|
મોક્ષના ધ્યેયને બાધક... સંપાદકીય મનુષ્ય જીવન પ્રાપ્ત થવું દેવોને પણ દુર્લભ ગણાય છે, કેમ ? કારણ કે મનુષ્યમાંથી પરમાત્મા પદ પ્રાપ્ત થઈ શકે તેમ છે. પરંતુ તેને માટે જીવનનો ધ્યેય હોવો જોઈએ. કોઈ સાચા જ્ઞાની નહીં મળવાથી અને અજ્ઞાન દશામાં પોતાના મનુષ્યપણાની કિંમત નહીં સમજાવાથી, મનુષ્યો જાત જાતના ક્ષુલ્લક ધ્યેય જીવનમાં નક્કી કરી મનુષ્યપણું વેડફી રહ્યા છે. આત્મજ્ઞાની પુરુષ મળી જાય ને આત્મજ્ઞાન પામે ત્યારથી મોક્ષના ધ્યેયનું બંધારણ થઈ જાય છે કે હવે મોક્ષ સિવાય કંઈ જોઈતું નથી, મોક્ષે જ જવું છે. છતાં સમજણની કચાશને લઈને, પૂર્વ અભ્યાસને લઈને, જાત જાતના દોષો મોક્ષના ધ્યેયને બાધક બની જતાં હોય છે અને મહા પુણ્યોદયે પ્રાપ્ત થયેલા મોક્ષમાર્ગથી ગાડીને ડીરેલમેન્ટ કરાવી દે છે. પ્રસ્તુત સંકલનમાં મોક્ષનો સાધક જ્યારે જ્ઞાની શરણે આવ્યો છે, તેને નડતા પ્રાકૃતિ દોષો જ્ઞાની પુરુષ દેખાડે છે. બાકી પોતાની જાતે બાધક દોષો જડવા મુશ્કેલ છે, કારણ કે તે દોષો રૂપ જ પોતે વર્તતો જ હોય, પ્રકૃતિમય થઈ ગયેલો હોય. તેથી શી રીતે પોતાને પોતાની ભૂલ દેખાય ? એ તો જ્ઞાની પુરુષ તો વીઝીનીટીમાં રહ્યા કરે, કોઈ સાથે કંઈ વ્યવહારમાં, અથડામણમાં આવી જાય, ત્યારે આપણી પુણ્યૈ જાગી હોય, તો જ્ઞાની પુરુષની કૃપા ઉતરી જાય ને આપણને જ્ઞાની દોષો સામે જાગૃતિ આપી ચેતવે. જે સાધક વાતને જાગૃતિપૂર્વક પકડી લે અને ખૂબ ખૂબ વિશ્શલેષણ કરી મૂળિયામાંથી દોષને ઉખેડી નાખે તો એ દોષ મૂળથી ખલાસ થાય ને આત્મઅનુભવની શ્રેણીઓ કેટલેક અંશે ચઢી જાય. તેથી પ્રત્યક્ષ જ્ઞાનીની બલિહારી ને ! અનંત અવતારથી મોક્ષ થયો નથી, તેનો ઊઘાડો પુરાવો આપણે અહીં સંસારમાં છીએ. હવે જો બાધક કારણો સામા નહીં પડીએ તો પૂર્ણાહુતિ ક્યારે થશે ? અને બાધક કારણોના ફોર્સ જોરદાર આવી જાય, ક્યાંય પાડી દે તો ફરી જ્ઞાનીનો સાંધો ક્યારે મળે ? માટે એક-એક બાધક કારણોને મૂળમાંથી નિર્મૂળ કરી મોક્ષનો ધ્યેયની પૂર્ણાહૂતિ કરવી જ છે, એવો દ્ઢ નિશ્ચય અને સતત જાગૃત પુરુષાર્થ, જ્ઞાનીની આધીનતામાં રહીને કરીએ તો અવશ્ય મોક્ષના માટે ગાડી નિરંતરાયપણે દોડશે. પ્રસ્તુત સંકલનમાં જુદા જુદા દોષોમાં અટવાયેલા સાધકને પરમ પૂજ્ય દાદાશ્રી કરુણાથી ચેતવે છે. એક-એક જ્ઞાનવાક્ય સોનેરી સમજણ છે. કેટલીક વખત જ્યાંથી કંઈપણ જ્ઞાન પ્રાપ્ત થયું હોય, તેમના દોષ જોયા તો બધું જ્ઞાન જ ધોવાઈ જાય, તો પ્રગતિ શી રીતે કરી શકાય ? જ્ઞાની પુરુષ દોષને દેખાડે ત્યારે આપણી બુધ્ધિ અવળું પકડી જ્ઞાનીના દોષો જોવા લાગે ને પોતાની ભૂલના રક્ષણ કરો તો શી રીતે છૂટાય ? પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાં સંકલિત થયેલી સમ્યક્ સમજણો મોક્ષના ધ્યેય માટે સાધકને દ્ઢ કરાવશે એજ અભ્યર્થના... દીપક દેસાઈ મોક્ષના ધ્યેયને બાધક... જ્ઞાનીના સાંનિધ્યે, પામે પરમાત્મપદ ! પ્રશ્નકર્તા : મનુષ્યનો ધ્યેય શું ? દાદાશ્રી : બહુ મોટું વાક્ય છે, જો ધ્યેય સમજે તો, નહીં તો તો અનેક જાતના ધ્યેય હોય. તે લોકોને ધ્યેય એટલે પોતે જેમાં સુખ માન્યું, એમાં ધ્યેય નક્કી કરી નાખ્યો છે. મનુષ્યોનો ધ્યેય ખરેખર મનુષ્યમાંથી પરમાત્મા થવાનો છે. આ મનુષ્ય દેહે પરમાત્મા થઈ શકે છે. જ્ઞાની પુરુષના દર્શનથી અને જ્ઞાની પુરુષના સાનિધ્યથી પરમાત્મા થઈ શકે છે. મનુષ્યનો ધ્યેય એટલો બધો સુંદર છે, તેય આપણા હિન્દુસ્તાનના મનુષ્યોને માટે છે, ફોરેનને માટે નહીં. જેને પુનર્જન્મનું ભાન છે એવા મનુષ્ય જે ડેવલપ છે, તેને માટે છે આ. પુનર્જન્મ સમજતો નથી એ લોકોને માટે આ વાત છે નહીં. અપમાનથી તરછોડાયેલાને માનનું નિયાણું ! પ્રશ્નકર્તા : કોઈ રાજા-મહારાજાને ત્યાં અગર કોઈ સારી અનુકૂળ જગ્યામાં જન્મે, તો અધ્યાત્મમાં આગળ વધે ને ? દાદાશ્રી : હા. રાજા-મહારાજાઓને ત્યાંય જન્મે અને બીજું અહીં સારાં ઘરોમાં જન્મે કે જ્યાં આગળ, જ્યાં જાય ત્યાં માનભેર હોય. સાસરીમાં જાય તો ત્યાંય માનભેર હોય. જેને નાનપણથી અપમાન થયા કરે તે મનમાં નક્કી કરે કે મારે ગમે તે રસ્તેથી આ લોકોની પાસેથી માન લેવું છે. તે એનો ધ્યેય બદલાઈ ગયો હોય અને તે માનમાં ભળી ગયો હોય. તેને આ માનનો માલ પોસાય. બાકી બીજી ભીખ હોય તેને એ ના પોસાય. આ હિન્દુસ્તાનમાં જન્મ થયો એ અનંત અવતારના આધારે થયો છે. બાકી ફોરેનવાળા તો અધ્યાત્મમાં પુનર્જન્મ સમજતા નથી. હવે નાનપણમાં હરેક બાબતમાં જેને માન મળેલું હોય, તેને માનની ભૂખ મોટી ઉંમરમાં હોય નહીં. નાનપણમાં માનની ભૂખ મટેલી હોય તો માનની પડેલી ના હોય. અપમાનની તરછોડ વાગે તો માણસ ખલાસ થઈ જાય. નાનપણમાં બે-પાંચ-દસ વખત અપમાન જો થઈ જાય ને માન મળતું ના હોય ને માનનો તરછોડાયેલો હોય, ત્યારે માનનું જ એણે નિયાણું કર્યું હોય. તે મોટી ઉંમરમાં બહુ માની થાય, સખત માની થાય. નાનપણમાં જ એણે નક્કી કર્યું હોય કે મારે હવે આ બધાની 'આગળ' જવું છે. એટલે પછી એ હેન્ડલ મારીને 'આ બધાથી આગળ આવું ત્યારે જ ખરો', કહેશે ને એ આગળ આવે પણ ખરો ! હા, તન તોડીને મહેનત બધું જ કરે, પણ આગળ જાય. અને નાનપણમાં માન મળ્યું હોય, તે વધારે આગળ જાય નહીં. હવે માન બહુ મળે તો માનની ભૂખ મટી જાય. 'આઉટ ઑફ પ્રમાણ' માન મળ્યા જ કરે, તો પછી માનની ભૂખ મટી જાય. પછી એને માન ના ગમે. અમને ઓછું માન આપતા હશે લોક ? એવું માન તમને મળે તો ભૂખ મટી જાય પછી. નડે, મીઠું ચાખવાની લત... કોઈ માણસે ગાળ ભાંડી હોયને, તો એમાંય એને કષાયો તે ઘડીએ ફરી વળે. પ્રશ્નકર્તા : કષાયો કેવી રીતે ફરી વળે છે ? દાદાશ્રી : બેભાન કરી દે. બેભાન કરે માણસને, ભાનમાં જ ના રહે ! પ્રશ્નકર્તા : કષાય જાગૃત થયા છે એ કેવી રીતે ખબર પડે ? કયા લક્ષણથી ? દાદાશ્રી : કેમ ? અહંકાર દુભાયો એ ખબર ના પડે ? આ કપટ મૂળ ગુણ એમાં. કપટ એટલે અંધારું ઘોર ! કષાયોમાં થોડું ઘણું અજવાળું હોય. પ્રશ્નકર્તા : આ બધું વિસ્તારથી ફોડ પાડો. આ કપટ, કષાય, અહંકાર.... દાદાશ્રી : એ બધા રસ્તામાં રોકનાર છે. પ્રશ્નકર્તા : આમાં કપટ કેવી રીતે મૂંઝવતું હોય છે ? દાદાશ્રી : કપટ બધું મીઠું લગાડે, જ્યાં ને ત્યાં ભટકાવે. પ્રશ્નકર્તા : એમાં કપટ પાછું કેવી રીતે આવ્યું ? દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ તો ઓછાં કરે, કપટ બહુ કરે. કપટ એટલે સંસારી દશા યે નહીં, સંસારીથી હીન દશા ! કપટ વગરનાં માણસો હોય, તે સરળ હોય. કપટવાળી પ્રકૃતિ મહામુશ્કેલી ઊભી કરે. પ્રશ્નકર્તા : એક માણસે ગાળ ભાંડી, એમાં કપટનું ક્યાં આવ્યું ? દાદાશ્રી : એમાં કપટ ના હોય. કપટ તો પોતાનો લાભ ઊઠાવે, ત્યારે ક્રોધ-માન-માયા-લોભ જે છે એમાં માયા એટલે કપટ. એકદમ જથ્થાબંધ થઈ ગયેલું છે કપટ. પણ હિસાબ તો બંધાયો કપટનો. કપટ બધી જગ્યાએ હિસાબ જ બંધાવે. નહીં તો કોઈ નામ ના લે. આ 'જ્ઞાન' આપ્યું છે એટલે કષાયો થાય જ નહીં. આ તો પહેલાંની ટેવ છે ને ચાખવાની, એટલે એ બાજુ જાય છે. ના કહું તોય ખાઈ આવે. આ 'જ્ઞાન' જ એવું છે કે કપટ રહે જ નહીં, કોઈ પણ માણસને. પ્રશ્નકર્તા : આ કપટ જાગૃતિ નથી રહેવા દેતું ? દાદાશ્રી : જાગૃતિ તો ક્રોધ-માન-માયા-લોભેય ના રહેવા દે. કપટ તો બેભાન કરી નાખે. પોતાનેય ખબર ના પડે કે શું કપટ થયું છે. પોતાને ખબર ના પડવા દે કે હું કપટ કરી રહ્યો છું ! ક્રોધ-માન-માયા-લોભની વખતે તો ભાન આવેય ખરું. આ કપટ તો બહુ ગૂઢ હોય. એમાં કરનારનેય ખબર ના પડે. પ્રશ્નકર્તા : એમાં કરનારને ખબર ના પડે, તો એ ઓળખે શી રીતે ? કપટ કરનારને પોતાને જ ખબર ના પડે એ દોષ કાઢે કઈ રીતે ? દાદાશ્રી : એને પોતાને નહીં, બધાને કપટ થાય તેની ખબર જ ના પડે. પ્રશ્નકર્તા : એ કપટવાળા દોષો કાઢે શી રીતે ? દાદાશ્રી : મુશ્કેલી છે. પ્રશ્નકર્તા : એ કપટનું સ્વરૂપ ઓળખવું કઈ રીતે ? દાદાશ્રી : કપટનું સ્વરૂપ તો સંસારના પોતાના લાભો ઊઠાવવા માટે બીજાઓને પોતાના અભિપ્રાયે ખેંચવા, બીજાને પોતાના અભિપ્રાયમાં લઈ લેવા, વિશ્વાસમાં લેવા ! એ કરનારનેય ખબર ના હોય કે આ હું ખોટું કરી રહ્યો છું. એવી ખબર જ ના હોય. પ્રશ્નકર્તા : સંસારી લાભમાં શું સમાય ? એટલે મુખ્યપણે મોક્ષનો ધ્યેય હોય એ સિવાયનું ગણાયને ? દાદાશ્રી : મોક્ષનો ધ્યેય તો આ 'જ્ઞાન' પછી હોય જ. પણ આ લત પડેલી જાય નહીં, આદત પડેલી જાય જ નહીં. પોતાને ખબર જ ના પડે ને ! લોભેય ખબર ના પડે. લોભિયાને 'પોતે લોભી છે' એવી ખબર ના પડે. ફક્ત માન અને ક્રોધ, બે ભોળા એટલે ખબર પડી જાય. માયાની કંઈ ખબર પડે નહીં, લોભની ખબર પડે નહીં. પ્રશ્નકર્તા : એટલે કપટ ઘણું કરીને આ સંસારી લાભ માટે.... દાદાશ્રી : કપટ તો બહુ વસમું. મોટામાં મોટી કડાકૂટ હોય તો આ કપટ. હવે એ એમ ને એમ છૂટે ક્યારે ? કે સંસારી લાભ ઉઠાવવાનો છૂટે, તો ! એને તો તો મોક્ષ જ છે ને ! પ્રશ્નકર્તા : જાગૃતિ એને જ કીધીને ? દાદાશ્રી : જાગૃતિ નહીં, આ ઉપાય બતાવ્યો. પ્રશ્નકર્તા : આ સાંસારિક હિત છે ને આ આત્મિક હિત છે એવું રહે એને જાગૃતિ કીધીને ? દાદાશ્રી : એ તો જાગૃતિ કહેવાય. પણ જાગૃતિ જ ના રહે, બિલકુલ જાગૃતિ ના રહેને ! જાગૃતિ ના હોય તો જ કપટ ફરી વળે ને ! નહીં તોય પેલી લત તો છૂટવી જોઈએ ને ! લત ! સાંસારિક સુખો ભોગવવાની જે લત પડી ને ! પ્રશ્નકર્તા : લત આખી ફેરવવી પડેને ? એ લત પાછી ફરે કઈ રીતે ? દાદાશ્રી : લત પડેલી જ છે. અત્યારે નિવેડો લાવવાનો છે. પ્રશ્નકર્તા : કેવી રીતે ? દાદાશ્રી : એ લત તો, આપણે 'કંઈ જ જોઈતું નથી, મને સુખ મળે છે' કહ્યું કે તે લત તરત છૂટવા માંડે. 'કંઈ જ જોઈતું નથી' નક્કી કરેને, ત્યારથી લત ફરશે. પ્રશ્નકર્તા : સાંસારિક લાભમાં શું શું વસ્તુ સમાય છે ? દાદાશ્રી : બધી વસ્તુઓ ! એ ગાડીમાં બેસતો હોય તોયે ડખો કરે, બસમાં બેઠો હોય ત્યાંય ડખો, જ્યાં જુઓ ત્યાં ડખો કરે. પ્રશ્નકર્તા : આમાં મહાત્માઓને 'જ્ઞાન' લીધા પછી કઈ કઈ બાબતો હોય છે ? દાદાશ્રી : બધી બાબતો ! એમાંથી તો આવેલો છે. બધું જામી ગયેલું છે તે અત્યારે ફળ આપે છે. તે જાગૃતિમાં રહીને આ ફળ ના ચાખીએ અને ચાખીએ તોય પણ જુદા રહીએ તો ફળે. એ મીઠાં ફળ હોય છેને ! એટલે જુદું રહી શકે નહીંને, માણસ. ચાખે જ ને ! કપટમાંથી નીકળવું મુશ્કેલ છે. કપટ એકલું જ જોખમવાળું છે. ક્રોધ-માન-માયા- લોભ તો નીકળી જાય. પ્રશ્નકર્તા : તો આ સાંસારિક લાભ, મીઠાશ, કપટ તો કાયમ જોડે ને જોડે જ રહ્યું. તો પછી નીકળવું મુશ્કેલી જ રહી. દાદાશ્રી : જાગૃતિ 'હેલ્પ' કરશે. જાગૃતિ અને 'આ કશું જોઈતું નથી' એવું નક્કી કરે, એવો નિશ્ચય કરે ! પ્રશ્નકર્તા : એટલે 'મોક્ષ સિવાય કશું જોઈતું નથી' એવો નિશ્ચય કરેને ? દાદાશ્રી : હા, કંઈ જ જોઈતું નથી. ગમે તેવું આવે પણ 'કંઈ જ જોઈતું નથી' એવો નિશ્ચય જોઈશે. પ્રશ્નકર્તા : એટલે મુખ્ય વસ્તુ મોક્ષનું 'ડિસીઝન' આવે તો પછી ગાડી પાટા ઉપર ચઢે. દાદાશ્રી : 'ડિસીઝન' તો આવેલું છે મોક્ષનું. પણ 'આ નથી જોઈતું' એવું 'ડિસીઝન' આવે તો ને ! તેથી અમે બધાને કહીએ છીએ ને, કે 'આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી' એવું સવારમાં પાંચ વખત બોલવું, ઊઠતાંની સાથે. તો એવી એની અસર રહે. મીઠાશ ખાવાની ટેવ છે, એટલે ભમી જાય ! પ્રશ્નકર્તા : જાગૃતિ રહે નહીંને, ત્યારે ? દાદાશ્રી : તે વખતે જાગૃતિ રહે નહીં. તમને 'આવો, આવો ચંદુભાઈ' કહે, હવે શબ્દ નાદ એવો હોય છે ! 'ચંદુભાઈ તમારામાં અક્કલ નથી.' તો એ શબ્દની શું અસર રહે ? પ્રશ્નકર્તા : આ 'અક્રમ વિજ્ઞાન' એવું છે કે પેલું એક વખત તો મહીં અડવા જ ના દે 'પોતાને'. 'અક્કલ વગરનો' કોને કહે છે, એ પહેલી જાગૃતિ ઊભી થાય ! દાદાશ્રી : હા. પહેલી જાગૃતિ ઊભી થાય. એ જાગૃતિ હોય પછી એને અડવાનું નહીં. 'આવો, આવો' કહે છે તે કોને કહે છે, એ જાગૃતિ હોય તેને કશું અડવાનું નહીં. તમારે આવા સૂક્ષ્મ ફોડ પાડી લેવા. પ્રશ્નકર્તા : એ બહુ જરૂર છે. આ જાગૃતિનું અવિરતપણું જે ખંડિત થાય છેને, એટલે આવા બધા દોષો કામ કરી જાય છે વચ્ચે ? દાદાશ્રી : આ દોષો છે, તે વચ્ચે એને 'બ્રેકડાઉન' કરી નાખે છે. તેથી ભગવાને કહ્યું ને, કે 'કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન' પણ પેલું ખંડિત થઈ જાય છે. એટલે મીઠાશની ટેવ છોડી દો અને 'કડવા' તો કોઈ કહે નહીં બનતાં સુધી. કારણ કે વ્યવહાર એવો કે કડવાટ કોઈ કહે નહીં. છતાં કડવા કહે તો જાણવું કે આ તો આપણું 'વ્યવસ્થિત' છે. ભોગવે એની ભૂલ ! પ્રશ્નકર્તા : કડવાશમાં તો વધારે જાગૃતિ રહે. દાદાશ્રી : એટલે મીઠાશમાં જ ભમી જાય ! હવે કોઈ પણ જાતનો વાંધોવચકો ના હોય ત્યારે અખંડ જ્ઞાન વર્તે. આ તો અખંડ જાગૃતિનો માર્ગ છે. લાલચ તો ધ્યેય ચૂકાવે ! કૂતરાને એક પૂરી દેખાડીએને, એમાં તો એની બધી 'ફેમીલી'ને પણ ભૂલી જાય. પોતાનાં છોકરાં-કુરકુરિયાં, બધાંયને ભૂલી જાય અને આખું પોતાનું સ્થાન છે, જે લત્તામાં રહેતો હોય તેય ભૂલી જાય અને ક્યાંય જઈને ઊભો રહે છે. લાલચની હારુ પૂંછડી પટપટાવતો હોય, એક પૂરીને માટે ! લાલચ, જેનો હું 'સ્ટ્રોંગ' વિરોધી છું. લોકોમાં હું લાલચ દેખું ત્યારે મને થાય, આવી બધી લાલચ?! 'ઓપન પોઈઝન' છે ! મળી આવે એ ખાવું, પણ લાલચ ના હોવી જોઈએ. પ્રશ્નકર્તા : લાલચ વગર રહેવાથી મળી પણ રહે છે. દાદાશ્રી : એટલે આ લાલચુને જ આ ભાંજગડ છે. નહીં તો બધું મળી રહે, ઘેર બેઠાં મળે. આ અમે કશી ઇચ્છા પણ નથી કરતાં તોય બધી ચીજ મળે છે ને ! લાલચ તો નથી, પણ ઇચ્છાયે નથી કરતા ! પ્રશ્નકર્તા : લાલચ અને ઇચ્છા એ બેમાં શો ફેર ? દાદાશ્રી : ઇચ્છા રાખવાની છૂટ છે બધાને, બધીય જાતની. ઇચ્છાનો વાંધો નથી. લાલચુ તો, આ કૂતરાને એક પૂરી ધરી તે ક્યાંનો ક્યાં જાય, એને લાલચ પેઠી ને ! પ્રશ્નકર્તા : એટલે લાલચમાં સારા-નરસાનો વિવેક નહીં રહેતો હોય ? દાદાશ્રી : લાલચ તો, જાનવર જ કહી દો ને એને ! મનુષ્યરૂપે જાનવર જ ફર્યા કરે છે. પ્રશ્નકર્તા : તો અમારી ધર્મક્રિયાઓ લાલચ ને પ્રતિષ્ઠા ને કીર્તિને લીધે હોય તો એનું ફળ શું ? દાદાશ્રી : એ લાલચ ના કહેવાય. કીર્તિને માટે, એ તો સ્વભાવિક રહે માણસને. સંસારમાં છે એટલે નામ કાઢવાની ઇચ્છા હોય, બીજી ઇચ્છા હોય. એ કંઈ લાલચ ના કહેવાય. લાલચ તો આ કૂતરાં જેવું હોય. એક પૂરી દેખાઈ ને, એટલે પાછળ ભમ્યા જ કરે. એને ભાનેય ના રહે કે આ મારાં બૈરાં-છોકરાં છોડી દીધાં ને આ લત્તોય છોડી દીધો. કશું ભાન નહીં. થોડી ઘણી લાલચ તો બધાને હોય, પણ એ લાલચ નભાવી લેવાની. પણ લાલચુ જ જેને કહેવામાં આવે છે, એ તો જાનવર જ જોઈ લો ને, મનુષ્યરૂપે ! એક માણસ માટે કોઈ ખાવાની સરસ વસ્તુ લાવ્યા. હવે પેલા માણસને એ વસ્તુ બહુ જ ભાવે છે, તો એ લાલચ સારુ બેસી રહે. બે-ત્રણ-ચાર કલાક બેસી રહે. થોડુંક એને આપીએ ત્યાર પછી જ એ જશે. અને જે અહંકારી છે એ તો કહે, 'મેલ પૈડ તારી, એના કરતાં આપણા ઘેર જવા દો ને !' એ લાલચુ ના હોય. એટલે લાલચોથી આ જગત બંધાયેલું છે. અલ્યા, કૂતરાં-ગધેડાંને લાલચ હોય, પણ આપણને લાલચ કેમ હોય ? લાલચ તે હોતી હશે ? આ ઉંદર પાંજરામાં ક્યારે આવે છે ? પાંજરામાં ક્યારે ઝડપાઈ જાય છે ? પ્રશ્નકર્તા : લાલચ હોય ત્યારે. દાદાશ્રી : હા, ઢેબરાની સુગંધ આવી અને ઢેબરું ખાવા ગયો કે મહીં તરત ફસાય. પાંજરાની મહીં ઢેબરું દેખ્યું તે બહાર રહ્યો એ તલપાપડ થયા કરે કે 'ક્યારે પેસું ? ક્યારે પેસું ?' પછી મહીં પેસી જાય એટલે પેલું 'ઓટોમેટિક વસાઈ જાય. મનુષ્યોને આ 'ઓટોમેટિક' આવડે બધું. એટલે એની મેળે જ વસાઈ જાય. એટલે સર્વ દુઃખનું મૂળ લાલચ છે. જયાં ત્યાંથી સુખની જ લાલચ ! પ્રશ્નકર્તા : લાલચમાં બીજું શું શું આવે ? દાદાશ્રી : લાલચમાં બધુંય આવે ને ! પ્રશ્નકર્તા : પણ એ કેવા પ્રકારની લાલચ હોય ? દાદાશ્રી : બધાં પ્રકારની લાલચ, કોઈ બાકી જ ના હોય ને ! પ્રશ્નકર્તા : દાખલો આપીને સમજાવો ને. દાદાશ્રી : એ તો બધાં સમજે છે. માર ખાવાની લાલચ કોઈને હોય ? ગાળો ખાવાની લાલચ હોય ? કેવા પ્રકારની લાલચ તે ના સમજે બધાય ? આ ભોગવી લઉં, પેલું ભોગવી લઉં, ફલાણું ભોગવી લઉં, એ જ લાલચ. પ્રશ્નકર્તા : પણ એ લાલચ કયા આધારે ઊભી રહે ? દાદાશ્રી : સુખ ચાખવાના આધારે. જ્યાંથી ત્યાંથી સુખ ચાખી લેવું. ધ્યેય કે કશું નહીં. માન-અપમાનેય નહીં, કશુંય નહીં. નફ્ફટ થઈને સુખ ચાખવું. કોઈ કાયદોય નહીં. પ્રશ્નકર્તા : તો એવી લાલચોનું કારણ શું ? કઈ રીતે આ લાલચો આવે છે ? દાદાશ્રી : જેમાં ને તેમાંથી સુખ પ્રાપ્ત કરવું ને જેનું ને તેનું પડાવી લેવું. એટલે પછી 'લૉ' (કાયદો) કે કશું નહીં. અને તે લોકનિંદ્ય હોય તોય કશી પડેલી ના હોય અને તે લોકનિંદ્ય જ હોય આ બધું. એટલે પછી લાલચ આવાં કામ કરાવે. માણસને માણસજાતમાં ના રાખે. પ્રશ્નકર્તા : એટલે લાલચમાં એને કેવા ભાવ ઊભા થાય ? દાદાશ્રી : જે કંઈ મળે તેની લાલચ થાય. લાલચ એટલે ભૌતિકમાં આખો દહાડો સુખ ખોળ ખોળ કર્યા કરે. પ્રશ્નકર્તા : ગમે તે ભોગે ભૌતિક સુખ લેવાનું ? દાદાશ્રી : હા, બસ. આપણું 'જ્ઞાન' લીધેલા મહાત્માઓ એવું સુખ ખોળે નહીં. એ તો 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરે. આવી પડેલું હોય તેનો નિકાલ કરે પણ ખોળે નહીં. કોઈ ભવમાં લાલચ ગઈ નથી, તેથી જ આ બધું દુઃખને ! અને દુઃખેય અનંત અવતાર મળે, સુખ કોઈ કાળે ના મળે. લાલચ એ દુઃખનું જ કારણ છે. સુખનો ધરાવો યે ના આવે કોઈ દહાડોય. આ એક અવતારની લાલચ હોય નહીં માણસને, કેટલાય અવતારની લાલચ હોય. પણ હવે આ એક અવતારમાં એ લાલચ તોડી નાખે તો પાંસરું થઈ જાય. એટલે લાલચ ગુણ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી જોખમ તૂટે નહીં. આપણું 'જ્ઞાન' શું કહે છે ? જગતમાં ભોગવવા જેવું છે શું ? તું અમથો આની મહીં ફાંફા મારે છે. ભોગવવા જેવો તો આત્મા છે ! પ્રશ્નકર્તા : એમાં સુખ જે રહેલું છે એવું સુખ બીજે ક્યાંયે છે જ નહીં. દાદાશ્રી : બીજે સુખ હોતું હશે ? બધું કલ્પિત છે એ સુખ તો. આપણે સુખ કલ્પીએ તો સુખ લાગે. એક જણ કહે છે, મને જલેબી બહુ ભાવે છે અને એક જણ કહે, મને જલેબી દેખું છું ને ચીતરી ચઢે છે. એટલે એ સુખ કલ્પેલાં બધાં. જગત આખું સોનાનો સ્વીકાર કરે અને 'જ્ઞાની પુરુષ' એનો સ્વીકાર ના કરે અગર તો સાધુઓય સોનાનો સ્વીકાર ના કરે. જગતના લોકોએ વિષયમાં સુખ કલ્પ્યું. વિષય એટલે નર્યો ગંદવાડો, એમાં સુખ તે હોતું હશે ? અહંકારની મીઠાશ, બીજે પાટે ચઢાવે... અહીં તો એવું છેને, 'પોઈન્ટમેન' ઘણા હોય. તે આપણે ગાડી દિલ્હી લઈ જવાની હોય તો કયે ગામ જતી રહે ! એટલે આપણા 'પોઈન્ટ'થી જ વાત કર્યા કરજો. અહીં તો 'પોઈન્ટમેન' કેટલા બધા હોય ! 'મેઈન લાઈન' ઉપર ગાડી જાય તો લૂંટાય નહીં. પાટો બદલાય કે લૂંટાઈ જાય. લૂંટાય ને પાછો કયે ગામ લઈ જાય તેનું ઠેકાણું નહીં. એટલે 'પોઈન્ટમેન' ઉપર જરાય વિશ્વાસ ન કરવો જોઈએ. એની જોડે ચા-પાણી શરૂ કરીએ તો પછી આવી ગાડી પાટો બદલી નાખે ને ! પ્રશ્નકર્તા : આ મોક્ષમાર્ગમાં 'પોઈન્ટમેન' કોને કહેવાય ? દાદાશ્રી : આપણને ગમતું બોલે તે 'પોઈન્ટમેન'. આપણને બોલે અને આપણને ફેર ચઢે તો જાણવું કે આ 'પોઈન્ટમેન' આવ્યા ! ગમતું બોલે એટલે ફરી મન ભમી જાય. એટલે 'પોઈન્ટમેન' છે, તે બીજે પાટે ચઢાવી દે ગાડી, એટલી જ 'સ્પીડ'થી ! છતાં બીજે પાટે જાય તે ખબરેય ના પડે કે હું બીજે પાટે છું. પછી કોઈ કહે, ''અરે, આ 'રોંગ વે' પર ક્યાં આવ્યા ?'' ત્યારે કહેશે, ''અમારું 'રોંગ વે' હોય નહીં કોઈ દહાડો !'' પ્રશ્નકર્તા : એથી સતત જ્ઞાનીનો આશરો રાખવાનું કહ્યું ને ? દાદાશ્રી : તેથી જ કહ્યુંને, નહીં તો વાત વાતમાં 'પોઈન્ટમેન' મળી આવશે અને ગાડીનો પાટો ફેરવી નાખે, હડહડાટ ! ત્યારે આ પાછા કહે શું ? 'અમારી તો રાજધાની એક્સપ્રેસ !' અરે, પણ પાટો બદલાયો ! રાજધાની, તને કોણ ના પાડે છે ? 'મેઈન લાઈન' પર હોય તો રાજધાની એક્સપ્રેસ, પાટો બદલાયો તો કયે ગામ જતી રહે ? દિલ્હી આવે નહીં પછી. આપણી 'મેઈન લાઈન' ખસી ના જાય તેનો ખ્યાલ રાખવો. આ બધી પાછલી આદતોને ? એ આદતો કાઢી નથી ફક્ત. આપણી સમજમાં આવવી જોઈએ કે આ આદતો પાછલી છે. પ્રશ્નકર્તા : નિશ્ચયમાં જો બળવાન હોય, સ્થિર હોય, તો વ્યવહાર સુંદર થાય જ ને ? દાદાશ્રી : વ્યવહાર સુંદર થવો જોઈએ અને ના થાય તો નિશ્ચય કાચો પડી જશે. પ્રશ્નકર્તા : એનું હોકાયંત્ર શું હોય ? 'અવળે પાટે, સવળે પાટે' એનું પ્રમાણ શું છે ? દાદાશ્રી : એક તો અહંકારની મીઠાશ આવે અને અવળે પાટે ચઢ્યાની મીઠાશ આવે અને 'ઈમોશનલ' થતો જાય. જ્યારે 'મેઈન લાઈન' પર હોય તો નિરાકુળતા હોય જ. અને પેલું તો નિરાકુળતા ખસી જાય, મોઢું વ્યાકુળ લાગે, આ બધા વિચારો, બધું વ્યાકુળ લાગે. અવળે પાટે ચાલે એટલે પોતાનું સુખ ખોઈ નાખે. પ્રશ્નકર્તા : એ ભૂલ ભાંગી ક્યારે કહેવાય ? દાદાશ્રી : તમે ફોડવાર સમજી જાવ તો એ ભૂલ ભાંગી કહેવાય કે 'કેવી રીતે બન્યું ? શરૂઆત શું ? શું થયું ને શાથી બીજે પાટે ચઢાયું ?' આ બધા આધાર ખોળી કાઢો તો જાણવું કે ભૂલ ભાંગી. શરૂઆતથી જ કે પહેલે દહાડે ''શું થયું ને શા આધારે, આનો આધાર ક્યાંથી મળી ગયો અને ક્યાંથી 'ઇમોશનલ' થયા, ક્યાંથી નિરાકુળતા ગઈ'' એ ખબર પડે. પ્રશ્નકર્તા : આ વ્યવહાર જે બને છે, એમાં તો કોઈ ધારણા જ હોતી નથી કે આમ જવું કે આમ જવું. જે વ્યવહાર બને છે એમાં કોઈ જાતની પકડ હોતી નથી કે આમ જઈએ છીએ કે આમ જઈએ છીએ. બાકી, જે નિશ્ચય છે એમાં ખસતું નથી. દાદાશ્રી : વ્યવહાર ખસી જાય તો નિશ્ચય ખસી જ જાય હંમેશાં. એ તો તમને લાગે એવું બધું. બાકી, વ્યવહાર ખસ્યો કે નિશ્ચય ખસી જાય. મનમાં એમ ભાસ્યા કરે કે, 'ના, નિશ્ચયમાં કશું ખસ્યું નથી.' પણ વ્યવહાર ડગ્યો ત્યાંથી સમજી લો કે નિશ્ચય ડગી જ ગયેલો છે. આ એક ચેતવા જેવું ! બાકી, પાટો ના બદલાય ત્યારે ખરું. કોઈ ફેરવી ના શકે, આપણો કાન કાચો પડે નહીં, ત્યારે ખરું. આ તો સાંભળ્યું કે ફેરફાર. આટલા બધા અમને કહે છે, પણ અમે કોઈનું માનીએ નહીં. પ્રશ્નકર્તા : આપ મુખ્યપણે કઈ બાબતમાં માનવાની વાત કહો છો ? દાદાશ્રી : સમ્યક્. અમે શોધખોળ કરીએ કે આમાં સમ્યક્ શું છે. અને પછી એને શેરો મારીએ. પછી કોઈ અમારા કાન ખોતરે તોય કશું વળે નહીં. ઘણાંય લોક કહે, 'દાદા ભોળા છે.' પણ તે માપી તો જોજો. 'દાદા' તો દરઅસલ સ્વરૂપ છે. ભોળા-બોળા ના હોય એ તો. ભોળા હોતા હશે ? 'જ્ઞાની પુરુષ' ભોળા હોય, તો પછી મૂરખમાં ને એમાં શું ફેર ? વાત તો ગાળવાની શક્તિ ખરી ? કેમ આ વાત કરો છો એને ગાળતાં આવડે ? પ્રશ્નકર્તા : ઘણા પરિચયે ખબર પડે. દાદાશ્રી : કહેનારનેય પ્રપંચ ના હોય. કહેનારેય મૂર્ખાઈથી કહેતો હોય. અમારે એવું થાય તો તો પછી આ સત્સંગમાં ભાંજગડ જ થઈ જાય ને ! તમે કહ્યું, 'આમ થઈ ગયું, દાદા' ને દાદાએ માની લીધું, એ વાતમાં શો માલ છે ? પ્રશ્નકર્તા : એ કયા 'એડજસ્ટમેન્ટ'થી આપ એ વસ્તુનો સ્વીકાર નથી કરતા ? દાદાશ્રી : હું તરત જ સમજી જાઉં. એનો તોલ, બધું મને માલમ પડી જાય. એ કહેતાંની સાથે જ સમજી જાઉં કે આ ઢળેલા છે અને મને પાછો ક્યાં ઢળાવડાવે છે ? 'જ્ઞાની પુરુષ'માં ભોળપણ આવે તો પછી રહ્યું જ શું ? ભોળા જેવા દેખાય ખરા. જેનામાં કપટ નથી એ ભોળપણ કેવું ? જ્યાં ભોળપણ ત્યાં કપટ હોય જ. હંમેશાં ભોળપણ આવ્યું તો આ બાજુ કપટ હોય જ. જ્યાં કપટ નથી ત્યાં ભોળપણ એનામાં 'સેન્ટ પરસેન્ટ' નથી. પ્રશ્નકર્તા : એટલે કપટના આધારે ભોળપણ રહેલું છે ? દાદાશ્રી : એ તો 'ફૂલિશનેશ' રહેલી હોય, કપટના આધારે ! કપટ જતું રહે તો 'ફૂલિશનેશ' નહીં રહે. પ્રશ્નકર્તા : એ કપટ કેવું ? એ કયા પ્રકારનું કપટ ? દાદાશ્રી : બધી પ્રકારનાં ! કપટ એટલે પોતાથી બધું ગુપ્ત રાખવું, હરેક બાબતો ગુપ્ત રાખવી. બધી જ પ્રકારનાં કપટ ! કોઈનો લાભ લેવાનું કપટ, કોઈને પોતાથી ગુપ્ત રાખવું એય કપટ ! પ્રશ્નકર્તા : એટલે શેનાથી ગુપ્ત રાખવાની વાત છે ? દાદાશ્રી : પોતાની વાત જાણી ના જાય એટલા સારુ. પોતે ખાનગી વાત કરતા હોય કોઈ જોડે, તો બીજો કોઈક આવે તો બંધ કરી દે કે ના કરી દે ? પ્રશ્નકર્તા : એવું બને. દાદાશ્રી : એનું શું કારણ હોય ? પ્રશ્નકર્તા : એ કપટ કહેવાય ? દાદાશ્રી : ત્યારે બીજું શું કહેવાય તે ? પ્રશ્નકર્તા : તો ભોળપણ ક્યાં આવ્યું એમાં ? દાદાશ્રી : કપટ છે એટલે ભોળપણ સામું હોય જ. એટલી 'ફુલિશનેસ' ના હોય તો કપટ બને જ નહીં. કપટ એ તો 'ફુલિશનેસ'ની નિશાની. કપટ હોય ત્યાં ભોળપણ હોય જ. અને ભોળપણ છે ત્યાં કપટ છે એવું માની લેવું. પ્રશ્નકર્તા : જે પાટો કીધો આપે, તે પાટો બદલાઈ જવો ના જોઈએ. તો હવે પાટો બદલાયો નથી તો તે પાટાનો ધ્યેય કયો ગણવો ? દાદાશ્રી : મોક્ષનો જ ધ્યેય, બીજો શું ધ્યેય ? એ જ 'મેઈન લાઈન' ! પ્રશ્નકર્તા : અને ધ્યેય બદલાય તો ધ્યેય કઈ બાબતનો ઊભો થાય ? દાદાશ્રી : મોક્ષની વિરુધ્ધ જતો રહે ઝપાટાબંધ, વાર ના લાગે. પણ પોતાને તો એમ જ લાગે કે હું મોક્ષના માર્ગ ઉપર છું. પ્રશ્નકર્તા : તે ત્યાં કંઈ ભૂલ રહી જાય છે ? દાદાશ્રી : એ જ બધું કપટ ને આ 'ફુલિશનેસ' બધી. લોકોનું સાંભળીને પછી ભેદ ના પડે કે આ ખરું કે ખોટું ? 'વોટ ઈઝ કરેક્ટ એન્ડ વોટ ઇઝ રોંગ ?' પ્રશ્નકર્તા : એ 'કરેક્ટ' અને 'રોંગ'ની સમજણ કેવી રીતે ઊભી થાય ? દાદાશ્રી : કપટ ના જાય ત્યાં સુધી સમજણ ના પડે. અમે જેટલું બોલીએ એટલું 'ફીટ' કરે ત્યારે રાગે પડે. રાગે પડી ગયું એટલે આપણે જાણીએ કે પહોંચશે હવે. પ્રશ્નકર્તા : એ રાગે પડ્યું, એનાં લક્ષણો કેવાં હોય ? દાદાશ્રી : કપટ જવું જોઈએ. પ્રશ્નકર્તા : એ કપટનો જ જરા ફોડ પાડો ને ! દાદાશ્રી : દરેકને પોતાને ખબર જ હોય કે અહીં કપટ છે, બીજું અહીં કપટ છે. ત્યાં સુધી ભોળપણ હોય. ને ભોળપણ હોય ત્યાં કોઈકે કાનમાં કશું રેડ્યું કે તરત સાચું માનીને હેંડ્યા. 'ફલાણાભાઈ મરી ગયા' સાંભળ્યું એટલે રડવા માંડે. પણ એમ ના પૂછે કે, 'અલ્યા, કયા ભાઈ મરી ગયા ને કયા નહીં ?' 'ફલાણાભાઈ મરી ગયા' કહે એટલું સાચું જ માની લે. સગા બાપનુંય સાચું માનીએ નહીં, કારણ કે એ એમની સમજણથી કહેતા હોય. એ કપટ નથી એની પાછળ, પણ અણસમજણથી કહેતા હોય. પ્રશ્નકર્તા : 'જ્ઞાની' સિવાય આખા જગતના લોકોની વાતો પોતાના 'વ્યૂ પોઈન્ટ'ની જ હોય છે ને ? દાદાશ્રી : હા, પોતાના 'વ્યૂ પોઈન્ટ'ની જ હોય. અને તે 'વ્યૂ પોઈન્ટે'ય સાચો હોય તો બરોબર છે, એય પાછું એની સમજણથી સાચું હોય. હવે ત્યાં આગળ સાંભળવું, હા પાડવી અને પછી દહાડા કાઢવા. અને નહીં તોય વળે કશુંય નહીં. જેટલું સાચું હોય એટલું વળે. પ્રશ્નકર્તા : આ સમજાયું નહીં કે એ જે કહે એ સાંભળવું પડે, હા પાડવી પડે અને દહાડા કાઢવા પડે ? દાદાશ્રી : એ કહેને, તો 'ઓબ્સ્ટ્રક્ટ' નહીં કરવું આપણે. જાણે સાચું માનીને બેઠા હોય, એવું સાંભળવું પડે આપણે. અને બીજું બધું આપણા હાથમાં જ હોય ને ! આપણે તો સમ્યક્ ઉપર આધાર રાખવો. સમ્યક્ કાંટો ક્યાં જાય છે ! 'સિન્સિયર' તો, એમનું સાંભળીએ એટલા પૂરતા 'સિન્સિયર'. એમનું સાંભળીએ, 'ઓબ્સ્ટ્રક્ટ' ના કરીએ. સહુ પોતપોતાની ભાષાની વાત કરે ને ! અને હુંય એવું કહું કે એની ભાષામાં એ જે કહે છે એ કરેક્ટ છે. પણ મારી ભાષામાં મેળ જ ના પડે ને ! પ્રશ્નકર્તા : આપની ભાષાનું કેવું હોય ? એ શુધ્ધ ઉપયોગ નિરંતરનો કેવો હોય ? દાદાશ્રી : એ તો તમે જોયોય નથી, સાંભળ્યોય નથીને ! પ્રશ્નકર્તા : એ થોડુંક કહો ને ! દાદાશ્રી : ના, એ મોઢે ના કહેવાય. એ તો અનુભવની વસ્તુ છે. એ તો એની મેળે આવીને ઊભું રહે. અત્યારે તો આ સૂઝ સ્થૂળ ઊભી હોય, સ્થૂળ ! પેલું સૂક્ષ્મતમ હોય ! હવે સહુ સહુની ભાષાની જ વાત કરેને ! તમે સૂક્ષ્મતમને સમજતા હો, પેલો સ્થૂળ કહેતો હોય. હવે પેલો થોડો સૂક્ષ્મતમ સમજવાનો હતો ? પેલો તો સ્થૂળ જ કહે ને ! આ અમારી પાસે જ્ઞાન જે સાંભળ્યું છે ને, તે આ જ્ઞાન જ કામ કર્યા કરે. અમે જે રસ્તે ગયા તે રસ્તાનું જ્ઞાન તમે સાંભળો છો, તે રસ્તો જ તમારું કામ કાઢી નાખશે. આપણે તો કહીએ, 'દાદા, તમારી પાછળ પાછળ આવવું છે.' એટલે પછી અમે અમારો રસ્તો તમને દેખાડી દઈએ. 'મેઈન લાઈન' પર ચઢી ગયા એટલે વાંધો નહીંને ! ગાડી બીજે પાટે ચઢી હતી એવું જાણેને, તોય ઉકેલ આવે. જાણ્યા વગર પડી રહે તો મુશ્કેલી. એ તો એમ જ જાણે કે આપણી ભૂલ નથી. પ્રશ્નકર્તા : એવું પાછું માને ? દાદાશ્રી : હા, પાછું ઉપરથી રક્ષણ કરે. પણ કોઈનીયે ભૂલ દેખાય તો એ આપણી જ ભૂલ છે. એની ભૂલ એણે જોવાની છે. બીજાને એની ભૂલ જોવાનો શું અધિકાર ? આ તો વગર કામના ન્યાયાધીશ થાય છે ! કંઈ ભૂલ છે કે નહીં, તે ખાતરીયે નથી તો શાના બોલો છો ? આ તો પોતાના સ્વાર્થથી બોલો છો. સામાની ભૂલ છે કે નહીં એની ખાતરી શું ? એટલે આ વિજ્ઞાન જ બધા દોષ કાઢશે. નહીં તો બીજા કોઈ વિજ્ઞાન દોષ કાઢે નહીં. પછી કંઈ એવો તાલ ફરી બેસે નહીં. માટે ચેતી જઈને કામ કરવું સારું. મનમાં 'લેવલ' પોતાની મેળે કાઢવું નહીં, નહીં તો માણસ અટકી જાય. પોતાની મેળે 'લેવલ' કાઢવું નહીં, બીજા કાઢી આપે તો જ કામનું. પ્રશ્નકર્તા : એ મનમાં 'લેવલ' કઈ બાબતનું ? દાદાશ્રી : આ આમાં જ, આ મોક્ષમાર્ગમાં દરેક પોતે પોતાનું 'લેવલ' કાઢીને બેઠો હોય. અને તે સાવ ખોટું હોય, એમાં અક્ષરેય સાચો ના હોય. અને 'લેવલ' માનીને બેસે તો અટકી જાય ત્યાં માણસ. હજી તો ગાડી પાટા પરથી ખસી જતાં વાર નહીં લાગે. આટલી બધી નબળાઈઓમાં આ પૂર્ણતાએ લાવવું, એટલે બધું સમજવું પડશે. પહેલું તો કપટ જ જવું જોઈએ. આ તો જે આપણું નહીં, ત્યાં જ બધી શક્તિ વપરાઈ જાય છે. પ્રશ્નકર્તા : અને કપટથી એને જ પાછું ઢાંકવાનું ! દાદાશ્રી : હા, એને જ ઢાંકવાનું. અપના કુછ નહીં, તોય એનો પક્ષ કરે. અલ્યા, નક્કી કર્યું કે અપના કુછ નહીં, તોય એનો પક્ષ કર્યો ? ત્યારે એ કહે છે, 'ભૂલી ગયો.' પ્રશ્નકર્તા : એ ભૂલી જાય છે કે પક્ષ હજુ એટલો છૂટ્યો નથી ? દાદાશ્રી : પક્ષ છૂટ્યો નથી. એ તો ભૂલી ગયો એમ બોલે, તત્પૂરતું પણ પક્ષ છૂટે નહીં ને ! એટલે ચેતો, બધી રીતે ચેતો, બહુ ચેતવાનું છે. પ્રશ્નકર્તા : એ ખરી વસ્તુ છે. આજે મોક્ષમાર્ગનો ધ્યેય નક્કી થયો છે, પણ એનાં જે બાધક અથવા અનુમોદક કારણોનું સ્પષ્ટ વિભાજન ના થાય ત્યાં સુધી 'આ' પાટે ગાડી સ્થિર રહેવી અને પૂર્ણાહુતિ થવી એમાં બહુ બહુ મુશ્કેલી દેખાય છે. દાદાશ્રી : મુશ્કેલી બોલે તો પછી કામ જ નહીં થાય. માટે એવું કહીએ કે આ વિજ્ઞાન તમે એવું આપ્યું છે કે કોઈ મુશ્કેલી છે જ નહીં ! ટેસ્ટ લેવા જતાં મોક્ષ ચૂકે ! અમારે કેટલાંય બધા ચમત્કાર થાય છે, તોય અમે એને ચમત્કાર નથી કહેતા. લોકો મને આવીને કહે છે, 'દાદા, આ તમે ચમત્કાર કર્યો. મને આવો લાભ થઈ ગયો.' મેં કહ્યું, 'ન્હોય આ ચમત્કાર.' બાકી આપણે ત્યાં તો આવાં પાર વગરનાં ચમત્કાર થાય છે, કંઈ થોડા ઘણાં થાય છે ? પણ એ શું છે ? આ તો મારું યશનામકર્મ છે. એટલે મારો હાથ અડ્યો કે તમારું કલ્યાણ થઈ જાય ને તમે મને જશ આપ્યા કરો કે આ બધું દાદાએ કર્યું. પણ તેમાં મારું શું ? આ તો યશનામકર્મે કર્યું છે ! કોણે કર્યું ? પ્રશ્નકર્તા : છતાં દાદાએ કર્યું કહેવાય ને ? દાદાશ્રી : ના, દાદાએ નહીં, યશનામકર્મ જે છેને, એ કર્મ હોય છે. કર્મ જુદાં ને આપણે જુદાં. તે કર્મ આપણને ફળ આપે. તે આ યશનામકર્મ બહુ ભારે હોય એટલે અમને જે ને તે જશ જ આપ્યા કરે. આટલી તમને ખાતરી છે કે જૈન શાસ્ત્રકારોએ નામકર્મમાં યશનામકર્મ ને અપયશનામકર્મ લખ્યું છે ? કેટલાંક માણસો એવા હોય કે કામ કરે તોય અપજશ મળે એવું તમારા સાંભળવામાં આવ્યું છે ? એ શું કારણથી ? અપયશનામકર્મ હોય છે, તેને અપયશનું ફળ મળ્યા કરે. તો એ સારું કામ કરે તોય અપયશનું ફળ મળ્યા કરે. એટલે અપયશ બાંધેલો છે એણે અને હું નથી કરતો તોય આ યશ મળે છે, તેનું શું કારણ ? યશનામકર્મને લઈને છે. હું ઘણાને કહું છું કે, આ જ્ઞાન થતાં પહેલાં કહેતો હતો, સાંસારિક બાબતોમાં યશ મળ્યા કરે. હું કહું કે, 'ભઈ, આમાં હું પડ્યો નથી, મેં કંઈ કર્યું નથી, હું જાણતોય નથી અને આ બીજા કોઈએ કર્યું હોય, માટે આ યશ બીજાને આપી આવો.' કારણ કે હું જાણું કે તમારો જશ હોય તે મને આપી જાય, તો તમને લુખ્ખા રાખેને ? કર્યું હોય તમે અને જશ મને આપી જાય. તમારા મનમાં કેવી આશા હોય, કે આ માણસ મને જશેય આપતો નથી. એટલે હું શું કહું પેલાને, કે 'આ બીજા કોઈએ કરેલું છે, માટે ત્યાં જઈને આપી આવો.' તોય કહેશે, 'ના, ના, તમારા વગર તો હોય જ નહીં. તમે તો જ્યારે હોય ત્યારે આવું જ બોલો છો ને !' એટલે મને ને મને પધરાવી જાય પાછું. ગમ્મે તેમ એ પોટલું નાખીને જતો રહે, હવે એનું શું થાય ? હવે હું શું કરું ? આનો તો ઉપાય ખોળવો પડે ને ? પછી હું સમજી ગયો કે આ યશનામકર્મ છે. પ્રશ્નકર્તા : પછી એ પોટલાનું તમે શું કરો ? દાદાશ્રી : કશું નહીં. અમે આમ વિધિ કરીને એને પાછું ફેંકી દઈએ. કારણ કે એ અમે રાખીએ નહીં અને અમે કર્યું હોય તોય અમે ના રાખીએ ને ! કારણ કે અમે કર્તા જ નહીં, નિમિત્ત છીએ ખાલી. શું છીએ ? નિમિત્ત. આ હાથ અડ્યો માટે કંઈ, 'હું' હાથેય નથી ને પગેય નથી, આ તારા કર્મનો ઉદય આવ્યો છે ને મારો હાથ અડ્યો. તારું મટવાનું ને મારો હાથ અડ્યો. કારણ કે જશ મને મળવાનો એટલો જ કે દાદાએ મટાડ્યું આ. એ બધો જશ મળે ! ત્યારે મને કહે છે કે, 'તમે કરો છો તે ?' મેં કહ્યું કે, આ બધું યશનામ કર્મ જ છે. એ મેં ખુલ્લું કર્યું આ. જે અત્યાર સુધી લોકો ખુલ્લું નહોતા કરતાં 'આ મારું યશનામ કર્મ છે', લોક એવું નથી કહેતા. તે ઘડીએ લોકોને ઠીક મઝા આવે છે, મહીં જરા ટેસ્ટ પડે છે. 'તમે મારું મટાડ્યું' સાંભળે, તે ઘડીએ એમને ટેસ્ટ પડે છે, એટલે એ ટેસ્ટ છોડતાં નથી. ત્યારે આ ટેસ્ટ ના છોડે તો પેલો મોક્ષ રહી જાય ! અહીં રસ્તામાં જ મુકામ કર્યો એટલે પેલો ધ્યેય રહી જાય ને ! આ તો મારો હાથ અડ્યો કે એને કામ થઈ જ જાય. એટલે પેલો એમ જાણે કે દાદાએ કર્યું આ. દાદા એવા કંઈ નવરા નથી, આવું બધું કરવા સારું. દાદા તો એ પોતે જે સુખ ચાખી રહ્યા છે એ સુખ તમને આપવા આવ્યા છે અને સંસારથી મુક્તિ આપવા આવ્યા છે. પોતે મુક્ત થઈને બેઠેલા છે. સંપૂર્ણ પ્રકારે મુક્ત થઈને બેઠેલા છે એ આપે, બીજું કશું આપે-કરે નહીં ! મીઠાશના સ્વાદ માટે ટેવાયેલા ! પ્રશ્નકર્તા : તમે એકવાર કહેલું કે આખું જગત 'હેવમોર'માં ફસાયું છે. દાદાશ્રી : 'હેવમોર'માં ! આ મારે 'હેવમોર'ની જરૂર નથી, એટલે હું ફસાયો નથી ને ! છતાંય આઈસ્ક્રીમ આવે ત્યારે હું ખાઉં છું. લોકોનો એ ધ્યેય છે ને મારે એ ધ્યેય વગરની વાત છે. મારો ધ્યેય જુદો છે. લોકોને 'હેવમોર' (આઈસ્ક્રીમ)ની પછી ટેવ પડી જાય છે. એનું કારણ છે કે અજાગૃતિ છે. એ તો અહીં હિતાહિતનું ભાન નથી, એટલે એ ટેવ પડી જાય છે. 'હેબિચ્યુએટેડ' ક્યારે થાય ? હિતાહિતનું ભાન ના હોય ત્યારે 'હેબિચ્યુએટેડ' થાય. અમને રોજ 'હેવમોર'નો આઈસ્ક્રીમ ખવડાવે તો અમને પછી બીજે દહાડે એ સાંભરે નહીં. મહિના-મહિના સુધી રોજ અમને ખવડાવે ને પછી બંધ કરે તોય અમને એ સાંભરે નહીં. આમ વખાણીએ ખરા કે 'બહુ સરસ આઈસ્ક્રીમ છે' એમ બધી વાતો કરું, પણ બધું સુપરફ્લુઅસ !' ખાઈ રહ્યા પછી સ્વાદ આપતો હોય તો તો અમે જાણીએ કે સરસ વસ્તુ. ખાઈ રહ્યા પછી આપણે ગમે તેટલું કહીએ કે 'સ્વાદ પાછો કાઢો' તોય પાછો ના આપે, નહીં ? તો પછી એવા સ્વાદને શું કરવાનું ? એટલે કેટલાંક તો સ્વાદ માટે મહીં જતા રહે છે (તન્મયાકાર થઈ જાય છે). તો હવે છે નહીં બીજું એટલે હું એને મમળાય મમળાય કરું મોઢામાં. છેલ્લો કોળિયો હોય ત્યારે શું કરું ? હા, પણ ગળામાં ઊતરી જશે પછી આવો સ્વાદ નહીં આવે. અદબદવાળો ધ્યેય... જેને બંધાવું છે એને કોઈ છોડનાર નથી અને છૂટવું છે તેને કોઈ બાંધનાર નથી. પણ એક ધ્યેય હોય. ઘડીકમાં બંધાવું ઘડીકમાં છૂટવું એવો અદબદવાળો ધ્યેય ના જોઈએ. ધ્યેય એટલે નક્કી કે હવે આમાં જે થવાનું તે થાય. આ બધાં ગાયા કરે છેને, જે થવાનું હોય તે થાય, એવું ગાય. શું ગાય ? પ્રશ્નકર્તા : નહીં છોડું દાદાજી, તમને નહીં છોડું. જે થવાની હોય તે થાય, દાદાજી તમને નહીં છોડું. દાદાશ્રી : આ પોતાના ધ્યેયને ના છોડે પછી. પોતાનો ધ્યેય પ્રમાણે થાય એવું હોય, તો પછી એ છોડે નહીં. પ્રશ્નકર્તા : એટલે આ ભવમાં જેને જ્ઞાની પુરુષનો ભેટો થયો એણે આગલા ભવમાં કોઈ વખતે મોક્ષપ્રાપ્તિનો ધ્યેય રાખ્યો હોય ? દાદાશ્રી : હા, ત્યારે જ ભેગા થાયને ! પ્રશ્નકર્તા : એટલે આ જન્મ ધારણ કરે ત્યારે એ ધ્યેય મળે જ ને ? દાદાશ્રી : ફકત તે ધ્યેય અદબદ હોય, ચોકસાઈ નહીં. પ્રશ્નકર્તા : ચોકસાઈ નહીં એટલે ઈચ્છા હોય, ધ્યેય ના હોય. દાદાશ્રી : હા. એટલે ઈચ્છા ખરી. આ ધ્યેય ખરો પણ અદબદ ધ્યેય. પોતે બીજે પાટે ચડાવે ત્યારે બીજે પાટે ગાડી ચાલે એવો અદબદ ના જોઈએ. ધ્યેય એનું નામ કહેવાય કે કોઈ પાટે એ ચડે જ નહીં. કોઈ ગમે તેવા પાટે ચડાવે પણ ચડે નહીં. તને ચડાવે તો ચડી જઉં હવે ? ના ચડું ? આખો દહાડો મહીં આનંદ વર્તે ને જબરજસ્ત ? તો પછી શું ખોળો છો ? અહીં મોક્ષ થઈ જ ગયેલો છે. બહારનું નોકરી તો કર્યા કરશે. એ તો સહેજાસહેજ થાય. અહીંયા આગળ આખો દહાડો રહે છે એ બધું કરે. આને માટે છોડી દેવાનું કહેતો હતો એની સર્વિસ. મેં કહ્યું, ના, ના છોડીશ. પ્રશ્નકર્તા : મને થાય કે આ બધાં કેટલા ડેવલપ થયા. હું હજી એવો ને એવો જ રહ્યો. મને બહુ થાય એવુંુ. દાદાશ્રી : હેં... તને એવુંુ થાય ? તને ખેદ થાય એવું ? આપણે કંઈ ખોટ છે ? સ્કૂટરો છે, ગાડીઓ છે. એવુંુ થાય તો સારું. પ્રશ્નકર્તા : એવું તો થાય જ છે. દાદાશ્રી : ઘેર બેઠાં સત્સંગની વાત મળે. રોજ એના પપ્પા કહે છે કે અલ્યા, ઘેર બેઠાં છે, લાભ લઈ લો ને ! પ્રશ્નકર્તા : તો દાદા, પેલો મોક્ષપ્રાપ્તિનો ધ્યેય ગયા જન્મમાં કે આગલા કોઈ અવતારમાં અદબદ ધ્યેય હોય એટલે આવું થાય ? દાદાશ્રી : તેથી જ ને, નહીં તો ના થાય. પ્રશ્નકર્તા : નહીં તો આટલા સુંદર સહજ રીતે સંજોગો ભેગાં થતાં હોય તો આવું ના થાય. એ તો પેલું અદબદ ધ્યેયને લીધે આવુંુ થાય. દાદાશ્રી : તમને તો બહુ પુણ્યશાળી ગણે લોકો. પણ હવે પુણ્યશાળીનેય પાપ ફરી વળે તેનું શું થાય ? એટલે એ તો વિચારી વિચારીને મહીં મોહના પરમાણુ છે ને, તે ફેંકી દેવા પડે. આ મોક્ષમાર્ગને નુકસાન કરનારા પરમાણુ હોય, તે મોહના પરમાણુ બધા ફેંકી દેવા પડે. મહીં ભરી લાવ્યો હોય. કારણ કે કુસંગનું જોર બહુ એટલે કુસંગથી મહીં પેસી જાય તે પછી ફેંકી દેવા પડે. ફેંકી દેવાનું એટલે શું ? એનાથી નિવૃત થઈ જવાનું. ભલે પડ્યા રહ્યા પણ એનું ધ્યાન નહીં લેવાનું. એની મેળે ઉદય આવે. ફળ આપીને જતા રહે. એટલે જેણે છૂટવાનું નક્કી જ કરી દીધું, એને કોઈ બાંધનાર નથી. મોક્ષે જવાનું નક્કી જ કર્યું કે હવે મારે મોક્ષ સિવાય બીજી કોઈ ચીજ જોઈતી નથી એટલે બંધાયું આ તેનું. આયે જોઈએ છે ને તેય જોઈએ છે એટલે એ બાંધે. પ્રશ્નકર્તા : તો તો આ હિસાબે મારો અત્યારનો જે ધ્યેય છે તે હજુ અદબદ જ કહેવાય. દાદાશ્રી : એ બળ્યા, અદબદ જ છે ને ! મોહના પરમાણુ ઊડાડે નહીં, ત્યાં સુધી અદબદ જ છે ને, મોહ હજુ ગમે છે. પ્રશ્નકર્તા : હા, મોહ અને આકર્ષણ. છેલ્લા પાંચ વર્ષથી એ કઈ વસ્તુ છે કે દાદાને મારાથી દૂર કરી રહી છે ? એ મોહ અને આકર્ષણ હોય તો એને પડકાર ફેંકવાનો અહંકાર કરીને દોષનો ટોપલો લઈ લઈશ. પણ પડકાર્યા જ નથી. દાદાશ્રી : પડકારવાનો અહંકાર કરતાં આવડવું જોઈએને ? પડકાર્યા હોય તો ઊભું ના રહે ને ! ત્યાં બધાં ભાગી જાય એવાં ન્યુટ્રલ છે એ લોકો. એક બૂમ પાડે કે 'અબે કૌન હૈ ?' તે ભાગી જાય બધાં. આ તો આપણે રાજીખુશીથી એને 'થેંક્સ' કહીએ છીએ, આવ, આવ. પછી ચડી બેસે. પછી મદિરા પાય એને. 'અબે સાલે' બોલ્યું કે ભાગે એ. પ્રશ્નકર્તા : આ દોષો કેટલાંક થઈ ગયેલાંને, એ લખીને... દાદાશ્રી : દોષો-બોષો જે બધું હોય તે લખીને આપે. હવે એ વાત અમે બીજાને કહીએ તો એ પોતે હેરાન કરશે. એટલે અમે છે તે એને વાંચીને પછી પાછાં ધોઈ નાખીએ. દાખલા તરીકે જે કોઈ વાત કરવી હોય, તો અદબદ બીજાને નામ-બામ નહીં કહેવાનું, એમ ને એમ જ. લોકોને લાભ થાય એટલા માટે. આપણે તાબે છે જ નહીં, એ વ્યવસ્થિતને તાબે છે. એમાં આપણે હાથ ઘાલીને શું કામ છે ? ખોટ દેખાડે તે ઘડીએ કરેક્ટ. નફો દેખાડે તોય કરેક્ટ. તમને શેમાં ખોટ ગઈ ? પ્રશ્નકર્તા : સટ્ટામાં. સટ્ટો કર્યો હતો એમાં. દાદાશ્રી : હજુ સટ્ટો કરો છો ? પ્રશ્નકર્તા : ના, હવે નથી કરતો. એ હવે ક્યાંથી ? એ તો પહેલાંની વાત. દાદાશ્રી : સટ્ટો કરો તો ખોટ જાયને. હવે તમે કશું કરો નહીં... પ્રશ્નકર્તા : તો નફો જ છે. નફો કરવા જાય તો નુકસાન થાય. દાદાશ્રી : ના. પોતાનો ધ્યેય છોડે તો ને. રૂપિયા શાના માટે જોઈએ છે ? અને જે જરૂર હોય તે તારી પાસે આવવાના છે પછી તું તારી મેળે કામ કર્યે જા. જે કામ હોય તે ફરજો બધી બજાવતો જા. અને મોક્ષના વિરુધ્ધ બાબત હોય ત્યાંથી ખસી જાવ આપણે. મોક્ષમાર્ગ લીધા પછી પ્રગતિ ક્યારેય પણ રુંધાય નહીં એ જ આપણો હેતુ હોવો ઘટે. મોક્ષના કામીને 'આવો' ડખો હોય નહીં ! કોઈ માણસ જોડે કંઈ ભાંજગડ થઈ હોય, ત્યાં કોઈ બેઠું હોય, ને તે પછી ભેગો થાય તો તેને પૂછે ને, કે મારા ગયા પછી એ શું બોલતા હતા ? એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : હા, એવું બને. એ શું કહેવાય ? દાદાશ્રી : એ વસ્તુ આખોય મોક્ષમાર્ગ જ ઉડાડી દે. 'મારા સારુ શું બોલતા હતા ?' એવું જે રહે, તો આખો મોક્ષમાર્ગ ઊડી જાય. પ્રશ્નકર્તા : એવું શાથી ? દાદાશ્રી : ભયંકર અવળો માર્ગ કહેવાય એ. પ્રશ્નકર્તા : પણ એમાં કયું તત્વ, શું કામ કરી રહ્યું છે ? દાદાશ્રી : શા માટે એમ પૂછવું પડે છે ? પોતે કંઈ ચોર છે, તે પૂછવું પડે કે મારે માટે શું બોલતા હતા એ ? પોતાની જાત ઉપર વિશ્વાસ નથી, એટલે જ સામાને પૂછવું પડે છે કે 'મારી પાછળ શું બોલતા હતા એ ?' હું કોઈ દહાડો મારી પાછળ તપાસ રાખું છું કે 'મારી પાછળ શું બોલે છે' ? એ ગમે તે બોલતો હોય, મારા મોઢે બોલતો હોય તોય મને વાંધો નહીંને ! અને આ તો પોતાને મહીં કપટ છે તેથી પૂછે છે. પ્રશ્નકર્તા : એનેય કપટ કહેવાય ? દાદાશ્રી : હા. તેથી તો 'એ શું બોલતા હતા ?' એવું પેલાને પૂછે છે પાછો ! પ્રશ્નકર્તા : કે એ અહંકાર કહેવાય ? દાદાશ્રી : અહંકાર શાનો બળ્યો ? આ પોતાનું છૂપાવવા માટે બધું. જેને પોતાનું છૂપાવવાનું નથી, તેને છોને બોલે દુનિયા ! એ વળી આવી તપાસ કરતો હશે કે 'મારી પાછળ શું બોલતા હતા' તે ? ગમે તેવું ગાવું હોય તો ગાને, તારી મેળે. અલ્યા, મારી રૂબરૂ ગા ને ! એટલે હું કંઈ તપાસ ના કરું કે 'મારી પાછળ શું બોલશે, શું કહેતા હતા ?' જેને જે પડઘા પાડવા હોય તે પાડે. એની સમજણ પ્રમાણે બિચારા કરે. એને કંઈ સમજણ છે આ બધી ? એ તો ખાતાં આવડે એટલી જ છે. તેય એંઠવાડો પાડે, બળ્યો ! પ્રશ્નકર્તા : પણ આવું જ્યારે આપ ફોડ પાડો કે આ બાધક વસ્તુ છે, ત્યારે સમજાય. દાદાશ્રી : પાછળ ગમે તે બોલે તોય મહીં કશું થાય નહીં, એવી આપણી જાત કરી નાખવી. અરે, કાન દઈને હઉ સાંભળે ! કઈ જાતના નાલાયક માણસો ? આપણે માટે બોલતા હોય તો આપણામાં કંઈ પણ ગુનો હશે ને ? નહીં તો કોણ નામ દેનારું છે ? વળી કાન દઈને સાંભળવું એ કેટલી બધી નાલાયકી છે ! જોનારાને કેવું ખરાબ લાગે ? એ ભયંકર ગુનો છે. છો ને દુનિયા આખી બોલે. ઘણાય લોકો કહે છે, 'દાદા, તમારા માટે આમ બોલે છે !' મેં કહ્યું, 'હા બરોબર છે. સારું બોલે છે.' પછી કહેશે, 'પેપરમાં હઉ છપાવે છે.' 'પેપરમાં છપાવે તો સારું. ઉલ્ટું આ દાદાને ઓળખ્યા ને !' મને ભડક ક્યારે કે દોષ મારામાં હોય તો ! નહીં તો આખી દુનિયા છે તે ભૂંક્યા કરે, પણ 'સ્ટ્રોંગ' હોય તેને શું ? પ્રશ્નકર્તા : જેને આ દિશા ચૂકવી નથી, એ જ નિશ્ચય હોય તો ? દાદાશ્રી : એ નિશ્ચય તો હોય જ, પણ જોડે જોડે પાછું પેલું આરાધવું છે, એય નક્કી રાખે છે ને ! એ તો એક દોષ થયો, હજુ તો આવાં કેટલાંય દોષો છે. એ બધા કાઢવા પડશેને ! માટે પાછળ ગમે તે બોલે, એની આપણને પરવા ના હોવી જોઈએ. નહીં તો આપણે ખોટા જ છીએ, એની ખાતરી થઈ ગઈ. હાસ્તો ને, શા માટે સાંભળવાની નાલાયકી કરી ? માટે ગુનેગાર છે તો ને ? સમજવું તો પડશે ને ? આમ કંઈ ચાલશે ? વાત કેમ લાગે છે ? આ તો સંસારમાં હતું તેનો તે સ્વભાવ રહ્યો અને મોક્ષમાં જવું છે ! બે સાથે ના બને ને ! એટલે આ યે સમજવા જેવો 'પોઈન્ટ' છે ને ? ક્યારે શું આવીને ઊભું રહે એ શું કહેવાય ? બધી રીતે નબળાઈ તૂટવી જોઈએ ને ? ધ્યેય તોડી નાખે એવું બધું હોય, ત્યાં શું થાય ? નાની અમથી ભૂલ દેખાય નહીં તો શું કામ કરે એ જાણો છો ? ભમાવી દે માણસને ! ભમી ગયા પછી કેવડી મોટી ભૂલ કરે ? વિફર્યો પછી અહંકાર ! માટે 'પ્રાઈવસી' સાંભળવાનો પ્રયત્ન ના કરવો કે, 'આપણા માટે શું બોલે છે.' અને આમાં 'ઈન્ટરેસ્ટ' શાથી હોય છે ? પોતાનું કપટ હોય છે એટલે. કપટ નહીં કામ લાગે, સહેજેય ! અને કોઈ માણસ આપણી વાત સાંભળીને આવ્યો હોય ને, તે માણસ આપણને પાછો મીઠો લાગે. પ્રશ્નકર્તા : એ લાવનાર માણસને શું કહેવાય ? દાદાશ્રી : લાવનાર માણસને અડવા જ ના દેવો. પ્રશ્નકર્તા : એમ નહીં. લાવનાર માણસની સ્થિતિ શું કહેવાય, જેમ સાંભળનારને કપટ કહેવાય તેમ ? દાદાશ્રી : લાવનારને તો વચ્ચે આ 'ઇન્ટરેસ્ટ' આવે, આ બેની ભાંજગડ જામે એવા એના રસમાં હોય, તરબોળ હોય. પ્રશ્નકર્તા : એનુંય એ કપટ જ કહેવાય ને ? દાદાશ્રી : હા, એ બધું કપટ જ ને ! એક જાતનો સ્વાદ ખોળે છે, 'ઇન્ટરેસ્ટ' છે. પ્રશ્નકર્તા : એક જાતનો સ્વાદ ખોળે છે, ત્યાં બધું કપટ જ હોય ? દાદાશ્રી : ત્યારે બીજું શું હોય ? સુગંધ આવવી જોઈએ, સુગંધ ! 'કહેવું પડે, ફલાણા ભાઈની વાત કહેવી પડે !' કહેશે. એવી સુગંધ આવે. પ્રશ્નકર્તા : એ મોક્ષના માર્ગે ચાલનારાની દ્ષ્ટિ કેવી હોય ? નિરંતર એની સમજ કેવી હોય ? દાદાશ્રી : એ બધું કહ્યાથી નહીં વળે એવું. કપટભાવ ને બધું છૂટે તો, પોતાનામાં જે કપટ હોય તે છૂટે તો, જેટલી ખબર હોય એટલું નીકળી જાય. બાકી, બીજું તો ખબર વગરનું બહુ પડેલું હોય. કપટભાવ એટલે શું ? પોતાના ધણીને જો એની ખબર પડતી હોય તો એને ક્યારનોય કાઢી મેલે ! માટે ચેતો, બી'વેર, બી'વેર, બી'વેર ! કોઈની વાત સાંભળીએ, તે તો આપણું મગજ હઉ ખરાબ કરી નાખે. આપણી વાત બીજા પાસેથી સાંભળીને આપણને કહે, તે ઘડીએ આપણને મીઠું લાગે પાછું. બધાનામાં હોય આ રોગ. પણ કેટલાંકને આ જાણવાની બહુ ઇચ્છાઓ ના હોય. કો'ક દહાડો કોઈ આવીને કહે ને, તો જરા સાંભળે ખરોને, તો એય એને પાછું મીઠું લાગે. પોતાની ઈચ્છા પૂરી થઈને ! સાંભળીને લાવ્યા ! હવે આ કહેનારો જે હોય ને, તેને ખબર ના હોય કે આ હું શું કરી રહ્યો છું. એ એના તાનમાં હોય. આ બધી વાત ના સમજવી પડે ? અને વચલો માણસ શું કરે ? કો'ક ફેરો ઊંધું બાફે, તે ઘડીએ આપણું મન કેવું થઈ જાય ? મન બગડી જાય, વિખવાદ ઊભા થાય અને આપણનેય નિરંતર નુકસાન કરે. એના કરતાં આ 'સિસ્ટમ' જ ના રાખી હોય તો ? જડ મૂળથી ઉખાડી દીધી હોય તો ? 'બિઝનેસ' જ નહીં, એ 'આઈટમ' જ નહીં તો શું ખોટું ? ધણી પૂછે કે 'બૈરી શું બોલતી હતી ?' ને બૈરી પૂછે, 'ધણી શું બોલતા હતા ?' શા સારુ બધું જાણવાની ઈચ્છાઓ ? પોતે ઊંધા તેથી ને ! અને પોતાનું છતું હોય તો કંઈ જાણવાની ઈચ્છા થાય ? એની સ્પૃહા શી ? દુનિયાનો તો આ ખોરાક છે, મોટામાં મોટો ! આ તો 'હોલિડે' કહેવાય ! એ ટેવ અહીં નહીં રહેવી જોઈએ. પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈના ડરથી એને કપટ કરવું પડે, ત્યાં શું કરવું ? દાદાશ્રી : ડરથી કપટ કરવાનું હોય જ નહીં. પણ ડર જ શાનો આપણને ? ચોર હોય, તેને ડર હોય ને ડર વળી આપણને ક્યાં ? ગુનેગારને ડર કે બિનગુનેગારને ? પોતે ગુનેગાર તેથી ડર લાગે. પણ ગુનેગાર બંધ થઈ જાવને. પ્રશ્નકર્તા : એક ધ્યેય પકડાય કે મોક્ષે જવું છે અને એ સિવાય કંઈ ખપતું નથી અને મોક્ષમાર્ગનાં બાધક કારણો કયાં ? આટલું જો સ્પષ્ટ થઈ જાય તો બધી ભાંજગડો ઊડી જાય ને બહુ સહેલું થઈ જાય. દાદાશ્રી : બળ્યું, એવું જ નક્કી થાય કે 'મોક્ષને માટે જ જોઈએ છે, બીજું નથી જોઈતું.' તો બહુ થઈ ગયું. એવું થઈ જાય તો કામ જ નીકળી જાય ને ! આ હજી તો પોતાને એમેય મનમાં થઈ જાય કે 'ફલાણા ભાઈ મારે માટે સારું બોલે તો સારું.' અને પેલા મોક્ષમાર્ગી તો સાચું જાણવાના કામી જેવા હોય, મોક્ષના કામી હોય, બીજો ડખો જ નહીં. ધ્યેયને બાધક છોડી દેતાં વાર નહીં ! માટે મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને ! પોતાનો ધ્યેય ચૂકે નહીં, ગમે તેવાં કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ. તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ? અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં ? પ્રશ્નકર્તા : એટલે મહીં 'હેન્ડલ' મારવાનું ચાલુ રાખવું પડે. દાદાશ્રી : ચાલુ રાખવું પડે ? પણ એ મહીંવાળા માને ખરાં ? તરત જ ? પ્રશ્નકર્તા : તરત જ. દાદાશ્રી : તરત, વાર જ નહીં, એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા એનાથી આપણે છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે 'પોતે' લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. 'પોતે' સ્વાદ લઈ આવે, પછી 'પેલા' ના માને. આ વ્યવહાર તો પેલી બાજુ જ લઈ જાય ને ! અનાદિથી એક આરાધેલો માર્ગ એ જ ને ! વ્યવહાર તો હંમેશાં એ બાજુનું ટેવાયેલો જ હોય ને ! એટલે એ બાજુ જાય તોય આપણે આપણા ધ્યેય પ્રમાણે હાંકવાનું. બળદ તો જૂનો રસ્તો દેખે તો એ રસ્તે જ ચાલ્યા કરે. આપણે હવે આપણા રસ્તે ધ્યેય પ્રમાણે જવાનું. આ રસ્તે નહીં, આ બીજે રસ્તે જવાનું. 'આમ હેંડ' કહીએ. એટલે પોતે લાંચ ના લે તો પેલાં કહ્યા પ્રમાણે તરત જ ફરે. પણ લાંચ લે તો એ પછી માર ખવડાવે, બધી બાબતમાં માર ખવડાવે. એટલે ધ્યેયમાં પાછું નહીં પડવું જોઈએ. પ્રશ્નકર્તા : એ લાંચ કેવી હોય ? દાદાશ્રી : ચાખી આવે. અને ચાખતી વખતે પાછું મીઠું લાગ્યું હોય ને, તે બેસે ત્યાં આગળ. 'ટેસ્ટ' કરી આવ્યો એટલે પછી ફરી થોડુંક એકાદ-બે બોટલ પી આવે. આ બધી ચોર દાનત કહેવાય. ધ્યેય પર જવું છે એ અને ચોર દાનત, એ બે સાથે કેમ કરીને રહી શકે ? દાનત ચોક્કસ રાખવી જોઈએ, કોઈ પણ લાંચ-રુશ્વત સિવાય. આ તો એ મસ્તી ચાખવાની ટેવ હોય છે, એટલે આમ ત્યાં બેસીને જરા એ મસ્તીના આનંદમાં રહે. પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિની મસ્તી ? દાદાશ્રી : ત્યારે બીજી શી ? એ એમાં જ ટેવાયેલો છે ને ! એટલે 'આપણે' કહીએ કે, 'ના, અમારે તો હવે આમ જવાનું છે. મારે મસ્તી નથી જોઈતી. અમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું છે.' આ પ્રકૃતિની મસ્તીઓ તો ભૂલભૂલામણીમાં લઈ જાય. ધ્યેય તોડાવડાવે એ આપણા દુશ્મન. આપણો ધ્યેય નુકસાન કરાવે એ કેમ પોષાય ? નહીં તો બ્રહ્મચર્ય પાળવું હોય અને અબ્રહ્મચર્યનાં વિચાર કરવા, એના જેવું થાય. વિચારમાં મીઠાશ તો આવે, પણ શું થાય ? એ ભયંકર ગુનો છે ને ! પછી પોતાનાં ધ્યેયમાં 'ટી.બી.' જ થાય ને ! સડો જ પેસવા માંડે ને !! અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને, કે આ ભવમાં જે થાય, ભલે દેહ જાય, પણ આ ભવમાં કંઈક 'કામ' કરી લઉં એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આપણી ઢીલાશ ના રાખવી. આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાશ ના રાખવી. પછી જે થાય તે ખરું. એની એવી ભાંજગડ નહીં રાખવાની ને ના થયું એની યે બહુ ભાંજગડ નહીં રાખવાની. એ તો બધું મળી આવે. પોતાની પાસે અધિકાર શો છે ? ભાવ. કે આટલું મારે કરી લેવું છે. નિશ્ચય, એ પોતાનો અધિકાર વાપરવો. અને બીજો બહારનો રોગ પેસી ના જાય કે 'લાવ, હું પાંચ જણને સત્સંગ સંભળાવું કે એવું તેવું.' એની કાળજી રાખવાની. નહીં તો એય પાછા બીજા નવી જાતના રોગ પેસી જાય અને કંઈનું કંઈ રસ્તે ચઢી જાય, તો પછી શું થાય ? કોઈ બચાવનાર મળે નહીં. માટે આપણે મોક્ષે જવું હોય તો આ 'વાત કરવા'માં પડશો નહીં. કશું પૂછે તો કહેવું કે 'હું ના જાણું.' આ તો અમે આ ભયસ્થાનો બધાં બતાડી દઈએ. ભયસ્થાનો ના બતાવીએ ને, તો ઊંધું થઈ જાય. આ બધા પુણ્યશાળી હોય છે ને, વાતેય પ્રગટ થઈ ને ! નહીં તો વાત શી રીતે ખબર પડે ? ને હું આમાં ક્યાં ઊંડો ઊતરવા જાઉં ? આ તો વાત નીકળી ત્યારે નીકળી, નહીં તો કોણ જાણતું હતું કે આવું બધું ચાલતું હશે ! પ્રશ્નકર્તા : આવી સમજને અનુભવમાં લાવવા માટે શું કરવું ? દાદાશ્રી : જેટલી જાગૃતિ વધીને, તેટલું અનુભવમાં લાવે. આ જ્ઞાન તો આપેલું છે પણ જેટલી આજ્ઞા પાળો એ આજ્ઞા જ અનુભવમાં લાવે એવી છે. આપણે ધ્યેય રાખવો કે જ્યારે ત્યારે આવું થવું છે. એ નક્કી કર્યું હોય તો એ બાજુ પુશઓન થયા કરે. આજ્ઞા પાળવાનો સ્ટ્રોંગ ધ્યેય ! આ જે જ્ઞાન આપીએ છીએને, ત્યારે પાંચ આજ્ઞાઓ આપી છે તે અભ્યાસ માટે આપેલી છે. આ સંસાર એ અભ્યાસનું પરિણામ છે. આ સંસારનો અભ્યાસ કર્યો, તેથી અધ્યાસ થઈ ગયો. અધ્યાસ શાથી થઈ ગયો ? પેલો અભ્યાસ કર્યો તેથી અને ફરી આ અભ્યાસે કરીને છૂટી જાય. પ્રશ્નકર્તા : એટલે પૂર્ણતા એની મેળે થયા કરે. એ કયા પોઈન્ટ ઉપર આપણી પરિણતિ હોય તો ત્યાંથી પૂર્ણતા થાય ? દાદાશ્રી : આજ્ઞા પાળવાની ઉપર, બીજા કોઈ ઉપર નહીં. આજ્ઞા પાળવાની ઉપર પરિણતિ હોય તો ત્યાં ઠેઠ પહોંચે. બસ, બીજું કશું જરૂર નથી. આજ્ઞા પાળવાનો એનો ધ્યેય હોય, તેને ઠેઠ પૂર્ણત્વ એની મેળે થયા જ કરે. એને કશું કરવાની જરૂર નથી. બીજું કશું દર્શન કરવાનું નહીં. વાંચવાની જરૂર નથી. જો આજ્ઞા પાળતો હોય તો દાદાને મળવાનીય જરૂર નથી. પ્રશ્નકર્તા : મળવું તો પડે. એય આજ્ઞામાં આવી ગયું. દાદાશ્રી : આ તો દાદાને મળવાનું એટલું જ કારણ છે કે સ્પીડી ઉકેલ આવે, જલદી. અને મારી જોડે છ મહિના ફરે તો ખલાસ થઈ ગયુંને ! સ્પીડી એનો મેળ પડી જાય. આપણે તો આજ્ઞા પાળેને, એ જ દાદા અને રૂબરૂ આવે તો વાત જુદી છે, નહીં તો આજ્ઞા પાળે તો દાદા ન હોય તોય ચાલશે. કિંમત આજ્ઞાની છે, રૂબરૂ તો ફક્ત ડિરેક્ટ શક્તિઓ મળે એટલા માટે છે. આજ્ઞાની ઇન્ડિરેક્ટ શક્તિઓ મળે અને પેલી ડિરેક્ટ શક્તિ. પ્રશ્નકર્તા : સત્સંગ જે કરવાનો છે તે આજ્ઞા પાળવા માટે જ કરવાનો છે ? દાદાશ્રી : બધું આજ્ઞા પાળવા હારુ છે. સત્સંગથી બધાં કર્મો ઢીલાં થઈ જાય. ઢીલાં થઈ જાય એટલે આજ્ઞા પાળવામાં સરળતા થાય. નહાયા પછી માણસ કેવો લાગે છે ? આળસ-બાળસ એની જતી રહેને ? એવી રીતે સત્સંગથી બધી આળસ છૂટી જાય. સંસાર એટલે નર્યુ કુસંગનું ટોળું ! ના ગમતું હોય તોય એમાં પડી રહેવું પડે. પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞા એકબીજાને સંકળાઈને શુધ્ધાત્માના ફેવરમાં કઈ રીતે કાર્ય કરે છે, તે સમજાવો. દાદાશ્રી : પાંચ આજ્ઞા એ તો પ્રોટેક્શન છે. નહીં તો આ કુસંગના વાતાવરણમાં બધું ખાઈ જાય. આ આજ્ઞા પ્રોટેક્શન છે. આ આજ્ઞા આત્માને કશી હરકત કરતી નથી. બાકી ઘરમાં-ઓફીસમાં બધે જ આ કળિયુગમાં કુસંગ છે. આ આજ્ઞા પાળે તો કશું સ્પર્શે નહીં ને નિરંતર સમાધિ રહે. નિયમભંગના પ્રતિક્રમણ ! ધ્યેય પ્રમાણે શું ના થયું, એ લખી રાખી રાતે પ્રતિક્રમણ કરવું. તોય બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : હજુ દાદા ઘણી વખત સહેજ વધારે ખવાઈ જવાય છે પણ એનું પ્રતિક્રમણ થઈ જાય છે. દાદાશ્રી : એનો વાંધો નહીં. પ્રશ્નકર્તા : અમે પ્રતિક્રમણ એવી રીતે કરીએ છીએ કે, હે દાદા ભગવાન ! જ્ઞાની પુરુષ પાસે મેં જે નિયમ લીધો છે, તેનો ભંગ થયો છે. તે બદલ ક્ષમા માગું છું હું. એ પ્રમાણે કરીએ તો ચાલેને ? દાદાશ્રી : એટલે આપણે નિયમને જ વળગી રહ્યા છીએ અને દેહ છે તે નિયમની બહાર ગયો છે. કારણ કે આપણે સત્સંગ કરાવડાવીએ છીએ ને, એટલે આપણે નિયમને વળગી રહ્યા છીએ, એ નક્કી છે. આપણે આજ્ઞા પાળવી છે. ધ્યેય સ્વરૂપ વર્તે જ્ઞાની, ત્યાંયે દેખે દોષ... તને અમારો દોષ દેખાય કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કોઈ દહાડોય નહીં ? અને આ પહેલી વખત આ બિચારાને અમારો દોષ દેખાય છે. તેથી અમે અજાણ્યા માણસને બહુ અમારા ટચમાં રાખતા નથી. બુધ્ધિ વાપરે તો દોષ જ દેખાય માણસને, પડી જાય. એ તો નર્કે જાય, સમજણ વગરના. અલ્યા, જ્ઞાની પુરુષને, જે આખા લોકને તારે, તેનામાંય દોષ ખોળી કાઢ્યા ?! પણ આ અજાણ્યા માણસ, સમજણ નહીં. તેથી અમે બહુ ટચમાં ના રાખીએ. એક-બે કલાક રાખીએ. નીરુબેન એકલાંને જ, એમને અમારા દોષ નહીં દેખાયા, કેટલાંય વર્ષથી જોડે રહે છે પણ એક અક્ષરેય દોષ નહીં દેખાયો ! એક સેકન્ડેય દોષ ના દેખાયો તે આ નીરુબેન ! તે ભારે કહેવાયને ! તને કોઈક દહાડો દેખાતો હશે, નહીં ? કોઈ દહાડોય નહીં ? પ્રશ્નકર્તા : દાદા, આપનું તો આ વિજ્ઞાન, એ વાતોની તો અદ્ભૂતતા જ છે ! અહીં દોષ જોવાનું તો કંઈ કારણ જ નથી, સંપૂર્ણ જ્ઞાનદશા વર્તતી હોય જેમને ! દાદાશ્રી : એવું છેને કે તમારા જૈનો હોયને તે સારાં. આવડો છોકરો હોય તેય કહે કે દાદાજી કહે એ સાચું, બીજું નહીં. એવું માને છે બધાંય. અને આ બીજો બધો કાચો માલ. પ્રશ્નકર્તા : આપ નિરંતર એકદમ સૂક્ષ્મતમ ઉપયોગમાં વર્તતા હોય, ત્યાં દોષ રહે જ નહીં ને કશું ? પછી આપના દોષ કેમ જોવાય ? દાદાશ્રી : એવી સમજણ નહીંને, એકુંય સમજણ નહીં. પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન સ્વરૂપે વર્તતા હો પછી બહારનું ગમે તેવું હોય, શ્રીમદ્ રાજચંદ્રે તો એટલે સુધી કીધું કે જ્ઞાનીને સનેપાત થાય, તોય એમના દોષ ના જોવાય. દાદાશ્રી : પણ એ સમજણ હોવી જોઈએ ને ? સમજણ કંઈ સહેલી વસ્તુ છે ? પ્રશ્નકર્તા : ઊલટાંનું આ પૂછવામાં, પેલું વાતચીત કરવામાં વિનય ચૂકાય એ બધી ભૂલો અમારી અમારે ધોવાની હોય. દાદાશ્રી : જ્યાં નહીં જોવાનું ત્યાં એ જોઈ નાખે, એ અજાયબી જ છે ને ! બીજી જગ્યાએ દોષ જુએને, તો હું એ ભાંગી આપું. અને અહીં દોષ જુએ તો કોણ ભાંગે એનું ? કોઈ ભાંગનારું જ રહ્યું નહીંને ! એટલે હું ચેતવી દઉં કે અલ્યા, જો જે, અહીં ચેતતો રહેજે. મહીં સમજણ નહીં ને બિચારાને ! કોઈ જાતનીય સમજણ નહીંને ! આ થોડું-ઘણું જ્ઞાન આપ્યું હોયને, તે જાગૃતિ રહે એ લોકોને, ચોખ્ખો હોય તો. બીજી સમજણ નહીં કે હું શું કરી રહ્યો છું ! બુધ્ધિ ફસવે. તેની પોતાને ખબર ના પડે ને ! બુધ્ધિ બધાંને ફસવે. ના જોવાનું હોય તેય દેખાડે. આ બાબતમાં નીરુબેન જોયાં મેં. એક દહાડોય અવળો વિચાર ના આવે. અમારા હાથે કોઈકને મારતાં હોઈએને, તોય વિચાર નહીં. એનું કંઈ હિતનું કારણ જોયું હશે તેથી મારતા હશે ! પ્રશ્નકર્તા : અને એવું જ હોય છે. દાદાશ્રી : હવે એ આમની બુધ્ધિ શી રીતે પહોંચે ? પ્રશ્નકર્તા : આખું કેવળ કરુણા અને કલ્યાણ સિવાય બીજું કંઈ અહીં છે નહીં. દાદાશ્રી : ધીમે ધીમે એનુંય રાગે પડી જશે. પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં તો જગતમાં પણ કોઈને દોષિત જોવાનું નથી, તો જ્ઞાની પુરુષના તો દોષ જોવાતા હશે ? જગત નિર્દોષ જોવાનું છે. પોતાની જ ભૂલથી દોષ દેખાય છે. દાદાશ્રી : હા, પણ એવું ભાન રહે નહીં ને માણસને ! ભાન રહે તો આવું કરેય નહીંને બિચારો ! જોખમ ખેડે નહીં ને આ તો ! બહુ મોટું જોખમ કહેવાયને ! તેથી તો પેલા ભાઈને કહેલું કે આઠ વાગ્યાથી વહેલું તમારે આવવું નહીં. અમે ચા પીતાં હોઈએ ને દોઢ કપ પીતાં હોય કે બે કપ પીતાં હોઈએ ત્યારે એની બુધ્ધિ બતાડશે કે આટલું બધું બે કપ પીવાની શી જરૂર ? એક પીધી હોય તોય શું ખોટું ? પ્રશ્નકર્તા : જોવા જેવું તો મહીલું જ છે, કે ચા પીતી વખતે આપ મહીં કેવી રીતે વીતરાગતામાં રહો છો ! દાદાશ્રી : એવી જોવાની શક્તિ ક્યાંથી લાવે ? એ તો આપણા જ્ઞાનથી મહીં ઠંડક રહે છે એટલું જ સારું છે ને ! પ્રશ્નકર્તા : આપ તો કહો છોને કે, એક ક્ષણ પણ અમારો મોક્ષનો ધ્યેય અમે ચૂકીએ નહીં. દાદાશ્રી : એક મિનિટેય, એક ક્ષણેય ના ચૂકાય. પ્રશ્નકર્તા : હવે આખું મોક્ષમાર્ગમાં રહેવું અને આ વ્યવહાર પાછો. એક એક વ્યક્તિને દુઃખદાયી ના થાય, એનો રોગ નીકળે એટલું કડક બોલવું પડે, એ બધું કરવાનું. આપણે જે કર્મ ના બંધાય કહીએ છીએને, તે પાંચ આજ્ઞા પાળતો હોય તો. આજ્ઞા ના પાળીએ એટલે કર્મ બંધાય જ. મારી પાસે આખો દહાડોય બેસી રહે (દોષો જુએ, આજ્ઞા ના પાળે) તો કશું વળે નહીં અને મને છ મહિના ભેગો ના થયો પણ આજ્ઞા પાળતો હોય તેનું કલ્યાણ થાય. બાકી અહીં તો બધાને ઠંડક લાગેને, તે બધા બેસી જ રહેને ! કૂતરુંય અહીંથી ખસે નહીં, બળ્યું ! ધ્યેય, રાખવો લઘુતમ પદનો ! તમે લઘુતમ પુરુષ જોયેલા આ જગતમાં ? પ્રશ્નકર્તા : દાદા પોતે જ લઘુતમ છે ને ! દાદાશ્રી : હા, એટલે બસ, આ લઘુતમ પુરુષને જોવાના ને તેવું તમારે થવાનું છે, બીજું શું ? અહીં બીજું શીખવાનું કશું નથી. આપણા મહાત્માઓ સમજી ગયા કે લઘુતમ 'દાદા'એ શીખવાડ્યું ! હવે દાદા જ લઘુતમ થયા છે એટલે બીજાને પણ લઘુતમ થયે જ છૂટકો છે ને ! અને એવો જ ધ્યેય કરવા જેવો છે. બીજું કશું કરવા જેવું જગતમાં નથી, જો ખરું સુખ જોઈતું હોય તો. અમે આ 'રિલેટિવ'માં લઘુતમની જગ્યા ઉપર બેઠેલા છીએ, તમને બધાને એ જ કહીએ છીએ કે આમ થઈ જાવ. બીજું કશું કહેતા જ નથી ને ! મને લાગે છે તમારે વર્ષ દહાડો લાગશે લઘુતમ થતાં ?! પ્રશ્નકર્તા : પણ આ લઘુતમ થવાનું, એ તો બહુ મોટી વસ્તુ છે. દાદાશ્રી : ના, એવી મોટી વસ્તુ નથી. 'આપણે' નક્કી કર્યું ને, કે 'મારે લઘુતમ થવું છે' તો મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર આ બધા એ બાજુ જ જયા કરે ! એટલે ધ્યેય નક્કી કર્યો, તે બાજુ જાય. 'તમે' કહો કે મારે અત્યારે સાન્તાક્રુઝ જવું છે, તો તે બાજુ જ જાય. માટે ધ્યેય નક્કી કરો. બાકી, દુનિયામાંય કોઈ 'લઘુતમ થવું છે' એવું નક્કી જ ના કરે. આપણા 'જ્ઞાન' લીધેલા મહાત્માઓ જ એવું નક્કી કરે કે, 'લઘુતમ થવું છે.' કારણ કે સાચું જ્ઞાન પામેલા છે ને પેલા, એ લોકોને તો ભ્રાંતિ છે. આવો હોય આદર્શ વ્યવહાર ! વ્યવહાર આપણો આદર્શ હોવો જોઈએ. અમારો વ્યવહાર તીર્થંકર જેવો હોય, આદર્શ ! વ્યવહાર જ બરોબર ના હોય તો એને શું કરવાનું ? વ્યવહાર કેવો જોઈએ ? આદર્શ જોઈએ. લોકો ખુશ થઈ જાય એવો જોઈએ. ના જોઈએ ? તમારો વ્યવહાર ફર્યો નહીં, આપણે અહીં આવ્યા પછી ? પ્રશ્નકર્તા : ફરી ગયો દાદા, ઘણો ફરી ગયો. દાદાશ્રી : એ ફરી જાય. હવે કો'ક ચિડાયને તોય તમે એને પ્રેમથી બોલાવ્યા કરો. નહીં તો દુનિયાનો વ્યવહાર કેવો ? એ ચિડાય તો આપણે ચિડાવું, એ હસતો આવે તો આપણે હસતા જવું. તો મૂઆ વ્યવહાર જ જો આમ રાખી મેલશો તો ખાલી ક્યારે થાય આ ? એ તો નિશ્ચય લાવીએ કે ભઈ, એ ચિડાય ને આપણે નહીં ચિડાવાનું તો ખાલી થાય. એ ચિડાય ને આપણે ચિડાઈએ તો ચાલુ જ થઈ ગયુંને ? એવું જ હતુંને ? પેલો ચિડાતો આવ્યો, આંખ જોઈ કે તૈયાર ! હવે આપણું વિજ્ઞાન શું કહે છે ? એ ચિડાતો આવ્યો એટલે આપણે ઠંડા. આદર્શ વ્યવહાર હોય. તમને લાગે છે વ્યવહાર આદર્શ હોય એવું ? અથડાવાની જગ્યાએ ના અથડાય તો પછી થઈ રહ્યું ! એટલે ત્યાં તપાસ કરવી, અથડાવાની જગ્યાએ અથડાય છે કે નહીં, એ સાચો વ્યવહાર. અને અથડામણ થાય તોય માફી માંગે સામસામી. એ સામો માણસ જાણે નહીં એવી રીતે માફી માંગે તોય પહોંચી જાય છે. એની ગેરહાજરીમાં તમે માફી માંગો તોય પહોંચી જાય એવો આપણે સુંદર વ્યવહાર છે, શુધ્ધ વ્યવહાર છે. તોય એક ફેરો કોઈને વ્યવહારમાં મારી કંઈ ભૂલ દેખાઈ. તે મને કહે છે કે 'તમારે આમ કરવું જોઈએને ? આ તમારી ભૂલ કહેવાય.' મેં કહ્યું કે 'ભઈ, તમે તો આજે જાણ્યું, પણ હું તો નાનપણથી જાણું છું કે આ ભૂલવાળો છે.' ત્યારે કહે કે, 'ના, નાનપણમાં એવા નહોતા, હમણે થયા છો'. એટલે આ બધું પોતપોતાની સમજણથી છે. એટલે અમે અમારું પહેલું જ દેખાડી દઈએ કે અમે જ કાચા છીએ પહેલેથી. એટલે અથડામણ થાય જ નહીંને ! પેલાનેય ટાઈમ બગાડવાનો રહ્યો જ નહીં ને એને દુઃખેય થવાનું રહ્યું નહીં. પ્રશ્નકર્તા : મન-વચન-કાયાનો સ્વભાવ બદલાય ? દાદાશ્રી : એવું છે ને, ના બદલવો હોય તો ના બદલાય અને બદલવાનો ધ્યેય હોય તો જ્યારે ત્યારે બદલાયા વગર છૂટકો જ નહીં ને ! ધ્યેય જે નક્કી કરીએ તે પ્રમાણે થયા કરે. પણ એકદમ ના બદલાય કંઈ. આપણે ધ્યેય નક્કી કર્યો હોય કે ભાઈ, આપણે બદલવો જ છે. એટલે એ બાજુ જ જાય. આમ બીજી બાજુનો ધ્યેય કર્યો તો આમ બીજી બાજુ જાય પણ ધ્યેય જ નક્કી ના કર્યું હોય તો ? એ તો પૂરણ થયેલું ગલન થવાનું છે. તો પણ ધ્યેય તો નક્કી જોઈએ ને ? ધ્યેય નક્કી ના હોય તો કોક (નળ) બંધ રહે. જગતમાં કોઈનોય દોષ નથી. જે કંઈ દોષ દેખાય તે આપણા દોષને લઈને દોષ દેખાય છે. કોઈનો દોષ મેં જોયો નથી. મને હજુ દેખાતો જ નથી. તમને શું દેખાય છે ? અને દોષ દેખાય છે એ જ છે તે ભ્રાંતિના લક્ષણ બીજું શું ? સાસુ-વહુને વઢવાડ થાય છે, તે વહુ જાણે કે સાસુ મને દુઃખ દે છે, સુખ દે છે. પણ જ્યારે વહુને પક્ષાઘાત થાય છે ત્યારે કેમ નહીં કહેતી કે મને સાસુએ દુઃખ દીધું ? પક્ષાઘાત થાય ત્યારે કહે કે સાસુએ મને કર્યું એવું ? ના કહે, નહીં ? પેલું પોતાને ખબર પડે કે આ મને, મહીંથી થયું. માટે બહારથી નથી કર્યું. પેલું બહારનું ખબર પડતી નથી. એ જો ખબર પડે તો તો ભગવાન જ થઈ જાય પછી. ખબર પડતા વાર લાગે. કારણ કે અડધો તો મેણો ચઢેલો હોય. આ ખોરાક ખઈએને તેનો મેણો ચઢ્યા કરે. તે સત્ય વસ્તુને ના દેખવા દે. તે ઉપવાસ કરે ત્યારે મેણો ઉતરે. પણ ઉપવાસ કરે ત્યારે છે તે અહંકાર વધી જાય પાછો. મેણો ઉતરે ત્યારે અહંકાર વધે બળ્યો. એના કરતાં મેણો છો ને રહ્યો અહંકાર વધે તેના કરતા. ઉપવાસ કર્યો હોય ને તેનો બહુ પાછો કેફ વધે. હા... આપણો ધ્યેય શું રાખવો કે આ જગતમાં બિલકુલ કોઈનો દોષ છે જ નહીં, દોષ બધા આપણા જ છે. એ ધ્યેય ઉપર રાખવો એટલે જ્યારે ત્યારે એ ધ્યેયે પહોંચી જવાશે. એકદમ નહીં પહોંચાય, એ કંઈ એવી વસ્તુ નથી કે આ સાત લાખ ફૂટ ઊંડો ખાડામાં એકદમ પડતું નખાય. એ તો ધીમે ધીમે હેંડશે. એકદમ પડતું નાખીએ ચાલે નહીં. કે લાય, દાદાજી જેવા થઈ જઈએ કાલે. દાદાજી કેટલા વર્ષથી સ્લીપ(ખાડા)માં પડ્યા હશે એ તો ભગવાન જાણે ! પ્રશ્નકર્તા : આ તો અક્રમ છે ને, દાદા ! દાદાશ્રી : અક્રમ તમારા માટે, મને, મારું કંઈ અક્રમ હતું ? હું તો ક્રમમાંથી જ આવેલો છું ને ! આ તો તમારી પુણ્યૈ જાગી તે અક્રમ નીકળ્યું. બાકી હું તો ક્રમમાંથી જ આવેલો છું ! એટલે મારે તો સ્લીપ થતાં થતાં કેટલા વર્ષો તે, કેટલાય અવતારથી આ ધ્યેય હશે, ત્યારે આ ધ્યેય મારો પૂરો થયો ! મને કોઈ ક્ષણ કોઈનો દોષ દેખાયો નથી. એક ક્ષણ એવી ગઈ નથી કે દોષ દેખાયો હોય ! કારણ કે દોષ હોતો જ નથી બિચારાને ! આપણને દોષ દેખાય છે તે જ આપણી ભૂલ. વાળે મોક્ષમાર્ગે, કરુણાથી ! દરેક તીર્થંકરના વખતનો જે કચરો હતો, તે પૂંજો વાળવાનો મારે ભાગ આવ્યો છે ! ઋષભદેવ ભગવાનના વખતથી પૂંજો પડ્યો છે. કોઈએ પૂંજો જ નથી વાળ્યો. 'આવો શેઠ, આવો શેઠ' જ બધાએ બોલાવ્યા છે. હવે હુંય એવું કરું ત્યારે પાછો એ જાણે કે 'હું તો પૂરેપૂરો જ છું.' એ જ્યાં સુધી ઝાપટું નહીં ત્યાં સુધી ધૂળ ઊડે જ નહીં ને ! કોઈએ ઝાપટેલું જ નહીં, એમ ને એમ પૂંજો પડવા દીધેલો છે, બસ. ત્યારે ઝાપટવાનું સારું લાગતું હશે ? શું કરે ? ઝાપટું નહીં તો સામાનો ઉકેલ ના આવે. કોઈને ધૂળ પડેલી હોય તો તે સાફ કરવાનું નહીં ? ઝાપટું નહીં તો ઉકેલ આવે ? તે આ મારે ભાગે આવ્યું ! દરેક તીર્થંકરોના વખતમાં જે કચરો હતો ને, તે બધો કચરો ભેગો થઈને પડી રહેલો છે. જે ચોખ્ખો માલ હતો, તે જતો રહ્યો. પણ જે તીર્થંકરની પાસે બેસી રહેતા હતા, 'કેવું સંભળાય છે ! ઓહોહો !! કેવી વાણી !!!' પછી પુરીઓ ને શાકેય ત્યાં મંગાવીને ખાધેલું. પત્નીને કહે, 'તું પુરી ને શાક અહીં આગળ લઈ આવ. કંદમૂળ ના લાવીશ !' પણ ગમે કેવું ? ભગવાનની વાણી કેવી ગમતી હતી ! મનને જ ગમે, હ્રદયને નહીં. મનને એવી મીઠી લાગે ! પણ બધાનો પૂંજો તીર્થંકરો કાઢે નહીં અને તીર્થંકરો ચરમ શરીરી કહેવાય. જ્યાં પગલું પડે ત્યાં તીર્થ ઊભાં થાય એવા તીર્થંકરો, એમને તો આ પૂંજો કાઢવાનો હોય જ નહીં. પણ આ ગણધરોએય કાઢ્યો નહીં અને મારે ભાગે આવ્યો આ બધો. મેં તો ઘણુંય ભગવાનને કહ્યું કે મારે ભાગે આ પૂંજો ? ત્યારે કહે છે, એ પૂંજો તો કાઢ્યા વગર છૂટકો જ નહીં ને ! આ ક્યારે ઊજળું થાય ? 'કભોટે' પડી ગયેલાં વાસણ માટે, કઈ જાતનો એસિડ વાપરવો તે જ મને સમજાતું નથી. બહુ વરસો થયાં નથી, ૨૫૦૦ વર્ષ જ થયાં ભગવાન મહાવીરને ગયે. એમાં ૫૦૦ વર્ષ સુધી તો સારું રહેલું ને ૨૦૦૦ વર્ષમાં આટલો બધો કાટ ?! કૃષ્ણ ભગવાનને ગયે ૫૧૦૦ વર્ષ થયાં, તેમાં કેટલો બધો કાટ ચઢી ગયો ? વીતરાગો પણ કોઈને વઢ્યા નથી. કેવા ડાહ્યા છે વીતરાગો ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં, એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણે પણ એ જ ધ્યેય છે ને ! આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાવ, પાછળ 'દાદા' થવાના છે ત્યાં જાવ. તે 'અમારા' ભાગે આવ્યું છે. 'અમારો' ઠપકો તો 'કરુણા'નો ઠપકો છે. 'અમારો' સ્વભાવ તો વીતરાગ છે. પણ 'જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે.' જેવો સામે રોગ હોય, તેવી આ નૈમિત્તિક વાણી નીકળે. અમારી કારુણ્યબુધ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળેય એવો છે. આ ફ્રીઝમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય ? પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચઢે. તે અમારે સોડા બધું નાખવું પડે છે ! અમને તે આવું ગમતું હશે ? આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અને કોઈ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે ! બીજા કોઈ પણ તીર્થંકરોનું શાસન આવું અજોડ નહીં હોય ! - જય સચ્ચિદાનંદ |
|---|