મૃત્યુ સમયે નિર્ર્ભયતા !

સંપાદકીય

મૃત્યુનો ભય માણસને ના રાખવો હોય તોય રહે. ત્યાં જ્ઞાની પુરુષ અનુભવવાણી દ્વારા મૃત્યુ સામે નિર્ભય રહેવાય એવા અનેક ખુલાસા આપી દે છે. મૃત્યુની બીક રાખવાની નથી પણ મૃત્યુની તૈયારી રાખવાની છે. મૃત્યુ એ તો માત્ર જૂનો, ફાટેલો કોટ કાઢી નવો કોટ બદલવા જેવું સહજ જ છે, પણ દેહાધ્યાસ અને મમતાને લઈને મૃત્યુ સમયે, અનંત પ્રકારનું દુઃખ ભોગવે છે. અરે ! મૃત્યુ શબ્દથીયે ફફડે છે પછી મૃત્યુ સામે આશ્વાસન ખોળવા હરિનો આશરો લે પણ તેય ઉપર કોઈ હરિ છે નહીં, કે આશરો મળે. મહીં બેઠા છે પણ તેમની ઓળખાણ પડી નહીં હોવાથી નિરાશ્રિતપણે મનુષ્યો જીવી રહ્યા છે.

પાછું હિન્દુસ્તાનમાં તો રાત્રે કૂતરા રડ્યા તો કહેશે, 'જમરા આવ્યા લેવા માટે. યમદૂત હોય તે મારી મારીને યમલોક લઈ જાય, બહુ દુઃખ આપે. યમરાજ તો મોટા દાંત, મોટી આંખોવાળા, પાડા ઉપર આવે,' જાત જાતનું વર્ણન માણસને નાનપણથી ડરાવતું રહે છે અને પ્રગટ જ્ઞાની જ્યારે ફોડ પાડે કે યમરાજ નામના કોઈ છે જ નહીં, હા, નિયમરાજ છે, નિયમથી જન્મે છે, નિયમથી જીવન જીવાય છે, નિયમથી મરવાનું આવે છે. એવી સાચી સમજણ મળે તો રહે કશો ભય કે ભડકાટ ?

બે દહાડા વચ્ચે રાત, તેવું બે જીવન વચ્ચે મૃત્યુ છે. બાકી પોતે કાયમનો જ છે છતાં મૃત્યુ વખતે રોંગ દ્ષ્ટિ છે તેના દુઃખ છે. આત્મા પરમેનન્ટ છે અને શરીર ટેમ્પરરી છે, નામધારી ટેમ્પરરી છે. પણ પોતાને રોંગ બિલિફ છે કે હું નામધારી છું એટલે પોતે વિનાશીભાવમાં આવે છે અને એ અજ્ઞાનતાથી 'મરી જઈશ' તેવું ભાસે છે, તેનું દુઃખ પડે છે. એ તો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પોતાને શુધ્ધાત્માનું ભાન કરાવે પછી રાઈટ બિલિફ બેસી જાય પછી મરણનો ભય ટળે. પોતાને ભાનમાં જ રહે, કે 'જે મરે છે તે હું નહીં, હું તો કાયમનો છું.' જ્ઞાનીઓ સંસારમાં મરેલા જ હોય અને આત્મામાં જ જીવતા હોય !

આ જ્ઞાન પછી પરમ પૂજ્ય દાદા ભગવાન ગેરેન્ટીથી કહેતા કે આપણા મહાત્માઓને મરણ વખતે સમાધિદશા જ રહેશે. બહાર દુઃખ-ઉપાધિ હોય પણ પોતે શુધ્ધાત્માની ગુફામાં પેસી જશે અને પરમાનંદ સ્થિતિમાં રહેશે. એટલે સંપૂર્ણ સમાધિ મરણ જ થશે. અને સમાધિ મરણ હોય તો ફરી ફરી એને મરવાનું રહેતું જ નથી. એકાદ-બે અવતારમાં મહાવિદેહ ક્ષેત્રે જન્મ પામી, ત્યાંથી મોક્ષગતિ પામે.

પ્રસ્તુત સંકલનમાં અક્રમ જ્ઞાન પામેલાઓ, મૃત્યુ સમયે નિર્ભયતામાં જ હોય, તેની દાદાશ્રી મુખે નીકળેલી વાણી સંકલિત થઈ છે, તે વાચકને મૃત્યુ સંબંધી તમામ ભયથી મુક્ત થવામાં સહાયરૂપ થશે.

દીપકના જય સચ્ચિદાનંદ

મૃત્યુ સમયે નિર્ભયતા !

મૃત્યુનો ભય રહે જ !

દાદાશ્રી : માણસને માથે મૃત્યુનો ભો ખરો ?

પ્રશ્નકર્તા : રાખે તો ખરો, નહીં તો નહીં.

દાદાશ્રી : નહીં તો આવે જ નહીં, એમ ? ના, પણ એ રાખ્યો રહે છે, ભો રાખવાનો કોઇને ગમે નહીં. તમને રાખ્યો રહે છે કે એની મેળે આવે છે ?

પ્રશ્નકર્તા : એની મેળે.

દાદાશ્રી : આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી. અને (અજ્ઞાન દશામાં) જેટલી નિર્ભયતા લાગે છે, એટલા એની મૂર્છામાં છે જીવો. ઉઘાડી આંખે ઊંઘે છે, તેથી આ બધું ચાલી રહ્યું છે.

જન્મ થયો ને ત્યારથી જ એ વાંચે છે કે વે ટુ સ્મશાન. હવે તારે જેટલા વખત શાદી કરવી હોય તો કરજે.

જ્યાં ક્ષણે ક્ષણે મૃત્યુનો ભય....

મનુષ્યપણું એ તો મોટામાં મોટું ભયસ્થાન છે, ટેસ્ટ એક્ઝામિનેશન છે. તેમાં લોકો મોજ માની રહ્યા છે. એમાં તો નર્યાં ભયસ્થાનો જ છે. ક્ષણે ક્ષણે મૃત્યુનો ભય છે, એક ક્ષણ પણ નકામી કેમ જાય ? એવું કંઈક કર કે જેથી તારો આવતો ભવ સુધરે. આ મનુષ્યગતિ ટર્નિંગ પોઈન્ટ છે. અહીંથી વક્રગતિ થાય છે. નર્ક, તિર્યંચ, મનુષ્ય અને દેવ - ચારેય ગતિમાં અહીંથી જવાય છે અને મોક્ષ પણ અહીંથી જ મળે છે. જો જ્ઞાની પુરુષ મળી ગયા તો બેડો પાર જ થઈ ગયો !

પ્રશ્નકર્તા : મરણની બીક તો રાખવી પડે ને ?

દાદાશ્રી : ના, આપણી તૈયારી રાખવી પડે અને જીવવાની ઈચ્છા રાખવાની તમારે, સો એ સો ટકા વાપરવાની. એમાં કસર કરવાની જરૂર નહીં. સોમાંથી કરકસર શું કરવા કરો છો ?

પ્રશ્નકર્તા : હવે વધારે જીવાશે નહીં એટલે ભગવાનનું નામ જ દેવાનું ?

દાદાશ્રી : ભગવાન તો, ઓળખીને નામ દો તો સારું, કામ લાગે. આ ઓળખ્યા વગરનું નામ દઈએ, તે શું કામનું ? કૃષ્ણ ભગવાન કહે છે, મને ઓળખતા છો નહીં અને મારું નામ ગા ગા કર્યા કરો છો.

ભયથી સાંભરે હરિ !

કોઈ હરિ નામનો બાપેય નથી ને કોઈ નથી. હરિને મસ્કો ચોપડો, પાછા રામને ચોપડો, પાછા કૃષ્ણને ચોપડો. કોને કોને મસ્કા ચોપડીએ વગર કામના ? આપણે આપણાં ઘરનાં છોકરાને મહીં મહેનત કરીને લાવીને ખવડાવીએ, ત્યારે આ હરિ ને બરિ, આ શું તોફાન ? પૈણતી વખતે નથી આવતા, મરતી વખતે આવતા નથી, ત્યારે વચ્ચે લાવીને શું કામ છે ? પૈણતી વખતે કોઈને હરિ સાંભર્યો નથી. મરતી વખતે સાંભરે છે, હરિ, હરિ... તે તો ભય લાગે છે તેથી અને મરવામાંયે શો ભો તે ? ફાટી ગયેલું ખમીસ હોય તેને કાઢી લેતાં હોય, તો નવું પહેરાવશે તો જ કાઢશેને, એવું ના સમજું હું ? ફાટી ગયેલાને કેટલા દહાડા રાખી મેલીએ ? થીંગડા માર માર કરીએ તો ક્યાં સુધી ચાલે ? એવું નથી લાગતું તમને ? આ લોકોને ખમીસ ના બદલતાં હોય તો ૧૫૦ વર્ષ સુધી બેસી રહે એવાં છે મૂઆ. દેખાતું ના હોય તોયે આટલું કહેશે કે આંખ્યો નથી, ત્યારે કહે, ભઈ આવ્યો છે બા, ચાલશે, હાથ મેલવા દે ને ! મેલને પૂળો ને મૂઆ, એના કરતાં ખમીશ બદલી નાખવા દે ને નવું.

પ્રશ્નકર્તા : મૃત્યુ આશીર્વાદ રૂપ તો ખરું જ ને ?

દાદાશ્રી : આશીર્વાદ રૂપ તો કોઈ માનતું જ નથી ને ? મૃત્યુનો ભો પાર વગરનો લાગે છે. આશીર્વાદ સમાન માનતા હોય તો પોતે ભાવના કરે કે હવે ઘૈડપણ આવ્યું છે ને હવે ખમીશ, કોટ ને જાકીટ બદલી નાખે તે સારું. ધોળા વાળ થાય છે તોયે ચીડ નથી ચઢતી. 'બળ્યા, આ ધોળા વાળ દેખાય છે. હવે બદલી નાખવાનું ?' ત્યારે કહે, 'ના, નથી બદલવું.'

એ હરિ સાચા હોય નહીં. પૈણતી વખતે સાંભરે ને મરતી વખતે સાંભરે, બેઉ વખતે સાંભરે તે હરિ સાચા હોય. આ તો મરતી વખતે સાંભરે. એ તો ડૉક્ટરનેય લોકો કહે છે ને કે સાહેબ, મને બચાવજો. મૂઆ, એની મા મરી ગઈ છે, તને શું બચાવવાનો છે તે ? આ તો વ્યવહાર છે. આપણે કાઢી ના નખાય, એની પાસે દવા લેવી પડે. નિમિત્ત હોય, એની દવાથી મટી જાય. માટે તિરસ્કાર ના કરાય.

કોઈ શું કરવાનું ? તમારામાં કોઈની ડખલ જ છે નહીં જ્યાં આગળ, પછી નોટ એ સિન્ગલ ઓબ્સ્ટ્રક્શન ઑફ એની બડી. એવું આ જગત. અમને ઓબ્સ્ટ્રક્શન કરનારો મળ્યો જ નથી, અઢાર વર્ષથી કોઈ. જેવું છે તેવું કહી દઈએ તમને.

હરિને, ભગવાનને, એના કરતાં તમારે કહેવું કે 'હે, દાદા કરો.' એ સાચું તો ખરું. દાદા, બીજે દહાડે દેખાય તો ખરા. આ તો પેલું હરિયે ના દેખાય ને હરોયે નથી દેખાયો. મને એક જણ કહે, 'હરિ હરિ કરજો.' મેં કહ્યું, 'ઓળખ્યા વગર કેવી રીતે કરું, હરિ હરિ. હરિભઈ ના કહેવા પડે ? જો હરિ સાચા હોય તો હરિદાસ કહેવા પડે કે હરિભાઈ કહેવા પડે. હરિ હરિ કહેવાતું હશે ?' ઠોકાઠોક બધું. અણસમજુ ને ઘેટાંને સમજાવવાને માટે ચાવી છે બધી અને ઘેટાં તર્યા પણ નહીંને કોઈ દહાડોય, એવા ઘેટાં ને ઘેટાં જ રહ્યાં છે. પહેલાં ઘેટાં હતાં ને હવે થયા બોકડા, દાઢી-બાઢી સાથે હેય... મીસાનું ખાઈને બોકડા જેવા થયા છે. બોકડો કર્યા પછી વધેરશે તો ખરા ને ? બોકડો કર્યો પછી વધેરે જગત. ક્યારે વધેરે ? એને બોકડો થવા દે એકવાર, પછી વધેરે, પછી પ્રસાદી વહેંચે એવું આ જગતનો નિયમ છે.

રૂપકોથી ફફડી ગયુંુ લોક !

લોકોએ ભડકાવી માર્યા છે આ બધાને અને હું તો એમેય કહું છું કે વર્લ્ડમાં કોઈ તમારો ઉપરી નથી, શા માટે ભડકો છો. તમારા બોસ કોઈ છે જ નહીં અને જે ભગવાન છે એ તમારું સ્વરૂપ છે એમ કહું છું.

આ આખા જગતના આર્કીટેક્ટ તમે છો. અને તમારે બીજા કોઈની ડખલ છે નહીં. તમારે કોઈનામાં ડખલ ના કરવી સહેજેય. પોતપોતાનું જગત લઈને ફરે છે, તે ડખલ ના કરવી આપણે. બાકી ઉપરીયે છે નહીં કોઈ. નિર્ભય છો, તદ્દન નિર્ભય છો. કોઈ બાપોય ઉપરી નથી. હવે ઉપરી કોણ છે ? તમારી ભૂલો ને બ્લંડર્સ. હમણે રોડ ઉપર જઈને પોલીસવાળા જોડે લડે એટલે પોલીસવાળો અત્યારે જ પકડવા આવે. ભૂલ કરી તો એ પોલીસવાળો ઉપરી થયો. નહીં તો ભૂલ જ ના હોય તો ઉપરી કોણ થાય ? વખતે ભૂલ થતી હોય તો પોલીસવાળો કહે. તો આપણે જાણીએ કે ભઈ, એના તાબાની વસ્તુ છે. એટલે આ પોલીસવાળાની જોડે આપણે એને સમાધાનકારી વાણીથી એનો ઉકેલ લાવી નાખીએ, તો શું ખોટું છે ?

આ તો ભગવાનને ઉપરી ઠરાવ્યો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ઉપરી ઠરાવ્યા, બીજા જાતજાતના ઉપરી ઠરાવ્યા. કોઈ બાપોય છે નહીં ઉપરી. ઉપરી કશું હતું જ નહીં. વિજ્ઞાન જ છે આ તો ખાલી. બે ણ્ અને એક બ્ ભેગા થઈને પાણી થઈ ગયું, બસ. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. તે ક્યાં સુધી આ બધું લોકો લખે ? ભડકાવી ભડકાવીને તેલ કાઢી નાખ્યું ! ઊંચા આવવા જ ના દીધા ને ! તરવા માટે પથરો બાંધીને મહીં નાખ્યા પાણીમાં, શી રીતે બિચારો તરે ? અને જમરાજા દેખાડ્યા, મોટા મોટા દાંતવાળા ! જમરા !! જમરાં તમે જોયેલા કોઈ ? હોય તો જમરાને તોપને બારે ચઢાવવો છે ? એવું હું કહેતો'તો.

બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર તો પ્રકૃતિના ત્રણ ગુણનું રૂપક આપ્યું છે આ તો. એવું કોઈ છે જ નહીં, બન્યું જ નથી. આ તો ખોટું ફફડાવી માર્યા છે. જો લોકોને કડાકૂટો ઊભો કર્યો છે ! અલ્યા મૂઆ, કોઈ બાપોય નથી, કહ્યું. નથી બ્રહ્મા નામનો કોઈ ઊભો થયો, નથી વિષ્ણુ નામનો કોઈ ઊભો થયો, નથી શિવ નામનો કોઈ થયો. એ બધા રૂપક મેલ્યાં છે, આગળના લોકોએ. રૂપક તે હિતકારી થાય માટે. પણ સમજાય ત્યાં સુધી હિતકારી થઈ પડે પણ સમજ ના પડે ત્યારે ? એનું એ જ અહિતકારી થઈ પડે છે.

નાનપણમાં તો મને કોઈ ભય પામે તે ગમતું નહોતું. લોકો ભય પામે એવા રસ્તા દેખાડેને કોઈ, તે મને ગમતું જ નહીં. ભય પામવા જેવું જગત હોય જ કેમ કરીને ? એ બને જ કેવી રીતે તે ? વખતે સાપ દીઠો ને ભય પામીએ એ પોસીબલ વસ્તુ છે. પણ નથી જમરો, શું કરવા પજવો છો, હેરાન કરો છો, બિચારાને ?

એટલે સંયમધારીને તો ભગવાને પણ વખાણ્યા છે. સંયમધારીનાં તો દર્શન કરવાં જોઇએ, જેણે યમરાજને વશ કર્યા છે !

પ્રશ્નકર્તા : યમરાજને વશ કર્યા એ કેવી રીતે ?

દાદાશ્રી : યમરાજ વશ થયા ક્યારે કહેવાય કે જેને મરણનો ભય નથી.

શું યમરાજ છે ?

બાકી, મરણનો કાયદો એવો છે કે કોઈ પણ માણસની સહી વગર મરણ એનું થાય નહીં. એ પોતે સહી કરી આપે તો જ મરણ આવે, કારણ કે કોઈ આપણો માલિક નથી કે યમરાજા કોઈ આવે ને જીવ લઈ જાય ! આ યમરાજા કોણ મૂ્ઓ છે ? ઓવર એબાવ હુ હી ઇઝ કે એ આપણને લઇ જાય ? આ લોકોએ તો આપણને ફસાવ્યા છે, ડરાવી માર્યા છે. ફોરેનમાં યમરાજાને કોઈ માનતા નથી. આ હિંદુસ્તાનમાં જ યમરાજા છે.

પ્રશ્નકર્તા : મૃત્યુ વખતે જમરાજ આવે ને બહુ દુઃખ થાય, એ વાત સાચી છે ?

દાદાશ્રી : જમરાજ નામનું જીવડું જ નથી. આખા હિન્દુસ્તાનમાં બધાને ભય પેસી ગયેલો છે દરેક જગ્યાએ કે જમરા લેવા આવે છે. એ તો હિન્દુસ્તાન એકલામાં જમરા બેસી ગયા. બાકી બીજી કોઈ જગ્યાએ જમરા હોતા જ નથી. આ તો ભય ઘાલી દીધેલો કે 'જમરા મારતા મારતા લઈ જશે'. એટલે ખોટાં કર્મ કરતાં તે અટકી જાય એટલા માટે, ભયને માટે 'જમરા' મૂક્યું છે.

યમરાજા આવે છે ને ? જો લોકોએ યમરાજા ચીતર્યા... હવે તેને આવડું મોટું રૂપક આપી દીધું. શી દશા થાય, બિચારાની ? નાનપણમાંથી જ ફફડતા ફફડતા જીવે, એની દશા શું થાય તે ?

મરી જાય તોય કહેશે કે એય... જમરા લેવા આવે છે. જમરા કહે છે ને, તે એને મોઢું દેખાડ્યું હોય ને જમરાનું તો બીક લાગે આમ. 'જમરા' તમે શબ્દ સાંભળેલો ?

પ્રશ્નકર્તા : હા, યમરાજ કહે.

દાદાશ્રી : હા, તે મોટા મોટા દાંત ને નખવાળા. પછી શું કરે ? લોકો શું કહે પાછા ? રસ્તામાં મારે. અલ્યા મૂઆ ! પણ શરીર વગર વાગે કોને તે ? લોકો ભડકી મરે, જમરાજા એવા છે. એટલે તેર વર્ષની ઉંમરે મેં કહ્યું, કે આ જમરા છે તો કોણ પગાર આપે છે, એ કહો મને.

આ એક્ઝેક્ટ છે કે આ ગપ્પું છે સાલું, કારણ કે અમારા પાડોશમાં એક કાકા હતા. તે બહુ માંદા હતા ને મરી જાય એવા હતા, એટલે બધા છે તે રાત્રે સૂઈ જાય તે સહુ વારાફરતી, હું તેર વર્ષનો હતો ત્યારે એક રાતે મેં કહ્યું, કે ભઈ, કાલે સવારમાં રવિવાર છે, તે હું સૂઈ જઈશ. રાત્રે હું દવા આપીશ. એટલે અગિયાર વાગ્યા ત્યારે કાકા તો ઊંઘી ગયા પણ મને ઊંઘ આવી નહીં, ત્યારે કૂતરું રડ્યું. ત્યારે મેં એ જ્ઞાન સાંભળેલું કે આ કૂતરું રડે ત્યારે જાણવું કે જમરા આવ્યા એમ. એ કૂતરું રડ્યું એટલે મને ભય પેસી ગયો કે આ કાકાને લેવા આયા આ જમરા. હવે આ ભય નીકળે શી રીતે ? જે જ્ઞાનથી ભય થયું એના વિરોધી જ્ઞાન ન હોય તો પછી ભય નીકળે નહીં. એટલે પછી મને તો ઊંઘ ના આવી અને સવાર થયું. કાકા તો રહ્યા'તા જીવતા. જાગ્યા ત્યારે મેં કહ્યું, 'આ ખોટું છે. કોઈએ તૂત ઘાલી દીધું છે આ, જમરા નામનું.' એટલે પછી મેં તપાસ કરવા માંડી, પૂછી આવ્યો પંડિતોને, આ જમરા નામનું જીવડું કંઈથી આવ્યું પાછું. તો કહે, 'તમે ના સમજો. બોલશો નહીં, નહીં તો વિરોધી થશો.' મેં કહ્યું, 'ના, મારે વિરોધ કરવો છે. જે થવાનું હોય તે થાય.' મારો તો ક્રાંતિકારી સ્વભાવ. દુઃખના સામો પડું, પણ એનો નિવેડો લાવી નાખું.

અને અમે તો મૂળ ક્ષત્રિયને પાછા, એટલે એવા ખોટા ભય ચલાવીએ નહીં. એટલે મેં કહ્યું, 'પણ ભગવાનની ઓફીસ હોવી જોઈએ. પણ ઓફીસ ક્યાં રાખી છે ભગવાને ? અને આ ભગવાનનું આ રેવન્યુ કેવી રીતે કલેક્ટર કલેક્ટ કરતો હશે ? તે આ બધું શું છે એની પાછળ ?' એટલે તે દા'ડેથી વિચારો જાગેલા એટલે પછી તપાસ કરતાં લાગ્યું કે વાત જુદી છે. પછી એ બહુ વિચાર વિચાર કરતાં કરતાં ઠેઠ સુધી વિચારો ગૂંચાયેલા રહ્યા પણ આમ મોટી ઉંમર જેમ થતી ગઈ ને તેમ વિચાર કરતા, એમ લાગ્યું કે આ કોઈ જમરા નામનું કોઈ હતું જ નહીં. આખા હિન્દુસ્તાનમાં ભય, ભય, બંગાળમાંય આ વહેમ, બધેય આ વહેમ.

જમરા નામ તે આખું જગત ફફડેલું રહે. હવે જમરા એટલે શું ? યમરાજ. એને જમરા કહે આપણા લોકો, પણ યમરાજ નામનું કોઈ હતુંુ જ નહીં. માટે કોઈ ભય પામશો નહીં. આમ કોઈ એવો મારનારો છે નહીં.

કોઈ બાપોય લેવા આવે એવો નવરો નથી. કોઈ તમારો ઉપરી જ નથી ને ! તમારો ઉપરી તમારાં બ્લન્ડર્સ અને તમારી મિસ્ટેક્સ. બીજા કોઈ ઉપરી જ નથી તમારા. આ ઉપરી વગર, બોસ વગર આ જગતમાં શું આટલી બધી ઉપાધિ અને આટલી અશાંતિ એ કઈ જાતનું ? કોઈ ઉપરી હોય તો જાણે ઠીક છે, કે ભઈ, ટૈડકાવે.

પ્રશ્નકર્તા : તો પછી આ ભૂલ, મિસ્ટેકસ કોણ કરાવે છે ?

દાદાશ્રી : મિસ્ટેક જે માર ખાય છે ને, તે કરાવડાવે છે. જે ભોગવે છે ને આ ભૂલો, તે કરાવડાવે છે.

યમરાજ કે નિયમરાજ ?

પ્રશ્નકર્તા : પાડા ઉપર બેઠેલો માણસ, કાળા કપડાં પહેરેલો માણસ, એવું વર્ણન આવે છે.

દાદાશ્રી : આ જે યમરાજા નામનો ભડકાટ આખા હિન્દુસ્તાનમાં ઘાલી દીધો, ખરેખર નિયમરાજ હતું. આ લોકો ભડકી મર્યા, જમરા, જમરા, જમરા. નિયમરાજમાં ભડકાટ જેવું લાગે ? આ નિયમરાજ છે, તો બોલો, ભડકાટ જેવું લાગે એવું છે કશું ?

પ્રશ્નકર્તા : નિયમરાજ તો આજે પણ હોઈ શકે ને ?

દાદાશ્રી : નિયમરાજ જ હતો, પહેલેથી. અલ્યા, યમરાજ નામનું કોઇ નથી, એ તો નિયમરાજ છે. નિયમરાજ બધું જ ચલાવે છે. નિયમરાજ જ જીવાડે છે અને નિયમરાજ જ મારે છે. જો આવી સાચી સમજણ મળે તો પછી રહે કશો ભો કે ભડકાટ ? એટલે બધાનો ભય કાઢું છું હું. આવી રીતે વગર કામના શું કરવા ભડકો છો ? અને જ્ઞાની પુરુષ આવો ફોડ પાડે નહીં, તો આ લોકો તો ચાલવા જ દે.

જો ખોટું ઘાલી દીધું'તું ને બધું. એટલે આ ખોટો ત્રાસ બધાનો મેં કાઢી નાખ્યો આ કાળે વિજ્ઞાનથી અને તેમાં પેલા જૂના જે ગાદીઓવાળા છે ને, તેને બહુ વિરોધ લાગ્યા કરે, કે આ દાદા આપણું બધું ગાદીપણું તોડી નખાવે છે. લોકોમાં વિચાર ફરી જાય ને સ્વતંત્ર થઈ જાય છે. આ લોકોને ગંૂચવાડો હોય છે ત્યાં સુધી એમને પૈસા આવ્યા કરે. અને ગંૂચવાયેલા હોય નહીં પછી કોણ જાય ત્યાં ?

આયુષ્યના નિયમ !

હવે નિયમ શો છે તે કહું. શ્વાસોચ્છ્વાસના વપરાશ ઉપર આયુષ્યનો આધાર રહે છે. માણસનું આયુષ્ય સો વરસનું લખેલું છે, તે નોર્મલ માણસના શ્વાસોચ્છ્વાસ આટલા થાય છે, તેના આધારે ગણતરી કરીને મૂકેલું છે. એવો નિયમ જ છે. જે માણસ શ્વાસોચ્છ્વાસ ઓછા વાપરે તો એકસો ચાળીસ વરસ જીવે અને વધારે વાપરે તો ત્રીસ વરસમાંયે મરી જાય. એટલે આપણે અહીં આ ગજવું કાપનારા સાયન્ટિસ્ટો હોય છે બધા, તે ગજવું કાપે તો પકડાય નહીં એવા હોય. તેમના બિચારાના શ્વાસોચ્છ્વાસ વધારે વપરાય.

પ્રશ્નકર્તા : કેવી રીતે ?

દાદાશ્રી : એને ચોગરદમથી ભય લાગ્યા કરે, આમથી ભય લાગે ને તેમથી ભય લાગે. તેથી શ્વાસ ખૂબ વપરાઈ જાય. પછી જેને અણહક્કના વિષયનો ભોગવટો હોય તેને તો બહુ ભય લાગે. તેના શ્વાસોચ્છ્વાસ બહુ ચાલે. ગભરાટથી આયુષ્ય બધું ખલાસ થઈ જાય છે. માણસને કોઈ પણ વસ્તુથી ગભરાટ ઉત્પન્ન થયો તો આયુષ્ય ખલાસ થવા માંડે. ગભરાટ ના થાય તો કશું જ નહીં. અને આ અણહક્કના વિષયોમાં તો શ્વાસોચ્છ્વાસ સૌથી વધારે વપરાય, ઢગલેબંધ વપરાય અને તે ખબરે પડે કે આ ધમણો ચાલી ! પછી ક્રોધમાં પણ શ્વાસોચ્છ્વાસ વધારે વપરાય. આ લોકો જે દોડધામ કરે છે, તે બધાને પણ શ્વાસોચ્છ્વાસ વધારે વપરાય.

પ્રશ્નકર્તા : ઓછામાં ઓછા શ્વાસોચ્છ્વાસ શેમાં વપરાય ?

દાદાશ્રી : શુધ્ધ ઉપયોગમાં. 'જ્ઞાની પુરુષ'ના શ્વાસોચ્છ્વાસ બહુ ઓછા વપરાય.

પ્રશ્નકર્તા : બોલે તો શ્વાસ વપરાય ને ?

દાદાશ્રી : વાણી અને શ્વાસને કશું લાગતું-વળગતું નથી. શુધ્ધ ઉપયોગમાં શ્વાસોચ્છ્વાસ બહુ ઓછા વપરાય. ક્રોધ-માન-માયા-લોભમાં તો શ્વાસોચ્છ્વાસ બહુ વપરાય.

સ્વપ્નું, રિલેટિવ સત્ય !

એક જણને સ્વપ્ન આવ્યું કે તે માંદો પડ્યો. ડૉક્ટર આવ્યા ને કહ્યું કે, નાડી ચાલતી નથી, મરી ગયો. તે પોતે મરી ગયો તેમ જુએ અને પોતાની ઠાઠડી બાંધતા જુએ. પાછો રડે હઉ, કે મારી ઠાઠડી બાંધી છે. સ્વપ્નામાં આવું થાય છે. તે શબને બળતું પણ જુએ ને ભડકીને જાગી ગયો ! (શબને બાળી મૂક્યું ને હું રહી ગયો એ સમજથી !)

સ્વપ્નાં ખોટાં નથી હોતાં. સાચાં (રિલેટીવ કરેક્ટ) છે, યથાર્થ છે, ઈફેક્ટિવ છે અને તે સાયન્ટિફિક રીતે પૂરવાર થઈ શકે તેમ છે. સ્વપ્નમાં થયેલી સૂક્ષ્મ દેહની અસરો સ્થૂળ દેહ ઉપર પણ થાય છે. તેથી તે ઈફેક્ટિવ છે. તે કઈ રીતે ? જો હું સમજાવું. સ્વપ્નામાં ભિખારીને મહારાજા બન્યાનું સ્વપ્ન આવે તો પાશેર લોહી વધે અને રાજા સ્વપ્નમાં ભિખારી થઈ જાય તો તેનું પાશેર લોહી ઘટી જાય. તેને જાગતાં જેટલું દુઃખ થાય તેટલું જ સ્વપ્નમાં પણ થાય. મૂઓ, રડેય ખરો, જાગે ત્યારે આંખોમાં પાણી હોય. અરે, કેટલીક વાર તો જાગ્યા પછી પણ તેની ઈફેક્ટ ગઈ ના હોય તો કેટલીય વાર સુધી રડ્યા કરે. નાનાં છોકરાં પણ સ્વપ્નની ઈફેક્ટથી ભડકીને જાગે છે ને કેટલીય વાર સુધી રડ્યા કરે છે. ભયનાં સ્વપ્નમાં દેહ પર અસર થાય, તેના શ્વાસોચ્છ્વાસ વધી જાય, નાડીના ધબકારાય વધી જાય, બ્લડ સર્ક્યુલેશન વિ. બધું જ વધી જાય. આ બધી ઈફેક્ટ્સ સાયન્ટિફિક રીતે પૂરવાર કરી શકાય તેમ છે. જો સ્વપ્નું આટલું બધું ઈફેક્ટિવ છે, તો તેને ખોટું શી રીતે કહેવાય ?

આ ઊઘાડી આંખનું સ્વપ્નું છે અને પેલું બંધ આંખનું સ્વપ્નું છે. બન્નેય સ્વપ્ના છે. આમાંથી જાગે, ઢંઢોળે જ્ઞાની પુરુષ કે તમે તો ચંદુલાલ ન્હોય. ત્યારે કહે, હું શું છું ? તે શુધ્ધાત્માનું ભાન કરાવી દે, પછી છે તે ભૂલે નહીં. બેભાનમાંથી શુધ્ધાત્માનું ભાન થઈ જાય, ને ભાન થયું કે છૂટ્યો.

મૃત્યુ પછી ફરી જીવતા થાય ?

પ્રશ્નકર્તા : હ્રદય ધબકતું બંધ થઈ જાય ત્યારે આપણે કહીએ છીએ કે મોત આવ્યું.

દાદાશ્રી : અને ડૉક્ટરોય કહે છે કે, 'ભઈ ગયા !' હ્રદય ધબકે ત્યાં સુધી નાડી ધબકે અને નાડી ના ધબકે એટલે ડૉક્ટરો જાણે કે નાડી ના ચાલે એટલે માણસો ના જીવે. એટલે 'ગયા' એમ આપણને કહી દે.

પ્રશ્નકર્તા : ઘણીવાર એવા કિસ્સા વાંચ્યા છે કે અમુક મરેલી વ્યક્તિ ફરીથી જીવંત થઈ હોય. એ પ્રક્રિયામાં શું સમજવું ? દેહમાં ફરી જીવ આવ્યો કે આત્માએ ફરીથી શરીરમાં પ્રવેશ કર્યો ?

દાદાશ્રી : આપનું કહેવું સાચું છે, એ કોઈ ફેરો અપવાદ બને છે કે નાડી ફરી ચાલુ થઈ જાય છે. ત્યારે ડૉક્ટરોના મનમાં શું થાય કે આ ફરીથી જીવ આવ્યો ! પણ તે અમુક સંજોગોમાં આવું બને છે. ત્યારે એ જીવ અહીં તાળવે ચઢી ગયેલો હોય છે. હ્રદય ભલે બંધ થઈ ગયું હોય, પણ જીવ અહીં તાળવે ચઢી ગયેલો હોય. એટલે તાળવેથી પાછો ઊતરે એટલે હ્રદય પાછું ચાલુ થઈ જાય, એવું બને છે. એટલે ડૉક્ટરો પણ વિચારમાં પડી જાય. પણ એ નવો જીવ આવતો નથી. આ દેહમાં ફરી જીવ આવતો નથી અથવા તો શરીરમાં બીજો આત્મા પ્રવેશ કરતો નથી. એનો એ જ આત્મા હજી પૂરેપૂરો બહાર નીકળ્યો નથી. આ હાર્ટથી ઉપર સુધી, આટલા ભાગમાંથી નીકળી ગયો છે ને ઉપર ચઢી ગયો. અહીં આગળ તાળવે બ્રહ્મરંધ્ર છે, દશમ સ્થાન કહે છે, ત્યાં આગળ ચઢી જાય છે. એટલે દેહમાં જો જીવ રહી ગયો હોય તો ફરી થાય એવું. કોઈક વખત બને છે, કંઈ વારે ઘડીએ ના બને, અપવાદ કોઈ બને. કોઈકને સાપ કરડ્યો હોય, અગર તો પાણીમાં એકદમ પડ્યો તે ઘડીએ જીવ એનો અહીં ઉપર, બ્રહ્મરંધ્રમાં ચઢી જાય. તો પછી ઉતારવો મુશ્કેલ થાય. આ કાળમાં ઉતારતા નથી આવડતું. સહજ રીતે એની મેળે જો ઊતરી જાય તો ઠીક, ત્યારે એમ લાગે કે મડદામાં જીવ ફરી આવ્યો. બાકી એવું બને નહીં.

લોકમાન્યતા બધી ભ્રાંતિ !

પ્રશ્નકર્તા : કેટલાંક મરી ગયેલાંઓને કેટલાક મહાપુરુષોએ લાકડા પર જીવ મૂકીને ઊભા કર્યાં છે, તો એ કઈ શક્તિ છે ?

દાદાશ્રી : એવું છે ને કે જીવ મૂકીને ઊભા કર્યા હોય તો પોતે મરે જ નહીં ને કોઈ દહાડોય ! આ દુનિયામાં જીવ મૂકનારો કોઈ પાક્યો જ નથી. જે મૂકે છે તે નૈમિત્તિક છે. એવું મારા નિમિત્તે ઘણું બને છે. હું કબૂલ કરું કે હું નિમિત્ત છું. આમાં ખોટું માની ના લેશો.

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એ કે હકીકતમાં પેલો મર્યો જ નહોતો એવું ને ?

દાદાશ્રી : બરાબર છે, પેલો મર્યો જ નહોતો. ભયના માર્યા કે કોઈ એવાં કારણોસર અહીં આટલામાં (બ્રહ્મરંધ્રમાં) કંઈક થઈ જાય, તેને પેલા લોકો ઉતારી શકે.

લોકરિવાજ આવો !

પ્રશ્નકર્તા : નનામી કાઢે પછી રામનું નામ ને જય જીનેન્દ્ર કેમ બોલે છે ?

દાદાશ્રી : ત્યારે શું બોલે ? નામ તો જતું રહ્યું. કંઈક એનું સારું થાય એટલે જય જીનેન્દ્ર બોલે કે રામનું નામ બોલે કે 'રામ બોલો ભાઈ, રામ !' આપણા લોકોનો રિવાજ તો એવો કે જીવતો ના હોય ત્યારે પૂજા કરે, એવાં આપણાં લોક ! એ જ્યારે જીવતો હોય ત્યારે ખીચડીમાં ઘી માંગે તો કહેશે, 'ઘી માંગો છો ? અત્યારે ઘૈડે ઘૈડપણે ?' અને મરી ગયા પછી 'ફર્સ્ટ કલાસ' બારમું કરે !!! આ જીવતો હોય ત્યારે રામનું નામ લેતા હોય ત્યારે ઘરના હેરાન કરે, કહેશે કે, 'જાવ ઊઠીને, છાનામાના ખાંડ લઈ આવો, અહીં શું રામ, રામ કર્યા કરો છો ?' એટલે રામને ભજવા ના દે, અને મરવાનું થયું ને છેલ્લો કલાક, છેલ્લું ગુઠાણું હોય ને આખા કષાય ફરી વળ્યા હોય ત્યારે લોકો કાનમાં બૂમો પાડે કે, 'બોલો, રામ બોલો.' અલ્યા, હવે ક્યાં એ બોલવાનો છે ? વગર કામનાં એને પજવો છો શું કામ ? એને બિચારાને તે ઘડીએ બહુ ખરાબ લાગે, અંદર બહુ પાર વગરનું દુઃખ થાય, આમ 'લાઉડ સ્પીકર' જેવું અંદર લાગે ને જીવ ભડકે. અલ્યા, ના બોલશો, મરવા તો દો એને પાંસરી રીતે, પણ આ લોકો એને પાંસરી રીતે મરવાય ના દે. ગાડીમાંથી ઊતરતી વખતે (મરતી વખતે) આપણે તેમને કહીએ કે, 'કેમ છો ? મઝામાં છો ? તબિયત સારી છે ?' તે ઊલટું પોટલું મારે. અલ્યા, ઊ

તરવા દેને !

મરનારને એ ભય નથી !

એટલું સારું છે કે હિન્દુસ્તાન દેશમાં મરનારને ઊંચકનારનો ભો નથી, નહીં તો એમને ઊંચકે કોણ ? આ એવાં એવાં કાર્ય કરનાર, તે એમને ઊંચકેય કોણ ? પણ ના, એમનેય ઊંચકનારા મળી આવે છે. મરનારને ભો નથી હોતો કે કોણ ઊંચકશે, કારણ કે મરનાર જાણે કે તમે નહીં ઊંચકો તો તમારી જ હવા બગડશે અને તમને જ નુકસાન થશે. એટલે તમારી મેળે જ તમે ચોખ્ખું કરો, અમે તો 'આ' મિલકત છોડીને જવાના. આ તો મિલકત છોડે એવા નથી, કુદરત છોડાવી દે છે.

માથે મરણ ત્યાં મોહ શા ?

એક બાજુ કો'ક કહેવા આવે ને, ઊભા રહોને સાહેબ, અહીં આવો, તમારી લોટરી લાગી છે. ત્યારે કહે, લોટરીવાળાને બપોરે મારે ત્યાં ઘેર મોકલજે. એ આ ધ્યાનમાં જ રહે, બીજી લોટરી-બોટરી નહીં. મેલને લોટરી, અહીં નનામી કાઢવાની છે તે લોટરીને શું કરીશું તે ? નનામી ના કાઢવાની હોય તો લોટરી- બોટરી બધે ધ્યાન રાખીએ. ત્યારે નનામી કાઢવાની નથી ? જ્યાં નનામી કાઢવાની હોય ત્યાં નિરાંતે બેસી રહેવાતું હશે ? નિરાંત રાખીને આમ સૂઈ જવાતું હશે ? ત્યાં તો જંપ વળે નહીં.

અનંત અવતારથી નામી થઈને ફર્યા પણ એક ફેરો અનામી થવાનો વિચાર આવે કે હવે અનામી થઈને ફરવું છે ત્યારે પોતાનું સ્વરૂપ જડે.

પુદગલ તો પુરણ-ગલન થયા જ કરવાનું. જાડું થાય, પાતળું થાય, ઊંચું થાય, નીચું થાય ને સળગી જાય છેવટે. છેવટે તો પોક મેલવાની. પછી નનામી કાઢે. અલ્યા ભઈ, નામ પૂરું ક્યાં ગયું ? ત્યારે કહે, નામેય લઈ લીધું. અહીંથી આપ્યું'તું ને. આ તો તમને ઉછીનું વાપરવા માટે. દુનિયામાં આવ્યા તે વાપરવા માટે આપ્યું'તું તે પાછું લઈ લીધું. તે નનામી કાઢીએ છીએ. હવે કલ્યાણ થઈ ગયું બિચારાનું. આવું છે આ જગત.

છતાં જોડે લઈ જવાય આમ...

પ્રશ્નકર્તા : એ ભય મને સતત લાગે છે, કે આ મૃત્યુ તરફ આપણી ગાડી જઈ રહી છે, પણ પેલું મૂકાતું નથી ને આ લેવાતું નથી.

દાદાશ્રી : ના, પણ જોડે કેટલા લઈ જવાય એવું છે ?

પ્રશ્નકર્તા : કંઈ જ નહીં.

દાદાશ્રી : એવું તો હોતું હશે ? અહીંથી આપણે જેટલા મોકલવા હોય ત્યાં, તે ચંદુભાઈનાં રિલેશનમાં ના હોય, એવાં લોકોને પૈસા કામ લાગે એવી રીતે વપરાય, તો ત્યાં પહોંચે. અત્યારે પહેલેથી જ એ ઓવરડ્રાફ્ટ કઢાવવો હોય તો કઢાવી લેજો. એ ઓવરડ્રાફ્ટ ત્યાં કામ લાગશે. ગયા અવતારનો ઓવરડ્રાફ્ટ અત્યારે કામ લાગ્યો છે. ફરી ઓવરડ્રાફ્ટ કઢાવી લેજો તો કામ લાગશે. પણ ચંદુભાઈના રિલેશનની બહારનાં માણસ માટે અને રિલેશનમાંય કોઈને ત્રાસ હોય, દુઃખ હોય, તો પૂછવું કે શું અડચણ છે ? સો-બસ્સોની અડચણ હોય તો લઈ જજે કહીએ.

અરે ! મરણાં જ થઈ રહ્યાં છે !

લોકો તો બૂમાબૂમ કરે. અલ્યા, કર્મ ફરે છે, તું શું કરવા બૂમાબૂમ કરે છે ? ફરવાનું કોણ ? કર્મ ફરે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું ફર્યા જ કરે, તેમાં પોતે બૂમો પાડે કે, 'મારે આ હતું ને મારે આ જતું રહ્યું, મારે આ રહી ગયું.' વગર કામના બૂમો પાડે. આ જગત નિરંતર ફેરફાર થયા કરે. આ શરીરમાં, બહાર બધે, વેપારમાં, બીજે બધે નિરંતર ફેરફાર થયા જ કરવાનો. આ શરીર પણ ક્ષણે ક્ષણે મરી રહ્યું છે, પણ લોકોને કશી ખબર છે ? પણ આપણા લોકો તો લાકડાના બે ટુકડા થઈ જાય ને નીચે પડી જાય, ત્યારે કહેશે કે, 'કપાઈ ગયું.' અલ્યા, આ કપાતું જ હતું. આ કરવતી ફરતી જ હતી. કરવતી મૂકી ત્યારથી આપણે ના કહીએ કે આ લાકડાં બે ટુકડામાં કપાયા કરે છે. એવી આ જન્મથી જ કરવતી ફર્યા જ કરે છે. જન્મ્યો ત્યારથી તે મરણ થાય ત્યારે બે ટુકડા જુદા થઈ જાય છે. ગર્ભમાં કરવતી ફરતી નથી, પણ જન્મ્યા ત્યારથી કરવતી શરૂ થઈ જાય છે. પછી ડૉક્ટર કહેશે કે, 'ભઈ ચાલ્યા ગયા છે.' એટલે આપણે બે ટુકડા છૂટા થઈ ગયા એવું કહેવાનું. જ્યાં સુધી એ ટુકડા ના પડે ત્યાં સુધી તો કશુંય નહીં ને વહેરાઈને બે ટુકડા થઈ ગયા તો કહેશે, 'વહેરાઈ ગયું.' ત્યારે અલ્યા, આ તો વહેરાતું જ હતું ! એવું આ માણસોને આ બધું વહેરાયા જ કરે છે. છત

ાં

છે કોઈને બીક કશી ? પણ છૂટું થશે તે દહાડે બીક લાગશે.

મહીં ભરેલા ભય-ભડકાટ !

કોઈ સગાંવ્હાલાં માણસ હોય એમને કાગળ- તાર આવે એટલે મનમાં એમ થાય કે માંદા હતા તે મરી ગયા હશે. એવો ભય ના લાગે ?

પ્રશ્નકર્તા : હા, એ ભય લાગે.

દાદાશ્રી : એવા કેટલાય ભય મહીં બેસી રહ્યા છે અને પેણે બંદૂકો ફૂટે તો આ ભડકે મહીં, પેણે ફુટેને અહીં આગળ ભડકે. અલ્યા મૂઆ, કેમ આમ ભડકવાનું ? ત્યારે કહેશે, મહીં ભડકવાનો સ્વભાવ જ છે. ભય ને ભડકાટ, ભય ને ભડકાટ. પોતે માંદો થયો તે સમજે કે હું મરી જઈશ. પણ આપણે તો જાણીએ છીએ કે તે મરી જવાનો નથી. આત્મા અમર છે પણ આપણે તો વ્યવહારમાં બોલવું જ પડે કે હા, મરી ગયો.

કેટલાકને તો આ મન ખોટું ખોટું ભડકાય ભડકાય કરે. અરે, એ તો આપણું મરણ હઉ જુવે. મરી ગયા તો શું થશે ? ત્યારે કહીએ, 'બારમું થશે, બીજું શું થશે ? એમ ભડકાવ ભડકાવ શું કામ કરે છે ? કંઈ અમે નથી કરી લોકોના બારમાની સરવણી ? એવી તારી કરીશું.' અને આ લોકોએ આવો દરિયો જોયેલો નહીં. ને જુવે છે તો ભડકે છે કે દરિયો આવ્યો પણ હતો જ દરિયામાં.

શંકાથી ભય ઉપજે !

પ્રભુશ્રીએ કૃપાળુદેવને કાગળ લખેલો કે મને હવે દેહ છૂટી જાય એવું લાગે છે, માટે મને આપનાં દર્શન ક્યારે થશે ? એટલે કૃપાળુદેવે કાગળ લખ્યો કે શાથી તમને દેહ છૂટી જાય એવું લાગે છે ? ત્યારે કહે કે, 'મારું નામ લલ્લુભાઈ છે અને બીજા અહીં દર્શન માટે આવતા હતા તેમનું નામ પણ લલ્લુભાઈ હતું, એ લલ્લુભાઈ બે-ત્રણ દહાડા માંદા થયા ને 'ઓફ' થઈ ગયા અને હું તો મહિનાથી માંદો છું. મારી અને એમની રાશિ એક છે.' હવે આ એમણે બુધ્ધિ વાપરી. એટલે કૃપાળુદેવે એમને લખ્યું કે, 'મરવાનો ભો રાખશો નહીં.' એવું લખ્યું, એટલે પછી એમને ત્યાં બુધ્ધિ ઠેકાણે રહે. કોઈક કહે અગર તો ડૉક્ટર કહે કે, 'કશો વાંધો નથી', ત્યારે બુધ્ધિ ઠેકાણે રહે. ત્યારે ડૉક્ટર કહે છે એ સાચી જ વસ્તુ છે ? એ પણ આશરે જ બોલે છે. પણ ડૉક્ટરનું સાચું માને એવું તમારી જાત ઉપર સાચું માનવાનું નથી લાગતું ? એટલે ડૉક્ટરના કહ્યા વગર તું જ નક્કી કરને, કે 'કશો વાંધો નથી. મને કશું થવાનું નથી.' અને વાંધો આવશે ત્યારે એ છોડવાનું નથી. માટે વાંધો રાખવાની જરૂર જ ક્યાં રહી ? ભય રાખવાનું કારણ જ ક્યાં રહ્યું ? શંકાથી જ માણસ વધારે મરી જાય છે, શંકા જ માણસને મારી નાખે છે.

ભય રાખનારા આ દુનિયામાં વહેલા મરી ગયેલા, મરણકાળ પહેલાં મરી ગયેલા. 'મરી ગયો, મરી ગયો' એવું બોલે. અલ્યા, હજુ તું જીવે છે ને 'મરી ગયો' એવું બોલવું પડે ? બન્ને એટ એ ટાઈમ બોલાય ?

ખપે જીવનમાં વ્યવહારજ્ઞાન !

જિંદગીમાં એક જ વખત માણસ મરે છે પણ સો વખત બોલતો હશે, મરી ગયો, એય મરી ગયો. મરી જવું સારું બોલે ને પાછું જો મોત આવીને ઊભું રહે ત્યારે કહે, ના ભાઈ, તું જા પાછો. પાંચસો રૂપિયા આપીને પાછો કાઢે. એટલે કંઈ ઠામઠેકાણા વગરનું જીવન જીવે છે, કકળાટમય, નિરંતર કકળાટ.

વ્યવહારજ્ઞાન તો જોઈશે ને ? વ્યવહારજ્ઞાન ના હોય તો લોકો લૂગડાંય કાઢી લેશે. 'ખડે રહો' કહે એટલે ઊભું રહેવું ને બધું આપી દેવું ? અરે ક્યા હૈ, એમ બૂમ મારવામાં શું વાંધો છે ? આ તો બૂમેય ના પાડે. તે હું શીખવાડું કે, 'અબે ક્યા હૈ ? ચલ બે, આગે જાને દે ! તેં તો એક મુરઘી ખાધી છે, અમે તો સો મુરઘી ખાધેલી છે. મૂઆ, આગે ચાલવા દે !' આમ કહીએ ત્યારે એ બિચારો ભડકે કે 'આ પણ કંઈક છે.' આમ આપણે વગર કામના આપી દઈએ. 'હેન્ડસ્ અપ' કહે ત્યારે હેન્ડસ્ અપ કરવાનું ? આ મરવાનું, જીવવાનું વ્યવસ્થિતના તાબામાં છે ને ? ત્યારે શું એને દેખતાં પહેલાં મરી જવું ? ના, એ તો જરા હોકારો પાડવામાં શું વાંધો છે ? હોંકારો પાડવામાં કંઈ, હિંસા નથી ને ? દવા હલાવવી એ કંઈ ગુનો નથી. આ તો 'હેન્ડસ્ અપ' કહે તેની સાથે જ બીએ ? એટલે છાતી તો જોઈએ ને ? છાતી વગર તો જ્ઞાનીયે ના થવાય.

રાત્રે કોઈ અહીંથી પેઠો છે એવું લાગે એટલે આપણે કહીએ કે કોણ છે ? કયું આયા હૈ ? એવી જરા બૂમ પાડીએ ને, એટલે એ જાણે કે આ તો જરા કંઈક ભારે લાગે છે. અને 'વ્યવસ્થિત' છે નેે તો મારવું કે મરવું ? કાં તો એ મરશે કે કાં તો આપણે મરીશું, પણ એ તો બધું 'વ્યવસ્થિત'ના તાબામાં છે. એ ક્યાં આપણા તાબામાં છે ? તમને કેમ લાગે છે ? તમને થોડીક ભડક લાગે ખરી, કચ્છના ગામડામાં જાવ ત્યારે ? ગામડામાં બહારવટિયા આવે ત્યારે શું થાય ?

પ્રશ્નકર્તા : પહેલાં બીક તો લાગતી હતી. પણ હમણાં કચ્છમાં જવાનો મોકો નથી આવ્યો.

દાદાશ્રી : હા, પણ બહારવટિયા આવે ત્યારે શું કરો ?

પ્રશ્નકર્તા : ભય લાગે.

દાદાશ્રી : બૂમ પાડો ને ? નહીં ? અરે, અમથી બૂમ પાડવામાં શું જાય છે તે ? વ્યવહારજ્ઞાનેય થોડુંક જોઈએ ને ? આમ સાવ એકલું નિશ્ચય ઉપર કેમ ચાલે તે ? થોડુંક હલાવવું, બીજું કશું કરવું નહીં. આમ તો આવડો મોટો ધંધો તો કરો છો છતાં કોઈને સહેજ પણ દુઃખ દેવાનો તો આપણામાં ભાવ જ ના હોય. સામો દુઃખ દેતો હોય તો એને આપણે ધીમે રહીને સમજ પાડીએ કે આવું કરવામાં તમને શું ફાયદો થશે ? આવતા અવતારે શું થશે તમારું ? આટલું તમે વિચાર્યું છે ? પછી તમે દુઃખ દો. એવું કહેવાય ને ? સમભાવ એટલે સામા માટે કિંચિત્માત્ર ભાવ બગડે નહીં તે. સામો ઊંધો ચાલે તો એને અટકાવવો કે ભઈ આમ નહીં, આમ હોય.

વિના ભાને લાચારી, ભય !

અત્યારે તો બધા મનુષ્યોને એમ જ લાગે કે ફસાઈ ગયા છીએ. આખો દહાડો બોધરેશન, બોધરેશન, બોધરેશન. ભડકાટ, ભડકાટ, ભડકાટ થઈ ગયું. અરે, શું થઈ જવાનું છે ? તે આપણે માલિક છે આ દુનિયાના, આખા બ્રહ્માંડના માલિક છે પણ ભાન નથી તેમને. પોતે માલિક નહીં હોય ? ભાન નથી એ ભાન જ્ઞાની પુરુષ કરાવે, ત્યાર પછી ભય છૂટી જાય. આ તો ભય જ લાગ્યા કરે. આમથી પેસે કે આમથી, મોટા સાહેબ શું કરી નાખશે ? અરે ભઈ, મોટો સાહેબેય કંઈ જીવવાનો છે ? બધા મરવા હારુ તો અહીં આવ્યા હોય. શા હારુ આવે ? મરવા માટે જ આવે, દાક્તર હઉ મરવા માટે આવ્યો છે તે આપણને શું બચાવવાનો હતો ? એ તો નિમિત્ત છે. દવા લેવા જવું જોઈએ, આપણે એને તરછોડવો ના જોઈએ. પણ એ દાક્તરને આપણે કહીએ કે સાહેબ, મને બચાવજો. પણ મૂઆ એનીય મા મરી ગઈ ને બાપ મરી ગયો અને એય પોતે ક્યાંથી બચવાનો છે !

જ્ઞાની હોય તો ભડક જાય !

આ તો ખાલી ભડક છે. એક માણસથી કડવી દવા નહોતી પીવાતી. તે મેં તેના દેખતાં, ચા ને ભાખરી ખાઈએ તેમ કડવી દવા ને ભાખરી નિરાંતે ખાધી. તે પેલો માણસ તો ભડકી ગયો કે આ તો તમે ચાની જેમ ખાવ છો. અલ્યા, ચાની જેમ જ પીવાય. આ તો તને ખાલી ભડકાટ પેસી ગયો છે. ત્યાર પછી એ રીતે એ માણસ કડવી દવા પીતો થઈ ગયો. સામો દેખાડતો હોય તો થઈ શકે એમ છે. કોઈ દેખાડનાર જોઈએ. એક ફેરો હું અગ્નિમાં આંગળી ધરીને બતાવું તો તમે હઉ ધરો. દેખાડનાર જોઈએ. આત્માને કશું અડતુંય નથી ને નડતુંય નથી. માટે તે રૂપે રહેવું. નિર્લેપ, અસંગ, અગ્નિનોય સંગ એને અડતો નથી, તો આ દુઃખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો.

આ દ્ષ્ટિ રોંગ દ્ષ્ટિ છે, જે ઊંધું જ દેખાડે છે. 'હું ચંદુલાલ છું' એવું દેખાડે છે. અને ચંદુલાલ તો મરવાના. તો આપણે મરનારાની જોડે મરવું પડે. એટલે આપણી દ્ષ્ટિમાં આપણે કોણ છીએ એવું ખબર પડી કે આપણે અમર છીએ. એનું ભાન થવું જોઈએ.

'આત્મા અમર છે' એવું બોલવાથી કંઈ દહાડો વળે નહીં. એ તો આત્મા એના સ્વભાવમાં આવે તો બોલાય. મરણનો ભય ટળે તો બોલાય.

પરમેનન્ટ દ્ષ્ટિથી નિર્ભય !

ઓલ આર રિલેટીવ, આ બધું રિલેટીવનો અનુભવ થાય છે. રિલેટીવમાં પોતે, નામેય રિલેટીવ, આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કહેવાય. ઑલ ધીસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અને આપણે પોતે પરમેનન્ટ છીએ. પુનર્જન્મને માનો છો કે નથી માનતા ? ક્યાં સુધી ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં રહેવું ? પરમેનન્ટ એડજસ્ટમેન્ટ પોતાનું થઈ જાય, એટલે પછી નિર્ભય થઈ ગયો. નહીંતર જગત આખું ભયથી ત્રાસ પામી ગયું છે. આખો દહાડો ભય, ભય, ભય.

પોતે જ પરમેનન્ટ છતાં ભૂલ પેઠી !

પ્રશ્નકર્તા : હા, 'પરમેનન્ટ' વસ્તુ છે એટલે 'ટેમ્પરરી' વસ્તુ પણ છે.

દાદાશ્રી : હા, 'પરમેનન્ટ' વસ્તુ અહીં છે, તેના આધારે આ બીજી વસ્તુઓ 'ટેમ્પરરી' કહેવાય છે, એને સમજાય છે કે 'આ તકલાદી છે, આ તકલાદી છે. કાચનો પ્યાલો તકલાદી છે.' એવું સમજાયને ? આ તાંબાનો લોટો હોય, તે તમારા હાથમાંથી પડી જાય તો તમને બહુ ભય ના લાગે. પણ કાચનો પ્યાલો પડી જાય તો શું થાય ?

પ્રશ્નકર્તા : પ્યાલો ફૂટી જવાની બીક લાગે.

દાદાશ્રી : હા. તે કાચનો આખો પ્યાલો ફૂટી જશે ને અને તાંબાનો પ્યાલો તો બહુ ત્યારે ગોબો પડશે. તે ગોબો ઉઠાવીશું ત્યારે હતો તેવો ને તેવો થઈ જશે, પણ એ બધુંય 'ટેમ્પરરી' છે. કોઈ પચ્ચીસ વર્ષ ચાલે, કોઈ પંદર વર્ષ ચાલે. આ દેહ છે, તે પોણો સો વર્ષ ચાલે. એ બધું 'ટેમ્પરરી' છે, તમે પોતે 'પરમેનન્ટ' છો. પણ તમારી જાતને 'તમે' 'ટેમ્પરરી' માની બેઠા છો. 'હું ચંદુભાઈ છું, હું દેહ છું. હું આનો દીકરો થઉં' એ બધી ભૂલ કાઢવા માગું છું. તમારે ભૂલ કાઢવી છે ને ?

'વસ્તુ' પોતે અવિનાશી છે. 'તમે' પોતે અવિનાશી છો, પણ તમને તો 'રોંગ બિલિફ' છે કે 'હું ચંદુભાઈ છું' એટલે તમે વિનાશી છો.

જુદા પડ્યા પછી...

પ્રશ્નકર્તા : આ વિનાશીથી અવિનાશી છૂટો પડે પછી એનું શું થાય છે ?

દાદાશ્રી : પછી એને આ દુઃખો ના રહે ને ! આ સાંસારિક દુઃખો જે છે કે 'આમ થઈ ગયું, તેમ થઈ ગયું.' તે એને ના રહે. પછી મરવાનું થાય તો ય બીક ના આવે, ગજવું કપાય તો ય દુઃખ નહીં, બૈરી ગાળો ભાંડતી હોય તો ય દુઃખ નહીં, કશાં દુઃખો ના ઉત્પન્ન થાય ને ! એટલે વિનાશીથી અવિનાશી છૂટો પડે એટલે બન્ને પોતપોતાનાં સ્વભાવમાં રહે, બીજું શું થવાનું ?

વિના જ્ઞાન, ભયભીત !

પ્રશ્નકર્તા : હવે આપે પેલી અષ્ટાવક્રની વાત કરેલી. જનક રાજા પાસે મોકલ્યા. હવે એ શું જ્ઞાન લેવા માટે ત્યાં ગયા ?

દાદાશ્રી : હા, એમને જે કેફ હતો, હું તપસ્વી અને મારા જેવા મારા ફાધર તપસ્વી નથી. એટલે એ ફાધરને તો વધારે પડતા ગાંઠતા જ નહોતા. હવે એટલે પછી આ કેફ ઉતારવા માટે જ ત્યાં મોકલ્યા કે એમની પાસે જાવ અને ત્યાં રાજાને બે રાણી ઉપર હાથ મૂકેલા જોયા ને એવું બધું જોયું. પછી પેલું જમતી વખતે માથા ઉપર ઘંટ બાંધ્યો હતો, તે ઘંટથી પોતે આખું હાલી ઉઠ્યા ત્યારે પછી બધું જંગલમાં પોક મૂકવા જેવું જ થયું ને ! ઘંટથી હાલી ઉઠ્યા એટલે પછી તારા યોગને શું કરવાનો ને તારા તપને શું કરવાનુંુ ? જ્યાં મરી જવાનો તો ભય રહ્યા કરે છે. અને મરી જવાનો ભય તો તને ભલે રહે, પણ જોડે જોડે આ તે શું ખાધું તેનું ભાન નથી રહેતું, એટલે તને સર્વાંશ ભય રહે છે. થોડોક ભય રહેતો હોય અને થોડુંક આ જ્ઞાન રહેતું હોય તો અમે તને એક્સેપ્ટ કરીએ. પણ સર્વાંશ ભય રહે છે. એટલે ખરી રીતે એના ફાધરની પાસેથી જ જ્ઞાન સમજવાની, જાણવાની જરૂર હતી. તે અહીં લેવા આવ્યો આ. બહુ તપવાળાને કેફ બહુ હોય અને ક્રોધીયે બહુ હોય. જરાક નામ દઈએ ને ફેણ માંડે.

અનંત અવતારના મરણ સામે...

ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તી રાજાને રાજપાટ-રાણી સાથે રહીને અક્રમજ્ઞાન આપ્યું, મોક્ષ આપ્યો. તે શહેરમાં એક વાણિયાને શંકા પડી. તે બધાને ભગવાનનું જરા વાંકું બોલવા માંડ્યો. આવો તે મોક્ષ હોય ? આવું તે જ્ઞાન હોય ? તે પછી ભરત રાજાએ વાણિયાને બોલાવી કહે છે, બધાને તમે એમ કહો છો કે, અમને સમકિત નથી અને ભગવાનની વાત ખોટી છે. અને ભગવાન ઉપર શંકા શું કરવા બેસાડો છો ? ભલે મને સમકિત મહીં હોય, તો તમે ના માનશો, પણ બધાને ભગવાનની ઉપર શા માટે આવું બધું ઊંધું કરો છો ? ત્યારે વાણિયો કહેવા લાગ્યો, 'સાહેબ, એવું કશું હું બોલ્યો નથી.' ત્યારે કહે, 'જૂઠ્ઠું બોલશો તો અહીં આગળ તમને ટુકડા ટુકડા કરાવી નખાવીશું. સાચે સાચું કહી દો.' ત્યારે કહે, 'હા સાહેબ, મને એવું મનમાં થયું કે લડાઈઓ લડો અને તેથી માણસ મરી જાય, તો પછી એ કર્મ બંધાય એટલે પછી શી રીતે છૂટે ?' એવું મને શંકા પડેલી. અને સાહેબ, સંસારત્યાગ કરવો પડે, તે તમારો ત્યાગ નથી, આય મને શંકા પડેલી. ત્યારે કહે, 'હવે સાચું બોલ્યા, માટે જીવતા જવા દઈએ છીએ, પણ હજુ તમને છોડીશું નહીં. શિક્ષા કરવાની તો હજુ બાકી છે.' ત્યારે પેલો કહે છે કે ભગવાન, હવે છોડી દો ને. ત્યારે કહે, 'ના. તમને આ એક વાસણ આપીએ છીએ, તેની મહી

ં ઘી

ભરી આપીએ છીએ, ને ઘી ભરેલું લઈને અમારા પોલીસવાળા જોડે ફરવાનું આખા શહેરમાં. બધા બજારોમાં વચ્ચે, મારા પોલીસવાળા કહે તે રોડ ઉપર બધે ફરી, પાછા અહીં આવી અને મને દેખાડવાનું, એક ટીપું પડવું ના જોઈએ.' વાણિયો અક્કલવાળો માણસ મનમાં કહે છે, હવે ટીપું પડવા દે એ બીજા. આમ તો બહુ પાછા ચોક્કસ ને ! તે સાહેબ ટીપું પડે તો મારી નાખજો, કહે છે. 'જાવ' કહે છે. ત્યારે કહે, 'સારું ત્યારે.'

આ તો પોલીસવાળા પાંચ-સાત જણ ને એ, અને રાજાએ રાજ્યમાં શું કહેવડાવી દીધું, ત્યાં આગળ બહાર બધે, કે બધા જ્યાં ને ત્યાં પોતાની દુકાનોમાં મોટા મોટા તોરણો લટકાવજો ને જાહોજલાલી ઉડાવજો, ને રંગતાન ઉજવજો. રેકોર્ડ વગાડજો, ફલાણું કરજો એય આજની રેકોર્ડો નહીં, એનાં જેવું. કોઈ જગ્યાએ ડાન્સીંગ નાચ કરાવજો. જાતજાતનાં બધાં રંગરોગાન. જેમ આપણે હોય છે ને પેલો મેળો ભરાય છે, એનાં જેવું બધું આખું બજાર કરી નાખો. તે પછી આ વાણિયો બધું સાંભળેય ખરો, નાચ સંભળાય પણ ખરો, વાણિયાને આમ આમ જોવાનું મન થઈ જાય, એવું બધું લોકોએ કરેલું. પણ પેલું ટીપું ના ઢોળાય તેમાં વાણિયો ચોક્કસ રહે. તે શેઠ આવ્યો, આવીને કહે છે, 'સાહેબ, ટીપું ઢળાયું હોય તો પૂછજો, આ બધાને. હવે મને છોડી દો.' હવે મનમાં અકળાય ને ગભરામણને, વાઘની પાસે સસલું પેઠું હોય તો કેવું હોય, એના જેવી દશા. તે પછી રાજાએ સમજ પાડી કે કશું જોયું નહીં કે આટલું બધું બહાર, આટલું રંગતાન હતા બધું ? ત્યારે કહે, 'બધું બહુ હતું, મને સંભળાતું'તું હઉ, પણ હું જોઉંને તો અહીંથી ટીપું પડે તો હું તો મરી જઉંને, સાહેબ.' ત્યારે ભરત રાજા કહે છે, 'તે એક અવતારનાં મરણ હારુ, આટલી બધી તેં જાગૃતિ રાખી, તો અનંત અવતારનાં મરણ

માટે હું કેટલી જાગૃતિ રાખતો હોઈશ ? આ મોક્ષ ના થાય ત્યાં સુધી તો અનંત અવતારનું મરણ, માટે ભગવાનનાં વાક્યોની શંકા ના કરીશ. ભગવાને મને અક્રમ વિજ્ઞાન આપ્યું છે. તે સ્ત્રી હોય, લડાઈઓમાં લડે તોય મોક્ષે જાય એવું વિજ્ઞાન હોય છે અને તે મને આપ્યું છે.' તે વાણિયો કહે છે, 'હવે મારા માન્યામાં આવી ગયું, કે માણસ શી રીતે મોહ ના પામે ! અને મોહ હોય છતાંય નિર્મોહી રહી શકે.'

અશાતા વેદનીયની સામે તપ !

પ્રશ્નકર્તા : એ તપનો પ્રકાર, એની સમજ બરાબર નથી સમજાતી. એ ભયની રીતની ગેડ પડતી નથી.

દાદાશ્રી : તે ઘડીએ શું થઈ જાય છે ? અકળામણ થઈ જાય છે ?

પ્રશ્નકર્તા : હા, અકળામણ એટલે બેસુમાર ત્રાસ થાય છે. શરીરની અંદરની વેદનાઓ એટલી બધી પડેલી છે કે જેમાંથી કાળ બોલે છે. કાળ એટલે એવું થાય કે હમણાં જ ફાંસો ખાઈને મરી જઈએ.

દાદાશ્રી : તમારા પરમાણુ વણિક પરમાણુ કહેવાય. અને ક્ષત્રિય પરમાણુ હોય છે. એમાં ફેર એટલો કે વણિક અશાતા વેદનીય સહન કરી શકે નહીં અને ક્ષત્રિયો અશાતા વેદનીય તરત જ બિલકુલ સહન કરે.

પ્રશ્નકર્તા : અને મારાથી તો વેદના સહન થાય નહીં.

દાદાશ્રી : ના, એ વણિકથી સહન થતું નથી. બધા બહુ વણિકની આ ફરિયાદ છે કે મારે અશાતા વેદનીય સહન થતી નથી. એટલે તમે આમ વણિકની પેઠ કરો એ ના ચાલે, ક્ષત્રિય થાવ. 'બીજા આવવું હોય તો આવો. પગ ફાટો, માથું દુઃખો' કહીએ. આ બધું પુદગલ છે, આત્મા જુદો આપણો. જેટલી અસર આપણે કરીએ ને વણિક રહીએ તો, ભૂતાં ચઢી બેસે. લોક કહેશે, 'પાછું જુઓ તો ભૂત વળગશે.' પોતે પાછું જુએ શાના ? છોને બૂમાબૂમ કરે. ઢેખાળા નાખે પણ પાછું જુએ ત્યારે ને ! થોડુંક આવું સામું બોલે તો ખબર પડે છે એમને કે આ હવે ગાંઠે નહીં. એ તો પૌદગલિક ભૂતા બધાં. દાદાએ આપણને કહ્યું હોય કે ગાળો બોલે, ઢેખાળા મારે, પાછું ના જોશો એટલે નહીં જોવાનું પણ પાછું જુઓ કે ચઢી બેસે. પુદગલ ભય એ પૌદગલિક ભૂતાં છે. તેનાથી આપણે ડરવાનું ના હોય. આ પૌદગલિક ભૂતાં કહ્યાં.

મરણ કરતાં વેદનાનો ભય !

આજે મરણ આવે કે પચ્ચીસ વરસ પછી આવે તેનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે.

દાદાશ્રી : દુઃખ શું ?

પ્રશ્નકર્તા : શારીરિક વ્યાધિ.

દાદાશ્રી : એમાં બીક શું ? 'વ્યવસ્થિત' છે ને ? 'વ્યવસ્થિત'માં આંધળા થવાનું હશે તો આંધળું થવાશે ને ? પછી એની બીક શું ? 'વ્યવસ્થિત' આપણે 'એક્સેપ્ટ' કર્યું છે, પછી કોઈ દહાડો કશું અડે એવું નથી. કોઈ ભય રાખવા જેવો નથી, નિર્ભય થઈને ફરો. આ સંસારનો એટલો બધો ભો ના રાખવો કે જેથી પરલોક બગડે.

પ્રશ્નકર્તા : અને મૃત્યુ આવવાનું હોય એ ખબર પડી જાય કે હવે મૃત્યુ આવશે ત્રણ દિવસમાં ?

દાદાશ્રી : એ ખબર પડે કે નાયે પડે. જો ખબર પડે કે કાલે મરી જવાનું છે તો આજે જ ભડકીને મરી જાય, એકાદ-બે કલાકમાં. એટલે આ મનુષ્યોને મૃત્યુની નથી ખબર પડતી, એ જ સારું છે.

વેદનાનો ભય ટળે આમ જ્ઞાનથી !

પ્રશ્નકર્તા : વેદનાનો ભય રહ્યા કરે.

દાદાશ્રી : વેદના થવાની જ નથી ત્યાં વેદનાનો ભય ક્યાંથી થાય ? વેદના તો તેને થાય કે જેને ભય હોય ! જેને ભય નથી, તેને વેદના શી ? આ તો તમારો 'વણિક માલ' ભરેલો ને, તે એકદમ પોચો હોય.

આ સફરજન ખાઈએ ને બીજું જામફળ ખાઈએ, તો એ બેમાં ફેર નહીં ? જામફળ જરા કઠણ હોય ને સફરજન પોચું લાગે એટલે તમારે 'ચંદુભાઈ'ને કહેવાનું કે 'દાદા'એ કહ્યું છે, 'વ્યવસ્થિત'. 'વ્યવસ્થિત' કહ્યા પછી ભય શો ?

પ્રશ્નકર્તા : બે દહાડાથી માથું દુખતું હતું, તે જરાય સહન થતું નહોતું.

દાદાશ્રી : 'મને સહન થતું નથી' એવું કહ્યું કે એ વળગ્યું ! પણ 'આપણે' તો કહીએ, ''ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું, ઓછું થઈ જશે.'' પણ 'મને દુઃખ્યું કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે !'

પ્રશ્નકર્તા : શાતા મીઠી લાગે છે ને અશાતા અળખામણી લાગે છે.

દાદાશ્રી : તે 'ચંદુભાઈ'ને લાગે છે ને ? 'ચંદુભાઈ'ને 'આપણે' કહીએ કે ડીક્ષનરી હવે બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. સુખ-દુઃખ તો બધું કલ્પિત છે. મારો આ એક શબ્દ ગોઠવી જોજો, ઉપયોગ કરી જોજો. જો તમને જરાય અસર થાય તો કહેજો.

પ્રશ્નકર્તા : કંઈક રસ્તો કાઢવા માટે તો આ પ્રશ્ન પૂછું છું.

દાદાશ્રી : તમારે મને પૂછવું. હું કહી દઉં તે પ્રમાણે કરવું. રસ્તો તો આ જ છે અને માથે તો એવું લેવું જ નહીં કે મને દુઃખે છે. કોઈ કહેશે કે 'કેમ, તમને શું થયું છે ?' ત્યારે કહેવું કે 'પાડોશીને માથું દુઃખે છે તે હું જાણું છું.' અને 'આ' પાડોશી છે એવી 'તમને' ખાતરી થઈ ગઈ છેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી દુઃખ શા માટે ? પાડોશી રડતો હોય તો આપણે કંઈ રડવા લાગવું ? પાડોશીને ત્યાં તો વઢવાડો થયા જ કરવાની અને બૈરી જોડે કોને વઢવાડ ના થાય ? 'આપણે' વગર પરણેલા, 'આપણે' શું કામ રડીએ ? પૈણેલો રડે. 'આપણે' પૈણ્યા નથી, રાંડ્યા નથી, 'આપણે' શું કામ રડીએ ? આપણે તો પાડોશીને છાના રાખવા જોઈએ કે, 'ભઈ, રડશો નહીં, અમે છીએ તમારી જોડે. ડોન્ટ વરી, ગભરાશો નહીં.'

આ 'વણિક માલ' તે આવતાં પહેલાં ભડકે. આપણે તો ચંદુભાઈને કહેવાનું કે, 'તમને કશું જ થવાનું નથી.' મહીં એવો વિચાર આવશે કે પેલા ભાઈને ચલાતું નથી, તે આપણને ય એવું થઈ જશે તો ? એવા વિચારો આવે તો આપણે કહેવું, 'ચંદુભાઈ, અમે બેઠા છીએ ને ! કશું જ થવાનું નથી.' 'આપણે' જુદાપણાના વ્યવહારથી બોલોને. આ તો સાયન્સ છે. 'મને થયું' કહ્યું કે ભૂત વળગે. જગતને તેથી ભૂતાં વળગ્યાં છેને બધાં !

જેટલો વખત દાદા યાદ કરે ને, દર્દ મટતું જાય. ભય વગરના રાખે. કોઈ ભય નહીં, કશું જ નહીં. કેટલો વખત યાદ રહેતું'તુંુ ?

પ્રશ્નકર્તા : લગભગ યાદ રહ્યા જ કરતા'તા.

દાદાશ્રી : નિરંતર.

પ્રશ્નકર્તા : નિરંતર જેવું...

દાદાશ્રી : જાગૃતકાળ બધોય !

પ્રશ્નકર્તા : હથોડા પડે એટલે કર્મ ખપે ?

દાદાશ્રી : ના, હથોડા પડવાના એટલે આપણને મનમાં એમ ભય નીકળી જાય કે આવું અસ્તિત્વ આવશે ત્યારે શું કરીશું ? એ અત્યારથી હથોડા પડ્યાની પ્રેક્ટિસમાં આવી ગયું, પ્રેક્ટિસમાં. એ કહે છે, બહુ શાતા વેદનીય હોય ત્યારે તો ઘણું સારું લાગે પણ અશાતા આવશે ત્યારે શું થશે ? તે કશું થવાનું નથી, શું થવાનું છે ?

પ્રશ્નકર્તા : મરણ કાળે વેદનાની એને અસર ન થાય એવી સ્થિતિ થાય ખરી ?

દાદાશ્રી : હા, સમાધિ મરણ હોય. અસરની વાત જ ક્યાં રહી, સમાધિ મરણ હોય.

પ્રશ્નકર્તા : પણ આ કાળમાં એવું સમાધિ મરણ થાય ખરું ?

દાદાશ્રી : આ બધાં ઘણાં થયાં છે. અહીં મરતાં પહેલાં રોજ સમાધિ રહેતી હોય, પછી મરણ દહાડે બીજું શું હોય ? રોજ સમાધિ રહેતી હોય ને, તો બહાર પક્ષાઘાત થયેલો હોય તોય એ સમાધિમાં હોય. જેને રોજ સમાધિ રહેલી હોય એનું બહારનું વાતાવરણ જુદું છે, અંદરનું વાતાવરણ જુદું, સાવ તદ્દન જુદું જ છે.

ખબર પડે જતી વખતે ?

પ્રશ્નકર્તા : પેલા સંતપુરુષો, તત્ત્વજ્ઞાનીઓ જાણકાર હોવા છતાંય મરતી વખતે દેહને, આત્માને કેમ સરળતાથી છૂટા પાડી શકતા નથી ? તેમને ખૂબ દુઃખ પડે છે ?

દાદાશ્રી : ૧૦-૧૫ અવતાર જેને હોય, તેને આવું થાય. બાકી એક-બે અવતાર હોય તેને દુઃખ જ ના પડે.

જવાનું થાયને તો એને ક્યારે જઈશું તેનું ભાન થાય જ ને ! એવું થતું હતું, ઘણું થતું હતું. અરે, જ્ઞાનીઓને તો ખરું પણ અજ્ઞાનીનેય થતું હતું. અજ્ઞાનીનેય જે સીધા હતા ને સરળ, તેનેય થતું હતું, એય એમ કહેતાં હતા કે ભઇ, હવે દીવો-બીવો કરો, મારે જવાનો ટાઇમ થયો, હા. આજ તો આ ગૂંચાયેલાં લોકો છેને, કર્મો ભોગવવાને માટે બહુ છે ને, ગીચોગીચ કર્મ છે. મૃત્યુ વખતે છેલ્લાં કલાકમાં અત્યારે તો ઘણું ખરું બેભાન થઇ જાય. પણ સંતપુરુષો બધાને બહુ દુઃખ ના હોય. એ તો આ સંસારમાંય સરળ માણસોને દુઃખ ના પડે. એવું કોઇ દુઃખનો નિયમ નથી કે બધાને મરણ વખતે દુઃખ પડે જ.

કૃપાળુદેવને દુઃખ પડતું હતું માટે કંઇ એ જ્ઞાની ન્હોતાં, એમ ના કહી શકાય. એ તો જ્ઞાની હતા. બે-ત્રણ અવતાર વધારે થાય. (ચરમ શરીરી નહીં ને !)

કેવળીને તો દુઃખ હોય જ નહીં. ચરમ શરીરી હોયને, એમને દુઃખ હોય જ નહીં.

હવે કામ કાઢી લો !

એટલે એવું તૈયાર થઈ જાય ને, એટલી મારી ઈચ્છા છે, બીજું કશું નહીં. કંઈક લાઈટ સળગી જાય એટલી મારી ભાવના, કાયદો એવો કે મહીં ગમે એટલું હોય પણ પરપોટો ફૂટે એટલે શું રહ્યું ?

પ્રશ્નકર્તા : કંઈ જ નહીં.

દાદાશ્રી : શું કામનું ? એટલે બધાને કહું છું કે આ પરપોટો ફૂટી જશે, તે પહેલાં તમારું કામ કાઢી લેજો. દીવો સળગાવી લેજો. જો તમે આવી ગયાને ટાઈમસર, ફૂટતાં પહેલાં આવ્યા ને ?

ત્યારે લોકો શું કહે છે, હજુ તો દાદા તમે ત્રીસ વર્ષ રહેવાના. અલ્યા ભાઈ, ત્રીસ વર્ષ રહેવાના છે, એવું તું આશા ના રાખીશ. મેં તો મારી જાત છોડી જ દીધેલી છે. જ્યારે અમને આવું હોય, ત્યારે (નિ) યમરાજા આવે ને પાછા ?

આ મહીં બેઠા તે 'દાદા' માગે તે આપે એવા છે. હું જે માંગું છું તે બધું આપી દે છે. આશ્ચર્ય છે આ કાળનું !

પ્રશ્નકર્તા : દાદા માગે છે તે આપે છે ને, તે હું માંગું છું કે દાદાને ૧૫૦ વર્ષનું આયુષ્ય આપી દો.

દાદાશ્રી : હા, બરોબર છે. બધાં મહાત્માઓની ઇચ્છા ખરી કે દાદા વધારે હોય તો સારું. એટલે બધાનો વિચાર છે કે ૯૫ વર્ષ દાદાને જીવાડવા. હજી તો ૬૯મું ચાલે છે. મેં તો કહી દીધું છે કે હમણે આવવું હોય તો આવ ભઈ, અને જ્યારે આવવું હોય ત્યારે આવજે. એ તો હું કહું કે બે વર્ષ પછી આવજે તો એ જાણે કે ડરે છે આ. અમારે તારો શાનો ડર ? હું તારો ઉપરી. અને તારો શાનો ડર મૂઆ ? તમે તો (નિ)યમરાજા. એટલે અમે જ એમ કહીએ, અમારે તમારા કાયદામાં રહેવું પડે. અમારા કાયદા છે, કાયદા મૂકેલા અમે અને પળાવડાવું છું તું. રાજાનેય પોતાના કાયદામાં રહેવું જ પડે ને ? ના રહેવું પડે ? જજ કહેશે, અહીં બેસો સાહેબ, રાજાને કહે, તો બેસવું પડે. એવું તો આ જગત.

સહી નહીં તો મરણ નહીં !

પ્લેનમાં જવા માંડ્યા એટલે પેલાએ કહ્યું, 'આ દાદાજી હવે ફરી દેખાવાના નથી. એટલે મેં તો દર્શન કરી લીધા પહેલેથી.' ત્યારે મેં કહ્યું, 'પણ તું તો ફરી દેખાવાનો છે એ તો હું જાણતો હતો, તને આ વહેમ પડ્યો. મને કંઈ વહેમ પડ્યો નથી.' મેં તો કહ્યું, 'કશું થવાનું નથી, કશું થયુંયે નથી.' શું થાય તે ? જેને માલિકી વગરનો દેહ. એટલી બધી ગભરામણ શેના હારુ રાખો છો ?

કચ્છના એક મહારાજ સાહેબ કહે છે, મારે બધા કચ્છી લોકો બેઠા હોયને એમની રૂબરૂમાં મારે જ્ઞાન લેવું છે, દાદાની પાસે. હું કંઈ ભડકવા તૈયાર નથી, દાદાજીની આપ્તવાણી વાંચ્યા પછી હું કોઈ રીતે ભડકવા તૈયાર નથી અને બધા કચ્છી લોકોએ પણ એમને કહ્યું, 'હા, તમે જ્ઞાન લેશો તો અમને પછી જ્ઞાન મળશે ને !' કૂવામાં હોય તો હવાડામાં આવે ને ? એટલે એમણે વિધિ કરીને જ્ઞાન લીધું અને મેં જ્ઞાનેય આપ્યું અને ડૉક્ટર શું કહેતા'તા, એમને ઘેર લઈ જશો નહીં ત્યાં. અરે ! જ્ઞાન આપ્યું, બધુંય કર્યું અને પછી પાછો આવ્યો, સીધો મુંબઈ આવ્યો, પ્લેનમાં.

પ્રશ્નકર્તા : હા, પણ એરોડ્રામ ઉપર આપની તબિયત કેટલી ખરાબ હતી !

દાદાશ્રી : હા, કેટલી બધી ખરાબ દેખાતી'તી.

પ્રશ્નકર્તા : બીજા બધા તો એકદમ હલી ગયા'તા.

દાદાશ્રી : રડું રડું થઈ ગયા'તા. પણ મેં એમને કહ્યું, કશું થવાનું નથી મને.

પ્રશ્નકર્તા : આપે એમ કહ્યું કે મેં ક્યાં સહી કરી છે ? શું કામ ચિંતા કરો છો ?

દાદાશ્રી : હા, હું સહી કરી આપું ત્યારે ને ! પોતાની સહી વગર કોઈ માણસને મૃત્યુ પણ આવતું નથી એવું માન્યામાં આવે લોકોને, આ વાક્ય ?

પ્રશ્નકર્તા : આપના કહેવા પછી માન્યામાં આવે, પહેલાં ન આવે.

દાદાશ્રી : અને સહી જોઈશે. એમ ને એમ તે કંઈ મૃત્યુ આવે એને ?

પ્રશ્નકર્તા : પણ દાદા, એ સહી કરી આપી કેમ ખબર પડે ?

દાદાશ્રી : સહી કોઈ કરી આપે જ નહીં ને એક વાર તો. કોઈ કરી આપતા હશે ? કંઈ ગાંડું છે આ જગત ? મહીં ઝાટકા લાગે તે મહીં ઘડીવાર રહેવાનું ગમે નહીં, દુઃખું દુઃખું થાય. મનમાં ત્યારે શું કહે ? આ છૂટાય તો સારું અને કેટલાક ભગવાનને માનનારા કહે, હે ભગવાન ! હવે તું લઈ લે. આ સહી કર્યા વગર આપણને લઈ જનારો કોઈ હોઈ શકે કેવી રીતે ? માલિક છીએ આપણે અને આપણો કોઈ માલિક છે જ નહીં, જે આપણને લઈ જાય. આપણે સહી કરીએ કે ભઈ, અમારે હવે જવું છે, તો તૈયાર ! એ બધા સર્વન્ટ છે, આપણને લઈ જનારા. આપણા સર્વન્ટ નહીં ? પબ્લિક સર્વન્ટ.

પ્રશ્નકર્તા : બધા જ આવી સહી કરી આપતા હશે ?

દાદાશ્રી : બધાય, એકેએક. સહી કર્યા વગર કોઈને લઈ જઈ શકાય નહીં, એની ગેરેન્ટી આપું છું પછી.

પ્રશ્નકર્તા : પણ આ દાઝી ગયા હોય અને એક્સિડન્ટ થયો હોય, તો...

દાદાશ્રી : હા, સહી કર્યા વગર લઈ જવાય નહીં. પણ અંદર ભાવ થાય કે આ સહન નહીં થતું અને છૂટી જઉં તો, છૂટાય તો સારું આનાથી, આ દુઃખથી મુક્ત થવાય તો સારું. એ દુઃખથી મુક્ત થવું એનું નામ સહી કરી આપી.

એટલે હું ને અમારા મામાના દીકરા, મારાથી ૪-૫ વર્ષ નાના હતા. તે અમે સૂઈ ગયેલા. તે મારા મધર, ૮૪ વર્ષની ઉંમર હતી. રોજેય એવું કહે, આ આંખે દેખાય છે ત્યાં સુધી મને કશું હરકત નથી. અને થોડું ખવાય, હરાય-ફરાય નહીં ને આંખે દેખાય ત્યાં સુધી. તો હું બેઠો બેઠો શું કરું ? રોજ સહજાત્મસ્વરૂપનો મંત્ર બોલાવ્યા કરું. હું બોલાવું તો બોલ્યા કરે. મને જ્ઞાન થયેલું નહીં તે વખતે. પછી છે તે આમ તો મનમાં ઇચ્છા એવી કે હજુ સારી રીતે, મારે આંખો છે એટલે મારે વાંધો નથી. મેં એક ફેરો પૂછેલું, 'બા, જવું છે હવે ?' ત્યારે કહે, 'ના, શરીર સારું છે, મારી આંખો-બાંખો સારી છે.' એટલે હું સમજી ગયો કે મહીં એમની જવાની દાનત નથી. એ મને આ ગોઠી ગયું છે. આટલાં ૮૪ વર્ષ ગપોટિયાં તોય છે તે હજુ ગોઠી ગયેલું છૂટતું નથી. હવે મને તો માતૃપ્રેમ હોય જ ને ! ભક્તિ હોયને, માતૃભક્તિ? પણ શા માટે ? આ તટસ્થ રીતે હું જોઉં કે ઓહોહો ! મનુષ્યોના સ્વભાવ કેવા હોય છે ! કેવા મોટા મહાન ! આવડા મોટા નોબલ માઈન્ડના હતા. હવે તે પણ કહે છે, મારે તો હજુ આંખ્યો સારી છે. એટલે મેં કહ્યું, દાનત છે એમની જીવવાની. પછી અમે બેઉ સૂઈ ગયા, મામાના દીકરો ને હું, તે રાતે એક વાગે હું જાગી ગયો. ત્યારે એ મહીંથી બોલત

ા'તા, 'હે

ભગવાન, તું લઈ લે હવે.' એટલે અમારા મામાના દીકરાને ઊઠાડ્યા. મેં કહ્યુંુ, 'આ સહી કરી આપી, સાંભળજો. હુંુ રોજ કહું છું સહી, તે આજ સહી કરી આપી. માટે પંદર દહાડામાં તૈયારી કરો, વિધીન ફીફટીન ડેઝ.' એ ૧૦-૧૨ દહાડામાં જતા રહ્યા. સહી કર્યા વગર ના જવાય. આ છાતીમાં હાર્ટફેઈલ થવાની તૈયારી થાય ને, તે એવો દુઃખાવો થાય, તે છૂટાય તો સારું, છૂટાય તો સારું. તે તરત સહી ને તરત ઉકેલ.

ત્યારે એવું મેં સહી નથી કરી. મેં સહી કરી આપી નથી. કારણ કે મને દુઃખ અડે નહીં ને ? દુઃખ અડે નહીં ને ! એ એટલું બધું, બધા રડતા'તા. આંખમાંથી પાણી નીકળી જાય, પણ મેં કહ્યું, કશું થયું નથી. પેલા ડૉક્ટરને કહ્યુંુ, 'મને કશું થયું નથી.' તો ડૉક્ટર કહે છે, 'આ કઈ જાતનું બોલો છો ?' મેં કહ્યું, 'ના, કશું થયું નથી.' હવે એવી હિંમતેય ના હોયને લોકોને ? તમે જોયું ને ? તમે હતા ને ? તે ઘડીએ એવું લાગતું'તું કે નહીં જ ટકે એવું ?

પ્રશ્નકર્તા : મહીં દાદા, એ વખતે આ પેલું મોઢું-બોઢું ફરી ગયેલું ને લાળ પડતી'તી ને એવું બધું થઈ ગયેલું.

દાદાશ્રી : લાળ હઉ પડતી'તી, નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હવે લાળ પડતી'તી, બોલો ! તોય આ દાદા એવો રોફ મારે છે.

છતાં મરણ, 'વ્યવસ્થિત'ના તાબામાં !

આપણે તો મરણ જ્યારે આવ્યું, ત્યારે લીલો ઝંડો ધરવો. કારણ કે એ આપણા તાબાની વસ્તુ નથી. એ ટ્રાફિક મેનેજરના તાબાની વસ્તુ છે. આપણે શી ભાંજગડ ?

બધું વ્યવસ્થિત છે, એક્ઝેક્ટ, એટલે ના રહ્યો ભો મરવાનો, ના કશું પક્ષાઘાત થશે કે ફલાણું થશે. એવું કશું વિચાર જ કરવાની જરૂર રહી નહીંને ? વ્યવસ્થિતના નિયમમાં હશે તો થશે. બીજી કોઈ ભાંજગડ થવાની નથી.

સંસારમાં મરેલાં, આત્મામાં જીવે !

પ્રશ્નકર્તા : એટલે આ મનુષ્યો પેલું મરવાનો સમય તો દેખે કે હવે બે કલાક રહ્યા કે ચાર કલાક પણ જ્ઞાની તો મરણ સામે રાખીને જ ચાલતા હોયને, એ ગમે તે ઘડીએ આવી જાય.

દાદાશ્રી : એ તો સંસારમાં મરેલા જ હોય. મરણ સામે રાખે નહીં, મરેલા જ હોય. નિશ્ચયમાં જીવતા હોય ને સંસારમાં મરેલા હોય. અને પોતાપણું નહીંને ! પોતાપણું એ જીવતા કહેવાય.

જીવનનો અંતિમ કાળ, મહાત્માઓ સંગે !

પ્રશ્નકર્તા : એટલે દાદાના મહાત્માઓને આ પ્રશ્ન પણ ગોઠવવો પડશે, વ્યવહાર કેવી રીતે રાખવો ? અને જેનું લાંબું આયુષ્ય હોય તો કઈ રીતે બાકીનું આયુષ્ય જળવાઈ રહે અને આ શુધ્ધાત્માનો ઉપયોગ રહે ?

દાદાશ્રી : ના, એ તો પાછલું આયુષ્ય તો, છે તે અહીં આગળ, જ્યાં બધા સત્સંગીઓ રહેતા હોય, મહાત્માઓ રહેતા હોયને, એમની જોડે જ રહેવું જોઈએ. એટલે કુસંગથી છેટા, એનું નામ સત્સંગ.

પ્રશ્નકર્તા : પણ એમાં ટકી રહેવાય ?

દાદાશ્રી : ટકી રહેવાયને ! કશું નુકસાન થાય નહીં ને ખોટ ના આવે, નફો થયા કરે.

પ્રશ્નકર્તા : દાદા, બે રીતે એમાં ભયસ્થાનો છે કે પાછળ જે ફાઈલ મૂકીને આવ્યા હોય એ બધી ખેંચ્યા કરતી હોય, ફાઈલો જો વ્યવસ્થિત ન થઈ હોય, જો પોતાની આર્થિક વ્યવસ્થા પણ કંઈક ન થઈ હોય તો દાદા, ત્યાંથી પાછો ખેંચીને લઈ જાય.

દાદાશ્રી : એ તો આવે. આવે-જાયને તો એને પાછું નિવેડો લાવતો જાય. પોતે છૂટવા માટે જે પ્રયત્ન કરે છેને, એના બધા પ્રયત્ન સફળ થાય છે.

પ્રશ્નકર્તા : એને સંજોગો મળી આવે.

દાદાશ્રી : બંધાવું છે તેને, જેને બધી શંકા છે તેને આ બધું બાઝી પડે. બાકી તો આમ મહીં કશું વસ્તુ બાંધતી નથી, ગમે એટલું એ કરે તોય !

પ્રશ્નકર્તા : અક્રમમાં તો બંધાય જ નહીંને કર્મ ?

દાદાશ્રી : અક્રમની જે પાંચ આજ્ઞા પાળતો હોય, એને બંધાય જ નહીંને !

પ્રશ્નકર્તા : પૂરેપૂરી આજ્ઞા ન પળાતી હોય ને ભાવમાં હોય તો ?

દાદાશ્રી : સિત્તેર ટકા પળાતી હોય તોય ચાલે.

'આ' સત્સંગ એકલો જ ભયરહિત સ્થિતિ કરી શકે એવો છે. બાકી, કોઈ ભયરહિત ના કરી શકે.

મૃત્યુ સમયે જાગૃતિ !

આ નિઃશંક થયા, હવે આજ્ઞામાં રહો. ઘૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે, કાન કાપી લે તો કાપી લે, પુદગલ નાખી દેવાનું જ છે. પુદગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો એનો ટાઈમ હશે, વ્યવસ્થિતનો ટાઈમ હશે, તે દહાડો જ્યારે હો ત્યારે લઈ લે. ભય રાખવાનો નહીં. આપણે કહીએ, લઈ લો. તેથી કોઈ લેનારું નવરું નથી. પણ તે આપણામાં નિર્ભયતા રાખો, જે થવું હોય તે થાવ, કહીએ.

હવે નિરાંત થઈ ગઈ. હવે તમે જુદા, ચંદુભાઈ જુદા. નનામી તો નામવાળાની જશે. આપણે નામી નહીં, અનામી છીએે. અનામીની નનામી ના હોય, નામવાળાની નનામી. આ વિજ્ઞાન છે. બે જ દહાડામાં એડજસ્ટ થઈ જાય એવું છે.

અંત સમય સાચવશે દાદા !

પ્રશ્નકર્તા : મહાત્માને ક્યારે મૃત્યુ થવાનું છે એ ખબર પડે ખરી ? જો બધી જ આજ્ઞા પાળતો હોય આપની અને જ્ઞાતા-દ્રષ્ટા તરીકે રહેતો હોય, તો એને અંત સમય આવ્યો છે એવી ખબર પડે ખરી ?

દાદાશ્રી : ખબર પડે. ના પડે તોય વાંધો નથી. પણ ત્યાં આગળ દાદા સાચવશે ઠેઠ સુધી. એટલે ચિંતા કરશો નહીં. આટલું કરનારને દાદા બધી રીતે સાચવી લેશે.

પ્રશ્નકર્તા : તે સમયે કોઈ અનુભવ થાય ?

દાદાશ્રી : અનુભવ થઈ જાયને ! આત્મામાં જ હશે તે ઘડીએ. છેલ્લો એક કલાક આત્મામાં જ હોય, બહાર નીકળે જ નહીં. કારણ કે બહાર ભયજનક વાતાવરણ લાગે.

દુઃખ ન ખસે ત્યારે ખસે પોતે !

આ ભઈ તો બહુ ફૂલ જેવો સુંવાળો છે, હં કે ! પણ એ મારી પાસે શીખી ગયો કે બહુ ભય આવે કે તરત નિર્ભય થઈ જાય. અને થોડોક ભય હોયને, બે મચ્છર કરડતાં હોય, તો આખી રાત એમાં મચ્છરમાં કાઢે. અને હવે બધા સો મચ્છરાં હોયને, તો સૂઈ જાય.

પ્રશ્નકર્તા : દાદા, એ સમજાવોને, એ કેમ પુદગલમાં પેસી જાય ? બે-ત્રણ મચ્છરાં હોય તો કેમ આખી રાત મચ્છરાંમાં જાય ?

દાદાશ્રી : આ દુઃખ ખસેડવું છે, એટલે લાવ ખસેડવા જઉં અને આ ખસેડવું જ નથી એટલે મૂકે બાજુએ અહીંથી.

પ્રશ્નકર્તા : પહેલાં પેલું દુઃખ ખસેડવા જાય, પછી પોતે જ ખસી જાય.

દાદાશ્રી : ખરું કહ્યું. દુઃખ ના ખસે તો પોતે ખસી જાય ! અને આપણો આ આત્મા પ્રાપ્ત થયેલાનો નિયમ શો હોય છે કે જ્યારે એ બહુ મુશ્કેલીમાં મૂકાય છે, ત્યારે પોતાની ગુફામાં જ પેસી જાય છે, આત્મા. બહાર સહન ન થઈ શકે એવું દર્દ હોય, એ દુઃખ સહન ના થાય એવું હોય, ત્યારે ગુફામાં પેસી જાય. અને આપણા લોકોને જ્યારે મુશ્કેલી નથી હોતીને ત્યારે બહાર ફરવા નીકળે. ત્યારે તે આ ચારો ચરે છે એ. એ મુશ્કેલીમાં તો અંદર પેસી જાય. એ મુશ્કેલી નથી, તેનો આ દુરુપયોગ થાય છે.

પ્રશ્નકર્તા : તો મુશ્કેલી ન હોય ત્યારે જ ધ્યાન બહુ રાખવું પડે ને ?

દાદાશ્રી : હા. ત્યારે વધારે ધ્યાન રાખવું જોઈએ પણ તે બળ્યું નથી રહેતું, તે પણ આમ ને આમ ઉકેલ આવશે. કારણ કે માર્ગ સરળ છેને ! વૈજ્ઞાનિક માર્ગ છે આ !

અત્યારે કોઈ એકદમ કહે કે તમારા પાંચ લાખ રૂપિયા ધીરેલા, તે ગયા. એટલે પછી શૉક લાગે એવું થાય કે આત્મામાં પેસી જાય. સહન ના થાયને ? આ આત્માનો આ મુખ્ય ગુણ બહુ સારો છે.

પ્રશ્નકર્તા : આત્માની અંદર ગુફામાં પેસી જાય એવું હોય તો એનાથી ઉત્તમ શું ? નહીં તો જ્ઞાન ન લીધું હોય તો કંઈનું કંઈ થઈ જાય.

દાદાશ્રી : હા ! આ આપણા વિજ્ઞાનના પ્રતાપે. બાકી આવું હોય નહીં. એટલે આવું સરસ વિજ્ઞાન છે આપણું કે જેમ વધારે ભય આવે તેમ વધારે ઘરમાં પેસી જાય. ભય ના આવે ત્યારે સાડીઓ લેવા નીકળે. એટલે થોડો ભય હોયને ત્યારે આ જરાક મોહ કરે. નહીં તો પછી આત્મામાં જ પેસી જાય.

થશે સમાધિ મરણ !

મરણ વખતે બહુ મુશ્કેલી ચોગરદમની હોયને, ત્યારે આત્માની ગુફામાં જ પેસી જાય તદ્દન, બહાર ઊભો જ ના રહેને ! એ એનો મુખ્ય ગુણ છે આ. અને પેલા બીજા બધાને, જ્ઞાન ના હોય તેને તો ગુફા હોય જ નહીં, તો પછી પેસવું શી રીતે તે ?

ચંદુભાઈથી જુદા રહેવું જોઈએ આપણે. ચંદુભાઈ જુદા ને આપણે જુદા. આ તો સ્થિર રાખે એવું છે આપણું વિજ્ઞાન.

પ્રશ્નકર્તા : પણ દાદા, દરેકને પોતપોતાના ભયની લિમિટ હોયને ? કોઈ થોડા ભયમાં પેસી જાય અને કોઈ વધારે ભયમાં પેસી જાય.

દાદાશ્રી : હા, એ તો સહુ સહુની પોતાની લિમિટ છે, પણ સરવાળે તો, છેવટે પોતાની ગુફામાં પેસી જવાનો જ સ્વભાવ. મને કહે છે કે દાદા, મરતી વખતે સમાધિ મરણ થશે ? મેં કહ્યું, અત્યારે સમાધિ રહે છે તો તે ઘડીએ તો વધારે ભય હોય, એટલે અંદર પોતાના ઘરમાં જ પેસે. બહાર નીકળે જ નહીં ને ! એટલે સમાધિ મરણ જ થવાનું.

અને જેને જ્ઞાન ના હોય, એ ક્યાં પેસે ? નાની છોડી પૈણાવાની રહી ગઈ, તે એ એમાં પેસી જાય, નહીં તો બજારમાં પેસે મૂઓ. એટલે ત્યાં ઇન્ટરેસ્ટ હોય એ છોડીમાં, ત્યાં બેઠો બેઠો જાણે હમણે જતાં જતાં પૈણાવીને જવાનો હોયને, એવી વાત કરતો હોય. કારણ કે ભય લાગે ત્યારે ક્યાં જવું એ એની પાસે બીજું સાધન નથીને ! અને આપણે પોતે આત્મામાં જવું એ સાધન છે, અને પેલાની પાસે સાધન નથી, એ ક્યાં જાય ? એટલે આવી કોઈ સંજ્ઞા ખોળી કાઢે, આવી વિષય સંબંધી.

મોટો ભય, આત્મામાં પેસાડે !

સંસારમાં રિલેટીવમાં ભય માથે આવે ત્યારે આખો આત્મામાં પેસી જાય ને આત્માનો અનુભવ થઇ જાય ! આ નાનો બાબો હોય તે આમ તો પોતાનું રમકડું છોડે નહીં, ખસેડવા જાય તો હઠે ભરાય ! ને એટલામાં બિલાડી આવે તો બીને બધું છોડીને નાસી જાય ! જેને સ્વરૂપ જ્ઞાન મળ્યું હોય તેને જો કદી મોટો ભય આવે ને, તો તો એને સંપૂર્ણ આત્મ અનુભવ કેવળ જ થઇ જાય ! આપણને પણ સંયોગ આવે છે; છતાં આપણે કયા સંયોગ પસંદ કરવાના કે જે રિયલમાં હેલ્પ કરે તે. રિયલનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ કરવાના, રિલેટીવનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ નહીં કરવાના.

મૃત્યુ સમયે, જ્ઞાનમાં કે ભયમાં ?

આ આત્મા આપેલો છેને, તે ભય આવે ત્યારે અંદર પેસી જાય. ભય ના હોયને, ત્યારે તો બહાર જરા એ લઈ આવે, તે લઈ આવે. પણ બોમ્બ પડવા માંડ્યા કે મહીં પેસી જાય. ભય ના હોય એવી જગ્યા ખોળે, તે મહીં જ પેસી જાય. એટલે આ ભયમાં બહુ સુંદર રહે. મરતી વખતે સુંદર રહે છે અગર તો મરવા જેવો ભય હોયને ત્યારે બહુ સુંદર રહે.

પ્રશ્નકર્તા : ભય આવે તો આત્મા અંદર પેસી જાય એટલે શું પેસી જાય ?

દાદાશ્રી : એ તો જે બાહ્ય ભાવ છેને, એ જાગૃતિ બધી આત્મામાં પેસી જાય, જાગૃતિ જે બાહ્ય વર્તે છે એ જાગૃતિ આત્મામાં પરોવાઈ જાય અને 'હું શુધ્ધાત્મા છું' થઈ જાય. પછી તો બહારનું બધું છોડી નાખે, બધા કાગળો લખવાનું બંધ કરી દે અને જ્યાં સુધી ભય ના આવ્યો હોયને, ત્યાં સુધી તો કહેશે, 'આ હેંડો, થોડી જલેબી લઈ આવું છું, થોડો નાસ્તો લઈ આવું.' અને ભય આવ્યો કે મહીં ઘરમાં પેસી જાય અને મરણનો ભય આવે તે ઘડીએ 'ઘર' (આત્મા)માં હોય છે.

પ્રશ્નકર્તા : એટલે ભયમાં જાગૃતિ હજારો ગણી વધી જાય ?

દાદાશ્રી : વધે ખરી, જાગૃતિ વધે, પણ એ હંમેશાં જ્ઞાતા-દ્રષ્ટા તરીકે ભાવ રહેવાનોને ! પણ તે જ્યારે બહાર આફત આવશે, તે ઘડીએ અંદર પેસી જશે. અને અંદર પેસી જાય ત્યારે સંપૂર્ણ આનંદ જ હોય. દુઃખ જ ના રહેને !

આ જ્ઞાન મળ્યા પછી કોઈ પણ ભય એને સતાવી ના શકે. નિરંતર નિર્ભય રહી શકે. બને કે ના બને ? કોઈ નિર્ભય જોયેલા ?

પ્રશ્નકર્તા : નિર્ભય આપ જે સેન્સમાં કહો છો, એ સેન્સમાં નથી જોયા.

દાદાશ્રી : નિર્ભય હોય નહીં. એ તો આ કૃષ્ણ ભગવાન થઈ ગયા, આ મહાવીર ભગવાન થઈ ગયા. બાકી કોઈ હોય નહીં. માણસનું શું ગજું નિર્ભય થવાનું ? એટલે વીતરાગતા હોય તો જ નિર્ભય થવાય. રાગ-દ્વેષ ન હોય ત્યારે નિર્ભયતા થાય.

બોમ્બ પડે ત્યારે જ્ઞાન પ્રગટ પૂર્ણ !

અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે 'હું શુધ્ધાત્મા છું'. તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે. અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગૃત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બોમ્બ પડવા માંડ્યા'તા તો પછી ગુફામાં પેસી જશે. કેવળજ્ઞાની જેવી દશા થઈ જશે. બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળજ્ઞાન જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે.

છતાં આપણે કહીએ, 'બોમ્બ પડે તો સારુંને !' ત્યારે લોકો કહેશે, 'ના, ના પડવા દેશો ભાઈસા'બ, બોમ્બ ના પડવા દેશો.' 'અલ્યા, કેવળજ્ઞાની જેવી દશા થાય એવું છે, પડવા દેને અહીંથી !' અને બે મચ્છરાં હોયને મચ્છરદાનીમાં, તો આખી રાત જાગે. 'અલ્યા, કેમ પાછો ઊઠ્યો ?' 'લાઈટ કરી તો મચ્છરાં પેસી ગયાં.' 'મેરગાંડિયા, આ મચ્છરાં છે તો ગુફામાં ના રહેવા દે ને બોમ્બ છે તે ગુફામાં રહેવા દે તો કયું સારું ? બોમ્બ પડે એ ! પણ બા ! ઝટ ઉકેલ આવી જાય. આમ ટપલે ટપલે માથું કાણું થાય, એના કરતાં ઉડાડ એક ફેરો સડસડાટ ! ટપલે ટપલે કાણું થાય, કહોવાય, સડે, એના કરતાં ઉકેલ લાવી નાખને ! ત્યારે કહેશે, 'આ બોમ્બ પડવાનો છે. હે ભગવાન, હમણે બોમ્બ ના પડશો !' અલ્યા મૂઆ, પડવા દેને, તૈયાર થા !

આપણે માંગીએ તોય નથી પડે એવા. અને કિંમતી બોમ્બ કોણ નાખે ? કિંમતી બોમ્બ છે, બધા પડતા હોય તો આપણા મહાત્મા ધન્ય દિવસ કહી, ગુફામાં પેસી જાય, પોતે કેવળજ્ઞાન સ્વરૂપ થઈ જાય. કેવળજ્ઞાન તો થાય એવું નથી આ કાળમાં, પણ ગુફામાં પેસી જાય.

બોમ્બ પડે ત્યારે આત્માનો ભૂક્કો ના થાય, પણ બધી વાસનાઓનો ભૂક્કો થઈ જાય. અજ્ઞાની, જેને જ્ઞાન ના મળ્યું હોય તે મૂઓ, 'મારો છોકરો પૈણાવાનો હતો, બંગલો બાંધવો'તો, બધી વાસના અધૂરી રહી.' તે મૂઆ અધૂરી વાસનાએ મરેને, તે જાનવર થાય પાછો. એકને બોમ્બ પડે તો જાનવર થાય મૂઓ અને એકને બોમ્બ પડે તો મોક્ષના જેવું થાય, કારણ કે વાસનાઓ ફ્રેકચર થઈ જાય. એ જાતે ફ્રેકચર કરે એવો છે નહીં !

ત્યારે વિજ્ઞાન થાય પૂરું !

કોઈ પણ સંયોગમાં ભય ના લાગે, ગમે તેવા એટમબોમ્બ નાખે, ગમે તે એ થાય પણ ભય ના લાગે. મહીં પેટમાં પાણી ના હાલે ત્યારે જાણવું કે વિજ્ઞાન પૂરું થઈ ગયું છે. અગર તો જેણે આવું લક્ષ બાંધ્યું હોય કે કોઈ પણ સંજોગોમાં મને ભય ન લાગવો જોઈએ, તે રસ્તે ચાલે છે, તે માણસને વિજ્ઞાન પૂરું થવાની તૈયારી છે.

અહીંથી મરવાનું આવે પણ ભો ના રહે તો જાણવું કે હવે મોક્ષને માટે 'વીઝા' મળી ગયો ! ભય ના લાગવો જોઈએ. કોઈ રસ્તે ભય ના લાગવો જોઈએ. કારણ કે જ્યાં માલિક જ તમે છો, ભય વળી કોનો તે ? માલિક છો, દસ્તાવેજ છે, ટાઈટલ છે, બધું જ તમારી પાસે છે પણ તમને ખબર નથી, તે શું થાય તે ?

એટમબોમ્બ પડવાના હોય, તોયે પણ એટમબોમ્બ નાખનારો ભડકે પણ જેની પર પડનારો છે એ ભડકે નહીં, એટલી બધી તાકાતવાળું વિજ્ઞાન છે આ !

હવે જઈશું મહાવિદેહ જ !

અને જેને અહીં લક્ષ બેઠુંં શુધ્ધાત્માનું ને અહીં આગળ આ ભરતક્ષેત્રે રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય તે મહાવિદેહમાં પહોંચી જાય એવો નિયમ છે. અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. શુધ્ધાત્માનું લક્ષ બેઠું હોય, તેને એ સહેજે મહાવિદેહ ક્ષેત્રમાં ખેંચાઈ જાય. શુધ્ધાત્માનું લક્ષ નથી તે તો બધા અહીં છે જ. પણ જેને લક્ષ બેઠું એ મહાવિદેહમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરના દર્શન કરી મોક્ષે ચાલ્યો જાય.

એવો સહેલો-સરળ માર્ગ છે આ. અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ. આ રિયલ ને રિલેટીવ તમે જોતા જોતા જાવ. સમભાવે નિકાલ કરવાનું હોય, એ બધી જે આજ્ઞા કહી છે ને, જેટલું રહેવાય એટલું. બધું પૂરેપૂરું ના રહેવાય. પૂરેપૂરું રહે તો ભગવાન મહાવીર જેવો રહી શકે.

- જય સચ્ચિદાનંદ.