|
'બ્રહ્મચર્ય ધ્યેય ધરી, નિમિત્ત બનું જગત કલ્યાણનું !' 'દાદાવાણી' મેગેઝીન ૧૦ વર્ષ પૂરાં કરે છે. દર મહિને પ્રગટ થતું દાદાવાણી મેગેઝીન ૧૦ વર્ષ પૂરાં કરી રહ્યું છે. આ આપણા સૌને માટે એક આનંદની ઘડી છે ! મહાત્માઓને દાદાશ્રીની જ્ઞાનવાણી વિવિધ વિષયો પર સંકલિત થઈને નિયમિત દર મહિને આ માધ્યમથી ઉપલબ્ધ બની રહી છે, જે જીવનમાં ડગલે ને પગલે સહાયરૂપ બને તેવી છે. સર્વે મહાત્માઓ દ્વારા આવકાર્ય બની છે. 'દાદાવાણી' મેગેઝીન હાલ ૧૩,૦૦૦ જેટલાં સભ્યો તથા તેમના કુંટુંબીજનો સુધી પહોંચી રહી છે. વધુ ને વધુ લોકોને આનો લાભ લે અને તેઓ તેમના જીવનમાં દાદાશ્રીની વાણી દ્વારા નિરંતર આત્મદશામાં રહીને સંસારવ્યવહાર પૂરો કરે તેવી અભ્યર્થના સાથે. જય સચ્ચિદાનંદ. સંપાદકીય જ્ઞાની પુરુષ એટલે તો 'જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે.' જે નિમિત્ત આવ્યો, તે નિમિત્તને આધીન ને તેના કલ્યાણ માટે નિર્ભિકતાથી વાણી નીકળે. સાધક તે શબ્દ પકડી લે, શબ્દો પ્રમાણે ચાલે તો આત્યંતિક કલ્યાણ થઈ જ જાય. પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશાં કહેતા, ધ્યેયપૂર્વક ના પરણ્યો એ મહાભાગ્યશાળી. જેને મોક્ષે જવું છે, એને જ્યારે ત્યારે બધા હિસાબ ચોખ્ખા કર્યા વિના છૂટાય તેમ નથી. તો પછી ગમે તે ભવમાં હિસાબ ચોખ્ખા કરી બ્રહ્મચર્ય પાળશે તો જ કેવળજ્ઞાનના સ્ટેશને પહોંચાશે અને મોક્ષ થશે, તો પછી આ ભવમાં જ કેમ નહીં ? પ્રસ્તુત સંકલનમાં 'બ્રહ્મચર્ય ધ્યેય ધરી, જગત કલ્યાણના નિમિત્ત બનવાનો' જેને ભેખ છે, એવી ભાવનાવાળો સાધક છે. જેને જ્ઞાની પુરુષને આશ્રયે રહી પ્રશ્નો પૂછી પૂછી માર્ગદર્શન મેળવી પોતાનો ધ્યેય પૂરો કરવો છે. તેને જ્ઞાની પુરુષ અદ્ભૂત સમજણ પ્રદાન કરે છે. પ્રથમ તો સાધકને વિષયમાં સુખ નથી, તે અભિપ્રાય, પ્રતીતિ દ્ઢ થઈ જાય પછી બીજે પગથિયે સાધક વિષય કઈ રીતે જોખમી છે ને બ્રહ્મચર્ય કઈ રીતે હિતકારી છે. તે વિગતવાર સમજણ પ્રાપ્ત કરવાની છે. ત્રીજું પગથીયે, વિષય વિકારી દોષોને હ્રદયથી પસ્તાવાપૂર્વક પ્રતિક્રમણ કરીને ચોખ્ખા કરવાના છે અને ચોથે પગથિયે, તેવા દોષોનું ઉપરાણું લેવાય નહીં તેની જાગૃતિ રાખવાની છે. પોલ મરાય નહીં ને ભૂલચૂક થાય તો જ્ઞાની પાસે ખુલ્લું કરી દોષ મુક્ત થવાની ચાવી મેળવી લે. આમ ધ્યેયને બાધક કારણોની સમજણ સાધકને પ્રાપ્ત થાય છે તે સંકલિત થઈ છે. વાચકે ભાવથી તો, 'આવો ધ્યેય મારો પણ હોજો' તેમ હ્રદયે ધરી રાખવા જેવું છે, તો આવતા ભવમાં લીંક મળી જશે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ 'બ્રહ્મચર્ય ધ્યેય ધરી,નિમિત્ત બનું જગત કલ્યાણનું !' ના પૈણવાનું ધ્યેયપૂર્વક ! પ્રશ્નકર્તા : મારે લગ્ન કરવાની ઇચ્છા નથી પરંતુ મા-બાપ તેમજ અન્ય સગાંસંબંધી લગ્ન માટે દબાણ કરે છે, તો મારે લગ્ન કરવાં કે નહીં ? દાદાશ્રી : જો લગ્ન કરવાની ઇચ્છા જ ના હોય તો આપણું આ 'જ્ઞાન' તમે લીધું છે એટલે તમે પહોંચી શકશો. આ જ્ઞાનના પ્રતાપે બધું જ થાય એમ છે. હું તમને કેવી રીતે વર્તવું, તે સમજાવીશ અને જો પાર ઊતરી ગયા, તો તો બહુ ઉત્તમ. તમારું કલ્યાણ થઈ જશે !!! પ્રશ્નકર્તા : પૈણાવા માટે બધા લોકો બહુ ફોર્સ કરે છે. દાદાશ્રી : તમને 'વ્યવસ્થિત' સમજાઈ ગયું છે કે નહીં ? પ્રશ્નકર્તા : 'વ્યવસ્થિત' તો સમજાઈ ગયું છે. દાદાશ્રી : તો 'વ્યવસ્થિત'ની બહાર કોઈનુંય ચાલવાનું નથી. માટે 'વ્યવસ્થિત' ઉપર છોડીને નક્કી રાખો, દ્ઢ નિશ્ચય કરો કે મારે નથી જ પૈણવું. પણ પૈણ્યા વગર તને શી રીતે ચાલશે ? પ્રશ્નકર્તા : કયા ભવમાં અનુભવ નથી કર્યો ? દાદાશ્રી : ખરું કહે છે કે કયા ભવમાં અનુભવ નથી કર્યો ! બકરીમાં, કૂતરામાં, ગધેડામાં, વાઘમાં, જ્યાં જાવ ત્યાં આના આ જ અનુભવ કર્યા છે ને ! પણ પૈણવાનું જો ધ્યેયપૂર્વક છૂટે તો સારું. હવે તારે 'લોકોને જે અનુભવ થયા છે એ મને જ થયા છે', એવી ગોઠવણી કરી લેવી પડશે ને ? નહીં તો જગતના લોકો તને બિનઅનુભવી કહેશે. પૈણવું કે ના પૈણવું એ 'વ્યવસ્થિત'ના તાબામાં છે, પણ અત્યારે જો પાંચ વર્ષ આ જ્ઞાનના આધારે બ્રહ્મચર્ય પાળે તો કેટલી બધી શક્તિઓ પ્રગટ થઈ જાય અને આ દેહનું બંધારણ કેવું સરસ થઈ જાય ! આખી જિંદગી તાવતરિયો જ ના આવે ને !! આપણું આ વિજ્ઞાન થોડા વખતમાં સેફસાઈડ કરી નાખે એવું છે. જેને ભગવાન પણ ના પૂછી શકે એવી સેફસાઈડ કરે એવું આ વિજ્ઞાન છે. ખાવાપીવાની બધી છૂટ આપી છે ને ? મેં જો ખાવાપીવાનો વાંધો કર્યો હોત, તો અહીં ઘણાંખરાં આવત જ નહીં. એટલે અમે છૂટ આપી છે. આ સંસારચક્રનો આધાર વિષય પર છે. છે તો પાંચ જ વિષય, પણ સ્ત્રી સંબંધીનો તો બહુ જ ભારે વિષય છે. એના તો પછી ભારે સ્પંદનો ઊડે છે. આપણું જ્ઞાન એવું સરસ છે ને એમાં રહ્યા કરે, તો કશું એને અડે નહીં અને પાછલું બધું ધોવાઈ જાય. પણ વિષય બાબતમાં જાગૃત રહેવું પડે. ત્યાં તો 'આમાં સુખ જ નથી અને આ ફસામણ જ છે' એ અભિપ્રાય રહેવો જોઈએ. એ બગીચો ન હોય, એ ફસામણ જ છે, એવું ભાન રહે તો છૂટી જવાય. પણ અહીં એવું ભાન રહેતું નથી ને ? ફસામણ હોય તો ત્યાં કેવું રહે ? અને બગીચામાં ફરતા હોય તો કેવું રહે ? બગીચામાં તો આમ ઉલ્લાસ રહે, જ્યારે ફસામણમાં તો ક્યારે આમાંથી છૂટાય એવું રહે ને ? માટે 'આપણે' 'ચંદ્રેશ'ને કહેવું, 'ચંદ્રેશ, આમાંથી ક્યારે છૂટશો ? આ તો ફસામણ છે. આમાં પડવા જેવું નથી.' પણ આમાં ફસામણ જેવું નથી રહેતું ને ત્યાં જ મુક્ત ભાવ થઈ જાય છે ને ? હવે જો આખી સમજણ ફેર કરી નાખે તો ઉકેલ આવે. બ્રહ્મચર્યના સાધકની જરૂરિયાતો... તને બ્રહ્મચર્ય માટે પણ તાવી જોતાં આવડે ખરું ? એ તાવી જોતાં આવડે તો કામનું ! બધી રીતે તાવી જોવું જોઈએ. પ્રશ્નકર્તા : આમાં મને પોતાને એવું લાગે છે કે, મારો પુરુષાર્થ બહુ મંદ છે. દાદાશ્રી : એ તો 'ત્યાં' આગળ બધા જોડે રહેશેને, તે જો જો પુરુષાર્થનો જોગ ! પછી સ્ત્રી તો દીઠી ગમે નહીં. કારણ કે સત્સંગમાં રહેને એ તો બધા. પછી વિચારો એ બાજુ આવે નહીં. પ્રશ્નકર્તા : એ સંગની બહુ અસર પડે. દાદાશ્રી : પછી બહુ સહેલું પડે. અત્યારે તો સંજોગો નથી ને ? તે આ બધા વિપરીત સંજોગો, કુસંગના અને પોતાને આજ્ઞા પાળવાની શક્તિ નથી બરોબર, દાદાની આજ્ઞા પાળો તો કશું નડે નહીં. એ તો આનો ઉપાય, ત્યાં બધા જોડે રહેશે ત્યારે જ થાય. એનો બીજો કોઈ ઉપાય નથી. બ્રહ્મચર્ય પાળી શકવા માટે આટલાં કારણો હોવાં જોઈએ. એક તો આપણું આ 'જ્ઞાન' હોવું જોઈએ. પાછી આટલી જરૂરિયાત જોઈએ તો ખરી, કે બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ, બ્રહ્મચારીની જગ્યા શહેરથી જરા દૂર હોવી જોઈએ અને પાછળ પોષણ હોવું જોઈએ. એટલે આવાં બધાં 'કૉઝીઝ' હોવાં જોઈએ. બ્રહ્મચારીઓના ટોળામાં હોય ત્યાં સુધી એ પ્રખ્યાત હોય, પણ જો છૂટો પડી ગયો તો એ પ્રખ્યાત ન હોય. પછી એ બીજા તાલમાં આવે ને ? ટોળું હોય ત્યારે બીજો તો વિચાર જ ના આવે ને ? આ જ આપણો સંસાર ને આ જ આપણો ધ્યેય, બીજો વિકલ્પ જ નહીં ને ! અને સુખ જોઈએ છે, તે તો મહીં પાર વગરનું હોય, અપાર સુખ હોય !! ધ્યેય થયા પછી ઓગાળવી 'છૂપી રુચિ' ! વિષયનું વિરેચન કરનાર દવા વર્લ્ડમાં કોઈ હોય નહીં. આપણું જ્ઞાન એવું છે કે વિષયનું વિરેચન થાય. મહીં વિચાર આવે કે એ અવસ્થા ઊભી થઈ, કે તરત જ એની આહુતિ અપાઈ જાય. આ વિષય એક જ એવો છે કે નર્યા કપટનું જ સંગ્રહસ્થાન છે ને ! જેમાં અનંતા દોષ બેસે છે અને કેટલાય અવતાર બગાડી નાખે છે ! વિષય હોય, તે કંઈ એકદમ જતા ના રહે પણ એનો કંટાળો આવે ને એનું પ્રતિક્રમણ કર કર કરે તો ઉકેલ આવે. પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે ડાઘ પડ્યો કે તરત ધોઈ નાખવું. આ ડાઘને કેમ ધૂઓ છો ? કારણ એ ક્રમણ નથી, આ અતિક્રમણ છે. માટે એનું પ્રતિક્રમણ કરો અને એ 'શૂટ ઓન સાઈટ' જોઈએ. અક્રમ વિજ્ઞાનનું પ્રતિક્રમણ 'શૂટ ઓન સાઈટ' છે. નહીં તો આ લફરાં છૂટે જ નહીંને ! એકાવતારી થવું છે, પણ આ લફરાં ક્યારે છૂટી રહે ? 'શૂટ ઓન સાઈટ' પ્રતિક્રમણથી છૂટાય. વિષયનું પ્રતિક્રમણ રવિવારે આખો દહાડો ચાલુ રાખ્યું હોય, એટલે પછી છ દહાડા સુધી વિષયની વાત ઊભી થાય, તે પહેલાં પ્રતિક્રમણ એને ફરી વળે. મહીં વિષય તો ઊભા થવાના, પણ આપણે પ્રતિક્રમણનું એવું જોર રાખો કે પ્રતિક્રમણના બધા પોલીસો એને ફરી વળે. પ્રશ્નકર્તા : જેમ જેમ આપણે પ્રતિક્રમણ કરીએ, તેમ તેમ વિષય ઓછો થવાનો ને ? દાદાશ્રી : હા, પ્રતિક્રમણ કરીએ એટલે ઓછું થતું જાય. પ્રતિક્રમણ કરે છે ખરો, પણ અંદરખાને વિષયની રુચિ રહ્યા કરે છે. તે પોતાને ખબર પડતી નથી. એ રુચિ બિલકુલેય રહેવી ના જોઈએ. અરુચિ ઉત્પન્ન થવી જોઈએ. અરુચિ એટલે તિરસ્કાર નહીં, પણ 'આમાં કશું છે જ નહીં' એવું થવું જોઈએ. પ્રશ્નકર્તા : રુચિ મહીં રહેલી છે, એ ખબર કેમ પડતી નથી ? દાદાશ્રી : એ ખબર ના પડે એટલું જાડું ખાતું છે. પ્રશ્નકર્તા : પણ આમ તો એવું લાગે છે કે આપણે આ વિષય તો ભોગવવો જ નથી. દાદાશ્રી : એ તો એવું લાગે ખરું, પણ એ બધું શબ્દોથી છે. હજુ મહીં જે રુચિ છે, એ ગઈ નથી. રુચિનું બીજ અંદર હોય છે, તે ધીમે ધીમે તને સમજાશે. જે ડેવલપ થયેલો માણસ હોય, તેને સમજાઈ જાય. પ્રશ્નકર્તા : ક્ષત્રિયને વિષય સામે ક્ષત્રિયપણું ના આવી જાય ? દાદાશ્રી : આવે ને ! પણ વિષયમાં ક્ષત્રિયપણું આવે એવું નથી. ક્ષત્રિયપણું હોત, તો તો એને કાપી નાખવાનું કહેત, પણ આ વિષય એ સમજણનો વિષય (સબ્જેક્ટ) છે. એટલે બહુ વિચારે કરીને વિષયો જાય. એટલા માટે વિષયથી છૂટવા માટે મેં આ 'ત્રણ વિઝન' બતાડ્યાં છે ને ! પછી એને રાગ થાય નહીં ને ! નહીં તો કોઈ સ્ત્રીએ આમ સારાં ઘરેણાં ને સારાં કપડાં પહેર્યાં હોય તો બધું ભૂલી જાય ને મોહ ઉત્પન્ન થઈ જાય. પ્રશ્નકર્તા : હજુ તો વિષયમાં રુચિ અંદર હોય, છતાં ખબર નથી પડતી કે રુચિ છે કે નહીં. દાદાશ્રી : એટલું જાણ્યું તોય સારું તારે. પ્રશ્નકર્તા : વિષયોમાં જે ઈન્ટરેસ્ટ ઊભો થાય છે એ રુચિ પડી, એના આધારે ઊભો થાય છે ? દાદાશ્રી : હા. રુચિ ના હોય તો કશું નહીં. અરુચિ ઉપર વિષય ઊભો કેમ થાય ? કોઈ સ્ત્રી હાથે દાઝી ગઈ હોય, રોજ આખા શરીરે પુરુષ અડતો હોય, પણ હાથે દાઝી ગયેલું હોય ને પછી ફોલ્લા પડે અને પછી પરુ નીકળતું હોય, એ ઘડીએ પેલી સ્ત્રી કહે કે 'અહીંયાં આ જરા ધોઈ આપો.' તો શું કહે ? પ્રશ્નકર્તા : ના પાડે. દાદાશ્રી : હવે એ રુચિ હતી, તે ત્યાં આવું જોઈને અરુચિ થઈ જાયને ! પછી ફરી રુચિ ઉત્પન્ન ના થાય. પણ સ્ટેબીલાઈઝ રહેવું જોઈએ. આ તો આમ પાછાં સાજાં થઈ જાય તો, ત્યારે હતાં તેવાં ને તેવાં થઈ જાય, એવું નહીં. સ્ટેબીલાઈઝ થઈ જવું જોઈએ. પ્રશ્નકર્તા : સ્ટેબીલાઈઝ કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તો આ અહીં આગળ છે તે, આ રોડ ઉપર જઈને પૂછી આવજે ને ! એ લોકો કરે છે એવી રીતે તુંય કરજે. આ કાંકરા-મેટલ નાંખીને ત્યાં રોલર ફેરવે છે, એ સ્ટેબીલાઈઝ થઈ જાય એવું જોઈ લે. પ્રશ્નકર્તા : પણ અહીં કયું રોલર ફેરવવું ? દાદાશ્રી : એ તો પેલા રોલરથી, આપણે પસ્તાવો કરી કરીને, દોષને કાઢવાના. પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પોતાનો નિશ્ચય છે, ધ્યેય છે, તેમ છતાં પણ જે રુચિ રહેલી છે, એ રુચિને તોડવા માટે, એને છેદવા માટે શું હોવું જોઈએ ? દાદાશ્રી : એક્ઝેક્ટ પ્રતિક્રમણ કરે તો થાય. અરુચિ જોવાનાં બીજાં બધાં સાધનો તેની મહીં આવે, એ બધું હેલ્પ કર્યા કરે. પ્રશ્નકર્તા : સ્ત્રી પરનો મોહ ને રાગ જાય, ત્યારે રુચિ ખલાસ થવા માંડે ? દાદાશ્રી : રુચિની ગાંઠ તો અનંત અવતારની પડેલી છે, ક્યારે ફૂટી નીકળે એ કહેવાય નહીં. એટલે આ સંગમાં જ રહેવું. આ સંગની બહાર ગયા કે ફરી એ રુચિના આધારે બધું ફૂટી નીકળે પાછું. એટલે આ બ્રહ્મચારીઓનાં સંગમાં જ રહેવું પડે. હજુ આ રુચિ ગઈ નથી, એટલે બીજા કુસંગમાં પેસો કે પેલું તરત ચાલુ થઈ જાય. કારણ કે કુસંગનો બધો સ્વભાવ જ એવો છે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તોય ? દાદાશ્રી : ત્યાં તું લાખ પ્રતિક્રમણ કરું, તોય કુસંગ હશે તો બધું અવળું થશે. પ્રશ્નકર્તા : પણ એ કુસંગ તો આપણને જોઈતો નથી, એની તો આપણને ઇચ્છા જ નથી, તોય ? દાદાશ્રી : કુસંગ તો આપણને જોઈતો નથી, પણ કોઈ વખત એવો સંજોગ આવી જાય ને ? સત્સંગ છૂટી ગયો ને કુસંગમાં આવી ગયો, તો રુચિ અંદર પડેલી છે એટલે કુસંગ ફરી વળે. પણ જેને રુચિ ઊડી ગયેલી હોય તો કુસંગ ના અડે પછી. રુચિ ઊડી ગયેલી હોય એટલે એને રુચિનું બીજ નથી, પછી સંજોગ ભેગા થાય તોય બીજ ઊગે જ નહીં ને ! વિષયના વિષ કેમ પરખાતાં નથી ? પ્રશ્નકર્તા : તો એવું ખરું, વિષય સમજણથી જાય ? જેમ સમજણ વધતી જાય એમ વિષય જતો રહે ? દાદાશ્રી : સમજણથી જ જતો રહે. આ સાપ ઝેરી હોય ને કૈડે કે તરત મરી જાય. એવી જો સમજણ બેસી ગઈને, પછી એ ઝેરી નાગથી છેટો જ રહે. એવું આમાં સમજણ બેસી જવી જોઈએ. પ્રશ્નકર્તા : હા, પણ એ સમજમાં કેમ આવતું નથી ? દાદાશ્રી : અનાદિકાળનું આરાધેલું છે ને એ જ સત્ય માનેલું છે ને ! પ્રશ્નકર્તા : એ બરાબર છે, પણ એ આરાધેલું ને અત્યારનું જ્ઞાન, એમાં હજી કેમ યુધ્ધ ચાલ્યા કરે છે ? દાદાશ્રી : વિગતવાર વિચારવાની પોતાની શક્તિ જ નથી ને ! પ્રશ્નકર્તા : શક્તિ નથી કે એની ઈચ્છા નથી ? દાદાશ્રી : ના, શક્તિ નથી. ઇચ્છા તો છે બધી. પ્રશ્નકર્તા : હવે મને એવું લાગે છે કે શક્તિ તો છે જ. દાદાશ્રી : અને શક્તિ બધી હોય છે તો ખરી જ, પણ એ ઉત્પન્ન થયેલી નથી ને ! પ્રશ્નકર્તા : તો એ શક્તિ ઉત્પન્ન કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તો રાત-દહાડો એના વિચાર હોય, એની પર વિચારણા કર કર કર્યા કરે અને એમાં કેટલું આરાધવા યોગ્ય છે ને કેટલું એ કરવા યોગ્ય છે, તરત આપણને મહીં જેમ જેમ વિચારે ચડે ને, તેમ ખુલ્લું થતું જાય. પ્રશ્નકર્તા : એટલે એનો મિનિંગ એવો જ થયો કે આ કોઈ પણ હિસાબે આ વ્યવહાર ઉડાડી દેવો જોઈએ. દાદાશ્રી : તેથી પેલાં 'થ્રી વિઝન' વાપરે ને ? અને વિચારેલું હોય તો થ્રી વિઝનેય વાપરવું ન પડે. પ્રશ્નકર્તા : દિવસ દરમ્યાનના જે વ્યવહારો છે, એ વ્યવહાર ફરજિયાત છે. એ જ એને પ્રગતિમાં અંતરાયરૂપ છેને અત્યારે ! કારણ કે એને વિચારવાનો ટાઈમ જ મળતો નથી. દાદાશ્રી : એટલે આના કરતાં સૌથી સારામાં સારું એ, કે આપણે દ્ષ્ટિ કોઈ જગ્યાએ ચોંટી, તો ઉખેડી નાખવી ને પ્રતિક્રમણ કરી નાખવું, બસ. પ્રશ્નકર્તા : એ પછી મન ક્યાં સુધી એ એક જ સિધ્ધાંત ઉપર ચાલે ? મન એક સિધ્ધાંત ઉપર કન્ટીન્યુઅસ નથી ચાલતું. વારેઘડીએ દ્ષ્ટિ બગડે ને પ્રતિક્રમણ કરવું કે આમ કરવું, એ સિધ્ધાંત કન્ટીન્યુઅસ નથી ચાલતો. થ્રી વિઝન પણ એટ એ ટાઈમ નથી ચાલતું. કન્ટીન્યુઅસ રહેવું જોઈએ અને વિગતવાર એને સમાધાન થાય તો એ આગળ આવે છે. દાદાશ્રી : એ વિગતવારેય સપ્લાય કરવું પડે. આપણાથી બને ત્યાં સુધી પહેલું તો આ ફૂટે કે ઉખેડી નાખવું. પોતાના ખેતરમાં જે કપાસ વાવ્યો છે એટલે કપાસને ઓળખીએ કે જો આ કપાસ છે. એટલે બીજું ઊગ્યું એ માત્ર કાઢી નાખવાનું. એને નીંદવાનું કહે છે. એમ નીંદી નાખીએ તે થઈ રહ્યું. બધું ઊગતાં જ દાબી નાખ્યું. તે થઈ રહ્યું. એ પહેલાં દાબી શકાય એવું છે નહીં. ઊગે નહીં ત્યાં સુધી બીજ ખબર પડે નહીં, ઊગતાં જ ઓળખી ગયા કે આ બીજ જુદું છે. પ્રશ્નકર્તા : પણ એનો નિશ્ચય હોય તો બીજું ઊગતાં જ એને ખબર પડી જાય ને ? દાદાશ્રી : બીજું બીજ દેખાય એ ઉખેડીને ફેંકી દેવું. એટલે ટૂંકમાં સારું સૌથી. પ્રશ્નકર્તા : પણ આ એક સિધ્ધાંત ઉપર તો બેસાય જ નહીંને, આગળ જવું તો પડશે ને ? દાદાશ્રી : તે ઘડીએ પાછો આવી મળશે રસ્તો. તે ઘડીએ એની મેળે સંજોગો બધા ભેગા થઈ જશે. તને કામ લાગે આ વાતો બધી ? તારે શું કામ લાગે ? પ્રશ્નકર્તા : લાગે જ ને ? આપણા ધ્યેયનું જ છે ને ! મનની પોલો સામે, રહેવું ધ્યેયપૂર્વક ! દાદાશ્રી : એક સ્ત્રી આપણા સામે આંખ માર-માર કરતી હોય, તેમાં આપણે શું ? તું ખરો છું ? એવો કાયદો છે કે સ્ત્રીને આંખ ના મરાય ? એવું આપણે એને કહેવાય ? પ્રશ્નકર્તા : સ્ત્રીને ના કહેવાય પણ ચંદ્રેશ મહીં ભેરવાઈ જાય છે, એનું શું ? ચંદ્રેશ ખેંચાઈ જાય છે. દાદાશ્રી : એટલે જ એ પૈણી જાય, તો એ સારું ને ? પ્રશ્નકર્તા : ના, એવું નથી જોઈતું. દાદાશ્રી : ત્યારે એવું જ ને ! આ જ તારી નબળાઈ ! આંખ મારે તેમાં આપણે શું ? આપણે થ્રી વિઝનથી જોઈએ તો, દેખાય શું એમાં ? થ્રી વિઝનથી તું નથી જોતો ? મા-બાપ આપણા ધ્યેયને બદલાવતા હોય, તો આપણે એ સાંભળતા નથી તો મનનું કેમ સાંભળીએ ? ઉઠાવી ગયું કોઈ ? પ્રશ્નકર્તા : જાતે જ ખેંચાયા. દાદાશ્રી : સાપના મોઢામાં પેસે, તેને કોઈ શું કરે ? મનને કહી દેવું કે 'તું હવે ફસાવીશ તો હું આપ્તપુત્રોને સો રૂપિયાનો આઈસ્ક્રીમ ખવડાવીશ કે જમાડીશ'. તો પછી નહીં કરે તેવું. એક ભૂલે સો રૂપિયાનો દંડ ! પ્રશ્નકર્તા : એટલે ત્યારે જ મહીં થયું કે આ ખોટું છે, તોય એ બાજુ જતું રહ્યું. મનનું માની લીધું એ વખતે. દાદાશ્રી : તો પછી હવે ખોટું થયું એ જાણે છે. ઉપરથી દરિયામાં ડૂબી જવાશે ને મરી જવાશે એવું જાણે, છતાંય કોઈ જાય તો એને કંઈ દરિયો ના કહે ? દરિયો તો કહેશે, 'આય ભઈ, હું તો મોટા પેટનો છું. બહુ જણને સમાવી લીધા છે.' પ્રશ્નકર્તા : છેલ્લા એક વર્ષથી હું રેઝિસ્ટ કર્યા કરતો હતો. દાદાશ્રી : મન તો બહુ મજબૂત છે, પણ તારી જાત નબળી હોય તો પૈણી જાય. પ્રશ્નકર્તા : આવું બને, તે મન મજબૂત કહેવાય ? દાદાશ્રી : એ માણસ નબળો જ કહેવાયને બધો ! મન નબળું ના કહેવાય. મન ઊલટું એને ખેંચી ગયું. મન તો જબરું કહેવાય. પ્રશ્નકર્તા : આમાં આના કેસમાં તમે મનને 'જબરું' કહ્યું અને માણસ 'નબળો' કહ્યો. એટલે માણસ એટલે કોણ નબળું કહેવાય ? દાદાશ્રી : અહંકાર અને બુધ્ધિ નબળાં. આમાં ખરું ગવર્ન્મેન્ટનું રાજ છે, તે આમાં બુધ્ધિ ને અહંકારનું છે. તે એમાં મનનું રાજ થઈ જાય એટલે ખલાસ. મનનું તો પાર્લામેન્ટરી પધ્ધતિથી, એનો એક રોલ છે ખાલી. તે વળી બુધ્ધિ માને, સ્વીકાર કરે, તો અહંકાર સહી કરે, નહીં તો ત્યાં સુધી સહીએ ના થાય. પ્રશ્નકર્તા : આમ એકલા સૂઈ ગયા હોય ને, તો પેલા વિચારો ફૂટે કે આવું બને તો ? આવી રીતે આ વિષય ભોગવાય તો ? પછી મને એ વખતે નવાઈ લાગે કે આપણે તો બ્રહ્મચર્ય પાળવું છે ને આ બધું ફૂટ્યું કંઈથી ? તે આ ગમે ખરા વિચારો. દાદાશ્રી : ફૂટે તેનો વાંધો નહીં, પણ એ તો તને ગમે છે ? પ્રશ્નકર્તા : એ કો'કને તો ગમતા હશે ને અંદરથી ? દાદાશ્રી : ઓહો ! તારે કો'કની જોડે લેવાદેવા છે ? પ્રશ્નકર્તા : એ જેને ગમે, એનેય કાઢવો જ પડશે ને ? દાદાશ્રી : એને વઢવાનું. 'અહીં શી રીતે ધમાલ માંડી છે અમારે ઘેર ? અમારા પવિત્ર ઘરમાં, હોમમાં ?' પ્રશ્નકર્તા : ત્યારે એની દવા શું ? દાદાશ્રી : તારે દવા કરીને કામ શું છે ? પ્રશ્નકર્તા : પણ આ તો બહુ મોટો રોગ છે. આ તો પછી પાછું એ માટલીમાં બિલાડી પછી મોઢું ઘાલે ને એ લઈને ફરવું પડે પછી પેલું. દાદાશ્રી : એ તો છૂટકો જ નહીં ને ! પછી તો કોણ કાઢી આપે ? ચલી ગઈ આ આખી જીંદગી ! આવી ફસાયા ભઈ, આવી ફસાયા. દુઃખ ગમતું હોય તો, પછી એનો ઉપાય જ નહીં ને ! પ્રશ્નકર્તા : દુઃખ નથી ગમતું પણ પેલો વિષયનો ઈન્ટરેસ્ટ ગમે છે, એ દુઃખ ક્યાં છે ? દાદાશ્રી : નહીં, એ એનું ફળ જ દુઃખ આવે ને ! જેનું ફળ દુઃખ આવે, એ વસ્તુ ગમવી ના જોઈએ. એ દુઃખ જ છે. ધણીય કહે, ગમે છે અને ગમનારો કહે, ગમે છે. બેઉ આમ બોલે, તો પછી થાય શું ? પ્રશ્નકર્તા : ગમતાને ઉડાડવું પડશે ને ? દાદાશ્રી : આ તો ગમનારો કહે કે 'મને ગમે છે' અને ધણી કહે, 'નથી ગમતું.' તો એ બેને સંઘર્ષ હોય તો ઉડાડી શકીએ. આ તો સંઘર્ષ નથી, એક મત છે, પછી શું ઉડાડવું ? મિયાં-બીબી રાજી, તો ક્યા કરેગા મિયાંકાજી. પછી કાજીસાહેબ શું કરે ? પ્રશ્નકર્તા : પણ ફસાવું તો ગમતું નથી મને. એ વિષયમાં ફસાવું, એ મને નથી ગમતું. દાદાશ્રી : જો હવે શું બોલે છે, પહેલાં શું બોલતો હતો હમણે ? પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે એ ગમે છે, એ એટલો સમય જ પણ પછી... દાદાશ્રી : આપઘાત કરવો ગમે છે પણ મરવું નથી ! એક દહાડો કરી તો જો ? પ્રશ્નકર્તા : એ જોખમદારી. એ માર ખાવો પડે ને બધો. આ કોઈ વખત આમ પછી એવો વિચાર આવે કે આ પુદગલના ફોર્સને લીધે આવું થતું હશે. એટલે આપણે આ પુદગલનો ફોર્સ ઓછો કરીએ, ખાવાનું ઓછું કરી દઈએ. એનો કોઈ રસ્તો બતાવો. દાદાશ્રી : પણ તેમાં તારે શું એમાં ? તને ના ગમતું હોય તો રસ્તો બતાડાય, તને તો ગમે છે ને ? પ્રશ્નકર્તા : એવું સતત ના ગમે. એ વિચાર આવે ને, તો થોડો સમય જ ગમે છે. પછી એવું ગમતું હશે ? દાદાશ્રી : ના, ના, તને ગમે એટલે સાઈન થઈ ગઈને થોડીવાર. તું વિરોધી હોય તો વાત કામની. પ્રશ્નકર્તા : આખા ચોવીસ કલાકમાં હું વિરોધી જ છું, પણ પેલા સંજોગ એવા ભેગા થાય ને વિચારો ફૂટે તો એક થોડીક, એક મિનિટ માટે ગમી જાય કે આ વિચારો સારા છે. દાદાશ્રી : મિનિટ માટે જ લોક પૈણી ગયેલાં. પ્રશ્નકર્તા : આખો દહાડો હું ઓફિસમાં 'દાદા, મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો' એવું માંગ્યા જ કરું છું. દાદાશ્રી : હા, તે માંગ્યા કરને પછી. પણ ગમે તેનો વાંધો નહીં ને ? મહીં ખરાંને, આવા વ્યાપારી ખરાં ને ? દરેક જાતના વેપારી હોય ને ? ખોટ ખાય એવા વેપારી ! કો'ક ફેરો ડૂબી જાય તેમાં શું વાંધો ? પ્રશ્નકર્તા : પણ જે પેલો એક્ઝેક્ટ દાખલો આપો છો ને, કે ભઈ, એક ફેર તું નદીમાં ડૂબી જઈશ તો ? તો પેલો વિચાર કરતો થઈ જાય કે સાલું એક ફેર વિષયમાં સ્લિપ થઈશ તો ? દાદાશ્રી : ના, પણ બીજી વાર એને જાગૃતિ રહે ને ? સો દહાડા તર્યા પણ એક દહાડો ડૂબી ગયા એટલે નકામું જ ! ગયા અવતારની મા છોડી (છોકરી)ય થાય. જેવો ઋણાનુબંધ બંધાયો હોય એવું થાય. કાકી થાય, મામી થાય, માસી થાય, વહુ પણ થાય, એવું બધું થાય. ગયા અવતારમાં મા હોય તો આ અવતારમાં વહુ થાય તો વૈરાગ ના આવે ? એવું સમજવાનું. પ્રશ્નકર્તા : કુસંગનું વાતાવરણ છે ત્યાં સુધી આનો નિવેડો નથી. દાદાશ્રી : આ સત્સંગથી નિવેડો આવે જ છે ને ! આપણી મહેનત બધી ધૂળધાણી કરી નાખે કુસંગ. પ્રશ્નકર્તા : કુસંગમાં માલ ફૂટે છે. દાદાશ્રી : કુસંગની ગંધ જ એવી. કુસંગમાં જવાનું થાય તોય પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : એટલે એક બાજુ વિષય વિચારો ગમે અને એક બાજુ ના ગમે એવું બન્ને થાય છે. દાદાશ્રી : એ ચાલે નહીં એવું, બ્રહ્મચારી રહેવું હોય તો. નહીં તો પૈણી જાવ. બહુ લૂઝ થતું હોય તો મજબૂત કરી નાખ હવે. એવું પૂછજે ને બધું વાતચીત કરજે. જ્યાં સિધ્ધાંત છે, બ્રહ્મચર્યનો ! પ્રશ્નકર્તા : આમાં આપણે સિધ્ધાંત કયો કહેવો ? દાદાશ્રી : આપણે જે નક્કી કર્યું કે ભાઈ, આપણે બ્રહ્મચર્ય પાળવું છે. એટલે પછી મનનું સાંભળવું જોઈએ ? પ્રશ્નકર્તા : પછી એ બાબતમાં નથી જ સાંભળવું. દાદાશ્રી : નથી જ સાંભળવું, એ તો બહુ ડહાપણની વાત કરે છે. પણ છ મહિના જો એવું ને એવું નીકળે તો તું શું કરે ? છેદ જ ના મૂકે ત્યાં. હવે એ જ્યારે છેદ એવા મૂકે ત્યારે દેહેય છેડો નહીં મૂકે. દેહેય એની તરફ વળી જશે. એટલે બધાં એક બાજુ થઈ જશે. તે તને ફેંકી દેશે. એટલે કહી જ દેવાનું, આટલી બાબત અમારા કાયદાની બહાર તારે સહેજ પણ કશું કરવું નહીં. પ્રશ્નકર્તા : તો પછી ત્યાં સ્ટેપ કેવી રીતે માંડવું ? દાદાશ્રી : એટલે સ્ટ્રોંગ રહેજો. હું કહું છું કે આવું નીકળે તો તમે નાનામાં નાની બાબત માટે પણ સ્ટ્રોંગ રહેજો. સહેજ પણ ગળી જશો તો એ તમને ફેંકી દેશે, એટલે એને કહી દેવાનું કે આટલી બાબતમાં તારે અમારા કાયદાની બહાર સહેજ પણ જુદું ચાલવું નહીં. નાનામાં નાની બાબતમાં જાગૃતિ રાખો. નહીં તો પછી એ લપટું પડી જાય. પ્રશ્નકર્તા : પછી બીજા સિધ્ધાંત આપણા ? દાદાશ્રી : આટલું કરું તો બહુ થઈ ગયું ! જો પાછો, બીજાનું પૂછ પૂછ કરે છે ! બીજું પછી ચલાવી લેવાય. તને કારેલાનું શાક ભાવતું હોય ને મન કહેશે, 'વધારે ખાવ' ને ધ્યેયને નુકસાન ન કરતું હોય ને થોડું વધારે ખાધું હોય તો ચલાવી લઈએ. એવું નથી કહ્યું તમને ? પ્રશ્નકર્તા : હા, બ્રહ્મચર્યનો સિધ્ધાંત એ આપણો ઈન્ડીવિજ્યુઅલ (અંગત) થયો. પણ જ્યારે બે વ્યક્તિઓનો વ્યવહાર ઊભો થાય ત્યારે મન બધું બતાડે અને જ્ઞાને કરીને જોવા જાય તો આખું જ ઓન ધી સ્પોટ ઊડી જાય છે બધું. પણ વ્યવહાર પૂરો કરવો પડે એવું છે, જવાબદારી છે અને એનાં રીઝલ્ટ્સ (પરિણામ) બીજાને સ્પર્શ કરતાં હોય, ત્યાં મન બતાડે તો શું કરવું ? દાદાશ્રી : આપણો મુખ્ય સિધ્ધાંત ના તૂટવો જોઈએ. બ્રહ્મચર્ય પાળવું છે, એ સિધ્ધાંત ના તૂટવો જોઈએ. બીજું બધું તો પોતાનો વ્યવહાર સાચવવા થોડું ઘણું કરવું પડે. તું ત્યાં ના સૂઈ જઈશ. અહીં ઘેર સૂઈ જજે. ત્યાં એવું તેવું બધું કરીએ આપણે. પણ બીજું બધું તો, બ્રહ્મચર્ય પાળવું ને અબ્રહ્મચર્યનો સોદો કરવો, એ બે પોષાય નહીં. એના કરતાં પૈણી નાખજો. દહીંમાં ને દૂધમાં બેઉમાં રહેવાય નહીં. પછી ભગવાન આવે તોય 'નહીં માનું' એવું કહી દેવું. બીજું બધું ચલાવી લઈશું, જો તમારે સિધ્ધાંત પાળવો હોય તો. પ્રશ્નકર્તા : મન ફરી વળે, દેહ ફરી વળે, એવી પરિસ્થિતિ ઊભી ના થાય, તે માટે એના સ્ટાર્ટીંગ પોઈન્ટમાં (શરૂના તબક્કામાં) ચેતીને ચાલવાનું ? દાદાશ્રી : ચોગરદમ બધા જ સંજોગો ફરી વળે. દેહેય પુષ્ટિ બહુ બતાવે, મન પણ પુષ્ટિ બતાવે, બુધ્ધિ એને હેલ્પ કરે. તમને એકલાને ફેંકી દે. પ્રશ્નકર્તા : મનનું સાંભળવા માંડ્યું, ત્યાંથી પોતાનું ચલણ જ ગયું ને ? દાદાશ્રી : મનનું સંભળાય જ નહીં. પોતે આત્મા-ચેતન, મન છે તે નિશ્ચેતન ચેતન, જેને બિલકુલ ચેતન છે નહીં. કહેવા માત્રનું, વ્યવહાર ખાતર જ ચેતન કહેવાય છે. એ તો ત્રણ દહાડા મન પાછળ પડ્યું હોય તો તમે તે ઘડીએ 'ચાલ, હેંડ ત્યારે' કહો ને ? તારે કોઈ દહાડો મન પાછળ પડેલું ? એવું કરવું પડેલું કશું ? પહેલું ના કહું, ના કહું, પછી મન બહુ પાછળ પડ પડ કરે એટલે કરે તું ? પ્રશ્નકર્તા : હા, બનેલું. દાદાશ્રી : એનું શું કારણ ? મન બહુ 'કહે કહે' કરે એટલે પછી તે રૂપ થઈ જાય. એટલે ચેતતા રહેજો. તમારા અભિપ્રાયને તમારું મન ખાઈ ના જવું જોઈએ. અભિપ્રાયમાં રહી અને જે જે કામ કરતું હોય, તે આપણને એક્સેપ્ટ છે. તમારા સિધ્ધાંતને તોડતું ન જ હોવું જોઈએ. કારણ કે 'તમે' સ્વતંત્ર થયા છો, જ્ઞાન લઈને. પહેલાં તો મનના આધીન જ હતા 'તમે'. 'મન કા ચલતા તન ચલે' જ હતું ને ! પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિધ્ધાંત એ બહુ મોટી વસ્તુ અને અનિવાર્ય વસ્તુ છે. દાદાશ્રી : એટલી જ વસ્તુ ને ! ત્યારે મોટામાં મોટી વસ્તુ એ છે ને ! એ પુરુષાર્થ કરવા માટેની વસ્તુ છે. આજના ધ્યેયને અનુસરો... દાદાશ્રી : તને ના ગમ્યું ? ગમ્યું ને ? પ્રશ્નકર્તા : ગમ્યું ને ! દાદાશ્રી : શું ગમ્યું ? પ્રશ્નકર્તા : આ મનના કહ્યા પ્રમાણે નહિ કરવાનું. દાદાશ્રી : આપણા ધ્યેય પ્રમાણે જ આપણો નિશ્ચય છે. આજના નિશ્ચય પ્રમાણે જ આપણે કરવાનું. આપણું આજનું પ્લાનીંગ છે તે પ્રમાણે કરવાનું, મનના પ્લાનીંગ પ્રમાણે નહિ. નહીં તો એ થાય નહિ. આ બ્રહ્મચર્ય પળાય નહિ અને અહીં પણ રહેવાય નહિ. દાદા પાસેય ટકાય નહિ. એટલે મનનું સંભળાતું હશે ? જરૂરિયાત પૂરતું સાંભળે, પછી બીજું પોતાનું ધાર્યું જ કરે. એ જ કહેવા માગું છું કે, અમારો સિધ્ધાંત છે. તારે માનવું હોય તો માન. ના માનવું હોય તો અમારે કંઈ જરૂર નથી કોઈ. અમે 'વીટો' વાપરીશું. 'સાહેબ જોડે ડબલ ઝઘડો કરી દઈશ' એમ મન દેખાડે છે. પછી મન કરાવડાવે છે. આ મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય ! ધ્યેયનો જ નિશ્ચય ! બ્રહ્મચારી થવાનો તારો નિશ્ચય છે પણ આ તો મનના કહેવા પ્રમાણે તું બધું કરે છે. એટલે તારું બધું છે જ ક્યાં ? એ તો 'મને' કહ્યું હતું, એ પ્રમાણે આ પૈણવામાં મઝા નથી. તે એક્સેપ્ટ કર્યું હતું. પ્રશ્નકર્તા : હવે નિશ્ચય થયો ને પણ ? દાદાશ્રી : હવે નિશ્ચય તારો. જો એને તું નક્કી કરે કે હવે આ મારો નિશ્ચય. પછી મનને કહી દઈએ કે 'હવે જો આડું તું કરશે તો તારી વાત તું જાણું.' હવે તો આપણા સિધ્ધાંત તરીકે સ્વીકારી દે એટલે આપણો જ એ નિશ્ચય. પ્રશ્નકર્તા : સિધ્ધાંત તરીકે સ્વીકાર્યા પછી 'આપણો' નહીં તો 'મન'નો ? દાદાશ્રી : તો બીજા કોનો ? એનો છે ? 'આપણું' ક્યાં છે અહીં આ મિલકતમાં ? જે આપણી મિલકત હતી, તે દબાવી પાડી છે ને તેય આપણી ભાડાની ઓરડીમાં રહે છે. તેય ચોરી કરે છે પાછો ઉપરથી. કો'કના ઘર ઉપરથી નળિયાનો ટુકડો પડે ને વાગે તોય કશું ના બોલે. કારણ કે ત્યાં મન કહે છે કે 'કોને કહીશું આપણે ?' એ તો એનું મન શીખવાડે છે એ પ્રમાણે એ બોલે છે. આપણે અત્યારે સિધ્ધાંત છે એ પ્રમાણે મન ચાલવું જોઈએ. મનનું કહ્યું ના માનવું. અમે આખા દહાડામાં કેટલું મનનું માનતા હોઈશું ? પ્રશ્નકર્તા : જરાય નહિ. દાદાશ્રી : તો એવી શૂરવીરતા ના આવે ? પ્રશ્નકર્તા : આવશે જ. દરેક વખતે આ મનના કહેવા પ્રમાણે નથી ચાલવાનું, એવું હાજર રહેવું જોઈએ ને ? દાદાશ્રી : એ એની મેળે રહેશે જ હાજર. કેમ ના રહે હાજર ? ક્યાં જવાનું છે ? એક-બે વખત, થોડા વખત, પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ. એટલે બે-ચાર-પાંચ વખતમાં કંટ્રોલમાં આવી જ જાય ને ! તેથી તો આ નવ કલમો બોલીએ આપણે. એ શક્તિ આવે પછી. દ્ઢ નિશ્ચય, પહોંચાડે ધ્યેય સુધી ! વિષયનો સ્વભાવ શું છે ? જેટલો સ્ટ્રોંગ એટલા વિષય ઓછા. એમાં જેટલો નબળો એટલા વિષય વધ્યા. જે સાવ નબળો હોય, તેને બહુ વિષય હોય. એટલે નબળાને ફરી ઊંચો જ ના આવવા દે એટલા બધા વિષય વળગ્યા હોય અને જબરાને અડે જ નહીં. પ્રશ્નકર્તા : એ નબળાઈ શેના આધારે ટકી રહી છે ? દાદાશ્રી : પોતાની મહીં એમાં પ્રતિજ્ઞા ના હોય, પોતાની કોઈ દહાડોય સ્થિરતા ના હોય એટલે એ લપસતો જાય. લપસતો લપસતો ખલાસ થઈ જાય. બ્રહ્મચર્ય તૂટે તો ઝેર ખાઈને આપઘાત કરજે પણ બ્રહ્મચર્ય તોડીશ નહીં, કહે છે. એ ક્રમિક જ્ઞાનમાં આવે. પ્રશ્નકર્તા : ધ્યેય ઉપર પહોંચવું હોય તો અક્રમ માર્ગમાં પણ નિશ્ચય તો આવો જ રાખવો પડે ને ? દાદાશ્રી : નિશ્ચય મજબૂત રાખવાનો, જબરજસ્ત નિશ્ચય મજબૂત જોઈએ. તારું કંઈ રાગે પડશે, લખીને આપવાનો છું ? એમ ! તો સ્ટ્રોંગ રહે. કેમ આટલી બધી ગાડીઓમાં અથડાતો નથી ? સામો અથડાવા ફરે તોય નહીં અથડાવું એવો નિશ્ચય કર્યો છે ને તો કેવો નીકળી જાય છે ને, અથડાતો નથી ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આટલા સારુ રહી જાય છે ને ? અથડામણ ચાર આંગળ માટે રહી જાય છે ને, રસ્તામાં ગાડી-બાડીઓને, બધાને ? પ્રશ્નકર્તા : એ તો આમ થવાની હોય, તો પોતે ઝડપથી ખસી જાય. ગાડી અથડાઈ પડવાની હોયને, તો પોતે ઝડપથી ખસી જાય. દાદાશ્રી : એટલે આ બધું આમ તમારો નિશ્ચય હોયને તો કશુંય થાય નહીં. ધ્યેયમાં પોલ વાગે, તો... પ્રશ્નકર્તા : એક વાર જ્યારે અમે સત્સંગમાંથી ઊઠીને બહાર ચા પીવા ગયેલાં ત્યારે આપે કહેલું કે બીજી બધી બાબતમાં આવું છૂટું રાખવું અને એક તમારે બ્રહ્મચર્યની બાબતમાં જ મનનું ના માનવું. દાદાશ્રી : ને બીજી બાબતમાં માનવું ? એટલે તમને ટેસ્ટ પડતો હોય તો માનો ને ! મારે શું વાંધો છે ? એ તો બ્રહ્મચર્યમાં માનશો તોય મારે વાંધો નથી. આ તો બ્રહ્મચર્ય ઉપર તમે સ્ટ્રોંગ (દ્ઢ) રહો, એટલા માટે આમ કહેવા માગું છું. ધ્યેયને નુકસાન ન કરે, એવા હેતુથી એવું બોલેલો. તેથી કરીને બીજા ઉપર તમે એમ કહો કે મનનું બીજું નિરાંતે માનજો. તમારું કામ થઈ ગયું (!) શું કાઢશો આમાં ? કેવી વકીલાત કરો છો ? પ્રશ્નકર્તા : પોતાની લૉ બુક (કાયદાપોથી)માં લઈ જવાય છે ! દાદાશ્રી : લૉ બુક તો એની એ જ. આ પક્ષકાર કેવા માણસ છે ? વિરોધીના પક્ષકાર ! હવે ડાહ્યા થઈ જાવ, નહીં તો નહીં ચાલે આ દુનિયામાં. ધ્યેયને ટેકો આપવાના ઉપાય ! પ્રશ્નકર્તા : આમ 'વધારે ખાવું નથી' એ નક્કી કર્યું, પછી જાગૃતિ રાખી, એવી દરેક કાર્યમાં જાગૃતિ રાખવી પડે ? દાદાશ્રી : એ ઉપયોગ રાખ્યો, એ જ જાગૃતિ ! પ્રમાદ એટલે ખોરાક ખા ખા કર્યા કરવું. એટલે પછી બધામાં ઠેકાણું જ ના હોય. આખો દહાડો જે આવે એ ઠોક ઠોક કરે. હું તો કેટલાંય વર્ષોથી નાછૂટકે ખઉં છું. અને માણસ માંદો હોય, ત્રણ દહાડાનો, એને વિષય માટે કહે કે પચાસ હજાર રૂપિયા આપીશ તો કરે ? પ્રશ્નકર્તા : ના કરે, શક્તિ ના હોય ને ! દાદાશ્રી : આ બધું શક્તિ કરે છે, ખોરાક જ કરે છે આ બધું. પ્રશ્નકર્તા : પૌદગલિક શક્તિ. દાદાશ્રી : હં. આપણે બે-ત્રણ દહાડા ખાધા વગર કાઢી નાખવા. સાધુ એવી જ રીતે કાઢે ને ? આ ઉપાય ! શક્તિ હોય તો વિષય કરે ને ? ઉપાય તો કરવો પડે ને ? એટલે મહિનામાં બે વખત ભૂખ્યા રહેવાનું. બબ્બે-બબ્બે દહાડા. એટલું તપ કરે એટલે પેલું તપ થઈ જાય. મહાવીર ભગવાને આજ કરેલું ને ! બધાએ આજ કરેલું ને ! પ્રશ્નકર્તા : આ નક્કીપણાને, ટકાવી રાખવા માટે કોઈ ઉપાય નથી થતા. દાદાશ્રી : આ ઉપાય. પ્રશ્નકર્તા : આપ કહો છો, તોય માનસિક તૈયારી નથી થતી અંદરથી. દાદાશ્રી : તો પછી અમે ક્યાં ના કહ્યું છે પૈણવાનું ? પ્રશ્નકર્તા : આપે તો કહ્યું નથી પણ અમે જોયું છેને ! આવું પ્રાપ્ત થયા પછી તો હવે ભૂલ ના જ કરાય. દાદાશ્રી : તો પછી ડિસાઈડ કર્યા પછી કશું અડે નહીં. ડિસીઝન કર્યું અને આપણે એવું ઢીલું બોલીએ તો ઊલટું ચડી બેસે. 'ગેટ આઉટ' કહીએ તો થોડોઘણો બહાર નાસી જાય. પછી પાછો ભેગો થઈને આવે તો ફરી 'ગેટ આઉટ' કહીએ. જ્ઞાની દેખાડે, રસ્તા નિકાલના ! પ્રશ્નકર્તા : દાદા, જે પ્રસંગ બન્યો હોય, એ આપણા ધ્યેયને નુકસાન કરતો હોય, એને આપણે વિચારે કરીને આખો સમજી લઈએ. જેથી ફરી એ વસ્તુ ના બનવી જોઈએને ? દાદાશ્રી : ના, એ બને જ. બનવી જ જોઈએ. ના બને તો ખોટું કહેવાય. મહીં જેટલો માલ ભરેલો છે એટલી બનશે. નહીં ભરેલો હોય એ નહીં બને. તારે તો પ્રતિક્રમણ કર્યા કરવાનાં. ના બનવી જોઈએ, એ પાછો કરનાર કોણ છે આનો ? કરનાર તો અકર્તા કિરતાર થયો. આ તો સમજણ નહીં ત્યારે આવું બોલે છે ને ! પ્રશ્નકર્તા : દાદા, એવું થઈ જાય છે. તેથી મેં પૂછ્યું, કે આ ફરી આવું કેમ થઈ જાય છે ? દાદાશ્રી : આપણે ઊંધું ને અવળું કરેલું એટલે પછી શું થાય ? દરેક કામમાં ના થાય, અમુક જ કામમાં થાય. પ્રશ્નકર્તા : એ બોધ લેવાની અને તારણ કાઢવાની એ શક્તિ કેવી રીતે ખીલે, દાદા ? દાદાશ્રી : છે જ શક્તિ મહીં. બોધેય લીધેલો છે. ખોટું છે એય જાણે છે પણ અટકે નહીં ને ? માલનો જથ્થો વધારે ભરેલો, તે અટકે નહીં અને ઓછો ભરેલો હોય તો અટકી જાય. પ્રશ્નકર્તા : અમારું સ્વરૂપ આટલું બધું શુધ્ધ થશે ત્યારે અમારો એક-બે અવતાર પછી મોક્ષ થશે ને ? દાદાશ્રી : સ્વરૂપ તો શુધ્ધ થઈ ગયું. હવે દુકાન કાઢવાની બાકી રહી છે. દુકાનદાર માણસ હતો, તે દુકાન વધાર્યા કરતો હતો. પછી મહીં થાકી ગયો અને બહુ દુઃખી થયો. ત્યારે કહે, 'બળી, હવે દુકાન કાઢી નાખવી છે.' એટલે દુકાન કાઢી નાખવાની શરૂઆત કરી. પણ એ પૂરેપૂરી કાઢી શી રીતે નાખે ? એ તો કોઈ જ્ઞાની પુરુષ આ જન્મમાં મળી આવે તો. જ્ઞાની પુરુષ એના રસ્તા દેખાડે કે દુકાન કેવી રીતે પછી કાઢી નાખવી ! જે શરતો બધી જ્ઞાની પુરુષે કહી હોય, એ શરતોથી પછી સમભાવે નિકાલ કરી નાખવો બધો. ધ્યેય વિરુધ્ધ ત્યાં હોય અંતર તપ ! તપ થાય તો જ અનુભવ થાયને ! નહીં તો અનુભવ શી રીતે થાય ? અંતર તપે એટલે, જે બાબતમાં આપણું અંતર તપે, એનાથી છૂટા રહેવા ફરીએ અને અંતર તપે એ બાબતથી આપણને અનુભવ થાય જ. પ્રશ્નકર્તા : એટલે જે જે બાબતનું તપ ઊભું થાય એ બાબત છૂટી જાય પછી ? દાદાશ્રી : એ છૂટી જાય ને તે અનુભવ એનો. એ જ આત્માનો અનુભવ, બસ ! સુખ અને પ્રકાશ વધતો જાય, બસ. પ્રશ્નકર્તા : એ શું ઊભું થાય કે તપ કરવું પડે ? દાદાશ્રી : મન-બુધ્ધિ-ચિત્ત ને અહંકારની વિરુધ્ધ આપણે કરવા ફરીએ, તે ઘડીએ પેલાં જોર કરે તે ઘડીએ આપણે તપ કરવું પડે, બળે તે ઘડીએ. પ્રશ્નકર્તા : પણ આપણા ધ્યેય પ્રમાણે હોય તો તપ ઊભું ના થાયને ? દાદાશ્રી : ત્યાં ના થાય. ધ્યેયના વિરુધ્ધ હોય તો તપ અને તે હોવું જ જોઈએ, એ કાયમને માટે નહીં, પણ તપ હોવું જોઈએ. તપ ના હોય તો પછી પાયા જ ખોટા છે. ચારેય પાયા હોવા જોઈએ. આ વિષય ગમતો નથી. ધ્યેય નક્કી કર્યો હોય કે મારે હવે તો બ્રહ્મચારી રહેવું છે, એ કોઈ સ્ત્રી જુએ પછી એને તપ ના કરવું પડે ? એ તે વખતે બરોબર સમ્યક તપ તપ્યો, જરાય લલચાયો નહીં. તે તરત અનુભવ થાય. તપ એને કહેવાય. પ્રશ્નકર્તા : એટલે મીઠાશ લાગતી હતી ત્યાં હવે પોતાનું દર્શન ઊભું થયું કે હું આ ન્હોય, એટલે પેલું તપ શરૂ થયું ત્યાં. એમાં પાછી મીઠાશ લાગે ને પાછું તપ જતું રહે. દાદાશ્રી : ના, પછી સહન ના થાય ત્યારે પાછો મીઠાશ ઉપર પેસી જાય. તપમાં તો નિશ્ચય બળ જોઈએ. એક માણસ છે તે મને કહે છે, 'લો, અંગૂઠો ધરો જોઈએ.' મેં કહ્યું, 'લે, ધર્યો'. ત્યારે કહે, 'સિગરેટ ચાપું છું.' 'દિવાસળી સળગાવને ?' મેં કહ્યું. તે બે દિવાસળી સળગાવી તે એમ ને એમ ઊભો રહ્યો ! તે શા આધારે તપ તપે ? મહીં અહંકાર. જે થવાનું હોય તે થાય એવી રીતે પેલામાં નિશ્ચય, જે થવું હોય તે થા. અમે હવે તારી જોડે ફસાઈએ નહીં. આટલા અનંત અવતાર ફસાયા, હવે ના ફસાઈએ, એવો નિશ્ચય. અમે હવે ધ્યેયને તોડવા માંગતા નથી. નિશ્ચય ના હોય તો મીઠાશ ખેંચી જાય તરત. ખૂબ પવન ફૂંકાયો ને માણસને ઉડાડી મૂકે, તે આપણો નિશ્ચય હોય કે નથી ઊડવું, કંઈ જ થવાનું નથી તો આપણે રહી જઈએ. અને પેલો કહેશે, 'હેય ! ઊડી જવાશે, ઊડી જવાશે', તે ઊડ્યો હડહડાટ. આકાશમાં ઊડે ! પ્રશ્નકર્તા : પેલામાં પવન ઊડાડે, આમાં કોણ ઊડાડી દે ? દાદાશ્રી : આય એવો પવન જ વાવાનો ને, આકર્ષણનો પ્રવાહ, તે ખેંચાઈ જાય. આકર્ષણ એને ગમતું હતું, એટલે આકર્ષણ થયા કરે. પોતાનો ધ્યેય સાકાર કરવો હોય તો ગમતું છોડી દેવું પડે અને ધ્યેય અદબદ હશે ત્યાં સુધી કશું વળે નહીં. પ્રશ્નકર્તા : એ અનંત કાળની ટેવોને લીધેને ! દાદાશ્રી : ચંદ્રેશની ટેવો, ત્યારે બીજું શું તે ? આ ટેવો પડી છે, તેની જ આ ભાંજગડ છેને ! ટેવ ના હોય તો કશું વાંધો જ નથી. પણ જ્યારે હોય ત્યારે ઉપરાણું લે જ, એ પ્રકૃતિને વશ થઈ જાય. ત્યાં આગળ તમે કહેતા હતાને, કે મીઠાશ આવે છે. એ તપમાં ના પડે, અદીઠ તપમાં ના પડે. ગર્વરસ ચાખે અને મજા કરે અને ઉપરથી અવળું બોલ્યા કરે, અમે શુધ્ધાત્મા જ છીએ. તો અમારે ક્યાં ભાંજગડ છે ? એટલે બધાય મહાત્માઓને આવું અમે કહી છૂટીએ. પછી હવે જે ઊંધું કરે તો તેની જવાબદારી છે. ધ્યેય ચૂકાવે, તે ભાગ ઉડાવો... પ્રશ્નકર્તા : હવે ફાઈનલી મારે આ મનના કહ્યા પ્રમાણે ચલાય છે, તેમાંથી છૂટવા માટે શું કરવું ? દાદાશ્રી : કરવાનું હોતું હશે ત્યાં ? પ્રશ્નકર્તા : અમુક સ્ટેપ તો લેવાનાં ને ? દાદાશ્રી : શાનાં સ્ટેપ લેવાનાં ? એ તો સમજવાનું છે. સમજીને ચોકડી મૂકી દેવાની. આપણો અનિશ્ચય છે, એની ઉપર ચોકડી મૂકી દેવાની અને નિશ્ચયનો સ્વીકાર કરી લેવાનો. પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાનું નહિ. મન બતાવે એટલે 'નથી ચાલવું' એમ શરૂ જ કરી દેવાનું ? દાદાશ્રી : નાપાસ જ કરી દેવાનું. આપણા ધ્યેયને ચૂકવે એ ભાગ બધો ઊડાડી દેવો. આમાં કરવાનું શું છે ? નિશ્ચય ફક્ત. તે નિશ્ચય ડગે નહીં એવો કર્યો છે કે નથી કર્યો ? પ્રશ્નકર્તા : નિશ્ચય ડગે નહિ એવો કર્યો છે. દાદાશ્રી : સો ટકા ડગે નહીં એવો ? પ્રશ્નકર્તા : એવું લાગે છે. દાદાશ્રી : પણ થોડો કાચો ખરો તું અને તે છતાંય અમે કહીએ કે ભઈ, મન છે તે સાચી વસ્તુમાં હજુ તારું મન કુદાકૂદ કરતું હોય તો કર. અમે લેટ ગો કરીએ, કે ભઈ, એ સાચી વસ્તુઓ છે. કંઈ આ ગાયનો સાંભળવા એ કંઈ સાચી વસ્તુ નથી. આ ખાવાનું એ સાચી વસ્તુ છે. તે એને અમે લેટ ગો કરીએ, સૂવાની વસ્તુ સાચી છે. તે એને અમે લેટ ગો કરીએ કે ભઈ, અમુક ચાર કલાક સૂજે કે પાંચ-છ કલાક સૂઈ જજે. આ પતંગ ઉડાડું એની જરૂરિયાત કેટલી ? કેટલાય લોક, જેને જ્ઞાન ના હોય તેય કહે કે આની શી જરૂરિયાત છે ? આ તો વગર કામની, અનાવશ્યક પીડા ! એવું જ્ઞાન ના હોય તોય કહેનારા હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : હોય ને ! દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે ચાલવું એટલે મિકેનિકલ કહેવાય. આ બુધ્ધિજીવીઓ છે તે મનના કહ્યા પ્રમાણે નહિ ચાલવાના, બુધ્ધિના કહ્યા પ્રમાણે ચાલવાના પણ તેય ખોટું. એ બુધ્ધુ બનાવે, છેવટે. આપણે પુરુષ થયા પછી પુરુષ અને પ્રકૃતિ બે જુદાં પડ્યાં પછી, નિશ્ચય ના હોય તો એ કામનું જ શું તે ? અને મન તો 'રિલેટિવ'માં ગયું. એનો તો સ્વીકાર જ ના હોય ને ! મન બન્યું ધણી, તે ધ્યેયને બાધક ! પેલા કબીર સાહેબેય કહે છે કે 'મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય !' એમણે એમ કહે કહે કર્યું તોય સમજાતું જ નથી. પ્રશ્નકર્તા : આ પ્રસંગમાં મનનું કરેલું માન્ય એવું ખબર નથી પડતી. દાદાશ્રી : તો શી ખબર પડે છે ? પ્રશ્નકર્તા : તમે પૂછયું ત્યારે ખબર પડી, નહીં તો પહેલાં ખબર ન હતી પડી. દાદાશ્રી : એનો અર્થ જ એ થયો ને કે નથી ગમતું. આ તો એના ફાધરનું ના માને, મધરનું ના માને, કોઈનું ના માને પણ મનનું માને. મન એનો સ્વામી અને 'એ' એની વાઈફ. સ્વામી કહે એમ કરવાનું. પ્રશ્નકર્તા : મને કંટાળો આવે છે, કહે છે. એ મન ના કહેતું હોય તો જ કંટાળો આવે ને ? દાદાશ્રી : પણ એ કંટાળો જુદી વસ્તુ છે. મનનું કહેલું ચાલતો નથી ને ? ફક્ત એટલું જ જોવાનું છે. આપણે કંટાળો આવે છે તે બીજાં કારણો છે. મનનુંય કારણ હોય અને બીજાંય કારણ હોય. હવે તેં નક્કી કર્યું છે ને ? મનનું કહેવું માનીને ચાલતો નથી ને ? પ્રશ્નકર્તા : મને પોતાને ખબર પડતી નથી. દાદાશ્રી : અને બ્રહ્મચર્યની બાબતમાં તો કહો છો ને... પ્રશ્નકર્તા : એ બ્રહ્મચર્યની બાબતમાં મનનું નથી માનતો. દાદાશ્રી : એટલે તમારા ધારેલામાં કોઈ અવળું કરવા જાય તો માનો નહીં ને ? પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યની બાબતમાં મનનું નથી માનતો. દાદાશ્રી : અને બીજી કઈ બાબતમાં માનો છો ? પ્રશ્નકર્તા : બીજે બધે તો એવું જ થાય, વિચાર આવે ને એ પ્રમાણે કરીએ. દાદાશ્રી : એનો સવાલ નથી પણ તમારો ધ્યેય નથી ને, મનનું માનીને કરવાનો ? પ્રશ્નકર્તા : મનનું માન્યા પ્રમાણે કરીએ છીએ એ તો હમણાં ખબર પડી. દાદાશ્રી : આ તો મન કા ચલાવ્યા ચાલો છો, પોતાના વીલ પાવરથી નથી ચાલતા. ત્યાં આ નથી ગમતું અને આ ગમે છે, એ એનાં સાધનો એ રોંગ કહેવાય. સૈધ્ધાંતિક હોવું જોઈએ. પણ શું થાય ? એમ કામ કરતી વખતે સૈધ્ધાંતિક થઈ જાય તો થઈ જાય. ધ્યેય પ્રમાણે હાંકો... હજુ નાની બાબતમાં, એક નક્કી કર્યું કે મનનું નથી માનવું એટલે કામનું હોય એટલું માનવું ને ના કામનું હોય એ નહીં. ગાડું આપણા ધાર્યા રસ્તે જતું હોય તો આપણે ચાલવા દેવું અને પછી આમ ફરતું હોય તો આપણે ધ્યેય પ્રમાણે ચલાવવું. દરેક બાબતમાં એવું કરવાનું હોય. આ તો કહેશે, એ આ બાજુ દોડે છે, હવે હું શું કરું ? હવે એ ગાડાવાળાને કોઈ ઘરમાં પેસવા દે ? પ્રશ્નકર્તા : ના પણ મહીં ગમતી હોય એ વસ્તુ કરવાની નહીં ? દાદાશ્રી : કોને ગમતું હોય એ કરવાનું ? આ હું નાસ્તો નથી કરતો ? પણ ના ગમતું રાખવાનું એને. પ્રશ્નકર્તા : અમે તો સવારે ઊઠીને તમારી પાસે આવવાનું એવું રાખીએ. બીજો કોઈ નિશ્ચય નહીં. અમુક બાબતોમાં મન કહે એમ માનવું. વ્યવહાર જે માન્ય હોય એમ. દાદાશ્રી : આપણો ધ્યેય હોય, એ પ્રમાણે ચાલવું. આપણે બોરસદ જવા નીકળ્યા, પછી અડધો માઈલ ચાલ્યા, પછી મન કહેશે, 'આજે રહેવા દોને !' એટલે પાછો ફરે આ તો. તો ત્યાં પાછું ના ફરવું. લોકોય શું કહે ? અક્કલ વગરનાં છો કે શું ? જઈને પાછા આવ્યા. તમારું ઠેકાણું નહીં કે શું ? એવું કહે કે ના કહે લોકો ? મોક્ષે જવાનો નિશ્ચય ખરો કે તારો ? એમાં કશું આડું આવે તો ? મન મહીં બૂમાબૂમ કરે તો ? પ્રશ્નકર્તા : તોય નિશ્ચય ના ડગે. દાદાશ્રી : એનું નામ માણસ કહેવાય. આમને કુરકુરિયાંને શું કરવાનાં બધાંને ? તને આ બધી વાતો સમજાય ? પ્રશ્નકર્તા : થોડું થોડું સમજાય છે. મને તો એવું જ લાગે છે કે મારો નિશ્ચય છે. દાદાશ્રી : શાનો નિશ્ચય તે ? મનના કહ્યા પ્રમાણે ચાલે છે તે ! નિશ્ચયવાળાને આવું મન હોતું હશે ? મન હોય પણ હેલ્પીંગ હોય, ફક્ત પોતાને જરૂરિયાત પૂરતું જ. જેમ બળદ હોય, તે પોતાના ધણીના કહ્યા પ્રમાણે ચાલે ને ? પણ આપણે આમ જવું હોય ને એ આમ જતા હોય તો ? ધ્યેય વિરુધ્ધ, ત્યાં ફસામણ ! મનનો ચાલ્યો તું ચાલું છું. 'હવે મને નથી ગમતું, હવે મને ગમે છે, આમ થાય છે, તેમ...' કેવી રીતે ના ગમતું થયું ? ના ગમતો મહેમાન આવે તોય ના ગમતો ના કહેવાય. શેના ઉપર ચાલે છે એ આધાર રાખે છે ? તું શેના ઉપર ચાલે છે ? પ્રશ્નકર્તા : મન પર. દાદાશ્રી : આજે મહીંથી વિચાર કોણ કરતું'તું ? એને કોણે મોકલ્યો ? પણ એ કહ્યું કોણે ? એ ખોળી કાઢને ! કોઈના કહ્યા વગર તું કશું કરતો નથી. તારો પોતાનો તો અભિપ્રાય છે જ નહીં તારી પાસે. એ ખોળી કાઢ્યું તેં ? કોણ કહેતું હતું ? પ્રશ્નકર્તા : એ બહુ ખબર ના પડે. દાદાશ્રી : મહીંથી નહોતું બોલતું ? પ્રશ્નકર્તા : એટલે મહીંથી વિચાર આવે, ચાર-પાંચ વખત ને પછી જતો રહ્યો. દાદાશ્રી : તો જો એને. 'મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય' કહ્યું છે ને કબીર સાહેબે ! એક સેકન્ડ વારેય નહીં ચાલે ત્યાં, એ જ પૈણાવી દેશે ! પોતાનો અભિપ્રાય ના જોઈએ ? સારાસાર વિવેકપૂર્વકનો અભિપ્રાય પોતાનો ના જોઈએ ? બીજું છે એ તો ભરેલો માલ છે, ગયા અવતારે. જેવો સમજેલો હોય એવો ભર્યો હતો. મનના કહ્યા પ્રમાણે આપણે ના ચાલવું જોઈએ. આપણા ધ્યેય પ્રમાણે મનને ચલાવવું જોઈએ અને ધ્યેય પ્રમાણે ના ચાલે તો ટકોર કરવી જોઈએ, બસ. મનના કહ્યા પ્રમાણે ચાલીએ તો વાંધો નથી, પણ આપણા ધ્યેય મુજબ હોય તો. નહીં તો ધ્યેય વિરુધ્ધ હશે તો ફસાવી મારશે, તો મારી નાખશે. એટલે ધ્યેય પ્રમાણે હોવું જોઈએ. એટલે આપણે અહીંથી સ્ટેશને જવું છે, તો એની મેળે છે તે અહીંથી કોઠીના ચાર રસ્તા (વડોદરામાં) ભણી જાય, તે ભલે જતું, આપણને વાંધો નથી. એને વઢવા-કરવાની જરૂર નથી. અને ચાર રસ્તા પછી રાજમહલ રોડ ઉપર ફરવા માંડ્યું, એટલે આપણે મારી-ઠોકીને સીધા કરીને સીધા રસ્તે લઈ જવાના. કારણ કે ધ્યેય ચૂકાવડાવે છે એ. ધ્યેય પ્રમાણે ચાલવું એ પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે, પાંચ આજ્ઞામાં રહેવું છે અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : લે. શું કરવું જોઈએ એટલે ? મન કહે કે 'આમ કરો' તો આપણે જાણીએ કે આ આપણા ધ્યેયની બહાર છે ઊલટું. દાદાજીની કૃપા ઓછી થઈ જશે. એટલે મનને કહીએ કે 'નહીં, આ આમ કરવાનું ધ્યેય પ્રમાણે.' દાદાજીની કૃપા શી રીતે ઊતરે એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ. એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાથી, આ બધી ભાંજગડ થાય છે. ઘણાં વખતથી બોલ્યો છું આને. આ જ સમજ પાડ પાડ કરું છું. નહીં તો એ તો કયે ગામ જવું, તેને બદલે કયે ગામ લઈ જશે ! ધ્યેય પ્રમાણે ચાલવું, એનું નામ જ પુરુષાર્થ ને ! એ તો મનના કહ્યા પ્રમાણે તો આ અંગ્રેજો-બંગ્રેજો બધા ચાલે જ છેને ! આ બધા ફોરેનરોનું મન કેવું હોય ? લાઈનસરનું હોય અને આપણું ડખાવાળું મન. કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન, આપણા કહ્યા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આ વાત નીકળેને એટલે પંદર-વીસ દિવસ એ પ્રમાણે ચાલે. પાછું કંઈક એવું બની જાયને, તો પાછું ફરી જાય. દાદાશ્રી : ફરી જાય પણ તે મન ફરી જાય, આપણે શું કરવા ફરી જઈએ ? આપણે તો એના એ જ ને ? પ્રશ્નકર્તા : એ આજ્ઞાય પછી કેટલીક વખત સહજ થઈ જાય છે. દાદાશ્રી : ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાળવી છે, તેને સહજ થાય છે. એટલે પોતાનું મન જ એવી રીતે વણાઈ જાય છે. જેને પાળવી છે ને નિશ્ચય છે, એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું સરસ વિજ્ઞાન છે અને નિરંતર સમાધિ રહે. ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોયે સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓ મહીં અંદર બધી વણાઈ જાય છે ? દાદાશ્રી : વણાઈ જાય. પ્રજ્ઞાશક્તિ પકડી જ લે. આ પાંચ આજ્ઞા, આ ફન્ડામેન્ટલ સેન્ટેન્સ પાંચ છે ને, તે આખા વર્લ્ડના બધાં શાસ્ત્રોનો અર્ક જ છે બધો ! ધ્યેયપૂર્વક ત્યાં બુધ્ધિનું કેટલું સંભળાય ? પ્રશ્નકર્તા : આપણે પેલું કહીએ છીએ ને કે મન કા ચલતા તન ચલે એટલે મનનું સાંભળવું નહીં. એવી રીતે બુધ્ધિ માટે પણ કહે છે ને, બુધ્ધિનું સાંભળવું ના જોઈએ. દાદાશ્રી : બુધ્ધિનું સાંભળવું જોઈએ, અમુક બાબતમાં જ બુધ્ધિને વચમાં લેવાની, મનનું કંઈક સતામણી કરે એટલે બંધ કરી દેવાનું. આપણા ધાર્યા પ્રમાણે ના કરતું હોય તો બંધ. પ્રશ્નકર્તા : એટલે બુધ્ધિનું અમુક બાબતમાં સાંભળવું જોઈએ ? દાદાશ્રી : બુધ્ધિનું તો સાંભળે જ છે ને ! એ જો નુકસાનકારક હોય ત્યારે કહી દઈએ કે ભઈ, અહીં નહીં ચાલે, અત્યારે નહીં. પ્રશ્નકર્તા : પણ બુધ્ધિને તો સંસારાનુગામી જ કહી છે ને ! દાદાશ્રી : છે સંસારાનુગામી પણ વ્યવહાર જોઈએ ને ! પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર કરવા પૂરતું સાંભળવાનું એવું થયું ને ? દાદાશ્રી : બુધ્ધિનો વાંધો નહીં, બુધ્ધિ તો અવળું કરતી હોય તો આપણે સવળું વળી જાય. મનનું એકલું જ સાંભળવાનું નહીં. છતાં બુધ્ધિ મોક્ષે લઈ જવા દેતી નથી એટલું જ. સંસાર મહીં રાખે. પ્રશ્નકર્તા : બુધ્ધિ મોક્ષે ના લઈ જાય, તો મનનું પણ એવું જ છે ને ? દાદાશ્રી : મનને લેવાદેવા નથી. મન તો બિલકુલ જડ છે, ફિઝિકલ છે. બુધ્ધિ તો લાઈટ છે. બુધ્ધિને અને મનને લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : એ ડિફરન્સ કેવી રીતે ખબર પડે ? મનનું સાંભળવું ને બુધ્ધિનું સાંભળવું ? દાદાશ્રી : એમાં ડિફરન્સ કાઢવાનો જ ના હોય ને ! બુધ્ધિનું જ સાંભળવાનું, બાકી મન તો બિલકુલ ફિઝિકલ છે, બુધ્ધિ ફિઝિકલ ના હોય. પ્રશ્નકર્તા : લાઈટ છે. દાદાશ્રી : એ તો ના સાંભળવું હોય તો એ ધારેલા રસ્તે લઈ જાય આપણને ? પ્રશ્નકર્તા : બુધ્ધિ ? દાદાશ્રી : હા. લઈ જ જાય છે ને, બધી આખી દુનિયાને એ જ લઈ જાય છે ને ! આપણા મહાત્માઓને આ રૂમમાંથી ઊઠાડીને બીજી રૂમમાં લઈ જાય છે ને ! પ્રશ્નકર્તા : એ બુધ્ધિનો ખેલ છે. દાદાશ્રી : ત્યારે બીજું કોણ છે ? ઘણુંય ના કહે પણ ગાંઠે નહીંને ! પ્રશ્નકર્તા : પણ બેને કંઈ સંબંધ ખરો ? દાદાશ્રી : બેને જોડે વાત જ કરવી નહીં. ક્યાં પેલું જડ ને ક્યાં બુધ્ધિ ? બધું સમજાય. આ ખોટું થઈ રહ્યું છે, બુધ્ધિ ખેંચીને લઈ જાય છે અને મનને તો એવું કશું નહીં બિચારાને ! પ્રશ્નકર્તા : મનને જેવી રીતે વાળવું હોય એવી રીતે વાળી શકાય તો આ બુધ્ધિને વાળી શકાય કે નહીં ? દાદાશ્રી : ના, મન તો જડ છે. આ લોકો મનના ચલાવ્યા ચાલે તો એને બધું સર્વસ્વ જતું રહેશે. મન કહેશે, વડગાદી જવાનું નક્કી કરે, તો આપણે એને જવા દઈએ. કારણ કે આપણે વડગાદી જવું છે. પણ મન દાદર સ્ટેશને ઉતરી માટુંગા ચાલવા માંડે તો ? પ્રશ્નકર્તા : તો ત્યાં મનનું નહીં સાંભળવાનું. દાદાશ્રી : જ્યાં સુધી આપણા ધાર્યા પ્રમાણે આવે ત્યાં સુધી કરેક્ટ, પછી એનું સાંભળવાનું નહીં અને બુધ્ધિમાં તો આપણું ચાલે નહીં ને ! પ્રશ્નકર્તા : જેવી રીતે મનનું સાંભળવાનું નહીં એવું અહંકારનું નહીં સાંભળવાનું એવું હોય છે ખરું ? દાદાશ્રી : અહંકારનું સાંભળવાનું નહીં એ ખરું ને પણ એ તો મૂળ અહંકારની વાત જ નહીં ને ! મૂળ અહંકારનું સાંભળ્યા વગર છૂટકો જ ન થાય ને ! આ તો ડિસ્ચાર્જ અહંકારનું નહીં સાંભળવાનું. પ્રશ્નકર્તા : મનથી માણસ ચાલે છે એ સિવાય બીજા શેનાથી ચાલે ? દાદાશ્રી : બીજાને અહંકારથી ચલાવે ને ! આ બધા બુધ્ધિજીવીઓ એ મનને ગાંઠતા જ નથી. એ તો પોતાને કામમાં આવે એટલું જ મન લે, બીજું ગાંઠે નહીં. પોતાના ધ્યેય પ્રમાણે ચાલે. એમ બુધ્ધિજીવીઓ બહુ સરસ કામ કાઢી લે. આ બધા મનના કારખાનાઓ ન હોય. એમાં ધ્યેય પ્રમાણે પોતાને ચાલવું. તોય અહીં આવ્યા વગર તો છૂટકો નથી. પેલો મેળ પડે નહીં ને ! પ્રશ્નકર્તા : મન કા ચલતા તન ચલે, કહ્યું છે પણ આ વાણી પણ મોટે ભાગે વિચાર ફૂટે ને તરત બોલાઈ જાય છે એ બધું મનનું કહ્યું કહેવાય ? દાદાશ્રી : બોલાઈ જવાય છે, એ વસ્તુ જુદી છે. અમુક બાબતમાં મન પ્રમાણે થાય છે. પ્રશ્નકર્તા : અમુક બાબત એટલે ? દાદાશ્રી : અત્યારે કો'કે ગાળ ભાંડી, તો મહીંથી મન કહેશે, 'મારો બે ધોલ, તો ?' આ તો પ્રતિક્રમણ કરવું જોઈએ કે આ ભૂલ થઈ. આવું ના હોવું જોઈએ. બધે ચોખ્ખું રાખવું જોઈએ, નહીં તો મનમાં રીસ ચઢતી જાય દહાડે દહાડે ને મન એક દહાડો કૂદાકૂદ કરી મેલે. ધ્યેયમાં ઊંડો ઉતરે કોણ ? મનમાં તો ઉતરવાનું જ નથી. આ મનને તો જોયા જ કરવાનું છે. મનમાં જો ઉતરે તો બગડી જાય. પ્રશ્નકર્તા : આપણો ધ્યેય હોય એટલું તો એને ઉતરવું પડે ને ? દાદાશ્રી : 'આપણે' ઉતરવાનું નહીં. પ્રશ્નકર્તા : મનને ઉતરવાનું ? દાદાશ્રી : એ તો ઉતરે છે, ચંદ્રેશ ઉતરે, આપણે શું ? પ્રશ્નકર્તા : ચંદ્રેશને એટલું ઉતરવાનું ને ? દાદાશ્રી : એ તો ચંદ્રેશ ઉતરે છે, એ પોતાના ધ્યેય પ્રમાણે અને તે અવળું ચાલે તો પાછા તેય હાંકે એને, કે એય એ બાજુ નહીં જવાનું. પ્રશ્નકર્તા : મન વિચાર કરે અને પછી આપણા ધ્યેય પ્રમાણે હોય તો ચંદ્રેશ એટલું એમાં ઉતરે ? દાદાશ્રી : ધ્યેય પ્રમાણે હોય તો જવા દેવાનું અને ધ્યેયની વિરુધ્ધ હોય, આપણે જવું હોય ઉત્તરમાં ને એ આમ આ બાજુ ફરે, તો આપણે હાંકીને લઈ જવાનું એ બાજુ, આપણા ધ્યેય પ્રમાણે મનને વાળવું. મન આપણા ધ્યેયને અનુસરીને હોય તેટલો વખત એને અનુસરવું. પ્રશ્નકર્તા : ધ્યેય પ્રમાણે હોય તો એ રીતે વહેવા દેવું એને ? દાદાશ્રી : વહેવા દેવું. પ્રશ્નકર્તા : અને ધ્યેયની વિરુધ્ધ હોય તો એને વાળવું ? દાદાશ્રી : અને આત્મા તરીકે મનમાં પેસવું નહીં. જો ને, આ આત્મા તરીકે એના મનમાં પેસી ગયો છે તે મૂંઝાઈ ગયો છે ને ? પ્રશ્નકર્તા : એટલે શું ? દાદાશ્રી : મૂંજી થઈ જાય. તારે જોયા કરવાનું છે, મનમાં શું વિચાર આવે છે, ને સારા આવે કે ખરાબ આવે એ જોયા કરવાના. પ્રશ્નકર્તા : એટલે આત્માના પોતાના ગુણો ચંદ્રેશની અંદર, પ્રતિષ્ઠિત આત્મામાં પૂરવાની કોશીશ કરવાની ને ! દાદાશ્રી : ના, પ્રતિષ્ઠિત આત્મા નાદારી કાઢતો હોય તોય આપણે શું લેવાદેવા ? અને સાદારી કાઢતો હોય, મોટો થતો હોય તોય વાંધો નહીં. આપણે તો એ પ્રતિષ્ઠિત આત્મા શું કરે છે એ જોયા કરવાનું. બીજું કંઈ આપણું કામ જ નથી. આપણી ડ્યુટી (ફરજ) હોય એટલી જ કરીએ. નહીં તો વધારે પડતી કરવા જઈએ તો માર પડે, છ મહિનાની જેલ ઘાલે. હવે કાચો ના પાડીશ. પ્રશ્નકર્તા : ધ્યેય પ્રમાણે મન જાય છે ને, એ બધું હવે દેખાય છે. આટલું મન ધ્યેય પ્રમાણે ગયું આટલું મન ધ્યેય વિરુધ્ધ ગયું એ એને દેખાય છે. દાદાશ્રી : ધ્યેય પ્રમાણે જ ચલાવવો. પ્રશ્નકર્તા : આપણું ચિત્ત હોય ને, એ ધ્યેય પ્રમાણે જતું હોય તો ? દાદાશ્રી : ચિત્તને ને મનને કંઈ લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : પણ ચિત્ત બહાર જાય ને ! દાદાશ્રી : એ છોને જાય બહાર, તે આપણે ક્યાં ક્યાં જાય છે તે જાણવું, બસ. પ્રશ્નકર્તા : અને આપણા ધ્યેય પ્રમાણે ના જતું હોય તો ? દાદાશ્રી : ના, તે ના જતું હોય તો વાંધો નહીં. એને જોયા કરવાનું. ચિત્તને વાળવાનું નથી કહેતો. ચિત્તને જોયા કરવાનું છે કે ક્યાં ભટકે છે. છોકરો દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય, તે એનો બાપ છે તે જોયા કરે, ક્યાં ક્યાં જાય છે, બસ. એના જેવું, એની પર ધ્યાન રાખવાનું. એને વાળવાનું તો તું શુધ્ધાત્મા રહું એટલે એની મેળે વળી જાય. તું ઉપયોગમાં રહું એટલે એ બંધ થઈ જાય. એને વાળવાનું એટલે પોતાની જાતને ઉપયોગમાં લેવાની કે એ વળી જાય. અને પેલું મન તો પુદગલને આધીન છે. અને આ તો તું બધાનામાં શુધ્ધાત્મા જુએ, ઉપયોગમાં પડ્યો એટલે પછી ચિત્ત ક્યાં જાય ? બંધ થઈ જાય. ચિત્ત પોતાનો સ્વભાવ જ, એનું નામ જ જ્ઞાન-દર્શન ! પ્રશ્નકર્તા : બુધ્ધિને ધ્યેય પ્રમાણે રાખવાની ? દાદાશ્રી : બુધ્ધિ તો એની મેળે જે બાજુ રહે તે બાજુ બુધ્ધિને કંઈ તમારે ખસેડવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : ડીસીઝન (નિર્ણય) ધ્યેય પ્રમાણે હોવું જોઈએ ને ? દાદાશ્રી : એ તો ધ્યેય પ્રમાણે હોય જ. એ તો હંમેશાં સંસારના પ્રોફીટ ને લોસમાં, તે પ્રોફીટ જ જોયા કરતી હોય. મનને એકલાને જોવાનું. મન છે તે બીજી બાજુ લઈ જાય. પ્રશ્નકર્તા : મનને એકલાને જ સાચવવાનું છે ? દાદાશ્રી : મન આપણા ધાર્યા પ્રમાણે જતું હોય ત્યાં સુધી જવા દેવું અને આપણા ધાર્યાથી ફેરફાર થાય તો ફેરવી નાખવું. પ્રશ્નકર્તા : અહંકારનું શું ? અહંકારને ધ્યેય પ્રમાણે રાખવાનો ? આ મન, બુધ્ધિ, ચિત્ત, અહંકારને ધ્યેય પ્રમાણે રાખવાનાં ? દાદાશ્રી : આ બધાંને કશું રાખવાની જરૂર નથી. એક મનની એકલાની જ વાત પૂછતો નથી ને... તારે બીજી ભાંજગડમાં પડવું નહીં અને મનેય એક ફેરો વળી ગયા પછી કશું કરવાની જરૂર નથી. આ તો મન ના વળ્યું હોય ત્યાં સુધી ભાંજગડ. ધ્યેય પ્રમાણે, વળે અંતઃકરણ... આપણો ધ્યેય નક્કી કરવાનો એટલે પછી મન, બુધ્ધિ, ચિત્ત ને અહંકાર એ બાજુ જ જાય. એટલે મન, બુધ્ધિ, ચિત્ત ને અહંકારને એમ નહીં કહેવાનું કે તમે આમ કરો, પણ આપણે ધ્યેય જ નક્કી કરવાનો. આજ્ઞા પાળવી છે એનો જે ધ્યેય નક્કી કર્યોં, તો એ બાજુ જાય ને નથી પાળવી એવું નક્કી કરે તો પછી એવું ચાલે ! તું શું કરે ? પ્રશ્નકર્તા : ધ્યેય જ નક્કી કરવાનો. દાદાશ્રી : શું શું ધ્યેય નક્કી કર્યાં ? પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞામાં રહેવાનું. દાદાશ્રી : એ તો બહુ મોટામાં મોટી વાત. 'દાદા'ની આજ્ઞામાં જ રહેવું છે, એવો જેને ધ્યેય છે ને, એને ઘણુંખરું બધું જ આવી જાય. તેથી ભગવાને કહેલું ને 'આજ્ઞા' એ તપ ને 'આજ્ઞા' એ જ ધર્મ. બીજાં તપ તપવાની જરૂર જ શું છે ? ખાજે, પીજે ને નિરાંતે ! એટલે આ લોકો બીજાં ધ્યાન કરવા જાય છે. અલ્યા, ધ્યેય નક્કી કરને, તો પછી બીજાં ધ્યાન એની મેળે થશે. અહીંથી બોરીવલી જવાનું ધ્યેય તમે નક્કી કર્યું હોય તો તમારે ધ્યાન શું રહે ? પ્રશ્નકર્તા : બોરીવલીનું ધ્યાન રહે. દાદાશ્રી : હા, એવું ધ્યેય નક્કી કરે તો ધ્યાનેય થયું અને ધ્યાન કરવા ગયો તો ધ્યાન થાય નહીં. અહંકારથી ધ્યાન થાય નહીં. ધ્યાન તો પરિણામ છે. પ્રશ્નકર્તા : ધ્યેય જ્યારે નક્કી કરે છે, તે વખતે અહંકાર જ હોય ને ? દાદાશ્રી : તેનો વાંધો નહીં. તમારે, એ તો નિર્જીવ (ડિસ્ચાર્જ) અહંકાર છે ને ! એટલે ધ્યેય નક્કી કરીએ ત્યાર પછી ધ્યાન એનું પરિણામ છે. હવે આપણે ધ્યેય શું રાખવાનો છે કે ભૂલ કોઈનીય છે નહીં, જગત આખું નિર્દોષ જ છે. એવો ધ્યેય રાખવો જોઈએ. એટલે પછી પેલું અંતઃકરણ એ બધુંય એ બાજુ ચાલે અને આ તો તમારે ખાલી નક્કી જ કરવાનું છે. તારો અનુભવ શું કહે છે ? દોષ કોઈનો છે ખરો ? પ્રશ્નકર્તા : ના, કોઈનો દોષ જ નથી, પોતાનો જ દોષ છે. દાદાશ્રી : એવું જ અનુભવમાં આવી ગયું ? તો એ પછી ધ્યેય બદલાઈ ગયો. ધ્યેય બદલાયો એટલે પછી એ બાજુ ચાલ્યા જ કરે. જેટલું કષાયનું જોર ઓછું થતું જાય ને તેમ તેમ રાગે પડતું જાય. કષાયો જ નિર્દોષ દ્ષ્ટિ નથી થવા દેતાં ને ! અને કષાયો તે પાછાં કોનાં ? પ્રશ્નકર્તા : પોતાનાં. દાદાશ્રી : મિશ્રચેતનનાં. પ્રશ્નકર્તા : કોઈના દોષ દેખાય તો સામે પેરેલલ (સમાંતરે) પેલું પણ દેખાય કે આ પોતાના કયા દોષના આધારે આનો દોષ દેખાય છે. દાદાશ્રી : એવું દેખાય. એ જેમ જેમ દ્ષ્ટિ નિર્મળ થતી જાય ને તેમ તેમ દેખાય. આજના જ્ઞાનથી ધ્યેય, પાછલા જ્ઞાનનું મન ! હવે જડનું માનીને કેટલા દહાડા ચાલે ? એમાં તો આખું જગતેય માર ખાઈ ખાઈને મરી ગયું ! મનની હેલ્પ લેવાની છે આપણે. કારણ કે ગયા અવતારનો એ આપણો ખજાનો છે. પણ મન આપણા ધ્યેય પ્રમાણે ચાલતું હોય તો એને આપણા ધ્યેય પ્રમાણે ચલાવવું. એ તો વહુ જોડેય વઢવાડ મન જ કરાવે છે તે, બીજું કોણ કરાવે છે ? કંઈ બહારનો આવીને ફાચર મારી ગયો ? મહીં બુધ્ધિ શંકા કરાવડાવે. આ જ્ઞાન એવું છે ને કે બધાંને ફેંકી દે. મહીં શંકા કરવાનું હોય તેને કહે, 'તું જતી રહે, અમે નિઃશંક થયા છીએ, આત્મા સંબંધમાં ! હવે અમારે શંકા કેવી ?' આપણે મકાન વેચ્યું હોય ને છોકરાં જાણતાં ના હોય અને મકાન બળતું હોય તો છોકરાં ધૂંઆપૂંઆં થઈ જાય ! પછી છોકરાં બૂમો પાડતાં પાડતાં ઘેર આવે કે 'આપણું મકાન સળગ્યું છે, હેંડો, હેંડો, હેંડો,' તો બાપ કહે, 'અલ્યા ભઈ, કાલે વેચ્યું. હવે મેલ છાલ ! તો પછી કશુંય નહીં. ઊંધા જ્ઞાનથી માર ખાય છે ને છતાં જ્ઞાનથી માર છૂટી જાય. છતું જ્ઞાન થયું કે 'ભઈ, હવે આપણે વેચી દીધું છે', તો એ હતો એનો એ જ માણસ પાછો ફેરફાર થઈ જાય ને ? અને મારી જોડે તો તમે બધા આવતા હોય અને જંગલ આવ્યું ને ત્યાં પછી વાઘની બૂમ પડી. તો તું કહે કે આ વાઘની બૂમ સંભળાય છે. ત્યારે હું કહું કે 'વાઘ પાંજરામાં છે' એટલે ચાલ્યું ગાડું ! એવી રીતે આ દુનિયા ચલાવવાની, આશરે આશરે. નહીં તો દુનિયામાં માણસ મરી જાય. પાંજરામાં હોય તોય એને ખબર ના હોય એટલે એને બીક લાગે જ ને પછી તો ! 'આવ્યો, આવ્યો, આવ્યો' કરે. વગર કામના મરતાં પહેલાં મરી જવું એ કોના ઘરની વાત ? મરાય ત્યારે કહીશું કે મરી ગયા ! પણ મરતાં પહેલાં મરી જવું કે, 'હાય બાપ ! મરી ગયો !' એવું દોઢસો વખત બોલે છે પણ મરતાં એકુંય વખત નથી. એ બોલવાની જરૂર જ શું છે તે ? ભાવ સેવાના, ધ્યેય શુધ્ધ ઉપયોગનો ! તમે આત્મા જ થઈ ગયા પછી હવે રહ્યું શું ? આપણે દ્ષ્ટિ કેવી રાખવાની ? સહજ. જે વખતે શું બને છે એ જોવું. અને ધ્યેય કેવો રાખવો કે દાદાજીની સેવા કરવી છે અને ભાવ સહજ રાખવો. દાદાની સેવા મળવી એ તો બહુ મોટી વસ્તુ છેને ! એ તો બહુ મોટી પુણ્યૈ હોય તો મળે, નહીં તો મળે નહીંને ! આમ હાથ જ ના અડાડાયને ! એક ફેરો આમ હાથ અડાડવું તેય બહુ મોટું પુણ્યૈ કહેવાય ને ભેગું થાય તો મનમાં માનવું કે ઘણા દહાડે પ્રાપ્ત થયું એટલુંય કંઈ ઓછું છે ! બાકી, ગમે તે રસ્તે શુધ્ધ ઉપયોગમાં રહેવું. ધ્યેયીને ધરે હાથ દાદા સદા ! હું તમને હેલ્પ કરું છું, બાકી ડિસીઝન તમારે લેવાનું. તમારે બધાએ ફાધર-મધર અને છોકરાંઓએ સમાધાનકારક થઈને ડિસીઝન લેવાનું. તમારે બધાંને સમાધાનકારક આવે એવું તમે ડિસીઝન લો, પછી અમે હેલ્પ કરીએ. તમે જે લાઈનમાં હો, એ લાઈનમાં હેલ્પ કરીએ. એક પૈણ્યા હોય તોય અમને વાંધો નથી અને ના પૈણો તોય વાંધો નથી પણ તમારું બધાનું ડિસીઝન સમાધાનપૂર્વકનું હોવું જોઈએ. નહીં તો પછી બધાની અમારા તરફની બૂમ આવે અને જે માણસને અમારા માટે બૂમ આવે, તો એ માણસને અમારા માટે અભાવ આવે તો એનું અવળું થાય. એટલાં માટે હું આ કશામાં પડતો નથી. સામાનું અવળું થાય, એમાં જવાબદારી મારી છે. મારા પર સહેજ અભાવ આવે તો એને શું થાય ? એટલે અમે અમુક કાયદેસર જ રાખીએ. કાયદેસરની બહાર અમે પડીએ નહીં. કાયદાની બહાર અમે ચાલીએ નહીં. એના જે લૉ એ લૉ, એમાં જ રહેવું પડે. મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ; બધું દાદાને અર્પણ કરીને 'હું અનંત શક્તિવાળો છું, હું અનંત બ્રહ્મચર્ય શક્તિવાળો છું' એવું બધું આપણે બોલાય. કારણ કે આ વિષયમાંથી પાર નીકળવું, આ ઉંમર પસાર કરવી એ બધું બહુ વહમું (વસમું) છે. દાદા તો, તમારે આમ જવું હોય તો આમ મદદ કરે અને આમ પૈણવું હોય તો પૈણવામાં મદદ કરે. દાદાને કશું આમાં લેવાદેવા નહીં. તમે તમારે નક્કી કરો, તમારામાં શું માલ ભરેલો હોય એ ? હું ક્યાં ઊંડો ઊતરું અને મને એવો ટાઈમેય ના હોય. એટલે તમારી દુકાનનો માલ તમારે જાણવાનો. એટલે બધાએ પોતાની મેળે સમજી લેવાનું. હું શું કહું છું કે પૈણજો, તોય આપણો કંઈ મોક્ષ જાય એવો નથી. ના પૈણવું હોય તો આ નિશ્ચય મજબૂત કરો અને આમાં સ્ટ્રોંગ રહો. બેમાંથી એક તરફની એક્ઝેક્ટનેસ ઉપર આવી જવું જોઈએ. નહીં તો બાકી બધી તો અથડામણ થશે. વિચારો આવે, તે વિચારો બધા જોવા. વિચાર તો ખરા-ખોટા આવે જ ! જે ભર્યા છે એ આવે, ને આવે છે તો એ એટલા જતા રહે, ચોખ્ખું કરીને જાય છે. એટલે વિચાર ખરાબ આવે તો ગભરાવું નહીં. આ પહેલાં તો બ્રહ્મચર્ય નહોતું, જ્ઞાન નહોતું ત્યારે દરેક ખરાબ વિચાર જોડે તન્મયાકાર થઈને તે પ્રમાણે કરતો હતો ને ? અત્યારે તન્મયાકાર થાય નહીં અને ખરાબ વિચાર આવે એટલું જ. પણ તે આપણે જોવા ને જાણવા. ખરાબ ને સારું ભગવાનને ત્યાં નથી. એ બધું ડિસ્ચાર્જ થયા કરે છે. એ બધો મનનો સ્વભાવ છે. તમારે બધાએ તો રોજ ભેગા મળીને એકાદ કલાક બ્રહ્મચર્યસંબંધી સત્સંગ રાખવો. આપણે તો મોક્ષ સાથે કામ છે ને ? અને તમારે પૈણવું એમ જબરજસ્તીય અમે ના કરીએ. અમારે કોઈ જાતનો આગ્રહ ના હોય. કારણ કે તમારે ગયા અવતારમાં બ્રહ્મચર્યનો ભાવ ભરેલો હોય તો 'પૈણો' એવું દબાણ પણ અમારાથી કરાય નહીં ને ! એટલે અમારે તો 'આમ જ કરો' એવું કશું બોલાય નહીં. તમારી મજબૂતી જોઈએ. અમે વારેઘડીએ તમને વિધિ કરી આપીશું અને અમારું વચનબળ કામ આપશે, હેલ્પ કરશે. એટલે આમ જવું હોય તો આમ, એ નક્કી તમારે કરવાનું. પ્રશ્નકર્તા : એ નક્કી તો કરી જ લીધું છે. દાદાશ્રી : હા, નક્કી કર્યું છે અને વ્રતેય લીધું છે. પણ વ્રતમાં ભંગ થયો હોય તો આપણે પશ્ચાત્તાપ લેવો પડે. આપણે અહીં એક-એક કલાક પ્રતિક્રમણ કરે છે. મનનો સહેજ ફેર થયો હોય, મોઢા પર નહીં પણ વિચારથી, અને બીજું કશું કર્યું ના હોય પણ વર્તનમાં સહેજ ટચ થયો હોય અને ટચનો આનંદ થયો હોય, આમ હાથ અડાડવામાં એવું થાય તો તમારે એક કલાક એનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે આવું તેવું બધું કરશો તો આમ આગળ ફાવશો અને જો આમાંથી તરી પાર ઊતર્યા અને ૩૫-૩૭ વર્ષ થઈ ગયાં તો તમારું કામ થઈ ગયું. એટલે આ દસ-પંદર વર્ષ દુકાળનાં કાઢવાનાં છે. અને આ આપણું જ્ઞાન છે, તેથી આ બધું કહું ને ! નહીં તો બ્રહ્મચર્ય પાળવાનું કોઈનેય ના કહું. આ કળિયુગમાં બધે જ્યાં ને ત્યાં વિચારો જ મેલા અને તમારું તો ટોળું જ જુદું એટલે ચાલે. તમે બધા તો એક વિચારના અને તમે બધા જોડે રહો તો તમને બધાને એમ જ લાગે કે આપણી દુનિયા આ આટલી, બીજી આપણી દુનિયા ન હોય. પૈણનારી દુનિયા આપણી ન હોય. આ દારૂડિયા બે-ત્રણ હોય, તે જોડે બેસીને પીવે ને પછી આપણે તો ત્રણ જ છીએ, હવે કોઈ છે જ નહીં, એવું બધું જાણે ! જેમ જેમ પોતાને ચઢતો જાય ને તેમ તેમ પછી શું બોલે ? હું, તું, તું આપણે ત્રણ જ જણ; બસ, આ દુનિયાના માલિક જ આપણે. એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! આપણે આંગણામાં ઝાડ ઉછેર્યું હોય, રોજ ખાતર-પાણી નાખીએ ને હવે કન્સ્ટ્રકશનવાળાનો ઓર્ડર મળે કે આ ઝાડને કાપી નાખો ને ત્યાં આગળ પાયા ખોદવા માંડો તો ? અલ્યા, તે આ છોડવો ઉછેર્યો'તો શું કરવા ? જો ઉછેરીશ તો કાપીશ નહીં, તો પેલાને કહી દે કે કન્સ્ટ્રકશનવાળાએ મકાનની જગ્યા બદલવી જોઈએ. આપણે જેને જાતે ઉછેરીએ અને એને પછી આપણે કાપીએ તો શું થયું કહેવાય ? પોતાના છોકરાની હિંસા કર્યા બરાબર છે. પણ આપણા લોક કશું સમજતાં નથી ને કહેશે, 'કાપી નાખો ને !' મેં કોઈ વખત આ ભૂલ કરી નથી. અમને તો તરત વિચાર આવે કે જો ઉછેર્યું છે તો કાપીશ નહીં ને કાપવાનું હોય તો ઉછેરીશ નહીં. જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે. આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યા છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારીભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ 'દાદા'ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવા એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !! - જય સચ્ચિદાનંદ. |
|---|