વિકાર પરિણામના ભય-જોખમો !

સંપાદકીય

અક્રમ માર્ગમાં પરણિતોને પણ સંયમનું માર્ગદર્શન મળી જાય છે. વિષયો છોડી દઈ બાવા બનવાની વાત નથી, પણ પગથિયે પગથિયે ધ્યેય સુધી પહોંચાય તેના બધા માઈલસ્ટોન પ્રાપ્ત થાય છે. વિષય સંબંધીની અજ્ઞાનતા, અણસમજણથી જ વિષયની પકડમાંથી છૂટાયું નથી. બાકી પરમ પૂજ્ય દાદા ભગવાન ચોખ્ખંુ જ કહે છે, 'વિષયો એ વિષ નથી, પણ વિષયમાં નિડરતા એ વિષ છે.' એમાં બેફામ થઈ ના જશો. પરાણે વિષય ભોગ જેને હોય, તેના વિષયનો અંત એક દહાડો અવશ્ય આવે જ. વિષયના સ્વરૂપનું પૃથ્થકરણ ખૂબ ખૂબ અનિવાર્ય છે. આ તો કલ્પનાથી જ વિષયનો મોહ ફરી વળ્યો છે અને એમાં લોકસંજ્ઞાથી મીઠાશ માની છે. બાકી એના જોખમના પરિણામો દેખાય તો માણસને વિષયનો મોહ છૂટી શકે તેમ છે.

વિષય કેટલી બધી રીતે ભય પામવા જેવો છે તે જ્ઞાની શ્રીમુખે નીકળેલી વાણીમાં સમજાય છે. છતાં લોકો વિષયના આકર્ષણમાં બેફામપણે વર્ત્યા જાય છે. જેમ સાપ આવે તો ચેતીને ખસી જાય એવી રીતે ! 'હવે મને કંઈ નડવાનું નથી. હું ગમે તેમ વિષયો ભોગવું તો મને કશું થાય નહીં' એવું બેફામપણું થાય, તે બેફામપણાને નિડરતા કહેવાય છે. એવું ના થવું જોઈએ. હક્કનો વિષય હોય તો પણ ખેદ, ખેદ ને ખેદ રહ્યા કરતો હોય તો એમાંથી છૂટાય.

પરણેલાઓ માટે પરમ પૂજ્ય દાદા ભગવાને સુંદર સ્ટેપિંગ બતાડયા છે, તે ફોલો કરવાથી વિષય સામે જીતી જવાય તેમ છે. હક્કના સંબંધ સિવાય બહાર દ્રષ્ટિ કે મન પણ ન બગડવું જોઈએ અને બગડી જાય તો સતત પશ્ચાતાપ-પ્રતિક્રમણ કરવાં જોઈએ. અને અણહક્કનો ગુનો તો આખી જીંદગીમાં ક્યારેય ના જ થવો જોઈએ, નહીં તો એનાં જેવું ભયંકર જોખમ નથી. પરસ્ત્રી કે પરપુરુષ તો નર્કે લઈ જાય એટલું ભયાનક ભયસ્થાનક છે ! પછી હક્કમાં ધીરે ધીરે નિયમમાં આવે, એમ કરતાં કરતાં થોડો-ઘણો સમય નિયમ સાચવે તો મજબૂતી વધે પછી છ-બાર મહિનાનું વ્રત પોતાના દ્રઢ નિશ્શચયથી પાળતો થાય તેમ તેમ શક્તિઓ વધતી જાય ! અને પરિણામે આનંદ, મુક્તિ ને ખુમારીનો અનુભવ વધતો જાય !

બાકી વિષયાસક્તિ તો સંસારમાં પરવશ, લાચાર કરી નાખે છે. પરિણામે ઘરમાં મતભેદ, કલેશ, કકળાટવાળી જિંદગી થઈ જાય છે. સામસામે શંકા-કુશંકા પેસી વેર બંધાઈ જાય છે, અંતે અધોગતિ નોતરે છે.

પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષના દેખાડેલ વિષયના ભયસ્થાનો અને તેમાંથી છૂટવાનાં સ્ટેપીંગને સંકલિત કર્યા છે, જે ધારણ કરીને ચઢતો જાય તો સંયમી જીવન જીવે ને આનંદમાં રહીને નિર્ભયપદ, અસંગપદ ને વીતરાગપદ પમાય.

દીપકના જય સચ્ચિદાનંદ

વિકાર પરિણામના ભય-જોખમો !

વિકારો હઠાવવાં છે ?

પ્રશ્શનકર્તા : 'અક્રમ માર્ગ'માં વિકારો હઠાવવાનું સાધન કયું ?

દાદાશ્રી : અહીં વિકાર હઠાવવાના નથી. આ માર્ગ જુદો છે. કેટલાંક માણસો અહીં મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય લે છે અને કેટલાંક સ્ત્રીવાળા હોય, તેને અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. એટલે 'અહીં' વિકારી પદ જ નથી, પદ જ 'અહીં' નિર્વિકારી છે ને ! વિષયો એ વિષ છે, તે તદ્દન વિષ નથી. વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય તો ના છૂટકે, પોલીસવાળો જેમ પકડીને કરાવે ને કરે તેમ હોય તો, તેનો વાંધો નથી. પોતાની સ્વતંત્ર મરજીથી ના હોવું જોઈએ. પોલીસવાળો પકડીને જેલમાં બેસાડે ત્યાં તમારે બેસવું જ પડે ને ? ત્યાં કંઈ છૂટકો છે ? એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય નહીં ને ! બાકી જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ.

આ ઝેરને ઝેર જાણ્યું ?

વિષયને ઝેર જાણ્યું જ નથી. ઝેર જાણે તો એને અડે નહીં ને ! તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ ! જાણ્યાનું ફળ શું કે અટકી જાય. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.

ભય રાખવા જેવો હોય, તો આ વિષયનો ભય રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે વિષયથી ચેતો. આ સાપ, વીંછી, વાઘથી નથી ચેતતા ? ચેતતા રહીએ છીએ ને ? જેમ વાઘની વાત આવે, ત્યારે એ ભય આપણે ના રાખવો હોય તો ય એનો ભય લાગે છે ને ? તેમ વિષયની વાત આવે ને ભય લાગવો જોઈએ. ભય હોય ત્યાં ખાવાનું મોજથી જમે ? ના. એટલે ભય હોય ત્યાં મોજ ના હોય. જગત આ વિષયો ભયથી ભોગવતા હશે ? ના. આ તો લોકો મોજથી ભોગવે છે. ભય હોય ત્યાં ભોગવટો જ ના હોય.

કોઈ કહેશે કે જલેબી ખાઉં ? તો હું કહું કે એ સારી છે, ખાજો નિરાંતે. દહીંવડા ખાજો, બધું ખાજો. આ બધામાં સ્વાદ લાગે છે. જ્ઞાનીને સ્વાદ સમજાય, પણ એમને આ સ્વાદમાં સારું-ખોટું ના હોય કે આ હોય તો જ મારે ચાલશે. વિષયનો તો જ્ઞાની પુરુષને સ્વપ્નેય વિચાર ના આવે. એ તો પાશવી વિદ્યા છે. મનુષ્યમાં ખુલ્લી પાશવતા કહેવામાં આવે તો આટલી જ છે. મનુષ્યપણું તો મોક્ષને માટે જ હોવું જોઈએ.

અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!!

બુદ્ધિથી વિચાર્યું વિષયને કદિ ?

વિષય તો મૂર્ખો ય ના ચાહે એવી વસ્તુ છે. બુદ્ધિનો સંપૂર્ણ પ્રકાશ થયેલો હોય, બુદ્ધિનો વિકાસ પામેલો હોય, તે પણ વિષયથી ડરે બિચારો. કારણ કે વિષય એ તો સાવ ગાંડામાં ગાંડી વસ્તુ જેવું છે. આ કાળમાં આ તો બળતરાને લઈને વિષયના કાદવમાં પડે છે. નહીં તો કોઈ કાદવમાં પડે નહીં ને ! બહુ બળતરા હોય, ત્યારે માણસ શું કરે ? એટલે ઊંધો ઉપાય કરે. વિષય જો વિચારવામાં આવે તો વિચારક માણસને એ ગમે જ નહીં. એટલે બુદ્ધિથી ય વિષય છૂટે એવો છે. તેમાં પછી જ્ઞાનને અને આને શી લેવા-દેવા ?! વિષય પર જો વિચાર કર્યો હોતને, તો એને વિષય તો બિલકુલ ગમત જ નહીં. ચોખ્ખી બુદ્ધિવાળાને વિષયનું પૃથક્કરણ કરી આપવાનું કહીએ તો, 'વિષય થૂંકવા જેવી પણ વસ્તુ નથી.' એમ કહે. એટલે ચોખ્ખી બુદ્ધિ હોય, એને તો વિષય ગમે જ નહીં. એ અડે જ નહીં ને ! પણ બુદ્ધિમાં મળ જામી ગયેલો હોય, તેને તો બધું ઊંધું જ દેખાય. નહીં તો એક જ વખતના વિષયોથી અબજોનું નુકસાન છે, ભયંકર હિંસા છે !

વિષયોથી વીતરાગો ય ડરેલાં !

આત્મા ને સંજોગો, બે જ છે. ત્રીજું કોઈ ભૂત આમાં વચ્ચે નથી. આત્મા શાશ્વત છે. સંયોગો વિયોગી સ્વભાવના છે. હવે તમારે જેમ કરવું હોય તેમ કરો અને વિષયી એ 'ચંદુભાઈ' છે. એમાં 'તમારે' શું લેવા-દેવા ? 'તમે' એની જોડે યારી ના કરશો કે લે આ 'કૉલ' આપ્યો, એવું કરવાનો ભાવ ના થાય એ જાગૃતિ રાખવાની. વિષયોથી ભગવાન પણ ડર્યા છે. વીતરાગો કોઈ વસ્તુથી ડર્યા નહોતા, પણ એક વિષયથી એ ડરેલા. ડર્યા એટલે શું કે જેમ સાપ આવે છે, તે દરેક માણસ પગ ઊંચો લઈ લે કે ના લઈ લે !

પ્રશ્શનકર્તા : લઈ લે.

દાદાશ્રી : એમાં પોતાનું હિત નથી એવું જાણે છે, તેથી લઈ લે છે ને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એવું વીતરાગો એટલું સમજ્યા કે આમાં હિત નથી, આ તાત્કાલિક ઇફેક્ટિવ છે. માટે અહીં આગળ આ દારૂખાનાથી બહુ છેટા રહેવા જેવું છે. આટલો તો ડર રાખવો જોઈએ ને ? આપણા લોકો વિષયોથી ના ડરે અને સાપથી ડરે. અલ્યા, સાપથી કેમ ડરે છે ? સાપ આગળ હિતાહિત જુએ છે, તો અહીં વિષયમાં કેમ હિતાહિત નથી જોતા ? આમ વિષયોમાં બેફામ ના થઈ જવું જોઈએ. પોલીસવાળો પકડીને કરાવે, એના જેવું હોવું જોઈએ. આ અહીં વિષયોનું સાયન્સ સમજી લેવાનું છે. આ પ્રત્યક્ષ ઝેર છે એવું જ્ઞાન હાજર રહેવું જોઈએ.

ચેતો, વિષયની નીડરતાથી !

વિષયો એ વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે. માટે ગભરાશો નહીં. બધાં શાસ્ત્રોએ બૂમ પાડી કે વિષયો એ વિષ છે. શાનું વિષ છે ? વિષય એ વિષ તો હોતો હશે ? વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય જો વિષ હોતને, તો પછી તમે બધા ઘેર રહેતાં હોત અને તમારે મોક્ષે જવું હોય તો મારે તમને હાંકીને મોકલવા પડે કે જાવ અપાસરે, અહીં ઘેર ના પડી રહેશો. એવું હાંકીને મોકલવું પડે કે ના મોકલવું પડે ? પણ મારે કોઈને હાંકવા પડે છે ? અમે તો કહીએ છીએ કે જાવ, ઘેર જઈને નિરાંતે પલંગમાં સૂઈ જાવ.

વિષયમાં નિડરતા એ વિષ !

ભગવાને આત્માના બે ભેદ પાડ્યા; એક સંસારી ને બીજા સિદ્ધ. જે મોક્ષે ગયેલા છે તે સિદ્ધ કહેવાય છે ને બીજા બધાય સંસારી. એટલે તમે જો ત્યાગી હો તો ય સંસારી છો ને આ ગૃહસ્થ પણ સંસારી જ છે. માટે તમે મનમાં કશું રાખશો નહીં. સંસાર નથી નડતો, વિષય નથી નડતા, કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. એટલા માટે તો મેં પુસ્તકમાં લખ્યું કે વિષયો વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે.

પ્રશ્શનકર્તા : આ તો બહુ ગૂઢ કહેવાય.

દાદાશ્રી : આ સમજવા બેસે તો બહુ ઊંડું છે, પણ છતાં સહેલું છે. ક્યાંય વિરોધાભાસ ન ઊભો થાય. આ સૈદ્ધાંતિક જ્ઞાન છે અને સબળ અનુભવપૂર્વકનું જ્ઞાન છે. આ તો આપણો અક્રમ માર્ગ, તેથી આપણે ખાવા-પીવાની છૂટ મૂકી, બધા પ્રકારની છૂટ મૂકી, પણ આપણે વિષય સામે ચેતવાનું કહીએ છીએ ! બાકી, વિષયથી તો ભગવાન પણ ડર્યા હતા. આપણે તો સિનેમાની પણ છૂટ આપી. કારણ કે સિનેમામાં એવો તન્મયાકાર ના થાય, જ્યારે વિષયમાં તો ભારે તન્મયાકાર થાય છે.

બૈરી-છોકરાં સાથે જ મોક્ષને માટે અમે આ રસ્તો બતાવ્યો છે. આ અહીંથી સીધો મોક્ષ નથી. આ એકાવતારી પદ છે. વીતરાગોની વાત તદ્દન સાચી છે કે સીધું જ મોક્ષે જવાતું હોય તો તો બૈરી-છોકરાં આ છેલ્લા અવતારમાં છોડવાં પડે. પણ આ તો એક અવતારીપદ છે. મોક્ષને ને સંસારને શી લેવા-દેવા ? એકેય કર્મ ના બંધાય, એની અમે ગેરન્ટી આપીએ છીએ. સ્ત્રી-છોકરાં સાથે ય કર્મ ના બંધાય.

... માટે વિષયથી ડરો !

વિષયની બાબતમાં જગતમાં ભારે અણસમજ ચાલે છે. શાસ્ત્રો કહે છે કે, વિષય એ વિષ છે. કેટલાંક લોક પણ કહે છે કે, વિષય એ વિષ છે અને તે મોક્ષે ના જવા દે. અમે એકલા જ કહીએ છીએ કે, આ બધા વિષયોમાં નીડરતા રહેવી એ જ વિષ છે.

નીડર ક્યારે રહે કે બે-ત્રણ સાપ આવતા હોય, તે વખતે તમારો પગ નીચે હોય અને તમને ડર ના લાગતો હોય તો પગ નીચે રાખો પણ ડર લાગતો હોય તો પગ ઉપર લઈ લેવો. પણ જો તમને ડર ના લાગતો હોય અને પગ ઊંચા જ ના લો તો, પૂર્ણ જ્ઞાની-કેવળ જ્ઞાનીની નિશાની છે. પણ પૂર્ણ નથી થયા ત્યાં સુધી તમે જાતે જ ડરીને પગ ઊંચા લઈ લો છો. માટે તમને વિષયોમાં નીડર રહેવા થર્મોમિટર આપીએ છીએ. જો સાપ સમક્ષ તું નીડર રહી શકતો હોય તો વિષયોમાં નીડર રહેજે. અને ત્યાં જો ડર લાગતો હોય, પગ ઊંચા કરી લેતો હોય તો વિષયોથી પણ ડરતો રહેજે. વિષયોમાં નીડર થવાય જ નહીં. ભગવાન મહાવીર પણ વિષયોથી ડરતા અને અમે પણ ડરીએ છીએ. વિષયોમાં નીડરતા એટલે તો બેફામપણું કહેવાય.

વિષયોની આરાધના કરવા જેવી નથી અને તેનાથી ભડકવા જેવું ય નથી, તેની ચીઢે ય કરવા જેવી નથી. હા, સાપ આગળ તું કેવો ચેતીને ચાલે છે ? તેમ વિષયોથી ચેતતો રહેજે ! નીડર ના થઈશ.

કોણ તર્યું ? કોણ ડૂબ્યંુ ?

સાધુઓ જાણે કે અમે તરી ગયા અને આ સંસારીઓ ડૂબી ગયા. અલ્યા, કોઈ બાપોય તર્યો નથી અને તું ડૂબ્યોય નથી. તું શું કામ ભડકે છે ? વહુ જો ડૂબાડતી હોય, તો ભગવાન પૈણત જ નહીં ને ! વહુ ડૂબાડતી નથી, તારી અણસમજણ ડૂબાડે છે. તારે કેવી રીતે આરાધના કરવી, કેવી રીતે નિકાલ કરવો, તે તું જાણતો નથી.

જગત વાતને સમજ્યું જ નથી. રિલેટિવમાં બ્રહ્મચર્ય હોવું ઘટે, પણ આ તો પાછાં એક જ ખૂણામાં પડ્યા રહે છે અને બ્રહ્મચર્યનો જ આગ્રહ કરે છે અને તેનો જ દુરાગ્રહ કરે છે. બ્રહ્મચર્યના આગ્રહી થાય છે તેનો વાંધો નથી, પણ દુરાગ્રહી થયા તેનો વાંધો છે. આગ્રહ એ અહંકાર છે અને દુરાગ્રહ એ જબરજસ્ત અહંકાર છે. બ્રહ્મચર્યનો દુરાગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, 'માર ચોકડી.' પછી ભલેને બ્રહ્મચર્ય પાળતો હોય.

સ્ત્રીનો નહીં, વાંક પોતાનો !

'વિષયો વિષ નથી' એવું એકલું કહેવામાં આવે, તો કેટલાંય ત્યાગીઓ જોડે મતભેદ પડી જાય કે તમે આવું કહો છો ? ના, હું વિષયને વિષ કહેવા માગતો જ નથી. હું વિષયમાં નીડરતાને વિષ કહું છું. તમે વિષયોને વિષ કહો છો, એ હું કબૂલ કરતો નથી. જે ના પૈણેલો હોય અને એ જો બ્રહ્મચારી તરીકે રહેવા માગતો હોય તો હું બહુ ખુશ છું. પૈણેલો હોય તેને શું એમ કહેવું કે બાયડી છોડીને નાસી જા તું ?! છતાં બાયડી છોડીને નાસી ગયો હોય અને એનો મોક્ષ થાય એવું ક્યારેય પણ બને ? એવું કોઈના માન્યામાં આવે છે ? ત્યારે પૈણ્યો'તો શું કરવા ? શરમ નથી આવતી ? કોઈને દગો દેવાય નહીં. આ દુનિયામાં કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ આપ્યું હશે તો પણ મોક્ષ નહીં થાય. એટલે અમે આ સરળ રસ્તો ખોળી કાઢ્યો. નહીં તો આ બધાં પૈણેલાઓ કહે છે કે અમે મોક્ષે જવાનાં, તે શાથી એમ કહે છે ? પોતાને એમ લાગ્યું કે અમે મોક્ષમાં જવાને માટે આમ જઈ રહ્યા છીએ. કેટલાંં માઈલ ઉપર હતા ને તે હવે સેન્ટ્રલ ક્યાં સુધી આવ્યું એવું તમને લાગે છે ?

પ્રશ્શનકર્તા : નજદીક છે.

દાદાશ્રી : સ્ત્રી-છોકરાં સાથે છે, છોકરાં ભણાવે છે, બધું કરે છે. સ્ત્રી મોક્ષને વાંધો કરતી નથી. તમારા વાંકે મોક્ષ અટકે છે. વાંક તમારો છે, સ્ત્રીનો વાંક નથી. સ્ત્રી નડતી નથી, તમારી અજ્ઞાનતા નડે છે.

વિષયનું પૃથક્કરણ કર્યું કદી ?

એવું છે ને, મનુષ્યોએ વિષયનું તો પૃથક્કરણ કરી જોયું નથી. જો માનવધર્મ તરીકે વિષયનું પૃથક્કરણ કરે, જેમ કે કોઈ વસ્તુનું આપણે પૃથક્કરણ કરીએ ને એમાં શું શું વસ્તુઓ ભળેલી છે એમ જુદું પાડીએ, એવી રીતે વિષયનું જો પૃથક્કરણ કરે તો માણસ વિષય કોઈ દહાડો ફરી કરે નહીં. બે દહાડાથી વધારાનું વાસી ભજિયું ખવાય જ નહીં, છતાંય પણ ત્રણ મહિનાનાં વાસી ભજિયાં ખાધાં હોય તોય એ જીવતો રહેશે, પણ વિષય કરે તો એ જીવતો નહીં રહે. વિષય એ એવી વસ્તુ છે, એનું પૃથક્કરણ કરે તો પોતાને વૈરાગ જ રહ્યા કરે. જો વિષયો વિષ હોત તો ભગવાન મહાવીર તીર્થંકર જ ના થાત. ભગવાન મહાવીરને ય દીકરી હતી. એટલે વિષયોમાં નીડરતા એ વિષ છે. હવે મને કંઈ નડવાનું નથી, એવું થયું એ વિષ છે.

ભડકશો નહીં, નિડર થશો નહીં !

પ્રશ્શનકર્તા : નીડરતા એ બેદરકારી કહેવાય ને?

દાદાશ્રી : નીડરતા શબ્દ એટલા માટે મેં આપેલો છે કે વિષયમાં ડરે, નાછૂટકે વિષયમાં પડે. એટલે વિષયોથી ડરો, એમ કહીએ છીએ. કારણ કે ભગવાન હઉ ડરતા હતા, મોટા મોટા જ્ઞાનીઓ ય ડર્યા હતા, તો તમે એવાં કેવાં છો કે વિષયથી ડરો નહીં ?! મને કંઈ હવે નડવાનું નથી, એ વિષ છે. માટે વિષયથી ડરો. વિષય ભોગવો ખરાં પણ વિષયથી ડરો. જેમ સુંદર રસોઈ આવી હોય, રસ-રોટલી ને એ બધું ભોગવો ખરાં પણ ડરીને ભોગવો. ડરીને શા માટે કે વધુ ખાશો તો ઉપાધિ થઈ પડશે, એટલાં માટે ડરો.

એક બાવો ખોળી લાવો કે જેને આજ પૈણાવીએ આપણે અને મહિનો જો ઘર માંડે તો સાચું ! આ તો ત્રીજો જ દા'ડે નાસી જાય હંકે ! આ ફલાણું લઈ આવો, ફલાણું લઈ આવો કહ્યું કે ભાગી જાય. અને આ લોકોને હેરાન કરે 'હવે તમારું શું થશે' કહેશે. એટલે મારે આ ભારે શબ્દો લખવા પડ્યા કે 'વિષયો વિષ નથી. જાવ, ભડકશો નહીં.' હું તમારો ભડકાટ કાઢવા માટે આવ્યો છું. સહજ ભાવે વિષયો ભોગવોને ! સહજ હોવું જોઈએ. સહજ ભાવે જો વિષયો ભોગવે તો વિષયો વિષયોને જ ભોગવે છે. આ તો સહજ ભાવે ભોગવતાં આવડતું નથી ને!

પ્રશ્શનકર્તા : એટલે વિષયોમાં જે ખૂંપે છે, એમાં એની કંઈ હિંમત નથી કામ કરતી, એ તો એની આસક્તિ કરાવે છે.

દાદાશ્રી : ના, આપણને તેનો ય વાંધો નથી. વાંધો નીડરતાનો છે, એટલે કે 'હવે મને કંઈ નડવાનું નથી. હું ગમે તેમ વિષયો ભોગવું તો મને કશું થાય નહીં.' એવું બેફામપણું થાય, તે બેફામપણાને આપણે નીડરતા કહીએ છીએ. આ લોકોએ વિષયોને 'એકાંતિક વિષ' કહ્યું છે. એટલે સંસારીઓ 'ડિસ્કરેજ' થઈ ગયા. એટલે પછી આ સંસારીઓને વિષ જ પીધા કરવાનું ને ? આ ત્યાગીઓ એકલાને જ વિષ નહીં પીવાનું ? આ સ્ત્રી-વિષય એકલો જ વિષય નથી. ત્યાગીઓના ય બધા વિષયો હોય છે અને આ સંસારીઓને ય બધા વિષયો હોય છે. પણ આ શાસ્ત્રોમાં એકલા સ્ત્રી વિષયને માટે આવું બધું ઝેર સમાન કહ્યું છે. પણ એથી લોકોને ગભરાવી માર્યા છે કે આપણે તો સંસારી માણસ, વિષયો વિષ જેવા છે, તો ય કરવા તો પડે છે ને ! એટલે એ પછી એમને ખૂંચ્યા કરે. એ ગૂંચ કાઢી નાખવા જેવી છે ને ખૂંચ્યા કરે એ દુઃખ કહેવાય.

સંસાર ફસામણનું મૂળિયું !

પ્રશ્શનકર્તા : વિષયોમાં નીડરતા એ વિષ છે. તો નીડરતા ઉત્પન્ન થાય છે, એ શામાં આવે ?

દાદાશ્રી : પોતે નીડરતા રાખે તો રહે. એ અહંકારમાં આવે કે 'હું વિષયમાં જીતી ગયો, હવે વાંધો નથી આવે એવો.' એનું નામ નીડરતા. એ અહંકાર કહેવાય. જો નીડર રહ્યો તો એ વિષ થઈ ગયું. આ વિષયમાં નીડર તો ઠેઠ સુધી નથી થવાનું. પોલીસવાળાના પકડ્યા વગર કોઈ જેલમાં ના જાય ને ? પોલીસ પકડીને જેલમાં લઈ જાય તો જ જાવને ? પોલીસવાળાના લઈ ગયા વગર જેલમાં જાય તો ના સમજીએ કે એ નીડર થઈ ગયો છે ? પોલીસવાળો પકડીને જેલમાં લઈ જાય તો એનો ગુનો નથી, એવું આ વિષયમાં સંજોગો એને ખાડામાં પાડે તો એનો વાંધો નથી. અબ્રહ્મચર્યની ગાંઠ ઓગળે તો તો બધું જાય. આ સંસાર બધો એના ઉપર જ ઊભો રહ્યો છે. રૂટ કૉઝ જ આ છે. આ લોકોનાં દુઃખ કાઢવા માટે, લોકોના મનમાંથી ભાર નીકળી જાય એટલા માટે આ જ્ઞાની પુરુષ એમ કહે છે કે વિષયો એ વિષ નથી. તે તમને થાય કે ચાલો, આટલી તો નિરાંત થઈ !!

નીડરતા એટલે શું કે કેટલાંક માણસો કહે કે, 'દાદાએ મને જ્ઞાન આપ્યું છે, તો હવે મને કોઈ વિષય નડે નહીં. મારે તો ભોગવવાનો વાંધો જ નહીં ને ?' તો ખલાસ થઈ ગયો. માટે વાતને સમજો.

ખેદ, ખેદ, ખેદ જ બચાવે !

વિષયમાં કપટ કરવું, બીજું બધું કરવું એ બધું વિષ કહેવાય. એ જ મારી નાખે અને એવું થતું હોય તો નર્યો ખેદ, ખેદ ને ખેદ હોવો જોઈએ. નિરંતર ખેદ વગર ગમે નહીં, તો જાણવું કે આ રોગ જતો રહેશે. નહીં તો ઉખાડી નાખવાની સત્તા તો પોતાની ખરીને ? બિલકુલ સત્તા વગરનો થાય છે એવું બનતું નથી. સત્તા તો ઠેઠ 'કેવળજ્ઞાન' થતાં સુધી એને સત્તા રહે છે. પછી ઊંધું કરવાની કે સીધું કરવાની, પણ સત્તા તો રહે છે !!!

દ્રષ્ટિ બગડવાથી ભટક્યા સંસારમાં !

કોઈ પુરુષથી સ્ત્રીઓ સામું જો જો ના કરાય અને કોઈ સ્ત્રીથી પુરુષ સામું જો જો ના કરાય. પોતાનું જે હોય તે જ છૂટ છે. હલવાઈની દુકાને લોકો જો જો નથી કરતા. કારણ કે એ જાણે છે કે આપણું ન હોય. પણ આ પુરુષો સ્ત્રીઓને જોયા કરે છે અને સ્ત્રીઓ પુરુષોને જોયા કરે છે. અલ્યા, આમાં શું જોવાનું તે ? આ તો તડબૂચાં જાય છે બધા. એમાં શું જોવાનું છે ?

આવું કોઈ કહેતું નથી ! સબ ચલને દો, એવું બોલ્યા કરે ને ! પણ આ તો ભયંકર જોખમદારી છે. પોતાના હક્કનું ભોગવો. પોતાની પૈણેલી સ્ત્રી હોય, તો એ સ્ત્રીનાં મા-બાપ હઉ પૈણાવે છે એને, ગામવાળાઓ પૈણાવે છે. એટલે બધા લોકો 'એક્સેપ્ટ' કરે છે ને ? એ હક્કનો વાંધો નથી પણ બીજું તો જોવાય નહીં. બીજે ક્યાંય દ્રષ્ટિ બગાડાય નહીં. પણ આવો ઉપદેશ કોઈએ આપ્યો નહીં. આવું ને આવું પોલ ચાલવા દીધું, તે ગાડું ઊંધું ચાલ્યું.

આ તો જગત છે. શું દ્રષ્ટિ ના બગડે ? કારણ કે જાત જાતની કેરીઓનું આ તો સંગ્રહસ્થાન. હાફુસની કેરી હોય, રત્નાગિરિની, બીજી હોય, ત્રીજી હોય, તે માણસ બિચારો શું કરે ? એટલો બધો 'કંટ્રોલ' શી રીતે આવે ? આ જ્ઞાન લીધું હોય તો 'કંટ્રોલ' રાખી શકે. બાકી અણહક્કનું ભોગવવાના વિચાર આવ્યા, ત્યારથી જાનવર ગતિમાં જાય. આપણા મનમાં એમ થાય કે આપણને શું થવાનું છે ! એટલે લોક ભય નથી રાખતા. પણ આ જગત તો બધું ભયનું જ કારખાનું છે. માટે ચેતીને ચાલો. ભયંકર કળિયુગ છે. દિવસે દિવસે 'ડાઉન' કાળ આવ્યા કરે છે. વિચારો ને બધું બગડતા જ જવાના. માટે મોક્ષે જવાની વાત કરશો તો કંઈક દહાડો વળશે.

નજર ચોંટી એટલે સંસાર ઊભો થઈ ગયો ! આ જગત ઉઘાડી આંખે જોવા જેવું જ નથી. તેમાં ય આ કળિયુગ તો ભયંકર અસર કરે. આ આંખોમાંથી બહુ સંસાર ઊભો થઈ જાય.

બહુ મોટંુ ભયસ્થાન !

'અમે' તમને બધી જ રીતની છૂટ આપી છે. 'એક માત્ર વિષયમાં જાગૃત રહેજે' એમ કહીએ છીએ અને તે પણ પોતાની સ્ત્રી અગર પોતાના પુરુષ એટલા પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ. અણહક્કના વિષય સામે અમે તમને ચેતવીએ છીએ, કારણ એમાં બહુ મોટું જોખમ છે. આપણા 'અક્રમ વિજ્ઞાન'માં આટલું જ ભયસ્થાન 'અમે' તમને બતાવીએ છીએ. બીજે બધેથી નિર્ભય બનાવી દઈએ છીએ.

અણહક્કનું ભોગવી ના લેવાય. અણહક્કનું ભોગવે છે લોકો ?

પ્રશ્શનકર્તા : ઘણાં જણ ભોગવે.

દાદાશ્રી : અરે, બૈરી હઉ ઉઠાવી જાય છેને લોકોની ! પોતાની હક્કની બૈરી રાખવી. આ તો બૈરી બીજાની ખોળી લાવે ! હક્કની પોતાની સ્ત્રી હોય તો કોઈ વાત ના કરે, ઘરનાં ય કોઈ વઢે નહીં. માટે કયા ખાડામાં પડવું સારું ?

પ્રશ્શનકર્તા : હક્કના.

દાદાશ્રી : અણહક્કનો ખાડો તો બહુ ઊંડો ! પાછું ઉપર અવાય જ નહીં. માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે. આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય-સિગ્નલ તને બતાવીએ છીએ.

સ્ત્રી-પુરુષોમાં આ કળિયુગના આધારે સામસામી અસર થાય છે. બંનેને સંતોષ હોય તો ય બહાર કંઈક જુએ છે, તો દ્રષ્ટિ મંડાઈ જાય છે. એ મોટામાં મોટું ભય સિગ્નલ છે. આ દ્રષ્ટિમાં મીઠાશ વર્તે તે ય બહુ મોટું જોખમ. તમે માની હો, તો તમને કોઈ સ્ત્રી માન આપે તો તમારી દ્રષ્ટિ ખેંચાઈ જાય. લોભી હોય તો તેને લોભ આપે તો ય દ્રષ્ટિ ખેંચાઈ જાય. પછી બધું જીવન ખેદાનમેદાન કરી નાખે !

પરસ્ત્રી-પરપુરુષથી નર્કગતિ !

પ્રશ્શનકર્તા : આપે એવું કહ્યું છે ને, અણહક્કના વિષયો નર્કે લઈ જાય. એ શાથી ?

દાદાશ્રી : અણહક્કના વિષયમાં હંમેશાં કષાયો હોય, ને કષાયો હોય એટલે નર્કમાં જવું પડે. પણ આ ખબર પડે નહીં લોકોને ! એટલે પછી બીતાં નથી, ભડકે ય નથી લાગતી કોઈ જાતની. અત્યારે આ મનુષ્યભવ તો, ગયા અવતારે સારું કરેલું તેનું ફળ છે.

પ્રશ્શનકર્તા : આપે જે પરપુરુષ ને પરસ્ત્રીગમનનું ભય સિગ્નલ બતાવ્યું, એનું 'કેઝયુઅલ કનેક્શન' શું છે ?

દાદાશ્રી : આપણા અહીં જ્ઞાન લીધા પછી આવાં દોષવાળો તો સીધો નર્કમાં જાય. કારણ કે જ્ઞાન લીધા પછી તો દગો કહેવાય. જ્ઞાનીને દગો કહેવાય અને સત્સંગને દગો કહેવાય. ભયંકર દગો કહેવાય, એટલે નર્કનો અધિકારી થઈ જાય. એટલા માટે અમે ચેતવ ચેતવ કરીએ. અત્યારના લોકોને જે વિષયો છે, એ તો જાનવરોને ય ના હોય. આ તો કળિયુગની નિશાની છે.

પ્રશ્શનકર્તા : આ જ્ઞાન મળ્યું અને આવું અણહક્કનું થાય એટલે જોખમદારી વધી જાય ને ?

દાદાશ્રી : ભયંકર. પછી જ જોખમદારી વધેને ! નહીં તો ય પહેલાં જોખમદાર હતો જ, જવાનો જ હતો જાનવરમાં. એને કશી પડેલી જ નહોતી ને ! હવે સારા માર્ગે આવ્યા પછી જો કદી આવી ભૂલ થયા કરે તો શું થાય ? આજ્ઞા બને એટલી પાળવી, આજ્ઞા ઉપર આવી જવું. બ્રહ્મચર્ય આવ્યું અને આ જ્ઞાન છે, એટલે પછી સુખ ખૂટે જ નહીં.

હક્કમાં પણ ના છૂટકે !

પોતાના હક્કના વિષય હોય તો ભોગવજો. અણહક્કનો વિચાર ના આવવો જોઈએ. હક્કના વિષય હોય તો હક્કનું, અમે બેઉને વિધિ મૂકી આપીએ. એને અબંધભાવની વિધિ મૂકી આપીએ. તે હક્કનું પણ પોતાની રાજીખુશીથી ના હોવું જોઈએ.

પ્રશ્શનકર્તા : એટલે પોતાના ઉદયકર્મ પ્રમાણે ?

દાદાશ્રી : ના. ઉદયકર્મમાં તો અણહક્કના ય હોય, પણ અણહક્કનું ના હોવું જોઈએ. હક્કનું એટલે જગતના લોકો એક્સેપ્ટ કરે, લોકો નિંદા કરે નહીં એવું હોય અને તે પણ પોતાની સ્ત્રી જોડેનું જ હોવું જોઈએ, લોકમાન્ય હોવું જોઈએ. તે પોતાને પણ ખૂંચે નહીં, ભય ના લાગે. નહીં તો અણહક્કનું ભય લાગે, કાંકરો ખૂંચે એમ ખૂંચ્યા કરે.

ઘરમાં સંસ્કારીપણે વર્તો !

એટલે પોતાના ઘરમાં બધા માણસો પર બિલકુલ કંટ્રોલ રાખવો જોઈએ, નહીં તો પછી નાકકટ્ટો થશે ત્યારે બૂમાબૂમ કરશે. પોતે શીલવાન હોય તો છોકરીઓ શીલવાન થાય, નહીં તો પોતાનું જ ઠેકાણું ના હોય તો છોકરીઓ તો બગડી જ જાયને પછી. ફાધરનો વ્યવહાર એવો ના દેખાવો જોઈએ કે છોકરીઓનાં મનમાં ફાધરનો સહેજેય દોષ દેખાય. છોકરીઓને ફાધરનો એક પણ દોષ ના દેખાય એવી રીતે ફાધરે જીવન જીવવું જોઈએ. આ તો કંઈ ફાધર છે ? આ તો અડધા જાનવર જ છે !! ફાધર તો કેવા હોય કે છોકરાંઓને એમની સહેજ પણ ખાનગી બાબત માલમ ના પડે.

પ્રશ્શનકર્તા : પહેલાં તો સામાજીક ભયો પણ બહુ હતા ને ?

દાદાશ્રી : હા, એ સામાજીક ભયની જરૂર હતી. એ ભયથી જ લોકો સીધા રહેતા હતા. અમારા વખતમાં તો વિચારેય નહોતા આવતા. એ છોડીઓ-છોકરાંઓ બધાં ફરે તો ય વિચારો જ નહીં. એ જાતના સંસ્કારો જ નહીં.

દોષ છે અજ્ઞાનતાનો !

પ્રશ્શનકર્તા : જે જે વિષય ચોંટતા હોય અને એ વિષયોમાં સાથે જ્ઞાન પણ રહેતું હોય કે આનું પરિણામ આ આવશે, તો એને ના ચોંટે ને ?

દાદાશ્રી : 'પરિણામ આ આવશે' એ નહીં જોવાનું. એ તો બધું ચોંટે જ. વિષયનું આરાધન એટલે જ ચોંટ. અજ્ઞાનતાથી એ ચોંટી પડે. આ અમારું સાયન્સ નવી જ શોધખોળ છે, અજાયબ શોધખોળ છે ! ક્રમિક માર્ગમાં પાંચેય ઇન્દ્રિયોને દાટાં મારતાં મારતાં કરોડો અવતાર થાય. અરે, એક જ દાટો મારતાં કરોડો અવતાર થાય ને !

તમે જો સમકિતમાં રહો તો વિષય તમારો નડતો નથી. કારણ કે વિષય એ ગયા ભવનું પરિણામ છે, આ ભવનું નથી એ. સમકિતમાં રહો ને કષાય, એ બે સાથે ના બને. કષાય તો પરભવનું કારણ છે. આવું જો કષાય અને વિષયને જુદું પાડ્યું હોત તો લોકો વિષયથી આટલાં બધા ભડકત નહીં, પણ એ તો કહેશે કે આવું બને જ નહીં ને ! વિષય તો ના હોવો જોઈએ ને ?!

પ્રશ્શનકર્તા : વિષયની જે ચોંટ હોય છે, આકર્ષણની જે ચોંટ હોય છે, એ પકડે છે કે એ મિકેનિકલ ક્રિયા પકડે છે ?

દાદાશ્રી : એ ચોંટ પકડે છે, ક્રિયા પકડતી નથી. એટલે જ આપણે કહીએ છીએ ને પૈણેલી છે, ત્યાં નિકાલ કર. તેનો વાંધો નથી, પણ ચોંટ છે તો તે પકડે છે. હંમેશાં 'ખોટું થયું છે' એવું મનમાં તો રહેવું જ જોઈએ. બાકી નિકાલ કરોને ! નિકાલ કરવાનો વાંધો નથી પણ ચોંટ તો રહેવી જ ના જોઈએ. ચોંટના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરો.

સાયન્સ, સ્થૂળ કર્મ-સૂક્ષ્મ કર્મનંુ !

એ ગુસ્સો આવ્યો તે એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે, 'જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.' કોઇ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થૂળ કર્મ છે. અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે 'ગુસ્સો કરવો જ જોઇએ', તો તે આવતા ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે. તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઇએ, તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઇ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું. આ સ્થૂળ કર્મમાં તને ગુસ્સો થયો તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને આવતાં ભવનું બંધન નહીં થાય. કારણ કે સૂક્ષ્મ કર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઇએ. અને હવે કોઇ માણસ કોઇની ઉપર ગુસ્સે નથી થતો, છતાં મનમાં કહેશે કે, 'આ લોકોની ઉપર ગુસ્સો કરીએ તો જ એ સીધા થાય એવા છે.' તે આનાથી આવતા ભવે એ પાછો ગુસ્સાવાળો થઇ જાય ! એટલે બહાર જે ગુસ્સો થાય છે તે સ્થૂળ કર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે તે સૂક્ષ્મ કર્મ છે. સ્થૂળ કર્મનું બિલકુલ બંધન નથી, જો આ સમજો તો. તેથી આ 'સાયન્સ' મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળ કર્મથી બંધન છે એવું જ

ગતને ઠસાવી દીધું

છે અને તેથી લોકો ભડક ભડક થાય છે.

હવે ઘરમાં સ્ત્રી હોય, પૈણ્યા હોય અને મોક્ષે જવું છે, તે મનમાં થયા કરે કે, 'હું પૈણ્યો છું તે હવે શી રીતે મોક્ષે જવાય ?' અલ્યા, સ્ત્રી નથી નડતી, તારાં સૂક્ષ્મકર્મ નડે છે. તારા સ્થૂળકર્મ કોઇ નડતાં નથી. એ મેં 'ઓપન' કર્યું છે. આ સાયન્સ 'ઓપન' ના કરું તો મહીં ભડકાટ, ભડકાટ, ભડકાટ રહે; મહીં અજંપો, અજંપો, અજંપો રહે ! પેલા સાધુઓ કહે કે અમે મોક્ષે જઇશું. અલ્યા, તમે શી રીતે મોક્ષે જવાના છો તે ? શું છોડવાનું છે તે તો જાણતા નથી. તમે તો સ્થૂળને છોડ્યું. આંખે દેખાય, કાને સંભળાય, એ છોડયું. એનું ફળ તો આ ભવમાં જ મળી જશે. આ સાયન્સ નવી જ જાતનું છે ! આ તો અક્રમ વિજ્ઞાન છે, જેનાથી આ લોકોને બધી રીતે 'ફેસિલિટી' થઇ પડે. કંઇ બૈરી છોડીને નાસી જવાય ? અને બૈરી છોડીને નાસી જઇએ અને આપણો મોક્ષ થાય, એ બને ય ખરું ? કો'કને દુઃખ દઇને આપણો મોક્ષ થાય, એ બને ખરું ? એટલે બૈરી-છોકરાંની ફરજો બધી જ બજાવો. અને સ્ત્રી જે જમવાનું આપે તે નિરાંતે ખાવ, પણ એ બધું સ્થૂળ છે, એ સમજી જજો ! સ્થૂળની પાછળ તમારો અભિપ્રાય એવો ના રહેવો જોઇએ કે જેથી કરીને સૂક્ષ્મમાં ચાર્જ થાય. એટલા માટે મેં તમને 'પાંચ વાક્યો' આપ્યાં છે. મહીં અભિપ્રાય એવો ના રહેવો જોઇએ કે, 'આ 'કરેક્ટ' છ

ે, હું જે કરું છું, જે

ભોગવું છું, એ કરેક્ટ છે.' એવો અભિપ્રાય ના હોવો જોઇએ. બસ, આટલો તમારો અભિપ્રાય જ ફર્યો કે બધું થઇ ગયું.

નક્કી કર્યું ત્યાંથી જ ઉર્ધ્વકરણ !

શીલ ઉર્ધ્વકરણની શરૂઆત કરવી હોય તો થાય. બ્રહ્મચર્ય વ્રત લઈને નક્કી કર્યું ત્યાંથી જ ઉર્ધ્વકરણ. કેટલા આનંદમાં રહે છે ! આ તો આપણા આત્માનો આનંદ નથી રહેતો. બળ્યું, આમાં ને આમાં ખોવાઈ જઈએ. મોંઢા પણ પડી ગયેલા હોય બધું. આખો દહાડો લાલચમાં ને લાલચમાં ! હવે આટલાં વર્ષ થયા, માણસ ના સમજે ?! ચેતીને ચાલવું સારું હવે. અને કંટ્રોલ પેલો એ રાખવો જ પડે. કંટ્રોલ રાખે નહીં ને, તો માણસને એ કંટ્રોલના વિચારે ય છૂટા થઈ જાય પછી. બધું ખુલ્લું જ થઈ જાય એ બધું. એટલે ઘણાં માણસ તો કંટ્રોલ રાખીને, તે થાય દોષો પણ તે દોષોની ક્ષમા માંગી લે, બસ. પણ આ કંટ્રોલ ઊડી જાય ને, તો કશું રહે જ નહીં. એટલે હમણાં વર્ષ-બે વર્ષ તમે છૂટું રાખો. તમે અભ્યાસ કરી જુઓ એમાં કંઈ ફાયદો જો સારી રીતે થાય તો. નહીં તો પછી આ પ્રમાણે લેવું. દરેકની રીત જુદી હોય પાછી. એવું કે કાયદો અમુક જ ના હોય બધાંને. રસ્તો એ સારો છે આ કળિયુગમાં, આ દુષમકાળમાં. કારણ કે દાદા યાદ આવે અને દાદા ફરી યાદ રહ્યા છે ને ! તેથી કોઈને ભય જ નહીં ને ! જેમ ઘરમાં ય કોઈ કહેનાર હોય, તો છોકરાં સારા રહે કે ના રહે ?

ઋષિ-મુનિઓનો રિવાજ...

પહેલાના ઋષિ-મુનિઓ એક પુત્રદાન માટે જ વિષય કરતા, પછી આખી જિંદગીમાં નહીં.

પ્રશ્શનકર્તા : આખી જિંદગીમાં નહીં ?

દાદાશ્રી : નહીં, આ શાને માટે પૈણવાનું છે ?! પરસ્પર સામસામી સંસારકાળ પૂરો કરવા માટે, કે 'ભઈ, તારે આટલું કામ કરવાનું ને મારે આટલું કામ કરવાનું.' અને સ્ત્રીને ભો ના લાગે અને પુરુષને જરા હૂંફ રહે.

જેમ છે તેમ જાણો !

દેહાધ્યાસ છૂટે તો જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. દેહમાં આત્મબુદ્ધિ એ બધું દેહાધ્યાસ કહેવાય. કોઈ ગાળ ભાંડે, મારે, આપણી 'વાઇફ'ને આપણી રૂબરૂ ઉઠાવી જાય તો ય મહીં રાગ-દ્વેષ ના થાય તો જાણવું કે વીતરાગનો માર્ગ પકડ્યો છે ! લોક તો પછી પોતાની નબળાઈને લઈને ઉઠાવી જવા દે છે ને ! પોતે જબરો હોય તો 'વાઇફ'ને ઉઠાવી જવા દે કંઈ ?! ના.

એટલે આ કશું પોતાનું છે જ નહીં ! આ બધું જ પારકું છે. માટે વ્યવહારમાં રહેવું હોય તો વ્યવહારમાં મજબૂત થા ને મોક્ષે જવુંં હોય તો મોક્ષને લાયક થા ! જ્યાં આ દેહ પણ પોતાનો નથી ત્યાં સ્ત્રી પોતાની શી રીતે થાય ? છોડી પોતાની શી રીતે થાય ? એટલે તમારે તો બધી જાતનું વિચારી નાખવું જોઈએ કે સ્ત્રી ઉઠાવી જાય તો શું કરવું ?!

જે બનવાનું છે તેમાં ફેરફાર થાય એવું નથી, એવું 'વ્યવસ્થિત' છે. માટે ભડકશો નહીં. એટલે એમ કહ્યું છે કે 'વ્યવસ્થિત' છે ! ના જોવામાં આવે ત્યારે કહેશે, મારી વહુ અને જોયું એટલે ફફડાટ ! અલ્યા, પહેલેથી હતું જ આવું. આમાં નવું ખોળશો જ નહીં.

પ્રશ્શનકર્તા : પણ દાદા, એ બહુ ઢીલું મૂકી દીધું.

દાદાશ્રી : મારું કહેવાનું કે દુષમકાળમાં આપણે ખોટી આશા રાખીએ એનો અર્થ જ નથી ને ! અને આ સરકારે પણ 'ડાયવોર્સ'નો કાયદો કાઢી આપ્યો. સરકાર પહેલેથી જાણે કે આવું થવાનું છે. માટે કાયદો પહેલો નીકળે. એટલે હંમેશાં દવાનો છોડવો પહેલો પાકે. ત્યાર પછી રોગ ઉત્પન્ન થાય. એવી રીતે આ કાયદો પહેલો નીકળે, ત્યાર પછી અહીં લોકોના એવા બનાવ બને !

શંકાથી છૂટવા માટે !

પ્રશ્શનકર્તા : પણ શંકાથી જોવાની મનની ગ્રંથિ પડી ગઈ હોય તો ત્યાં કયું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આ તમને દેખાય છે કે આનું ચારિત્ર ખરાબ છે. તે શું તેવું પૂર્વે નહોતું ? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે ? એટલે સમજી લેવા જેવું છે આ જગત, કે આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર્ય સંબંધી કોઈનું જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય. ઉઘાડું ના હોય, પણ મન તો બગડે જ. એમાં સ્ત્રી ચારિત્ર્ય તો નર્યું કપટ અને મોહનું જ સંગ્રહસ્થાન, તેથી તો સ્ત્રીનો અવતાર આવે. આમાં સહુથી સારામાં સારું એ કે જે વિષયથી છૂટ્યા હોય.

પ્રશ્શનકર્તા : આ ચારિત્રમાં તો આમ જ હોય એ જાણીએ. છતાંય મન શંકા દેખાડે ત્યારે તન્મયાકાર થઈ જવાય. ત્યાં કયું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આત્મા થયા પછી બીજામાં પડવું જ નહીં. આ બધું 'ફોરેન ડીપાર્ટમેન્ટ'નું છે. આપણે 'હોમ'માં રહેવું. આત્મામાં રહો ને ! આવું 'જ્ઞાન' ફરી ફરી મળે એવું નથી, માટે કામ કાઢી લો. એક જણને એની 'વાઈફ' પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તેં જોયું તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણા લોક તો પકડાય, તેને ચોર કહે. પણ પકડાયો નથી, તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો, તેને ચોર કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનારાં પકડાતાં હશે?

પ્રશ્શનકર્તા : પણ પકડાય ત્યારે ચોર કહેવાય ને ?

દાદાશ્રી : ના, ઓછી ચોરીઓ કરે તે પકડાય. અને પકડાય એટલે લોક એને ચોર કહે. અલ્યા, ચોર તો આ નથી પકડાતા તે છે. પણ જગત તો આવું જ છે.

મોક્ષે જવંુ હોય તો...

જ્યાં સુધી 'સિન્સીયારિટી-મોરાલિટી' છે, ત્યાં સુધી સંસાર ભોગવવા જેવો હતો. અત્યારે તો ભયંકર દગાખોરી છે.

એટલે એ ભાઈ મારું વિજ્ઞાન આખું સમજી ગયો. મોક્ષે જવું હોય તો આમ છે. નહીં તો લઢવાડ કર્યા કરો તમારી મેળે. તમારી 'વાઈફ' કે તમારી સ્ત્રી, આ દુષમકાળમાં તમારી થાય નહીં અને એવી ખોટી આશા રાખવી ય ફોગટ છે. આ દુષમકાળ છે, એટલે આ દુષમકાળમાં તો જેટલાં દહાડા આપણને રોટલા ખવડાવે છે એટલા દહાડા આપણી અને નહીં તો બીજાને ખવડાવે તો એની.

એટલે બધા 'મહાત્માઓ'ને કહી દીધેલું કે શંકા ના રાખશો. નહીં તો ય મારું કહેવાનું કે જોયું ના હોય ત્યાં સુધી તેને સત્ય માનો છો જ શા માટે આ કળિયુગમાં ? આ છે જ પોલમ્પોલ ! એટલું બધું પોલમ્પોલ છે. જે મેં જોયું છે, તેનું તમને વર્ણન કરું તો બધા માણસ જીવતાં જ ના રહે, તો હવે એવા કાળમાં એકલા પડી રહેવું મસ્તીમાં અને આવું 'જ્ઞાન' જોડે હોય એના જેવું તો એકુંય નહીં.

આ બધું જગત અંધારામાં પોલ જ ચાલી રહ્યું છે. અમને આ બધું 'જ્ઞાન'માં દેખાયું. અને તમને જોવામાં ના આવ્યું એટલે તમે જુઓ અને ભડકો ! અલ્યા, ભડકો છો શું ? બધું આમાં, આ તો આમ જ ચાલી રહ્યું છે, પણ તમને દેખાતું નથી. આમાં ભડકવા જેવું છે જ શું ? તમે આત્મા છો, તો ભડકવા જેવું ક્યાં રહ્યું ? આ તો બધું જે 'ચાર્જ' થઈ ગયેલું, તેનું જ 'ડિસ્ચાર્જ' છે ! જગત ચોખ્ખું 'ડિસ્ચાર્જ'મય છે. 'ડિસ્ચાર્જ'ની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએને, 'ડિસ્ચાર્જ'મય છે એટલે કોઈ ગુનેગાર નથી.

પ્રશ્શનકર્તા : એટલે એમાં ય કર્મનો સિદ્ધાંત કામ કરે ને ?

દાદાશ્રી : હા. કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે, બીજું કશું નહીં. માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાંને. પણ એમાં શંકા રાખે ને, તો પેલો મરી જાય વગર કામનો.

ચારિત્ર્ય સંબંધી 'સેફસાઈડ' !

માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય, તો તેણે રંગે એકદમ કાળી છૂંદણાવાળી બૈરી લાવવી કે જેથી જેનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, 'મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.' એટલે એ તમને 'સિન્સીયર' રહે, બહુ 'સિન્સીયર' રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ 'સેફસાઈડ' રહે.

વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ?! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈ યે ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા ઘૈડિયા તો એવું કહેતા કે 'ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.' આવું શાના માટે કહેતાં કે જો વહુ બહુ રૂપાળી હશે તો કો'ક નજર બગાડશે. એનાં કરતાં આ વહુ જરા કદરૂપી સારી, જેથી કોઈ નજર બગાડે નહીં ને ! આ ઘૈડિયાઓ બીજી રીતે કહેતા હતા, એ ધર્મની રીતે નહોતા કહેતા. હું ધર્મની રીતે કહેવા માગું છું. વહુ કદરૂપી હોય તો આપણને કોઈ ભો જ નહીં ને ! ઘેરથી બહાર નીકળ્યા તો ય કોઈ નજર બગાડે જ નહીં ને ! આપણા ઘૈડિયાં તો બહુ પાકા હતાં. પણ હું જે કહેવા માગું છું, તે એવું નથી. એ જુદું છે. એ કદરૂપી હોય ને, તે આપણા મનને બહુ હેરાન ના કરે, ભૂત થઈને વળગે નહીં.

અને પેલા લોકો કેમ કહે છે કોબાડ ? ગમે ત્યાં મંદિરોમાં ફર ફર કરે તો ય એના સામે કોઈ દ્રષ્ટિ કરે નહીં. એટલે મારે ઘેર બેઠાં સેફસાઈડ. અક્કલવાળાએ લખેલું છે ને ?! કોઈએ આ જવાબે ય સારો આપ્યો છે ને ? પછી બધે ફરે તો ય આપણને એ તરફની ચિંતા નહીં ને ! હવે કોઈ ઉપાધિ જ નહીં ને !

હવે એને બુદ્ધિનો આશય બતાવે કે આવું લાવજે કે આપણને ભય નહીં પછી. પછી બીજાની જોઈને બૂમાબૂમ કરે કે મારે ત્યાં આવી ક્યાંથી આવી ? અલ્યા, એ તમારું જ પ્રદર્શન છે. તમારું જ આ બધું રિએક્શન છે. પ્રોજેક્શન જ આખું તમારું છે. એમાં ભગવાન બિચારા શું કરે ?

લક્કડ કા લાડુથી ફસામણ !

પ્રશ્શનકર્તા : મારા વિચારો બ્રહ્મચર્ય લેવાના છે ને એનો એવો વિચાર નથી, તેથી એ એવી બગડી છે ને !

દાદાશ્રી : એ જ પરવશતા ને ! કેટલી બધી પરવશતા !!

પ્રશ્શનકર્તા : અને એને તો ઊલટું આશ્ચર્ય લાગે છે કે તમને મારા પર આકર્ષણ કેમ થતું નથી ?

દાદાશ્રી : એને એમ કહેવું કે તું આમ સંડાસમાં અંદર જાય છે, તો ય મને બહાર રહીને દેખાય છે એટલે આકર્ષણ થતું નથી.

પ્રશ્શનકર્તા : તો તો એ ભડકી જાય.

દાદાશ્રી : નહીં, પણ એને સમજણ પડે કે સંડાસ જઉં એવું દેખાય તો તો આકર્ષણ જ કેમ થાય ? એ કેવું ખરાબ દેખાય ?! પણ આ ય બોમ્બ ફાટે એવું થઈ જાય ને ? તો આમે ય ફસામણ થઈ ગઈ ને ? લક્કડ કા લાડુ ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા.

તો સિંહ બની જાય ઉંદરડી !

આપણે આમ કહીએ ત્યારે એ વળી આમ કહે. વાદ ઉપર વિવાદ સર્જે ચીકણી ફાઈલ.

પ્રશ્શનકર્તા : એ ફાઈલ નંબર ટુ.

દાદાશ્રી : હા. ધણીનું માને નહીં. આમ ઉંદરડો રાત્રે પ્યાલો ખખડાવે તો ભડકે અને ધણીથી ના ભડકે, મોટો સિંહ જેવો હોય તો ય.

પ્રશ્શનકર્તા : એની પાછળ કારણ શું હોય છે ? વિષયની લાલચ ?

દાદાશ્રી : પી ગઈ હોય છે. એ મૂઓ પીવા દે છે ને. પેલો ય પી જવા દે છે ને ! એવી સ્ત્રીઓ હોય કે ના હોય ? પી જાય એવી ? શી રીતે પી જાય ? છત જોઈ લે પછી પી જાય. મહીં છત નથી ને વગર કામનો કૂદાકૂદ કરે. પછી પી જાય.

છ મહિના કરો અખતરો !

બહુ આડા સ્વભાવની બૈરી મળી હોય તો શું થાય ? અધોગતિએ લઈ જાય ! એટલે એમાંથી છૂટવા તો શું કરવું પડે ? એની જોડે વિષય બિલકુલ બંધ કરી દેવો પડે, નહીં તો એકદમ ઓછો કરી નાખવો પડે તો ગાડું પાંસરું થાય ને રાગે પડે ! આ દુનિયામાં ક્ષયનાં જંતુની દવા હોય છે, પણ મનુષ્યરૂપી જીવાતો એ તો ક્ષયનાં જંતુઓ કરતાં પણ ભયંકર છે. એની તો દવા જ ના મળેને !

પ્રશ્શનકર્તા : દાદા, મારી બ્રહ્મચર્ય પાળવાની ઘણી ઇચ્છા છે પણ મારી બૈરી ના પાડે છે. એના કારણે એ મને સત્સંગમાં ન આવવા માટે ખૂબ ધમપછાડા કરે છે. તો મારે ત્યાં શું કરવું ?

દાદાશ્રી : આ પુરુષો જરા ઢીલા હોય છે, તેથી તેનો લાભ સ્ત્રીઓ ઉઠાવે છે. જ્યાં સુધી પુરુષોને સ્ત્રી પાસેથી વિષયની યાચના હશે, ત્યાં સુધી સ્ત્રી ક્યારેય પણ કાબૂમાં નહીં આવે. ચાર-છ મહિના સુધી તું વિષય બંધ કરી જો. એ કાલાવાલા કરશે. પછી સ્ત્રી કાબૂમાં આવશે. આપણે તો એનું હઉ કલ્યાણ થાય એવું જોવું જોઈએ. એ બિચારીનું અવળું ચાલે તો તે ક્યાં જાય ?! એ આપણું ખરાબ કરવા માંગે તો ય આપણે એનું સારું કરવું જોઈએ. એની તો અણસમજણ છે, પણ આપણે તો સમજણવાળા ખરા કે નહીં ? છ મહિના તારાથી કંટ્રોલ રહેશે કે નહીં ? છ મહિનામાં તો એ નરમ ઘેંસ થઈ જશે. છ મહિનામાં તને ચમત્કાર લાગશે. એક જણને તો ત્રણ મહિનામાં જ વહુ નમતી આવી ગઈ અને ધણીને કહેવા લાગી કે તમે કહેશો તેમ કરીશ.

બ્રહ્મચર્યનું બળ નથી, તેથી માણસોને સ્ત્રીઓ જોડે ભાંજગડ પડે છે. બ્રહ્મચર્યનું બળ હોય તો સ્ત્રીઓ નામ ના દે ! બાર મહિના નહીં તો છ મહિના, પણ છ મહિના તારું સીધું ચાલશે ને ? પછી ફરી છ મહિના લઈ લેવાનું ને પછી તો એ પોતે ય કબૂલ કરશે કે ના, તમે એક-બે વર્ષ ખમી જાવ, બે વર્ષ પછી આપણે બેઉ સાથે બ્રહ્મચર્ય વ્રત લઈએ. ખરેખરું એવું થઈ જાય તો બહુ સારું પડે. બન્નેનું આમ રાગે પડે, પછી અમે વિધિ કરી આપીએ એ બહુ સારું કહેવાય. પુરુષ માયાવી ના કહેવાય, સ્ત્રી જાતિ માયાવી કહેવાય. જ્યારે પ્રતાપ નામનો ગુણ પ્રગટે છે, ત્યારે જ સ્ત્રી જાતિ તે ગુણ ઉપર આફરીન થાય છે અને ત્યારે જ સ્ત્રીની કપટની બારી બંધ થઈ જાય. એ સિવાય સ્ત્રીઓની કપટની બારી બંધ થવાનો, બીજો કોઈ આરો જ નથી.

આ તમારી જગત કલ્યાણની ભાવના છે, તે જ તમને વિષય જિતાડશે. સંયમ એવી ચીજ છે કે આખું જગત પગે લાગે, સાચો સંયમધારી હોય તો.

લાલચથી છૂટો !

પ્રશ્શનકર્તા : એને આ લાલચોમાંથી છૂટવું હોય, તો તે શી રીતે છૂટે ?

દાદાશ્રી : એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને ! પોતાનાં હિતને માટે છે ને ! નિશ્ચય કર્યા પછી, છૂટ્યા પછી પેલી બાજુ સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહેશે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે !

શીલવાન, ચારિત્રબળની કિંમત !

મનુષ્યનું ચારિત્રબળ એનાં જેવી કોઈ કીંમતી વસ્તુ જ નથી, પણ એની કીંંમત જ સમજતો નથી ને ! આ તો મનુષ્યનું ચારિત્રબળ ! જેનાથી વાઘ પણ ભડકે ! પણ સમજણ જ ના હોય તો શું થાય ?

''શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ,

શીલે, અરી, કરી, કેસરી, સબ જાવે ભાગ.''

શીલવાનને જોતાં હાથી, સિંહ બધા ભાગી જાય. આ જગતનો એક નિયમ એટલો બધો સુંદર છે કે આખાય રૂમમાં સાપ પાથરેલા હોય. એક ઇંચ જગ્યા કોરી ના હોય, છતાં તેની મહીં અંધારામાં શીલવાન પેસે તો શીલવાનને સાપ અડે નહીં. એટલું બધું ગોઠવણીવાળું આ જગત છે. કારણ કે સાપને શીલનો તાપ એટલો બધો લાગે કે દસ ફૂટ દૂરથી જ સાપ બધા આઘાપાછા થઈ જાય ને ઉપરાછાપરી ચઢી જાય !!! એટલે શીલવાનને સાપ પણ અડે નહીં. એની હાજરીથી વાતાવરણ જ એવું ઊભું થાય કે સાપ પણ ખસી જાય. સહેજ જો કદી સાપ અડી ગયો તો સાપને બળતરા થાય ને મરી જાય. એટલો બધો શીલવાનનો તાપ હોય. એટલે પોતાને બળતરા ના થાય, દુઃખ ના થાય, એટલા માટે ત્યાંથી ખસી જાય. એટલે શીલનો પ્રભાવ એવો છે કે કોઈ વસ્તુ એનું નામ ના દે.

શીલવાન એ તો મોટામાં મોટું રત્ન કહેવાય. એવો શીલવાન હું ય નહોતો અને અત્યારે ય નથી. શીલવાન તો વ્યવહાર ચારિત્રનું ઊંચામાં ઊંચું પદ છે.

આચાર્યો તો કેવા હોય ? એક આંખ કાઢે તો સો શિષ્યોને પરસેવો છૂટી જાય. તેમને વઢવું ના પડે, ખાલી આંખથી જ કામ થાય. શીલ જ કામ કરે, આચાર્ય તો શીલવાન હોય. આ શિષ્યોને માથે તો ભય જોઇએ. પોલીસવાળાનો ભય ના જોઇએ, પણ શીલનો ભય જોઇએ. ખાલી હવાથી જ ભય રહે. આ અમારી પાસે કોઇ કાયદો નથી, છતાં બધાં શેનાથી કાયદામાં રહે છે ? અમારા શીલથી. વીતરાગને ત્યાં કાયદો ના હોય, એ તો પક્ષાપક્ષીથી દૂર હોય. તમને બે ઉપવાસ કરવાની ઇચ્છા હોય તો મહારાજ આશીર્વાદ આપે કે 'બે ઉપવાસ કર.' તો પેલાને મહીં રહ્યા જ કરે અને ગપોલિયું ના મારે, તેને વચનબળ કહેવાય. આ તો શિષ્ય મહીં બબડતા મહારાજની આજ્ઞા પાળે. સાચા ગુરુ અને સાચા શિષ્ય વચ્ચે પ્રેમનો એવો આંકડો હોય કે ગુરુ ગમે તે બોલે પરંતુ શિષ્યને બહુ ગમે.

શીલવાન આ કાળમાં નથી. આ કાળમાં શીલવાન હોત ને, એક જ શીલવાન આ દુનિયામાં હોત તો આજે આખી દુનિયામાં બહુ જ સુખ હોત.

પ્રશ્શનકર્તા : પહેલાંના કાળમાં કોઈ શીલવાન પુરુષ હોય, તેનો દાખલો આપોને ?

દાદાશ્રી : શીલવાન એ ઐતિહાસિક વસ્તુ નથી. કો'ક ફેરો કો'ક એકાદ થતા હતા. કોઈ આઠ આની શીલવાન, કોઈ બાર આની શીલવાન હોય. બાકી, પૂરેપૂરો સોળ આની શીલવાન તો કો'ક જ હોય. સોળ આની શીલવાન તો, સર્પ જ્યારે આઘાંપાછાં ખસી જાય, તેને કહેવાય. વીતરાગો સંપૂર્ણ શીલવાન કહેવાય. ત્યારે એમને શીલવાન જેવું વિશેષણ હોય નહીં.

શીલવાન એટલે નિર્ભય. ભગવાન પણ પછી એને પૂછી શકે નહીં. બોલો, ભગવાન પણ પૂછે નહીં ત્યારે પછી કેવી સ્થિતિ ?

ડરો, દારૂ ને અબ્રહ્મચર્યથી !

અબ્રહ્મચર્ય અને દારૂ, એ તો જ્ઞાનને બહુ આવરણ લાવનારી વસ્તુ છે. માટે બહુ જ જાગૃત રહેવું. દારૂ તો એવું છે ને, 'હું ચંદુભાઈ છું' એ જ ભાન ભૂલી જાય છે ને ! તો પછી આત્મા તો ભૂલી જ જવાય ને ! આથી ભગવાને ડરવાનું કહ્યું છે. જેને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય, એને ના અડે, છતાં ભગવાનના જ્ઞાનને ય ઉખાડીને બહાર નાખી દે ! એટલું બધું એમાં જોખમ છે !

વ્રતધારી પરમાનંદી !

એક ભાઈ શું કહેવા માંડ્યા'તા ? મારા છોકરાને મેં આનંદમાં જ દીઠાં, તે મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. પણ લીધું પછી તો, જો આનંદ જામે. એટલે એક્સટેન્શન કરાવ્યા કરે છે પછી. જામે એટલે પછી ! પહેલી તો ભડક લાગે, શું થશે, શું થશે ? શું થવાનું છે પણ તે ? આ ગંદવાડાથી છેટા રહીને શુદ્ધાત્મા જોઈએ. એટલે બહુ નિરાંત થઈ ગઈ !

નથી લેવા-દેવા આત્માને એમાં !

પ્રશ્શનકર્તા : આત્માને સ્પર્શે નહીં એ ? પુદ્ગલ પૂરતું જ રહે, એ ?

દાદાશ્રી : આત્માને કશી લેવા દેવા જ નથી. જે આત્મા આપીએ છીએ તે નિર્લેપ ને અસંગ જ આપીએ છીએ. કોઈ કહે કે સ્ત્રીઓ સાથે શી રીતે આત્મા અસંગ રહી શકે ? ત્યારે અમે કહીએ છીએ કે આત્મા સૂક્ષ્મ છે બિલકુલ ! અને આ વિષયો જે છે તે સ્થૂળ સ્વભાવના છે ! બન્નેને કોઈ દહાડો ય મેળ પડ્યો જ નથી. આ વાત જ્ઞાની પુરુષ જાણે અને તીર્થંકરો પણ જાણે. પણ તીર્થંકરો એનો ફોડ પાડે નહીં. કારણ કે તીર્થંકરો જો ફોડ પાડે તો લોક એનો દુરુપયોગ કરે. તીર્થંકરો ફોડ ના પાડે. અમે ફોડ પાડીએ, એ પણ ગુપ્ત રીતે, આટલા અમુક જ માણસો માટે, નહીં તો પછી એનો દુરુપયોગ ચાલે કે આત્મા તો સૂક્ષ્મ સ્વભાવનો છે ને વિષયને અને આત્માને કશું લેવા-દેવા જ નથી, માટે હવે તો કશો વાંધો નથી. ને વાંધો નથી કહ્યું એટલે ભૂત પેઠું !

કર્મોના દબાણથી આ ક્રિયા થયા કરે છે. તેમાં આ સ્થૂળ ક્રિયા છે, તમે સૂક્ષ્મ છો. પણ આ જ્ઞાન તમારા મનમાં રહે કે આત્માને તો કશું અડતું જ નથી, માટે વાંધો નથી. તો એ ઊંધું કરી નાખે. એટલે અમે આવું બહાર જ ના પાડીએ કે આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે. અમે તો એમ કહીએ કે વિષયોથી ડરો. વિષયો એ વિષ નથી પણ વિષયમાં નીડરતા એ વિષ છે. નીડરતા એટલે શું કે મને કંઈ વાંધો નથી હવે. પણ સંપૂર્ણ જ્ઞાની થયા પછી અને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય ત્યાર પછી જ આત્માને કશું અડતું નથી, એવું કહી શકે. આ બીજું બધું તો અમે તમને ફોડ પાડવા સમજણ પાડીએ.

એ છે નો કષાય !

નો કષાય એટલે નહીં જેવા કષાય, નહીંવત્. કારણ કે એને એમાં પરાણે પડવું પડે છે. જેમ ગાડીમાંથી પડી જાય, એવી રીતે કરવું પડે છે. ગાડીમાંથી જાણી-જોઈને કોઈ પડતું હશે ? ભય છે ને એને, પણ નો કષાય કહ્યું. કારણ કે ભય લાગે ને શરીર ધ્રૂજી જાય. પણ એ સંગીચેતનાનો ભય છે, આત્માનો ભય નથી. એવું વિષય એ સંગીચેતનાનું છે. જ્ઞાનીઓને માટે એ બધું જુદી જાતનું છે, એ નિર્જરાનું કારણ છે. અજ્ઞાનીને વિષય બંધનું કારણ છે અને જ્ઞાનીને વિષય નિર્જરાનું કારણ થાય છે. માટે એને નો કષાયમાં ગણવું પડશે.

હજી પણ ચેતો ! ચેતો !! ચેતો !!!

પ્રશ્શનકર્તા : એક ડર લાગ્યો, હમણાં આપે કહ્યું કે સિત્તેર ટકા માણસોને પાછા ચાર પગમાં જવાનું છે તો હજી અમારી પાસે અવકાશ ખરો કે નહીં ?

દાદાશ્રી : ના, ના. અવકાશ રહ્યો નથી, માટે હજુ જો ચેતોને કંઈ....

પ્રશ્શનકર્તા : મહાત્માઓની વાત કરે છે.

દાદાશ્રી : મહાત્માને જો કદી મારી આજ્ઞામાં રહેને તો એનું કોઈ નામ દેનાર નથી આ દુનિયામાં.

પ્રશ્શનકર્તા : હવે ચુસ્ત રહીશું, પણ હવે ધ્યાન રાખજો અમારું.

દાદાશ્રી : હા, એ ચોક્કસ થઈ ગયું ને ! ધ્યાન અમે સારી રીતે રાખીશું. અત્યારે આ વિચિત્ર કાળમાં સિત્તેર ટકા તો હું બીતો બીતો કહું છું. લોકોને ખરાબ લાગે એટલા હારુ. લોકોના મનમાં ડર પેસી જાય બહુ, એ ખોટું દેખાય, એટલા માટે. પછી ટકા તો હજી બહુ વધારે છે. કારણ કે વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને માર માર્યો છે. એનું ફળ નર્કગતિ છે. જાનવર નહીં પણ નર્કગતિ. બોલો હવે અહીં શું કરવામાં બાકી રાખ્યું હશે ? કશું બાકી જ નથી રાખ્યું આ લોકોએ.

મન બગડે ત્યાં....

પ્રશ્શનકર્તા : આપનું 'જ્ઞાન' લીધા પછી બ્રહ્મચર્ય લે તો સારું ને ?

દાદાશ્રી : આ બધા છોકરાઓ અહીં બેસી રહે છે, તે 'સ્વરૂપ જ્ઞાન'માં ય ખરા ને બ્રહ્મચર્યમાં ય ખરા. બધી રીતે એમને સુખ રહે છે. 'જ્ઞાન' સાથે બ્રહ્મચર્ય હોય, એની તો વાત જ જુદી કહેવાય ને !!! એટલે બ્રહ્મચર્ય કેવું જોઈએ ? મન-વચન-કાયાનું હોવું જોઈએ. મનમાં વિષય સંબંધી વિચાર સરખો ય ના આવવો જોઈએ ને જરાક વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરી લે. આ છોકરાઓ બધા મન-વચન-કાયાનું સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. વિચાર તો આવે જ માણસને. વિચાર આવે છે એ 'ડિસ્ચાર્જ' થયા કરે છે. માટે પોતાની ઇચ્છા વિરુદ્ધ આવે છે, પણ વિચારથી ડાઘ પડ્યો, તે અમે સાબુ આપેલો હોય તેનાથી ધોઈ નાખે.

પ્રશ્શનકર્તા : વારંવાર ડાઘ ધૂએ તો કપડું ફાટી જાય ને ?

દાદાશ્રી : ના, એ અમારો સાબુ જ એવો હોય કે કપડું ફાટી ના જાય. દોષ થયો કે તેની સાથે 'શૂટ ઓન સાઈટ' હોય !!!

પ્રશ્શનકર્તા : ઘણાં લોકો બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લે છે, પણ મન બગડતું હોય તો એનો અર્થ જ નહીં ને ?

દાદાશ્રી : મન બગડે એટલે બધું બગડ્યું. છતાં આ બધા બહુ સરસ કરે છે. જેટલી આજ્ઞા પાળી એટલું તો મન બગડતું અટક્યું. આ જ્ઞાન એવું છે કે એનાથી કંઈક સૂક્ષ્મ બ્રહ્મચર્ય પાળી શકાય એવું છે. કારણ કે મન સુખ ખોળે છે ને ? આ જ્ઞાન સુખવાળું છે. એટલે આ છોકરાઓ મઝા કરે છે ને બધા ? આમને શું થાય કે જુવાની છે અને ખોરાક ખાય, તે ખોરાકની અસર થાય કે ના થાય ? લગ્ન કરેલાં હોય તો એને 'ઈફેક્ટ' થાય, એનો વાંધો નહીં. પણ લગ્ન કરેલું નહીં, તેને શું થાય ? એટલે આ લોકો ડરતાં ડરતાં બધું ખાય. શું કહે કે અમને 'ડિસ્ચાર્જ' થઈ જાય છે. અલ્યા, છોને 'ડિસ્ચાર્જ' થઈ જાય. આ તો પાછી મહીં અસર થઈ જાય કે ડિસ્ચાર્જ થઈ ગયું. પણ તે કર્યું નથી ને ? આપણે કરવું ના જોઈએ. એટલે મેં કહ્યું, એ બુદ્ધિપૂર્વકનું નથી એટલે વાંધો નથી. બુદ્ધિપૂર્વકનું હોય તો વાંધો છે.

મોટંુ ભય સિગ્નલ !

આ છોકરાઓ અમારી વાતનો દુરુપયોગ કરે, માટે અમે જ્ઞાનની એક્ઝેક્ટ વસ્તુ કહેતા નથી. અમે તો જ્ઞાનમાં બધું જોયેલું હોય, પણ એક્ઝેક્ટ કહેવાય નહીં. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે અને કર્મો ખપાવ્યાં સિવાયનું છે. કર્મો ખપાવ્યાં નથી એટલે એક બાજુ જબરજસ્ત જોર છે. તેથી પછી મન વળાંક લઈ લે. આ વાતનો દુરુપયોગ કરવા જાય તો માર્યો જાય. આ તો બધી એટલા માટે છૂટ આપી કે તમે ભડકશો નહીં. ખાજો નિરાંતે. આવું આવું પણ બ્રહ્મચર્ય પાળે તો બહુ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : આનાથી તો બહુ મોટી 'બ્રેક' આવી જાય ને ?

દાદાશ્રી : હા, મોટી 'બ્રેક' આવી જાય. અમે આ ચારિત્ર સંબંધમાં બહુ કડકાઈ રાખીએ. પછી 'વ્યવસ્થિત'માં પૈણવાનું હશે, તો એને કોઈ બાપોય છોડવાનો નથી. એ હું સમજું છું ને ?! પણ અત્યારે ચારિત્રમાં હોય તો એમની લાઈફ સુધરી જાય અને વખતે પૈણ્યો તો ય પછી બીજાની જોડે આંખ નહીં માંડે ને ?!

મોક્ષે જતાં નડતું હોય તો સ્ત્રી વિષય એકલો જ નડે છે અને તે જોવા માત્રથી જ બહુ નડે છે. વ્યવહારમાં આટલો જ ભય છે, આટલું જ ભય સિગ્નલ છે. બીજે બધે ભય સિગ્નલ નથી. એટલે છોકરાઓને કહેલું ને, કે સ્ત્રી તરફ દ્રષ્ટિ સરખી માંડશો નહીં અને દ્રષ્ટિ મંડાઈ જાય તો એનો ઉપાય આપેલો છે. સાબુ ઘાલીને ધોઈ નાખવાનું. આ કાળમાં મોટામાં મોટું પોઈઝન હોય તો વિષય જ છે. આ કાળના મનુષ્યો એવા નથી કે જેને ઝેર ના ચઢે. આ તો પોમલા બિચારા. ધાર્યા પ્રમાણે ગમે તેમ ફરે તો ઝેર ચઢી જાય કે નહીં ?! આ તો આજ્ઞામાં રહે છે એટલે ઝેર નથી ચઢતું, પણ આજ્ઞામાં ના રહે તો ? એક જ ફેરો આજ્ઞા તૂટી કે પોઈઝન ફરી વળે, હડહડાટ ! આમનું ગજું જ નહીં ને !!

તાવી જોવંુ બ્રહ્મચર્ય માટે !

હું આ બધા છોકરાઓને સમજણ પાડું છું કે પૈણ્યા પછી ફસામણ થાય. પાછાં અત્યારના છોકરાઓ એવાં છે કે વહુ આગળ એમનો જરા ય 'ઑ' નથી પડતો. 'ઑ' પડે, તેને તો પોતે કશું ના બોલે તો ય વહુને ગભરામણ થઈ જાય. આ તો એને બદલે વહુનો 'ઑ' પડે છે. પણ જેના મનમાં એવા ભાવ હોય કે મારે લગ્ન સિવાય ચાલે એવું જ છે, એવું જેનું સ્ટ્રોંગ માઈન્ડ હોય ત્યારે એનાથી બ્રહ્મચર્ય પાળી શકાય. આમાં ઉપરછલ્લું ના ચાલે. 'આ સંસારમાં તો દુઃખ છે, તેથી મારે નથી પૈણવું.' એવું ભયના માર્યા બોલે તો, એવું ના ચાલે.

બ્રહ્મચર્ય અરધી જિંદગી પાળીશ કે પછી પૈણીશ ?! પછી તો પૈણાય જ નહીં અને પછી તો પૈણવાનો વિચાર સરખો ય ના આવવો જોઈએ. એ વિચાર એ ય ગુનો છે. હું કહું છું કે કોઈ કોઈની નકલ કરશો નહીં. અલ્યા, જરા વિચાર તો કરો. આ કંઈ નકલ કરવા જેવી ચીજ ન હોય. એના કરતાં પૈણને ! પૈણવાથી કંઈ મોક્ષ જતો રહેવાનો નથી. બીજા ધર્મમાં તો પૈણવાથી મોક્ષ જતો રહે. ના પૈણવાથી ય કંઈ મોક્ષ મળતો નથી અને પૈણવાથી ય મોક્ષ મળતો નથી. તે અનંત અવતારથી આ બાવા થયેલા છે, તો ય મોક્ષ થયેલો નહીં. પેલો બ્રહ્મચર્ય પાળે છે, માટે મારે પણ તેવું કરવું જ જોઈએ. એવું બધા કરશો નહીં. એવું આમાં ના ચાલે. પોતાની જાતને ખૂબ તાવી જોવી જોઈએ. અમે આ અમુક અમુક છોકરાને તાવી જોયેલા, એમને તો સ્ત્રીની વાત કહેતાં જ એ ડરે છે. પૈણાવાની વાત સંભારીએ તે પહેલાં જ એને ભડકાટ ભડકાટ થઈ જાય છે. એટલે પછી અમે જાણ્યું કે એનાં ઉદયમાં સ્ત્રી છે જ નહીં.

દ્રઢ નિશ્ચય પાર પહોંચાડે !

જેટલાં નિશ્ચય કર્યા છે, એટલાં ફળ મળશે. જુઓને, નોકરીના નિશ્ચય કર્યા, વેપારના નિશ્ચય કર્યા, આમ રહેવું છે તેવાં નિશ્ચય કર્યા, ઘરમાં નથી રહેવું તેનાં નિશ્ચય કર્યા, ઘરમાં પાછું રહેવું છે એવાં નિશ્ચય કર્યા ને તે પ્રમાણે ફળ મળ્યાં. આ જ જોવાનું છે, કે આ ફિલ્મ કેવી ચાલે છે ! 'સત્સંગ કરવો છે, જગત કલ્યાણને માટે પ્રયત્ન કરવો છે.' એવો નિશ્ચય કરેલો, તે અમારે આજે બાવીસ વર્ષથી ચાલ્યો અને આ તો હજુ રહેવાનો છે ! આજે આપણે જે નક્કી કર્યું એ ઠેઠ સુધી રહે, એનું નામ નિશ્ચય કહેવાય !! તો પછી એનો સાંધો આગળ મળી જાય પાછો. અહીંથી નનામી કાઢતાં પહેલાં નિશ્ચય ફેરવી નાખ્યો તો પછી આગળ નિશ્ચય કયાંથી મળે ? આગળ એને ટાઈમે નિશ્ચય મળે ખરો, પણ તે એકધારો નહીં, પિસીસવાળો મળે.

ઠેઠ સુધી ચેતો !

પ્રશ્શનકર્તા : મનોબળ એટલે શું ? બ્રહ્મચર્ય માટે આમ પાકું થઈ જાય, ડગે નહીં, એને મનોબળ કહેવાય કે ?

દાદાશ્રી : એ તો એક વાંદરો કૂદે, એટલે બીજો ય પાછો કૂદે. એમ એક ફેરો જુએ પછી એ કૂદવાની હિંમત ધરાવે, એમ કરતું કરતું મનોબળ વધતું જાય; પણ જેણે જોયું જ ના હોય, તે શી રીતે કૂદે ?

પ્રશ્શનકર્તા : એટલે આ વાતો સાંભળીએ એટલે કૂદે ?

દાદાશ્રી : પણ એ તો જોડે જોડે પોતાની મહીં ઇચ્છા હોય, પોતાની ભાવના એવી હોય ત્યારે એવી મજબૂતી થાય.

પ્રશ્શનકર્તા : ભાવના તો મારે એવી જ છે.

દાદાશ્રી : તે એની મેળે જ મજબૂત થશે. એક બાજુ વાડ કરીએ ને પેલી બાજુની વાડમાં શિયાળવા કાણાં પાડે, તેને આપણે પૂરીએ નહીં ત્યારે શું થાય ? એ તો પાછળ બધાં 'હોલ' પૂરતા જવું જોઈએ ને ? અને નવી વાડ કરતા જવું પડે. ભાવના એવી મજબૂત હોય તો બધું ય થાય.

પ્રશ્શનકર્તા : પાછલાં હોલ પૂરવાનાં એટલે પ્રતિક્રમણ કરીને જ ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાનાં જ, પણ હજુ નબળાઈઓ જવી જોઈએ ને ? મન મજબૂત હોવું જોઈએ ને ? એ બાજુ દ્રષ્ટિ પણ ના જાય એવું હોવું જોઈએ. મનમાં નક્કી કર્યું હોય કે આ બાજુ નથી જ જોવું એટલે ના જ જુએ એ ! પછી પાછળ ભૂતાંની પેઠ ગમે એટલી બૂમો પાડે તો ય પણ એ બાજુ ના જ જુએ, એ ભડકે જ નહીં ને ! એવું મનોબળ દિવસે દિવસે કેળવાય ત્યારે ખરું !

પ્રશ્શનકર્તા : અત્યારે અમારો દ્રઢ નિશ્ચય થઈ ગયો કહેવાય ?

દાદાશ્રી : હજુ ના ગણાય. હજુ તો બહુ વાર લાગશે. એટલે હમણાં તો તમારે બ્રહ્મચારીઓના સંગમાં જ રહેવું. બાકી નિર્ભયપદ માની લેવા જેવું નહીં.

ચારિત્રબળથી ફફડે સ્ત્રીઓ !

અત્યારે તો આ શાથી પૈણવાનું ના કહે છે ? ભાગેડું વૃત્તિ, ભાગી છૂટો, નહીં તો ફસાયા !

પ્રશ્શનકર્તા : એવું જ હોવું જોઈએ ને ! આ વિષયસંબંધી અને આ સંસારસંબંધથી, સ્ત્રીસંબંધથી તો ભાગેડું વૃત્તિ જ હોવી જરૂરી છે ને ?

દાદાશ્રી : એટલે કાલે સ્ત્રી હાથમાં હાથ ઝાલે તો કંઈ રડી પડવાનું ?

પ્રશ્શનકર્તા : પણ ગમે તેમ છટકબારી શોધીને જતું રહેવાનું, છટકબારી શોધીને નાસી તો જવાનું ને?

દાદાશ્રી : ના, પણ હાથ ઝાલે તો શું થઈ ગયું ? ઊલટી એ ગભરાય આપણાથી. એટલે હાથ ઝાલતાં એને ગભરામણ થાય, એને ફટાકા મારે. આ તો આને ફટાકા મારે. 'હવે શું થશે, હવે શું થશે ?' અલ્યા, શું થવાનું ?

પ્રશ્શનકર્તા : 'મને કશું નહીં થાય.' એવું નીડર તો ના થઈ જવાય ને, સ્ત્રી હાથ પકડે તો ?

દાદાશ્રી : એ તો ચારિત્રબળ જોઈએ. આમ આવું ના ચાલે. કોઈ હાથ ઝાલે તો આમ ફટાકા મારે ! એ તો ચારિત્રબળ જોઈએ. જોતાં જ બિચારીને ગભરામણ થઈ જાય. બેન જાણે કે માથાનો કો'ક મળ્યો.

પ્રશ્શનકર્તા : એટલે એમને ચારિત્રબળ નહીં હોય ? આ ભાગેડું વૃત્તિવાળાને.

દાદાશ્રી : શાનું ચારિત્રબળ હોય ? ચારિત્રબળવાળાં હોતા હશે ? આવાં હોય આ તો ?

પ્રશ્શનકર્તા : તો આપ એક બાજુ કહો છો કે હાથ પકડે, ત્યાં રડવાનું નહીં ને !

દાદાશ્રી : શી રીતે રહે તે ? આમને તો મહીં ફટાકા મારે, આમ ગભરામણ થઈ જાય.

પ્રશ્શનકર્તા : એક બાજુ ચારિત્રબળ નથી આવ્યું અને બીજી બાજુ એમની આ ભાગેડું વૃત્તિ છે તો બરાબર છે ?

દાદાશ્રી : કોણ ના પાડે છે ? પણ જો ભાગેડું વૃત્તિ વગર હોય ને, ત્યારે ખરું કહેવાય.

પ્રશ્શનકર્તા : તો આ ભાગેડું વૃત્તિવાળાને પોતાને ખબર કેમની પડે કે આ ચારિત્રબળ આવ્યું ?

દાદાશ્રી : હાથ ઝાલે એટલે ! આપણે એકલાં હોઈએ ને હાથ ઝાલે ત્યારે ફટાકા ના મારે તો જાણવું કે ચારિત્રબળ આવ્યું. આ તો ફટાક, ફટાક, ફટાક...

કેળવાય મનોબળ, તિતિક્ષાથી !

પ્રશ્શનકર્તા : આ તિતિક્ષાને અમારે કેળવવી પડશે ને ?

દાદાશ્રી : હવે એ ગુણ ડેવલપ કરવા જાય ત્યારે આત્મા ખોઈ નાખે. માટે તમારે જવાનો વખત આવે તો ય આત્માને ના છોડશો, એટલું એક મહીં રાખજો. દેહ છૂટી જશે, તો દેહ તો ફરી મળશે, પણ આત્મા ફરી મળવાનો નથી.

પ્રશ્શનકર્તા : જેમ જેમ કાળ બદલાતો જાય તેમ તેમ દુઃખ સહન કરવાની શક્તિ પણ ઘટતી જાય ને ?

દાદાશ્રી : એવું નથી. દુઃખ તો કાળને અડે નહીં. એ તો મનોબળ જોઈએ. અમને જોવાથી બહુ મનોબળ ઉત્પન્ન થાય ને મનોબળ હોય તો જ કામ ચાલે. ગમે તેવાં દુઃખ હોય તો ય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. 'હવે, મારું શું થશે?' એવું એ ના બોલે.

સ્મશાનમાં જાય ને ત્યાં ભડકો દેખે તો આ લોક ફફડી જાય. તેમાં ત્યાં કંઈ ખઈ જવાનો છે કોઈ ? અલ્યા, કંઈ આત્માને ખઈ જવાનો છે ? ખઈ જશે તો દેહને ખઈ જશે. ત્યાં સ્મશાનમાં કશું નથી. ખાલી આપણી મનની નબળાઈઓ છે. હા, બે દહાડા પ્રેક્ટિસ લેવી પડે. બાકી આમની આવી તેવી પરીક્ષા ના કરાય. તે પછી તાવ ઊતરે જ નહીં. ડૉક્ટરોથી ય ના ઊતરે. આને ભડકનો તાવ કહેવાય. ભડકનો તાવ તો અમે બહુ વિધિઓ કરીએ ત્યારે ઊતરે. એના કરતાં સૂઈ રહેજોને ઘેર છાનામાના, દેખ લેંગે આગળ.

સાચવો ખોરાકનું પ્રમાણ !

ખોરાકેય બહુ ઓછો ના કરી નાખવો. કારણ કે ખોરાક ઓછો ખાવ એટલે જ્ઞાનરસ આંખને લાઈટ આપે છે, એ જ્ઞાનરસ આ તંતુઓમાંથી જતો હોય, તે રસ પછી મહીં ના જાય ને નસો બધું સૂકાઈ જાય. જુવાની છે એટલે આમ ભડકના માર્યા ખોરાક એકદમ બંધ નહીં કરી દેવાનો. દાળ-ભાત એ બધું ખાવ, એ તો જલ્દી પચી જાય એવો ખોરાક ! અને પચીને પછી જે લોહી થાય ને એ લોહી જ વપરાશમાં આવે, રોજ કામમાં આવી જાય એટલું જ લોહી થયા કરે. એટલે આગળનું પ્રોડક્શન બધું હતું ને, તે જૂજ થયા કરે !

મન પ્રમાણે ચલાય નહીં !

પ્રશ્શનકર્તા : પોતે અહીંયા દાદા પાસે આવીને જે નિશ્ચય કર્યો છે, એ બાબતમાં મનનંુ કોઈ દિવસ સાંભળ્યંુ નથી.

દાદાશ્રી : એમ ? સવળંુ મન બોલે ખરંુ ?

પ્રશ્શનકર્તા : હા, સવળંુ બોલે છે.

દાદાશ્રી : અવળંુ બોલ્યંુ નથી એટલે થોડંુઘણંુ અવળંુ બોલે, તેને તમે ગાંઠો નહીં. પણ સાત દહાડા સુધી તમને છોડે નહીં અને એ પાછું મહીં કહેશે, 'આ જ્ઞાન બધંુ મળી ગયંુ છે, હવે વાંધો નથી, લોકોમાં આપણી વેલ્યૂ બહુ ખૂબ છે. આમ છે, તેમ છે.' બધંુ સમજાવી કરી ચલાવે આપણને !

પ્રશ્શનકર્તા : એવંુ ના થાય હવે.

દાદાશ્રી : તેથી અમે આ તમને પાછળ બહુ નુકસાન ના થાય એટલા સારુ ચેતવીને કહીએ કે આમાં 'મન કા ચલતા' છોડી દો છાનામાનાં, તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવંુ અને જરૂર ના હોય તો થયંુ, બાજુએ રાખો એને. પણ આ મન તો પંદર-પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. મોટા મોટા સંતો ય મનથી ભડકી ગયેલા, તો તમારંુ તો શંુ ગજું ?

વિષયોની લીંકોને વિખેરવી આમ !

ગમે ત્યાં આગળ બેઠા હોય ને, અગર તો નોકરી કરતાં નવરા પડ્યા તો ય આ કર્યા કરવું. ઓફિસમાં બેઠા હોય ને નવરા પડ્યા તો ય નિશ્ચય મજબૂત કરીએ થોડીવાર, બે શબ્દ વાંચી લઈએ તો ય શું વાર આમાં ? એટલે લીંક તૂટી જાય બધી. જે અંદર લીંકો ચાલે છે ને એ તૂટી જાય બધી. વેર-વિખેર થઈ જાય, લીંકો વેર-વિખેર કરવાની છે. લીંકોથી વિષય વધે છે.

મહીં આનંદ થાય છેને, એ સામાયિક-પ્રતિક્રમણ કરો છો તે ઘડીએ ? જાણે મુક્ત હોય એવું લાગ્યા કરે ને ?

પ્રશ્શનકર્તા : આ જે બધું ચિત્ત ભટકતું હતું, મન જે વિચાર કરતું હતું એ બધું બંધ થઈ જાય, ત્યાં થંભી જાય છે બધી વસ્તુઓ.

દાદાશ્રી : બધું થંભી જાય. એવું છે ને, તમે બીજી ગોઠવણી કરો તો વિષય તો છેટો ઊભો રહે એવો છે બિચારો. એ તો ભડકે બિચારો. જેમ સારાં માણસો અહીં ઊભા હોય, તે ઘડીએ હલકી નાતના લોક ના ઊભા રહે, એવી રીતે.

દોષ ત્યાં પ્રતિક્રમણ કરવંુ !

આપણે આકર્ષણ ના કરવું હોય તો ય આંખ ખેંચાઈ જાય. આપણે આમ આંખ દબાવ દબાવ કરીએ તો ય પેલી બાજુ જતી રહે !

પ્રશ્શનકર્તા : એવું શા માટે થાય ? એ જૂના પરમાણુ છે એટલે ?

દાદાશ્રી : ના, પૂર્વે આપણે ચૂક ખાધી છે, પૂર્વે તન્મયાકાર થવા દીધું છે, તેનું આ ફળ આવ્યું છે. તો હવે એ આકર્ષણમાં ફરી તન્મયાકાર ના થાય ને એનું પ્રતિક્રમણ કરી પેલી ચૂક કાઢી નાખવાની. અને ફરી તન્મયાકાર થાય એટલે નવી ચૂક ખાધી, તો એનું ફળ આવતે ભવ આવશે. એટલે તન્મયાકાર ના થાય એવું આ વિજ્ઞાન છે આપણું !! સામામાં શુદ્ધાત્મા જ જો જો કર્યા કરવા અને બીજું દેખાય ને ખેંચાણ થાય તો પ્રતિક્રમણ કરવું, તે સિવાય ભય સિગ્નલ જ છે. બીજું બધું તમારે સમભાવે નિકાલ કરવો. આમાં તો સામો જબરજસ્ત મોટી ફરિયાદ કરનારો છે, માટે ચેતજો. અમે એ ચેતવણી આપીએ.

હિસાબ ત્યાં આકર્ષણ !

પ્રશ્શનકર્તા : કોઈ સ્ત્રી બાજુમાં બેઠી હોય અને આમ વધારે પડતું કંઈ થાય તો ડર લાગે, તમે કંઈ ખોટું કરો છો, એવું રીતસરનું અંદરથી લાગે પણ તે છતાં હજુ ખેંચાઈ જાય છે.

દાદાશ્રી : એ તો કર્મના ઉદય તમને ખેંચે છે ને ! તે તમારે હજુ જોવું પડે કે કર્મના ઉદય અહીં ખેંચે છે. બધા ઉપર ના ખેંચે. ચાર બેઠેલી હોય, એકની ઉપર ખેંચાય ને બીજી બધી પર ના ખેંચાય. એટલે હિસાબ છે પહેલાંનો, પાછલો.

'રીજ પોઈન્ટ' સુધી જોખમો જ !

પ્રશ્શનકર્તા : તે દિવસે આપ કંઈ કહેતા હતા કે જવાનીમાં ય 'રીજ પોઈન્ટ' હોય છે, તો એ 'રીજ પોઈન્ટ' શું છે ?

દાદાશ્રી : 'રીજ પોઈન્ટ' એટલે આ છાપરું હોય છે, તે એમાં 'રીજ પોઈન્ટ' ક્યાં આગળ આવ્યું ? ટોચ ઉપર.

દરેક વસ્તુનું ઉદયાસ્ત હોય છે, ઉદય ને અસ્ત. કર્મોનો ય ને બધાનો ય, ઉદય ને અસ્ત હોય છે. સૂર્યનારાયણને પણ ઉદય-અસ્ત હોય છે કે નથી હોતો ? એ જ્યારે સેન્ટરમાં હોય છે, તેના કરતાં ઉદય થાય ત્યારે નીચે હોય અને અસ્ત થાય ત્યારે પણ નીચે હોય અને વચ્ચે જ્યારે બહુ ટોપ ઉપર જાય ત્યારે એ 'રીજ પોઈન્ટ' કહેવાય. એવી રીતે દરેક કર્મ 'રીજ પોઈન્ટ' ઉપર પહોંચે ને પછી ઊતરી જાય. તેમ યુવાનીનો ઉદય અને યુવાનીનો અસ્ત હોય છે. યુવાની જ્યારે 'રીજ પોઈન્ટ' ઉપર જાય એ વખતે જ બધું પાડી નાખે. એમાંથી એ 'પાસ' થઈ ગયો, પસાર થઈ ગયો તો જીત્યો. અમે તો બધુંય સાચવી લઈએ, પણ એનું જો પોતાનું મન ફેરફાર થાય તો પછી ઉપાય નથી. એટલા માટે અમે એને અત્યારે ઉદય થતાં પહેલાં શીખવાડીએ કે ભઈ, નીચું જોઈને ચાલજો. સ્ત્રીને જોશો નહીં, બીજું બધું ભજિયાં-જલેબી જો જો. આ તમારે માટે ગેરેન્ટી ના અપાય. કારણ કે યુવાની છે. યુવાની 'રીજ પોઈન્ટ' પર ચઢે ત્યારે પછી શાં પરિણામ આવે, એ શું કહેવાય ? જો કે અમારા પ્રોટેકશનમાં કશું બગડે નહીં, પણ સેકડે પાંચ ટકા બગડી ય જાય. એવા નીકળે કે ના નીકળે ?

પ્રશ્શનકર્તા : એટલે અમે અમારું 'રીજ પોઈન્ટ' ક્રોસ કરી જઈએ, ત્યાં સુધી એકદમ જાગૃતિ રાખવાની ?

દાદાશ્રી : 'રીજ પોઈન્ટ' થતાં થતાં તો બહુ ટાઈમ લાગે. 'રીજ પોઈન્ટ' આવે તો તો બહુ થઈ ગયું ! તો ય પણ આનો ભય તો ઠેઠ સુધી રાખવા જેવો છે. પછી એની મેળે સેફસાઈડ થયેલી આપણને માલમ પડશે.

કાપો કડકાઈથી 'એને' !

જેને ફાઈલ થયેલી જ હોય, એને માટે બહુ જોખમ રહ્યું. એના માટે કડક રહેવું. સામે આવે તો આંખ કાઢવી જોઈએ. તો એ ફાઈલ ડરતી રહે. ઉલટું ફાઈલ થયા પછી તો લોક ચંપલ મારે, તો ફરી એ મોઢું દેખાડતો જ ભૂલી જાય. કેટલાંક લોકો બહુ ચોક્કસ રહેવાના. જેને ચોક્કસ થવું હોય તેને. નહીં તો મોળું પડી જાય.

પ્રશ્શનકર્તા : જ્યાં દાનત ચોર છે, તો એને સુધારવા માટે શું ? એનો ઉપાય શું ? નિશ્ચય સ્ટ્રોંગ કરવો એ જ ને ?

દાદાશ્રી : આપણું નુકસાન કરે તો એની ઉપર દ્વેષ જ રહે, ખરાબ દ્રષ્ટિ જ રહે. આપણને ભેગું થતાં જ એે ભડકે. કડક થઈ ગયો છે. ખબર પડી જાય. એવું કડક થયું કે પછી અડે નહીં. પછી બીજું ખોળે એ.

પાડે કપટવાળી ગાંઠો !

પ્રશ્શનકર્તા : એટલે એ ગાંઠ ઓગળી જાય તો પછી પેલો આકર્ષણનો વ્યવહાર જ નથી રહેતો ને ?

દાદાશ્રી : એ વ્યવહાર જ બંધ થઈ જાય. ટાંકણી અને લોહચુંબકનો સંબંધ જ બંધ થઈ જાય. એ સંબંધ જ ના રહે. એ ગાંઠને લીધે આ વ્યવહાર ચાલુ છે ને ! હવે વિષય સ્થૂળ સ્વભાવી છે અને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવું ભાન રહેવું બહુ મુશ્કેલ છે, એટલે એકાગ્રતા થયા વગર રહે જ નહીં ને ! એ તો જ્ઞાની પુરુષનું કામ છે, બીજા કોઈનું કામ જ નથી ! બાકી આમાં હાથ ઘાલવો જ નહીં, નહીં તો એ ઊલટું દઝાશે. જ્ઞાની પુરુષ તો તમને ભય ટાળવા બોલે. આખું જગત જે સમજે છે, તેવો આત્મા નથી. આત્મા તો મહાવીર ભગવાને જાણ્યો છે તેવો છે, આ દાદા કહે છે તેવો આત્મા છે.

આ ગાંઠો એ તો આવરણ છે ! એ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ના આવવા દે. આ જ્ઞાન પછી હવે ગાંઠો ધીમે ધીમે ઓગળતી જવાની, કંઈ વધવાની નથી હવે. છતાં કઈ ગાંઠો હેરાન કરે છે, કઈ પજવે છે એટલી જ જોવાની હોય, બધી ગાંઠો જોવાની ના હોય. એ તો જેમ આ માર્કેટમાં શાકભાજી બધી પડી હોય, પણ એમાં કયા શાક ઉપર આપણી દ્રષ્ટિ જા જા કરે છે તેની જ ભાંજગડ, એ ગાંઠ મહીં મોટી છે ! તારે કઈ કઈ ગાંઠ મોટી છે ?

પ્રશ્શનકર્તા : વિષયની એક મોટી છે, પછી લોભની આવે, પછી માન-અપમાનની આવે છે. પછી કપટમાં તો, પોતાનો બચાવ-સ્વરક્ષણ કરવા માટે કપટ ઊભું થાય.

દાદાશ્રી : બીજા કશા માટે કપટ નહીં ને ?

પ્રશ્શનકર્તા : અપમાનનો ભય હોય કે પોતાની ભૂલ હોય તો.

દાદાશ્રી : હા, પણ એ સિવાય બીજી કોઈ વસ્તુ માટે કપટ નહીં ને ? આ બધી ગાંઠો કપટવાળી જ હોય, તે કપટ કરે તો જ એનું ફળ મળે ! બધી ગાંઠો કપટવાળી હોય.

દેખાદેખીથી પળાય નહીં !

આ બેનને ય મનમાં ભાવના થાય કે આ બધાંય વ્રત લે છે ને હું ય લઉં, તો હું ના પાડું એને. છ મહિને-બાર મહિને જ્યારે સંજોગ બેસે ત્યારે પૈણી જા. અમે આશીર્વાદ આપીશું અને પછી તારો લાભ થાય એવો રસ્તો કરી આપીશ. અને સારો લાભ થશે. આ મૂંઝવણ થઈ, તે મૂંઝવણ કોઈ છોડી આપશે નહીં. હું તો છોકરીઓને ના પાડું. જ્ઞાનમાં રહેતી હોય તો ય ના પાડું.

પ્રશ્શનકર્તા : હા, એમાં દેખાદેખી કરવા જેવું નથી.

દાદાશ્રી : પુરુષને તો નભાવી લેવાય. કારણ કે પુરુષને તો બીજો ભય નહીં ને ! આને તો બીજા ભય ના હોય તો કો'ક સળી કરે.

શક્તિશાળી સંયમ પાળી શકે !

પૈણ્યા એટલે જાણવું કે એક જાજરું આવી ગયું આપણી પાસે ! આ લગ્ન એ તો બધું સંડાસ છે. સ્ત્રીએ એક જ વખત પરપુરુષ જોડે દોષ કર્યો હોય તો તેણે પાંચસો-હજાર અવતાર સ્ત્રી થવું પડે. વિષયમાં લપસ્યા એટલે નર્કની વેદના ભોગવવી પડે. માટે દ્રષ્ટિ માંડવી જ નહીં. બીજા દોષ ચલાવી લેવાય, પણ આ અત્યંત દુઃખદાયી છે. નર્કમાં પડ્યા જેવું દુઃખ લાગે. અરે, આનાં કરતાં નર્કમાં પડવું સારું. એની મેળે લગ્ન સામું આવે તો તે ઘડીએ પૈણવું. જગતનાં લોકો નિંદ્ય ગણે એનાં તો ભયંકર દુઃખો પડે, એ હોવું ના જોઈએ. માટે પ્રતિક્રમણ તરત કરી લેવું જોઈએ. પણ જો શક્તિ હોય તો સંયમ લો ને શક્તિ ના હોય તો પૈણજો. પૈણ્યાનો કંઈ દોષ નથી. બાકી વિષયના જેવો માર જ જગતમાં બીજો કોઈ નથી. વિષયનો વિચાર આવ્યો કે ત્યાંથી વેદના ઉત્પન્ન થઈ, બળતરા ઊભી થયા કરે. વિષય જીત્યો એટલે બધું જીત્યું.

જ્યાં સુધી માણસ નિર્ભય ના થાય ત્યાં સુધી તે હૂંફ ખોળે. હૂંફ એ જ સંગ છે !

- જય સચ્ચિદાનંદ.