|
'વ્યવસ્થિત'ના જ્ઞાને વર્તે નિર્ભયતા ! સંપાદકીય અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ને જોડે જોડે કર્તા કોણ છે, તેનું વિશેષ જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. તેથી સંસારમાં નોકરી-ધંધા-જવાબદારી-ફરજોમાં રહીને પણ કોઈ પણ જાતના અગ્રશોચ-ચિંતા-ટેન્શન વિનાનું જીવન જીવી શકાય છે. નહીં તો ક્રમિક માર્ગે 'દેહ, પુત્રી-પુત્રાદિ મારા નથી, હું આત્મા છું, એમ ગુરુ પાસેથી સાંભળેલા જ્ઞાન ઉપર શ્રધ્ધા રાખ રાખ કરવી પડે, તો કો'ક દહાડો 'આત્માની ઝાંખી થઈ' કહેશે. તોય પાછું 'કર્તા કોણ છે ?' એ રહસ્ય તો અણઉકલ્યું જ રહ્યું હોય. 'હું આટલું કરીશ' તો જ મારી પ્રગતિ થશે, 'આટલું મારે કરવું છે પણ થાતું નથી.' 'હું આટલું કરી નાખું.' આખો દહાડો કર્તાપણાની ગડમથલમાં અટવાઈ ગયેલા જ હોય. ગુરુ મહારાજેય પોતે કર્તાપદમાં અકળામણ ભોગવતા હોય ને શિષ્ય પણ કર્તાપણાના તાપથી ભય પામતો હોય. છતાં એ માર્ગ જ ધોરીમાર્ગ છે, તેમાં રહીને જ માણસ આગળ વધતો હોય છે. જ્યારે અક્રમ વિજ્ઞાનમાં પરમ પૂજ્ય દાદા ભગવાને સંસાર બંધનનાં મૂળ કારણો 'હું કોણ છું ? અને કરે છે કોણ ?' એને ભેદીને વાસ્તવિક જ્ઞાનનું ભાન કરાવ્યું. તેથી જ્ઞાન પામેલા મહાત્માઓ સંસારના ભય સંગ્રહસ્થાનમાં નિરંતર નિર્ભયતામાં વર્તી શકે છે, તે આ કળિયુગનું મોટામાં મોટું આશ્ચર્ય છે. આ સંસાર એ તો અનંત પ્રકારના ભયનું જ સંગ્રહસ્થાન છે. ઘણાખરા ભય તો પોતાને અડ્યા ના હોય, તોય લોકોનું સાંભળીને, છાપામાં વાંચીને, ટીવીમાં સાંભળીને, સિનેમામાં જોઈને, કેટલાય ભય પોતાની બુધ્ધિમાં ઘૂસી જઈ ભડકાવ્યા કરે છે. પૈસા લૂંટાઈ જશે તો ? ધંધો બેસી જશે તો ? ધંધામાં ખોટ જશે તો ? રેલ આવી તો ? તણાઈ જઈશું તો ? નોકરી છૂટી જશે તો ? રસ્તામાં કાર એક્સિડન્ટ થઈ જશે તો ? જીવલેણ દર્દ છે, મરી જવાશે તો ? સુનામીની જેમ દરિયો ઉછળશે ને આપણે ડૂબી જઈશું તો ? જ્યોતિષે ઘાતની વાત કરી છે, શું થશે ? હાર્ટમાં દુખ્યું, એટેક આવશે તો ? ફલાઈટમાંય બેઠા પછી બળી જશે, એક્સિડન્ટ થઈ જશે તો ? ધંધામાં ખોટું થઈ ગયું હોય તો ઈન્કમટેક્ષની રેડ પડશે તો ? સરકાર પકડશે તો ? પક્ષાઘાત થશે તો ? કારખાનું બળી જશે તો ? છોકરી પરણાવવાથી માંડીને ઠેઠ સુધી એની ચિંતા ? કેટલાય પ્રકારના ભય દરેક મનુષ્યોને કોરી ખાતા હોય છે, સાચી સમજણનો આધાર મળતો નથી, ત્યાં સુધી ભયથી શી રીતે મુક્ત થાય ? તેમાં વિપરીત બુધ્ધિવાળો કળિયુગી જીવ જરાક ભયને અનેક ગણો કરી ભયભીત દશામાં મૂકાઈ જાય છે. ત્યાં કેમ બચવું ? નિર્ભયતા સુધી કેમ પહોંચવું ? આ સંસારમાં અને ધર્મમાં સર્વત્ર ભયના વાતાવરણમાં રહેલા લોકોને અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન સાચો 'કર્તા કોણ છે' તેનું રહસ્ય જ્ઞાન પ્રાપ્ત કરાવી નિરંતર નિર્ભયતામાં વર્તાવે છે. તે સર્વ સમજ પ્રસ્તુત સંકલનમાં સંકલિત થઈ છે, જે મૂળજ્ઞાન પ્રાપ્ત કરવાની દ્ષ્ટિ બક્ષશે ! દીપકના જય સચ્ચિદાનંદ 'વ્યવસ્થિત'ના જ્ઞાને વર્તે નિર્ર્ભયતા ! સંસાર, સંગ્રહસ્થાન ભયનું ! પ્રશ્નકર્તા : લોકોને ભય છે દુઃખનો, મુશ્કેલીનો, રોગનો. અનેક ભયમાં જીવે છે, એનું શું કારણ ? નિર્ભયતા કેવી રીતે કેળવાય ? દાદાશ્રી : આ ભયસ્થાનમાં જ પેઠો છે, સંસાર એટલે ભયસ્થાન. પ્રશ્નકર્તા : પણ એ ભયમાંથી દરેક જણાને મુકત થવું છે. દાદાશ્રી : આ અહંકાર જુદો થયો અને 'હું' 'શુધ્ધાત્મા' થઇ ગયો એટલે નિર્ભય થઇ ગયો. પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન ના લીધું હોય એનું શું ? દાદાશ્રી : એનું શું, આ દુનિયાથી છૂટે જ નહીં કોઇ દહાડો. કોઇ દહાડોય છૂટે નહીં. 'વ્યવસ્થિત' કર્તા છે, એવું થોડુંઘણું લક્ષમાં આવી ગયેલું આપને ? થોડુંઘણું અનુભવમાં આવે છે ? પ્રશ્નકર્ર્તા : અનુભવમાં આવી ગયું ને એ ઉપરાંત મન વાળી લેતાં આવડી ગયું. દાદાશ્રી : એટલે બધું રાગે પડી ગયું. એ 'વ્યવસ્થિત' સમજાઈ ગયું ને, બહુ સરસ કામ થઈ ગયું છે. હવે આગળ ઝપાટાબંધ કામ થઈ જશે. વાર નહીં લાગે. 'વ્યવસ્થિત' સમજાયું ને ? એટલે કેટલાય ભય બધા ઊડી ગયા. પ્રશ્નકર્તા : થોડાક અંશે ગ્લાનિ થાય, પણ ધીરે ધીરે સમજથી ઊડી જાય છે. દાદાશ્રી : હા, ઊડી જાય. 'હું શુધ્ધાત્મા છું' એવું રાત્રે વખતે જાગી જવાય તો આવે ખરું લક્ષમાં ? પ્રશ્નકર્તા : એ નિરંતર લક્ષમાં રહ્યા જ કરે છે. દાદાશ્રી : પછી વાંધો શો છે ? નિરંતર રહ્યા કરે પછી વાંધો શું ? 'હું ચંદુલાલ છું' એ નિરંતર રહ્યા ના કરે. 'હું ડૉક્ટર છું' નિરંતર રહ્યા ના કરે. પણ આ તો નિરંતર રહ્યા કરે છે, પછી રહ્યું શું ? આ તો ભયનું સંગ્રહસ્થાન છે. તમે શુધ્ધાત્મા તો નિર્ભય અને તું ચંદુલાલ તો ભય. 'તું કોણ છું ?' પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા. દાદાશ્રી : એમ ? ચંદુલાલ નહીં ? એટલે આપણું જ્ઞાન છે તે બધાને નિર્ભય રાખે છે. તેથી 'દાદા, દાદા' કર્યા કરે છે ને ? શાથી ? આ પ્લેનના દોઢસો-દોઢસો ખર્ચીને અહીં આવે છે ? સારું લાગતું હશે ? પણ એ ભય છૂટ્યો તેથી. એટલે દાદાએ ભય છોડાવડાવ્યા બધી રીતે, શાંતિ આપી. નહીં તો ભય, પાર વગરના ભય ! અક્રમમાં કોઈ ભય નહીં ! પ્રશ્નકર્તા : અક્રમમાં ભય ખરો ? દાદાશ્રી : કોઈ જાતનો ભય નહીં, નિર્ભય ! અક્રમમાં તો એ અમારી આજ્ઞામાં રહે તો કોઈ ભય નહીં. આ વર્લ્ડમાં કોઈ ભય નહીં. ઈશ્વરનોય ભય નહીં જેને. અમારી આજ્ઞામાં રહે એટલું જ. પાંચ આજ્ઞા છે એટલામાં જ રહેવાનું. બીજું કંઈ કરવાનું નથી. અક્રમમાં ભય ના હોય. ક્રમિકમાં ભય વધારે. ક્યાં આગળ ભૂલો પડે છે એ કશું ઠેકાણું જ નહીં ને ! અહીં કો'ક સંતપુરુષ મળ્યા અને હજાર પગથિયાં ચઢાવ્યા પછી કો'ક મળે, 'હેંડો, ચંદુલાલ પેણે કેન્ટીન છે.' એટલે ચંદુભાઈ ગયા કેન્ટીનમાં ! એટલે પાછા બે હજાર પગથિયાં ઊતરી ગયા !!! કેન્ટીનો તો હોય ને રસ્તામાં ? ના હોય ? અને આ અહીં તો કેન્ટીન-બેન્ટીન કશું જ નહીં ને ! અને અહીં ત્યાગ-ગ્રહણ કશું કરવાનું નહીં. ગ્રહણેય કરવાનું નહીં ને ત્યાગેય કરવાનો નહીં. 'શું બને છે' એ જોવાનું. બસ એટલું જ કામ, બીજું કંઈ નહીં. તમે જુદા ને ચંદુભાઈ જુદા અને ચંદુભાઈ શું કરે છે એ 'તમારે' જોયા કરવાનું. ચંદુભાઈનું શી રીતે ચાલશે ? ત્યારે પેલી મેં શક્તિ કહી છે ને ? 'વ્યવસ્થિત' શક્તિ, તેની પ્રેરણાથી ચંદુભાઈનું બધું ચાલ્યા કરશે. નિરંતર સમાધાનમાં રાખે આ જ્ઞાન ! જ્ઞાન એનું નામ કહેવાય કે હરેક વખતેે હાજર થાય. તમે જ્યાં જ્યાં જાવ ત્યાં એ જ્ઞાન હાજર થાય, એનું નામ જ્ઞાન અને હાજર ના થાય, એનું નામ અજ્ઞાન. હાજર થઇને સમાધાન આપે. આ જ્ઞાન આપેલું હાજર રહે એવું જ છે. જો પોતે મહીં ડખો ના કરે જાણી-જોઇને, તો જ્ઞાન ઇટસેલ્ફ કામ કર્યા કરે એવું છે. આ જ્ઞાન જ મોક્ષે લઇ જાય એવું છે. તમારે કશું કરવાનું નથી. આ જ્ઞાન જ જે આપેલું છે, તે શુધ્ધાત્માનું સ્વરૂપ આપેેલું છે, તે અજ્ઞાન ને જ્ઞાન છૂટું પાડ્યું, તમારા સ્વરૂપનું તમને લક્ષ બેસી ગયું. એ લક્ષ તૂટે નહીં એટલા માટે પાંચ વાક્યોની તમને વાડ કરી. એ વાડને લઇને તમારું લક્ષ નહીં તૂટે. આ પાંચ વાક્યો ને શુધ્ધાત્મા. આટલું જ જ્ઞાન છે. એ સિવાય વર્લ્ડમાં બીજું કશું જ્ઞાન છે નહીં. અને તમને દરેક વખતે સમાધાન આપશે. ગજવું કપાશે તે ઘડીએ સમાધાન આપશે. પહેલું સમાધાન ના થાય. પહેલું ભડકાટ, ચંચળતા ઊભી થાય પણ તરત સમાધાન પછી થાય. આ હાથ કપાઇ ગયો, તે કપાતાં પહેલાં મનમાં ગભરામણ થઇ જાય, કપાયું કે થોડી ગભરામણ થઇ જાય પણ તરત જ મહીં ખાતરી થઇ જાય કે 'વ્યવસ્થિત'માં જે હતું તે થઇ ગયું. એટલે પોતે જ 'વ્યવસ્થિત' કહે. હરેક ટાઇમે હાજર રહે અને હરેક ટાઇમે ચેતવે એનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાન ચેતવ્યા કરે. ચેતવણી હઉ આપે, એ જ આત્મા છે. આત્મા જ્ઞાનથી જુદો નથી. જ્ઞાન એ જ આત્મા છે. આનંદ વર્તે, 'વ્યવસ્થિત'ના જ્ઞાનથી ! આ અત્યારે કોઈ માણસ આવીને કહે છે ને કે આ બધાના મોઢાં પર હું આનંદ દેખું છું. તે આ 'વ્યવસ્થિત'ના જ્ઞાનને લીધે. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કારણ કે ગમે તે થયું તોય 'વ્યવસ્થિત' કહીને તરત તમે પાછા વળો ને ? પછી વિચાર કપાય જાયને ? ભય-બય બધું ગયું. નહીં તો 'વ્યવસ્થિત' ના હોય તો ભય લાગે. આ જોઈ જશે, તેમ થઈ જશે, ફલાણું થઈ જશે. પ્રશ્નકર્તા : વિકલ્પો થયા કરે. દાદાશ્રી : વિકલ્પો થયા જ કરે. એ બધા વિકલ્પો ફરી ચઢી બેસે. નિર્વિકલ્પી થયા પછી ચઢી બેસે. 'પોતે' અકર્તા થાય તો 'વ્યવસ્થિત' કર્તા છે એવું સમજાય, તો જ જગત 'જેમ છે તેમ' સમજાય. 'વ્યવસ્થિત' સમજાય નહીં ત્યાં સુધી સંકલ્પ-વિકલ્પ જાય નહીં, ભય જાય નહીં, ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં. એટલે આ જગતમાં કોઈ ભય રાખવા જેવો નથી. ઈટ હેપન્સ છે, એમાં શું ભય રાખવા જેવું ? અને જ્યાં ઈટ હેપન્સ છે ત્યાં તો આ એલિવેટ થવાનીયે જરૂર શું ને ડિપ્રેશન થવાની એ જરૂર ક્યાં રહી ? પણ એ જ્ઞાન લોકોને સમજમાં બેસતું નથી અને બધા લોકો સાધુ, સંન્યાસી, સંતોયે એમ જાણે છે કે અમે કરીએ છીએ તો થાય છે, નહીં તો થાય નહીં. પણ 'હું કરું છું' એ જ અજ્ઞાનતા છે. 'કરે છે કોણ' એ જો સમજાય તો કોઈ ભય રહે એવું નથી. જે જે થાય છે એ પોતાનાં કર્મના ઉદય હોય તો જ થાય. તો જ 'વ્યવસ્થિત'ના નિયમમાં આવી જાય. નહીં તો 'વ્યવસ્થિત'ના નિયમમાં ના આવે. એટલે કંઈ ભય પામવા જેવું નથી જગત. જે થવાનું એ 'વ્યવસ્થિત'. એનો કશો વાંધો નથી અને તે આપણું સ્વરૂપ નથી, પુદગલ છે. પુદગલની અવસ્થાઓ છે. આત્માની અવસ્થા તે છે નહીં. આપણે તો આત્મા થઈને બેઠા છીએ. હવે આપણને કશું અડેય નહીં ને નડે નહીં. વાત જ સમજવાની છે. 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપણને ભયમાં ના રાખે, ભય બધાં તૂટી જાય. 'વ્યવસ્થિત' એ વસ્તુ કેવી છે કે એટલું બધું જ્ઞાન રહેવું જોઈએ કે મન-વચન-કાયા 'વ્યવસ્થિત'ને તાબે છે, બુધ્ધિ-બુધ્ધિ બધું. આપણે શુધ્ધાત્મા એકલા જ જુદા, બીજું બધું 'વ્યવસ્થિત'ના તાબે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના તાબે. એટલે જો આમાં ડખોડખલ ના કરવાના હોય તો છે તે 'વ્યવસ્થિત' પહેલેથી બોલવું, નહીં તો 'વ્યવસ્થિત' છે તે મહીં લક્ષમાં રહેવું જોઈએ. અને પછી ગજવું કપાય ત્યારે કહેવું 'વ્યવસ્થિત' છે. ખોટમાંય વર્તે આનંદ ! શું, સાહેબને કશું પૂછવું નથી ? પૂછવામાં વાંધો નહીં. આપણે આ તો આ ઘરનું જ કહેવાય બધું. ભલેને બધું તણાઈ જાય પણ 'વ્યવસ્થિત'ની બહાર તણાઈ જવાનું નથી. અને આત્મા ત્યાંનો ત્યાં રહેવાનો છે. કશી ખોટ જવાની નથી. આ તો અનંત અવતારથી ખોટોનો જ રોકકળાટ કરતો આવે છે. નફાનો આનંદ નહીં પામ્યો એટલો ખોટોનો રોકકળાટ બહુ કરે છે. આનો આ જ ધંધો માંડ્યો છે ને ! પ્રશ્નકર્તા : ધંધામાં ખૂબ ખોટ ગઈ હતી, પણ એ વખતે કંઈ ભય નહોતો લાગ્યો. દાદાશ્રી : એ આ જ્ઞાનના પ્રતાપે અને દાદા યાદ આવ્યા જ કરે. દાદા યાદ આવ્યા જ કરતા હતા ને ? તે એ જ પ્રતાપથી. દાદા હાજર થઈ જાયને પછી ભય શાનો લાગે ? ભય તો 'હું ચંદુભાઈ છું' ને આ મારું, ત્યાં સુધી ભય અને હવે ચંદુભાઈ વ્યવહારથી. જેમ છે એમ ગોઠવણી કરો તો પછી છે ભય કોઈ જાતનો ? અને વ્યવહાર તો જેનું છે એનું એ લઈ જશે. કૃપાળુદેવે શું કહ્યું કે જેના જેના પરમાણુ ભેગા કર્યા છે તે તેને તેને આપી દઈ અને હવે અમારે ઋણમુક્ત થઈ જવું છે. એવું કહેતા હતાને કૃપાળુદેવ ? આપ્યા વગર છૂટકો જ ના થાય ને ! ત્યાં પૈસા-બૈસાનો હિસાબ હોતો નથી. આ તો રાગ-દ્વેષનો જ હિસાબ છે. એનો રાગ હોય તો ભઈ પછી જન્મ્યો આપણે ત્યાં અને બંગલો કોનો ? આપણે જઈએ એટલે એનો અને દ્વેષ હોય તોય બંગલો લઈ જાય પણ ટૈડકાવીને લઈ જાય, 'દાવો માંડું' કહેશે. 'વ્યવસ્થિત'ની જાગૃતિથી સ્થિરતા ! જે જે બને છે સંજોગો એ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. તે સંજોગોને સારી રીતે જોયા રાખવાના છે. નોંધેય રાખવાની નથી. છતાં મહીં ગૂંચાય તો કહેવું કે માથે દાદા ભગવાન છે, જરાય ગૂંચાશો નહીં. એન્ડ સારો આવશે. નિમિત્ત છોડશે નહીં પણ એકદમ હલકું થઈને ચાલ્યું જશે. સહેજ ભડકશો તો ૩૦ દહાડા બેસાડી રાખશે ને ભડક્યા વગર કરશો તો ૩૦ કલાક બેસાડી રાખશે. નિમિત્ત તો કામ કર્યા વગર ના રહે. પ્રશ્નકર્તા : એના હાથમાંય કંઈ નથી. દાદાશ્રી : એનેય બાય ઓર્ડર અને પેલો ઓર્ડર કરનાર સાહેબના હાથમાંય કંઈ નથી. બધું આપણા કર્માધીન ! પ્રશ્નકર્તા : આમાં તો દાદાજી, અંદરનું પરમાણુ કયાંય હલવું ન જોઈએ. દાદાશ્રી : એક પરમાણુ હાલવું ના જોઈએ. એ જ વાત હોવી જોઈએ. જગત આખું ભડકીને પરસેવો હઉ થઈ જાય વગર ઉનાળે ! શિયાળાને દહાડે પરસેવો થાય. પ્રશ્નકર્તા : થાય, થાય, દાદાજી. દાદાશ્રી : એક પરમાણુ મહીં ના હાલે, એવા મારી-ઠોકીને કડક કરું છું ને, મારી જોડે બેસી રહેતા બધાને. આમથી આમ અથાડું, આમથી આમ અથાડું. પણ પછી મજબૂત થઈ જાય. પ્રશ્નકર્તા : બીવા જેવું છે જ નહીં. પણ આ તો ઘણા કાળનો ઊંધો અભ્યાસ હોય છે ને, તેથી બીક લાગે. દાદાશ્રી : હં, ભય રાખવા જેવી ચીજ જ ક્યાં છે ? જ્ઞાન-જ્ઞાની, બનાવે નિર્ભય ! પ્રશ્નકર્તા : હુંુ તો છડે ચોક સત્સંગમાં આવું છું. બધાને કહી દઉં છું કે હું તો દાદા પાસે જ જવાની. દાદાશ્રી : હા, વાંધો શો છે પણ એમાં ? પોતાનો ભય ગયા પછી વાંધો શો છે ? દ્ષ્ટિ બદલાઈ ગયા પછી કશો વાંધો ના આવે. પ્રશ્નકર્તા : હિંમત, એટલો બધો વીલપાવર આવી ગયો છે કે બધાને બેધડક કહી દઉં છું. દાદાશ્રી : દાદા ભગવાન માથે છે, પછી ભય કોનો ? પ્રશ્નકર્તા : આ સાહેબ છે તે સ્કૂલ ચલાવે છે. તે સ્કૂલમાં બધી જાતના બાળકો આવે, તો કોઈ કોઈ વખતે બાળકો તોફાન કરે તો એ જરા એમનાથી ગુસ્સો થઈ જાય વારંવાર, એટલે એને લગતું આર્તધ્યાન-રૌદ્રધ્યાન થઈ જતું હોય છે. તેથી એમને બોજો રહ્યા કરે છે. દાદાશ્રી : ના, એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના કહેવાય. ભરેલો માલ નીકળે છે, તે નીકળી જાય તે સારું કે પછી રહેવા દેવાનું ? પ્રશ્નકર્તા : ના, નીકળી જવાનું. દાદાશ્રી : તો નીકળતા બૂમો ઓછી પાડવાની. ઊલટો ઊભરાઈને વધારે કાઢવો જોઈએ. આ થોડો નીકળે છે તેય દાબી રાખ્યો છે ને ! એની ઈકોનોમી કરવાની શી જરૂર ? સોંપી દો દાદા ભગવાનને ! રાત્રે બોમ્બ પડે એવું લાગે છે ? તો શાનો ભય લાગે છે ? શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ? પ્રશ્નકર્તા : દાદા, એ તો તમે જાણ્યું હશે ને કંઈક મારા વિશે, શું મને આપવાનું છે, મારે શું કરવાનું છે. હવે બધું તમને સોંપ્યા પછી મારે ક્યાં જાણવું છે ? દાદાશ્રી : ના, પણ કંઈ, તમને ભડકાટ નથી રહેતોને કોઈ જાતનો ? જો આ, સોંપેલુ એવું હોય છે કે કિંચિત્માત્ર ભડકાટ ન રહે. ભડકાટ ના રહે, થડકાટ પણ ના રહે. ભડકાટ, થડકાટ કશું ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતા આવડ્યું એટલું, જેટલું સોંપતા આવડ્યું. આ સોંપીને પછી ખાવને ટેબલ ઉપર, નિરાંતે બેસીને જમોને, કોઈ બાપોય વઢનાર નથી, ઉપરી છે જ નહીં મૂઓ. આ ઉપરી હતી ભૂલો અને બ્લન્ડર્સ હતાં. બ્લન્ડર્સ દાદાએ તોડી આપ્યા અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી કોઈ દા'ડો પાંચ-સાત-દસ ભૂલો દેખાય છે ? પ્રશ્નકર્તા : હા, શરૂઆત થવા માંડી છે જરા. દાદાશ્રી : કેટલી કેટલી દેખાય છે ? પ્રશ્નકર્તા : થોડી થોડી દેખાવા માંડી છે, પાંચ- પાંચ, દસ-દસ ભૂલો. હવે પ્રતિક્રમણ પૂરું આવડતું નથી એટલે ખમાવું છું, એટલું કહીને કરું છું. એક-એક શબ્દોથી નવા શાસ્ત્રો ! પ્રશ્નકર્તા : 'ભોગવે તેની ભૂલ', 'જગત ન્યાય સ્વરૂપ છે' અને 'વ્યવસ્થિત', દાદાના આ જે ત્રણ વાક્યો છે, એમાં શું ફરક છે ? દાદાશ્રી : 'ભોગવે એની ભૂલ' સામાની નિર્દોષતા દેખાડે છે. 'જગત ન્યાય સ્વરૂપ છે', ક્યાંય છે તે કોઈનોય દોષ નથી, મારો જ દોષ છે એવું કહેવા માંગે છે. જ્યાં દોષિત છે ત્યાં નિર્દોષતા અને 'વ્યવસ્થિત' ભયરહિત બનાવે છે. પ્રશ્નકર્તા : તો ભોગવે તેની ભૂલ અને જગત ન્યાય સ્વરૂપ છે, એ બન્ને વસ્તુ નિર્દોષતા જ દેખાડે છે ? દાદાશ્રી : ના, એ પણ એ બેઉ સરખું નથી. ભોગવે તેની ભૂલ તો મને જે ભોગવડાવતો હોય, અત્યારે મને જે દુઃખ દેતો હોય, એની ભૂલ નથી, મારી ભૂલ છે એવું શીખવાડવા માંગે છે. અને ન્યાય સ્વરૂપ એટલે આખું જગત જ બરોબર છે. હુંુ એકલો જ ખોટો છું, મારા એકલાની જ ભૂલ છે. જગત ન્યાય સ્વરૂપ છે, બધા નિર્દોષ છે એવું લાગે. એટલે એ બધી વસ્તુ જુદી જુદી હોય. એક એક શબ્દ જુદો હોય. આ જ્ઞાનીના એક-એક શબ્દમાંથી નવાં શાસ્ત્રો ઊભાં થાય એવું જુદું હોય. એકાકાર ના હોય જરાકેય. શબ્દ જુદા, અર્થ જુદા, એની વાત જુદી, એનો મર્મ જુદો, બધું જુદું હોય. 'વ્યવસ્થિત'ના વિશેષ જ્ઞાનથી, નિર્ભય ! 'વ્યવસ્થિત' સમજમાં બેસી જાય ને જોડે જોડે પાંચ આજ્ઞા પાળોને તો સહજભાવે બધું ઉકલ્યા કરે. 'વ્યવસ્થિત' તો નિર્ભય બનાવે છે, બિલકુલ નિર્ભય ! ચિંતારહિત બનાવે છે અને 'વ્યવસ્થિત'નું વિશેષ જ્ઞાન છે આ. એટલે આ કાળમાં આ વિશેષ જ્ઞાન અમારા અનુભવનું આવ્યું છે. તમને તેથી ચિંતા બંધ થાય ને ! નહીં તો ચિંતા બંધ થવી આ જગતમાં ક્યારેય બનેલું જ નહીં, ઓછો પરિગ્રહ તો ઓછી ચિંતા, થોડો જ પરિગ્રહ, કશું કપડાં-લત્તાની બહુ જરૂર ના હોય, તો પણ થોડી ચિંતા થાય અને આ તો ચિંતા જ બંધ થઈ ગઈ તમને ! 'વ્યવસ્થિત'ના જ્ઞાનથી આપણને ભય ના રહે. ભય બધા તૂટી જાય. ઘણાખરા ખોટા ભય માણસને મારી નાખે છે. બધા વિપરીત ભય કહેવાય. આખો દહાડો આમ થઈ જશે, આમ થઈ જશે કે તેમ થઈ જશે, એ જ બધી ડખોડખલ. આ 'વ્યવસ્થિત' સમજાય, તેને ચિંતા-ઉપાધિ-ભય બધા નીકળી જાય. ફીયર ઊડી ગયાં જ્ઞાનથી ! પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ બધું ભેગું ના થાય ત્યાં સુધી કાર્ય બને નહીં, એ સમજાયું. પણ એ છોડતું નથી, એટલે ભોગવટામાં ફેર છે. ભોગવટો આમાં ફેર પડે છે, પણ પેલો એક જાતનો જે ફીયર હોય, એ જતો નથી. દાદાશ્રી : એ તો ના જ જાયને, ફીયર (ભય) તો આપણે જાણવું જ પડે ને, કે આ ચંદુભાઈને ફીયર ઉત્પન્ન થયો, એ તો જાણવું જ પડે ને ? અને ઘણાખરા ફીયર તો ઊડી ગયા. એ બધા ઊડી ગયા પેલા અને આ ખરો જે સંવેદનનો ફીયર છે, એ તો સંવેદન આપીને જાય, વેદના આપીને જાય તો જ ફળ આપે ને ? ફળ આપ્યા વગર જાય નહીં ને ? કડવાં-મીઠાં ફળ આપશે. આપણે આપણું કામ કર્યે જવું. કામ નિરંતર કર્યા કરો. પ્રશ્નકર્તા : વહેતું મૂકે એટલે કામ જ ના કરે. ફીયર લાગે, પછી કામમાં બ્રેક લાગે. દાદાશ્રી : ના, એ ના ચાલે. મહીંથી જે પ્રેરણા થાય એ કામ કર્યે જ જાવ. એટલે જવું પડે. એ પ્રેરણા દબાવો નહીં. ખાવાની બાબત થાયને, ટાઈમ થાય ને ત્યારે 'વ્યવસ્થિત' નથી બોલતો ! એ તો કામનો ટાઈમ થાય એટલે પ્રયત્ન કરવાનો. 'વ્યવસ્થિત' બહુ સુંદર વસ્તુ છે. બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, બધા કેટલા સંજોગો ભેગા થાય છે એમાં. ... પછી જે બને તે 'વ્યવસ્થિત' ! ભય પામવા જેવું જગત જ નથી. 'આપણે' 'શુધ્ધાત્મા' ને 'વ્યવસ્થિત' શક્તિ કામ કર્યા કરશે. મન તો અમનેય કહે કે આગળ ગાડી અથડાશે તો ? એટલે અમે તેને કહીએ, 'તેં કહ્યું એની અમે નોંધ કરી, હવે બીજી વાત કરો.' એટલે એ બીજી વાત કરે. મન એવું નથી કે આગલી વાતની પકડ પકડે. આપણે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મન તો એમાં જયા કરે. આપણે લેવા નહીં ને દેવા નહીં એમની જોડે. આ અહીંની જોડેની રૂમમાં કેટલાક લોકો ધાંધલ કરતા હોય, વાતો કરતા હોય, માથાકૂટો કરતા હોય, ત્યાં આપણે શું લેવા-દેવા ? એવું આ જોડેની રૂમમાં કર્યા કરે. મન છે, બુધ્ધિ છે, ચિત્ત છે, બધા કૂદંકૂદા કરતાં હોય તે આપણે જોયા કરવાનું. આપણે શું ? આપણે નહાવાનું નહીં, નીચોવવાનું નહીં. એ સાત પેઢીનો પિતરાઇ નથી. સાત પેઢીનો પિતરાઇ હોય તો નહાવાનું હોય. આગળનો ભય લાગતો હોય તો કહીએ, આગળ બધું 'વ્યવસ્થિત'ને તાબે છે એટલે આપણે ભય લગાડવાનું કોઈ કારણ નથી. ગમે તેવા આવા વિચાર આવે કે તેવા વિચાર આવે તો આપણે કહી દેવું 'વ્યવસ્થિત' છે અને 'વ્યવસ્થિત' તો કંઈ હકીકત બની ગઈ, તો તરત જ આપણને લાગે કે આજે ગજવું કપાયું તે 'વ્યવસ્થિત' છે. સમભાવે નિકાલ કરવાનું તમે નક્કી કર્યું પછી જે બને તે 'વ્યવસ્થિત'. બધું 'વ્યવસ્થિત'ના આધીન છે. ભડકાટ માત્ર નકામા ! આ શરીરને ક્યારે પક્ષાઘાત થશે એ આપણને ખબર પડે ખરી ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો એને માટે કેમ પહેલી તૈયારી રાખતા નથી ? ક્યારે હાર્ટનો એટેક આવે ને એ કંઈ ખબર છે ? તો એને માટે કેમ તૈયારી નથી કરતા, સાપની તૈયારી પહેલી કરીએ છીએ ! બધી તૈયારીઓ રહેવા દેવી, તૈયારીઓ એની મેળે ટાઈમે થશે તે ખરી કારણ કે એવો નિયમ નથી, સાપને એવો નિયમ નથી કે એ કોઈને પણ કૈડી શકે અને એવો અનિયમ નથી કે જેને કૈડવાનું હોય તેને છોડી શકે. એટલે ત્યાં કશું નહીં ! કારણ કે તાળાં વાગેલાં હોય. તૂટે જ નહીં. એ તો ભડકાટ બધા, આ દુનિયામાં ભડકાટ માત્ર જ નકામા છે. તેથી મેં કહ્યું ને કે ભય છોડી દો અને બનવાનું છે એ છોડવાનું નથી. પણ તેનો અર્થ એવો નહીં કે આપણે સાપના સામા થવું. એને ચિડવવો એવું, તેવું નહીં કે એને બાપજી, બાપજી કરજો કે જે' જે' કરજો ને ! બની ગયા પછી કહો 'વ્યવસ્થિત' ! પ્રશ્નકર્તા : તો આ 'વ્યવસ્થિત' બહુ નબળો શબ્દ છે. કારણ કે ઘણી જગ્યાએ બહુ દુરુપયોગ થાય છે. દાદાશ્રી : હા, એનો દુરુપયોગ થાય તો નબળો શબ્દ કહેવાય અને સદુપયોગ થાય તો 'વ્યવસ્થિત' જેવી વસ્તુ નથી ! અને પાછો વ્યવસ્થિતનો મૂળ અર્થ તો જુદો છે પાછો. કોઈ સગુંવહાલું આપણું માંદું હોય, નજીકનું સગુંવહાલું અને પછી કોઈ બ્રાહ્મણ કહેશે, 'એમના ગ્રહો સારા નથી. આ કંઈ ટકે એવું લાગતું નથી' એવી વાત આપણે સાંભળી હોય અને છતાં પાછું દાદાનું 'વ્યવસ્થિત' યાદ આવે કે 'વ્યવસ્થિતમાં હશે એ થશે હવે.' એટલે પછી દવા-દારૂ બંધ થઈ જાય આપણાં. આપણા હાથ નરમ થઈ જાય. આ 'વ્યવસ્થિત'નો દુરુપયોગ કરીએ તો આપણો દવા-દારૂ કરવાનો પેલો જે ઉલ્લાસ હતો એ ઊડી જાય અને રાત્રે બેસવાનુંય ઊડી જાય. એ ભયંકર ગુનો કહેવાય એ. આપણે તો જીવવાના જ છે, એવું માનીને ઠેઠ સુધી દવા, ઉપચાર-બુપચાર બધા કરવાના. મહીં ભય લાગે, અંદર ભય લાગ્યા કરતો હોય તો કહેવું, 'વ્યવસ્થિત'માં જે હશે એ થશે. પણ ભય લગાડવાની જરૂર નથી. 'વ્યવસ્થિત' ક્યારે કહેવાય ? એ ટપ થયા, એટલે પછી આપણે કહેવું, 'વ્યવસ્થિત' છે. ટપ થયાની સાથે કહી દેવું 'વ્યવસ્થિત'. 'આ કોણે કર્યું ?' ત્યારે કહે, 'વ્યવસ્થિતે'. કોઈ પણ વસ્તુ ભૂતકાળ થઈ ગયો એટલે 'વ્યવસ્થિત' જ કહેવું. પણ 'બનવાનું છે', એને 'વ્યવસ્થિત' કહેવું નહીં. થયા પછી કહો, અને ભય લાગતો હોય તો નક્કી કરવું કે છે 'વ્યવસ્થિત' પણ મારે તો ચોકસાઈ રીતે રહેવું જોઈએ. મારે ભય રાખવાનું કોઈ કારણ નથી. મારે તો ચોક્કસ રીતે જ ચાલવું છે. આટલું જ સમજવાની જરૂર છે. કારણ કે વૈજ્ઞાનિક હોય છે રીત. આ ગપ્પાં મારે એ રીતે ચાલે નહીં, સૈધ્ધાંતિક હોવી જોઈએ. ક્યારે પણ ન તૂટે એવું હોવું જોઈએ. ભઈ ઓફ થઈ ગયો, એ યોગ્ય બનવાનું હતું તે બની ગયું. હવે આમાં કશું અમારો દોષ નથી. ડૉક્ટરના હાથે મર્યો હોય તો ડૉક્ટરનો દોષ નથી. એ તો આપણાં લોકો ખોટા આરોપ માંડે છે, દાવા માંડે છે. એ તો કંઈ રીત છે ? એ નિમિત્ત છે બધાં. પ્રશ્નકર્તા : અમારે 'વ્યવસ્થિત'નું અવલંબન ક્યારે લેવું ? દાદાશ્રી : ગજવું કપાયા પછી, કારણ કે 'વ્યવસ્થિત'નું સીધું અવલંબન કોણ લે ? સંપૂર્ણ જ્ઞાન હોય તે જ લે. બીજા તો જરાક ડખો કરી નાખે, 'વ્યવસ્થિત'નો દુરુપયોગ કરી નાખે. એટલે પતી ગયા પછી 'કમ્પ્લીટ' 'વ્યવસ્થિત' કહેવાનું અને ભવિષ્યનો વિચાર આવે ત્યારે 'વ્યવસ્થિત' છે કહેવું પાછું. પ્રશ્નકર્તા : કેટલીક વખતે વાતચીતમાં અંદર 'વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે' બોલે અને કામની શરૂઆતેય ના કરી હોય. દાદાશ્રી : ના બોલાય એવું, જોખમ છે એ. એ તો જ્ઞાની પુરુષ ચાહે તો કરે. બાકી બીજા બધાને તો હજુ સંપૂર્ણ શુધ્ધ ઉપયોગ છે નહીં, એટલે જોખમ લાવે. 'વ્યવસ્થિત' કહીને, આંખો મીંચીને કેમ ચાલતા નથી ? રસ્તામાં આંખો મીંચીને ચાલે ખરો ? કેમ 'વ્યવસ્થિત' કહીને ચાલતો નથી ? ત્યાં તો ઉઘાડી આંખે ચાલે છે અને 'વ્યવસ્થિત' કહીને એમ કેમ નથી કહેતો કે હવે બેસી રહોને, હવે જમવાનું મળે તો ઠીક છે, નહીં તો કંઈ નહીં, 'વ્યવસ્થિત' છે ! એવું નથી બોલતો ને ? 'વ્યવસ્થિત'નો દુરુપયોગ કરે એ ગુનો છે. સમજ, સાવધાનીપૂર્વકની ! એટલે આ તો અજાયબ વસ્તુ થયેલી છે. કામ જ કાઢી લેવા જેવું છે, અબજો રૂપિયા જતા હોય તો ભલે જાય. છતાં ધંધો ભેલાડી નહીં દેવો. ધંધામાં 'વ્યવસ્થિત'નો અર્થ અવળો ના થવો જોઈએ. પ્રશ્નકર્તા : એ સાવધાનીપૂર્વકમાં વિચાર આવેને કે આ સાવધાનીપૂર્વક કરો. દાદાશ્રી : હા, એ બરોબર છે. પોતાને કશું કરવાનું નહીં. 'ચંદુભાઈ શું કરે છે' તેને જોવાનું. હવે 'વ્યવસ્થિત છે, કશું કરવાની જરૂર નથી' એમ કરીને ચંદુભાઈ ટાઢા થઈ જાય, રિટાયર્ડ થઈ જાય. પ્રશ્નકર્તા : સાવધાનીપૂર્વક એમાં કંઈ ક્રિયા આવે કે નહીં ? દાદાશ્રી : એ અમે એવું કહેવા માંગીએ છીએ કે બીજો વિચાર જ નહીં. દેહ પહેલાં જેવી રીતે કામ કરતો હતો એ જ રીતે કામ કર્યા કરે અને એનું ફળ 'વ્યવસ્થિત'. ખોટું થયું તોય 'વ્યવસ્થિત', સારું થયું તોય 'વ્યવસ્થિત' અને પહેલાં જે કામ કરતો હતો એ ખોટું થયું ત્યારે બબડાટ કરતો હતો, સારું થયું ત્યારે રાજી થતો હતો. કામ તો કરતો હતો એવી રીતે જ કરવાનું, એમાં હરકત નથી. ફળમાં ફેર છે. આનું ફળ વીતરાગતા. એટલે આ સમાધિ રહે છે ને ! પહેલાંય જોયેલી ને તમે, 'જ્ઞાન' લેતાં પહેલાંની ! પ્રશ્નકર્તા : પહેલાં આવું ન્હોતું જોયું. સ્થિતિમાં ફેર હતો. દાદાશ્રી : આ સીટ જુદી, પેલી સીટ જુદી. પ્રશ્નકર્તા : સમાધિનો અર્થ પહેલાં જુદો જ સમજાતો હતો, અત્યારે સમાધિનો અર્થ જુદો સમજાય છે. દાદાશ્રી : અત્યારે તો આધિ-વ્યાધિ ને ઉપાધિ હોવા છતાં સમાધિ રહે છે. બિલકુલ સાવધાની, સાવધાનીપૂર્વક ! નહીં તો વ્યવહાર પતે જ નહીં. વ્યવહાર આદર્શ કહેવાય જ નહીં. ભગતો એકલા જ ઘેલા હોય, કે અસાવધપણે સંસાર ચલાવે. પણ જ્ઞાનીઓ તો સાવધપૂર્વક ચલાવે. અમે હઉ વ્યવહારની વાત ઝીણી ઝીણી બોલીએ છીએ, એનું શું કારણ ? અમે જ્ઞાનમાં રહીએ છીએ. તે વખતે જ્ઞાન હાજર હોય. આ જ્ઞાન એવું છે. વ્યવહારના બેઝમેન્ટ ઉપર રહેલું આ જ્ઞાન છે. કારણ કે જ્ઞાની પુરુષ જ પોલું ના મૂકે. બીજા બધાને પોલું મૂકાઈ જાય. એવું છે ને આ 'વ્યવસ્થિત' કહે છે તે પધ્ધતિસર હોવું જોઈએ ને ! પ્રશ્નકર્તા : આ સાવધાની જે રાખવામાં આવે છે, એ આત્માનો પુરુષાર્થ છે ? દાદાશ્રી : ના. એ આત્માનો કોઈ પુરુષાર્થ હોતો જ નથી આમાં. સાવધાનીપૂર્વક રહેવું એ જાગૃતિ છે. નહીં તો સાવધાનીપૂર્વક ના રહે તો બધાંય કામ બગડી જાય. એ તો આ દુરુપયોગ ના થાય એટલા માટે આ સાવધાની કહ્યું. આ બ્રહ્મચારી છોકરાઓ છે ને, એ બધાય દ્ઢ નિશ્ચય લઈને બેઠા છે, તે પછી આવતું જ નથી કશું, ઊડી જાય. પ્રશ્નકર્તા : હા. પણ દ્ઢ નિશ્ચય એ વાત ઈફેક્ટીવ છે, આગળ એમણે નિશ્ચય કરેલો છે, કોઝિઝ કરેલાં છે. દાદાશ્રી : નહીં, ઇફેક્ટનો અર્થ આવો નહીં કરી નાખવાનો. અત્યારે એટલું તો આપણે કરવું જોઈએ કે ઉઘાડી આંખે અને સાવધાનીપૂર્વક તો કરવું જ જોઈએ. એ ના થાય આપણને તો આ ખોટું થયું સમજવાનું છે. અને જો સાવધાનીપૂર્વક ના થાય તો એને ઇફેક્ટ માને તે ખોટું છે. પ્રશ્નકર્તા : સાવધાનીપૂર્વક કરવાની જે વાત છે. એ આત્માથી બળ આવે છે, ક્યાંથી આવે છે ? દાદાશ્રી : જાગૃતિ છે એ તો બસ. બીજું કશું નહીં, એ જાગૃતિ ના રાખીએ ને મંદ રહીએ તો કામ બગડી જાય. પ્રશ્નકર્તા : જાગૃતિ એટલે કઈ જાગૃતિ ? પૌદગલિક જાગૃતિ કે આત્મિક જાગૃતિ ? દાદાશ્રી : એ જાગૃતિ એક જ પ્રકારની હોય. જાગૃતિ બે પ્રકારની ના હોય. એટલે એ જાગ્રત રહીએ તો કામ હેંડે. ઉપયોગમાં રહે તો આ કામ હેંડે. પ્રશ્નકર્તા : પછી એનો અર્થ છેવટે આવ્યો પ્રજ્ઞા. દાદાશ્રી : પ્રજ્ઞા તો કામ કર્યા જ કરે છે એની મેળે, પણ તે ઉપયોગમાં 'આપણે' રહેવું જોઈએ. ઉપયોગ તો આપણે રાખવો જ જોઈએ, ઉપયોગ ના રાખીએ તો કાર્ય બધાં બગડ્યા કરે. એટલે ઉપયોગ એટલે શું ? ત્યારે કહે, 'જે બને છે એને જોયા કરો, એ શુધ્ધ ઉપયોગ.' હવે સાવધાની વગર થાય એ ઉપયોગમાં જ નથી. પ્રશ્નકર્તા : તો ઉપયોગ મૂકીને દ્રઢ નિશ્ચય કરવા પડે છે એ પેલી ઇફેક્ટની બહુ પ્રબળતા નથી બતાડતી ? દાદાશ્રી : ઇફેક્ટ જ છે, પણ ઇફેક્ટને જુએ બરોબર એક્ઝેક્ટ ત્યારે ઉપયોગ કહેવાય અને તો ઇફેક્ટ ઇફેક્ટીવ રહે. આ તો તે ઘડીએ આ લાઈટ જ બદલાઈ ગયેલું હોય એ ના ચાલે. પ્રશ્નકર્તા : ગાડી સમજણપૂર્વક ચલાવવાની જે વાત છે એમાં ડિસ્ચાર્જનો ભાગ કેટલો, અને સમજણનો ભાગ કેટલો ? દાદાશ્રી : ગાડી ચલાવવી એ ભાગ બધોય ડિસ્ચાર્જ છે. એ સમજણપૂર્વક ચલાવવાની જે સાવધાની છે, એય ડિસ્ચાર્જ છે. પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ ભાવ એ જ 'વ્યવસ્થિત', તો સમજણપૂર્વક ચલાવવું એ પણ 'વ્યવસ્થિત' ? દાદાશ્રી : એ 'વ્યવસ્થિત'માં જ હોય છે. એને આ પહેલેથી 'વ્યવસ્થિત' કહીને એ હલાવી નાખે છે. હું તમને કહું, એક માણસ સહી કાયમ સરખી કરે ખરો ? એનો એ જ માણસ હોય, એને ચીઢવ્યો હોય તે ઘડીએ સહી કરે તો કેવી કરે ? પ્રશ્નકર્તા : તો ફેર પડી જાય. બાકી નહીં તો એક જ ધારી થાય. દાદાશ્રી : પછી ખૂબ દાઝ નીકળતી હોય તો ? અને આમ ફૂલની માળાઓ પહેરાવીને ખૂબ એ કરી નાખ્યો હોય તો સહી કેવી કરે ? પ્રશ્નકર્તા : તેમાંય ફેર પડી જાય. દાદાશ્રી : ગભરાયેલો સહી કરે તે જુદી, ચીઢાયેલો સહી કરે તે જુદી, એવું આ ઈમોશનલ ના થવું જોઈએ, એટલે ઈમોશનલ થાય તેથી કામ બગડી જાય, એનું એ જ કામ. એટલે પહેલેથી 'વ્યવસ્થિત છે' એવું બોલવાથી ઈમોશનલ થઈ જાય છે. તમારે જાણવાનું જ 'વ્યવસ્થિત' છે. પહેલેથી 'વ્યવસ્થિત છે' બોલો તો દુરુપયોગ કર્યો અને 'વ્યવસ્થિત'નો અર્થ તો તમે ઊંધો કરી નાખો પછી. આંખો મીંચીને ચાલોને, કહે છે. એટલે તમે આમાં ડખો કર્યો શરીરમાં. તમને આવું કરવાનો, આઘુંપાછું કંઈ પણ કરવાનો અધિકાર નથી. પ્રશ્નકર્તા : સાધારણ તો શરીર પણ એવું છે કે મોટર ચલાવતી વખતે આંખો બંધ થાય જ નહીં. દાદાશ્રી : હા. બંધ થાય જ નહીં. એ નિયમ જ છે એ બધો. સાવધાની હોય જ. આ તો 'વ્યવસ્થિત છે' બોલે એટલે સાવધાની તો બિચારી એ ઘટી જાય છે. અને સાવધ રહીએ નહીં ને પછી અથડાય તો ? પ્રશ્નકર્તા : એ 'વ્યવસ્થિત' ના કહેવાય. દાદાશ્રી : એવું રહે છે કે ? સાવધાનીપૂર્વક હોવું જોઈએ ને ! પ્રશ્નકર્તા : સાવધાનીપૂર્વક ચલાવો, એ જે વાત છે, એ શેમાંથી છે ? પ્રજ્ઞાથી આવે કે વિવેકબુધ્ધિથી આવે કે સમજણથી આવે ? એ ત્રણમાંથી શેના કારણે આવે ? દાદાશ્રી : અનુભવથી. એ થોડા વખત અનુભવ થાય. એ ફરી પાછો ગોઠવે. ભૂલ થયા પછી વિચારીએ ને તો તે ઘડીએ ખબર પડી કે આવી ભૂલ કરી. એટલે હવે બીજી વખત ધ્યાન રાખું તો તે ઘડીએ આવી ભૂલ ના થાય. ... તો પહેલાં વપરાય 'વ્યવસ્થિત' ! પણ 'વ્યવસ્થિત' એ રીતનું વાપરવાનું હોય જ નહીં ને ! 'વ્યવસ્થિત'નો અર્થ આવો ના હોય. મોડા ઊઠેને પછી 'વ્યવસ્થિત' છે, એવી રીતે 'વ્યવસ્થિત' નહીં બોલાય. અવળો અર્થ કર્યો એટલે પશ્ચાતાપ કરીએ ને કહીએ કે આવી રીતે ચંદુભાઈ મોડા ઊઠો એ ના ચાલે. પાછું 'વ્યવસ્થિત' એમ ને એમ ના બોલાય. કોઈ કહેશે કે હું તમને આ આમ નુકસાન કરીશ, તમારી મિલ્કતને નુકસાન કરીશ, તમારું આમ કરી નાખીશ, તમારા છોકરાને મારી નાખીશ, એવું કોઈ કહે, તે ઘડીએ આપણે તરત 'વ્યવસ્થિત'ને સોંપી દેવું. 'વ્યવસ્થિત'માં હશે તો થશે. ચાલુ વ્યવહારમાં 'વ્યવસ્થિત' આવું ના કરાય. જે આપણને બહુ જ ભય પમાડતું હોય, દુઃખ આપતું હોય તો ત્યાં 'વ્યવસ્થિત' મૂકી દેવાનું. ચાલુ વ્યવહારમાં તો આ 'વ્યવસ્થિત'ની અંદર આ પ્રયત્ન આવી જાય છે એ પ્રયત્નો અટકાવવા ના જોઈએ. એ આંખો ઉઘાડી રાખવી. આ હાથ, પગ ને એ બધા, એ 'વ્યવસ્થિત' એમાં બધું હોય છે આ. આપણે શુધ્ધાત્મા તરીકે 'વ્યવસ્થિત' કહીએ છીએ, નહીં કે આ ચંદુભાઈ તરીકે. આ ચંદુભાઈ, એના મન-વચન-કાયા, એ બધાં આમાં લાગેલા જ હોય, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં, એ હેલ્પિંગ કરે એવું આ જ્ઞાન છે. વિરોધાભાસી જીવન, જગતમાં ! પ્રશ્નકર્તા : આપણે કરવાનું હોય તો તો ભય ઊભો થઈ જાય, પણ હવે 'વ્યવસ્થિત' કર્તા એટલે આપણને આમ ભય રહે નહીં. દાદાશ્રી : હા, ખરું છે પણ જગતના લોકોને તો આમ બોલે ખરા કે જે થવાનું હશે તે થશે અને પછી જ્યારે 'રેડ' આવેને, ત્યારે પાછો મહીં વિચાર આવે કે 'હવે શું થશે ?' અલ્યા, હમણે તો બોલ્યો કે 'જે થવાનું હશે તે થશે, ને પાછું, હવે શું થશે ? એવું શું કામ બોલે છે ?' પણ એને એ જ્ઞાન રહે નહીંને ! 'થવાનું હશે તે થશે' એ જ્ઞાન વિરોધાભાસવાળું છે ! અને આપણું આ જ્ઞાન આપ્યું કે 'વ્યવસ્થિત' છે એટલે પછી શંકા જ ઊભી ના થાયને ! વર્તમાનમાં વર્તાવે, 'વ્યવસ્થિત' ! જ્ઞાની છે તો હંમેશાં વર્તમાનમાં જ રહે. ભૂતકાળ તો ચાલ્યો ગયો. ભૂતકાળને રડે નહીં કે વર્ષ દા'ડા પહેલા લાખ રૂપિયા ખોટ ગઇ હતી. એને આજે સંભારીને યાદ ના કરે ને રડે નહીં. અને ભવિષ્યકાળ તો 'વ્યવસ્થિત'ના તાબામાં છે. એટલે પોતે વર્તમાનમાં રહેવું. ઘડી પછી, એક સેકન્ડ પછી ભવિષ્યકાળ કહેવાય છે અને સેકન્ડ પહેલાં જે થઇ ગયું એ ભૂતકાળ થાય છે. પણ વર્તમાનમાં રહેવું આપણે. વર્તમાનમાં રહે, તેને બીજો કોઇ ઉપયોગ રાખવાની જરૂર નથી. હા, બસ. એ મોટામાં મોટો ઉપયોગ કહેવાય છે. પ્રશ્નકર્તા : વર્તમાનમાં રહેવું એટલે ઉપયોગમાં જ આવી ગયો ને ? દાદાશ્રી : વર્તમાનમાં રહ્યા એનું નામ જ ઉપયોગ, એ જ શુધ્ધ ઉપયોગ. જગત આખું અગ્રશોચમાં મૂંઝાયેલું છે. ભવિષ્યની જ ચિંતાઓ, એમાં ને ઉપાધિઓમાં જ જગત સપડાયેલું છે. મારું શું થશે ? આમ થશે ને તેમ થશે. પ્રશ્નકર્તા : એટલે આટલો બધો, આવી રીતે જ ચોવીસેય કલાક ભયમાં ને ભયમાં જીવતો હોય, તેને આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય ? દાદાશ્રી : ભયમાં હોય, એને શી રીતે આત્માની પ્રાપ્તિ થાય ? લાખ અવતાર થાય તોય આત્મા પ્રાપ્ત થાય એવો નથી. તેથી કૃપાળુદેવે કહ્યું, મોક્ષદાતા મળે. પોતાનો મોક્ષ થઈ ગયો એવા હોય તો એ કરી આપે. મોક્ષદાતા મળવા જોઈએ. જ્ઞાની, કર્મફળ ભોગવી થાય મુક્ત ! નરી ભયવાળી સ્થિતિ જગતમાં છે. આ નર્યો, નિરંતર ભય જ છે. પોતાની અજાગૃતિને લીધે ભય લાગતો નથી. નિરંતર ભયવાળું આ જગત છે. ક્યારે શું થશે એ કહેવાય નહીં. નિરંતર ભયવાળું જગત, જો શુધ્ધાત્મા થઇ ગયા તો ભય છૂટ્યો. પુદગલ તો આપણે જોઇતું જ નથી હવે. દેહને કહીએ, તારે જ્યારે જવું હોય ત્યારે જજેે. અમે શુધ્ધાત્મા છીએ. એનો ઉદયકાળ હશે ત્યારે દેહ જતો રહેશે. તે પેલો અજ્ઞાની હોય, તેનેય જતો રહેવાનો હતો અને જ્ઞાનીનેય જતો રહેશે. પ્રશ્નકર્તા : પણ અજ્ઞાની પાછો બાંધેને ? દાદાશ્રી : અજ્ઞાની નવો બાંધીને મરે. અને આ છે તે કર્મફળ ભોગવી અને મુક્ત, એકાદ અવતારી થાય. ભોગવવાનો હિસાબ છોડે નહીં ! આ જગત ભાસ્યમાન અનુભવમાં આવે છે, દેખેલું અનુભવમાં નથી આવતું. ભાસ્યમાન અનુભવમાં લાવવું એટલે આખી રાત ભૂતના ભડકાટમાં મરી જવું, એના જેવી વાત. મને જ કાલે વહેમ પડ્યો, તે મને કાલે બે કલાક ઊંઘ ના આવી. આ ભાઈને કાલે પૂના જવું'તું. એ કહે છે કે હું પૂના જઉં છું. મેં કહ્યું, સારું. સાડા દસે નીકળ્યા હશે. આ પૂના ગયા, પણ ત્યાં આગળ પેલા માણસ સ્ટેશન પર ભેગા નહીં થયા હોય અને પાછા આવે, હવે હું બારણું વાસી દઈશ તો પછી મને સંભળાય નહીં. અંદર સૂઇ જઉં મને સંભળાય નહીં તો એ ખોલશે શી રીતે ? આ મને જ ભૂત પેસી ગયું. પ્રશ્નકર્તા : હું તો મારા ફલેટનાં બારણાં ખુલ્લાં જ રાખું છું. દાદાશ્રી : તેય મેં વિકલ્પ કરી જોયો. 'ખુલ્લું મેલું, બળ્યું' મેં કહ્યું. પણ વ્યવહારમાં ખોટું દેખાય. હવે આ 'વ્યવસ્થિત'નું જ્ઞાન હું આપનારો હું જાણું છું કે આ 'વ્યવસ્થિત' છે, તોય પણ મને ભૂત ત્યાં પેઠું. એટલે આવું કો'ક ફેરો બને છે. ત્યારે બોલો હવે, વગર કામનાં ભૂત પેસે છે. પ્રશ્નકર્તા : કોઈ પણ કામમાં 'વ્યવસ્થિત' છે એવું માનીએ તો ખરા, પણ પ્રયત્ન કરવા માટે થોડી ચિંતા અને ભયની, કામ કરવા માટે તો જરૂર રહે છે જ. દાદાશ્રી : ભય આવીને ઊભો જ રહે. પ્રશ્નકર્તા : ભય વગર હોય તો તો લાંબા થઈને સૂઈ જઈએ. દાદાશ્રી : કંઈ લાંબું થઈને સૂવાય એવું છે નહીં આ જગત. પોતે છે જ નહીં આમાં. આ આખા ડ્રામામાં પોતે છે જ નહીં. સૂઈ શી રીતે જાય તે ? હોય તો સૂઈ જાય ને ? અમને ઊંઘ ના આવી. સંભળાતું નથી. ખખડાવશે બારણું, તો મને સંભળાશે નહીં. તે ઘડીએ એવુંયે ખરું, છે તો 'વ્યવસ્થિત'ને ! ત્યારે કહે, 'ના, વખતે પાછા આવી જાય તો ?' અમારે આવું બનતું નથી, પણ કાલે બન્યું. તે મેં જોયું. કારણ કે જે વેદના ભોગવવાની છે, તે છૂટકો જ ના થાય. એની સવારમાં મોઢા પર અસર રહી'તી. જ્ઞાતા-દ્રષ્ટા એ તો છેલ્લી દશા ! પ્રશ્નકર્તા : દાદા, આ કરવા દો કે થવા દો, એની કાંઈ ઉપાધિ ન રાખવી, એના બદલે આરોપિત ભાવ ન રહેવા દઈએ અને જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા કરીએ. એ જાગૃત રહીએ, પછી ચંદુલાલ કરતો હોય કે થતું હોય, એ જોતાં રહીએ એ બરાબર ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેને, તો તો કશું છે જ નહીં. પણ ઓબ્સ્ટ્રક્ટ કરે છે આવુંુ. આમ થાય ત્યારે જે બનવાનું હશે એ બનશે, એવું ના બોલાય નોંધારું. પોતાનો ભય મટાડવા માટે કરે છે. પ્રશ્નકર્તા : અને ચંદુલાલને જે ઉદયમાં આવ્યું એ જોતા રહીએ. થયું તો ભલે થયું, અમે એમાં રૂકાવટ કે ઉત્તેજન ન કરીએ. ચંદુભાઈ કરે છે, એ કરે, થયું તો સારું, ખરાબ થયું તો ભલે થયું, જે થયું એ થયું. દાદાશ્રી : એ પ્રમાણે રહે તો તો પછી બીજો પ્રશ્ન જ ઊભો ના થાય ને ! પણ લોકો કેટલીક બાબતમાં ભય આવે છે ને, ત્યારે પોતે આશ્વાસન લેવા માટે કહે છે, હવે એ બનવાનું હશે એ બનશે. આવી રીતે ના બોલાય. નહીં એ અંદર બ્રેક મારી દીધી. આખું જે તંત્ર ચાલુ રહ્યું છે તેમાં બ્રેક મારી દીધી. નહીં એમની સિસ્ટમ બરોબર છે. એ જે ખરું કહે છે, પણ એવું બધા રહી શકે નહીં. અમારે તો 'વ્યવસ્થિત' કહેવુંય ના પડે. 'વ્યવસ્થિત' કહેવાનીય જરૂર નથી પણ આ અમુક સ્ટેજોમાં જે ભય લાગે છે તે ઘડીએ માણસ ગમે તે પોતાના આશ્વાસન માટે 'વ્યવસ્થિત' કહીને ઊભો રહે છે. પણ 'વ્યવસ્થિત' કહેવાથી મહીં અંદર બધો તંત્રમાં ફેરફાર થઈ ગયો. મહીં મશીનરીમાં, મિકેનિકલ આત્મા છે આ તો. સહેજે ડખો કર્યો કે ડખલ થઈ જશે એવું કહેવા માંગીએ છીએ. એને ચાલવા દો, પછી બની ગયા પછી 'વ્યવસ્થિત' કહેવું. એ આશ્વાસન છે મોટામાં મોટું, કરેક્ટ ને આમ 'વ્યવસ્થિત' જ છે, પણ આશ્વાસનેય છે. પણ પહેલેથી આશ્વાસન લેવા જઈએ તો માર પડે. પ્રશ્નકર્તા : દાદા, એ ચંદુલાલે બધી મહેનત કરી જોઈ સારું કામ કરવા માટે અને છતાંય પરિણામ ના આવ્યું, તો ભલે ચંદુલાલ એમ કહે 'વ્યવસ્થિત' છે. દાદાશ્રી : હા, 'વ્યવસ્થિત' શું છે ? કે તમને આખો ભવિષ્યકાળનો ભય ઊડાડી દે છે. બધા પ્રશ્ન ઊભા થતા તે હવે બંધ કરી દે છે. તમે એવું બોલી શકો છો કે જ્યારે વર્તમાનનો લાભ લેવો હોય તો ભૂતકાળ ગોન, ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબે અને વર્તમાનમાં લાભ લેવા માટે બોલવું પડે આવુંુ. એટલે વર્તમાનમાં લાભ લે આવું બોલે તો. સંકુચિતતા વિનાનું વિજ્ઞાન ! નહીં તો લોકને તો બધી બાજુના ભય. ભવિષ્યમાં શું થશે, તેનાં બધા વિચારો આવ્યા કરેને, ભય લાગ્યા કરે. ભૂતકાળમાં થઈ ગયું હોય તેનોય ભય આવે. લાગે કે આમ થઈ ગયું'તું. વખતે ઊઘાડું પડશે તો શું થશે ? આમ થશે ? સરકાર પકડશે તો શું થશે ? કર્ર્યું હોય ભૂતકાળમાં, ઓનના વેપાર. પણ અત્યારે દુઃખ લાવવું હોય તો લાવે ને ? કરેલાનું ફળ આવું ભોગવવું પડે ને ? હવે ભૂતકાળનો ભય લાગતો નથી ? ભવિષ્યકાળનો ભય લાગતો નથી. તો 'વર્તમાને વર્તે સદા સો જ્ઞાની જગમાંય.' જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય, વર્તમાનમાં વર્તે. એટલે ખાવાનું આવ્યું તે ઘડીએ ખાવામાં હોય. આપણે એમ નથી કહેતા કે તમે ધ્યાન ના રાખશો. મહીં સારું હોયને દહીંવડા તો ચાખી ચાખીને ખાજો નિરાંતે, કારણ કે આત્મા જાણકાર છે. આત્મા ખાનાર નથી ને સ્વાદનો ભોગવનારેય નથી. આત્મા ભોક્તાયે નથી અને ખાનારેય નથી, ફક્ત જાણકાર. હવે વેઢમી-બેઢમી આવે તો કોઈને આપી નથી દેતાને ? ખાવોને નિરાંતે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હા, કારણ કે ચંદુભાઈ આપણા પાડોશી, શું કામ ભૂખે મારીએ? પાડોશીને ભૂખે મારીને શું કામ કરવાનું ? ચંદુભાઈને કહીએ, 'એકાદ-બે વધારે ખઈને સૂઈ જાવો નિરાંતે.' આ જ્ઞાન તો વિશાળ જ્ઞાન છે. કોઈ જાતનું સહેજેય અડચણ ના આવે એવું. સંકુચિતતા ભાવ નથી નામેય. શંકા પમાડે ભય ! પેલું તો, લલ્લુજી મહારાજને ભાવ આવ્યો'તો સુરતમાં. તે બીજા એક લલ્લુજી હતા એમની ઉંમરના, તે એય માંદા થયેલા ને આયે માંદા. પેલા લલ્લુજી છે તે મરી ગયા, ત્યારે આ લલ્લુજીના મનમાં એમ થયું કે સાલું મારી ને એની રાશિ એક છે અને એ મરી ગયા, તો મારો દેહ છૂટી જશે, તો કૃપાળુદેવનાં દર્શન કર્યા વગર હું મરી જઈશ. એટલે એમણે કાગળ લખ્યો કૃપાળુદેવને કે ભઈ, આવી રીતે એક લલ્લુજી મરી ગયા ને, તમારાં દર્શન કર્યા વગર મારે જતું રહેવાશે. મારું શરીર સારું નથી. ત્યારે કૃપાળુદેવે કહ્યું, હમણે મરવા સંબંધી ભય રાખશો નહીં. એટલે આ 'વ્યવસ્થિત' હોય તો એ છોડી દે ને ? ક્યારનોય છોડી દે. પણ ઠેઠ સુધી ભય લાગ્યા કરે. અમારે દર્શન કરવા ત્યાં મુંબઈ આવવું છે. ત્યારે પેલા કૃપાળુદેવે કાગળ લખ્યો કે ભઈ, તમે છે તે ત્યાગી કહેવાઓ, સાધુ કહેવાઓ. આ મોહમયી શહેરમાં અવાય નહીં, તમારાથી. એટલે સાધુઓને માટે મોહમયી જો ભયજનક છે, તો આ લોકોને માટે શું મોહમયી નહીં હોય ? એનું નામ જ મોહમયી. એવી અક્કલ શું કામની ? કો'કને પક્ષાઘાત થયેલો દેખે. એટલે એનેય વિચાર આવે કે 'મને પક્ષાઘાત થાય તો શું થાય ?' હવે અક્કલવાળાને વિચાર કરવાની જરૂર છે ? અક્કલવાળો જ વિચાર કરે ને આ ! આવી અક્કલ શું કામની તે ? જે અક્કલ દુઃખ લાવે, એ અક્કલને અક્કલ કહેવાય કેમ કરીને ? હોય તે દુઃખને વિદાય કરી આપે એનું નામ અક્કલ કહેવાય. આ તો દુઃખ ને દુઃખ જ. મને કંઈ પક્ષાઘાત થઈ જાય તો મારું શું થાય? મારું કોણ ? આ છોકરો તો બોલતો નથી, એકનો એક છે તે ! બધું ચીતરી નાખે. અલ્યા, થયું નથી ત્યારે મૂઆ શું કરવા... ? એનું નામ અગ્રશોચ. અગ્રશોચ એટલે શું ? થયું નથી તેને આ ચીતરવું છે. તમારે અત્યારે અગ્રશોચ છે કોઈ જાતનો ? નિરાંતે મજા કરે છે ને ! અગ્રશોચ તો બધાય ડાહ્યા માણસને હોય જ ને કે ગાંડાને હોય ? પ્રશ્નકર્તા : કહેવાતા ડાહ્યાઓને જ હોય. દાદાશ્રી : ગાંડાને ના હોય, નહીં ? બારીઓ જ બંધ ! એ દેખાતું હોય તો ભાંજગડ ને ! અરે, સાધુ મહારાજનેય મનમાં એમ થાય, 'આ મહારાજને પક્ષાઘાત થયો તે હારુ, આ મારું નામેય તેમની રાશિ ઉપર છે. તો મનેય પક્ષાઘાત થઈ જશે, એવી અક્કલ વાપરે. અક્કલ વાપરે તેમ તેમ સરસ મઝા આવે અંદર, નહીં ? અને તે અક્કલ ના વપરાતી હોય તો વાંધો નહિ. એટલે પછી ઊંઘ ના આવે બિચારાને ! તે પક્ષાઘાતને બોલાવ્યો બિચારાને, સૂઈ રહ્યો'તો પક્ષાઘાત પેલાને ત્યાં, તે અહીં બોલાવ્યો ! એટલે બીજું આ એક અગ્રશોચ ઉત્પન્ન થઈ જાય છે, ભવિષ્યમાં શું થશે એને જ ખોળ ખોળ કરે. સાધુ-સંન્યાસીઓ, આચાર્યો બધા. ભવિષ્યમાં શું થશે ? એના માટે જ આખો પુરુષાર્થ ઊડી જાય છે. ત્યાં જ ગૂંચાયા કરે છે. અહીં ખાવા-પીવાનું ખાતો નથી. ત્યાં ભવિષ્યમાં મૂઓ હોય. મેલને, અત્યારે ત્યાં શું કરે છે ? પ્રશ્નકર્તા : 'શું થશે ?' એનો જે વિચાર છે એ જ દુઃખ છે. બાકી દુઃખ ક્યાં છે ? દાદાશ્રી : દુઃખ નથી. તેથી જ તો અમે 'વ્યવસ્થિત' કહ્યું. તે તમે એ દુઃખમાંથી મુક્ત થયા ને ! 'વ્યવસ્થિત'ના આધારે તમે તો સર્વ દુઃખોથી, જે આવવાના છે એનાથી મુક્ત જ થઈ ગયાને ! એ તો ભગવાને કહ્યું છે કે ક્રમિક માર્ગમાં અગ્રશોચ સિવાય બીજું હોય નહીં. અગ્રશોચ એટલે હવે શું થશે, હવે શું થશે ? ૧૯૯૧માં શોચ કરવાનું, તેનું આજથી (૧૯૮૫માં) કરે. મહારાજેય કહે, ઘડપણ આવ્યું ને કંઈ પગ ભાંગી જાય તો શું કરું ? અલ્યા, પણ હજુ થયું નથી ને શું કરવા દુઃખ કરો છો ? એટલે તેનાથી તમે મુક્ત થઈ બેઠા છો, એટલે જ નિરાંત થઈ ગઈ છે ને ! તેથી આપણા મહાત્માઓ લહેરથી બેસે છે બધા, જુઓ ને ! એમને સમજણ પાડી કે 'વ્યવસ્થિત' છે, એટલે ડખલેય નથી. તમે 'વ્યવસ્થિત' સમજ્યા અને અનુભવમાં આવી ગયું કે ખરેખર 'વ્યવસ્થિત' જ છે. એટલે દુઃખ રહ્યું કશુંય ? 'વ્યવસ્થિત' શક્તિને લીધે તમને બધાને શાંતિ, એને લીધે તો બધે શાંતિ છે. 'વ્યવસ્થિત' ના હોય તો તો ઊંઘેય ના આવેને ? પ્રશ્નકર્તા : કાયમ ટેન્શન ને ટેન્શન જ હોય પછી તો. દાદાશ્રી : હા, ટેન્શન, ટેન્શન ! એ જ હું ખોળતો'તો પહેલાં. કંઈક એવું જ્ઞાન હોવું જોઈએ કે જે લોકોને, બધાને શાંતિ રહે. ક્રમિક માર્ગમાં કોઈ દા'ડો ઊંઘ જ ના આવે, ટેન્શન ને ટેન્શન. શરીર જશે એવું થયું હોય તો અગ્રશોચ શું શું થાય ? આમાંથી આમ થઈ જાય તો શું થાય ? આમથી આમ થઈ જાય તો શું થાય ? અરે, શું જવાનું છે ? જે થવાનું છે તે થવાનું છે. મેલને પૂળો અહીં. તમારે અહંકાર અને મમતા બેઉ ઊડી ગયાં. અને તો જ ચિંતા વગર જીવન જીવી શકે માણસ. નહીં તો ચિંતા વગર તો કોઈ ક્રમિક માર્ગના જ્ઞાનીએ ના જીવન જીવી શકે. ક્રમિક માર્ગ એટલે અગ્રશોચ ખરો જ. ભૂતકાળ ગયો પણ અગ્રશોચ ખરો. તે પછી જ્ઞાનથી દબાવ દબાવ કરે, છાવર છાવર કરે. ક્રમિક માર્ગના જ્ઞાનીઓય શું કહે ? અંદર આનંદ છે ને બહાર ઉપાધિ છે, બહાર ચિંતા છે, અગ્રશોચ હોય. તમારે અગ્રશોચ મટાડવા માટે તો મેં 'વ્યવસ્થિત' કહી દીધું છે કે ભઈ, હવે અગ્રશોચ શું કરવા કરો છો ? તમને 'વ્યવસ્થિત' કહી દીધું એટલે બધું એમાં આવી ગયું. કારણ કે ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબામાં, કારણ કે સવારમાં ઊઠીને મિનિટ પછી શું થશે, એ 'વ્યવસ્થિત'ના તાબામાં ! ક્રમિક માર્ગમાં લખે એ લોકો કે એક કલાક પણ જગત વિસ્મૃત થતું નથી. બધું આવ્યા જ કરે. ભૂતકાળ ને ભવિષ્યકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ બેઉ આવ્યા જ કરે. અગ્રશોચેય મહીં વર્ત્યા કરે. જે તીર્થંકરોએ લખ્યું છે, જીવને અગ્રશોચ રહેવાનો જ ભવિષ્યનો. સમકિત હોય તોય અગ્રશોચ રહે. ક્રમિક માર્ગે અગ્રશોચ ! એટલે છે તે ક્રમિક માર્ગના જ્ઞાનીને અંદર આનંદ હોય ને બહાર ચિંતા હોય. એમને અગ્રશોચ હોય. પ્રશ્નકર્તા : અગ્રશોચ એટલે આગળની ચિંતા કરે એમ ? દાદાશ્રી : હા, આ ભવિષ્યમાં ઘૈડો થઈશ તો... પ્રશ્નકર્તા : અંદર આનંદ હોય ને બહાર ચિંતા હોય એ કેવી રીતે ? દાદાશ્રી : અગ્રશોચ એ પોતે લખે છે પુસ્તકમાં. એ વાંચો તો ખબર પડે, કે બહાર ચિંતા છે એટલે વ્યવહારની ચિંતા છે અને અંદર આનંદ છે. હવે એ છે તે ચિંતા શું ? બધી જાતની. આ ધંધા આમ થઈ જશે, તેમ થઈ જશે, બધી ચિંતા થયા કરે. અને અગ્રશોચેય રહ્યા કરે. પ્રશ્નકર્તા : એટલે ભવિષ્યની ચિંતા. દાદાશ્રી : ભય-બય બધું રહે. પ્રશ્નકર્તા : અગ્રશોચ એટલે ભવિષ્યની ચિંતાને ? દાદાશ્રી : ભવિષ્યની. એ બધાને હોય, બધા જ્ઞાનીઓને હોય. મને પક્ષાઘાત થશે તો શું થશે, કહે છે એવું. કો'કનું પક્ષાઘાત જુએને ! ઓનર ઓફ ધી વર્લ્ડ, ક્યારે... પ્રશ્નકર્તા : પણ દાદા, આપે અક્રમની અંદર તો આ અગ્રશોચ આખો આ 'વ્યવસ્થિત'ને લીધે લઈ લીધોને ? દાદાશ્રી : એ 'વ્યવસ્થિત'ની મારી શોધખોળ છે એક જાતની. અને એ એક્ઝેક્ટ જ છે. એ જ ખોળતો હતો હું, કે આ ચિંતા ના રહેવી જોઈએ. બળ્યું, ચિંતા સાથેનું જ્ઞાન એમાં શું મજા આવે ? ઉપરથી પડે એવું લાગતું હોય, ઘંટ ઉપરથી તૂટી પડે એવો લાગતો હોય અને નીચે જમીએ એમાં મજા આવે ? પ્રશ્નકર્તા : ના, મજા ના આવે. દાદાશ્રી : એટલે મેં તમને 'વ્યવસ્થિત' સાથે આપ્યું કે જમો નિરાંતે, રસ-રોટલી સારી રીતે ખાવ. પ્રશ્નકર્તા : પણ 'વ્યવસ્થિત'માં કંઈ સારું જ હોય એવું થોડું છે, એ તો પડે પણ ખરોને, ના પડે એવું થોડું છે ? 'વ્યવસ્થિત'માં પડે પણ ખરુંને ? છાપરું તૂટી પણ પડેને ? દાદાશ્રી : એ પડવાનું નથી, તમે અમથા ગભરાવ છો. કશું પડવાનું નથી. ગભરાવ છો, તમારી ગભરામણ પાડે છે. કોઈ બાપોય પાડતો નથી. આ તો ત્રીજે દહાડે હજામત કરીએ છીએ, તે કો'ક ફેરો રખડી જાય, તે દહાડે કંઈ સંજોગ બાઝે નહીં, માટે કંઈ કાયમ એવું હોતું હશે ? એ તો કો'ક ફેરો થાય એવું. એટલે એ તો તમારો ભય છે તે તમને મારી નાખે છે. આમ થઈ જશે, જરાક હાલ્યું... એ હાલ્યું, હાલ્યું. એટલે હાલી જાય પછી. તમે જો નીડર છો તો કોઈ કશું કરનાર નથી. યુ આર ધી ઑનર ઑફ ધીસ વર્લ્ડ. તમેે તમારા વર્લ્ડના પ્યૉર ઑનર છો. અને ઑનરશીપ એનું નામ કહેવાય કે બીજાની ઑનરશીપને ડખલ ના કરે. અગ્રશોચના ભય ! પ્રશ્નકર્તા : હવે ક્રમિક માર્ગમાં બધા હોય, પણ જે થઈ રહ્યું છે, એ તો થઈ જ રહ્યું છે ને, એ 'વ્યવસ્થિત' જ ને ? એમના માટે પણ 'વ્યવસ્થિત' તો ખરું જ ને ? એ સમજે નહીં, એ જુદી વાત છે. દાદાશ્રી : એ જે થઈ રહ્યું છે તે 'વ્યવસ્થિત' છે પણ તે આગળનો વિશ્વાસ ના બેસે અને અગ્રશોચ જાય નહીં. પ્રશ્નકર્તા : એને ન જાય, પણ આપણી સમજ માટે એને જે થઈ રહ્યું છે એ 'વ્યવસ્થિત' જ છે ને ? દાદાશ્રી : હા. પણ 'વ્યવસ્થિત' અમે જેને જ્ઞાન આપીએ તેને હોય, બીજા કોઈને 'વ્યવસ્થિત' હોતું નથી. જ્ઞાન આપીએ તેને કહીએ કે હવે તારી લાઈફ બધી 'વ્યવસ્થિત'ના આધીન છે. માટે તારે ગભરામણ નહીં થાય. પણ અમારી આજ્ઞામાં રહેવાનું. બીજા 'વ્યવસ્થિત'ના અર્થનો દુરુપયોગ કરે. બીજું આખું જગત જ અગ્રશોચવાળું છે, ક્રમિક માર્ગના સંતો-જ્ઞાનીઓ બધા. મૂર્ખો ઉથામે ભૂતકાળ ! 'વ્યવસ્થિત' છે, તે શું કહે છે કે ભૂતકાળ ગોન. ભૂતકાળને તો કોઈ મૂર્ખોય ઉથામે નહીં. કોઈ એક મિનિટ પહેલાં દસ હજાર પાઉન્ડ કાપી ગયો, એ થઈ ગયું ભૂતકાળ. તે ભૂતકાળને ઉથામવું એ ભયંકર ગુનો છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, ભૂતકાળને ઉથામવો એ ભયંકર ગુનો છે, પણ ઉથામાઈ જાય છે. દાદાશ્રી : ઉથામાઈ જાય છે, તેનેય આપણે જાણવું જોઈએ. એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું છે. આત્મા આપેલો છે, એ આત્મા જેવો તેવો નહીં, નિરંતર એક ક્ષણ પણ સમાધિ ના જાય એવો આત્મા આપેલો છે. અને એવા કેટલાય મહાત્માઓ છે કે જેને એક ક્ષણ પણ સમાધિ જતી નથી. વકીલો હોય તેનેય જતી નથી. પંદર-વીસ હજાર માણસો મારી પાસે છે કે જે 'વ્યવસ્થિત' સમજ્યા છે. 'વ્યવસ્થિત' સમજવાથી ભવિષ્યકાળનો ભય તેમને રહ્યો નથી. નહીં તો ક્રમિક માર્ગે તો નિરંતર ભવિષ્યકાળનો ભય. ગુરુ મહારાજનેય ભવિષ્યકાળનો ભય ! કોઈકની જોડે 'આમ થઈ જશે, શું થઈ જશે ?' રહ્યા કરે, આખો દહાડો ! અરે, કશું થવાનું નથી. એના કરતાં જે બનશે એ 'કરેક્ટ'. અને 'વ્યવસ્થિત'ની બહાર શું થઈ જવાનું છે ? આ જગતના લોકો તો ભયથી કેમ ભાગવું, એ જ ખોળી કાઢે. આ તો તરફડ્યા જ કરે. તરફડાટ, તરફડાટ, તરફડાટ કર્યા જ કરે. પ્રશ્નકર્તા : એ શાના માટે તરફડાટ હોય એમને ? પૈસા બધા ખૂબ છે તોય તરફડાટ ? દાદાશ્રી : નહીં, એ તો પોતાને જાતજાતના ભય લાગે. આમ થઈ જશે ને તેમ થઈ જશે ને ફલાણું થઈ જશે. અને આપણે તો 'વ્યવસ્થિત' કહ્યું ને ! એ પછી ભવિષ્યનો વિચાર જ નહીંને ! તારે છે ભવિષ્યનો વિચાર ? પ્રશ્નકર્તા : સહેજ પણ નહીં. દાદાશ્રી : બીજા લોકોનો ભય જોયો હોય તે આપણામાંય ભય પેસી જાય. લોકોએ તો ભય જોયો જ છે બધો. આખી જીંદગી ભય જ જો જો કર્યો છે. એટલે નિરંતર ભય લાગે એને. એ તો આપણે જ કહ્યું છે, 'ઉપર બાપોય નથી, શું કરવા તરફડો છો ?' તમારું જ ચિતરેલું આ જગત છે. એ કોઈ બીજાએ ચિતર્યું નથી. એટલે તમને તો ભવિષ્યકાળનો ભય જ ઊડી ગયો. ભવિષ્યકાળનો ભય નહીં, કેટલું સરળ છે ! હવે આવી સરળતામાં કામ ના કાઢી લે, તો એની જ ભૂલ છે ને ? એટલે નિરંતર વર્તમાનકાળમાં રહેવાનું આ વિજ્ઞાન છે. ભૂતકાળનો ભો છૂટી ગયો, ભવિષ્ય 'વ્યવસ્થિત'ના હાથમાં છે. માટે વર્તમાનમાં વર્તો. પુણ્યશાળીઓને માટે અક્રમ માર્ગ ! જુઓને, અમારે છે વઢવાનું કશું ? અમે વઢવાનું કશું રાખ્યું છે ? નહીં તો વઢવા બેસે તો અમારું માથું ક્યારે રહે ? અને જો કાયદો રાખીએ ને.... બીજે બધે કાયદા. ક્રમિક માર્ગનાં જ્ઞાનીને ત્યાં સાત વાગે આવી જવાનું કહ્યું હોય સાહેબે અને સાતને પાંચ થઈ તો મહીં તેલ રેડાય, પાંચ મિનિટ વધી ગઈ, પાંચ મિનિટ વધી ગઈ. તે ભડકતો ભડકતો મહીં પેસે અને પેલા મહીં અકળાયા કરતા, ઘડિયાળ જોયા કરે, સાત વાગ્યે કહ્યું છે ને આવ્યા નહીં. એટલે બધો ડખાવાળો માર્ગ. ખરો માર્ગ તો, ધોરીમાર્ગ તો એ છે. આ તો બહુ પુણ્યશાળીઓના માર્ગ છે. જબરજસ્ત પુણ્યશાળી હોય તેને માટે આ માર્ગ છે. આ હોય જ નહીં ને ! કોઈ દહાડોય આ હોય જ નહીંને ! પ્રશ્નકર્તા : છતાં સાચો માર્ગ એ જ છે ને ? દાદાશ્રી : સાચો માર્ગ, ખરો ધોરીમાર્ગ જ એ છે. તે લોકોને, પબ્લિકને માર્ગ એ છે. આ તો બહુ પુણ્યશાળીઓ ભેગા થાય, ત્યારે આવું કંઈક જ્ઞાની પુરુષનો અવતાર થાય. તે એનો ઉકેલ આવી જાય. દરેક જાતના પુણ્યશાળી હોય, જુદી જુદી જાતજાતના પુણ્યશાળી. આ ભઈ તો પાછા આવે એવાં છે. જો પેલો ટૈડકાવ ટૈડકાવ કરતો હોય ને તો મેલ પૈડ, તારે ઘેર રહેવા દે, કહેશે. એવા એવા અમુક માણસો માટે હોય ને, પુણ્ય જાગે ને ત્યારે આ અક્રમ માર્ગ પામી જાય. અજ્ઞાનતામાં ભાવ ચોંટે જ ! અને આ 'વ્યવસ્થિત' જે અમે આપ્યું છેને, તે સમજી જશેને તો થઇ ગયું કલ્યાણ. અત્યાર સુધી આ ક્રમિક માર્ગમાં જ્ઞાન આપે ને, આત્મા આવો છે, તેવો છે. જ્ઞાન સમજણ પાડે પણ આમ થઇ જશે, તેમ થઇ જશે, એ ભડકાટ, ભડકાટ, ભડકાટ, ઠેઠ સુધી ભડકાટ. આખો ક્રમિક માર્ગ, દસમું ગુઠાણું ના ઓળંગે ત્યાં સુધી ભડકાટ. અને આ તો તમારો ભડકાટ સર્વસ્વ ગયો. પ્રશ્નકર્તા : ત્યાં સુધી જોખમ છે ? દાદાશ્રી : જોખમ, નર્યુ જોખમ, ઠેઠ સુધી જોખમ. બારમામાં ના જાય ત્યાં સુધી જોખમ. અને આ તો ભડકાટ તમારે રહેતો નથી, કોઇ પણ પ્રકારનો કે આ ઇન્કમટેક્ષવાળો આવશે તો શું થશે, ફલાણો આવ્યો તો શું થશે ? તમારે ઇન્કમટેક્ષવાળા જોડે ઝઘડો થયો, તો પછી (ઘરેથી) આવીને અને 'વ્યવસ્થિત' છે એમ કહીને વિચારો બંધ થઇ જાય. અને 'વ્યવસ્થિત' ના જાણતો હોય ત્યાં સુધી વિચારો તો આખી રાતનાં રાત ચાલે, સવારમાં જરા થાકે તે ઘડીએ બંધ થઇ ને ચા પીને પાછું ચાલુ થઇ જાય, કન્ટીન્યુઅસ ચાલુ થઇ જાય. અને ઇન્કમટેક્ષવાળાનો માણસ આવતો હોય, એનો પ્યુન, તો દેખે ત્યાંથી જરા અકળાટ થયા કરે કે આ ક્યાં આવ્યો, આ નંગોડ માણસ. હવે જુઓ, કેટલા બધા ખરાબ ભાવ ફરી વળે છે કે આ નંગોડ ક્યાં આવ્યો, આને ક્યાં મોકલ્યો સવારના પહોરમાં. બધા ભાવ ખરાબ કરી નાખે ત્યાર પછી પેલું હાથમાં લેવું તો પડેને ! લે ખરો, ફોડે અને વાંચે ત્યારે રીફંડ આવ્યું હોય, આવું જગત છે. હવે એ ભાવ કર્યા તેનું શું થાય ? પેલા ભાવ તો ચોંટી ગયાં. આ બધી મુશ્કેલી છે જગતમાં, નહીં તો મુશ્કેલી નામેય નથી. મુક્ત હાસ્ય તો ઘા રૂઝવે ! આજનાં જીવોને નર્કગતિ બંધાયેલી ના હોય. આજના જીવોને તીર્યંચગતિ બંધાયેલી હોય. વધારે પાપ કરી શકે નહીં ને ! આમનામાં બરકત જ ક્યાં છે તે પાપ કરવાની ? લપકા કર્યા કરે. અને પહેલાં તો તલવારથી કાપી નાખે, હાથ કાપી નાખે. આ તો લપકા કરે, તે તીર્યંચગતિ બાંધે આ તો. આપણા મહાત્માઓને તો અહીં સત્સંગમાં પેલું આવું હસવાનું થાય ને, આ જે હાસ્ય છે ને, તે તીર્યંચગતિ આખી ઊડી જાય મહીં. આખા પરમાણુ જ ઊડી જાય એક જ ફેરામાં. તો કેટલા વખત આપણે આવું ચાલ્યું ? તે આ બધાને ખોટ ભાંગી ગઈ બધી. ઘા રૂઝાઈ ગયાં બધા. તીર્યંચગતિનાં ઘા પડ્યા હોય મહીં. મહીં ઘા પડેલા હોય, આપણને યાદ આવ્યા કરે. એ ઘા પાછું રૂઝાય નહીં બળ્યો, રૂઝાય નહીં પાછો. એટલે આ અમે કરીએને ત્યારે ઘા-બા બધા રૂઝાય જાય અને મોક્ષને લાયક થાય, ચોથા આરાને લાયક થઈ જાય. ચોથા આરાને લાયક થઈ ગયો એટલે પછી ત્યાં આગળ જન્મ થાય. અત્યારે પાંચમા આરામાં બધાં પરમાણુ પેસી ગયાં છે. તે બધા નીકળી જાય. કેવું 'વ્યવસ્થિત' આપ્યું છે. કંઈ ભો નહીં, ભડકાટ નહીં. કશું પડીયે જવાનું નથી. બેભાનપણે રહ્યું જગત ! પ્રશ્નકર્તા : પણ દાદા, ભય જોઈએને જ્ઞાન લેવા માટે ? કારણ કે આ ભય વગર આવતા નથી માણસો. ભય બિન પ્રીત નાહીં. દાદાશ્રી : હા. ભય તો સંસારમાં એટલા બધા છે, પણ આ બેભાનપણું છે એટલે ભય લાગતો નથી. પણ સમયે સમયે નિરંતર ભયવાળું જ જગત છે, પણ બેભાનપણાને લીધે લાગતું નથી. ક્યાં શું થઈ જશે એ કહેવાય જ નહીં. રસ્તે ચાલતા હોય ને ત્યાં પહોંચે કે ના પહોંચે એનું ઠેકાણું નહીં. એટલે નર્યું ભયવાળું જગત છે. તે બેભાનપણાથી આ ચાલ્યા કરે છે, દારૂ પીધેલો માણસ હોય ને મસ્ત થઈને ફર્યા કરે એવું ! નિરંતર ભયવાળા જગતમાં... પ્રશ્નકર્તા : આ કેલિફોર્નિયામાં પેપરમાં અર્થક્વેકના ન્યૂઝ બહુ આવે છે કે ગમે ત્યારે ધરતીકંપ થશે અહીંયાં. દાદાશ્રી : એ તો પેપરવાળાને ત્યાં થશે. આપણે મોક્ષે જવાનું છે. ક્યા ભાગમાં થશે શું ખબર ? કશું થવાનું નથી. અને જેને દાદા મળ્યા એને કશું ના થાય. તમારે નિર્ભય રહેવું. કોઈ ભવિષ્યની વાત કરે તો માનવી નહીં આપણે. કારણ કે ભવિષ્ય 'વ્યવસ્થિત' જાણે છે. એના જેવું બીજું કોઈ જાણતું જ નથી. ભવિષ્ય જાણવાની જરૂર શી આપણને ? એ ધરતી ફાટે એની આપણને શી જરૂર ? ત્યારે તમે ક્યા દેશમાં હો, ચાર દહાડા શિકાગો ગયા હોય. આ તો કોણે જાણ્યું છે ? બાકી આ આખું જગત, સાધુ-સંન્યાસીઓ, ભવિષ્યમાં આમ થઈ જશે તો તું શું કરીશ, આમ થશે ત્યારે શું કરીશ ? આમ થશે તો શું કરીશ ? એ અગ્રશોચમાં જ પડેલું છે. પ્રશ્નકર્તા : એટલે ચિંતામુક્ત થવા માટે 'વ્યવસ્થિત'માં શ્રધ્ધા રાખવી. દાદાશ્રી : ના, મુક્ત થવા શ્રધ્ધા રાખવી એવું નહીં, એક્ઝેક્ટ છે 'વ્યવસ્થિત'. શ્રધ્ધા રાખવાની નથી, એક્ઝેક્ટ એમ જ છે. તમારે તો ભવિષ્યકાળનું જોવાનું રાખ્યું જ નહીં ને ! છોડી પૈણાવવાની હોય કે દુકાળ હોય, પણ આપણે શું કહી દીધું કે 'વ્યવસ્થિત'ના તાબામાં છે ! ભૂતકાળ વહી ગયો અને ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. 'પાંચ વર્ષ પછી શું થશે ?' એની કંઈ ચિંતા છે તને ? ના. કારણ કે 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપેલું છે. એટલે ઘડી પછીના ભવિષ્યકાળની ચિંતા નથી રહી. ગઈકાલે ગાડી અથડાઈ હોય ને દસ-પંદર માણસો મરી ગયાં હોય અને પચાસેક માણસો ઘાયલ થયાં હોય. અને આજ મુંબઈ જવાનું થયું અને જાગૃત માણસ હોય, એને ગાડીમાં બેસવાનું થાય તો એને શું થાય ? એને યાદ આવે કે કાલે ગાડી અથડાઈ હતી, તે અત્યારે અથડાશે તો શું થશે ? પછી એ જ્ઞાન ત્યાં એને શું હેલ્પ કરે ? 'વ્યવસ્થિત'નું જ્ઞાન તો તમે જાણો છો. પણ પેલાને 'વ્યવસ્થિત'નું જ્ઞાન બેસે નહીં ને ! એ તો તમને જ મૂર્ખ કહેશે. પણ એ બિચારો તો આખો દહાડો સવારથી સાંજ સુધી ઊંચોનીચો થયા કરે કે કાલે ગાડી અથડાઈ હતી. આજે અથડાશે તો શું થશે ? તે એવો વિચાર આવે તો, આપણે વિચારોને તરત એવું કહી દેવાનું કે તમે બહાર જાવ. અથડાશે તો અમારે ખાસ વાંધો નથી પણ અત્યારે તમે જાવ. તે આપણે નિરાંતે ઊંઘી જઈએ. લોકોનેય ઊંઘ તો ના આવે પણ પછી શું કરે ? થાકીને પાણી પીને ઊંઘી જ જાય છેને ! રાતે કોઈ એમ કહે છે કે આજે રાતે મને ત્રણ વાગે ઊંઘ ના આવે તો શું કરીશ ? મચ્છરાં કૈડશે રાતે ત્રણ વાગે, તો શું કરીશ ? એ તો જોઈ લેવાશે તે વખતે. એનો કશો ભવિષ્યનો વિચાર કર્યો, એ બધું જ નુકસાનકારક. વર્તમાનમાં વર્તવાનું બસ. ભવિષ્યનો વિચાર કરે તોય છે તે તારું મોઢું આ લોકો સમજી જાય કે ભઈ કશાક વિચારમાં પડ્યા છે. ભૂતકાળના વિચાર કરતા હોય તોય મોઢું બગડી જાય. હવે તે ઘડીએ વિચાર આવ્યો કે સાલું, પાણીમાં તો અમુક અમુક જાતનાં જીવ આવે છે. એટલે આ જીવ આવ્યા હશે એવો વિચાર આવે ને, એનું પૃથક્કરણ થયા કરે ને પીવે ખરો પાછો, છૂટકો ના હોય. તો તે ઘડીએ આપણે શું કહીએ, 'વ્યવસ્થિત' છે મૂઆ, પી લે નિરાંતે. આરામથી પીઓ. જે કર્યા વગર છૂટકો જ નથી, તેનો શું અર્થ ? એટલે આ 'વ્યવસ્થિત' છે. એટલે અગ્રશોચ બંધ થઈ ગયો. ડાળ નીચે ઊભા રહ્યા પછી ડાળનું શું થશે ? પડશે ? એ જે વિચારો આવે તે મનનાં સ્પંદનો છે અને તે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. આ જાણવું એ આપણું સ્વરૂપ છે. અને આ પડવું એ 'વ્યવસ્થિત' છે. ને 'વ્યવસ્થિત' આપણને મંજૂર છે. ટેક્સીમાં બેઠા પછી વિચાર આવે કે એક્સિડન્ટ થશે તો ? તો આપણે એને કહેવું કે 'તું જ્ઞેય છું ને હું જ્ઞાતા છું. આપણો આ સંબંધ છે'. આ 'વ્યવસ્થિત' અમે એક્ઝેક્ટ જોયું છે તેથી અમે તમને કહીએ છીએ કે નિર્ભય રહો, નિઃશંક રહો. પ્લેનમાં બેઠા હોય ને 'વ્યવસ્થિત'નું જ્ઞાન ના હોય તો શું થાય ? પરમ દહાડે બળી ગયું હોય અને આજે બેસવાનું થયું હોય અને વિચારવંત હોય, મહીં કેટલાક તો ઊંઘે છે, એમને વિચાર જ નથી હોતો. ઘણા ખરા તો જડભરત બધા, પણ વિચારવંત હોય, પણ આ 'વ્યવસ્થિત'નું જ્ઞાન છે ને, એટલે વિમાનમાં બેસે ને ઠેઠ ઘેર સુધી આવે, કલ્પના-બલ્પના કર્યા સિવાય આવે. ... નિજઘરમાં સદાય નિર્ભય ! પ્લેનમાં જવું પડે છે ને, તે બેઠા પછી લોકો સિગારેટ ફૂંકે છે. આપણા મહાત્માઓના મનમાં વિચાર આવે કે ક્યારે તૂટી પડશે શું કહેવાય ? માટે આપણે આત્મામાં રહો. વિમાનમાં ભય લાગે ખરો ? ભયમાં મજા આવે ખરી ? પ્રશ્નકર્તા : એમાં તો મજા આવે જ નહીંને ! દાદાશ્રી : ત્યારે શેમાં મજા આવે છે તમને ? કઈ જગ્યાએ ભય નથી એ મને કહો ! નિર્ભય જગ્યા ખોળી કાઢો તમે. રસ્તામાં આવતા હોય, તમે રોડ ઉપર છેટા હો, તો પેલો ઊંધી ગાડી ફેરવીને આવીને કચડી જાય. સેફસાઈડ ક્યાં છે તમારી ? ઓન્લી ફોર 'આઈ', ધેર ઈઝ ઓલરાઈટ, સેફસાઈડ એન્ડ 'માય' ઈઝ અનસેફ. એટલે મજા આવે આમાં ? કારખાનું ક્યારે બળી જાય ? આજે શેઠ મજા કરતા હોય ને કાલે ખલાસ થઈ જાય. બને એવું કે ના બને ? તે ઘડીએ સમાધાન કેવી રીતે મેળવવું ? રાત્રે તમારે ઘેર જવું પડે છે કે ગમે ત્યાં સારું લાગે, જ્યાં આનંદ આવે ત્યાં બેસી રહો ? સાડા બાર વાગે બહુ આનંદ આવતો હોય, તો એ જગ્યા છોડી દેવી પડે અને ઘેર જવું પડેને કે ના જઈએ તો ચાલે ? પ્રશ્નકર્તા : એકાદ દિવસ હોય તો ચાલે, પણ રોજ તો ના ચાલે એવું. દાદાશ્રી : એવું આ તમારે 'ઘેર' (મોક્ષે) તો જવું જ જોઈએને, 'આ' (સંસાર) છે એ તમારું ઘર ન્હોય. અહીં આગળ મોજમજા કરો, એકાદ દહાડો હોય તો ઠીક છે, પણ રોજ ? એટલે આ તમારે ઘેર જવું પડે. પોતાને ઘેર જાય ત્યારે સેફસાઈડ થાય. એ હું બધાને કહું છું કે ભઈ, ઘેર જાવ, ઘેર જાવ. આ ઘર ન્હોય, શ્વાસ લેવા જેવી જગ્યા ન્હોય આ. મજા તો બહુ પડે. મને હઉ મજા પડતી હતી પણ શું થાય ! પ્લેનમાં બેસું તો આ લોકો સિગરેટના ધુમાડા કાઢે, એ શેના ધ્યાનમાં છે, એ હું સમજી જઉં. અને અમને મનમાં એમ થાય કે ક્યારે તૂટી પડશે ! એટલે એવું ભયપૂર્વક બેસવું પડે. ગાડીમાં બેસીએ તોય મનમાં એમ થાય કે આ ક્યારે અથડાશે, ક્યારે એક્સિડન્ટ થશે ? એટલે જ્યાં જોઈએ ત્યાં ભય, ભય ને ભય દેખાય અમને. આપણું સ્વરૂપ તો કોઈ કશું નામ ના દે, ભય જેને અડે નહીં, વીતરાગ, નિર્ભય ! કૃષ્ણ ભગવાને ગીતામાં કેવું સરસ કહ્યું છે કે આત્મા વીતરાગ છે, નિર્ભય છે ! નિરંતર ભય છતાં, જ્ઞાની નિર્ભય ! છતાં ભય રાખવા જેવું જગત જ નથી, બિલકુલ નિર્ભય રીતે ફરવા જેવું છે અને જે લોકો ભય રાખનારા છે ને, એમને તો સંપૂર્ણ જાગૃતિ હોય, તે આ જગત નિરંતર ક્ષણે ક્ષણે ભયવાળું જ દેખાય. અમને તો નિર્ભયતાવાળી એક ક્ષણ પણ દેખાય નહીં એવું નિરંતર ભયવાળું જગત છે. પણ ભય કોને માટે ? તમે ચંદુભાઈ છો તો ભય છે અને તમે શુધ્ધાત્મા થયા તો ભય શેનો ? બાકી ક્ષણે ક્ષણે ભયવાળું જગત છે. આ લોક તો જાગૃત નથી એટલે ભય લાગતો નથી. લોક તો નિરાંતે આમ ફરે છે ને ! તે શેના આધારે આમ બેફામ રીતે ફરે છે ? પણ તેનુંય ભાન નથી. નહીં તો ક્ષણે ક્ષણે ભયવાળું જગત છે, એક ક્ષણ પણ એવી નથી કે નિર્ભયતા હોય. પ્રશ્નકર્તા : આપ જે ભય કહો છો, એ કયો ભય ? દાદાશ્રી : એક ક્ષણ નિર્ભયતાવાળી જગ્યા જ નથી આ ! હમણાં ક્યાંકથી વંટોળિયું આવીને ઊંચું-નીચું કરી નાખે એ કશું કહેવાય નહીં. અહીંથી બહાર નીકળ્યા તો ક્યારે વટાઈ જશો એ કહેવાય નહીં. રાતે સૂઈ ગયા હોય ને ક્યારે કશું કરડી ખાશે એ કહેવાય નહીં. ઘેર ગયા ને પાણી પીધું, પાણીમાં શુંય પડેલું હોય એ કહેવાય નહીં. એટલે જગત ક્ષણે ક્ષણે ભયવાળું છે, નિર્ભય રહેવાય એવી જગ્યા જ નથી. આ તો અજાગૃતિને લીધે લોકો ફરે છે, લગ્નો કરે છે, વેપાર કરે છે. અજાગૃતિ છે તેથી ચાલે છે, જાગૃતિમાં આવું ના ચાલે. ભયની સામે રક્ષણ દેખાડે જાગૃતિ ! ચકલાં ફફડે એમ તરફડાટ-તરફડાટ. ઘણાખરા તરફડાટ ઊડી ગયા છેને ? આ જ્ઞાનથી ઊડી ગયાને બધા ? પ્રશ્નકર્તા : હા, ઊડી ગયા બધા. દાદાશ્રી : હવે જ્ઞાન વધે છે કે નહીં, તે બધું કહોને. એવી વર્ધમાન સ્થિતિ કહોને ! પ્રશ્નકર્તા : જ્ઞાનની તો વર્ધમાન સ્થિતિ છે. પણ જેટલી જાગૃત અવસ્થા થાય, તો એનો ભય એય વધારે પેદા થાયને ? દાદાશ્રી : પણ જેટલા ભય દેખાય, તેટલું એમાં રક્ષણ મળેને પાછું. એવું છે, જેટલી જાગૃતિ તેટલા ભય ને એનું રક્ષણ મળેને, એની મેળે જ ભાન ઉત્પન્ન થાય. એટલે જેટલી જાગૃતિ છે એટલા ભય દેખાડે છે અને એટલી જ નિર્ભયતાની જગ્યા દેખાડી દે છે. ઘરમાં સાપ પેઠો હોય, એ જોયો તેને તો ઊંઘ ના આવે. એ સાપ નીકળી જાય એવું જુએ તો ઊંઘ આવે. હિસાબ પ્રમાણે સ્પર્શે ! પ્રશ્નકર્તા : હવે આ જગતમાં જે ધરતીકંપ થાય અને જ્વાળામુખી ફાટે, એ બધું કઈ શક્તિ કરે છે ? દાદાશ્રી : બધું 'વ્યવસ્થિત' શક્તિ. 'વ્યવસ્થિત' શક્તિ દરેક ચીજ કરે. એવિડન્સ ઊભો થવો જોઈએ. બધી ભેગી થવામાં જરાક કંઈ કાચું રહ્યું હોયને, તે પછી ખૂટતું થોડુંક ભેગું થયું કે ફૂટ્યું હડહડાટ. પ્રશ્નકર્તા : આ વાવાઝોડું 'વ્યવસ્થિત' મોકલે ? દાદાશ્રી : તો બીજું કોણ મોકલે ? એ તો વાવાઝોડું આખા મુંબઈ પર હોય, પણ કેટલાય માણસ વાવાઝોડું આવ્યું છે કે નહીં ? એમ કરીને પૂછે. 'અલ્યા મૂઆ, પૂછો છો ?' ત્યારે કહે, 'અમે જોયેલું નથી હજુ તો ! અહીં આવ્યું નથી અમારે ત્યાં.' એવું બધું આ તો. વાવાઝોડું મુંબઈમાં બધાને ના સ્પર્શે. કોઈને અમુક જાતનું સ્પર્શે, કોઈને આખું મકાન ઊડાડી દે હડહડાટ અને કોઈની સાદડીઓ પડી રહેલી નામ ના દે. બધું પધ્ધતિસર કામ કરી રહ્યું છે. વાવાઝોડું આવે તેથી ભો રાખવાનો નથી. બધું 'વ્યવસ્થિત' મોકલે છે. એટમબોમ્બ પડે ને, તો મારી ઉપર ક્યાં પડવાનો છે ? અને જગત આખું તો એટમબોમ્બની વાત કરતા પહેલાં જ ભડકે છે ! અને તે પાછું 'વ્યવસ્થિત' છે. એમ પડો કહેવાથી પડી જતું હોય તો તો આપણે ના બોલીએ પણ છે 'વ્યવસ્થિત'. જો પડવાનું હશે તો જ પડવાનુંુ છે, માટે તું ગભરાઈશ નહીં. જાગૃતિ એ પોતાનો પુરુષાર્થ ! તમારે તપ આવે કોઈ દહાડો ? રોજે રોજ નહીં આવતા ? ત્યારે સારું. પહેલાં તો રોજ આવતું હતું. હવે પ્રયોગમાં હાથ ઘાલતા બંધ થઈ ગયા, નહીં ? બહુ નહીં ઘાલતા. અણસમજણમાં શું ના કરે ! હવે એને તે હું શું કરવાનો હતો ? તો વિધિ મૂકી આપું. ધીમે ધીમે એની દ્ષ્ટિ પછી સીધી થઈ જાય. કંઈ ઉપાય છે એનો ? કશું નહીં, નહીં ? એમનેય મનમાં એમ લાગતું હતું કે આ પેસી ગયા બધા. મેં કહ્યું, જેટલું બને છે તે 'વ્યવસ્થિત'ની બહાર કશું થવાનું નથી. શું કરવા ગભરાવ છો ? શું પેસીને લઈ જવાના છે ? તમારું છે એ તમારી પાસેથી કોઈ લઈ જવાનું નથી અને લઈ જવાનું હશે તે તમારી પાસે પાછું આવવાનુંય નથી. આ તમે શું કરવા વિચારો છો ? ભય છોડીને ના બેસીએ ! તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : એ તો બરાબર છે, આપને તો બ્રેક મારવી જ પડે. દાદાશ્રી : બધાનું જોડે જોવું પડે ને ! તમને ના ચેતવીએ. અમે અમુક માણસોને ચેતવીએ નહીં. હવે તમારે બીજું તો શું કરવું પડે ? જેટલું તમારે 'જોયા' બહાર જાય એ ફરી 'જોવું' તો પડશે. ફરી એ સહી કરવી પડશે તમારે. પ્રશ્નકર્તા : પણ મારા મનમાં શું ચાલે છે કે જાગૃતિ પણ મારા હાથમાં છે ? મારે જાગ્રત ઘણું રહેવું છે છતાં... દાદાશ્રી : એ એવું ના બોલાય આપણે. જાગૃતિ પોતાના હાથમાં છે જ આ. અને નથી જાગૃતિ રહેવા દેતું તે અંતરાય છે. તે મારા હાથમાં નથી એમ કહે તો જાગ્રત રહી શકે નહીં કોઈ. તેથી આપણે કહીએ છીએ 'વ્યવસ્થિત', તે તમે તમારી ભાષામાં ના સમજી જશો. હું એકલો 'વ્યવસ્થિત' આગળથી બોલું. પણ તમારાથી આગળથી ના બોલાય. તમારે છે તે કામ થયા પછી 'વ્યવસ્થિત' બોલવાનું. પ્રશ્નકર્તા : તેય બોલવાનું નથી, સમજવાનું છે. દાદાશ્રી : સમજવાનું છે, કામ થયા પછી. ચા-પાણી પીતાં પ્યાલો ફૂટી ગયો, ત્યાર પછી 'વ્યવસ્થિત' કહેવાનું. પહેલેથી 'વ્યવસ્થિત' કહેશો તો ફૂટી જશે બધું. અવસ્થા માત્ર કુદરતી રચના... આખા જગતનાં મનુષ્યમાત્ર મન-વચન-કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. રિયલી સ્પીકીંગ કિંચિત્માત્ર કર્તા સ્વરૂપ પોતે છે નહીં. બધા અજ્ઞાન દશાનાં સ્પંદન છે અને તે કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલાં છે, તેનો કોઈ બાપોય રચનાર નથી. આ દાદાએ જાતે જોઈને કહેલું છે. 'મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે.' હા, એટલું જ જો આવડેને, તો અડતાળીસ આગમ પૂરાં થઈ ગયાં એને ! એ વાક્યમાં આટલો બધો શું સાર હશે ? પ્રશ્નકર્તા : બધી અવસ્થાઓ 'વ્યવસ્થિત'ને આધીન હશે માટે. દાદાશ્રી : એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે. પ્રશ્નકર્તા : પણ એ સંજોગોના આધારે જ ને ? દાદાશ્રી : હા, સંજોગોનાં આધારે જ ને, એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલું જ જો આવડ્યું ને તો અડતાળીસ આગમ આવડી ગયાં. અમને આ જગતમાં કોઈની ભૂલ દેખાતી નથી, એનું કારણ શું કે અમને બધું જ્ઞાન હાજર હોય. પણ તમને આટલું એક વાક્ય હાજર રહેને, તો કોઈની ભૂલ જડશે નહીં. 'અવસ્થા માત્ર કુદરતી રચના છે' એવું જ્યારે ફીટ થશે ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થશે. તેનો કોઈ બાપોય રચનાર નથી. બાપોય કહ્યું એટલે લોકોને બહુ મઝા આવે છે. કારણ કે પછી ભડક નીકળી જાય છે ને ! કોઈ બાપોય નથી, શું કરવા અમથા ભડકો છો તે વગર કામના ! આણે કર્યું ને ફલાણાએ કર્યું, નહીં તો ગ્રહોએ કર્યું, કહેશે. અલ્યા, ગ્રહો પોતાને ઘેરે બેસી રહે કે અહીં આવે ? ગ્રહો શું કરવા કરે બિચારા ? સહુ સહુને ઘેર હોય છે. સૂર્યનારાયણ એમને ઘેર હોય છે. જો સહુ સહુનો એનો પોતાનો સ્વભાવ બતાવે છે. એમનો પ્રકાશ છે તે તો બહાર પડ્યા વગર રહે જ નહીંને ! કર્તાપણું મટે, તો જ 'વ્યવસ્થિત' ! જગત તો તદ્દન 'વ્યવસ્થિત' છે. ભગવાને કેમ ખુલ્લું ના કર્યું ? દુર્જન લોકો દુરુપયોગ કરે, જગત ઊંધે રસ્તે ચાલે, એટલા માટે સાચી વાત ના કહી. 'વ્યવસ્થિત'ના જ્ઞાનથી તમને સંકલ્પ-વિકલ્પ થાય નહીં. આ જગતમાં કર્તાપણું મટે તો 'વ્યવસ્થિત' સમજાય. કર્તાપણું ના મટે ત્યાં સુધી 'વ્યવસ્થિત' સમજાય નહીં. પોતે અકર્તા થાય તો 'આનો કર્તા કોણ છે' એ સમજાય. પોતે નથી કર્તા, છતાં કર્તા માને છે એટલે આ સમજાય કેમ કરીને ? પ્રશ્નકર્તા : પોતાનું કર્તૃત્વ તો છોડતો નથી. દાદાશ્રી : હા. એટલે બીજાને કર્તાપણું થવા જ ના દેને ? બાકી જગત છે 'વ્યવસ્થિત'. પણ કર્તાપણાને લીધે કલ્પના ઉત્પન્ન થાય જ. અકર્તા થયો ત્યારથી જ ઉકેલ આવ્યો. ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં, ભય જાય નહીં. અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થયો તોય પણ કર્તા છે એટલે સંકલ્પ-વિકલ્પ થયા વગર રહે જ નહીં. અને આ 'વ્યવસ્થિત' સમજાય નહીં એટલે 'મારું હવે શું થશે' એવો વિચાર આવે. 'વ્યવસ્થિત'નો અર્થ શો ? 'ચંદુભાઈ શું કરે છે' એ તારે જોયા જ કરવાનું. પછી ચંદુભાઈએ કો'કનું નુકસાન કર્યું બે લાખનું, તેય 'જોયા' કરવાનું, 'આપણે' એમાં નહીં પડવાનું કે આવું કેમ કર્યું ? 'આપણે' પ્રતિક્રમણેય કરવાનું નહીં. આ તો પછી આ બધાને ના સમજણ પડે એટલે પછી પ્રતિક્રમણ ગોઠવેલું કે 'ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવજે.' 'વ્યવસ્થિત' એટલે જે છે એ જ એક્ઝેક્ટ તું જોયા કર, એ જ છૂટા ! - જય સચ્ચિદાનંદ |
|---|