|
દાદાકૃપાથી બન્યા નીરુમા કલ્યાણસ્વરૂપ ! સંપાદકીય અહીં આપણને એક એવું સુંદર કલેક્શન જોવા મળે છે કે જેમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) પૂજ્ય નીરુમાને જગત કલ્યાણ માટે તૈયાર કરે છે, ઘડે છે. તેના બધા સ્ટેપિંગ અહીં જાણવા મળે છે. જેમ એક મૂર્તિકાર મૂર્તિને ઘડતો હોય તો સૌ પ્રથમ પથ્થરમાંથી ડોળિયું બનાવે, પછી ધીમે ધીમે મૂર્તિનો આકાર આપે, પછી ફિનિશીંગ કરી મૂર્તિ બનાવે, આંખો-હોઠ-નાક બધું તૈયાર કરે, પછી પોલિશ-પેઈન્ટિંગ કરી મૂર્તિ બનાવે ને છેવટે જ્યારે પ્રાણપ્રતિષ્ઠા પૂરાય ત્યારે તે મૂર્તિ દર્શન કરવા માટે ભગવાન સમાન બની જાય. દાદાશ્રીને આ મૂર્તિ ઘડવાનો સ્કોપ (અવસર) મળ્યો હતો. ઘડતરના ભાગરૂપે આવતાં ગમે તેવા ટાંકણા પૂજ્ય નીરુમા ખમી લેતા. એમની અર્પણતા, આધીનતા, પરમ વિનય, અભેદતામાં ક્યારેય ફેર પડતો નહીં. દાદાશ્રી પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ હંમેશાં એવી ને એવી જ રહેતી. દાદાશ્રી એમને ઘડવા માટે એક-એક લેશન જે શીખવાડે છે તે બધો સત્સંગ અત્રે સંકલિત થયો છે. દાદાશ્રી નીરુમાને શરૂઆતમાં જગત કલ્યાણનો ધ્યેય પકડાવે છે. વિષયના પરમાણુથી મુક્ત કરે છે. ધીમે ધીમે માન-અહંકાર કાપતા જાય છે. આગળ જતાં કપટ-મોહ ખલાસ કરી આપે છે. નિરંતર પોતાને નીરુબેનથી જુદાપણું વર્તે એવી ચાવીઓ આપે છે. સ્થૂળથી સૂક્ષ્મ પ્રકારના તમામ કચરો કાઢવા માટે હીટ ટ્રીટમેન્ટ શબ્દ દાદાશ્રી વાપરે છે. અને વિશેષતા તો એ છે કે પૂજ્ય નીરુમા તેમને છેક સુધી સમર્પીત રહ્યા અને સિન્સિયર રહ્યા, આઘાપાછા ન થયાં. તેથી દાદાશ્રીને પૂર્ણ સ્કોપ (પૂરો અવસર) મળ્યો ને એમને પૂર્ણ બનાવી શક્યા. દાદાશ્રીનો ખૂબ રાજીપો મેળવ્યો, અસીમ કૃપાપાત્ર થયા અને કરુણા પામી ગયા, અભેદ થઈ ગયા. બે આત્મા અને એક દેહની જેમ પહેલે દિવસથી ઠેઠ સુધી, વીસ વર્ષ સુધી અખંડ સેવામાં દાદાશ્રી જોડે રહ્યા. પૂજ્ય નીરુમાના પત્રો, લેખો, અનુભવો વિગેરેના તો હજારો પુસ્તકો બની જાય એટલું છે છતાં નીરુમાએ હંમેશા પોતાની વાણી છાપવા માટે, પુસ્તક બનાવવા માટે સ્ટ્રીક્ટલી (કડકાઈથી) ના પાડી હતી, તે અત્રે ઉપયોગમાં લેવાયેલ જ નથી. ગુરુ પૂર્ણિમાના સંદેશા દર વર્ષે આપતા. તે પછી મહાત્માઓને એક વર્ષ સુધી એ સંદેશો ધ્યેય સ્વરૂપે ગોઠવવા માટે દાદાવાણીમાં છાપવાની કહ્યું તો નીરુમાએ કહ્યું, 'શાને માટે આ છાપવું છે ? કશી જરૂર નથી. દાદાની જ વાણી છાપવાની. મહાત્માઓને યાદ રાખવું હોય તો રાખશે ને ભૂલી જશે તો વાંધો નહીં, પણ મારી કોઈ વાણી છાપવાની જરૂર નથી. દાદાને જ મુખ્ય ગણો ને એથી ઉપર સીમંધર સ્વામીને જ મુખ્ય ગણો. હું તો એમના ચરણની રજ કહેવાઉં.' લઘુતમપણાની કેવી અદ્ભૂતતા !!! પ્રસ્તુત અંકમાં પૂજ્ય નીરુમા માટે દાદાશ્રીની જે વાણી નીકળી હતી, તેમાંથી થોડું અત્રે સંકલિત થયું છે. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ દાદાકૃપાથી બન્યા નીરુમા કલ્યાણસ્વરૂપ ! જગત કલ્યાણનો ભેખ ! દાદાશ્રી : શેના હારુ ભણ્યા, કહો. નીરુબેન : દાદા, સાચું કહું, નાનપણથી ભણવાનું થતું'તું ત્યારે એટલો વિચાર આવતો હતો કે આ સેવા માટે ભણવું છે, મેઈન્ટેનન્સ માટે નથી જોઈતું. પછી દાદા મળ્યા પછી તો આખું ફરી ગયું. દાદાશ્રી : સેવા માટેનું ભણ્યાં, આ ભણ્યાં'તાં તે ? નીરુબેન : હા. દાદાશ્રી : પછી કમાવવાની ઇચ્છા નહોતી થઈ ? નીરુબેન : ના, કમાવવાની નથી થઈ. દાદાશ્રી : કામ શું કરવાનું ? શો ધ્યેય છે તમારો ? દાદા જોડે રહેવું એ જ ધ્યેય છે કે બીજો કોઈ ધ્યેય છે ? નીરુબેન : દાદા જોડે રહીને જગત કલ્યાણ કરી શકું. દાદાશ્રી : એમ ! જગતનાં કલ્યાણનું ! આખા જગત કલ્યાણ માટે જેણે ભેખ લીધો છે, એને જગતનું કોણ આંતરી શકે ? એવી કોઈ શક્તિ નથી કે જગતમાં આંતરી શકે અને આખા બ્રહ્માંડના દેવલોકો તમારી ઉપર ફૂલાં વરસાવી રહ્યા છે. એક પણ દેવ એવા નથી, જેને દાદાની ઓળખાણ ન હોય. માટે હવે એક ધ્યેય નક્કી કરી નાખો કે આ એક જ કામ કરવું છે. આ શરીરની જરૂરિયાતો જાહોજલાલીથી આવશે તમારી. આ શરીરની કોઈ પણ જરૂરિયાતની ચિંતા તમારે કરવાની ના હોય. તમારી જરૂરિયાત બધી તો ઓટોમેટિકલી પૂરી થઈ જશે. જ્યારથી તમે આ નક્કી કરો, ત્યારથી આ જરૂરિયાત સામે જોવાનું જ ના હોય. પણ તમે જ્યાં સુધી સંસારભાવમાં છો, ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા. અને અહીં તો જરૂરિયાત કેવી ? જાહોજલાલી ! દાદાની જાહોજલાલી નથી જોઈ ? દાદાને કશું જોઈતું નથી, છતાં જાહોજલાલીથી રહે છે ને ! નીરુબેન : જંગલમાં તમારી સાથે ગયા હોયને, અડધી રાત્રે બાર વાગી ગયા હોય, તોય દાદાની જાહોજલાલી એવી હોય કે બધી વ્યવસ્થા થઈ ગયેલી હોય, ઓટોમેટિક. ક્યાંયથીય આવીને પડે, કશી ખબર ના પડે અને બધું આવીને ઊભું રહી જાય. દાદાને સૂવાનું, જમવાનું, બેસવાનું બધી વ્યવસ્થા. દાદાશ્રી : એક જ ટકાની ઈચ્છા બીજી કોઈ છે કે નહીં ? ઇચ્છા મહીં છે ? નીરુબેન : નથી, દાદા. દાદાશ્રી : કોઈ પણ પ્રકારની ઇચ્છા નથી ? નીરુબેન : જોયા કરું કે બીજી ઇચ્છા કંઈ આવે છે, પણ નથી આવતી. દાદાશ્રી : બધી તપાસ કરી નાખી, કહે છે કે બીજી ઝીણવટથી તપાસ કરી લો, બીજી કોઈ પ્રકારની ઇચ્છા હોય તો એનો ઉકેલ લાવીએ આપણે. અને પછી એક જ પ્રકારની રહીને, પછી દેવલોકો તમારી સાથે છે. કારણ કે મનુષ્ય કેટલું કરી શકે ? મનુષ્યને દેવસત્તાની, બહુ શક્તિની, મદદની જરૂર છે. કારણ કે દેવસત્તા છે, દેવસત્તા જેવી બીજી કોઈ સત્તા નથી ! આ લોકોમાં અંતરાય નાખવા, અંતરાય પાડવા હોયને, તો તેય દેવશક્તિના હાથમાં સત્તાઓ છે. જેવી અહીં ફોજદારની સત્તાઓ છે એવી બધી એમના હાથમાં સત્તાઓ છે. એ સત્તાવાળા કોઈ તમારું નામ નહીં દે. તે લોકોય સત્તાધીશ છે. તે સોએક માણસ, આપણા મહાત્મામાંથી નીકળશે ને ? સોની જરૂર નથી, પાંચની જ જરૂર છે. એક ધ્યેય, બીજું નહીં, અદબદ ધ્યેય નહીં, ભેળસેળવાળો ધ્યેય નહીં, એક જ ધ્યેય. ઊંઘમાં, જાગતાં, ગમે તે ટાઈમે એક જ ધ્યેય. અડચણમાં પણ એક જ ધ્યેય, અડચણ બહાર પણ એક જ ધ્યેય. (૧૯૭૪) તું શેના કામમાં છું ? નીરુબેન : જગત કલ્યાણના ટેકા રૂપે. દાદાશ્રી : કેટલી મિનિટ ? નીરુબેન : નિરંતર. દાદાશ્રી : નિરંતર આમાં હોય તો પછી એથી વધારે જોઈએ કશું ? હેં ? નિરંતર જગત કલ્યાણમાં, સ્વપ્નાં પણ જગતનાં કલ્યાણનાં આવે અને કલ્યાણ કરીને બીજું શું કલ્યાણ કરવાનું છે ? પૌદ્ગલિક કલ્યાણ કરવાનું નથી. એમનું આ ધાર્મિક કલ્યાણ કરવાનું છે. પૌદ્ગલિક બધું થઈ ગયુંુ છે આ લોકોને ! અભેદતા, દાદા સંગે ! નીરુ તું તો ચાર-છ દિવસથી મહાવીર થઈ ગઈ છું. પોતાની જાતને તે તો દાદામાં બેસાડી દીધી છે ને દાદાને પોતાની જાતમાં બેસાડી દીધા છે. તો પછી દેહ ભેદ ન પાડે તો મહાવીર જ છે.(૭-૧૧-૬૯) દાદાના શરીરમાં હું રહું કે મારા શરીરમાં દાદા રહે, તેવા ભાવ નીરુ સેવ્યા કરતી હતી. જે હું વાંચી ગયેલો, તે મેં કહેલું, હું તેમના મનના સર્વે ભાવ પૂરા કરીશ. મારા પૂર્વભવના મહાન ઋણાનુબંધને લઈને આવી છે. (૯-૭-૬૮) (૧૯૮૭માં અમેરીકામાં જેકી નામની બહેન સાથે સત્સંગ લોસ એન્જલસમાં થયો. જેકીએ પૂછયું કે 'દાદા, આ નીરુબેનને સાથે તમારે શું રિલેશનશીપ (સંબંધ) છે ?' ત્યારે દાદાશ્રીએ કહ્યું કે, 'નીરુબેન એમ. ડી. ડૉક્ટર છે અને નિરંતર અમારી સેવામાં છે, બે આત્મા અને એક દેહ એવી અભેદતાથી આ વ્યવહાર જગતમાં રહે છે.') વ્યવહાર-નિશ્ચયની જવાબદારી લીધી ઠેઠની ! નીરુ, તને મારાથી કોઈ વિખૂટાં પાડી શકે તેમ નથી. છતાંય હું તારી જોડે ને જોડે છું, એક પણ મછરું તારી પાસે નહીં આવવા દઉં અને તું જ્યારે ખૂબ જ કંટાળી જાય ને મને કાગળ લખીશ કે તૂર્ત જ દાદા તારી પાસે આવીને ઊભા રહેશે. (૨૨-૧૧-૬૮) નીરુને માટે મારે ઉપયોગ દેવો પડે. મારા ઉપયોગ મૂક્યા પછી ઉપયોગમાં મેં નીરુનું વ્યવસ્થિત જોઈ લીધું, જે ઔરંગાબાદમાં ઉપયોગ મૂકીને જોયું હતું. હું મારા પોતાના માટે વ્યવસ્થિત શું છે તેનો ઉપયોગ મૂકતો નથી, પણ ઉપયોગ મૂકીને નીરુનું વ્યવસ્થિત જોયેલું છે. નીરુ પહેલે દિવસે આવી ત્યારે જ કહેલું કે શું શું બનશે, પણ તે વખતે ઉપયોગ નહીં મૂકેલો. મેં મારા માટે વ્યવસ્થિત ક્યારેય નથી જોયું. (૧-૧૨-૬૮) સંત પુરુષ બાલુભાઈ (પૂજ્ય નીરુબેનના પિતાશ્રી) રાતના ૧-૩૯ મિનિટે દેહ વિલય કરી ગયા. દાદા નીરુને કહે છે, 'તારો બાપ હું અહીં બેઠો છું તેમ બધા છોકરાને (પૂજ્ય નીરુબેનના ભાઈઓને) કહેજે, એ તો એમણે કોટ ઉતારી નાખ્યો. નીરુ, ભલે બાલુભાઈ ગયા, તમારા બાપ (પૂજ્ય દાદાશ્રી) મામાની પોળમાં બેઠા છે. બાલુભાઈ દેવગતિમાં ગયા.' (૧-૧૨-૬૮) નીરુને જ્ઞાન આપતા પહેલા મેંે કહેલું કે આ અમારી બહુ નજીકની ફાઈલ છે.(૩-૧૨-૬૮) નીરુ ડાક્ટર થઈ છે પણ પોતાનું કશું જ તેની પાસે રાખ્યું છે ? અને મારું જ બધું ભર ભર કર્યું છે. નીરુને છ માસ સાથે રહેવાનું હોય તો તે મહાન મહાત્મા થઈ શકે તેવી છે. (૧-૮-૬૮) આ નીરુ ૨૮ વર્ષની વૈષ્ણવમાં જન્મેલી, તે વીતરાગ મૂર્તિના દર્શનેય ન્હોતાં કર્યાં, તેને આ જ્ઞાન કેવું સુંદર રહે છે ! આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાનને સમજી લઈ અને આજ્ઞામાં રહે છે તેથી. (૫-૭-૭૩) મને આત્માનો અવગાઢ અનુભવ થયો છે. નીરુને ગાઢ અનુભવ થયો છે. (૮-૧૦-૬૯) 'નીરુનો જન્મદિન છે આજ, પ્રાર્થું આત્માનુભવકાજ; સ્પષ્ટ વેદન ઝંખું દિનરાત, એ જ એકમેવ મુજ આરાધ!' - નીરુબેન આ દેહે આ અવતારમાં તેમણે મિત્ર તરીકે નીરુને ઓળખી. આજ સુધીના પાછલા બધા અવતાર તો ભંગારમાં ગયા. ભંગારમાં વેચાય તેવા. ખરો આ દેહ નીરુનો આ ભવનો, કે જે દેહે અમર બનાવ્યા. જે દેહે ભગવાનનાં દર્શન કરાવ્યાં.(૧૭-૧૧-૬૮) અનંત અવતારના પરમાણુઓ આજે કાઢી નાખ્યા. નીરુને રોજ થતું કે વીતરાગને અડીને ક્યારે બેસું ? તે ભાવ આજે મેં પૂરો કરાવ્યો. એ તો આવતા ભવનું પણ મારી સાથે સાંધે છે. મનુષ્યોમાં ભાવ કરવાની શક્તિ છે. મન છે એટલે ભાવ કરે. વરસાદ પડે-ન પડે, દુષ્કાળ પડે-ન પડે, તે માનવ ભાવનું કારણ છે.(૯-૭-૬૮) જ્ઞાનીઓના ચરણમાં જ સભર મોક્ષ પડેલો છે. આ જગતમાં આવાં દર્શન કરવાની કોને ઈચ્છા ના હોય ? નીરુ, અહીં ઉપર મારી જોડે બેસ. ક્ષીણમોહ જિનેશ્વર, ગણધરો સહિત હતા, તેવું કોઈ ફોટા પાડે તોય જાણે.(૨૯-૬-૭૦) તારું તો નીરુ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ ને ? કોઈ માથે વઢનાર છે ? એક દાદા ભગવાન સિવાય કોઈ માથે નહીં અને દાદા ભગવાન વઢે તે તો ખૂબ જ સારા માટે હોય. ભઈઓ-બઈઓ કોઈ પણ વઢે જ નહીં. સંપૂર્ણ ઈન્ડિપેન્ડન્ટ, ગજબની પુણ્યૈ છે ! આવું તો કો'કને જ હોય. જ્ઞાની પુરુષનાં દર્શન કર, સેવા કર અને જ્ઞાન પામ. તમને કેવળદર્શન છે જ, કેવળજ્ઞાન સાંભળી રહ્યાં છો. બધા ટોળામાં નીરુ મહાપુણ્યશાળી, નિશ્ચયમાં સ્વતંત્ર, વ્યવહારમાં સ્વતંત્ર, અને ચોખ્ખાં થઇ ગયાં, ખાતા વગરનો ચોપડો.(૧૧-૧-૭૦) આ નીરુ તો વ્યવહારમાંય મુક્ત અને મહીં પણ મુક્ત. બહાર પણ મુક્તિ તો ભગવાનને જ હોય, પણ આ તો ગજબની પુણ્યૈ કરીને સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત થયો છે, વીતરાગ !(૩૦-૧-૭૦) જ્યારે ત્યારે તો ઉકેલ લાવવો પડશે જ ને ? નીરુબેન તો ઉકેલ લાવીને બેઠાં છે ને તેને થાય છે કે આ બધાનોય ઉકેલ આવી જાય તો સારું. નીરુ, તું તો ખરી છૂટી છું. એક આ જેવા અમે છૂટ્યા છીએ એવી તું છૂટી છું. અલૌકિક છૂટી કહેવાય. અલૌકિકમાં તો એના જેવું એકેય પુણ્યૈ ના ગણાય. દિવસમાં પાંચ-સાત વખત બોલવું કે ખરી છૂટી, ખરી છૂટી, તોય તે ઘણું ઇફેક્ટિવ છે !(૧૨-૧૨-૭૨) આ નીરુ તો આખી દુનિયાની રાજા થઇ ગઈને ! આ મોહનો મહેલ તૂટી પડ્યો, તે દુનિયાના રાજા થઇ બેઠાં.(૨૫-૧-૭૩) ઘડ્યાં જગત કલ્યાણ માટે ! આખા જગતમાં આ નીરુ જેટલું કોઇ ભાગ્યશાળી નથી. એનું અમે ભાગ્ય જોયું છે, ગજબનું છે. હજુ અમારે એનો રોગ કાઢવાનો છે. કંઇ એણે અમને પૂછીને માલ ભર્યો હતો ?(૧૨-૧૧-૬૯) આ નીરુને આપણે એવી કરવાની છે કે ભલભલા પુરુષોને આંજી નાખે. એને બરાબરની હીટ ટ્રીટમેન્ટ આપીશું. (૧૭-૧૦-૭૦) નીરુને તેના સુંદર ગુણોને તેના અવગુણો ખાઈ જતા હતા, તે અવગુણો મેં નાશ કરી નાખ્યા છે. (૧૭-૧૦-૭૦) નીરુની શરણાગતિ બહુ ઉત્તમ છે. તેની વૃત્તિઓ સરસ છે. તેને ટકોર કરી હોય તો તે પ્રમાણે ફેરફાર થઈ જાય. (૭-૧-૭૦) આ નીરુને વ્યવસ્થિતનું મળે તેય ભલે અને ના મળે તેય વ્યવસ્થિત. તે તેને સંસારનું શું અડે ? કોઇ અભિપ્રાય જ નહીં ને ! (૧૪-૧-૭૭) આ તો દાદા ભગવાનની કૃપા છે, વગર મહેનતે છૂટી ગયાં. નહીં તો આવડી છોકરી-નીરુને શું જ્ઞાન હોય ? ડૉક્ટર છે. બહુ બહુ તો ખીચડી કરતાં આવડે, કે દવા-બવા આપતાં આવડે, એથી વધારે શું આવડે ? પણ આ તો દાદા ભગવાનની અસીમ કૃપા છે. (૧૫-૧૨-૭૦) પેલી ડૉક્ટર છોડી (દીકરી) (નીરુ) ક્યાં ગઈ ? તે ડૉક્ટર છે, વૈષ્ણવમાં જન્મથી હતી. કાંકરોલીય જઈ આવી ને આજે આત્મજ્ઞાની થઈ ગઈ. (૨૦-૩-૭૦) સ્ત્રીઓમાં આ નીરુ વડાપ્રધાન બને તેમ છે. મેં કહ્યું, એ (નીરુબેન) તો મુંબઈનાં ગવર્નર થાય તેવાં છે. દાદાની જ્ઞાની તે ગવર્નર જનરલ થાય આ બીજા ગવર્નરો તો લઢે. આ લઢે-વઢે નહીં. ગવર્નરની બાયડી ઘેર કહે કે આ તો ક્રેક છે, એવું છે બહાર તો. (૧૫-૩-૭૦) આ નીરુ ભલે નાની હોય, પણ તેનાં જે દર્શન કરશે, તેનુંય કલ્યાણ થશે.(૨૯-૧૧-૭૨) જ્ઞાન સાથે બ્રહ્મચર્યનો સમન્વય ! (નીરુબેનને) તમારા આ બ્રહ્મચર્યનું મહત્વ એક જૈનો જ સમજી શકે. મને તમારા માટે જૈનો કહી જાય તે પરથી હું સમજી જાઉં કે આ સમજે છે. બાકી આપણા પાટીદારો તો એ બાબતમાં ડેવલપ જ નહી.ં તમને જે બ્રહ્મચર્ય પ્રાપ્ત થયું છે તે તો ગજબનું કહેવાય. એ જ પૂર્ણાહુતિ કરાવે છે. તમને અત્યારે જે પદ મળ્યું છે તે અમારા જેવું જ પદ કહેવાય. બહુ સારા સંજોગો છે. કોણ જાણે શું ય પૂર્વભવની પુણ્યૈ હશે ! નીરુબેન તમને તો, આ દાદાનું જબરજસ્ત રક્ષણ મળ્યું છે. એક દસકો નીકળ્યો, બીજો એક દસકો નીકળી જાય, પછી તો જબરજસ્ત લોકપૂજ્ય પદ તમને આવવાનું છે. એક અવતારનું બ્રહ્મચર્ય કંઇ કેટલાય અવતારોને ભાંગીને ભૂક્કા કરી નાખે છે. અને આ તો જ્ઞાન સાથેનું, એટલે વાત જ જુદી. આ જ્ઞાનના પ્રોટેક્શનને લીધે સંપૂર્ણ બ્રહ્મચર્ય આ સંસારી દશામાં રહી શકે છે, નહીં તો ના રહે. અને જગતેય એવું છે કે રહેવા ના દે. એ તો સાધુવેશમાં જ રહેવાય. પણ આ જ્ઞાનના પ્રતાપે રહી શકાય. એક વિષય માટે પડી રહેવાનું અને પોતાની સ્વતંત્રતા ખોવાની ! છોકરાં-છૈયાંની જંજાળ તે અનંત અવતારો બગાડી નાખે. જે આમાંથી કુદરતી રીતે છૂટ્યું તેની તો વાત જ શી કરવાની ! ડાકોરના ને બીજા બ્રાહ્મણો તમને પૂજ્ય ભાવથી જુએ છે એ મેં જોયું. એમની એટલી સમજ ઊંચી. નહીં તો આ સમજાય એવું છે જ નહીં. નીરુબેન છે તે ચાર જ વર્ષ થયાં આ જ્ઞાનને પામી છે છતાં જૈનના ચારસો સાધુ મહારાજો, ઘૈડીયા બધાને બધું સમજાવે તેમ છે. કારણ અહીં વાળનાર બેઠા છીએ. વાળનાર મળે તો શક્તિઓ પ્રગટ થઈ જાય. (૧૧-૪-૭૩) નીરુબેન જગત કલ્યાણનું બહુ મોટું નિમિત્ત છે. એમને અમે જુદા નહીં કરીએ. બીજા બધાને છોડીશું પણ એમને નહીં છોડીએ. (૧૯૭૫) જેમાં જગત કલ્યાણનું નિમિત્ત દેખાય, તેમનામાં અમે વધુ માથાકૂટ કરીએ. અને આ નીરુ માટે અમે એટલા માટે માથાકૂટ કરીએ છીએ કે એ કો'કનો ધ્રુવ કાંટો અમારી હાજરી ના હોય ત્યારે ફેરવી આપે. (૯-૧૦-૭૨) અમે નીરુબેનને મહીં જે ભગવાન પ્રગટ થયા છે તે ૨૫ લાખ માણસનું કલ્યાણ કરવાની શક્તિ આપીએ છીએ. (૭-૧૦-૭૨) નીરુ, જગતમાં દાવાનળના ચોગરદમથી સળગતા-ભટકતા જગતના જીવોનું કલ્યાણ કરવા સમર્થ થાઉં એવી ભાવના કરો છો, તે તીર્થંકર ગોત્ર બંધાય. એ ગોત્ર બાંધવું છે ને ? (૧૬-૮-૬૯) આ નીરુબેન તીર્થંકર થાય તેવાં છે. (૧૩-૧૦-૬૮) ભવોભવથી સાથે ને સાથે ! પ્રશ્નકર્તા : આ નીરુબેનને કેટલા અવતાર થશે ? દાદાશ્રી : એક અવતાર. કેટલાય અવતારોથી આવી ને આવી રીતે તમે અમારી જોડે જ છો. હજુ એક અવતાર થશે આપણા બેઉનો, ત્યારે પણ તમે અમારી જોડે જ હશો, પણ ત્યારે તમારો સ્ત્રી દેહ નહીં પણ પુરુષ દેહ હશે. પછી આપણા બન્નેનો મોક્ષ થશે. (૧-૯-૮૭) અભિપ્રાય પ્રમાણે ચાલનારાં ! આ નીરુબેનને છે તે ના ગમતું કશું નહીં, બધું જ ગમે. આટલાં વર્ષોથી નિરંતર અમારી જોડે ને જોડે જ રહ્યાં છે પણ એમને કશી ભાંજગડ નહીં ને ! કારણ કે એ એમના (ધ્યેયના) અભિપ્રાય પ્રમાણે ચાલનારાં ! એ મનને ગાંઠે જ નહીં. તે અમે એમની જોડે એક શર્ત કરેલી. મેં એમને કહેલું, 'આ બ્રહ્મચર્ય તમારે પાળવું પડશે, તે આવી રીતે ચાલશો તો જ પળાશે.' પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે ? દાદાશ્રી : પોતાના અભિપ્રાય ઉપર સ્ટ્રોંગ રહેવું જોઈએ. બીજું શું કરવાનું ? તે એમ જ રહે છે. મોહના મૂળિયાં, કપાવા માંડ્યાં ! પ્રશ્નકર્તા : દાદાના સત્સંગમાં એવું આવ્યું કે સ્ત્રીનો મોક્ષ જલદી થાય નહીં. દાદાશ્રી : એવું પાછું કોણે લખ્યું છે ? પ્રશ્નકર્તા : એવું કદાચ સત્સંગમાં આવ્યું હશે. દાદાશ્રી : હા, એનો અર્થ એવો કે એક અવતાર વધારે થાય. પ્રશ્નકર્તા : ઘણા જન્મો લેવા પડે એમ. દાદાશ્રી : હા, એ તો પણ કોને ? આ અક્રમ વિજ્ઞાનમાં નહીં, પેલા ક્રમિક માર્ગમાં. આ અક્રમ વિજ્ઞાન આપણું જે છે ને, એ તો સ્ત્રી-પુરુષને સરખું જ કરી નાખે છે. પેલા ક્રમિક માર્ગમાં એવું છે. એ મોહ જતાં જતાં વાર લાગે. પણ જેણે જ્ઞાન લીધું તેને વાર ના લાગેને ! જ્ઞાન હોય તેને કશું વાર લાગે જ નહીંને ! એ આપણે ચિંતાઓમાં નહીં પડવાનું. આપણે તો એટલું સમજવાનું કે અનેક પ્રકારની સ્ત્રીઓ, પણ તમને અત્યારે જણસોમાં મોહ છે કે દાદામાં ? કપડાંમાં મોહ છે કે દાદામાં ? જેની મોહની ગ્રંથિ છેદાઇ ગઇ, તે પુરુષ જ થઇ ગયો ને ! નીરુબેન અમુક કપડાં પહેરીને ફરતાં'તાં, તે મેં કહ્યું, આ કપડાં સામાને આકર્ષણ થાય, એવાં કપડાં તમારે શેને માટે પહેરવાં પડે ? એટલે એમણે બધાં છે તે આપી દીધાં લોકોને. હવે અમે જાણીએ કે આ એક મોહ ઓછો થઇ ગયો છે. જાતિ સ્ત્રી છે પણ મોહ ઓછો થઇ ગયો છે. એટલે આપણે જાણીએને કે આનું મૂળ કપાઇ જવા માંડ્યું છે. મોહને લઇને આ જગત ઊભું રહ્યું છે. બાકી, સ્ત્રી તો તીર્થંકર થયેલાં છે. પણ આ થોડીક જ સ્ત્રીઓ એવી હોય કે જે અમારી વાતમાં ઊંડી ઊતરી હોય, બીજું બધું તો અદબદ બધું. એટલા પૂરતું બોલવું પડે. એટલા પૂરતું ના બોલીએ તો જાગૃત રહે નહીંને ? આ તો આમાં લાઇફ જ કાઢી નાખી. મોહનીય પરિણામ બહુ ગમતાં નથી એમને. આ નીરુબેન બહુ જ જાગૃત, ત્યાંથી ના સમજીએ કે એમની મુક્તિ થવા માંડી છે. મેં કહ્યું કે હવે આ બ્રહ્મચર્ય પાળવું હોય તો આવી સાડીઓ નહીં પહેરાય, તે આપી દીધી. અને પછી આ ધોળી સાડી પહેરે છે. હવે છે તે સંત પુરુષ જેવા દેખાય ને ! નીરુબેનેય હળુકર્મી, કારણ કે આ વિષય સંબંધી ભાંજગડ જ નહીં ને ! ધણી હોય તો ભાંજગડ ને ! તે કામ કાઢી નાખશે. અત્યારે તો આ બે વર્ષ મારી સેવા કરી હોય તો તીર્થંકર થઇ જાય, તીર્થંકર આજે થાય. પ્રશ્નકર્તા : બે ભવ પછી થશે. દાદાશ્રી : ના, એ તો ઠીક છે. થાય-ના થાય એનો સવાલ નથી. વસ્તુસ્થિતિમાં આ તો, આ ભવમાં જ ફળ મળશે. લોકોને ઉપકારી થઈ પડશે ! સ્ત્રી જાતિને ઉપકારી થઇ પડે. અત્યારે બધાને સમજાવી શકે, બધુંય કરી શકે, લોકોને પૂજ્યતા ભાવ ઉત્પન્ન થાય. જ્ઞાની આશ્રયે સ્ટ્રોંગ બ્રહ્મચર્યમાં વર્ત્યાં ! ચારિત્ર એટલે કેવું ચારિત્ર સુંદર પાળ્યું ! તેેમનું આ બહુ સુંદર ચારિત્ર, સુંદર પાળ્યું મારી હાજરીમાં એય અજાયબી જ કહેવાય ને ! ચારિત્ર પાળવું કંઈ સહેલી નથી વસ્તુ. મારી હાજરીમાં ચારિત્ર મેં જોયું નીરુબેનનું, બહુ સુંદર પાળ્યું છે. આ ચાર વર્ષથી જ્યારથી એ મારી સેવામાં પડ્યા છે ત્યારથી મેં જોયું કે ચારિત્ર બહુ ઊંચું છે ને ચાર વર્ષથી એમને જે બ્રહ્મચર્ય વ્રત આપ્યું તે એક્ઝેક્ટ કરી પણ બતાવ્યું. વિચારે કરીનેય ભૂલ થયેલી નહીં, નહીં ? વિચારે સરખુંય નહીં ? નીરુબેન : ના. દાદાશ્રી : અને થઈ હોય તો એનું પ્રતિક્રમણ કરી લો ? નીરુબેન : હં ! દાદાશ્રી : એવુંુ જોઈએ. મારી હાજરીમાં જે વ્રત લેને. અને એમને તો ચારિત્રની બહુ જરૂરત હતી. પ્રશ્નકર્તા : એમાં નીરુબેન સિવાય બીજા કોઈ માટે દાદા એવી ગેરંટી આપી શકે નહીં. દાદાશ્રી : ના, બીજામાં પડીએ નહીં. આમના ઉપર તો બધો સત્સંગનો આધાર છે. આમને એકલાંને માટે ગેરેન્ટી ! પ્રશ્નકર્તા : નિરંતર સાથે રહેવાનું ને એટલે. દાદાશ્રી : એટલે આપણે બીજાનું જોવાનું નથી. આ આમનું કંઈક મોટામાં મોટું આ આખું આધાર થઈ પડ્યો છે. કારણ કે બધાય એમ કહે છે કે દાદા, નીરુબેનની આંખે ચાલે છે, નીરુબેનની પાસે જ બધો વહીવટ કરાવડાવે છે. એટલે નીરુબેન ઉપર વધારે ભાવ લોકોને બેસી ગયેલો. હવે એમની પાછળ ખોળતાયે હોય કે આ શું છે અંદરખાને. પ્રશ્નકર્તા : હા, હા, દાદા, જેટલું ઊંચે સ્ટેજ ચડે એટલું પોલ ગોતવાવાળા પણ હોઈ શકે કે કંઈ પોલ છે ? દાદાશ્રી : એટલે લોકો દોષો કરતાં અટકે એટલા માટે મેં કહી દીધેલું લોકોને, મનમાંયે પણ ભાવ ના રાખશો. એવો વિચાર ના કરશો, એની ગેરન્ટી અમે આપીએ છીએ. મનમાંયે રાખશો તો દોષ બેસશે એવું કહી દીધું. અનેક જાતના લોકો આપણા સત્સંગમાં તો, જાતજાતના વિકલ્પો, જાતજાતના વિચારો કરે. પ્રશ્નકર્તા : રસ્તે ચાલતાનેય જ્ઞાન આપ્યું છે, માલ બધો એવો જ ભરેલો હોય બધાનો. દાદાશ્રી : એને માટે તો એમની જિંદગી આખી હોડમાં મૂકી છે. એક ભૂલ થાય એવી મારી જિંદગી નહીં હોય, કહે છે. આખી જિંદગી હોડમાં મૂકી છે. અને નહીં તો આપણો સત્સંગ ઊડીને ખલાસ થઈ જાય. આખોય સત્સંગ કાઢી નાખે. બીજા કોઈને લેવાદેવા નથી. બીજા કોઈને તો કોઈ જોતા જ નથી લોકો. જે બીજાં બેન કેવાં છે કે ફલાણાંબેન કેવાં છે કે ફલાણાંબેન કેવાં છે, કોઈ જુએ જ નહીં ને ! કારણ કે આપણી નિકાલી બાબત છે. ક્રોધ-માન-માયા-લોભના સંયમને આપણે આ સંયમ કહ્યો છે. આ બ્રહ્મચર્યને કંઈ સંયમ ગણાવતા નથી. એ તો સંજોગી વસ્તુ છે આ. જો કે પળાય તો ઉત્તમ વસ્તુ છે. અવિરોધાભાસ વાણી, જ્ઞાનીની ! પ્રશ્નકર્તા : ત્યાં ગયા હતા ત્યારે બધા ભેગા થયા હતા. ત્યારે નીરુબેને સત્સંગ આપેલો. દાદાશ્રી : એમ કે ? પ્રશ્નકર્તા : તે આઠ-દસ જણ ભેગા થયા હતા. દાદાશ્રી : પણ નીરુબેન આવેને તો તો બસો માણસ ભેગું થાય તોય કામ કાઢી નાખે. નીરુબેન ઉપદેશ આપે જ્ઞાનીનો, તે શુધ્ધાત્મા થઈને ઉપદેશ આપે અને એ વાત ઠંડક આપે. અને એ વાત જુદા પ્રકારની હોય, ચોપડીની વાંચેલી ના હોય. ચોપડીની હોય તો તો આપણે કહીએ, તમે નહીં કહો તો ચાલશે, અમે વાંચી લઈશું. ચોપડી ને જ્ઞાનમાં ફેરને ? ચોપડી એ ચોપડી છે. ગમે તેવાં શાસ્ત્રો એ ચોપડી જ છે. જ્ઞાની આવે તો એમની વાણી એ શાસ્ત્રો જ છે. (૧૧-૬-૭૪) (પ્રેસિલા નામની ફોરેનર બેન આવી હતી. નીરુબેનને બતાવીને દાદાશ્રીએ તેને કહ્યું) શી ઈઝ રિયલી ચંદનબાળા એટ ધીસ ટાઈમ ઈન ધીસ વર્લ્ડ. ઓન્લી શી વીલ રીમેઈન ફોર યર્સ વીથ મી. ઓન્લી વન ચંદનબાળા, નો અધર ચંદનબાળા ઈન ધીસ વર્લ્ડ એટ ધ એઈજ ઓફ ટ્વેન્ટી એઈટ. યુ બિલિવ ઈન ઈટ ? દર સાલ દર્શન કરી જજે. (હાલમાં તેઓ આ દુનિયામાં ચંદનબાળા છે. તે ફક્ત ચાર વર્ષથી મારી જોડે રહે છે. ફક્ત આ એક જ ચંદનબાળા, બીજી કોઈ ચંદનબાળા આ દુનિયામાં નથી, અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે.) પ્રશ્નકર્તા : યસ. (નમસ્કાર કરે છે નીરુબેનને.) દાદાશ્રી : એમણે આ ચાર ક્રોધ-માન-માયા-લોભ, ઈગોઈઝમ જીત્યા છે. કહો, આ ચારેવ ગોન ! આ જ્ઞાની (મહાત્મા)ઓ રોજ નિરંતર 'જ્ઞાની પુરુષ'ને ભજે છે. એમના પગ નીચેની ધૂળ ચઢાવશેને તોયે કલ્યાણ થશે. આ નીરુબેન એમબીબીએસ થયા છે. અને ચોવીસ વર્ષની ઉંમરે અમને મળેલા. ચાર વર્ષમાં જ આખું સાયન્સ સમજી લીધું છે. તમારા જેવા સો-બસ્સો ભણેલાને 'આ' સાયન્સ સમજાવી શકે અને એય અવિરોધાભાસ. એ ભલે નીચલી કોટિનું હોય પણ કલાક અવિરોધાભાસ વાણી નીકળવી કેટલું ઊંચું કહેવાય ! અને એય અમારી ભાષા નહીં, એની પોતાની ભાષામાં. સંસારના સબ્જેક્ટમાં એવું હોય ખરું પણ એ સબ્જેક્ટ પૂરતું જ. જે લાઈન હોય તેના પૂરતું જ. અને આ તો એબ્સોલ્યુટ સાયન્સ. અને એમાં અવિરોધાભાસ વાણી નીકળવી કલાક સુધી એ તો અજાયબી જ કહેવાયને ! આવાં જગત કલ્યાણ માટે જોઈશેને ? આ તો બધા નિમિત્ત છે. એમાં કર્તા કોઈ ના હોય. આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી થયા કરે. (૧૧-૨-૭૪) જ્ઞાનીની કૃપાનું ફળ ! એ બહેનો અહીં શી રીતે પૂછવા આવે ? એટલે નીરુબેનને મોકલ્યાં'તાં ત્યાં આગળ કાલે, દોઢ કલાક! અને એમને પણ બધું બહુ સારું પરિણામ સમજી ગયાં ને બધું. એ નીરુબેન સમજાવી શકે. એ પટેલની દિકરી છે તોય સમજાવી શકે અને તમારા બધા કરતાં નાની છે તોય સમજાવી શકે. કારણ કે એણે સાત વર્ષ જ્ઞાની પુરુષના ચરણ ધોઈને પીધા છે. અખંડ સેવા જેવો એનો ભાવ રાખ્યો છે. તેનું ફળ તો મળેને ! મહીં મોક્ષ જ વર્ત્યા કરે, પછી શું ? બીજી ભાંજગડ જ નહીંને ! આ નીરુબેન કેટલાં પ્રત્યાખ્યાન કરતાં હશે, આલોચના, પ્રતિક્રમણ ? ત્યારે તો રહી શકે. અને અત્યારે બસ્સો જૈનો હોય તો ઉપદેશ આપી શકે. ત્યારે વૈષ્ણવ થઈને જૈનમાં ઉપદેશ શી રીતે આપી શકે ? એ છે તે જ્ઞાનીકૃપા કહેવાય. વ્યવહાર જ્ઞાન, સમજાવે શાનમાં ! નીરુની પ્રકૃતિ ઉષ્ણવાત છે. તે તેને ઊંડી સમજ છે, તેને ડીપ અંડરસ્ટેન્ડીંગ હોય. તે સમજ બહુ ઊંડી હોવાથી નવું વાક્ય કાઢે. વ્યવહારમાં નીરુબેન જો તમને રસોઈયા પાસે રસોઈ બનાવડાવવાનું સોપ્યું હોય તો કઈ રસોઈ સારી થશે ? તમે ત્રણ કલાક સામે બેસીને કરાવશો તે કે પછી પંદર મિનિટમાં બધું બતાવીને ત્રણ કલાકે આવીને જોશો તે ? નીરુબેન : પંદર મિનિટમાં બતાવીને જઈશ તે. દાદાશ્રી : બરાબર છે, કામ લેતાં આવડવું જોઈએ. અને કામ માટે તો હાજરીની જ જરૂર હોય. જો અક્કરમી ત્રણ કલાક સામે બેસી રહે તો રસોઈયાથી બધી જ રસોઈ બગડી જાય. પેલો મૂઓ ત્રણ કલાકમાં ભસ્યા વગર રહે જ નહીં ને ! ને પેલો ભસે ને રસોઈયો ગભરાઈ જાય, અકળાઈ જાય. ખરું આવું છે કે માથે ના બેસવું. પણ મૂઓ અક્કરમી એમ સમજે કે હું ભસું છું તેથી જ બધું કામ થઈ જાય છે. હાજરીથી જ બધું થાય. લોક કામ કરવાવાળા બધા રાહ જોઈને જ બેઠા હોય કે ક્યારે અમારા સુપરવાઈઝર આવે ને ક્યારે અમે દર્શન કરીએ ને ક્યારે અમારુંુ બધું કામ દેખાડીએ ! (૯-૬-૭૦) આ નીરુને અમે આજ્ઞા આપી છે કે જે ભાવતું હોય તે થોડુંક ખાજે ને જે ના ભાવતું હોય તે જેટલુંુ ખાવું હોય તેટલું ખાજે તેની છૂટ. આવી આજ્ઞા અમે કોઈનેય આપીએ નહીં. એ તો જેની ઉપર ખૂબ વહાલ આવે ત્યારે આપીએ. તેમને કોળિયે કોળિયે દાદાની આજ્ઞા સાંભરે છે. (૧૫-૩-૭૦) ઊંઘ તો આવે, ઉજાગરો હોય કે ના હોય ? પણ બધુંય ખબર પડે. અંદર જાગૃત અવસ્થા હોય. ઊંઘમાંય ગાઢ ઊંઘ (નીરુને) કેટલી આવી તે 'એ' જાણે. કેટલી બધી જાગૃતિ રહે છે ! ગાઢ ઊંઘના લેવલનીય ખબર પડે. (૨૭-૨-૭૦) આટલું નીરુ યાદ રાખજે, જો બધામાં સમ લક્ષ રહે તો જ્ઞાની જ થઈ જાય. (૩૧-૫-૬૯) જ્ઞાની પુરુષ પ્રત્યે નવધા ભક્તિ ! આ ત્રણ વર્ષથી નીરુબેન સેકંડેસેકંડ જોડે હોય છે. મતભેદ જ નહીં. મતભેદની વાત તો ક્યાં ગઇ પણ ઊંચા સાદે બોલ્યા જ નથી. આ જે સેવાભાવ ઉત્પન્ન થયો છે, તે કોઈને થયો છે આટલામાંથી ? આ તો જબરજસ્ત પુણ્યૈથી. આ જબરજસ્ત નવધા ભક્તિ ઉત્પન્ન થઈ છે અને નીરુને જબરજસ્ત અર્પણતા ભાવ ઉત્પન્ન થયો છે. અર્પણતા બહુ સારી રહે એટલે જબરજસ્ત ફળ મળે. (નીરુબેનને ઉદ્દેશીને) અમારી સેવા કરવા તમને મળી છે તે બહુ મોટી પુણ્યૈ છે. એ કોઇને મળી નથી. અમારી સેવા અને જગત કલ્યાણનો ભાવ બસ એટલું જ તમારે કરવા જેવું છે. એમાં બધું જ આવી જાય છે. (સાત દિવસની ડૉ. પૂજારીને ત્યાં દાદાની સેવા પૂરી થઇ તે નિમિત્તે) આવો સંજોગ કોઇને ના મળે તે તમને મળ્યો. મને પોતાનેય અજાયબી લાગી. સાત દિવસના સતત અમારા પ્રસંગમાં આવે, સેવામાં આવે તો કામ નીકળી જાય ને જ્ઞાન એક્ઝેક્ટનેસમાં આવી જાય. એ મેં જોયું તમારું. આવો ભીડો સંયોગનો કોઈને આવે જ નહીં ને ! તેમણે દાદાની સેવા કરીને પૂર્ણાહૂતિ કરી લેવી છે તે થઇ જશે. આ સાત દિવસનો અજાયબ લાભ એમને મળ્યો છે. કંઇ શાસ્ત્રો વાંચ વાંચ કરવાથી, સાંભળ સાંભળ કરવાથી પૂર્ણદશાએ નથી પહોંચાતું. એ તો સેવાથી જ થાય. મૌન સેવાથી જ થાય. કશું પૂછવું-કરવું જ ના પડે. સેવા આપી ચઢાવ્યાં પૂર્ણ જ્ઞાનદશામાં ! દાદાશ્રી : નીરુબેન કહે છે, હું રહું, તે પછી ત્રણેય જણને રાખ્યા. પ્રશ્નકર્તા : પલંગમાંથી પડી ગયા હતા, પગે ફ્રેક્ચર થયું તે વખતે દવાખાનામાં ? દાદાશ્રી : ના, દવાખાનામાં તો નીરુબેન એકલાં હતાં. પણ પછી અહીં રાવજીભાઈને ઘેર ત્યાં ગયાને એટલે હવે નીરુબહેનને બધા કહે છે, તમે રહેવા દો. તે અમારા એક ભાઈ કહે છે, હું રહીશ. ત્યારે બીજા ભાઈ, 'ના, હું રહીશ' કહે છે. પછી એ લોકો જમવા ગયા. ત્યારે નીરુબહેન કહે છે કે, 'દાદા, એટલું કરજો કે આ તમારી ચાકરી મને આપજો. આટલો લાભ મને મળે.' મેં એ નક્કી કર્યું. કારણ કે સ્ત્રી જાતિ છે, તો એમને હરકત ના આવે. એટલે પછી ત્રણેય જણ સૂઈ ગયા, તે રાત્રે અમથો થૂંકવા ઊઠુંને તો નીરુબેન સૂઈ રહ્યાં હોય અને પેલા બે ઊઠીને ઊભા થઈ જાય. મેં કહ્યું કે તમને બેઉને કાલે ડીસમીસ કરી દેવાના, આખી રાત તમે ઊંઘ્યા નહીં. આટલું બધું જો તમે ઈમોશ્નલ રહો તો પછી તમે આ ક્યારે આવે સ્ટેજ ? તમે તમારી તબિયત બગાડો તો બધું વેહ થઈ પડે. તે હું બોલાવું, હું કહું, ભાઈ ઊઠો તો ઊઠવાનું. આ તો થૂંકવા ઊઠું ત્યારે હોરો પેલા બે જણા 'દાદા, લાવું છું, લાવું છું.' પછી મેં એને ના પાડી દીધી. મેં કહ્યું નીરુબેન એકલાંને રાખજો. મારી ઇચ્છાયે આ નીરુબેનને રાખવાની. કારણ કે સંડાસ જે જવાનું ને, તે પેલા બે જણને ઊંચકવું પડે એ ખોટું દેખાય. અને સ્ત્રી જાતિની સહજ વસ્તુ છે. પ્રશ્નકર્તા : એ તો બધાની પ્રકૃતિ બધી જુદી હોય. દાદાશ્રી : આ જે કફ છે ને, મહીં ધોવું-કરવું, આ બધું જે કરવું તે કાંઈ જેવી તેવી વાત છે ? અને આ નીરુબેનનો ભાવ શો હતો કે મને જો કંઈક આ સેવા મળે તો જ્ઞાન પરિણામ પામે અને મારી ભાવના એવી ખરી કે આ એક સ્ત્રી તરીકે પરિણામ પામે તો બધી સ્ત્રીઓને કેટલો બધો લાભ થઈ જાય. એટલે આ અંદરખાને પક્ષપાત ખરો એમને માટે. અને પેલા બેઉને મુશ્કેલીમાં નહીં મૂકવાનો. મુશ્કેલીમાં મૂકવાની જરૂર શી ? અને નીરુબેન ના હોય તો છો જ તમે. પણ આ બિચારીને લાભ લેવો છે જેને, બહુ ઇચ્છા છે, કારણ કે કોઈ દહાડોય એમને આવો લાભ મળેલો જ નહીં ને ! એટલે પછી આ સંડાસ તો પલંગમાં કરાવતાં, એ સેવા પછી મેં ઔરંગાબાદ બંધ કરાવી દેવડાવ્યું બધું. મેં કહ્યું, આવું ના જોઈએ મારે. કારણ કે મારે ઊઠીને ત્યાં આગળ જવાય એવું થયું પછી મને શેને માટે જોઈએ ? હવે આ અજાયબી થઈ કે આ પગે આ થયું અને આ નીરુબેનની કંઈક પુણ્યૈ જાગી હશે અને સારું થયું કંઈક, આ એક તૈયાર થશે તો કેટલીયે સ્ત્રીઓને બિચારીઓને, સારી રીતે ઉપદેશ આપી શકે. નહીં તો સ્ત્રીઓને બિચારીઓને ઉપદેશ કોણ આપવા જવાનું છે ? આ અમારી ભાવના ખરી કે આ તૈયાર થઈ જાય તો બહુ સારું. બધું તૈયાર જ થઈ જવાનું. એ કંઈ કરવાં પડે નહીં. બધાં તૈયાર થઈ રહ્યાં છે. આ આમને (નીરુબેનને) ફક્ત જો સેવા ના આપી હોત તો તૈયાર ના થાત. પ્રશ્નકર્તા : એમ કેમ ? દાદાશ્રી : તે એકલું સાંભળવાથી ચોંટે નહીં મહીં. આ સેવામાં તો એમને જોવા મળ્યું બધું આખું. રાત-દિવસમાં, વખતે મારી પર પાણી ઢોળ્યું, એમની પર ને મારી પર, એમ માનોને, એ વખતે દાદા ગુસ્સે થયા કે ઠંડા રહ્યા, એવું તે જોવા મળે તો કેટલી બધી અસર થાય ! પ્રશ્નકર્તા : બહુ અસર થાય. તરત ખ્યાલ આવે આ દાદા તો સ્થિર છે. દાદાની સમતા જોવા મળે. દાદાશ્રી : આટલી વિષમતામાં છે તે સ્થિર જોયું એમણે. એમની પોતાની ભૂલોયે જોઈ અને એને સ્થિરતાએ જોઈ એમણે. પ્રશ્નકર્તા : હા દાદા, એ મોટી ટ્રેનિંગ છે હવે. દાદાશ્રી : એ ટ્રેનિંગ એમને મળે. એ એમને બધું આમાં મળ્યું. કરે એની ભૂલ તો થાય, ના કરે એની ભૂલ થવાની નથી. કરે એમની ભૂલ થાય ને ? એટલે એમની ભૂલ થયા જ કરવાની અને અમે ભૂલ તો તરત પારખી જઈએ. પણ ત્યાં તો અમારી વીતરાગતા હોય. તે નહીંતર તો માણસ સહેજ માંદો કે કોઈ પથારીવશ થયેલો હોય ને કચકચ કચકચ કરીને સામાનું તેલ કાઢી નાખે. પ્રશ્નકર્તા : હા, એ તો તેલ કાઢી નાખે, દાદા. એ તો બહુ તકલીફ ઊભી કરે. દાદાશ્રી : કો'ક દા'ડો જાગૃત કરીએ, સો-બસો ભૂલ થતી હોય તો એક દા'ડો કહીએ કે આ રીતે જરા આ ભૂલ થઈ રહી છે, ખરેખર જો કે અમે કહીએ નહીં. અમે એમને ગુસ્સે કરીએ તો રહેવાય નહીં અમારી પાસે. દેવતા લઈને જતાં હોય અને દેવતા અમારી ઉપર પડે તો અમે મૌન રહીએ. એટલે આવા તો કેટલા સંજોગો મળ્યા હશે ? પ્રશ્નકર્તા : ક્ષણે ક્ષણે, દરેક ક્રિયામાં, દરેક કાર્યમાં, દરેક મિનિટે. દાદાશ્રી : નવડાવાના-ધોવડાવાના, ફલાણું કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. અને જે મહેનત કરે છે એની ભૂલ થાય જ. ત્યાં આગળ જ્ઞાની પુરુષની શું ચરમચર્યા છે. એ એમને જોવાની મળે, એ એમનું મોટું મહાભાગ્ય કહેવાય. પ્રશ્નકર્તા : મહાભાગ્ય કેવું જબરજસ્ત કહેવાય, દાદા ! કોઈનું એવું નહીં એવું ભાગ્ય કહેવાય એ તો. દાદાશ્રી : એમણે મિનિટે મિનિટની જોઈ છે ચર્યાઓ બધી. ખાતી વખતે, પીતી વખતે, નહાતી વખતે. બધી જ ચર્યા એમણે જોઈ. લોકોનું કલ્યાણ થવાનું હોય ત્યારે આટલું તૈયાર થઈ જવાનું હોય. આ સ્ત્રીઓ ને જે બ્રહ્મચારિણી છોકરીઓ એમના હાથે બહુ તૈયાર થશે, એવું બધુંય મારા હિસાબમાં છે. કારણ કે એમણે સમતા જે જોઈ છે ને એ સમતા એમનામાં આવી જવાની છે. હવે દાદાના જોડે બેઠા, દાદાની પાસે, દાદાનો રાજીપો લેવાનો. શું રહે બાકી ? કેટલી સેવા ? જેટલી સેવા દાદાની કરે, એ કોની સેવા ? ભગવાનની, બ્રહ્માંડના નાથની સેવા કરી કહેવાય. પછી શું બાકી રહે ? પ્રશ્નકર્તા : કશું જ નહી, દાદા. પ્રત્યેક સેવા, જ્ઞાનીના લક્ષમાં ! દાદાશ્રી : એટલે પણ તમારી પાસે ના હોય તોય એમ કહીએ, તમારામાં બરકત નથી. એટલે તમને અંદર થાય કે હવે બરકતવાળો માલ નથી આ કઈ જાતનું ? આવું બોલવું પડે છે. નીરુબેન : બરકતવાળું નહીં, દાદા, માનેલું બરકતવાળું. દાદાશ્રી : હા, બરકતવાળું માનેલું ખરેખર. અને તમારી જગ્યાએ બીજું કોઈ સાચું માને નહીં મારું. એટલે તમારી ઉપર આટલી કૃપા ઊતરી ગઈ. એ દ્ષ્ટિ ફરેલી અને ખાત્રી મને. મને બહુ આનંદ થયો ને ! નીરુબેન : તમને થાય જ ને, દાદા. મારા કરતાં તમને વધારે આનંદ થાય. મહેનત તમારીને, દાદા ! દાદાશ્રી : એમેય કહું કે મને તમારો સાથ બહુ ગમે છે, એવું તેવું કહીને તરત વાળું. જો કે મને ગમે છે ખરું, એ ખરેખર એ નિશ્ચયથી એવું નહીં. તમે કહો કે હું જાઉં છું, પછી રહો એવુંય નહીં, તોયે મને એમ જ લાગ્યું કે હોય તો સારું. અને તમારી જોડે અભેદભાવ મેં મૂકેલો. નીરુબેન : સાચું દાદા, એ તો મને પોતાને અંદર હ્રદયે સ્પર્શેને એટલે ખબર પડે છે. દાદાશ્રી : હા, અભેદભાવ. ઝીણું હોય બધું આ. એ તમને સમજાયું વધારે, મહીં ક્લીયર હતું ને ! (તમારી જ્ઞાનમાં પ્રગતિ ના થાય તો) મારે આમ મુશ્કેલીમાં મૂકાઈ જાય, કારણ કે મેં કહેલું ને તમારો ઉપકાર મને ભૂલાતો નથી. નીરુબેન : હા, તમે કહેતા'તા, દાદા. દાદાશ્રી : પગ તૂટી ગયો ને ત્યારે મેં કહ્યું મને આ પગે સંડાસ જવા દો ને. ત્યારે કહે છે, તમે આ લઈ જાવ છો, મને નહીં ગમતું. મને જવા દો ને. સંડાસ ઊંચકે કરે અને પથારીમાં ચારે બાજુ ઊંચું કરીને નવડાવે મને, ચારેબાજુ આમ ઢાળ કરીને. પછી મને નવડાવી મહીંથી પાણી કાઢી લે ડોલે ડોલે. બોલો હવે, આ ઉપકાર શી રીતે ચૂકાય ? પ્રશ્નકર્તા : ના, નહીં ચૂકાય. દાદાશ્રી : અમારા ભત્રીજાને ત્યાં રહેતા હતા. અમારા ભત્રીજા બધા તૈયાર હતા, છોકરાઓ પણ આટલું કરી શકે નહીં એ. 'તમે જાવ સંડાસમાં, હું બેઠો છું', કહે છે એ. એ બધું જાણું હું અને આ નીરુબેન તો કહે, ના. અહીં જ સંડાસ કરાવે. એ કંઈ ભૂલી જઈએ ઓછા અમે કંઈ. અમને ચા પાઈ હોય તે યાદ રહે. નીરુબેન : દાદાએ આ બધું યાદ રાખ્યું છે. તે જાણીને મને હ્રદય બહુ ભરાઈ આવે છે. દાદા, બધું કેટલું ઝીણું ઝીણું યાદ રાખીને બેઠા છે. દાદાશ્રી : એ બધું ઝીણું ઝીણું હોય પણ તમે કોઈ દહાડો કંટાળ્યા હોય એવું મેં જોયું નથી એટલે મને એમ લાગે નહીં. એ કહેને, મને ઊઠાડજો. હું ઊઠાડું નહીં. મેં કહ્યું, બિચારાં સૂતાં છે, સારી રીતે. તો કહે, ના, ઊઠાડજો. મને કંટાળો આવતો જ નથી. એટલે હું ના સમજી જાઉં બધું ? હું બધું સમજું. હું કાંઈ બાવો નથી. હું તો જ્ઞાની છું. એવું લોકો ના સમજે ને ? પ્રશ્નકર્તા : અમે એ સમજીએ, દાદા. આપની સાથે રહી રહીને તો વધારે સમજ આવે, દાદા. અને આવી વાતો કરો એટલે નીરુબેનને વંદન, વંદના, વંદના કરીએ, વંદ્યા કરીએ કે ધન્ય છે આ નીરુબેનને ! દાદાશ્રી : આ નીરુબેનને કેવી સેવા મળી ગઇ આ ! આવી સેવા પણ સજ્જડ સેવા, કોઈને ના મળે. આ જ્ઞાની પુરુષની અરધા કલાકની સેવા પણ ક્યાંથી લાવે ? આ અનંત અવતારનું સજ્જડ થઇ ગયું કામ. નહીં તો આવી સેવા લેવા જ ના દે. કોઈ અમથો પગ ઉપર હાથ ફેરવવા દે. બીજી બધી સેવા લેવા દે નહીં. જુઓને, પગ લઈ ગયા ભાંગ્યો ને. પગ ભાંગીને બેસી ગયા, તે બધી સેવા નીરુબેનને મળી ગઈ. પ્રશ્નકર્તા : પણ દાદાનું નુકસાન થઇ ગયું ને ? દાદાશ્રી : શું નુકસાન થયું ? અમારે ત્યાં મૂડી બહુ જ પાર વગરનીને ! પાર વગરની મૂડીમાં શુંં ખોટ જવાની હતી ? છતાંય પણ કોઇના ભાગે નથી આવતી એ મૂડી. આ અમથા હાથ ફેરવી લેવા દઇએ તો એ લઇ જાય મૂડી થોડી થોડી. થોડી થોડી પણ બહુ નહીં, એકદમ નહીં. આ તો અમને ગજબ સામટી મૂડી આવે ને બધી. અમારી પાસે બહુ પાર વગરની મૂડી છે. કંઇ ખોટ જ નહીંને ! બે વરસથી ઉદય આવ્યો છે. જ્યારે માંદગી આવે તો એનું એ જોડે હોય છે અને આ તો ગજબનું આવી ગયું. બહુ સેવા નથી મળતી. માંદગીમાં તો પોતાં મેલે બહુ ત્યારે બીજું શું કરે ? પગ જ ભાંગ્યો પછી શું રહ્યું ? અપંગ માણસ કહેવાય. અપંગની એ બધી સેવા કરવી પડે. તે નીરુબેન કહે છે કે મને જ આ સેવા આપી દો. નીરુબેનને સજ્જડ થઈ ગયું બરાબર એ. નવડાવવામાં અભેદ ઉપયોગની ગોઠવણી ! ઉપયોગ તો ક્યારે કહેવાય કે આ નહાવું હોય તો આમ આમ હાથ ફેરવવો પડે ને આમતેમ થાય, એટલે ત્યાં આગળ પછી અમારો ઉપયોગ ના રહે. નીરુબેન નવડાવે તોય અમને ઉપયોગ રહે. એ પગ ધોવડાવે તે ઘડીએ હું ઉપયોગમાં રહી શકું અને આપણા આ જગતના લોકો શું કરે છે ? એ હવા આવી, તેમાં મસ્તાન થઈ જાય. બસ એવું જ, ઉપયોગ ચૂકે ! પ્રશ્નકર્તા : પણ નીરુબેન દાદાને નવડાવતા હોય, તે વખતે નીરુબેન જે કરી રહ્યાં છે, નવડાવી રહ્યાં છે, તો એના પર એમનો પોતાનોય ઉપયોગ હોયને ? દાદાશ્રી : એ એમનો ઉપયોગ તે સારો હોય. એ તો એમને બહુ ફાયદાકર્તા હોય. એમને તો ઉપયોગ સારો જ હોયને ! એ પૃથક્કરણ ના હોય તોય છે તે મારું કહેવાનું, એમ ને એમ જ સરસ રહે. ઉપયોગ રહેેને ! (૧૯૮૭માં લોસ એન્જલસમાં નીરુબેન પૂજ્ય દાદાશ્રીને બાથરૂમમાં નવડાવવા લઈ ગયા ત્યારે.) દાદાશ્રી : નીરુબેન, તમે નવડાવો છો, ત્યારે તમારો ઉપયોગ શું રહે છે ? નીરુબેન : દાદા, પ્રગટ પરમાત્મા છે ને હું પ્રક્ષાલ કરું છું. દાદાશ્રી : હું તમને સમજાવું કે કેવો ઉપયોગ ગોઠવવો. જેને નવડાવે છે, તે 'તે' ન્હોય, જે નવડાવે છે તે 'હું' ન્હોય. 'હું' ને દાદા એક છીએ, અભેદ છીએ. નીરુબેન : હા, સમજી. આમ ઉપયોગ રાખીશ. દાદાશ્રી : અને ત્યાં આગળ નવડાવનાર કોઈ જોઈએ કે નહીં ? એકલા હાથે નવડાવવાનું-ધોવડાવાનું બધું એમનું. ધોતિયું હઉ પહેરાવાનું એમને. નીરુબેન : એ તો મારા અહોભાગ્ય દાદા, એવી મને ક્યાં સેવા મળે ! દાદા, સિવાય દુનિયામાં કશું ના ગમે દાદા. દાદાશ્રી : પણ જોડે ને જોડે રાખ્યો છે ને મને ! નીરુબેન : તમે મને રાખી છે. દાદાશ્રી : મને તો ગમે છે. પ્રશ્નકર્તા : દાદાને કોણ નથી ગમતું. દાદાશ્રી : પણ એમની જોડે કાયમનો વ્યવહાર હોય ને, અવળો-સવળો વ્યવહાર હોવા છતાં ગમે છે. કંટાળો ના આવે. અમે જાણીએ કે માણસના હાથની ડિગ્રી, આટલી શક્તિ હોય, આટલી ના હોય. એટલે અમે જોઈ લઈએ કે આમના ગુણાંક બધા જોઈ લઈએ, પછી બીજું અમારે જોવાની જરૂર નથી, ભૂલચૂક થાય તો. દાદા પ્રેમ વરસાવે ! 'દાદા માટે જમવાનું સારું કરો છો' એ તો રોજે-રોજે કહેતા. હવે જે દહાડે ખરાબ કહીએ ને તો એ જાણે કે નીરુબેનને કહ્યું, મને ક્યાં કહ્યું ? હું કહું 'બહુ ખરાબ છે આ', એટલે એ નીરુબેનને કહે, 'નીરુબેન, તમે બનાવ્યું તેથી આવું કહે છે ને, દાદા.' નીરુબેન : 'હમણાં તમે મને રસોઈ સારી બનાવો છો કહેતા'તાને' ત્યારે હું નીરુને મોટેથી જ કહેતી'તી કે 'જ્યારે ખરાબ બનાવ્યું હોય ત્યારે દાદા કહેતા ત્યારે તમારું મોઢું કેવું ઊતરેલી કઢી જેવું થઈ જતું'તું.' દાદાશ્રી : હા... કૃપા તો દાદાની ઘણી ઉતારવી'તી પણ ઉતારવા દે તો ને ? પણ કચરો નીકળી ગયો બધો ! નીકળે નહીં કોઈનાથી, એ મારાથી નીકળે. અમારી પર એમનો પ્રેમ હતો. પણ એ દાદા ઉપર જ પ્રેમ હતો. એમનો જ્ઞાન ઉપર બહુ પ્રેમ, બહુ શ્રદ્ધા. આ લાઈનમાં પેઠાને એમાં જેવી સ્પીડ હતી, એવી આમાં સ્પીડ આવે. છ મહિનામાં તો વરસાદ પડશે. બાકી મગજ ચઢી જાય એવા અમારા કડક શબ્દો, પાછો કહુંયે ખરો. તમને ગમતા હોય તો કહું, નહીં તો મને મીઠું બોલતાં આવડે છે. ત્યારે પાછા રોફભેર, આબરૂભેર એમ કહે કે ના, કહેજો અને આમ કહીએ ત્યારે ઉતરી જાય. પણ હવે અમે નીરુબેનને ઓળખી ગયા સારી રીતે. ઝાપટીને કપટ રોગ કાપ્યા ! અમે નીરુબેનને કહ્યું કે તમારે આવીને સૂઈ રહેવું. બીજું બધું કામ કરવા જેવું નથી ત્યાં આગળ. કારણ કે એ લોકો સેવા લઈ લે, નહીં તો પછી કકળાટ કરે ને ! બધે કકળાટ કરે. આ બિચારાં આ ઉંમરે ક્યાંય કકળાટ જોયા નહીં. એટલે પછી ત્યાં આગળ ત્યારે મને કહે છે કે ત્યાંનું, અમેરિકાનું મારું એકલીનું રાખજો. એવું અમે કરી નાખ્યું પછી ! પ્રશ્નકર્તા : એ થોડો સ્ત્રીજાતિનો સ્વાર્થ કે કપટ ના આવે, દાદા કે ઉદયકર્મ કહેવાય ? દાદાશ્રી : હા પણ આવી ભાવના તો હોય ને બળી ? છૂટવું છે.. એમની ભાવના.. અમે ઝાટકા મારીને ઉતારી નાખીએ. કો'ક તો કહે છે, આવું બોલો છો, દાદા ? ઝાટકો ના મારીએ તો રોગ જાય નહીં. બળ્યું, આ તો કપટનો એ..ય.. ગોદા મારી ઝાટકો મારીએ. જેને ગરજ હોય તે ના મારે, આ તો એમનું હિત કર્યા વગર રહે નહીં. આવું લોકો ખબર પાડે જ નહીં ને ? આ નીરુબેનને તો મેં પછાડ પછાડ કર્યાં છે, નહીં ? મારે મોક્ષે લઈ જવાં છે. નીરુબેનને તો પાર વગરનાં પછાડ્યાં છે, કારણ કે ઘણા ફેરા હતાશ થઈ જાય કે, 'દાદા, મારું હવે શું થશે ?' મેં કહ્યું, 'આવું કેમ બોલ્યાં ? કોની સેવા કરો છો ? ગભરાશો નહીં.' ગમે તે રસ્તે એક આંટો આમ મારી આપીશ (જ્ઞાનની એવી ચાવી ફેરવી આપીશ) તો બધો કચરો ખલાસ કરી નાખીશ. સેવા કોની કરો છો ? એટલે પાછાં ઓલરાઈટ થઈ જાય. એટલી ભાવનાથી બિચારાં સેવા કર્યા કરે. હું ત્યાં અમેરિકામાં જઉં ત્યાં સેવા કરે છે. અહીં કરવી હોય પણ પૂરેપૂરી ના થાય ને ! મધરની જેમ નર્સરી કરી દાદાશ્રીની ! પ્રશ્નકર્તા : દાદા, પણ નીરુબેન પુરુષ જેવું અને સ્ત્રી જેવું બન્ને કામ કરે. અહીંયાં તો બેગો ઊંચકવી પડે, સામાન ખસેડવાનો, અહીંયાં દોડવાનું. અહીંયાં (અમેરિકામાં) બધું જાતે જ કરવાનું તે. દાદાશ્રી : હા, પુરુષ જેવું બધું કામ કરે. પ્રશ્નકર્તા : એકલા હાથે નીરુબેન બધે પહોંચી વળે. દાદાશ્રી : બીજાથી મારી સેવા કમ્પલીટ થઈ શકે નહીં, નીરુબેન તો બધી બહુ સેવા કરે છે. પ્રશ્નકર્તા : દાદા, પણ આપને પણ નીરુબેન વગર ચાલતું નથી. ઘણા ફેરો બાળક જેવા થઈ જાવ છો. દાદાશ્રી : ત્યારે શું કરું તે ? પ્રશ્નકર્તા : પેલા સ્ટેશન ઉપર એકલા પડી ગયેલા ત્યારે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો કહે, બા ક્યાં ગયા ? દાદાશ્રી : કોઈ દહાડોય બાળક પણ થાઉં, નહીં ? પ્રશ્નકર્તા : અમને પણ નીરુબેન જેવા ટીપીને બનાવો. દાદાશ્રી : એ તો પુણ્ય હોય તો થઈ જાય. એમાં પુણ્ય જોઈએ. કેનેડા એરપોર્ટ પર વિખૂટા પડ્યા ત્યારે ! નીરુબેન : એ તો અમારે કેનેડામાં એવું બનેલું કે ત્યાં પેલું એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું ને ત્યારે એરપોર્ટમાં સીક્યુરીટી તો બહુ જ સ્ટ્રીક્ટ (કડક) કરી નાખેલી. વ્હીલચેર સીક્યુરીટી એરિયામાંથી આવે, મને ત્યાં ચલાવા ના દે. દાદાને ને મને સાથે ના જવા દીધા. એટલે દાદા સીક્યુરીટી એરિયામાંથી આવ્યા ને હું લિફટથી આવી. દાદાના પાસપોર્ટ, ટિકિટ બધું મારી પાસે હતું. એટલે આપણે ઈમિગ્રેશનવાળાને બતાડીએ એટલે બહાર જવા દે. મેં એક જણાને પૂછયું. એ કહે કે દાદા તો ગયા અને એમનું તો પાસ થઈ ગયું, અને એ તો બીજા કો'ક ડોસા ગયા'તા. એ સમજ્યો કે દાદા આગળ નીકળી ગયા. દાદાશ્રી : મને બીજે રસ્તે લઈ ગયા, પછી એ ઓફિસરો બધા મારી પાસે ટિકિટ, પાસપોર્ટ માંગે. કેનેડામાં બધા વિચારમાં પડી ગયા, આ શું થશે હવે ? મારી ઓળખાણ નહીં, શું કરીશું ? હવે એ (એરપોર્ટ ઓથોરીટીવાળા) કહે છે, અહીં આપ પરદેશમાં આવ્યા તે એની પરમીટ લાવો. ત્યારે મેં કહ્યું, 'હું કાંઈ એમ ના આપું.' એટલે વધારે મૂૂંઝાયા. વાતચીત કરવાની કહી ત્યારે મેં કહ્યું (એક્શનથી દેખાડ્યું કે જાણતો નથી કશું) તે વધારે મૂંઝાયા. એ તો આ નીરુબેન આવ્યાં, નહીં તો મને શું કરે ? કશું કરે નહીં ને ! કંઈ ઓછા ડાકુ દેખાય છે ? કરનારાને ભડક પેસી જાય. શું થાય ? પછી નીરુબેન આવ્યાં ત્યારે શું કહેતો હતો ઓફિસર ? નીરુબેન : પેલું કાગળમાં લખીને પૂછતો હતો. દાદાએ કહ્યુંને, સંભળાતું નથી, તે એ કાગળમાં લખીને પૂછતા હતા. 'ક્યાંથી આવ્યા છો ? ક્યાં જવાના છો ? કેટલા દહાડા રહેવાના છો ?' તમે ઈશારામાં બધું કહો, મને કંઈ ખબર નથી. દાદાશ્રી : સંભળાય નહીં પછી શું કરીએ ? વચ્ચે કોઈ કહેનાર જોઈએ ને ? એ થોડુંઘણું સંભળાય તો હું હા એ હા કરવા જવું તો વધારે માથાકૂટ કરે. એના કરતાં એક નન્નો સો દુઃખને હણે કે હેં... (કશું જાણતો નથી, એવી એક્શન કરે છે દાદા.) પછી પેલો કહે છે કે પરમીટ લાવો બીજા દેશમાં આવ્યા એટલે. આ લાવો ને તે લાવો ને એટલામાં મારી પાસે કાગળિયું જ ના મળે. નીરુબેન : આપની આજુબાજુ બધા ટોળે વળી ગયા હતા કે હવે શું કરવું ? દાદાશ્રી : હા, એ બધા મૂંઝાયા હતા બિચારા કે શું કરવું હવે ? અમારી કચાશ, શું કરું ? આમાં આ નીરુબેન જોડે હોય તો સંભળાય, નહીં તો અમને કશું સંભળાય નહીં. છતાંય ગામેગામ ફેરવ્યા છે ને મને કોઈ દહાડો હરકત નથી પડવા દીધી. પ્રશ્નકર્તા : નીરુબેનની તો બહુ ભારે સેવા છે બધા જ કામમાં, નીરુબેનનું કામકાજ બધા જ ખૂણામાં કામનું છે. દાદાશ્રી : એ બધે પહોંચી વળે છે ને ! દોષ ન કદી દેખ્યા જ્ઞાનીના... અમે અજાણ્યા માણસને બહુ અમારા ટચમાં રાખતા નથી. બુદ્ધિ વાપરે તો દોષ જ દેખાય માણસને, પડી જાય. એ તો નર્કે જાય, સમજણ વગરના. અલ્યા, જ્ઞાની પુરુષને, જે આખા લોકને તારે, તેનામાંય દોષ ખોળી કાઢ્યા ?! પણ આ અજાણ્યા માણસ, સમજણ નહીં. તેથી અમે બહુ ટચમાં ના રાખીએ, એક-બે કલાક રાખીએ. નીરુબેન એકલાંને જ, એમને દોષ નથી દેખાયા, કેટલાંય વર્ષથી જોડે રહે છે પણ એક સેકન્ડેય દોષ ના દેખાયો તે આ નીરુબેન ! તે ભારે કહેવાયને !! આ બાબતમાં નીરુબેન જોયાં મેં. એક દહાડોય અવળો વિચાર ના આવે. અમારા હાથે કોઈકને મારતા હોઈએને, તોય વિચાર નહીં. એમને થાય કે એનું કંઈ હિતનું કારણ જોયું હશે તેથી મારતા હશે ! પ્રશ્નકર્તા : અને એવું જ હોય છે. દાદાશ્રી : હવે એ આમની બુદ્ધિ શી રીતે પહોંચે ? પ્રશ્નકર્તા : આખું કેવળ કરુણા અને કલ્યાણ સિવાય બીજું કંઈ અહીં છે નહીં. કૃપાપાત્ર થયાં 'જ્ઞાનવિધિ' આપવા માટે ! દાદાશ્રી : નીરુબેન જબરજસ્ત તૈયાર થઈ ગયાં હવે આ જ્ઞાન આપવા માટે. એ તો પુણ્ય હોય તો થાય ને ? આ જગ્યા મળે નહીં. આ જગ્યા મહિને પાંચ લાખ રૂપિયા આપે તોય મળે નહીં એવી આ જગ્યા. પ્રશ્નકર્તા : આજે દાદા જોડે ડિલીંગ કરવું એટલું ઈઝી (સહેલું) નથી. એટલે પોલું બિલકુલ નથી ચાલતું. દાદાશ્રી : ચાલે નહીં અહીં આગળ. નીરુબેન ટક્યાં, નહીં તો ટકે નહીં કોઈ. બીજા કોઈ ટકી શકતા ન્હોતા. બીજા એટલું કહેતા'તા, તમારી જોડે કોઈથી રહેવાય નહીં. એટલે અપમાન સહન કરીને આ એકલાં જ રહેલાં. કોઈ ટકે જ નહીં. એક ફેરો મેં કહેલું ખરું કે 'જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે જજો, મારાથી બંધાયેલા નથી તમે. મને વાંધો જરાય નહીં આવે. તે તમે જજો.' પછી મને કહે છે, 'તમે મારી નાખો તોય હું જવાની નથી.' પછી મેંય હિસાબ કાઢી નાખ્યો. હવે કશું બોલવાની જરૂર નથી. આટલી બધી શ્રદ્ધા, મારા પૂછ્યા વગર બોલે છે. ક્ષત્રિયપણું એ કઈ જાતનું મને સમજાયેલું નહીં એટલે હું સમજી ગયો કે આ ક્ષત્રિય લોકોનું છે, તે શૂરવીર છે ને એટલે આ બધું થાય છે ને !! નીરુબેન તમે માનતાં નહતાં, હવે માન્યું ને છો તો ક્ષત્રિય હં... હેંડો તો પછી તલવાર લઈને હેંડો, જાણે અંબામાતા આવ્યાં ! અને તમારું કામ તો બહુ સ્પીડી, એક વખત પકડ્યા પછી. સત્સંગ રોજ કરવો જ. બધાને સારા ખુલાસા થાય બધા. બધા બુદ્ધિથી જાણવા માંગે. તે અમારા આશીર્વાદ છે. (જય સચ્ચિદાનંદ) રાજી છીએ. નીરુબેનને રાગે પડી ગયું, ઘણી કૃપા પ્રાપ્ત કરી. તેથી જ આ ભેગું થાય ને ! આટલા આઠ-દસ વર્ષોથી સેવા કરો છો એકધારી. અમારી જોડે હોય કે જેમની જોડે અમારે સમભાવે નિકાલ કરવો પડે. નીરુબેન અમારી જોડે જ રહે, પણ તેમની પર અમારી કૃપા ઉતરેલી એટલે એ સહજભાવમાં જ રહે. એટલે અમારે ત્યાં નિકાલ કરવો ના પડે. પ્રશ્નકર્તા : નીરુબેનનો પુરુષાર્થ બહુ ભારે છે. દાદાશ્રી : પુરુષાર્થ કર્યે કશું વળે નહીં. મારી જોડે લાખ વરસ બેસી રહે તોય કશું વળે નહીં. અમારી કૃપા મેળવવાની હોય. કૃપા અમને રાજી કરે તો મળે. અમારી આજ્ઞામાં રહે તો અમે રાજી થઇએ. બાકી બીજા કશાથી અમે રાજી ના થઇએ. જેટલી સેવા કરે, એ પ્રમાણે ભાવ, અને મોક્ષ તો મળવાનો જ છે, બધાને સરખો. એ આજ્ઞા પાળવાથી અને સેવા કરવાથી દાદાનો રાજીપો મળી જાય. એટલે કરુણા ઉતરે એટલે પૂર્ણાહુતિ થાય. મોક્ષ તો આજ્ઞા પાળે એટલે થઈ જાય, ના પાળે તો નાયે થાય. પ્રશ્નકર્તા : આ નીરુબેનને દાદા જોડે રહેવા મળ્યું તે તેમણે કેવું પુણ્ય કર્યું હશે ? દાદાશ્રી : સત્ય પ્રાપ્ત કરવા મરી ફીટવું છે, એ ભાવનાનું ફળ, તેથી જ્ઞાનીની જોડે રહેવા મળે. અને જો જલેબી ખાવા રહે તો તેવું મળે. રાગમાંય વીતરાગ, જ્ઞાની ! એટલે એમને નીરુબેનને કહીએ, તે ઘડીએ રાજીપો જતો ના રહે અમારો. બીજાને એવું અવળું સમજાય. કારણ કે જોવાની દ્ષ્ટિ બરોબર નહીં. નીરુબેન : આપ બોલોને કે અમે નારાજ થઈ ગયા. અમને નારાજ કરો તો તમે... દાદાશ્રી : એટલે એવું તો આમને કહ્યું એ. તમારે (નીરુબેન) માટે નહીં. એવું છે, બીજા જોડે અમે વઢીએ ને બીજાને તે ઘડીએ અમે ખુશીથી એની જોડે વાત કરીએ પણ પછી મહીં ઓછું થઈ જાય. એને એમ લાગે કે મારી ઉપર તો દાદા ખુશ છે. કેટલા બધા સમભાવી છે. (નીરુબેન) તમારી પર સમભાવ રાખીએ નહીં. એ રાખીએ તો પછી તમારા પરનો એ રાજીપો મહીં ઓછો થઈ ગયો કહેવાય. પ્રશ્નકર્તા : એ સમજાય છે, દાદા. દાદાશ્રી : પેલા બીજા જોડે સંપૂર્ણ વીતરાગ હોઈએ. (નીરુબેન) તમારી જોડે સંપૂર્ણ વીતરાગ ના હોઈએ. બીજે વીતરાગ હોઈએ એટલે પછી ત્યાં એનામાં, અમારો પ્રેમ ઘટી ગયો ને વીતરાગ થતા ગયા. પ્રેમ ઘટી ગયો ને વીતરાગ થતા ગયા અને તમને વઢીએ એટલે અમારો પ્રેમ છે. તમારી જોડે વીતરાગ થયા નથી. વીતરાગ તમારી જોડે ના થયા એ, બસ. તમને સમજાયું છેને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ પછી આગળ વધીએ. અત્યારે ના સમજાય તો આગળ, પછી સમજણ પડશે એ. જેને કશું જોઇએ નહીં, વગર કામની કાંઇ ભાંજગડ નહીં, એ વીતરાગ જ હોય ને ! લોકોનું કલ્યાણ કરવાની ભાવના રાત-દહાડો. પોતાના શરીરની કાળજી નથી. આપણા મહાત્માઓનું કેવી રીતે સારું થાય, કેવી રીતે આગળ વધે, એવી કાળજી છે ને ! જુદાપણાની જાગૃતિ, સમજાવી સૂક્ષ્મતાએ ! નીરુબેન : નીરુ પણ બેસી ગઈ સામાયિક કરવા. એક ગુંઠાણું એનો બહુ સુંદર અનુભવ થયો, દાદા. કોઈ સામાયિકમાં ક્યારેય નહોતો થયો એવો આજનો થયો, દાદા. બહુ અદ્ભૂત ! દાદાશ્રી : બરાબર છે. કોણે કર્યો ? નીરુબેન : અનુભવ્યું તો મેં, આનંદ બહુ અનુભવમાં આવ્યો, દાદા. બહુ આનંદ ! દાદાશ્રી : શુધ્ધાત્માને અનુભવ ના થાય, આનંદ ના થાય, આનંદ તો નીરુબેનને થાય ને અનુભવેય એને થાય. નીરુબેન : બાવાને, બાવાનું બધું. દાદાશ્રી : આપણે જોયા કરવાનું. આપણે કહેવું કે તમારે આવું થયું. અને કહેતાં ના આવડે તો બોલવું નહીં, મૌન રહેવું. મને કહેવામાં વાંધો નહીં. પરમ વિનય, જાગૃતિ, સૂક્ષ્મતાએ શીખવ્યાં ! નીરુ કાચી નહીં રહે એવું હું ચોક્કસ જાણું છું. નીરુ આજ્ઞાભંગ નહીં કરે એવો વિશ્વાસ હું જાણું છું. 'હું' જુદો ને નીરુ જુદાં. એની ખાતરી રાખજો કહીએ. પોતે એકરૂપ થવું નહીં કોઈ દહાડોય. નીરુને ભૂખ લાગી છે, નીરુને ખાવું છે, નીરુએ ખાવાનું બનાવ્યું. નીરુને સમજણ પડતી નથી, નીરુને સમજણ પડે છે, નીરુએ દાદાને નવડાવ્યા. આવી બધી ભાષા રાખો. છેવટે દાદાને રાજી રાખવા પોતાનું ચલણ ચલાવવું નહીં. ડૉક્ટરોએ કહ્યું હોય તોય તમારે દાદાની શી ઇચ્છા છે એ પ્રમાણે વર્તવું. કારણ કે દાદાને કોઈ કહે જ નહીં ને ! દાદાનું હિત ક્યારે કહેવાય કે અમને કાંઈ કહે નહીં ત્યાં. અને કહેવું હોય તો મને એમ કહેવાય કે મારી એક વાત સાંભળશો ? ત્યારે હું કહું કે 'હા' 'મને આવું ઠીક લાગે છે, પછી આપનો હુકમ.' નીરુબેનને હઉ છૂટું પડવા માંડ્યું છે. મારી બહુ ભાવના હતી જ્યારે આટલી બધી મારી સેવા કરી છે અને એમનું જો ના થાય તો મારી કચાશ કહેવાય. એટલું બધું સાંભળ્યું છે, કાંઈ બાકી જ નથી રહ્યું. એટલે અત્યારે જો કેવાં તૈયાર થયાં છે ! કાલે સત્સંગમાં પૂછતા'તા બધા મહાત્માઓ પણ નીરુબેનને અંદરથી સુંદર જવાબો નીકળતા હતા. આ કરવું છે એ મોહ છે એક જાતનો અને કરવું હોય તો તમારે મહીં એને કહેવાનું કે જો તારે ફૂલોની માળા બનાવવી હોય તો બનાય અને અમે જુદા રહીશું થોડીવાર. અમે એમાં નહીં પડીએ. રસોડામાં જવું હોય તો કહીએ, જુદાં રહીશું અમે શુધ્ધાત્મા. દાદા એ પોતાના શુધ્ધાત્મા છે એટલે દાદા ને હું એક જ છીએ. દાદા એ જ મારો શુધ્ધાત્મા. નીરુબેન : હા, દાદા. સમજાઈ ગયું. હવે ચોખ્ખું કહ્યું તમે. એ બન્નેમાં નહીં પડવાનું. દાદાશ્રી : તમને દાદા બોલતા હોય એવું લાગે છે કે, તમારું વેલ્ડીંગ ને એ બધું ? એટલે હું સમજી ગયો કે સારું કર્યું. થશે કે એવું બધું ? નીરુબેન : થશે ને, થશે. દાદાશ્રી : 'મન, બુદ્ધિ, અહંકાર ને નીરુ તમારે અમારે કશું લેવાદેવા નહીં. એ ફક્ત વ્યવહારી સંબંધ અને પાડોશી સંબંધ છે' કહીએ. એવું આખો દા'ડો કહે કહે કરવું. તે પાછો અહંકાર મહીં ચઢી બેસે, એવું થાય છે ? નીરુબેન : હા, થાય છે. દાદાશ્રી : આજ વિધિ કરી આપી છે મેં. હવે નહીં બગડે. એકલા હોય ત્યારે આ એ.એમ.પટેલને (પોતે પોતાને જ) ટૈડકાવું હું. પછી બધાની હાજરીમાં બોલું તે જુદું પાછું. હું તો નીરુબેનની હાજરી તોય બોલું. શું બોલું ? 'અંબાલાલભઈ કોન્ટ્રાક્ટર, તમે કેવા માણસ છો ? શું તમે માની બેઠા છો પોતાની જાતને ?' નીરુબેન કહે, 'તમે વાતો કરો છો ?' ત્યારે મેં કહ્યું, 'શું કરું ત્યારે ? બધી વાત કંઈ ખાનગીમાં ઓછી થાય છે ?' નીરુબેન એવો કચરો લાવ્યાં'તાં. પણ જોડે સેવા છે ને કાયમની અને બધું જ સાંભળ્યું છે. કશું સાંભળવામાં બાકી નથી. એટલે નીરુબેનને ધીમે ધીમે ઉકેલ આવશે. દસ-પંદર દા'ડામાં તો ઉકેલ આવી જશે. (૧૯૮૭) અને તમે તો બહુ બહુ સેવા કરી છે ને ! આવી સેવા કરશો તેથી તમારું બહુ જુદી જાતનું થશે ! અને તમે સાંભળ્યુંુ છે. બહુ લોકોએ પૂછયું'તું. છ પરમેનન્ટ તત્ત્વોની સમજ પાડી દીધી અને સમજી ગયા બધા. એ પણ હવે ધીમે ધીમે વધવા દો અને વધ્યા પછી જરા બોલજો, અત્યારે થોડું થોડું બોલીએ. મહીંવાળા ગોથું ના ખવડાવી દે. ચેતીને ચાલજો. નિરાંતે બેસો. (૧૯૮૭) પૂર્ણ સિદ્ધાંત વર્તે લક્ષમાં ! પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષોને જ્ઞાન થાય એ સમજાવી શકાય નહીં ? દાદાશ્રી : એ સમજાવી શકવું સહેલું નથી. જ્ઞાન તો આમને હઉ થયેલું છે, પણ એ સમજાવી શકાય નહીં. અમે એકલા જ સમજાવી શકીએ, અગર તો આ નીરુબેન થોડું થોડું સમજાવે ! જે વધુ પરિચયમાં આવ્યાં હોય, એ થોડું થોડું સમજાવે. પરિચય વધારે લેવો જોઈએ અમારી જોડે, તો બધું સમજાવી શકે. આ નીરુબહેનને તો આખોય સિદ્ધાંત નિરંતર રહે છે, આ જ્ઞાનથી દિવ્યચક્ષુથી બધે જ ભગવાન દેખાય છે. (૬-૫-૭૦) એટલે સિદ્ધાંત નીરુબેનના હાથમાં આવેલો છે. એટલે કોઈ માણસ બીજી લીટી ઘાલી દે તો કહી દે કે આ દાદાનો શબ્દ ન્હોય, આ કો'કનો લખ્યો પાછો. એટલે મારા એક-એક શબ્દને જાણે કે આ દાદાનો શબ્દ અને આમને આ સિદ્ધાંત આવ્યો એટલે આ કોઈને ઉપદેશ આપતા હોય તો હું ના ના પાડું. કારણ કે એમની ભાષામાં, ગમે તે ભાષામાં પણ એ મૂળ સિદ્ધાંત એમના લક્ષમાં છે. કારણ કે અમારા ટચમાં બહુ ને ! સિદ્ધાંત લક્ષમાં આવવો એ મહામુશ્કેલ વસ્તુ, એ આખો સિદ્ધાંત શું છે ! જેને સિદ્ધાંત લક્ષમાં આવ્યો એ પછી ગમે ત્યાંથી બોલેને, એનીવ્હેર. સિદ્ધાંત કાચો હોય ત્યાં સુધી કાચું બધું. આ પુસ્તકો-બુસ્તકો છાપતી વખતે અત્યારે આમ નીરુબેન લેખ આપે ને તો બધાને અચરજ થઈ જાય બધું. આ નીરુબેન તમારા પેપરમાં લેખ આપેને તો અજાયબી ઉત્પન્ન થાય. મને પૂછતાં'તાં, કશામાં આપીએ ? મેં કહ્યું, 'કશો વાંધો નહીં, આપવામાં કશો વાંધો નહીં, સારું ઊલટું.' નીરુબેનની તો વાત જુદી છે. પણ તમારે બોલવું જ નહીં આવું. તમારે ચંદુભાઈ તરીકે બોલાય જ નહીં. પ્રશ્નકર્તા : ના, ચંદુભાઈ તરીકે નથી. દાદાશ્રી : ત્યારે કઈ તરીકે ? પ્રશ્નકર્તા : દાદાની વાણી તરીકે. દાદાશ્રી : ના, પણ એ ચાલે નહીં. એ તો પૂર્ણજ્ઞાન હોવું જોઈએ, તો બોલાય અગર અમે સિદ્ધિ આપીએ તો બોલાય. અને બધાને સિદ્ધિની જરૂર નથી, અપાય નહીં. અને તમારે (ચંદુભાઈએ) હવે કશું કહેવું નહીં. તમે તમારું આપ આપ કરો છો એવું, કોઈના ગુરુ થવાની જરૂર નથી. હવે પ્રેમસ્વરૂપ થઈ જાવ ! કોઈ ગાળો ભાંડે તોય તમે પ્રેમસ્વરૂપ થઈ જાવ. તમે અમને પ્રેમસ્વરૂપ જુઓ છો, કેટલાં વર્ષથી જોડે છો ? હવે તમારે એવા થવું છે ને ? નીરુબેન : થવું છે, દાદા. દાદાશ્રી : હું કહું કે તમે અક્કલ વગરનાં છો ત્યારે કહેવું કે 'એ તો હું જાણી ગઈ, કોને તમે કહો છો તે.' એટલે હવે પ્રેમ સ્વરૂપ થઈ જાવ. પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય ? સામાની સાથે અત્યાર સુધી ભૂલો થઈ હોય તેની માફી માંગી લેવાની. ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય. નીરુબેન : દાદા, માફી માંગવાનું બહુ ઈઝી છે, સહેલું છે. દાદાશ્રી : મારી વાત ગમશે ? સમજાઈ હોય તો ગમે. નીરુબેન : દાદા, પોતાને છૂટવું છે, માટે ગમે છે. દાદાશ્રી : છૂટવું છે કે દાદાની જોડે અભેદ થવું છે ? નીરુબેન : એટલે દાદાથી નહીં, પોતાના દોષોથી છૂટવું છે, માટે ગમે છે, દાદા. દાદાની જોડે તો નિરંતર અભેદતા જ જોઈએ છે. દાદાશ્રી : દાદાની જોડે અભેદતા એટલે છૂટવાનું જ હોય. છૂટી જવાય જ. નીરુબેન : હા, એ તો દાદા જોડે. દાદાશ્રી : પેલું તમે ગમે તેટલી માફી માંગો પગે અડીને તોય નકામી. દાદાની આજ્ઞા પ્રમાણે કરો તમે, કે 'કોઈનો દોષ એકુય નથી થયો, પણ મને દેખાયું આ, માટે ત્યાં મારો દોષ હતો.' બધાએ જેની જોડે પ્રેમ કરવો હોય એણે આ રીતે કરવું. તો મહીં પ્રેમ ઉત્પન્ન થશે. કરવો છે કે નહીં કરવો પ્રેમ ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : અમારી રીતે હોય. અમે જે રીતે તર્યા છીએ, એ રીતે તારીએ અમે. તમને સારું લાગ્યું ? નીરુબેન : હા, બહુ હલકું લાગ્યું, દાદા. દાદાશ્રી : તમે પ્રેમ ઉત્પન્ન કરશો ને ? પ્રેમ સ્વરૂપ થઈએ ત્યારે સામાના જોડે અભેદતા હોય. બધું ઝાઝું અમારી જોડે એવી રીતે થયેલું છે. આ રીત ખુલ્લી કરી નાખી અમે. કરુણાનાં બીજ વાવ્યાં આમ ! અમે જેમ લાગણી રાખીએને દરેકની, એ જ પ્રમાણે તમારે મહીં લાગણી રાખવી. મારે કહેવાની જરૂર છે ? હવે ફરી ટકોર નહીં કરવી પડે ને ? નીરુબેન : ના. દાદાશ્રી : બદલાશે ? ક્યારે ? નીરુબેન : તરત. હવે બદલાવાની શરૂઆત થઈ જશે, દાદા. દાદાશ્રી : બહાર લોકોના માટે ભાવ સુધર્યો એટલે રાગે પડતું જાય. અમારે દરેક માટે પ્રેમ છે ને ! ગમે એવી તબિયત હોય તોય તમે જોયું છે ને ? નીરુબેન : હા, જોયું છે ને ! દાદાશ્રી : જોઈને શું શીખ્યા તમે ? એ તો બેસીને વિધિ મારે કરવાની હોય. મારે પગ હાલે (ધ્રુજે) છે તોય પણ કેમ કરીને દઉં એને. અને આ શરીર ધબવી નાખોને, અગરબત્તીની પેઠ. આને શું કરવાનું છે ? નર્યો કચરો ભરેલો એને કરવાનું શું ? તમારે સાવ પ્યૉર થવું છે. પ્યૉરીટી, હવે આ કરજો. આજથી બિંગિનીંગ કરજો તમે. દરેકની, નાના-મોટા જીવોની ઉપર ખાલી દયા રાખવાની, લાગણીઓ, પણ આ મનુષ્યો માટે શું રાખવું પડે ? નીરુબેન : કરુણા. દાદાશ્રી : એ અવળું બોલે તોય આપણે કરુણા. તમે કરુણા જોયેલી કોઈ દા'ડો ? નીરુબેન : દાદા, આપની જ કરુણા જોઈ છે, બીજા કોઈની નથી જોઈ. દાદાશ્રી : એટલે થાળે પાડજો હવે. રાગે પાડજો. તમારે શુધ્ધાત્માએ કંઈ કરવાનું છે ? તમારે નીરુબેનને કહી દેવાનું, પછી એ કર્યા કરે. આ તો પછી કેટલી બધી કૃપા કરી, ત્યારે આવે એક્ઝેક્ટનેસ ને એ બધું, આજ નક્કી કરજો. મહાત્માઓ મને ભેગા થાય. તે બીજા માટે આવે તો મને વાંધો નથી અને ના આવે તો વાંધો નથી પણ જ્ઞાન માટે આવે તેના માટે ખાસ એવું છે કે એ ગાળો દે, તોય મારે એની માટે લાગણી ના જાય. તમે પણ એવું નક્કી કરવા માંડજો. થશે એવું ? નીરુબેન : થશે. દાદાશ્રી : મોટું મન, મોટું પેટ. એટલે તે માટે બહુ ના કહેવું પડે ને ? થોડામાં સમજી ગયાંને ? ગમી તમને મારી વાત ? નીરુબેન : બહુ ગમી, દાદા. દાદાશ્રી : તમને નમ્યો પછી એ અવળો થયો ત્યાં મહીં કરુણા રાખવાની, તો પેલા આશીર્વાદ વધારે ફળશે ને હું આપીશ. મારી ઘણી ઇચ્છા છે પણ હવે તમે જો ધકેલવા નહીં માંડો તો. છેવટે કરુણા વગર આગળ શી રીતે પહોંચાશે ? તમારી ઉપર કરુણા છે દાદાની, એટલે થાય છે ને ! નહીં તો... નીરુબેન : કશું ના થાય. દાદાશ્રી : ના થાય, જાણો ને ગમ્યું ? નીરુબેન : બહુ ગમ્યું, દાદા. જ્ઞાનીને માથે પડવાનું કે તમે જે કરો એ, તમારું જે કરો એ મારું કરો. એટલે જ્ઞાની જ પોતાનો આત્મા છે. એટલે એને તો જુદા ગણાય નહીં. પછી ભય નહીં રાખવાનો કે જ્ઞાની માંદા થાય તે એ ના હોય તો આપણે શું કરીશું ? એવો કશો ભય રાખવાનો નહીં. જ્ઞાની મરતા જ નથી. એ તો દેહ મરે, એ અવલંબન અમારું હોય જ નહીંને ! અમે નિરાલંબ હોઈએ. સહેજેય અવલંબન ના હોય, આ દેહનું કે પૈસાનું કે કોઈ પણ એવું. પ્રશ્નકર્તા : પણ દાદા, અમને તો જ્ઞાનીનું ને જ્ઞાનીના દેહનું એકસરખું જ અવલંબન લાગે. દાદાશ્રી : દેહનું અવલંબન તો, દેહ તો કાલે જતો રહે. દેહના પર તો અવલંબન રખાતું હશે ? દાદા, નિર્વિશેષ પુરુષ જગતમાં ! નીરુબેન : હવે તો દાદા એમ જ થતું રહે છે કે આપણો મોક્ષ ના બગડે અને આ ભવ જ્ઞાની મળ્યા છે ને બગડી ના જાય એટલું સચવાઈ રહે તો બહુ થઈ ગયું. બીજું કશું એવું કંઈ રહ્યું નથી. દાદાશ્રી : એટલું રહે તો ઘણું થઈ ગયું કહેવાય. એ કાંઈ જેવું તેવું નથી. નીરુબેન : તમારી જગ્યાએ હું હોઉં ને તો એક મિનિટમાં નીરુને ગેટ આઉટ કરી દઉં. નભાવાય એવું છે નહીં એવું લાગે. એટલા બધા દોષો છે મહીં. દાદાશ્રી : એવું છે, ગેટ આઉટ કરતાં તો બધાને આવડ્યું, કમ ઈન એવું કહેતા ના આવડ્યું ને ! નીરુબેન : બ્યુટીફૂલ (સુંદર), કહેવું પડે દાદા, કમાલ છે ! દાદાશ્રી : ગેટ આઉટ કોને કરતાં ના આવડ્યું હોય ? પ્રશ્નકર્તા : આ કલ્યાણની ભાવના કેટલી ઊંચી કહેવાય ! દાદાશ્રી : એટલે ભાવના જ મહીં. પ્રશ્નકર્તા : કે સામાનું કેમ કરીને હિત થાય. દાદાશ્રી : મારું હિત તો થઈ ગયેલું છે, હવે મારે ક્યાં કરવાનું છે ? પ્રશ્નકર્તા : સામાનું કઈ રીતે હિત થાય એ કેટલી ઊંચી ભાવના કહેવાય ! દાદાશ્રી : પણ એ તો ઘણાય માણસોને હોય છે. પ્રશ્નકર્તા : આ રીતે, દાદા, આપણી ગરજે. દાદાશ્રી : હા, પણ સામાને ગરજ નહોય, તે છતાં ગરજ રાખે એવા માણસો હોય છે. નીરુબેન : બધું હોય પણ આવી કરુણા ના હોય, દાદા. દાદાશ્રી : આ તો ટ્રાન્સ્પરન્ટ (પારદર્શક) છે વસ્તુ, એને કશું વિશેષણ આપવા જેવું ના હોય. આવું નહીં હોય, એવુંય વિશેષણ આપવા જેવું ન્હોય. આ તો ટ્રાન્સ્પરન્ટ છે. પણ બુદ્ધિ ડખો કરે છે, નહીં ? પ્રશ્નકર્તા : એ દાદા, ક્યારેક ક્યારેક થઈ જાય છે, પહેલાં કરતાં તો બહુ સુધરી ગયુંુ છે. દાદાશ્રી : ના, પણ હજુ થઈ જાય છે એટલે ચેતવું છું તને. અજાયબ પુરુષ દુનિયાનો, વર્લ્ડનો. કહેવાય જ નહીં, વિશેષણ જ ના હોય. તમારે આખા જગતના મધર થવાનું છે ! દાદાશ્રી : દાદા તમને શું કહે છે ? મધર જેવા કહે છે, બા જેવા કહે છે, નહીં ? તમને શું કહે છે ? નીરુબેન : ઝવેરબા જેવો તમારો પ્રેમ છે. દાદાશ્રી : ઝવેરબા જેવા છો ! નીરુબેન, તમે મધરની જેમ અમારી નર્સરી કરી છે, દીકરીની જેમ ચાકરી કરી છે અને નર્સની જેમ સેવા કરી છે. (૧૯૮૭) નીરુબેન, તમારે આખા જગતના મધર થવાનુંુ છે. (૧૯૮૭) હવે આપણું ઘર તૈયાર થાય એટલે આપણે ઘેર જ રહીશું. હવે આપણે લોકોના ઘેર જવું નથી. તમે મારી માટે ખાવાનું રાંધજો ને આપણે જમીશું અને મહાત્માઓ માટે તમારે રાંધવાનું નહીં. મહાત્માઓ માટે મહારાજ રાખીશું. (૧૯૮૭) વ્યવહાર આંટી-ગૂંચો ઉકેલી આપે દાદાશ્રી ! લોકોને જીવતાં જ નથી આવડતું. જીવતાં દાદાને આવડ્યું છે, નહીં ? નીરુબેનેય શીખી ગયાં છે જીવતાં. મારી કઈ વાત ગમી તમને ? નીરુબેન : બધી જ ગમી. દાદાશ્રી : એનો ઉકેલ લાવજો. ના હોય તો મને કહેજો ને, હું કરી આપીશ. મારાથી ગુપ્ત રખાય એવી વાતો ખરી ? નીરુબેન : ના, તમને તો પહેલું જ કહેવાનું. દાદાશ્રી : એટલે મારાથી ગુપ્ત રાખવાનું નહીં ને ? એટલે મને કહી દેજો. મને કહોને તો હું સમું કરી આપું, તમે કહો એ. નીરુબેન : કરી આપજો ને, તો બહુ સારું, દાદા. દાદાશ્રી : કારણ કે તમારે જેની આંટી હોય ને, તેની હું કાઢી આપીશ. એકુય કાઢી આપી છે ? નીરુબેન : બધી બહુ. બધી જ કાઢી આપી છે તમે. દાદાશ્રી : તમને તો મારે જેમ-તેમ કરીને છૂટા કરવા જ, એ અમારો ભાવ સારો છે ને ? નીરુબેન : બહુ જ, દાદા. દાદાશ્રી : જેટલું સમજીએ એટલું બોલી શકાય નહીં, એવુંુ તમે જાણો ? શું જાણો ? નીરુબેન : જેટલું દેખાય એટલું બોલી શકાય. દેખાય એટલું બોલાય, અનુભવમાં આવે એટલું બોલાય, સમજણનું ના બોલાય. દાદાશ્રી : જેટલું સમજીએ એટલું બોલી શકાય નહીં. એટલે દર્શન એટલે સમજ્યું. કેવળ દર્શન તો સમજી ગયા બધુંય પણ કેવળજ્ઞાન નહીં એટલે જે સમજણ છે એટલું બોલાય નહીં. તે જગ્યાએ પહોંચી શકાય ત્યારે બોલાય. સમજાયું તમને ? નીરુબેન : હા. દાદાશ્રી : ઉકેલ બધા સારા આવશે. હવે થોડું થોડું જુદું રહે છે ? નીરુબેન : રહે છે, દાદા. તાંતો નથી રહેતો. દાદાશ્રી : એ મોટો અહંકાર ઊડી ગયો. તાંતો નથી રહેતો, નહીં ? તમને શી રીતે સમજણ પડી ? નીરુબેન : મહીં બળે ને, દાદા. તાંતો હોય તો મહીં બળ્યા કરે, ચેન ના પડવા દે. દાદાશ્રી : હા, તે મનેય દેખાઈ ગયેલું, તાંતો નહીં રાખતાં. એ મોટામાં મોટો રોગ ગયો. આ વધારે તાંતાનો દોષ, એ ગયો. હવે આ સારું છે તેય છોડી દો ! સિદ્ધિની વિધિ, જગત કલ્યાણર્થે ! દાદાશ્રી : જુદું રહીને બોલાય છે ? એક વખતે તમારી મહીંથી જો દાદા બોલતા હોય તો સામાને પોઈઝન ના થાય અને આ પોઈઝન થઈ જાય. તોય રાગે થોડું થોડું પડ્યું છે. આ સિદ્ધિ છે અમારી. તમને વાપરવા આપી. આજે પહેલી વખત આપી. નીરુબેન : બહુ મોટી અજાયબી છે, દાદા. કૃપાથી જ્ઞાનમાં તૈયાર થઈ ગયાં ! દાદાશ્રી : નીરુબેન જ્ઞાનમાં તૈયાર થઈ ગયાં છે. પેલી સત્તા આપી છે ને અને સાંભળેલું ખૂબ જ ને ! છ તત્ત્વો-બત્ત્વો બધું જ સાંભળેલું ને ! કશું સાંભળવામાં બાકી રાખેલું નહીં ને ! તમારે કેટલાં જોડે સારું રહે છે ? નીરુબેન : દાદા, હમણાં હમણાં કંઈ બધાં જોડે સારું રહેવા માંડ્યું છે. દાદાશ્રી : હવે રહેશે. જુઓ, છોકરા રિપેર થઈ ગયા ને ! નીરુબેન કેવાં સરસ તૈયાર થઈ ગયા ! જેને કામ કાઢવું હોય તો કાઢી લો. નીરુબેન કામ કાઢી લેશે હવે. 'દાદા' મહીંથી જ્ઞાનવાણી બોલે ! જેટલી વખત 'દાદા ભગવાન' બોલ્યાને એ પછી પ્રકાશ વધતો જાય. પ્રશ્નકર્તા : અને આ વખતે આમ જાણે દાદા જોડે બેઠા હોય ને પછી કહે ને કે આ બરાબર છે, આમ નથી. એ જાણે બોલતા હોય અંદરથી, સત્સંગ એ કરાવે ને હું સાંભળું, ને એવું સરસ રહેતું'તું. દાદાશ્રી : હા, બરાબર છે અને કંઈ નવા નવા શબ્દો હોય ને પેલી પાંચ આજ્ઞા એવી રીતે સમજાવી'તી કે ? તેં સમજાવી'તી ? પ્રશ્નકર્તા : ના, હું બહુ નહોતો બોલ્યો એ વખતે. દાદાશ્રી : નીરુબેન બોલતાં'તાં ખરું ? પ્રશ્નકર્તા : હા પણ આમ અંદર બધું બરાબર એવી જ રીતે હતું બધું. દાદાશ્રી : એમ કે ! સારું. પણ 'જ્ઞાન' સારું અપાયું, નહીં ? અને પાંચ આજ્ઞા નીરુબેને સારી સમજાવી. બહુ સારું કર્યું. મને આનંદ થઈ ગયો ને ! હવે બીજા કોઈની જરૂર ના રહી ને ! હવે દાદા ભગવાન બોલે એમનામાં, ધારે ત્યારે બોલે. (૧૯૮૭) - જય સચ્ચિદાનંદ. |
|---|