|
મન-વચન-કાયા ને પ્રકૃતિની સહજતા ! સંપાદકીય પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) પાસેથી અક્રમજ્ઞાન પામ્યો, પોતે શુદ્ધાત્મા પદને પામ્યો. હવે દશા વધી વધીને છેવટે કયા પદ સુધી પહોંચવાનંુ છે ? હવે એક બાજુ શુદ્ધાત્મા એ સહજ આત્મા પ્રાપ્ત થયો. મન-વચન-કાયા ને પ્રકૃતિની સહજતા આવી ગઈ. એટલે પૂર્ણાહુતિ થઈ ગઈ. 'આ' જ્ઞાન પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ એ માંડવાનો છે અને તેને માટે પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાન દશામાં આગળ વધવા માટે જાતજાતની ચાવીઓ પ્રાપ્ત કરાવે છે. જ્ઞાની પુરુષનંુ આ જ્ઞાન પામ્યા પછી 'હંુ શુદ્ધાત્મા છંુ' એ લક્ષ એની મેળે આવે છે. હવે મન-વચન-કાયાને સહજ કરવા માટે જ્ઞાની પુરુષે આપેલી પાંચ આજ્ઞા જેમ જેમ પળાઈ જાય, તેમ તેમ મન-વચન-કાયા બધંુ સહજ થતંુ જાય. સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયાઓ જે થઈ રહી છે, એમાં ડખલ ના કરવી. કર્તાપણંુ છૂટયંુ એટલે ઉદય સ્વરૂપ રહ્યંુ, 'ચંદુભાઈ ઉદયમાં રહ્યા કરે, 'પોતે' આત્મામાં રહીને ઉદયને જોયા કરે. તો પ્રકૃતિ સહજ થતી જાય. આત્મા સહજ રહ્યો એટલે મન-વચન-કાયાની પ્રકૃતિની ક્રિયાઓનો જ્ઞાતા રહે, જુદો રહીને નિરીક્ષણ કર્યા કરે, મન, મનના ધર્મમાં રહે, વિચારવાના અને આત્મા આત્માના જોવાના ધર્મમાં રહે, તન્મયાકાર ના થાય એ સહજ દશા. ડિસ્ચાર્જ એની મેળે 'વ્યવસ્થિત'ને તાબે થયા કરે અને પોતે તેનાથી જુદો રહ્યા કરે તે સહજ. જે આ મન-વચન-કાયામાં ડખલ કરતા નથી તેને માટે જ 'વ્યવસ્થિત' છે બધંુ. દેહાધ્યાસ છૂટતો છૂટતો સહજતા આવે, એ પૂર્ણાહુતિ કહેવાય. સાહજિક એટલે જેમાં કિંચિત્માત્ર અહંકાર ના હોય. મૂળ આત્મા સહજ છે, મૂળ પ્રકૃતિ સહજ સ્વભાવી છે પણ વચ્ચે અહંકાર, બુદ્ધિ આમાં ડખલ કરનારા છે, તેથી પ્રકૃતિ અસહજ થાય છે. જ્ઞાન મળતાંની સાથે અહંકાર જાય છે. બુદ્ધિ જેમ જેમ ખલાસ થતી જાય તેમ પ્રકૃતિ સહજ થતી જાય. વિચાર આવે છતાં અસર ના કરે, તે સહજ પ્રકૃતિ કહેવાય. જ્ઞાનમાં રહે, આજ્ઞામાં રહે તેમ પ્રકૃતિ સહજ થતી જાય. આત્મજ્ઞાન સાથે સહજ ભાવ હોય તો મોક્ષે ચાલ્યા જાય, અહંકાર સહજ રહેવા દેતો નથી. પ્રકૃતિ કર્મ બાંધતી નથી, અહંકાર કર્મ બાંધે છે. પછી પ્રકૃતિ કર્મફળ આપે છે. પ્રકૃતિની સહજતા થવા કાજે સામાયિકમાં પોતે જ્ઞાતા થઈને પ્રકૃતિને જ્ઞેય સ્વરૂપે જુએ તેમ તેમ પ્રકૃતિ ઓગળ્યા કરે. પ્રકૃતિની ક્રિયામાં પોતાની સહમતતા ઊડી ગઈ એટલે પ્રકૃતિ ખાલી થતી જાય. પ્રસ્તુત સંકલનમાં મન-વચન-કાયા ને પ્રકૃતિને સહજ કરવા માટે ભિન્ન ભિન્ન ચાવીઓ પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાં ઉપલબ્ધ થઈ છે તે સંકલિત થઈ છે. એ જ્ઞાનમાર્ગના પુરુષાર્થ માટે ઉપકારી નિવડશે. દીપક દેસાઈ મન-વચન-કાયા ને પ્રકૃતિની સહજતા ! આજ્ઞાથી મન-વચન-કાયા સહજ ! પ્રશ્શનકર્તા : મન-વચન-કાયાની સહજતા અને આત્માની સહજતા એ વિષે જરા સમજાવોને. દાદાશ્રી : આત્માની સહજતા તો સહજ આત્મા છે જ. જ્ઞાન આપ્યા પછી આત્મા કેવો છે ? શુદ્ધાત્મા જે લક્ષમાં આવે છેને, એની મેળે લક્ષમાં આવે, આપણી મેળે નહીં. આપણે યાદ ના કરવું પડે. નિરંતર લક્ષ રહે, એની મેળે જ રહ્યા કરે. યાદ કરીએને તો તો ભૂલી જવાય, જેને યાદ કરીએ એ વસ્તુનું શું થાય ? ભૂલી જવાય. આ નિરંતર યાદ રહે, એ સહજ આત્મા થયો કહેવાય. હવે પછી મન-વચન-કાયા સહજ કરવા માટે એ જ્ઞાની પુરુષની આજ્ઞા જેમ જેમ પાળતા જાય, તેમ તેમ મન-વચન-કાયા સહજ થતાં જાય. ડખલ બંધ એ જ સાહજિકતા ! પ્રશ્શનકર્તા : આપના મતે સાહજિક એટલે શું ? દાદાશ્રી : સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયાઓ જે થઈ રહી છે, એમાં ડખલ ના કરવી. આ ટૂંકામાં, એક જ વાક્યમાં મેં વાત કરી, કેટલું સમજાય છે આમાં ? ન સમજાય તો આગળ બીજું વાક્ય મૂકું ? મન-વચન-કાયાની જે ક્રિયાઓ થઈ રહી છે, તેમાં ડખલ કરવી એ સાહજિકતા તૂટી ગઈ. 'હું ચંદુભાઈ છું' એ ભાન તૂટી જાય, ત્યારે સહજ થાય. પ્રશ્શનકર્તા : હવે જે આત્માના ભાનમાં આવ્યો, એનો વ્યવહાર પછી જે છે તે સહજ વ્યવહાર હોય બધો ? દાદાશ્રી : પોતાના ભાનમાં આવ્યો એટલે પછી વ્યવહારની કશી લેવા-દેવા રહી નહીંને ! વ્યવહાર ચાલ્યા કરે. પ્રશ્શનકર્તા : એટલે ઉદયરૂપ વ્યવહાર હોય એનો ? દાદાશ્રી : બસ, બીજું કશું હોય જ નહીં. કર્તાપણું છૂટે ત્યાર પછી એ આત્માના ભાનમાં આવે. જો કર્તાપણું છૂટે એટલે ઉદય સ્વરૂપ રહ્યું. સહજ એટલે સ્વભાવિક ! સહજ એટલે શું ? આ મન-વચન-કાયાની ક્રિયાઓ ચાલ્યા કરે છે. એનું નિરીક્ષણ કર્યા કરો, તેમાં ડખલ ના કરો તે. પ્રશ્શનકર્તા : તો મન-વચન-કાયા મૂળ એના સ્વભાવમાં આવી જાય ? દાદાશ્રી : હા, સ્વભાવિક. આ અમારંુ મન-વચન-કાયા બધું સ્વભાવિક થાય. સ્વભાવિક જેવું છે એવું સ્વભાવિક, એમાં ડખો-બખો કરે નહીં. હવે તમારે આની જોડે જરા ઉગ્રતા આવી ગઈ હોય, તોય એને સ્વભાવિક કહેવાય છે. મન-વચન-કાયા સ્વભાવિક કહેવાય છે એટલે મહીં જે છે એ માલ નીકળ્યો કહે છે. તેમાં ડખો કરતા નથી એ સ્વભાવિક. સાહજિક મન-વાણી ને કાયાવાળું દરેક કાર્ય સરળ થાય. અનુભવ અસહજ હોય તો તે કાર્ય ના થાય. અનુભવ સાથે સાહજિકતા હોવી જોઈએ ત્યારે કાર્ય થાય. 'જ્ઞાન' પછી જુદાપણંુ સહજ ! આ આત્માના ગુણધર્મ અને આ પ્રકૃતિના ગુણધર્મ, પુદ્ગલનાં ગુણધર્મ એટલંુુ જ જેણે ભેદજ્ઞાન જાણ્યંુ, એનંુ નામ આત્મજ્ઞાન. પ્રશ્શનકર્તા : અને જુદંુ રહેતા આવડે. દાદાશ્રી : ના. એ પછી જુદંુ રહે જ ને ! પછી આત્મા થયો એટલે પોતે આત્મામાં જ રહ્યો ને ! અને આપણે તો એમ ને એમ રહે છે આ જુદાપણંુ. આપણંુ આ 'જ્ઞાન' આપ્યા પછી બધાને એમ ને એમ જુદંુ રહે છે. પ્રશ્શનકર્તા : પણ એમાં ઘણો ફેર ને ? તમે જુદંુ કરી આપ્યંુ ને એટલે અમારે એમ ને એમ જુદંુ રહે એમાં ઘણો ફેર ને ? દાદાશ્રી : પણ સાચો માર્ગ જ આ છે. નહીં તો માથાકુટ કરે તોય કશંુ વળે નહીં. આ તો ભેદજ્ઞાન મળ્યંુ એટલે જાણવંુ કે... પ્રશ્શનકર્તા : રસ્તો ક્લિયર થઈ ગયો. દાદાશ્રી : હા, બસ ! દેહાધ્યાસ ગયા પછી દેહની સહજતા અંશે અંશે વધ્યા કરે ને જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ ઉત્પન્ન થાય ! મન-વચન-કાયા સહજ સ્વભાવે ક્રિયાકારી છે. તે બધું કર્યા જ કરે છે ને સહજ સ્વભાવે આત્માનું જ્ઞાન-દર્શન ક્રિયાકારી છે. આ બધી વસ્તુઓ પડી હોય તો તેને આત્મા સહજ સ્વભાવે જોયા જ કરે, જાણ્યા જ કરે ! મન, મનના ધર્મમાં ! પ્રશ્શનકર્તા : પણ વિચારો અંદરથી ઊઠતા હોય, એમાં એટલા બધા ગૂંચવાડા હોય એ વિચારમાં, બહાર જતો વિચાર છે કે અંદર જતો વિચાર છે અથવા ભટકતો વિચાર છે કે નથી ભટકતો વિચાર, એ જ સમજાતું નથી. દાદાશ્રી : બહાર વિચાર હોતો જ નથી, અંદર જ વિચાર હોય છે. મન એવી વસ્તુ છે કે શરીરની બહાર નીકળે નહીં. અને નીકળે તો કેટલાક લોકો, સાયંટિસ્ટો ને યોગીઓ એનું બારણું બંધ કરી દે, ફરી પેસવા ના દે. પણ મન આ શરીરની બહાર નીકળે જ નહીં ને ! એટલે અંદર વિચાર જ કર્યા કરે. આમથી આમ, તેમથી તેમ વિચાર જ કર્યા કરે, નિરંતર. આ એની બાઉન્ડ્રી (હદ). બીજો કંઈ એનો ધંધો નહીં. વિચાર રૂપી ધર્મ એ મનનો ધર્મ છે, સહજ સ્વભાવી ધર્મ છે. ... પછી મન-વાણી-વર્તન ડિસ્ચાર્જ ! પ્રશ્શનકર્તા : શુદ્ધાત્મા શુદ્ધાત્માના ઉપયોગમાં રહે, ચંદુભાઈ એના ઉપયોગમાં રહે અને મન, મનના ધર્મમાં રહે તો આમાં ત્રણેની લીંક આખી શું છે ? દાદાશ્રી : આ ચંદુભાઈ સહજભાવમાં હોય તો આત્મા સહજભાવમાં રહે બસ તે. પ્રશ્શનકર્તા : પણ એ ચંદુભાઈ એ કઈ વસ્તુને આપ કહો છો ? દાદાશ્રી : રિલેટિવને. પ્રશ્શનકર્તા : એ જે રિલેટિવ છે એ જ રિયલમાં છે તે દરઅસલ સ્વરૂપે છે ? દાદાશ્રી : એ તો શુદ્ધાત્મા તો થઈ ગયો. પ્રશ્શનકર્તા : હંઅ. એ પોતે અને ચંદુભાઈ વચ્ચે શું ફેર ત્યાં ? દાદાશ્રી : ચંદુભાઈ તો એનું રિલેટિવ સ્વરૂપ છે. પ્રશ્શનકર્તા : એ પોતાનું જ ? દાદાશ્રી : રિલેટિવ. પ્રશ્શનકર્તા : આત્માની જ્ઞાનશક્તિ એની જે અવસ્થા બદલાય તેમ મન-વાણી-વર્તન ઉત્પન્ન થાય છે. એ ઉપયોગમાં ચૂકાય ત્યાં જ આખું રહેલું છે, એવું ખરું ? દાદાશ્રી : મન તો છે એ જ રૂપકમાં આવે છે, જે ફિલ્મ વીંટેલી છે એ ફિલ્મ દેખાય છે. નવું કશું કરવાનું રહેતું નથી, મનમાં. પ્રશ્શનકર્તા : પણ એ જ્યારે મન ચાલુ હોય, તે વખતે મહીં રોંગ બિલિફ જેવી કંઈ પણ આંટી પડી હોય, એ જો છૂટી જાય તો તે વખતે મન બંધ થઈ જાય છે. દાદાશ્રી : એવું કશું નહીં. મન તો ચાલુયે રહે. મન જો ઝમ્યા જ કરે, એની મેળે. ફિલ્મ ચાલુ જ રહ્યા કરે, એની મેળે ! પ્રશ્શનકર્તા : મન જેમ કુદરતી રીતે જ ઝમ્યા કરે છે તો વાણી બોલવી હોય ત્યારે પણ એવું છે ? દાદાશ્રી : વાણી કુદરતી રીતે જ ઝમ્યા કરે છે. પ્રશ્શનકર્તા : અને કોઈ પણ પ્રકારનું વર્તન ? દાદાશ્રી : વર્તનેય કુદરતી રીતે જ ઝમ્યા કરે છે. ભગવાને કહેલંુ કે જ્યાં સુધી દેહ સહજ નહીં થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહીં થાય. દેહ સહજ થશે તો આત્મા સહજ છે. દેહ અસહજ છે જ્યારે આત્મા સહજ છે. બેઉ સહજ થશે ત્યારે કામ થશે. ન વિચારે, મિનિટથી વધારે ! આ જગત વિચારવા જેવું જ નથી. વિચારવું એ જ ગુનો છે. જે ટાઈમે જરૂર હોય તે ટાઈમે તે વિચાર આવીને ઊભો જ રહે. તે તો થોડો વખત કામ પૂરતો જ. પછી પાછો બંધ થઈ જાય. પછી વિચારવા માટે એક મિનિટ કરવી એ બહુ મોટો ગુનો. એક મિનિટ વિચારવું પડે એ તો બહુ મોટો ગુનો. એટલે અમે વિચારોમાં ના રહીએ. અમે તમારી જોડે દર વખતે રમ્યા કરીએ, ટીખળ કરીએ, ફલાણું કરીએ, નિર્દોષતાથી અમે કહીએ. જેમાં રાગ-દ્વેષ ના હોય, ગમ્મત, આનંદ ઉપજાવે એવું હોય તેમાં રહીએ. બહારના ભાગને કશું જોઈએ તો ખરું ને ? અને તેને આત્મા બસ જાણે કે ઓહો ! શું શું કર્યું ને શું શું નહીં, એ બધું અમે જાણીએ. કરે ખરું ને જાણે ખરું. કારણ કે એક મિનિટથી વધારે વિચારવાનું નહીં. એ તો એની જરૂરિયાત પૂરતા વિચાર આવી જ જાય, એની મેળે. કંઈક કાયદો જ છે એવો અને આપણું કામ થઈ જાય. વધુ વિચાર કર્યો કે પછી બધું આખા ગામનો ગંદવાડો પેસી જાય મહીં. કારણ કે તે વખતે પેલું ખુલ્લું હોય. આ જેમ એર કોમ્પ્રેસર હોય છે તે હવા ખેંચે છે ને, અને પછી તે વાંદરાની ખાડી આગળ ખેંચે તો ? બધું ગંધાઈ ઊઠે. એટલે આને ખુલ્લું રાખો ને, તે ગંદવાડો જ પેસે બધો. એટલે ખુલ્લું જ નહીં રાખવાનું, અડવાનું નહીં. ત્યારે કોઈ કહે કે શું વિચારવું એ કંઈ મારો ધર્મ છે ? ત્યારે અમે કહીએ કે ના, તારો નથી. એ તો મનનો ધર્મ છે. એમાં તારો ગુનો નથી. પણ આપણે એનાથી છેટા રહીને જોવાની જરૂર છે. આ તો આપણો ધર્મ બજાવતા નથી. આપણો ધર્મ શું છે ? પ્રશ્શનકર્તા : જોવાનો. દાદાશ્રી : હા, જોવાનો. તેમાં તન્મયાકાર થવાનો નહીં. બાકી, વિચારવાનું તો ડિસ્ચાર્જ એની મેળે થયા જ કરે છે. થોડીક કંઈ વાત થઈ કે આપણું કામ થઈ જાય. અમે બોલીએ છીએ, તેનું જો વિચાર કરીને બોલું તો ? એક અક્ષરેય બોલાય નહીં ને અવળું નીકળે ઊલટું. વિચાર કરીને કોર્ટમાં ગયેલા ને, તે સાક્ષી અવળી અપાયેલી. બહુ વિચાર કર્યો કે આવું કહીશ ને આવું બોલીશ, એવું મહીં વિચારીને પછી જાય ત્યાં કોર્ટમાં. પછી તે વખતે શું બોલે ? પ્રશ્શનકર્તા : એ 'વ્યવસ્થિત'માં જે બોલવાનું હોય તે જ બોલાવડાવે. દાદાશ્રી : એનું વ્યવસ્થિતેય અવ્યવસ્થિત થયેલું હોય બધું. ગોટાળો કરી નાખે. વિચાર્યા વગર જાય ને, તો પદ્ધતિસર બોલાય. આત્માની અનંત શક્તિઓ છે. આવું ત્યાં આગળ પાળ બાંધવાની જરૂર જ ના હોય. અને માનો કે તમને વકીલે કહ્યું, તમારે કોર્ટમાં જવાનું છે, સાક્ષી રાખવા માટે. જુઓ, સાંભળો છો કે આમ બોલવાનું, આમ બોલવાનું. ત્યાર પછી તમે ઘૂંટ ઘૂંટ કરો કે આવું કહ્યું, આવું કહ્યું, આવું બોલવાનું કહ્યું, અને પછી ત્યાં જઈને બોલો તો જુદી જાતનું બોલશો. એ સહજભાવ પર છોડી દો. સહજની એટલી બધી શક્તિ છે. આ બધું અમારું સહજનું તમે જુઓ છો ને, છે કે નહીં ? તમે જવાબ માંગો તે ઘડીએ અમે જવાબ આપીએ કે ના આપીએ ? હાજરજવાબ હોય. નહીં તો તમારું કશું કામ થાય નહીં. જ્ઞાન સહજ હોય, વિચારેલું નહિ ! વિચારવાથી, જે જે કંઇ વિચારીને કર્મ કરવામાં આવે એ બધું અજ્ઞાન ઊભું થાય અને નિર્વિચારથી જ્ઞાન થાય. એ સહજ હોય ! વિચારેલું એ જ્ઞાન ગણાય નહીં. વિચાર એટલે એ બધું મડદાલ જ્ઞાન કહેવાય અને આ સહજ એ વિજ્ઞાન કહેવાય. એ ચેતન હોય, કાર્યકારી હોય. અને પેલું વિચારેલું બધું અજ્ઞાન કહેવાય, જ્ઞાન કહેવાય નહીં અને ક્રિયાકારી ના હોય, પરિણામ ના પામે. પછી કહે કે હું જાણું છું પણ થતું નથી, હું જાણું છું પણ થતું નથી. એની મેળે ગાયા કરે. એવું કંઇ સાંભળેલું તમે કોઇ માણસ બોલતો હોય એવું ? પ્રશ્શનકર્તા : ઘણાંય બોલતા હોય છે. દાદાશ્રી : બધાય આ બોલે, આ જ બોલે છે. જાણેલું અવશ્ય થવું જ જોઇએ અને ના થાય તો જાણવું કે એણે જાણ્યું જ નથી. અને વિચારેલું જ્ઞાન એ જ્ઞાન ના કહેવાય. એ તો જડ જ્ઞાન કહેવાય. જડ વિચારોથી જે ઉત્પન્ન થાય એ તો જડ છે. વિચારો જ જડ છે. પ્રશ્શનકર્તા : જ્ઞાન આ સહજ રીતે જે આવતું હશે કે સહજ રીતે થતું હશે એનું શું કારણ ? દાદાશ્રી : એને બધું આગળ છે તે બીજા ભવોનો બધો માલ ભરેલોને, તે બધો સમજી સમજીને ભરેલો. તે સહજ રીતે ઉત્પન્ન થાય. સમજીને-જાણીને મહીં ભરેલો. વિચારે કરીને જાણેલું એ કામ લાગે નહીં. સમજીને ભરેલું હોય તો કામ લાગે. પ્રશ્શનકર્તા : તે આ સમજીને ભરેલું હોય તો એ સહજમાં આવી જાય. દાદાશ્રી : સહજમાં આવે તો જ એ વિજ્ઞાન કહેવાય, નહીં તો વિજ્ઞાન જ ના કહેવાય. 'એ' જોનારો કોણ ? પ્રશ્શનકર્તા : એ જોનારો કોણ ? દાદાશ્રી : એ જ આપણી જે પ્રજ્ઞાશક્તિ છે ને, તે જ બધું જોનારી. એ જ આત્મા છે. પણ તે આત્મા જાતે જોતો નથી, પોતાની શક્તિ છે તે કામ કરે છે. તે જુએ એટલે થઈ ગયું. તમે જ્ઞાતા-દ્રષ્ટા થયા. એટલે એ તો પ્રજ્ઞા છે, મૂળ આત્માનો ભાગ, એનાથી બધું જોઈ શકાય. તમારામાં પ્રજ્ઞા ઉત્પન્ન થયેલી છે. પણ હજુ નિરાલંબ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞા ફૂલ કામ કરે નહીં. તમારે હજુ તો ગાંઠોમાં જ ફરતું હોય ને ! આ તો ગ્રંથિઓ છેદાઈ જાય ત્યારે કામ આગળ ચાલે. પ્રશ્શનકર્તા : વિચાર કરનારો વિચાર કરતો હોય ત્યારે જોનારો કોણ હોય ? દાદાશ્રી : જોનારો આત્મા છે. પ્રશ્શનકર્તા : ત્યારે શું વિચાર કરનારોય આત્મા છે ? દાદાશ્રી : આત્માએ વિચાર કર્યો જ નથી. કોઈ દહાડોય આત્માએ વિચાર કર્યો જ નથી. એ વ્યવહાર આત્માની વાત છે. એવું છે, વ્યવહાર આત્માને નિશ્ચય આત્માથી જોયા કરવો. વ્યવહાર આત્મા શું કરી રહ્યો છે એ જોયા કરવાનું. પ્રશ્શનકર્તા : એક સાથે બે ક્રિયા થઈ શકે ? દાદાશ્રી : એક જ ક્રિયા થઈ શકે. પેલી તો ક્રિયા એની મેળે સહજ થયા જ કરે છે. આપણે જોયા કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આ બીજું તો થયા જ કરે છે. એમાં ના જુઓ તો તમારું જોવાનું જતું રહે. એટલે જોનારાએ પુરુષાર્થ કરવાનો છે. પેલું તો થયા જ કરે છે. ફિલ્મ તો ચાલુ જ છે. એમાં તમારે કશું કરવું ના પડે. એ એની મેળે સહજ ચાલ્યા કરે છે. એટલે એ ફિલ્મને આપણે જોયા કરવાની. જુદાપણાથી વરે સાહજિકતા ! પ્રશ્શનકર્તા : અમારી વાણીમાં તો સાહજિકતા નથી. એને છૂટી મૂકી દઈએ છીએ તો મારામાર કરે છે અને બ્રેક મારીએ છીએ તો અંદર તોફાન થાય છે. દાદાશ્રી : તમારે કશું કરવાનું નહીં. છૂટી મૂકવાની નહીં કે બ્રેક મારવાનું નહીં. એ તો ખરાબ બોલાય ત્યારે આપણે 'ચંદુભાઈ'ને એમ કહેવું કે, 'ચંદુભાઈ, આવું ના શોભે. અતિક્રમણ તમે કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો.' 'આપણે' તો છૂટા જ રહેવાનું. કર્તા 'ચંદુભાઈ' છે અને 'તમે' જ્ઞાતા-દ્રષ્ટા છો. બેનો વ્યવહાર જ જુદો છે. પ્રશ્શનકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી 'ચંદુભાઈ'નું કામ બરાબર એક્ઝેક્ટ થાય ? દાદાશ્રી : બહુ સુંદર એક્ઝેક્ટલી આવી જાય છે. પ્રશ્શનકર્તા : કંઈ પ્રયત્ન કર્યા વગર એકઝેક્ટલી આવી જાય ? દાદાશ્રી : પ્રયત્ન કરવાથી જ બગડે છે. 'ચંદુભાઈ' બધો પ્રયત્ન કરશે. આ હું ટેપરેકર્ડ શાથી કહું છું ? એ સાહજિક વસ્તુ છે. એમાં હું હાથ ઘાલતો નથી. એટલે પછી ભૂલ વગરની નીકળે છે. આવી કેટલીય 'ટેપો' ભરાઈ છે અને તમારે એક 'ટેપ' ભરવાની હોય તો ઊંધું-ચત્તું કરી લાવો. કારણ કે સાહજિકપણું છે નહીં. સાહજિકપણું આવવું જોઈએ ને ? સાહજિકપણા માટે પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો સાહજિકપણું આવે. જે કર્તા છે, એને કર્તા રહેવા દો અને જ્ઞાતા છે, એને જ્ઞાતા થવા દો. 'જેમ છે એમ' થવા દો, તો રાગે પડી જાય. આ જ્ઞાનનું સરવૈયું જ એ છે. બંને પોતપોતાની ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે અને 'ચંદુભાઈ' 'ચંદુભાઈ'ની ફરજ બજાવે. જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ રહેવો જોઈએ. દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનચાળા છે, એ દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવું જોઈએ. પણ તેય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ. કઠોર બોલવું કે મધુરી વાણી બોલવી, એ બધાં વાણીનાં ધર્મો છે અને આ પાંચ ઇન્દ્રિયોનાં ધર્મ, આ બધા ધર્મને જાણ્યા કરવું. એ જ કામ કરવા માટે આ મનુષ્ય અવતાર છે. એ બધા ધર્મો શું કરી રહ્યા છે, એને જાણ્યા કરવું. બીજી બાબતમાં પડવા જેવું નથી. અને ત્યારે જ મનની સહજતા, વાણીની સહજતા, શરીરની સહજતા આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતો છૂટતો સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ જ છે અને આની (દેહની) સહજતા આવી ગઈ. સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્ માત્ર અહંકાર ના હોય ! સાહજિક પુરુષાર્થ નથી ! પુરુષાર્થ ના હોય એ સાહજિક. આ ચોર ચોરી કરે છે એ સાહજિક કહેવાય. પ્રશ્શનકર્તા : ચોર ચોરી કરતી વખતે મહીં જે પુરુષાર્થ ચાલતો હોય એટલે પછી પેલું પરિણામ સાહજિક ના કહેવાય ને ? દાદાશ્રી : ના, તોય એ સાહજિક કહેવાય. ચોર ચોરી છોડી દે, એનું નામ પુરુષાર્થ કહેવાય. છીંક ખાવી એ સાહજિક નથી, એ કુદરતી હાજત છે. પ્રશ્શનકર્તા : એ સમજાવોને જરા. દાદાશ્રી : સાહજિક એટલે મન કહે એ પ્રમાણે ચાલવું એ સાહજિક. પોતાને વિચારવાનું કશું નહીં, પોતાને મહેનત કશું કરવાની નહીં, પુરુષાર્થ નહીં. ગાડું જ્યાં જાય ત્યાં જવા દેવું, તેનું નામ સાહજિક. સાહજિક એટલે મહેનત કશુંય નહીં, એની મેળે જ થયા કરે. પ્રશ્શનકર્તા : આ મનના કહ્યા પ્રમાણે ચાલે તો સાહજિક. એટલે આ પેલી અજાગૃત અવસ્થામાં, અજ્ઞ દશામાં સાહજિકતા હોય છે એ રીતની સાહજિકતા ? દાદાશ્રી : હા, તે સાહજિક કહેવાય. સાહજિકમાં પુરુષાર્થી ના હોય, ભમરડા જ હોય અને જ્ઞાન થયા પછી સાહજિક તે પરમાત્મા કહેવાય. એ વાણી એમની નીકળ્યા જ કરે, બસ. તે પુરુષાર્થ કે કશું ના હોય ત્યાં આગળ. આ તો એક અવતાર બાકી રહે ત્યાં સુધી પુરુષાર્થ. પ્રશ્શનકર્તા : એટલે જ્ઞાનીને પુરુષાર્થ છે. તીર્થંકર થયા પછી પુરુષાર્થ નથી ? દાદાશ્રી : પૂર્ણ થઈ ગયા પછી કંઈ પુરુષાર્થ નથી. પછી સહજભાવ તદ્દન. અને પુરુષાર્થ શું છે ? જ્ઞાન હોવા છતાં અસહજ ! પ્રશ્શનકર્તા : જ્ઞાન હોવા છતાં અસહજ ? દાદાશ્રી : અસહજ. પ્રશ્શનકર્તા : એ જ્ઞાની પુરુષને એનો બંધ પડે ? એ બંધ ભોગવવો પડે ? દાદાશ્રી : હા, સામાના કલ્યાણ માટે. ફળ તો આવે જ ને એનું. પણ એ ફળ બહુ ઊંચી જાતનું આવે. એ જ્ઞાનાવરણ ખસેડે એવું ફળ આવે. થોડું બાકી રહ્યું હોય જે ચાર ડીગ્રી, તે પછી બે ડીગ્રી એ ખસેડે. બીજી એક ખસેડે. એટલે આ બધું જ્ઞાન આપવાનું એ તો પુરુષાર્થ છે. એ પ્રકૃતિ નથી, એ પુરુષાર્થ છે. એટલે ઘણો ખરો પુરુષાર્થ જ અમારો હોય. નિર્તન્મયતા ત્યાં નિરોગીપણંુ ! શરીર-મન-વાણીની જેટલી નિરોગીતા એટલી આત્માની સહજતા. પ્રશ્શનકર્તા : આ શરીર-મન-વાણીની નિરોગીતા એટલે કઈ રીતે નિરોગીતા ? દાદાશ્રી : આત્મા સહજ હોય તે ઘડીએ વાણી નીકળે ત્યારે નિરોગી નીકળે. આ બાજુ નિરોગી વાણી હોય તો આત્મા સહજ હોય એમનો. આ અમે બધું બોલીએને તે બધંુ નિરોગી કહેવાય. એટલે આત્મા મહીં સહજ જ હોય અને એ સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ કહેવાય. આવા સહજાત્મા સ્વરૂપની ભક્તિ કરવી. બે જુદાં, પોતે ડખલ ના કરે મહીં. ડખલને લઈને સહજતા ઊડી ગઈ. પ્રશ્શનકર્તા : પણ નિરોગીતા વાણી એટલે રાગ-દ્વેષ વિનાની વાણી, દાદા ? દાદાશ્રી : હા, બિલકુલ રાગ-દ્વેષ વિનાની. પ્રશ્શનકર્તા : તો મનને કઈ રીતે નિરોગી બનાવવંુ, દાદા ? દાદાશ્રી : મન તો પોતાનંુ નહીં એટલે મન તો એની મેળે ડિસ્ચાર્જ થયા કરે. મહીં ભળે તો છે તે રોગ થાય. ભળે જ નહીં તો શી રીતે ? છો ને ગમે તે આડું હોય કે ઊંધું હોય, તોય મહીં આડા-ઊંધાની કિંમત નથી. સારંુ-ખોટંુ સમાજને આધિન છે. ભગવાનને ત્યાં કંઈ છે જ નહીં. ભગવાન તો કહે છે કે આ બધું દ્રશ્ય છે, સારંુ-ખોટંુ કરવાનંુ છે નહીં. દ્રશ્યને જોવાનંુ છે. જ્ઞેયને છે તો જ્ઞાનથી જાણવાનંુ છે. પ્રશ્શનકર્તા : દાદા, પણ લૌકિક દ્ષ્ટિએ, સારા-ખાટાનો વિચારો આવી જાય છે અને એના લીધે કોઈકવાર કોઈના પ્રત્યે દ્વેષ ઊભો થઈ જાય છે. દાદાશ્રી : ના, એ તો મનમાં થાય છે તે, એ તો તમે જાણી જાવ છો ને ! એ ભરેલો માલ છે તે નીકળે છે. તેને તમારે જોયા કરવાનો. મહીં પૂછીને ભરેલો ના હોય. નીકળી ગયો એ તો ફરી નહીં આવે હવે અને ફરી થોડોક હશે તો આવીને પણ પછી નહીં આવે. જેટલો પાઈપમાં ભરેલો છે એટલો માલ આવશે. જ્ઞાનીને વર્તે, મન વશ હજારોનાં.... જ્યાં સુધી 'હું ચંદુલાલ છું' એ જ્ઞાન, એ ભાન છે ત્યાં સુધી મન જોડે લેવાદેવા છે. મન જોડે તન્મયાકાર થાય. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે મન જોડે લેવાદેવા જ ના રહી. જ્ઞાતા-દ્રષ્ટાપદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય. પ્રશ્શનકર્તા : મન વશ થયા પછી જ્ઞાતા-દ્રષ્ટાપદ સ્વાભાવિક વસ્તુ થઈ જાય ? દાદાશ્રી : મન વશ જ થઈ ગયેલું છે આપણને, હવે પ્રેક્ટિસ કરવાની જરૂર. મારી પાસે વાત સાંભળેને, તેમ તેમ મજબૂત થતું થાય, અમારા વચનબળથી. અમારું વચનબળ કામ કર્યા કરે. પ્રશ્શનકર્તા : તે હજુ અમારું મન વશ રહેતું નથી, તો મન વશ કરવા માટેનો પુરુષાર્થ કયો હોય છે ? દાદાશ્રી : એ જ્ઞાનથી વશ વર્તે. અમારું જે જ્ઞાન આપ્યું છે, એ મનને વશ જ કરનારું છે. એનાથી પછી તમને લોકોનાં મન વશ વર્તે. પ્રશ્શનકર્તા : નહીં દાદા, પહેલું અમને અમારું મન વશ વર્તવા દો. દાદાશ્રી : તમને પહેલું તમારું મન વશ વર્તશે ને તમને તમારું મન વશ વર્ત્યું એટલે બીજા લોકોનાં મન પણ તમને વશ વર્તે. જેટલાં બીજાનાં મન વશ તમને વર્ત્યાં, એટલું તમને તમારું મન વશ વર્ત્યું. બહારના પરથી પછી તમારું માપી જોવું. પ્રશ્શનકર્તા : એનો ટેસ્ટ એ છે કે અમારું મન અમને વશ વર્તે, તો બીજાનું મન અમારે વશ વર્તે ? દાદાશ્રી : હા, બીજા કેટલાનાં મન તમને વશ વર્તે છે, કેટલે અંશે વશ વર્તે છે, તે બધું તમારે માપી જોવું. આપણા મહાત્માઓમાં પચ્ચીસ હજાર માણસનાં મન અમને વશ વર્તે છે કે જેને ચોવીસેય કલાક દાદા સિવાય બીજું કંઈ નહીં. અને હું કહું એટલું જ કર્યા કરે. સ્ત્રીઓ અને પુરુષો, બધાયનાં. એમાં સ્ત્રીઓના વધારે રહ્યાં કરે. સ્ત્રીઓ તો સાહજીક છે. સાહજીક એટલે જો સહજ થયા હોય તો જ વશ વર્તે, નહીં તો વશ વર્તે નહીં ને ! પ્રશ્શનકર્તા : સ્ત્રીઓને બધા ડખા નહીં ને ? સમર્પણથી સ્ત્રીઓને વહેલું પહોંચી જવાય ને ? દાદાશ્રી : પણ સ્ત્રીઓને જ મન વશ કરવું સહેલું નથી. પુરુષને તો સહેલું છે, સ્ત્રીઓને બહુ અઘરું છે. કારણ કે એ મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે. સહજ આત્મસ્વરૂપ ત્યાં સહજ પ્રકૃતિ ! આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી. તેથી 'અમે' આત્મા સહજ આપી દઇએ છીએ અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઇએ છીએ. પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે. આત્મા સહજ સ્વભાવમાં આવે એટલે પ્રકૃતિ સહજ સ્વભાવમાં આવે એવું આ કાળમાં છે. ... સહજ થઈ જા ! આ ગુલાબના છોડને નિકાલ કરવાનો હોય ? ના, એ તો એના સહજ સ્વભાવમાં જ હોય. આ મનુષ્યોએ એનો સહજ સ્વભાવ ખોઈ નાખ્યો છે. તેય આને ખરીદનારા નીકળે છે, પણ આ મનુષ્ય જાતિ એકલી જ નકલ કરવા જાય છે. પ્રશ્શનકર્તા : મનુષ્ય જાતને આમાં ભેદ છે, આ સારંુ છે, આ આવંુ છે, નકલ કરે. પણ આમને તો કંઈ ભેદ છે જ નહીં. દાદાશ્રી : એટલે શંુ છે કે સહજ સ્વભાવ ખોઈ નાખ્યો છે. સહજ સ્વભાવ ! બધી પ્રકૃતિનો સહજ સ્વભાવ છે. આત્મા તો સહજ સ્વભાવમાં છે. દરેક જીવંત વસ્તુમાં આત્મા સહજ સ્વભાવનો હોય છે અને પ્રકૃતિ પણ સહજ સ્વભાવમાં હોય છે. આ મનુષ્યોની જ પ્રકૃતિ એકલી વિકૃત છે. એટલે પ્રકૃતિ વિકૃત, એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે. એટલે આત્માયે વિકૃત થઈ જાય છે. મનુષ્યે સહજ થવાની જરૂર છે. ખાવ-પીવો પણ સહજ. ત્યારે આ અસહજ થાય છે. જ્યારે ઊંઘ આવે ત્યારે ચોટલી બાંધે ને ત્યારે ઊંઘ ના આવે ત્યારે સૂઈ જાય મૂઓ. ઈન્દ્રિયોને રાગ-દ્વેષ નથી ! આ કેરી બહુ સ્વાદિષ્ટ હોય તો ઇન્દ્રિયો તો એને 'એક્સેપ્ટ' કરે જ. એ સામી આવે એટલે ઝટપટ ખાવા માંડે, પણ ખાધા પછી કેરી સાંભરે છે તે શાથી ? ત્યારે કહે, એણે અભિપ્રાય બાંધેલા કે 'કેરી બહુ સારી છે.' ઇન્દ્રિયો કંઇ સંભારતી નથી, એ તો બિચારી મૂકો ત્યારે ખાઇ લે. આપણા અભિપ્રાય આપણને રાગ-દ્વેષ કરાવે છે. અભિપ્રાય છૂટે તો સહજ થાય. પ્રકૃતિમાં, મઠિયાં કે એનો સ્વાદ ? પ્રકૃતિ મઠિયા ખાય છે. આ બધા મહાત્માઓ જાણી ગયેલા. તે અમેરિકામાં બધે જઈએ તે મારા માટે મઠિયા બનાવી રાખે. પણ આ વર્ષમાં બે જ જણને ત્યાં ખાધા છે, બસ. માફક આવે તે પ્રકૃતિ. બધાયને ત્યાં માફક નહીં આવ્યું. એ જરાક ખઈને પછી હું રહેવા દઉં. એટલે કોઈ એમ કહે કે મઠિયા એમને ફાવશે તો વાત માન્યામાં ના આવે. મઠિયામાં રહેલો સ્વાદ એ મારી પ્રકૃતિમાં છે. પ્રશ્શનકર્તા : પાછું આ કેવું છે દાદા, આપણી પ્રકૃતિને અત્યારે ભાવ્યું પછી પાછું મહિના પછી નાય ભાવે, બદલાઈ જાય. દાદાશ્રી : ત્રણ જ દહાડામાં ફેરફાર થાય, દિવસમાં ફેરફાર થાય. આજે ઢેબરાં ભાવે ને કાલે ના ભાવે. પ્રશ્શનકર્તા : નાય ભાવે. દાદાશ્રી : તમે ક્યારે સ્ટડી કર્યો એનો ? પ્રશ્શનકર્તા : દાદાનંુ જોઉં એટલે સ્ટડી થાય. સહજ પ્રકૃતિ કેવી રીતે કામ કરતી હોય છે એ દાદાનું જોઈએ ત્યારે જ ખબર પડે. દાદાશ્રી : નાસ્તો આવે તો જોઈ જોઈને લે, પણ આમાં શું જુદું હોય ? ત્યારે કહે, શેની પર મરચું વધારે પડ્યું છે ? એનું નામ પ્રકૃતિ. પ્રકૃતિ સંપૂર્ણ પ્રકારે જાણે ત્યારે ભગવાન થાય. પ્રકૃતિમય ના થાય એટલે જાણે, નહીં તો પ્રકૃતિમય થાય એટલે જાણે નહીં, ત્યારથી બંધ. જો પ્રકૃતિ એને સમજણ પડી જાય તો છૂટો થાય. આ પ્રકૃતિ છે, તેને તમે જોયા કરો તો જરાય વાંધો નહીં. તમારી જવાબદારીનો વાંધો નથી. તમારી જોવાની ઇચ્છા હોવી જોઈએ અને છતાં નથી જોવામાં અવાતું, પછી તેની જવાબદારી નથી. 'સહજ' પ્રકૃતિ, જ્ઞાનીની ! પ્રશ્નકર્તા : જ્ઞાનીઓની સહજ પ્રકૃતિ કોને કહેવાય ? દાદાશ્રી : વિચાર આવે અને અસર ના કરે, તો પ્રકૃતિ સહજ કહેવાય. પ્રશ્શનકર્તા : પ્રકૃતિ સહજ કેવી રીતે થાય અને ક્યારે થાય ? દાદાશ્રી : ચારિત્રમોહમાં ડખલ ના કરીએ, તો પ્રકૃતિ સહજ થતી જાય. 'દરઅસલ' આત્મા તો સહજ છે જ, પણ પ્રકૃતિ સહજ થાય એટલે મોક્ષ થાય. આ પુરુષો કરતાં સ્ત્રીઓ સહજ છે, અહીંની સ્ત્રીઓ કરતાં ફોરેનવાળાં વધારે સહજ છે અને તેમનાં કરતાંય આ જાનવરો, પશુ-પંખીઓ બધાંય સહજ છે ! પ્રશ્શનકર્તા : આ બધાંની સહજતા જ્ઞાનથી છે કે અજ્ઞાનતાથી છે ? દાદાશ્રી : એમની સહજતા અજ્ઞાનતાથી છે. આ ગાયો-ભેંસોની સહજતા કેવી છે, ગાય કૂદંકૂદા કરે, શિંગડાં મારવા આવે, છતાંય એ સહજ છે. સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે તેમાં તન્મયાકાર રહેવું, ડખલ નહીં કરવી તે. પણ આ અજ્ઞાનતાથી સહજ છે. આ ગાયના વાછરડાને જો કદી પકડવા જઈએ તો એની આંખમાં ખૂબ દુઃખ જેવી બળતરા દેખાય, છતાં એ સહજ છે. આ સહજ પ્રકૃતિમાં જેમ 'મશીન' મહીં ફર્યા કરે, એમ એ પોતે મશીનની માફક ફર્યા જ કરે. પોતાના હિતાહિતનું ભાન કશુંય ના હોય. મશીન મહીં હિત દેખાડે તો હિત કરે, અહિત દેખાડતું હોય તો અહિત કરે. કો'કનું ખેતર દેખીને કો'કના ખેતરમાં પેસી જાય. પ્રશ્શનકર્તા : એમાં એ કંઈ ભાવ નથી કરતાંને ? દાદાશ્રી : એમને તો કંઈ 'નિકાલ' કરવાનો હોતો જ નથી ને ! એ તો એમનો સ્વભાવ જ એવો છે, સહજ સ્વભાવ ! એમનો બાબો ચાર-છ મહિનાનો થાય પછી જતો રહે, તો એમને કશો વાંધો નહીં. એમની કાળજી ચાર-છ મહિના સુધી જ રાખે. અને આપણા લોકો તો..... પ્રશ્શનકર્તા : મરતાં સુધી રાખે. દાદાશ્રી : ના, સાત પેઢી સુધી રાખે ! ગાય છે તે એના બાબાની કાળજી છ મહિના સુધી રાખે. આ ફોરેનના લોકો અઢાર વર્ષનો થાય ત્યાં સુધી રાખે અને આપણા હિન્દુસ્તાનના લોક તો સાત પેઢી સુધી રાખે. એટલે સહજ વસ્તુ એવી છે કે એમાં બિલકુલ જાગૃતિ હોતી નથી. મહીંથી જે ઉદયમાં આવ્યું, તે ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ કહેવાય. આ ભમરડો ફરે છે તે ઊંચો થાય, નીચો થાય, કેટલીક વાર આમ પડવાનો થાય, એક ઈંચ કૂદેય ખરો, ત્યારે આપણને એમ થાય કે 'અલ્યા, પડ્યો પડ્યો.' ત્યાં તો મૂઓ પાછો બેસી જાય, એ સહજ કહેવાય. વિકલ્પી સ્વભાવવાળાએ તો પોતે કશું જ કરવું ના જોઈએ. એણે તો કોઈ સહજ માણસને ખોળી કાઢવો ને તે કહે તેમ કરવું. કેવો પ્રકૃતિ સ્વભાવ ? પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે ખાંડનો કંટ્રોલ આવવાનો હોય તે પહેલાં જ એ કૂદાકૂદ કરે કે ખાંડ લઇ આવીએ, ખાંડ લઇ આવીએ. ખાંડનો કંટ્રોલ આવવાનો છે એમ કહે, ને આપણે ઘણું સમજાવીએ કે કંટ્રોલ આવશે ત્યારે થોડી થોડી લઇ આવીશું. છતાંય એ કહે, ના. એવું છે. પ્રકૃતિ તો બાળક જેવી છે અને વૃદ્ધ જેવી પણ છે. સમજાવવા માટે બાળક જેવી છે. અમે તો એને ગોળીઓ ખવડાવી ખવડાવીને સમજાવીએ છીએ. પ્રશ્શનકર્તા : પ્રકૃતિ વૃદ્ધ જેવી છે એ કઇ દ્ષ્ટિએ ? દાદાશ્રી : વૃદ્ધ જેવી છે એનું કારણ શું કે ગમ્મે તેટલાં મોટાં લશ્કર આવે ત્યારે એ ના છોડે, પકડી રાખે અને છોડી દે તો સહજમાં છોડી દે. એ 'અમે' જોયું છે. પ્રકૃતિ જો જડ હોય તો એ છોડે જ નહીં, વીતરાગી કહેવાય પણ પ્રકૃતિ ચેતન ભાવને પામેલી છે, મિશ્ર ચેતન છે. લોકો આત્મા જાણતા નથી ને તેના વગર ચાલે જ છે ને તેમને ? કારણ કે પ્રકૃતિ એવંુ મિશ્ર ચેતન છે. આપણા છોકરાં મોટાં હોય, બહુ હોશિયાર હોય પણ છેતરાવાના ના હોય તોય તે સહેજમાં છેતરાઈ જાય છે કે નહીં ? એનંુ શંુ કારણ ? એ પ્રકૃતિ છે, એને સમજાવનારા જોઈએ. જ્ઞાનીના શબ્દોથી સહજતા ! પ્રશ્શનકર્તા : પ્રકૃતિ વિભાવિક થઇ જાય છે તે જ્યારે ગાંઠો વધારે ફૂટે તેથી શું એમ બને છે ? દાદાશ્રી : હા, પણ એને એવિડન્સ ભેગો થાય છે તેથી જ ને ? માણસને ચક્કર આવે ત્યારે એ પડી ના જાય, પણ વધારે પડતા ચક્કરનો એવિડન્સ આવી જાય તો તે પડીયે જાય. 'જ્ઞાન' પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લેટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે. એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે, તો શી અસર થાય તમને ? પ્રશ્શનકર્તા : મહીં કંટાળો આવે ને ગાળોય દઇ દઉં આ રેલ્વેવાળાઓને ! દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ 'વ્યવસ્થિત' છે. 'અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઇ બાપોય રચનાર નથી અને તે 'વ્યવસ્થિત' છે.' આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે, તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તો જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રીલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય. એટલે શું કે પોતે જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદ પદમાં રહે. આમાં દોષિત કોણ ? પ્રકૃતિ તો સહજ છે પણ બુદ્ધિ ડખો કરે છે. પ્રકૃતિને પંખો માફક ના આવે, તેમાં પંખાનો શો દોષ ? પ્રકૃતિનો શો દોષ ? દોષ દેખાવો એ બુદ્ધિને આધીન છે, આત્માને આધીન નથી. સંજોગ અનુસાર પ્રકૃતિ બંધાય છે અને પ્રકૃતિ અનુસાર સંસાર ચાલે, આમાં કોનો દોષ જોવાનો ? આ બધા પ્રાકૃત દોષો છે, તેને ચેતનના દોષો માને છે. તેથી તો આ સંસાર ઊભો રહ્યો છે. ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં. પ્રકૃતિ કરે છે, ત્યારે આત્મા માલિક હોતો નથી. પ્રકૃતિ બંધાતી વખતે આત્મા ભ્રાંતિથી માલિક થાય છે ને છૂટતી વખતે આત્મા માલિક હોય નહીં. પ્રકૃતિમાં ડખો ના કરો ! શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? પ્રકૃતિ રહી. તે ગનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે કહીએ, 'તું જોશથી કર.' એમેય નહીં કહેવાનું અને 'ના કરીશ' એમેય નહીં કહેવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું, તો 'વ્યવસ્થિત'. અને કોઈ ફેરો જ પહેલું પ્રકૃતિને ઠંડક રહે એટલા માટે કહી દેવું પડે કે 'વ્યવસ્થિત' છે. કારણ કે મહીં જાતજાતના ગૂંચાળા ઊભા થાય, લૌકિક જ્ઞાન હાજર થઈ જાય, એટલે આપણે આ જ્ઞાન પહેલેથી કહી દેવું પડે કે 'વ્યવસ્થિત' છે. બાકી 'વ્યવસ્થિત'''નો અર્થ એ છે કે પ્રકૃતિના કાર્યમાં ડખો નહીં કરવાનો. પ્રશ્શનકર્તા : 'કોઈ કર્તા નથી' કહ્યું, એનો અર્થ એમ કે વ્યવસ્થિત ગોઠવાયેલું છે ? દાદાશ્રી : ખરેખર ગોઠવાયેલું છે પણ આ લોકોને કહેવાય નહીં એવું. એવું કહે તો આ લોકો કેવાં છે ? હાથેય હલાવે નહીં, એવાં છે. હાથને કહેશે, 'તું હાલીશ જ નહીં'. તો ઊંધી પ્રક્રિયા થઈ જશે. સહજ રીતે રહેવાનું. જો સહજ રીતે રહી શકતો હોય, જે મન-વચન-કાયામાં ડખલ નહીં કરતો હોય, તેને વ્યવસ્થિત જ છે જગત, ગોઠવાયેલું જ છે. પણ આ તો મન-વચન-કાયામાં ડખલ કરે કે હવે નહીં જઈએ તો ચાલશે. જાણ્યા પછી પાળવંુ સહજ ! પ્રશ્શનકર્તા : આત્માનો ધર્મ પાળવા જાય તો એ અસહજ ના થઈ ગયો કહેવાય ? એ તો સહજ રીતે પળાય ને ? દાદાશ્રી : પાળવા જવાનો નથી, એની મેળે જ પળાય. આ સોનું અને તાંબું ભેગું કરીને વીંટી બનાવીએ તો સહેજ કાટ ચઢે તો આપણે સમજી જઈએ કે આ સોનાનો કાટ નથી, તાંબાનો કાટ છે. પછી બેને જુદું પાડીએ ત્યારે ખબર પડે કે ઓ હો હો ! આ તો તાંબું જ કટાતું હતું. એટલે આ બેની વાત સમજવા જેવી છે. પુરુષનો, આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી અને પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, ગુણે કરીને બન્ને જુદા છે. એવુું એ ગુણધર્મથી જુદું છે. એવું ભ્રાંતિથી માની લેવામાં આવે કે 'આ હું છું' એટલે બધું ચાલ્યું પછી. એના ફળ ભોગવવા પડે છે. ઓળખાણ, સહજ ને અસહજની ! સહજ પ્રકૃતિ એટલે જેવું વીંટ્યું હોય એવું જ બસ ફર્યા કરે, બીજી કશી ભાંજગડ નહીં. જ્ઞાનદશાની સહજતામાં તો, આત્મા જો આનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જ એ સહજ થાય. ને એમાં સળી કરી કે પાછું બગડ્યું. 'આવું હોય તો સારંુ, આવું ના હોય તો સારંુ.' એમ ડખલ કરવા જાય કે અસહજ થાય. શેઠની દુકાને નાદારી નીકળવાની હોય, તોય શેઠાણી છે તે કોઈ ભિક્ષુક આવે, તેને સાડલો આપે, બીજું આપે. અને આ શેઠ એક દમડી પણ ના આપે. શેઠ બિચારાને મહીં થયા કરે કે હવે શું થશે ? શું થશે ? જ્યારે શેઠાણી તો નિરાંતે સાડી-બાડી આપે, એ સહજ પ્રકૃતિ કહેવાય. મહીં જેવો વિચાર આવ્યો એવું કરી નાખે. શેઠને તો મહીં વિચાર આવે, લાવ બે હજાર રૂપિયા ધર્માદા આપીએ. તો તરત પાછો મનમાં કહેશે, હવે નાદારી નીકળવાની છે, શું આપીએ ? મેલોને છાલ હવે ! તે ઉડાડી મેલે ! સહજ તો મનમાં જેવા વિચાર આવે તેવું જ કરે અને તેવું ના કરે તોય (વ્યવહાર) આત્માની ડખલ ના હોય, તો તે સહજ છે. આ 'જ્ઞાન' આપેલું હોય, તેને પણ ગાડીમાં ચઢતા ક્યાં જગ્યા છે ને ક્યાં નથી, એવો વિચાર આવે. ત્યાં સહજ રહેવાય નહીં, મહીં પોતે ડખલ કરે, છતાં પણ આ 'જ્ઞાન'માં જ રહો, 'આજ્ઞા'માં જ રહો, તો પ્રકૃતિ સહજ થાય. પછી ગમે તેવું હશે તોય, લોકોને સો ગાળો ભાંડતો હશે તોય એ પ્રકૃતિ સહજ છે. કારણ કે અમારી આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટીને ત્યારથી જ પ્રકૃતિ સહજ થવા માંડે. 'આપણી' આ સામાયિક કરો છો, ત્યારે પણ પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી સહજ દશા હોય નહીં. ત્યાં 'આ ત્યાગ કરંુ, આ ત્યાગ કરંુ, આ કરાય, આ ના કરાય.' એની કડાકૂટો ઠેઠ સુધી રહેવાની ! મનુષ્ય સિવાય, તમામ જીવો સહજ ! બધા જીવોમાં માણસ જાત એકલી જ એવી છે કે અહંકારનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી જ આ જગત ગૂંચાયેલું છે. સહજભાવ હોત બધા જાનવરોની પેઠે, દેવોની પેઠે, તો તો આ મોક્ષ તરફ ચાલ્યા જ કરે. પણ અહંકારનો ઉપયોગ કરેને, પછી તિર્યંચગતિ થાય. ગધેડા, કૂતરા કોણ થાય ? નહીં તો ગધેડાવાળા માટી શેનાથી ઉપાડે ? એટલે ગધેડાં, કૂતરાં, ગાયો, બધાં જગતની સેવા કર્યા કરે છે પછી. પહેલા તો પ્રકૃતિ જેમ દોરે તેમ દોરાતા. પણ તેમાંય જો ફોરેનર્સની પેઠ સહજ રહે તોય સારંુ રહે. પણ ડખોડખલ કર્યા વગર રહે નહીં ને ! અહંકાર કરે પાછો. અહંકાર એ તો ઘોર અજ્ઞાનતા છે. સહજતાના લક્ષણો ! સહજ કોનંુ નામ કહેવાય કે અહીં એક માણસ પાંચ વાગે આવ્યો. તે નવ વાગે (અહીંથી) ઊઠે. ત્યાં સુધી બધાની સમૂહ ક્રિયા શંુ ચાલ્યા કરે છે, બધા દાદા ભગવાન બોલે તો એય દાદા ભગવાન બોલે. બધા ગાય તો એય ગાય. પછી છે તે બધા ગરબા ગાય તો એ ગરબા યે ગાય. એ બધંુ સહજ, એમાં પોતાનંુ કંઈ નહીં. પોતાની ડિઝાઈનમાં ઉતારે નહીં. હવે ત્યાં તો પોતાનંુ ડ્રોઈંગ ચીતરે તો એ સહજતા ચૂક્યા કહેવાય. ત્યાં લોકો પોતાનંુ ડ્રોઈંગ ચીતરે ને ? કારણ કે આપણંુ વિજ્ઞાન એવંુ છે કે મનને જો તમે એવંુ કહી દો કે આ બધા કહે એ પ્રમાણે જ કરવાનંુ છે તો મન પણ ખુશ થઈ જશે અને આ બધા જેવંુ કરતા એને આનંદ થાય છે. પણ આપણે મનમાં જરા પોતાનંુ ડ્રોઈંગ ચીતર્યું તો પછી ડૂબકી મારવી પડે. એ ડોઝીંગ કહેવાય છે. કર્મો બંધાય શેનાથી ? પ્રશ્શનકર્તા : નવા કર્મો જે થાય, તે બાહ્ય પ્રકૃતિને લઈને જ થાય ? દાદાશ્રી : એ નવા કર્મો થાય છે એ તો આપણા અહંકાર અને આજની આપણી સમજણ ને જ્ઞાન, તેની ઉપર આધાર રાખે છે. કર્મ અવળાયે બાંધે ને સવળાયે બાંધે અને પછી પ્રકૃતિ આપણને એવાં સંજોગોમાં રાખે. આ બહુ ઝીણી વાત છે. એ પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ છે. સ્વભાવેય સહજ છે. આત્માએ કોઈ દહાડો કર્મ બાંધ્યું જ નથી. કર્મ બાંધવાની શક્તિયે આત્મામાં નથી. કર્મ બાંધવાની જો શક્તિ હોય તો કાયમ ત્યાં રહેત. ત્યાં સિદ્ધોમાં ગયાં હોતને ત્યાં યે કર્મ બાંધત. એવી શક્તિ નથી આ બધી. બાંધ્યા કર્મ, છોડ્યા કર્મ. બાંધનાર કોઈ બાપોયે નથી ને છોડનાર બાપોયે નથી. તું જ છું પોતે. પ્રકૃતિ રચનાર કોણ ? કઈ જાતની પ્રકૃતિ ના હોય ? પ્રકૃતિ જાતજાતની હોય. ધોધ પડે ત્યારે પરપોટા કોણ બનાવતું હશે ? કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, તે પ્રકૃતિ બંધાય પછી. તે કેટલાક મોટા થઈને અહીં ને અહીં ફૂટી જાય, કેટલાક ક્યાંય સુધી ચાલે એવી રીતે પ્રકૃતિ બધી બંધાય છે. પહેલાં પોતાનો પ્રયત્ન... પ્રશ્શનકર્તા : આ પ્રકૃતિ છે. એ પ્રકૃતિને આપણે પ્રયત્ન કરીએ તો સહજ દશામાં રહે છે. અને પ્રયત્ન બંધ કરી દઈએ તો પાછી હતી તેવી ને તેવી થઈ જાય છે. એટલે આપણે બધા નિયમ કરવા પડે કે આમ કરવંુ જોઈએ ને, આમ કરવંુ પડે ને આમ કરવંુ ના પડે. એ જો ના હોય તો જતી રહે છે, એનંુ શંુ કારણ? દાદાશ્રી : પ્રકૃતિ આંધળી છે એટલે પ્રયત્ન ના કરીએ તો ખાડામાં પડે. ગમે ત્યાં લપટાઈ જાય. પ્રયત્ન કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. ... ચંચળતા એટલે ? પ્રશ્શનકર્તા : આપ્તસૂત્રમાં છે કે પ્રકૃતિ અને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ એનંુ નામ સાહજિકતા. દાદાશ્રી : બસ. પ્રશ્શનકર્તા : એટલે આ વચ્ચેની એટલે શંુ ? દાદાશ્રી : ઈમોશનલ થાય છે તે પ્રકૃતિ ઈમોશનલ નથી, 'પોતે' મહીં ભેગો થઈ જાય એટલે ઈમોશનલ થઈ જાય. પ્રશ્શનકર્તા : પોતે એટલે તો અહમ્ ભળે છે પ્રકૃતિમાં એટલે આ... દાદાશ્રી : ભળે છે એટલે ચંચળતા ઉત્પન્ન થઈ. પ્રશ્શનકર્તા : એટલે આ પોતાની ચંચળતા જવી જોઈએ ? દાદાશ્રી : હવે જુદા રહીને જુએ એટલે સાહજીક રહે. 'ચંદુ' ઉદયમાં, 'પોતે' જાણકાર ! જે ઉદય સ્વરૂપ હોય તેમાં ડખલ કરશો નહીં. તે ઉદયને જાણો. આપણંુ જ્ઞાન એવંુ કહે છે. એટલે જે ઉદય હોય તેમાં જ ચંદુભાઈ તન્મયાકાર રહે, તમારે જાણવાનું. તેેને જે ઉદય હોય, તેમાં આઘુપાછંુ કરવાની જરૂર નથી. ઉદય શેનો આવશે ? કે જેનંુ પૂરણ કર્યુ છે, તેનંુ ગલન થયા કરશે. આ નવંુ પૂરણ થવાનંુ નથી, માટે જૂનંુ જે પૂરણ કરેલંુ છે, તે ગલન થયા કરશે. તેને જે ઉદયમાં આવે તે ઉદયમાં રહો. ચંદુભાઈ છે તે ઉદયમાં રહે અને તમારે એને જોયા કરવાનંુ, આટલંુુ જ કામ. તમે એને જોયા કરો એટલે આત્મા સહજ થયો. ચંદુભાઈ ઉદયમાં રહે એટલે દેહ સહજ થઈ ગયો, પુદ્ગલ સહજ થઈ ગયંુ કહેવાય. એટલે એ લોકો ગાતા હોય, તે ઘડીએ આપણે ગાવામાં, એ કૂદતાં હોય ત્યારે કૂદવાનંુ. અહીં બધા કૂદતા હોય ત્યારે આપણે કૂદવંુ. કૂદવાની દશા ના હોય તો બેસી રહેવંુ, જોયા કરવંુ. આ આપણંુ વિજ્ઞાન છે ને, તે જે જે થાય છે એ બધંુ પ્રતિક્રમણ છે. પહેલા કંઈ રાગ-દ્વેષ કર્યા હોય, કંઈ જોયંુ હોય ને આપણને ગમતંુ ના હોય, કંટાળો તે મહીં પરમાણુ ભરેલા તે આ 'જોઈએ', એટલે ઊડી જાય બધંુ. અભિપ્રાય તૂટી જવા જોઈએ બધા, કે આ ખોટંુ છે ને આ ખરંુુ છે. એટલે આપણે તો જે ઉદય આવે ને, 'ચંદુભાઈ' એમાં ભળે અને 'આપણે' જોયા કરવંુ, બેઉ પોતપોતાના કામમાં રહ્યા કરે. પુરુષાર્થ, પૂર્ણ સહજતા સુધી ! પ્રશ્શનકર્તા : આપે પેલી પુરુષાર્થની વાત સંુદર કહી કે વ્યવસ્થિતના ઉદયને હિસાબે મહીં તન્મયાકાર થઈ જવાય પણ તે વખતે પોતે છે તે એમાં ભળે નહીં અને એમાં એ વખતે પુરુષાર્થમાં રહે, ભળવા ના દે. દાદાશ્રી : પુરુષાર્થમાં રહે તેને કશો વાંધો નહીં. એ જ પુરુષાર્થ કહેવાય ને ! પ્રકૃતિ તો હંમેશાં ઉદયમાં તન્મયાકાર જ થવાની એટલે એને શાંતિ થાય. અને પુરુષાર્થ ભળવા ના દે એટલે પેલી પ્રકૃતિને, અકળામણ થાય એટલે બળે. પ્રશ્શનકર્તા : જ્ઞાને કરીને એવંુ બને ખરંુ કે જ્યારે પેલો સંપૂર્ણ છૂટો પડી ગયો હોય, બિલકુલ ભળે નહીં, તો પછી પેલી બળતરાઓ બંધ થઈ જાય ? દાદાશ્રી : હા, થઈ જ જાયને. બળતરા બિલકુલેય હોય નહીં ને ! બળતરા તો મહીં કચરો છે, ત્યાં સુધી બળતરા છે. બળતરા મટી જશે પછી ખરી સાહજીકતા ઉત્પન્ન થઈ જશે. બળતરાવાળાને જ સાહજીકતા હોય નહીં, આનંદ-મઝા ના હોય એને. પ્રશ્શનકર્તા : પણ દાદા આ જ્ઞાન પણ એવંુુ છે કે બહાર કે અંદર ગમે તેટલી આ બધી પ્રક્રિયાઓ ચાલતી હોય બળતરાની કે જ્ઞાનની જાગૃતિની, છતાં બહાર વ્યવહારમાં ડ્રામા ચાલતો હોય. દાદાશ્રી : વ્યવસ્થિત સરસ વ્યવહાર કરી બતાવે. કારણ કે જ્ઞાની કોઈ દહાડો પહેલેથી વિચારે નહીં, પહેલેથી કશંુ ગોઠવણી કરે નહીં. તે વખતે જે આવે તે મુજબ એ કરે. એટલે વ્યવહાર સરસ હોય. વિચારવા-બિચારવાનંુ કોઈ દહાડો નહીં કે કોર્ટમાં જઈને શંુ સાક્ષી આપવી પછી. બધાં લોકો તો ઘેરથી જ વિચારી લે કે શંુ સાક્ષી પૂરવી છે. આમાં રાગ-દ્વેષ કોને ? પ્રશ્શનકર્તા : આત્મા રાગ-દ્વેષ રહિત છે તો પ્રકૃતિ રાગ-દ્વેષ રહિત કેવી રીતે થાય ? ક્યારે થાય ? એનો ક્રમ શું ? દાદાશ્રી : સ્થૂળ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે જ નહીં. એ તો પૂરણ-ગલન સ્વભાવની છે. આ તો અહંકાર રાગ-દ્વેષ કરે છે. આ એને ગમે છે તેની ઉપર રાગ કરે છે અને નથી ગમતું તો દ્વેષ કરે છે. પ્રકૃતિ તો એના સ્વભાવમાં છે. શિયાળાને દહાડે ઠંડી હોય કે ના હોય ? પ્રશ્શનકર્તા : હોય. દાદાશ્રી : એ એને ના ગમે તો એને દ્વેષ ચઢે. કેટલાંકને એમાં મઝા આવે. ના આવે ? પ્રશ્શનકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : એવું. પ્રકૃતિ એને શિયાળાને દહાડે ઠંડી લાગે, ઉનાળાને દહાડે ગરમી લાગે. એટલે આ અહંકાર બધંુ રાગ-દ્વેષ કરે છે. અહંકાર જાય એટલે રાગ-દ્વેષ ગયા. પ્રશ્શનકર્તા : એટલે જ્ઞાન આપ્યા પછી પ્રકૃતિ ઓટોમેટિક સહજ થયા જ કરે છેને ? દાદાશ્રી : હા, જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ જુદી થઈ ગઈ પણ ડિસ્ચાર્જરૂપે રહી. એ ડિસ્ચાર્જ થયા કરે ધીમે ધીમે. ચાર્જ થયેલી છે એ ડિસ્ચાર્જ થયા કરે. (જીવતા) અહંકાર વગર ડિસ્ચાર્જ થયા જ કરે, એની મેળે જ. એને આપણે 'વ્યવસ્થિત છે' કહીએ છીએ. બુદ્ધિ કરાવે અસહજતા ! આત્મા સહજ સ્વરૂપે જ છે, પણ પ્રકૃતિ સહજ થાય ત્યારે એ સહજ રહે, એનું ફળ આવે. પ્રકૃતિ સહજ ક્યારે થાય ? બુદ્ધિબહેન વિશ્રાંતિ લે ત્યારે પ્રકૃતિ સહજ થાય. કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી બુદ્ધિબહેન આવતાં હતાં, પણ હવે ભણી રહ્યાં, હવે શી જરૂર છે ? હવે એને કહીએ કે 'તમે ઘેર રહો, અમારે જરૂર નથી.' તેને પેન્શન આપી દેવાનું. બુદ્ધિ ચંચળ બનાવે, તેથી આત્માનો જે સહજ સ્વભાવ છે, એનો સ્વાદ ચાખવા મળતો નથી. બહારનો ભાગ જ ચંચળ છે, પણ જો બુદ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્તે ! આ કૂતરંુ દેખ્યું, તો બુદ્ધિ કહેશે, 'કાલે પેલાને કરડેલું તે આય એવું જ કૂતરંુ દેખાય છે, મનેય કરડી જશે તો ?' અલ્યા, એના હાથમાં શી સત્તા છે ? 'વ્યવસ્થિત'માં હશે તો કૈડશે. બુદ્ધિ, તું બાજુએ બેસ. સત્તા જો પોતાની હોત તો લોક પોતાનું પાંસરંુ ના કરત ? પણ પાંસરંુ થયું નથી. બુદ્ધિ તો શંકા કરાવે. શંકા થાય તો ડખો થાય. આપણે તો આપણા નિઃશંક પદમાં રહેવાનું. જગત તો શંકા, શંકા ને શંકામાં જ રહેવાનું. ભરેલો માલ તો નીકળે જ ! પ્રશ્શનકર્તા : આ સંસારમાં ડખોડખલ કર્યા વગર કેમ નહીં રહેવાતું હોય ? દાદાશ્રી : એની પ્રેક્ટિસ છે એ તો. પ્રેક્ટિસને બંધ કરવી પડે કે હવે ડખોડખલ ક્યારેય પણ નહીં થાય એવું. એવી એ ચાવી વાગ વાગ કરે ત્યારે પછી બીજો કંઈ થોડો-ઘણો માલ હોય તે નીકળી ગયા પછી બંધ થાય. પ્રશ્શનકર્તા : કારણ કે આપણે સહજ થવું હોય અને જોયા કરવું હોય તો ડખોડખલ કામની નહીં બિલકુલ. દાદાશ્રી : એ તો પહેલાંનો માલ ભરેલો નીકળ્યા વગર રહે નહીં. તેને આપણે જોઈએ તો સહજ છીએ. પેલું (પ્રકૃતિ) સહજ થશે, બન્ને સહજ થશે ત્યારે ઉકેલ આવશે. પણ અત્યારે તો એક સહજ થયા તોય બહુ થઈ ગયું. ભરેલો માલ તો ફૂટ્યા વગર રહે જ નહીં ને ! ભરેલો માલ ના ગમતો હોય તોય નીકળ્યા કરે. પ્રકૃતિ ઓગળે 'સામાયિક'માં ! તમે શુદ્ધાત્મા થયા તો પ્રકૃતિ સાહજિક થઈ. સાહજીક એ તો ડખોડખલ કરવા દે એવી હોય નહીં અને સાહજીક થઈ એટલે એ વ્યવસ્થિત છે. એટલે અમે તમને એમ ના કહીએ કે તને ખરાબ વિચાર આવ્યો તો તું ઝેર પી. હવે તો ખરાબ વિચાર આવ્યો તો ખરાબને જાણ્યો ને સારો વિચાર આવ્યો તો સારાને જાણ્યો. પણ આ બધું હવે ઓગળે શી રીતે ? કેટલુંક કંટ્રોલમાં ના આવે એવું. તમે કહો છોને તે ના ઓગળે એવી વસ્તુ છે. તેનો આપણે રસ્તો કરવો પડે. અમુક કલાક બેસી જ્ઞાતા-જ્ઞેયના સંબંધથી એ ઓગળે. જે પ્રકૃતિ ઓગાળવી હોય તે આવી રીતે ઓગળે. એટલે એક કલાક બેસી અને પોતે જ્ઞાતા થઈ પેલી વસ્તુને જ્ઞેયરૂપે જુઓ. એટલે એ પ્રકૃતિ ધીમે ધીમે ઓગળ્યા કરે. એટલે બધી પ્રકૃતિ અહીં ખલાસ થાય એવી છે. સહમત નહીં, તો છૂટ્યા ! પ્રશ્શનકર્તા : મોક્ષમાં જવું હોય તો આ નોંધ કરવાની પ્રકૃતિ પડી ગઈ હોય તો ત્યાં શું કરવાનું ? દાદાશ્રી : 'ચંદુભાઈ'ને કહેવાનું કે 'હવે નોંધ ના કરશો.' પ્રશ્શનકર્તા : પણ આ પ્રકૃતિ જે નોંધ કરવાની છે, તેનું શું કરવું ? દાદાશ્રી : એ પ્રકૃતિ કરે તો 'આપણને' વાંધો નહીંને ! આ તો 'આપણે' અને એ, એમ બેઉ સહમત થઈને કરીએ છીએ. 'આપણી' સહમતિ ઊડી ગઈ, પછી એ નોંધ રહે જ નહીંને ! તે કરેય નહીં પછી, કંટાળી જાય. આપણે ના કરીએ તો સામો નોંધ કરે જ નહીં. મારી દુકાનમાંથી તમે માલ લઈ જાવ એની હું નોંધ ના રાખું, તો પછી તમેય ના રાખો. તમે જ કહેશો, 'એ નોંધ નથી રાખતા, તો હું શું કરવા રાખું ?' એવો કાયદો છેને ! પ્રશ્શનકર્તા : આ નોંધ છોડવાની ત્યારે સહજ બને છે કે જ્યારે આપની 'જલેબી' (આત્મસુખ) ચાખવાની મળે છે ત્યારે. દાદાશ્રી : હા, નહીં તો ના છૂટે. પ્રશ્શનકર્તા : નહીં તો ત્યાં સુધી નોંધ છોડવી એ તો બહુ કઠણ પડે. દાદાશ્રી : અરે, માણસ તો 'મરી જઉં પણ નોંધ નહીં છોડું, પહાડ ઉપરથી પડતું મેલું પણ નોંધ નહીં છોડું', કહેશે. કારણ કે એના આધારે 'હું જીવું છું' એવું એને લાગે છે. આપણે કહીએ, 'ખાવાનું લઈ લઈએ તો ચાલશે ?' ત્યારે એ કહેશે, 'ના, ખાવાનું તો જોઈએ ને !' પણ તોય એને નોંધ તો જીવાડે. નોંધ કશુંય છોડે નહીં. ડીકંટ્રોલ્ડ પ્રકૃતિ સામે... પ્રશ્શનકર્તા : કંટ્રોલ વગરની પ્રકૃતિ હોય તો ? દાદાશ્રી : પણ એ તો એની મેળે કંટ્રોલ વગરની પ્રકૃતિ જ એને ફળ આપી દે, સીધું જ. એને આપણે શીખવાડવા જવું પડે નહીં. એટલે કંટ્રોલવાળી પ્રકૃતિ હોય તો પેલાને સુખ જ પડે અને કંટ્રોલ વગરની હોય તો એની મેળે, એનું ફળ ત્યાં ને ત્યાં મળી જ જાય. પોલીસવાળા જોડે કંટ્રોલ વગરની પ્રકૃતિ કરી જોજે, ફળ ત્યાં ને ત્યાં જ મળી જાય. જ્યાં જુએ ત્યાં. ઘરમાં હઉ, બધેય. એટલે કંટ્રોલ વગરની હોય, તેને ત્યાં ને ત્યાં ફળ મળી જાય એની મેળે, મહીં જ ફળ મળી જાય. એ રહે જ નહીં. દોડધામ કરતાં હોય કંટ્રોલ વગરની. છેવટે ઠોકર વાગીનેય ઠેકાણે આવી જાય. પ્રશ્શનકર્તા : કંટ્રોલ હોય તો સારંુ કે નહીં ? દાદાશ્રી : કંટ્રોલ હોય તો ઉત્તમ કહેવાય. કંટ્રોલ વગર તો એને પોતાને માર પડે જ. કંટ્રોલ હોય તેના જેવું એકુંય નહીં અને જ્ઞાનના આધારે પ્રકૃતિ કંટ્રોલમાં રહે. પ્રશ્શનકર્તા : જ્ઞાનથી કંટ્રોલ રહેવો એટલે સહજ રીતે, એમ ? દાદાશ્રી : સહજ શબ્દ જ ના હોય ને ! પુરુષાર્થથી રહે. સહજથી રહેતું હોય, તેને પછી આગળ કશું કરવાનું રહે જ નહીં ને ! ખલાસ થઈ ગયું, કામ પૂરંુ થઈ ગયું. પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં હોય જ છે. કંટ્રોલ કરવાની તમારે જરૂર નથી. 'તમે' સહજભાવમાં આવ્યા તો પ્રકૃતિ તો સહજભાવમાં છે જ. પ્રકૃતિનો સહજભાવ એટલે 'જેમ છે તેમ' બહાર પડી જવું તે. વિફરેલી પ્રકૃતિ સહજ થયે વધે શક્તિ ! પ્રશ્શનકર્તા : દાદાએ એમ કહ્યું છે કે વિફરેલી પ્રકૃતિ સહજ થાય, ત્યારે શક્તિ વધવા માંડે છે. દાદાશ્રી : હા, ખૂબ શક્તિ વધે. પ્રશ્શનકર્તા : એ કેવી રીતે બને ? દાદાશ્રી : વિફરેલી પ્રકૃતિ જો સહજ થાયને, તો શક્તિ એકદમ જ ઉત્પન્ન થાય, ખૂબ ખેંચે બહારથી બધી શક્તિઓને. હોટ(ગરમ) લોખંડ હોયને, તે હોટ લોખંડના ગોળા ઉપર પાણી રેડે તો શું થાય ? બધું પી જાય, નીચે ના પડવા દે, એક ટીપુંય. તેવી રીતે આ પ્રકૃતિ એવી વિફરેલી હોયને તે હોટ ગોળા જેવી થઈ ગયેલી હોય. પછી જેમ ઠંડી પડતી જાયને તેમ એનામાં શક્તિ વધતી જાય. સંયોગો વિયોગી સ્વભાવના ! જો પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થઈ જ જાય. અગર આત્મા સહજ થવાનો પ્રયત્ન થાય તો પ્રકૃતિ સહજ થઈ જાય. બેમાંથી એક સહજ ભણી ચાલ્યું, કે બેઉ સહજ થઈ જાય. 'જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યથી સ્વભાવભિન્ન, સુપ્રતિતપણે બન્ને જેને સમજાય છે જડ છે સંબંધમાત્ર..' જડ સંબંધ છે અને આત્મા ચૈતન્ય છે, પોતે છે. પોતે સંબંધી અને આ જડ સંબંધ માત્ર છે. આપણને સંયોગનો સંબંધ થયેલો છે. બંધ નથી થયો, સંબંધ થયેલો છે. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવવાળા છે. આપણે કહીએ કે આ વળગ્યું, આ વળગ્યું. મૂઆ, વળગ્યું પણ આ વળગણને છોડાવવા માટે ભૂવાને બોલાવવો પડશે ને આ તો એની મેળે વખત થશે, એટલે છૂટી જશે. આ વળગણ વળગ્યું હોયને, કોઈને, તો ભૂવાને બોલાવે ત્યારે ઉતરે. અને આ તને સંયોગો જે વળગ્યા છે, તે વિયોગી સ્વભાવનાં છે. માટે તારે ભૂવાને નહીં બોલાવવો પડે. એક ફેરો જ્ઞાની પુરુષ પાસેથી આત્મા પ્રાપ્ત કરી લે પછી સંયોગ સંબંધ બધો વિયોગી સ્વભાવવાળો છે. અને માતાજીની ભક્તિ કર, તે આપણે નહીં કરવાની, 'ચંદુભાઈ' (વાચકે પોતાનું નામ સમજવું) પાસે કરાવવાની. ચંદુભાઈ માતાજીની ભક્તિ કરો, કહીએ. એટલે સહજ થતું જાય. પ્રકૃતિ સહજ થવા કાજે... જ્ઞાન લીધા પછી આત્મા (વ્યવહાર આત્મા)ને સહજ કરવાનો છે. હવે આત્માને સહજ કરવા માટે દેહ સહજ થવો જોઈએ. અને આત્મા તો સહજ જ છે. દેહ સહજ થાય એટલે આત્મા સહજ જ છે. અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય તો પ્રકૃતિ સહજ થાય. 'આપણે' માતાજીની ભક્તિ પોતાની પ્રકૃતિ પાસે કરાવવી. 'આપણે આત્મભાવે' નહીં કરવાની, 'ચંદુલાલ' પાસે દેવીની ભક્તિ કરાવવી અને તો જ પ્રકૃતિ સહજ થાય. આ તો હિન્દુસ્તાનમાં માતાજીનાં લોકોએ જુદાં જુદાં નામ પાડેલાં. કેટલું બધું વિશાળ આ સાયન્સ હશે ! કેટલી બધી શોધખોળ કરીને અંબામાતા, સરસ્વતીદેવી, લક્ષ્મીદેવીની શોધ થઇ હશે ! આ બધું કર્યું ત્યારે સાયન્સ કેટલું બધું ઊંચું ગયેલું હશે ! આ બધું અત્યારે ખલાસ થયું ત્યારે માતાજીનાં દર્શન પણ કરતાં ના આવડ્યાં ! માતાજી એ આદ્યશક્તિ છે ! તે પ્રાકૃત શક્તિ આપે. માતાજીની ભક્તિ કરવાથી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થાય. અંબામા તો સંસારનાં વિઘ્નો દૂર કરી આપે, પણ મુક્તિ તો જ્ઞાન દ્વારા જ સાંપડે. દર્શન કરતાં આવડે તો ચાર માતાઓ હાજરાહજુર છે - અંબામા, બહુચરામા, કાળિકામા અને ભદ્રકાળીમા. માતાજી પાપ ધોઇ ના આપે, પણ પ્રાકૃત શક્તિ આપે. આ અંબામાતાજી અમારંુ કેટલું બધું રક્ષણ કરે છે ! અમારી આસપાસ બધે જ દેવો હાજર ને હાજર હોય. અમે દેવોને પૂછયા વગર, તેમની રજા લીધા વગર એક ડગલુંય આગળ ના ચાલીએ. સર્વ દેવોની કૃપા અમારા ઉપર અને અમારા મહાત્માઓ ઉપર વરસ્યે જ જાય છે ! અંબામાતાજી એટલે સહજ પ્રકૃતિ. દરેક દેવીઓના કાયદા હોય છે. તે કાયદા પાળે તો માતાજી ખુશ રહે. અમે મા અંબેના એકના એક લાલ છીએ. માતાજી પાસે તમે અમારી ચિઠ્ઠી લઇને જાવ તો તે સ્વીકારે. આ તમારો દીકરો હોય અને નોકર હોય પણ જો નોકર તમારા કાયદામાં જ રહેતો હોય તો તમને નોકર વહાલો લાગે કે નહીં ? લાગે જ. અમે કયારેય પણ અંબામાના, લક્ષ્મીજીના કે સરસ્વતીદેવીના કાયદા તોડ્યા નથી. નિરંતર તેમના કાયદામાં જ રહીએ છીએ. તેથી એ ત્રણેય દેવીઓ અમારા ઉપર નિરંતર પ્રસન્ન રહે છે ! તમારે પણ જો તેમને પ્રસન્ન રાખવાં હોય તો તેમના કાયદા પાળવા જોઇએ. પ્રશ્શનકર્તા : અંબામાતાના શા કાયદા છે ? અમારે ઘેર અંબામાતાની ભક્તિ કરે છે બધાં, પણ એના કાયદા શા છે તે અમે જાણતા નથી. દાદાશ્રી : અંબાજી દેવી એટલે શું ? એ પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો સહજતા તૂટી તો અંબાજી તારી ઉપર રાજી જ કેમ થાય ? આ અંબાજી દેવી તો કહેવું પડે ! તે તો માતાજી છે, મા છે. બંગાળમાં દુર્ગા કહેવાય છે તે જ આ અંબાજી. બધી દેવીઓનાં જુદાં જુદાં નામ મૂક્યાં છે પણ જબરદસ્ત દેવી છે ! આખી પ્રકૃતિ છે. આખી પ્રકૃતિનો ભાગ જો હોય તો તે માતાજી છે. પ્રકૃતિ સહજ થઇ તો આત્મા સહજ થાય જ. આત્મા અને પ્રકૃતિ, એ બેમાંથી એક સહજ ભણી ચાલ્યું, તો બંને સહજ થઇ જાય ! સહજ કરવાનંુ કોને ? પ્રશ્શનકર્તા : આત્માનંુ જ્ઞાન લીધંુ આપની પાસેથી એટલે કે પ્રકૃતિ સહજ થવી જોઈએ કે નહીં ? દાદાશ્રી : ના, એ તો સહજ થતી જ જાય. પોતે આ જ્ઞાનમાં રહેને તો સહજ છે ! આત્મા સહજ જ છે. આ દેહને સહજ કરવાનો છે. તમે અસહજ થશો, ત્યાં સુધી એ અસહજ થશે. તમે જો સહજ થઈ જશો, તો એ સહજ છે જ. તમારે સહજ થવાની જ જરૂર છે. આ સહજ ક્રિયા મેં આપી છે. જ્ઞાન સહજ ક્રિયાનંુ આપ્યંુુ છે. આખંુ જગત ગૂંચવાડામાં છે. ગૂંચાઈ ગૂંચાઈને દમ નીકળી જાય છે. શુદ્ધાત્મા જોવાથી વાઘ પણ અહિંસક ! પ્રશ્શનકર્તા : પોતાની પ્રકૃતિને સામાની પ્રકૃતિ સાથે એડજસ્ટ કરાવવી એને બદલે હવે જો 'હું શુદ્ધાત્મા છું' અને સામાને જો શુદ્ધાત્મા જોઉં તો પ્રકૃતિ એની મેળે એડજસ્ટ થઈ જાય ? દાદાશ્રી : થઈ જ જાય. ગોદો મારીએ તો પ્રકૃતિ કૂદે, નહીં તો એવું સરસ-સહજ ભાવમાં આવી જાય. આ અસહજ પોતે થયોને એટલે પેલી પ્રકૃતિ કૂદ્યા કરે. પ્રશ્શનકર્તા : પણ જેણે જ્ઞાન લીધું છે એની પ્રકૃતિ સહજ થાય, પણ સામાએ ના લીધું હોય એની સહજ થોડી થાય છે ? દાદાશ્રી : પણ જ્ઞાનવાળો બીજાની પ્રકૃતિ જોડે સહજ રીતે કામ કરી શકે, પેલો (ડિસ્ચાર્જ અહંકાર) વચ્ચે મહીં ગોદો ન મારે તો. પ્રશ્શનકર્તા : બે માણસો સામસામા હોય, એકે દાદાનું જ્ઞાન લીધેલું છે એટલે એ પોતાની પ્રકૃતિ સહજ કરતો જાય છે આ પ્રમાણે જ્ઞાનમાં રહીને, પાંચ આજ્ઞા પાળીને. પણ સામો માણસ જે છે, જેણે દાદાનું જ્ઞાન નથી લીધું, તે એની પ્રકૃતિ સહજ કેવી રીતે થાય ? દાદાશ્રી : ના, એને કશું લેવા-દેવા નહીં. પ્રશ્શનકર્તા : હવે એની પ્રકૃતિ સહજ ના થાય, પણ આપણને વાંધો ના આવે ? દાદાશ્રી : આપણે તો આ જે પાંચ આજ્ઞા છે ને, એ તમારી સેફસાઈડ છે બધી રીતે. એમાં તમે રહોને, તો કોઈ તમને હેરાન નહીં કરે, વાઘ-સિંહ કશુંય. વાઘને જેટલો વખત તમે શુદ્ધાત્મા તરીકે જુઓ, તેટલો વખત એ એનો પાશવી ધર્મ, પશુયોનિનો જે ધર્મ છે તે ભૂલી જાય. એનો ધર્મ ભૂલ્યો એટલે થઈ રહ્યું, કશું કરે નહીં. પ્રશ્શનકર્તા : એટલે સામામાં શુદ્ધાત્મા જોવાથી એનામાં કોઈ પરિવર્તન આવતું હશે ? દાદાશ્રી : ઓફકોર્સ (ચોક્કસ), તેથી જ હું કહું છું કે ઘરના માણસોને 'શુદ્ધાત્મા' તરીકે જુઓ. કોઈ દહાડો જોયા જ નથીને ! તમે ઘરમાં પેસતા છે તે મોટા છોકરાને જુઓ તો તમને આમ દ્ષ્ટિમાં કશું ના હોય. દ્ષ્ટિમાં કેમ છો, કેમ નહીં, બધું કરો પણ અંદરખાને કહે, સાલો નાલાયક છે. એવું જુઓ તો એની અસર થાય. જો શુદ્ધાત્મા જોયા તો એની અસર થાય. આ જગત નરી અસરવાળું છે. એ એટલું બધું ઇફેક્ટિવ છે કે ન પૂછો વાત. આ વિધિઓ કરીએ છીએ તે અમે એવું જ કરીએ છીએ, અસર મૂકીએ છીએ, વિટામીન મૂકીએ છીએ. તે એટલી શક્તિ ઉત્પન્ન થઈ, નહીં તો શક્તિ કેમ કરીને થાય તે ? હું અનંત અવતારની કમાણી લઈને આવ્યો છું અને તમે એમ ને એમ રસ્તે હેંડતા આવ્યા. પ્રશ્શનકર્તા : તમે કહેલું કે અમે શુદ્ધાત્માને શુદ્ધાત્મા તરીકે જોઈએ. મહીં આ શુદ્ધાત્મા તો નિર્દોષ છેે જ... દાદાશ્રી : એ તો ભગવાન જ છે. પ્રશ્શનકર્તા : પણ અમને એની પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય છે. દાદાશ્રી : હા, તે પ્રકૃતિ નિર્દોષ દેખાવી જોઈએ. પ્રશ્શનકર્તા : એ છેલ્લે પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય, બન્ને નિર્દોષ દેખાય ત્યારે સહજતા આવી રહે ? દાદાશ્રી : હા. વળી આપણો માર્ગ તો ત્યાં સુધીનો, કે તમને કપટ હોય તેય જુઓ, કહે છે. અને ક્રમિક માર્ગમાં કપટ ચાલે જ નહીંને ! અહંકાર જ બિલકુલ શુદ્ધ કરતાં કરતાં રહેવાનું, ત્યાં ચાલે નહીં. એટલે એમ કરતાં કરતાં બે-ત્રણ અવતારેય પૂરંુ થાય તોય બહુ થઈ ગયું ને ! અરે, દસ અવતારે થશે તોય શું ખોટ જવાની ? પણ દોષિત નથી કોઈ. પ્રોટેકશન માટે પાંચ આજ્ઞા ! પ્રશ્શનકર્તા : પણ આપ જે જ્ઞાન આપો છો તે વખતે જે આ લક્ષ બેસાડી દો છો, એ લક્ષ બેસાડી દીધા પછીથી તો માત્ર પ્રકૃતિ જ રહી ને ? દાદાશ્રી : હા, બીજું કશું જ રહ્યું નથી. પ્રશ્શનકર્તા : હવે જે પ્રકૃતિ રહી એ પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે કે સહજપણે એ ગળ્યા કરે છે. દાદાશ્રી : બસ, હવે એ વહ્યા જ કરે છે. પ્રશ્શનકર્તા : ત્યારે હવે આપ આધાર અમને જે આપો છો તે પાંચ આજ્ઞાનો આધાર આપો છો ? દાદાશ્રી : પાંચ આજ્ઞાનો આધાર એટલા માટે આપીએ છીએ કે તમારે હવે બહારની અસરો ન થાય. એટલે પ્રોટેક્શન છે એ ! પ્રશ્શનકર્તા : એટલે અંદરથી તો કોઈ હવે અડચણ કરનારંુ રહ્યું જ નથી. દાદાશ્રી : હા, કોઈ રહ્યું જ નથી. પ્રશ્શનકર્તા : અને આ બહારની અડચણો જે ન થાય તેને માટે... દાદાશ્રી : બહાર કલીયરન્સ રહે એટલા માટે પાંચ આજ્ઞા છે. કારણ કે બહાર આખું જગત જ્યાં જુઓ ત્યાં કુસંગ હશે. એટલે કુસંગની અસર ઝેર, પોઈઝન ન થાય, એટલા માટે આ પાંચ આજ્ઞા છે. જાગૃત થવા કાજે, સ્ટ્રીક્ટનેસ ! પ્રશ્શનકર્તા : એ જૂની ટેવો અને જૂના સ્વભાવ પડ્યા હોય, હવે એ પ્રકૃતિ છે. દાદાશ્રી : મન-વચન-કાયાની ટેવો અને તેનો સ્વભાવ... પ્રશ્શનકર્તા : દાદા, તમે જ્ઞાન આપો છો ત્યારે આત્મા અને પ્રકૃતિ, બે જુદું પાડી આપો છો. શુદ્ધાત્મા સ્વસ્વરૂપમાં રહે, પોતાના સહજ સ્વરૂપમાં તો પ્રકૃતિ પણ એની સામે સહજ થવી જોઇએને ? દાદાશ્રી : આત્મા જો સહજ થયો ને એટલે પ્રકૃતિ સહજ જ કહેવાય. પ્રશ્શનકર્તા : હવે એને એ પ્રકૃતિ સહજ રહેતી ના હોય તો એ જુએ ને જાણે. દાદાશ્રી : હા એટલી કચાશ, એમની એટલી ફાઇલનો નિકાલ કરતા વાર લાગે છે. પ્રશ્શનકર્તા : એટલો સહજ નથી થયો ને ? દાદાશ્રી : એટલી શક્તિ, એટલી જાગૃતિ ઉત્પન્ન થઇ નથી. જાગૃતિ નિર્બળ છે. ક્ષણે ક્ષણની જાગૃતિ જોઇએ. અમને એક ક્ષણ પણ કોઇ દોષિત નથી દેખાતો. દોષિત લાગે છે એની તો આ બધી ભાંજગડ છે. કારણ કે વિજ્ઞાન જ એવું છે. કોઇ દોષિત છે જ નહીં અને દોષિત દેખાય છે તે, જો દેખાય તો ઉપવાસ કરવો જોઇએ. ચંદુભાઇને કહેવું કે ઉપવાસ કરજે બા. પ્રશ્શનકર્તા : બીજે દિવસ કોઇ દોષિત ના દેખાય. દાદાશ્રી : દોષિત છે નહિ વગર કામનો. પ્રશ્શનકર્તા : ઉપવાસ કરે પછી બીજે દિવસેે કોઇ દોષિત ના દેખાય. દાદાશ્રી : ના, આપણે ઉપવાસ કરવાનું કહેવાનું કારણ શું છે કે એટલી મજબૂતી રાખવી જોઇએ આપણે, સ્ટ્રીક્ટ થવું જોઇએ. સ્ટ્રીકનેસ. નિર્દય નહીં થવંુ જોઈએ. પ્રકૃતિમાં ડખલો બંધ, તો સહજ ! આત્મા તો સહજ જ છે, ડખલ જ બંધ કરવાની છે. એ ડખલ બંધ થઈ ગઈ, તે સહજ થતો જાય. પ્રશ્શનકર્તા : આનો અર્થ એ થયો ને કે પ્રકૃતિને સહજ કરવાની ? દાદાશ્રી : પ્રકૃતિ સ્વભાવે સહજ જ છે. એને તો આ પૂતળંુ હોય, તે ક્યાં સુધી બોલે ને ગાયન ગાય ? જ્યાં સુધી આપણે ચાવી આપીએ ત્યાં સુધી. ચાવી આપવાનંુ બંધ કરી દે તો ? પ્રશ્શનકર્તા : આપણે જે ચાવી આપવાનંુ છે, એ શંુ કહેવાય ? દાદાશ્રી : એ જ અજ્ઞાનતાથી સ્પંદન થયાં કરે છે. આ 'મને ગમ્યું ને આ મને ના ગમ્યંુ, આ મને આમ ને તેમ', ને એ જે સ્પંદનો થયા કરે છે, તેથી પ્રકૃતિ ઉપર અસર થાય છે. પ્રતિષ્ઠિત આત્મા અસહજ છે. પ્રશ્શનકર્તા : આપે કહ્યંુ એમ આત્મા યે સહજ છે ને પ્રકૃતિ યે સહજ છે ત્યારે વચમાંનું શંુ ? અજ્ઞાન ? દાદાશ્રી : આત્મા સહજ એ સાપેક્ષ વાત છે. જેને સમકિત થયંુ હોય, એનો આત્મા સહજ છે. મિથ્યાત્વ હોય તેનો આત્મા સહજ નથી. પ્રશ્શનકર્તા : જેને સમકિત થયંુ છે, એને આત્મા સહજ, પ્રકૃતિ પણ સહજ ને ? દાદાશ્રી : હા, પછી પ્રકૃતિને સહજ કરવાની છે. પ્રશ્શનકર્તા : પહેલા મેં એ જ કહ્યંુ, કે પ્રકૃતિને સહજ કરવાની છેને ? દાદાશ્રી : ના, એ તો સમકિત થયા પછી. સમકિત થયા પહેલાં તો પ્રકૃતિ સહજ જ છે અને આ મિથ્યાત્વને લઈને પ્રકૃતિ અસહજ થઈ જાય છે. પ્રકૃતિ તો આપણો ફોટો છે. અરિસામાં જુએ તો મોઢંુ ચઢેલંુ દેખાય. તે પ્રકૃતિ છે, તો પ્રકૃતિનો દોષ છે ? પ્રશ્શનકર્તા : પ્રકૃતિનો જ દોષ. દાદાશ્રી : નહીં, મહીં આત્માને સ્થિરતા, સહજતા નથી આવી. આત્મા સહજ હોય તો પ્રકૃતિ સહજ થાય, પેલાનું મોઢું ને બધંુ સારંુ દેખાય. પ્રશ્શનકર્તા : દાદા, એ આત્મા સહજ નહીં થયો, મોઢું ચઢેલંુ હોય તો એ જે આત્માની આપે વાત કરી, એ પ્રતિષ્ઠિત આત્માને ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા એ વાત ખરી, પણ પ્રતિષ્ઠિત આત્મા એટલે પેલો વ્યવહાર આત્મા. જ્યાં સુધી આ પ્રતિષ્ઠિત આત્માનંુ ચલણ છે ને, ત્યાં સુધી પેલો વ્યવહાર આત્માનો જ દોષ ગણાય છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રતિનિધિ જેવો છે. એટલે જવાબદારી છેવટે એને જાય. કોને જાય ? પ્રશ્શનકર્તા : મૂળ. દાદાશ્રી : ના. એ પોતે એવો છે નહીં, પણ એમના પ્રતિનિધિ આવંુ કરે. એની જવાબદારી કોના માથે ? પ્રશ્શનકર્તા : જો દોષ થતો હોય તો પ્રતિષ્ઠિત આત્માનો જ દોષ થાય ને ? દાદાશ્રી : ખરો દોષ પેલા વ્યવહાર આત્માને જાય પણ (મૂળ આત્માને) પહોંચે જ નહીં ને ! પોતે શુદ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય ને સ્પંદન બંધ થયાં તો ધીમે ધીમે સહજતામાં પ્રકૃતિ આવશે. બન્ને સહજતામાં આવી જાય, એનું નામ વીતરાગ. સહજતામાં પહેલું કોણ ? પ્રશ્શનકર્તા : જ્ઞાન થઈ જાય, એ પછી પ્રકૃતિ સહજ થાય કે પ્રકૃતિ સહજ થાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય, એમાં ક્રમ કયો ? દાદાશ્રી : આપણે આ જ્ઞાન આપીએ છીએને ત્યારે દ્ષ્ટિ બદલાય જાય ને પછી પ્રકૃતિ સહજ થતી જાય. પછી સંપૂર્ણ સહજ થાય. પ્રકૃતિ બિલકુલ સહજ થાય. એટલે આત્મા તો સહજ છે જ, બસ થઈ ગયું. છૂટું થઈ ગયું. અને પ્રકૃતિ સહજ એટલે તો બહારનો ભાગ જ ભગવાન થઈ ગયો, અંદરનો તો છે જ. અંદરનો તો બધાંમાં છે. પ્રશ્શનકર્તા : અમારી પ્રકૃતિ જેટલી અસહજ હોય... દાદાશ્રી : તેનો સવાલ નહીં. તમે આ પ્રકૃતિ તો મને મળતાં પહેલાંની ભરેલી છે. પ્રશ્શનકર્તા : પ્રકૃતિ સહજ થવી જોઈએ કે નહીં ? દાદાશ્રી : એ તો પોતે આ જ્ઞાનમાં રહે તો સહજ જ થાય. પ્રકૃતિ નિકાલ થયા જ કરે, એની મેળે નિકાલ થઈ જશે અને નવી પ્રકૃતિ મારી હાજરીમાં ભરાઈ રહી છે અને જરાક કો'કની કઠણ હોય તો એકાદ અવતાર વધારે થાય, એકાદ-બે અવતારમાં તો બધું ઊડતું જ થાય, બધું મલ્ટિપ્લિકેશનવાળું આ. પ્રશ્શનકર્તા : તમારી દ્ષ્ટિએ તો આ ચોખ્ખું ભરાઇ રહ્યું છે કે નહીં ? અમારી દ્ષ્ટિ તો ફરી, પણ જે નવી પ્રકૃતિ થવાની એ સરખી થવાની કે નહીં ? દાદાશ્રી : હવે શંકા રાખવાનું કોઈ કારણ ના હોયને ! તમે છે તે ચંદુભાઈ થઈ જાવ તો આપણે જાણીએ કે શંકા રખાય. એ તો તમારી શ્રદ્ધામાં છે જ નહીં ને ! ડખલથી થાય અસહજતા ! પ્રશ્શનકર્તા : જ્ઞાન થાય એટલે સમજ આવે પણ પ્રકૃતિ થોડી નાશ થાય છે ? દાદાશ્રી : ના, પ્રકૃતિ કામ કર્યા જ કરે, પ્રકૃતિ જુદી હોય જ્ઞાનીની, જ્ઞાનીની હન્ડ્રેડ પરસેન્ટ (૧૦૦%) જુદી હોય. એટલે જ્ઞાની શાથી કહેવાય કે સહજ સ્વરૂપ દેહ અને સહજ સ્વરૂપ આત્મા, બન્ને સહજ સ્વરૂપ. ડખલ ના કરે. એ ડખલ કરે એ અસહજતા હોય. હજુ જેટલી ડખલ થાય છે, એટલી અસહજતા બંધ કરવી પડશે. એવું તમે જાણો છો હઉ પાછાં. અસહજ થાવ છો તેય જાણો છો. અસહજતા બંધ કરવાની છે તેય જાણો છો. કેવી રીતે બંધ થાય તેય જાણો છો. બધું જ જાણો છો તમે. પ્રશ્શનકર્તા : છતાંય કરી શકતાં નથી. દાદાશ્રી : એ ધીમે ધીમે થાય, એ એકદમ ના થાય આ. આ દાઢી કરવાના સેફટી રેઝર આવે છે ને, એવું આમ કરે ને થઈ ગયું ? થોડીવાર લાગે. એ દરેકને થોડો ટાઈમ લે. આમ કરે તો થઈ જાય, સેફ્ટી માટે ? પ્રશ્શનકર્તા : કપાઈ જાય. દાદાશ્રી : દરેકને ટાઈમ લાગે. પ્રશ્શનકર્તા : આ આખું રિલેટીવ પાસું, આખી પ્રકૃતિ ભગવાન સ્વરૂપ થઈ જાય એમ ? દાદાશ્રી : હા, જો ક્ષમા એવી દેખાય, નમ્રતા એવી દેખાય, સરળતા એવી દેખાય, સંતોષ એવો દેખાય. કોઈ ચીજની ઈફેક્ટ જ નહીં. પોતાપણું ના હોય. એ બધું લોકોનાં દેખવામાં આવે. બધા બહુ ગુણો ઉત્પન્ન થઈ જાય. એ આત્માના ગુણ નથી ને આ પુદ્ગલનાય ગુણ નથી એવાં ગુણ ઉત્પન્ન થઈ જાય. ક્ષમા તો આત્માનોય ગુણ નથી ને પુદ્ગલનો ગુણ નથી. પેલો ગુસ્સો કરે, તે અમે ક્ષમા કરતાં નથી પણ આમ સહજ ક્ષમા જ હોય. પણ પેલાને એમ લાગે કે ક્ષમા કરી એમણે. એટલે અહીં પૃથ્થકરણ થઈને અમને સમજાય કે મારે આમાં લેવાદેવા નથી ને ! પ્રશ્શનકર્તા : એ ક્ષમા માટે થયું. એવું સરળતા માટે કેવું હોય ? દાદાશ્રી : હા, સરળતા તો હોયને ! સામાની દશા અવળી હોય તોય સરળને એ સીધું જ દેખાય. કેવી સરળતા છે ! નમ્રતા !! આમાં કશું છે નહીં આત્માનું. પ્રશ્શનકર્તા : એટલે પોતાનામાં ક્રોધ-માન-માયા-લોભ ઊડે છે એટલા માટે આવાં ગુણ પ્રગટ થાય છે ? દાદાશ્રી : લોભને બદલે સંતોષ થાય એટલે લોક કહે, જુઓને, કશું જોઈતું જ નથી. જે હોય એ ચાલે. એવાં ગુણો ઉત્પન્ન થાય ત્યારે ભગવાન કહેવાય. પ્રશ્શનકર્તા : લોકોને સરળતા, ક્ષમા દેખાય ત્યારે પોતે શેમાં હોય છે ? દાદાશ્રી : પોતે મૂળ સ્વરૂપમાં હોય, લોકો આવું કહે, પુદ્ગલ આવું દેખાય એટલે. પુદ્ગલનું વર્તન આવું દેખાય એટલે લોક કહે, ઓહોહોહો ! કેવી ક્ષમા રાખે છે ! આ જુઓને, અમે ગાળો ભાંડી પણ કશું એમનાં મોઢાં પર અસર જ નથી. કેટલી ક્ષમા રાખે છે પછી પાછાં કહેવતેય બોલે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્. અલ્યા ન્હોય, વીરેય ન્હોય. ક્ષમાયે ન્હોય. આ તો ભગવાન છે એ તો. પાછાં બોલે ક્ષમા એ મોક્ષનો દરવાજો છે. અલ્યા મૂઆ, આ ક્ષમા નહીં, પેલી સહજ ક્ષમા. ક્ષમા જે સુધારે છે એવું કોઈ સુધારતું નથી. ક્ષમાથી જે માણસો સુધરે એવું કશાથી સુધરતંુ નથી. મારવાથીય સુધરતું નથી. એ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ કહેવાય. 'સહજ'ને નિહાળતાં, પ્રગટે સહજતા ! એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ, આત્મા તો સહજ છે, તંુ હવે આ પુદ્ગલને સહજ કર. હવે 'સહજ શી રીતે થાય ?' સહજને જોવાથી સહજ થઈ જાય છે. 'જ્ઞાની'ને જોવાથી, એમની સહજ ક્રિયાઓને જોવાથી સહજ થઈ જાય છે. ત્યારે કહે, 'કોલેજમાં ના શીખાય ?' કોલેજમાં ના આવડે. કારણ કે એ પ્રોફેસરોને જ ભાન નથી, ત્યાં શી રીતે આવડે ? અને આ શબ્દરૂપ જ્ઞાન નથી, આ તો સહજ ક્રિયા છે. જેમ બહારવટિયા પાસે છોકરાને મૂક્યો હોય તો એ છ મહિનામાં તો ફર્સ્ટ કલાસ બહારવટિયો થઈ જાય. ને વીસ વર્ષ સુધી એની કોલેજમાં ભણવા જાય તો યે ના થાય. એવંુ આ જ્ઞાની પુરુષની પાસે રહ્યો તે એની મેળે સહજતા ઉત્પન્ન થઈ જાય છે. અનાદિકાળથી પાર વગરની ચંચળતા ઉત્પન્ન થઈ છે. તે ચંચળતા ધીમે ધીમે ધીમે ઠરતી ઠરતી ઠરતી સહજતા ઉત્પન્ન થઈ જાય છે. મને કોઈ ગાળ ભાંડતો હોય તે વખતે મારી સહજતા જોઈને તમને મનમાં એમ થાય કે 'ઓહોહો !' તે તમને તરત આવડી ગયંુ. જોયંુ કે આવડી ગયંુ. પછી તમને ગાળ ભાંડે તોય સહજતા આવડી જાય. નહીં તો લાખ અવતારેય શીખાય નહીં. જ્ઞાની પુરુષ પાસે રહેવાથી બધા જ ગુણો પ્રગટ થયા કરે, એની મેળે, સહજ પ્રગટ થાય. અક્રમ વિજ્ઞાન કહે છે તેય એનો કહેવાનો ભાવાર્થ એટલો જ કે સહજ થતંુ જાય. જય સચ્ચિદાનંદ |
|---|