લક્ષ્મી જાય ત્યારે...

સંપાદકીય

આ કળિયુગમાં કોને ત્યાં પૈસાની ખોટ નહીં ગઈ હોય ? ધંધામાં પૈસા ખોયા, નહીં તો કહેશે કે ઉઘરાણીવાળા પૈસા આપતા નથી, છોકરાએ ખૂબ દેવું કરી નાખ્યું છે તે મારે ચૂકવવું પડે છે. અરે, કેટલાંકને તો બિચારાને બેન્કમાં પૈસા ભર્યા હોય, વ્યાજથી જીવન જીવતો હોય ત્યાં ખબર પડે કે બેન્ક જ ઊઠી ગઈ, શું દશા થાય ત્યાં ? લક્ષ્મી આવે છે ત્યારે કે હોય છે ત્યારે મજા પડી જાય છે પણ લક્ષ્મી જાય ત્યારે એટલી જ ઉપાધિ થઈને જાય છે. ત્યાં પરમ પૂજ્ય દાદા ભગવાન એવી સમજ આપવા માગે છે કે હંમેશાં ભેગંુ થયા કરે, પછી વિખરાયા કરે. વિખરાતી વખતે શાંતિ રાખવી એ મોટામાં મોટા પુરુષાર્થ ! સગા ભાઈએ પચાસ હજાર ડોલર ના આપ્યા ને ઉપરથી ગાળો દે ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે ! લક્ષ્મી એ તો બાય પ્રોડક્ટ છે ને આત્મા એ મેઈન પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટની કમાણી ખોતી વખતે મેઈન પ્રોડક્ટની મૂડી કેમ ખોઈ નખાય ?

પુણ્યના ઉદયે લક્ષ્મીજી આવે છે અને પુણ્યોદય પૂરો થાય કે લક્ષ્મીજી ચાલવા માંડે છે. પણ જેમ દહાડા પછી રાત આવી તો રાત આવી તો રાત પછી દહાડો નહીં આવે ? એટલે જ. પણ આખી રાત ખૂબ રાહ જોઈએ તો રાત લાંબી લખો. ત્યાં ધંધામાં મંદી તો સત્સંગ-ભક્તિમાં તેજી કરી દેવી જોઈએ. ખરાબ કાળ સારા સત્સંગમાં ખેંચી કાઢવો જોઈએ ત્યાં સુધી સહજ પ્રયત્ન કર્યા કરતાં કાળ પૂરો થશે કે પાપનો ઉદય પૂરો થતાંની સાથે જે પુણ્ય ઉદય ધંધો-રોજગાર નોર્માલીટીમાં આવી જ જાય નહીં તો ખરાબ કામ વખતે કકળાટ કરે, ઘરમાં કલેશ કરે તો આવતે ભવ અધોગતિમાં જવાનાં કર્મ બાંધી દે. ફરી મનુષ્યપણું દેખવું મુશ્કેલ પડી જાય. આવો ધંધો કોણ મૂરખ કરે ? ત્યાં તો ખરાબ કાળમાં ચેતીને ચાલવું જોઈએ. અને ભાવ બગાડ્યા વગર સારા સત્સંગમાં ભાવો પ્રભાવ પામ્યા કરે ત્યાં સમય કાઢી નાખવો જોઈએ. અને ખરેખર તો ધંધા-નોકરી માટે જીવન નથી. જીવન પોતાના આત્મસાક્ષાત્કાર પામી મોક્ષને માટે છે, એ ધ્યેય લક્ષમાં રહે તો તે માર્ગની પ્રાપ્તિ પણ થાય ને બાય પ્રોડકટ એની મેળે ઊંચું હોય જ !

લક્ષ્મી આવી હોય ત્યારે સ્ટોરોમાં દોડધામ કરીને વેડફી નાખે ત્યાં દાદાશ્રી કહે છે કે, અમને સ્ટોરમાં લઈ જાય, તે સ્ટોર અમને પગે લાગે કે 'ધન્ય છે, સહેજ પણ દ્રષ્ટિ બગાડી નથી. આ કાળમાં આવાં અજોડ વીતરાગનેય નમસ્કાર!'

હંમેશાંય એન્ડ રિઝલ્ટ જ્ઞાનીને નિરંતર લક્ષમાં જ રહે. આટલી બધી લક્ષ્મી આવે પણ અંતે ? લક્ષ્મીજી રહેશે ને ગણનારો જતો રહેશે. માટે લક્ષ્મી તો એટલી સારી કે ભીડ નહીં ને ભરાવો નહીં. ખૂટી પડે નહીં ને એક્સેસ વધી પડે નહીં તો બહુ થઈ ગયું, વ્યવહાર ચાલ્યા કરે તો મોક્ષનું કામ પણ થાય!

પ્રસ્તુત સંકલનમાં લક્ષ્મી જાય ત્યારે એ સ્થિતિમાં કયો પુરુષાર્થ કરવો, કેવી રીતે કરવો, કેવી રીતે સમાધાન લેવું તેની ચાવીઓ પરમ પૂજ્ય દાદા ભગવાનની વાણીમાં સંકલિત થઈ છે તે મુશ્કેલીવાળાને અવશ્ય ઉપયોગી નિવડશે.

દીપકના જય સચ્ચિદાનંદ

લક્ષ્મી જાય, ત્યારે...

લક્ષ્મી જાય ત્યારે, શું પુરુષાર્થ ?

આખી જિંદગી આખા જગતના લોકો આમ નાણાં પાછળ પડ્યા છે એ કોઈ નાણાંથી ધરાયેલો દેખાયો એવો મેં જોયો નથી. તો ગયું ક્યાં આ બધું ? એટલે આપણું બધું ઠોકાઠોક ચાલે છે. ધર્મનો તો અક્ષરે ય સમજતા નથી અને બધું ચાલ્યા કરે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે કેમ કરવું તે એમને ના આવડે. ડૉલર આવવા માંડે તે વખતે કૂદાકૂદ કર્યા કરે. પણ પાછી મુશ્કેલી આવે ત્યારે કેમ એનો નિકાલ કરવો તે આવડે નહીં એટલે નર્યાં પાપો જ બાંધી દે. તે ઘડીએ પાપ ના બંધાય ને ટાઈમ કાઢી નાખવો એમ જાણવું એનું નામ ધર્મ.

એટલે જ્યારે હંમેશાં સન રાઈઝ થવાનો, સન સેટ થવાનો, એવાં દુનિયાના નિયમો. તે આ કર્મના ઉદય તે પૈસા વધ્યા જ કરે એની મેળે. બધી બાજુનું, ગાડીઓ-બાડીઓ, મકાનો વધ્યા કરે. બધું વધ્યા કરે. પણ જ્યારે ચેન્જ થયા કરે પછી વિખરાયા કરે. પહેલું ભેગું થયા કરે પછી વિખરાયા કરે. વિખરાતી વખતે શાંતિ રાખવી એ મોટામાં મોટો પુરુષાર્થ ! સગો ભાઈ પચાસ હજાર ડૉલર પાછાં ના આપ્યા ને ગાળો દે ઉપરથી. ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે. અને કોઈ નોકર ઑફિસમાંથી દસ હજારનો માલ ચોરી ગયો, ત્યાં કેમ વર્તવું તે પુરુષાર્થ છે. એટલે આ બધું તે ઘડીએ ધૂળધાણી કરી નાખો ને અવતાર બધો બગાડી નાખે !

ઘણાં ખરાં વકીલો મને ભેગા થાય ને, તે જ્યારે કોર્ટના માટે કામમાં લાયક ના રહે ને, પછી એમની સ્થિતિનું શું થાય છે, તે વર્ણન કરે તો આપણને અજાયબી લાગે !

હવે પોતે કેમ જીવન જીવવું, એટલું તો આપણી પાસે હોવું જોઈએ ને ? આ ધંધો એ તો બાય પ્રોડક્ટ છે. ધંધો એ કંઈ મુખ્ય વસ્તુ નથી. આ તો જાત ઉપરની શ્રદ્ધા ખોઈ નાખી છે. જાતજાતની શ્રદ્ધા સમજ્યા તમે ? તમને તમારી જાત ઉપર શ્રદ્ધા છે ને ! આ તો જાત ઉપરની શ્રદ્ધા લોકોને ઊડી જાય છે.

પરભવની જાળવણી !

આપણે પૂછીએ કે કેમ સાહેબ ઉપાધિમાં ? ત્યારે કહે, 'શું કરે ? આ ત્રણ દુકાનો, આ સાચવવાનું, ત્યાં સાચવવાનું.' ને નનામી નીકળે ત્યારે નારિયેળ તો ચાર જ લઈ જવાનાં. દુકાન ત્રણ હોય કે બે હોય કે એક હોય તો ય ચાર જ નારિયેળ અને તે ય પાણી વગરનાં પાછાં. 'ત્રણ દુકાનો સાચવવાની મારે', કહેશે. 'એક ફોર્ટમાં રહી, એક કાપડની દુકાન અહીં રહી, એક ભૂલેશ્વરમાં છે. પણ તો ય શેઠના મોઢા ઉપર દીવેલ ચોપડેલું હોય છે. જમતી વખતે દુકાન, દુકાન, દુકાન ! રાતે સ્વપ્નમાં બધા તાકા માપે ! એટલે મરતી વખતે સરવૈયું આવશે. માટે સાચવીને હેંડો. કેવી રીતે સાચવીને ? ત્યારે કહે, અહીંથી કાઠિયાવાડ સુધીના દરિયા ઉપર બે ફૂટનો પૂલ બાંધેલો હોય, એની ઉપર રહીને જવું છે અને બીજું ગાડીઓ-બાડીઓ બંધ થઈ ગઈ છે. બે ફૂટના પુલને ઓઠિંગણ નથી. એમ ને એમ જ છે, પ્લેટો મારેલી. ઠેઠ સુધી ઠોકર ના વાગે એવું સરસ, સુંવાળું લપસી ના પડે એવી ચેકર્ડ પ્લેટ પાછી. ત્યાં જતાં જતાં શું શું યાદ કરો ? કઈ કઈ દુકાન યાદ આવે ?

પ્રશ્શનકર્તા : બીજું કંઈ યાદ ના આવે.

દાદાશ્રી : કેમ ? છોડીઓ તો યાદ આવે ને ? નાખો દરિયામાં, છિટ છિટ કહેશે. એની સેફ સાઈડ સાચવે મૂઓ ! ત્યારે અહીં પાંસરો મરને ! એક અવતાર પાંસરો મરે, તેના અનંત અવતાર સુધરી જાય. પાંસરો મર્યો એટલે. આ આવી રીતે આની પર જાય છે, તે પાંસરો ના જાય ? કંઈ પોલીસવાળો રાખવો પડે પાછળ ? પોલીસવાળો ના રાખવો પડે ? ત્યારે એવી આ કેડી છે, પણ એને ભાન નથી બિચારાને ! એને ભાન નથી એટલે બિચારો આવું કરે છે. કૂતરાના અવતારમાં ય દુઃખી થયોને, અહીં પણ દુઃખી થયો ! આ અવતાર નિરાંતે શાકભાજી ખાવાની, મસાલેદાર ભાત બધું ખાવાનું છે. વેઢમી, જલેબીઓ ખાવાની તો ય કૂતરાની પેઠ હાયવોય કર્યા કરો છો ! અહીં તો નિરાંતે આવો પણ !! અને ભગવાન કા નામ લો !

પછી કબીર સાહેબ કહે છે, 'અલ્યા, શું કરવાનું ?' ઔર જ્યાદા હો તો,

'ખા-પી, ખીલાઈ દે, કર લે અપના કામ;

ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.'

અહીંથી બે ફૂટના બ્રીજ ઉપર જવાનું હોય, તો પોલીસવાળો રાખવો પડે ? તમે તો કહોને ? અરે ! ઊભો ય ના થાય. બેઠો બેઠો આમ ઝાલીને, આગળ ખસે ! અલ્યા, ક્યારે પહોંચીશ ? ત્યારે કહે હઉ થઈ રહેશે ! મારી પાસે તો હં, ઢેબરાં ય છે, ચણા ય છે, એક હાથે ઝાલી રાખીને ખાતો જાય. છતાંય પહોંચી જાય એ. જેણે નિશ્ચય કર્યો છે એ પહોંચી જાય. તે ઘડીએ કશું સાંભરે નહીં ને ? એ ભાન નથી તને આ. આવી રીતે, એવા રસ્તે, એની ઉપર, પુલ ઉપર જ છે. પણ ભાન નથી કે હું શું કરી રહ્યો છું તે ! એ તો હું જ્યારે ભાનમાં લાવું છું ત્યારે ખબર પડે છે કે ઓહોહો ! આ તો મારે બહુ મોડું થઈ ગયું !! એવો ભાનમાં આવે ત્યારે ખબર પડે છે. નહીં તો બેભાન ! તે ઘડીએ વાઈફ દવાખાનામાં છે તે યાદ ના કરેને ? યાદ આવી હોય તો ય ફેંકી દે. બધું આવડે છે જીવને ! ક્યાં ક્યાં નહીં વિચાર કરવાના ત્યાં નથી જ કરતો.

જ્યાં વિચાર કરવાના ત્યાં વિચાર કરે છે. નથી કરવાના ત્યાં નથી કરતો. એવું હું જાણું છું કહેશે. પણ છતાંય ધંધાની બાબતમાં ચિંતા થાય ત્યાં સુધી વિચાર કરવાનો, મીઠો લાગે એટલે ! અમુક જગ્યાએ બંધ કરી દે, એ કડવો લાગે એટલે બંધ કરી દે અને આ સ્વભાવથી મીઠો લાગે. ધંધાના વિચાર ક્યાં સુધી કરવાના કે જ્યાં સુધી વળ ના ચઢે, આમળે ના ચઢે ત્યાં સુધી કરવાના. આમળે ચઢવા માંડ્યું એટલે બંધ કરી દેવું. નહીં તો માર્યા ગયા જાણજો. ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે. પછી ભાંભરે ! ચાર પગ ને પૂંછડું સમજ્યા તમે ? માણસમાંથી ક્યાં જાય પછી ? જાનવરમાં. પૂંછડું આમ ઊંચું રાખીને, આમ કૂદકા મારતો મારતો દોડે, ભાંભરડે ત્યાં જઈને ! બોલવા કરવાનું નહીં શીખેલાં. કેટલાંક લોકો ભાંભરડે, કેટલાંક ભસે, એનું જુદું પાછું અને કેટલાંક લોકો ભૂંકે. ભસે એટલે ટુ સ્પીક. બોંગડે !

ચેતવ્યા કે 'શિર પે આઈ મોત' !

કબીર સાહેબ કહે છે તે ત્યાં દીલ્હીમાં એક ટેકરા જેવું હશેને, પચ્ચીસ-ત્રીસ ફૂટ ઊંચો ટેકરો હતો. તેની ઉપર ચઢી ગયા. ટેકરા ઉપર. લૂંગી એકલી પહેરેલી. બીજું કશું નહીં અને પછી ત્યાંથી બૂમો પાડવા માંડી.

'ઊંચા ચઢ પુકારીયા, બુમ્મત મારી બહોત,

ચેતન હારા ચેતજો, શિર પે આયી મોત.'

લોક જતાં-આવતાં'તા તેને શું કહે છે કે ચેતો, ચેતો. તમારા માથા ઉપર મોત ભમતું મેં જોયું. ચેતો, ચેતો. ચેતનહારા એટલે ચેતનવાળા, ચેતન જેનામાં છે એ ચેતજો. આ બગીચાના થાંભલાને નથી કહેતો, થાંભલામાં ચેતન નથી ને !! તે લોક જતા'તા તે ઊભા રહ્યા. બે-ચાર જણ ફાળિયાવાળા ઊભા રહી ગયા. એક જોડું છે તે સિનેમા જોવા જતું'તું. તે ભઈએ લચકો અહીં નાખેલો. એના બાબાનો લચકો. તે બે જણ આમ પાછાં ફરીને જોવા લાગ્યા કે ગાંડો મૂઓ છે ! એ શું બોલે છે, કશી સમજણ જ નથી પડતી ! લે, હવે એક બાજુ આ ચેતવે છે ત્યારે એ કહે છે, ગાંડો છે ! ઐસી યે દુનિયા ! પેલાને લાગણી થાય બિચારાને, ત્યારે આ કહે, ગાંડો છે ! તારે કઈ દુનિયામાં રહેવું છે ? લાગણીવાળાની દુનિયામાં કે ગાંડાની દુનિયામાં !

પ્રશ્શનકર્તા : લાગણીવાળાની.

દાદાશ્રી : એમ ? ગાંડાની દુનિયામાં નહીં ? બાકી આ તો પ્રવાહ બધો એવો જ, હં.

જતી વખતે જોડે શંુ આવે ?

આ અક્રમ જ્ઞાન હિન્દુસ્તાનમાં આટલા બધા બુદ્ધિશાળીઓને ગાંઠતું નથી. ના ગાંઠે, કારણ કે બુદ્ધિ લિમિટેડ વસ્તુ છે અને જ્ઞાન તો અનલિમિટેડ વસ્તુ છે. જ્ઞાન વાસ્તવિકતા હોય, બુદ્ધિ ભ્રાંતિ હોય. બુદ્ધિ બે જ જુએ, નફો અને ખોટ ! નફો અને ખોટ ! નફો અને ખોટ ! ત્યારે નફો-ખોટ તે કંઈ જોડે આવવાનાં છે અહીંથી ? છેલ્લે સ્ટેશને અહીં સૂતાં સૂતાં લઈ જાય તે જોડે આવતું હશે ? ના આવે ? પેલાં ચાર નારિયેળ પાણી વગરનાં બાંધે બળ્યાં ?! તે ય છોકરાં કહે, અલ્યા, એય પાણીવાળાં નારિયેળ ના આપીશ મને સસ્તામાં સસ્તાં આપ.

ઈટ હેપન્સ, બધું થઈ રહ્યું છે. એની મેળે જ થઈ રહ્યું છે એવું તમને નથી લાગતું ?

પ્રશ્શનકર્તા : હા, હા.

દાદાશ્રી : પોતે કર્તા હોયને, પોતે આ જો કમાતો હોય તો કોઈ માણસ મરવાની કમાણી ના કરે. પણ મરવાની કમાણી કરે છે ને લોકો ? જો પોતે કમાતા હોય તો મરવાની કમાણી ના કરે. કોઈ કરે ? પણ જો જવું પડે છે ને ! સૂતાં સૂતાં ચાર નારિયેળ સાથે, રોફથી જાય છે ને ! અને આપણા લોકો નીચેથી ચાર ખભે મૂકીને જાયને ! રોફભેર ! પહેલાં બાળવાની વ્યવસ્થા કરવી પડતી હવે તો હડહડાટ ઈલેક્ટ્રિસિટીમાં, તે હાડકાં-બાડકાં બધું બાળી નાખે.

પુણ્ય શું કરે ?

જોડે લઈ જવાનું છે ? તમારા ગામમાં મોટેલવાળા તો લઈ જાય જોડે ? ના લઈ જાય ? એમને કંઈ કળા આવડતી હશે, આ લઈ જવાની ? આપણે દેરાસરમાં આપોને એટલા એ આગળથી જમે થઈ ગયા અને આ આપણા મોક્ષને માટે ભક્તિ કરીએ છીએ. પેલું આગળ જમે થઈ ગયું અને પુણ્ય તો બહુ બહુ બાંધ્યું છે. ધર્મધ્યાન એ બધું નર્યું પુણ્ય જ છે. એ પુણ્ય શું કરે ? સારી જગ્યા આપે. ઘર બાંધવું ના પડે પછી. ઝૂંપડામાં જન્મ્યા હોય તો પછી ઘર બાંધવું પડે ને ? મહેનત બધી એમાં જતી રહે. આ તો તૈયાર બંગલો, ગાડી ! એવું જોવામાં નથી આવતું ? લોકો તૈયારને ત્યાં જન્મે છે. પણ એ ડેવલપ ના થાય. મનુષ્યભવનું ડેવલપ થવું હોય તે અહીં આગળ જરાક કાચું હોય ત્યાં જ જન્મ થાય, તો જ થાય.

કોણ સાચવે ? કોણ વાપરે ?

આ છોડીઓ-છોકરાં શી રીતે પૈણતાં હોય ? એવું છે ને, છોડીઓ પાછળ નાણાનો ખર્ચો વધારે થાય છે. છોડીઓ એમનું લઈને આવી છે. તે બેન્કમાં જમા કરાવે. છોડીઓના પૈસા બેન્કમાં જમા થાય એ બાપા ખુશ થાય કે જો મેં સિત્તેર હજાર રૂપિયા ખર્ચીને પૈણાવી એ જમાનામાં ! એ જમાનાની વાત કરું છું. અલ્યા, તેં શું કર્યું ? એના પૈસા બેન્કમાં હતા. તું તો એનો એ છું, 'પાવર ઑફ એટર્ની' છે. તારે એમાં શું ? પણ રોફ એ મારી ખાય છે અને કો'ક છોડી ત્રણ હજાર લઈને આવી હોય તે વખત ટાઢું પડી ગયું હોય, એના ધંધા-બંધા બધું. તે ત્રણ હજારમાં પૈણે. કારણ કે એ જેટલા લાવી એટલા વાપરે. આ છોકરાં-છોડીઓ બધાનાં પોતાનાં નાણાં. આપણે બધા ભેગા કરીને મૂકીએ છીએ ને તે વહીવટ આપણા હાથમાં હોય છે એટલું જ છે.

ભાવમાં તો નિરંતર...

જેને નિકાલ કરવો છે, એને આવી જશે. નિકાલ ના કરવો હોય તેને આવે નહીં. નિકાલ તો કરનારો અને જેને નિકાલ થતો હોય તે બધાય જાણી જાય કે નિકાલ કરે છે. નિકાલ એટલે બધાના મનના સમાધાનનો કાયદો. પચાસ માંગતો હોય તેને પચાસ જ આપે એવો કંઈ કાયદો નહીં. થઈ ગયો નિકાલ. તું કેટલા રૂપિયે નિકાલ કરું તે દહાડે ?

પ્રશ્શનકર્તા : પચાસ રૂપિયે.

દાદાશ્રી : પૂરેપૂરો ? ના હોય ત્યારે શું કરે ? હોય તો પૂરા આપી દેવા. ના હોય તો દસ વધતા- ઓછા કરીને કેસ ઊંચો મૂકવો. સામો માણસ એમ નથી કહેતો કે, મારા પૂરા પૈસા આપ. સામો માણસ એટલું કહે કે ભાઈ, આ ફેર નથી. એટલે તમે નભાવી લેશો. ત્યારે કહે, હા, હા, નભાવી લઈશું. એટલે થઈ ગયું ! આ દુનિયા એવી જ રીતે ચાલે છે ને, અહંકાર પોષવો જોઈએ. એના અહંકારને કંઈ ઠોકરો ન વાગવી જોઈએ. તે આપણા લોક કહે છે. મારે દૂધે ધોઈને આપવાના છે. અલ્યા, અહંકાર છે ખોટો. દૂધે ધોઈને આપવાવાળા ! મારે પૈસા આપી દેવા છે ભાવ કરવાના, આપી દેવાય. લેતી વખતે પાછાં આપી દેવાના છે, એવું નક્કી કરીને જે લે છે, એના વ્યવહાર બહુ સુંદર મેં જોયા ! કંઈ પણ નક્કી તો હોવું જોઈએ ને પહેલેથી ડિસીઝન ! પછી એક્સિડન્ટ થાય એ જુદી વસ્તુ છે, પણ ડિસીઝન તો હોવું જોઈએને ! આ તો પઝલ છે ને બધું !

પ્રશ્શનકર્તા : પણ એ પઝલનો અંત જ નથી આવતો.

દાદાશ્રી : અંત જ ના આવે.

પ્રશ્શનકર્તા : આત્માની અનંત શક્તિ ને આ પઝલે ય અનંત હોય એવું લાગે છે.

દાદાશ્રી : એનું નામ જ પઝલ. હું મારું પઝલ તમને કહું ને, મારું પઝલ સાંભળે ને આ લોકો, તો... ! આખી જિંદગી પઝલ જ, બહુ મોટાં મોટાં !

પ્રશ્શનકર્તા : પણ દાદા, એ આપણું સુખ આવરી લે ને ?

દાદાશ્રી : ના.

પ્રશ્શનકર્તા : એવું દાદા, ઘણી વખત બને છે. એનો અંત જ ના આવે.

દાદાશ્રી : તમારે ખરુંને, તમારે અમુક જ વર્ષથી પ્રેક્ટિસમાં આવેલું અને મારે તો કેટલાંય કાળથી આની આ પ્રેક્ટિસ. કેટલાંય અવતારથી પ્રેક્ટિસ થતી થતી આવેલી.

અમે સમજીએ આમ જ હોય, એ હું કહું યે ખરો કે આનું નામ જ કાયદો. પેલો ઉલટો કહે કે હું તો હવે તમને તો આપવાનો જ નથી. એટલે હું એને કશું એવું ના બોલું કે ના આપીશ. હું સમજી જાઉં કે આ જ કાયદો.

પ્રશ્શનકર્તા : દાદા, આ તો ઘંટીના પડની માફક ચોંટતા પ્રશ્શનો આવ્યા જ કરે. એ નિકાલ જ ના થતા હોય.

દાદાશ્રી : હા, શું થાય. ગૂંચવાડો ઊભો થાય ! ચૂંથારો કરી નાખે. એવું જ બને. સંસાર છે ને !!

પ્રશ્શનકર્તા : એનો માર્ગનો અંત ના આવે ?

દાદાશ્રી : અંત આવી જવાનો ને ! અમુક કાળ સુધી જ આવું હોય પછી અંત આવી જવાનો.

સાચી ભક્તિ ત્યાં ન દુઃખ !

પ્રશ્શનકર્તા : ભગવાનની ભક્તિ કરવાવાળા ગરીબ કેમ હોય છે અને દુઃખી કેમ હોય છે ?

દાદાશ્રી : ભક્તિ કરવાવાળા ? એવું છે ને, ભક્તિ કરવાવાળા કંઈ દુઃખી હોય છે એવું કશું નહિ, પણ દુઃખી તમને દેખાય છે, મહીં અમુક અમુક માણસો. બાકી ભક્તિ કરવાને લીધે તો આ લોકોને બંગલા છે. એટલે ભગવાનની ભક્તિ કરતાં કરતાં દુઃખી હોય એવું બને નહીંને, પણ આ દુઃખ તો એમનો પાછલો હિસાબ છે. અને અત્યારે ભક્તિ કરી રહ્યો છે તે નવો હિસાબ જ્યારે આવે ત્યારે. તે આજે પાછલું જમે થયેલું છે એ પાછળ કરેલું તેનું ફળ આવેલું છે. આ હવે અત્યારે કરે છે. જે સારું કરે છે તેનું ફળ હજુ હવે આવશે. તમને સમજાય એવી છે વાત ? ના સમજાય તો કાઢી નાખીએ વાત.

પ્રશ્શનકર્તા : સમજાય છે.

દાદાશ્રી : તો આજે સારું કરવું, એડજસ્ટ કરવું. અત્યારે જે ફળ આવ્યું છે, તે પોતાની જ બ્લંડર્સ અને પોતાની જ ભૂલોનું પરિણામ છે. બાકી ભક્તિથી દુઃખ આવે નહિ ને ? ભક્તિથી દુઃખ હોતું હશે ? હા, લક્ષ્મીજીની ભક્તિ કરો તો દુઃખ આવે ય ખરું પણ ભગવાનની ભક્તિ કરતાં દુઃખ કેમ આવે ?

પ્રશ્શનકર્તા : ભગવાન હોય, તો સાથે લક્ષ્મીજી આવે.

દાદાશ્રી : લક્ષ્મીજી વધુ હાજર હોય એમની જોડે તો !

એમાં જાતનું કેટલું નુકસાન ?

તારે જાણવું છે આ બધું. અને અંદર શાંતિ કાયમની રહે એવું કરવું છે ? મહીં શાંતિ થઈ ગયા પછી આ તારો ખર્ચો બંધ થઈ જશે, ઓછો થઈ જશે. તો શું કરીશ ? આ સ્ટોરવાળાને ત્યાં ઘરાકી ઓછી થશે. આ સ્ટોરવાળાને શેની ઘરાકી છે ? અશાંતિને લીધે આ લઉં, આ લઉં તો સુખ આવે, આ લઉં તો સુખ આવે, તેને લઈને સ્ટોરવાળાને ત્યાં ઘરાકી છે. આપણા મહાત્માઓને લીધે સ્ટોરવાળાને ત્યાં ઘરાકી નથી રહેતી હવે પછી. કારણ કે નિરાંતે ઘેર જાય. સ્ટોરમાં શું કરવા આવે ? પેલાં તો ભટક ભટક કર્યા કરે.

આ બેન તો, એના ફાધરે શી રીતે ખર્ચો એનો ચલાવ્યો હશે ? એવી હાથની છૂટી હતી. હવે એ અટકી તે બહુ સારું થયું. એક તો એ પોતાને નુકસાન કરત, ઘરનાને નુકસાન કરત ને ડૉલરનું નુકસાન થાય. અરે, ડૉલરનું મૂઉ નુકસાન થાય પણ એની જાતનું કેટલું બધું નુકસાન થાય ?!

દૂધે ધોઈને ખોયા શેરમાં !

સ્ટોરમાં જઉં છું કે ? શું લેવા જઉં છું ?

પ્રશ્શનકર્તા : ગ્રોસરી (અનાજ).

દાદાશ્રી : બીજું કંઈ વધારે પડતું લાવું નહીં ને ? સાડીઓ-બાડીઓ વધારે ? કાન દેખાડ જોઉં ? હીરા-બીરા નથી કર્યા ?! હીરા-બીરા કશુંય નહીં ?

પ્રશ્શનકર્તા : અમારો ક્લાસ નથી એવો અત્યારે.

દાદાશ્રી : ત્યારે લોઅર ક્લાસમાં છો ?

પ્રશ્શનકર્તા : લોઅર ક્લાસમાં નહીં પણ પૈસાની જે ગાંઠ છે, લોભની ગાંઠ છૂટતી નથી.

દાદાશ્રી : ઓહો !! એ તો એક જણની લોભની ગાંઠ છૂટતી નહોતી પછી શેરબજારમાં એણે સોદા કર્યાને, પછી મને કહે છે, દાદા ! મારા ગઈ સાલ આઠ હજાર ફસાયા છે. ત્યારે મેં કહ્યું, મૂઆ, ત્યાં આગળ તો લોભની ગાંઠ છૂટતી નથી ને પાછું આ શું કર્યું ? ત્યારે કહે, લોભના હારુ જ ! અને સાઠ હજાર જવા બેઠા છે ! તે વિધિ કરી આપો. તે વિધિ કરી આપશો તો દસ-પંદર હજાર વખતે પાછાં આવશે. ત્યારે મૂઆ આમ જતા રહે, એનાં કરતાં આપણે સારી રીતે ડહાપણ ના વાપરીએ ?!

એક મહાત્મા કહે છે કે શેરનું કામકાજ મારે બંધ કરી દેવું કે ચાલુ રાખવું ? મેં કહ્યું, બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું એનું મહીં ખેંચી લો નાણું. હવે બંધ કરી દેવું જોઈએ, નહીં તો આ અમેરિકા આવ્યા ન આવ્યા જેવું થઈ જશે ! હતા એવા ને એવા. કોરે પાટલે જવું પડશે ઘેર ! કોઈને આપેલા હોય ને, તે તો બિચારો ખલાસ થઈ ગયો હોય ને તો ય પેલો સંભારે કે ના ભાઈ, મેં એમના લીધેલા છે ને એ કમાયો હોય તો આપણને બોલાવે કે આવજો મારે ત્યાં, પણ આ કોને ત્યાં બોલાવે ? સ્હેજમાં ! આ તો દૂધે ધોઈને ખોઈ નાખ્યા !

સ્ટોર પણ નમસ્કાર કરે આ 'વીતરાગ'ને !

અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. હેંડો દાદા કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે, સહેજ પણ દ્રષ્ટિ બગાડી નથી અમારી પર ! આખા સ્ટોરમાં દ્રષ્ટિ બગાડી નથી કોઈ જગ્યાએ ! અમારી દ્રષ્ટિ બગડે જ નહીં એની પર. અમે જોઈએ ખરા, પણ દ્રષ્ટિ ના બગડે. અમારે શી જરૂર કોઈ ચીજની ! મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દ્રષ્ટિ બગડી જાય ને !

પ્રશ્શનકર્તા : જરૂર પડે એ વસ્તુ લેવી પડે.

દાદાશ્રી : હા, અમારી દ્રષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવાં પુરુષને જોયા નથી ! પાછાં તિરસ્કારે ય નહીં. ફર્સ્ટ ક્લાસ, રાગે ય નહીં, દ્વેષેય નહીં, વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન !

આ તો જો હાથમાં પાંચ હજાર ડૉલર હોય તો સ્ટોર ખાલી કરી નાખે એવા લોક, હાથમાં હોવા જોઈએ અને મને આ સ્ટોરમાં તેડી જાય છે. 'દાદા, શું લેવું છે ?' મેં કહ્યું, 'મને કોઈ વસ્તુ ખોટી લાગતી નથી. પણ આ આમાં મને એમે ય નથી લાગતી કે આ લેવા જેવી છે. જે લેવાથી વજન ન વધવું જોઈએ. હાથમાં ઝાલવું ના પડે. નહીં તો આ તો પાછાં હાથમાં ઝાલ્યું આમ, મોટો બેટરો આવડો લીધો તે હાથમાં ઝાલ્યો હોય !'

એક જણ તો સ્ટોરમાં લઈ ગયા, તે મને કહે છે, અમારો રોજ છસ્સો-સાતસો ડૉલરનો વકરો થતો'તો. અમારો સ્ટોર ૫૦% પ્રોફિટવાળો છે. તે આજ તમે આવ્યા તે હજાર ડૉલરનો વકરો થયો. તે મોટી બેટરીઓનું મોટું આવડું ખોખું ભરીને આપ્યું, 'લઈ જાવ આ ખોખું.' મેં કહ્યું 'અલ્યા ભઈ, અમે કોને આપીશું આ બેટરી ?' ત્યારે કહે, 'કોઈને આપી દેજો.'

પછી મેં એને કહ્યું, 'છસ્સો ડૉલરમાં તો શી રીતે ધંધો ચાલે અલ્યા ? કેવા માણસ છો ?' ત્યારે કહે, 'અમારે ફિફ્ટી પરસન્ટ (પચાસ ટકા) નફો અને કોઈ કોઈ આઈટમમાં સેવન્ટી અને કોઈ આઈટમમાં બસ્સો ટકા નફો.' મેં કહ્યું. 'ઓહો, ત્યારે ખરા અમેરિકાના ઉપકાર કરનારા. ઉપકારી લોકો !'

પ્રશ્શનકર્તા : એમને કાર્ડ, ગિફ્ટવાળું બધું વેચવાની દુકાન છે.

દાદાશ્રી : દુકાન ના કરે તો કો'કની જોબ (નોકરી) કરવી પડે. હવે જોબ નથી કરવી પડતી ને ?

પ્રશ્શનકર્તા : દુકાન એ જ જોબ થઈ ગયો ને ?

દાદાશ્રી : એટલે એ તો કંઈ કરવું પડે ને ? જોબ કરવા જાવ ત્યારે પેલો ટૈડકાવ ટૈડકાવ કરે પાછો. અહીં આપને ઓછા (છૂટા) કરવાના છે ! અલ્યા મૂઆ, જંપીને બેસવા દેને ! એના કરતાં તો સારું છે. આવું કંઈ દુકાન કરી ખાધીને ! ઓછું તો ઓછું, બળ્યું !

સાચંુ સુખ શેમાં ?

એટલે આ સુખ તો બધું માનેલું સુખ. પૈસા હોય એ સુખ ગણાતું હોય તો પૈસાવાળાં તો ઘણાં છે બિચારાં. એટલે પૈસા ! એ પણ આપઘાત કરે છે પાછાં. જો ધણી સારો હોય તો સુખ હોય. પણ ધણીએ ઘણાં સારા છે તો ય બઈઓને પાર વગરનું દુઃખ હોય છે. છોકરાં સારા હોય તો સુખ. પણ તેય કશું નથી હોતું.

સુખ શેમાં છે ? આ સ્ટોર્સમાં છે ? આ જનરલ સ્ટોર્સ હોય છે ને ! તેની મહીં બધી વસ્તુઓ આપણે જોઈએ. એ બધી સુખવાળી છે નહીં ? બસો એક ડૉલર લઈને પેઠાં હોય તો આનંદ આનંદ આવી જાય. આ લીધું ને તે લીધું ને પછી લાવતી વખતે કકળાટ પાછો. ધણીને કહેશે, 'હું શેમાં ઊંચકી લઉં હવે ?' ત્યારે ધણી કહેશે, 'ત્યારે લીધું શું કરવા ત્યાં ?' ત્યાં ય પાછો કકળાટ. 'નકામી ઘાલ ઘાલ કરું છું ને હવે પછી બૂમો પાડે છે.' ધણી એવું કહે એમાં સુખ હોતું હશે ? સ્ટોરવાળાને સુખ ના હોય. એ શું કરવા આખો દહાડો ત્યાં બેસી રહે છે. તો પૂછવું હોય તો પૂછ હવે. તારા ખુલાસા કરીશ. તારે જેવું સુખ જોઈતું હોય એવું સુખ આપીશ, હં...

દુઃખ છે આત્માનું વિટામિન !

અહીં મોટો બંગલો કરશો તો જગતના તમે ભિખારી થશો. નાનો બંગલો તો જગતના તમે રાજા ! કારણ કે આ પુદ્ગલ છે, એ પુદ્ગલ વધ્યું તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) હલકો થઈ જાય. અને પુદ્ગલ ઘટ્યું તો આત્મા ભારે થઈ જાય. એટલે આ દુનિયાનાં દુઃખ છે એ આત્માનું વિટામિન છે. આ દુઃખ છે એ આત્મવિટામિન છે, અને સુખ છે એ દેહનું વિટામિન છે. તો ય દુઃખને તું આત્માનું વિટામિન ખાતી નથી અને દુઃખને છે તે તું કાઢવા માટે... આત્માનું વિટામિન નથી લેતી, નહીં ? આ હું તો કેટલું બધું આત્માનું વિટામિન લઈને કેવો હું થઈ ગયો છું ! હમણે જ પચાસ હજાર ઘાલી ગયો હોય ને, તો વિટામિન ફાકું નિરાંતે ! બહુ સારું થયું ! અને કકળાટ કરે તો પચાસ હજાર પાછાં આવે નહીં ?

પ્રશ્શનકર્તા : ના આવે.

દાદાશ્રી : કકળાટ કરે તો ગયેલા પાછાં ના આવે.

પ્રશ્શનકર્તા : એ તો સમજાઈ ગયું. પાછાં ના આવ્યા !

દાદાશ્રી : કારણ બધું જાણું કે શા આધારે થયું છે ?

પ્રશ્શનકર્તા : પચાસ હજાર ગયા ત્યારે કકળાટ કરેલો, પણ આવ્યા નહીં પાછાં એટલે સમજ પડી ગઈ કે નથી આવતા.

દાદાશ્રી : સમજ પડી ગઈને ! હા ! પચાસ હજાર પાછાં ના આવ્યા ! તે હજુ સાંધા તો હશે ને ! સાંધો રહ્યો નથી ?

પ્રશ્શનકર્તા : સાંધો રહ્યો છે પણ જોઈને શું થાય છે ?!

દાદાશ્રી : સાંધો રહ્યો છે ત્યાં સુધી કંઈ પાકી યે જાય થોડું ઘણું. આપણે ડેડ મની નહીં કહેવું.

પ્રશ્શનકર્તા : નથી કહેતી.

દાદાશ્રી : ડેડ મની તો ના કહેવું, 'દાદા, એંસી હજાર મૂક્યા છે, શું થશે હવે ?' ત્યારે મેં કહ્યું, 'હવે જે થઈ ગયું તે થઈ ગયું ! હવે ડેડ મની ના થાય એટલું જોવું !'

આ તો તમારે હજુ સાઠ હજાર ડેડ મની થયા નથી. પણ સ્ટીમરમાં આપણે જતા હોઈએ અને સાઠ હજારની નોટો તારી પાસે પેકેટમાં ભરેલી હોય અને બહાર ડોક ઉપર ફરવા આવ્યા અને મહીં દરિયામાં પડ્યા. પછી એ ડેડ મની કહેવાય. સમજ પડીને ? આ ડેડ મની ના કહેવાય. આ તો આવે પાછું. રૂપિયે બે આની ચાર આની આવે.

તો પાછલી પેઢીનું કેમ નહિ ?

પ્રશ્શનકર્તા : ઘરમાં બહુ ખર્ચા થઈ જાય છે.

દાદાશ્રી : ઘરવાળાં ક્યાં કહે છે કે ખર્ચ કરો ? તમારે જરૂર હોય તેથી કરો છો ને ?

પ્રશ્શનકર્તા : એ તો હિસાબમાં લાગે તે જ કરું છું.

દાદાશ્રી : હા, પણ પછી ત્યારે શું કરવું મહીં ? ટકે એવું કરવું છે ?

પ્રશ્શનકર્તા : જે ખર્ચા લાગે તે લાગવાના જ છે. આગળની પ્રજા માટે કંઈક રાખવું જોઈએ ને ? તેના માટેની વાત છે.

દાદાશ્રી : ઓહોહો ! અને પાછલી પેઢીઓવાળા માટે ?! ગયા તે લોકો માટે કશુંય નહીં ?! તમારા દાદા ને બધા ગયા. એમને ત્યાં મોકલવું નહીં પડે ને ?

પ્રશ્શનકર્તા : ત્યાં મોકલવાનું કંઈ કારણ નથી.

દાદાશ્રી : પાછલી પેઢીવાળા એમ કહે છે કે અમારા હારુ તૈયાર કરો ? ત્યારે તો તમારી ખાનદાની બતાવો છો કે નહીં ?

પ્રશ્શનકર્તા : દીકરા સારા છે. બધા કામ કરે છે.

દાદાશ્રી : તો પચાસેક લાખ રૂપિયા આપીને જાવને ! વધારે નહીં.

પ્રશ્શનકર્તા : નહીં. પૈસા નહીં આપી જવાના. બધાંનાં મન સુખશાંતિથી રહે એવું. બીજું કંઈ જોઈતું નથી. પૈસા માટે શું છે ?

દાદાશ્રી : હા, એ બરોબર છે.

વાસ્તવિકતા જાણ્યેથી દુઃખ મુક્તિ !

પહેલાં તો લક્ષ્મી પાંચ પેઢી તો ટકે, ત્રણ પેઢી તો ટકે. આ તો લક્ષ્મી એક પેઢી જ ટકતી નથી. આ લક્ષ્મી કેવી છે ? એક પેઢી યે ટકતી નથી. એની હાજરીમાં ને હાજરીમાં આવે ને હાજરીમાં જતી રહે. એવી આ લક્ષ્મી છે. આ તો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. થોડી ઘણી મહીં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હોય, તે તમને અહીં આવવા પ્રેરણા કરે, અહીં ભેગા કરે ને તમને અહીં ખર્ચ કરાવડાવે. સારા માર્ગે લક્ષ્મી જાય. નહીં તો આ ધૂળધાણીમાં જતું રહેવાનું. બધું ગટરમાં જ જતું રહેશે. આ છોકરાંઓ આપણી લક્ષ્મી જ ભોગવે છે ને, આપણે છોકરાંઓને કહીએ કે તમે અમારી લક્ષ્મી ભોગવી. ત્યારે એ કહેશે, 'તમારી શેની ? અમે અમારી જ ભોગવીએ છીએ.' એવું બોલે. એટલે ગટરમાં જ ગયું ને બધું !

આ દુનિયાને યથાર્થ, જેમ છે તેમ જાણીએ તો જીવન જીવવા જેવું છે. યથાર્થ જાણીએ તો સંસારી ચિંતા-ઉપાધિ હોય નહીં. એટલે જીવવા જેવું લાગે પછી !

પૈસા રહ્યા, ગણનારા ગયા !

આ ભૌતિક સુખ કરતાં અલૌકિક સુખ હોવું જોઈએ કે જે સુખમાં આપણને તૃપ્તિ વળે. આ લૌકિક સુખ તો અજંપો વધારે ઉલટો ! જે દહાડે પચાસ હજારનો વકરો થાય ને, તે ગણી ગણીને જ મગજ બધું ખલાસ થઈ જાય. મગજ તો એટલું બધું અકળામણવાળું થઈ ગયું હોય કે ખાવા-પીવાનું ગમે નહીં. કારણ કે મારે ય વકરો આવતો હતો. તે મેં બધો જોયેલો, આ મગજમાં કેવું થઈ જતું તે ! આ તો મારા અનુભવની બહાર નથી ને કંઈ ? હું તો આ સમુદ્રમાંથી તરીને બહાર નીકળ્યો છું. એટલે હું બધું જાણું છું કે તમને શું થતું હશે ? વધારે રૂપિયા આવે ત્યારે વધારે અકળામણ થાય, મગજ ડલ થઈ જાય ને કશું યાદ ના રહે, અજંપો અજંપો અજંપો રહ્યા કરે. આ તો નોટો ગણ ગણ કરે, પણ એ નોટો અહીં ને અહીં રહી ગઈ બધી ને ગણનારાં ગયાં ! તો ય કહે છે કે, 'તારે સમજવું હોય તો સમજી લે જે. અમે રહીશું ને તું જઈશ !' માટે આપણે એની જોડે કંઈ વેર નથી બાંધવું. પૈસાને આપણે કહીએ, 'આવો, બા.' એની જરૂર છે ! બધાંની જરૂર તો છે ને ? પણ એની પાછળ જ તન્મયાકાર રહે ! તો ગણનારા ગયા અને પૈસા રહ્યા. છતાં ગણવું પડે તે ય છૂટકો જ નહીં ને ! કો'ક જ શેઠિયો એવો હોય કે મહેતાજીને કહે કે, 'ભઈ, મને તો ખાતી વખતે અડચણ કરશો નહીં. તમારે પૈસા નિરાંતે ગણીને

તિજોરીમાં મૂકવા ને તિજોરીમાંથી લેવા.' એમાં ડખો ના કરે એવો કો'ક શેઠિયો હોય ! હિન્દુસ્તાનમાં એવા બે-પાંચ શેઠિયાઓ નિર્લેપ રહે એવા હોય ! તે મારા જેવા !! હું કોઈ દહાડો પૈસા ગણું નહીં !! આ શું ડખો ! આ લક્ષ્મીજીને આજે મેં વીસ વીસ વર્ષથી હાથમાં નથી ઝાલ્યાં તો જ આટલો આનંદ રહે ને !

લક્ષ્મીજીનો વ્યવહાર છે ત્યાં સુધી પણ જરૂર રહે છે, તેની ના નથી. તેની મહીં તન્મયાકાર ના થવાય. તન્મયાકાર નારાયણમાં થાવ, લક્ષ્મીજી એકલાંની પાછળ પડીએ તો નારાયણ ચિઢાયા કરે. લક્ષ્મીનારાયણનું તો મંદિર છે ને ! લક્ષ્મીજી કંઈ જેવી તેવી વસ્તુ છે ? તમને ગમી કંઈ આ વાત ?

રૂપિયા કમાતાં જે આનંદ થાય છે તેવો જ આનંદ ખર્ચ કરતી વખતે થવો જ જોઈએ. ત્યારે એ બોલે કે આટલા ખર્ચાઈ ગયા !! પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું, કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય. ભગવાને કહ્યું કે હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન હોય તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય તો કાલે મરી જઈશ એવો હિસાબ માંડ ને ?!

જ્ઞાનીકૃપા શું ના કરે ?

આ તો લોક આર્તધ્યાન ને રૌદ્રધ્યાન આખો દહાડો કરે છે. તેનાથી લક્ષ્મી તો આટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે અને આર્તધ્યાનથી ને રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ઉપયોગ કરે છે. એ તો પહેલાંની પુણ્યૈ જો હશે તો જ મળશે. આ 'દાદા'ની કૃપાથી તો બધું ભેગું થાય. કારણ શું ? તેમની 'કૃપા'થી બધા અંતરાયો તૂટી જાય. લક્ષ્મી તો છે જ પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી. તે અંતરાયો 'અમારી' કૃપાથી તૂટે તે પછી બધું ભેગું થાય. 'દાદા'ની કૃપા તો મનના રોગોના અને વાણીના રોગોના, દેહના રોગોના એ સર્વ પ્રકારના દુઃખના અંતરાયને તોડનાર છે. જગતનાં સર્વસ્વ દુઃખ અહીં જાય.

લક્ષ્મી, મેઈન પ્રોડક્શન કે બાય પ્રોડક્શન ?

જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો શરૂ ના થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે !

આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી માલ લઈ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઈ ખોળે ને ? આનાથી સુખ કંઈ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઈન પ્રોડક્શન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે. પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો. ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરને ય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઈ છે. તેથી આ બાય પ્રોડક્શનનાં કારખાનાં ખોલ્યાં છે. બાય પ્રોડક્શનનું ના ખોલાય. મેઈન પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે. પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા, દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા, તો તોફાન પૂરું થાય !

કાળા નાણાં, રેલના પાણી જેવા !

આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઉતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઈને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલનાં પાણી જેવું છે. તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે ચેતીને ચાલજો.

એ બંને ફીવર !

ભગવાને શું કહેલું કે નર્મદાજીમાં પાણી આવે તો નર્મદાજીના પટના ગજા પ્રમાણે જ હોય. પણ જો એના ગજા કરતાં વધારે પાણી આવે તો ? તો તે કિનારો-બિનારો બધું તોડી નાખે અને આજુબાજુનાં ગામો તાણી જાય. લક્ષ્મીજીનું પણ એવું જ છે. નોર્મલ આવે ત્યાં સુધી સારું. લક્ષ્મીજી બિલો નોર્મલ આવે તો પણ ફીવર અને એબોવ નોર્મલ પણ ફીવર છે. એબોવ નોર્મલ તો ફીવર વધારે છે. પણ બંને રીતના સ્ટેજીસમાં લક્ષ્મી ફીવર સ્વરૂપ થઈ પડે છે.

ત્યાં જ્ઞાની સસ્પૃહ-નિસ્પૃહ !

અમે સસ્પૃહ-નિસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિઃસ્પૃહ હતા. તે તેમના ચેલા નિઃસ્પૃહ થઈ ગયા છે ! નેસેસિટી એરાઈઝ થાય તે પ્રમાણે કામ લેવું.

પ્રશ્શનકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું.

દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિઃસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સસ્પૃહી નિઃસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો. વખત પ્રમાણે કામ લેજો, પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય. ભ્રાંત બુદ્ધિ 'સત્ય'નું અવલોકન ના થવા દે. ભગવાન કહે છે કે તું ભલે જરાક થિયરી ઓફ રિલેટીવિટીમાં રહે, તેનો વાંધો નથી, પણ જરાક અવિરોધાભાસ જીવન રાખજે. લક્ષ્મીના તો કાયદા પાળવાના. લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય. દુકાને જઈને રોજ બેસવું, પણ તેની ઇચ્છા ના હોય. કોઈના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે, પાછાં આપી દેવાના રોજ ભાવ કરવા જોઈએ કે આપી દેવા છે. તો તે અપાશે જ.

લક્ષ્મીજી માટે નિસ્પૃહી થવાય ?

લક્ષ્મી માટે કેટલાંક લોકો નિઃસ્પૃહી થઈ જાય છે, તો નિઃસ્પૃહ ભાવ એ કોણ કરી શકે ? જેને આત્માની સ્પૃહા હોય તે જ નિઃસ્પૃહભાવ કરી શકે. પણ આત્મા પ્રાપ્ત થયા સિવાય આત્માની સ્પૃહા શી રીતે થાય ? એટલે એકલો નિઃસ્પૃહ થાય. અને એકલો નિઃસ્પૃહી થયો તો તો રખડી મર્યો ! માટે સસ્પૃહી-નિઃસ્પૃહી હોય તો મોક્ષે જશે. અમે લક્ષ્મીના વિરોધી નથી, કે અમે લક્ષ્મીનો ત્યાગ કરીએ. લક્ષ્મીનો ત્યાગ નથી કરવાનો પણ અજ્ઞાનતાનો ત્યાગ કરવાનો છે. કેટલાંક લક્ષ્મીનો તિરસ્કાર કરે છે. તે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારેય પાછી ભેગી જ ના થાય. નિઃસ્પૃહ એકલો થાય એ તો મોટામાં મોટું ગાંડપણ છે.

તો લક્ષ્મીજી રાજી !

લક્ષ્મીના વિચાર નહીં કરવાના કે આટલી આવજો ને તેટલી આવજો, કે આવે તો સારું, એવું વિચારવું નહીં. એનાથી તો લક્ષ્મીજીને બહુ રીસ ચઢે છે. મને લક્ષ્મીજી રોજ મળે છે ત્યારે હું તેમને પૂછું છું કે તમે કેમ રીસાણાં છો ? ત્યારે લક્ષ્મીજી કહે છે કે 'આ લોકો એવાં થઈ ગયાં છે હવે કે તમારે મારે ત્યાંથી જવાનું નહીં.' ત્યારે લક્ષ્મીજી શું એના પિયર ના જાય ? લક્ષ્મીજીને ઘરની મહીં આંતરી રખાય ?

તે હવે મને એ કહે છે કે હું તો આ શેઠિયાઓને ત્યાં ખૂબ જ કંટાળી છું. તે હવે હું તમારા મહાત્માઓને ત્યાં જ જઈશ. કારણ જ્યારે તમારા મહાત્માઓને ત્યાં જાઉં છું. ત્યારે ય ફૂલહાર લઈને સ્વાગત કરે છે અને પાછી જાઉં ત્યારે ય ફૂલહાર પહેરાવીને વિદાય આપે છે. જે જે લોકો મને આંતરે છે ત્યાં હવે હું નહીં જાઉં અને જે જે મારો તિરસ્કાર કરે છે ત્યાં તો અનંત ભવ સુધી હું નહીં જઉં ! રૂપિયા તો આવે ને દસ વરસ પછી તે લક્ષ્મી ના રહે. એ તો ફેરફાર થયા જ કરે, સંસરણ થયા કરે.

લક્ષ્મીજીના તરછોડનાં પરિણામ !

લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાંક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને 'નહીં, નહીં' કરે છે. તેનાથી કેટલાંય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ, નહીં તો અડવાય નહીં મળે. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શનેય કરવા નહીં મળે. કોઈ પણ વસ્તુને તરછોડ ના મરાય. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે એ તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાંય 'જય સચ્ચિદાનંદ' ને જતાંય 'જય સચ્ચિદાનંદ' કરીએ છીએ. આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. અમને લક્ષ્મીજી કહે છે, 'આ શેઠિયા અમારી પાછળ પડ્યા છે. તે એમના પગ છોલાઈ ગયા છે, તે પાછળ દોડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછાં મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું, આમાં તો ઢીંચણ છોલાય છે. પણ ત્યારે તો ફરી ઈશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઈને દોડે છે. એટલે એમને અમારે માર માર કરવાના છે. એમને બધે છોલીને લોહીલુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢ્યા છે છતાં સમજણ નથી ખુલતી ! બહુ પાકાં છે લક્ષ્મીજી તો !

લક્ષ્મીજીને આંતરાય ?

અમને તો લક્ષ્મીજી ક્યારેય સાંભરે નહિ. સાંભરે કોને કે જેણે દર્શન ના કર્યા હોય તેને. પણ અમારે તો મહીં લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે. આપણામાં કહેવત છે ને કે 'બાબો હશે તો વહુ આવશે ને !' 'નારાયણ' છે ત્યારે લક્ષ્મીજી આવશે જ. આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ જ વિનયથી આપવાનું હોય. લક્ષ્મીજીને તો લોકો પહેલા આણાની વહુની જેમ આંતરે છે. લક્ષ્મીજી વિનય માગે છે. જ્યાં ભગવાન છે ત્યાં જાહોજલાલીની શી ખોટ ? લક્ષ્મીજી કોઈની આંતરી આંતરાય તેમ નથી. લક્ષ્મીજી તો ભગવાનની પત્ની છે. તેનેય મૂઆ, તું આંતર આંતર કરે છે ? પહેલા આણામાં આવેલી વહુને જો આંતરી હોય ને પછી પિયર જવા ના દે તે શી દશા થાય બિચારીની ! તેવું લોકોએ આ લક્ષ્મીજી માટે કરવા માંડ્યું છે. તે લક્ષ્મીજી ય હવે કંટાળ્યાં.

એને તરછોડ કેમ મરાય ?

બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે 'હમ કો નહીં ચાહીએ, લક્ષ્મીજી કો તો હમ ટચ ભી નહીં કરતા' એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી. પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ જોખમ છે. બીજાં કેટલાંય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો 'વીતરાગ' છે, 'અચેતન વસ્તુ' છે. પોતે તેને તરછોડ ના મારવી જોઈએ. કોઈને પણ તરછોડ કરી, પછી તે ચેતન હશે કે અચેતન હશે, તેનો મેળ નહીં ખાય. અમે 'અપરિગ્રહી છીએ' એવું બોલીએ, પણ 'લક્ષ્મીજીને ક્યારેય નહીં અડું' તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું 'નાક' કહેવાય. 'વ્યવસ્થિત'ના નિયમના આધારે બધાં દેવ-દેવીઓ ગોઠવાયેલાં છે. માટે ક્યારેય તરછોડ ના મરાય.

લક્ષ્મી ખૂટે શાથી ?

પ્રશ્શનકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?

દાદાશ્રી : ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રિકો તો હોવી જ ના જોઈએ. ટ્રિકો કરી કોને કહેવાય ? 'બહુ ચોખ્ખો માલ છે' કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, 'આવું તો કરાતું હશે ?' તો એ કહે કે, 'એ તો એમ જ કરાય.' પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે 'મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે પણ માલ આવો છે એ લઈ જાવ.' આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !

એટલે આ બધા ક્યાં સુધી પ્રામાણિક છે કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી. જો એને કાળાબજારનો અધિકાર પ્રાપ્ત થાય, ત્રણ ગણાં નાણાં ઉપજે અને વેચવાનો માલ પાંચ-પચ્ચીસ હજારનો પડ્યો હોય. હવે એ અધિકાર એને વેચવાનો છે અને લેનાર ઘરાક ઘેર બેઠાં આવતાં હોય અને કોઈ મુશ્કેલી ના હોય, પેલાં લઈ જનારા શું કહે કે જવાબદારી અમારી. તો તું પાંસરો રહે તો હું જાણું.

મન-વચન-કાયાથી કિંચિત્ ચોરી કરે તે ઘણી ય મહેનત કરે તો ય માંડ લક્ષ્મી મળે. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે ચોરી. આ તો શું થાય કે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોય તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જાય છે. આજે પ્રમાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મેળવી શકે. એનો અર્થ એ કે આગળથી જ મનુષ્યપણાની સિદ્ધિ અવળી રીતે વટાવીને જ આવ્યો છે તેનું આ પરિણામ છે. મોટામાં મોટી સિદ્ધિ કઈ ? ત્યારે કહે, મનુષ્યપણું. અને તે પણ ઊંચી નાતમાં જન્મ લેવો એ તેય હિન્દુસ્તાનમાં. આને મોટામાં મોટી સિદ્ધિ કહી. કારણ કે આ મનુષ્યપણાથી મોક્ષે જવાય.

આ જુઓ, નોટો ગણનારાને તાદ્રશ્ય !

આ શરીરમાં ય ભીડ પડે ત્યારે માણસ કંતાઈ જાય અને ભરાવો થાય ત્યારે સોજો ચઢે. સોજો ચઢે ત્યારે એ જાણે કે હું હવે જાડો થયો. અલ્યા, આ તો સોજા ચઢ્યા છે ! એટલે ભરાવો ના થાય તે ઉત્તમ અને એના જેવું કોઈ પુણ્યાનુબંધી પુણ્ય નહીં. ભેગા થાય તો ગણવાની ભાંજગડ થયા કરે ને ! દસ હજાર રૂપિયા હોય, તો રૂપિયે રૂપિયે દસ હજાર ગણવા જાય, તો ક્યારે પાર આવે ? એ પછી એક-બેની ભૂલ આવી તો ફરી પાછાં ગણે. બરોબર ગણી રહે પછી સૂઈ જાય. ત્યારે એક જણ મને કહે કે, 'તમે શું કરો ?' મેં કહ્યું કે, 'આ તો દસ હજારની વાત કરે છે, પણ સોની નોટના છૂટા કો'ક દુકાનેથી લેવાના હોય, તો દુકાનદાર કહેશે, 'સાહેબ, ગણી લો.' હું કહું કે, 'તમારી પર મને બહુ વિશ્વાસ છે.' વખતે નવ્વાણું હશે તો ત્યારે રૂપિયો તો ગણવાની મહેનતનો જાય, પણ એ ગણવામાં ટાઈમ બળ્યો જતો રહે ને ! એટલે ભલે રૂપિયો ઓછો હશે, પણ ભાંજગડ નહીં ને ! એટલે હું કોઈ દહાડો ય રૂપિયા ગણતો જ નથી. સોની નોટમાં તો સો રૂપિયા હોય અને ગણતાં ગણતાં તો દસ મિનિટ જતી રહે. પાછાં જીભને અંગૂઠો આમ અડાડ અડાડ કરે ! એવું કરવા કરતાં બે રૂપિયા ઓછા હશે તો ચાલશે. તેમાં પાછાં જો એક-બે ઓછા હોય ને, તો સો રૂપિયા છૂટા આપનાર જોડે લઢી પડે કે, 'આ તમે સો આપ્યા પ

ણ્

ા પૂરા નથી. આમાં તો બે ઓછા છે.' ત્યારે પેલો કહેશે કે, 'તમે પાછાં ગણો, અમથા કચકચ ના કરશો, વધારે માથાકૂટ ના કરશો, નહીં તો લાવો મારા રૂપિયા પાછાં. ત્યારે પેલો પાછાં ના આપે ને ફરી ગણવા બેસે ! અલ્યા, લેતી વખતે કકળાટ, કો'કને આપે ત્યારે ય કકળાટ ને કકળાટ ! આવ્યો ત્યારે ઊંવા કરે અને જતી વખતે 'ડૉક્ટર સાહેબ મને બચાવજો, બચાવજો !' કરશે. ક્યારે તું કકળાટ વગરનો રહ્યો છે તે ?! તારો એક દહાડો ય આનંદમાં નથી ગયો ! છતાં પોતે પરમાત્મા છે. એ કકળાટ કરે પણ આપણે તો દર્શન કરવાં પડે ને ! એવું આ જગત છે. એટલે ભીડ ના પડે ને ભરાવો ના પડે ને, એ સારામાં સારું.

શું પોષાય ! અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ?

એક બેન કહેતાં હતાં કે, 'આ સાલ આટલો બધો વરસાદ પડે છે, તો આવતી સાલ શું થશે ? પછી ભીડ પડશે !' લોક ભીડમાં ય આશા રાખે છે કે આ સાલ તો બે-ત્રણ લાખ રૂપિયા આવી જાય તો સારું. અલ્યા, હવે પછી તો બધાં વર્ષોમાં દુકાળ પડશે ! માટે આશા ના રાખીશ. લક્ષ્મીનો વરસાદ સામટો પડી ગયો, હવે તો પાંચ વર્ષ સુધી દુકાળ પડશે. એનાં કરતાં એના જે હપ્તાથી આવે છે ને, એ હપ્તાથી આવવા દે એ બરાબર છે. નહીં તો આખી મૂડી આવશે તો બધી વપરાઈ જશે. એટલે આ હપ્તા બાંધેલા છે તે બરાબર છે. આપણે તો સામાને સંતોષ થાય તેવું કરવું, 'વ્યવસ્થિત' જેટલી લક્ષ્મી મોકલે તેટલો સ્વીકાર કરવો. ઓછી આવે ને દિવાળી પર બસો-ત્રણસો ખૂટી પડ્યા તો આવતી દિવાળીએ વધારે વરસાદ પડશે. માટે એનો વાંધો રાખવો નહીં.

ભરાવો કરાવે ઉપાધિ !

મને લોકો આવીને કહી જાય કે જુઓને, અમારા જમાઈ આવ્યા તે લાખ રૂપિયા માંગે છે. જમાઈ તો આને માટે આવી પડ્યા છે. તે બધાંને આપ આપ કરું તો મારી પાસે શું રહે ? એની વાતે ય ખરી છે ને ? બધાને આપ આપ કરે તો એની પાસે કશું રહે ય નહીં ને ! એટલે ભરાવો થયો તો લેવા આવ્યા ને ! હવે ત્યાં એની જોડે જમાઈ ઝગડો માંડે, ગાળો ભાંડે ! ત્યારે છેવટે કહેશે. 'મારી પાસે પૈસા વધારે નથી. લો, આ વીસ હજાર લઈ જાવ ને હવે પાછાં ના આવશો.' અલ્યા, આપવા હતા ત્યારે કકળાટ કરીને આપ્યા, તેનાં કરતાં સમજાવીને તો આપવા હતા ને ! નહીં તો એક ફેરો જૂઠું બોલીએ કે, 'આ બધા લોકો કહે છે કે મારી પાસે દસ લાખ આવ્યા છે, પણ મારું મન જાણે છે કે કેટલા આવ્યા છે ! એમ તેમ કરીને જૂઠું બોલીને પણ જમાઈને સમજાવી દઈએ કે જેથી લઢવાડ તો ન થાય ને ! ઝગડો ય ના થાય, પણ એવું આવડે નહીંને ? અને પછી પેલો જમાઈ તો લાખ માટે ચોંટે, વીસ હજાર લઈ જાય નહીં. એટલે આ વધારે રૂપિયા લાવ્યા તે પછી ભઈ જોડે વઢે, સાળા જોડે વઢે, જમાઈ જોડે વઢે. વધારે રૂપિયા આવ્યા તો વધારે વઢવાડ હોય અને ના હોય ત્યારે બધાં ભેગાં બેસીને ખાય, પીવે ને મઝા કરે. એવું છે આ પૈસાનું કામ. માટે ભરાવો થાય તે ય ઉપાધિ અને ભીડ ના પડે એટલે બહુ

થઈ ગયું.

ભીડ નહીં, ભરાવો નહીં...

આ તો પૂરણ-ગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી ગલન થવાનું. ને ગલન ના થાત ને તો ય ઉપાધિ થઈ જાય. પણ ગલન થાય છે એટલે પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું એ ઉચ્છવાસ કાઢ્યો એ ગલન છે. બધું પૂરણ-ગલન સ્વભાવનું છે એટલે અમે શોધખોળ કરી છે કે 'ભીડ નહીં ને ભરાવોય નહીં ! અમારે કાયમ લક્ષ્મીની ભીડેય નહીં ને ભરાવો પણ નહીં !' ભીડવાળા સૂકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુઃખદાયક થઈ પડે.

અમારા ગામમાં અમને સત્સંગ માટે બોલાવેલા, તે ત્યાં એ સત્સંગ કરતા હતા. તે એક ભાઈ ગામના ખરાને, તે બધા પિતરાઈ થાય, તે આડું બોલે. એવું બોલ્યા કે, 'તમે નીચે દબાવીને બેઠા છો, મોટી રકમ ખૂબ દબાવીને બેઠા છો, તે હવે સત્સંગ નિરાંતે થાય જ ને !' હું સમજી ગયો કે આ પિતરાઈના ગુણથી બોલ્યો છે. એને સહન થાય નહીં ને ! પછી મેં કહ્યું કે 'હું શું દબાવીને બેઠો છું તે તમને શું ખબર પડે ? બેન્કમાં શું છે તે તમને શું ખબર પડે ?' ત્યારે કહે છે, 'અરે, દબાવ્યા વગર તો આવું નિરાંતે સત્સંગ થાય જ શી રીતે ?' મેં કહ્યું કે 'બેન્કમાં જઈને તપાસ કરી આવો.'

મારે કોઈ દહાડો ભીડ પડી નથી ને ભરાવો થયો નથી. લાખ આવતાં પહેલાં તો કંઈ ને કંઈ બોમ્બ આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડો અને ભીડ પણ પડી નથી. બાકી કશું દબાવ્યું-કર્યું નથી, કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાવે ને ? એવું નાણું જ ના આવે તો દબાવે શી રીતે ? અને એવું આપણે જોઈતું પણ નથી. આપણે તો ભીડ ન પડે અને ભરાવો ના થાય એટલે બહુ થઈ ગયું ! ભરાવો થાય તો બહુ ઉપાધિ થાય, પાછાં બેન્કમાં મૂકવાનું ને બધી ઉપાધિ. પાછાં સાળા આવે કે, તમારી પાસે તો ઘણા બધા રૂપિયા છે, તે દસ-વીસ હજાર આપો. પાછાં મામાનો દીકરો આવે, પાછો જમાઈ આવે કે, 'મને લાખ રૂપિયા આપો.' મહીં ભરાવો હોય તો કહે કરે ને ? પણ ભરાવો જ ના હોય તો ? ભરાવો થયા પછી લોકોને કકળાટ થાય.

પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી કેવી ?!

દસ લાખ રૂપિયા બાપે છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે 'હવે હું આધ્યાત્મિક જીવન જીવું !' ત્યારે હવે એ છોકરો કાયમ દારૂમાં, માંસાહારમાં, શેરબજારમાં, બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે, તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું જ નાણું, સાચી મહેનતનું જ નાણું રહેતું નથી, તે ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યૈનું નાણું જોઈશે, જેમાં અપ્રમાણિકતા ના હોય, દાનત ચોખ્ખી હોય. એવું નાણું હોય તો તે જે સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું, એ ય પુણ્યૈનું જ કહેવાય છે, પણ પાપાનુબંધી પુણ્યનું, તે નર્યાં પાપ જ બંધાવે ! એના કરતાં એ લક્ષ્મીને કહીએ કે, 'તું આવીશ જ નહીં, એટલેથી જ છેટી રહેજે. એમાં અમારી શોભા સારી છે ને તારી ય શોભા વધશે.' આ બંગલા બંધાય છે એ બધુંય પાપાનુબંધી પુણ્ય ઉઘાડું દેખાય છે. આમાં અહીં કો'ક હશે, હજારે એકાદ માણસ કે જેની પુણ્યાનુબંધી પુણ્યૈ હોય. બધી આ પાપાનુબંધી પુણ્યૈ છે. આટલી લક્ષ્મી તો હોતી હશે કોઈ દહાડો ય ? નર્યું પાપ જ બાંધે છે, કશું ભોગવતાં-કરતાં નથી ને પાપ જ બાંધે છે. આ તો તિર્યંચની રીર્ટન ટિકિટ લઈને આવેલો છે !

એક મિનિટ પણ રહેવાય નહીં એવો આ સંસાર ! જબરજસ્ત પુણ્યૈ હોય છે તો પણ મહીં અંતરદાહ શમાતો નથી; અંતરદાહ નિરંતર બળ્યા જ કરતો હોય છે ! ચોગરદમથી બધા ફર્સ્ટ કલાસ સંયોગો હોય તો પણ અંતરદાહ ચાલુ હોય, તે હવે કેમ મટે ? પુણ્યૈ પણ છેવટે ખલાસ થઈ જાય. દુનિયાનો નિયમ છે કે પુણ્યૈ ખલાસ થાય એટલે શું થાય ? પાપનો ઉદય થાય. આ તો અંતરદાહ છે. પાપના ઉદય વખતે બહારનો દાહ ઊભો થશે તે ઘડીએ તારી શી દશા થશે ? માટે ચેતો, એમ ભગવાન કહે છે.

પુણ્ય-પાપની 'લિન્ક' !

કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, 'હું ગમે તેટલી માથાકૂટ કરું છું તો ય કશું વળતું નથી.' એટલે હું કહું, 'અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઊછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.'

અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, 'હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધ વધ કરે છે. મારી ઇચ્છા નથી તો ય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?' મેં એને કહ્યું, 'એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ, ગુરુને પથરો મારું !' આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળે ને ! એટલે પછી એણે મને પૂછયું કે, 'મારે શું કરવું ?' મેં કહ્યું, 'દાદાનું નામ લેજે.' હવે અત્યાર સુધી તારી લિન્ક આવી હતી. લિન્ક એટલે અંધારામાં પત્તા ઊઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઊઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે, 'વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.' એવું કરે. તે તને ૧૦૭ સુધી સાચું પડ્યું છે. પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશ તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી ૧૧૧ આવશે ! તે લોક તમને બુદ્ધુ કહેશે. માટે આ દાદાનું નામ છોડીશ નહીં, નહીં તો માર્યો જઈશ.

પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બંનેએ માંકણ મારવાની દવા પી લીધી ! તે દાદાનું નામ જ લેવાનું ભૂલી ગયેલો. પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જ ડૉક્ટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, 'આ દાદાનું નામ લીધા કરજે ને ફરી આવું ક્યારેય ના કરીશ.' ત્યારે પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું. તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું.

'દાદા' બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહીં. ચોગરદમ ભમ્યા કરે પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ જાગતાં સુધી બોલ્યા અને સવારમાં ઊઠવાની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય.

જરૂર કઈ, મહીંલી કે બાહ્યલી મૂડીની ?

અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી ભાંજગડ નથી. તે આપણે કહીએ કે, 'હેંડો, ભગવાનના દર્શન કરી આવીએ !' અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય ઊભી થાય ! 'અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને !' ત્યારે કહેશે કે, 'ના, એ તો મહીં રકમ ઓછી થાય ને !' અલ્યા, રકમ તું કોને કહે છે ? ક્યાંથી આ રકમ આવી ? એ તો જવાબદારીવાળી રકમ હતી, એટલે ઓછું થાય ત્યારે બૂમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે ? અરે, મૂડી તો 'મહીં' બેઠી છે એને શું કરવા હાર્ટ ફેઈલ કરીને મૂડી આખી ધોઈ નાખવા ફરે છે !! હાર્ટ ફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં ?

પ્રશ્શનકર્તા : થઈ જાય.

દાદાશ્રી : ત્યારે આ બધું શેના હારુ ? ત્યારે પેલી કહે કે 'પણ મારે તો પેલી પૈસાની મૂડી કીંમતી છે !' અલ્યા, તમારે મહીંલી મૂડીની જરૂર નહીં ?

પૂરણનું ગલન, સ્વભાવથી જ !

આ તો પૂરણ-ગલન છે. એમાં પૂરણ થાય ત્યારે હસવા જેવું નથી અને ગલન થાય ત્યારે રડવા જેવું નથી. જ્યારે દુઃખનું પૂરણ થાય ત્યારે કેમ રડે છે ? પૂરણમાં જો તારે હસવું હોય તો હસ. પૂરણ એટલે સુખનું પૂરણ થાય તો ય હસ અને દુઃખનું પૂરણ થાય તો ય હસ. પણ આમની ભાષા જ જુદી છે ને ! ગમતી ને ના ગમતી બે રાખે છે ને ! સવારે ના ગમતી હોય તેને સાંજે ગમતી કરે પાછો ! સવારમાં કહેશે, 'તું અહીંથી જતી રહે' અને સાંજે એને કહેશે, 'તારા વગર મને ગમશે નહિ !' એટલે ભાષા જ અનાડી લાગે છે ને !

જગતનો નિયમ જ એવો છે કે પૂરણ થાય એનું ગલન થયા વગર રહે નહીં. જો બધા જ પૈસા ભેગા કર કર કરતા હોય તો મુંબઈમાં કોઈ પણ માણસ બૂમ પાડી શકે કે 'હું સહુથી શ્રીમંતમાં શ્રીમંત છું' પણ એવું કોઈ ધરાયેલો બોલતો નથી. કારણ કે નિયમ જ નથી એવો !

પાપનું ગલન થાય ત્યારે...

પાપનું પૂરણ કરે છે તે જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે ! ત્યારે તારાં હાજાં ગગડી જશે ! દેવતા (અગ્નિ) ઉપર બેઠાં હોઈએ તેવું લાગશે !! પુણ્યનું પૂરણ કરીશ ત્યારે ખબર પડશે કે કેવી ઓર મજા આવે છે ! માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ વિચારીને કરજો, કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે ! પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો, પાપ કરતાં કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એ ય ગલન થવાનું છે. એ પૈસા બેન્કમાં મૂકશો તો તે ય જવાના તો છે જ. એનું ય ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું, જે રોદ્રધ્યાન કર્યું, તે તેની કલમો સાથે આવવાનું તે વધારામાં અને જ્યારે તેનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે ?

અજ્ઞાનતામાં વેડફાયા મનુષ્યપણા !

એવું છે ને, નાનપણથી લોકો પૈસા કમા કમા કરે છે, પણ બેન્કમાં જોવા જાય તો કહેશે, 'બે હજાર જ પડ્યા છે !' અને આખો દહાડો હાય વોય, હાય વોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ. હવે અનંત શક્તિ છે ને તમે મહીં વિચાર કરો ને તેવું બહાર થઈ જાય એટલે બધી શક્તિ છે, પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તો ય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે.

આંધળો વણે અને વાછડો ચાવે એનું નામ સંસાર. આંધળો આમ દોરડું વણ્યા કરતો હોય, આગળ આગળ વણ્યા કરતો હોય અને પાછળ દોરડું પડ્યું હોય તે પેલો વાછડો ચાવ્યા કરે. તેમ અજ્ઞાનીની ક્રિયા બધી નકામી જાય છે અને પાછો મરીને આવતો ભવ બગાડે, તે મનુષ્યપણું પણ ના મળે ! આંધળો જાણે કે ઓહો, પચાસ ફૂટ દોરડું થયું છે ને લેવા જાય ત્યારે કહેશે, 'આ શું થઈ ગયું ?' 'અલ્યા, પેલો વાછડો બધું ચાવી ગયો !'

આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે, પેલો બળદને ખોળ આપે, ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેફું આપે એટલે ચાલ્યું, આખો દહાડો બળદની પેઠે ઘાણી કાઢ કાઢ કરે છે.

ખૂબ પૈસા ક્યારે આવે ?

પ્રશ્શનકર્તા : પૈસા ના હોય તે વખતે તો એ લોકો નોનસેન્સમાં ગણાયને ? ને પૈસા હોય, પછી તો પૈસાની ખુમારી આવે ને ?

દાદાશ્રી : પૈસા વગરનો નોનસેન્સમાં જ ગણાય. અક્કલવાળો હોય તો ય કહેશે, 'એય ઘરમાં ના આવીશ !' અક્કલવાળાનું ચાલે નહિ ને ! નોનસેન્સમાં જતું રહે ! ને પછી સેન્સિબલ. સેન્સવાળા અને પછી આઉટ સેન્સ, અમે આઉટ ઓફ સેન્સ કહેવાઈએ. અમારામાં સેન્સ ના હોય, બિલકુલેય બુદ્ધિ જ માત્ર ના હોય.

પ્રશ્શનકર્તા : પૈસા વગર કોઈ આપણને પૂછતું નથી. પૈસો ના હોય તો આપણને કંઈ પૂછેય નહીં ને કંઈ વાત કરે ય નહીં.

દાદાશ્રી : આ મારી પાસે ચાર આનાય નથી. મારા ગજવામાં જોઈ આવો, તોય મને બધા પૂછે છે.

પૈસાની જરૂર તમારે ના રહેને, ત્યારે તમારી પાસે બહુ પૈસા હોય. આ તો જ્યાં સુધી મન ભિખારી છે કે મારી પાસે પચ્ચીસ હજાર રૂપિયા છે. તે એની ઉપર જ રમ્યા કરે. અલ્યા, શું એ ધૂળ આપવાનું છે તને તે ? અને કંઈક દસેક લાખ રૂપિયા ભેગા કર્યા છે ? ત્યારે કેટલા ભેગા કર્યા છે ?

દાદાનું નામ લે ત્યાં પૈસાના ઢગલા !

પ્રશ્શનકર્તા : જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું ?

દાદાશ્રી : એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે ? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત-પ્રયત્નો વધારે કરવાં જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે. અત્યારે બહુ નબળી સ્થિતિ છે ? શી શી અડચણ પડે છે ?

પ્રશ્શનકર્તા : કોઈ પણ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવી હોય તે વાર લાગે.

દાદાશ્રી : ઓહો ! ઇચ્છિત વસ્તુ !! પણ આ શરીરને કઈ વસ્તુ જોઈએ છે તે તમે જાણો છો ?

પ્રશ્શનકર્તા : આમ તો ભગવાનની પ્રાપ્તિ જ મુખ્ય વસ્તુ છે.

દાદાશ્રી : ભગવાનની પ્રાપ્તિ માટે આ શરીર છે પણ એને જરૂર શું શું છે ? રાતે આટલી ખીચડી આપી હોય તો તમને આખી રાત ધ્યાન ધરવા દે કે ના દે ? એટલે આ શરીર બીજું કંઈ માગતું નથી, બીજું બધું તો મનનાં તોફાન છે. બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું ?

પ્રશ્શનકર્તા : મળે છે.

દાદાશ્રી : આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક-કલાક બોલજો ને ! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે ?

આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલા થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ ! 'દાદા ભગવાન' નું નામ લે ને, પૈસા ના આવે તો તે દાદા ન્હોય ! પણ આ લોકો આવું નામ દે નહીંને, પાછાં ઘેર જઈને !!

આર્થિક દુઃખ છે જ ક્યાં ?

પ્રશ્શનકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે ?

દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઈ જાય. કેટલીક વખત આર્થિક હોતું જ નથી, પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં, એટલું જ જોઈ લેવાનું. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તે પછી એે દુઃખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુઃખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ એટેક આવે. અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી, એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.

પોતાની મિલકત કેટલી ?

માણસને શું દુઃખ હોય છે ? એક જણ મને કહે કે મારે બેન્કમાં કંઈ નથી. સાવ ખાલી થઈ ગયો. નાદાર થઈ ગયો. મેં પૂછયું, 'દેવું કેટલું હતું ?' તે કહે, 'દેવું ન હતું.' તે નાદાર ના કહેવાય. બેન્કમાં હજાર- બે હજાર રૂપિયા પડ્યા છે. પછી મેં કહ્યું, 'વાઈફ તો છે ને ?' તે કહે કે વાઈફ કંઈ વેચાય ?' મેં કહ્યું, 'ના પણ તારી બે આંખો છે, તે તારે બે લાખમાં વેચવી છે ? આ આંખો, આ હાથ, પગ, મગજ એ બધી મિલકતની તું કિંમત તો ગણ. બેન્કમાં પૈસો ય ના હોય તો ય તું કરોડાધિપતિ છે. તારી કેટલી બધી મિલકત છે, તે વેચ જો, હેંડ. આ બે હાથે ય તું ના વેચું. પાર વગરની તારી મિલકત છે. આ બધી મિલકત સમજીને તારે સંતોષ રાખવાનો. પૈસા આવ્યા કે ના આવ્યા પણ ટંકે ખાવાનું મળવું જોઈએ.

ત્યાં કેસનો ઉકેલ લાવી નાખો !

પ્રશ્શનકર્તા : મારે એક પ્રશ્શન ઊભો થયો છે. એક રિક્ષાવાળાને મેં પેપરનું પાર્સલ બીજે ગામ પહોંચાડવા આપ્યું. તેણે તે ટ્રકમાં મોકલી આપ્યું ને ઉપરથી પૂરા પૈસા માંગે છે. પાર્સલ મોડું પહોંચ્યું. મેં તપાસ કરાવી તો બધી ખબર પડી ગઈ. હવે પેલો રિક્ષાવાળો રોજ ઓફિસમાં આવી હેરાન કરે છે ને હું કહું છું કે તને એક પૈસોય નહિ મળે. ત્યાં શું કરવું ?

દાદાશ્રી : ઊંચું મૂકી દો. હરેક કેસ ઊંચા મૂકવા અને બાઝવું હોય, એવો તાંતો રાખવો હોય તો કોઈ શ્રીમંત જોડે રાખવો. ચપ્પા વગરનો હોય ત્યાં તાંતો રાખવો. આ ગરીબ બિચારાં, ખાવાનું ય ઠેકાણું નહીં હોય, દારૂ પીને ફરતો હોય. એની જોડે ઉકેલ લાવી નાખવો.

ઝઘડવામાં પણ વિવેક !

અત્યારે બધું ગૂંચાઈ ગયેલું છે. એટલે આંગળી ના કરશો. આ પોટલાં ઊંચકવાવાળા વધારે પૈસા માંગેને તો, કોઈ માણસ ઊંધો ચોંટી પડે કે આટલા તો પૈસા આપવા જ પડશે. તો આપણે એને કહીએ કે, 'ભઈ, જરા ભગવાન તો માથે રાખ.' તો ય કહેશે કે, 'ભગવાન શું માથે રાખે ? બે રૂપિયા ના લઈએ ત્યારે ખાઈએ શું ?' એટલે પછી આપણે કહીએ કે, લે ભઈ, આ બે રૂપિયા ને ઉપરથી આ દસ પૈસા. આપણેે જાણીએ કે આઠ આનાનું કામ હતું પણ આણે બે રૂપિયા લીધા. તે આપણે જાણ્યું કે આવું તો કો'ક દહાડો મળે, રોજ આવું મળે નહીં, બીજે દહાડે ખોળવા જઈએ તો ય એવો મળે નહીં. મજૂરો જ કહેશે કે, કાકા, બે રૂપિયા તો લેવાતા હશે ? એટલે કોઈક વાર બે રૂપિયાવાળો મળી જાય, કોઈક વાર દોઢ રૂપિયાવાળો મળી જાય, કોઈકવાર આઠ આનાવાળો ય મળી જાય. આપણને કેમ આ ભેગો થયો ? આ આપણું ઈનામ છે, માટે એને આપી દો.

કોઈને સહેજ હલાવશો નહીં. કારણ કે બધું સળગી ઊઠેલું છે. આમ ઉપરથી એમ લાગે કે કશું સળગ્યું નથી, ભડકો થયો નથી પણ મહીં ઘુમાઈ રહેલું છે. જરાક આંગળી અડી કે ભડકો થશે. માટે આ કાળમાં કોઈ જાતની કચકચ કોઈની જોડે ય ના કરવી. બહુ જોખમદારીવાળો કાળ છે. એ બગડેને ત્યારે કહીએ, 'ભઈ, અમારે પણ ધંધો કરવાનોને, પછી અમે શું ખાઈએ ?' એમ તેમ કરીને અટાવી-પટાવીને કામ લેવા જેવો વખત છે. એક પેલું લોખંડ એકલું જ ગરમ થયેલું હોય, તેને જ ધણ મરાય. બાકી બીજે બધે તો મરાય નહીં. એ ગરમ થયેલા લોખંડને ના મારીએ તો ય ઉપાધિ, એનો ઘાટ ના ઘડાય અને આ જીવતાંને તો જરાક હાથ અડાડ્યો કે ખલાસ. તેમ છતાં ય પ્રકૃતિ જોઈ લેવી. આપણો કાયમનો નોકર હોય એની પ્રકૃતિ જોઈ લેવી. તેમાં બહુ વાંધો નહીં. આપણે જાણીએ કે આ ડાહ્યો છે, એ ડાહ્યા જોડે ડાહી વાત કરો તો વાંધો નહીં પણ આ બહારની પબ્લિક સાથે તો ચેતીને રહેવું. કારણ કે ક્યારે કોઈ માણસ કેવો અકળાઈ ઊઠ્યો છે એ શું ખબર પડે ? છતાં એ તમને જ ક્યાંથી ભેગો થઈ ગયો ? માટે સમજાવી કરીને એનાથી છૂટી જવું. આ વિચિત્ર કાળ છે. એટલે બિચારાને બહુ અકળાટ હોય છે. મહીં બહુ જ દુઃખ હોય છે. તે જરા છંછેડો કે ચપ્પુ મારે. કશું વધારે પડતું દુઃખ સામાને ક્યારે

દે ? પોતાનું દુઃખ સહન ના થાય ત્યારે જ ને ?

પ્રશ્શનકર્તા : એને પોતાનું દુઃખ તો હશે જ, પણ અત્યારે તો આમ રસ્તે જાય છે તો વાતે વાતે કોઈ લેવા-દેવા વગર આમ સળગ્યું જ છે, આમ એને હાથ અડી ગયો કે સીધી મારામારી ઉપર જ જવાનો.

દાદાશ્રી : અરે, મારામારી તો શું ? એ કંઈ નવી જ જાતનું કરી નાખે. મારામારીમાંથી જો ખસી ના જાવને તો ચપ્પુ મારી દે. એટલે એમને તો એમ કહેવું પડે કે 'મારે લીધે તને કંઈ વાગ્યું હશે.' એમ-તેમ કરીને છૂટી જવું જોઈએ. આ તો જંગલી પાડા લઢતા હોય તેમાં મોટા રાજા હોય તો ય એનાથી જવાય ખરું ? એ પાડા રાજાનું માન રાખે ખરા ? એવું આ જંગલી પાડા જેવું થઈ ગયું છે અત્યારે !

એટલે કોઈની ય જોડે કચકચ ના કરશો. ને એવાં કો'ક દહાડો જ મળી આવે ને ! હવે એની જોડે બાઝીએ, એમાં શું કાઢવાનું ? પહેલું એક વાર કહી મૂકીએ કે 'આ ભગવાન તો માથે સંભાર'. ત્યારે કહે, 'ભગવાન-બગવાન શું ?' એ બીજા શબ્દ નીકળેને એટલે આપણે સમજી જઈએ કે આ હુલ્લડવાળો છે !

આ તે કેવી નાદારી ?!

એક મિલવાળા શેઠને કહ્યું, 'કેમ ચાલે છે, તમારા ધંધા-રોજગાર ?' ત્યારે તેમણે કહ્યું, 'બધું ડીરેલમેન્ટ થઈ ગયું.' મેં કહ્યું, 'બહુ સારું થઈ ગયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ !' આ રેલવેમાં ડીરેલ થઈ જાય તો બે-ચાર દહાડા માસ્તરો ચા-પાણી કરશે, ખાશે-પીશે નિરાંતે ! મેં એમને પૂછયું, 'શાથી એવું થઈ ગયું ?' ત્યારે કહે, 'રૂપિયા થોડા ઘણા મિલમાંથી કમાયો, તે બેંકમાં ભરવા ગયો, તે બેંકવાળાએ પછી પાછાં આપ્યા જ નહીં ! હવે આપતા જ નથી ! પહેલાં બેંકમાંથી લોન લાવેલો તે બેંકવાળા પાછાં આપતા જ નથી. તેથી મારું ટાઢું પડી ગયું છે, હવે મને કંઈ વિધિ કરી આપો. મેં કહ્યું, 'કરી આપું ! કરી આપું !' એટલે મને લાગ્યું કે આ બિચારાં બહુ દુઃખી છે. આ માણસને બેંક આપે નહીં, ભલેને મિલ એમને હોય, પણ મિલને કરે શું તે ? મિલને ઓઢે કે પાથરે ? એટલે પછી એમને ઘેર મને ને બધાંને બોલાવ્યા. કહે છે, 'પધરામણી તો કરોને મારે ઘેર, પગલાં પડે તો મારું કંઈક કામ થાય.' તે મેં કહ્યું, 'આવીશું.' તે અમે એને ઘેર ગયા. ચા-પાણી નાસ્તો લીધો એનો. પછી એક પાકીટમાં રૂપિયા આપવા માંડ્યા. ત્યારે મેં કહ્યું, 'તમારા રૂપિયા ના લેવા. આવી તમારી સ્થિતિમાં અમારે રૂપિયા શું કરવા છ

ે ?' હજાર જ રૂપિયા હતા. વધારે ન હતા. ત્યારે એ કહે, 'ના, દાદાજી, એ તો લેવા જ પડે.' 'દાદાજી એવું નથી પણ તમે જેટલું કહો છો એવું નથી. એ તો બીજું કારખાનું છે ને, એમાંથી બાર મહિને પાંચ લાખ રૂપિયા આવે છે !' મેં કહ્યું, 'અલ્યા, તમારી જોડે હું ક્યાં બેઠો આ ?! હું મારા મનમાં સમજું કે આ હપુચી બધી સ્ત્રીઓથી રાંડ્યો અને તું તો કહું કે અહીં બીજી છે !!!' 'બીજા પાંચ લાખ આવે છે' કહે છે ! હવે આમને ક્યાં પહોંચી વળાય ?! પછી એને જરા રાગે પાડી આપ્યું, જ્ઞાન આપ્યું. અત્યારે સુખિયો થયો છે ! એ કહે, 'તમે દાદા મને ખરું શીખવાડ્યું. ભાઈઓ જોડે મારે વેર હતું તે વેર તમે મારું બધું તોડી નંખાવ્યું. ખરું શીખવાડ્યું દાદાજી તમે. તે ઘેર દોડતા આવે છે !' મેં કહ્યું, 'તમે મિલમાલિક તે તમને શરમ નથી આવતી અહીં આવતા ?' ત્યારે એ કહે, 'શાની ? તમારી પાસે આવવાની શાની શરમ તે ? બીજે જવાની શરમ આવે. 'ભોગવે તેની ભૂલ' એ મને બહુ સારું ફીટ થઈ ગયું છે. મેં અત્યાર સુધી ભોગવ્યું. તે મારા મનમાં એમ કે આ ભાઈઓ જ ભોગાવડાવે છે પણ ભૂલ તો મારી જ છે. હવે સમજાઈ ગયું. હું તો ભાઈઓને વેરને માટે, તો ભાઈઓને આમ કરી નાખું ને તેમ કરી નાખું એવા જ બધા ભાવ રાખતો !' ત્યારે મેં કહ્યું, 'હવ

ે બધું છોડી દે છાનોમાનો. ડાહ્યો થઈ જા !'

દુઃખિયાની વ્યાખ્યા !

એટલે એવું માગીએ કે કંઈ માગવું જ ના પડે.

પ્રશ્શનકર્તા : એ જ માગ્યું છે.

દાદાશ્રી : એ તો માગવું પડે જ ને !

બીજી શેની ઉપાધિ છે તને ? તનેે કાઢી આપું. ઉપાધિ બધી નોંધાવી દે આજે.

પ્રશ્શનકર્તા : ધંધાદારીની ઉપાધિ છે.

દાદાશ્રી : ધંધાદારીમાં શું જોઈએ ? ઉપાધિ ક્યારે ન હતી ?

પ્રશ્શનકર્તા : હમણાં વધેલી છે.

દાદાશ્રી : પણ ઉપાધિ ન હતી ક્યારે, એ મને કહે ને ? કયા વર્ષમાં ન હતી ઉપાધિ તારે ?

પ્રશ્શનકર્તા : પહેલાં તો બધું સીધું ચાલતું હતું, જ્યાં સુધી લેબર ટ્રબલ હતી નહીં ત્યાં સુધી. મારે એક ફેક્ટરી છે.

દાદાશ્રી : પાંચ લાખની ફેક્ટરી હોય અને પોતાની જાતને મહાન દુઃખી છે, એમ માનીને સૂઈ જાય આખી રાત ! બે લાખનો ફ્લેટ હોય, વહુ હોય તો ય ચિંતા હોય !!! જો માની બેઠાં છે ! આખી ખોટી માન્યતા, રોંગ બિલીફો !!! પોતાની પાસે સાધન ના હોય તો ય દુઃખિયો, સાધન હોય તો ય દુઃખિયો ! ક્યારે તું દુઃખિયો ન હતો એ મને કહે ! નિરાંતે જમે છે કોઈ દહાડો ? નિરાંતે ? એટલે માથેથી ભાર ઉતારીને કે, 'હે દુઃખ ! તમેે બેસી રહો !' આવું બોલો તો દુઃખ બેસી રહે ! મને તો આવું આવડતું હતું. હું તો દુઃખને કહી દઉં, 'અરે ! બેસી જા થોડીવાર, મને જમી લેવા દે પછી આવજે.' આપણે ઊભું કરેલું તેને આપણે બેસાડીએ તો બેસી જાય. ઊભું તો આપણે જ કરેલું છે ને !

આ બધાં દુઃખો તને અમે કાઢી આપીએ. કાઢી આપવાનો વાંધો નહીં. ગભરાઈશ નહીં. એ તો બધા ય દુખિયા હોય, હું યે દુખિયો હતો ! એવું મનમાં ના રાખવું કે આ દુખિયો શાથી હું થઈ ગયો ! તું દુખિયો છે નહીં. એવું તું માની બેઠો છે. મારી પાસે તો બધા ય આવ્યા તેમાં કોઈએ એમ નહીં કહ્યું કે 'સાહેબ, હું બહુ સુખિયો છું' જ્ઞાન મળ્યા પછી સુખિયા થઈ ગયા ! પણ પહેલાં તો કોઈ એમ નહિ કહેતું કે, 'સાહેબ સુખિયો છું.' આપણે પૂછીએ, 'કેમનું ચાલે છે ?' તો કહે, 'ઠીક છે હવે !'

લેણું આપીને છૂટ્યા !

એવું છે ને, કે આપણે કો'કના લીધા હોય - દીધા હોય, લેવા-દેવાનું તો જગતમાં કરવું જ પડે ને ! એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે કો'કના પાછાં ના આવે તો એના માટે મનમાં કકળાટ થયા કરે કે, 'એ ક્યારે આપશે, ક્યારે આપશે !' તો આનો ક્યારે પાર આવે ?

અમારે ય એવું બનેલું ને ! પૈસા પાછાં ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા નાખતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરાં. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા. આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય તે ચિઠ્ઠીમાં ય સહી કશું ના હોય ને ! તે પછી એને વર્ષ, દોઢ વર્ષ થયું હશે. મને ય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, 'પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.' ત્યારે એ કહે છે કે, 'શેના પાંચસો ?' મેં કહ્યું કે, 'પેલા મારી પાસેથી લઈ ગયા હતા ને, તે.' ત્યારે એ કહે કે, 'તમે મને ક્યાં ધીરેલા ? તમને રૂપિયા તો મેં ધીરેલા એ તમે ભૂલી ગયા છો ?' ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, 'હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.' પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં ચોંટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો ? આ બનેલા દાખલાઓ છે.

એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય ? આપણે કોઈને આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરી બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડો એને ચા-પાણી પાવાં કે, 'ભઈ, તમારું ઋણ માનવું પડે કે તમે રૂપિયા પાછાં આવીને આપી ગયા. નહીં તો આ કાળમાં રૂપિયા પાછાં આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.' એ કહે કે, 'વ્યાજ નહિ મળે.' તો કહીએ, 'મૂડી લાવ્યો એ જ ઘણું છે ને !' સમજાય છે ? આવું જગત છે. લાવ્યો છે તેને પાછાં આપવાનું દુઃખ છે, ધીરે છે તેને પાછાં લેવાનું દુઃખ છે. હવે આમાં કોણ સુખી ? અને છે 'વ્યવસ્થિત' ! નથી આપતો તે ય 'વ્યવસ્થિત' છે અને ડબલ આપ્યા તે ય 'વ્યવસ્થિત' છે.

પ્રશ્શનકર્તા : આપે બીજા પાંચસો કેમ પાછાં આપ્યા ?

દાદાશ્રી : ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા. એ કહેશે કે, 'મારાથી અપાય એવા નથી, તો માંડવાળ કરજો.' તો એને પહોંચી વળાય ને ફરી આવતા અવતારમાં ય ભેગો થાય તો વાંધો નથી ! પણ આવા માણસ તો કોઈ અવતારમાં ય દર્શન ના થવાં જોઈએ. અમારી નાતને તો અડે જ નહીં તો સારું. અમારી નાતમાં ક્યાં સુધી અડે કે એ કહે કે, 'મારી પાસે સગવડ નથી તો તમે માંડવાળ કરો.' ત્યાં સુધી અમારી નાતને અડે, પણ જે આવું બોલે તે તો અમારી નાતને અડે ય નહીં. કામ જ ના ચાલે ને ! અમારી નાત જોડે લેવા-દેવા જ નહીં ને !! ફરી ભેગો જ ના થાય તો સારું, ફરી એનાં દર્શન જ ના થશો. પેલો જાણે કે, 'હું ફાવ્યો'. અમે કહીએ કે, 'તું ફાવ્યો છું અને અમારી ઇચ્છા હતી, મારો મોટો હિસાબ પતી ગયો ને ! તું ફાવ !!' આ ક્વૉલિટીને તો કેવી રીતે પહોંચી વળાય ? હવે આને તો ન્યાય કહેવો કે અન્યાય ?! કોઈ કહેશે કે, તમે ન્યાય કરાવીને પાછાં રૂપિયા લો.' મેં કહ્યું કે, 'ના, આ તો હવે ઓળખાણ પડ્યું કે આવી ક્વૉલિટી હોય છે. માટે આ જ્ઞાતિથી તો છેટા, બહુ છેટા જ રહો અને આમની જોડે તો ખરાં-ખોટાનો ન્યાય કરતાં તો તલવારો ઊડે એટલું થાય.'

કાગડા બધેય કાળા !

દાદાશ્રી : તમારું રાગે પડી જશે ભઈ, હં કે ! ધંધામાં નથી ફાવતું ?

પ્રશ્શનકર્તા : ફાવે તો છે પણ લેબરની ટ્રબલ ઊભી થઈ છે એટલે જરા મનમાં અશાંતિ રહ્યા કરે.

દાદાશ્રી : તે લેબરની ટ્રબલ ના હોય એવો ધંધો ખોળી કાઢને ! આ કોઈ ટ્રબલવાળાને સોંપી દેવી, પૈસા લઈને આપણે અહીં ટ્રબલ આવે તો અહીંથી અહીં ખસી જવું. લેનારા ય છે ને દેનારા ય છે. વેચનારાને વેચીએ તો એ લે કે ના લે ? આ ઓછું પૈણેલી ચીજ છે તે કંઈ કાયમ ના કાઢી મૂકાય ?

પ્રશ્શનકર્તા : અહીંયા મહારાષ્ટ્રમાં ટ્રબલ બહુ છે. એટલે અમારે હવે ગુજરાતમાં શિફ્ટ થઈ જવું છે.

દાદાશ્રી : આપણે ત્યાં જઈશું તો એ ટ્રબલ ત્યાં આવીને ઊભી રહેશે. આ દુઃખ તો કંઈ છોડવાનાં ઓછાં છે ? કેટલા ભાગીદાર છે ?

પ્રશ્શનકર્તા : ભાગીદાર કોઈ નથી. પોતે જ પ્રોપ્રાયટર છું.

દાદાશ્રી : ઇન્કમટેક્ષ કેટલો ભરવો પડે છે ? સેકડે બે ટકા. લોક સીધી રીતે ઇન્કમટેક્ષ ભરતા હશે ! અને સર્વિસવાળાને તો એમ ને એમ ઇન્મકટેક્ષ કાપી જ લે, પછી એમને નોખું આવ્યું જ ક્યાં ? એટલે એક સર્વિસવાળા હતા, રીસર્ચમાં. તે મને કહે, 'ત્રેપનસો રૂપિયા પગાર મળે છે. હવે કંપની કહે છે કે 'અમે તમને પગાર વધારીએ.' મેં કહ્યું, 'ના, મારો પગાર ના વધારશો, હું કંટાળી ગયો છું. મને એક ગાડી તમારી આપો ફક્ત. ગાડી હોય એટલે મારે આવવા-જવાનું ફાવે. પગાર વધારો તો તે પાછાં પેલા લોકો લઈ જાય. 'કોણ લોકો લઈ જાય ?' 'સરકાર.' એવી કંઈ કળા હશે જ ને ? એમાં ય કળા ખરી ને ? એ ય આવડે છે ને ?! 'ઊંટ કરે ઢેકડા ને માણસ કરે કાંઠડા.' આ દુઃખ તમારું બધું જતું રહેશે. દુઃખ તો કાઢવું છે ને ? આપણી આ લેબરની ટ્રબલ કાઢવી કે આપણી ટ્રબલ કાઢવી ?

પ્રશ્શનકર્તા : આપણી.

દાદાશ્રી : જેને પોતાની ટ્રબલ નીકળી એને બધીયે નીકળી ગઈ.

પ્રશ્શનકર્તા : પછી વડોદરા શિફ્ટ થવાની જરૂર નહીં ને ?

દાદાશ્રી : શેનું વડોદરા જવાની જરૂર ? જ્યાં જુઓ ત્યાં આગળ ને આગળ આવશે. આપણે સેફસાઈડ ખોળીએ, પણ જ્યાં જુઓ ત્યાં આની આ માયા આગળ આવ્યા વગર રહેશે નહિ. એક નહીં ને બીજી, પણ ટ્રબલ તો નિરંતર રહેવાની જ. આપણી જો ટ્રબલ નીકળી જાય તો કોઈ ટ્રબલ રહેશે નહીં. તમારાં વાઈફ તમને ખરું કહે છે કે જ્યાં જશો ત્યાં ટ્રબલ આવશે. જ્યાં જુઓ ત્યાં કાગડા કાળા ને કાળા છે. હું બધે જઈ આવ્યો. કેટલીક જગ્યાએ વિશેષ પડતા એકદમ કાળા છે. અને કેટલાક અહીં આગલ જરા કોલરવાળા છે. હું બધે જોઈ આવ્યો પણ આ સિવાય બીજી નાત નથી. જ્યાં જુઓ ત્યાં કાગડા કાળા !

... તો દેવું ચૂકવાય !

અને તો ય નિયમ એવો છે કે પૈસા લેતાંની સાથે જ નક્કી કર્યું હોય કે આના પૈસા મારે પાછાં આપવા છે, એવું નક્કી કરીને લેવાય. ત્યાર પછી ચાર-ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછાં અપાય એવી ભાવના કરે પાછી. અને તે ભાવના હોય તો રૂપિયા અપાય, નહીં તો રામ તારી માયા. રૂપિયા-બુપિયા અપાય નહીં. આ તો બધા જે દેવાં કરે છે ને, તે જે ઉઘરાણીએ આવ્યો તે લઈ ગયો. ત્યારે બીજાના લઈ આવ્યા. આ એકના દસ હજાર લે છે, બીજાને પાંચ હજાર આપી દે છે. પાછાં બીજાના લે છે ને બીજાના આપી દે છે. એમ તેમ કરીને ચક્કર ચક્કર ચલાવે છે. છેવટે પોક મેલે છે.

હિસાબ જડે ભાવ પરથી !

પ્રશ્શનકર્તા : ભાવ ચોખ્ખો હોવો જોઈએ ને ? ભાવ જ બગડી ગયો હોય તો પાછાં શી રીતે અપાય ?

દાદાશ્રી : એ ભાવ ચોખ્ખો નથી એ ઉપરથી જ આપણે હિસાબ કાઢી શકીએ કે આ અપાશે નહીં. અને ભાવ ચોખ્ખો હોય તો જાણવું કે આ પાછાં અપાશે. આપણે આપણી મેળે તોલ કાઢી જોવો.

આપણને અડચણ હોય તો આપણે આટલું જોવું કે આપણો ભાવ ચોખ્ખો રહે છે કે નહીં ? તો ચોક્કસ અપાશે, પછી ચિંતા કરવા જેવું નથી.

આપણે કોઈના રૂપિયા લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી અપાશે, પછી એના માટે ચિંતા-વરીઝ નહીં કરવાની. ભાવ ચોખ્ખો રહે છે કે નહીં, એટલું જ જોવાનું આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે.

ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો ? ત્યારે કહે કે, 'આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !' એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય.

પ્રશ્શનકર્તા : આ દેવાળું કાઢે ને પછી પૈસા ચૂકવે નહીં તો પછી બીજા અવતારે ચૂકવવાનું ?

દાદાશ્રી : એને ફરી પૈસા દેખાય નહીં, રૂપિયો એના હાથમાં અડે નહીં પછી. આપણો કાયદો શું કહે છે કે રૂપિયા પાછાં આપવા માટે તમારે ભાવ ના બગડવો જોઈએ, તો જરૂર એક દહાડો તમારી પાસે રૂપિયા આવશે, ને દેવું ચૂકવાશે ! ગમે તેટલા રૂપિયા હશે, પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં માટે કંઈક કામ કાઢી લો. હવે ફરી મોક્ષમાર્ગ મળે નહીં. એક્યાસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગે ય હાથમાં આવવાનો નહીં. આ છેલ્લામાં છેલ્લું 'સ્ટેન્ડ' છે. હવે આગળ 'સ્ટેન્ડ' નથી.

પૈસાનું કે એવું તેવું સંસારનું દેવું હોતું નથી, રાગ-દ્વેષનું દેવું હોય છે. પૈસાનું દેવું હોત તો અમે ના કહીએ કે, 'ભઈ, પાંચસો પૂરા માગતો હોય તો પાંચસો પૂરા આપી દેજે, નહીં તો તું છૂટીશ નહીં !' અમે તો શું કહીએ છીએ કે, એનો નિકાલ કરજો, પચાસ આપીને ય તું નિકાલ કરજે. અને કહીએ કે, 'તું ખુશ છે ને ?' ત્યારે એ કહે કે, 'હા, હું ખુશ છું.' એટલે નિકાલ થઈ ગયો.

જ્યાં જ્યાં તમે રાગ-દ્વેષ કર્યા હોય, એ રાગ-દ્વેષ તમને પાછાં મળશે. કોઈ પણ ભોગે બધો હિસાબ ચૂકવવાનો. હિસાબ ચૂકવવા માટે આ બધો અવતાર છે. જન્મ્યા ત્યારથી મરણ સુધી બધું ફરજિયાત છે.

- જય સચ્ચિદાનંદ