ઈમોશનલથી સહજતા ભણી !

સંપાદકીય

સંસારમાં મનુષ્યમાત્રના જીવનનો આધાર અહંકાર છે અને અહંકારને લઈને બુધ્ધિનો આવિર્ભાવ છે. તેઓ બુધ્ધિથી જ જીવન જીવી રહ્યા છે. બુધ્ધિનો સ્વભાવ જ ઈમોશનલ કરાવવાનો છે. ડખો કરાવે, બળાપો કરાવે અને બાસમતી ભાતમાં કાંકરા નાખીને જમાડે, છેવટે દુઃખી દુઃખી કરી નાખે. કહેશે કે, 'મને તારા માટે કેટલો પ્રેમ છે, કેટલી બધી લાગણી છે' પણ એ બુધ્ધિનો પાસ લાગેલી લાગણીથી છેવટે પોતે દુઃખી થાય ને સામાને પણ દુઃખી કરે. કારણ કે ઈમોશનલ લાગણી સાચી લાગણી હોતી નથી. સાચી લાગણી કે સાચો પ્રેમ હ્રદયપૂર્વકનો હોય. જે સામાને અને પોતાને દુઃખકારી ન જ નિવડે. સામાન્યપણે તો લોકો ઈમોશનલ લાગણીને જ સાચી લાગણી ઠરાવે છે. એ તો જ્ઞાની પુરુષ જ પોતે સાચી લાગણીનો ફોડ પાડી શકે. આ પ્રેમીઓ એકબીજા માટે પ્રેમ છે એમ માનીને આપઘાત કરીને પ્રેમ પૂરવાર કરવા જાય છે પણ એ સાચો પ્રેમ હશે ? ના. આસક્તિવાળો પ્રેમ ઈમોશનલ કરાવીને છેવટે કેનાલમાં ડૂબાડીને બન્નેના જીવન બરબાદ કરાવી દે.

એટલે પતિ-પત્ની, મા-બાપ-છોકરાં વચ્ચે જે લાગણી-પ્રેમ છે તેના માટે જ્ઞાની પુરુષ કહે છે, ઈમોશનલમાંથી મોશનમાં આવો. આવેગમાંથી વેગમાં આવો. નહીં તો આવેગ તો છેવટે ઉદ્વેગ કરાવશે. ઈમોશનલ થયે શું નુકસાન થાય ? જેમ ટ્રેન ઈમોશનલ થાય તો કેટલાય મનુષ્યો મરી જાય તેમ માણસ ઈમોશનલ થાય તો શરીરમાં કેટલીય જીવહિંસા થઈ જાય, તેની અણસમજણપૂર્વક જોખમદારી પોતાને માથે આવે છે. જ્ઞાની વેગમાં જ હોય. વેગ એટલે મોશન. સહજ જ્ઞાની ક્યારેય પોતાની સહજતા ખોવાઈ જવા ના દે, ગમે તેવી પરિસ્થિતિમાં ય. પોતે સહજ દશામાં વર્તે છે અને એ જ સહજ થવાનો માર્ગ ખુલ્લો કરી દે છે.

ઘરના વ્યવહારમાં કેટલાક લોકો એવું બોલે તો બધાને ડખો થઈ જાય, ત્યાં જ્ઞાની બોધકળા વાપરીને કહે છે, 'વિનંતી કરીને કહું છું' આટલો શબ્દ દરેક વાતમાં ઉમેરીને બોલો તો ડખા ઓછા થશે, ધીમે ધીમે ! બીજાની ભૂલ કાઢવી ત્યાં ઈમોશનલપણું આવી જ જાય. જે રિએક્શનમાં બન્નેને નુકસાન કરી દે. જ્યારે જ્ઞાની પુરુષ જીવન વ્યવહારમાં ડગલે ને પગલે એવા કિમિયા દેખાડે છે કે જેથી વ્યવહાર આદર્શ રીતે ચાલે. મહીં ભોગવટો ના આવે અને અંતે ઈમોશનલપણું છૂટતું જાય ને સહજ ભણી જવાય.

પ્રસ્તુત સંકલનમાં ઈમોશનલથી સહજતા ભણી જવાની અનેક ચાવીઓ પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની જ્ઞાનવાણીમાંથી સંકલિત થઈ છે, જે સમજીને ઉપયોગમાં લેવાથી વાચકથી સહેજેય નિરાકુળ આત્મરંજનમાં નિરંતર રહેવાશે.

દીપકના જય સચ્ચિદાનંદ

ઈમોશનલથી સહજતા ભણી !

શુધ્ધ પ્રેમ 'ઈમોશનલ' નથી !

પ્રશ્નકર્તા : આ પ્રેમ સ્વરૂપ જે છે એ પણ કહેવાય છે કે હ્રદયમાંથી આવે છે અને ઈમોશનલપણું પણ હ્રદયમાંથી જ આવે છે ને ?

દાદાશ્રી : ના, એ પ્રેમ ન હોય. પ્રેમ તો શુધ્ધ પ્રેમ હોવો જોઈએ. આ ટ્રેનમાં બધાં માણસો બેઠાં છે અને ટ્રેન ઈમોશનલ થાય તો શું થાય ?

પ્રશ્નકર્તા : ગરબડ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય.

દાદાશ્રી : લોક મરી જાય. એવી રીતે આ માણસ ઈમોશનલ થાય છે ત્યારે મહીં એટલી બધી જીવાત મરી જાય છે અને એની જવાબદારી પોતાને માથે આવે છે. અનેક જાતની આવી જવાબદારીઓ આવે છે, ઈમોશનલ થઈ જવાથી.

પ્રશ્નકર્તા : 'ઈમોશન' વગરનો માણસ પથ્થર જેવો ના થઈ જાય ?

દાદાશ્રી : હું 'ઈમોશન' વગરનો છું, તે પથ્થર જેવો લાગું છું ? બિલકુલ 'ઈમોશન' નથી મારામાં. ઈમોશનવાળો મિકેનિકલ થઈ જાય. પણ મોશનવાળો તો મિકેનિકલ થાય નહીં ને !

પ્રશ્નકર્તા : પણ જો પોતાનું 'સેલ્ફ રિયલાઈઝેશન' ના થયું હોય તો પછી આ 'ઈમોશન' વગરનો માણસ પથ્થર જેવો જ લાગે ને ?

દાદાશ્રી : એ હોય જ નહીં. એવું બને જ નહીં ને ! એવું કોઈ દહાડો બનતું જ નથી. નહીં તો પછી એને મેન્ટલમાં લઈ જાય છે. પણ એ મેન્ટલો ય બધા ઈમોશનલ જ હોય છે. આખું જગત જ ઈમોશનલ છે.

હાર્ટીલી લાગણી, ઈમોશનલ વિનાની !

પ્રશ્નકર્તા : સંસારમાં રહેવા માટે લાગણીની જરૂર છે. લાગણી પ્રદર્શિત કરવી જ પડે. લાગણી પ્રદર્શિત ન કરો, તો મૂઢ કહે છે. હવે જ્ઞાન આવે, જ્ઞાનની સમજ ઉતરે, પછી લાગણી એટલી પ્રદર્શિત નથી થતી. હવે કરવી જોઈએ, વ્યવહારમાં ?

દાદાશ્રી : શું થાય છે એ જોવાનું.

પ્રશ્નકર્તા : દાખલા તરીકે છોકરો બહારગામ ભણવા ગયો અને એરપોર્ટ ઉપર મા ને બાપ બન્ને ગયાં, માની આંખમાંથી આંસુ પડ્યા અને બાપ રડ્યો નહીં. એટલે તું કઠણ પથ્થર જેવો છું, કહે છે.

દાદાશ્રી : ના, હોય નહીં લાગણી આવી. બહારગામ જતો હોય તો શું ? એની આંખમાં આંસું પડે તો એને વઢવી જોઈએ કે ઢીલી આવી ક્યાં સુધી રહીશ, મોક્ષે જવું છે તો !

પ્રશ્નકર્તા : ના, એટલે એમ કે એ જો લાગણી ના હોય, તો માણસ છે તો એટલો કઠોર થઈ જાય છે. એ લાગણી વગરનો માણસ બહુ કઠોર હોય છે.

દાદાશ્રી : લાગણી તો જેને આંખમાં આંસુ નથી આવતાં તેની સાચી છે અને તમારી ખોટી લાગણી છે. તમારી દેખાવની લાગણી છે અને એની સાચી લાગણી છે. સાચી લાગણી હાર્ટિલી હોય. એ બધું ખોટું-ઊંધું માની બેઠેલું. લાગણી કંઈ જબરજસ્તી થાય નહીં. એ તો નેચરલ ગિફ્ટ છે. એવું કહેતા હોય કે કઠણ પથ્થર જેવો છું, તો લાગણી ઉત્પન્ન થતી હોય તો ય બંધ થઈ જાય. એ કંઈ રડવું અને પછી તરત ભૂલી જવું એ લાગણી કહેવાય નહીં. લાગણી તો રડવું ય નહીં અને યાદ રહેવું, એનું નામ લાગણી કહેવાય.

લાગણીવાળા તો અમેય, કોઈ દહાડોય રડીએ નહીં, પણ છતાંય લાગણી કાયમની બધાને માટે. કારણ કે જેટલા વધુ મળે એટલા તો રોજ અમારા જ્ઞાનમાં આવતા જ હોય બધા.

પ્રશ્નકર્તા : મા-બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી બતાવે છે, તો ઘણી વખત લાગે છે કે ખૂબ બતાવતાં હોય છે.

દાદાશ્રી : એ ઈમોશનલ જ છે બધું. ઓછી બતાવનારેય ઈમોશનલ કહેવાય. નોર્મલ જોઈએ. નોર્મલ એટલે ખાલી ડ્રામેટિક ! ડ્રામાની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો તે અસલ, એક્ઝેક્ટ. લોકો એમ સમજે કે સહેજ ભૂલ નથી કરી. પણ બહાર નીકળતી વખતે એને કહીએ, હેંડ મારી જોડે, તો ના આવે એ ? આ તો ડ્રામા પૂરતું જ હતું, કહે. એ સમજાયું ને ?

પુરુષાર્થ, મોશનમાં રહેવાનો !

આપણે એમને પૂછયું હોય પહેલેથી કે ક્યાં જાવ છો ? ત્યારે કહે, 'નાટક જોવા'. ત્યારે નાટકનો અર્થ જ ન ટકે એનું નામ નાટક. અરે, એ તો તું જાણતો હતો, તોય છે તે ત્યાં આગળ આવું આટલો બધો ઈમોશનલ થઈ ગયો ? અને ઈમોશનલ થયો તો એને પૂછવું અંદર ખાનગીમાં જઈને કે હે ભર્તૃહરી ! તમે સાચું રડતા હતા ? ત્યારે એ કહે, 'ના ભઈ, જો અભિનય ના કરું તો મારો પગાર કાપી લે.' એટલે આ નાટક જોઈને જે ચાર જણા ભાગી ગયા, તે હજુ પાછા નથી આવ્યા. બાકી ઈમોશનલ થવા જેવું જગત જ નથી. ઈમોશનલ થઈ જવું એ આ મન-વચન-કાયાનો સ્વભાવ છે. પણ આપણે શું કરવું કે મોશનમાં રહેવું, તેમ પ્રયત્ન કરવો. આ મન- વચન-કાયાનો સ્વભાવ શું છે ? ઈમોશનલપણું અને આપણી શું ખેંચ છે ? મોશનમાં રાખવું. એટલે નોર્માલિટી આવી જશે. અને આ તો એય ઈમોશનલ ને આપણેય ઈમોશનલ થયા, તો શું થાય પછી ? ગાડી નીચે પડતું નાખે.

એ રખડેલ પ્રેમ ઈમોશનલ બનાવે !

પ્રશ્નકર્તા : બે જણા પ્રેમી હોય અને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે, એને કયો પ્રેમ ગણાય ?

દાદાશ્રી : રખડેલ પ્રેમ ! એને પ્રેમ જ કેમ કહેવાય ? ઈમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય ! અને કહેશે, 'આવતા ભવમાં બન્ને જોડે જ હોઈશું.' તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ફરે. એ ફરી ભેગા જ ના થાય !

પ્રશ્નકર્તા : ભેગા થવાની ઈચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં ?

દાદાશ્રી : ઈચ્છા રાખ્યે કંઈ દહાડો વળે ? આવતો ભવ તો કર્મોનું ફળ છે ને ! આ તો ઈમોશનલપણું છે.

ભૂલ કાઢવાથી બગડે બધું !

પ્રશ્નકર્તા : દાદા, આપણે જે વખતે, બે પ્રકૃતિ હોય, હસબન્ડ-વાઇફ હોય તો જેને ટોક ટોક કરવાની ટેવ પડી ગઈ છે, તો એ વખતે જેણે દાદાનું જ્ઞાન લીધેલું છે, તો એને ખબર છે કે આ ખોટે રસ્તે ગાડી ચાલી રહી છે, ખોટા પાટા પર, આ વળી જ જવી જોઈએ, પણ દાદા અંદર એટલું બધું આવરણ ગાઢ હોય છે, એ સમજે છે કે તું આ ભૂલ કરે છે, છતાં એ કરે જ છે, એ આવરણ કેવું અને કર્મ પણ કેવાં ? તો એનું કોઈ રોકાણ ખરું, એ વખતે ઇન્સ્ટન્ટ એની પાસે કોઈ એવી ચાવી ખરી કે.... ?

દાદાશ્રી : એ 'વ્યવસ્થિત' ફરે નહીં. ફોટો પડી ગયેલો છે, ફોટો અવળો થઈ ગયેલો છે. અત્યારે આપણને જરૂર એમ લાગે કે આ ફોટો પાડવાની જરૂર નથી પણ અલ્યા, પડી ગયેલાને, તેથી એવું થઈ જાય !

કોઈ દહાડો તારી ભૂલ એ કાઢે કે ના કાઢે ?

પ્રશ્નકર્તા : કાઢે.

દાદાશ્રી : તે ઘડીએ તું એમની ભૂલ કાઢું કે ના કાઢું ?

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : હા, એ જ હું કહું છું. તો ફેમિલીમાં ભૂલ ના કઢાય.

પ્રશ્નકર્તા : એવું કંઈ સમજાવોને, કેમ ભૂલ ના કઢાય ?

દાદાશ્રી : ભૂલ તો કઢાતી હશે પણ ? ભૂલ કાઢવાથી શું ફાયદો ? ઇમોશનલ માણસ જ ભૂલ કાઢે. ભૂલ કાઢવાનો અધિકાર નથી કોઈને. ભૂલ કાઢવાનું કેટલા વખતથી ચાલે છે ? આ બગડી ગયું એવું બોલે કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : થોડી થોડી ચાલે બધી, નાની નાની ભૂલ કાઢું છું.

દાદાશ્રી : કોઈ દા'ડો ભૂલ કાઢો છો એની કે દરરોજ ?

પ્રશ્નકર્તા : દરરોજ.

દાદાશ્રી : ના, ભૂલ ના કઢાય. ભૂલ કઢાતી હશે ? કોઈ મિત્ર હોય તેની ભૂલ કાઢીએ તો મિત્રપણું છૂટી જાય.

પ્રશ્નકર્તા : 'ડખો નહીં કરો' કહ્યુંને તમે, તો બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ, ઘરમાં બહુ માણસો હોય તો ?

દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખો ય ના કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ?

દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય.

પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ?

દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય.

પ્રશ્નકર્તા : ઇમોશન વગર કહેવાનું ? ઇમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ?

દાદાશ્રી : આમ વાણી, કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય !

પ્રશ્નકર્તા : આ કડક વાણી, કર્કશ વાણી હોય એને શું કરીએ ?

દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે, કે 'હું વિનંતી કરું છું, આટલું કરજો.' 'હું વિનંતી...' એટલો શબ્દ ઉમેરીને કરે.

કોઈ પણ વસ્તુને હલાવવાથી નુકસાન થાય છે. સાહજિક છે તેમાં બગાડ હોય તો સુધારો કરવા માટે હલાવવાની જરૂર નથી. રસ્તો કરવાની જરૂર છે. ઉપાય કરવાની જરૂર છે.

ભૂલ નહીં બતાવે તો સુધરે !

પ્રશ્નકર્તા : મોઢે કહે તો પછી વટ જતો રહે ને !

દાદાશ્રી : વટ તો કાઢી નાખવો જ પડશે પહેલેથી.

પ્રશ્નકર્તા : આ પુરુષોએ તો વટ કાઢી જ નાખવાનો ?

દાદાશ્રી : હા, નહીં તો વટ જશે. વટની જરૂર હોય કંઈ ? જો આ કઢું કર્યું છે ! વાંકું બોલીએ તો શું થાય ? એક તો તપેલો હોય અને કઢું ખારું છે, બોલે એટલે ભડકો થાય. એવું ના કહેવાય. એની જોડે સમાધાન આપણે કરી લેવું જોઈએ, કે મહીં ભગવાન બેઠા છે, તું વઢવાડ ના કરીશ અને હું ય ના કરું. નહીં તો છોકરાં ઉપર અસર થાય ખોટી, એટલે એ છોકરાં જોઈ લે કે શું કરે છે ! આપણે વાંકું ના બોલીએ તો એ ય મનમાં સમજી જાય. એ ય કહેશે, 'નથી બોલવું, મારા ફાધર જ બોલતા નથી, ભૂલ કાઢતા નથી.' અને આપણે કહીએ 'આ કઢી બગાડી' તો કઢી કહેશે, 'બગાડી એમાં મારો શું ગુનો ? મૂઆ, તું મને વગોવે છે ?' એટલે કઢી રીસાય અને બઈને રીસ ચઢે. છોકરાંને રીસ ચઢે. હવે સરસ જમવાનું હતું તે બધું બગાડ્યું આખું અને પછી અંદર 'કાળમુખો જ છે, નિરાંતે જમવા ય ના દીધા. જમતાં પહેલાં મૂઓ બગડ્યો. પછી સાલાને દઝાડ્યો હોય તો વાંધો ન હતો.' ત્યાં સુધી વિચારે પછી ! અને મને બહુ ગમે છે તારી રસોઈ, કહીએ એટલે આપણે છૂટ્યા.

પ્રશ્નકર્તા : તો રોજ ખારી બનાવે.

દાદાશ્રી : હેં, છો ને બનાવે. એને હઉ ખાવાની છે ને !

પ્રશ્નકર્તા : બહુ વખાણીએ એટલે એવી ખારી જ, ગઈ કાલ જેવી જ બનાવે.

દાદાશ્રી : એવો ભય રાખવા જેવો નથી આ જગતમાં ! કોઈ માણસ ચોરી ગયું, એનો એ માણસ ફરી ચોરી જશે એવો ભય રાખવા જેવું છે નહીં જગત અને હિસાબ હશે તો જ ફરી ચોરી જશે, બાકી ચોરાય નહીં. અડાય નહીં એવું આ જગત છે. એટલે નિર્ભય રહેજો બધી વાતમાં.

પ્રશ્નકર્તા : અને દાદા, એવું જો કીધું હોય કે ખારી છે તો બીજે દિવસે મોળી થઈ જાય. કારણ કે એ ઇમોશનલ થઈ જાય પછી.

દાદાશ્રી : વાત ખરી છે, તેટલા માટે તો હું અહીં કોઈ દહાડો જમતી વખતે બોલતો નથી એનું શું કારણ ? કે હું કહું કે જરા મીઠું વધારે છે તો કાલે બીજે દહાડે ઓછું નાખશે. એના કરતાં બોલવાનું નહીં. એટલે એની મેળે રેગ્યુલર રહેશે. કોઈ દહાડોય બોલ્યો નથી.

પ્રશ્નકર્તા : પણ દાદા આ તો એવી વાત કીધી કે અમારા જેવા જે સાંભળનાર છે તે દરેકના ઘરની અંદર તો શાંતિ શાંતિ થઈ જાય.

દાદાશ્રી : હા, શાંતિ શાંતિ થઈ જાય.

પ્રશ્નકર્તા : કારણ કે આ સિવાય બીજું કંઈ કર્યું જ નથી. સાંજથી સવાર સુધી તેં આમ ન કર્યું, તેં તેમ ન કર્યું, તે આમ કર્યું, તેં તેમ કર્યું.

દાદાશ્રી : પણ એવું હું ભાણા ઉપર બેઠા પછી કોઈ દહાડો બોલ્યો નથી. કારણ કે મારું પેલું વચન એવું ખરુંને, એટલે પછી બીજે દહાડે હાથ ધ્રુજતો હોય કે ઓછું પડશે કે વધારે પડશે, ઓછું પડશે કે વધારે પડશે, તે પછી ઓછું પડી જાય એટલે મારાથી તો અક્ષરેય બોલાય જ નહીં. અને તમે ના બોલો તો ઉત્તમ.

પ્રશ્નકર્તા : પણ બોલવાથી તો ફેર પડતો જ નથીને ! જે હથોટી, એ હથોટી પ્રમાણે જ થાય.

દાદાશ્રી : ફેર પડે નહીં કશું. તે એ મેં જોઈ લીધેલું પાછું. એમ એનો અનુભવ કાઢી લીધેલો કે આ બધું નકામું જાય છે બોલવાનું. તે રોજ તમે ખોડો કાઢો છો, તે હવે વેર બંધાય છે તે જુદું !

પ્રશ્નકર્તા : હું કહું કે આ થોડા વર્ષ જીવવાનું, હવે તો કઢી સહેજ ગળી ખવડાય. પણ ના ખવડાવે.

દાદાશ્રી : તે એનું નામ જ ભ્રાંતિ ને ! ફુલિશનેશ જેને કહેવામાં આવે છે. એટલે કકળાટ કર્યા વગર ખઈ જાવને, છાનામાના ? ના ખાઈ લેવાય ? કકળાટ, કકળાટ ! રોજ કકળાટ ! પછી આપણો વખત આવેને ત્યારે સ્ત્રી એ ય ખોડો કાઢવા માટે તૈયારી થઈ ગયેલી હોય ! એ જ્યારે ગાતર ઢીલાં પડશે, ત્યારે હું ય બેસાડીશ, મનમાં કહેશે એના કરતાં આપણે બદલો ના માંગીએ, તે શું ખોટું ? આપણે એમને વઢીએ નહીં તો એ આપણને કોઈ દા'ડો વઢે નહીં, તે આપણું ગાડું સીધું-સરળ ચાલી જાય, આ તો પરસ્પર છેને ? કંઈ ઓછું આપણે લીધે એ રહે છે ? એને લીધે આપણે છીએ ને આપણે લીધે એ છે. પરસ્પર છે. આ તો લોકો કહે છે, આ મારી બાયડી. અલ્યા મૂઆ નહોય, એ બાયડી ! એવું ના બોલીશ, મૂઆ ! 'બાયડી' અપમાનજનક શબ્દ છે, અમારા પત્ની છે, એમ બોલ. મૂઆ, 'બાયડી' બોલે છે ? અને આ મોટો ધણી બેઠો ! વ્યવહારિક કૉલેજનું કશું જાણતા નથી ને ધણી થઈ બેઠો ! ના ડફળાવાના હોય ત્યારે ડફળાવે અને ડફળાવાના હોય ત્યારે સમજણ ના પડે. તમારે ત્યાં ધણી થઈ બેસે છે કોઈ ?

આપણે શું અવલંબન લેવાનું ? પ્રાપ્તને ભોગવો. અપ્રાપ્તનો વિચાર નહીં કરવાનો. પ્રાપ્ત જે આવ્યું, જેટલું ઠીક લાગે ને એટલું ખાઈને ઊભું થઈ જવું. કોઈને કષાય ઉત્પન્ન ના થાય એવું વાતાવરણ રાખવું. આપણા નિમિત્તે કોઈને કષાય ના થાય, એવું આપણું નિમિત્ત રહેવું જોઈએ. અને કોઈ માણસ કહેશે, ભઈ, તો જગત સુધરે કેમ કરીને ? એ તો જમી રહ્યા પછી ધીમે રહીને કહેવું, કે આજ દાળ છેને, તેમાં સહેજ મીઠું વધારે પડતું હતું, તમને ગમ્યું ? ત્યારે કહે, ના, મને ય લાગ્યું છે. હવે કાલે ફેરફાર સહેજ કરજો, પણ મોળી ના થઈ જાય એટલું રાખજો, કહીએ. એ પાછું ચેતવવું જોઈએ. પેલો કિનારો કહેવો પડે. પેલો કિનારો ના કહીએ તો પાછું એ કિનારાની આઉટ ઓફ જતું રહે.

પ્રશ્નકર્તા : બરાબર છે દાદા પણ આ આપે જે દ્રષ્ટાંત આપ્યું તે પરમાર્થમાં જો લેવાય તો અમારું તો કલ્યાણ થઈ જાય. આ કંઈ લૌકિકની વાતો આપની પાસે હોતી નથી.

દાદાશ્રી : બરાબર છે. એટલે લૌકિક સમજ જો હોયને તોય બહુ થઈ ગયું, ઘરમાં શાંતિ થઈ જાય. વગર કામની અથડામણ તો એની જ થાય છે બધી !

બુધ્ધિ કરાવે ઈમોશનલ !

તમારો ફ્રેન્ડ તમારી આગળ ચાલતો હોય ને એનાં ગજવામાંથી પૈસા પડતા હોય, તો તમે પાછળથી શું કરો, જોવામાં આવે કે તરત ? હેય, હેય, હેય તારા ગજવામાંથી.....! અમને તો જ્ઞાન, તે જોયા કરીએ. છેટે રહીને બૂમ પાડીએ કે ભાઈ, તમારાં ગજવામાંથી પૈસા પડે છે. અમે દોડીને ઝાલી ના લઈએ અને બુધ્ધિ ઈમોશનલ કરે.

જ્ઞાન શું કહે છે ? મોશનમાં રહો ઈમોશનલ ના થાવ. બધું મોશનમાં જ શોભે. ઈમોશનલ થયું કે નકામું. ઈમોશનલ બહુ નુકસાનકર્તા છે. જે બુધ્ધિ પોતાનું નુકસાન કરે છે એ બુધ્ધિને માટે વાંધો કહું છું. જે બુધ્ધિ ઈમોશનલ કરાવે છે, મોશનમાં રહેવા દેતી નથી, મોશનમાંથી ઈમોશનલમાં લઈ જાય છે. એ બુધ્ધિને માટે કહું છું.

મોશન (સહજ)માં રહે અને ઈમોશનલ થાય, એમાં ફેર નહીં ? શું ફેર ?

પ્રશ્નકર્તા : ઈમોશનલમાં માણસને અસર થાય.

દાદાશ્રી : શું અસર થાય એને ?

પ્રશ્નકર્તા : સુખ-દુઃખની અસર થાય.

દાદાશ્રી : તે બુધ્ધિ ઈમોશનલ કરે. આ જાનવરો બધા મોશનમાં રહેવાનાં. ઈમોશનલ નહીં થવાનાં. ઈમોશનલ આ મનુષ્યો જ થાય છે. આ જેમ ટ્રેઈન છે એ આમ કૂદતી કૂદતી જાય તો શું થાય ? તેમાં બેસનારાંને મઝા આવી જાય ને ? મહીં બેઠેલાં બધાં રમકડાં તૂટી જ જાય ને ? જેમ ગાડીમાં પેલા માણસો મરી જાય એવું આ શરીરમાં નાની જીવાત પાર વગરની છે, તે આ ઈમોશનલ થવાથી શરીરમાં લાખ્ખો જીવો મહીં ખલાસ થઈ જાય છે. ઘણાં દોષ બેસે. અને પછી કહેશે, હું અહિંસક છું. જીવડાં મારતો જ નથી, હિંસા તો મેં કરી જ નથી. મેરચક્કર, આખો દા'ડો હિંસા જ થયા કરે છે ! આ નર્યા જીવો જ મરી રહ્યાં છે. મહીં નરી જીવાત જ ભરેલી છે. તે ઈમોશનલ થાવ ત્યારે લાખો જીવોની હિંસાની જોખમદારી તમારે માથે આવે છે અને એ જોખમદારી ભોગવ્યે જ છૂટકો. એવી જોખમદારી છે આ. એ ઊડી જાય એવી જોખમદારી નથી આ. પણ એ તો કુદરતી રીતે જ બધાંને હોય. જેમ પરણેલા માણસને જોખમદારી ભોગવવી પડે છે, એમનાથી લાખો જીવોનું નુકસાન જ થાય છે ને ? એવી આ એક જોખમદારી છે. અને તેનાં પાપ લાગે છે ને પાછી ફરજિયાત છે. એ ખબરેય નથી કે કેટલાં પાપ થઈ રહ્યાં છે. પણ તે ઘડીએ ભયંકર પાપો બાંધે છે પણ એનું ભાન નથી. અજાણ્યે બાંધે છે પણ અજાણ્યાનું પાપેય છોડતા નથી ને જાણ્ોલાનું પાપેય છોડતા નથી. અજાણ્યાનું અજાણ્યાની રીતે ભોગવવાં પડશે અને જાણેલાં જાણીને ભોગવવા પડશે.

પ્રશ્નકર્તા : ઈમોશનલમાં જીવાત કેવી રીતે મરી જાય ?

દાદાશ્રી : જે ગાડી કૂદતી કૂદતી ચાલે ને, ઈમોશનલમાં, એવી રીતે આખા શરીરમાં બધા અવયવો ધ્રૂજી ઊઠે, ઈમોશનલ થાય તે વખતે, તે કેટલાંય જીવો મહીં મરી જાય છે. આમ સહજમાં એકુંય જીવ ના મરે. અત્યારે કશુંય ના થાય. પેલી પાર વગરની હિંસા છે.

પ્રશ્નકર્તા : બુધ્ધિથી ઈમોશનલ વધે છે ?

દાદાશ્રી : બુધ્ધિ, ઈમોશનલ સ્વભાવની જ છે. એનો સ્વભાવ જ ઈમોશનલ છે અને જ્ઞાન ઈમોશનલ ના કરે, મોશનમાં રાખે.

વ્યભિચારિણી બુધ્ધિનાં પરિણામો !

સંસારી બુધ્ધિ તો રહેવાની જ બધાંને. સંસારી બુધ્ધિ ના રહેતી હોય તો તુવેરની દાળ અને કેરીનો રસ બે ભેગું કરી નાંખે.

પ્રશ્નકર્તા : એટલે સંસારી બુધ્ધિની પણ જરૂર છે ને ?

દાદાશ્રી : હોય જ, હોય જ એ તો. એટલે હું કઈ બુધ્ધિને ના પાડું છું ? જે ફણગા ફૂટ્યા છે ને જે કાર્યકારી નથી ને જાગૃતિને નુકસાન કરે છે ઊલટી. જે વગર કામની નુકસાન કરે એ બુધ્ધિ વિકલ્પી કહેવાય. એને કૃષ્ણ ભગવાને ગીતામાં વ્યભિચારિણી બુધ્ધિ કહી. બે પ્રકારની બુધ્ધિ કહી, એક વ્યભિચારિણી અને બીજી અવ્યભિચારિણી. જે નુકસાન કરે તે વ્યભિચારિણી બુધ્ધિ કહેવાય. રાત્રે સાડા દસ વાગે ઉઘરાણીની વાત કરી તે કંઈ કામમાં ના લાગે, હિતકારી હોય નહીં ને સવાર સુધી જાગવું પડે. ઈમોશનલ બધી વાતો ! ઉદ્વેગ થયા કરે એનાથી. તમને કોઈ દહાડો ઉદ્વેગ થયેલો ?

.... એ સંસારાનુગામી જ !

ભટકનારના દોષે ભટકાવનાર ઊભા થાય છે. ભટકાવનારા તો બહુ ભોગવશે, કારણ કે પોતાની બુધ્ધિથી સામાની પાસે લાભ લીધો. બુધ્ધિથી તો સામાને લાભ કેમ થાય તે જોવાનું હોય, પણ આ તો દુરુપયોગ કરે છે, તેને વ્યભિચારિણી બુધ્ધિ કહી. બુધ્ધિથી આ કશું જ કરવાની જરૂર નથી, સહજાસહજમાં પ્રાપ્ત થાય એવું આ જગત છે. આ તો ભોગવતાં નથી આવડતું, નહીં તો મનુષ્ય અવતારમાં ભોગવી શકે એવું છે; પણ આ મનુષ્ય ભોગવી શકતો જ નથી અને પાછા એમના ટચમાં આવેલાં બધાં જાનવરો ય દુઃખી થયાં છે. બીજા કરોડો જીવો છે છતાં દુખિયા એકલા આ મનુષ્યો જ, કારણ કે બધાનો દુરુપયોગ કર્યો; બુધ્ધિનો, મનનો, બધાનો જ. આ મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. આ સામે બહારવટિયો આવે તો 'મારું શું થશે' એવો વિચાર આ મનુષ્યોને જ આવે. 'હું કેવી રીતે ચલાવીશ ? મારા વગર ચલાવશે જ કોણ ?' એવી જે ચિંતા કરે છે એ બધા જ નિરાશ્રિત છે; જ્યારે પેલાં જાનવરો ભગવાનનાં આશ્રિત છે. તેમને તો ખાવા-પીવા આરામથી મળે છે, એમને ડૉક્ટર, હોસ્પિટલ એવું કશું જ નહીં અને એ લોકોને દુકાળ જેવુંય કશું નહીં. હા, આ મનુષ્યોના સંગમાં આવ્યાં તે જાનવરો - ગાય, બળદો, ઘોડા વગેરે પાછાં દુઃખી થયાં છે.

ત્રણ પ્રકારની બુધ્ધિ : એક અવ્યભિચારિણી બુધ્ધિ, બીજી વ્યભિચારિણી બુધ્ધિ અને ત્રીજી સમ્યક બુધ્ધિ. આ ત્રણ પ્રકારમાં કોઇ અવતારમાં ય જિનનાં દર્શન કરેલાં હોય, તેને સમ્યક બુધ્ધિ ઉછરે. શુધ્ધ જિનનાં દર્શન કર્યા હોય અને ત્યાં શ્રધ્ધા બેઠી હોય તો બીજ નકામું જતું નથી, તેથી અત્યારે સમ્યક બુધ્ધિ ઉત્પન્ન થાય અને પછી સહજ ભાવે માર્ગ મળી આવે.

હ્રદય અને બુધ્ધિને મેળ પડે ના !

એ બુધ્ધિશાળીઓને હ્રદય ખલાસ થઈ ગયેલું હોય.

પ્રશ્નકર્તા : હ્રદય કેમ ખલાસ થઈ ગયું હોય ?

દાદાશ્રી : બુધ્ધિ ને હ્રદયને મેળ પડે નહીંને !

પ્રશ્નકર્તા : બુધ્ધિશાળી બહુ ઈમોશનલ ના થાય ?

દાદાશ્રી : ઈમોશનલ ખરા પણ તે ઈમોશનલપણું થતાં પહેલાં બુધ્ધિથી કાઢી નાખે બધું. એક-બે વખત ઈમોશનલ થયા હોય કે તરત જ એને વિચારે કરીને કાઢી નાખે કે આનાથી ભૂલ થાય છે. બહુ જબરી પ્રજા છે એ તો ! પણ બહુ ઓછા હોય એવા !

સૂઝ લાવે ગંૂચનો નિવેડો !

પ્રશ્નકર્તા : કેટલીક વખતે કોઈ એમ કહે કે મને આની સૂઝ પડતી નથી.

દાદાશ્રી : બીજો સૂઝ આપે ત્યારે ચાલ્યું ગાડું. નહીં તો માણસ પા પા, અરધો અરધો કલાક બેસી રહે આમ કરીને. પછી મહીં જેમ ટપકું પડે એટલે સૂઝ પડી જાય છે. ઊભો થઈને કરવા માંડે છે. હવે હલકા લોકોના પરિચયમાં આવીને સૂઝ જતી રહી નથી પણ હલકા પ્રકારની થાય છે. એટલે પોતાને નકામી થાય છે, યુઝલેસ થાય છે. સૂઝ હલકા પ્રકારની થાય, ચોરીઓની સૂઝ આવડે, બીજું આવડે, તેને શું કરવાની ?

બુધ્ધિ કરતાં સૂઝની કિંમત વધારે છે, પણ લોકો સમજતા નથી. આ લોકોને બુધ્ધિની ઘણી કિંમત. બુધ્ધિ તો નફો-નુકસાન બે જ દેખાડે. બીજું કશું દેખાડે નહીં. ઈમોશનલ જ બનાવ્યા કરે અને સૂઝ ઈમોશનલ ના બનાવે. ગૂંચવાડો હોય તેનો નિવેડો લાવી આપે. તે મને બહુ અનુભવ હોય સૂઝના. અમને તરત ખબર પડી જાય કે સૂઝ પડી એમ. હા, મને તો મોટું અજવાળું જેવું મહીં થાય, સૂઝ પડે એટલે બધું આરપાર દેખાઈ જાય.

ખીલે સૂઝ, સૂઝવાળાના સંગે !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે સૂઝને માટે નિમિત્ત જોઈએ. એ દર્શન એને ઠેઠ કેવળ દર્શન સુધી લઈ જાય. પણ એમાં નિમિત્ત જોઈએ, એ નિમિત્ત શું ?

દાદાશ્રી : ઊંચા નિમિત્ત જોઈએ, સૂઝવાળા. સૂઝવાળા ઊંચા નિમિત્ત ભેગા થાય ને, તેમ તેમ સૂઝ ખીલતી જાય પણ તે સહજ, વિના પ્રયાસે.

પ્રશ્નકર્તા : એનો દાખલો આપો.

દાદાશ્રી : તમે ઊંચા ઊંચા માણસ જોડે, જેને કોઠાસૂઝવાળા કહે છે, તે વધુ સૂઝવાળાને તમે ભેગા થાવ, એના પરિચયમાં રહો તો તમારી સૂઝ ખીલતી જાય. તે તમારે કશો પ્રયત્ન કરવો ના પડે. એનો પરિચય રહ્યો એ જ સૂઝ ખીલી જાય, પરિચયનું જ ફળ. જેનો પરિચય કરીએ, તે રૂપ આપણે થઈએ.

સેન્સિટિવ એ વીકનેસ ઑફ સેન્સ !

બુધ્ધિ એ સેન્સિટિવ (રઘવાટ) કરનારી છે. તને સેન્સિટિવ કરે છે કે નહીં કરતી ? આખા જગતને સેન્સિટિવ કરે. બુધ્ધિ શું કરે ? સેન્સિટિવ કરે. સેન્સિટિવનેસ તેં જોયેલી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : સેન્સિટિવનેસ એટલે ?

પ્રશ્નકર્તા : વીકનેસ ઓફ માઈન્ડ (મનની નબળાઈ).

દાદાશ્રી : વીકનેસ ઓફ માઈન્ડ નથી એ. માઈન્ડની વીકનેસ નથી એ, એ સેન્સની વીકનેસ છે. એ બુધ્ધિની વીકનેસ છે. એ વીકનેસ સેન્સિટિવ બનાવે. તે રઘવાયો, રઘવાયો, રઘવાયો થઈ જાય ને કશું ભાન ના રહે.

પ્રશ્નકર્તા : આ સેન્સિટિવ એ જ ઈમોશનલ ?

દાદાશ્રી : એ ઈમોશનલ બધા. બધા એના જ પર્યાયો છે. પણ શબ્દ જુદા છે ને, એટલે એના પર્યાયમાં થોડો ફેર હોય. પણ મૂળ ત્યાં જ જાય. સ્થૂળ અર્થમાં ત્યાં જ જાય અને સેન્સિટિવ સ્વભાવ કોઈ દહાડો સ્થિર ના થવા દે. અકળામણમાં ને અકળામણમાં રાખે. મોક્ષમાં ના જવા દે અને બુધ્ધિ જેમ જેમ ઓછી થાય તેમ નિરાકુળતા આવતી જાય, અકળામણ ઓછી થતી જાય.

બુધ્ધિના પર્યાયો બળાપો કરાવે !

અત્યાર સુધી આ બધા લોકો બેઠા હોય, રાતે સાડા અગિયાર થયા, તે ઘરધણીના મનમાં એમ થાય કે આ નહીં ઊઠે તો હું શું કરીશ ? પણ ના. આપણે બધા ઊઠી જઈશું. સંયોગો વિયોગી સ્વભાવના. જો સંયોગો વિયોગી સ્વભાવના ના હોય તો આ અમદાવાદવાળા સુખ આવેલું હોય તે તો જવા દે કે ? પણ જો એ જતું રહે તો દુઃખ આવીને ઊભું રહે છે ને !

પ્રશ્નકર્તા : આ લોકો અગિયાર વાગી ગયા અને નહીં ઊઠે તો શું થશે, એવું કોને થાય છે ?

દાદાશ્રી : એ બુધ્ધિનો પર્યાય છે. બુધ્ધિ ઈમોશનલ થાય છે. એ ઈમોશનલપણું છે. બુધ્ધિ પજવે ને ? આમ પર્યાય દેખાડે, પણ મૂઆ એ બુધ્ધિના પર્યાય છે, તારે લેવા-દેવા શું ? એ તો એનો સ્વભાવ અજવાળું આપે, તેમાં આપણને શું નુકસાની ? આપણે આંખો મીચીંને ધ્યાન કરવાનું, તે કરવાનું. એ કંઈ ખઈ જાય છે બધાનું ? આપણે ના સમજીએ કે લાઈટ છે બહાર !

પ્રશ્નકર્તા : આ બધાની અસર તો, એ જે કંઈ બહાર અસરો છે, બુધ્ધિની, મનની એ વ્યક્ત કોણ કરે છે ? વ્યક્ત તો અહંકાર જ કરે ને ?

દાદાશ્રી : વ્યક્ત કરે નહીં પણ બુધ્ધિની અસરો હોય ને, એ આપણે સમજી જઈએ કે આ બુધ્ધિની અસરો છે. મહીં થાય કે આ લોકો નહીં ઊઠે તો ? મહીં એવી જાગૃતિ ઉત્પન્ન થઈ જાય, પણ તે આપણે ઈમોશનલ થઈએ તો ભાંજગડ છે ને !

બુધ્ધિથી પહોંચાય વિનાશી જ્ઞાન સુધી !

પ્રશ્નકર્તા : સામાન્ય રીતે જ્ઞાનનું પાત્ર બુધ્ધિ ગણાય છે.

દાદાશ્રી : ના, બુધ્ધિના પાત્રમાં કશું ના રહે.

પ્રશ્નકર્તા : પણ જ્ઞાન એ બુધ્ધિનો વિષય નહીં ?

દાદાશ્રી : ના, બુધ્ધિ ભૌતિક વસ્તુ છે. બુધ્ધિ નાશ થઈ જાય, વિનાશ થઈ જાય. જ્ઞાન વિનાશી નથી.

પ્રશ્નકર્તા : આધ્યાત્મિકતા અને બુધ્ધિ એને કંઈ સંબંધ ખરો ?

દાદાશ્રી : આમ કશો સંબંધ નહીં. ફક્ત આધ્યાત્મિક સમજવું હોય તો સમજવા માટે આપણને બુધ્ધિ સાધન તરીકે કામ લાગે. બાકી બુધ્ધિ હંમેશાં સંસારમાં જ ભટકાવ ભટકાવ કરે. બુધ્ધિનો સ્વભાવ એવો કે માણસને સંસારમાં જ ભટકાવ, ભટકાવ કરે.

આધ્યાત્મિકમાં સ્થિર કરે, એ સ્થિરતાનો માર્ગ છે. અને આ ચંચળ ને સ્થિરતા બે વિરોધાભાસ કહેવાય. બે સાથે બેસી શકે નહીં. બુધ્ધિ તો દરેક માણસને ઈમોશનલ કરનારી જ છે.

પ્રશ્નકર્તા : પણ જ્ઞાન વિકસાવવા માટે બુધ્ધિની થોડીક જરૂર ખરી કે નહીં ?

દાદાશ્રી : જ્ઞાન વિકસાવવા બુધ્ધિની જરૂર, ખાસ જરૂર. બુધ્ધિ વગર તો જ્ઞાન આગળ શી રીતે વિકસે ? જ્ઞાન બે પ્રકારના. એક વિનાશી જ્ઞાન અને એક અવિનાશી જ્ઞાન. અવિનાશી જ્ઞાનને 'વિજ્ઞાન' કહ્યું અને વિનાશી જ્ઞાનને 'જ્ઞાન' કહ્યું. એટલે બુધ્ધિથી વિનાશી જ્ઞાન ઉત્પન્ન થાય અને ભક્તિ ય વિનાશી થાય. પણ આગળ વધારે, એમ કરતાં કરતાં છેવટે એ વિજ્ઞાન સુધી પહોંચાડે અને વિજ્ઞાન અવિનાશી છે.

આનંદ, નિરાકુળ : વ્યાકુળ !

આખા જગતમાં જે આનંદ છે, તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ છે અને 'આત્મજ્ઞાની' થયા પછી નિરાકુળ આનંદ ઊભો થાય છે. 'જ્ઞાની પુરુષ' પાસે નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય. પુદગલની કંઈ લેવા-દેવા નથી, તો પછી આ સુખ ઉત્પન્ન ક્યાંથી થયું ? ત્યારે કહે કે એ સ્વાભાવિક સુખ, સહજ સુખ ઉત્પન્ન થયું, તે જ આત્માનું સુખ છે અને એટલું જેને ફિટ થઈ ગયું ને, એ સહજસુખના સ્વપદમાં રહ્યો. તે પછી ધીમે ધીમે પરિપૂર્ણ થાય.

આનંદ બે પ્રકારના : એક આપણને 'બિઝનેસ'માં ખૂબ રૂપિયા મળી જાય, સારો સોદો થઈ ગયો, તે ઘડીએ આનંદ થાય. પણ તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂર્ચ્છિત આનંદ કહેવાય. છોકરો પૈણાવે, છોડી પૈણાવે, તે ઘડીએ આનંદ થાય, તે પણ આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂર્ચ્છિત આનંદ કહેવાય અને નિરાકુળ આનંદ થાય તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો.

પ્રશ્નકર્તા : નિરાકુળ આનંદ કયો કહેવાય ?

દાદાશ્રી : અહીં સત્સંગમાં જે બધો આનંદ થાય છે, તે નિરાકુળ આનંદ છે. અહીં આકુળતા-વ્યાકુળતા ના હોય.

આકુળ-વ્યાકુળ આનંદમાં શું થાય કે મહીં ઝંઝટ ચાલ્યા કરતી હોય. અહીં ઝંઝટ બંધ હોય અને જગત વિસ્મૃતિ રહ્યા કરે. હમણાં કોઈ વસ્તુને લઈને આનંદ આવે તો આપણે સમજીએ કે આ પૌદ્ગલિક આનંદ છે. આ તો સહજ સુખ ! એટલે નિરાકુળ આનંદ. આકુળતા-વ્યાકુળતા નહીં. જાણે ઠરી ગયેલા હોઈએ એવું આપણને લાગે. ઉન્માદ કશો ના હોય.

એ બેઉ મનોરંજન !

વ્યાખ્યાનમાં બોલે એ ઉપદેશ કહેવાય. એમાં બધાને અનુસરીને બોલે. આ વ્યાખ્યાન સાંભળવા જાય ને, તે મન કબૂલ કરે છે. એટલે મનોરંજન થાય. તે ઘડીએ ઈમોશનલ થઈ જાય અને પછી ઊતરે ત્યારે પાછો આમ આમ ખંખેરી નાખે. હું પૂછું કે 'કેમ શેઠ ખંખેરી નાખ્યું ?' ત્યારે એ કહે, 'ના. નથી ખંખેરી નાખ્યું.' પણ એ ખંખેરી નાખે છે. અલ્યા, રહેવા દો ને ! પણ મનોરંજન કેટલા દહાડા રહે ? આ વ્યાખ્યાન સાંભળવા એ ઊર્ધ્વગતિનું મનોરંજન છે અને સિનેમા એ અધોગતિનું મનોરંજન છે. બેઉ મનોરંજન છે.

સંતો પાસેથી આનંદ મળે તે ઈમોશનલ હોય. અને જ્યારે જ્ઞાની પુરુષ પાસેથી જે આનંદ મળે તે આત્માનો આનંદ કહેવાય, એ ઈમોશનલ ના હોય. મહીં આમ નિરાકુળતા લાવે.

ઈમોશનલપણાથી નુકસાન !

'ઇમોશનલ' થાવ તો ય જગત અટકવાનું નથી ને 'ઇમોશનલ' ના થાવ તો ય જગત અટકવાનું નથી. આ તો 'ઇમોશનલ'પણાનો જ માથે ભાર આવે છે. બાકી, જગત તો ચાલ્યા જ કરે છે, એ કોઈ દહાડો અટકવાનું નથી.

વિનાશી ચીજો જોઈ 'ઈમોશનલ' થાય એ બુધ્ધિ. જે જ્ઞાન 'ઇમોશનલ' કરાવે છે તે સંસારી જાગૃતિ છે. સાચી જાગૃતિ 'ઇમોશનલ' ના કરાવે.

'ઈમોશનલ'પણું જતું રહે, એનું નામ 'અબુધ'. 'ઈમોશનલ' થવાની જગ્યા હોય ત્યાં 'ઈમોશનલ' ના થાય, એનું નામ 'અબુધ'. 'અમને' બુધ્ધિ ના હોય. 'અમને' જો બુધ્ધિ હોય તો 'અમે'ય 'ઈમોશનલ' થઈ જઈએ. 'અમે' 'અબુધ' છીએ. માટે બુધ્ધિશાળીએ 'અમને' જીતવા જતાં વિચાર કરવો પડે કે 'અબુધ'ને શી રીતે જિતાય ?

'ઇમોશનલ' એટલે 'ફોરેન'ની વાતમાં 'હોમ' ડખલ કરે તે. 'ફોરેન' 'હોમ'ને ડખલ કરે એમ છે જ નહીં, તમે 'પોતે' એમાં (ફોરેનમાં) પડો તો જ ડખલ થાય.

દુનિયામાં બધી જ ચીજ હાજર છે. પણ તમારું 'ઈમોશનલપણું' એને આવવા દેતું નથી. 'ઇમોશનલ' એટલે અસ્થિરપણું. જમવા જાય તો કહે કે 'મને જમવાનું મળશે કે નહીં' એ જ અસ્થિરતા. સ્થિરતા રાખને તો બધું આવીને પડશે.

જ્ઞાનપ્રકાશ ઘટાડે બુધ્ધિ !

જ્ઞાનપ્રકાશ વધે તો જ બુધ્ધિ ઘટે. નહીં તો પ્રકાશ એક બાજુ ના હોય તો બુધ્ધિ ઘટે નહીં.

પ્રશ્નકર્તા : પ્રકાશ હોય તો બુધ્ધિ તો જોઈએ ને ?

દાદાશ્રી : ના, પ્રકાશમાં બધું માલમ પડે એવું છે. પ્રકાશથી તો બધું દેખાય એવું છે, ક્લીયર(સ્પષ્ટ). તેમ છતાં આ સંસાર જેટલો ચલાવવાનો છે આપણે, નિમિત્તમાં આવ્યો છે, તેમાં આ લાઈટ ના ચાલે. એમાં છે તે પેલું જે લાઈટ છે, તે પેલું લાઈટ એની જોડે હોય જ. બુધ્ધિનું લાઈટ, ડિમ લાઈટ એની જોડે જ, હરેક કાર્યમાં હોય જ. આ તો કઈ બુધ્ધિ ઘટાડવાની કહું છું કે જે જરૂરિયાત છે એની બુધ્ધિ તો મને ય રહેવાની. બિનજરૂરી બુધ્ધિ કઈ કે જે તમને આમ થઈ જશે ને તેમ થઈ જશે, બધું આડુંઅવળું બતાવ બતાવ કરે, ડખો કરી નાખે, ઈમોશનલ કરી નાખે કે નથી કરતી ? તે એ બુધ્ધિ. એ બુધ્ધિ ઈમોશનલ કરી નાખે. અને પેલી બુધ્ધિ તો જે છે એ તો એની મેળે કુદરતી ઊભી જ થવાની. એની જોડે જ રહેવાની. એને ડિમ લાઈટ કહે છે. ડિમ લાઈટ તો હોય જ ને ! ફુલ લાઈટ જોઈએ જ નહીં ત્યાં આગળ, સંસાર ચલાવવા માટે.

બુધ્ધિ તાણે મોશનમાંથી ઈમોશનલ ભણી...

હવે હું જે તમારી જોડે વાત કરું છું ને, એ બુધ્ધિના અભાવવાળો માણસ છું અને તમે બુધ્ધિશાળી છો. બેનો મેળ શી રીત પડે તે ?

રાત્રે તમને બુધ્ધિએ કંઈક દેખાડ્યું કે ફલાણા માણસે મારું નુકસાન કર્યું છે, એવું દેખાડ્યું કે એની સાથે તમે ઈમોશનલ(ચંચળ) થઈ જાવ. બુધ્ધિ જંપીને બેસવા ના દે.

બુધ્ધિ ઈમોશનલ કરે કે ના કરે ? તમારે કોઈની જોડે લડવાનું બને કે ? તમારે લડવાનું નહીં ને કોઈ જોડે ?

પ્રશ્નકર્તા : ઈમોશનલ હોય તો લડવાનું થાય.

દાદાશ્રી : હા, ઈમોશનલ જ હોય બધું. જગત જ બધું ઈમોશનલ હોય. છંછેડે કે ઈમોશનલ થઈ જાય. મોટા મોટા આચાર્યો છે ને, આપણે કહીએ કે તમારામાં અક્કલ નથી. તો એ પેલા ફેણ માંડે કે ના માંડે ? ફેણ માંડે તે જોયેલી ? એ ઈમોશનલ થઈ જાય બિચારા.

નાના બાળક જેવું હોય અમારું. એટલે એ જ્ઞાનવાદ હોય. બુધ્ધિવાદ ના હોય. બુધ્ધિવાદ હંમેશાં ઈમોશનલ કરે અને ભેદ બતાવે મારા-તારાનો અને જ્ઞાનવાદ ભેદ બતાવે નહીં અને ઈમોશનલ ના કરે.

જગતના લોકો તો ઈમોશનલ થયા વગર રહે નહીં. બુધ્ધિ ઈમોશનલ જ કરે. જ્યાં સુધી જડતા હોય ત્યાં સુધી ઈમોશનલ ના થાય. કેટલા માણસોને આપણે ટૈડકાવ ટૈડકાવ કરીએ છીએને, આપણે જાણીએ કે આ હાલતો કેમ નથી ! પણ શાનો હાલે ? એને વાત હજુ પહોંચી જ નથી તે ! અને બુધ્ધિશાળીને તો બોલતા પહેલા વાત પહોંચી જાય ! વિચાર કરે ને તોય પેલાને પહોંચી જાય ને !

પરાભક્તિ : અપરાભક્તિ !

આખું જગત ભક્તિ ખોળી રહ્યું છે, એ અપરાભક્તિ છે. જે ભક્તિમાં સહેજેય બુધ્ધિનો પ્રવેશ હોય નહીં એ મોક્ષની ભક્તિ કહેવાય. ભક્તિ મોક્ષની હોવી જોઇએ. બુધ્ધિનો પ્રવેશ થાય તો એ અપરાભક્તિ થાય. બુધ્ધિ બહાર નીકળી ગઇ તો પરાભક્તિ. 'અહીં' આખો દહાડો ચાલે છે એ પરાભક્તિ છે. પરાભક્તિનું ફળ મોક્ષ. આપણો તો આ મોક્ષમાર્ગ છે. જ્યાં મોક્ષમાર્ગ નથી ત્યાં સંસારમાર્ગ છે. જે ભક્તિમાં બુધ્ધિ આવે ત્યારે તે 'ઇમોશનલ' રાખે, 'હું'પણાનું ભાન કરાવડાવે, 'રિલેટિવ' સ્વરૂપનું ભાન કરાવડાવે, 'હું ચંદુલાલ છું. હું લોખંડનો મોટો વેપારી છું' એવું ભાન કરાવડાવે. બુધ્ધિ પરાભક્તિ થવા ના દે. અહીં તો જ્ઞાન આપ્યા પછી પરાભક્તિ જ હોય. પરાભક્તિ તો કોને કહેવાય કે જે આત્મા માટે કરવામાં આવે, શુધ્ધાત્મા માટે, આત્મહેતુ માટે કરવામાં આવે તે. આત્મહેતુ માટે જાગે તે નીંદર કહેવાય. આત્મહેતુ માટે ખાય તે અનશન અને આત્મહેતુ માટે ભક્તિ કરે તે પરાભક્તિ.

સ્થિતપ્રજ્ઞ દશાથી ઇમોશનલ ના થાય. મોશનમાં રહે તે સ્થિતપ્રજ્ઞ, પણ સમાધિ ઉત્પન્ન ના થાય. 'જ્ઞાન' વિના સમાધિ ઉત્પન્ન ના થાય. ભ્રાંતિ જાય ત્યારે સમાધિ ઉત્પન્ન થાય.

અસર થાય તે જ્ઞાન કે બુધ્ધિ ?

પ્રશ્નકર્તા : છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં આમ થયું તો આપણને જે અસર થાય, તો વાંચ્યા પછી કંઈ પણ અસર ના થાય એની, તો એ જડતા કહેવાય ?

દાદાશ્રી : અસર ના થાય, એનું નામ જ જ્ઞાન.

પ્રશ્નકર્તા : અને અસર થાય, એને શું કહેવાય ?

દાદાશ્રી : એ બુધ્ધિ કહેવાય. એટલે સંસાર કહેવાય. બુધ્ધિથી ઈમોશનલ થાય પણ ધોળવાનું કશુંય નહીં.

સંસારની અસરો અડે કોને ?

પ્રશ્નકર્તા : અંતઃકરણના કયા ભાગને પહેલી 'ઇફેક્ટ' થાય છે ?

દાદાશ્રી : પહેલી બુધ્ધિને 'ઇફેક્ટ' થાય છે. બુધ્ધિ જો હાજર ના હોય તો અસર ના થાય.

પ્રશ્નકર્તા : ભારે વિકટ સંયોગોમાં અંતઃકરણથી આગળ કયા ભાગને 'ઇફેક્ટ' થાય છે ?

દાદાશ્રી : આગળ કોઈને અસર થતી નથી.

પ્રશ્નકર્તા : 'પ્રતિષ્ઠિત આત્મા'ને થાય છે ?

દાદાશ્રી : એ 'પ્રતિષ્ઠિત આત્મા' જ કહેવાય. અંતઃકરણમાં ક્રોધ-માન-માયા-લોભ, મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર તે બધાને 'પ્રતિષ્ઠિત આત્મા' જ કહેવાય.

પ્રશ્નકર્તા : તો પછી 'પ્રતિષ્ઠિત આત્મા' અને અંતઃકરણ, એ જુદું કેમ પાડ્યું ?

દાદાશ્રી : જુદું નથી કહ્યું. 'શુધ્ધાત્મા' સિવાય આખોય 'પ્રતિષ્ઠિત આત્મા.' પછી પૂછો એટલે અંતઃકરણ જુદું, ઈન્દ્રિયો જુદી, મન જુદું એમ જવાબ તો આપવો પડે ને !

પ્રશ્નકર્તા : બુધ્ધિને અસર થાય છે, તો મનને અસર નથી પહોંચતી ?

દાદાશ્રી : બુધ્ધિમાંથી મનને પહોંચે. જો બુધ્ધિ વચ્ચે ના હોય તો કોઈ કશી અસર ના થાય.

અમને બુધ્ધિ નહીં એટલે અમને કશી અસર ના થાય. અમને 'મથુરા'(મનના વિચારો) મહીં જાતજાતના હોય, તે જાતજાતનું કહી જાય. પણ વચ્ચે બુધ્ધિ સ્વીકારનાર હોય તો ભાંજગડ થાયને ! બુધ્ધિ સ્વીકારે પછી મન પકડી લે ને મન કૂદાકૂદ કરી મૂકે.

પ્રશ્નકર્તા : બુધ્ધિએ ઝીલ્યું પછી વાગોળવાની ક્રિયા કોણ કરે છે ?

દાદાશ્રી : બુધ્ધિ ઝીલે છે ને મનને પછી પહોંચે છે. હવે મન જ કૂદાકૂદ કરે છે, તે વાગોળવાનું કામ પણ મન જ કરે છે. મન વિરોધાભાસી છે. તે ઘડીમાં આમ લઈ જાય ને ઘડીકમાં પેલે ખૂણે લઈ જાય. હલાવ હલાવ કરીને તોફાન કરી મૂકે.

કરો ડીવેલ્યુ, એકસ્ટ્રા બુધ્ધિની !

આ મન, બુધ્ધિ, ચિત્ત, અહંકાર એ ચાર જ અંતઃકરણ રૂપે છે એનો વાંધો નહીં. પણ આ તો વધારાની એક્સ્ટ્રા બુધ્ધિ છે તે કામની જ નથી.

પ્રશ્નકર્તા : તો એવી બુધ્ધિવાળા માણસને જો સહજ થવું હોય તો શું કરવું પડે ?

દાદાશ્રી : એ તો એની મેળે બુધ્ધિ ઓછી થતી જાય. એ પોતે નક્કી કરે કે આ બુધ્ધિની વેલ્યુ નથી એટલે ઓછી થતી જાય. જેની તમે વેલ્યુ માનો તે મહીં વધતું જાય અને જેની વેલ્યુ ઓછી થઈ ગઈ એ ઘટતું જાય. પહેલાં એની વેલ્યુ વધારે માની તે આ બુધ્ધિ વધતી ગઈ.

પ્રશ્નકર્તા : બુધ્ધિનો જે મળ હોય, બુધ્ધિનું આવરણ હોય, એ ધોવાઈ જવું જોઈએ ને ?

દાદાશ્રી : આપણને જરૂરિયાત છે ત્યાં સુધી એ ઊભી રહી છે. આપણને નેસેસિટી છે ત્યાં સુધી એ ઊભી રહી છે અને હજુ તો બુધ્ધિની વધારે કમાણી કરવા લોકો ફરે છે કે હજુ બુધ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢ્યા છે. આ તો બુધ્ધિને જ ખેડ ખેડ કરી છે. પછી ખાતર નાખો. એ બુધ્ધિ વધી ગઈ. મનુષ્યો એકલા જ દોઢ ડાહ્યા છે. બુધ્ધિનો ઉપયોગ વધારે પડતો કર્યો.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગર પણ જે સીધા- સાદા, સરળ માર્ગે જતો હોય અને એની સમજણ પ્રમાણે વ્યવહારમાં નિષ્ઠાથી સત્ય રીતે રહેતો હોય તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય છે એ તેનો ડિફરન્સ(ફેર) શું ?

દાદાશ્રી : પેલો તો ક્લેશનો અભાવ હતો ને, તે આપણે બુધ્ધિપૂર્વક કરતા હતા અને આ સહજભાવે ક્લેશનો અભાવ રહે. આમાં કર્તાપણું છૂટી જાય.

સમજ સમાવે બુધ્ધિનો ડખો !

આ સંસાર જ બુધ્ધિનો ડખો છે, બુધ્ધિ ના ઊભી હોત તો સંસાર રહેત જ નહીં. અમારી બુધ્ધિ ખલાસ થયેલી. એટલે અમને બુધ્ધિ ઉપરનું જ્ઞાન હોય. બુધ્ધિ અમારી ખલાસ થઈ ગયેલી હોય.

પ્રશ્નકર્તા : તો બુધ્ધિ ખલાસ કરી આપો. બુધ્ધિનો પનો ટૂંકો પડે, આપ્તવાણી સમજવા માટે.

દાદાશ્રી : એટલે બુધ્ધિ જોડે થોડી સમજણ લાવવાની છે. જે જ્ઞાન કહેવાય નહીં અને બુધ્ધિ કહેવાય નહીં એવી સમજણ લાવી આપો. બુધ્ધિમાં કહેવાય નહીં અને જ્ઞાન કહેવાય નહીં, સમજણ. એ સમજણ પૂરી થાય, એને જ્ઞાન કહેવાય છે.

બુધ્ધિ ગયા પછી આનંદ, ખૂબ વધતો જાય. આ આનંદનું ધામ જ છે પણ બુધ્ધિ ડખલ કરે છે વચ્ચે.

પ્રશ્નકર્તા : આનંદનું ધામ છે આ એ શું ?

દાદાશ્રી : મેં જે આપ્યું છે એ આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. બુધ્ધિ આવે એટલે ડખલ કરે. જે બુધ્ધિ સંસારમાં હેલ્પ કરતી'તી...

પ્રશ્નકર્તા : એટલે રિએક્શનરી જે આનંદ છે તે એવો આનંદ થતો નથી પણ એનાથી ઊંચો આનંદ થાય છે એમ.

દાદાશ્રી : ના, ઊંચો એટલે મૂળ આનંદ સ્વરૂપ જ છે. આનંદ જ આપેલો તમને પણ એમાં આ બુધ્ધિ જે છે તે સંસારમાં જે બુધ્ધિ મોટા બનાવતી'તી. જે બુધ્ધિ આપણને મજબૂત રીતે મોટો ધંધો દેખાડતી'તી તે બુધ્ધિ અત્યારે નડી રહી છે. પણ જેટલા બુધ્ધિશાળી, બુધ્ધિના ધર્મ છે અહીંયાં હિન્દુસ્તાનમાં, એમાં કોઈ મોક્ષનો માર્ગ નથી. બુધ્ધિ એટલે મોક્ષથી છેટા અને મોક્ષમાં ક્યારેય ના જવા દે એનું નામ બુધ્ધિ.

પ્રશ્નકર્તા : બુધ્ધિ એ વધારે બંધાવાનો માર્ગ છે.

દાદાશ્રી : સંસારમાં રૂપાળું કરી આપે, બહુ ફર્સ્ટ કલાસ રૂપાળું કરી આપે પણ ત્યાં ના જવા દઉં કહે છે. એટલે આ બાજુ બુધ્ધિની ખેંચ છે, આ બાજુ પ્રજ્ઞાની ખેંચ છે. પ્રજ્ઞા કહેતી હોય, હાર્ટીલી માણસ હોય તેને હું હેલ્પ કરીશ. ઉપર લઈ જઈશ, ઠેઠ લઈ જઈશ, મોક્ષે લઈ જઈશ. અમારામાં બુધ્ધિ જતી રહી તેથી અમારું હાર્ટ આટલું બધું પ્યૉર હોય ને, પ્યૉર જ. મને કહેતા'તા કે હાર્ટિલી વાણી...

પ્રશ્નકર્તા : 'હ્રદીયે સ્પર્શી સરસ્વતી, આ વાણી લ્હાવો અનોખો છે.' એવું છે કે વાણીની એવી અસર છે કે બુધ્ધિ જે પઝલ ઉકેલી ના આપે, તે આ વાણી ઉકેલી નાખે.

બુધ્ધિ કે પ્રજ્ઞા, ડિમાર્કેશન શું ?

પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુધ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુધ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? કંઈક વાત થાય તો બુધ્ધિ દોડાવી, બુધ્ધિ ઊભી થઈ કહે છે, તો બુધ્ધિ શું ?

દાદાશ્રી : અજંપો કરે તે બુધ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુધ્ધિનું ચલણ છે. તમારે બુધ્ધિ નથી વાપરવી તો ય વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી. એ તમને 'ઈમોશનલ' કરાવડાવે. એ બુધ્ધિને આપણે કહેવું કે 'હે બુધ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવા-દેવા નથી.' સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુધ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી. અમને બુધ્ધિ ના હોય. અમે અબુધ હોઈએ.

ચંચળતાથી કર્મબંધન !

આ જે ક્રિયા થઈ રહી છે એનો વાંધો નથી પણ તેમાં ચંચળતા ઉત્પન્ન થાય છે તે વાંધો છે. ક્રિયા બંધ કરવાની નથી. બંધ થાયે ય નહીં. એમાં જે ચંચળતા ઉત્પન્ન થાય છે, જે સહજતા તૂટી જાય છે, તેનાથી કર્મ બંધાય છે. આ ક્રિયા કરીએ છીએ તેનો વાંધો નથી, બધી ક્રિયાનો વાંધો નથી પણ ચંચળતા ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : શું છે તે ચંચળતા કહેવાય ? ચંચળતાના લક્ષણ શું ?

દાદાશ્રી : આપણું જ્ઞાન ના આપેલું હોય, તે તો જાણે ચંચળતામાં છે જગત આખુંય. આપણું જ્ઞાન આપ્યા પછી ચંચળતા નથી રહેતી એનામાં, સહજતા રહે છે. સહેજે પોતાનો ધક્કો ય નથી હોતો, બહારની ક્રિયા એની મેળે થયા કરે છે.

જે સહજતા તૂટી એટલે કર્મ થયું. એટલે આખું જગતેય કર્મ બાંધી રહ્યું છે. ચંચળતા શુભ ભાવમાં હોય તો સારા કર્મ બાંધી રહ્યું છે. અશુભ ભાવમાં હોય તો ખરાબ કર્મ બાંધી રહ્યું છે. એટલે ફરી ભોગવવું પડે પાછું. ફરી પાછું બીજ પડે. ફરી ચંચળતા ઉત્પન્ન થાય.

પ્રકૃતિ ને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ, એનું નામ સાહજિકતા.

બુધ્ધિ વપરાતા કોઝિઝ પડે !

પૂર્વજન્મનું કોઝિઝનું પરિણામ આ ઈફેક્ટ છે, તો કોઝિઝ કયા ?

પ્રશ્નકર્તા : આપ સમજાવો.

દાદાશ્રી : આ જૂના બીજ ઉપરથી તો આ ઉગ્યું, તો નવું બીજ હવે કયું પડશે ?

એટલે માણસને જે ક્રિયા કરે, તે ક્રિયાની હરકત નથી. એમાં બુધ્ધિ વપરાય કે તરત કોઝિઝ ઉત્પન્ન થાય. નહીં તો બુધ્ધિ વગરની ક્રિયા સહજ કહેવાય છે. બુધ્ધિ વપરાય, કે કોઝ થયું. એટલે અહીં રાગ-દ્વેષ કર્યો ને કોઈ જોડે ક્રોધ કરે, માન કરે કે લોભ કરે, એમાં બુધ્ધિ વપરાયા વગર રહે નહીં. અને એ કોઝિઝ ઉત્પન્ન થાય જ. બુધ્ધિ વપરાય ત્યારે ક્રોધ કરે ને ? સામો માણસ ગાળદે ત્યારે બુધ્ધિ વપરાય કે મને દીધી એમાં બુધ્ધિ વપરાઈ, તો તરત ક્રોધ ઉત્પન્ન થઈ જાય. અને મારા જેવો બુધ્ધિ ના હોય તો ગાળ દે તોય શું ને ના દે તોય શું ? પેલા નાના છોકરાને આપણે કડવું પઈએ છે ને, એ મોઢું બગાડશે એ દ્વેષ કહેવાય, એય કોઝ કહેવાય અને સારી સારી વસ્તુ આપીએ તો એ ખુશ થઈ જાય છે, એ ય કોઝ કહેવાય. ખાવાનું એ કોઝ નથી. તાડગોળા તમે ખાઓ તોય કોઝ નથી. કોઝ ફક્ત ખરાબ બોલ્યા તો. તમને ખરાબ સાથે કામ શું છે ? હવે ખઈ લોને છાનુંમાનું. એ દોઢડાહ્યા બહુ હોય ને પણ !

બુધ્ધિજ્ઞાન કરાવે ઈમોશનલ !

સાપ રૂમમાં પેઠાનું પેલા લોકોને જ્ઞાન નથી તેથી તેમને ઊંઘ આવે છે અને તમને સાપ પેઠાનું જ્ઞાન થયું છે, તે ક્યારે ઊંઘ આવે તમને ? સાપ નીકળ્યાનું પાછું જ્ઞાન થાય ત્યારે. આ ક્યારે પાર આવે. સાપ નીકળે ક્યારે ને ઊંઘે ક્યારે ? એટલે આ બધું તેથી ઈમોશનલ થઈ જાય છે. એટલે આ બુધ્ધિ ઈમોશનલ કરે છે. અહમ્ તો નથી કરતો. અહમ્ તો બિચારો સારો છે કે આ બુધ્ધિના બધાં કારસ્તાન છે. તમારે વકીલોમાં બુધ્ધિ ઓછી હોય ને જરા ?

પ્રશ્નકર્તા : બુધ્ધિનો વધુ પડતો ઉપયોગ થયો હોય એટલે એવું થાય.

દાદાશ્રી : એ બુધ્ધિ હેરાન કરે છે બધું. ઈમોશનલ એ જ કરે છે. એ બુધ્ધિ હોય ને એ ઉદ્વેગ લાવે. અલ્યા ભાઈ, વેગમાંથી ઉદ્વેગમાં શું કરવા લાવ્યા ?

'મોશન'માં હોય ત્યારે વેગમાં હોય ને 'ઇમોશનલ' હોય તે ઉદ્વેગમાં હોય.

'ઈમોશનલ' થયો કે ઉદ્વેગ શરૂ થઈ જાય. ઉદ્વેગ તો એને ઊંઘવા ય ના દે ને !

પ્રશ્નકર્તા : પણ 'ઇમોશનલ' લોકોને તો ચિંતા વધારે થાય ને ?

દાદાશ્રી : ચિંતા નહીં, ઉદ્વેગ બહુ થાય. અને એ ઉદ્વેગ તો મરી જવા જેવો લાગે. 'મોશન' એટલે વેગમાં અને 'ઇમોશનલ' એટલે ઉદ્વેગ.

પ્રશ્નકર્તા : હવે વેગ એ પણ ગતિમાં છે ને ?

દાદાશ્રી : વેગ તો નિરંતર હોવો જ જોઈએ. વેગ, 'મોશન' તો હોવું જ જોઈએ. જીવતાને વેગ અવશ્ય હોય, ને તે 'મોશન'માં હોય. કોઈ પણ જીવને વેગ અવશ્ય હોય. જે ત્રસ્ત જીવ છે, એટલે જે આમ ત્રાસે છે, આ હાથ અડાડીએ તો નાસી જાય છે, ભાગી જાય છે, જેને ભય લાગે છે, એ બધાને વેગ અવશ્ય હોય. પણ જે એકેન્દ્રિય જીવો છે, આ ઝાડ-પાન છે, તેને વેગ ના હોય. એમનો વેગ જુદી જાતનો હોય. પણ આ વેગ તો બીજાં બધાં જીવોને હોય જ. તે વેગમાં તો હોય જ, નિરંતર 'મોશન'માં, ને એ બધા વેગને આઘોપાછો કર્યો એટલે આ 'ઈમોશનલ' થઈ જાય, એ ઉદ્વેગ કહેવાય.

વેગ, આવેગ ને ઉદ્વેગ !

પ્રશ્નકર્તા : વેગ, આવેગ અને ઉદ્વેગ એ સમજાવો.

દાદાશ્રી : વેગ સાહજિક વસ્તુ છે અને આવેગ અસહજ છે. પોતે કર્તા થઈને 'આવેગ' થાય છે ! અને ઉદ્વેગ તો પોતાને ન કરવું હોય તો ય થાય. પોતાની ઈચ્છા ના હોય તો ય ઉદ્વેગ થાય, ને તે ઉદ્વેગ માથું ફાડી નાખે એવો ઉદ્વેગ થાય. માથું ફાટું ફાટું થઈ રહ્યું હોય. વેગ તો જ્ઞાનીઓને ય હોય, આવેગ ના હોય અને ઉદ્વેગ તો હોય જ નહીં ને !

જ્યાં સુધી આવેગવાળો છે, ત્યાં સુધી ઉદ્વેગ ક્યારે ઊભો થશે એ કહેવાય નહીં. હા, આવેગની ગેરહાજરી થઈ કે ઉદ્વેગ ગયો. કર્તાપદનું ભાન તૂટ્યું કે ઉદ્વેગ નહીં થાય. છતાં ઉદ્વેગ એ ય હિસાબ છે. પણ કર્તાપદનું ભાન તૂટ્યું તો એ ઉદ્વેગનો હિસાબ જે ભોગવવાનો છે, તે ઉદ્વેગરૂપે નહીં આવે. બીજી રીતે આવીને ગૂંચવીને જતો રહે. 'સફોકેશન' કરે ખાલી, ગૂંગળામણ કરે.

જ્ઞાની કૃપાએ સહજ થવાય !

આ તો તમને કલાકમાં જ સ્વરૂપનું ભાન 'અમે' કરાવી આપીએ છીએ, તેથી આ બધું સહજ પ્રાપ્ત થઇ જાય છે; બાકી લાખ અવતારેય ઠેકાણું પડે તેમ નથી.

ભાવ-નો-દ્રવ્યના જાળાં ખંખેરી જાણ, જો અબુધ અધ્યાસે !

અબુધ અધ્યાસ થાય તો એ જાળાં ખંખેરાશે, બુધ્ધિથી એ જાળાં પડી નહીં જાય. બુધ્ધિ તો એનું કામ કર્યા કરશે, પણ એને વાપરવાની નથી. આ તો સાપ હોય ત્યાં બુધ્ધિની લાઇટ ધરીને જુએ તો અજંપો થાય અને 'વ્યવસ્થિત' કહે છે 'જાને તું તારે, કોઇ કશુંય કરડવાનું નથી!' તો નિરાકુળતા રહે. બુધ્ધિ તો સંસારમાં જ્યાં જ્યાં એની જેટલી જરૂર છે એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે અને સંસારનું કામ થઇ જાય છે, પણ આ તો વિપરીત બુધ્ધિ વાપરે છે કે વખતે સાપ કરડી જશે તો ! એ જ ઉપાધિ કરાવે છે. સમ્યક બુધ્ધિથી સર્વ દુઃખ કપાય અને વિપરીત બુધ્ધિથી સર્વ દુઃખો ઇન્વાઇટ કરે.

પ્રીકૉશન એ જ ચાંચલ્ય !

પ્રશ્નકર્તા : જો વરસાદ પડે તો આમ કરીએ એવું થાય, તો શું એ વિકલ્પ કહેવાય ? સહજ ભાવે બધો વિચાર તો કરવો પડે ને ? વિચારીને કર્યા પછી જે બને તે સાચું. પણ આ વિચારવું એ શું ડખો કર્યો કહેવાય કે વિકલ્પ કર્યો કહેવાય ?

દાદાશ્રી : જેણે 'જ્ઞાન' લીધું ના હોય, તેને એ બધું વિકલ્પ જ કહેવાય. જેણે 'જ્ઞાન' લીધું હોય ને તે સમજી ગયો હોય, તેને વિકલ્પ ના રહે પછી. શુધ્ધાત્મા તરીકે 'આપણને' જરા ય વિચાર કરવાનો હોતો જ નથી. એની મેળે જે આવે, તે વિચાર જાણવાનો હોય છે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કંઈ 'પ્રિકૉશન' લેવાનાં જ નહીં ?

દાદાશ્રી : 'પ્રિકૉશન' તો હોતાં હશે ? એની મેળે થાય, એનું નામ 'પ્રિકૉશન.' આમાં 'પ્રિકૉશન' લેનાર હવે કોણ રહ્યો ?

ધોળે દહાડે તમે ઠોકરો ખાવ છો ! તેમાં 'પ્રિકૉશન' લેનાર તમે કોણ ? શું માણસ 'પ્રિકૉશન' લઈ શકે, એનામાં સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ જ નથી ત્યાં ?

જગત આખું 'પ્રિકૉશન' લે છે, છતાં શું 'એક્સિડન્ટ નથી થતાં ?' જ્યાં 'પ્રિકૉશન' નથી હોતાં, ત્યાં કશા 'એક્સિડન્ટ' નથી થતાં ! 'પ્રિકૉશન' લેવું એ એક જાતનું ચાંચલ્ય છે, વધારે પડતી ચંચળતા છે. એની જરૂર જ નથી. જગત એની મેળે સહજ ચાલ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : પણ કાળજી કર્તાભાવથી નથી, પણ 'ઓટોમેટિક' તો થાય ને ?

દાદાશ્રી : એ તો એની મેળે થઈ જ જાય.

પ્રશ્નકર્તા : કર્તા નથી, પણ વિચાર સહજ રીતે આવે તો પછી વિવેકબુધ્ધિથી કરવું એમ ?

દાદાશ્રી : ના, એની મેળે બધું જ થઈ જાય. 'તમારે' 'જોયા' કરવાનું કે શું થાય છે ! એની મેળે બધું જ થઈ જાય છે ! હવે તમે વચ્ચે કોણ રહ્યા છો, તે મને કહો ? તમે 'શુધ્ધાત્મા' છો કે 'ચંદુલાલ' છો ?

પ્રશ્નકર્તા : તમે કહો છો કે વચ્ચે તમે કોણ ? તો વચ્ચે મન તો ખરું ને ?

દાદાશ્રી : મનની અમે ક્યાં ના પાડી છે ? મનમાં તો એની મેળે કુદરતી રીતે જ વિચાર આવ્યા કરે. અને કોઈ વખત વિચાર ના પણ આવે.

એવું છે, મન તો છેલ્લા અવતારમાંય ક્ષણે ક્ષણે ચાલ્યા કરતું હોય, ત્યારે ફક્ત ગાંઠોવાળું મન ના હોય, જેવા ઉદય આવે તેવું હોય.

પ્રિકૉશન લેનારને જાણો ત્યાં સહજતા !

પ્રશ્નકર્તા : એ શંકા ઊભી થઈ, હવે ત્યાં એની માટે કોઈ 'પ્રિકૉશન' લેવા કરવાની કંઈ જરૂર રહેતી નથી ?

દાદાશ્રી : 'પ્રિકૉશન' લેવાથી જ બગડે છે ને ! અજ્ઞાનીને માટે બરોબર છે. જો આ કિનારે જવું હોય તો આ કિનારાનું બધું એક્ઝેક્ટ કરો. પેલે કિનારે રહેવું હોય તો પેલા કિનારાનું એક્ઝેક્ટ રાખો. જો શંકા કરવી હોય તો પેલે કિનારે રહો. આ તો અધવચ્ચે રહીએ એનો અર્થ જ નહીં.

પ્રશ્નકર્તા : પણ કોઈ 'ડેન્જર સિગ્નલ' આવે એટલે એમાં શંકા ન સેવીએ, પણ એના માટે સાહજિક ભાવે 'પ્રિકૉશન' લેવા જોઈએ ને ?

દાદાશ્રી : 'પ્રિકૉશન' તમારાથી લેવાય જ નહીં. 'પ્રિકૉશન' લેવાની શક્તિ જ નથી. એ શક્તિ છે નહીં, એને 'એડોપ્ટ' કરવું એનો અર્થ શો છે ?

પ્રશ્નકર્તા : અમારામાં 'પ્રિકૉશન' લેવાની શક્તિ જ નથી ?

દાદાશ્રી : બિલકુલેય શક્તિ નથી. જે શક્તિ ના હોય, તેને અમથા માનીએ એ કામનું જ નહીં ને ! આ તો 'પ્રિકૉશન' લેવાની શક્તિ નથી ને કરવાનીય શક્તિ નથી અને 'પ્રિકૉશન' 'ચંદુભાઈ' લઈ જ લે છે. તમે વગર કામના ડખો કરો છો. કરે છે કોઈક બીજો અને તમે માથે લઈ લો છો એનું તેથી બગડે છે.

પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈ 'પ્રિકૉશન' લે, એનો વાંધો નથી ?

દાદાશ્રી : એ લે જ. એ તો લે જ, હંમેશાંય લે. વાતો કરતો કરતો કોઈ માણસ ચાલતો હોય, એટલે એ બેધ્યાનપણે ચાલતો હોય પણ જો એકદમ સાપ જોવામાં આવે આમ જતો, તો એકદમ કૂદી જાય છે એ. એ કઈ શક્તિથી કૂદે છે ? કોણ કૂદાડતું હશે ? એવું બને કે ના બને ? આટલી બધી સાહજિકતા એકલી છે આ દેહમાં. આ 'ચંદુભાઈ'ને એટલી બધી સાહજિકતા છે કે આમ દેખતાંની સાથે કૂદે.

પ્રશ્નકર્તા : પણ એવી સાહજિકતા અમારા કામધંધામાં, વ્યવહારમાં નથી આવતી.

દાદાશ્રી : એ તો ડખો કરો છો તેથી.

ને શંકા કરવી તો બધી જાતની કરવી જોઈએ, કે 'ભાઈ, કાલે મરી જવાય તો શું થશે ? કોઈ ના મરી જાય ?'

બુધ્ધિની દલીલોથી સત્સંગમાં ખોટ !

પ્રશ્નકર્તા : દલીલ કરવી એ ખોટું છે કે સારું છે ?

દાદાશ્રી : એ સંસારમાં સારું છે. સંસારમાં જો તમારે કંઈક કરવું હોય તો સારું છે, પણ મોક્ષે જવું હોય તો ખોટું છે. સંસારમાં જો તમે દલીલ ના કરો તો તમારું લોક લઈ જશે. અને અહીં સત્સંગમાં દલીલ વસ્તુ જ ખોટી છે. 'જ્ઞાની પુરુષે' કહ્યું, એમાં બોલવાનું ના હોય. આ સત્સંગની બાબત હોય, એમાં બોલવાનું ન હોય. વ્યવહારમાં બોલવાનું હોય. વ્યવહારમાં તમારે એમ કહેવું કે, 'દાદાજી, આ ગાડીમાં ના જશો, આમાં જાવ.' પણ આ સત્સંગમાં ? શું ડાહ્યા, દોઢ ડાહ્યા !! 'ઓવરવાઈઝ' કહેવું પડે અમારે !

આ તો 'સાયન્ટિફિક' વિજ્ઞાન છે. કેટલાક તો મને કહે છે, 'કાયદા કરો, આમ કરો, તેમ કરો.' અલ્યા, કઈ જાતના માણસ છો, તે તમને આવું વિજ્ઞાન મળ્યું તોય તમે ડાહ્યા ના થયા ? કેવું વિજ્ઞાન ! સહેજેય અથડામણ ના થાય એવું.

પ્રશ્નકર્તા : કાયદાઓ કરીને જ અત્યાર સુધી લોકોને ડાહ્યા કરવાનો રસ્તો હતો.

દાદાશ્રી : હા, લોકોને માટે બરોબર છે પણ આપણે તો મોક્ષમાર્ગે જવું છે. લોકોને તો સંસારમાં ભટકવું છે, એમને કાયદો જોઈએ. બાકી, કાયદાથી તો અથડામણ થાય ને અથડામણથી પાછો સંસાર ઊભો થાય.

પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગે જવામાં ય કાયદા બતાવ્યા છે ?

દાદાશ્રી : મોક્ષમાર્ગે જવામાં કાયદો ના હોય. અને અહીં તો કાયદો કે કશુંય નહીં, સહેજાસહેજ ! સહજ જે બને એ ખરું.

કાયદો ત્યાં સહજતા નહીં !

મોક્ષમાર્ગ, ત્યાં કાયદો-બાયદો હોય નહીં. અને પેલો ક્રમિક માર્ગ તો સહજની ભૂમિકા નહીં, સહજતા તોડવાની હોય. એટલે પછી હું પૂછતો'તો પહેલાં. મામાની પોળમાં ઓટલા પર આવું ને, તે હું પૂછું, કોઈ શેઠ પોળમાંથી છે તો આમ કરીને લૂગડું નાખી, દાબડી લઈને જતાં હોય, ચાંલ્લો-બાંલ્લો કરીને અને છે તે પેટ ખુલ્લું દેખાય. તેને આમ જે' જે' કરું. આમન્યા રાખે આખી પોળનાંય બધાં. એટલે પછી પૂછું કે 'શેઠ, કંઈ હેંડ્યા છો ?' ત્યારે કહે કે 'દેરાસર દર્શન કરી આવું.' મેં કહ્યું, 'ટેવ પડી ગઈ છે. આ ટાઈમ રોજ જાવ છો.' હું જોઉં છું કે આ જ ટાઈમ. તમને ચાની પેઠ ટેવ પડી ગઈ છે નહીં, આ ? ત્યારે કહે, 'ભગવાનની ટેવ પડી જાય ?' મેં કહ્યું, 'આ પડી ગઈ છે.' આ બધું મિકેનિકલ જાય ને મિકેનિકલ આવે. ભગવાનની પાસે મિકેનિકલ કરીને પાછો. એનું નામ ટેવ કહેવાય. ભગવાનના દર્શન આવા થતાં હશે ? ત્યારે મને કહે છે, શી રીતે સમજાય ? ત્યારે મેં કહ્યું, 'ચાની ટેવ એ ય ખૂંચ્યા કરે એવી આ ટેવ ખૂંચ્યા કરે. ટેવ ના હોય તે ખૂંચે નહીં.'

એટલે આપણે ત્યાં નો લૉ-લૉ એટલા માટે છે. લોકોએ ઘણાં વાંધા ઊઠાવ્યા કે કાયદા વગર નહીં ચાલે. કાયદા વગર લોકો આમ કરશે, આમ કરશે, બૂમાબૂમ કરશે. અલ્યા મૂઆ, નહીં કરે. ઊલટાં આજ પચાસ હજાર માણસ ભેગું થાય ને તો ય બૂમાબૂમ નહીં. એવું માણસ જ ના હોય ને ! આવાં માણસ જ ક્યાંથી હોય !

પ્રશ્નકર્તા : પણ એ એનું મને એવું કારણ બતાવું. કારણ કે બધા અહીંયા પાંચ-પચાસ કે હજાર માણસોમાં કોઈ ગરબડ નથી એનું કારણ છે. બધા આપની સન્મુખ છે. એટલે આ ભાઈને ગોદો મારો વાગે તોય એમનાં તરફ, મારા તરફ કે ગોદા તરફ લક્ષ નથી. આપનાં તરફ લક્ષ છે.

દાદાશ્રી : હા, બરોબર છે.

પ્રશ્નકર્તા : એટલે આપના તરફ લક્ષ હોવાને કારણે બધું પછી જગતની વિસ્મૃતિ થઈ જાય.

દાદાશ્રી : એ એટલું ખરું, હાજરીનું ખરું. એટલે બધાં ફેરફાર થઈ જાય છે. કાયદા વગરનું ચાલ્યું ને, પણ ! કોઈ આમ બેઠો, કોઈ આમ બેઠો ને ત્યાં તો...

પ્રશ્નકર્તા : નહીં તો આવું બેસવા ના દે.

દાદાશ્રી : બેસવા જ ના દે ને !

પ્રશ્નકર્તા : ના, તરત જ કહે કે સીધા બેસો !

દાદાશ્રી : સીધા બેસો, સીધા અને સીધા બેસો જે કહે છે ને તે ય છે તે આદેશપૂર્વક કહેતો હોય એવું કે 'એ ય, સીધા બેસો !' ત્યારે મૂઆ, પોલીસવાળો છું અહીં આગળ ભગવાનને ત્યાંય ? તે અહીં કંઈથી પોલીસવાળા ?

અમે બધા દર્શન કરવા જઈએ ૪૦-૫૦ માણસ. 'આમ કેમ કરો છો ?' અને પછી જરા હું તો આપું. મૂઆ, ડોર્ગ્સ (કૂતરાઓ) રાખેલા હોય છે. મનુષ્યરૂપી ડોગ, પેલા લોકો એમનું એ ચલાવવા માટે. હવે એ ડોગને છૂટા ક્યાં મૂકવાનાં છે ? જ્યાં નાલાયક માણસો આવ્યા છે ત્યાં. આ લાયક માણસો, વિનયવાળા, ત્યાં ડોગ ભસાવડાવો છો, કહ્યું. તે ઠપકો આપ્યો'તો, એક જગ્યાએ ગયા હતા ત્યાં. કેવા નાલાયક માણસ આવ્યા ને અંદર પેસી ગયાંને, તે ધર્મનાં વિરોધી હોય તે તેના માટે ડોગ્સ રાખવા પડે. હું ના નથી કહેતો પણ સારા માણસને માટે ડોગ રાખો છો ? એવું મેં કહ્યું પાછું, ત્યારે શું કરે ? પછી ટાઢા પડી જાય.

'નો લૉ' લૉ, ત્યાં સહજતા !

કેટલાક અમને કહે છે કે, 'દાદા, તમે આશ્રમ કેમ ખોલતા નથી ? આશ્રમ ખોલોને, દાદા ?'

પણ 'જ્ઞાની પુરુષ' આશ્રમનો શ્રમ ના કરે. એ તો કોઇની રૂમ મળે તો ત્યાં સત્સંગ કરે ને તે ય ના મળે તો ઝાડ નીચે બેસીને સત્સંગ કરે. અને આ આશ્રમમાં તો કાયદા જોઇએ, રસોડું જોઇએ, જાજરૂ જોઇએ. આ બધું જોઇએ ને એનો એ જ સંસાર જોઇએ. પાછી ક્યાં આ મુસીબત!

આશ્રમમાં તો દાળ-ભાત, રોટલી ને શાક ખાઇને પડી રહે, ઘેર પડી રહે એવું. કેટલાક તો ખાઇને પડી રહેવા જ આશ્રમમાં રહે છે ! આપણને આશ્રમ ના હોય. આપણે તો બ્રહ્માંડના ઉપરી એટલે જ્યાં જઇએ ત્યાં બધાં જ ગામો આપણાં ને !

આપણે ત્યાં સત્સંગમાં નો લૉ ! આપણે ત્યાં તો લૉ વગરનો લૉ. 'અક્રમ' એટલે 'નો લૉ, આખા જગતમાં લૉ વગરની પાર્ટી હોય તો આ 'દાદા'ના ફોલૉઅર્સ પાસે. તેમને કોઇ જગ્યાએ લૉ ના હોય. જગતના લોકો લૉ વગર રહી જ ના શકે. લૉ વગરનો રહે તો મોક્ષે જાય. લૉ ના હોય તો સહજ થાય. લૉથી અસહજ થાય. લૉ વગરનો કાયદો એટલે સહજ હોય.

આખા જગતમાં બધે સાધુ-સંન્યાસી પાસે કાયદા છે. તેમાં આમ બેસવું ને તેમ કરવું. તે લૉઝ તો સંકલ્પ-વિકલ્પ ઊભા કરે અને આત્મા સહજ છે. કાયદો એ બંધન છે. સંઘમાં નિયમ કરે છે ને ! નિયમ એ જ બંધન છે. એ તો યમમાંથી નિયમમાં આવે તેને માટે છે. યમ એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અનેં નિયમ સેકન્ડ સ્ટાન્ડર્ડ. ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવે તેને માટે કાયદા છે. મોક્ષ માટે આની જરૂર નથી. મોક્ષ માટે તો આત્માને સહજ વર્તવા દો. સહજ વર્તવા દો તો સહજ મોક્ષ વર્તે.

અમારું સહજ હોય બધું. અને સહજતા પર જવાનું છે. આ સહજતાને માર્ગ. નો લૉ લૉ. સહજતા પર લઈ જવા માટેનો માર્ગ છે. લૉ હોય તો સહજતા કેમ થાય ?

બન્યું તે ન્યાયથી સહજતા !

ધાર્યો તો એ રસ્તો એકેય ના નીકળ્યો હં, જુદો જ. ધાર્યો જ ન્હોતો એવો રસ્તો 'આ' નીકળ્યો ઊલટો, નહીં ? મનમાં કલ્પના કરીને કે આવો હશે, તેવો હશે, એમાંનો એકેય રસ્તો જડેલો નહીં ને આ એક્સપર્ટવાળાનો રસ્તો તો જુઓ ! વગર એક્સપર્ટનો રસ્તો તો જુઓ ! જે લોકોને એકેય કેન્ટીન-બેન્ટીન કશુંય નહીં. અને સહજ પ્રાપ્ત થઈ જવાનું. સહજતા ઉત્પન્ન થવી, શરૂઆત થઈ એ મોક્ષનું પ્રથમદર્શી કારણ.

જે બન્યું એ જ ન્યાય. એ જ સહજતા ભણી દોડ્યો. જે બન્યું એ, બાકી આ ન્યાય કહેવાય જ કેમ ? ત્યાં અસહજતા રહ્યા કરે. એટલે વકીલ સાહેબને ખોળવા પડે ને બીજું ખોળવું ને ચાલ્યું તોફાન.

પ્રશ્નકર્તા : કેસ ચલાવતી વખતે એવું જ લાગે છે પણ કોર્ટ એ બખેડાનું સ્થાન છેને ?

દાદાશ્રી : એ જ કહું છુંને અને પાછા મગજના વકીલ.

મોક્ષમાર્ગ તો બુધ્ધિથી પર. એટલે મતિ પહોચે નહીં. આમ ફોડે, આમ માથું ફોડે, આમ મગજમારી કરે, તેમ મગજમારી કરે પણ મગજમારી કરવાથી કંઈ આ જ્ઞાન જડે નહીં. આ મગજમારીના ખેલ નથી આ, આ તો સહજતાનો ખેલ છે આ. મગજમારી તો આખું જગત કરી જ રહ્યું છે ને ! આ વકીલો કેટલી મગજમારી કરે છે ? સંડાસમાં બેઠા બેઠા સંડાસેય કરે છે અને એક બાજુ હજામતે ય કરે છે મુંબઈમાં. ટાઈમ બચાવવા માટે કેટલી મગજમારી કહેવાય !

બુધ્ધિપૂર્વકના દોષો પછાડે !

'મારે શું ?' કહેવું એ બધી બુધ્ધિની ફસામણ. બુધ્ધિ શું ના ફસાવે ? અને એ જે એવું બોલે છે ને, એ બુધ્ધિ જ એને ફસાવે છે. છતાં કો'કને આ સાહજિક થઈ ગયેલું હોય, એટલે બુધ્ધિ વાપરવી નથી પડતી, એમ ને એમ અબુધ્ધિપૂર્વક બોલે છે. બુધ્ધિપૂર્વક બોલે તો તો એવું સાહજિક ના બોલે. અબુધ્ધિપૂર્વક એટલે એમ ને એમ સાહજિક આવું જ બોલી જવાય. 'મારે શું ?' કહેશે.

કો'કને સાહજિક થઈ ગયું, એ શું કરે હવે ? તો ય સુધારવાનું છે હવે. એટલા માટે તો અમે 'મેઈન લાઈન' બદલી આપીએ, કઈ 'લાઈન' પર રહેવું એ 'લાઈન' દોરી આપીએ. પેલી એ લાઈન તો 'યુઝલેસ લાઈન.' એ 'લાઈન' સાવ ખોટી હતી, ઊડાડી મેલો. બીજી 'રેલવે લાઈન' નાખી આપીએ, એટલે એના ઉપર આ ગાડી ચલાવવાની.

પ્રશ્નકર્તા : આપણું અંદરથી ચોક્કસ રાખવું, પોતાનો માર્ગ ચૂકવો નહીં.

દાદાશ્રી : માર્ગ ચૂકવો નહીં. અને જાણી-જોઈને ચૂકે, એ બને ય નહીં. એ તો અજાણતાથી જ ચૂકાય છે. મોક્ષનો માર્ગ કોઈ જાણી-જોઈને ચૂકે નહીં.

જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં સહજતા !

પ્રશ્નકર્તા : એટલે મૂળ વાત દાદા, અમે ઇમોશનલ ઓછા થઈએ તો અમારું કામ બરાબર થાય ?

દાદાશ્રી : બિલકુલ ઇમોશનલ ના હોય તો બિલકુલ સરસ થાય. હંડ્રેડ પરસન્ટ કામ થાય.

પ્રશ્નકર્તા : જેમ જેમ જ્ઞાતા-દ્રષ્ટાપણાનો પાયો એટલો ઇમોશનલ નથી જેટલું ઇમોશનલ નથી એટલું જ્ઞાતા-દ્રષ્ટાપણું પાકું છે ?

દાદાશ્રી : ઇમોશનલ હોય તો જ્ઞાતા-દ્રષ્ટાપણું કાચું. ઇમોશનલ બિલકુલ ના હોય તો જ્ઞાતા-દ્રષ્ટાપણું સંપૂર્ણ. એ સાહજિકતા. સાહજિકતા જેને કહેવાય. ઇમોશનલ થયેલો માણસ એ કોર્ટમાં પુરાવો આપેને તો પેલો કલમ્ઝી આપે. કેવો આપે ? ઠેકાણા વગરનો અને સાહજિક માણસ બહુ સુંદર આપે.

પ્રશ્નકર્તા : કોર્ટમાં જે પુરાવો આપે છે, એ તો લુચ્ચો ને હોશિયાર માણસ સારી રીતે આપે છે.

દાદાશ્રી : એ પ્રેક્ટિકલ થયેલા છે. બીજા લોકોનું કામ નહીં. બીજા લોકો તો ઇમોશનલ થઈ જાય. પ્રેક્ટિકલ થયેલા જડ થઈ ગયેલા હોય.

પ્રશ્નકર્તા : અમારે વ્યવહારમાં સફળ થવા માટે કઈ દિશામાં જવાનું ?

દાદાશ્રી : તમારે છે તો અહીં આગળ ઇમોશનલ થાય નહીં એવી દિશામાં જવાનું. પેલા તો ઇમોશનલથી ય આગળ જડ થયેલા. એમને ઇમોશનલ ના હોય.

પ્રશ્નકર્તા : હા પણ જીતે છે તે એવાં લોકો વ્યવહારમાં. એ સફળ થવા માટે જડ થવાનું ?

દાદાશ્રી : એ નફ્ફટ થઈ ગયા.

પ્રશ્નકર્તા : એટલે અમારે સફળ થવા માટે નફ્ફટ થવાનું ?

દાદાશ્રી : ના, તમારે નફ્ફટ થવાનું તો પછી નીચે જશો. તમારે તો જ્ઞાતા-દ્રષ્ટા થવાનું છે.

પ્રશ્નકર્તા : એટલે અમે ઇમોશનલપણું છોડી દઈએ એમ ?

દાદાશ્રી : છોડી દેવાનું નહીં. કશું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે બધું છૂટી જવાનું. છોડ્યું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા થઈએને તો છૂટી જાય. એક જ દા'ડો રવિવારને દાડે. એક દા'ડો શુધ્ધાત્માની ખુરશી ઉપર બેસો જોઈએ. બધું સરસ ચાલશે.

વર્ક વાઈલ યુ વર્ક એન્ડ પ્લે વાઈલ યુ પ્લે. એ તમે વર્ક કરતી વખતે પ્લે ખોળો છો ને પ્લે કરતી વખતે વર્ક ખોળો છો. ઓફિસમાં જાવ છો ત્યારે તમને ચટણી ને ભજીયાં સાંભરે છે અને ચટણી ભજીયાં ખાતી વખતે તમને ઓફિસ સાંભરે છે.

પ્રશ્નકર્તા : તો પછી એ પરદેશના લોકો વધારે સાહજિક છે ?

દાદાશ્રી : એ તો આમ રેગ્યુલર સ્ટેજ છે, ફોરેનવાળા બધાય. આ ઇન્ડિયા એકલું ઈરેગ્યુલર.

પ્રશ્નકર્તા : તમે એ દિશામાં જવાની ના કહો છો કે પરદેશી લોકો જે છે, એ દિશામાં તો આપણે જવાનું નથી.

દાદાશ્રી : એ દિશા તમારી નહોય.

પ્રશ્નકર્તા : તો અમારે જવાનું ક્યાં ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ફક્ત. ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : હવે ચંદુભાઈ ખોટું કરે કે સાચું કરે એ જોવાનું ?

દાદાશ્રી : ખોટું કરે કે ના કરે, એ ખોટું કે ખરું હોતું જ નથી. હવે ખોટું-ખરું સમાજને આધીન છે. ભગવાનને ત્યાં નથી ખોટું-ખરું. નફો-ખોટેય નથી ભગવાનને ત્યાં.

પ્રશ્નકર્તા : તો અમારે સમાજ અને વ્યવહારના આધીન એવો જે ભાવ છે, અમારા જીવનનો વ્યવહાર ભાગ, તે કેવો રાખવો ?

દાદાશ્રી : વ્યવહાર સારો ચાલે તો તો લોકો વખાણે, આદર્શ કહે. 'ભઈ, આ ચંદુભાઈની વાત કરશો નહીં, બહુ સારા માણસ છે' કહેશે. આ તો પોતાના ઘરમાં સારાં નહીં દેખાતાં. મૂઆ, પાડોશી સારા ના કહે એનો વાંધો નહીં પણ ઘરમાંય સારા દેખાતા નથી.

પ્રશ્નકર્તા : પણ એનો ઉપાય શો ?

દાદાશ્રી : આ કહ્યું તે જ જ્ઞાતા-દ્રષ્ટા રહો.

પ્રશ્નકર્તા : અમે જ્ઞાતા-દ્રષ્ટા તો રહીએ પણ ચંદુભાઈથી કામ ઊલટાં થતાં હોય, સુલટાં થતાં હોય અને પરિણામ બધા ખોટાં આવતાં હોય તો આપણે એ સાચવવા શું કરવાનું ?

દાદાશ્રી : કશું સુધારી શકતો નથી. બગાડશો ઊલટાંનું. બગડેલું એંસી ટકા છે તે નેવું ટકા કરશો.

પ્રશ્નકર્તા : ચંદુભાઈનું સુપરવિઝન કરવાનું અને ગાઈડન્સ આપવાનું, કશું કરવાનું નથી ?

દાદાશ્રી : સુપરવિઝન એટલે ખાલી જોવાનું અને જાણવાનું. ગાઈન્ડસ-બાઈન્ડસ કશું આપવાનું નહીં.

પ્રશ્નકર્તા : સુધારવાનું કે કોઈ કર્તાપદ લેવાનું નથી, સુધારવાનો કોઈ અવકાશ જ નથી ?

દાદાશ્રી : સુધરે જ નહીં. સુધારવા જાય તો પોતે બગડે છે, બગડે ઊલટો. આ પુરુષોને એક દિવસ રસોડું સોંપોને, બધું જ બગાડી નાખે. કઢી-શાક બગાડે પછી દાળ બગાડે, મરચું, મીઠું, શાકેય બગાડે, બધુંુ બગાડી નાખે. કારણ કે મનમાં અક્કલવાળો, તે આમ વધુ પડશે, આમ થશે, તેમ થશે. ઇમોશનલ થયો એટલે બગડ્યું.

પ્રશ્નકર્તા : બૈરાં તો ૫૦ માણસની રસોઈ કરે. ૧૦૦ માણસોની રસોઈ કરવી હોય તો બધા પુરુષો કરે છે.

દાદાશ્રી : એ બધા તો સાહજિક થઈ ગયેલા. સાહજિક થયેલો તે એક્સપર્ટ થાય.

પ્રશ્નકર્તા : એ તો અમારું કામ નહીં એટલે બગડે છે ને, દાદા. અમે અમારા ધંધાના ફિલ્ડમાં એક્સપર્ટ હોય. ચંદુભાઈને કોઈ ફિલ્ડમાં એક્સપર્ટ તો બનાવો પડે ને ?

દાદાશ્રી : આપણે શું બનાવવો છે ? એ થઈને જ આવ્યો છે.

પ્રશ્નકર્તા : તો પછી કયા ફિલ્ડમાં એક્સપર્ટ છે એ જાણવું તો પડશે ને ? જે ફિલ્ડમાં એક્સપર્ટ હોય, એ જાણીને એને કામે લગાડવો પડશે ને ?

દાદાશ્રી : આપણે લગાડવાનો નહીં, એની મેળે બધું જ ચાલ્યા કરશે. ફિલ્ડ-બીલ્ડ બધું છે. તમે લાવેલા લોટને ફરી દળવાની જરૂર નહીં. આ મહીં આટલું મોટું સાયન્સ ચાલે છે ! એક જ દા'ડો જો જરા મહીં બાઈલ્સ કે બધું ઓછું પડે તો ખલાસ થઈ જાય. આ અંદર બહુ જબરજસ્ત ચાલે છે. સંભાળનારા, આ તો બહાર તો તમે નિમિત્ત માત્ર છો. તમારામાં ગાંડપણ ઉત્પન્ન થાય છે. આ હું છું, હું કરું છું. અરે, હું કશું કરતો નથી. તમારા હાથમાં એ બાઈલ્સને રેડવાનું કહ્યું હોત ને તો તમે વધારે રેડત. શું કરત ? કાલે સારું પચે. ભજીયાં ખાઈશું ને ? મહીં જલેબી- લાડવા ખઈશું. વધારે રેડે. દસ દા'ડા પછી બિલકુલ ખવાય નહીં એવું થઈ જાય. કારણ કે ક્વોટા એનો વધારે વાપરી નાખો. કુદરતે જે ક્વોટા નક્કી કર્યો છે તે બરોબર છે.

વ્યવસ્થિતનું જ્ઞાન સહજ બનાવે !

આત્મા સહજ સ્વરૂપે જ છે પણ પ્રકૃતિ સહજ થાય ત્યારે એ સહજ રહે, એનું ફળ આવે. પ્રકૃતિ સહજ ક્યારે થાય ? બુધ્ધિબહેન વિશ્રાંતિ લે ત્યારે પ્રકૃતિ સહજ થાય. કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી બુધ્ધિબહેન આવતાં હતાં, પણ હવે ભણી રહ્યા, હવે શી જરૂર છે ? હવે એને કહીએ કે 'તમે ઘેર રહો, અમારે જરૂર નથી.' તેને પેન્શન આપી દેવાનું. બુધ્ધિ ચંચળ બનાવે, તેથી આત્માનો જે સહજ સ્વભાવ છે એનો સ્વાદ ચાખવા મળતો નથી. બહારનો ભાગ જ ચંચળ છે, પણ જો બુધ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્તે. આ કૂતરું દેખ્યું, તો બુધ્ધિ કહેશે, 'કાલે પેલાને કરડેલું તે આય એવું જ કૂતરું દેખાય છે, મનેય કરડી જશે તો ?' અલ્યા, એના હાથમાં શી સત્તા છે ? 'વ્યવસ્થિત'માં હશે તો કૈડશે. બુધ્ધિ, તું બાજુએ બેસ. સત્તા જો પોતાની હોત તો લોક પોતાનું પાંસરું ના કરત ? પણ પાંસરું થયું નથી. બુધ્ધિ તો શંકા કરાવે. શંકા થાય તો ડખો થાય. આપણે તો આપણા નિઃશંક પદમાં રહેવાનું. જગત તો શંકા, શંકા ને શંકામાં જ રહેવાનું.

બુધ્ધિ, ભેદ પડાવે !

પ્રશ્નકર્તા : તો અમારે બુધ્ધિ ભેદ પાડી આપે કે આ સારું, આ ખોટું એમ ?

દાદાશ્રી : એ બુધ્ધિના ભેદ પાડેલા કામમાં જ નહીં લાગે. જાગૃતિના ભેદ પાડેલા કામ લાગશે.

પ્રશ્નકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : બુધ્ધિ તો ઇમોશનલ કરાવે. તેના ભેદ પાડેલા આપણને શું કામ લાગે ? જ્ઞાન જ ઇટસેલ્ફ (સ્વયં) ભેદ પાડે છે કે આ ના હોય ને આ ખરું, એ સૂઝ જ પાડ્યા કરે. આગળ આગળ સૂઝ પાડ્યા કરે છે. અને મનનાં ડિસ્ચાર્જમાં કશું આદરવા યોગ્ય છે જ નહીં. જે આદરવા યોગ્ય છે એ એની મેળે સહજ થઈ જાય છે. જ્ઞાનજાગૃતિ, જે સૂઝ છે તે બધું જુદું જ પાડી દે છે.

જેેમ જેમ વિચારોને જ્ઞેય બનાવશો તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થશે. તમે વિચારોને જ્ઞેય તરીકે જુઓ એ શુધ્ધાત્માનું વિટામીન છે. વિચાર જ ના આવે એ શું જુએ ? પછી એને વિટામીન શી રીતે મળે ?

જોવાનો અભ્યાસ સહજ બનાવે !

સામાયિકમાં અંદર આત્માને જુદો પાડ પાડ કરવો અને બીજું બધું મહીંનું જો જો જ કરવું. પણ એ 'જોવાનું ને જાણવાનું' બે જ અભ્યાસ 'આત્મા' કર્યા કરે છે. બીજા અભ્યાસમાં આત્મા ના ઉતરે. 'શું બન્યું' તે જોયા કરે. મન શું ધર્મમાં છે, બુધ્ધિ શું ધર્મમાં છે, એ બધું જોયા કરે. બધાને 'જોવાનું', ખાલી જો જો જ કર્યા કરવાનું. જેમ સિનેમામાં જોઈએ છીએ કે મહીં માણસ મારંમાર કરે છે, તોફાન કરે છે. પણ આપણે તેમાં 'ઈમોશનલ' થતા નથી ને ? જેવું સિનેમામાં જોઈએ છીએ તેવું. અંદરનો બધો સિનેમા જોવાનો, એ સામાયિક છે. અડતાળીસ મિનિટ કરવામાં આવે તો બહુ કામ થઈ ગયું.

- જય સચ્ચિદાનંદ.