|
લક્ષ્મી સંબંધી ભય-ઉપાધિથી છૂટકારો ! સંપાદકીય જગતના લોકોએ લક્ષ્મીને સર્વસ્વ માન્યું છે. આખી જિંદગી શાંતિથી જીવાશે, મનમાન્યાં સુખ ભોગવી શકાશે, સંસારની અડચણોમાં, દુઃખોમાંય પૈસા હશે તો સલામતી રહેશે, એમ માનીને લક્ષ્મી ભેગી કરવા પાછળ જીવનનાં અમૂલ્ય વર્ષો, શક્તિ વપરાઈ જતી હોય છે. છતાંય લક્ષ્મીથી પ્રાપ્ત થનાર ધારેલી શાંતિ કરતાં પાર વગરનાં દુઃખ-ભોગવટા ભોગવવા પડતા હોય છે. ધંધો સેટ ના થતો હોય તો ચિંતા, ધંધામાં ખોટ જવા માંડે તો આર્તધ્યાન થાય, શું થશે, કેવી રીતે ચાલશેની ચિંતા, ધંધામાં ભાગીદાર દગો-ફટકો કરે તો વેર-ઝેર ઊભાં થઈ જાય, ખોટ ગઈ ને ઉઘરાણીવાળા માથા ઉપર ઊભા હોય તોય ટેન્શન થઈ જાય. અરે, ઈન્કમટેક્સનો કાગળ પોસ્ટમેન આપી જાય તો ય ભય-ફફડાટ ઊભો થઈ જાય. ખૂબ નફો થયો હોય તે કુટુંબવાળા પૈસાની માગણી કરે તોય અકળામણ થાય. ના આપે તો ય દુઃખ ને આપે તોય દુઃખ. ખૂબ લક્ષ્મી આવી તો સાચવવી તે ય જોખમ, લૂંટાઈ જવાનો ભય, બેન્કોમાં મૂકો તો બેન્કો ઊઠી જાય તેનો ભય લાગે. જર-ઝવેરાત, રોકડું ઘરમાં રાખે તો ચોરી-ખૂનનો ભય લાગે. નોકરી કરતો હોય તેને ય ઉપરી શેઠ-સાહેબનો ભય હોય. અપમાનિત નોકરીમાં કામ કર્યા વગર છૂટકો જ નહીં, ફફડાટ-ભયમાં રહીને શેઠ સાથે કામ કરવું પડે ને ! ધંધો કરવો હોય તો નીતિ-પ્રમાણિકતા તો લોકોએ ગીરવે મૂકી દીધી છે. ખાવા-પીવાની ચીજો, દવામાં કોઈ વસ્તુ એવી નહીં રાખી હોય, જેમાં ભ્રષ્ટાચાર, ભેળસેળ કે અનીતિ-અપ્રમાણિકતા કરવામાં કંઈ બાકી રાખ્યું હોય ! અને એવી રીતે ભેગી કરેલી કળિયુગની લક્ષ્મી કેવી રોમે રોમે કૈડી કૈડીને જાય ! આવા ભયંકર દુષમકાળમાં કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થયા કરે, તેમાં પ્રત્યેક મુશ્કેલીમાં સમાધાનપૂર્વક નિર્ભય રહેવાય એવું અદ્ભૂત અક્રમ વિજ્ઞાન પરમ પૂજ્ય દાદા ભગવાને આપ્યું. પોતે કોન્ટ્રાક્ટનો નાગો ધંધો કરતા, ઈન્કમટેક્સ પેયર હોવા છતાં ધંધામાં નફા-ખોટ વખતે તદ્દન વીતરાગતાપૂર્વક રહ્યા. એ જ અનુભવ જ્ઞાનની અનેક ચાવીઓ અહીં પ્રાપ્ત થાય છે. નોકરી કે ધંધો કરતાં કરતાં ફસામણમાં ફસાયા હોય, મૂંઝવણોમાં ગૂંચાયા હોય તેમને દાદાશ્રીમુખે નીકળેલી જ્ઞાનવાણી લક્ષ્મી સંબંધી ભય-ઉપાધિથી છૂટકારો અપાવી દે છે અને લક્ષ્મીની વાસ્તવિકતા, લક્ષ્મીના કાયદાના સિધ્ધાંતો ખુલ્લા કરી દે છે. લક્ષ્મી સારે રસ્તે કેવી રીતે વાળવી અને છેવટે લક્ષ્મીના બંધનથી સંપૂર્ણ મુક્ત કઈ રીતે થવું કે જેથી લક્ષ્મીનો આધાર છૂટી આત્માના આધારે નિરાલંબ દશા પામી આ જીવનમાં જ મોક્ષ અનુભવાય તેની સકલ કૂંચી પ્રસ્તુત દાદાવાણીમાં સમાયેલી છે, જે વાચકને લક્ષ્મીની મમતાથી છૂટવાનું માર્ગદર્શન બક્ષશે. દીપકના જય સચ્ચિદાનંદ લક્ષ્મી સંબંધી ભય-ઉપાધિથી છૂટકારો ! સાચું ડિસિઝન નિર્ભય બનાવે ! પ્રશ્નકર્તા : મારો પ્રશ્ન એવો છે કે આપણા બધા વિચારોમાંથી કોઈ એક વિચાર આપણે ફળીભૂત કરવો હોય તો આપણે શું કરવું ? દાદાશ્રી : કયો વિચાર ફળીભૂત કરવો છે ? પ્રશ્નકર્તા : ઔદ્યોગિક બાબતમાં. દાદાશ્રી : હા. એ તો આપણે નક્કી કરવું. જે વિચાર આપણને આવતો હોય તે નિશ્ચય કરવો કે 'આ જ કરવું છે હવે.' એટલે તરત ફળીભૂત થાય. તમે એ વિચાર ઉપર નિશ્ચય કરો. હા સ્ટ્રોંગ નિશ્ચય. એક સ્ટ્રોંગ ડિસિઝન લઈ લો કે મારે આજ કરવું છે, બીજું નહીં હવે. તો એ સીધું થઈ જાય, એને લાઈન મળી જાય. એવું પૂછો છો ને તમે ? બીજું કશું પૂછો છો ? ડિસિઝન લઈ લો, કોઈ રોકશે નહીં પછી. તમારું સાચું ડિસિઝન હશે તો ભગવાન પણ રોકી શકે નહીં કારણ કે ભગવાનથી કોઈની આડખીલી ના કરાય. નહીં તો ભગવાનનું પદ જતું રહે. એ આડખીલી કરે તો ભગવાનનું પદ જતું રહે. એટલે એય સમજે છે કે મારી આ ડિગ્રી જતી રહેશે, એનેય ભય લાગ્યા કરે. અગ્રશોચ પમાડે ભય ! અગ્રશોચ એ બધું આર્તધ્યાન કહેવાય. એ પણ જ્ઞાન ના હોય ત્યારે આર્તધ્યાન કહેવાય. કાલે શું થશે ? ફલાણો કાગળ આવ્યો છે. ઇન્કમટેક્ષવાળો શું કરશે ? ભવિષ્યના વિચાર કરતાં જે ભય લાગે તે વખતે આર્તધ્યાન થયેલું હોય તો જ ભય લાગે. ભવિષ્યના વિચાર કરતાં જો ભય લાગે તો જાણવું કે આર્તધ્યાન થયું છે. આર્તધ્યાનમાં પોતે પોતાની ઉપાધિ કર્યા કરે કે આમ થશે તો શું થશે ? આમ થશે તો શું થશે ? એવો ભડકાટ લાગ્યા કરે. આખો દહાડો ચિંતા ના થાય અને આંતરક્લેશ સમાઈ ગયેલો રહે તે ધર્મધ્યાન. ધર્મધ્યાન એટલે રૌદ્રધ્યાન કે આર્તધ્યાનમાં ક્યારેય પણ ના હોય ને નિરંતર શુભમાં જ રહે. નીડર, ધીરજવાળા, ચિંતારહિત અને ક્યારેય અભિપ્રાય ન બદલે. સ્વરૂપના બેભાન ભલે હો, તેનો ભગવાનને વાંધો નથી પણ ક્લેશરહિત હંમેશાં રહો - અંતરથી અને બાહ્યથી. રુચિ, પૈસામાં કે ભગવાનમાં ? પૈસા ગણતી વખતે મન ચોક્કસ રહે કે ના રહે ? પ્રશ્નકર્તા : હા, રહે ને. દાદાશ્રી : જુઓને, કેવો ડાહ્યો ! એ ઘડીએ એની વાઈફ બોલાવવા આવે તો કહે, હમણે નહીં, પછી આવજો. તે ય ગણતરીમાં ભૂલ ન થાય એટલા હારુ. ત્યાં બહુ પાકો ! પ્રશ્નકર્તા : પૈસામાં તો એકાગ્રતા રહે જ ને ? દાદાશ્રી : તો બોલો હવે ત્યાં રહે ને ભગવાનની પૂજામાં નથી રહેતું. શું ભેદ હશે એમાં ? અરે, શાક લેતી વખતે એકાગ્ર રહે અને અહીં નથી રહેતું. એનું શું કારણ ? આ તો ના છૂટકે કરવું પડે છે પરાણે, ફરજિયાત ! આ નહીં કરીએ તો બગડી જશે. એવા ભયથી કરીએ છીએ. જેટલી પૈસા જોડે રુચિ એટલી ભગવાન જોડે રુચિ ના જોઈએ ? તે કેમ રાખતા નથી ? ...એમાં 'પોસ્ટમેન'નો શો ગુનો ? અહીં તો કેટલા પ્રકારની ચિંતાઓ, ઉપાધિઓ, ભય, ભય ને ભય ! જાણે દિવેલ પીધું હોય એવાં મોઢાં દેખાય છે. ઈન્કમટેક્ષનો કાગળ છે એવું ઈન્કમટેક્ષવાળા માણસને દેખે ત્યાંથી જ કંટાળે કે 'આ પાછો ક્યાં આવ્યો ?' એ એમ સમજે કે હવે ઈન્કમટેક્ષવાળો આવ્યો છે માટે કંઈનું કંઈ લફરું લાવ્યો હશે ! પણ જ્યારે કાગળ ફોડે ત્યારે મહીં રીફન્ડ આવ્યું હોય. આ વગર કામનાં કેટલાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે છે ! અને પછી પોતે જ બંધાય છે ! 'વ્યવસ્થિત'માં જે હશે તે આવે, પણ એમાં શા માટે ધ્યાન બગાડે છે ? હવે એ કાગળ જે લાવે છે એય વીતરાગ છે. આ પોસ્ટમેન કાગળ લાવે છે, તે લગ્નની કંકોતરી હોય તે ય આપી જાય, કાંણનો પત્ર હોય તોય આપી જાય, વીતરાગ છે બિચારા ! એ તો નોકરી કરે છે, એમને શું લેવા-દેવા ? પણ એનેય આ ગાળો ભાંડે. બધું પોતાની જ જોખમદારી પર કરે છે ને ! નિરંતર ભયવાળું જગત ! આ 'જ્ઞાન' આપતાં પહેલાં અનેક જાતના ભયથી માણસને સંતાપ રહ્યા કરે કે, 'આમ થઈ જશે, તેમ થઈ જશે.' અલ્યા, એમેય નથી થવાનું અને તેમેય નથી થવાનું. ખાઈ-પીને નિરાંતે સૂઈ જાને ! ઘેર ખાવા-પીવાનું છે, પછી શું જોઈએ ? કાલની ચિંતા આજે નહીં કરવાની, અત્યારે ખાઈ-પીને સૂઈ જા ને ભગવાનનું નામ દે કંઈક અને 'શુધ્ધાત્મા' પ્રાપ્ત કર્યો હોય તો 'શુધ્ધાત્મા, શુધ્ધાત્મા' કર ! ચોરી થઈ કે ઈનામ છે આ ? પ્રશ્નકર્તા : હું ન્યુયોર્ક આવેલો ને તે વખતે અહીંયાં ઘરમાં બ્રેકીંગ થયેલું. દાદાશ્રી : એમ ! પછી આવીને તને શું અસર થઈ ? રડવું'તુંને ખૂણામાં બેસીને તો પાછા આવત(!) પ્રશ્નકર્તા : તો પણ પાછા આવે એવું નથી. દાદાશ્રી : હવે ના આવે પાછા ? પ્રશ્નકર્તા : ના, પણ મનમાં ડર રહ્યા કરે કે કો'ક દહાડો આવું થઈ જાય તો ? આ છોકરાને, કો'કને મૂકીને જઈએ... દાદાશ્રી : આ એક ભવ પૂરતું મેં 'વ્યવસ્થિત' આપી દીધું છે. 'વ્યવસ્થિત' એટલે કોઈ ડર રાખ્યો નથી. જે બનવાનું જ છે, જેટલું જેટલું, એ ડિસાઈડેડ છે એ બનવાનું છે. પણ તમારે હમણાં બોલાય નહીં. પણ ડિસાઈડેડ છે. એમાં કિંચિત્ ફેરફાર થવાનો નથી, માત્ર તમે ભય વગરનું જીવો. નિર્ભય જ્ઞાન છે આ તો, એની ગેરંટી મારી. એટલે ભય રાખવાનો અર્થ નહીં, ભય રાખશો તેથી કંઈ એ ઘટી નથી જવાનું કે વધી નથી જવાનું. તમારી ખોટ ખાશો. ભય તો આપણને ક્યારે એક્સિડન્ટ થાય ને ખલાસ થઈ જવાશે, એની ખબર છે ? તો એનો ભય કેમ નહીં રાખતા ? એનો ભય રાખવા જેવો નહીં ? પ્રશ્નકર્તા : છે ને ! દાદાશ્રી : આ આવ-જાવ કરીએ છીએ, ક્યારે એક્સિડન્ટ થાય ? રોજ ગાડીમાં જવાનું, તો ભય કેમ નથી રાખતા ? વીમો ઉતરાવ્યો છે તેથી ? વીમો ઉતરાવ્યો પણ આપણે તો જઈએને ? પૈસા આપણને કંઈ મળવાના છે ? છતાં પણ બહારગામ જઈએ તો બેન્કના લોકરમાં જ મૂકીને જવું આપણે. આપણે જાણીએ કે આવું જ થાય છે, તો સેફસાઈડ તો જોવી જ પડે. 'વ્યવસ્થિત' પર ના મૂકાય. પ્રશ્નકર્તા : હા, જે થવાનું હશે એ થશે, એવું ના થાય. દાદાશ્રી : સેફસાઈડ જોયા પછી જે થાય એ 'વ્યવસ્થિત'. તમે છોકરાને મૂકીને આવો જ નહીં ને, આ ફેરા જ બન્યું છે. કોઈ દા'ડો બને નહીંને ! એટલે એનો કોઈ ભય રાખશો નહીં. આવાં કંઈ રોજ ઈનામ હોતાં હશે ? લોક આપણે કહીએ તો ય ઘર તોડવા ના આવે. કારણ કે એક આટલું પણ બનવું તે કેટલા સંજોગો ભેગા થાય ત્યારે એ કાર્ય થાય. એ તમારે ત્યાં થયું તે કેટલા સંજોગો ભેગા થયા હશે. આપણે તો કોઈ પણ સંજોગ થાય તો હિસાબ કાઢવો કે 'ભઈ, આ આટલું મોટું થવાનું હતું, તેને બદલે આટલેથી પતી ગયું. એટલું સારું થયું.' લફરું જાણો, ત્યારથી છૂટે ! આ મન, વાણી અને દેહ એ ત્રણ કરણ કહેવાય છે. આ ત્રણ કરણનો અમલ છે તે જ આપણને વાંધો આવે છે. અમલ એમનો છે. તે આ ત્રણ ભૂત વળગ્યાં છે, તે આ ભૂતને લઇને આ સંસાર ભાવ ઉત્પન્ન થયો છે. નહીં તો સ્વભાવ ભાવ જાય નહીં. આ સંસાર લફરું છે એવું સમજણ પડી ગઇ ત્યારથી એ લફરું છૂટતું જાય. આ લોકોને આ સંસાર લફરું છે એવી ખબર પડે નહીંને ? લફરું આ બધું વળગ્યું છે. પોતાનો કેટલો બધો આનંદ, કેટલું બધું સુખ બધું આવરાઇ રહેલું ! આ તો સ્વરૂપમાં આવ્યા હોય તોયે હજુ થોડી અડચણો કરે છે. સ્વરૂપમાં ના હોય તો કેટલાં ગોદા મારે ? પાછળ દેખાય નહીં ગોદા મારનારો ને ગોદા મારે, 'આમ થઇ જશે તો ? આમ થઇ જશે તો ?' મૂઆ, આમેય પડવાનું ને આમેય, તું શું કામ આવ્યો છું સલાહ આપવા, એવું કહેવાનું. દાદા કહેતા'તા, આમેય પડવાનું નથી ને આમેય પડવાનું નથી. આ સૂર્યનારાયણ કોઇ દહાડો પડી જાય ? કશું પડે-કરે નહીં. જુઓને, અમારી પર ગરગડી પડીને ! પડવાની હશે તો આપણે ના કહીશું તોય પડ્યા વગર રહેશે નહીં, માટે એનો શો ભય ? તો પછી એને પડવાનું નથી એમ માનો ને ? વગર કામના ભય રાખીને શું કામનું ? અને આપણને શું લૂંટી લેવાનો છે ? પુદગલ લૂંટશે ? પુદગલ પુદગલને લૂંટશે, આત્મા કંઇ લૂંટાશે નહીં. આપણું શું જવાનું છે ? આપણને તો ઓળખતો નથી. અવ્યાબાધ સ્વરૂપ આપણું. કોઇ બાધા-પીડા કરી શકે જ નહીં. બગડે તે પુદગલનું, આત્માનું નહીં ! ''જગતમાં ભય પામવા જેવું નથી. જે થવાનું છે તે પુદગલનું થશે, આપણું કશું જ થવાનું નથી.'' કારણ કે આ દુકાનમાંથી માલ ચોરાઈ ગયો, કંઈ પણ આપણામાંથી ચોરાઈ ગયો, આ શેઠનામાંથી ચોરાઈ ગયો ? આ શેઠની દુકાન હોય તે કહેશે, 'મારું બધું ચોરાઈ ગયું.' 'અલ્યા, તારું નહીં, દુકાનમાંથી ચોરાઈ ગયું છે.' ત્યારે કહે, 'હા, દુકાનમાંથી ચોરાયું, મારું તો નહીં.' તો કંઈક સમજે વાત. એવી રીતે આત્મામાંથી કશું જતું નથી, આ બધું પુદગલનું જાય છે. જતું હોય તો જવા દેને અહીંથી. જ્યારે ત્યારે તો પૂળો જ મૂકવાનો છે. અજ્ઞાનીનો પૂળો નથી મૂકતા ? અરે, કેટલાકને તો સુખડનો પૂળો મૂકે છે અને એમાં ખુશ થઈ જાય છે. મૂઆ, પૂળો મૂકાવડાવામાં શું ખુશ થવા જેવું ? કુદરતનું ગણિત ! મારું કહેવાનું કે ગંભીરતા પકડો, શાંતિ પકડો, કારણ કે જે પૂરણ-ગલન માટે લોકો દોડધામ કરી રહ્યા છે અને ગુણાકાર-ભાગાકાર કરી રહ્યા છે, એ એના અવતારો બગાડે છે અને બેન્ક બેલેન્સમાં કંઈ ફેરફાર થાય એવો નથી, એ નેચરલ છે. નેચરલમાં શું કરી નાખવાના છે ? એટલે આ તમારો ભય ટાળીએ છીએ. અમે 'જેમ છે તેમ' ખુલ્લું કરીએ છીએ કે સરવાળા-બાદબાકી કોઈના હાથમાં નથી, એ નેચરના હાથમાં છે. બેન્કમાં સરવાળો થવો એય નેચરના હાથમાં છે અને બેન્કમાં બાદબાકી થવી એય નેચરના હાથમાં છે. નહીં તો બેન્કવાળો એક જ ખાતું રાખત. ક્રેડિટ એકલું જ રાખત, ડેબિટ રાખત નહીં. પણ એ જાણે છે કે, ડેબિટ થયા વગર રહેવાનું નથી. કેટલાક માણસ નક્કી કરે છે કે, 'હવે આ ફેરો મારે બેન્કમાં લાખ રૂપિયા રાખી મૂક્યા છે. ફરી ઉઠાવવા જ નથી. ઉઠાવીએ તો મહીં ભાંજગડ થાય ને.' પણ અલ્યા, ડેબિટનું ખાતું શું કરવા રાખ્યું છે લોકોએ ? બેન્કવાળા જાણે છે કે આ લોકો જ્યારે-ત્યારે રૂપિયા ઉઠાવ્યા વગર રહેવાના નથી. છેવટેય મરવાનો તો છે જ. ધંધો, ન્યાય-નીતિથી હોવો ઘટે ! તમારે ધંધો કરવો હોય તો હવે નિર્ભયતાથી કર્યા કરજો, કોઈ ભય રાખશો નહીં અને ધંધો ન્યાયસર કરજો. જેટલું બને એટલું પોસિબલ હોય એટલો ન્યાય કરજો. નીતિના ધોરણ ઉપર રહીને પોસિબલ હોય એટલું કરજો, જે ઇમ્પોસિબલ હોય તે નહીં કરતા. જે મનોવ્યાપાર નિર્ભય બનાવે, તે વ્યાપાર કરેલો કામનો. પ્રશ્નકર્તા : એ નીતિનાં ધોરણ કહેવાં કોને ? દાદાશ્રી : નીતિનું ધોરણ એટલે તમને સમજાવું. અહીં મુંબઈના એક વેપારી હતા, તે ઘઉંના જ્યારે બહુ ભાવ વધ્યા હતા ને, ત્યારે એ વેપારી એક વેગન ઇન્દોરી ઘઉં મંગાવે અને એક વેગન રેતી મંગાવે, બેઉ ભેગું કરીને પછી કોથળા ફરી ભરે. બોલો, હવે એ નીતિ કહેવાય ? પ્રશ્નકર્તા : પણ નીતિ-અનીતિના તો ઘણા સૂક્ષ્મ ભેદો હોય છે, તે ખબર ના પડે. દાદાશ્રી : બીજા બધામાં અનીતિ આપણે જોવાની જરૂર નથી, પણ માણસોને ખાવાની વસ્તુઓ હોય છે, માણસોના શરીરમાં જે જવાની વસ્તુઓ હોય છે, ખોરાક કે દવા, એને માટે તો આપણે બહુ જ નિયમો રાખવા જોઈએ. એવું છે ને, કે તમે છેતરીને ચાલીસ રતલને બદલે સાડત્રીસ રતલ આપો પણ ચોખ્ખું આપો તો તમે ઓછા ગુનેગાર છો; અને જે માણસ ચાલીસ રતલ પૂરું આપે છે પણ ભેળસેળ કરીને આપ્યું, ત્યાં ભયંકર ગુનો છે. માનવ જાતિ ઉપર ભેળસેળ ના હોવું જોઈએ. દ્ઢ ભાવ ત્યાં સર્વ સહજ ! મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે 'હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?' ત્યારે મહીં બુધ્ધિ બોલે કે આ ધંધામાં આટલી ખોટ ગઈ છે. હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળોને. મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે, બુધ્ધિની શું કરવા સલાહ લો છો ? અમને પૂછોને, અમારી પાસે અનંત શક્તિ છે. જે શક્તિ ખોટ ખવડાવે છે એ શક્તિ પાસે જ નફો ખોળોને ! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છો બીજા પાસે, એ શી રીતે ભાગાકાર થશે ? મહીં અનંત શક્તિ છે. તમારો 'ભાવ' ના ફર્યો તો આ જગતમાં કોઈ શક્તિ નથી કે તમારી ઇચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંત શક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુઃખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ હોવા જોઈએ. આપણા 'ભાવ' નો લૉ એટલો બધો કઠણ હોવો જોઈએ કે દેહ જશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાયને, કોઈ સોદો જ ના કરેને ! અમે તો એવા મોટા મોટા માણસ જોયા છે કે એ પાછો દલાલ હોય. એ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણીની વાતો કરે અને પાછા કહે છે શું કે, દાદા, બધા જ ઘણાખરા લોકો અવળું જ બોલે છે, તે શું થશે ? ત્યારે મેં કહ્યું કે, જરા ધીરજ પકડવી પડે, પાયો સ્ટ્રોંગ રાખવો પડે. આ ગાડીઓ આટલી બધી સ્પીડમાં ચાલે છે. આમાં જીવતા નીકળે છે તો ધંધામાં સેફ નહીં નીકળાય ? બહાર તો જરા વારમાં બીક લાગે. જરા જરામાં અથડાઈ જશે એવું લાગે પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધાં કંઈ અથડાઈ જાય છે ? એ લોકો નીકળી જાય છે તો આ નહીં નીકળી જાય ? એ રસ્તા પર તો જો ભય પેઠોને તો પછી તમે સાંતાક્રૂઝથી અહીં દાદર શી રીતે આવો ? અને આવો છો તો તમે મૂર્ચ્છિત હો તો જ ભય ના લાગે. માટે મહીં જરા સ્ટ્રોંગ રાખોને ! એટલે જે જગ્યાએ ઘા પડેને તે જગ્યાએ રૂઝાઈ જાય માટે જગ્યાફેર ના કરીએ. જો કે અમે કાયદાની દ્ષ્ટિએય જાણીએ કે આમ હોવું ઘટે. ...જોખમ જાણી, નિર્ભય રહેવું ! દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તોય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તોય આખી રાત ઊંઘવા ના દે. એટલે આપણે કહેવું. 'હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવો ને.' આ નફા-ખોટ એ મચ્છર કહેવાય. એને ઉડાડ્યા કરવાના ને આપણે સૂઈ જવાનું. કુદરતના હાથમાં કેવી સરસ બાજી છે ! અને એક તમારા હાથમાં ધંધો આવ્યો, અને તેય ધંધો તમારા હાથમાં તો નથી જ. તમે ખાલી માની બેઠા છો કે હું ધંધો કરું છું, તે ખોટી હાયવોય, હાયવોય કરો છો ! દાદરથી સેન્ટ્રલ ટેક્સીમાં જવાનું થયું તે મનમાં અથડાશે-અથડાશે કરીને ભડકી મરે. અલ્યા, કોઇ બાપોય અથડાવાનો નથી, તું તારી મેળે આગળ જોઇને ચાલ. તારી ફરજ કેટલી ? તારે આગળ જોઇને ચાલવાનું એટલું જ. ખરી રીતે તો તેય તારી ફરજ નથી. કુદરત તારી પાસે એ પણ કરાવડાવે છે પણ આગળ જોતો નથી ને ડખો કરે છે. કુદરત તો એવી સરસ છે ! આ અંદર આટલું મોટું કારખાનું ચાલે છે તો બહાર નહીં ચાલે ? બહાર તો કશું ચલાવવાનું છે જ નહીં. શું ચલાવવાનું છે ? કારણ કે ઘણા કાળથી પેલું ને પેલું જ જોયેલું ને ? અને એનો જ ભય ને ? વગર કામનો સતાવે. જે આવવાની છે એ વસ્તુનો સતત ભય શું કામનો ? ના આવવાની હોય તેનો ભય છે તે મનમાં એમ લાગે પણ આ તો આવવાની જ છે, એ નક્કી થઈ ગયેલું અને તેનો ભય રાખીને શું કરવાનું ? ભય શેને માટે રાખવાનો ? આત્માને ભયવાળી વસ્તુ જ નથી જગતમાં. તમને જે 'શુધ્ધાત્મા' આપ્યો છે, એની પર કોઈ ભયવાળી ચીજ જ નથી. પ્રમાણિકતા એ ભગવાનની આજ્ઞા ! આ તો ખોટું કરવાની કુટેવ પડી ગયેલી છે. તે લક્ષ્મી વધતી નથી, ઘટે છે. પહેલાં પાંચ-દસ વર્ષ કૂણું લાગે પણ પછી પાછળ તો નરી ખોટ જ આવે, અને જેનું બંધારણ પ્રમાણિકપણે છે, તેનું તો ફરી તૂટેય નહીં. એય પણ કુદરત જ્યારે ફરેને ત્યારે તો એનેય તૂટી જવાનું એટલે આ બધું સાચુંયે નથી. પણ પ્રમાણિકપણું હોય તો એને જરા ભય ઓછો લાગે, ભય ના રહે એને. ભય કોને હોય ? જેને લોભ હોય તેને. જો આપણે મોક્ષે જવું હોય તો જ્ઞાનીના કહ્યા અનુસાર કરવું જોઈએ અને જો મોક્ષે ના જવું હોય તો જમાનાને અનુસરીને કરવું. પણ મનમાં એટલો ખટકો તો અવશ્ય રાખવો જ કે મારે આવો ટ્રીકવાળો ધંધો નથી કરવો. તે એવો ધંધો મળી આવશે. વેપારમાં તો એવું હોવું જોઈએ કે નાનો છોકરો આવે તોય મા-બાપને ભો ના હોય કે છોકરો છેતરાશે. પરિણામ, દગા-ફટકાનાં ! ધંધામાં દગા-ફટકા કરું છું ? પ્રશ્નકર્તા : બિઝનેસ છે એટલે થોડાઘણા તો કરવા પડેને ? દાદાશ્રી : એટલે તું દગો-ફટકો કરું છું ? પ્રશ્નકર્તા : એ તો લોકો પણ કરતા હશેને ? દાદાશ્રી : પણ મારું કહેવાનું કે જો આપણે એવું બંધ કરીએ તો સામો બંધ કરે, ત્રીજો બંધ કરે, એવું બધા દગા-ફટકા બંધ કરીએ તો કેવું સરસ લાગે ? બધા એવું કરે છે, માટે તું કરું છું ? પ્રશ્નકર્તા : આ તો બિઝનેસ છે એટલે એવું બોલવું પડેને ? દાદાશ્રી : નહીં તો શું થાય ? પ્રશ્નકર્તા : ખોટું ના બોલે તો ઑર્ડર ના મળે, કામ ન મળે, બિઝનેસ ના મળેને ? દાદાશ્રી : લોકોને કેટલી બધી ઊંધી શ્રધ્ધા બેસી ગઈ છે ? આખો દહાડો ખોટું બોલીએ તો કેટલો લાભ થાય ? પ્રશ્નકર્તા : કંઈ નહીં. દાદાશ્રી : કેમ ? વધારે ખોટું બોલીએ તો વધારે લાભ ના થાય ? પ્રશ્નકર્તા : એ તો લિમિટમાં બોલીએ તો લાભ થાય. દાદાશ્રી : આ તો એક ભડક પેસી ગઈ છે કે ખોટું બોલું તો જ લાભ થાય ! બેમાંથી એક આઈટમ પર આવો. ભગવાન શું કહે છે ? કાં તો સાચું બોલ ને કાં તો ખોટું બોલ, તો બેઉ પર હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. હું ભગવાનને પૂછું કે ભગવાન, તમે કોની પર રાજી ? ખોટું કરે તેની પર રાજી કે સારું કરે તેની પર ? ત્યારે ભગવાન કહે, 'તદ્દન સારું કરતો હોય તો તેની પર રાજી છું અગર તો તદ્દન ખોટું કરતો હોય તેની ઉપરેય હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. તું મિક્ષ્ચર કરીશ તો તને સમજણ જ નહીં પડે કે આ ક્યાંથી સુખ આવે છે ?' આ તો એમ જ સમજણ પડે છે કે આ જૂઠું બોલે છે તેથી સુખ આવે છે. પછી એવી શ્રધ્ધા માણસને બંધાય. એમાંય સત્ય, હિત, મિત ને પ્રિય ! આપણે સત્ય, હિત, પ્રિય અને મિત રીતે કામ લેવું. કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની, એને હિતકારી હોય એવી વાતચીત કરીએ. એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય. તો ત્યાં આપણે એને કહીએ, 'ભઈ, આ વસ્તુ તમારા કામની નથી.' ત્યારે કોઈ કહેશે કે, 'આવું સાચું કહી દઈએ તો અમારે ધંધો કરવો શી રીતે ?' અલ્યા, તું જીવે છે શા આધારે ? કયા હિસાબથી તું જીવી રહ્યો છે ? જે હિસાબથી તું જીવી રહ્યો છે એ હિસાબથી ધંધો ચાલશે. કયા હિસાબથી આ લોકો સવારમાં ઊઠતા હશે ? રાત્રે સૂઈ ગયા, ને મરી ગયા તો ? ઘણા માણસ એવા સવારે પાછા ઊઠેલા નહીં, એ કયા આધારે ? એટલે ભડકવાની જરૂર નથી. પ્રમાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું પણ હિસાબ માંડીશ નહીં. દંડનું ભાન થાય, તો જ ગુનો અટકે ! ચોર ચોરી કરે છે એ તો બિચારા સારા, બાકી જે શાહુકાર કહેવાય ને એ ચોરીઓ કરે એ તો વધારે ગુનેગાર છે. એના કરતાં પેલો ચોર જ છે. એ કહે પણ છે ને, કે મારો ધંધો જ ચોરી છે. પ્રશ્નકર્તા : પણ આવું ના કરે તો પેટ ક્યાંથી ભરે ? દાદાશ્રી : અમનેય એવો ભય લાગતો હતો પહેલાં. આ કળિયુગમાં અમેય જન્મેલા ને ! તે ૧૯૫૧ સુધી તો એવો ભય રહ્યો હતો, પણ પછી એ ભય છોડી દીધો. કારણ કે આ સિમેન્ટ કાઢી લેવો એ માણસમાંથી બ્લડ ચૂસી લેવા જેવું છે અને લોખંડ કાઢી લેવું એ આ બધા સ્કેલેટન (હાડકાં) કાઢી લેવા જેવું છે. સ્કેલેટન કાઢી લીધું, લોહી કાઢી લીધું, પછી મકાનમાં રહ્યું શું ? આપણને ચોરી ના શોભે. આપણે શાહુકાર થઈને ચોરી કરીએ તેના કરતાં તો ચોર સારા. આ ચોરીઓ કરે છે તેના કરતાં ભેળસેળ કરે છે તે તો વધારે ગુનેગાર છે. આ તો ભાન જ નથી કે 'હું આ ગુનો કરું છું', તેનું ફળ શું આવશે, બેભાનપણામાં ભાન વગર જ ગુના કરે છે. પ્રશ્નકર્તા : આપનું સાંભળીને મને બધું યાદ આવતું જાય છે કે મેં ઘણું ચોરીનું ભેગું કર્યું છે. દાદાશ્રી : યાદ આવે તો પ્રતિક્રમણ કરજો આમાં અને ભય ના હોય તો મને લખીને આપજો તે હું ધોઈ આપીશ તમને. 'હે દાદા ! જુઓને, મારાથી આ ભૂલો થઈ, મારાથી આ ભૂલો થઈ.' અને કોણે ચોરીઓ નથી કરી એ ખોળી લાવો. આખા હિન્દુસ્તાનમાં કોઈ પાક્યું છે એવું કે જેણે એક ચોરી ના કરી હોય ? એવો એક માણસ ખોળી લાવો. આ ચોરીઓથી જ જીવી રહ્યા છે. પેલા સ્થૂળ ચોરીઓને પોલીસવાળા પકડે. આમને તો પોલીસવાળા તો શું, કોઈ પણ ના પકડી શકે. અને કોઈ કાયદામાંય ના આવે એવી ચોરીઓ એમણે કરેલી. શાહુકારી ચોરી અને આખા મહેલના મહેલ ગબડાવે અને પેલો એક બારણું ચોરી ગયો એટલું જ. એ સરકારમાં પકડાઈ જાય. અને મહેલના મહેલ ગબડાવે તેનું કશું નહીં એમને. કારણ કે કાયદેસરની ચોરી ને ! લાંચ અપાય કે નહીં ? લાંચ આપવામાં ગુનો નથી. આ જે ટાઈમ જે વ્યવહાર આવ્યો તે વ્યવહાર તને 'એડજસ્ટ' કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલાક પંૂછડું પકડી રાખે. એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જ્યાં સુધી લોકો આપણને ગાળો ના દે અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું, પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલા ગાળો દેતા હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, 'ભાઈ, આપી આવ રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.' નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ આપી દેવી. એને હું ગુનો નથી કહેતો. ગુનો તો પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા, એને ગુનો કહું છું. બહારવટિયો રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યને ખાતર નહીં આપવાના ? પ્રશ્નકર્તા : આપી દેવા પડે. દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો અને અહીં કેમ નથી આપતા ? આ બહારવટિયા સેકંડ (બીજા) પ્રકારના છે. તમને નથી લાગતું કે આ સેકંડ પ્રકારના બહારવટિયા છે ? પ્રશ્નકર્તા : પેલા પિસ્તોલ બતાવીને લે છે ને ? દાદાશ્રી : આ નવી પિસ્તોલ બતાવે છે. આયે ભડક તો ઘાલે છે ને કે 'ચેક તને મહિના સુધી નહીં આપું.' છતાં ગાળો ખાતાં સુધી આપણે પકડી રાખવું ને પછી લાંચ આપવાની હા પાડવી એના કરતાં ગાળો ખાતાં પહેલાં પથ્થર નીચેથી હાથ કાઢી લો, એમ કહ્યું છે. ભગવાને કહ્યું કે પથ્થર નીચેથી સાચવીને હાથ કાઢજો, નહીં તો પથ્થરના બાપનું કશું જવાનું નથી, તમારો હાથ તૂટી જશે. કેમ લાગે છે તમને ? પ્રશ્નકર્તા : બિલકુલ બરાબર છે. દાદાશ્રી : હવે આવું ગાંડું કોણ શીખવાડે ? બધા સત્યનાં પૂંછડાં પકડે. અલ્યા, ન હોય સત્ય. આ તો વિનાશી સત્ય છે, સાપેક્ષ સત્ય છે. હા, એટલે કોઈની હિંસા થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કો'ક માર્યો જતો હોય, એવું ના થવું જોઈએ. આ બાજુ માગતાવાળા બિચારા ગળે આવી ગયેલા છે અને આ બાજુ પેલો મેનેજર ગળે આવી ગયો છે. 'તમે દસ હજાર નહીં આપો તો હું તમારો ચેક નહીં આપું.' નહીં તો શેઠને કહી દે ને ! પણ હવે શેઠને કહેવાની આપણામાં હિંમત નથી. એ કહે છે, 'ના, શેઠને કહું તો મારો ધંધો ના ચાલવા દે.' ત્યારે આમેય લાલચુ, ત્યારે આપી દે ને, અહીંથી. મેલ પૂળો અહીંથી. આવી રીતે ન્યાય કરવામાં કંઈ હરકત ખરી ? ભગવાનેય આને ગુનેગાર ના ગણે. બહારવટિયા મળે ત્યારે એને પૈસા આપી દેવા એ ગુનો છે ? એ કંઈ સત્ય છે ? મારા રૂપિયા હું આપી દઉં એ કંઈ સત્ય છે ? ત્યારે કેમ આપી દો છો ? પ્રશ્નકર્તા : બીકના માર્યા. દાદાશ્રી : ત્યારે આ બીજા પ્રકારના બહારવટિયા ! આ સુધરેલા બહારવટિયા ને પેલા સુધર્યા વગરના બહારવટિયા ! આ સિવિલાઇઝડ બહારવટિયા, પેલા અનસિવિલાઇઝડ બહારવટિયા ! સિવિલાઇઝડ બહારવટિયા તમે નહીં જોયેલા હોય ? સિવિલાઇઝડ બહારવટિયાના લાગમાંય આવેલા નહીં ? અમે સિવિલાઇઝડ બહારવટિયા બહુ જોયેલા. પણ મારી વાત એ સમજવા જેવી છે, જો સમજો તો. અને આવું કોઈ શીખવાડે નહીં. મારા જેવું કોઈ શીખવાડે નહી.ં બીજા તો કહેશે, નહીં આપવાનું, બહુ ત્યારે ત્યાં ઉપવાસ કર, સત્યાગ્રહ કર. ત્યારે કહે, 'અરે સાહેબ, હું મરી જાઉં. એ તો તમે કરી શકો.' એટલે અનુભવની વાતો છે આ બધી, કે જેટલો ગુનો આમાં છે એથી વધારે ગુનો પેલા માગતાવાળાને ધક્કા ખવડાવ ખવડાવ કરવા તેમાં છે. સૂડી વચ્ચે સોપારી આવે ત્યાં શું કરવું આપણે ? કપાઈ જ જાય ને ? સૂડી વચ્ચે સોપારી આવેલી રહે કે ? માટે કશું આવી તેવી ગણતરી ના ગણવી. અમારા 'દાદા'એ શીખવાડ્યું છે એમ કહી દેજો. પ્રશ્નકર્તા : જવાબદારી 'દાદા'ની બધી. દાદાશ્રી : હા, જવાબદારી મારી પણ મારા કહ્યા પ્રમાણે હોય તો. તમે પેલી ખોટ વધારે ખાશો, આ ઓછી ખોટ છે, એવું હું તમને કહું છું. ખોટ તો અવશ્ય છે. તમે લાંચ આપો એ ખોટ તો છે જ. પણ પેલી ખોટ, તો સો રૂપિયા જતા હોય તો આ પંદર રૂપિયામાં પતે છે. તે આપણા પંચાશી તો બચ્યા. અને નહીં તો પછી ગધે કા પૂંછ પકડા સો પકડા, લાતો આટલી ખાધી, હવે છોડ. હિસાબી પ્રોબ્લેમના સોલ્યુશન ! પ્રશ્નકર્તા : મારે ને મારા ભત્રીજા વચ્ચેના પ્રોબ્લેમની વાત કહું. એને કહીએ કે તું બધો હિસાબ આપ, ત્યારે હિસાબ આપવાની બાબતમાં એ કાચું રાખે. પછી કામ બધું કરે પણ રીપોર્ટ ના આપે એટલે પ્રોબ્લેમ વધી જાય. હવે એને કહીએ તો પાછું એને ખોટું લાગી જાય. દાદાશ્રી : પ્રોબ્લેમ એમાંથી વધી જાય તે ? પછી શું થાય ? પ્રશ્નકર્તા : શું કરવાનું હવે, તમે જ કહો ને ! દાદાશ્રી : એવું છે, અમારે કેવું બનેલું તે કહું. અમારો ઓળખાણવાળો અમારે ત્યાં નોકરી કરતો હતો. તે હિસાબ લખવાનો હોય તે બધો ખોટો હિસાબ લખતો હતો. એને ખર્ચના દસ રૂપિયા જોઈએ ને આમ ખર્ચ ચાર આના દેખાડે. એટલે પછી મેં એને કહી દીધું કે, 'ભઈ, જેટલો ખર્ચ થતો હોય, જે તે કર્યું હોય તે આમ લખજે. સિગરેટ લાવ્યો હોય, બ્રાંડી પીધી હોય તે લખજે, ચા પીધી હોય, લોકોને ચા પાઈ હોય તે લખજે. તને છૂટ આપીએ છીએ. ત્યારે પછી એણે લખવા માંડ્યું ત્યારે વાત પકડાઈ બધી. આ તો ભડકના માર્યા લોક લખે શી રીતે ? હિસાબ બધો ચોખ્ખો લખતા નથી, એનું કારણ શું ? વખતે એ ચોખ્ખું લખે તો સાહેબ ડફળાય ડફળાય કરે કે, 'એય તેં શું કર્યું, આટલા બધા પૈસા શેમાં વાપર્યા ? આ તો ચાર આનાની અક્કલ તો છે નહીં ને શેઠ થઈ બેઠા છે ! આ તો એન્કરેજ કરતાં આવડે નહીં, તે પછી નોકરો ડીસ્કરેજ થઈ જાય. હિંમતે મર્દા તો મદદે દાદા ! તોય દુનિયા ચાલે છેને ! કોઈ દહાડોય અટકી નથી, એક સેકન્ડેય અટકી નથી. મિયાંભાઈનુંયે ચાલે છે. એ શું કહે છે કે, કલકી બાત કલ હો જાયેગી ને આપણા હિન્દુઓ કહે છે કે કાલે શું કરીશું ? આ મિયાંભાઈનુંયે ચાલે છે તો તારે શું અટકી જશે ? આ દુનિયા કંઈ બંધ થઈ જવાની છે ? પણ એવું છે ને, બનતાં સુધી દરિયામાં ઊતરવું નહીં અને ઉતરવાનો પ્રસંગ મળી ગયો તો બીવું નહીં. કાયદો કેવો રાખવો કે દરિયામાં ઊતરવું જ નહીં. કારણ કે દરિયો એ ભૂમિ નથી. તેમ છતાં દરિયામાં જવું પડ્યું તો ડરીશ નહીં. કારણ આવ્યા ત્યારે આવ્યા, તો હવે ડરવાનું નહીં, નીડર રહેજે. જ્યાં સુધી નીડર રહ્યો ત્યાં સુધી અલ્લા તારી પાસે. ને ડર્યો તો અલ્લા કહેશે, કે 'જા, ઓલિયા કે પાસ ચલે જાવ, હમારે પાસ નહીં.' પછી ઓલિયા મળી આવે અહીં આગળ. તે ઓલિયાને કહેશે કે મને કંઈ કરી આપને ! એટલે ઓલિયો માળા-બાળા કરી આપે અને એના પૈસા લે. આ અલ્લા કંઈ બહેરા છે ? સાંભળે છે બધુંય, આપણને ખોટ ગયેલી હોય તો એ ના જાણે ? એટલે થોડુંઘણું સ્ટ્રોંગ તો જોઈએને માણસનામાં ? જો કે અમે ધંધામાં તમારા જેવા જ હતા. અમે આ બધું બોલીએ ખરું, આ ટેક્નોલોજી બધી મારા ખ્યાલમાં પણ મન એટલું બધું પોલું નહીં, એટલે દરિયામાં અમે પેસીએ જ નહીં. છતાંય પેઠા તો પછી હિંમત છોડવાની નહીં. એટલે જ્યાંથી ખોટ આવી ત્યાંથી વાળવી. ભગવાનને ત્યાં રેસકોર્સ કે કપડાંની દુકાન, ધંધામાં ફેર નથી. પણ જેને મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઊતરશો, દરિયામાં ના પેસશો ને પેઠા પછી કુદરતી રીતે નીકળી જવાય એવી રીતે નીકળી જવું. ધક્કો મારવો નહીં. સ્ટીમરને હું કહું કે તારે અનુકૂળ આવે ત્યારે ડૂબજે પણ અમારી ઇચ્છા નથી. અમારી ઇચ્છા નથી બોલવું પડે, કારણ કે નહીં તો સ્ટીમર કહેશે કે, આમને અમારી જોડે ભાવ નથી. એટલે સ્ટીમરને કહીએ કે અમારે શાદી મંજૂર છે. અમારે ઇચ્છા નથી છતાં તારે ડાયવોર્સ લેવા હોય ત્યારે લેજે. એવી ફૂંક મારીએ ને પછી ખબર પડે કે તમારી સ્ટીમર ડૂબી છે, તો અમે જાણીએ કે અમે તો પહેલેથી જ કહેલુંને ! પછી ડૂબી તો ભો-ભડકાટ નહીંને ! જ્યારે ને ત્યારે સ્ટીમરો દરિયામાં ડૂબશેને ! કંઈ જમીન પર સ્ટીમર ડૂબે ? દરિયામાં જ ડૂબેને ? ઉઘરાણીની ઉપાધિ ! કેટલાક લોક કહે છે કે, 'અમે કો'કને પૈસા ધીર્યા છે તે બધા ઘલાઈ જશે.' ના, આ જગત બિલકુલેય એવું નથી. કેટલાક કહેશે, 'પૈસા આપે તો ઘલાય જ નહીં.' એવુંય જગત નથી. જગત પોતે પોતાના હિસાબથી જ છે. તમારું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે એવું જગત છે. મનમાં એમ થાય કે 'કોઈ ચોર પકડશે તો શું થશે ?' કશું એવું બને એવું નથી અને જે પકડાવાના છે, તેને કોઈ છોડવાના નથી, તો પછી ભડકવાનું શેને માટે ? જે હિસાબ હશે તે ચૂકતે થઈ જશે અને હિસાબ નહીં હોય તો કોઈ કશું નામ દેનારા નથી. હવે આમાં નીડરેય નથી થઈ જવાનું કે મારું નામ કોણ દે ? એવું પાછું બોલાય જ નહીં. એ તો બીજાને પડકાર આપ્યો કહેવાય. બાકી મનમાં ભડકશો નહીં, ભડકવા જેવું આ જગત નથી. આ ધંધા મોટા લઈને બેઠા છે એટલે એમાં ઈન્કમટેક્ષની હાયવરાળમાં, સેલ્સટેક્ષની હાયવરાળમાં, બધી હાયવરાળમાં મોટા મોટા ધંધા ને મોટાં મોટાં તોફાન શી રીતે સહન કરી શકે ? એક સહેજ ઈન્કમટેક્ષનું કાગળ આવે તો ભડકાટ, ભડકાટ, તરફડાટ, તરફડાટ. શી રીતે જીવે તે બિચારા ? પરાઈ વસ્તુ છે. આ દેહ પણ પરાયો છે, એ ક્યારે પણ પોતાનો થાય નહીં. પોતાનું કોઈ પડાવી શકે નહીં ! અહીં આગળ બોમ્બેમાં ફોર્ટ એરિયા છે ને, ત્યાં આગળ તમારી એક વીંટી છે તે જેમાં ૨૦ હજારનો હીરો હતો એવી વીંટી પડી ગઈ. ત્યારે ઘેર આવ્યા પછી આશા રાખી શકાય ખરી કે હાથમાં આવે એવી ? આશા ના રાખે ને કે રાખે આશા ? ફોર્ટ એરિયા એટલે દરિયો. જ્યાં અવરજવર ઓછી હોયને ત્યાં પડી ગઈ હોય તો જાણે ઠીક છે પણ ફોર્ટ એરિયા એટલે મહાસાગર. મહાસાગરમાં પડી ગયેલી વસ્તુ પાછી ના આવે ને ? પણ આ જગત એટલું કાયદેસર છે કે ત્રણ દહાડા પછી જાહેરખબરમાં આવે કે સોનાની વીંટી છે, હીરો છે એની ખાતરી આપીને લઈ જવી અને આ પૈસા આપી જવા. એટલે તમારું આ દુનિયામાં કોઈ સંઘરી શકે એવું છે જ નહીં અને સંઘરી શકે છે તે તમારું નહોતું. એટલું બધું કાયદેસરનું, બિલકુલ કાયદેસરનું જગત છે. આવે કે ના આવે વીંટી, સાંભળેલું કે નહીં ? એવું છે, આ જગત અમે જે જાણ્યું છે, આ જગત અમે જે જોયું છે, કિંચિત્માત્ર ડરવા જેવું આ જગત નથી. અમે જાતે જે જોયું છે. તમારી વસ્તુ કોઈ રાખી શકે એમ છે જ નહીં. પ્રશ્નકર્તા : જેટલો કાળ સંબંધ રહેવાનો હોય પરસ્પર એટલો રહેવાનો જ છે ? દાદાશ્રી : હા, સંબંધેય રહેવાના જ છે. તમે ગૂંચવીને તોડી નાખો છો બધા. બધા સંબંધ બગાડે છે માણસો. કળિયુગના માણસો સંબંધને ફ્રેકચર કર્યા કરે છે તોય તૂટતો નથી. કારણ એના ટાઈમે જ છૂટે છે. પણ રોજ ફ્રેકચર કર્યા કરે છે, કોચ કોચ કોચ કોચ. બાકી સુંદર જગત છે આ તો. સહેજેય ભય રાખવા જેવું જગત નથી. ભય કોને હોય ? જેને લોભ હોય, તેને હોય. ભય શાનો રાખવાનો હોય ? અનંતિ શક્તિ તમારી મહીં પડી છે. વીંટી પાછી આવે કે ના આવે ? શું કહે ? મને ખાતરી કરાવી અને લઈ જાવ. અને ફક્ત કેટલા પૈસા ? છાપવાના પૈસા ૧૫ રૂા. ૨૦ પૈસા થયા હોય તે એમેય ના કહે. પછી આપણે ઈનામેય આપીએ તો કહે, 'ના, ઈનામ મારે ના લેવાય.' ઘણા માણસો ઈનામ નથી લેતા ને ત્યાંથી. આ જગતના કાયદા કેવા સુંદર છે ! નેચર, બિલકુલ કરેક્ટ ! આ નેચર એટલી બધી કરેક્ટ છે કે તમારો વાળ એકલો જ ચોરી લીધો હશે, તો ય પણ એ જવાનો નથી. નેચર બિલકુલ કરેક્ટ છે. પરમાણુ, પરમાણુ સુધીનું કરેક્ટ છે. માટે વરીઝ રાખવા જેવું જગત જ નથી. મને ચોર મળશે, બહારવટિયો મળશે એવો ભય પણ રાખવા જેવો નથી. આ તો પેપરમાં આવે કે 'આજે ફલાણાને ગાડીમાંથી ઉતારીને દાગીના લૂંટી લીધા. ફલાણાને મોટરમાં માર્યા ને પૈસા લઈ લીધા.' તો હવે સોનું પહેરવું કે ના પહેરવું ? 'ડોન્ટ વરી !' કરોડ રૂપિયાનાં રત્નો પહેરીને ફરશો તોય તમને કોઈ અડી શકે એમ નથી, એવું આ જગત છે. જો તમારી જોખમદારી હશે તો જ તમને અડશે. તેથી અમે કહીએ છીએ કે તમારો ઉપરી કોઈ બાપોય નથી, માટે 'ડોન્ટ વરી !' નિર્ભય થઈ જાવ. અહીંથી વડોદરે જતાં માણસ ગાડીમાં ભય પામતો પામતો જાય કે ગઈ કાલે બેગ લૂંટાઈ હતી તે. અને એને એમ કહી દીધું હોય કે આજે અમે મંત્ર માર્યો છે, તે એ નિરાંતે જાય. દાદાએ મંત્ર માર્યો છે એટલે વાંધો નહીં ને, જાય. હિસાબ તેટલું જોખમ ! જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે એ શાથી ? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફ્લેટનાં બાઇ-સાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઇ ભડકવાની જરૂર નથી કે હું ય લૂંટાઇ જઇશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતાં તું તારે સહજમાં ફર્યાં કરને ! તારો હિસાબ હશે તો લઇ જશે, નહીં તો કોઇ બાપોય પૂછનાર નથી. 'ભોગવે એની ભૂલ.' માટે તું નિર્ભય થઇને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાઇવોર્સ થાય છે એ સારું છે. છતાં, વધારે ડાઇવોર્સ થવા માંડે તો બધાંને શંકાને સ્થાન મળે કે આપણે ય ડાઇવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય ત્યાં તમે ડરશો નહીં. નિરાશ્રિતોને ઘાતની બીક.... આખી જિંદગી ભો નહીં, ભડકાટ નહીં, સંસારમાં જે થવાનું હોય તે 'વ્યવસ્થિત'ની બહાર કશું થઈ જવાનું નથી. કો'ક હાથ જોઈને કહેશે કે, 'તમારી લાઇફમાં ઘાત છે.' ત્યારે કહેવું કે, 'એક હોય, બે હોય કે ચાર હોય, તેનો વાંધો શો છે આપણે ?' કારણ કે આપણે જાણીએ છીએ કે આ ઘાત એ તો 'વ્યવસ્થિત'ના હાથમાં છે, એ જ્યોતિષી શું કરવાનો છે ! અને જેને 'વ્યવસ્થિત' ખબર ના હોય, તે તો 'ઘાત છે' કહેતાંની સાથે જ મહીં ચમક ઊપડે કે કેટલે વર્ષે છે ? આ જ્યોતિષ લોકોની તો દુકાનદારી પધ્ધતિસરની, જરા મોઢું ઢીલું દીઠું કે ઘાત પહેલી જ કહી દે. પછી કહેશે, 'લક્ષ્મી મળે છે એવું લાગે છે.' એટલે પેલો ગજવામાં છ જ રૂપિયા હોય તોય પાંચ રૂપિયાની નોટ આપી દે. અલ્યા, છ રૂપિયા જ છે ને પાંચ ક્યાં આપી દે છે ? હવે પેલા જ્યોતિષના પગમાં જોવા જાય તો ચપ્પલ ના હોય. અલ્યા, એનાં પગમાં ચપ્પલ નથી, એ તારું શું જોઈ આપવાનો છે ? કેટલાક મોટા શેઠ હોય, તે શેઠને જ્યોતિષ પાસે બેસતાં શરમ આવે. તે પેલાને જ એમને બંગલે બોલાવે. હવે પેલાના પગમાં નથી જોડા, નથી એનામાં કશી બરકત, એના મોઢાં ઉપર નૂર નથી, એ તારું શું જોઈ આપવાનો છે ? કોઈ નૂરવાળા પાસે જા ! પણ આ લોક તો લાલચના માર્યા ગમે ત્યાં હાથ ઘાલે. જ્યોતિષીઓ પણ બહુ પાકા હોય, મોઢા પરથી જ ઓળખી કાઢે કે આ ભાઈ આટલામાં છે. એવુંય ઓળખી કાઢે કે આ ભાઈ કંઈ આપશે જ નહીં. એટલે એની પાસે આવતાં જ ડરે. એટલે માણસને ઓળખી કાઢે. આમ આંખો જુએ, કાન જુએ, મોઢું જુએ, બધું જોઈ પછી પગપેસારો કરે. આમ સામગ્રી તો ખોળે ને ? એમને લક્ષણનું ભાન હોય, બધી ખબર હોય, બહુ પાકા હોય, કારણ કે બહુ માણસો જોયેલાં હોય ને ! સાંજ પડે ઘરાક પાંચ-દસ મળ્યા જ કરવાનાં. લોક બિચારાં લાલચનાં માર્યાં શું ના કરે ? બીકનો માર્યો જે કહે તે કરે. અલ્યા, કોઈ બાપોય નથી. તું આમ જ્યોતિષ કશું ખોળીશ નહીં. બેસ એકલો ખાનગીમાં જઈને ! જ્ઞાન ના મળ્યું હોય તોય એમ ને એમ કો'કના કહ્યા પ્રમાણે કરને ! 'બાપો' તો મહીં બેઠો છે મોટો ! એ મહીંવાળાને 'બાપો, બાપો' કરશે તોય એમને પહોંચશે પણ લાલચુ લોકો, તે બહાર છેતરાયા જ કરે ને ! એને લૂંટી જ લે છેને ચોગરદમથી ! મોટામાં મોટો ગુણ લાલચ ના હોય એ અસલ, દરઅસલ ! અને લાલચ, આમની પાસે શી લાલચ ? આ બે હાથવાળા માણસો ! આમની પાસે શું ખોળવાનું ? આજે પચ્ચીસ અબજ રૂપિયા હોય તોય કાલે ભિખારી થઈને ઊભો રહે, એનું ઠેકાણું નહીં. આમની પાસે લાલચ શી ? મહીંવાળાનું નામ દે, નહીં તો ઉપરવાળાનું નામ દે. ઉપરવાળાને કહીશ તોય મહીં પહોંચશે. મોરલ, કેટલું ડાઉન ગયું ? 'સિન્સીયર' રહેવાથી સંસારમાં કોઈ પણ પ્રકારનો ભય ના આવે ને મોક્ષે લઈ જાય. એટલે સુધી સિન્સીયારિટી ને મોરાલિટી ગયેલી છે. કે જો આ અમારી મામાની પોળ છે ને, એની સામે જે ગેટ છે ને, તે ગેટ ઊઠાવી લે ને, તો સંડાસ આગળ લોટા ય ના જડે. પિત્તળના લોટા મૂક્યા હોય તો લોટો રહે નહીં. તે આ ગેટને લીધે કંઈક રહ્યું છે. મારું કહેવાનું કે આવી ઊંચી કોમ, ઊંચા વિચાર સંસ્કાર કેવા ! પણ તે ય અત્યારે આવું થઈ ગયું છે. આપણા દેશમાંથી આ 'ગેટો' ઊઠાવી લે તો શું થાય ? અરે, સૂકાવેલા કપડાં હઉ લઈ જાય બધા. કારણ કે આજે ઊંચ-નીચ, બધાં માણસોનું માનસ જ બગડી જાય એવું છે. ફક્ત આ ગેટોને લીધે જ એને ભય લાગે છે. તેથી ભયથી પાંસરા રહ્યા છે. એવા કેટલા માણસ છે કે જે હાથમાં આવેલો કાળાબજાર છોડી દે ? અને એવા લાખો માણસ હોય ? પ્રશ્નકર્તા : ભાગ્યે જ કોઈ છોડે. દાદાશ્રી : બહુ જૂજ માણસો ! સોનાની લગડીઓ પડી હોય એક મકાનમાં, અને સાચવનાર કોઈ ના હોય, તો ત્યાં આગળ અમથા જોવાનું હોય, ને જોઈને પાછું આવવાનું હોય તો કેટલા જણ મૂઠ્ઠીમાં ના લેતા આવે ? જુઓને, આપણું મોરલ તો જુઓ ! કેટલું ડાઉન થઈ ગયું હશે ? અલ્યા, સોનાની લગડી માટે તારું મન બગાડ્યું ? તારું મન એટલે શાની લગડી છે એ તું જાણે છે ? એ સોનાની નહીં, અચિંત્ય ધાતુની બનેલી છે. હા, પણ કોઈ સાચવનાર નથી. કોઈ વઢનાર નથી, પછી ફરિયાદ પણ કોઈ કરનાર નથી. માટે 'આ લઈ લીધી, ચાલો હેંડો' કહેશે. અલ્યા, આનું પરિણામ તો હોય કે નહીં ? દરેક વસ્તુનું પરિણામ હોય કે ના હોય ? અહીં ના સાચવનાર હોય, પણ બીજો કોઈ બાપો તો હશે ને, કોઈક ? કે એમ ને એમ જ હશે, ગપ્પાં ? ગપ્પું હોય ખરું ? એક તરણું ના લેવાય આપણાથી. અણહક્કનું કશું ના લેવાય. આ તો લોકોને મોરાલિટીની કોઈ કિંમત નથી. આજુબાજુ પે'રો હોય, તેના આધારે બુધ્ધિનો આશય હોય. ચોગરદમ પોલીસવાળાઓ ભેગા થઈ જાય તે ઘડીએ મહીં ભય પેસી જાય તો બુધ્ધિનો આશય કહેશે કે ના, હવે ચોરી નથી કરવી. તે પ્રમાણે આખો ફેરફાર થઈ જાય. ઈમ્મોરલ એટલી ઈન્ફિરીયારિટી ! આ મોરલ કેમ આટલું બધું ઊતરી ગયું ? લોકોનું જોઈને. 'આ મોટાં માણસ આવું કરે છે, તો મારે કલેક્ટરને શો વાંધો ?' મોટાં માણસ કરે એટલે કલેક્ટરો કરે. ના કરે પછી ? પ્રશ્નકર્તા : દેખાદેખીથી થાય નેે ! દાદાશ્રી : ને લોકો જાણતા હોય કે આ મોટા માણસ ! અલ્યા, હોય એ મોટા માણસ, જેને મોરલ નથી તેને 'મોટો' કેમ કહેવાય ? ભલે વ્યવહારમાં લોક કહેતા હોય, પણ તું શું કરવા આને મોટો માને છે ? વ્યવહારમાં ભલે કહેવાતા હોય, પણ પોતાને ના માનવું એ પોતાનાં અધિકારમાં નથી ? કેમ કશું બોલ્યા નહીં ? પ્રશ્નકર્તા : હા, ખરી વાત છે. દાદાશ્રી : મોરલ તો જોઈએ ને ! મોરલ વગર માણસ જ શી રીતે કહેવાય તે ? પ્રશ્નકર્તા : પણ એ લોકોને મોરલ જેવું છે જ ક્યાં, તે ખબર પડે ? દાદાશ્રી : હા, તેથી આપણને કિંમત નથી ને ? આમ મોટાં માણસ કહીએ, પણ મોરલ નથી એટલે આપણને વેલ્યુ નથી. એટલે એમને દેખીને આપણને પેલી 'ઈન્ફિરીયારિટી કોમ્પ્લેક્ષ' ના થઈ જાય. એ 'ઈન્ફિરીયર' છે. તું તો સુપિરિયર, તું મોરલવાળો માણસ છે. એ તો એને ગભરામણ થાય આપણને દેખતાં. મોરલવાળાને ઈમ્મોરલ ભેગો થાય ને તો તે ગભરાય. એટલે ગભરામણ થાય એને. આ તો દુનિયાનો કાયદો છે. માટે મોરાલિટીની કિંમત વધારવા જેવી છે. અને જેમ બને તેમ મોરલ ઉપર લોકોને લઈ જવા જોઈએ. દાખલોય મોરલનો આપવો. નકામો 'ઈન્ફિરિયર' શું કામ થાય છે ? 'મોટા માણસ, મોટા માણસ' કહેશે ! અલ્યા, એનું મોરલ તો જોઈ આવ તું ને તારું મોરલ જો. તારું મોરલ ઊંચું છે કે એનું ? માટે મોરલ જુઓ. તમને શું પસંદ, મોરલ કે એવું જ કે મોટો માણસ પસંદ ? ખરીદો અહંકાર, માગે તે આપીને ! એક ભાઈ મને કહે છે, 'સગાંવહાલાં આવીને લઈ જાય છે.' ત્યારે મેં કહ્યું, 'કેટલા લઈ ગયા ?' ત્યારે કહે, 'કો'ક સો લઈ જાય, કો'ક પચાસ લઈ જાય છે.' મેં કહ્યું, 'સગાંવહાલાંને તું બોલાવી બોલાવીને આપે છે કે ?' ત્યારે એ કહે, 'એ લેવા આવે છે. બોલાવીને કોઈ આપતો હશે કે ?' મેં કહ્યું, 'તારે ઘેર લેવા આવે છે કે ત્યાં જઈને તું આપી આવે છે ?' એ કહે, ઘેર આવે છે.' મેં કહ્યું, 'કેટલા માગે ?' એણે કહ્યું, 'સો.' મેં પૂછયું, 'શું સગા થાય ?' ત્યારે એ કહે, 'કાકા સસરાનો છોકરો, ભત્રીજો, જમાઈ.' આ બધા આવે છે ને, માટે કંઈક એવિડન્સ છે ! 'પણ એમ આપીશું તો ખાલી થઈ જાય ? ત્યારે મેં કહ્યું, 'કંઈ મફત આપવાના છે ?' 'ત્યારે શું ? આમાં મને શું આપી દીધું ?' ત્યારે મેં કહ્યું, 'એનો અહંકાર વેચે છે, લઈ લેજે.' બે વસ્તુ થાય. કાં તો અહંકાર ગીરવે મૂકીને લઈ જાય એ પૈસા પાછા આપી જાય અને વેચીને લઈ જાય એ ના આપે. એટલે મેં તો અહંકાર જ વેચાતો લીધો. આ બધો સામાન ક્યાંથી આટલો બધો ? આ તમેય અહંકાર વેચાતો લીધો. મને દેખાતું હતુંને ? તે અહંકાર વેચાતો લીધો. પછી મને કહે છે, 'બધા લોકોને આપ્યા, સગાંવહાલાંને આપ્યા પણ પાછા કોઈએ આપ્યા નહીં.' મેં કહ્યું, 'બહુ સારું થયું, અહંકાર વેચાતા લીધા, તે આજે તમને ખબર પડી, કેમ ?' પ્રશ્નકર્તા : હા, આજે ખબર પડી. દાદાશ્રી : નાનપણમાંથી મને વિચાર આવેલો કે હારુ, આનો બદલો શો ? આપણે આપીએ ને જતા રહે છે તો બદલો શો ? ઝાડ નીચે બેસીને બહુ વિચાર કર્યો ત્યાર પછી ખબર પડે કે આ તો એનો અહંકાર વેચવા આવ્યો છે. તે કોણ વેચે ? મને કોઈ પૂછે કે 'તમારે ના હોય તો વેચો ?' ત્યારે એ કહે, 'ના બા.' મેં તો પહેલેથી અમારા મિત્રોને, આખી ટોળીને કહી દીધું હતું કે, ભઈ, આ હાથ માગવા માટે નથી. આ હાથ આપવા માટે છે. આ હાથ ભગવાન પાસે માગે એવો ન હોય. અહંકારે કરીને કહું છું કે આ હાથ ભગવાન પાસે માગવા માટે નથી. માટે તમારે કોઈએ ભય ના પામવું કે આ અંબાલાલ મારી પાસે માગશે અને તમારે જ્યારે જરૂર હોય તો મને રાતે બે વાગે કહેજો. કારણ કે હું અહંકાર વેચનારો નથી. મહાપરાણે અહંકાર લાવ્યા હોય ! વડ પડયે દટાયા છોડવા ! અને અત્યારે આ લક્ષ્મી તો રહેવાની નથી. બે-પાંચ વર્ષમાં તો મોટા મોટા શેઠિયાઓ બૂમો પાડશે, 'હું ખાલી થઈ ગયો છું.' માટે અલ્યા, પહેલેથી પાંસરું મરવું'તું ને ? પાંસરો રહ્યો હોત તો બહુ સારું થાત. સારે રસ્તે પૈસો ગયો નથી, એ બધું ગટરમાં ગયું હડહડાટ ! હેય, નિરાંતે વાંદરાની ખાડીમાં ! લોકો તો આ પાઈપમાં નાખ્યા જ કરે છે. એટલે 'અમે' મહાત્માઓને કહ્યું છે, નિર્ભય રહેજો. નિર્ભય રહેવું જોઈએ કે નહીં ? નહીં તો ભયસ્થાનો જ છે ને ? ભયસ્થાનો જ છે ને બધું ! અત્યારે શાથી બચ્યા છે ? કંઈ પણ ધોરણ છે આપણી પાસે, નીતિ છે, ધર્મના માટે ભાવ છે એટલે આ કંઈ નિયમમાં રહ્યું છે તો પાર પડશે. 'દાદા ભગવાન'નું આ વિજ્ઞાન છે. એ કંઈ તમને ઉખેડી નહીં નાખે. બાકી બહાર તો તમે જોશોને, તો કુદરત લોકોને ઉખેડી નાખશે. અને તેમાં મોટા મોટા વડ તો પડશે, કબીર વડ જેવા નીચે પડશે. પણ જોડે કેટલાંય જીવડાં બફાઈ જશે, નર્યાં ! કોઈ કહેશે, 'હું વીસ હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા.' પેલો કહેશે, 'હું એંસી હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા.' પેલો કહેશે, 'લાખ મૂકી આવ્યો હતો, તે ગયા.' આ તો મોટાં ઝાડો પડે ત્યારે જાય. બે ટકા લેવા કર્યા હતા ને કંઈ એમ ને એમ ઓછા આપી આવ્યા'તા ? આ તો આપણું જ્ઞાન છે ને, એટલે બહુ સારું થઈ ગયું છે. ખોટું થાય તોય ડંખ્યા જ કરે. બેનો ડિફરન્સ આટલો કે પેલા ખોટું કરે છે ને ઉપરથી રાજી થાય છે કે મેં કેવા મૂરખ બનાવ્યા લોકોને અને આ ડંખ્યા કરે. આપણા મહાત્માઓને ખોટું થાય પછી ડંખ્યા કરે તે, કે ના ડંખે ? પ્રશ્નકર્તા : ડંખે. દાદાશ્રી : એનું નામ મહાત્મા. ખોટું કરે ત્યારે મહીં ડંખ્યા કરે એને. ખોટું કરે ને રાજી થાય એ પેલા. એ કુદરતનો ન્યાય ! ન્યાય જોવા જશો નહીં. ન્યાય જોવા જશો તો કોર્ટમાં જવું પડશે, વકીલો કરવા પડશે. બન્યું એ 'કરેક્ટ' માનીને હવે ફરી વકીલ કરવા નહીં. આ તો આપણા ન્યાયથી છે. આ સાચું ને ખોટું નેચરલ ન્યાયથી હોવું જોઈએ. નેચરલ ન્યાય શું કહે છે કે જે બન્યું એ કરેક્ટ, જે બન્યું એ જ ન્યાય. જો તમારે મોક્ષે જવું હોય તો બન્યું છે એ ન્યાય સમજો અને તમારે ભડકવું હોય તો કોર્ટના ન્યાયથી નિવેડો લાવો. કુદરત શું કહે છે ? બન્યું એ ન્યાય છે એમ તમે સમજો, તો તમે નિર્વિકલ્પી થતા જશો અને કોર્ટના ન્યાયથી જો એ કરશો તો વિકલ્પી થતા જશો. પછી કરાવે વસૂલ કુદરત ! તમારી પાસેથી કોઈ રૂપિયા લઈ ગયું, પછી ત્રણ કે ચાર વર્ષ થઈ જાય, તો આપણી રકમ વખતે કોર્ટના કાયદાની બહાર જતી રહે, પણ નેચરનો કાયદો આ લોકો તોડી શકે નહીં ને ! અહીંના કાયદામાં કશું ના મળે, આ તો સામાજિક કાયદો છે. પણ પેલા નેચરના કાયદામાં તો રકમ વ્યાજ સાથે પાછી મળે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ આપણા રૂપિયા ત્રણસો ના આપતું હોય તો આપણે એની પાસે લેવા જઈએ. પાછા લેવા માટે કારણ શું છે કે આ ભાઈ રકમ જ નથી આપતો તો કુદરતનું વ્યાજ તો કેટલું બધું હોય ! સો-બસો વર્ષમાં તો કેટલી રકમ થઈ જાય ? એટલે આપણે એની પાસે ઉઘરાણી કરીને પાછા લઈ લેવા જોઈએ. એટલે બિચારો એટલો બધો જોખમમાં તો ના ઉતરે. પણ પેલો આપે જ નહીં ને જોખમમાં ઉતરે, તેના આપણે પછી જોખમદાર નથી. પ્રશ્નકર્તા : કુદરતના વ્યાજનો દર શું છે ? દાદાશ્રી : નેચરલ ઈન્ટરેસ્ટ ઈઝ વન પર્સન્ટ પર બાર મહિને. એટલે સો રૂપિયે એક રૂપિયો ! વખતે તે ત્રણસો રૂપિયા ના આપે તો કશો વાંધો નહીં. આપણે કહીએ કે હું ને તું બે દોસ્ત. આપણે પત્તાં સાથે રમીએ. કારણ કે આપણી રકમ કશી જવાની તો નથી ને ! રઘવાટ, ભડકાટમાં જીવન જીવે ! પ્રશ્નકર્તા : આ ચાલુ પરિસ્થિતિમાંથી છૂટવું કઈ રીતે ? દાદાશ્રી : તો પરિસ્થિતિ જુદી લાવવી છે ? અને પરિસ્થિતિમાંથી છૂટવું છે કે મોક્ષે જવું છે ? પ્રશ્નકર્તા : પરિસ્થિતિમાંથી આપણો માર્ગ સરળ કઈ રીતે થઈ શકે? દાદાશ્રી : હવે, એ તો જે જાણતા હોય તેની પાસે જવાનું. તો અહીંયાં આવજો, તમને મોક્ષ આપી દઈશ. અહીં આવીને દર્શન કર્યા કરજો. કો'ક દા'ડો વળી, કંઈ ટાઈમ પાકી ગયો હશે, તો અમે તમનેય આપી દઈશું. આ બધાને આપી દીધું છે. એટલે આ બધા મઝા કરે છે. પછી જ્ઞાની પુરુષ હોય, તરણતારણ થયેલા પુરુષ હોય, એ પોતે તરેલા હોય, બધાને તારી આપે. ત્યાં વળી તમનેય રસ્તો દેખાડે. પણ તમને ગુણાકાર કે ભાગાકાર પછી ઘેર આવડશે નહીં. તે રીત શીખવાડું તોય નહીં આવડે ઘેર. એના કરતાં હું બધું કરી આપું. ગુણાકાર, ભાગાકાર, સરવાળા સાથે, રકમ જવાબ સાથે બધું આપી દઉં, એટલે પાસ. હું કરી આપું ને તમારે પાસ થવાનું. આ તો ઘેર જઈને પાછું ભૂલી જાય ! કારણ કે કંટ્રોલનું અનાજ ખાવાનું, ખાંડ લઈ આવવાની, તેલ લઈ આવવાનું ! ભડકેલો ને ભડકેલો આખો દા'ડો. જેમ ઘોડો ભડકેલો હોય ને એમ માણસ ભડકેલો ને ભડકેલો ને, ગાડીમાં ભીડ, બસમાં ભીડ, આમ ભીડ, રસ્તામાં ભીડ ! ભડકેલા નથી ? પ્રશ્નકર્તા : મુંબઈનું જીવન જ એવું છે. દાદાશ્રી : મુંબઈનું જીવન એવું છે એ વાત ખરી. જીવન કંઈ નથી એવું ? બધે આવું જ છે, જ્યાં જાય ત્યાં ! આ ગાડીઓ કંઈ મુંબઈ એકલામાં જ ભરાય છે ? બીજે બધે ભીડ ગાડીમાં. પ્રશ્નકર્તા : પણ અહીંનો રઘવાટ કંઈ ઓર, જુદી જાતનો છે, દાદા ! અહીંયાંનો રઘવાટ જુદી જાતનો છે. દાદાશ્રી : ના, એ પેલો ગરીબોનો રઘવાટ છે, આ શ્રીમંતોનો રઘવાટ છે. શ્રીમંતનો વધારે હોય રઘવાટ અને પેલા ગરીબોનો ઓછો હોય, ગરીબના પ્રમાણમાં. બિચારાને રઘવાટેય ગરીબ હોય હંમેશાં ને પેલો રઘવાટ શ્રીમંત હોય. હા, એનો રઘવાટ. આ તો મોટર લઈને ફર ફર કરે આખો દા'ડો. તડબૂચા જેવો ફર ફર કરતો હોય તોય પણ સાંજે કામ પૂરું ના થાય. મૂઆ, કઈ જાતનું તડબૂચું છે ? તડબૂચું કોને કહેવાય કે જીવ્યા પછી મરી જવાનો હોય તે તડબૂચા કહેવાય. હા, મનુષ્યમાં આવ્યા પછી અમરપદ પ્રાપ્ત ના થયું, એ શેમાં જાય ? તડબૂચામાં. ભગવાને તડબૂચ ના કહ્યું અને પ્રાણીઓ કહ્યા. આ પ્રાણથી જીવે છે, માટે એને પ્રાણીઓ કહ્યા. પ્રાણી એટલે તડબૂચાને એ બધું એક જ છે ને ! ગાયો-ભેંસો પ્રાણથી જીવે એ બધાં. પ્રાણ ના હોય તો ખલાસ થઈ જાય. દાન આપે ત્યારે લોભ તૂટે ! પ્રશ્નકર્તા : પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે લોભ બહુ રહેતો હતો. દાદાશ્રી : હા, તેથી જ લોભ રહે. ત્યાં સુધી મનમાંથીય છૂટે નહીં. એક ફેરો આપવા માંડેને ત્યારથી મન મોટું થતું જાય. પ્રશ્નકર્તા : ખબર જ ના પડે કે આ લોભ છે કે ઈકોનોમી છે. દાદાશ્રી : એ લોભ જ. પણ આ સારી જગ્યાએ વપરાયો અને એમના હાથમાંથી છૂટવા માંડ્યો. એટલે એ લોભ તૂટી ગયો, નહીં તો એ લોભ જ ત્યાં ને ત્યાં ચીતર્યા કરે. ત્યાં ને ત્યાં ચીતરે. આત્મામાં ના રહે. મૂડી ઓછી થઈ જશે ! 'અરે, પણ જોડે લઈ જવાની છે ?' ત્યારે કહે, 'જોડે તો નહીં લઈ જવાની, પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જોઈશેને ?' અલ્યા મૂઆ, પછી રહી જશે તેનું શું કરીશ ? પણ પેલો ભડકાટ, એક જાતનો ભડકાટ રહે. લોભથી પ્રાપ્તિ કે ખોટ ? પ્રશ્નકર્તા : લોભની ગાંઠ ક્યારે ફૂટે ? દાદાશ્રી : ૯૯ ભેગા થાય ત્યારે. કરોડાધિપતિ શેઠિયાઓ હોય છતાંય તેમને લોભ ના હોય એવું બને ખરું ? લોભિયો એકાંગી હોય. એને માનની બહુ ભાંજગડ ના પડી હોય. માનીને તો અપમાન કરે તો ભાંજગડ પડી જાય. અને લોભિયો તો કહે, 'આજે આપણને તો બસો મળ્યા, છોને એ ગાળો દઇ ગયો !' માન અને ક્રોધ હોય ત્યાં સુધી લોભિયો ના કહેવાય. જ્ઞાનીઓ જ આપે 'આ' દાન ! એટલે શ્રેષ્ઠ દાન અભયદાન, બીજા નંબરે જ્ઞાનદાન. અભયદાનને ભગવાને વખાણ્યું છે. પહેલું, કોઈ તારાથી ભય ના પામે એવું અભયદાન આપ. બીજું જ્ઞાનદાન, ત્રીજું ઔષધદાન અને ચોથું આહારદાન. જ્ઞાનદાનથી તો શ્રેષ્ઠ અભયદાન ! તે લોકો અભયદાન આપી શકે નહીંને ? એ જ્ઞાનીઓ એકલા જ અભયદાન આપે. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓનો પરિવાર હોય તે અભયદાન આપે. જ્ઞાનીના ફોલોઅર્સ હોયને, તે અભયદાન આપે. કોઈને ભય થાય નહીં એવી રીતે રહે. સામો ભયરહિત રહે એવી રીતે વર્તે. કૂતરું પણ ભડકે નહીં એવી રીતે એમનું વર્તન હોય, કારણ કે સામાને દુઃખ કર્યું કે પોતાની મહીં પહોંચ્યું. એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર પણ ભય ના થાય એમ રહેવું. અભયદાન છે મહાદાન ! માટે અભયદાન, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવા ભાવ પહેલાં રાખવા અને પછી એ પ્રયોગમાં આવે. ભાવ કર્યા હોય તો પ્રયોગમાં આવે. પણ ભાવ જ ના કર્યા હોય તો ? એટલે આને મોટું દાન કહ્યું ભગવાને. એમાં પૈસાની કોઈ જરૂર નથી. લોકોને અભયદાન આપો. રૂપિયા ના હોય તો અભયદાન આપવામાં શું ખોટ છે ? બઈ ચામાં ખાંડ નાખવાનું ભૂલી ગઈ તો એની ભૂલ કાઢો તો ફફડી જાય. ત્યાં અભયદાન અપાયને ? ચૂપચાપ ચા પી લેવાની. ઊંચામાં ઊંચું દાન જ આ છે, પણ એ માણસોનું ગજું નથી. લક્ષ્મીવાળા હોય તોય આવું કરી શકે નહીં. માટે લક્ષ્મીવાળાએ લક્ષ્મીથી પતાવી દેવું. એટલે આ ચાર પ્રકાર સિવાય બીજું કોઈ પ્રકારનું દાન નથી એમ ભગવાને કહેલું છે. બીજાં બધાં તો દાનની વાત કરે છે, એ બધી કલ્પનાઓ છે, આ ચાર પ્રકારનું જ દાન છે. પહેલું આહાર દાન, આહાર દાનને તો એવું કહ્યું છે કે તમારે બીજી ભાંજગડ નહીં કરવાની, કાલે શું કરશે ? તમે એને આજનો દહાડો આપો. તે આજ તો એની કાઢો. પછી કાલની વાત કાલે. એટલે એક દહાડો જીવશે. એટલે તમારે એમ ચિંતા નથી કરવાની કે કાયમ ક્યાં અપાય કે ના અપાય. તમારે ત્યાં આવ્યો એટલે તમે એને આપો. જે કંઈ અપાય ને તે આજ તો જીવતો રહ્યો. બસ પછી કાલે એને બીજું કંઈ ઉદય હશે. તમારે ફીકર કરવાની નહીં. તમે એમાં ના પડશો, કહ્યું છે. ઔષધદાન એનાથી કિંમતી ગણ્યું, કે માણસને વધુ ટાઈમ જીવાડે. વેદનામાંથી મુક્ત કરે થોડુંઘણું. પછી એનાથી આગળ જ્ઞાનદાન કહ્યું અને અભયદાન બનતાં સુધી અભયદાનની ભાવના મનમાં કરી રાખવી. પ્રશ્નકર્તા : પણ અભયદાનમાંથી આ ત્રણેય દાન નીકળી આવે છે, આ ભાવમાંથી ? દાદાશ્રી : ના, એવું છે કે અભયદાન તો ઊંચો માણસ કરી શકે. જેની પાસે લક્ષ્મી નહીં હશે, એ સાધારણ માણસ પણ આ કરી શકે. ઊંચા પુરુષો પાસે લક્ષ્મી હોય યા ના પણ હોય, માટે લક્ષ્મી સાથે એમનો વ્યવહાર નથી, પણ અભયદાન તો અવશ્ય કરી શકે. ત્યારે લક્ષ્મીપતિઓ અભયદાન કરતા, પણ અત્યારે એમને એ ના થઈ શકે, એ કાચા હોય. લક્ષ્મી જ રળી લાવ્યા છેને, તેય લોકોને ભય પમાડી પમાડીને ! પ્રશ્નકર્તા : ભયદાન કર્યું છે ? દાદાશ્રી : ના, એવું કહેવાય નહીં, એવું કરીનેય જ્ઞાનદાનમાં ખર્ચે છેને ! અહીંથી, આમ ગમે તેવું કરીને આવ્યો, પણ અહીં જ્ઞાનદાનમાં ખર્ચે છે એ ઉત્તમ છે, એવું ભગવાને કહ્યું. જ્ઞાનીની દ્ષ્ટિએ... પ્રશ્નકર્તા : વિદ્યાદાન, ધનદાન, એ બધાં દાનમાં આપની દ્ષ્ટિએ કયું દાન શ્રેષ્ઠ ગણાય ? ઘણી વાર આમાં દ્વિધા ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : વિદ્યાદાન ઉત્તમ ગણાય છે. લક્ષ્મી હોય તેણે વિદ્યાદાન, જ્ઞાનદાનમાં લક્ષ્મી આપવી જોઈએ. જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવવાં કે બીજું-ત્રીજું કરવું. હવે એ જ્ઞાન કેવું હોવું જોઈએ ? લોકોને હિતકારી થાય એવું જ્ઞાન હોવું જોઈએ. હા, બહારવટિયાની વાતો સાંભળવા માટે નથી. એ તો સ્લીપ થયા કરે. એ વાંચે તો આનંદ તો થાય એમાં પણ નીચે અધોગતિમાં લઈ જાય. એટલે જ્ઞાનનો ફેલાવો કેવી રીતે થાય ? એના માટે જ પૈસા વાપરવા જોઈએ. લક્ષ્મી હોય તેણે અને લક્ષ્મી ના હોય તેણે અભયદાનનો ઉપયોગ કરવો જોઈએ. કોઈને ભય ના થાય એવી રીતે આપણે ચેતીને ચાલવું જોઈએ. કોઈને દુઃખ ના થાય, ભય ના થાય, એ અભયદાન કહેવાય છે. અભયદાન દીધાં જ્ઞાનીએ ! પ્રશ્નકર્તા : જ્ઞાનદાન ને અભયદાન વિશે વધારે કહો. દાદાશ્રી : જ્ઞાનદાન તો, દાદાનાં પુસ્તકો છપાવો હજાર-બે હજાર, તે કેટલાંય માણસનું જીવન ફરી જાય અને અભયદાન તો, રૂપિયા ના હોય તો અભયદાન તો છે જ તમારી પાસે. કંઇ રૂપિયા ઉપર જ લખી આપ્યું નથી. રૂપિયા કોઇની પાસે ના યે હોય ને કોઇની પાસે હોય, પણ અભયદાન તો છે જ ને સિલક ? પ્રશ્નકર્તા : હા, છે. દાદાશ્રી : તો ય પાછો જોડો ખખડાવતો ખખડાવતો રાતે બાર વાગ્યે ઘેર જાય તે પેલાં કૂતરાં આમ કરીને કાન કરે પાછાં. કૂતરાંનેય જગાડે બિચારાંને. કૂતરાંને ય જંપીને સૂવા ના દે આ લોકો. અભયદાન કોનું નામ કહેવાય ? કૂતરું જાગે નહીં આપણાથી. ધીમે ધીમે બૂટ કાઢીને હાથમાં લઇને ચાલે. કૂતરાંનેય ભય ના પમાડે એ અભયદાન. પ્રશ્નકર્તા : કોઇ પણ જીવને ભય ના પમાડે એટલે અભય. દાદાશ્રી : હા, અભય. આ અમે મારીએ તોય લોક ભય નથી પામતાને ! તો અમારું અભયદાન કેવું હશે ! મારીએ તોય ભય નથી પામતા. ઊલટા કહે છે, મારો. ત્યારે અલ્યા, તમારો ભય ક્યાં જતો રહ્યો ? એ પેલાં મહારાજને દેખાડ્યુંં તો મહારાજ તો ખુશ ખુશ થઇ ગયા. મેં કહ્યું, 'માર ખાવા તૈયાર, શોખ છે આ લોકોને. કોઇ જાત એવી છે દુનિયામાં, કે મનુષ્ય માર ખાવાનો શોખીન હોય ? ત્યારે મહારાજ કહે, ના, એવું બને જ નહીં. અમે તો શિષ્યને મારીએ તો જતો રહે, બીજે દહાડે. પછી મહારાજને કહ્યું, માર ખાતાંય ભય નથી, લે ! અને પેણે તમે નથી માર મારતાં તોયે લોકો ભય પામે છે. ત્યારે તમારા હિંસાનાં પરમાણુ કેટલાં હશે ? પ્રશ્નકર્તા : હિંસાનાં પરમાણુ આપણામાં ભરેલાં જ હોય ? દાદાશ્રી : ભરેલાં જ હોય. અનંત અવતારથી હિંસાનાં પરમાણુ લાવ્યા છે. હિંસાનાં પરમાણુ એટલે ભડકે જ લોક. તમારે ના ભડકાવવા હોય તોય પણ પેલો ભડક્યા કરે. હિંસક પરમાણુ, પમાડે ભય ! આ જાનવરો તો આપણાથી ભડકે છે ઊલટાં. એટલે ત્યાં ના સમજી જઇએ કે આપણામાં હિંસકપણું છે. આ પેલી કાબરો હોય છે, ચકલીઓ હોય છે, તે બિલાડી નીકળે તેની સાથે, કૂતરું કે કંઇ હોય કે આ ભયંકર આવ્યું જોખમ ! તે બધાને ઇન્ફોર્મ કરે છે. એવું આપણનેય કેટલાંક જીવો જોખમ માનીને ભડકી જાય છે, છેટાં જતાં રહે છે. પ્રશ્નકર્તા : એ લોકો જ્યારે કૈડે છે ત્યારે પણ ભયથી જ કૈડે છે, એમાં હિંસકપણું જ હોય ? દાદાશ્રી : ભયથી જ જગતમાં કૈડે છે. આ સંસારમાં દુઃખ આપે છે તેય દુખિયો માણસ જ દુઃખ આપે છે. સુખિયો કોઇ દહાડો દુઃખ આપે નહીં. દુખિયો છે માટે દુઃખ આપે છે. કરુણા ખાવા જેવું, ભગવાને કહ્યું, કે કરુણા ખા કે એને કેટલું દુઃખ છે, બિચારાને ! પાંચ પાડોશી સુખી હોય તો પેલા દુખિયાથી જોવાય નહીંને ! તે કોડિયા ચાંપીને આવે. કોડિયા ચાંપીને પણ એને ઉપાધિ ઘાલ્યા વગર રહે નહીં. દુખિયો માણસ જ આવું કરે. પણ ત્યારે ભગવાને કહ્યું, દુખિયા ઉપર કરુણા રાખો. કારણ કે એ કેટલો દુઃખી છે કે તમને દુઃખ હઉ આપે છે. સુખિયો માણસ કેટલો સુખી છે કે એ બધાને સુખ જ આપે છે ! બાકી અન્નદાન ને ઔષધદાન એ તો સહેજે આપણે ત્યાં બૈરાં-છોકરાં બધાં કર્યા કરે. એ કંઈ બહુ કિંમતી દાન નથી, પણ કરવું જોઈએ. આવું કંઈ આપણને ભેગો થાય તો આપણે ત્યાં દુખિયો માણસ આવ્યો તેને જે તૈયાર હોય તે તરત આપી દેવું. દાનની બાબતમાં લોકો નામ કાઢવા માટે દાનો આપે છે, એ વાજબી નથી. નામો કાઢીને તો આ ખાંભીઓ બધી ઘાલે છે ને ખાંભીઓ કોઈની રહી નથી અને અહીં આપેલું તે સાથે આવે ક્યારે ? વિદ્યા ફેલાય, જ્ઞાન ફેલાય એવું કંઈક કરીએ તો એ આપણને જોડે આવે. અગર અભયદાન, કોઈને દુઃખ ન દેવાની દ્ષ્ટિ. આજથી જ નક્કી કરી નાખો કે મારે આ જગતમાં કોઈને સહેજ પણ દુઃખ દેવું નથી. મન-વચન-કાયાથી કિંચિત્માત્ર ત્રાસ આપવો નથી. એવું નક્કી કરોને તો મહીં, અંદર એવું ચાલે. તમે નક્કી કરો એવું ચાલે છે અંદર. તમારો નિશ્ચય હોય એવું ચાલે. દેશી-પરદેશીમાં કોણ ચઢે ? બે માણસો ઘૈડા ઘરના હોય, એક ફોરેનમાંથી આવ્યો હોય, ફોરેનનો હોય અને એક આપણા અહીંનો ઇન્ડિયન હોય. બેને આપણે કહીએ કે તમે હવે હિમાલયમાં ગમે ત્યાં જઈને બેસી જાવ. લો, આ લાખ-લાખ રૂપિયા તમારા ખર્ચ માટે. તો પછી બેઉની સ્થિતિ શું થાય ? બંને કેવી રીતે વાપરે ? ખાવા-પીવાનું તો બધું જોઈએ. તે વાપરે કે ના વાપરે ? પ્રશ્નકર્તા : વાપરે. દાદાશ્રી : અને પછી પંદર-વીસ વર્ષ પછી બેઉ મરી જાય તો કોની પાસે મૂડી વધારે નીકળે ? પ્રશ્નકર્તા : ભારતીય પાસે. દાદાશ્રી : શાથી ? એણે લાખ રૂપિયા લીધા ત્યારથી ભો કે, 'વપરાઈ જશે તો શું કરીશ ? વપરાઈ જશે તો શું કરીશ ?' ખલાસ થઈ જાય તો શું થશે ? પ્રશ્નકર્તા : ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય. દાદાશ્રી : હા, ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય. પણ એ વાપરે ખરો, ધર્માદા કરે, દાન-પુણ્ય કરે પણ એની મહીં આ જાગૃતિ રહે કે ખલાસ થઈ જશે તો શું થશે ? અને પેલા ફોરેનવાળાને એવું કશું ના હોય. એ મઝામાંય વાપરે. કોઈની ઉપર ઉપકારેય કરે. એ ઓબ્લાઈઝ કરે. ના કરે એવું નહીં. તે ફોરેનવાળો મરી જાય ત્યારે એની પાસે વખતે બે હજાર રૂપિયા હોય, નહીં તો નાય હોય અને આવું તેવું ના હોય. એ સાહજિક છે. કોથળીય ખાલી થતી જાય અને એય ખાલી થતો જાય. જ્યારે ઇન્ડિયનની તો કોથળી પડી રહેને ! એટલે આપણા લોકોની પ્રકૃતિ એવી ! વધારે જીવીશ તો શું થશે ? જરૂર પડશે તો શું થશે ? તે જ્યારથી રૂપિયા હાથમાં આવ્યા ત્યારથી એવું હોય કે ના હોય ? સ્વદેશ પાછા ફરવા માટે ! પ્રશ્નકર્તા : દાદા, આપણા અમેરિકાના મહાત્માઓ પૂછે છે કે અમે જે કંઈ થોડું ઘણું કમાયા છીએ એ લઈને ઈન્ડિયા જતા રહીએ ? દાદાશ્રી : ના, ના, એવી કંઈ જરૂર નથી. એવી ભડકવાની જરૂર નથી અને બીક લાગે તે દહાડે મને કાગળ લખજો તો હું તમને લખી દઈશ કે આવતા રહો. બીકમાં ઊંઘ ના આવતી હોય તો હું કહીશ કે આવતા રહો. અત્યારે તો ઊંઘ આવે છે ને નિરાંતે ? પ્રશ્નકર્તા : આવે છે દાદા. દાદાશ્રી : હા, એટલે ભડક રાખશો જ નહીં. અમે તમને આશીર્વાદ આપીશું. ભડક રાખવાનો શું અર્થ છે ? તેમ ઉપાધિ યે વધે ! પ્રશ્નકર્તા : આ બધા મહાત્માઓ ઉપર એક વખત કૃપા વરસાવોને તો લક્ષ્મી આમ રેલમછેલ થઈ જાય. દાદાશ્રી : એવું છે, લક્ષ્મી વધારે માંગોને તો મૂકવાની પાછી ઉપાધિ. વપરાઈ જાય તોયે ઉપાધિ કે વધારે વપરાઈ ગયું, એમ થયા કરે. લક્ષ્મીનો સ્વભાવ એવો છે કે મહાદુઃખે કરીને એ આવે - મહામહેનતે, મહાકપટે કરીને જંજાળ કરીએ ત્યારે એ ભેગી થાય પછી એને ક્યાં મૂકવી એનો ભય રહ્યા કરે. લાખેક રૂપિયા બેન્કમાં હોય તો પાછો સાળો લેવા આવે કે મને દસેક હજાર આપજોને. સાળાને તો આપ્યા, પછી બીજો મામાનો દીકરો આવે. એય ઉપાધિ. એના કરતાં સરખું બેલેન્સ હોયને તો કોઈ લેવા-કરવા આવે નહીં. જેટલા રૂપિયા આપણા હાથમાં આવેને, જેટલા જોઈએ એટલા, એ સારું. નહીં તો વધારે લક્ષ્મી હોય તો ચોરનો ભો. રાતે આવીને મૂઓ મારે ને પાછો લૂંટી જાય. એક કરોડ રૂપિયા આપે તો... તમને એક કરોડ રૂપિયા આપે તો તમે શું કરો ? પ્રશ્નકર્તા : એ ય પાછી ઉપાધિ છે ને ? દાદાશ્રી : આપે તો શું કરો ? આપણે કહીએ, તમને ઉપાધિ છે, તે મને શું કરવા આપો છો ? તમારી ઉપાધિ હું ક્યાં રાખું ? તમે પાછી લઈ જાવ. અને આ પૈસાથી કેટલો આનંદ થાય છે ! તમને પાંચ લાખ રૂપિયા આપ્યા એટલે પહેલાં તો તમને એ જોઈને બહુ આનંદ થાય. પછી મનમાં ઉપાધિ થાય કે હવે ક્યાં મૂકીશું ? કઈ બેન્કમાં મૂકીશું ? પછી રસ્તામાં કોઈ લૂંટી ના જાય એટલા માટે તૈયારીઓ રાખવી પડે અને રસ્તામાં કોઈ લઈ લે તો ? એટલે એ બધું સુખ જ ના કહેવાય. લૂંટાવાનો ભો છે ને લૂંટાઈ જઈએ એ વસ્તુમાં સુખ જ ના કહેવાય. લોભની ગાંઠ તૂટે શી રીતે ? પ્રશ્નકર્તા : પણ દાદા, લોભની ગાંઠ ખબર નથી પડતી એટલે બેસી રહી છે. દાદાશ્રી : એ ખબર પડે તો તો માણસનું કલ્યાણ જ થઈ જાયને ! વણિકોને લોભની ગાંઠ હોય ને ક્ષત્રિયોને માનની ગાંઠ હોય. બન્ને ગાંઠો નુકસાનકારક છે. માની હોય તેને લોકો અપમાન આપે. માન એટલે ભોળું. એટલે સહુ કોઈ ઓળખી જાય ને ! શું જોઈને છાતીઓ કાઢીને ફરો છો, એવું કહે. માન માટે તો રસ્તે જનાર કહેશે, 'ઓહોહો ! ભઈ, શું કરવા આટલા બધા ટાઈટ છો ?' પ્રશ્નકર્તા : લોભવાળાને માન આપીને લોભની ગ્રંથિ તોડવાની, પણ આ માનની ગ્રંથિ કેવી રીતે તોડાય ? દાદાશ્રી : માનની ગ્રંથિ તો આ લોકો એની મેળે તોડી આપે. એ અપમાનથી તૂટે ને ! નહીં તો માન તો સહુ કોઈ દેખાડ દેખાડ કરે. ભોળું એટલે નાનાં છોકરાં હઉ સમજી જાય કે માનમાં આવી ગયા છે. અને પાછું શું થાય ? બહુ લોભિયો હોય ને તે અપમાન ખમીને, સો રૂપિયા મળતા હોય તો હસે અને મનમાં એમ સમજે કે મેલોને છાલ, આપણને તો મળે છેને ? એ લોભની ગાંઠ. અને માની તો બિચારો માને ચઢાવે એટલે વાપરી નાખે, એની પાસે જે હોય તે. પછી તેને અપમાનનો ભય બહુ લાગે. કોઈ મારું અપમાન કરશે તો ? તેનો ભય બહુ તેને લાગે. માની તો તમે જાવને તો તમને દેખીને કહેશે, 'આવો, પધારો.' કારણ કે પોતાને જેવું જોઈએ એવું જ સામાને આપે. હવે માનની ગ્રંથિઓ તો તૂટી જવાની છે. કારણ કે તન-મન અર્પણ કરી દેવાનું છે, એટલે માનની ગ્રંથિ તૂટી જવાની છે. પણ લોભની તૂટવી જોઈએ. લોભની ગ્રંથિઓ ના છૂટે તે. આ લોભની ગ્રંથિઓ કોણ તોડી આપે ? આર્તધ્યાન ને રોદ્રધ્યાન આખો દહાડો કર્યા કરે. જ્ઞાની સમજાવે સાનમાં ! તમારે શું જોઈએ ? જેની પાસે ના હોયને, એનું જગત માથે લઈ લે. કહેવા જવું પડે નહીં. એની મેળે માથે લઈ લે. દુનિયાનો સ્વભાવ બહુ જુદી જાતનો છે. મારાથી ચલાતું નથી, કેટલા વર્ષથી ? પ્રશ્નકર્તા : આઠ વર્ષથી. દાદાશ્રી : છતાં તમારા કરતાં હું વધારે ફરતો હોઈશ ? પ્રશ્નકર્તા : ઘણું. દાદાશ્રી : શાના આધારે ? બધા સંજોગો મળી આવે. જેને પોતાપણું ગયું એ જે માગે એ, માગવાનો વિચારેય ના કરતા હોય, પણ એને આવી મળે. આ તો એને ભય લાગે છે કે હું શું કરીશ ? એ ભય કાઢવા માટે અમે (આ ગોઠવણી) કરવા જઈએ. આટલું છોડી(દિકરી)ને, આટલા આને ને આપણે ભાગે કંઈ નહીં અગર તો સંઘને કહીએ કે આ તમને બધાને આપી દીધું. હવે મારી પાસે કંઈ છે નહીં. હવે મારે માટે જરૂર હશે ત્યારે લઈશ, સંઘ પાસેથી. અગર તો એવું કંઈ જેટલા આવશે, એટલા ત્યાં સોંપી દઈશ. અમારું ઉદયાધીન હોય અને તમે આ રીતે કરો તોય ઉદયાધીનની નજીકમાં આવો. આ દેશનાપૂર્વક કર્યું કહેવાય. અને તમને પેલું સહેજાસહેજ ! પણ ઘણો ફેર પડી જાય. લાખ-બે લાખ બચે તો સંઘને કહીએ, આ તમને સોંપ્યા પછી આ આડખીલીઓ ના કરવી પડેને ! હવે લાવ ભઈ, આપણે બેન્કમાં મૂકીએ, ડબલ કરીએ, એ બધું વિચાર જ ના આવેને ! પ્રશ્નકર્તા : પછી જવાબદારી દાદાની, મારે શું ? દાદાશ્રી : બધી જ જવાબદારી દાદાની ! લખી આપું હઉ. નીરુબેનની જવાબદારી લીધી છે. નીરુબેન, તમારી બધી જવાબદારી લઈ લીધી ને ! ઉપાધિમાં નથી રાખ્યાને જરાય. બહાર તો દગા-ફટકા છે. સર્વસ્વમાં લક્ષ્મીનીય અર્પણતા ! સર્વસ્વ અર્પણતા જ જોઈએ, સર્વસ્વ ! પ્રશ્નકર્તા : આ સર્વસ્વ અર્પણતા જ છેને ! દાદા, શું બાકી રહ્યું ? દાદા સિવાય કશું ખપતું નથી મને કંઈ. દાદાશ્રી : તમારું બાકી છે તે થઈ જશે હવે. બીજું બધુંય છે પણ આ જે છેને, આ તમારું ને આ મારું એ ભેદ ઉડાડવા માટે ઘેર મેં તમને નહીં કહ્યું હતું કે આટલા છે તે બેનને આપી દેવા. તમારે માથે કશું નહીં રહે એવું કરી નાખો. વેરોય ભરવાનો ના રહે. મારી માફક રહો. મારે પૈસા જોઈતા હોય તો હું કહું કે, 'નીરુબેન, આપો મને !' અને તમારે જરૂરેય શાના માટે ? એ તો બધું લોકો આપનાર હોય જ જોડે. નિર્ભયથી નિરાલંબ તરફ ! પ્રશ્નકર્તા : મારે માટે પક્ષપાત થોડો ખરો કે નહીં ? દાદાશ્રી : તમારે માટે પક્ષપાત વધારે તેથી તો આ બધા લોકો કહેને, પક્ષપાત ના હોય દાદાને પણ શું થાય ? બહુ સારા માણસ પણ તમારે ઘેર લાઈન ક્લીયર થઈ ગયેલી છે, ક્યાં જાવ પછી ? પ્રશ્નકર્તા : એ કોઈ નથી. આ દુનિયામાં કોઈ નથી દાદા સિવાય. દાદાશ્રી : હંઅ એટલે તમારે માટે ખાસ સાચવીએ બધું, ક્લીયર જ થઈ ગયું. એટલે તમારું જે ગણો એમાં અમે રહ્યા એટલે અમારે ખાસ એ રાખવું પડે. પણ તમારી ભક્તિય સુંદર કહેવું પડે, ચોખ્ખી, પ્યોર. ઈમ્પ્યોર પેલી ગીની રાખે એક, એ એક પેલી લગડી રાખી મેલવાની ટેવ છે એ. પેલી ગીની રાખી મેલેને પેલા લોકો, બધી ગીનીઓ આપી દે તે. આ, તે ય તે તમે કાલે સમજી ગયા. પ્યોર થઈ જવાનું, કેવી રીતે પ્યોર થવાનું તે સમજી ગયા. પ્રશ્નકર્તા : હા, તરત, દાદા જરાક ઈશારો કરે ને તો સમજી જાય. દાદાશ્રી : આ વાતચીત થઈને એ પ્રમાણે ગોઠવી દેશો એટલે કામ થઈ જશે. દાદાના આધારે કર્યુંને એટલે સર્વ આધાર છૂટી ગયા. પ્રશ્નકર્તા : એક દાદા જ આધાર છે, બીજું કોઈ આધાર છે નહીં મારી પાસે. દાદાશ્રી : તે જ કહું છું ને ! એટલે એ બધા આધાર છૂટી ગયા છે તે જ આત્માઆધાર (ખરેખર 'આત્માધાર' હોવું જોઈએ એવું લાગે છે) અને તેને ભય છૂટ્યા સંસારના. નહીં તો એક ગીની રાખી મેલે કશુંય કામ લાગે નહીં. મૂઆ, તું ભડકું છું શાના માટે ? આટલું બધું તું ? આટલું બધું નહીં પણ પેલા થોડા હારુ ભડકું છું ? અમે કહ્યું એવું કરો એટલે આત્મા પછી એમાં રહે. આત્મા જો આત્મામાં આવી ગયોને તો છૂટો. નહીં તો કહેશે, મારે આ છે ને એ છે ને તે આધાર ! આધાર. શું આધાર રાખે ? જે બે-પાંચ લાખ રૂપિયા હોય તેનો. પ્રશ્નકર્તા : નહીં. આટલો ભય રહે. બધા લોકોએ ખા ખા કર્યું છે, બીજી વાત નહીં. જ્યાં ભરોસો રાખું, લોકો ખાઈ જાય બધે ઠેકાણે હવે. આ મારે એવો ભય પેસી ગયો. ઉંમર મોટી થાય છે, બાકી અંદર કંઈ મમતા નહીં. દાદાશ્રી : ભય પેસી જાય. કારણ કે આનું શું કરીશું ? એ તો તે દહાડે હું સમજી ગયેલો. પણ મેં કહ્યું, ધીમે રહીને કાઢી નાખશું. પ્રશ્નકર્તા : માંદગી આવીને તો દોઢ લાખ રૂપિયા ખર્ચો થયો. હતા તો ખર્ચ્યા, નહીં તો બીજો કોણ જુએ ? દાદાશ્રી : નહીં, નહીં. આપણે જે જોનાર છે, એ મારું જોશે એવું માનીએ છીએને, તે ય છેવટે ખોટું પડે છે, દગો નીકળે છે. માટે આ ઊંચામાં ઊંચું છે કે આપી દો બધું ભગવાનને ઘેર. જવાબદારી દાદાની પછી. મેં મારી પાસે ચાર આનાય રાખ્યા નથી. બધા અહીં મૂકી દેવાના, બધુંય અને ભવિષ્યમાં આવશે તેય ત્યાં જ. અમારા બાની જમીનના આવવાના છે તેય ત્યાં મૂકીશ. મારે કશું જોઈતું નથી. મારે શેના માટે ? અમેરિકાવાળા ગાડી આપવા માગે છે. હું લઉં શેના માટે ? પણ આ કશું બેઠકની જગ્યા રાખી તો 'હું', આત્મા ને બેઠક, ત્રણ થયું. નહીં તો 'હું' ને આત્મા એક જ. 'હું' સમર્પણ થઈ ગયું એટલે આ. પ્રશ્નકર્તા : 'હું' સમર્પણ થયો એટલે કે બેઠક કાઢી લીધી એટલે આત્મામાં થઈ ગયો 'હું' ? દાદાશ્રી : નીરુબેને તરત કામેય કરવા માંડ્યું અને જે અત્યારે બધા નિયમો પાળે છે મારી આજ્ઞા પ્રમાણે, તે બધી પ્રકૃતિ તોડી નાખશે. મને સંતોષ થઈ ગયો ! પ્રશ્નકર્તા : દાદા બોલ્યાને, 'હું', આત્મા ને બેઠક.... દાદાશ્રી : 'હું'ને બેઠકનો આધાર ! જગતમાં એકલા જ્ઞાનીને કોઈ વસ્તુનો આધાર ન્હોય. આત્માનો જ આધાર, જે નિરાલંબ છે. પ્રશ્નકર્તા : કોને આત્માનો આધાર, 'હું'ને હોય કે બેઠકને હોય ? દાદાશ્રી : 'હું' જ આત્મા અને આત્મા તે 'હું'. આધાર જ આત્માનો. એટલે અવલંબન ના હોય. કોઈ અવલંબન ના હોય, તો નિરાલંબ થાય છે, નિરાલંબ ! એ જાણે છે, દાદા નિરાલંબ છે. પ્રશ્નકર્તા : એટલે 'હું' ને આત્મા એક થઈ જાય ? દાદાશ્રી : છે એક જ. પણ બેઠકને લઈને જુદા. પ્રશ્નકર્તા : બેઠક ખસેડી લે તો 'હું' ને આત્મા એક થઈ જાય ? દાદાશ્રી : એક થઈ જાય, બસ. પ્રશ્નકર્તા : અથવા તો બેઠક હોય ને 'હું' ને આત્મા બે એક થઈ જાય એવું બને ? દાદાશ્રી : ના. ના. બેઠકનો ગુરખો રાખવો પડે. એ વિચાર આવે કે આ શું કરશે ? બેઠકેય એ સાચી નીકળી તો નીકળી, નહીં તો દગો નીકળે છે. તમને નહીં લાગતું ? પ્રશ્નકર્તા : હા, દગો જ નીકળે છે. દાદાશ્રી : એના કરતાં આપણું શું ખોટું ? પ્રશ્નકર્તા : બેઠકમાં જ્ઞાની જ એકલા રાખવાના, બીજું કંઈ જ નહીં. દાદાશ્રી : જ્ઞાનીને માથે પડવાનું, તમે જે કરો એ. તમારું જે કરે એ અમારું કરે. એટલે જ્ઞાની જ પોતાનો આત્મા છે એટલે એને તો જુદો ગણાય નહીં. પછી ભય નહીં રાખવાનો કે જ્ઞાની માંદા થાય તો એ ના હોય તો આપણે શું કરીશું ? એવો કશો ભય રાખવાનો નહીં. જ્ઞાની મરતા જ નથી. એ તો દેહ મરે. પ્રશ્નકર્તા : અમને તો જ્ઞાનીનું, જ્ઞાનનું અને જ્ઞાનીના દેહનું સરખું જ અવલંબન લાગે. દાદાશ્રી : દેહનું અવલંબન તો, દેહ તો કાલે જતો રહે. દેહના પર તો અવલંબન રખાતું હશે ? એ અવલંબન અમારું હોય જ નહીં ને ! અમે નિરાલંબ હોઈએ. સહેજેય અવલંબન ના હોય આ દેહનું કે પૈસાનું કોઈ એવું. - જય સચ્ચિદાનંદ |
|---|