કૌટુંબિક સમસ્યાનો ઉપાય, મૌન !

સંપાદકીય

પતિ-પત્ની, મા-બાપ છોકરાં વચ્ચે એકબીજાને સમજી નહીં શકવાથી પ્રોબ્લેમો ઊભા થતાં જ હોય છે. પછી સામાને વઢીને સુધારવાનો પ્રયત્ન કરતા હોય છે. તેથી અથડામણો, મતભેદ વધી જાય. છેવટે અબોલા ઉપર વાત ચઢી જાય. છતાં એકબીજાની ગરજ તો રહેવાની. થોડા દહાડામાં મોહ ઉપર ચઢી જાય ત્યારે એક થઈ જાય. પાછો કકળાટ થતાં જુદા પાડી જાય. પરમ પૂજ્ય દાદાશ્રી પોતાનું આત્મકલ્યાણ ચૂક્યા વગર વ્યવહારના ગૂંચવાડાના સોલ્યુશન સમજાવે છે. જેમાં તાત્વિક સિધ્ધાંતો પણ સમાઈ જતા હોય છે અને વ્યવહારિક ઉકેલ પણ જડી જાય છે.

જેમ કે કમાઉ પત્ની પતિ ઉપર રૂઆબ કરતી હોય તો પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે 'પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે ને પછી એને પાછો વાગે.' પતિ પત્ની ઉપર રોફ મારતો હોય તો આ તો વંઠ્યું કહેવાય. બે મિત્રોની જેમ રહો. મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે. તેને બદલે આવી રીતે વાઈફને કચડવાની ? એટલા માટે પરણાવતા હશે ? બન્ને તરફથી બેલેન્સ રહેવુંુ જોઈએ. પતિ-પત્નીના ઝઘડામાં સમ્યક રીતે બોલીને કકળાટ શમે તેવા ઉપાય કરવા જોઈએ. અબોલા થતાં સુધી ન જવું જોઈએ. પોતાની ભૂલની કબૂલાત કરી માફી માંગે તો સામો જરૂર વળી જ જાય. વાઈફ ભૂલ કરે ને હસબંડ મૌન રાખે તો મૌનનો તાપ ભારે લાગે. બોલે તો બકવાસ જેવું થઈ જાય. સામાની ભૂલ ઉપર વઢવાનું હોય નહીં, એ ગુનો છે.

ભીંત જોડે અથડાયા તો કોની ભૂલ ? આ જીવતા દેખાય તે પણ જીવતો ભાગ અથડાય નહીં ને અથડાય તે નિર્જીવ જ હોય, ભીંતની જેમ સમજી લઈએ તો ડખો ના રહે. મહીં બેઠેલા ભગવાનની સહાય મળે. આ તો ભીંત સાથે અથડાય ને ભીંતની ભૂલ કાઢે તો ક્યારે નિવેડો આવે ? ફરિયાદી જ ગુનેગાર હોય છે. નહીં તો ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? સામાના પ્રપંચમાં મૌન ભાવે સમતા રાખે તો ચારિત્રબળ ઉત્પન્ન થાય. અને ચારિત્રબળથી ફેમિલી લાઈફ સુંદર થઈ જાય. જો સંસાર વધારવો હોય તો વઢંવઢા કરવી ને મોક્ષે જવું હોય તો શું બને છે તે જુઓ.

આમ પ્રસ્તુત સંકલનમાં અનેક પ્રકારની વ્યવહાર જ્ઞાનકળા તેમજ આત્મધર્મ ન ચૂકાય તેનો સમન્વય જાળવતા પરમ પૂજ્ય દાદાશ્રીએ ફેમિલી પ્રોબ્લેમોના સોલ્યુશન ધર્યાં છે. જે એક-એક ચાવી વાચકને વ્યવહાર ઉકેલી મોક્ષમાર્ગે વધવા ઉપકારી નીવડશે.

જય સચ્ચિદાનંદ.

કૌટુંબિક સમસ્યાનો ઉપાય, મૌન !

પાવર અથડાય ત્યાં રહો મૌન !

પ્રશ્નકર્તા : અહીંયાં અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરેને એટલે સ્ત્રીઓને જરાક વધારે પાવર આવી જાય, એટલે હસબન્ડ-વાઈફને વધારે કચકચ થાય.

દાદાશ્રી : પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો, પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે ! ગાડું સારું ચાલેને ? આ ગાડાના બળદ ઢીલા હોય તો સારું કે પાવરવાળા ?

પ્રશ્નકર્તા : પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલેને ? પાવર સારો કરતા હોય તો સારું.

દાદાશ્રી : એવું છેને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટમાં પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો.

પ્રશ્નકર્તા : તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું ?

દાદાશ્રી : સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું (માનનું પાણી) પીધું છે ! પીધા પ્રમાણે પાવર વાપરે ને ?

પ્રશ્નકર્તા : બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતા હોય ત્યારે ?

દાદાશ્રી : ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. 'હં... આજે વંઠ્યું છે' એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું.

પ્રશ્નકર્તા : હં... નહીં તો વધારે વંઠે.

દાદાશ્રી : આજ વંઠ્યું છે, કહેવું. આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય, તે આવું કરતા હશે ? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો ? માટે આ બે મિત્રો જ કહેવાય, સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે. અને આવી દશા કરી નાખી, આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો, ગ્રીન કાર્ડવાળાને ? આવું કરવા હારુ ? તો પછી આ શોભે આપણને ? તમને કેમ લાગે છે ? ના શોભે આપણને. સંસ્કારી કોને કહેવાય ? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે ?

પ્રશ્નકર્તા : ક્લેશ ના હોય તે.

દાદાશ્રી : ત્યાર પછી આવું ? આપણે સંસ્કારી. પૈણવા જઈએ તો પૈઠણ આપે લોકો. કોના પર પૈઠણ આપે છે ? ઘરમાં વાઈફને બાંધીને મારવા હારુ આપતા હશે ? પહેલાં તો પૈઠણો શેની આપતા'તા, કે આ ઘરમાં તો કકળાટ જ નહીં બિલકુલ ! ઘરમાં કોઈ કકળાટ નહીં, કોઈ કોઈને દુઃખ ના આપે, એ સ્થિતિ આપણને હોવી જોઈએ ને ?

આ તો પહેલેથી નાનપણમાંથી છોકરાને ઉછેરતી વખતે લોકો એવું કહે, ચેક મળ્યો. એટલે આ ગાંડા ચક્કર થઈ જાય. આ તમે જાણો નહીં આ બધું ? આ ચેકો જોયેલા નહીં ?

પ્રશ્નકર્તા : એ ના સમજાયું કે, એ ચેક એટલે શું ?

દાદાશ્રી : બીજા નાના ગામવાળા આવશે ને, એ પૈઠણ બધી આપશે. ભલે છોકરાવાળા પાસે મિલકત નથી, ભલે ઓછી મિલકત છે પણ ખાનદાન કુળ છે, કુળ સારું છે અને સુગંધીય ખરી એમાં, ખોટું તો ના કહેવાય. ચોરી-બોરી ના કરે, લુચ્ચાઈઓ, કોઈને ફસાવે કે એવું તેવું હોય નહીં. હલકાં કામ ના કરે. તે એના પૈસા આપે છે, એમ ને એમ આપે છે ? એ મોઢું જોવાના પૈસા આપે છે ? ના આ તો ખાનદાની હોય એની. ખાનદાન એટલે શું કે બે બાજુ ઘસાય એનું નામ ખાનદાન. બે બાજુ ઘસાય એટલે શું ? ખરીદી કરવા જાય તો ત્યાં મનમાં એમ થાય કે શું આ ઓછું આપે છે ? પણ એ બિચારો કમાશે ને ? ઓછું લઈ આવે. અને પોતે, કો'ક લેવા આવ્યો હોય તેને વધારે આપે તે વખતે. વધારે થોડું જાય તો સારું બિચારાને ! એટલે બેઉ બાજુ ઘસાય એનું નામ ખાનદાન. એટલે આ પૈઠણ તેની આપે છે.

એટલે આ નાનપણથી આવું પાણી પાય છે આ પાટીદારો છોકરાઓને. તમે સાંભળેલું નહીં એવું પાણી ? લોકો 'ચેક' બોલે એવું સાંભળેલું નહીં ?

પ્રશ્નકર્તા : સાંભળેલું ને !

દાદાશ્રી : હં... એટલે પેલું મસ્તીમાં કૂદ્યા કરતું હોય. ખોટું પાણી આપે છે. યુઝલેસ પાણી ! એ તો માલ વેચ્યા બરાબર છે. એ તો આ માલ વેચ્યો ત્યાં આગળ. એ તો પછી મારા મનમાં એમ થયું કે આ તો વેચાયા કહેવાય !

મૌન રહીને જોયા કરો !

પ્રશ્નકર્તા : કોઈએ જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ કયું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આ તો વસ્તુ ફેંકી દીધી, પણ છોકરો ફેંકી દે તોય આપણે 'જોયા' કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એકને તો દવાખાનું ભેગું થયું. હવે પાછા બે દવાખાનાં ઊભાં કરવાં ? અને પછી જ્યારે એને લાગ આવે ત્યારે એ આપણને પછાડે. પછી ત્રણ દવાખાનાં ઊભાં થયાં.

પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં?

દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક કહેવું, જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક કહેવું.

પ્રશ્નકર્તા : સમ્યક એટલે કેવી રીતનું ?

દાદાશ્રી : ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ? ત્યારે એ કહેશે કે, જાણી જોઈને હું કંઈ ફેકું ? એ તે મારા હાથમાં છટકી ગયો ને ફેંકાઈ ગયો.

પ્રશ્નકર્તા : એ તો એ ખોટું બોલ્યા ને ?

દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે. એ આપણા આધીન નથી. એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આવે તો આપણે તો ખલાસ જ થઈ જઈએને ? માટે આપણા તાબામાં જે નથી તે આપણે જોવાનું નહીં. સમ્યક કહેતાં આવડે તો કામનું છે કે, 'ભઈ, આમાં શું તમને ફાયદો થયો ?' તો એ એની મેળે કબૂલ કરશે. સમ્યક કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે.

પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ?

દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે 'ક્યા હોતા હૈ?' સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે.

અબોલાથી નિકાલ થાય ?

પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?

દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તે કેમ છો ? કેમ નહીં ? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહોને, મારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછું એટલે મારી બહુ ભૂલો થાય' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.

પ્રશ્નકર્તા : એવું કહેવાથીય એ નરમ ના પડે તો શું કરવું ?

દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.

પ્રશ્નકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઈ, હવે માફી માગું છું, તોય પેલો વધારે ચગે તો શું કરવું ?

દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એનો સ્વભાવ વાંકો છે એમ જાણીને બંધ કરી દેવું આપણે. એને એવું કંઈક ઊંધું જ્ઞાન થઈ ગયું હોય કે 'બહુત નમે નાદાન', ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલા સરળ હોયને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે, એ ના સમજીએ ?

પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ?

દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છેય નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો'ક દહાડો ચીડાશે એટલે આપણો હિસાબ પતી જશે. આપણે મૌન રાખીએ એટલે કો'ક દહાડો એ ચિડાય ને જાતે જ બોલે કે 'તમે બોલતા નથી, કેટલા દહાડાથી મૂંગા ફરો છો ?' આમ ચિડાય એટલે આપણું પતી જશે. ત્યારે શું થાય તે ? આ તો જાતજાતનું લોખંડ હોય છે ! અમને બધાં ઓળખાય. કેટલાંકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાંકને ભઠ્ઠીમાં મૂકવાં પડે, પછી ઝટ બે હથોડા માર્યા કે સીધાં થઈ જાય. આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે, આ બધી બીજી ધાતુ છે.

તમારે એમની જોડે મતભેદ પડે છે ?

પ્રશ્નકર્તા : એમને બોલવાનું જ ઓછુંને એટલે મતભેદ જ ક્યાં રહે ?

દાદાશ્રી : હા. જે એકદમ ઓછું બોલતો હોય તેનો સામા માણસને તાપ બહુ લાગે. એટલે સાચી વાત કહેવી હોય તોય કહેવાય નહીં.

મૌનથી તાપ પૂરો !

પ્રશ્નકર્તા : એ તો ઈન્ડિયાનો ધર્મ કહેવાય. પુરુષો બૈરાંઓને ગમે તેમ બોલે ને ?

દાદાશ્રી : એ વાત કેવી છે કે 'નબળો ધણી બાયડી ઉપર શૂરો !' આપણે ત્યાં કહેવત છે એક. તે ખોટી હશે કે સાચી હશે ?

પ્રશ્નકર્તા : સાચી.

દાદાશ્રી : હં. મુસ્લિમોનો કાયદો કેવો ? બહારથી મારીને આવે. ઘરમાં હીંચકા હઉ નાખે બૈરીને. અને હિંદુઓનો કાયદો કેવો, બહાર માર ખઈને મિયાઉં થઈને આવે અને અંદર ઘરમાં લડવાડ કરે.

કેટલાક માણસો ઘરમાં શૂરા હોય છે તે બાઈડીને આવડા આવડા શબ્દ બોલે. આ કઈ જાતનો માણસ છું તે ? બીબી ગાળો ના દેતી હોય તોય એ બીબીને દે દે કર્યા કરે ! બાયડી પર શૂરો એનો અર્થ શું કે બઈને, છોકરાંને, છોડીઓને આખો દહાડો ટૈડકાવ ટૈડકાવ કરે. એટલે ઘરમાં આવું ના હોવું જોઈએ. જ્યારથી આ વાક્ય સાંભળ્યું નાની ઉંમરમાં કે 'નબળો ધણી બાયડી ઉપર શૂરો !' મેં કહ્યું, 'ભલા હું નબળો ! આ આમની જોડે શૂરવીરતા કરી મેં ?' પોતાની જાતને તપાસી જોવું જોઈએ કે નહીં ? પોતે નબળો નહીં. પહેલાં નબળાઈ થઈ ગયેલી. અમથો અમથો મતભેદ પડી જાય વાતવાતમાં, પણ છેલ્લા પચાસ વર્ષથી તો નથી જ. કોઈ દહાડો વઢવાનું નહીં. હીરાબાથી ઊંધુંછતું થાય તોય વઢવાનું નહીં, વઢું તો હું નાલાયક કહેવાઉં. સ્ત્રીઓને વઢાય નહીં, એ ગુનો છે.

પ્રશ્નકર્તા : હીરાબાથી રસોઈ બરાબર ના થઈ હોય તોય ના લડો ?

દાદાશ્રી : રસોઈ બરાબર ના થઈ એમ નહીં, એ આમ દેવતા લઈને જતા હોય ને મારી પર પડે તોય ના લડું.

પ્રશ્નકર્તા : તો પછી આપનાથી ગભરાય કેમ ?

દાદાશ્રી : એ જ, હું ના લડું એટલે જ ગભરામણ બેસે. લડવાથી માણસનું વજન તૂટી જાય. એક ફેરો કૂતરો ભસ્યો, એટલે પેલાં સમજી જાય કે આનામાં બરકત નથી, બરકત વગરનો છે. એ નહીં બોલવાથી જ વજન પડે અને 'ભાભો ભારમાં, તો વહુ લાજમાં', એ સમજાય એવી વાત છે.

પ્રશ્નકર્તા : બરાબર સમજાયું.

દાદાશ્રી : એટલે હીરાબાને નિરંતર ફફડાટ, કશું બોલું નહીં, વઢીએ નહીં તોય !

ભીંત જોડે અથડાય તો કોનો દોષ ?

ભીંતને અથડાવ તો મતભેદ ભીંત જોડે પડે ખરો ? ભીંતને તમે અથડાઈ ગયા કોઈ વખત કે બારણાને, તો તે ઘડીએ મતભેદ પડે બારણા જોડે કે ભીંત જોડે ?

પ્રશ્નકર્તા : એ બારણું તો નિર્જીવ વસ્તુ છે ને ?

દાદાશ્રી : એટલે જીવને માટે જ છે તે તમે એમ માનો છો કે આ એ અથડાયો મારી જોડે. આ દુનિયામાં જે અથડાય છે એ બધી જ નિર્જીવ વસ્તુ હોય છે. અથડાય છે એ જીવંત ના હોય, જીવંત અથડાય નહીં. નિર્જીવ વસ્તુ અથડાય. એટલે તમારે ભીંત જેવું જ સમજી લેવાનું. એટલે ડખો નહીં કરવાનો આમ આમ કરીને પછી કંઈક, હેંડો ચા કાઢો, કહીએ.

હમણે એક છોકરું ઢેખાળો (પથ્થર) મારે અને લોહી નીકળે એટલે છોકરા ઉપર શું કરો ? ગુસ્સો કરો ? ગુસ્સો કરો. અને તમે જતા હો અને ડુંગર ઉપરથી એક પથરો પડ્યો. તે વાગે ને લોહી નીકળે તો પછી શું કરો, ગુસ્સો કરો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એનું શું કારણ ? પેલો ડુંગર ઉપરથી પડેલો છે. પછી આ છોકરો પસ્તાતો હોય કે આ ક્યાં થઈ ગયું મારાથી. આ ડુંગર ઉપરથી પડ્યો તે કોણે કર્યું ?

પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામે આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને ?

દાદાશ્રી : આ ભીંત જોડે લડે, તો કેટલો વખત લડી શકે ? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું ? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઈ એટલે આપણે ભીંતને માર માર કરવી ? એમ આ ખૂબ ક્લેશ કરાવતા હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવા છે. પછી કોઈ મુશ્કેલી નથી.

પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે ને એ વધારે ક્લેશ કરે ?

દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તો ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઈ ?

મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઈ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી અસર થાય છે એવું પણ કશું હોતું નથી. 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (માત્ર વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા છે). કોઈની આટલી (જરા જેટલી) સત્તા નથી. આટલીય સત્તા વગરનું જગત, એમાં કોઈ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય ! આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? એવું સામાને છે. અને એના નિમિત્તે જે અથડામણ છે એ તો છોડવાની નથી. નકામી બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં, માટે તમે ભીંત જેવા થઈ જાઓને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલા છે તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ને તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઈ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને 'હેલ્પ' કરે.

આ ભીંત જોડે મતભેદ પાડો તો શું થાય ?

પ્રશ્નકર્તા : માથું ફૂટે.

દાદાશ્રી : માથું ફૂટી જાય, ત્યારે ભીંતને પછી વાંધો છે ? માટે મતભેદ ના કરવો. ભીંતને તો લેવાદેવા શું છે ? માટે ભૂલ આપણી હોય તો જ ભીંત અથડાય છે. એમાં ભીંતની ભૂલ નથી. ત્યારે મને લોકો કહે છે કે, 'આ લોકો બધા કંઈ ભીંત છે ?' ત્યારે હું કહું છું કે, 'હા, લોકો એ પણ ભીંત જ છે. એ હું જોઈને કહું છું, આ કંઈ ગપ્પું નથી.'

કોઈની જોડે મતભેદ પડવો અને ભીંત જોડે અથડાવું એ બે સરખી વસ્તુ છે, એ બેમાં ફેર નથી. આ ભીંતની જોડે અથડાય છે, એ નહીં દેખાવાથી અથડાય છે. ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી, આગળનું એને સોલ્યુશન જડતું નથી એટલે મતભેદ પડે છે. આ ક્રોધ થાય છે, તે પણ નહીં દેખાવાથી ક્રોધ થાય છે. આ ક્રોધ-માન-માયા-લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ બધું કરે છે, તે આમ વાતને સમજવી જોઈએને ? વાગે તેનો દોષને, ભીંતનો કંઈ દોષ ખરો ? તે આ જગતમાં બધી ભીંતો જ છે. ભીંત અથડાય એટલે આપણે ખરી-ખોટી કરવા એની જોડે નથી જતાને ? કે આ મારું ખરું છે એવું લડવા માટે ભાંજગડ નથી કરતાંને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવું આ અત્યારે ભીંતની સ્થિતિમાં જ છે. આની જોડે ખરું કરવાની જરૂર જ નથી.

જે અથડાય છેને તે આપણે સમજીએ કે એ ભીંતો જ છે. પછી બારણું ક્યાં છે એની તપાસ કરવી તો અંધારામાંય બારણું જડે. આમ હાથ હલાવતાં હલાવતાં જઈએ તો બારણું જડે કે ના જડે ? અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવું નથી એવો કાયદો પાળવો જોઈએ, કે કોઈની અથડામણમાં આવવું નથી. તમારે કોની જોડે અથડાય છે ?

પ્રશ્નકર્તા : એ બહાર અથડાય.

દાદાશ્રી : એ તો મહીં ઘરમાંય કેટલીય વાર થાય, એ તો તમને લાગે એવું.

પ્રશ્નકર્તા : ના, ના. અમે તો કોઈ દિવસ અથડાતા નથી. વરસે એક વાર, તે ખાલી થોડી વાર.

દાદાશ્રી : એ તો એકાદવાર તો દિવાળી કહેવાય, એનો વાંધો નહીં. આ તો મહિનામાં એક-બે વખત હોય જ.

પ્રશ્નકર્તા : એ તો કોઈવાર કામવાળા નહીં આવ્યા હોય, કોઈવાર કાચનું વાસણ તૂટી ગયું હોય, કંઈ આમ થયું હોય તો જ અથડામણ થાય.

દાદાશ્રી : તે પણ તકરાર કરવાની શી જરૂર છે ?

પ્રશ્નકર્તા : એ તો થઈ જાય, ખાલી આર્ગ્યુમેન્ટ થઈ જાય.

દાદાશ્રી : બળ્યું, આપણે નોકરી કરતા હોઈએ તો આર્ગ્યુમેન્ટ કરીએ ? શેઠ કહે, એવું કરી નાખવાનું. આપણે ભાંજગડ નહીં. આ તો નોકરી જ જોઈએ આ લોકોને. સ્વતંત્ર જગ્યા જ નહીં અપાય એવા લોકો, નહીં ? એટલે શું કરવું જોઈએ ? તારે એમના નોકર તરીકે રહેવું. એ તારા નોકર તરીકે રહે. એવું થાય ત્યારે મજા આવે. 'આઈ એમ યોર સર્વન્ટ' પણ મોઢે કહેવાનું નહીં. લોક સાંભળે તો આ ખોટું દેખાય, કહેશે, બેઉ ગાંડા થઈ ગયા છે.

બાકી, આ તો જીવતાં જ નથી આવડતું ! પૈણતા નહોતું આવડ્યું, તે મહાપરાણે પૈણ્યા ! બાપ થતાં નથી આવડતું, એમ ને એમ બાપ થઈ ગયો. છોકરાંઓ ખુશ થઈ જાય એવું હવે જીવન જીવવું જોઈએ. સવારમાં બધાએ નક્કી કરવું જોઈએ કે ભઈ, આજે કોઈની સામસામે અથડામણ ન આવે. એવું આપણે વિચાર કરી લો, કહીએ. અથડામણથી શું ફાયદો થાય છે એ મને દેખાડો.

પ્રશ્નકર્તા : ના, નથી થતો.

દાદાશ્રી : શું ફાયદો થાય છે ?

પ્રશ્નકર્તા : દુઃખ થાય.

દાદાશ્રી : નહીં, દુઃખ થાય એટલું જ નહીં. આ અથડામણથી અત્યારે તો દુઃખ થયું, પણ આખો દહાડો બગડે અને આવતો ભવ પાછું મનુષ્યપણું જતું રહે. માણસપણું તો ક્યારે રહે કે સજ્જનતા હોય તો માણસપણું રહે. પણ પાશવતા હોય, ગોદા માર માર કરે, શીંગડાં માર માર કરે, ત્યારે પછી ત્યાં આગળ માણસપણું આવે ફરી ? ગાયો-ભેંસો શીંગડાં મારે કે માણસ મારે ?

પ્રશ્નકર્તા : માણસ વધારે મારે.

દાદાશ્રી : તો માણસ મારે તો પછી જાનવરમાં જવું પડે.

પ્રશ્નકર્તા : એ વધારે વાગે હઉ.

દાદાશ્રી : વાગે પણ વધારે. એટલે ત્યાં આગળ બે પગને બદલે ચાર પગ ને પૂંછડું વધારાનું પાછું ! ત્યાંનું કંઈ જેવું તેવું છે ? ત્યાં કોઈ દુઃખ નથી ? બહુ છે. માટે જરા સમજવું પડે. આમ કેમ ચાલે તે ?

કોઈ પોતાને ના સમજે, ત્યાં મૌન રાખવું !

બેનો, તમારે કશું પૂછવાનું નથી ? કંઈ વાતચીત કરવાની હોય તો કરો. એમની ફરિયાદ હોય તો કરો પણ આ ડિફિકલ્ટી કાઢી નાખો. ઘરમાં, ફેમિલીમાં ડિફિકલ્ટી કાઢી નાખો.

પ્રશ્નકર્તા : જેવી રીતે ભઈઓ કમ્પ્લેન કરે બહેનોની, તેવી રીતે બહેનો ભાઈઓની કમ્પ્લેન કરે ખરા ?

દાદાશ્રી : હા, એ તો બેઉની હોયને, કમ્પ્લેઈન તો એક બાજુની ના હોય, એક તરફી ના હોય, બન્ને હોય. પણ કમ્પ્લેઈન ના થાય એવા માણસની જરૂર છે મારે, એવા માણસ થાવ, એવું કહું છું હું ! આપણા આશ્રિત માણસ જોડે કમ્પ્લેઈન હોતી હશે ?

પ્રશ્નકર્તા : હું સાચી વાત કરું છું ત્યારે ઘરમાં મને કોઈ સમજી નથી શકતું અને કોઈ નથી સમજી શકતું તેથી પછી એ લોકો ઊંધી રીતે સમજે પાછા.

દાદાશ્રી : તે વખતે આપણે વાતથી વેગળું રહેવું પડે ને મૌન રાખવું પડે. એમાંય પાછો દોષ તો કોઈનો હોતો જ નથી, દોષ તો આપણો જ હોય છે. એવા એવા માણસો છે કે જે નજીકમાં આપણી જોડે કુટુંબી તરીકે હોયને, તો તે આપણાં બોલતાં પહેલાં આપણી વાત બધી સમજી જાય. પણ એવા આપણને કેમ ભેગા ના થયા અને આ લોકો જ કેમ ભેગા થયા ? આમાં સીલેક્શન કોનું ? એટલે બધી જ ચીજ છે આ જગતમાં, પણ આપણને ભેગી નથી થતી એમાં ભૂલ કોની ? એટલે ઘરનાં ના સમજે તો આપણે ત્યાં મૌન રહેવું, બીજો ઉપાય નથી.

પ્રશ્નકર્તા : પણ દાદા, મારી ફરિયાદ કોણ સાંભળે ?

દાદાશ્રી : તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો આરોપી થશે. એટલે એની દ્ષ્ટિમાં આરોપી તું ઠરીશ માટે કોઈની વિરુધ્ધ ફરિયાદ ના કરવી.

પ્રશ્નકર્તા : તો મારે શું કરવું ?

દાદાશ્રી : 'એ' અવળા દેખાય એમ ગુણાકાર થઈ ગયો હોય તો આમ કહેવું કે, 'એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે.' ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઈ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર-ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે.

પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે. ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે, 'જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે આ બિચારાં સમજતાં નથી, ઝાડ જેવાં છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.

પ્રશ્નકર્તા : હવે દાદા આ બધી ફરિયાદો પછી ક્યાં જઈને કરવી ?

દાદાશ્રી : ફરિયાદ હોય નહીંને ? ફરિયાદ કરવાની જ ના હોય. કોઈને ફરિયાદ કરવા ગયોને, એ તો પછી વકીલ હઉ ઘરમાં પેસી જાય. પાછાં જજનાં લફરાં પેસી જાય બધું, પોલીસ... બધું પેસી જાય. અલ્યા મૂઆ, રહેવા દેને અહીંથી, મૂકને ઊંચો અહીંથી કેસ ? અત્યારે જેમ-તેમ કરીને ઊંચો મૂકવાનો કેસ. ઊંચું મૂકે એ ડાહ્યો. તમને ઊંચું મૂકવાનું ગમે ?

પ્રશ્નકર્તા : ફાઈલો ઘણી હોય તો ક્યારે ઊંચી મૂકી કહેવાય ?

દાદાશ્રી : ઊંચું તો આપણે એનો શુધ્ધાત્મા જોઈએને એટલે એની મેળે જ ઊંચું મૂકાઈ જાય. નહીં તો આ તો મારા દિયરનો બાબો અને મારી દેરાણીનો બાબો એમ કરવા જઈએ તો પાછું ઊલટું ચોંટે બધું. છાતીએ વળગે બધાં. સાચવી સાચવીને, એનું સારું થાવ કહીએ. પણ છાતીએ કંઈ વળગાડવા જેવું છે આ જગતમાં ? પોતાનાં છોકરાં છાતીએ ના વળગાડાય. એને એક જણે આમ બહુ દબાવ્યુંને તો બચકું ભરી લીધું. એ એને ભાન ના હોય કે મેં દબાવી દીધું.

ધણી જોડે કોઈવાર, કોઈ ભાંજગડ પડી જાય છે ?

પ્રશ્નકર્તા : જિંદગીમાં લોજિક છે માટે તર્ક તો થશે જ ને ? આજે મને વસ્તુ ગમતી ન હોય ને બીજાને ગમતી હોય ને ?

દાદાશ્રી : એવું છેને, તર્ક તો દરેકને આવે, એ કેટલા 'યુઝફૂલ' (કામના) ને કેટલા 'યુઝફૂલ' નહીં એ જાણવું જોઈએને આપણે ? એક ફેરો મહીં તર્ક ચાલ્યો ધણી માટે, કે નાલાયક છે. એટલે એવું કહેવાય જ નહીંને આપણાથી. પછી એને ફેરવીને બોલવું જોઈએને. તમે સારા છો. પણ આવું ના કરવું જોઈએ. પણ નાલાયક બોલી જવાય. એટલે આપણે બંદૂક ફોડીએ તો એ બૉમ્બગોળો ફોડે. એ લડાઈ પાછી રશિયા અને અમેરિકા જેવું થઈ જાય પછી. ખેદાનમેદાન !

શાંત ભાવે મૌન, ત્યાં પ્રગટે ચારિત્રબળ !

પ્રશ્નકર્તા : સંસાર વ્યવહારમાં પૂર્વના કર્મોદયે જે થયું હોય તે મુજબનું ચાલતું હોય બધું, એમાં કોઈ પ્રપંચ માલમ પડ્યો કે આપણી સામે આ પ્રપંચ થઈ રહ્યો છે તો એની સામે કઈ ભૂમિકાથી ઊભા રહેવાય, 'સમભાવે નિકાલ' કરવા માટે ?

દાદાશ્રી : વાંકો ધણી મળ્યો છે તો એને કેમ કરીને જીતવો ? કારણ પ્રારબ્ધે લખેલો તે છોડે નહીં ને ? ને આપણું ધાર્યું થાય નહીં એવું આ જગત. તો મને કહી દેજે કે, 'દાદા, ધણી આવો મળ્યો છે.' તો તને તરત જ હું બધું રીપેર કરી આપીશ અને તને ચાવી આપી દઈશ.

ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, 'શું નામ ?' ત્યારે કહે છે, 'દાદાજી, મારું નામ મશરૂર.' મેં કહ્યું, 'આવ. અહીં બેસ પાસે, કેમ આવી તું ?' ત્યારે કહે, 'મારો ભાઈ દાદાજીનાં બહુ જ વખાણ કરે છે, દાદાજી, દાદાજી, દાદાજી, દાદાજી. ત્યારે મારા મનમાં એમ થયું કે દાદાજી તે કેવા હશે ?' ત્યારે મેં કહ્યું, 'આ છે એવા, જો ને, આ દાદાજી છે !' એ જાણે કે દાદાજી કેવા પટિયાં પાડતા હશે ને કેવા થોભિયાં રાખ્યાં હશે ને કેવા અહીં આગળ !' એનો ભાઈ શાથી વખાણ કરે ? એના ભાઈને જ્ઞાન આપ્યું હતું. તે પછી જ્ઞાન લઈને અહીંથી સીધો ઈરાક ગયો. ઈરાક દસેક હજાર રૂપિયાનો પગાર મળતો હશે. તે એની બેન પૈણવાની થઈ ત્યારે પાછો આવ્યો. હવે અહીંથી જ્ઞાન લઈને ગયો. પછી મને મળેલો જ નહી.ં પણ પાછો આવ્યો ત્યારે ઘેર આવીને દાદાજીનાં વખાણ કરવા માંડ્યો કે, 'દાદાજી છેને, મારે દાદાજીનાં દર્શન કરવાનાં છે.'

પ્રશ્નકર્તા : એ કહે છે, ઇરાકનું યુધ્ધ ચાલતું હતું. તે વખતે આજુબાજુ બધે બૉમ્બાર્ડીંગ થયા, તે વખતે બધે સળગે. પણ મને કશી અસર નહોતી થઈ. દાદાજીનું જ્ઞાન હાજર રહ્યું કે 'વ્યવસ્થિત છે, હું શુધ્ધાત્મા છું.'

દાદાશ્રી : હા, ત્યાં દાદાજી હાજર રહેતા હતા. તે પછી એની બેન તો ભડકી કે એવા દાદાજી ત્યાં રક્ષણ કરે છે ? એટલે બેન આવી દર્શન કરવા કે તારા ગુરુ કેવા છે, તે મારે જોવા આવવું છે. એ 'જ્ઞાની પુરુષ' કેવા છે ? તે આવી. પછી આવીને એનાં મનમાં ઠીક લાગ્યું, જરા જોતાંની સાથે જ ઠીક લાગ્યું, અંતર ઠર્યુ એનું કે ખુદાના આસિસ્ટન્ટ જેવા તો લાગે જ છે એ. એને લાગ્યું એટલે પછી બેઠી. પછી બીજી વાતો નીકળી.

પછી મેં કહ્યું, 'શું કરું છું તું ?' ત્યારે કહે, 'હું લેકચરર છું. ત્યારે મેં કહ્યું, 'શાદી-બાદી કરી કે નથી કરી ?' ત્યારે કહે, 'ના, શાદી કરી નથી, પણ વિવાહ થયેલા છે.' મેં કહ્યું, 'ક્યાં થયેલા છે, મુંબઈમાં ?' ત્યારે કહે, 'ના, પાકિસ્તાનમાં.' 'પણ હવે ક્યારે પૈણવાની છું ?' ત્યારે કહે, 'હવે છ મહિનામાં જ.' મેં કહ્યું, 'કોની જોડે ? ધણી કેવો ખોળી કાઢ્યો છે ?' ત્યારે કહે, 'લૉયર છે.'

પછી મેં કહ્યું કે, 'એ ધણી કરીને પછી તને કંઈ દુઃખ નહીં આપે ? અત્યારે તને કશું દુઃખ છે નહીં અને ધણી કરવા જઈશ ને ધણી દુઃખ આપશે તો ?' મેં કહ્યું, 'એની જોડે શાદી કર્યા પછી તારો પ્રોજેક્ટ શો છે ? એની જોડે શાદી થઈ પહેલાં તું પ્રોજેક્ટ તો કરી રાખે ને, કે એની જોડે આવી રીતે વર્તવું ? કે ના કરી રાખે ? ત્યાં પૈણ્યા પછી કંઈ તે તૈયારી રાખી મેલી છે કશી ? પૈણ્યા પછી એ લૉયર જોડે મેળ કેમ પડશે કે નહીં તેની ?' ત્યારે એ કહે છે, 'મેં બધી તૈયારી કરી રાખી છે, એ જરાક આમ બોલશે તો હું સામો આવો જવાબ આપીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો એક-એક બધા જવાબો મારી પાસે તૈયાર છે.'

આ જેટલી આ રશિયાએ તૈયારી કરી નાખી છે ને, એટલી જ તૈયારીઓ કરી રાખી છે. ફૂલ તૈયારીઓ બન્ને જણાએ. તે આ મતભેદ પાડવાની જ તૈયારીઓ કરી રાખી હતી. પેલો ઝઘડો કરે તે પહેલાં જ ફોડે ! જેમ આ અમેરિકાની સામે રશિયાએ બધી તૈયારી રાખી મેલી છે ને, એવી એણે તૈયારી રાખેલી કે એ પેલું આમ સળગાવે તો આપણે આમ સળગાવવાનું. એટલે જતાં પહેલાં જ હુલ્લડને ! એ આમ તીર છોડે. ત્યારે આપણે આ બાજુ છોડવાનું રડાર. એ આમનું છોડે ત્યારે આપણે આ બાજુ છોડવાનું. મેં કહ્યું, 'આ તો કોલ્ડ વૉર તેં ઊભી કરી. ક્યારે શમે એ ? કોલ્ડ વૉર બંધ થાય ખરી ?' આ જુઓને, થતી નથીને મોટા સામ્રાજ્યવાળાને, રશિયા-અમેરિકાને ?

આ છોકરીઓ બધું એવું કરે, એ ગોઠવી રાખે બધું. આ છોકરાઓ તો બિચારા ભોળા ! છોકરાઓ એ ગોઠવે કરે નહીં અને તે ઘડીએ છે તે અવસ્થાનો માર ખાઈ જાય, ભોળા ખરાને ?

આ તમે જે કહો છો ને પ્રપંચ સામે તૈયારી શું કરી રાખવાની ? પણ પેલી બાઈએ તો તૈયારી બધી કરી રાખેલી, બૉમ્બાર્ડીંગ બધું જ. એ આમ બોલે તો એટેક, આમ બોલે તો એટેક. બધી જ તૈયારી રાખી મેલી છે, કહે છે. પછી વચ્ચે એને મેં કહ્યું, 'આ કોણે શીખવાડ્યું છે તને ? કાઢી મેલશે ને ડાયવોર્સ લઈ લેશે અને પેલો આપી દેશે તલ્લાક !' તલ્લાક આપી દે કે ના દે ? મેં કહી દીધું કે 'આ રીતથી તો છ મહિનામાં તલ્લાક મળશે. તારે તલ્લાક લેવા છે ? આ રીત ખોટી છે.' પછી મેં એને કહ્યું, 'તલ્લાક તને ના આપે, એટલા માટે તને શીખવાડું.' ત્યારે કહે છે, 'દાદાજી, એ ના કરું તો શું કરું ? નહીં તો એ તો દબાવી દે.' મેં કહ્યું, 'એ શું દબાવવાનો હતો ? લૉયર ભમરડો, એ તને શું દબાવવાનો હતો ?'

પછી મેં કહ્યું, 'બેન મારું કહેલું માનીશ ? તારે સુખી થવું છે કે દુઃખી થવું છે ? બાકી, જે બઈઓ બધી તૈયારી કરીને એના ધણી પાસે ગયેલી, પણ છેવટે દુઃખી થયેલી. તું મારા કહ્યાથી જાને, બિલકુલેય કશી તૈયારી કર્યા વગર જા.' પછી એને સમજાવ્યું.

ઘરમાં રોજ કકળાટ થાય ત્યારે વકીલ કહેશે, 'મૂઈ બળી એના કરતાં બીજી લાવું.' એમાં પાછા ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા) છે આ ? પ્રેમના સોદા કરવાના છે ત્યાં આવું ? સોદા શાના કરવાના છે ?

પ્રશ્નકર્તા : પ્રેમના.

દાદાશ્રી : પ્રેમના. ભલે આસક્તિમાં હોય પણ કંઈક પ્રેમ જેવું છે ને, કંઈક. એની ઉપર દ્વેષ તો નથી આવતો ને ? મેં કહ્યું, આવું ના કરાય. તું તો એમ. એ. ભણેલી એટલે આવી તૈયારીઓ કરી રાખું છું ? આ વૉર છે ? હિન્દુસ્તાન ને પાકિસ્તાનની વૉર છે આ કંઈ ? અને જગતમાં એ જ કરી રહ્યા છે બધા. આ છોડીઓ-બોડીઓ, છોકરાઓ બધાં એ જ, પછી એ બન્નેનું જીવન બગડે.

પછી એને સમજણ પાડી બધી. ધણી જોડે આવી રીતે વર્તન કરવું જોઈએ. આવી રીતે એટલે એ વાંકા થાય તો તું સીધી ચાલજે. એનું સમાધાન કરવું જોઈએ, ઉકેલ લાવવો જોઈએ. એની બાઝવાની તૈયારીમાં આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડે તોય આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડ પાડ કરે તોય કહેવું આપણે એક છીએ. કારણ કે આ બધી રિલેટિવ સગાઈઓ છે, એ ફાડી નાખે તો આપણેય ફાડી નાખીએ તો છૂટી જાય કાલે સવારે. એટલે તલ્લાક આપી દેશે. ત્યારે કહે, 'મારે શું કરવાનું ?' મેં એને સમજણ પાડી, એનો મૂડ જોઈને ચાલવાનું, કહ્યું. એનો મૂડ જોજે અને અત્યારે મૂડમાં ના હોય, તો આપણે અંદર 'અલ્લાહ'નું નામ લીધા કરવું અને મૂડ ફરે, એટલે આપણે એની જોડે વાતચીત ચાલુ કરવી. એ મૂડમાં ના હોય અને તું સળી કરું, એટલે ભડકો થશે કંઈ.

તારે નિર્દોષ જોવા. એ તને અવળું બોલે તોય તારે શાંતિ રાખવી. પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ.

પછી પૂછયું કે, 'તારે ઘરમાં કોણ કોણ છે ?' ત્યારે કહે, 'મારે સાસુ છે.' 'સાસુ જોડે તું કેમનું એડજસ્ટમેન્ટ લઈશ ?' તો કહે, 'એ એની જોડેય હું પહોંચી વળીશ, સાસુને.' પછી મેં એને સમજણ પાડી. પછી કહે છે, 'હા દાદાજી, મને ગમી આ બધી વાત.' 'ત્યારે તું આ પ્રમાણે કરજે તો તલ્લાક ના આપે ને સાસુ જોડે રાગે પડે.' અને પછી એક સુખડની માળા લાવી હતી. તે માળા મને પહેરાવી. મેં કહ્યું, 'આ માળા તું લઈ જજે અને ત્યાં આગળ મૂકી રાખજે અને માળાનાં દર્શન કરીને પછી આ તારો વ્યવહાર ચલાવજે. ધણી જોડે તારો વ્યવહાર છે તે કરજે તો બહુ સુંદર ચાલશે.' તે માળા અત્યારેય મૂકી રાખી છે.

એને ચારિત્રબળની વાત કરેલી. એ ધણી ગમ્મે તે બોલે, ગમ્મે એવું તને કરે, તોય તે ઘડીએ તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે અને એનો પ્રભાવ પડશે એના ઉપર, લૉયર હોય તોય. એ ગમે તેવું વઢે, તો તું દાદાનું નામ લેજે અને સ્થિર રહેજે ! એના મનમાં એમ થશે કે આ કેવી ? આ તો હારતી જ નથી. પછી એ હારે. એટલે કર્યું પણ એવું, છોકરી એવી હતી. દાદા જેવા શીખવાડનાર મળે તો પછી શું રહ્યું હવે ? નહીં તો એડજસ્ટમેન્ટ આવું હતું પહેલું, રશિયા ને અમેરિકા જેવું. તરત ત્યાં બટન દાબતાંની સાથે સળગે બધું, હડહડાટ. આ તો કંઈ માણસાઈ છે ? શેને માટે ડરો છો ? શેને માટે જીવન હોય ? સંજોગો જ એવા છે તે, હવે આ શું કરે તે ? સંજોગો એવા છે પાછા !

એને આ જીતવાની તૈયારી કરે છે ને, તે ચારિત્રબળ 'લૂઝ' થઈ જાય. અમે કોઈ જાતની તૈયારી ના કરીએ. બાકી ચારિત્રને વાપરવું, એને તમે તૈયારી કહો છો, પણ એનાથી તમારામાં જે ચારિત્રબળ છે એ 'લૂઝ' થઈ જાય છે અને જો ચારિત્રબળ ખલાસ થઈ જશે તો ત્યાં તારા ધણી આગળ તારી કિંમત જ નહીં રહે. એટલે એ બાઈને સારી સમજ પડી ગઈ. એટલે મને કહે છે કે 'હવે દાદાજી, હું કોઈ દહાડોય હારીશ નહીં. આવી ગેરેન્ટી આપું છું.'

આપણી સામે કોઈ પ્રપંચ કરતું હોય ને, એમાં સામું તૈયારી કરીએ ને તો આપણું ચારિત્રબળ તૂટી જાય. ગમે એટલા પ્રપંચ કરે તો પોતાના પ્રપંચથી પોતે જ ફસાય છે. પણ જો તમે છે તે તૈયારી કરવા જશો તો તમે જ એના પ્રપંચમાં ફસાશો. અમારા સામું તો બધા બહુ લોકોએ પ્રપંચ કરેલા. પણ એ પ્રપંચીઓ ફસાયેલા. કારણ કે અમને કશુંય એક ઘડીવાર વિચાર ના આવે. નહીં તો તૈયારી કરવાના વિચાર આવે ને તોય આપણું ચારિત્રબળ તૂટી જાય, શીલવાનપણું તૂટી જાય.

શીલવાન એટલે શું કે એ ગાળો દેવા આવ્યો હોય ને તે અહીં આવે ને બેસી રહે. આપણે કહીએ કે કંઈક બોલો, બોલોને ! પણ એનાથી અક્ષરેય બોલાય નહીં. એ શીલનો પ્રભાવ ! એટલે આપણે તૈયારી કરીએ ને તો શીલ તૂટી જાય. એટલે તૈયારી નહીં કરવાની. જેને જે કરવું હોય તે કરો. બધે હું જ છું, કહીએ.

પ્રશ્નકર્તા : પણ એ આપણને ખેંચી જવાના પ્રયત્નો થતા હોય તો ?

દાદાશ્રી : એ ગમે તે ખેંચી જવાનું કરે પણ આપણે નથી ખેંચાવું, તો એ ગમે તે કરેને, એનું કશું ચાલવાનું નથી.

પ્રશ્નકર્તા : પણ એ નથી ખેંચાવું એટલા સંકલ્પમાં તો રહેવું જ પડે ને ?

દાદાશ્રી : નહીં. એ નથી ખેંચાવું એ આપણે આપણા સ્વાધીન જ રહેવું.

પ્રશ્નકર્તા : એટલે આપણી સહજસ્થિતિમાં જ રહેવું ?

દાદાશ્રી : હા, સહજસ્થિતિમાં જ અને સંજોગવશાત્ જવું પડે, આવું કંઈ ખેંચાવું પડે, તો ફરી એ બાબતમાં આપણે એ લપ્પન-છપ્પન નહીં રાખવાની.

પ્રશ્નકર્તા : તન્મયાકાર ન થવું ?

દાદાશ્રી : એમાં બિલકુલેય તન્મયાકાર નહીં થવાનું. પહેલું શીલવાનપણું ઉત્પન્ન થવા દો. આ 'જ્ઞાન' આપ્યા પછી માણસ દહાડે દહાડે શીલવાન થતો જાય. જેને આ બહાર પ્રભાવશાળી કહે છે એ તો બહુ નાની વસ્તુ છે. એ તો આ બહારના માણસોનેય હોય છે. પણ શીલવાનપણું તો ભગવાન આગળેય પોતાની ઇન્ફિરીયારિટી કોમ્પ્લેક્સ ના લાગે અને જેને ભગવાન આગળ ઇન્ફિરીયારિટી કોમ્પ્લેક્સ ના લાગે તો પછી આ મનુષ્યો આગળ તો ના જ લાગે ને ? શીલવાન ! શીલ તો બધી રીતે રક્ષા કરે. દેવલોકથી રક્ષા કરે, આ સાપ, જીવડાં ને બધાં જાનવરોથી રક્ષા કરે, બધાથી રક્ષા કરે, માટે શીલની જ જરૂર છે.

અને શીલ ક્યારે ઉત્પન્ન થાય ? 'જ્ઞાની પુરુષે' જ્ઞાન આપ્યા પછી, પછી પોતાનો નવરાશનો ઉપયોગ શીલમાં કરે. શીલ એટલે સામો છે તે લડાઈની તૈયારી કરતો હોય તેની સામે આપણે લડાઈની તૈયારી નહીં. જે તૈયારીઓ કર્યા કરે છે એનું બધું લીકેજ છે, શીલનું આખું લીકેજ. પછી શીલ ખલાસ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : પણ આપણે આ શીલને જાળવવા માટે વાડ કરવી જોઈએ કે જેથી બકરાં-ઘેટાં ચરી ના જાય ?

દાદાશ્રી : ના. આ શીલ એ તો વસ્તુ એવી છે ને કે, એને બકરાં-ઘેટાં તો ચરે જ નહીં, કોઈ કશું એને અડે નહીં, એનું નામ શીલ કહેવાય. એટલે આ શીલને તમારે સાચવવું ના પડે. કોઈ કહેશે કે રાતે કોઈ ચોરી જાય તો ? એટલે પાછું જાગવું પડે ? અલ્યા, જાગવાનું નહીં. સૂઈ જાવ નિરાંતે. તમે આરામથી સૂઈ જાવ.

એવું છે કે કોઈ સંજોગોમાં છોકરો સામો થાય, વાઈફ કોઈ સંજોગોમાં સામી થાય, તે ઘડીએ તમે લપકા કરો તો તમારું શીલ ખલાસ થઈ જાય. એનાં કરતાં આપણે જોયા કરવાનું કે આ મશીન કંઈ બગાડેલું લાગે છે. તે કઈ બાજુથી મશીન બગાડ્યું છે તે જોયાં કરવું. નહીં તો આ લોક તો શું કરે કે 'તું આવી છું, તું તેવી છું' કહે એટલે થઈ રહ્યું, શીલ એનું ખલાસ થઈ ગયું. અમને તો કોઈ લાખ ગાળો ભાંડે તોય અમે કહીએ કે આવ બા. ત્યારે કોઈ કહેશે કે છોકરો સામો થાય છે તો અત્યારથી ડરાવીએ નહીં તો તો પછી એ વધારે સામો થશે. ના, એ ડરાવવાથી તો તમારું શીલવાનપણું તૂટતું જશે ને તમારે નિર્બળતાઓ વધતી જશે અને છોકરો ચઢી બેસશે. એટલે તમે જો એને ડરાવશો નહીં અને તમે એ સહન કરીને સાંભળી લેશો તો ધીમે ધીમે એ 'ટર્ન આઉટ' થઈ જશે. એ આ શીલના પ્રભાવને લીધે ! બાકી આ નહીં જાણવાથી તો લોકો બિચારાં માર ખાય છે.

પ્રપંચની સામું તૈયારી કરવા માટે આપણે નવા પ્રપંચ ઊભા કરવા પડે અને પછી આપણે સ્લિપ થઈ જઈએ. આપણી પાસે એ હથિયાર જ નથી ને ? હવે એ હથિયાર આપણી પાસે નથી. એની પાસે તો એ હથિયાર છે તો એ ભલે ને કરે. છતાં એ 'વ્યવસ્થિત' છે ને, પણ તોય એનું હથિયાર એને વાગે, એવું 'વ્યવસ્થિત છે' !

એને સમજણ બધી મહીં ફીટ થઈ ગઈ. દાદાજીએ ડ્રોઇંગ કરીને આપ્યું. મને કહે છે, 'આવું ડ્રોઈંગ કહેવા માંગો છો ?' મેં કહ્યું, 'હા, એવું ડ્રોઈંગ.' કહેવું પડે ! પછી છોડીએ એના બાપાને, માને વાત કરી. તે બાપા ડૉક્ટરને, તે દર્શન કરવા આવ્યા.

જો આમ તો દાદાજીને કંઈ વાર લાગે છે ? મશરૂર આવવી જોઈએ અહીં આગળ. આવી ગઈ તો ઓપરેશન થઈ ગયું હડહડાટ. જો કાયમ ત્યાં આગળ 'દાદાજી, દાદાજી' રોજ સંભારે છે ને !

ના ગમતા સીન, ત્યાં શો ઉપાય ?

લડવાનો શોખ હોય છે ? છોકરા ને બાપ લડે ખરાં, પણ લડવાનો શોખ કોને હોય છે ?

પ્રશ્નકર્તા : એ તો જેનું માથું ગરમ હોય એ લડે. જેનો જેનો સ્વભાવ ગરમ હોય તે લડે. એમાં છોકરાનો સ્વભાવ ગરમ હોય તો છોકરો લડે ને બાપનો સ્વભાવ ગરમ હોય તો બાપ લડે.

દાદાશ્રી : બાપનો ઠંડો હોય ને પેલાનો ગરમ હોય, તો લડવું શા માટે પણ ?

પ્રશ્નકર્તા : છોકરો લડે એટલે એ લડે એમ.

દાદાશ્રી : પછી બાપ શું કરે ? બાપ પછી શું કહે ? મારા મોઢામાં આંગળા ઘાલીને તું બોલાવડાવું છું. પણ જો ઠંડા છો, તો તમારે બોલવાની જરૂર છે આ ? પણ ના રહેવાય, ઠંડા શી રીતે રહે ? કારણ કે એ પોતે ચંદુભાઈ છે. ખુદાનો બંદો થયો હોત તો ભાંજગડ ના આવત. પણ એ તો ચંદુભાઈ રહ્યા છે. એટલે આ ભાંજગડ અડે જ ને પછી ? હવે ખરી રીતે બાપ-દીકરાને વઢવાડો થાય છે, એમાં દીકરાનીય ભૂલ નથી ને બાપનીય ભૂલ નથી. કર્મની ફાચર છે. કર્મ પેલાને ઉશ્કેરે છે અને આનેય ઉશ્કેરે છે, કર્માધીન. કરુણા ખાવા જેવું ! એને આપણાં લોક કહેશે, 'શું આ બાપને ગાળો દે છે ! નાલાયક માણસો.' ના, અભિપ્રાય ના આપશો ભઈ. 'એ દે છે કે કોઈ દેવડાવે છે ?' એ તમને ખબર નથી. શા માટે અભિપ્રાય આપો છો ? એ દે છે કે કોઈ દેવડાવે છે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, દેવડાવે છે.

દાદાશ્રી : હા. કો'ક દેવડાવે છે. કોઈ ભૂતનું વળગણ છે એની પાછળ. આપણાં લોકો ન્યાય કરી નાખે. 'શું આ નાલાયક છે, બાપને ગાળો દે છે !' ના, તું ન્યાય ના કરીશ મૂઆ. તારે ન્યાયાધીશ થવાની જરૂર નથી. વારવું હોય તો વાર બન્નેને. તને વારવાનો અધિકાર છે, ન્યાયાધીશ થવાનો અધિકાર નથી. કારણ કે કર્મના ઉદયો બધું લડાવે છે બિચારાને. કર્મના ઉદયો બધું આ કરે છે અને સારું રાખે છે તેય કર્મના ઉદયો. આ તો મારો સ્વભાવ સારો તે ઘરમાં હું ઝઘડો થવા દેતો નથી. પણ એ તો એક અહંકાર છે. કર્મના ઉદય સારા છે, તે એટલે ઝઘડા નથી થયા.

જેને સંસાર વધારવો હોય તેણે આ સંસારમાં વઢંવઢા કરવી, બધુંય કરવું. જેને મોક્ષે જવું હોય તેને અમે 'શું બને છે' તેને 'જુઓ' એમ કહીએ છીએ. આ સંસારમાં વઢીને કશું સુધરવાનું નથી, ઊલટો મનમાં અહંકાર કરે છે કે હું ખૂબ વઢ્યો. વઢ્યા પછી જુઓ તો માલ હતો તેનો તે જ હોય, પિત્તળનો હોય તે પિત્તળનો જ ને કાંસાનો હોય તે કાંસાનો જ રહે. પિત્તળને માર માર કરે તો એને કાટ ચઢ્યા વગર રહે ? ના રહે. કારણ શું ? તો કહે, કાટ ચઢવાનો સ્વભાવ છે એનો. એટલે મૌન રહેવાનું. જેમ સીનેમામાં ના ગમતો સીન આવે તો તેથી કરીને ત્યાં આપણે જઈને પડદો તોડી નાખવો ? ના, એય જોવાનું. બધા જ ગમતા સીન આવે કંઈ ? કેટલાક તો સીનેમામાં ખુરશી પર બેઠા બેઠા બૂમાબૂમ કરે કે, 'એય મારી નાખશે, મારી નાખશે !' આ મોટા દયાળુનાં ખોખાં જોઈ લ્યો ! આ તો બધું જોવાનું છે. ખાઓ, પીઓ, જુઓ ને મઝા કરો !

સુધારવા કરતાં, મૌન રાખી જુઓ !

પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે મારીને ધાકમાં રાખવાં જ જોઈએ તો જ છોકરાં પાંસરાં ચાલે, એ શું બરોબર છે ?

દાદાશ્રી : જ્યાં સુધી મારવા જેવી એની ઉંમર હોય ત્યાં સુધી મારવાં જોઈએ અને ૩૦ વર્ષની ઉંમર થઈ ને મારવા જઈએ તો ?

પ્રશ્નકર્તા : એ સામાં આવે.

દાદાશ્રી : માટે અમે એમ કહીએ કે મારજો અને એમેય કહીએ કે ના મારજો. જ્યાં સુધી માર ખમી ના શકે, એવો એનો અહંકાર જાગૃત થયો નથી, ત્યાં સુધી છેવટે મારીને પણ સીધાં રાખવાં જોઈએ. નહીં તો અવળે રસ્તે જાય.

ખરી રીતે સીધાં કરતાં લોકોને આવડતાં નથી. એવું જ્ઞાન નહીં હોવાથી એ આવડતું નથી. નહીં તો છોકરાંને સીધાં કરવા માટે પ્રેમના જેવું તો ઔષધ જ નથી. પણ એવો પ્રેમ રહે નહીંને, માણસને ગુસ્સો જ આવેને ? છતાં એ ગુસ્સો કરીને, મારીનેય એને સવળે રસ્તે લાવે છે એ સારું છે. નહીં તો એ અવળે રસ્તે ચાલ્યો જાય. કારણ કે એને જ્ઞાન જ નથી અને ૩૦ વર્ષની ઉંમરનાને આપણે મારીએ તો એ સામો થાય. તે જ્યાં સુધી આપણું ચાલે ત્યાં સુધી કરી લેવું. ના ચાલે તો પડતું મેલવું.

પ્રશ્નકર્તા : પણ કહ્યું માને નહીં, એટલે કોઈ વખત મારવાં પડે બાળકોને.

દાદાશ્રી : ના માને, તે મારવાથી કઈ માની જાય છે ? એ તો મનમાં રીસ રાખે, મોટો થઈશ ત્યારે મારી મમ્મીને જોઈ લઈશ, કહેશે. મનમાં રીસ રાખે જ, દરેક જીવ રીસ રાખે જ. પોતે હંમેશાં સમાધાનીપૂર્વક કાર્ય કરો, દરેક કાર્ય ! મારવું હોય તો કહેવું, 'ભઈ તું કહેતો હોય તો તને મારું, નહીં તો નહીં મારું.' એ કહે કે 'ના, મને મારો.' તો મારો, સમાધાનપૂર્વક મરાય. એવું કંઈ મરાતું હશે ? નહીં તો એ વેર બાંધે. એને ના ગમતું હોય ને તમે મારો તો વેર બાંધે. નાનો હોય ત્યારે વેર ના બાંધે, પણ મનમાં નક્કી કરે કે આ હું મોટો થઈશ ને મમ્મીને મારીશ !

પ્રશ્નકર્તા : પણ દાદા, મારી બેબી એને તો આપણે વઢીએ તો કશું નહીં, સેકન્ડમાં બધું ભૂલી જાય.

દાદાશ્રી : એ ભૂલી જાય છે તો કંઈ એટલી ચાલાકી ઓછી છે. ચંચળતા ઓછી છે જરા, એટલે ભૂલી જાય. પણ ચંચળ માણસો બહુ ઊગ્ર હોય. એટલે વઢવાનું શું કામ છે હવે ? બાબાને કહેવું, વઢવું હોય તો કે બોલ તને હું વઢું, આવું કામ કર્યું ને ખરાબ કર્યું આ. હું તને વઢું ? તો કહે, 'હા, વઢો.' તો આપણે વઢવું. એ ખુશી થઈને વઢવાનું કહે, તો આપણે વઢવું.

છોકરાંને તમે મારશો નહીં, છોકરાંનું વ્યક્તિત્વ છે.

પ્રશ્નકર્તા : આપણામાં કહે ને કે મા-બાપે બાળક ઉપર ધાક રાખવી. દાદાનું શું માનવું છે ? બાપ કે માની ધાક હોવી જોઈએ ? કેવી હોવી જોઈએ ?

દાદાશ્રી : હા. ધાક તો ફક્ત આંખની જ હોવી જોઈએ, હાથની નહીં. અને રોજ જે પ્રેમ આપતા હો ને, તે બંધ કરીએ એટલે એની મેળે જ મહીં સમજી જાય.

પ્રશ્નકર્તા : મારવાથી છોકરાં સુધરે કે નહીં ?

દાદાશ્રી : કોઈ દહાડો સુધરે નહીં, મારવાથી કશું સુધરે નહીં. આ 'મશીન'ને મારી જુઓ તો ? એ ભાંગી જાય. તેમ આ છોકરાંય ભાંગી જાય. ઉપરથી સાજાં સમાં દેખાય, પણ મહીં ભાંગી જાય. બીજાને 'એન્કરેજ' કરતાં ના આવડે તો પછી મૌન રહે ને ? ચા પીને છાનોમાનો. બધાનાં મોઢાં જોતો જા, આ બે પૂતળાં કકળાટ માંડે છે તેને જોતો જા. આ આપણા કાબૂમાં નથી. આપણે તો આના જાણકાર જ છીએ.

મારવાથી જગત ના સુધરે, વઢવાથી કે ચિડાવાથી કોઈ સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યા તેટલું ગાંડપણ.

મૌન તો બહુ કામ કરે !

પ્રશ્નકર્તા : આપણને એમ થતું હોય કે આનું ભલું થાય છે તો એને ટોકટોક કરીએ, તો એ નહીં સારુંને ? કોઈને વઢીએ, ટોકીએ, એના સારા માટે તો એ કરવું કે નહીં ?

દાદાશ્રી : ના, એ તો આપણા હાથમાં નહીંને ! એ તો ટોકાય, એ કરવા જેવી વસ્તુ નહીં, પણ ટોકાય તે આપણે જોયા કરવાનું. આપણે ના કરવું હોય તોય થઈ જાય એ તો. ના વઢવું હોય તોય વઢી જવાય. એટલે એ આપણે જોયા કરવાનું કે આમ ન હોવું ઘટે, એવો આપણા મનમાં અભિપ્રાય રહેવો જોઈએ.

પ્રશ્નકર્તા : હં, કે આમ નહીં કરવું.

દાદાશ્રી : આમ હોવું ઘટે નહીં એવો આપણો અભિપ્રાય ફેર થયો એટલે આપણે છૂટા. આપણી જવાબદારી નહીં પછી.

પ્રશ્નકર્તા : મૌનવ્રત લઈએ તો કેવું ? મૌન લઈએ તો, બોલવું જ નહીં.

દાદાશ્રી : એ મૌન આપણા હાથની વાત નથીને ! મૌન થાય તો સારી વાત છે અને ના થાય તો આવી રીતે કરવું અભિપ્રાય ફેર કરવો.

પ્રશ્નકર્તા : મૌન રાખવાથી સામા માણસમાં ફેર પડે ?

દાદાશ્રી : પડે.

પ્રશ્નકર્તા : વઢવા કરતાં વધારે પડે ?

દાદાશ્રી : હા, ઘણો ફેર પડે, મૌન બહુ કામ કરે.

પ્રશ્નકર્તા : કોઈને શીખવાડવાનું હોય તો પછી મૌનથી કેવી રીતે શીખવાડાય ?

દાદાશ્રી : ના, એ શીખી જવાય, એમ ને એમ આવડે. શીખવાડીને બગડે છે ઊલટું આ તો. મહીં બધું જ્ઞાન છે, આપણે મૌન રહીએને તો એને જ્ઞાન પહોંચી વળે. એ જ્ઞાન છે જ એને, છોકરાંઓને ય જ્ઞાન છે, છતાં બોલાય છે તે આપણે જોયા કરવું.

આ કચકચ કરવા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધરવા કરતાં બગડે, માટે અક્ષરેય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ?

પ્રશ્નકર્તા : હા, સમજાય એવી વાત છે, દાદા.

દાદાશ્રી : છોકરાંને જરાય કહેવાય નહીં. કારણ કે છોકરું જ્ઞાન લીધેલું નથી અને તરત જ એને લાગે કે અવળું બોલે છે. હું કહું, ત્યારે અવળું બોલે છે એવું ના કહે, હું મારીને કહું તોય ! કારણ કે એને વિશ્વાસ બેઠો હોય, મારાં વાક્યોથી. એ તમારું તો વાક્ય તમને જ સમજણ પડતી ના હોય ત્યાં આગળ ! મફતમાં બાપ થઈને બેઠો !! એટલી મારી વાત સમજાય છે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : એટલે આ મા-બાપ કહે છે મારાં છોકરાં સુધરે, મૂઆ શેનાં સુધરે પણ ? અન્કવૉલિફાઈડ ફાધર્સ. છોકરાં વધારે બગડે છે. એનું કારણ એના મા-બાપને લીધે.

કચકચ કરીને સુધારનારાઓ માટે...

આ કાળમાં ઓછું બોલે એના જેવું એકુય નહીં. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે, દરેકના બોલ એવા જ હોય છે પાછા. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું છે નહીં. કહેવાથી વધારે બગડે છે. પોતાની પાસે ધર્મ છે. પતંગ ગુલાંટ ખાશે તો દોરી ખેંચશે. ધર્મ છે માટે વાંધો નથી. કહેવાથી ફાયદો નહીં, ઊલટું નુકસાન થાય છે. એટલે આ કાળનાં મનુષ્યોને કહેવા જેવું નથી. એને કહીએ કે, 'ગાડીએ વહેલો જા,' તો મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો ખોટો અહંકાર કરે છે. એની નોકરીના બધા હિસાબ ગોઠવાયેલા છે. તમે બોલો તેથી બધું ઊંધું થાય છે. બોલ્યો તે મૂરખ બન્યો. છોકરાને બોલવાનું બંધ કરશો તે દહાડાથી છોકરામાં સુધારો થશે. બોલ સારા નીકળતા નથી અને બોલવાથી સામો અકળાય છે. બોલ સામો સંઘરતો નથી અને પાછો આવે છે.

આપણે જમવાનું બનાવી આપીએ. આપણે આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો થતો નથી. એવું તમને તારણ નીકળેને? છોકરાં મોટાં થયાં છે, એ કંઈ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડે તો રિલેટિવ ધર્મ છે. છોકરો એનું કરશે ? મૌન રહેવા જેવું છે. એક અક્ષરેય બોલવા જેવું નથી. માથાકૂટ કરવાનો અર્થ નથી. માથાકૂટ કરવાથી ઊલટું બધું બગડે છે. છોકરાં સારાં છે, કંઈ બગડે એવાં નથી. મૌન રહેશો તો વધારે સારું રહેશે તમને. આ તો કકળાટ કહેવાય. પોતાનું બગડી જાય, સામાનું મગજ બગડી જાય.

પ્રશ્નકર્તા : લોકો કહેવા આવે જવાબદારી માટે, તો શું કરવું ?

દાદાશ્રી : એને કહીએ એ તમે જાણો. તમે એને કહો. આ તો આવો સરસ ધર્મ હાથમાં આવ્યો છે. છોકરો બહાર શું કરે છે તે તમે શું જાણો ? છોકરામાં ઊંડા ઉતરશો નહીં. તેથી તમારું બહુ નુકસાન થાય છે, બેઉને નુકસાન થાય છે. તમારે આખો દહાડો મગજ બગડેલું રહે. તમે આટલું બોલ્યા તે મારું મગજ હાલ્યુંને, તમે છોકરો ઘી ઢોળી નાખતો હોય તો પણ જો જો કરોને.

પ્રશ્નકર્તા : પણ એની જવાબદારી સમજીને રહેતો નથી.

દાદાશ્રી : જવાબદારી વ્યવસ્થિતની છે. એ તો એની જવાબદારી સમજેલો છે. નોકરી કરીને આવે, ખાઈ-પીઈને સૂએ. આ તો તમે કહો છો. અમે કહીએ તો એ માને. તમને કહેતાં આવડતું નથી. કોઈને કહેતાં આવડતું નથી. પેલો માને ત્યારે કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું, તે છોકરો ગાંડું કાઢે. આ તો વ્યવસ્થિતનાં હિસાબ પ્રમાણે થયાં કરશે. કંઈ છોકરાને ગાડીમાં ચઢતાં નહીં આવડે, તે શું નથી ચઢી શકવાનો ? છોકરાને બહુ કહેવાથી નુકસાન થાય છે. છોકરાને કહેવાથી ફાયદો થતો હોય તો કહો.

પ્રશ્નકર્તા : છોકરા તોછડાઇથી બોલે છે.

દાદાશ્રી : તેમાં હાથ ઘાલવાની જરૂર નથી. એ તો એક પથરો બીજા જોડે અથડાશે તો ગોળ થશે. આ તો બહુ નુકસાન થાય છે. આ જેટલું થાય છે તે બધું તમને નુકસાનકારક થાય છે. અને તમને છોકરા માટે ગ્રહ બેસી જાય. આવો જ છે. એનાં કરતાં તમે તમારું આત્માનું કરી લોને ! આપ્યું અપાય એવું નથી ને લીધું લેવાય એવું નથી. જેવો હિસાબ હશે એવું ચૂકવાશે. તમે મૌન લઈ લો. તમારા બોલવાને લીધે ઘરમાં બધું બગડ્યું છે.

પ્રશ્નકર્તા : ગમે તેવા જવાબ આપે છે ?

દાદાશ્રી : હા, પણ એ શી રીતે બંધ કરશો, મારી ઠોકીને ? બધા સામસામું બોલવાથી બગડ્યું છે. છ મહિના બોલવાનું બંધ થાયને, તો બધાનું સારું થઈ જાય. એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો તો એવું થાય. આ માણસ આવો છે. એટલે આપણે મૌન લઈને વિશ્વાસમાં લેવા જેવું છે. આપણે બિલકુલ મૌન લઈ લો. આ તો સામો સુધરે તો બોલેલું કામનું. આ તો એક-એક શબ્દ બોલવાથી બગડે છે. આપણે કચકચ કરવાથી બગડ્યું છે. છ મહિના ન બોલવાથી બધું રાગે પડી જાય. 'બગડી જાય, બગડી જાય' મનમાં થાય પણ તે 'વ્યવસ્થિત'ના તાબામાં છે અને આ તો રિલેટિવ સગાઈ છે. આમ ચોખ્ખા હ્ય્દયના છે પણ સ્વભાવ કચકચિયો તે કચકચ કરે. આ તો કંઈ ફાયદો થાય તો કંઈ વાતચીત થાય. કહેતાં આવડવું જોઈએ. પૂર્વગ્રહ વગર કહેતાં આવડે તો ફાયદો થાય પણ પૂર્વગ્રહ વગર કહી કોણ શકે ? એકલા જ્ઞાની પુરુષ.

આ તમારે લીધે બગડ્યું છે. તમે બોલવાનું બંધ કરશો તો આ બધું રાગે પડશે. એવું અમે ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ. છોકરાઓ ડાહ્યા છે. કંઈ પાડોશી બધા કહે છે, છોકરાં ગાંડાં છે ?

આ છોકરો અવળું બોલ્યો, તો 'વ્યવસ્થિત' કહી દો. આ તમે અવળું બોલેલાને તેના પડઘા પડ્યા છે. આ બધું બોલવાથી બગડ્યું છે. છોકરો બહારગામ ગયો હોય તો છોકરાને ગાડીએ ચઢાવવા તમે ગયા હતા ?

કોઈ માણસ કોઈને સુધારી શકતો જ નથી. તમે મૌન રાખો તે સારું. તમે મૌન રાખો તો તમારી છાપ છોકરા પર સારી રહે. તમે ઊંધું બોલો તેથી છોકરા પર ઊંધી અસર થાય છે. તમે બિલકુલેય બોલવાનું બંધ કરશો તો પછી જુઓ, વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. આ કાળમાં એક અક્ષરેય બોલવું એ મૂરખનું કામ છે. આ તો અત્યાર સુધી નભ્યું તે છોકરા સારા છે. તમે પણ સારા છો પણ તમારા મનમાં લાગણી થાય છે. લાગણીને મેલોને પૂળો. આ તો છોકરો ઘરમાં છે ત્યાં સુધી લાગણી સાચવો અને બહાર ગયા પછી ? તમે જતા રહેશો, મરી જશો પછી લાગણી કોણ સાચવે ?

પ્રશ્નકર્તા : અમે એક શબ્દ બોલીએ તો એ ચિડાઈ જાય, ગુસ્સે થઈ જાય.

દાદાશ્રી : હા, એ તો ચિડાયેલો માણસ હોય. તે અમે બોલીએ તોયે એ ચિડાઈ જાય. આ તો કચકચ કહેવાય. તમારે નુકસાન થાય છે. છોકરાને નુકસાન થાય છે. આવી તે કચકચ કોઈ સાંભળતું હશે ? આજથી નિયમ લઈ લો, બોલવાનું બંધ કરી દો.

સામો સાંભળે તો બોલવાનું. સામો સાંભળે નહીં તો બોલવાનું શું ?

આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ મોટા ન્યાયાધીશ ! ઘરમાં છે ત્યાં સુધી ખાજો- પીજો પણ કકળાટમાં શું કરવા પડો છો ? છોકરો જો એવો હોય તો લોકો કહે. પણ ના, છોકરો તો ડાહ્યો છે એવું લોકો કહે છે. આ તમે અક્ષરેય બોલશો નહીં. આ અમારું વાક્ય, છ મહિના બિલકુલ મૌન લો. અને છોકરા માટે મહીં વિચાર બગડે, તો પ્રતિક્રમણ કરો. બળ્યું, છોકરાને કહે કહે કરવાનું હોય ? મુંબઈમાં રહેલા છોકરાને ? તમારે ઘર સુધારવું હોય તો છ મહિના મૌન રહો. છોકરો તો સારો છે. પછી તો છોકરો તમારા જોડા ઊંચકીને ફરે એવો છે. આ તો તમે કચકચ કરીને બધું બગાડ્યું છે. આમ સારા માણસ પણ સ્વભાવ એવો લાવ્યા છે. તમેય દુઃખી અને બીજાયે દુઃખી.

છોકરો કકળાટ કરે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ના, તમે કકળાટ કરો છો તેથી આ ઊભું છે. છોકરો બહાર ક્યાંયે કકળાટ કરે છે ? આ બોલ બોલ કરવાથી કોઇનું સુધરે નહીં. સુધરવાનું તો જ્ઞાની પુરુષની વાણીથી સુધરે. બહાર શી રીતે સુધરે ? આ તો ઘરનાની, મા-બાપની જોખમદારી છે. બોલવાનું તમે બિલકુલ બંધ કરી દો. મારી વાત સમજણ પડે છે ? આજથી બંધ કરી દો. પાડોશી જોડે બોલવા જઇએ છીએ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એવું બિલકુલ ઘરમાં બોલવાનું બંધ કરી દો. આ તો રિલેટીવ સગાઇ. બુધ્ધિ વાપરવાનું બંધ કરી દો. આમ થઇ જશે, તેમ થઇ જશે. છોકરો બગડી જશે. આ તો મુંબઇ પડી જશે ? માટે બુધ્ધિ વાપરવાની બંધ કરી દો. આજે ખુલ્લે દિલે કહી દીધું. અત્યાર સુધી હુંપણું રાખ્યું છે. બાકી છોકરા કેવા છે ? ડાહ્યા છે કે ગાંડા ? અને તમારો ગુસ્સો નીકળી જાય તો બધું નીકળી જશે. આ તો એક ગાંડું બોલે છે તેનાં પડઘા પડે છે. આમના મનમાં એમ કે આમ બોલું તો ફાયદો થાય, પણ નુકસાન થઇ રહ્યું છેને ? આપણે ના હોઇએ તો ના ચાલે આમનું ? ચાલે. એટલે ભગવાને કહ્યું કે જીવતા મરેલાની જેમ રહે.

હું તો બધાને જોઇ લઉં. છોકરાની અહીં આવ્યો ત્યારથી ભૂલ થઇ નથી એ હું જોઉં છું. બુધ્ધિ વાપરવા જેવી નથી. અબુધ રહોને. હું કહું છું એ કરોને. આપણે ગાંડાં કાઢીએ તેથી છોકરા કૂદે. છોકરો એની મેળે એનું સાચવશે. સબ સબકી સમાલો. મુંબઇમાં આથી તો આવાને આવા કકળાટ થાય છે. આ જ્ઞાન પછી તો આવા કકળાટ હોતા હશે ? તમારે સુખી થવું હોય ને છોકરાને સુખી જોવો હોય તો આજથી અમારા શબ્દો પાળશો તો કામ થઇ જશે. આપણા ઘરમાં તો અવાજ સરખો ના હોવો જોઇએ. આ તો આ કાળમાં મા-બાપને જ કહેતાં નથી આવડતું. નહીં તો છોકરો આપણી વાત ના માને ? બુધ્ધિથી વાત સાચી હોય પણ જ્ઞાનથી વાત ખોટી છે. પૂર્વગ્રહ ના હોવા જોઇએ. પણ આ તો કેટલાય કાળના પૂર્વગ્રહ કે આ આવો છે, તેથી છોકરો તેવો ને તેવો દેખાય. બહાર આપણે પૂછી લેવું કે છોકરો આવો છે કે ? આ તો તમારે કંઇ પૂર્વભવનું વેર છે. મૌન રહોને ! આ તો કોઇ ચલાવવાવાળો જન્મ્યો જ નથી. 'વ્યવસ્થિત' ચલાવે છે. નાનો છોકરો હોય પાંચ-છ વર્ષનો ત્યાં સુધી સાચવવાનું. હવે શું સાચવવાનું ? આનું નામ જ રાગ-દ્વેષને ! જ્ઞાની પુરુષ મળ્યા પછી છોકરા ડાહ્યા જ થયા કરે. તમારું બોલવાથી બગડ્યું છે. એમનીય દાનત નથી કે બધા દુઃખી થશે. બળ્યું, કોઇ દુઃખી થતું નથી. આપણે

આપણી ફરજ બજાવવાની. એ રાતે આવે ત્યારે આપણે ખાવાનું બનાવી મૂકી આપીએ.

ઘરમાં કકળાટ છે એવું પાડોશી જાણી જતાં નથી ? તમે આબરૂ ખોવો છો, એવું શું કરવા કરો છો ? આ તો છોકરો ઊંધું કરીને આવ્યો હોય તોય 'ડાહ્યો છે' કહીને ટાઢું પાડવું જોઇએ. તોય છોકરાને સારા વિચાર આવે. આ તો બોલવાનું બંધ કરો. આ તો તમારો બોજો કેટલો રહેતો હશે ? તમે તો સારા હ્રદયના છો. પણ લોક કંઇ એવું જાણે ? લોક તો કહે, બાઇ કકળાટિયણ છે. આજથી એક અક્ષર બોલવાનું બંધ કરી દો. પડવાનો હશે તો પડશે ને ફરવાનો હશે તો ફરશે.

જ્યારે છોકરાની માટે ખરાબ વિચાર આવે તો તરત પ્રતિક્રમણ કરો. તો છોકરાનું મન ચોખ્ખું થશે. આ તો લાખ-લાખ પ્રતિક્રમણ કરશો તો છોકરાનું મન ચોખ્ખું થશે. આજ્ઞામાં કશું બોલવું નથી, મૌન વ્રત માંગી લો. વિધિ કરી આપી છે. આજથી પકડી લો. અને સામાં માટે ખરાબ વિચાર આવ્યો તો પ્રતિક્રમણ કરી લો. આપણે કંઇ આ જગતમાં પાલનપોષણ કરવા નથી આવ્યા, બોલવાનું જ બંધ. એ પૂછે તો બોલવાનું અને પણ કહી દઇએ, મને ના પૂછો તો સારું. એ એનું સાચવી લે. નવ મહિના પેટમાં રાખવાનો અને નાનો હોય તો ચલાવવાનો, ફેરવવાનો પણ પછી છોડી દેવાનો. ગાયો-ભેંસોય છોડી દે છે. ઉપલક રહેવાનું, ખરેખર તો પોતાનો છે જ નહીંને ? આ દેહના આધારે મારો છે. દેહ બળી જાય તો કોઇ આવે છે જોડે ? આ તો જે 'મારો છે' કહી કોટે વળગાડે, તેને બહુ ઉપાધિ છે બધી.

ઓરમાયાં છોકરાં હોય તો ઢીંચણે કરીને ધાવણ આવે ? ના, એવું રાખવું. આ કળિયુગ છે. ઓરમાયાં છોકરાં જેવું રાખવું. સગાં છોકરાં જેવું નહીં.

સામસામી બોલવાથી બગડ્યું !

પ્રશ્નકર્તા : એકબીજા સાથે મેળ નથી બેસતો. બધા એકબીજા સાથે લડ્યા વગર રહે, એને માટે શું કરવું ?

દાદાશ્રી : ના બેસે, કોઈ દા'ડો બેઠો જ નથીને. આ કળિયુગ છે ને, સતયુગમાં બેસતો હતો. મને તમારા ફાધર કહેતા હતા, મને કોઈની જોડે મેળ નથી.

પ્રશ્નકર્તા : બધા મનમોજી રીતે રહે, જેને જેમ રહેવું હોય એમ રહે, એનું શું કરવું ?

દાદાશ્રી : શાના માટે ?

પ્રશ્નકર્તા : કુટુંબમાં બધા પોતાને મન ફાવે એમ રહે, તો એને માટે શું કરવું આપણે ?

દાદાશ્રી : તે આપણે બધા ભેગા થઈને કંઈક કાયદો કરવાનો કે આ પ્રમાણે રહેવું જોઈએ. ગમે તેવું સ્વચ્છંદી વર્તન ના હોવું જોઈએ. કંઈક કાયદેસર હોવું જોઈએ વર્તન.

પ્રશ્નકર્તા : અને ના માને તો ?

દાદાશ્રી : ના માને તો ગયું. છોકરો ના માને તો છોકરો જુદો થઈ જાય અને બાપ જુદો થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી જુદા થઈ જઈએ તો કોઈ વડીલ હોય તો કહેશે, તમે કેમ ધ્યાન નહોતું રાખ્યું છોકરાઓનું ?

દાદાશ્રી : એ તો કહે તો ખરા, ટકોર કરે ને લોકો. મૌન રહેવું એ વખતે આપણે. આ વાત તો ખરીને ? આપણી કંઈક ભૂલ તો થઈ તેથી છોકરાની જોડે આવું થયું ને ! બધે જ એવું થયા કરવાનું એ તો.

પ્રશ્નકર્તા : એવું છે, ઘરમાં મારે બધી મહેનત કરવી પડે છે. છોકરાંઓ કશું કરતાં નથી. આપણે છોકરાંઓને શ્રમ કરતાં શીખવાડીએ તો એ બરાબર ચાલે. પણ એ લોકો શ્રમ કશું કરતાં નથી, કામ કશું કરતાં નથી, જે કહીએ તેનાથી ઊલટું ચાલે છે.

દાદાશ્રી : એવું છે, કે આ તો અત્યારનાં છોકરાંઓની ચિંતા આપણે કરવી જોઈએ. પણ ગયા અવતારમાં છોકરાં હતા, તેનું શું કર્યું ? દરેક અવતારમાં બચ્ચાં મૂકી મૂકીને આવ્યા છો, જે અવતારમાંથી આવ્યાને તે અવતારમાં બચ્ચાં મૂકી મૂકીને આવ્યો છે, તે નાનાં નાનાં આવડાં રખડી જાય એવું મૂકીને આવ્યો છે. ત્યાંથી જવાનું જરાય ગમતું નહોતું તોય ત્યાંથી આવ્યો. પછી ભૂલી ગયો ને પાછાં આ અવતારમાં બીજાં બચ્ચાં ! એટલે બચ્ચાંનો કકળાટ શું કરવા કરો છો ? ધર્મને રસ્તે વાળી દો એમને, સારાં થઈ જશે.

એક શેઠ મને કહે, 'આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.' મેં કહ્યું, 'કશું કહેવા જેવું જ નથી.' એ એના પોતાની ભાગ્યની પુણ્યૈ ભોગવતો હોય. એમાં આપણે શું કરવા ડખો કરીએ ? ત્યારે એ મને કહે કે, 'એમને ડાહ્યો નથી કરવો ?' મેં કહ્યું કે 'જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય, બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય.' પણ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે ને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોકો 'શેઠ આવ્યા, શેઠ આવ્યા' કરે એટલું જ બસ. અને ભોગવનારને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું.

પ્રશ્નકર્તા : છોકરો એની જવાબદારી સમજીને રહેતો નથી.

દાદાશ્રી : જવાબદારી 'વ્યવસ્થિત'ની છે, એ તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું, પછી છોકરાંય ગાંડાં કાઢે.

પ્રશ્નકર્તા : છોકરાઓને ફરવાનું બહુ હોય છે.

દાદાશ્રી : છોકરા કંઈ આપણા બંધાયેલા નથી, સહુ સહુના બંધનમાં છે. આપણે તો એટલું કહેવું પડે કે, 'વહેલા આવજો.' પછી જ્યારે આવે ત્યારે 'વ્યવસ્થિત.' વ્યવહાર બધો કરવાનો, પણ કષાયરહિત કરવાનો. વ્યવહાર કષાયરહિત થયો તો મોક્ષ ને કષાયસહિત વ્યવહાર તે સંસાર.

આ છોકરો તમારો ને ? હવે એ કોઈ દહાડો સામો થાય છે ખરો ? એ સામો થશે ત્યારે તમે શી રીતે સુખી રહેશો ?

પ્રશ્નકર્તા : થાય છે ને !

દાદાશ્રી : એટલે આ દુનિયામાં કશું ના બને એવું નથી ને ? બધું જ બને અને જોખમ કેટલાં બધાં ? છોકરાં હોય પછી છોડીઓ હઉ હોય ! આપણે પૂછીએ કે બહેનો, તમે શું કરવા આવી ? ત્યારે કહેશે કે એ પૂછશો નહીં, અમારા હિસાબથી અમે આવ્યા ને તમારા હિસાબથી તમે છો. આવું કહે, તે આપણાથી કશું પૂછાય પણ નહીં. એટલે કોઈ કોઈની ઉપર ઉપકાર નથી કરતા, એવું સરસ છે આ જગત !

પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઈથી બોલે છે.

દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય ને તો બધાનું સારું થાય.

કોલેજનું સર્ટિફિકેટ આવ્યું કે આઘુંપાછું ના થાયને ? જુઓને, આ વકીલને એલ.એલ.બી.નું સર્ટિફિકેટ મળે તે છે આઘુંપાછું થાય છે પછી ? જ્યારે જુઓ ત્યારે.... અને બાપનું આપેલું તો કલાકે કલાકે ફરે. બાપ ધર્મિષ્ઠ હોય તો છોકરાની ખોડ કાઢ કાઢ કરે. પ્રકૃતિની ખોડ કાઢવી ના જોઈએ. પ્રકૃતિની ખોડ કાઢવાથી ભગવાનને વાત પહોંચે છે. પ્રકૃતિ નિયમિત છે, 'વ્યવસ્થિત' છે.

છોકરાં જોડે કરો વ્યવહાર, ડહાપણથી !

પાછું ઉંમરનું, તે જેમ ઉંમર વધેને, તેમ એ જાણે કે મારી ભૂલ થાય નહીંને, છોકરાની ભૂલ બહુ થાય છે. પોતાની ભૂલ બહુ થાય છે, પણ પોતે માને કે પોતાની ભૂલ થાય નહીં, જાણે મેજીસ્ટ્રેટ ના હોય ! છોકરો પાછો કહેય ખરો કે તમારામાં અક્કલ નથી. તોય એ મનમાં વિચાર કરે કે આ નાનો છે, સમજણ નથી. અલ્યા મૂઆ, એ કહે છે તો તોલી તો જો. આપણામાં અક્કલ છે કે નહીં, તે તોલવી ! એ કહે તો તોલવી ના જોઈએ કે 'મારામાં અક્કલ નથી', તે લાવ તોલ તો કરવા દે. તો મહીં વિચાર કરે તો ખબર પડે ને કે કશું અક્કલ નથી. અક્કલ હોય તો આવું હોય નહીં. અક્કલ હોય તેને ત્યાં ક્લેશ ના હોય. અક્કલવાળા હોયને, તેને ત્યાં ખાય-પીએ શાંતિથી બધા. ઓછું હોય તો ઓછું ને ઘણું હોય તો ઘણું, પણ ક્લેશ ના હોય. તે અહીં કેટલા ક્લેશ વગરનાં ઘર હોય ?

પ્રશ્નકર્તા : છોકરાંની બાબતમાં કયું ઘટિત છે ને કયું અઘટિત છે એ સમજાતું નથી.

દાદાશ્રી : જેટલું સામા જઈને કરીએ છીએ એ જ દોઢડહાપણ છે, તે પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય. પછી તો છોકરો કહે કે, 'બાપુજી, મને ફી આપો.' ત્યારે આપણે કહીએ કે, 'ભઈ, પૈસા કંઈ અહીં આગળ નળમાં આવતા નથી. અમને બે દહાડા આગળથી કહેવું. અમારે ઉછીના લાવવા પડે છે.' એમ કહીને બીજે દહાડે આપવા. છોકરા તો એમ સમજી બેઠાં હોય છે કે નળમાં પાણી આવે એમ બાપુજી પાણી જ આપે છે. માટે છોકરા જોડે એવો વ્યવહાર રાખવો કે એની સગાઈ રહે અને બહુ ઉપર ચઢી વાગે નહીં, બગડે નહીં. આ તો છોકરા ઉપર એટલું બધું વહાલ કરે કે છોકરો બગડી જાય. અતિશય વહાલ તે હોતું હશે ? આ બકરી જોડે વહાલ આવે ? બકરીમાં ને છોકરામાં શો ફેર છે ? બેઉમાં આત્મા છે. અતિશય વહાલેય નહીં ને નિઃસ્પૃહ પણ નહીં થઈ જવાનું. છોકરાને કહેવું કે, 'કંઈ કામકાજ હોય તો પૂછજો. હું બેઠો છું ત્યાં સુધી કંઈ અડચણ હોય તો પૂછજો.' અડચણ હોય તો જ, નહીં તો હાથ ઘાલીએ નહીં. આ તો છોકરાના ગજવામાંથી પૈસા નીચે પડ પડ કરતા હોય તો બાપ બૂમાબૂમ કરી મેલે, 'એય એય...' એમ. આપણે શું કામ બૂમાબૂમ કરીએ ? એની મેળે પૂછશે ત્યારે ખબર પડશે. આમાં આપણે કકળાટ ક્યાં કરીએ ? અને આપણે ના હોત તો શું થાત ? 'વ્યવસ્થિત'ના તાબામાં છે અને વગ

ર કામનો ડખો કરીએ છીએ. સંડાસેય વ્યવસ્થિતના તાબામાં છે, અને તમારું તમારી પાસે છે. પોતાના સ્વરૂપમાં પોતે હોય ત્યાં પુરુષાર્થ છે. અને પોતાની સ્વસત્તા છે. આ પુદગલમાં પુરુષાર્થ છે જ નહીં. પુદગલ પ્રકૃતિને આધીન છે.

છોકરાનો અહંકાર જાગે, ત્યાર પછી તેને કશું કહેવાય નહીં અને આપણે શું કામ કહીએ ? ઠોકર વાગશે તો શીખશે. છોકરા પાંચ વર્ષના થાય ત્યાં સુધી કહેવાની છૂટ. અને પાંચથી સોળ વર્ષવાળાને વખતે બે ટપલી મારવીય પડે. પણ વીસ વર્ષનો જુવાન થયા પછી એનું નામેય ન લેવાય, કશું અક્ષરેય બોલાય નહીં, બોલવું એ ગુનો કહેવાય. નહીં તો કો'ક દહાડો બંદૂક મારી દે.

અમારી પેઠ 'અબુધ' થઈ ગયો તો કામ જ થઈ ગયું. બુધ્ધિ વપરાઈ તો સંસાર ઊભો થયો પાછો. ઘરનાં પૂછે તો જ જવાબ આપવો આપણે અને તે વખતે મનમાં થાય કે 'આ ના પૂછે તો સારું' એવી આપણે બાધા રાખવી. કારણ કે ના પૂછે તો આપણે આ મગજ ચલાવવું ના પડે. એવું છે ને, કે આપણા આ જૂના સંસ્કાર બધા ખલાસ થઈ ગયા છે. આ દુષમકાળ જબરજસ્ત વ્યાપેલો છે, સંસ્કાર માત્ર ખલાસ થઈ ગયા છે. માણસને કોઈને સમજણ પાડતાં આવડતી નથી. બાપ છોકરાને કંઈક કહે તો છોકરો કહેશે કે, 'મારે તમારી સલાહ નથી સાંભળવી.' ત્યારે સલાહ આપનારો કેવો ને લેનારે કેવો ? કઈ જાતના લોક ભેગા થયા છો ? આ લોક તમારી વાત શાથી નથી સાંભળતા ? સાચી નથી તેથી. સાચી હોય તો સાંભળે કે ના સાંભળે ? આ લોક શાથી કહે છે ? આસક્તિને લીધે કહે છે. આ આસક્તિને લીધે તો પોતે પોતાના અવતાર બગાડે છે.

પ્રશ્નકર્તા : એટલે હવે પછી એમાં બીજો મને પ્રશ્ન એ થયેલો કે કોઈપણ વસ્તુમાં બને ત્યાં સુધી સલાહ ના આપવી. પણ જો મોંમાં આંગળા નાખીને જ પૂછવામાં આવે, તો પછી જો સાચું તમે કહો તો સાંભળનારને ગમે નહીં અને ખોટું તમે કહી ના શકો, તો એ વચ્ચે દ્વિધામાં હું છું.

દાદાશ્રી : 'વણમાંગી સલાહ આપવી નહીં' એવું અમે લખ્યું છે ખરું ! એટલે કોઈ કહે, આપણને પૂછે, તો આપણે સલાહ આપવી અને તે ઘડીએ આપણને ઠીક લાગે એવું આપણે કહી છૂટવું અને સલાહ આપ્યા પછી આપણે એમ કહીએ કે તમને અનુકૂળ આવે એમ કરજો. અમે તો આ તમને કહી છૂટીએ. એટલે એને પછી કંઈ ખરાબ લાગે એવી વસ્તુ નથી. એટલે આપણે આ જે બધું કરવાનું છે ને એની પાછળ વિનય રાખવાનો છે.

શું બને તે જુઓ, પ્રતિક્રમણથી ધૂઓ !

પ્રશ્નકર્તા : આખો દહાડો છોકરો બહાર રખડે. ઘરનું કામ હોય, અગત્યનો ફેરો ખાવાનો હોય, તેવું તો એણે કરવું જોઈએ ને ! વઢીએ તોય કશું કરે નહીં. પછી મૌન રહેવાય નહીં ને છોકરા પર હાથ ઉપડી જાય.

દાદાશ્રી : ના, એવું મૌન થઈ જવાય નહીં. તમારે શુધ્ધાત્માનું લક્ષ રહે છે કે નથી રહેતું ?

પ્રશ્નકર્તા : રહે ને !

દાદાશ્રી : પછી શો વાંધો છે ? એવું છે ને, ખરી રીતે તો આપણું સાયન્સ શું કહે છે કે મારતી વખતે તમે એને જોયા કરો. 'ચંદુભાઈ' છોકરાને મારતાં હોય તે ઘડીએ તમારે 'ચંદુભાઈ'ને જોયા કરવું. 'ચંદુભાઈ' શું કરી રહ્યા છે, એટલું જ જોયા કરવાનું અને પછી 'ચંદુભાઈ'ને કહેવાનું કે આ તમે અતિક્રમણ કર્યું, શા માટે આ બિચારાને માર્યું ? તમારાથી આવું વઢાય ? તમે કેમ વઢ્યા ? માટે આ બધાનું પ્રતિક્રમણ કરો. એટલે 'ચંદુભાઈ' છોકરાને મારે તે ઘડીએ 'તમારે' જાણ્યા જ કરવું અને જોડે જોડે પ્રતિક્રમણ કરાય કરાય કરવું. આવું ફાવે ને ?

એક માણસ સંડાસના બારણાંને લાતો માર માર કરતો હતો. મેં કહ્યું કે કેમ લાતો મારો છો ? ત્યારે કહે છે કે બહુ સાફ કરું છું, તોય ગંધાય છે. ખૂબ સાફ કરું છું તોય ગંધાય છે. બોલો, હવે એ મૂર્ખાઈ કેટલી બધી કહેવાય ? જાજરૂના બારણાને લાતો મારીએ તોય ગંધાય છે, તેમાં ભૂલ કોની ?

પ્રશ્નકર્તા : લાતો મારનારની.

દાદાશ્રી : કેવડી મોટી ભૂલ કહેવાયને ? કંઈ દરવાજાનો દોષ છે બિચારાનો ? આ લાતો મારી મારીને જગત આખું ગંધાય તેને સાફ કરવા જાય છે. પણ એ સંડાસના બારણાને લાતો મારીને પોતાને ઉપાધિ થાય છે અને બારણાંય તૂટી જાય છે.

કેટલી બધી આ મુશ્કેલીઓ ! સંસાર બધો મુશ્કેલીમાં મૂકાયો છે, નહીં સમજણ પડવાથી મુશ્કેલીમાં મૂકાયો છે. આ મુશ્કેલી સોલ્વ થઈ જાય કે કલ્યાણ થઈ ગયું.

પ્રશ્નકર્તા : હવે બીજું કહીએ ને કે ડખોડખલ કરવી નહીં અને જોયા કરવું બધું. હવે ઘરમાં ચાર વર્ષનું બાળક હોય અને કંઈ ખોટું કરતું હોય, તે આપણને એમ કે હવે આ એને સમજણ ઓછી છે એટલે લાવ આપણે એને ટકોર કરીએ કે વઢીએ, ડખો કરીએ. એવું થઈ જાય આપણાથી, આપણે એવું કરવું પડે, આપણું બાળક છે એમ કરીને. તો એ શું બરાબર કહેવાય કે શું કરવું ત્યાં ?

દાદાશ્રી : હા, પણ જે કરે એ, આપણે જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : કશું કહેવાનું નહીં ?

દાદાશ્રી : 'ચંદુભાઈ' એને વઢતા હોય, મારતા હોય તોય જોયા કરવાનું, પણ વધુ મારે ત્યારે કહેવું કે ભઈ આવું ના મરાય.

પ્રશ્નકર્તા : હવે મારવાનું નહીં. પણ શું છે, આપણે જાણતા હોઈએ કે આ 'ચંદુભાઈ' જ કરે છે. પણ એ જે અંદર ડખલ કરી એની ક્રિયામાં, એ યોગ્ય છે કે અયોગ્ય છે ?

દાદાશ્રી : કરવું બધુંય. ડખો, ટકોર-બકોર બધુંય કરવું. કરવી એવો ભાવ ના હોવો જોઈએ. શું થાય છે એ જોવાનું. કરવી એ તો કરવાપણું રહ્યું જ નહીંને હવે. કર્તાપદ જ રહ્યું નહીં ને હવે. શું થાય છે એ જોયા કરવાનું. એ ડખો કરી નાખે તે જોવું અને આ સારું કરે તેય જોવું.

પ્રશ્નકર્તા : છોકરાઓ બહુ તોફાની થઈ જાય, તો પછી સમાજ એને સ્વીકારે નહીંને ?

દાદાશ્રી : હા, પણ તમારામાં સુધારવાની શક્તિ હોય તો સુધારો. પણ મારી-ઠોકીને ના સુધરે એ. મારી ઠોકવાના એક જ રસ્તાથી ના સુધરે. એ તો પધ્ધતિસર સુધરે.

પ્રશ્નકર્તા : એટલે એને દસ મિનિટ ઊભા રાખીએ અથવા એવી રીતે પનિશ (શિક્ષા) કરીએ, તો એના આત્માને હર્ટ (દુઃખ) થાય ?

દાદાશ્રી : શિક્ષા કરવાથી શું ફાયદો કાઢવાનો ? શિક્ષા કરવા કરતાં તને ઠીક લાગે એ ભગવાનનું નામ લેજે અને માફી માગજે, કહીએ. તો કંઈક એમાં મન સારું થાય, બળ્યું. એમ માનો ને, તમને શિક્ષા કરે ધણી તો તમે શું કરો ? મનમાં એમ થાય કે ક્યારે વખત આવે તો એમનું તેલ કાઢી નાખું. એમને મારા ઘાટમાં આવવા દો ! મજા નથી આમાં. આવું ના હોય. જેવા છે એવા, તમે જો પ્રેમ રાખો તો જગત પ્રેમવાળું હશે. જગત તમારો ફોટો જ છે, અરીસો જ છે બધો તમારો. મારી પાસે પચાસ હજાર માણસ છે, પણ મારે કોઈની જોડે મતભેદ પડતો નથી. એ મને કહે કે 'તમે દાદા ચોર છો.' તો હું કહું, 'બેસ ભઈ, શી રીતે ચોર છું, એ મને તું સમજાવ.' ત્યારે કહે છે, તમારા કોટની પાછળ લખ્યું છે કે 'દાદા ચોર છે.' મેં કહ્યું, 'કરેક્ટ.' લખેલું હોય તો પછી એવું કહે જ ને લોકો. લખ્યું હોય તો ના કહે ?

પ્રશ્નકર્તા : હા, કહે. તો પછી બધો સમાજ એમ કહે કે, આ મા બરાબર નથી, છોકરાંઓને સાચવતી નથી. એવી રીતના માને બધા વગોવે કે, એવું ના થાય ?

દાદાશ્રી : એ તો આપણા મનના ખોટા ભય છે, લોકો મને આમ માનશે ને તેમ માનશે ! છોકરાંઓ સુધરવાં જ જોઈએ આપણાં. આપણા સંસ્કાર એવા સુંદર કરી નાખો કે છોકરાંઓ સુધરે. આ તો છોકરાંઓ શું કરે છે કે પપ્પો ને મમ્મી બે વઢતા હોય ચાળા કરીને, તે ઘડીએ બાબો એમ જોયા કરે. 'પપ્પો જ ખરાબ છે, આ મમ્મી તો બિચારી સારી છે.' તે ઘણા મા-બાપને તો મેં કહી દીધેલું કે મૂઆ આવું ના કરશો, નહીં તો એ છોકરાં મોટાં થશે ને, ત્યારે મમ્મી ને છોકરાં બધાં ભેગાં થઈને તમારું તેલ કાઢી નાખશે. માટે આ પ્રેમમય જીવન જીવો. આવું શા માટે કરો છો ?

હવે તમે હિત કરવા જાવ છો. તમે અહિત નથી કરતા, પણ હિત કરતાં આવડતું નથી, તેનું શું થાય તે ? જીવન જીવવું એ તો કળા છે. હિત કરતાં ના આવડવું જોઈએ ? મારે કોઈ માણસ જોડે મતભેદ નથી પડતો, એનું શું કારણ હશે ? તો તમારે પચાસ-સો માણસ જોડે મતભેદ ના પડે એટલું ના કરવું જોઈએ એટલું ?

પ્રશ્નકર્તા : કરવું જોઈએ.

દાદાશ્રી : હં.... માટે થઈ શકે એમ છે, તમે નક્કી કરો એક વાર કે આપણે આમ જ જીવન જીવવું છે આવું. તો તમારી લાઈફ ઊલટી સુધરી જાય છે સરસ. અને આપણા ઘરના માણસોને તો સુખ હોવું જ જોઈએ. તમારે મારવાનો શોખ હોય તો બહાર પોલીસવાળાને મારીને આવો. પણ આ લોકોની જોડે કશું એવું ના કરો. તમને શોખ હોય તો બહાર તમારા હાથ ઊંચા પણ અહીં ઘરમાં ના શોભે આપણને. આપણે ખાનદાન કવૉલિટી, આપણે અનાડી ન હોય. આપણે આર્ય પ્રજા છીએ અને બેનોએ વેર ના વાળવું જોઈએ કોઈ પણ રીતે. એમણે એમની મર્યાદામાં રહેવું જોઈએ, આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ.

- જય સચ્ચિદાનંદ