|
જ્ઞાન પછી પુરુષાર્થ, સહજ દશા માટે ! સંપાદકીય પરમ પૂજ્ય દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન થકી બે કલાકમાં જ આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. 'હું શુધ્ધાત્મા છું' ભાન ફીટ થઈ જાય છે. કોટી ઉપાયે, કોઈ કાળે જે ન પ્રાપ્ત થાય એ અક્રમ માર્ગે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની કૃપાથી જ 'હું શુધ્ધાત્મા છું'ની સહજ પ્રતીતિ, સહજ લક્ષ અને અંશ સહજ અનુભવ પ્રાપ્ત થઈ જાય છે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય, પછી અક્રમ વિજ્ઞાનની આખી વાત, જ્ઞાન, બધું જેમ છે તેમ સમજવંું પડે, પરિચયમાં રહીને. નિજ સ્વરૂપની પ્રતીતિ અને લક્ષથી આગળ અનુભવ દશા આવતી જાય તેમ સહજતા વર્તાતી જાય. 'હું શુધ્ધાત્મા છું' એ સહજ આત્મસ્વરૂપ થયું છે પણ હવે દેહની સહજતા આવતી જાય તેમ તેમ પૂર્ણતા તરફ જવાય. અને છેવટે દેહ સંપૂર્ણ સહજ થયો કે પૂર્ણાહૂતિ થઈ ગઈ. આ ભવમાં પુરુષાર્થ માંડીને મહાત્માઓએ ત્યાં સુધી પહોંચવાનું છે. આગળ પ્રગતિ થવા અર્થે આજ્ઞા પાળવા રૂપી પુરુષાર્થ ઘણો હેલ્પફૂલ છે. જ્ઞાનીની પાંચ આજ્ઞા પ્રસંગે પ્રસંગે વાપરવાની છે. સંસારના પ્રસંગો ડખોડખલવાળા હોય, તે પ્રત્યેક પ્રસંગે પાંચ આજ્ઞાની ચાવી વાપરતાં, વાપરતાં ડખોડખલ રહિત નિરંતર રહેવાય ત્યાં સુધી પહોંચવાનું છે, એ જ પુરુષાર્થ છે. અનાદિ કાળનો સંસારનો અધ્યાસ વર્તે છે. તેથી શરૂઆતમાં પાંચ આજ્ઞાનો અભ્યાસ કરવો પડે. રોજ પ્રેક્ટિસમાં મૂકવી પડે, હેન્ડલ મારવું પડે. દિવસમાં થોડા થોડા વખતે પાંચ આજ્ઞાની સમજ ગોઠવવી પડે. અને કષાય- મોહના પરિણામોથી મુક્ત થઈ જુદાપણાની જાગૃતિમાં આવી જવું પડે. પાંચ આજ્ઞામાંથી એકાદ પણ આજ્ઞાનો ઉપયોગ થતાં જ દેહથી જુદાપણું થઈ સ્વરૂપ જાગૃતિમાં આવી જવાય. પછી પાંચ આજ્ઞામાંથી કઈ આજ્ઞા ક્યારે ચૂકી ગયા. ત્યાં કેવી રીતે એક્ઝેક્ટ આજ્ઞા ગોઠવવી કે જેથી કોઈ દોષિત ન દેખાય. 'હું શુધ્ધાત્મા છું'ની જાગૃતિ રહે અને દેહ અને અંતઃકરણથી જુદું રહેવાય એ વારંવાર અભ્યાસમાં લેવાથી અખંડપણે આજ્ઞા પાળવાની જાગૃતિ વધતી જાય. એથી આગળ પાંચ આજ્ઞાના અભ્યાસથી પ્રત્યેક જીવોને નિરંતર શુધ્ધ સ્વરૂપે જોવા, અકર્તારૂપે જોવા, નિર્દોષ જોવા, તે દ્ષ્ટિ જેમ જેમ ફીટ થતી જાય તેમ શુધ્ધ ઉપયોગ વધતો જાય. જેટલા દેહાધ્યાસ અને અજ્ઞાનનો અનુભવ સજ્જડ વર્તે છે, તેટલો જ આત્મજાગૃતિ ને જ્ઞાનનો અનુભવ સજ્જડ થવો જોઈએ. તે પાંચ આજ્ઞાના પુરુષાર્થથી જ થાય તેમ છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે ''જેટલી બાબતમાં દુનિયા આપણને અસર ના કરે તો એ અનુભવની કક્ષા પૂરી થઈ ગઈ અને જેટલી બાબતમાં જ્યાં જ્યાં અસર કરે, તે કક્ષા હજુ બાકી રહી છે.'' તે કચાશ છે, તેવું ખ્યાલમાં રહે તો, અનુભવની કક્ષા પૂરી કરવાનો લક્ષ સિધ્ધ થાય. પ્રસ્તુત સંકલન આત્મદ્ષ્ટિ પ્રાપ્ત થયે આગળ સહજ દશા પ્રાપ્ત કરી પૂર્ણાહુતિ પ્રાપ્તિના પુરુષાર્થની અદ્ભૂત કૂંચીઓ દાદા ભગવાનની જ્ઞાનવાણીમાં સંકલિત થઈ છે. જે આત્મસાક્ષાત્કાર થયા પછી ઉપકારી નીવડશે. દીપકના જય સચ્ચિદાનંદ જ્ઞાન પછી પુરુષાર્થ, સહજ દશા માટે ! સહજ પ્રાપ્ત, શુધ્ધાત્મા પદ ! પ્રશ્નકર્તા : સહજ ભાવે આત્માની દશા માટે ધ્યાનમાં બેસવું કે ના બેસવું ? દાદાશ્રી : સહજ ભાવ જ એને કહેવામાં આવે છે કે કશા પ્રયત્ન સિવાય ઊંઘમાંથી જાગો ત્યારે તમને 'હું શુધ્ધાત્મા છું' આવે છે એની મેળે ? પ્રશ્નકર્તા : આવે. દાદાશ્રી : એનું નામ સહજ કહેવાય અને બીજું બધું અસહજ કહેવાય. આ સહજ કહેવાય, 'હું શુધ્ધાત્મા છું' એની મેળે જ આવે અને ત્યાં 'સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ'નું સ્મરણ આપે છે, તે યાદ આવે ને નાયે આવે. એ પ્રયત્ન કરવો પડે. ને આ તો તમને સહજ થઈ ગયેલું છે. સહજાત્મસ્વરૂપ તમારું થઈ ગયું છે. તમારો આત્મા સહજ થઈ ગયો છે, હવે દેહને સહજ કરવાનો છે. તે આજ્ઞાથી થઈ શકે સહજ. બન્ને સહજ થઈ ગયા, એનું નામ મોક્ષ. સહજ વર્તે તે આત્મધ્યાન ! 'હું શુધ્ધાત્મા છું' એનું નિરંતર લક્ષ રહે છે ? પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા. દાદાશ્રી : એ આત્મધ્યાન કહેવાય છે, એ શુક્લધ્યાન કહેવાય છે. નહીં તો એક ઘડીવાર આત્મા યાદ ના રહે. એક અજાણ્યો માણસ હતો ને, તે શુધ્ધાત્મા જાણી લાવ્યો. તે પછી બીજે દા'ડે છે, તે મનમાં યાદ કરવા માંડ્યો. પેલો શબ્દ શું હશે, પેલો શબ્દ શું હશે ? પા કલાક સુધી યાદ ના આવ્યું. એ યાદગીરી નથી આ. આ તો સાક્ષાત્કાર છે અને અભેદતા છે. રટણ કરવાથી સહજતા બંધ ! સમકિતી જીવને શું થાય ? 'હું શુધ્ધાત્મા છું' એ ભાન આવે અને પેલા બીજા લોકોને કશું ઠેકાણું ના હોય. તે એને થોડું ઘણું કોઈ વાર ખ્યાલ આવે કે આ 'હું આત્મા છું', પણ સમકિતીને તો એની મેળે આવે. અને સ્મરણ તો કરવું પડે, એમાં બહુ ફેર. સ્મરણ કરીએ તો વિસ્મરણ થાય. વિસ્મરણ થયેલું હોય, તેનું સ્મરણ કરવાનું. એટલે આ બધા ચઢવાના રસ્તા છે. એટલે રટણ તમારે બોલવાનું નહીં. રટણ કરોને, તો પેલું મૂળ સહજ બંધ થઈ જશે. સહજ મહીં આવે, સહજાસહજ આવે, 'હું શુધ્ધાત્મા છું' લક્ષ જ રહ્યા કરે. પ્રશ્નકર્તા : હા, 'હું શુધ્ધાત્મા છું' એનું લક્ષ હંમેશાં રહ્યા જ કરે છે, ચોવીસ કલાક. દાદાશ્રી : એ લક્ષમાં રહ્યા જ કરે આપણા. પ્રશ્નકર્તા : તો 'હું શુધ્ધાત્મા છું' એવું બોલવાનું નહીં ? દાદાશ્રી : બોલવું હોય તો બોલો. ના બોલવું હોય તો કંઈ જરૂર નથી એની. એ નિરંતર ચોવીસ કલાક લક્ષમાં જ રહે. રોજ રાતે 'હું શુધ્ધાત્મા છું' બોલતાં બોલતાં સૂઈ જવું. અને આ પાંચ આજ્ઞા પાળવી, બહુ થઈ ગયું. અહીંથી જ મુક્તિ થઈ ગઈ. સર્વ દુઃખોનો અભાવ થઈ ગયો, સંસારી દુઃખ અડે નહીં હવે. પ્રયત્ન ત્યાં અનુભવ નહીં ! ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે આત્માનું લક્ષ ખ્યાલમાં આવે. એ લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોયને, ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોય ને, એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે આત્મા. તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય, એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ આપણો તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય, જે એની મેળે પ્રાપ્ત થાય. અને પ્રયત્ન કરવો પડે, એનું નામ અનુભવ નહીં. ક્રમિકમાં એમને પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે. તમારો આત્માનુભવેય તમારી દ્ષ્ટિએ સાચો છે, ખોટો નથી. પણ અંશ અનુભવ છે. અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છેને, તે તમને એમાં લાભ થાય, પણ હજુ પ્રગતિ માંડશો ને તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે. પરિચયમાં રહીને જ્ઞાન સમજી લેવાનું છે બધું. ખ્યાલ રાખવો પડે અભ્યાસથી ! પ્રશ્નકર્તા : શુધ્ધાત્માનો ખ્યાલ રાખવા એનો અભ્યાસ કરવો જરૂરી છે ? દાદાશ્રી : અભ્યાસ કરવો એનાથી ખ્યાલ જતો રહે ઊલટો. ખ્યાલ તો સહજ સ્વભાવી છે. સૂર્યનારાયણ ઊગે એટલે સૂર્યનારાયણના મનમાં એમ થાય કે બધે અજવાળું મારે ફેંકવું પડશે ને ? ના, તમે ઊગશો એ બહુ થઈ ગયું, તમે ફેંકશો નહીં કહીએ, બા. માથાકૂટ ના કરશો. એ માથાકૂટમાં તમે ક્યાં પડો, કહીએ, બા ? તમે આવો એટલે બહુ થઈ ગયું અમારે. એટલે આ તો હોય જ. એને પ્રયત્ન ના કરવાના હોય, સહજ વસ્તુ, સ્વાભાવિક વસ્તુ છે. અમારી આજ્ઞામાં રહેવું ત્યાં પ્રયત્ન, પુરુષાર્થ. એ પુરુષાર્થવાળી વસ્તુ છે. બીજે બધે સહજ હોય, એની મેળે જ આવે એનું ફળ. સૂર્યનારાયણ આવે, એમને અજવાળું ફેંકવું પડે ? ના ફેંકવું પડે ને ! આખી રાત ચિંતા કરતા હોય કે સવારમાં ક્યારે જઈશું ? સહજ ને સ્વાભાવિક છે આ ! પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એવું બોલે છે, તેય પ્રજ્ઞા જુએ છે ? દાદાશ્રી : બોલે છે ટેપરેકર્ડ, પણ ભાવ પ્રજ્ઞાનો છે. પ્રશ્નકર્તા : તો એ સહજ ક્રિયા થઈ પ્રજ્ઞાની ? દાદાશ્રી : પ્રજ્ઞાની બધી ક્રિયાઓ સહજ જ હોય, સ્વાભાવિક જ હોય. સામાના શુધ્ધાત્મા જોવાની દ્ષ્ટિ ! પ્રશ્નકર્તા : ચંદુભાઈ અને આત્મા જુદા છે, એ સહજ રીતે ખબર પડવી જોઈએ કે આપણે પ્રયત્ન કરવો જોઈએ, પ્રેક્ટિકલથી ? દાદાશ્રી : ના, એ તો જાગૃતિ જ કરી આપે. જાગૃતિ રહ્યા જ કરે એ. જેમ આપણે એક ડબ્બામાં છે તે હીરો મૂક્યો હોય તો જ્યારે ડબ્બો ખોલ્યો હતો, તે દહાડે હીરો જોયો હતો, પણ પછી વાસેલો હોય ને પડેલો હોય તોય મહીં આપણને હીરો દેખાય. ન દેખાય ? પ્રશ્નકર્તા : દેખાય. દાદાશ્રી : આ 'દેખાય છે' એનો અર્થ શું છે ? પછી તમને હીરો કાયમ ખ્યાલમાં રહેને કે આ દાબડીની મહીં હીરો છે. આ દાબડી જ છે એવું કહો કે પછી આ દાબડીમાં હીરો છે એવું બોલો ? પ્રશ્નકર્તા : ક્યારેક યાદ આવી જાય, દાદા. એવું બને કે રસ્તામાં જઈએ અને શુધ્ધાત્મા જોતા જઈએ પણ જેમ એક વસ્તુ જોઈ છે કે આ ડબ્બીમાં હીરો જ છે અને જેવું દેખાયને, એવું સ્પષ્ટ દેખાય નહીં. દાદાશ્રી : સ્પષ્ટ દેખવાની જરૂરેય નહીં. પ્રશ્નકર્તા : એ તો પછી મિકેનિકલપણું લાગે. દાદાશ્રી : ના, ના, જોયેલો છે. આપણા લક્ષમાં જ હોય, કે હીરો જ છે. એ તો આપણને લાગે છે. પ્રશ્નકર્તા : સવારે બહાર ચાલવા જઈએ ત્યારે 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' એમ બોલીએ અને પછી આજુબાજુ ઝાડ-પાનને બધું જોઈએ ત્યારે બોલાઈ જવાય કે શુધ્ધાત્માને નમસ્કાર કરું છું, તો એ બેમાંથી કયું વધારે સારું ? દાદાશ્રી : પેલું જે બોલો છો, કરો છો એ બધું બરાબર છે. એ જ્યારે પછી ધીમે ધીમે બોલવાનું બંધ થઈ જશે, ત્યારે એથી વધારે સારું. બોલવાનું બંધ થાય અને એમ ને એમ જ થયા કરે. પ્રશ્નકર્તા : તો આ બેમાંથી કયું સારું ? દાદાશ્રી : બન્નેય, બોલવાનું જરૂરી નથી, પણ છતાં બોલે છે તો સારું છે. બોલ્યા વગર એમ ને એમ નમસ્કાર ના કરાય ? પણ અંદર બોલે છે તેય વાંધો નથી. મનમાં એવું થાય તોય વાંધો નહીં. ઈટસેલ્ફ ક્રિયાકારી, એ વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એ જ્ઞાન છે ? દાદાશ્રી : ના. એ જ્ઞાન તો વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તો આ શબ્દમાં લખેલું છે, જે કરવું પડે, એને જ્ઞાન કહેવાય અને કરવું ના પડે, એની મેળે સહજ થયા કરે એ વિજ્ઞાન. સામાના શુધ્ધાત્મા જોવાનો અભ્યાસ ! આ બધામાં શુધ્ધાત્મા જુઓ છો ? પ્રશ્નકર્તા : જોઉં છું પણ કો'ક વખત વિસ્મૃત થઈ જાય. દાદાશ્રી : કો'ક વખત વિસ્મૃત થઈ જાય એમ નહીં, પણ કો'ક વખત જુઓ છો ખરાને ? પ્રશ્નકર્તા : હા, જોઉં છું. દાદાશ્રી : એ જોવાનો અભ્યાસ કરે એટલે આખો દહાડો સમાધિ રહે. એક કલાક આમ બહાર નીકળ્યા, શુધ્ધાત્મા જોતાં જોતાં જઈએ, તો કોઈ વઢે આપણને કે શું જુઓ છો ? આ આંખે રિલેટિવ દેખાય, અંદરની આંખથી શુધ્ધાત્મા દેખાય. આ દિવ્યચક્ષુ છે. તમે જ્યાં જોશો ત્યાં દેખાશે. એનો પણ અભ્યાસ પહેલો કરવાનો, પછી સહજ થઈ જશે. પછી એમ ને એમ સહજાસહજ દેખાયા કરશે. અભ્યાસ પહેલાંનો તો અવળો હતો, એટલે આનો અભ્યાસ કરવો પડે ને ? એટલે થોડા દહાડા હેન્ડલ મારવું પડે. પાંચ વાક્યોમાં રહેવાય તેટલું અવશ્ય રહેવું જ અને ના રહેવાય તો મહીં ખેદ રાખવો થોડો ઘણો, કે એવા તે મહીં શું કર્મના ઉદય લાવ્યા કે આપણને આજ જંપીને બેસવા નથી દેતા ! દાદાની આજ્ઞામાં રહેવાને માટે, કર્મના ઉદય પાછા સહિયારા જોઈએ ને ? ના જોઈએ ? નહીં તો એક કલાક આમ હેંડતા હેંડતા શુધ્ધાત્મા જોતાં જોતાં જવું. તે કલાક કાઢી નાખવો. હેંડતાં-ચાલતાં પુણિયા શ્રાવકનું સામાયિક થઈ ગયું ! પ્રશ્નકર્તા : જેની સામાયિક ભગવાન મહાવીરે વખાણી, એમાં શું રહસ્ય છે સમજાવો જરા. દાદાશ્રી : એ શુધ્ધ સામાયિક હતી. એવી સામાયિક મનુષ્યનું ગજુ જ નહીં ને ? શુધ્ધ સામાયિક, આ જેવું મેં તમને આપ્યું છે, એ દિવ્યચક્ષુ સાથેનું સામાયિક હતું. એ ઘરમાં રહે, બહાર ફરે તોયે પણ એનું શુધ્ધ સામાયિક, દિવ્યચક્ષુના આધારે એમને સામાયિક હતું. એ રૂ લઈ આવે. એની પુણીઓ કરીને પછી એને વેચે, એટલે પુણિયા શ્રાવક કહેવાતા'તા. પુણીઓ કાંતતી વખતે એનું મન જે હતું, તે આની મહીં તારમાં હતું અને ચિત્ત ભગવાનમાં હતું અને આ સિવાય બહાર બધું કશું જોતો-કરતો નહોતો. ડખલ કરતો જ નહોતો. વ્યવહારમાં મન રાખતો'તો અને નિશ્ચયમાં ચિત્તને રાખતો'તો. તો એ ઊંચામાં ઊંચી સામાયિક કહેવાય. ચિત્તવૃત્તિઓની નિર્મળતા, થાય સત્સંગથી ! તમે શુધ્ધાત્મા થયા, પણ ચિત્તવૃત્તિની નિર્મળતા હોય તો ગૂંચો ના પડે અને સંસારી કામ સરળ થતાં જાય. ચિત્તવૃત્તિની નિર્મળતા નથી તેથી સંસારી કામ સરળ નથી થતાં. અહીં બેસી રહે છે એટલે ચિત્તવૃત્તિ નિર્મળ થયા કરે. પછી તેને સંસારી કામ આગળ આગળ સહજ થયાં કરવાનાં. આ અભ્યાસ બનાવે સહજ ! પ્રશ્નકર્તા : રિયલ-રિલેટિવ મોટે ભાગે આમ તો રહે છે પણ અમુક વખતે પાછું જતું રહે. એવું થયા કરે. દાદાશ્રી : એ તો એવું છેને, ઘણા કાળનો અવળો અભ્યાસ એટલે એ થયા કરે. પછી આપણે એમ કરતાં કરતાં એ આ અભ્યાસ મજબૂત થયો એટલે સહજ થઈ જાય. અવળો અભ્યાસ અત્યાર સુધી અનંત અવતારથી હતો. એટલે આ અભ્યાસ કરતાં કરતાં કરતાં થઈ જાય. અભ્યાસ કરવો પડે. પહેલાં પાંચ-સાત દહાડા અભ્યાસ કરીને ઠેકાણે કર કર કરીને પછી છે તે સહજ થઈ જાય. આ બહાર રિલેટિવ ને રિયલ જોવાનો અભ્યાસ પાડવો પડે પહેલાં. અભ્યાસી હોય પછી થાય. ભાસ્યમાન પરિણામો ! પ્રશ્નકર્તા : આ રિયલ અને રિલેટિવ જોતા હોય એટલે આપણે કશુંક કંઈક કરતા હોઈએ ત્યારે જરા, રિલેટિવ કરે છે, રિયલ નથી કરતું એવું આપણને ભાન તો થાય છે પણ કોઈ કોઈ વખત. સહજ ભાવે જે થવું જોઈએ ને, એ સહજ નથી થતું. દાદાશ્રી : આ તો પોતાને ગુંગળામણ થાય છે. બાકી, નિરંતર રહે છે. પણ તમને પોતાને ભાસે છે એવું. આ હું આખો દહાડો અમદાવાદમાં હોઉં છું, પણ મને ઘણા ફેરા મુંબઈમાં છું એવું લાગે ને, તો પછી આજુબાજુ જોઉં ત્યારે ખબર પડે કે હા, આ તો અમદાવાદમાં જ છું. એટલે પેલું ભાસે છે, ખરેખર નથી. કર્તા-દ્રષ્ટા છૂટા, ત્યાં સહજતા ! એ તો એમ તો જોવા જાય તો બધું વાળ ઉગે છે તેય સહજ છે, આ દાઢી થાય છે એય સહજ, પણ એ એવું પણ ગણતરી નહીં. આ તો સહજ એટલે કહેવા માંગે છે, કે અસહજ થયેલું છે, એ જો સહજ થાય, એની એ જ ક્રિયા પાછી થાય. અને આપણને કંઈ વગર મહેનતે થાય, ત્યારે આપણે જાણીએ કે ઓહોહો ! આ તો સહજ થઈ ગયું. તમે કશું કહ્યું'તું ને હમણે, સહજાસહજ થઈ જાય છે એની મેળે ? પ્રશ્નકર્તા : બંધ પડી જાય, ફરી પાછું શરૂ કરવું પડે. દાદાશ્રી : ના, એમ નહીં. હમણે કશું કહ્યું ને હવે, હરેક કામ જલદી ઝપાટાબંધ સહેજે, સહજાસહજ થઈ જાય છે ? પ્રશ્નકર્તા : સહજ રીતે થઈ જાય એ બરોબર. દાદાશ્રી : એ સહજ રીતે થઈ જાય છે. માટે સહજ સ્વરૂપ ઉત્પન્ન થઈ ગયું, નહીં તો સહજસ્વરૂપે ના થાય. એય ચાનો પ્યાલો લાવ્યો ને લઈ ગયો ને મેલ્યો ને કર્યો ને, અત્યારેય બધું થાય, તે ચંદુભાઈ કરે, તમારે શું લેવા-દેવા ? ચંદુભાઈને તમે જાણો છો, ચંદુભાઈએ આ કર્યું ને તે કર્યું. હવે અસહજ શાથી હતો ? ત્યારે કહે, કર્તા હતો ને જ્ઞાતા-દ્રષ્ટા પોતે બેઉ હતો. 'મેં આ કર્યું' અને 'આ મેં જાણ્યું'. અલ્યા મૂઆ, એ બે ધારાઓ જુદી છે ને પાછી એક જ કરી નાખી, ભેગી કરી આ લોકોએ. એ કષાયનો સ્વાદ આવે છે. આ સંસારનો સ્વાદ કેવો આવે છે ? બે ભેગી થઈને એટલે કષાયનો આવે છે. અને બે જુદી થાય, એટલે મીઠું લાગે. હવે જુદી થવી એનું નામ સહજ. જે બને તે જુએ, એ સહજ ! પ્રશ્નકર્તા : દેહનું એટલું બધું મહત્ત્વ છે કે દેહ વ્યવસ્થિત હોવો જોઈએ. આ રોજે હોવું જોઈએ. દાદાશ્રી : ના. હોવું જોઈએ એ તો મારો શબ્દ જ ના હોય. જેવો હોય એવો હોવો જોઈએ. જે ટાઈમે જેવો હોય તેવો હોવો જોઈએ. નહાતી વખતે બાથરૂમમાં જેવો હોય તેવો હોવો જોઈએ. બહાર નીકળ્યા પછી જેવો હોય એવો હોવો જોઈએ. રાત્રે પોતડી પહેરીને સૂઈ જાય તો એવો, લેંઘો પહેરીને સૂઈ જાય તો એવો. સહજભાવ. સહજભાવ એટલે શું ? બને છે એ જોયા કરવાનું. તમારે તો આખો દહાડો ચંદુભાઈ શું કરે છે, એ જોયા કરવાનું. એ તમારું જ્ઞાન. અવિરોધાભાસ એટલે એમાં કશું જોવાનું-પૂછવાનું ના હોય. આ તો ખસી જાય એ પેલું બધું. પહેલાં વહીવટ અવળો હતો ને, તે વહીવટમાં જુદું રાખતા હતા. તે પાછા અમે ટકોર કરીએ એટલે પાછું આવે. પછી ફરી ગૂંચવાય એટલે પાછું આવે. તમારા જેટલું નહીં બધાંને, પણ થોડું થોડું ખસી જતું હોય. પછી તમારે ભરેલો માલ ખૂટે એટલે રાજા. એક ફેરો કૉલેજમાં પાસ થયા પછી ભૂલાય ખરું ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એવું આ એક ફેરો તમે શુધ્ધાત્મા થયા એ શી રીતે ભૂલાય ? અને કૉલેજમાં નાપાસ થયા તેય શી રીતે ભૂલાય ? પાસ થયા તેય શી રીતે ભૂલાય ? શુધ્ધાત્મા થઈને વર્તો વ્યવહારમાં ! કોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો, તે થયા પછી ભૂલે નહીં ને રાત-દહાડો કે હું વડોપ્રધાન છું, ના ભૂલેને ? તે ભૂલે નહીં એટલે એનું કામેય ચૂકે નહીં. કોઈ પ્રશ્ન પૂછે ને તો હું વડાપ્રધાન છું એવું સમજીને જ જવાબ આપે. એટલે આપણે શુધ્ધાત્મા થયાને તો આપણે શુધ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો. જે થયા તે રૂપનું છે આ. સમજી જાવ. કર્મના ઉદય બહાર જોર કરે તે જુદી વસ્તુ છે. તે તો વડાપ્રધાનનેય જોર કરે. કર્મના ઉદયે કોઈ ઢેખાળો મારે, કોઈ ગાળો ભાંડે. એ તો બધું કર્મના ઉદય તો એમનેય છે ને પણ એ એમની ફરજ બજાવે વડાપ્રધાન તરીકેની. એવી આપણે શુધ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે 'ચંદુભાઈ છું' એ બધું ભૂલી ના જાય. એમ કંઈ ભૂલે પાલવે ? બધું લક્ષમાં જ હોયને ? જોયા કરવાથી થાય સહજ ! સહજભાવ જ હોય છે અને પોતે જ જાણી શકે ને ! પ્રશ્નકર્તા : પણ એના બાહ્ય લક્ષણ ? દાદાશ્રી : પેલા કર્મની ડખલ થાય ને વચ્ચે, પૂર્વકર્મની, તે એને જોયા કરવાથી સહજભાવ રહે. એટલે ચંદુભાઈને કોઈ ટૈડકાવતો હોય, તે પૂર્ર્વકર્મના લીધે. આ ટૈડકાવનાર પૂર્વકર્મના આધારે ટૈડકાવે છે. આ ચંદુભાઈ સાંભળે છે તે પૂર્વકર્મના આધારે બધું ભોગવે છે, તેને આપણે જોયા કરીએ તો એ સહજભાવ કહેવાય. આત્મા તો સહજ છે જ. આ દેહ સહજ થાય તો એ થઈ જાય. છે જ સહજ એ તો, એમાં એને કરવાનો જ નથી. પ્રશ્નકર્તા : સહજ એટલે શું એના સ્વભાવમાં આવી જાય ? દાદાશ્રી : સ્વાભાવિક. આ અમારાં મન-વચન-કાયા સ્વાભાવિક થાય બધા. જેવું છે એવું સ્વાભાવિક. એમાં ડખો-બખો કરે નહીં. આની જોડે તમારે જરા ઉગ્રતા આવી ગઈ હોય, તો એને જુદી જોયા કરો તો મન-વચન-કાયા સ્વાભાવિક કહેવાય છે. એટલે મહીં જે છે તે એ માલ નીકળ્યો. એમાં ડખો કરતા નથી એ સ્વાભાવિક ! શુધ્ધ ઉપયોગથી થાય સહજ ! આ ચંદુભાઈ જુદા અને તમે શુધ્ધાત્મા જુદા છો, એ જાગૃતિ રહેવી જોઈએ. પછી છે તે સામો માણસ ઊંધું બોલે, અવળું બોલે તો એ શુધ્ધ આત્મા છે એ આપણને લક્ષમાં ના જવું જોઈએ. કારણ કે બોલે છે, એ આપણું ઉદયકર્મ બોલે છે. અને તે ઉદયકર્મને સામસામે લેણ-દેણ છે. એટલે પુદગલની લેવા-દેવા છે. એ કંઈ એના શુધ્ધાત્મામાં ફેર નથી થતો એટલે શુધ્ધ ઉપયોગ પોતે રાખવો, એ સામાને પણ શુધ્ધ જુએ, તે શુધ્ધ ઉપયોગ રાખ્યો કહેવાય. પોતે એવરીવેઅર શુધ્ધ જોયું, એનું નામ શુધ્ધ ઉપયોગ અને એનું નામ સમત્વ યોગ કહેવાય. સમત્વ યોગ એને પ્રત્યક્ષ મોક્ષ કહે છે. અમને નિરંતર સમત્વ યોગ રહે ડખોડખલ જોવામાં આવે તોય સમત્વ યોગ રહે. હાથ ઊંચા-નીચા કરે તો વાંધો નહીં. એ વાંકો થાય તોય વાંધો નહીં. ના કરે તોય વાંધો નહીં. પણ જે પોતે બુધ્ધિથી એમ કહે છે કે મારાથી આમ ન થાય, એ ત્યાં આગળ અહંકાર આવે છે. સહજ થવાનું છે. અજાગૃતિથી ચૂક્યા ત્યાં પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : હું જ્યારે દાદાનું નામ લઉં કે આરતી કરું, તોય મન બીજે ભટક્યા કરે. પછી આરતીમાં કંઈ જુદું જ ગાઉં. પછી લીટીઓ જુદી જ ગવાઈ જાય. પછી તન્મયાકાર થઈ જાઉં. વિચાર આવે એમાં તન્મયાકાર થઈ જવાય. પછી થોડીવાર રહીને પછી પાછો આવી જઉં એમાં. દાદાશ્રી : એવું છેને, તે દહાડે પ્રતિક્રમણ કરવું. વિચાર આવે તો વાંધો નથી, વિચાર આવે ત્યારે આપણે 'ચંદુલાલ'ને જોઈ શકતા હોય, કે 'ચંદુલાલ'ને વિચારો આવે છે, એ બધું જોઈ શકતા હોય તો આપણે ને એ બે જુદા જ છે. પણ તે વખતે જરા કચાશ પડી જાય છે. પ્રશ્નકર્તા : જાગૃતિ જ નથી રહેતી તે વખતે. દાદાશ્રી : તે એનું પ્રતિક્રમણ કરી લેવું કે આ જાગૃતિ ના રહી, તે બદલ પ્રતિક્રમણ કરું છું. દાદા ભગવાન ક્ષમા કરજો. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું બહુ મોડું યાદ આવે કે આ માણસનું પ્રતિક્રમણ કરવાનું હતું. દાદાશ્રી : પણ યાદ આવે ખરું ને ? સત્સંગમાં વધારે બેસવાની જરૂર છે. બધું પૂછી લેવું પડે ઝીણવટથી. વિજ્ઞાન છે બધું, પૂછી લેવાની જરૂર. એ તમને હું વિધિ કરી આપીશ. તમારી ઇચ્છા છતાંય નથી થતું ? પ્રશ્નકર્તા : હા, ઇચ્છા તો ખરી જ. દાદાશ્રી : હા. ઇચ્છા હોવા છતાંય નથી થતું ? અરે ! પ્રેક્ટિસ પડી નથી. તે એ પ્રેક્ટિસ પહેલી પાડવી પડે. પહેલાં બે-ત્રણ-ચાર દા'ડા પ્રેક્ટિસ આપણે પાડવી પડે. આપણને ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં તોય જમતી વખતે જમણો હાથ મહીં પેસી જાય. પ્રશ્નકર્તા : સતત તમારો ખ્યાલ હોય તો પ્રયત્ન નથી કરવો પડતો. સહજાસહજ થઈ જાય છે. દાદાશ્રી : હા. આ બધું સહજાસહજ થઈ જાય એવું છે. આમાં કશું કરવું નથી પડતું. એટલે તમને હું કરી આપીશ. સ્થૂળ શુધ્ધ ઉપયોગ, આજ્ઞા આધારે ! પ્રશ્નકર્તા : દાદા, ઉપયોગપૂર્વક ધોવાય એટલે સહજ કહેવાય ? દાદાશ્રી : સહજ નહીં, સંપૂર્ણ જાગૃતિપૂર્વક ઉપયોગ હોય. પ્રશ્નકર્તા : ખરેખર જે ઉપયોગ રહેવો જોઈએ એ કેવો હોય ? દાદાશ્રી : એ તો બહુ જુદી વસ્તુ છે. આ સ્થૂળ આવ્યું છે એ સારું છે. લોકોને સ્થૂળ ઉપયોગેય ક્યાં છે ? પ્રશ્નકર્તા : સ્થૂળ ઉપયોગ એટલે પોતાની પ્રકૃતિને મન-વચન-કાયાને જોયા કરવા એ ? દાદાશ્રી : અમારા શબ્દોથી ઉપયોગ લીધેલો તે, આજ્ઞાથી. આજ્ઞાથી રહે એ. પેલો તો ઉપયોગ બહુ જુદી જાતનો હોય. પ્રશ્નકર્તા : પણ દાદા, એ ઉપયોગ તો ખાલી જ્ઞાની પુરુષને જ હોયને ? દાદાશ્રી : બીજા કોને હોય તે પણ ? સહેલી વસ્તુ નથી આ. સ્થૂળ જ નથી રહેતોને લોકોને ! સ્થૂળનું જ ઠેકાણું નથી. પ્રશ્નકર્તા : જે શુધ્ધાત્માના દર્શન કરીએ એ સ્થૂળ ઉપયોગમાં જ ગણાય ? દાદાશ્રી : ત્યારે બીજું શું કર્યું કહેવાય ? એ તો આજ્ઞાપૂર્વક છેને ? પ્રશ્નકર્તા : એટલે અવલંબન છે, દાદા ? દાદાશ્રી : એ અવલંબન નહીં, શબ્દ જ છે આ તો. બીજું શું છે તમને ? શબ્દનું ફળ મળે છે. બાકી એમાં આત્માને શું લેવા-દેવા ? આત્મા એથી કંઈ જોયો-જાણ્યો ? પણ એનું ફળ મળે છે એટલે આનંદ થાય છે. એટલે આપણને આત્માની ખાત્રી થઈ ગઈ કે ભઈ, પ્રતીતિ છે જ, ચોક્કસ છે. આ શુધ્ધ ઉપયોગ સ્થૂળ કહેવાય. સ્થૂળ ઉપયોગ તો બહુ સારો. આ તો તારા જેવા બહુ થોડા પાળે છે. 'ન્હોય મારું' કહેવાથી રહેવાય 'સ્વ'માં ! પ્રશ્નકર્તા : આમ તો જેને ઉપયોગ ના રહેતો હોય એ સ્વરૂપની બહાર જ કહેવાયને ? દાદાશ્રી : કોઈ પણ રિલેટિવ વસ્તુ આવે તો આ 'મારી ન્હોય' એમ કહે એ 'સ્વરૂપ'માં છે. ત્યારે અહીં સ્વરૂપમાં બેસીને બોલે છે. નહીં તો બોલાય નહીં. બહાર ઊભો હોય તો બોલાય નહીં. આ 'મારું ન્હોય'. આ એટલે આ સ્વરૂપમાં છે. ચોખ્ખું છે તો પછી કશું રહ્યું ? પ્રશ્નકર્તા : પણ બધા સંજોગોમાં 'મારું ન્હોય' એવું ના રહે, દાદા. દાદાશ્રી : તે 'તારું છે' એવું લાગે છે તને ? પ્રશ્નકર્તા : એવો કશો ભાવ ના હોય કે આ મારું છે કે નથી, એવું. દાદાશ્રી : એટલે ઉપયોગપૂર્વક નથી રહેતું એમ. એમ ને એમ તો રહે છે, પણ ઉપયોગપૂર્વક રહેવું જોઈએ કે 'ન્હોય મારું'. આપણે 'ન્હોય મારું' બોલીએ એટલે મહીં બીજા બધા બેઠા છે એ સાંભળે ને કહેશે, ઓહોહો ! આપણી સાથે ચોખ્ખું જ બોલે છે હવે. બુધ્ધિ, મન ને ચિત્તને ખાત્રી થઈ જાય કે હવે આ 'એ' પક્ષના થઈ ગયા, હવે આપણું ચાલે નહીં. પ્રશ્નકર્તા : શરૂઆતની અવસ્થાઓમાં બોલવાનું, પછી તો પરમેનન્ટ એવું થઈ જાયને ? એટલે હમણાં બોલ્યે રાખવાનું ? દાદાશ્રી : પણ હજુ શરૂઆત તો હમણાં જ થઈ છેને ? કહેવામાં શું વાંધો છે, 'મારું ન્હોય'. બસ, ધીમે રહીને મનમાં, મોટેથી નહીં બોલવાનું. મનમાં બોલવું કે 'મારું ન્હોય'. આ તિજોરીની આસપાસ પોલીસવાળા હોય છે. તે રાતે બાર વાગે તો બાર વાગ્યાના ઘંટ વગાડે. એક વાગ્યા હોય તો એકનો ઘંટ વગાડે અને પાછું કલાકે કલાકે બોલે, 'અલ બેલ.. અલ બેલ..' એવું બોલે. એટલે પછી એ બધાય પોલીસવાળા સાંભળે, બધાય આરામથી સૂઈ જાય. 'અલ બેલ' એટલે શું કહે છે ? 'અલ બેલ' એટલે 'ઓલ વેલ'. હવે એટલું બોલે છે, એટલે પેલા પાછા નિરાંતે સૂઈ જાયને પછી ? ના બોલે તો ત્યાર પછી શંકા પડે કે કેમ હજુ સાડા બાર થયા તોય બોલ્યો નહીં. ટકોરે ટકોરે બોલવાનું, એવું આપણેય બોલવાનું. બોલવાથી પૂરવાર થાય કે, પોતે સ્વરૂપમાં છે, જાગૃતિપૂર્વક છે અને 'મારું ન્હોય' કહે છે. સ્વરૂપમાં રહ્યા, એની ખાત્રી શું ? ત્યારે કહે, કોઈ ઢેખાળો મારે, તે ઘડીએ એને તરત જ એમ થાય કે આ 'મારું સ્વરૂપ ન્હોય'. એટલે શું કે પોતે સ્વરૂપમાં બેસીને બોલે છે આ. ગમે તેવું રિલેટિવ આવે તો 'મારું સ્વરૂપ ન્હોય' બોલે કે છૂટ્યો. પ્રશ્નકર્તા : ઘણી વખત જાગૃતિ રહે છે કે, આ 'મારું સ્વરૂપ નહોય', સહજ રીતે રહે છે. ઘણી વખત જાગૃતિ રહેતી નથી અને તન્મયાકાર થઈ જવાય એ રિલેટિવ વસ્તુમાં. દાદાશ્રી : હા, તો આવું કહેને ? 'મારું સ્વરૂપ ન્હોય' એમ કહેવાનો અભ્યાસ કરીએને એટલે જાગૃતિ આવી જાય. અભ્યાસ કરવો જોઈએ. પ્રશ્નકર્તા : ઘણીવાર કોઈ રિલેટિવ વસ્તુ અથવા સંયોગ હોય નહીં ત્યારે એવું લાગે છે કે હું સ્વરૂપમાં છું. દાદાશ્રી : હા, બરોબર છે. વાંધો નહીં. સંયોગ આવે તો જ છે તે આઘુંપાછું થવાનો સંભવ છે. તો સંયોગને આપણે કહી દેવું કે 'મારું સ્વરૂપ ન્હોય'. પ્રશ્નકર્તા : સંયોગ ન હોય ત્યારે આપણે સ્વરૂપમાં હોઈએ ? દાદાશ્રી : સંયોગ ના હોય એટલે, એ વાતને સમજ્યો નથી. મન પણ ના હોય તે ઘડીએ ! પણ મન જો વિચારતું હોય, તો એ સંયોગ કહેવાય. તોય તમે જ્ઞાયક સ્વરૂપમાં જ છો. ભટકતા ચિત્તને તમે જોયા કરો, તે ઘડીએ તમે સ્વરૂપમાં છો. જેમ આપણી ગાય હોય, તે આમ દોડે, આમ દોડે, તે પણ એને તમે જોયા જ કરો, તો એ તમે સ્વરૂપમાં છો. ચિત્તનો સ્વભાવ ભટકવાનો પણ એની જોડે તન્મયાકાર થાય તો એ બગડ્યો. ફેર, 'કરવું પડે' ને 'વર્તે' એમાં ! પ્રશ્નકર્તા : એક વાર સત્સંગમાં આપે કહેલું કે એક સ્ટેજ એવી હોય કે ચંદુભાઈ કરે છે અને એમાં જ તન્મયાકાર હોય. બીજી સ્ટેજ એવી હોય કે ચંદુભાઈ જુદા અને પોતે જુદો. એટલે આ કર્તા જુદો અને પોતે જુદો અને ત્રીજી ટોપની સ્ટેજ એવી છે કે ચંદુભાઈ શું કરે છે એને પણ જુએ છે, આત્મા ચંદુભાઈને જુએ છે એ સમજાવો જરા. દાદાશ્રી : શું સમજવાનું છે એમાં ? પ્રશ્નકર્તા : એ સ્ટેજ કયું કહેવાય ? દાદાશ્રી : એવું છે ને, આ જોવાના કાર્યોમાં પડ્યા છે તે એ કાર્ય જોવાનું સહજ હોવું જોઈએ. જોવાનું એને કરવું પડે છે, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે એટલે એનેય પણ જાણનારો છે ઉપર. જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે. એ પછી મેનેજર થયો પાછો. એનો ઉપરી પાછો રહ્યો. છેલ્લા ઉપરીને જોવું પડે નહીં, સહજ દેખાયા જ કરે. પ્રશ્નકર્તા : એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા જોવું પડે છે 'એ' કોણ અને 'એને' પણ જે જુએ છે તે કોણ ? દાદાશ્રી : 'એને' પણ જુએ છે તે 'મૂળ'(સ્વરૂપ). આ જોવું પડે છે તે વચલો, ઉપયોગ. એટલે એને પણ જાણનારો છેક છેલ્લી દશામાં. આ અરીસામાં આપણે આમ બેઠા અને અરીસો પેણે મૂક્યો તો આપણે બધા દેખાઈએને તરત ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એને કંઈ જોવું પડે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એવું આત્મામાં ઝળકે, બધું આખું જગત મહીં ઝળકે. પ્રશ્નકર્તા : એ 'વચલો' કોણ, દાદા ? દાદાશ્રી : ઉપયોગ. પ્રશ્નકર્તા : એ ઉપયોગ પણ કોનો ઉપયોગ ? દાદાશ્રી : એ પેલી 'પ્રજ્ઞા'નો. પ્રજ્ઞાના ઉપયોગમાં આવી ગયો એટલે બહુ થઈ ગયું. એથી આગળ આપણે બહુ જરૂર નથી, ત્યાં સુધી આપણી કૉલેજ ! આજ્ઞા બનાવે, સહજ પ્રકૃતિ ! આ જ્ઞાન આપેલું હોય તેને ગાડીમાં ચઢતાં ક્યાં જગ્યા છે ને ક્યાં નથી એવો વિચાર આવે ત્યાં સહજ રહેવાય નહીં. મહીં પોતે ડખલ કરે, છતાં પણ આ જ્ઞાનમાં જ રહો, આજ્ઞામાં જ રહો, તો પ્રકૃતિ સહજ થાય. પછી ગમે તેવું હશે તોય લોકોને સો ગાળો ભાંડતો હશે તોયે એ પ્રકૃતિ સહજ છે. કારણ અમારી આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટી, ને ત્યારથી પ્રકૃતિ સહજ થવા માંડે. શુધ્ધ રૂપે જોવાથી, પ્રકૃતિ જોડે એડજસ્ટ ! પ્રશ્નકર્તા : બીજાની સાથે જો એડજસ્ટ થવું હોય તો પછી એનામાં શુધ્ધાત્મા જ જોવો જોઈએને, જો શુધ્ધાત્મા જોઈએ તો જ એડજસ્ટ થઈ શકાયને ? દાદાશ્રી : હા, તે બીજું શું ? આ આજ્ઞા પાળે એ એડજસ્ટ જ થઈ જાય. આજ્ઞા પાળો ને શુધ્ધાત્મા જુઓ, એની ફાઈલનેય જુઓ. રિલેટિવને અને રિયલને, બન્ને જુઓ. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને સામાની પ્રકૃતિ સાથે એડજસ્ટ કરાવી એને બદલે આ કહે છે કે હવે જો 'હું શુધ્ધાત્મા છું' અને સામાના શુધ્ધાત્મા જો જોઉં તો પ્રકૃતિ એની મેળે એડજસ્ટ થઈ જાય. દાદાશ્રી : થઈ જ જાય. ગોદો મારીએ તો પ્રકૃતિ કૂદે. પ્રશ્નકર્તા : પ્રકૃતિને ગોદો મારીએ તો પ્રકૃતિ કૂદે. પણ પ્રકૃતિને જોયા કરીએ તો પ્રકૃતિ એની મેળે ગલન થઈ જાય. દાદાશ્રી : બેઉ સહજભાવમાં આવી જાય. આ અસહજ પોતે થાયને એટલે પેલું પ્રકૃતિ કૂદ્યા કરે. પ્રશ્નકર્તા : પણ જેણે જ્ઞાન લીધું છે એની પ્રકૃતિ સહજ થાય, પણ સામાએ જ્ઞાન ના લીધું હોય એની સહજ થોડી થાય ? દાદાશ્રી : પછી બીજાની પ્રકૃતિ જોડે સહજ રીતે કામ કરી લે છે. પેલો વચ્ચે મહીં ગોદો ના મારે તો. પ્રશ્નકર્તા : બે માણસો સામસામા હોય, એકે દાદાનું જ્ઞાન લીધેલું છે, એટલે એ પોતાની પ્રકૃતિ સહજ કરતો જાય છે આ પ્રમાણે જ્ઞાનમાં રહીને, પાંચ આજ્ઞાઓ પાળીને પણ સામો માણસ જે છે, જેણે દાદાનું જ્ઞાન નથી લીધું એની પ્રકૃતિ સહજ કેવી રીતે થાય ? દાદાશ્રી : ના, એ થાય નહીં. એને કશું લેવા-દેવા નહીં. પ્રશ્નકર્તા : હવે એને કશું લેવા-દેવા ના હોય, એની પ્રકૃતિ સહજ ના થાય પણ આપણને વાંધો ના આવે, આપણે જ્ઞાનમાં રહેતા હોઈએ. દાદાશ્રી : અમારી આ જે પાંચ આજ્ઞા છેને, તે તમારી સેફસાઈડ છે. એમાં તમે રહોને તો કોઈ વાઘ-સિંહ કશુંય તમને હેરાન કરે નહીં. વાઘને જેટલો વખત તમે શુધ્ધાત્મા તરીકે જુઓ, તેટલો વખત એ એનો પાશવી ધર્મ ભૂલી જાય છે. પશુયોનિનો જે ધર્મ છે તે ભૂલી જાય. એનો ધર્મ ભૂલ્યો એટલે થઈ રહ્યું, કશું કરે નહીં. રિલેટિવના ડખા, સમાય પાંચ આજ્ઞાથી ! 'જ્ઞાન' પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લેટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે. એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે, તો શી અસર થાય તમને ? પ્રશ્નકર્તા : મહીં કંટાળો આવે ને ગાળોય દઇ દઉં આ રેલ્વેવાળાઓને. દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ 'વ્યવસ્થિત' છે. ''અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઇ બાપોય રચનાર નથી અને તે 'વ્યવસ્થિત' છે.'' આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે. તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તો જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રીલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય. એટલે શું કે પોતે જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદ પદમાં રહે. આ જ્ઞાન હાજર હોય એટલે ટ્રેન અડધો અડધો કલાક કરતાં આખી રાત કાઢે ને, તોય આપણને શો વાંધો આવે ? અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીયે ગાળો આપે. એ ગાળો શું ટ્રેનને પહોંચવાની છે ? ગાર્ડને પહોંચવાની છે ? ના. એ કાદવ તો પોતાને જ ઉડાડે છે. જ્ઞાન હોય તો મુશ્કેલીમાં મુશ્કેલીને જુએ અને છૂટમાં છૂટને જુએ, એનું નામ જ સહજ આત્મા. આ અમારું જ્ઞાન એવું આપ્યું છે કે સહેજેય કંટાળો ના આવે. ફાંસીએ ચઢવાનું હોય તોય વાંધો ના આવે. ફાંસીએ ચડવાનું છે એ તો 'વ્યવસ્થિત' છે અને રડીનેય ચઢવાનું તો છે જ, તો પછી હસીને શા માટે ના ચઢીએ ? મુશ્કેલી છે પાડોશીની, જાણે જ્ઞાનથી ! તેથી આ અમે તમને આજ્ઞા આપી છે ને, તે સહજ જ કરનારી ચીજ છે. એ સહજ જ બનાવનારી. સહજાસહજ બધું પતી જાય એવું છે એનું. સમાધિ સાથે જ હોય એવું છે, ગમે તેવી મુશ્કેલીમાં. જુઓને, આ કેવી મુશ્કેલી આવી છે ! આમ કેન્સર થયુંુ છે ને ફલાણું થયુંુ છે ને ગૂંચવ ગૂંચવ કરે છે, નહીં ? અરે, થયું છે તો એને થયું છે, મને શું થયુંુ છે તેમાં ? આપણે જાણ્યું કે પાડોશીને ગભરાયા છે. કોઈ પાડોશી માટે કંઈ બહુ રડે નહીં, નહીં ? હમણાં આ જોડેવાળા શેઠ છે, તે એમને કંઈ દુઃખ આવે તો આપણે રડવા લાગીએ ? એમને જઈને કહીએ કે ભઈ, અમે છીએ તમારી જોડે, તમે ગભરાશો નહીં. ચીડ, રાગ છૂટ્યે સહજ ! બેઉ રમણતા ચાલ્યા કરે, એનું નામ સહજતા. અને મહીં ખેંચ ખેંચ કરે કે આ ના જ થાય અને ખેંચ કરે એટલે આ મહીં ખેંચવું, બ્રેક મારી કે આપણાથી આ ના થાય એટલે થઈ ગયું અસહજ બધું. ત્યાં ખેંચ ના કરે તો રાગે પડી ગયું, કામ થઈ ગયું. હવે આય કંઈ એવું નથી કે આની જરૂર છે, એવું કશું નહીં. આ તો સહજ થવા પૂરતું. કહે છે, કેમ અસહજ હતા ? ત્યારે કહે, 'આની ચીડ હતી.' આવું થતું હશે ? તેની ચીડ પેસી ગઈ. એ ચીડ કાઢ્યા વગર સહજ ના થાય અને રાગેય કાઢ્યા વગર સહજ ના થાય. આજ્ઞામાં રહ્યે, ઉકળાટ ગયા ! આજ્ઞામાં નિરંતર રહે એટલે પછી આપણે ડખો જ નહીં ને. જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી જ થઇ ગયા ને, આ આજ્ઞા એવી સરસ છે. આ સંસાર તો આગની ભઠ્ઠી કહેવાય. આમાં ઘડીવાર શાંતિ ના રહે, મેળ પડે નહીં. ત્યાર આપણે જાણીએ કે આપણે આ આટલા આનંદમાં રહીએ છીએ, મસ્તીમાં રહીએ છીએ, શા આધારે ? એવું તને ના સમજાય ? પ્રશ્નકર્તા : સમજાય. જ્ઞાન અને આજ્ઞાના આધારે. દાદાશ્રી : તે આગની ભઠ્ઠી જોયેલી ? અનુભવેલી નહીં ? આ જ્ઞાન લેતા પહેલા અનુભવેલી ને ? પ્રશ્નકર્તા : હા, એ અનુભવેલી. દાદાશ્રી : તે ભઠ્ઠી મહીં આખો દહાડો લોહી બળ્યા જ કરે, ચળ, ચળ, ચળ. પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પહેલાં બહુ ઉકળાટ થતો'તો. દાદાશ્રી : હા, એ ઉકળાટ બધો બંધ થઇ ગયો ને ! એ જ મોક્ષ છે. બીજો ક્યો ? તારા મોઢા પર મોક્ષ તો ઊઘાડો દેખાય છે. લોકો મહીં વાણીમાં ઓળખી જાય છે ? કોઇ કહેતું નહીં હોય ? પ્રશ્નકર્તા : સમજે ખરા, કે કંઇ ફેર પડ્યો છે. દાદાશ્રી : કંઇક છે આ. જ્ઞાનીના શબ્દો, જુદો રાખે આત્મા ! આ 'ફાઈલ' છે એવું જ ભાન નથી, આ જગતને ! ત્યારે મને એક જણે કહ્યું હતું, 'આમાં 'ફાઈલ' શબ્દ મૂકીએ તે એનો અર્થ એટલો જ થઈ ગયો કે 'આત્મા' સિવાય બધી વસ્તુ બાકી રહી, તેને ફાઈલ 'તમે' કહો છો ! એટલે આ ફાઈલ નંબર વન કહો એટલે તમે શુધ્ધાત્મા થઈ ગયા. કારણ કે એ જુદો પડી ગયો. ફાઈલ નંબર વન બોલતાંની સાથે જ આત્મા જુદો પડી ગયો પછી. કારણ કે આપણે શુધ્ધાત્મા અને સામી ફાઈલ નંબર વન, બે જ છે. ફાઈલ નંબર વનની જોડે મારે સમભાવે નિકાલ કરવો છે, એ કોને ભાવ હોય ? ત્યારે કહે, 'બીજો, જે જુદો પડે તેને.' ત્યારે કહે, 'આત્મામાં એ ભાવ છે ક્યાં ?' ત્યારે કહે, 'પ્રજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞાનો ભાવ હોય ત્યાં.' પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે ને પ્રજ્ઞા કામ કરી લે છે. મૂળ આત્મા કામ કરતો નથી. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય. જેને કૃષ્ણ ભગવાને સ્થિતપ્રજ્ઞ કહી છે એ જુદી. સ્થિતપ્રજ્ઞ દશા એ જુદી છે અને આ તો સહજ પ્રજ્ઞા છે. મોક્ષે લઈ જતાં સુધી છોડે જ નહીં, તમને. ચેતવ ચેતવ ચેતવ કરે. એનો સ્વભાવ જ મોક્ષે લઈ જવાનો છે. મારી-ઝૂડીને આમથી-તેમથી હલાવી કરીને પણ છેવટે રાગે પાડી દે. ઉદાસીનતાથી ઉપર આ જ્ઞાન ! પ્રશ્નકર્તા : સ્વરૂપજ્ઞાન થયા પછી, સંસારમાં ઉદાસીનતા જ રહેને ? પછી તો ક્યાંય રસ ના આવેને, અનુભવ થયા પછી ? દાદાશ્રી : ઉદાસીનતાની જરૂર જ નથી. ઉદાસીનતાનો માર્ગ જ ન્હોય આ. આ તો નિકાલ કરવાનો. કેરી ઘોળીને રસ લાવતા હોયને, તો આપણે કહીએ, 'જુઓ, મહીં ફલાણા મસાલા-બસાલા નાખજો રસમાં, હં.' અને પછી ખા. આ એવું નહીં કે થાળી સારી આવી તો લોકોને આપી દેવાની. આ તો ભોગવતાં ભોગવતાં જવાનું. આ એવું ઉદાસીનતા લાવવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : ઉદાસીનતા લાવવાની નહીં, સહજ ઉદાસીનતા થાય. દાદાશ્રી : પણ સહજ ઉદાસીનતાની જરૂર જ નથી, આ લાઈનમાં. આ તો અમારી આજ્ઞા પાળીને સમભાવે નિકાલ કરો. કેરી આવે તો કેરી ખાવ, જે આવે એ ખાવ. બધું વિચાર નહીં, થાળીમાં જે આવે એ ખાવ. ઉદાસીનતા થઈ જાયને, એ તો આ વૈરાગ માર્ગમાં. વૈરાગથી ઉદાસીનપણું આવે. આમાં વીતરાગપણું આવે. આપણે અહીં ઉદાસીનપણું બિલકુલેય ના હોય, સીધી વીતરાગતા જ. આ વેઢમી-લાડવા બધું જ ખાવાની છૂટ આપી, તેનું કારણ શું ? નહીં તો ના કહી દેત કે ભાઈ, આવું તેવું બધું ખાવાનું નહીં. બધું ખાવ જે આવે એ. અમે એ જ્ઞાનથી જોયેલું છે કે વોટ ઇઝ ડિસ્ચાર્જ એન્ડ વોટ ઇઝ ચાર્જ. અને એ અમે જોઈને કહ્યું છેને, ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કહેલું છે. ડિસ્ચાર્જમાં અમે તમને આઘુંપાછું કરો, એવું કશું કહેતા નથી. જગત આખુંય ડિસ્ચાર્જને ચાર્જ સમજે છે. એટલે ઉદાસીન જરૂર જગતને છે. સહજ દશાની લિમિટ ! પ્રશ્નકર્તા : સહજતાની લિમિટ કેટલી ? દાદાશ્રી : નિરંતર સહજતા જ રહે. સહજતા રહે પણ જેટલી આજ્ઞા પાળો એટલી રહે. આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ, એટલું મુખ્ય વસ્તુ છે. અમે શું કહ્યું છે કે જો આજ્ઞા પાળો તો કાયમ સમાધિ રહેશે. ગાળો ભાંડે, મારે તોય પણ સમાધિ જાય નહીં એવી સમાધિ. સવારના પહોરમાં નક્કી જ કરવાનું કે દાદા, આપની આજ્ઞામાં જ રહેવાય એવી શક્તિ આપો. એ નક્કી કર્યું પછી ધીમે ધીમે વધતું જાય. પ્રશ્નકર્તા : શરૂઆતમાં જ્ઞાન લીધા પછી એ પ્રમાણે કરતાં કરતાં જઈએ ને ભાવ આપણો પાકો થતો જાય જેમ, એમ એમ પછી વધારે ને વધારે આજ્ઞામાં રહેવાય છે. દાદાશ્રી : વધારે ને વધારે જ રહેવાય. આપણા જ્ઞાનમાં, અક્રમ વિજ્ઞાનમાં ચૌદ વર્ષનો કોર્સ છે, સામાન્ય રીતે. તે પાછા બહુ કાચા હોયને તેને વધુ થાય ને બહુ પાકા હોય તેને અગિયાર વર્ષમાં થઈ જાય, નિષ્ઠા વધે એમ. પણ ચૌદ વર્ષે સહજ થઈ જાય. મન-વચન-કાયા પણ સહજ થઈ જાય. 'ડખોડખલ નહીં કરું તેવી શક્તિ આપો' એવું ચરણવિધિમાં બોલે રોજ, એટલે એ કામ સારું આપે એ લોકોને. અને ડખોડખલ ના કરવી એ જાણતો જ ના હોય તો ડખોડખલ થઈ જાય વારેઘડીએ અને પછી પસ્તામણ થાય. એ શેના જેવું ? 'કલ્યાણ હો' એવું ભાવ બોલ્યા હોય આપણે તો પેલું અસર કરે. અને એવું કશું ના બોલ્યા હોય તો પેલી અસર ના કરે. એટલે અવળાં પરિણામ આવે. બરોબર, સારાં ના આવે. જ્ઞાની ચોખ્ખા રહીને ચોખ્ખા કરે ! બધાં કપડાંને ધોઈ નાખે છે એ પછી નાહ્યા પછી એક કપડું રહ્યું તેય ધોવું તો પડે જ ને ? પણ છાંટા ના ઊડે એવી રીતે સાચવીને ધોઈ નાખવું. પેલાં બીજાં કપડાં ધોઈ નાખ્યાં સાબુ ઘાલીને માથે ધાંધલ ધાંધલ કરીને, માથામાં સાબુ ઊડે તોય વાંધો નહીં. પણ નાહ્યા પછી સાબુ ના ઊડે, એવી રીતે. એટલે આ છેલ્લું કપડું ધોઈ નાખે. ના ધોવું પડે ? પ્રશ્નકર્તા : તે આવો સરસ-સચોટ દાખલો છે ! દાદાશ્રી : હા, એ મેં કરેલું નાનપણમાં. મને યાદ હોયને, અમારે ત્યાં ખેતરોમાં પંપ મૂકતા, તે ગરમ પાણી નીકળે, પેલું ફ્રી ઑફ કોસ્ટ. બોઈલરનું પાણી ઠંડું કરવાનું. ગરમ નીકળે છેને એટલે ત્યાં કપડાં લઈ જઈને ધોઈ નાખીએ. પછી એક જે રહ્યું છેલ્લું, તે છાંટા-બાંટા ના ઊડે એવી રીતના ધીમું કરીને એક બાજુમાં લાવીને ધોઈ નાખીએ. એવું આ એક રહ્યું. જરાય છાંટા ના ઊડે, આમ આમ થોડું નીચે રાખીને છાંટા પણ ના ઊડે એવું નાહેલા-ધોયેલા. સાબુના છાંટા ઊડે કે પાછું. એ તો ત્યાં સત્તર વર્ષેય બુધ્ધિ હોય એટલી તો. એટલી બુધ્ધિ ના હોય તો શું કામનું ? પણ આમાં હોય, એ જ રીત અહીં છે આ. પ્રશ્નકર્તા : આ જ્ઞાનપ્રકાશ એ સહજાસહજ ? દાદાશ્રી : એ તો સહજાસહજ હોય, એવું એકદમ પૌદગલિક એ વીંટ્યું'તું તે જ નીકળે બહાર, સહજ, વગર મહેનતે. અને આ જ્ઞાનની પ્રાપ્તિ તો દુર્લભ કહેવાય. પણ હવે છેવટે ધોઈ નાખશોને ? પ્રશ્નકર્તા : હા. રોજેય ધોવાતું જ જાય છેને આ ? એક વખત તમે કહ્યું'તું કે હું કપડાં ધોતાં શીખવાડું, પણ મારાં કપડાં ના બગડે ? દાદાશ્રી : એ તો હું મારાં પોતાનાં બગડે એવાં હોય તો શું કરવા શીખવાડું ? આ ચંદુભાઈનો ચારિત્રમોહ નીકળે. એમને આ સ્થિતિમાંય પણ ચારિત્રમોહ તો નીકળવાનો જ. આખો ચારિત્રમોહ જે ભરેલો છે એ જોયા કરવાનો, એ ચારિત્રમોહ નીકળે. એટલે એ કોઈની જોડે ગુસ્સે થયા હોય, તે ઘડીએ અંદર સાવ જુદા હોય આનાથી કે આમ ન હોવું જોઈએ. તે બહાર ગુસ્સો હોય તેના કરતાં અંદર એ વધારે જોર હોય. એટલે એ છૂટા રહે છે. એટલે આ ચારિત્રમોહ શુધ્ધ થયો કહેવાય અને જોઈને જવા દીધો કહેવાય. એ જોઈને જાય ત્યારે શુધ્ધ થઈ જાય. અજાણપણે જાય એ શુધ્ધ ના કહેવાય. ચારિત્રમોહને જોયા કરવાનું ક્યારે બને ? જગત વિસ્મૃત હોય ત્યારે. જગત વિસ્મૃત ક્યારે બને ? તો એ જ્ઞાની પુરુષના ટચમાં ને ટચમાં રહીએ ત્યારે, પેલાં બધાં ભૂંસાઈ જાય, ચોપડા. ટચ એટલે કાયમ, આખી જીંદગી નહીં, પણ અમુક કાળ સુધી ટચમાં રહ્યા એટલે ભૂંસાઈ જાય બધું. ભૂંસાઈ ગયા પછી ફરી ઊભું ના થાય. સાહજિક દશાની પારાશીશી ! આ પહેલા નંબરની ફાઈલની જોડે કશી ભાંજગડ નહીંને ? કોઈ જાતની નહીં ? ઓહોહો ! અને ગુનો નહીં કરેલો પહેલા નંબરની ફાઈલનો ? હું પૂછું છું આપણા મહાત્માઓને કે, 'પહેલા નંબરની ફાઈલનો નિકાલ કરો છોને સમભાવે ?' ત્યારે કહે છે, 'પહેલા નંબરની ફાઈલ ઉપર શું નિકાલ કરવાનો હોય ?' અલ્યા, ખરી ફાઈલ જ પહેલા નંબરની છે. આપણે જે દુઃખી છીએ, આપણને અહીં જે દુઃખ લાગે છેને, તે અસહજતાનું દુઃખ છે. મને કોઈકે પૂછ્યું હતું કે 'આ પહેલાં ફાઈલ નંબર ૧, તે એને ફાઈલ ના ગણીએ તો શું વાંધો ? એ શું કામનું છે ? એમાં કંઈ બહુ ખાસ એ હેલ્પીંગ નથી.' ત્યારે મેં આવો જવાબ આપ્યો કે, 'બધું બહુ જ આ ફાઈલ જોડે તો માથાકૂટ કરી છે આ જીવે. અસહજ બનાવી દીધો છે.' ત્યારે કહે છે, 'આ બીજી ફાઈલો જોડે આપણે કંઈ નુકસાન કર્યું હોય તો સમજાય પણ આપણી ફાઈલ જોડે, પહેલા નંબરની ફાઈલ જોડે શું નુકસાન કર્યું એ સમજાતું નથી.' આ બધાં નુકસાન કર્યાં હોય તે આ ફોડ પાડીએને ત્યારે સમજાય, બળ્યાં. 'સમભાવે નિકાલ' કરીએ છીએ આ બધી ફાઈલો જોડે. પછી આ બીજા નંબરની ફાઈલ જોડે તો ઝઘડા થયા હોય, ભાંજગડ થઈ હોય તો એનો નિકાલ સમભાવે કરીએ, પણ આ ફાઈલ નંબર એક અમારી જ ફાઈલ. આની જોડે શું નિકાલ કરવાનો ?' પણ આ લોકોને ખ્યાલમાં જ નહીં કે શું નિકાલ કરવાનો છે. બધા પાર વગરના નિકાલ કરવાના છે. તે મેં એને સમજણ પાડી. ત્યારે એય કહે છે, 'આય વાત બહુ વિચારવા જેવી થઈ આ તો.' બહાર ભાષણો ચાલતાં હોય એ બધાં, વડાપ્રધાન ને એમનાં. તે ઘડીએ થૂંકવાનો થયો હોયને તે થૂંકે નહીં. સભામાં બેઠો હોય, પેશાબ કરવા જવું હોય તો બે-દોઢ કલાક સુધી જાય નહીં. બને કે ના બને એવું ? સંડાસ જવાનું હોય તોય હમણે કલાક પછી હવે. નહીં તો સભામાં ઊઠે તો આબરૂ જાયને ? અને સંડાસ જવાનું હોય તો આંતરે ખરો કલાકેક ? પ્રશ્નકર્તા : હા, તોય આંતરે. એને ના ચાલે ત્યારે જાય. દાદાશ્રી : પણ આ જે બધું કર્યુંને, સહજ જે સ્વભાવ હતો દેહનો, તે સહજ સ્વભાવ તૂટી ગયો. આને સહજ રહેવા દીધો જ નથી. એટલે બધી બહુ બાબતમાં એવું કર્યું છે. એટલે પહેલા નંબરની ફાઈલને બહુ નુકસાન કરેલું હોય. આ શરીરને સહજ નથી રહેવા દીધું, તે જ છે તે આ તમારી પહેલા નંબરની ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો છે. અસહજ થઈ ગયો છે બધી વૃત્તિઓ દબાય દબાય કરીને. થાકી ગયો હોય તોય ચાલ ચાલ કરે. કોઈ હોટલમાં ખાવા બેઠો હોય, પહેલા નંબરની ફાઈલ ધરાઈ ગઈ હોય ને પેલો સારો સ્વાદિષ્ટ ખોરાક હોય તો ઠોક ઠોક કરે, એ નુકસાન કરે. પહેલા નંબરની ફાઈલને તો બહુ હેરાન કરે આપણા લોકો. સારું પુસ્તક હોય તો વાંચ વાંચ કર્યા કરે, ટાઈમ થયો હોય ઊંઘવાનો તોય. થોડો ઈન્ટરેસ્ટ પડ્યો છેને ! પ્રશ્નકર્તા : પણ દાદા, આ પહેલા નંબરની ફાઈલ આવી હશે એવી કલ્પના જ ક્યાંથી આવે ? દાદાશ્રી : હા, 'હું જ છું' બધું. પ્રશ્નકર્તા : હા. એ તો આપની પાસે આવ્યા અને આપે એવો કંઈક જાદુમંતર કર્યો ત્યારે ખબર પડી કે હવે અમારી આ ફાઈલ છે. નહીં તો અમેય એ જ હતા. દાદાશ્રી : 'હું જ છું' ત્યારે તું ચોટલી શું કરવા બાંધે છે ? ત્યારે કહે, 'મારે પરીક્ષા ચાલે છે હમણે. અલ્યા 'તું છું' એટલે કરને, વાંચને ? ત્યારે કહે, 'ના, ઊંઘી જવાય છે'. ત્યારે તે તું નહીં ? ત્યારે એ એને પછી ભેદ સમજાતો નથી. નાટક જોવા જવું હોય તો પહેલા નંબરની ફાઈલને ઊંઘવું હોય તો ઊંઘવા ના દે અને નાટક જોવા જાય. ત્રણ વાગ્યા સુધી નાટક જુએ અને નાટકમાં એકાદ ઝોકુંય આમ આવી જાય. ત્યારે કો'ક કહેશે, 'ભઈ, નાટક જુઓને, અમથા આમ શું કરવા કરો છો ?' પાછો જાગે. પાછો ના હોય તો કશું આંખોમાં ચોપડીને બેસે. પણ આની પાસે ગમે તેમ કરીને મારી-ઠોકીને કામ લીધું. આ ફાઈલને ઊંઘમાં ઓબ્સ્ટ્રક્ટશનો કર્યાં. શેમાં ? નાટક જોવા તે ઊંઘમાં ઓબ્સ્ટ્રક્ટશન કરે. આ અનિયમિત થઈ ગયું. અનિયમિત એટલે અસહજ થાય. અસહજ થાય એટલે આત્માને અસહજ કરે. જેનો દેહ સહજ, તેનો આત્મા સહજ. એટલે પહેલા ફાઈલ નંબર વનને જ સહજ કરવાની. જાગરણ કરે કે ના કરે ? પુણ્યશાળી છો, તમારા હિસાબમાં નાટકો-બાટકો છે નહીં. અમારા ભાગમાં તો બહુ નાટકો હતાં. પહેલા નંબરની છે કોઈ ભૂલ ? પહેલા નંબરની ફાઈલ જોવા જેવી ખરી કે નહીં ? પ્રશ્નકર્તા : ખરી, દાદા ! પહેલા નંબરની જ ફાઈલ. દાદાશ્રી : અહીંથી મુંબઈ જાય ગાડીમાં તો ઊંઘને ઓબ્સ્ટ્રક્ટશન કરે કે ના કરે આપણા લોક ? ઊંઘવામાંય છે તે ગાડીમાં બેઠો મુંબઈ જવા હારુ, તે આખી રાતનો ઉજાગરો. શરીર તો આમ આમ હલાહલ કરે. કો'કની ઉપર પડે આમ, જોડે હોયને ! તે આપણને થાય કે તમે આ આવડા મોટા માણસ થઈ, કોન્ટ્રાક્ટર જેવા તમે આ મારી ઉપર પડ્યા ! આપણા કોટને પાછો એ તેલવાળો કરે. હવે એમને શું કહીએ ? કહેવાયેય શું આપણાથી ? કારણ કે એનો કંઈ ગુનો છે નહીં. આપણે બેઠા એટલે આપણો ગુનો, એમનો શું ગુનો ? એ તો સહજ રીતે ઊંઘે છે બિચારા. પણ દેહને સહજ ના થવા દીધો ને અસહજ થયો, તેનો આ બધો હિસાબ છે. ભગવાન શું કહે છે, 'દેહને સહજ કરો'. ત્યારે આમણે અસહજ કર્યો. ગાડીમાં છે તે થાક લાગ્યો હોય તોય નીચે ના બેસે. પહેલા નંબરની ફાઈલ શું કહે, 'બહુ થાકી ગયો છું' તોય આ આબરૂદાર માણસ નીચે ના બેસે. બને કે ના બને એવું ? હું કહું કે 'બેસ ને હવે, બેસ.' આ લોક જોશેને ! પણ લોક તને કોણ ઓળખે છે આમાં અને ઓળખતા હોય તો શું પણ ? કોઈ આબરૂદાર છે આમાં ? ગાડીમાં કોઈ આબરૂદાર દેખાયો તને ? આબરૂદાર હોય તો આપણી આબરૂ જાય. મેં તો બહુ આબરૂદાર જોયેલા. એટલે મને તો સમજણ પડી ગયેલીને, તે થર્ડ ક્લાસની મુસાફરી કરતો હતો ત્યારે છે તે બેગ હોય તો નીચે મૂકીને એની ઉપર બેસું, બેગ બગડશે તો વાંધો નહીં. એટલે મારું કહેવાનું આ અસહજ દેહને કરીએ ને પછી કહે છે, હવે મને ભૂખ નથી લાગતી. ભૂખ લાગી હોય તે ઘડીએ થાય છે, ઉતાવળ શું છે ? વાતચીત હમણે ચાલવા દો. દોઢ કલાક નીકળી જાય અને પછી આવું ને આવું કરેને રોજ. પછી કહે, 'મને હવે ભૂખ બિલકુલ મરી ગઈ છે'. ત્યારે મૂઆ, શી રીતે જીવતી રહે તે ? તે પ્રયોગ જ એ કર્યા છેને ! અલ્યા, ભૂખ લાગે ત્યાર પછી બે કલાકે ખાય, એવું પત્તાં રમવા બેઠો હોય. કેટલાક મોજશોખમાં રહી જાયને, થાય છે, થાય છે. તે બે કલાક પછી ભૂખ મરી જાય પછી ખાય. એટલે આવી રીતે બધું અસહજ થઈ ગયું છે. અરે, એક માણસ તો મેં જોયો હતો, આજથી ત્રીસેક વર્ષ ઉપર. તે ચા મંગાવી સ્ટેશન પર અને પેલાએ કપમાં ચા એના હાથમાં આપી. ત્યારે ગાડી ઊપડવાની થઈ. હવે એના મનમાં એમ થયું કે આ ચાના પૈસા નકામા જશે, એણે મોઢેથી રેડી દીધી મહીં મારા હારાએ, દઝાઈ મર્યો. તે તો મેં જાતે જોયું હતું. હા, આખો કપ જ રેડી દીધો મહીં ચાનો. પહેલી રકાબી પી લીધી અને પછી પોણા ભાગનો કપ રહ્યોને અને ગાડી ઊપડવાની થઈ એટલે પેલો દુકાનવાળો કહે, 'એય, પી લો, પી લો.' તો આણે પી લીધી. પી લીધા પછી જે લહાય બળી, બહુ મુશ્કેલીમાં મૂકાયો હતો બિચારો. આપણા લોક તો હોશિયાર લોકો, બહુ પૈસા નકામા ન જવા દેને ! એક પૈસોય નકામો ના જવા દે. એટલે સમજણ પાડી તે કહે છે, 'ઓહોહો ! આવી ચીજો બહુ કરી છે'. ત્યારે મેં કહ્યું, 'તું આવ. હું તને ટૂંકું સમજાવું, એના પરથી સમજી જાને !' સમભાવે નિકાલ નથી કર્યો ફાઈલ નંબર એક જોડે. આ ફાઈલને તે પાછી સહજ કરવાની છે, સમભાવે નિકાલ કરીને. ડખોડખલ નહીં, ત્યાં 'ખરી પડે' ! આ વિજ્ઞાન કેવું છે ? એની મેળે ખરી પડશે, કાઢવાનું નથી. કારણ કે જીવતું નથી. આ સંસારની ટેવો છેને, જેને જ્ઞાન નથી મળ્યું તેને એ જીવતી છે અને આની ટેવો મડદાલ છે. એટલે જ્યારે ત્યારે એની મેળે, જેમ ગીલોડી(ગરોળી)ને એની પૂંછડી કપાઈ ગયેલી હોય તોય હાલ્યા કરે, પણ આમ તે કાયમ હાલ્યા કરશે ? ક્યાં સુધી ? એમાં જીવન નથી, એમાં બીજા તત્ત્વો છે, એ તત્ત્વો નીકળવા માંડ્યાં, એટલે પછી બંધ પડશે. એવું અહીં છોડવાનું નથી. બિલકુલ કશું છોડવાનું નથી, એની મેળે છૂટી જાય છે. પ્રશ્નકર્તા : આ 'ખરી પડે' જે કહ્યુંને, એ શબ્દ મને બહુ ગમ્યો. એવો વિચાર કરું છું કે કેટલો સહજ ભાવ છે, 'ખરી પડે' એમાં ? દાદાશ્રી : અને 'ખરી પડે' ત્યાં સુધી તમારે 'જોયા' કરવું પડે. પ્રશ્નકર્તા : પ્રયત્નો નહીં કરવાના ? દાદાશ્રી : નહીં. ડખોડખલ જ નહીં. પ્રશ્નકર્તા : એટલે એનો યોગ્ય સમય આવશે ત્યારે ખરી પડશે ? દાદાશ્રી : એની મેળે જ ખરી પડશે. ભલેને, લોક આમનું બોલવું હોય તો આમ બોલે ને તેમનું બોલવું હોય તો તેમ બોલે. પણ આપણે જો ડખો કરીએને, તો બધું ડખલ થઈ જશે. પ્રશ્નકર્તા : પણ દાદા, તમે ઝાડના મૂળિયાંની અંદર પેલી દવા મૂકી આપી છે ને, એટલે પાન-બાન દેખાય પણ બધાં ખરતાં ને ખરતાં રહ્યાંને ! હવે તો ધીરે ધીરે અમારાં બધાં કબાટો ખાલી થઈ જશે. દાદાશ્રી : હા. એટલે કબાટ તો બધાં ખાલી જ થઈ જવાનાં ને ! તે આપણને મોક્ષે જવાની ઇચ્છા થઈ એટલે આ સંસારભાવ તૂટ્યો, એની મેળે જ તૂટ્યો. આપણે અહીંથી મામાની પોળ જવું છે, એ તરફ ગયા એટલે આપણે ટાવર તરફ નહીં જઈએ, એ નક્કી થઈ ગયું. એટલે આ બાજુ મોક્ષ ભણી વળ્યો એટલે પેલો ત્યાગ જ થઈ ગયો, ભાવત્યાગ જ વર્ત્યા કરે. એટલે એની મેળે ખરી પડવું જોઈએ. 'ખરી પડવું' શબ્દ સમજ્યા તમે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : મૂર્છા ના હોયને એટલે ભરેલો માલ બધો ખરી પડે. એનો કાળ આવે એટલે ખલાસ થઈ જાય ! કરો ચોખ્ખું એક ભવમાં ! આ ભવમાં ચોખ્ખો થઈ ગયેલો હોય તો બહુ સારું થાય. ભાર ઓછો થાય અને બીજું એમાં ફાયદો તો જો જો આ એકમાં ! હજુ છે જ આ, આ નાલાયક છે. અંદરખાને અવળું અવળું બોલ્યા કરે છે. તે પછી એ આવતા ભવમાં પછી એ ફરી જો સાફ ન કર્યું તો પછી એ ત્રીજા ભવમાં આવે. ક્લીયર કરવાનું રહે. અહીંનું અહીં જ ક્લીયર કરી નાખ્યું એટલે ઉકેલ આવી ગયો. પ્રશ્નકર્તા : બહુ હલકું લાગ્યું, દાદા. દાદાશ્રી : હલકું થતાં થતાં આત્મા વજન વગરનો થઈ જવાનો. આમ ભારે લાગે ને હલકું થતું, હલકું થતું આત્મામાં વજન છે જ નહીં. બધું પુદગલ વજન છે કે હશે આત્માનું વજન ? ડિગ્રી વધ્યાનો અનુભવ ! પ્રશ્નકર્તા : આ નેવું ડિગ્રી સુધી પહોંચ્યો કે સો ડિગ્રી સુધી પહોંચ્યો એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : એ તો પોતાને બોજો હલકો લાગે ને પોતાનું સહજ થતું જાય, જેમ જેમ સહજ થતું જાય તેમ રાગે પડતું ગયું. સહજ થતું જાય, સહજ. અને બોજો ઓછો નથી લાગતો ? બોજો ઓછો લાગે ને રાગે જ પડી જાય એનું. માન-અપમાનમાં સહજતા ! પ્રશ્નકર્તા : દાદા, આ પૂજાવાની જે ભીખ છે એ જાય કઈ રીતે ? કઈ રીતે એડજસ્ટમેન્ટ લેવું એની સામે ? ઉપયોગ કેવી રીતે રાખવો ? દાદાશ્રી : એ તો અપમાનની ટેવ પાડી દઈએ ત્યારે. પ્રશ્નકર્તા : પ્રાપ્ત કરવી છે અયાચક દશા અને દરેક બાબતની આ ભીખ પડેલી છે મહીં. દાદાશ્રી : અયાચકપણું તો જવા દો ને, પણ ભીખ છૂટે તોય બહુ થઈ ગયું. આ ભીખ તો હવે આપણે કોઈના કંપાઉન્ડમાં થઈને જતા હોઈએ ને એ માણસ ગાળો દે એવો હોય તો રોજ ત્યાં થઈને જવું, રોજ ગાળો ખાવી પણ ઉપયોગપૂર્વક સહન કરવું જોઈએ. નહીં તો એને એ ટેવ પડી જાય પેલી, લીહટ થઈ જાય. પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક સહન કરવું એટલે શું ? દાદાશ્રી : આપણી બેનને ઉઠાવી ગયેલો હોય, તે ઉઠાવી ગયેલો હોય તેની ઉપર પ્રેમ હોય આપણને ? શું હોય ? પ્રશ્નકર્તા : દ્વેષ હોય. દાદાશ્રી : તે ઊંઘમાં હોય કે ઉપયોગપૂર્વક હોય ? હંડ્રેડ પરસેન્ટ ઉપયોગપૂર્વક હોય. બિલકુલ ઉપયોગપૂર્વક હોય. પછી ચોરી કરવા જાય તે ઉપયોગપૂર્વક જાગૃતિ રાખી હશે કે ઊંઘતો હશે ? પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક હોય. દાદાશ્રી : માટે ઉપયોગ સમજી જાવ. અહીં તો ઉપયોગવાળા કામમાં લાગે. કોઈ અપમાન કરે ત્યારે મોઢું બગડી ગયું છે, એવી ખબર પડે, તો નફો-ખોટ ના જાય, નો લોસ, નો પ્રોફિટ. અને બહાર મોઢું બગડ્યું તો ખોટ જાય. કોને ખોટ જાય ? પુદગલને, આત્માને નહીં. અને બહાર મોઢું બગડ્યું નહીં, ક્લિયર રહ્યું એટલે આત્માને આનંદ રહ્યો. આત્માનો નફો થાયને ? પ્રશ્નકર્તા : મોઢું બગાડ્યું તો પુદગલને શું ખોટ જાય ? દાદાશ્રી : પુદગલને તો ખોટ ગયેલી જ ને ! પ્રશ્નકર્તા : પણ એને જાગૃતિપૂર્વક રહ્યા તો એનું મોઢું ના બગડ્યું. દાદાશ્રી : કેટલાક અપમાન થયું કે એનું જો આજે મોઢું ચઢી જાય તો પોતાને ખબર પડે. હું પૂછું પછી કે તને પોતાને ખબર પડી છે ? ત્યારે કહે, હા, પડી છે. પણ શી રીતે સમું કરે ? છતાં એ સમું કરવું. છેવટે સહજ કરવાનું છે. એ સહજ તો બહુ ટાઈમથી સાંભળતો સાંભળતો આવે ત્યારે સહજ થતો આવે. શુધ્ધ દશાની સ્થિરતા ! પ્રશ્નકર્તા : અહંકાર જે અપરાધી થાય તે આવું જ્ઞાન હોવા છતાં એવો થઈ જાય ખરો અહંકાર ? દાદાશ્રી : અપરાધી થાય એટલે શું કે આપણે શુધ્ધતા માટે મનમાં એમ થઈ જાય કે સાલું, મારી શુધ્ધતા કાચી પડી ગઈ. એ અપરાધી. અમે કહ્યું કે શુધ્ધ જ છો, આમાં કશું ફેરફાર નહીં જ. એટલે એ તો મહીં ક્યારે પણ ન હોવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં 'હું શુધ્ધ જ છું, આ ચંદુભાઈ જુદા છે' એવું કહેવા માંગીએ છીએ આપણે. પ્રશ્નકર્તા : એટલે એવી અવસ્થા કેવી રીતે બને ? દાદાશ્રી : એવું છે ને, બહુ તિરસ્કાર જેવી વસ્તુ બની જાય, લોકો પણ તિરસ્કારે. આપણને તિરસ્કાર આવે એવું થઈ જાય. ત્યારે મનમાં એવું થાય કે મારી શુધ્ધતા ઓછી થઈ ગઈ. એવું એક-બે માણસને થયેલું. તે મેં કહ્યું, 'ના, નથી થઈ. તારી તું મૂળ જગ્યા પર છું. મેં તને શુધ્ધ કર્યો, તું શુધ્ધ જ છું. શુધ્ધતાને છોડીશ નહીં.' જો પાંચ આજ્ઞા પાળું છું ને ? તો શુધ્ધતા છૂટતી નથી. પાંચેય આજ્ઞા પળાય છે ને કે જરા કોઈ ફેરો એ કાચું પડી જાય છે ? આજ્ઞામાં સહજતામાં રોકે કોણ ? પ્રશ્નકર્તા : એવું આજ્ઞા માટે કેમ સહજ નથી થઈ જતું ? દાદાશ્રી : એ તો પોતાની કચાશ છે. પ્રશ્નકર્તા : શું કચાશ છે ? દાદાશ્રી : કચાશ એ જાગૃતિની, ઉપયોગ દેવો પડેને, થોડો ઘણો. એક માણસ સૂતાં સૂતાં વિધિ કરતો હતો. તે જાગતાં છે તે પચ્ચીસ મિનિટ થાય બેઠાં બેઠાં. તે સૂતાં સૂતાં અઢી કલાક થયા એનાં. શાથી ? પ્રશ્નકર્તા : વચ્ચે ઝોકું ખાઈ જાય. દાદાશ્રી : ના, પ્રમાદ ઉત્પન્ન થાય ને એટલે પછી ક્યાં સુધી બોલ્યો એ પાછું ભૂલી જાય. પાછું ફરી બોલે. આપણું વિજ્ઞાન એવું સરસ છે. કંઈ ડખલ થાય એવું નથી. થોડુંઘણું રહે છે ? પ્રશ્નકર્તા : પાંચેય આજ્ઞા એટ એ ટાઈમ પાળવી એટલું સહેલું નથીને ! પેલું ખેંચી જાય મનને ! દાદાશ્રી : આમાં રસ્તે જતાં જતાં શુધ્ધાત્મા જોતા જાય, એમાં શેની અઘરી ? શું અઘરી ? ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં, આઠ-દસ દહાડા સુધી. તે યાદ રાખવું એટલું જ કામ છે ને ? એટલે જાગૃતિ થોડી રાખવી, એટલું જ કામ છેને ? જાગૃતિ ના રહે એટલે પેલો હાથ જતો રહે એ બાજુ. અનાદિનો અવળો અભ્યાસ છે. આ પાંચ વાક્યો તો બહુ ભારે વાક્યો છે. એ વાક્યો, સમજવાને માટે એ બેઝિક છે પણ બેઝિક બહુ ભારે છે. ધીમે ધીમે સમજાતાં જાય. આમ દેખાય છે હલકાં, છેય સહેલાં પણ તે બીજા અંતરાયો બધા બહુ છે ને ! મનના વિચાર ચાલતા હોય, મહીં ધૂળધાણી ઉડતી હોય, ધુમાડા ઉડતા હોય, તે એ શી રીતે રિલેટિવ ને રિયલ જુએ ? પ્રશ્નકર્તા : દાદા, આપની જે પાંચ આજ્ઞાઓ છે, તેનું પાલન જરા કપરું ખરું કે નહિ ? દાદાશ્રી : અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલાં કર્મો છે, તે ગોદા માર માર કરે. પાછલાં કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો. અને દૂધપાક વધારે માંગે અને તેને લીધે ડોઝિંગ થયું એટલે આજ્ઞા પળાઈ નહીં. હવે આ અક્રમ છે. ક્રમિક માર્ગમાં શું કરે કે પોતે બધાં કર્મો ખપાવતો ખપાવતો જાય. કર્મને પોતે ખપાવી, અનુભવી અને ભોગવી અને પછી આગળ જાય. અને આ કર્મ ખપાવ્યા સિવાયની આ વાત છે. એટલે આપણે એમ કહેવાનું કે 'ભઈ, આ આજ્ઞામાં રહે, ને ના રહેવાય તો ચાર અવતાર મોડું થશે, એમાં ખોટ શું જવાની છે ? ચાલો ધ્યેય પ્રમાણે, મન પ્રમાણે નહીં ! પ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે. પાંચ આજ્ઞામાં રહેવું છે અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : લે. શું કરવું જોઈએ એટલે ? મન કહે કે 'આમ કરો' તો આપણે જાણીએ કે આ આપણા ધ્યેયની બહાર છે, ઊલટું. દાદાજીની કૃપા ઓછી થઈ જશે. એટલે મનને કહીએ કે 'નહીં, આ આમ કરવાનું ધ્યેય પ્રમાણે.' દાદાજીની કૃપા શી રીતે ઊતરે એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ. એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાથી, આ બધી ભાંજગડ થાય છે. ઘણા વખતથી બોલ્યો છું આને. આ જ સમજ પાડ પાડ કરું છું. એટલે પછી મનના કહ્યા પ્રમાણે નહીં ચાલવાનું. આપણા ધ્યેય પ્રમાણે જ જવું જોઈએ. નહીં તો એ તો કયે ગામ જવું, તેને બદલે કયે ગામ લઈ જશે ! ધ્યેય પ્રમાણે ચાલવું, એનું નામ જ પુરુષાર્થ ને ! એ તો મનના કહ્યા પ્રમાણે તો આ અંગ્રેજો-બંગ્રેજો બધા ચાલે જ છેને ! આ બધા ફોરેનરોનું મન કેવું હોય ? લાઈનસરનું હોય અને આપણું ડખાવાળું મન. કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન, આપણા કહ્યા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આ વાત નીકળેને એટલે પંદર-વીસ દિવસ એ પ્રમાણે ચાલે. પાછું કંઈક એવું બની જાયને, તો પાછું ફરી જાય. દાદાશ્રી : ફરી જાય પણ તે મન ફરી જાય, આપણે શું કરવા ફરી જઈએ ? આપણે તો એના એ જ ને ! પ્રશ્નકર્તા : એ આજ્ઞાય પછી કેટલીક વખત સહજ થઈ જાય છે. દાદાશ્રી : ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાળવી છે, તેને સહજ થાય છે. એટલે પોતાનું મન જ એવી રીતે વણાઈ જાય છે. જેને પાળવી છે ને નિશ્ચય છે, એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું સરસ વિજ્ઞાન છે અને નિરંતર સમાધિ રહે. ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોયે સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓ મહીં અંદર બધી વણાઈ જાય છે ? દાદાશ્રી : વણાઈ જાય. પ્રજ્ઞાશક્તિ પકડી જ લે. આ પાંચ આજ્ઞા, આ ફન્ડામેન્ટલ સેન્ટેન્સ પાંચ છે ને, તે આખા વર્લ્ડના બધાં શાસ્ત્રોનો અર્ક જ છે બધો ! આજ્ઞા ચૂકયાની પારાશીશી ! પ્રશ્નકર્તા : આજ્ઞા ચૂકી ગયા છે, એની પારાશીશી કંઈ હશે ? દાદાશ્રી : મહીં સફોકેશન, ગૂંગળામણ બધું થાય. એ આજ્ઞા ચૂક્યાનો જ બદલો. આજ્ઞાવાળાને તો સમાધિ જ રહે, નિરંતર. જ્યાં સુધી આજ્ઞા છે ત્યાં સુધી સમાધિ. આપણા માર્ગમાં ઘણાય માણસો છે કે જે આજ્ઞા સરસ પાળે છે અને સમાધિમાં રહે છે. કારણ કે આવો સરળ ને સમભાવી માર્ગ, સહજ જેવું ! અને જો એ ના અનુકૂળ આવ્યો તો પછી પેલો તો અનુકૂળ આવવાનો જ શી રીતે ? એટલે બધી જ ભાંજગડો આઘી મૂકીને, મનની ભાંજગડોમાં ધ્યાન દેવાય જ નહીં. ખાલી જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ જ રાખો. મન એના ધર્મમાં છે, એમાં શું કરવા ડખો કરવાની જરૂર ? નિરંતર આજ્ઞામાં રહેવાય, સમાધિમાં રહેવાય એવો માર્ગ છે. જરાય કઠણ નહીં. કેરીઓ-બેરીઓ ખાવાની છૂટ. પ્રશ્નકર્તા : જ્ઞાનીના આશ્રયે આવ્યા પછી જે કોઈ ખામી જણાય છે તો એ પોતાની સમજવી કે સામાની સમજવી ? આપણને તો એમ થાય કે આપણે આજ્ઞા પ્રમાણે રહીએ છીએ, પણ એમાં ફેર કઈ જાતનો રહી જાય છે ? દાદાશ્રી : ફેર રહી જાયને ! એટલે આપણને પછી બધી ઉપાધિ પડ્યા કરે, આપણને અણગમો થાય, કંટાળો આવે, એવું બધું થાય. ફેર રહી જાય તો આવું થઈ જાય, નહીં તો જો અમારી આજ્ઞામાં રહેને તો સમાધિ જાય નહીં પછી. આ જ્ઞાનનો એવો પ્રતાપ છે કે અખંડ શાંતિ રહે અને એક-બે અવતારમાં મુક્તિ મળી જાય અને અંદર નિરંતર સંયમ રહે, આંતરિક સંયમ. બાહ્ય સંયમ નહીં. બાહ્ય સંયમ તો, આ દેખાય છે એ બાહ્ય સંયમ કહેવાય. પણ અંદરનો સંયમ, કોઈનું અહિત ના થાય. પોતાને ગાળ દે તો પણ એનું અહિત ના કરે. ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં એવો આંતરિક સંયમ રહે. આ જ્ઞાનનો પ્રતાપ ! ને ભૂલચૂક થઈ તો સુધારી લે. પ્રશ્નકર્તા : સત્ પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલીએ છતાં કંઈ વર્તાય નહીં તો કોની ખામી ગણવી ? સત્ પુરુષની કે આપણી ? દાદાશ્રી : ના. આજ્ઞામાં રહેતો હોય ને ના વર્તાય તો આજ્ઞા આપનારની ખામી અને આજ્ઞામાં ના રહીએ ને ના વર્તાય તો આપણી ભૂલ. પછી થઈ જાય સહજ ! આજ્ઞાનું ફ્લાયવ્હીલ એકસો એક્યાસી સુધી ફર્યું એટલે ગાડું ચાલ્યું. એકસો એંસી સુધી છે તે રકમ જમે કરાવવાની છે. એકસો એક્યાસી થયો એટલે એના પોતાના જોરથી ચાલશે. એ તો આ મોટા ફ્લાય વ્હીલ હોય છેને તે આમથી આમ, તે અહીં અડધે સુધી ઊંચું કર્યું પછી એ એની મેળે, એના પોતાના જોરે ફરે પછી બીજું અડધું. એવું આય બીજું અડધું એની મેળે જ ફરે. આપણે ત્યાં સુધી જોર કરવાનું છે, બસ. પછી તો એની મેળે સહજ થઈ જાય, આખું વ્હીલ ફરવાનું. ધમધમાવો પુરુષાર્થ, પરમાત્મયોગનો ! પ્રશ્નકર્તા : અમારે તો જ્યાં નથી કરવાનું ત્યાં થાય છે અને જે કરવાનું છે તે થતું નથી. દાદાશ્રી : ત્યાં જ પુરુષાર્થ છે, પુરુષ થયા પછી પુરુષાર્થ કેમ થતો નથી ? હવે દિશામૂઢ ના થવાય. હવે તો એક જ દિશા, બસ પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ ! અનંત શક્તિ વ્યક્ત થાય એવો આ યોગ આપ્યો છે. માટે ધમધમાવો ઘેર જઈને ! બીજાં બધાં મછરાંને કહીએ કે 'ગેટ આઉટ ! નોટ એલાઉડ !' આખું બ્રહ્માંડ હાલે એવી શક્તિ મહીં ભરેલી છે. મેં જાતે જોઈ, ત્યારે તો મેં ઉઘાડ્યું. પણ તમે શેની લાલચોમાં પડી ગયા છો ? શેને માટે ? આખું બ્રહ્માંડ સામું આવે તોય એની લાલચ કેમ હોય ? માટે બરોબર યોગ જમાવો, રાત ને દહાડો. હવે ઊંઘ કેવી આવે ? હવે યોગ પૂરેપૂરો કરી લો. દસ લાખ વર્ષે આ સહજાસહજ યોગ પ્રાપ્ત થયો છે, બૈરાં-છોકરાં, કપડાં-લત્તાં સાથે. ફરી ફરી આવો યોગ પ્રાપ્ત થાય એવો નથી. આ તો પરમાત્મયોગ છે. આ કંઈ જેવો તેવો યોગ નથી. સ્વાભાવિક પુરુષાર્થ ત્યાં સહજ ! પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા જે તમે કહો છો પણ એમાં પુરુષાર્થ નહીં આવ્યો. એ કાયમ રહે સહજ રીતે. દાદાશ્રી : ના, એનું નામ જ સ્વાભાવિક પુરુષાર્થ. સ્વાભાવિક એટલે સહજ. પાંચ આજ્ઞા પાળવી, એનું નામ પુરુષાર્થ અને પાંચ આજ્ઞાના પરિણામે શું થાય છે ? જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાય છે. અને અમને કોઈ પૂછે કે ખરા પુરુષાર્થનું નામ શું ? ત્યારે અમે કહીએ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે. તે આ પાંચ આજ્ઞા, જ્ઞાતા-દ્રષ્ટા જ શીખવાડે છેને ? રિલેટિવ ને રિયલ, એ જોતાં છે તે આ આગળ-પાછળનો જે વિચાર આવતો હોય તો 'વ્યવસ્થિત' કહીને બંધ કર. જોતી વખતે આગળનો વિચાર એને હેરાન કરે, તો આપણે 'વ્યવસ્થિત' કહીએ એટલે બંધ થઈ ગયું. એટલે પાછું જોવાનું ચાલુ રહે આપણું. તે વખતે કોઈ ફાઈલ પજવતી હોય તો સમભાવે નિકાલ કરીને પણ તે ચાલુ રહ્યું આપણું. આમ આજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રાખે છે. અમારી આજ્ઞામાં રહો એ પુરુષાર્થ. પુરુષ થયા પછી પુરુષાર્થ બીજો શો ? અને આજ્ઞાથી ફળ આવેલું હોય, એટલે પોતે સહજ સ્વભાવે વગર આજ્ઞાએ રહી શકે. તે ય પુરુષાર્થ કહેવાય. મોટો પુરુષાર્થ કહેવાય. આ આજ્ઞાથી પુરુષાર્થ અને પેલો સ્વાભાવિક પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : સ્વાભાવિક પુરુષાર્થમાં આવી ગયા, પછી પેલો પુરુષાર્થ કરવાની કંઈ જરૂર ખરી ? દાદાશ્રી : પછી જરૂર નહીંને ! પેલું તો એની મેળે છૂટી જાય. પ્રશ્નકર્તા : જ્ઞાની જ્યારે મળે ત્યારે સ્વાભાવિક જ પુરુષાર્થ ઉત્પન્ન થતો હોયને ? દાદાશ્રી : હા, સ્વાભાવિક ઉત્પન્ન થાયને ! પહેલું આજ્ઞારૂપી પુરુષાર્થ, એમાંથી પછી સ્વાભાવિક પુરુષાર્થ ઉત્પન્ન થાય. આપણી પાંચ આજ્ઞાઓ સહજ થવા માટે આપી છે. આ આજ્ઞાનું પુણ્ય બંધાય. તેનાથી એક અવતાર, બે અવતાર થાય. અમારી આજ્ઞા પાળો એટલે સહજ સમાધિ નિરંતર રહે. ...એ છે કેવળ દર્શન ! એક શેઠ મોટરમાં જતા હોય, તે કોઈ ક્ષણે અકસ્માત થાય. તેને દવાખાનામાં લઈ જાય, પગ કાપવો પડે અને પછી ચાલવા માટે લાકડીનો ટેકો રાખવો પડે. હવે તે ઊંઘી જાય છે. ઊંઘમાંથી તે જાગે કે તુર્ત જ તેને પોતાને સહજ ભાવે ખ્યાલમાં આવે, સૌ પ્રથમ તેને લાકડી યાદ આવશે. એવો સહજ ખ્યાલ બેસવો એ છે 'કેવળ દર્શન'. નિરાલંબ બનાવે પંચાજ્ઞા ! પ્રશ્નકર્તા : આત્મદર્શન કેવી રીતે થાય ? આત્મા પોતે પોતાને જુએ કેવી રીતે ? દાદાશ્રી : આત્મા પોતે પોતાને ? આ પોતાને જુએ તો જુએ પણ બીજાને હઉ જુએ. પણ તે પેલી દ્ષ્ટિથી, આ દ્ષ્ટિથી નહીં. આ જે આપ્યું છેને, એ શુધ્ધાત્મા પદ છે. હવે શુધ્ધાત્મા પદ ત્યાંથી મોક્ષ થવાનો સિક્કો વાગી ગયો. શુધ્ધાત્મા પદ પ્રાપ્ત થાય છે. પણ 'શુધ્ધાત્મા' એ શબ્દનું અવલંબન કહેવાય છે. જ્યારે નિરાલંબ થશે, ત્યારે આત્મા દેખાય બરોબર. પ્રશ્નકર્તા : હા, તો એ નિરાલંબ દશા ક્યારે આવે ? દાદાશ્રી : હવે ધીમે ધીમે નિરાલંબ ભણી જ જવાના. આ અમારી આજ્ઞામાં ચાલ્યા કે નિરાલંબ ભણી ચાલ્યા. એ શબ્દનું અવલંબન ધીમે ધીમે જતું રહેશે અને છેલ્લે, છેવટે નિરાલંબ ઉત્પન્ન થઇને ઊભું રહેશે. નિરાલંબ એટલે પછી કોઇની કંઇ જરૂર ના હોય. બધું આખું ગામ જતું રહે તોય ભડક ના લાગે, ભય ના લાગે. કશું જ નહીં. કોઇના અવલંબન જરૂર ના પડે. હવે ધીમે ધીમે તમે એ તરફ જ ચાલ્યા. અત્યારે તમે 'શુધ્ધાત્મા છું' કર્યા કરો, એટલું જ બસ છે. પ્રશ્નકર્તા : એટલે આત્મદર્શન પછી જે સ્થિતિ આવે તે તદ્દન નિરાલંબ સ્થિતિ જ હોઈ શકે ને ? દાદાશ્રી : નિરાલંબ થવાની તૈયારીઓ થયા કરે. આ અવલંબનો ઓછાં થતાં જાય. છેવટે નિરાલંબ સ્થિતિ થાય. એટલે મારી પાસે શુધ્ધાત્મા તમે બધા પ્રાપ્ત કરો છો. હવે એ શુધ્ધાત્માનું લક્ષ તમને નિરંતર રહેતું હોય એની મેળે, સહજ રીતે રહેતું હોય, યાદ કરવું ના પડતું હોય, તમને ચિંતા-વરીઝ ના થતી હોય, સંસારમાં ક્રોધ-માન-માયા-લોભ ન થતાં હોય તોય એ મૂળ આત્મા નથી. જે શુધ્ધાત્મા છે તે તમને પ્રાપ્ત થયો છે, એટલે મહીં મોક્ષના પહેલા દરવાજામાં તમે પેઠા છો. એટલે તમારું નક્કી થઈ ગયું કે તમે હવે મોક્ષને પામશો. પણ એથી તો ઘણો આગળ મૂળ આત્મા છેટો છે. તમારે આ શબ્દનું અવલંબન જતું રહે, એટલા માટે આ પાંચ આજ્ઞા પાળો તો ધીમે ધીમે દર્શન દેખાતું જાય. દેખાતું દેખાતું દેખાતું પોતાના સેલ્ફમાં જ અનુભવ રહ્યા કરશે. પછી શબ્દની જરૂર નહીં પડે. કેવું ? શોર્ટકટમાં તો આવી ગયા ને ! દશા સહજ આત્મસ્વરૂપી ! ઉપયોગ ઉપયોગમાં રહે એટલે જાગૃતિ જાગૃતિમાં જ રહે, બહાર ના ખેંચે. બહાર જે દેખાય તે સહજાસહજ દેખાય. પ્રશ્નકર્તા : દાદા, એ વખતે સ્વરૂપ સ્થિતિ કહેવાયને, ઉપયોગમાં ઉપયોગ રહે ત્યારે ? દાદાશ્રી : એ તો મોટામાં મોટી સ્વરૂપ સ્થિતિ. સ્વરૂપ સ્થિતિ તો કોના માટે લખેલું છે કે જે અસ્થિર થઈ ગયો હોય તેના માટે. જેની સ્થિતિ ખસી જતી હોય, તેને થોડીવાર રહ્યું એટલો વખત સ્વરૂપ સ્થિતિ રહી, કહેશે. પણ જેને ખસી જતું નથી, તેને સ્વરૂપ સ્થિતિ કેવી ? સ્વરૂપ જ છે ત્યાં આગળ. પ્રશ્નકર્તા : એને તો સહજ સ્થિતિ કહેવાયને ? દાદાશ્રી : સહજ સ્થિતિ જ કહેવાય. સહજ આત્મા કહેવાય, સહજાત્મા. સહજ સ્થિતિય નહીં. જ્ઞાનની અનુભૂતિ પછી ઉપયોગ સહજ ! પ્રશ્નકર્તા : એક વાત નીકળી હતી, અજ્ઞાનનો જેટલો સજ્જડ અનુભવ થયો છે એવો જ્ઞાનનો સજ્જડ અનુભવ થવો જોઈશે. દાદાશ્રી : જ્ઞાનનો ગાઢ અનુભવ થાય એટલે પછી ઉપયોગ દેવાનો રહ્યો નહીં, એમ ને એમ રહ્યા કરે. ગાઢ અનુભવ ના થયો હોય ત્યાં સુધી ઉપયોગ દેવો પડે. ઉપયોગ એ પુરુષાર્થ કહેવાય છે. અને પુરુષાર્થ એ પૂરો ક્યારે પહોંચે ? ગાઢ પહોંચ્યું એટલે પુરુષાર્થ પૂરો થઈ ગયો. પ્રશ્નકર્તા : તો અજ્ઞાનતાનો અનુભવ ઊભો થાય છે, ત્યારે એ ઉપયોગ દેવાની જરૂર છે ? દાદાશ્રી : ઉપયોગ ત્યારે જ દેવાનો હોયને ! પ્રશ્નકર્તા : એટલે એ અનુભવની અસરમાં પોતે ના લપટાય. દાદાશ્રી : પોતાનો ઉપયોગ પાછો રાખેને, તો અજ્ઞાનતાના અનુભવની અસરમાં લપટાય નહીં. એ ટાઈમ પોતાનો કહેવાય છે, સમયસાર કહેવાય. એ સમયસાર વગરનો ના થાય. નહીં તો સમયસાર ના કહેવાય, પરસમય કહેવાય. આત્માનો ઉપયોગ રહ્યો, એ સમયસાર બધો. જે સમય સ્વને માટે ગયો એ બધો સમયસાર, જે સમય પરને માટે ગયો એ બધો પરસમય. પ્રશ્નકર્તા : અજ્ઞાનનો અનુભવ કોને થાય છે અને જ્ઞાનનો અનુભવ કોને થાય છે ? દાદાશ્રી : આ અજ્ઞાનનો અનુભવ બુધ્ધિને થાય અને અહંકારને થાય અને જ્ઞાનનો અનુભવ પ્રજ્ઞાને થાય. - જય સચ્ચિદાનંદ |
|---|