|
સંસારી જીવન, સહજતા સમેત ! સંપાદકીય સંસારમાં બધા મનુષ્યો જીવન તો જીવી જ રહ્યા છે, પણ શું હેતુ છે આ જીવનનો ? તે સમજણપૂર્વક છે કે બધા જેમ કરી રહ્યા છે, તેમ પોતે પણ કરી રહ્યો છે ? ઊઠે ત્યારથી ચા-પાણી, નાસ્તા માટે રઘવાટ, પછી નહાવા-ધોવા માટે રઘવાટ, પછી ઓફિસ, દુકાને જવા રઘવાટ પછી કામ પર પણ રઘવાટ, પછી જમવા માટે રઘવાટ, સાંજે પાછા ઘેર આવવા માટેય રઘવાટ. પાછું બીજે દહાડે એ જ રૂટીન ! હેતુ નક્કી કર્યા વગર જ જીવન જીવાઈ જાય છે, છેવટે કંઈ પણ કમાયા વગર ઉપરથી નવા કર્મો બાંધીને ઠાઠડીમાં જવાનો વખત આવે છે અને જે લક્ષ્મી માટે દોડધામ કરી ભેગી કરી તે તો અહીં જ રહી જાય છે. કકળાટ કર્યો તે કર્મો જોડે લઈ જાય છે. આટલી મહેનત છતાં લક્ષ્મી ઓછી આવવી, ના આવવી, વધુ આવવી કે જરૂરિયાત પૂરી થાય તેટલી આવવી, તે પોતાના તાબામાં નથી. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, 'લક્ષ્મી એ તો બાય પ્રોડક્શન છે.' માટે એની મેળે પ્રોડક્શનમાંથી આવે એવી છે. સહજ સ્વભાવે આવે એવી છે. ત્યારે લોકોએ લક્ષ્મીના કારખાના કાઢયા, મેઈન પ્રોડકશન જ એને બનાવી દીધું. પછી મેઈન પ્રોડકશનનું શું થાય ? પણ મેઈન પ્રોડકશન શું છે તે ખબર હોય તોને ? જીવનનો હેતુ નક્કી થયો હોય તોને ? લક્ષ્મી એ તો પૂર્વે પુણ્ય બાંધ્યું હોય તેના ફળ રૂપે આજે મળે છે અને અત્યારે પુણ્ય બંધાઈ હશે તો તેના ફળ રૂપે પછીના ભવમાં લક્ષ્મી મળશે. જ્યારે જીવનનો ધ્યેય તો આત્મસાક્ષાત્કાર પામી મોક્ષ પામવાનો છે. જો આત્મા તરફ જીવન વળ્યું તો બાય પ્રોડકશનમાં લક્ષ્મી તો સહજ આવશે, જરૂરિયાત છે તેટલી. જેમ લક્ષ્મી આ જીવનમાં કયા આધારે ભેગી થાય છે, એ સમજવું જેટલું જરૂરી છે, તેટલું જ સંસારના સંબંધો, વાઈફ, છોકરાં, મા-બાપ, સાસુ શા આધારે ભેગા થાય તેય જાણવું જરૂરી છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, આ સંબંધો તો ચોપડાના હિસાબ છે, પણ એ જાણ્યું જ નથી એટલે ધણીપણું, બાપપણું, સાસુપણું, માપણું, ધાર્યું કરવા માટે આચરતા હોય છે. પણ આ તો રાગ-દ્વેષના હિસાબ છે, એવું સમજે ને એક-એક હિસાબ ચૂકતે કરતો જાય તો સંબંધો ચોખ્ખા થાય ને છૂટકારો થાય. આમ રાગનો હિસાબ હોય તો સુખ આપે અનેે દ્વેષના હિસાબમાં ગમે તે નિમિત્ત એકબીજાને દુઃખ આપે, પણ હિસાબ આ ભવમાં ચૂકતે થતો જાય છે અને બધો હિસાબ ચૂકતે થયો તો જાય ઠાઠડીમાં. પણ આ તો જોડે જોડે નવા હિસાબ બાંધતો જાય છે. પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રી 'સંસારી જીવન' જીવવાની સમજરૂપી ચાવીઓ સમજાવે છે, જે ચાવીઓ વાચકે જીવનમાં વાપરવાથી ગૂંચવાડા ઊકલતા જાય ને સહેજે સહજતા ભણી જવાય. જય સચ્ચિદાનંદ. સંસારી જીવન, સહજતા સમેત ! હેતુ વિના જીવન વહી જાય ! પ્રશ્નકર્તા : વકીલ હોય કે ડૉક્ટર હોય, પણ દરેક માણસનું કર્તવ્ય તો એવું જ હોયને કે મનુષ્ય માત્રનું સારું કરવું ? દાદાશ્રી : હા, પણ આ તો 'સારું કરવું છે' એવી ગાંઠ વાળ્યા વગર જ બસ કર્યા કરે છે, કોઈ ડિસિઝન લીધું નથી, કોઈ પણ હેતુ નક્કી કર્યા વગર એમ ને એમ ગાડી ચાલ્યા કરે છે. કયે ગામ જવું છે એનું ઠેકાણું નથી અને કયે ગામ ઉતરવું છે તેનુંય ઠેકાણું નથી. રસ્તામાં ચા-નાસ્તો કરવાનો છે તેનુંય ઠેકાણું નથી. બસ દોડ, દોડ, દોડ કર્યા કરે છે. એટલે બધું ગૂંચાયું છે. હેતુ નક્કી કર્યા પછી બધું કર્યા કરીએ. લક્ષ્મી તો બાય પ્રોડક્શન છે, એનું (મેઈન) પ્રોડક્શન ના થાય. એનું જો પ્રોડક્શન થતું હોય તો આપણે કારખાનું કાઢીએ તો પ્રોડક્શનમાં મહીંથી પૈસા મળે, પણ ના, લક્ષ્મી એ તો બાય પ્રોડક્શન છે. જગત આખાને લક્ષ્મીની જરૂર છે. માટે આપણે એવી તો શું મહેનત કરીએ કે લક્ષ્મી એ તો એની મેળે પ્રોડક્શનમાંથી આવશે, સહજ સ્વભાવે આવે એવી છે. ત્યારે લોકોએ લક્ષ્મીનાં કારખાનાં કાઢ્યાં, પ્રોડક્શન જ એને બનાવી દીધું. લક્ષ્મી એ છે બાય પ્રોડક્ટ ! જેમ આપણો હાથ સારો રહેશે કે પગ સારો રહેશે, એનો રાતદહાડો વિચાર કરવો પડે છે ? ના, શાથી ? હાથ-પગની આપણને જરૂર નથી ? છે, પણ એનો વિચાર કરવો પડતો નથી. એવી રીતે લક્ષ્મીનો વિચાર કરવાનો નહીં. એય આપણને અહીં આગળ હાથ દુખતો હોય, તે એની મરામત પૂરતો વિચાર કરવો પડે છે. એવું કોઈ વખત વિચાર કરવો પડે તે તાત્કાલિક પૂરતો જ, પછી વિચાર જ નહીં કરવાનો, બીજી ભાંજગડમાં નહીં ઉતરવાનું. લક્ષ્મીના સ્વતંત્ર ધ્યાનમાં ઊતરાતું હશે ? લક્ષ્મીનું ધ્યાન એક બાજુ છે, તો બીજી બાજુ બીજું ધ્યાન ચૂકીએ છીએ. સ્વતંત્ર ધ્યાનમાં તો લક્ષ્મી શું, સ્ત્રીનાય ધ્યાનમાં ના ઉતરાય. સ્ત્રીના ધ્યાનમાં ઉતરે તો સ્ત્રી જેવો થઈ જાય ! લક્ષ્મીના ધ્યાનમાં ઉતરે તો ચંચળ થઈ જાય. લક્ષ્મી ફરતી ને એય ફરતો ! લક્ષ્મી એ તો મોટું રૌદ્રધ્યાન છે. એ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે ! કારણ કે પોતાના ઘેર ખાવા-પીવાનું છે, બધુંય છે પણ લક્ષ્મીની હજી વધુ આશા રાખે છે. એટલે એટલું બીજાને ત્યાં ખૂટી પડે. બીજાને ત્યાં ખૂટી પડે એવું પ્રમાણભંગ ના કરો, નહીં તો તમે ગુનેગાર છો. એની મેળે સહજ આવે એના ગુનેગાર તમે નથી. સહજ તો પાંચ લાખ આવે કે પચાસ લાખ આવે. પણ પાછું આવ્યા પછી લક્ષ્મીને આંતરી રખાય નહીં. લક્ષ્મી તો શુ ં કહે છે ? અમને આંતરાય નહીં, જેટલી આવ ી એટલી આપી દો. લક્ષ્મીજી કમાવવાનું પ્રમાણ ! પ્રશ્નકર્તા : આ લક્ષ્મીજી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવવી જોઈએ ? દાદાશ્રી : એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઈ વિચાર કરે છે કે એક લોટો જ મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ. કોઈને દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને કોઈને બે લોટા એ પણ નક્કી જ છે. એમાં કોઈ વધારે-ઓછું કરી શકતો નથી. માટે મન-વચન-કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઇચ્છા ના કરીશ. આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે, તે બેંકમાં જમા હશે તો મળશે ને ? કોઈ લક્ષ્મીની ઇચ્છા કરે તો લક્ષ્મીજી કહે કે, 'તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા, તે આવતા જુલાઈમાં મળશે.' અને જો કહે કે, 'મારે પૈસા નથી જોઈતા', એય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારેય નહીં ને ઇચ્છાય નહીં કરવી જોઈએ. એમને તો નમસ્કાર કરવા જોઈએ. એમનો તો વિનય રાખવો જોઈએ. કારણ કે એ તો હેડ ઑફિસમાં છે. લક્ષ્મીજી કહે છે કે, 'જે ટાઈમે, જે લત્તામાં રહેવાનું હોય, તે ટાઈમે જ રહેવું જોઈએ અને અમે ટાઈમે ટાઈમે મોકલી જ દઈએ છીએ. તારા દરેક ડ્રાફ્ટ વગેરે બધું જ ટાઈમસર આવી જશે પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે કાયદેસર હોય છે, તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ. જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ.' બીજું લક્ષ્મીજી શું કહે છે કે, 'તારે મોક્ષે જવુ ં હોય તો હક્કની લક્ષ્મ ી મળે તે જ લેજે. કોઈનીય લક્ષ્મી ઝૂંટવીને, ઠગીને ના લઈશ.' લક્ષ્મી વધુ કમાવવાની ભાવના... પૈસા કમાવવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું કે, 'કમાવવાની તું ભાવના જ ના કરીશ.' તું રોજ નાહવા માટે ધ્યાન કરે છે ? પ્રશ્નકર્તા : ના સાહેબ. દાદાશ્રી : નાહવાનું ધ્યાન નથી કરતો તોય ડોલ પાણીની મળે છે કે નથી મળતી ? પ્રશ્નકર્તા : મળે છે. દાદાશ્રી : જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે. અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે. આખો દહાડો ગોદડાંનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા, કોણ ગુરુ મળ્યો તને આવું શીખવાડ્યું ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડ્યો ! ઘરના સંસ્કાર લૂંટાઇ ચાલ્યા, આરોગ્યતા લંૂટાઇ ચાલી, બ્લડપ્રેસર થઇ ગયું. જાણે હાર્ટફેઇલની તૈયારી ચાલતી હોય ! આમને કોઇ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમના ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા. લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો ત્યારે કઇ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે, જ્ઞાનીની સંજ્ઞાથી આ રોગ નીકળે. એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાનાં પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતા નથી છતાં, શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય. એ આવે કે લાવવી પડે ? પૈસા ભેગા કરવાની ઇચ્છા છે પણ પૈસા શેનાથી આવે તે ખબર નથી. તે એક માણસે પૂછ્યું કે, 'દાદા, લક્ષ્મી કેવી રીતે આવે ?' મેં કહ્યું, 'જેવી રીતે ઊંઘ આવે છે તેવી રીતે.' હા, કેટલાકને ઊંઘ બિલકુલેય નથી આવતી ને ? તો એવું ત્યાં રૂપિયા યે ના દેખાય. એ રૂપિયા અને ઊંઘ એ બે સિમિલી છે. જેમ ઊંઘ આવે છે ને, તેવી રીતે જ લક્ષ્મી આવે છે. ઊંઘ લાવવાને માટે તમારે કશું કરવું નથી પડતું અને જો ઊંઘ લાવવાને માટે પ્રયત્ન કરશો તો વધારે દૂર જશે. આજે કરી જો જો ને ! કમાવવામાં હાયવોય શાને ? માણસે કમાણીની બહુ ઉતાવળ ના કરવી. કમાણી કરવામાં આળસ રાખવી જોઈએ, ઉતાવળ ના કરવી જોઈએ. કારણ કે કમાણીની બહુ ઉતાવળ કરીએ તો ૧૯૮૮માં (દસ વર્ષ પછી) આપણી પાસે જે નાણું આવવાનું હોય તે અત્યારે ૧૯૭૮માં આવી જાય ! ઉદ્દીરણા થાય, પછી ૧૯૮૮માં શું કરીએ આપણે ? એટલે નાણું બહુ કમાવાની ખટપટ કરવી નહીં. આપણે ધંધો નિશ્ચિંતભાવે શાંત રૂપે કર્યા કરવો. આ કાળમાં જેટલી નીતિમત્તા સચવાય એટલું ભાવથી કર્યા કરવું. હાયવોય તો કોણ કરે કે જેને અનાજ કે કંઈ ખૂટી પડતું હોય તે હાયવોય કરે. એવું અનાજ ખૂટી પડે, એવો દહાડો તો તમને નથી આવવાનો ને ? કપડાં ખૂટી પડે એવા દહાડા આવે છે ? કમાણી આવે ત્યારે...ખર્ચો આવે ત્યારે... કમાણી હોય ત્યારે ખેદ કરવાનો કે ક્યાં વાપરીશું ને ખર્ચો આવે ત્યારે મજબૂત થવાનું કે દેવું ચૂકવવાનો સંજોગ મળ્યો. કમાણી એ જવાબદારી છે ને ખર્ચો એ જવાબદારી ફેડવાનું સાધન છે. નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે 'હાશ' કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ 'હાશ' કરવા જેવું નથી. કારણ કે ટેમ્પરરી છે. લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને 'હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે પહેલેથી ચેતીને ચાલો કે જેથી અશાતાવેદનીયમાં હાલી ના જવાય. લક્ષ્મીવાનની સુગંધી ! લક્ષ્મીજી હંમેશાં સુગંધ સહિતની હોય તો ભગવાને પણ તેનો સ્વીકાર કર્યો છે. મુંબઈમાં આટલા લક્ષ્મીવાન છે પણ સુગંધ આવી કોઈનીય ? પ્રશ્નકર્તા : કોઈક તો હશે ને ? દાદાશ્રી : 'હશે' એવું બોલવું બહુ જ જોખમકારક છે. કાં તો 'ના' બોલો ને કાં તો 'છે' એમ બોલો. 'હશે' એવું પોલું બોલવું એ ભયંકર જોખમ છે. પોલને લઈને તો જગત આવું રહ્યું છે. 'જેમ છે તેમ' બોલોને, તપાસ તો કરો ને કહી દો કે ભાઈ, મારી તપાસમાં અત્યાર સુધી કોઈ નથી આવ્યો. આપણને કહેવાનો રાઈટ કેટલો કે આજ સુધી મારી જિંદગીમાં ફર્યો, પણ મને હજુ કોઈ એવા મળ્યા નથી. બાકી સુગંધી સહિતની લક્ષ્મી હોય નહીં. અત્યારે આ કાળમાં હોય તો બહુ જૂજ હોય, કો'ક જગ્યાએ હોય. પ્રશ્નકર્તા : સુગંધી સહિતની લક્ષ્મી 'એ' કેવી લક્ષ્મી હોય ? દાદાશ્રી : એ લક્ષ્મી આપણને સહેજેય ઉપાધિ ના કરાવડાવે. ઘરમાં સો રૂપિયા પડ્યા હોયને, તો આપણને સહેજેય ઉપાધિ ના કરાવડાવે. કોઈ કહેશે કે કાલથી ખાંડનો કંટ્રોલ આવવાનો છે તોય મનમાં ઉપાધિ ના થાય. ઉપાધિ નહીં, હાયવોય નહીં. આમ વર્તન કેવું સુગંધીવાળું, વાણી કેવી સુગંધીવાળી અને એને પૈસા કમાવવાનો વિચાર જ ના આવે, એવી તો પુણ્યાનુબંધી પુણ્યૈવાળી લક્ષ્મી હોય. આ તો બધી પાપાનુબંધી પાપની લક્ષ્મી છે. આને તો લક્ષ્મી જ ના કહેવાય. નર્યા પાપના જ વિચાર આવે. 'કેમ કરીને ભેળું કરવું, કેમ કરીને ભેળું કરવું' એ જ પાપ છે. ત્યારે કહે છે કે આગળના શેઠિયાને ત્યાં લક્ષ્મી હતી એ ? એ લક્ષ્મી ભેળી થતી હતી, ભેળી કરવી પડતી નહોતી. જ્યારે આ લોકોને તો ભેળું કરવું પડે છે. પેલી લક્ષ્મી તો સહજભાવે આવ્યા કરે. પોતે એમ કહે કે, 'હે પ્રભુ ! આ રાજલક્ષ્મી તો મને સ્વપ્ને પણ ન હો.' છતાંય એ આવ્યા કરે. શું કહે કે આત્મલક્ષ્મી હો પણ આ રાજલક્ષ્મી તો અમને સ્વપ્ને પણ ના હો. તોય એ આવ્યા કરે, એ પુણ્યાનુબંધી પુણ્ય. એને તો લક્ષ્મી ઢગલાબંધ આવે, આવવાની કમી ના હોય, વિચાર જ કોઈ દહાડો ના કર્યો હોય ને ઊલટા કંટાળી ગયેલા હોય કે હવે જરા ઓછું આવે તો સારું. પણ તોય લક્ષ્મી આવે. તે લક્ષ્મી આવે એટલે શું કરવું પડે ? એન ો નિવેડો તો લાવવો પડે ને ? હવે નિવેડો લાવવામાં બહુ મહેનત પડી જાય. એ કંઈ ઓછી રસ્તામાં નાખી દેવાય ? હવે એ નિવેડો કેવો હોય કે એનાથી લક્ષ્મી એવી ને એવી જાય ને ફરી ઊગી ઊગીને આવે પાછી. પુણ્યશાળીઓના પ્રકાર ! આ મોટા મોટા ચક્રવર્તી રાજાઓ હતા, તેમને આ દહાડો છે કે રાત છે, તેની ખબર ન હતી. તે સૂર્યનારાયણેય ના જોયા હોય તોય મોટું રાજ કરતા'તા. કારણ કે પુણ્ય કામ કરે છે. પ્રશ્નકર્તા : શાલિભદ્ર શેઠને ઉપરથી દેવો સોનાના મહોરની પેટીઓ આપતા, તો એ સાચું ? દાદાશ્રી : હા, આપે, બધું આપે. એનું પુણ્ય હોય ત્યાં સુધી શું ના આપે ? અને દેવો જોડે ઋણાનુબંધ હોય, એમના સગાંવહાલાં ત્યાં ગયા હોય ને પુણ્ય હોય તો એમને શું ના આપે ? પુણ્યશાળીઓને ઓછી મહેનતે બધું ફળે, એટલે સુધી પુણ્ય થઈ શકે છે. સહજ વિચાર્યું, કશું આઘાંપાછાં ના થયાં તો બધી વસ્તુઓ વિચાર પ્રમાણે મળી આવે એ સહજ પ્રયત્ન. પ્રયત્ન નિમિત્ત છે, પણ સહજ પ્રયત્ન એટલે એને પુરુષાર્થ કહેવો એ વ્યાખ્યા બધી ભૂલભરેલી છે. જેટલી મહેનત એટલા અંતરાય, કારણ કે મહેનત કેમ કરવી પડે છે ? આ જગતમાં વધુમાં વધુ પુણ્યશાળી કોણ ? જેને સહેજ વિચાર આવે, તે નક્કી કરે ને વરસો ને વરસો સુધી વગર ઈચ્છાએ, વગર મહેનતે મળ્યા જ કરે તે. બીજા નંબરમાં ઈચ્છા થાય ને ફરી ફરી નક્કી કરે ને સાંજે સહજ રીતે મળે તે. ત્રીજા નંબરનાને ઈચ્છા થાય ને પ્રયત્ન કરે ને પ્રાપ્ત થાય. ચોથા નંબરનાને ઈચ્છા થાય ને ભયંકર પ્રયત્ને પ્રાપ્ત થાય. પાંચમાને ઈચ્છા થાય ને ભયંકર પ્રયત્ને પણ પ્રાપ્ત ના થાય. આ મજૂરોને કઠોર મહેનત કરવી પડે ને ઉપરથી ગાળો ખાય છતાં પૈસા ના મળે. મળે તોય ઠેકાણું નહીં કે ઘેર જઈને ખાવાનું મળશે. તેઓ સૌથી વધારે પ્રયત્ન કરે છે, છતાં નથી પામતા. કેટલાંક કહે છે કે અજાણતાં પાપ થાય તો તેનું ફળ કંઈ ના આવે. ના કેમ આવે ? મૂઆ, અજાણથી દેવતા ઉપર હાથ મૂકે એટલે ખબર પડશે કે ફળ આવે છે કે નહીં ? જાણીને કરેલું પાપ અને અજાણથી કરેલું પાપ એ બન્નેય સરખાં છે. પરંતુ અજાણથી કરેલા પાપનું ફળ અજાણમાં ને જાણીને કરેલા પાપનું ફળ જાણીને ભોગવવું પડે એટલો ફેર. દા.ત. બે ભાઈઓ છે. એક સોળ વરસનો અને એક બે વરસનો. તેમની મા મરી ગઈ. તે પાપનું ફળ બન્નેયને ભોગવવાનું આવ્યું. પણ મોટાને જાણીને ભોગવવું પડ્યું ને નાનાને અજાણમાં ભોગવાઈ ગયું. સહજ પુરુષાર્થનું પ્રમાણ ! ધંધો તમે જ ચલાવો છો બધું ? પ્રશ્નકર્તા : હા, જી. દાદાશ્રી : હા, ઉપાધિ નથી આવતી પોતાને ? પ્રશ્નકર્તા : ના, એવું કંઈ નથી આવતું. દાદાશ્રી : સરસ મજા આવે છે ? આયે પુણ્યૈ જ છે ને કશી મુશ્કેલી વગર ! પ્રશ્નકર્તા : આ પુણ્યૈની લક્ષ્મી આપણી પાસે આવવાની છે કે નહીં, એની માટે સહજ પુરુષાર્થ તો કંઈક તો હોવો જોઈએ ને ? દાદાશ્રી : પુણ્યૈની લક્ષ્મી માટે પુરુષાર્થ કેવો હોય ? આમ સરળ ને સુંવાળો પુરુષાર્થ હોય. આ તો સરળ ને સુંવાળો હોય, તેને આપણે અણસમજથી કઠણ બનાવીએ છીએ. પ્રશ્નકર્તા : આપણને એમ લાગે કે સરળ ને સુંવાળો નથી અને કઠણ છે તો પછી એને પડતું મૂકી દેવું ? આપણને એમ લાગે કે આપણી પુણ્ય એટલી બધી નથી કે સરળ રસ્તેથી લક્ષ્મી આવે, તો પછી ત્યાં આપણે સહજ થઈ જવું ? દાદાશ્રી : ના, ના, ધીરજ રાખો તો બધું એની મેળે સરળ જ નીકળે છે પણ આ તો ધીરજ નથી રહેતી અને દોડધામ કરી મેલે છે ને બધું બગાડે છે. પ્રશ્નકર્તા : ધીરજ નથી રહેતી ને 'આમ કરું, તેમ કરું' એમ થઈ જાય છે. દાદાશ્રી : હા, અને આમ કરી નાખું, તેમ કરી નાખું, એનાથી બધું ગૂંચવી નાખે છે. ટ્રેન પકડવાની હોય ત્યાંય એને ધીરજ ના રહેતી હોય, ત્યાં નિરાંતે ચા પીવે ખરો ? ના, એને તો 'ગાડી હમણાં આવશે, ગાડી હમણાં આવશે', એમાં જ હોય. એને કહીએ કે 'જરા ભાઈ, અહીં આવો, વાતચીત કરવી છે.' પણ તોય એ સાંભળે નહીં. તેવું આ અધીરજથી આમ કરી નાખું, તેમ કરી નાખું કરે છે; પછી એનો ક્લેશ ને થાક જ અનુભવે છે. સહજ ભાવે આવે તો... આ તો લક્ષ્મી ફરે બધે ફર્યા કરે ને નિરંતર એ(મેળવનારો)ય ફર્યા કરે. લક્ષ્મીનું ધ્યાન ના કરાય. એ આર્તધ્યાન નથી, મોટામાં મોટું રૌદ્રધ્યાન છે. કારણ કે પોતાને ઘેર ખાવા-પીવાનું બધુંય છે પણ એને વધુ મેળવવાની આશા છે. એટલે બીજાને ત્યાં ખૂટી પડેને ? એ પ્રમાણભંગ ના થાય એવું કરો. અને એની મેળે સહજભાવે પાંચ લાખ આવે કે પચાસ લાખ આવે, એના ગુનેગાર તમે નહીં. તો પાપ થતાં અટકે ! અલ્યા, તું પૈસા કમાવવાનો ? ત્યારે કહે કે, અવશ્ય કમાવવાનો છે અને ખોવાનોય છે. એ બેઉની તારા હાથમાં સત્તા નથી, વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે ? આ પૈસો એ તો પૂરણ-ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે, લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ? પૈસા તો ફ્રી ઑફ કોસ્ટ જ મળ્યા છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છે ને, એટલે 'હું' કરું તો મળે, નહીં તો મળે નહીં, કહેશે. પ્રશ્નકર્તા : અમે કારખાને ના જઈએ તો નુકસાની જાય છે. દાદાશ્રી : હા, પણ જે જાય તેનેય નુકસાની જાય છે ને ? એટલે આ શું કહેવા માંગે છે ? પૈસા કમાવવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વૉટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને, વળી ભાવના કરવાની જરૂર શું ? આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય. એ હું કહેવા માગું છું. અર્થશાસ્ત્રની સમજ પાડે જ્ઞાની ! પ્રશ્નકર્તા : લોભિયા થવું કે કરકસરિયા થવું ? દાદાશ્રી : લોભિયા થવું એ ગુનો છે, કરકસરિયા થવું એ ગુનો નથી. 'ઇકોનોમી' કોનું નામ ? ટાઈટ આવે ત્યારે ટાઈટ અને ઠંડુ આવે ત્યારે ઠંડું. (મુશ્કેલી હોય ત્યારે સાચવીને વાપરે, છૂટ હોય ત્યારે છૂટથી વાપરે.) હંમેશાં દેવું કરીને કાર્ય ન કરવું. દેવું કરીને વેપાર કરાય પણ મોજશોખ ના કરાય. દેવું કરીને ક્યારે ખવાય ? જ્યારે મરવા પડે ત્યારે. નહીં તો દેવું કરીને ઘી ના પીવાય. પ્રશ્નકર્તા : દાદા, કંજૂસાઈ અને કરકસરમાં ફેર ખરો ? દાદાશ્રી : હા, બહુ ફેર. હજાર રૂપિયા મહિને કમાતા હોય તો આઠસો રૂપિયાનો ખર્ચ રાખવો અને પાંચસો આવતા હોય તો ચારસોનો ખર્ચ રાખવો એનું નામ કરકસર. જ્યારે કંજૂસ ચારસોના ચારસો જ વાપરે, પછી ભલેને હજાર આવે કે બે હજાર આવે. એ ટેક્સીમાં ના જાય. કરકસર એ તો ઇકોનોમિક્સ (અર્થશાસ્ત્ર) છે. એ તો ભવિષ્યની મુશ્કેલી ધ્યાનમાં રાખે. કંજૂસ માણસને દેખીને બીજાને ચીડ ચઢે કે કંજૂસ છે. કરકસરિયા માણસને જોઈને ચીડ ના ચઢે. જો કે કરકસર કે કંજૂસ એ રિલેટિવ છે. લાફા માણસને કરકસરિયોય ના ગમે. આ બધો ડખો સંસારમાં ભ્રાંતિની ભાષામાં રહેલો છે કે લાફા ના થવું જોઈએ, પણ કરકસરિયા માણસને ગમે તેટલું કહીએ તોય એ ના છોડે. લાફાપણું કે કંજૂસપણું એ બધું સહજ સ્વભાવે છે. ગમે તેટલું કરે તોય વળે નહીં. પ્રાકૃત ગુણો બધા જ સહજ ભાવે છે. છેવટે તો બધામાં જ નોર્માલિટી જોઈશે. આ અમારા ગજવામાં પૈસા મૂકે તે તો આ ટેક્સી કે ગાડી એકલામાં જ વપરાય. નથી વાપરવું એમ પણ નથી અને વાપરવા છે એમ પણ નથી. એવું કશું જ નક્કી નહીં. નાણું વેડફી નાખવાનું ના હોય, જેવા સંયોગો આવે તેમ વપરાય. આ દાદા ઝીણા છે, કરકસરિયા છે અને લાફા ય છે. પાકા લાફા છે, છતાંય કમ્પ્લિટ એડજસ્ટેબલ છે. પારકા માટે લાફા અને જાતને માટે કરકસરિયા અને ઉપદેશ માટે ઝીણા; તે સામાને અમારો ઝીણો વહીવટ દેખાય. અમારી ઇકોનોમી એડજસ્ટેબલ હોય. ટોપમોસ્ટ હોય. અમે તો પાણી વાપરીએ તોય કરકસરથી, એડજસ્ટમેન્ટ લઈને વાપરીએ. અમારા પ્રાકૃત ગુણો સહજ ભાવે રહેલા હોય. ધંધો વધારવો કે નહીં ? પ્રશ્નકર્તા : ધંધાના વિચાર આવે એ જો જો જ કરવાના કે એના માટે પ્રયત્ન કરવાનો ? દાદાશ્રી : પ્રયત્ન થઈ જાય તો જોવાનું આપણે. પ્રયત્ન થતો હોય તો જોયા કરવો, ના થાય તો કંઈ નહીં, આપણે શી રીતે કરીએ પણ તે ? આપણે તો ચંદુભાઈ શું પ્રયત્ન કરે છે, એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : તો પછી ધંધામાં વધારો કરવાનો પ્રયત્ન ના કરવો ? દાદાશ્રી : શું થાય છે, શું પ્રયત્ન કરે છે તે જોયા કરો. એ જો પ્રયત્ન કરતા હોય તોય બરોબર છે, ના કરતા હોય તોય બરોબર છે. તમે ચાર માઈલ મુંબઈમાં આમ રહીને આંટા મારો, તોય કશું કામ ના થાય ને એક જ દહાડો અહીંથી આમ એક જ આંટો માર્યો કે તરત કામ થઈ જાય. ત્યારે આંટા મારવાથી કામ થાય છે કે શેનાથી થાય છે ? તે નહીં જાણવાથી જ આ બધું તોફાન થાય છે. ધંધામાં પ્રયત્નો કેટલા ? આ આંખોમાં જે અજવાળું રહે છે ને, એ જો એમ કહ્યું હોત કે જો તમે પ્રયત્ન કરશો તો અજવાળું રહેશે. તો ત્રણ દહાડામાં આંધળો થઈ ગયો હોત. આ તો કુદરતને આધીન છે ને ! એ જ્ઞાનરસ તો એટલી બધી ઝીણી ઝીણી નસોમાંથી ફરે છે, એ આ અજવાળું રાખે છે. તે વાળ કરતાંય પાતળી નસો છે. અને ડૉક્ટરના હાથમાં સોંપે ને તો ત્રણ દહાડામાં આંધળો કરી નાખે. આ કુદરત એટલી બધી સુંદર છે ! આ કુદરતનો આપણે ઉપકાર માનવો જોઈએ. ધંધામાં પ્રયત્ન કરવાનો, 'વ્યવસ્થિત' એની મેળે ગોઠવ્યા કરશે. તેય તમારે ફક્ત પ્રયત્ન કર્યા કરવાનો, એમાં આળસ નહીં કરવાની. ભગવાને કહ્યું છે કે બધું 'વ્યવસ્થિત' છે. નફામાં હજાર કે લાખ આવવાના છે, તે ચાલાકી કરવાથી એક આનોય વધશે નહીં અને ચાલાકીથી આવતા અવતારના નવા હિસાબ બાંધશો એ જુદા ! સહજતાથી બહાર જે જે હોય તે બધી ચાલાકી. સહજતા તોડે એ બધી ચાલાકી. સમજીને છેતરાયા, એનું રહસ્ય ! પ્રશ્નકર્તા : આપ તો સમજીને છેતરાયા, પણ પેલો ધોતિયાના પૈસા વધારે લઈ ગયો એમાં એની શી દશા થાય ? એને લાભ કે ગેરલાભ ? દાદાશ્રી : એનું જે થવાનું હોય તે થાય. એણે મારી શિખામણથી આ નથી કર્યું. અમે તો એની વૃત્તિ પોષી છે. હક્કનું ખાવા આવ્યું તો ભલે અને અણહક્કનું ખાવા આવ્યું તો પણ અમે લાપોટ નથી મારી, ખાઈ જા બા ! એનો એને તો ગેરલાભ જ થાયને ! એણે તો અણહક્કનું લીધું એટલે તેને ગેરલાભ થાય, પણ અમારો મોક્ષ ખુલ્લો થયોને ! 'સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.' આ અહમ્ ના પોષીએ તો લોકો આપણને આગળ જવા જ ના દે. 'અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યું' એમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દેને ! એ તો 'તેં મારું કશું ધોળ્યું નહીં' કહેશે. અલ્યા, આવો બદલો ખોળો છો ? બદલો તો સહજાસહજ મળતો હોય તો સારી વાત છે, નહીં તો માબાપે બદલો ખોળવાનો હોય ? બદલો ખોળે એ માબાપ જ ના કહેવાય, એ તો ભાડૂત કહેવાય. સમજીને છેતરાવાવાળા ઓછા હોય ને ? સંકોચાઈને રહેવાથી સિધ્ધિઓ ! અનંતી, પાર વગરની શક્તિઓ છે. જ્ઞાન ના હોય તોય પાર વગરની શક્તિ છે. અજ્ઞાન દશામાંય અહંકાર તો છે જ ને ! પણ અહંકાર ચોખ્ખો કરે, પોતે કંઈ પણ ન વાપરે, પોતાને ભાગે આવ્યું હોય તેય બીજાને આપી દે, પોતે સંકોચાઈ સંકોચાઈને રહે, તો ઘણી સિધ્ધિઓ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : અત્યારે તો એવું છે કે જો પોતાનો રોટલો હોય, મહેનત કરીને ખાય છે ત્યારે બીજો આવીને ખેંચી જાય છે. હવે પોતે જો સામો બચાવ ના કરે તો ભૂખે મરે એવો ટાઈમ છે, એમાં તમે આવું કહો છો ? દાદાશ્રી : હા, અત્યારે તો ખેંચી લે છે ઊલટું કે એય લાવ ઈધર ! અને આગળ શું કહેતા હતા કે... 'સહજ મિલા સો દૂધ બરાબર.' જે કંઈ પણ મળ્યું, સહજ પાણી મળ્યું હોય તોય દૂધ બરાબર. પછી 'માંગ લિયા સો પાની' દૂધેય માંગી લીધું તો પાણી, અને 'ખીંચ લિયા સો રક્ત બરાબર'. આ કાયદો કોણ પાળે છે ? પ્રશ્નકર્તા : આ કાયદો પાળે તો બૈરી-છોકરાં ભૂખે મરે ! દાદાશ્રી : પણ ત્યારે એને બીજી સિધ્ધિઓ ઉત્પન્ન થાયને ! પ્રશ્નકર્તા : પણ તે સિધ્ધિ ઉત્પન્ન થતાં સુધીમાં વચલા ગાળામાં શું કરવું ? અહીં તો આપણી મહેનતનું, આપણા હક્કનું લોકો પડાવીને બેઠા છે ! આપણું બચાવવા ના રહ્યા, તો લોક આપણું જ ખેંચી જાય. દાદાશ્રી : ના, ના, કોઇ ખેંચી ના જાય. એવું છે ને, આ જ્ઞાન આપણું જે છે ને, એ જ્ઞાન એટલું બધું સૈધ્ધાંતિક છે કે રાત્રે સોનું બહાર મૂકીને સૂઇ ગયા હોય તો સવારમાં જુઓ તો એટલું ને એટલું જ હોય અને એવું તેવું કશું થાય જ નહીં. સહજની વ્યાખ્યા, બે વાક્યોમાં ! વ્યવહારમાં સહજનો અર્થ બહુ સારો કરે છે લોકો. 'સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની, ખીંચ લિયા સો રક્ત બરાબર, ગોરખ બોલે બાની.' 'સહજ મિલા સો દૂધ બરાબર', પાણી હોય પણ જો સહજાસહજ મળ્યું તો એ દૂધ. એ દૂધ જેવું ગુણ આપશે. અને દૂધને જો માંગીને લીધું તો 'માંગ લિયા સો પાની.' માંગ્યું માટે પાણીનો ગુણ આપશે પછી 'ખીંચ લિયા સો રક્ત બરાબર.' તે ખેંચી લીધું તો એનું લોહી પીધા બરાબર છે. 'ગોરખ બોલ્યા વાણી.' આ બે વાક્યમાં આખું શાસ્ત્ર બોલી ગયો, નહીં ? આપણે જમવા બેઠા હોય તો માંગવામાં વાંધો નહીં. એને માંગ લિયા નથી કહેતા. પેલો કહે, 'બાપજી અત્યારે નથી', તોય પેલો 'હમકુ કુછ દો, હમકુ કુછ દો', માંગ માંગ કરે, એ પાણી કહેવાય. અને ખેંચી લીધું એ રક્ત બરાબર. તે અત્યારે લોક માંગતા નથી, નહીં ? ખૂંચવી લેતાય નથી ? હવે આ જમાનામાં શું સુખ હોય ? સુખ તે હોતું હશે ? તરસ્યા થાય તો માંગે કે ના માંગે ? ખેંચીય લે કે નહીં ? અમૃત જેવી વસ્તુ હતી પણ ખેંચી લેવાથી રગડો થઈ ગયો, અત્યારે કોઈ ખેંચી લેતું જ નથી ને ? પ્રશ્નકર્તા : બધા ખેંચી જ લે છે. ઓવરડ્રાફ્ટ વાપરીને અધોગતિમાં ! દાદાશ્રી : ચાર ઘરના માલિક, પણ ઘેર પાંચ રૂપિયા ના હોય ને ભાવનગરના રાજા જેવો રોફ હોય ! ત્યારે એ અહંકારને શું કરવાનો ? પ્રશ્નકર્તા : દાદા, પણ કેટલીક વાર વ્યવહારમાં એવું બને છે કે માણસ આવું બધું રાખે છેને, એને એવું મળી આવે છે. દાદાશ્રી : મળી આવે પણ બધા પાપ બાંધીને મળી આવે છે. એનો નિયમ જ એવો છે, બધું તારું ખર્ચીને તારું કાઉન્ટર વેઈટ મૂકીને તું આ લે અને આજે હોય નહીં તો ઓવરડ્રાફ્ટ લે. એ ઓવરડ્રાફ્ટ લઈને પછી મનુષ્યમાંથી જાનવરમાં જ જાય છે. ઠોકાઠોક કરીને લીધેલું કામનું નહીં, એ તો આપણી પુણ્યૈનું સહજ મળેલું હોવું જોઈએ. સહજ પ્રયત્ને ધંધો ! તમારી પાસે કોઈ ખોટું કરીને પૈસા લઈ જાય તો તમને સારું લાગે ખરું ? એવું કોઈની પાસેથી ખોટી રીતે પૈસા મેળવીએ તો સામાને દુઃખ લાગેને ? માટે કોઈને દુઃખ થાય એવો ધંધો જ ના કરીએ. આ દુનિયામાં સુખ આપે તો સુખ મળે પણ દુઃખ જ આપે તો દુઃખ મળે. શું આપો છો ? મિક્ષ્ચર આપો છો ? પ્રશ્નકર્તા : સુખ આપવા પ્રયત્ન કરું છું. દાદાશ્રી : છતાં દુઃખ કેમ અપાઈ જાય છે ? પ્રયત્ન કેમ ફળતો નથી ? તેથી અમે કહીએ છીએ કે આપણી પુણ્યૈનું ખાવ. પુણ્યૈ કોનું નામ ? ઘેર સવારના સાડા પાંચ વાગ્યે ઉઠાડે કે, 'ભઈ, અમારે બંગલો બંધાવવો છે ને એનો કંટ્રાક્ટ તમને આપવો છે !' આવું 'વ્યવસ્થિત' છે ! જો ધણી દોડધામ ના કરતો હોય તોય 'વ્યવસ્થિત' ધણીને ઉઠાડવા આવે અને ધણી જો દોડધામ કરતો હોય બંગલો બંધાવવા સારું, તો 'વ્યવસ્થિત' શું કહેશે કે, 'થાય છે હવે !' આ 'વ્યવસ્થિત'ની બહાર કશું થાય એવું નથી. છતાં આપણે 'વ્યવસ્થિત'નો અર્થ એવો ના કરવો જોઈએ કે 'આપણે સૂઈ રહો, બધું થઈ જશે.' જો 'વ્યવસ્થિત' કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ, છતાં પ્રયત્નો તે તો 'વ્યવસ્થિત' કરાવે એટલા જ કરવાના હોય. પણ આપણી શું ઇચ્છા હોવી જોઈએ ? પ્રયત્ન કરવાની. પછી 'વ્યવસ્થિત' જેટલા કરાવે એટલા પ્રયત્ન, તે પ્રયત્નમાં પછી દસ વાગ્યાથી ઉઘરાણી માટે હેંડવા માંડ્યા, પેલો ભાઈ ભેગો ના થયો તો પાછા બાર વાગ્યે ગયા તોય ભેગો ના થયો તો પછી ઘેર આવીને ફરી પાછા દોઢ વાગ્યે જઈએ, એવું નહીં કરવાનું. પ્રયત્ન એટલે એક ફેરો જઈ આવવાનું, ફરી પાછો વિચાર નહીં કરવાનો. આ તો પ્રયત્ન કરે તે કેટલા કે ધક્કા ખા ખા કર્યા કરે. પ્રયત્ન તો સહજ પ્રયત્ન હોવા જોઈએ. સહજ પ્રયત્ન કોનું નામ કહેવાય કે આપણે જેને ખોળતા હોય તે સામો મળે. આમ એને ઘેર જઈએ તો એ જડે નહીં, પણ પાછા હેંડતી (ફરતી) વખતે ભેગો થઈ જાય. અમને બધું સહજ પ્રયત્ને થાય, સહજાસહજ એવો હિસાબ બધો ગોઠવાયેલો. કારણ કે અમારો ડખો નહીંને કોઈ જાતનો ! માઠી લક્ષ્મી કરાવે ક્લેશ ! પ્રશ્નકર્તા : કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ? દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે, તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી. તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયોય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખ રૂપિયા કમાય પણ આ 'પટેલ' સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય. બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઈન્કમટેક્ષવાળાનો કાગળ થાય તે આપણે કહેવું, 'પેલી રકમ (જમા) હતી તે ભરી દો, ક્યારે કયો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં 'ઈન્કમટેક્ષવાળાનો એટેક' આવ્યો તો આપણે મહીં પેલો (હાર્ટ) 'એટેક' આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન ! અમે સસ્પૃહ-નિસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિસ્પૃહ હતા. તે તેમના ચેલા નિસ્પૃહ થઇ ગયા છે ! નેસેસિટી એરાઇઝ (જરૂરિયાત ઊભી) થાય તે પ્રમાણે કામ લેવું. પ્રશ્નકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું. દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સસ્પૃહી-નિસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો. વખત પ્રમાણે કામ લેજો, પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય. ભ્રાંતબુધ્ધિ 'સત્ય'નું અવલોકન ના થવા દે. ભગવાન કહે છે કે તું ભલે થીયરી ઓફ રિલેટિવિટીમાં રહે તેનો વાંધો નથી, પણ જરાક અવિરોધાભાસ જીવન રાખજે. લક્ષ્મીજીના કાયદા પાળવાના. લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય. દુકાને જઇને રોજ બેસવું, પણ તેની ઇચ્છા ના હોય. કોઇના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે, પાછા આપી દેવાના. રોજ ભાવ કરવા જોઇએ કે આપી દેવા છે, તો તે અપાશે જ. લેતાંય એટલો જ વિવેક ! પ્રશ્નકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના હોય અને એ ના આપે, તો એ વખતે આપણે પાછા લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂકતે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું ? દાદાશ્રી : એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો. પ્રશ્નકર્તા : પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો ઘેર બેઠાં આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું ? દાદાશ્રી : ના, ના. એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, 'અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો.' એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછા લેતી વખતે રાખવો. આપણને પેલો ખ્યાલ રહે છે. એ બધું બહુ નુકસાન કરે છે અને પછી ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે. ટેવ ત્યાં સાહજિકતા નહીં ! પ્રશ્નકર્તા : સાહજિકતા પછી રોજ ટેવમાં ના ફેરવાઈ જાય ? દાદાશ્રી : સાહજિકતા છેને, તે ટેવમાં ફેરવાઈ તો સાહજિકતા કહેવાય જ નહીં. એકવાર તો સાહજિકતા એટલે જ્યારે આ અનુકૂળ આવ્યું ત્યારે એવું નહીં કે મારે આમ જ જોઈએ છે, તેમ જોઈએ છે, સતપત (ચંચળતા) નહીં, સાહજિકતા. પ્રશ્નકર્તા : આજકાલ જીવન એવું છે કે લોકોને ટાઈમ મળે જ નહીં. એટલે દેરાસર જઈ ન શકે. એટલે ટાઈમ નક્કી કરવો પડે. દાદાશ્રી : નક્કી કરે છે તેનો વાંધો નથી પણ આ ખ્યાલ રહેવો જોઈએ. આ મારી ટેવ ના પડી જવી જોઇએ. એટલે ત્યાં આગળ ઉપયોગ જાગૃતિ રાખવી. પ્રશ્નકર્તા : હા. એ વાત છે મુખ્ય. દાદાશ્રી : ટાઈમનું તો આપણાથી ના કહેવાય નહીં કારણ કે અત્યારે એવું નથી. પણ તેણે ત્યાં જાગૃતિ રાખવી કે આ મને ટેવ છે કે હું આ દર્શન કરવા આવ્યો છું. એવું ના સમજવું જોઈએ ? મેં કહ્યું ત્યારે પછી શેઠ કહે છે કે, 'હું તો ત્યાં જઉં છું, મને ટેવ યાદ આયા કરે છે.' મેં કહ્યું, 'એટલા હારુ જ મેં કહ્યું છે.' હું હથોડી આ મારું છું બેઠો બેઠો, મારે બીજું કામે શું છે તે ? ભડ લઈને એક હથોડો મારુંને, એને યાદ રહ્યા જ કરે પછી. જે 'સિન્સિયરલી' માર્ગ છે એ બધો જ સહજનો છે. અને 'ટ્રુલી' માર્ગ છે તે અસહજનો છે. સહજ હશે તો જ કામ થશે. અહંકાર ત્યાં અસહજતા ! એક માણસને મેં કહ્યું કે, 'ધર્મભક્તિમાં કંઈ પડ ને !' ત્યારે કહે છે કે, 'ધંધો-રોજગાર, બૈરી-છોકરાં, એ બધું ત્યાં શી રીતે ધર્મભક્તિ થાય મારાથી ? નવરાશ રહેતી નથી.' અને પછી એનો સાળો મરી ગયો, તે લાખોધિપતિ હતો. તે સાળાની વહુ કહે છે કે 'આ ગયા હવે કોણ આનું નભાવશે ?' તો આ કહે છે કે 'તું ચિંતા ના કરીશ. હું છું.' 'તમે તમારું સાચવશો કે મારું સાચવશો ?' ત્યારે એ કહે કે, 'મારું તો છોકરાં સાચવશે, તું તારે તારી ચિંતા નહીં કરવાની.' તે આખી જીંદગી સાળાને ત્યાં પડી રહ્યો. આનું નામ સંસારી અક્કલ ! જો સાળાને ત્યાં પડી રહ્યોને ! પ્રશ્નકર્તા : આપે એને ધર્મમાં પડવાનું કીધું, પણ તેણે ના માન્યું. દાદાશ્રી : પણ એ અવકાશ જ ના હોય. પેલી બઈએ જરાક કહ્યુંને, 'કોણ સંભાળશે આ બધું એનું ?' એટલે પેલાને અહંકાર ચઢ્યો. અને ચઢ્યો એટલે મહીં એગ્રીમેન્ટ (કરાર) બધું કરી આપ્યું. પ્રાપ્ત એક ભવનો હિસાબ ! આ તો બધું તમે તૈયાર લઇને આવેલા છો. દુકાન, ઓફિસ, બૈરી-છોકરાં, બધો તૈયાર સામાન લઇને આવ્યા છો. આ ચોપડાનો હિસાબ છે. આત્માને પિતા ય ના હોય અને પુત્રેય ના હોય, ચોપડાના લેણ-દેણના હિસાબ માટે ભેગા થાય છે બધા. હવે આગળ શું કરવાનું છે એ નહીં જાણતા હોવાથી આજે ખેડ ખેડ કર્યા કરે છે. અરે, આ તો ખેડેલું જ છે, તૈયાર જ છે. એમાં બહુ ધ્યાન રાખવાની જરૂર નહીં. સહજ ચિત્ત રાખવાનું ને બીજું બધું કરવાનું. જન્મથી મરણ સુધીનાં બધાં જ સ્ટેશનો ફરજિયાત લઇને આવેલા છો. પોતાને ગમે છે ત્યારે જાણે કે મારું મરજિયાત છે ને નથી ગમતું એટલે કહે કે ફરજિયાત છે. ખરેખર તો બધું જ ફરજિયાત છે. આ બધું જાણવું પડશેને ? આમ ક્યાં સુધી ગપ્પું ચાલવા દઇએ ? કંઇક તારણ તો કાઢવું જોઇશેને ? તારણનો ચોપડો જોડે રાખવો. શાક લેવા ગયા તે તો ફરજિયાત લાવવું જોઇએ, પણ રસ્તામાં ફલાણાભાઇએ જે' જે' કર્યા, તે છાતી આમ પહોળી થઇ જાય ! તે ખોટ જ જાયને ? માટે ચોપડો જોઇને તારણ કાઢવું જોઇએ કે ક્યાં ખોટ ગઇ ? લગ્નમાં ગયા ને કોઇએ 'આવો શેઠ' કહ્યું, કે તેની સાથે જ તમે ટાઇટ થઇ ગયા તો જોનારો સમજી જાય કે શેઠે ખોટ ખાધી. આમાં સામાની તો ફરજ છે કે તમને 'આવો' કહે, પણ તમારે ત્યાં કાચા ના પડવું જોઇએ. એવા પાકા થઇ જાવ કે ક્યાંય ખોટ ના આવે. એક વખત ખોટ ખાધી, બે વખત ખાધી, વીસ વખત ખોટ ખાધી, પણ છેવટે આપણે તારણ કાઢવું જોઇએ કે આ જે' જે' કહે છે તે મને કહે છે કે મહીંવાળાને કહે છે ? 'મહીં' 'ભગવાન' બેઠા છે, એ 'શુધ્ધાત્મા' છે. ચોપડાના હિસાબ જેવા સંબંધો ! આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ? એ તો ચોપડાના હિસાબ છે. પણ એ તો જાણ્યું જ નહીં. જો જાણે તો તો હિસાબ જ ચોખ્ખો કરતો જાય. અને આ તો જાણે નહીં એટલે પછી એક હિસાબ ચૂકતે થાય ને બીજો હિસાબ વધારતો જાય, અને મામાનો હિસાબ બાકી હોય તો કોઇ પણ નિમિત્તે હિસાબ ચૂકતે થયા વગર રહેવાનો નહીં ને ! જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે એ શાથી ? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફ્લેટનાં બાઇ-સાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઇ ભડકવાની જરૂર નથી કે હુંય લૂંટાઇ જઇશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતાં તું તારે સહજમાં ફર્યાં કરને. તારો હિસાબ હશે તો લઇ જશે, નહીં તો કોઇ બાપોય પૂછનાર નથી. 'ભોગવે એની ભૂલ.' માટે તું નિર્ભય થઇને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાઇવોર્સ થાય છે એ સારું છે. વધારે ડાઇવોર્સ થવા માંડે તો બધાંની શંકાને સ્થાન મળે કે આપણેય ડાઇવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઇ બાપોય ઉપરી નથી. જ્ઞાની સમજાવે સાનમાં ! તમારે શું જોઈએ ? જેની પાસે ના હોયને એનું જગત માથે લઈ લે. કહેવા જવું પડે નહીં. એની મેળે માથે લઈ લે. દુનિયાનો સ્વભાવ બહુ જુદી જાતનો છે. મારાથી ચલાતું નથી, કેટલા વર્ષથી ? પ્રશ્નકર્તા : આઠ વર્ષથી. દાદાશ્રી : છતાં તમારા કરતાં હું વધારે ફરતો હોઈશ. પ્રશ્નકર્તા : ઘણું. દાદાશ્રી : શાના આધારે ? બધા સંજોગો મળી આવે. જેને પોતાપણું ગયું એ જે માગે એ, માગવાનો વિચારેય ના કરતા હોય, પણ એને આવી મળે. આ તો બેન્કમાં પૈસા ભેગા કરે અને એમાં ને એમાં આખો વખત ચિત્ત રહ્યા કરે. કારણ કે 'એને' ભય લાગે છે કે 'પૈસા વગર હું શું કરીશ ?' એ ભય કાઢવા માટે અમે (આ ગોઠવણી) કરવા જઈએ કે આટલું છોડી (દીકરી)ને આપી દો, આટલા આને આપી દો ને આપણે ભાગે કંઈ રાખો નહીં ! અગર તો સંઘને કહીએ કે આ તમને બધાને મારી બધી મૂડી આપી દીધી, હવે મારી પાસે કંઈ છે નહીં. હવે મારે માટે જરૂર હશે ત્યારે સંઘ પાસેથી લઈશ. અગર તો એવું કંઈ જેટલા મારી પાસે આવશે, એટલા તમને સોંપી દઈશ. અમારું ઉદયાધીન હોય, અને તમે આ રીતે કરો તો તમેય ઉદયાધીનની નજીકમાં આવો. પછી અમારા જેવા થઈ જાવ. આ દેશનાપૂર્વક કર્યું કહેવાય. અને અમને પેલું સહજાસહજ ! પણ ઘણો ફેર પડી જાય. નિરાશ્રિતો જ દુઃખી ! સંસાર એ તો સમ્સરણ માર્ગ છે. તે દરેક માઇલે, દરેક ફર્લાંગે રૂપો બદલાવાનાં. આ રૂપોમાં મનુષ્યને તન્મયતા રહે છે ને તેથી માર ખાધા કરે છે. આખો સંસાર સહજમાર્ગી છે, માત્ર મનુષ્યના અવતારમાં જ માર ખાય છે. આ કાગડા, કબૂતરો, માછલાં એ બધાંને છે કશી હોસ્પિટલ કે છે કંઇ તેમને રોજ નાહવાનું કે ધોવાનું ? છતાંય કેવાં રૂપાળાં દેખાય છે ! એમને છે કશો સંગ્રહ કરવાનું ? એ બધાં તો ભગવાનનાં આશ્રિત છે. જ્યારે આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે, બધાય. પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હો. જેને ક્યારેય પણ એમ થાય કે 'મારું શું થશે' એ બધાં નિરાશ્રિત ! ભગવાન પર આશરો ના રાખે ને સંગ્રહ કરે એ બધાં નિરાશ્રિત અને તેથી તો ચિંતા-ઉપાધિ છે. સમજણથી કાઢો, ક્લેશને ! ક્લેશવાળું જીવન એ મનુષ્યજીવન કહેવાય જ નહીં ને ! કારણ કે કોઈ જાનવરોય ક્લેશ નથી કરતાં. આ જાનવરો મહીં દુઃખ પડે ને વેદના થાય ત્યારે આંખમાંથી પાણી પડી જાય, રડે ખરાં. પણ મનુષ્ય સિવાય કોઈ ક્લેશ કરે જ નહીં. મનુષ્યમાં તો ક્લેશ હોતો હશે ? છતાંય કોઈ એવી ભૂલ રહી જાય છે કે જેથી ક્લેશ ઉત્પન્ન થાય છે. કંઈક ભૂલ રહી જાય છે ને ? ભગવાને કહ્યું હતું કે ક્લેશ કાઢી નાખવા માટે જ્ઞાનની કંઈ જરૂર નથી, બુધ્ધિની જરૂર છે. બુધ્ધિ તો સારી રીતે પ્રકાશમાન થઈ શકે એવી છે, તેનાથી ક્લેશ બધો નિર્મૂલન થઈ શકે એમ છે. પણ જુઓને, ક્લેશનાં તો આખાં કારખાનાં કાઢ્યા છે ! હવે એકસ્પોર્ટેય ક્યાં કરે ? ફોરેનવાળાને પૂછાવે તો કહેશે, 'અમારે ત્યાં બધું બહુ છે પણ તોય ઊંઘવા માટે ગોળીઓ ખાવી પડે છે. વીસ-વીસ ગોળીઓ ખઈએ છીએ ત્યારે તો ઊંઘ આવે છે.' આખા વર્લ્ડનું સોનું, વર્લ્ડની લક્ષ્મી એમની પાસે છે, છતાં ગોળી ખાવી પડે છે ! છતાં એને ઊંઘ ના કહેવાય. ઊંઘ તો કોને કહેવાય કે જે સહજ સ્વભાવી હોય. આ તો જડ બનાવી દીધાં છે. જેમ દવા ચોપડીને બહેરું કરી નાખે છે ને, એવું બહેરું કરી નાખે છે. અલ્યા, બહેરું કરવા કરતાં એમ ને એમ ઊઘાડી આંખે પડી રહે ને ! બહુ ત્યારે જાગરણ થશે ને ? તો બહેરા થવા કરત ાં આ શું ખોટું છે ? બહેર ું તો થવાતું હશે ? જાગૃતિનું પ્રમાણ ! પહેલી પુદગલમાં જાગૃતિ આવવી જોઇએ. આત્મભાન થયા પછી પુદગલમાં ઊંઘે, પછી આત્મજાગૃતિ ઉત્પન્ન થાય. આ નાનાં છોકરાં દૂધ ઢોળાઇ જાય તો કચકચ કરે છે ? ના. શાથી ? ત્યારે કહે, 'અજ્ઞાનને લઇને જ.' પછી જેમ જેમ મોટા થાય તેમ તેમ પુદગલની જાગૃતિ આવે ત્યારે કચકચ કરવી શરૂ કરે. ત્યાર પછી આત્મજાગૃતિની વાત આવે છે. આ બાળકોને વ્યવહાર જાગૃતિ નથી. કોઇને વ્યવહાર જાગૃતિ નથી. વ્યવહાર જાગૃતિ હોય તો ઘરમાં કે બહાર મતભેદ ના પડે. કોઇનીય અથડામણમાં ના આવે. સંસારમાં જાગૃતિ કોને કહેવાય કે પોતાના ઘરમાં ક્લેશ થવાનો પ્રસંગ ના આવવા દે. વ્યવહારની જાગૃતિમાં લોભ, કપટ, મોહ જબરાં હોય ને નિશ્ચયની જાગૃતિમાં તો ક્રોધ, માન, માયા, લોભ ખલાસ થઇ ગયાં હોય. ઊંઘવું શું ને જાગવું શું, તે તો સમજવું પડશે ને ? લોક તો એમ જ સમજે કે આ 'પીએચ. ડી.' થયા છે. જાગૃત માણસ તો ગજબનો હોય. મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણના ચારેય ભાગના દરેક કાર્ય વખતે હાજર રહે તેનું નામ જાગૃતિ ! જાગૃતિ કોને કહેવાય ? પોતે પોતાથી ક્યારેય પણ કોઇ પણ સંયોગોમાં ક્લેશિત ના થાય, ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા 'સ્ટેપિંગ'માં બીજાથી પણ પોતે ક્લેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. ક્લેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય ? કોઇને સહેજ પણ દુઃખ દે તો તે જાગૃત કેવી રીતે કહેવાય? ક્લેશરહિત ભૂમિકા કરવી એને ઘણો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય. ક્લેશ વિનાની દૈવી દશા ! પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન ના લીધું હોય એને ત્યાં પણ ક્લેશ ના થતો હોય, એ શું કહેવાય ? દાદાશ્રી : એને દેવ જેવું કહેવાય, પણ એ શક્ય નથી આ કાળમાં ! કારણ કે ક્લેશ છેને, તે ચેપી રોગની પેઠ અસર કરે છે. ઘેર ઘેર પેસી ગયો છે ક્લેશ ! પ્રશ્નકર્તા : જ્ઞાન ન લીધું હોય, તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય એ બેમાં ફેર શું ? દાદાશ્રી : પેલો તો ક્લેશનો જે અભાવ હતોને, તે આપણે બુધ્ધિપૂર્વક કરતા હતા અને જ્ઞાન પછી આ સહજભાવે અભાવ રહે, પેલું કર્તાપણું છૂટી જાય. મહેમાનને જ જાહોજલાલી ! અને જગત બધું સહજ જ છે. આ વગર કામના પ્રયત્નો છે. કુદરતના ગેસ્ટ (મહેમાન) છે આ બધા. હવે ગેસ્ટ થઈને પછી કઢી હલાવવા જાય, એટલે પછી ગેસ્ટને લાયક રહ્યો નહીં. પછી શું થાય ? ગેસ્ટ હોય એટલે ગેસ્ટ તરીકે રહેવું જોઈએ. આપણા ટેબલ ઉપર આવે એટલે ખઈ લેવાનું, બૂમબરાડો ના પડાય કે ખારું છે. ખારું હોય તો છોડી દો. એ એમ નહીં કહેતા કે ખાવું જ પડશે. જ્યાં જાવ છો ત્યાં તમને હવા મળી રહે છે ને ? પ્રશ્નકર્તા : બધે જ છે ને ! દાદાશ્રી : પછી પાણીય મળે જ છે ને ? પ્રશ્નકર્તા : પાણીય મળે છે. દાદાશ્રી : બીજું, ખાવા-પીવાનું બધું મળે છે કે નહીં મળતુંુ ? પ્રશ્નકર્તા : મળે છે. દાદાશ્રી : કુદરતના ગેસ્ટ તરીકે રહો તો બધી વસ્તુ તમને ઘેર બેઠાં મળે જ. અસહજતાનો ફોટો ! બધું હલકું પડતું જાય છે ને દહાડે દહાડે ? પ્રશ્નકર્તા : હા દાદા. દાદાશ્રી : સહજતામાં આવતું જાય. આ તો અસહજ, અસહજ, અસહજ. પાર વગરનુંુ અસહજ. ખાતી વખતે એ બહાર હોય, નહાતી વખતે એ બહાર હોય, બીડી પીતો હોયને તે ઘડીય તો ક્યાંનો ક્યાં મૂઓ હોય ! તમને અનુભવ ખરો કોઈ વખત ? થોડો ઘણો ? બહાર જાય એવું ? બધાને અનુભવ હોય કે નહીં ? સહજ ત્યાં જગ વિસ્મૃતિ ! પ્રશ્નકર્તા : જગત વિસ્મૃત કેમ કરવું ? ભૂલવું કેમ ? એ એક સવાલ છે. દાદાશ્રી : જગત એક કલાક પણ વિસ્મૃત થાય તેમ નથી. હજારો રૂપિયા એક કલાક જગત વિસ્મૃત કરવા ખર્ચે તોય તે વિસ્મૃત થાય તેવું નથી. જાતજાતનું યાદ આવે. જમતી વખતે સગાં-વહાલાં માંદા હોય તે જ યાદ આવે ! અલ્યા, તું શું કરવા યાદ આવ્યો ? એટલે સ્મૃતિ જ કૈડે છે. પ્રશ્નકર્તા : પણ પાછું એવી શંકા થાય છે કે જગત વિસ્મૃત રહે તો સેલ્સટેક્ષ, ઇન્કમટેક્ષના કેસોના નિકાલ કેવી રીતે કરવાના ? એમાં મુસીબત પડેને ? દાદાશ્રી : એવું નથી. જગત વિસ્મૃત રહે ને સંસારનાં કામો થાય એવું છે. ઊલટું બહુ સરસ, સહજ રીતે થાય તેમ છે. અહંકારની પેદાશ, અશાંતિ ! પ્રશ્નકર્તા : આજકાલ પેશન્ટોનો કૉમન સવાલ હોય છે કે માનસિક શાંતિ શામાં મળે ? દાદાશ્રી : લોકોને માનસિક શાંતિ શી રીતે મળે ? માનસિક શાંતિ શેમાંથીય મળે નહીં. (કારણ કે જેમાંથી માનસિક શાંતિ લેવા જાય છે, તેના પરિણામ જ અશાંતિ છે.) એ શોધમાં છે અશાંતિની ! સહજ ભાવે રહે તો બધી શાંતિ જ રહે. ખાધા પછી ઊંઘ આવતી હોય તો સૂઈ જાય ઘડી વાર. સૂઈ જાય ત્યારે ચાર કલાક સૂઈ જાય, એવું આ પોતે જ અશાંતિ કરી વાતાવરણ બધું બગાડી નાખે છે. અહંકારે કરીને બગાડે છે. જો અહંકાર જરા નૉર્મલ (સામાન્ય) હોય ને, તો આ દશા ના થાત ! અપ્રયાસ આનંદ તે જ મોક્ષ ! જ્યાં સુધી વ્યવહાર આત્મા છે ત્યાં સુધી માનસિક આનંદ છે. આત્મા જાણ્યા પછી આત્માનો આનંદ પ્રાપ્ત થાય. શબ્દરૂપે સાંભળેલા આત્માથી કામ ના થાય, યથાર્થ સ્વરૂપે હોવું જોઇએ. નિરંતર આનંદમાં રહેવું એનું નામ જ મોક્ષ. કોઇ ગાળો ભાંડે, ગજવું કાપે તોય આનંદ ના જાય એનું નામ મોક્ષ. મોક્ષ કોઇ બીજી વસ્તુ નથી. 'જ્ઞાની પુરુષ'ને નિરંતર પરમાનંદ જ રહે. આત્માનો સ્વભાવ જ પરમાનંદ સ્વરૂપ છે. સિધ્ધ ભગવંતોનો પરમાનંદ પાર વગરનો હોય. એમનો એક મિનિટનો આનંદ આખા જગતના જીવોનો એક વર્ષ દહાડાનો આનંદ ભેગો કરે તેટલો થાય. તોય આ તો સ્થૂળ સિમિલી જ છે. બહારથી કંઇ પણ આનંદ આવે છે એ પૌદગલિક આનંદ છે. કિંચિત્માત્ર બહારથી આનંદ ના હોય, પુદગલ પરમાણુ માત્રમાંથી ના હોય, સહજ, અપ્રયાસ પ્રાપ્ત આનંદ એ જ આત્માનો આનંદ છે. શાસ્ત્રો વાંચીને જે આનંદ આવે છે એ આત્માનો આનંદ ન હોય, એ પૌદગલિક આનંદ છે. બહુ તાપમાં થાકેલો માણસ બાવળિયા નીચે હાશ કરે એના જેવું છે. જે મહેનત કરી, એ મહેનતનો આનંદ છે. આનંદ તો સાહજિક રહેવો જોઇએ, નિરાકુળ આનંદ હોવો જોઇએ. લગ્નમાં ને સિનેમામાં આનંદ ખરો, પણ એ આકુળ-વ્યાકુળ આનંદ છે. એ મનોરંજન છે, આત્મરંજન નથી. નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય એટલે સમજવું આત્મા પ્રાપ્ત થયો. સનાતન સુખ, એ જ ધ્યેય ! પ્રશ્નકર્તા : એટલે આ કોઈ શોર્ટ કટ છે ? દાદાશ્રી : બિલકુલ ડિરેક્ટ રસ્તો, બિલકુલ શોર્ટ કટ ! પ્રશ્નકર્તા : પણ આનો અંતિમ ધ્યેય શું છે ? દાદાશ્રી : સનાતન સુખ પ્રાપ્ત કરવાનું, સ્વતંત્ર થવાનું, નિરાલંબ થવાનું ! પ્રશ્નકર્તા : સનાતન સુખમાં શું હોય ? એની વ્યાખ્યા શું છે ? દાદાશ્રી : જે સુખને માટે કોઈ પ્રયત્ન આપણે ના કરવો પડે, કોઈ પણ જગ્યાએ સહજ રીતે પ્રાપ્ત થયા કરે. નિરંતર રહ્યા કરે. દુઃખ જોવામાં જ ના આવે એનું નામ સનાતન સુખ ! વિકનેસ વિનાની વ્યક્તિ ! હવે તમને ગમ્યું કે ના ગમ્યું આટલો વખત ? ગમ્યું એટલે બહુ થઈ ગયું. આપણે આનંદથી બધા બેઠા એ કંઈ જેવી તેવી વાત ના કહેવાય, કારણ કે તમે ઠેઠ સુધી ટક્કર ઝીલી છે, પણ સહેજેય બગડ્યા નથી એ અજાયબી જ છે ને ! નહીં તો ટક્કર ઝીલતાં ઝીલતાં માણસ બગડી જાય, કોઈ વિકનેસ હોય તો. પ્રશ્નકર્તા : તો પછી એને અહીં આવવાનો અધિકાર નથી. દાદાશ્રી : ના, પણ હોય છે ને ! પણ આ તો તમારો મને બહુ સંતોષ થયો. એક વિકનેસ નથી આવી. પ્રશ્નકર્તા : હું તો આવા કેટલાય સાધુ પુરુષોને મળી આવ્યો પણ આમાં કંઈયે મંે ચર્ચા કરી નથી. એમાં એક સાધુપુરુષ તો મારી ઉપર ગરમ થઈ ગયા'તા, બહુ જ ગરમ થઈ ગયા'તા. દાદાશ્રી : હા, ખરું છે. સામાને લીધે પોતાનામાં વિકનેસ ના આવેને, એટલે અમે તો બહુ રાજી થઈએ કે ઓહોહો ! હજુ વિકનેસ ના આવે તેવા માણસો છે અહીં. બરાબર છે ! કોઈ પડતો હોય તો એ 'પડ્યો, પડ્યો, પડ્યો. ઝાલો, ઝાલો, ઝાલો...' બોલે, પણ એને અટકાવવા કરવાનું નહીં. મહીં, સહજ જે બને તે. ચિંતાથી કાર્ય બગડે ! કુદરત શું કહે છે કે કાર્ય ના થતું હોય તો પ્રયત્ન કરો, જબરજસ્ત પ્રયત્ન કરો પણ ચિંતા ના કરો. કારણ કે ચિંતા કરવાથી એ કાર્યને ધક્કો વાગશે અને ચિંતા કરનાર એ લગામ પોતે પોતાના હાથમાં લે છે. 'હું જ જાણે ચલાવું છું' એવી લગામ પોતે હાથમાં લે છે. એનો ગુનો લાગુ થાય છે. ચિંતાનાં પરિણામ, અધોગતિ ! આ સંસારમાં બાય પ્રોડક્ટનો અહંકાર હોય છે જ અને તે સહજ અહંકાર છે, જેનાથી સંસાર સહેજે ચાલે એવો છે. ત્યાં આખા અહંકારનું જ કારખાનું કાઢ્યું ને મોટો અહંકાર વિસ્તાર્યો, તે એટલો વિસ્તાર્યો કે એનાથી ચિંતાઓનો પાર ના રહ્યો ! અહંકારને જ વિસ્તાર વિસ્તાર કર્યો. સહજ અહંકારથી, નોર્મલ અહંકારથી સંસાર ચાલે એવો છે, પણ ત્યાં અહંકાર વિસ્તારીને પછી કાકા આટલી ઉંમરે કહેને કે, 'મને ચિંતા થાય છે.' એ ચિંતા થાય એનું ફળ શું ? આગળ જાનવર ગતિ આવશે, માટે ચેતો. હજુ ચેતવા જેવું છે. મનુષ્યમાં છો ત્યાં સુધી ચેતજો, નહીં તો ચિંતા હશે ત્યાં તો પછી જાનવરનું ફળ આવશે. ચિંતા પાડે અંતરાયો ! ચિંતા કરવાથી તો અંતરાય કર્મ પડે છે ઊલટું, એ કામ લાંબું થાય છે. આપણને કોઈકે કહ્યું હોય કે ફલાણી જગ્યાએ છોકરો છે, તો આપણે પ્રયત્ન કરવો. ચિંતા કરવાની ભગવાને ના પાડી છે. ચિંતા કરવાથી તો એક અંતરાય વધારે પડે છે અને વીતરાગ ભગવાને શું કહ્યું છે કે, 'ભઈ, ચિંતા તમે કરો છો, તો તમે જ માલિક છો ? તમે જ દુનિયા ચલાવો છો ?' આને આમ જોવા જાય તો ખબર પડે કે પોતાને સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એ તો જ્યારે બંધ થાય ત્યારે ડૉક્ટરને બોલાવવો પડે. ત્યાં સુધી એ શક્તિ આપણી છે એવું આપણને લાગ્યા કરે, પણ એ શક્તિ આપણી નથી. એ શક્તિ કોને આધીન છે, એ બધું જાણી રાખવું ના પડે ? જ્ઞાની દશામાં નાટકીયતા ! એકની એક છોડી હોય ને તેને કોઈ ઉઠાવી જતો હોય, ને બાપ વીતરાગ હોય તો તે શું કરે ? મહાવીરને છોડી હતી કે નહીં ? એવું વીતરાગની એકની એક છોડી હોય ને કોઈ ઉઠાવી જતો હોય તો શું કરે ? પ્રશ્નકર્તા : એને અટકાવવા પ્રયત્ન કરે, ને છતાંય લઈ જાય તો કંઈ નહિ. દાદાશ્રી : એ પ્રયત્નો પણ ડ્રામેટિક કરે. ડ્રામેટિક, નાટકમાં આમ કરે ને કે, 'શું સમજે છે તું તારા મનમાં ? તારા પર દાવો માંડીશ. તારી કોર્ટમાં ફરિયાદ કરીશ. આમ કરીશ, તેમ કરીશ.' બધું બોલે. નાટકીય બધું બોલે. કામ લેતાં આવડવું જોઈએ ! અમે તો શું કહ્યું આ જ્ઞાન લીધા પછી ચિંતા થાય તો જોખમદારી અમારી. પણ આ આજ્ઞા પાળવી જોઈએ. આજ્ઞા અઘરીય નથી. તમે પ્રેક્ટિસ કરવા માંડો. પ્રશ્નકર્તા : કરવા માંડી. દાદાશ્રી : તમે કરવા માંડી ને ? પ્રેક્ટિસ અત્યારે પાડ પાડ કરો. નહીં તો સહજ નથી એ વસ્તુ. કારણ કે નવું ઇન્જીન હોયને, તેય ઘસારો ના પડ્યો હોય તો ચાલે નહીં. તે આપણે હેન્ડલ માર માર કરીને રાગે પાડવું પડે. નવી વહુ જોડેય રાગે પાડવું પડે. બધું નવું નવું હોય તો રાગે પાડવું પડે. પહેલે દહાડે વહુ રિસાઈ હોય અને આપણેય રિસાઈએ તો ભલીવાર ક્યારે આવે ? જો રિસાઈ હોય તો આપણે ધીમે રહીને કહેવાનું, 'ગભરાશો નહીં, આપણે એક જ છીએ.' આમતેમ કરીને પટાવી પટાવીને કામ લેવું. એય રિસાય ને આપણે રિસાઈએ તો રહ્યું શું પછી ? કામ લેતાં આવડવું જોઈએને, ના આવડવું જોઈએ ? સામો નહીં ફરે, ત્યાં પોતે ફરો ! બધાની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોર મહારાજે સમજાવ્યું કે 'સમય વર્તે સાવધાન' તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઇએ. 'સમય વર્તે સાવધાન.' તે ગોર સમજે, પરણનારો શું સમજે ? સાવધાનનો અર્થ શું ? ત્યારે કહે, 'બીબી ઉગ્ર થઇ હોય ત્યારે તું ઠંડો થઈ જજે, સાવધ થજે.' હવે બેઉ જણ ઝઘડે તો તો પાડોશી જોવા આવે કે ના આવે ? પછી તમાશો થાય કે ના થાય ? અને પાછું ભેગું ના થવાનું હોય તો લડો. અરે, વહેંચી જ નાખો ! ત્યારે કહે, 'ના, ક્યાં જવાનું ?' જો ફરી ભેગું થવાનું છે, તો પછી શું કરવા લડે છે ? આપણે એવું ચેતવું ના જોઇએ ? મતભેદ ટાળવાનો ઉપાય ! ભેગા થઈને બેસે છેને, તોય મારામારી કરે છે. ખાતી વખતે વસ્તુ એક હોયને, તો વઢમ્વઢા કરે. જોઈ લો પછી મઝા (!) 'મને કેમ દહીં ના આપ્યું ?' કહેશે. દહીંનીય વઢવાડ કરે. એ કહેશે, 'આજે કઢી કરવી છે.' તો આપણે કહીએ કે 'ના, આજે કઢી નહીં, દાળ કરવી છે.' તો મતભેદ વધે. એ કહે, 'કઢી કરવી છે', તો આપણે એલાઉ કરવું (અનુમતિ દેવી). પછી એક દહાડો આપણે કહીએ, 'દૂધપાક કરો', તો એ કહેશે, 'એલાઉડ'. કોઈના અભિપ્રાય ઉપર તરાપ નહીં મારો. રાતે વાઇફ જોડે મતભેદ પડ્યો હોય તો ઊંઘ સારી આવે ? પોતે જ માલિક છે, પોતે જ હોલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ, એટલે આ બધું શોધન કરવાની જરૂર કે સુખી શી રીતે થાય ? સહજતામાં સુખ અપાર ! પહેલાના કાળના લોકો તો ખાવાનું-પીવાનું ન હોય, લૂગડાં-લત્તાં ન હોય તોય ચલાવી લેતા. અને અત્યારે કશાની તાણ નહીં તોય આટલો બધો કકળાટ, કકળાટ, કકળાટ ! તેમાંય ધણીને 'ઇન્કમટેક્સ', 'સેલ્સટેક્સ'ના લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય. અને ઘેર બઈસાહેબને પૂછીએ કે 'તમે શેના ભડકો છો ?' ત્યારે એ કહે કે, 'મારા ધણી વસમા છે.' આવા સંસારમાં ગમે છે તમને આ બધું ? પ્રશ્નકર્તા : અત્યારે તો આ સંસાર સારો લાગે છે. દાદાશ્રી : કડવો નથી લાગતો ? પ્રશ્નકર્તા : ઊંડાણમાં જઈએ તો કડવો લાગે. દાદાશ્રી : આટલી બધી કડવાશ લાગે છે તોય કેવો આ જીવનો સ્વભાવ છે ? તે પાછો કેરી કાપીને, ખાઈને સૂઈ જાય ! અલ્યા, હમણે તો બીબી જોડે લડ્યો હતો ને પાછો શું જોઈને કેરી ખાય છે ? લડવાડ થાય એ બીબી કેરી કાપીને આપે તે શા કામની ? પણ તમે ચલાવી લો છો કે નથી ચલાવી લેતા ? પછી તમે લડો તો એય ચલાવી લે. પછી શું કરે તે ? બેઉ 'મેજિસ્ટ્રેટ' ! અરે, રસોઈયો ગાળો ભાંડતો હોય ને ખવડાવતો હોય તો આપણે છાનાંમાનાં ખઈ લેવું, તે ચૂલો તો ના ફૂંકવો પડે, બળ્યો. સહુથી પહેલાં ધણીએ માફી માગવી. મોટા મનનો ધણી હોય. પ્રશ્નકર્તા : ધણી મોટા મનનો કહ્યું એટલે એ ખુશ થઈ ગયા. દાદાશ્રી : ના, એ મોટા મનનો જ હોય. એનું વિશાળ મન હોય અને સ્ત્રીઓ સાહજિક હોય. સાહજિક હોય એટલે મહીંથી ઉદય આવ્યો તો માફી માંગે અને ના પણ માંગે. પણ જો તમે માંગો, તો તરત માંગી લેશે. અને તમે ઉદયકર્મના આધીન નહીં રહેવાના, તમે જાગૃતિના આધીન રહેવાના. અને આ ઉદયકર્મના આધીન રહે. એ સહજ કહેવાય ને ? તમારામાં સહજતા ના આવે. સહજ થાય તો બહુ સુખી હોય. ખાવામાં ખોડ કઢાય નહીં ! પ્રશ્નકર્તા : પોતાના માણસ હોય તો કહેવાયને, બીજાને થોડું કહેવાય ? દાદાશ્રી : એટલે પોતાના માણસને ગોદા મારવા ? પ્રશ્નકર્તા : કહીએ તો બીજીવાર સારું કરેને એમ. દાદાશ્રી : એ સારું કરે કે ના કરે, એ વાત બધી ગપ્પાં છે. શા આધારે થાય છે એ હું જાણું છું. નથી બનાવનારના હાથમાં સત્તા, નથી તમારા કહેનારના હાથમાં સત્તા. આ બધી સત્તા કયા આધારે ચાલે છે ? માટે અક્ષરેય બોલવા જેવો નથી. પ્રશ્નકર્તા : એવું શા માટે ? દાદાશ્રી : હાથમાં સત્તા નથી એ, બનાવનારના હાથમાં સત્તા નથી. સત્તા જુદી જાતની છે. આ તો બધાં ગપ્પાં હં... વાતો કરીએ અને ઠોકાઠોક કરીએ એમાં કશું વળે નહીં કશુંય... ઊલટો હું કોઈ દહાડો બોલું નહીં અને સહજ રીતે ચાલવા દઉં. એ ભૂલ થાય કો'ક દહાડો પણ એ કંઈ સહજ રીતે ભૂલ થયેલી હોય છે. પ્રશ્નકર્તા : ના, પણ સારું ખાવાનું ના બનાવે તો એવું કહેવું પડે ને ? દાદાશ્રી : એ સારું શેના આધારે બનાવ્યું હતું, પહેલા આગળ ખાધેલું તે ? કહેવાથી સારું બનાવે છે ? એટલે હું કેટલાંય વર્ષથી કહેતો નથી, એની મેળે સહજ રીતે નાખે તે જ બરાબર છે. વઢવાની જરૂર નહીં. સ્ત્રીઓને ખાવાનું બનાવવા માટે વઢવાની જરૂર નહીં. રસોઈ માટે, રસોડાની જાગૃતિ એ સહજ હોય છે. સહજ ભાવે બોલે ત્યારે... એક ભાઈએ હીરાબા (દાદાશ્રીના ધર્મપત્ની)ને પૂછ્યું, 'દાદાનો સ્વભાવ બહુ સારો ! પહેલેથી આવો ?' ત્યારે એમણે કહ્યું કે, 'પહેલાં તો તીખા ભમરા જેવા હતા. હમણે આવા થયા.' એ એમણે જોયેલું જાય નહીંને ! અમે ફિલમ બદલ્યા કરીએ ને પાછલી ફિલમ કાઢીએ નહીં. એ તો પાછલી ફિલમ હઉ દેખાડે. અમે તો આ ચાલુ ફિલમ હોય એ દેખાડીએ. છતાં એમને દુઃખ થાય એવું નહીં કરવાનું. કારણ કે સહેજ એ થાય તોય દુઃખ થઈ જાય છે એમને, કારણ કે પ્યોરિટીને બધી. સહજ ભાવે જે આવે એ બોલવાનું ને ? ડખોડખલ નહીં કે કોઈની શરમ-બરમ રાખે નહીં. પેલો ડૉક્ટર બિચારો હીરાબાનું ઓનરરી કામ કરતો હતો. તોય એને કહેશે કે, 'આ તો તીખો લ્હાય જેવો છે.' મેં કહ્યું, 'આવું ના બોલાય આપણાથી.' સહજ ભાવે બોલ્યા'તા, એટલે પેલો હસે. આમ સહજતાથી બોલે એટલે ખોટું ના લાગે. મહીં કશું પાપ નહીં, પ્યોરિટી બધી. સ્ત્રીની સહજ પ્રકૃતિ ! સ્ત્રીને તો એક આંખે દેવી તરીકે જુઓ ને બીજી આંખે એનું સ્ત્રી ચારિત્ર જુઓ. એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાઈ રાખો તો જ 'બેલેન્સ' જળવાશે. પ્રશ્નકર્તા : એટલે સંસ્કૃતમાં મૂક્યું, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા ! દાદાશ્રી : હા બસ ! એટલે હું જ્યારે આવું બોલું છુંને, ત્યારે બધાં લોકો મને કહે છે કે દાદા, તમે સ્ત્રીઓના તરફી છો ? પક્ષપાતી છો. હવે હું શું કહું કે, સ્ત્રીઓને પૂજો, એનો અર્થ એવો નહીં કે સવારમાં જઈને આરતી ઉતારજો. એવું કરીશ તો એ તારું તેલ કાઢી નાખશે. એના અર્થમાં શું છે ? એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખજે. પહેલાં સ્ત્રીને તો શું ગણતા હતા ? પૂજા કરવા જેવી છે. પણ તેનો અર્થ આપણે કહીએ, ત્યારે આપણા લોકો પૂજામાં આરતી ઉતારે. અલ્યા મૂઆ, ના ઉતારીશ, નહીં તો ચઢી બેસશે. કારણ કે ક્વૉલિટી ઊંચી, પણ આ ચઢી બેસતાં વાર ના લાગે. એટલે પૂજા ના કરીશ. એવી લાયકાત નથી. એટલે મનથી પૂજા કરજે. પ્રશ્નકર્તા : એવું કહે છે ને, નારી તું નારાયણી ! દાદાશ્રી : હા, નારાયણી ! એને છંછેડવી ના જોઈએ. આ તો સ્ત્રીઓ બધી તમને હેલ્પ કરે છે. પણ એ હેલ્પ બહુ ના કરતી હોય, તોય પણ એ સ્ત્રી જાતિ છે, એ શક્તિ છે, દેવી છે. તમે જાણી જોઈને બગાડો તો પછી બગડી જ જાયને ! એટલે સ્ત્રીઓ જ્યાં પૂજ્ય છે, ત્યાં દેવલોકો હાજર રહે છે. એટલે પછી બધા આપણા મહાત્માઓના વિચારોમાં તો બધો ફેરફાર થઈ જાય છે. સ્ત્રીને પછી આડછેડ નથી કરતા અને સરખા ભાવે રાખે છે. જે એના માટે ખરાબ વિચારો છે તે ખસેડી નાખીને આ વિચાર મૂકી દે એટલે પ્લસ-માઇનસ થઈ જાય. એટલે આપણે એની જોડે સારી રીતે જીવી શકીએ. સમાધાનથી જીવાય એવું રાખવું જોઈએ. ફ્રેન્ડલી હોવું જોઈએ, ફ્રેન્ડ ! વાંક એટલા વાંકા ભેગા થાય ! પ્રશ્નકર્તા : હું 'વાઈફ' જોડે બહુ 'એડજસ્ટ' થવા જાઉં છું, પણ થવાતું નથી. દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું 'કાઉન્ટર વેઈટ' છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી એટલે તો અમે બધું 'વ્યવસ્થિત' છે, એવું કહ્યું છે ને ? પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે. દાદાશ્રી : તે સીધા કરવા જ જોઈએ તમને. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ? સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. સ્ત્રીનો જ વાંક કેમ ? પ્રશ્નકર્તા : બધે કેમ સ્ત્રીઓનો જ વાંક આવે છે અને પુરુષોને નથી આવતો ? દાદાશ્રી : સ્ત્રીઓને તો એવું છેને, પુરુષના હાથમાં કાયદો હતો એટલે સ્ત્રીઓને જ નુકસાન કર્યું છે. આ તો પુસ્તકો ધણીઓએ લખેલાંને એટલે ધણીને જ એમાં તે આગળ ઘાલ્યો છે. સ્ત્રીઓને ઊડાડી મેલી છે. તેમાં તે એની વેલ્યુ ઊડાડી દીધી છે એ લોકોએ. હવે મારેય એવો ખાધો છે. નર્કેય આ જ જાય છે. અહીંથી જ જાય છે નર્કે. સ્ત્રીઓને એવું ના હોય. ભલે સ્ત્રીની પ્રકૃતિ જુદી છે, એની પ્રકૃતિ પ્રમાણે એય ફળ આપે છે અને આય ફળ આપે છે. એની અજાગૃત પ્રકૃતિ છે. અજાગૃત એટલે સહજ પ્રકૃતિ. સુધારવાનો અહંકાર ! પ્રશ્નકર્તા : 'પોતાની ભૂલ છે' એવું સ્વીકારી લઈને પત્નીને સુધારી ના શકાય ? દાદાશ્રી : સુધારવા માટે પોતે જ સુધરવાની જરૂર છે. કોઈને સુધારી શકાતો જ નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધા અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જ જાય. મેં એવાય જોયેલા છે કે જે બહાર બધો સુધારો કરવા નીકળ્યા હોય છે ને ઘરમાં એમની 'વાઈફ' આગળ આબરૂ નથી હોતી, મધર આગળ આબરૂ નથી હોતી. આ કઈ જાતના માણસો છે ? પહેલો તું સુધર. 'હું સુધારું, હું સુધારું' એ ખોટો 'ઇગોઇઝમ' છે. અરે, તારું જ ઠેકાણું નથી, તે તું શું સુધારવાનો છે ? પહેલાં પોતે ડાહ્યા થવાની જરૂર છે. ભગવાન મહાવીર, મહાવીર થવા માટેનો જ પ્રયત્ન કરતા હતા અને તેનો આટલો બધો પ્રભાવ પડ્યો છે ! પચ્ચીસસો વર્ષ સુધી તો એમનો પ્રભાવ જતો નથી !!! અમે કોઈને સુધારતા નથી. કોઈનેય સુધારવાનો પ્રયત્ન કરશો નહીં પણ જાતે સુધરવાનો પ્રયત્ન કરજો. કોઈને સુધારવાનો અહંકાર તો તીર્થંકરોએય નહીં કરેલો. એ તો મોક્ષનું દાન આપવા આવેલા. સુધારવાની રીત ! પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા શું ? દાદાશ્રી : સામા માણસને તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તોય એને તમારામાં પ્રેમ દેખાય કે ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે ! ઠપકો આપો પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે ! સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઇએ. પણ જે પ્રયત્નો 'રીએક્શનરી' હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઇએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઇએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઇએ કે, 'આપણને આ શોભે નહીં.' બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો, પણ કહેવાથી એને જે દુઃખ થયું તેની અસર તમારા ઉપર આવશે. કહેવાનો વાંધો નથી પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી રાખવું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી. ઘરના માણસને તો સહેજેય દુઃખ દેવાય જ નહીં. જેનામાં સમજ ના હોય તે ઘરનાંને દુઃખ દે. પ્રશ્નકર્તા : આપણે એને સુધારવા માટે પ્રયત્નો તો બધા કરીએ છીએ, તેમ છતાંય પેલો ના સુધરે, તો પછી એનું પ્રારબ્ધ કરીને છોડી દેવું, આદર્શ પિતાએ ? દાદાશ્રી : ના, પણ પ્રયત્ન તે, તમે તમારી રીતે કરો છો ને ? સર્ટિફિકેટ છે તમારી પાસે ? મને દેખાડો. પ્રશ્નકર્તા : અમારી બુધ્ધિમાં જેટલા આવે એટલા પ્રયત્નો કરીએ. દાદાશ્રી : તમારી બુધ્ધિ એટલે જો હું તમને કહી દઉં કે એક માણસ જજ પોતે હોય, આરોપી પોતે હોય અને વકીલ પોતે હોય, તો કેવો ન્યાય કરે ? બાકી છોડી ના દેવું જોઈએ, કોઈ દા'ડોય. એની પાછળ ધ્યાન રાખ્યા કરવું જોઈએ. છોડી દઈએ તો તો પછી એ ખલાસ થઈ જાય. પોતાના સંસ્કાર તો લઈને જ આવે છે છોકરું. પણ એમાં તમારે હેલ્પ કરીને આ સંસ્કારને રંગ આપવાની જરૂર છે. પ્રશ્નકર્તા : હા, તો એ કરીએ છીએ પછી લાસ્ટ સ્ટેજે, એ પ્રારબ્ધ પર છોડી દેવું જોઈએ ? દાદાશ્રી : ના, છોડાય નહીં. એ છોડવાનું થાય ત્યારે મારી પાસે તેડી લાવજો. હું ઓપરેશન કરી આપીશ. છોડી ના દેવાય, જોખમદારી છે. સુધારવાના પ્રયત્ન તો બધાએ કરવા જોઈએ, દરેક માણસે, પણ પ્રયત્નો સફળ થવા જોઈએ. બાપ થયો અને છોકરાને સુધારવા માટે એ બાપપણું છોડી દે એમ છે ? 'હું ફાધર છું' એ છોડી દે ખરો ? પ્રશ્નકર્તા : જો એ સુધરતો હોય તો, અહમ્ ભાવ, દ્વેષ બધું કાઢીને એને સુધારવાનો પ્રયત્નો કરવો જોઈએ ? દાદાશ્રી : ગયા અવતારના છોકરાં કેટલાં છે ? કેમ બોલતા નથી ? દરેક અવતારે છોકરાં મૂકીને આવ્યા છો. ગયા અવતારનાં છોકરાં જોડે... સુધારવા માટે પ્રયત્ન કરતા'તા. અને હવે આ અવતારમાંય એવું જ કરો છો. કોઈ સુધર્યો ? એકેય છોકરો સુધર્યો નહીં. અને તે આચરણમાં હોવું જોઈએ પોતાના. પોતાના આચરણમાં હોય તો એની મેળે સુધરી જાય. અક્કલના તાપથી સુધરે નહીં કોઈ ! પ્રશ્નકર્તા : એનો જરા વધારે ફોડ પાડો. 'હું જાણું છું' એ દોષ છૂટે તો કેવાં લક્ષણો હોય ? એ દોષ વર્તતો હોય તો કેવાં લક્ષણો હોય ? અને એની સામે કેવી રીતે જાગૃતિ રહી શકે ? દાદાશ્રી : આ નાનાં છોકરાં મોટી ઉંમરના માણસોથી ભડકે છે. કારણ કે એની અક્કલનો તાપ એ છોકરાં ઉપર પડે છે, એટલે છોકરું ભડકે પછી. એટલે શું કરવું પડે ? બાળક જેવું થઈ જવું પડે. એનાં જેવાં જ અણસમજણવાળાં બાળક ! 'ડિલિંગ' જ બાળક જેવું કરવું પડે, ત્યારે એ સામા છોકરાં રમે આપણી જોડે. મારી જોડે બધાં, આવડું દોઢ વર્ષનું છોકરું હઉ રમે, આમ સરખે સરખા જ હોઈએ એવું રમે. એવું કંઈ પરિણામ તો આવવું જોઈએ ને ? આને વિચારજો તો એક દહાડો સમજાશે. જાણ્યું એટલે જડે અને નિષ્પક્ષપાતી વલણ હોવું જોઈએ. છતાં મહીં અજાગૃતિને લીધે ના ય જડે, તો પછી ધીમે રહીને કો'ક દહાડો જડે. બધા અવળા વ્યવહાર 'આ' દોષથી જ બને. અવળા જેને કહેવામાં આવે, તે બધા 'આ' દોષના કારણથી જ બને. મુખ્ય આ દોષ કે 'હું જાણું છું'! બીજા બધા દોષ પછીના. આ દોષમાંથી બધું ઊગેલું. ખેંચ રહે તે આ દોષથી જ. નહીં તો સરળતા હોય. જેટલો અમારી જોડે મેળ પડે છે, એવો લોકોની જોડે મેળ પડી જવો જોઈએ. મારી જોડે કેમ મેળ પડી જાય છે ? જ્યાં કુદરતી રીતે મેળ પડી જાય એ તો સહજ વસ્તુ છે, તેમાં પુરુષાર્થ શો આપણો ? જ્યાં મેળ ના પડતો હોય, ત્યાં મેળ પાડવો એ પુરુષાર્થ. એ રોગ બધાને મહીં હોય. 'હું કંઈક જાણું છું' એ કેફ સાથે જ્ઞાન વધતું જાય. આ કેેફનો અંતરાય ના હોય તો તો 'જ્ઞાન' બહુ સુંદર વધી જાય, 'ફીટ' થઈ જાય. સમતા વિના સુધારવું વ્યર્થ ! પ્રશ્નકર્તા : જે વખતે બગડતો હતો, તે ઘડીએ સુધારવાની એ આવડત નહોતી. દાદાશ્રી : આપણને આવડત જો આવી હોય તો સુધારવો, નહીં તો સુધારવાથી વધારે બગડે એવું ન કરવું. આપણે એને સુધારવા જઈએ અને એ રાઈફલ લઈને ફરી વળે આપણને, એવું ન કરવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે સુધારવા માટેની ભાવના, પ્રયત્નો કરવા જોઈએ ખરા ? દાદાશ્રી : પ્રયત્ન કરવા જોઈએ, પણ પ્રયત્ન એને નુકસાન કરે એવા ન હોવા જોઈએ. એને હેલ્પ થાય એવા કરવા જોઈએ. ત્યાં એ પ્રયત્નમાં સમતા રાખવી બહુ મુશ્કેલ છે. સમતા રાખવી જોઈએ. બહુ સુધારવાથી તો બગડે. એ ખુશી હોય તો પ્રયત્ન કરવો, નહીં તો સુધારવા માટે એની ના ખુશી હોય ને આપણે સુધારવા ફરીએ તો એ આવી રીતે સુધારાય નહીં. સુધારવાનું હોય તો આપણે છે તે સુધરેલા જોઈએ. અત્યારે અમારી પાસે બધી છોકરીઓ ડાહી થઈ જાય છે. સ્ત્રીઓ બધી ડાહી થઈ જાય છે. હું પોતે સુધર્યો પછી કેમ ના થાય તે ? મારી પાસે તમે ડાહ્યા થઈ જાવ કે ના થઈ જાવ ? પ્રશ્નકર્તા : હા, થઈ જ જઈએ ને ! જય સચ્ચિદાનંદ |
|---|