એડજસ્ટમેન્ટથી થાય, સંસાર રૂપાળો !

સંપાદકીય

આવડી મોટી દુનિયામાં મનુષ્ય સિવાય કોઈ જીવોને આવો કકળાટ, ડખલો, મતભેદ, ચિંતા-ટેન્શનો નથી. એકલા આ બુદ્ધિવાળા થયા તેમને જ દુઃખો ! શાથી ? દુઃખ માત્ર અણસમજણથી છે. અજ્ઞાન ભાગ મતભેદ ઊભાં કરાવે. જ્યારે સાચી સમજણ, સાચંુ જ્ઞાન સંસારમાં બધે એડજસ્ટ રખાવે. પરમ પૂજ્ય દાદા ભગવાન નર્યું જ્ઞાન જ બોલ્યા છે કે કેમ કરીને લોકોના અણસમજણના ગૂંચવાડા છૂટી જાય અને સાચી સમજણ સમજી જીવન ક્લેશરહિત આનંદપૂર્વક જીવી શકે.

'દાદાવાણી'માં જુઓ તો પાને પાને એડજસ્ટમેન્ટ લેવા માટે જ્ઞાનરૂપી ચાવી આપી જ છે. આપણે તો ધારણ કરી ઉપયોગમાં જ લેવાની છે. એક એક વાક્યે નરી સવળી સમજણ જ પ્રદાન કરી છે. દા.ત. 'જો તમને પ્રેમ છે તો એડજસ્ટમેન્ટ હોય જ.' 'સામો વધારે ખેંચ ખેંચ કરે તો આપણે છોડી દઈએ.' 'વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવંુ સાચવીએ છીએ, તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય ?' 'એટલે એડજસ્ટ થવાનંુ જગતમાં, કારણ કે દરેક વસ્તુનો એન્ડ હોય છે.' 'એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે, પોતાનંુ જ ઠેકાણંુ ના હોય તે સામાને શી રીતે સુધારી શકે ?' 'જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવંુ હોય તેણે એડજસ્ટ થઈ જ જવંુ જોઈએ.' 'ધણી-ધણીયાણીમાં ય જે એક ફાડ ફાડ કરતંુ હોય તો બીજાએ સાંધી લેવંુ, તો જ સંબંધ નભશે અને શાંતિ રહશે.' આપણે નોકરી કરતા હોય તો આર્ગ્યુમેન્ટ કરીએ ? શેઠ કહે એવંુ કરી નાખવાનંુ. તારે એમના નોકર તરીકે રહેવંુ, એ તારા નોકર તરીકે રહે એવંુ થાય ત્યારે મજા આવે' આમ જાત જાતના બોધકળારૂપી સમજણના વાક્યો છે. એકાદ વાક્ય જો ધારણ રાખીએ તો તે પ્રસંગની ગૂંચ ઉકલી જ જાય !

બીજી ભૂલ ક્યાં થઈ જતી હોય છે ? સામાની ભૂલ કાઢવાની ટેવ પડી હોય છે. ધણીપણું કરતાં હોય છે અને અંતે સંસારમાં વિખવાદ થઈ જાય છે. તેની પણ અતિ સંુદર ચાવીઓ સંપાદીત થઈ છે અત્રે. દા.ત. આ વાંદરાની ખાડી ગંધાય તો એને શંુ વઢવા જાવાય ? જે ગંધાય છે એ બધા કહે છે કે તમે અમારી જોડે વીતરાગ રહો.' 'આ સંડાસ ગંધાય તો બારણાને લાતો માર માર કરીએ તો એ સંડાસ ક્યારે સુગંધીવાળંુ થાય ? એમાં કોને નુકસાન ગયંુ ?' 'કોઈ મિત્ર હોય તેની ભૂલ કાઢીએ તો મિત્રપણું છૂટી જાય.' 'આપણે ભૂલ ના કાઢીએ તો એ કહેશે, 'કઢી ખારી થઈ તોય બોલ્યા નહીં?' ત્યારે કહે, 'તમને ખબર પડશે ને, મારે શંુ કરવા કહેવંુ! જે ભૂલ એ જાણી શકે છે, જે ભૂલ એ સમજી શકે છે, એ ભૂલ આપણે કાઢવાની શી જરૂર ?' 'ભૂલ કાઢો પણ એ પોતે ઉપકાર માને તો ભૂલ કાઢો કે સારંુ થયંુ તમે મને આ ભૂલ દેખાડી.'

પ્રસ્તુત સંક્લનમાં આવી તો અનેક પ્રકારની વ્યવહાર એડજસ્ટમેન્ટની ચાવીઓ સંકલિત થઈ છે. જે સંઘર્ષણના સમયે માત્ર જાગૃતિમાં હાજર રહેશે તો ય સમાધાન કરાવી શાંતિ બક્ષશે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

એડજસ્ટમેન્ટથી થાય, સંસાર રૂપાળો !

જ્ઞાની શીખવે એડજસ્ટમેન્ટની કળા !

પ્રશ્શનકર્તા : મારા જીવનમાં એક મોટામાં મોટો પ્રશ્શન એ છે કે અત્યાર સુધી એવું બન્યું છે કે હું એડજસ્ટમેન્ટ લઈ શક્યો નથી અને નાના નાના એવા કારણોસર મેં ઘણા ડખા કર્યા છે, મારા વાઇફને મેં દુઃખ પણ ઘણું આપ્યું છે, એટલું જ નહીં પણ એ ત્રાસી ગયાં છે મારાથી. અને મને એ રિયલાઇઝ હવે થયું છે, કે આ મારા કારણે થયું છે અને મને આમાંથી નીકળવું છે તો એનો રસ્તો બતાવો.

દાદાશ્રી : તમારા વાઇફથી તમે ત્રાસ્યા નથી ?

પ્રશ્શનકર્તા : ના, એમ તો એમને મારા માટે બહુ જ લાગણી છે. મને લાગણી નથી એમ પણ નથી, મને પણ છે.

દાદાશ્રી : લાગણી છે ત્યારે જ આવું કહે ને! કશું સર્વિસ બર્વિસ કરો છો ?

પ્રશ્શનકર્તા : બિઝનેસ કરું છું, પોતાનો થોડો ધંધો કરું છું.

દાદાશ્રી : શેનો ?

પ્રશ્શનકર્તા : મટીરિયલ્સ સપ્લાય કરવાનો !

દાદાશ્રી : ત્યાં એ લોકો જોડે એડજસ્ટ થવાય છે ?

પ્રશ્શનકર્તા : એ લોકો જોડે થવાય છે. એ લોકો જોડે પહેલાં નહતું થતું, પણ હવે એ લોકો સાથે હું એડજસ્ટમેન્ટ કરતાં શીખી ગયો છું.

દાદાશ્રી : આ ય શીખવાની જરૂર છે. એમાં બીજું કશું નહીં. આ ય શીખી જશોને એટલે બધું આવડી જવાનું.

પ્રશ્શનકર્તા : હવે કરવું શું મારે ?

દાદાશ્રી : જો તમને પ્રેમ છે તો એડજસ્ટમેન્ટ હોય જ.

પ્રશ્શનકર્તા : અહંકાર આડો આવે છે.

દાદાશ્રી : હા, એ જ ને, અહંકારની જ બધી ભાંજગડ છે ને ! મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નથી છતાં મતભેદ પડી જાય છે ને ? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઈએ ને ઓઢીને સૂઈ જવું, જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે તો બેઉને ઊંઘ ના આવે ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ, તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય ?

એટલે 'એડજસ્ટ' થવાનું જગતમાં, કારણ કે દરેક વસ્તુનો 'એન્ડ' હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તો ય તમે તેને 'હેલ્પ' નથી કરતાં, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે ! એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય તે સામાને શી રીતે સુધારી શકે ?

સામો ફાડે, તો ય ત્યાં સાંધો !

એડજસ્ટમેન્ટ તો, તારી જોડે જે જે કોઈ ડિસ્એડજસ્ટ થવા આવે તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ-વહુને કે દેરાણી-જેઠાણીને ડિસ્એડજસ્ટમેન્ટ થતું હોય તો જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી-ધણીયાણીમાં ય જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું. તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતાં ન આવડે તેને લોક મેન્ટલ (ગાંડો) કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! ચોરની સાથેય એડજસ્ટ થઈ જવું જોઈએ.

આ તે કેવંુ જીવન !

પ્રશ્શનકર્તા : વાઇફ જોડે ઘણીવાર અથડામણ થઈ જાય છે. મને કંટાળો ય આવે છે.

દાદાશ્રી : કંટાળો આવે એટલું જ નહીં, પણ કેટલાંક તો દરિયામાં પડતું નાખે, બ્રાન્ડી પીને આવે.

એક પૈણેલો માણસ ઘેર જતો નહોતો, ત્યારે મેં કહ્યું, કેમ અત્યારે તું આ રાત્રે બાર વાગે બાગમાં જાય છે ? ત્યારે કહે, હમણે જરાક ઠંડો પવન છે ને, પછી જતો રહીશ, પણ પછી તપાસ કરી ત્યારે કહે છે, વહુ જોડે ઝઘડો થયો તો, તે બધા ઊંઘી જાય પછી ઘેર જવાનું. તે રાતે આ બધા ઊંઘી ગયા પછી જાય. નહીં તો જાગતા હોય તો વઢવાડ થઈ જાય. મોઢું ચઢેલું દેખે કે વઢવાડ થઈ જાય. તે નિરાંતે છાનોમાનો પેસી જઈને સૂઈ જાય પાછો !

વર્તો 'યોર સર્વન્ટ' જેમ !

દાદાશ્રી : તમારે કોની જોડે અથડાય છે ?

પ્રશ્શનકર્તા : એ બહાર અથડાય.

દાદાશ્રી : એ તો મહીં ઘરમાં ય કેટલીય વાર થાય, એ તો તમને લાગે એવું.

પ્રશ્શનકર્તા : ના, ના. અમે તો કોઈ દિવસ અથડાતા નથી. વરસે એક વાર, તે ખાલી થોડી વાર.

દાદાશ્રી : એ તો એકાદવાર તો દિવાળી કહેવાય. એનો વાંધો નહીં. આ તો મહિનામાં એક-બે વખત હોય જ.

પ્રશ્શનકર્તા : એ તો કોઈ વાર કામવાળા નહીં આવ્યા હોય, કોઈ વાર કાચનું વાસણ તૂટી ગયું હોય, કંઈ આમ થયું હોય તો જ અથડામણ થાય !

દાદાશ્રી : તે પણ તકરાર કરવાની શી જરૂર છે ?

પ્રશ્શનકર્તા : એ તો થઈ જાય, ખાલી આર્ગ્યુમેન્ટ થઈ જાય.

દાદાશ્રી : બળ્યું, આપણે નોકરી કરતાં હોઈએ તો આર્ગ્યુમેન્ટ કરીએ ? શેઠ કહે એવું કરી નાખવાનું. આપણે ભાંજગડ નહીં. આ તો નોકરી જ જોઈએ આ લોકોને. સ્વતંત્ર જગા જ નહીં અપાય એવાં લોકો, નહીં ? એટલે શું કરવું જોઈએ ? તારે એમના નોકર તરીકે રહેવું. એ તારા નોકર તરીકે રહે. એવું થાય ત્યારે મજા આવે. 'આઈ એમ યોર સર્વન્ટ' પણ મોઢે કહેવાનું નહીં. લોક સાંભળે તો આ ખોટું દેખાય, કહેશે, બેઉ ગાંડા થઈ ગયા છે.

મતભેદ ટળે એડજસ્ટમેન્ટથી !

આપણે પૂછવું કે મતભેદ પડવાથી તને સારું લાગતું હોય તો મતભેદ ચાલુ રાખું. અને તને દુઃખ થતું હોય તો બંધ કરી દઉં, તને વિટામિનની પેઠ કામ થતું હોય તો ચાલુ રાખું. પણ દુઃખ જ થતું હોય. એ ય કહેશે, 'ના, મતભેદથી તો દુઃખ થાય છે.' મતભેદ કોઈને ય ઘરમાં ગમે જ નહીં. બાકી ઘરના માણસ તો હેલ્પર છે.

વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે 'એડજસ્ટ એવરીવ્હેર' થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો. મતભેદ ના પાડવા ! એટલે મેં શબ્દ આપ્યો છે. અત્યારે લોકોને 'એડજસ્ટ એવરીવ્હેર' એડજસ્ટ, એડજસ્ટ, એડજસ્ટ ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે એડજસ્ટમેન્ટ દાદાએ કહ્યું છે. એ કઢી થોડી પછી ખઈ લેવી. હા, કંઈ અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં, ઘરમાં ઝઘડો ના હોય ! પોતે કોઈ જગ્યાએ મુશ્કેલીમાં મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું 'એડજસ્ટમેન્ટ' કરી લે તોય સંસાર રૂપાળો લાગે.

સહજ માત્ર, સુખદાયી !

ભેગા થઈને બેસે છેને, તો ય મારામારી કરે છે. ખાતી વખતે વસ્તુ એક હોયને, તો વઢમ્વઢા ય કરે. જોઈ લો પછી મઝા (!) 'મને કેમ દહીં ના આપ્યું ?' કહેશે. દહીંની ય વઢવાડ કરે.

'સહજ મીલા સો દૂધ બરાબર', પાણી હોય પણ જો સહેજાસહેજ મળ્યું તો એ દૂધ. એ દૂધ જેવું ગુણ આપશે. અને દૂધને જો માંગીને લીધું તો 'માંગ લિયા સો પાની.' જે માંગ્યું માટે પાણીનો ગુણ આપશે. પછી 'ખીંચ લિયા સો રક્ત બરાબર.' તે ખેંચી લીધું તો એનું લોહી પીધા બરાબર છે. 'ગોરખ બોલ્યા વાણી.' આ બે વાક્યમાં આખું શાસ્ત્ર બોલી ગયો, નહીં ?!

આપણે જમવા બેઠાં હોય તો માંગવામાં વાંધો નહીં. એને માંગ લિયા નથી કહેતા. પેલો કહે, 'બાપજી અત્યારે નથી', તો ય પેલો હમકુ કુછ દો, હમકુ કુછ દો, માંગ માંગ કરે, એ પાણી કહેવાય. અને ખેંચી લીધું એ રક્ત બરાબર. તે અત્યારે લોક માંગતા નથી, નહીં ? ખૂંચવી લેતા ય નથી ? હવે આ જમાનામાં શું સુખ હોય ? સુખ તે હોતું હશે ? સુખે ય કોઈકનું લઈ લે. બહાર ઓઢવાનું રાતે મૂકીને સૂઈ જાવ જોઈએ !

એ કહેશે, આજે કઢી કરવી છે, તો આપણે કહીએ કે ના, આજ કઢી નહીં, દાળ કરવી છે, તો મતભેદ વધે. એ કહે, કઢી કરવી છે તો આપણે એલાઉ કરવા (અનુમતી દેવી). પછી એક દહાડો આપણે કહીએ, દૂધપાક કરો. તો એ કહેશે, એલાઉડ ! કોઈના અભિપ્રાય ઉપર તરાપ નહીં મારો ! રાતે વાઇફ જોડે મતભેદ પડ્યો હોય તો ઊંઘ સારી આવે ?! પોતે જ માલિક છે, પોતે જ આ હૉલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ ! એટલે આ બધું શોધન કરવાની જરૂર કે સુખ શી રીતે થાય !

અહંકારની ટકરામણ, જજને ઘેર !

ચીફ જસ્ટિસ હોય, તે કોર્ટમાં ત્યાં આગળ પોતે જજમેન્ટ આપે, પણ ઘેર ?

પ્રશ્શનકર્તા : બઈ જ જજમેન્ટ આપે !

દાદાશ્રી : હા, બઈ કે ભાઈ, ગમે તે જજમેન્ટ આપે. પણ ઘેર તો ગૂંચાયેલું જ હોય. બઇ સ્ટ્રોંગ હોય તો ગૂંચાયેલું જ હોય. પણ બેમાંથી એક તો સ્ટ્રોંગ હોયને ?! તે પછી આડોશી-પાડોશી બધા જાણી જાય કે આ થયું, ચાલ્યું હવે કંઈક, જજમેન્ટ (!) આપી રહ્યા છે !

ત્યાં સેશન્સ જજ સાત વર્ષની જેલની સજા કરે અને અહીં ઘેર.....!! મેજિસ્ટ્રેટ સાહેબ ઘેર બઈ જોડે બબ્બે મહિનાથી બોલતા ના હોય ! અલ્યા, મોઢાં ચઢાવીને ઘરમાં શું ફરો છો ? નિકાલ કરી નાખોને ! બાઇસાહેબ જોડે અબોલા હોય ! ત્યારે આપણે સાહેબને પૂછીએ કે, 'કેમ સાહેબ ?' ત્યારે સાહેબ કહે કે, 'બઇ બહુ ખરાબ છે, બિલકુલ જંગલી છે.' હવે બાઇસાહેબને પૂછીએ કે, 'કેમ સાહેબ તો બહુ સારા માણસ છે ને ??' ત્યારે બાઇસાહેબ કહે, 'જવા દોને એનું નામ, રોટન (સડેલ) માણસ છે.' હવે આવું સાંભળીને, ત્યાંથી ના સમજી જઈએ કે આ બધું પોલંપોલ છે જગત ? આમાં 'કરેક્ટનેસ' જેવું કશું જ નથી.

એક મેજીસ્ટ્રેટનો ઘરમાં કેસ પેન્ડિંગ ! તે મેં કહ્યું, 'મેજીસ્ટ્રેટ થયો છું ને મૂઆ, તને શરમ નથી આવતી ? બહારના કેસ પતાવી આપું છું ને વાઇફ જોડે તો ઝઘડો પેન્ડિંગ રાખ્યો છે ?' પણ એમાં પછી 'હું છું, હું છું' કહેશે. અલ્યા, શેને માટે પણ ? વહુનો જ કેસ નિકાલ કરતાં આવડતો નથી. કઈ જાતના માણસ છો તે ?' 'હું છું' કહો છો, તો બધા કેસ નિકાલ કરી આપોને ! પાડોશી-બાડોશી બધાના કેસ સમાધાન કરી આપોને ! તો પછી એ 'હું છું' એવું કંઈક બોલે તો આપણે જાણીએ કે ભાઈ આ છે ! પણ આ તો વાઇફ જોડેનો ઝઘડો પડ્યો હોય તો નિકાલ કરવાને માટે તો મહિનો-બબ્બે મહિના લે છે !

એક મેજિસ્ટ્રેટ તો ખાસ અમારો ઓળખાણવાળો, તે બાર મહિના સુધી વાઇફ જોડે બોલ્યો જ નહીં. અલ્યા, કંઈ જાતનો મેજિસ્ટ્રેટ છું તું ? આ બધાને જેલમાં ઘાલી દઉં ! ઘરમાં નિકાલ નથી કરતા ને બહાર શું ધોળવાના છે તે ? અને જૈન તો કેવા હોય કે આજુબાજુ પચ્ચીસ માઇલના રેડિયસમાં (ત્રિજ્યા) સુગંધી આવતી હોય એની ! કારણ કે શ્રેષ્ઠિ પુરુષો હતા. આ ઓલાદ કંઈ જેવી તેવી નથી. શ્રેષ્ઠિ પુરુષોની ઓલાદ છે પણ આ કળિયુગને લીધે એ ઓલાદ ખલાસ થઈ ગઈ !

તમારા મનમાં એમ કે હું ક્યાં આ બઈની જોડે વાતચીત કરવા બેસું ? એટલે તમે બઈને ના ગાંઠો તો બઈ તમને ય ના ગાંઠે, એવું બને કે ના બને ?

પ્રશ્શનકર્તા : બને, ચોક્કસ વળી !

દાદાશ્રી : તે ઇગોઇઝમ છે બધું. આ વચ્ચે ઇગોઇઝમની ફાચર નડે છે. તમને કેમ લાગે છે ? કંઈક આપણી જ ભૂલ હશે ને કે બધી ભૂલ બૈરી- છોકરાંની જ હોય છે ? પહેલી પોતાની જ ભૂલો ભાંગવી પડે.

અહંકાર રૂપી શિંગડા તૂટે આમ...

પ્રશ્શનકર્તા : ધારો કે હસબંડ-વાઇફને એકબીજાને એડજસ્ટ થતું જ ના હોય તો શું કરવું ? છૂટા થઈ જવું ?

દાદાશ્રી : એડજસ્ટ થતું ના હોય અને થવાનો પ્રયત્ન કરીએ તો ય વળે એવું ના હોય, તો બેનું બગડે. એના કરતાં બેઉને જુદું કરી આપવું. તારા કોઈ મિત્રને છે એવું ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તો મારી પાસે બોલાવી લે. એનું સમું કરી આપું. એ રીપેર થઈ જાય, રાગે પડી જાય. એમનું રીપેર કરીએ એટલે જોઈન્ટ થઈ જાય પછી. આપણે એમ જાણીએ કે અહીં આગળ આનો આ બગાડ છે. અને અહીં આ બગાડ છે એ રીપેર કરીએ. એવાં કેટલાંય રાગે પડી ગયાં. એને 'ટંબ્લિંગ બેરલ'માં નાખવા પડે. 'ટંબ્લિંગ બેરલ'માં નાખીને ફેરવે, એટલે બધા એના મોગરા હોય, એ અથડાઈ અથડાઈને બધાં મોગરા તૂટી જાય. એવું પેલી બેનનું રાગે પડી ગયું ને ?

પ્રશ્શનકર્તા : હા, એવાં તો કેટલાંય થયાં.

દાદાશ્રી : એનો ધણી દર્શન કરવા આવ્યો હતો. બેન દર્શન કરવા આવી હતી. એની સાસુ ને બધાં દર્શન કરવાં આવ્યા હતાં !

પ્રશ્શનકર્તા : તે કેટલાં કૂદતાં કૂદતાં ! બસો માઈલથી આવ્યા હતાં !

દાદાશ્રી : કૂદતાં કૂદતાં !!! આ તો ભમરડા ફરે છે અને કહે છે, હું ફર્યો ! અલ્યા મૂઆ ! ભમરડો ફર્યો અને તું શેનો ફર્યો ?!

એવાં બુદ્ધિશાળી, માની બેઠેલા !

બુદ્ધિશાળી વળી કામ તો સરસ કરી શકે. પણ રાઈટ સાઈટ પર જાય, ત્યારે બુદ્ધિ રાઈટ સાઈટ પર જતી નથી અને રોંગ સાઈડમાં ફર્યા કરે છે. રાઈટ સાઈડમાં જેની બુદ્ધિ ગયેલી હોય ને, તે એક વાર મોક્ષ લેતાં પહેલા જ શરૂઆતમાં ઘરમાં ક્લેશ ના રહેવા દે. બુદ્ધિથી એનો હિસાબ કરી કરીને કાઢ કાઢ કરે તો ક્લેશ જતો રહે. ક્લેશને માટે જ્ઞાનની જરૂર નથી, એવંુ બુદ્ધિથી નીકળે. પણ બધા બુદ્ધિશાળીઓને ત્યાં મેં વધારે પડતા ક્લેશ જ જોયાં.

કોઈ પણ બુદ્ધિશાળી હોય એને હંુ પહેલામાં પહેલંુ પૂછું કે તમારા ઘેર ક્લેશ છે ? અને મહિનામાં એકાદ દહાડો થતો હોય તો વાંધો નહીં પણ... ત્યારે કહે છે, એ તો ચાલુ જ રહે છે. ત્યારે મેં કહ્યંુ, તમારામાં બુદ્ધિ છે જ નહીં. તમારા મનમાં માની બેઠા એટલંુ જ. આપણા મનમાં માનીએ કે આ મારી શાકભાજીની દુકાન છે. હવે ત્યાં આગળ છે તે પેલાં કહોવાઈ ગયેલાં રીંગણા પડ્યા હોય. હવે એવી શાકભાજી કોણ લે ? એવંુ આ બધું છે.

સારંુ-ખોટંુ કહેવા કરતાં, વીતરાગ રહો !

આ વાંદરાની ખાડી ગંધાય તો એને શું વઢવા જવાય ? તેમ આ માણસો ગંધાય છે, તેને કંઈ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે, 'તમે અમારી જોડે વીતરાગ રહો' !

આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બંનેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું 'મિક્ષ્ચર' કરી નાખીએ એટલે પછી અસર ના રહે. 'એડજસ્ટ એવરીવ્હેર'ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડે ય ને ખોટું કહેતો હોય તેની જોડે ય 'એડજસ્ટ' થા. અમને કોઈ કહે કે, 'તમારામાં અક્કલ નથી.' તો અમે તેને તરત 'એડજસ્ટ' થઈ જઈએ ને તેને કહીએ કે, 'એ તો પહેલેથી જ નહોતી ! હમણાં તું ક્યાં ખોળવા આવ્યો છું ? તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું.' આમ કહીએ એટલે ભાંજગડ મટીને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો 'આપણે ઘેર' ક્યારે પહોંચાય ?

આમાં કોને નુકશાન ?

એક ફેરો એક માણસ જોડે મારું મગજ જરા તપી ગયેલું, રસ્તામાં હું તેને વઢતો હતો. તે લોક તો મને ટકોર મારેને કે આ બજારમાં તમારાથી વઢવાડ થાય ? એટલે હું તો ઠંડો પડી ગયો કે શી ભૂલ થઈ ? પેલો આડું બોલે છે અને આપણે વઢીએ છીએ એમાં તે શી મોટી ભૂલ થઈ ? પછી મેં એમને કહ્યું કે આ આડું બોલતો હતો તેથી મારે જરા વઢવો પડ્યો. ત્યારે પેલા કહે છે કે એ આડું બોલે તો ય તમારાથી વઢવાનું ના થાય. આ સંડાસ ગંધાય તો બારણાને લાતો માર માર કરીએ તો એ સંડાસ ક્યારે સુગંધીવાળું થાય ? એમાં કોને નુકસાન ગયું ? તેનો સ્વભાવ જ ગંધાવાનો છે. તે દહાડે મને જ્ઞાન નહીં થયેલું. એ ભઈએ મને આવું કહ્યું, તે મેં તો કાનની બુટ્ટી પકડી. મને સરસ દાખલો આપ્યો કે એ સંડાસ ક્યારે સુધરે ? અને બગીચાને ફૂલ ચઢાવીએ તો ય સુગંધી આપશે ને ફૂલો નહીં ચઢાવો તો ય સુગંધી આપશે ! માટે બગીચો ઓળખીને ત્યાં બેસો. લોક તો ઊંધું-છતું કરે પણ તમારાથી ના થાય. એવું કોઈક કહે તો તપાસ કરીએ ને કે એવડી તો મોટી શી ભૂલ રહી જાય છે ?!

સામાની ભૂલ કાઢવાની નબળાઈ !

દાદાશ્રી : કોઈ દહાડો તારી ભૂલ એ કાઢે કે ના કાઢે ?

પ્રશ્શનકર્તા : કાઢે.

દાદાશ્રી : તે ઘડીએ તું એમની ભૂલ કાઢું કે ના કાઢું ?

પ્રશ્શનકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : હા, એ જ હું કહું છું. તો ફેમિલિમાં ભૂલ ના કઢાય.

પ્રશ્શનકર્તા : એવું કંઈ સમજાવોને, કેમ ભૂલ ના કઢાય ?

દાદાશ્રી : ભૂલ તો કઢાતી હશે પણ ? ભૂલ કાઢવાથી શું ફાયદો ? ઇમોશનલ માણસ જ ભૂલ કાઢે. ભૂલ કાઢવાનો અધિકાર નથી કોઈને. ભૂલ કાઢવાનું કેટલા વખતથી ચાલે છે ? આ બગડી ગયું એવું બોલે કોઈ દહાડો ?

પ્રશ્શનકર્તા : થોડી થોડી ચાલે બધી, નાની નાની ભૂલ કાઢું છું.

દાદાશ્રી : કોઈ દા'ડો ભૂલ કાઢો છો એની કે દરરોજ ?

પ્રશ્શનકર્તા : દરરોજ.

દાદાશ્રી : ના, ભૂલ ના કઢાય. ભૂલ કઢાતી હશે ? કોઈ મિત્ર હોય તેની ભૂલ કાઢીએ તો મિત્રપણું છૂટી જાય.

પ્રશ્શનકર્તા : આ મિત્ર નથી ને, આ તો બૈરી છે.

દાદાશ્રી : એટલે ખીલે બાંધેલી છે અને પેલો ખીલે બાંધેલો નહીં ને !

પ્રશ્શનકર્તા : એક વાર ભૂલ કરે તો માફ કરી દઉં, પણ બીજી વાર જ્યારે એની એ જ ભૂલ કરે તો પછી નથી ચલાવી લેવાતું, એમાં ગુસ્સો થઈ જાય આપણાથી.

દાદાશ્રી : ગુસ્સે તમે થાવ છોને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : પણ ભૂલ એ કરે અને તમે શું કરવા નબળા થાવ છો ? ભૂલ એ કરે ને નબળા તમે થાવ છો ?

પ્રશ્શનકર્તા : હા, પણ એની ભૂલને લીધે આપણે બધાએ સહન કરવું પડે.

દાદાશ્રી : ના, પણ નબળા શું કરવા થાવ છો તમે ? આપણે ગુસ્સે નહીં ભરાવું ને જોયા કરવાનું. એટલે એને મનમાં ભય લાગે કે આ જુઓને, બોલતા નથી. કેવા સારા માણસ છે ! આવો ધણી ફરી નહીં મળે. 'હે ભગવાન ! આવાં આ ધણી સાત અવતાર સુધી આપજે' કહેશે.

પ્રશ્શનકર્તા : પણ ભૂલ કાઢું એમાં એને દુઃખ કેમ થાય ?

દાદાશ્રી : પણ એ કહેવાની જરૂર શું હતી તે ? એવું છે ને, આપણા લોકોએ આખું ઘર બધું ખરાબ કરી નાખેલું છે આમ ઝઘડા કરીને.

ભૂલ કાઢીને સંસાર બગાડ્યો !

પ્રશ્શનકર્તા : હા, પણ દુઃખ એ બધું ઘરમાં ના થવું જોઈએ. કોઈ રસ્તે જતા માણસને કહે તો એને દુઃખ થઈ જાય પણ ઘરમાં એવું દુઃખ ના થવું જોઈએ. ભૂલ કાઢો તો ધેર ઈઝ નથિંગ રોંગ ઇન ધેટ ! (એમાં કંઈ ખોટું નથી.)

દાદાશ્રી : ના, ભૂલ કઢાય જ નહીં. દુઃખ તો થાય જ હંમેશાં. ભૂલ કાઢવી એટલે દુઃખ થાય જ. એ કાઢવી જ નહીં. એનું અપમાન કર્યા બરાબર છે એ તો. એ તો એની પર તમને વેર છે એક જાતનું. અગર તો ધણીપણું બજાવો છો. હું છું ! આ મોટા ધણી આવ્યા !

પ્રશ્શનકર્તા : ભૂલ કાઢીએ તો ખરાબ લાગે એને અને ના કાઢે તો ય ખરાબ લાગે.

દાદાશ્રી : ના, ના, ના, ખરાબ ના લાગે. આપણે ભૂલ ના કાઢીએ, તો એ કહેશે, 'કઢી ખારી થઈ તો ય બોલ્યા નહીં !' ત્યારે કહીએ, 'તમને ખબર પડશે ને, મારે શું કરવા કહેવું !' પણ આ તો કઢી ખારી થઈ ગઈ હોય, તો મોઢું બગાડે, 'કઢું ખારું થયું છે.' મૂઆ, આ કઈ જાતના માણસો છે ! આને ધણી તરીકે કેમ રખાય તે ?! કાઢી મેલવો જોઈએ ધણીને તો ! આવા નબળા ધણીઓ ! અલ્યા, એ બઈ નથી સમજતી. તે તું વળી કહું છું ? માથાફોડ કરું છું ? એ તો એમને છાતીએ ઘા ના લાગે બળ્યું ! મનમાં કહેશે, આ કંઈ હું ન હતી સમજતી ?! આ તો મને બાણ મારે છે મૂઓ. આ મૂઓ કાળમૂખો રોજ મારી ભૂલો જ કાઢ કાઢ કરે છે. તો આપણા લોકો જાણી જોઈને આ ભૂલો કાઢે છે. તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. તમને કેમ લાગે છે ? એટલે થોડું આપણે વિચાર કરીએ તો શું વાંધો છે ?

પ્રશ્શનકર્તા : વિચાર કરતાં હોય તો વાંધો જ નથીને, નથી કરતાં તેની જ આ મોંકાણ છે ને !

દાદાશ્રી : ના, પણ એમ નહીં. વિચાર કરવામાં એટલો જ વિચાર કરવાનો છે કે જે ભૂલને એ જાણી શકે છે, એ સમજી શકે છે એ ભૂલ આપણે કાઢવાની શી જરૂર ? એમને સમજણ પડે, ખારી છે ના સમજણ પડે બેન, તમે ખાવ એટલે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એટલે પછી તમારે કહેવાની જરૂર નહીં.

કહેવી એવી ભૂલ, મનાય ઉપકાર દીલથી !

પ્રશ્શનકર્તા : આવી ભૂલ કાઢીએ તો પછી એનાથી ફરીથી ભૂલ ના થાયને ?

દાદાશ્રી : ઓહોહો, એટલે ઉપદેશનું કારણ થાય એટલા માટેને ! હં, તે ભૂલ કાઢવાનો વાંધો નથી. હું તમને શું કહું છું, ભૂલ કાઢો પણ એ પોતે ઉપકાર માને તો ભૂલ કાઢો, કે સારું થયું તમે મને આ ભૂલ દેખાડી, મને તો ખબર જ નહીં. તે ઉપકાર માનો છો ?! બેન, તું એમનો ઉપકાર માનું છું ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો પછી એનો અર્થ શું કાઢવાનો ? જે ભૂલ એ જાણતી હોય તેને તમારે કાઢવાનો અર્થ શું છે ? એને કાળમુખા કહે છે સ્ત્રીઓ, કે મૂઓ, કાળમૂખો. જ્યારે ત્યારે બોલીને ઊભો રહે છે. એ જે જાણતી હોય ભૂલ એ આપણાથી કઢાય નહીં. બીજું કંઈ પણ થયું હોય કે કઢી ખારી થઈ હોય કે પછી શાક બગડી ગયું હોય, તો એ ખાય તો એ જાણે કે ના જાણે ? માટે આપણે કહેવાની જરૂર ના હોય ! પણ ભૂલ એ ના જાણતી હોય, તે આપણે કહીએ તો એ ઉપકાર માને. બાકી એ જાણતી હોય તે ભૂલ કાઢવી એ તો ગુનો છે. આપણા લોકો ઇન્ડિયનો જ કાઢે છે.

પ્રશ્શનકર્તા : એવું હોય કે ભૂલ ખબર ના હોય અને આપણે કાઢીએ અને સામો ઉપકાર ના માને તો શું કરવું આપણે ?

દાદાશ્રી : ઉપકાર ના માને તોય વાંધો નહીં, પણ એને ઉપદેશ થશે ને ! ઉપદેશનું કારણ તો થાય ને ! પેલું ઉપદેશનું કારણ નથી, પેલું તો ખાલી તેને છે તે દુઃખ થયા કરશે.

પ્રશ્શનકર્તા : એની ભૂલ કાઢે પણ એને એનું ખોટું લાગે તો કાઢવી કે નહીં ?

દાદાશ્રી : ખોટું લાગેને બધું. મનમાં એ રાહ જુએ કે ફરી એમની ક્યારે ભૂલ હું કાઢુ ! એવું ના હોવું જોઈએ. આપણી સુંદર લાઈફ હોવી જોઈએ. તમને કેમ લાગે છે ? વાત તમને કંઈ વ્યાજબી લાગે છે ?

પ્રશ્શનકર્તા : ખરીને !

દાદાશ્રી : હવે જે એ ભૂલ જાણતી હોય એ ભૂલો ના કાઢશો હવે.

જ્ઞાની પોતે વર્તી, દાખલો આપે આમ !

હું તો સાંતાક્રૂઝમાં ત્રીજે માળે બેઠો હોઉં તો ચા આવે. તે જરા કોઈ દહાડો ખાંડ ભૂલી ગયાં હોય તો હું પી જઉં અને તે ય દાદાના નામથી. મહીં દાદાને કહું, 'ચાની મહીં ખાંડ નાખો, સાહેબ.' તે દાદા નાખી આપે ! એટલે ખાંડ વગરની ચા આવે તો પી જઈએ બસ. અમારે તો કશો ડખો જ નહીં ને ! અને પછી પેલાં ખાંડ લઈને દોડધામ કરીને આવે. મેં કહ્યું, 'ભઈ, કેમ ખાંડ લાવ્યો ? આ ચાના કપ-રકાબી લઈ જા.' ત્યારે કહે, 'તમે ચા મોળી હતી, તે ખાંડ માંગી નહીં ?' મેં કહ્યું, 'હું શું કરવા કહું ?' તમને સમજણ પડે એવી વાત છે.

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે ચામાં ખાંડ ના હોય, તો તમારે બૈરીને કશું કહેવું નહીં અને ચા પી લેવી. પણ હવે કોઈ આપણે ઘેર મહેમાન આવ્યું હોય અને એવી ચા બનાવે અને આપણે કશું કહીએ નહીં, તો મહેમાન કહેશે કે આની બૈરીને બનાવતા નથી આવડતું અને આ ધણી એની બૈરીને કહેતો ય નથી !

દાદાશ્રી : પણ કહેવું હોય તો કો'કને ઘેર ગયા હોયને આપણે અને એમને કહીએ એવી રીતે કહેવું જોઈએ કે 'પ્લીઝ (મહેરબાની કરીને) જરા ખાંડ લાવજો.' ત્યાં 'તારામાં અક્કલ નથી, જો ખાંડ નાખી નહીં ને !' એવું કહીએ તો શું થાય ? કહેવામાં વાંધો નથી. એટલે કહેવામાં રીત હોવી જોઈએ.

અને પોતે એકલા હોય તો પી લેવી. કારણ કે એમને પોતાને ખબર પડશેને ! પછી આપણને કહે, મહીં ખાંડ ન હતી, ભૂલી ગઈ હતી, તોય તમે બોલ્યા નહીં ! ત્યારે કહે, તમને ખબર પડશે ને, કંઈ મારે એકલાને ઓછું પીવાની છે ! એ મારે કહેવું તેના કરતાં તમને અનુભવ થાય એ શું ખોટું છે ! એના કરતાં અમે શું કરીએ ? આપણે કહીએ, કે ચા ગળી છે, ચા ગળી છે. એટલે પીએ કે તરત ગળી લાગે. સાયકોલોજીકલ ઇફેક્ટ થાય. નહીં તો ગળી હોય તો ય મોળી લાગે.

પ્રશ્શનકર્તા : પણ પેલી ખાંડ વગરની ચા ગળામાંથી ઊતરે નહીં તો ?

દાદાશ્રી : ના, ના ઊતરે તો ય ઉતારી દઈએ. એટલું તપ ના કરીએ તો માણસ શેના આપણે ?! એ તમે તપ કરોને, એથી બઈને પસ્તાવો થાય અને પસ્તાવો થાય એટલે બીજી વાર સરસ કરે અને ભૂલ ના કરે. અને જો ભૂલનો ગોદો મારશો તો ભૂલ કરશે. એ કહેશે, 'જાવ, તમારે થાય એ કરજો. હું કરવાની જ.' એવું થશે, અવળી ફરશે. એવું ના કરો. આ જીવન જીવતાં શીખો. આમ આને લાઈફ જ કેમ કહેવાય તે ? મતભેદ કેમ થાય ?

એક ભાઈને પૂછ્યું, 'ઘરમાં કોઈ દિવસ વાઈફની ભૂલ કાઢું છું ?' ત્યારે કહે, 'એ છે ભૂલવાળી એટલે ભૂલ જ કાઢવી પડે ને !' મેં કહ્યું, 'અક્કલનો કોથળો આવ્યો આ !' વેચવા જઈએ તો ચાર આના બારદાનના આવે નહીં અને એ માની બેઠો કે આ વહુ ભૂલવાળી, લે ! એવું માની બેસે છે. કેવું ખોટું દેખાય ! આ તો ખોટી ખોટી ભૂલો કાઢીએ ને કહેશે તારામાં અક્કલ નથી ! તે રોજ બૂમો પાડે ! અક્કલ તો કોનું નામ કહેવાય, કે ભૂલ ક્યારે કાઢે, કે ખરેખર એ પોતે સમજતી ના હોય ત્યારે ભૂલ કાઢે ને પેલી ઉપકાર માને તો એ અક્કલવાળો કહેવાય. એ જ કહેશે, 'બહુ સારું થયું. આ મને ભૂલ દેખાડી, નહીં તો હું આડે ને આડે રસ્તે ચાલી જાત. તમે સારું થયું મને શીખવાડ્યું.' તો એ એડવાન્સ થાય. મૂઆ, આ એ કઢીની બાબતમાં એડવાન્સ તું શું કરવાનો છું ! તું જ થયો નહીંને, તારામાં બરકત તો છે નહીં !

પ્રેમ ત્યાં ભૂલ કાઢે નહીં !

બાકી ઘરમાં કોઈની ભૂલ નહીં કાઢવી. તમને કેમ લાગે છે વાત ?

પ્રશ્શનકર્તા : સરસ.

દાદાશ્રી : છતાં એ નથી જાણતા બધા લોકો?

પ્રશ્શનકર્તા : ઘણાં લોકોને ટેવ પડી હોય તો એમાં શું કરવાનું ?

દાદાશ્રી : ટેવ નહીં, આ તો ઉપરીપણું જોઈએ છે એને. એને ભૂલ કાઢવી છે જાણી જોઈને. હવે એ ખોટું કહેવાય. આ ફેમિલિ ના કહેવાય. ફેમિલિ એટલે પ્રેમમાં રહેવું જોઈએ. ડખો નહીં થવો જોઈએ, બેનને એવું ના થવું જોઈએ કે આ ખોટો ખોટો સુધારવા ફરે છે.

પ્રશ્શનકર્તા : પણ ધણીને થતું હોય તો ?

દાદાશ્રી : એ પછી એ રશિયા ને અમેરિકા જેવું થાય. આ અમેરિકા આમ કરે ત્યારે રશિયા આમ કરે, એટલે પછી સામસામી બેઉ લઢે અને ફેમિલિ લાઈફ ઊડી જાય આમાં, શોભે નહીં આપણને, થોડો થોડો ફેરફાર થવો જોઈએ. આપણે ઈન્ડિયન છીએ. વિચાર્યા પછી ફેરફાર ન કરીએ તો આપણે ઈન્ડિયન શેના ? ના સમજ પડી બેન તને ?

પ્રશ્શનકર્તા : હા, સમજી.

દાદાશ્રી : એટલે બેનોએ તમારે સમજવું કે જે ભૂલ ધણી સમજી શકતા હોય એ ભૂલ આપણે કાઢવી નહીં. જે ભૂલ બેનો સમજી શકતી હોય તે ધણીએ ભૂલ કાઢવી નહીં.

પ્રશ્શનકર્તા : ઘણા પોતાની ભૂલ સમજતા હોય, છતાં સુધરે નહીં તો ?

દાદાશ્રી : એ કહેવાથી સુધરે નહીં. કહેવાથી તો અવળો થાય ઉલટો. એ તો કો'ક ફેરો જ્યારે વિચારવા ગયો હોય ત્યારે આપણે કહીએ કે આ ભૂલ કેવી રીતે સુધરે ? સામાસામી વાતચીતો કરો, આમ ફ્રેન્ડશીપની પેઠ. વાઈફ જોડે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ. ના રાખવી જોઈએ ? બીજા જોડે ફ્રેન્ડશીપ રાખો છો. ફ્રેન્ડની જોડે આવું કકળાટ કર્યા કરો છો રોજ રોજ ? એની ભૂલ ડિરેક્ટ દેખાડ દેખાડ કરાવતા હશો ? ના ! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. અને આ તો પૈણેલી ક્યાં જતી રહેવાની છે ?! આવું આપણને શોભે નહીં. જીવન એવું બનાવો કે બગીચા જેવું. ઘરમાં મતભેદ ના હોય, કશું ના હોય, એવું ઘર આમ બગીચા જેવું લાગે ને ઘરમાં જરાય ડખલ ના થવા દઈએ કોઈને. સહેજેય નાના છોકરાની ભૂલ એ જો જાણતો હોય તો ના દેખાડાય. ના જાણતો હોય તે જ ભૂલ દેખાડાય. તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે, સાચી વાત છે.

દાદાશ્રી : જાણી જોઈને ભૂલો દેખાડાતી હશે ? જે એ જાણે છે, એને શા માટે દેખાડવાનું ? તને દેખાડે છે, બહુ દેખાડે છે કે.... ?

આ તો એને ગોદા મારીએ છીએ અને આપણું ધણીપણું બજાવીએ છીએ ! વહુને સાચવતા આવડી નહીં અને ધણી આવ્યા ! વહુને સાચવી ક્યારે કહેવાય કે વહુના મનમાં સહેજેય પ્રેમ ખૂટે નહીં. આ તો ગોદો મારે એટલે પ્રેમ તૂટે અને કહેશે, કો'ક દહાડો મારી ભૂલ થાય તો એ બૂમાબૂમ કરે છે. ભૂલ થાય કે ના થાય માણસની ? પણ આપણા લોકોને જાણી જોઈને આવી ધણીપણાની ટેવ પડેલી છે, ધણી થવાની ઇચ્છા છે અંદરખાનેથી તે, ભૂલ કેમ કરીને કાઢવી તે ! હવે આજથી તમને સમજાશે એ વાત ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એ તો ખોટું ગાંડપણ હતું ધણીપણું થવાનું. એટલે ધણીપણું ના બજાવવું જોઈએ. ધણીપણું તો એનું નામ કહેવાય કે સામો પ્રતિકાર ના થાય, ત્યારે જાણવું કે ધણીપણું છે. આ તો તરત પ્રતિકાર !

ભૂલ કાઢી દબાવે, એ નથી વીર !

ઘરમાં તો સ્ત્રીને તો સહુ કોઈ કટ કટ કરે, એ વીરની નિશાની નથી. વીર તો કોણ કહેવાય કે સ્ત્રીને કે ઘરમાં છોકરાંને કોઈને ય હરકત ન થાય. છોકરું જરા આડું બોલે પણ મા-બાપ બગડે નહીં ત્યારે ખરું કહેવાય. છોકરું તો બાળક કહેવાય. તમને કેમ લાગે છે ? ન્યાય શું કહે છે ?

પ્રશ્શનકર્તા : હા. બરાબર છે. હવેથી એવું કરવું પડશે.

દાદાશ્રી : હા, હવે એવું કરવું.

પ્રશ્શનકર્તા : હું બીજાની ભૂલ કાઢું અને મારા છોકરાની કે વાઈફની કાઢું એમાં ઘણો ડિફરન્સ (ફેર) છે. કારણ કે, હું મારા છોકરાને ને વાઈફને ખૂબ પ્રેમ કરું છું. એટલે મને ગુસ્સો આવી જાય. જે બીજા ઉપર ના આવે, જમાઈ ઉપર ના આવે.

દાદાશ્રી : એ વાત બરાબર છે. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું કે, મા અગર બાપ છોકરા ઉપર ગુસ્સો કરે છે, તો એ ગુસ્સાનું ફળ પુણ્ય મળે છે ! બીજે બધે ય ગુસ્સાનું ફળ પાપ હોય. તે આ ગુસ્સાનું ફળ પુણ્ય મળે છે કારણ કે એ ગુસ્સાનો આશય એ હોય કે એને કેમ કરીને સુધારવો !

પણ કયા ગુણને માટે આપણે ટકોર કરવી પડે કે જેની એને સમજણ ના હોય, તે આપણે એને સમજણ આપવી જોઈએ. એને પોતાની સમજણ છે, તેને આપણે કહીએ એટલે એનો ઈગોઈઝમ ઘવાય પછી. અને પછી એ તમારે માટે લાગ જુએ, કે મારા લાગમાં આવવા દોને એક દહાડો. લાગની રાહ જુએ. તે આવું શા માટે કરવાની જરૂર ? એટલે એ જે જેમાં સમજી શકે એવું છે ત્યાં આગળ આપણે ટકોર મારવાની જરૂર ના હોય.

પેલીને ભૂલ દેખાડવા આમ ગોદો મારે પછી પેલીએ તૈયાર થઈ ગયેલી હોય, કે આ વખત આવે એટલે તમને એવો ગોદો મારીશ, તે ઊંચે-નીચે કરે. નહીં તો પછી એ સ્ત્રી ય રાખે મનમાં કે તે દહાડે મને કહી ગયા હતાંને, આજ લાગમાં આવ્યા છે. પછી એ ય ઠોકે એટલે તીર મારામાર કરીને, એમાં સુખી ના થઈએ. એ બંધ કરવા જોઈએ. એક પાર્ટીએ બંધ કરવા જોઈએ. તે કઈ પાર્ટી બંધ કરી શકે કે પુરુષ પાસે એ શક્તિ છે, એને બંધ કરી દેવાની. એ પછી બંધ થઈ જશે. મેં ય મહીં કૉલ્ડવૉર ચલાવ્યું, (લગ્ન પછી) ત્યાર પછી કૉલ્ડવૉર બંધ થઈ ગયું. કારણ કે સમજી વિચારીને બંધ કર્યું હતું. ત્યાર પછી 'આ' જ્ઞાન ઊભું થયું.

ભૂલ સ્વીકારી, બનો મોટા મનના !

મન મોટંુ હોવંુ જોઈએ. બ્રોડ માઈન્ડેડ હોવંુ જોઈએ.

પ્રશ્શનકર્તા : ચાર વખત બ્રોડ માઈન્ડ રાખું, પણ પછી પાંચમી ફેર ના રહે એવું થઈ જાય.

દાદાશ્રી : ના રહે, એવો કંટ્રોલ (કાબૂ) ના હોવો જોઈએ. કન્ટ્રોલેબલ વોઈસ હોવો જોઈએ આપણો. કે ના કેમ રહે ? અને ના રહે તો પછી આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ, તો રહે. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગું છું. હવે ફરી ન થાય એવી મને શક્તિ આપો, કહીએ. વખતે આપણા કરતાં ઓછું ભણેલી હોય અગર તો સ્ત્રી જાતિ છે, કંઈ ભૂલ થાય તો આપણે મોટું મન ના રાખવું જોઈએ ? પુરુષ મોટા મનવાળા હોય કે સ્ત્રી મોટા મનવાળી ?

પ્રશ્શનકર્તા : પુરુષ.

દાદાશ્રી : હં, પુરુષે બહુ મોટું મન રાખવું જોઈએ. વાઈફ તો કહે, તમે છો એવાં, તે કેરીઓ લાવતાં આવડી નહીં. ત્યારે કહેવું કે ના આવડી ત્યારે તો આ ખાટી નીકળી. જો આવડી હોત તો મીઠી ના આવત, કહીએ. એમ જરા નરમ બોલવામાં કંઈ આબરૂ ના જાય. પણ તે ઘડીએ ધણીપણું બજાવવા ફરે. એમાં આ તો રોજનું તોફાન ચાલ્યા કરે છે. એટલે આપણે જ મૂકી દઈએ, કે ભઈ, આ ભૂલ તો થઈ, તમે કહી તે વાત સાચી છે પણ ભૂલ આપણી છે. એની નથી, બઈની નથી. બઈ તો કહી છૂટે આપણને કે તમને લાવતાં ના આવડી. ત્યારે કહે, તમને સારું લાવતાં આવડે છે. એ હું જાણું છું પણ આ ફેરે તો મને નહીં આવડી, કહીએ. એમ કહેવામાં વાંધો શો છે આપણને ?! સાહેબ જોડે બોલીએ કે ના બોલીએ, આપણા સાહેબ જોડે ?

પ્રશ્શનકર્તા : ના બોલીએ.

દાદાશ્રી : ત્યાં તો સાહેબ ખરાબ લાવે તો ય 'સાહેબ, તમે સારી લાવ્યા' એમ કહીએ. તે આ અહીં બઈ પાસે શું વાંધો છે ?! આપણા સાહેબ કરતાં ય બઈ ગઈ ?! કારણ કે સાહેબ દંડો ઉઠાવે. દંડ કરે કે આમ કેમ કર્યું ? એવો ભય નહીં રાખવો, સાહેબનો ભય નહીં રાખવો. ભય પોતાના ઘરના માણસોનો રાખવો, એમને દુઃખ ના થાય એવો ભય રાખવો જોઈએ. સાહેબનો ભય રાખવાનો શો અર્થ છે તે ! આપણે આપણું સારી રીતે કામ કરીએ, છતાં એ મનમાં કહેતાં હોય, હું ડિસમિસ કરવાનો છું, હું તો એમ કરવાનો છું તો આપણે હસ્યા કરીએ કે ભમરડો કૂદ્યા કરે છે. આપણો હિસાબ હશે તો જ ને ! આપણે સારી રીતે કામ કરીએ છીએ પછી એ શું છે તે ! અને એનું ડિસમીસનું શું ઠેકાણું ? કાલ સવારે એનો ઓર્ડર આવે કે ભઈ, તમને ડિસમિસ કરવામાં આવે છે. એટલે કોઈ ગભરામણ, કોઈ સાહેબ જોડે બીજી કોઈ ગભરામણ નહીં. આપણે છે તે રાજાથી કે ભગવાનથી ય એ ભડકવું નહીં. આપણે સારી રીતે કાર્ય કરે જાવ. અહીં કોઈ આપણો ઉપરી નથી, બા. આપણો ઉપરી આપણી ભૂલો. આપણે ભૂલો કરીએ તો એ આપણને પકડે. ભૂલ જ ના કરીએ તો ?

વાઈફ પાસે ભૂલ કબૂલે તો ?

હવે બેન જોડે આપણે કહીએ, 'આ તને ક્યાં આવડે છે ? તું ત્યારે શાક લાવી એટલે શું થયું !' હલદીઘાટ એટલે એ ઊલટું વધુ ને વધુ કેસ ચીકણો થયો. હવે આ વકીલો ખોળે, પછી આપણે વકીલો ખોળીએ. મહીં અંદરના, બહારના નહીં. અંદરના એ જ ઝઘડા વધતા જાય ને પછી ઊંઘ ના આવે રાતે. એનાં કરતાં કહીએ, હેં.... તારી વાત બહુ સાચી. આ તારે લીધે તો મને ખબર પડી કે આ ભૂલ થઈ. એટલે પછી આપણે કહીએ, ચા-બાનંુ ઠેકાણે પડે છે ? 'હા, હમણે બનાવી આપીશું.' ખુશ થઈ જાય ને ! તો ચા મળે, દા'ડો સારો જાય, રાત સારી જાય, એમાં શું ખોટ ગઈ ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : અને આ તો તમે વહુ જોડે હઠે ચઢ્યા હોયને, તો સવાર સુધી છોડે નહીં ! વહુએ સમજી જાય અને પાછાં પોતે ય જાણે, આ હઠ પકડી છે પણ હવે છોડવી નથી. એવું પોતે હઉ જાણે. આપણી આબરુ જાય, કહેશે. મૂઆ, આબરુદાર, તે શું આબરુદાર !

પ્રશ્શનકર્તા : પણ એવું નીચું તો પોતાનું પાડે જ નહીંને પણ ! ધણી કંઈ પોતાની બૈરી આગળ નીચું પડવા દે ?!

દાદાશ્રી : પણ નીચું પડવા દે તે જ ડાહ્યો કહેવાય. આ અમે તો કહી દેતા હતા, હીરાબાને કે અમારી ભૂલ થઈ, હં...કે... બહુ ભૂલો થાય છે અમારી તો. ત્યારે કહે, ના, તમારી ભૂલ નથી થતી. ઉલટાં આપણે કહીએ કે ભૂલ થઈ તો એ કહે, નથી થતી. અને આપણે કહીએ કે ભૂલ નથી થતી, તો એ કહે કે તમારી ભૂલ થઈ છે. એટલે જાણી જોઈને વાઈફની જોડે છે તે સાચી વાત હોય તો પણ એને સાચી ઠરાવવા ફરીએ તો પછી એનું ફળ તો મળે કે ના મળે ? અને વાઈફનામાં આત્મા નથી રહેલો ?

પ્રશ્શનકર્તા : છે.

દાદાશ્રી : એટલે આપણે ન્યાય-નીતિ બધું જોવું પડે અને વખતે વાઈફ થોડું અન્યાય કરે તો આપણે લેટ ગો કરવું પડે. કારણ કે એની જાગૃતિ ઓછી હોય પુરુષો કરતાં ! આપણે જાગૃતિવાળા માણસ એટલે નભાવી લેવું જોઈએ.

તમામ મતભેદનંુ નિવારણ અહીં !

વધારે કડવું હોય તો આપણે એકલાએ પી જવું, પણ સ્ત્રીઓને કેમ પીવા દેવાય ? કારણ કે આફ્ટર ઑલ આપણે મહાદેવજી છીએ. ન હોય મહાદેવજી આપણે ? પુરુષો મહાદેવજી જેવા હોય. વધારે પડતું કડવું હોય તો કહીએ, 'તું તારી મેળે સૂઈ જા, હું પી જઈશ.' બેનો ય મહીં સંસારમાં સહકાર નથી આપતી બિચારી ? પછી એની જોડે કેમ ડખલ થાય ? એને કંઈક દુઃખ અપાઈ ગયું હોય તો આપણે પશ્ચાતાપ કરવો જોઈએ ખાનગીમાં કે હવે નહીં દુઃખ આપું કહીએ. મારી ભૂલ થઈ આ.

ઘરમાં કયા પ્રકારના દુઃખો થાય છે, કયા પ્રકારના ઝઘડા થાય છે, કયા પ્રકારના મતભેદ થાય છે ? એ જો બન્ને જણ લખી લાવતા હોયને તો એને એક કલાકમાં જ બધાનો નિવેડો લાવી આપું. અણસમજણથી જ ઊભાં થાય છે, બીજું કશું નહીં. આ તમને કેમ લાગે છે ? આપણે ભૂલથી કરીએ છીએને, ખોટું જ કરીએ છીએને ?!

પ્રશ્શનકર્તા : સાચી વાત છે.

દાદાશ્રી : તો એટલું આ ફેરફાર ના થાય ? આ મારું કહેવાનું છે. અને તમે લખીને આપો. આ સ્ત્રી કહે છે કે આવી રીતે એમની જોડે મારે ઝઘડા થાય છે, તો એ લખીને આપો તો એમને કહી આપું કે આમાં આ ખોટું છે, આ ખોટું છે.

અનુભવના તારણથી સુધારવંુ નિજનંુ !

આ ગ્લાસવૅર તૂટી ગયા, બઈના હાથે સો ડૉલરના અને કકળાટ કરે એનો શો અર્થ છે ? મિનિંગલેસ ! એ બઈ તોડી નાખે ખરી, એક પ્યાલો ? એને જરા વિચારવું જોઈએ કે બઈ તોડી ના નાખે. તો એની પાછળ શું શું કારણો છે ? અમને પૂછો તો અમે તમને બતાવી દઈએ. તેથી આ બઈનો ય ગુનો નથી ને તમારો ગુનો નથી. આ એનું કારણ આ પ્રમાણે છે. એટલે પછી તમારે ગુસ્સે થવાનું કંઈ કારણ જ નથી. એવું હરેક બાબત પૂછો તો બધી બાબત અમે તમને કહી દઈએ. તમારી ભૂલને લઈને લૂંટી ગયો એવું અમે તમને સમજાવીએ. એ બધું સમજવું જોઈએ બધું.

જો આજ તમારા ઘરના માણસો અહીં ના આવ્યા હોય તો તમે કહેજો કે દાદા આ પ્રમાણે કહે છે કે, મારી ભૂલ મને સમજણ પડતી હોય એ ભૂલ તમે કહેશો નહીં અને તમારી ભૂલ તમને સમજણ પડતી હોય એ હું ય નહીં કહું. આપણે આટલું સમાધાન કરી નાખો કહીએ અને આ ડખલ જોઈએ નહીં હવે, કહીએ. પ્રેમમય જીવન જીવો કે છોકરા બધા ખુશ થઈ જાય. માટે આવું ન હોવું જોઈએ. જીવન તો જીવન હોવું જોઈએ !

હવે ઘેર છે તે ભાંજગડ નહીં થાય ને ?! અને એ ભૂલ કાઢતાં હોય તમારી ત્યારે કહીએ, આ તો હું જાણું છું. એ ભૂલ કાઢવાની દાદાએ ના કહી છેને ! એવી સમજણ પાડવી. એટલે એને ચેતવવા, આ ભૂલ તો હું જાણું છું. એ ભૂલ ના કાઢશો !

ધણી જોડે એ કશું કરતી હોય ત્યારે મહીંથી પોતાની જાતને કહીએ, 'શું કામ આમ કરે છે ? આખી જિંદગી આવું ને આવું કર્યું. તારે તારી જાતને ઠપકો આપવાનો છે. સામાને ઠપકો આપીએ ને, ત્યારે ક્લેશ થાય અને તમારે મહીંથી તમારી જાતને કહેવું, આમ શું કામ કરે છે !

બાકી, જૂના કર્મને જોયા કરવાનાં. જોયા કરવાથી શું થાય, સ્ટડી થાય, કયું કયું ખરાબ ને કેવી રીતે થયું છે, ફરી નવેસરથી એમાં સુધારાય. મોક્ષનું કંઈ જ્ઞાન તો હોતું જ નથી પણ જો સંસારમાં રહેવું હોય, તો જૂનાં કર્મને સુધારવા જોઈએ કે વાઈફ જોડે વગર કામનો ઉકળાટ કર્યો. તે આજ રસ-રોટલી હતી, તે મને કઢી ભાવી નહીં અને આ બધું બગડ્યું. એટલે એમાંથી અનુભવ શીખીને અને પછી બીજે દહાડે નક્કી કરવું જોઈએ કે ફરી આવું કરવું નથી. ભૂલો તો થયા જ કરવાની. ભૂલ તો બન્નેની થાય ને ! કોની ભૂલ ના થાય ?

પ્રશ્શનકર્તા : ભૂલ તો બધાની થાય.

દાદાશ્રી : ભૂલો કાઢવાની જ ના હોય. હંમેશાં ઘરમાં કોઈની ભૂલ ના કાઢવાની હોય. ભૂલ કાઢવી હોય તો ઓફિસમાં બોસની કાઢવી, જતાં- આવતાં અહીં ઊભો રહ્યો હોય તો કહીએ કે આમ કેમ ઊભો રહ્યો છું, શોખ હોય તો. ભૂલ બોસની કાઢે તો શું થાય ? તે આપણા લોક તો ત્યાં સીધા રહે. અહીં પાંસરો રહે નહીં !

એક ફેમિલી માટે ચાવી !

ફેમિલી એટલે શું ? ફેમિલીમાં જરાય ક્લેશ ના હોય, એનું નામ ફેમિલી કહેવાય. અને આપણા હિન્દુઓ તો બધા ફેમિલીમાં જ કચ્ચરઘાણ વાળી દે છે. ફેમિલિ એટલે ફેમિલી, એમાં કોઈ માણસ કોઈની કશી ભૂલ ના કાઢે.

આપણા ઘરની વાત ઘરમાં રહે એવું ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. એટલું ફેરફાર કરો તો બહુ સારું કહેવાય. ક્લેશ તો હોવો જ ના જોઈએ. આપણે જેટલા ડૉલર આવે એટલામાં સમાવેશ કરી લેવાનો. અને તમારે છે તે પૈસાની સગવડ ના હોય તો સાડીઓ માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. તમારેય વિચાર કરવો જોઈએ કે ધણીને અડચણમાં, મુશ્કેલીમાં નહીં મૂકવો જોઈએ. છૂટ હોય તો વાપરવા. એટલે આ ઝઘડા બધા ઊભા થાય છે આ ગાંડપણનાં, મેડનેસ છે ખાલી ! થોડું વાઈલ્ડપણું કહેવાય. એ ના હોવું જોઈએ. આપણને શોભે નહીં. કેટલા સંસ્કારી મા-બાપના દીકરાઓ તમે ! સંસ્કારી દેશના, આર્ય પ્રદેશના. આપણને આ શોભે નહીં. અને જે ભૂલ ના જાણતા હોય તે આપણે કહેવી જોઈએ કે આ રીતે આ ન થવું જોઈએ. એટલે ઘણું ખરું આ ઝઘડા બધા બંધ થઈ જાય.

'મૂડ' ટાઢો પાડો ક્યાંથી ?

ઑફિસમાં કોઈ વાર બૉસ ચિઢાયો હોય આપણી પર, એટલે આપણે શું માનીએ કે મેં કશો ગુનો નથી કર્યો અને ખરેખર ન જ કર્યો હોય ને પેલો ચીઢાતો હોય, તો આપણે એવું ના સમજવું જોઈએ કે આ ઘેર લડીને આવ્યો હશે ? ઘેરથી કંઈક ઝઘડો કરી નાખ્યો અગર તો રસ્તામાં કંઈ ઝઘડો થયો, પણ ક્યાંક ઝઘડો કરીને આવ્યો છે, એ મૂડમાં નથી. એટલે આપણે એને ટાઢો પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની જોડે જો આપણે ચિઢાઈએ તો શું થાય ? બૉસને ના થાય એની વહુ જોડે ?

પ્રશ્શનકર્તા : થાય ને !

દાદાશ્રી : હં, એટલે આપણે જરા ધીરજ પકડવી જોઈએ કે આ ગાડી ગરમ થઈ ગઈ છે, જરા ઠંડી પડવા દો. પછી વાતચીત ધીમે રહીને કરીએ અને તે વાતે ય સુંવાળી કરીએ પાછું, એને જરા ટાઢો કરીએ. સમજીને કામ ના લેવું જોઈએ ? ગાડી જોડે કામ લો છો સરસ, પણ અહીં નથી આવડતું.

વાઈફનો મૂડ બગડે ત્યારે...

અને પુરુષોએ પણ સ્ત્રીના મૂડને જાણી લેવો જોઈએ. એ મનમાં અકળાયેલી લાગે કે આજ છોકરાઓ જોડે કકળાટ કંઈ... તે, પરમ દહાડે આપણે સિનેમાની ટિકિટ લઈ આવું, કહીએ. પણ જેમ તેમ મૂડ ટાઢો પાડવો. આ સ્ત્રી ગરમ થઈ ગઈ હોય તો ઠોકાઠોક કરવાની ? ગાડી ગરમ થાય એવી રીતે સ્ત્રી ગરમ ના થઈ જાય ? આપણે જાણીએ કે આનો મૂડ બગડી ગયો છે. માટે આ મહીં છે તે પંખો ફેરવો, પાણી રેડો. ગાડીનું થોડું મોઢું ઊઘાડું કરી નાખો. અને તે ઘડીએ માર માર કરીએ કે મૂડ આવો કેમ કરે છે, ગુસ્સે કેમ થઈ જાઉં છું ? તો શું થાય ? એનો ઉપાય કરીએ. જેનો મૂડ બગડી જાય એ ગાડીઓ. પણ જે તે રસ્તે મૂડમાં લાવવું પડે આપણે. ગાડીને મૂડમાં કેમ લાવીએ છીએ ? કારણ કે આપણે જાણીએ છીએ કે ગાડી છે એટલે નથી ચિઢાતા. એ આમને ગાડી નથી જાણતા આપણે.

પ્રશ્શનકર્તા : દાદા, એને લાડી કહેવાય. અહીંયા લાડી કહીએ આપણે.

દાદાશ્રી : લાડી કહીએ પણ જેટલું ગરમ થાયને, એ બધી ગાડીઓ જ હોય છે. ના, ખરેખર આ તો મશીનરી ગરમ થાય છે. તમે નથી ગરમ થતા. જે મિકેનિકલ પાર્ટ છેને, તે ગરમ થાય છે. અને તમે જાણો કે આ ગરમ થઈ ! આ મિકેનિકલ પાર્ટને તો આવું કરાતું હશે ? આ તો પછી જે આપવા માંડે.... કે તારો બાપ આવો ને તું આવી ને તું આમ. એ એના બાપ સુધી લઈ જાય. પેલી બઈએ કહે, મારા બાપ મરી ગયા, હવે શું કરવા એનું નામ લો છો તે ! એવું કહે. આ તો ઘરમાં તોફાન. એને પહોંચી શી રીતે વળાય તે ! આવી ભૂલો કાઢી નાખવી જોઈએ ને ? આપણે સુધરેલા લોકો, સારા આચાર-વિચારના. મેં મારે ઘેર ભૂલ કાઢી નાખી, ત્યારે મને, ડાહ્યો થયો, કહે. આજ પિસ્તાળીસ વર્ષથી મતભેદ નથી નામે ય. હું અત્યારે સંસારી જ છું. જો આ કપડાં-બપડાં ઘરનાં, મારા ધંધાનાં, બિઝનેસનાં. કોઈનો એક પૈસોય નહીં લેવાનો. અને કો'કનો પૈસો ખાવામાં આવે તો મારું મન કેવું થઈ જાય ? પછી તો ખલાસ જ થઈ જાય ને મન. આ તો સમજવું જ પડશે ને ! ક્યાં સુધી આવું પોલંપોલ ચલાવીશું ! મેં ય બહુ દા'ડા પોલંપોલ ચલાવેલું, હં કે ! ત્રીસ-બત્રીસ વર્ષનો થયો ત્યાં સુધી તો હેય... જો ચીઢાઉં, પછી બહુ વિચાર કર્યો. મેં કહ્યું, આ શું છે આની પાછળ, કૉઝીઝ શું છે ને આ

કેમ આમ છે ? સમજવું પડે કે ના સમજવું પડે ?

પ્રશ્શનકર્તા : સમજવું પડે.

દાદાશ્રી : અને આ આપણી ભૂલને, મૂર્ખઈ ને ફૂલિશનેસ છે, આ વઢંવઢા ને એ બધું તો. હવે આટલું બધું ભણ્યા ને ખાનદાનના છોકરા. કેવા કેવા બધા 'શાહ કહેવાઓ પણ તમે.' તમને વાત કામમાં લાગશે કે આ બધી ?

પ્રશ્શનકર્તા : હા, લાગશે, દાદા.

દાદાશ્રી : હં, અકળાવાની જરૂર નહીં કોઈ જગ્યાએ. મિકેનિકલ પાર્ટમાં અકળામણ છે.

પ્રશ્શનકર્તા : ઊલ્ટું પાણી ગરમ વધારે રેડે.

દાદાશ્રી : વધારે રેડે મૂઆ, જેમ ગાડી ટાઢી પાડીએ છેને, ગાડી જોડે કામ લઈએ છીએ એવી રીતે કામ લેવું જોઈએ. આ તો બિચારીને એવા શબ્દ સંભળાવી દે કે આખી રાત ઊંઘ ના આવે એને બિચારીને.

પ્રશ્શનકર્તા : ત્યાં તો પેલું એવુંને કે ગાડી ગરમ થાય, આપણે ય ગરમ થઈશું તો પછી ચાલીને જવું પડશે. એની ગરજ છે.

દાદાશ્રી : ના, તે આ ય છે તે છ મહિના ઘેર જઈને રહે તો શું થાય ? ના, પણ એ કામનું નહીં આ. સાચવીને કામ લઈએ. આ ય આપણું પોતાનું અંગ છે, ફેમિલી. બહાર શું કહે, માય ફેમિલી. ત્યારે માય ફેમિલી. ત્યાં તો બરાબર આમ (મતભેદ) થાય છે. શરમ આવે છે ? પણ આ તો કહે છે, વાઈફ વાત વાતમાં ગરમ થઈ જાય છે. એ ગરમ થઈ જાય તો એને ટાઢી પાડીએ એવી રીતે વાણી બોલીએ, મૂડમાં આવે ત્યાં સુધી. ના કરવું પડે, ભઈ ?

પ્રશ્શનકર્તા : બહુ ગરમ થઈ જાય તો બીજી લઈ આવવાની.

દાદાશ્રી : ના, એ બીજી ના લઈ અવાય. એ તો નબળાઈ છે. એ તો જે પૈણેલા હોયને એની જોડે જ નિવેડો કરવાનો હોય. આપણા ઇન્ડિયનો એની જોડે જ નિવેડો લાવે. આ બદલીએ એવાં ન્હોય આપણે લોકો. આ ફોરેનર્સ જો પૈણી લાવેને જો કદી ભાંજગડ ઊભી રહી તો છૂટા કરી નાખે અને ના હોય તો લેડી બદલી જ આવે, એ આપણે ત્યાં ન હોય. આ તો સંસ્કાર છે આપણા. ગમે તેવા ઓલ્ડ થઈ ગયેલા હશે, ખરાબ થઈ ગયા હશે, પણ પાછલા આર્ય સંસ્કાર છે આ. નથી સંસ્કાર આપણા ?! ભલે સોનું બહાર કાનમાં લટકાવીને ફરે પણ સંસ્કાર તો ખરા જ ને ! આ તમને એમ લાગે છે કે આ મારી વાઈફ છે. પણ જેનો મૂડ બગડે એ બધી ગાડીઓ. સમજાય છે ? તને લાગે છે હેલ્પ કરશે આ વાક્ય મારું ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : જો એનો મૂડ બગડી ગયો હોય, તે ઘડીએ આપણે એમને રાગે પાડવી. પુરુષોને તો મહીં આવડે, મૂડમાં લાવવાની. આમ કરીને હાથ ફેરવે એટલે એ મૂડમાં આવી જાય એક હાથ જ ફેરવે તો. કેવી ચાવી છે ! મૂડમાં આવી જાય.

ધણીનો મૂડ બગડે ત્યારે...

પ્રશ્શનકર્તા : તો બૈરાંઓને ના આવડે પુરુષોને મૂડમાં લાવતાં ? બૈરાંઓને પુરુષોને મૂડમાં લાવતાં આવડે !

દાદાશ્રી : એ તો એને ખઈબદેલો હોય. બૈરાંને આવડે ખરું પછી, રસ્તો કરે. તે એક ભઈ મૂડમાં નહોતો આવતો, તે રાતની ભાંજગડ થયેલી હશેને તે સવારમાં ચા પીતી વખતે એ પીતો ન હતો. ટાઈમ થયો તે ચા પીવા સારું આવ્યા નહીં. એટલે બઈ સમજી કે આજે મૂડમાં નથી અને મૂડમાં નહીં આવે તો આખો દહાડો બગડશે. એટલે બઈએ શું કર્યું કે બાબો હતો ને, તે એના બાબાને કહે છે, 'જા પપ્પાજીને કહે કે પપ્પાજી, મમ્મી ચા પીવા બોલાવે છે.' એટલે પેલો બાબો પપ્પાજી બોલ્યોને તરત આ ભૂલી ગયો બધી વાત. અને ત્યાં જઈને પહોંચી ગયો. જો ચાવી ફેરવી એની અને એમ ને એમ નહતો આવે એવો. એટલે આ બેનોને ય આવડે બધું. બધું આવડે.

પ્રશ્શનકર્તા : ખઈબદેલો એટલે શું ?

દાદાશ્રી : આ તમને ખઈબદેલા નથી મળ્યા !

પ્રશ્શનકર્તા : હજી બધાને નથી સમજણ પડી.

દાદાશ્રી : અપ અને ડાઉન બન્ને થતાં આવડે. એ જાણે કે અત્યારે જો અપ કરવા જઈશું તો અથડાશે. એટલે ડાઉન કરી નાખે. ખઈબદેલા હોય. પાકાં હોય, એને લોકો પાકાં કહે અને હું ખઈબદેલો કહું. હોંશિયાર માણસ છો બધા આમ તમે.

એટલે માણસનું ઘડતર થવું જોઈએ. આવું ના હોવું જોઈએ. ઘેર જઈને કંઈ બગડ્યું તો મૂઆનું મગજ ફરી જાય. અને પછી બઈને બહાર પૂછીએ, શું હતી બૂમાબૂમ ? 'મૂડમાં નથી' કહેશે. આ આપણો મૂડ સ્ત્રી જોઈ જાય ! આપણો મૂડ તો ખરી રીતે કોઈ જોઈ શકવો જ ના જોઈએ. તેને બદલે પોતાની સ્ત્રી જોઈ જાય, એ આપણી આબરુ જતી રહે. શું કહે, મૂડમાં નથી. જો તમારા સાહેબ મૂડમાં નથી હોતા ને, ત્યારે તમે ઑફિસની ફાઈલો મૂકવા જતા નથી ને ! અત્યારે રહેવા દો મૂડમાં નથી, ટકરાશે મૂઓ ! અમારો મૂડ બગડે નહીં. જ્યારે જુઓ ત્યારે એ જ મૂડમાં હોઈએ. એમનો મૂડ બદલાય છે કોઈ દહાડો ?

પ્રશ્શનકર્તા : અરે, ઘણો.

દાદાશ્રી : આ બિલાડી છે કે પોપટ છે, તે લોક પાળતા હોય, પછી આ બિલાડી રોજ છે તે આમ હાથ ફેરવીએ તો આમ રોફથી ફરે અને મૂડ બદલાય તો બચકું ભરી લે, તો એને રાખે કોઈ ?! બિલાડીનો મૂડ બદલાતો નથી ને, આપણા માણસોનો મૂડ બદલાય કેમ ?! પોપટનો મૂડ બદલાતો નથી, પોપટ ચાંચ ના ભરી લે હં. કૂતરું ય પાળેલું હોય ને, તે આપણને કૈડી ના ખાય. ડૉગ પણ આપણને ના કૈડી ખાય. એટલું તો માયા એ ય રાખે. અને મનુષ્યનો મૂડ બગડે તો કૈડી ખાય છે ! આપણે ત્યાં તો આવું ના હોવું જોઈએ ને ?! આ વિચારુ છે. વિચારેલું પગલું નથી આ. આમાં વિચાર કરીએ તો નીકળી જાય એવું છે ને !

પ્રશ્શનકર્તા : હાજી.

દાદાશ્રી : ખોટું ગાંડપણ જ છે ખાલી.

પ્રેમથી વશ કરવાની રીત !

હવે બહારથી ધણી ઘેર આવ્યો હોય, ઑફિસમાં બોસે ટૈડકાવ્યા હોય ધણીને અને પછી ઘેર પેલું મોઢું બગડી ગયેલું આવે ઘરમાં. ત્યારે બઈ કહે, બળ્યું, તમારું મોઢું જોઈને મને તો એ લાગે છે.... આવું બોલાતું હશે ? સમજી લેવાનું કે આજે ધણી મૂડમાં નથી.

પ્રશ્શનકર્તા : ધણી ઊકળે છે એનું કારણ શું ?

દાદાશ્રી : બધું આડું-અવળું કરેલું હોય ને, તે તપી ગયેલો હોય અને પછી જરાક સાધન મળ્યું કે ભડકો થાય.

પ્રશ્શનકર્તા : ધણીને પ્રેમથી કેવી રીતના વશ કરાય ?

દાદાશ્રી : ધણી ઘરમાં આવે તો આપણે જાણીએ કે આજે કંઈક મૂંઝાયેલો લાગે છે. એને સાહેબે જરા દબડાવ્યો હોય. તે મનમાં એમ થાય કે આ સાહેબ, નાલાયક ક્યાંથી મળ્યો આવો ને એમ તેમ. આ સાહેબને મારી ઉપર વેર જ છે. કાયમનું ન હોય એનું વેર મૂઆ ! અરે, સાહેબનો શો દોષ છે ! સાહેબને એની બઈએ ટૈડકાવ્યો છે. ક્યાંનો ધક્કો છે એ તો જો ! આ ધક્કો વાગ્યો તે આવ્યો ક્યાંથી એ તો તપાસ કર ! પણ આવું તપાસ ના કરે એટલે પછી મોઢું મોટું ચઢાવીને ઘેર આવે. એ પછી ઘેર આવીને હાંકે. આ તો અકળાયેલું હોય તેને વધારે અકળાવે. એને કો'કનો ધક્કો વાગ્યો ત્યારે પેલાને ધક્કો મારે. આવું બને કે ના બને ?

પ્રશ્શનકર્તા : બનેે.

દાદાશ્રી : તેને લીધે ઝઘડે છે. અમે સમજી જઈએ કે આ ધક્કો ક્યાંથી આવ્યો !

પ્રશ્શનકર્તા : સાહેબ એના ઘરનો ધક્કો આપણને મારે, તેનો રસ્તો શું કરવો ?

દાદાશ્રી : બીજો શો રસ્તો કરવાનો ? દૂધપાક કરવો હોય તો તેમાં નીચે લાકડાં સળગાવવા પડે કે ના સળગાવવા પડે ? ત્યારે પાછું દૂધપાક ચીઢાય, એ ઊભરાય. ત્યારે લાકડાં કાઢી લેવાં પડે. એ રસ્તો એનો. દૂધપાક ચીઢાય નહીં, નહીં ? નહીં તો પછી એ ઊભરાય પાછું. આ આવતાંની સાથે કહેશે, 'તમારું મોઢું ચઢેલું છે.' તે ના બોલાય આવું. ધણી મૂડમાં ના હોય તો તે ઘડીએ ના બોલવું. કારણ કે માણસનો મૂડ બદલાઈ જાય છે ઘણી વખત. એટલે ધણી આપણા ઘરમાં આવતાની સાથે જ તમારે સમજી જવાનું કે ભઈ સાહેબ, મૂડમાં દેખાતા નથી કે ગાડી ગરમ થઈ જાય, એવું આ થઈ ગયું છે. એનો મૂડ જોઈને ના કામ લેવું જોઈએ ? મૂડ તો બદલાઈ જાયને માણસનો, અજ્ઞાની માણસનો મૂડ બદલાતાં કેટલી વાર લાગે ? મૂડ ઓળખે કે ના ઓળખે ?! બધી જ સ્ત્રીઓ ધણીનો મૂડ ઓળખે કે આજે આનું ઠેકાણે નથી. એટલે આપણે જાણીએ કે આને ફર્સ્ટ ક્લાસ ચાની ટેવ છે, પેલી મોંઘા ભાવની ચા રાખી મેલી હોય, કો'ક સારા માણસ આવ્યા હોય તેને માટે, તો તે ચા બનાવી આપવી. કશું બોલવા-કરવાનું નહીં. ચા-નાસ્તો-ભાવતી મીઠાઈ જે ઠીક લાગે તે રાખી મેલવી આપણે ને આપવું, તો ટાઢો પડી જાય ને, તો પ્રેમ વધે. તને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : હા એ હા કરવું એ ના ચાલે કંઈ, એવા ઉપાયો કરવા પડે. તને કેમ લાગે છે ? મૂડમાં ના હોય તો મૂડ ટાઢો નહીં કરવો પડે ?

પ્રશ્શનકર્તા : કરવા જ જોઈએ.

દાદાશ્રી : તોય આપણે એ ચીઢાયેલો એટલે આપણે પાછાં એને સળી કર કર કર્યા કરીએ. પછી ભડકો થાય કે ના થાય ?

પ્રશ્શનકર્તા : એ ચા-નાસ્તો આપીએ તોય ખુશ ના થાય.

દાદાશ્રી : એ તો ધીમે ધીમે થાય, એકદમ ના થાય. પહેલાની આપણી ડખલ કરેલી હોયને પણ ધીમે ધીમે બહુ સરસ ખુશ થઈ જાય. એને ખાતરી થાય, ભડકાટ નીકળી જાયને ! જેમ ભડકેલું કૂતરું હોયને, એને પટાવ પટાવ કરીએ તો ય ના જાય. પછી બે-ચાર દહાડા ખાતરી થાય પછી એ ના આવે.

પ્રશ્શનકર્તા : બરાબર, દાદા.

દાદાશ્રી : તો આમને પણ મૂડમાં લાવ, આ ધણી એ ય ગાડી જ છે. એમને મૂડમાં ના લાવવી પડે ? હવે મૂડમાં ના લાવે તો પછી ગાડીને માર માર કરે, એના જેવું આપણા લોકો અહીં આગળ કરે છે. શું તારું મોઢું લઈને, આ તારું મોઢું જો તો ખરો ! એવું ના બોલાય. એનું મોઢું શાથી બગડી ગયું છે એ જાણો. એને મૂડમાં લાવીશ ને ? એમને શું ભાવે છે એ જાણી રાખવું આપણે અને જ્યારે મૂડમાં ના હોયને, તો ઝટપટ બનાવીને મૂકી દેવું. એ અકળાતા હોય તો આપણે છોડી દઈએ. કહીએ, તમારી વાત ખરી છે. આજ તો મારું મન જ સારું નથી, એમ તેમ કરીને ઊકેલ લાવીએ. એટલે એ ટાઢા પડી જાય. એ જાણે કે મારો રોફ પડ્યો એટલે ટાઢા પડી જાય. આ રોફવાળા, જો ખરા રોફવાળા !

આ તો રાત્રે કોઈ વખત ધણીને ઘેર આવતાં મોડું થઈ જાય, કોઈક સંજોગોમાં, હં... આટલું બધું મોડું અવાતું હશે ? તો એ નથી જાણતા. એ મોડું થાય છે ? એમને મહીં ચૂન ચૂન થતું હોય, બહુ મોડું થયું, બહુ મોડું થયું. તેમાં પાછાં આ વાઈફ એવું ગાય કે આટલું બધું મોડું અવાતું હશે ? બિચારા ! આ મિનિંગલેસ વાતો બધી આવી કરવી ! તને સમજાય છે એવું ? એટલે આપણે એ આ મોડા આવેને, તે દહાડે આપણે જોઈ લેવું કે મૂડ કેમનો છે ! એટલે પછી તરત જ કહેવું કે પહેલી ચા-બા પીને જરા એમને ચા-પાણી કરીને ખુશ કરીએ. જેમ પોલીસવાળો આવ્યો હોય, આપણે મૂડ ના હોય તો ય ચા-પાણી નથી કરતા ? આ તો પોતાનો એટલે ખુશ નહીં કરવાનો ? પોતાનો એટલે ખુશ કરવો પડે ! ગાડી ગરમ થઈ જાય તો આપણે એને લાકડી માર માર કરીએ તો ! એને મૂ઼ડમાં લાવવા માટે ઠંડી મૂકી દેવાની જરા, એ રેડિએટર ફેરવવાનું, પંખો ફેરવવાનો. ના કરાય ?

પ્રશ્શનકર્તા : કરાય.

દાદાશ્રી : મૂડમાં ના લાવવી પડે ગાડીને ?

પ્રશ્શનકર્તા : લાવવી જ પડે.

દાદાશ્રી : એવું આ ધણી ગરમ થઈ ગયો એટલે જલદી જલદી પાણી રેડવું રેડીએટરમાં. ત્યારે તે ઘડીએ તમે કહેશો, મોડા કેમ આવ્યા ?.. એ ચાલ્યું તોફાન ! આ તો ધણીનો મૂડ ઠીક નથી. અને આ ઉપરથી બંદૂક મારે, બળી. આવું જીવન કેમ હોવું જોઈએ ? જ્યારે ગાડી ગરમ થઈ જાય ત્યારે રેડીએટર તરત તમે ફેરવી નાખો છો ? મહીં પાણી નથી રેડતા ? કેમ ગાડી ઊભી રાખી, આપણે ઉતાવળ છે, અરે ભઈ, પાણી નાખવા દો ને, ગરમ થઈ ગઈ છે, ગાડી. આ ગાડી ગરમ થઈ જાય છે, તે એને આપણે મૂડમાં ના લાવી તો ગુનો ખરો ? એને મૂડમાં લાવવી કે ના લાવવી જોઈએ ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : આ ગાડી ગરમ થઈ ગઈ હોય, એને કહીએ શેની ગરમ થઈ જઉં છું તું રસ્તામાં ! તારી વાત તું જાણે, એમ કરીને ચલાવ ચલાવ કરીએ તો શું થાય ? રેડીએટર એ ખલાસ થઈ જાય. થોડીવાર બંધ રાખી, પાણી-બાણી રેડી અને ઠંડું ના કરવું જોઈએ ? તે આ ના થઈ જાય, બળી. આ મશીનરી છે. આ શરીરમાં બે આત્મા છે : એક મિકેનિકલ આત્મા છે અને એક મૂળ આત્મા છે. તે આ મિકેનિકલ આત્મા તો ગરમે ય થઈ જાય, તે એ મુશ્કેલીમાં આવ્યો હોય તે ઘડીએ ના થઈ જાય ?

પ્રશ્શનકર્તા : થઈ જાય.

દાદાશ્રી : એકલી બ્રાન્ડી પીવાથી ગરમ થાય તે જુદો અને બ્રાન્ડી પીધા વગરનું ગરમ થાય તે ય જુદો. બ્રાન્ડી પીને ગરમ થાય તેને તો આપણે ડફળાવવો જરા. એમાં ય મજા નહીં, ઘરમાં, વન ફેમિલીમાં ડફળાવવામાં મજા નહીં. બ્રાન્ડી ન પીવે એવો તમે પ્રેમ આપોને તો પેલા બ્રાન્ડીએ બંધ કરી દે. ઘરમાં પ્રેમ ના દેખે એટલે પછી બહાર જઈને પી આવે, મૂઓ.

પ્રશ્શનકર્તા : બ્રાન્ડી બંધ કરાવવી કેવી રીતના?

દાદાશ્રી : તમારા ઘરમાં પ્રેમ દેખે એટલે બધુંય છોડી દે. પ્રેમની ખાતર દરેક વસ્તુ છોડી દેવા તૈયાર છે. આ પ્રેમ ના દેખે એટલે બ્રાન્ડી જોડે પ્રેમ કરે, ફલાણા જોડે પ્રેમ કરે, નહીં તો બીચ ઉપર ફર્યા કરે. અલ્યા મૂઆ, અહીં શું તારા બાપે દાટ્યું છે, ઘરમાં જાને ! ત્યારે કહે ઘેર તો મને ગમતું જ નથી.

કોમનસેન્સથી ટળે, તમામ મતભેદ !

ભલે મોક્ષની જરૂર બધાને ના હોય, પણ 'કોમનસેન્સ'ની જરૂર તો બધાને ખરી. આ તો 'કોમનસેન્સ' નહીં હોવાથી ઘરનું ખાઈ-પીને અથડામણો થાય છે. બધા કંઈ કાળાબજાર કરે છે ? છતાં ઘરના ત્રણ માણસોમાં સાંજ પડ્યે તેત્રીસ મતભેદ પડે છે. આમાં શું સુખ પડે ? પછી નફ્ફટ થઈ જીવે. એ સ્વમાન વગરનું જીવન શું કામનું ?

હું બધાંને એમ નથી કહેતો કે તમે બધાં મોક્ષે ચાલો. હું તો એમ કહું છું કે જીવન જીવવાની કળા શીખો. 'કોમનસેન્સ' થોડી ઘણી તો જાણે શીખે છે લોકોની પાસે ! શેઠિયાઓને મેં કહ્યું કે, 'કોમનસેન્સ' હોય તો આવું જીવન હોય નહીં. શેઠે પૂછયું,' 'કોમનસેન્સ' એટલે શું ?' મેં કહ્યું, 'કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ - થિયરેટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી. ગમે તેવું તાળું હોય, કટાયેલું હોય કે ગમે તેવું હોય પણ કૂંચી નાખે કે તરત ઊઘડી જાય એનું નામ કોમનસેન્સ.' તમારે તો તાળાં ઊઘડતાં નથી, વઢવાડો કરો છો અને તાળાં તોડો છો ! અરે, ઉપર ઘણ મોટા મારો છો !'

મતભેદ તમને પડે છે ? મતભેદ એટલે શું ? તાળું ઉઘાડતાં ના આવડ્યું ! તે 'કોમનસેન્સ' ક્યાંથી લાવે ? મારું કહેવાનું કે પૂરેપૂરી ૩૬૦ ડિગ્રીની સંપૂર્ણ 'કોમનસેન્સ' ના હોય, પણ ૪૦ ડિગ્રી, ૫૦ ડિગ્રીનું આવડે ને ? એવું ધ્યાનમાં લીધું હોય તો ? એક શુભ વિચારણા ઉપર ચઢ્યો હોય તો એને એ વિચારણા સાંભળે ને એ જાગ્રત થઈ જાય. શુભ વિચારણાનાં બીજ પડે. પછી એ વિચારણા ચાલુ થઈ જાય.

કોમનસેન્સવાળો ઘરમાં મતભેદ થવા જ ના દે. એ કોમનસેન્સ ક્યાંથી લાવે ? એ તો 'જ્ઞાની પુરુષ' પાસે બેસે, 'જ્ઞાની પુરુષ'ના ચરણોનું સેવન કરે ત્યારે 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. 'કોમનસેન્સ'વાળો ઘરમાં કે બહાર ક્યાંય ઝઘડો જ ના થવા દે. આ મુંબઈમાં મતભેદ વગરનાં ઘર કેટલાં ? મતભેદ થાય ત્યાં 'કોમનસેન્સ' કેમ કહેવાય ?

વહુ વિફરે ત્યાં થાય એડજસ્ટ !

બૈરી ચિઢાય ને કહે, 'હું તમારી થાળી લઈને નથી આવવાની, તમે જાતે આવો. હવે તમારી તબિયત સારી થઈ છે ને હેંડતા થયા છો. આમ લોકો જોડે વાત કરો છો, હરો-ફરો છો, બીડીઓ પીવો છો અને ઉપરથી ટાઈમ થાય ત્યારે થાળી માગો છો. હું નથી આપવાની !' ત્યારે આપણે ધીમે રહીને કહીએ, 'તમે નીચે થાળીમાં કાઢો, હું આવું છું.' એ કહે, 'નથી આવવાની.' તે પહેલાં જ આપણે કહીએ કે 'હું આવું છું, મારી ભૂલ થઈ ગઈ, લો.' આવું કરીએ તો કંઈ રાત સારી જાય, નહીં તો રાત બગડે. પેલા ડચકારા મારતા સૂઈ ગયા હોય ને આ બઈ અહીં ડચકારા મારતાં હોય. બેઉને ઊંઘ આવે નહીં, સવારે પાછાં ચા-પાણી થાય તે ચાનો પ્યાલો ખખડાવીને મૂકી ડચકારો મારે કે ના મારે ? તે આ ભઈએ ય તરત સમજી જાય કે ડચકારો માર્યો. આ કકળાટનું જીવન છે.

આ તો પછી ઘરમાં સવારમાં બહેનથી જરા ચામાં ખાંડ ઓછી પડી હોય એટલે પેલો કહેશે કે, 'હું તને રોજ કહું છું કે ચામાં ખાંડ વધારે નાખ, પણ તારું મગજ ઠેકાણે નથી રહેતું.' આ મગજના ઠેકાણાવાળો ચક્કર ! તારા જ મગજનું ઠેકાણું નથી ને ! અલ્યા, કઈ જાતનો છે તું ? રોજ જેની જોડે સોદાબાજી કરવાની હોય ત્યાં કકળાટ કરવાનો હોય ? ત્યાં એડજસ્ટ થઈ જવાનું હોય !

પછી 'વાઇફ' જો શાક મોંઘા ભાવનું લાવી હોય તો શાક જોઈને અક્કરમી તડૂકે, 'આટલા મોંઘા ભાવનું તે શાક લવાતું હશે ?' ત્યારે બાઈસાહેબ કહેશે, 'આ તમે મારી પર એટેક કર્યો', એમ કહીને બાઈ 'ડબલ એટેક' કરે. હવે આનો પાર ક્યાં આવે ? 'વાઇફ' જો મોંઘા ભાવનું શાક લાવી હોય તો આપણે કહીએ, 'બહુ સારું કર્યું, મારા ધનભાગ્ય ! બાકી, મારા જેવા લોભિયાથી આટલું મોઘું ના લવાત.'

ઘરમાં કરકસર હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ, ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.

અણસમજણ રૂપી કાંકરા ના કાઢવા પડે ?

આ વાઈફે જમવાનું બનાવ્યું હોય તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ. ન કઢાય એવી. જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે. હાઉ ટુ એડજસ્ટ ? એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જેની સાથે રહેવાનું કાયમ એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ ? આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કહેવાય તે ? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ.

અત્યારે બધી આ અથડામણ ઘરમાં થાય છે, એ બધી અણસમજણથી. તે અણસમજણ વીણી વીણીને નાખી દઈએને, આ તો ભાતની મહીંથી કાંકરા, એ કાઢી ના નાખવા જોઈએ, બળ્યા ?! તે અણસમજણરૂપી કાંકરા બધા કાઢી નાખે તો ભાત સારો થાય. એ કાંકરા રહેવા દઈએ ને પછી ભાત કરો એમાં શું મજા આવે ? હવે તું કાંકરા રહેવા દઉં કે વીણી નાખું છું !?

પ્રશ્શનકર્તા : વીણું છું.

દાદાશ્રી : થોડા-ઘણા રહી જતાં હશે ?

પ્રશ્શનકર્તા : થોડા રહે છે.

દાદાશ્રી : એ તો દાંત નીચે આવે તો કેવી મજા આવે ? કારણ કે દુઃખ જેવું નથી, બેન. આ તો આપણને કાંકરા વીણતા આવડતું નથી. એ કયા કાંકરા ને કયા ઘઉં ને બધું.... એટલે પૂછ, બધું પૂછ ! હેય, ભાતમાંથી કાંકરા વીણી અને પછી સુખ ભોગવવાનું !

ઘરના ઝઘડાના પરિણામો છોકરાં પર !

પ્રશ્શનકર્તા : પતિ-પત્નીના ઝઘડાંથી છોકરાં પર શું અસર થાય ?

દાદાશ્રી : ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. આવડો નાનો બાબો હોયને, તે ય એમ જોયા કરે. આ પપ્પો બહુ બોલ બોલ કરે છે મારી મમ્મી જોડે. પપ્પો જ ખરાબ છે. પણ મોંઢે બોલે નહીં. એ જાણે કે બોલીશ તો મારશે મને. મનમાં નોંધ કરે આ, નોટેડ ઇટસ કન્ટેન્ટસ્. પણ ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે 'મોટો થઈશ એટલે પપ્પાને આપીશ !' નક્કી કરે આપણા હારુ અત્યારથી. પછી એ મોટો થાય એટલે આપે ! 'એવું મારવા હારુ મેં તમને મોટાં કર્યા ?!' 'તો તમને કોણે મોટાં કર્યા હતા ?' કહેશે. 'અલ્યા, ત્યાં સુધી મારાં બાપા સુધી પહોંચ્યો ?' ત્યારે કહે, 'તમારાં દાદા સુધી પહોંચીશ.' આપણે સ્કોપ આપ્યો ત્યારે ને ?! એવી ગાંઠ વાળવા દઈએ તો આપણી જ ભૂલ છે ને ! ઘરમાં વઢીએ શું કરવા ? એને વઢીએ જ નહીં એટલે બાબો જુએ કે આ કહેવું પડે, પપ્પા કેટલા સારાં છે !

પ્રશ્શનકર્તા : અહીંયા બૈરાં જોડે બહુ કચકચ થાય.

દાદાશ્રી : તો બાબો શું કરે ? બાબો જોયા કરે, હં... આ પપ્પો તો સારો છે, પણ આ મમ્મી જ એવી છે ! મમ્મી જ ખરાબ છે, બહુ જ ખરાબ છે. મનમાં પાછો અભિપ્રાય આપે, બાબો. મનમાં નક્કી કરે કે મોટો થઉં ત્યારે મમ્મીને મારીશ. મારા પપ્પાનું ખરાબ ખરાબ કરે છે. એ છોકરાઓ ન્યાય જાણે ફર્સ્ટ ક્લાસ. આ બેમાં કોની ભૂલ થયેલી છે તે ના સમજે છોકરાં ? છોકરાં ન્યાય કરે આવડાં આવડાં, કારણ કે એને સમજણ તો એટલી બધી હોય, એ ઈન્ડિયનનું છોકરું છે ને એટલે કહે છે, આ મમ્મી જ ખોટી છે.

આ ન્યાય કરે, મૂઆ. હવે આ રીત છે આપણી ? ભવાડો આપણો ન જુએ છોકરાં એવું કરવું જોઈએ. છોકરાંની હાજરીમાં કરાતું હશે આવું ? અને છોકરાં સ્કૂલમાં ગયા હોય તે ઘડીએ ઊડાવવી થોડી વખત, જેને ટેવ હોય તેને. નહીં તો છોકરાં થતાં પહેલાં લઢી લેવું. છોકરાં થયા પછી લઢાય નહીં. એ તો સ્કૂલ માંડી કહેવાય. સ્કૂલનું મંડન થઈ ગયું. નિશાળિયા પર અસર પડે. એટલે લઢાય નહીં. આ તો છોકરાં ઊભાં હોય તો ય મારે છે હઉ સામસામી. બૈરીએ એક જણને માર્યો હતો, એનાં છોકરાં ઊભાં હતાં ને ! હવે આ તો કોઈ દહાડો સારું દેખાય, શોભે ?

સંસ્કાર જોઈને, સંસ્કારી બને !

છોકરાં સારાં થઈ જાય, સંસ્કાર પડે, એ આપણો રસ્તો. છોકરાને જે ના ગમતું હોય એ કાર્ય નહીં કરવાનું. છોકરાને પૂછવું કે 'અમે બે ઝઘડીએ છીએ તો તમને ગમે ?' ત્યારે કહે, 'ના ગમે.' તો આપણે બંધ કરી દેવું. મોટા ગુરુ ના મળે તો છોકરાઓ ગુરુ મળ્યા ! તો છોકરાં સારાં થાય, આપણા સંસ્કાર સારાં પડે. છોકરાં કશું આવું મા-બાપને સારાં દેખેને, તો બહુ સારા થઈ જાય. એને શીખવાડવું ના પડે. સંસ્કાર જોઈને સંસ્કાર શીખી જાય છે. નહીં તો 'આ મારે હિતકારી છે' એવું માનીને છોકરાં શીખે કે મારા મા-બાપ ઝઘડો કરે છે તે હિતકારી છે. એવું જાણીને છોકરાંઓ શીખે પણ પાડોશીનું ના શીખે, ઘરનું શીખે. એવું છોકરાંને એ ઊંધા સંસ્કાર ન પડવા જોઈએ એવું જીવન જીવવું જોઈએ. છોકરાં કંઈ પણ આપણે ત્યાં ખરાબ દેખે નહીં એવું વર્તન હોવું જોઈએ. સંસ્કારી છોકરા હોવા જોઈએ. આવી લાઈફને લાઈફ કેમ કહેવાય ?

જીવન જીવવાનું કંઈક જોઈએ કે ના જોઈએ, કંઈક કળા-બળા જોઈએ કે નહીં ? ગમે છે તમને આ વાત બધી.

પ્રશ્શનકર્તા : બહુ કામની છે, દાદા.

દાદાશ્રી : શું બહુ ગમે ?! સ્ત્રીઓ આગળ રોફ શું રહેશે આપણો ?! દાદાએ તો આપણો રોફ જ તોડી નાખવા માંડ્યો !

મા-બાપનંુ સુખ (!) છોકરાઓની દ્રષ્ટિમાં !

મારી પાસે બધા છોકરાંઓ આવે છે ઈન્ડિયામાં, તે ડૉક્ટર-ઇન્જીનિયર થયેલા, તે મેં કહ્યું, 'ભઈ, તમારી ઉંમર થઈ, ૨૫-૨૮ વર્ષના થયા. તમે લગ્ન કરી નાખો.' ત્યારે કહે, 'ના, અમારે લગ્ન નથી કરવું.' મેં કહ્યું, 'ભઈ, હું કોઈને લગ્ન ન કરવાનું કહેતો નથી, તો તમે શા માટે લગ્ન નથી કરતા ? તમે આવો મારી પાસે અહીં, સત્સંગ કરો, બધું કરો અને લગ્ને ય કરો. મને વાંધો નથી. તમારા પૈણવામાં મને વાંધો નથી.' હું તો શું કહું છું કે સંસારી જીવન જીવો અને જીવન એવું સુંદર જીવો કે બે ઘડી આપણને ઘરમાં બગીચા જેવું લાગે. તે બહાર બગીચામાં જવું ના પડે.

મેં એમને પૂછયું કે, છોકરાઓ, પરણવાનું કેમ ના પાડો છો ? શું છે તમને હરકત, તે મને કહોને, કે સ્ત્રી તમને ગમતી જ નથી કે શું છે હકીકત, વાસ્તવિકતા ? ત્યારે કહે, 'ના, અમારે લગ્ન નથી કરવું.' મેં કહ્યું, 'કેમ ?' ત્યારે કહે, 'લગ્નમાં સુખ છે નહીં એવું અમે જોઈ લીધું છે.' મેં કહ્યું, 'હજુ ઉંમરનાં નથી થયા, પૈણ્યા વગર તને શી રીતે ખબર પડી, અનુભવ થયો ?' ત્યારે કહે, 'અમારા મા-બાપનું સુખ(!) અમે જોતાં આવ્યા છીએ.' એટલે અમે જાણી ગયા આ લોકોનું સુખ ! આ લોકોને જ સુખ નથી તો આપણે પૈણીશું તો આપણે વધારે દુઃખી થઈશું. એટલે એવું બને ખરું ? પછી મેં કહ્યું, 'શું તારા મા-બાપનું સુખ જોયું ?' ત્યારે કહે, 'રોજ કકળાટ કકળાટ, અમે તો આમ જોયા જ કરીએ. અરે, બળ્યું, આ તો જીવન છે, આના કરતાં એકલા પડી રહેવું સારું.' એટલે જવાબદાર તો આપણે જ ને ! પછી છોકરાને પૂછયું, 'તારા બાપા ભણેલા નહીં હોય ?' 'અરે, એ તો ઇન્જીનિયર છે.' મૂઆ, તોય આવું ! ત્યારે કહે, 'હા, એવું.' તારી મા ભણેલી નહીં હોય ? ત્યારે કહે, 'એ બી.એસ.સી. છે.' હવે ભણેલાં તોય જીવન જીવતાં ના આવડ્યું. જીવન જીવવાનું તો શીખવું જોઈએ.

ક્વોલીફાઈડ ના થવંુ જોઈએ ?

એટલે હું સમજી ગયો કે ઓહોહો ! આ તો ઇન્ડિયન પઝલ આવું છે ?! ઘેર ઘેર આવું તોફાન છે કે છોકરા નાખુશ થઈ જાય કે પૈણવું જ નથી એવું થઈ જાય ! આ કલ્ચર (સંસ્કાર) આપણું ના શોભે આપણને ! આપણે આર્ય કલ્ચર, ટોપ લેવલનું કલ્ચર (ઊંચામાં ઊંચા સંસ્કારી), આપણે ત્યાં આવું ના હોય. છોકરાઓને એવો પુરાવો ન આપવો કે છોકરા ન પૈણે. કહે કે મારા ફાધર-મધર જેવા કોઈ માણસ જ નથી ! છોકરાઓ બધા બહાર કહી દે એટલે આબરુ રહે કેટલી ? મને કહી દેને કે અમારા ફાધર-મધરનું સુખ જોયું ત્યારે હું સમજી ગયો કે ઓહોહો ! આટલો ભયંકર વેપાર હશે ? આ બધી પોલ કહી દે કે ના કહી દે, છોકરા ! કેવું જીવન જીવે તે છોકરા પૈણવાય તૈયાર નથી ! એટલે પછી મારે લખવું પડ્યું છે પુસ્તકમાં, અન્ક્વોલિફાઇડ ફાધર્સ એન્ડ અન્ક્વોલિફાઇડ મધર્સ. આવાં મા-બાપ છે એના ! ક્વોલિફાઇડ (લાયકાતવાળા) હોવાં જોઈએ. છોકરા પણ કંટાળી જાય એટલે પૈણવા માટે લાયકાત છોડી દે છે. તમને કેમ લાગે છે, કંઈક હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? આ તો છોકરાઓ કહે છે કે અમારે નથી એ સુખ ભોગવવું. અલ્યા, આ તો આબરુ ગઈ કહેવાય. ફાધર-મધરે એવું જીવન જીવવું જોઈએ કે છોકરાઓ ખુશી થઈને પૈણે. આ તો કહે છે કે એમનો કકળાટ જોઈને અમે કંટાળી ગયા

છીએ. એટલી બધી આબરુ ગઈ આપણી ? આપણી ફેમિલિની આટલી બધી આબરુ ગઈ છે ! એટલે કંઈક જીવન તો સુધારો. આપણા છોકરાં સુધરે એવું તો કંઈક કરો. નિશ્ચય કરો તો થઈ જશે. તમે નિશ્ચય કરો મારે આમ કરવું છે, તો બધું થાય એવું છે.

- જય સચ્ચિદાનંદ.