બુધ્ધિના ડખા સામે...

સંપાદકીય

સંસાર એટલે બુધ્ધિના ડખા. બુધ્ધિથી સામાને મારવુંં, બુધ્ધિથી દુઃખ ભોગવવાં, આમ બુધ્ધિ સંસારની બહાર નીકળવા જ ના દે. પણ જેને મોક્ષે જવું છે, તેણે બુધ્ધિના હથિયારને બાજુએ મૂકવું પડશે અને જ્ઞાની પુરુષથી મળેલી સમ્યક સમજણથી ચાલવું પડશે. બુધ્ધિ તો સંસારમાં દેખાડે કે, સામો મને મુશ્કેલીમાં મૂકે છે. અને એટલે પોતે પણ સામાને એટલો જ મુશ્કેલીમાં મૂકીને પાશવી આનંદ મેળવે. પણ એ રસ્તો સંસારમાં ભટકવાનો છે. ત્યાં જ્ઞાનીની સમજણ કહે છે કે કોઈ આપણને કેમ મુશ્કેલીમાં મૂકી શકે ? આપણે કરેલી ભૂલનો બદલો આવે છે, એમાં કોઈનો શો દોષ ? માટે જમે કરી લો, એનો ઉપકાર માનીને કે 'તેં મને કર્મમાંથી છોડાવ્યો, માટે તારો મહાન ઉપકાર.' આમ આશીર્વાદ આપવાનો એને, તો હિસાબ ચોખ્ખો થઈ જશે. અને બદલો લેવા ફરશો તો હિસાબ ગંૂચવાશે ને સંસારમાં ભટકવાનું થશે.

બુધ્ધિનો સ્વભાવ જ છે કે સંસારમાં નેગેટિવ દેખાડવું. તેથી જ્ઞાની તેના ઉપાય બતાવે છે કે બુધ્ધિને ઓળખી લો અને તેની સલાહ માનવાની બંધ કરી દો. બુધ્ધિને કહી દો, તું અમને સલાહ ના આપીશ. તારી સલાહ માનીને સંસારમાં ભટક્યા. જેને જ્ઞાનરૂપી સૂર્યપ્રકાશ પ્રગટ્યો છે, એને મીણબત્તી રૂપી બુધ્ધિના દીવાને ઓલવી જ નાખવો પડેને ! અબુધ થવામાં ફાયદો છે. એટલે બુધ્ધિને આવકારવાની નથી અને ગેટ આઉટ કરવાની છે, નહીં તો સંસારમાંય જંપીને બેસવા નહીં દે.

તેથી દાદાશ્રી કહે છે ને, જેટલું ડખા કરવાને બદલે મૌન પકડશો, જોયા કરશો તેમ બુધ્ધિ બંધ થશે, અને બુધ્ધિ બંધ થાય તો મોક્ષની તૈયારી થાય. સંસારમાં વ્યવહારિક બુધ્ધિ વ્યવહારમાં વણાયેલી જ હોય છે, પણ જે એકસેસ બુધ્ધિ છે એ જ નુકસાન કરી દે છે. બુધ્ધિ અહંકારની સહી લઈને સંસારના કાર્યો કરે છે પણ અહંકાર જો બુધ્ધિ સામે પોતાના ધ્યેય પ્રમાણે ચાલવા માટે વાંધો ઉઠાવે તો કાર્ર્ય થાય નહીં, એને જ વ્યવહારમાં પુરુષાર્થ કહેવાય છે. બહુ બુધ્ધિશાળી માણસે સહજ થવું હોય તો પોતે નક્કી કરવું જોઈએ કે આ બુધ્ધિની વેલ્યુ નથી. બુધ્ધિની વેલ્યુ ઓછી માને તો જ બુધ્ધિ ઘટતી જાય. સવળી બુધ્ધિ હોય તો કોઈ જોડે એટેક, કલેશ, મતભેદ બંધ થાય તેવા રસ્તા ખોળી આપે. એટલે સાચી બુધ્ધિ સંસારનાં પઝલ સોલ્વ કરી આપે, જ્યારે વિપરીત બુધ્ધિ પઝલ ના હોય ત્યાં પઝલ ઊભું કરે.

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન બુધ્ધિના તમામ ફ્ેઝ પસાર કરી અબુધ થયા, તેથી ગમે તેવા બુધ્ધિશાળીના ડખા, ગૂંચવાડાના સોલ્યુશન આપે છે. અને ડખાના મૂળ કારણ સમ એક્સેસ બુધ્ધિથી છૂટકારાની અનેક ચાવીઓ આપે છે, જે ચાવીઓ અહીં પ્રસ્તુત સંકલનમાં સંકલિત થઈ છે. જે જીજ્ઞાસુ વાચકોને બુધ્ધિના ડખા સામે જીતી જવાનીની સમ્યક સમજણ પ્રદાન કરશે.

દીપકના જય સચ્ચિદાનંદ

બુધ્ધિના ડખા સામે...

કરેલાનું ફળ આવ્યું, એમાં કોનો દોષ !

પ્રશ્નકર્તા : કોઈ આપણી ઉપર બુધ્ધિથી ગોળીબાર કરતું હોય, અને આપણને તકલીફમાં મૂકતું હોય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : એવું છે ને, જો મોક્ષ જોઈતો હોય તો જોયા કરવાનું અને જો સંસાર જોઈતો હોય તો બુધ્ધિ માંગવી. ગોળી મારવી આપણે, ભટકવું હોય તો ગોળી મારવી.

પ્રશ્નકર્તા : એના જેટલી આપણામાં બુધ્ધિ ના હોય તો ?

દાદાશ્રી : બુધ્ધિ હોય તો ય મોક્ષ જોઈતો હોય તો તેણે ગોળી મારવાની શી જરૂર ? અને સંસાર જોઈતો હોય તો ગોળી માર માર કરો. શું જોઈએ છે તમારે ?

પ્રશ્નકર્તા : મોક્ષ જોઈએ છે, પણ...

દાદાશ્રી : ભટકવાનું ગમે છે કે આ ગમે છે?

પ્રશ્નકર્તા : મોક્ષ જોઈએ છે પણ સામેવાળો આપણી ઉપર ગોળીબાર ના કરે એવી ઇચ્છા ખરી.

દાદાશ્રી : ના, એ તો ઇચ્છા ચાલે નહિ. ગોળીબાર કરવા દેવો. આ ગોળીબાર કરેલા છે તેનું ફળ આવેલું છે. આ ગપ્પું નથી. તમે ગોળીબાર કર્યા છે તેનું આ ફળ આવેલું છે. માટે લઈ લો અને જમે કરી દો.

પ્રશ્નકર્તા : એટલે શાંત રહેવાનું આમ ?

દાદાશ્રી : આ જગત ગપ્પું નથી. એટલે જો ખાતાં બિડાઈ જશે તો મોક્ષ નક્કી થશે. નહીં તો તમે સામાને ગાળો આપી આવ્યા તે પાછી લેતી વખતે તમે કચ કચ કરો છો તે ચાલે નહીં.

પ્રશ્નકર્તા : એટલે આમાંથી બચવાનો પ્રયત્ન નહીં કરવો ?

દાદાશ્રી : પછી કંઈ ના થાય. પછી જમે ના થાય એની જવાબદારી લઉં છું.

પ્રશ્નકર્તા : એટલે સામો ગોળીબાર કરે તો આપણે બચવાનો પ્રયત્ન નહીં કરવાનો, એનો અર્થ એ થાય ?

દાદાશ્રી : પ્રયત્ન તો જો થાય તો કરવા, અને નુકસાન નહીં કરવાનું. તમારે છે તે એના માટે અવળા વિચાર નહીં કરવાના. એ ગોળીબાર કરે તોય તમે ગોળીબાર બંધ કરી દો. સામો (બુધ્ધિથી) ગોળીબાર કરે તેથી આત્મા મરે નહિ.

'કર્મથી છોડાવ્યા', માનો ઉપકાર !

પ્રશ્નકર્તા : હા, પણ આપણને તકલીફ થાય ને ?

દાદાશ્રી : તકલીફ ના કરવી હોય તો આપણે સંસારમાં ભટકવાનું રાખો. શું ખોટું છે આ સંસારમાં ? આપણે તકલીફ કરી આવ્યા હોય તે પાછી આવે તો એમાં ગુનો શો ? માટે તરત સ્વીકારી લો. આ હસતા મોઢે સ્વીકારી લો કે, 'બહુ સારું થજો ભાઈ એનું !' બુધ્ધિથી ગોળી મારી, નહિ તો પેલી ગોળી મારે તો દેહ છૂટી જાય ને ! બુધ્ધિથી ગોળી મારી તે તો સારું કર્યું છે, જીવતા રહ્યા ને ! અને ભટકવું હોય તોય રસ્તો છે. તમે મારો સામી બે. ભટકવાનું ગજું હોય અને ભટકવાની ટેવ પડેલી હોય, તો નિરાંતે એક ફેરો મારી આવો જોઈએ. પછી ફરી છોડાવનાર નહીં મળે. છોડાવનાર મળે ત્યાં આવી કચકચ થયા કરે છે. બુધ્ધિથી ગોળીબાર કરે, તેને આશીર્વાદ આપ્યા કરવા નિરાંતે મહીંથી, 'સારું થજો તારું, તેં મને કર્મમાંથી છોડાવ્યો !' આશીર્વાદ આપવાના એને. ના ગમતું હોય એણે બે ગોળીબાર કરવાના. બેમાંથી એક કરો.

'અમે' હથિયાર સામુ ઝાલ્યું નથી !

પ્રશ્નકર્તા : પણ આપણામાં શક્તિ હોય તો બે ગોળીબાર કરીએ ને ?

દાદાશ્રી : એનાં કરતાં સીધેસીધું મૂકી દો ને ત્યારે છાનામાના ! શક્તિ નથી અને વાઘની ભૂલ કાઢવી છે ? ભલભલા શક્તિવાળાએ છોડી દીધું ને. અમે આખી જિંદગીમાં હથિયાર જ ઝાલ્યું નથી. હથિયાર બધાં નીચે મૂકીને બેઠો છું, ક્ષત્રિય થઈને ! સામો હથિયાર મારે તોય પણ મેં એ ઝાલ્યું નથી. જો તમારે છૂટા થવું હોય તો મૂકી દો, નહીં તો ઝાલો હથિયાર ને આવી જાવ.

નેગેટિવમાંય શોધન પોઝિટિવનું !

આત્મા પોઝિટિવ છે અને બુધ્ધિ નેગેટિવ છે. વિચારો કરાવડાવે આમ નથી થવા દેતું ને આમ થવા નથી દેતું. થવા દેતું નથી એને જોવાનું નથી, શું થવા દે છે, એ જોવાનું છે. શું થવા દે છે એને જોવાનું. બહુ રીતે મહીં ચોગરદમની મદદ કર્યા કરે.

પ્રશ્નકર્તા : ગજબ કરે.

દાદાશ્રી : હં. એટલે બુધ્ધિ તો આપણો ટાઈમ બગાડે ને આપણને આનંદ ઉત્પન્ન ના થવા દે. અને મારું કશું જ અધૂરું નથી આમ કહેવું, 'ધન્ય છે, આ દિવસ.' શ્રીમદ્ રાજચંદ્રને એક સમકિત પ્રકાશ્યું, તેમાં તે કહે છે, 'ધન્ય છે દિવસ આ, અહો !'

એટલે આપણે ત્યાં નેગેટિવ વાતો ના હોય, બધી પોઝિટિવ હોય. નેગેટિવ તો સંસારી વાતો, ટાઈમ બગાડે, ગૂંચવે અને સુખ ના આવવા દે.

ઓળખવા બુધ્ધિના ડખાને !

પ્રશ્નકર્તા : વિપરીત બુધ્ધિ જે પેસી ગઈ છે ને, એ નેગેટીવ થોટ્સ (વિચાર) પણ લાવે છે અને ઈમોશનલ પણ કરાવી દે છે.

દાદાશ્રી : હા. તેથી અમે કહીએ છીએ ને, બેસ બા, બેસ. તું અમને સલાહ ના આપીશ. તારી સલાહ માનીને સંસારમાં બાવા બનાવ્યા, સંસારમાંય જંપીને બેસવા ના દીધા.

પ્રશ્નકર્તા : હજી વિપરીત બુધ્ધિનો ડખો કેમ ચાલ્યા કરે છે ?

દાદાશ્રી : એ ચાલ્યા જ કરે ને, જ્યાં સુધી એની સત્તા છે ત્યાં સુધી.

મહીં 'દાદાને ત્યાં હેંડો' કહે, એટલે એમને ઓળખીએ કે ના ઓળખીએ કે આ કોણ છે ? એને પરાયો કહેવાય ? ના. એ પોતાના છે અને બીજા ય છે, મહીં. જાતજાતની સલાહ આપે. ત્યાં આપણે તૈયાર રહેવું કે આ કોણ આવ્યું ? આ કોની સલાહ ? એ ઓળખી જઈએ ને !

પ્રશ્નકર્તા : મારા પોતાના પ્રોબ્લેમ જરા જુદી જાતનાં છે. બુધ્ધિ એક વસ્તુ બતાવતી હોય, કે ધંધો આમ ખરાબે ચઢ્યો છે, આમ કરો નહીં તો આમ થઈ જશે. એટલે તે વખતે મારી પાસે બે ઓલ્ટરનેટ છે, કાં તો બુધ્ધિએ બતાવ્યું એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો અને અથવા તો આ બુધ્ધિનો ડખો છે કરીને મારે બેસી જવું, તો આમાં સમજ કેવી રીતે પડે કે આ ડખો છે કે સાચું કયું છે ?

દાદાશ્રી : આપણે એમ નક્કી કરીએ કે બારથી બે વાગ્યા સુધી મારે આરામ કરવો છે. આરામ કર્યા પછી મારે બહાર જવાનું છે. તે બે વાગ્યાની અંદર જે બુધ્ધિ આવે, એક વાગ્યે આવવા માંડી. તો આપણે ના સમજીએ કે આ વગર કામની અહીં આગળ ડખો કરે છે. માટે ટાઈમ નક્કી કર્યો છે, તું અત્યારે વચ્ચે આવી ? એ ખોટી બુધ્ધિ.

પછી બે વાગે ટાઈમ થયા પછી આવે તો પછી આપણે પૂછવું કે ભઈ, તમે સાચા છો કે ખોટા ? સાચા હોય તો મને ફળ દેખાડો. ફળ દેખાડે એ સાચી અને નકામી કચકચ કરે એ ખોટી. વગર કામની હેરાન કર્યા કરે. અને કામ તો થવાનું જ છે. ટાઈમે અવશ્ય થવાનું. બધી ચીજ થઈ જ જવાની. તમારે બોલાવવા નહીં જવું પડે કે હેંડો બેન ! એની મેળે જ આવીને ઊભી રહેશે. તમારે વઢવાડ થઈ હશે તો આમ ખેંચીને આવશે. પણ આવ્યા વગર રહે નહીં. કારણ કે એમાં સહી કર્યા વગર કાર્ય નહીં થાય.

બુધ્ધિ કરે ડખો, જ્ઞાન કરે ચોખ્ખું...

પ્રશ્નકર્તા : અત્યાર સુધી બુધ્ધિથી ચલાવ્યું છે, એટલે બુધ્ધિ ઉપર મોહ થઈ ગયો છે કે આ જ સાચું છે. બુધ્ધિ જ સાચી છે.

દાદાશ્રી : એમ ? પણ બુધ્ધિ ખોટી છે એવું કોઈ માને જ નહીં ને કોઈ દહાડોય ! એ માને નહીં. પણ હજુ આ બધું ચોંટેલો માલ છે ને એ ઉખડે નહીં ત્યાં સુધી બુધ્ધિ જ ઉખાડે પાછું ! બુધ્ધિથી ઉખાડે, તે હવે પાછું આપણે જ્ઞાનથી ઉખાડવાનું.

પ્રશ્નકર્તા : એટલે સમ્યક બુધ્ધિ થાય તો પાછી ઉખાડતી જાયને ?

દાદાશ્રી : એટલે સમ્યક બુધ્ધિ તો પાછું નવું લેવા માટે. આ જે જૂની છે ને બુધ્ધિ, એ તો આપણને શું દેખાડે કે કો'કે અહીં દૂધ ઢોળ્યું હોય, તો બુધ્ધિ શું કહે કે ખોટ ગઈ આ ! એટલે આપણે કહેવાનું કે આ સાચવવું હતું ને, આમ તેમ. હવે તે ઘડીએ બુધ્ધિ એમ કહે ને ત્યાં આપણું જ્ઞાન શું કરે ? 'આમ કરવાની જરૂર નથી આ'. એટલે પેલી બુધ્ધિ એનો પાઠ ભજવી લે. ત્યારે ચોખ્ખું થાય.

પ્રશ્નકર્તા : એટલે આ બુધ્ધિ તેનો પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ?

દાદાશ્રી : એ તો ભજવેને !

પ્રશ્નકર્તા : એટલે આપણે આમનેસામને જ્ઞાને કરીને એને ચોખ્ખું કરીએ તો જ. જ્ઞાને કરીને પછી ઊડી જાય, દાદા ? એ પાઠ ભજવ્યા વગર ?

દાદાશ્રી : ના, ના, એ તો પાઠ ભજવે જ ને !

પ્રશ્નકર્તા : જ્ઞાન પરિણામ પામે પછી પણ એવી બુધ્ધિ ડખો કરે ?

દાદાશ્રી : ડખો કરે.

પ્રશ્નકર્તા : ઓછો-વધતો ડખો થાય.

દાદાશ્રી : જ્ઞાન એક બાજુ ચોખ્ખું કરે. બુધ્ધિ ડખો કરે અને એ ચોખ્ખું થાય એ આપણું. ડખો કર્યો એ ગયું. ડખો કર્યો હતો તે ઊડી ગયું. ડખો કર્યા વગર રહે નહીં ને !

પ્રશ્નકર્તા : એ જ ચારિત્રમોહ થયો ?

દાદાશ્રી : એ ચારિત્રમોહ. ચારિત્રમોહ એ બુધ્ધિ. બધું બુધ્ધિને આધીન ચારિત્રમોહ છે.

એ બધો ચારિત્રમોહ !

દર્શનમોહ એ ગાઢ બુધ્ધિનો પ્રતાપ છે અને ચારિત્રમોહ એ મંદબુધ્ધિનો પ્રતાપ છે. ચારિત્રમોહ એટલે શું ? બુધ્ધિ હવે ખલાસ થવા માટે આવી છે. અને પેલો જે મોહ છે ને, એ બુધ્ધિ ખલાસ થાય નહીં, બુધ્ધિ વધ્યા જ કરે.

ચારિત્રમોહનો વાંધો નથી. નિવેડો લાવો તો વાંધો નથી. ચારિત્રમોહ ઉપર રાગ-દ્વેષ ના કરે, એનું નામ વીતરાગ.

છોકરાએ લાખ રૂપિયા ખોયા, તે ઘડીએ આપણો ચારિત્રમોહ શું કહે ? તને પહેલેથી સમજણ હતી નહીં, પહેલેથી અક્કલ ન હતી. તે આ ઊંધું બાફ્યું. આ પછી પાછો ચારિત્રમોહ. એમની પાછળ તમને પોતાને સમજાય કે આ ખોટું થઈ રહ્યું છે, આ બોલીએ છીએ તે ખોટું છે. એ જ્ઞાન કહે કે આ ખોટું છે. બુધ્ધિ કહે કે આ ખોટું કર્યું છે. પણ તે ઘડીએ ભૂંસી નાખે એ. પેલાને કહે ખરો, ડખો કરી નાખે.

પ્રશ્નકર્તા : ડખો કરી નાખે એ ચારિત્રમોહ અને પછી જ્ઞાન ભૂંસી નાખે.

દાદાશ્રી : દર્શનમોહવાળાનો નિવેડો ના આવે, ચારિત્રમોહવાળાને નિવેડો આવશે એવું નક્કી થઈ ગયું. ગમે એટલું જબરજસ્ત હોય તોય !

જ્ઞાતા-દ્રષ્ટા સિવાય બધો ડખો !

તમારામાં ચારિત્રમોહ થોડો-ઘણો ખરો કે ? તમારે શેનો ?

પ્રશ્નકર્તા : આ ચારિત્રમોહ જ છે ને ? આ સવારથી ઊઠીને સાંજ સુધીનો ચારિત્રમોહ જ છે ને ?

દાદાશ્રી : ના, એ ચારિત્રમોહ ના કહેવાય.

પ્રશ્નકર્તા : આ જે જે કરીએ તે શું કહેવાય ?

દાદાશ્રી : ના. જે થઈ રહ્યું છે એ ચારિત્રમોહ ના કહેવાય. આપણે આમાં ડખો કરીએ તે ચારિત્રમોહ કહેવાય. આમ રાત્રે સૂઈ ગયા એ મોહ કહેવાય નહીં અને સૂઈ ગયા પછી કહે કે આજે બહુ ગરમી છે. એ ચારિત્રમોહ કહેવાય. સૂવાનો વાંધો નથી. ખાવાનો વાંધો નથી. ખાવું એ ચારિત્રમોહ નથી. પણ આપણે કહીએ કે શાક બરાબર નથી એ ચારિત્રમોહ છે. હા, જેવું હોય તેવું, ઈઝીલી, સહજભાવે. ના અનુકૂળ આવે તો ના ખાય. અનુકૂળ આવે એ ખાય. પણ બોલવા કરવાનું નહીં. કશું ડખો નહીં. જેટલો ડખો છે એટલો ચારિત્રમોહ.

પ્રશ્નકર્તા : બાકીના ટાઈમમાં જ્ઞાતા-દ્ષ્ટા.

દાદાશ્રી : એ તો જ્ઞાતા-દ્ષ્ટા હોય જ. ડખો નહીં એટલે જ્ઞાતા-દ્ષ્ટા. ડખો કર્યા વગર રહે નહીં.

મોંઘા ભાવની કેરી લાવ્યા અને જરાક ખાટી નીકળે, તે કહેશે કે તું મને કહીને ગયો હોત તો સારું. હું તને કહેત કે અમુક દુકાનેથી લઈ આવ. આવું હઉ કહે. ડખો કર્યા વગર રહે નહીં અને પછી એમેય પાછા જાણે કે આ ડખો થઈ ગયો, આ ન થવું જોઈએ. ચારિત્રમોહનો ખરો અર્થ ડખો. આ તમે ખાવ છો, પીવો છો, એ નહીં. ચા-બા પીવો છો, એ નહીં. હા, ચા વગર નહીં ચાલે એ ડખો. કોઈ પણ ચીજ વગર મારે ચાલે નહીં એ ડખો. જે આવે તે ચાલે. પછી બીજી વખત જેને સ્પૃહા નથી કોઈ પણ વસ્તુની, ડખો નથી, તેને કંઈ નહીં.

પ્રશ્નકર્તા : એની શુધ્ધ નિર્જરા થઈ રહી છે ?

દાદાશ્રી : હા, શુધ્ધ નિર્જરા એ તો થઈ ગયું ખલાસ ! ચોખ્ખું થઈ ગયું. બીજું ચોખ્ખું કરવાનું રહ્યું. તે આ ચારિત્રમોહ ચોખ્ખો કરવાનો રહ્યો.

સહજ સિવાય બીજું ડખો !

પ્રશ્નકર્તા : કારણ કે બીજી કોઈ ક્રિયાના આપણે માલિક નથી. જે કંઈ થઈ રહ્યું છે એના માલિક નથી.

દાદાશ્રી : એ તો ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

પ્રશ્નકર્તા : એમાં ડખો કરીએ તો જ ચારિત્રમોહને ?

દાદાશ્રી : ડખો કરીએ તો ચારિત્રમોહ. નહીં તો ભગવાન મહાવીર ચાલ્યા તેને ચારિત્રમોહ કહેત. ચાલત શી રીતે ? એવું નહીં. મહાવીર ખાતા હતા, ચાલતા હતા, બધું જ કરતા હતા.

પ્રશ્નકર્તા : પણ તો તમે કહ્યું ને કે આ વિધિ કરીએ એ ચારિત્રમોહ.

દાદાશ્રી : વિધિ કરવાનો વાંધો નથી પણ એમાં ડખો હોય છે કે આ કર્યા વગર નહીં ચાલે મારે. સહેજાસહેજ મળ્યું તો કંઈ નહિ ને ના મળ્યું તોય કંઈ નહીં પણ ડખો નહીં. કોઈ પણ વસ્તુમાં ડખો માત્ર ના હોવો જોઈએ. ચા મળે તો પીવે અને ના મળે તો કંઈ નહીં. યાદ આવે તેય ડખો.

પ્રશ્નકર્તા : જમવાનું યાદ આવે એ ચારિત્રમોહ?

દાદાશ્રી : જમવાનું યાદ આવે એ ચારિત્રમોહ નહીં. ભૂખ લાગે એ ચારિત્રમોહ નહીં. ભૂખમાં શું ખઈશ એ ચારિત્રમોહ. આ જોઈશે મારે, એ ચારિત્રમોહ. ખાય-પીવે તેની કોઈ ના નથી. બાવીસ રોટલી ખાતો હોય તોય ભગવાનને ત્યાં વાંધો નથી. આ લોકોને વાંધો છે, કહે કે બહુ ખા ખા કરે છે આ ! પછી બીજે દહાડે બે રોટલી હોય તો બે ખાય, પણ ડખો નહીં.

પ્રશ્નકર્તા : એટલે ટોટલ સહજ.

દાદાશ્રી : સહજ, સહજ સિવાય બીજો બધો ડખો. હવે આ ડખો છે. ત્યાં સહજ થઈ જાવ. એવું કહે છે. હવે ત્યાં સહજ થઈ ગયા. એટલે તમારે કશી લેવા-દેવા નહિ. તમે મુક્ત જ છો.

પ્રશ્નકર્તા : અને ખાઈએ-પીએ નહીં તો એ બધી ક્રિયા કરી કહેવાય ? એને શું કહેવાય ?

દાદાશ્રી : ના. એ ક્રિયા ના કહેવાય. કરું છું એમ કહે તો ક્રિયા. સહેજાસહેજ થાય તેને કશું નહીં. હું કરું છું, મારે ન્હાયા વગર ચાલે નહીં, એ બધી ક્રિયા કહેવાય. કર્તા થયો કહેવાય.

એક્સ્ટ્રા બુધ્ધિથી પ્રોબ્લમો !

જ્ઞાનપ્રકાશ વધે તો જ બુધ્ધિ ઘટે. નહીં તો પ્રકાશ એક બાજુ ના હોય તો બુધ્ધિ ઘટે નહીં.

પ્રશ્નકર્તા : પ્રકાશ હોય તો બુધ્ધિ તો જોઈએ ને ?

દાદાશ્રી : ના, પ્રકાશમાં બધું માલમ પડે એવું છે. પ્રકાશથી તો બધું દેખાય એવું છે, ક્લીયર(સ્પષ્ટ). તેમ છતાં આ સંસાર જેટલો ચલાવવાનો છે આપણે, નિમિત્તમાં આવ્યો છે, તેમાં આ લાઈટ ના ચાલે. એમાં છે તે પેલું જે લાઈટ છે, તે પેલું લાઈટ એની જોડે હોય જ. બુધ્ધિનું લાઈટ, ડિમ લાઈટ એની જોડે જ, હરેક કાર્યમાં હોય જ. આ તો કઈ બુધ્ધિ ઘટાડવાની કહું છું કે જે જરૂરિયાત છે એની બુધ્ધિ તો મને ય રહેવાની. બિનજરૂરિયાત બુધ્ધિ કઈ કે જે તમને આમ થઈ જશે ને તેમ થઈ જશે, બધું આડાઅવળું બતાવ બતાવ કરે, ડખો કરી નાખે, ઈમોશનલ કરી નાખે કે નથી કરતી ? તે એ બુધ્ધિ. એ બુધ્ધિ ઈમોશનલ કરી નાખે. અને પેલી બુધ્ધિ તો જે છે એ તો એની મેળે કુદરતી ઊભી જ થવાની. એની જોડે જ રહેવાની, એને ડિમ લાઈટ કહે છે. ડિમ લાઈટ તો હોય જ ને ! ફુલ લાઈટ જોઈએ જ નહીં ત્યાં આગળ, સંસાર ચલાવવા માટે.

આ મન, બુધ્ધિ, ચિત્ત, અહંકાર એ ચાર જ અંતઃકરણ રૂપે છે. એનો વાંધો નહીં પણ આ તો વધારાની એક્સ્ટ્રા બુધ્ધિ છે તે કામની જ નથી.

બુધ્ધિની ડિવેલ્યુ જ બુધ્ધિ ઘટાડે !

પ્રશ્નકર્તા : તો એવી બુધ્ધિવાળા માણસને જો સહજ થવું હોય તો શું કરવું પડે ?

દાદાશ્રી : એ તો એની મેળે બુધ્ધિ ઓછી થતી જાય. એ પોતે નક્કી કરે કે આ બુધ્ધિની વેલ્યુ નથી એટલે ઓછી થતી જાય. જેની તમે વેલ્યુ માનો તે મહીં વધતું જાય અને જેની વેલ્યુ ઓછી થઈ ગઈ એ ઘટતું જાય. પહેલાં એની વેલ્યુ વધારે માની તે આ બુધ્ધિ વધતી ગઈ.

પ્રશ્નકર્તા : બુધ્ધિનો જે મળ હોય, બુધ્ધિનું આવરણ હોય, એ ધોવાઈ જવું જોઈએ ને ?

દાદાશ્રી : આપણને જરૂરિયાત છે ત્યાં સુધી એ ઊભી રહી છે. આપણને નેસેસિટી છે ત્યાં સુધી એ ઊભી રહી છે અને હજુ તો બુધ્ધિની વધારે કમાણી કરવા લોકો ફરે છે કે હજુ બુધ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢ્યા છે. આ તો બુધ્ધિને જ ખેડ ખેડ કરી છે, પછી ખાતર નાખો, એ બુધ્ધિ વધી ગઈ. મનુષ્યો એકલા જ દોઢડાહ્યા છે. બુધ્ધિનો ઉપયોગ વધારે પડતો કર્યો.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગરનો પણ જે સીધે- સાદે, સરળ માર્ગે જતો હોય અને એની સમજણ પ્રમાણે વ્યવહારમાં નિષ્ઠાથી સત્ય રીતે રહેતો હોય તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય છે એ તેનો ડિફરન્સ(ફેર) શું ?

દાદાશ્રી : પેલો તો ક્લેશનો અભાવ હતો ને, તે આપણે બુધ્ધિપૂર્વક કરતા હતા. અને આ સહજભાવે ક્લેશનો અભાવ રહે. આમાં કર્તાપણું છૂટી જાય.

આ તે કેવા બુધ્ધિશાળી !

બુધ્ધિશાળી વળી કામ તો સરસ કરી શકે પણ બુધ્ધિ રાઈટ સાઈડ પર જાય ત્યારે. બુધ્ધિ રાઈટ સાઈડ પર જતી નથી અને રોંગ સાઈડમાં ફર્યા કરે છે. રાઈટ સાઈડમાં જેની બુધ્ધિ ગયેલી હોયને, તે એકવાર મોક્ષ લેતાં પહેલાં જ શરૂઆતમાં ઘરમાં ક્લેશ ના રહેવા દે. બુધ્ધિથી એનો હિસાબ કરી કરીને કાઢ કાઢ કરે તો ક્લેશ જતો રહે. ક્લેશને માટે જ્ઞાનની જરૂર નથી, એવું બુધ્ધિથી નીકળે. પણ બધા બુધ્ધિશાળીઓને ત્યાં મેં વધારે પડતા ક્લેશ જ જોયા. ત્યારે એક જણ મને કહે છે કે આ શું કહેવાય ? મેં કહ્યું, આ તો ક્યુબ કહેવાય, ઘનચક્કર ! ઊલટો ક્લેશ નીકળી જાય તેની જગ્યાએ ક્લેશ વધ્યો તમારે ત્યાં ? આમ ન હોવું જોઈએ.

કોઈ પણ બુધ્ધિશાળી હોય, એને હું પહેલામાં પહેલું પૂછું કે તમારા ઘરે ક્લેશ છે ? અને મહિનામાં એકાદ દહાડો થતો હોય તો વાંધો નહીં પણ... ત્યારે કહે છે, એ તો ચાલુ જ રહે છે. ત્યારે મેં કહ્યું, તમારામાં બુધ્ધિ છે જ નહીં. તમારા મનમાં માની બેઠા એટલું જ. આપણા મનમાં માનીએ કે આ મારી શાકભાજીની દુકાન છે. હવે ત્યાં આગળ છે તે પેલાં કહોવાઈ ગયેલાં રીંગણા પડ્યા હોય, હવે એવી શાકભાજી કોણ લે ? એવું આ બધું છે. બુધ્ધિ તો બહુ કામ કરે, સ્ટ્રેઈટ વે હોય તો.

કૃષ્ણ ભગવાને કહ્યું છે ને, અવ્યભિચારિણી બુધ્ધિ, એટલે સ્ટ્રેઈટ વે. એની લાઈનમાં બીજા કોઈની ડખલ ના હોય અને એ કોઈનામાં ડખલ કરે નહીં, એવી બુધ્ધિ. તમને કેમ લાગે છે આ વાત ? સમજવું તો પડશે જ ને ?

એક ભાઈ તો બુધ્ધિશાળી બહુ હતા, તે મેં એમને સાધારણ પૂછયું કે ઘરમાં કંઈ ક્લેશ ? ત્યારે કહે, 'તે ક્લેશ તો નહીં પણ ઘરમાં બેસવાનું જ ગમતું નથી.' મેં કહ્યું, 'આટલો બધો બુધ્ધિશાળી છે, તો ક્યાંય બુધ્ધિ ગીરવે મૂકી આવ્યો છે કે શું કર્યું છે ?' બુધ્ધિશાળી ડહાપણપૂર્વક રસ્તો ખોળી કાઢે. કાલે વહુ સામી થઈ હોય તો એનો ઉપાય ખોળી કાઢે. ફરી પાછું એટેક કરવાનું ઊભું ના કરે. એટેક કેમ બંધ થાય એવું શોધી કાઢે. સામો એટેક કરીને પછી નવી લડાઈ ઊભી ના કરે. ફરી સામો એટેક કરશે તો આપી જ દઈશ છેવટે, એવું ના કરે. સ્ત્રીની સામે પુરુષનો એટેક એ ભયંકર ગુનો છે.

મોક્ષે જતાં બુધ્ધિ ડખલરૂપ છે. અને સંસારમાં બુધ્ધિ એને હેલ્પ કરે છે. એ પણ નોર્માલીટીવાળી બુધ્ધિ હોવી જોઈએ. વધારાની બુધ્ધિ હોયને, તે તો બૈરી કહેશે, 'આખો દહાડો કકળાટ જ કર્યા કરે છે.' ત્યારે વધુ પડતા બુધ્ધિશાળી હંમેશાં કકળાટ જ કર્યા કરે. એટલે વધુ પડતા બુધ્ધિશાળી જોડે તો છોડીઓએ પૈણવું જ ના જોઈએ. એને કુંવારો રાખવો સારો.

હવે ખરો બુધ્ધિશાળી કોનું નામ કહેવાય ? જે કકળાટ બંધ કરી દે. કકળાટ ઊભા થવાની જગ્યાએ કકળાટ બંધ કરતો જાય. તેથી અમને પાકા કહ્યા ને ! ગમે તેવી ખરાબ આફતોમાં આવ્યા હોય ને, તોય બધું નિકાલ કરી દે.

બુધ્ધિ તો કોનું નામ કહેવાય કે એક મતભેદ ના પડવા દે. દૂધ ઢળી ગયું હોય તો, 'આ કેમ ઢળી ગયું', એ બધો પોતાના એક્સ્પિરિયન્સથી એનો નિવેડો તરત આવી જાય. અને તરત કહે, 'ઢળી ગયું તેનો વાંધો નહીં. હવે ધીમે ધીમે લૂછી નાખો.' અને 'બીજું લાવીને ચા મૂકો' એમ ધીરે રહીને બોલે. અને આ તો દૂધ ઢળ્યું તે પહેલાં મહીં એનું હઉ દૂધ ઢળી જાય. આખો દહાડો ડખાડખ થાય એ બુધ્ધિનું જ ડહાપણ છે ને !

આ તો મેજીસ્ટ્રેટ સાહેબ ઘરમાં આવ્યા ત્યારે બઈ એમની જોડે બોલે નહીં અને મેજીસ્ટ્રેટેય ના બોલે. બેઉ પંદર-પંદર દહાડા સુધી ચઢેલાં મોઢાં લઈને ફરતાં હોય. અને કહે છે, 'અમે બુધ્ધિશાળી'. અલ્યા શેને બુધ્ધિ કહે છે ? ડહાપણવાળી તો આ ગાયો-ભેંસો છે. એમને કોઈ દહાડો કોઈ જાતનો ડખોય નહીં. ગાય એની છોડી આવે તોય શરમાય નહીં, કપડાં ના પહેર્યાં હોય તોય. અને આપણા અહીં કપડાં ના પહેર્યાં હોય તો શરમાય જાય, નહીં ?

પ્રશ્નકર્તા : શરમાય જાય.

દાદાશ્રી : અને ગાયો શરમાય નહીં.

તે બુધ્ધિ હોતી નથી ને મનમાં માની બેઠો હોય કે હું બુધ્ધિશાળી ! મૂઆ, બુધ્ધિ હોય તો બૈરી જોડે વઢવાડ કેમ થાય છે ? બૈરી રીસાઈ હોય તો સવારમાં નિકાલ કરતાંય ના આવડે. રીસાઈ હોય ને બોલતી ના હોયને તો એને બોલતી કરવી હોય તો ના આવડે. ત્યારે મૂઆ એનું નામ અક્કલ કેમ કહેવાય ? મેજીસ્ટ્રેટ મોઢું ચઢાવીને ફરે ને પેલા પટરાણીએય મોઢું ચઢાવીને ફરે. ઘેર કોઈ વકીલ ગયો હોય તો સમજી જાય. એ બેઉ મોઢું ચઢાવીને ફરતા હોય. એ તો મિનિંગલેસ છે ! બુધ્ધિશાળીને તો કોઈની સાથે ડખલ ના થાય.

બુધ્ધિ કરાવે સેફસાઈડ !

બુધ્ધિથી પારખી શકે છે, આ ખોટું છે એ સમજી જાય ને આ ખરું છે એય સમજી જાય. પણ એના મૂળ ભાવાર્થને ના પહોંચે.

પ્રશ્નકર્તા : ખરેખરો જો એ તો બુધ્ધિનો ઉપયોગ થવાનો હોય તો એને મૂળ વાત સુધી પહોંચવું જોઈએ ?

દાદાશ્રી : એવી બુધ્ધિ નથી હિન્દુસ્તાનમાં કોઈની ! હિન્દુસ્તાનમાં એક-બે મોટા માણસોએ પૂછ્યું, 'અમારે અહીં બુધ્ધિનું ડેવલપમેન્ટ કેટલું ?' મેં કહ્યું, 'હજુ છાંટોય નથી થયું. હજુ શરૂઆત નથી થઈ.' આ ફોરેનવાળા બુધ્ધિ બુધ્ધિ કરે છે, તે બુધ્ધિશાળી ચર્ચીલ કહેવાય. એવા કેટલાક માણસો થયા છે કે જેને બુધ્ધિશાળી કહેવાય. પોતે સેફસાઈડમાં રહી શકે એની પ્લેસમાં, પોતાની સેફસાઈડને સમજી જાય. અનસેફ ના થાય.

બુધ્ધિશાળી હંમેશાં શું કરે, સેફસાઈડ કરે કે અનસેફ કરે ?

પ્રશ્નકર્તા : એડજસ્ટમેન્ટ કરે.

દાદાશ્રી : ના, પણ સેફસાઈડ કરે ને ? અનસેફ હોય તો સેફસાઈડ કરતાં તો આવડતી જ નથી.

અને અહીંના લોકોને બુધ્ધિશાળી કહીએ છીએને, તે આપણે અહીં આગળ પણ બીજું શું કહેવું એ ખબર નથી એટલે બુધ્ધિશાળી કહે છે પણ ખરેખર એ અક્કલવાળા છે.

બુધ્ધિ તો કોનું નામ કહેવાય કે ક્રોધ-માન-માયા-લોભનું વિવરણ કરી અને એને બધાને બાજુએ મૂકી દે અને ઘરમાં અથડામણ ના થવા દે. એડજસ્ટમેન્ટ લેતાં આવડે. આ તો એડજસ્ટ થવાનું ત્યાં જ ડિસ્એડજસ્ટ થાય છે, તેને બુધ્ધિ કેમ કહેવાય ? બુધ્ધિશાળી તો બધું જ કામ કરી શકે. બધી જગ્યાએ સેફસાઈડ કરી શકે. બુધ્ધિશાળી આખા વર્લ્ડમાં નથી. આ ચર્ચીલ જેવા કો'ક જ માણસ પાકે આખા વર્લ્ડમાં.

આપણે અક્કલને બુધ્ધિ કહીએ છીએ. અક્કલ એટલે શું ? આ બાબો ફડફડ જવાબ આપે અને બીજો એક બાબો ફડફડ જવાબ ના આપે એનું શું કારણ ? આને અક્કલ વધારે છે ને પેલાને અક્કલ ઓછી છે. એ અક્કલ કુદરતી બક્ષિસ છે. એ આજની કમાણી નથી. બુધ્ધિ એ આજની કમાણી છે. આજનો એક્સ્પિરિયન્સ છે અને આ તો પૂર્વભવનું. એ અક્કલને મૂળ શબ્દમાં 'સૂઝ' કહેવાય છે.

બુધ્ધિ છે કર્માનુસારિણી !

પ્રશ્નકર્તા : 'વ્યવસ્થિત શક્તિ' બધાને બુધ્ધિ આપે છે ?

દાદાશ્રી : ના. બુધ્ધિ તો કર્માનુસારિણી છે. તમારું કર્મ છે ને, તે આધારે પ્રકાશ હોય અને પ્રકાશના આધારે તમે સુખ ભોગવો અને દુઃખ પણ ભોગવો. પ્રકાશ ના હોત તો તમે દુઃખ પણ ના ભોગવી શકો.

અહંકારને માર કર્તા-ભોક્તાપણાનો !

પ્રશ્નકર્તા : આપણને વ્યવહારમાં જેને લીધે પ્રોબ્લેમ ઊભા થાય છે તે બુધ્ધિને લીધે કરતાં અહંકારને લીધે વધારે થાય છે એમ લાગે છે. કારણ કે મૂળ તો અહંકારને ! અહંકાર ના હોય તો બુધ્ધિ હોય જ નહિ ને ? એટલે મૂળ દોષ જ અહંકારનો ને ?

દાદાશ્રી : અહંકાર તો કહેવા માત્રનો છે. આંધળો મૂઓ છે. આમાં બુધ્ધિનું ચાલે છે. મૂળ બુધ્ધિનો દોષ છે. બુધ્ધિએ એનો લાભ ઉઠાવ્યો.

પ્રશ્નકર્તા : અહંકાર તો આંધળો છે. પણ અહંકાર જ મુખ્ય વસ્તુ છે ને ? અહંકાર ના હોય તો બુધ્ધિ બરાબર ના ચાલે ?

દાદાશ્રી : અહંકાર ના હોય તો બુધ્ધિ હોય નહિ. અહંકાર છે તો મન, બુધ્ધિ, ચિત્ત બધું છે. અહંકાર એટલે કર્તા-ભોક્તાપણું. એને કર્તા-ભોક્તાનો માર પડે. અને બુધ્ધિ છેટે રહે. માર અહંકાર ખાય. બબૂચક માર ખાયા કરે.

'આત્મજ્ઞાની' ખપે 'ટેસ્ટેડ' !

બધાં બ્રિલિયન્ટ(તેજસ્વી) હોય ને ભણેલાં, બહુ બ્રેઈન ઊંચા ગયેલા હોય ને, તે બધાં બ્રિલિયન્ટ હોય, ગ્રાસ્પીંગ પાવર બહુ ઊંચો હોય. તે એવાં બસ્સો માણસ બેઠાં હોય ને, તો એની મહીં આત્મા ટેસ્ટેડ થવો જોઈએ. અહીં બધાય ગપ્પાં મારે છે. કેટલાક ધર્મોમાં આચાર્યો 'આત્મા આવો છે ને તેવો છે', પણ ટેસ્ટેડ કોઈ થયેલો નહીં. એક અક્ષરેય કોઈ જમે નહીં કરે. ટેસ્ટેડ થવું જોઈએ. બધા એક્સેપ્ટ કરવા જોઈએ. ભલે તમે ના જાણતા હો, પણ તમારો આત્મા છે ને અને બ્રિલિયન્ટ છો. ડફોળ હોય તો ના સમજે. આ બધા જેને બળદ જોડે મિત્રાચારી હોય તેને શું સમજણ પડે ? બળદ જોડે મિત્રાચારીવાળા કોઈ માણસો ખરાં અહીં, હિન્દુસ્તાનમાં ? આ ખેતીવાડી કરવી પડે ને, તે આખો દહાડો બે બળદ આગળ ને પોતે પાછળ. એની જોડે જ મિત્રાચારીનો સંગ હોય, હોય કે ના હોય ? હવે પછી આ વાત કરીએ આપણે તો એને શી સમજણ પડે ? કામ શું લાગે ?

એ તો જેને બ્રિલિયન્ટ મગજ હોય ને, તે આ વાતને સમજે. આ કોમન પબ્લિકનું ગજું જ નહીં ને, પણ જે બ્રિલિયન્ટ માલ છે, એ બધા સમજી જાય. આ તો બધા ગયા હોય ને તે આમાં, કોમન પબ્લિકમાં ચાલ્યા જાય. આપણા લોકોને તો એટલું સમજણ પડે કે આ ચોખા શેના છે ને આ ચોખા શેના છે ? તેય અમુક જ માણસોને, બધાને ના સમજ પડે.

એક બી.એસ.સી. થયેલો. પોતે અંગત માણસ હતો. ત્યાર પછી મને કહે છે, હું તમારી પાસે અહીં એક્સ્પિરિયન્સ(અનુભવ) લઉં થોડો ઘણો. મેં કહ્યું, 'ધંધો તમને શી રીતે આવડશે ?' ત્યારે કહે, 'તમારે ત્યાં આવ-જા કરીશ.' મેં કહ્યું, 'હું તમને શીખવાડું એ શીખોને. એક વાર શાક લઈ આવો.'

હવે અત્યારના બી.એસ.સી.ને આવું કહીએ તોય વાંધો નહીં અને તે દહાડાના બી.એસ.સી.ને એવું જો કહીએ ને, તો મનમાં મારા જેવા બી.એસ.સી. થયેલા માણસને શાક લેવા મોકલે છે ? કહેશે. આ તો ૫૫ વર્ષ પહેલાની વાત કરું છું. એના મગજમાં પારો ભરાયેલો હોય ને, બી.એસ.સી. થયેલો છું. ત્યારે મેં કહ્યું, 'શાક લઈ આવોને એકવાર. પહેલું શીખવું પડશે. હું તમને શીખવાડું.' તે શાક લેવા મોકલ્યા.

આ ગામડાના લોકોને ભીંડા કયા ઘૈડા છે ને કૂણા છે તે સમજણ પડે. અને શહેરના મોટા વકીલો તે ઘેર ભીંડા લાવે તો બૈરી વઢવાડ કરે કે તમને લેતાં નથી આવડતું. એટલે મારું કહેવાનું કે આ શી રીતે સમજણ પડે ? જેને ભીંડા લેતાં નથી આવડતા, એ આત્મા જાણવા જાય તો શું થાય ? ભીંડાય લેતા આવડવા જોઈએ કે ના આવડવા જોઈએ ?

અક્કલ એ કુદરતી બક્ષિસ !

અમને તો બુધ્ધિ જ નામે નહીંને ! અમે તો અબુધ. અને બીજાને અબુધ કહો તો ખોટું લાગે શાથી ?

પ્રશ્નકર્તા : જ્ઞાન ના હોય તો એમ થાય ને ?

દાદાશ્રી : ના. એ જાણે કે હું બુધ્ધિશાળી છું, તે નથી કેમ કહેતા ? હવે બુધ્ધિશાળી તો મોટા મોટા જજોય બુધ્ધિશાળી હોય છે. પણ ઘેર જઈ અને બીબી જોડે ભાંજગડ પડી હોય તો છૂટતી જ નથીને ! એ બુધ્ધિ શું કામ લાગે ?

કોઈ પણ માણસનું નુકસાન ના થાય અને પોતાનુંય કિંચિત્માત્ર નુકસાન ના કરે, એ બુધ્ધિશાળી કહેવાય. બુધ્ધિશાળી તો કોઈની જોડે ડખો કરીને ના સૂએ. બધે તાળાં વાસીને સૂએ. અને વકીલની, ડૉક્ટરની કોઈનીય જરૂર ના પડે. કોઈ દહાડો કોઈની જોડે મતભેદ ના થાય. ત્યારે સમજીએ કે બુધ્ધિશાળી આપણે છીએ. આ તો મતભેદ થાય એટલે અથડામણો થાય.

જેનો વ્યવહાર એટલો ઊંચો હોય કે કોઈ પણ માણસને ત્રાસરૂપ ના થઈ પડે અને કોઈને ત્રાસરૂપ થઈ પડે તો એનોય ઉકેલ લાવે એ બુધ્ધિશાળી. બીજા અક્કલવાળા હોઈ શકે. અક્કલ એ કુદરતી બક્ષિસ છે અને બુધ્ધિ એ જાત અનુભવ છે. સૂઝ વધારે પડે એ અક્કલ. બુધ્ધિશાળીનું કોઈ દહાડો મોઢું ચઢેલું ના હોય કે મોઢું ઊતરેલું ના હોય. આને બહુ સૂઝ પડી જાય છે, એને આપણે અક્કલવાળો કહીએ છીએ. અક્કલવાળો એની જાતને બુધ્ધિશાળી માને છે ને એવા બુધ્ધિશાળી માણસ તો એની જાતને 'હું છું, હું છું' કર્યા કરશે.

સવળી બુધ્ધિ ડખા મટાડે !

બાકી બુધ્ધિ એટલે સુધી પહોંચી શકે કે ભગવાનના પગને અને પોતાને અરધો ઈંચ છેટું રહે છે. અરધો ઈંચ અડી જાય તો કામ થઈ જાય.

એક્સ્પિરિયન્સ જ્ઞાનથી બુધ્ધિ એટલે સુધી પહોંચી શકે છે કે તીર્થંકર, જ્ઞાની કે કેવળી હોય, એમના ચરણથી આ અરધો ઈંચ જ છેટો રહે.

બુધ્ધિ ક્યારે વધે ? લોભ ઘટતો જાય ત્યારે બુધ્ધિ વધે. ક્રોધ ઘટતો જાય ત્યારે બુધ્ધિ વધે. માન ઘટતું જાય ત્યારે બુધ્ધિ વધે એવું છે.

આ તો ઘરનાં જોડે, પાડોશી જોડે, ભાડુઆત જોડે તારે મેળ નથી ખાતો. તારા મન જોડે જ મેળ નથી ખાતો, તે બુધ્ધિશાળી કેવી રીતે ? છતાં મનમાં માની બેસે કે હું બુધ્ધિશાળી.

અક્કલવાળા પાછા અક્કલના ઈસ્કોતરા કહેવાય. પતંગ ચગાવાય, પણ બુધ્ધિ ચગાવાય ? એ તો અક્કલના ઈસ્કોતરા કહેવાય. અહીં ઈન્ટેલિજન્ટ આવે છે પણ શાનો ઈન્ટેલિજન્ટ ? અહીં આવે કે વાળી-ઝૂડીને એની ધૂળ કાઢી નાખું.

અને મુંબઈમાં રોજ બુધ્ધિવાળા બધા આવે છે, તે એમની ખુમારી હોય. તે પછી હું એમને કહું છું કે તમે બુધ્ધિશાળી છો ? ત્યારે કહે, 'અમે બુધ્ધિજીવી તો ખરા જ ને !' મેં કહ્યું, 'ઘરમાં વઢવાડ થાય છે ?' ત્યારે કહે, 'મહિનામાં પાંચ-સાત દહાડા, વધારે નહીં.' મેં કહ્યું, 'ખરા બુધ્ધિશાળી હોય તો એને કોઈની જોડે ડખો જ ના થાય.' બુધ્ધિશાળી માણસ તો બધા ડખા મટાડી શકે છે. તમામ પ્રકારના ડખા મટાડી શકે છે પણ ચિંતા ના મટાડી શકે. ચિંતા જરાક તો થાય જ. કારણ કે અવળે રસ્તે છે ને એટલે ! પણ ડખા મટાડી શકે.

એટલે ઘણાં બધાં દુઃખો તો બુધ્ધિથી નિવારણ કરી શકાય એવાં છે. છતાં ય બુધ્ધિશાળીઓને ત્યાં, જેને ઈન્ટેલિજિન્શીયા કહેવામાં આવે છે ને, એ બધાને ત્યાં એ જ દુઃખો ભરાયેલાં છે.

પ્રશ્નકર્તા : એવું કેમ હશે ?

દાદાશ્રી : એવું છે, એ બુધ્ધિશાળીઓનો મોનિટર કોણ ?

બુધ્ધિશાળીઓ બધું કરી શકે ખરા, પણ મોનિટર કોણ ? 'પદ્માબેન' (એની વાઈફ). 'પદ્માબેન' કહે 'આમ' એટલે પેલાનું બગડ્યું. તમને કેમ લાગે છે ? બધા બુધ્ધિશાળીઓ સ્લીપ થઈ જાય છે, પદ્માબેનથી !

કોમનસેન્સ લાવવી ક્યાંથી ?

પ્રશ્નકર્તા : કોમનસેન્સ એ કોમન નથી હોતી, એ તો બહુ ઓછાં જણ પાસે હોય છે.

દાદાશ્રી : એવી રીતે કોમન નહીં. કોમનસેન્સનો અંગ્રેજી અર્થ કહું ? એવરીવેઅર એપ્લીકેબલ. દરેક તાળાં ઊઘડે. આ દુનિયામાં કોઈ એવું તાળું ના હોય કે ન ઊઘડે. કટાઈ ગયેલું હોય તોય ઊઘડે. એનું નામ કોમનસેન્સ. આ બધી કોમનસેન્સથી તો નવું તાળું ઊઘડતું નથી, બળ્યું ! અરે, ઊઘડેલું તાળું વસાઈ જાય છે !!

પ્રશ્નકર્તા : તો આને અન્કોમનસેન્સ કહેવી જોઈએ ?

દાદાશ્રી : ના, એવું ના બોલાય આપણાથી. કોમનસેન્સ જુદી વસ્તુ છે. આ લોકોને 'કોમનની પેઠ બુધ્ધિ છે એવું ન હોય !' કોમનસેન્સ એટલે એવરીવેઅર એપ્લીકેબલ. એ ભાગ્યે જ હિન્દુસ્તાનમાં કોઈ માણસમાં હોય, થોડી-ઘણીય ! નોનસેન્સેય બહુ ઓછા હોય અને કોમનસેન્સવાળાય ઓછા હોય. નોનસેન્સ પાંચ-પચાસ માણસ હોય, વધારે નહીં. વચલો ગાળો બહુ હોય, સેન્સિટીવ ! સેન્સિટીવ એકલા જ નહીં પાછા. આ બધા સેન્સિટીવનેસની નજીકના બધા. જરા કહ્યું કે 'ચંદુભાઈમાં અક્કલ નથી', તે દહાડે આખી રાત એ ઊંઘે નહીં.

કોમનસેન્સથી મોક્ષ થાય. કોમનસેન્સ માણસોને હોય નહીં. આ કાળમાં ક્યાંથી હોય ? એટલે બહુ જૂજ હોય. કોમનસેન્સ ક્યાંથી લાવે ? મેં પુસ્તકમાં લખ્યું છે ને, કોમનસેન્સ ક્યાંથી હોય આ લોકોને ?

માની બેઠેલા બુધ્ધિશાળી !

પ્રશ્નકર્તા : અમુક લોકો બુધ્ધિશાળી વર્ગ તો કહેવાય ?

દાદાશ્રી : બુધ્ધિશાળીની તો અહીં જરૂર જ નહીં. બુધ્ધિશાળી તો મેં જોયો ય નહીં કોઈ માણસ. તમે જોયેલો કોઈ દિવસ ?

પ્રશ્નકર્તા : લોકો લર્નેડ(શિક્ષિત) શબ્દ વાપરે છે ને ?

દાદાશ્રી : લર્નેડ એટલે ભણેલો માણસ. બુધ્ધિશાળી તો આપણા માણસ અમથા માની બેઠા છે કે હું બુધ્ધિશાળી છું. ડૉક્ટરો એમની મેળે માની બેઠા છે, વકીલો એમની મેળે માની બેઠા છે, દરેક ધંધાવાળા એમની જાતને બુધ્ધિશાળી માને.

બુધ્ધિશાળી કોને કહેવાય કે જેના ઘરમાં મતભેદ ના હોય, ઝઘડા ના હોય. બુધ્ધિશાળીને આટલું કામ તો આવડે જ અને મહિનામાં એકાદ વખત થાય પણ બહુ લાંબું હોય નહીં.

પ્રશ્નકર્તા : મતભેદ કેવી રીતે ના થાય ?

દાદાશ્રી : મતભેદ તો, બુધ્ધિ ના હોય એટલે મતભેદ જ પડી જાય ને ? આદિવાસી હોય, એને મતભેદ ના પડે. કારણ કે એને તો બુધ્ધિ નથી. અને આ તો બુધ્ધિ નથી અને પાછો બુધ્ધિ છે, એમ કહે છે એટલે મતભેદ પડી જાય છે.

પ્રશ્નકર્તા : બુધ્ધિ ના હોય ત્યાં મતભેદ ના પડે ?

દાદાશ્રી : જેનામાં ખરેખર બુધ્ધિ નથી, એનામાં મતભેદ હોય નહીં. પણ આ તો બુધ્ધિ નથી અને છે, એમ માની બેઠેલા છે, તેને મતભેદ પડે છે.

પ્રશ્નકર્તા : મુશ્કેલીઓ હોય એના સમાધાન માટે પણ બુધ્ધિની જરૂર પડે છે ?

દાદાશ્રી : બુધ્ધિ બે પ્રકારની. જે બુધ્ધિ પઝલ ના હોય ત્યાં પઝલ ઊભું કરે એ વિપરીત બુધ્ધિ અને જે બુધ્ધિ પઝલ હોય એને સોલ્વ કરી નાખે એ સાચી બુધ્ધિ. સાચી બુધ્ધિ હોય તો એમને હેલ્પ કરે. બાકી બીજી, પેલી હેલ્પ ના કરે. પઝલ ના હોય તો પઝલ ઊભું કરી દે, વધારે ગૂંચવે.

પ્રશ્નકર્તા : એવી સાચી બુધ્ધિ હોય તો એ સરળ હોય ?

દાદાશ્રી : હોય જ નહીં ને પણ, ક્યાંથી લાવે સાચી બુધ્ધિ ? સાચી બુધ્ધિ મારા હાથ ફર્યા વગર થાય નહીં. વિપરીત જ હોય. તે દા'ડે દા'ડે મુશ્કેલીઓ વધારે ના હોય તો ઊભી કરે. કો'ક દા'ડો કઢી ખારી થાય અને ટેબલ ઉપર બીજું સારું જમવાનું હોય છતાંય ગાંડુ બોલ્યા વગર રહે નહિ. કઢું ખારું થયું છે, એવું બોલે. બોલે કે ના બોલે ? આને હવે બુધ્ધિશાળી કહેવા કે ડફોળ કહેવા ?

પ્રશ્નકર્તા : સમજ અને બુધ્ધિ વચ્ચે શું ફેર ?

દાદાશ્રી : સમજ છે તે મતભેદને ઘટાડે અને બુધ્ધિ વધારે.

પ્રશ્નકર્તા : સાચી બુધ્ધિ હોય તોય મતભેદ ના થાય અને સાચી સમજણ હોય તોય મતભેદ ના થાય.

દાદાશ્રી : સાચી બુધ્ધિ હોય જ નહીં ને ? હવે બુધ્ધિનો કંઈ ખુલાસો થયો. તમને થોડું સમજાયું ?

બુધ્ધિશાળીનું વિશેષ ડેવલપમેન્ટ !

પ્રશ્નકર્તા : એક માણસ મનના સ્તરમાં રહે છે અને એક માણસ બુધ્ધિના સ્તરમાં રહે છે, એ બેમાં ભેદ શું હોય ?

દાદાશ્રી : બુધ્ધિના સ્તરવાળા તો જે પ્રખર બુધ્ધિશાળી છે ને, તે જ. બીજા બધાં તો મનના લેયર(સ્તર)માં જ છે.

પ્રશ્નકર્તા : હવે આ પ્રખર બુધ્ધિશાળી કોણ કોણ હોય ? કેવા હોય ?

દાદાશ્રી : પ્રખર બુધ્ધિશાળી આ દુનિયામાં ખરાબમાં ખરાબ જગ્યાને બધી વ્યવસ્થિત કરી નાખે, એ બધું સરસ બનાવી દે. બુધ્ધિશાળી એની ગોઠવણી કરે. બાકી અહીંની બધી વ્યવસ્થા કે જે મનના સ્તરવાળાને ના ગમતી હોય, પણ બુધ્ધિશાળી તો એ બધી જ ગમતી કરી નાખે અને મતભેદ તો ઘણાખરા ઓછા કરી નાખે.

મનના લેયરવાળો ડેવલપ ના થયેલો હોય ને બુધ્ધિના લેયરવાળો તો બહુ ડેવલપ હોય. એ તો આજે મતભેદ પડ્યો તો પાંચ-સાત દહાડા વિચાર કરી કરીને ફરી ન પડે એવું જડમૂળથી કાઢી નાખે. એવા એ બુધ્ધિશાળી તો બહુ જબરા હોય !

પ્રશ્નકર્તા : એટલે ભલે એની પાસે જ્ઞાન ના હોય, છતાં બુધ્ધિથી મતભેદ કમ્પ્લિટલી કાઢી શકે ?

દાદાશ્રી : હા, બુધ્ધિથી બધું કાઢી નાખે. બુધ્ધિથી તો એટલો બધો સંસાર સરળ કરી નાખે કે ન પૂછો વાત ! પણ કુદરતી એવું છે કે 'હું કર્તા છું' એટલે મહીં છે તે અંતર્દાહ બળ્યા જ કરતો હોય.

પ્રશ્નકર્તા : એવા પ્રખર બુધ્ધિશાળી કેટલા હશે ?

દાદાશ્રી : બહુ થોડા માણસ હોય.

પ્રશ્નકર્તા : લાખ માણસોની પાછળ એકાદ હોય ?

દાદાશ્રી : હા, એવું એક-બે હોય, બસ !

પ્રશ્નકર્તા : બુધ્ધિશાળીઓ હોય છે છતાંય ઘરમાં તો કંકાસ ને ક્લેશ તો થયા કરે છે.

દાદાશ્રી : એને બુધ્ધિશાળી કહેવાય જ નહીં.

પ્રશ્નકર્તા : પણ બાહ્ય રીતે તો એ મોટા ઓફિસર હોય, ઈન્ટેલિજન્ટ હોય એવું લાગે.

દાદાશ્રી : એનામાં ભલીવાર જ નથી હોતો ઓફિસરોમાં ! એ ઓફિસર તો બહાર બગીચામાં જ્યારે એકાંત પડે છે ને, તે જાતે બોલે છે ને જાતે સાંભળે છે ! એટલે જે વિચારવાની ચીજ છે, એ 'લિકેજ' થઈ. એવું તેં જોયેલું ને ? બોલો હવે, એને બુધ્ધિશાળી કેમ કહેવાય ?

એટલે બુધ્ધિશાળી તો ઘરમાં મતભેદ બધું સાફ કરી નાખે એટલે એ 'હાઉ ટુ એડજસ્ટ' એની શોધખોળ કરે અને આ બીજા લોકો તો ચીડાવાની જગ્યાએ ચીડાઈ ઊઠે, હસવાની જગ્યાએ હસી ઊઠે, રડવાની જગ્યાએ રડી ઊઠે, એ બુધ્ધિશાળી ના કરે. બુધ્ધિશાળી હસેય નહીં. બધા હસે પણ એ ના હસે. એ સાધારણ ઉપલક જ, મોઢું જરા એ કરે એટલું જ. તેય બનાવટ.

બુધ્ધિશાળી તો પ્રધાનેય ના થાય, એ તો પાંચ- સાત હજાર, દસ હજાર પગાર આપતા હોય ત્યાં જાય. પણ પ્રધાન ના થાય, 'એમાં શું મળવાનું ?' કહેશે.

પ્રશ્નકર્તા : આજકાલના કાળમાં તો પ્રધાનોને તો ઘણું મળી શકે એવું હોય છે.

દાદાશ્રી : એ બુધ્ધિશાળી માણસો છે તે ઘણાખરાં ખોટો પૈસો ના લે, ત્યારે બુધ્ધિ આટલી બધી ફેલાય. એ બહુ નિયમવાળા હોય. પ્રમાણિકપણું ને નિષ્ઠા બહુ સારી હોય છે. આમ છે તે એને પગારેય બહુ સારો મળે. પણ પ્રધાન થઈને લૂંટી લઉ, એવું એને નહીં. એટલે બુધ્ધિશાળી પ્રધાનમાં હોય નહીં. એક બુધ્ધિશાળી હોય તો, આ બધામાં એ એક માર્યો જાય બિચારો. એટલે બુધ્ધિશાળીને એ તો ગમે જ નહીં.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે ટ્રીકો કરે, જૂઠું બોલે તો બુધ્ધિ ડેવલપ જ ના થાય.

દાદાશ્રી : આ લુચ્ચાઈ કરે, જૂઠું બોલે, એ તો બધી બુધ્ધિ ખલાસ થઈ ગયેલી હોય તે જ કરે. બુધ્ધિવાળો તો બધું આખું ક્લિયર કરી નાખે. મનની પાતળામાં પાતળી ધાર ખોળી કાઢે ત્યાં સુધી વિચારી નાખે પણ શોધખોળ કર્યા વગર રહે નહીં. ત્યારે એનો ઈગોઈઝમ બહુ વધેલો હોય, ઈગોઈઝમ પુષ્કળ હોય. બળતરાય મહીં હોય. પણ બીજી બળતરા ઊભી નહીં થવાની ને બહાર મતભેદ કે કશું નહીં ને !

પ્રશ્નકર્તા : બુધ્ધિશાળીઓને આપના જેવા જ્ઞાની પુરુષ મળી જાય એટલે કલ્યાણ થઈ જાય પછી !

દાદાશ્રી : પણ એ સીધા રહે નહીં ને !

પ્રશ્નકર્તા : તો પછી ખોટ ગઈ એમને !

દાદાશ્રી : નરી ખોટ ને !

એ બુધ્ધિશાળીઓને હ્રદય ખલાસ થઈ ગયેલું હોય.

પ્રશ્નકર્તા : હ્રદય કેમ ખલાસ થઈ ગયું હોય?

દાદાશ્રી : બુધ્ધિને અને હ્રદયને મેળ પડે નહીંને !

પ્રશ્નકર્તા : બુધ્ધિશાળી બહુ ઈમોશનલ ના થાય ?

દાદાશ્રી : ઈમોશનલ ખરા પણ તે ઈમોશનલપણું થતાં પહેલાં બુધ્ધિથી કાઢી નાખે બધું. એક બે વખત ઈમોશનલ થયા હોય કે તરત જ એને વિચારે કરીને કાઢી નાખે કે આનાથી ભૂલ થાય છે. બહુ જબરી પ્રજા છે એ તો ! પણ બહુ ઓછા હોય એવા !!

અંતરાયેલી બુધ્ધિ સળીખોર બનાવે !

અંતરાયેલી બુધ્ધિ ખોળી કાઢે. અંતરાયેલી બુધ્ધિ શું કરે ? તોફાન માંડે કે ના માંડે ?

આ તો જ્ઞાન મળ્યું તે હવે એ રાગે પડી ગયું.

પ્રશ્નકર્તા : આપની માટે એવું કહે છે. આપ તો એવા જ તોફાની હતા.

દાદાશ્રી : એ તે દહાડે બુધ્ધિ અંતરાયેલી હતી ને ! તે સળીઓ કરે. બુધ્ધિ અંતરાયને ત્યારે કંઈ મઝા ના આવતી હોય તો સળી કરે કે મઝા આવી કહે. સળી એટલે શું કે પોતે અહીં બેઠો હોય ને ટેટો પેણે ફૂટે, એનું નામ સળી ! તે આ બધી બુધ્ધિ ઊંધી-છત્તી થયા જ કરે ને ! એટલે લોક જાણે કે આ સળીયાખોર (સળીખોર) છે અને અમેય કહીએ ખરા કે ભાઈ, સળીયાખોર જ હતા.

પ્રશ્નકર્તા : આપ સવળી સળીય કરતાં હશો ને ?

દાદાશ્રી : સવળી સળીય ખરી, પણ એ ઓછી, વધારે તો અવળી. સવળી તો કંઈ પડેલી જ નહોતી ને ! અને અવળી તો કેટલે સુધી ? માણસ ના મળે તો છેવટે કોઈ છોકરાને શીખવાડું કે અલ્યા, પેલા ગધેડાની પાછળ ખાલી ડબ્બો બાંધજો. તેની પૂંઠે ખાલી ડબ્બો બંધાવે ને પછી પેલા છોકરાઓ પાછળ હાંકે ને, તે આખા ગામમાં હો હો હો ચાલે. આવું તેવું બુધ્ધિનો દુરુપયોગ બધો થયેલો. તમને તો આવું તેવું તો ના આવડે ને !

બુધ્ધિ પડાવે અંતરાય !

તમે જેટલા આંતરા પાડ્યા છે એટલા જ આંતરા તમારા પડે. લોકોને જે પ્રાપ્ત થતું હોય, તેમાં તમે આંતરો પાડો બુધ્ધિથી કે આ આમાં શું આપવા જેવું છે. કો'ક આપતો હોય તો આપણાથી ના બોલાય. નહીં તો એ બુધ્ધિનું ડહાપણ છે ને, મારી નાખે આપણને. મેંેં બુધ્ધિથી આવું જ કરેલું બધું. એના અંતરાય જ પડતા હતા.

શાસ્ત્રમાં ખોળવા જાય ને તોય જડે નહીં, અંતરાયનો સાચો અર્થ.

પ્રશ્નકર્તા : અંતરાયનો સાચો અર્થ શાસ્ત્રમાં ન મળે.

દાદાશ્રી : અનુભવીઓએ એ બધું નહીં લખેલું. મૂળ આત્માને અંતરાય જ ન હોય. જે જે જરૂરિયાત હોય તે બધી ત્યાં ઘેર બેઠાં હાજર થાય. અંતરાય હોય જ નહીં ને ! ને અંતરાય છે તે આપણે ઊભા કરેલા છે. અક્કલથી, બુધ્ધિથી. એ બુધ્ધિનું પ્રદર્શન છે, એ શું છે ?

પ્રશ્નકર્તા : એ બુધ્ધિનું પ્રદર્શન છે. આપણે જેવું વાવ્યું એવું ઊગે. એવું ઊગે ને ?

દાદાશ્રી : એ પછી જાડું ખાતું. એ બુધ્ધિનું પ્રદર્શન છે. એક જણ પૂછતો હતો, 'દાદા, તમારા સંયોગ કેવા ને અમારા સંયોગ તો... તમે તો અહીંથી ઊતરો તે જાણે કે ત્યાં આગળ ખુરશીવાળો તૈયાર હોય છે. એ કશું કોઈ જાતની હરકત નથી પડતી. 'નો' (નહીં) અંતરાય. અમારે ખાવાની ઈચ્છા જો કોઈ દહાડો મગજમાં આવી હોય, જો કે ઇચ્છા હોય નહીં બનતાં સુધી, પણ જો ઇચ્છા હોય તો અંતરાય પડે નહીં. લોકો તો દાદા શું જમશે એવી આશા રાખીને બેસી રહ્યા હોય !

પ્રશ્નકર્તા : ધંધાની કશી અડચણ આવી નહીં, તો કહે એ મારા અંતરાય નહીં એવું થયું ને ?

દાદાશ્રી : એ જ, અંતરાય પોતે જ પાડનાર છે. કંઈ ભગવાન આમાં અંતરાય પાડતા નથી. પોતાની બુધ્ધિનું નિયંત્રણ છે ને ! બુધ્ધિનું નિયંત્રણ જ બહુ જવાબદાર છે. આપણી પર બુધ્ધિનું નિયંત્રણ ના હોવું જોઈએ. બુધ્ધિ તો આપણું સાધન છે, એક જાતનું. આ તો વાપરવી હોય તો વાપરીએ, નહીં તો કહીએ 'બેસ છાનીમાની ! ચૂપ બેસ. ડખો ના કરીશ.' આ તો નિયંત્રણમાં જ હોય છે. બુધ્ધિ તો કહે, ખોટ ગઈ. પણ આપણે કેમ માનવું ? બુધ્ધિ તો સંસારી ખોટને ખોટ કહે છે અને 'આ' જ્ઞાન સંસારી નફાને ખોટ કહે છે એ આપણે જ્ઞાનથી જોઈએ તો જડે.

'મતિ મૂંઝાશે ને તૂટી જાય અંતરાય કરમ.'

પ્રશ્નકર્તા : મતિ મૂંઝાય તો કેવી રીતે અંતરાય તૂટે ?

દાદાશ્રી : મતિ મૂંઝાય એટલે અહંકાર મૂંઝાય. અહંકાર મૂંઝાય એટલે અંતરાય તૂટે. અહંકારની જાગૃતિથી આ આંટી પડી છે. તે મૂંઝાય તો તૂટી જાય. મતિની જોડે અહંકાર હોય જ હંમેશાં. મન જોડે હોય કે નાય હોય પણ મતિ જોડે અહંકાર હોય જ.

બુધ્ધિના પર્યાયો ઈમોશનલ કરે !

પ્રશ્નકર્તા : સંયોગોથી વિભાવ ઊભો થાય છે, તો સંયોગોથી છૂટો થઈ શકે, એવું ?

દાદાશ્રી : વિભાવમુક્ત થયો એટલે સંયોગોથી મુક્ત થયો અને સંયોગો બધા વિયોગી સ્વભાવના છે. બિચારા કેવા ડાહ્યા છે ને ?

અત્યાર સુધી આ બધા લોકો બેઠા હોય, રાતે સાડા અગિયાર થયા, તે ઘરધણીના મનમાં એમ થાય કે આ નહીં ઊઠે તો હું શું કરીશ ? પણ ના. આપણે બધા ઊઠી જઈશું. વિયોગી સ્વભાવના છે. જો સંયોગો વિયોગી સ્વભાવના ના હોય તો આ અમદાવાદવાળા સુખ આવેલું હોય તે તો જવા દે કે ? પણ જો એ જતું રહે તો દુઃખ આવીને ઊભું રહે છે ને !

પ્રશ્નકર્તા : આ લોકો અગિયાર વાગી ગયા અને નહીં ઊઠે તો શું થશે, એવું કોને થાય છે ?

દાદાશ્રી : એ બુધ્ધિનો પર્યાય છે. બુધ્ધિ ઈમોશનલ થાય છે. એ ઈમોશનલપણું છે. બુધ્ધિ પજવે ને ? આમ પર્યાય દેખાડે, પણ મૂઆ એ બુધ્ધિના પર્યાય છે, તારે લેવા-દેવા શું ? એ તો એનો સ્વભાવ અજવાળું આપે, તેમાં આપણને શું નુકસાની ? આપણે આંખો મીંચીને ધ્યાન કરવાનું, તે કરવાનું. એ કંઈ ખાઈ જાય છે બધાનું ? આપણે ના સમજીએ કે લાઈટ છે બહાર, આંખો મીંચી એટલે થઈ ગયું.

પ્રશ્નકર્તા : આ બધાની અસર તો, એ જે કંઈ બહાર અસરો છે, બુધ્ધિની, મનની, એ વ્યક્ત કોણ કરે છે ? વ્યક્ત તો અહંકાર જ કરે ને ?

દાદાશ્રી : વ્યક્ત કરે નહીં. પણ બુધ્ધિની અસરો હોય ને, એ આપણે સમજી જઈએ કે આ બુધ્ધિની અસરો છે. મહીં થાય કે આ લોકો નહીં ઊઠે તો ? મહીં એવી જાગૃતિ ઉત્પન્ન થઈ જાય, પણ તે આપણે ઈમોશનલ થઈએ તો ભાંજગડ છે ને !

પ્રશ્નકર્તા : તો બુધ્ધિની અસર કોને થાય ? બુધ્ધિ અસર કરે તે કોને કરે ?

દાદાશ્રી : એ તો જેને આ નથી ગમતું, તેને અસર થાય. 'આ બધા બેસી રહ્યા છે, ઊઠતા નથી' એવું ગમતું નથી, એને અસર થાય.

પ્રશ્નકર્તા : પણ એ છે કોણ ?

દાદાશ્રી : એ જ છે, જે આ ભોગવે છે. બંધન ભોગવે છે, મુક્ત થવા ફરે છે, એ જ છે. એકલો જ છે આ. બીજાં બધાં છે તે એના રિલેટિવ્સ છે બધાં.

પ્રશ્નકર્તા : પાછાં એનાંય સગાંવહાલાં છે ?

દાદાશ્રી : હા. રિલેટીવ બધાં, કેટલાય બધાં. ધૃતરાષ્ટ્ર એકલો ઓછો છે. આ અહંકાર તો આંધળો છે, ધૃતરાષ્ટ્ર જેવો, એ એકલો ઓછો છે, એની પાછળ પછી આ બુધ્ધિ.

નિયમબંધ એટલે...

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે જગત આખું નિયમબધ્ધ છે, જેને આપણે 'વ્યવસ્થિત' કહીએ છીએ. એટલે અણુ એ અણુમાં એ નિયમ રહેલાં છે ? આ માણસ આ મિનિટે આ જગ્યાએ પહોંચશે એ બધુંય નિયમબધ્ધ છે ?

દાદાશ્રી : બધું નિયમબધ્ધ એટલે શું ? આ બુધ્ધિશાળીઓને સમજાવવા માટે નિયમબધ્ધ કહેવું પડે. નહિ તો આ કેરીઓ લાવ્યા, ત્યાર પછી કોઈ બગાડતું હશે એને કે એની મેળે બગડતી હશે ?

પ્રશ્નકર્તા : એની મેળે બગડે.

દાદાશ્રી : તેવું આ જગત બગડી ગયું છે, કેરીઓની પેઠે. આ બુધ્ધિને સમજાવવા માટે નિયમ કહેવો પડે. કારણ કે એ પોતે શું છે ? ડખો છે. બાકી કેરીઓ કોણે બગાડી આ ?

પ્રશ્નકર્તા : એની મેતે જ બગડી.

દાદાશ્રી : સંજોગો કેરીને બગાડે છે. સંજોગો કેરીને સુધારે છે. જો સારા સંજોગોમાં કેરી મૂકી તો પંદર દા'ડા સુધી સારી રહે અને સંજોગો ના આપ્યા હોય તો બગડી જાય. એવું કેરીના વેપારી જાણતા હશે ?

પ્રશ્નકર્તા : હા, જાણે ને !

જ્ઞાન ઈટસેલ્ફ ક્રિયાકારી !

આ જ્ઞાન મળ્યું છે તે કો'ક દહાડોય દહાડો વળશે.

પ્રશ્નકર્તા : આ 'અક્રમ વિજ્ઞાન' ઈટસેલ્ફ ક્રિયાકારી છે ને ?

દાદાશ્રી : એની મેળે જ કામ કર્યા કરે. પોતે જાણી-જોઈને આડો થાય તો બગડે.

પ્રશ્નકર્તા : એ ક્રિયાકારી થવાનું સ્વાભાવિકપણે રહ્યા કરે ?

દાદાશ્રી : આપણે ડખલ ના કરીએ ત્યારે.

પ્રશ્નકર્તા : ડખલ કઈ રીતે નાખે છે પોતે ?

દાદાશ્રી : પોતાની અક્કલ વાપરે છે મહીં પાછો. જે અક્કલ વેચી દેવા જેવી હતી તે હજુ રાખી મૂકી. શાથી રાખી મૂકી ? ત્યારે કહે, ભાવ હજુ વધવાના છે, તેથી. તું નથી વાપરતો અક્કલ ?

પ્રશ્નકર્તા : અક્કલ શી રીતે વાપરતો હોય ?

દાદાશ્રી : આમ કરીએ તો ફાયદો ને આમ કરીએ તો ફાયદો નહીં. એ અક્કલ મહીં વપરાય.

પ્રશ્નકર્તા : આ અક્કલ તો વ્યવહારમાં વપરાઈને. અહીં જ્ઞાનમાં કેવી રીતે અક્કલ વપરાય છે ? જ્ઞાનમાં કેવી રીતે ડખલ થાય ?

દાદાશ્રી : વ્યવહારમાં અક્કલ વપરાય એટલે જ્ઞાનમાં ડખલ થયા વગર રહે નહીં. વ્યવહારમાં તો વ્યવહાર જ્ઞાનથી, પાંચ આજ્ઞાપૂર્વક કરવાનો છે. અમારે અક્કલ વગર ચાલે છે કે નથી ચાલતું ? સબ ચલતા હૈ.

બુધ્ધિને બનાવો અંડરહેન્ડ !

પ્રશ્નકર્તા : પેલી બુધ્ધિની વાત નીકળી હતી ને કે બુધ્ધિને અંડરહેન્ડ તરીકે રાખવાની. નહીં તો બુધ્ધિ બોસ તરીકે રહેશે. એ જરા ફોડ પાડોને.

દાદાશ્રી : પછી શું વાત કરી હતી ?

પ્રશ્નકર્તા : આપે એમ કહેલું કે અમારે બુધ્ધિ અંડરહેન્ડ રહે, છતાંય બુધ્ધિ અમારું વ્યવહારનું કામ નથી કરતી એવું નથી. અમારું વ્યવહારનું કામ બધું બુધ્ધિ કરી લે છે.

દાદાશ્રી : એ બરોબર છે. એ પહેલાંની વાતો શું હતી ?

પ્રશ્નકર્તા : પોતે જાણી-જોઈને છેતરાય તો બુધ્ધિ અંડરહેન્ડ તરીકે રહેશે.

દાદાશ્રી : બુધ્ધિનું ચલણ આવે તો બુધ્ધિ બોસ થઈ બેસે અને જાણી જોઈને છેતરાય એટલે બુધ્ધિ જાણે કે આ વળી મારું ચલણ નથી રહ્યું. નહીં તો બુધ્ધિ જાણી-જોઈને છેતરાવા ના દે. એ પ્રોટેક્શન (રક્ષણ) ખોળી જ કાઢે. પણ આપણે જાણી-જોઈને છેતરાઈએ એટલે બુધ્ધિ ટાઢી પડી જાય, 'યસ મેન' થઈ જાય પછી.

પ્રશ્નકર્તા : અને છતાંય વ્યવહારનું કામ બગડે નહીં ?

દાદાશ્રી : કશુંય બગડે નહીં. વ્યવહારનું કામ બગડતું હશે ? વ્યવહારને સુધારવા માટે તો, બુધ્ધિ એનું કામ કર્યા જ કરે છે. આ તો વધારાની બુધ્ધિ આપણને ટૈડકાવે છે.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં જો નોર્મલ બુધ્ધિ હોય અને આ જે એક્સેસ બુધ્ધિ છે, એમાં પોતે કેવી રીતે સમજી શકે કે આ એક્સેસ બુધ્ધિ છે !

દાદાશ્રી : વાત વાતમાં ઈમોશનલ કરે તે એક્સેસ બુધ્ધિ. આપણા લોકો કહે છે ને, આ બહુ સેન્સિટીવ છે. એ એક્સેસ બુધ્ધિ ઈમોશનલ થઈ જાય, સેન્સિટીવ થઈ જાય. બહુ સેન્સિટીવ સ્વભાવનો છે, એવું નથી કહેતા!

પ્રશ્નકર્તા : એ એક્સેસ બુધ્ધિ છે, એની સામે પોતે કેવી રીતે 'ફેસ' કરવું ? આ જે ઈમોશનલ કરે છે, સેન્સિટીવ કરે છે ત્યાં કેવી કેવી રીતે એ બ્રેક મારવી ?

દાદાશ્રી : આ ભાઈને પોલિસવાળો પકડવા આવે તો તું એને કહી દઉં કે તું આમ જતો રહે, પોલિસવાળા આવ્યા છે, એમ પાછલે બારણે કાઢી મૂકે, એનું નામ વધી ગયેલી બુધ્ધિ. પેલા ભાઈને બુધ્ધિ નથી અને સમજણ નહોતી પડતી ત્યારે આપણે રસ્તો કરવો પડે ને ? પેલો કહેય ખરો કે તમે મને બહાર કાઢ્યા, તે સારું થયું. એટલે પોતે મનમાં ફૂલાય કે હેંડો, ચાલો, આપણો વ્યવહાર સારો થયો. આમ પોતે ગર્વરસ ચાખે. તે વધારે બુધ્ધિ. પણ એ પછી બોસ થઈ બેસે ને ! પછી આપણી બાબતમાંય એવું કરે એ, આપણી મર્યાદા ના રાખે.

પ્રશ્નકર્તા : આપણી બાબતમાં, એટલે કઈ રીતે ?

દાદાશ્રી : એ બુધ્ધિ આપણી પાસેય કહેશે કે આ કરો, કરો ને કરો જ. બીજું ના કરવા દઉં. બેનને ગાળો જ દો. આપણને મનમાં એમ થાય કે બેનને ગાળો શું કરવા દઈએ ? પણ એ બુધ્ધિ કહેશે, ના બેનને ગાળો દો.

પ્રશ્નકર્તા : બુધ્ધિ આવું બતાડે છે, એની સામે કેવી રીતે ડીલિંગ કરવું ?

દાદાશ્રી : કહ્યું ને ભઈ, આવી બુધ્ધિને નોકર બનાવી દો. બોસ નહીં. એક મહિના સુધી છેતરા છેતરા કરે તો ધીમે ધીમે બુધ્ધિનું ચલણ ઓછું થઈ જાય 'મારું ચલણ નથી', એમ બુધ્ધિ કહે પછી.

પ્રશ્નકર્તા : આ એક્સેસ બુધ્ધિ જે દેખાય અને સમજાવીને પટાવીને કે એના સામા થઈને ફેસ કરી શકાય ?

દાદાશ્રી : કહ્યું ને, જાણીને છેતરાઓ.

પ્રશ્નકર્તા : પણ બુધ્ધિની તો બૂમો કેટલી બધી પડતી હોય તો તેના પક્ષમાં ભળી જવાય છે તેનું શું?

દાદાશ્રી : શી રીતે ભળી જવાય ? ચોખા એ ચોખા, ને દાળ એ દાળ, ખીચડીમાં જુદું જ હોય ને ! પછી એ ગમે તે થાય. છૂટું એકવાર પાડવું પડે. પછી એ ભળી ના જાય.

બોસ બનેલી બુધ્ધિ...

પ્રશ્નકર્તા : બુધ્ધિનું ચલણ હોય અને એના આધારે દોરવાય તો પછી મહીં બળતરા ઊભી થાય ને ઈમોશનલપણું ઊભું થઈ જાય ને ?

દાદાશ્રી : બુધ્ધિનું ચલણ હોય તો ઈમોશનલ થાય, પણ બળતરા ના થાય. બળતરા તો અહંકાર ઊભો થાય ત્યારે થાય.

પ્રશ્નકર્તા : આ તો પહેલી વખત ફોડ સાંભળ્યો કે બુધ્ધિ ઈમોશનલ કરે અને અહંકાર ઊભો થાય ત્યાર પછી બળતરા થાય.

દાદાશ્રી : હા, બુધ્ધિ બળતરા ના કરે.

પ્રશ્નકર્તા : પણ બુધ્ધિ વધે તેમ બળાપો વધે એવુંય કહ્યું છે ને ?

દાદાશ્રી : હા. એ તો પણ પેલા અહંકારવાળાને.

પ્રશ્નકર્તા : એટલે અહંકાર હોય જ એમાં ?

દાદાશ્રી : હા, અહંકાર હોય તેને.

એટલે બુધ્ધિ તારે જેટલી વાપરવી હોય તેટલી વધારને. ફક્ત શું થશે ? એ બોસ તરીકે રહેશે, એ તને ટૈડકાવશે. તને કહેશે, 'તમારામાં અક્કલ નથી. તમે ભાઈના સામા થાવ. આમ એની સાથે ક્યાં સુધી ફાવે આવું ?' એવું તને ટૈડકાવે. 'ભાઈના સામું થાવ' એવું હઉ કહે, નહીં તો કહેશે, 'બેનને કહી દો, ચોખ્ખે ચોખ્ખું કે આવું તે ચાલતું હશે ?'

પ્રશ્નકર્તા : પછી બીજું શું શું કરે એવું ? દાદા, આપ આવું કહોને કે બુધ્ધિ આવી રીતે કહીને છેતરે છે. ત્યારે એક્ઝેક્ટ ફોડ પડે. બાકી બુધ્ધિ છેતરે છે, ઈમોશનલ કરે છે, એ વાત બધી શબ્દ પ્રયોગમાં જ રહે છે અને બુધ્ધિનું ચલણ એને દોરવી જાય છે ત્યાં સુધી એ વસ્તુ લક્ષમાં આવતી નથી. આવા બધાં વાક્યો કહોને કે 'આ ભાઈને આમ કહી દે' એવું બુધ્ધિ કહે. આવા બધા ફોડ પાડ્યા હોય ને તો બુધ્ધિની રીત ગેડમાં બેસે.

દાદાશ્રી : હા. પછી ભાઈની સામો ય થઈ જાય. 'ખસી જાવ આપણે, કહી દો' એ બધું અહંકાર નથી, એ બુધ્ધિ છે. તું આવું જાણતો નહોતો ?

પ્રશ્નકર્તા : આ દાખલો જે મૂક્યોને, એનાથી પેલું સચોટ થઈ જાય. નહીં તો શબ્દોમાં બાધેભારે વાત રહે.

દાદાશ્રી : બરોબર છે. એ બુધ્ધિ તો એમેય કહે કે 'બેન જશે મોટાભાઈને ત્યાં, આપણે શી ભાંજગડ ? આપણે કંઈ લેવું નહીં, કંઈ દેવું નહીં, વગર કામની આ બધી પીડા.' એવું હઉ કહે.

પ્રશ્નકર્તા : એ બુધ્ધિ શાથી એવું બોલે ?

દાદાશ્રી : એનો પ્રભાવ પાડી દેવા માટે. એના કહ્યા પ્રમાણે તમને ચલાવવા માટે. એમાં એને કંઈ ઈનામ કશું મળવાનું નથી. પણ આપણી પાસે ભાઈસા'બ કહેવડાવે.

પ્રશ્નકર્તા : આ બુધ્ધિનું આપણી પરનું ચલણ છે, એ તો પોતે અમુક અભિપ્રાય પાડ્યા છે ને કે બેન આવી છે, તેથી આ બુધ્ધિનું ચલણ શરૂ થાય છે ને?

દાદાશ્રી : નહીં, એનો રોફ પડી જાય તેથી. અભિપ્રાયથી તો મન ઊભું થયેલું હોય. એમાં બુધ્ધિને શું લેવા-દેવા, બિચારીને ?

પ્રશ્નકર્તા : તો બુધ્ધિનું ચલણ શાથી હોય છે ?

દાદાશ્રી : એ છે તે તમને ચલાવે, એના ધાર્યા પ્રમાણે તમને દોરવણી આપે. આ ભાઈ તને વઢ્યા એટલે એ તને દોરવણી આપે. સારી કન્ટ્રોલેબલ બુધ્ધિ હોય તો એય દોરવણી આપે કે 'આપણે હવે બોલવું નથી કશું. મેલોને છાલ, નક્કામો કકળાટ વધશે.' એય બુધ્ધિ આપે. અને જો બુધ્ધિનો રોફ વધી ગયો હોય તો બુધ્ધિ કહેશે કે 'કહી દોને ચોખ્ખે ચોખ્ખું, આપણે નથી કરવું, આપણે કશું લેવું નથી, નથી એમના ઘરમાં ભાગ લેવો, નથી પૈસા જોઈતા, મેલોને છાલ, કહી દેવું હોય તો કહી દો, વહેંચી નાખો.' એવું બુધ્ધિ કહે કે ના કહે ?

અહંકાર જુદો, બુધ્ધિ જુદી !

પ્રશ્નકર્તા : એવું જ કહે છે, પણ આમાં અહંકાર પછી શું કરે છે ?

દાદાશ્રી : અહંકારને શું લેવા-દેવા ?

પ્રશ્નકર્તા : પણ એ બુધ્ધિ જોડે ભળે ને....

દાદાશ્રી : અહંકારની વાત છે જ ક્યાં તે ? આ તો બુધ્ધિ વધ-ઘટ થાય.

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી પણ ?

દાદાશ્રી : અહંકાર ઊભો થાય તો જ્ઞાન જ જતું રહ્યું અને બુધ્ધિ વધ-ઘટ થવાથી કંઈ જ્ઞાન જતું રહેતું નથી.

પ્રશ્નકર્તા : પણ દાદા, ડિસ્ચાર્જ અહંકાર તો રહ્યો છે ને ?

દાદાશ્રી : એને ને આપણે શું લેવા-દેવા ? એ તો ડિસાઈડ થયેલો છે, એ પહેલાંની ફિલમો પડેલી છે, એ તો મરેલો, મડદાલ છે.

પ્રશ્નકર્તા : એ ડિસ્ચાર્જ અહંકાર છે. તે બીજાને પ્રોબ્લેમ કરે એવો પણ હોય ને ? તો એનું સોલ્યુશન ?

દાદાશ્રી : હોય ને, પણ તે છે ડિસ્ચાર્જ.

પ્રશ્નકર્તા : પણ એનાથી જે અવળા શબ્દો બોલાઈ ગયા અને સામાને દુઃખ થાય તો ?

દાદાશ્રી : એ તો થાય. તો પ્રતિક્રમણ કરો. તમારે છૂટવું હોય તો પ્રતિક્રમણ કરો. પણ એ અહંકાર તો એનું ગાયન ગાવાનો જ. એનું ગાયન છોડે નહીં. એ તો એના રાગમાં બરોબર ગાવાનો.

બુધ્ધિનું ચલણ ગાંઠ પડાવે !

પ્રશ્નકર્તા : એ સામા બધાને હલાવી નાખે ને?

દાદાશ્રી : હા. અરે, ભાઈને એટલે સુધી તું કહી દઉં ને કે, 'તમારામાં મૂળથી અક્કલ ઓછી છે.' એટલે પેલા કહેશે, 'તેં મારી અક્કલ તોલી ! કોઈએ તોલી નહીં ને તું એકલો જ તોલનાર નીકળ્યો !' એય બુધ્ધિશાળીને, એય કંઈ કાચા છે ? 'આવી જાવ' કહેશે. એટલે ધડમધડાકા, એટમબોમ્બ ફૂટવા માંડે ને તરત ને તરત વહેંચી નાખે ને પછી પસ્તાય.

પ્રશ્નકર્તા : આ વહેંચણ કરી નાખવું, એ ય બુધ્ધિનું કામ છે ?

દાદાશ્રી : ત્યારે બુધ્ધિનું જ ને, બીજું શું ? પણ પછી રાંડ્યા હોય એવું લાગે. તને આવો અનુભવ નથી આવતો ?

પ્રશ્નકર્તા : તમે જે દાખલા આપો છો ને, ત્યારે એક્ઝેક્ટ દેખાય છે.

દાદાશ્રી : હા. ને પાછું કહેશે, 'એમને જે કરવું હોય તે કરશે. આપણે તો આ છૂટ્યા અહીંથી, ચાલો. હેંડો. આ ક્યાં સુધી આવો કકળાટ ફાવે, કાયમ આખી જિંદગી.' તે દહાડે તો આખી જિંદગીનું સરવૈયું કહે.

કેટલીક તો માઓ એવું બોલે કે 'તું તો નાનો હતો ત્યારે મને બચકું ભરી લીધું હતું. આ તો નાનપણથી જ એવો છે' કહેશે. એવું બધું કહે.

પ્રશ્નકર્તા : આ વઢે છે ને જ્યારે, એટલે કે બુધ્ધિનું ચલણ શરૂ થાય ને, તો એ પ્રમાણે બધું બોલે, ને ભેદ તોડી નાખે.

દાદાશ્રી : બુધ્ધિનું ચલણ હોય તો બહુ જ બોલે. પાર વગરનું બોલે પછી પોતાને પસ્તાવો થાય કે એટલું બધું બોલી જવાયું. અને સામો છે, એ ય એટલું બોલે. એ કંઈ છોડે નહીં.

પ્રશ્નકર્તા : હવે આના ઉપાયમાં શું રહ્યું ?

દાદાશ્રી : એના ઉપાયમાં તો એ દોર તૂટ્યો એટલે પછી ગાંઠ વાળવાની ને ફરી ખેંચવાનું પાછું. ગાંઠો પાડતા જવાનું ને ખેંચતા જવાનું. ને ગાંઠો પાડતા જવાનું (!) તૂટ્યું એટલે સાંધવું ના પડે ? ગાંઠ વાળવી ના પડે ?

વ્યવહારમાં એવું કહે છે કે તમે આ દોર ખેંચો. પણ તમે ગાંઠ પડવા ના દેશો. જો દોર તોડી નાખશો તો ગાંઠ વાળવી પડશે અને પછી ખેંચવું પડશે. એના કરતાં ગાંઠ વાળતાં પહેલાં, પેલાનું બહુ જોર લાગે, જરા એની બાજુ ખેંચાય તો તમે ધીમે ધીમે મૂકી દેજો. નહીં તો તોડ્યા પછી ગાંઠ વાળવી પડશે ને ફરી પાછા ખેંચવાના તો છો જ. તો કેટલી ગાંઠો વાળવી ?

પ્રશ્નકર્તા : એ જ્યારે ફરી પેલું ખેંચે છે ને, ત્યારે પેલું ભાન નથી રહેતું ?

દાદાશ્રી : નથી રહેતું ને ! તેથી અમે કહ્યું કે ભઈ, આપણે એમ જાણીએ કે આ બહુ ખેંચ્યું, તોય હજુ હાથમાં આવે એવું નથી. માટે આપણે મૂકી દો. પણ તે તરત મૂકી દઈએ, તો પેલા બધા પડી જાય. એટલે આપણે જરા ધીમે ધીમે મૂકવું. પડી જવાય તોય આપણું ખોટું દેખાય ને. નહીં તો કહેશે, 'એવું શું ખેંચ્યું તે અમને પાડી નાખ્યા ?' એ હિંસા ના કહેવાય ? અને ફરી આપણો લાગ હોય તો એવું પાડી નાખે. 'લે પાડ્યોને, આણે જ પાડ્યો' કહેશે. એના કરતાં આપણે સીધું વલણ રાખીએ કે સામા માણસને સારું પડે. અને કોઈ દહાડો આપણો વારો આવે તો આપણને એ બે ઓછી આપે. આ તો રિલેટિવ ડિપાર્ટમેન્ટ છે ને બધા. વ્યવહાર છે ને, ખાઈને ખાવાનું.

વધુ બુધ્ધિવાળાની ભાંજગડો ભારે !

પ્રશ્નકર્તા : એટલે બેઉ વ્યક્તિ બુધ્ધિનાં ચલણવાળી હોય, એક્સેસ બુધ્ધિવાળી હોય તો બેઉએ કેવી રીતે સમજવું ?

દાદાશ્રી : એક ઓછી બુધ્ધિવાળો ને એક બુધ્ધિવાળો હોય, તેમને તો કશી ભાંજગડ જ નહીં. આ અમારે છે તે, અમારામાં બુધ્ધિ નહીં અને મારી જોડે હોય, એ વધુ બુધ્ધિવાળા હોય, તે અમારે કશી ભાંજગડ ના પડે.

પ્રશ્નકર્તા : હા. હવે એક ડીમ બુધ્ધિવાળો હોય અને એક વધુ બુધ્ધિવાળો હોય. એમાં ઓછી બુધ્ધિવાળાને ભાંજગડ ના પડે. પણ વધુ બુધ્ધિવાળાને જે બધું ચાલે તોફાન, સફોકેશન થાય એમાં, એને માટે સોલ્યુશન શું ?

દાદાશ્રી : એ તો ભોગવે એની ભૂલ. ભૂલ કોની છે એ ખબર પડી જાય. ઊંઘ ના આવે તો આપણે ના સમજીએ કે કોની ભૂલ છે ?

પ્રશ્નકર્તા : એ બરોબર, પણ હવે એણે જ્ઞાનની રીતે, કઈ રીતે સોલ્યુશન લાવવું જોઈએ ?

દાદાશ્રી : એ તો આપણું જ્ઞાન જ એમને શીખવાડશે. આપણું જ્ઞાન એવું છે કે એને શીખવાડ્યા વગર રહે નહીં.

આ અમને બુધ્ધિ નહીં એટલે પછી અમને વઢવાડ ના થાય ને અને તું તો બુધ્ધિવાળો માણસ, રોફવાળો માણસ. અને તું તો પાછું સહન કરે. એટલે વધારે કૂદવાનું.

પ્રશ્નકર્તા : રોફવાળો બહુ સહન કરે ?

દાદાશ્રી : ને સહન કરે છે ને, એટલે સ્પ્રિંગ વધારે કૂદે છે. જ્યારે કૂદે છે ત્યારે વધારે કૂદે. એ છેલ્લે એક દહાડે તું આખુંય ક્રેક પાડી દે. તે બાર ઈંચ પહોળી ક્રેક. એટલે સિમેન્ટથીય પૂરી ના થાય એવી ! એટલે એવું સહન કરવાનું ના હોય. વિચારવાનું હોય કે આ કહ્યું, તો આમાં કોની ભૂલ છે ? ભોગવે એની ભૂલ, કહીને આપણે માથે લઈએ તો ઉકેલ આવે. તારે કોઈ દહાડો ભોગવવું નથી પડતું ? ને ભોગવવું પડે, તો આપણે સમજીએ કે આ મારી જ ભૂલ છે.

પ્રશ્નકર્તા : હા. એ ભૂલ પોતાની પકડાય કે આ ભોગવવું પડ્યું ત્યાં ભૂલ પોતાની છે.

દાદાશ્રી : હું તો પૂછું કે બોલો હવે, તમે ભોગવો છો કે હું ભોગવું છું ? ત્યારે એ કહે, હું જ ભોગવું છું. ત્યારે હું કહું કે તો તમારી ભૂલ. અમારી ભૂલ તો અમને તરત પકડાઈ જ જાય. અમારી ભૂલ થાય ખરી. કારણ કે વ્યવહાર છે ને ! અને નજીકનો વ્યવહાર બહુ ભારે હોય છે, વસમો વ્યવહાર હોય પણ એમાં ભૂલ બહુ જૂજ થાય.

પ્રશ્નકર્તા : એક અબુધ છે એટલે ઓછી બુધ્ધિવાળો ને સામો વધારે બુધ્ધિવાળો એટલે એમાં ભાંજગડ ના પડે.

દાદાશ્રી : કશુંય ભાંજગડ નહીં.

પ્રશ્નકર્તા : હવે બેઉ બુધ્ધિશાળી હોય તો શું ?

દાદાશ્રી : એ તો આજુબાજુના બધાંય જાણે કે એ પૈણ્યા, તે બેઉ બુધ્ધિશાળી અને બુધ્ધિ એટલે તો ખખડ્યા વગર રહે નહીં ને !

પ્રશ્નકર્તા : ત્યાં એ બન્નેએ કેવી રીતે સોલ્યુશન લાવવું પડે ? એમની વચ્ચે અથડામણ ટાળવા માટે.

દાદાશ્રી : એ સોલ્યુશનમાં તો, એ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચાલ્યું ને નહીં તો એય ગયા ને આય ગયા. ડાઈવોર્સ લે.

પ્રશ્નકર્તા : અને જોડે રહેવું જ પડતું હોય તો ?

દાદાશ્રી : એ સોલ્યુશન તો લાવે જ.

પ્રશ્નકર્તા : પણ એ સોલ્યુશન કેવી રીતે લાવવું જોઈએ ?

દાદાશ્રી : એ તો અથડામણ ઓછી થતી જાય. પણ તોય આપણે કોની ભૂલ છે એ તપાસ કરતાં રહેવું તો ઉકેલ આવે. એમની ભૂલ એમને દેખાય નહીં, તારી ભૂલ તને દેખાય. એટલે તારે ઉકેલ લાવવો જોઈએ અને એમની ભૂલ હોતી જ નથી. આપણી જ ભૂલ હોય છે. ભૂલ તો, જેને જડ્યુંને, જે દઝાયો, તો આપણે જાણવું કે આની ભૂલ છે.

પ્રશ્નકર્તા : એટલે જેને ભોગવટો આવ્યો એની ભૂલ.

દાદાશ્રી : અસલ, કાયદેસર લખેલું છે.

વ્યવહારના ઉકેલો, ગૂંચવાડાના !

પ્રશ્નકર્તા : પણ આમાં વ્યવહારના પ્રસંગો એવા હોય છે કે એનું સોલ્યુશન વ્યવહારથી આપવું પડે. એવું બને ખરું ?

દાદાશ્રી : ના. એવું કશુંય નહીં. વ્યવહાર એટલે તને ને મને અનુકૂળ આવ્યું, એનું નામ વ્યવહાર. તું કહે કે ભાઈ, બોલો તમને મારે આટલા આપવાના છે ને હું ઊભા ઊભા કહું કે લાવ. એ આપણો વ્યવહાર અને તું એ વ્યવહારમાં બીજી જગ્યાએ કરવા જાય તો પેલો કહેશે કે એવું મને નહીં ચાલે અને કહેશે, બેસ છાનોમાનો. અહીં ટેબલ પર મૂક. એ વ્યવહાર. એટલે વ્યવહાર તો જુદા જુદા હોય. વ્યવહારનો કોઈ કાયદો એવો કરવાનો નથી. હા, એકલું વિનય કહ્યું છે કે વિનય સહિત વ્યવહાર. વિનય જોડે રાખે એટલે બધો વ્યવહાર જ ગણાય છે.

પ્રશ્નકર્તા : પણ આમાં એવું બને છે કે બે જણનો વ્યવહાર છે. હવે એમાં એને ગૂંચ પડી છે મારા નિમિત્તે. પણ હું કહું કે ના, મારે એવું ન હતું. હું તો આવું કહેવા માગતો હતો. તો હવે ખુલાસો જ્યાં સુધી ના કર્યો હોય તો છ-છ મહિના સુધી ગૂંચ પડી રહે એને અને આવી સહેજ વાત નીકળી તો એને સમાધાન થઈ જાય.

દાદાશ્રી : હા, ગૂંચ નીકળી જાય.

પ્રશ્નકર્તા : હવે આવા પ્રસંગમાં સામો પોતે જ્ઞાનમાં રહેવા બહુ માથાકૂટ કરે. જ્ઞાનમાં રહેવાનો પ્રયત્ન કરે કે જે ભોગવે એની ભૂલ છે. એવી બધી રીતે પોતે સમજી સમજીને જ્ઞાનના એડજસ્ટમેન્ટોનો પ્રયત્ન કરે. પણ પેલાનો શબ્દ નીકળેને, તો એને તરત સમાધાન થઈ જાય.

દાદાશ્રી : એ તો થઈ જાય ને !

પ્રશ્નકર્તા : તો હવે જ્ઞાનનાં એડજસ્ટમેન્ટના જે પ્રયત્નો હોવા છતાં એ સમાધાન નહોતું પામતું અને વ્યવહારિક ખુલાસાથી તરત સમાધાન પામી ગયું તો ત્યાં પૂછવાનું એ જ હતું કે બેઉની જે ટસર ચઢે છે, ત્યાં સમાધાન માટે વ્યવહારિક ખુલાસાની જરૂર ખરી ? જો સમાધાન થતું હોય તો ?

દાદાશ્રી : હા. એવું વ્યવહારિક ખુલાસાથી સમાધાન થતું હોય તો એના જેવું એકુય નહીં ને ! પણ થતું હોય એટલે શું કે ''દસ વખત 'માબાપ' કહે'' તો આપણે કહીએ, ''ભાઈ, વીસ વખત 'માબાપ' ચાલ !'' સામાને સમાધાન કરવા માટે આપણે એ કરવું જ જોઈએ. એટલે જો એ સમાધાન કરવા આવે તો આપણે એને વધારે ખુશ કરીએ. પણ એ સમાધાન કરે જ નહીં ને ઊલટો તને વઢે, કે શુંય મારે વઢવાડ થઈ, તે અમથો સમાધાન, સમાધાન કરે છે. ગાંડો થઈ ગયો છે કે શું ? દાદાએ ગાંડું શીખવાડ્યું છે, કહેશે.

એટલે સમાધાન તો ક્યારે કરાય કે એ એમની તૈયારી હોય. તે એમના મનમાં એમ હોય કે 'કંઈક સારું બોલે તો આનો નિવેડો આવી જાય' તે ઘડીએ આપણે બોલવું અને ત્યાં સારું બોલવાથી નિવેડો આવી જાય. ગૂંચવાયેલું હોયને બધું ત્યાં આપણે સારું સારું બોલીએ, મીઠું મીઠું બોલીએ તો નિવેડો આવી જાય. તે પેલું ધ્યાનમાં રાખવાનું કે શાનાથી આંટી પડી હતી. ને કહેવું કે આ બાજુની મગજની જરા બીમારી છે, કોઈક ફેરો અવળું બોલી જવાય છે. એટલે પછી એ દોષ માટે ભાંજગડ નહીં કરે.

પ્રશ્નકર્તા : એટલે સોલ્યુશન લાવવાની ઇચ્છાવાળા એ આવું કબુલ કરી લે તો સમાધાન થઈ જાય ?

દાદાશ્રી : હા. અરે, અમે તો 'ગાંડા થઈ ગયા છીએ' એવું હઉ કહીએ. 'અમારું મગજ જરા એ થઈ ગયું છે', કહીએ. એટલે આપણને એ છોડી દે. આપણે કંઈ પૈણવું છે એમને ? એટલે સમાધાન કરીને આગળ હેંડ્યા આપણે. આપણને તો જે તે રસ્તે વેર બંધાય નહીં એટલું જ જોઈએ છે ને !

પ્રશ્નકર્તા : હવે એક બીજો દાખલો લઈએ કે કોઈ કામ બે વ્યક્તિએ પાર પાડવાનું છે. તો આ કામ પાર પડતું નથી. કારણ કે બે વ્યક્તિ વચ્ચે આંટી પડી છે. તો હવે એ આંટી દૂર થવા માટે બન્નેની તૈયારી છે. બેઉને ખબર છે, આ કામ આગળ થતું નથી, એમ ખબર છે કે કર્યા વગર ચાલે એવું ય નથી. હવે આને આની જોડે ખુલાસો કરી, એ કેવી રીતે ખુલાસો કરી અને એ આંટી છોડવી પડે ? ત્યાં વ્યવહારિક ખુલાસાથી થતું હોય તો કરી શકાય ને ?

દાદાશ્રી : થઈ શકે.

પ્રશ્નકર્તા : આમાં વ્યવહારિક ખુલાસા આવશ્યક વસ્તુ છે કે પછી જ્ઞાનમાં રહીને સમાધાન લાવે ?

દાદાશ્રી : આ તો આપણે જ્ઞાન જાણવાની જરૂર, જ્ઞાન એડજસ્ટ કરવાની જરૂર નહિ.

પ્રશ્નકર્તા : આ જાણવાનું એટલા માટે છે કે આવી આવી રીતે સોલ્યુશન હોય છે આના. એવું ?

દાદાશ્રી : ના. જાણ્યું એટલે પછી આપણને એમ લાગે કે આ દાદાએ જ્ઞાન કહ્યું, એવી રીતે આ ફેરે વર્તન થાય, તો આ ફેરે સોલ્યુશન આવશે. એવું આપણને સમજાય.

પ્રશ્નકર્તા : એટલે આ તો પાછું પેલું એડજસ્ટ કરવાનો પ્રયત્ન તો થયો જ ને આમેય.

દાદાશ્રી : પણ એ તો ખોટું છે. એવું એડજસ્ટ શી રીતે થાય તે ? એ તો જ્ઞાન જાણવાનું હોય. તે જાણેલું જ્ઞાન એડજસ્ટ થાય એવું, ત્યારે કામનું. કારણ કે એ જાણેલું જ્ઞાન એડજસ્ટ થાય એવું તમારા મોઢે ક્યારે નીકળશે કે કર્મ પાકીને તૈયાર થઈ ગયું હશે ત્યારે નીકળશે. એટલે શું કે એ કર્મ પાક્યું ને, એ પાકે ને તૈયાર થાય, તે દહાડે જ એ વાક્ય એવું નીકળશે. નહીં તો ત્યાં સુધી તમે કાઢવા જાવ તો નહીં થાય. એટલે કર્મ પાકે ત્યાં સુધી રાહ જોવી પડે. એટલે આ જ્ઞાન સાંભળી રાખવાનું. અને એ જ્ઞાન પ્રમાણે એડજસ્ટ કરતા જાવ. કાલથી એ શરૂઆત કરો, તો તો ઊંધું થઈ જાય. એનું કર્મ પાક્યું નથી, હજુ કાચું છે. આવડી કેરીઓ હોય પણ કાચી હોય તો રસ કાઢવા લેવાય ? કેમ ? એ કેરીઓ ન હોય ? એટલે કશું થાય નહીં. એ તો પરિપક્વ કાળ થાય ત્યારે પરિપક્વ કાળમાં પાકી જાય એટલે એ નીકળી જાય પાછું.

પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન તો આજે જાણ્યું. પણ પહેલાનાં પ્રસંગો જે બનતા હતા, એમાં ગૂંચવાડો રહ્યા કરતો હોય, તેનું શું ?

દાદાશ્રી : એ તો પરિપક્વ કાળમાં પાક્યું એટલે નીકળી જાય પાછું.

પ્રશ્નકર્તા : એટલે એની મેળે ન છૂટી જાય ?

દાદાશ્રી : છૂટી જાય. પણ તે જાણેલું જ્ઞાન જ્યાં સુધી કાચું છે, એટલે ફરી ગૂંચવાડાવાળું રહે. એટલે નવી ગૂંચો પાડે પાછી અને આ જ્ઞાન જ્યારે પાકું થાય પછી ગૂંચો ઓછી થતી જાય છતાં થોડી ઘણી રહે. નહીં તો જ્ઞાન ના હોય તો તો એક ગૂંચ નીકળી કે બીજી ગૂંચ પાડે. અને 'જ્ઞાન' હોય તો ફરક પડે.

- જય સચ્ચિદાનંદ