|
અપ્રયત્નદશા ત્યાં પૂર્ણ સહજતા ! સંપાદકીય સંસારમાં તો બધે 'કરો, કરો, કરો' એમાં જ પ્રોત્સાહિત કરતા હોય છે. હજી વધુ સારું કરો, નાના બાળકથી માંડીને બધા જ ક્ષેત્રે કરવાપણું પાયામાં રહ્યું હોય છે. રમત-ગમત, ધંધા છેવટે ધર્મમાં પણ. જ્યારે જ્ઞાનીની દ્ષ્ટિએ આ સંસારમાં પોતાનું કર્તાપણું કેટલું ? સંસાર કેવી રીતે ચાલી રહ્યો છે, કોણ ચલાવી રહ્યું છે, તેની સમજણનું પ્રદાન હોય છે. અને તે જ્ઞાની પુરુષ પોતાના અનુભવના દ્ષ્ટાંત સાથે સમજાવે ત્યારે સમજાય એવું પણ હોય છે. અને જ્યારે સાચો કર્તા કોણ છે ? હું કોણ છું ? એ બધી વાસ્તવિકતાનું ભાન થાય છે, ત્યારે નિરાકુળ આનંદની નિરંતર અનુભૂતિ વર્તે છે. પરમ પૂજ્ય દાદાશ્રી પોતાની અનંત અવતારની શોધખોળ રૂપે આ જગતનો કર્તા કોણ છે તે લોકોને આપી શક્યા કે પોતાનું ધાર્યું થતું નથી, ભગવાન પણ કર્તા નથી, સંજોગો જ મનુષ્યોને ચલાવે છે. એને અંગ્રેજીમાં 'ઓન્લી સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'થી જગત ચાલે છે એમ કહ્યું અને ગુજરાતીમાં 'વ્યવસ્થિત શક્તિ'થી જગત ચાલી રહ્યું છે, એમ ફોડ પાડ્યો. કુદરતી રચના છે, પણ એમાં કુદરત ચલાવતી નથી, ખાલી નેચરલ એડજસ્ટમેન્ટ જ છે. અને બીજા શબ્દોમાં, બધા સંજોગો ભેગા થઈને પરિણામ આવે છે, તેમાં કોઈનું સ્વતંત્ર કર્તાપણું નથી, નૈમિત્તિક કર્તાપણું છે. શેરડીમાંથી ખાંડ બને તે કારખાનામાં કેટલાં બધાં મશીનો ને મજૂરોથી લઈને સાહેબો ભેગા મળીને કામ કરે છે. જ્યારે આ દેહમાં તો રોજની હજારો ક્રિયા થઈને ૭૦-૮૦ વર્ષ સુધી માણસ જીવે છે, તેમાં કોણે કર્યું ? આમ જમ્યા પછી પચાવવા સુધી ને પછી શક્તિ ઉત્પન્ન થતાં સુધી પોતાનું કર્તાપણું કેટલું ? ઊંઘમાં શ્વાસ લેવામાં કર્તાપણું કેટલું ? કોઈ પણ ક્રિયા થાય છે તેમાં સંજોગો, કાળ, સ્પેસ અને પોતાના ભાવ બધા ભેગા મળે તો જ થઈ શકેને ? તો તેમાં કર્તાપણું કેટલું ? પ્રથમ આ જાગૃતિમાં આવવાનું છે કે આ સંસારનામ તમામ કાર્યોમાં પોતાનું કર્તાપણું છે જ નહીં. પછી એથી આગળ દેહ-મન-વાણીની પ્રત્યેક ક્રિયામાંય પોતાનું કર્તાપણું નથી. આમાં પોતે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું છે પણ અત્યાર સુધી કર્તાપણું ઘૂંટાયેલું તેમાંથી પાછા ફરવાનું છે. અને સહજાસહજ ચાલે, તેને જોવા-જાણવાનું છે. પ્રસ્તુત સંકલનમાં શુધ્ધાત્મા પદમાં સ્થિત થયા પછી અપ્રયત્ન દશામાં પુરુષાર્થ માંડી પૂર્ણ દશા પ્રાપ્ત કરવાના સુધીનાં સોપાન પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીમાં ખુલ્લાં થયાં છે, તે મહાત્માઓએ તો છેલ્લી દશાનું ચિત્ર સમજી લેવાનું છે અને જીવનના અંતિમ ધ્યેય તરીકે લક્ષમાં રાખવાનું છે કે જ્યારે ત્યારે આવી સહજ, અપ્રયત્ન દશા પ્રાપ્ત થાય. ત્યાર વગર પૂર્ણાહુતિ થવાની નથી. ત્યાં સુધી જ્ઞાનીનું જ્ઞાન અને આજ્ઞાની આરાધના પ્રગતિનાં ઉપરનાં પગથિયાં ચઢાવ્યા કરશે. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ. અપ્રયત્નદશા ત્યાં પૂર્ણ સહજતા ! બાપોય રચનાર નથી.... પ્રશ્નકર્તા : આપે લખ્યું છે કે 'આ જગતનો કોઈ બાપોય રચનાર નથી' તો એ સમજાવો. દાદાશ્રી : હા, 'મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે.' આ કુદરતી રચના છે એટલે શું ? ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જ છે. તેને આધારે આ બધું થઈ રહ્યું છે. આ તો બધું સહજાસહજ ચાલે છે. જગત આપણે ચલાવતા નથી. સૂર્યનારાયણેય ચલાવતા નથી ને ભગવાનેય ચલાવતા નથી. જો ભગવાન ચલાવે ને તો ભગવાન થાકી જાય. આ તો બધું નેચરલ એડજસ્ટમેન્ટ છે ખાલી ! નેચરેય ચલાવતી નથી. ખાલી નેચરલ એડજસ્ટમેન્ટ જ છે ! કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે સંજોગોનું ભેગા થવું તે. સંજોગોનો ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો, એનું નામ કુદરત અને એ સંજોગો ભેગા થઈ રહ્યા, એનું નામ 'વ્યવસ્થિત'. દેહ કારખાનું ચલાવ્યું કોણે ? આ એલેમ્બિકના કારખાનામાં કેટલાંય માણસો કામ કરે છે. ત્યારે કેમિકલો થાય છે અને તેય પાછું એક જ કારખાનું અને આ દેહ તો અનેક કારખાનાંનો બનેલો છે, લાખ એલેમ્બિકનાં કારખાનાંનો બનેલો છે. તે એમ ને એમ ચાલે છે. મૂઆ, રાતે ઓંઢવો (હાંડવો) ખાઈને સૂઈ ગયો, તે મહીં કેટલો પાચકરસ પડ્યો, કેટલું પિત્ત પડ્યું, કેટલું બાઈલ પડ્યું, તેની તપાસ કરવા જાઉં છું તું ? ત્યાં તું કેટલો એલર્ટ છું, મૂઆ ? એ તો સવારે એની મેળે બધી જ ક્રિયાઓ થઈને, પાણી પાણીની જગ્યાએ ને સંડાસ સંડાસની જગ્યાએથી છૂટું પડી નીકળી જાય છે ને સત્વો બધાં લોહીમાં ખેંચાઈ જાય છે. તે એ બધું તું ચલાવવા ગયો હતો ? અલ્યા, આ અંદરનું એમ ને એમ ચાલે છે તો બહારનું નહીં ચાલે ? 'તું કરું છું' એવું શા માટે માને છે ? એ તો ચાલ્યા કરશે. રાતે ઊંઘમાં શરીર સહજ હોય છે. આ તો મૂઆ અસહજ. આ દહાડે તો લોક કહે છે કે હું શ્વાસ લઉં છું, ખરા શ્વાસ લઉં છું, ઊંચા લઉં છું ને નીચા પણ લઉં છું. તો મૂઆ રાતે કોણ શ્વાસ લે છે ? રાતે જે શ્વાસોચ્છવાસ ચાલે છે તે નોર્મલ છે. તેનાથી બધું જ સરસ પાચન થાય છે. સંસાર સહેજે ચાલે એવી વસ્તુ છે. આ ખાધા પછી મહીં જેમ સહેજે ચાલે છે તેના કરતાં બહાર વધારે સહેજે ચાલે તેમ છે. દેહ તો એનું કાર્ય કર્યે જ જવાનો, આપણે જોયા કરવાનું. એ વ્યવસ્થિતના તાબામાં છે, આપણા તાબામાં નથી એ. એ ખાશે, પીશે, હરશે, ફરશે, બધું કરશે. વ્યવસ્થિતનો અર્થ શું છે કે સહજ ભાવે બને એ કર્યે જાવ. 'શું ભેગું થયું' ત્યાં જ જાગૃતિ ! પ્રશ્નકર્તા : કોઈ પણ કાર્ય થવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, ચાર વસ્તુની જરૂર પડે, તો એ શું છે ? દાખલો આપીને સમજાવો. દાદાશ્રી : હું ઘેર મારી રૂમમાં બેઠો હોઉં બાંકડા પર આમ અને ત્યાં બે-ત્રણ દહાડાથી વિચાર આવ્યો હોય કે મારે વાળ કપાવવા છે. વિચાર આવ્યા પછી કામ તરત થતું નથી હોતું. નહીં તો જેમ જેમ દહાડા જાય તેમ બોધરેશન વધતું જાય મહીં. કંટાળો આવ્યા કરે. એટલે પહેલાં મને ભાવ થયો. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પહેલો ભાવ થયો. પછી એક દહાડો નક્કી કરે, આજ તો જવું જ છે. ઘરમાં કહ્યું કે બધા આવે તો બેસાડી મૂકજો, હું જઈ આવું છું. હવે ત્યાં આગળ લખેલું હોય, આજ મંગળવાર છે એટલે બંધ છે. શું કારણ ? ક્ષેત્ર ભેગું થયું નહીં. દુકાને જઈને પાછા. જે દહાડે જઈએ ને પાછા પડીએને, પછી આખો દહાડો એ જ સાંભર્યા કરે કે હેંડો જવું છે, જવું છે. પછી બીજે દહાડે ગયો, તે પેલા કાપનાર છોકરાએ દુકાન ઊઘાડી હતી. તે કહે છે 'કાકા આવો, બેસો.' મેં કહ્યું, 'વાળ કાપનાર ક્યાં ગયો ?' ત્યારે કહે, 'એ તો હમણે જ ગયા ચા પીવા હારુ. એ દસ મિનિટમાં આવશે.' એટલે દંડ તો આગલે દહાડે થયેલો એટલે જાણીએને કે પંદર મિનિટમાં કંઈ બગડવાનું નથી. હવે ભાવ થયો, ક્ષેત્ર થયું, દ્રવ્ય મળ્યું નહિ. દ્રવ્ય મળે તો કાળ ભેગો થાય. પછી એ આવ્યો અને કાળ ભેગો થઈને ચક, ચક, ચક વાળ કાપી આપે. એટલે હું વડોદરામાં શું કરું ? જ્ઞાન ન્હોતું ને ત્યારે પણ આવું કરતો. ઘેરથી ત્યાં જઉં, ત્યાં દુકાન બંધ હોય. એટલે અમે જાણીએ કે આજે સંજોગ ભેગા ના થયા. એટલે આવો હિસાબ કાઢીએ અમે બધો. અમે બધું તપાસ કરીએ, ક્યો સંજોગ ખૂટે છે ? પ્રશ્નકર્તા : બીજે દહાડે જાય તો, પાંચ-છ જણા બેઠા હોય વાળ કપાવવા માટે અને આપણી પાસે ટાઈમ હોય નહીં કે હવે પાછું પા કલાકમાં જવું છે ઘરે. એટલે પાછા આવતા રહેવું પડે. દાદાશ્રી : હા, તે એવું બને. એટલે અમને આવું ટાઈમ ને બધું જોતાં જોતાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધું જડેલું કે આ જગત શી રીતે ચાલે છે ? અમારે આજ આમ જ કરવું છે એવું ના હોય. ભેગું થાય છે કે નહીં એટલું જોઈએ અને એની મેળે સહજ ભેગું થઈ જતું હોય તો, નહીં તો કંઈ નહીં. લોક આવી રીતે ના જુએ, નહીં ? તો લોક શી રીતે જુએ ? 'હું ગયો ને ત્યાં પેલો મળ્યો નહીં, મારું કામ ના થયું', કહેશે. હિસાબ જડ્યો, કર્તા કોણનો ? પ્રશ્નકર્તા : એ જ જ્ઞાન કામ કરે છે. દરેક વ્યવહારમાં એ જ્ઞાન જ કામ કરે છે. દાદાશ્રી : એ વ્યવસ્થિત કેવી રીતે છે, એવું અમે એકલાએ જ્ઞાનમાં જોયેલું છે. એને શબ્દથી વર્ણવવા માટે અમારે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કહેવું પડ્યું. કારણ કે ગુજરાતી શબ્દ જ નથી એને માટે. પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : એટલે સાયન્સ માર્ગ છે. વૈજ્ઞાનિક કહું, તો વૈજ્ઞાનિક સમજાય નહીં. એ બે-ત્રણ વખત વાત કરું છું તો તરત સમજી જાય છે માણસ. કારણ કે નાના નાના દાખલા સાથે સમજણ પાડીએને અને અમારો હિસાબ જડી ગયોને એટલે. કારણ કે જે હિસાબ ખોળતો હતો તે જડ્યો એટલે પછી તો લોકોને આપ્યો આ. છે ગોઠવાયેલું, માત્ર જ્ઞાનીની દ્ષ્ટિએ ! પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે બધું ગોઠવાયેલું જ છે એવું કહેવાય ? દાદાશ્રી : હા, પણ એમ બોલ બોલ ના કરવું જોઈએ કે 'વ્યવસ્થિતમાં હશે તો સત્સંગમાં જવાશે.' એવું બોલવાનું નહીં, નહીં તો પછી ના જવાય. આપણે 'જવું છે' એવું નક્કી કરવાનું. નક્કી કર્યા પછી સામું કોઈ આડું આવે તો 'વ્યવસ્થિત' કહીને આપણે સમભાવે ફાઈલનો નિકાલ કરવાનો. એટલે 'વ્યવસ્થિત'નો દુરુપયોગ ના થવો જોઈએ. આ 'વ્યવસ્થિત'નું જ્ઞાન તો બહુ શાંતિ આપે, જરાય ઉપાધિ ના થવા દે ને ! આ જ્ઞાનનો દુરુપયોગ કરે તો ડખલ કર્યા વગર રહે નહીં એ. એટલે ડખોડખલ નહીં કરવાની. સહજ ભાવે રહેવાનું. અમે રહીએ છીએને સહજ ભાવે ? 'મારે' 'પટેલ'ને કહેવાનું કે રોજ ચાર વાગ્યે સત્સંગમાં જવાનું, નહીં તો તો પછી થઈ જ રહ્યું ને ? એવું 'ગોઠવાયેલું' કહે એટલે ખલાસ થઈ ગયું. ગોઠવાયેલું કહેવાય નહીં. છે ગોઠવાયેલું, પણ તે જ્ઞાનીની દ્ષ્ટિએ ગોઠવાયેલું છે અને તમને આ વાત જ્ઞાની અવલંબનરૂપે આપે, આ એક્ઝેક્ટ અવલંબન છે. એ વાપરવાનું ખરું, પણ અમારી કહેલી સમજણ પ્રમાણે વાપરજો. તમારી સમજણ પ્રમાણે વાપરશો નહીં. શબ્દોની અસરોથી ચેતો... હેંડતા-ચાલતા 'વ્યવસ્થિત' બોલાય નહીં. થઈ ગયા પછી વ્યવસ્થિત. 'વ્યવસ્થિતમાં હશે તો ઊઠાશે', એવું બોલવું એ ભયંકર જોખમ. સવારમાં વહેલું ઊઠવું છે, તો 'વ્યવસ્થિતમાં હશે તો ઊઠાશે' કહીએ તો મન-વચન-કાયાની જે કાળજી તે પછી બંધ થઈ જાય પાછી. એની કાળજી છે, એટલે બંધ આંખે ગાડી ચલાવે પછી જોઈ લો, મજા આવે તે ! પ્રશ્નકર્તા : માણસ બધી રીતે નિરૂપાય થઈ જાય, ત્યારે વ્યવસ્થિતનો આશરો લઈ શકે કે નહીં ? દાદાશ્રી : લઈ શકે છે. પણ તે આશ્વાસન પૂરતું. એકદમ આશ્વાસનની જરૂર હોય તો દવા પી લેવી, પણ છેવટે તો 'એ વ્યવસ્થિત નથી' એમ માનીને જ આગળ ચાલવું. પ્રશ્નકર્તા : એટલે પ્રયત્નો જારી રાખવા એમ કહેવાનો મતલબ છે ? દાદાશ્રી : એની મેળે સહજ પ્રયત્નો થઈ જ રહ્યા હોય. તેને આપણે અટકાવીએ છીએ, 'વ્યવસ્થિત' કહીને, ડખલ કરીએ છીએ એમાં. એક-એક શબ્દ અજ્ઞાનીનો અગર જ્ઞાનીનો શબ્દ બહુ ઈફેક્ટિવ છે. અજ્ઞાનીનોય એટલો બધો ઈફેક્ટિવ છે. આત્માની હાજરીમાં બોલાય છે. પ્રશ્નકર્તા : દાદાની બધી બોધકળા જે છે, એ બધી જ્ઞાન ના લીધું હોય તોય ઉપયોગી જ છે ને ? દાદાશ્રી : ઘણી ઉપયોગી. પ્રશ્નકર્તા : બીજાની બાબતમાં, પોતાને લગતી ના હોય પણ બીજી કોઈ વ્યક્તિને માટે હોય, તો ત્યાં આગળ આપણે બધી રીતે નિરૂપાય થઈ ગયા હોઈએ, તો 'વ્યવસ્થિત' કહીને આશ્વાસન લેવું ? દાદાશ્રી : તો બીજું શું કરવાનું ત્યાં ? બીજાને માટે ઉપાય ચાલે ત્યાં સુધી, નહીં તો છોડી દેવાનું. 'વ્યવસ્થિત' કહેવાની જરૂરેય નથી. એમ ને એમ જ છોડી દેવાનું. પાંચ આજ્ઞા પાળવાની રીત, સમજાવી સહજમાં ! પ્રશ્નકર્તા : તો પાંચ આજ્ઞામાંથી વ્યવસ્થિતની આજ્ઞા એ પ્રકૃતિના વિભાગને જ લાગુ પડે છે ને ? દાદાશ્રી : વ્યવસ્થિત 'આપણ'ને સ્પર્શ કરતું જ નથી. આપણે તો આ ચંદુભાઈ કરી રહ્યા છે, એ વ્યવસ્થિતના આધીન કરી રહ્યા છે. એટલે હવે કોઈના તાબામાં નથી એ. એ 'ચંદુભાઈ શું કરી રહ્યા છે' એને એક્ઝેક્ટ જાણીને જો લખી લે નોંધ, એટલે લખવાની નહીં પણ લખ્યા જેવું નોંધ રાખે, લખ્યા જેવું જુએ, એ છે તે જ્ઞાતા-દ્રષ્ટા. હવે તમે શુધ્ધાત્મા થયા. હવે આ સંસાર શું છે ? ત્યારે કહે છે, વ્યવસ્થિતના આધીન છે. એને તું જો, બધું જ, જેટલું છે એટલું તું જો. એટલે એ બધું ધીમે ધીમે સહજ ભાવે ચાલ્યા કરશે અને તું જ્ઞાતા-દ્રષ્ટામાં રહી શકીશ, સ્વ-ઉપયોગમાં. આટલું જ કહેવા માંગે છે એ. ત્યારે કહે છે, એમાં છે તે કોઈએ મારી મશ્કરી કરી, ત્યારે કહે, 'સમભાવે નિકાલ કરી નાખજે.' તે સમભાવે નિકાલ કરીને કામ લેજે, કોઈ ગમ્મે તેવું કરે તોય. તારું ચોરી ગયો બધુંય, તું બહાર ગયો ને તાળું તોડીને ચોરી ગયો ને આવીને જોયું, તો કશુંય નહીં, વ્યવસ્થિત ! અને હવે સમભાવે નિકાલ કરી નાખ. આ બન્યું તે જ કરેક્ટ છે. જતું રહે તોય ચિંતા નથી, એવું રાખવું જોઈએ. આ કંઈ સારું જતું નથી ને ખોટું ઊભું રહેતું નથી. એ તો એનો હિસાબ ચૂકતે કર્યા સિવાય જતા નથી. આત્મદશા, ત્યાં વ્યવહાર સહજ ! કર્મ કુદરતના હાથમાં જાય છે. એટલે કુદરત પોતાના બધા સંજોગોને સ્વાભાવિક રીતે બનાવી અને પછી ભોગવડાવે છે. એટલે સાયન્ટિફિક સરકમ-સ્ટેન્શિયલ એવિડન્સ ચલાવે છે આ જગતને. ઈટ હેપન્સ છે આ તો બધું ! તમારે જ્ઞાન લીધા પછી ઈટ હેપન્સ. જ્ઞાન ના લીધું હોય તો ઈટ હેપન્સ ના કહેવાય. જ્ઞાન લીધા પછી વ્યવસ્થિત ! બાકી આ તો બધું થયા જ કરે છે. આ લોકોની છોડીઓ સરસ રીતે પૈણે છે, જે પાંચ વર્ષેય ઠેકાણું નહોતું પડતું, તે દસ દહાડામાં વિવાહ બેસી જાય ને કામ થઈ જાય બધું. પાછા મને કહી જાય આવીને, એવું આ વિજ્ઞાન. સહજ કરે એટલે દરેક કામ સીધાં થઈ જાય અને સહજ ના કરે ને કઠોર કરે તો બગડ્યું. પોતાનાં અહંકારનું દહીં નાખે દૂધમાં એટલે દૂધપાક ના થાય. કર્તાપણું છૂટ્યે, દર્શન ખીલે ! હવે આ વ્યવસ્થિત જો યથાર્થ સમજે ને તો ઓફિસમાં આઠ કલાકનું કામ એક કલાકમાં પતે એવું છે. એક જ કલાકમાં પતે એટલું દર્શન ઊંચું જાય. વ્યવસ્થિત શક્તિ આપણે કહી છે ને, તે આ શરીરના બધા અવયવો એને તાબે છે. એટલે આપણે સહજ ભાવમાં 'હું શુધ્ધાત્મા છું' એમ માનીને વ્યવસ્થિતને સોંપી દઈએ અને ડખોડખલ ના કરીએ. 'કામે નહીં જાય તો શું બગડી જશે ?' એવું કંઈ ના બોલાય. એ ડખોડખલ કહેવાય. જવાનું આપણી સત્તામાં નથી, તો એવું કેમ બોલાય ? એ ડખોડખલ કરે છે ને, તેને લીધે વાત સમજાતી નથી. નહીં તો બહુ જ સહેલાઈથી કામ પતી જાય. સંસાર બહુ સરસ ચાલે તેવો છે. પ્રયત્ન પછી, પરિણામ 'વ્યવસ્થિત' ! પ્રશ્નકર્તા : હા, એટલે પુરુષાર્થ કરવો જ જોઈએ એનો અર્થ ? દાદાશ્રી : નહીં, પુરુષાર્થ નહીં, પ્રયત્ન કહેવાય છે, વ્યવહારિક પ્રયત્ન, તે જાગૃતિ રાખવી જોઈએ, બીજું કશુંય નહીં અને ભૂલ થઈ ગયા પછી વ્યવસ્થિત અને હતું જ વ્યવસ્થિત, એવું જે હતું ને તે જ ખુલ્લું થયું. એવું છે કે જે જાગૃત છે, તેને કશું કરવાની શર્ત નથી. આ તો અજાગૃતોને મેં કહ્યું છે કે તું પ્રયત્ન કરજે, નહીં તો ઊંધું કામ કરશે. વ્યવસ્થિતનો અવળો ઉપયોગ કરશે. એ વ્યવસ્થિત જ્ઞાની પુરુષ એકલા જ એને વ્યવસ્થિત માની શકે બધી રીતે. જ્યાં સુધી જ્ઞાન પૂરેપૂરું થયું નથી ત્યાં સુધી તમારે તો પ્રયત્ન કર્યા જ કરવાના. બાકી કરે છે બધું વ્યવસ્થિત. જ્ઞાની તો બધી રીતે વ્યવસ્થિત માને. જ્ઞાનીને જ્ઞાનમાં આ બધું દેખાય, કેવી રીતે ચાલી રહ્યું છે ! મોટા જ્યોતિષે કહ્યું હોય કે કઢી ઢોળાઈ જવાની છે, તોય આપણે પ્રયત્ન કરવો. કારણ કે ટાઈમિંગ બદલાઈ જાય તો એનું જ્યોતિષ ખોટું પડી જાય ને દિવસમાં તો ટાઈમિંગ બદલાયા જ કરવાનાં. એવા એવા સંજોગો ઊભા થાય, તે ટાઈમિંગ બદલાઈ જાય. આપણી ભાવના એટલી બધી મજબૂત હોય તો ટાઈમિંગ હઉ બદલાઈ જાય ! અનંત શક્તિવાળો આત્મા છે !! છે ડિસ્ચાર્જ છતાં, પ્રયત્નો કરો પૂરા ! પ્રશ્નકર્તા : આપણે નિશ્ચય કરીએ, એનાથી વ્યવસ્થિતમાં ફેરફાર થાય ? દાદાશ્રી : નિશ્ચય કરો તેય પૂર્વનો ડિસ્ચાર્જ છે ને નિશ્ચય ના કરો તેય પૂર્વનો ડિસ્ચાર્જ છે. કેવો નિશ્ચય થાય છે, તેના પર વ્યવસ્થિત છે. માટે શું થાય છે તે જુઓ. નિશ્ચય કરવાનાય આપણે કર્તા નથી. આ તો ડિસ્ચાર્જ સ્વરૂપ નિશ્ચય છે. પ્રશ્નકર્તા : તો પૂર્વના ડિસ્ચાર્જમાં હશે તે થશે, એવું બોલાય નહીંને ? દાદાશ્રી : એવું બોલાય જ નહીં. એ તો જોખમ છે. ઘેર જમાઈ માંદા હોય ને આપણે કહીએ કે ડિસ્ચાર્જમાં હોય તે થશે. તે બધા કામકાજ ના કરે. હવે આય ડિસ્ચાર્જ છે. પણ આવું ઘરમાં કહે તો સમજવું કે જમાઈ મરવાના થયા. હા, અનુભવ જ્ઞાની હોય તેને પ્રયત્ન સહજ થયા કરે. એ ઉદય કર્મને આધીન રહે ને આ લોકો તો ડખો કર્યા વગર ના રહે. આ લોકો ઉદયકર્મને આધીન રહે નહીં. એટલે અમે એને પ્રયત્ન કરવાનો કહીએ છીએ. નહીં તો આવતો ભવ બગાડે. 'વ્યવસ્થિત'ની બહાર કશું થવાનું નથી, એવો 'વ્યવસ્થિત'નો અર્થ ના કરવો જોઈએ. 'વ્યવસ્થિત' કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. આપણી ઇચ્છા પ્રયત્ન કરવાની હોવી જોઈએ. પછી 'વ્યવસ્થિત' જે પ્રયત્નો કરાવે તે ખરું, સહજ પ્રયત્ન હોવો જોઈએ. સહજ પ્રયત્ન થયા પછી... સહજ પ્રયત્ન નિયમથી ફળ આપે જ. આ એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. મેં જોયેલું છે. તમારા પ્રયત્નોય તેવા થશે. પણ આ શેને માટે ચેતવણી આપવી પડે છે ? કેટલાક માણસો આ પ્રયત્નો મોળા પડી જાય એવું કરી નાખે છે. ભાવના મોળી કરી નાખે છે કે, 'વ્યવસ્થિત' છે ને, હવે શું વાંધો છે ? એટલે પછી ધંધા પરેય જાય નહિ. આમ વ્યવસ્થિત બોલાય નહિ. જ્યારે જરૂર પડે ત્યારે જ 'વ્યવસ્થિત' બોલાય, નહિ તો 'વ્યવસ્થિત' કહેવાય જ નહિ. 'વ્યવસ્થિત'નો અર્થ સમજવો જોઈએ. પ્રયત્ન કરવો, પછી જે થાય તે, જે પરિણામ બને તે 'વ્યવસ્થિત'. 'વ્યવસ્થિત'ને લક્ષમાં રાખવાનું છે. એનું ખોટું અવલંબન ના લેવાય. બધા પ્રયત્નો પૂરા થાય અને કાર્ય થાય, ઊંધું વળે તો બોલવું કે 'વ્યવસ્થિત' છે. સાહજિક મોભો ! પ્રશ્નકર્તા : એટલે જગતનો ઉધ્ધાર અને કલ્યાણ તો જ થાય કે યંગ એજ(યુવાની)માં આ વસ્તુ મળે ? દાદાશ્રી : હા, તો જ થાય, નહીં તો થાય નહીં. એક સાહેબે કહ્યું ને કે આ આપ્તપુત્રો જેવા પાંચ જણ હોય તો બહુ થઈ ગયું. મેં કહ્યું, 'પાંચને નહીં ગાંઠે જગત.' અત્યારે સોએક જોઈએ. ને આપણે બધાય ટેકો કરીએ ત્યારે થાય. બધાએ ટેકો તો કરવો જોઈએને, પોતપોતાની આંગળીનો ? કલ્યાણ થાય એ ભાવનાય હોવી જોઈએ ને ? પહેલા તો વટ રાખવા માટે કેટલી બધી માથાકૂટ કરે. વટ રાખે કે ના રાખે ? પ્રશ્નકર્તા : હા, રાખે. પણ તે વખતેય એવો, તે વખતે એવું ભાન હતું ને કે આ રાખીશું તો જ આપણી અહીંયાં સત્તા છે. સંસારની અંદર જો આપણો વટ કે મોભો સચવાયો હશે તો જ કામનું છે. એટલે એનું રક્ષણ કરતા'તા. હવે એમ લાગ્યું કે ના, આ બધું નકામું છે. મૂળ વસ્તુ આ છે. દાદાશ્રી : સંસારના આ મોભા તો નકામા, બળ્યા ! પ્રશ્નકર્તા : પણ જ્ઞાની પાસે અત્યારે જે મોભો જળવાય છે એ ખરો છે ? દાદાશ્રી : અત્યારે મોભો જળવાય છે ને એ ખરો મોભો. પ્રશ્નકર્તા : એટલે એને માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી ? દાદાશ્રી : પ્રયત્ન કરવાની જરૂર નથી. આ સાહજિક હોય છે. પણ પાછું આના પ્રયત્નમાં મહેનત કરીને થાકી જાય છે. સાહજિક મોભો હોય છે તે ખરો ! સહજ થવા, લગામ છોડી દો... પ્રશ્નકર્તા : લગામ છોડી દેવાની એટલે બરાબર સમજણ નથી પડતી. લગામ છોડી દેવાની એટલે શું ? દાદાશ્રી : આપણા ઘરના બળદ હોયને કે જેણે આપણું ઘર જોયું છે એવા બળદોને પછી લગામ ખેંચ ખેંચ કરીએ અને બિચારાને હેરાન કરીએ એના કરતાં છોડી દેને, એ ઘેર જ પહોંચાડશે. એ કંઈ ઘાંચમાં પડવા ના દે. એ અવળું લાગેને તો તરત ફરીને જાય. કારણ કે એને પોતાની સેફસાઈડ જોવાની છેને ? અને આ મૂર્ખ હાંકશેને તો મારી નાખશે. એવું આ ઉદયકર્મ છેને, તે ફર્સ્ટ કલાસ રસ્તો ખોળી કાઢે. હાંકેડુ આ (અહંકાર) મૂઓ અવળો હાંકે. બધું બગાડે પાછો. સમજણ જ નહીંને ? એટલે આપણે કહીએ કે તું લગામ છોડી દેને છાનોમાનો. એ દહાડે ચાલે છે કે નહીં, એ જો તો ખરો ? એટલે એને ખાતરી થાય, તે ફરી બીજે દહાડે ચાલશે. પ્રશ્નકર્તા : એટલે સહજ રીતે જે ચાલતું હોય એ ચાલવા દેવાનું એ દિવસે ? દાદાશ્રી : લગામ નહીં પકડવાની. ચાલ્યા કરે છે એ બરોબર છે. સહજ શબ્દ તું જે સમજું છું એ સહજ જુદી જાતનું છે. અત્યારે અહીં સહજ કહેવાય નહીં. સહજ તો છેલ્લા સ્ટેશનની વાત. પ્રશ્નકર્તા : ના, એટલે દાદા, એની મેળે જ ઉદયકર્મ પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે ચાલવા દેવું ? દાદાશ્રી : ઉદયકર્મ જે રીતે કરે છે તે પ્રમાણે કરવા દેવું. પ્રશ્નકર્તા : એટલે એને લગામ છોડી દીધી કહેવાય ? દાદાશ્રી : એ તો આ સાહેબને મેં વાત કરી હતી એ કશું છોડતા નહોતા. ત્યારે મેં કહ્યું એમ કરો, આ રવિવારે તો લગામ બધી છોડી દો. પ્રશ્નકર્તા : વ્યવહારમાં આવું કરવું પડે ને ? દાદાશ્રી : હા, વ્યવહાર તો સાચવવો જ પડે ને ! છૂટકો જ નથી. જીવન કેવી રીતે જીવવું ? પ્રશ્નકર્તા : આના ઉપરથી માણસે કેટલા વાગે ઊઠવું જોઈએ ? સવારના કાર્યક્રમો શું કરવા જોઈએ અને જીવન કેવી રીતે જીવવું જોઈએ ? એ જરા સમજાવો. દાદાશ્રી : હા, સમજાવીએ. એવુંુ છે કે એક દા'ડો લગામ છોડી દો, શનિવારના દા'ડે રાત્રે કે રવિવારના દિવસે સવારથી લગામ છોડી દેવી, કે હવે મારે કંઈ ચલાવવું નથી. જુઓ કે ચાલે છે કે આપણે ચલાવવું પડે છે ? અત્યાર સુધી લગામ ઝાલી'તી. એટલે આપણને એમ લાગે કે હું જ ચલાવુંુ છું. પણ જ્યારે લગામ છોડી દઈએ તો ચાલે કે ના ચાલે ? પ્રશ્નકર્તા : ચાલે. દાદાશ્રી : સવારમાં ચા-નાસ્તો ના આવે ? મને લાગે છે, સવારમાં ઊઠાય જ નહીં ને ? ઊઠાય નહીં ? પ્રશ્નકર્તા : ઊઠાય ખરું. દાદાશ્રી : તે આ તપાસ નથી કરી ? એક દા'ડો છોડી દેને લગામ, અને તો બીજે દા'ડે ખબર પડે કે આ તો ઊલટું સારું ચાલ્યું. આ લગામ પકડી તેથી જ બગડે છે. પ્રશ્નકર્તા : તો આમાં કર્તા, અકર્તા, બે ભાવ કેવી રીતે સિધ્ધ કરવા ? દાદાશ્રી : આપણે રવિવાર હોય તો નક્કી કરવાનું મળસ્કે ઊઠતાં દાદાની પાસે માંગી લેવાનું કે આજે હું લગામ છોડી દઉં છું, લગામ છોડીને બેસવાનું. જેમ પેલો હાંકનારો માણસ લગામ છોડીને બેસેને તેમ લગામ છોડીને બેસવાનું ને પછી જોયા કરવાનું, ગાડું ચાલે છે કે બંધ થઈ ગયું. અગર ખાડામાં નાખે છે એ બધું જોવાનું. લગામ પકડતાં હોય ત્યાં સુધી તો પોતે હાંકેડુ થયો, ડ્રાઈવર થયો. તે લગામ જ છોડી દીધી અને દાદાને સોંપી દેવી લગામ. એટલે પછી જોવાનું આપણે, ચાલે છે કે નથી ચાલતું ? ઊલટું સારું ચાલશે. આ ચલાવી ચલાવીને તો દમ કાઢી નાખ્યો. બધા એક્સિડન્ટ જ તેથી કરે છે ને ! આ લગામ હાથમાં છે, તેથી તો એક્સિડન્ટ થાય છે. પાંચ ઈન્દ્રિયોના ઘોડાની લગામ છોડી દો ! આ તમને વ્યવસ્થિતની ગેડ બેસી, એટલે તમને અનુભવમાં આવી ગયું અને ના અનુભવમાં આવ્યું હોય તો લગામ છોડી દે, પાંચેવ ઘોડાની. અને પછી રથ કઈ બાજુ જાય છે એ જોજે. તે કહે છે, બહુ સારું પડ્યું આ તો, એટલું બધું સરસ ગયું. અને ઘોડાને અહીં લોહી નીકળતું હતું તે બંધ થઈ ગયું. આ આને હાંકતા ના આવડે, તે શું કરે છે ? એ ચઢાણ આવે ને, ત્યારે ખેંચ ખેંચ કરે છે અને ઢાળ આવે, ઊતરવાનું આવે ત્યારે ઢીલું મૂકે છે, એ ઠોકર ખઈ જાય. આના જેવું જ હોય છે હાંકવાનું. હવે આને ભાન નહીં ને હાંકવા બેઠો છે. તે પેલાને બિચારાને લોહી નીકળ્યું છે. પેલા ઘોડા બિચારા એ સમજી જાય કે આ ચક્કર કો'ક મળી ગયો આજે. આ શેઠ ચક્કર મળ્યા છે. શેઠ કંઈક સારા મળશે ત્યારે આપણી દશા પાંસરી થશે. ત્યારે આરો મળી આવશે. એટલે આવું, એના કરતાં છોડી દે ને, તું. તે છોડાવી દીધા પછી, છે તે કહે છે, 'બહુ સરસ આ તો, વ્યવસ્થિત બહુ સુંદર.' ત્યારે મેં કહ્યું, 'થોડુંક વ્યવસ્થિત ઉપર બેસી જા. ઘોડા ના ઝાલીશ, મૂઆ.' તેથી તો પેલાં અર્જુનને કહ્યું કે 'ભઈ, બેસી જા ને છાનોમાનો. તને નહીં આવડે. હું બેસું છું.' એટલે એ જાતે બેસતા હશે ? એ તો કંઈ પંદર રૂપિયાનો ગુમાસ્તા હતા ? એ જાતે બેસે ? આપણા લોકો એમ કહે, ભગવાને એમનો રથ હાંક્યો. મૂઆ, આપણાં લોક તો જેવું દેખે એવું બોલે. પણ એમાં શું સાર છે, શું આશય છે, એવું તેવું કંઈ ભાન નહીં ને ! જુઓને, ભગવાન આગળ બેસી ગયાં છે ને ? અને લોકોને ગમ્યું આ, કે ભગવાન આગળ હાંકે છે. પેલો હાંકતો'તો, બેસી જા ને, ભઈ. તારું કામ નહીં, કહે છે. તને તો કોઈ દા'ડો આવડ્યું જ નહીં, કહે છે. એક રવિવારના દહાડે એવું ના મળે ? મહિનામાં ચાર દહાડા ? પ્રશ્નકર્તા : મળે. દાદાશ્રી : તે ચાર રવિવાર છોડી દો તો ખબર પડી જાય, તમને અનુભવમાં આવી જાય, કર્તા, અકર્તા ભાવ. તે લગામને સવારના પહોરમાં, ઊઠ્યો ત્યારથી લગામ ઝાલે. મૂઆ ના ઝાલીશ, છોડી દે અહીંથી. કાયમ અમારી લગામ છૂટેલી હોય. લગામ અમારા હાથમાં જ ના હોય. ઘોડા ચાલ્યા જ કરે. તમારે કો'ક દહાડેય તમે અભ્યાસ કરી શકો ને ? અમારે કાયમ હોય. લગામ છોડી દેવાની કે બીક લાગે છે છોડી દેતાં ? પ્રશ્નકર્તા : લગામ એટલે 'હું કરું છું' એ ભાવ છોડી દેવાનો ? દાદાશ્રી : નહીં, લગામ એટલે 'હું કરું છું' એ ભાવ નહીં, બધો જ ભાવ. લગામ જ છોડી દેવાની. રોજ લગામ જ પકડી છે. તે દહાડે લગામ છોડી દેવાના ભાવ નક્કી કર્યા, 'દાદા, તમને લગામ સોંપી, હવે હું તો જ્ઞાતા-દ્રષ્ટા'. એટલે પછી રહ્યું જ નહીંને ! પછી તો ખબર પડી જાય બધું આખો દહાડો. ખબર પડે કે ચા મળે છે કે નથી મળતી ? જમવાનું મળે છે કે નથી મળતું ? જમવામાં મરચું આવે છે કે નથી આવતું, મરચું જોઈતું હોય તો ? બધું આવે એવું છે. આ તો ધીરજ રહે નહીંને માણસને અને એવું ભાન જ નથી ને ? 'હું કરું છું' તો થાય છે આ અને વર્લ્ડમાં કોઈ સંડાસ જવાની શક્તિવાળો કોઈ માણસ પાક્યો નથી. જ્યારે અટકે ત્યારે ખબર પડે કે આ સ્વતંત્ર શક્તિ મારી નહોતી. એ ડૉક્ટરોને ખબર પડે ક્યારે ? જ્યારે અટકે ત્યારે. ત્યારે ખબર પડી જાયને ? બીજા ડૉક્ટરને બોલાવવો પડે ને ? ત્યારે આપણે ના કહીએ, 'ડૉક્ટર, તમે તો બહુ મોટા હતા ને !' ત્યારે કહે, 'ના, મારે બીજાને બોલાવવા પડે.' એટલે પોતાની સ્વતંત્ર શક્તિ નથી આ. એટલે તે દહાડે કર્તા, અકર્તા ભાવ બેઉ માલમ પડી જાય. તે પાંચ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઘોડા છે, હવે આ પાંચ ઘોડા ચાલે છે. હાંકનારમાં સમજણ ના હોવાથી ખેંચ ખેંચ કરે ત્યારે ઘોડો ઠોકર ખાય જાય અને ગાડી ઊંધી પડે. એમ આપણા લોકોને હાંકતાં આવડતું નથી. એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું કે ભઈ અર્જુન, તું મહીં બેસ, તને નહીં આવડે. અને ભગવાન જાતે બેઠા. ભગવાન બેઠા એટલે વ્યવસ્થિત બધું આ ચલાવે છે. એટલે તમારે લગામ છોડી દેવી. આ ઘોડા કઈ બાજુ જાય છે તે જોયા કરો. વ્યવસ્થિત સમજાશે કે ઓહોહો ! આખો દહાડો લગામ છોડી દીધું તોય આ ચાલ્યું. ખાવા-પીવાનું, સંડાસ-બંડાસ, વેપાર-બેપાર બધું થયું ? ત્યારે કહે, 'હા, બધું સારું થયું, રોજના કરતાં સારું થયું.' લગામ માત્ર છોડી દેવાની, તે રાતથી જ નક્કી કરવાનું કે સવારમાં ઊઠ્યા ત્યારથી લગામ દાદાને સોંપી દેવી છે. જેવું અર્જુને કૃષ્ણ ભગવાનને સોંપી દીધી'તીને એવી સોંપી દેવાની. આ લગામ છોડી દેવાનો પ્રયોગ અઠવાડિયામાં એક દહાડો તમે કરી તો જુઓ ? રવિવાર હોય તે દહાડે સવારના પહોરમાં લગામ છોડી દેવાની અને કહેવાનું કે 'દાદા, આ નાડ તમને સોંપી. આ પાંચેય ઇન્દ્રિયરૂપી ઘોડાઓની નાડ અમને સોંપી દેવાની અને તમારે તો ખાલી જોયા જ કરવાનું કે કેવી રીતે ચાલે છે તે. આ ગાડી ખાડામાંય નહીં પડવા દે ને કશુંય થવા દેશે નહીં. અમે તમને અઠવાડિયામાં એક દહાડો લગામ છોડી દેવાનું કહીએ છીએ. વખતે ભૂલચૂક થઇ જાય તો દાદા, આ ફરીથી લગામ પકડી લીધી તેની માફી માંગું છું ને હવે નહીં પકડું' એવું બોલીને પાછી લગામ ફરીથી છોડી દેવી. શરૂઆતમાં ભૂલ થાય, પ્રેક્ટિસ પડતાં જરા વાર લાગે. પછી બીજી, ત્રીજી વખતે 'કરેક્ટનેસ' આવી જાય. પછી એથી આગળ વધવા માટે, એથી આગળનો પ્રોગ્રામ જોવો હોય તો 'ચંદુભાઇ શું બોલે છે, એને જો જો કરવાનું કે આ કરેક્ટ છે કે નહીં ?' ત્યારે થવાય પાસ વ્યવસ્થિતનાં જ્ઞાનમાં ! વ્યવસ્થિતનો નિયમ એક જણ પૂછતો હતો કે મને વ્યવસ્થિતનો નિયમ સમજણ પાડો. ત્યારે મેં એને કહ્યું કે ગાડીમાં પાંચ જણ જતા હોય ને તને કાનપટ્ટી ઝાલીને ગાડીમાંથી ઊતારી પાડે તોય એમ લાગે કે ઓહોહો ! એ પેલો ઊતારતો નથી, આ તો વ્યવસ્થિત ઊતારે છે. બેસાડતી વખતે એમણે કહ્યું હોય કે બેસો. અને પછી કહે કે ચંદુભાઈ, ઊતરી પડો. તો ચંદુભાઈને તરત જ એમ જ્ઞાન હાજર થવું જોઈએ કે આ વ્યવસ્થિત એમ કહે છે, કે તમે ઊતરી જાવ. કોનું નામ દેવાનું ? પ્રશ્નકર્તા : વ્યવસ્થિતનું નામ દેવાનું. વ્યવસ્થિત કહે છે, ઊતરી જાવ. દાદાશ્રી : વ્યવસ્થિત ઊતરવાનું કહે છે. ફરી છે તે થોડે છેટે જાય એટલે પાછા કહેશે, 'ના, ના. રહેવા દો આ'. પેલો ભાઈ કહેશે કે, 'ના, મારે તો નથી અવાય એવું'. ત્યારે પાછા ચંદુભાઈને કહેશે, 'ચાલો ત્યારે, પાછા આવો'. તો આ ચંદુભાઈ એમ સમજે કે 'મને વ્યવસ્થિતે બોલાવ્યો' અને વ્યવસ્થિત બોલાવે એટલે વ્યવસ્થિતના પ્રમાણે બેસવું જ જોઈએ આપણે. થોડી વાર ગયા પછી એક ફર્લાંગ ગયા પછી, બીજો એક ઓળખાણવાળો સામો ભેગો થયો ને, એટલે પછી કહેશે, 'એમ કરોને ચંદુભાઈ, તમે ઊતરો આ.' ત્યારે ચંદુભાઈને સમજાવું જોઈએ કે મને આ વ્યવસ્થિત ઊતારે છે. તો ત્યાં મોઢું તોબરા જેવું નહીં કરવાનું. વ્યવસ્થિત ઊતારે તેમાં મોઢું શું બગાડવાનું ? અને પછી ઊતરી જવાનું. થોડે છેટે ગયા પછી પેલો પાછો માણસ કહે છે, 'ના, મારાથી નહીં અવાય, રહેવા દોને.' એ ચંદુભાઈ આમ જતા હોય ને ચંદુભાઈને પાછા બોલાય, બોલાય કરો. 'એ ચંદુભાઈ, પાછા આવો.' એટલે 'વ્યવસ્થિતે' બોલાવ્યા એમ સમજવાનું અને એટલી જ સહજતાથી પાછાં આવીને બેસવું જોઈએ. ફરી પાછું કશું અડચણ થઈને કહેશે, 'ચંદુભાઈ, તમે ઉતરો.' તો ફરી ઉતરતાંય વાંધો નહીં. વ્યવસ્થિત ઉતારે છે, પેલો નથી ઉતારતો, એટલું જો એને ખાતરી છે. એને પેટમાં પાણી હાલે નહીં. ગાડીમાં બેસ ાડે છેય વ્યવસ્થિત અને ઉતારેય છે વ્યવસ્થિત એમ સમજવાનું. ગાડીમાંથી ઉતારી પાડે તો જાણવું કે વ્યવસ્થિત છે. પાછો ફરી બોલાવે તોય વ્યવસ્થિત અને ફરી ઉતારી પાડે તોય વ્યવસ્થિત. આવું નવ વખત થાય ત્યારે દાદાની પરીક્ષામાં પાસ થયો, વીતરાગતાની પરીક્ષામાં. નવ વખતમાં મન ફરે નહીં કશું, એવું મેં કહ્યું છે બધાંને. આ વ્યવસ્થિતનું જ્ઞાન એવું સુંદર છે ! માણસ કોઈ કરી શકતો જ નથી. આ વ્યવસ્થિત જ કરે છે અને વગર કામનો મોઢું તોબરું ચઢાવીને કહેશે, 'મારે નથી આવવું જાવ તમે'. બે-ચાર વખત કાઢે ને એની સાહજિકતા તૂટી જાય. એવું જો એને નવ વખત સહજતા વર્તે, એને પછી ધીમે ધીમે કેવળજ્ઞાન થાય. વ્યવસ્થિત આમ પૂરેપૂરું સમજે તો વ્યવસ્થિત ચોવીસ તીર્થંકરોનો સાર છે. શું કરવું ને શું ના કરવું ? બધું સહજ રીતે ચાલે છે એનું ભાન થશે ત્યારે આત્મજ્ઞાન થશે. હવે સહજ એટલે શું ? વિના પ્રયત્ને ચાલી રહ્યું છે. તેને આ લોકો કહે છે, 'મેં આમ કર્યું ને તેમ કર્યું બધું.' કેવી રીતે સમજાય આ ગેડ બધી ? અને કોઈએ બનાવ્યું નથી. કોઈએ કર્યું નથી, કરવા જેવુંય નથી. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ તો. પ્રશ્નકર્તા : તો આ અક્રમ જ્ઞાન મેળવવા માટે બધાએ પ્રયત્ન શું કરવા કરવો જોઈએ ? દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતું જ નથી. પ્રશ્નકર્તા : પછી તમારી પાસે આવવાની શી જરૂર ? દાદાશ્રી : મારો પાડોશીએય કોઈ પ્રયત્ન કરતો નથી અને હુંયે પાડોશીને કહેતો નથી કે અક્રમ જ્ઞાન લઈ લો. અહીં આગળ આવે ત્યારે, મને ભેગો થાય તો એમને હું વાત કરું, નહીં તો કરું નહીં. પ્રશ્નકર્તા : એ કરવાનીય શી જરૂર ? દાદાશ્રી : નહીં, સહજભાવે જે બને એ ખરું. પ્રશ્નકર્તા : સહજભાવે જે બનવાનું છે એ તો બન્યા જ કરે છે ? દાદાશ્રી : હા, તે એવું જ. અમારે બીજો કંઈ ડખો નહીં કરવાનો. અત્યારે આ સહજભાવે જ તમારી જોડે ભાંજગડ છે બધી. નવો ડખો આમાં કશો નથી. તમે ફક્ત સહજભાવમાં નથી. અમે તો સહજભાવમાં જ રહીએ છીએ. તમે સહજભાવમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો હવે. અને આ ફોરેનવાળા, એ તો બિચારા સહજ જ છે. આ ગાયો-ભેંસોય સહજ છે. પ્રશ્નકર્તા : એ તો મને ઘણીવાર લાગે, આ ગાયો-ભેંસો ને એ બધાં જે જાનવરો છેને, એમાં રાગ નથી ને દ્વેષ નથી. બીજું પણ.. એટલે એમ લાગે કે માનવ કરતાં તો એ લોકો વધારે સુખી છે. દાદાશ્રી : કારણ કે રક્ષિત છે એ. એ છે તે આશ્રિત છે. અને આશ્રિત દુઃખી ના હોય કોઈ. આ એકલા હિન્દુસ્તાનના લોક નિરાશ્રિત છે. પ્રશ્નકર્તા : તો પછી માનવદેહ એ લોકોનાં કરતાં વધારે સારો કઈ રીતે ગણાય ? દાદાશ્રી : મોક્ષને માટે લાયક થઈ ગયો છે આ. પ્રશ્નકર્તા : મોક્ષ શું છે ? દાદાશ્રી : મોક્ષ એટલે પોતાની છેલ્લી, સ્વાભાવિક દશા. પ્રશ્નકર્તા : એ પણ સહજ રીતે આવવાની હોય, તો માણસે પ્રયત્નેય શું કરવા કરવો ? દાદાશ્રી : એ સહજ રીતે જ આવી રહી છે. પ્રશ્નકર્તા : તો પછી પ્રયત્ન કરવાની કંઈ જરૂર જ નહીંને ? દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતું જ નથી. આ તે પ્રયત્ન કરે છે તે તો પોતે અહંકાર કરે છે. મેં પ્રયત્ન કર્યો આ. પ્રશ્નકર્તા : હું અહીંયાં આવ્યો તે હું એવું માનું છું કે હું પ્રયત્ન કરીને આવ્યો. દાદાશ્રી : એ તો તમે એમ માનો છો કે હું આ કરી રહ્યો છું. હું જાણું છું કે આ તમે સહજ રીતે આવ્યા છો અને તમારો ઈગોઈઝમ તમને એમ દેખાડે કે હું હતો તો થયું, ભેગા થયા, આમ થયું, તેમ થયું ને એડજસ્ટમેન્ટ લઈ લ્યો છો તમે. બસ, એટલું જ થયું. બધી ક્રિયા સ્વાભાવિક થઈ રહેલી છે. પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી ? દાદાશ્રી : ના કરવા જેવુંય નથી રહેતું. પ્રશ્નકર્તા : ના કરવા જેવું તો કરતા જ નથી. દાદાશ્રી : કરવા જેવુંય નહીં રહ્યું ને ના કરવા જેવુંય નથી રહેતું. પ્રશ્નકર્તા : તો શું કરવાનું ? દાદાશ્રી : જાણવા જેવું છે જગત. પ્રશ્નકર્તા : જાણવું કેવી રીતે ? દાદાશ્રી : આ અત્યારે શું બને છે, એ જોયા કરવાનું ને જાણ્યા કરવાનું, બસ. સહજતા એટલે જ અપ્રયત્ન દશા ! પ્રશ્નકર્તા : પેલી ચરણવિધિમાં છેને, મન-વચન-કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ તો એ સહજતા કેવી છે ? એટલે સહજતાની વ્યાખ્યા શું ? દાદાશ્રી : સહજતા એટલે આમ, જાડી ભાષામાં કહે તો અપ્રયાસ દશા. કોઈ પણ પ્રયાસ નહીં. આત્માએ કરીને પ્રયાસ નહીં અને દેહે કરીનેય કોઈ પ્રયાસ નહીં. માનસિકેય પ્રયાસ નહીં ને બુધ્ધિનોય પ્રયાસ નહીં. કોઇ પણ જાતનો પ્રયાસ નહીં, અપ્રયાસ દશા. પ્રશ્નકર્તા : એ પછી મન-વચન-કાયાનો સુમેળ તો હોયને ? દાદાશ્રી : અનાયાસ દશા થઈ. બસ, પ્રયાસ નહીં. અને એમાંથી પ્રયાસ કરનારો નીકળી જાય. મન-વચન-કાયા કામ કરનારાં છે, પણ પ્રયાસ કરનારો નીકળી જાય. પ્રયાસ કરનારની ગેરહાજરી એ છે તે સહજદશા અને પ્રયાસ કરનારની હાજરી એ અસહજ. એટલે એ પ્રયાસ કરનારો જવાથી સહજ. પછી જે ક્રિયા થતી હોય તે એ ક્રિયાનો વાંધો નથી. પ્રયાસ કરનારનો વાંધો છે. પ્રશ્નકર્તા : એટલે આ પ્રયાસ કરવાની પેલી આંટી જ પડેલી છે એને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ કોઈ પણ પ્રક્રિયામાં પ્રયાસની ખરેખર જરૂર જ નથી ? દાદાશ્રી : પ્રયાસની જરૂર, પેલું એનો કરનારો ના હોવો જોઈએ. પ્રયાસની જરૂર નહીં, એમ કહીએ તો તો પછી લોકો કામ કરવાનું છોડી દે બધું. છોડી દેવાનો ભાવ કરે. એટલે પ્રયાસની જરૂર. પ્રશ્નકર્તા : પણ હકીકત શું છે અંદરની, એક્ઝેક્ટનેસ ? દાદાશ્રી : એ પ્રયાસ કરનારો જ જતો રહે એટલે બસ થઈ ગયું. પ્રશ્નકર્તા : આ જે મન-વચન-કાયાની પ્રક્રિયા થાય છે તે વખતે પ્રયાસ કરનારો ખરેખર હોય છે ખરો ? દાદાશ્રી : પ્રયાસ કરનારો છે તે માટે જ આ પ્રયાસ કહેવાય છે. એ સહજ નથી કહેવાતું. પ્રયાસ કરનારો જતો રહે એટલે એની એ જ વસ્તુ પછી સહજ કહેવાય. પ્રશ્નકર્તા : તો આ મન-વચન-કાયાની જે પ્રક્રિયા પ્રયાસ કરનારો કરે છે ત્યારે જે બની જાય છે અને પ્રયાસ કરનારો જતો રહે છે ત્યારે જે બને છે એ ખરેખર તો બન્ને મિકેનિકલ જ હતુંને ? દાદાશ્રી : વસ્તુ એકની એક જ છે બનવામાં, બનવામાં ચેન્જ નથી. પ્રશ્નકર્તા : એટલે આણે જો પ્રયાસ કર્યો ના હોત તોય એ જ બનત ? દાદાશ્રી : પ્રયાસમાં ડખલ છે, એ ભાંજગડ છે. પ્રશ્નકર્તા : ડખલનો ભોગવટો પોતાને આવે છે કે ડખલથી મન-વચન-કાયાનો ફેરફાર થાય છે ? દાદાશ્રી : એ ફેરફાર થવાનોય નથી. પ્રયાસ કર્યો માટે અપ્રયાસ ના કહેવાય. પ્રશ્નકર્તા : એ ખરું છે પણ એ પ્રયાસ થાય છે, તેનાથી મન-વચન-કાયાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે ? દાદાશ્રી : કશોય ફેરફાર નહીં. પ્રશ્નકર્તા : તો પછી પ્રયાસ કરવાથી શું પરિણામ ઊભું થાય છે ? દાદાશ્રી : એ તો એનો અહંકાર છે ખાલી, 'હું કરું છું.' પ્રશ્નકર્તા : એનાથી આવતા ભવની જવાબદારી ગણાય ? દાદાશ્રી : હા, આવતા ભવની જવાબદારી લે છે. કારણ કે એ રોંગ બિલિફ છે. પ્રશ્નકર્તા : અને એ રોંગ બિલિફ છૂટી જાય તો પ્રયાસ કરનારો જતો રહ્યો કહેવાય ? દાદાશ્રી : પછી અપ્રયાસ દશા, સહજ થઈ ગયો. અમે ખાઈએ-પીએ એ બધું સહજ કહેવાય. પ્રશ્નકર્તા : તો રોંગ બિલિફ હતી ત્યારે પ્રયાસ કરનારો કહેવાયો, એ રોંગ બિલિફ ગયા પછી શું બને છે એ ? દાદાશ્રી : કશુંય નથી બનતું, ડખો જતો રહે છે. પ્રશ્નકર્તા : પણ જેને રોંગ બિલિફ હતી એનું અસ્તિત્વ હોય છે પછી ? દાદાશ્રી : એક બાજુ આત્મા ને એક બાજુ આ દેહ, અપ્રયાસ દેહ, મન-વચન-કાયા. એ પછી પુદગલ તો છે જ. પણ તે વચ્ચે ઇગોઇઝમ ભાગ ઊડી ગયો. જેને સ્ટ્રેઈન પડતો હતો એ ચાલ્યો ગયો, થાકતો હતો તે ચાલ્યો ગયો. કંટાળી જતો હતો તે ચાલ્યો ગયો, વો સબ ચલે ગયા. પ્રશ્નકર્તા : તો રહ્યો કોણ ? દાદાશ્રી : કશુંય નહીં. આ સહજ રહ્યું. બીજા કોઈની મહીં ડખલ ના રહી. પ્રશ્નકર્તા : આ દેહની ક્રિયા કરવાની હોય, વાણી છે, પણ એમાં પેલા અહંકારની જરૂર પડે છે ને ? દાદાશ્રી : કશી જરૂર નહીં, કૉઝિઝ કરનારો જ ચાલ્યો ગયો ત્યાં. ઇફેક્ટ એકલી રહી. પ્રશ્નકર્તા : તો પછી પેલું કહો છોને તમે કે અહંકાર સહી ના કરે ત્યાં સુધી ક્રિયામાં ના આવે, તો એ કયો અહંકાર પછી ? દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર. પ્રશ્નકર્તા : તો આ ડિસ્ચાર્જ અહંકારની ક્રિયામાં, એના પરિણામમાં શું ફેર હોય ? દાદાશ્રી : સહજ, પ્રયાસ કરનાર ના હોય, સહજ હોય. પ્રશ્નકર્તા : હા, પણ એ સહજ હોય એમાં, પેલો પ્રયાસ કરનારો અહંકાર ના હોય, પણ ડિસ્ચાર્જ અહંકાર તો હોયને એમાં ? દાદાશ્રી : એનો વાંધો નહીં. એ તો હોય જ ને ! એ તો એનું બધું મડદાલ. એનું નામ જ સહજ ક્રિયા. અપ્રયાસ ત્યાં સહજતા ! પ્રશ્નકર્તા : દાદા, જે વાત કરતા હોય છે એમાં આમ સાધારણ વાત નીકળે, પેલો કહેને હું બેઠો, હું છાપું વાંચું છું. એવા અમુક વાક્યો નીકળે, પણ એની પાછળ જે રહસ્ય, જે સાયન્સનું રહસ્ય હોય છે ને, એ સિધ્ધાંત, એ અચૂક જ હોય છે. દાદાશ્રી : બરોબર છે. પ્રશ્નકર્તા : આજે પેલા ભાઈએ પ્રશ્ન પૂછયો, 'આપના જેવી સહજતા પ્રાપ્ત હો'માં સહજ એટલે અપ્રયાસ કીધું અને તે પ્રયાસ કરનારો જ જતો રહે એટલે સહજ થઈ જાય. આ આખું સિધ્ધાંતનું વાક્ય. દાદાશ્રી : પ્રયાસમાત્રથી બધું ઊંધું થાય. અપ્રયાસ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ. પ્રયાસ થયો એટલે સહજ રહ્યું નહીં. સહજતા ચાલી જાય. સહજભાવમાં બુધ્ધિ ના વપરાય. સવારે પથારીમાંથી ઊઠ્યા એટલે દાતણ કરો, ચા પીઓ, નાસ્તો કરો, એ બધું સહજભાવે થયા જ કરે છે. એમાં મન-બુધ્ધિ-ચિત્ત ને અહંકાર વાપરવાં ના પડે. જેમાં આ બધાં વપરાય તેને અસહજ કહેવાય. તમારે કોઈ વસ્તુ જોઈતી હોય ને સામો માણસ ભેગો થાય ને કહે કે, 'લ્યો આ વસ્તુ.' તો તે સહજભાવે મળ્યું કહેવાય. અપ્રયાસ તેને 'જ્ઞાન' કહેવાય છે અને પ્રયાસ તે વિકલ્પ છે. વ્યવસ્થિત સમજ્યે પ્રગટે સહજતા ! તમે આત્મા જ થઈ ગયા પછી હવે રહ્યું શું ? પ્રશ્નકર્તા : એટલે આત્મા ચોખ્ખો થઈ ગયો. આ તો પેલું એમ કે એની દશા કેવી હોય ? એટલે કહ્યું કે અપ્રયત્ન દશા આખી ઉત્પન્ન થાય. ચંપલ પહેરવાનો પણ પોતાનો પ્રયત્ન ન હોય. દાદાશ્રી : અત્યારે અપ્રયત્ન દશા જ છે એ તો. પ્રયત્ન તો અહંકાર હોય ત્યારે કહેવાય. પ્રશ્નકર્તા : આપે કહેલું કે રેલ્વે સ્ટેશન પર ગયા હોઇએ, ગાડીમાં જવાનું હોય તો સ્ટેશન પર જઈને ગાડી આવે છે કે નહીં ? આમ ડોકું કરીને જુએ નહીં. દાદાશ્રી : એ જુએ તે વાંધો શો છે ? પછી પોતાને ખબર પડે કે આ ભૂલ ખાધી જરા. એટલે સહજ થવું છે એવો ભાવ રાખવો. આપણે દ્ષ્ટિ કેવી રાખવાની ? સહજ. વખતે શું બને છે એ જોવું. અને ધ્યેય કેવો રાખવો કે દાદાજીની સેવા કરવી છે અને ભાવ સહજ રાખવો. દાદાની સેવા મળવી એ તો બહુ મોટી વસ્તુ છેને ? એ તો બહુ મોટી પુણ્યૈ હોય તો મળે, નહીં તો મળે નહીંને ? એ આમ હાથ જ ના અડાડાયને ? એક ફેરો આમ હાથ અડાડવું તેય બહુ મોટું પુણ્યૈ કહેવાય ને ભેગું થાય તો મનમાં માનવું કે ઘણા દહાડે પ્રાપ્ત થયું એટલુંય કંઈ ઓછું છે ? બાકી ગમે તે રસ્તે શુધ્ધ ઉપયોગમાં રહેવું. પ્રશ્નકર્તા : સહજ તો ત્યારે જ થાયને, સંપૂર્ણ વિજ્ઞાન અંદર ખુલી જાય તો જ સહજ થઈ શકે ? દાદાશ્રી : એ 'વ્યવસ્થિત' સંપૂર્ણ સમજાય ત્યારે સંપૂર્ણ સહજ થાય. હવે એ તો એની મેળે થયા જ કરે છે. એની બહુ એ નહીં રાખવાની કે આ મહેમાનોને માટે રાહ જોઈને બેસવાનું નહીં. રાહ જોઈએ, તેનો પાર જ ના આવે. પણ વ્યવસ્થિત સમજાય કે તરત સહજ થઈ જાય. પ્રશ્નકર્તા : સહજ થવા માટે વ્યવસ્થિત પૂરું સમજાઈ જવું જોઈએ ને ? દાદાશ્રી : વ્યવસ્થિત પૂરું સમજાય તો પૂરો સહજ થઈ ગયો. બાકી વ્યવસ્થિત જેટલું સમજાય એટલો સહજ થઈ ગયો. એટલે ગભરામણ જ ના થાય. વ્યવસ્થિત સમજાય તો આ દુનિયામાં કકળાટ છે જ નહીં. અને વ્યવસ્થિત જેટલું સમજાય એટલું કેવળજ્ઞાન ખુલ્લું થતું જાય, તેટલો સહજ થતો જાય. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત નથી સમજતો ત્યારે જ ઉપયોગની બહાર જાય છે ? દાદાશ્રી : હા, ત્યારે જ જાય. નહીં તો ઉપયોગની બહાર જાય જ નહીં અને તો જ અસહજ થાય. વ્યવસ્થિત જેટલું સમજાય તેમ સહજ થતો જાય. જેમ જેમ વ્યવસ્થિત સમજાતું જાય, એનાં પડ ઉકલતાં જાય તેમ તેમ સહજ થતું જાય. નિર્વિકલ્પ તો થયા છે, પણ સહજ થયા નથી. નિર્વિકલ્પ તો જ્ઞાન આપ્યું ત્યારથી જ થયા છે. જેટલી સહજ અવસ્થા ઉત્પન્ન થાયને, તેમ તેમ વાણી-વર્તન બધું ફેરફાર થતું જાય. વીતરાગતા આવતી જાયને ? વાણી સહજ ક્યારે થાય ? જ્યારે ટેપરેકર્ડ બોલે છે, એમ થશે ત્યારે વાણી સહજ થશે. માલિકી વગરની વાણી થઈ ત્યારે સહજ થશે. ત્યાં સુધી પાંચ આજ્ઞા બરાબર પાળ ને એમાં આગળ વધ. પ્રશ્નકર્તા : વાણીની સહજતા ચૌદ વર્ષ પછી આવે ? દાદાશ્રી : તો જ થાય ને ! વાણીની સહજતા, મનની સહજતા, શરીરની સહજતા, ત્યારે જ આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતાં છૂટતાં છૂટતાં સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ છે જ અને દેહની સહજતા આવી ગઈ. કૃપાળુદેવે કહ્યું કે 'છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ, નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.' દેહાધ્યાસ છૂટે તોય બહુ થઈ ગયું. તો તું કર્મનો કર્તા નથી. સહજાત્મ સ્વરૂપ છેલ્લું પદ, સહજ સ્વરૂપ. સહજાનંદ, વગર પ્રયત્નનો આનંદ, સહજ આનંદ, અપ્રયત્ન દશા ! જ્ઞાની સદા અપ્રયત્ન દશામાં ! સહજ ઉપરથી સાહજિકતા. સહજ એટલે કંઈ પણ અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા આવે તો વાંધો નથી. અપ્રયત્ન દશાથી ખોરાક આવે તો વાંધો નથી. પ્રશ્નકર્તા : જમવાનું યાદ આવે, પેલી ચા યાદ આવે, એ બધું એને વિચાર આવ્યા કરે તો પેલી સહજતા તૂટી કહેવાય ? દાદાશ્રી : સહજતા તૂટી જ જાયને ! સહજતા તૂટે તેથી કંઈ આત્મા ખાતો નથી, એ તો ખાનારો ખાય છે. છેવટે દેહને સહજ કરવાનો છે. આહારી થયો પણ સહજ કરવાનો. સહજ થવાની જ જરૂર. સહજ થતાં ટાઈમ લેશે. પણ સહજ એટલે પૂર્ણતા. ને જ્ઞાની પુરુષ તો કોને કહેવાય ? જેમને નિરંતર અપ્રયત્નદશા વર્તે. હવે જગત પ્રયત્નમાં છે. પણ તમે પ્રયત્નમાં નથી, પણ યત્નમાં છો. હા, આ ડખો થયેલો હોય, એને સારું-ખોટું ગણવા જાવ છો. અરે પણ, ભઈ, તમે તમારી જગ્યાએ બેસી રહો ને, ઊંચાનીચા શું કરવા થાવ છો ? એ સારું-ખોટું તોય પુદગલનું થાય છે, એમાં પુદગલની વંશ ગયેલી જ નહીં કોઈ દા'ડોય. પુદગલની વંશ જતી નથી કોઈ દા'ડોય. તમારે એની ચિંતા કરવી નહીં. એમના મનમાં એમ કે પુદગલની વંશ જતી રહેશે, શું થશે આ ? સારાની વંશ જતી રહેશે ને ખોટા વધી જશે. આ પુદગલની વંશ કોઈ દા'ડો ગઈ જ નથી. જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય એવો આત્મા છે. યત્નેય ના હોય ને પ્રયત્નેય ના હોય. પ્રશ્નકર્તા : આપને આત્મા જુદો વર્તે એટલે પ્રદેશે પ્રદેશે બધી જગ્યા એ જુદો વર્તે ? દાદાશ્રી : હં, બધી જગ્યાએ. છે જ જુદો, તમારેય જુદો છે. પ્રશ્નકર્તા : છે તો જુદો જ, પણ આ વર્તવાની વાત છે ને ? દાદાશ્રી : વર્તવાનું એટલે પોતાનું જ્ઞાન સર્વસ્વ પ્રકારે છે. જેટલું અજ્ઞાન એટલું ના વર્તે. પ્રશ્નકર્તા : પણ એનો અર્થ એવો કે આખા શરીરમાં વર્તે એ પ્રમાણે ? દાદાશ્રી : હા, એ પ્રમાણે જ વર્તે. જેટલું વર્તે એટલો સહજ. જ્ઞાન થયા પછી દેહ સહજ થાય. કારણ કે ક્રોધ-માન-માયા-લોભ જ્યાં ખલાસ થયાં, ત્યાં સહજતા ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : સહજ થવું એ જ મોટી વાત છે ? દાદાશ્રી : મોટી વાત નહીં, છેલ્લી વાત છેવટે સહજ જ થવું પડશે ને ? છેવટે સહજ થયા વગર ચાલે જ નહીં. જાગૃતિની વાટેથી સહજતા પ્રાપ્ત ! પ્રશ્નકર્તા : જમવાનો વિચાર આવે, એ પોતે આહારી થાય છે, તેટલા માટે આવે છે ? નહીં તો પછી એને જમવાનું ભેગું થાય ત્યારે ખઈ લે, પણ પેલું વિચારણામાં ના હોય ? દાદાશ્રી : આહારીને જ વિચાર આવે. પછી મહીં થાય કે મને ભૂખ લાગી. એ આહારીને સુખ લાગે. આપણા જ્ઞાનને જે સમજ્યા છે ને કે ચાર લાડવા ખઈ જાય તોય અમે જાણીએ કે આ આત્મા છે. દૂધપાક વધારે લેવાઈ જાય તેથી કંઈ ગુનો થયો ? પ્રશ્નકર્તા : એ ગુનો ના કહેવાય ? દાદાશ્રી : ઓછો લેવાય તેને ઈનામ આપવું ? પ્રશ્નકર્તા : ના, બરોબર. એ બેઉ પોતાનો નથી ધર્મ. પછી જો તાવ આવ્યો, તો કહે છેને, મને તાવ આવી ગયો ? એની જે અસરો થાય છે. એવું આમાં અસર થાયને ? દાદાશ્રી : તાવમાં અસર થાય, આમાં ના થાય. પ્રશ્નકર્તા : ના. પછી આ જે દાઢ દુઃખેને, તો પછી કહે કે, આ મારી દાઢ દુઃખી આમ એ બોલે તો એની અસર થાયને ? પણ તમે એક વખત બોલેલા કે પછી આ અંદરથી પાછું લૂછી કાઢું, કે આ અંબાલાલની દાઢ દુઃખે છે, મારી નહીં. દાદાશ્રી : બોલ્યા પણ લૂછી કાઢવું. પ્રશ્નકર્તા : એવું આમાં, ચાર વાડકા દૂધપાક પીએ એનો વાંધો નહીં, કે બે પીએ એનો વાંધો નહીં, પણ આ અંદરથી પોતાને રહેને, કે આ ખાનારો આ છે, પોતે નિરાહારી છે. દાદાશ્રી : એમ ને એમ જ રહે. કહેવુંય ના પડે આપણને. પ્રશ્નકર્તા : એક વખત વાત નીકળી'તી, પેલી સહજતા હોય, તો વિચાર ના આવે. એટલે જમવાનું યાદ આવે, પેલું ચા યાદ આવે, એ બધું એને વિચાર આવ્યા કરે, તો પેલી સહજતા તૂટી કહેવાય. દાદાશ્રી : સહજતા તૂટી જાયને. સહજતા તૂટે તેથી કંઈ આત્મા ખાતો નથી. એ તો ખાનારો ખાય છે. છેવટે દેહને સહજ કરવાનો છે. આહારી થયો, પણ સહજ કરવાનો. પ્રશ્નકર્તા : દાદા, આ એક્ઝેક્ટ પોઈન્ટ છે. આ પોતે આહારી થયો પણ સહજ થવાની જરૂર છે. દાદાશ્રી : સહજ થવાની જરૂર. સહજ થતાં ટાઈમ લેશે, સહજ થતાં, થતાં, થતાં સંપૂર્ણ સહજ એટલે પૂર્ણતા ! રહેવું સહજ કેવી રીતે ? પ્રશ્નકર્તા : દેહને સહજ થવા માટે કંઈ સાધન તો જોઈએને ? દાદાશ્રી : હા, સાધનો વગર તો સહજ કેમ કરીને થાય ? અને જ્ઞાની પુરુષનાં આપેલાં સાધનો જોઈએ પાછાં, કેવાં ? પ્રશ્નકર્તા : ગમે એ સાધન ના ચાલે ? ગમે એનું આપેલું ના ચાલે ? દાદાશ્રી : સહજ માર્ગ પ્રાપ્ત કરવો હોય, જેને અજ્ઞાન દશા છે, ભ્રાંતિની દશા છે, તેમાંય સહજ રીતે વર્તવાની શરૂઆત કરે ત્યારે સહજ માર્ગ પ્રાપ્ત થાય. સવારમાં ચા છે તે એ મૂકી જાય તો પીવી અને ના મૂકી જાય તો કંઈ નહીં. ખાવાનું એ મૂકી દે તો ખાવું, નહીં તો માંગીને ખવાય નહીં. ત્યાં આમ આમ કરીનેય ના ખવાય. એ સહજ યોગ બહુ વસમો છે આ કાળમાં તો. સતયુગમાં સહજ યોગ સારો હતો. અત્યારે તો લોકો માગ્યા વગર મૂકે જ નહીંને ? પેલો સહજ યોગવાળો માર્યો જાય બિચારો, આ મુશ્કેલ વસ્તુ છે. અહીં સૂઈ જાવ તો સૂઈ જવાનું. માંગવાનો વખત ન આવે. સહજ પ્રાપ્ત સંયોગોમાં જ રહેવું પડે તો સહજ માર્ગ છે. બાકી બીજા બધા તો લોકોએ કલ્પિત 'સહજ માર્ગ' નામના ધર્મને ઊભા કર્યા છે. સહજ તો માર્ગ જ ના થાય. એ તે કંઈ લાડવા ખાવાના ખેલ નથી એ. બધી કલ્પિત, કલ્પનાઓ કર કર કરેલી. એક મહિનો સહજ રહેને તો પછી બીજો કોઈ સહજ યોગ કરવા જેવો જ નથી કશો. એક જ મહિનો સહજ રહે એટલે બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : એક દિવસ સહજ રીતે કાઢવો હોય તો કેવી રીતે રહેવાય ? એનું વર્તન કેવું હોય ? દાદાશ્રી : વર્તન ? સહજ પ્રાપ્ત સંયોગો, બહાર અને અંદર જે મનના, બુધ્ધિના સંયોગોથી પર થાય ત્યારે સહજ પ્રાપ્ત થાય. અંદર જે બૂમાબૂમ કરે મન-બન બધાં, એ બધાંને છેટા રહીને, પોતે જુએ-જાણે આ બધું. અને બહાર સહજ પ્રાપ્ત સંયોગો. બે વાગ્યા સુધી જમવાનું ના મળે તો બોલાય નહીં. ત્રણ વાગે, સાડા ત્રણે આવે તો તે વખતે, જે વખતે આપે તે... પ્રશ્નકર્તા : આ સંસારની જવાબદારીઓ જે અદા કરવાની હોય, તેમાં સહજ કેવી રીતે રહેવાય ? દાદાશ્રી : ના રહેવાય. એ સહજ યોગ તો કો'ક અબજોમાં એકાદ માણસ કરે, કો'ક ફેરો ! સહજ તો, એ વાતો બધી કરવા જેવી નથી. એના કરતાં દીવો કોઈ પ્રગટ થયેલો હોય તેને, જ્ઞાનીને કહીએ, 'સાહેબ, મારો દીવો સળગાવી આપો.' તો એ સળગાવી આપે. ભાંજગડ મટી ગઈ. દીવો સળગાવવા સાથે જ કામ છે ને આપણે ? એ જ્ઞાનમાર્ગ ઉપર સહજ રહેવાય. અમે તો નિરંતર સહજ જ રહીએ છીએ, નિરંતર સહજ ! સહજતામાં મળ્યું હોય તે ભલે ને, દૂધપાક-પૂરી ને માલપૂડા ખા, જેટલા ખવાય એટલા. અને પછી રોટલો ને શાક મળ્યું હોય તેય ખા. માલપૂડા ને દૂધપાકનો આદર કરીશ નહીં અને રોટલાને ખસેડીશ નહીં. હવે એકનો આદર કરે ને પેલાનો અનાદર કરે, ધંધો જ શો ? પ્રશ્નકર્તા : દાદા, સહજ થવું, સહજ થવું, એ બધું વાંચ્યું'તું બહુ, પણ સહજ કેવી રીતે થવાય, તે આ આપે કીધું ને, કે દૂધપાક જો આવતો હોય તો ખા, રોટલો આવતો હોય તો ખા, એ આપની વાત ઉપરથી પછી એ વસ્તુ સહજ કેવી રીતે થવું, એ સમજમાં બેસી જાય. દાદાશ્રી : એકનો અનાદર નહીં ને એકનો આદર નહીં એ સહજ. આવી પડેલું એનું નામ સહજ. પછી છો કહે, ભઈ, તળેલું છે, તળેલું છે, નડેને ? મૂઆ, તળેલું તો વિકૃત બુધ્ધિવાળાને નડે. સહજને કશું નડે નહીં. આવી પડેલું ખા. આવી પડેલું દુઃખ ભોગવ, આવી પડેલું સુખ ભોગવ. દુઃખ-સુખ હોતું જ નથીને જ્ઞાનીને ! પણ આવી પડેલું. અને કડવું લાગે તો રહેવા દે ? પ્રશ્નકર્તા : ના, કાઢી નાખે. દાદાશ્રી : માટે એ 'શું મોઢું થતું હોય' તે થવા દેવું. આપણે ડખલ કરવી નહીં, એનું નામ સહજ. આ માર્ગ સહજનો છે બધો. પ્રશ્નકર્તા : 'સહજ મિલા સો દૂધ બરાબર', એમ કહે તો સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન છે, તો પુરુષાર્થમાં શું ફેર ? દાદાશ્રી : સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન નથી, એ જ્ઞાનને આધીન છે. અજ્ઞાન હોય તો અસહજ થાય અને જ્ઞાન હોય તો સહજ થયા કરે. અજ્ઞાન હોય તો અસહજ છેને જગત આખું ? આ તો અક્રમ વિજ્ઞાન છે, ક્રમ-બ્રમ કશું નહીં. કરવાનું કશું જ નહીં. કરે ત્યાં આત્મા ના હોય. કરે ત્યાં સંસાર ને સહજ ત્યાં આત્મા ! અપ્રયાસપણે વિચરે, એ છેલ્લી દશા ! આ જંજાળથી વીંટાય છે, રોજ રોજ વધારે ને વધારે વીંટાય છે. ઘરમાં બાગ ન હતો એ લોકોનો બાગ જોઈને પોતે બાગ ઊભો કરે. પછી ત્યાં ખોદ ખોદ ખોદ, ખાતર લઈ આવે છે, પાછો પાણી નાખ નાખ કરે છે. ઊલટું આ જંજાળ વધાર વધાર વધાર કરે છે, મૂઓ. કેટલી જંજાળ રાખવા જેવી હતી ? પ્રશ્નકર્તા : ખાવા-પીવા જેટલી. દાદાશ્રી : હંઅ, આવશ્યક જેને કહેવામાં આવે. આવશ્યક એટલે જેના વગર ન ચાલે. ના ખઈએ તો શું થાય ? મનુષ્યપણું નકામું જાય. શું થાય ? એટલે એવું કંઈ નહીં કે અત્યારે તું વેઢમી ને પૂરણપૂરીને એવું તેવું બધું ખા. જે કંઈ ખીચડી કે દાળ-ભાત હોય પણ આવશ્યક, એના પૂરતું આપણે પરવશ રહેવાનું હતું. શેના પૂરતું ? આવશ્યક. પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : હવે ખાધું એટલે કંઈ ખાધું એકલું ચાલે ? પાછું એનું પરિણામ આવે, રિઝલ્ટ તો આવે કે ના આવે, જે કરો તેનું ? પ્રશ્નકર્તા : આવ્યા જ કરે. દાદાશ્રી : શું પરિણામ આવે ખાધેલાનું ? પ્રશ્નકર્તા : સંડાસ જવું પડે. દાદાશ્રી : પછી પાણી પીધું તો ? બાથરૂમમાં દોડધામ કરવી પડે. શ્વાસ લીધો, ઉચ્છ્વાસ થાય. એટલે પણ આની જરૂરિયાત છે. શ્વાસ ના લઈએ તોય નુકસાન, પાણી ના લે તોય નુકસાન. આ બધી આવશ્યક ચીજો. હવે કપડું એ પણ આવશ્યક છે. શિયાળાને દહાડે શું થાય ? કારણ કે આ બધી સીઝનને આધીન માણસ, એ માણસને પોતાની પ્રકૃતિને આધીન બધી સીઝન ના થાય. કોઈ માણસ શિયાળાને દહાડે ગરમ કપડાં વગર રહી શકે છે, ત્યારે ઉનાળામાં તેનાથી રહેવાય નહીં. એવું હોય છે ને ? એટલે કંઈ પણ કપડું જોઈએ. પણ કપડું કેવું હોય ? ખાદીનું હોય, બીજું હોય, ગમે તેવું હોય, ઓછા ભાવનું અને આપણે કપડું શરીર ઢાંકે એટલું જોઈએ. આ મેં કોલર કર્યો છે એ ના જોઈએ. આ કફ કર્યો છે ને એની કંઈ જરૂર નહીં. કેવા કોલર ને કફ કરે છે ને ? અન્આવશ્યક. એટલે આવશ્યક પૂરતું જો સમજે તો કોઈ જ જાતનું માણસને દુઃખ નથી. આ જાનવરોને દુઃખ નથી, તો પછી માણસને દુઃખ હોતું હશે ? આ તો અનાવશ્યક, વધાર વધાર કરે. સ્લેબ કર્યો તે કર્યો પણ મેંગ્લોરી નળિયાં ઢાંક્યા ઉપરથી. બધું વધારે છે કે નથી વધારતા ? તમે થોડું ઘણું વધારેલું ? પછી બૂમો પાડે, 'યા ખુદા પરવરદિગાર ! ફસાયા' કહેશે ! અરે મૂઆ, તેં વધાર્યું છે ને તો પછી એમાં ખુદા શું કરે તે ? આપણે અનાવશ્યક વધારીએ એમાં ખુદા શું કરે બિચારા ? તમને કેમ લાગે છે ? બોલતા નથી ? આપણે અનાવશ્યક જરૂરિયાતો વધારીએ અને ખુદાને પછી નામ દઈએ કે હે ખુદા ! હું ફસાયો. શું કામની વાત છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : હવે અનાવશ્યક ઓછાં થાય એવાંય નથી. કોઈ કહેશે, મારે ઓછાંય કરવાં છે પણ થતાં નથી. છોકરાંની વહુ બૂમાબૂમ કરે છે, ઘરમાં બૈરી કચકચ કર્યા કરે છે. પણ મનમાં એટલો ભાવ હોય કે મારે ઓછાં કરવાં છે. એટલો ભાવ થાય તોય બહુ થઈ ગયું. જેટલું વધારે અનાવશ્યક, એટલી વધારે ઉપાધિ. આવશ્યકેય ઉપાધિ છે, છતાંય ઉપાધિ ગણાય નહીં. જરૂરિયાત છે એટલે. પણ અનાવશ્યક એ બધી ઉપાધિ. દરેક વસ્તુ, આવશ્યક બધું, વિચાર્યા વગરનું સહજ થવું જોઈએ. એની મેળે જ થાય. પેશાબ કરવાની રાહ ના જોવી પડે. એની મેળે જ થાય અને તે જગ્યા ના જુએ. અને આમને તો આ બુધ્ધિશાળીઓને જગ્યાએ જોવી પડે. પેલું તો જ્યાં પેશાબ કરવાનું થાય ત્યાં થઈ જાય, એનું નામ આવશ્યક બધું. પ્રશ્નકર્તા : આ તો એકદમ છેલ્લી દશાની વાત થઈને ? દાદાશ્રી : છેલ્લી જ ને ! ત્યારે બીજી કઈ ? છેલ્લી દશાના ઉપરથી આગળની દશાઓ આપણે કરતાં જઈએ તો એવી દશા ઉત્પન્ન થાય. પણ આગળથી જ દુકાન મોટી કરતા ગયા હોય તો ? છેલ્લી દશા મોડી આવે. પ્રશ્નકર્તા : છેલ્લી દશાનું પિક્ચર સામે હોય તો જ ત્યાં સુધી જવાયને ? દાદાશ્રી : તો જ જઈ શકીએ. આ એક પિક્ચર છેલ્લી દશાનું આપું છું. ફક્ત આવશ્યક એકલાં જ હોય. તેય થાળી-લોટો ના હોય અને આવશ્યકેય મુતરડી આવતાં સુધી રાહ ના જુએ. એ સહજ એટલે ત્યાં જ, ગાયો-ભેંસોની પેઠ. એમને શરમ-બરમ કશું હોય નહીં. ગાયો-ભેંસોને શરમ આવે છે ? કેમ આ લગ્નના માંડવાની અંદર ગાય ઊભી હોય તોય ? તે ઘડીએ વિવેક ના કરે ? પ્રશ્નકર્તા : જરાય નહીં, કોઈનો વિવેક ના રાખે. બધાના કપડાં બગાડે. એટલે આવી સહજ સ્થિતિ વખતે પોતાનો ઉપયોગ કેવો હોય ? દાદાશ્રી : બિલકુલ કમ્પ્લિટ ! દેહ સહજ તો આત્મા બિલકુલ કમ્પ્લિટ !! પ્રશ્નકર્તા : તો એની બહારની પ્રત્યે દ્ષ્ટિ જ ના હોય ? દાદાશ્રી : એ બધું કમ્પ્લિટ હોય, બહાર એ બધું દેખાયા કરે. દ્ષ્ટિમાં જ આવી ગયું બધું અને એ જ સહજ આત્મસ્વરૂપ, તે પરમ ગુરુ. જેનો આત્મા આવો સહજ રહેતો હોય, તે જ પરમ ગુરુ ! પ્રશ્નકર્તા : તો પછી આ અત્યારે કહે ને કે આ પેલી મૂતરડી ખોળે કે શરમ આવે, એ કોને ? એ શું વસ્તુ છે ? દાદાશ્રી : વિવેક રહ્યો જ ને ? તે સહજતા ના રહેવા દે. સહજતામાં તો વિવેક કશું જ ના હોય. સહજતામાં તો એ ક્યારે ખાય કે જ્યારે પેલો આપે ત્યારે ખાય, નહીં તો માંગવાનુંય નહીં, વિચારેય નહીં, કશુંય નહીં. તે ભૂખ લાગતી હોય તો એમાંય નહીં. પ્રશ્નકર્તા : ભૂખ લાગતી હોય ત્યારે શું કરે ? દાદાશ્રી : કશુંય નહીં. પ્રશ્નકર્તા : એને ઉદય પણ એવા હોય ને, ભૂખ લાગે ત્યારે વસ્તુ ભેગી થાય ? દાદાશ્રી : એ તો નિયમ જ હોય, ભેગી થઈ જાય. બધું ભેગું થઈ જાય, સહજ. પ્રશ્નકર્તા : એટલે પછી તો આવશ્યકમાં જાય જ. ખાવાનું હોય, કપડાં નહીંને ? આવશ્યકમાં કપડાં નહીંને ? દાદાશ્રી : કશું હોય નહીં, આવશ્યક એટલે કપડાં-બપડાં કશું આવે નહીં, દેહની જ જરૂરિયાત. સહજ દશા પહોંચવાની પેરવીમાં... પ્રશ્નકર્તા : અત્યારે આ સંજોગોમાં છીએ અને આ બધી આવશ્યક કરતાંય ઘણી બધી વધારે ચીજો છે અત્યારે અને ત્યાંથી આવશ્યક સ્થિતિ સુધી પહોંચવાનો સાંધો કયો ? રસ્તો કયો ? દાદાશ્રી : આ ઓછું થાય તેમ તેમ. જેટલું વધારીએ તો મોડું થશે. ઓછું કરીએ તો વહેલું થશે. પ્રશ્નકર્તા : ઓછું કરવા માટે શું કરવાનું ? દાદાશ્રી : તારે નથી પૈણવું તો ઓછું નહીં થાય ? અને પૈણવું હોય તેને ? પ્રશ્નકર્તા : વધી જાય. દાદાશ્રી : હા, તો બસ. કંઈ નિશ્ચય તો હોય ને ? બધું યોજનાપૂર્વક હોય કે એમ ને એમ ગપ્પું હોય ? મોક્ષે જવું છે તો યોજનાપૂર્વક હોયને ? પ્રશ્નકર્તા : યોજનાપૂર્વક એટલે પોતે કરવું પડે છે એવું ? યોજનાપૂર્વક પોતે ગોઠવવું પડે છે ? આવાં ડિસિઝન બધાં ગોઠવવાં પડે ? દાદાશ્રી : ગોઠવવાનાં નહીં, એ તો ગોઠવાઈ જ ગયેલાં હોય બધાં. આ તો આપણે છે તે આ વાતો કરીએ છીએ. આ આમાંથી જેટલો ભાવ ઓછો થાય તો રાગે પડે તો સહજ થાય, નહીં તો સહજ શી રીતે થાય તે ? આપણા મનમાં માનેલું ચાલે નહીં. મનમાં માનેલું એક પણ ચાલ્યું, તે ચાલતું હશે ? પ્રશ્નકર્તા : આ પરણવાનું નહીં, તો એ દિશાની આખી જંજાળ ઓછી થઈ જાય... દાદાશ્રી : જેટલી જંજાળ ઓછી એટલો સહજ થતો જાય અને એટલો જ તે હેલ્પફૂલ થાય. જંજાળ આગળ વધારીએ તો સહજતા ઓછી થતી જાય. આપણે કંઈક જ્ઞાન આપ્યું, ત્યારથી થોડોક સહજ થયો છે, કંઈક અંશમાં. અને કોઈ કહેશે, આ ચાલોને, હવે દાદાએ 'ફાઈલો' કહી છે એ જેટલી કરીએ, એનો વાંધો શું છે હવે ? તે આપણે કંઈ ના પાડીએ, એને અવળું કરવું હોય તો ? પ્રશ્નકર્તા : આ બહારની વસ્તુઓ ઓછી થવા માટે અંદરની જાગૃતિ કેવી હોવી જોઈએ ? દાદાશ્રી : અંદરની જાગૃતિ એવી હોવી જોઈએ કે વસ્તુઓ એને દુઃખદાયી લાગ્યા કરે. પ્રશ્નકર્તા : હવે તો આપે દેખાડ્યું કે આવશ્યક સિવાયની બધી વસ્તુઓ જેટલી પાડી દેવાય એટલી પાડી નાખવી જોઈએ, એવું જ થયું ને ? દાદાશ્રી : હં. બધી ન હોવી જોઈએ. વળગી પડી હોય તો ધીમે ધીમે કેમ કરીને છોડી દેવી, એની પેરવીમાં રહેવું. પ્રશ્નકર્તા : એટલે એ છોડી દેવાનું શેમાં રહે ? આ વસ્તુઓ ના હોવી જોઈએ કહ્યું ને ? દાદાશ્રી : છોડી દેવું, શબ્દો નહીં જોખવાના આમાં. આ તો અંદર આપણે સમજી જવાનું કે આ આનાથી ક્યારે છૂટાય ? પોતાને અહિતકારી લાગે તો તરત છોડી દે. જુઓને, પૈણવાની વખતે ના પાડી દે છે, ચોખ્ખીચટ્ટ. પ્રશ્નકર્તા : આ પોતાને અહિતકારી વસ્તુ લાગે એવું બધી બાબતમાં પકડાવું જોઈએ. દાદાશ્રી : બધું લાગે ત્યારે દહાડો વળે ને ? બીજામાં ઈન્ટરેસ્ટ છે હજુ તો. તમને પૈણવામાં ઈન્ટરેસ્ટ નથી તો ચોખ્ખું કહી દો છો, ન્હોય મારું. બહારના સંજોગો આવે તોય ફેંકી દો છો. એવું બધું હોવું જોઈએને ? પ્રશ્નકર્તા : અથવા તો છૂટેલો જ હોયને, એ જ્યારે અંદર ચોક્કસપણે નક્કી છે કે આ વસ્તુ મારી નથી, તો કોઈ ખેંચી જાય તોય છૂટો જ છુંને હું આનાથી ? દાદાશ્રી : હા, એવું બધું હોવું જોઈએ તો વાંધો નથી. એ ભરત રાજાને એવું હતું કે આખું રાજ બધું લઈ લે, રાણીઓ ઉઠાવી જાય તોય હસે એવા હતા. કાં તો પછી એ બધું હોવું જ ના જોઈએ. પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી હોવો જોઈએ. અમને એવું છે, બધા પરિગ્રહ હોવા છતાંય સંપૂર્ણ અપરિગ્રહી ! પ્રશ્નકર્તા : એ પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી એટલે વસ્તુ અને પોતે, એનું એવું શું કનેકશન કર્યું ? એ કેવી રીતે છૂટું પાડ્યું ? દાદાશ્રી : છૂટું પાડેલું નહીં, અપરિગ્રહવાળો જ 'હું'. પ્રશ્નકર્તા : એ કઈ રીતે પણ ? કારણ કે અત્યારના સંજોગો બધા એવા છે કે એકેય વસ્તુ ખસેડી ખસે એવી નથી. ભાવનામાં હોય પણ પહેલો રસ્તો આ છે કે એ વસ્તુથી છૂટા થઈ જવું. દાદાશ્રી : 'આઈ' વીધાઉટ 'માય' ઇઝ ગોડ. બધી 'માય'ની ફાચર છે. પ્રશ્નકર્તા : એટલે 'માય' કાઢી નાખે, તો વસ્તુ તો ત્યાંની ત્યાં ભલે પડી ? દાદાશ્રી : હા, બસ, છેવટે આ દેહને સહજ કરવાનો છે. જે તે ચિતરામણ વધારે કર્યું હોયને, તેને અસહજ વધારે કરેલું હોય. એટલે એને સહજ થતાં વાર લાગે. અમારે ચિતરામણ ના કર્યું હોય, તે ઝટ ઉકેલ ! છે ઉતાવળ ? તો બન અપરિગ્રહી ! પ્રશ્નકર્તા : દાદા, લક્ષ તો પેલી છેલ્લી દશાનું જ છે કે, એ દશા પૂરી થવા માટે આ જે જે કચાશો છે, જ્યારે જાણીએ કે છેલ્લી દશા આ છે ને આવું હોવું ઘટે, તો હવે તેને માટે શું કરવું ? દાદાશ્રી : એ તો જ્યારે એ વ્યવહાર બધો છૂટે ત્યારે કામ થાય તારું. પ્રશ્નકર્તા : હવે અપ્રયત્ન દશાએ પહોંચવા માટે એ ફાઈલમાંથી નીકળવું કઈ રીતે ? દાદાશ્રી : એ તને ખબર પડેને, એ કેવી રીતે ? આ વ્યવહાર તને વળગ્યો નથી, તું વ્યવહારને વળગ્યો છે. અમે તો આ ચેતવીએ કે ભઈ, આ બધી નુકસાનકર્તા વસ્તુઓ છે. તમારે જે જોઈએ છે તેમાં બાધક વસ્તુઓ છે એટલું ચેતવીએ. પછી એમને ગમતી હોય તો કર્યા જ કરે. એમાં મારે ના કહેવાનું ક્યાં છે ? પ્રશ્નકર્તા : જ્યારે ત્યારે તો છૂટવું તો પડશે જ ને, એમાં છૂટકો થોડો છે ? દાદાશ્રી : હા, પણ એટલે જ્ઞાન જાણવાનું પછી. જેને ઉતાવળ હોય તેને અપરિગ્રહી થવું જોઈએ. હા, નહીં તો ભજિયાં ખાતાં ખાતાં જવાનું. બેમાંથી એક નક્કી થવું જોઈએ. ભજિયાં ખાતાં ખાતાં જવાનું નહીં કશું ? ફરજિયાત વ્યવહારને શુધ્ધ વ્યવહાર કહ્યો ભગવાને. પ્રશ્નકર્તા : હા, તો નોકરી માટે જવું પડે એને ? દાદાશ્રી : ના, નોકરી એ ફરજિયાત વ્યવહાર નથી. એ છે જ નહીં, નોકરી કરવાનું છે જ નહીં. નોકરી, વેપાર કે ખેતીવાડી કરવી, એવું છે જ નહીં ને ? પ્રશ્નકર્તા : તો એ ઉડાવી દેવાય એવી વસ્તુ થઈ ને ? દાદાશ્રી : એ તો સુખ હોય જ નહીંને ? જેને આગળની દશાઓ પ્રાપ્ત કરવી છે, તેને એ હોય જ નહીં. એ તો સમભાવે નિકાલ કરતો હશે, તેને ચાલે. પ્રશ્નકર્તા : આમ આત્મજાગૃતિ ઉત્પન્ન થવી અને વ્યવહાર કરવો, પોતાની બધી શક્તિઓ વેડફીને વ્યવહાર કરવા જેવું થાય છે. દાદા પાસે જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવી અને ત્યાં જઈને બધી શક્તિ વેડફી નાખવી, એના જેવું થાય છે એ તો. દાદાશ્રી : એવું છે ને કે આ ખાવાનું શરીરની જરૂરિયાત છે ને, નેસેસિટી. એના વગર શરીર પડી જાય, મરી જાય. એટલા પૂરતો જ વ્યવહાર છે અને તેય ભગવાને કહ્યું કે એક જ વખત ખાજે. તેથી કંઈ મરી નહીં જવાય. અને તે વહોરીને ખાજે અને પીડા નહીં આપણે વાસણો-બાસણો લાવવાની, કપડાં માંગીને લઈ લેજે. પછી આખો દહાડો પુરુષાર્થ કર્યા કરજે, ઉપયોગમાં રહેજે. પ્રશ્નકર્તા : ઉદય સ્વરૂપે આ રહ્યા કરે અને પોતે ઉપયોગમાં રહે ? દાદાશ્રી : હા, આખો દહાડો ઉપયોગમાં રહેને, પછી ભાંજગડ નહીં. એ પીડા નહીં. પ્રશ્નકર્તા : હવે જેને પૂરું કરી લેવું છે, એને અપરિગ્રહી દશા જોઈશે. અત્યારનો આખો વ્યવહાર ઊભો છે, તેમાં કેવી રીતે નિકાલ કરીએ ? તેમાં કેવી રીતે અપરિગ્રહી દશા લાવવી ? દાદાશ્રી : એ તો તારું તને પોતાને જ ખબર પડશે. પ્રશ્નકર્તા : એની ચાવી આપોને. દાદાશ્રી : ના, પણ આ ઊભી કોણે કરી ? તે કરી ? તું ભણતો હતો. નોકરીમાં શી રીતે આવ્યો ? તો શું કરેલું ? એ તો વ્યવહારને વગળ્યો છે ને પછી પાછો કહે છે કે હું કરું છું. આ બધું ચોંટી પડ્યું છે. પ્રશ્નકર્તા : આ પોતે વ્યવહારને વળગ્યો છે તો પછી જે ઘડીએ છોડવો હોય તે ઘડીએ એ વ્યવહાર છોડી દેવાય ? એને કેવી રીતે છોડી દેવાય ? દાદાશ્રી : જેવી રીતે બંધાયો તેવી રીતે છોડી દેવાનો. પ્રશ્નકર્તા : એણે નોકરી માટે એપ્લીકેશન કરી તો બીજી બાજુ રાજીનામાની એપ્લીકેશન કરીને છૂટી જવાનું ? દાદાશ્રી : હા, એ તો જેવી રીતે બંધાયો એવી રીતે છૂટે અને તમારી ઓફિસમાં બંધાયો હતો, તે હવે મારે છૂટા થવું છે. રાજીખુશીથી બંધાયેલા ને રાજીખુશીથી છૂટી ગયા. પ્રશ્નકર્તા : પછી ઘરની ફાઈલો રહી, ઘરની ફાઈલોનું શું ? દાદાશ્રી : ફાઈલોનોે નિકાલ આપણે કરવાનો છે ને ? પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી વ્યવહાર હોય ત્યાં સુધી એ વચ્ચે ઊભું રહ્યા કરે ને ? દાદાશ્રી : એ તો વ્યવહારનો નિકાલ કરી નાખે ઝટપટ. પ્લેનની ટિકિટ કઢાવી હોય ને વરસાદ એકદમ વરસ્યો, તે નિકાલ કર્યા વગર બેસી રહે ? પ્રશ્નકર્તા : એ તો માર્ગ કાઢીને પહોંચી જાય. ડખોડખલ કાઢવા દાદાની ડખોડખલ ! દાદાશ્રી : સંસાર એટલે શું કે (વ્યવહાર) આત્મા ડખોડખલમાં પડ્યો. અને દેહનો સ્વભાવ કેવો છે ? સહજ છે. તે(વ્યવહાર) આત્મા ડખોડખલ ના કરે, તો દેહ સહજ છે. દેહેય છૂટો અને આત્માય છૂટો. આ ડખોડખલથી બંધાયો છે. એટલે આપણે ડખોડખલ બંધ કરાવીએ છીએ. તું આ (ચંદુભાઈ) નથી, તું આ (આત્મા) છું. એટલે એ ડખોડખલ બંધ કરી દે. અહંકાર-મમતા ચાલ્યાં ગયાં. હવે ડખોડખલ જેટલી બંધ કરીશ, એટલો તું તે (આત્મા)રૂપ થઈ જઈશ, સહજરૂપ. સહજ એટલે ડખોડખલ નહીં તે ! આ એની મેળે ચાલે છે ને આય એની મેળે, એ બન્ને પોતપોતાની રીતે જ ચાલ્યા કરે છે. આત્મા એના સ્વભાવમાં રહે છે અને આ દેહ એના સ્વભાવમાં રહે છે. દેહાધ્યાસ જતો રહેવાથી, બેનો સાંધો હતો એકાકાર થવાનો, તે દેહાધ્યાસ ઉડી ગયો. એટલે આ દેહ દેહના કામમાં અને આત્મા એના કામમાં, એનું નામ સહજતા. આ અમે ડખોડખલ કરીએ છીએ અત્યારે, તે તમારી ડખોડખલ કાઢવા માટે. પછી કોઈને એમ લાગેને કે દાદા પોતે જ ડખોડખલ કરે છે. તો એને સમજણ પડી નથી. એ તારી ડખોડખલ કાઢવા માટે કરે છે. એ કાઢીને નિરાંતે બેઠા છે ને તે તારી કાઢી આપે છે. વઢવાનું નહીં ને હસાવી હસાવીને, જાણે હસાવવાની શરત ના કરી હોય આપણે ? આ તો જ્ઞાની પુરુષ તમારા ડખા ને એ બધું, ડખોડખલ બધું બંધ કરી દે અને હસાવી હસાવીને આગળ લઈ જાય. દેહ સહજ એટલે સ્વાભાવિક. તેમાં 'આપણી' ડખલ ના હોય, અહંકારની ડખલ ના હોય. આ અમારો દેહ સહજ કહેવાય. એટલે આત્મા સહજ જ હોય ! અહંકાર ઊડે એટલે બધું ગયું ! 'કેવળજ્ઞાન' માટે કંઈ કરવાનુંુ ? જગતના લોક કહે છે 'કેવળ જ્ઞાન' કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે ! કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે ! એ શક્તિ તો ઓળખો. આ તો 'વ્યવસ્થિત' શક્તિનું કામ છે. આ કરો, આ કરો, કરવા બેઠા તેથી તો ભગવાન આમ કરીને બેઠા, આમ. પગે આમ પદ્માસન-બદ્માસનવાળીને આમ કરીને બેઠા. હે ભગવાન ! આ તમે શું શીખવાડો છો ? ત્યારે કહે, એ જ કર છાનોમાનો. સહજ રીતે જ ચાલી રહ્યું છે. ડખોડખલ ના કરીશ કે નથી ચલાવવું એવુંય ના બોલીશ, ચલાવવું છે એવુંય ના બોલીશ. શું કહે છે ? ડખોડખલ કરીશ નહીં. 'વિજ્ઞાન'માં વાત જ સમજવી રહી ! પ્રશ્નકર્તા : આ પુરુષાર્થની વાત બહુ મોટી વસ્તુ છે. 'જ્ઞાન' પછી રહી આ જ વસ્તુ ? દાદાશ્રી : આ ઝીણી વાત બધાએ સમજેલી ના હોય ને ? આ તો બધું ઠોકાઠોક ચાલ્યા કરે. કેટલી બધી વાત ઝીણી હોય, પણ તે જાણેલું જ ના હોય ને ? સાંભળેલું જ ના હોય ને ? પ્રશ્નકર્તા : હજુ તો 'મૂળ આત્મા' આકાશ જેવો સૂક્ષ્મ, ત્યાં સુધી એવી સૂક્ષ્મ વાતને પકડવાની છે ને ? દાદાશ્રી : હા, એવી ચીજને પકડવાની છે. પણ બહુ દોડવાની જરૂર નહીં. પેટ દુઃખે એવું દોડવાનું નહીં. 'ઈઝીલી', સહજ રીતે કરવાનું છે. એટલે વાત જ સમજવાની છે, કરવાનું કશું નથી. - જય સચ્ચિદાનંદ |
|---|