|
મનુષ્ય જીવનમાં ધ્યેય... સંપાદકીય મનુષ્ય જીવન જીવી તો જાય છે પણ શેના માટે જીવે છે તે ખબર જ હોતી નથી! કોઈ પૈસા માટે, કોઈ કારકિર્દી માટે, કોઈ સફળતા માટે, કોઈ મહાન ઉધોગપતિ થવા માટે, કોઈ વાઈફ છોકરાં માટે નહીંતો તપસ્યા, સાધના માટે, કંઈપણ ધ્યેય એની મેળે બંધાઈ જતાં હોય છે અને જીવન પુરૂ થઈ જતું હોય છે અથવા તો આર્થિક, ઘરકંકાસ, કુટુમ્બના કે ધધાના પ્રોબ્લેમોમાં સોલ્યુશન કરતાં કરતાં જીવન પુરૂ થઈ જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી અત્રે ચેતવે છે કે મનુષ્ય જીવનતો ધ્યેયપૂર્વકનું હોવું જોઇએ. મૂળ ધ્યેય આત્મસાક્ષાત્કાર પામી મોક્ષે જવું હોવો જોઇએ ને પછી સેકન્ડરી ધ્યેય પરોપકાર માટે જીવન ગાળવું જોઈએ કશું ના સમજાય તો કોઈને દુઃખ ના થાય એવી રીતે જીવન જીવવાનો ધ્યેય જોઈએ બીજું બધું તો વેસ્ટ ઓફ ટાઈમને એનર્જી છે. ધ્યેય નક્કી કર્યા અને એ પ્રમાણે થાય કે ના થાય પણ ધ્યેય લક્ષમાં રોજય રહ્યા કરે તોય આગળ વધાશે. કેટલાક લોકો ઈશ્વરની પ્રાપ્તિનો ધ્યેય રાખતા હોય છે, પણ ઈશ્વરને ઓળખવો પડે, એનું સ્વરૂપ જાણવું પડે. એમ ને એમ નામ લઈએ, મૂર્તિ સ્થાપન કરી ચોવીસ કલાકમાં પા કલાક ભક્તિ કરીએ, તો કંઈ ઈશ્વર સાક્ષાત્કાર થાય નહીં એ તો જ્ઞાનીપુરુષ ખોળી કાઢવા પડે, અને એમની કૃપાથી પોતાનાં આત્મસાક્ષાત્કાર પામે ત્યારે સાચા ઈશ્વરની ઓળખાણ પડી કહેવાય અને ઈશ્વર એજ શુધ્ધાત્મા, પછી ભગવાન જોડે અભેદ થવાય છતાં ભક્તો કરે છે તે પરોક્ષ ભક્તિ છે. છેવટે પ્રત્યક્ષ ભક્તિ જોઈશે તો કલ્યાણ થશે . જ્ઞાન મેળવવા ભવોભવ ઈચ્છા હોય છે, પણ એ માટે સાચું નિયાણું કર્યું નથી નિયાણું એટલે સર્વસ્વ પુણ્યૈ વપરાઈને એજ એક પ્રાપ્ત થાય તો એ પ્રાપ્ત થાય જ. જ્ઞાની મળ્યે ધ્યેય શુધ્ધાત્માનો નિયાણું એકલું મોક્ષનું ને ભાવના જગતકલ્યાણની રાખવા જેવી છે. નિયાણું મોક્ષનું થઈ જાય તો એક બે અવતારમાં છુટી જવાય. ધ્યેય જ્ઞાન-સમજણપૂર્વક હોવો જોઇએ. અહંકારપૂર્વક ના હોવો જોઈએ. કારણ કે સારૂં કરવાનો અહંકાર ક્યારે ખોટું કરી નાખશે એ કહેવાય નહીં પણ સમજણપૂર્વક સાચા જ્ઞાનપૂર્વક ધ્યેય નક્કી કર્યો હોય તો પૂર્ણતા સુધી પહોચાય વચ્ચે મન ડખલ કરનારું હોય છે પણ મનની વાત ન સાંભળતા આજની સમજણના ધ્યેય પ્રમાણે ચાલીએ તો ધ્યેય સ્વરૂપ થવાય જ ! પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ ધ્યેય સ્વરૂપની ઓળખાણ પાડી છે. છેવટે ધ્યેય એવો રાખવાનો છે, જેનું પરિણામ ક્રોધ-માન-માયા-લોભ, રાગદ્વેષ કોઈની જોડે ના થાય એ થવા માટે દાદાશ્રીના જ્ઞાનવાણીમાં પ્રગતિના ઘણા સાંધા મળી જાય તેવી ચાવીઓ છે, જે વાચકને દ્રઢ ધ્યેય નક્કી કરી ધ્યેય સ્વરૂપ થવા સહાયક થશે. જય સચ્ચિદાનંદ. મનુષ્ય જીવનમાં ધ્યેય... માનવતાનો ધ્યેય જીવનમાં ! પ્રશ્નકર્તા : મનુષ્ય જીવનનો ધ્યેય શું છે ? દાદાશ્રી : માનવતાના ફિફટી પરસેન્ટ આવવા જોઈએ. જે માનવધર્મ છે, એમાં ફિફટી પરસેન્ટેય માર્ક આવવા જોઈએ. એ માનવ જીવનનો ધ્યેય અને જો ઊંચો ધ્યેય ધરાવતો હોય, તેને નાઈન્ટી પરસેન્ટ માર્ક આવવા જોઈએ. માનવતાના ગુણો તો આવવા જોઈએને ? જો માનવતા જ નથી, તો માનવનો ધ્યેય જ ક્યાં રહ્યો ? આ તો 'લાઈફ' બધી 'ફ્રેક્ચર' થઈ ગઈ છે. શેના સારું જીવે છે, તેનુંય ભાન નથી. મનુષ્યસાર શું ? જે ગતિમાં જવું હોય તે ગતિ મળે, અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષ થાય. પ્રશ્નકર્તા : હવે મનુષ્યનો જે ધ્યેય છે, એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરવું અનિવાર્ય છે અને કેટલા સમય સુધી ? દાદાશ્રી : માનવતામાં શું શું ગુણો છે અને કેવી રીતે એ પ્રાપ્ત થાય એ બધું જાણવું જોઈએ. જે માનવતાના ગુણો ધરાવતા હોય એવા સંત પુરુષ હોય ત્યાં જઈને તમારે બેસવું જોઈએ. પરોપકારનો ધ્યેય ! પ્રશ્નકર્તા : માણસ સારા માટે પરોપકારી જીવન જીવે, લોકોને કહે પણ ખરો, પણ એ જે સારા માટે કહે છે, તે લોકો 'આપણા સારા માટે કહે છે એવું સમજવાને કોઈ તૈયાર નથી, તેનું શું ? દાદાશ્રી : એવું છે, પરોપકાર કરનાર સામાની સમજણ જોતો નથી અને પરોપકાર કરનાર જો સામાની સમજણ જુએ તો વકીલાત કહેવાય. એટલે સામાની સમજણ જોવાની ના હોય. આ ઝાડ હોય છે ને, બધા આંબા છે, લીમડા છે એ બધું, ઝાડ ઉપર ફળ આવે છે તે આંબો કેટલી એની કેરીઓ ખાતો હશે ? પ્રશ્નકર્તા : એકેય નહીં. દાદાશ્રી : કોના માટે છે એ ? પ્રશ્નકર્તા : પારકા માટે. દાદાશ્રી : હા. તે એ આ લુચ્ચો છે કે સારો છે, એવું જુએ છે ? જે લઈ જાય તેની, મારી નહીં. પરોપકારી જીવન એ જીવે છે. આવું જીવન જીવવાથી એ જીવોની ધીમે ધીમે ધીમે ઊર્ધ્વગતિ થાય. પ્રશ્નકર્તા : પણ ઘણી વખત ઉપકાર જેની ઉપર થાય છે તે વ્યક્તિ ઉપકાર કરનાર સામે દોષારોપણ કરે છે. દાદાશ્રી : હા, તે જોવાનું ત્યાં જ છે ને ! તે એ ઉપકાર કરે છે ને, તેની ઉપર પણ અપકાર કરે. પ્રશ્નકર્તા : અણસમજણને કારણે ? દાદાશ્રી : એ સમજણ તે ક્યાંથી લાવે ? સમજણ હોય તો કામ જ થઈ જાયને ! સમજણ એવી લાવે ક્યાંથી ! પરોપકાર એ તો બહુ ઊંચામાં ઊંચી સ્થિતિ છે. આ પરોપકારની લાઈફ, આખા મનુષ્યના જીવનનો ધ્યેય જ એ છે. ધ્યેય સુધી પહોંચાડે તે ધર્મ ! ધર્મ એટલા માટે કરવાનો કે જેનાથી કંઈક આપણા ધ્યેય તરફ પહોંચી શકાય. આ ધ્યેય વગરનું જીવન, એનો અર્થ જ નથી. ડોલર આવે છે અને ખઈ-પીને મોજ કરીએ અને આખો દહાડો ચિંતા-વરીઝ કર્યા કરીએ, એ જીવનનો ધ્યેય કેમ કહેવાય ? મનુષ્યપણું મળ્યું એ એળે જાય એનો શો અર્થ છે ? એટલે મનુષ્યપણું મળ્યા પછી આપણા ધ્યેયને પહોંચવા માટે શું કરવું જોઈએ ? સંસારના સુખો જોઈતા હોય, ભૌતિક સુખો, તો તમારી પાસે જે કંઈ હોય તે આપો લોકોને. કંઈ પણ લોકોને સુખ આપો તો તમે સુખની આશા રાખી શકો છો. નહીં તો સુખ તમને મળે નહીં અને જો દુઃખ આપો તો તમને દુઃખ મળશે. આ દુનિયાનો કાયદો એક જ વાક્યમાં સમજી જાવ, આ જગતના તમામ ધર્મોનો સાર એ છે કે જે માણસને સુખ જોઈતાં હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે આપો. હવે કોઈ કહેશે કે સુખ લોકોને અમે કેવી રીતે આપીએ, અમારી પાસે પૈસા નથી. તો પૈસાથી અપાય છે એવું એકલું જ નથી, એની જોડે ઓબ્લાઈઝિંગ નેચર રાખી શકાય, એનો ધક્કો ખઈ શકાય અને સલાહ આપી શકાય, બધી અનેક રીતે ઓબ્લાઈઝ કરી શકીએ એમ છે. ધર્મ એટલે કંઈ ભગવાનની મૂર્તિઓ પાસે બેસી રહેવું, એનું નામ ધર્મ નથી. ધર્મ તો, આપણે ધ્યેયને પહોચવું, એનું નામ ધર્મ છે. જોડે જોડે એકાગ્રતાને માટે આપણે કોઈ પણ સાધન કરીએ એ વાત જુદી વસ્તુ છે, પણ એકાગ્રતા આમાં કરો તો બધું એકાગ્ર જ છે. ઓબ્લાઈઝિંગ નેચર રાખો, નક્કી કરો કે મારે ઓબ્લાઈઝ જ કરવા છે હવે, તો તમારામાં ફેરફાર થઈ જશે. નક્કી કરો કે મારે વાઈલ્ડનેસ (જંગલીપણું) કરવી નથી. સામો વાઈલ્ડ થાય તોય મારે થવું નથી, તો એવું થઈ શકે છે. ના થઈ શકે ? નક્કી કરો ત્યારથી થોડું થોડું ફેરફાર થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : મુશ્કેલ છે પણ. દાદાશ્રી : ના, મુશ્કેલ હોય તો પણ નક્કી કરીએને, કારણ કે તમે માણસ છો અને ભારત દેશના માણસ છો. જેવા તેવા છો ? ઋષિ-મુનિઓના પુત્રો છો તમે ! જબરજસ્ત શક્તિઓ તમારી પાસે પડી રહી છે. તે આવરેલી પડી રહી છે તે તમને શું કામ લાગે ? તે તમે આ મારા શબ્દ પ્રમાણે જો નક્કી કરો કે મારે આ કરવું જ છે, તો એ અવશ્ય ફળશે, નહીં તો આમ વાઈલ્ડનેસ કયાં સુધી કર્યા કરશો ? અને તમને સુખ પડતું નથી, વાઈલ્ડનેસમાં સુખ પડે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ઊલટું દુઃખ જ નોતરો છો ! નવો ધ્યેય આજનો, રિએક્શનો પાછલાં ! પ્રશ્નકર્તા : તો પરોપકાર અર્થે જ જીવવું જોઈએ ? દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલા રિએક્શનો તો આવે, એટલે પાછા તમે કંટાળી જાવ કે આ તો મારે હજુ સહન કરવું પડે છે ! પણ થોડો વખત સહન કરવું પડશે, ત્યાર પછી તમને કોઈ દુઃખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલા રિએક્શન તો આવવાના જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેનાં ફળ તો આવે જ ને ? બે પ્રકારના ધ્યેય, સંસારમાં ! પ્રશ્નકર્તા : ધ્યેય પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : તમે શું ધ્યેય નક્કી કર્યો છે ? મનુષ્યોનો શું ધ્યેય તમે નક્કી કર્યો ? કહો. બે પ્રકારના ધ્યેય નક્કી કરવા જોઈએ. કે કાં તો જ્ઞાની પુરુષ મળે નહીં આપણને, તો આપણે સંસારમાં એવી રીતે રહેવું, એવી રીતે જીવવું કે કોઈને ત્રાસ ન થાય, કોઈને દુઃખદાયી ન થઈ પડીએ. એવી રીતે આપણે સારા ઊંચા સત્સંગી પુરુષો, સાચા પુરુષો ભેગું રહેવું અને કુસંગમાં ન પેસવું એવો કંઈ ધ્યેય હોવો જોઈએ. આપણાથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. સુખ આપવું એ આપણા હાથની વસ્તુ નથી. અને બીજા ધ્યેયમાં તો પ્રત્યક્ષ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારાં દરેક કામ થાય, 'પઝલ' 'સોલ્વ' થઈ જાય બધાં. એટલે મનુષ્યનું ધ્યેય શું ? હિન્દુસ્તાનના મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લું ધ્યેય છે. જીવવા માટે ખાવું કે ખાવા માટે જીવવું ? લોકો આખી જીંદગી બ્રશ કરતા હશે ને ? અને ૬૦ વર્ષના થયાને, હવે પછી નહીં કરીએ તો ના ચાલે ? સાધુઓને નહીં કરવાનું કહ્યું હતું તે શા માટે ? જીભને ઉલ ઉતારે છે, શા માટે ? જીભના સોદા માટે ! આપણા લોકો શાથી આ બધું કરે છે ? જીભને જરા સ્વાદિષ્ટ લાગે. એટલે એકલું ચોખ્ખું કરવા માટે નહીં, જીભને સ્વાદિષ્ટ લાગે. જો ચોખ્ખું કરવા માટે જરૂર હોય તો કૂતરા-બિલાડા બધાય કરતા ફરે પણ ના, જીભને સ્વાદિષ્ટ લાગે માટે આ લોકોએ શોધખોળ કરેલી. મોઢું જરા સાફ કરે, કેમ કે મહીં ભરાઈ જાય. હવે છે તે સાધુ જેવું ફુડ લેને માણસ, સાધુઓનો આહાર છે તેવો આહાર લે તો કોઈએ દાતણપાણી કરવાની જરૂર નથી. આ આપણે તો તળેલા ને બળેલા, જાત જાતની મીઠાઈઓને ને બીઠાઈઓ, આપણે કંઈ બાકી રાખીએ છીએ ? રાયતા હઉ ખાય, નહીં ? રાય ચઢે ને રાયતા હઉ ખાય ! પછી મોઢા ઉપરથી સોડે (ગંધાય) છે ! એટલે સાધુઓને આવો આહાર કરવાની ના કહી છે. સાધુઓને તો એમાં સાદો ખોરાક, તમે તમારી મેળે વ્હોરી લાવો અને ખાઓ. તમારે પેટ ભરવા માટે ખાવાનું છે, જીવવા માટે. બેઉનો રસ્તો ફેર છે ને ! પેલા સાધુઓ જીવવા માટે ખાય છે અને આપણા ગૃહસ્થીઓ ખાવા માટે જીવે છે. એવું કંઈક લાગે છે તમને ? પ્રશ્નકર્તા : ક્યારેક ક્યારેક લાગે છે ને ક્યારેક નથી લાગતું, કયારેક કયારેક તપસ્વીઓને જોઈએ ત્યારે એમ લાગે કે એ લોકોય ખાવા માટે જ જીવે છે. દાદાશ્રી : હા, એ અત્યારે આ કળિયુગને લઈને. આ દુષમકાળ ખરોને એટલે વિચાર બધા ફેરફાર થયેલા છે. પણ મૂળ એમનો હેતુ આવો હતો કે સાધુઓને જીવવા માટે ખાવાનું. આ ઘટમાળમાં ધ્યેય શું ? કોઈ ધ્યેય હશે તારો ? આ તારી લાઈફ છે એનો, કે આ જીવન જીવીને શું કરવું છેવટે ? પ્રશ્નકર્તા : હજુ એકદમ નક્કી નથી કર્યું. દાદાશ્રી : તું જાણું છું કે માણસનો જન્મ થાય છે, ને પછી બાળપણ આવે છે, બાળ અવસ્થા આવે છે, નહીં ? પછી યુવાવસ્થા આવે છે, પછી કઈ આવે છે ? પ્રશ્નકર્તા : વૃધ્ધાવસ્થા. દાદાશ્રી : વૃધ્ધાવસ્થા પછી કઈ અવસ્થા આવે છે ? પ્રશ્નકર્તા : મૃત્યુવસ્થા. દાદાશ્રી : મૃત્યુવસ્થા પછી કઈ અવસ્થા આવે છે ? પ્રશ્નકર્તા : પુનર્જન્મ. દાદાશ્રી : મૃત્યુઅવસ્થા છેલ્લું સ્ટેશન નથી ? પ્રશ્નકર્તા : ચોર્યાસી લાખમાં ફરીએ છીએને, આપણે તો જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તો મરણ છેલ્લું સ્ટેશન છે. દાદાશ્રી : અને મુક્તિ થાય ત્યારે, એન્ડ આવવો જોઈએ, એમ ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : શાનાથી મુક્તિ કરવાની છે આપણે ? પ્રશ્નકર્તા : જ્યારે આપણે આપણામાં ઉતરશું, આત્માને ઓળખશું, ત્યારે. દાદાશ્રી : ના, પણ મુક્તિ શાથી કરવાની છે ? પ્રશ્નકર્તા : ફરી ફરી જન્મ ના લેવા પડે આપણે. દાદાશ્રી : અત્યારે તું ખરેખર કોણ છું ? પ્રશ્નકર્તા : હું તો એક આત્મા છું દુનિયામાં રખડતો. દાદાશ્રી : રખડતો ? આ અહીં છો ને ? પ્રશ્નકર્તા : ભલેને બેઠા છીએ તોય રખડીએ છીએ. દાદાશ્રી : જવાબ બરાબર છે, હોં. રખડતો આત્મા જ કહેવાય, વીતરાગોની આ ભાષા નહીં, વીતરાગો વીતરાગની ભાષામાં બોલતા, પણ એ તો જવાબ બરાબર છે. ભગવત્ પ્રેમની પ્રાપ્તિ ! પ્રશ્નકર્તા : તો ઈશ્વરનો પરમ, પવિત્ર, પ્રબળ પ્રેમ સંપાદન કરવા શું કરવું જોઈએ ? દાદાશ્રી : તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો છે ? પ્રશ્નકર્તા : હા, કરવો છે. છેવટે દરેક માનવનો ધ્યેય આ જ છે ને ? મારો પ્રશ્ન અહીંયાં એ જ છે કે ઈશ્વરનો પ્રેમ સંપાદન કેવી રીતે કરવો ? દાદાશ્રી : પ્રેમ તો અહીં બધા લોકોને કરવો હોય, પણ મીઠો લાગે તો કરે ને ? એવું ઈશ્વર કોઈ જગ્યાએ મીઠો લાગ્યો એ મને દેખાડો ને ? પ્રશ્નકર્તા : કારણ કે આ જીવ છેલ્લી ક્ષણે જ્યારે દેહ છોડે છે, છતાં પણ ઈશ્વરનું નામ નથી લઈ શકતો. દાદાશ્રી : શી રીતે ઈશ્વરનું નામ લઈ શકે ? એને જ્યાં રુચિ હોય ને, તે નામ લઈ શકે. જ્યાં રુચિ ત્યાં એની પોતાની રમણતા હોય. ઈશ્વરમાં રુચિ જ નથી ને તેથી ઈશ્વરમાં રમણતા જ નથી. એ તો જ્યારે ભય લાગે ત્યારે ઈશ્વર સાંભરે છે. પ્રશ્નકર્તા : ઈશ્વરમાં રુચિ તો હોય. છતાં અમુક આવરણ એવાં બંધાઈ જાય એટલે ઈશ્વરનું નામ નહીં લઈ શકતા હોય ? દાદાશ્રી : પણ ઈશ્વર પર પ્રેમ આવ્યા વગર શેનો નામ લે તે ? ઈશ્વર પર પ્રેમ આવવો જોઈએ ને ? અને ઈશ્વરને બહુ પ્રેમ કરીએ એમાં શું ફાયદો ? મારું કહેવાનું કે આ કેરી હોય તે મીઠી લાગે તો પ્રેમ થાય ને કડવી લાગે કે ખાટી લાગે તો ? એવું ઈશ્વર ક્યાં આગળ મીઠો લાગ્યો, તે તમને પ્રેમ થાય ? એવું છે, જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે, ચેતનરૂપે છે, કે જે ચેતન જગતના લક્ષમાં જ નથી અને ચેતન જે નથી તેને ચેતન માને છે. આ શરીરમાં જે ભાગ ચેતન નથી તેને ચેતન માને છે અને જે ચેતન છે એ એના લક્ષમાં જ નથી, ભાનમાં જ નથી. હવે એ શુધ્ધ ચેતન એટલે શુધ્ધાત્મા અને એ જ પરમેશ્વર છે. એનું નામ ક્યારે યાદ આવે કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવેને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવા આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને 'દાદા' યાદ આવે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમને પ્રેમ છે તમારી પર, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો ? કારણ કે 'દાદા'એ કંઈક સુખ આપ્યું કે તેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને ! એ યાદ કરવાનું હોય જ નહીં. એટલે ભગવાન યાદ ક્યારે આવે કે ભગવાન આપણી ઉપર કંઈક કૃપા દેખાડે, આપણને કંઈક સુખ આપે ત્યારે યાદ આવે. એક માણસ મને કહે છે કે, 'મને બૈરી વગર ગમતું જ નથી.' અલ્યા, શી રીતે ? બૈરી ના હોય તો શું થાય ? ત્યારે એ કહે છે, 'તો તો મરી જઉં.' અલ્યા, પણ શાથી ? ત્યારે એ કહે છે, 'એ બઈ તો મને સુખ આપે છે.' અને સુખ ના આપતી હોય ને માર મારતી હોય તો ? તો ય એને પછી યાદ આવે. એટલે રાગ ને દ્વેષ બેઉમાં યાદ આવ્યા કરે. પરોક્ષમાંથી છેવટે પ્રત્યક્ષ જ થયા કરે, નિરંતર. પ્રત્યક્ષ ના મળે તો પરોક્ષને ભજજે. હિન્દુસ્તાનમાં દરેકનું ધ્યેય એક માત્ર ભગવાનમાં જ હોવું જોઈએ. ધ્યેયનું સ્વરૂપ જાણવું ક્યાં ? પ્રશ્નકર્તા : ભક્તિમાર્ગમાં ભૌતિક સમસ્યાઓ આડી આવે છે ? દાદાશ્રી : ભક્તિમાર્ગ બે પ્રકારના છે. એક પરોક્ષ ભક્તિ, એનાથી સંસાર ફળ મળે અને ધીમે ધીમે ઊર્ધ્વગતિ થયા કરે. અને બીજી પ્રત્યક્ષ ભક્તિ, જ્યાં ભગવાન પ્રગટ થયા છે તેમની પ્રત્યક્ષ ભક્તિ, ત્યાં ઉકેલ આવી જાય. પરોક્ષ ભક્તિમાં તો બહુ આડું આવે છે. પોતાના જ વિચારો પોતાને આડા આવે છે. ભક્તિનો માર્ગ સારો પણ ભક્તિનું તો એવું છે ને કે કોઇ વખત સંયોગ બદલાય તો તે જતી રહે, પણ જ્ઞાન તો નિરંતર સાથે જ રહે. પ્રશ્નકર્તા : ભક્તિમાર્ગમાં જોખમદારી કોના પર, ભગવાન ઉપર ? દાદાશ્રી : હા. નરસિંહ મહેતા પણ કહેતા કે, 'હે ભગવાન, મને છોડાવ.' બધા ભક્તોને મહીં આર્તતા તો ખરી. આર્તવાણી તેમણે કાઢેલી કે, 'હે ભગવાન, દુઃખથી મને છોડાવ.' છતાં એ ભક્તિ સારી, એના ઉપર જ ભેખ માનીને બેઠા. બધા કરતાં ઊંચી ભક્તિ કોની ? સાચા ભક્તોની. એ સાચા ભગવાનને નથી ભજતા, પણ પરોક્ષ ભગવાનને ભજે છે. છતાં એ સાચી ભક્તિ છે, એ પ્રત્યક્ષને આપનારી છે. પણ ખરો ભક્ત ક્યારે કહેવાય ? એકુંય સંકલ્પ-વિકલ્પ પકડે નહીં ત્યારે. એ શું કહે કે સંકલ્પ-વિકલ્પ ભગવાન કરે છે, બધું ભગવાન પર છોડે. જ્યારે આ તો છોકરો પૈણાવે ત્યારે પોતે પૈણાવે અને જન્મે ત્યારે પેંડા વહેંચે, ને છોકરો મરી જાય ત્યારે ભગવાને માર્યો કહેશે ! ખરો ભક્ત તો બધું ભગવાન પર છોડી દે. એ શું કહે, 'ભગવાન, મારે શું ? ભગવાન તારી લાજ જાય છે.' એવી ભક્તિ મળવી મુશ્કેલ છે. એક 'રિલેટિવ'નું 'રિયલાઇઝ' કરે છે ને બીજું 'રિયલ'નું 'રિયલાઇઝ' કરે છે. ભક્તોને સાક્ષાત્કાર થાય તે શું છે, કે મહીં મોરલીવાળા કૃષ્ણ દેખાય, એવી સિધ્ધિ લાવેલા હોય. પણ જો તે મને મળે તો હું તેમને કહું કે, ''એ તો દ્શ્ય છે ને તું દ્રષ્ટા છે. તને જે મોરલીવાળા કૃષ્ણ દેખાય છે તે ખરા કૃષ્ણ નથી. એ તો દ્શ્ય છે ને ખરા કૃષ્ણ તો તેને જે જુએ છે તે છે, તે તું 'પોતે' જ છે. આ તો દ્ષ્ટિ દ્શ્યમાં પડી છે. દ્રષ્ટામાં પડે તો કામ થાય.'' ભક્તો પણ આ ધ્યેયને પામ્યા હોતા નથી. એમનેય એ જોઇએ છે. ધ્યેય હોય તો પોતે ધ્યાતા થાય, પણ ધ્યેયનું સ્વરૂપ જાણવા માટે વચ્ચે ગુરુ જોઇએ. નરસિંહ મહેતાએ શું ગાયેલું ? 'જ્યહાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યહાં લગી સાધના સર્વ જૂઠી.' આત્મસ્વરૂપ પામવું, એ જ ધ્યેય ! 'તુંહી તુંહી'થી સંશય છે. મોટા મોટા ભગતો બધા આરોપિત જગ્યાએ છે, માટે આકુળતા-વ્યાકુળતા રહે; અને 'સ્વ'માં રહે તો સ્વસ્થતા હોય, આકુળતા-વ્યાકુળતા ના રહે, નિરાકુળતા રહે. ભગતો ખુશમય આવે તો ગેલમાં આવી જાય ને દુઃખમાં ડિપ્રેસ થઇ જાય. આ ભગતો જગતની દ્ષ્ટિએ ગાંડા કહેવાય, કયારે ગાંડું કાઢે એ કહેવાય નહીં. નરસિંહ મહેતાનાં મહેતાણી જવાનાં થયાં ત્યારે હરિજનવાસમાંથી ભજનો ગાવા માટે બોલવવા આવ્યા તો તે ગયા અને આખી રાત કીર્તન-ભક્તિ, ભજનો ગાયાં. એક જણ સવારે આવ્યો ને કહે, 'મહેતાણી ગયાં.' તો મહેતાએ ગાવા માંડ્યું, 'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.' પણ આ લૌકિક ના કરવું પડે ? કરવું જોઇએ, પણ આ તો ગાંડાં કાઢે. જ્યારે 'જ્ઞાની પુરુષ' વ્યવહારમાં કોઇ જગ્યાએ કાચા ના પડે, લૌકિકમાંય એક્ઝેક્ટ ડ્રામા કરે. ડ્રામામાં ક્યાંય ના ચૂકે તેનું નામ જ્ઞાની! જ્યાં, જે વખતે, જે ડ્રામા કરવાનો હોય તે 'અમે' સંપૂર્ણ અભિનય સહિત કરીએ. આ અમે કામ ઉપર જઇએ ત્યાં બધા કહે કે, 'શેઠ આવ્યા, શેઠ આવ્યા.' તે ત્યાં અમે શેઠનો ડ્રામા કરીએ. મોસાળમાં જઇએ તો ત્યાં બધા કહે કે, 'ભાણાભાઇ આવ્યા.' તે ત્યાં અમે ભાણાભાઇનો ડ્રામા કરીએ. ગાડીમાં અમને પૂછે કે, 'તમે કોણ ?' તો અમે કહીએ કે , 'પેસેન્જર છીએ.' અહીં સત્સંગમાં આવીએ ત્યારે 'જ્ઞાની પુરુષ'નો વેશ ભજવીએ અને જાનમાં જઇએ તો જાનૈયા થઇએ ને સ્મશાનમાં જઇએ તો ડાઘુ થઇએ. પછી એ ડ્રામામાં જરાય ફેરફાર ના હોય, એક્ઝેક્ટ અભિનય હોય. ડ્રામામાંય લોચા પડે એ જ્ઞાની ન્હોય. ગાડીમાં ટિકિટચેકર ટિકિટેય માગે, તો ત્યાં અમારાથી ઓછું કહેવાય કે, ''અમે 'જ્ઞાની પુરુષ' છીએ, 'દાદા ભગવાન' છીએ ?'' ત્યાં તો પેસેન્જર જ. અને જો ટિકિટ પડી ગઇ હોય તો ચેકરને કહેવું પડે કે, 'ભાઇ, ટિકિટ લીધી હતી પણ પડી ગઇ, તે તારે જે દંડ કરવાનો હોય તે કર.' ભગતો ધૂની હોય. ધૂની શબ્દ 'ધ્યાની' પરથી થયો. ધ્યાનીનું અપભ્રંશ થઇ ગયું તેધૂની થઇ ગયું ! એક જ બાજુ ધ્યાન તે ધ્યાની. એક ધ્યાનમાં પડી જાય એટલે ધૂન લાગી કહેવાય, તે ધૂની થઇ જાય. એક અવસ્થા ઉત્પન્ન થઇ પછી તેમાં ને તેમાં ભમ્યા કરે, તેને ધૂની કહે છે. ધૂની તો 'પોતાના સ્વરૂપ'માં થવા જેવું છે, તેથી ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એક થાય ! નિયાણું, માત્ર મોક્ષનું જ ! પ્રશ્નકર્તા : એ સમજણ તમે આપો. એ પોતાના આત્માનું ભાન કરવાની ઇચ્છા જાગૃત થઇ છે, એ માટે અહીં આવ્યા છીએ. દાદાશ્રી : એ જ્ઞાન મેળવવા ભવોભવ ઇચ્છા હોય છે, પણ એ માટે સાચું નિયાણું કર્યું નથી. જો સાચું નિયાણું કર્યું હોય ને તો બધી પુણ્યૈ આમાં જ વપરાઇ જાય ને એ વસ્તુ મળે જ. નિયાણાનો સ્વભાવ શું છે કે તમારી જેટલી પુણ્યૈ હોય તે નિયાણા ખાતે જ વપરાય. પણ તમારી કેટલીક પુણ્યૈ ઘરમાં વપરાઇ, દેહમાં વપરાઇ, મોટર-બંગલા, બૈરી-છોકરાંનાં સુખમાં વપરાઇ ગઇ છે. અમે માત્ર મોક્ષનું જ નિયાણું લઇને આવેલા તેથી બધું પાંસરું ચાલે છે. અમારે કંઇ અડચણ ના આવે. નિયાણાનો અર્થ શું કે એક જ ધ્યેય હોય કે આમ જ જોઇએ, બીજું કાંઇ નહીં ! નિયાણું તો મોક્ષે જવા માટે જ કરવા જેવું છે. ધ્યેય તો શુધ્ધાત્માનો ને નિયાણું એકલું મોક્ષનું. બસ, બીજું કંઇ ન હોવું ઘટે. હવે તો ભેટ માંડવાની (ભેખ લેવાની) છે, દ્ઢ નિશ્ચય રાખવાનો કે મોક્ષે જ જવું છે. એ એક જ નિયાણું કરવાનું એટલે લાંબા અવતાર ના થાય. એક-બે અવતારમાં છૂટી જવાય. આ સંસાર તો જંજાળ છે બધી ! પૈસા પ્રાપ્તિનો ધ્યેય રખાય ? મેં લોકોને કહ્યું કે, શું કરવા હારુ પૈસા પાછળ પડ્યા છો તે ? પૈસા હારુ ધ્યેય શાનો રાખો છો ? પૈસા તો પુણ્યને આધીન છે. ત્યારે કહે કે, 'અક્કલને આધીન નહીં ?' મેં કહ્યું કે, 'અક્કલવાળો તો તું ભૂલેશ્વરમાં જા, અરધાં ચપ્પલવાળા બધા બહુ ફરતા હોય. તને બધી જાતની સલાહ હઉ આપે, અક્કલવાળા તે સલાહ હઉ બધી આપે ! અક્કલ તો વટાવી ખાય બધી !' બેઅક્કલના જ પૈસા હોય, પુણ્યના જ પૈસા હોય. પ્રશ્નકર્તા : રૂપિયાથી પથારી ને જલેબી બન્ને મળે છે. દાદાશ્રી : હા, એ બધું ભગવાનથી નથી મળતું એટલે પછી આ લોકોને ભગવાન પર પ્રીતિ ઊઠી ગઈ છે. એને ખાતરી પણ નથી ભગવાન પર ! એટલે એ ભગવાનને ઓળખતોય નથી ! અને જે દેખાય છે, એના પર પ્રીતિ થઈ જાય છે. આ રૂપિયા પર આખા જગતનેય પ્રીતિ ખરી ને ? ધ્યેય ચૂકાયો ને પેઠી ભીખ ! આ ભીખ જતી નથી. માનની ભીખ, કીર્તિની ભીખ, વિષયની ભીખ, લક્ષ્મીની ભીખ..... ભીખ, ભીખ ને ભીખ ! ભીખ વગરના જોયેલા ખરા ? છેવટે દેરાં બંધાવાનીય ભીખ હોય, એટલે દેરાં બંધાવવામાં પડે ! કારણ કે કશો ધંધો ના જડે ત્યારે કીર્તિ માટે બધું કરે ! અરે, શેના હારું દેરાં બાંધો છો ? હિન્દુસ્તાનમાં ક્યાં દેરાં નથી ? પણ આ તો દેરાં બંધાવવા હારું પૈસા ભેગા કર કર કરે. ભગવાને કહ્યું હતું કે દેરાં બાંધનાર તો એના કર્મના ઉદય હશે તો બંધાવશે, તું શું કરવા આમાં પડે છે ? હિન્દુસ્તાનનો મનુષ્યધર્મ ફક્ત દેરાં બાંધવા માટે નથી. ફક્ત મોક્ષે જવા માટે જ હિન્દુસ્તાનમાં જન્મ છે. એક અવતારી થવાય, એ બાજુનો ધ્યેય રાખીને કામ કરજે તો પચાસ અવતારે, સો અવતારે કે પાંચસો અવતારેય પણ ઉકેલ આવી જાય. બીજો ધ્યેય છોડી દો. પછી પૈણજે-કરજે, છોકરાંનો બાપ થજે, ડૉક્ટર થજે, બંગલા બંધાવજે, એનો સવાલ નથી. પણ ધ્યેય એક જગ્યાએ જ રાખ, કે હિન્દુસ્તાનમાં જન્મ થયો છે તો મુક્તિને માટેનું સાધન કરી લેવું છે. આ એક ધ્યેય ઉપર આવી જાવ તો ઉકેલ આવે ! બાકી, કોઈ જાતની ભીખ નહીં હોવી જોઈએ. આમ ધર્માદા લખાવો, ફલાણું લખાવો, એવી અનુમોદનામાં હાથ ઘાલવો ના જોઈએ. કરવું, કરાવવું ને અનુમોદવું ત્યાં ના હોય. અમે તો સર્વ ભીખથી મુક્ત થઈ ગયેલા છીએ. દેરાં બાંધવાનીય ભીખ નથી. કારણ કે અમારે આ જગતમાં કોઈ ચીજ જોઈતી નથી. અમે માનના ભિખારી નથી, કીર્તિના ભિખારી નથી, લક્ષ્મીના ભિખારી નથી, સોનાના ભિખારી નથી, શિષ્યોના ભિખારી નથી. વિષયોના વિચાર ના આવે, લક્ષ્મીનો વિચાર ના આવે. વિચાર જ જ્યાં ઉત્પન્ન ના થાય, પછી ભીખ શેની રહે તે ? અને આ બધા મનુષ્ય માત્રને કીર્તિની ભીખ હોય, માનની ભીખ હોય. આપણે પૂછીએ, 'તમારામાં કેટલી ભીખ છે, એ તમને ખબર પડે ? તમને કોઈ પણ જાતની ભીખ ખરી ?' ત્યારે કહેશે, 'ના, ભીખ નહીં.' ઓહોહો ! હમણે અપમાન કરીએ તો ખબર પડી જાય કે માનની ભીખ છે કે નહીં તે ? વખતે સ્ત્રી સંબંધમાં બ્રહ્મચારી થયો હોય, લક્ષ્મી સંબંધીય ભીખ છોડી હોય, પણ આ બીજી બધી કીર્તિની ભીખો હોય. શિષ્યની ભીખ હોય, નામની ભીખ હોય, બધી પાર વગરની ભીખો હોય ! શિષ્યનીય ભીખ ! કહેશે, 'મારે શિષ્ય નથી.' ત્યારે શાસ્ત્રોએ શું કહેલું ? જે આવી પડે, ખોળ્યા વગર એની મેળે આવી પડે એ શિષ્ય ! હવે બદલાવો ધ્યેય ! અનંત અવતારથી આનું આ જ કરેલુંને ! અને આનાથી જ, લોભથી જ મારે શાંતિ રહે છે એવું એને મનમાં ફીટ થઈ ગયેલુંને ! હવે એ લોભેય કોઈ ફેરો માર ખવડાવે છે. તોય આનાથી શાંતિ રહે છે ને સુખ થાય છે. આત્મા થયો ત્યારે પછી પેલો લોભ છૂટતો જાય. અત્યાર સુધી છેલ્લું સ્ટેશન લોભ હતો, હવે છેલ્લું સ્ટેશન આત્મા આવ્યો એટલે એની મેળે પ્રવૃત્તિ બદલાતી જાય ! અપેક્ષા છોડી પ્રકૃતિ પ્રમાણે વહેવા દો ! પ્રશ્નકર્તા : હવે કોઈ વિચાર કરે કે નહીં, મારે તો આ જગતકલ્યાણ માટે જ જવું છે, જગતકલ્યાણ કરવું છે, તો મારે મા-બાપનું ક્યાં જોવાની જરૂર છે ? દાદાશ્રી : એવું છે ને, મારે ડૉક્ટર થવું છે એમ કહેને તો બાપ શું કહે ? 'ના, આપણી દુકાને જ બેસવાનું તારે.' ત્યારે પેલો કહે, 'મારે ડૉક્ટર થવું છે.' હવે એના કર્મના ઉદય ડૉક્ટર થવાના છે અને બાપ છે તો દુકાને બેસાડવા ફરે, અનાજ-કરીયાણાની. એ ત્યાં આગળ બાપે છોકરાને જોયા કરવું જોઈએ કે આનામાં શું શું ઇચ્છાઓ છે, જે ઇચ્છાઓ થશે ને, તે કર્મના ઉદય બોલે છે. 'કમીંગ ઇવેન્ટસ્ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.' તે બાપે સમજી લેવું જોઈએ. તે એને ના સમજવું જોઈએ ? એને ના સમજે તો ઊલટાં પઝલ ઊભાં થશે બધાં ! કર્મના ઉદય આગળ તો કોઈનું ચાલે નહીં, દશરથ રાજાની એવી ઇચ્છા ન્હોતી કે રામચંદ્રજી વનમાં જાય. આ વનવાસ જવાનો પ્રશ્ન ઊભો થયો, પણ છૂટકો જ નહોતો ને ! પ્રશ્નકર્તા : રામનો મા-બાપ પ્રત્યેનો પરમ વિનય ને ભક્તિ તે જુદી જ હતી. દાદાશ્રી : હા, પણ જુદી હતી તો ય પણ એમાં તો ચાલે જ નહીં ને ! પ્રશ્નકર્તા : છતાં એમાં મા-બાપને દુઃખ આપવાનો જરાય ભાવ નહોતો. દાદાશ્રી : અને બાપની ઇચ્છા ન્હોતી એવું દુઃખ કરવાની ! બધાં કર્મના ઉદયને આપણે 'એક્સેપ્ટ' કરવાં પડશે, 'કમીંગ ઇવેન્ટસ્ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.' એટલે એ ડૉક્ટર થવાનો હોય, તેને વિચાર આવ્યા કરતો હોય, આપણે પૂછીએ, વારે ઘડીએ એ જ વિચાર તને આવ્યા કરે, બીજા કોઈ નહીં ? અલ્યા, વકીલ થવું નથી ? ત્યારે કહે, 'ના, મારે ડૉક્ટર થવું છે.' એટલે આપણે જાણી જઈએ કે આ કૉઝ છે, ઇવેન્ટસ છે આ બધી. એટલે આપણે એને કરીયાણાની દુકાને બેસવાનું કહેવાનું બંધ કરવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે મા-બાપે છોકરાંને માટે સમજવું જોઈએ કે છોકરાંઓને કઈ લાઈન જોઈએ છે ? ડૉક્ટરની લેવી છે, એન્જીનીયરીંગની લેવી છે. એને સમજવાની કોશિશ કરવી જોઈએ ? દાદાશ્રી : ના, એનામાં શું છે તે, 'કમીંગ ઇવેન્ટસ કયા છે' એ જોવું જોઈએ અને નહીં તો કરીયાણાની દુકાને બેસાડી દે તો એમાં ભલીવાર ના આવે, ના આમાં ભલીવાર આવે ! જૈનોમાં કહે છે ને, છોકરી ૧૮ વર્ષની થાય, બહુ શ્રીમંત હોય, તે કહે છે, 'મને આ સંસાર ગમતો નથી. (મારે દીક્ષા જ લેવી છે)' એટલે એના મા-બાપ કહેશે કે 'બેન, એમાં તો બહુ દુઃખ પડે. એમાં તો મહાન ઉપાધિઓ,' આ તો બાપ કહેવાનું બધું કહી ચૂકે પણ દ્વેષપૂર્વક નહીં અને છોકરીને શી રીતે સુખ થાય અને એના કર્મના ઉદય છે, છૂટવાના નથી. આપણા પેલા ભાઈ છે, તેમની છોકરીને મારી પાસે બે-ત્રણ વખત તેડી લાવ્યા, દીક્ષા ના લે એટલા માટે. પણ છતાંય એ છોકરી કહે છે, 'મારે દીક્ષા જ લેવી છે, મેં દાદાનું જ્ઞાન લીધું ખરું, પણ મને તો દીક્ષા જ લેવી છે.' એટલે એમના કર્મના ઉદય એવા છે એટલે તે પ્રમાણે કર્યું અને કર્મના ઉદયની બહાર થવાનું જ નથી, એવું છે. પ્રશ્નકર્તા : નહીં પણ, સામાજિક જીવનની વાત જ્યારે આવે ને ત્યારે વર્તન તો એવું હોવું જોઈએ ને આપણું ? ભલે એ ધ્યેય, અલબત્ત જે જગતકલ્યાણનો ધ્યેય હોય કે જે ઊંચામાં ઊંચો ધ્યેય હોય. દાદાનો ધ્યેય બધા કરતાં ઊંચો છે, પણ છતાંય વર્તન કોઈ કહી શકે નહીં કે દાદાના વર્તનમાં કયાંય કિચિંત્માત્ર પણ કોઈ ભૂલ હોય. કોઈ પણ જીવને કિચિંત્માત્ર દુઃખ આપી શકે, એ દાદા નહીં ! દાદાશ્રી : વર્તન ઊંચું જોઈએ, ઊંચામાં ઊંચું જોઈએ. તેથી લખ્યું ને પેલું કે 'વાણી, વર્તન ને વિનય મનોહર હોય !' પ્રશ્નકર્તા : હા, પ્રેમથી જીતીને જે કંઈ કરવું હોય તે કરી શકાય ? દાદાશ્રી : હા, પ્રેમથી જીતીને. પ્રશ્નકર્તા : એને વિશ્વાસમાં લેવા પડે. એ નક્કી વાત છે કે મારે કંઈ નથી આ. મને સંસારનો ભાવ નથી, મને આ પ્રમાણે નથી રહેવું, મને પ્રેમથી રજા આપો ને મને આ પ્રમાણે કરવું છે, એમ તો કરવું જ જોઈએ ને ? દાદાશ્રી : ના, એ લઢીને કરે એનો અર્થ જ નહીં, કે જેનાથી મા-બાપના મનમાં દુઃખ થાય. એવું છેને, આંકડો તોડી નાખવો અને આંકડો છોડી નાખવો, એ બેમાં ફેર બહુ છે. એ આંકડો ના તોડાય. કોઈ પણ સંજોગોમાં આંકડો તોડાય નહીં. પ્રશ્નકર્તા : જો કે આ બધાનો ધ્યેય બહુ ઊંચામાં ઊંચો, બહુ ઊંચો ભોગ આપી દેવાનો છે. કુરબાની આપી દેવાની હોય, એટલો ઊંચો ધ્યેય છે. છતાંય આ એક ફરજ, કર્તવ્ય આવી જાય છે. દાદાશ્રી : હા, આંકડો આમ ખેંચીને તોડી નાખીએ, એ કંઈ રીત નથી સામાને અસર થઈ જાય. એટલે દુઃખ ના થાય, એટલું જોવું જોઈએ અને મા-બાપ તો છોકરાંને દુઃખી કરવાનો પ્રયત્ન કરે જ નહીં, કોઈ દહાડોય ! એ એમના હિતમાં જ હોય. અને મા-બાપે જોડે જોડે જોવું જોઈએ કે કમીંગ ઇવેન્ટસ્ કયા પ્રકારના છે, એ પણ ના જોવું જોઈએ ? આપણેય ઝૂડઝૂડ કરીએ, એમાં શું સ્વાદ કાઢવાનો ? ઝૂડઝૂડ કરે તો છોકરો બળવાખોર થઈ જાય. છોકરાને બળવાખોર બનાવવો એ ગુનો છે. બાકી, બાપા તો એવી છોકરી ખોળી લાવે કે એને દેખાડતાંની સાથે પેલો પૈણવાનું ના કહેતો હોય તોય પૈણી જાય. આ ભગવાં પહેરી પહેરીને જ સંસારી થાય છે પાછા. એક-બે-ચાર અવતાર ભગવાં ને પાછું આ સંસારમાં પેસે ! એટલે આમને બધાને અભ્યાસ જ છે અને આ છોકરાં એમનો અભ્યાસ જ બોલી રહ્યા છે. ધ્યેયમાંય ઊંધો ફરે અહંકાર ! પ્રશ્નકર્તા : આ અહંકાર, એ શી વસ્તુ છે ? દાદાશ્રી : અહંકાર એ કશી વસ્તુ નથી. કોઈએ કહ્યું કે 'તમે ચંદુભાઈ' ને તમેય માની લીધું કે 'હું ચંદુભાઈ', એ અહંકાર. પ્રશ્નકર્તા : પણ એ ઘવાય ત્યારે સારા-નરસાનું કશું જ ભાન ના રહે. દાદાશ્રી : હંમેશાં અહંકારને આંખો ના હોય; આંધળો હોય. પ્રશ્નકર્તા : એટલે એ બીજા બધા કરતાં અહંકાર ચડિયાતો ને ? દાદાશ્રી : હા, એ સરદાર છે. એની સરદારી નીચે તો આ બધું ચાલે છે ! પ્રશ્નકર્તા : તો તે વખતે 'એડજસ્ટમેન્ટ' શું લેવું ? દાદાશ્રી : 'એડજસ્ટમેન્ટ' શું લેવાનું ? 'આપણે' એને જોયા જ કરવાનું કે એ કેવો આંધળો છે ! એ 'એડજસ્ટમેન્ટ' લેવાનું. અહંકાર કોઈ વસ્તુ નથી. 'આપણે' જે માનીએ છીએ કે 'હું આ છું' એ બધોય અહંકાર અને 'હું શુધ્ધાત્મા છું' એટલો જ નિર્અહંકાર. 'હું પટેલ છું', 'હું પચાસ વર્ષનો છું', 'હું કલેક્ટર છું', 'હું વકીલ છું.' જે જે બોલ્યો તે બધો અહંકાર. પ્રશ્નકર્તા : સારું કરવા માટે જે પ્રેરે, એ પણ અહંકાર કહેવાય ? દાદાશ્રી : હા, એ પણ અહંકાર કહેવાય. ખોટું કરવા પ્રેરે તેય અહંકાર કહેવાય. એ સારામાંથી ખોટું ક્યારે કરશે, તેય કહેવાય નહીં. કારણ કે આંધળો છે ને ! તમે જેને દાન આપતા હો ને એ માણસ કશુંક એવો શબ્દ બોલી ગયો, તો તમે એને મારવા ફરી વળો ! કારણ કે એ અહંકાર છે. પ્રશ્નકર્તા : લશ્કરી માણસ હોય, એ એમ કહે કે હું હિન્દુસ્તાન માટે લઢું છું. તો એ અહંકાર ખરો ? દાદાશ્રી : હા, એ બધા અહંકાર ખરા. પણ એ છેવટે સરવાળામાં કશો લાભ ના કરે. થોડું પુણ્ય બંધાય. સારું કરનારો 'ક્યારે ખોટું કરશે' એ કહેવાય નહીં. આજે હિન્દુસ્તાન માટે લઢતો હોય ને કાલે એના કેપ્ટન જોડેય ઝઘડો કરે ! એનું કશું ઠેકાણું નહીં. અહંકાર તદ્દન નફ્ફટ વસ્તુ છે. ક્યારે ઊંધો ફરે તે કહેવાય નહીં. એ ધ્યેય વગરની વસ્તુ છે. અને જેટલા અહંકારથી ધ્યેય રાખતા હતા, એ બધા હિન્દુસ્તાનમાં પૂજાય છે. પ્રશ્નકર્તા : પણ આગળ વધવા માટે અહંકારની જરૂર તો ખરી ને ? દાદાશ્રી : એ અહંકાર તો એની મેળે હોય જ. અહંકાર આપણો રાખ્યો રહે નહીં. આવીને પેસી જ જાય. પ્રશ્નકર્તા : માનસશાસ્ત્રમાં એવું લખ્યું છે કે 'પર્સનાલિટી ડેવલપમેન્ટ' માટે થોડા-ઘણા અહંકારની જરૂર ખરી, એ ખરું છે ? દાદાશ્રી : એ તો કુદરતી હોય જ. 'ડેવલપમેન્ટ' માટે કુદરતનો નિયમ જ છે કે અહંકાર ઊભો થાય ને પોતે 'ડેવલપ' થયા કરે. એમ કરતું કરતું 'ડેવલપમેન્ટ' પૂરું થવાનું થાય, ત્યારે હિન્દુસ્તાનમાં આવે. ત્યાર પછી એ 'ડેવલપમેન્ટ'ની બહુ જરૂર રહી નહીં. મોક્ષનો માર્ગ મળી જાય, પછી આવા અહંકારના ગાંડાં કોણ કાઢે ? આ તો ગમે એટલો ડાહ્યો હશે, દાનેશ્વરી હશે, પણ ઘેર જાય એટલે ચિંતા-ઉપાધિઓ બહુ હોય જ ! આખો દહાડો અંતરદાહ ચાલુ જ હોય ! સંસારમાં નક્કી કરવા જેવો ધ્યેય ! અહીં તો છેતરાવા જેવી કશી વસ્તુ જ નથી, પણ છેતરાઈને આવે તોય બહુ ઉત્તમ ! પણ એને આની કિંમત શી આવશે, એની સમજણ જ નથીને ! છેતરાઈને આવવાની કિંમત આટલી બધી આવે એવું જાણે લોકો ? પ્રશ્નકર્તા : લોકો જાણે જ નહીંને ! દાદાશ્રી : પણ અમે તો નાનપણથી છેતરાવાની સિસ્ટમ રાખેલી. અમારા માજીએ (ઝવેરબાએ) શીખવાડેલી. એ પોતે પણ જાણીને છેતરાય ને બધાંને સંતોષ આપે. મને એ બહુ ગમેલું કે આ તો બધાંને સંતોષ આપે, બહુ સરસ આપે છે ! અને છેતરાઈને શુંયે મૂડી હતી તે જતી રહેવાની છે ? મૂડીમાં શી ખોટ જતી રહેવાની છે ? પ્રશ્નકર્તા : હજુ સમજીને છેતરાવાની હિંમત નથી આવતી. દાદાશ્રી : છેતરાવાની હિંમત ? અરે, મને તો જરાય વાર લાગે નહીં અને મને છેતરવા આવે એટલે હું સમજી જાઉં કે આ છેતરવા આવ્યો છે, માટે આપણે છેતરાઈ જાવ, ફરી આવો ઘરાક મળવાનો નથી. ફરી આવો ઘરાક ક્યાંથી મળે ને જો તારી હિંમત જ નથી ચાલતી ને ! પ્રશ્નકર્તા : આ વેપારમાં શું થાય છે કે આપણને ખબર છે, કે આ માલની માર્કેટ પ્રાઈસ આ છે. પેલો માણસ એક ટને હજાર રૂપિયા વધારે ચાર્જ કરે છે, તે એમ સમજીને એક હજાર રૂપિયા વધારે આપતાં હિંમત થાય નહીં, એટલે પછી પેલાને કહેવાઈ જાય કે, 'નહીં, આ પ્રાઈસ તો હોવી જ જોઈએ.' એની જોડે પહેલાં થોડુંઘણું બોલવું પડે. દાદાશ્રી : સમજીને આપવા એ એવું છે ને કે અમે જાણીજોઈને છેતરાઈએ છીએ એ તો અપવાદ છે અને અપવાદ એ કોઈક ફેરો જ હોય. બાકી, લોકો જાણીજોઈને છેતરાય છે તે તો શરમના માર્યા અગર તો બીજા અંદરના કોઈ કારણના માર્યા છેતરાય છે. બાકી, લોકોને જાણીજોઈને છેતરાવું એવો ધ્યેય ના હોય, જ્યારે અમારો તો ધ્યેય હતો એ કે જાણીજોઈને છેતરાવું. ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો ! પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઇ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઇ ગયું છે. દાદાશ્રી : શેરબજારની ખોટ કંઇ કરિયાણાની દુકાન કાઢ્યે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ના વળે. વ્યાવહારિક કાયદો કેવો છે ? શેરબજારની ખોટ થયેલી હોય તો તે કરિયાણા બજારથી ના વાળીશ. શેરબજારમાં જ વાળજે. મૂળ આ ગજું નહીં અને કામ કરવા ગયા, એટલે ખોટ ખાય અને પછી કરિયાણાની દુકાન કાઢીને ખોટ વાળે એવાં આ લોક. પહેલાં ત્રાજવે તોલી તોલીને આપે ને પછી ભેળસેળ કરીને આપે. પણ કહેશે, ખોટ વાળો. અલ્યા, આવું ના કરાય. નરી પાપ-હિંસા થઈ રહી છે. ત્યાં પાછો ફરી જા અને શેરબજારમાં દોસ્તી કરીને પછી લગાવ પાછો. મૂઆ, જે ગામની ખોટ હોય તે ગામમાં જ વાળીને આવીએ. આ હિસાબ મેં નાની ઉંમરમાં કાઢેલો કે અમુક બજારની ખોટ ગયેલી હોય તે અમુક બજારથી વાળવા જઈએ તો શું થાય ? એ ખોટ ના નીકળે. કેટલાક માણસો એટલા હલકા વિચારના હોય છે. ખોટ કોંટ્રાક્ટના ધંધામાં ગયેલી હોય અને પાનની દુકાનમાંથી ખોટ કાઢવા જાય. અલ્યા, ખોટ એમ ના નીકળે. કોંટ્રાક્ટના ધંધાની ખોટ કોંટ્રાક્ટથી નીકળે પણ એ પાનની દુકાન કરે, પણ એનાથી કશું વધે નહીં, ઊલટો લોક તારો ગલ્લોય લઈ જશે ને તારું તેલ કાઢી નાખશે. એના કરતાં પૈસા ના હોય, તોયે ત્યાં જઈને ઊભા રહેવાનું. તે દહાડે જરા સારું પેન્ટ પહેરીને જવાનું, કોઈની દોસ્તી થઈ તો કામ પાછું ચાલુ થઈ જાય અને એને દોસ્તી-બોસ્તી બધું મળી આવે. આપણે નક્કી કરવું કે ખોટું નથી કરવું, કાયમને માટે ખોટું નથી કરવું અને રૂપિયા, આના, પૈસા આપી દેવા છે, વહેલે-મોડે પણ આપી દેવા છે. આ જિંદગીમાં તો અવશ્ય આપી દેવા છે એવું નક્કી કરવું જોઈએ. એટલે નિયમ કેવો છે, જ્યાં જે બજારમાં ઘા પડ્યો હોયને તે બજારમાં જ ઘા રૂઝાય. એવું છે, જ્યાં ઘા થયો હોયને તે એરિયામાં જ એની રૂઝાવાની દવા હોય. આપણે જે ગુનો કરી આવ્યા એ ગુનાની જગ્યાએ હિસાબ પૂરો ના કરીએ તો બીજી જગ્યાએ ગુના ના કરાય, પણ આ તો બુધ્ધિ જ ફસાવે છે. ભગવાને મોક્ષે જવું હોય તો દ્રવ્યને ગણકાર્યું નથી. એટલે આપણે તો એક જ ભાવ રાખવો કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો અને બીજું એ કે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. કારણ કે લક્ષ્મી એ અગિયારમો પ્રાણ છે. મનુષ્યના દસ પ્રાણ છે. પછી લક્ષ્મીને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી. આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે થઈ જાય. મારે પાઇ એ પાઇ ચૂકવી દેવી છે. એ ધ્યેય નિરંતર રહેવો જોઈએ. પછી તમે ખેલ ખેલો તો વાંધો નથી. એ ધ્યેય લક્ષમાં રાખીને તમે ખેલ ખેલો પણ ખેલાડી ના થઈ જશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ. એટલે આ જગતના કંઈ 'લૉ' તો હશે જ ને ? દરેક ધંધા ઉદય-અસ્તવાળા છેને ! બધું ઉદય-અસ્તવાળું જ હોય. મચ્છરો ખૂબ હોય તોયે આખી રાત ઊંઘવા ના દે અને બે મચ્છર હોય તોયે આખી રાત ઊંઘવા ના દે. તો આપણે કહેવું કે 'હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવોને. આ નફા-ખોટ એ મચ્છરાં જ કહેવાય. મચ્છરાં તો આવ્યા જ કરે. આપણે એને ઉડાડ્યા કરવાનાં અને આપણે સૂઈ જવાનું. ધ્યેય પ્રમાણે ચાલે તે મનુષ્ય ! મન દરેકની પાસે હોય છે. ગાય, ભેંસ, બધાંની પાસે હોય છે. આપણું અનલિમિટેડ મન. ગાય-ભેંસો, કૂતરાં, બકરાં બધાનું લિમિટેડ માઈન્ડ હોય. એને 'મિકેનિકલ માઈન્ડ' કહેવાય. અને આપણું પણ મિકેનિકલ આખું માઈન્ડ છે. પણ માઈન્ડ પ્રમાણે આપણે જો ચાલીએ તો આપણે મિકેનિકલ કહેવાઈએ. ભેંસ, જાનવર જ કહેવાઈએ. અને પોતાના ધ્યેય પ્રમાણે ચાલે તો મનુષ્ય કહેવાય. વિચારો સામે જાગૃતિ ! પ્રશ્નકર્તા : વિચારો આવતા હોય અને ગમતા હોય તો ? દાદાશ્રી : એ એમને જો ગમતા હોય તેનો વાંધો નથી. પણ ગમતો હોય તો કોને ગમે છે ? રિયલને ગમે છે કે રિલેટિવને ગમે છે ? પ્રશ્નકર્તા : રિલેટિવને ગમે છે. દાદાશ્રી : એ રિલેટિવ માલ વધારે ભરેલો એટલે ગમે. માલ ઓછો ભરેલો હોય તો બહુ ના ગમે. એ માલ ઉપર આધાર રાખે છે. એના ધ્યેયને નુકસાન કરે એવું નથી. એમ કરીને તમારી જાગૃતિ તૂટી જાય છે કે આ મને થાય છે કે કોને થાય છે ? આપણે તો જાગૃતિ જોવા માગીએ છીએ કે બહુ વિચાર આવે, પણ તે ચંદુલાલના છે, તમારે લેવાદેવા નહીં. વધુ માલ છે, તે કોઠી ખાલી થતાં વાર લાગશે. કોઠી ખાલી થવાની હોય તે ટાંકી, એમાં ડામરવાળો વધારે માલ નીકળે તો ? ડામરવાળો માલ વધારે હોય તો વધારે નીકળે. અને કોઈએ સેન્ટ ભરેલું હોય તો તેય નીકળે. પણ છેવટે બેય નીકળી જ જવાનું છે ને ! નીકળ્યા પછી બધું સરખું જ ને ? પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : કે એમાં ફેરફાર હોય ? પ્રશ્નકર્તા : સરખું. દાદાશ્રી : હંઅ... સેન્ટવાળાનું જરા નાકને સારું લાગે અને પેલું નાકને ના ગમે. પણ તેય છે તે નાકનું ને, તેય ચંદુલાલનું ને તમારું નહીં ને ! આ સમજી ગયા ને ! વિચાર આવ્યો કે આજ બજારમાં નથી જવું. તો એય જ્ઞેય વસ્તુ છે. એમાં આપણે કશું લેવાદેવા નથી. મને એમ કેમ વિચાર આવે છે ? એવું ના હોય હવે આપણને. કારણ કે આપણે એના માલિક જ નથી, હતાય નહીં અને આ જેમ છે તેમ જાણી ગયા. પછી હવે છૂટા થઈ ગયા. આપણે તો સારા આવે છે કે ખોટા આવે છે, બેઉ વોસરાવી દીધું. આપણે ને એને લેવાદેવા નહીં. વિચાર તો શું ના આવે ? જરાક તબિયત નરમ થઈ ત્યારે કહેશે, મરી જવાશે કે શું ? એય વિચાર આવે, આવે કે ના આવે ? એ બધા વોસરાવી દેવાનાં. બાકી આ મનમાં ના ફસાયા તો કામ થઈ જશે. મન તો જ્ઞેય વસ્તુ છે. કોઈ ફેરો બહુ જબરજસ્ત વિચાર આવે, તો આમ વંટોળો આવે. એમાં તમારો નંબર લાગે ? પ્રશ્નકર્તા : પણ ત્યાં સુધી તરત જ કહી દઈએ કે મારું ન્હોય. દાદાશ્રી : હા, હિંમત જોઈએ. યે મેરા નહીં યે પુદગલ કા ને ચિંતા-બિંતા કશું ના થાય. અહીં બેઠા મોક્ષ ! જુઓ તો ખરા !! ધ્યેયે પહોંચવાની દ્ઢતા... પોતાનો મત જ ના રાખવો. સત્સંગમાં બધા કરે એમ કરવું. નહીં તો સ્વચ્છંદ કહેવાય. તે મને પૂછતા હોય તોય સારું કે, 'મારે શું કરવું, આવું થાય તો ?' તો હું સમજણ પાડું કે આમ કરજો. મનને કહેવું કે 'આવું નહીં ચાલે. આ અમારે તો ધ્યેયે પહોંચવું છે. તમે અત્યાર સુધી ગાંડાં કાઢેલાં, હવે નહીં ચાલે.' અપાર સુખના માલિક થવું છે, આ ધ્યેય છે ને ! તારે ધ્યેયે પહોંચવાની ઇચ્છા ખરી કે ? ધ્યેયે પહોંચવું હોય તો ફેરફાર કરજો બધું, તો ધ્યેયે પહોંચાશે. નહીં તો નહીં પહોંચાય. જ્ઞાનથી મન ઠેકાણે બેસે ! જ્ઞાન ઉત્પન્ન થાય તો મન ઠેકાણે રહે, નહીં તો એમ તો મન માને કે ? પ્રશ્નકર્તા : ના માને જરાય. દાદાશ્રી : નહીં તો ઉછાળીને ફેંકી દે. તારે માને છે મન ? પ્રશ્નકર્તા : હવે સીધું થઈ ગયું છે. મનથી છૂટા રહેતા હોય, તો આ વિચાર જ ના આવે ને ? દાદાશ્રી : ના આવે એવું ના હોય. આવે, વિચાર તો ગમે ત્યારે આવે. પ્રશ્નકર્તા : છૂટા રહેતા હોય તો પણ આવે ? દાદાશ્રી : તદ્દન છૂટા, બિલકુલ છૂટા હોય તોય આવે. એ તો ભરેલો માલ છે. ઇફેક્ટિવ છે એ. ઇફેક્ટ આપ્યા વગર રહે નહીં. રાત્રે ઊંઘ આવતી હોય ને, તો જરાક ચૂંટી ખણીને બેસીને જાગૃતિ રાખજો કે બેસને બા. આ બહુ દહાડા ઊંઘ્યો છે તે ? અને તે ના માને એવું નથી, માની જાય. મન જોડે બીજો ઝઘડો નહીં ને આપણને ? પછી એને ત્યાગ કરાવતા નથી, કશું તોફાન નથી કરાવતા. નહીં તો બહુ ત્યાગ કરાવ્યો હોય ને ત્યારે ચિઢાયેલું હોય. હા, બહુ ચિઢાયેલું હોય, આપણા બોલતા પહેલા બચકું ભરી લે. તે ચૂંટી ખણીએ ને તે ઘડીએ બચકું ભરી લે. કારણ કે ચિઢાયેલું મન તે શું થાય ? આ તો જરાય ચિઢાયેલું નથી, ઉશ્કેરાટ છે જ નહીં મનમાં. અને ઉશ્કેરેલું કૂતરું કેવું હોય ? બચકું ભરી લે, તે મન પણ એવું જ છે, બળ્યું. એને 'આ ત્યાગ થાય, આ ત્યાગ થાય,' તે કંટાળી જાય પછી. મન કંઈ ખોટું નથી. મનને કરવાનું શું છે એ આપણે જાણવાની જરૂર છે. મન તો તમારે એક ધ્યેય નક્કી કરવો જોઈએ કે 'મારે જવું છે !' મન સાચા રસ્તા પર હોય તો મનના કહ્યા પ્રમાણે ચાલવું. અને મન ઊંધે રસ્તે લઈ જતું હોય પછી આપણે એને મારી ઠોકીને આપણા ધ્યેય તરફ લઈ જવાનું. ક્યાં જવું એ આપણે જોવાનું છે. આપણે શું ધ્યેય છે એ નક્કી કરવું જોઈએ. મન નાવડું, વાળો ધ્યેય પ્રમાણે ! મનની તો બહુ જરૂર છે. મન છે તો આ સંસાર છે ને ત્યાંથી જ મોક્ષે જવાય છે. મન સંસારમાં રાખે છે, જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી અને તમારી જરૂરિયાત બંધ થઈ જાય, એટલે તમને મોક્ષે પણ એ લઈ જાય છે. એટલે સંસાર સાગરમાં નાવડારૂપે છે એ. તે જ્યારે તમને મોક્ષે જવું હશે ને ત્યારે કિનારા પર પહોંચાડે. કિનારે આવ્યા પછી એને છોડી દેવાનું, અલવિદા આપી દેવાની. ઉતર્યા પછી કહીએ કે જય સચ્ચિદાનંદ. તું ને હું જુદા. એટલે મનનો વિરોધ કરવાનો નથી. મન તો બહુ સારામાં સારી વસ્તુ છે. મન એના ધર્મમાં જ છે, ગુણધર્મમાં જ છે. મન એનો ધર્મ બજાવે છે, એને બિચારાને શું કરવા માર માર કરો છો ? એ તો મોક્ષેયે લઈ જનારું નાવડું છે અને અધોગતિમાંય લઈ જનારું નાવડું છે. સંસારમાં રઝળપાટેય કરાવનારું છે. તમને નાવડું હાંકતા આવડવું જોઈએ. મોક્ષે જવામાં એ નાવડું ક્યારે હેલ્પ કરે ? ત્યારે કહે, મોક્ષદાતા પુરુષ મળે તો. મોક્ષનું દાન આપે એવા મોક્ષદાતા પુરુષને તમે ખોળો તો આ નાવડું એ બાજુ ચાલ્યા કરે. ત્યાં સુધી ચાલે નહી.ં કારણ કે એમાં હોકાયંત્ર નથી મૂકેલું. એટલે દિશામૂઢ થયેલું છે. તેથી બિલકુલ કિનારો જડે નહીં. એટલે મનને કાઢવા ના ફરીશ. તારે નક્કી કરવું જોઈએ કે ક્યાં જવું છે. અને હોકાયંત્ર લાવીને મૂકવું જોઈએ. હા, નોર્થ બતાવે એવું એક હોકાયંત્ર મૂકવું જોઈએ. તે એક બાજુ આકાશમાં તારો જોવાનો અને હોકાયંત્ર જોવાનું, તો પછી પહોંચાશે. હોકાયંત્ર મૂક્યું છે નાવડામાં ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી આવું, હોકાયંત્ર વગર નાવડાં ચલાવો છો, સંસાર સમુદ્રમાં ? હોકાયંત્ર ના મૂકવું પડે ? ઉત્તર દિશા બતાવે એવું સાધન મૂકવું પડે કે ના મૂકવું પડે ? આ મન નથી પજવતું. અમથા શું કરવા હેરાન થાવ છો ? આ મનને શું કરવા ખોટો દંડ કરો છો ? બધા લોકો મનને હેરાન હેરાન કર કર કર્યા કરે છે. મન એવું નથી. જો, તમારું મન કેવું હતું ? વાંધાવાળું હતું ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો છે અત્યારે વાંધાવાળું ? કેટલું બધું તોફાની મન હતું ? મન તો જરૂરિયાતની વસ્તુ છે. મનની શક્તિને વાળવાની જરૂર છે. આ શક્તિ જે ઊંધે રસ્તે ચાલી રહી છે એ મનને આ બાજુ વાળો તો એટલી જ સ્પીડથી એ બાજુ જશે પાછી. અમે તમારા મનને વાળી આપીએ. તમારો ધ્રુવકાંટો કેવો હોય ? લોકસંજ્ઞા હોય. ધ્રુવકાંટો જેમ આ સ્ટીમરમાં હોય છે, તે ઉત્તર તરફનો હોય છે ને ? એવો તમારો ધ્રુવકાંટો લોકસંજ્ઞા હોય. લોકો જેમાં સુખ માને છે એમાં તમેય સુખ માનતા હોય. અને જ્ઞાનીની સંજ્ઞાએ જો ધ્રુવકાંટો ફર્યો કે થઈ ગયું. ખલાસ થઈ ગયું. એટલે અમે તમને દ્ષ્ટિફેર કરી આપીએ. પ્રશ્નકર્તા : ધ્યેય આપણો નક્કી થવો જોઈએ. દાદાશ્રી : હા, બસ. તે મનની જરૂર છે. મન હોય તો જ મોક્ષ થાય. મન તો એક મછવો છે. એને ભાંગી નાખવાની જરૂર નથી. મનને યોગ દ્વારા જેણે જેણે ફ્રેક્ચર કર્યું, તે મોક્ષે જઈ શકે નહીં. મન એ તો મોક્ષનું સાધન છે. મનને તો ખીલવા દેવું જોઈએ. એટલે મનને તો ઠેઠ સુધી રહેવા દેવાનું. ગમે એવું હેરાન કરતું હોય તોય મન જોડે રહેવાનું. કારણ કે આ દ્ષ્ટિ ફેર કરી આપ્યા પછી તમારે હવે મનની જરૂર ના રહી. હવે કિનારે ઉતર્યા પછી, નાવડાનું તમારે જે કરવું હોય તે કરજો, પાછું કાઢી મેલજો. પ્રશ્નકર્તા : અમારે કિનારો તો ક્યારે આવે ? કિનારો તો છેલ્લે આવે, તો એ મન તો છેવટ સુધી હોય ને ? દાદાશ્રી : હા, પણ તમારે આ જ્ઞાન લીધા પછી કિનારો આવી ગયો ને ! એટલે તમારે જોયા કરવાનું કે આ નાવડું શું શું કરી રહ્યું છે તે. આપણે તો કિનારો આવી ગયો. કિનારા પર ચઢ્યા હઉ. હવે નાવડાને ભાંગીને શું કામ છે ? આમાં ને આમાં અથડાયા કરતું હોય, આમ ફર્યા કરતું હોય, તે છો ને ફર્યા કરે ! એવું છે ને, આ જ્ઞાન થયા પછી મન હેરાન કરતું નથી. એ તો જીવતું મન બહુ હેરાન કરી રહ્યું છે. આ તો મડદાલ મન છે, ડિસ્ચાર્જ મન છે. નિર્જીવ થઈ ગયેલું છે. પેલું જીવંત હતું તે બહુ દુઃખ દે છે. એટલે આ ઇફેક્ટિવ જ્ઞાન છે એવું તમને આજ હંડ્રેડ પરસન્ટ (સો ટકા) માલમ પડ્યું ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હંડ્રેડ પરસન્ટ માલમ થયું, નહીં ? અત્યારે એમ લાગે કે આ કિનારે ફેંકાઈ જાય, ફેંકી દે તો શું કરીશું ? પણ ગમે તે કિનારે ફેંક્યા હશે ને, ફેંકાયા પછી જોશો તો તમને લાગશે કે આ તો બહુ સારું થઈ ગયું, પહેલાં કરતાં. મનને લોકો ફ્રેક્ચર કર કર કરે છે. શું કામ માર માર કરે છે વગર કામનાં ? વાંક કોનો છે ? પાડાનો, ને પખાલીને શું કામ ડામ દે દે કરે છે બિચારાને ? કેટલી બધી જોખમદારી આવે છે ! આ બધી ભૂલો કરે છે ને, તેની જોખમદારી આવે છે. જ્ઞાન પ્રમાણે સંજોગ ભેગા ! પ્રશ્નકર્તા : સિનેમા જોવા જવું હોય તો જલદી જતા રહેવાય પણ અહીં સત્સંગમાં આવવું હોય તો જલદી ન અવાય. દાદાશ્રી : એનું શું કારણ ? પ્રશ્નકર્તા : એમાં નિર્માણ થયું હશે એવું ? દાદાશ્રી : સિનેમામાં મન સહકાર આપે. એટલે એ ગમે પછી એ સ્લીપ થાય છે, તે નીચે અધોગતિમાં જાય છે. હેલ્પ કરે નહીંને તો પણ એમ ને એમ જ સ્લીપ થયા કરે. પેલું ચઢવામાં મહેનત, ધ્યેયપૂર્વક જવામાં મહેનત કરવી પડે. આ નીચે જવામાં સ્લીપ થયા કરે. ઉતરવાનુંય નહીં, સ્લીપ જ થાય, એની મેળે જ સ્લીપ થાય. તમને કોઈ દિવસ સ્લીપ કર્યું નહીં હોય, કરેલું કે ? પ્રશ્નકર્તા : સંજોગોને આધીન ના અવાયું, એવું બને ને ! દાદાશ્રી : પણ એ સંજોગો કોને આધીન છે ? તમે કહીને છૂટી ગયા કે સંજોગોને આધીન અવાયું નહીં. વાતે ય સાચી છે, સો ટકા સાચી છે પણ સંજોગ કોને આધીન છે ? પ્રશ્નકર્તા : આપણા કર્મને આધીન છે. દાદાશ્રી : તો કર્મ કોને આધીન ? પ્રશ્નકર્તા : આપ સમજાવો, મને ખ્યાલ નથી આવતો. દાદાશ્રી : એવું છે ને, આપણે અત્યારે જે છીએ ને, તે વસ્તુમાં આપણે ખરેખર શું છીએ ? આ નામરૂપ નથી આપણે, વ્યવહારરૂપ નથી આપણે. તો ખરેખર શું છીએ આપણે ? ત્યારે કહે છે, જેટલું આપણું જ્ઞાન અને જેટલું આપણું અજ્ઞાન એટલા, એ જ આપણે. જ્ઞાન હોય એ પ્રમાણે સંજોગો બાઝે. અજ્ઞાન હોય તો તે પ્રમાણે સંજોગો બાઝે. જ્ઞાન-અજ્ઞાનના પ્રમાણે સંજોગો બાઝે છે. પ્રશ્નકર્તા : અને એ જ્ઞાન-અજ્ઞાન પ્રમાણે કર્મ થાય ? દાદાશ્રી : હા, તે પ્રમાણે કર્મ થાય ને તેના હિસાબે આ બધા સંજોગ બાઝે. ઊંચો માણસ તે ઊંચી જાતનાં કર્મ બાંધે, એને જ્ઞાન ઊંચું એટલે. હલકો માણસ નીચી જાતના કર્મ બાંધે. એટલે જ્ઞાન અને અજ્ઞાનના હિસાબે એ બાંધે છે. ત્યારે કહે છે, એ એમના હાથમાં છે ? ત્યારે કહે, ના, એે પોતે જ છે એ. આ નામ એ પોતે નથી, અહંકાર એ પોતે નથી, 'આ' પોતે છે. પ્રશ્નકર્તા : 'આ પોતે છે' એટલે શું દાદા ? દાદાશ્રી : જ્ઞાન કે અજ્ઞાન, તે જ પોતે. એ જ એનું ઉપાદાન. પણ એ સમજણ ના પડે એટલે એના પ્રતિનિધિ એટલે અહંકારનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ બહુ ઊંડી વાત છે. સંતોય જાણતા નથી. ક્રમિક માર્ગના જ્ઞાનીઓય જાણતા નથી. પ્રશ્નકર્તા : હા, એ જરા જલદી સમજાય એવું નથી. દાદાશ્રી : ના સમજાય. પ્રશ્નકર્તા : અત્યાર સુધી આપણે એમ કહીએ છીએ કે અહંકાર કરે છે એ. દાદાશ્રી : આ તો ભઈ આવ્યા તેથી વાત નીકળી, નહીં તો નીકળે નહીં ને આવી ઝીણી વાત. વાત તો મેં કહી દીધી. વાત સમજવા જેવી છે, ઝીણી છે. એટલે આ જ્ઞાન-અજ્ઞાનને લઈને કર્મ થાય છે. એ ઉપાદાન અને એ અહંકાર જે કહો તે એ, એ પોતે જ. પણ આમ ખરેખર અહંકાર જુદો પડે છે. અહંકાર જુદો દેખાય અને આ તો જ્ઞાન અને અજ્ઞાન, પ્રકાશ ને અંધારું, તેના આધારે જ એ કરે છે. પ્રશ્નકર્તા : હા, પણ જ્ઞાન હોય, અજ્ઞાન હોય અને અહંકાર ના હોય તો પછી શું થાય ? તો કર્મ થાય જ નહીં ને ? દાદાશ્રી : અહંકાર હોય જ. જ્યાં જ્ઞાન ને અજ્ઞાન બે ભેગું હોય ત્યાં અહંકાર હોય જ. પ્રશ્નકર્તા : અજ્ઞાન હોય એટલે અહંકાર હોય ? દાદાશ્રી : હોય જ. જ્યારે અજ્ઞાન જતું રહે ત્યારે અહંકાર જતો રહે. ત્યાં સુધી જ્ઞાન ને અજ્ઞાન જોડે રહેવાનું. એને ક્ષયોપક્ષમ કહેવામાં આવે છે. પ્રશ્નકર્તા : તો જ્ઞાન મળ્યા પછી જે પુરુષ થાય છે તો પુરુષ કયો ભાગ કહેવાય ? દાદાશ્રી : જ્ઞાન એ જ પુરુષ, એમાં વળી ભાગ કેવો ? અજ્ઞાન એ છે તે પ્રકૃતિ. જ્ઞાન-અજ્ઞાનનું ભેગું સ્વરૂપ એ પ્રકૃતિ. જ્ઞાન એ જ પુરુષ, એ જ પરમાત્મા. જ્ઞાન એ જ આત્મા છે. જે જ્ઞાન, વિજ્ઞાનસ્વરૂપનું હોય એ આત્મા છે, એ જ પરમાત્મા છે. અણસમજણથી જ્ઞાનીના અંતરાય ભારે ! આ શાકભાજી સવારના લેવા જાય છે, તો કોઈને સડેલી, કોઈને તાજી મળી જાય છે ને ! કારણ કે શાકભાજીના અંતરાય ના હોય. હમણે ઘઉં લેવા ગયો હોય તો અંતરાયવાળું હોય અને હીરા ને એ બધું લેવાં જવું હોય તોય લેવા શી રીતે જાય ? રૂપિયા હાથમાં આવ્યા સિવાય લેવા શી રીતે જાય ? નર્યા પાર વગરના અંતરાય. એવું છે ને, આ વસ્તુમાં અંતરાય બહુ હોય. આ તો અહીં દસ જણ આવે તો બહુ થઈ ગયું કહેવાય. આ અંતરાય બધા બહુ પાર વગરના અંતરાય હોય. અહીં તો આ તો ઊંચામાં ઊંચી વસ્તુ, અહીં આગળ બધાનું એવું પુણ્ય ક્યાંથી હોય ? હમણે શાકભાજી માટે ટોળેટોળાં હોય માર્કેટમાં, ટોળેટોળાં નથી હોતાં ? અને ઝવેરીની દુકાને કેટલા હોય ? પ્રશ્નકર્તા : ઓછા. દાદાશ્રી : અંતરાયકર્મ હોય બહુ. હિન્દુસ્તાનમાં અબજોપતિ કેટલા ? અને ગરીબો ? નર્યું ગરીબ જ છે ને ! એવી રીતે 'આ' વસ્તુ બધા માટે ના હોય. આપણે કહી છૂટીએ એટલું જ. આપણે આપણી ભાવના દર્શાવવી જોવી કે ભઈ, આવું છે. આ પ્રાપ્ત થવામાં એટલા બધા અંતરાય હોય છે, બહુ અંતરાય હોય, જબરજસ્ત! માણસને આ અંતરાય તૂટે નહીં. માણસોના લક્ષ્મીના અંતરાય તૂટે, લાભાંતરાય તૂટે, દાનાંતરાય તૂટે પણ આ જ્ઞાનાંતરાય અને દર્શનાંતરાય ના તૂટે. બે અંતરાય તૂટવા બહુ મુશ્કેલ. તેથી તો એ અહીં આવે નહીંને ! આવે તો મેળ પડે ને ? અને જે સાચા હશે તે પામી જવાના છે. જે સાચા ગ્રાહકો છે, એ તો ગમે ત્યાંથી આવીને ઊભા રહેશે. જ્ઞાન પામવામાંય અંતરાય ! પેલો ભાઈ છે તે અહીંયાથી પગથિયાં ઉતરી જતો'રહ્યો, એનું શું કારણ ? હું બધાને કહુંય ખરો કે પેલો ભઈ પગથિયાં ચઢે છે અહીં આવવા માટે. પંપ મારી મારીને ચઢ્યો હોય પણ હમણે ઉતરી જશે, એમેય કહું. મુક્તિનો માર્ગ આવો કો'ક વખત નીકળે, ત્યારે અંતરાય હોય જાત જાતના. આ જે બને છે એ બધું કરેક્ટ જ છે. જુઓને, ભાઈ ઊઠીને ગયા. રોકડું આપવાનું કહ્યું તોય ઊઠીને ગયા અને એ કરેક્ટ છે ને પણ ! ઈનકરેક્ટ નથી ને ! અમને તરત જ સમજાઈ જાય કે આ કરેક્ટનેસ આવી. આ ભાઇને પોતાના અંતરાયકર્મ ઊભાં થયાં. મને પહેલાં તો એમ લાગ્યું કે, આ અંતરાયકર્મ ક્યાં આવ્યું ? એટલે એ બેઠા હોય ત્યાં સુધી તો આપણે જ્ઞાન અપાય નહીં ને ? એ કહે કે મારે આમ આવું જોઈએ છે, છૂટવું છે તો અપાય. બંધાવાના કામીને મોક્ષનું જ્ઞાન ના અપાય ને ! પ્રશ્નકર્તા : સમર્પિત ભાવ આવવો જોઈએ ને ! દાદાશ્રી : એટલે આનું નામ અંતરાયકર્મ. આ જ્ઞાની પુરુષનો ભેટો ના થાય. જેને કોટિ જન્મોની પુણ્યૈ જાગે રે, ત્યારે દાદાનાં દર્શન થાય. હવે બોલો, તૈયાર મોક્ષનો કોળિયો, ચેતવેય બધા. પેલા કોળિયા તો મળશે ફરીવાર કે ન મળશે, પણ આ મોક્ષનો કોળિયો, ફરી જ્ઞાની પુરુષ ના દેખાય ! પ્રશ્નકર્તા : અનંત અવતારે નથી મળતા ! દાદાશ્રી : એ તો હજારો વર્ષે, લાખો વર્ષે અક્રમ જ્ઞાન તો હોતું જ નથી ! જે દ્ઢ વિશ્વાસી છે, એને અમારો અક્ષર કહ્યો તે પ્રમાણે મહીં થઈ જાય તૈયાર. અને તમે કહો કે, 'આ દાદા તો રોજ કહે છે જ ને, આવું ને આવું જ કહે છે. અને ઘરના દાદાને ?' તો ખોટ ખાય. કેટલાકને પરોક્ષના અંતરાય તૂટ્યા હોય છે ને કેટલાકને પ્રત્યક્ષના અંતરાય તૂટ્યા હોય. પરોક્ષના અંતરાય તૂટેલા હોય, તેને પ્રત્યક્ષના અંતરાય જ હોય કાયમને માટે, એટલે પરોક્ષ જ મળે. પ્રત્યક્ષના અંતરાય તો બહુ મોટા પડેલા હોય. તે મેં જોયું, મોટા મોટા અંતરાયો પડેલા છે. મહેનત એની નકામી જાય, આપણી મહેનત નકામી જાય. તમે કાગળ લખી લખીને થાકો. પ્રશ્નકર્તા : આપને મળવામાં પણ આટલો બધો વચ્ચે અંતરાય કેમ આવ્યો ? કારણ કે હું તો ઘણાં વખતથી આપને જાણું છું. દાદાશ્રી : દરેકને અંતરાય હોય. જાણકારને અંતરાય હોય. અજાણ્યાને અંતરાય ના હોય. 'આવા છે, તેવા છે' એક ફેરો બોલોને, કે તરત અંતરાય પડે પાછા. કો'કના કહેવાથી બોલીએ તોય અંતરાય પડે. એમને ને અમારે જાણકારી નહીં એટલે અંતરાય જ નહીં ને ! તે છે કશી ભાંજગડ ? સાચી વાત હોય કે નાય હોય, પણ પાંચ ટીકા કરનારા હોય ત્યાં પોતેય ટીકા કરવા લાગે. એમ નહીં કે એક ધ્યેય, નિયમ. એ કંઈ નહીં. આમેય હેંડે ને આમેય હેંડે ! એટલે પછી એ બધા અંતરાયો પાર વગરના પડ્યા હોય. જેને નિશ્ચય છે ત્યાં અંતરાય તૂટી જાય. એ તૂટ્યા ઘણે દહાડે. એક માણસ તો મને કહે કે છ વરસથી મળવું છે પણ આજ ભેગા થયા છો. ત્યારે કેટલા અંતરાયો ! બોલો ? અને ફોરેનવાળા એક જ ફેરે યાદ કરે ને ભેગા થાય. અંતરાય નહીં ને દોઢ ડહાપણ નહીં ને ! વાઈઝની કિંમત કે ઓવરવાઈઝની ? પ્રશ્નકર્તા : વાઈઝની કિંમત વધારે. ઓવરવાઈઝ તો બગાડે પોતાનું ! જે દિવસે જ્ઞાન આપ્યું ને, તે દિવસે પ્રત્યક્ષ જ્ઞાની મળ્યા એવું મને થયું. દાદાશ્રી : પ્રત્યક્ષ જ્ઞાની, પણ ભગવાન મળ્યા. પ્રત્યક્ષ પરમાત્મા જ મળ્યા. જેને કૃપાળુદેવે કહ્યું છે ને, દેહધારીરૂપે પરમાત્મા. લક્ષ તો ખપે મોક્ષનું જ ! કંઈ પૂછવું હોય તો પૂછજો બધું, હં. બધું પૂછાય. મોક્ષે જવું છેને ? તો મોક્ષમાં જવાય એવું બધું પૂછાય, પૂછવું હોય તો ! મનનું સમાધાન થાય તો મોક્ષે જવાય ને ! નહીં તો શી રીતે મોક્ષે જવાય ? ભગવાનના શાસ્ત્રો તો બધા છે, પણ શાસ્ત્રની ગેડ બેસવી જોઈએ ને ? એ અનુભવી જ્ઞાની પુરુષના સિવાય ગેડ બેસે જ નહીં અને ઊલટો ઊંધે માર્ગે ચાલ્યો જાય. પ્રશ્નકર્તા : નવકારમંત્રના જાપ કયા લક્ષથી કરવાના ? દાદાશ્રી : એ તો મોક્ષના લક્ષથી જ. બીજું કોઈ લક્ષ, હેતુ ના હોવો જોઈએ. 'મારા મોક્ષ માટે કરું છું' એવા મોક્ષના હેતુ માટે કરોને તો બધું મળે. અને સુખના હેતુ માટે કરો તો સુખ એકલું મળે, મોક્ષ ના મળે. નવકારમંત્ર તો મદદકર્તા છે, મોક્ષે જતાં. અને નવકારમંત્ર વ્યવહારથી છે, કંઈ નિશ્ચયથી નથી. એ નવકાર મંત્રને શાથી ભજવાનો ? આ પાંચ પરમેષ્ટિ ભગવંતો જ મોક્ષનું સાધન છે. આ જ તારો ધ્યેય રાખજે. આ લોકોની પાસે ભજના કરજે. આ લોકોની પાસે બેસી રહેજે અને મરું તોય અહીં મરજે. હા, બીજી જગ્યાએ ના મરીશ. માથે પડે તો આમને માથે પડજે. આ અક્કરમીઓને માથે પડીએ, તો શું નું શું થાય ? અને આ પાંચેપાંચ સર્વશ્રેષ્ઠ પદ છે. 'નમો સિધ્ધાણં', ભજવું ધ્યેય સ્વરૂપે ! પ્રશ્નકર્તા : આપ કહો છો ને, ઉપર કોઈ બાપોય નથી, પણ ઉપર સિધ્ધલોક તો ખરો ને ? દાદાશ્રી : એ તો સિધ્ધલોક છે, સિધ્ધક્ષેત્ર છે, અને એ તો જે મોક્ષે ગયેલા હોય ને, એટલે પરવારી ગયેલા, એ આપણું સાંભળેય નહીં અને કોઈનું કશું બોલેય નહીં, કોઈને માટે લાગણીય નહીં ને કશુંય નહીં. એ તો એમનાં સુખમાં મસ્ત ! એ આપણને કશું કામ લાગે નહીં. એ આપણા ધ્યેય તરીકે છે. 'નમો સિધ્ધાણં' કહ્યું તે ફક્ત ધ્યેય તરીકે છે કે 'ભઈ, અમારે આ દશા જોઈએ છે !' પ્રશ્નકર્તા : આપણે કહીએ કે 'નમો સિધ્ધાણં', તો એ નમસ્કાર એમને પહોંચે ખરા ? દાદાશ્રી : એમને નહીં પહોંચે, તોય આપણી મહીં સિધ્ધ બેઠા છે તેને તો પહોંચ્યું ! મહીં જે બેઠા છે ને, તે આત્મા સિધ્ધ જ છે ને ! આપણે તો કામ સાથે કામ છે ને ! આપણે નમસ્કાર પહોંચાડવા જોઈએ ત્યાં. અને આપણી જવાબદારી પહોંચાડવાની, કે સાહેબને કાગળ લખી નાખ્યો. પ્રશ્નકર્તા : સિધ્ધ ભગવાનો કોઈ રીતે માનવજીવનના કલ્યાણ માટે પ્રવૃત્ત થાય ખરા ? દાદાશ્રી : સિધ્ધ એ તો તમારો ધ્યેય છે પણ છતાં એ કંઈ તમને હેલ્પ કરે નહીં. એ તો અહીં આગળ જ્ઞાની હોય કે તીર્થંકરો હોય એ હેલ્પ (મદદ) કરે તમને, તમારી ભૂલ દેખાડે, તમને રસ્તો દેખાડે, તમારું સ્વરૂપ બતાવે. પ્રશ્નકર્તા : તો આ સિધ્ધો દેહધારી નથી ? દાદાશ્રી : સિધ્ધ ભગવાન દેહધારી ના હોય, એ તો પરમાત્મા જ કહેવાય. અને આ સિધ્ધ પુરુષો તો માણસો કહેવાય. આમને તમે ગાળ ભાંડોને તો આ સિધ્ધ પુરુષો તો ફરી વળે, નહીં તો તમને શ્રાપ આપે ! પ્રશ્નકર્તા : અરિહંત અને સિધ્ધમાં શું ફેર ? દાદાશ્રી : સિધ્ધ ભગવાનને શરીરનો બોજો ઊંચકવો પડતો નથી. અરિહંતને બોજો ઊંચકીને ચાલવું પડે છે, બોજારૂપ લાગે છે એમને પોતાને. કેટલાંક કર્મ બાકી છે તે કર્મ પૂરાં થયા સિવાય, સિધ્ધગતિએ જવાય નહીં. તે એટલાં કર્મ ભોગવવાનાં બાકી છે. વીતરાગો ધર્મને ધ્યેય રાખી વર્તે ! પ્રશ્નકર્તા : જીવનમાં જે કાયમ વર્તાય એ વસ્તુને આપણે ચારિત્ર કહીએ છીએને ? આમાં આત્મજ્ઞાનની વાત એટલે આત્માનું જ્ઞાન કાયમ વર્તે એ ચારિત્રમાં આવ્યું કહેવાય ? દાદાશ્રી : ચારિત્ર બે પ્રકારનાં. એક આ વ્યવહાર ચારિત્ર કે બહુ ઊંચા માણસને વ્યવહાર ચારિત્ર ચોખ્ખું હોય. વ્યવહાર ચારિત્ર તો શું હોય ? તીર્થંકરોની આજ્ઞાપૂર્વક હોય આખું ચારિત્ર, એ બધું વ્યવહાર ચારિત્ર કહેવાય. તે દેહનું બધું ચારિત્ર પણ તેથી કંઈ જ્ઞાન થયું નથી અને પેલું આત્માનું ચારિત્ર. આત્માનું ચારિત્ર જોવું-જાણવું અને પરમાનંદ. જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી, બસ. રાગ-દ્વેષ નહીં. અને પેલું વ્યવહાર ચારિત્ર એટલે આજ્ઞામાં રહેવું તીર્થંકરોની, સંપૂર્ણ આજ્ઞામાં રહેવું. આ ચારિત્ર બહાર જે પાળે છે, તેને ચારિત્ર ગણાતું નથી. એને વ્યવહાર ચારિત્ર નથી ગણાતું. વ્યવહાર ચારિત્ર ક્યારે કહેવાય ? વીતરાગ માર્ગમાં હોય તે જ. આ તો ગચ્છ-મતમાં છે. ગચ્છ-મત એટલે બીજા લોકો જે રીતે ચારિત્ર પાળે છે એવું આ ત્યાગી કહેવાય બધા, પણ ચારિત્ર ના ગણાય. કોઈ ધર્મને પરાયો માનતો ના હોય છતાં વીતરાગ ધર્મને પોતાનું ધ્યેય રાખતો હોય. વીતરાગોને માન્ય રાખે અને બીજા કોઈને અમાન્ય ના કરે. કોઈના પર દ્વેષ નહીં, ત્યારે વ્યવહાર ચારિત્ર કહેવાય. કોઈ ધર્મ પર દ્વેષ ના હોય. ભગવાને જે વ્યવહાર ચારિત્ર કહ્યું છે, એ તો બહુ ઊંચી વસ્તુ છે. વ્યવહાર ચારિત્ર તો વીતરાગના મતને જાણે, કે વીતરાગોનો અભિપ્રાય શો છે ! પોતાનો અભિપ્રાય શો છે તે તો જુદી વસ્તુ છે પણ વીતરાગોના અભિપ્રાય માન્ય રાખીને બધું કામ કરે એ વ્યવહાર ચારિત્ર. પોતાથી જેટલું થાય એટલું, પણ વીતરાગના અભિપ્રાયને નક્કી રાખીને કે આ પ્રમાણે વીતરાગનો અભિપ્રાય, એ પ્રમાણમાં જ ચાલ્યા કરે. પછી પોતાથી થાય એટલું, પણ એ વ્યવહાર ચારિત્ર. અને જેનો આત્મા પ્રગટ થઈ ગયોને, તેનામાં બધી જ શક્તિઓ ઉત્પન્ન થઈ ગઈ. બધા જ્ઞાનીઓ, પાંચ લાખ જ્ઞાનીઓ હોય તેનો એક જ અવાજ હોય અને ત્રણ અજ્ઞાનીઓ હોય તો સો જાતનાં ભેદ પડી જાય. આ મતભેદ બધા અજ્ઞાનીઓના હોય અને જ્ઞાનીઓમાં મતભેદ ના હોય. આપણા અહીં બધાનામાં મતભેદ જેવું લાગે છે તમને કશું ? ભલેને ઓછું-વધતું જ્ઞાન હશે, જ્ઞાન તો એક જ પ્રકારનું આપ્યું છેને, પણ પાત્ર પ્રમાણે પરિણામ પામે. ઓછું-વધતું પણ તોય હિસાબમાં કોઈ મતભેદ છે કશુંય ? કંઈ ખેંચતાણ એવું તેવું કશું છે ? એટલે આનું નામ ચારિત્ર કહેવાય, વ્યવહાર ચારિત્ર. નિશ્ચય ચારિત્રમાં તો મહેનત જ નથી હોતી. કોઈ જાતની મહેનત હોતી નથી. બધી મહેનત વ્યવહાર ચારિત્રમાં. દેહ ડાહ્યો થયો, તેનું નામ વ્યવહાર ચારિત્ર ને આત્મા ડાહ્યો થયો, તેનું નામ નિશ્ચય ચારિત્ર. આત્મા ડાહ્યો થયો એટલે જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદમાં જ રહે. બીજી કશી ભાંજગડમાં હાથ ઘાલે નહીં. 'નિશ્ચય ચારિત્ર'માં આવ્યા, એ તો ભગવાન થઈ ગયા ! 'કેવળજ્ઞાન' સિવાય 'નિશ્ચય ચારિત્ર' પૂર્ણ દશાએ ના હોય. ત્યાગ શેનો કરવાનો ? ભગવાને આવો તપ-ત્યાગ કરવાનું નહોતું કહ્યું, એમણે તો વસ્તુની મૂર્ચ્છા (મોહ)નો ત્યાગ કરવાનું કહ્યું હતું. એને જ્ઞાનમંદિરનો ત્યાગ કહ્યો અને લોકો જે માને છે તે બાલમંદિરનો ત્યાગ છે. આ પાકીટ હોય, એ ખોવાયું છતાં કશું જ ના થાય, એ મૂર્ચ્છાનો ત્યાગ કહેવાય. બાલમંદિરના ત્યાગમાં તો ગમે તે છોડવું એ જ ધ્યેય હોય, પણ એનું કાંઇક ફળ મળશે. બૈરી-છોકરાં છોડ્યાં, તે લોક 'બાપજી, બાપજી' કરીને પૂજશે. વસ્તુની મૂર્ચ્છાનો ત્યાગ એ જ ખરો ત્યાગ છે, બાકી બૈરી-છોકરાં ત્યાગ્યાં એ તો બીજા કાયદાને આધારે ત્યાગ્યાં છે. ઉદયકર્મના આધારે પ્રકૃતિ ત્યાગ કરાવે છે. પણ જો લોટા પર મૂર્ચ્છા છે ને ! શિષ્ય પર દ્વેષ થઇ જાય તો આને ત્યાગ કેમ કહેવાય ? સાચો માર્ગ મળ્યો નથી તેથી આ બધા ગોથાં ખાય છે. એમાં એમનો વાંક નથી. છતાં, આ ઠપકો આપવાનું કોને છે, કે જે અહંકાર કરે છે તેને કે આ કશું સમજ્યો નથી અને બૈરી-છોકરાંનો ત્યાગ કર્યો, તે ઘેરથી ત્રણ ઘંટ છોડ્યા ને અહીં ૧૦૮ ઘંટ શિષ્યોના કોટે બાંધ્યા, તેથી કહેવું પડે છે ! ભગવાને કહ્યું કે, બંગલામાં રહે છતાં બંગલાની મૂર્ચ્છા નથી એવા મૂર્ચ્છાના ત્યાગને ત્યાગ કહ્યો. ગજવું કપાય છતાં કશી મૂર્ચ્છા આવતી નથી, માટે એ ત્યાગી છે. જો એમ મૂર્ચ્છાના ત્યાગને ત્યાગ ના કહ્યો હોત તો સંસારીને કેવળજ્ઞાન થાત જ નહીં. ભગવાને શું કહેલું કે વસ્તુનો ત્યાગ કોઇ કરી જ ના શકે. વસ્તુઓ અનંત છે, તે ત્યાગ શી રીતે કરી શકાય? વસ્તુને હૂડ હૂડ કરવાથી તે જાય ખરી ? ના. પણ જો અનંત વસ્તુમાં મૂર્ચ્છાનો ત્યાગ થઇ જાય તો તે વસ્તુનો ત્યાગ કર્યા બરાબર છે. આ ત્યાગ કરે એ તો અહંકાર કરીને જ ત્યાગ કરે, પણ ગ્રહણ-ત્યાગમાં મૂર્ચ્છા નહીં તેને ભગવાને ખરો ત્યાગ કહ્યો, સહેજે વર્તે તેવા ત્યાગને ત્યાગ કહ્યો. અહિંસાનો ધ્યેય સિધ્ધ થાય આમ... પ્રશ્નકર્તા : 'અહિંસાના માર્ગે ધાર્મિક, આધ્યાત્મિક ઉન્નતિ' એ વિષય પર સમજૂતી આપશો. દાદાશ્રી : અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતિ છે. પણ અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, શ્રધ્ધાપણામાં રહેવું જોઈએ, તો એ બની શકે. પ્રશ્નકર્તા : 'અહિંસા પરમોધર્મ' એ મંત્ર જીવનમાં કેવી રીતે કામ લાગે ? દાદાશ્રી : એ તો સવારના પહોરમાં બહાર નીકળતી વખતે 'મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો' એવી પાંચ વખત ભાવના કરી અને પછી નીકળવું. પછી કોઈને દુઃખ થઈ ગયું હોય, તે નોંધમાં રાખીને એનો પશ્ચાત્તાપ કરવો. પ્રશ્નકર્તા : કોઈને પણ દુઃખ ના આપવું એવું જીવન આ કાળમાં કેવી રીતે જીવાય ? દાદાશ્રી : એવો તમારે ભાવ જ રાખવાનો છે અને એવું સાચવવું. ના સચવાય તેનો પશ્ચાત્તાપ કરવો. પ્રશ્નકર્તા : આપણી આજુબાજુ સંકળાયેલા જીવોમાંથી કોઈ જીવને દુઃખ ના થાય એવું જીવન શક્ય છે ખરું ? આપણી આજુબાજુમાં દરેક જીવને દરેક સંજોગમાં સંતોષ આપી શકાય ? દાદાશ્રી : જેને એવું આપવાની ઈચ્છા છે તે બધું કરી શકે છે. એક અવતારમાં સિધ્ધ નહીં થાય તો બે-ત્રણ અવતારમાંય સિધ્ધ થશે જ. તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ, લક્ષ જ હોવું જોઈએ, તો સિધ્ધ થયા વગર રહેતું જ નથી. પ્રાપ્તિ, હેતુ પ્રમાણે ! પ્રશ્નકર્તા : જે વચલા બાવીસ તીર્થંકરો હતા, તે વખતે 'શૂટ એટ સાઈટ'નાં પ્રતિક્રમણો કરતા હતા, માણસો બધા વિચક્ષણ હતા, આપે એમ કહ્યું, અને એ પ્રતિક્રમણ સંસારના સુખ માટે કરતા હતા અને મોક્ષ બન્ને વસ્તુ માટે આપે કહ્યું. દાદાશ્રી : નહીં, એવું સુખ માટે નહીં, કેટલાકનો મોક્ષનો હેતુ, કેટલાકનો આ હેતુ, કોઈનો સુખનો હેતુ. આ પ્રતિક્રમણથી જે એનો હેતુ હતો તે પ્રમાણે એ લાભ મળી જતો હતો. પ્રશ્નકર્તા : પણ હું એમ પૂછું છું કે પ્રતિક્રમણમાં તો મોક્ષનો જ રસ્તો હોયને, પેલો સુખનો રસ્તો પ્રતિક્રમણમાં કેવી રીતે આવે ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે, પ્રતિક્રમણનો અર્થ શું, કે આજે ખોટું થયું તે બદલ ક્ષમા માગી લઉં છું. એટલે ખોટું ભૂંસાઈ ગયું એટલે પુણ્યૈ બંધાઈ. પુણ્યૈ બંધાઈ, એટલે પુણ્યૈ ભોગવવા જવું પડે. પ્રશ્નકર્તા : પણ એ તો મોક્ષમાર્ગમાં પણ એમ જ થયુંને, તો પેલુંય પ્રતિક્રમણ થયું ને આય પ્રતિક્રમણ ? દાદાશ્રી : એ સહુ સહુના હેતુ જુદા હોય. દરેકના હેતુ અને ધ્યેય જુદા હોય. પ્રશ્નકર્તા : દાદા પણ પ્રતિક્રમણ તો, દોષનું છે, કોઈ પણ દોષ થયો એટલે પ્રતિક્રમણ કરે, હવે દોષ ભૂંસાવો એટલે મોક્ષમાર્ગે જવું ? દાદાશ્રી : ના, એવું કશું નહીં. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? અમને જરા સમજાવો કે પ્રતિક્રમણથી પુણ્યૈ મળે છે અને... દાદાશ્રી : આપણે અહીં પ્રતિક્રમણ છે તે મોક્ષને માટેનું છે. પણ આ સંસારનું પ્રતિક્રમણ તો સંસારનો કોઈ દોષ, સંસારના સુખને માટે, એનો જે હેતુ હોય એમાં વપરાય. પ્રશ્નકર્તા : બરાબર છે, હું એય સમજવા માગું છું કે, પ્રતિક્રમણ બે પ્રકારના આપે કહ્યું, એમાં એક પ્રતિક્રમણનું પરિણામ... દાદાશ્રી : બે પ્રકારનાં નહીં, પ્રતિક્રમણ એક જ પ્રકારનું હોય. પ્રશ્નકર્તા : હા, પણ એમાં જે ધ્યેય છે, ધ્યેય બે પ્રકારના આવ્યા ને ? એક મોક્ષનો ધ્યેય... દાદાશ્રી : ધ્યેય બે પ્રકારના નહીં, કેટલીય પ્રકારના ધ્યેય, એમાં માણસે માણસે જુદી જુદી જાતના ધ્યેય એમાં. પ્રશ્નકર્તા : હવે આમાં સંસારનાં સુખનો જે ધ્યેય છે, એનો અર્થ થયો કે પ્રતિક્રમણથી એને ધર્મધ્યાન થાય, શુક્લધ્યાન ન થાય. દાદાશ્રી : પ્રતિક્રમણ ને શુક્લધ્યાનને લેવાદેવા નથી. શુક્લધ્યાન તો લેવાદેવા જ ના હોય સંસારમાં. આપણે ત્યાં અહીં આગળ, આ તો અક્રમ છે એટલે શુક્લધ્યાન, નહીં તો શુક્લધ્યાન બોલાય જ નહીં. પ્રશ્નકર્તા : તો એ પ્રતિક્રમણ કેવી રીતે થાય ? સમજો કે, મારે પ્રતિક્રમણ કરવું છે. મારે સંસારમાં સુખ જોઈએ છે, તો એ કેવો ધ્યેય રાખીને, કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું છે ? દાદાશ્રી : ના, ના, પ્રતિક્રમણ તો એ કરેને, તો આપણી મહીં દોષ થયેલો એ ભૂંસાઈ ગયો. પ્રશ્નકર્તા : ભૂંસાઈ ગયો તો ભૂંસાઈ ગયો પછી ? દાદાશ્રી : એટલે પુણ્યૈ બંધાઈને. પ્રશ્નકર્તા : હા, તો એવી રીતે આ મોક્ષમાર્ગમાં એને પુણ્યૈ બંધાઈ જ ને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો કેવી રીતે સમજવું તે ? દાદાશ્રી : મોક્ષમાર્ગમાં છૂટા થવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રશ્નકર્તા : પણ એ છૂટા થવા માટે અને પેલા ? દાદાશ્રી : પેલા છૂટા થવાને લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : તો એ મનમાં એવું ધારેલું હોય કે, ભઈ અમને આ... દાદાશ્રી : ના, એ તો 'ચંદુલાલ' થઈને પ્રતિક્રમણ કરતો હોયને ? પ્રશ્નકર્તા : અજ્ઞાની અને જ્ઞાની ? દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા : એનો ભેદ ? હા, તો બરોબર. અજ્ઞાની જે પ્રતિક્રમણ કરે, એને પુણ્યૈ મળે. દાદાશ્રી : અજ્ઞાની જે કરે એને પુણ્યૈ કે પાપ જ હોય, બીજું કશું જ ના હોય. એ તો મોક્ષનો માર્ગ જ ના હોય. પ્રશ્નકર્તા : હા, બરાબર છે. કષાયરહિતતા એ મૂળ ધ્યેય ! પોતાને અત્યારે જે જરૂરિયાત વસ્તુ છે, પોતાને મુશ્કેલીમાં ના મૂકી દે, એવી એમણે સેફ સાઈડ કરી હોય, એ સેફસાઈડ તો દરેક માણસ કરે. એમાં કોઈએ વધારે કરી હોય પણ સેફસાઈડ એટલે એ ધ્યેય નથી. એ તો રસ્તાની સેફસાઈડ છે. ધ્યેય શું છે ? ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ કોઈની જોડે ના થાય, ગાળો ભાંડે, બે ધોલ મારે તોય સામા ઉપર દ્વેષ ના થાય, એ ધ્યેય કહેવાય. આ વીકનેસ જાય એ ધ્યેય ! અને વીકનેસ ઊભી રહે તો આ ભગવાન ક્યાંથી મળ્યા ? ભગવાન મળ્યા ને વીકનેસ હોય તો એ ભગવાન ન હોય. - જય સચ્ચિદાનંદ |
|---|