ચાર્જ-ડિસ્ચાર્જ કર્મનો કર્તા કોણ ?

સંપાદકીય

અનાદિ કાળથી જગતમાં કેટલાય પ્રકારની અજ્ઞાનતા પ્રવર્તે છે, તેમાં મોટામાં મોટું અજ્ઞાન તો એ છે કે 'હું કોણ છું'. અને બીજું 'આ બધું ચલાવે છે કોણ ? કોણ કર્તા હશે ?' એ પણ ભારે અજ્ઞાન છે. આમ પૂછીએ, આપણું ધાર્યું થાય છે ? ત્યારે બધા કહેશે, 'ના.' તો પછી 'હું કરું છું' એ વાતમાં શંકા પડે જ ને કે કોણ કરાવતું હશે ? અને એવું બોલે છે કે 'કર્મ બાંધ્યા હશે તેથી ભોગવવા પડે છે.' તો કર્મ બંધાયા ક્યારે ? આપણે જાતે બાંધ્યા તો આવા દુઃખ પડે તેવા શા માટે બાંધ્યા ? કર્મ બંધાતી વખતે ચાર્જ કોણે કર્યું ? કઈ રીતે થયું ? પછી કર્મફળ ભોગવતી વખતે ડિસ્ચાર્જનો કોણ કર્મફળ દાતા છે ? કર્મ ચાર્જિંગનો અને કર્મફળ ડિસ્ચાર્જનો કર્તા કોણ હશે ? આ તમામ રહસ્યો વણઉકલ્યા જ રહેતા હોય છે ને આમ ને આમ જીવન પૂરું થઈ જતું હોય છે.

આત્મસ્વરૂપની અજ્ઞાનતાથી 'હું ચંદુભાઈ છું' એવો આરોપિત ભાવ ઊભો થઈ ગયો છે અને કરે છે કોણ ? તેની અજ્ઞાનતાથી 'હું કર્તા છું' એવી ભ્રાંતિ ઊભી થઈ ગઈ છે અને આ બન્ને અજ્ઞાનતાથી જ નિરંતર કર્મ ચાર્જ થયા જ કરે છે. અને પોતે ચાર્જ કરેલાં કર્મોના ફળ કોણ આપે છે ? પરમ પૂજ્ય દાદાશ્રીના પોતાના શબ્દોમાં જ કહીએ તો ''અમારું અનંત અવતારનું સરવૈયું 'આ' છે. હું 'જે' લાવ્યો છું, તે અનંત અવતારથી સરવૈયું કરતો કરતો લાવ્યો છું. એ સરવૈયું છે, 'વ્યવસ્થિત'(સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ)'. જે જગતને ચલાવે છે.'' આમ જગતના કર્તા સંબંધીનું ગૂઢ રહસ્ય જે ડિસ્ચાર્જ કર્મનો કર્તા છે તે ખુલ્લું કરી નાખે છે.

બીજી બાજુ આત્મસ્વરૂપની એક્ઝેક્ટનેસ પણ ખુલ્લી કરી નાખે છે કે ''આત્મા તો ખાલી પ્રકાશ જ આપે છે. તેનાથી આ 'મશીનરી' 'ચાર્જ' થઈ જાય છે ને ચાલે છે. આ 'લાઈટ'ની હાજરીમાં અહીં કૂદાકૂદ કરીએ, પગ ઊંચા-નીચા કરીએ, તેમાં 'લાઈટ' શું કરે છે ? 'લાઈટ'ની તો ખાલી હાજરી જ છે, એવી રીતે આ ચેતન કશું જ કાર્ય નથી કરતું, આ વાત જગતના લક્ષમાં નથી. આ તો 'અક્રમ વિજ્ઞાન'થી બધું ખુલ્લું થઈ ગયું છે.''

પરમ પૂજ્ય દાદાશ્રી આ કાળમાં અજાયબ જ્ઞાની પુરુષ થયા અને હજારો લોકોને બે કલાકમાં જ આત્મજ્ઞાન આપી 'હું કોણ છું ?'નું ભાન કરાવે છે અને જોડે જોડે 'મૂળ કર્તા કોણ છે' તેનું રહસ્ય પમાડી નિરંતર આત્માનુભવ દશામાં મૂકી દીધા, જે આવાં હળહળતા કળિકાળમાં નિરંતર ચિંતા-ટેન્શન મુક્ત દશામાં રાખે છે, એ અનુભવસિધ્ધ હકિકત છે.

પ્રસ્તુત સંકલનમાં જગતના કર્તા સંબંધીના ગૂઢ રહસ્યો સૂક્ષ્મ ભેદે દાદાશ્રીની જ્ઞાનવાણીમાં પ્રકાશિત થાય છે, જે સમજમાં આવ્યે નિરંતર બોજારહિત દશામાં જ રાખે તેવાં છે.

દીપકના જય સચ્ચિદાનંદ

ચાર્જ-ડિસ્ચાર્જ કર્મનો કર્ર્તા કોણ ?

'હું કોણ'ની રહી ભૂલ !

આ સંસાર આપણને પોષાતો હોય તો આગળ કશું સમજવાની જરૂર નથી અને સંસાર આપણને કંઈ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની જરૂર છે. અધ્યાત્મમાં 'સ્વરૂપ'ને જાણવાની જરૂર છે. 'હું કોણ છું' એ જાણ્યું કે બધાં 'પઝલ' સોલ્વ થઈ જાય છે.

''ધ વર્લ્ડ ઈઝ ધ 'પઝલ', 'ઈટસેલ્ફ' બટ ઈટ ઈઝ ઓલવેઝ ઈન પ્રિન્સિપલ.''

આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય ? ચિંતા ના થાય, આધિ-વ્યાધિ-ઉપાધિમાં ય સમાધિ રહે, એ આત્મજ્ઞાનની નિશાની. એ સિવાયની વાતો કરે તે આકાશ કુસુમવત્ જેવી વાતો કહેવાય.

જ્યાં સુધી આ સચર વિભાગમાં એટલે કે દેહ, મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર એ બધામાં જ 'હું છું' એવો દેહાધ્યાસ વર્તે છે, ત્યાં સુધી 'વસ્તુ' જડશે નહીં અને 'વસ્તુ'નો સ્વાદ પણ નહીં આવે.

કર્મ બાંધે નહીં ને સંસાર ચાલ્યા કરે, એ 'અક્રમ વિજ્ઞાન' અને કર્મ બાંધે ને સંસાર ચાલે, તે 'ક્રમિક જ્ઞાન'.

ઈફેક્ટમાં રાગ-દ્વેષથી સંસાર...

'ક્રમિક જ્ઞાન' 'ઈફેક્ટ'ને 'કૉઝ' કહે છે ને 'અક્રમ જ્ઞાન' 'કૉઝ'ને 'કૉઝ' કહે છે.

આ મન-વચન-કાયા 'ઈફેક્ટિવ' છે. એટલે એને જે 'ઈફેક્ટ' થાય છે, તે 'મારી ઈફેક્ટ છે' એમ માને છે. તેનાથી રાગ-દ્વેષ થાય ને 'કૉઝ' પડે છે. પણ જો એ જાણે કે આ 'મારી' ઈફેક્ટ નથી', તો તેને રાગ-દ્વેષ ના થાય ને 'કૉઝ' ના પડે.

'હું કોણ છું' એ નક્કી કર્યા પછી, 'ન હોય મારું' કહેવાય. 'હું'ના આરોપણની ભૂલ છે, તેથી આ 'મારા'ની ભૂલ થઈ છે.

'મને આ થયું, હું કરું છું' એવું નહીં, પણ 'મેં આ જાણ્યું' રહે, જ્ઞાતા-દ્રષ્ટા રહે, તો 'કૉઝ' ના પડે.

કોઈ અવતાર લેતો નથી. અવતાર તો 'ઈફેક્ટ' છે. એની મેળે જ અવતાર થઈ જાય છે. 'કૉઝિઝ' સેવેલા હોય તો અવતાર થયા વગર રહેતો જ નથી. 'જ્ઞાની પુરુષ' 'કૉઝિઝ' બંધ કરી આપે, એટલે 'ઈફેક્ટ' એકલી બાકી રહે.

કોઈ પણ કારણ વગર કાર્ય બનતું જ નથી. કાર્ય એ 'ઇફેક્ટ' છે, કારણ એ 'કૉઝિઝ' છે. 'કૉઝિઝ' એન્ડ 'ઈફેક્ટ' 'ઈફેક્ટ' એન્ડ 'કૉઝિઝ'..... આમ ઘટમાળ ચાલ્યા જ કરે છે. 'કૉઝિઝ'માં ફેરફાર થઈ શકે, પરિણામમાં નહીં.

કર્તા કોણ ? ભાન થયે આત્મ અનુભવ !

આત્મા જણાશે ક્યારે ? જ્યાં સુધી આ જગતમાં 'હું કર્તા છું', 'કંઈ પણ હું કરી શકું છું', એ જે જે અણસમજણ છે, એ અજ્ઞાન જ્યાં સુધી દૂર થાય નહીં, ત્યાં સુધી આત્મા ય નહીં જડે ને આત્માની વાતે ય નહીં જડે.

'હું જ કર્તા છું' એ ભાસ્યમાન પરિણામ છે, યથાર્થ પરિણામ નથી. યથાર્થમાં તો 'પોતે' કર્તા છે જ નહીં.

આ જગતમાં કોઈ એક વ્યક્તિ કર્તા છે જ નહીં. ફેડરલ કૉઝિઝ (સમુચ્ચય કારણો) છે. સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે.

સંસારમાં કર્તાપણું કોનું ?

ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. ગોડ હેસ નોટ ક્રિયેટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઈઝ ક્રિયેટર ઓફ ધીસ વર્લ્ડ ઈઝ કરેક્ટ, બાય ક્રિશ્ચિયન વ્યુ પોેઈન્ટ, બાય મુસ્લિમ વ્યુ પોઈન્ટ, બાય ઈન્ડિયન વ્યુ પોઈન્ટ, બટ નોટ બાય ફેક્ટ. બાય ફેક્ટ, ઓન્લી સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ.

જીવમાત્રને મગજ ચલાવે છે, કરાવડાવે છે અને બુધ્ધિના 'એન્ડ' સુધી મગજમારી જ છે. તેમાં ભગવાનનું કંઈ પણ કર્તાપણું છે નહીં. ભગવાનનું બુધ્ધિમાં કર્તાપણું નથી, માત્ર જ્ઞાનમાં કર્તાપણું છે.

બેમાંથી એક કર્તા હોય. જો ભગવાને બનાવ્યું તો આપણે કંઈ કરવાનું રહેતું નથી અને આપણે કરીએ તો ભગવાને કંઈ કરવાનું રહેતું નથી.

વીતરાગોની આગવી શોધ !

કાર્ય કરનારી શક્તિ બીજી છે. એને શાસ્ત્રકારોએ પરસત્તા કહી છે. સ્વસત્તા જ સેલ્ફ રીયલાઈઝ થયા પછી આવે. ત્યાં સુધી સ્વસત્તા આવે નહિ, પરસત્તામાં છે. આત્મજ્ઞાન થયા પછી બધું થાય. અનાદિકાળથી આ જ ભ્રાંતિ પેસી ગઈ છે તે ભ્રાંતિ કાઢતાં ય બહુ ટાઈમ લાગે. કારણ કે એટલું બધું નિકટવર્તી છે આ કે પોતાને ખબર ના પડે. 'આ હું કરું છું કે બીજો કોઈ કરે છે ?' એ અત્યંત નિકટવર્તી છે. એટલે આ વીતરાગોનું સાયન્સ છે. બહુ ઊંચી શોધખોળ છે ને, ગૂઢાર્થ કેવો ? અત્યંત ગુહ્ય !

એ સમજવા જેવું છે આ. સમજવું તો પડશે જ ને ! તમને કેમ લાગે છે ? સાર તો કાઢવો પડશે ને, નહીં કાઢવો પડે ? એટલે આ સાર કાઢવા માટે છે, આપણે આમાં સત્ય કરાવવું નથી. જે સત્ય છે તેને જ સત્ય રાખવું છે. સત્ય મારું છે એવું મારે કરાવવું નથી. મારું સત્ય હોતું જ નથી. સત્યનું સત્ય હોય છે.

હવે આ રિયલ અને રિલેટિવનો ભેદ પાડવો, તે જ્ઞાની પુરુષ સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને !

જગત જીવ છે કર્માધિન !

ઉપાધિમાં શાંતિ રહે, એને ભગવાને પુરુષાર્થ કહ્યો અને ઉપાધિમાં સમાધિ રહે, એને ભગવાને 'જ્ઞાન' કહ્યું.

સુખમાં અને દુઃખમાં રાગ-દ્વેષ કરે તેથી 'કૉઝિઝ' બંધાય ને સુખમાં ને દુઃખમાં નોર્મલ રહે, સમ રહે તો કૉઝિઝ બંધ થાય.

વીતરાગોએ જગત નિર્દોષ શા આધારે જોયું ? કારણ બધાં કર્મોને આધીન છે તેથી.

કોઈ કર્મ સ્વતંત્ર રીતે કરતો નથી, પરવશતાથી કર્મ કરવાં પડે છે. સ્વતંત્ર કર્મ કરે તો જ ગુનેગાર ગણાય. પરવશતાથી કર્મ કરે એટલે પરવશતાથી ભોગવવું પડે. આ જગતમાં કોઈ પણ માણસ ગુનેગાર કે ખોટો દેખાય છે એ બધી ભ્રાંતિ છે.

ભગવાનને પૂછીએ કે આ બધું શું છે ? ત્યારે ભગવાન કહે છે કે આ કશું જ નથી. આ બધાં પોતપોતાનાં કર્મો ભોગવી રહ્યાં છે.

લોકોએ 'કર્તા થિયરી' જોઈ છે પણ 'કર્મ થિયરી' જોઈ નથી. 'ભાઈએ મારું અપમાન કર્યું' એમ કહે તે 'કર્તા થિયરી' ! ને 'મારા કર્મના ઉદયથી ગાળો દે છે' એ 'કર્મ થિયરી'. કર્મની થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય.

કર્મનું મૂળ શું ?

કર્મનું મૂળ શું ? કર્મ શેનાથી બંધાય ? કર્તાભાવ છે તેથી. 'હું ચંદુલાલ છું' એ ભાન છે ત્યાં સુધી કર્મ બંધાય. 'હું ચંદુલાલ છું' એ આરોપિત ભાવ થયો, એટલે એ કર્તાભાવ થયો.

જ્યાં સુધી તમે કર્તા છો, ત્યાં સુધી કર્મ બંધાશે. કર્તાના આધારે કર્મ છે. 'જ્ઞાની પુરુષ' એ આધાર કાઢી નાખે એટલે કર્મનું 'ચાર્જ' થતું બંધ થઈ જાય. પછી ડિસ્ચાર્જ રહે.

અહંકારપૂર્વક 'દેહ એ હું છું' એવું બેભાનપણે વર્તાય એ કર્મ. પણ સ્વરૂપની રમણતામાં રહીને નાટકીયપણે, જ્ઞાતા-દ્રષ્ટાપણે કરવામાં આવે તે કર્મ નથી.

કર્મ એક, ફળમાં અનેક !

કર્મ એકલું જ બધું ચલાવી લેતું હોય એવું નથી. કર્મ તો, વિષય ભોગવવાની ઇચ્છા કરેલી, એટલું એક જ કર્મ કરેલું હોય છે. ત્યારે પરસત્તા શું કહે છે ? અમારે એકલો વિષય તો દુનિયામાં અપાય નહીં. આજુબાજુનું બધું જ જોવું પડે. એટલે પાછી સ્ત્રી આપવી પડે. સાસુ, સસરો, સાળો, કાકીસાસુ, મામીસાસુ, બધું જ આપવું પડે !!! એક બૈરી કરવા ગયો ત્યાં કેટલી બધી વળગણા ચોંટી ! નર્યો ફજેતો ! શી રીતે માણસ આ જંજાળમાંથી છૂટે ?

બધી વસ્તુ 'ઇફેક્ટિવ' છે. જો તમને 'ઈફેક્ટ' ના થતી હોય, તો જથ્થાબંધ રાખો અને ઈફેક્ટ થતી હોય તો ઓછામાં ઓછું રાખો.

ધર્માધર્મ કર્તાભાવે !

ધર્મ મોક્ષે લઈ જાય નહીં, મોક્ષે 'વિજ્ઞાન' લઈ જાય. ધર્મ જુદી વસ્તુ છે, વિજ્ઞાન જુદી વસ્તુ છે ! ધર્મ બધો કર્તાભાવે છે, અધર્મેય કર્તાભાવે છે અને 'વિજ્ઞાન'થી 'અકર્તાભાવ' ઉત્પન્ન થાય અને તેનાથી મોક્ષ થાય.

આ કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર વર્તી નથી. જો કુદરત એક ક્ષણ વાર પણ ન્યાયની બહાર વર્તે તો એ કુદરત, કુદરત નથી.

જગતમાં જે જે કંઈ પણ કર્તાપણે હોય, પછી તે ધર્મના કર્તા હોય, શાસ્ત્રના કર્તા હોય કે પંડિતાઈના કર્તા હોય, તો તે બધાય ભૂલા પડેલા છે. મોક્ષમાર્ગથી વિખૂટા પડેલા છે.

અહંકાર ઉપર જ કર્મનું બંધન છે. બાકી, બીજી ક્રિયા ઉપર કર્મનું બંધન નથી. અહંકાર ઉપર સંકલ્પ ને વિકલ્પ, એ કર્મનું બંધન. અહંકાર શેમાં વર્તે છે તે એનું કર્મનું બંધન.

કર્તાપદ છે કે 'હું આ કરું છું'. એટલે કર્તા નથી પોતે, છતાં કર્તાનો આરોપ કરે છે, માટે એ ચાર્જ થાય છે. નહીં તો ચાર્જ ના થાય.

'ઇગોઈઝમ'થી 'ટેમ્પરરી લાઈફ' મળે છે ને 'ઇગોઇઝમ' વિના 'શાશ્વત લાઈફ' મળે છે. 'ઇગોઈઝમ' એટલે ભમરડાને દોરી વીંટેલી તે, 'ડિસ્ચાર્જ' થાય તે.

'ભ્રાંતિમાં પુરુષાર્થનું સ્વરૂપ !'

નિશ્ચય એ જ પુરુષાર્થ છે.

પુરુષાર્થ એનું નામ કે જે ફળે જ.

સંજોગો ભેગા થાય અને તેથી જે કાર્ય થાય એ બધું પ્રારબ્ધ કહેવાય. અને સંજોગો ભેગા થાય, તેથી જે કાર્ય થાય, તેમાં જે ધ્યાન ઉત્પન્ન થાય એ પુરુષાર્થ છે.

પુરુષાર્થ બે પ્રકારના : ભ્રાંતિવાળાને ભ્રાંત પુરુષાર્થ અને 'જ્ઞાની'ને જ્ઞાન પુરુષાર્થ.

લૌકિક પુરુષાર્થ એ જ પ્રારબ્ધ છે. વ્યવસાય કરવો, એ પ્રારબ્ધ છે. ઉપદેશ આપવો, તે ય પ્રારબ્ધ છે. આ અત્યારે સાંભળો છો, તે ય પ્રારબ્ધ છે. જેમાં પરાવલંબન છે, એ બધું જ પ્રારબ્ધ છે.

આખું જગત જે 'ખોટું કરી રહ્યું છે', તે પ્રારબ્ધને આધીન છે ને 'સારું કરે છે', તે ય પ્રારબ્ધને આધીન છે.

રિયલ પુરુષાર્થનું સ્વરૂપ !

'ચંદુભાઈ' શું કરી રહ્યા છે એને 'તમારે' જોવું', એનું નામ 'પુરુષાર્થ'. જ્યારે ભ્રાંત પુરુષાર્થ કયો ? જે થઈ રહ્યું છે એમાં શો ભાવ હતો ને શો ભાવ ન હતો એ જ ભ્રાંત પુરુષાર્થ. ભ્રાંત પુરુષાર્થમાં વચ્ચે ભાવ આવે ને યથાર્થ પુરુષાર્થમાં જ્ઞાતા-દ્રષ્ટા.

પ્રારબ્ધ ભોગવતાં જ મહીં પુરુષાર્થનું (ભ્રાંત) બીજ પડે છે. કારણ કે 'હું કર્તા છું' એ ભાન છે તેથી. નહીં તો 'કરે છે કોણ' એ ભાનમાં રહીને પ્રારબ્ધ ભોગવી લે ને પછી મુક્તિ મળે.

દાન આપ્યું, તે પ્રારબ્ધ ને દાન આપતી વખતે મહીં કઈ ભાવના હતી, તે પુરુષાર્થ (ભ્રાંત).

સદ્ભાવ કરવો, ઊંચો ભાવ કરવો એ 'પોઝિટિવ' પુરુષાર્થ. એનાથી ઊર્ધ્વગતિ થાય. ઊંધો ભાવ લે તે 'નેગેટિવ' પુરુષાર્થ. એનાથી અધોગતિમાં જાય અને સાચો પુરુષાર્થ તો 'પોતે' પુરુષ થઈ કરે તો મોક્ષે જાય.

જ્યાં કોઈ પણ 'ઉપરી' નથી, જ્યાં કોઈ પણ 'અંડરહેન્ડ' નથી, એનું નામ મોક્ષ. જ્યાં કોઈ પણ જાતની ખરાબ 'ઈફેક્ટ' જ નથી, નિરંતર પરમાનંદમાં, સનાતન સુખમાં રહેવું, એનું નામ મોક્ષ.

સારાં-ખોટાં કર્મમાં પડે નહીં તે 'જ્ઞાની'.

આમાં સમાયો કર્મનો સિધ્ધાંત !

સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે !

શુક્લધ્યાનમાં જગત આખું નિર્દોષ દેખાવાની શરૂઆત થાય, અને ધર્મધ્યાનમાં સામો દોષિત દેખાય છતાં ઠરાવે નિર્દોષ, એનું નામ ધર્મધ્યાન - 'સામાનો શો દોષ છે ? એ તો નિમિત્ત છે. આ મારાં જ કર્મનાં ઉદયથી એ મને ભેગો થયો છે.'

એ બધુંય ડિસ્ચાર્જ !

આત્મા એટલે ચેતન-પરમાત્મા. તેનો એક પણ ગુણ નકલ થઈ શકે તેમ જ નથી. જે નકલ થાય છે તે પુદગલના ગુણો છે. વાણી એ 'ટેપરેકર્ડ' છે. વિચાર એ 'ડિસ્ચાર્જ' છે. જે 'ડિસ્ચાર્જ' થાય છે, એ પુદગલ છે.

આખા જગતને 'હું કરું છું' એ ભ્રાંતિજન્ય ભાન છે. ખરી રીતે તો બધાનું 'ડિસ્ચાર્જ' જ થઈ રહ્યું છે, પણ તેનું તેને ભાન નથી. પોતાને 'પોતાનું' જ ભાન નથી.

'હું ચંદુભાઈ છું' એ જ ભ્રાંતિ છે અને એમાંથી 'ચાર્જ' થાય છે. 'ચાર્જ' થતું ક્યારે બંધ થાય ? જ્યારે 'હું કોણ છું' એનું 'જેમ છે તેમ' ભાન થાય ત્યારે.

'ચાર્જ' એટલે સંયોગો બધાનું ભેગું થવું ને 'ડિસ્ચાર્જ' એટલે સંયોગો બધાનો અસ્ત થવો.

'ડિસ્ચાર્જ' તો કોને કહેવાય, કે જે પોતાની રૂચિ વગર ફરજિયાત કરવું પડે તે.

મન-ચિત્ત ડિસ્ચાર્જ થાય છે, તેને જગતે 'ચાર્જ' માન્યું. એટલે મન સ્થિર કરવા જાય છે ને ચિત્ત સ્થિર કરવા જાય છે, પણ એમ થાય તેમ નથી.

તન્મયાકારથી થાય ચાર્જ !

ચેતન જડને અડ્યું ને પોતાના સ્વરૂપનું ભાન જાય છે અને તેથી ચાર્જ થાય છે. જે જે બહુ યાદ આવે છે તેમાં તન્મયાકાર થાય છે, તેનાથી જ ચાર્જ થયા કરે છે. યાદ શું આવે ? કે જેની પર બહુ રાગ હોય અથવા તો બહુ દ્વેષ હોય. જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તેની પર રાગ-દ્વેષ કરે, એનાથી ચાર્જ થયા કરે. એમ જ સંસારક્રમ ચાલ્યા કરે.

સારામાં સારા ભજીયાં ને સારામાં સારી વેઢમી મળે અને ખાય તેનો વાંધો નથી પણ તેમાં સ્વાદ રહી જાય તો ચાર્જ થાય. તદાકાર થઈને ભજીયું અને વેઢમી ખાય એટલે ભજીયાના આકાર જેવો ને વેઢમીના આકાર જેવો થાય અને મોહ ફરી ચાર્જ કરે.

ધંધો કરે છે તે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. તે પૂર્વ જે ચાર્જ કર્યું હતું એટલે તંે ધંધો શરૂ કર્યો. અને શરૂ કર્યો ત્યારથી જ ડિસ્ચાર્જ થાય છે, તેમાં તદાકાર થઈ ફરી ચાર્જ થાય છે.

જન્મ્યો ત્યાંથી મર્યો ત્યાં સુધી બધું જ ડિસ્ચાર્જ થયા કરે છે. અત્યારનું મનુષ્યપણું તે ડિસ્ચાર્જ છે. ગયા અવતારમાં મનુષ્યપણું ચાર્જ કરેલું, તે હવે ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જનો તો ભગવાનેય વાંધો ઊઠાવતા નથી, પણ ડિસ્ચાર્જ વખતે તારું ધ્યાન ક્યાં વર્તે છે તેની કિંમત છે. ભગવાનનાં દર્શન કરવા મંદિરે ગયો ને ભગવાનની મૂતિનાં દર્શન કર્યાં ને જોડે જોડે બહાર જોડા મૂક્યા તેનોય ફોટો પાડ્યો. તે દર્શન કર્યા તે ડિસ્ચાર્જ થયું અને જોડાનો ફોટો પાડ્યો તે ચાર્જ કર્યું.

માણસ વલૂરે છે એ ડિસ્ચાર્જ છે પણ વલૂરે છે (ખંજવાળે છે) ત્યારે આનંદ આવે છે. દેહની જે સ્થૂળ ક્રિયાઓ છે તે ડિસ્ચાર્જ સ્વરૂપ છે, તેમાં આનંદ કરવા જેવું ય નથી અને શોચ પણ કરવા જેવો ય નથી. આનંદ આવે છે તે 'પ્રતિષ્ઠિત આત્મા'ને આવે છે, તેનો જાણનારો પોતે 'શુધ્ધાત્મા' છે. તે જાણે કે હમણાં લ્હાય બળશે એટલે ખબર પડશે. પણ જો તે આનંદમાં તન્મયાકાર થઈ જાય એટલે પાછું ચાર્જ થાય.

ડિસ્ચાર્જ ફિલ્મોમાં કચકચ કરાય ?

ચાર્જેબલ મોહ તે ચાર્જ થાય છે, પૂરણ થાય છે. ૧ અંશ, ૨ અંશ, ૩ અંશ એવી રીતે પૂરણ થાય, તે ૫૦૦ સુધી થાય, હવે ડિસ્ચાર્જ મોહ કેવો હોય કે પહેલાં એકદમ ૫૦૦ ઉપર આવે. દા.ત. ક્રોધ ૫૦૦ ડિગ્રીએ આવે પછી ૪૫૦ ઉપર આવે. પછી ૪૦૦ ઉપર આવે અને છેવટે ૧ આવે અને ત્યાર પછી ખલાસ થાય, સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય.

રસ્તે જતાં આપણી ઈચ્છા ના હોય છતાં ગમો-અણગમો થયા કરે પણ તે શાથી ગમે છે અને શાથી નથી ગમતું ? તેનો કોઈ વિચાર જ કરતું નથી. તારી ઈચ્છા ના હોય તોય તે ફરે તેમ નથી. તારી ઈચ્છાની વાત નથી. જન્મ્યો ત્યારથી મન-વચન-કાયાની ત્રણેય બેટરીઓ ડિસ્ચાર્જ થયા કરે છે. કારણ કે પૂર્વે ચાર્જ કરેલું છે તેથી.

ડિસ્ચાર્જ થાય ત્યારે ખબર પડે કે અવળું ચાર્જ કરેલું હતું. એટલે ફરી સવળું ચાર્જ કરશો તો ફરી સવળી લાઈફ જશે. બાકી અત્યારે તો બધી ફિલ્મ પડી ગયેલી છે. હવે જે ભજવવાની છે તે ભજવો. જે ફિલ્મ પડદા ઉપર અત્યારે દેખાય છે તેનું શૂટિંગ તો પહેલાં ક્યારનું ય થઈ ગયેલું છે, પણ અત્યારે પડદા ઉપર ફિલ્મ જુએ છે. તે ના ગમતું આવે છે ત્યારે પાછો કહે છે, કે ફિલ્મ કટ કરો, કટ કરો. તે હવે શી રીતે કટ થાય ? એ તો જ્યારે શૂટિંગ કરતો હતો, ચાર્જ કરતો હતો ત્યારે વિચારવું હતું ને ! હવે તો કોઈ બાપોય ફેરવી ના શકે. માટે રાગ-દ્વેષ કર્યા વગર ચૂપચાપ ફિલ્મ પૂરી કરી નાખ.

કર્તાપદે થાય ચાર્જ !

'કર્તાપદ'નું ભાન છે ત્યાં સુધી 'ચાર્જ' થયા જ કરે. અક્રમ માર્ગમાં તમારું કર્તાપદ 'અમે' ઊડાડી મૂકીએ છીએ. 'હું કરું છું' એ ભાન ઊડી જાય છે ને 'કોણ કરે છે' એની સમજણ પાડી દઈએ છીએ. એટલે 'ચાર્જ' થતું બંધ થઈ જાય છે. પછી રહ્યું શું ? ખાલી 'ડિસ્ચાર્જ' સ્વરૂપ.

'ચાર્જ' થવાનું બંધ થઈ જાય, ત્યારથી નવો સંસાર બંધાતો અટક્યો. 'જ્ઞાની' વગર કર્તાપદ છૂટે નહીં. જ્યાં 'ચાર્જ' થતું અટકે, ત્યાં મોક્ષ માટેનાં લક્ષણો છે.

'ડિસ્ચાર્જ' થાય છે તેની કિંમત નથી, પણ કયું ધ્યાન વર્તે છે તેની કિંમત છે.

ચાર્જ થયા પછી ડિસ્ચાર્જ થયા વગર છૂટકો જ નહીં. એ ડિસ્ચાર્જ થયા પછી ચાર્જ થાય કે ના થાય, એની કંઈ જરૂર નથી. ડિસ્ચાર્જ છે તે ચાર્જની અપેક્ષા રાખતું નથી. ચાર્જ છે તે ડિસ્ચાર્જની અપેક્ષા રાખે છે જ. 'ચાર્જ' હંમેશાં 'ડિસ્ચાર્જ'ને ભજ્યા કરે.

જ્યાં પોતે 'પ્લાનિંગ' નથી કરતો એ બધું ચોખ્ખું 'ડિસ્ચાર્જ' છે. 'પ્લાનિંગ' કરે છે તેમાં 'ચાર્જ' થાય છે. 'ડિસ્ચાર્જ' સહજ સ્વભાવી છે. એમાં દુઃખ ના હોય.

આ જગતનો 'પોતે' કર્તા નથી. જ્યાં પોતે કર્તા માને છે એ 'ચાર્જિંગ' છે. 'આ સામાયિક મેં કર્યું, આ ક્રિયાઓ મેં કરી', એનો ગર્વરસ 'પોતે' ચાખે, તેનાથી 'ચાર્જ' થાય છે. ગર્વરસ બહુ મીઠો લાગે.

ક્રોધ-માન-માયા-લોભ એ 'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે પણ 'સ્વરૂપનું જ્ઞાન' ના હોય તો મહીં પાછાં નવા 'ચાર્જ' થાય છે.

આ પવન આવે છે, અહીં બેઠા છો તે ય ડિસ્ચાર્જ કર્મ છૂટે છે અને પેણે આગળ જાવ અને ગરમી ખૂબ લાગતી હોય ને અકળામણ થતી હોય તે ય ડિસ્ચાર્જ છૂટે છે. અકળામણ થાય ને હેરાન થઈ જાય, તે ય ડિસ્ચાર્જ છે. કો'કની ઉપર અકળાવ તે ય ડિસ્ચાર્જ છે. રાગ-દ્વેષ રહિતપણે બધું ઉકેલ લાવવાનો છે. રાગ-દ્વેષ હોય ક્યાં સુધી ? અહંકાર હોય ત્યાં સુધી રાગ-દ્વેષ હોય. આત્મા થયા પછી રાગ-દ્વેષ કેવો ? બધા રાગ-દ્વેષ અહંકારના છે.

ડિસ્ચાર્જ એટલે પર ને પરાધીન !

ડિસ્ચાર્જ એટલે શું ? ટાઈમ વગર ખસે નહીં. તમારી ઉતાવળે 'ડિસ્ચાર્જ' થાય નહીં.

સંસાર ચલાવવા માટે અહંકારની જરૂર નથી. આવતો ભવ બાંધવા માટે અહંકારની જરૂર છે. આવતો ભવ બાંધવો ના હોય તો અહંકાર વગરે ય સંસાર તો ચાલે તેવો છે. સંસાર તો આખો 'ડિસ્ચાર્જ' સ્વરૂપે છે. એટલે 'ડિસ્ચાર્જ' તો એની મેળે જ થયા કરવાનું.

એટલે આ દુનિયામાં બધું ડિસ્ચાર્જ છે. હવે ડિસ્ચાર્જની ખોડ કાઢવી, એમાં કશો સ્વાદ નહીં આવે. ડિસ્ચાર્જની ખોડોથી તો આ જગત ઊભું રહ્યું છે.

'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે તેમાં લોકો અહંકાર કરે છે કે 'મારો' 'કંટ્રોલ' રહેતો નથી. મારો કંટ્રોલ રહે છે, તે ય અહંકાર છે. આ તો પારકી વ્યથા માથે આવી છે ! તેમાં પોતે વ્યથિત થઈને ફર્યા કરે છે !

ડિસ્ચાર્જ એટલે એની મેળે ચાલ્યા કરે. આ તો ચલાવા જાય, પછી એના માલિક થાય, ને માલિક થયા એટલે માર ખાવ. આપણે ગાડીમાં બેસીએ છીએ, પછી એની મહીં સૂઈ ગયા, એ કંઈ તપાસ કરે છે કે નીચે કેટલાં ચકરડાં ચાલે છે ? કેટલી સ્પ્રીંગો ખચાક ખચાક કર્યા કરે છે ? ભઈ સૂઈ ગયા છે નિરાંતે, લે ! એવી રીતે આ ડિસ્ચાર્જ છે. આ ડિસ્ચાર્જ છે તે એની મેળે ચાલ્યા જ કરશે. સૂઈ જાય તો ય ચાલ્યા કરે. તો જાગતો રહે તો, 'કેવી રીતે ચાલે ?' એનો ડખો કર્યા કરે.

આમાં અમે જે જે કરીએ ને, તેમાં અમારું કર્તાપણું ના હોય પાછું, એ પૂર્વથી લઈને આવેલા એવું એટલે અમારું ડિસ્ચાર્જ જ આ બધું કર્યા કરે. કર્તાભાવ હોય તો ડહાપણ કરું અત્યારે કે મેં કર્યું આ. અમારું કર્તાપણું ના હોય. ડિસ્ચાર્જ જ એવું લઈને આવેલા કે બધું આમ ચાલ્યા કરે ને ઓછું થયા કરે.

'રૂટ'માં અજ્ઞાન, અહંકાર !

ગમો-અણગમો એ 'ડિસ્ચાર્જ મોહ' છે. રાગ-દ્વેષ એ 'ચાર્જ મોહ' છે.

જગતમાં કોઈ કર્તા નથી. 'હું કરું છું' એ 'ઈગોઈઝમ' છે. 'ઈગોઈઝમ'ની છત્રછાયા નીચે ભ્રાંતિ ઊભી રહી છે.

આ જગતમાં જાણીને અજાણ રહેવું એ મોટો પુરુષાર્થ છે ને ! અમે જાણીએ છતાં અજાણ રહીએ.

'ભાવમન' એ 'ચાર્જ' મન છે. 'દ્રવ્યમન' 'ડિસ્ચાર્જ' મન છે. 'ભાવમન' સંસાર ઊભો કરે. 'દ્રવ્યમન' સંસાર નિવારે. અહંકાર ગયો એટલે 'ભાવમન' ઊડ્યું.

'સેન્સિટિવ' માણસની, સામો કંઈક શબ્દ બોલ્યો, કે તરત જ 'ઇફેક્ટ' થાય. ખરી રીતે શબ્દ તો 'રેકર્ડ' છે.

કર્તા-કર્ર્મ રહિત, આત્મા !

ભગવાન કર્તા હોય તો એનો ક્યારે પાર આવે ? ભગવાન બનાવનારો ને આપણે બન્યા (!) આપણે એનાં રમકડાં એટલે થઈ ગયું કલ્યાણ (!) આપણો મોક્ષ પછી ક્યારે થાય ? કોઈ તમારો ઉપરી નથી, કોઈ તમારો 'અન્ડરહેન્ડ' નથી.

કર્મસહિત હોય તે જીવ. કર્મરહિત હોય તે આત્મા.

સારા કર્મેય ભ્રાંતિ છે ને ખોટા કર્મેય ભ્રાંતિ છે. પણ તેથી કરીને સારાં કર્મ છોડવાનું હું નથી કહેતો. ખોટામાંથી સારામાં જાય છે એ સારી વાત છે. પણ તોય ભ્રાંતિ જતી નથી. ભ્રાંતિ ગયા પછી સાચા ધર્મની શરૂઆત થાય છે.

લોક શું કહે છે ? કર્મ ગણી ગણીને નાશ કરો. એનો પાર ક્યારે આવે ? અમારી 'સાયન્ટિફિક' શોધ છે કે 'મૂળ' વસ્તુને જ નિરાધાર કરી નાખો. એટલે બીજું બધું એની મેળે જ પડી જાય.

ઈફેક્ટનો અર્થ જ પરિણામ !

મન-વચન-કાયા એ 'ઈફેક્ટિવ' છે. એની 'ઈફેક્ટ' 'પોતાને' ક્યારે ના થાય ? જ્યારે 'પોતાને' 'પોતાનું' ભાન થાય ત્યારે, 'હું પરમાત્મા જ છું' એવું ભાન થાય ત્યારે.

માતાના પેટમાંથી બચ્ચું બહાર આવે છે તે ઊંધું, માથેથી આવે છે. તે કોણે કર્યું ? બચ્ચાથી ફરાય ? 'ડૉકટર' ખેંચે છે ? મા ધકેલે છે ? કોણ કરે છે ? આ 'ઈફેક્ટ' છે ! 'પરિણામ' છે ! 'કૉઝિઝ' જે હતાં, તેનાં 'પરિણામ' સ્વાભાવિક રીતે થાય.

'ઈફેક્ટ'ના આધારે આ બધું જગત ચાલી રહ્યું છે. ભગવાને આમાં હાથ ઘાલ્યો નથી. આ સમજ ના પડી તેથી લોકોએ, ભગવાનના માથે ઘાલ્યું.

ઈફેક્ટનો જાણકાર, અન્ઈફેક્ટિવ !

મન-વચન-કાયાના પરમાણુઓ એ 'ઈફેક્ટિવ' છે. 'સાયન્સ' શું કહે છે ? 'ઈફેક્ટ' 'તમે' કેમ અનુભવો છો ? 'ઈફેક્ટ'ને તો 'તમારે' માત્ર જાણવાની જ છે.

'ઈફેક્ટ્સ'ને અનુભવે તો બંધ પડે. 'ઈફેક્ટ્સ'ને પોતે એકલો અનુભવે તો ચીકણા બંધ ના પડે. સામાને સાથે લે (દોષિત જુએ) તો ચીકણા બંધ પડે.

મન-વચન-કાયા 'ઈફેક્ટિવ', બહારનું વાતાવરણ 'ઈફેક્ટિવ' ને આત્મા 'અનઈફેક્ટિવ' રહે તે છેલ્લી દશા !

ઉદાસીનને કશું અડે નહીં. 'સ્વરૂપ જ્ઞાન' પછી પુરુષાર્થ માંડે તો ઉદાસીન રહી શકે છે.

ભગવાનને સાક્ષી થવાની જરૂર નથી. એમને કંઈ 'કોર્ટ'માં ઓછું જવાનું છે ? આ તો 'તમારે' સાક્ષી થવાનું છે, જેથી કર્મ ના બંધાય. અને 'ભગવાન' તો ખાલી 'જોયા' જ કરે છે.

આ ભવમાં તમારે કરવાનું એટલું જ કે સામાને નિમિત્ત જાણી તમારે શાંત રહેવાનું. મન સહેજેય બગાડવા નહીં દેવાનું. મન બગડે તો નિમિત્તની માફી માગવી કે 'હે નિમિત્ત ! તું તો નિમિત્ત છે, મારું મન બગડ્યું માટે માફી માંગું છું.' આટલું જ કરવાનું છે, એ જ પુરુષાર્થ છે.

તમે કોઈની જોડે અત્યારે ગુસ્સે થઈ ગયા હો તો એ 'ડિસ્ચાર્જ' કષાય છે. પણ એની અંદર 'તમારો' (અજ્ઞાન દશામાં) 'ભાવ' છે, તે તેમાં પછી 'ચાર્જ'નું બી પડ્યું.

વ્યવહાર ચાલે, પાપ-પુણ્યથી !

પુણ્યના આધારે તમારો પુરુષાર્થ નફો લાવે ને પુણ્ય પરવારે તો એ પુરુષાર્થ ખોટ લાવે.

આપણા ધાર્યા પ્રમાણે ફળ આવે તે પુણ્યનું પ્રારબ્ધ છે, ના આવે તો પાપનું પ્રારબ્ધ છે.

સ્વાર્થ કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ કરે ત્યારે પુણ્યકર્મ બંધાય. પણ બન્નેય કર્મ છે ને ! પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી પણ બેઉ બેડીઓ જ છે ને !

એ કર્મ ચાર્જિંગ સ્ટોપ કરાવે !

'અતિક્રમણ' થવું એ સ્વાભાવિક છે. 'પ્રતિક્રમણ' કરવું એ આપણો 'પુરુષાર્થ' છે.

આખો સંસારમાર્ગ મોક્ષમાર્ગ જ છે. જીવો ઉત્તરોત્તર, ક્રમે ક્રમે વર્ધમાન થાય જ છે. આ મનુષ્યમાં આવીને જ ફક્ત ગૂંચાય છે. કારણ કે મનુષ્યગતિ એ કર્મ બાંધવાની જગ્યા કહેવાય. જાતજાતનાં કર્મ બાંધે.

જગત વિસ્મૃત કરાવી શકે, એ જ કર્મોનું 'ચાર્જ' બંધ કરાવી શકે.

આ 'અક્રમ વિજ્ઞાન' તો 'સાયન્ટિફિક' છે, વિજ્ઞાન છે ! એક્ઝેક્ટ છે અને બીજું બધું તો 'ડિસ્ચાર્જ' થઈ રહ્યું છે.

સેવા-કુસેવા ય ભ્રાંતિ !

એક જણ સેવા કરે છે તે પ્રકૃતિ સ્વભાવ છે અને એક જણ કુસેવા કરે છે તે ય પ્રકૃતિ સ્વભાવ છે. તેમાં કોઈનો 'પોતાનો' પુરુષાર્થ નથી. પણ મનથી એમ માને છે કે 'હું કરું છું' એ ભ્રાંતિ છે.

જ્યાં સુધી 'હું કર્તા છું' એવું ભાન છે, ત્યાં સુધી ક્રિયાકાંડ છે. 'હું કર્તા છું'નું ભાન જાય એટલે મોક્ષ. 'હું કર્તા છું' ત્યાં સુધી ધર્મ છે ને કર્તાપદ છૂટે તો વિજ્ઞાન છે.

શુભાશુભના સામા કિનારે શુધ્ધ છે. ત્યાં કર્તાભાવ નથી. 'હું કર્તા નથી' એ ભાન થાય તો મુક્તિ થાય.

કર્તાપદ એ જ ભ્રાંતિ !

જ્યાં સુધી 'હું કર્તા છું' એ ભાન છે ત્યાં સુધી આત્માનો એક અંશ પણ પામ્યા નથી. 'હું કંઈ પણ કરું છું' એ ભાન આત્મા પ્રાપ્ત કરાવે નહીં.

જો તમે ઈશ્વરને કર્તા માનો તો પછી તમે તમારી જાતને કર્તા શું કામ માનો છો ?

પોતે કર્તા માને છે તેથી કર્મ થાય છે. પોતે જો પોતાને એ કર્મનો કર્તા ના માને તો કર્મનો વિલય થાય છે.

જ્ઞાનદશામાં આત્મા અકર્તા છે, અજ્ઞાનદશામાં આત્મા કર્તા છે.

કર્તાપણાની 'રોંગ બિલિફ' તૂટશે તો આશ્રિત જ નહીં પણ સર્વસ્વ છો.

મનુષ્ય એકલો જ એવો છે કે જે 'હું કર્તા છું' એવું ભાન ધરાવે છે અને જ્યાં કર્તા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે. તેને ભગવાન કહે છે, 'ભઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો.' પછી ભગવાનને ને તમારે શું લેવા-દેવા ?

નિમિત્તનો ત્યાગ કરવો એ ય ગુનો છે ને નિમિત્તની આગળ દીન થઈ જવું તે ય ગુનો છે.

આ દુનિયામાં કોનાથી કામ ના થાય ? કર્તા હોય તેનાથી.

જે કડવાશ ભોગવે તે જ કર્તા. કર્તા તે જ વિકલ્પ.

સ્વતંત્ર કર્તા, નૈમિત્તિક કર્તા !

'જગતનો કર્તા કોઈ છે જ નહીં અને કર્તા વગર થયું નથી.' 'કર્તા વગર થયું નથી' એ કહેવાનો ભાવાર્થ શો છે કે એ નૈમિત્તિક કર્તાથી થયું છે. નૈમિત્તિક કર્તા ખરેખર કર્તા કહેવાય નહીં.

આ જગતનો કોઈ કર્તા સ્વતંત્રભાવે નથી, નૈમિત્તિક કર્તા છે. કોઈ 'હોલસેલ' કર્તા પાક્યો જ નથી. ભગવાને ય આનો કર્તા નથી. ભગવાન જો કર્તા થાય તો તેને ભોક્તા થવું પડે.

'તું' વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી અકર્તા છે, આવું ભગવાન મહાવીર કહે છે.

મૂળ કર્તા પુદગલ છે ને આત્મા નૈમિત્તિક કર્તા છે.

આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. એટલે પુદગલ વ્યવહારથી અકર્તા અને નિશ્ચયથી કર્તા છે.

સાચા પુરુષાર્થમાં સ્વતંત્ર !

ધ્યાતા-ધ્યેયનો તાર સંધાયો, એનું નામ ધ્યાન. તાર તૂટ્યો કે ધ્યાન તૂટ્યું. જે જીવતા છે એવા 'જ્ઞાની પુરુષ'નું ધ્યાન તે નિદિધ્યાસન કહેવાય અને મૂર્તિનું ધ્યાન તે એકાગ્રતા છે.

પુરુષાર્થ એવી વસ્તુ છે કે 'પુરુષ' થયા પછી જ પુરુષાર્થ થાય. આ તો પ્રકૃતિ પરાણે નચાવે છે, તેમાં તમે કહો છો કે હું કરું છું આ. એને ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય. એ સાચો પુરુષાર્થ ન હોય. પુરુષ અને પ્રકૃતિ બે જુદાં પડ્યાં પછી જ સાચો પુરુષાર્થ થાય.

સાચો પુરુષાર્થ ક્યારે ઉત્પન્ન થાય ? 'જ્ઞાની પુરુષ' પુરુષ બનાવે, ત્યાર પછી પુરુષાર્થ. ત્યાં સુધી તો પ્રકૃતિના આધારે ચાલી રહ્યું છે, આ પ્રકૃતિ નચાવે તેમ નાચે છે, પણ છતાંય આપણે એને એક્સેપ્ટ તો કરવું પડે. એ ભ્રાંત પુરુષાર્થ છે.

જેટલી ચીજનો સંયોગ થાય એ પ્રારબ્ધ અને એની જોડે જે ભાવાભાવ ઉત્પન્ન થાય એ પુરુષાર્થ.

બે જાતના પુરુષાર્થ : એક પ્રારબ્ધમાંથી ઉત્પન્ન થતો પુરુષાર્થ - 'રિલેટિવ પુરુષાર્થ.' પ્રારબ્ધમાંથી બીજ પડે અને તેમાંથી ઉત્પન્ન થતો 'રિલેટિવ પુરુષાર્થ.' અને બીજો છે તે પુરુષ થયા પછીનો 'રિયલ પુરુષાર્થ. પ્રારબ્ધને કયા ભાવે ભોગવે છે એ ભાવ એ ભ્રાંત પુરુષાર્થ છે.

પુરુષાર્થ-પ્રારબ્ધની ભેદરેખા !

પુરુષાર્થ એ યોજનારૂપે છે ને પ્રારબ્ધ એ રૂપક છે.

ફરજિયાતમાં 'ઈગોઈઝમ' ના કરે, એનું નામ પુરુષાર્થ.

તમે સંસારમાં કંઈ ભોગવો ને તેમાં તમને રસ આવતો હોય તો તે બંધન થાય ને તે ભોગવતાં જરાય રસ ના હોય ત્યારે બંધન ના થાય. તે જ સાચો પુરુષાર્થ છે.

સાચો પુરુષાર્થ તો પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થાય ત્યારે થાય.

પુરુષાર્થ કોને કહેવાય ? સ્વતંત્રપણું હોય, સ્વાધીન હોય, પરાધીન ના હોય. અહીં તો બીજા સંયોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય. 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના આધારે થાય છે તે પ્રારબ્ધ છે.

જ્યાં સુધી કોઈનું આલંબન લેવું પડે છે ત્યાં સુધી પ્રારબ્ધ છે.

બાબો ચાલે તેમાં બાબાનો શો પુરુષાર્થ ? એ તો પ્રકૃતિ ચલાવે છે !

વખત (કાળ) પુરુષાર્થી નથી, પુરુષ પુરુષાર્થી છે.

પ્રારબ્ધ અને પુરુષાર્થની લક્ષ્મણરેખા 'એક્ઝેક્ટ' જાણે તે 'જ્ઞાની'.

આત્માનો બીજો કંઈ પુરુષાર્થ નથી. જ્ઞાતા-દ્રષ્ટા જ એનો પુરુષાર્થ છે ને પરમાનંદ એનું પરિણામ છે.

જુદો કર્તા, ચાર્જ-ડિસ્ચાર્જ સમયે !

'ડિસ્ચાર્જ' વખતે કર્તા જુદો છે ને 'ચાર્જ' વખતે કર્તા જુદો છે. એ આ જગતને શી રીતે સમજાય ? ચાર્જ વખતે કર્તા તન્મયાકાર હોય. 'હું કરું છું' એ ભાન હોયને તો ચાર્જ કહેવાય. તે વખતે (પોતે) કર્તા હોય જ. અજ્ઞાનીઓને ચાર્જ અને ડિસ્ચાર્જ બન્ને વખતે (પોતે) કર્તા હોય જ. અને જ્ઞાન આપણું લીધેલું હોય તેને ડિસ્ચાર્જ વખતે (પોતાનું) કર્તાપદ ના હોય, એને (સંજોગોના આધીન) નિર્જરા જ થઈ જાય છે. એને (જ્ઞાન લીધા પછી) ચાર્જ તો થતું નથી. એટલે આ બન્ને વાક્યો તે અનુસંધાનમાં મૂકેલાં છે.

ડિસ્ચાર્જ વખતે કર્તા જુદો પડી જાય છે, દરેક મનુષ્ય માત્રને. પણ એ પાછું ભ્રાંતિથી પોતે આરોપ કરે છે કે 'હું કરું છું', બસ. એ ના કરે તો ચાલે એવું છે. ડિસ્ચાર્જ થયા કરે એવું છે, કર્તા ના હોય તો ય.

વીતરાગોની ઝીણી વાત !

એ બહુ ઝીણી વાત છે. પણ એને 'અમે' બહાર પાડી છે. હવે આ લોકોને શી રીતે સમજાય ? આ વીતરાગોની બહુ ઝીણી વાત છે. એ વીતરાગ થાય ત્યારે સમજાય એવી વાત છે આ.

એ જો ઇટ હેપન્સ, બધું જોયા કરે, તો ડિસ્ચાર્જ વખતે એ કર્તા જુદો જ રહે, છે જ જુદો. એટલે એ ઇટ હેપન્સ તરીકે જુદો ચાલે એવું છે. તો ફરી આવતો ભવ સાંકડો થતો જાય. પણ એને 'હું કરું છું' એ પાછું બોલે છે. એ ચાર્જ કરે છે પાછો. ડિસ્ચાર્જ વસ્તુને પાછું 'હું કરું છું' એમ કરીને આવતા ભવના માટે ચાર્જ કરે છે.

'આ કેવી રીતે બન્યું', એટલે આપણે વ્યવસ્થિત મૂકી દઈએ, એ લોકો 'વ્યવસ્થિત'ને સમજે નહીં, છતાં પણ એ એટલું જ જુદું સમજે કે આ ઇટ હેપન્સ હોય છે તે ઘણાં બધા કર્મ બંધાતા અટકી જાય.

જો ખરેખર કર્તા હોત તો કોઈ છૂટત જ નહીં. કર્તા કોને કહેવાય કે જે સ્વતંત્ર 'પાવરવાળો' હોય.

'રિયલ' પુરુષાર્થ એ શુકલધ્યાન છે ને 'રિલેટિવ' પુરુષાર્થ એ ધર્મધ્યાન છે.

અજ્ઞાનમાં રહેવાથી સંસાર 'ચાર્જ' થાય. 'જ્ઞાન'માં રહેવાથી સંસાર 'ડિસ્ચાર્જ' થાય.

ત્યાં થાય કર્મથી મુક્તિ !

કર્મ શાનાથી બંધાય ? શુભ-અશુભ ભાવથી. શુધ્ધભાવથી મુક્તિ-મોક્ષ.

કર્તા-ભોક્તામાં કર્મ બંધાય ને જ્ઞાતા-દ્રષ્ટામાં કર્મ ના બંધાય.

જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કર્મ છે. અહંકાર વિલય થઈ ગયો એટલે કર્મ બંધ થઈ જાય.

જગત કલ્યાણની ભાવનામાંથી જ યશનામ કર્મ ઉત્પન્ન થાય છે અને જગતને ગોદા મારે ત્યારે અપયશનામ કર્મ થાય.

અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થાય પણ કર્તાપણું છૂટે નહીં.

જ્ઞાન પછી અંતઃકરણ ડિસ્ચાર્જ !

ચિત્ત 'મિકેનિકલ ચેતન' છે. મન 'મિકેનિકલ ચેતન' નથી, એ 'ડિસ્ચાર્જ' થતું છે.

'સ્વરૂપ જ્ઞાન'ની પ્રાપ્તિ પછી ચિત્તની નવી 'ફિલ્મો' પડતી બંધ થઈ જાય. મનનું જૂનું હોય તેટલું જ 'ડિસ્ચાર્જ' થયા કરે. નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય, જૂનો છે એટલો જ 'ડિસ્ચાર્જ' થાય. બુધ્ધિ પણ જૂની છે એ 'ડિસ્ચાર્જ' થયા કરે. નવી ઉત્પન્ન ના થાય.

'દર્શનમોહ' એટલે 'ચાર્જ મોહ'. 'ચારિત્રમોહ' એટલે 'ડિસ્ચાર્જ મોહ'.

'ડિસ્ચાર્જ'થી ચાલે સંસાર !

આત્માનો અનંતગુણી સ્વભાવ હોવાથી આત્માને સ્પર્શ થવાથી જ 'ચાર્જ' થઈ જાય છે. 'હું ચંદુભાઈ છું' કહેતાં જ જબરજસ્ત ચાર્જ થયું. પછી 'થિયરી ઓફ રિલેટિવિટી'(સાપેક્ષવાદ)માં જ રહેવું પડે. આમાં આત્મા પોતે તો કંઈ જ કરતો નથી. એ તો બિલકુલ સ્થિર છે, છતાં મન ચાલે છે. કારણ કે મન એ 'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે.

જેમ આ 'બેટરી' 'પાવર'થી ચાલે છે તેમ આ જગત 'પાવર'થી ચાલી રહ્યું છે. એ પાવર ઊતરી જાય તો બંધ થઈ જાય, પણ ઊતરતાં પહેલાં બીજો 'પાવર' ઉમેરાય છે. 'ચાર્જ' થાય ને 'ડિસ્ચાર્જ' થાય.

ભાવમનથી નવો પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય છે ને દ્રવ્યમન એટલે 'ડિસ્ચાર્જ' થતો 'પ્રતિષ્ઠિત આત્મા'. અહંકાર હોય તો જ ચાર્જ થાય.

શરીરમાં આત્મા કશું જ કરતો નથી. ખાલી પ્રકાશ જ ફેંકે છે. તેમાં મન-બુધ્ધિ-ચિત્ત ને અહંકાર તેના પ્રકાશમાં કામ કર્યા કરે છે. આ 'ચંદુભાઈ' 'કમ્પ્લીટ ડિસ્ચાર્જ' છે.

'ભાવના'થી થાય ચાર્જ !

સંસારી આત્મા પાસે ભાવના ભાવવા સિવાય બીજી કોઈ શક્તિ નથી અને ભાવના ય પાછી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ઉત્પન્ન થાય છે. પોતાની ઇચ્છા પ્રમાણે ભાવના ભાવી શકે તેમ નથી અને તે ય પાછું ભાવના એકલી જ કરવાની છૂટ છે. બીજું બધું 'મિકેનિકલ' છે. 'મિકેનિકલ'માં હાથ ઘાલ્યો તો હાથ બળી જશે. ભાવના એકલો જ પુરુષાર્થ છે.

'વ્યવહારથી કર્તા' ના માનવું તે ય મિથ્યાત્વ. અને 'હું નિશ્ચયથી કર્તા છું' તે ય મિથ્યાત્વ. 'હું કર્તા છું' એ ભાન એ મિથ્યાત્વ છે.

દર્શન મોહનીય આ સંસારનું 'કોઝ' છે અને ચારિત્ર મોહનીય આ સંસારની 'ઈફેક્ટ' છે.

ભાવ-દ્રવ્ય-નો કર્મનું સ્વરૂપ !

મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ 'જ્ઞાની'નાં ચરણોમાં અર્પણ કરવાનું છે. નોકર્મ એટલે 'ડિસ્ચાર્જ' થતાં કર્મ. ભાવકર્મ એટલે 'ચાર્જ' થતાં કર્મ અને દ્રવ્યકર્મ એટલે દ્રષ્ટિ. જે છે તેનાથી વિપરીત દેખાડે તે. વિપરીત દેખાય એટલે પછી વિપરીત ચાલે.

જે આવતાં ભવને માટે બીજ નાખે છે તે ભાવકર્મ. જે બીજ વગરનાં કર્મ છે એ નોકર્મ. અને દ્રવ્યકર્મ શું છે ? એ ગયા અવતારનાં કયા ચશ્મા લાવેલો છે ? ચાર નંબરનાં, આઠ નંબરનાં કે બાર નંબરનાં ચશ્મા છે ? જેવા ચશ્મા લાવ્યો, તેનાથી આખી જિંદગી દેખાય. જેવાં ચશ્મા લઈને આવ્યો હોય, તે પ્રમાણે સૂઝ પડે.

દ્રવ્યકર્મમાં શક્તિઓ પણ લાવેલો હોય છે. આત્મામાં અનંત શક્તિઓ છે. પણ એને અંતરાય કરનારી શક્તિઓ પણ લાવેલો હોય છે. બીજું, મૂર્છિત ભાવ, મોહ લાવેલો હોય છે.

દ્રવ્યકર્મ એટલે ભાવકર્મનું 'રિઝલ્ટ'. પણ તે રિઝલ્ટ સ્થૂળ નથી. આવતાં ભવના ચશ્મા સ્વરૂપે છે.

ગાળ ભાંડે એ 'નોકર્મ', તે વખતે રૌદ્રભાવ ઉત્પન્ન થાય તે ભાવકર્મ અને રૌદ્રભાવ ઉત્પન્ન થતી વખતે મહીં મૂળ 'મશીનરી'નું 'લાઈટ' દબાય, દ્રષ્ટિ બગડે તે દ્રવ્યકર્મ. અમે 'જ્ઞાન' આપીએ છીએ એટલે આ દ્રષ્ટિ ઊડાડીએ છીએ. એટલે ભાવ ઊભા થાય પણ દ્રષ્ટિ ના બગડે, હિંસક ભાવ ના ઉત્પન્ન થાય. તેથી કર્મ 'ચાર્જ' ના થાય.

દ્રષ્ટિ ના બગડે એટલે ભાવકર્મ જે થયાં તે પણ 'ડિસ્ચાર્જ' છે. ભાવકર્મ અને દ્રષ્ટિ બગડે તેનું નામ 'ચાર્જ'. 'અક્રમ'માં ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ બધાં જ 'ડિસ્ચાર્જ' બની જાય છે.

આત્મા સ્વભાવમાં જ છે, પણ ધુમ્મસ બહુ છે તેથી દેખાય નહીં. ધુમ્મસ જાય એટલે દેખાય. દ્રવ્યકર્મ ધુમ્મસ જેવું છે. ધુમ્મસમાંથી બહાર નીકળે ત્યાર પછી ય 'એને' કેટલાંય કાળ સુધી અસર રહે. 'જ્ઞાની' તેને છોડી આપે.

પીળા ચશ્મા ચઢાવે તો જગત પીળું દેખાય. આ ચશ્માનો ખ્યાલ છે તેથી સમજી જાય કે આ ચશ્માને લીધે પીળું દેખાય છે. આ પૂર્વજન્મનાં દ્રવ્યકર્મના ચશ્મા ચઢાવ્યાં છે. એનાથી આ બધું દેખાય છે. જો ચશ્મા લક્ષમાં રહે, પોતે લક્ષમાં રહે અને બહારની હકીકત લક્ષમાં રહે, તો કશો વાંધો નથી.

આત્મજ્ઞાની અને તેમના આશ્રયવાન જ દ્રવ્યકર્મને સમજી શકે. દ્રવ્યકર્મ એટલે પરિણામ પામી ગયેલું હોય, 'ઈફેક્ટિવ' હોય તે.

કર્મોદય, રાખો આત્મજાગૃતિ !

કર્મ ઉદય કોને કહેવાય ? જે ઢસડીને લઈ જાય તે. સંજોગોના સકંજામાં આવી જાય ને જવું પડે તે. રાજીખુશીથી જાય, તેને કર્મ ઉદય ના કહેવાય. કર્મ ઉદયમાં પોતાની ઇચ્છાપૂર્વકનું ના હોવું જોઈએ. પોલીસવાળો મારીને માંસાહાર કરાવે તેવું હોવું જોઈએ.

કર્મ એ સંયોગ છે ને વિયોગી એનો સ્વભાવ છે.

જ્યાં આપણું ચીકણું હોય ત્યાં આપણને ચીકણાં કર્મોનો ઉદય આવે અને તે આપણી ચીકાશ છોડાવવા આવે છે. બધો જ આપણો હિસાબ છે.

કર્મ બાંધતી વખતે યાદ ના રહે કે પરિણામ આ આવશે. 'સ્વરૂપનું જ્ઞાન' હોય તો જાગૃતિ રહે.

કર્મ બંધાતાં બંધ નહીં થાય ત્યાં સુધી ભગવાન ભેગા નહીં થાય.

અજ્ઞાનીને જ્યાં જાય ત્યાં કર્મ બંધાય. 'જ્ઞાની'ને જ્યાં જાય ત્યાં કર્મ છૂટે.

ઉલ્લાસે બાંધેલાં કર્મ પશ્ચાતાપ કરીને નાશ પામે.

અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યાં હતાં. હવે કર્મો રઘવાટમાં પડ્યાં છે.

સંસાર અધિકરણ શેનાથી ?

કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી. અને જેને બાંધવાનો અધિકાર છે, તેને ચારેય ગતિમાં રખડવું પડે છે.

કર્મો કેટલા પ્રકારનાં છે ? જેટલાં મનુષ્યો એટલાં કર્મ. નિર્વિકલ્પ એક અને વિકલ્પો પાર વગરના છે. જેટલાં વિકલ્પો છે એટલાં કર્મો છે.

ભગવાને મોટામાં મોટું કર્મ કયું કહ્યું ? રાત્રે 'હું ચંદુલાલ છું' કહીને સૂઈ ગયા અને પછી આત્માને કોથળામાં પૂર્યો, તે મોટામાં મોટું કર્મ.

અહંકારની હાજરીથી નિરંતર 'ચાર્જ' થયા જ કરે છે. 'આ મેં કર્યું' બોલે કે 'ચાર્જ' થયું. 'આ વીંટી મારી' બોલ્યો કે 'ચાર્જ' થયું.

અમે 'ડિસ્ચાર્જ' થતી વસ્તુઓને ટેકો ના આપીએ. તમે ડિસ્ચાર્જ થતી વસ્તુઓને ટેકો આપો છો. તે ટેકો આપવાથી ફરી 'ચાર્જ' થાય છે. એ 'ચાર્જ' થાય છે એ જ સંસારની અધિકરણ ક્રિયા છે. બહુ ગૂઢ 'સાયન્સ' છે આ.

કર્તાભાવથી કર્મ બંધન !

કોઈ બાપોય કર્તા આ જગતમાં ઉત્પન્ન થયો નથી. ભગવાન જો કર્તા થાય તો તેને કર્મ બંધાય.

વીતરાગો એટલું જ કહેવા માગે છે કે કર્મ નડતાં નથી, તારું અજ્ઞાન નડે છે.

અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં. અજ્ઞાનતા જાય, રાગ-દ્વેષ બંધ થાય એટલે કર્મ બંધ થઈ જાય.

આ શરીર નથી, આ તો કર્મનું પોટલું છે. તે જેવું પોટલું મળ્યું હોય તેવું ભટકાય ભટકાય કરે.

પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ ને ક્રિયમાણ કર્મ એ શું છે ? સંચિત કર્મ બધાં સૂક્ષ્મ છે, તદ્દન સૂક્ષ્મ છે. સંચિતમાંથી જેટલું સ્થૂળરૂપે થાય છે એટલું પ્રારબ્ધ ગણાય. અને પ્રારબ્ધ થયા પછી ક્રિયમાણ કોને કહેવાય ? પ્રારબ્ધ ભોગવતી વખતે 'આ હું કરું છું' એવું ભાન થાય છે, તેનાથી ક્રિયમાણ કર્મ ઉત્પન્ન થાય છે.

... એવું 'વિજ્ઞાન' જાણો !

જગત જેને કર્મ કહે છે તે કર્મ જ નથી, એ કર્મનાં પરિણામ છે.

કર્મ કરો છતાં કર્મ ના બંધાય એવું 'વિજ્ઞાન' જાણો તો કર્મ ના બંધાય.

કર્મનો પરિપાક થાય ત્યારે કર્મો ખરી પડે. 'વીતરાગ ભાવ' થાય તો કર્મનો પરિપાક જલ્દી થઈ જાય. આ તો લોકો 'અહંકારે કરીને' કર્મનો પરિપાક થવા દેતાં નથી.

નિષ્કામ કર્મ યે બંધન !

'જ્ઞાની' સકામ કર્મેય કરતાં નથી ને નિષ્કામ કર્મેય કરતાં નથી. 'સકામ કર્મ' કરો તો બંધન ને 'નિષ્કામ કર્મ' કરો ત્યાં ય બંધન છે. જ્યાં કંઈ પણ કરવાની લાગણી છે ત્યાં બંધન છે.

પરસ્પર અસમાધાન થાય, પણ એમાં કર્તાપણું ના હોય તો કર્મ ના ચોંટે. કર્તા થાય તેને કર્મ બંધાય.

કર્મનો કર્તા મટી ગયો, ત્યારથી નિર્વિકલ્પ દશા.

એ ભાન જ કર્તાપદ ઊડાડે !

'હું કર્તા નથી' એ ભાન કરાવવાની જરૂર નથી. 'હું શુધ્ધાત્મા છું' એ ભાન જ 'ઈટસેલ્ફ' કર્તાપદ ઊડાડે છે.

કર્તા થવું એટલે શું ? યોજનાને આધાર આપવો. અકર્તા થવું એટલે શું ? યોજનાને નિરાધાર કરી દેવી.

ભાવકર્મ : સ્વભાવ ભાવ !

આત્મા કર્તા નથી, જડ કર્તા નથી. તો કર્તા કોણ છે ? (વસ્તુનો) સ્વભાવ કર્તા છે.

આત્મા કર્મનો કર્તા કેવી રીતે છે ? 'બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ' આત્મા કર્મનો કર્તા છે. તે ય પાછો 'આ' કર્મનો (દેખીતા કાર્યોનો) કર્તા નથી, ભાવકર્મનો કર્તા છે. 'આ' કર્મનો (બાહ્ય કાર્યોનો) કર્તા તો કુદરત છે. 'બાય રિયલ વ્યુ પોઈન્ટ' આત્મા સ્વભાવ ભાવનો કર્તા છે.

એક રાઈનો દાણોય આઘોપાછો થઈ શકે એમ નથી માણસથી, અને જ્યાં થઈ શકે તે એ જાણતો નથી ! રાઈનો દાણો આઘોપાછો કરવો છે એવો ભાવ કર્યો તો કો'ક દહાડો થશે. ભાવ જ ના કર્યો હોય તો શી રીતે થાય ? અજ્ઞાનદશામાં ભાવ કરેલા, તેનું બધું ફળ આવ્યું. જ્ઞાનદશામાં હવે ભાવ કરવાના નહીં. હવે તો સ્વભાવ કહેવાય. સ્વભાવ એ સ્વધર્મ ને ભાવ એ પરધર્મ.

જ્યાં સુધી આત્મા સંસારી ભાવે છે, ત્યાં સુધી તે ભાવકર્મનો કર્તા છે. તે કાયમનો કર્તા નથી. એ તો આ ભાઈનો આમને ધક્કો વાગે ને એ કરે, તેમ આ સંજોગોના ધક્કાથી ભાવ કરે છે. ભાવકર્મથી સંસાર છે. 'અક્રમ'માં ભાવકર્મ જ ઉડાડી મૂકીએ છીએ ! 'હું ચંદુભાઈ છું' એ પહેલો ભાવ, હું આનો 'ધણી' છું એ બીજો ભાવ.... બધી 'રોંગ બિલિફ' છે.

સ્વરૂપ જ્ઞાન પછી ચાર્જ બંધ !

તમે આ 'હું ચંદુભાઈ છું' માનો છો, એ જ પ્રકૃતિને ચાર્જ કરે છે. અને પછી ચંદુભાઈ જ બંધનમાં આવ્યા છે. આ જ્ઞાન મળી જાય, સ્વરૂપનું ભાન થઈ જાય, તો પછી 'તમે' ચાર્જ કરતા બંધ થઈ ગયા. એટલે પછી એકલું ડિસ્ચાર્જ હોય. તે ડિસ્ચાર્જ તો બંધ કરી શકાય નહીં. ઇફેક્ટિવ હોય તો એ ઇફેક્ટ તો કોઈ બંધ કરી શકે નહીં. નવું ખાવાનું વખતે બંધ કરી દે, પણ ખાધું તેનું શું થાય ? સંડાસ ગયા વગર ચાલે ? એટલે આ 'જ્ઞાન' જેને આપેલું છે, એ બધાનું ચાર્જ બંધ થઈ ગયું છે.

આત્મા મળ્યા પછી નિર્જરા. ઇફેક્ટ છે એ. પણ પસ્તાવો થાય તો સારું કે એ ડીઝાઈન જલ્દી ભૂસાઈ જશે. નહીં તો ડીઝાઈન ભૂસાશે નહીં, પસ્તાવો નહીં થાય ત્યાં સુધી. એટલે પ્રતિક્રમણ કરવાથી ફાયદો થયો.

પછી કશું કરવાપણું રહેતું નથી !

ડિસ્ચાર્જ એટલે આ પાંચ ઇન્દ્રિયોનું જે બધું કાર્ય થાય છે, એ પાંચ ઇન્દ્રિયો પોતે જ ડિસ્ચાર્જ સ્વરૂપે છે અને એનાથી જે જે કાર્યો થાય છે એ બધું ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એટલે અમે 'વ્યવસ્થિત' કહ્યું.

પ્રકૃતિ તદ્દન જડ નથી, 'નિશ્ચેતન ચેતન' છે. નિશ્ચેતન ચેતન એટલે 'ડિસ્ચાર્જ' ચેતન છે. વસ્તુ 'ચાર્જ' કર્યા પછી 'ડિસ્ચાર્જ' એની મેળે જ થાય ને ? એમાં આપણે કશું કરવું પડે છે ? આ બધું 'ઈફેક્ટિવ' છે. 'ઈફેક્ટિવ' શક્તિને હું 'નિશ્ચેતન ચેતન' કહું છું.

મનની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો, વાણીની બધી જ ક્રિયાઓને 'ડિસ્ચાર્જ' સમજી ગયો, દેહની બધી જ ક્રિયાઓને 'ડિસ્ચાર્જ' સમજી ગયો, એટલે થઈ રહ્યું. આટલું જ જે મારી વાત સમજી ગયો તો તેને કશું જ કરવાનું રહેતું નથી, કશું જ વાંચવાનું રહેતું નથી, કશું જ સાંભળવાનું રહેતું નથી.

જ્ઞાન પછી 'વ્યવસ્થિત' કર્તા !

જગત ન્યાયસ્વરૂપ છે. એનું ફળાદેશ 'વ્યવસ્થિત' શક્તિ કરે છે.

જ્યારે યોજના ઘડાય છે, ત્યારે 'પોતે' તે અવસ્થામાં તન્મયાકાર થયો. એટલે અવસ્થામાં 'અવસ્થિત' થયો. 'અવસ્થિત'નું પછી કુદરત સાથે મિક્ષ્ચર થઈને રૂપકમાં આવે છે, ત્યારે તે 'વ્યવસ્થિત' હોય છે.

'અવસ્થિત' એ 'કૉઝિઝ' છે અને 'વ્યવસ્થિત' એ 'ઇફેક્ટ' છે. 'અવસ્થિત શક્તિ' એ 'કૉઝિઝ ઓફ એક્શન' છે. 'અવસ્થિત શક્તિ' ફેરફાર થઈ શકે, 'વ્યવસ્થિત શક્તિ' ફેરફાર થઈ શકે નહીં.

જો તું અહંકારી છે તો તું જ કર્તા છે અને જો તું નિર્અહંકારી છે તો 'વ્યવસ્થિત' કર્તા છે. કર્તા પોતે છે જ નહીં.

'વ્યવસ્થિત'નું સ્વરૂપ !

આખા જગતના મનુષ્યો મન-વચન-કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. 'રીયલી સ્પીકિંગ' 'પોતે' કિંચિત્માત્ર કર્તા સ્વરૂપે છે જ નહીં. બધાં અજ્ઞાન દશાનાં સ્પંદનો છે અને તે 'કુદરતી રચના'થી ઉત્પન્ન થયેલાં છે. તેનો કોઈ બાપોય રચનાર નથી.

કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે સંજોગોનું ભેગું થવું તે. સંજોગોનો ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો, એનું નામ કુદરત અને એ સંજોગો ભેગા થઈ રહ્યા, એનું નામ 'વ્યવસ્થિત'.

'અવસ્થિત' એટલે 'બેટરી' 'ચાર્જ' કરેલું. 'વ્યવસ્થિત' એટલે 'ડિસ્ચાર્જ' થાય તે.

જગત 'પ્રિન્ટ આઉટ', 'કોમ્પ્યુટર' ફીડનું !

વ્યવસ્થિત એટલે જેનાં જેવા ભાવ, તે બધા કોમ્પ્યુટરના ફીડમાં જાય અને ફીડમાંથી વ્યવસ્થિત થઈને આવે એટલે રૂપક થઈને આવે બધું.

વ્યવસ્થિત શક્તિ કોમ્પ્યુટર જેવી છે. કોમ્પ્યુટર હોય ને, પેલી બાજુ ફીડ નાખે, એટલે એક બાજુ એનું રિઝલ્ટ આવે. તે આ જગત રિઝલ્ટ સ્વરૂપે છે. ફીડ છે તે પહેલાનાં કૉઝિઝ છે. તે કૉઝિઝ ફીડ રૂપે હોય છે અને આ રિઝલ્ટ ઈફેક્ટ રૂપે હોય છે. તે આ રિઝલ્ટ છે, એમાં કોઈ ફેરફાર ન કરી શકે. કૉઝિઝમાં ફેરફાર કરી શકે. એટલે 'વ્યવસ્થિત' શાથી કહ્યું કે ફેરફાર કોઈથી થઈ શકે નહીં. માટે ચોક્કસ હિસાબ જ છે, 'વ્યવસ્થિત' જ છે, એ ચેન્જ નહીં થાય. 'વ્યવસ્થિત' થતાં પહેલાં આપણે નક્કી કરવું જોઈએ.

એટલે ચેતન છે તે આ જગતને ચલાવતું નથી. અને આપણે ય ચલાવતાં નથી. આપણું આ કોમ્પ્યુટર છે તે આ વ્યષ્ટિ કોમ્પ્યુટર છે, બીજું સમષ્ટિ કોમ્પ્યુટર છે. એ કોમ્પ્યુટરની માફક આ બધું ચાલે છે. પણ એને કોમ્પ્યુટર કહીએ તો પેલા આ બધાં છેને કોમ્પ્યુટર બનાવનારા મનમાં એમ ફૂલાય કે ઓહોહો ! અમારા જેવું... એના જેવું રૂપક છે આ. એના ઉપરથી તમે લીધું છે એ. તમારા ઉપરથી એણે નથી લીધું. એના ઉપરથી આ લોકોએ નકલ કરી, પણ એની આ નકલ ઉપરથી એ લોકોએ અસલ નથી કર્યું. એ તો અજાયબી છે એ મેં જોયેલું છે. એ અવસ્થિત કોમ્પ્યુટરમાં નાખવાનું એ પછી વ્યવસ્થિત થઈને કોમ્પ્યુટરમાંથી નીકળે બહાર અને એ વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. બધા સંજોગો ભેગા થઈને તમારું કામ થઈ જાય.

અવસ્થિતે ચાર્જ, વ્યવસ્થિતે ડિસ્ચાર્જ !

જો ભગવાન કર્તા હોય તો પછી તમારી કશી જવાબદારી રહે ? ના રહે. ભગવાને ય કર્તા નથી ને તમે ય કર્તા નથી. 'વ્યવસ્થિત' કર્તા છે.

આ વ્યવસ્થિતનો તમને સ્હેજ અણસાર આપીએ કે વ્યવસ્થિત શું છે ?

હવે એ વ્યવસ્થિત, આજે એનું મૂળ ખોળવું હોય તો શી રીતે જડે ? ત્યારે કહે છે કે અત્યારે કોઈ પણ માણસ 'જ્ઞાન' ના લીધેલું હોય અને એ આવે તો બીજા કોઈ માણસે જરા એની જોડે ઊંધું કર્યું, તે વખતે દ્રવ્યથી ક્રિયા તો ચાલવાની જ, ઊંધી થવાની જ. પણ પોતે છે તે એમાં ભળી જાય છે. કારણ કે દ્રવ્ય ક્રિયા મનમાં છે, ચિત્તમાં છે, બુધ્ધિમાં છે, અહંકારમાં છે, પણ પોતે ભળે છે એમાં.

મન વિચારતું હોયને તેની મહીં પોતે ભળે, એટલે મનમાં તન્મયાકાર થઈ જાય. મન વિચારે છે, એ આપણી લોકભાષા એવી છે. ખરેખર મન વિચારતું નથી, મન નિરંતર સ્પંદન થયા કરે. એ જેમ જેમ ફૂટતું જાય તેમ સ્પંદન થાય. જેમ આ કોઠી ફૂટતી હોયને, એમ બધું મહીંથી નીકળ્યા કરે. તેને બુધ્ધિ વાંચી શકે, કે આવો ભાવાર્થ કહેવાય. એટલે પછી મહીં સારું લાગે, ત્યાં પછી એમાં અહંકાર તન્મયાકાર થઈને વિચરે અને વિચરે તો વિચાર કહેવાય. નહીં તો વિચાર ના થાય. હવે જે અહંકાર મહીં વિચર્યો અને તન્મયાકાર થયો. એ મનની અવસ્થામાં પોતે તન્મયાકાર થયો એટલે અવસ્થિત કહેવાય.

એટલે માણસને કોઈ વિચારદશાની અગર વાણીદશાની એ અવસ્થા ઉત્પન્ન થાય છે, અવસ્થા બદલાયા કરે છે, એ અવસ્થામાં અજ્ઞાનદશામાં પોતે તન્મયાકાર જ થાય. 'હું જ છું' એવું માને એટલે તન્મયાકાર જ રહે. એટલે અવસ્થામાં તન્મયાકાર થયો, તે વખતે ચાર્જ થાય. ચાર્જ થાય ત્યારે ગુજરાતીમાં એને અવસ્થિત કહેવાય. અવસ્થામાં એકાકાર થયો, એ અવસ્થિત થયો અને તે કોમ્પ્યુટરમાં જઈ અને વ્યવસ્થિત થઈને બહાર પડે છે. જે અવસ્થિત છેને તે જ વ્યવસ્થિત થઈને બહાર પડે છે. પણ એ 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' ભેગા કરી આપે, વ્યવસ્થિત બધાં. પેલું અવસ્થિત એવિડન્સ ભેગું ના કરી આપે, એ તો ચાર્જ થઈને એવું નક્કી થઈ ગયું કે આ પ્રમાણે આટલાં એવિડન્સ જોઈશે. આ વ્યવસ્થિત એટલે એવિડન્સ ભેગા કરી આપે. એ અવસ્થિતનું વ્યવસ્થિત થયેલું છે.

એટલે આમાં પ્રારબ્ધ કે પુરુષાર્થ કે આ એવી તેવી ગપ્પું વસ્તુ નથી. એક્ઝેક્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ છે આ વસ્તુ. પણ બધાંને સમજાય નહીં ને ! એટલે 'વ્યવસ્થિત' કહીને અત્યારે આપી દીધું બધાંને. 'વ્યવસ્થિત જ આનો કર્તા છે' એમ કહ્યું. ખરેખર કર્તા જ 'વ્યવસ્થિત' છે અને એનું સ્વરૂપ 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. પણ આ અણસાર આપ્યો કે કેવી રીતે 'વ્યવસ્થિત' હોવું ઘટે.

વ્યવસ્થિતની સમજથી ઉકેલ !

આ સંસાર 'વ્યવસ્થિત' છે એવું સમજમાં આવે તો ઘણાં દુઃખો ઓછાં થઈ જાય.

સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે ને પરાધીન કરાવનારા છે. પાછાં 'વ્યવસ્થિત' ભાવે રહેલા છે.

કુદરત શું કહે છે કે તને અન્યાય થયો તે ય ન્યાય છે ને ન્યાય થયો તે ય ન્યાય જ છે. માટે તું સંકલ્પ-વિકલ્પ કરીશ નહીં. નહીં તો રડી રડીને ય ન્યાય માનવો પડશે. એના કરતાં 'વ્યવસ્થિત' છે કહી દે ને, તો ઉકેલ આવી જાય.

વ્યવસ્થિત તાબે એનો નિકાલ કરો !

આ મન-વચન-કાયા, કે જે 'વ્યવસ્થિત'ને તાબે છે, તેને પોતાના તાબે લઈ લે છે, એનું નામ જ અહંકાર.

સંસારમાં રઝળપાટ કરવી હોય, સક્રિય રહેવું હોય, તો 'વ્યવસ્થિત'ને બાજુએ મૂકવું ને મોક્ષે જવું હોય, અક્રિય થવું હોય, તો 'વ્યવસ્થિત' જોડે રાખવું.

ભગવાને કહ્યું કે જે સંયોગ ભેગા થાય તેને એક્સેપ્ટ (માન્ય) કરો. સંયોગ કુદરતી છે. તેમાં 'આમ કરો ને આમ ના કરો' એવું ના હોવું જોઈએ. સંયોગ 'વ્યવસ્થિત' છે. એનો 'સમભાવે નિકાલ' કરો.

આ જગતમાં કશું આવડતું ના હોય ને 'વ્યવસ્થિત' છે એવું સમજાય, એવું અનુભવમાં આવી જાય, તેને 'આત્મજ્ઞાન' થઈ ગયું એમ કહેવાય.

બહારની શાતા-અશાતા એ 'વ્યવસ્થિત'ને આધીન છે ને અંદરની શાતા રહે એ 'પુરુષાર્થ' છે.

આમ આવે સમાધાન !

અજ્ઞાન દશામાં બહુ લોખંડની બેડી પડે છે. મન શું કહે છે કે મને સમાધાન કરાવો. તે 'વ્યવસ્થિત' છે, કહીએ એટલે મનને સમાધાન થાય. અને સામા માટે ખરાબ વિચાર આવ્યો માટે મનને શુધ્ધ કરો, સામાની ક્ષમા માગી લો.

સામો ગમે તેટલું બોલે તો તેનું લઘુતમ કાઢી નાખવું, જગત બધું 'વ્યવસ્થિત' છે. એટલે કોઈને એમ ના કહેશો કે 'તેં ખોટું કર્યું.' એવું કહેવાય તો નહીં ને વિચારાય પણ નહીં.

પ્રકૃતિઓ 'વ્યવસ્થિત'ને તાબે !

'લૉ'માં રહેતો હોય એટલે નિયમમાં રહે. 'લૉ'માં હંમેશાં નિયમને સ્વીકારે ને નિયમ હંમેશાં 'વ્યવસ્થિત' ભણી લઈ જાય.

આ પક્ષીઓને બધું 'વ્યવસ્થિત' જ છે ને ! જેટલું જરૂરનું હોય તેટલું જ ખાવાનું મળી આવે. એટલે શરીર બગડે જ નહીં ને ? આપણા લોકોને વધારે મળે તેનું દુઃખ છે.

પ્રાકૃત ક્રિયા એ 'વ્યવસ્થિત' છે અને પ્રાકૃત ફળે ય 'વ્યવસ્થિત' છે, પછી ડખો ક્યાં રહ્યો ?

'વ્યવસ્થિત'નું જ્ઞાન 'હું' જન્મથી જ લઈ આવેલો. અનંત અવતારની 'મારી' શોધખોળ છે.

જગત વ્યવહાર, 'વ્યવસ્થિત' જ !

કર્તા પોતે છે જ નહીં. 'વ્યવસ્થિત' કર્તા છે. આ જ્ઞાન અમે ખુલ્લું કર્યું છે, તેથી જ 'લિફ્ટ માર્ગ' કહીએ છીએ.

શુધ્ધાત્મા સિવાય મન-વચન-કાયા-બુધ્ધિ બધું 'વ્યવસ્થિત'ના તાબે છે. બધું 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. 'આ મારું છે, હું છું'માં વિભાજન થયું ને તેથી આ બધી મુશ્કેલીઓ, આરોપિત ભાવો થયા. તેથી આ પોતાનું સ્વરૂપ ચૂક્યા.

એકને ગાળ ભાંડવાની ને એકની ગાળ સાંભળવાની. બન્ને અવસ્થાઓ છે. આ જગતમાં કોઈ કર્તા નથી. તેવું જ આપણને દેખાવું જોઈએ. બધું 'વ્યવસ્થિત' છે અને 'વ્યવસ્થિત' 'વ્યવસ્થિત' જ રાખે છે !

ગાડીમાં કોઈ બેસાડે છે તે વ્યવહારથી છે. 'રિયલી સ્પીકિંગ' (ખરી રીતે) 'વ્યવસ્થિત' બેસાડે છે.

જગત વ્યવહારને 'વ્યવસ્થિત' કહેશો એટલે આશા-તૃષ્ણા બધી ઊડી જશે.

ડુંગર ચઢવાનો યોગ આવશે ત્યારે પગમાં શક્તિ પણ હશે એવું 'વ્યવસ્થિત' છે.

તમારી પાસે એવું જ્ઞાન છે કે 'વ્યવસ્થિતે' તોડ્યું, પેલાએ તોડ્યું નથી. આ બધાં નિમિત્ત છે.

'વ્યવસ્થિત' જો પૂરું સમજતા હોય તો ખેંચ શબ્દ હોય જ નહીં. સામાને કહીએ તમને જેમ અનુકૂળ આવે તેમ કરો. આપણે અનુકૂળ થઈ જઈએ. 'વ્યવસ્થિત'ની બહાર કશું થાય નહીં.

આ અહંકાર ના હોત તો દુનિયા આવી ગાંડી ના હોત. અહંકારને લઈને દુઃખો છે. કામ કર્યે જાવ તેનો વાંધો નથી પણ અહંકાર નકામાં તોફાનો માંડે છે.

'વ્યવસ્થિત' વાપરવાનો અધિકાર !

'વ્યવસ્થિત'ને લક્ષમાં રાખવાનું છે. એનું ખોટું અવલંબન ના લેવાય. બધા પ્રયત્નો પૂરા થાય અને કાર્ય થાય. (કાર્ય) ઊંધું વળે તો બોલવું કે 'વ્યવસ્થિત' છે.

'વ્યવસ્થિત' આગળથી બોલવાનો કોને અધિકાર છે કે જે આ પ્રકૃતિના ગુણોમાં કંઈ પણ ડખલ ના કરે એને.

'વ્યવસ્થિત'ની બહાર કશું થવાનું નથી, એવો 'વ્યવસ્થિત'નો અર્થ ના કરવો જોઈએ. 'વ્યવસ્થિત' કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. આપણી ઇચ્છા પ્રયત્ન કરવાની હોવી જોઈએ. પછી 'વ્યવસ્થિત' જે પ્રયત્નો કરાવે તે ખરું. સહજ પ્રયત્ન હોવો જોઈએ.

ભૂતકાળને માટે 'વ્યવસ્થિત' છે. વર્તમાન અને ભવિષ્યકાળને માટે 'વ્યવસ્થિત' નથી.

બુધ્ધિથી ઉપરનું આ જ્ઞાન !

'વ્યવસ્થિત' બુધ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય તેવું છે.

આપણો ભાવ અને ક્રિયા કે જે રૂપક છે તે 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. ભાવ એક 'પાર્લામેન્ટનો મેમ્બર' છે.

'વ્યવસ્થિત' જગતને ચલાવનાર છે, એ જગતનો 'ક્રિયેટર' નથી. જગત તો સ્વભાવથી બનેલું છે.

'નિશ્ચિત છે' એવું નોંધારું ના બોલાય. 'અનિશ્ચિત છે' એવું નોંધારું ય ના બોલાય, જોખમદારી છે, ગુનો થાય. નિશ્ચિત-અનિશ્ચિતની વચ્ચે એ છે. બધી જ કાળજી રાખ્યા પછી ગજવું કપાઈ જાય અને સમજે 'વ્યવસ્થિત' છે, તે યથાર્થ છે.

પરિણામનો કર્તા કોણ ?

'વ્યવસ્થિત' શક્તિ કોણે બનાવી ? કોઈએ બનાવી નથી. પરીક્ષાનું 'રિઝલ્ટ' કોણ આપે છે ? આપણું જ લખેલું, તેનું જ આ 'રિઝલ્ટ' આવે છે.

આપણા હાથે તો કેટલું થઈ જાય છે ? યોજના એકલી જ ઘડાઈ જાય છે. તે ય આપણા એકલાથી નહીં, નૈમિત્તિક રીતે. કાર્ય વખતે આપણે નિમિત્ત નહીં. કાર્ય તો કુદરતી રીતે થયા કરે.

'નેચરે' ય ચલાવતી નથી, ખાલી 'નેચરલ એડજસ્ટમેન્ટ' છે.

એવું આ 'વ્યવસ્થિત' !

દેહમાંથી ભગવાનની હાજરી ગઈ એટલે આ દેહ માટે 'વ્યવસ્થિત' શક્તિનું કામ પૂરું થઈ જાય.

'વ્યવસ્થિત'ની પ્રેરણાથી પુદગલ કર્તા બને છે. આમ દેખીતી રીતે પુદગલ કર્તા લાગે પણ તે 'વ્યવસ્થિત'ના એવિડન્સથી છે અને તેમાં ય આત્માની હાજરી હોય તો જ બને.

ખરેખર પુદગલ કર્તા છે એવું ક્યારે કહેવાય ? 'સ્વરૂપ જ્ઞાન' થયા પછીથી. નહીં તો ઊંધે રસ્તે જાય. 'સ્વરૂપ જ્ઞાન' થયા પછી 'જ્ઞાની'ની આજ્ઞામાં રહે ત્યાર પછી જ પુદગલ કર્તા છે, તમારી જોખમદારી નથી એમ કહેવાય. તે સિવાય કહે તો બધા ઊંધે રસ્તે ચાલે.

પોતે ચોખ્ખો તો આ જગતમાં કોઈ તમારું કંઈ બગાડનાર નથી. પોતે ચોખ્ખો તો સો જણ એક્સિડંટમાં માર્યા જશે, પણ પોતે બચી જશે. એવું આ 'એક્ઝેક્ટ' 'વ્યવસ્થિત' છે.

'વ્યવસ્થિત'નો નિયમ એવો છે કે જે વિચાર ના કરે, તેનું 'એક્ઝેક્ટ' ચાલે ને વિચાર કરે તેનું જરા આઘુંપાછું થાય. મહીં પરમાત્મા બેઠા છે, તે બધું મળે તેમ છે.

જેટલું 'વ્યવસ્થિત' સમજાય...

જે સ્થૂળ છે તે 'વ્યવસ્થિત'ને તાબે છે ને 'એક્ઝેક્ટ' છે, ને સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે.

આ 'વ્યવસ્થિત' શક્તિ કામ કરે છે. 'હું નહોતો કરતો, મારી જ ભ્રાંતિ હતી' એવું અહંકારને પોતાને ય સમજાય. નહીં તો સંડાસ જવા ગયેલા પાછાં આવેલા. 'મેં' જોયેલા.

'પોતે' અકર્તા થાય તો 'વ્યવસ્થિત' કર્તા છે એવું સમજાય, તો જ જગત 'જેમ છે તેમ' સમજાય. 'વ્યવસ્થિત' સમજાય નહીં ત્યાં સુધી સંકલ્પ-વિકલ્પ જાય નહીં, ભય જાય નહીં, ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં.

અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થાય પણ કર્તાપણું છૂટે નહીં.

'વ્યવસ્થિત' 'એક્ઝેક્ટ' આખુંય સમજાઈ જાય તો તો તમે પૂર્ણ પરમાત્મા જ થઈ જાવ. જેટલું જેટલું 'વ્યવસ્થિત' સમજાય તેટલો તેટલો મનુષ્યમાંથી પરમાત્મા થવા માંડે.

નિરંતર જ્ઞાતા, ત્યાં મોક્ષમાર્ગ !

કુદરત કર્યા કરે ને તમે 'જાણ્યા' કરો એ જ મોક્ષમાર્ગ છે. કુદરતે હાથ કાપ્યો. કાપનાર કુદરત, કપાયો તે 'આપણે' ન હોય. આ બધું 'તમે જાણ્યા કરો' એ 'જ્ઞાન'. અને જ્યાં સુધી ભોગવટો લાગે ત્યાં સુધી સંપૂર્ણ આત્મજ્ઞાન નથી.

નિરુપાયપદ આગળ 'વ્યવસ્થિત' ખડું રહ્યું છે.

'વ્યવસ્થિત'નો અર્થ જ એ છે કે પ્રકૃતિના કાર્યમાં અને બહારના 'એવિડન્સ'માં ડખો નહીં કરવો તે. હાથ ઊંચો થાય, પગ આઘોપાછો થાય કે મહીં અંદરથી કહે, 'હેંડો હવે', તે હેંડવા માંડે. એમાં કશો ડખો નહીં કરવાનો, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું.

'શુધ્ધાત્મા' સિવાયનો ભાગ તે પ્રકૃતિ. પ્રકૃતિ અને બહારના સંયોગો બધા ભેગા થઈને જે કાર્ય કરે તે 'વ્યવસ્થિત'.

ભગવાનના નિમિત્તથી પ્રકૃતિ ઊભી થાય છે અને પ્રકૃતિથી 'સાયન્સ' ઊભું થાય છે. પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે, જ્યારે આત્મા પૂરણ-ગલન સ્વભાવનો નથી.

મનથી જુદા રહેવાની ચાવી !

ભય પામવા જેવું જગત જ નથી. 'આપણે' 'શુધ્ધાત્મા' ને 'વ્યવસ્થિત' શક્તિ કામ કર્યા કરશે. મન તો અમને ય કહે કે આગળ ગાડી અથડાશે તો ? એટલે અમે તેને કહીએ, 'તેં કહ્યું એની અમે નોંધ કરી, હવે બીજી વાત કરો.' એટલે એ બીજી વાત કરે. મન એવું નથી કે આગલી વાતની પકડ પકડે. આપણે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મન એ તો 'ડિસ્ચાર્જ' ભાવો છે. એ ડિસ્ચાર્જ ભાવમાં જો આપણે કદી તન્મયાકાર થઈએ તો 'ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય.

'બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું' એટલે શું ? મનમાં વિચાર આવ્યો તેમાં તન્મયાકાર થયો એટલે બ્રહ્માંડમાં છે. મનમાં વિચાર આવ્યો ને તન્મયાકાર ના થયો એટલે બ્રહ્માંડની બહાર કહેવાય.

જગત ચલાવવા માટે આત્માને કશું જ કરવું પડતું નથી. આ બધા 'પ્રતિષ્ઠિત આત્માઓ'નાં જે પરિણામો છે તે મોટા 'કોમ્પ્યુટર'માં જાય છે. પછી બીજા બધાં 'એવિડન્સો' ભેગા થઈને તે 'કોમ્પ્યુટર'ની મારફત બહાર પડે છે, તે રૂપકમાં આવે છે. એને 'વ્યવસ્થિત' શક્તિ કહીએ છીએ. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ !

જગની હકિકત, જેમ છે તેમ...

આ 'અક્રમ વિજ્ઞાન' જેમ છે તેમ બહાર પાડ્યું છે. આ 'વ્યવસ્થિત' 'એક્ઝેક્ટ' 'વ્યવસ્થિત' છે. 'અમે' જોયું કે આ જગતમાં કેટલું થઈ ગયેલું છે ને કેટલું કરવાનું છે. થઈ ગયેલું હોય, એને ફરી દળ દળ દળ્યા કરીએ એનો શો અર્થ ?

'ક્રમિક માર્ગ'માં 'વ્યવસ્થિત' અપાય એવું છે જ નહીં. કારણ કે એમાં ઠેઠ સુધી કર્તાપદ રહે છે.

... તે સંયમ વર્તાવે !

'શું થાય છે' એ જોયા કરવામાં ચૂકે, એને અસંયમ કહેવાય. 'શું થાય છે' એ જોયા જ કરે, એ છેલ્લામાં છેલ્લો સંયમ. આ જ્ઞાનીઓનો સંયમ કહેવાય.

'વ્યવસ્થિત'ના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની જાગૃતિ, તેના આધારે પૂરેપૂરો સંયમ પાળી શકાય.

તને જે લૌકિક જ્ઞાન મળ્યું છે તે લૌકિક જ્ઞાનના આધારે ન્યાય ના કરીશ. આ અમે 'વ્યવસ્થિત' કહ્યું છે એ જ્ઞાનના આધારે ન્યાય કરજે. લૌકિક જ્ઞાનનો આધાર તો તને હેરાન કરશે. લૌકિક જ્ઞાન છૂટે તો સંસાર છૂટે. 'વ્યવસ્થિત'ના જ્ઞાનથી લૌકિક જ્ઞાન છૂટે.

ત્યારે 'વ્યવસ્થિત'ના હિસાબમાં ફસાયો !

'વ્યવસ્થિત'નું બંધારણ ક્યારે થાય ? તમને કોઈએ સળી કરી ને તેમાં તમે તન્મયાકાર થાવ, તે અવસ્થિત થયા તે જ 'વ્યવસ્થિત'નું બંધારણ છે.

'વ્યવસ્થિત'ના નિયમો જાણવા જેવાં છે. આ એરોપ્લેનની શોધ કરી, તે કંઈ નિયમની બહાર નથી. આ કાળમાં આયુષ્ય તો તેનું તે જ રહ્યું ને કર્મો જથ્થેબંધ છે, તેનો નિકાલ કરવા ઝડપી સાધનો ઊભાં થયાં છે. તે 'વ્યવસ્થિત'ના નિયમથી નિમિત્ત ગમે તે બને.

'વ્યવસ્થિત' કેવું છે ? એ સમષ્ટિ શક્તિ છે અને 'આ'(જીવો) વ્યષ્ટિ સ્વરૂપ છે. વ્યષ્ટિના, બધા ભ્રાંતિના ભાવ સમષ્ટિમાં પડે છે અને 'કોમ્પ્યુટર' દ્વારા સમષ્ટિનું ફળ મળે છે.

'વ્યવસ્થિત'નો અર્થ સમજવો જોઈએ. પ્રયત્ન કરવો, પછી જે થાય તે, જે પરિણામ બને તે 'વ્યવસ્થિત'.

'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'માં બધા જ નિયમો આવી જાય છે. નિયતિ પણ 'વ્યવસ્થિત'માં સમાઈ જાય છે.

દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ થકી જ કાર્યો...

દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ ભેગા થાય તો જ કામ થાય છે. નહીં તો કશું જ થાય તેમ નથી તો પછી અહંકાર કરવાનો રહ્યો જ ક્યાં ? ભગવાનની વાત સમજ ના પડી તેથી જગત ફસાયું છે, છતાં ય જગત તો આવું જ રહેવાનું. અહંકાર કર્યા વગર રહે નહીં ને ? સ્વભાવ છે ને !

દ્રવ્ય-ક્ષેત્ર-કાળનાં આધારે ભાવ ઉત્પન્ન થાય. પહેલું ક્ષેત્ર બદલાય પછી દ્રવ્ય બદલાય પછી કાળ બદલાયો કે ભાવ બદલાઈ જાય. 'આ' જ્ઞાન પછી એ ભાવ, ગતભાવ છે, ડિસ્ચાર્જ ભાવ છે. એટલે એ ભાવ ત્યાં આગળ ડિસ્ચાર્જ થઈ ગયો. તમને એ ભાવ ફરી આવવાનું કંઈ કારણ રહ્યું નહીં. પછી બીજી જગ્યાએ, ત્યાં બીજી રીતે ડિસ્ચાર્જ થાય, ત્રીજી જગ્યાએ ત્યાં ત્રીજું ડિસ્ચાર્જ થાય, એમ કરતાં કરતાં મહીં ડિસ્ચાર્જ થતાં ડિસ્ચાર્જ ભાવ બધાં ખલાસ થઈ જાય. ખલાસ થઈ જાય એટલે પછી દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી ભાવથી અપ્રતિબધ્ધતા ઉત્પન્ન થાય. ડિસ્ચાર્જ ભાવ રહ્યો નહીં, ચાર્જ ભાવ છે નહીં, એટલે અપ્રતિબધ્ધ. એટલે કોઈ વાંધો નહીં.

દરેક કર્મ એના નિર્જરાનું નિમિત્ત લઈને આવેલું હોય છે. કોના કોના નિમિત્તે નિર્જરા થશે એ નક્કી હોય છે.

થઈ જા તાબે 'વ્યવસ્થિત'ને !

'વ્યવસ્થિત' તે નદી અને આપણું નાવડું. તે નાવડું નદીને કહે છે, 'તું વાંકીચૂંકી ના ચાલીશ.' ત્યારે નદી નાવડાને કહે છે, 'મૂઆ, તું વાંકુચૂંકું ના ચાલીશ. તારે જો જીવતા રહેવું હોય તો હું કરું તેમ કરજે, હું ચાલું તેમ ચાલજે. મને અનુકૂળ થજે. નહીં તો તારા ભાંગીને ભૂક્કા થઈ જશે. મરી જઈશ !'

વ્યવહારમાં 'થઈ જાય છે' એવું એકલું માનનારા ને 'કરવું પડે છે' એવું માનનારા બેઉ કાચા છે. આ બે આંખવાળું જ્ઞાન છે. જગત આખાનું જ્ઞાન એક આંખવાળું છે. એકાંતિક જ્ઞાન છે. 'આ કરવું પડે છે' એવું વ્યવહારમાં બોલવાનું ને 'થઈ જાય છે' એ લક્ષમાં રાખવાનું છે. 'કરવું પડશે' એ ભાવ છે ને 'થઈ જાય છે' તે 'વ્યવસ્થિત' છે.

વિભાવિકમાં 'વ્યવસ્થિત' !

આ જગતનાં 'મૂળ તત્ત્વો' છે તે 'સ્વાભાવિક' છે. તે 'રિલેટિવ'માં આવે છે ત્યારે 'વિભાવિક' થાય છે.

'એક્ઝેક્ટ'માં આ જગતમાં શું છે ? મૂળ 'છ વસ્તુ'ઓને લઈને આ જગત ઊભું રહ્યું છે ! મૂળ 'છ વસ્તુ'ઓ અવિનાશી છે, અને એકમેકનું સંમેલન થવાથી આ બધી અવસ્થાઓ ઊભી થઈ છે. તેનાથી આ આખું જગત દેખાય છે ! અવસ્થાઓ બધી 'રિલેટિવ' છે, વિનાશી છે, નિરંતર ફેરફાર થનારી છે.

આ જગત ચાલે છે તે સ્વભાવથી ચાલે છે અને ચલાવે છે 'વ્યવસ્થિત' નામની શક્તિ. વડનું બીજ રાઈથી ય નાનું હોય છે, છતાં તેમાં આખા વડની શક્તિ છે. શક્તિરૂપે આખો વડ તેમાં સમાયો છે. 'વ્યવસ્થિત' સંયોગ ભેળા કરી આપે અને વડરૂપે પરિણમે સ્વભાવથી.

વ્યવસ્થિત એટલે 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.' એને આપણાં લોક 'નેચર' - કુદરત કહે છે. જે જે સંયોગ ભેગા થાય, તે સૌ સૌના સ્વાભાવિક ભાવ બતાવી, ભેગા થઈને પાછાં નવી જાતના ભાવ બતાવે છે. ૨ ણ્ અને બ્ ભેગા થાય ને પાણી થાય. એવું આ ભેળું થાય છે, વિખરાય છે. ખાવાનું-પીવાનું, પાછું સંડાસ જવાનું, આ બધું 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે.

પુદગલ પ્રસવધર્મી સ્પંદનો !

પુદગલનો સ્વભાવ જ પ્રસવધર્મી છે. આ જગતમાં જે દેખાય છે, તે બધું પ્રસવધર્મી છે. આપણી આજુબાજુ અરીસાઓ ગોઠવ્યા હોય ને આપણે એક લાફો લગાવીએ તો ? કેટલાંય દેખાય. તેવો આ પુદગલનો પ્રસવધર્મ છે. એનું મૂળ કારણ શું ? 'સ્પંદન'. સ્પંદનથી અવાજ થાય છે અને અવાજથી આ બધું ઊભું થઈ જાય છે.

વાવમાં જઈને બોલો કે 'તું ચોર છે.' તો શું મળે તમને ? થોડી વાર પછી એ જ શબ્દ પાછાં મળશે. વાવનો દાખલો તમને સમજવા આપું છું. બાકી, જગત આખું સ્પંદન સ્વરૂપ છે.

'વ્યવસ્થિત' એટલે 'અમે' શું કહેવા માગીએ છીએ ? 'તું' શા માટે 'ઈગોઈઝમ' કરે છે ? તું શા માટે સ્પંદન કરે છે ? આ મન-વચન-કાયા એ 'વ્યવસ્થિત'ના તાબે છે. તેની પ્રેરણાથી જ એ ચાલી રહ્યાં છે ને તું કહે છે કે 'મેં ચલાવ્યું.' 'તું' તારા 'સ્વરૂપ'માં રહેને !

આ સ્પંદન કેમ થાય છે ? 'ચંચળ'માં 'પોતે' તન્મયાકાર થાય છે તેથી. ચંચળ અને તન્મયાકાર થનાર એમ બે જુદા છે. તન્મયાકાર થનાર છે એ સ્વભાવથી અચળ છે અને આ 'ચંદુભાઈ' સચર છે. 'તમે' પોતે મૂળ સ્વરૂપે અચળ છો અને આ વચ્ચે જે છે તે તમારું 'ઈગોઈઝમ' છે.

'વ્યવસ્થિત' ઉપર કોની સત્તા ?

'વ્યવસ્થિત' એટલે કાંઈ છાપેલી વસ્તુ નથી. તમે જેવાં પરિણામ(ભાવ) કરો તેવું જ 'વ્યવસ્થિત' ગોઠવાયેલું હોય છે. 'વ્યવસ્થિત' પોતાનાં પરિણામ (ભાવ) ઉપર આધાર રાખે છે. પોતાનાં પરિણામનો આમ સીધો બદલો નથી મળતો પણ એ 'કુદરત'માં જાય ને તેમાં બીજા સંયોગો ભળે, ને કુદરત ભળતાં જે પ્રમાણ થાય, જે રંગ-રૂપ થાય તેવું રૂપક આવે.

આ 'વ્યવસ્થિત' ના હોત તો આ મુંબઈ શહેરમાં કોઈ નવા માણસને ઘર જ ના જડત. પણ આ 'વ્યવસ્થિત' હેલ્પ કરે છે.

'વ્યવસ્થિત' ઉપર 'વ્યવસ્થિત'ની ય સત્તા નથી. 'વ્યવસ્થિત' તો ખાલી 'રિઝલ્ટ' આપે છે. જો 'વ્યવસ્થિત'ની સત્તા હોત તો તે કહેત કે 'મારે લીધે જ બધું ચાલે છે.' જો ભગવાનની સત્તા હોત તો તે 'રોફ'માં આવી જાત. કોઈથી બોલાય તેવું નથી. ખાલી નિમિત્તથી જ જગત ઊભું થયું છે.

'વ્યવસ્થિત'નું જ્ઞાન જગતના લોકોને અપાય એવું નથી. કારણ કે જો 'સ્વરૂપનું જ્ઞાન' ના હોય તો બહારનું બધું 'વ્યવસ્થિત' છે કરીને સૂઈ રહે, કશો વાંધો નથી કહે. એટલે અવળા ભાવ કરે ને આવતો ભવ બગડે. આ ભવમાં ના બગડે એવું 'વ્યવસ્થિત' છે. 'વ્યવસ્થિત' બહુ સમજવા જેવું છે, બહુ ઊંડી વાત છે.

અનંત અવતારની શોધ !

અમારું અનંત અવતારનું સરવૈયું 'આ' છે. હું 'જે' લાવ્યો છું, તે અનંત અવતારથી સરવૈયું કરતો કરતો કરતો કરતો.... લાવ્યો છું. એ સરવૈયું છે, 'વ્યવસ્થિત'(સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ). જે જગતને ચલાવે છે.

આત્માની શક્તિ વ્યક્ત થઈ જાય, પછી બહારની કશી માથાકૂટ જ કરવાની ના રહે. ખાલી મહીં વિચાર જ આવે કે તે પ્રમાણે બહાર બધું એની મેળે થઈ જાય. 'વ્યવસ્થિત બધું કરી નાખે.' પેલા રાજા કરતાંય આત્માનો વૈભવ ઘણો ઊંચો છે. આ તો ભગવાનપદ છે.

કુદરતી રચના, માત્ર વ્યવસ્થિત !

આત્માની બે જાતની શક્તિ : એક સ્વક્ષેત્રમાં રહે તો પોતાની સ્વશક્તિ ઉત્પન્ન થાય ને બીજું, બહાર હોય તો વિભૂતિ શક્તિ ઉત્પન્ન થાય.

'કર્તા પોતે છે' એમ માનવાથી જગત ઊભું રહ્યું છે ને 'કર્તા કોણ છે' એ જાણે તો છૂટે. આ 'ભગવાન' કર્તા નથી ને 'લોકો' ય કર્તા નથી. કર્તા તો બીજી શક્તિ છે, જે કામ કરી રહી છે. અમે એને 'વ્યવસ્થિત શક્તિ' કહીએ છીએ.

અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચનાર નથી અને તે 'વ્યવસ્થિત' છે. 'વ્યવસ્થિત' છે તે સ્વાભાવિક છે અને અનંત કાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ છે નહીં.

જ્ઞાનીએ ઊઘાડ્યું તત્ત્વવિજ્ઞાન !

તો આ મશીનરી કેવી રીતે ચાલે છે ? આત્મા ચલાવે ? ના. આત્મા તો ખાલી પ્રકાશ જ આપે છે. તેનાથી આ 'મશીનરી' 'ચાર્જ' થઈ જાય છે ને ચાલે છે. આ 'લાઈટ'ની હાજરીમાં અહીં કૂદાકૂદ કરીએ, પગ ઊંચા-નીચા કરીએ, તેમાં 'લાઈટ' શું કરે છે ? 'લાઈટ'ની તો ખાલી હાજરી જ છે, એવી રીતે આ ચેતન કશું જ કાર્ય નથી કરતું, આ વાત જગતના લક્ષમાં નથી.

અજ્ઞાનતાથી પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે. એ પ્રતિષ્ઠા કર કર કરે છે 'દેહમાં જ હું છું' એવું અત્યારે માને છે ને તેથી તેવું નવું સ્વરૂપ ઊભું થઈ રહ્યું છે. બાકી આ આત્મા છે જ નહીં. આત્મા તો આમાં કોઈ કામ જ નથી કરતો. આત્મા ફક્ત લાઈટ આપ્યા કરે છે. એ લાઈટના આધારે આ બધું ચાલી રહ્યું છે. બાકી આત્મા કંઈ પણ કરતો નથી. આત્મા તો ભાવે ય નથી કરતો ને અભાવે ય નથી કરતો. આત્મા સ્વભાવમય જ છે. દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવમાં જ છે. સોનું સોનાના સ્વભાવમાં રહે, સોનું બીજા ગુણધર્મ ન બતાવે. એવું આત્માએ પોતાના ગુણધર્મ ક્યારેય છોડ્યા નથી, છોડતો ય નથી ને છોડશે ય નહીં.

આ તો 'અક્રમ વિજ્ઞાન'થી બધું ખુલ્લું થઈ ગયું છે. 'મેં' જે 'આત્મા' જોયો છે ને 'આના' જેવો જોયો છે, કશું જ કામ ના કરે એવો અને એની હાજરીથી અહીં બધી ક્રિયાઓ ચાલ્યા કરે.

ચાર્જ નહીં થાય તેની ગેરેન્ટી અહીં !

ચાર્જ આપણા હાથમાં છે, ડિસ્ચાર્જ આપણા હાથમાં નથી. એક મોક્ષની જ ઇચ્છા કરવા જેવી છે, તો મોક્ષનો માર્ગ મળી જાય. મોક્ષની ઇચ્છાનું ચાર્જ કરને !

'ભાવકર્મ એ જ ચાર્જ બેટરી છે.' એ પાંચ શબ્દોમાં ભગવાનના પિસ્તાલીસેય આગમો સમાઇ ગયા. બાકી એક એક મોહને કાઢતાં લાખ લાખ અવતાર જાય.

જ્ઞાની પુરુષ બીજું કંઇ જ ના કરે. ફક્ત તમારી ચાર્જ બેટરીને ખસેડીને આઠ ફીટ દૂર મૂકી દે, તે ફરી ચાર્જ ના થાય. તમારું ચાર્જીંગ પોઇન્ટ આખું ઊડાડી દે.

ભગવાન કહે છે, 'જો ડિસ્ચાર્જ થાય છે તેની જોખમદારી અમારી, પણ ચાર્જ ના થવા દઇશ.' આ બે વાક્યમાં જ જગતનાં બધાંય શાસ્ત્રોનું જ્ઞાન સમાયેલું છે.

જા, 'અમે' તને ગેરન્ટી આપીએ છીએ કે 'દાદા ભગવાન' મળ્યા પછી તારું ચાર્જ નહીં થાય.

દરઅસલ વિજ્ઞાન જેમ છે તેમ બહાર પાડ્યું છે. કેટલું થઈ રહ્યું છે ? કેટલું કરવું પડે છે ? કેટલું થઈ જાય છે ? બધું કહી નાખેલું છે. ડિસ્ચાર્જ કોઈએ કહ્યું જ નથી. ડિસ્ચાર્જનું સ્વરૂપ આ પહેલામાં પહેલું આપણે કહીએ છીએ. અક્રમ વિજ્ઞાનમાં બધું જ જે કહીએ છીએ તે બધું પહેલી વાર કે પ્રથમ છે વસ્તુ.

- જય સચ્ચિદાનંદ