દ્વેષ-અભાવ, ત્યાં ભય !

સંપાદકીય

આ જગતમાં ભય એ શેનું પરિણામ છે ? પોલીસવાળો આપણા ઘરનું બારણું ખટખટાવે, તેને દેખતા જ મહીં ભય લાગે. શાથી ? કારણ કે પોલીસ પ્રત્યે કંઈક દ્વેષ-અભાવ છે. વકીલની નોટીસ આવી ને કોર્ટમાં ઊભા રહેવાનું થયું છે, તો ? તરત ફફડાટ થવા માંડે. કારણ કે કોર્ટ પ્રત્યે અણગમો છે. પરમ પૂજ્ય દાદાશ્રી પોતાનો જાતઅનુભવ કહે છે કે પહેલા એવું જ્ઞાન જાણ્યું હોય તેનાથી મનમાં પોલીસ પ્રત્યે, કોર્ટ પ્રત્યે અભાવ થઈ ગયો હોય, તો હવે એવું જ્ઞાન જાણીએ કે પોલીસવાળા સારા છે, એ તો બિચારા રક્ષણ કરે છે, કોર્ટો તો ન્યાયમંદિર કહેવાય, એ તો કામની વસ્તુ છે. આમ સમજણ ફેરવી નાખે તો અભાવ નીકળી જાય, તો ભય ખલાસ થઈ જાય. કોઈ પણ જીવ પ્રત્યે, ગરોળી છે, વાંદો છે, વીંછી છે, સાપ છે, તેનો ભય લાગે તો સમજી જવું કે તેને માટે કંઈ અભાવ-તિરસ્કાર છે જ. હવે અભાવ કાઢી નાખો તો ભય બંધ થઈ જાય.

કોઈ કહેશે, 'મને નોકરી નથી ગમતી, કડવી દવા પીવી ફાવતી જ નથી.' જેને ને તેને ના ગમતું કર્યા કરે, પછી એમાં અભાવ થાય ને ધીમે ધીમે ભય ઉત્પન્ન થાય. અરે, કોઈ માણસ ના ગમતો થઈ ગયો તો તેમાં પણ ભય ઉત્પન્ન થાય. ત્યાં પછી જ્ઞાનીએ બતાડેલો ઉપાય કરવો પડે. એ માણસ માટે મનમાં પ્રતિક્રમણ કર્યા કરવા પડે, જોડે જોડે એ મહાન ઉપકારી છે, પાંચ-પચ્ચીસ વખત બોલ બોલ કરવાથી આંટી ઉકલી જાય. પછી વ્યવહાર સરસ થાય.

હા, બીડી, સીગરેટ, વિકારી સ્વભાવ એ ના ગમતો રાખવા જેવો. ખોટું થાય એની બીક લાગે તો સારું છે, બીજાને દુઃખ દેવાનો ડર રાખવા જેવો છે, પાપ કરવામાં ડરવા જેવું છે પણ બીજા કશાથી ડરવા જેવું નથી. દાદાશ્રી કહેતા, 'અમને ચોરી કરવા મન લલચાય તો તરત પરિણામ દેખાયા કરે. એટલે ભય લાગે. તે ચોરી કરાય જ નહીં.' એટલે ખોટા કાર્યોના પરિણામને ખૂબ ખૂબ સમજી લીધા હોય તો પછી ખોટા કાર્યો છૂટી જ જાય.

અંધારામાં વીજળીના ચમકારામાં સાપ ઘરમાં પેસતા દીઠો તો મહીં ભટકાટ-ભય લાગ્યા જ કરે. હવે એ નીકળી ગયો કે નથી નીકળી ગયો, તે જ્ઞાન નથી થયું ત્યાં સુધી ભય અને એને બહાર જતા દીઠો તો ભય મટી જાય. નહીં તો ત્યાં સુધી શી રીતે માણસ નિર્ભય થાય ? જ્ઞાનીના જ્ઞાનથી નિર્ભય થવાય. એટલે બુધ્ધિથી અમુક હદ સુધીના ભય જાય પણ છેવટનો ભય તો અજ્ઞાનતા ખલાસ થાય, શુધ્ધ જ્ઞાન થાય તો જ જાય.

પ્રસ્તુત અંકમાં સંસારમાં ભયના કારણો ખલાસ કરી નિર્ભય પદ પામવાની અદ્ભૂત ચાવીઓ સંકલિત થઈ છે. જો ચાવીઓ ઉપયોગમાં લઈએ તો જગતમાં સંયોગી વસ્તુઓથી, જીવોથી કે ઋણાનુબંધના હિસાબોથી મુક્ત થઈ નિર્ભય પદમાં સ્થિર થવાય એવું છે.

જય સચ્ચિદાનંદ

દ્વેષ-અભાવ, ત્યાં ભય !

પોલીસ દેખતાં તેલ રેડાય !

હવે બહાર છે તે કો'કની જોડે ગાડી અથાડીને આવ્યા હોય અને પોલીસવાળો આવે કે 'ચંદુભાઈ છે કે ? ચંદુભાઈ છે કે ?' એટલે શું થાય ?

પ્રશ્નકર્ર્તા : ગભરામણ થાય.

દાદાશ્રી : બહુ જ ગભરામણ થાય, નહીં ? થોડીઘણી ?

પ્રશ્નકર્તા : પોલીસમાં ઓળખાણ હોય તો ના થાય ગભરામણ.

દાદાશ્રી : ઓળખાણ તો બધે ક્યાંથી હોય ? એ તો અહીં ઓળખાણ હોય ને બીજી જગ્યાએ ના હોય.

અરે, ભૂલથી પોલીસવાળો આ ચંદુભાઈને બદલે બીજા ચંદુભાઈને ત્યાં ચઢી જાય ને પેલા ચંદુભાઈને એમ કહે કે અમારી પાસે સમન્સ છે. તે પહેલાં તો એને ગભરામણ થઈ જાય ને એને હાર્ટફેઈલ ના થઈ જાય તો સારું.

બોલો હવે, આ આવું ને આવું શી રીતે પોષાય ? હજુ દુઃખ આવ્યું નથી, પ્રત્યક્ષ થયું નથી, તે પહેલાં તો સાંભળતાની સાથે જ !

અત્યારે કોઈ પણ માણસને પોલીસવાળો ખાલી કહે, 'ચંદુલાલ છે ?' તો પોલીસવાળાના આવતા પહેલાં જ ફફડે. વળી આટલી બધી નિર્બળતા કેમ હોવી જોઈએ ? જગત તો બહુ ઊંડું છે. ઘણા અવતારનું જોયેલું છે પણ યાદ રહે નહીંને ! એટલે જાણવા જેવું છે જગત.

અને આ જગતમાં શું કરવા જેવું છે ને શું નથી કરવા જેવું ? શું જાણવા જેવું છે ને શું નથી જાણવા જેવું એટલું જ સમજવાનુંુ છે.

અને 'તું કોણ છું ? શેના આધારે છું ?' એય ખબર નથી. એ ખબર હોવી જોઈએ ને કે શેના આધારે છે ! આધાર-આધારીનો સંબંધેય સમજવો જોઈએને કે આપણે શેના આધારે છીએ ! આધાર જાણતા નથી.

કોર્ટ-વકીલોનો લાગે ભય !

પ્રશ્નકર્તા : દાદા, મુખ્ય ચાર કષાય, ક્રોધ-માન-માયા-લોભ, એમાં ભયને કેમ ક્યાંય નામ નથી અપાયું ? એ ભય પણ કષાય જ છે ને ?

દાદાશ્રી : ભય એ પરિણામ છે અને કષાય પોતે ક્રિયાકારી છે. એટલે કે કૉઝિઝ છે. અને ભય એ ઈફેક્ટ છે એટલે ભયને વચ્ચે લાવવાની જરૂર નહીં. આ કૉઝિઝ હોય તો જ એ ઈફેક્ટ આવે.

પ્રશ્નકર્તા : ભય કયા કષાયોનું પરિણામ છે ?

દાદાશ્રી : ભય તો આ બધાય કષાયોની ઇફેક્ટ જ થઈ છે. આમાં કોનું નામ આગળ પડતું દેવું ? એમ માનો ને કે કષાય છે ને ભય, ભય, ભય લાગે છે. કષાય તો નીકળે એવાં છે નહીં. કોઈ માણસ કહે કે મને આનો ભય લાગે છે, આનો ભય લાગે છે, આનો ભય લાગે છે. ત્યારે ભય લાગવાનું કારણ શું ? ત્યારે કહે, જે વસ્તુ તમને ના ગમે, તેના ભયની શરૂઆત થઈ જાય.

એક માણસ તો મને કહે છે, 'આ ભાઈએ મને સાક્ષીમાં મૂક્યો છે. સમન્સ આવ્યું છે.' મેં કહ્યું, 'મને શું કરવા કહેવા આવ્યો ? એમાં વાંધો શો ? વકીલ તો એણે કરેલો છે. એ વકીલ કહે એ તારે કરવાનું.' ત્યારે એ કહે, 'પણ મને તો ન્યાયમંદિરમાં પગ મૂકતાં જ ભય લાગે છે.' મેં એને કહ્યું, 'અલ્યા, ન્યાયમંદિર તો મોટું બિલ્ડીંગ છે. એમાં કંઈ પડી જવાય એવું તેવું તો છે નહિ, કે એ લોકોએ કૂતરા રાખ્યા છે મોટા મોટા ? ત્યાં શાની બીક લાગે ? અને એ તો મંદિર છે'. ત્યારે એ કહે, 'ના, એ મને નહીં ફાવે, નહીં ફાવે.'

તે અહીં ને અહીં જ ભડકતો હોય, વાત કરતાં જ ભડકતો હોય. એટલે એ બિલ્ડીંગમાં જવું હોયને તો એને ગભરામણ થાય. શાથી બીક લાગતી હશે ?

પ્રશ્નકર્તા : ભય પેસી ગયેલો.

દાદાશ્રી : 'નથી ગમતું, નથી ગમતું' કહ્યું તેથી આ ભય પેસી જાય તો પછી ન્યાયમંદિર ના જાય. એટલે 'બહુ સરસ, બહુ સરસ' કહીને મહીં પેસીને બેસીએ નિરાંતે !

ન્યાયમંદિર તો મંદિર છે. જો નામેય પાડ્યું છે મંદિર. પગથિયાં ચડતાં જ મહીં તેલ રેડાય. પણ કોને કહે ? આબરૂ જાય. પોતે પોતાની મેળે વેદે બિચારો. કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં. કારણ કે હંમેશાં જે ના ગમતું હોય તેનો ભય લાગે આ દુનિયામાં. જે આપણને ના ગમે તેનો ભય લાગે. અને જે ગમ્યું તેનો ભય ઊડી જાય આપણને. તે ન્યાયમંદિર આવ્યું તે ગમે નહીં. અહીં અત્યારે સાહેબે બોલાવ્યા, એ ગમે નહીં. એટલે ત્યાં ભય, આમ ફટાકા મારે. અને સોલીસીટરોને તો ગમતું હોય. અલ્યા કાગળ, સારું થયું, હેંડો પેલી કોર્ટ. ઓહો ! આ તો સેશન્શમાં છે.

કેટલાકને પોલીસવાળાનો ભય પેસી ગયેલો હોય. 'આ ખોટા છે, આ નથી ગમતા' કહ્યું ત્યાં ભય પેસશે. એટલે 'નથી ગમતા, ખોટા છે' ત્યાં 'સારા છે, સારા છે, ગમે છે' એવું બોલશો તો ભય નીકળી જશે. આ ઔપચારિક રસ્તો દેખાડી દઉં.

બધાંને કોર્ટમાં જવાનું નથી ગમતું. તે ઘડીએ 'કોર્ટમાં શું વાંધો છે ? એ તો ન્યાયમંદિર છે. એ મંદિરમાં જવાનો વાંધો શો છે આપણને ? એ બહુ સારી વસ્તુ છે' એમ તમે કરતા કરતા જાવ તો, કશો ભય નહીં લાગે.

પહેલાં તો મનેય ન્યાયમંદિરમાં જવાનું નહોતું ગમતું. એટલે મેં મારી જાતે શોધખોળ કરી કે શું કારણથી આ નથી ગમતું ? આ ન્યાયમંદિર કહેવાય છે. ત્યાં બધા લોકો જાય છે, નાના છોકરાંય જવા તૈયાર છે. તે પછી મને સમજાઈ ગયું કે મને આના તરફ તિરસ્કાર છે, તેથી ભય પેસી ગયો છે.

પછી તો હું અમથો ન્યાયમંદિર તરફ ફરી આવું, જરા જોઈ આવું, કંઈ લેવાદેવા નહીં તોય અમથો ફરી આવું. કેવું સરસ છે ! આ વકીલો જુઓને, બહુ સારા છે. એવું કહું તે વકીલના રૂમમાં બધા બેઠા હોય. કોઈ ઓળખાણવાળો વકીલ મળે તો કહે, 'અરે, આવો, આવો, તમે ઘણે દહાડે આવ્યા છો ! કંઈ સાક્ષી પૂરાવો છો ?' મેં કહ્યું, 'ના બા, કશું છે નહીં. ખાલી જોવા આવ્યો છું.' એમ કરતા કરતા ભય છૂટી જાય. આ તો નકામો ભય લાગ્યા કરે, વગર કામનો ! હવે ત્યાં ન્યાયમંદિરમાં એને આપણે સાક્ષી આપવા જવાનું છે એમાં આટલો બધો ભય ? તમને નહીં લેવા, નહીં દેવા તોય ? પણ ના, એને ભય પેસી ગયો તે શું થાય તે ? અને પાંજરામાં પેસતાં તો મહીં ફટાકા મારે !

આ મેં મારી જાતે શોધખોળ કરેલી. જો કે મને કોઈ ગુરુ મળ્યો નહીં. પણ આ પોતે ગૂંચાય ને પોતે ખોળે, પોતે ગૂંચાય ને પોતે ખોળે. આમ પછી જાતે જ શોધખોળ કરેલી. એટલે હું આ દાખલા બધા આપી શકું છું. અત્યાર સુધીમાં જે દાખલા છેને, તે મારા અનુભવના દાખલા છે અને હેલ્પફૂલ છે.

એટલે હું આવા ઔપચારિક રસ્તા દેખાડી દઉં. 'પોલીસવાળા બહુ સારા માણસ હોય છે. એ બિચારા તો રક્ષણ કરે છે. એ તો બહુ સારી વસ્તુ છે. એટલે હિતકારી છે.' આવું કહેશો તો પછી ભય નહીં લાગે. આ ઔપચારિક રસ્તો છે. બીજો સંપૂર્ણ ભય તો ક્યારે જાય ? ક્રોધ-માન-માયા-લોભ ને એ બધું જાય ત્યારે. નહીં તો ઔપચારિક તો આ હોય જ. તો ઔપચારિક બતાવી દઉં તો તમને અત્યારે ચીલાચાલુ કામ લાગી જાય.

વાંદા, ગરોળીનો ભય કેમ ?

પ્રશ્નકર્તા : વાંદાનો ભય બહુ લાગે બધાને.

દાદાશ્રી : હા, તે વાંદાનો ભય લાગે એટલુંુ જ નહીં, આ વાઘ-સિંહ બધાનો ભય લાગે. 'આ મને નુકસાનકર્તા છે અને મારી નાખનારા છે' એવો ભય પેસી ગયો છે પણ એવો ભય રાખવાની કોઈ જરૂર નથી.

કોઈ ખરાબ છે એવું માન્યું ત્યારથી ભય પેઠો. ઘણાં માણસો, 'એય ગરોળી આવી, ગરોળી આવી' કરે, તે એને એનો ભય પેસી ગયેલો. તેથી તે જ્યાં જાય ત્યાં એને ગરોળી જ દેખાય. અલ્યા, એ ગરોળી શું ખોટી હતી ? ગરોળી સારી હતી. આવો નકામો ભય શું કામનો ? એક માણસ તો અડધા કલાક સુધી સંડાસ ના ગયો. મેં કહ્યું, 'કેમ તમે બેસી રહ્યા છો ?' પછી સંડાસમાં જઈને પાછા આવ્યા એટલે પૂછયું, ત્યારે એ કહે 'મહીં ગરોળી છે, તે ખસતી નથી.' હવે આ બધું મેં વટાવેલું. આ બધા ભયને હું વટાવી વટાવીને આગળ ચાલ્યો છું.

ના ગમતું કશું જ રાખ્યું નહીં !

એક તો વાતવાતમાં બોલ્યા કરે કે આ તો મને નથી ગમતું. નોકરીમાં તો મને નથી ગમતું, ફલાણું મને નથી ગમતું. ત્યારે મેં કહ્યું, 'તમે તો રાતદહાડો જુઓ છો, પણ અમે સહેજેય અણગમો કશો બતાવ્યો કશામાં ? તે તમને કેમ લાગે છે કે તમને આ ગમતું નથી ? વાતે વાતે એવું બોલો છો ? મને તો એવું કોઈ બોલે તો બહુ ચીતરી ચઢે !' તે એવું બોલતો હશે કોઈ માણસ ? જો દવા પીવાની ના ગમે, સંડાસ જવાનું ના ગમે. કોઈને ગમતું હશે આ બધું ? પણ કરવું જ પડે એ તો. અને એ તો ગમે છે એમ કરીને કરવું પડે.

પ્રશ્નકર્તા : ગમે છે એમ કરીને કરવું પડે ?

દાદાશ્રી : ત્યારે શું કરે તે ? નથી ગમતું કહે તો બીક લાગે. હંમેશાં જે ચીજ ના ગમે એનો ભય લાગે, ભય પેસી જાય. કોઈ માણસ ના ગમતો હોય તો એ માણસ દેખે ને ભય લાગે. 'ગમે છે' કહીએ તો ભય ના લાગે. કોઈ વસ્તુ 'ના ગમતી' હોય તો ભય લાગે છે એવું તમે જાણો છો ? નહીં જાણતા હો ?

પ્રશ્નકર્તા : જાણું છું. અને 'ગમે છે' એવું કહીએ તો ?

દાદાશ્રી : તો ભય ના લાગે. બસ, આ જ છે. જગતમાં કોઈ ચીજ 'નથી ગમતી' એ તો બોલવું જ નહીં. માનવતા ખલાસ કરી નાખે એ ચીજ ના ગમવી જોઈએ આપણને. જેમ કે બ્રાંડી, સીગરેટ, વિકારી સ્વભાવ ના હોવો જોઈએ. મનુષ્યમાં જે ખપતું નથી તે ના હોવું જોઈએ. આ તો તમારી પાસે છે જ નહીં પછી શા હારુ 'ના ગમતું' રાખો છો ?

'નથી ગમતું' એવું બોલ્યા કે સાયકોલોજીકલ ઇફેક્ટ પડે છે. કારણ કે આત્માનો સ્વભાવ કેવો છે ? જેવું બોલે એવો થઈ જાય. જેવું ચિંતવે તેવો થઈ જાય. એટલે અમને 'ગમે છે' એવું કહે તો એવું થઈ જાય.

તમને એવું ભૂત પેસી ગયેલું કે 'આ નથી ગમતું, આ નથી ગમતું.' હા, તે અજ્ઞાનદશામાં તો બધા એવું કરે જ પણ આ જ્ઞાનદશામાં ના હોવું જોઈએ. નહીં તો જેવું ચિંતવે એવો થઈ જાય. તમે જાણીને પછી આવું કરો છો બધું ? પેણે જાણતો જ નથી બિચારો.

પ્રશ્નકર્તા : જ્ઞાન પછી જાણીને કરે ?

દાદાશ્રી : હા, જ્ઞાન પછી જાણતો થયો કે જેવું ચિંતવે એવો આત્મા થઈ જાય. એટલે અમને તાવ ચઢ્યો હોય તો કોઈ કહે, 'તાવ ચઢ્યો છે ?' ત્યારે હું કહું કે 'ના, કશુંય નથી થયું.' બહુ કહે ત્યારે કહું કે 'ભાઈને તાવ ચઢ્યો છે.' 'મને ચઢ્યો છે' એવું હું ના બોલું. તમારે બહુ બોલવું હોય તો 'મનને નથી ગમતું' એવું બોલવું. 'મને નથી ગમતું' એવું ના બોલાય, તમે તો એવું સીધું બોલો છો કે 'મને નથી ગમતું !' પછી જો ડીપ્રેશન આવે ને, ભય લાગે.

છોડો ગાંઠ, ના ગમતાની !

કોઈ ઓળખાણવાળા ના ગમતો હોય, તે કો'ક દહાડો ઓફિસમાં આવે ત્યારે ગભરામણ થઈ જાય કે આ મૂઓ ઓફિસમાં કેમ આવ્યો ?

ના ગમતાનું મનને છે, મને નહીં. એનાં કરતાં આપણે કહીએ કે, 'આવો બા, તમે અમારે ત્યાં ક્યાંથી ?' ના ગમતા હોય તો જાણીએ કે મનને હજુ ગમતું નથી. એટલે આપણે વધારે વહાલ કરીએ. 'આવો બા, આ લ્યો, અમારી ખુરશી ઉપર બેસો'. તો પેલો અવળી ગાઠ બાંધતો હોય તો તે છોડી દે કે નહીં ? એને મનમાં થાય કે હું ધારતો હતો એવો આ ભઈ નાલાયક નથી. આ છે તો સારા. પણ આપણે જ ખુરશી ના છોડીએ તો એ જાણે કે આ હજુ ગાંઠ છોડતો નથી. ત્યારે આપણે પણ છોડીએ એ બીજા ! અને જ્યારે ત્યારે બધી ગાંઠોથી છૂટકારા વગર મોક્ષે જવાય એવું નથી.

જ્ઞાની પુરુષ તો બધી જાતની ગાંઠો છોડાવી દેવડાવે. ના ગમતો હોય તોય તેને કહેશે, 'બે-ચાર દા'ડા હવે રહો ને !' કારણ કે આપણે તો સમભાવે ફાઈલોનો નિકાલ કરવાનો છે. એને છેતરવા માટે નહીં, દાદાની આજ્ઞા પાળવા માટે. અને સમભાવે ફાઈલોનો નિકાલ શી રીતે કરવો કે, 'આવો ભાઈ, મારે તો ટાઈમ છે, વાતોચીતો થશે, આનંદ થશે.' એવું કહ્યું તો મહેમાન ખુશ થાય. અને કહ્યું હોય કે, 'કેમ અત્યારે બપોરે ?' એટલે પેલો ભડકે. એના કરતા 'આવો' કહીએ એટલે પેલો ખુશ થાય. જ્ઞાની પાસે તો બહુ જ્ઞાનકળા હોય.

ખરાબ કલ્પ્યો કે ભય લાગ્યો !

મનમાં જરાક અસર થાય અને સામો ખરાબ છે એ કલ્પ્યું કે ભય લાગ્યો. આ દુનિયામાં ભયસ્થાન ક્યાંથી ઊભું થયું છે, કો'કને ખરાબ કલ્પ્યો કે તરત ભય ઊભો થયો. હવે અજ્ઞાની માણસો ખરાબ કલ્પ્યા વગર રહે જ નહીં ને ! આ ખરાબ છે ને તે ખરાબ છે ને પેલું ખરાબ છે, એ ખરાબ કલ્પ્યો કે ભય ઉત્પન્ન થાય. ભય ખરાબ ભાવનામાંથી જ ઊભો થયો છે. કોઈને ખરાબ નહીં પણ શુધ્ધાત્મા જોવો. બાહ્ય વ્યવહાર નિર્દોષ છે. નિર્દોષ જોવો પછી બીજું આપણે જોવાની જરૂર નથી. આપણને અધિકાર નથી. અને જે કરી રહ્યો છે એ બધું નિર્દોષ જ કરી રહ્યો છે. કારણ કે એની પોતાની આજની સત્તા નથી, કર્મના ઉદયને આધીન કરી રહ્યો છે. તો ભય ના લાગે કોઈનો !

જ્યાં દ્વેષ ત્યાં ભય !

ભય ક્યારે પેસે ? દ્વેષપૂર્વકના ત્યાગમાં, તિરસ્કારમાં નિરંતર ભય રહે. પોલીસવાળાનો ભય શાથી લાગે છે ? તે ગમતો નથી તેથી, તેનો તિરસ્કાર છે તેથી. કોર્ટનો ભય શાથી લાગે છે ? શું કોર્ટ કોઈને ખાઈ ગઈ ? ના. એ તો એનો દ્વેષ છે તેથી. ભય એ છૂપો તિરસ્કાર ગણાય છે. સાપની મહીં ભગવાન બિરાજેલા છે, તે દેખાતું નથી માટે જ ભય લાગ્યો ને ? સાપ સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી આવે. જો સહજ રીતે સામો મળે અને ભાઈમાં ભય ઊભો ના થાય તો સાપ બાજુમાં થઈને જતો રહે. હિસાબ ના હોય તો કશું જ ના કરે.

આખો સંસરણ માર્ગ-સંસાર માર્ગ ભ્રાંતિવાળો છે, ભો-ભડકાટ જેવો છે. ભો-ભડકાટ એટલે શું ? રાતે સૂતા પહેલાં ભૂતનો ભો પેઠો હોય કે સાપનો ભો પેઠો હોય, તો આખી રાત તેને ભો-ભડકાટ રહ્યા કરે, ઊંઘેય નહીં ! અને સવારે એટલે કે પ્રકાશમાં તે ભય નાશ પામે ત્યારે તેનો ભડકાટ જાય. તેમ આ સંસારમાં પણ છે.

ભૂતના ભડકાટમાં ફરક એટલો રહે કે તેનો ફક્ત ભડકાટ રહ્યા કરે કે, મારું શું થશે ? ભય ના લાગે, જ્યારે સંસારમાં ભય અને ભડકાટ બન્નેય રહે. ભય રહે એટલે અજ્ઞાનતાથી તેની સામે રાગ-દ્વેષ કર્યા કરે અને તેનાથી ભડકાટ રહે. પરિણામે ભયવાળા સંયોગોને મારવાના, પ્રતિકાર કરવાના પ્રયત્નમાં રહે.

ચીઢ ત્યાં ભય !

જેનો તિરસ્કાર કરશો તેનો ભય લાગશે. આ સાપનો, વાઘનો તિરસ્કાર છે તેથી ભય લાગે છે. સાપ જોડે ચીઢ, ગરોળી પર ચીઢ. ગરોળી પર જો ચીઢ ચઢી હોય ને તો ભય લાગશે અને ચીડ ના ચઢી હોય તો ભય નહીં લાગે. વાઈફ ઉપરેય છ મહિના જો ચીઢ આવ્યાં કરતી હોય ને, તો એનો ભય લાગે.

પ્રશ્નકર્તા : ચીઢને લીધે ભય લાગે છે કે ભયને લીધે ચીઢ ચઢે છે ?

દાદાશ્રી : ના, ચીઢને લીધે ભય છે. ભય તો હતો જ નહીં ને, એ વાઈફનો કંઈ હોતો હશે ? અરે, આ પોલીસવાળાનો કંઈ ભય હોતો હશે ? એ ચીઢ છે માટે ભય લાગે છે. ગોદડા ઉપર ચીઢ ચઢી હોય તોયે તમને ગોદડાનો ભય લાગે.

પ્રશ્નકર્તા : ચીઢ કેવી રીતે કાઢવાની ?

દાદાશ્રી : એ અમારે શીખવાડવાનું. ખરાબ છે, ખરાબ છે કરતાં કરતાં શું થઈ જાય ? ચીઢવાળું થઈ જાય, નહીં તો સારું છે, સારું છે, સારું છે, સારું કહ્યા કરો તો ચીઢ ઉડી જાય. તમને કેમ લાગે છે ?

અમારે તો વીતરાગતા હોય પણ માંહ્યોમાંહ્ય (અંદરોઅંદર) ફાઈલ હોય ને, તે કંઈક એ થાય ત્યારે જરા મનમાં સહેજ થાય ત્યારે કહું કે મહાન ઉપકારી છે. એવું કહું કે મન ચૂપ થઈ જાય. ભાગતાં આવડવું જોઈએ આપણને. તો શેષ વધશે નહીં પછી. શેષ વધેને તો દુઃખ છે. શેષ વધશે ત્યાં સુધી દુઃખ છે. તમને ભાગતાં આવડે ખરું ?

તિરસ્કારથી ઊભો ભય !

આ પોલીસવાળાનો શાથી ભય લાગે છે ? તિરસ્કાર. પોલીસવાળાની મહીં આત્મા નથી ? પણ આ લોકોને શાથી ભય પેસી જાય છે ? જેનો તમે તિરસ્કાર કરશો, એનો તમને ભય અવશ્ય પેસશે, માટે તિરસ્કાર કોઈનો કરશો નહીં. આ મચ્છર કૈડી ખાશે, તે રાતે શી રીતે ઊંઘી જઈશ ? એને મચ્છર પર જે તિરસ્કાર પેઠો, તે પછી ઊંઘવા ના દે એને. 'મચ્છરાં છે ખરાં, પણ કાલે હતાં તેના કરતાં ઓછાં છે', એવું કહે તો ઊંઘ આવે. આપણે કંઈક એવું પાંસરું બોલીએ તો ઊંઘ આવે, નહીં તો ઊંઘ શી રીતે આવે ?

આ છે તે વકીલનો તિરસ્કાર, કોર્ટના તિરસ્કાર હોયને, તે મહીં પેસતાની સાથે જ ભય લાગે. એવું તિરસ્કાર થતો હોય ત્યાં આપણે જ્ઞાન ફેરવી નાખવું, પોલીસવાળા તો બહુ સારા માણસ છે, મહીં ભગવાન છે. એટલે પછી આમ પાછું ફરે. તિરસ્કાર એને તૂટી જાય અને ભય ના લાગે.

આ જ્ઞાન લીધા વગરના લોકોને તો પાર વગરના ભય પેસી ગયેલા હોય છે. તિરસ્કાર કર્યા કરે છે, તેથી ભય લાગે છે. તિરસ્કાર કરવાથી ભય લાગે છે. તમારા અનુભવમાં આવ્યું થોડું ?

પ્રશ્નકર્તા : હા, આવ્યું પણ પહેલો તિરસ્કાર હોય છે કે પહેલો ભય હોય છે ?

દાદાશ્રી : પહેલો તિરસ્કાર હોય છે. પહેલો ભય હોતો નથી. તિરસ્કાર કેવી રીતે ? સાંભળ્યું હોય કે આ પોલીસવાળા બહુ ખરાબ, એ જ્ઞાન થયેલું હોય, એટલે પહેલો તિરસ્કાર પેસે. આ જ્ઞાનનાં આધારે પોલીસવાળા બહુ ખરાબ કહેશે. ખરાબમાં ખરાબ પોલીસવાળા એવું જ્ઞાન સાંભળેલું હોય, એ તિરસ્કાર છે, પછી ભય છે. તિરસ્કારનું ફળ છે ભય. જ્ઞાનના આધારે પેલો તિરસ્કાર પેસે અને તિરસ્કારથી ભય ઉત્પન્ન થાય છે. પછી એ ભય વધતો જાય દહાડે દહાડે અને પોલીસવાળો તેને ઘેર આવ્યો હોય ને તો પેલાને અકળામણ થઈ જાય છે, ખાલી પૂછવા જ આવ્યો હોય તોય !

પ્રશ્નકર્તા : બાજુવાળાનું એડ્રેસ પૂછવા આવ્યો હોય.

દાદાશ્રી : હા, બાજુવાળાનું એડ્રેસ પૂછવા આવ્યો હોય, તે પેઠો ત્યાંથી જ ભય લાગે.

વેપારની ખબર ચાર-પાંચ દહાડાથી ખરાબ આવતી હોય, તો અહીં આગળ પોસ્ટમેન પેઠો કે તરત મનમાં થાય કે 'આજ એવા ખબર આવશે ? શું કરવું ?' પોઝિટિવ રહેવું જોઈએ કે આજે સરસ ખબર આવશે. પેલાને અહીં આગળ બોલાવીએ પછી મહીં કાણ નીકળે, તે પછી બાજુએ મૂકી દેવાની. મહીં તો પોઝિટિવ રાખવું આપણે.

પતિ પ્રત્યે તિરસ્કાર...

કોઈ ઓળખાણવાળો હોય, તેનો કેમ ભય નથી લાગતો ? કારણ કે તેના પર તિરસ્કાર નથી. તિરસ્કાર ના હોવો જોઈએ. નહીં તો ભય લાગ્યા કરશે.

પ્રશ્નકર્તા : તિરસ્કાર બહુ મોટી વસ્તુ છે. આડે આવે એવી છે.

દાદાશ્રી : હા, અમે તિરસ્કાર માત્ર કાઢી નાખેલો હોય. એટલે અમને ભય નહીં, નિર્ભયતા એની ને.

પ્રશ્નકર્તા : આ આટલા બધા માણસોની વચ્ચે મેં કહી દીધું કે મારા હસબન્ડ પર મને આવો તિરસ્કાર થાય છે, તો આ મેં બરાબર ના કર્યું. આ જોખમદારી મેં લીધી કહેવાય ને ? સાવ સાચું કહીને, આ કડવું સત્ય કે નગ્ન સત્ય બોલી ના કહેવાય ?

દાદાશ્રી : એની માફી માગી લેવાય. ઉઘાડું કરેલું સારું, જાણવાનું મળ્યું ને ઉપાય જડ્યોને આ. તિરસ્કાર કરવાથી ભય લાગે છે એવું તને જાણવાનું જ્ઞાન થયું ને ? એટલે તને ભય શાથી લાગે છે તે તને સમજાયું ને ?

પ્રશ્નકર્તા : તો તિરસ્કાર કરતાં બંધ થઈશું ઊલટાના !

દાદાશ્રી : બંધ થવું, તે પોતાના હિતને માટે.

પ્રશ્નકર્તા : અને એનુંય હિત. બન્નેનું હિત છે એમાં.

દાદાશ્રી : અરે, મને જ્ઞાની થયા પછીય એક જણની ઉપર તિરસ્કાર થવા માંડ્યો એટલે પછી એ બંધ થતો નહોતો તિરસ્કાર. બીજું કંઇ નહીં, 'બહુ જ ખરાબ, બહુ જ ખરાબ, બહુ જ ખરાબ' એવું મનમાં રહ્યા કરે. હવે ખરાબ બોલ્યો એટલે તિરસ્કાર ને જ્ઞાની થઈને ખરાબ બોલે એટલે બહુ મોટો તિરસ્કાર કહેવાય. પછી તરત જ શું એડજસ્ટમેન્ટ કર્યું ? 'મહાન ઉપકારી માણસ, મહાન ઉપકારી', તે કેટલીય વાર 'મહાન ઉપકારી' કહ્યું, સમજાવ્યું ત્યારે બુધ્ધિય ખુશ થઈ ગઈ. તિરસ્કાર ઉડાડી દીધો. તિરસ્કાર હોય નહીં, અમને તિરસ્કાર હોય નહીં કોઈ દિવસ. કોઈ પણ પ્રકારનો ભયેય ના હોય. અમારો ઉપરીયે કોઈ નથી, જે ભગવાન છે એય અમારો ઉપરી નથી. ભગવાન અમને વશ થઈ ગયેલો છે. પછી બીજો કોઈ ઉપરીયે નથી, ભય નથી. કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું ? વીતરાગતા અને નિર્ભયતા બે ઉત્પન્ન થઈ, એટલે ખલાસ થઈ ગઈ વાત.

આ જગતમાં નિર્ભયતા અને વીતરાગતા ! પણ આ ભય લાગતો હોય એની તપાસ કરજો. આ ભય જો લાગે તો પછી સાપનો કેમ ભય લાગે છે ? એના માટે તિરસ્કાર છે. જોતાંની સાથે જ 'મારી નાખો' એવું કહે છે. અલ્યા મૂઆ, તને ક્યાં કૈડી ગયો છે ? કશું મને કંઇ ગાળ દેતો નથી, એ એની મેળે ફર્યા કરે છે. વીંછીનોય ભય લાગે. કોઇને ધણીનો ભય લાગ્યા કરે.

પ્રશ્નકર્તા : હા, દાદાજી, લાગતા'તા જ.

દાદાશ્રી : આપણે ઊલટું માનવું જોઈએ કે આવા ધણી મળ્યા છે તો મોક્ષે જવાનું થયું. આપણને પેલું બહુ છે તે એટેચમેન્ટ હશે તો છૂટી જશે, ઓછું થશે.

પ્રશ્નકર્તા : એનો સારો અર્થ લેવો જોઈએ.

દાદાશ્રી : એને ખરા અર્થમાં લેવું જોઈએ. ઉપકારી છો કાયમને માટે, મને મોક્ષે જવાનું સાધન કરી આપ્યું તમે. એમ કરીને ઉપકારી માનીએ તોય પેલો ભય તૂટી જાય. દ્વેષ તૂટે એટલે ભય તૂટે. તને કોઈ દા'ડો દ્વેષ થયેલો નહીં ?

પ્રશ્નકર્તા : થાય, દાદા.

દાદાશ્રી : તો એનો ભય નથી લાગતો ?

પ્રશ્નકર્તા : ભય નથી લાગતો.

દાદાશ્રી : ભય લાગ્યા વગર રહે નહીં. પણ ખબર ના પડે. એક આ પાણીનું માટલું હોય ને, તે કહું કે ખરાબ છે, એટલે તમને દેખતા જ ભય લાગશે.

પ્રશ્નકર્તા : થાય, થાય, દાદા.

દાદાશ્રી : ભય જાય એટલે રહ્યું શું ? અને લોકોની જોડે રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ ને ભય જાય એટલે ઘણું કામ થઈ જાય ને ! ભય તો વગર કામનો ફફડાય ફફડાય કરે છે !

પ્રશ્નકર્તા : તિરસ્કારથી ભય થાય છે તો રાગથી શું થાય ?

દાદાશ્રી : મૂર્છા થાય, બેભાનપણું થાય. આ બેઉ જાય ત્યારે વીતરાગ થાય.

ભડક, પાછલા અવતારની !

મેં આ છોકરાઓને ઘણું કહ્યું, તમે પૈણો, પૈણો. પણ કહે, ના બા. કંઈક અનંત અવતારનો આપણો અનુભવ હોય ને, તે બોલે. અનુભવ પેસવા ના દે.

એક માણસ મને પૂછતો હતો. મને પાણીનું તળાવ કે એવું તેવું દેખું છું, તો મને ભડક પેસી જાય છે. મેં કહ્યું, 'શી ભડક થાય છે' ? ત્યારે કહે, 'હું ડૂબી જઈશ'. મહીં પેસતાં જ ભડક થાય. એનું કંઈ કારણ હશે, કહે છે. મેં કહ્યું, 'પહેલાં પૂર્વભવમાં ડૂબી ગયેલો હોઈશ. તેની આ હજુ ભડક જતી નથી'. અનંત અવતારમાં ક્યારેક જે ડૂબી ગયેલા ને, તે ભડક જાય નહીં પછી. પડઘા તો રહે જ ને !

બીક રૂપી પ્રિકોશન !

પ્રશ્નકર્તા : દાદા, બીક કેમ લાગે લોકોને ?

દાદાશ્રી : બીક લાગવામાં તો આપણને અણગમો હોય તેની બીક લાગે આપણને. જે આપણને ના ગમતા હોય તેની બીક લાગે. કોની બીક લાગે છે તે કહે ?

પ્રશ્નકર્તા : વધારે સ્કૂલમાં બીક લાગે કે કદાચ કંઈ ખોટું થાય તો શું થાય ?

દાદાશ્રી : તેની બીક લાગે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે ખોટા ઉપર તને દ્વેષ છે, ખોટું નથી ગમતું માટે બીક લાગે છે. એ બીક તો સારી છે. એમાં નુકસાન નહીં થાય. ખોટું થાય એની બીક તો સારી છે.

પ્રશ્નકર્તા : એટલે શું મને ના સમજાયું ?

દાદાશ્રી : ખોટું થવાની બીક છે એટલે ખોટું નહીં થાય આપણા હાથે. ખોટું થઈ જશે એ બીક તો પ્રીકોશન છે. એ બીક નથી, પ્રીકોશન છે. ભય નથી. પ્રીકોશન એ ફીયર નથી. તને સમજાયું ?

પ્રશ્નકર્તા : હજુ થોડુંક વધારે સમજાવો.

દાદાશ્રી : આપણે કૂવા ઉપર બેઠા હોયને, ત્યારે પડી જવાનો ભય લાગે. તે ભય શાથી લાગે છે કે આપણે પ્રીકોશન લેવા પડે. નહીં તો પડી જઈએ, પ્રીકોશન ના લઈએ તો. રાતે ઊંઘી ગયા હોય ત્યાં આગળ, કૂવાની પાળી ઉપર સૂઈ જવાનો વખત આવ્યો, તો પડી જવાશે કે નહીં એની પ્રીકોશન લઈ અને પછી સૂઈ જવું જોઈએ અને કાળજીથી સૂઈ જાય એટલે પડી ના જાય એ માણસ અને બેકાળજીથી સૂઈ જાય તો પડી જાય.

રસ્તા ઉપર બંધ આંખે ચાલવું જોઈએ કે ઉઘાડી આંખે ચાલવું જોઈએ ? આપણે ગાડી ચલાવી તો બંધ આંખે ચલાવવી જોઈએ કે ઉઘાડી આંખે ?

પ્રશ્નકર્તા : ખુલ્લી આંખે.

દાદાશ્રી : કેમ એમ ? બંધ આંખે કરીએ તો તને શું વાંધો ?

પ્રશ્નકર્તા : કદાચ કંઈક ખોટું થઈ જાય, કદાચ એક્સિડન્ટ થાય.

દાદાશ્રી : માટે આ તેને માટે આ પ્રીકોશન લેવાનું, ખોટું ના થાય એના પ્રીકોશન રૂપે.

પ્રશ્નકર્તા : એટલે બીક રાખવી જોઈએ આપણે ?

દાદાશ્રી : બીક રૂપી પ્રીકોશન છે, બીક નથી ખરેખર. આપણે ઉઘાડી આંખે ચાલીએ તો કંઈ બીક લાગે છે તને ? તે આંખો ઉઘાડી રાખો છો, તે પ્રીકોશન લઈએ છીએ છતાં ત્યાં બીક નથી.

પ્રશ્નકર્તા : તો હું શું કરું છું ? હું પ્રીકોશન લઉં છું કે મને બીક લાગે છે ?

દાદાશ્રી : નહીં, પ્રીકોશન લેવાની જરૂર છે, ભય રાખવાની જરૂર નથી. તારે એવું બોલવાનું કે દાદા, મારામાં ભય છે જ નહીં બિલકુલ. એવું બોલવાનું પાંચ વખત. એટલે ભય ચાલ્યો જશે, લે જા હવે. હવે ભય નહીં લાગે. 'દાદા, તમે છો ને ભય કેમ લાગે ?' તો તરત ભય બંધ થઈ જશે.

પ્રશ્નકર્તા : હું જે અભ્યાસ કરું છું, એની અંદર કંઈક ખોટું થઈ જાય તો એ મને વારંવાર ભય લાગ્યા કરે. ઓછા માર્ક આવે તો એનો ભય લાગ્યા કરે.

દાદાશ્રી : આ ગાડી ઉઘાડી આંખે ચલાવે ને, તે પ્રીકોશન લઇને ચલાવેે પણ એકાદ દહાડો કોઈ અથડાઈ ગયું તો પછી ભય પેસી જાય એનામાં. પછી ભય સાથે ચાલે. એ ભય રાખવા જેવો નથી. પ્રીકોશન રાખવાનું છે, ભય રાખવાનો નથી. આ તો તારે કહી દેવાનું કે ભય રાખવાનો નથી. એવું દાદાએ કહ્યું છે, તો કેમ ભય રાખું છું ?

રાગ-દ્વેષ જાય તો ભય જાય !

પ્રશ્નકર્તા : તો એ ભય નીકળે કેવી રીતે ?

દાદાશ્રી : એ તો રાગ-દ્વેષ જાય તો નિર્ર્ભયતા ઉત્પન્ન થાય. રાગ-દ્વેષ ને નિર્ભયતા, આ ત્રણ ચીજો સમજવાની છે. જ્યાં સુધી રાગ-દ્વેષ હોય ત્યાં સુધી ભય જ હોય. રાગ-દ્વેષ એટલે સંસારમાં ડખો કરવો. ડખો કરીએ એટલે ભય. અને જેને ડખો નથી તેને ભય નથી. રાગ-દ્વેષ એટલે ડખો. કોઈ ચોરી કરે એને ચોર કહ્યો, એને રાગ-દ્વેષ કહેવાય. એ ડખો કર્યો કહેવાય. એને પૂછીએ કે ભઈ, તું આ શું કરી રહ્યો છે ? ત્યારે કહે, 'કાકા, મારો તો આ બિઝનેસ છે. મારા બાપ-દાદાના વખતનો બિઝનેસ છે.' હા, એનો ધંધો નહીં ? હેં ? એટલે સહુ સહુનો ધંધો છે. કસાઈને કસાઈનો ધંધો હોય અને આપણે ચીડિયા ખાયા કરીએ. અલ્યા, શું કરવા ચીડિયા ખાયા કરે છે વગર કામનો ? જગત જે ચાલે છે એ જો તો ખરો, કેવુંુ સુંદર ચાલ્યા કરે છે ? જેમ છે એમ કરેક્ટ છે, એવું જો તો ખરો તું ?

ભય જાય એટલે રહ્યું શું ? રાગ-દ્વેષ ના થાય લોકોની જોડે. રાગ-દ્વેષ જાય એટલે ઘણું કામ થઈ જાયને ! ભય ફફડાટ, ફફડાટ કરે છે ને ? વગર કામનો ફફડાટ, ફફડાટ !

અક્કલ નથી છતાંય નમે લોકો !

આ લોકો જમાડે તોય અવળું બોલે. બૈરી ઘેર જમાડતી હોય તોયે પણ અવળું કહેશે કે આમનામાં અક્કલ નથી. અને અમે કહીએ કે 'અમારામાં અક્કલ નથી.' તેને કોટી કોટી નમસ્કાર કહે. બધાય લોકો કાગળોમાં કોટી કોટી પ્રણામ લખે. અક્કલ નથી એટલે.

પ્રશ્નકર્તા : તમે એમ કહો કે અક્કલ નથી, માટે પગે લાગીએ છીએ, એવું નહીં. અક્કલના છેડાની પાર જઈને પહોંચ્યા છે, એટલે લોક પગે લાગે છે.

દાદાશ્રી : ના, અક્કલમાં પ્રતિસ્પર્ધી હોય, અમારે તો અક્કલ નહીં એટલે કોઈ પ્રતિસ્પર્ધી જ નહીં ને ! પ્રતિસ્પર્ધી સ્પર્ધાવાળાને હોય. પેલાથી મોટો અક્કલવાળો, એનાથી મોટો અક્કલવાળો, એનાથી મોટો એટલે ઈનામ મળે જ નહીં ને !

પ્રશ્નકર્તા : સાધારણ લોકોને તો દાદા અક્કલ વગરના છે, એવું તો ખબર પડે જ નહીં ને ?

દાદાશ્રી : ના પડે. એ તો એમ જ જાણે કે બહુ અક્કલવાળા છે. 'હું અક્કલ નથી' એમ કહુંુ છું ત્યારે તો લોકો ગભરાય છે, 'ના બોલશો' કહે છે.

કોઈ પણ શાસ્ત્રમાં એવું લખ્યું નથી ને ! આ નવું વાક્ય બોલ્યો છું, હું. કોઈ પણ શાસ્ત્રમાં લખ્યું નથી એવું. બુધ્ધિ વગરના કે અક્કલ વગરના માણસોય હોય.

પ્રશ્નકર્તા : તમે એવું કહો છે ને, તે પેલા બુધ્ધિવાળા લોકો એવા ગભરાય જાય છે, દાદા.

દાદાશ્રી : બહુ ગભરાઈ જાય. બુધ્ધિવાળા તો ગભરાય, રાતે ઊંઘે નહીં. બૈરી જોડે કકળાટ માંડે, છોકરાં જોડે કકળાટ માંડે, એ બુધ્ધિવાળો જ કરે ને એ બધું.

બુધ્ધિ ત્યાં દ્વંદ્વ !

પ્રશ્નકર્તા : દાદા, બુધ્ધિ છે તે રિલેટીવની બાબતમાં એની જરૂર છે ને ?

દાદાશ્રી : હા, એમાં જરૂર છે, નફો-ખોટ જ્યાં હોય ત્યાં જરૂર છે. જ્યાં દ્વંદ્વ છે ત્યાં બુધ્ધિની જરૂર છે. જેને દ્વંદ્વાતીત થવું છે, જેને ફીયરલેસ થવું છે તેને જ્ઞાનની જરૂર છે, ફેક્ટની જરૂર છે. તમને ફીયરલેસપણું નથી ગમતું કે ગમે છે ?

પ્રશ્નકર્તા : હા, ગમે છે.

દાદાશ્રી : હા, દરેકને ગમે છે. કોને ના ગમે એ વસ્તુ ? બધાને ગમે ને, બેન ? ભયરહિતપણું, જરાય ભય ના લાગે, એ પદ કોને ના ગમતું હોય ?

અધૂરું જ્ઞાન પમાડે ભય !

અજ્ઞાનતા એ જ ભય છે. કોઇએ કહ્યું કે, આ જે જંગલના રસ્તે તારે જવાનું છે ત્યાં વાઘ-સિંહ નથી. પણ તે સાથે આટલું કહેવાનું ભૂલી ગયો કે એક જગ્યાએ વાઘ-સિંહ છે પણ તે પાંજરામાં છે. બસ, આટલું જ કહેવાનું રહી ગયું અને પેલો તો જંગલને રસ્તે ગયો. ત્યાં એક જ વાઘે અવાજ કાઢ્યો કે તેના છક્કા છૂટી ગયા અને પાછો નાસી આવ્યો ! જો તેને પેલાએ પહેલેથી કહ્યું હોત કે વાઘ-સિંહ છે પણ પાંજરામાં છે, તો તેને ડર ના લાગત. એવાં અધૂરાં જ્ઞાનથી ક્યાં ઊકેલ આવે ? પેલાના અધૂરાં જ્ઞાનથી પેલો ડરીને નાસી ગયો !

જ્ઞાન રખાવે નિશંક !

અંધારી રાતે ગામડામાં દીવાના પ્રકાશમાં ઓરડીમાં સાપ પેસતો જોયો પછી તમારાથી ઊંઘી શકાય કે ?

પ્રશ્નકર્તા : ના, ભય લાગે.

દાદાશ્રી : અને તમે એકલા જ જાણતા હો, તે બીજાને શું થાય ?

પ્રશ્નકર્તા : એ તો આરામથી સૂઈ રહે

દાદાશ્રી : ત્યારે ભગવાને કહ્યુંુ કે પેલો આરામથી સૂઈ રહ્યો છે તો તું કેમ નથી સૂતો ? ત્યારે એ કહે, 'મેં સાપ પેસતાં જોયો છે, નીકળતો જોઉં ત્યારે સૂઈ જાઉં.' તે પેસવાનું જ્ઞાન થયું છે. નીકળ્યાનું જ્ઞાન થાય તો છૂટાય. પણ જ્યાં સુધી મનમાં તે પેલી શંકા રહે ત્યાં સુધી ના છૂટાય.

પ્રશ્નકર્તા : નીકળતા જોયો નથી, ત્યાં સુધી શી રીતે જાય ?

દાદાશ્રી : 'જ્ઞાની'ના 'જ્ઞાન'થી શંકા જાય ! કશું કોઈથી, સાપથીયે અડાય નહીં એવું આ જગત છે. 'અમે' જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આ જગત એક ક્ષણવાર અન્યાયને પામ્યું નથી. જગતની કોર્ટો, ન્યાયાધીશો, લવાદો બધું અન્યાયને પામે પણ જગત અન્યાયને નથી પામ્યું. માટે શંકા ના કરશો.

પ્રશ્નકર્તા : એટલે ભય રાખવો નહીં ? સાપ જોયો તે ભલે જોયો પણ એનો ભય રાખવો નહીં ?

દાદાશ્રી : ભય ના રાખ્યો રહે નહીં, એ તો પેસી જાય. મહીં શંકા કર્યા જ કરે. કશું કોઈથી વળે એવું નથી. જ્ઞાનમાં રહેવાથી શંકા જાય.

પૂર્ણ જ્ઞાને થયો નિર્ર્ભય !

શુધ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે. 'આત્મા' એ પણ શબ્દ મૂકવામાં આવ્યો છે. એ સંજ્ઞાસૂચક શબ્દ છે. 'જ્ઞાન' એ જ પરમાત્મા છે. જ્ઞાન બધું જ ચલાવે છે પણ શુધ્ધ જ્ઞાનનાં દર્શન થવાં જોઇએ. શુધ્ધ જ્ઞાનથી મોક્ષ. સદ્જ્ઞાન રાખીશ તો સુખ મળશે, વિપરીત જ્ઞાન રાખીશ તો દુઃખ મળશે. કોઇ બાપોય ઉપરી નથી. ભગવાન કોને કહેવાય ? જે આ દુનિયામાં 'સ્વતંત્ર' થયા છે તે અને જેમનો કોઇ ઉપરી નથી તે ભગવાન. કોઈ ઉપરીય નહીં અને કોઈ અન્ડરહેન્ડ પણ નહીં પણ જ્યાં પોતાનું 'પરવશપણું' જ નથી સમજાયું, ત્યાં 'સ્વતંત્રપણું' ક્યાંથી સમજાય ? સંસાર એ તો પરવશતાનું સંગ્રહસ્થાન છે અને પરવશતા એ જ દુઃખ છે. આ તો લોકો પોતે પોતાનાથી જ ગુપ્ત રહ્યા છે ! જેટલા વિચારો આવે છે તેટલા જગતમાં માર્ગ છે. તને અનુકૂળ આવે તે માર્ગે ભટક ભટક કર અને જ્યારે થાકે ત્યારે 'આ' મોક્ષની કેડીએ આવ. તારે સ્વતંત્ર થવું હોય ત્યારે આવજે. મૂઆ, સંસાર ખોટો નથી, જગત ખોટું નથી, જગતમાં કશું જ ખોટું નથી પણ તારી સમજણ ખોટી છે. જગતમાં ક્ષણે ક્ષણે ભય છે, ક્ષણે ક્ષણે પરવશતા જ છે, તેનાથી જ ફફડાટ ફફડાટ રહ્યા કરે છે તને.

અજ્ઞાનીઓ ભયને અનુભવે, જ્ઞાન આપ્યું હોય તે ભયને વેદે અને ભયની અસરને જાણે તે 'કેવળજ્ઞાન સત્તા' !

વીતરાગોનું 'જ્ઞાન' તો 'નિર્ભય જ્ઞાન' છે. જો 'જ્ઞાની પુરુષ' મળી જાય તો એ 'જ્ઞાન' મળી જાય.

પરિણામને સમજી લેવાં !

આ બધું વિજ્ઞાન છે અને વિજ્ઞાનને જાણ્યા સિવાય છૂટાય નહીં. કોઈ રસ્તે વિજ્ઞાન જાણ્યા વગર છૂટાશે નહીં. કારણ કે શેના આધારે પેલો (લાંચ) લે છે અને શાને આધારે પેલો (લાંચ) નથી લેતો ? અને લઈને આવતા ભવની પ્રતીતિ એમ નક્કી કરે છે કે આપણે લેવા જેવું તો નથી જ. અને મોજ કરે છે પણ લેવા જેવું નથી એમ કરીને પોતાની જાતને સુધારે છે. પેલો લેવા જેવું છે એમ કરે છે અને મોજ કરતો નથી. એમ કરીને તે પોતાની જાતને બગાડી રહ્યો છે.

આ (બહાર છે તે) પરિણામ છે અને (મહીં થાય છે તે) આ કોઝ છે. કોઝ જ્યારે પરિણામમાં આવશે ત્યારે તમારી ક્રિયા થશે. ત્યાં સુધી ક્રિયા નહીં થાય, માટે કોઝને મજબૂત કરી દો. એ આવતા ભવમાં પરિણામ એક્ઝેક્ટલી આવી જાય.

અને એ જ પ્રમાણે હું ચાલ્યો છું અને મેં આ બધું જોયેલું જ છે એ પ્રમાણે. કારણ કે મારો નાનપણથી એક સ્વભાવ હતો કે દરેક કાર્ય કરું એનું મને પરિણામ દેખાયા વગર રહે જ નહીં. છોકરા બધા ચોરી કરતા હોય, તો મારું મન લલચાય ખરું કોઈ વખત, કે આ એક કરવા જેવી ચીજ છે. પણ મને તરત પરિણામ ભય દેખાયા જ કરે. એટલે મૂળથી જ પરિણામ જડે. એટલે કશું કંઈ ચોંટવા દીધું નહીં. પરિણામ મને જોડે હોય છે. આનું પરિણામ શું આવશે એ મારી સાથે હોય છે, દરેક વાતમાં.

પ્રશ્નકર્તા : એટલે એનો સાર એ થાય કે અભય થવા માટે પરિણામની પ્રતીતિ થવી જોઈએ ?

દાદાશ્રી : બસ, બસ. અભય થવા માટે પરિણામ લક્ષમાં રહેવું જોઈએ.

હવે અભય આપણે કેળવીએ રોજ રોજ, દા'ડે દા'ડે ભય ઓછો ઓછો કરતાં જઈએ તેથી કરીને સંપૂર્ણ નિર્ભય થઈએ નહીં. કારણ કે કઈ ચીજનો ભય નથી ? સાપનો ભય, વીંછીનો ભય, બધાનો, જે જે કરડે, ગરોળીનોય ભય લાગતો હશે લોકોને ? નથી લાગતો ? પછી બૈરીનો ભય લાગે, થોડા ડોસા હોય તેનો ભય લાગે, બધાનો, જેનો તેનો. પોલીસવાળાનો ભય લાગે, બધાનો ભય. ભય વગર તો સંસાર જ નથી ને ! એટલે કેળવ્યાથી ના જાય. એ તો અમે તમને અભયપદ (શુધ્ધાત્માપદ) આપીએ. નિર્ભયપદ, તે પદ ઉત્પન્ન થયા પછી નિર્ભય રહેવાય. જે પદ પછી એને ભય અડે જ નહીં.

જગતમાં કયો આધાર શાશ્વત ?

તમને ભય ઉત્પન્ન થાય છે ? કોઈ ભય લાગતો નથી ને ? આ સાલ શેઠ બહુ ડાહ્યો, ઊંચામાં ઊંચો ગણાતો હોય, તે આવતી સાલ ગાંડો હોય. કંઈ આધાર તો શેઠ જોઈશે ને કે નહીં જોઈએ ? અને તે કાયમનો આધાર. આધાર એવો હોવો જોઈએ કે પછી ખસી ના જવો જોઈએ. આ તકિયા છે ને, તેને હું હડસેલુંને, તોય મને એમ ખાતરી કે પડી નહીં જાય. પણ આ છોકરા, આ વાઈફ, એને તકિયા તરીકે આમ હડસેલીએ તો પડી જાય, કોઈ વખત. કારણ કે એ સાચા આધાર નથી. આ ભીંત તો ટકાઉ છે, એટલે થોડો કાળ આમ પડી ના જાય. ખાતરી થાય, ખસી નહીં જાય.

એટલે હવે આ હિન્દુસ્તાનના લોકોને આધારની જરૂર છે. બહારના લોકોને આધારની જરૂર જ નથી. કારણ કે એ સહજભાવે જીવે છે. સહજ એટલે આધાર કે નિરાધાર વિકલ્પ આવતો જ નથી તેવો. એ લોકોને બૈરી જોડે મતભેદ પડ્યો. એટલે ડિવોર્સ ! એ બીજી લઈ આવે પાછો. એને કંઈ સમાજની બીક કે ભય કે એવું કશું જ નહીં. સમાજનું બંધન નહીં.

દુઃખ દેવાથી ડરો !

પ્રશ્નકર્તા : ઘરના છ મેમ્બર અને એક સ્ત્રી હોય તો આ છ મેમ્બર સ્વતંત્ર થઈ જાય, તો પેલી સ્ત્રીની દશા શું થઈ જાય ?

દાદાશ્રી : ના, એવું તે એમ ને એમ થતું નથી ને આવું, કલ્પિત થતું નથી. એ તો જ્યારે એડજસ્ટમેન્ટ હોય તો જ થાય છે. કલ્પિત એવું થતું જ નથી. એટલે ભડકવા જેવું છે જ નહીં જગત. સંસારમાં ભડકવા વગર ચાલે એવું નથી ને આ અધ્યાત્મમાં ભડકવા જેવું છે નહીં. ભો યે (ભય પણ) નથી ને ભડકાટેય નથી.

કોઈને દુઃખ દેતાં ડર લાગે છે શેઠ, તો આપણને ફાયદો થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : ફાયદો થાય.

દાદાશ્રી : આ દુનિયામાં ડર કોનો રાખવાનો છે ? કોઈને દુઃખ દેવાના ભાવ થાય, તેનાથી ડર રાખવાનો છે. જો તમારે સુખી થવું હોય તો કોઈને દુઃખ ના આપશો. આ બધું ભગવાન સ્વરૂપ છે.

અજાણ્યું તે ભૂતાવળ !

વીતરાગ થવાનું છે તો ભય જશે, નહીં તો જગતમાં ભય લાગ્યા જ કરે. બધાને ભય લાગે. કોઈએ નવી સાયન્ટિફિક શોધખોળ કરેલી હોય, રાત્રે આપણી જોડેની રૂમમાં એ ગોઠવણી કરી આવે ને પેલું જો વિચિત્ર શબ્દ બોલે તો આપણે જાણીએ કે ભૂત આવ્યું, તે આખી રાત ઊંઘ ના આવે. એટલો બધો ભડકાટ, ભય રહ્યા કરે. હવે ક્યાં સુધી આમાં પોષાય બધું ?

આ ટેપરેકર્ડનું જ્ઞાન ના જાણ્યું હોય ત્યાં સુધી એય ભૂતાવળ છે. આ જાણવું પડે ને ? ના જાણ્યું હોય ત્યાં સુધી ભૂતાવળ કહેવાય. અત્યારે એ ભૂતાવળ ના કહેવાય. કારણ કે ખુલ્લું થયું છે. તેથી લોક ભડકતા નથી ને ! ૧૦૦ વર્ષ પહેલા આ રૂમમાં મૂક્યું હોય અને દાદા મરી ગયા હોય તો આનો અવાજ સાંભળીને કલેક્ટર-બલેક્ટર, યુરોપીયન બધા ભાગી જાય ! એ શાથી ? કારણ જે જ્ઞાન જાણ્યું નથી એ જ્ઞાન જ ભૂતાં છે, ભૂતાવળ છે. ભૂત છે એ જુદા છે પણ આ ભૂતાવળ છે એ આખો દહાડો હેરાન કરે. એ જ્ઞાન જાણ્યું નથી તેથી આખો દહાડો હેરાન કરે. ભડકાવે તે ભૂતાવળ છે, અજાણ્યું છે તે ભૂતાવળ છે. નાની બેબી છે, એને એનો સંસાર એના પ્રમાણમાં ખરો. આ બેબી સ્કૂલમાં જતી હોય તો 'મોડું થઈ જશે, સર વઢશે, લેસન નથી કર્યું', તે બધી ભૂતાવળ ભડકાવે ને રસ્તામાં જતાં કોઈ બહેનપણી મળી જાય ને જરા ગોદો વાગે તો એને માર તોફાન, તોફાન થઈ જાય. મહીં ચિંતા, ઉપાધિવાળું છે બધું !

જોખમદારી જાણી લેવી સારી !

આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરાય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે 'આ નાલાયક છે' તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનુંય ના બોલાય, અક્ષરેય ના બોલાય. આ મશીનરી જ એવી છે પણ એને ગમ નથી પડતી કે પોતાની જવાબદારીઓ કેટલી છે આમાં ?

અને પેલા મિનિસ્ટરો એક જ પેલા મશીનથી ભડક્યા કે જો જો કોઈ ટેપ ના કરી લે. ત્યારે આ અહીં જોવાનું નહીં ? અહીં તો બંગલામાં બોલાવીને ટૈડકાવે હઉ. બહારના કોઈએ સાંભળ્યું નથી ને, કહેશે. અરે, મૂઆ આ તો બધું આખું જગત સાંભળી ગયું. બધે ટેપ થઈ જાય.

માટે બોલવું હોય તો સારું બોલજો કે 'સાહેબ, તમે બહુ સારા માણસ છો.' સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.

પ્રશ્નકર્તા : કડવું તો જોઈતું જ નથી.

દાદાશ્રી : કડવું તો તમને ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય તો બોલશો નહીં. કોઈ મારે તોય એને કડવું ના કહેશો. એને કહીએ કે 'તારો ઉપકાર માનું છું.' કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે તમારી વાણી ના બગાડશો.

જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય એવી છે. તેનો જશ સારો મળે.

વાણીથી કેટલાકને બીવડાવ્યા, કૂતરાંને બીવડાવ્યા, જૂઠું બોલ્યા, પ્રપંચ બોલ્યા એ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેથી વચનબળ તૂટી જાય. એકલું જ સત્ય બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય.

એ ન ખપે ડિક્ષનેરીમાં !

'જો આમ થાય તો આમ' એ 'જો-તો' વાળાં વાક્ય આપણે ત્યાં માઈનસ કરેલાં છે. 'આમ થાય તો આમ' એ બધું વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. એ બબૂચક લોકોનાં વાક્ય છે. જેને સંસાર પણ સમજ પડતો નથી, તેનાં વાક્યો છે. 'આમ કર્યું હોત તો આમ થાત.' અલ્યા, જે થયું તેને ગા ગા કરને ! આ કંઈથી લાવ્યો છે ? સંસારમાંય કોઈ આવું ના વાપરે. હું નાનપણથી સમજી ગયો હતો, કેટલું ભયાનક વાક્ય છે 'જો-તો'! એ વાક્ય એ અહંકારનો ફોટો છે. કશું કોઈ રીતે હેલ્પ કરતું નથી.

રસ્તો જાણ્યે, ભય ભાગે !

આપણે કાગળમાં કોઈના માટે કશું ખોટું લખાઈ ગયું, પણ એ કાગળ નાખ્યો નથી, ત્યાં સુધી ફરી પાછું નીચે લખી શકાય, કે ઉપર જે તમારા માટે બે શબ્દો ખરાબ, ભારે લખી નખાયા છે, તે ઘડીએ મારુંુ મગજમાં જરા ગાંડપણ પૂરાયું હશે, માટે આવું લખાઈ ગયું છે, માટે માફ કરજો. એવું લખેને તો બધું માફ થઈ ગયું. ના લખાય એવું ? પણ તે ઘડીએ તો આમની આબરૂ જાય, આબરૂદારના કટકા બધા. કેટલાં કપડાં રાખે, ત્યારે આબરૂ રહે છે, તેય પાછું ફાટ્યું હોય તો સાંધવું પડે. મેલું થયું હોયને તો ઘેર કકળાટ માંડે. મારી સફેદ ટોપી ધોઈ જ નથી તમે ? નાવડી છાપ પહેરતો'તો તે ? તે કેટલો કકળાટ માંડે. ઈસ્ત્રી ના કરી હોય તો કકળાટ માંડેને. અલ્યા મૂઆ, શેના હારુ આબરૂ રાખે છે આ ? આ આબરૂ નથી રહેવાની. આ તો પોલી છે આબરૂ. આબરૂ નક્કર ખોળી કાઢ. નાગો ફરુંને તોય લોક પૂજા કરે, એવી આબરૂ ખોળી કાઢ. અને આ તો કપડાં પહેરીશ તોય મૂઆ, તારે ઢાંક ઢાંક કરવું પડશે, અહીં ફાટ્યું કે તરત, સીવી આપો, સીવી આપો. કેમ અલ્યા ? ત્યારે કહે, અહીં આગળ ઢીંચણ દેખી જાયને, તે મૂઆ નાગો છું ?

બધી અનંતી શક્તિઓ છે. જેવી ફેરવવી હોય એવી ફેરવી શકો છો. સાંભળ્યું નથી એટલે આવું થાય છે અને સાંભળ્યું હોય તો એવું કરી આપનાર જોેડે હોવો જોઈએ ને ? એવો તરણતારણ હોવો જોઈએ, તો આપણને ઉકેલ લાવી આપે, દેખાડે. રસ્તો જાણવાની જરૂર છે. પછી ભય નહીં રહે ને ? પછી ભો નહીં કોઈ જાતનો ? ભો વગરના થઈ ગયા, એટલે થઈ ગયું. ભગવાનેય પૂછી ના શકે.

અપ્રમાણિકપણું છતાં ઉર્ધ્વગતિ !

અત્યારે લોકોને શાસ્ત્રકારોએ બીવડાવ બીવડાવ કર્યા કે અપ્રમાણિકપણું થશે તો ખલાસ થઈ જશો. અપ્રમાણિકતા કર્યા વગર છૂટકો થતો નથી. માણસ શું કરે ? માણસ ક્યાં જાય પછી ? એટલે અત્યારે આ વિજ્ઞાન એવા રૂપમાં આપવાનું છે કે જે લોકોેને કુદરતી રીતે અપ્રમાણિકપણું જ કરવું પડે છે. એટલે અમે એને એમ કહેવા માંગીએ છીએ કે તું અપ્રમાણિકતા કરું છું તેનો મને વાંધો નથી. પણ હવે હું તને કહું છું તે પ્રમાણે કરજે કે ધોવાઈ જાય. આ રસ્તો ધોવાનો છે ને પેલો ચોખ્ખો રાખવાનો ધંધો છે. આ ડાઘ પડ્યા પછી ધોવાનો રસ્તો છે. પેલો ચોખ્ખો રાખવા જતાં ચોખ્ખુંયે નથી રહેતું ને ડાઘ વધારે વધારે પડ્યા કરે છે. એટલે આ માર્ગ જુદી જાતનો છે. ધોવે અને ઉપર પ્રકાશ આપે તે જુદું. અપ્રમાણિકપણું કરે છતાં આ મારા જ્ઞાનથી પોતાનું કામ ચાલે અને ઊર્ધ્વગતિમાં જાય. અક્રમ છે, ક્રમિક નથી. અક્રમ એટલે લિફ્ટમાર્ગ. લિફ્ટમાં બેસી આજ્ઞા એકલી પાળવાની. બીજું કશું કામ નહીં, ડખો નહીં, ડખલ નહીં.

એટલે કંઈ વાતચીત કરવી હોય તો કરજો. અહીં આગળ એવું નથી કે અમુક જ માણસોએ વાતચીત કરવી. બધાને વાતચીત કરવી, બધી હકીકત પૂછાય.

વાસ્તવિકતાઓ નિર્ભય બનાવે !

પ્રશ્નકર્તા : જગતની વાસ્તવિકતા વિષે કંઈક કહો.

દાદાશ્રી : જગતના લોકો વ્યવહારમાં બે રીતે રહે છે, એક લૌકિક ભાવથી અને એક અલૌકિક ભાવથી. તે ઘણો ખરો ભાગ જગતનો લૌકિક ભાવે જ રહે છે કે ભગવાન ઉપર છે ને ભગવાન બધું કરે છે. અને પાછો પોતેય કરતો જાય, ભગવાનેય કરતા જાય. એમને કંઈ વિરોધાભાસનો ખ્યાલ નથી અને એમને ભગવાન માથે હોય તો બીક રહ્યા કરે કે ખુદા યે કરેગા ને યે કરેગા. આમ કરીને ગાડું ચાલ્યા કરે.

પણ જે અત્યંત વિચારવંત થયો છે, જેને માથે ભારરૂપ બોજો કોઈનો જોઈતો જ નથી, તો એને માટે ખરેખરી હકીકત અલૌકિક હોવી જ જોઈએ ને ? અલૌકિકમાં કોઈ ઉપરી છે જ નહીં. જગતમાં તમારી ભૂલો જ ઉપરી છે.

કોઇ બાપોય તમારો ઉપરી નથી. કોઇ બોસ નથી. વગર કામનો ભડક ભડક કરે છે. અરે, ભગવાનેય તારો ઉપરી નથી. તું પોતે ભગવાન છે, પણ તેનું ભાન થવું જોઇએ. અને જ્યાં સુધી પોતે ભગવાન છે તેવું ભાન ના થાય, ત્યાં સુધી ભગવાનને ઉપરી માનવા જોઇએ, ત્યાં સુધી ભગત રહેવું જોઇએ અને ભાન થયા પછી ભગતપણું છૂટ્યું !

ભગવાન ઉપરી નથી !

કોઇ બાપોય તારો ઉપરી નથી, તેની આ 'ગેરેન્ટી' આપું છું. આ તો વગર કામની ભડક ઘૂસી ગઇ છે કે 'આમ કરી નાખશે, તેમ કરી નાખશે.' માટે તારે ભડકવાનું કોઇ કારણ નથી અને તારું 'વ્યવસ્થિત' હશે તો તને કોઇ છોડવાનું નથી. આ 'ઇન્કમટેક્ષ'વાળાનું કાગળિયું આવ્યું કે શેઠ ભડકી મરે. અલ્યા, આ કાગળિયું તો તારા 'વ્યવસ્થિત'માંનો એક એવિડન્સ છે. 'ઇન્કમટેક્ષ'વાળો કંઇ સરમુખત્યાર નથી. માટે ભગવાનને ઉપરી બનાવવાની મેલો ને પીડા ! આ ભગવાનને ઉપરી બનાવવો તેનાં કરતાં આપણી 'વાઇફ'ને ઉપરી બનાવીએ તો એ ભજીયાં તો બનાવી આપે !

આ ઉપર કોઈ બાપોય નથી, એમ કહેવાનો ભાવાર્થ શું છે, કે વાસ્તવિકતા જાણવી હોય તો આમ ઉપર કોઇ નથી. નહીં તો આ લોકોએ કહ્યું છે, ઉપર બાપો (ભગવાન) છે. પણ કોઈ બાપોય ઉપર નથી એ હું જોઈ આવ્યો, જાતે જોઈ આવેલો અને હોત તો મને ઉઠાડી લેતને હમણે એ. 'જો મારું ખેદાનમેદાન કરવા નીકળ્યો છે', ઉઠાવી લે કે ના ઉઠાવી લે ? કોઈ બાપોય નથી, બધું જોઈને બોલું છું આ, તમારો ભય છોડાવવા માટે. ઉપર બાપો તો શેના માટે ઘાલ્યો છે, કે અજ્ઞાન જીવોને ભડક ઘાલવા માટે બાપો મેલ્યો છે.

તો આપણો ઉપરી કોણ ?

આવું કોણ કહી શકે ? ત્યારે ઓહોહો ! આ કેટલા નીડર હશે ? અને ડર કોનો રાખવાનો ? મારી શોધખોળ છે કે તમારો ઉપરી જ કોઈ નથી આ વર્લ્ડમાં ! અને જેને તમે ઉપરી માનો છો, ભગવાનને, એ તો તમારું સ્વરૂપ છે ! ભગવાનનું સ્વરૂપ ઉપરી હોઈ શકે નહીં ક્યારેય પણ. એના અજાણ છે માટે એ ઉપરી હોઈ શકે નહીં. ત્યારે ઉપરી કોણ ? તમારા બ્લંડર્સ અને મિસ્ટેક્સ. આ બે જ જો ના હોય તો તમારો કોઈ ઉપરી છે જ નહીં. મારાં બ્લંડર્સ અને મિસ્ટેક્સ નીકળી ગયેલાં છે, એટલે મારો ઉપરી કોઈ પણ છે નહીં. તમે જ્યારે બ્લંડર્સ અને મિસ્ટેક્સ કાઢી નાખશો ત્યારે તમારા ઉપરી કોઈ નહીં. હમણે પોલીસવાળાની જોડે ત્યાં અથડામણ કરીને આવો, અહીં જલદી આવવા માટે, પતાવ્યા સિવાય આવો, પોલીસવાળો કહે, 'ઊભી રાખો' અને તમે ઊભી ના રાખી તો પછી પોલીસવાળા અહીં આવે. તો તમે તરત સમજી જાવ કે આ મારા માટે આવ્યો છે. કારણ કે ભૂલ કરી એ આપણને તરત ખ્યાલમાં આવી જાય કે આ ભૂલ કરી. એ ભૂલ ભાંગો. મારું શું કહેવાનું છે ? નરી ભૂલો જ થયેલી છે, એ ભાંગો. અત્યાર સુધી પારકાની જ ભૂલો દેખાઈ, પોતાની ભૂલ દેખાઈ નથી. પોતાની ભૂલ દેખે, ભાંગે એ ભગવાન થાય !

આ તે કેવું સ્ટ્રોંગપણું !

'ફેક્ટ' વસ્તુ નહીં જાણવી જોઈએ ? ક્યાં સુધી આ લૌકિક વાતો જાણશો ? અલૌકિક જાણ્યા સિવાય છૂટકારો નહીં થાય, ભય નહીં જાય ! આગલે દહાડે ભૂતની વાત સાંભળી હોય કે ચોપડીમાં વાંચવામાં આવી હોય ને રાતે પછી એકલા સૂઈ જવાનું થયું ને જોડેની રૂમમાં પ્યાલો જરા ખખડ્યો, ભલે ઉંદરે ખખડાવ્યો હોય, પણ મહીં શું થાય ? ભૂત પેઠું, તે મહીં હઉ ભૂત પેસી જાય. રાતે બાર વાગ્યાનું ભૂત પેઠું, તે સવારે સાત વાગે મહીં રસોડામાં જઈને જાતે જુએ નહીં ત્યાં સુધી ભય ને ફફડાટ !

પાછું અહીં સાંભળે કે વડોદરા પર બોમ્બ પડવાનો છે, ત્યાર પહેલાં તો મહીં ફફડાટ, ફફડાટ, ફફડાટ થઈ જાય ! અલ્યા, કહેનારો કંઈ ત્રિકાળજ્ઞાની છે ? અને એ બોમ્બ આપણને અડે એવી લાયકાત ધરાવે છે ? એવું છે, આપણા તાપથી એ બોમ્બ એક હજાર માઈલ છેટે જઈને પડે ! આપણા તાપથી એ બોમ્બ પણ ધ્રૂજે ! પણ આ તો ચકલાની પેઠ ફડફડ, ફડફડ થાય ! અને જો હિસાબ છે તો કુદરતની આગળ કશું ચાલવાનું નથી. હિસાબ તો ચૂકવવાનો જ છે ને ? દેહ ધર્યો છે ત્યારથી બધા હિસાબ ચૂકવવા તો પડશે ને ?

આ જન્મનું આ જન્મમાં ?

પ્રશ્નકર્તા : આ બધાં કર્મોનાં ફળ આપણાં આ જીવનમાં જ ભોગવવાનાં કે પછી આવતા જન્મમાં પણ ભોગવવાં પડે છે ?

દાદાશ્રી : ગયા અવતારે જે કર્મ કરેલાં, તે યોજના રૂપે હતાં. એટલે કાગળ ઉપર લખેલી યોજના. હવે એ રૂપક રૂપે અત્યારે આવે, તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે એ પ્રારબ્ધ કહેવાય. કેટલાય કાળે પાકે, તે પચાસ, પોણોસો, સો વર્ષે પાકવા આવે, તો ફળ આપવા સન્મુખ થાય.

એટલે ગયા અવતારે કર્મ બાંધ્યાં, તે કેટલે વર્ષે પાકે ત્યારે અહીં ફળ આપે અને એ ફળ આપતી વખતે જગતના લોકો શું કહે કે આમણે કર્મ બાંધ્યું. આણે આ માણસને બે ધોલ મારી દીધી, એને જગતના લોક શું કહે ? કર્મ બાંધ્યું એણેે. કયું કર્મ બાંધ્યું ? ત્યારે કહે, બે ધોલ મારી દીધી. એને એનું ફળ ભોગવવું પડશે. તે અહીં પાછું મળે જ. કારણ કે ધોલો મારી, પણ આજે પેલો ઢીલો પડી ગયો, પણ ફરી તાલ આવે એટલે વેર વાળ્યા વગર રહે નહીં ને ? ત્યારે લોકો કહે કે જો કર્મનું ફળ ભોગવ્યુંને છેવટે ? તે આનું નામ અહીં ને અહીં ફળ ભોગવ્યું. પણ આપણે એને કહીએ કે તારી વાત સાચી છે. આનું ફળ ભોગવવાનું, પણ એ બે ધોલો કેમ મારી એણે ? એ શા આધારે ? એ આધાર એને જડે નહીં. એ તો એણે જ મારી કહેશે. એ ઉદયકર્મ એની પાસે નચાવડાવે આ. એટલે આગળ કર્મ કર્યું છે, તે નચાવડાવે છે.

પ્રશ્નકર્તા : એ જે ધોલ મારી એ કર્મનું ફળ છે, કર્મ નથી, એ બરોબર ને ?

દાદાશ્રી : હા, એ કર્મફળ છે. એટલે ઉદયકર્મ એને આ કરાવડાવે છે અને એ બે ધોલ મારી દે છે. પછી પેલો માર ખાનાર શું કહે, કે 'ભઈ, બીજી એક-બે આપને !' ત્યારે કહે, 'હું કંઈ અક્કલ વગરનો મૂર્ખો છું ?' ઊલટો વઢે. પેલો માર્યો તે એનું કારણ છે, બેનો હિસાબ હોય ને, તે હિસાબની બહાર થાય નહીં કશુંય. એટલે આ જગત એવું છે કે હિસાબી વસ્તુ, એક આના પઈ સાથેનો હિસાબ છે. એટલે ભડકવા જેવું આ જગત જ નથી, બિલકુલેય. નિરાંતે સૂઈ જવા જેવું છે. તેમ છતાં બિલકુલ એવું નહીં થઈ જવું જોઈએ નીડર કે મને કશું નહીં થાય !

સ્થૂળ કર્મથી ભડકો નહીં !

સ્થૂળ કર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો, ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે. એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : એ ગુસ્સો આવ્યો, એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે 'જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.' કોઈ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું અહીં ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થૂળ કર્મ છે અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ. તે આવતા ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ. તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઈ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું.

આ સ્થૂળ કર્મમાં તને ગુસ્સો થયો, તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને બંધન નહીં થાય. કારણ સૂક્ષ્મ કર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઈએ અને કોઈ માણસ કોઈની ઉપરેય ગુસ્સે નથી થતો છતાં મનમાં કહેશે કે આ લોકોની ઉપર ગુસ્સો કરીએ તો જ એ સીધા થાય એવા છે. તે આનાથી આવતા ભવે પાછો ગુસ્સાવાળો થઈ જાય ! એટલે બહાર જે ગુસ્સો થાય છે, તે સ્થૂળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે, તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મને બિલકુલ બંધન નથી, જો આ સમજે તો ! તેથી આ સાયન્સ મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે અને તેથી લોકો ભડક ભડક થાય છે.

ઋણાનુબંધથી કેમ છૂટાય ?

પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણને જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય. અને છતાં સહવાસમાં રહેવું પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ ? કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામનાં પ્રતિક્રમણ કરવાં જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા'તાં ? ત્યારે કહે, એની જોડે પૂર્વભવમાં અતિક્રમણ કર્યું'તું. તે અતિક્રમણનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો પ્લસ-માઇનસ (વત્તા-ઓછા) થઈ જાય. એટલે અંદર તમે એની માફી માંગી લો. માફી માંગ માંગ કર્યા કરો કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું, કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે.

સહવાસ નહીં ગમે તો પછી શું થાય છે ? એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી ના ગમતી હોય તો બહુ દોષિત જો જો કરે, એટલે તિરસ્કાર છૂટે. એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો આપણને ભય લાગે. એને દેખો કે ગભરામણ થાય. એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે માફી માંગ માંગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માંગ માંગ કરો, એના નામની. જેના તરફ જે જે દોષ કર્યા હોય, હે ભગવાન ! હું ક્ષમા માગું છું. આ દોષોનું પરિણામ છે, તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર તમે માફી માંગ માંગ કરો, ભગવાન પાસેથી, તો બધું ધોવાઈ જશે.

વેરથી ઊભું જગત !

વેરથી જ આખું જગત ઊભું છે ને ? અરે, આ કીડીનેય એમ થાય કે મારી પાસે શક્તિ હોત તો તને જ સતાવત. આ માંકણ પણ બત્તી કરીએ કે ત્રાસ પામે અને નાસી જાય, ભય પામે મૂઓ, કે મને મારી નાખશે. સાથે સાથે એને એટલુંય હોય કે મારો ખોરાક છે તે ખાઉં છું, તેમાં મને શા માટે મારે છે ? એ તો લોહી પીએ તેય એના ઋણાનુબંધનું.

ઓર્નામેન્ટલની એમાં નથી જરૂર !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાની કોઈ ટેકનિક ખરી ?

દાદાશ્રી : હવે કશું ના આવડે, તો માફી માંગો કે હે દાદા, તમારી સાક્ષીએ માફી માંગું છું. બીજી મને આ સમજણ પડતી નથી, આવી તેવી કે ચાલ્યું. અને ટેકનિકની ત્યાં જરૂર નથી. તમારો હેતુ શો છે ?

એટલે પછી હેતુને બુધ્ધિશાળી લોકો ઓર્નામેન્ટલ બનાવે ને ઓર્નામેન્ટલ બનાવે એટલે પેલો બિચારો ભડક્યા કરે કે, આપણા જેવાને સમજણ પડતી નથી, આપણાથી થાય નહીં. અરે, મેલને પૂળો અહીંથી, માફી માગો. મને સમજણ પડતી નથી, આ બધી ભૂલો થઈ, તે ભગવાન આપની સાક્ષીએ માફી માગું છું. ત્યાં તો ઓર્નામેન્ટલ હોતું હશે ? ત્યાં તો ભગવાન સાવ અભણ (બુધ્ધિના ભણતરથી અભણ છતાં જ્ઞાનવાળા), ત્યાં આગળ આવું હોતું હશે, બળ્યું ? એ તો પંડિત પાસે હોય બધું. તે ક્રમિક માર્ગના જ્ઞાનીઓ પંડિત જેવા, તે આમ શબ્દે શબ્દે તોલ જુએ.

આલોચના એટલે...

પ્રશ્નકર્તા : આલોચના એટલે શું ?

દાદાશ્રી : હા, આલોચના એટલે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય, તો જે આપણા ગુરુ હોય અગર તો જ્ઞાની હોય તેમની પાસે એકરાર કરવો. જેવું થયું હોય એવા સ્વરૂપે એકરાર કરવો. કોર્ટમાં શું કહે છે ?

પ્રશ્નકર્તા : કન્ફેશન કરવું.

દાદાશ્રી : હા, તે ગુરુ પાસે કે જ્ઞાની પાસે, આપણે જે થયું હોય એવું કહી દેવું, બીક રાખ્યા વગર ! ગુરુ મહારાજ શું કહેશે એવો ભય નહીં રાખવાનો. ભય એટલે મારેય ખરા ! પણ આપણે નિર્ભય થઈને કહી દેવું જોઈએ કે આમ થઈ ગયું છે. પછી એ ગુરુ મહારાજ કહેશે કે પ્રતિક્રમણ કરજો. એટલે આપણને એ શીખવાડે કે આવી રીતે પ્રતિક્રમણ કરજો. એટલે આપણે પ્રતિક્રમણ શાનું કરવાનું ? ત્યારે કહે, 'જેટલું અતિક્રમણ કર્યું હોય, જે લોકોને પોષાય એવું નથી. જે લોકમાં નીંદ્ય થાય એવાં કર્મ, સામાને દુઃખ થાય એવું થયું હોય તે અતિક્રમણ. તે થયું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર.

પાપના ઉદય વખતે ઉપાય શો ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કદાચ નવાં પાપ બંધાય નહીં, પણ જૂનાં પાપ ભોગવવાં તો પડેને ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી નવા પાપ થાય નહીં એ તમારું કહેવું બરોબર છે અને જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. હવે ભોગવટો એ ઘટે ખરો, એ માટે મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો. તોય ભોગવટાનું ફળ હલકું કરી આપશે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય અને બિચારો આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ આમ એકદમ જોવાની આવી ગઈ અને દ્ષ્ટિ ત્યાં ગઈ તો પેલો એનું દુઃખ ભૂલી જાય. વજન છે છતાં એને દુઃખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રો છે ને, એ બોલવાથી પેલું વજન જ લાગે નહીં. એટલે આ મંત્રો એ હેલ્પિંગ વસ્તુ છે. તમે કોઈ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતા ? એક જ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતા ? તે જરા વધારે બોલોને એટલે બધું હલકું થઈ જાય અને તમને ભય લાગતો હોય તેય બંધ થઈ જાય.

મહાવીરે નિહાળ્યું નિજ પુદગલને જ !

દાદાશ્રી : હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ?

દાદાશ્રી : પણ તમને ભડકાટ નથી રહેતો ને કોઇ જાતનો ? જો આ સોંપેલું એવું હોય તો કિંચિત્માત્ર ભડકાટ ન રહે ને થડકાટ પણ ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતાં આવડ્યું એટલું કામનું. આ સોંપીને પછી ખાવને, ટેબલ ઉપર નિરાંતે બેસીને જમોને ! કોઈ બાપોય વઢનાર નથી. ઉપરી છે જ નહીં કોઈ. ઉપરી હતી તમારી ભૂલો અને તમારા 'બ્લંડર્સ'. 'બ્લંડર્સ' દાદાએ તોડી આપ્યાં અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દશ, કોઈ દા'ડો ભૂલો દેખાય છે ?

પ્રશ્નકર્તા : થોડી થોડી દેખાવા માંડી, પાંચ-પાંચ, દસ-દસ ભૂલો દેખાય છે ને તેને ખમાવું છું.

દાદાશ્રી : ના, એ પ્રતિક્રમણ શીખવું પડશે. કારણ કે આ અક્રમ માર્ગ છે, હંમેશાંય અત્યારે કોઈ આચાર્ય મહારાજ હોય તે કહેશે કે તમે આત્મજ્ઞાન લાધ્યા પછી પ્રતિક્રમણ શાનું કરો છો ? પણ આ અક્રમ માર્ગ છે. એટલે આપણે શું કરવાનું ? પોતાને નહીં કરવાનું. તમારે ચંદુભાઈને કહેવાનું કે 'ચંદુભાઈ, તમે આ અતિક્રમણ કર્યુ છે માટે પ્રતિક્રમણ કરો.' કારણ કે 'આપણે' છૂટ્ટા થયા, પણ આ 'ચંદુભાઈ' છૂટ્ટા થાય તો 'આપણે' છૂટ્ટા થઈએ. આ પરમાણુઓ ચોખ્ખાં કરીને મોકલવાં પડશે. 'આપણાં' નિમિત્તે એવું બગડ્યું છે.

પ્રશ્નકર્તા : ચંદુભાઈનો લોચો ઊભો છે હજુ, એને શુધ્ધ કરો.

દાદાશ્રી : હા, તે આ દાદાની (ચરણે) વિધિ કરે છે તે આત્મા વિધિ નથી કરતો. આપણે ચંદુભાઈને કહેવાનું કે ભાઈ, દાદાની વિધિ કરી લો, બા. હજુ તો આપણે ચોખ્ખું કરવાનું છે.

એટલે આપણે આત્મા તરીકે જાણ્યા કરવાનું કે આજે દાદાની વિધિ કરી, કેમ કરી, કેવી નહીં, એ બધું આપણે જાણ્યા કરવાનું.

નિરંતર જાણવું એ 'આપણું' કામ અને નિરંતર કરવું એ 'ચંદુભાઈનું' કામ. 'ચંદુભાઈ' નોકર અને 'આપણે' શેઠ. હા !

પ્રશ્નકર્તા : સારું થયું, હું શેઠ થઈ ગયો. જામ્યું આ તો !

દાદાશ્રી : હા, અને પાછું 'ચંદુભાઈ' નોકર એટલે તમારે રોફ રાખવાનો. અને કહેવાનું કે ટેબલ પર બેસીને 'ચંદુભાઈ' જમો, રોફથી જમો. હવે અમે છીએ તમારી સાથે. ત્યારે કહેશે, મહારાજ ના કહેતા'તાને ? ત્યારે કહીએ, મહારાજ ના કહે પણ તમે રોફથી જમો. આપણને હવે દાદા મળ્યા છે. ટેબલ તો વાપરો. ના હોય તો લાવવું.

જેણે અતિક્રમણ કર્યું તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવાનું, 'આપણે' નહીં કરવાનું. આપણે જાણનાર, ચંદુભાઈ શું કરે છે એના તમે જાણનાર, પછી વાંધો ખરો ? ભગવાન મહાવીરેય આ જ કરતા હતા. ભગવાન મહાવીર એક પુદગલને જોયા કરતા હતા. નિરંતર એક પુદગલમાં જ. આ બધા લોકોનાં પુદગલ જોવા ના જાય. એક જ પુદગલ જુએ.

લે બોધપાઠ આનાથી !

લોકો મને કહે છે કે 'તમારે તમારા દોષો કહેવાની શી જરૂર ? ફાયદો શો ?' મેં કહ્યું, 'તમને બોધપાઠ આપવા માટે કે તમને આવી હિંમત આવે. હું બોલું છું તે તમને હિંમત ના આવવી જોઈએ ?' હંમેશાં જે દોષ થયોને તે ખુલ્લો કરે તો મન પકડાઈ જાય. પછી મન ડરતું રહે કે આ તો ઊઘાડું કરી દેશે, ઊઘાડું કરી દેશે. ઊલટું આપણાથી ડરતું રહે. આ તો બહુ ભલા માણસ છે. ઊઘાડું કરી દેશે. અમે તો કહી દીધું કે અમે બધું ઊઘાડું કરી દઈશું. ઓપન ટુ સ્કાય (ખુલ્લે આમ) કરી નાખીશું. ત્યારે બધા દોષ જતા રહ્યા. ત્યારે વિલય થઈ જાય.

મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો-સો દોષો દેખાય, રોજ સો-સો પ્રતિક્રમણ થાય, ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. 'સ્વરૂપનું જ્ઞાન' તો હજી એની પછી ક્યાંય દૂર છે ! પણ આ તો ચાર પુસ્તકો વાંચીને 'સ્વરૂપ' પામ્યાનો કેફ લઈને ફરે છે. આ તો 'સ્વરૂપ'નો એક છાંટો પણ પામ્યો ના કહેવાય. જ્યાં 'જ્ઞાન' અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે. મોક્ષે જવા માટે બીજી એકેય વસ્તુ નડતી નથી. મોટાંમાં મોટાં ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે !

આ કોના જેવું છે ? ડૉક્ટરનું પુસ્તક હોય અને દવા જાતે બનાવીને પીવે તેવું છે. ત્યાં મૂઓ મિક્ષ્ચર જાતે ના બનાવે, મરણનો ભય લાગે. એક ભવના મરણ માટે ડૉક્ટરને પૂછયા વગર દવા ના બનાવે અને અનંત અવતારનાં મરણ બગાડવા માટે મહાવીરનાં, વીતરાગનાં શાસ્ત્રોનું જાતે મિક્ષ્ચર બનાવી પી ગયા ! તે ઝેર થઈ ગયું છે ! ભગવાને આને જ સ્વચ્છંદ કહ્યો છે, આંધળો છંદ કહ્યો છે !

દોષ પોતાના જ જોવા !

બીજાની ભૂલો જોવી એ તો ભયંકર ભૂલ છે !

કેટલાક નોકરની ભૂલો કાઢ્યા કરે. કેવો અન્યાય કહેવાય ? ઘોર અન્યાય કર્યો કહેવાય ! આવા તો ભયંકર દોષો કર્યા છે ! પોતાને ખબરેય પડતી નથી પાછી કે આ દોષ મેં કર્યો છે. નોકર જોડે આવું વર્તન કર્યા પછી આવો દોષ થયો છે એવી ખબર નથી પડતી. 'નોકર જ ખોટો છે, એને કાઢી મેલવાનો છે.' એવું કહે છે અને તેથી પોતાને આ બધી અડચણો છે. તેથી જ મોક્ષ મળતો નથી, નહીં તો મોક્ષના ન્યાયને સમજેને, તો બધોય મોક્ષ મળે એવો છે. સંસારનો ન્યાય એ ન્યાય નથી. ભગવાનનો ન્યાય એ ન્યાય છે.

આ તો આપણો હિસાબ !

ચાના પ્યાલાની વાત સાંભળી'તી કે ? લોકો એમ જ જાણે છે કે આ એણે જ ફોડ્યા. આ અજ્ઞાનતાથી કેટલું દુઃખ છે સંસારમાં ? ખરેખર એ નથી કરતો.

ગજવું કાપ્યું, આણે જ ગજવું કાપ્યું. અલ્યા મૂઆ, ના કાપે. શી રીતે કાપે ? તારું ગજવું એને કાપવાનો અધિકાર શો છે તે ? પણ આ તો તારો હિસાબ છે ને એ નિમિત્ત છે. નિમિત્ત ગમે તે મળી આવે.

હવે આ રસ્તામાં આટલી બધી ગાડીઓ આય-જાય કરે છે ને, અને કો'ક છોકરાના હાથમાંથી ખૂંટો પડી ગયો હોય રસ્તામાં, તે આપણી ગાડીના પાછલા ટાયરને ભાગ જ આવી જાય અને ધડ દઈને ફૂશ કરીને બેસી જાય છે. અરે મૂઆ, આટલી બધી ગાડીઓ ને કોઈને ભાગે ના આવ્યુંુ ? આપણે ભાગે આવ્યું આ. એવો હિસાબ બધો એનો.

મૂર્છિતને ભય ના લાગે !

એક ભાઈ મને પાછા શું કહે છે ? દાદા ઘરમાં બધા જ મારું અવળું બોલે છે. ઘણાંખરાં અવળું બોલે છે. શું થશે ? મેં કહ્યું, 'જરા ધીરજ પકડવી પડે. પાયો સ્ટ્રોંગ રાખવો. આટલી ગાડી સ્પીડમાં ચાલે છે, મોટરો-બોટરો બધું, તે આમાં જીવતા નીકળાય છે, તો આમાં નહીં નીકળાય ? બહાર તો જરા વારમાં બીક લાગે, જરી જરીમાં અથડાઇ જશે, પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધાં કંઈ અથડાઈ જાય છે ? તો મૂઆ, એ નીકળી જાય છે તો આ નહીં નીકળી જાય ? નહીં તો જો ભય પેઠો તો તો પછી તમે સાંતાક્રુઝથી અહીં આવો શી રીતે ? જો ભય પેઠો છે તો આવો શી રીતે ? અને આવો છો તો તમે મૂર્છિત છો. મૂર્છિત હોય તો જ ભય ના લાગે. માટે મહીં સ્ટ્રોંગ રાખોને.'

એ તો જે જગ્યાએ ઘા પડે તે જગ્યાએ રૂઝાઈ જાય. જગ્યાફેર ના કરીએ. જો કે અમેય એમના જેવા કાયદાના માણસ. કાયદાની શોધખોળ હું જાણું કે આમ હોવું ઘટે.

વાઘ પણ ભૂલે હિંસકભાવ !

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસકભાવ ભૂલી જાય', તો એ શું છે ?

દાદાશ્રી : હા, વાઘ હિંસકભાવ ભૂલી જાય, એટલે આપણે અહીં આગળ ભય છૂટી જાય.

પ્રશ્નકર્તા : આપણો ભય છૂટી જાય એ બરોબર પણ પેલા આત્માને કંઈ થાય કે નહીં ?

દાદાશ્રી : કશું ના થાય. આપણો ભય છૂટે કે એ છૂટી ગયું.

પ્રશ્નકર્તા : પણ એનો હિંસકભાવ જાય છે એમ આપે કહ્યું ને ?

દાદાશ્રી : એ હિંસકભાવ જતો રહે.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે જાય ?

દાદાશ્રી : આપણો ભય છૂટી ગયો કે હિંસકભાવ જતો રહે.

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એ થયો ને, કે એના આત્માને અસર થઈ ?

દાદાશ્રી : આત્માને સીધી અસર તો હોય છે જ. અસર પહોંચે બધી !

જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ, તો વાઘેય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. જેની એને અસર થાય છે. વાઘ હિંસક છે એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે. અને વાઘ શુધ્ધાત્મા છે એવું ધ્યાન રહે, તો એ શુધ્ધાત્મા જ છે ને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે.

પોતાની ભૂલોને પોતે જ વઢે !

દરેક અડચણો આવે છેને, તે પહેલી સહન કરવાની તાકાત આવે, પછી અડચણો આવે છે. નહીં તો માણસ ત્યાં ને ત્યાં ખલાસ થઈ જાય. એટલે કાયદા એવા છે બધા.

પ્રશ્નકર્તા : દાદા, એ 'વ્યવસ્થિત શક્તિ' કરે ?

દાદાશ્રી : એનું નામ જ 'વ્યવસ્થિત'. એટલે એવા સંજોગ ઊભા થઈને પછી છે તે શક્તિય ઉત્પન્ન થશે, નહીં તો એ માણસ શું નો શું થઈ જાય ! માટે કોઈ રીતે ગભરાવાનું કારણ નથી. આપણે તો દાદા છે ને હું છું, બસ, બીજું કાંઈ નથી આ દુનિયામાં. દાદા છે ને હું છું, બેઉ. દાદાના જેવી દરઅસલ ખુમારી રહેવી જોઈએ. કોઈ બાપોય ઉપરી નથી એવી. ઉપરીના ઉપરી કહ્યા દાદાને !

પ્રશ્નકર્તા : દાદા, અમને તો અમારી ભૂલો હજુ ડરાવે ને ?

દાદાશ્રી : હા, ડરાવે.

પ્રશ્નકર્તા : હા, તમારી સ્થિતિ ઉપર પહોંચતા તો.

દાદાશ્રી : ભૂલો ડરાવે ને ! તે પણ આપણે સમજીએને, કે આ કોણ ડરાવે છે તે ? તેમ આપણે જાણીએ. પણ મૂળ તો છીએ, દાદા જ છીએને આપણે ? એમાં ફેર નથી ને ? એકના એક જ છીએને ?

ગરૂડ આવે, ભાગે સાપ !

શાસ્ત્રકારોએ એક દાખલો આપ્યો છે કે ભઈ, આ ચંદનના જંગલમાં નર્યા સાપ સાપ સાપ હોય. પેલા ઝાડને વીંટાઈને બધા બેસી જ રહ્યા હોય ઠંડકમાં. ચંદનના ઝાડને વીંટાઈને એના જંગલમાં. પણ એક ગરૂડ આવે કે બધું ભાગમ્ભાગ, ભાગમ્ભાગ થાય એવી રીતે આ મેં ગરૂડ મૂકી આપ્યું છે, બધા દોષો નાસી જશે. શુધ્ધાત્મારૂપી ગરૂડ બેઠું છે, એટલે બધા દોષો નાસી જવાના. અને દાદા ભગવાન માથે છે પછી એને શો ભય ! મારે માથે 'દાદા ભગવાન' છે તો 'મને' આટલી બધી હિંમત છે, તો તમને હિંમત ના આવે ?

પ્રશ્નકર્તા : હિંમત તો પૂરેપૂરી આવે !

મૂળ સ્વભાવમાં આવો !

દાદાશ્રી : એક સિંહનું બચ્ચું છે, તે ઘેટા જોડે ફર્યા કરે, જોડે ને જોડે. ઘેટાં ચરવા જાય તો એય મહીં જાય. એટલે ઘેટાં જેવું જ થઈ ગયું. પછી સંસ્કાર અને સંયોગો મળ્યાને ! ઘેટાં એનું રૂપ જુએ પણ એમાં એને ભય ના લાગે, ઘેટાંને. કારણ કે જોડે ને જોડે ફરનારું અને એનામાં હિંસકતા દેખી નહીં, એટલે પછી ભય પેસે નહીં. અને પેલું બચ્ચુંય છે તે એેને હેરાન નહીં કરતું એટલે પ્રેમાળ થઈ જાય પછી, જોડે રહેવાથી પ્રેમ સધાઈ જાય.

તે એક દહાડો છે તે નદી ઉપર બધાં ઘેટાં પાણી પીતાં હતાં અને આ બચ્ચુંય પાણી પીતું હતું અને સામા કિનારે એક સિંહે ત્રાડ પાડી, ગર્જના કરી. અને આ બચ્ચાએ સાંભળ્યું, તે એનો સ્વભાવ જાગી ઊઠ્યો. પેલાનું સાંભળી એનો પોતાનો મૂળ સ્વભાવ તે જાગી ઊઠ્યો. તે એણેય ગર્જના કરી. એટલે આ ઘેટાં બધાં નાસી ગયાં મૂઆં, હડહડાટ, એકેએક ! તે પેલાનો હિંસક સ્વભાવ જાગ્રત નહીં થયેલો, એટલે એની પાછળ દોડે નહીં. પણ પેલાં ઘેટાં તો ભાગી ગયાં. ફરી ઘેટાં ઊભાં ના રહ્યાં હવે એની પાસે. કારણ કે સ્વભાવ જાગ્રત થઈ ગયો. એવી રીતે આ તમારો સ્વભાવ જાગ્રત થઈ ગયો. એવા સ્ટેજ ઉપર બેઠા છો કે અજાયબ સ્ટેજ આ તો એવું છે ને બાળકને સમજણ ના પડે. પણ સ્ટેજની કિંમત જતી રહે કંઈ ? ના જતી રહે, નહીં ? સમજણ ના પડે તોય ?

સાપ, વીંછીય છે નિર્દોષ...

આ દુનિયામાં કોઈ દોષિત છે જ નહીં.

પ્રશ્નકર્તા : ઉદયકર્મથી જ છે, જે છે તે, એ કારણે ને ?

દાદાશ્રી : હા, જગત આખું નિર્દોષ છે જ. કઈ દ્ષ્ટિએ નિર્દોષ ? ત્યારે કહે, જો શુધ્ધાત્મા જોઈએ તો નિર્દોષ જ છે ને ! દોષિત કોણ છે ? બહારનું પુદગલ ને ! આ જેને જગત માને છે. તે પુદગલ... આપણે શું જાણવું છે કે એ પુદગલ ઉદયકર્મને આધીન છે આજે. એને પોતાને આધીન નથી, પોતાની ઇચ્છા ના હોય તોય કરવું પડે આ. એટલે એ નિર્દોષ જ છે બિચારો. એટલે અમને આખું જગત નિર્દોષ જ દેખાય. જીવમાત્ર નિર્દોષ દેખાય. જગત નિર્દોષ સ્વભાવે છે. આખુંય જગત નિર્દોષ છે. તમને બીજાના જે દોષ દેખાય છે તે તમારામાં દોષ હોવાથી જ દોષ દેખાય છે. જગત દોષિત નથી એ તમને જો દ્ષ્ટિ આવે તો જ તમે મોક્ષે જશો. જગત દોષિત છે એવી દ્ષ્ટિ આવે તો તમારે અહીં નિરાંતે પડી રહેવાનું છે.

કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય, તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં હોય એવું બિચારો કરે. એમાં આપણે શું લેવાદેવા ? આપણે ટીકા કરવાનું કોઈ કારણ છે ? આપણે એની જોડે નવા કરાર શું કામ બાંધીએ ? એને જે અનુકૂળ આવે તે એ કરે. આપણને તો મોક્ષ સાથે જ કામ છે. આપણને બીજા સાથે કામ નથી. અને જગતમાં અમને કોઈ દોષિત દેખાય નહીં. ગજવું કાપે તેય દોષિત ના દેખાય. એટલે જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય નહીં. સાપ હોય કે વીંછી હોય કે ગમે તે હોય, જે તમને દોષિત દેખાય છેને, એનો ભય તમને પેસી જાય. અને અમને દોષિત દેખાય જ નહીં. શા આધારે દોષિત નથી એ બધો આધાર અમે જ્ઞાનથી જાણીએ. આ દોષિત દેખાય છે એ તો ભ્રાંતદ્ષ્ટિ છે, ભ્રાંતિની દ્ષ્ટિ ! આ ચોર છે ને આ શાહુકાર છે, આ ફલાણો છે એ ભ્રાંતિની દ્ષ્ટિ. આપણું લક્ષ શું હોવું જોઈએ કે જીવમાત્ર નિર્દોષ છે. આપણને દોષદ્ષ્ટિથી દોષિત દેખાય છે. તે હજુ આપણી જોવામાં ભૂલ થાય છે એટલું સમજવું જોઈએ. ખરેખર કોઈ દોષિત છે જ નહીં, ભ્રાંતિથી દોષિત લાગે છે.

સાચી સમજ નિર્ભયતા લાવે !

અને વીતરાગોએ પાછું કહ્યું કે, ઉદયકર્મથી તું ભડકીશ નહીં. આખો દહાડો ઉદય તને હેરાન કર કર કરે તો તેનાથીય તું ભડકીશ નહીં. કારણ કે એમાં કોઇનો દોષ નથી.

સંયોગો અને સંયોગી એમ બે જ છે. જેટલા પ્રમાણમાં સંયોગી સીધો એટલા પ્રમાણમાં સંયોગ સીધા અને જો સંયોગ વાંકો આવ્યો તો આપણે તરત જ સમજી લેવાનું કે, આપણે વાંકા હતા તેથી એ વાંકો આવ્યો. સંયોગોને સીધા કરવાની જરૂર નથી પણ આપણે સીધા થવાની જરૂર છે. સંયોગો તો અનંત છે, તે ક્યારે સીધા થાય ? જગતના લોકો સંયોગોને સીધા કરવા જાય છે, પણ પોતે સીધો થાય એટલે સંયોગ એની મેળે સીધા થવાના. પોતે સીધા થયા છતાં થોડો વખત સંયોગ વાંકા દેખાય, પણ પછી એ સીધા જ આવવાના. કોઇ ઉપરી છે નહીં, ત્યાં સંયોગ કેમ વાંકો આવે ? આ તો પોતે વાંકો થયેલો, તેથી સંયોગ વાંકા આવે છે. આ મરડો થાય ત્યારે કંઇ એના તરતનાં જ બીજ હોય ? ના, એ તો બાર વર્ષ પહેલાં બીજ પડેલાં હોય તેનો અત્યારે મરડો થાય ને મરડો થયો એટલે બાર વર્ષની ભૂલ તો ભાંગે ને ? પછી ફરી ભૂલ ના કરી એટલે પછી ફરી મરડો ના થાય. આ ગાડીમાં ચઢ્યા પછી ભીડવાળી જગ્યા મળે, કારણ કે પોતે જ ભીડવાળો છે. પોતે જો ભીડ વગરનો થયો હોય તો જગ્યા પણ ભીડ વગરની મળે. પોતાની ભૂલો જ ઉપરી છે, એ આપણને સમજાઇ ગયું પછી છે કશો ભો ? આ અમને દેખીને કોઇ પણ ખુશ થઇ જાય છે. અમે જ ખુશ થઇ જઇએ, એથી એની મેળે સામેવાળો ખુશ થઇ જાય. આ તો સામેવાળો અમને

દેખીને ખુશ તો શું, પણ આફ્રીન થઇ જાય. આપણો જ ફોટો છે સામેવાળો !

બચકાં ભરવા નિમિત્તને !

અમને તો કોઈ માણસનો ખરાબ વિચાર સરખોય નથી આવતો. આડુંઅવળું કરી જાય તોય ખરાબ વિચાર નહીં. કારણ કે એની દ્ષ્ટિએ, બિચારાને જેવું દેખાય છે એવું કરે છે, એમાં એનો શો દોષ છે ? અને ખરી રીતે, આ જગત એક્ઝેક્ટલી શું છે કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. તમને દોષ દેખાય છે એ તમારી જોવાની દ્ષ્ટિમાં ફેર છે. મને કોઈ દોષિત દેખાયો નથી અત્યાર સુધી. માટે કોઈ દોષિત છે નહીં, એમ કરીને આપણે ચાલજો ને ! આપણે છેલ્લું સ્ટેશન છે તે સેન્ટ્રલ છે એવું જાણીને ચાલીએ તો ફાયદો થાય કે ના થાય ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, થાય ફાયદો.

દાદાશ્રી : કોઈ દોષિત છે નહીં એમ જાણશો તો જ બીજા બધાં નિર્દોષ લાગશે આપણને ! કારણ કે આપણે નિમિત્ત છીએ, એ બિચારા નિમિત્ત છે અને આપણા લોકો નિમિત્તને બચકાં ભરે છે. નિમિત્તને બચકાં, એવું ભરે ખરાં કોઈ દા'ડો ? ના ભરે, નહીં ? નિમિત્તને બચકાં ભરે ?

પ્રશ્નકર્તા : આપણે નિમિત્તને બચકાં ભરીએ છીએ પણ ભરવાં ન જોઈએ.

દાદાશ્રી : પારકો દોષ જોવો, એને અમે નિમિત્તને બચકાં ભરવાની સ્થિતિ કહીએ છીએ. અરેરે ! નિમિત્તને બચકાં ભર્યાં તેં ? એ તને ગાળો ભાંડે છે, એ તારા કર્મનો ઉદય છે. આ ઉદય તારે ભોગવવાનો છે, વચ્ચે એ નિમિત્ત છે. નિમિત્ત તો ઉપકારી છે કે ભઈ, તને કર્મમાંથી છૂટો કરવા આવ્યો છે. ઉપકારી છે તેને બદલે તું ગાળો ભાંડે છે ? તું એને બચકાં ભરે છે, એટલે એ નિમિત્તને બચકાં ભર્યાં કહેવાય. એટલે આ મહાત્માઓ ડરી ગયેલા કે ના, અમે બચકું ભરીશું નહીં હવે કોઈ દહાડોય !

શીલનો પ્રભાવ !

શીલનો પ્રભાવ એવો છે, જગતમાં કોઈ નામ ના દે એનું. બહારવટિયાની વચ્ચે હોય, બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા શરીરે બધા સોનાના દાગીના પહેર્યા હોય ને બહારવટિયા ભેગા થયા હોય. બહારવટિયા જુએય ખરા પણ અડાય નહીં, અડી શકે નહીં. બિલકુલ ગભરાવા જેવું જગત જ નથી. જે કંઈ ગભરામણ છે એ તમારી જ ભૂલનું ફળ છે એમ અમે કહેવા આવ્યા છીએ. લોકો એમ જ જાણે છે કે જગત અડસટ્ટો છે.

પ્રશ્નકર્તા : સમજણની એટલી કચાશ !

દાદાશ્રી : એ સમજણની કચાશને લીધે જ જગત ઊભું રહ્યું છે. એ એમ કહેવા માગીએ છીએ કે જગતમાં ભય રાખવા જેવો છે જ નહીં. જે ભય આવે છે એ તમારો હિસાબ છે. ચૂકતે થઈ જવા દો. અહીંથી ફરી નવેસરથી ધીરશો નહીં.

- જય સચ્ચિદાનંદ.