ફેમિલીમાં ભંગાણ, ભયથી ! સંપાદકીય પતિ-પત્ની, મા-બાપ છોકરાં તો એક ફેમિલી કહેવાય. જેમાં મતભેદ, ક્લેશ, કચકચ કશું જ ના હોવું જોઈએ. કારણ કે પોતે એક ઘરનાં, એક જ ફેમિલીના મેમ્બરો છતાં સૌથી વધારે કચકચ, કકળાટ પોતાના ફેમિલીમાં જ હોય. ત્યાં સમાધાન-શાંતિ રહે એવા અનેક કીમિયા આ કાળના અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી દેખાડે છે. અધ્યાત્મમાં સંપૂર્ણ અવિરોધાભાસ વિજ્ઞાન તો ધર્યું, સાથે સાથે એટલી જ અદ્ભૂત વ્યવહાર જ્ઞાનની બોધકળાઓ દેખાડી છે, જેથી કરીને વ્યવહાર સમતાપૂર્વક ઊકલે ને અંદર આત્મજ્ઞાનની જાગૃતિમાં રહી શકાય. સામસામે ફેમિલીમાં એકબીજાને દુઃખ લાગે તેનું કારણ પોતાનો મત, પોતાનું ધાર્યું કરાવવું, પોતાનો બાપપણાનો, માપણાનો, સાસુપણાનો કે ધણીપણાનો તાપ લાગે સામાને, એવા અહંકારથી બીજાને ઘા મારી દઈએ, પછી વેર-ઝેર વધે, એકબીજાથી ભય લાગે. ભય તો પરિણામ છે. સૂક્ષ્મમાં એ વ્યક્તિ ના ગમતી થઈ, એ વ્યકિત પ્રત્યે દોષદ્રષ્ટિ ચાલુ થઈ કે પરિણામે ભય લાગે. દાદાશ્રી પોતાની અનુભવ વાણીથી સચોટ સમજણ ફીટ કરાવે છે, જે પતિ-પત્ની વચ્ચે, મા-બાપ-બાળકો વચ્ચે સમાધાની સેતુ બની રહે છે. જ્યાં મતભેદ ઊભાં થતાં હોય ત્યાં દાદાશ્રીની એક-એક ચાવી તમામ દુઃખોથી છૂટકારો કરાવી દે તેવી જ હોય છે. જ્યાં ભયવાળી જગ્યા હોય ત્યાં રહેવાય જ કેમ કરીને ? એટલે મતભેદરહિત થઈ જવું તો સિક્યુરિટી થઈ. ઘરમાં વાઈફ-હસબંડ હોય તો ઘરની-બહારની બાબતોના કામની સમજણપૂર્વક વહેંચણી કરી નાખે, પછી એકબીજામાં ડખલ જ ના કરે તો પ્રોબ્લેમ આવે જ કેવી રીતે ? કેટલીક કોમમાં તો એવી સમજણ હોય છે કે વાઈફ જોડે ક્યારેય મતભેદ પડવા ના દે. એવી સુંદર એડજસ્ટમેન્ટવાળી જિંદગી જીવે. એ ઓળખવાની દ્રષ્ટિ હોય તો તેવા ગુણ પોતાને પ્રગટે. 'હું કોમનસેન્સવાળો છું' માનનારા ભલભલાનો અહંકાર ઊતરી જાય તેવી દાદાશ્રી એક જ વાત કરે છે કે વાઈફ જોડે વઢવાડ થતી હોય તો પોતાની કોમનસેન્સ રહી જ ક્યાં ? અને વાઈફ જોડે જીવનમાં કચકચ કર્યા વગર તો કોઈ રહ્યો જ નહીં હોયને ? પુરુષમાં બરકત ના હોય ત્યારે જ પર્સનાલીટી ધોવાઈ જાયને ? આમ બરકત હોય નહીં છતાં ધણીપણું કરે ને પત્નીને ફફડાવે, તે જીવનમાં શી રીતે સુખી થાય ? જમતી વખતેય ઝઘડો કર્યા વગર રહ્યો ના હોય, તે પછી શી રીતે ઘરમાં બધાને તેની પર પ્રેમ આવે ? સામો ભૂલ કરે અને તે સુધારવા પોતે ક્રોધ કરે, તે સામાને કેવી રીતે સુધારી શકે ? આમ જીવનના કૌટુમ્બિક ગૂંચવાડાના સોલ્યુશનો દાદાશ્રીની જ્ઞાનવાણીમાં અત્રે સંકલિત થયાં છે, તે વાચકને જીવનમાં ફીટ થતાં ભય વિનાની ફેમિલી લાઈફમાં રહેવાની દ્રષ્ટિ બક્ષશે એ જ અભ્યર્થના. દીપકના જય સચ્ચિદાનંદ ફેમિલીમાં ભંગાણ, ભયથી ! મતભેદરહિત થઈ જવું ! ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ? પ્રશ્નકર્તા : મતભેદની કોઈ દવા નથી. દાદાશ્રી : હેં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં, બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા લઈને સૂઈ રહેવાનું ? દવા ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાંય ઘા રૂઝાતો નથી. સવારમાંય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમે ય સમજી જાવ કે હજુ રાતનો ઘા રુઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ, એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે. પ્રશ્નકર્તા : બીજી તો શું દવા ? શાંત રહેવાનું. દાદાશ્રી : ક્યાં સુધી શાંત રહો, એ મતભેદ મટાડે નહીં ત્યાં સુધી ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ તો ફરી ઊભો થવાનો પાછો. જ્યાં મતભેદ ઊભા થતા હોય અને જ્યાં ભયવાળી જગ્યા હોય ત્યાં રહેવાય જ કેમ કરીને ? પ્રશ્નકર્તા : તો શું કરવાનું ? દાદાશ્રી : તો, જવું ક્યાં ? એટલે મતભેદ રહિત થઈ જવું ત્યારે સિક્યોરિટી (સલામતી) થઈ. મતભેદ પડવા દીધો જ નહીં ! અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં હાથ જ નહીં ઘાલવાનો કોઇ દહાડોય. એમના હાથે પૈસા પડી ગયા, અમે દીઠા હોય તોય અમે એમ ના કહીએ કે 'તમારા પૈસા પડી ગયા.' તે જોયું કે ના જોયું ? ઘરની કોઇ બાબતમાંય અમારે હાથ ઘાલવાનો નહીં. એ પણ અમારામાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઇએ, ક્યારે આવીએ, ક્યારે જઇએ, એવી અમારી કોઇ બાબતમાં ક્યારેય પણ એ અમને ના પૂછે. અને કો'ક દહાડો અમને કહે કે, 'આજે વહેલા નાહી લો.' તો અમે તરત ધોતિયું મંગાવીને નાહી લઇએ. અરે, અમારી જાતે ટુવાલ લઇને નાહી લઇએ. કારણ કે અમે જાણીએ કે આ 'લાલ વાવટો' ધરે છે. માટે કંઇક ભો હશે. પાણી ના આવવાનું હોય કે એવું કંઇક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઇએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમેય સમજી લો ને, કે કોઇ કોઇનામાં હાથ ઘાલવા જેવું નથી. ... આવી રીતેય ક્લેશ ટાળ્યો ! હિન્દુઓ તો મૂળથી જ ક્લેશી સ્વભાવના. તેથી કહે છે ને, હિન્દુઓ ગાળે જીવન ક્લેશમાં ! પણ મુસલમાનો તો એવા પાકા કે બહાર ઝઘડી આવે, પણ ઘેર બીબી જોડે ઝઘડો ના કરે. હવે તો અમુક મુસ્લિમ લોકોય હિન્દુઓ જોડે રહીને બગડી ગયા છે. પણ હિન્દુઓ કરતાં આ બાબતમાં મને તેઓ ડાહ્યા લાગેલા. અરે, કેટલાક મુસલમાનો તો બીબીને હીંચકો હઉ નાખે. અમારે 'કોન્ટ્રાકટર'નો ધંધો એટલે અમારે મુસલમાનને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએય ખરા ! અમારે કોઇની જોડે જુદાઇ ના હોય. એક દહાડો ત્યાં ગયેલા. તે મિયાંભાઇએ બીબીને હીંચકો નાખવા માંડ્યો. તે મેં તેને પૂછયું કે, 'તમે આવું કરો છો, તે ચઢી નથી બેસતી ?' ત્યારે એ કહે કે 'એ શું ચઢી બેસવાની હતી ? એની પાસે હથિયાર નથી, કશું નથી.' મેં કહ્યું કે, 'અમારા હિન્દુઓને તો બીક લાગે કે બૈરી ચઢી બેસશે તો શું થશે ? એટલે અમે હીંચકો નથી નાખતા.' ત્યારે મિયાંભાઇ કહે કે, 'આ હીંચકો નાખવાનું કારણ તમે જાણો છો ? મારે તો આ બે જ ઓરડીઓ છે. મારે કંઇ બંગલા નથી. આ તો બે જ ઓરડીઓ ને તેમાં બીબી જોડે વઢવાડ થાય તો હું ક્યાં સૂઇ જઉં ? મારી આખી રાત બગડે. એટલે હું બહાર બધાંની જોડે વઢી આવું, પણ બીબી જોડે ક્લિયર રાખવાનું.' પહેલાનાં કાળના લોકો તો ખાવાનું-પીવાનું ન હોય, લૂગડાં-લત્તાં ન હોય તોય ચલાવી લેતા. અને અત્યારે કશાની તાણ નહીં તોય આટલો બધો કકળાટ, કકળાટ, કકળાટ ! તેમાંય ધણીને 'ઇન્કમટેક્સ', 'સેલ્સટેક્સ'ના લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય. અને ઘેર બઈસાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો ? ત્યારે એ કહે કે, 'મારા ધણી વસમા છે.' આવા સંસારમાં ગમે છે તમને આ બધું ? પૈણ્યા કે આપણને ખાતરી રહે કે નાસી નહીં જવાય હવે. આજ વઢવાડ થઈને નાસી જાય તો લોકો શું કહે ? તે સમાજનો ડર રહે એટલા હારુ પૈણવાનું. પછી મિત્રાચારી કરવી. મિત્રાચારીમાં કેવો સારો સંબંધ રાખે ? ફ્રેન્ડ જોડે સિન્સિયર રહે છે, એમ કે ફ્રેન્ડ ત્યાં રહ્યો રહ્યો કહે કે મારો ફ્રેન્ડ આવો. મારા માટે ખરાબ વિચાર કરે જ નહીં. તેમ આના માટે ખરાબ વિચાર ના થાય. ફ્રેન્ડ કરતાં વધારે ના કહેવાય ? વઢવાડ ત્યાં કોમનસેન્સની કમી ! 'કોમનસેન્સ'વાળો માણસ જોયેલો ? કોઈ માણસ અત્યાર સુધી મેં 'કોમનસેન્સ'વાળો જોયો જ નથી. તે મોટા મોટા 'કલેક્ટર' મને પૂછે છે કે, 'કોમનસેન્સ તમે કોઈનામાં જોઈ જ નથી !' ત્યારે મારે કહેવું પડે છે કે, 'કોમનસેન્સ' ક્યાંથી લાવે ? બાઈડી જોડે વઢવાડ તો થાય છે ને તું 'કોમનસેન્સ' ક્યાંથી લઈને આવ્યો ? 'કોમનસેન્સ'વાળાને બાઈડી જોડે વઢવાડ થતી હશે ? જેની જોડે રહેવાનું છે, જેની જોડે ખાવાનું છે, પીવાનું છે, જેની જોડે ટેબલ પર જમવા બેસવાનું છે, તેની જોડે વઢવાડ થતી હશે ? એનું નામ 'કોમનસેન્સ' કહેવાય ? આવી 'કોમનસેન્સ' ક્યાંથી લઈ આવ્યા ? આ તો ખોટા ઘુમરાટ મનમાં લઈને જગત આખું ફર્યા કરે છે. 'હું કંઈક જાણું છું !' અલ્યા શું જાણ્યું તે ? 'કોમનસેન્સ' તો જાણી નથી હજુ, તો બીજું શું જાણ્યું ? આ તો કર્મના ઉદયથી ફરે છે. જેનાથી આખી દુનિયા ડરી જાય તોય એ બાઈડી જોડે કચકચ કર્યા વગર રહ્યો જ ના હોય ને ! અલ્યા, બાઈડી જોડે કચકચ શું કરવા કરે છે ? બાર વર્ષમાં બે-ચાર વખત તો કચકચ કરતો જ હોય ને ? ધણીપણું રાખ્યું તો.... પ્રશ્નકર્તા : ધણી એ ધણીપણું રાખવું સારું છે ? દાદાશ્રી : ના, ના. એ તો ધણીપણું તો આપણું રાખ્યું રહે જ નહીં. મહિનાની અંદર જ આપણને ખાલી કરી નાખે એ. કહેશે, 'આ બરકત નથી તમારામાં, વગર કામના બોલ બોલ ના કરશો.' એટલે આપણે સમજી જવાનું, મારું હારુ બરકત વગરનો કહ્યો. હવે આ તો સાલું બીજું જ વેતરાઈ ગયું. માટે ધણીપણું કરવાનું જ ક્યાં રહ્યું તે ! એટલે પછી એક માણસ મને કહે છે, 'ના દાદા, એ તો ચડી બેસે જો એવું કરીએ તો તો.' શું એણે ક્લેઈમ ઊઠાયો ? ચઢી બેસે. મેં કહ્યું, 'કેમ એને કંઈ મૂછો આવવાની છે ? મૂછો-બૂછો વગર શી રીતે ચઢી બેસે તે ? વગર કામનો શું કરવા ડરું છું ? ગભરાઉ છું વગર કામનો. ત્યાર પછી હવે એનું રાગે પડી ગયું. અમારું ફેમિલી છે આ. ફેમિલીમાં દુઃખ, કોઈ અડચણ ના હોય. એ ગાળ ભાંડે ને ત્યારે આપણે સમજી જવું કે અત્યારે કંઈ એનો મૂડ ઠેકાણે નથી. આપણે દાદા ભગવાનની સાંકળ ખેંચવી. પર્સનાલિટી પુરુષની ! માટે હંમેશાંય સ્ત્રી કોઈ દહાડો કંઈ ધણી થઈ બેસવાની નથી. માટે ધણી થવાની તમારે જરૂર જ નથી. ધણી છો જ, વળી થાવ છો શું કરવા તે ? જે છો એમાં થવાનું ક્યાં રહ્યું ? સ્ત્રીઓમાં બહુ શક્તિ હોય છે પણ એ પુરુષ થઈ શકે નહીં. એટલે તમારી ઉપરી થઈ શકે નહીં. તમે ઘેર પૈણી લાવ્યા, એટલે એ તમારી ઉપરી નહીં થાય. માટે તમારે મનમાં એવું નહીં રાખવું કે એ ઉપરી થઈ જશે. ચઢી બેસશે. આ તો આના ભયમાં ને ભયમાં નકામા ઝઘડા થાય છે. બાકી એક ભવ તો તમારો હિસાબ છે એટલું જ પતશે. બીજો લાંબો લાંબો હિસાબ થવાનો જ નથી. એક ભવનો તો હિસાબ ચોક્કસ જ છે, તો પછી આપણે શા માટે ઠંડા પેટે ના રહેવું ? એક ભાઈ કહે છે, મારી જોડે વાઈફને રોજ કકળાટ થાય છે. હવે વાઈફનો દોષ કે એનો દોષ, શું કહો છો ? પ્રશ્નકર્તા : દોષ તો બન્નેનો જ હોયને ! દાદાશ્રી : કારણ કે વાઈફ કોઈ દહાડો વઢવા આવે જ નહીં પુરુષ જોડે. એ તો જ્યારે પુરુષનામાં છત ના દેખે ત્યારે વઢવા તૈયાર થાય. છત દેખે કાં તો સંયમી દેખે તો બોલે નહીં, અક્ષરેય બોલે નહીં. વાઈફ તો છત ના દેખે એટલે પછી એવું જ ને ! છત તો હોવી જોઈએને ! આ પર્સનાલીટી હોવી જોઈએ, એનામાં સંયમ હોવો જોઈએ. હા, પછી પોતાનામાં બરકત ના હોય તો બધું ચઢી બેસે. સહુ કોઈ ચઢી બેસે. બરકત તો જોઈએને ? પૈણ્યા પછી બરકત ના હોય, તો કામનું શું ? ચઢી બેસે, એવું બધું મનમાં શંકાઓ ના કરવી. આ શંકાઓને લીધે ટસલ ઉપર ચઢ્યા જ કરે છેને, નિરંતર દુઃખમાં જ રહ્યા કરે છે, કોલ્ડવૉરમાં. હવે કોલ્ડવૉર કરવાની શી જરૂર છે તમારે ? અવળા શબ્દોથી લઢવાડ ! પ્રશ્નકર્તા : મને એવો ડર છે કે આપણે જે શબ્દો દ્વારા એકબીજાને સમજીએ એમાં ખોટા પણ સમજી શકાય છે. દાદાશ્રી : સાચા પણ હોયને ! આપણે આ શબ્દથી પેલાને કહીએ કે ભઈ, દૂધ આપો. એવું દૂધવાળાને કહીએ તો ખોટું શું ? શબ્દોથી જ દૂધ મળે ને ? અહીં તો 'કશુંક આપ' કહીએ તો દહીં આપી દે. એની પાસે જે હોય એ જ આપેને ! એટલે એવું કોણે કહ્યું કે શબ્દો દ્વારા ખોટા હોઈએ ? ૐ શબ્દ છે ને, તે તો કામ કાઢી નાખે એવો છે. પ્રશ્નકર્તા : પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે ત્યારે જગત બંધ થઈ જશે. બધી શબ્દથી લડાઈઓ થયેલી છે આ દુનિયામાં, જે થયેલી છે તે ! શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે, વઢેલા હોય આપણી જોડે, તેની જોડેય આપણે મીઠું બોલીએ ને, તો બીજે દહાડે એક થઈ જાય પાછા. એક જ શબ્દ અવળો બોલ્યા તો લડાઈ ચાલુ થઈ જાય, સામા જોડે. ને તે વખતે કોઈક જો મીઠા શબ્દ બોલી ગયા ને, કે 'ભઈ, આમ છે, તેમ છે' તો લડાઈ બંધ થઈ જાય. માટે પાંસરું બોલો. નહીં તો બોલશો જ નહીં. અને બોલવાનું મટતું ના હોય તો આમ મોં દાબીને બોલજો, એટલે સમજણ ના પડે સામાને. ખોયો વિશ્વાસ જાતનોય ! જેને પોતાની જાત ઉપર વિશ્વાસ છે તેને આ જગતમાં બધું જ મળે એવું છે, પણ આ વિશ્વાસ જ નથી આવતો ને ! કેટલાકને તો એય વિશ્વાસ ઊડી ગયો હોય છે કે 'આ વાઇફ જોડે રહેશે કે નહીં રહે ? પાંચ વરસ નભશે કે નહીં નભે ?' 'અલ્યા, આ પણ વિશ્વાસ નહીં ? વિશ્વાસ તૂટ્યો એટલે ખલાસ. વિશ્વાસમાં તો અનંત શક્તિ છે, ભલેને અજ્ઞાનતામાં વિશ્વાસ હોય. 'મારું શું થશે' થયું કે ખલાસ ! આ કાળમાં લોક બગવાઇ ગયેલા હોય ને દોડતો દોડતો આવતો હોય ને તેને પૂછીએ કે 'તારું નામ શું છે ?' તો એ બગવાઇ જાય. પુરુષનો પ્રભાવ... પ્રશ્નકર્તા : 'પતિ એ જ પરમાત્મા છે' એ શું ખોટું છે ? દાદાશ્રી : આજના પતિઓને પરમાત્મા માને તો એ ગાંડા થઇને ફરે એવા છે ! એક ધણી એની બૈરીને કહે, 'તારા માથા ઉપર દેવતા મૂક ને તેના પર રોટલી શેક !' મૂળ તો બંદર છાપ ને ઉપરથી દારૂ પીવડાવે તો એની શી દશા થાય ? પુરુષ તો કેવો હોય ? એવા તેજસ્વી પુરુષો હોય કે જેનાથી હજારો સ્ત્રીઓ થથરે ! આમ જોતાંની સાથે જ ધ્રૂજી જાય !! આજ તો ધણી એવા થઇ ગયા છે કે પોતાની બૈરીનો હાથ સલિયો ઝાલે તો તેને વિનંતી કરે, 'અરે સલિયા, છોડી દે. મેરી બીબી હૈ, બીબી હૈ.' મેર ચક્કર, આમાં સલિયાને તું વિનંતી કરે છે ? કઇ જાતનો ચક્કર પાક્યો છે તું ? એ તો એને માર, એનું ગળચું પકડ ને બચકું ભર. આમ એના પગે લાગ્યો એ કાંઈ છોડી દે એવી જાત નથી. ત્યારે એ 'પોલીસ, પોલીસ, બચાવો, બચાવો' કરે. અલ્યા, તું ધણી થઇને 'પોલીસ, પોલીસ' શું કરે છે ? પોલીસને શું તોપને બારે ચઢાવવો છે ? તું જીવતો છે કે મરેલો છે ? પોલીસની મદદ લેવાની હોય તો તું ધણી ના થઇશ. ઘરનો ધણી 'હાફ રાઉન્ડ' ચાલે જ નહીં, એ તો 'ઓલ રાઉન્ડ' જોઇએ. કલમ, કડછી, બરછી, તરવું, તાંતરવું ને તસ્કરવું - આ છએ છ કળા નથી આવડતી તો એ માણસ નથી. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે ચાલે નહીં. ધણીપણાથી ખોટા ફફડાવ્યા ! આટલું જો સ્ત્રીઓનું સન્માન થતું હોય ત્યાં એ દુઃખી કેમ હોય ? સ્ત્રીઓનું કંઈક સન્માન હોવું જોઈએ. આમ ધણી થઈને બેસે છે. અને બીજા એક માણસને ત્યાં સરસ બઈ હતી ત્યારે મેં કહ્યું, 'બઈને સારી રીતે તું રાખ. એને બહુ કડકાઈ ના કરવી એમ ! આવું ના શોભે.' ત્યારે મને કહે છે, 'એ ચઢી બેસે.' 'તે એ કોણે શીખવાડ્યું તને ? તો તું શું કામ ભડકું છું' કહ્યું આ. એ ભડકાટ ખોટો છે બધો. ખોટા ભડકાટથી લોકો ભડક ભડક કરે એમાં દુઃખી થાય ઊલટું. કશું સ્ત્રી એવું ના ચઢી બેસે. પણ એને અણસમજણ પેસી ગઈ, ગોટાળો ! શું થાય હવે ? ખરાબ કરનારને ડર ! આ તો બધા કર્મના ઉદયો છે, એમાં આપણે પ્રતિક્રમણ કરવું. આ તો કર્મના ઉદયો છે. ધક્કો લાગ્યા વગર રહે નહીં. એમની ઇચ્છા એવી ના હોય, છતાંય બધા કર્મના ધક્કા વાગ્યા કરે. કર્મ તો ભોગવ્યે જ છૂટકો ને ! પ્રશ્નકર્તા : મને એમ થાય કે, 'એમનું' સારું કરું પણ મારાથી બગડી જ જાય અને હું ખોટી ઠરીને ઊભી રહું. દાદાશ્રી : વાંધો શું છે પણ એ ? એનો વાંધો શું છે ? બન્યું એ કરેક્ટ. જેને સારું કરવું છે એને કોઈ ડર રાખવાની જરૂર નથી. જેને ખરાબ કરવું છે એ ગમે એટલો ડર નહીં રાખે તો એનો ભલીવાર આવવાનો નથી. એટલે આપણે સારું કરવું છે એમ નક્કી રાખવાનું. પ્રશ્નકર્તા : પહેલાં મને બહુ ડર લાગતો હતો. હવે ડર નથી લાગતો. દાદાશ્રી : પણ આવી વાતોય કરવાની જરૂર નહીં. એમને તો ખરાબ લાગીને ઘેર ગયાં હોય તો, એ બીજે દહાડે આવશે, તો રાજી થઈ જશે. આપણે પ્રતિક્રમણ કરવું. આ બધા રિલેટિવ સંબંધો છે ને ? રીયલ સંબંધ નથી. પ્રતિક્રમણ ના થાય તો ફાટી જાય. પ્રતિક્રમણનો અર્થ શું ? સાંધવું. સામો માણસ ફાડે ને આપણે સાંધીએ તો એ લૂગડું ટકે. પણ સામો ફાડે ને આપણે ફાડીએ તો શું રહે ? વાંક તેટલા વાંકા મળે ! માકણ કૈડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ આ ધણી બૈરીને કૈડે છે, બૈરી ધણીને કૈડે છે એ બહુ વસમું હોય છે. કૈડે કે ના કૈડે ? પ્રશ્નકર્તા : કૈડે. દાદાશ્રી : તો એ કૈડવાનું બંધ કરવાનું છે. માકણ કૈડે છે, એ તો કૈડીને જતો રહે. બિચારો એ મહીં ધરાઈ ગયો એટલે જતો રહે. પણ બૈરી તો કાયમ કૈડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કૈડે છે ! ત્યારે મૂઆ, પૈણ્યો'તો શું કરવા તે સાપણની જોડે ? તે એ સાપ નહીં હોય મૂઓ ? એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને ? પ્રશ્નકર્તા : એનાં કર્મમાં લખ્યું હશે એટલે એને ભોગવવું જ રહ્યું. એટલે એ કરડે છે, એમાં વાઈફનો વાંક નથી. દાદાશ્રી : બસ, એટલે આ કર્મના ભોગવટા છે બધા. તેથી એવી વાઈફ મળી આવે, એવો ધણી મળી આવે. સાસુ એવી મળી આવે. નહીં તો આ દુનિયામાં કેવી કેવી સારી સાસુઓ હોય છે ! ધણી કેવા કેવા સારા હોય છે ! બૈરી કેવી કેવી સારી હોય છે ! ને આપણને જ આવાં વાંકા કેમ ભેગા થયા?! આ તો બૈરી જોડે લઢવાડ કર્યા કરે. અલ્યા, તારા કર્મનો દોષ. એટલે આપણા લોકો નિમિત્તને બચકાં ભરે. બૈરી, તે નિમિત્ત છે. નિમિત્તને શું કરવા બચકાં ભરે છે ? નિમિત્તને બચકાં ભરે, તેમાં ભલીવાર આવે કોઈ દહાડો ? અવળી ગતિઓ થાય બધી. આ તો લોકોની શું ગતિ થવાની છે, એ કહેતા નથી એટલે ભડકતા નથી. જો કહી દે ને કે ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે, તો હમણાં ડાહ્યા થઈ જાય. સંસ્કારી બનાવવા સંસ્કારી બનો ! પ્રશ્નકર્તા : આ બધો સમાજ છે તો એમ કહે કે, આ મા બરાબર નથી, છોકરાંઓને સાચવતી નથી. એવી રીતના માને બધા વગોવે કે, એવું ના થાય ? દાદાશ્રી : એ તો આપણા મનના ખોટા ભય છે, લોકો મને આમ માનશે ને તેમ માનશે ! છોકરાંઓ સુધરવાં જ જોઈએ આપણાં. આપણા સંસ્કાર એવા સુંદર કરી નાખો કે છોકરાંઓ સુધરે. આ તો છોકરાંઓ શું કરે છે કે પપ્પો ને મમ્મી બે વઢતા હોય ચાળા કરીને, તે ઘડીએ બાબો એમ જોયા કરે. 'પપ્પો જ ખરાબ છે, આ મમ્મી તો બિચારી સારી છે.' તે ઘણાં મા-બાપને તો મેં ઇન્ડિયામાં કહી દીધેલું કે મૂઆ, આવું ના કરશો, નહીં તો એ છોકરાં મોટા થશે ને, ત્યારે મમ્મી ને છોકરાં બધા ભેગા થઈને તમારું તેલ કાઢી નાખશે. માટે એવું ના કરો. આ પ્રેમમય જીવન જીવો. આવું શા માટે કરો છો ? અણસમજણથી ઊભાં દુઃખો ! કંઈ ભગવાનને મારવા આવવું પડે છે ? એની મેળે જ વઢંવઢા કરે છે. ચિંતા એની મેળે જ કરે છે. દુઃખ ઊભાં એની મેળે જ કરે છે ને ? કોઈએ દુઃખ આપવા આવવું પડે છે ? પોતે દુઃખ ઊભાં કરે છે કે બહારના લોકો આપી જાય છે ? કોઈ ઊભાં કરે છે ? પ્રશ્નકર્તા : પોતે જ ઊભાં કરે છે. દાદાશ્રી : અરે ! મોંઘા ભાવની કેરીઓ લાવ્યો હોયને, અને પછી કેરીનો રસ, રોટલી બધું બેને મૂકેલું હોય તૈયાર અને ખાવાની શરૂઆત થઈ અને થોડુંક ખાધું અને કઢીમાં હાથ ઘાલ્યો, જરા ખારી લાગી કે ત્યાંથી ટેબલ પછાડે મૂઓ. કઢું નર્યું ખારું કરી નાખ્યું છે. મેર ચક્કર, પાંસરો રહીને જમને ! ઘરનો ધણી એ, કોઈ ત્યાં ઉપરી નથી. એ પોતે જ બોસ, એટલે કૂદાકૂદ કરી મેલે. છોકરાઓ ભડકી જાય કે પપ્પા આવા કેમ થઈ ગયા, પણ બોલાય નહીં. છોકરાં દબાયેલાં બિચારાં, મનમાં અભિપ્રાય તો બાંધી દે કે પપ્પો ગાંડો લાગે છે ! મૂઆ, કઢી ન્હોતી ખારી, એવું કહે. છોકરાને આપણે પૂછીએ, 'બોલ હવે, આ કઢી ખારી છે ને ?' ત્યારે કહે, 'પપ્પાજી, કઢી ના ખાશો. બીજું બધું ખાઈ લો.' આ પપ્પો એ અહંકાર દેખાડતો હોય એનો, આ ઘરનો મોટો વડીલ ! એને મારા જેવો કહેનાર હોયને, ત્યારે સીધો કરી નાખું એને. પપ્પો થઈને આવ્યો ! શરમ નથી આવતી. આ છોકરાં તારી નોંધ કરે છે. અત્યારે બોલાય નહીં છોકરાથી ! કઢી ખારી થઈ તો આપણે એને બાજુએ મૂકીને બીજું બધું જમી લઈએ નિરાંતે, તો શું વાંધો ? અને કઢી વગર ન ચાલે એવું હોય, તો પછી સ્હેજે પાણી નાખી દઈએ. ખારી થઈ એટલે, નહીં તો બેનને શાંતિથી એમ કહીએ, કે આ જરા કઢીમાં ફરી ઉપર પાણી-બાણી નાખી અને જરા ખાંડ-બાંડ નાખીને લાવને ! તો એ ફરી લાવે બિચારાં, પણ આમ કૂદાકૂદ શું કરવા કરો છો ? આ મોંઘા ભાવની કેરી લાવ્યો અને આ ગળે ઉતરશે નહીં. આ બઈનેય ગળે ના ઉતરે પછી. પછી બઈ ને છોકરાને, બધાને ભાવેય ના આવે કે, આ પપ્પો ખાવાય નહીં દેતો. છોકરાંય સમજે. કોઈની ભૂલ કઢાય જ નહીં ! પ્રશ્નકર્તા : રસ્તે જતાં કોઈ માણસને કહે તો એને દુઃખ થઈ જાય પણ ઘરમાં એવું દુઃખ ના થવું જોઈએ. ભૂલ કાઢો તો ધેર ઈઝ નથિંગ રોંગ ઇન ધેટ (એમાં કંઈ ખોટું નથી)! દાદાશ્રી : ના, ભૂલ કઢાય જ નહીં. દુઃખ તો થાય જ હંમેશાં. ભૂલ કાઢવી એટલે દુઃખ થાય જ. એ કાઢવી જ નહીં. એનું અપમાન કર્યા બરાબર છે એ તો. એ તો એની પર તમને વેર છે એક જાતનું. અગર તો ધણીપણું બજાવો છો. હું છું ! આ મોટા ધણી આવ્યા !! પ્રશ્નકર્તા : ભૂલ કાઢીએ તો ખરાબ લાગે એને અને ના કાઢે તોય ખરાબ લાગે. દાદાશ્રી : ના, ના, ના, ખરાબ ના લાગે. આપણે ભૂલ ના કાઢીએ, તો એ કહેશે, 'કઢી ખારી થઈ તોય બોલ્યા નહીં !' ત્યારે કહીએ, 'તમને ખબર પડશે ને, મારે શું કરવા કહેવું !' પણ આ તો કઢી ખારી થઈ ગઈ હોય તો મોઢું બગાડે, કઢું ખારું થયું છે. મૂઆ, આ કઈ જાતના માણસો છે ? આને ધણી તરીકે કેમ રખાય તે ? કાઢી મેલવો જોઈએ ધણીને તો ! આવા નબળા ધણીઓ ? અલ્યા, એ બઈ નથી સમજતી. તે તું વળી કહું છું ? માથાફોડ કરું છું ? એ તો એમને છાતીએ ઘા ના લાગે બળ્યું ! મનમાં કહેશે, આ કંઈ હું ન હતી સમજતી ? આ તો મને બાણ મારે છે મૂઓ. આ કાળમૂખો રોજ મારી ભૂલો જ કાઢ કાઢ કરે છે. તો આપણા લોકો જાણી જોઈને આ ભૂલો કાઢે છે, તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. તમને કેમ લાગે છે ? એટલે થોડું આપણે વિચાર કરીએ તો શું વાંધો છે ? પ્રશ્નકર્તા : વિચાર કરતા હોય તો તો વાંધો જ નથીને, નથી કરતા તેની જ આ મોંકાણ છે ને ? દાદાશ્રી : ના, પણ એમ નહીં. વિચાર કરવામાં એટલો જ વિચાર કરવાનો છે કે જે ભૂલને એ જાણી શકે છે, એ સમજી શકે છે એ ભૂલ આપણે કાઢવાની શી જરૂર ? એમને સમજણ પડે, ખારી ના સમજણ પડે બેન, તમે ખાવ એટલે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે પછી તમારે કહેવાની જરૂર નહીં. ગુસ્સો એ પોતાની જ નબળાઈ ! પ્રશ્નકર્તા : એક વાર ભૂલ કરે તો માફ કરી દઉં, પણ બીજી વાર જ્યારે એની એ જ ભૂલ કરે તો પછી નથી ચલાવી લેવાતું, એમાં ગુસ્સો થઈ જાય આપણાથી. દાદાશ્રી : ગુસ્સે તમે થાવ છોને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પણ ભૂલ એ કરે અને તમે શું કરવા નબળા થાવ છો ? ભૂલ એ કરે ને નબળા તમે થાવ છો ? પ્રશ્નકર્તા : હા, પણ એની ભૂલને લીધે આપણે બધાએ સહન કરવું પડે. દાદાશ્રી : ના, પણ નબળા શું કરવા થાવ છો તમે ? આપણે ગુસ્સે નહીં ભરાવું ને જોયા કરવાનું. એટલે એને મનમાં ભય લાગે કે આ જુઓને બોલતા નથી. કેવા સારા માણસ છે ! આવો ધણી ફરી નહીં મળે. 'હે ભગવાન ! આવો ધણી સાત અવતાર સુધી આપજે.' કહે છે. એ ભય રાખવા જેવો નથી ! પ્રશ્નકર્તા : બહુ વખાણીએ એટલે કઢી એવી ખારી જ, ગઈ કાલ જેવી જ બનાવે. દાદાશ્રી : એવો ભય રાખવાનો નથી આ જગતમાં ! કોઈ માણસ ચોરી ગયું, એનો એ માણસ ફરી ચોરી જશે એવો ભય રાખવા જેવું છે નહીં જગત અને હિસાબ હશે તો જ ફરી ચોરી જશે, બાકી ચોરાય નહીં. અડાય નહીં એવું આ જગત છે. એટલે નિર્ભય રહેજો બધી વાતમાં. મોટા મનના રહેવું ઘરમાં ! હં, પુરુષે બહુ મોટું મન રાખવું જોઈએ. વાઈફ તો કહે, 'તમે છો એવા તે કેરીઓ લાવતા આવડી નથી.' ત્યારે કહેવું કે ભઈ, ના આવડી ત્યારે તો આ ખાટી નીકળી. જો આવડી હોત તો મીઠી ના આવત ! એમ જરા નરમ બોલવામાં કંઈ આબરૂ ના જાય. પણ તે ઘડીએ ધણીપણું બજાવવા ફરે. એમાં આ તો રોજનું તોફાન ચાલ્યા કરે છે. એટલે આપણે જ મૂકી દઈએ, કે ભઈ આ ભૂલ તો થઈ, તમે કહી તે વાત સાચી છે પણ ભૂલ આપણી છે. એની નથી, બઈની નથી. બઈ તો કહી છૂટે આપણને કે તમને લાવતા ના આવડી, ત્યારે કહે, તમને સારું લાવતા આવડે છે એ હું જાણું છું પણ આ ફેરે તો મને સારી લાવતા ના આવડી. એમ કહેવામાં વાંધો શો છે આપણને ? સાહેબ જોડે બોલીએ કે ના બોલીએ, આપણા સાહેબ જોડે ? પ્રશ્નકર્તા : ના બોલીએ. દાદાશ્રી : ત્યાં તો સાહેબ ખરાબ લાવે તોય 'સાહેબ, તમે સારી લાવ્યા' એમ કહીએ. તે આ અહીં બઈ પાસે શું વાંધો છે ? આપણા સાહેબ કરતાંય બઈ ગઈ ? કારણ કે સાહેબ દંડો ઊઠાવે. દંડ કરે કે આમ કેમ કર્યું ? એવો ભય નહીં રાખવો, સાહેબનો ભય નહીં રાખવો. ભય પોતાના ઘરના માણસોનો રાખવો, એમને દુઃખ ના થાય એવો ભય રાખવો જોઈએ. સાહેબનો ભય રાખવાનો શો અર્થ છે તે ! આપણે આપણું સારી રીતે કામ કરીએ, છતાં એ મનમાં કહેતાં હોય, હું ડિસમિસ કરવાનો છું, હું તો એમ કરવાનો છું તો આપણે હસ્યા કરીએ કે ભમરડો કૂદ્યા કરે છે. આપણો હિસાબ હશે તો જ ને ! આપણે સારી રીતે કામ કરીએ છીએ, પછી એ શું છે તે ? અને એનું ડિસમિસનું શું ઠેકાણું ? કાલ સવારે એનો ઓર્ડર આવે કે ભઈ તમને ડિસમિસ કરવામાં આવે છે. એટલે કોઈ ગભરામણ, કોઈ સાહેબ જોડે કોઈ બીજી કોઈ ગભરામણ નહીં. છે તે રાજાથી કે ભગવાનથીય એ ભડકવું નહીં. આપણે સારી રીતે કાર્ય કરે જાવ, અહીં કોઈ આપણો ઉપરી નથી બા. આપણો ઉપરી આપણી ભૂલો. આપણે ભૂલો કરીએ તો એ આપણને પકડે. ભૂલ જ ના કરીએ તો ? હવે બેન જોડે આપણે કહીએ, આ તને ક્યાં આવડે છે, તું ત્યારે શાક કેવું લાવી હતી. એટલે શું થયું ? હલદીઘાટ. એટલે એ ઊલટું વધુ ને વધુ કેસ ચીકણો થયો. હવે આ વકીલો ખોળે, પછી આપણે વકીલો ખોળીએ. મહીં અંદરના, બહારના નહીં. અંદરના એ જ ઝઘડા વધતા જાય ને પછી એ તેથી ઊંઘ ના આવે રાતે. એનાં કરતાં કહીએ, હેં.... તારી વાત સાચી, આ તારે લીધે તો મને ખબર પડી કે આ ભૂલ થઈ આ. એટલે પછી આપણે કહીએ, ચા-બાનું ઠેકાણે પડે છે ? ત્યારે એ કહેશે, હા, હમણે બનાવી આપીશું. ખુશ થઈ જાય ને ! તો ચા મળે, દા'ડો સારો થાય, રાત સારી થાય, એમાં શું ખોટ ગઈ ? એક આંખે પ્રેમ, બીજી આંખમાં કડકાઈ ! અને સ્ત્રી તો વિફરશે, તે તારી બુધ્ધિ નહીં ચાલે, તારી બુધ્ધિ એને બાંધી શકશે નહીં. માટે વિફરે નહીં એવી રીતે તું વાતો કરજે. આંખમાં પ્રેમ જબરજસ્ત રાખજે. વખતે એ અવળું-હવળું બોલેને તો એ તો સ્ત્રી જાતિ છે, માટે લેટ ગો કરજે. એટલે એક આંખમાં સંપૂર્ણ પ્રેમ રાખવાનો, બીજી આંખમાં જરાક કડકાઈ રાખવાની, એવી રીતે રહેવું જોઈએ. જે વખતે જે જરૂર હોય તેવું, બિલકુલ કડકાઈ રોજ કરાય નહીં. એ તો એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી તરીકે માનવું, દેવી તરીકે. પ્રશ્નકર્તા : એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી, એ બે એટ એ ટાઈમ કઈ રીતના રહે ? દાદાશ્રી : એ તો માણસને, પુરુષને બધું આવડે ! હું ત્રીસ-પાંત્રીસ વર્ષનો હતોને, તો ઘેર આવુંને, તે હીરાબા એકલા નહીં, બધી સ્ત્રીઓ મને દેખે તે આંખમાં કડકાઈ દેખે અને એક આંખમાં પૂજ્યતા દેખે, તો બધી સ્ત્રીઓ માથે ઓઢીને બેસે અને આમતેમ ટાઈટ થઈ જાય બધી. અને હીરાબા તો મહીં, ઘરમાં પેસતાં પહેલાં ભડકે. બૂટ ખખડ્યો કે ભડકાટ પેસી જાય. એક આંખમાં કડક, એકમાં નરમ. એના વગર સ્ત્રી રહે જ નહીં. તેથી હીરાબા કહેને, હેય, દાદા કેવા છે ? પ્રશ્નકર્તા : તીખા ભમરા જેવા. દાદાશ્રી : તીખા ભમરા જેવા છે. એવું કાયમ રાખીએ. એમ, સહેજે થથરાવાનું નહીં. ઘરમાં પેસીએ.... કે ચૂપ, બધું ઠંડુંગાર જેવું થઈ જાય, બૂટ ખખડે કે તરત ! કચરો કાઢ્યો કડકાઈથી ! કડકાઈ શાથી કે એ ઠોકર ના ખઈ જાય એટલા માટે કડકાઈ રાખજે. એટલા માટે એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમ રાખવો. પ્રશ્નકર્તા : એ નાટકની ખબર પડી જાયને એમને. દાદાશ્રી : એટલી સમજણ ના હોય. એ તો એમ જ જાણે કે સ્વભાવ આકરો છે. અમે જ એક દહાડો ત્રાગું કર્યું હતુંને ! એ વાસણો બધા, ખાંડના, ચાના ડબ્બા, ઘાસતેલના ડબ્બા ને તેલના ડબ્બા બધું ફેંકાફેંક કરેલું. બધો રગડો કરેલો, ઓરડામાં રગડો રગડો થઈ ગયો બધો. પ્રશ્નકર્તા : ધાર્યું કરાવવા ? દાદાશ્રી : હા. આખી જિંદગીમાં એટલું જ ત્રાગું કરેલું, એને ત્રાગું કહેવાય. દબાવી મારવા, તેય પારકા હારુ, ધર્મને માટે કરવું પડેલું. મારા પોતાના માટે કશું કરેલું નહીં. કારણ કે હીરાબાને અમે કહ્યું કે આવું તમારાથી વર્તન ના કરાય. જાતજાતના ખેલ, દુનિયામાં ! આપણા લોકો મહીં લઢે ખરા કો'ક દહાડો ? બારણું વાસીને કે ઊઘાડું રાખીને ? આપણા લોકો તો પટેલ લોકો, ભોળા માણસ, કો'ક બહારનું પેસે તોય કશું નહીં અને એક વાણિયો મારી ઉંમરનો હતોને તેને મેં પૂછયું, 'અલ્યા, તમારે ત્યાં લઢવાડ થાય કે ?' ત્યારે કહે, 'દાદાજી લઢવાડ તો રોજે થાય, બધેય થાય.' મેં કહ્યું, 'તમે શું ઉપાય કરો, લઢવાડ થાય છે ત્યારે ?' ત્યારે એ કહે, 'પહેલાં બારણું વાસી આવું. તે બહારથી આવતા બંધ થઈ જાય.' ત્યારે મેં કહ્યું, 'સિનેમાવાળા તો ખુલ્લું રાખે છે.' ત્યારે કહે, 'એમને તો ઘરાકી જોઈતી હોય અમારે ઘરાકી નથી જોઈતી.' હા, લોક પેસી જાય તે ઊલટી વઢવાડ વધારે. પાછા મહીં સંકોરનારા આવે. સંકોરે પાછું. મહીં સળગતું હોય તેને સંકોરી આપે. એ ભવાડો થઈ જાય એવું સમજી જાય. એ તો બારણું પહેલાં વાસી આવે. 'બારણું વાસી આવું ને પછી ઘરમાં લડીએ પછી એની મેળે ટાઢું પડે.' આની બુધ્ધિ સાચી છે. મને ગમ્યું આ, આટલીય અક્કલવાળી વાત હોય તો તેને આપણે એક્સેપ્ટ કરવી જોઈએ. અને અમારે તો રાજશ્રી લોકો, બારણું વાસેલું હોય તો ઊઘાડી નાખે. દેખો હમારા ખેલ, હમારા ખેલ દેખો, કહેશે. પ્રશ્નકર્તા : ક્ષત્રિયમાં તો એમ કહી દે કે ચાલતી થા, આ બારણા ઉઘાડા છે, બારણા વાસવા ના બેસે. દાદાશ્રી : હા, એવું કહે એ. કહે ઉપરથી, એ લોકોને ભય નહીં એવો. પણ આ ભવાડો તો થાયને, બળ્યો ! તો પછી ધણીનેય ડફડાવે ! આ અમલદારોય ઑફિસેથી અકળાઈને ઘેર આવેને, ત્યારે બઈ સાહેબ શું કહેશે કે 'દોઢ કલાક લેટ થયા ? ક્યાં ગયા હતા ?' લે !! એક બઈ છે તે એક ફેરો એના ધણીને ડફળાવતી'તી, ત્યારે આવો સિંહ જેવો માણસ જેનાથી આખું ગુજરાત ભડકે, એનેય ભડકાવે છે, જુઓને ! આખા ગુજરાતમાં કોઈ નામ ના દે, પણ એની બઈ ગાંઠતી જ નથી. અને એને હઉ ટૈડકાવી નાખતી હતી. પછી મેં એને એક દહાડો કહ્યું, 'બેન, આ ધણી છે તે તને એકલી મૂકીને દસ-બાર-પંદર દહાડા બહારગામ જાય તો ?' ત્યારે કહે, 'મને તો બીક લાગે.' હવે શેની બીક લાગે ? ત્યારે કહે છે, 'મહીં બીજા રૂમમાં પ્યાલો ખખડેને તોય મારા મનમાં એમ લાગે કે ભૂત આવ્યું હશે.' એક ઊંદરડી પ્યાલો ખખડાવે તોય બીક લાગે ને આખી રાત ઊંઘ ના આવે. અને આ ધણી તારો આટલો વાઘ જેવો, તે એનાથી ભડકતી નથી. ધણીને લીધે તને બીક નથી લાગતી, એ ધણીને પાછી તું ટૈડકાવ ટૈડકાવ કરું છું, વાઘ જેવા ધણીનું તેલ કાઢી નાખે. પ્રશ્નકર્તા : એવી ટેવ પડી ગઈ હોયને માણસને ? દાદાશ્રી : ના, ના. પણ ઉંદરડીથી ભડકે એ ધણીથી ભડકતી નથી, એ અજાયબી જ છેને ? મર્યાદા રાખવી જોઈએ બધી. અને ધણીનેય કહેવું જોઈએ કે મર્યાદામાં તમે રહો અને હું રહું. આપણે બેઉ સંધિ કરો મર્યાદાની. તમારે સ્ત્રીઓએ ધણીને પી ના જવા જોઈએ. કેટલીક સ્ત્રીઓ તો ધણીને વાટી કરીને ફાકો કરી નાખે. એવું ના હોવું જોઈએ. ધણી સારો હોય તો બિચારો દબઈ જાય અને તેથી દુરુપયોગ ન કરવો જોઈએ. ધણી એટલે ધણી. પણ આપણે સાચવીને હેંડીએ તો ડાહ્યા થઈ જાય એવો છે. નહીં તો ય એની જોડે આખી જિંદગી કાઢવી જ પડશેને ? ત્રાગા સામે જ્ઞાનીની બોધકળા ! અમારા એક ઓળખાણવાળા, તે એને મેં કહી દીધેલું કે 'આપણી જ ભૂલ છે. માટે હવે ફરી તું ભૂલ ના કરીશ.' ઘરમાં પેલી બઈ આને ગભરાવ્યા કરે. મેં એને કહેલું કે તારે સમતા રાખવાની. આપણે એને દબડાવી છે, તેથી હવે એ દબડાવે છે. પણ હવે તું બદલો લેવા ફરું નહીં, છતાંય એ છોને બદલો લેવા ફરે. તું સ્ટ્રોંગ રહેજે. તે એણે તો ખરેખરી સમતા રાખી. પેલી બઈ તો આને ફફડાવવા એક-એક 'ડોઝ' આપે પણ આ સમતામાં રહે. એટલે એ બઈએ જાણ્યું કે આમને ડોઝ એકુંય લાગું નથી થતો. એટલે એક દહાડો તો વેલણ લઈને ઘરમાં વાસણો પાડ્યાં, ધડમધડા, ધડમધડા... પણ મારું શીખવાડેલું, તે પેલો હાલ્યો નહીં. મેં કહેલું કે જો રોગ મટાડવો હોય તો તું હાલીશ નહીં. બઈ જાણે કે મારી દવા બધી ફેઈલ ગઈ. દવા ફેઈલ જાય જ ને ! અમને એ આવડે. આખી દુનિયા નાચે ને અમારી પાસે, છતાં એની દવા ફેઈલ જાય. કારણ કે અમે વીતરાગ છીએ. બાકી બાઈ એવા છોને જુલાબ આપે પણ એની વાતમાં કશો માલ નહીં. છેવટે એ જ પસ્તાય કે મારી દવા નકામી ગઈ ! એમેય બોલે કે એ ગુરુનું નખ્ખોદ જજો ! ભૂલ સ્વીકારી ટાઢું પાડવું ! પ્રશ્નકર્તા : પુરુષો અમને દબડાવે તેનું શું ? દાદાશ્રી : વહુ જોડે હઠે ચડ્યા હોય ને તો સવાર સુધી છોડે નહીં. વહુએ સમજી જાય અને પાછો પોતેય જાણે આ હઠ પકડી છે, પણ હવે છોડવી નથી એવું પોતે હઉ જાણે. આ હઠ પકડી છે પણ હવે છોડવી નથી આપણી. આબરૂ જાય, કહે છે. પ્રશ્નકર્તા : પણ એવું નીચું તો પાડે જ નહીં ને પણ. ધણી કઈ પોતાની બૈરી આગળ નીચું પડવા દે ? દાદાશ્રી : પણ નીચું પડવા દે, તે જ ડાહ્યો કહેવાય. આ અમે તો કહી દેતા હતા હીરાબાને કે 'આ અમારી ભૂલ થઈ હો ! કો'ક દહાડો આવી બહુ ભૂલો થાય છે અમારી તો.' ત્યારે કહે, 'ના, તમારી ભૂલ નથી થતી.' એ કહે ઊલટાંનું. આપણે કહીએ, 'નથી ભૂલ થઈ.' ત્યારે કહે, 'તમારી ભૂલ થઈ છે.' અને સ્ત્રી કઈ ચડી બેસે ? મૂછો જો આવતી હોય તો ચડી બેસે. એ ખોટો ભય રાખીએે નકામો આ. પહેલાંય હતું એવું જ ! પ્રશ્નકર્તા : ધણીઓ, દાદાના જ્ઞાન પછી ડાહ્યા થઈ જાય, એટલે બૈરાઓ છે તો ગેરલાભ લે ધણીઓના. દાદાશ્રી : એ બધી કલ્પનાઓ છે. પહેલા નહોતા લેતા ? એ એમને ખબર જ ક્યાં છે ? જે 'વ્યવસ્થિત' કહેલું છે, એ એક્ઝેક્ટ જોઈને કહેલું છે. એમાં ફેરફાર જ ના થાય કંઈ. એ ગેરલાભ લેવાના હશે તે ગેરલાભ લેશે. નહીં લેવાના હશે તે ગેરલાભ છોડી દેશે. તમારા મનમાં, બુધ્ધિના વિકલ્પ બોલે છે. પ્રશ્નકર્તા : એમને છૂટવું છે. ગેરલાભ લઈને ક્યાં બંધાવાનું ? દાદાશ્રી : અમે જે 'વ્યવસ્થિત' જોઈને કહ્યું છે ને, એટલે નિશ્ચિંત રહેવા જેવું છે. આ જેટલું ડિસાઈડેડ છે એટલું જ થશે. અન્ડિસાઈડેડ કશું થવાનું નથી. તમારી પાસેથી કોઈ લાભ લઈ શકે નહીં. આ જ્ઞાન આપતાં પહેલાં ડિસાઈડેડ થઈ ગયેલું છે. એટલે અમે 'વ્યવસ્થિત' કહેલું આ. એટલે તમે જરાય છેતરાઓ નહીં, માટે નિર્ભય થઈને આ કામ કર્યે જાઓ. નિર્ભય થઈને પણ તમારો શુધ્ધ ઉપયોગમાં રહ્યા કરો. શુધ્ધ ઉપયોગમાં રહેવું, એટલે 'હું શુધ્ધ જ છું'. ઉપાય પ્રેમ વધે એવો ! બધી જ સ્ત્રીઓ ધણીનો મૂડ ઓળખે કે આજે આનું ઠેકાણે નથી. એટલે આપણે જાણીએ કે આને ફર્સ્ટ ક્લાસ ચાની ટેવ છે, પેલી મોંઘા ભાવની ચા રાખી મેલી હોય, કો'ક સારા માણસ આવ્યા હોય તેને માટે, તો તે ચા બનાવી આપવી. કશું બોલવા-કરવાનું નહીં. ચા-નાસ્તો, ભાવતી મીઠાઈ, જે ઠીક લાગે તે રાખી મેલવી આપણે ને આપવું, તો ટાઢો પડી જાય ને ! તો પ્રેમ વધે. તને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હા એ હા કરવું એ ના ચાલે કંઈ, એવા ઉપાયો કરવા પડે. તને કેમ લાગે છે ? મૂડમાં ના હોય તો મૂડ ટાઢો નહીં કરવો પડે ? પ્રશ્નકર્તા : કરવો જ જોઈએ. દાદાશ્રી : તોય આપણે, એ ચીઢાયેલો એટલે આપણે પાછા એને સળી કર કર કર્યા કરીએ. પછી ભડકો થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : એ ચા-નાસ્તો આપીએ તોય ખુશ ના થાય. દાદાશ્રી : એ તો ધીમે ધીમે થાય, એકદમ ના થાય. પહેલાની આપણી ડખલ કરેલી હોયને પણ ધીમ ધીમે બહુ ખુશ થઈ જાય. એને ખાતરી થાય, ભડકાટ નીકળી જાયને. જેમ ભડકેલું કૂતરું હોયને, એને પટાવ પટાવ કરીએ તોય ના જાય. પછી બે-ચાર દહાડા ખાતરી થાય પછી એ ના આવે. ના ફાવ્યું ત્યાં જ એડજસ્ટમેન્ટ ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું 'એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએને ? દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પડોશીય કહે કે, 'બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં. આપણે એને 'ફીટ' થઈએ, તો આ દુનિયા સરસ છે. અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર'. આપણે એને ફિટ થઈએને તો વાંધો નથી. સુધારવાનો ઈગોઈઝમ જ બગાડે ! પ્રશ્નકર્તા : પતિનો ભય, ભવિષ્યનો ભય, 'એડજસ્ટમેન્ટ' લેવા દેતા નથી, ત્યાં આગળ 'આપણે એને સુધારનાર કોણ ?' એ યાદ રહેતું નથી ને સામાને ચેતવણીરૂપે બોલાઈ જાય છે. દાદાશ્રી : એ તો 'વ્યવસ્થિત'નો ઉપયોગ કરે, 'વ્યવસ્થિત' ફીટ થઈ જાય તો કશો વાંધો આવે તેમ નથી. પછી કશું પૂછવા જેવું જ ના રહે. ધણી આવે એટલે થાળી-પાટલો મૂકીને કહીએ કે, 'ચાલો જમવા !' એમની પ્રકૃતિ બદલાવાની નથી. જે પ્રકૃતિ આપણે જોઈને પસંદ કરીને પૈણીને લાવ્યા, તે પ્રકૃતિ ઠેઠ સુધી જોવાની. માટે પહેલે દહાડે શું નહોતાં જાણતાં કે આ પ્રકૃતિ આવી જ છે ? તે જ દહાડે છૂટું થઈ જવું હતું ને ? વટલાયા શું કરવા વધારે ? આ કચકચથી સંસારમાં કશો ફાયદો થતો નથી, નુકશાન જ થાય છે. કચકચ એટલે કકળાટ ! તેથી ભગવાને એને 'કષાય' કહ્યા. પ્રશ્નકર્તા : પ્રકૃતિ ના સુધરે પણ વ્યવહાર તો સુધારવો જોઈએને ? દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કો'ક દહાડો આવડ્યો હોત, અરે, અડધો કલાકેય આવડ્યો હોત તોય ઘણું થઈ ગયું. વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે 'રિલેટિવ' સત્ય. તે અહીંની નોટો સાચી હોય કે ખોટી હોય, બેઉ 'ત્યાં'ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને અને આપણે 'આપણું' કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઈ કહે કે, 'ભઈ, તમારામાં અક્કલ નથી.' તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું. આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઈને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે, એનો નિશ્ચય નિશ્ચય છે. આ તમારો ઉપાય એ નુકસાનકારક છે. આ ન હોય ઉપાય. આ તો એક જાતનો 'ઇગોઇઝમ' છે. હું આને આમ સુધારું, તેમ સુધારું એ 'ઇગોઇઝમ' છે. આપણે શું કહેવા માંગીએ છીએ કે પહેલો તું સુધર. તમે એકલા જ બગડેલા છો, એ તો સુધરેલા જ છે. કોઈને ભડકાવીને કોણ સુખી ? પ્રશ્નકર્તા : એ એક જ જગ્યા ટૈડકાવવાની છે. બીજે તો ક્યાં, કંઈ બોલી શકે ? દાદાશ્રી : બીજે મારે બધાં. પાછો અહીંયાં વાઈફને શું કહેશે ? 'શું સમજે તું તારા મનમાં, તારા બાપને ઘેર તને મોકલી દઈશ ?' કહેશે. પછી છોડીનું તેલ કાઢી નાખે. એ તો હું વઢું ત્યારે વળી ટાઢું પડે, નહીં તો રીંગણું ટાઢું પડે નહીં પોતે. પાછો એવું કહું કે રીંગણ જેવો છું ને શું બોલ બોલ કરે છે તે ? એટલે પછી ટાઢો થઈ જાય. છૂટાછેડા કરતાં નિભાવો ! પ્રશ્નકર્તા : આજકાલ બધા ડાયવોર્સ લે છે, છૂટાછેડા લે છે. તે નાનાં નાનાં છોકરાંઓ મૂકીને છૂટાછેડા લે છે, તો એનો નિસાસો ના લાગે ? દાદાશ્રી : લાગે ને બધુંય, પણ શું કરે તે ? ખરી રીતે ના લેવા જોઈએ. ખરી રીતે તો નભાવી લેવું જોઈએ આખું. છોકરાં થતાં પહેલાં લીધા હોત તો વાંધો નહોતો, પણ આ છોકરાંઓ થયા પછી લે, તો છોકરાનો નિસાસો લાગેને ? પ્રશ્નકર્તા : એવું બને કે મા-બાપ સુખી ના હોય, દુઃખી હોય તો છોકરાંઓ પણ દુઃખી થાય. દાદાશ્રી : પણ આ છૂટાછેડા, છોકરું હોય તો ના લેવાય તો સારું. કારણ કે છોકરાને બિચારાને રખડી મરવાનુંને કે, બાપ પાસે રહેવું કે મા પાસે રહેવું ? પ્રશ્નકર્તા : છોકરાના બાપનું જરાય મગજ ચાલતું ના હોય, કશું કામકાજ કરતા ના હોય, મોટલ ચલાવતા ના આવડતી હોય અને ચાર દિવાલની વચ્ચે ઘરમાં બેસી રહેતો હોય, તો શું કરવાનું ? દાદાશ્રી : શું કરવું પણ તે ? બીજો પાંસરો મળશે કે નહીં એની ખાતરી શું ? પ્રશ્નકર્તા : એ તો નહીં જ વળી... દાદાશ્રી : બીજો વળી એથી એના મોઢામાં થૂંકે એવો મળે ત્યારે શું કરવું ? ઘણાં લોકોને મળેલું એવું, પહેલો હતો, તે સારો હતો. પાછું મેરચક્કર ત્યાં પડી રહેવું હતું ને ! મહીંથી એ સમજવું પડે કે ના સમજવું પડે ? પ્રશ્નકર્તા : દાદાને સોંપી દઈએ તો પછી બીજો પાંસરો મળે ને ? દાદાશ્રી : સારો મળ્યો અને ત્રણ વર્ષ પછી એને એટેક આવ્યો, તો શું કરશો ? આ નર્યું ભયવાળા જગતમાં શા હારુ આ... ! 'જે બન્યું એ કરેક્ટ' કહીને ચલાવી લો તો સારું. ત્રણ વર્ષ પછી એટેક આવે. એટલે આપણને પેલો જૂનો હતો તે સાંભરે. મૂઆ, પેલો હતો તે છોડીને આ પાછા એટેકવાળાને ત્યાં આવ્યા. એટલે આ બધું ફજેતો છે બધો, બેન ! આ તો તમારે જો આવું થયેલું હોય ભાંગફોડ તો, હું તમને સમજણ પાડી દઉં કે આવી રીતે તમે ચલાવી લેજો, એ રીતે દેખાડી દઉંને એટલે બોજારૂપ તમને ના લાગે ને એનેય ના લાગે. બેઉનું રાગે પાડી આપું. અણસમજણથી છૂટા પડનારાઓને ! પ્રશ્નકર્તા : અહીંયાં અમેરિકામાં બધા જરાક કંઈક થાય ને તરત છૂટાછેડા લઈ લે છે. તો એમની ગયા ભવની ભડક પેસી ગયેલી હશે એટલે લે છે એ? દાદાશ્રી : ના, બેભાનપણામાં, ભાન જ નથી ને ! અરે, છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું પાછો. એટલે પાછા એ બેઉ જણા ચોંટી જ રહે. ખાલી ભડક અણસમજણની. ઘણાં છૂટા પડી ગયેલા રાગે પડી ગયા આમાં. ભયથી ભાંગે ફેમિલી ! ઘરમાં ધણીને પણ ભય ના લાગે આપણો. છોકરાંને કોઈને આપણો ભય ના લાગે એવી રીતે જીવન જીવવું જોઈએ. પ્રશ્નકર્તા : હું એવા આશયથી કરતી નથી કે એમને ભય લાગે, પણ કદાચ કંઈ લાગતો હોય તો મને ખબર નથી. દાદાશ્રી : કોઈ પણ કારણે ભય ના લાગવો જોઈએ. પ્રેમસ્વરૂપ થવું જોઈએ. ભય ના લાગવો જોઈએ આપણો. પ્રશ્નકર્તા : હવે એવો પ્રયત્ન કરીશું. દાદાશ્રી : હા. ભય લગાડવો એવું તમને ગમે છે ? પ્રશ્નકર્તા : કંટ્રોલ રાખવો ગમે છે. દાદાશ્રી : હા. ભયથી જ તમે શીખવાડો. મોટો થશે ભયથી, પછી કલ્યાણ કાઢી નાખશે (!) પ્રશ્નકર્તા : બાળકને આપણે કંટ્રોલ તો રાખવો પડેને, એટલે કંટ્રોલ રાખવા માટે પછી એને બીક તો લાગે જ ને, આપણે એવું કંઈ કરીએ તો ! એને ડિસિપ્લિન તો શીખવાડવી પડેને ? દાદાશ્રી : પછી ડિસિપ્લિનવાળા થયા છે ખરાં? પ્રશ્નકર્તા : અમુક વસ્તુમાં પછી એ શીખે છે કે આ ખોટું છે કે આ સાચું છે. દાદાશ્રી : ગપ્પું છે બધું ! કોઈનેય ભય નહીં પમાડવો જોઈએ. આપણને કોઈ પમાડે, તે આપણે સહન કરી લેવાનું. કેટલાક લોક ઘેર કોઈને મારામાર ના કરે પણ ભય બહુ પમાડે. બીતી ને બીતી રહે બિચારી, વાઈફ. છોકરાં રાત-દહાડો બીતાં ને બીતાં રહે. મૂઆ, આવું શું કરવાં કરે છે ? ભય તો કોઈ જીવ ના પામવો જોઈએ આપણાથી. આ ભય કોણ પમાડે કે વાઈલ્ડ (જંગલી) જાનવરો છે, તે ભય પમાડે અને વાઈલ્ડ માણસો. જેવા જાનવરો વાઈલ્ડ હોય છે, એવા માણસો પણ વાઈલ્ડ હોય છે તે ભય પમાડે. બાકી આ ગાયો-ઘોડા કંઈ કોઈને ભય પમાડે ? એક દીપડો આવ્યો હોય તો આખા રોડ ઉપર માણસ આઘુંપાછું થઈ જાય. એવાં માણસોય વાઈલ્ડ ખરાં ! જોયેલા માણસો વાઈલ્ડ ? પ્રશ્નકર્તા : નથી જોયાં. દાદાશ્રી : આપણા હિન્દુસ્તાનમાં ઘેર-ઘેર મૂઆ છે. છોકરાંય દરરોજ કહે, 'પપ્પા મારશે, પપ્પા મારશે.' પપ્પો મારેય ખરો. પ્રશ્નકર્તા : પહેલાંના જમાનામાં કહેવાતું હતું કે સોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ઘમ ઘમ. જ્યાં સુધી માર ના પડે ત્યાં સુધી વિદ્યા ચઢે નહીં એમ. દાદાશ્રી : પહેલાનાં જમાનામાં તો એ એકલી કહેવત નહોતી, 'બુધે નાર પાંસરી' કહેતાં હતાં. એ જમાનાની આ વાતો બધી, ડેવલપ જમાનાની નહીં. તે દહાડે અગિયાર વર્ષનાં થતાં ત્યાં સુધી લુંગી પહેરતાં ન્હોતાં. તે જમાનાની વાત આ અને અત્યારે કેવડાં છોકરાં લુંગી પહેરે છે ? જન્મે ત્યારથી હોય. પ્રશ્નકર્તા : પણ દાદા, અમુક વાતનો તો ભય હોવો જ જોઈએ. ધારો કે પરીક્ષાનો ભય ન હોય, તો છોકરાં વાંચે જ નહીં. દાદાશ્રી : પણ વાઈલ્ડ ભય નહીં હોવો જોઈએ. વાઈલ્ડ ના હોવો જોઈએ. ભય વડીલ તરીકેનો હોવો જોઈએ. છોકરાં સોંપ્યા દાદાને ! પ્રશ્નકર્તા : આ દેશમાં એવા બનાવો બને છે કે જો આપણે બરાબર ધ્યાન ન રાખીએ, તો કોઈ છોકરાંઓને ઊઠાવી જાય, હેરાન કરે ને એવું કંઈક પ્રસંગ બને. એની માટે ચિંતા વધારે થાય છે કોઈક વાર. દાદાશ્રી : તો પછી છોકરાઓને અવતાર નહોતો આપવો. શું કરવા નવરા પડ્યા હતા ? આટલો બધો ભડકાટ રહેતો હોય તો ! પ્રશ્નકર્તા : એ વાત સાચી, દાદા. દાદાશ્રી : કાલે આપણને જ ઊઠાવી જાય એનું શું કરવાનું, ગુંડા હોય તો ? એટલે એ તમારી ચિંતા મને સોંપવી કે છોકરા દાદાને સોંપ્યા એવું કહી દેવું. મને સોંપી દો તો બંધ થઈ જાય. આ બધા ચિંતા મને સોંપી દે છે. આવીય ભડક હોય ને ! એક શેઠને છોકરો નહોતો અને કરોડ રૂપિયાની પાર્ટી. શેઠને મનમાં થતું કે હું મરી જઉં તો શું થાય ? સાઠ વર્ષની ઉંમરના થઈ ગયેલા તો શું થાય ? પહેલી બઈને છોકરો નહીં. પહેલી બઈએ રજા આપી કે જાવ ફરી પૈણો, જો તમારી ઇચ્છા પૂરી થતી હોય તો. તે શેઠ ફરી પૈણ્યા, ત્યારે મારવાડણ દસ વર્ષની મળી. કારણ કે પચાસ હજાર રૂપિયા આપ્યા ત્યાર એક મારવાડીએ પોતાની છોડી એ શેઠને પૈણાવી. હવે શેઠના મનમાં એમ કે વર્ષ દહાડામાં મરી જઈએ તો શું થાય ? હવે શેઠ ઉતાવળ કરે છે કે છોકરો કેમ વહેલો થાય, છોકરો કેમ વહેલો થાય ! તો બાધા રાખે તો છોકરો થાય ? કેમ ના થાય ? બીબી દસ વર્ષની તો છોકરો શી રીતે થાય ? એમણે ના સમજવું જોઈએ એવું ? અને શેઠના મનમાં ભડક પેસી ગઈ કે વર્ષ દહાડામાં મરી જઉં તો શું થાય ? અલ્યા, નથી મરવાનો ! ભડક શું કરવા રાખે છે ? પણ ભડક પેસી ગઈ તે શું થાય ? ધાક આંખની, નહીં કે હાથની ! પ્રશ્નકર્તા : આપણામાં કહે ને કે બાળક ઉપર ધાક રાખવી મા-બાપે. દાદાનું શું માનવું છે ? બાપ કે માની ધાક હોવી જોઈએ ? કેવી હોવી જોઈએ ? દાદાશ્રી : હા. ધાક તો ફક્ત આંખની જ હોવી જોઈએ, હાથની નહીં. અને રોજ જે પ્રેમ આપતા હો ને, તે બંધ કરીએ એટલે એની મેળે જ મહીં સમજી જાય. પ્રશ્નકર્તા : એવી તમે મહાત્માઓ ઉપર રાખો છો ને ? દાદાશ્રી : હા, રાખું છું. એવી સહેજ રાખીએ નહીં ને તો એને ખબર શી રીતે પડે, દંડ થયેલો એવું ? એટલે જાગૃતિ રાખવા માટે. એટલે આ આવી રીતે કરવું, એને બીજું કંઈ મરાય નહીં. છોકરાને સોળ વર્ષ પછી તો મિત્ર જ કરી નાખવાનો. સોળ વર્ષ સુધી ટકોર કરવી જોઈએ. છોકરાંને સમજણ પડાય. સમજાવી-પટાવીને કામ લેવાનું. એ તો મરાય નહીં બિચારાને. એમની બુધ્ધિ હજુ પ્રગટ થઈ નથી, મારવાથી ઊલટું ભડકી જાય. આ તો બે ધોલો મારી દે. અલ્યા મૂઆ, ના મરાય છોકરાંને. એ તો ફૂલ જેવાં કહેવાય. મારવાથી અવળે રસ્તે જાય ! પ્રશ્નકર્તા : ઘણાંને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે મારીને ધાકમાં રાખવાં જ જોઈએ. તો જ છોકરાં પાંસરાં ચાલે, એ શું બરોબર છે ? દાદાશ્રી : જ્યાં સુધી મારવા જેવી એની ઉંમર હોય ત્યાં સુધી મારવાં જોઈએ અને ૩૦ વર્ષની ઉંમર થઈ ને મારવા જઈએ તો ? પ્રશ્નકર્તા : એ સામાં આવે. દાદાશ્રી : માટે અમે એમ કહીએ કે મારજો અને એમેય કહીએ કે ના મારજો. જ્યાં સુધી ખમી શકે એવો એનો અહંકાર જાગૃત થયો નથી, ત્યાં સુધી છેવટે મારીને પણ સીધાં રાખવાં જોઈએ. નહીં તો અવળે રસ્તે જાય. ખરી રીતે સીધાં કરતાં લોકોને આવડતું નથી. એવું જ્ઞાન નહીં હોવાથી એ આવડતું નથી. નહીં તો છોકરાંને સીધા કરવા માટે પ્રેમના જેવું તો ઔષધ જ નથી. પણ એવો પ્રેમ રહે નહીંને, માણસને ગુસ્સો જ આવેને ! છતાં એ ગુસ્સો કરીને મારીનેય એને સવળે રસ્તે લાવે છે એ સારું છે. નહીં તો એ અવળે રસ્તે ચાલ્યો જાય. કારણ કે એને જ્ઞાન જ નથી અને ૩૦ વર્ષની ઉંમરનાને આપણે મારીએ તો એ સામો થાય. તે જ્યાં સુધી આપણું ચાલે ત્યાં સુધી કરી લેવું. ના ચાલે તો પડતું મેલવું. પ્રશ્નકર્તા : પણ કહ્યું માને નહીં, એટલે કોઈ વખત મારવાં પડે બાળકોને. દાદાશ્રી : ના માને, તે મારવાથી કંઈ માની જાય છે ? એ તો મનમાં રીસ રાખે મોટો થઈશ ત્યારે મારી મમ્મીને જોઈ લઈશ. દરેક જીવ રીસ રાખે જ. પોતે હંમેશાં દરેક કાર્ય સમાધાનીપૂર્વક કરો. મારવું હોય તો કહેવું, 'ભઈ, તું કહેતો હોય તો તને મારું, નહીં તો નહીં મારું.' એ કહે કે 'ના, મને મારો.' તો મારો, સમાધાનપૂર્વક મરાય. એવું કંઈ મરાતું હશે ? નહીં તો એ વેર બાંધે. એને ના ગમતું હોય ને તમે મારો તો વેર બાંધે. નાનો હોય ત્યારે વેર ના બાંધે પણ મનમાં નક્કી કરે કે આ હું મોટો થઈશ ને મમ્મીને મારીશ. પ્રશ્નકર્તા : પણ દાદા, મારી બેબી એને તો આપણે વઢીએ તો કશું નહીં, થોડીવારમાં બધું ભૂલી જાય. દાદાશ્રી : એ ભૂલી જાય છે, તો કંઈ એટલી ચાલાકી ઓછી છે, ચંચળતા ઓછી છે જરા. એટલે ભૂલી જાય. પણ ચંચળ માણસો બહુ ઊગ્ર હોય. એટલે વઢવાનું શું કામ છે હવે ? બાબાને વઢવું હોય તો કહેવું કે 'બોલ, તને હું વઢું ? આવું કામ કર્યું ને ખરાબ કર્યું આ. હું તને વઢું ?' તો કહે, 'હા, વઢો.' તો આપણે વઢવું. એ ખુશી થઈને વઢવાનું કહે, તો આપણે વઢવું. છોકરાંને તમે મારશો નહીં, છોકરાંનું વ્યક્તિત્વ છે. સમજાવીને કામ લો ! હવે આ ક્રમિક માર્ગમાં એવું છે નહીં સુધારવાનું. એ તો કહે, 'મારી-ઠોકીને એને સુધારો'. અલ્યા, ના સુધરે. આ તો પ્રકૃતિ છે. કઢીમાં મીઠું વધારે પડ્યું હોય તો તે કાઢી લેવાય કોઈ પણ રસ્તે. કઢીને માટે બધા પ્રયોગો છે. પણ આનો ઉપાય આ કરવો પડે. એટલે આ ઉપાયથી ઘણાં લોકોને ફાયદા થયા. તેં ચોરી કરી તેનો વાંધો નથી. તું આમ કરે તેના કરતાં આ રીતે કરજે. તો એ જાણે કે મારો ગુનો ગણતા નથી. એનો અહંકાર ન ઘવાય. અને નહીં તો પેલો તો અહંકાર ઘવાય. મેં એટલે સુધી જોયાં છે કે જે છોકરાને મારનારો એનો બાપ હોય છે, તે પેલો છોકરો અંદરખાને ભાવ કરે છે, કે હું મોટો થઈશ ત્યારે બાપાને માર્યા વગર છોડીશ નહીં.' અલ્યા, તું આ ચોરીથી છોડાવવા ફર્યો ને ઊલટું આ વેર બાંધ્યું. ના મરાય. ખાલી અમથી બીકથી જ માણસને સુધારવો એ તો રસ્તો જ ન્હોય. બીક તો એક આંખ કોઈ દહાડો કાઢીએ તો ઠીક છે. તેય અવળા સ્વભાવનો છોકરો હોય તો ના કરાય. એ ખોટું કરતો હોય, તો એને ધીબ ધીબ કરવાનો ના હોય. ખોટું કરતો હોય અને એને ધીબ ધીબ કરીએ તો શું થાય ? એક જણ તો લુગડાં ધુએ એમ ધોતો'તો. અલ્યા મૂઆ ! બાપ થઈને આ છોકરાની આ દશા શું કરે છે ? છોકરો મનમાં શું નક્કી કરે છે તે જાણો છો તે ઘડીએ ? સહન ના થાય ને, તે કહે, 'મોટો થઉં એટલે તમને મારું, જોઈ લો.' મહીં નિયાણું કરી નાખે એ ! પછી એને માર માર જ કરે રોજ મોટો થઈને પછી ! ત્યારે મૂઆ અત્યારે શું કરવા બગાડ્યું છોકરાં જોડે ? રીતસર એને સમજાવી-ફોસલાવીને કામ લે. હંમેશાં મારવાથી દરેક કામ બગડે છે. મારવું એનું નામ કહેવાય કે એનાથી એ ભય પામ્યો હોય. તે ય કો'ક દહાડો જ ! ખાલી ભય જ પમાડવાની જરૂર છે, એને મારવાની જરૂર નથી. એટલે આ બાજુના ભાવ કરવાના બંધ કરી દે પછી અને આ ખોટું છે એવું સમજાઈ જાય એને. બીવડાવાના રિએક્શન પોતાને જ ! પ્રશ્નકર્તા : તો દાદા, બીજાને બીવડાવવાનું નાનપણથી એવું હોય એ, કે ગયા ભવ એવો ભાવ કરેલો ? દાદાશ્રી : બીજાને દબડાવી દઉં ને બીજાને આમ કરી નાખું એવો રોફ પાડવા, ગયા અવતારમાં ભાવ કરેલાં. પ્રશ્નકર્તા : એ તો બીવડાવીએ એટલે તો કેટલો મોટો દોષ થયો કહેવાય ? દાદાશ્રી : બહુ મોટો દોષ. એ તો જ્યારે તમને બીવડાવે ત્યારે ખબર પડે. ઓહોહો ! આ લોકો આવું કરે છે. તો તે જ આપણે કરીએ છીએ. પ્રશ્નકર્તા : દાદા, પ્રતિક્રમણથી એ દોષો નાશ થાય ને ? ખસે ને ? દાદાશ્રી : દોષ ઊભા રહે પણ બળેલી દોરી જેવા દોષ ઊભા રહે. એટલે આવતે ભવ આપણે આમ કર્યું કે ખંખેરાઈ જાય બધા. કહેવાનું બંધ કરો ! પ્રશ્નકર્તા : હવે અમે તો છોકરાંને કહીએ છીએ કે ભઈ, સવારે વહેલા ઊઠો, વહેલા ઊઠીને ભણો. પણ આજના છોકરાઓ બધા જ મોડા ઊઠે, સૂર્યવંશી (!) હવે આ રોજની જ ટસલ ઘરમાં થયા કરે છે. દાદાશ્રી : ને તમે કેટલા વાગે ઊઠો ? પ્રશ્નકર્તા : હું તો પાંચ વાગે ઊઠું છું. દાદાશ્રી : અને સાહેબ ? પ્રશ્નકર્તા : સાહેબ પણ પાંચ-સાડા પાંચે. દાદાશ્રી : એમ કે ! તો પછી હવે છોકરાંઓને આ સમજાવી-પટાવીને કામ લેવું પડે. પ્રશ્નકર્તા : છોકરો દસ વાગતા સુધી ઊંઘી રહેતો હોય, તો મને ગુસ્સો આવે અને તેને હું વ્યાજબી ગણું છું. દાદાશ્રી : હા, પણ ગુસ્સો આવે તો પછી છોકરો માને નહીં. જો ગુસ્સો ના આવતો હોય તો છોકરો તમારું માન્ય રાખે. તમારી નબળાઈ દેખે એટલે એ છોકરો શું જાણે કે આમનો સ્વભાવ જ એવો છે, વિચિત્ર સ્વભાવવાળા છે અને બહાર લોકોને કહેય ખરો કે 'મારા ફાધર એટલા વિચિત્ર સ્વભાવના છે, વાત વાતમાં ચિઢિયા કરે છે !' એવું બોલે એ. એ તો બાપ પ્રભાવશાળી હોવો જોઈએ. બાપ છોકરા જોડે ગુસ્સે ના થાય ને, તો છોકરો કહ્યા પ્રમાણે ચાલે જ. આ તો ગુસ્સે થાય, તે નબળાઈ દેખે છેને એટલે ભડકે છે કે આ ક્યાં ફસાયો હું અહીં. આવાં મા-બાપ ક્યાં મળ્યા ! એવું બધું ઠસાય મનમાં. મને છોકરા કહી દે છે, કે અમારા મા-બાપ તો સાવ કંડમ છે. આપણે કંડમ નહીં રહેવું જોઈએ. આપણે બિલકુલ કરેક્ટ, એટલે નબળાઈ ના ઉત્પન્ન થાય. નબળાઈ ઊભી થતી હોય તો એના કરતાં નહીં કહેવું સારું, એક જગ્યાએ બેસી રહેવું. અને કહ્યાથી સુધરતો નથી. નબળાઈ હોય ત્યાં સુધી સુધરે જ નહીં. ત્યાં સુધી તો પેલો, તમારા દેખાવ ખાતર કરે. પાછળથી મનમાં ભાવ અવળો કરે. છોકરાને કેટલું આપવું ? હવે એ તો કાલે છોકરાને પૈણાવી દઈએ, તો પેલા એના ગુરુ મહારાજ (પત્ની) આવે તો આપણું કલ્યાણ થઈ જાય. આપવું છે એને જ, મનમાં આપણે સમજી રાખવાનું. પણ ગુરુ મહારાજને લઈને આપણે મૂર્ખ બનીએ એવું ના થવું જોઈએ. કંૂચી આપણી પાસે રાખવી. પ્રશ્નકર્તા : હા, રાખવી પડે. દાદાશ્રી : કૂંચી રાખવાની, પ્રેમ બધો રાખવાનો, બધું રાખવાનું પણ વ્યવહાર એવો કરવો કે એ જાણે કે વહુનું માનીશ તો આ મારે અહીંથી આ જગ્યા ખાલી કરવી પડશે. એ ભયનું માર્યું જગત રહે છે. પ્રશ્નકર્તા : હા, ભયનું જ છે, બરાબર છે. બધે ભય જ છે. દાદાશ્રી : હા, ભયનું. ભય છૂટ્યો કે આ ખરાબ થઈ જાય. એટલે મેં કહ્યું, આ છોકરો ફજેતો કરશે, ત્યાં સુધી તમે કરાર કરી લો. તમારે તો આવું એગ્રીમેન્ટ પેપર લાવીને આ પ્રમાણે એને લખી લેવાનું. એ એને સાયકોલોજીકલ ઈફેક્ટ રહ્યા કરે. એમનું તો કામ થઈ ગયું. એનું એગ્રીમેન્ટ થશે, તારું એગ્રીમેન્ટ થશે. એટલે ઘરમાં ઝઘડા નહીં થાય હવે. પછી કહ્યું, પચ્ચીસ હજાર ડૉલર માંગવા આવે. તે ભઈ મારી પાસે નથી, કો'ક મારા મિત્ર પાસેથી લઈ આપું, એમ કરીને આપવા તમારે. અને વ્યાજ-બ્યાજ બધું લેતા જવું અને મિત્રને આપી દે હવે, કહીએ. એવું ડીલિંગ રાખવું બધું. સંસારમાંય વ્યવહાર સમજવો જોઈએ કે ના સમજવો જોઈએ ? પ્રોબ્લેમ સોંપી દો દાદાને ! લે, તું કંઈ પૂછતી કરતી નહીં ને જોયા કરે છે ! વાંધો નહીં, એ તો પૂછાય બધું. પ્રશ્નકર્તા : હું પૂછું એના વતી. એને એક બેબી છે, પણ એણે એને સાચવવી બહુ ભારે પડે છે. દાદાશ્રી : કેમ ? પ્રશ્નકર્તા : બહુ પજવે છે, એમ કહે છે. એ એને પ્રોબ્લેમ (પ્રશ્ન) મોટો છે બેબીનો. દાદાશ્રી : બધો પ્રોબ્લેમ એને, પહેલેથી કહ્યું, એ ફાઈલ છે. ફાઈલ એટલે પ્રોબ્લેમ જ છે ને ! પ્રશ્નકર્તા : એ જરા એની બુધ્ધિ બહુ વધારે ડેવલપ થયેલી છે. તો કહે કે એ ઊંધે રસ્તે ના જાય, એની મને બીક લાગે છે. દાદાશ્રી : ફાઈલ છે એટલે એવી જ હોય. કોઈ ચીકણી હોય, કોઈ મોળી હોય. આપણો હિસાબ જ છે ને આ તો. એટલે ફાઈલ છે. ફાઈલનું કહેવાય નહીં કેવી નીકળે એ ? પ્રશ્નકર્તા : એનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો ? દાદાશ્રી : દાદાનું નામ લઈને કરજે ને બધું. હું આશીર્વાદ આપીશ. એ છોકરી છે તે સારી છે. તે કોઈકને ઘેરે જતી રહેશે. છોકરો હોત તો આખી જીંદગી સુધી.... પ્રશ્નકર્તા : દુઃખી કરત. દાદાશ્રી : હં.... માટે એવું ! આપણે મનમાં સમજવું કે એને ઘેર જતી રહેવાની છે. છોકરી છે તે વાંધો નહીં. છોકરો હોય તો મારીને પાંસરો કરે. ના સમજણ પડી ? પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : એટલે અમને તરત જ વિચાર આવ્યો કે આ છોકરી છેને ! દસ વર્ષ સુધી ગ્રહ નડે, પછી ? એને ઘેર જતી રહે. એને ધણી એવો મળી આવે પાછો. છોકરો હોય તો ઉપાધિ. ઠેઠ ખાટલામાં પડ્યા હોય તોય હજુ પાણી-પાણી મૂઓ કરાવતો હોય. મા-બાપનું માનતા નથી, કેમ ? પ્રશ્નકર્તા : બેબીના નાનાજી છે ને, એને બહુ ચઢાવે છે. બધી વસ્તુમાં એની જ સાઈડ લે છે, માનો પક્ષ ના લે. દાદાશ્રી : પક્ષ તો છોકરાનો લેવો જ પડે ને, નહીં તો ડરી જાય. પણ એવા તે શા ગુના કરી નાખ્યા છે કે એને દંડ આપવાની જરૂર છે ? એવો શો ગુનો કરી નાખ્યો એણે ? પ્રશ્નકર્તા : બીજું કંઈ નહીં, પણ નાના-મોટાનું જુએ નહીં ને સામું બોલી દે. એટલે આપણે કહેવું પડે. દાદાશ્રી : એ તો તમે અટકાવો છો, તેથી બોલ બોલ કરે છે. ના અટકાવો અને આપણે કહીએ કે 'બોલ જોઈ બધા જોડે, બધાને ગાળો ભાંડી આય'. તો ના કરે. એક બાપ કહે છે, 'આ છોકરા બધા મારી સામા થઈ જાય છે.' મેં કહ્યું, 'તમારામાં બરકત નથી, એ ખુલ્લું થાય છે.' તમારામાં બરકત હોય તો છોકરા સામા શી રીતે થાય તે ? માટે એવી આબરૂ જ ના ઊઘાડશો. બાપ થવાનું પ્રમાણપત્ર ! પ્રશ્નકર્તા : એટલે બધો દોષ બાપનો જ ? દાદાશ્રી : બાપનો જ. દોષ જ બાપનો. બાપનામાં બાપ થવાની બરકત ના હોય ત્યારે વાઈફ સામી થાય. બાપનામાં બરકત ના હોય ત્યારે જ આવું બને ને ! મારી-ઠોકીને ગાડું રાગે પાડે. ક્યાં સુધી સમાજની બીકના માર્યા રહે ? પ્રશ્નકર્તા : એવું જ હોય કે બાપની ભૂલ જ હોય ? દાદાશ્રી : બાપની જ ભૂલ હોય છે. એને બાપ થતાં આવડતું નથી, એટલે આ બધું ભેલાઈ ગયું. ઘરમાં જો બાપ થવું હોય તો, સ્ત્રી (પત્ની) એની પાસે વિષયની ભીખ માંગે એવી દ્રષ્ટિ થાય ત્યારે બાપ થઈ શકે. પ્રેમથી વશ થાય બાળકો ! આ અમેરિકામાં જઉં, તે છોકરા-છોકરીઓ પગ દબાવતા હોય, તે પછી હું ગમ્મત કરું. કહું કે 'એય ! શું વાગ્યું ? મને આ શું વાગ્યું ?' ત્યારે છોકરીઓ ભડકી જાય બિચારી. કશું વાગ્યું નહીં ને દાદા આવું કેમ કરતા હશે ? 'શું વાગ્યું હશે' એ એના મનમાં શંકા પડે. મેં કહ્યું, 'આ કોઈના નખ વધારે છે ?' તે પછી એનાં નખ જ વધારે હોય. ત્યારે મેં કહ્યું, 'આ નખ વધારે છે, એ તો મને વાગે.' એટલે શું કરીએ ? ઉતાવળ ના હોય તો વરસ દહાડા પછી પણ કાપી નાખજે. તે હું ફરી વરસે આવું ત્યારે કપાયેલા હોય. ત્યારે કહે, 'ના, એ હું કાલે જ કાપી લાવીશ.' મેં કહ્યું, 'તો તો બહુ સારું.' તે તરત કાપી નાખે. હવે આપણે એને કહીએ, 'નખ કપાવી નાખ. હું સાંજે ખાવાનું નહીં આપું.' ત્યારે એને કંઈ ના આવડે કે ? તને ચેલેન્જ મારતાં આવડ્યું તો એને ચેલેન્જ મારતાં આવડે કે ? 'જા, નથી કાપવાની, તારે થાય એ કરજે', કહેશે. એ પ્રેમથી કામ લેવું જોઈએ. પ્રેમથી વશ થાય ને ! ધણીય વશ થાય ને જાનવરેય વશ થાય ને વાઘેય વશ થાય. આ તો પ્રેમ છે તે તને ઘડિયાળ ઉપર પ્રેમ છે. સમજણ સુધરી તો વર્તન સુધરે ! કેટલીક ઈફેક્ટ એવી હોય, મોળી હોય. તેને અહંકારે કરીને મજબૂત કરે. તે મોળીને તો નિશ્ચય મજબૂત કરતાં બંધ થઈ જાય. આ અમારો રસ્તો. અમે એને શું કહીએ, કે 'તેં ચોરી કરી, તું ડરીશ નહીં, આવી રીતે શક્તિ માંગજે.' આપણે તો એને આમ સમજણ પાડવા વાતચીત કરીએ. આ જે આચાર છે આજના, એ બધા ઇફેક્ટ છે. અને તું કેમ અપવાસ નહીં કરતો ? ત્યારે કહે, 'મારાથી નથી થતાં.' 'અલ્યા મૂઆ, શેના અપવાસ નથી થતાં ? એ તો કંઈ કરાતા હશે ? એ તો કોઝીઝ કરેલું હોય તો અપવાસ કરાય.' એટલે આજે શું કરે છે એ જોઈ લેવું જોઈએ અને જે આચાર કામનાં ના હોય, તેને માટે આપણે એને ફરી જ્ઞાન ફેરફાર કરી નાખવું જોઈએ એનું. એનું જ્ઞાન ફેરફાર કરવાનું છે. બાકી ધીબ ધીબ કરો તો ઊલટું મનમાં શું નક્કી કરે કે ચોરી કરવી જ જોઈએ. ઊલટો અવળો ચાલે. ભય ના પમાડવું જોઈએ. ફાધર કેવા સંસ્કારી હોય ! જેના સંસ્કારથી છોકરાઓ બધાં ડાહ્યા થઈ જાય. આ તો એનો ઉપાય જાણો નહીં બિચારાનો ! ચોરી કરી આવે છે, તે એને ખબર જ નથી ને ! એ તો એમ જ જાણે કે આ જ ચોરી કરી રહ્યો છે, તે બંધ કરવી હોય તો કરી શકાય. એ બંધ કરે તો થઈ જાય. લે ને તારું બંધ કરને, તારા જે દોષો હોય તે બંધ કર. ગુરુ મહારાજો એ એવું કહે કે આ છોડી દો, આ છોડી દો. મહારાજ છીંકણી છોડી દો ને ? અને આ ક્રોધ તમારા છોડી દો ને ! આ ક્રોધમાં તો બધાને દુઃખી કરો છો. તે છોડી દો. ક્રોધમાં આપણે કહીએ, તમે ક્રોધને છોડી દો. પણ ના છોડી દે. આ જુઓને, તમારો ક્રોધ અમે સુધારી દીધોને ! તમારા કાબુમાં રહેતો ન હતો પણ સુધારી દીધો ને ! છોકરાં જેવા થઈને વર્તો ! પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે ? દાદાશ્રી : છોકરાં તરીકે અત્યારે છોકરાં જોડે વર્તન રાખો છો. એટલે આપણે મોટાં હોય તો એનો ભય લાગ્યા કરે. એ ભય ના લાગે એવી રીતે વર્તવું જોઈએ આપણે. એ સમજણ પાડીને એનો દોષ કાઢવો જોઈએ, બીવડાવીને ના કાઢવો જોઈએ. નહીં તો બીવડાવીને કામ લાગે નહીં. તમે મોટી ઉંમરનાં, એ નાની ઉંમરનાં, ભડકી જાય બિચારાં ! પણ તેથી કંઈ દોષ જાય નહીં, દોષ તો વધ્યા કરે અંદર. પણ જો સમજાવીને કાઢો તો જાય, નહીં તો જાય નહીં. બાપ એટલે દીકરાનો દીકરો ! સુધારવાના તો પ્રયત્ન બધાએ કરવા જોઈએ, દરેક માણસે. પણ પ્રયત્નો સફળ થવા જોઈએ. બાપ થયો અને છોકરાને સુધારવા માટે એ બાપપણું છોડી દે એમ છે ? 'હું ફાધર છું' એ છોડી દે ખરો ? પ્રશ્નકર્તા : જો એ સુધરતો હોય તો, અહમ્ ભાવ, દ્વેષ બધું કાઢીને, એને સુધારવાના પ્રયત્નો કરવો જોઈએ ? દાદાશ્રી : તમારે બાપ તરીકેના ભાવ છોડી દેવા પડે. પ્રશ્નકર્તા : 'આ મારો દીકરો' એમ માનવાનું નહીં ને 'હું બાપ છું' એમ નહીં માનવાનું ? દાદાશ્રી : તો તો એના જેવો એકુંય નિયમ જ નહીં. પ્રશ્નકર્તા : તો બાપે કેવી રીતે બાપ થવું ? બાપે બાપ થવા શું કરવું ? દાદાશ્રી : એક દાખલો આપું, તમને હેલ્પ કરે, તમને એડજસ્ટ થાય એટલા માટે. અમારા એક છેટેના ભત્રીજાનો દીકરો હતો અને ખાસ કરીને મારાથી બે-ત્રણ વર્ષ નાનો. ભત્રીજાનો દીકરો એટલે મને 'દાદા' કહે. એટલે હું જ્યારે જઉં તો એની મેળે દાદાના પ્રેમથી બોલ બોલ કર્યા કરે. 'દાદા ક્યારે આવ્યા, દાદા આમ છે, તેમ છે.' જાણે પોતાના જ દાદા હોય એવું. એટલે પછી મને બોજો વધવા માંડ્યો કે સાલું વારેઘડીએ 'દાદા, દાદા' કરે. એટલે મારા મન ઉપર બોજો ચઢવા માંડ્યો. મને ઉપકાર ચઢ્યા કરે કે 'અરેરે, દાદા થયા પણ આનું કશું કામ કર્યું નહીં આપણે.' એટલે બોજો વધે કે ના વધે ? પ્રશ્નકર્તા : વધે. દાદાશ્રી : આ છોકરો આખો દહાડો 'બાપુજી, બાપુજી' કરે ને, તો આપણો બોજો વધી જાય તે વખતે. એટલે પછી મેં વિચાર કર્યો કે આ બોજો થશે, તો હવે શું કરીશ ? આ તો માથા ઉપર બોજો ચઢતો જશે દહાડે દહાડે. એ તો 'દાદા, દાદા' કહ્યા જ કરવાનો. તો આ બોજો ઉતારવો કેમ ? આવું બને કે ના બને ? પછી આપણી આંખ નરમ થઈ જાય. એટલે સત્ય બોલતા પણ ડરીએ આપણે. એટલે આ પ્રશ્ને મને મૂંઝવેલો, અઢાર-વીસ વર્ષની ઉંમરે. કારણ કે હું ઘણાં ખરાનો દાદો થઉં. એટલે લોકો 'દાદા, દાદા' કરે. કેટલાક માણસો 'દાદા, દાદા' કરે ને તે ઉપલક જેવો વ્યવહાર રાખે તો મને બોજો વધી ના જાય પણ આ તો જાણે પોતાના દાદા હોય એવું પ્રેમથી બોલે ને, તો મને બહુ બોજો લાગવા માંડ્યો. પછી વિચાર કર્યો. મેં કહ્યું, 'હવે આ બોજો શી રીતે ઉતરે ?' અને એમ કહીએ કે 'તું મને દાદા ના કહીશ.' તો પછી એય ખોટું કહેવાય. વ્યવહારમાં તમને દાદા ના કહું તો હું શું કહું ? એટલે આમેય ગૂંચામણ અને આમેય ગૂંચામણ ઊભી થઈ. એવા બે-ચાર જણ હતા, તે મને પ્રેમથી 'દાદા' કહે. તે મારો સ્વભાવ બધો પ્રેમવાળો અને બીજા બધા તો ઉપલક 'દાદા, ક્યારના આવ્યા છો ?' હું કહું કે પરમ દહાડે આવ્યો. એ પછી કશુંય નહીં, લટકતી સલામ. પણ આ તો રેગ્યુલર સલામ કરે છે. મેં શોધખોળ કરી કે એ મને 'દાદા' કહે ને હું મનથી એને 'દાદા' માનું. એ જ્યારે મને 'દાદા' કહે ત્યારે હું એને મનથી 'દાદા' કહું એટલે પ્લસ-માઈન્સ કર્યા કરું, છેદ ઉડાડી દઉં. હું એને મનથી 'દાદા' કહું. એટલે મારું મન બહુ સારું રહેવા માંડ્યું, હલકું થવા માંડ્યું, તેમ તેમ પેલાને એટ્રેક્શન વધારે થવા માંડ્યું. તમને સમજાયું ને ? ભય હંમેશાં ખોટું કરાવે ! મારી ટચમાં આવેલો એકેય છોકરો જૂઠું બોલતો જ નથી. ભય લાગે છે છતાંય જૂઠું બોલતો નથી. હવે એ છોકરોને જોઈને મને એવું થઈ જાય છે કે મારા વખતમાં કોઈ છોકરો સાચું બોલતો નહોતો. વઢવાની જગ્યા હોય ત્યાં સાચું બોલતો નહોતો; સહેજ જ અપમાન થઈ જાય એવી જગ્યા હોય તોય સાચું બોલ્યા નથી અને આ તો ગમે તે થાય, મારી નાખવાનો હોય તોય જૂઠું બોલ્યો નથી. ત્યારે જુઓને, આ પ્રજા કેવી સરસ છે ! હિન્દુસ્તાનનું ભાવિ કેવું ઉજ્જવળ છે !! પપ્પા-મમ્મીના ગુસ્સા સામે ! પ્રશ્નકર્તા : પપ્પા કે મમ્મી ગુસ્સે ભરાય તો શું કરવું ? મમ્મી મારા ઉપર ગુસ્સો કરે ત્યારે મારે શું કરવું ? દાદાશ્રી : 'સચ્ચિદાનંદ' બોલવાનું, 'સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ' બોલશે તો ટાઢી પડશે. અહીં ઇન્ડિયામાં તો બધા છોકરા એવું જ બોલે છે. મા-બાપ ગુસ્સે ભરાયા હોય કે પપ્પા, મમ્મી જોડે વઢવાડ કરવા ફરે ત્યારે છોકરાઓ બધા 'સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ' કહે એટલે બધું બંધ થઈ જાય. બેઉ શરમાઈ જાય બિચારા ! ભયની એલાર્મ ખેંચે છે એટલે તરત બંધ થઈ જાય. 'સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ' કરતાંની સાથે જ બંધ થઈ જાય, એ સમજી જાય, નહીં ? મા-બાપની ધાક ! પ્રશ્નકર્તા : આપણને નાનપણથી ધાક લાગી ગયો છે, બધા વઢે, ખીજવાય એટલે આપણાથી બોલાય નહીં, જેમ છે તેમ. દાદાશ્રી : પણ અહીં મારી પાસે હઉ ધાક લાગી ગયો છે ? મારી પાસે તો બોલાય ને ! જ્યાં ધાક ના લાગતો હોય ત્યાં તો બોલાય ને ! જ્યાં ધાક લાગતો હોય ત્યાં ના બોલાય. તેથી મા-બાપ પાસે લોકો પોતાની બધી હકીકત કહેતાં નથી, વાસ્તવિકતા. ધાક લાગી ગયો અને પાછા ફરી કંઈક કહેશે. એટલે આમાં ગૂંચવાડો ઊભો થાય છે પછી. એટલે હું મા-બાપને શું કહું છું કે એની જોડે બેસીને વાતચીત કરો, એને શું અડચણ છે, શું છે, તારા વિચારો શું થાય છે. જે થતા હોય જોઈ લો. નહીં તો ય બોંબ ફાટવાનો જ છે, જો કદી દારૂખાનો ભર્યો હશે તો તે પહેલાં જાણી લીધું તે ના ફાટે કે મોડો ફાટે એવો રસ્તો કરી શકે ને ! નહીં તો બોંબ તો ફાટ્યા વગર રહે કે ? પ્રશ્નકર્તા : ના રહે. દાદાશ્રી : એટલે અમે બધા ફાધર-મધરને, બધાને કહીએ છીએ કે બધા બેસો, વિચારો, કરો. બાર-તેર વર્ષની પછી એની જોડે સાથે બેસો, વાતચીત કરો. એનાં મન ખુલ્લાં કરો. મનમાં એને ગૂંચવાડો ઊભો થાય, કોણ એનો ગૂંચવાડો કાઢી આપે ? બીજી બેનપણીઓ મળે, તે સારી બેનપણી તે એની પાસે ઊભી ના રહે અને બીજી બેનપણીઓ તો એના જેવી હોય તે ઊભી રહે. એ બધી એન્કરેજ કરે સામસામી. કોણ ડિસ્કરેજ કરે ? ભાઈનો ભય કે પ્રેમ ? પ્રશ્નકર્તા : હું છ વર્ષની હતીને મારા મધર હતાં ને, એ મરી ગયેલાં. તો મારા ભઈનો એટલો બધો ધાક, આપે બધું ફર્સ્ટ કલાસ, છૂટથી પૈસા આપે. ભણવા જઉં, ફર્સ્ટ કલાસનો ટ્રેનનો પાસ, સોળ વર્ષની ઉંમરે. પણ કોઈ દહાડો કોઈ છોકરા સાથે જો બોલ્યા, તો આમ આંખો થઈ જાય એટલા કડક. દાદાશ્રી : આમ એ હોયને, બહુ કડક. આ તો કડક ના રહ્યા તેની આ ઉપાધિ બિચારાની. એટલી કડકાઈ હતી ત્યારે જ તમે ડાહ્યા રહ્યા ને ! પ્રશ્નકર્તા : પ્રેમ અને કડકાઈ. પ્રેમ પણ એટલો ભાઈનો. દાદાશ્રી : જોઈએ પણ કડકાઈ. હંમેશાં સ્ત્રી જાતિ ઉપર કડકાઈ હોય. સ્ત્રીને તો બહાર જ ન્હોતા નીકળવા દેતા. નિર્ભય બનાવે દાદા સ્કૂલ ! તું પપ્પાને કહેતી'તી ને સ્કૂલો તમે બદલ બદલ કરો છો ! અહીં જાવ છો, આમ જાવ છો, તેમ જાવ, પાછા દાદા ખોળી કાઢ્યા ! તું એકુંય સ્કૂલમાં ગઈ નથી, તો ભણી શી રીતે ? પ્રશ્નકર્તા : એટલે સ્કૂલમાંથી કોલેજમાં જતી'તી ને ! દાદાશ્રી : હા, પણ આ નવી સ્કૂલોમાં ગઈ નથી, નહિ ? જ્યાં પરવશતા જાય, ભય ના લાગે, ઉપરી ના હોય એવી બધી સ્કૂલોમાં ? લગ્ન પછી મોક્ષ ચૂકયાનો ભય ! પ્રશ્નકર્તા : મોટામાં મોટી બીક મને એ છે કે હું જો લગ્ન કરું તો પછી મારા મોક્ષનું ભૂલાઈ ના જવું જોઈએ. દાદાશ્રી : ના ભૂલાઈ જાય. તું લગ્ન કરીને મારી પાસે તેડી લાવુંને, તો એને રફુ મારી દઉં ચોગરદમ. તારા તાબામાં રહે એવું કરી આપું, તારા તાબામાં રહે ને એ હઉ મોક્ષમાં આવે. રફુ મારી આપું. ઘણી છોકરીઓને મારી આપું છું આવું. રાગે પડવું જોઈએ ને, દાદા રાગે ના પાડે તો બીજું કોણ પાડી આપે ? માટે નક્કી કરી નાખ હવે. એવું ભય ના પામીશ કે આમ થઈ જાય કે તેમ થઈ જાય. જે થવાનું હોય તે થાય. શીલનો પ્રભાવ સુમેળ કરાવે ! પ્રશ્નકર્તા : એ કહે છે, ઇરાકનું યુધ્ધ ચાલતું હતું. તે વખતે આજુબાજુ બધે બૉમ્બાર્ડીંગ થયા, તે વખતે બધે સળગે પણ મને કશી અસર નહોતી થઈ. દાદાજીનું જ્ઞાન હાજર રહ્યું કે 'વ્યવસ્થિત છે, હું શુધ્ધાત્મા છું.' દાદાશ્રી : હા. ત્યાં દાદાજી હાજર રહેતા હતા. તે પછી એની બેન તો ભડકી કે એવા દાદાજી ત્યાં રક્ષણ કરે છે ? એટલે બેન આવી દર્શન કરવા કે તારા ગુરુ કેવા છે, તે મારે જોવા આવવું છે. એ 'જ્ઞાની પુરુષ' કેવા છે ? તે આવી. પછી આવીને એનાં મનમાં ઠીક લાગ્યું, જરા જોતાંની સાથે જ ઠીક લાગ્યું, અંતર ઠર્યુ એનું કે ખુદાના આસિસ્ટન્ટ જેવા તો લાગે જ છે એ. એને લાગ્યું એટલે પછી બેઠી. પછી બીજી વાતો નીકળી. એને ચારિત્રબળની વાત કરેલી. એ ધણી ગમ્મે તે બોલે, ગમ્મે એવું તને કરે, તો ય તે ઘડીએ તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે અને એનો પ્રભાવ પડશે એના ઉપર. લૉયર હોય તોય. એ ગમે તેવું વઢે, તો તું દાદાનું નામ લેજે અને સ્થિર રહેજે. મનમાં એમ થશે કે આ કેવી ! આ તો હારતી જ નથી. પછી એ હારે. એટલે પણ કર્યું એવું, છોકરી એવી હતી. દાદા જેવા શીખવાડનાર મળે તો પછી શું રહ્યું હવે ? નહીં તો એડજસ્ટમેન્ટ આવું હતું પહેલું, રશિયા ને અમેરિકા જેવું. તરત ત્યાં બટન દાબતાંની સાથે સળગે બધું, હડહડાટ. આ તો કંઈ માણસાઈ છે ? શેને માટે ડરો છો ? એવું છે કે કોઈ સંજોગોમાં છોકરો સામો થાય, વાઈફ કોઈ સંજોગોમાં સામી થાય, તે ઘડીએ તમે લપકા કરો તો તમારું શીલ ખલાસ થઈ જાય. એનાં કરતાં આપણે જોયા કરવાનું કે આ મશીન કંઈ બગડેલું લાગે છે. તે કઈ બાજુથી મશીન બગડ્યું છે તે જોયા કરવું. નહીં તો આ લોક તો શું કરે કે 'તું આવી છું, તું તેવી છું' કહે એટલે થઈ રહ્યું, શીલ એનું ખલાસ થઈ ગયું. અમને તો કોઈ લાખ ગાળો ભાંડે તોય અમે કહીએ કે આવ બા, ત્યારે કોઈ કહેશે કે છોકરો સામો થાય છે તો અત્યારથી ડરાવીએ નહીં તો તો પછી એ વધારે સામો થશે. ના, એ ડરાવવાથી તો તમારું શીલવાનપણું તૂટતું જશે ને તમારે નિર્બળતાઓ વધતી જશે અને છોકરો ચઢી બેસશે. એટલે તમે જો એને ડરાવશો નહીં અને તમે એ સહન કરીને સાંભળી લેશો તો ધીમે ધીમે એ 'ટર્ન આઉટ' થઈ જશે. એ આ શીલના પ્રભાવને લીધે ! બાકી, આ નહીં જાણવાથી તો લોકો બિચારાં માર ખાય છે. - જય સચ્ચિદાનંદ. |
|---|