જ્ઞાનીનું શરણું ભવનો ભય ભાંગે !

સંપાદકીય

નિર્ભય પુરુષને શરણે જઈએ તો નિરંતર નિર્ર્ભયતામાં જ સ્થિર કરાવે. પરમ પૂજ્ય દાદાશ્રી અક્રમ વિજ્ઞાની આ કાળમાં થયા, તેમના બે કલાકના વૈજ્ઞાનિક જ્ઞાન પ્રયોગ દ્વારા આત્મદ્ષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારથી જ નિર્ભયતીની શરૂઆત થઈ જાય છે.

મિથ્યા દ્ષ્ટિના સંસર્ગથી અનાદિકાળથી ઊંધી માન્યતાઓ દ્ઢ થઈ ગઈ હોય ને તેને લઈને કોઈ પ્રકારના વ્યવહારમાં ભય ઉત્પન્ન થઈ જાય, ત્યાં જ્ઞાની પુરુષ જ્ઞાનવાણીથી મિથ્યા સમજણ છોડાવી શુધ્ધ સ્વરૂપની સમજણ ફીટ કરાવે છે કે 'તમે શુધ્ધાત્મા થયા, ચંદુભાઈ જુદા છે' પછી તમને ભય રહ્યો જ કયાં ? અને આત્માને ભયવાળી વસ્તુ જ કોઈ હોતી નથી અને ચંદુભાઈની પ્રકૃતિમાં જેટલા ભય ભર્યા છે, તે ડિસ્ચાર્જ થયા વગર રહેશે નહીં, તે ઈફેક્ટ આપીને જતા રહેશે. આ બધા પાછલા પડઘાઓ છે, એમાં ભય પામવા જેવું રહ્યું જ ક્યાં? આમ 'પોતાને' બધી રીતે નિર્ભય દશામાં સ્થિર કરાવે છે.

દરેક પ્રાકૃત ભય પરિણામમાં પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાન સાક્ષાત્કાર પામેલાઓને ઠોકી ઠોકીને જુદી જુદી રીતે નવી નવી સમજ સમજાવીને નિર્ભય કરે છે કે તમે શુધ્ધાત્મા છો, તમને આ પુદગલના પરિણામ અડી શકે એમ નથી. એ સમજ સમજી જાવ તો પછી ક્રોધ-માન-માયા-લોભ જે પુદગલમાં થાય છે તે 'આ મને થાય છે' એમ પોતાને માથે લઈ લેવાની ભૂલ ના થાય. એ ભૂલ તો 'ન્હોય મારું' કહેવાથી યે છૂટી જાય.

સંસારમાં જીવમાત્ર અશરણ છે, કોઈનો આશરો છે જ નહીં. છતાં લાલચથી કે લાચારીથી પોલીસવાળાનુંં કે સાહેબનું કે છેવટે કોઈ વ્યક્તિનું શરણું લેવું પડે, અને એ શરણ ભય-ફફડાટ કરાવ્યા જ કરે. જ્યારે જ્ઞાની પુરુષનું શરણું મળી ગયું કે થઈ ગયો નિર્ભય. પછી લોકોની શરણાગતિ લેવામાંથી છૂટકારો થઈ જાય. છતાં જ્ઞાનીપુરુષ શરણું આપીને લાચાર-દીન બનાવતા નથી. તેઓશ્રી કહે છે, 'તમારા કર્મોના દેવા ચૂકતે થઈ જાય તો તમે મારા જેવા ભગવાન જ છો, પરમાત્મા જ છો. તમારેય અમારું શરણું પછી છોડી દેવાનું. તમે સર્વાંશ થઈ જાવ.' આ જ વિશેષતા છે, બલિહારી છે, સમર્થ જ્ઞાની પુરુષની ! જે મુમુક્ષુ જીવને માથે કાયમ ઉપરી રહીને તેમને લાચાર રાખતા નથી, પરંતુ પોતાના સમકક્ષ બનાવી નિર્ભય કરી દે છે !

કંઈ પણ પ્રકારની અજ્ઞાનતા છે ત્યાં સુધી ભયપરિણામ છે, એક પછી એક દરેક પ્રકારની અજ્ઞાન માન્યતા છૂટી જાય, તેમ તેમ પૂર્ણ નિર્ભય થઈ જાય. જ્ઞાની શરણે અહીં તમામ અજ્ઞાન માન્યતાઓ છૂટી જાય તેટલું આ અક્રમ વિજ્ઞાન પચાવી જવાનું છે, જેથી એકાવતારી થઈ મોક્ષ પામી જવાય.

પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષના શરણથી ભવોભવના ભય ભાંગે તેવી અદ્ભૂત જ્ઞાનચાવીઓ સંકલિત થઈ છે, જે સર્વે મુમુક્ષુઓને જ્ઞાન ને જ્ઞાનીની ઓળખાણમાં ઉપકારી નીવડશે.

જય સચ્ચિદાનંદ.

જ્ઞાનીનું શરણું ભવનો ભય ભાંગે !

...મિથ્યા દ્ષ્ટિના પરિણામ રહ્યા !

પ્રશ્નકર્તા : રોજિંદા જીવનમાં મિથ્યા દ્ષ્ટિ ખસતી નથી, અને સમ્યક્ દ્ષ્ટિ જોઈએ છે, તો એનો કેમનો સમન્વય કરવો ?

દાદાશ્રી : આ જ્ઞાન મળ્યા પછી તમને સમ્યક્ દ્ષ્ટિ છે જ, તમને જે મિથ્યા દ્ષ્ટિ દેખાય છે એ તમારી નથી. એ દ્ષ્ટિ પર તમને હવે પ્રેમ નથી. પ્રેમ છે ? ના. તમને સમ્યક્ દ્ષ્ટિ પર જ પ્રેમ છે. જ્યાં પ્રેમ ત્યાં તમારી વસ્તુ. હવે એ છે નિકાલી બાબત. ભૌતિક દ્ષ્ટિએ કરીને મારા હાથમાં રૂપિયા મૂકે તો શું હું થોડીવાર પછી નાખી દઉં ? મિથ્યા છે માટે ? ના, ના નખાય. વ્યવહારના લોકોય કહે, 'ગાંડા છે, જ્ઞાની ન્હોય !' જ્ઞાની ધીમે રહીને ગજવામાં મૂકી દે, તો શું મિથ્યા દ્ષ્ટિ થઈ ગઈ ? આ તો વ્યવહાર છે. દાઢી કરાવે, ક્લીન શેવ કરાવે તો મિથ્યાત્વ થઈ ગયું ? તું આવડી મૂછો રાખું તો સમકિત થઈ ગયું ? એવું કશું નથી.

પ્રશ્નકર્તા : એવું નથી, દાદા. એ લાઈન ઑફ ડિમાર્કેશન (ભેદરેખા) મહત્ત્વની છે.

દાદાશ્રી : એ દ્ષ્ટિએ તમને સમકિત જ છે, સમ્યક્ દર્શન છે. તેથી તમને મિથ્યા દ્ષ્ટિનો ભય રહ્યા કરે છે. પહેલાં ભય નહોતો લાગતો. તમને પહેલાં ભય લાગતો હતો કે આ મિથ્યા દ્ષ્ટિ થઈ જશે ? આ તો શંકા છે તમને કે આ મિથ્યા દ્ષ્ટિ હશે કે શું ? એ શંકા હતી ખાલી, એવું તેવું છે જ નહીં. કારણ કે અનાદિકાળથી આરાધેલી, એટલે આ ઓળખાણ તો જાય નહીં ને, બળી !

એટલે આ જૂની માન્યતાઓ છે એક જાતની. તે માન્યતાઓ ઘર કરી ગઈ હોય તો માન્યતાઓ કાઢી નાખવી, ખંખેરી નાખવી. આમ કરીને ધૂળ કાઢી નાખીએ એટલે કશું ના રહે. આ તો (ચરણ વિધિ) વાંચવાથી ધૂળ ઊડી જાય બધી. કારણ કે ઘણા કાળથી પેલું ને પેલું જ જોયેલું ને !

પ્રશ્નકર્તા : અનંત અવતારથી.

દાદાશ્રી : હા. અને એનો જ ભય વગર કામનો છે તારે ! જે વસ્તુ આવવાની છે, એનો સતત ભય શું કામનો ? આ તો જે વસ્તુ ના આવવાની હોય તેનો ભય છે. તે મનમાં એમ લાગે કે આ તો આવવાની જ છે એ નક્કી થઈ ગયેલું અને તેનો ભય રાખી ને શું કરવાનું ? કોઈએ એ ભય શા માટે રાખવાનો ? આત્માને કોઈ ભયવાળી વસ્તુ જ નથી. તમને જે શુધ્ધાત્મા આપ્યો છે, એની પર કોઈ ભયવાળી ચીજ જ નથી. કેવો સેફસાઈડ ને કેટલો આનંદ મહીં ! સુખ માટે એને બીજા કોઈની જરૂર જ નથી, પોતે પોતાના સ્વભાવથી જ સુખમય છે ને નિરાલંબ છે. જેને અવલંબન જ નથી. એવો આત્મા આપ્યો છે. દાદા કેવા ૭૯ વર્ષે રહે છે, નથી એવું ?

આ તો આપણું જ્ઞાન છે ને, તે જ્ઞાનના આધારે ભય છૂટી જાય. તમને એવી હિંમત રહે છે ?

લૂંટશે, લૂંટાશે પુદગલનું, આત્માનું નહીં !

આ મન, વાણી ને દેહ એ ત્રણ કરણ કહેવાય છે. આ ત્રણ કરણનો અમલ છે તે જ આપણને વાંધો આવે છે. આ ત્રણ ભૂતા વળગ્યા છે. તેને લઈને તો આ સંસારભાવ ઉત્પન્ન થયો છે, નહીં તો સ્વભાવભાવ જાય નહીં.

આ સંસાર એ લફરું છે એવી સમજણ પડી ગઈ ત્યારથી એ લફરું છૂટતું જાય.

લફરું વળગેલું યાદ લાવે. યાદ આવે તે ઘડીએ 'દાદા, દાદા' કરવું પડે. ફરી યાદ તો આવશે જ, ટાઈમ થાય એટલે તરત.

પ્રશ્નકર્તા : હું તો બહુ બીતી'તી, દાદા.

દાદાશ્રી : ગમે એટલી બીતી હોય તોયે, લફરું વળગ્યું એટલે યાદ તો આવે, પણ તે ઘડીએ 'દાદા, દાદા' કરવું. આ લફરું વળગ્યું છે તેથી તો પોતાનો કેટલો બધો આનંદ, કેટલું બધું સુખ, બધું આવરાઈ રહેલું છે. આ તો સ્વરૂપમાં આવ્યા હોય તોય હજી અડચણો કરે છે, તો સ્વરૂપમાં ન આવ્યા હોય તો કેટલા ગોદા મારે ? ગોદા મારનારો દેખાય નહીં ને ગોદા મારે કે આમ થઈ જશે તો ? 'આમ થઈ જશે તો ?' 'અલ્યા, આમેય પડવાનું નથી ને તેમેય પડવાનું નથી. તું શું કામ સલાહ દેવા આવ્યો છું.' એવું કહેવાનું. આ સૂર્યનારાયણ કોઈ દહાડો પડી જાય ખરાં ? કશું પડે-કરે નહીં. જુઓને, અમારી પર બેગ પડીને ! એટલે પડવાની હશે તો પડશે, એની માટે ભય શો ? પડવાનું હશે તો આપણે ના કહીશું તોયે પડ્યા વગર રહેવાનું નથી તો પછી એને પડવાનું નથી એમ માનોને ? વગર કામના ભય રાખીને શું કામ છે ? અને એ આપણને શું લૂંટી લેવાનો છે ? પુદગલને લૂંટશે ને ? પુદગલ પુદગલને લૂંટશે, આત્માને કંઈ લૂંટશે નહીં. આપણું શું જવાનું છે ? આપણને તો ઓળખતો નથી. આપણું તો અવ્યાબાધ સ્વરૂપ છે. કોઈ બાધા-પીડા કરી શકે જ નહીં !

જ્ઞાની કાઢી આપે ભય !

જ્ઞાની પુરુષને જે ભેગા થાય ને જ્ઞાની પુરુષને એમ લાગે કે આમને ભયની જરૂર નથી તો એ ભય કાઢી આપે અને પછી પાસ માર્કમાં મૂકી દે, નહીં તો આ તો અત્યારે 'ફેઈલ' થયેલાં છે. જેને ભય છે એ 'ફેઈલ' થયેલાં છે. ભય જાય તો કામ થાય, નહીં તો ચાલે જ નહીં ને !

શંકા સમાય જ્ઞાનથી !

અંધારી રાતે ગામડામાં દીવાના પ્રકાશમાં ઓરડીમાં સાપ પેસતો જોયો, પછી તમારાથી ઊંઘી શકાય કે ? કેમ ? ત્યારે કહે, ભય લાગે.

ત્યારે એ કહે, 'મેં સાપ પેસતા જોયો છે, નીકળતો જોઉં ત્યારે સૂઈ જાઉં.' તે પેસતાનું જ્ઞાન થયું છે. નીકળ્યાનું જ્ઞાન થાય તો છૂટાય. પણ જ્યાં સુધી મનમાં પેલી શંકા રહે ત્યાં સુધી ના છૂટાય.

પ્રશ્નકર્તા : નીકળતા જોયો નથી, ત્યાં સુધી શંકા શી રીતે જાય ?

દાદાશ્રી : 'જ્ઞાની'ના 'જ્ઞાન'થી શંકા જાય ! કશું કોઈથી, સાપથીય અડાય નહીં એવું આ જગત છે.

પ્રશ્નકર્તા : એટલે ભય રાખવો નહીં ? સાપ જોયો તે ભલે જોયો, પણ એનો ભય રાખવો નહીં ?

દાદાશ્રી : ભય ના રાખવો એવું રહે નહીં, એ તો પેસી જાય. મહીં શંકા કર્યા જ કરે. કશું કોઈથી વળે એવું નથી. જ્ઞાનમાં રહેવાથી શંકા જાય.

ભય જાય, તે વિજ્ઞાન !

બાકી, ભય જાય ને, તો વીતરાગતા ઉત્પન્ન થાય. ભય જાય એનું નામ વિજ્ઞાન. બીજા બધા વિજ્ઞાન ખોટાં. જેનાથી ભય જાય અને વીતરાગતા ઉત્પન્ન થાય એ વિજ્ઞાન કહેવાય. મોટા મોટા સંતોએ કહ્યું કે 'ભય પહેલાં કાઢો, પછી વીતરાગતા ઉત્પન્ન થશે.' એવું કોઈ દહાડો બનેલું જ નહીં. આત્મજ્ઞાન થયા સિવાય ભય જાય નહીં.

પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ નિર્ભયતા આવે ?

દાદાશ્રી : નહીં તો નિર્ભયતા ઉત્પન્ન જ ના થાય ને ! કારણ કે જ્યાં સુધી 'હું ચંદુભાઈ છું' ત્યાં સુધી ભય જ છે. 'હું આત્મા છું' કે ભય ગયો.

પ્રશ્નકર્તા : એવું ખરું કે શરીર છે ત્યાં સુધી બીક છે ?

દાદાશ્રી : ના, શરીર તો હોય જ. શરીર તો મહાવીરનેય હતું.

પ્રશ્નકર્તા : હા, પણ આત્મજ્ઞાન થાય તો જ નિર્ભય.

દાદાશ્રી : આત્મજ્ઞાન થાય એટલે શરીર તો ઉપકારી થયું. દેહ મિત્ર સમાન થઈ પડ્યો. આ કર્મોનો નિકાલ કરવાનો જે છે તે એની મેળે થઈ શકે ને !

દુનિયાની શાંતિ માટે આ અવતાર !

પ્રશ્નકર્તા : આ મહાત્માઓને જોઈએ છીએ ને, તો શાંતિ લાગે છે.

દાદાશ્રી : હા, બધો ભય નીકળી જાય. એને પોતાને જ નીકળી ગયેલો છે ને. આ પેલો છોકરો છે તેનોય ભય નીકળી ગયેલો છે.

પ્રશ્નકર્તા : મારો ભય તો નથી ગયો.

દાદાશ્રી : તમારો ભય શી રીતે જાય ? આ તો કોઈ કાઢી આપે તો. નહીં તો ના જાય, કોઈનોય ના જાય. જ્ઞાની પુરુષ એટલે એમની મહીં જે આત્મા પ્રગટ થયેલા છે, જે પરમાત્મા સ્વરૂપ છે, એમની કૃપાથી શું ના થાય ? જો પરમાત્માની સીધી, ડિરેક્ટ કૃપા ઉતરી, ત્યાં શું ના થાય ? જે પરમાત્મા અંદર બેઠેલો છે એ ચૌદ લોકનો નાથ છે. આજે આખા વર્લ્ડની શાંતિને માટે આ અવતાર છે. આજ આખું વર્લ્ડ (દુનિયા) બળી રહ્યું છે, ઠંડી આગથી સળગી રહ્યું છે.

શુધ્ધાત્મા ત્યાં ભય નહીં !

આત્માના કલ્યાણ માટે જ આ જન્મ છે. જો આત્માનું કલ્યાણ ના થયું તો જંગલમાં જઈને પોક મેલ. હવે કશું ભય-બય ફફડાવતું નથી ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શુધ્ધાત્મા ત્યાં ભય નહીં ને ભય છે ત્યાં શુધ્ધાત્મા નથી. 'હું શુધ્ધાત્મા છું' એ સાયકોલોજીકલ ઈફેક્ટ નથી.

પ્રશ્નકર્તા : તો દાદા, હું જ્યારે 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' બોલું ત્યારે....

દાદાશ્રી : બોલવાની જરૂર નથી એની મેળે જ આવે અંદરથી, 'હું શુધ્ધાત્મા છું.'

પ્રશ્નકર્તા : તો દાદા, હું બહુ ભયમાં હોઉં ત્યારે જ ઓટોમેટીકલી એ આવે, બીજી વખતે નથી આવતું.

દાદાશ્રી : તો એ જ સાચું, એ છે તે આઈ- માયનંું સેપરેશન મહીં થઈ ગયેલું જ છે. તેથી જાગૃતિ આવે છે.

અક્રમ, અલૌકિક માર્ગ !

પ્રશ્નકર્તા : આપણો જે માર્ગ છે તે બહુ અલૌકિક છે.

દાદાશ્રી : અલૌકિક, બહુ અલૌકિક છે વસ્તુ. તેથી આપણે કહીએ છીએને, દસ લાખ વર્ષે એક ફેરો પ્રગટ થાય છે આ માર્ગ. પણ લોકોને સમજમાં બંધ બેસવું જોઈએ. જેમ જેમ હજુ વખત જશે, તેમ તેમ આગળ વાત સમજાતી જશે ઓર જાતની અને વગર મહેનતની પીડા નહીં, કશુંયે નહીં. બસ, જ્ઞાની પાસે બેસવાથી જ જ્ઞાની સ્વરૂપ થઈ જવાય તેવો માર્ગ. અને તેય ચિંતા વગર બેસી રહેવાનું. ચિંતા નહીં, ઉપાધિ નહીં, ભય નહીં. આ લોકનો ભય નહીં, પરલોકનો ભય નહીં. હવે આવતા ભવમાં શું થશે ? એવું તેવું કશું ભો નહીં. એટલે બહુ અલૌકિક વસ્તુ છે આ તો. પણ એવાં પુણ્ય લોકોના જાગ્યાં નથી. એ પુણ્ય જાગવા બહુ મુશ્કેલ વસ્તુ છે. કારણ કે આવો સહેલો-સરળ મોક્ષમાર્ગ કોઈને મળે નહીં. આ સાધુઓએ સ્ત્રીઓ છોડી તોય મોક્ષમાર્ગ નથી મળતો ને ?

'ંમોક્ષ નથી' માન્યતાથી ભડક !

'મોક્ષ નથી' એવું કહ્યું એટલે શી રીતે છૂટે ? અલ્યા, મોક્ષ નથી પણ મોક્ષના દરવાજાને હાથ અડાડી શકાય છે અને અંદરના બધા મહેલ દેખાય છે, દરવાજા ટ્રાન્સ્પેઅરન્ટ (પારદર્શક) છે, તેથી અંદરનું બધું જ દેખાય એવું છે ! પણ આ તો શોરબકોર કરી મૂક્યો કે, 'મોક્ષ નથી, મોક્ષ નથી.' પણ આ તને કોણે કહ્યું? ત્યારે કહે કે, 'આ અમારા દાદાગુરુએ કહ્યું.' પણ દાદાગુરુ જોવા જઇએ તો હોય જ નહીં ! આ તો 'વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું' એના જેવું છે. તે કો'ક બહાર નીકળ્યો હશે, તે બૂમાબૂમ કરી મૂકે કે 'શું છે ? શું છે ?' ત્યારે બીજો ઠોકાઠોક કરે કે 'ચોર દીઠો' ને તેથી શોરબકોર મચી ગયો. આવું છે ! છે કશું જ નહીં ને ખોટો ભો અને ભડકાટ ! પણ શું થાય ? આ લોકોને ભસ્મક ગ્રહનું ભોગવવાનું હશે, તેથી આવું થયું હશે ને ? પણ હવે તો એ બધું પૂરું થવાનું એ નક્કી જ છે.

ક્રમિક માર્ગે બેઝમેન્ટ તૂટ્યું !

તમારો આત્મા કબૂલ કરે તો જ આ બધી વાતો સ્વીકારજો, મારી બીકનાં માર્યા સ્વીકાર ના કરશો. આ તો વીતરાગોનું જ્ઞાન છે. એનું એ જ, ટાઈમે અક્રમ થઈને ઊભું રહ્યું. કારણ કે ક્રમિક માર્ગનું બધું આખું જે બેઝમેન્ટ છે તે સડી ગયું છે. ક્રમિક માર્ગનું બેઝમેન્ટ શેને કહેવાય છે ? ત્યારે કહે, મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ તૂટી એટલે ક્રમિક માર્ગનું બેઝમેન્ટ તૂટી ગયું. મન, વચન, કાયા એકાકાર હોય ત્યાં સુધી ક્રમિક માર્ગ બહુ જ સારી રીતે ચાલ્યા કરે. ભગવાન ગયા પછી બધું ક્રમિક માર્ગનું આખું બેઝમેન્ટ જ તૂટી ગયું છે. તે અત્યારે બધા સંપ્રદાયમાં આ બધા મિથ્યાત્વથી આગળ વધ્યા નથી. મિથ્યાત્વ ગાઢ કર્યું. એટલે પરમ વિનયમાં કશું ન રહ્યું. નહીં તો દર્શન કરવા સામું જવું જોઈએ જ્ઞાની પુરુષ પાસે, વર્લ્ડના અજાયબ પુરુષ કહેવાય. મારે જાતે બોલવું પડે છે. હીરાને જાતે બોલવું પડે તો આપણે ના જાણીએ કે ઝવેરીઓ નથી હવે !

ક્રમિકમાં, ગુરુ-શિષ્ય વચ્ચે અકળામણ !

ક્રમિક માર્ગમાં ગુરુ એના શિષ્ય ઉપર ક્રોધ કરે, ત્યાં ભગવાને કહ્યું કે શિષ્યના હિતને માટે કરે છે, કારણ કે ક્રોધ કરે છે તે પોતાના હેતુ માટે કે પરમાર્થ હેતુ માટે છે ? પારકા માટે ક્રોધ વાપરવો એનું ફળ પુણ્યૈ મળે છે. પણ આ જ્ઞાનીને તો પુણ્યૈય ના મળે. એમને તો ત્યાં ને ત્યાં એડજસ્ટ જ થઈ જાય, ખલાસ થઈ જાય. બાકી ક્રમિક માર્ગમાં તો ઠેઠ સુધી સવારના પહોરમાં અકળાયેલા ને અકળાયેલા જ બેઠાં હોય, પેલાયે હમણાં કશું કહેશે, હમણાં કશું કહેશે, પેલાનેય ભડક. આનું આ જ છે. ઠેઠ સુધી દસમા ગુઠાણાં સુધી આનો આ વેષ. આંખ લાલ થાય, આપણેય મહીં આમ લ્હાય બળે. આ વેદનાઓ કેટલી વેદવી પડતી હશે ! ત્યારે મોક્ષે પહોંચાય છે. એમ ને એમ કંઈ આ લાડવા ખાવાના છે. આ તો કો'ક ફેરો આ અક્રમ વિજ્ઞાન પ્રગટે છે.

સંસારે મોક્ષ વર્તે, અક્રમ લિફ્ટથી !

'ક્રમિક માર્ગ', તેમાં ક્રમે ક્રમે ત્યાગ કરતાં કરતાં જવાનું, પગથિયે પગથિયે ઉપર ચઢવાનું. બીજો 'અક્રમ માર્ગ.' જે વર્લ્ડનું આશ્ચર્ય છે ! લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં. એ મહેનત વગરનો મોક્ષ માર્ગ છે, લિફ્ટ માર્ગ છે. મહાપુણ્યશાળી હોય તેને માટે 'આ' માર્ગ છે. ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઇ જાય. ઉધાર કશું રખાય નહીં, રોકડું જોઇએ. તે 'આ' રોકડો માર્ગ નીકળ્યો. ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેન્ક ઇન ધી વર્લ્ડ.

'ક્રમિક માર્ગ'માં સત્સંગ મળ્યો હોય તો પાંચસો પગથિયાં ચઢી જાય ને એકાદ કુસંગથી હજાર પગથિયાં ઊતરી પણ પડે. એમાં ઠેકાણું નહીં, અત્યંત કષ્ટ પડે અને આ 'અક્રમ માર્ગ' તો સેફ સાઇડ માર્ગ. લિફ્ટમાંથી પડવાનો ભો જ નહીં ને સંસારમાં રહીને મોક્ષે જવાય. ચક્રવર્તી ભરતરાજા ગયેલા તેવી રીતે, લડાઇઓ લડતાં, રાજ ભોગવતાં મોક્ષ !

નિઃશંક આત્માથી નિર્ભયતા થાય છે ને નિઃશંકતા પછી અસંગતા પ્રાપ્ત હોય છે.

નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ !

બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુધ્ધાત્મા' તો નિઃશંક થઈ ગયો, એટલે દુઃખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે. નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં બધુંય પૂછી શકાય. શંકા કાઢવા માટે તો આ 'જ્ઞાની પુરુષ' છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોય ને, ત્યારે 'જ્ઞાની પુરુષ' આપણને નિઃશંક બનાવી આપે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે.

કૃપાળુદેવે તો શું કહ્યું ? 'નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.'

હવે આ શંકા એટલે (આત્મા, અવિનાશી તત્ત્વો સંબંધી) જ્ઞાનની શરૂઆતથી, જ્ઞાનમાં શંકા, જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો પર શંકા પડી, એને અહીં આગળ અધ્યાત્મમાં શંકા કહેવામાં આવે છે. તે ક્યાં સુધી શંકા ગણાય છે કે ઠેઠ આત્માસંબંધમાં નિઃશંક ના થાય, કે આ જ આત્મા અને આ ન્હોય, ત્યાં સુધી નિઃશંકતા ઉત્પન્ન થાય નહીં. આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થઈ, તો 'વર્લ્ડ'માં કોઈ શક્તિ એને ભયકારી બની શકે નહીં, નિર્ભયતા ! અને નિર્ભયતા ઉત્પન્ન થાય એટલે સંગમાં રહેવા છતાં નિઃસંગ રહેવાય. ભયંકર સંગોમાં રહેવા છતાંય નિઃસંગતા હોય. એવું આ કૃપાળુદેવ કહેવા માગે છે.

ત્યાં 'ચાર્જ' થાય !

પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે એ વાત બરાબર છે, પણ એમાં ક્યાંક અનૌપચારિક વ્યવહાર હોય છે. તો ત્યાં આગળ 'ચાર્જિંગ'નું ભયસ્થાન ક્યાં ?

દાદાશ્રી : 'ચાર્જ' થઈ જાય એવાં ભયસ્થાનો હોતાં જ નથી. પણ શંકા પડે ત્યાં આગળ 'ચાર્જ' થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન 'ચાર્જિંગ'વાળું માનવું. શંકા એટલે, કેવી શંકા ? કે ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં. કારણ કે જે શંકા પડી, એ પછી ભૂલી જઈએ એ શંકાની કિંમત જ નથી.

પ્રશ્નકર્તા : તો પછી બિન્દાસ રહેવાનું ? નીડર ને બેફામ રહેવાનું ?

દાદાશ્રી : ના, બેફામ રહે તો માર પડશે. બેફામ થાય ને નિષ્ફિકરો થાય તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા ?

પ્રશ્નકર્તા : તો પછી ત્યાં ઔપચારિક 'એક્શન' કયું લેવું જોઈએ ?

દાદાશ્રી : બીજું શું 'એક્શન'માં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલું જ 'એક્શન' છે.

જ્ઞાનીનું શરણું, સંસારમાં તરણું !

જ્ઞાનીનું શરણું સ્વીકાર્યું, એટલું જ શરણું. તે ક્યાં સુધી કે આપણા હિસાબ ચૂકતે ના થાય ત્યાં સુધી. પછી શરણાની જરૂર હોય જ નહીંને ?

પ્રશ્નકર્તા : દાદા, પછી પાલકો (સેન્ટ્રિંગ) ઉતારી નાખવાની ?

દાદાશ્રી : ના, એટલે એકલું શરણું લીધું એટલે આખી દુનિયાના બધા માર ખાવાના આપણે રહ્યા નહીં. નહીં તો આખી દુનિયાનું શરણું લેવું પડે, પોલીસવાળાનું-બોલીસવાળાનું બધાનું શરણું લેવું પડે. જ્ઞાન ના હોય ત્યારે પોલીસવાળો અહીં આવીને કહે, 'ચંદુભાઈ છે કે ?' ફફડાટ, ફફડાટ, ફફડાટ, ચંદુભાઈનું તારે શું કામ છે પણ ? હવે તો આપણને કહે તો આપણે કહીએ કે, 'હા ભાઈ, આ રહ્યા ચંદુભાઈ, તમારે કશું કામ છે ?' ત્યારે કહે, 'સાહેબ બોલાવે છે, એમની પર વોરંટ છે.' ત્યારે કહે, 'ચાલો.' તે આપણે શું કરવાનું ? આપણે ઘેર બારણું વાસવું પડતું, તે અહીં આ પોલીસવાળા વાસી આપે આપણને, ઉપાધિ જ નહીં. અને ખાવા-પીવાનો જે હિસાબ છેને, વ્યવસ્થિત, તે હિસાબ પ્રમાણે આવીને મળી જશે. એટલે એ બધું આપણે જોવાની જરૂર નથી. આપણે પેલું બારણું વાસવું ના પડે, પોલીસવાળા વાસી આપે. જો કે એવું બને નહીં, એવી અવસ્થાઓ ન આવે, પણ આવે તોય ભડકવા જેવી વસ્તુ નહીં.

તે આ ઘરમાં સ્વભાવ કોઈનો સુધર્યો કે નથી સુધર્યો ?

લોક મને પૂછે કે તમને કોણે પાંસરા કર્યા ? મને લોકોએ જ પાંસરો કર્યો. પાંસરા કરી કરીને સીધો જ કરી નાખ્યો છે. માટે મારી વાતથી પાંસરા થઈ જાવ, નહીં તો લોકો મારી-ઠોકીને સીધા કરશે. લોકો મારી-ઠોકીને પાંસરા કર્યા વગર રહે કે ? ઘરના માણસ તો રાતદહાડો શું કરે છે ? પાંસરા જ કરે છે. ત્યારે કહે, મારી વિરુધ્ધમાં છે આ બધા. ન હોય તમારી વિરુધ્ધમાં. કોઈ વિરુધ્ધમાં હોય નહીં. આ તો બધા તમને પાંસરા જ કરે છે.

પ્રશ્નકર્તા : ઘરમાં અથડામણ છે તે તો આપણને પાંસરા કરે છે, હવે આવું સાંભળવાનું ક્યાંથી મળે, આ તો ?

દાદાશ્રી : હા, પણ શું થાય એ તો !

પ્રશ્નકર્તા : અને દરેકને એમ લાગે છે કે જાણે દાદા પોતાની જ વાત, આપણી જ વાત કરે છે.

દાદાશ્રી : એટલા માટે આપણે કહીએ છીએ ને કે ભઈ, કામ કાઢી લો.

નાનપણથી મને ભાવ રહી ગયેલો, આ ડિસ્ચાર્જ કર્મ મારે હવે એક રહી ગયું છે કે મને ભેગા થયો એને સુખ થવું જ જોઈએ.

એમાં ટેસ્ટેડ થવું પડે !

પ્રશ્નકર્તા : ભયને અને જ્ઞાનને કશી લેવાદેવા ખરી ?

દાદાશ્રી : ભયને અને જ્ઞાનને કશુંય લેવાદેવા નથી. પણ મહીં ભય ઊભો થાય એવું ખબર આપણને પડેને કે ચંદુભાઈને ભય ઊભો થાય છે. બાકી, મારું શું કહેવાનું કે જ્ઞાન એનું નામ કહેવાય કે ભય ઊભો જ થવો ન જોઈએ. એટલી કચાશ રહેલી છે. આપણું પોતાનું બધું ટેસ્ટ ઉપર મૂકવું જોઈએ. ટેસ્ટ ઉપર મૂક્યા વગરનું નકામું છે.

તમને કાલે કોઈ વિરોધી માણસ ભેગો થાય. તે અવળું-સવળું બોલવા માંડ્યો, અપમાન તમારું કરવા માંડ્યો તો એ તમારો વિરોધી છે કે તમારું થર્મોમીટર છે ?

પ્રશ્નકર્તા : થર્મોમીટર કહેવાય ને !

દાદાશ્રી : હા, હવે તમારું થર્મોમીટર કહેવાય કે આપણને દાદાનું જ્ઞાન રહે છે કે નહીં ? આ માણસ કોને કહે છે ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈને.

દાદાશ્રી : હા, તે આ ચંદુભાઈને કહે છે. તમને તો કહે જ નહીં ને ? તમને તો ઓળખે જ નહીં ને ? શી રીતે ઓળખે ? ચંદુભાઈને કહે, તે ચંદુભાઈને આપણે કહેવું કે તમારો કંઈ દોષ હોય તો જ કહે છે ને, નહીં તો કોણ નવરું છે ?

એક પરમાણુ જેટલુંય ક્યાં આગળ હાલે છે, એ તપાસ કરવી. એક પરમાણુ જેટલો કંઈ પણ ભય ઊભો થાય છે, એવો વિકલ્પેય ઊભો થાય છે ? અમે તો વિકલ્પ ઊભો થાય તેની સામે તો અમારું પેલું જ્ઞાન હાજર હોય ને, પણ વિકલ્પ ઊભો થયો તે ભય છે. એ ના થવો જોઈએ. જો આપણે શુધ્ધાત્મા છે તો બીજું છે નહીં. પણ બીજું છે, એવી સ્હેજ પણ કંઈક અસર છે હજુ.

'જ્ઞાન' લીધા પછી કેવું ઘટે !

પ્રશ્નકર્તા : આપણું જ્ઞાન ટોપમોસ્ટ રીતે પ્રકાશમાન થાય, તેને માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : કોઈને આપણો ભય ના લાગવો જોઈએ, કોઈને આપણાથી દુઃખ ના થવું જોઈએ, એવું કંઈ મોરલ તો હોવું જોઈએ ને ?

પ્રશ્નકર્તા : કોઈએ જ્ઞાન લીધું છતાં મોહ, ભય ગયા નથી, એ નિર્લેપ ના થઈ શક્યો, તે એવા દાખલાનું શું કહેવું ?

દાદાશ્રી : એણે જ્ઞાનમાં ફરી બેસવું જોઈએ. કારણ કે આ વિજ્ઞાન શું છે કે જેટલાં અમે શબ્દ કહ્યા તે શબ્દે શબ્દ પ્રમાણે વર્તવાનું. કારણ કે કલાકમાં બધો ઉકેલ લાવવાનો છે. અનંત અવતારની ખોટ એક કલાકમાં ભાંગવાની છે. એટલે શબ્દે શબ્દ, પોઈન્ટ ટુ પોઈન્ટ રહેવાની જરૂર. આપણે અહીં પોઈન્ટની ખબર ના હોય, તો શિયાળાને દહાડે પંખો ચાલુ થઈ જાય, એવી ભૂલ થાય છે આમાં. એટલે અમે એને ફરીવાર બેસાડીએ જ્ઞાનમાં, કેટલાકને પાંચ-પાંચ વાર બેસાડવા પડે. પણ એનો ઉકેલ આવી જાય. પછી ભય લાગે જ નહીં.

આ જ્ઞાન લીધા પછી ભય ખરી રીતે ના લાગવો જોઈએ. નિર્ભય જ રહે. આ વીતરાગી વિજ્ઞાન છે, એને ભય લાગે જ નહીં. કારણ કે પોતે શુધ્ધાત્મા, તો ભય કોને લાગવાનો છે ?

રહેવું આત્મસ્વરૂપે !

જેમ ક્રોધ-માન-માયા-લોભ પુદગલમાં થાય છે અને પોતે માથે લઈને કહે છે કે મને થાય છે આ બધું. એના જેવું બીજું બધું 'મને થાય છે' એવું ચોંટી પડે છે.

પુદગલને ચોંટી ના પડે તો ભગવાન જ થઈ ગયો. 'મને થાય છે' એવું ચોંટી ના પડે. કશુંય સમજણ ના પડે તો કહેવું, 'મારું ન્હોય ! આ મારું છે જ નહીં, મારું સ્વરૂપ ન્હોય' એમ કહે તોય છૂટું પડી જાય. પહેલાં જેવાં ભય રહ્યા નથીને ? પહેલાં તો તરફડામણ હઉ થાય, નહીં ? તને આ ભય ગમતો હતો ?

પ્રશ્નકર્તા : ગમે નહીં.

દાદાશ્રી : શું કરે તું ?

પ્રશ્નકર્તા : એનો ઉપાય મળે નહીં, સૂઈ જઈએ ત્યારે તો.

દાદાશ્રી : એ તો બાપાને કહેવું ને કે મને આટલો બધો ભય શું કરવા છે ?

પ્રશ્નકર્તા : એ જ ભયમાં રહેતા હોયને ! આખું જગત ભયમાં ફરે છે, દાદા.

દાદાશ્રી : કોને કહેવું ? બાપા શું કહે ? સૂઈ જા છાનોમાનો. આ ભયવાળો આવ્યો !

પ્રશ્નકર્તા : તમે નિર્ભય છો ને નિર્ભય બનાવ્યા છે અમને.

દાદાશ્રી : હા. તમે નિર્ભય થવાના કે નહીં ?

પ્રશ્નકર્તા : હવે તો ભયવાળી જગ્યાએ નિર્ભય થઈને રહીએ છીએ. માનસિક ભય નહીં થાય. અત્યારના કર્ફયુ પડી ગયો અને આપણે ઓફિસથી ઘેર આવવાનું પણ ભય નહીં રહે. આપણે કોઈનું બગાડ્યું નથી તો આપણને કશું થવાનું નથી.

દાદાશ્રી : ના, એવું તો કશું થાય નહીં. હું શુધ્ધાત્મા છું' તો કશું બગાડ્યું નથી.

પ્રશ્નકર્તા : મતલબ ભૂતકાળમાં મેં કોઈ પોલીસને પથ્થર માર્યો હોય તો મને ફટાકા બોલે, એ રીતનો ભાવ, તિરસ્કારભાવ ?

દાદાશ્રી : એ બધું ઠીક છે પણ તોય છે તે માણસને ભય તો રહે જ.

પ્રશ્નકર્તા : દાદા, એ 'હું શુધ્ધાત્મા છું' તો જ ભય ના રહે, શુધ્ધાત્મા એ જ મારું સ્વરૂપ છે.

દાદાશ્રી : શુધ્ધાત્મા રહે તો ભય ના રહે.

પ્રશ્નકર્તા : ભયનું જ્યારે વાતાવરણ આવે ત્યારે શુધ્ધાત્મામાં પેસી જવાય છે. આવું જ્યારે અચાનક આવે...

દાદાશ્રી : ત્યારે હોમ ડિપાર્ટમેન્ટમાં પેસી જવાનું.

પ્રશ્નકર્તા : ત્યારે પોતે શુધ્ધાત્મામાં વગર કીધે પેસે છે. એને કહેવું ના પડે કે, 'ભઈ, હવે પેસી જા.'

દાદાશ્રી : ત્યારે એ પેસી જ જાય. બારણાં ઉઘાડીને પેસી જાય.

પ્રશ્નકર્તા : સંપૂર્ણ નિર્ભય ક્યારે થવાય ?

દાદાશ્રી : એ તો નિર્ભય ટોળામાં બેસી રહીએ ત્યારે. ભયવાળામાં જઈએ ત્યારે ભય દેખાડે. ભયવાળું ટોળું નાસે તો એય નાસે. આ ટોળું ના નાસે તો એય ના નાસે.

પ્રશ્નકર્તા : દાદા, આપે કીધુંને હમણાં કે ભય ના હોય ત્યાંથી શોધી કાઢે. આમ કરશે તો, આમ કરશે તો ?

દાદાશ્રી : હા, લોકો તો ખોળી કાઢે.

પ્રશ્નકર્તા : પેલું ગઈકાલે આ રોડ પર જ લૂંટ્યા હતા, આજે લૂંટશે તો ?

દાદાશ્રી : હા, લૂંટશે એવો ભય લાગે. અલ્યા, આ રસ્તે ભય નથી, લૂંટી શી રીતે કાઢે ? બે-ચાર સાધુઓ જતા હોય તો કહેશે, 'એ મારી પાસેથી શું લઈ લેવાનો ? બહુ ત્યારે લોટો જ લઈ લેશે.' પછી બીજો વિચાર આવે, 'પગ ભાંગી નાખે તો મારું શું થાય ?' 'એ મારું શું થશે ?' એમ કહ્યું એ કન્ડમ. મૂઆ, તું માલિક ને તારે 'શું થશે' એ હોય ? આ તો દેહનું માલિકીપણું કર્યું છે, તે માલિકીપણું છોડી દે એટલે તારે કશું ભો જ નહીં ને ભડકાટેય નહીં.

પ્રશ્નકર્તા : આત્મા થઈ જવાનું, આત્મામાં રહેવાનું.

દાદાશ્રી : આત્મા થઈ ગયા છો તે હવે રહો આજ્ઞાપૂર્વક. પણ પહેલાંની આદત પડી ગઈ છે એટલે ત્યાં પેસી જાય. ચંદુભાઈને તો આદત હોયને ?

પ્રશ્નકર્તા : ખરીને ! આપ કહો છોને કે રાગે પડી ગયું છે, એટલે અંદર કેવું હોવું જોઈએ ?

દાદાશ્રી : બહારના બધા ખોટા-ખોટા ભય, એ બધું ના લાગે, ત્યારે રાગે પડ્યું કહેવાય. રાગે ના પડ્યું હોય તો ભય લાગ્યા કરે. ઉપાધિ બહારની અડે નહીં. જેટલી અડે એટલા પાટિયાં બેસી જાય.

કચાશો કાઢવી, જ્ઞાની આશ્રયે !

પ્રશ્નકર્તા : બહુ અગવડતા ઊભી થાય ને, તો જરા ડામાડોળ થઈ જાય.

દાદાશ્રી : અમારું આ જ્ઞાન અને પાંચ આજ્ઞામાં રહે તો કશું જ થાય નહીં. અને નહીં તોય ડામાડોળ થઈને કંઈ આ જગત કોઈ દા'ડો પડી ગયું નથી કે ઊંધું થઈ ગયું નથી. આ જગત પડવાનુંય નથી. સૂર્યનારાયણેય પડવાના નથી અને ચંદ્રેય પડવાનો નથી, કશું પડી જવાનું નથી, કે આ જગત ઊંધું થઈ જવાનુંય નથી. નિર્ભય જગત છે ! ભય જેવું આમાં છે જ નહીં. ખાલી ભડકાટ છે, બીજું કશું નથી.

કોઈ સંઘ જંગલમાં જતો હોય, ત્યાં લોકો કહેશે કે 'આ જંગલમાં તો બહુ મોટા વાઘ, વરૂ ને સિંહ રહે છે.' તે મનમાં બધા ભય પામે. એટલે ગામના લોકો કહેશે કે, 'આ ગામમાં વાઘમારખા રહે છે, તેમને તમે જોડે લઈ જાવ, પછી તમારે વાંધો નહીં.' એટલે પછી બધો સંઘ એ વાઘમારખાંને ખોળી કાઢે. વાઘમારખો કહેશે કે 'ભઈ, રોજના દસ રૂપિયા લઈશ, તે મારે ત્રણ દહાડા જતાં થશે ને ત્રણ દહાડા આવતા થશે. છ દિવસના સાઠ રૂપિયા લઈશ ! તે બધા કબૂલ કરે. જોડે વાઘમારખાં આવ્યા એટલે પછી સંઘ નિરાંતે ચાલે. ત્યારે હોરો, વાઘ તો કંઈ બૂમો પાડ્યા વગર રહે નહીં ને ! જંગલ એટલે બૂમ તો પાડે જ ને ?! તે બૂમ પડે ત્યારે બધાં પાછા આમ વાઘમારખાંની સામું જુએ. ત્યારે વાઘમારખાં કહેશે, 'સાહેબ, એ તો પાંજરામાં પૂરેલા છે. તે મહીં પાંજરામાંથી બોલે છે. એટલે પાછા બધા શાંત થઈ જાય. મારી જોડે વાઘમારખાં છે ને, બસ આટલું જ જોઈએ બધાને ?

કશું કોઈ બાપોય ખઈ જનારો નથી. કોઈને એ તાકાત નથી. તમને ભગવાનેય કશું કરી શકે એમ નથી એવું આ જગત છે ! ભગવાન શું કરવા કરે ? ભગવાન કરવા જાય તો એને ફસામણ થાય ! ભગવાન તમને કશું કરે તો એને ફસામણ થાય !

જંગલમાં વાઘમારખા જોડે છે, તેથી બેસી રહે છે ને, નહીં તો ના બેસી રહેને ! જમવાનું હોય તોયે છોડી દે. તોયે જતો રહે. તુંયે એવું જ કરતો હતો ? આવડા મોટા જંગલમા ક્યાં સુધી બેસે ? અહીં પેલા વાઘમારખાં જોડે આવ્યા હોયને. રસ્તે સાચવનાર હોય, એ જોડે આવ્યો ત્યાં સુધી ભો ન લાગે. એ છટકી જાય તો પછી ભો લાગે. હવે વાઘમારખાં પેલાને મારી નાખવાનાં નથી, આ તો આપણને હિંમત છે કે વાઘમારખાં છે ને મારી જોડે. એક હિંમત ! હવે કોઈ માણસ એનું નામ જ વાઘમારખા હોય, પણ આપણે જાણીએ કે આ વાઘમારખાં જ છે. એટલે આવું બધુ આશરે આશરે ચાલે છે આ તો. આ તો 'વ્યવસ્થિત શક્તિ' ચલાવે છે. આ લોક તો આશરે રહે છે. હવે આપણે એવા બહારના અવલંબનની જરૂર ના રહી.

'દાદા લિમિટેડ'ને અર્પણ !

આ જ્ઞાન મળ્યા પછી સંસારની ઉપાધિ અડે જ નહીં, ટચ જ ના થાય. આ જ્ઞાન જ સ્વતંત્ર બનાવનારું છે. ભગવાનેય ઉપરી ના હોવો જોઈએ. ભગવાન શા માટે ઉપરી જોઈએ ? ભગવાન તો તમારું સ્વરૂપ છે. ઉપરી શેના માટે જોઈએ ? ઉપરીપણું કેમ પોષાય ? એક દહાડો કોઈ ઉપરી હોય તો તે કેમ ફાવે ? મને ઉપરી કોઈ ફાવતું ન હતું. મારે એની જોડે મેળ પડે નહીં. મારું બળવાખોર મગજ !

વગર કામના ભડકાટ શા માટે છે ? નહીં કંઈ લેવાદેવા. આ બધા કાગળ ઉપરના વાઘ છે ! વાઘે ત્રાડ પાડી તો એક જણ ગભરાઈ ગયો. મેં કહ્યું, 'પાંજરામાં પૂરેલો છે, વગર કામના શું કરવા ભડકો છો ?' અને હું જોખમદારી લઉં છું પછી તારે શું વાંધો છે ? અમે જોખમદારી નથી લેતા ? તારી જોખમદારી મેં નથી લીધી ?

પ્રશ્નકર્તા : લીધી છે, લીધી છે.

દાદાશ્રી : હા, બધી જોખમદારી લીધી છે. પછી તારે ભડકવાનું શું કામ છે ? તું ભડકીશ નહીં. મેં એને કહ્યું છે કે જ્યારે દુઃખ આવે ત્યારે દાદાની પાસે મોકલો. દુઃખને કહો, 'જા, દાદાની પાસે !' આ તો બધી કંપની એમના નામથી ચાલે છે. 'દાદા લિમિટેડ' છે ત્યાં જાવ, અહીં શું છે ? એમ કહીએ.

કંપાવવા, કષ્ટોને !

હવે તે સિંહના સંતાનને શિયાળ શું કરવાનો ? આ બધાં શિયાળવાં શું કરે ? અને કરે તોય એ જેને ઓળખે છે તેને કરે ને ? ચંદુભાઈને ઓળખે છે ને ? તને ક્યાં ઓળખે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે આ 'કાયર બનો ના કોઈ દિ, કષ્ટો સદા કંપાવજો' કહીએ છીએને. કષ્ટ આપણે ત્યાં આવે ને, તો એના મનમાં એમ થાય કે અહીં ક્યાં આવ્યું. આ તો ડરતાંય નથી, મૂઆ ! નીડર દેખે એટલે એ જ ડરે પછી. આ કષ્ટનો સ્વભાવ કેવો હોય કે એને દેખીને લોક ડરે ને એટલે રોફ મારે પછી. પણ જો સામો ડરે નહીં તો આ કષ્ટ ડરી જાય બિચારું. એટલે કષ્ટો ધ્રુજે આમ કે 'આ ઘેર, કંઈથી આવ્યો !'

જ્ઞાન હાજર, ભય ગેરહાજર !

આ બાહ્ય પ્રયોગો (ક્રિયાઓ) બધી નિકાલી બાબત છે. બાહ્ય પ્રયોગો ને અંતર પ્રયોગ, તે અંતર પ્રયોગ (જાગૃતિ) એ જોવું-જાણવું, સત્સંગ કરવો એ બધું, આજ્ઞામાં રહેવું અને આ બાહ્ય પ્રયોગ એકને બંધ કરીએ તો બીજું બધું કાચું પડી જાય. બહારવાળું નડતું નથી. આ તો વિકલ્પ છે. એક જાતનો ભો છે કે મને આમ કરડી ખાશે કે મને આમ કરડી ખાશે. ખરેખર નડતું નથી. જ્ઞાન હાજર તો દુનિયા ગેરહાજર. જ્ઞાન ગેરહાજર તો દુનિયા હાજર.

નિરંતર રહેવું, પોતાના 'હોમ'માં !

નહીં તો આ ઉંમરે થબોકા પાડીને કંઈ ત્યાં એરોડ્રામ પર ગવાય કે ? આ કરડે, તે કરડે, તે કરડે, પણ ના, બધી કૈડ જતી રહી છે. બધું ભૂલી જાય છે. બસ, એ જ થઈ ગયું. અમે એટલું જ જોઈએ. આ અમને કશું યાદ રહે નહીં. કો'ક પૂછે, 'ક્યાંથી આવ્યા ?' તો ખ્યાલ-બ્યાલ ના હોય અમને ! શાને માટે બધું યાદ રાખવાનું ? આગળ આગળ બધી તૈયારી હોય છે. 'વ્યવસ્થિત'નો નિયમ એવો છે કે જે વિચાર ના કરે તેનું 'વ્યવસ્થિત' એક્ઝેક્ટ હોય અને વિચાર કરે તો જરા આઘુંપાછું હોય. બસ, એટલો જ ફેર. મહીં શુધ્ધાત્મા ભગવાન બેઠા છે ને ! એ કંઈ આવું લઈને આવ્યા છે ? ગાંડાનું ચાલે છે ને ? મહીં એરોપ્લેનમાં ઊંઘતા'તા હઉ ! અલ્યા, પડી જાય તો શું થાય ? ના પડી જાય ? પડી જાયને ? એને વિચાર જ ના આવે ને તો એ ભડકે પછી ? અને આપણે તો શું કરવું પડે ? હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહેવું પડે. કારણ કે ઓચિંતું જ પડે, તેના કરતાં આપણે હોમ ડિપાર્ટમેન્ટમાં રહ્યા હોય તો ફોરેનનું જોખમ ઊડી ગયું. આ તો પડવાનું સ્થાનને, આ સ્થાન કંઈ ઓછું અધ્ધર રહેવાનું ?

મોટર હોય તો ટાયર બર્સ્ટ થાય (ફાટે) કે એ થાય, પણ ત્યાં ને ત્યાં બેસી રહેને ? આમાં તો કશુંક થાય તો ? એનાં કરતાં આપણે ગોઠવીને જ બેઠા હોય મશીનરી કે જ્યારે પડે ત્યારે, પણ આપણે આપણા હોમ (સ્વ, નિજ સ્વરૂપ)માં.

સંગી ચેતના, ડિસ્ચાર્જ સ્વરૂપે ભય...

ભય ખરેખર હોતા નથી, ખાલી ભડકાટ જ હોય છે. પણ ભય લાગ્યા કરે કે આમ થઈ જશે ને તેમ થઈ જશે. એ બધા ભય આ જ્ઞાન મળતાંની સાથે નાશ પામી જાય. આ મહીં પાપ ધોવાઈ ગયાને, તે ભય નાશ પામી જાય, હલકું થઈ જાય બધું અને નહીં તો રાતદહાડો ભડકાટ ભડકાટ માણસને, તે શું કરે પછી ?

પ્રશ્નકર્તા : દાદા, જો કોઈ વખત સાધારણ ડર ઉત્પન્ન થતો હોય તો એને માટે વધારે કેવી રીતે નિદિધ્યાસન કરવું ?

દાદાશ્રી : ના, એ નિદિધ્યાસન કરવાની જરૂર નથી. એ ડર રહે છે ને, તો એ ભરેલો ડર છે. એટલે હું અહીં આગળ વિધિ કરાવડાવું તે ઘડીએ નવી જાતનો અવાજ થાય ને, એટલે એનું શરીર ચમકે પણ પોતે અંદર ન ચમકે. હાલ્યું, તમને ખબર પડી જાય ને ? અમને કો'ક વખત એવું બને કે અમે કોઈ કાળેય ના સાંભળ્યો હોય એવો અવાજ થઈ ગયો તો અમારુંય શરીર ચમકે અને તમનેય ખબર પડે કે આ દાદાનું શરીર ચમક્યું. પણ અમનેય ખબર પડે કે આ શરીર ચમક્યું ! એટલે દેહમાં સંગી ચેતનાનું ફળ છે. એ આત્માનું ફળ નથી. સંગી ચેતનાનો ભરેલો માલ છે આ, પૂરણ થયેલો છે એ ગલન થઈ ગયો એટલે ફરી રહ્યો નહીં, કોઈ કારણ જ રહ્યું નહીં. ભય હોય જ નહીં, આત્મા નિર્ભય, અભય ને વીતરાગતા ! કૃષ્ણ ભગવાને કહ્યુંુ છે તે બધું આવી ગયું.

શરીરમાં સંગી ચેતના, એ ભય ભરેલો છે. તે ડિસ્ચાર્જ થાય કે ભય ઉત્પન્ન થયા વગર રહે નહીં. અંગમાં રહેલી ચેતના છે, એ સાચી ચેતના નથી. એ ચેતના તો મિક્ષ્ચર સ્વરૂપે છે. સાચી ચેતના તો કોઈ દહાડો મિક્ષ્ચર થાયેય નહીં. આ તો બિલીફથી ઉત્પન્ન થયેલી છે.

સંગી ચેતના, જેથી કરીને એની મહીં ભય રહેલો છે ? ત્યારે કહે, ના. મહાત્મા થયો એટલે ભય રહ્યો નથી. ત્યારે કહે, 'આ ભડક્યો કેમ ?' ત્યારે કહે, 'એ સંગી ચેતના છે, દરઅસલ ચેતના ન્હોય.' એટલે ભરેલી ચેતના છે. આ ભરેલી તેથી ભડક્યો. પણ અંદર તો ભડકતો નથી. પેલો અજ્ઞાની માણસ ભડકે. તે એક રીતે ભડકે પણ બન્ને રીતે કામ થાય. ચાર્જ ને ડિસ્ચાર્જ, બન્ને રીતે. નવી જાતનો અવાજ સાંભળે એટલે તરત ભડકે. કારણ કે સંગી ચેતના છે ને !

પ્રશ્નકર્તા : મને આમ તો બહારથી દેખાય છે કે બેબી કલાક મોડી આવે, તોય મહીં કશું નહીં.

દાદાશ્રી : અંદર ના હલે. બહારનું બધું દેખાય, અંદર ના હલે બિલકુલ. આને અમે સંગી ચેતના કહીએ છીએ.

પ્રશ્નકર્તા : આત્મામાં શાંતિ રહેતી હશે ?

દાદાશ્રી : ડિફરન્ટ જ, વાંધો જ ના આવે ને ! આ જે ભડક છે સંગી ચેતના, તે પૂર્વભવનું કારણ છે. પોતાની ઈચ્છા વિરુધ્ધ, ડિસ્ચાર્જ ચેતના કહીએ છીએ એને.

ભય ના જાય ત્યાં સુધી તો આ જગતમાં કશું ગૂંચવાડો જાય જ નહીં. પહેલામાં પહેલો ભય જવો જોઈએ. રાગ-દ્વેષ ને ભય, ત્રણ વસ્તુ જતી રહેવી જોઈએ.

પોતે નિર્ભય, દેહમાં ભય !

પ્રશ્નકર્તા : નિર્ભય એવું ભાન થયું છે, એ રૂપે વર્તવા સુધી કેવી રીતે પહોંચાય ?

દાદાશ્રી : તને નિર્ભય થયાનું ભાન નથી થયું ?

પ્રશ્નકર્તા : થયું છે.

દાદાશ્રી : ભાન તો થયું, પછી નિર્ભય થઈ ગયા કહેવાય. નિર્ભયપદનું પહેલું જ્ઞાન થાય પછી એનું ભાન થાય. ભાન થાય એટલે નિર્ભયપદ થઈ ગયું !

પ્રશ્નકર્તા : પણ નિર્ભય છીએ એવું જ્ઞાન થયું, એવું ભાન થયું, હવે તે રૂપે વર્તવા સુધી તો આ વિજ્ઞાન જાણવું જરૂરીને ? તો નિર્ભયપદ વર્તનામાં આવેને ?

દાદાશ્રી : હા, નિર્ભય થઈ ગયા પછી એ તો બધું વર્તનામાં હોય. મોટો ધડાકો થયો તો તારું શરીર હાલ્યું, તેથી અમે તને ભયવાળો ના માનીએ. અમે જાણીએ કે આ સંગી ચેતનાને ભય છે. તને ભય નથી. એટલે જે ભરેલો માલ છે તે આ સંગી ચેતનાનો છે, જે આ હલે છે, પણ પોતાનામાં નિર્ભય છે. હવે જ્ઞાન લીધા પછી ભય હોતો હશે ? ભય છે તો તું છે તે પેલો ચંદુભાઈ જ છું.

પ્રશ્નકર્તા : વાઘની બોડનો દાખલો હતો એટલે વર્તમાન ભયની વાત હતી. એમાં પછી કહે કે, 'એ. એમ. પટેલ'ને ભય લાગે. આ જે વર્તમાન ભય લાગતો હતો તે અમે એ છેડો ફાડી નાખ્યો કે 'ભઈ, આ જેને ભય લાગે છેને તે હું નથી.' પછી જોડે એવું પણ કહ્યું છે કે 'એ. એમ. પટેલ' પણ નિર્ભય થવા જોઈએ. એ ભય પણ ખલાસ થવો જોઈએ.

દાદાશ્રી : ના. પણ છે જ નિર્ભય. આ હજુ કંઈ ભય છે તે વ્યવહારથી છે. આમ 'એ. એમ. પટેલ' ભૂતકાળથી, ભવિષ્યકાળથી નિર્ભય થઈ ગયેલા છે. ફક્ત આ વર્તમાનકાળથી, તો તે તપાસવા ગયો હતો પણ એમાં ફેલ નીકળ્યા 'એ'. પછી બંધ રાખ્યું. કારણ કે માલ ભરેલો છે આ તો. પણ 'અમે' તો નિર્ભય થઈ ગયેલા છીએ. કોઈ જાતનો ભય, કોઈ જગ્યાએ, કોઈ દહાડો, અમને ક્યારેય લાગ્યો નથી. અને તે બોમ્બ ધડાધડ થાય તોય જરાય ભય નહીં.

પ્રશ્નકર્તા : એટલે આવું પદ અમારા અનુભવમાં રહેવું જોઈએને ?

દાદાશ્રી : રહ્યું જ છે. પણ તમે જાણો, હું જ એવો છું, એટલે પછી ? અલ્યા મૂઆ, ન્હોય કરવા જેવું ! પરમાત્મા છે આ તો. તને નિર્ભય જેવું ના લાગે, શાનો ભય લાગે ? મારું શું થશે એવું ?

પ્રશ્નકર્તા : શું થશે એવું તો નથી થતું.

દાદાશ્રી : ત્યારે ? 'શું થશે' એ ભવિષ્યકાળનો ભય જતો રહ્યો, પછી વર્તમાનનો રહે છે, નહીં ? એય ચંદુભાઈને રહે છેને ? તને નથી રહેતોને ?

પ્રશ્નકર્તા : હા. ચંદુભાઈને, મને નહીં.

દાદાશ્રી : થયું. ત્યારે પછી શું ? ભઈ, તારે કેમનું છે ?

પ્રશ્નકર્તા : મને આ કૂતરાં છે, ગાયો છે, એની બીક લાગે એમ. નાનો હતો ત્યારે એક વાર ગાયે શિંગડું માર્યું હતું.

દાદાશ્રી : પણ એ તો શુધ્ધાત્માને નહીંને ? એ તો લોક અમથા પાણી જુએને, મને કહેશે, 'મને આ પાણી જોઈને ફફડાટ થાય છે !' ગયે અવતાર ડૂબી ગયો હતો, મૂઆ. અસરો રહી ગઈ છે. સાપ જોતાં પહેલાં ગભરામણ થઈ જાય, પસીનો છૂટી જાય. ગયે અવતાર સાપ કૈડીને મરી ગયો હશે. આ વહુ જોઈને તને આમ આમ થાય છે. ગયા અવતારે વહુ જોડે ગાળો-બાળો બહુ ખાધી છે, માટે એ અસર હજુ રહી ગઈ છે. નહીં તો શી રીતે આવી ? જાય ક્યાં એ ? આ ભવમાં હજુ અનુભવ કર્યો નથી, તો આવ્યું ક્યાંથી આ ? ગયા અવતારનો અનુભવ બધો ઓપન (ખુલ્લો) થયો.

ચિંતારહિત દશા, અક્રમ જ્ઞાન થકી !

આ કાળમાં એવું કોઈ જ્ઞાન ન્હોતું કે ભવિષ્યકાળની ચિંતા બંધ કરે. આપણું અક્રમ વિજ્ઞાન એકલું જ એવું છે, જેમાં આ અમારી 'વ્યવસ્થિત' કહેતાંની સાથે ચિંતા બંધ થઈ જાય છે. કોઈ જગ્યાએ 'વ્યવસ્થિત' શબ્દ સાંભળ્યો નથી ને ! સાંભળ્યો હોત તો ભવિષ્યકાળની ચિંતા ના હોત. આ તો બધી ભવિષ્યકાળની ચિંતા સોંપીને સૂઈ જાય છે નિરાંતે. અને બીજે દહાડે ફીટેય થઈ જાય, નહીં ?

પ્રશ્નકર્તા : એ મને બેસી ગયું, હવે સંકલ્પ-વિકલ્પ નથી આવતા.

દાદાશ્રી : હા, નહીં તો ચિંતા વગર કોઈ માણસ રહી શકેલો નહીં. કારણ કે ક્રમિક માર્ગમાં છેલ્લા અવતારમાં ચિંતારહિત થાય. અહંકાર જાય ત્યારે ચિંતા જાય. આ એક અજાયબી લોકોએ ચાખીને ! આપણા જ્ઞાનનો દરેક અંશ ચિંતાને બંધ કરનારો છે. એક જ જો 'વ્યવસ્થિત' (ઓન્લી સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) સમજી ગયો તો ચિંતા બધી બંધ થઈ ગઈ.

એટલે જે બને એને વ્યવસ્થિત સમજે. એટલે બધી રીતે આપણું જ્ઞાન, દરેક વસ્તુમાં ચિંતારહિત બનાવનારું છે. કારણ કે અહંકાર ઊડી ગયો છે માટે. ચિંતા કરનારો જે અહમ્ છે ને, તે ગયો. કાંણ, કાંણ, રાત-દહાડો કાંણ કરાય કરાય કરે, એ બધી વંશાવળી એની જોડે ગઈ બધી. અને વ્યવસ્થિતને એક્ઝેક્ટ મૂકી દીધેલું છે ! અને ભવિષ્યકાળનું યાદ આવે તોય એ શેના ઉપર રાગ છે કે દ્વેષ છે, તેય આપણને જડે. એટલે આ બધું આના પરથી શોધખોળ કરે તો આપણને જડે !

ભવિષ્યમાં પડે તો ખોવે સુખ !

આ વર્તમાનમાં આપણને સુખ છે, જે પાર વગરનું સુખ છે, એ ભવિષ્યકાળનો વિચાર કરવા જતાં આ સુખ બગડી જાય છે. એટલે આય સુખ ભોગવાતું નથી અને ભવિષ્યેય બગડે છે. તે આપણે કહીએ કે આ ભવિષ્યકાળનું બધું વ્યવસ્થિતના તાબામાં ગયું. હવે જ્યાં આપણા તાબામાં નથી વસ્તુ, એની ભાંજગડ કરીને શું કામ છે ? કેટલીક વસ્તુ મારા તાબામાં હોય એને તમે કહો કે દાદાના તાબાની વાત છે, મારે શું કરવા ભાંજગડ કરવી ? એવી રીતે 'વ્યવસ્થિત'ના તાબાની આપણે ભાંજગડ કરવાની જરૂર શું ? તમને અનુભવમાં આવી ગયું બધાને ? એક્ઝેક્ટ 'વ્યવસ્થિત' છે. હવે ઘડી પછી શું થશે એ 'વ્યવસ્થિત'ને તાબે છે. એટલે આ આગળની ચિંતા છોડી દો.

આ બધાં તમારાં મિત્રો-બિત્રોને, બધાને ભવિષ્યની ચિંતા ખરી, ખૂંચ્યા કરે. આમ થઈ જશે તો આમ થશે ! લોક તો શું કહે છે કે, આગળનું જોવું તો પડેને ? અરે પણ, બે-ત્રણ દહાડાનું જોવાનું હોય, વીસ વરસનું જોવાનું હોતું હશે ? હજી છોડી ત્રણ જ વરસની છે. બાવીસ વરસની થઈ હોય તો સમજણવાળી વાત કહેવાય. ભવિષ્યકાળનો અગ્રશોચ ને એ બધી કેટલી ઉપાધિઓ થાય ! તે અલ્યા, હજી છોડી મરશે કે જીવશે, તું જીવીશ કે મરીશ ! મૂઆ, આની શું કરવા આજથી ભાંજગડ લઈને બેઠો છું તે ? ત્યારે છોડીને પૈણાવા હારુ પૈસા જોઈશે ને આમ જોઈશે ને ! અલ્યા, તે ઘડીએ જોઈ લેવાશે, પણ આજ તો હમણે મજા કર !

આમાં કુદરતને લેવાદેવા નથી !

પ્રશ્નકર્તા : સંગી ચેતનાની ભયસંજ્ઞા છે, એ કુદરતી છે કે પૂર્વ સંસ્કારથી છે ?

દાદાશ્રી : કુદરતને શું લેવાદેવા છે ? કુદરતને કશું લેવાદેવા નથી. આ જે સંગી ચેતના થયેલી છે ને, તે આત્માની સહીથી થયેલી છે. આત્માની સહી વગર આ સંગી ચેતના હોય નહીં. એટલે આ એના સંસ્કારથી છે.

પ્રશ્નકર્તા : આ ભયસંજ્ઞા પણ સંસ્કારથી જ છે ?

દાદાશ્રી : સંસ્કારથી જ છે. કુદરત આપણને કશું કરી શકે નહીં. મહીં (વ્યવહાર) આત્મા કંઈ આડાઈ ના કરે તો કુદરત તો હેલ્પ જ કરે. કુદરત એક જ છે, સર્વ સામાન્ય રીતે !

આ તો આત્માની મહીં સળી છે, સ્પંદન છે કે 'આમ નહીં, આમ કરો !' એ ડખો કર્યો.

સંસારમાં ડૂબવાનો ભય છૂટ્યો !

પઝલ જ છે ને જગત બધું ! એવું લાગ્યું ને, પઝલ છે ? કેવડો મોટો કોયડો છે ? છૂટ્યા પછી મઝા આવે છે ? કશું દુઃખ જ નહીં ને ! પોતે પરમાત્મા સ્વરૂપ થયા પછી શું ભાંજગડ ?

પ્રશ્નકર્તા : દાદા, કોઈ વખત ઝપટ વાગી જાય છે પાછી.

દાદાશ્રી : હજુ તમારે તો એવું છે, આખા સમુદ્રમાંથી બહાર નીકળ્યા ને આ છબછબિયાંમાં આવ્યાંને, છબછબિયાંમાં હવે ડૂબવાનો ભો ના રહ્યો ને ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : ભય ના રહ્યો, ધાસ્તી ના રહી, અશાંતિ ના થાય. ચિંતા ક્યારેય ના થાય. ત્યાર પછી, જ્ઞાન લીધા પછી ચિંતા નથી થઈને ?

ભય માત્ર, અજ્ઞાનતાથી જ !

આ તો ભય નીચે રહેવાનું ગમે ? નિરંતર ભય ! ના ગમે ને ? પણ શું કરે ? ક્યાં જાય બિચારો ? કારણ કે આ ભય પણ અજ્ઞાનતાથી ઊભો થયો છે. એટલે અજ્ઞાનતા જાય તો સર્વસ્વ નિર્ભય થઈ શકે, વીતરાગ થઈ શકે.

રાત્રે તું કહું કે મારે ઓઢવાનું નહીં હોય તો ચાલશે એમ કહીને સૂઈ ગયો પછી એકદમ ઠંડી લાગે, તો તનેે અસર થાય ખરી ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તને અસર થાય ?

પ્રશ્નકર્તા : મને એટલે શરીરને અસર થાય, પછી મનને અસર થાય.

દાદાશ્રી : એટલે બોડી ઈફેક્ટિવ છે, નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : માઈન્ડ ઈફેક્ટિવ છે ?

પ્રશ્નકર્તા : હા, એ છે.

દાદાશ્રી : અને કોઈ વળી અવળું-હવળું બોલે તો ઈફેક્ટ થાય કે તને ?

પ્રશ્નકર્તા : રિલેટિવને થાય.

દાદાશ્રી : તો આ મનની બેટરી, વાણીની બેટરી અને આ દેહની બેટરી, એ ત્રણેવ બેટરીઓ ઈફેક્ટિવ છે.

પ્રશ્નકર્તા : કેવી બાબતમાં ઈફેક્ટિવ ?

દાદાશ્રી : બધી બાબતમાં ઈફેક્ટિવ છે. હમણે પાછળ દેવતા પડેને તો તરત ઈફેક્ટ તને થાય. થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તે ના ગમે એટલે તે ઘડીએ મહીં કોઝિઝ ઉત્પન્ન થાય છે. હમણે છોકરું હોય ને ઠંડી લાગતી હોય તે રડતુંુ હોય, તો એને દ્વેષ થયા કરે છે. જો એને ઓઢાડીએ તો રાજી થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને આ ગળી ગોળીઓ આપે તો ખુશ થઈ જાય અને કડવું પાઈએ તો ?

પ્રશ્નકર્તા : રાહત ના થાય, મોઢું બગાડે.

દાદાશ્રી : એ ખુશ ને નાખુશ થાય છે ને, એ કોઝિઝ છે. રાગ ને દ્વેષ કરે છે. ગળ્યું આપ્યું ત્યાં રાગ કરે છે અને કડવું આવે ત્યાં દ્વેષ કરે છે. નાનાં છોકરાં દ્વેષ કરે છે ખરાં કે નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે નાનપણમાંથી જ રાગ-દ્વેષ થયા કરે છે. આત્માને ઈફેક્ટ થતી નથી. પણ પોતે માની બેઠો છે કે મને ઈફેક્ટ થાય છે. આ માલિક થયો છે એટલે. ઈફેક્ટ આને થાય છે.

અજ્ઞાનતા એ જ ભય. અજ્ઞાનીઓ ભયને અનુભવે, જ્ઞાન આપ્યું હોય તે ભયને વેદે અને ભયની અસરને જાણે તે 'કેવળજ્ઞાન' સત્તા !

અજ્ઞાની માણસને ભય આવે. ભય આવે એમાં એકુય ભય કાર્યકારી ના હોય. એ બધા ભય ભયભીત કરે પછી, અજ્ઞાન છે એટલે. હવે તમને જ્ઞાન આપ્યા પછી ભય આવે નહીં, જ્ઞાન નિર્ભય બનાવે. તોય તમને ભય પેસી જાય છે હજુ, ખરું ?

પ્રશ્નકર્તા : નહીં, હવે બહુ ઓછું થઈ ગયું.

દાદાશ્રી : તો જ્ઞાનને વળગી રહેજો સારી રીતે.

ભય જીતાય, જુદાપણાની જાગૃતિથી !

પ્રશ્નકર્તા : હવે ભય નહીં રાખવાનોને કોઈ જાતનો !

દાદાશ્રી : ભય હોય જ નહીં આપણને. આપણે શુધ્ધાત્મા. કોઇ દેખી શકે એમ નથી, કોઇ મારી શકે એમ નથી. નામ દઇ શકે એમ નથી, નુકસાન કરી શકે એમ નથી, કશું છે જ નહીં. આ તો પોતાના ભડકાટથી ઊભું રહ્યું છે આ જગત. કોઇની ડખલેય નથી વચ્ચે. તમે શુધ્ધાત્મા અને ચંદુભાઇ જુદાં. ચંદુભાઇ નરમ થયા હોય તો આપણે અરીસા સામે ઊભા રાખીને આમ પાછળ ખભો થાબડીને કહેવું, 'અમે છીએ ને તમારી જોડે. પહેલાં તો એકલા હતા, મૂંઝાતા હતા, કોઇને કહેવાય એવું નહોતું. હવે તો જોડે જ છીએ. ગભરાવ છો શું કરવા ? અમે શુધ્ધાત્મા ભગવાન છીએ, ને તમે ચંદુભાઇ છો. માટે ગભરાશો નહીં' કહીએ. ડિપ્રેસ થયા હોય તો આપણે ખભો ઠોકી આપવો. એલિવેટ થતા હોય તો આવું ના કહેવું, પણ કહેવું કે 'અમારી સત્તાને લીધે આટલો બધો રોફ પડે છે તમારો.' હોમ ડિપાર્ટમેન્ટમાં બેઠા બેઠા ફોરેનનું ચલાવ્યા રાખવાનું. આ નિર્લેપ જ્ઞાન છે, અડે નહીં.

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા.

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદ. જ્ઞાતા-દ્રષ્ટા એ પોતાનું પરિણામ છે.

હવે ઝીણવટથી સમજવાની જરૂર રહી, આ શું છે હકીકતમાં. ચાવીઓ જાણવાની છે. મન બતાવે કે આ પોલીસવાળો આય-જાય શું કરે છે, અમારી પર હુલ્લડ કરવાનો છે ? તો આપણે કહીએ, 'ના, પોલીસવાળો તમારી માટે આગળ નવી જગ્યાઓ બાંધે છે.' આપણું હિત કરતા હોય ને મન એમ બતાડે કે આ પોલીસવાળો આપણું નુકસાન કરવા આવ્યો છે. પણ મનનું માનવું નહીં. કારણ કે મન એ ન્યુટ્રલ છે. માટે ગભરાવાનું કોઇ કારણ નથી. અમારું મન વળગી ના રહે. તમારું વળગી રહે, ગાંઠો મોટીને. તમારે જ્ઞાનની જાગૃતિ રાખવાની કે આપણને દાદાએ કહ્યું છે કે આપણે જ્ઞાતા-દ્રષ્ટા છીએ, છોને બૂમ પાડતા હોય, પાડવી હોય તો પાડ. તારે જેટલી બૂમ પાડવી હોય તેટલી પાડ. તે ઘડીએ સ્થિરતા પકડી લેવી પડે જરા.

અહીં નિર્ભયતા સહેજેય !

ફલાણી જગ્યાએ સત્સંગ છે અને આજે બહારથી સત્સંગ માટે એક માણસ આવવાનો છેે. તો પાંચ વાગ્યાનો ટાઈમ આપ્યો હોય અને તમે તો ચોવિયાર કરતા હો, પોણા પાંચ વાગે. હવે જરા શાક-બાક ના થયું હોય, દૂધ ના આવ્યું હોય તો થોડીવાર બેસવું પડે. તે ઘડીએ પેલી ખાવાની અવસ્થા છે ને તે અને પેલી ત્યાંની અવસ્થા, બેઉ ભેગું થયું તો ગૂંચવાય, તોય આપણે તો અહીં કોઈ ના કહે કે, 'ભઈ, ઊભા રહો.' કોઈ કહે ? કશો ભાર-બોજો ના લાગે, નહીં ? આવતા ભડક-બડક ના લાગે. 'મોડું થઈ ગયું છે. હાય હાય, શું કરીશું હવે ?' એવું તેવું ના લાગે, નહીં ? અને પેલું તો ? મહીં તેલ રેડાય.

આ બધી વાતો હું તમારા મનમાંથી ભય કાઢી નાખવા માટે કહું છું કે ભય રાખવા જેવો નથી. નિર્ર્ભય થઈને કામ કર્યે જાવ. અમારી આજ્ઞા આપેલી છે તે આજ્ઞામાં ફર્યે જાવ. જુઓ, પાંચ આજ્ઞા કંઈ બહુ અઘરી છે ?

નિર્ભય છતાં જોખમો !

પ્રશ્નકર્તા : એટલે પેલા લૌકિક જ્ઞાનની ભડકણો બધી આમાં કાઢી નાખવાની ?

દાદાશ્રી : એ તો એની મેળે નીકળી જ જાય. પેલી બધી ભડકણો નીકળી જાય. બધા ભય ખોટા છે. ઘણા ભય તો જ્ઞાન આપ્યું તે દહાડે છૂટી ગયા ને ?

પ્રશ્નકર્તા : ઘણા. પણ તમે હવે દહાડે દહાડે એક્સેપ્શન લાવો છો વધારે. પહેલા વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, કહેતા. એમાં એક્સેપ્શન લાવ્યા કે ડખોડખલ કરે એને માટે નહીં.

દાદાશ્રી : 'વ્યવસ્થિત' કહીએ એટલે તો ભય બધા જતાં રહ્યા.

પ્રશ્નકર્તા : પણ બધી બહુ કન્ડિશન આવી ગઈ. એવું તમે પહેલાં કહેતાં હતા કે શોખ કર પણ શોખીન ના થઈશ, એટલે વિષયી ના થઈશ. પણ તમે કહ્યું હમણે કે મહાત્મા માટે કશો વાંધો નહીં. તે બધા એક્સેપ્શન કેવી રીતે સમજવા ?

દાદાશ્રી : હંમેશાં કેટલીક બાબતો એવી હોય છે કે જે આંતરવાથી નુકસાન થાય. આંતરવાથી મન એ બાજુ જ રહે, કેટલીક બાબતમાં વધારે રહે, એટલે કામ લેતાં આવડે નહીં.

પ્રશ્નકર્તા : ભગવાનને ત્યાં 'શું ખોટું ને શું સારું' એવું હોતું જ નથી, તો પછી આ પ્રશ્ન ઊભો થતો નથી.

દાદાશ્રી : એ ભગવાનની દ્ષ્ટિમાં છે. અહીં પ્રશ્ન ઊભો થાય. આપણે હજુ ભગવાન થયા નથી, ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ.

પ્રશ્નકર્તા : પણ પછી તો સાચું શું ને ખોટું શું, એ પ્રશ્ન ગૌણ થઈ જાય છે ને ?

દાદાશ્રી : એ પછી પણ ત્યાં સુધી ખેદ તો થવો જ જોઈએ. આ શબ્દ દુરૂપયોગ થવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું તે તમને 'બોધરેશન' ના રહે એટલા માટે બોલું છું. કોઈના મનમાં એમ ના થાય કે, 'મને કર્મ બંધાશે', એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો હું પણ ચાળી ચાળીને ના બોલું કે, 'કર્મ તો બંધાશે, જો તમે કદી આમ નહીં કરો તો.'

'અમે' તમને બધી જ રીતની છૂટ આપી છે. 'એક માત્ર વિષયમાં જાગૃત રહેજે' એમ કહીએ છીએ અને તે પણ પોતાની સ્ત્રી અગર પોતાના પુરુષ એટલા પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ. અણહક્કના વિષય સામે અમે તમને ચેતવીએ છીએ, કારણ એમાં બહુ મોટું જોખમ છે. આપણા 'અક્રમ વિજ્ઞાન'માં આટલું જ ભયસ્થાન 'અમે' તમને બતાવીએ છીએ. બીજે બધેથી નિર્ભય બનાવી દઈએ છીએ.

ચેતવે, છતાં નિર્ભય રાખે !

કૂવામાં ના પડે, નહીં ? એવું આ જાગૃત રહેવું પડે.

પ્રશ્નકર્તા : પણ મને એક વસ્તુ આ વિષય-વિકાર બહુ સતાવે છે. મને પોતાને એમ થાય કે હું આ કાસ્ટમાં છું એટલે આવું છે ? એનું કારણ શું છે આની પાછળ ?

દાદાશ્રી : એટલે તું વિષયી છું કે આત્મા છું ?

પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું'.

દાદાશ્રી : તો પછી તારે વળી એમાં ભાંજગડ શી ? તું તારા શુધ્ધાત્મામાં રહું તો આજ્ઞા પળાય, તું વિષયી થઉં તો આજ્ઞા શી રીતે પળાય ?

પ્રશ્નકર્તા : પણ દાદા, પેલો દોષ થઈ જાય તો એના લીધે મનમાં બહુ ગભરામણ થઈ જાય કે મારાથી આવું થઈ ગયું.

દાદાશ્રી : ગભરામણ ચંદુને થાય કે શુધ્ધાત્માને થાય ?

પ્રશ્નકર્તા : ના, ગભરામણ તો ચંદુને થાય.

દાદાશ્રી : તો પછી ચંદુને થાય, તો ચંદુ તો ગભરાયેલો જ હતો ને ? તંું શુધ્ધાત્મામાં રહે.

જીવતા જોડે ચેતીને ચાલો !

દરેક જગ્યાએ ભયસ્થાન હોય, લાલ વાવટો ધરવાની જગ્યા હોય. આપણા અહીંનો લાલ વાવટો શું ? ત્યારે કહે, હાલતો-ચાલતો જીવ હોય, તેને સળી કરશો નહીં. વખતે 'ચંદુભાઈ' સળી કરે તો 'ચંદુભાઈ'ને 'આપણે' ઠપકો આપવો, કે 'દાદાનું જ્ઞાન પામ્યા પછી આવું શું કામ કરો છો હવે ?' આમ કરીને ચંદુભાઈ પાસે માફી મંગાવી લેવડાવવી. કોઈ પતિયો બેઠો હોય તે પહેલાનો પૂર્વ અભ્યાસ, અજ્ઞાનનો અભ્યાસ, તે ચીતરી ચડાવે. આ સળી કરીને એટલે આપણે ચંદુભાઈને કહેવું કે 'આવું ના હોય. એનામાં આત્મા જુઓ.' આમ ચંદુભાઈને ઠપકો આપવો.

આ અક્રમ વિજ્ઞાન છે. અહીં ચેતવાનું આટલું જ છે કે હાલતાં-ચાલતાં જીવ જોડે ફરી કરાર ના બંધાય એટલુંુ જોજો. બાકી ભજિયાં, જલેબી, શ્રીખંડ જેટલા ખાવા હોય તેટલા ખાજો, બધી જ છૂટ છે. તમને કપડાં જેવા પહેરવા હોય તેવા પહેરજો. વખતે ભૂલથી એટલું થઈ જાય, પૂર્વેનો અભ્યાસ ખરો ને, એટલે ભૂલ તો થવાની જ છે પણ ત્યાં માફી માગી લો.

જીવતા જોડે નવા કરાર આટલું જ ભયસ્થાન છે, બીજું કોઈ ભયસ્થાન નથી. કોઈ લંગડો દેખીને ટીકા કરવાનું મન થયું એ આપણાથી કેમ થાય ? કોઈ જીવને કિચિંત્માત્ર દુઃખ ના થાય, એટલુંુ જોવું. માટે ત્યાં આત્માને જોજો, હાલતાં-ચાલતાં જીવમાં આત્મા જોજો. અને પૈણવું હોય તો પૈણવાનો વાંધો નથી, પણ આ નવા કરાર ના થાય એ જોજો. કારણ કે પૈણવાનું શેને આધીન છે, તે હું જાણું છું. તેથી હું તમને છૂટ આપું છું, પણ નવા કરાર હજી 'તમારે' આધીન છે અને નવા કરાર એકલો જ ભયસ્થાન છે. વખતે કોઈકને દેખીને મહીં ખરાબ વિચાર આવે કે આપણે તરત જ ભાઈને કહેવું કે, 'દાદાનું જ્ઞાન પામ્યા પછી આવા વિચાર કર્યા ? એક ધોલ મારી દઈશ !' એમ જરા ઠપકો આપવો પડે. પહેલા આપણને લોક ઠપકો આપતા હતા, કારણ કે પોતાને ખબર નહોતી કે પોતે શું ખોટું કરી રહ્યો છે ? હવે પોતે પોતાને ખબર પડે છે, એટલે પોતે પોતાને જ ઠપકો આપવાનો.

આ તો અમે આ બધાં ભયસ્થાનો બતાડી દઈએ. ભયસ્થાનો ના બતાવીએ ને, તો ઊંધું થઈ જાય. આ બધા પુણ્યશાળી હોય છે ને, વાતેય પ્રગટ થઈ ને ! નહીં તો વાત શી રીતે ખબર પડે ? ને હું આમાં ક્યાં ઊંડો ઊતરવા જાઉં ? આ તો વાત નીકળી ત્યારે નીકળી, નહીં તો કોણ જાણતું હતું કે આવું બધું ચાલતું હશે !

ભૂલ તો થાય માણસ માત્રની, એમાં ગભરાવાનું શું ? ભૂલ ભાંગનારા છે ત્યાં કહીએ કે મારી આવી ભૂલ થાય છે, તો એ રસ્તો બતાવે.

પાપોનો ભય !

પ્રશ્નકર્તા : પણ આ જ્ઞાન લીધા પછી આપણી જાગૃતિ એવી આવે, આપણા પોતાના દોષ દેખાય ને ખૂબ બધા પાપો દેખાય અને તેનો ગભરાટ થાય.

દાદાશ્રી : તેનો ગભરાટ રાખવાથી શું ફાયદો ? દેખનારને શું ? હોળી જોનારો માણસ દાઝે ખરો ? હોળી દાઝે પણ હોળી જોનારો કંઈ દાઝે ? એ તો ચંદુભાઈને થાય ત્યારે ખભો થાબડવો કે 'ભઈ, થાય છે બા, કર્યા છે તે થાય.'

પ્રશ્નકર્તા : પણ તે ગરમી લાગે ને, દૂરથી હઉ.

દાદાશ્રી : હા, લાગે, લાગે.

પ્રશ્નકર્તા : દાદા, એટલા બધા પાપો કરેલા, તે ક્યારે છૂટકારો મળે એમ થાય ?

દાદાશ્રી : હા, એ હિસાબ વગરના.

પ્રશ્નકર્તા : અને એ જ્યારે દેખાય ત્યારે એમ થાય કે આ દાદા ના મળ્યા હોત તો અમારું શું થાત !

દાદાશ્રી : ના, પણ પાપ દેખાય છે ને, પોતાનુંુ પાપ દેખાયું ત્યારથી જ જાણીએ કે આપણી કઈ ડિગ્રી થઈ ! આ જગતમાં કોઈ પોતાનું પાપ જોઈ શકે નહીં. કોઈ દહાડો દોષ જોઈ શકે નહીં. પોતાના દોષ જોતાં આવડે, તો એ ભગવાન થાય.

શંકાથી ભય વધે !

દાદાશ્રી : વિજ્ઞાન સારું છે, નહીં ? રિસર્ચ જ કર્યા કરે. હવે શેનો ભય રહે છે ?

પ્રશ્નકર્તા : કોઈનો ભય નથી રહેતો.

દાદાશ્રી : ગોળી મારનાર તો છે, હજી જીવતા છે બધા.

પ્રશ્નકર્તા : તોય ભય નથી રહેતો.

દાદાશ્રી : ગોળી મારનાર કંઈ ઓછા મરી જવાના છે ? લોક મરી જશે પણ ગોળી મારનાર કંઈ મરી જવાના નથી. બીજા ઊભા થયા જ કરે ને ! ગોળી મારનારા કંઈ મરી જવાના છે બધા ? એ તો રામચંદ્રજીના વખતમાંયે હતા. ગોળી નહોતા મારતા, બીજો રસ્તો હતો. ભાલાઓ મારતા હતા, તીર મારતા હતા. હથિયારો, સાધન બધા બદલાયા કરે છે પણ ભાવ તેના તે જ ને, ક્રોધ-માન-માયા-લોભ.

પ્રશ્નકર્તા : હવે તો જે દોષો કરેલા છે, એનો એને પોતાને ભય નથી રહેતો. કારણ કે એ જુદું છે ને પોતે જુદો છે.

એ જે કર્મ બંધાતા હતા એ ફરી ફરીથી બંધાતા હતા. એ એના જે પહેલાંના કર્મ હતા, એનાથી ભય પામતો હતો. એટલે જ બીજા વધતા જતા હતા.

દાદાશ્રી : વધતા જતા હતા. હા, બરાબર, ભયથી જ બધા વધે. આ દુનિયામાં ભય અને શંકા એ બધા કર્મ વધારવાના સાધન. શંકા પડીને એટલે આખી રાત છે તે પેલાને ખરાબ રીતે જુએ, પેલાને ખરાબ જુએ, બધાને ખરાબ જ જુએ. એને દેખાય શંકા. હવે શંકામાં કંઈ વસ્તુ સાચી હોતી નથી કશી.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : ગોળી આવશે કે નહીં, એની શંકા રાખવાની જરૂર નહીં. જેમ ઈનામ લાગે છે, એની શંકા રાખીએ છીએ આપણે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : પાંચ લાખનું ઈનામ લાગે છે ત્યારે શંકા રાખીએ છીએ ? એનો ટાઈમ થાય એટલે આવીને ઊભું રહેશે. એવું આ ય એનો ટાઈમ થાય એટલે આવીને ઊભું રહે.

આમ કઢાય ભય !

પ્રશ્નકર્તા : મને આમ હમણાં ઘેર જઉં તોય ભય બહુ લાગ્યા કરે. કશુંક મને કહેશે, મને વઢશે એવો ભય બહુ લાગ્યા કરે.

દાદાશ્રી : કશું કહેશે, વઢશે, જો પોતાને શંકા પડે છે તો આપણે ચંદુભાઈને ખાનગીમાં કહેવું કે 'તને ગાળો દેશે, તને મારવા જેવો છે. મને કંઈ થવાનું નથી.' આમ કહે કહે કરીએ, એટલે ભય નીકળી જશે.

'દાદા'નું અવલંબન !

એવું છે ને, પાછલા કેટલાં અવતારનું આ અમારું મંડાણ. અને આ તમારું કેટલાં અવતારનું મંડાણ ? ત્યારે કહે, હમણે થોડાક જ વરસનું. થોડા વરસનાં મંડાણે જો આટલું બધું જોર કર્યું છે. તો પછીના નવા અવતારો તો ઝપાટાબંધ ઊડી જશે, એ વાતની ખાતરી થઈ ગઈ ને ? દાદા યાદ આવે કે, તરત અંતરશાંતિ થઈ જાય છે ને ?

પ્રશ્નકર્તા : તરત.

દાદાશ્રી : બસ ત્યારે, મોટામાં મોટો ઉપાય આ છે. નહીં તો પછી એક ફેરો ભય પેઠો પછી આખી રાત નીકળે કંઈ ? અને દાદાનું અવલંબન લીધું તો ? તમામ દુઃખો મટી જાય ! કેમ આજે કંઈ બોલતાં નથી ?

પ્રશ્નકર્તા : નહીં, નહીં, સાંભળું છું ને !

દાદાશ્રી : જરા બોલો, ત્યારે હિંમત આવે.

'દાદા'ને સોંપ્યું પછી...

શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : દાદા, એ તો તમે મારા વિશે કંઈક જાણ્યું હશે ને કે મને શું આપવાનું છે, મારે શું કરવાનું છે ? હવે બધું તમને સોંપ્યા પછી, મારે ક્યાં જાણવું છે ?

દાદાશ્રી : ના, પણ તમને કંઈ ભડકાટ નથી રહેતોને કોઈ જાતનો ? જો આ સોંપેલું એવું હોય છે કે કિંચિત્માત્ર ભડકાટ ન રહે, થડકાટ પણ ના રહે. ભડકાટ-થડકાટ કશું ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતા આવડ્યું એટલું. આ સોંપીને પછી ખાવને ટેબલ ઉપર, નિરાંતે બેસીને જમોને ! કોઈ બાપોય વઢનાર નથી. ઉપરી છે જ નહીં મૂઓ. આ ઉપરી તો ભૂલો હતી અને બ્લંડર્સ હતા. બ્લંડર્સ દાદાએ તોડી આપ્યા અને ભૂલો આપણે ધોવી પડશે.

ચંદુને ભય, આત્માને અભેદતા !

જ્યાં જોઉં ત્યાં દાદા દેખાય છે, પછી ભો લાગે જ નહીંને !

પ્રશ્નકર્તા : નિર્ભયપણું તો ઘણું આવી ગયું, નહીં તો શરૂઆતમાં દાદા મળ્યા ત્યારે આમ ભય લાગતા'તા કાયમ. કોઈ કરતાં કોઈ ભય નથી લાગતો. ગમે તેવી પરિસ્થિતિમાં કોઈ ભય નથી લાગતો.

દાદાશ્રી : હા, ખરી વાત.

પ્રશ્નકર્તા : બરાબર, એને લીધે મહાત્માઓ નિર્ભય થઈ જાય, કંઈ અવિવેક થઈ જાય પણ એમને બીક ના રહી આમ. નહીંતર આ કોઈ એવા મોટા માણસ ભૂલ કરે, તો એને ભય લાગે કે અરરર ! મારાથી ભૂલ થઈ જશે તો મારું શું થઈ જશે ? જ્યારે દાદા ભગવાન પાસે અમને એવી બીક ના લાગે કે અમને વઢશે કે અમે નીચા પડી જઈશું.

દાદાશ્રી : બીક લાગે, એ આત્મા ના કહેવાય.

પ્રશ્નકર્તા : પણ ચંદુલાલને તો બીક લાગે ને, અવિવેક થઈ જાય તો ?

દાદાશ્રી : લાગેને, ના લાગે તો તો વઢવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ જે થોડીક બીક થતી હોય તો સારું પછી બીજી વાર અવિવેક કરતાં પહેલાં વિચારે ને ?

દાદાશ્રી : હં, બરાબર છે. એટલે હું ભૂલ કાઢું તોય પેલાને ભય તો લાગે જ નહિને ! નહિ તો તો એટલો બધો તાપ લાગતો હોય, તે એક ભૂલની વાત કહેતા પહેલા મનમાં કેટલું બધું ચીતરે ! આટલું બધું ગોખી રાખ્યું હોય કે આવું આવું મારે કહેવું દાદાને, આમ કહેવું, એટલે ઊંધા પાટા ઉપર ચાલે. હુંય સમજી જઉં. બિચારો આવો માણસ, ભયના માર્યો પોતાનું સ્વરક્ષણ કરે છે, અપમાન થવાના ભોમાં. પણ હવે જરાય ભય નહીં.

એક ચિંતા નહીં તેવી ગેરેન્ટી !

અને આ આજ્ઞા પાળે તેને ચિંતા થાય તો અમે બે લાખનો દાવો માંડો, એમ કહ્યું છે. હા, ગેરેન્ટી સાથે હોવું જોઈએ. અમેરિકામાં તો બે લાખ ડૉલરનો દાવો, એમ કહે છે. પણ તે તો જ્ઞાન લીધા પછી ઓલ રાઇટ રહે છે. આપણાં અહીંના જેવા. અહીં તો જ્ઞાનમાં બહુ ઊંચા રહે છે આ લોકો. કારણ કે જ્ઞાન પહેલાં આપણાં લોકોને તો અહીં આગળ નર્યું આખું, બધી વૃત્તિઓ જ આમાં ને આમાં, કે 'આમથી લાવું ને તેમથી ભેગું કરું' અને એ લોકોને તો એવી બહુ માથાકૂટ નહીં. પણ એમને જે ભય હતો કે 'આમ જોબ જતી રહેશે' એ બધો ભય નિરંતર રહ્યા કરતો'તો, તે આપણાં જ્ઞાનથી એમને છૂટી ગયો હવે. અને આ પાંચ આજ્ઞામાં જ રહે છે નિરંતર. અને સત્સંગ એટલો બધો સરસ કરે છે, ત્યાંથી કાગળ આવે છે, આપણને અજાયબી લાગે !

આ કાળમાં દાદા ભગવાનનું રક્ષણ મળે તોય સારું. ભો તો છૂટે, નહીં તો વાત વાતમાં ભો આવે.

આજ્ઞાપાલનથી નિર્ભય !

પ્રશ્નકર્તા : દાદા, મહાત્માઓ નિર્ભય કેવી રીતે ફરે છે ?

દાદાશ્રી : દાદા માથે છે એટલે પછી ભય-બય કશું રહ્યું શું તે ?

અને ઘણાં લોકો જ્ઞાન લઈ જાય છે. જુઓને, શરદી હતી તોય કાલે જ્ઞાન આપ્યું. પણ તે વખતે શરદી બંધ થઈ ગયેલી એટલો ટાઈમ. પછી પાછું જ્ઞાન પૂરું થયું કે પાછી શરદી ઊભી થઈ ગઈ.

પ્રશ્નકર્તા : દાદા, મહાત્માઓને કોઈ વખત ચિંતા થાય, તે ચિંતા નહીં હોય ને ? તો એ શું હોય ?

દાદાશ્રી : ચિંતા-બિંતા ના થાય. ચિંતા થાય તો મને ભેગો થયો એ કામનું શું ? મારી આજ્ઞાનું આરાધન પછી ચિંતા થાય, એ શું કામની ?

મહાત્માઓ ડાહ્યા થઈ ગયા. લોકોય કહે છે કે તમારે ત્યાં સત્સંગમાં આવ્યા, એટલે તમારા મહાત્માઓના મોઢા ઉપર તેજ જોઈને અમે ખુશ થઈ ગયા.

પ્રશ્નકર્તા : હા, બધા હસતા હોય છે, દાદા. દાદાને જોતાં જોતાં બધા હસતા જ હોય છે. બધાના મોઢા પર હાસ્ય હોય.

દાદાશ્રી : હા, પણ શું થયું ? એમને કહું કે તમારો ઉપરી કોઈ બાપોય નથી. એટલે પછી એમને ભય પણ ગયો. કહેનાર હું છું, જોખમદાર છું પણ અમારા કહ્યા પ્રમાણે ચાલવંું જોઈએ !

પ્રશ્નકર્તા : હા, આજ્ઞામાં રહેવું જોઈએ.

દાદાશ્રી : ઓછું, પચાસ ટકા, સાઠ ટકાય પાળો પણ સો ટકા ના પળાય. તમે કેટલી પાળવા તૈયાર છો ?

પ્રશ્નકર્તા : જેટલી છે એટલી બધી તૈયારી છે.

દાદાશ્રી : હા, એવી તૈયારી રાખો.

દાદા જોડે અનન્યપણાથી નિર્ભયતા !

પ્રશ્નકર્તા : અનન્યપણાનો અર્થ આપો.

દાદાશ્રી : દાદા ભગવાન સિવાય અન્ય કોઈ નહીં. એનું નામ અનન્યપણું. આખું જગત તો રિલેટિવ છે. આખા જગતનું, એ બધા સંતોનું રિલેટિવ છે અને આપણું આ રિયલ રિલેટિવ છે. આ તો એક આશ્ચર્ય છે. આવડાં આવડાં છોકરાંઓ જો જ્ઞાન લઈને ફરે છે ને, વર્લ્ડમાં કોઈ ડરાવી શકે નહીં. આ જ્ઞાનને સમજે આ લોકો, અનન્યપણું. મારી નાખે તોય કશું નહીં. એટલા બધા પુણ્યશાળી, પુણ્યૈ હોય ક્યાંથી તે અનન્યપણું ઉત્પન્ન થાય ! અનન્યપણું ઉત્પન્ન થવું એ તો મહાન મહાન પુણ્યૈ હોય. કારણ કે આ આવી સ્યાદ્વાદ વાણી વર્લ્ડમાં કોઈ દા'ડો સાંભળી જ ના હોય. આ સ્યાદ્વાદ વાણી અને પેલી એકાંતિક વાણી કહેવાય. આખા જગતની, બધાંની, એકેએક માણસની એકાંતિક. આ સ્યાદ્વાદ એટલે આય કરેક્ટ છે ને તેય કરેક્ટ છે. આને જો એક ફેરો સમજે ને, જવાબદારી અમે લઈએ. અનન્યપણું આવવું જોઈએ. પોતાની બુધ્ધિ મહીંથી ખસવી જોઈએ.

જ્ઞાની પાસે કામ કાઢી લો !

જ્ઞાની પાસે તો માંગતા આવડવું જોઈએ. અને જ્યાં સામો બદલો માંગતા ના હોય તો ભો શાનો ? આ સરકાર પાસે લોન માંગી હોય તો ચૂકવવાનો ભો હોય, અહીં શાનો ભો ?

જ્ઞાની મળ્યા તો કામ કાઢી લો, નહીં તો આ ચતુર્ગતિ આપણી છે. જ્યાં ફરવું હોય ત્યાં ફરો. સિધ્ધક્ષેત્રમાંય આપણી જ માલિકી છે અને આ ચતુર્ગતિ એ ભૂલભૂલામણી છે. એમાંથી છૂટવું મહામુશ્કેલ છે.

કોઈ બાપોય ઉપર નથી !

આપણા એક મહાત્મા ત્રણ માણસ લઈને આવ્યા'તા. અપ-ટુ-ડેટ થઈને આવેલા, તે પછી બેસાડ્યા. તમે શું કહીને તેડી લાવેલા ? હેંડો, દર્શન કરવા ?

પ્રશ્નકર્તા : દર્શન કહે તો પાછા માને નહીં. મેં કહ્યું, 'ચાલો ઘરે', તેથી આવ્યા.

દાદાશ્રી : અહીં બેઠાં પછી મેં પહેલો શબ્દ પૂછયોને, તે ગભરામણ થઈ ગઈ. મેં કહ્યું, 'આ મારાથી જુદાઈ રાખો છો ? હું તમારી જોડે, એક ક્ષણ પણ જુદાઈ નથી રાખતો તોય જુદાઈ રાખો છો ?' તે ગભરામણ થઈ કે આ શું કહે છે પાછા ? પછી જે આપી છે, જે આપી છે, જે આપી છે.....(સુંદર સત્સંગ થયો) મગજમાં આખી રાત ટકોરા માર્યા હશે ! બધું, આવરણ-બાવરણ બધા તૂટી જાય, હડહડાટ ! ગૂંચો-બૂંચો નીકળી જાય.

વગર કામનાં ભડક ભડક કર્યા કરો છો ! નથી કોઈ બોસ, વગર કામનાં શું કરવા ભડકો છો ? આ પડશે, પેલું પડશે, નથી કોઈ બાપોય પડવાનો, તમે જ પાડો છો. અને પછી કહે છે, 'સાહેબ, ભગવાને પાડ્યું.'

પ્રશ્નકર્તા : ખોટું છે.

દાદાશ્રી : ઉપર કોઈ બાપોય નથી અને તેથી 'બાપો' શબ્દ કહ્યો. એટલા માટે કે પાછળથી ખોળે કે આ કયા દેશના માણસે શોધ કરી ?

પ્રશ્નકર્તા : ચરોતરનાં પટેલ.

દાદાશ્રી : હા, ચરોતરનાં પટેલ. શોધખોળ કરે પછી. ચરોતરનાં પટેલ જ બોલે ને ? બીજા કોઈનું ગજુ નહીં ને ? બાપોય ત્યાં આપણાં પાટીદારો ખુશ થઈ જાય. બાપોય શબ્દ આવતાંની સાથે જ આમ મોઢું પહોળું થાય, હં, તે બોલતી ઘડીએ !

તેથી અમે કહીએ છીએ કે તમારો ઉપરી કોઈ બાપોય નથી. માટે 'ડોન્ટ વરી !' નિર્ભય થઈ જાવ !

કો'ક વખત એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ તો ગેરેન્ટી સાથે કહું છું કે તમારો કોઇ ઉપરી નથી. પછી રહે કોઇ ભો-ભડકાટ ?

નિર્ભયતાથી મુક્તિ !

પ્રશ્નકર્તા : આપણને મુક્તિ મળે, તો આપણે નિર્ભય થઈ જઈએ, અભય અવસ્થા. પછી કોઈ જાતનો ભય ના રહે. તો એ નિર્ભયતા એ જ મુક્તિની નિશાની છે કે બીજી કોઈ ખરી ?

દાદાશ્રી : એ જ નિર્ભયતા. મુક્તિ સિવાય નિર્ભયતા ઉત્પન્ન થાય જ નહીં. હવે આત્મજ્ઞાનથી માંડી અને ઠેઠ સુધી (કાયમ માટે) નિર્ભયતા હોય.

જ્ઞાન પામ્યા પછી કયાંય સ્થંભિત નહીં !

કોઈ કહેશે કે આ વિકલ્પ નથી ? તમે વિકલ્પરૂપી ધર્મ ઊભો કરેલો છે, વિકલ્પથી ! ના. આ અક્રમ વિજ્ઞાન છે, તે વીતરાગોનું જ જ્ઞાન છે. તો કહે છે કે એનો શું પુરાવો ? ત્યારે કહે, આમાં આવ્યા પછી આશ્ચર્ય બંધ થઈ જાય. વિકલ્પરૂપીમાં આશ્ચર્ય બંધ ના થાય, નવું દેખાય કે આશ્ચર્ય થાય કે આ શું પાછું ? આમાં જે દેખાય તે ખરું. એટલે આશ્ચર્ય બંધ થઈ જાય. તમારે આશ્ચર્ય બંધ થઈ ગયાં ને ? ભય બંધ થઈ જાય, ભય હોય ત્યાં સુધી બધું આશ્ચર્ય લાગ્યા કરે.

પ્રશ્નકર્તા : કોઈનાથી પ્રભાવિત પણ ન થાય ! કોઈની છાયા ના પડે.

દાદાશ્રી : ના, પ્રભાવિતેય ના થાય. તમે પોતે જ શુધ્ધાત્મા, પછી કોઈથી પ્રભાવિત થવાનું રહ્યું નહીં.

તમારે ભડક શી ? તમે પરમાત્મા છો ! પરમાત્મા ભડકે તો જગત ભડકી જશે ! 'આપણે' પ્રકૃતિને પેલે પાર છીએ.

આત્મારૂપ થયા પછી ભય શો !

આત્મા નિરાલંબ છે, બિલકુલ નિરાલંબ છે. કંઈ ટચ થાય નહીં, એવો તમારામાં આત્મા છે ને આમનામાંય એવો આત્મા છે. ફાંસીએ ચઢાવે તોય દેહ ફાંસીએ ચઢે, આત્મા ના ચઢે. દેહને વીંધે તોય આત્મા ના વીંધાય. આત્મા જેને પ્રાપ્ત થઈ જાય, એને પછી ભો ખરો કશો ?

'જ્ઞાની', વર્લ્ડનું અગિયારમું આશ્ચર્ય !

એટલે કામ કાઢી લેજો. આ (ન્યુઝ) પેપરની વાત નથી, આ ગુપ્ત વાત છે. ભાગ્યશાળી હોય તે અહીં એની મેળે આવે અને જોગ થઈ જાય એનો. આ તો અજાયબી છે આ કાળની. દસ લાખ વર્ષમાં આ અગિયારમું આશ્ચર્ય છે આ, ઈલેવન્થ વન્ડર. માટે કામ કાઢી લેજો, અમે તમને કહી છૂટીએ. પછી તમારે કામ કાઢવું હોય કે ના કાઢવું હોય એ તમારી મરજીની વાત. અમે તો કહી છૂટીએ કે શેની દુકાન છે એટલું. શુધ્ધ સોનાની દુકાન અને ફ્રી ઓફ કોસ્ટ. જેટલુંુ લૂંટાય એટલું લૂંટો. પેલું સોનું લૂંટીએ ને, તો ચોરનો ભો આવે ને બીજા બધા ભો અને આ તો લૂંટ્યું કે બધાં ભો જતાં રહે, નિર્ભય બનાવે, વીતરાગ બનાવે. બુધ્ધિ થઈ જાય ગેપ (ખલાસ) પછી. છતાં જ્ઞાન પ્રકાશ પુષ્કળ રહે. બુધ્ધિય પ્રકાશ છે અને જ્ઞાનેય પ્રકાશ છે. પણ બુધ્ધિ ગેપ થઈ જાય. એ તમારે કરવી હોય તો આવજો.

જય સચ્ચિદાનંદ