વાણીની વઢવાડો વાળવી સમજણથી !

સંપાદકીય

મનુષ્ય સિવાય ઈતર પ્રાણીઓમાં ભાષાની સંજ્ઞાથી એમનો વ્યવહાર ચાલ્યા કરે છે. પણ ત્યાં વાણીની વઢવાડો નથી, વાણીથી ડખલો નથી. કૂતરા ભસે-લડે પણ તાંતો નહીં. જ્યારે આપણા મનુષ્યો એકલાને વાણી છે પણ ત્યારે કંઈક માફક ના આવે એવો વ્યવહાર બનતાંની સાથે જ સામું બોલી નાખે. બીજાને હલકો માને, પોતાને મોટો માને, વાણીથી એકબીજાને ઘા મારીને પોતે પણ દુઃખી થાય. આવાં દુઃખોમાં એવા કેવા એડજસ્ટમેન્ટ લેવા જોઈએ કે કોઈની વાણી પોતાને દુઃખદાયી ના થઈ પડે અને એથી આગળ પોતાની વાણીથી કોઈને દુઃખ ના થઈ પડે. તેની કળા જ્ઞાની પુરુષ પાસે અનુભવસિધ્ધ થયેલી હોય છે. એ તો ગંૂચાયેલા લોકો સોલ્યુશન પૂછે તો સંસારમાં દુઃખમુક્ત રહેવાની કેટલીય ચાવીઓ પ્રાપ્ત થાય !

પરમ પૂજ્ય દાદાશ્રીના દ્રષ્ટાંતો, બુધ્ધિથી સમજાય તેવા એડજસ્ટમેન્ટો, એટલા સરળ ને સચોટ છે, આપણે એ દ્રષ્ટિમાં ફીટ કરી લઈએ તો સંસારમાં વાણીની વઢવાડો રહે જ નહીં ! પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે આ બારણાં ખખડે તો ય ગમતું નથી આપણને, કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને તો પછી માણસ વઢવાડ કરે, તે કેમ ગમે ? અને કોઈ જાણી-જોઈને કરતો જ નથી. સામ સામે કર્મના ઉદયથી ઝઘડાં ચાલ્યા કરે છે, એમાં કોનો વાંક ? છાપરા પરથી પથ્થર પડે તો કોનો વાંક ? ને કોઈએ માર્યો તો ? સામા જોડે પોલીસવાળાની પેઠે, રોફથી ભારે વાણી બોલાતી હોય ને ઝઘડા થતાં હોય ત્યાં દાદાશ્રી સુંદર એડજસ્ટમેન્ટ બતાવે છે કે 'હું વિનંતી કરીને કહું છું' એટલું ઉમેરીને પછી વાકય બોલોને તો ડખો ઓછો લાગશે સામાને ! મીઠા શબ્દોમાં કો'ક દહાડો ઘરમાં વ્યવહાર કરો તો કેટલું સુખદાયી લાગે કે 'દેવી ! આજ સરસ રસોઈ જમાડો !' પણ આવું બોલતા જ નથીને, જાણે વાણી મોંઘી વેચાતી લાવવી પડતી ના હોય ! અરે, એ વઢતા હોય તો છેલ્લે પછી એક ગુરુમંત્ર જો બોલીએ કે 'તું ગમે તેટલું વઢું તો પણ તારા વગર મને ગમતું નથી', તો ત્યાં પ્રેમ ઘટી જાય ખરો ? એવી કળા શીખવા જેવી છે ! સંજોગાધીન ને કર્મના ઉદયે માણસનો વ્યવહાર બને છે, તેમાં ભૂલ કાઢવાની ક્યાં રહી ? અને અંતે સ્મશાનમાં ના જવાનું હોય તો કચકચ કરો, એમ દાદાશ્રી ચેતવે છે. પણ ત્યાં કચકચ કરીને અધોગતિના કર્મો બાંધે છે ને આત્મધર્મ તો ખોઈ નાખે છે.

દાદાશ્રી કહે છે કે 'આ તો બધું હિસાબ અમે જોઈ બેઠેલા, અનંત અવતારથી હિસાબ ખોળી કાઢેલો. એટલે અમને ભાંજગડ જ ના થાયને આની ! અને અમનેે તો તરત કિમીયા જડે, અમારી પાસે લાખો ચાવીઓ હોય.'

પ્રસ્તુત અંકમાં દરેક પાને વાણીની વઢવાડો વાળવાની સમ્યક્ સમજણો સમાયેલી છે. જે ઝીણવટથી પ્રોબ્લેમવાળા પ્રસંગો વખતે એ સમ્યક્ સમજણ ગોઠવવાનો નિશ્ચય કરવાથી વ્યવહારનો ઘણો નિવેડો લાવી આપશે !

દીપકના જય સચ્ચિદાનંદ

વાણીની વઢવાડો, વાળવી સમજણથી !

સામું બોલવાથી વધી વઢવાડો !

તારું ઘરમાં વર્તન કેવું થઈ જશે ? સંઘર્ષમાં રાખીશ કે મિલનસાર ?

પ્રશ્નકર્તા : મિલનસાર.

દાદાશ્રી : કશું શબ્દ સામો બોલું છું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કેટલા વર્ષ થયાં સામું બોલ્યા ?

પ્રશ્નકર્તા : આટલી જિંદગીમાં એકાદ-બે વખત સામું બોલાઈ ગયેલું.

દાદાશ્રી : અને તમે ?

પ્રશ્નકર્તા : હું એકાદ-બે વખત સામું ન બોલેલો.

દાદાશ્રી : શું માણસો ભેગાં થયાં છે !

પ્રશ્નકર્તા : પણ બધાની બુધ્ધિ થોડી સરખી હોય, દાદા ! વિચારો સરખા ના હોય. આપણે સારું કરીએ તો ય કોઈ સમજે નહીં, એનું શું કરવાનું ?

દાદાશ્રી : એવું કશુંય નથી. વિચાર સમજણ પડે છે બધાંયને, પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા વિચાર સાચાં છે. તેમ બધાના વિચાર ખોટા છે. એટલે વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકે ય ભાન નથી, બળ્યું. આ તો મનમાં માની બેઠાં છે કે હું બી.એ. થયો, ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો ક્લેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે.

વાણીના ઘા છાતીએ વાગે !

આ બારણાં ખખડે તોય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય, તો તમને ગમે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે, તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને.

આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો. ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, બે ધોલો મારો તો સારું પણ આ તમે જે બોલો છોને, તે મારી છાતીએ ઘા વાગે છે. હવે લ્યો, અડતું નથી અને કેવાં ઘા વાગે છે !

પોતે મૂઓ વાંકો છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે ને લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણી-જોઈને એની ઉપર રોફ મારવો છે, ધણીપણું બતાવવું છે. પછી ઘૈડપણમાં તમને સારું (!) આપે. પેલો કશુંક માગે તો, 'આમ શું કચકચ કર્યા કરો છો, પડી રહોને અમથા.' કહેશે. એટલે જાણી-જોઈને પડી રહેવું પડે. એટલે આબરૂ જ જાયને ! એનાં કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો-બગડો કેમ કરો છો ? લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો, બહાર જઈને કરજો. અને બહેનો તમે ય ઘરમાં ઝઘડો કરો નહીં, હોં !

ભારે શબ્દો કરાવે હાર્ટફેઈલ !

પ્રશ્નકર્તા : વાણીથી કશોય ક્લેશ ના હોય પણ મનમાં ક્લેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કહ્યું ના હોય પણ મનમાં હોય બહુ. તો એ ક્લેશ વગરનું ઘર કહેવું ?

દાદાશ્રી : એ વધારે ક્લેશ કહેવાય. મન બેચેની અનુભવે, તે ઘડીએ ક્લેશ હોય જ અને પછી આપણને કહે, 'મને ચેન પડતું નથી.' તે ક્લેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના ક્લેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવાં બોલ બોલે છે ને, હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલાને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી આવે પછી !

વઢવાડ, કેટલી કિંમતી ?

પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ?

દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે વઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠાં અનાડી ક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.

વણમાંગી સલાહથી ય અથડામણ !

ઘરમાં સામો પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય, એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, 'આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?' તો બઈ જવાબ આપે કે, 'ફલાણી જગ્યાએ મૂકો.' તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, 'તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?' એટલે બઈ કહે કે, 'અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.' આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે ! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટી ય ના લાગે કોઈ !

વાપરો વિનંતીવાળી વાણી !

મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ. પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય તો ભગવાનની સત્તા રહે. તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઊભી કરે છે. હં, પછી આ આમ કેમ કર્યું, આ આમ.... અલ્યા મૂઆ ! પાંસરો મરને ! ચા પીને છાનોમાનો, મોઢું ધોઈને !

અને બીબીય જાગે ત્યારથી ડખલ કર્યા કરે, કે 'જરા આ બાબાને હીંચકો પણ નાખતા નથી. જુઓ, આ ક્યારનો રડ્યા કરે છે !' ત્યારે પાછો ધણી કહેશે, 'તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો ! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો.' આ પાંસરી ના હોય ત્યારે શું કરે તે ?

પ્રશ્નકર્તા : ડખો નહીં કરો કહ્યુંને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ ? ઘરમાં બહુ માણસો હોય તોય ?

દાદાશ્રી : પડી ના રાખવું જોઈએ અને ડખો ય ના કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ?

દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય.

પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ?

દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય.

પ્રશ્નકર્તા : ઈમોશન વગર કહેવાનું. ઈમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ?

દાદાશ્રી : આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય !

પ્રશ્નકર્તા : આ કડક વાણી-કર્કશ વાણી હોય, એને શું કરીએ ?

દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે કે 'હું વિનંતી કરું છું, આટલું કરજો.' 'હું વિનંતી...' એટલો શબ્દ ઉમેરીને કરે.

પ્રશ્નકર્તા : હવે આપણે એમ કહીએ કે, 'એ ય, થાળી ઊંચક અહીંથી' અને આપણે ધીમે કહીએ, 'તું થાળી ઊંચક અહીંથી'. એટલે એ જે બોલવાનું જે પ્રેશર છે...

દાદાશ્રી : એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે ધીમેથી બોલવાનું.

દાદાશ્રી : ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તો ય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું 'હું વિનંતી કરું છું, તે આટલું કરજોને !' મહીં શબ્દ ઉમેરવો પડે.

વધાવો મીઠી વાણીથી !

આપણે એક દા'ડો તો કહી જુઓ કે 'દેવી ! આજ તો તમે બહુ સરસ રસોઈ જમાડો.' એટલું બોલી તો જુઓ.

પ્રશ્નકર્તા : ખુશ, ખુશ !

દાદાશ્રી : ખુશ ખુશ થઈ જાય. પણ આ તો બોલતાં ય નથી. વાણીમાં ય જાણે કે વેચાતી લાવવી પડતી હોયને ! વાણી વેચાતી લાવવી પડે છે ?

પ્રશ્નકર્તા : ના, પણ ધણીપણું ત્યાં જતું રહેને !

દાદાશ્રી : ધણીપણું જતું રહે છે, ધણીપણું ! ઓહોહો ! મોટો ધણી થઈ બેઠો ! અને અન્સર્ટિફાઈડ ધણી પાછો, જો સર્ટિફિકેટ લઈને આવ્યો હોત તો ઠીક છે !

હું-તુંથી હુંસાતુંસીથી હલદીઘાટ !

બૈરી ને એનો ધણી, બેઉ પાડોશી જોડે લડે ત્યારે કેવાં અભેદ થઈને લડે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવાં ને તમે તેવાં. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી એકતા ! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો'ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહ્યો-માંહી જ્યારે ઝઘડે ને, 'તું આવી ને તમે આવાં, તું આવી ને તમે આવાં.' .....પછી ઘરમાં જામે ને, ત્યારે કહે, 'તું જતી રહે, અહીંથી તારે ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં.' હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતા, તે તૂટી ગઈ અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય 'મારી-તારી' થઈ જાય. 'તું આવી છું ને તું આવી છું !' ત્યારે એ કહેશે, 'તમે ક્યાં પાંસરા છો ?' એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય.

'હું ને તું, હું ને તું, હું ને તું.' તે પહેલાં અમે હતાં, અમે બે એક છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. અમારું જ છે આ. તેનું 'હું' ને 'તું' થયાં ! હવે 'હું' ને 'તું' થયાં એટલે હુંસાતુસી થાય. એ હુંસાતુસી પછી ક્યાં પહોંચે ? ઠેઠ હલદીઘાટની લડાઈ શરૂ થઈ જાય. સર્વ વિનાશને નોતરવાનું સાધન એ હુંસાતુસી ! એટલે હુંસાતુંસી તો કોઈની જોડે ના થવા દેવી.

સંસારમાં કેમ ઊભું રહેવાય, આવાં ફસામણવાળા સંસારમાં ? 'હું' ને 'તું' હોય ત્યાં જીવાય જ કેમ કરીને ? 'હું' ને 'તું', 'હું' ને 'તું'માં ભેદ ના લાગે, બળ્યો ?

ગુરુમંત્ર વાપરી વધારો પ્રેમ !

હવે કંઈ પૂછ, હરકત હોય તે બધી પૂછ અને એક જ ફેમિલી હોય ને એવું જીવન જીવવું જોઈએ. વન ફેમિલી તરીકે તો જીવો.

આપણી ફેમિલીના માણસનો કોઈ આમ હાથ અથાડે તો આપણે એની જોડે લડીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી... તારા વગર મને ગમતું નથી એમ કહેવું, એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું, 'તું ગમે તે વઢું, તોય પણ તારા વગર મને ગમતું નથી.' આટલો ગુરુમંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથી. તમને બોલવામાં વાંધો શું ? મનમાં રાખીએ પ્રેમ ખરો પણ થોડું ખુલ્લું કરવું.

દાદાની હાર્ટીલી એકટીંગ હીરાબા સંગ !

ઘરમાં બેસવાનું ગમે નહીં તો ય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એ ય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છે ને, તો મોક્ષે જવાશે.

પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ?

દાદાશ્રી : હા, હીરાબાને હું હજુય કહું છું ને ! આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું, તે મનેય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર પડી ના જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે, 'હું હઉ તમને સાંભરું ?' મેં કહ્યું, 'સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો !' અને ખરેખર સાંભરે ય ખરાં, ન સાંભરે એવું નહીં ! આદર્શ હોય અમારી લાઈફ ! હીરાબા ય કહે, તમે વહેલાં આવજો.

પ્રશ્નકર્તા : આપે હીરાબા પાસે રજા માગેલી ખરી ? અમે હવે જઈએ ?

દાદાશ્રી : હા. એ રજા આપે. 'વહેલા આવજો' એવું ય કહે અને કહે, 'બધા લોકોનું ભલું થાય એવું કરો.' એટલે અમારું બધું ડ્રામા જ હોય. હીરાબા ૭૩ વર્ષનાં તો ય મને કહે છે, તમે વહેલા આવજો. મેં કહ્યું, 'મને ય તમારા વગર ગમતું નથી.' એ ડ્રામા કરીએ તો કેટલો એમને આનંદ થઈ જાય ! વહેલા આવજો, વહેલા આવજો, કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ! એટલે અમે ય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ. બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો આપણે બોલ બોલેલો કામનો જ શું તે ?

કલાકની વઢવાડ, જિંદગીભર દંડ !

એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે. ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે. એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે 'વહુ મને આમ કેમ કરે છે ?' વહુને એમ થાય કે 'આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?' એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે 'વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !' ત્યારે એ કહે કે, 'હું ખોળી લાવ્યો હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે, એમાં તે શું કરે, ક્યાં જાય પછી ?

વઢવું એ ગાંડો અહંકાર !

જેટલું બને એટલું આત્માનું જ કર કર કરવા જેવું છે અને આ સંસારનું તો કશું આઘુપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે 'ચંદુભાઈ'ને કહેવું 'કામ કર્યે જાવ.' પછી આઘુપાછું થાય તો ય વઢશો નહીં, કોઈને લઢશો નહીં ને કામ કર્યે જાવ, કહીએ. સંસારમાં વઢવા-લડવાની વાત જ નથી. એ તો જેને રોગ થયો હોય ને, તે બધું વઢે, લડ્યા કરે. આ ગાયો- ભેંસો કંઈ રોજ લડે છે કે કોઈ દહાડો ? કો'ક દહાડો બહુ ત્યારે, બાકી બધાં જોડે ને જોડે જાય છે, આવે છે. સામસામી કચકચ નહીં, ભાંજગડ નહીં. વઢવાની તો વાત જ ના હોય. વઢવું એટલે જ અહંકાર, ખુલ્લો અહંકાર. એને ગાંડો અહંકાર કહેવામાં આવે છે. મનમાં એમ માને કે 'મારા વગર ચાલશે નહીં. આ બધું બગડી જશે.' એ અહંકારને ગાંડો અહંકાર કહેવાય. એટલે વઢવાની વાત આવે ત્યાં બંધ રાખવું. હવે તમારે વઢવા જેવું કંઈ રહ્યું છે જ ક્યાં તે ! ઊલટું વઢવામાં તો આપણને બોજો લાગે. માથું પાકી જાય, નહીં ?

વઢવું, એ રોગ એક જાતનો !

વઢવાનું ગમે ખરું કોઈને ? શોખ હોય ?

પ્રશ્નકર્તા : કોઈને શોખ નહીં.

દાદાશ્રી : તમને એક આખો દહાડો લડવા બેસાડે તો ?

પ્રશ્નકર્તા : મગજ ખલાસ થઈ જાય.

દાદાશ્રી : ના ફાવે, નહીં ? જગતમાં એક અક્ષરેય કોઈને કશો કહેવો નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાયને તો એ રોગ મોટામાં મોટો ! બધાં પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું તે ? અક્ષરેય બોલવાનો બંધ કરી દેજો. આ તેટલા માટે તો અમે 'વ્યવસ્થિત'(સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ)નું જ્ઞાન આપ્યું છે. તે વ્યવસ્થિતના જ્ઞાન વગર, બોલ્યા વગર માણસ બેસી ના રહે. કારણ કે પ્યાલા ભાંગી ગયા નોકરનાં હાથે એટલે બોલ્યા વગર મૂઓ રહે જ નહીં ને ! કેમ ભાંગી નાખ્યા ? તારા હાથ ભાંગલા છે કે ? આમ છે, તેમ છે !' પણ હવે પ્યાલા ફૂટી ગયા તો ફોડનાર કોણ છે, એ 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે એટલે કશું બોલવાનું જ નથી ને ! અને પાછું 'વ્યવસ્થિત' જ થયું.

પ્રશ્નકર્તા : હા, થયું તે 'વ્યવસ્થિત' !

દાદાશ્રી : હા, અવ્યવસ્થિત થતું જ નથી. અવ્યવસ્થિત દેખાય છે તે પણ 'વ્યવસ્થિત' છે. એટલે વાત જ સમજવાની જરૂર છે. તમારે વ્યવસ્થિતનાં જ્ઞાનથી ચાલે છે કે નથી ચાલતું ? બધું વ્યવસ્થિત જ ચાલે ને ?

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત ચાલે છે પણ કો'ક વખત ડખો થઈ જાય.

દાદાશ્રી : થઈ જાય. પણ ખબર પડી જાયને કે આ ભૂલ થઈ ?

પ્રશ્નકર્તા : હા, ભૂલ થઈ એ ખબર પડી જાય.

દાદાશ્રી : કો'ક વખત પતંગ છે તે ગુલાંટ ખાય, તો બહુ ત્યારે આપણે દોરો ખેંચી લેવાનો. દોરો આપણા હાથમાં છે અને જગતમાં લોકોનાં હાથમાં દોરી નથી, લોકોની પતંગો ગુલાંટો ખાયા કરે છે. હવે શું થાય તે ?

પરીચ્છાનુસારી વાણી, જ્ઞાનીની !

માટે અક્ષરેય બોલવાનું બંધ કરી દેવું. બોલવું એને ભગવાને ભયંકર રોગ કહ્યો છે. હા, બોલે તો, જ્ઞાની એકલા બોલે, તેય એમની વાણી કેવી હોય ? પરીચ્છાનુસારી હોય. હા, બીજાની ઈચ્છાઓનાં આધારે એ બોલે છે. બીજાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે એ બોલે છે. બાકી એમને શા હારુ બોલવું પડે તે ? અને એમની વાણી તો સ્યાદ્વાદ વાણી, બહુ સાંભળ સાંભળ કરવાનું મન થાય.

ના ગમતી વાણી, બધી કચકચ !

અને પેલી વાણી તો સાંભળે ત્યાંથી જ મહીં આત્મા હાલી જાય, બધું હાલી જાય, ભયંકર પાપ લાગે. સહેજેય બોલાય નહીં આ જગતમાં. સહેજેય ડખાવાળું બોલવું, એનું નામ કચકચ કહેવાય.

આપણે બહાર પૂછીએ કે, 'શું તારાં કાકા કહેતા'તા ?' 'એ કાકા કચકચ કર્યા કરે છે વગર કામના.' ત્યારે શું આ બધાં જનાવરાં છે, મૂઆ. કાકો કચકચ કરે છે તે ? અરે મૂરખ, શું કરવા બોલ બોલ કરે છે તે ? ચક્કર નથી બોલવા જેવું. હા, એ બોલવાનું, તે બોલનારાની તો વાણી કેવી હોય કે જે બોલેને તે પેલો સાંભળ સાંભળ કરે, કે 'શું કહ્યું કાકા ? શું કહ્યું કાકા ?' આ તો બોલતાં પહેલાં જ છે તે પેલા કચકચ કરે. 'તમે કચકચ તમારી રહેવા દો, વગર કામના ડખો કર્યા કરો છો !' કહેશે.

વઢવાથી બગડ્યાં છોકરાં !

એટલે એક જ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ હેંડ્યા બા સહુસહુનાં કામ પર, કામ કર્યા કરવાનું. બોલશો-કરશો નહીં. તું બોલતી નથી ને, છોકરાં જોડે, ધણી જોડે ?

પ્રશ્નકર્તા : બહુ ઓછું કરી નાખ્યું.

દાદાશ્રી : બિલકુલ નહીં કરવાનું. દાદાની આજ્ઞા ! વઢવાથી તો છોકરાં બગડે છે, સુધરતા નથી બળ્યા, વળી કઈ મામાં બરકત હશે કે છોકરાને વઢવઢ કરે ? એ મામાં બરકત જોઈએ ને ? ક્યારે વઢેલું કામનું કે પૂર્વગ્રહ ન હોય તો વઢેલું કામનું. પૂર્વગ્રહ એટલે ગઈકાલે વઢ્યો'તો ને, તે મનમાં તો યાદ હોય. આવો જ છે, આવો જ છે અને પછી પાછો વઢે. એટલે પછી એમાંથી ઝેર ફેલાય. ભયંકર રોગ, ભગવાને કહ્યું છે. મૂરખ બનવાની નિશાની, અક્ષરેય બોલવાનું નહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે તો છોકરાઓને, વાઈફને કંઈ કહેતા હોઈએ ને, તો પેલું નાટકમાં જેમ ગુસ્સો કરતાં હોયને એવું સાધારણ આમ.

દાદાશ્રી : હા. નાટકીય ભાવ રાખે તો વાંધો નહીં. પણ ઘરમાં બિલકુલ લડવું નહીં. ઘરનાં પોતાનાં માણસ કહેવાય. તમારે ઘરમાં બોલવાનું બંધ છે કે નહીં ? બિલકુલેય ? નાનામોટાં બેઉ સરખાં કે મોટો તમારો ?

પ્રશ્નકર્તા (ભાઈ) : આ વઢવાનું ફાવતું નથી બહુ.

પ્રશ્નકર્તા (બહેન) : એ છોકરાઓને ન વઢે કોઈ દિવસ.

દાદાશ્રી : પણ શું કરવા બોલે ? પોતાનું મગજ બગાડવું, મૂરખ બનવું, એ કોનાં ઘરની વાત છે તે ! પોતે મૂરખ બને ને પાછો મગજ બગાડે, સાર કશો કાઢવાનો નહીં !

જો સામાં કચકચ કરતાં હોય ને, તો આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મૂરખ જાણે તો મૂરખ જાણવું. એમનાં હાથમાં કંઈ ઓછો કાયદો છે, મોક્ષે જવાનો ? દાદાની પાસે આપણે સર્ટિફિકેટ લેવું, કે સર્ટિફિકેટ કેવું છે, બસ.

બોલી બોલીને બગાડ્યું ઘર !

બધું 'વ્યવસ્થિત' ચલાવે છે, કશું બોલવા જેવું નથી. 'પોતાનો' ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આય ભમરડા ને તેય ભમરડા ! મેલને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઇએ ત્યારે એ કહેને કે, 'તમે જોતા હતાને, કેમ ના બોલ્યા ?' અને ના હોય તો હાથમાં માળા લઇને ફેરવ્યા કરીએ એટલે એ કહેશે કે, 'આ તો માળામાં છે.' મેલોને પૈડ ! આપણે શી લેવા-દેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચકચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો-ભેંસો ય એના બાબા જોડે રીતસર ભોં ભોં કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. બોલે એ મૂરખ કહેવાય, આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટકયા. ના કોઇનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે.

કચકચ બંધ, ત્યારથી સુધરે !

આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે અને દરેકના બોલ એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, 'ગાડીએ વહેલો જા', તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે.

જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે. કંઈ દાદરેથી પડી જાય એવા નાના છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો 'રિલેટિવ' ધર્મ છે, ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો, તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય.

... તો બગડેલું સુધરે !

પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી.

દાદાશ્રી : જવાબદારી 'વ્યવસ્થિત'ની છે, તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી, તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું પછી છોકરાં ય ગાંડું કાઢે.

પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઈથી બોલે છે.

દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય તો બધાનું સારું થાય.

એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિંક ચાલુ થઈ જાય. પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઈને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં ! સુધરવાનું હોય તો 'જ્ઞાની પુરુષ'ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા-બાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતો જ મરેલાંની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ 'અમારાથી' થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે. પોતે જ સુધર્યા ના હોય, તે બીજાને શી રીતે સુધારી શકે ?

છોકરાંને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. ઘરમાં છ મહિના મૌન લઈ લો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું.

સુધરેલાની વ્યાખ્યા !

પ્રશ્નકર્તા : બપોરે પાછું સવારની અથડામણ ભૂલી ય જઇએ ને સાંજે પાછું નવું થાય.

દાદાશ્રી : એ અમે જાણીએ છીએ, અથડામણ કઇ શક્તિથી થાય છે ! એ અવળું બોલે છે, તેમાં કઇ શક્તિ કામ કરી રહી છે ! બોલીને પાછાં 'એડજસ્ટ' થઇએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે. છતાં એડજસ્ટ થવાનું જગતમાં. કારણ કે દરેક વસ્તુ 'એન્ડવાળી' હોય છે અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તો ય તમે તેને 'હેલ્પ' નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે. એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય, તે સામાને શી રીતે સુધારી શકે ?

પ્રશ્નકર્તા : આપણે સુધરેલા હોય તો સુધારી શકીએ ને ?

દાદાશ્રી : હા, સુધારી શકીએ.

પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા ?

દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે 'ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે !' ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે.

રિએક્શનમાં વધારે અવળા થયા !

સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઇએ. પણ જે પ્રયત્નો 'રિએક્શનરી' હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઇએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઇએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઇએ કે, 'આપણને આ શોભે નહીં.' બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો, પણ કહેવાથી એને જે દુઃખ થયું તેની અસર તમારા ઉપર આવશે. કહેવાનો વાંધો નથી પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી રાખવું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી.

પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા, તેનાથી લોકો ઊલટાં બગડ્યા. સુધારવા જાય કે બગડે જ. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે. આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ એ મિનિંગલેસ છે. ત્યાં સુધી શબ્દ પણ પાછાં પડે. તમે કહો કે 'આવું ના કરીશ.' ત્યારે સામો કહે કે 'જાવ, અમે તો આવું જ કરવાના.' આ તો સામો વધારે અવળો ફર્યો.

અંડરહેન્ડ જોડે ય બગાડે વાણીથી !

વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધા કપટ વઢવાથી જ જગતમાં ઊભા થયા છે. વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે.

કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશો ને કે નહીં બોલતા હો ? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બોસ માને છે, તે બોસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડ જોડે ઝાપટ ઝાપટ કરવાનાં. આખો દહાડો 'તેં આમ કર્યું, તેં આમ કર્યું' કહ્યા કરે. તે એમાં આખી વાણી બધી બગડી જાય છે. એ અહંકાર છે એની પાછળ. આ જગતમાં કશું જ કહેવાય એવું નથી. જે બોલીએ છીએ, તે અહંકાર છે. જગત બધું નિયંત્રણવાળું છે.

અબોલાથી નિકાલ થાય ?

પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?

દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તે 'કેમ છો ? કેમ નહીં ?' એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલ રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા, તે તમારી ભૂલ ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.

પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ?

દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.

પ્રશ્નકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઈ, હવે માફી માગું છું, તો ય પેલો વધારે ચગે તો શું કરવું ?

દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એનો સ્વભાવ વાંકો છે એમ જાણીને બંધ કરી દેવું આપણે. એને એવું કંઈક ઊંધું જ્ઞાન થઈ ગયું હોય કે 'બહુત નમે નાદાન'. ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલાં સરળ હોયને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે, એ ના સમજીએ ?

પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ?

દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છે ય નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો'ક દહાડો ચિઢાશે એટલે આપણો હિસાબ પતી જશે. આપણે મૌન રાખીએ એટલે કો'ક દહાડો એ ચિઢાય ને જાતે જ બોલે કે 'તમે બોલતા નથી, કેટલા દહાડાથી મૂંગા ફરો છો !' આમ ચિઢાય એટલે આપણું પતી જશે. ત્યારે શું થાય તે ? આ તો જાતજાતના લોખંડ હોય છે. અમને બધાં ઓળખાય. કેટલાકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાકને ભઠ્ઠીમાં મૂકવું પડે. પછી ઝટ બે હથોડા માર્યા કે સીધું થઈ જાય. આ તો જાત જાતનાં લોખંડ છે ! આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે. આ બધી બીજી ધાતુ છે. તમારે એમની જોડે મતભેદ પડે છે ?

પ્રશ્નકર્તા : એમને બોલવાનું જ ઓછુંને, એટલે મતભેદ જ ક્યાં રહે ?

દાદાશ્રી : હા. જે એકદમ ઓછું બોલતો હોય, તેનો સામા માણસને તાપ બહુ લાગે એટલે સાચી વાત કહેવી હોય તો ય કહેવાય નહીં.

એવી વાણીને નભાવી લઈએ !

આ ટીપોય વાગે તો આપણે તેને ગુનેગાર નથી ગણતા. પણ બીજું મારે તો તેને ગુનેગાર ગણે. કૂતરું આપણને મારે નહીં ને ખાલી ભસ ભસ કરે તો આપણે તેને ચલાવી લઇએ છીએ ને જો માણસ હાથ ઉપાડતો ના હોય ને એકલું ભસ ભસ કરે તો નભાવી લેવું ના જોઇએ ? ભસ એટલે 'ટુ સ્પીક.' 'બાર્ક' એટલે ભસવું. 'આ બૈરી બહુ ભસ્યા કરે છે' એવું બોલે છે ને ? આ વકીલો ય કોર્ટમાં ભસતા નથી ? પેલો જજ બેઉને ભસતા જોયા કરે ! આ વકીલો નિર્લેપતાથી ભસે છે ને ! કોર્ટમાં તો સામસામી 'તમે આવા છો, તમે તેવા છો, તમે અમારા અસીલ પર આમ જુઠ્ઠા આરોપ કરો છો' ભસે. આપણને એમ લાગે છે કે આ બેઉ બહાર નીકળીને મારંમારા કરશે. પણ બહાર નીકળ્યા પછી જોઇએ તો બેઉ જોડે બેસીને ટેસ્ટથી ચા પીતા હોય !

પ્રશ્નકર્તા : એ 'ડ્રામેટિક' લડ્યા કહેવાય ?

દાદાશ્રી : ના. એ પોપટમસ્તી કહેવાય. 'ડ્રામેટિક' તો 'જ્ઞાની પુરુષ' સિવાય કોઇને આવડે નહીં. પોપટો મસ્તી કરે તો આપણે ગભરાઇ જઇએ કે બેઉ હમણાં મરી જશે પણ ના મરે. એ તો અમથા અમથા ચાંચો માર્યા કરે, કોઇને વાગે નહીં એવી ચાંચો મારે. બે જણા મસ્તી-તોફાન કરતાં હોય, એ વઢે કરે પણ અંદર અંદર દાવો ના માંડે. અને આપણે વચ્ચે પડીએ તો આપણે મૂરખ ઠરીએ અને એ લોક તો એકનાં એક જ પાછાં. બીજે ઘેર રહેવા ના જાય, એને પોપટમસ્તી કહેવાય. અમે તરત સમજી જઈએ કે આ બે જણે પોપટમસ્તી કરવા માંડી. અમે તો એ જે કરતો હોયને, તે એનાં મહીંના ભાવ તરત વાંચી શકીએ. એટલે અમને આ બધું સમજાય.

ત્યાં કહેવાનું, પણ સમ્યક્ રીતે !

પ્રશ્નકર્તા : કોઈએ જાણી-જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ કયું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ આપણો છોકરો ધણી ફેંકી દે તો ય આપણે 'જોયા' કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એકને તો દવાખાનું ભેગું થયું. હવે પાછા બે દવાખાના ઊભાં કરવાં ? અને પછી જ્યારે એને (ધણીને) લાગ આવે ત્યારે એ આપણને પછાડે. પછી ત્રણ દવાખાનાં ઊભાં થયાં.

પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?

દાદાશ્રી : કહેવાનું પણ સમ્યક્ કહેવું, જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું.

પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ?

દાદાશ્રી : ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ? ત્યારે એ કહેશે કે, જાણી- જોઈને હું કંઈ ફેકું ? એ તે મારા હાથમાં છટકી ગયો ને ફેંકાઈ ગયો.

પ્રશ્નકર્તા : એ તો એ ખોટું બોલ્યા ને ?

દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે, એ આપણા આધીન નથી. એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આવે તો આપણે તો ખલાસ જ થઈ જઈએને ! માટે આપણા તાબામાં જે નથી, તે આપણે જોવાનું નહીં. સમ્યક્ કહેતાં આવડે તો કામનું છે કે, 'ભઈ, આમાં શું તમને ફાયદો થયો ?' તો એ એની મેળે કબૂલ કરશે. સમ્યક્ કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે !

પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ?

દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે 'ક્યા હોતા હૈ?' સિનેમામાં (પડદા ઉપર) છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? જોયા જ કરીએ છીએ ને! કહેવાનો અધિકાર ખરો બધાંનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર. બાકી, જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે.

ત્યાં ન ટોકો, તે ય ખોટું !

એક બેન્કનો મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય પણ મારે બોલવાનું નહીં. એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે, સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને ? અને હું તો વઢ્યો એને કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ ? તમને છોડી-છોકરાં સાચવતાં નથી આવડતાં ને વહુ સાચવતાં નથી આવડતી ! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, 'તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.' પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ 'દાદા' મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે 'કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું.' એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે 'કરેક્ટ' જ છે. કારણ કે બાપાએ 'એક્સેપ્ટ' કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયાં છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે ?

બાબો અહીં તોફાન કરતો હોય તો આપણે કહેવું પડે કે 'આવી રીતે અહીં તોફાન ના કરીશ.' એને સમજણ પાડીને કહેવું પડે. 'તું તો કશું બોલતો જ નથી. તેનાં કરતાં તો આ કબાટ સારું. તું તો કબાટ જેવો થઈ ગયો. લોક જાણે કે આ બાપ થયો. બાકી તું તો એક કબાટ જેવો છું. કઈ જાતનો માણસ છું તે !' એટલે મારવાનું નહીં, દુઃખ દેવાનું નહીં. તેમ કબાટ જેવાં ય થવાનું નહીં. કેવી રીતે રહેવાનું, સમજણ પડીને ? બઈ ને છોકરાંને સમજાવી-પટાવીને વાતચીત કરવી. નહીં તો પાછા આપણે કબાટ થઈ ગયાં. કોઈ બોલે, ગાળો ભાંડે તો કબાટ કશું બોલે ?

ન માને છોકરાં ત્યારે...

ઘણા લોકો છોકરાને કહે છે, 'તું મારું કહ્યું માનતો નથી.' મેં કહ્યું, 'તમારી વાણી ગમતી નથી એને. ગમે તો અસર થઈ જ જાય.' અને પેલો પપ્પો કહે છે, 'તું મારું કહ્યું માનતો નથી.' અલ્યા મૂઆ, પપ્પો થતાં તને આવડ્યું નથી. આ કળિયુગમાં દશા તો જુઓ લોકોની ! નહીં તો સત્યુગમાં કેવા ફાધર ને મધર હતા !

હું એ શીખવાડવા માગું છું, તમે એવું બોલો કે છોકરાને તમારી વાતમાં ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ. તમે કહ્યુંને મને કે તમારી વાત મને ગમે છે જ. તો તમારાથી એટલું થાય.

પ્રશ્નકર્તા : આપની વાણીની અસર એવી થાય છે કે જે બુધ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે.

દાદાશ્રી : હ્રદય સ્પર્શતી વાણી. હ્રદય સ્પર્શતી વાણી તો મધરલી (માતૃત્વવાળી) કહેવાય. હ્રદય સ્પર્શતી વાણી જો કોઈ બાપ છોકરાને કહે એ સર્ટિફાઈડ ફાધર કહેવાય !

પ્રશ્નકર્તા : બહુ સહેલાઈથી નહીં માને છોકરાં !

દાદાશ્રી : તો હીટલરીઝમથી માને ? એ હેલ્પફુલ નથી. હીટલરીઝમથી જો કરીએ તો હેલ્પફુલ નથી.

પ્રશ્નકર્તા : માને છે પણ બહુ સમજાવ્યા પછી.

દાદાશ્રી : તો વાંધો નહીં. એ કાયદેસર કહેવાય. બહુ સમજાવવું પડે છે, એનું કારણ શું ? તમે પોતે સમજતા નથી. માટે વધારે સમજાવવું પડે. સમજતા માણસને એક ફેરો સમજાવવું પડે. તે આપણે ના સમજી જઈએ ? બહુ સમજાવો છો પણ પછી સમજે છે ને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ રસ્તો સારામાં સારો. આ તો મારી ઠોકીને સમજાવવા માગે છે ! જેમ બાપ થઈ બેઠો, તે જાણે અત્યાર સુધી દુનિયામાં કોઈ દહાડો કોઈ બાપ જ નહીં હોય ! એટલે જે સમજાવીને આવું લે છે, તેને મારે અન્ક્વૉલિફાઈડ નથી કહેવા.

'બાપ થવું' એ સદ્વ્યવહાર કેવો હોવો જોઈએ ? છોકરા જોડે દાદાગીરી તો નહીં, પણ સખ્તાઈ ય ના જોઈએ, એનું નામ બાપ કહેવાય.

પ્રશ્નકર્તા : છોકરાં પજવે તો ? છોકરાં પજવે તો પછી બાપે શું કરવું જોઈએ ? તો ય બાપે સખ્તાઈ નહીં રાખવાની ?

દાદાશ્રી : છોકરાં આ બાપને લીધે જ પજવે છે. બાપનામાં નાલાયકી હોય તો જ છોકરાં પજવે. આ દુનિયાનો કાયદો એવો ! બાપનામાં બરકત ના હોય તો છોકરાં પજવ્યા વગર રહે નહીં. વળી એ તો ન્યાય અમે તરત જ આપી દઈએ. બાપ કહે કે, 'મારા છોકરાં પજવે છે.' તો હું કહી દઉં કે તારામાં બરકત નથી. જતો રહે ! છોકરાનાં બાપ થતાં આવડતું નથી. છોકરાં શી રીતે પજવે ? ખવડાવી-પીવડાવીને મોટા કર્યાં. કુદરતી કાયદો એવો છે કે છોકરો બાપનું ના માને તો બાપનામાં બરકત નથી એમ કહેવાય. આ એનો કાયદો !

પ્રશ્નકર્તા : દીકરો બાપનું ના માને તો શું કરવું ?

દાદાશ્રી : 'આપણી ભૂલ છે' એમ માનીને મૂકી દેવાનું. આપણી ભૂલ હોય તો જ ના માને ને! બાપ થતાં આવડ્યું હોય, એનો છોકરો ના માને એવું હોતું હશે ? પણ બાપ થતાં આવડતું જ નથી ને !

પ્રશ્નકર્તા : એક વાર ફાધર થઈ ગયા પછી કંઈ ગલુડીયાં છોડે ?

દાદાશ્રી : છોડતાં હશે ? ગલુડીયાં તો આખી જિંદગી એવા ડૉગ ને ડૉગીનને, બેઉને જોયા જ કરે, કે આ ભસ ભસ કરે અને આ (ડૉગીન) બચકાં ભર ભર કર્યા કરે. ડૉગ ભસ્યા વગર રહે નહીં. પણ છેવટે દોષ પેલા ડૉગનો નીકળે. છોકરાં એના મા તરફી હોય. એટલે મેં એક જણને કહેલું, 'મોટાં થઈને આ છોકરાં તને મારશે. માટે ધણીયાણી જોડે પાંસરો રહેજે.' એ તો છોકરાં જોયા કરે તે ઘડીએ, એમનો પગ ના પહોંચે ને ત્યાં સુધી અને પગ પહોંચે એટલે તો ઓરડીમાં ઘાલીને મારે. તે એવું બન્યું હઉ લોકોને ! છોકરાએ તે દહાડાથી નિયાણું જ કરેલું હોય કે હું મોટો થાઉં કે બાપને આપું ! મારું સર્વસ્વ જજો પણ આ કાર્ય થાવ, એ નિયાણું. આય સમજવા જેવું છેને !

પ્રશ્નકર્તા : એટલે બધો દોષ બાપનો જ ?

દાદાશ્રી : બાપનો જ ! દોષ જ બાપનો. બાપનામાં બાપ થવાની બરકત ના હોય ત્યારે વહુ સામી થાય. બાપનામાં બરકત ના હોય ત્યારે જ આવું બને ને ! મારી-ઠોકીને ગાડું રાગે પાડે. ક્યાં સુધી સમાજની બીકના માર્યા રહે ?

પ્રશ્નકર્તા : એવું જ હોય કે બાપની ભૂલ જ હોય ?

દાદાશ્રી : બાપની જ ભૂલ હોય છે. એને બાપ થતાં આવડતું નથી, એટલે આ બધું ભેલાઈ ગયું. ઘરમાં જો બાપ થવું હોય તો, સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે, એવી દ્રષ્ટિ થાય ત્યારે બાપ થઈ શકે.

પ્રશ્નકર્તા : બાપ ઘરમાં વડીલપણું ના રાખે, બાપપણું ના રાખે તો ય એની ભૂલ ગણાય ?

દાદાશ્રી : તો રાગે પડી જાય.

પ્રશ્નકર્તા : છતાં છોકરાઓ બાપનાં કહ્યામાં રહેશે, એની ખાત્રી શું ?

દાદાશ્રી : ખરી ને ! આપણું કેરેક્ટર(ચારિત્ર) તો આખું જગત કેરેક્ટરવાળું.

પ્રશ્નકર્તા : છોકરાં છેલ્લી કોટીનાં નીકળે, તેમાં બાપ શું કરે ?

દાદાશ્રી : મૂળ દોષ બાપનો જ. તે ભોગવે છે શાથી ? આગળેય આચાર બગડ્યા છે, તેથી આ દશા થઈ છે ને ? જેનો કંટ્રોલ કોઈ અવતારમાં બગડતો નથી, તેને આવું હોય નહીં. અમે એ કહેવા માગીએ છીએ ! પૂર્વકર્મ તો શાથી થયું ? આપણો મૂળ કંટ્રોલ નથી ત્યારે ને ! એટલે અમે આમાં, કંટ્રોલમાં માનીએ છીએ. કંટ્રોલ માનવા માટે તમારે બધા એના કાયદા સમજવા જોઈએ.

આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે !

સામાના સારા માટે મૌન લેવું કે ટોકવું ?

પ્રશ્નકર્તા : આપણને એમ થતું હોય કે આનું ભલું થાય છે તો એને ટોક ટોક કરીએ, તો એ સારું નહીં ને ? કોઈને વઢીએ-ટોકીએ એનાં સારા માટે, તો એ કરવું કે નહીં ?

દાદાશ્રી : ના, એ તો આપણા હાથમાં નહીંને ! એ તો ટોકાય, પણ એ કરવા જેવી વસ્તુ નહીં. પણ ટોકાય તે આપણે જોયા કરવાનું. આપણે ના કરવું હોય તો ય થઈ જાય એ તો. ના વઢવું હોય તો ય વઢી જવાય. એટલે એ આપણે જોયા કરવાનું કે આમ ન હોવું ઘટે, એવું આપણે મનમાં અભિપ્રાય રહેવો જોઈએ. આમ હોવું ઘટે નહીં એવો આપણો અભિપ્રાય ફેર થયો એટલે આપણે છૂટા. આપણી જવાબદારી નહીં પછી.

પ્રશ્નકર્તા : મૌનવ્રત લઈએ તો કેવું ? મૌન લઈએ તો, બોલવું જ નહીં.

દાદાશ્રી : એ મૌન આપણા હાથની વાત નથીને ! મૌન થાય તો સારી વાત છે અને ના થાય તો આવી રીતે કરવું.

પ્રશ્નકર્તા : મૌન રાખવાથી સામા માણસમાં ફેર પડે ?

દાદાશ્રી : પડે.

પ્રશ્નકર્તા : વઢવા કરતાં વધારે પડે ?

દાદાશ્રી : હા, ઘણો ફેર પડે, મૌન બહુ કામ કરે.

પ્રશ્નકર્તા : કોઈને શીખવાડવાનું હોય તો પછી મૌનથી કેવી રીતે શીખવાડાય ?

દાદાશ્રી : ના, એ શીખી જવાય, એમ ને એમ આવડે. શીખવાડીને બગડે છે ઊલટું આ તો. અહીં બધું જ્ઞાન છે, આપણે મૌન રહીએને તો એને જ્ઞાન પહોંચી વળે. એ જ્ઞાન છે જ એને, છોકરાઓને ય જ્ઞાન છે, છતાં બોલાય છે તે આપણે જોયા કરવું. આ કચકચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરેય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ?

પ્રશ્નકર્તા : હા, સમજાય એવી વાત છે, દાદા.

દાદાશ્રી : જરાય છોકરાને કહેવાય નહીં. કારણ કે છોકરું જ્ઞાન લીધેલું નથી અને તરત જ એને લાગે કે અવળું બોલે છે. હું કહું ત્યારે, અવળું બોલે છે એવું ના કહે, હું મારીને કહું તોય ! કારણ કે એને વિશ્વાસ બેઠો હોય, મારા વાક્યોથી. એ તમારું તો વાક્ય તમને જ સમજણ પડતી ના હોય ત્યાં આગળ ! મફતમાં બાપ થઈને બેઠો !! એટલી મારી વાત સમજાય છે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : એટલે આ મા-બાપ કહે છે મારાં છોકરાં સુધરે, મૂઆ, શેના સુધરે પણ ? અન્કવૉલિફાઈડ ફાધર્સ. છોકરાં વધારે બગડે છે. એનું કારણ એના મા-બાપને લીધે.

આ તો જ્ઞાન લીધા પછી ડાહ્યા થાય થોડા. હવે થોડું ડહાપણ આવે કે ના આવે ?

પ્રશ્નકર્તા : હા, આવે, દાદા.

દાદાશ્રી : તમે હિસાબ કાઢોને, તમને નાનપણમાં વઢતા હોય કોઈ, તો મહીં કશી અસર થતી હતી ? શું થતું હતું ?

પ્રશ્નકર્તા : ખોટું કરીએ છીએ એવું લાગે. મને ખબર પડી જતી કે હું ખોટું કરી રહ્યો છું. બેનો કહે છે કે અમને એવું લાગતું હતું કે આ બધા અમને વગર કામના લડ લડ કરે છે.

દાદાશ્રી : હં, બધાને એમ જ લાગે. બહુ લડે ત્યારે...

પ્રશ્નકર્તા : લાગે, દાદા. એમ લાગે કે મારી ભૂલ છે.

દાદાશ્રી : કો'ક ફેરો લાગે. રોજ એમ કરે તો 'નકામા આ કચકચ કર્યા કરે છે' એમ માને. અને તમારા છોકરાં શું કહે, આ ડબલ કચકચ કરી રહ્યા છે, આ નકામા, યુઝલેસ !

સવળા શબ્દોથી, સુધારો સંસ્કાર !

પ્રશ્નકર્તા : બીજી શી અસર થાય છોકરાં ઉપર ?

દાદાશ્રી : બહુ જ બધી ખરાબ અસર પડે, છોકરાઓને. આ બધા બગડી ગયા એવું ના બોલાય, એના સાંભળતાં. મનમાં સમજી જવાનું કે સાલું બગડી ગયું. આપણે બોલ્યા, કે સાંભળી લે છોકરાં બધુંય. અસરવાળું આ જગત, ઇફેક્ટિવ. આપણે જાણીએ કે આ શું સમજવાનાં છે ! પણ છોડવા-બોડવા બધું સમજે, એ લાગણીઓ પ્રદર્શિત ન કરી શકે પણ સમજી જાય બધાંય. તમે એ છોકરાંને કહો કે 'કેવો સરસ તું દેખાઉં છું', તો બીજા દહાડે સુંદર દેખાય. કેવું ઈફેક્ટિવ છે !

અને છોકરાની રૂબરૂમાં 'તારામાં અક્કલ નથી.' એવું વાઈફને વઢાય નહીં. નહીં તો છોકરાં એમ જ સમજે કે 'આ પપ્પો જ વાંકો છે.' છોકરાંને તો સંસ્કાર સારામાં સારા દેખાવા જોઈએ. છોકરાંની રૂબરૂ વઢો તો નહીં જ બિલકુલેય, એ ભલે એક વર્ષનો હોય છોકરો, પણ આંખથી દેખતો થયો છે, માટે લડાય તો નહીં ! આ તો રોજ બાઝાબાઝ ! ઈન્ડીયામાં તો નાનાં છોકરાં શું કહે છે, 'મમ્મી, પપ્પા, જય સચ્ચિદાનંદ !' એટલે પપ્પો બંધ થઈ જાય. સમજી જાય તરત. 'સચ્ચિદાનંદ' બોલેને એટલે. કંઈક તો મનુષ્યપણું હોવું જોઈએ. હશે હવે જે થઈ ગયું તે થઈ ગયું.

ટકોર કરવી પ્રેમથી, સમજાવીને !

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે, એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ?

દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી પણ આપણને આવડવું જોઈએ ને ! કહેતાં આવડવું જોઈએને ?

પ્રશ્નકર્તા : કઈ રીતે ?

દાદાશ્રી : બાબાને કહીએ, 'તારામાં અક્કલ નથી, ગધેડો છું.' આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે 'તમારામાં અક્કલ નથી, ગધેડો છું.' એવું કહે તો શું થાય ? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે કરવાની ટકોર ?

દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ લઈ લો, તે ચાલતું હશે ?

પ્રશ્નકર્તા : અહીંના બાળકો (અમેરિકામાં) દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા છો, કહે ?

દાદાશ્રી : દલીલબાજી બહુ કરે છતાં પ્રેમથી શીખવાડોને તો દલીલબાજી ઓછી થઈ જશે. આ દલીલબાજી તમારું રિએક્શન છે. તમે અત્યાર સુધી એને દબડાય દબડાય કર્યો છે ને ! એ એના મગજમાંથી જતું નથી, ભૂંસાતું જ નથી. એટલે પછી એ દલીલબાજી એને લીધે કરે છે. મારી જોડે એકુંય છોકરું દલીલબાજી નહીં કરતું. કારણ કે હું સાચા પ્રેમથી આ તમારી બધા જોડે વાતો કરી રહ્યો છું.

પ્રશ્નકર્તા : છોકરાઓ હોય, તો એની જોડે કેવી રીતે ટકોર કરવી ?

દાદાશ્રી : શી ટકોર કરવાની ?

પ્રશ્નકર્તા : ટકોર કરવી પડેને, કે એની ભૂલ થતી હોય તો ?

દાદાશ્રી : તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું ? ત્યારે એ કહે કે, મને ઠીક નહીં લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે નકામું આમ કરવું ? એમ પોતે જરા વિચારીને કહોને ! પોતે ન્યાયાધીશ હોય છે બધાં. સમજે છે બધાં, પોતે ખોટું થયું હોયને તો એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તેં આ કેમ કર્યું ? ત્યારે ઊલટો પકડ પકડે. 'ના, હું કરું છું, એ જ ખરું છે, જાવ' કહેશે. ઊંધું કરે પછી ઘર કેમ ચલાવવું તે આવડતું નથી. જીવન કેમ જીવવું તે આવડતું નથી. એટલે જીવન જીવવાની ચાવી મૂકેલી છે બધી આમાં, કેમ કરીને જીવન જીવવું તે.

પ્રશ્નકર્તા : અહીં અમેરિકામાં કોલેજોમાં 'પબ્લિક રિલેશન'ના ક્લાસીસ ચાલે છે. પબ્લિક સાથે સંબંધો કેવી રીતે રાખવા ? તોય કંઈ પરિણામ નથી આવતું.

દાદાશ્રી : ના આવે. પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઊછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઊછેરો, તો બહુ સારો ઊછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. તમે કહો કે ઓહોહો ! સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે, એય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે !

પ્રેમનો પાવરે ચઢે, સત્તાના પાવર સામે !

સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું.

દાદાશ્રી : હા, ખરી વાત છે એ બારણાં વાસી દે તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય ! આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તે ય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.

પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને !

દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીંને, પેલો કચરો નીકળી ના જાય ત્યાં સુધી ! કચરો બધો કાઢું છું કે નહીં કાઢતી ? કેવા સરસ હાર્ટવાળા, જે હાર્ટીલી હોયને, તેની જોડે ડખો ના કરવો. તારે એની જોડે સારું રહેવું. બુધ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો.

બોલેલું ફળે તો કામનું !

એટલે તમે થોડો પ્રયોગ મારા કહ્યા પ્રમાણે કરોને.

પ્રશ્નકર્તા : શું કરવાનું ?

દાદાશ્રી : પ્રેમથી બોલાવો ને !

પ્રશ્નકર્તા : એ જાણે છે કે મારો એના પર પ્રેમ છે.

દાદાશ્રી : એવો પ્રેમ કામનો નહીં. કારણ કે તમે બોલો છો તે ઘડીએ પછી કલેક્ટરના પેઠ બોલો છો. 'તમે આમ કરો. તમારામાં અક્કલ નથી, આમ તેમ.' એવું હઉ કહો છો ને ?

પ્રશ્નકર્તા : એવું નથી કહેતા.

દાદાશ્રી : તો શબ્દ શું બોલો છો ?

પ્રશ્નકર્તા : એ તો દરેક પ્રસંગના આધારે શબ્દ નીકળે. કંઈક બહુ નુકસાન કરતો હોય, નકામું ખોટું વાપરી કાઢતો હોય, તો હું એને એમ કહું કે 'આ આટલી બધી મોંઘવારી છે અને તું આટલાં બધાં કેમ ખર્ચા કરી નાખે છે ?' એવું કહું.

દાદાશ્રી : પછી એથી એ સુધરે છે ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : તો પછી બોલવું નકામું છે. એક માણસ મને બાવનની સાલમાં કહેતો હતો કે 'આ ગવર્નમેન્ટ ખરાબ છે ને જવી જ જોઈએ.' તે બાવનથી બાસઠની સાલ સુધી બોલ બોલ કર્યા કર્યું. એટલે પછી મેં એને કહ્યું કે, 'રોજ તમે મને આ વાત કરો છો, પણ ત્યાં કંઈ ફેરફાર થાય છે ? આ તમારું બોલેલું ત્યાં કંઈ ફળે છે ?' ત્યારે એ કહે છે, 'ના. એ ફળ્યું નહીં.' ત્યારે મેં કહ્યું, 'તો શું કરવા ગા ગા કર્યા કરો છો ? તમારા કરતાં તો રેડિયો સારો.'

પ્રશ્નકર્તા : પણ મારે શું કરવાનું ?

દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂર્ખ છીએ, આપણને બોલતા નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે તે ? એટલે એક માણસને સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ 'વીકનેસ'નું પૂતળું હોય, તે સામાને શું સુધારે તે ? એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે.

છોડ રોપ્યો હોય, તમારે એને વઢ વઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે, એવું તેવું વઢ વઢ નહીં કરવાનું. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, તો આ તો છોકરાઓ, મનુષ્ય છે આ તો ! અને મા-બાપો ધબેડે હઉ, મારે હઉ !

હંમેશાં પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોયને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે.

પાછાં વાળો, પ્રાર્થના ને પ્રતિક્રમણથી !

પ્રશ્નકર્તા : છતાં છોકરાં વાંકા ચાલે તો શું કરવું ?

દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય, તો ય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં ભાવ નક્કી કરવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે આના પર કૃપા કરો.

'રિલેટિવ' સમજી ઉપલક રહેવું. છોકરાંને તો નવ મહિના પેટમાં રાખવાનાં. પછી ચલાવવાનાં, ફેરવવાનાં, નાનાં હોય ત્યાં સુધી. પછી છોડી દેવાનાં. આ ગાયો-ભેંસો ય છોડી દે છે ને ! છોકરાંને પાંચ વર્ષ સુધી ટોકવા પડે. પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય.

પ્રશ્નકર્તા : છોકરાંઓને કહેવા જેવું લાગે તો વઢીએ, તો એને દુઃખ પણ લાગે તો શું કરવું ?

દાદાશ્રી : પછી આપણે અંદર માફી માગી લેવી. આ બેનને વધારે પડતું કહેવાઈ ગયું હોય ને દુઃખ થઈ ગયું હોય તો તમારે બેનને કહેવું કે, માફી માગું છું. એવું ના કહેવા જેવું હોય તો અતિક્રમણ કર્યું એટલે અંદરથી પ્રતિક્રમણ કરો. તે તમે તો 'શુધ્ધાત્મા' છો (આત્મજ્ઞાન પામેલા મહાત્માઓ). તે તમારે ચંદુલાલ(ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું)ને કહેવું કે 'પ્રતિક્રમણ કરો. તમારે બેઉ જુદા ભાગ રાખવા.' આપણે ખાનગીમાં અંદર પોતાની જાતને બોલીએ કે 'સામાને દુઃખ ના થાય એવું બોલજો'. અને તેમ છતાં છોકરાને દુઃખ થાય તો ચંદુલાલને કહીએ કે 'પ્રતિક્રમણ કરો.'

સમજણનું લેવલ મેળવવું કાઉન્ટર પુલીથી !

કેટલાક તો છોકરો ભણતો ના હોય, પ્રશ્નોના જવાબ આપતો ના હોય તો માસ્તર એને વઢે ને, 'કંઈ સમજ પડે છે તને ? બોલને, બોલ, મૂરખ બોલ !' હવે ત્યાં પરીક્ષામાં પાસ થાય, માટે માસ્તરનું ટ્યુશન રાખે છે. પણ આમ કરે તો પેલો છોકરો બિચારો બાઘો બની જાય ને આ માસ્તર અકળાયા કરે. તે માસ્તરની શી દશા થાય ! તે આપણા જેવા જોનાર કહે કે એ બાઘો થઈ ગયો. તું શું કરવા આમ ગાંડા કાઢે છે ? પાંસરો મરને ! સીધો મરને ! નહિ તો તું તારી બઈના કામમાં નહિ રહું ! એ છોકરો બિચારો બાઘો થઈ ગયો ! એને તારી વાત મહીં પહોંચતી નથી, એટલે બાઘો થઈ ગયો છોકરો બિચારો. એમાં આ ગાંડા કાઢ કાઢ કરે, તે ચિઢાય ચિઢાય કરે ને 'બોલને, બોલ, કંઈ બોલતો નથી, મૂંગો થઈ ગયો છું.' અને આમ કાનપટ્ટી પકડાવે. ચક્કર, શું કરવા આવું કર્યા કરે છે ? કેટલાય માસ્તરો આવું કરે છે. ટયુશન રાખે છેને આવું...! કેટલાય કરે છે અને પછી શું કહે કે છોકરો મને માથે પડ્યો છે ! અલ્યા, છોકરો નથી માથે પડ્યો, તું છોકરાને માથે પડ્યો છે. આપણે ના સમજીએ કે આ છોકરો ડલ છે. એટલે આપણે એને ડલનેસમાં જેટલું પાણી પીવડાવાય એટલું પાવું, બીજું વધારાનું પાણી પાવું નહીં. એને કહીએ કે આ કવિતા ગોખી લાવજે. પછી ના બોલે તો કંઈ નહિ. પણ્

ા આ તો મનની કલ્પનાઓ કરે, 'બોલતો જ નથી, મૂંગો છે !' અલ્યા, ન્હોય મૂંગો. એને વાત પહોંચતી નથી. તું વાત શું કહેવા માગે છે, એ એને પહોંચતી નથી. એટલે એ કુંઠિત થઈ ગયો છે બિચારો ! એને તું બહુ એ કર કર કરીશ, ગોદા માર માર કરીશ, તો એને શૉક લાગશે. ઈલેક્ટ્રિકનો શૉક લાગે ને માણસ કેવો થઈ જાય, એવો એ પછી થઈ જાય. વગર કામનો ગોદા માર માર કરે ! હવે જો એને બૈરી આવી મળી હોય ને ના સમજે એવી, તો શું થાય તે ? આખી જિંદગી શી રીતે કાઢે ?

પ્રશ્નકર્તા : મોટા ભાગનું તો પોતે જે સમજ્યો હોય તે પેલો માણસ તરત સમજી જાય એવો આગ્રહ વધારે ઉત્પન્ન થઈ જવાથી અવળાં પરિણામ ઊભાં થઈ જાય છે.

દાદાશ્રી : પોતાની દ્રષ્ટિથી સામાને માપે છે. તું સામાની દ્રષ્ટિ શોધી કાઢ. સામાની દ્રષ્ટિ એટલે શું કે દરેકને એડજસ્ટ થવું એવી દ્રષ્ટિથી જો. આ તો પોતાની દ્રષ્ટિથી સામાને માપ માપ કરે છે. કેટલાં વિશેષણ બોલ્યો ? 'મૂંગો છે, અલ્યા, મરી જા ને !' પાછો 'મરી જા' હઉ કહે. છોકરાનો બાપ સાંભળે તો એ કહે, 'માસ્તર, એવું ના બોલશો. અમારો એકનો એક છોકરો છે.' આમ એના મા-બાપ પાછાં ક્લેઈમ માંડે કે માસ્તર, આવું બોલશો નહિ.

પ્રશ્નકર્તા : અમે વાતો કરવામાં એટલા બધા મિકેનિકલ થઈ જઈએ છીએ કે કાઉન્ટર પુલી ગોઠવવાની જાગૃતિ જતી રહે છે.

દાદાશ્રી : માણસ જાત તો બહુ ચોક્કસ જાત છે. માણસ જાત કંઈ ઘેલી જાત નથી. આવડાં નાનાં ચાર વર્ષના છોકરાંને કહે કે, 'તું અક્કલ વગરનો છે, મારું સમજતો નથી.' ત્યાં કેવી રીતે બોલાય ? એની કાલી ભાષામાં લોક બોલે. આ છોકરાંની જોડે લોકો કાલી કાલી ભાષામાં બોલે. આ ત્રણ-ચાર વર્ષની ઉંમરનાં છોકરાં જોડે મોટી ઉંમરનાં છોકરાં જેવું ના બોલે. શાથી એવું ના બોલે ?

પ્રશ્નકર્તા : એને એની ભાષામાં વાત કરવી જોઈએ.

દાદાશ્રી : પોતે બધું સમજે છે કે આ બાળક ભાષા છે. આપણે બાળક ભાષામાં વાત કરો, નહીં તો એ બિચારો સમજશે નહીં. એને તો કહેવું, 'જો બાબા, આ રમકડું પેલા જેવું છે ને ? તે પેલું જોયું હતું ને ?' એમ બે-ચાર વખત કહેવું. ત્યારે એ કહેશે, 'હા'. ત્યારે આપણે જાણીએ કે આ મહીં પહોંચ્યું. હવે એવી રીતે આની જોડે આપણે વાત કરવી જોઈએ. આપણે જાણીએ કે આનું ડલ મગજ છે. એટલે આપણે જાણીએ કે બાળક જેવી અવસ્થા છે એટલે 'બાબા, બાબા' કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ બાળકની અવસ્થા સમજવામાં ચેતનતાનો ઉપયોગ જોઈએ.

દાદાશ્રી : અરે, અજ્ઞાનદશામાં ય બાળક જોડે એની મા સુંદર વ્યવહાર કરે છે. બાળકની જોડે એની મા સુંદર વ્યવહાર નહીં કરતી હોય ? એ કોણે શીખવાડ્યું એમને ?

પ્રશ્નકર્તા : એ તો કુદરતી છે.

દાદાશ્રી : કુદરતી નહીં, આવી બધી આપણી અંદર જાગૃતિ છે. પણ મોટી ઉંમરનો થાય છે એટલે પાછો અહમ્ બહુ ઊભો થાય છે. ત્યાં તમને એમ થાય કે આ તો મોટો થયેલો છે. આ આવું કેમ કરે છે ? નાનાને આવું હોય, મોટાને પણ હોય ? પણ મોટાને બીજી ભાષામાં તું સમજ કે આ નાના કરતાંય મોટો ભૂંડો છે બિચારો ! એટલે મોટો ડલ લાગે તો આપણે જાણવું કે ત્રણ વર્ષનું છોકરું છે. એટલે એની જોડે એવું આપણે વર્તન રાખવું જોઈએ. પછી આમથી આમ ગોદો મારે. કોણ પછી સાંભળે ?

પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે ?

દાદાશ્રી : છોકરા તરીકે અત્યારે છોકરા જોડે વર્તન રાખો છો ? આપણે મોટાં હોય તો એનો ભય લાગ્યા કરે. એ ભય ના લાગે એવી રીતે વર્તવું જોઈએ આપણે. એ સમજણ પાડીને એનો દોષ કાઢવો જોઈએ, બીવડાવીને ના કાઢવો જોઈએ. નહીં તો બીવડાવીને કામ લાગે નહીં. તમે મોટી ઉંમરના, એ નાની ઉંમરના, ભડકી જાય બિચારા ! પણ તેથી કંઈ દોષ જાય નહીં, દોષ તો વધ્યા કરે અંદર. પણ જો સમજાવીને કાઢો તો જાય, નહીં તો જાય નહીં.

પ્રશ્નકર્તા : માનસિક ઉંમર નાની હોય ને ?

દાદાશ્રી : તે માનસિક ઉંમર જોઈને આપણે એડજસ્ટ કરવું જોઈએ. અમે દરેકની જોડે વાત કરીએ તે એની માનસિક ઉંમર કેટલી છે એ જોઈને એને આપીએ. તેથી અમે કહીએ છીએ કે અમે કાઉન્ટર પુલી મૂકી દઈએ છીએ. એટલે અમારે અથડામણ થતી નથી, મતભેદ થતો નથી. કારણ કે અમે કાઉન્ટર પુલી મૂકી દઈએ ને ! એનું માનસિક ગ્રેડેશન, વાચિક ગ્રેડેશન, શરીરનું ગ્રેડેશન કેવું છે એ બધું જ જોઈ લઈએ. શરીરથી ઉંમરમાં મોટો છે, વાણીમાં બહુ જબરો છે, શૂરો છે પણ માનસિક બધું લૉ (નીચું) છે. એટલે રીવોલ્યુશન ઓછાં કરી નાખવાં. બાળક જેવું જ માની લેવાનું.

પ્રશ્નકર્તા : મારે મારા મોટા દીકરા જોડે બહુ ખટપટ થાય છે. તો કાઉન્ટર પુલી નાખવી ક્યારે ? કયા પ્રકારની ? એ સમજણ પડતી નથી અને ઇચ્છા ન હોવા છતાં બફાટ થઈ જતો હોય છે, તો શું કરવું ?

દાદાશ્રી : અરે, ઇચ્છા વગરે ય બફાટ થઈ જાય છે ! આ તો હું તમને રસ્તો દેખાડું છું, તે રસ્તે ધીમે ધીમે તમારે ગોઠવણી કરવાની છે.

બાબો દસ-બાર વરસનો હોય, એની જોડે તમે વાત કરો, તો તમારી વાત સમજે કે ના સમજે ? અમુક વાતો ન સમજે ને ! એવું ના બને ?

પ્રશ્નકર્તા : એવું થાય છે, આ તો મારો પોતાનો અનુભવ છે એ જ કહું છું, આ મારો પોતાનો જ પ્રશ્ન છે અને વારેઘડીએ મારે આવું બની જ જતું હોય છે.

દાદાશ્રી : હા, એટલે હું આ દાખલો આપું છું કે બાબો તમારો હોય તો એ બાર વર્ષનો હોય, હવે એને તમે બધી વાત કરો. તો બધી વાતમાં કેટલીક વાત એ સમજી શકે અને કેટલીક વાત ના સમજી શકે. તમે શું કહેવા માગો છો તે એની સમજમાં આવતું નથી. તમારો વ્યુ પોઈન્ટ શું છે એની સમજમાં નથી આવતું એટલે તમારે ધીમે રહીને કહેવું કે મારો હેતુ આવો છે. મારો વ્યુ પોઈન્ટ આવો છે. હું આવું કહેવા માગું છું. તને સમજાય કે ના સમજાય, મને કહેજે. અને તારી વાત મને નહીં સમજમાં આવે તો હું સમજવા પ્રયત્ન કરીશ, કહીએ. એટલે આપણો એની જોડે ફોડ કરી લેવો જોઈએ અને તેય કેવો ? ફ્રેન્ડલી ટોનમાં હોવો જોઈએ.

તેથી આપણે લોકોએ કહ્યુંને કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફ્રેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય ?

મિત્રાચારીથી બાળક ખીલે !

બાપ છોકરાંને કહે કે, 'તને આવો જાણ્યો હોત, તો જન્મતાં જ તને મારી નાખ્યો હોત.' ત્યારે છોકરો કહે કે, 'તમે મારી ના નાખ્યો તે ય અજાયબી છે ને ! આવું નાટક થવાનું તે શી રીતે મારો !!!' આવાં આવાં નાટક અનંત પ્રકારનાં થઈ ગયાં છે. અરે ! સાંભળતાં ય કાનના પડદા તૂટી જાય ! અલ્યા, આનાથી યે કંઈ જાતજાતનું જગતમાં થયું છે. માટે ચેતો જગતથી ! હવે 'પોતાના' દેશ ભણી વળો, 'સ્વદેશ'માં ચાલો. પરદેશમાં તો ભૂતાં ને ભૂતાં જ છે, જ્યાં જાઓ ત્યાં !

આ તો નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ, તે કંઈ ચાલી શકે ? નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે, 'આ મારો મોટો દીકરો, શતાયુ થા.' પણ બધું ઉપલક, સુપરફ્લુઅસ, નાટકીય. આ બધાંને સાચાં માન્યાં, તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઈ જાય અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ 'દાદા' દેખાડે છે, તે 'આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન'થી મોક્ષ છે.

પ્રશ્નકર્તા : આપણને નાનપણથી ધાક લાગી ગઈ છે. બધા વઢે, ખીજવાય એટલે આપણાથી બોલાય નહીં, જેમ છે તેમ.

દાદાશ્રી : પણ અહીં મારી પાસે હઉ ધાક લાગી ગઈ છે ? મારી પાસે તો બોલાય ને ! જ્યાં ધાક ના લાગતી હોય ત્યાં તો બોલાય ને ! જ્યાં ધાક લાગતી હોય ત્યાં ના બોલાય. તેથી મા-બાપ પાસે લોકો પોતાની બધી હકીકત કહેતાં નથી, વાસ્તવિકતા. ધાક લાગી ગઈ અને પાછાં ફરી કંઈક કહેશે. એટલે આમાં ગૂંચવાડો ઊભો થાય છે પછી. એટલે હું મા-બાપને શું કહું છું કે એની જોડે બેસીને વાતચીતો કરો. એને શું અડચણ છે, શું છે, તારા વિચારો શું થાય છે. જે થતાં હોય જોઈ લો. નહીં તોય બોંબ ફાટવાનો જ છે. જો કદી દારૂખાનું ભર્યું હશે તો તે પહેલાં જાણી લીધું હોય, તો તે ના ફાટે કે મોડું ફાટે એવો રસ્તો કરી શકે ને ! નહીં તો બોંબ તો ફાટ્યા વગર રહે કે ?

પ્રશ્નકર્તા : ના રહે.

દાદાશ્રી : એટલે અમે બધા ફાધર-મધરને કહીએ છીએ કે બાર-તેર વર્ષની છોકરી થાય, પછી એની જોડે બેસો, વાતચીત કરો. એનું મન ખુલ્લું કરો. મનમાં એને ગૂંચવાડો ઊભો થાય, તો કોણ એનો ગૂંચવાડો કાઢી આપે ? બીજી બેનપણીઓ મળે, તે સારી બેનપણી એની પાસે ઊભી ના રહે અને બીજી બેનપણીઓ તો એના જેવી હોય તે ઊભી રહે. એ બધી એન્કરેજ કરે સામસામી. કોણ ડિસ્કરેજ કરે ? એટલે આ બધા વ્યવહારિક પ્રશ્નો અમે છે તે ઉકેલ કરી આપીએ બધા.

પોતાનો છોકરો સામો થાય ત્યારે ?

છોકરો સામો થાય તો તમે શું કરો છો ?

પ્રશ્નકર્તા : સમજાવું કે આ ખોટું છે, આવું ના કરવું જોઈએ.

દાદાશ્રી : પણ એ સામો થાય, ત્યારે તમે કડક ના થઈ જાવ ?

પ્રશ્નકર્તા : કોઈ વાર એવું થાય.

દાદાશ્રી : પણ અથડામણ ના થઈ જાય ? કોઈ દહાડો વાસણો ખખડતાં નથી ?

પ્રશ્નકર્તા : ખખડે. ત્યારે જરા ફૂંફાડો મારવો પડે. બસ એટલું જ, બીજું નહીં.

દાદાશ્રી : ફૂંફાડો મારો છો ? ત્યારે પેલો સામે ફૂંફાડો મારે તો શું થાય ?

પ્રશ્નકર્તા : એવો અનુભવ નથી થયો, એ સામે નથી ફૂંફાડો મારતો.

દાદાશ્રી : હા, પણ એ ફૂંફાડો મારે તો શું થાય ? માટે ફૂંફાડો ય ના કરવો જોઈએ. ફૂંફાડો શેને માટે ? ફૂંફાડો સાપ કરે. આપણે શેને માટે ફૂંફાડો કરવો પડે ? ફૂંફાડો તમને આવડે પણ શી રીતે ? ફૂંફાડો કોને કહેવાય, એ પણ તમે જાણતા નથી. ફૂંફાડામાં અહંકાર ના હોય. તમારા ફૂંફાડામાં તો અહંકાર હોય ને !

એટલે આ તો ઢેડફજેતો જ થાયને ! એ આપણને નાલાયક કહે. એટલે આપણે બીજું હથિયાર વાપરીએ, પછી રહ્યું જ શું ઘરમાં ? પછી લોકો ભેગા થાય, 'જુઓને, આ છોકરો આટલું બધું ભણેલો છે, આ બાપનામાં અક્કલ નહીં ને !' કહેશે. એ આપણી અક્કલ પાછાં લોક જુએ. એનાં કરતાં આપણી અક્કલ આપણે જ જોઈએ, એ શું ખોટી ? નહીં તો લોક તો તાયફો જુએ ! લોકોને તો જોઈએ છે એવા તાયફા !

એટલે આ શોધખોળ છે મારી ! અને છોકરાને તો કહીએ કે લઈ જા પેલી પોટલી ! ભઈ, તારી પોટલી લઈ જા. આ વણતોલ્યું ને વણમાપ્યું આપે છે, એટલે આપણે અહીં બાજુએ મૂકી રાખો. આપણે કંઈ બોલવા જઈએ અગર તો આખી રાત તોલ તોલ કરીએ તો ઉપાધિ થાય. તમે કોઈ દહાડો આખી રાત કશું તોલેલું ? પહેલાં તોલ્યું હશેને ?

પ્રશ્નકર્તા : હાજી, કોઈકવાર બન્યું હોય.

દાદાશ્રી : હા, તોલે. રાતે તોલે પાછો હં, સાડા અગિયાર-બાર થાય તો ય તોલે. 'ઓહોહો, આવું મોટું, આવું મોટું !' કાટલા ના હોય, કશું ય ના હોય ને તોલે !

પ્રશ્નકર્તા : છોકરો ખરાબ શબ્દ બોલ્યો, સામો થયો હોય, તે નોંધી રાખ્યું. તો એ અભિપ્રાયથી લૌકિક વર્તનમાં ગાંઠ પડી જાય. આનાથી સામાન્ય વ્યવહાર ગૂંચાઈ ના જાય ?

દાદાશ્રી : નોંધ જ આ દુનિયામાં નકામી છે. નોંધ જ આ દુનિયામાં નુકસાન કરે છે. કો'ક બહુ માન આપે તે નોંધ ના રાખીએ અને કો'ક ગાળો ભાંડે, તમે નાલાયક છો, અનફીટ છો. તે સાંભળીને નોંધ નહીં રાખવાની. નોંધ એણે રાખવી હોય તો રાખે. આપણે આ પીડા ક્યાં લઈએ પાછી ? ચોપડા-બોપડા લાવીને પાછી નોંધો રાખવા માંડીએ ! નોંધવહી ને એ બધું એ કર્યા કરે. જેને ખાતાવહી રાખવી હોય તે, આપણે તો નોંધીએ નહીં, તેને જે બોલવું હોય તે બોલે. કારણ કે એ આગલા હિસાબ હશે તો જ બોલાશે, નહીં તો બોલાશે નહીં.

છોકરાનો અહંકાર જાગૃત થાય એટલે સામો જવાબ આપેને ! જ્યાં સુધી અહંકાર નથી, જ્યાં સુધી એનાં પગ પહોંચતા નથી, ત્યાં સુધી એ પોતાનુ ધારેલું કરે નહીં. મોટો થયો, એટલે પોતાનું મન ધાર્યું કરેને, આપણું માને ખરો ?

પ્રશ્નકર્તા : માને નહીં, ત્યાં સુધી એ બરોબર. પણ પછી તો દોષો કાઢે આપણાં.

દાદાશ્રી : હા, દોષો કાઢે. જેણે મોટો કર્યો, જેણે એ કર્યું, તે બધાંનાં દોષો કાઢે. તે વખતે કેવી દશા થતી હશે ? કોઈનું અપમાન ના સહન કરેલું હોય ને તે વખતે છોકરો સામું બોલે તો શું થાય ?

પ્રશ્નકર્તા : આપણામાં દોષ હોય અને દોષ બતાવે, એમાં ખોટું શું ?

દાદાશ્રી : એ ખોટું નહીં. ખોટું તો કશું હોતું નથી પણ સહન ના થાય માણસને. છોકરાં કે વહુ દેખાડે, તે માણસથી સહન થાય નહીં.

પ્રશ્નકર્તા : એ વખતે જાગૃતિ રાખવી જોઈએ કે આ મારામાં દોષ છે ને કહ્યો.

દાદાશ્રી : ના. એ જાગૃતિ રાખે તો ય ઊડી જાય. કારણ કે બીજા બહારનાં માણસ જોડે જાગૃતિ રાખે, પણ એનાં ઘરનાં માણસ જોડે જાગૃતિ રહે નહીં. કારણ કે 'હું એનો બાપ છું' એ તો ખ્યાલમાં ભૂલી જાય કે ? 'હું એનો બાપ છું' એ ભૂલી ના જાયને ? એ તો તમારે અનુભવ થાય ત્યારે ખબર પડે.

સમાધાન થવા મહીંલી ગોઠવણી !

વહુ જાણે કે સસરા પેલા રૂમમાં બેઠાં છે. એટલે વહુ બીજા જોડે વાત કરે કે 'સસરામાં જરાક અક્કલ ઓછી છે.' હવે આપણે તે ઘડીએ ત્યાં આગળ ઊભા હોય તો આપણને આ સાંભળવામાં આવે. તો આપણી મહીં એ રોગ પેઠો. તો ત્યાં આપણે શો હિસાબ કાઢવાનો કે આપણે પેલા રૂમમાં ત્યાં બેઠા હોત તો શું થાત ? તો કશો રોગ ઊભો ના થાત. એટલે અહીં આવ્યા તે ભૂલનો રોગ છે. આપણે એ ભૂલ ભાંગી નાખીએ. આપણે એમ માનોને કે ત્યાં જ બેઠા હતાં ને આ નહોતું સાંભળ્યું. એટલે એ ભૂલ ભાંગી નાખીએ.

મહાવીર ભગવાનની ય પાછળ લોકો તો બોલતા હતા. એ તો બોલે લોક. આપણે આપણી ભૂલ ભાંગી નાખવી. એને ફાવે એવું બોલે અને આપણા કર્મના ઉદય હોય, તો જ એનાથી આવું બોલાય. આપણા ઉદય રાશી હોય તો જ બોલાય.

આપણે સાંભળી ગયા કે વહુ આપણી માટે 'અક્કલ વગરનાં છે' એવું બોલી. તો ય આપણે જાણીએ કે આ તો આવું જ ચાલવાનું છે. આપણે કોઈકને ઘરે રહેવા ગયા હોય ને કોઈકનાં છોકરાની વહુ હોય તો આપણે ચલાવી લઈએ કે ના ચલાવીએ ? એવું જ અહીં માની લેવાનું. નહીં તો આનો ક્યારે પાર આવે ? આ સોનું ચોખ્ખું થાય નહીં ને દહાડો વળે નહીં. એના કરતાં છાશીયું ને છાશીયું રહેવા દેવું. આ સોનું કોઈ દહાડો ચોખ્ખું થાય નહીં. આજે આપણે ગાળીને લગડી મૂકીએ તો ય પાછી કાલે હતી તેવી ને તેવી થઈ જાય અને આ તો બધું હિસાબ અમે જોઈને બેઠેલા. અનંત અવતારથી હિસાબ ખોળી કાઢેલો. એટલે અમને તો ભાંજગડ જ ના થાયને આની ! અને અમને તો તરત કીમિયા જડે. અમારી પાસે લાખો ચાવીઓ હોય !

છોકરાં, ધર્મ પરિણમ્યાનું થર્મોમિટર !

આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું 'થર્મોમિટર' છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે 'થર્મોમિટર' ક્યાંથી લાવવું ? ઘરમાં 'થર્મોમિટર' મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે.

છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કષાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમિટર છે. એવું થર્મોમિટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમિટર છે આપણું. ઘરનાં થર્મોમિટર કામ લાગે છે કોઈ વખત ?

પ્રશ્નકર્તા : લાગે છે ને, દાદા.

દાદાશ્રી : ઘરનાં માણસો જ થર્મોમિટર હોય આપણું. આપણને તાવ કેટલો ચઢ્યો છે, કેટલો ઉતર્યો છે, તરત ખબર પડી જાય. આપણે એને કશુંક સલાહ આપી અને જરાક કઠણ બોલ્યા કે તરત એ કંઈ એવું બોલે કે આપણને તાવ ચઢ્યો છે કે નહીં, એ આપણને ખબર પડી જાય. એટલે ઘર બેઠા થર્મોમિટર ! દવાની દુકાનવાળાને કહીએ, કે થર્મોમિટર લાવ જોઈએ, તો એ શું આપે ? આવું થર્મોમિટર કોઈ આપે ? છોકરાં કોઈ ફેરો થર્મોમિટર થાય કે ન થાય ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : તમને ખબર પડી જાય કે આ થર્મોમિટર છે મારું ? એવું લાગે તમને ? એટલે તમે સાચવીને જ મૂકો. થર્મોમિટર ભાંગી નાખવું નથી ? રહેવા દેવું છે ? એ હોય તો કામ લાગશે. પછી તોડી જ ના નાખોને ! થર્મોમિટર કામ લાગેને ? એટલે સાચવીને મૂકે કે ના સાચવીને મૂકે ? એટલે સાચવીને મૂકી રાખવું.

ઘરમાં ભાંજગડો થાય, તે આ વાણીના શબ્દો એવા છે કે બધાને ભાંજગડો મટી ગઈ. એટલે આ વાણીથી બધું રાગે પડે છે. જેનાથી દુઃખ જાય એ વાણી ખોળે છે લોકો. કારણ કે કોઈએ આવા ઉપાય જ નથી બતાવ્યા ને ! સીધા એપ્લાય થાય એવા ઉપાય જ નથીને !

પ્રશ્નકર્તા : અને આપના એક-એક ઉપાય સચોટ છે.

દાદાશ્રી : હા, સચોટ છે.

- જય સચ્ચિદાનંદ