સંસારમાં ભય, આત્મામાં નિર્ભય !

સંપાદકીય

આ સંસારમાં સામાન્ય માણસો લાચારીથી, લઘુતાગ્રંથિથી, ભયથી કાયમ દુઃખીપણે વર્ત્યા કરે છે, જ્યારે અસામાન્ય પુરુષ કોઇ પણ પરિસ્થિતિમાં લાચારી અનુભવે નહીં ને નિર્ભયતામાં વર્ત્યા કરે. સંસારના સંજોગો, પરિસ્થિતિ સામાન્ય માણસોને કે અસામાન્ય માણસોને સરખી જ આવી હોય છતાં અસામાન્ય માણસ પોતાના આત્મસ્વરૂપના જ્ઞાનથી નિર્ભય સ્થિતિને પામે છે. બાકી આ સંસારમાં સામાન્ય માણસને તો અમથો પોલીસવાળો બારણે આવીને ઊભો રહે ને 'શેઠ છે કે ?' પૂછે તોયે ફફડાટ, પરસેવો થઇ જાય. અરે, ઇન્કમટેક્સના કાગળ લઇને આવે તોેયે ભડકાટ, ભડકાટ થઇ જાયને ! ત્યાં પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે આવું મનુષ્યપણું શા કામનું ? મનુષ્યપણું નીડર હોવું જોઇએ. વર્લ્ડમાં કોઇ ચીજ હલાવે નહીં, એવું હોવું જોઇએ. ભલે આ જગત ભયનું સંગ્રહસ્થાન જ છે પણ અજ્ઞાનદશા છે ત્યાં સુધી ભયથી મુક્ત થઇ શકવાનો જ નથી. અને જો જ્ઞાનદશામાં આવી ગયો પોતે, તો ભય એને અડી શકવાનો જ નથી. દાદાશ્રી એક-એક મનુષ્યને એવા નિર્ભય બનાવવા માગે છે કે શા માટે આ જગતમાં તમે ફફડો છો ? યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ છો. તમારા ગુના ભોગવી લો, પછી કોઇ ભય જેવી વસ્તુ તમને રહેશે નહીં. એક રાજાનાં ગેસ્ટને ભય નથી હોતો, તો તમે તો કુદરતના ગેસ્ટ છો તો શેનો ભય લાગે? પોતાના ગુના ક્યારે બંધ થાય ? બીજાને દુઃખ આપવાનો ભાવ પણ જ્યારે બંધ થઇ જાય, તો પછી પોતાનું કોઇ વર્લ્ડમાં નામ દઈ શકશે નહીં એટલું બધું સ્વતંત્ર જગત છે. એટલે દાદાશ્રી કહે છે કે ગુના માત્ર બંધ કરો. અહીંસાથી તમને કોઇ પણ જાતનો માર પડવાનો ભય રહેશે નહીં.

આ તો ચોર-બહારવટિયા ભેગા થશે તો એ ભય લાગ્યા કરે, નહીં તો હુલ્લડ થશે તો એનો ભય ઊભો થાય, અમથો પાવર જતો રહે ને લાઈટો ના હોય તોય ભયમાં ફફડાટથી જીવે, આવી પરવશતા શા કામની ? કંઈ ખરાબ કામ થઇ ગયું હોય તોય આબરૂ જતી રહેશે એનો ભય લાગ્યા કરે. પ્લેનમાં, કારમાં, ક્યાં ભય નથી ? ધર્મમાંય ગુરૂની ફસામણ પણ ભયભીત કરી નાખે માણસને. કેટલાકને ભૂતકાળનો ભય સતાવે, કેટલાકને ભવિષ્યનો ભય લાગ્યા કરે. કેટલાકને રાતે જાગી જાય તો ભૂતનો ભડકાટ ડરાવે. આમ ભડકેલા ઘોડા જેવી સ્થિતિ થઇ ગઇ છે માણસની ! અને પરાશ્રિતપણે જીવન જીવી જાય છે. પાછું કળિયુગની વિપરીત બુધ્ધિ, તે ના હોય ત્યાંથી ભય ઊભા કરી નાખે. શી રીતે શાંતિમાં જીવવું તેય ભારે પડી જાય છે ને ? જીવતાં જ જીવનમાં કેટલીય વાર 'મરી ગયો રે' બોલતા હશે ? સેકંડે સેકંડે જગતમાં ભય છે, ત્યાં નિર્ભય જગ્યા ખોળી લે કે જેથી ત્યાં પોતાને ભય ના લાગે. એવી વીતરાગોની શોધખોળ છે. અને તે છે પોતાનું આત્મસ્વરૂપ ! એ પ્રત્યક્ષ જ્ઞાની પાસે પામી ગયા તો ભયભીત સંસારમાંય નિર્ભય આત્મસ્વરૂપે વર્તી શકે. પ્રસ્તુત સંકલનમાં સંસારના તમામ ભયથી છૂટકારો થાય તેવી જ્ઞાનવાણીનું સંકલન થયું છે, જે વાચકને નિર્ભય દ્રષ્ટિ બક્ષશે.

દીપકના જય સચ્ચિદાનંદ

સંસારમાં ભય, આત્મામાં નિર્ભય !

અસામાન્ય પુરુષ...

પ્રશ્નકર્તા : અસામાન્ય માણસની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : અસામાન્ય એટલે પોતે જગતના બધા લોકોને, દરેક જીવમાત્રને હેલ્પફૂલ થઇ પડે. પોતે સ્વતંત્ર થાય, પ્રકૃતિથી પર થાય ત્યારે અસામાન્ય થાય. સામાન્ય માણસ લાચારી હઉ અનુભવે, ત્રણ દહાડા ભૂખ્યો રાખે તો લાચારી અનુભવે. માટે અસામાન્ય થવું. પછી તો પોતાનાં સુખનો પાર ના રહે.

અત્યારે કોઇ મોટો માણસ તમને દેખાય એટલે તમને લઘુતાગ્રંથિ ઉત્પન્ન થાય, તમે અંજાઇ જાવ. અલ્યા, એ જ સામાન્ય માણસ છે તો તેનાથી શું અંજાવાનું ?

'સ્વરૂપ જ્ઞાન' મળ્યા પછી એની પૂર્ણ દશા ઉત્પન્ન થશે. સંપૂર્ણ નિખાલસ થઇ જાય એટલે જગતનો કંઇ ડર રાખવાની જરૂર જ ના હોય. એનું તો 'ઓટોમેટિકલી' રક્ષણ થયા કરે. ત્યારે કોઇ ભક્ષણ નહીં કરી શકે. પછી કોઇ નામ પણ ના દે.

જાગ્રતને દેખાય ક્ષણે ક્ષણે ભય !

ભય કેમ લાગવો જોઈએ ? તને ભય કશો લાગતો નથી ?

પ્રશ્નકર્તા : ના, જરાય ભય નથી લાગતો.

દાદાશ્રી : લ્યો, આ ભય નથી લાગતો એવું બોલે છે ! આ તો વહુ જરા નીચે ગયેલી હોય તોય મહીં ભય લાગ્યા કરે કે શું થશે ? પાછો મને કહે છે કે, 'ભય નથી લાગતો !' સાપ પંદર ફૂટ છેટે હોય ત્યાંથી દેખે તોય ભય લાગે, ત્યારે તો ફફડી ઊઠે છે અને કહે છે કે, 'મને ભય નથી લાગતો !'

આ બધું જગત તો ભયવાળું છે ! સાપનો ભય, વાઘનો ભય, અરે ઈન્કમટેક્ષવાળાનો ય ભય લાગે. એવો ભય લાગે કે ના લાગે ? મને લાગે છે કે તું 'ભય'ને ઓળખતો નથી. તને એમ લાગ્યું કે હું સગા 'ભઈ'ની વાત કરું છું ?

આ તો ભયનું સંગ્રહસ્થાન છે. વિચારશીલને તો ક્ષણે ક્ષણે ભય દેખાય. જે જાગ્રત નથી, તેને ભય શાનો દેખાય ? કોઈને પોલીસવાળા પર પ્રીતિ ના થાય, દેખે ત્યારથી જ 'આ ક્યાં આવ્યો ?' કહેશે, અને ભગવું લૂંગડું પહેરીને બાવો આવ્યો તો કહેશે કે, 'આવો મહારાજ !' પણ પોલીસવાળો દેખ્યો કે ભડકાટ પેસી જાય.

આવું મનુષ્યપણું શા કામનું ?

સુખ સનાતન હોવું જોઈએ. આ અહીં આગળ ઘડીવાર રોફમાં ફરતા હોય, ત્યાર હોરો પોલીસવાળો કહેશે, 'નગીનભાઈ છે કે ?' એટલે ફફડાટ. આ આવું મનુષ્યપણું શું કામનું તે ? મનુષ્યપણું નીડર હોવું જોઈએ. વર્લ્ડમાં કોઈ ચીજ હલાવે નહીં એવું જોઈએ. આને મનુષ્યપણું કેમ કહેવાય ? હાય ફફડાટ, ફફડાટ ! આમ થઈ જશે ને તેમ થઈ જશે ! અલ્યા મૂઆ, કશુંય થવાનું નથી. આનું આ જ જગત. ને સૂર્ય-ચંદ્ર ય પડી જવાનાં નથી ને કોઈ પડવાનું નથી. પણ મહીં ફફડાટ ! ભો ને ભડકાટ, ભો ને ભડકાટ, ભો ને ભડકાટ. લોકોએ જોયા હશે કે નહીં, ભો ને ભડકાટ ? બોલતા નથી, તમે ?

પ્રશ્નકર્તા : રોજ જ ભયમાં.

દાદાશ્રી : રોજ, નહીં ? ભો ને ભડકાટ, ભો ને ભડકાટ. જો આમ થઈ જશે ને તેમ થઈ જશે ! કશુંય થવાનું નથી. અલ્યા મૂઆ ! તું પાંસરો ચાલને ! કશું થવાનું નથી. ભડકે છે શું કરવા ? કંઈ આ કો'કની દુનિયા નથી, આપણી, તારી જ દુનિયા છે અને યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર લાઈફ. માટે જવાબદારી સમજ.

આ ઈમોશનલ થનારો હોય ને એને ત્યાં કાગળિયું લઈને આવ્યો હોય ને કહે, 'ભઈ, આ તમારા પર વોરન્ટ છે.' ત્યાંથી સંડાસ થવા માંડે. બળ્યો, એ અવતાર ! જે અવતારમાં ભડક ભડક ભડક થયા કરે, એ તો અવતાર કહેવાતો હશે ? આખો દહાડો ભડક, ભડક, એને માણસેય કેમ કહેવાય ? જો સુગંધી આવી હોત તો ય સારું. પણ આ તો ભડકાટમાં જ કાઢી નાખે. બેમાંથી એક કિનારા પર આવો. આ તો આમાં અનંતા વખત માર માર કરે, શું વળે ? તમે તો ક્ષત્રિયપુત્રો છો. કંઈ તમને સુગંધી ઓછી જતી રહેવાની'તી ? સારા ગુણ હોય એટલે સુગંધી. અને નહીં તો ઈમોશનલ ના થાઓ. બેમાંથી એક શક્તિ, જે આમ નિર્બળ થઈને ભડકીએ, એવું શું રહેવાનું ?

જ્ઞાનનો ઉપાય, આક્ષેપો સામે !

દુકાનમાંથી બે લાખ ખોવાયા હોય ને તમારી પર આક્ષેપ આવે કે તમે જ લીધા છે તો શું કરો?

પ્રશ્નકર્તા : તો નથી લીધા કહી દઉં.

દાદાશ્રી : પણ કહેશે, 'પોલીસમાં પકડાવીશું. નહીં તો પૈસા પાછા લાવી આપો. તમારા ઘરે તપાસ કરીશું.' તોય કહીએ, 'બાપ પાસે માગું તો મળે એવું નથી. એ હું જે છું તે. તમારે જે નોકર કામ કરાવવું હોય તો કામ કરાવો. બેસાડી રાખવો હોય તો બેસાડી રાખો. જેલમાં ઘાલવો હોય તો જેલમાં ઘાલો. તમને જે અનુકૂળ આવે તે, તમારે મારવું હોય તો મારો, બધું તમને છૂટ છે.' એવું કહે તો એમને સંતોષ થાય. તો પછી એ ઈલાજ ખોળી કાઢે પછી. પણ આપણે તો કહી દેવું જોઈએને ? સાહેબ, ના કહેવું જોઈએ ? એને કહેવાનું, 'ભઈ, આવું થયું ને પૈસા ગયા.'

પ્રશ્નકર્તા : માને નહીંને એ. દાદા, એવું માને નહીં એ. એ તો એવું કહે કે તમે જ લઈ લીધા હશે.

દાદાશ્રી : હા, પણ એ તો એવું જ કહેને ! એટલે આપણે જોયા કરવાનું શું કરે છે એ. શું કરવાનું ? પોલીસવાળાને બોલાવો, એ સોંપે. પોલીસવાળો ફટકારાવડાવે, કોટડીમાં ઘાલી દે, તે જોયા કરવાનું. જો કે ભડકવા જેવું જગત નથી. કારણ કે ભય તો હોય નહીંને બનતાં સુધી આપણામાં ને હોય તો ના કહેવાય નહીંને, આપણાથી. કહેવાય કે ? મહીં ભર્યો હોય માલ તે નીકળે, તો 'ના' કહેવાય આપણે ? તને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : 'ના' ના કહેવાય, જોયા જ કરવાનું.

દાદાશ્રી : માટે તૈયારી રાખી મેલવી પડે. બંદૂકો-રાયફલો બધું તૈયાર રાખી મેલવું. ના રાખવી પડે ? એટલા હારુ પૂછુંને ! અને તે ય સામો છોડે નહીં ને, પાછો. ઓળખાણ હોય પણ સામો છોડે કે ? ફરીયાદી કંઈ છોડે કે ? ના છોડે. એટલે પોલીસવાળો આવતાં પહેલા જ ચંદુભાઈ ક્યાં છે ? ત્યારે તો ફટાકા મારે આમ આમ. લે મેલ, લે મેલ ! અને તમને લે મેલ થાય ખરી ?

પ્રશ્નકર્તા : ના થાય, દાદાજી.

દાદાશ્રી : એમ ? તું કહું કે લો, કડી ઘાલો, હાથકડી ઘાલો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવું હોવું જોઈએ.

પોલીસનો ભય...

આ પોલીસવાળા બધાને પકડી ગયા હોય કંઈ ગુનો થયો હોય તો, પોલીસવાળા ત્યાં બધાને બેસાડે, તો કોની વાણી વધારે અકળાટવાળી નીકળે ? ત્યાં કોઈ કઠોર બોલે ?

પ્રશ્નકર્તા : ના, એ નહીં બોલાય.

દાદાશ્રી : કેમ ?

પ્રશ્નકર્તા : પેલી બીક રહે છે, એટલા ખાતર કઠોર ના બોલે.

દાદાશ્રી : તો એને છૂટો મૂક્યો, એટલે કઠોર બોલે છે.

પ્રશ્નકર્તા : એટલે સામો આપણને નબળો લાગે તો ત્યાં કઠોર વાણી નીકળે, એવું ?

દાદાશ્રી : હા. અને કેટલાકની વાણી એવી હોય કે સામો જબરો હોય તો ય કડક વાણી નીકળે. પોલીસવાળા પાસે બેઠો હોય ને, તો ય કંઈક નવી જ જાતનું બોલે, તૃતિયમ બોલે. તે પછી પોલીસવાળો દંડો ના મારતો હોય, તો ય માર માર કરે. હવે પોલીસવાળા પાસે ય અજુગતું બોલે ત્યારે જાણવું કે આ ક્રેક છે. મહીં માટલામાં ફાટ પડી ગઈ છે, મહીં પાણી ટપકવા માંડ્યું. આપણા લોકો ક્રેક કહે છે ને, એનો શો અર્થ કે ભઈ, આ માણસ તો ક્રેક છે, આને જવા દો. પાણી ભરેલું હોય ને, તો ય માટલામાંથી ધીમે ધીમે નીકળ્યા કરે. એ વાણી ફાયદો ના કરે, નુકસાન જ કરે. એટલે જ્યાં જ્યાં જેવું શોભે ને, એવું જ બોલાય. પોલીસવાળા પાસે તો કોઈ મોટો કલેક્ટર ગયો હોય તો ય ના બોલે, જો દેહની પડેલી હોય તો ! ના પડેલી હોય તો વાંધો નથી. કારણ કે એકવાર તો એ ઝૂડી નાખે, પછી જોઈ લેવાશે.

ઈન્કમટેક્સવાળાનો ભય !

આ સંસારનો ઉકળાટ ગમે છે બધો ? આ કેટલો ઉકળાટ ને તાપ ? રૂપિયા હોય તોયે દુઃખ, ના હોય તો ય દુઃખ. ઈન્કમટેક્સવાળાનું કાગળિયું આવે, કે ત્યાંથી મહીં ધ્રાસ્કો પડે. હવે એ ધ્રાસ્કો પડ્યો પછી શું થાય છે ? કાગળ ફોડીએ છે ત્યારે મહીંથી રિફંડ આવેલું હોય છે. મનમાં એમ થાય છે કે બળ્યો, ક્યાં આવો ધ્રાસ્કો પડ્યો ?

એક માણસને ત્યાં બેઠેલો અને ઈન્કમ-ટેક્સવાળાનો માણસ ત્યાં આવ્યો. 'આ માથે લપ આવી પાછી.' હજુ પેલું કાગળિયું હાથમાં નથી આવ્યું. તે મને કહે છે, આને દેખીને મને મહીં ચમકારો પડ્યો. મહીં શેરડો પડ્યો. હવે કાગળિયું ખોલ્યા પછી મહીં રિફંડ આવેલું'તું. આવાં આ મૂર્ખાના સરદારો છે બધા આ. કાગળિયું ખોલ્યા પછી રિફંડ આવ્યું. ત્યારે મૂઆ પહેલા શેનો ચમકારો પડ્યો'તો. પણ એટલા બધા ભડકી ગયા છે કે રાતે સ્વપ્નમાં ય ભડકે છે, ઊંઘમાં ય જાગી ઊઠે. આ તો બહુ વિચારશીલ પ્રજા !

અષ્ટાવધાનીથી ભય !

આપણે ત્યાં પહેલાં અમુક માણસથી ભડકતા'તા ગામમાં, કે ભઈ, આ અષ્ટાવધાની પુત્ર છે. ના મૂઆ, એ તો મારી નાખશે, કંઈ ઊંધે રસ્તે નાખી દેશે. ને એ તો અષ્ટાવધાની હતા પણ આ ગજવા કાપવાવાળા તો સોળ અવધાન એટ એ ટાઈમ હોય છે ને, ત્યારે ગજવું કપાય. બીજો કાપવાં જાય ને, તો પકડાઈ જાય, વાર ના લાગે. પાનસો-પાનસો, હજાર માણસની આંખમાં ધૂળ નાખીને કામ કરે છે, જુઓ તો ખરાં ! તારાં અવધાનને ય ધન્ય છે !

પ્રશ્નકર્તા : બીજો એક વિદ્યાર્થી છે એ મહેનત કરીને એમ.એ. થાય છે, તો એ કેટલા અવધાની છે ?

દાદાશ્રી : એમાં અવધાન શાનાં તે ?

પ્રશ્નકર્તા : તો ખીસ્સા કાપવામાં સોળ અવધાન ?

દાદાશ્રી : બીજો કોઈ કાપી તો જુએ એમાં, અહીં આગળ પાસ થયો, એમ.એ. થયો હોય, પણ કાપી તો જુએ ?

પ્રશ્નકર્તા : દાદા, હમણાં બોરીવલી સત્સંગ ચાલતો'તો ને, તે હું ટ્રેનમાં ત્યાં આવતો'તો, તે પેલાએ ખીસ્સામાં હાથ નાખ્યો અને એના સાગરીતને કહે છે કે એમાં કસ નથી, ફક્ત એક રૂપિયો ને નવ આના જ છે.

દાદાશ્રી : એ તો અમારે ટ્રેનમાં બનેલું ને ! આ બાજુનાં ગજવામાં પાંચ હતા અને આ બીજા ગજવામાં કશુંય નહોતું. તે મૂઓ બીજું ગજવું કાપીને ખાલી હાથે ગયો. ત્યારે બળ્યું, આ બાજુનું કપાયું હોત તો એને મહેનતનું ફળ પાંચ રૂપિયા તો મળત ને. આ તો મહેનતનું ફળેય જતું રહ્યું ઊલટું !

બીજાને ફફડાવે, તેની શી દશા ?

ભલભલા તુમાખીવાળા પણ પોલીસવાળો એને ટૈડકાવે તો બેસી જાય. કારણ કે ત્યાં તો ભય છે ને કે જેલમાં બેસાડી દેશે, શું થશે ? આ યે વિચારવા જેવો દાખલો છે ને ?

કશું ના આવડે એવું નથી. નાટકમાં નહીં જોયેલું કે સ્ત્રીનો પાઠ એક્ઝેક્ટ ભજવતાં આવડે ? કારણ કે શીખ્યો એટલે આવડે. આ બીજા શીખતા નથી એટલું જ. બાકી, બધું આવડે એવું છે. આત્માની અનંત શક્તિઓ છે. તો આ કષાયમુક્ત થવા માટે આવડે એવું તો છે જ. એને તો રહેવું છે પાવરમાં અને આ માલ કાઢવો છે. એ તો કહે છે, વાળ્યા નહીં વળીએ. ત્યારે ભઈ, આગળ કુદરત વાળશે પછી તમને. હડહડાટ પક્ષાઘાત આપી દે ને, એની મેળે ટાઢું થઈ જાય ! આમ વાળ્યો ના વળે ત્યારે ?

આત્મશક્તિ ઓછી હોય ત્યારે એવો ને એવો જ થઈ જાય. પણ આમ શક્તિ ઓછી હોય ને, તે પાછી શક્તિ આવે ત્યારે બળવો કરી મેલે પાછો. એટલે અજ્ઞાનતામાં ઓછું કરેલું નથી, તેથી ઠેકાણે પડતું નથી. મને એવો વિચાર આવતો કે આટલું સહેલું છે ને આ કેમ નહીં થતું ? પણ પછી જોડે જોડે એમેય થયું કે ના, પાછો તાજો થયો કે તોફાને ચઢે. એટલે અજ્ઞાન છે ને ! એ વાળ્યો વળે નહિ, એ તો હાર્યો જ વળે. પણ આ જ્ઞાનથી જ જાય તો જ એને નીકળે, નહીં તો ના આવડે. જ્ઞાનથી તો બધો નિવેડો આવી જાય ને !

સાચાને દુઃખ દેનાર નહીં કોઈ !

જો તમે સાચા છો તો કોઈ વર્લ્ડમાં નામ દેનારું નથી. તમે જો સાચા હશો, બિલકુલ કોઈ જીવને દુઃખ દેતા નથી, કોઈ જીવને દુઃખ દેવાનો વિચાર પણ નથી કરતા તો તમને કોઈ દુઃખ દઈ શકે જ નહીં, એવો આ જગતનો મુખ્ય કાયદો છે. કોઈ દુઃખ દઈ શકે નહીં. એટલે જેમ જેમ દુઃખ દેવાના ભાવો, વિચારો આપણે ઓછા કરતાં જઈશું, તેમ તેમ આપણે સેફસાઈડ થઈ રહ્યા છીએ. એવા દુઃખ દેવાના વિચારો નથી આવતાને હવે ?

પ્રશ્નકર્તા : ના, પણ હજી મંઝિલ બહુ દૂર છે.

દાદાશ્રી : દૂર શેના આધારે કહી શકો છો ? કઈ દ્રષ્ટિ તમારી પાસે હશે ?

પ્રશ્નકર્તા : આ તાવ હોય તો આપણે હાથ અડાડીએ તો યે ખબર પડે કે તાવ છે. તો આ ભય છે ત્યાં સુધી તો નક્કી છે ને હજુ મંઝિલ બહુ દૂર છે.

દાદાશ્રી : ના પણ ભય કોઈ કાઢી નાખે તો?

પ્રશ્નકર્તા : તો તો પછી તમે જે છો તે જ હું થઈ જાઉં, પછી શેનો ભય રહે ?

દાદાશ્રી : હા, અમે ભય કાઢી નાખીએ છીએ. કોઈને નીકળી ગયેલો જોયેલો આપણામાં ?

પણ બીજા કોઈનાથી ય એ ભય જાય નહીં. એ તો જ્ઞાની પુરુષ કે એમની મહીં જે આત્મા પ્રગટ થયેલો છે, જે પરમાત્મા પ્રગટ થયા છે, એમની સીધી કૃપા ઉતરી તો ભય જાય. અમને ભય કેમ નથી ? કારણ કે અમારું બિલકુલ કરેક્ટ છે. કરેક્ટને ભય શો ? જેનું બિલકુલ કરેક્ટ છે, એને જગતમાં ભય શો ? ભય તો કોને હોય કે મહીં ગોલમાલ હોય તેને ભય હોય, નહીં તો આ જગતમાં ભય શો ?

આખો દહાડો ભડક ભડક ભડક ! જાણે શું થઈ જશે ? શું થઈ જશે ? ફલાણી જગ્યાએ હુલ્લડ થાય છે ! અમથો ભડક ભડક થયા કરે. અલ્યા, તું અહીં જમવા બેઠો છે, જમી લે ને નિરાંતે ! તો કહેશે, 'ના, પણ ત્યાં હુલ્લડ આવ્યું છે ને !' એટલે આ લોકો જે સુખ છે, પ્રાપ્તસુખ છે, તે ય ભોગવતા નથી. જે સુખ પ્રાપ્ત થયું છે, તે ભોગવવું ના જોઈએ ? તે પ્રાપ્તને ભોગવતા નથી ને અપ્રાપ્તની ચિંતા કરે છે ! આ બધી 'થીયરી' જ રોંગ છે ! ભગવાને પહેલેથી જ કહેલું કે પ્રાપ્તને ભોગવો અને અપ્રાપ્તની ચિંતા ના કરો. અપ્રાપ્ત તમારા હાથમાં નથી. તમારે જ્યારે પ્રાપ્ત થાય, હાથમાં આવે ત્યારે એ વસ્તુ ભોગવજો. અપ્રાપ્ત એ વસ્તુ હાથમાં નથી.

નબળાઈથી જ દુઃખ જગમાં !

સામેવાળો નબળો હોય તો દુઃખ થાય. આ દુનિયામાં નબળા માણસને દુઃખ થાય. જેટલી નબળાઈ એટલું દુઃખ એને. નબળાને દુઃખ થાય, એમાં બળવાન શું કરે ? કોઈ રાક્ષસ જેવો, શરીરે બાંધો એવો હોય, એવો માણસ જતો હોય, તેને દેખીને લોકો ભડકીને નાસી જાય, તેમાં પેલો શું કરે ? પેલાનો શો ગુનો ?

આ જગતનો કાયદો શો છે કે શક્તિવાળો અશક્તિવાળાને મારે. કુદરત તો શક્તિવાળો કોને બનાવે છે કે પાપ ઓછાં કર્યાં હોય, તેને શક્તિવાળો બનાવે છે અને પાપ વધારે કર્યાં હોય, તેને અશક્તિવાળો બનાવે છે.

જો તમારે છૂટકારો મેળવવો હોય તો એક ફેરો માર ખાઈ લો. મેં આખી જિંદગી એવું જ કર્યું છે. ત્યાર પછી મેં તારણ કાઢ્યું કે મને કોઈ જાતનો માર રહ્યો નહીં, ભય પણ રહ્યો નહીં. મેં આખું 'વર્લ્ડ' શું છે, એનું તારણ કાઢ્યું છે. મને પોતાને તો તારણ મળી ગયું છે, પણ હવે લોકોને પણ તારણ કાઢી આપું છું.

એટલે જ્યારે ત્યારે તો આ લાઈન ઉપર આવવું જ પડશે ને ? કાયદો કોઈને છોડતો નથી. જરાક ગુનો કર્યો કે ચાર પગ થઈને ભોગવવું પડશે. ચાર પગમાં પછી સુખ લાગે કંઈ ?

ગુના માત્ર બંધ કરો. અહિંસાથી તમને કોઈ પણ જાતનો માર પડવાનો ભય રહેશે નહીં. કોઈ મારશે, કોઈ કૈડી ખાશે એટલો ય ભય રાખશો નહીં. આ રૂમ આખો સાપથી ભરેલો હોય તો ય પણ પેલો અહિંસક પુરુષ મહીં પેસે તો સાપ ઉપરાછાપરી ચઢી જાય, પણ એમને અડે નહીં.

માટે ચેતીને ચાલજો. આ જગત બહુ જ જુદી જાતનું, તદ્દન ન્યાય સ્વરૂપ છે ! જગતનું તારણ કાઢીને અનુભવના સ્ટેજ ઉપર લઈએ, ત્યારે જ કામ થાય ને ! 'આનું શું પરિણામ આવશે ?' એની 'રિસર્ચ' કરવી પડશે ને ?

પ્રશ્નકર્તા : માર ખાધા પછી 'રિસર્ચ' ઉપર જાય છે ને ?

દાદાશ્રી : હા, ખરું 'રિસર્ચ' તો માર ખાધા પછી જ થાય. માર આપ્યા પછી 'રિસર્ચ' ના થાય.

પ્રશ્નકર્તા : દાદા, આખું જગત નિર્દોષ છે એ 'રિયલ' ભાવે બરોબર છે પણ 'રિલેટિવ' ભાવે તો એ વસ્તુમાં દોષ રહ્યા કરે જ ને ?

દાદાશ્રી : હા, પણ આપણે હવે 'રિલેટિવ'માં રહેવા માગતા જ નથી ને ? આપણે તો 'રિયલ' ભાવમાં જ રહેવું છે. 'રિલેટિવ' ભાવ એટલે સંસાર ભાવ. તમને 'રિલેટિવ'માં ગમે છે કે 'રિયલ'માં ?

પ્રશ્નકર્તા : 'રિયલ'માં જ ગમે છે, દાદા. પણ રહેવું પડે બન્નેમાં ને ? અમે નિશ્ચયથી સમજીએ કે બધા નિર્દોષ જ છે પણ જ્યારે વ્યવહારમાં ઘણી વખત પેલું જોવું પડે ને ?

દાદાશ્રી : ના, વ્યવહાર એમ નથી કહેતો કે સામાના દોષ જોવા પડે. વ્યવહારમાં તો 'અમે' રહીએ જ છીએ ને ! છતાં અમને જગત નિર્દોષ જ દેખાયા કરે છે.

જગતમાં દોષિત કોઈ છે જ નહીં. દોષિત દેખાય છે એ આપણી જ ભૂલ છે. છતાં આટલી બધી કોર્ટો, વકીલો, સરકાર, બધાં દોષિત જ કહે છે ને ?

પ્રશ્નકર્તા : આપણે કેવી રીતે ગણવાનું ? વ્યવહારથી તો દોષિત છે જ ને ?

દાદાશ્રી : વ્યવહારથી કોઈ દોષિત નથી. શુધ્ધ વ્યવહારથી કોઈ દોષિત છે જ નહીં. નિશ્ચયથી બધા શુધ્ધાત્મા થયા, એટલે એમને દોષ હોય જ નહીં ને ! અને દોષિત હોત તો ભગવાન મહાવીરને કો'ક દોષિત દેખાત, પણ ભગવાનને કોઈ દોષિત ના દેખાયું. આવડા આવડા માકણ કરડતા હતા, પણ તે દોષિત ના દેખાયા.

લોકભય ટાળ્યો આમ !

તમે કહો છો કે મને ફૂલનો હાર ચઢાવ્યો, તે પેસતાં પેસતાં મારો તો વેષ થઈ પડ્યો રસ્તામાં. તે કેટલાક તો મને કહે છે, 'દાદાજી, મારાથી ફૂલનો હાર નહીં પહેરી જવાય.' મેં કહ્યું, 'તારે એમ કહેવાનું, અમારા દાદાએ આપેલો હાર છે. તારે જે બોલવું હોય તે બોલ.' કંઈ ચોરી કરી છે આપણે ? લોકોનાં અવળાં ચારિત્ર જોતા નથી અને આના જુઓ છો ? દાદાએ પ્રસાદ આપેલો અને આ લોકથી બીવો છો, આ લોકથી ? તમારો હાર જોઈને હસે છે એની ટિકિટ કઈ છે જાણો છો તમે ? રિટર્ન ટિકિટ, ચાર પગવાળી છે. તો પછી હસીને એ લાભ ઉઠાવે છે એ ભલેને ઉઠાવતો હોય, એ લાભ ઉઠાવવાની જવાબદારી એણે પહેલેથી વહોરી છે અને સારો માણસ આવું કરે નહીં. સારો માણસ કંઈ હસે ? મશ્કરી કરે ? અમથા હસે એ વાત જુદી છે પણ મશ્કરી તો ના જ કરે ને ? તમને કેમ લાગે છે ?

કોણ ઢીલો આમાં ?

પ્રશ્નકર્તા : કોઈ આપણને ક્રોધ કરે એટલે આપણે એને જતો કરીએ તો એ એમ કહે કે આ તો સાવ ઢીલો છે.

દાદાશ્રી : તો પછી મારવો એને. બહાદુરી બતાવવી અને મુંબઈ શહેરમાં મળે છે, મોટરમાં ઉતારી પાડીને કહેશે, હોય તે આપી દે. ત્યારે ત્યાં બહાદુરી દેખાડે તો શું થાય ? ત્યાં કેમ બહાદુરી નથી દેખાડતા ? ત્યાં તો લોકો તરત આપી દે છે. એટલે જગત બધું ઢીલું જ છે ને ! ત્યાં તો કલેક્ટર હોય તો ય આપી દે. આમ બધા પર રોફ મારતો હોય ને મોટો મેજીસ્ટ્રેટ હોય તો ય આપી દે. એટલે જગત ઢીલું જ છે. તમે ઢીલા છો, એવું કહે છેે ? એવું છે, મોક્ષે જવું હોય તો લોકોની વાતો સાંભળી ગભરામણ ના કરાય. લોક તો કહે, અજ્ઞાની ફાવે એવું બોલે.

કોઈની ડખલ નહીં કોઈનામાં....

એવું આમ કોઈને કંઈ કરવાની સત્તા જ નથી. આ દુનિયામાં ગભરાવાની કોઈ જરૂર જ નથી. તમે માલિક જ છો. તમારી જાતના તમે માલિક જ છો અને આ જે તમને અડચણો પડે છે એ બધો તમારો જ હિસાબ છે. તમે જે ગૂંચવ્યો એ ગૂંચવ્યાનું ફળ આવ્યું છે. આપણે ગૂંચવ્યું હોય, તેનું ફળ આવે કે ના આવે ? પછી એમાં બીજા કોઈનો ગુનો શો ? એટલે આપણે એ ફળ શાંતિપૂર્વક ભોગવી લેવાનું ને ફરી એવું ગૂંચવાય નહીં એટલું જોવું જોઈએ. બાકી આપણામાં કોઈની ડખલ નથી, ભગવાનની ય ડખલ નથી, ગજવું કાપે છે તેની ય ડખલ નથી. ગજવું જે કાપે છે તે તો આપણો હિસાબ ચૂકવાવડાવે છે.

આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ નુકસાન કરે છે, એ તો નિમિત્ત છે. તેમાં રિસ્પોન્સિબલ (જવાબદાર) તમે જ છો. કોઈ માણસ કશું કરી શકે જ નહીં, એવું સ્વતંત્ર આ જગત છે. અને કોઈ કરી શકતું હોત તો ભયનો પાર જ ના રહેત. કોઈને મોક્ષે જ ના જવા દેત.

માટે નિર્ભય રહેજો !

આ દુનિયા એવી છે કે કોઈ કંઈ પણ કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં. છતાં પણ એવું કોઈના મોઢે બોલવું નહીં કે તારાથી કંઈ પણ થાય નહીં. કારણ કે અહંકારી જીવો છે. આવું સાંભળશે કે એનો અહંકાર મહીં જોર કરશે. પણ તમારે મનમાં શ્રધ્ધા રાખવી કે કોઈ કાંઈ કરી શકે એમ છે જ નહીં. માટે નિર્ભય રહેજો. એની હું ગેરન્ટી આપું છું. આ જગતને હું જોઈને કહું છું. આ જગતની બહાર પણ રહું છું અને અંદર પણ રહું છું. આખા બ્રહ્માંડની બહાર પણ રહું છું અને અંદર પણ રહુંુ છું.

આ બહાર રહીને વાત કરુંુ છું કે કોઈ બાપોય તમારું નામ દેનારો નથી. માટે અહીં જે નામ દે તે તો, તમારો ધીરેલો માલ છે. તમે રૂપિયા ધીર્યા હોય તો પાછા આપે કે ના આપે ? એવું આ પાંચ લાતો ધીરી હોય તો એ પાછી આપવા આવે કે ના આવે ? તો તમે શું કરો ? દસ વધારે ધીરો ? તો કેટલી ધીરો ? તે ઘડીએ જગતના લોકો ડબલ ધીરે છે. અલ્યા, ના ધીરીશ ! એના કરતાં આ જમે કરી દે ને છાનોમાનો ! એમ જમે કરતાં કરતાં એક દહાડો આપણા ચોપડા ચોખ્ખા થશે. જો તને ના ગમતું હોય તો નવું ધીરીશ નહીં અને ગમતું હોય તો ય ધીરવા જેવું નથી, નહીં તો ચોપડો ચોખ્ખો જ નહીં થાય. અને ચોપડો ચોખ્ખો થયા વગર તો મુક્તિ હોય નહીં.

બે-ચાર લાતો આપી દે તો તમે જમે કરી દો કે તમે પણ એને ફરીથી આપો ?

પ્રશ્નકર્તા : ના આપું. હું તો જમે કરી લઉં.

દાદાશ્રી : ખઈ લો ? એ તો જ્ઞાની કહેવાય !

પ્રશ્નકર્તા : આપણામાં શક્તિ હોય તો સામા થઈએ, નહીં તો સામા ના થઈએ.

દાદાશ્રી : તો વાઘની જોડે કોણ શિકાર કરવા જાય છે ? આ લોક તો બિચારા હરણાને મારે છે ! અને વાઘ આવ્યો ત્યાં આગળ ચૂપ ! એટલે મારવુંુ હોય તો શક્તિવાળાને મારો. અને નિર્બળને મારો નહીં. નહીં તો પછી કોઈને પણ મારશો જ નહીં. મારવું હોય તો શક્તિવાળાને મારો તો તમારી બહાદુરી દેખાય. આમ નિર્બળને મારવું એમાં તો શો અર્થ છે તે ? એટલે એક માણસ પણ જો કદી લાત આપી જાય તો આપણે મનમાં એમ જાણવું કે આ ધીરેલી તે આજ પાછી આવી, માટે જમે કરી લો. એટલે હિસાબ પૂરો થાય.

બીકના માર્યા ચોરી અટકે !

દાદાશ્રી : ચોરી કોઈ દહાડે કરેલી ? ખાનગીમાં ય ? ઉઘાડી ચોરી નહીં કરી હોય, પણ ખાનગી તો કરી હશે ને ?

પ્રશ્નકર્તા : ના, નથી કરી.

દાદાશ્રી : નથી કરી ? ચોરી કરવાનું તને ગમતું નથી ?

પ્રશ્નકર્તા : ગમે તો ખરું, પણ ડર લાગે ને ?

દાદાશ્રી : ઓહો ! મને એક માણસે પૂછયું, તે તમારી મામાની પોળમાં ચોરીઓ-બોરીઓ નહીં થતી હોય ? તમારી મામાની પોળ સારી શાહુકારની પોળ એટલે ચોરીઓ-બોરીઓ નહીં થતી હોય ? મેં કહ્યું, આ સામો ગેટ છે ને, તે ગેટ એક જ મહિનો ઊઠાવી જોજે. પછી આપણા આડોશી-પાડોશી, આપણા સંડાસમાં લોટો પિત્તળનો હોય, તે ય ના રહેવા દે. એટલે તેં કહ્યું એના જેવું, બીકના માર્યા. કોઈ બીક ના હોય તો વાંધો નહીં ને ?

પ્રશ્નકર્તા : તો વાંધો ના આવે.

દાદાશ્રી : ત્યારે સારું. શું શું ચોરી લાવું, બીક ના હોય તો ? તને ગમતી ચીજો ?

પ્રશ્નકર્તા : ગમતી ચીજો તો લઈ આવું.

દાદાશ્રી : ના ગમતી હોય તો ના લઉં ને ?

પ્રશ્નકર્તા : ના લઉં.

દાદાશ્રી : સોનાની લગડી પડી હોય તો લાવું ?

પ્રશ્નકર્તા : એવું જો હોય તો બધાનું મન લલચાય જાય.

દાદાશ્રી : આ લોકોના મન એવાં સ્ટેડી નથી, આ ભયને મારે સીધા રહે એવા છે. માટે એક ભાઈ એક દા'ડો મને કહે છે, આ નાલાયકો માટે સરકાર ને લશ્કર ને પોલીસવાળા રાખવા પડ્યા છે. અને એનો કર છે તે લાયક પાસે લે છે. પોલીસવાળો ને ફોજદારો-બોજદારો બધું છે તે આ નાલાયક માટે રાખ્યા છે. અને કર વસૂલ કરે છે લાયક પાસેથી. જો સરકારેય વસમીને ? એનો દંડ લાયક માણસો પાસે. એવા ઘણા જૈનો હશે કે ઘણા વૈષ્ણવો હશે, કે જેને પોલીસવાળાની જરૂર ના પડે. એવો ભય કે આપણી પડેલી વસ્તુ ના લે.

તું આ વિચાર નાનપણથી શીખી ગયો'તો, કે બીક ના હોય તો લઈ જવું ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : ત્યારે ક્યારથી શીખ્યો ?

પ્રશ્નકર્તા : કોઈ ચીજ જો હોય ને, તો આમ મન લલચાય પણ લઉં નહીં.

દાદાશ્રી : ના, પણ કોઈ બીક લાગે તેથી ને ?

પ્રશ્નકર્તા : એ એવું નથી કે બીક લાગે કે એમ.

દાદાશ્રી : ત્યારે ?

પ્રશ્નકર્તા : લઉં જ નહીં, બીજાની ચીજ લઈને શું કામ આપણે ?

રાજાના ગેસ્ટને ભય નથી...

દાદાશ્રી : કોણ ચલાવતું હશે આ બધું ?

પ્રશ્નકર્તા : ઓટોમેટિક બધું ચાલે છે.

દાદાશ્રી : વાતે ય ખરી છે. ઓટોમેટિક ચાલે છે.

પ્રશ્નકર્તા : અત્યારે ય ગવર્નમેન્ટ વગરેય બધું ચાલે છે જ ને ! એ બધું ઓટોમેટિક જ છે, બધું ચાલવાનું.

દાદાશ્રી : ભય પામવા જેવું નથી. ભય જેવી વસ્તુ જ નથી. આ વર્લ્ડમાં ભય જેવી વસ્તુ જ હોતી નથી. કુદરતના ગેસ્ટને શેનો ભય ? એક રાજાનો ગેસ્ટ હોય, તેને ભય નથી હોતો તો આ તો નેચરલ ગેસ્ટ છે બધા. શેનો ભય લાગે ? બધી વસ્તુ નેચર તમને સપ્લાય કરે છે. કેટલી સુંદર દશામાં છો છતાંય કેટલો ભય લાગે છે ?

કોઈ જગ્યાએ તારે ભય રાખવા જેવો છે નહીં, પ્રિકોશન રાખવાની જરૂર છે. ભય ક્યાં રાખવાનો છે કે આ કોઈ ગર્લફ્રેન્ડ ના કરીશ. એ ભય રાખવા જેવો છે. એટલો જ ભય રાખવા જેવો છે. નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ જઈશ.

જીવનમાં પરતંત્રતા ક્યાં સુધી ?

પરમેનન્ટ એડજસ્ટમેન્ટ પોતાનું થઈ જાય એટલે પછી નિર્ભય થઈએ, નહીંતર જગત આખું ભયથી ત્રાસ પામી ગયું છે. આખો દહાડો ભય, ભય, ભય. અમથી નાની બાબતો, વાત ઉડતી આવે ને, કે ઘાસતેલ બંધ થઈ જવાનું છે. અલ્યા મૂઆ, ઘાસતેલ એ આ શરીરમાં ચલાવનારી વસ્તુ છે ? એના વગર અટકી પડે એવું છે ? ત્યારે કહે, અમારે તો બધું ઘરમાં અંધારું થઈ જાય. શું કરું ? કહેશે. અરે, શું આખો દિવસ અજવાળું નહોતું ? આખો દહાડો અજવાળું હોય છે પણ સદુપયોગ કરતા નથી આવડતો. ટાઈમીંગનો સદુપયોગ કરતા નથી આવડતો. પોતે સ્વતંત્ર રહી શકે એમ છે પણ તોય સદુપયોગ કરતા આવડતો નથી. આ બધી જૂની ઘરેડમાં ને ઘરેડમાં ચાલ્યા કરે છે. ઘાસતેલ ના મળે તો ય પરતંત્ર.

એવા કેલ્ક્યુલેશન નિર્ભય બનાવે !

આ બધાને એવું થઈ જાય. પણ આ તો અમથો ભડકે. શું થશે ? એની પર કેલ્ક્યુલેશન માંડે. અલ્યા મૂઆ, કેલ્ક્યુલેશન નહીં માંડવાનું. એ તો બહારના લોકોએ માંડવાનું. અહીં કેલ્ક્યુલેશન ના માંડવાનું હોય. ગુણાકાર ના કરવાનો હોય. અહીં તો એની મેળે જ ભાગાકાર થયા કરે. બહાર કેલ્ક્યુલેશન બધું કરજે. સત્તર ગુણ્યા સત્તર. તે અહીં કેલ્ક્યુલેશન કરે. પણ પહેલાની આદત જાય નહીં ને ! પકડાયો તો શું થશે ? અને પછી લઈ ગયા તો શું થશે ? એ કેલ્ક્યુલેશન માંડે. જ્યાં ભાગાકાર કરવાનો ત્યાં ગુણાકાર કરે. દાદા ભગવાન કરે એ ખરું, મારે તો અહીં સિક્કા સાથે જુએને ? નહીં તો પેલો કંઈ છોડી દેવાનો છે ? આ રડી રડીને ભોગવે ને આ હસીને ભોગવે એટલું જ. પેલો રડી રડીને ભોગવે. આવતા ભવની પાછી જેલ વધારે અને આ તો મુક્ત. આ ભાગાકાર થઈ જવાનો, ગુણાકાર નહીં.

ભયને પેસવા ના દેવો !

પ્રશ્નકર્તા : આપણને ભય શાને લીધે ઉત્પન્ન થાય ? આપણે ખરાબ કામ કરીએ એટલે અગર તો લોકનિંદ્ય કામ કરીએ એટલે ભય ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : એ તો સંસારમાં. જ્ઞાનની દશામાં તો લોકનિંદ્યનો ભય હોય તો યે ભય ના હોય. ભય હોય જ નહીં ને એ જ્ઞાનની દશા ! અમે જ્ઞાન આપીએ પછી ભય ના રહે.

લોકોને કેવું લાગશે ? એના ભયને રૂમ ભાડે આપવી તેના કરતાં આપણે ચોખ્ખું રાખવું. એ રૂમ સાફ કર્યા કરવી સારી. ભયને તો ભાડે ના આપવું. લોકોને કેવું લાગશે એ ભયને ક્યાં પાછી ઓરડી ભાડે આપીએ ? એ કાયમ જોડે બેઠો બેઠો ભડકાવ્યા કરે, એના કરતાં એને ભાડે જ નહીં આપવાની. આપણે આપણી રૂમ ચોખ્ખી રાખ્યા કરવાની. જગતની ટીકાના ભાગમાં આવે એવો વિચાર આવ્યો કે એને ચોખ્ખો કરી નાખો. ધોઈ નાખીને સાફ. આ લોક નથી રૂમ ધોતા ? એને શું કહે છે ?

પ્રશ્નકર્તા : પોતાં મારે, ધોઈ નાખે.

દાદાશ્રી : પોતાં. તે આપણે પોતું મારી દેવાનું. સવારમાં એક મારી દેવાનું. અને બપોરે એક મારી દેવાનું વધારે. ખરાબ વિચાર આવ્યો, કે પોતું મારી દેવું. આવે તો ખરા વિચાર માલ ભરેલો એટલે. તે આપણે પોતું મારી દેવાનું. ભયને ઓરડી ભાડે આપીએ પણ છેવટે નામ તો ભયને. ભય એ દાઢી વગરના માણસને શું કામ રૂમ ભાડે આપીએ ? કસોટીમાં એક ફેરો આવ્યા પછી ભય ના રહ્યા કરે. કારણ કે બધી જાતના યુધ્ધ લડી ચૂક્યા. પછી એક-બે યુધ્ધ જાગ્યું, ત્યારે કહેશે, મૂઆ, હવે જાગ્યા એનો શો હિસાબ ? કસોટી આવે એ પુણ્યશાળી કહેવાય.

... પોતે જ માલિક દુનિયાનો !

શેઠ, સાચું સમજવું તો પડશે ને ? ક્યાં સુધી આવું પોલું ચાલશે ? કરેક્ટ જાણવું તો પડશે ને ? આમ પોલે ચાલ્યું તેની તો ઉપાધિ, સંસારમાં રહીને ઉપાધિ હોય ? તમે પોતે જ છો, માલિક છો, એને આ ઉપાધિ, ઉપાધિ, ભય, ભય, ભય. આ પડશે, તે પડશે. મૂઆ, કશું પડવાનું નથી. તું જ છું, જ્યારે બધે 'હું જ છું' એવું દેખાશે એને પછી રહ્યું શું તે ? 'હું જ છું' એવું દેખાય. તમને દેખે તો ય હું જ છું, ગધેડું દેખે તો યે 'હું જ છું', બધે 'હું જ છું' એવું દેખાય, પછી ભો રહ્યો કશો ? આ તો 'હું ને તુંં' 'હું ને તું' 'હું ને તું', તમને 'તું' દેખાય છે ?

ફસાવા જેવી જગ્યા જ આ !

સારા સંજોગોથી લોક ફસાયું છે ને ! મારા નજીક રહેવું છે. એટલે આ લાભ લેવો જોઈએ છતાં લેવાતો નથી, શી રીતે લેવાય ? શું કહેવા માગે છે એ બધાને કહો, વાંચી જાવ એકવાર.

પ્રશ્નકર્તા : દાદાજી, આપની નજીક રહેવાની ઇચ્છા છે પણ સારા સારા સંજોગો એવા સામા ચાલીને આવ્યા કરે છે, કે તેનો લોભ છૂટતો નથી. આટલું પતે એટલે દાદા પાસે જઈશ એમ મનમાં રહ્યા કરે છે. તે બરાબર છે ? એમ પૂછે છે.

દાદાશ્રી : એનાથી જગત આખું ફસાયેલું છે ને ! એવું ફસાયું છે ને ! સારો સંજોગ હોતો જ નથી, એ તો સમજણ નહીં, એટલે સારો માને. એની બીજી બાજુ જોઈએ તો ભયવાળો હોય. પ્લેનમાં બેઠા એ સારો સંજોગ, પણ મનમાં વિચાર આવે કે પડ્યું તો ? એટલે સારો સંજોગ કોઈ હોતો જ નથી, પણ આ તો મહીં મોહનીય કર્મને લઈને મૂંઝવે છે. સંજોગ તો આવો જ્ઞાની પુરુષનો મળે નહીં ને કોઈ દહાડો.

કેમ તમે કશુંય બોલતા નથી ?

પ્રશ્નકર્તા : બીક લાગે છે કે કદાચ હું તમારી જોડે જતો રહું.

દાદાશ્રી : આ તો એવું છે ને, કે હું બધાને કહું છું કે ભઈ, અહીં કોઈ ફસાશો નહીં અને ફસાયા પછી નીકળાય નહીં. માટે હું પહેલેથી તમને કહું છું કે અહીં ફસાશો નહીં. આ જગ્યા એવી છે કે ફસાયા પછી નીકળાય એવી નથી. માટે અમે બધાને કહી દઈએ છે કે અહીં ફસાશો નહીં. આ ફસાવાની જગ્યા છે.

પ્રશ્નકર્તા : આ જગતની ફસામણમાંથી નીકળવા માટે શું કરવું ?

દાદાશ્રી : આ જગતની ફસામણમાંથી નીકળવા માટે હું અહીં બેઠો છું, પાછા અહીં ફસાવવાનાને ! જગતની ફસામણમાંથી નીકળી જશો, પણ હવે અહીં ફસાશો !

પ્રશ્નકર્તા : મારે માસ્ટર કી જોઈએ છે.

દાદાશ્રી : હા, તે માસ્ટર કી જ આપીશું. પણ અહીં ફસાવાતું નથી.

પ્રશ્નકર્તા : અહીં ફસાવવા માટે શું કરવું પડે ?

દાદાશ્રી : આ કાકાએ શું કર્યું, અહીં ફસાવા માટે ? આ કાકા અહીં કાલથી આવે છે, એ કહે છે, 'મને ૭૦ વર્ષ થયા, મારા ૭૦ વર્ષ પાણીમાં ગયાં. તે કાલે આવ્યા પછી, તમારાં દર્શન કયાર્ં પછી હવે મને તો આ સિવાય બીજું ચેન જ નહીં પડતું. આખી રાત તમે યાદ આવ્યા. ત્યારે મેં કહ્યું, 'તમે ફસાઈ ગયા.' ત્યારે કહે છે, 'અહીં જ ફસાવું છે, બીજે બધે ફસાયો હતો તે ત્યાંથી નીકળીને અહીં જ ફસાવું છે.' તમનેય અહીં ફસાવાનું ગમે છે ?

પ્રશ્નકર્તા : અહીં જ ફસાવાનું ગમે છે.

ભડકેલો જ ભડકાવે !

દાદાશ્રી : આમ થઈ જશે ને તેમ થઈ જશે, આમ થઈ જશે. મેં કહ્યું, અલ્યા, માલિક છું ને મૂઆ, શું થઈ જવાનું છે ? માલિક છું તું, માલિકી તારી છે ને શું આનું થઈ જવાનું છે ? આટલો બધો ભડકે છે ? આપણા ઘરના માલિક આપણે ને આપણે ભડકવાનું એ કઈ જાતનું આ ? પણ જો સમજણ તમને અને લોકોનેય ના હોય તો સળી કરી જાય. એ ભડકેલો એટલે તમને ના હોય ત્યાંથી ભડકાવે. કારણ કે તમે નથી જાણતા તેથી ભડકો છો ને ? એ તો સળી કરે. કારણ કે ભડકેલો માણસ બીજાને ભડકાવ્યા વગર રહે નહીં ને ? કારણ કે એકલાને ગમે નહીં ને ! બધું ટોળું સરખું જોઈએ. અને સરખાં ટોળાંનાં ના હોયને, તો ટોણા મારીને પણ એને સરખો કરી નાખે. ટોણો મારતાં આવડે કે ના આવડે ? તમને ના આવડે, નહીં ?

પ્રશ્નકર્તા : મનમાં જ નહીં.

દાદાશ્રી : એમ ? બાકી ટોણો મારીને સરખા કરી નાખે.

સદા નિર્ભય જ્ઞાની !

જગતના લોકોને તો કેટલી બાજુના ભય કે ભવિષ્યમાં શું થશે ? તેના વિચારો આવ્યા કરે ને ભય લાગ્યા કરે. ભૂતકાળમાં થઈ ગયું હોય, તેનો એ ભય લાગે કે આમ થઈ ગયું હતું, વખતે ઊઘાડું પડશે તો શું થશે ? આમ થશે ? સરકાર પકડશે તો શું થશે ? કર્યું હોય ભૂતકાળમાં, ઓનનો વેપાર કર્યો હોય પણ અત્યારે દુઃખ લાવેને ? કરેલાનું ફળ પણ ભોગવવું તો પડે ને ?

તમને હવે ભૂતકાળનો ભય લાગતો નથી ને ? અને ભવિષ્યકાળનો ય ભય લાગતો નથીને ? તો 'વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંય.' 'જ્ઞાની પુરુષ' કોનું નામ કહેવાય કે જે નિરંતર વર્તમાનમાં જ વર્તે.

માયા, મારના અનુભવોથી છૂટે !

પ્રશ્નકર્તા : માણસે નિર્ભય કેવી રીતે થવું?

દાદાશ્રી : કોનો ભય લાગે છે માણસને ? વાઘનો, સિંહનો જ લાગે છે.

પ્રશ્નકર્તા : મોહ-માયાનો.

દાદાશ્રી : લોકો માયા જોડે તો સગાઈ કરે છે, એને ભય કેમ કહેવાય ? ભય તો, સાપ, સિંહ, વાઘનો હોય, જે આપણો પ્રાણ હરી લે, એમનો ભય લાગે. માયા જોડે તો સગાઈ કરે છે. મોટી ઉંમરનો થાય ત્યારે કહેશે, શાદી કરવી છે. અલ્યા મૂઆ, માયા જોડે સગાઈ કરવી છે ? ત્યારે કહે, હા, માયા જોડે. પછી ભય શાનો લાગે ? એ તો સગાઈ છે. એક્સપીરિયન્સ (અનુભવ) થવાનું સાધન છે એ તો. અનુભવ ના થાય પછી ?

આપણામાં કહેવત હતી પહેલાં, લક્કડના લાડુ ખાયા વો ભી પસ્તાયા ઔર નહીં ખાયા વો ભી પસ્તાયા. ના ખાધો હોય એનાં મનમાં એમ થાય કે એ નિરાંતે લાડવો ખાયા કરે છે ને આપણે રહી ગયા અને પેલા લાડવા ખાનારને પચતો ના હોય. લક્કડનો લાડુ છે ને ? કેટલાં દહાડા પચે ?

અને ભય ના હોય તો બહુ સારું લાગે ને ?

જાતની કિંમત કેટલી ?

એટલે આપણી જાતની બહુ કિંમત આંકતા હોય તો ના આંકવી જોઈએ ને ? તમે તમારી જાતની કિંમત મૂકી અમારી જોડે અવિનય કરો તો તમને નુકસાન કરશે. અમારી પાસે અવિનય ના કરાય. અમે અમારી જાત કરતાં વધારે માન આપીએ, પ્રેમ બતાવીએ. અમારી પાસે પ્રેમ હોય, કાયમનો પ્રેમ હોય.

જેને વાઘ શાકભાજી માને છે, તે બધું સરખું લાગે, દૂધિયા ને એ બધું. વાઘ કોને શાકભાજી માનતો હશે ? એ બધું દૂધિયાં કહેવાય એવું કહે છે. સમજણ પડી ? આપણે જેમ કો'કની શાકભાજી છીએ, તો પછી દૂધિયામાં ને આમાં ફેર શો રહ્યો ? એ બુધ્ધિથી સમજાય એવી વાત છે કે નહીં ? કો'કની શાકભાજી હજુ રહ્યા જ છીએ ને આપણે ? અને સાપ આવે તો ? ભડકાવી દે ને ? ભડક છે ત્યાં સુધી તમે શેમાં છો તે ? વાઘ તો એને કરડીને શાકની પેઠ ખઈ જ જાય છે અને અજગર આવે છે ને ગળી જાય આખો, મગરે ય ગળી જાય.

પૂરણ-ગલનનો દગો !

સંસાર દુઃખદાયી છે એમ લાગે તો મોક્ષ ખોળે. નહીં તો મોક્ષ કોણ ખોળે ? મને એક સમય પણ એવો નથી ગયો કે જેમાં મને સંસાર દુઃખદાયી ન લાગ્યો હોય. કારણ કે હું એક્ઝેક્ટનેસ શોધતો'તો ને ! હું માકણ આવે તો માકણને કૈડવા દેતો. અને માકણને ખસેડી નાખીએ એટલે સંસાર દુઃખદાયી લાગે જ નહીં ને ! તમને કેમ લાગે છે ? અને છતાં દુઃખદાયી લાગતો નથી એ કયા પ્રકારનો મોહ છે ? ક્ષણે ક્ષણે દુઃખદાયી, ક્ષણે ક્ષણે ભયવાળો, નિરંતર ભય ! એક સમય પણ ભય વગરનો નહીં એવું આ જગત. કારણ કે પરક્ષેત્રે બેઠેલો છે. અને સ્વક્ષેત્રે ત્યાં આગળ કોઈ ભય જ નથી. પરક્ષેત્રે એટલે ફોરેનમાં બેઠેલા છે, ફોરેનને હોમ માને છે. અને હોમનું તો ખબર જ નથી. હોમને તો રિયલાઈઝ નથી કર્યું કે આ હોમ કે પેલું હોમ ? આ જ્ઞાન મળ્યા પછી હવે તમે ફોરેનને ફોરેન માનો છો અને હોમને હોમ માનો છો, એટલે કામ થઈ ગયું આપણું.

આ દાંત ક્યારે નાદારી કાઢશે એ કહેવાય નહીં. આ સંસાર દગો છે, દેહ દગો છે. આમાં શું સગો કરવા જેવું છે ? સારું સારું જમાડીએ તો પણ પેટમાં દુઃખે. આ બધું દગો છે. પૂરણ-ગલનનો દગો છે. પણ વ્યવસ્થિત એવું તંત્ર છે કે આપણે નિર્ભય તરીકે રહેવાય એવું છે. સંસાર વ્યવહારમાં ને મોક્ષમાં નિર્ભય.

ભડકેલા ઘોડા જેવી સ્થિતિ !

પણ આપણા લોક તો અત્યારે કેવા છે ? ભડકેલા, ભડકેલા ! ભડકેલા તમે જોયેલા નહીં ? અરે, દવાખાનામાં ડૉક્ટરે ય ભડકેલા. એમને ત્યાં શું ખોટ જવાની હતી ? જો વાંકુંચૂકુંુ થઈ ગયું હોય તો કોને ખોટ જવાની છે ? આમને શી ખોટ જવાની હતી ? એ તો હમણે થોડી વાર પછી ચા-પાણી પીવામાં આંતરડું વધારે કપાઈ ગયું હોય તો ય અને મહીં કાતર ભૂલી ગયા હોય તો ય ! દવાખાનાની કાતર સ્મશાનમાં નીકળે ! ત્યારે ક્યાંથી આવી આ ?

ભડકેલું ઘોડું હોય ને, એના પગ આગળ કોઈ બંદૂકિયો ટેટો ફોડે તો એની શી દશા થાય ? અરે, ગાડી હઉ ઊંધી નાખે. એવી આ મનુષ્યોની દશા થઈ ગઈ છે. એટલે જ્ઞાની પુરુષ કહે છે ને, કે 'ભાઈ, તમારે એમ ના કહેવું કે સાહેબ, હું કરી લઈશ.' એમ કહેવું કે, 'સાહેબ, તમે જ કરી આપો.' કારણ કે હુંુ જાણું છું કે તમારાથી આ નહીં થાય. કારણ કે ભડકાટવાળા છો. એવો આ કાળ વિચિત્ર છે. માણસ ભડકેલા ઘોડા જેવા છે. ભડકાટ પેસી ગયો છે. શું થઈ જશે ? શું નહીં ? તારો કોઈ બાપોય ઉપરી નથી, તે શું થઈ જવાનુંુ છે તે ? આટલી હિંમત આપનારો કોઈ મળે નહીં ને, કે તારો ઉપરી કોઈ નથી, તારામાં ડખલ કરનાર કોઈ નથી. અને આ પરમેનન્ટ, ડિસાઈડપૂર્વક કહું છું કે કોઈ બાપોય નથી ઉપરી. ત્યારે કહે, ઉપરી કોણ ? મેં કહ્યું, ભૂલો છે તારી ને બ્લંડર્સ, બે જ તારા ઉપરી છે. બ્લંડર્સ તો મેં તોડ્યાં. ભૂલો નીકળી જશે. બ્લંડર્સ નીકળે એવાં નથી. ફસાયો છે તે નીકળે એવાં નથી.

એટલે બ્લંડર્સ અને મિસ્ટેક્સ ઉપરી છે અને તેને લઈને માની બેઠા છો કે ઉપર બ્રહ્મા છે ને વિષ્ણુ છે ને ફલાણું છે. અલ્યા, કોઈ બાપોય નથી. શું કરવા ભડક્યા કરો છો તે ? ભડકશો નહીં. નિરાંતે ખાવ, આ સ્લેબેય પડવાનો નથી અને આકાશેય પડવાનું નથી. પેલી ટીટોડી છે તે એને બચ્ચાં હતાંને, તે વાદળ ચઢી આવ્યું ને ગડગડાટ કરવા માંડ્યું. એટલે આમ પગ કરીને રક્ષા કરવા ઊભી રહી. હવે આ વાત સાચી હોય કે ખોટી હોય પણ આ એક મશ્કરી જેવું છે ને ? એવું આ લોક, જગત આખું ભડકાટ, ભડકાટ, રાતે ભડકાટ, દહાડે ભડકાટ, ભડક્યા કરે છે.

બહુ વિચાર કરે એને હ્રદય પોચું પડી ગયુંુ હોય, એટલે ભય પણ બહુ લાગે. અને વિચાર ઓછા હોય અને આવે જ નહીં, તેને ભાંજગડ જ શું ? હમણે સૂઈ જાય કે તરત નાખોરા બોલવા માંડે. અને પેલાને ભય લાગતા હોય કે આમ થઈ જશે તો, આમ થઈ જશે તો ?

કબર ઉપર લીલું કપડું ઓઢાડ્યું હોય, ઘોડાએ જોયું ને ઊભું રહ્યું તો આપણે જાણીએ કે આ ભડક્યું. હવે ભડક્યું એને પછી ધીમેથી વાળવું પડે. એ જાણે કે પાછળ પડે તો ? એવી રીતે એને, એ ઘોડાને એવું પાંચ, સાત, દસ વખત અનુભવ થાયને, પછી ભડકે નહીં. એવું આ લોકો વગર જોયે એમ ને એમ થઈ જાય છે તે ભડક્યા વગરનુંુ શું થાય તે ? પહેલું જોવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ. નહીં તો બધો માર ખાવો જોઈએ.

પ્રશ્નકર્તા : દાદાના આશીર્વાદ હોય તો એ માર્ગ મળી જ જાય.

દાદાશ્રી : હા, માર્ગ બધો મળી જાય.

સંસારી બધા, ટોપ્સ !

અહંકારી છે તે ટોપ્સ ને નિરઅહંકારી છે તે ય ટોપ્સ, બધાય ટોપ્સ છે. કારણ કે આ પૂરણનું ગલન થઈ રહ્યુંુ છે. પાછા નવું પૂરે છે. ઉપર નવું પૂરે છે. તે ય ટોપ(ભમરડો) છે. ટોપમાં પૂરે છે પાછું. પોતાની કોઈ સત્તા નથી, બિલકુલ એક સેન્ટ પણ સત્તા નથી. આ સંજોગો એને આમ કરાવે છે. બધું સંજોગો કરે છે. તેથી મેં કહ્યું ને, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. થોડું ઘણું સમજાય કે નહીં ? તેથી મેં 'ટોપ' લખ્યું આ બધા માણસોને, આ સંસારના બધા મનુષ્યોને 'ટોપ' લખ્યું છે. ટોપ્સ, તે પાછા નિરાશ્રિત લખ્યા છે. નિરાશ્રિત એટલે ચિંતા કરે, ઉપાધિ કરે, અકળામણ કર્યા કરે, એ બધા નિરાશ્રિત કહેવાય. આ ગાયોને, ભેંસોને ચિંતા નહીં, અકળામણ નહીં. ભૂખની વેદના હોય ફક્ત, ભયની વેદના હોય પણ ચિંતા-અકળામણ નહીં ? એમને ય છોડીઓ, છોકરાં હોય, ધણી-બણી બધું. અને આ લોકો નિરાશ્રિત છે, તેમાં હિન્દુસ્તાનનાં નિરાશ્રિત કહેવાય ને બહારનાં આશ્રિત કહેવાય. ફોરેનનાં જે સુખ ભોગવે છે એ તો આશ્રિત છે બિચારા. કે ભગવાને અમને અવતાર આપ્યો છે ને ભગવાન અમને ચલાવે છે. અને આ તો 'હું કરું છું' એવું ભાન છે ને ! કારણ કે પુનર્જન્મ થયો. એટલે 'મેં કર્યું' તેનું જ ફળ છે ને ? એ પુનર્જન્મને માનતા નથી. એટલે સીધું જ, ભગવાનના હાથમાં સત્તા, જ્યારે આપણે અહીં તો 'હું કરીશ, હું ભોગવીશ' કહે છે. એવું લાગે છે ને તમને ? એટલે સત્તા આપણી પાસે લીધી છે, કર્મસત્તા. એટલે ચિંતા કરવી જ પડે ને ! નિરાશ્રિત થયા ! ભગવાન કહે છે, 'તું ચલાવી લઉં છું ત્યારે હું છેટો છું. હું પેલા ફોરેનમાં જઈશ.' એટલે આ થયાં નિરાશ્રિત. આખું હિન્દુસ્તાન નિરાશ્રિત છે, મેં લખ્યું છે પુસ્તકમાં જેને કંઈ સામો ક્લેઈમ કરવો હોય તો કરી શકે છે અને આખા વર્લ્ડને 'ટોપ્સ' લખ્યું છે, તે ય પણ ક્લેઈમ કરવાની છૂટ આપી છે. એ તો હું પૂરવાર કરવા તૈયાર છું. ભમરડા કહેવું એ તે કંઈ જેવી તેવી વાત છે ? તમને કેમ લાગે છે ? ભમરડા કહેવું, સહેલી વાત છે ?

વિપરીત ભયથી દુઃખી !

આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવમાત્રને હોય, પણ તેમને તે નોર્માલિટીમાં હોય. તેમને તો ભયના સંયોગ ભેગા થાય ત્યારે જ ભય લાગે. જ્યારે મનુષ્યોમાં તો વિપરીત ભય પેસી ગયો છે. વિપરીત ભય એટલે એક જ ભય આવવાનો હોય પણ તેને તે સો જાતના દેખાય અને જે ભય નથી આવવાનો તે દેખાય તેને પણ વિપરીત ભય કહેવાય. એક જણ જમવા આવવાનો હોય અને લાગ્યા કરે કે સો જણ આવવાના છે તે વિપરીત ભય.

મહિનામાં બે અડચણ આવી હોય પણ રોજ ભો લાગે એ જ વિપરીત બુધ્ધિ. એવી બુધ્ધિ વિભ્રમ ના થાય, વિપરીત ના થાય એટલા માટે ગણના પતિને - ગણપતિને પ્રથમ પૂજામાં મૂકે છે પણ સમજ્યા વગર પૂજા થાય છે તેથી ફળ જોઈએ તેવું મળતું નથી. સમજીને પૂજા થાય તો ઘણું જ સુંદર ફળ મળે.

એક વખત કંઈ કઢી ઢળાઈ ગઈ, તેથી કંઈ કાયમ ફડક ના રખાય કે રોજ કઢી ઢળાઈ જશે. એ તો ઢળાઈ પણ જાય કઢી. આપણે ઢળાઈ જાય કઢી તે દા'ડે ખુશ થવું, આજે કંઈ નવું નવું અથાણું ખાવાનું મળ્યું. આ કેટલાક લોકો તો બસ કઢી ઢળાઈ ગઈ એ ગા ગા કરે. મહીં મેલને પૂળો ! એક દા'ડો ઢળાઈ તો જાયને, આડે દહાડે ? ક્યારે ઢળાઈ ના જાય ?

સંસારમાં ભય, ભૂતના ભડકાટ જેવો !

આખો સંસરણ માર્ગ-સંસાર માર્ગ ભ્રાંતિવાળો છે, ભો-ભડકાટ જેવો છે. ભો-ભડકાટ એટલે શું ? રાતે સૂતાં પહેલાં ભૂતનો ભો પેઠો હોય કે સાપનો ભો પેઠો હોય, તો આખી રાત તેને ભડકાટ-ભો રહ્યા કરે, ઊંઘે ય નહીં. અને સવારે એટલે કે પ્રકાશમાં તે ભય નાશ પામે ત્યારે તેનો ભડકાટ જાય. તેમ આ સંસારમાં પણ છે.

ભૂતના ભડકાટમાં ફરક એટલો રહે કે તેનો ફક્ત ભડકાટ રહ્યા કરે કે, મારું શું થશે ? ભય ના લાગે, જ્યારે સંસારમાં ભય અને ભડકાટ બન્ને ય રહે. ભય રહે એટલે જાગૃતપણે અજ્ઞાનતાથી તેની સામે રાગ-દ્વેષ કર્યા કરે અને તેનાથી ભડકાટ રહે. ભયવાળા સંયોગોને મારવાના, પ્રતિકાર કરવાના પ્રયત્નમાં રહે.

માયા એટલે શું ? અજ્ઞાનતા. માયા, બીજી કોઈ વસ્તુ જ નથી. પોતે પોતાની અજ્ઞાનતા.

આપણે રાત્રે સિનેમા જોવા ગયા હોઈએ, ઘરમાં વાઈફ ને બધા બહારગામ ગયા હોય, તે એકલા હોય અને દહાડે છે તે ભૂતની વાત સાંભળી હોય અને રાત્રે બાર વાગે સૂઈ ગયા પછી જોડેની રૂમમાં કંઈક પ્યાલો ખખડ્યો. તરત તમારા મનમાં શું અસર થાય ? કંઈક આવ્યું, કહેશે. એટલે આખી રાત એમાં ને એમાં, ઉઠાય નહીં, ભય લાગે આખી રાત ભડકાટ ભડકાટ રહે અને સવારના પહોરમાં ઊઠીને મહીં ત્યાં જાય અને ત્યાં જુએ, ત્યારે કહેશે, ઓહોહો ! આ તો પ્યાલો ઉંદરડીએ પાડ્યો છે. એવું જ્ઞાન થાય ત્યારે તમારી માયા જતી રહે. ત્યાં સુધી માયા વળગી. આ કોઈએ માયા ઊભી કરેલી છે કે તમારી છે ? તમારી જ માયા છે. એ માયા અમે કાઢી આપીએ એટલે ઉકેલ થઈ જાય. દ્રષ્ટિ બદલી આપીએ.

ઝંડ-ભૂત છે દેવગતિ !

પ્રશ્નકર્તા : ખરેખર ભૂત કે ડાકણ હોય તો કશું કરી શકતા નથી.

દાદાશ્રી : ભૂત ને ડાકણનો સવાલ નહીં. ભૂત, ડાકણ એ દેવયોનિ છે. એમાં ગભરાવાનું કોઈ કારણ નથી. એ દેવલોક છે. એક ફક્ત પ્રેત એકલું જ એવું છે, કે જે દેહ વગરનું હોય. બાકી એ તો પોતાના અવતાર, દેહ ધારણ કરીને આવે ભૂત ને એ બધાં તો. જાતજાતનાં ધારણ કરી શકે. પાડો થઈને આવે, વાઘ થઈને આવે, સિંહ થઈને આવે, મોટો મનુષ્ય થઈને આવે. એ જાતજાતનાં રૂપ લઈને આવે.

પ્રશ્નકર્તા : તો ભૂત ને પ્રેતમાં શું ફેર ?

દાદાશ્રી : પ્રેતને દેહ ના હોય.

એક અહીં વડોદરાના એક મોટા માણસ હતા. તે ભલભલાને બીવડાવતા હતા. તે મુંબઈ આવ્યા. મેં કહ્યું, 'શું થઈ ગયું છે ?' મને કહે છે, 'ઝંડ લોકો આવડા આવડા છરા દેખાડે છે. રાત-દહાડો ઊંઘવાય નથી દેતા.' 'કેટલા જણ છે ?' ત્યારે કહે, 'બે જણ.' ત્યારે મેં કહ્યું, 'આમાં તમે ભડકો શું કામ ? તમે તો સુંવાળા માણસ નથી.' 'પણ અરે, દાદા શું... ઊઘાડા દેખાય છે. વાત એમની સંભળાય છે મને.' ત્યારે મેં કહ્યું, 'એવું તો બનતું હશે ?' ત્યારે કહે, 'ચોક્કસ કહું છું.' પછી મારે ત્યાં આવ્યા સાન્તાક્રુઝ. એટલે મેં એમને વિધિ કરાવડાવી. વિધિ કરાવ્યા પછી, 'આ દેખાય, જો આ દેખાય. તમારી હાજરીમાં આવ્યા અહીં આગળ. તમારી મર્યાદા ના રાખી. આ આવ્યા, આ મોટા મોટા છરા દેખાડે.' ત્યારે મેં કહ્યું, 'સારું આવ્યા, અહીં આપણે નિકાલ કરી નાખીએ.' પછી પેલા લોકોને મેં કહ્યું, 'બેસો બા. તમારી જે ભાંજગડ હશે, તે આપણે નિકાલ કરી નાખીએ.' આમને કહ્યું 'તમે માફી માંગી લો કે મેં જે અત્યાર સુધી જે જે કર્યું છે તેની જ્ઞાની પુરુષની સાક્ષીએ માફી માંગુ છું.' એવું પાંચ-છ વખત કહેવડાવ્યું અને પછી એમને કહ્યું, 'તમે હવે છે તે આજ વેર છોડી દો, નકામા આમાં મુશ્કેલીમાં મૂકાશો.' એ ત્યાર પછી ઝંડ ગયા, તે પછી પાછા આવ્યા જ નહીં. ભલભલાને બીવડાવી મારે ને તેલ કાઢી નાખે. ખરેખરા પાછળ પડેલા ને તેલ કાઢી નાખતા'તા.

અમે સમાધાન કરી આપીએ. અમે ભૂતાં કાઢીએ નહીં, સમાધાન કરી આપીએ. કારણ કે એ યોનિ અમારું માને, વીતરાગી તો બધા માન્ય કરે. બધા દેવલોકો માન્ય કરે. કારણ કે જેને ડખો જ નહીં ને ! દરેક માન્ય કરે. તમે માન્ય કરો છો કે નહીં કરતા ? એમને કોઈ દુશ્મન, પક્ષપાત કે એવું તેવું ના હોય. જુદાઈ હોય નહીં કોઈ જોડે. આ અત્યારે આવ્યા છે, હજુ પહેલે દહાડે આવ્યા છે, જુદાઈ નથી. એ મારી જોડે ખુશ થઈને વાત કરે છે, જાણે બહુ વરસ જૂની ઓળખાણ હોય એવી વાતો કરે છે. એવું નથી કરતા ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ઓળખાણ જ, જુદું લાગે. એટલે ભય કાઢીશું હવે.

દાદાવાણી ભડકાટ-ભયને ટાળે !

ભય-બય નહીં રાખવાનો. જો ભય, ભય, ભય, ભય. અને પાછા આ ભય તો સારા અને પાછા માને પેટે ત્રણ જન્મ્યા હોય તો તે ય ભય. એ ય ભય કે ભાઈ ? આ ઓછા ભય છે ? તે વળી પાછા આ ત્રણ ભાઈ ? બને કે ના બને ? જો આ બંધુ હતો તેનો ભઈ થયો. અમારા બાંધવ થાય. તે અત્યારે બાંધવ કોઈ બોલે છે ? એને ભઈ જ કહે છે ને ? યુ આર ભઈ ? યસ, યસ.

મને શેમાં ભય લાગતો હશેે ?

પ્રશ્નકર્તા : કશો ભય નથી.

દાદાશ્રી : મારી વાણી સાંભળો તો ય ભય ને ભડકાટ તમારા જતા રહે.

જ્ઞાન પછી ભાંજગડ !

તારે જ્ઞાન પછી ભાંજગડ ઓછી થઈ ગઈ ?

પ્રશ્નકર્તા : થોડી થોડી છે.

દાદાશ્રી : પહેલાં કેટલી હતી ?

પ્રશ્નકર્તા : પહેલાં ઘણી હતી.

દાદાશ્રી : અને હવે ભય લાગે છે ને કે આવું ન થાય તો સારું ? અને પહેલાં તો રોજ રોજ જઈને શું થાય ? આજ તો આમ કરવું છે ને આમ કરવું છે ને બહાર નક્કી કરી આવીને પછી ઘેર ભાંજગડ કરે. હલ્લો કરવાની તૈયારી તો કરે ને ? તૈયારી કર્યા વગર તો કોઈ માણસ કરતો હશે હલ્લો ?

સામસામે ડરાવવા બન્યા સાધનો !

પ્રશ્નકર્તા : રક્ષણ કરવા માટે માણસ બુધ્ધિ વાપરે એ નોર્મલ કહેવાય ને ? આ એટમબોંબ બનાવે છે તે રક્ષણ માટે જ ને ?

દાદાશ્રી : એનું નામ રક્ષણ ના કહેવાય. બીજો સામે બનાવે તો શું થાય ? સામા માણસને દબડાવવા માટે કર્યું છે. એ સામો એટમબોમ્બ બનાવશે તો શું થશે ? એ પછી આપણને પછી કેટલો બધો ભય રહે ? આવું રક્ષણ કરવાની જરૂર નથી. કુદરત આનું રક્ષણ કરી જ રહી છે. વગર કામનાં આવાં તોફાનો કરવાની જરૂર જ નથી. આવાં સાધનો જ ઊભાં ના કરવાં જોઈએ. મુંબઈના તળાવમાં ઝેર નાખી દે તો બધાં માણસો મરી જાય એ કંઈ બુધ્ધિ ના કહેવાય.

વિનાશ થઈ જવાનું છે આ. આ જે આ દેખાય છે ને જ્ઞાન, એ જ્ઞાનનો વિનાશ થઈ જવાનો છે. એ ભૌતિક વિજ્ઞાન જ જગતને બહુ નુકસાન કરશે. વિજ્ઞાન અમુક હદનું જોઈએ.

પ્રશ્નકર્તા : એ વધારે પડતું થયું છે, એવું નુકસાન તો અત્યારે આખું જગત ભોગવી રહ્યું છે.

દાદાશ્રી : જગત દ્રવી ઊઠ્યું છે અત્યારે. અને સામાને ડરાવવા ખાતર જો અમુક સાધનો બનાવવામાં આવે તો સામો પાછો એ જ સાધન બનાવે, પછી એમાં સુખ રહ્યું જ ક્યાં આગળ તે ? માણસને સુખનું હેલ્પિંગ થાય, એવું કરવું જોઈએ. આ તો દુઃખનું હેલ્પિંગ થાય એવું કરો છો.

યુધ્ધના ભય સામે...

પ્રશ્નકર્તા : પેલું વિશ્વમાં યુધ્ધ થશે એવું આપ કહો છો ?

દાદાશ્રી : જરૂર, જરૂર.

પ્રશ્નકર્તા : મને એનો ભય લાગે છે.

દાદાશ્રી : પણ આપણે એમ કહેવું જોઈએ લોકોને, કે થવાનું નથી. એમ કહેવું જોઈએ આપણે, પ્રોપેગેન્ડા આપણે એવો કરવો જોઈએ. નહીં તો પબ્લિક ભડકી જાય ને. પબ્લિકમાં દાદા એવું બોલે છે, કે નથી થવાનું. આ તો તમે પૂછયું તેનો મેં જવાબ આપ્યો. બાકી પબ્લિકમાં 'નથી થવાનું' એમ કહું.

પ્રશ્નકર્તા : એમ કે તમે એવું ઈચ્છો છો કે લોકોમાં ભય ના લાગવો જોઈએ.

દાદાશ્રી : હં... કોઈ માણસને ભય ના લાગવો જોઈએ. એવું છે ને, આ ખંડન-મંડન ના હોય તો ડેવલપ થાય જ નહીં કોઈ દહાડો ય. જો આ જગતમાં લડાઈ ના હોત તો અહિંસક નામની કળા ખીલત જ નહીં. અહિંસાની કળા ! અને લડાઈઓ છે તેથી લડાઈઓની કળા છે. એટલે આ બધું ઝઘડા જરૂરી જ છે. વિટામીન છે આ મનુષ્યોનું, એમાંથી પછી તત્ત્વ નીકળે છે. એટલે આ ખોટું નથી. આ જે બની રહ્યું છે ને, એ ખોટું નથી.

પ્રશ્નકર્તા : આ કેટલાક દેશોએ એટલી બધી અણુશક્તિઓ વિકસાવી છે. એ એકાદનું જો કો'ક દિવસ મગજ ખરાબ થશે તો આખી દુનિયાનો એમ સમજો કે વિનાશ આવી જાય. આ લોકોને કારણે આપણા નિર્દોષ લોકોને સહન કરવાનું આવશે તો એ બધું કેમ ?

દાદાશ્રી : પારકાનું સહન કરવાનું હોતું જ નથી, આપણું જ સહન કરવાનું હોય છે. આ બધાં ઈનામ નીકળતાં હશે એ જેનું છે તેને જ ઈનામ આવે કે બીજાનું આવે ?

પ્રશ્નકર્તા : જેનું છે તેને જ આવે ને !

દાદાશ્રી : જેનુંુ છે તેને જ ભાગે આવે છે. અને આ એક વહુ કહેતી'તી કે મારા સાસુ મને બહુ દુઃખ દે છે. તો તારે ભાગે ક્યાંથી ઈનામ આવ્યંું આ ! બોલ જોઉં ? જેનુંુ છે તેનો હિસાબ આવ્યો. મને ઈનામ કરી આપ ! આ આપણને કશું ના કરી શકે બિચારા ! આ બીજા દેશોવાળા આપણને શું કરે ? એ એમણે જે બોમ્બ બનાવ્યા છે ને, એ આ ગરીબ દેશો માટે નથી બનાવ્યા, એ તો શ્રીમંતો દેશો માટે બનાવ્યા છે અને બહુ કિંમતી છે. અહીં આ ગરીબ દેશ ઉપર નાખે નહીં, ત્યાંથી એવી આશા ના રાખીએ કે આપણે ભાગે બોમ્બ આવશે.

પ્રશ્નકર્તા : પણ પરિસ્થિતિ એવી લાગે છે કે પોતાના દેશને બચાવવા માટે એ મહાસત્તાઓ પારકા ઉપર બોમ્બ ફેંકશે.

દાદાશ્રી : ના, ફેંકે નહીં, એમને અધિકાર શું ? આ વર્લ્ડમાં કોઈ માણસ એવો પાક્યો નથી કે જેને સંડાસ જવાનો અધિકાર હોય ! એ શું ફેંકી જશે ? હા પણ એવું બોલાય નહીં. કોઈ એવું બોલે એ નુકસાન થઈ જાય ! પણ કોઈ જાતનો ભય ના રાખશો.

કોઈ નામ દેનાર નથી. તમારી શંકાઓ તમને કરડી ખાય છે. એટલે કહું છું કે આ કોઈ નામ દેનાર નથી. કારણ કે એ શા આધારે આપણે ત્યાં બોમ્બ નાખે ? આપણે કંઈ એવા પુણ્યશાળી લોક નથી કે આપણે ભાગે કંઈ એવા કિંમતી બોમ્બ આવે, આપણે તો સસ્તા બોમ્બ કોઈ નાખી જાય ! આપણે ભાગે કિંમતી બોમ્બ ક્યાંથી હોય ?

ત્યારે મને લોકો કહે છે કે કિંમતી બોમ્બ ચાખવાનો ય નહીં મળે ? મેં કહ્યું, ના, આ નજીકના દેશોવાળા જરૂર ચખાડશે.

ભવિષ્યવાણીના ભડકાટ...

આગળનાં ત્રણ વર્ષ પણ બીજા ભવિષ્યવાણી બોલે, ૨૦૦૦માં આમ થઈ જશે, હજુ કાલે યે પેપરમાં આવ્યું'તું.

અલ્યા ભઈ, શું કરવાં લોકોને ભડકાવો છો ? લોક ભડકેલાં છે જ. ઊલટું કંઈક હેલ્પ કરો લોકોને. અરે, ના સમજણ પડે તો ના બોલશો કે, શા હારુ આમ હેરાન કરો છો તે ? હવે એ લોકો મને ભેગા થાય તો હું કહું કે નહીં. એક સેન્ટ પણ હેલ્પિંગ હોય, તો એ કબૂલ છે. ૫૦ ટકા નહીં પણ એક સેન્ટ પણ હેલ્પિંગ હોય. હેલ્પિંગ છે નહીં, આ ખોટા-નકામા મગજમારી કરે છે અને વાઈફ આગળ તો ચાલતું નથી. એવા લોકોને મેં જોયેલાં છે, વાઈફ આગળ તો ઝઘડા થાય છે. અલ્યા મૂઆ, તારું વાઈફ આગળ તો ચાલતું નથી, બહારના લોકોને શું કરવાં ભડકાવે છે વગર કામના ? આવું ના હોવું ઘટે. હેલ્પ કરો. હિન્દુસ્તાનને કંઈક હેલ્પ કરો.

કોઈ માણસ અક્કલવાળો હોય, તે આયોજન કરે, કે પચ્ચીસ વર્ષ પછી શું થશે આ હિન્દુસ્તાનનું ? જો અત્યારે આવું થયેલું છે, અત્યારે આવું થયેલું છે, ૨૫ વર્ષ પછી શું થશે, એના જેવી વાતો છે બધી આ. બ્લંડર્સ છે વાતો બધી.

કુદરતી આફતો, દુનિયા પર...

એટલે ડૉકટરો જે ફુલાતા'તા એ ટાઢા પડી ગયા. આ સાયન્ટિસ્ટો, એ બિચારા બહુ સારા માણસ છે. પણ લોકોનાં મનમાં તો એમ જ લાગે ને કે આ લોકોએ બગાડ્યું. હવે એ લોકો શું કરે ? જેવું દેખાય એવું બોલે છે. આકાશમાં જવાની શી જરૂર હતી ? આકાશની શોધખોળ કરવાની જરૂર શી હતી, તે આ નકામા પૈસા બગાડ્યા ને આ ગવર્નમેન્ટો એ શું કરવા માંડ્યું છે ?

પ્રશ્નકર્તા : એ લોકો એવિડન્સ કરવા ગયા'તા.

દાદાશ્રી : શું એવિડન્સ જોવાના ?

પ્રશ્નકર્તા : એમના વ્યુ પોઈન્ટ બતાવવા માટે.

દાદાશ્રી : આ અહીંનું પૂરું થયું નથી, વર્લ્ડ ઉપરનું પૂરું થયું નથી. વર્લ્ડ ઉપરનું એવિડન્સ ક્યારે પૂરું થયું કહેવાય, ઘણા લોકો સુખી થતા જાય ત્યારે કહેવાય પૂરું થયું. આ તો લોકો દુઃખી થતા જાય છે ને ઉપર પાછાં તપાસ કરવા ગયા છે ! એનાં બાપે ઊંચે બાંધ્યું છે તે અને કહે છે ત્યાં રહેવાનું નક્કી કર્યું છે. અહીં જંગલો આટલાં પડ્યાં છે ! અહીં રહેતાં નથી ને ત્યાં શું રહેવાનું છે ? આ તો એ ડરાવવા માટે એક-એકને, કે અમે આવી શોધખોળ કરી છે. એટલે આ આને ડરાવવા માટે આ કૂદાકૂદ કરે છે ને આને ડરાવવા માટે પેલો કૂદાકૂદ કરે છે. એનાંથી આખું જગત બફાઈ ગયું. આકાશની જરૂર જ નથી, બીજા ચંદ્ર શોધવાની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા : એનો નિકાલ ક્યારે આવવાનો, એ સ્પર્ધાનો ? એ બે દેશના સાયન્ટિસ્ટો એક બીજાને બતાવવા પ્રયત્ન કરે છે કે એ લોકો કેટલા આગળ છે. એનો અંત ક્યારે આવવાનો છે ?

દાદાશ્રી : આ પેલી કોઠીઓ ફૂટી જશેને ત્યારે અંત આવી જશે બધોય, આ જે દારૂગોળાની કોઠીઓ બનાવી છે ને લોકોએ, તે એની મહીં નક્કી થઈ ગયેલું હોય કે કયા ટાઈમે કઈ સ્પેસ પર ફૂટશે અને શું હેતુ ! જે હેતુ માટે બનાવી'તી તે હેતુ, ટાઈમ, સ્પેસ ભેગાં થઈને હડહડાટ ફૂટશે અને લોકોને ખલાસ કરી નાખશે. પણ બોંબ ખલાસ નથી કરવાના એટલું કુદરત ખલાસ કરશે. બોમ્બનું તો કેટલું ગજું ? બોમ્બ કરી કરીને કેટલુંક કરે બિચારો?

અહંકારને ખાવા ફરે કુદરત !

ફોરેનના સાયન્ટિસ્ટો મને કહે છે, ગોડ (ભગવાન)નું સાચું એડ્રેસ લખાવશો ? મેં કહ્યું, 'લખ. ગોડ ઈઝ ઈન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઈનવિઝિબલ.' તમારી-મારી વચ્ચે આંખથી ના દેખાય, દૂરબીનથી ના દેખાય, એવા સૂક્ષ્મ જીવોથી બધું આ ભરપટ્ટ ભરેલું છે જગત. નર્યું જીવોથી જ ભરેલું છે આ જગત પણ તે ક્રિએચરથી જ ભરેલું છે. ક્રિએચરની મહીં ભગવાન બેઠા છે. ગોડ ઈઝ ઈન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઈનવિઝિબલ, નોટ ઈન ક્રિએશન. આ ક્રિએશન છે. મેનમેઈડ એમાં નથી. આ ઘડીયાળમાં નથી, બીજે બધે જ છે. પાણીમાં, વાયુમાં, તેજમાં, બધામાં જ છે પણ આ મેનમેઈડ જે છે, આ મનુષ્યોએ હાથ ઘાલ્યો ત્યાંથી ભગવાન ખસી જાય.

પ્રશ્નકર્તા : શા માટે એવું થતું હશે ?

દાદાશ્રી : મનુષ્ય તે ભગવાન થવા ફરે છે. આ હું બનાવું ને આ હું બનાવું ને મકાનો બનાવે, બંગલા બાંધે ને મોટા મોટા પુલ બાંધે ને અને કુદરતની હઉ સામા થવા ફરે, પણ એક દા'ડો કુદરત વિફરે ને, તે ધૂળધાણી કરી નાખે. જુઓ, જૂનાગઢમાં પચાસ ઈંચ વરસાદ પડ્યોને, જો સાંધા તોડી નાખ્યાને ! પાછો કુદરતનો ખોરાક અહંકાર છે. અહંકાર એનો ખોરાક છે. કુદરત અહંકારને ખઈ જાય છે.

કોઈ દા'ડો ભય લાગે કશાનો ? આમ થઈ જશે કે તેમ થઈ જશે એવો કશો ભય નહીં, વિચારતા જ નહીં હોય, નહીં ?

પ્રશ્નકર્તા : વિચાર કરીએ, ભય લાગે તે છતાં પછી હિંમત રાખી શકાય ને ?

દાદાશ્રી : વિચારવંત માણસને આ જગત એક ક્ષણ પણ ભય વગરનું લાગે નહીં. વિચારવંત હોય તેને, અવિચારવંતને તો ભય છે જ શું તે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : તો પણ ભય તો નથી જ લાગતો મને, ભલેને પહેરવાનું ન હોય તો ચાલશે મને.

દાદાશ્રી : ના, ના, બહાર નીકળ્યા ને ક્યારે એક્સિડન્ટ થશે, બહાર નીકળ્યા તો ક્યારે કશું કરડશે, કૈડી ખાશે, ક્યારે ક્યારે થશે, કશું કહેવાય ખરું ?

પ્રશ્નકર્તા : કહેવાય નહીં અને એ એકસેપ્ટ જ કરેલું છે કે ગમે ત્યારે, ગમે તે થાય.

દાદાશ્રી : હા, એવું એક્સેપ્ટ કરી લીધેલું.

પ્રશ્નકર્તા : એટલે પછી ભય ના લાગે.

પ્લેન-ગાડીના ભય સામે !

દાદાશ્રી : ખરો જો માણસ હોય તો ફરી આ ગાડીમાં જ ના બેસે. પણ બધાય બેસે જ ને પાછા ? પ્લેન પડી જાય બે-ચાર, એટલે પછી પ્લેનમાં બેસે નહીં. પણ પછી બેસે જ છે ને ? ગાડી અથડાય એટલે ગાડીમાં ન બેસે, પણ પછી બેસે જ છે ને ? પોતે કર્તા જ નથી. આ સંજોગો એને બેસાડે છે. પોતે કર્તા હોય તો બેસે જ નહીં.

એવું છે ને, ખરું પૂછો તો એ પ્લેનમાં જ ભય છે એવું નહીં. અહીંથી આ સેકન્ડે સેકન્ડે ઘરમાં ય ભય છે, એવરીવ્હેર ભય જ છે. પ્લેનમાં ભય છે, એવું નહીં. એ તો અમથા પેણે આગળ કહે છે, લાવ, હું પેણે આગળ જરા ફરીને આવું છું. ત્યાં હારુ એક મોટર આવી સડસડાટ દઈને. હવે ભય જ ને, નર્યો. પણ સંજોગો ભેગા થઈ જાય.

ભય જ છે ને ! ઘેર બેઠાં જુઓને, શેઠિયા બધા ઘેર બેઠાં પૂરમાં તણાઈ ગયા ને મરી ગયાને ! નથી ભય ? જ્યાં ને ત્યાં ભય જ છે.

કેટલાં અવલંબન છે ! બહાર નીકળ્યા એટલે ઉપાધિ કેટલી ? એરોપ્લેનમાં ચડી બેઠા અને ત્યાં એને જાગૃતિ આવી ગઈ કે આ પડે તો શું થાય ? તે ઘડીએ આપણે તરત શું ગોઠવવું જોઈએ કે કોઈ એવી જગ્યા ખોળી કાઢ કે, ક્યાં એક્સિડન્ટ ન થાય. તે પૂછવું જોઈએ કે એવી કોઈ જગ્યા મને ખોળી આપ કે જ્યાં એક્સિડન્ટ ના હોય. નર્યું એક્સિડન્ટવાળું જગત. નથી થતો એ જ અજાયબી છે ! સમયે, સમયે એક્સિડન્ટ, નર્યા ભયવાળું જ જગત છે. જે વિચારક હોય તેને જગતમાં ભયસ્થાન બધું દેખાય. ભય, ભય ને ભય. ખાતાં ખાતાં આ શરીર ઢળી પડે ખરું કે ?

પ્રશ્નકર્તા : ઢળી પડેને !

દાદાશ્રી : આમ ઢળી પડે, ખરુંને ? ત્યારે મૂઆ કયે ટાઈમે ભય નહીં આવે ? નિરંતર ભયવાળું આ જગત. માટે પહેલેથી ભયથી દૂર રહી જા. અને નિર્ભયતા ખોળી લે કે જેથી તને ભય ના લાગે. એ વીતરાગોએ શોધખોળ કરી. વીતરાગની કહેલી વાણી સાંભળી અને તું પણ નિર્ભય થઈ જાય.

ક્ષણે ક્ષણે ભયવાળું જગત !

જેને કંઈ સાચી વાતની સમજણ છે પણ જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળ્યા નથી, ત્યાં સુધી મનમાં અકળામણ બહુ થાય, એને એક મિનિટ પણ સંસાર ખપે નહીં. ગમે એટલું આખું ચક્રવર્તીનું રાજ હોય તોય ખપે નહીં. રાજવાળાને એ તો વિચાર ના આવતો હોય, તો દારૂ પીને સૂઈ જાય રાજા. બાકી વિચાર આવે તો મોટો રાજા હોય એને પણ મનમાં એમ થાય કે કો'ક ચઢી આવશે તો શું થશે, ચઢી આવશે તો શું થશે ? એટલે આ બધી જોખમવાળી વસ્તુઓ છે. બધી જોખમદારી છે. અને ઘણીવાર અહીં આગળથી આ તો ગાડીઓ લઈને જાય છે, હર-ફર કરે છે ને, તે લોકો થોડા થોડા જડ થઈ ગયા છે ને, એટલે ચાલે છે ને ! નહીં તો જો જાગૃત હોય ને તો તો ક્ષણે ક્ષણે વિચાર આવે ક્યાં અથડાશે, ક્યાં અથડાશે ? પણ આ લોકોને એવો વિચાર નથી આવતો, એનું શું કારણ ? જડ થઈ ગયા છે લોકો. એટલી જડતા ફેલાયેલી છે. ક્ષણે ક્ષણે વિચાર હોય ! આ તો ભયવાળું જગત ! કેમ સહન થાય ? એક કલાક પણ સહન ન થાય એવું !

અત્યારે તો ત્રણ માણસ ઘરમાં હોય ને, તો સાંજ સુધીમાં તેત્રીસ મતભેદ જમે થઈ ગયા હોય ચોપડે.

પ્રશ્નકર્તા : આ વાળ વધારતો હોય તેને કહીએ કે વાળ ના કપાવીશ તો ય મતભેદ થાય ને?

દાદાશ્રી : વાળ કપાવતો હોય ને તેને કહો કે વાળ વધાર તો ય મતભેદ થાય એવું આ જગત છે.

લૂંટાવાના ભય સામે...

રાત્રે જતા હોયને, અંધારામાં કોઈ માણસ અમથો જ આવતો હોય તો મનમાં એમ લાગે કે આ માણસ લૂંટી લેશે. અને નહીં તો તમારી સાથે પોલીસવાળા હશે તો ય પેલા કહેશે, 'પોલીસવાળાને ય મારો ને એને ય મારો, જે હોય તે એનું લઈ લો. એટલે જો તમે લૂંટાવાના છો તો પોલીસવાળાની શી જરૂર છે ? પોલીસવાળાના ભયથી તમે લૂંટ બંધ કરાવવા માંગો છો ? બીવડાવીને લોકોની પાસે લૂંટ બંધ કરાવવા માંગો છો ? એના કરતાં લૂંટાઈ જાવ. એટલે ફરી લૂંટાવું નહીં પડે. એક ફેરો લંૂટાઈ જાવ. જેટલો હિસાબ છે એટલો લૂંટાશે, એમાં ભય રાખવાની જરૂર શું છે ? વળી પોલીસવાળા આપણી માટે રાખીએ, તો આપણો દહાડો ક્યારે વળે ?

તે આ જગતની અંદર અમે તમને ગેરેન્ટી આપીએ છીએ કે કોઈ તમને લૂંટી શકે નહીં. આ મુંબઈમાં લોક કહે છે, કે હવે તો મોટરમાંથી ઉતારીને લૂંટી લે છે, અછોડા ખેંચી લે છે. મોટરમાં પેસીને, મારીને લઈ લે છે. એટલે આપણું લોક ભડકતું ને ભડકતું રહે. અલ્યા મૂઆ, શેના માટે ભડકે છે ? તારું છે એ કોઈ લેનાર નથી ને લેનાર છે તે તારાથી અટકાવી શકાય એમ નથી. માટે ફરને નિરાંતે પણ જાગૃત રહેજે. બેફામ ન થવું જોઈએ. આ ન્યાય છે ને, જગત આખું ! એક પરમાણુ પણ તમને અડે નહીં.

અમારી છે તે બસ જતી'તી, તે જાત્રા જતી'તી, નહીં ?

પ્રશ્નકર્તા : બરેલી આવ્યું'તું.

દાદાશ્રી : તે બરેલી આવ્યું, ત્યારે બસ અમારી ઊભી રખાવડાવી પોલીસવાળા ને ફોજદારોએ કે ખડી રખો. 'અલ્યા ભઈ, શું છે આ તે ?' આગળ બસ નહીં જવાની, શું વાંધો છે ? ત્યારે કહે, 'આગળ માર્ગ લૂંટાય છે. માટે સવારે જજો.' મેં કહ્યું, 'અમારે તો જવું છે, ભલે લૂંટાઈએ.' એટલે ફોજદાર સમજ્યા કે આ કઈ જાતના લોક, ભડકતા નથી. અરે, લૂંટવાનું કોઈ કાયદેસર હશે કે ગેરકાયદેસર હશે ? શું માની બેઠા છો તમે આ ? આ દુનિયામાં એક ચીજ ગેરકાયદેસર નથી, શેને માટે ભડકો છો ?

પ્રશ્નકર્તા : પછી ખબર આવેલી કે હમણાં જ થોડા, બે-ચાર કલાક પહેલાં જ એક બસ લૂંટાઈ ગયેલી.

દાદાશ્રી : હા, પછી ફોજદાર કહે છે, પણ ત્યારે તો એવું ના થાય, તો અમારા બે પોલીસવાળા લઈ જાવ, બંદૂક ભરેલા. તે બેસાડ્યા. અમને વાંધો નથી. કશું કોઈ બાપોય ના મળ્યો. કોઈ ના મળે, શેના મળે તે ? અને મળવાનું હશે તો સવારે જ ભેગા થશે. સવારે અહીંથી બસ ઉપાડી ત્યારે ભેગા થશે. ગભરાવો છો શેને માટે ? આ દુનિયામાં એક ક્ષણવાર પણ ગભરાવાનું કારણ નથી. તમે માલિક જ છો. યુ આર ઓનર ઑફ ધીસ વર્લ્ડ.

પ્રશ્નકર્તા : દાદા, આ શ્રધ્ધા, આ વિશ્વાસ, આ કઈ રીતે આવે ? આટલી બધી શ્રધ્ધા કેમ આવે કે આ વર્લ્ડનો માલિક છું.

દાદાશ્રી : એ બધું જોઈને કહું છું, કે તમે તમારા ખોટા ભડકાટોથી ભડકી રહ્યા છો. તે હું જ્ઞાન આપું છું ને, ત્યારે બધાય ભડકાટ જતા રહે છે. આમ થશે ને તેમ થશે ! ઓહોહો ! આમ થશે ને તેમ થશે !

પ્રશ્નકર્તા : પોલીસે કહ્યું, ચંબલની ખીણમાં લૂંટારુઓ બેઠા છે અને તમે કહો છો કે અમે જઈશું, અમને લૂંટાવાનો ભો નથી.

દાદાશ્રી : ના, પણ એ તો હોય જ હંમેશાં. એ હોવું જ જોઈએ. આનું નામ સંસાર છે. આ કંઈ ઓછું દેવગતિ છે આ ? આ તો સંસાર છે, બધી ચીજ હોય.

અજ્ઞાની, બે પ્રકારના માર ખાયા કરે !

પ્રશ્નકર્તા : હા, પણ ત્યાં વિવેક તો અટકી જવાનો કહેવાય ને કે એ લૂંટારાઓ પાસે જવાનો ? ત્યાં વિવેક તો એવો હોય કે માણસ ત્યાં અટકી જાય, કે ઓહો, ભય છે, આપણે નહીં જવાનું. પણ આ તો દાદા કહે કે આપણે જવાનું છે, એ કેવી રીતે ? તમે નિર્ભય કેવી રીતે થઈ ગયા ?

દાદાશ્રી : શેના આધારે અત્યારે લૂંટાઈશું ને સવારે નહીં લૂંટાઈએ, એવો આધાર છે તમારી પાસે ? રસ્તો લૂંટાય એવો છે, બહારવટિયા આય-જાય કરે છે પણ સવારે નહીં લૂંટાઈએ એનો શું કોઈ પુરાવો છે ? અને ગયા વગર ચાલે એવું નથી.

પ્રશ્નકર્તા : હવે બીજી રીતે વિચાર કરો આપણે, કે કદાચ જો આપણે નીકળ્યા અને લૂંટારુ આવ્યા ને લૂંટી ગયા તો આપણે શું વિચાર કરવાનો ?

દાદાશ્રી : અરે, વિચાર શું કરવાનો તે ? એ નિરાંતે બધાને કહી દઉં કે અલ્યા, ચા-બા પીવોને, નિરાંતે આપણે. હવે હલકા થયા આપણે, ભારે હતા તે હલકા થયા. હિસાબ ચૂકવવાનો એમાં ભડકાટ શો તે ? અમારા કહ્યા પ્રમાણે તમે કરો તો તમારું કામ થઈ જાય, કે આ બધું કર્મના આધીન છે. અને આપણું જવાનું હોય તો જ જાય. માટે તમારે ગભરાવાનું કોઈ કારણ નથી. 'પોતાની' વસ્તુ હોય તે લૂંટાય નહીં અને જે લૂંટાયું તે 'પોતાનું' નહીં. આ એકનો એક છોકરો હોય તો યે ના રહે.

આ જગતમાં બે જણને માર પડે છે. એક ગુનેગારને માર પડે છે અને એક બિનગુનેગાર હોય ને ભયવાળાને માર પડે છે. બે જણને માર પડે છે આ. તે ગુનેગારીનો માર તો આમને (મહાત્માઓને) પડશે જ, પણ ભયવાળાનો માર આમને ના પડે.

પ્રશ્નકર્તા : ભય રાખતા નથી, પણ આવી પરિસ્થિતિ છે એટલે નહીં જવું, એમ અટકી જઈએ છીએ.

દાદાશ્રી : તો એનું નામ જ ભય. પૂંઠિયાં ફાટે છે આમ, પૂંઠિયા ફાટ્યાં અહીં આગળ ! શેના માટે ભડકો છો ? યુ આર ઓનર ઑફ ધીસ વર્લ્ડ. સમજો તો ખરા, મહાવીરની ભાષા તો સમજો. મહાવીર જન્મથી જ સહેજેય ચમક્યા નહોતા ! બધી જાતનું બન્યું'તું, બહુ જાતનું બન્યું. જન્મથી જ ચમક્યા ન્હોતાં. અને પેલો એમનો શિષ્ય ગોશાળોને, એણે બહુ બહુ જાતનું કર્યું, તો પણ જરાય ચમક્યા ન્હોતાં. ના ચમકે એ ? આ વર્લ્ડમાં ચમકાટ શેને માટે ? અને ભય શેને માટે ? ફોરેનના લોકો ભડકે કે, ઈશ્વરે મને જન્મ આપ્યો છે. તે ભડકે. તમે તો શું લીધું કર્યું છે આ ? પુનર્જન્મ તમે લીધો છે. તમે કર્મના કર્તા છો. વચ્ચે કોઈ પાર્ટી આમાં નથી કે એની ભાંગફોડ હોય વચ્ચે ! તમે જ છો !

એટલે ફોરેનવાળા ભડકે બિચારા, એ તો જીવડાં બિચારાં ભડકે જ ને ! તમારે શાનો ભડકાટ ? એટમબોમ્બ વરસતા હોય, તેમાં આપણને શાનો ભડકાટ ? એટમબોમ્બની એવી શી તાકાત, તે આપણને અડી જાય ?

પ્રશ્નકર્તા : અને જો અડવાનું હશે, ઉદયકર્મમાં આવ્યું તો ફટાકડું યે અડી જવાનું.

દાદાશ્રી : ઉદયકર્મ તો કોઈને છોડે નહીં. પણ બે જાતના માર ખાય છે. એક કરેલાં કર્મના બદલારૂપે માર ખાય છે અને એક ભયની રીતે માર ખાય છે. આ જગતમાં ઘણાં માણસો મરવાનાં ટાઈમે મરે છે, પણ તે પહેલાં પચ્ચીસ વખત બોલ્યો, 'એ બાપ, મરી ગયો !' અલ્યા મૂઆ, જીવતો છું. શાનો મરી ગયો બોલ્યો તે ? નથી બોલતાં શેઠ ?

પ્રશ્નકર્તા : હા, આ ઉંમરે હજાર વાર કહે છે. ખરી વાત કહેવાય.

દાદાશ્રી : અરે, આવું હોતું હશે ? ફોજદારેય પાંચેક એવા મારી પાસે આવ્યા. તે પણ જો ફોજદારેય ટાઢા થઈ ગયા ને !

શીલવાન, જગતમાં નિર્ભય !

જો ફફડાટ, ફફડાટ, ફફડાટ ! આમથી ખાશે કે આમથી ખાશે, કોઈ બાપોય ખાવાનો નથી. તમારામાં શીલ નથી, કુશીલ મૂઆ છો. 'શીલે સર્પ ના આભડે, શીલે શીતલ આગ.' આખી અગાશી સાપથી ભરાયેલી હોય ને હું અંધારામાં પેસું તો સાપ ખસી જાય. શીલવાનનો તાપ આખા જગતને લાગે. શીલવાન થાવ, મહાવીરના શિષ્યો. 'શીલે અરી કરી કેસરી, સબ જાવે ભાગ.' શીલવાન નહીં થવું જોઈએ ? તો આમ આ ભય પામ્યા પછી શીલવાન થવાશે ? ભય શાનો ? આ દુનિયામાં ભય શેના માટે હોતો હશે ?

પણ આ બધા કહે છે કે તમારી વાણીથી અમે હિંમતવાળા થઈ જઈએ છીએ.

પ્રશ્નકર્તા : હા, ડર નીકળી જાય છે.

- જય સચ્ચિદાનંદ