરુણા તો સહજ-અસહજ. પોતાને રાખવાનો પ્રયત્ન કરવો પડે. બે નિમિત્ત અને નૈમિત્તિકના બધા વાક્યો છે. અને કારુણ્યતામાં ક્ષમા ના હોય. એ તો વેરભાવ કે ક્રોધભાવને બંધ થઈ જવો એને જ ક્ષમા કહે છે. બંધ થઈ ગયું એ બદલ ક્ષમા કહેવાય. પછી એની મેળે સહજ થઈ જાય પછી એને ક્ષમા કહેવાતું નથી. એવી ક્ષમાને આપણે વીરસ્ય ભૂષણમ્ કહ્યું છે. સહજ કરુણા ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં બારમું ગુંઠાણું હોય તો સહજ કરુણા હોય અને દાદા વ્યવહારમાં દસમા ગુંઠાણે છે તો સહજ કરુણા કેવી રીતે ? દાદાશ્રી : સહજ કરુણા થોડી કાચી પણ સહજમાં. તે દસમા ગુંઠાણામાં થોડી કાચી હોય. દસમામાં જરા કપડાં પહેરવાં પડે છે ને ! જો કે મારી પેટી મેં જોઈ નથી. મારી પેટીમાં શું છે એવું મેં જોયું નથી. મારી પાસે હાથ પર કશા પૈસા નથી. એવું તેવું મને નથી. આ સહજ કરુણા ખરી અમારી. પણ કોઈ જગ્યાએ જરાક કાચી હશે, ત્યારે દસમું ગુંઠાણું રહ્યું ને ! બુધ્ધિથી ઉપર કરુણા ! પ્રશ્નકર્તા : કરુણા રાખવા જેવી નથી એ ડબલ અહંકાર કહેવાય. દાદાશ્રી : અહંકારનો સવાલ નથી, 'કરુણા રાખવા જેવી નથી' એવું ના બોલાય. એ આપણને એમ નથી કહેતો કે તમે મારી પર કરુણા રાખો. એ તો ઊલટાં પાછા કહે, 'ઓહોહો ! મોટા કરુણા રાખવાવાળા આવ્યા !' એટલે બધું ખોટું. પ્રશ્નકર્તા : કરુણા રાખવાનો પ્રયત્ન જ ના હોય ને ? દાદાશ્રી : કરુણા એ તો સહજ સ્વભાવ છે. પ્રશ્નકર્તા : આ જે પ્રયત્ન કરવા માંડ્યો, એના રીએક્શનમાં 'નથી રાખવા જેવું' થયું ને ? દાદાશ્રી : એ તો ખોટું. એ વાત જ ખોટી. કરુણા બોલાય જ નહીં આપણાથી. એને અનુકંપા કહેવાય. કરુણા તો બુધ્ધિની બહાર જાય ત્યારે કરુણા કહેવાય. કરુણા સહજ સદા ! પ્રશ્નકર્તા : આપ કહો છે કે જ્ઞાનીની સહજ કરુણા હોય, ડિસ્ચાર્જ કર્મ તરીકે નહીં. તો તીર્થંકરો તીર્થંકર ગોત્ર બાંધે છે તે ભાવકર્મથી કે સહજ રીતે ? દાદાશ્રી : ભાવકર્મથી બાંધે છે. ભાવકર્મ પણ કરુણા તો એમની સહજ હોય. કરુણાનો સ્વભાવ તે સહજ હોય, એમાં ક્રિયા ના હોય, કરનાર ના હોય. ભાવકર્મથી કર્મ બંધાય. પ્રશ્નકર્તા : તીર્થંકરોને જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે જ એ આ ભાવકર્મ બાંધે છે ને ? દાદાશ્રી : એ ભાવકર્મ છે તે આત્મજ્ઞાન થયા પછી ખરું, પણ સમકિત થયા પછીનું ભાવકર્મ છે. સમ્યક્ત્વ થયા પછી જે સુખ હું પામ્યો એ સુખ લોકો પામે, એ આ ભાવકર્મ છે. તીર્થંકર ગોત્ર બાંધે છેે. એટલે અમારેય એ જ હોય, કે જે સુખ હું પામ્યો છું, એ લોકો કેમ પામે એના માટે અમારી ભાવના હોય. અને કરુણા એ તો સહજ ભાવ છે. એમ ને એમ, સહજ કરુણા. કો'ક ગાળ બોલે ને, તો સહજ ક્ષમા હોય. ક્ષમા એ સહજ કરુણા જ છે. એટલે કરુણા એ સહજ ગુણ છે અને દયા એ ભાવકર્મનું ફળ છે. અને તીર્થંકરને તો ભાવકર્મ હોય જ નહીં ને, તીર્થંકર થયા પછી ! એમને ભાવકર્મ તો પહેલાં થયેલાં. અમને આ ભાવકર્મ ખરું હજુ આ આટલું, કે લોકોનું કલ્યાણ કેમ કરવું તે ! એમણે તો કલ્યાણ કરવાના ભાવ કરેલા, તે દહાડે જ છે તે આ તીર્થંકર ગોત્ર બાંધેલું. તે આ તીર્થંકર ગોત્ર ખપાવે છે ખાલી. એનું ડિસ્ચાર્જ થયા કરે. એટલે એમને કેવળ કરુણા ! અને નિરંતર કરુણા જ હોય. ભાવકર્મ ના હોય એમને. જ્યાં સુધી ભાવકર્મ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહીં. પ્રશ્નકર્તા : પણ કલ્યાણ ભાવનો તો ભાવ થાયને ? સહુ કોઈનું કલ્યાણ થાવ... દાદાશ્રી : નહીં, એ ભાવ થાય છે એ ભાવ નથી. એ જે ભાવ કહેવાય છે, ભગવાને ચાર્જ કહેલા, એ નહોય. અને તે આપણે હજુ એક અવતાર-બે અવતારની વાત કરીએ છીએ ને તેની મહીં વખતે કોઈને આ ભાવ પણ પેસી જાય કલ્યાણનો, પણ તે એક-બે અવતાર પૂરતો. એટલે શું કે તીર્થંકરોને એવો ભાવ થયેલો કે મને જે સુખ થયેલું, તે બીજા પામો. એ એકલો ચાર્જ છે પાછો. પણ બધાને થાય નહીં એ. બધાને તો સાધારણ ઇચ્છા હોય કે જગતનું કલ્યાણ થાય. જગતનું કલ્યાણ કરો એવો કંઇ એનો મૂળ ભાવ નથી એ. અમુક જ માણસોને હોય એવું. એવાં સંજોગો ચોગરદમના હોય ત્યારે એવું હોય. બધાને ના હોય. એટલે આપણે તો આ જે સુખ પામ્યા છે એ સુખ બધા પામો. એ ભાવના હોવી જોઈએ, બીજું કશું નહીં. બીજું બધું તો મફતમાં લઈને આવેલાને ! બેન્કમાં મૂકેલું, તે ક્રેડીટ લઈએ છીએ. અને તેને વાપર્યા એમાં શાનું જોર કરે છે ? તો કલ્યાણના કાર્યમાં આપણે કાંઈક હિસ્સો તો લેવો જોઈએને ! તીર્થંકરો સહજ સ્વભાવ જાણે ! પ્રશ્નકર્તા : તીર્થંકર સર્વ જીવના સર્વ વસ્તુના પર્યાયને જાણે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : જેનામાં ઉપયોગ મૂકે એ બધાને જાણેને ? દાદાશ્રી : એમણે વસ્તુ જોઈ કે બધા પર્યાય કહી આપે, હવે પહેલાં કેવા પર્યાય હતા ને હવે પછીના કેવા ! ઉપયોગ જ હોય, કેવળજ્ઞાન એટલે શુધ્ધ ઉપયોગ, કમ્પ્લીટ શુધ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : પણ એ તો બીજા ઉપર તો ઉપયોગ ના હોય ને ? પોતાના સ્વભાવમાં હોય. દાદાશ્રી : એ જ સ્વભાવ. પ્રશ્નકર્તા : પણ એ બધાના પર્યાય પ્રતિબિંબ થાય ? દાદાશ્રી : પણ એ જ કેવળજ્ઞાન સ્વભાવ, સર્વ પર્યાયને જાણવા એનું નામ શુધ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : એ ખરું, પણ કોના જાણે ? કયા વખતે ? દાદાશ્રી : એ જાણવાનો પ્રયત્ન ના હોય એટલે એ જાણે ફક્ત. સહજ સ્વભાવે બધાં પર્યાય આમ હતા એવું જાણે ને આમ થશે એવું જાણે, પછી બીજો એનો અર્થ કરવા જઈએ તો બધો ઊંધો થઈ જાય. ફેર, તીર્થંકરો ને જ્ઞાનીની કરુણાનો ! પ્રશ્નકર્તા : સંપૂર્ણ વીતરાગ એવા તીર્થંકરોની કરુણા અને ખટપટિયા વીતરાગ, એવા સજીવનમૂર્તિ દાદાની કરુણા વચ્ચે શું ફેર ? દાદાશ્રી : અહીં વ્યક્તિગત થઈ જાય. પેલું સામાન્યપણે સરખું હોય બધું. આ તો ફલાણા આવ્યા, પેલા આવ્યા, તે વ્યક્તિગત થઈ જાય. પેલું વ્યક્તિગત ના હોય, સરખું સમાન. તેમની દીકરી આવે કે બીજું કોઈ પણ આવે તોય સમાન. પ્રશ્નકર્તા : એનાં પરિણામ અને આનાં પરિણામ કંઇ ફેર પડે ખરો ? દાદાશ્રી : પરિણામ તો એક જ પ્રકારનાં. પરિણામમાં ફેર ના પડે. પણ આમ દેખાવમાં આવું આવે, વર્તનમાં. પરિણામ ચોખ્ખાં હોય પણ વર્તન આવું આવે. વર્તન તો પહેલાં જે પ્રતીતિ હતી તેનાં આધારે છે. એટલે થોડો ફેર દેખાય આમાં. વીતરાગોને તો સહેજેય રાગ-દ્વેષ નહીં. એટલે કરી શકે જ નહીં અને અમારે તો સહેજ આ ચાર ડિગ્રી ઓછી છે, એટલે અમારામાં કરી શકવાની શક્તિ. એટલી જ ભાંજગડ છે. પેલામાં કરી શકવાની શક્તિ નહીં અને આમનામાં શક્તિ, એટલો જ ફેર. કારણ કે આ ચાર ડિગ્રી ફેલ છે અને પેલા એમને પૂર્ણાહુતિ છે, એટલે આવો વારો કોઇ દા'ડો આવતો નથી. આ અમારે તો હજુ એક-બે અવતાર બાકી હોય એટલે ખટપટિયા હોઇએ, ખટપટિયા વીતરાગ ! અમે તો કહીએ, 'પેલા ભઇને અહીં તેડી લાવજો બા. આમ કરજો, તેમ કરજો.' અને એ વીતરાગ તો કશુંય નહીં. એમના દર્શનથી જ આપણું કલ્યાણ થઇ જાય. કેવું કે સાચાં દર્શન થઇ ગયાં, કરતાં આવડવાં જોઇએ. જેવું જેને આવડે એવું એને લાભ. એ વીતરાગ પણ એની વીતરાગતાને જેણે ઓળખી, એના બાપની વીતરાગતા. જેટલી જેટલી ઓળખી એટલો એને લાભ. એ પોતે કશું આવી બાબતમાં હાથ ઘાલે નહીં. વાણી સહજ ભાવથી નીકળ્યા કરે, બસ. એટલે એ ખટપટિયા નહીં. અમે ખટપટિયા, કે આમને સત્સંગમાં તેડી લાવજો. કારણ કે અમે જાણીએ છીએ કે અમારો છેલ્લો અવતાર નથી. એટલે અમારાથી આ બધું બોલાય અહીં આગળ. અને એ એવું ના બોલે કે તમારો કોઇ ઉપરી નથી કે તમારામાં કોઇ આંગળી ઘાલી દે એવું નથી. એવું તેવું ના બોલે. કારણ કે એમને તો જે મોક્ષમાં જવાના હોય તે દર્શન કરીને પામો, ન જવાના હોય તે ન પામો, વીતરાગ. જે પામવાના હોય તે પામો, ના પામવાના ના પામો. અને અમારે આટલો આગ્રહ હોય. હજુ અમે ખટપટ કર્યા કરીએ. અમે ખટપટિયા વીતરાગ કહેવાઈએ. 'અહીં' બુધ્ધિ વાપરતાં, બગાડે જાતને ! કૂતરુંયે બધું સમજી જાય કે વીતરાગ છે. એક મનુષ્યો ડફોળ ના સમજે. કૂતરું એમને જોઈને આમ આડું ઉતરી જાય. સાપેયે સમજી જાય એમને. સુગંધ આવે કે આમને વીતરાગતા છે કે રાગ-દ્વેષ ? પ્રશ્નકર્તા : એમાં પરમાણુઓ કામ કરે ને ? દાદાશ્રી : પરમાણુઓ બધાં કામ કરે, સાહજિકતા. સાહજિકતા નામનો ગુણ છે ને ! આ છોકરામાં સાહજિકતાનો વધારે ગુણ છે, એટલે જલદી સમજી શકે કે આ દાદા ભગવાન છે. અને અક્કલવાળો થયો ત્યારથી જ માપવા માંડે. ધંધો શું કરવા કરે છે ? વીંટી પહેરી છે, વીંટી પહેરી છે તો હીરો શું કરવા નાખે છે ? એવું અક્કલવાળો બધું ખોળી કાઢે. અહીં આગળ આ દાદરો ચડ્યા પછી પોતાની અક્કલ વાપરે તો કેસ બફાઈ જાય આખો. કારણ કે જ્ઞાની પુરુષને ત્યાં બધી વધારે ક્રિયાઓ હોય નહીં કોઈ જાતની, સાહજિક હોય બધું. એટલે ત્યાં બુધ્ધિ વાપરવા ગયો કે માર્યો ગયો. અત્યારે તો એની (જ્ઞાની પુરુષ) આગળ આપણે અબુધ થઇને બેસો, કારણ કે જ્ઞાની પુરુષ પોતે જ અબુધ થઈને બેઠેલા. પોતાનામાં બુધ્ધિ હોય નહીં. જ્ઞાની પુરુષનામાં બુધ્ધિ જરાય છાંટોય ના હોય. બુધ્ધિવાળા ઈમોશનલ હોય. ઈમોશનલ થાય એટલે સંસાર ઊભો થાય. જ્ઞાની પુરુષમાં જ્ઞાન હોય, બુધ્ધિ ના હોય. પાંચ આજ્ઞા પાળવાના પરિણામે... પ્રશ્નકર્તા : સહજ ક્ષમા શી રીતે આવે ? દાદાશ્રી : ના, એ તો એવું છે ને, કે લાવવાથી આવે એવું નથી. તમે અમારી પાંચ આજ્ઞા પાળશોને એટલે એ બધુંય આવશે. આ પાંચ આજ્ઞા પાળો ને, એનું પરિણામ જ સહજ છે બધું. આ શીલ-બીલ બધુંય આવશે. પ્રશ્નકર્તા : ના, પણ શીલ તો બહુ મહાન. દાદાશ્રી : શીલ એકલું પાળીએ તોય બહુ મોટી વસ્તુ છે. કારણ કે શીલનો અર્થ તો બહુ મોટો કર્યો. શીલવાન કોઈ જોવા જાય, તો એક તીર્થંકરોને શીલવાન હતા એમ કહેવાય આપણાથી. શીલવાન કહેવાય ખરેખર, જો એનો અન્યાય ન કરો, શીલ શબ્દનો જો કદી ઘાત ન કરવો હોય, એની કંઈ પણ કિંચિત્માત્ર હિંસા ન કરવી હોય તો એમને મૂકવા જોઈએ. અમને મૂકો તોય અમને થોડી હિંસા થઈ હશે એમાં. શીલની પણ હિંસા ન થવી જોઈએ ને ! કોઈ અંશની હિંસા થાય કે ના થાય ? શીલ એટલે શીલ ! પ્રશ્નકર્તા : તમે તીર્થંકરનું ધોરણ એટલું બધું મોટું મૂકી દીધું કે પછી વિચાર કરવાનો જ માંડી વાળવો પડે. દાદાશ્રી : આપણે એ જ થવાનું છે ને, છેવટે ! એ તીર્થંકર નહીં થઈએ તો કેવળી થઈશું, પણ પદ એકનું એક જ છે. એ સ્ટેશને જ જવાનું છે ને ! આ આજ્ઞા પાળીને એ જ સ્ટેશને જવાનું છે, બીજા સ્ટેશને જવાનું નથી. વિજ્ઞાન પહોંચાડે પૂર્ણ સહજતામાં ! અત્યારે તો આપણું આ વિજ્ઞાન છે તે તમને નિરંતર સહજ જ કરી રહ્યું છે. અને સહજ થઈ ગયું, એટલે મારા જેવા થઈ ગયા. મારા જેવા થઈ ગયા એટલે બ્રહ્માંડના ઉપરી કહેવાય. દાદા ભગવાનને બ્રહ્માંડના ઉપરી કહેવાય. એનું શું કારણ ? કે આ દેહના માલિક નહીં. એટલે આ દેહનો માલિક કોણ ? ત્યારે કહે છે કે આ પબ્લિક ટ્રસ્ટ છે. સહજાત્મ સ્વરૂપ એ જ પરમ ગુરુ ! એટલે કહે છે, પહેલા દેહથી તું સહજ થા, આત્મા તો સહજ સ્વરૂપ જ છે. હવે કૃપાળુદેવે શું કહ્યું 'સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ'. પરમ ગુરુ કેવા હોવા જોઈએ ? સાહજિક હોવા જોઈએ, સહજાત્મ હોવા જોઈએ. સહજ આત્મા, જેનાં મન-વચન-કાયા પણ સહજ આત્મ હોય, પ્રતિષ્ઠિત આત્મા સહજાત્મ હોય. તો એ ગુરુ કરજે. નહીં તો ગુરુ કરવાનો શું અર્ર્થ છે ? પ્રશ્નકર્તા : સહજાત્મ સ્વરૂપ એટલે શું ? દાદાશ્રી : આ દેહ સહજ થઈ જાય તો આત્મા તો સહજ જ છે. આ બધો રિલેટિવ ભાગ છે, એ સહજ થઈ જાય તો પેલો તો સહજ જ છે. પોતાને તો કશી ભાંજગડ જ નથી. આને સહજ કરવાનો છે, સહજ ! બુધ્ધિ ડખો કરે છે ને આ બધો. સહજાસહજ જગત કલ્યાણ ! પ્રશ્નકર્તા : સ્વગુણે જગત કલ્યાણ કરવાનું હોય કે સહજાસહજ થાય ? દાદાશ્રી : સહજાસહજ, સહજાસહજથી જ બધું થઈ રહ્યું છેને, સહજાસહજથી જ થાય. અને સહજાસહજ એનું નામ કહેવાય કે કંઈક કરીએ તો, કે મોઢે બોલીએ એ બધું સહજાસહજ કહેવાય. ભાવના કલ્યાણ કરવાની એ સહજાસહજ કહેવાય. છેલ્લો સહજાસહજ તો જ્ઞાની પુરુષ પાસે, એકલાં જ પાસે હોય. બાકી બીજે બધે સહજાસહજ અમુક હદમાં હોય, એનું પ્રમાણ. જ્ઞાનીઓને સહજ જુદું કહેવાય. એમાં સહેજેય છે તે પેલો પ્રયત્ન ના હોય. આ પ્રયત્ન ખરા, પણ સહજ પ્રયત્ન. સંસારના પ્રયત્નો જુદા ને આ સહજ પ્રયત્ન, એય સહજાસહજ પ્રયત્ન. નિરંતર કરુણા, જ્ઞાનીની ! સહજતા એટલી બધી હોવી જોઈએ કે આપણો નિશ્ચય હોવો જોઈએ. જે કરવાનું છે તેનો નિશ્ચય. આ હું એક દિવસમાં ચાર-ચાર જગ્યાએ જ્ઞાન આપું છું, તે આ શરીરને અડચણ નહીં આવતી હોય ? પણ નહીં, આપી જ દેવાનું. ફરી ફરી આ તાલ ખાધો કે ના ખાધો, આ તો આ પરમાણુ રહ્યાં કે ના રહ્યાં એનું શું ઠેકાણું ? માટે જેટલા અડી ગયાને એનું કલ્યાણ થઈ જશે. અલૌકિકતા છે. આ તો આ મારે ખુદ કહેવું પડે છે. કેટલુંક કહેવાનું ? દાદા કરાવે પ્રયોગો સહજતા કાજે ! આપણે ત્યાં થબાકા શા માટે પાડવામાં આવે છે ? સહજતા લાવવા માટે, જે અસહજપણું હતું તે ઉડાડી મેલવા માટે છે બધું આ. સહજ પ્રયોગ છે આ. સહજતા આવે કે પછી કોઈ જાતનો ભો જ નહીંને ! ભો હોય નહીં ને ભડકાટેય નહીં. આમ કરાય ને આમ ના કરાય, એવું જેના મનમાં વિકલ્પ છે તેને ભો હોય. આપણને તો ભો જ નહીંને કોઈ જાતનો. ભૂતાં બધાં નીકળી જવા જોઈએ. રસ્તામાં કપડાં કાઢી લે તો પછી આપણને સંકોચ રહ્યા કરેને કે ના રહ્યા કરે ? પ્રશ્નકર્તા : હવે ના રહે. દાદાશ્રી : હવે કશો સંકોચ ના રહે. એટલા માટે આ સહજતા કરાવડાવીએ છીએ કે કોઈ પણ સ્થિતિમાં સંકોચ ના ઉત્પન્ન થાય. વડોદરામાં ઘડિયાળી પોળમાં ઉપાશ્રય છે, તે જ્ઞાન પહેલાં હું એક વાર ગયેલો, એ ઉપાશ્રયમાં દર્શન કરવા માટે, કોઈ મહારાજ આવ્યા હશે તે. તે દહાડે લાંબો કોટ પહેરું સફેદ અને બૂટ અત્યાર જેવાં નહોતા રાખતો, જરા ચકચકિત રાખતો. તે દહાડે જરા વટ-બટ બધું ખરું ! ત્યાં આગળ દોઢ કલાક બેસ્યા પછી બહાર નીકળ્યો તે ચકચકિત બૂટ હતા તે ઉપડી ગયા. પગરખાં સારાં હોય તે જ પહેલાં ઉપાડે ને ? તે ઉપડી ગયા. એટલે મેં કહ્યું કે, ચાલો ઉપડી ગયા તે, તેનો ખેદ ના થયો. પણ હવે બજારમાં શી રીતે જઈશ ? લાંબો કોટ ને બૂટ નહીં. તે સંકોચ થયો મહીં. તે ત્યાં ઘડિયાળી પોળમાં નીકળતાં જ તરત રીક્ષા કરી લીધી અને ઘેર આવતો રહ્યો. પણ આવો સંકોચ થયેલો અનુભવ્યો મેં. એટલે મને એમ વિચાર આવે કે પછી કો'ક કહે, કપડાં કાઢી લો તો શું કરું ? તો સંકોચ થયા વગર રહેવાનો છે ? માટે સંકોચ પહેલેથી દૂર કરો. સહજતા લાવો. એટલે આ સહજતાના પ્રયોગ બધા કરાવડાવીએ છીએ. જ્ઞાન તો તમને છે જ પણ સહજતા હોવી જોઈએને ! કોઈ પણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ, ગમે તેવી સ્થિતિમાં. સહજ થશો તો મોક્ષ થશે. ભગવાન સ્વરૂપ થશે. પોતે ભગવાન છે એવું ભાન થશે. અને આ તો અસહજથી આ બધાં એટીકેટનાં ભૂતાં છેને, ત્યાં કશું જ ના હોય. એટલે સહજ થવાની જરૂર છે. આ તો અક્રમ વિજ્ઞાન છે, બધું ખાલી કરી નાખવાનું. ક્રમિકમાં ના ચાલે, ક્રમિકમાં એવું ના ચાલે. ક્રમિકમાં તો લઈ લઈને જોડે ને જોડે માર ખા ખા કરવાનું. અહીં તો ખાલી જ કરી નાખવાનું. શુધ્ધાત્મા થયા પછી શું રહ્યું તે ? ક્રમિકમાં તેવી રીતે શુધ્ધાત્મા થઈ શકતો નથી અને જ્યારે શુધ્ધાત્મા થાય, તે અવતારે મોક્ષે જાય. અને આપણે શુધ્ધાત્મા હોય તો વેપારી વેપાર કરી શકે એવું આપણું અક્રમ જો ને ચંદુભાઈ કહે છે ને નિરાંતે. તમને સમજાયું તમને ? પ્રશ્નકર્તા : હા, સમજાયું મને. બુધ્ધિવાળાને તો એવું મહીં બુધ્ધિ દેખાડે. શું જોઈને થબાકા પાડ પાડ કરે છે ? મૂઆ, મેરચક્કર ! મને મોટા મોટા ભણેલા માણસો એવું અવળું દેખાડે. નહીં તો કંઈ થબાકા પાડવાના ચંદુભાઈને ગમતાં હશે ? આ તો હું પાડીને તમને શીખવાડું. બાકી મારે કંઈ જરૂર નથી હવે. તમને શીખવાડીને નિવેડો લઈ આપું છું. મારે કંઈ જરૂર છે આ બધી ક્રિયા કરવાની ? આ તો નિવેડો લાવવાનો છે. આ કંઈ કોલેજેય નહીં ને સ્કૂલેય નહીં. એટલે આ રીતે ખપાવવાથી સહજ થાય. જે તે રસ્તે દેહને સહજ કરવાનો છે. છેવટે સહજ થવાનું છે. દિવસે દિવસે સહજ થવાનું છે. અહીં આ બધા સહજ થવાનાં સાધનો છે. પ્રશ્નકર્તા : દાદા કહે છે કે એવી પૂર્ણ સહજ સ્થિતિ આવે કેવી રીતે ? દાદાશ્રી : જે આ દાદાને ભજેને એ સહજ સ્થિતિને જ ભજી રહ્યા છે. એટલે તમે એટલા સહજ થઈ જશો. અનંત ઐશ્વર્ય, સિધ્ધિ પ્રગટ્યાં જ્ઞાનીમાં ! અને 'જ્ઞાની પુરુષ' સિધ્ધિ વાપરે નહીં. અમારો સહજ હાથ અડેને તોય સામાનું કલ્યાણ થઈ જાય. બાકી, 'જ્ઞાની પુરુષ' એમને ઘેરેય સિધ્ધિ ના વાપરે ને બહારેય ના વાપરે, શરીર માટેય ના વાપરે ! શું કરવા ડૉક્ટર પાસે જાય ? આ ડૉક્ટરો તો કહે છે, 'તમારે જ્ઞાની પુરુષને શું કરવા આવવું પડે છે ?' ત્યારે મેં કહ્યું, 'હું પેશન્ટ છું, એટલે આવવું પડે છે.' એટલે દેહ માટેય કશી સિધ્ધિ વાપરવાની નહીં. અજ્ઞાની તો સિધ્ધિ જ્યાં ને ત્યાં વાપરી ખાય. જેટલી એની પાસે ભેગી થઈ હોય, તે લોકોએ 'બાપજી, બાપજી' કહ્યું એટલે ત્યાં વપરાઈ જાય. જ્યારે જ્ઞાની પાસે તો, એમનું ભેગું થયેલું હોયને, એમાંથી એક આનોય સિધ્ધિ વપરાય નહીં. અને 'જ્ઞાની પુરુષ' તો અજાયબી જ કહેવાય. જગત તો હજુ એમને સમજ્યું જ નથી. એમની સિધ્ધિઓ તો, હાથ અડાડે ને કામ થઈ જાય. આ અહીં જે માણસોમાં બધા ફેરફાર થયા છેને, તેવા કોઈથી એક માણસમાં ફેરફાર નહીં થયેલા. આ તો તમે જોયું ને ? શું ફેરફાર થયા છે ? બાકી આ તો બનેલું જ નહીં, પ્રકૃતિ ફરે જ નહીં માણસની ! પણ તેય બન્યું આપણે અહીં ! હવે આ તો મોટા મોટા ચમત્કારો કહેવાય, ગજબના ચમત્કાર કહેવાય. આટલી ઉંમરે આ ભાઈ કહે છે કે, 'મારું ઘર સ્વર્ગ જેવું થઈ ગયું, સ્વર્ગમાંય આવું ના હોય !' પ્રશ્નકર્તા : એ જ શક્તિ છેને ? દાદાશ્રી : ગજબની શક્તિ હોય 'જ્ઞાની પુરુષ'માં તો, હાથ અડાડે ને કામ થઈ જાય ! પણ અમે સિધ્ધિ વાપરીએ નહીં. અમારે તો કોઈ દહાડોય સિધ્ધિ વાપરવાની હોય નહીં. અમે વાપરીએ તો સિધ્ધિ ખલાસ થઈ જાય ! આ તો સહજ ઉત્પન્ન થયેલી હોય. - જય સચ્ચિદાનંદ |
|---|