|
નિરંતર નિર્ભયપણે વર્તે જ્ઞાની ! સંપાદકીય સંસારમાં કેટલાય પ્રકારના ભયથી માનવી ઘેરાયેલો હોય છે. મૃત્યુનો ભય, માંદગીનો ભય, અપમાનનો ભય, લૂંટાવાનો ભય, ઝઘડાનો ભય, વસ્તુ ખોવાઈ જવાનો ભય, એક્સિડન્ટનો ભય, ઈન્કમટેક્ષવાળાનો ભય. ક્ષણે ક્ષણે ભય જગતમાં છે જ. પણ જેમ જેમ સંસારી જાગૃતિ વધે, તેમ તેમ ભયનું વધારે ભાન થતું જાય પણ કુદરતી આફતોના કે મનુષ્યકૃત આફતોના ભયમાં પરેશાની ભોગવતા તો હોય છે. પાછું બુધ્ધિ ભયને દેખાડ દેખાડ કરે અને એકના અનેક ગણા ભય ઊભા કરાવીને ભયભીત કરાવી નાખે, પણ એની સામે સલામતી લાવવી ક્યાંથી ? જડતું નથી. પાછી માનસિક નિર્બળતા મનુષ્યોની વધતી જાય છે, તેથી સાઈકોલોજીકલ ઈફેક્ટમાં ડિપ્રેશનની સ્થિતિમાં જતાં રહે અથવા તો જાતજાતના દોરા-ધાગા, જ્યોતિષ, માતાજી, ભૂઆ વગેરેના ચક્કરમાં પડી આશ્વાસનો ખોળતો જાય છે પણ ભયમુક્ત થઈ શકતો નથી. જે આધાર ખોળે છે, તેઓ જ ભયથી જકડાયેલા હોય તો આપણને શી રીતે ભયમુક્ત કરી શકે ? પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન, પોતે અનેક પ્રકારની ભયની પ્રકૃતિથી જ્ઞાનદશામાં રહીને મુક્ત થયા અને પાછું પોતાની જાત ઉપર ટ્રાયલ લઈને તમામ ભયથી મુક્ત થયા અને પોતે દરેક અવસ્થામાં, દરેક પ્રસંગમાં, ગમે તે સંજોગોમાં પણ નિરંતર નિર્ભયપણે વર્તે છે. 'આખું બ્રહ્માંડ સામું થાય તોય તમને ગભરામણ ના થાય એવું હોવું જોઈએ.' એવી દશામાં બધા આવો તેવી તેમની ભાવના છે. પોતે 'અમે બ્રહ્માંડના માલિક છીએ, બ્રહ્માંડના સ્વામી છીએ' એવું નિર્ભિકપણે બોલી શકે છે અને તેવી રીતે પોતે વર્તેય છે. કારણ કે એટલા બધા પ્યૉર થયા છે. પોતે એટલી કરુણાથી ચેતવે છે, 'તમેય મારા જેવા શુધ્ધાત્મા છો, પરમાત્મા છો, ભગવાન જ છો. ઉપર કોઈ બાપોય એવો ઉપરી છે નહીં, કે તમને બંધનમાં રાખે. તમારી ભૂલો ને બ્લંડર્સથી જગતમાં લોકો ઉપરી થયાં છે. જો ભૂલો ભાંગે તો કોઈ ઉપરી છે નહીં. પોતાને ભૂલને લઈને ભય દશામાં રહેવું પડે છે. ભૂલો ખલાસ થાય તો નિર્ભયતા. પરમ પૂજ્ય દાદાશ્રીનું અક્રમ વિજ્ઞાન એવું છે કે ભૂલો ખલાસ થાય એવો રસ્તો ખુલ્લો કર્યો છે. ભેદજ્ઞાનના વૈજ્ઞાનિક પ્રયોગમાં જે પોતાનું આત્મભાન થાય છે અને પછી જ્ઞાનદશાથી ક્ષેણીઓ ચઢતો જાય, જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે રહીને તો તેઓશ્રી જે નિર્ભય દશાએ પહોંચ્યા છે, તે દશાએ બધા આવે એટલી હિંમત જ્ઞાનવાણીમાં પીરસ્યા કરે છે. પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષની વાણીમાં એમને પોતાને કેટલી બધી નિર્ભીકતા વર્તે છે, તેવી બધાને કેવી રીતે પ્રાપ્ત થાય, તેના વિવિધ દ્રષ્ટાંત સાથે નિર્ભય થવાની દ્રષ્ટિ બક્ષે છે. જે જ્ઞાનવાણીનું વારંવાર આરાધન કર્યે તે નિર્ભયતાની જાગૃતિ પ્રગટે એમ છે અને અંતે નિર્ભય દશા વર્તાય તેમ છે. દીપકના જય સચ્ચિદાનંદ નિરંતર નિર્ભયપણે વર્તે જ્ઞાની ! બ્રહ્માંડ સામું થાય તોય... આવું જીવન શા કામનું તે ? લાઈફ તો લાઇફ જોઈએ કે ના જોઈએ ? આખુ બ્રહ્માંડ સામું થાય તો ય તમને ગભરામણ ના થાય એવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? તારી પાસે બધો જ સામાન છે. જેટલો સામાન મારી પાસે છે એટલો બધો જ સામાન તારી પાસે છે, પણ તને કોઈએ દેખાડ્યો નથી. એટલે એ માલ એમને એમ મહીં બધો આવરણમાં પડ્યો છે. મારા જેવો કોઈ જ્ઞાની મળે ત્યારે પાછું ઊઘાડી આપે, 'લે તું તારું ખા. હું નિમિત્ત છું.' પોતાનો 'સામાન' જો ભોગવતો હોય તો ય સારું, પણ આ તો પારકાં પાસે આશા રાખે કે આ કંઈક આપે તો સારું. અલ્યા, એ પોતે જ લોકો પાસે કંઈક આશા રાખતો હોય, એ તને શું આપવાનો છે ? અને તે એવો કોઈ નામદાર જોયો કે જેની પાસે આશા રાખવા જેવી હોય ? અને બહુ માગીએ ત્યારે શરમનો માર્યો પાંચ લાખ આપે પણ ખરો, ત્યારે મહીં માનની ભીખ હોય, કીર્તિની ભીખ હોય, નામની લાલચ હોય ! મારી વાત સુંવાળી નથી ને ? જરા કઠણ પડે છે ને ? પ્રશ્નકર્તા : સુંવાળી હોય તે કામની જ નહીં. દાદાશ્રી : મારી વાત જરા કઠણ છે, પણ મહીં જુલાબ કરીને બધો રોગ કાઢી નાખે. નર્યો રોગ ભરેલો છે ! પાછા કોઈ સંત પુરુષ પાસે જઈએ ત્યારે કહેશે, 'આવો ભાઈ, આવો શેઠ, આવો આવો.' તે માખણ ચોપડ ચોપડ કરે. અલ્યા, એને ચોપડે છે શું કરવા ? પાછા ઊંધે પાટે ફેરવી આપે છે ! અલ્યા, પાંસરો રસ્તો દેખાડી દઈએ તો આગળ રસ્તો ખોળે કોઈ ? પણ આ તો મસ્કા ચોપડ ચોપડ કરે. તમને મસ્કો ગમે કે ના ગમે ? પ્રશ્નકર્તા : ના ગમે. દાદાશ્રી : એમ ? પણ લોક મસ્કો ચોપડે ને કે 'ભાણાભાઈ આવ્યા ! આવો, આવો !' અલ્યા, એમાં આપણો શું શુક્કરવાર વળે ? શુક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં, એવરી ડે ફ્રાઈડે ! આપણો શુક્કરવાર વળવો તો જોઈએ ને ? ગૂંચવાડાથી જીવન ભય-અશાંતિમાં ! ક્યાં સુધી આ ગૂંચવાડામાં પડી રહેવું ? જ્યાં જુઓ ત્યાં ગૂંચવાડા જ ઊભા થાય છે કે નથી થતા ? પ્રશ્નકર્તા : દસ વર્ષથી આ ઉકેલની જ શોધમાં છું, તે શોધતો શોધતો દાદા પાસે આવ્યો છું. દાદાશ્રી : અહીં આવ્યા તે તમારો કંઈક ઉકેલ આવશે અને આ ગૂંચવાડા બધા જતા રહેશે. જગતને ગૂંચવાડો ગમતો નથી. એમાં જેની પાસે જઈએ એ પાછા ગૂંચવાડો વધારે કરી આપે છે, પણ એમાં એમનો દોષ નથી. આપણે જાણીએ કે અહીં આગળ આપણો ગૂંચવાડો ઓછો થશે, પણ ત્યાં જ ઊલટો ગૂંચવાડો વધી જાય. એટલે ગૂંચવાડો જો ખલાસ થઈ જાય તો આપણને શાંતિ રહે. નહીં તો શાંતિ કેમ રહે ? કંઈ રૂપિયાથી શાંતિ થાય નહીં. સ્ત્રીઓથી જો શાંતિ થતી હોય તો ચક્રવર્તીઓને તેરસો-તેરસો રાણીઓ હતી, પણ એ ય કંટાળી જઈને જ્ઞાની પાસે દોડી ગયેલા. એટલે લક્ષ્મીથી, સ્ત્રીથી શાંતિ થાય નહીં. તેમ છતાં આ જગત અસત્ય પણ નથી. જગત રિલેટિવ સત્ય છે અને આત્મા રિયલ સત્ય છે. જો રિયલમાં આવીએ તો ગૂંચવાડો મટી જાય, નહીં તો ગૂંચવાડો ના મટે ને ત્યાં સુધી ગૂંચવાડો ઊભો જ રહે. એ ગૂંચવાડામાં ભલીવાર પણ ના આવે, ગૂંચવાડામાં ભોગવવાનું પણ ના હોય ને ! શી રીતે ભોગવે ? કારણ કે માથા ઉપર તલવાર લટકતી હોય ત્યાં. પ્રશ્નકર્તા : ભયમાં રહેવું પડે. દાદાશ્રી : એ ભયથી જ જગત બધું ભોગવે છે, એના કરતાં ના ભોગવવું સારું. માથે ભય ત્યાં શું સુખ ? એટલે જગત આખું સંગ્રહસ્થાન છે. એમાં ખાવ-પીવો નિરાંતે. 'ટેસ્ટફુલી' ખાવ. આમ તો ભોગવતા ય નથી. માથા ઉપર તલવાર લટકતી હોય અને નીચે જમવાનું. બળ્યાં, તારાં જમવાનાં ! મેલ પૂળો અહીંથી. નહીં તો તલવારનો ભય લાગતો હોય તો એને કહીને બેસ કે 'જ્યારે પડવું હોય તો પડજે. અહીં જમવા બેઠા છીએ.' નહીં તો આમ એવી એકેએક માણસની આ દશા છે. અને તે મોઢાં પર દિવેલ ફરી વળેલું જ હોય. દિવેલ ફરી વળેલું જોવામાં આવે કે ના આવે ? જનક વિદેહીને જે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયેલું તે જ્ઞાનીના તપસ્વી પુત્રને અહંકાર આવ્યો કે 'હું કંઇક છું.' તે ઉતારવા ગુરૂદેવે પુત્રને કહ્યું કે, 'તું કંઇક ઉપદેશ લેવા જનકરાજાને ત્યાં જા.' તે મુનિ તો ગયા રાજાને ત્યાં. ગુરૂદેવે જનક રાજાને પહેલીથી સૂચના આપી દીધેલી. મુનિ જ્યારે રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે તો રાજવૈભવનો ભારે ઠઠારો જોયો. જનકરાજા સોનાના હિંડોળા ઉપર બેઠેલા ને બન્ને બાજુએ રાણીઓ બેઠેલી, રાણીઓના ખભે હાથ મૂકીને મસ્તીમાં બેઠેલા હતા. મુનિએ તો આ જોયું ને તેમને મનમાં થયું, 'આ વિલાસી પુરુષ પાસેથી શો ઉપદેશ લેવાનો ?' છતાંય પિતાની આજ્ઞા હતી એટલે કંઇ બોલ્યા નહીં, ચૂપચાપ જેમ રાજા કહે તેમ કરતા ગયા. રાજાએ જમવા બેસાડ્યા, સોનાની થાળીઓ ને બત્રીસ જાતનાં ભોજન. મુનિ તો આસને બેઠા ને જરાક ઊંચી નજર ગઇ ત્યાં તો ધ્રાસકો પડ્યો ! 'અરે, આ શું ? માથા ઉપર ઘંટ લટકે છે ને તેય હમણાં પડું પડું થઇ રહ્યો છે !' રાજાએ કળા કરેલી, એક મોટો ઘંટ બરાબર મુનિના માથા ઉપર જ લટકાવેલો અને તેય સાવ પાતળી, નજરમાં ન આવે એવી પારદર્શક દોરીથી બાંધેલો. તે મુનિ તો બિચારા મહીં ગભરાઇ ગયેલા, જેમ તેમ જમ્યા. જમતાં જમતાં રાજા આગ્રહ કરે, પણ મુનિને તો જમવામાં ચિત્ત શાનું હોય ? એમનું ચિત્ત તો પેલા ઘંટમાં જ ચોંટેલું કે હમણાં પડશે તો મારું શું થશે? જમી રહ્યા પછી રાજાએ પાન આપતાં આપતાં પૂછયું, 'મહારાજ, ભોજન કેવું લાગ્યું ? કઇ વાનગી આપને સૌથી વધારે ગમી ?' ત્યારે મુનિ હતા ચોખ્ખાબોલા. તપસ્વીઓને કપટ-બપટની ભાંજગડ ના હોય, હોય માત્ર એક અહંકારની જ ભાંજગડ. તેમણે તો જેમ છે તેમ કહી દીધું કે, 'હે રાજા, સાચું કહું તમને ? આ માથા ઉપર ઘંટ લટકતો હતો, તે મારું ચિત્ત તો ત્યાં જ ભયથી ચોટેલું રહ્યું હતું ને તેથી મેં શું ખાધું તે જ મને ખબર નથી.' ત્યારે જનક વિદેહી બોલ્યા, 'મહારાજ, આ જમ્યા ત્યાં તમારું ચિત્ત એબ્સન્ટ હતું, તેમ અમારું ચિત્ત સંસારમાં નિરંતર એબ્સન્ટ રહે છે. આ વૈભવમાં અમારું ચિત્ત હોતું જ નથી. અમે અમારા સ્વરૂપમાં જ નિરંતર હોઇએ છીએ.' આવાં હતા જનક વિદેહી ! કુદરતના ગેસ્ટને કેવો વૈભવ ! ચોગરદમથી શાંતિ હોય, ભય ના લાગતો હોય તો પછી ભાંજગડ જ ના રહીને ? પછી કશું રહ્યું જ નહીં ને ! અને તમે કુદરતના ગેસ્ટ છો, પણ તમે ગેસ્ટ થઈને શું કરો છો કે તમારી ગેસ્ટરૂમમાં બેસી નથી રહેતા, પણ રસોડામાં જઈને કઢી હલાવવા જાવ છો. ગેસ્ટથી રસોડામાં જવાય ખરું ? તમે નહીં, આખું જગતેય એવું જ કરે છે. ગેસ્ટ થઈને ગેસ્ટનું ભાન જ નથી. જો તમે ગેસ્ટ તરીકે છો તો તમને ભય નથી, કશું જ નથી પણ ગેસ્ટ થતાં આવડ્યું નહીં. જ્યાં તમે બેસો છો ત્યાં હવા-પાણી મળી રહે છે કે નથી મળી રહેતાં ? અને અત્યાર સુધી ખાવા-પીવાનું મળેલું કે નથી મળ્યું ? કપડાં-લત્તા નહીં મળ્યાં હોય ? બધું મળ્યું છે. પણ ફક્ત ભયથી, ક્રોધ-માન-માયા-લોભથી આવતો અવતાર બાંધ્યો છે, નહીં તો આ જગતમાં ભય જેવી વસ્તુ જ નથી. આ વર્લ્ડમાં ય ભય જેવી વસ્તુ જ હોતી નથી. કારણ કે કુદરતના ગેસ્ટને શેનો ભય ? એક રાજાનો ગેસ્ટ હોય છે તેને ભય નથી હોતો તો તમે બધા નેચરલ ગેસ્ટ છો, તો તમને શેનો ભય લાગે ? બધી તમારી જરૂરિયાત-વસ્તુ નેચર તમને સપ્લાય કરે છે, કેટલી બધી સુંદર દશામાં રાખે છે, છતાંય કેટલો ભય લાગે છે ? કુદરતે એવી ગોઠવણ કરી છે કે તમારું સારુંુ જ થાય, પણ તમે ભડકો તો બગડે. વિપરીત ભયના દુઃખો ! આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવમાત્રને હોય, પણ તેમને તે નોર્માલિટીમાં હોય. તેમને તો ભયના સંયોગ ભેગા થાય ત્યારે જ ભય લાગે. જ્યારે મનુષ્યોમાં તો વિપરીત ભય પેસી ગયો છે. વિપરીત ભય એટલે એક જ ભય આવવાનો હોય પણ તેને તે સો જાતના દેખાય અને જે ભય નથી આવવાનો તે દેખાય તેને પણ વિપરીત ભય કહેવાય. એક જણ જમવા આવવાનો હોય અને લાગ્યા કરે કે સો જણ આવવાનાં છે તે વિપરીત ભય. બધું જ સહજમાં મળે તેમ છે પણ ભરોસો હોવો જોઈએ. લોકોને એમ થયા કરે કે, આ નહીં મળે તો ? આમ નહીં થાય તો ? બસ, આ જ વિપરીત ભય છે. બુધ્ધિની જાગૃતિ ભયભીત બનાવે ! એવું છે ને, આ હિન્દુસ્તાનના લોકોને કેમ બળતરા બહુ છે ને ચિંતા બહુ છે ? આ ઉપાધિ બહુ છે ને જાતજાતના નખરાં કરે, અવળા ધંધા કરે છે, ઊંધા ધંધા કરે છે, આ બધું આવું કેમ છે ? ત્યારે કહે, જાગૃતિને લીધે. બહુ જાગૃતિ છે ને ! બહુ જાગૃતિવાળાને ભય કેટલા પ્રકારનાં લાગે ? ચિંતાઓ કેટલા પ્રકારની થાય ? અને ફોરેનવાળાને તો કોઈ જાગૃતિ જ નથી ને, એ તો વિષયોના જ સુખની મહીં પડેલાં છે. જે દહાડે અમેરિકામાં માખણ ના મળ્યું તો આખું અમેરિકા હો હો કરી મેલે, માખણ વિના, બસ ! અને આપણા લોકોને તો વિષયની કશી પડેલી નથી ? મારી મિલ્કત, મારો બંગલો, મારી મોટરો, આમ મોટરમાં બેઠો હોય ને, તો આમ જોયા કરે. ઓળખાણવાળાને, સગાવ્હાલાને જો જો કરે. ત્યાં ચક્કર પાંસરો ના રહે. તને બુધ્ધિ પજવે છે કે નહીં ? અત્યાર સુધી એ જ મદાર હતો ને ! એ આધારે જ બધું ચાલવાનું. ગાડું ચલાવવાનું સંસારનું બધું. સંપેય એ જ કરતી'તી અને ના ભય હોય ત્યાં ભયેય એ જ દેખાડતી'તી. ભય ના હોય ત્યાં ભય દેખાડે. તે આપણા લોક શું કરે ? આ મૂઆ મૂરખ માણસો નિરાંતે ઊંઘી જાય છે ને હું કેવો જાગૃત છું ! અલ્યા, તારી બુધ્ધિ તને મૂરખગીરી કરાવે છે. ભય ના હોય ત્યાં ભય દેખાડે ને જાડી ખાલવાળા નિરાંતે સૂઈ ગયા. કંઈ બુધ્ધિ હોય તો ભાંજગડ ને ! એટલે સંસારમાંય બુધ્ધિ નુકસાનકારક. ખોટા ભય દેખાડે કે આમ થઈ જશે, તેમ થઈ જશે. અલ્યા, તારે ભય જ જો રાખવો હોય તો મરણનો રાખને ! ક્ષણે ક્ષણે આ જગત મરણના ભયવાળું છે. તેનો તને ભય શાથી નથી લાગતો ? તેનો ભય લાગે, તો મોક્ષનો ઉપાય ખોળવાનું જડે. પણ ત્યાં તો જડ જેવા થઈ ગયા છે. બુધ્ધિ શાને માટે છે ? ત્યારે કહે, બધાને ઠંડક આપવા માટે, નહીં કે ભડકાવવા માટે. જે બુધ્ધિ ભય દેખાડે તે વિપરીત બુધ્ધિ. તેને તો ઊગતાં જ દબાવી દેવી જોઈએ. ત્યારે સંદેહ જાય ! પ્રશ્નકર્તા : ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો નથી. દાદાશ્રી : હા, ઉદ્ભવે નહીં, એ વાત જુદી છે. એવું અમુક કાળ સુધી લાગે. પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે સંદેહ ઊભા થાય પાછાં. આ તો બધું ફરવાનું છે. બધું એક જ જાતનું ઓછું રહે છે ? જેમ દિવસ-રાત બદલાયા કરે છે, ટાઈમ નિરંતર બદલાયા કરે છે, તેવું આ અવસ્થાઓ બધી નિરંતર બદલાયા કરવાની. એટલે સંદેહ માણસનો ક્યારે જાય ? વીતરાગતા અને નિર્ભય થઈ ગયા પછી સંદેહ જાય, નહીં તો સંદેહ જાય જ નહીં. નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ ! બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુધ્ધાત્મા' તો નિઃશંક થઈ ગયો, એટલે દુઃખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે. નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં બધુંય પૂછી શકાય. શંકા કાઢવા માટે તો આ 'જ્ઞાની પુરુષ' છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોય ને, ત્યારે 'જ્ઞાની પુરુષ' આપણને નિઃશંક બનાવી આપે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે. કૃપાળુદેવે તો શું કહ્યું ? 'નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.' હવે આ શંકા એટલે, જ્ઞાનની શરૂઆતથી, જ્ઞાનમાં શંકા એને અહીં આગળ અધ્યાત્મમાં શંકા કહેવામાં આવે છે. જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો પર શંકા પડી, એનું નામ શંકા ! તે ક્યાં સુધી શંકા ગણાય છે કે ઠેઠ આત્મા સંબંધમાં નિઃશંક ના થાય, કે આ જ આત્મા અને આ ન્હોય, ત્યાં સુધી નિઃશંકતા ઉત્પન્ન થાય નહીં. આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થઈ, તો 'વર્લ્ડ'માં કોઈ શક્તિ એને ભયકારી બની શકે નહીં. નિર્ભયતા ! અને નિર્ભયતા ઉત્પન્ન થાય એટલે સંગમાં રહેવા છતાં નિઃસંગ રહેવાય. ભયંકર સંગોમાં રહેવા છતાંય નિઃસંગતા હોય, એવું આ કૃપાળુદેવ કહેવા માગે છે. આત્મદ્રષ્ટિ થયે પ્રગટ આત્મશક્તિ ! એક આત્મામાં આખા બ્રહ્માંડની શક્તિ છે ! એને પ્રગટ કરવા માંડો. જેમ જેમ સંસાર બાજુની દ્રષ્ટિ ઓછી થતી જશે, તેમ તેમ આત્મભણી દ્રષ્ટિ થતી જશે, તેમ તેમ આત્મશક્તિ પ્રગટ થતી જાય. પણ આ બાજુ પાર વગરનાં ખેતરાં છે. તે હજુ ખેડવાં જ પડશે ને ! પ્રત્યક્ષ કૃપાથી જાય ભય ! તમને ફીયરલેસપણું નથી ગમતું કે ગમે છે ? પ્રશ્નકર્તા : ગમે છે. દાદાશ્રી : હા, દરેકને ગમે. કોને ના ગમે એ વસ્તુ ? બધાને ગમે ને ? ભયરહિતપણું. જરાય ભય ના લાગે, એ પદ કોને ના ગમતું હોય ? પ્રશ્નકર્તા : હજી તો મંજિલ બહુ દૂર છે. દાદાશ્રી : દૂર તમે શી રીતે જાણો ? પ્રશ્નકર્તા : આ ભય લાગે છે ત્યાં સુધી તો નક્કી જ છે ને, કે મંજિલ બહુ દૂર છે. દાદાશ્રી : ના, પણ એ ભય કોઈ કાઢી આપે તો ? તમારો કોઈએ કાઢી આપેલો ? પણ બીજા કોઈનાથીય એ ભય જાય નહીં. એ તો જ્ઞાની પુરુષ કે એમની મહીં જે આત્મા પ્રગટ થયેલો છે, જે પરમાત્મા પ્રગટ થયાં છે, એમની સીધી કૃપા ઉતરી તો ભય જાય. જ્ઞાનજાગૃતિ નિર્ભય રાખે ! હવે જ્ઞાન વધે છે કે નહીં તે બધું કહોને ! એવું વર્ધમાન સ્થિતિ કહોને... પ્રશ્નકર્તા : જ્ઞાનની તો વર્ધમાન સ્થિતિ છે, પણ જેટલું જાગૃત અવસ્થા થાય, તો એનો ભય પણ વધારે પેદા થાય ને ! દાદાશ્રી : જેટલાં ભય તેટલું રક્ષણ એમાં મળે ને ! જેટલી જાગૃતિ તેટલા ભય ને એનું રક્ષણ મળે ને એની મેળે જ ભાન ઉત્પન્ન થાય. જેટલી જાગૃતિ છે એટલાં ભય દેખાડે છે એટલી જ નિર્ભયતાની જગ્યા દેખાડી દે છે. ઘરમાં સાપ પેઠો જોયો તેને તો ઊંઘ ના આવે. એને સાપ નીકળી જાય તો ઊંઘ આવે. ઊંઘવા જેવું જગત જ નથી ને ! આરામ કરવા જેવું જગત જ નથી. અનંત અવતાર ઊંઘ કાઢી છે અને જગતનાં માર ખાવા કરતાં આ માર સારો. આનાથી તો અંદર શાંતિ થાય ને ! છેવટે આપણે પસાર તો કરવાનો જ છે ને ! જે ભય પસાર કરવાનો છે અને માણસમાંથી જાનવરમાં જઈને માર ખાવાં, એના કરતાં આ સારું. બેભાન માર કરતાં આપણે ભાગી ચાલો આપણે ઘેર. બે કડવા ડોઝ પી લેવાનાં. પી લીધાંને, આપણે 'આપણાં ઘેર' (મોક્ષમાં) ચાલો. જાગૃતિ વધે તેમ ભય વધે, તેમ સેફસાઈડ પણ વધે ને ! આવો ભડકાટ ક્યાં સુધી ? મને પોતાને જ એમ લાગતું હતું કે આ ભડકેલા ઘોડા જેવું કેમ થઈ ગયું લાગે છે. કોઈની પાસે કશી નથી મિલકત, પણ તો ય ભડકેલા ઘોડા જેવી સ્થિતિ કે 'આમ થઈ જશે ને તેમ થઈ જશે, ઈન્કમટેક્ષવાળો આવશે ને ફલાણો આવશે.' એ શું કરવાનો છે આવીને તે ? શાને માટે આ ભડકો છો ? આ ભીંત પડશે તો શું થશે ? આ ભીંત પડવાની છે ને જો આંગળી આટલી વટાવાની હશે તો વટાશે, આખો હાથ વટાવાનો હશે તો એટલું વટાશે. આપણે જાણવાનું કે 'શું વટાયું ને કેટલું વટાયું !' બીજું શું કરવાનું છે તે ? આટલું વટાશે તો એટલું આપણે જાણીશું. હિસાબ હશે તેટલું આ ભીંત વાટશે. નહીં તો ભીંતનું ગજુ નથી કે આપણને અડી શકે. આ પડશે, ફલાણું પડશે, આ સ્લેબ પડશે, કોઈ બાપોય કશું પડ્યો નથી. હું પણ ભડકતો હતો. પછી મેં શોધખોળ કરી કે કશુંય પડ્યું જ નથી, હું વગર કામનો ભડકતો હતો. પછી મેં કહ્યું, મહીં ભગવાનને નહીં, આ અંબાલાલભાઈને કે, 'કોઈ દહાડો કશુંય પડ્યું નથી, વગર કામના ભડક્યા શા માટે કરો છો ? અત્યાર સુધી ભડક્યા તેમાં કશું પડ્યું છે ?' ત્યારે કહે કે, 'ના, કશું પડ્યું તો નથી.' ત્યારે મેં કહ્યું કે, 'તો વગર કામના શું કરવા ભડક્યા કરો છો ? નથી પડવાનું કશુંય, તમે પોતે જ ભગવાન છો; વગર કામના 'હાય હાય, આમ થશે કે તેમ થશે' એવું શાને માટે કરવાનું ? નથી તમને છોકરાં, નથી છોડીઓ, તો શાને માટે આટલી હાય, હાય કરો છો ? જો છોડી-છોકરાંઓ હોત તો તમારી શી દશા થાત ? નથી તોય આટલી હાય હાય છે ! નથી તમને પૈસા જોઈતા, નથી ઘરાં જોઈતાં, નથી પોતાને ગાડી-મોટરો જોઈતી, તો શાને માટે ઈન્કમટેક્ષવાળો પડશે ને ફલાણું પડશે, એમ ભડક્યા કરો છો ? પડશે તો આ ભીંત પડશે ને, બીજું શું થવાનું છે તે ! હવેથી એ ના બોલશો, 'આમ પડવાનું છે.' કશી ભડકવાની જરૂર જ શી છે તે ?' અમને ભય કેમ નથી ? કારણ કે અમારું બિલકુલ કરેક્ટ છે. કરેક્ટને ભય શો ? જેનું બિલકુલ કરેક્ટ છે, એને જગતમાં ભય શો ? ભય તો કોને હોય કે મહીં ગોલમાલ હોય તેને ભય હોય, નહીં તો આ જગતમાં ભય શો ? નિરંતર ભય ! ત્યાં નિર્ભયક્ષેત્ર કયું ? ભય રાખવા જેવું જગત જ નથી, બિલકુલ નિર્ભય રીતે ફરવા જેવું છે. અને જે લોકો ભય રાખનારા છે ને, એમને તો સંપૂર્ણ જાગૃતિ હોય, તે આ જગત નિરંતર ક્ષણે ક્ષણે ભયવાળું જ દેખાય. અમને તો નિર્ભયતાવાળી એક ક્ષણ પણ દેખાય નહીં એવું નિરંતર ભયવાળું જગત છે, પણ ભય કોને માટે ? 'તમે' 'ચંદુભાઈ' છો તો ભય છે અને 'તમે' 'શુધ્ધાત્મા' થયા તો ભય શેનો ? આ લોક તો જાગૃત નથી એટલે ભય લાગતો નથી. લોક તો નિરાંતે આમ ફરે છે ને ! તે શેના આધારે આમ બેફામ રીતે ફરે છે ? પણ તેનુંય ભાન નથી. નહીં તો ક્ષણે ક્ષણે ભયવાળું જગત છે, એક ક્ષણ પણ એવી નથી કે નિર્ભયતા હોય. ક્ષણે-ક્ષણેના ભયના સ્વરૂપો ! પ્રશ્નકર્તા : આપ જે ભય કહો છો, એ કયો ભય ? દાદાશ્રી : એક ક્ષણ નિર્ભયતાવાળી જગ્યા જ નથી આ. હમણાં ક્યાંકથી વંટોળિયું આવીને ઊંચું-નીચું કરી નાખે એ કશું કહેવાય નહીં, અહીંથી બહાર નીકળ્યા તો ક્યારે વટાઈ જશો એ કહેવાય નહીં, રાતે સૂઈ ગયા હોય ને ક્યારે કશું કરડી ખાશે એ કહેવાય નહીં. ઘેર ગયા ને પાણી પીધું, પાણીમાં શું ય પડેલું હોય એ કહેવાય નહીં. એટલે જગત ક્ષણે ક્ષણે ભયવાળું છે, નિર્ભય રહેવાય એવી (સંસારમાં) જગ્યા જ નથી. આ તો અજાગૃતિને લીધે લોકો ફરે છે, લગ્નો કરે છે, વેપાર કરે છે. અજાગૃતિ છે તેથી ચાલે છે, જાગૃતિમાં આવું ના ચાલે. 'મને અંધશ્રધ્ધા નથી' એ જ અંધશ્રધ્ધા ! એક ફાર્મ સુપ્રિટેન્ડન્ટ હતા, તે મને કહે છે કે, ''દાદા, એ 'વ્યવસ્થિત' શી રીતે મનાય ? અંધશ્રધ્ધા એવી કેમ રખાય ?'' મેં કહ્યું કે, ''આ 'વ્યવસ્થિત' એ અંધશ્રધ્ધા નથી, સાચી શ્રધ્ધા છે.'' હવે એમને 'જ્ઞાન' નહીં આપેલું એટલે એમને અંધશ્રધ્ધા જ લાગે ને ! પછી એક દહાડો એમના ફાર્મમાં ગયો, ત્યારે મેં પૂછયું કે, ''અંધશ્રધ્ધા અને સાચી શ્રધ્ધામાં તમે સમજો છો ?'' ત્યારે કહે કે, ''અંધશ્રધ્ધા હું રાખતો જ નથી.'' મેં કહ્યું કે, ''આખું જગત જ અંધશ્રધ્ધામાં જીવે છે.'' ત્યારે કહે છે કે, ''મારી કઈ અંધશ્રધ્ધા છે, દેખાડી દો.'' મેં કહ્યું કે, ''દેખાડીશ.'' આમને પ્રત્યક્ષ દાખલો આપીએ ત્યારે કામનો, આમ બુધ્ધિથી વિચારવાનું કહીએ તો તે ફીટ ના થાય. ફાર્મમાં જોડે તેડી ગયા, ત્યાં પછી બગીચો દેખાડ્યો, ફળના બગીચા દેખાડ્યા. પછી ત્યાંથી સોએક ફૂટના એરીયામાં ઘાસ ઊગેલું હતું, એ ઘાસ ઓળંગીને પેલી બાજુ જવાનું હતું. હવે એ ઘાસ તો આવડું આવડું બબ્બે ફૂટનું થઈ ગયેલું, એટલે એમણે શું કર્યું કે કૂદી કૂદીને ચાલવા માંડ્યું, ત્રણ-ત્રણ, ચાર-ચાર ફૂટનાં કૂદકા મારીને ચાલવા માંડ્યું અને હું સીધી રીતે મારી મેળે ચાલ્યો. હું ક્યાં એવા ઠેકડા મારું ? બહાર નીકળ્યા પછી મેં એમને કહ્યું કે, 'આ તમે તો બહુ અંધશ્રધ્ધાળુ માણસ છો.' ત્યારે કહે કે 'કેમ એમ ? ક્યાં અંધશ્રધ્ધા જોઈ ?' ત્યારે મેં કહ્યું કે, 'આ તમે કૂદી કૂદીને પગ મૂકતા હતા તે શા આધારે ? અરે, કોઈ જગ્યાએ સાપ કે કશું હોય તો ? જ્યાં તમારો પગ પડતો હતો ત્યાં સાપ નથી જ એવી તમને શી રીતે ખાતરી થઈ ?' ત્યારે કહે કે, 'એવી ખાતરી તો નથી.' ત્યારે મેં કહ્યું કે, 'આને જ અંધશ્રધ્ધા કહેવાય. આમાં હું મારી મેળે રોફથી ચાલ્યો જ ને ! મને એવી અંધશ્રધ્ધા છે જ નહીં, મને શ્રધ્ધા જ છે. તમે કૂદાકૂદ કરો છો, એ તમારી અંધશ્રધ્ધા તમને સમજાઈ કે ના સમજાઈ ? પાંચ ફૂટ છેટેથી કૂદકો માર્યો, પણ પગ મૂકો છો એ શેના આધારે ? આ રાત્રે અંધારું થઈ ગયું હોય ફાર્મથી પાછા આવતી વખતે અને લાઈટ વગર આગળ ચાલે છે, તે શાના આધારે ? ક્યારે કોઈ સાપ આવશે, શું થશે એ શું કહેવાય ?' આ 'જ્ઞાન' આપતાં પહેલાં અનેક જાતના ભયથી માણસને સંતાપ રહ્યા કરે કે, 'આમ થઈ જશે, તેમ થઈ જશે.' અલ્યા, એમેય નથી થવાનું અને તેમેય નથી થવાનું. ખાઈ-પીને નિરાંતે સૂઈ જાને ! ઘેર ખાવા-પીવાનું છે, પછી શું જોઈએ ? કાલની ચિંતા આજે નહીં કરવાની, અત્યારે ખાઈ-પીને સૂઈ જા ને ભગવાનનું નામ દે કંઈક અને શુધ્ધાત્મા પ્રાપ્ત કર્યો હોય તો 'શુધ્ધાત્મા, શુધ્ધાત્મા' કર. ભયવાળા જગતમાં, નિર્ભય સ્વરૂપ ! ભય રાખવા જેવું જગત જ નથી અને જ્યાં નિરંતર ભયવાળું જગત છે, એમાં તમે શું ભય રાખશો ? જો તમે તમારા સ્વરૂપમાં રહો તો તમને ભય રહેતો જ નથી. આ દેહ તમારી સત્તામાં નથી. પારકી સત્તાની આપણે માથાકૂટ કરીએ એનો શો અર્થ ? ભયને બાજુએ રાખો ને જાણો ! 'જ્ઞાન' લીધા પહેલાં ઈન્કમટેક્ષનો કાગળ આવે અને મહીં લખ્યું હોય કે, 'તમે આવું કર્યું છે એટલે તમને આટલો દંડ કરવામાં આવશે.' એટલે આપણને ભય પેસી જાય કે આ દંડ કરશે, આ દંડ કરશે. તે ભય તો બપોરે ખાતી વખતે નીકળી જાય ને ? જમતી વખતે નિરાંતે જમવા માટે શું કરીએ છીએ ? કપડાં કાઢીને પંખો ચાલુ કરીને નિરાંતે ટેબલ પર જમવા બેસીએ છીએ ત્યારે એ ભયને બહાર મૂકે છે કે જોડે જ રાખે છે ? એટલે કેટલી કેટલી કસોટીમાં જીવ જીવી રહ્યો છે ! જમવાનું સરસ હોય, પણ એને બિચારાંને ટેસ્ટ ના પડે. છોકરાંઓ તો નિરાંતે ટેસ્ટ ચાખે છે, કારણ કે એમણે ભય જોયો જ નથી. છોકરાંને બુધ્ધિ નથી એટલે છે કંઈ ભાંજગડ ? એ પણ રડવાના ટાઈમે રડે છે, હસવાના ટાઈમે હસે છે, બીજી ભાંજગડ નહીંને ! એમને તો 'વર્ક વ્હાઈલ યુ વર્ક, પ્લે વ્હાઈલ યુ પ્લે; ધેટ ઈઝ ધી વે, ટુ બી હેપી એન્ડ ગે'; એવું એ હસવાને ટાઈમે હસે, રડવાને ટાઈમે રડે ને કૂદવાને ટાઈમે કૂદે. અને આ બુધ્ધિવાળો તો હસવાને ટાઈમે રડતો હોય. રડવાના ટાઈમે તો રડતો જ હોય છે, પણ હસવાના ટાઈમે પણ રડ્યા વગર રહેતો નથી. કારણ કે મહીં મનમાં પાછો પેલો ભય રહ્યા જ કરતો હોય. એક વસ્તુ પગમાં પેસી ગઈ હોય, તે આપણને જ્યારે ને ત્યારે ખૂંચ્યા કરે ને, એવો પેલો ભય ખૂંચ્યા કરે. હું પણ વેપારી ખરો ને, એટલે આવો કાગળ આવે તે હું વાંચીને જાણી લઉં કે આ ભય સિગ્નલ છે ને બાજુએ મૂકી દઉં ! ભયને જાણવાનો હોય ને નિર્ભયતાને પણ જાણવાની હોય. આ બધી જાણવાની ચીજો છે, કંઈ કબાટમાં મૂકી રાખવાની એકુંય ચીજો ન હોય. લૂંટાયા, ત્યાં ઉપાય ? જંગલમાં બહારવટિયા મળ્યા અને લૂંટી લીધા એટલે રડવાનું નહીં, આગળ પ્રગતિ માટે 'હવે શું કરવું' એનો વિચાર કરવો. 'હવે આગળ શું કરવું ?' એને ભગવાન બધી સહાય આપે; પણ ત્યાં આગળ 'મારું શું થશે ?' એમ આખી રાત રડે તો ? ત્યાં ને ત્યાં જંગલમાં રડ્યા કરે તો એને કોણ ચા પાય ? એના કરતાં ચાલવા માંડને, આગળ ચા પાનાર મળી આવશે, ખવડાવનારા મળી આવશે, બધું મળી આવશે. ભગવાનને ઘેર કશી ખોટ નથી. બહારવટિયા તો બહુ મળશે, આવાં એક નહીં અનેક મળશે. માટે લૂંટાય તો હેંડવા માંડજે. લૂંટાય ત્યાં આગળ રડારોળ કરીએ તો કશું વળે નહીં. જગત આખુંય લૂંટાયેલું જ, લૂંટનારા એને મળી આવે જ. એ પાછો હિસાબ છે. પાછલાં હિસાબ વગર કોઈથી લૂંટી શકાય નહીં. પાછલાં હિસાબ વગર કોઈ પણ માણસ આપણને લૂંટી શકે નહીં. સંજોગ ચૂકાવે કાળ, તો ભય શાને ? અમે જાત્રાએ ગયા હતા. આડત્રીસ માણસને લઈને બસમાં બધે ગયા હતા, તે એક શહેરમાં ગયા હતા. હવે એ શહેરમાં ફોજદારોએ બસ રોકી. અમે પૂછયું કે, 'કેમ શું છે ?' ત્યારે કહે છે કે, 'અહીંથી આગળ નહીં જવાનું.' મેં કહ્યું કે, 'કારણ શું છે પણ ? અમે જાત્રાએ નીકળેલા છીએ.' ત્યારે કહે છે કે, 'ના, આગળ જવાનું નથી. કારણ કે આગળ આ રસ્તે લૂંટાય છે. આ ચાલીસ માઈલનો રસ્તો છે, તે વારેઘડીએ અહીં લૂંટ થયા જ કરે છે. એટલે રાત્રે નહીં જવા દેવાના.' મેં કહ્યું કે, 'તો દહાડે ચોરી નથી થતી ?' ત્યારે એ કહે છે કે, 'દહાડે પણ ચોરીઓ તો થાય છે.' ત્યારે મેં કહ્યું કે, 'તો અમે ક્યારે જઈએ ? રાતે જઈએ કે દહાડે જઈએ ? પછી મેં ફોજદારને કહ્યું કે, 'અમને જવા દો, અમને વાંધો નથી, અમારી જવાબદારી પર જવા દો.' ત્યારે ફોજદાર કહે છે કે, 'તો તમે જાવ, પણ આ બે પોલીસવાળા લઈ જવા પડશે.' ત્યારે મેં કહ્યું કે, 'ભઈ, મૂકો.' તે ભરી બંદૂક સાથે બે પોલીસવાળાને બસમાં બેસાડ્યા, પણ રસ્તો પસાર કરી નાખ્યો. કશુંય થયું નહીં. એટલે કોઈ બાપોય નથી અડે એવો, આ જગતમાં ભડકવાની જરૂર જ નથી. એ લૂંટારુઓ રાતના એક વાગ્યા સુધી બેસી રહ્યા હોય, પછી કહેશે કે, 'આજે કોઈ શિકાર નથી મળતો.' અને એ જાય, તે પાંચ મિનિટ છેટે ગ યા હોય ને આપણી બસ ત્યાંથી પસાર થાય. એ લોકો જુએ ને કહે પણ ખરાં કે, 'અલ્યાં, પાંચ મિનિટ રાહ જોઈ હોત તો શિકાર આમ હાથમાંથી ન ગયો હોત ?' એવું આમ કોઈને કંઈ કરી શકવાની સત્તા જ નથી, આ દુનિયામાં ગભરાવાની કોઈ જરૂર જ નથી. તમે માલિક જ છો. તમારી જાતના તમે માલિક જ છો અને આ જે તમને અડચણો પડે છે એ બધો તમારો જ હિસાબ છે. તમે જે ગૂંચવ્યો એ ગૂંચવ્યાનું ફળ આવ્યું છે. આપણે ગૂંચવ્યું હોય તેનું ફળ આવે કે ના આવે ? પછી એમાં બીજા કોઈનો ગુનો શો ? એટલે આપણે એ ફળ શાંતિપૂર્વક ભોગવી લેવાનું ને ફરી એવું ગૂંચવાય નહીં એટલું જોવું જોઈએ. બાકી આપણામાં કોઈની ડખલ નથી, ભગવાનનીય ડખલ નથી, ગજવું કાપે છે તેનીય ડખલ નથી. ગજવું જે કાપે છે તે તો આપણો હિસાબ ચૂકવાવડાવે છે. બસ આગળ ગઈ ને વખતે લૂંટારુઓ મળ્યા તો હિસાબ હશે તો મળશે, નહીં તો કેવી રીતે મળે ? છતાં ઉધ્ધત પણ ના થઈ જવું જોઈએ. હવે વખતે એ ફોજદાર કહે અને બધા મહાત્માઓ પણ કહે ત્યારે હું એકલો એમ ના કહું કે 'અત્યારે જ ચાલો.' હું 'બધા એવિડન્સ શું છે' એ જોઈ લઉં. બધા કહે કે, 'નથી જવું,' ત્યારે હું કહું કે, 'હા, બરાબર છે, જવાનું માંડવાળ કરો.' કોઈ જગ્યાએ પકડ ના પકડવી જોઈએ. જગત, ભયનું સંગ્રહસ્થાન ! આ તો ભયનું સંગ્રહસ્થાન છે. વિચારશીલને તો ક્ષણે ક્ષણે ભય દેખાય. જે જાગૃત નથી તેને ભય શાનો દેખાય ? કોઈને પોલીસવાળા પર પ્રીતિ ના થાય, દેખે ત્યારથી જ 'આ ક્યાં આવ્યો ?' કહેશે. અને ભગવું લૂંગડું પહેરીને બાવો આવ્યો તો કહેશે કે, 'આવો મહારાજ !' પણ પોલીસવાળો દેખ્યો કે ભડકાટ પેસી જાય. સંસારનું આ સ્વરૂપ અમને નાની ઉંમરથી દેખાતું હતું, ભયંકર વિકરાળતા ! ક્ષણે ક્ષણે ભયવાળું, ક્ષણે ક્ષણે દુઃખવાળું, ક્ષણે ક્ષણે ઉપાધિવાળું !! એટલે પછી કોઈ જગ્યાએ અમને મૂર્છા જ ના થાય ને કોઈ જગ્યાએ ટેસ્ટ જ ના આવે ને !!! નનામી ક્યારે નીકળે તેનું શું ઠેકાણું ? પણ આ તો શું હોય છે ? જે ભય ભરેલો છે એ ભય એને દેખાય. જે ભય ભર્યો નથી, તે ના દેખાય. પાંચ જણ અહીંથી અંધારામાં જંગલમાં જતાં હોય, તો એકને એવો ભય હોય કે હમણાં વાઘ બૂમ મારશે, હમણાં વાઘ બૂમ મારશે.' એવું થયા કરે. બીજાને, 'સાપ અથડાઈને કરડી ખાશે તો ?' એવો ભય હોય. ત્રીજાને મનમાં એવું થાય કે, 'બહારવટીયા મળશે ને મારશે તો ?' એટલે બધાને ભય જુદા જુદા હોય. જેને જેવો ભય ભર્યો હોય તે જ ભય દેખાય, બીજા ના દેખાય. એટલે વાતમાં તો કશો માલ છે નહીં. કેટલાંકને તો આખો દહાડો મોટરો ફરે છે, પણ 'હું અથડાઈ પડીશ' એવો વિચાર જ નથી આવતો. કારણ કે એ માલ જ ભરેલો નહીં ને ! અને જો એ માલ ભરેલો હોય તો ડ્રાઈવરો ડ્રાઈવીંગ કરી શકે જ નહીં, અથડાઈ જ પડે. એટલે જે માલ ભરેલો નથી એનો વિચાર સરખોય ના આવે. કેટલાંકને તો રાત્રે એકાંતમાં એકલા હોય તો ય ભય ના લાગે અને બીજાને તો એકલો પડ્યો કે ભૂત યાદ આવ્યા કરે. ટેકનિકલી સંશોધન કરે તો ય સમજાય કે ભરેલા ભયનો જ વિચાર આવે છે. યોગી અને જ્ઞાનીમાં ફેર ! પ્રશ્નકર્તા : યોગી પુરુષનું વર્ણન છે કે સગા સંબંધીઓ યોગી પુરુષનાં કેવાં છે ? એનો પિતા જે છે તે ધૈર્ય છે, ક્ષમા એની માતા છે, સત્ય જે છે તે એનો દિકરો છે અને શાંતિ જે છે તે એની બેન છે. આ દિશાઓ વસ્ત્ર સમાન છે, ભૂમિ જે છે એ એનો પલંગ છે, શૈયા છે. એટલે આ બધા યોગીના સ્વજનો છે. તો એ છતાંય યોગીને ભય કેમ, એ મારો પ્રશ્ન છે. દાદાશ્રી : એ યોગી છે, પણ જ્ઞાની નથીને ! જ્ઞાનીને આવું તેવું હોય નહીંને ! જ્ઞાનીને બધું સહજ હોય. ઓઢાડો તો ઓઢીનેય બેસે અને સ્ત્રીના કપડાં પહેરાવો તો સ્ત્રીના કપડાંય પહેરે અને નાગો કરી નાખો તો નાગો ફરે. એટલે યોગીમાં ને જ્ઞાનીમાં તો બહુ જ ફેર હોય. જ્ઞાની નિર્ભય હોય. પ્રશ્નકર્તા : એટલે યોગીમાં અહંકાર હોય ? દાદાશ્રી : અહંકાર વગર તો આ ભૂમિ પર સૂઈ રહે, એવું બધું હોય જ નહીંને ! સહજ વસ્તુ શું છે કે ભૂમિ આવી તો ભૂમિ ઉપર, ગોદડું આવ્યું તો ગોદડા ઉપર. તમે કહો કે, ના દાદા, આ ત્રણ ગોદડામાં તમે સૂઈ જાવ તો અમે ના ન પાડીએ. છતાં પણ એ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ સાપેક્ષ વસ્તુ છે કે મોક્ષે જતાં જતાં આવાં સ્ટેશનો આવે, તેથી કંઈ કાઢી નાખવા જેવું નથી. કારણ કે મૂળ સ્ટેશનને જાણીને આ કાઢી નાખવા જેવું નથી. આ ખોટું નથી પણ એની આગળ તો ઘણું જવાનું છે. આ કંઈ છેલ્લું સ્ટેશન નથી. જેમ સુરત એ સેન્ટ્રલ છેને, સુરત ઊભો રહીને વાત કરે એવી આ વાત છે. પ્રશ્નકર્તા : છેલ્લા સ્ટેશને જતાં જતાં આવા બધા સ્ટેશનો આવે ખરાં ? દાદાશ્રી : જરૂર, સ્ટેશન આવવા જ જોઈએ. અને કેટલાંકને એની પુણ્યૈ હોય તો નાય આવે. કારણ કે બધે સ્ટેશને ફરી વળેલો છે, એટલે ફરી ફરી નાય આવે. અને જ્ઞાની પુરુષ મળી આવે તો એમ ને એમ કામ પૂરું થઈ ગયું. પ્રશ્નકર્તા : એ યોગીની જેવી શૈયા કીધીને, એવી રીતે એનું ભોજન જે છે તે જ્ઞાન છે. છતાં એ યોગીને ભય કેમ ? દાદાશ્રી : ભય એટલે, એને નિરંતર ભય રહે. કારણ કે એ સાચું જ્ઞાન નથી. એ અહંકારી જ્ઞાન છે. સાચું જ્ઞાન હોયને તો નિર્ભયતા હોય, આખું બ્રહ્માંડ એક આંગળી પર રાખીને ફરે એ સાચી નિર્ભયતા કહેવાય. 'જ્ઞાની પુરુષ'ને માન કે અપમાનની કશી જ પડી ના હોય. માનનાં સુખ એ વિષય સુખ છે. 'મારું માનભંગ થશે' એ ભો જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્ઞાન કશું પામ્યા જ ના કહેવાય. આ તો મૂળ વીતરાગી જ્ઞાન જ પામવાનું હોય, બીજું કશું ખપે નહીં ને ! જ્ઞાનીદશાથી નિર્ભય પદ ! પ્રશ્નકર્તા : આપના પૂર્વાશ્રમમાં જ્ઞાન થતાં પહેલાં આવો કોઈ અનુભવ થયેલો ? દા.ત. જેલમાં લઈ જાય અને કંઈ અસર ના થાય. દાદાશ્રી : ના, તે દહાડે તો અનુભવ થાય જ નહીં ને ! તે દહાડે તો છે તે અહંકાર પૂરો હોય ને ! એટલે નિરંતર ભય લાગ્યા કરે. ભય રહ્યા કરે. અહંકાર એટલે સામો થાય પણ એના પરિણામે ભય ઉત્પન્ન થાય. અને જ્ઞાન થયાં પછી તો કશું ભય નહીં, નિર્ભયતા ઉત્પન્ન થઈ.ે વીતરાગતા અને નિર્ભયતા આ બે મુખ્ય ગુણ હોય જ્ઞાનીના. વીતરાગતા પણ અમારી વીતરાગતા છે, પૂર્ણ જ્ઞાનીની નિશાની નથી. અમારી આ વીતરાગતા ખટપટિયા વીતરાગની છે. ત્યારે કહેશે, આ સ્કૂલમાં આવીને, શા માટે તમારે ભાષણ કરવાની જરૂર ? તો કહે, હું જે સુખ પામ્યો છું એ લોકો પામો એવી ખટપટ છે અમને. બાકી સાચા જ્ઞાનીને તો ખટપટેય ના હોય. પૂર્ણ જ્ઞાનીને જેને ૩૬૦ ડીગ્રી હોય ને પૂર્ણ, તેને ખટપટેય ના હોય. પ્રતાપ-સૌમ્યતા, વિરોધી ગુણો જ્ઞાનીમાં ! પ્રશ્નકર્તા : દાદા, અમે તો પાસ કરી લીધા તમને. દાદાશ્રી : દાદાનામાં તો કેટલાય ગુણો હોય, પણ શી રીતે ઓળખાણ પડે લોકોને તો ? સમજણ જ નથી ને ! ખખડાવતા આવડે નહીં. અમારી એક આંખમાં પ્રતાપ હોય ને એક આંખમાં સૌમ્યતા હોય. સૌમ્યતા કે પ્રતાપ બે ય ગુણો સાથે ન હોઈ શકે. મોટા મોટા આ યોગીઓમાં પ્રતાપ હોય. પ્રતાપ એટલે જેને જોતાં જ બીક લાગે એટલે એમની પાસે જતાં જ આમ આમ ફફડાટ થાય. પણ સૌમ્યતા ના હોય. હોય અકળામણવાળા ! અને જે સૌમ્ય હોય સાધુ, એ શાંત સ્વભાવનો હોય, એ કોઈ દિવસ ગુસ્સે જ ના થાય. એને વઢ વઢ કરીએ તો ય અકળાય નહીં. અમારામાં સૌમ્યતા ને પ્રતાપ બે સાથે હોય. સૂર્ય-ચંદ્રના બે ગુણો, વિરોધાભાસ ગુણો સાથે રહેવાના. અને સૌમ્ય થાય તો આખું લાખ માણસનું ટોળું સૌમ્ય દેખે, અકળાય નહીં. પણ પ્રતાપ, ભડક બહુ લાગે, સૂર્ય જેવો પ્રતાપી ગુણ હોય અને ચંદ્ર જેવો શીતળ ગુણ હોય. ગભરામણ થઈ જાય, કશું બોલ્યા વગર જ. ફટાકા મારે ! આમ મોટાં મોટાં ઓફિસરો, મોટાં મોટાં આર્મીના હેડ આવે, તે બધાને ફટાકા મારે. પ્રશ્નકર્તા : શેના માટે ફટાકા મારે, ભય લાગે ? દાદાશ્રી : એને કાચું એટલે. આ ચોખ્ખું દેખે ને એટલે ફફડાટ. ચોખ્ખા માણસને ભય ના લાગે મારી પાસે. આ બધા પોતાની ભૂલોથી કાચા, તેથી જ ભય લાગે. નાના છોકરા ચોખ્ખા જ, નાના છોકરા ફાવી જાય. નાના છોકરાને બીક ના લાગે ને મોટાને બહુ બીક લાગે. ગુના કરેલા પોતાને ખબર હોય ને ! પ્રશ્નકર્તા : સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ એવું એટ એ ટાઈમ કોઇ માણસમાં હોઈ શકે ? દાદાશ્રી : જ્ઞાની એકલા જ હોઈ શકે, બીજા કોઈ ના હોય. ચાર ગુણો હોય મોટાં મોટાં, પણ આ બે વિરોધી ગુણો એ ભેગાં ના થાય. તે જ્ઞાનીમાં ભેગા થાય. બે વિરોધી ગુણો છે. એટલે સમુદ્ર જેવા ગંભીર હોય, ગંભીરતા બહુ હોય અને હિમાલય જેવી સ્થિરતા હોય. ડગે નહીં એની સ્થિરતા. તારે મહાબળેશ્વર જેવી સ્થિરતા છે ને ? આ બધા ગુણો હોય, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનામાં. તે એમ ને એમ ચઢી બેઠેલા ના ચાલે, બા ! આપણે પૂછીએ ને, આ ગુણો દેખાડો. પ્રશ્નકર્તા : તે દાદા, પેલા લખે છે ને, એક હજાર આઠ ગુણો ! દાદાશ્રી : લખે ખરાં. અમારામાં તો એક હજાર આઠ ગુણો હોય. ગુણનું ધામ કહેવાય. તે ય આ તો દેહના ગુણો, પૌદ્ગલિક ! ભડકાટના ભયને આમ ભગાવો ! 'ફેક્ટ' વસ્તુ નહીં જાણવી જોઈએ ? ક્યાં સુધી આ લૌકિક વાતો જાણશો ? અલૌકિક જાણ્યા સિવાય બધો છૂટકારો નહીં થાય, ભય નહીં જાય. આગલે દહાડે ભૂતની વાત સાંભળી હોય કે ચોપડીમાં વાંચવામાં આવી હોય ને રાતે પછી એકલા સૂઈ જવાનું થયું ને જોડેની રૂમમાં પ્યાલો જરા ખખડ્યો, ભલે ઉંદરે ખખડાવ્યો હોય, પણ મહીં શું થાય ? ભૂત પેઠું, તે મહીં હઉ ભૂત પેસી જાય. રાતે બાર વાગ્યાનું ભૂત પેઠું, તે સવારે સાત વાગે મહીં રસોડામાં જઈને જાતે જુએ નહીં ત્યાં સુધી ભય ને ફફડાટ. પાછું અહીં સાંભળે કે વડોદરા પર બોમ્બ પડવાનો છે, ત્યાર પહેલાં તો મહીં ફફડાટ, ફફડાટ, ફફડાટ થઈ જાય. અલ્યા, કહેનારો કંઈ ત્રિકાળજ્ઞાની છે ? અને એ બોમ્બ આપણને અડે એવી લાયકાત ધરાવે છે ? એવું છે, આપણા તાપથી એ બોમ્બ એક હજાર માઈલ છેટે જઈને પડે. આપણા તાપથી એ બોમ્બ પણ ધ્રૂજે. પણ આ તો ચકલાની પેઠ ફફડ ફફડ થાય ! અને જો હિસાબ છે તો કુદરતની આગળ કશું ચાલવાનું નથી. હિસાબ તો ચૂકવવાનો જ છે ને ! દેહ ધર્યો છે ત્યારથી બધા હિસાબ ચૂકવવા તો પડશે ને ? ... ફોજદારેય ચમક્યા ! અને મને તો ફોજદારેય એવું કહેતા'તા, કોટડીમાં ઘાલી દઈશ. ત્યારે મેં કહ્યું લઈ જાવને, મારે ઘેર તો એકલો હતો તે બારણું વાસવું પડે. અહીં તો આ સિપાઈઓ રોજ વાસી આપશે, ખરેખર પણ અંદરેય એવું. એ તો ચમક્યો. આવું બે-ત્રણ વખત શબ્દ બોલ્યોને, તો એ ચમક્યો અને પછી એણે બીજા ફોજદારને કહ્યું કે કોઈ મોટા પ્રધાનનો સગો છે આ. આવું બોલતું હશે કોઈ ? કોઈ રાજાય દુનિયામાં ના બોલ્યો હોય, વડાપ્રધાનનેય આંબી જાય ! આ ફેક્ટ વસ્તુ કહું છું. ભય તો ક્યાં ગયો પણ ચા પાઈ કન્ટ્રાક્ટર જાણીને ! દસેક મળશે એવી આશા રાખતો'તો. એ તો ગયા ખાતે જ ને ! અરે મૂઆ, અમારી પાસે આશા રાખી ? સતી પર આશા રાખે. સતી ને સતો બે, એની પર તમે દાનત બગાડી ? જ્યાં ભગવાનનેય છેટું ઊભું રહેવું પડે. ભગવાનનેય મર્યાદા સાચવવી પડે, બહુ છેટું ઊભું રહેવું પડે. લોકપૂજ્ય પદ જ્ઞાનીનું ! એ ફોજદારેય બિચારો કાળ-કર્મને આધિન છે. એને એય ફસામણથી કરે છે ને એય પરતંત્ર છે એથી કરે છે. એથી ભગવાને કરુણા રાખી. અમને કોઈ દોષિત દેખાય નહીં. કોઈ ગજવું કાપનારોય દોષીત દેખાય નહીંને ! પેલો દોષીત દેખાય નહીં. કારણ નિર્દોષ જ છે બધાં. કાળ-કર્મને આધીન છે, તે બિચારો. આવું બધું ઘડીમાં જશવાળો ને ઘડીમાં અપજશવાળો. ત્યારે કહે, આ ભઈને જશ કેમ મળે છે ? કશુંય કરતા નથી અને આ ભાઈને બહુ કામ કરે છે તોય જશ નથી મળતો. ત્યારે કહે કે જશ, યશનામના કર્મને આધીન છે. આ મારે હું અમથો હાથ અડાડુંને તોય દરવાજા ઊઘડી જાય છે અને લોક ધણથી મહીં ઠોક ઠોક કરે છે, તાળા તોડે છે તોય ઊઘડતા નથી. ત્યારે યશનામ કર્મના આધીન છે. એટલે જ્ઞાની પુરુષનું તો યશનામ કર્મ ને બધા કર્મ બહુ ઊંચા હોય. એ ગોત્રકર્મ ને બધાંય કર્મ ઊંચા હોય. એમને ય કર્મ તો ખરાંને ! ગોત્રકર્મ લોકપૂજ્ય હોય. બધા કંઈ લોકપૂજ્ય ના હોય જગતમાં, કો'ક દહાડો કો'ક માણસ હોય. પોલીસવાળાને તો જે' જે' કરે છે ને, એ તો બીકના માર્યા કરે છે. પછી જાય ત્યારે કહેશે, ભૂત ગયું. ચાલો ! અને જ્ઞાની પુરુષ તો જતાં હોયને, તો એ ના જાણે તો પાછળથી જે' જે' કરે લોક. એટલે એ લોકપૂજ્ય કહેવાય. અને પછી બીજા આ કાળમાં લોકપૂજ્ય ઓછાં હોય છે, એટલે ભગવાને બીજી એક શ્રેણી બતાવી. જે જે લોકનિંદ્ય નહીં થાય, તેને અમે લોકપૂજ્યમાં ગણીશું. ભૂલો થઈ હોય, તો નવેસરથી ફરી પાઠ ગણીએ તો આજે લોકનીંદ્યમાં ના આવીએ એવું કાર્ય થાય આપણાથી તો ઘણું સારું કહેવાયને ? કારણ ભગવાને લોકપૂજ્ય કહેલું છે એને. નિંદ્ય ના થયું, એને પૂજ્ય કહેલું છે. પ્રશ્નકર્તા : લોકમાં કોણ પૂજાય અને લોકમાં કોણ ના પૂજાય ? દાદાશ્રી : જે આપણને હ્રદયથી ગમે એ પૂજાય લોક. હ્રદયથી ગમે. મનથી ગમે એ તો કાલ સવારે અવળોય નીકળે. મનથી કોઈ ગમી ગયું હોય આપણને, એ તો કાલે કડવુંય નીકળે. અને હ્રદયથી ગમે આપણને, હાર્ટીલી હોય એકદમ. એ તો કાયમને માટે જ આપણને ગમ્યા કરે. અને મનથી ગમેલુંને, તે કાલે અણગમો ઉત્પન્ન થશે. મનથી ગમેલી ચીજો જ્યારે અતિ પરિચય થાય ત્યારે અણગમો થાય. અને જ્ઞાની પુરુષ તો હ્રદયથી ગમતાં એટલે અમે અહીં આગળ સાત વર્ષથી સત્સંગ આપવા આવીએ છીએ ને પણ બધાને રોજ નવું ને નવું જ લાગ્યા કરે. જૂનું થાય તો અણગમો ઉત્પન્ન થાયને ! જૂનું જ ના થાય. જ્ઞાની પુરુષ કોઈ દહાડો જૂના જ ના થાય. રોજ નવા ને નવા, નવા ને નવા, ફ્રેશ જ લાગ્યા કરે. એમની વાત ફ્રેશ લાગે, એમનું વર્તન ફ્રેશ લાગે, એમનું વર્તન મનોહર હોય, વાણી મનોહર હોય, એમનો વિનય પણ મનોહર હોય. મનોહર એટલે આપણા મનનું હરણ કરી લે તેવું હોય. પ્રશ્નકર્તા : સદૈવ આહ્લાદકકર. દાદાશ્રી : હંઅ... હ્રદયને આહ્લાદકકર. લોકોનેય નિર્ભય બનાવ્યા ! મેં લોકોને કહેલું, 'તમારું કામ કરાવી જજો મારી પાસે, જે કંઈ હોય તે. સલાહ સંપ, બીજું કંઈ હોય ! મારી પાસે પૈસા હોય તો ય આપીશું, પણ તમારું કામ કરીશું. તમારે મારું કામ કરવું નહીં.' કારણ કે મારું કામ તમને કરવાનું ના કહું ને, એટલે તમને મારા તરફનો ભય ના રહે. કોઈક દહાડો રાતે સિનેમામાં ગયા હોય ને ત્યાંથી તમારે ત્યાં આવ્યા. તમે કહો, 'આ કોઈ દહાડો આવે નહીં, ને આમ આવ્યા, માટે કંઈ જોઈતું હશે.' તે આ ઊલટું તમે 'સતી' ઉપર દ્રષ્ટિ બગાડો છો. આપણે જોઈતું નથી અને એ દ્રષ્ટિ બગાડે, ફફડે મહીં કે 'કંઈ માગશે, માગશે.' ત્યારે મેં બધાને કહી દીધું કે 'આ હાથ ધરવા માટે નથી. માટે તમારે જે જરૂર હોય, તે મને કહેજો.' આઈ વીલ હેલ્પ યુ. અને તમારે મને હેલ્પ આપવી નહીં. કારણ કે એમનાં મનમાં ભય પેસે કે શું લેવા આવ્યા છો, દાદા ? તો દુઃખદાયી થઈ પડ્યો હું. એ તો ખોટું. હું જઉંને ભય થઈ પડે એવું રાખશો નહીં. એટલે બધાં નિર્ભય બની ગયેલાં. આ બધી ફસામણ છે, સંસારિક. ક્ષણવાર શી રીતે સહન થાય ? અમારે કોઈ ઉપાધિ નહોતી તોય સહન નહોતો થતો. કશી ઉપાધિ નહીં. ઘેર ભાઈબંધોની ચાર ગાડીઓ ફર્યા કરે. મેં કહી દીધું હતું કે કશું મારે જોઈતું જ નથી. હું જાણું, નાનપણથી જ હું સમજતો કે મારે બે હાથ છે, આ લોકોને બે હાથ છે, ત્રીજો કોઈનો દીઠો નહીં. ફક્ત માતાજીને ચાર હાથ હોય છે, તે એ ફોટાવાળા માતાજીને. બાકી બે હાથથી ઉપર કોઈ જોયો નહીં. બે હાથવાળા તે બધાં ભીખારી કહેવાય. ભીખ, ભીખ ને ભીખ. જેને ઈચ્છાઓ, આ જોઈએ છે ને તેે જોઈએ છે. હમણાં કોઈ પાંચ- પચાસ હાથવાળો હોય તો કહીએ, વીલ યુ હેલ્પ મી ? આ તો ભીખારાં મનનાં. જેમ જેમ શ્રીમંત થયેલો હોયને, અમારું જે શ્રીમંતોનું જે સર્કલ હતું, તે બધાં મનનાં ભીખારાં જોયાં. એનાં કરતાં જે ગરીબોનું સર્કલ હતુંને તે બહુ મોટાં મનનાં. કારણ કે તે કહે કે આજે મારી પાસે સો રૂપિયા હાથમાં આવ્યા છે તે દાદા, આપણે બધી કંપનીને બોલાવવી છે. દાદા, મારે જમાડવા છે. અને પેલાંની પાસે રોજનાં પાંચસો આવતાં હોય તોય ના જમાડે કોઈ દહાડો. શ્રીમંત એટલો લોભ. એક દહાડો તો હું એક જણને ત્યાં બેઠો હતો. તે બે-ત્રણ જણાં આવ્યાં. મોટી કરોડપતિ પાર્ટી. તે મને કહે છે કે જોયું હવે. આ લોકો ચા પીવા નીકળ્યા છેે. હું તો સમજી ગયો કે આવાં નંગોડ માણસો આ તો. સામા માણસ આપણે ત્યાં આવે છે તે નવરો છે કે મૂઆ ચા પીવાને માટે. શહેર છે, ગામડું નથી. અને ગામડું હોય તોય ચા પીવા આવે તો બહુ સારું ઊલટું. અત્યારે ચા પીવા માટે આવે તો જરૂર પાવી જોઈએ કે આવી કોણ ચા પીવા આવે ? ખાવા કોણ આવે ? મને કહે, જોયું હવે ? હું તો સજ્જડ થઈ ગયો. આ લોકોની ભાવના ભ્રષ્ટ થઈ ગયેલી છે. અને પાછાં એ આવે ત્યારે શું કહે, આવો, આવો, પધારો. ત્યારે મૂઆ પહેલાં શું કામ નંગોડ, આવો કઈ જાતનો નાગો છે ? હ્રદયની જુદી, મોઢેથી વાત જુદી. કઈ જાતના નાગા લોકો ! અને આમને જ બધાંં કેન્સર થાય છે. પછી ડૉક્ટર કહે, કેન્સર થયું છે. હાર્ટફેઈલ થાય, બીજું થાય. એટલે એ લોકોને ભય ના લાગે માટે એ લોકોને પછી નિર્ભય બનાવી દીધેલા. એ લોકોને આ બહુ ગમ્યું. એમને મેં પછી કહ્યું તમારું કામ હોય તો મારી પાસે કરાવજો. મને કશો ભય નથી લાગતો, કોઈ દહાડોય તમે આવશો ને મારી પાસે જે હશે તે આપીશ. મારી પાસે નહીં હોય તે નહીં આપું. તે કબાટ ઊઘાડીને આપતો હતો, રાત્રે બાર વાગે આવ્યો હોય તોય. હીરાબા એટલું કહે કે 'તમે બહુ ભોળા છો. તમારી પાસેથી ચાવીઓ લઈ લેવા જેવી છે.' મેં કહ્યુંુ 'હું આપી દઈશ તમને !' તે જ્યારે ચાવી આપી દીધી પછી પાછી લીધી નથી. અત્યારે કબાટ કે કશું આપણા તાબામાં ના મળે. કારણ કે બધું આપ આપ જ કર્યું એટલે પછી કશું રહે નહીં ને ! અને કોઈ સાચુંય રડે ને કોઈ ખોટુંય રડે ને પાછાં ! ખોટું રડે, બનાવટેય કરતાં હશે ને ? પ્રશ્નકર્તા : કરે. દાદાશ્રી : બધી જાતના લોક આવે. પણ એ બધું છૂટી ગયું મારે. હાથ ધરવો નહીં એ તો બહુ મોટો અહંકાર. મિત્રોને કહી દીધેલું કે તમે નીડર રહેજો. ત્યારે બીજું શું થઈ જવાનું છે ? કર્મના ઉદય તો હોયને, બળ્યા. સાંધો તો મળી આવે કે ના મળી આવે ? બહુ દહાડા અડચણ પડી'તીને ! આવો સ્વભાવ તેથી બહુ અડચણ પડેલી. પકડાયો વર્તમાન ભય, વાઘડુંગરી પર ! તે જ્ઞાન થયા પછી (એક-બે વર્ષમાં) હું મારી પરીક્ષા કરવા ગયો હતો. સોનગઢમાં અમારે લાકડાનો બિઝનેસ કરેલો. તે પછી ત્યાં આગળ પેલું ડાંગનું જંગલ ખરુંને ત્યાંથી શરૂઆત થાય. મેં એક જણને પૂછયું કે 'અહીં વાઘ કોઈ રહે છે ? ત્યારે કહે કે, 'અહીં વાઘડુંગરી છે, ત્યાં આગળ વાઘ રહે છે.' ત્યારે મેં કહ્યું કે, 'આપણે ત્યાં જવું છે.' ત્યારે કહે, 'સાહેબ, ત્યાં શું કામ છે ? લોકો ત્યાં ગયા હોય તો પાછા આવતા રહે છે, ત્યાં જવાની વાત કરો છો ?' મેં કહ્યું કે, 'મારે પરીક્ષા કરવી છે, મારી જાતની પરીક્ષા, મને એમ લાગે છે કે બધા પ્રકારનો ભય મને ગયો છે. પણ ગયો છે કે નહીં તેની સાબિતી કરવી છે.' કારણ કે ભૂતકાળનો ભય ગયો છે, એની સાબિતી થઈ ગયેલી કે ઘડી પહેલાં શું થઈ ગયું બધાનું, કશું અંદર થાય નહીં. પરિણામ ઉત્પન્ન ના થાય. ઘડી પહેલાં ગમે તે થઈ ગયું, કે બધું બળી ગયું, કે બધા મરી ગયા, તો એનું કશું અંદર થાય નહીં. એટલે ભૂતકાળની સાબિતી થઈ ગઈ. અને ભવિષ્યકાળની મારી પાસે સાબિતી છે. કારણ કે હું 'વ્યવસ્થિત' જોઈને આવ્યો છું. આ જગત 'વ્યવસ્થિત' જ છે એવું હું જોઈને આવ્યો છું અને આ બધાને મારા અનુભવ પ્રમાણે 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે કે જગત 'વ્યવસ્થિત' જ છે. પણ એ તમારે માટે છે, નહીં કે લોકોને માટે. આ તો સાપેક્ષ વચન છે. એટલે મેં દ્રષ્ટિ બદલી આપી છે, તેને માટે છે. દ્રષ્ટિ બદલાયેલી નથી, તેને માટે નથી. એટલે ભવિષ્યકાળનો ભય મને રહ્યો નથી. એ તો મને સો ટકા ખાતરી છે. કારણ કે બીજાનો ભવિષ્યનો ભય કાઢી આપ્યો તો મારો કેમ કરીને રહે ? એટલે ભૂતકાળ ને ભવિષ્યકાળના બે ભય ગયા. હવે વર્તમાન કાળની સ્થિતિ એને માટે મેં કહ્યું કે ટેસ્ટ તો આપણે કરવો જ જોઈએ. એમને એમ બોલીએ કે ના, ના, મને કશું અડતું નથી, એ કંઈ ચાલે નહીં. એટલે ટેસ્ટ તો કરવો જ જોઈએને ? તે વાઘડુંગરી પર ગયા. ત્યાંના બે માણસોને લઈ ગયો, ત્યાંના આદિવાસીઓ.... તે બે માણસો ગભરાતા હતા. મને કહે છે કે 'સાહેબ, અમે તો તમારી જોડે વખતે આવીએ, પણ અમે તો ઝાડ ઉપર ગમે ત્યાં ચઢી જઈએ, પણ તમને તો ઝાડ ઉપર ચઢતાંય ના આવડે.' મેં કહ્યું કે, 'જોઈ લઈશું આપણે, પણ મને જોવા તો દો કે ભય લાગે છે કે નહીં તે ?' એટલે પછી અમે ઉપર ચઢ્યા. પછી મને દેખાડ્યું કે આ મહીં 'હોલ' છે. એની મહીં, અહીં આગળ આ બે-ત્રણ બખોલામાં એક-બે વાઘ રહે છે. પછી કહે છે, સાહેબ, હવે આપણે જઈએ. પ્રશ્નકર્તા : પાછાં જઈએ, એમને ? દાદાશ્રી : હા, આપણે હવે પાછા જઈએ, તમે જોઈ લીધુંને ? કહે છે. મેં કહ્યું કે, જોયું, પણ મને હજુ અનુભવ શો થયો ? જેટલો અનુભવ તમને છે એટલો જ મને છે. એટલે એમ કરો, તમે ચાલવા માંડો. હું અહીં બેસું છું. મારે આ જોવું છે, ટેસ્ટ લેવો હોય તો પછી થર્મોમિટર મૂકવું જ પડેને ? થર્મોમિટર મૂક્યા વગર ટેસ્ટ કેમ થાય ? એ બધા ઊભા હોય એમાં શું ટેસ્ટ થાય ? એ તો એમનોય થયો અને આપણોય ટેસ્ટ થયો. એ માણસો ઊભા છે એટલે એ તો હૂંફ કહેવાય. એટલે મેં એમને કહ્યું કે, તમે ચાલવા માંડો. તે થોડેક છેટે ચાલ્યા હશે, બસ્સો-ત્રણસો ફૂટ, એટલે મહીંથી કોઈક બોલ્યું કે આ જતાં રહેશે, પછી લોકોને સંભળાશે નહીં અને આ બાજુ વાઘ આવશે તો ? એટલે હું સમજી ગયો કે આમાં આપણે ફેઈલ છીએ. એટલે મેં એમને બૂમ પાડી. મેં કહ્યું કે 'પાછાં આવો ભાઈ, પાછાં આવો.' એટલે એ બિચારા દોડતાં દોડતાં પાછા આવ્યા. જાણ્યું કે આ ભડકી ગયા. મને કહે છે, 'અમે ના કહેતા હતાને સાહેબ, અહીં રહેવા જેવું નથી.' મેં કહ્યું કે, 'મારે અહીં આગળ એટલું જ જોવું હતું. એ હજુ વાઘ તો મને દેખાયો નથી. મહીંવાળાએ બીવડાવ્યો છે મને. વાઘ તો મને દેખાયો નથી. એનું મોઢું નથી દેખાડ્યું, બૂમ નથી પાડી, મને મહીંવાળાએ બીવડાવ્યો કે હમણે નીકળશે તો ?' ઓત્તારી ! આ આપણો વર્તમાન ભય ચાલુ રહ્યો છે. એટલે હું સમજી ગયો કે હજુ વર્તમાન ભય રહ્યો છે. તે પેલા લોકોને પાછા બોલાવ્યા. મેં કહ્યું, 'ભાઈ, મારે જે ટેસ્ટ કરવો હતો તે કરી લીધો.' એટલે ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ ગયું, વર્તમાન ભય રહ્યો છે. અત્યારે આમ વર્તમાન ભય ના રહે, આમ સ્વાભાવિક રીતે. જે આવવું હોય તે આવો. પણ વર્તમાન ભય જોઈ શકાય નહીં. પ્રશ્નકર્તા : ભૂતકાળમાં તો તમે જોઈને નક્કી કરી શકો, વર્તમાનમાં કેવી રીતે ? અને ભવિષ્યનો પણ ન દેખાય ને ? દાદાશ્રી : ના, ભવિષ્યનો ભય તો જતો રહ્યો છે. ભવિષ્યના ભયનોય મને વાંધો નથી. આખો ભય જ નથી થયો. ભવિષ્યમાં શું થશે, એનો મને કંઈ ખ્યાલ, મારા લક્ષમાં આવ્યા કરે એવું નથી. એટલે આખું જગત છે તે ભવિષ્યકાળમાં વધારે ખોવાયેલું છે, અગ્રશોચમાં ને એમાં બધામાં. શું થશે, આની આગળ શું થશે, એમાં જ બધું ઘણું ખરું અને કેટલાક નબળા મનનાં છે તે ભૂતકાળને પણ રડે છે. ભૂતકાળ, થઈ ગયેલાંને રડે છે કે મારી વાઈફ બે વરસ પહેલાં મરી ગઈ, બહુ સારી હતી. મૂઆ, અત્યારે શું કરવાં રડે છે ? હવે એ તો ગઈ. એટલે આનો કંઈ મેળ પડે એવો નથી. આ વર્તમાન ભય એટલે હું કહેવા માંગું છું જુદું કે અત્યારે વાઘના જંગલમાં મને લઈ જાવ તો મને વાંધો નથી, વાઘ ખઈ જશે તેનોય મને વાંધો નથી પણ વાઘ સામો દેખાય તો મને ભય લાગે. વર્તમાન ભય એટલે આ છેલ્લામાં છેલ્લી, આ ચાર ડિગ્રી મારી બાકી રહી, આ કેવળજ્ઞાન થવામાં તેથી. પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરને અહીંયા પણ કંઈ ન હોય ? દાદાશ્રી : જો ચાર ડિગ્રી પૂરી હોત તો આ કંઈ ના હોત. એટલે આ વર્તમાન ભયથી મુક્ત થઈ જવા જેવું છે. પછી અમે એ ભયથી મુક્ત થઈ ગયા. હવે અંબાલાલ જરા ભડકે તો મારે શું ? અંબાલાલને ને મારે શું લેવા-દેવા ? લાંબી લેવા-દેવા નહીં ને ! પાડોશી તરીકે એ તો અમારે આટલું હજુ એકપણું વર્તતું હતું, તે એકપણું અમે છૂટું કરી નાખ્યું કે ભઈ, હવે એય નહીં ને આય નહીં. અમારે વ્યવહાર જ નહીં આવો બીજો. પાડોશી વગરનો વ્યવહાર જ નહીં ને ! હું જે કહેવા માગું છું, જે સેન્સમાં, એ સમજાય છે ને ? પ્રશ્નકર્તા : એટલે સ્પષ્ટતા થઈ ગઈ, અમારા મનમાં. જે કહેવા માંગો છો, એ બરાબર સમજાઈ ગયું. બસ હવે અહીંયાથી પામીને, ઘણું અમે લીધું છે, અમારે આપવાનું શું પછી ? દાદાશ્રી : તમારો પ્રેમ જ આપવાનો. હું તો પ્રેમનો જ ભૂખ્યો છું. પણ આ તો આ વાત નીકળી ત્યારે પેલી વાત મને એડજસ્ટ થાય. દરેક વાત મેં ટ્રાયલ ઉપર મૂકેલી. આ દુનિયામાં એક પણ ચીજ હું ટ્રાયલ ઉપર મૂક્યા વગર રહ્યો નથી. અને ટ્રાયલ એટલે આમ અનુભવ થાય તો જ હું આગળ ખસું. એટલે આને ટ્રાયલ ઉપર મૂકેલું અને આ જુઓને, અહીં વાત નીકળી ત્યારેને ? નહીં તો મને શું યાદ હોય ? ભય માત્ર, કલ્પનાનો ! પ્રશ્નકર્તા : જેને દેહનો માલિકીભાવ જતો રહ્યો હોય, તેને દેહની પીડા ઓછી થાય ને ? દાદાશ્રી : દેહની પીડા થવાનો અમને ભય નથી હોતો. દેહની પીડા થતાં પહેલાં 'આમ થશે, તેમ થશે.' એ વખતે ભય હોય છે. વર્તમાન ભય હોય છે. થઈ ગયા પછી કોઈ જાતનો ભય નથી હોતો. કોઈ માણસ અમને કહે કે 'કાલે તમે પડી જશો અને આવું થશે', તો એ ભય લાગે. બાકી થઈ ગયા પછી ભય ના લાગે. પ્રશ્નકર્તા : ઓપરેશન થતાં પહેલા ભય લાગે. થઈ ગયા પછી કોઈને ભય ના લાગે. દાદાશ્રી : ના. જગતને તો બધોય ભય લાગવાનો. થતાં પહેલાંય ભય ને થઈ ગયા પછીય ભય. ભય એટલે આખો આમ કકળાટ, કકળાટ, કકળાટ જ થયાં કરે. અને અમને જો પહેલેથી એમ કહ્યંું હોય કે આમ થશે. પગે વાગશે તો એનો ભય લાગે. બાકી, આ દાંત ક્યારે નાદારી કાઢશે એ કહેવાય નહીં. આ સંસાર દગો છે, દેહ દગો છે, આમાં શું સગો કરવા જેવું છે ? સારું સારું જમાડીએ તો પણ પેટમાં દુઃખે. આ બધું દગો છે. પૂરણ-ગલનનો દગો છે. પણ વ્યવસ્થિત એવું તંત્ર છે કે આપણે નિર્ભય તરીકે રહેવાય એવું છે. સંસાર વ્યવહારમાં ને મોક્ષમાં નિર્ભય. ... ત્યારે આત્મસ્વરૂપ જ થઈ જઈએ ! પ્રશ્નકર્તા : બીજી બધી બાબતમાં તો આપણને થાય કે ચંદુભાઈને થવાનું છે ને, પણ જ્યારે વાઘ આવે ત્યારે ચંદુભાઈને થવાનું છે એવું ના થાય ને ? દાદાશ્રી : ના, આમ રૂબરૂ હાજર થાયને, આ તો મારી વાત છે, મારું સ્કેલ બનાવું છું. રૂબરૂ હાજર થાય તો મને કશું ના થાય. પણ હાજર ના થાય ને આવે છે એમ કહ્યું તો ભય ઊભો થાય. એટલે ક્યાં આગળ નબળાઈ રહી છે ને, તે બહુ ઝીણવટથી તપાસ કરી લઈએ. પ્રશ્નકર્તા : કોઈ ધોલ મારી જાય તો થાય કે ચંદુભાઈને મારી છે, પણ વાઘ આવે તો ચંદુભાઈને થાય છે એ કેવી રીતે રહે ? દાદાશ્રી : તે હું ના નથી કહેતો, તમને થાય અમુક, પણ મને ક્યાં થાય, ક્યાં સુધી થાય, તે મારો ટેસ્ટ કહું છું. તમારો ટેસ્ટ જુદો ને મારો ટેસ્ટ જુદો. એ દેખતાંની સાથે જ અમારા છે તે મહીં પરિણામ કેવા થાય, આત્મસ્વરૂપ, સંપૂર્ણ આત્મસ્વરૂપ થઈ જઈએ. પ્રશ્નકર્તા : આપના સંબંધમાં, આ પ્રસંગનાં સંબંધમાં નહીં, જ્ઞાની બધી જુદી જુદી ભૂમિકાઓ ઉપર હોય છે. અમારે મન તો બધાં શિખર જેવાં, પણ આ તો વાઘનો દાખલો આપ્યો, એ વાઘને વાસ્તવિક સ્વરૂપમાં એટલે વાઘરૂપે જોવો અને એ રીતે વ્યવહાર કરવો. દાદાશ્રી : તે વ્યવહાર જ નથી ને આત્મજ્ઞાનીનો. પ્રશ્નકર્તા : નાસી જવું, હું આપની વાત નથી કરતો. જ્ઞાનીઓની વાતો કરું છું. પણ વાઘ આવે તો વાઘના સ્વરૂપમાં જોવા, હાથી આવે તો હાથીના સ્વરૂપમાં જોવા, બાજુમાં ખસી જવું, વાઘને યથાર્થ સ્વરૂપમાં જોવો અને એ રીતે વ્યવહાર કરવો, એ જ્ઞાનીની રીત ખરી કે નહીં ? દાદાશ્રી : હા, એ જ જ્ઞાનીની રીત. એને યથાર્થ રૂપે જોવા જ્ઞાનીની રીત. એના રૂપમાં ફેર નહીં પણ છતાંય યથાર્થ રૂપે જોવા છતાંય જો ભય ઊભો થાય તો એ શું ? આ તો ખાલી ટેસ્ટ જોવાનું. મને કો'કે પૂછયું'તું, તમે સંપૂર્ણ નિર્ભય રહી શકો છો ? ત્યારે મેં કહ્યું, મેં તપાસ કરતાંં અમુક અમુક જગ્યાએ ટેસ્ટ કીધા. તે ટેસ્ટ લેતાં નિર્ભય રહી શકાય છે પણ અમુક જગ્યાએ નિર્ભય નથી રહી શકાતું. પ્રશ્નકર્તા : પછી એકાંતમાં એકલા હોય ને વાઘને પાસે બેસાડે ને એની જોડે એનો જ્ઞાતા સાધક જુદો હોય એમની કૃપાથી પણ બાકી તો જ્ઞાનીનો વ્યવહાર સમજમાં છે. દાદાશ્રી : એને જોડે હઉ બેસાડીએ, એટલું બધું રહી શકે એ વસ્તુ જુદી છે. પ્રશ્નકર્તા : મારું કહેવાનું તાત્પર્ય એટલું કે સમાજના વાઘ હોય, હવે કોઈ આવીને જ્ઞાની માણસ બેઠો છે અને વિના કારણ, પેલાને તો સમતા છે, ક્ષમા છે, બધી જ ભાવના છે, પણ એ આવીને એક વાર, બે વાર, ત્રણ વાર, અમસ્તો મારવા કે તલવાર ઉપાડવા પ્રયત્ન કરે, તો જ્ઞાની બેસી રહે ? ભલે એ સાક્ષીભાવથી પણ એનો સામનો કરેને ? સમતાથી કરે. દાદાશ્રી : પ્રતિકાર દેહ કરે છે એટલે 'પોતે' જાણ્યાં કરે અને દેહ તો એની મેળે કર્યા કરે. એ પોતાના તાબામાં નથી, દેહને શું કરવું ? એ 'વ્યવસ્થિત'નાં તાબામાં છે. પોતે જ્ઞાનમાં રહીને પણ આ દેહ લડે, લડે એકલું નહીં, રડે હઉ. જ્ઞાની પુરુષ રડે તો આપણે એમ માનવું કે એ પોતે રડે છે ? લડેય ખરાં, રડેય ખરાં, સનેપાત હઉ થાય, ગાંડું-ઘેલું બોલે તો ય પણ જ્ઞાની જ્ઞાનમાં છે. માટે આટલું સમજવા જેવું. કોઈ વાર સનેપાત જ્ઞાનીને થયો હોય તો આપણે જાણીએ, આવાં કેમ થઈ ગયાં ? આવાં કેમ થઈ ગયાં ? ના, તારી બુધ્ધિ ભ્રષ્ટ ના થવા દઈશ. જ્ઞાની તો જ્ઞાનમાં જ છે. આ દેહ 'વ્યવસ્થિત'ના તાબામાં છે એટલું સમજવું જોઈએ ને ? ઝીણી આ વાત, બહુ ઝીણી વાતો. તે ઘડીએ તમે જતાં રહો પાછાં કે 'હેય... આ તો ગમે તેવું બોલે છે.' પ્રશ્નકર્તા : તો પછી આ વર્તમાન ભય જાય ક્યારે ? એટલે કેવળજ્ઞાન થાય ત્યારે જાય ? દાદાશ્રી : હા, કેવળજ્ઞાન થાય ત્યારે જાય. બાળકો પણ ભય ન પામે ! આ અમારી છાયા પડેને, એમાં ભયભીત ઓછા થઈ જાય. પ્રશ્નકર્તા : રમકડાં જેવાં નાનાં નાગોડિયાં છોકરા જોડે તમને ફાવે છે કેમનું ? દાદાશ્રી : અમે 'કાઉન્ટર પુલી'ઓના સેટ રાખીએ છીએ. એટલા બધા સેટ રાખીએ છીએ કે કોઈ માણસ અહીં આવ્યો કે તેવી જ અમારે 'કાઉન્ટર પુલી' ગોઠવી દેવાની. એટલે આવું બાળક આવે ને મને જે' જે' કરે તો મારે એની જોડે વાતચીત કરવી પડે. અમારાથી બાળક ક્યારેય પણ ભય ના પામે. કડક ઠપકો છતાં કલ્યાણકારી ! એટલે લોક ભડકાટનું માર્યું આમ ભડક ભડક કર્યા કરે છે. મારી પાસે મોકલ. આખા વર્લ્ડનો ગમે તે માણસ હોય તો મોકલ. કારણ કે અમને, આખા વર્લ્ડને ઠપકો આપવાને માટે જ્ઞાની પુરુષ, જેને કોઈ જાતની લાલચ હોય નહીં, તે આખા વર્લ્ડનાં ગમે તે માણસને ઠપકો આપે. કોઈ પણ લાલચ ના હોય, લાલચુ બધાંને ઠપકા ના આપેે. અમે આખા વર્લ્ડને ઠપકો આપીએ. અને બધાના હિતમાં હોય, આખા વર્લ્ડનાં. એક માંગતાવાળો એક જણને પજવતો'તો. મને કહેવા આવ્યો કે માંગતાવાળો મને ખૂબ ગાળો દેતો'તો. મેં કહ્યું, મને બોલાવજો. પછી માંગતાવાળો આવ્યો, તે એનો છોકરો બોલાવવા આવ્યો, તે હું ગયો. તે પેલો માંગતાવાળો પાછો ધીમે રહીને બોલતો'તો. હું જરા આઘો બેઠેલો, સાંભળવા માટે. તે અંદર બેઠેલોને, તે માંગતાવાળો કહે છે, 'તમે આવી નાલાયકી કરો છો ને આમ ને તેમ, આ તો બદમાશી કહેવાય.' આમ તેમ, બધું ગાળો દેવા માંડ્યો ને, એટલે પછી મેં બહાર નીકળીને કહ્યું, તમે માંગતાવાળા છોને ? ત્યારે કહે, 'હા, હું માંગતાવાળો છું.' મેં કહ્યું, 'એ આપનારા છે. તમારું બેનું એગ્રિમેન્ટ છે. એણે આપવાનું એગ્રિમેન્ટ કર્યું છે, તમે લેવાનું એગ્રિમેન્ટ કર્યું છે. આ ગાળો દે છે, એ એક્સ્ટ્રા આઈટમ થાય છે. એનું પેમેન્ટ કરવું પડશે. આ શરત નથી કરારમાં. ગાળે ગાળે ચાલીસ રૂપિયા કપાશે. તું લેવા આવ્યો છું, તે વિનયની બહાર બોલ્યો તો એકસ્ટ્રા આઇટમ થઇ કહેવાય. કરારની બહાર ચાલ્યો તું. એટલે એ ચક્કરેય પાંસરો થાય. ફરી ગાળો ના ભાંડેને ! એનાંથી સામું ના બોલાય. એેેમ ફાવે એ બોલીએ. અમે તો આવડું આપીએ કે તેવડું આપીએ. પછી માંગતાવાળો પાંસરો ચાલેને ? સમજી જાયને ? એને સમજણ નથી કે આ ગાળો એટલે શું છ ે ? મૂઆ, એક્સ્ટ્રા આઈટમ કહેવાય. આ શરત નથી. મારે આપવાનાં છે, એ શરત છે ને તારે લેવાનાં છે એ શરત છે. આ વધારાની આઈટમ શાથી આવી ? આ એક્સ્ટ્રા આઈટમના પૈસા આપવા પડે. એક્સ્ટ્રા કેમ બોલ્યો તું ? બીવડાનારા ય વીતરાગતાથી સીધાં ! એક ભઈ ઑફ થઈ ગયાં પછી એમના વાઈફ એમને શુંય જોઈતું હશે, તે ત્રાગું માંડ્યું. તે ત્યાં બધા આવેલા. તે બેને ઊંચા થઈ થઈને કૂટવા માંડ્યું. તેણે બધાંને બીવડાવી માર્યા ને મને બીવડાવી માર્યો. તે એક ભાઈ તો બી ગયો. એ ભાઈને મેં કહ્યું, 'રહેવા દો. આવું બીશો-કરશો નહીં, શાંતિથી બેસોને, એ થઈ રહે પછી આપણે ચા-બા પાઈએ. એમને જેટલું કૂદવું હોય તે કૂદી દેવા દોને !' એટલે એ બેન તરત કહે છે, 'તમે જ કરો છો આ બધું.' મેં કહ્યું, 'હા, એ જ ખરું !' ત્રાગું તે તરત સમજી જઉં હું કે આ ત્રાગું કરવા માંડ્યું. એક તો માણસ તો મારી પાસે આવીને આમ, નીચે લાદી હોય ને, આમ આમ માથું પછાડવા માંડ્યો. એટલે આપણે કડક થઈ ગયાં તરત, 'ફોડવા દે. નારિયેળ વધેર હમણે મહાદેવજીને .. વધેરી નાખને પૂરું અહીંથી', આવું બોલ્યો'તો. આવાં ત્રાગાં ! બહુ જ જાતના લોકો મેં જોયેલા. ત્રાગું એટલે સામાને બીવડાવી મારવુંં. કારણ કે બુધ્ધિ બહુ કામ કરે ને ! જબરજસ્ત કામ કરી જાય. તે એવાં ત્રાગાં મેં બહુ જોયેલાં. કેટલાક તો ત્રાગું કરીને એવું દેખાડે કે સૂર-સાગરમાં મારે પડવું પડશે તમારા લીધે, ધણીને એવું કહે. ધણી જરા મહીં ટાઢાં પડી ગયાંને, એટલે હું કહું કે 'તમે બેસો, હું જરા ધક્કો મારી આવું.' ત્યારે બાઈ કહે છે, 'તમે પડો !' એ વાત એના ધણીના જોવામાં આવે કે આવું ? આ તો ખરી બઈ છે. આ તો નબળાઈનો લાભ ઊઠાવે. ઘરમાં દેવ જેવા માણસો બધાં, તેનો આ બઈ લાભ ઊઠાવે. બિલકુલ કરેક્ટ, તેથી નિર્ભય ! અમને ભય કેમ નથી ? કારણ કે બિલકુલ કરેક્ટ છે. કરેક્ટને ભય શો ? જેનું બિલકુલ કરેક્ટ છે, એને ભય શો ? મહીં ગોલમાલ હોય તો ભય હોય. નહીં તો ભય શો ? આત્મા પ્રાપ્ત થયાં પછી. એટલા માટે, હું તમને કહું છું ને, કે તમારા માથે ભય નથી રહ્યો. હવે ફક્ત દાદા એકલાં જ તમારે માથે છે. ઘણાંય લોકો કહે છે, 'દાદા, તમારા માટે આમ બોલે છે.' મેં કહ્યું, 'હા, બરોબર છે. સારું બોલે છે.' પછી કહેશે, 'પેપરમાં હઉ છપાવે છે.' 'પેપરમાં છપાવે તો સારું. ઊલટું આ દાદાને ઓળખ્યાને !' મને ભડક ક્યારે કે દોષ મારામાં હોય તો. નહીં તો આખી દુનિયા છે તે ભૂંક્યા કરે પણ 'સ્ટોંગ' હોય તેને શું ! કંઈ જ જોઈતું નથી, તેથી આ દશા ! જ્ઞાનીના શાથી કઠણ શબ્દો હોય છે ? ત્યારે કહે, નિર્ભકપણે બોલે છે એ. કેવું ? હા. બધું આખું જગત બીકનું માર્યું બોલે છે. ઉપર બાપાની બીક રાખે, આમની બીક રાખે, કર્મ બંધાશે તેની બીક રાખે, આમ બંધાશે તેની બીક રાખે, બધાં લોકોની. આમને જેને કોઈ જાતની બીક જ નથી. જેને કર્મ બંધાય તેને બીક. કોને બીક ? આ તો ફેક્ટ કહી દે વર્લ્ડને, વર્લ્ડના ગમે તે માણસને. કારણ કે જેને કશું જોઈતું નથી. જોઈતું હોય તેને લાલચને માટે બીક રાખવી પડે. જેને વર્લ્ડમાં કોઈ ચીજ જોઈતી નથી, એને હોતી હશે બીક ? વર્લ્ડનાં માલિક કહેવાય. બીક તો ક્યાં રહી, પણ એ પોતે જ વર્લ્ડના માલિક કહેવાય. 'બાપોય ઉપરી નથી' બોલનાર કેટલા નિર્ભીક ! પ્રશ્નકર્તા : ભલે દાદા પરમાત્મા થયા નથી પણ અમને પરમાત્મા ઓળખાયા તો ખરા. દાદાશ્રી : હંઅ. થોડાક આપણે જોયા તોય બહુ થઈ ગયું, નહીં તો હોય નહીં પરમાત્મા ! લોક પરમાત્મા ખોળે છે ને, એ ક્યાંના ક્યાં ખોળે છે ! અલ્યા મૂઆ, ત્યાં કોઈ બાપોય નથી, શું કામ ખોળવા જાવ છો ? એ તો ત્યારે મહેનત નકામી જશે એ, ભાડું નકામું જશે. અમે તો બળ્યું આખી ભાષાવાળાને, તે 'બાપોય નથી' એવું બોલીએ. અમારી તો ભાષા બધી આખી હોય. બાપો બોલ્યા તે યાદેય રહે એને. નહીં તો યાદ ના રહેને, સુંવાળી ભાષા હોય તો. મહાત્માઓ કાચા નથી પડ્યા. બધા સમજી ગયા હં, અંદરખાને. એટલે આ બધાને તો ભય-બય નથી રહેતો. હેય... નિરાંતે ટેસ્ટથી ઊંઘે છે. પ્રશ્નકર્તા : પછી પાછું પેલું જોડે વાક્ય આપ્યું છે ને કે 'યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ.' દાદાશ્રી : હા. અહીં કોઈ બાપોય ઉપરી નથી, એની જવાબદારી અમે લીધી. તો આવું નિર્ભય રહે. આવાં ઉપદેશ હોવા જોઈએ કે બાપોય ઉપરી નથી તો એનું મહીં ઠેકાણું પડે. અને આ માણસને કહે ભડકાય, ભડકાય, ભડકાય કરે મૂઓ. એક તો પોતાની ઇચ્છા પૂરી થતી ના હોય, તેમાં પાછો ભડકાટ. તેમાં પાછું બૈરી પજવે, છોકરાંઓ પજવે. છતાં એમાં આપણે વાંકાં તો બધું આખી દુનિયા પજવે. આપણે સીધા તો કોઈ પજવે નહીં. સહજ સ્વભાવે, નિર્ભીકપણે સરે... પ્રશ્નકર્તા : હવે દેશનાનું સ્વરૂપ સમજાવો. દાદાશ્રી : દેશના એટલે આમ સહજભાવે વાણી નીકળ્યા કરે, બોલે નહીં. સ્વભાવિક વાણી નીકળ્યા કરે, ઉદયભાવે. એની ગોઠવણી નહીં, ઇચ્છાપૂર્વક નહીં. કોઈને કરવું ના પડે અને તે નીડરતાથી નીકળ્યા કરે, કોઈ ડર-બર કશું નહીં. જોખમદારી ખુલ્લી કરી, ચેતવ્યા કરુણાથી ! આ બોર્ડ સમજવું પડશેને કે કષાયસહિત પ્રરૂપણા કરવી એ નર્કની નિશાની !' બહુ સ્ટ્રોંગ વાક્ય બોલું છું પણ આની પાછળ કરુણા છે અમારી. અરે, આ નર્કે જવાનું ક્યાંથી ખોળી કાઢ્યુંં ? પ્રરૂપણા કરવા બેઠા (!) જાણે પોતાનું કલ્યાણ થઈ ગયું, તે લોકનું કલ્યાણ કરવા બેઠાં (!) કષાય ખરા કે નહીં ? કષાય છે અને પ્રરૂપણા કરો છો, તો નર્કે જશો. પછી મને કહે છે, 'અમે તો અત્યાર સુધી પ્રરૂપણા કરી.' મેં કહ્યું. 'હવે એની માફી માગી આવો, ભગવાન પાસે જઈને. શું જોઈને પ્રરૂપણા કરો છો ? મહીં ઠેકાણું નથી. મહીં તો બોલતાં પહેલાં છંછેડાઈ જાવ છો.' પ્રશ્નકર્તા : શાંતિ અને સમભાવ રહેવો જોઈએ. દાદાશ્રી : હમણે મને ધોલો મારે અને હું છંછેડાઉં, તો પછી હું જ્ઞાની જ કેમ કહેવાઉં ? મને ગાળો ભાંડે, કપડાં કાઢી લે, તોય પણ જરા મારા મોઢા પર ફેરફાર થાય, તો હું જ્ઞાની કેમ કહેવાઉં ? આખા વર્લ્ડની સમતા જ્ઞાનીમાં હોય. કચડી કચડીને મારે કરે તોય સમતા રાખે અને જોડે જોડે આશીર્વાદ આપે. કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ, જ્યાં સુધી હોય ત્યાં સુધી ઉપદેશ આપવો એ ગુનો છે. કષાયથી પર તો એકુંય નથી. કષાયો તો, અડધા કષાય પણ ગયા નથી હજુ. આખા પૂરા કષાય છે, સંપૂર્ણ કષાયી છે. એ તો જ્યારે છંછેડો ત્યારે ખબર પડે. છંછેડો ત્યારે શું દેખાય ? પ્રશ્નકર્તા : ક્રોધ આવી જાય. દાદાશ્રી : ને ફેણ માંડે કે ના માંડે ? બધા સાંભળવાવાળા બેઠેલા હોય, તે ભડકી જાય ને ? 'હેય, ફેણ માંડી' કહેશે. એટલે કો'ક ટૈડકાવે તો ફેણ માંડે. જે ફેણ માંડતા હોય, એ ઉપદેશ માટે લાયક હોતા હશે ? ટૈડકાવે, માર મારે તોય ફેણ ના માંડે, સમતા હોય, ત્યારે ઉપદેશ અપાય એનાથી. આ તો ફેણ માંડે, હું-હું-હું ! જ્યાં સુધી 'હું' ઊભો છે, ત્યાં સુધી એ ઉપદેશ માટે લાયક હોતા હશે ? જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, 'હું' દેખાય નહીં ત્યાં વાત સાંભળજો. તો મોક્ષ થશે, નહીં તો મોક્ષ થવાનો નથી. મુક્તપુરુષ જ મુક્ત બનાવે ! જે જે આપણને દુઃખદાયી લાગતું હોય તો એ બંધન જ કહેવાય. નહીં તો જગતના લોકોને તો બંધનનું ય ભાન નથી થયેલું કે 'હું બંધનમાં છું.' કોઈ જીવને પોતાને બંધન ગમતું જ નથી. તમને બંધન ગમે છે ? પ્રશ્નકર્તા : નહીં. દાદાશ્રી : છતાંય રહેવું શેમાં પડે છે ? પ્રશ્નકર્તા : બંધનમાં. દાદાશ્રી : આખો દહાડો બંધનમાં જ રહેવાનું. જીવમાત્ર બધાં બંધનમાં જ પડ્યા છે. અમારા જેવાં 'જ્ઞાની પુરુષ' મુક્ત હોય, પણ તે કોઈક કાળે વર્લ્ડમાં એકાદ હોય. નહીં તો 'જ્ઞાની' જગતમાં હોય જ નહીં ને ! 'જ્ઞાની પુરુષ' એ મુક્ત હોય, એટલે એ પોતે કોઈ ચીજથી બંધાયેલા ના હોય. એટલે એમને બોજો ના લાગે, ભય ના લાગે, કશું કોઈ ચીજ એમને સ્પર્શે નહીં. અને એવું 'પોતાને' થવાની જરૂર છે. પણ તે 'જ્ઞાની પુરુષ' હોય તો જ એમની પાસે થઈ શકાય. 'જ્ઞાની પુરુષ' તો હજારો વર્ષ સુધી નથી હોતા. કોઈક ફેરો 'જ્ઞાની પુરુષ' હોય ત્યારે મુક્ત થઈ જવાય. વાણીથી ચાબખા, મહીં વીતરાગતા ! અમને તો અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ કે અમે જાતે નિર્દોષ દ્રષ્ટિ કરીને આખાય જગતને નિર્દોષ જોઈએ છીએ. તાત્ત્વિક દ્રષ્ટિએ જોઈએ તો દોષ કોઈનોય નથી, સંજોગો એવા છે તેથી. પણ આ અમે કડક બોલીએ છીએ, તે સામા માટે સંપૂર્ણ કરુણા હોવાથી, એનો રોગ કાઢવા બોલીએ છીએ. અમે ચોખ્ખું જ કહી દઈએ. કારણ કે અમારે ઘાટ નથી, લાલચ નથી. તારું હિત એ જ અમારે જોવાનું છે. તારા પર અમને અપાર કરુણા હોય, તેથી જ અમે તો નગ્ન સત્ય કહી દઈએ. આ જગતને અમે એકલાં જ નગ્ન સ્વરૂપે કહીએ છીએ. ફેક્ટ (સત્ય) વસ્તુ નહીં જાણવી જોઈએ ? ક્યાં સુધી આ લૌકિક વાતો જાણશો ? અલૌકિક જાણ્યા સિવાય બધો છૂટકારો નહીં થાય, ભય નહીં જાય. વીતરાગ થવાનું છે તો ભય જશે, નહીં તો જગતમાં ભય લાગ્યા જ કરે. બધાંને ભય લાગે. કોઈએ નવી સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) શોધખોળ કરેલી હોય, રાત્રે આપણી જોડેની રૂમમાં એ ગોઠવણી કરી આવે ને પેલું જો વિચિત્ર શબ્દ બોલે તો આપણે જાણીએ કે ભૂત આવ્યું, તે આખી રાત ઊંઘ ના આવે. એટલો બધો ભડકાટ-ભય રહ્યા કરે. હવે ક્યાં સુધી આમાં પોષાય બધું ? કોઈ લાલચ એને ના હોય એવું નહીં, એટલે એવા તો અહીં આવે ત્યારથી હું એને ચપોડું કે, 'પાંસરો રહેજે. અનંત અવતારથી માર ખાધો પણ તોય લાલચ જતી નથી. અહીં આવ્યા પછી તારું ઠેકાણું ના પડે તો શું કામનું ?' અમારી, 'જ્ઞાની પુરુષ'ની વાણી વીતરાગ વાણી હોય. એટલે વીતરાગતાના ચાબખા હોય. એ વાગે બહુ, અસર બહુ કરે પણ દેખાય નહીં. નિર્ભયતાથી પમાડી સાચી વાત ! કોઈ સત્સંગમાં આડો માણસ આવે, તો હું પૂછી જોઉં, કે તારે રિયલમાં રહેવું છે કે રિલેટીવમાં રહેવું છે ? રિલેટીવમાં રહેવું હોય ત્યાં આગળ સ્વતંત્રતા કોઈની મારે લૂંટવાની નથી પણ જો રિયલમાં રહેવાનું હોય, તો મારી મહેનત નકામી ન જાય. ખરું કે ખોટું ? આ મહેનત મારી નકામી ન જાય એટલા માટે કરવું જોઈએ કે ના કરવું જોઈએ ? સાચી હકીકત છૂપાવવી પડે ? શેના માટે અમે છૂપાવીએ ? અમારે જગતમાં કોઈ ચીજ જોઈતી નથી, એને જગતમાં કોઈના બાપની શું બીક છે ? સાચી વસ્તુ કહેવી જોઈએ. શામાં રહેવાનો વિચાર છે ? ચોક્કસ, રિયલમાં રહેવાનું નક્કી કર્યું છે ને ? જ્ઞાનીની સંપત્તિ તો સનાતન સંપત્તિ હોય, તે ચાહે સો કરે ને પંદરેય ક્ષેત્રોમાં જઈ શકે. જ્ઞાની પુરુષે ભય જોયો હોય તો ક્યારે પણ ના ભૂલે. આમને તો ભય લાગે તે પણ ભૂલી જાય અને ઊંઘી જાય. આવું મૂર્છીતપણું છે ! વાસ્તવિક દ્રષ્ટિથી ભયરહિતતા ! પ્રશ્નકર્તા : જ્ઞાનીના ફોલોઅર્સને, લોકોને જે રિલેટીવ દ્રષ્ટિ દેખાય છે એના કરતાં જુદી દ્રષ્ટિએ દેખાય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો એ હવે જ્ઞાનીને અને જ્ઞાનીના ફોલોઅર્સને, એ કેવી દ્રષ્ટિ હોય ? એમને કેવું દેખાય ? દાદાશ્રી : વાસ્તવિકતા દેખાય. આ રિલેટીવથી એને ભય અને આસક્તિ ને એ બધું ઊભું થાય, વાસ્તવિકતાથી ભય જતો રહે. આસક્તિ જતી રહે, વીતરાગતા થાય. જગતની વાસ્તવિકતા દેખાય. જગતનું પરમેનન્ટપણું દેખાય. સાંભળનારોય નિર્ભય બને ! તમને વાત સમજાય છે ને ? પ્રશ્નકર્તા : આપ કહો છો, તે સાંભળ્યા કરું છું. દાદાશ્રી : હું કહું છું કે મારું એવું સાંભળશો જ નહીં. ખોટું હોય તો તરત જવાબ આપો. હું ખોટાને સાંભળવા તૈયાર છું. મારું સાચું કરાવવા બેઠો નથી. કારણ કે આ ટેપરેકર્ડ છે. તમે જૂઠું કહી શકો, 'ખરાબ છે' એવું પણ કહી શકો. કારણ કે આનો હું જ્ઞાતા-દ્રષ્ટા છું. એની 'કઈ ભૂલ છે' એ હું તપાસ કરું છું. એટલે મારી વાણી જાણીને ભડકશો નહીં. આ વાણી મારી નથી, આ ટેપરેકર્ડ છે. નિરંતર નિર્ભય દશામાં... આપણું વિજ્ઞાન એવુંુ છે કે જેને પરમાત્મા પણ પૂછનાર ના રહ્યો. પરમાત્માય કેમ અહીં તમે આવ્યા છો, એમનાથી ના પૂછાય. એમને ડરવું પડે. કારણ કે અમને ઓળખ્યા છે તો આવું બોલો નહીં અને બોલો છો માટે તમે ઓળખતા નથી. બાકી પરમાત્મા પણ પૂછનાર નથી. માટે ભો-બો નહીં. અમે તો ભય જેવી વસ્તુ અમે જોઈ નથી, જાણી નથી, આ જ્ઞાન થયા પછી. નિરંતર નિર્ભય દશા ! જે સાચા છે તે તો આ વાત પકડશે ને ! જેને એમ ખાતરી છે કે ભઈ, આપણને આવી જરૂર નથી, તો એને લાગતું નથી. જેને જરૂર છે એવા તે પકડી જ લે છે ને, તરત ? એવું છે ને, ચોખ્ખું કોઈ બોલનાર નીકળે નહીં. કારણ કે આખા જગતમાં કોણ ચોખ્ખું કહી શકે ? નિર્ભય થયેલા હોય એવા 'જ્ઞાની પુરુષ', જેને કોઈ ચીજનો ભય ના હોય, જેને ભગવાન વશ થઈ ગયેલા હોય. જેને ચૌદ લોકનો નાથ વશ થયેલો હોય, એ બધું બોલી શકે ફાવે એવું. બીજા કોઈનું ગજું જ નહીં ને ! 'પોતે' કાયમ નિર્ભય એવું આ વિજ્ઞાન ! અમે તો આ દેહ છે ને, તે સટ્ટામાં મૂકેલો છે. જેણે સટ્ટામાં મૂકેલો હોય, એને ભો હોય કશો ? અમે આવડું આવડું આપીએ, પણ એ એનાં હિતને માટે હોય. અમારું પોતાનું હિત તો થઈ ગયેલું છે, સર્વસ્વ હિત થઈ ગયેલું છે, તે તમારા હિતના માટે મારે કહેવું પડે. જગતમાં ભય પામવા જેવું નથી. જે કંઈ થશે, તે પુદગલનું જ થશે ને ? ઉપરથી 'એટમબોમ્બ' પડે તોય પેટનું પાણી ના હાલે. 'એટમબોમ્બ' પડે, તે 'એ. એમ. પટેલ' ઉપર પડશે, 'મારી' ઉપર ઓછો પડવાનો છે ? એવું આપણું આ વિજ્ઞાન છે, 'અક્રમ વિજ્ઞાન' છે. આ જગતના લોકોને તો 'હું ચંદુભાઈ છું' એ અત્યાર સુધી શંકા નથી પડી, કોઈ દા'ડોય. પણ જ્યારથી શંકા પડશે, કે હું ચંદુભાઈ છું કે નહીં, ત્યારથી કામ થશે. હા, શંકાવાળી વસ્તુ સાચી હોય નહીં અને સાચી વસ્તુ શંકાવાળી હોય જ નહીં, નિઃશંક જ હોય. અને નિઃશંક હોય માટે નિર્ભય હોય. શંકા છે ત્યાં સુધી ભય છે, ભય છે ત્યાં સુધી શંકા છે. કોઈ માણસ કહે, મને શંકા નથી, તો ભય કેમ લાગે છે ? આમાં 'તે' પદ પમાડવાની ભાવના ! અમે નથી કહેતા કે બધા અમે આખા બ્રહ્માંડના ઉપરી છીએ, કહીએ છીએને ? પ્રશ્નકર્તા : ભારપૂર્વક કહો છો. દાદાશ્રી : હા, આખા બ્રહ્માંડના અમે ઉપરી છીએ, અમે બ્રહ્માંડના સ્વામી છીએ. પ્રશ્નકર્તા : અને એ જ વસ્તુથી હું આકર્ષાયો છું અહીં. દાદાશ્રી : કોઈ બોલી શકેલો નહીં. તે બોલવાનું કારણ જ એ છે કે વાતને સમજો. સત્ય વસ્તુ એટલે દળવાનું કારણ નથી અને દળશો તો સત્ય વસ્તુ નથી. તમેય 'તે' સ્વરૂપ જ છો ! બ્રહ્માંડના સ્વામી છીએ અમે ! એવું બોલીએ છીએ અને તમેય એવાં સ્વરૂપે જ છો. હંઅ... બ્રહ્માંડનું સ્વામીપણું હોવા છતાં ગરીબી કેમ આવવી જોઈએ ? એક આના સ્વામી થવા માટે બધી ગરીબાઈ ! પોલીસવાળાનો ભટકાટ, કૂતરાનો ભડકાટ, ફલાણાનો ભટકાટ, નનામીનો ભડકાટ ! અને જ્ઞાની પુરુષ ના હોય તો આ વાત કરવા જેવીય નથી. આ તો જ્ઞાની પુરુષ છે તો આ વાત થાય, નહીં તો આ વાતો બધી પુસ્તકમાં ના લખેલી હોય, કોઈ જગ્યાએ વીતરાગોએય આ વર્ણન નથી કર્યું. કારણ કે વીતરાગો આવું વર્ણન કરે નહીં, ખુલ્લું. કારણ કે એમને કરવા આવવું પડે. એટલે આ અમે તો હજુ એક-બે અવતાર બાકી હોય એટલે ખટપટિયા હોઈએ, ખટપટિયા વીતરાગ. તેથી આવું કહી શકીએ. તેય શાથી કે અહીં તમારું કામ કાઢી લો ! અમારા જેવા નિર્ભય ને વીતરાગ થઈ જાવ. ગજબનો જ્ઞાનાવતાર 'આ' ! જે પોતે છૂટ્યા છે તેવાંને ખોળજો. પોતે તર્યા છે ને અનેકોને તારવાનું સામર્થ્ય જેનામાં છે એવાં તરણતારણ જ્ઞાની પુરુષને ખોળજો ને એમની પૂંઠે પૂંઠે નિર્ભય થઈને ચાલ્યા જજો. આ કાળના અમે એકલા જ તરણતારણ છીએ. ગજબનો જ્ઞાનાવતાર છે. કલાકમાં મોક્ષ આપી દઈએ તેમ છીએ. તારે કંઈ જ કરવાનું નહીં. કંઈ જ આપવાનું નહીં. કારણ કે અમે કોઈ ચીજના ભિખારી નથી. જેમનું સંપૂર્ણપણે ભિખારીપણું મટ્યું હોય, ગયું હોય, તેમનામાં જ ભગવાન પ્રગટ થાય. ત્યાં આપણું કલ્યાણ થઈ જાય. - જય સચ્ચિદાનંદ. |
|---|