કર્તાભાવે સાધના, અકર્તાભાવે સહજતા !

સંપાદકીય

ધર્મમાં બધે 'આ કરો, આ કરો, આટલી આ સાધના કરો, ફલાણી સાધના આમ કરો' એમ જ શીખવાડ્યું છે અને 'એ રસ્તે જ પ્રગતિ થશે, આનાથી જ આત્મજ્ઞાન થશે, મોક્ષ થશે' એવું અનાદીથી ચાલ્યુ આવ્યું છે. અને અથાક પ્રયત્ન કરી કરીને જાત જાતની સાધનાઓ કરીને ઊંધા વળી જાય છે. અને એમાં પુણ્યૈનો ઉદય હોય તો ધાર્યા પ્રમાણે બે-પાંચ ટકા કામ થાય તો માની બેસે કે કંઈક મારી સાધના સફળ થઈ અને અહંકારને કેફ ચઢી જાય છે ને પાપના ઉદયે ધાર્યાથી ઊંધું થઈ જાય તો જાણે કે 'મારે કરવામાં કંઈ કચાશ છે. હજુ વધારે જોરદાર સાધના કરવાની જરૂર છે.' એવું માની બેસે છે. એમાં વળી ગુરુઓ પાછું કરવાપણાના કાદવમાં ઊંડા ગરકાવે છે કે 'અમે તમને કરાવીએ છીએ, તમે કરતા નથી.' આમ સાધક કર્તાપણાની અવળી સમજણમાં અટવાઈ મોક્ષમાર્ગથી ઊંધે સંસારમાં જ અહંકારની આંટીમાં જ ભટકી જાય છે. એ તો જે આત્મસાક્ષાત્કાર પામ્યા હોય, જેમનો અહંકાર શૂન્યતાને પામેલો હોય. 'દેહાભિમાન ગલિતે, વિજ્ઞાને સર્વતત્ત્વાનાંમ્' એવા જ્ઞાની પુરુષ હોય, તે જ કર્તાપણે સાધનામાં ફસાયેલાને કર્તાભાવથી છોડાવી સાધ્ય સ્વરૂપ બનાવી દે છે. અને ત્યારે જ સહજ સ્વરૂપની ઓળખાણ પડે છે. પોતે પછી જેમ જેમ જ્ઞાની પુરુષની આજ્ઞા આધીન રહે તેમ તેમ સહજ દશાની સ્થિતિ વધુ અનુભવાતી જાય છે. સહજતા જેમ જેમ ચાખે છે, તેમ તેમ બોજા રહિત નિરાકુળ આનંદ અનેક ગણો વધતો જાય છે. સાધનામાં કરવાપણું છે ત્યાં સુધી બોજા છે. અને સફળતા નથી મળતી તો નિમિત્તો દોષિત દેખાયા કરે છે. 'આને લીધે મારે ધારેલી સાધના થતી નથી. હવે આમ કરીશ, આ નિમિત્તો ખસશે તો મારે ધારેલી સાધનામાં આગળ વધાશે.' આમ નિમિત્ત ઉપર રાગ-દ્વેષ વધવા માંડે છે પરંતુ પ્રત્યક્ષ જ્ઞાની હોય ત્યારે આખો મોક્ષ માર્ગ ખુલ્લો કરી આપે છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા જ્ઞાની પુરુષ ઘણું સ્પષ્ટ કહી ગયા કે 'મોક્ષ આ કાળને વિશે સહજ છે, સરળ છે, સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે મોક્ષ સ્વરૂપ પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે.'

પ્રસ્તુત સંકલનમાં સાધકો મોક્ષમાર્ગની આરાધના કરવા માટે જુદી જુદી સાધનાના માર્ગમાં આગળ વધતા પોતાને મૂંઝવતા પ્રશ્નો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને પૂછે છે, પોતે ક્યાં અટવાયા છે તેની સમજ ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી સાધકને પ્રાપ્ત થાય છે. પોતે મોક્ષમાર્ગ માને છે, છતાં એ માર્ગે જો સાચો હોય તો એના પરિણામ આવવા જોઈએ. સરળતા, સહજ ક્ષમા, નમ્રતા, નિરાગ્રહતા, મૃદુતા, ઋજુતા, સ્વચ્છંદરહિતતા આવે તો સમજાય કે સાચા માર્ગે છે, નહીં તો મોક્ષમાર્ગથી વિમુખ જ રહ્યા છીએ. મોક્ષમાર્ગ એટલે બિલકુલ સહજ માર્ગ, જ્યાં કંઈ પણ કરવાપણું છે ત્યાં સંસાર છે અને કર્તાભાવ ખલાસ થાય ત્યાં મોક્ષમાર્ગ. કર્તાભાવ છૂટયો તો જ આત્મસાક્ષાત્કાર થાય. તપ, ત્યાગ, ધ્યાન, સમાધિ, ક્રિયાકાંડ બધામાં કરવાપણું આવે છે અને 'હું કરું, હું કરું' ત્યાં સુધી અજ્ઞાનતા તો રહી જ. જ્ઞાન છે ત્યાં અકર્તાપણું છે અને સહજતા છે. જ્ઞાની પુરુષ પોતે સહજાત્મસ્વરૂપ થયા છે. તે જ માર્ગની પૂર્ણતા સુધીનો બોધ પ્રાપ્ત કરાવી શકે. તેવો બોધ પ્રસ્તુત સંકલનમાં અંકિત થયો છે, જે સાધકને દ્રષ્ટિ સમ્યક્ ભણી વાળવા હિતકારી નીવડશે.

દીપકના જય સચ્ચિદાનંદ

કર્તાભાવે સાધના, અકર્તાભાવે સહજતા !

સાચા ગુરુની ઓળખ !

પ્રશ્નકર્તા : સાચા ગુરુ છે, એને માટે આમ ચોક્કસ કોઈ ઓળખ ખરી ?

દાદાશ્રી : ઓળખમાં તો, આપણે ગાળ ભાંડીએ તો પણ સહજ ક્ષમા હોય. આપણે મારીએ તો ય ક્ષમા હોય, ગમે એવું અપમાન કરીએ તો ય ક્ષમા હોય. પછી સરળ હોય. તેમને આપણી પાસે કંઈ લાલચ ના હોય, આપણી પાસે પૈસા સંબંધી કંઈ માગણી કરતા નથી. અને આપણે પૂછીએ તે પ્રશ્નનું સમાધાન કરે અને જો એમને છંછેડીએ તો ય એ ફેણ ના માંડે. વખતે આપણી ભૂલચૂક થઈ ગઈ હોય તો ય એ ફેણ માંડે નહીં. ફેણ માંડે એને શું કહેવાય ? ફેણિયા નાગ કહેવાય. આ બધી ઓળખ કહી એમની.

પ્રશ્નકર્તા : મારે કેવી રીતે જાણવું કે સાચા ગુરુ મારા માટે કોણ છે ?

દાદાશ્રી : આપણે સાવ સોનું આપીએ તો ય એ લે નહીં. જે લક્ષ્મી અને સ્ત્રીને અડે નહીં. આવાં બધા કેટલાંય લક્ષણ હોય અને પછી એમનામાં બુધ્ધિ ના હોય. બુધ્ધિવાળાનું શું કામ ? આપણે બુધ્ધિવાળા ને એ બુધ્ધિવાળા, બેઉ લઢમલઢા કરે, વાદવિવાદ કરે ! બુધ્ધિ વગરનો માણસ જોઈએ. એટલે જ્યાં બુધ્ધિ ના હોય ત્યાં અને મન-વચન-કાયાની ઓનરશીપ ના હોય, ત્યાં આગળ સાચા મળ્યા કહેવાય. ઓનરશીપવાળા હોય ત્યાં સાચા ગુરુ ન હોય. એ જ માલિકીવાળા ને આપણે માલિકીવાળા, બેઉ અથડાયા કરે !

પ્રશ્નકર્તા : મન-વચન-કાયાથી એ મુક્ત છે એવું મને બીજી કોઈ પણ વ્યક્તિ કહે તો મારે એને માની લેવું કે એ ગુરુ છે એમ ?

દાદાશ્રી : ના, એવું માની ના લેવું. આપણે જરા તપાસ કરવી જોઈએ. કંઈ કહેવાથી માની ના લેવાય. અગર તો એને કહેવું જોઈએ કે મારો નિવેડો લાવી આપો. આપ જો મુક્ત છો, તો મને આ બંધનમાંથી છોડાવો.

વર્તે એટલું જ વર્તાવી શકે !

ગુરુ પાસે જઈએ તો ત્યાં આપણે કંઈ પાળવાનું હોય જ નહીં. પાળવાનું હોય તો આપણે એને ના કહીએ કે તું પાળ ભઈ, હું ક્યાં પાળું ?! પાળી શકું તેમ હોત તો તારે ત્યાં શું કરવા હું આવ્યો ?' હવે નથી પળાતું, એનું કારણ શું ? આ સામો માણસ જે કહેનાર છે એ પોતે જ પાળતો નથી. હંમેશાં ગુરુ પાળનાર હોય ત્યાં શિષ્ય અવશ્ય પાળે. બાકી, આ બનાવટો છે બધી. પછી પાછાં ગુરુ આપણને કહે, 'તમારામાં શક્તિ નથી. તમે પાળતા નથી.' અલ્યા, મારી શક્તિ શું કરવા તું ખોળે છે ? તારી શક્તિ જોઈએ. આ બધાને મેં કહી દીધેલું, 'મારી શક્તિ જોઈએ. તમારી શક્તિની જરૂર નથી.' અને બહાર બધે તો એવું જ ! જ્યાં ગુરુ થઈ બેઠો હોય, તેને એની પોતાની શક્તિ જોઈએ. પણ આ તો લોકોને તોપને બારે ચઢાવે કે, 'તમે કશું કરતા નથી !' અલ્યા ભઈ, કરતો હોત તો તારે ત્યાં હું શું કરવા આવત તે ? તારે ત્યાં શું કરવા અથડાત તે ? પણ આ તો કળિયુગનાં લોકોને સમજણ નહીં હોવાથી આ બધું તોફાન ચાલે છે. નહીં તો મારા જેવા જવાબ આપી દે ને ? ગુરુ જો ચોખ્ખા હોય તો આપણને અવશ્ય થઈ જ જાય અને નથી થતું તો ગુરુઓમાં જ પોલ છે. હા, એક્ઝેક્ટ પોલ છે, આ તમને કહી દઉં !

પોલનો અર્થ હું શું કહેવા માગું છું કે ગુરુ ખાનગીમાં બીડી પીતાં હોય તો તમારી બીડી ના છૂટે. નહીં તો કેમ ના બને ? એક્ઝેક્ટલી બની જવું જોઈએ. બધા ગુરુઓનો પહેલા રિવાજ જ એ હતો. ગુરુ એટલે શું કે પોતે બધું જ પાળે એટલે સામાથી સહજ પળાઈ જવાય. એ તમારી સમજમાં આવે ખરું ?

એ ધ્યાન ધરવું હિતકારી ?

પ્રશ્નકર્તા : કેટલાક ગુરુ એમનું પોતાનું ધ્યાન ધરવાનું કહે છે, એ યોગ્ય છે કે નહીં ?

દાદાશ્રી : એવું છે ને, ધ્યાન તો એટલા માટે કરવાનું છે કે ગુરુના સુખ માટે નહીં, આપણને એકાગ્રતા રહે ને શાંતિ રહે એટલા સારું ધ્યાન કરવાનું છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ ? ધ્યાન આપણું ટકે એવા હોવા જોઈએ.

પ્રશ્નકર્તા : પણ ધ્યાન સદ્ગુરુનું કરવું યોગ્ય છે કે કોઈ ભગવાનના બીજા સ્વરૂપનું ?

દાદાશ્રી : ભગવાનનું ધ્યાન ખબર જ નથી, ત્યાં શું કરશો ? એનાં કરતાં ગુરુનું ધ્યાન કરવું. એમનું મોઢું દેખાય તો ખરું ! આમાં સદ્ગુરુનું ધ્યાન કરવું સારું. કારણ કે ભગવાન તો દેખાતા છે નહીં. ભગવાન તો હું દેખાડું ત્યાર પછી ભગવાનનું ધ્યાન થાય. ત્યાં સુધી જે સદ્ગુરુ ધારેલા હોય એમનું જ કરજો. હું ભગવાન દેખાડું ત્યાર પછી તમારે કરવું નહીં પડે. જ્યાં સુધી કરવાનું છે, ત્યાં સુધી ભટકવાનું છે. કંઈ પણ કરવું પડે, ધ્યાન પણ કરવું પડે, ત્યાં સુધી ભટકવાનું. ધ્યાન સહજ થાય. સહજ એટલે કંઈ પણ કરવું ના પડે, એની મેળે જ થયા કરે. ત્યારે જાણવું કે છૂટકારો થયો.

એ કોને સુપ્રાપ્ત ?

પ્રશ્નકર્તા : આ જે સિધ્ધ થયેલી હકીકત છે, એ સિધ્ધ થયેલી હકીકત માટેના જે ઋષિ-મુનિઓ અત્યારે આપણી પાસે નથી.

દાદાશ્રી : એ સિધ્ધ કરેલી વસ્તુ કેવી છે કે સહજ છે, સુગમ છે. પણ એની પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે પ્રાપ્ત પુરુષ મળવા જોઈએ ત્યારે એની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત પુરુષ કેવાં હોય કે પોતે મુક્ત પુરુષ હોય, સ્વતંત્ર પુરુષ હોય, જેને સંસારનો એક પણ વિચાર આવે જ નહીં, સ્ત્રી સંબંધી વિચાર ના આવે, પોતાના અસ્તિત્વ સંબંધી વિચાર ના આવે, પોતાપણું જેનામાં ના હોય. પોતાપણું ના હોય ત્યાં કામ થઈ શકે.

આત્મવિકાસમાં પ્રતિકૂળતા નડે ?

પ્રશ્નકર્તા : પણ અંતરની ઇચ્છા હોય છતાં આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કેમ વધારે જણાય છે ?

દાદાશ્રી : આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કોઈ દહાડો હોતી જ નથી. ફક્ત એની અંતરની ઇચ્છા જ હોતી નથી. જો અંતરની ઇચ્છા હોયને તો આત્મવિકાસનાં કાર્યમાં પ્રતિકૂળતા હોતી નથી. આ તો 'એને' આ દુનિયા ઉપર વધારે ભાવ છે ને આસક્તિ છે. એટલે આમાં પ્રતિકૂળતા લાગે છે. બાકી આત્મા પ્રાપ્ત કરવો એ તો સહજ છે, સરળ છે, સુગમ છે. આત્માને પોતાને ગામ જવાને માટે વાર જ શી લાગે ?

મેં એક ખેડૂતને પૂછેલું કે, 'આ બળદને અહીંથી ખેતરમાં લઈ જતી વખતે બળદનો શું સ્વભાવ હોય છે ?' ત્યારે કહે, 'અમે ખેતરમાં લઈ જઈએ, તે ઘડીએ એ ધીમે ધીમે ચાલે.' 'અને પાછું ઘેર આવતી વખતે ?' ત્યારે કહે, 'ઘેર ? એ તો સમજી જાય કે ઘરે જ જઈએ છીએ કે ઝપાટાબંધ ચાલે !' એવી રીતે આત્મા, મોક્ષે જવાનું છે, એવું જાણ્યું ત્યારથી ઝપાટાબંધ ચાલે. પોતાને ઘેર જવાનો છે ને ! અને બીજે બધે તો ધીમે ધીમે પરાણે ચાલે !!

માની બેઠેલાં 'છેલ્લું સ્ટેશન' ?

પ્રશ્નકર્તા : મારે હવે નિવૃત્તિમાં જવાનો વિચાર છે, તો તે માર્ગે તેના ઉપર મને સ્થિર કરો. એ સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી.

દાદાશ્રી : બરોબર છે. એ તો કરી આપીશું. તમારી વાત સાચી છે. સંસાર રોગ જાય તો જ કામનું ને ! એવું છે ને, સંસાર રોગ જાય એવો નથી આ ! આ સંસાર રોગ એવી વસ્તુ નથી કે જાય. આ બાજુનો રોગ ઓછો થાય ત્યારે પેલી બાજુનો રોગ ભેગો થાય.

પ્રશ્નકર્તા : એ તો જિંદગીમાં આ બધું ચાલ્યા જ કરવાનું.

દાદાશ્રી : હા, ચાલ્યા જ કરવાનું, તે જ કહું છું ને ! એટલે આ તો નામ છૂટે નહીં, મમતા છૂટે નહીં. ત્યાં મૂક્યું હોયને, તો તે યાદ રહ્યા કરે. યાદ રહે છે, એનું શું કારણ ? ત્યાં તાર જોઈન્ટ કર્યો છે ? પણ ના. વગર તારે યાદ રહ્યા કરે, લક્ષમાં રહ્યા કરે. ફલાણી જગ્યાએ આ મૂક્યું છે, ફલાણી જગ્યાએ આ મૂક્યું છે.

પ્રશ્નકર્તા : પણ મૂકે તો યાદ કરે ને ? મૂકે જ ના, તો પછી યાદ શું કરવાનું તે ?

દાદાશ્રી : ના, એવું હું તમને નથી કહેતો. આ તો બધી સાહજિક વાત કરું છું. કોઈ એક જણને અમારાથી કહેવાય નહીં. પણ આ બધું તપાસ કરવું પડે. અને ઉધના સ્ટેશને ત્યાં આગળ બેસી રહીએ અને માનીએ કે વેસ્ટર્ન રેલવેનું છેલ્લું સ્ટેશન આવી ગયું, એટલે પૂરું થઈ ગયું એવું માનીએ તો કંઈ દહાડો વળે ?

અંતરાત્મ દશાના લક્ષણો !

પ્રશ્નકર્તા : જીવાત્મામાંથી અંતરાત્મદશા તરફ જાય ત્યારે એનામાં કયા નોંધપાત્ર ફેરફારો થાય ?

દાદાશ્રી : એની વૃત્તિઓ બહાર જતી અટકી જાય, વૃત્તિઓ જે બહાર જતી હોય ને કે 'આમ કરું, તેમ કરું, આમ કરીએ, તેમ કરીએ' એ બધી પાછી ફરે. જેમ આ ગાયો સવારમાં ચરવા જાય છે ને પછી સાંજે પાછી ફરે છે ને, એવી રીતે વૃત્તિઓ પાછી ફરવા માંડે. એટલે આપણે જાણવું કે આ ભાઈ 'શુધ્ધાત્મા' થવા માંડ્યો છે. વૃત્તિઓ જે બહાર ભટકતી હતી, તે ભટકતી બંધ થઈ અને પોતાને ઘેર પાછી ફરવા માંડે. તમે તમારી વૃત્તિઓને જોશો, તપાસ કરશો તો તમને ભટકતી લાગશે કે આ તો એક આ બાજુ ભટકે છે, એક આ બાજુ ભટકે છે, મોટાં મોટાં નાસ્તાહાઉસ હોયને ત્યાં હઉ ભટકી આવે, એવી ભટકે કે ના ભટકે ? મોટાં મોટાં નાસ્તાહાઉસ સરસ હોય અને એક દહાડો ચાખી આવ્યો હોય તો એ વૃત્તિ પાછી ત્યાં ભટકે. એટલે વૃત્તિ બધી ભટક ભટક કરે છે અને અંતરાત્મા થયો કે વૃત્તિઓ પાછી ફરે.

પ્રશ્નકર્તા : અંતરાત્મામાંથી પરમાત્મા તરફ જ્યારે પ્રગતિ થાય તો તે વખતે કયા ખાસ નોંધપાત્ર ફેરફારો થાય ?

દાદાશ્રી : એવું છે, અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ, આ ત્રણ 'ગ્રેડેશન' છે. તે અસ્તિત્વ તો દરેક જીવમાત્રને પોતાનું ખબર હોય કે, 'હું છું.' એ 'હું છું' એવી ખબર ખરી કે નહીં ? મનુષ્યો એકલાને જ નહીં, જાનવરોને ય 'હું છું' એવું ભાન છે. આ ઝાડને પણ 'હું છું' એવું ભાન છે. એટલે અસ્તિત્વનું જીવમાત્રને ભાન છે. જ્યારે એ અંતરાત્મા થાય છે ત્યારે વસ્તુત્વનું ભાન થાય છે કે 'હું કોણ છું' તો પછી પૂર્ણત્વ તો એની મેળે સહજ થયા કરે છે. અસ્તિત્વથી માંડીને વસ્તુત્વ સુધીનો જ પુરુષાર્થ છે. પછી પેલું સહજ રીતે ચઢ્યા જ કરે છે. આમ આ દ્રષ્ટિફેર છે.

આ બાજુ જવાનું છે તેને બદલે આ બીજી બાજુ જાય છે ને એમ માનીને જાય છે કે આ રસ્તે મારી પરિપૂર્ણતા છે. જ્યારે એને કોઈ 'જ્ઞાની પુરુષ' મળી આવે તો એને પાછો વાળે અને આ બાજુ એની દ્રષ્ટિફેર કરી આપે ત્યાર પછી જીવાત્માની દશા તૂટે અને જ્યારે મૂળ સ્થાન પર આવે ત્યારે એની અંતરાત્મદશા થાય. પછી વૃત્તિઓ બધી પાછી આવવા માંડે. જેમ 'એ' પાછો ફર્યો એટલે વૃત્તિઓ ય પાછી ફરે અને પછી એની મેળે સહજ થયા કરે. અંતરાત્મા થવા સુધી, 'ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ' સુધી 'જ્ઞાની પુરુષ'નો આશરો લેવો પડે. અને 'ઈન્ટ્રીમ ગવર્નમેન્ટ'નું સ્થાપન થઈ ગયું એટલે 'ફુલ ગવર્નમેન્ટ' થયા કરે.

પછી પૂર્ણત્વ સહજ પ્રાપ્ત !

એવું છે ને, જીવમાત્રને પોતાનું અસ્તિત્વ છે અને એ અસ્તિત્વનું એને ભાન છે. એટલે 'હું છું' એવું કંઈક ભાન એને છે અને એ ભાન એનું ક્યારે ય જતું નથી. રાતે ઊંઘમાં ય 'હું જ છું' એ ભાન હોય છે. એટલે અસ્તિત્વનું ભાન હોય છે જ. એટલે આ જગતમાં કોઈને ય નાસ્તિક ના કહેવાય. નાસ્તિક તે કહેવાતું હશે ? નાસ્તિક કોને કહેવાય ? આ જગતમાં કોઈ નાસ્તિક જન્મ્યો નથી ને 'હું નાસ્તિક છું' બોલે છે એ એનો વિકલ્પ છે. નાસ્તિકનો અર્થ શું કે જેનું અસ્તિત્વ નથી. 'હું નાસ્તિક છું' એવું બોલે છે, એ 'ઇટસેલ્ફ' જ અસ્તિત્વનો પુરાવો તો છે જ. આ બોલે છે તે જ અસ્તિત્વ કહેવાય. અને નાસ્તિક શબ્દ તો વિકલ્પ છે. વિકલ્પ એટલે એક જાતનો અહંકાર છે કે 'હું નાસ્તિક છું અને આ આસ્તિક છે.'

પ્રશ્નકર્તા : અત્યારે એવું છે ને, પોતે અસ્તિત્વ ની સ્થાપના નથી કરી શકતો, પોતે છે એવું 'એક્ઝીસ્ટન્સ' 'ફીલ' પણ નથી કરી શકતો, ત્યાં સુધી પોતાનું અસ્તિત્વ છે પણ એની પોતે પ્રતીતિ કરી શકતો નથી ને ?

દાદાશ્રી : ના. 'હું છું' એ થતું ના હોય એવો માણસ જ ના હોય ને ! 'હું છું' એ બધાને હોય જ. 'હું છું' એ શબ્દ જ પોતે અસ્તિત્વ જાહેર કરે છે.

હવે એને વસ્તુત્વનું ભાન થતું નથી કે 'હું કોણ છું ?' તેથી આ જગતમાં ભ્રાંતિ ચાલી રહી છે. વસ્તુત્વનું ભાન ભેદવિજ્ઞાનથી થાય. જડ અને ચેતનનો ભેદ પાડવામાં આવે ત્યારે પોતાને વસ્તુત્વનું ભાન થાય. એ જ્ઞાન જો 'જ્ઞાની પુરુષ' કરાવે અને એ પ્રગટ થઈ ગયું, પછી 'એડવાન્સ' થઈ જાય. વસ્તુત્વનું ભાન થાય કે 'પોતે કોણ છે' તો પછી પૂર્ણત્વ થયા કરે. અને પૂર્ણત્વ એ દશા નિરાલંબ છે, એ એની મેળે સહજ સ્વભાવે થયા કરે. બીજ થયા, પછી ત્રીજ થાય, ચોથ થાય, એની મેળે થયા કરે ને ? આપણે આડા ના થઈએ તો પછી વાંધો ના આવે. એ છોડવો આમ ઊખેડી નાખીએ તો પાછો વાંધો આવે. વખતે ઊખડી જાય તો ચોંટાડતાં આવડવું જોઈએ.

અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું. એ નથી સમજાતું. પણ જો વસ્તુત્વનું એક અંશ પણ ભાન થાય તો પૂર્ણત્વે પહોંચે. વસ્તુ સહજ છે. માર્ગ સરળ છે પણ જ્ઞાન માટે 'જ્ઞાની'નું નિમિત્ત જોઈએ અને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. 'જ્ઞાની' પોતે છૂટેલા હોય ને છોડાવવાને શક્તિમાન હોય; એ તરણતારણ કહેવાય. તેથી કહ્યું છે કે મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે મોક્ષસ્વરૂપ પુરુષ પ્રાપ્ત હોવાં જોઈએ !

આત્મા સ્વભાવે ઉર્ધ્વગામી !

પ્રશ્નકર્તા : પણ આત્માનો તો સહજ સ્વભાવ છે ને ? તો પછી શ્રેયની સાધના શા માટે કરવી પડે ?

દાદાશ્રી : આત્માને શ્રેય નથી ને પ્રેય પણ નથી. આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે, નિરંતર ઊર્ધ્વગામી સ્વભાવમાં આત્મા છે. આત્મા ઊર્ધ્વગામી સ્વભાવી છે, જ્યારે પુદગલનો સ્વભાવ અધોગામી છે.

પ્રશ્નકર્તા : તો ઊર્ધ્વગામીની વ્યાખ્યા કહો.

દાદાશ્રી : ઊર્ધ્વગામી એટલે સ્વભાવથી જ મોક્ષે જાય એવો છે. 'તમે' જો કશી ડખલ ના કરનાર હો તો 'આત્મા' સ્વભાવથી જ મોક્ષે જાય એવો છે, એમાં 'તમારે' કશું કરવું પડે એવું નથી ! અને પુદગલ એ સ્વભાવથી જ અધોગામી લઈ જાય એવું છે. જેટલું પુદગલનું જોર વધ્યું એટલો નીચે દબાય, જેટલું પુદગલનું જોર ઓછું થયું એટલો ઊંચે ચઢે ને એ જ્યારે પુદગલ રહિત થાય ત્યારે મોક્ષે જાય.

પ્રશ્નકર્તા : પણ આત્મા તો ઊર્ધ્વગામી સ્વભાવનો જ છે, તો પછી પાછો નીચે અધોગામીમાં કેમ જાય છે ?

દાદાશ્રી : જેમ નુકસાનકારક વિચારો હોય, મનુષ્યોને કોઇ પણ જીવને નુકસાનકારક વિચાર કર્યો કે કોઇને કિંચિત્માત્ર દુઃખદાયી થાય એવો વિચાર પણ કર્યો એટલે વજનદાર પરમાણુ ચોંટ્યા, એટલે વજનદાર થયો, એ પછી નીચે લઈ જાય. અને દુનિયાને સારું કરવાના વિચાર થાય તો હલકા પરમાણુ ચોંટે, તો ઉપર લઈ જાય.

ઓપન માઈન્ડવાળાને ઓળખાણ જ્ઞાનીની !

પ્રશ્નકર્તા : તમે જે જવાબ આપતા હતા કે એક જ સવાલના જવાબમાં સામાનું જો ઓપન માઈન્ડ હોય તો એને પૂરો ખ્યાલ આવી જાય કે આ જ્ઞાની બોલી રહ્યા છે.

દાદાશ્રી : બધો ખ્યાલ આવી જાય. પણ એવું છે ને, જાણી-જોઈને આડાઈ કરવી હોય તેને શું થાય ! અરે, ઊંઘતો બોલે પણ જાગતો ના બોલે. ઊંઘતો સહજ સ્વભાવે બોલી દે. પણ જાગતો તો બોલે જ શાને માટે ? એવી રીતે આ જાણી-જોઈને આડાઈ કરવી હોય, એનો તો ઉપાય જ શો છે ? અમારા પાંચ વાક્યોનું સોલ્યુશન જો સાંભળે, તો એ તરત સમજી જાય કે આ જ્ઞાની પુરુષ સિવાય આવું કોઈ સોલ્યુશન આપી શકે નહીં.

સમકિર્તીના લક્ષણો !

સરળ એટલે શું ? ખેતરમાંથી ભીંડા લાવ્યા અને તરત વઘાર મૂકીને મૂક્યા કે તરત દશ મિનિટમાં વરકો વળી જાય. અને અસરળ એટલે શું કે ફ્રીઝમાં મૂકેલા ભીંડા. ફ્રીઝમાં બે દહાડા ભીંડા મૂકીએ તો શું થાય ? પછી એ અસરળ ભીંડા કહેવાય. એટલે ભગવાને શું કહ્યું ? સરળનું કામ થશે. સરળનો મોક્ષ છે. અસરળનું ત્યાં આગળ કામ ચાલે નહીં.

પ્રશ્નકર્તા : આ તો એમ લાગે છે કે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં બધું હશે, પણ સરળતાનો અભાવ હોય છે.

દાદાશ્રી : હોય જ નહીં સરળતા ! આટલી વસ્તુ ક્યાંય દેખાય નહીં, સહજ ક્ષમા. તમે એને કશું કહી આવો તો એ નોંધ રાખ્યા વગર રહે નહીં. એ નોંધમાં રાખી મૂકે, છ મહિના સુધી ભૂલે નહીં. નોંધ ના રાખે, એનું નામ સહજ ક્ષમા કહેવાય. પછી બીજું શું હોય ? કઠોરતા હોય. દરેક જાતની કઠોરતા હોય. પછી આગ્રહ બધી જાતના હોય. અને પછી સરળતા એમનામાં ના હોય, એટલે તમે વાળો તો એ વળે નહીં. નમ્રતા તો હોય નહીં, પણ સરળતા ય હોય નહીં. 'ટોપ' પરની સરળતા જોઈએ. પછી 'ટોપ' પરની નમ્રતા જોઈએ. નમ્ર એટલે શું કે સામો વેંત નમે ત્યાર પહેલાં એ આખો ય નમી જાય. કોઈ અકડાઈ કરે તેની જોડે ય પેલો નમે. બાકી, મનુષ્યનો સ્વભાવ કેવો ? સામો અકડાઈ કરતો હોય, તો એ અકડાઈ કરે, પણ ત્યાં ય નમે તો એ મોક્ષે જવાની નિશાની કહેવાય. પછી નિર્લોભતા હોય. લોભે જ પકડી રાખેલાને, લોકોને ! તેથી ભગવાને કહેલું કે જાત્રાએ જઈ આવજો, આમ કરી આવજો ને પૈસા વાપરી નાખજો. એટલે રૂપિયા વપરાય તો પેલી લોભની ગાંઠ ઓછી થઈ જાય. નહીં તો નવ્વાણુંના ધક્કાની પેઠ લોભ વધતો જાય. એટલે આ દુનિયામાં કોઈ ચીજની જરૂરિયાત નથી એવો ભાવ રહેવો જોઈએ. એટલે આ બધા ગુણો આવવા જોઈએ. પેલા બધાં ભૂતાં નીકળી જશે અને સરળ થઈ જશો ત્યારે મોક્ષ થશે.

મોટામાં મોટી ભૂલ એ સ્વચ્છંદ. સ્વચ્છંદથી તો આખું લશ્કર ઊભું છે. સ્વચ્છંદ એ જ મોટી ભૂલ, તે સહેજ એમ કહ્યું કે, 'એમાં શું થયું ?' એટલે થઈ રહ્યું. તે પછી એ અનંત અવતાર બગાડે.

હું તો એટલું કહું છું કે તમે તપાસી જુઓ કે તમારામાં કઠોરતા ઘટી છે ? મૃદુતા-ઋજુતા એ બધા ગુણો ઉત્પન્ન થયાં છે ? સહજ ક્ષમા કરવાનો ગુણ ઉત્પન્ન થયો છે ?

પ્રશ્નકર્તા : આત્મજ્ઞાનને મેળવવાનો રસ્તો જેમ આપે પ્રયોગ કરીને મૂક્યો છે, એમ ત્યાં તો એવું કંઈ હતું જ નહીં ને ? એટલે એમાં મૃદુતા ને ઋજુતા ક્યાંથી આવે ?

દાદાશ્રી : હા, આવે જ નહીં ને ! એટલે મૃદુતા-ઋજુતા આવે તો માર્ગ સાચો છે. અકડાઈ વધતી હોય તો જાણવું કે માર્ગ ખોટો છે. જો જરાક સળી કરી હોય ને તો ખોદી નાખે આપણું, અક્કડ ! આ ખીચડીને નીચે ઉતારીને પાંચ મિનિટ રહેવા દે ને, તો સિધ્ધ થાય છે. તો આ જ્ઞાન સિધ્ધ થવું જોઈએ ને ?

આપણા મહાત્માઓને તો મૃદુતા-ઋજુતા આવે છે બધાને, કારણ કે સરળ ને સમભાવી માર્ગ છે. હા, સહજ, સમભાવી માર્ગ છે. ચિંતા રહિત માર્ગ. એમને ચિંતા હઉ થાય અને પાછો કહે છે, અમને આત્માનું જ્ઞાન થઈ ગયું !

એવા તપનું ફળ, મોક્ષ કે દેવગતિ ?

મોક્ષમાર્ગ એટલે બિલકુલ સહજ માર્ગ. એટલે ક્રિયાકાંડ ના હોય, મહેનત ના હોય. તપ, ત્યાગ, જપ એ બધી ક્રિયાઓ ફળવાળી છે. ફળ મળે ત્યાં સુધી રહેવું હોય તો મુકામ કરો અને પછી ફળ ચાખશો, પણ ફળ આવે ત્યારે કઇ જાતના વિચાર હોય તે શું કહેવાય ? બી વાવ્યું ત્યારે ત્યાગી દશામાં હોય ને ફળ આવ્યું ત્યારે ગૃહસ્થી દશામાં હોય, પંચેન્દ્રિયના વિચારોમાં પડ્યો હોય. તપ-ત્યાગથી દેવગતિ મળે, મોક્ષ ના મળે. મોક્ષ તો સહજ થાય ત્યારે જ થાય. આ તપ-ત્યાગની મહેનત કરે એ હેન્ડલ મારવા પડે છે.

આપણે પૂછીએ કે 'તબિયત બગડી તેથી ભૂખ્યાં રહો છો ?' તો તે કહેશે, 'હું તપ કરું છું.' 'કેટલા દિવસ ભૂખ્યા રહેશો ?' તો તે કહે, 'ચાર દિવસ.' તો તમે તપ કરીને તપેલા હશો કે ઠંડા ? પણ તે તપેલો જ રહે. એવા તપેલાને છોકરાએ કંઇ કહ્યું હોય તો એવી અગ્નિ કાઢે કે છોકરો વિચારે કે, આના કરતાં બાપ ના હોય તો સારું ! ભગવાને કહેલું કે, 'પેટમાં દુઃખતું હોય, અજીર્ણ થયું હોય તો એકાદ ટંક ખાજે.' વધારે ખાઇશ એ ય પોઇઝન છે અને નહીં ખાઉં તો એ ય પોઇઝન છે. તેથી ભગવાને ઊણોદરી તપ કરવાનું કહેલું તે કેવું કે રોજ ચાર રોટલી ખાતો હોઉં તો ત્રણ રોટલી ખાઇને શરૂઆત કરવી અને ભાત અર્ધો ખાજે, તો તારે તપ કરવાની જરૂર નથી. પેટને ખોરાક જીવવા પૂરતો આપવો. આફરો ચઢે એ ગુનો છે. દૂધપાક પીધો હોય ને સત્સંગમાં કહ્યું હોય કે, 'આટલો પાઠ કરજો.' તે સૂતાં સૂતાં પાઠ કરવા જાય તો ઘેન ચઢે. ઘેન ચઢે એટલું ખવાય જ નહીં.

આ બહુ દિવસો સુધી ભૂખ્યા રહે છે તેને તો ભગવાને ઢોર લાંઘણ કહ્યું છે, પણ એ કષ્ટનું સેવન છે તે ફળ વગર જાય નહીં, દેવગતિ મળશે. વિલાસ કરો તો ય ફળ મળશે. ભગવાને નોર્મલ રહેવા કહ્યું, 'સહજ માર્ગે ચાલ્યો જા' એમ કહ્યું. પણ ભગવાનની વાત કોઇ સમજ્યું જ નહીં ને લોકો અણસમજણથી તપ કરવા જાય છે.

ત્યાગ, બે પ્રકારના...

ત્યાગ બે પ્રકારના : (૧) અહંકારે કરીને ત્યાગ (૨) સહજ વર્તનમાં વર્તાયેલો ત્યાગ.

ત્યાગ તો એને કહેવાય કે મોહ ઉત્પન્ન ના થાય. આ ત્યાગી તો ત્યાગ કર્યાના મોહમાં જ રહે છે, તેને ત્યાગ કહેવાય જ કેમ ? ત્યાગ તો શૂરાતનીનું કામ છે. ત્યાગ તો સહેજે વર્તે, કરવો ના પડે. ત્યાગાત્યાગની મૂર્ચ્છા સંપૂર્ણ ઊડી જાય તે જ ખરો ત્યાગ. તાદાત્મ્ય અધ્યાસ એ જ રાગ અને તાદાત્મ્ય અધ્યાસ નહીં તે ત્યાગ. ચાલુ ભાષામાં કહેવાતા ત્યાગને ત્યાગ કહેવાય છે ખરો, પણ તે અંતરંગ ત્યાગના હેતુ સ્વરૂપ છે, છતાં અસલ ત્યાગ નથી.

ભગવાને કહ્યું કે, બંગલામાં રહે છતાં બંગલાની મૂર્ચ્છા નથી એવા મૂર્ચ્છાના ત્યાગને ત્યાગ કહ્યો. ગજવું કપાય છતાં કશી મૂર્ચ્છા આવતી નથી માટે એ ત્યાગી છે. જો એમ મૂર્ચ્છાના ત્યાગને ત્યાગ ના કહ્યો હોત તો સંસારીને કેવળ જ્ઞાન થાત જ નહીં, ભગવાને શું કહેલું કે વસ્તુનો ત્યાગ કોઇ કરી જ ના શકે. વસ્તુઓ અનંત છે, તે ત્યાગ શી રીતે કરી શકાય? વસ્તુને હૂડ હૂડ કરવાથી તે જાય ખરી ? ના. પણ જો અનંત વસ્તુમાં મૂર્ચ્છાનો ત્યાગ થઇ જાય તો તે વસ્તુનો ત્યાગ કર્યો બરાબર છે.

આ ત્યાગ કરે એ તો અહંકાર કરીને જ ત્યાગ કરે, પણ ગ્રહણ-ત્યાગમાં મૂર્ચ્છા નહીં, તેને ભગવાને ખરો ત્યાગ કહ્યો. સહેજે વર્તે તેવા ત્યાગને ત્યાગ કહ્યો.

પ્રાપ્ત તપથી મોક્ષ કમાણી !

ભગવાન મહાવીરે કહ્યું હતું કે, 'કળિયુગમાં ચેતીને ચાલજે. તને જે પ્રાપ્ત તપ હોય તે ભોગવજે અને અપ્રાપ્ત તપને ઊભું ના કરીશ.' સામો માણસ અથડાઇ પડ્યો અને તને અહીં વાગ્યું તો એ શાંતિથી તપ તપજે, ત્યારે ત્યાં ઝઘડો કરે અને ઘેર આવીને કહેશે કે 'કાલે તો મારે અપવાસ કરવો છે.' 'અલ્યા, આમ શું કરવા કરે છે ? તને જો શરીરને અનુકૂળતા ના હોય તો એકાદ ટંક કે બે ટંક ઉપવાસ કરી નાખ, તેનો વાંધો નથી, એ સહજ સ્વભાવ છે. એવું જાનવરોમાં પણ હોય છે, પણ આવું તોફાન કરવાની જરૂર જ નથી.' ભગવાને કહેલું કે, 'ત્રણ કાળમાં, દ્વાપર, ત્રેતા અને સત્યુગમાં ત્યાગ કરજે, તપ કરજે, પણ ચોથા કાળમાં કળિયુગમાં તો તપ-ત્યાગ તારે ખોળવા નહીં જવું પડે, વેચાતાં લેવાં નહીં જવું પડે.' એ તો જે કાળમાં વેચાતાં લેવા જવું પડતું હતું તે કાળમાં આ તપ હતાં. કારણ કે આખો દહાડો ખોળે તો ય તપ જડે જ નહીંને! એ કાળ ગયા બધા. અત્યારે તો તપ કેટલાં બધાં મળે ?

જ્ઞાન તપનું સ્વરૂપ !

ભગવાને તો કહ્યું કે જ્ઞાન નહીં હોય પણ ભાન હશે તો ય ચાલશે. ભગવાને ભાન નહીં હોય તો ચાલશે એમ નથી કહ્યું. ભાન થયા પછી જ 'જ્ઞાન તપ' ચાલુ થાય.

આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઇ માણસ તમારી પાસે આવે અને તે તમને કડવું પાય, તો તે વખતે મહીં હાર્ટ લાલ થઇ જાય, તે વખતે તમે જ્ઞાનમાં સ્થિર થઇ જાવ અને હાર્ટને જોયા કરો કે કેટલું તપે છે, આને જ ભગવાને 'જ્ઞાન તપ' કહ્યું છે. સંસાર અવસ્થા એ કુદરતી રચના છે, તેમાં અસ્થિર શું થવાનું ?

મેં કહ્યું, ''ભગવાને કહેલું કે મોક્ષે જવા માટેનું તપ તો અદીઠ હોય, કોઇ દેખી ના શકે. તમારાં તપ તો કસરતશાળા જેવાં છે. શું તમે 'કસરત' કરો છો ? મોક્ષે જવા માટે આવાં તપ ના હોય.'' ભગવાને આવાં તપને ના કહ્યું છે. ભગવાને કહેલું કે જ્યાં સુધી દેહ સહજ નહીં થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહીં થાય. જ્યારે દેહ સહજ થશે અગર તો આત્મા સહજ થાય, એટલે કે દેહ અને આત્મા, બેમાંથી એક સહજ થાય તો બેઉ સહજ થશે ને ત્યારે કામ થશે.

પોતાની ભૂલ જડે ક્યારે ?

જે પોતે કરે ને એમાં પોતાને ભૂલ છે એવું ક્યારેય ખબર પડે નહીં. પોતે જે કરતો હોય, સહજ સ્વભાવે જે કાર્ય, ક્રિયા કરતો હોયને એમાં પોતાની ભૂલ છે એવું ક્યારેય દેખાય નહીં, ઊલટું કોઈ ભૂલ દેખાડે તો ય એને ઊંધું દેખાય. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એમાં એને પોતાની ભૂલ ન દેખાય. ભૂલ તો પોતે આત્મસ્વરૂપ થાય, જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય, તો આત્મા એકલો જ થર્મોમીટર સમાન છે કે ભૂલ દેખાડે. બાકી કોઈ ભૂલ ના દેખાડે. પોતાની ભૂલ ના દેખાય કોઈને. ભૂલ દેખાય તો તો કામ જ થઈ ગયું ને !

વીતરાગનો માર્ગ સહેલો છે, સરળ છે ને સહજ છે, પણ લોકોએ કષ્ટસાધ્ય કરી નાખ્યો છે. આ ચાલુ માર્ગમાં જે વીતરાગ ધર્મ છે ત્યાં કાંઇ તથ્ય હોત તો જગત આફ્રિન થઇ જાત; પણ લોકો જુએ છે કે, ત્યાગના ખૂણાવાળો એકલો ત્યાગના ખૂણામાં પડ્યો છે અને એ જ વાળ વાળ કરે છે ને તપવાળો એકલો તપનો ખૂણો વાળ વાળ કરે છે. બધાય ખૂણા વાળે તો જ ઉકેલ આવે તેમ છે.

વર્તે તે વ્રત !

પેલા ત્યાગી તો બધું જ ગણી બતાવે, 'ત્રણ છોકરાં, બાયડી, મોટાં મોટાં આલીશાન ઘરો, બંગલા, પાર વગરની મિલકત છોડીને આવ્યા છે.' એવું બધું એમને લક્ષમાં રહ્યા કરે, ભૂલે નહીં અને ત્યાગ વર્ત્યો કોને કહેવાય ? સહજ ભૂલી જવાતું હોય ! તેને ભગવાને વ્રત કહ્યું છે, ત્યાગ નથી કહ્યું. એટલે અણુવ્રત અને મહાવ્રત, એમાં અણુવ્રત જૈનોને માટે કહ્યું કે, 'જેટલું તમને સહજ સ્વભાવે વર્તે એટલું અણુવ્રતમાં આવી ગયું.' ત્યાગનો તો કેફ ચઢે અને યાદ રહ્યા કરે, 'મેં આટલું ત્યાગ્યું, આમ ત્યાગ્યું, તેમ ત્યાગ્યું.' વાત આમ સમજે તો ઉકેલ આવે. અમને કશું યાદ જ ના રહે, રૂપિયા તો મને યાદ જ નથી આવતા. લક્ષ્મી અને વિષય અમને વિચારમાં જ નથી આવતા, પણ લોકોને માન્યામાં શી રીતે આવે?

આ ગણતરી જ જુદી છે ! તારો જે ગુણાકાર છે, તેમાં તારી રકમ પરમેનન્ટ રકમ છે અને બીજી ટેમ્પરરી રકમથી એને ગુણવા જાય છે ને ! હવે મારે તો બેઉ પરમેનન્ટ રકમો છે એટલે મારા ગુણાકાર ચાલ્યા કરે અને તું ગુણાકાર કરવા જાય તો ટેમ્પરરી રકમ ઊડી જાય બીજી ટેમ્પરરી રકમ મૂકે ને ગુણાકાર કરવા જાઉં ત્યારે હોરી તો પેલી ટેમ્પરરી રકમ ઊડી જાય. તે તારો ગુણાકાર કોઇ દહાડો પૂરો થવાનો નથી. માટે પાંસરો ચાલને !

મહાવ્રત તમને સમજાયું ? વર્તે તે ! વર્તે એટલે યાદે ય ના હોય, સહજ ત્યાગ. હમણાં તમને બીડીનો ત્યાગ વર્તતો હોય તો બીડી તમને યાદ ના આવે અને ત્યાગ કરેલો હોય તેને યાદ આવ્યા કરે કે, 'મેં બીડી ત્યાગી છે.' એટલે વર્તેલો ત્યાગ હોય તેની વાત જ જુદી છે. એ ત્યાગનો અહંકાર ના હોય. પણ કેટલાક ત્યાગનો ગાંડો અહંકાર કરે. અલ્યા, ત્યાગ વર્ત્યો છે માટે પાંસરો રહેને ! શું કરવા ત્યાગને ગા ગા કરે છે? એનો અહંકાર શું કરવા કરે છે ? વર્તેલો ત્યાગ તો બહુ સારો કહેવાય. જેટલાં લફરાં ઓછાં થયાં એટલી ઉપાધિ ઓછી થઇ ગઇને ! અને આપણો મોક્ષમાર્ગ કેવો છે ? અક્રમ માર્ગ છેને, એટલે પહેલાનાં લફરાં હોય તેને રહેવા દેવાનાં, નવાં ઊભાં નહીં કરવાનાં અને જૂનાં કાઢવાનાં, એ પણ એની મેળે ખરી પડે ત્યારે જાય. ત્યાગ સહજ હોવો જોઈએ. એની મેળે જ છૂટી જાય.

સંસારમાં કેટલાક લોકો સ્થૂળ ચોરી નથી કરતા, એને ભગવાન શું કહે છે ? એને ત્યાગ નથી કહેતા, એટલે તે સ્થૂળ ચોરીનો ત્યાગ કર્યો એ ખોટી વાત છે. ભગવાન કહે છે, 'એ તો વ્રત છે તારું.' વર્તે એ વ્રત. જેમાં હુંપણું નથી અને 'હું ત્યાગ કરું છું.' એવું ભાન નથી અને સહેજાસહેજ વર્તે છે એ વ્રત કહેવાય. આ જૈનોને ભગવાને અણુવ્રત કેમ કહ્યાં ? ત્યારે કહે કે, 'બીજા લોકોને, ફોરેનવાળાને પણ અણુવ્રત હોય છે અને અહીં બીજા ધર્મોમાં પણ અણુવ્રત હોય છે, પણ એને વીતરાગોનો સિક્કો નથી વાગેલો.' 'વીતરાગોનું કહેલું આ વ્રત છે.' એવું ભાનમાં આવ્યા પછી, એ વ્રત એમને વર્તે છે એટલે આ અણુવ્રત કહેવાય છે ને આ વીતરાગોને માન્ય છે. હકીકતમાં પેલો ય ચોરી નથી કરતો, પણ એ સહજ ભાવે ચોરી નથી કરતો. અહીં તો આપણાથી ચોરી ના થાય તેવું સહજ ભાવે વર્તે છે, છતાં અણુવ્રત શાથી કહે છે ? આ ચોરી નથી કરતો પણ મનથી બહુ ચોરી કરી નાખે છે, એટલે અણુવ્રત કહ્યું અને મહાવ્રત કોને કહેવાય ? મન-વચન-કાયા ત્રણેયથી ચોરી ના થાય, તેને મહાવ્રત કહેવાય.

વૈરાગ્ય ટકે વિચારણાથી !

એક સાધુ રોજ ગાતા : 'ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના.' તે મેં તેમને પૂછયું કે, 'મહારાજ, પણ વૈરાગ્ય શેના વિના ના ટકે ?' ત્યારે મહારાજ કહે, 'એ તો ખબર નથી.' ત્યારે મેં તેમને કહ્યું, 'વૈરાગ્ય ટકે નહીં વિચાર વિના.' આ તો ક્રમિક માર્ગની વાત થઇ. ક્રમિક માર્ગ તો બહુ કઠણ, અનંત અવતારથી 'ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી ઓલામાં પડ્યા જ કરવાનું.' ત્યાગ માત્રથી જ આત્મા ના મળે. ત્યાગ એ તો કષ્ટસાધ્ય છે. જો ત્યાગથી મોક્ષ મળતો હોય તો મોક્ષ પણ કષ્ટસાધ્ય હોય. ભગવાને તો મોક્ષને સહજ સાધ્ય કહ્યો છે.

એ બન્ને પ્રકારના અહંકાર !

એક બ્રાહ્મણ હતો. તે આખા ગામનો એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો. એની વાઇફેય મરી ગયેલી. એને બે છોકરા, એક દોઢ વર્ષનું ને બીજું ત્રણ વર્ષનું. બે છોકરાં મૂકીને બન્ને મરી ગયા. એટલે ગામવાળા બધાં ભેગાં થયા કે આ બ્રાહ્મણના છોકરાઓનું શું કરવું ? તે કોઈ એમને પાળવા તૈયાર થયું નહીં. ત્યારે એક બીજો પરદેશી બ્રાહ્મણ હતો, તે મારવાડી બ્રાહ્મણ, તે કહે છે કે, 'ભઈ, મારે છોકરો નથી, મને એક આપો તો હું લઉં.' આ પરદેશી બ્રાહ્મણે એક છોકરું લીધું ત્રણ વર્ષનું. હવે દોઢ વર્ષના છોકરાનો કોઈ ઘરાક જ ના થાય. આ કોણ ઉથામે બલા આવી ? એના છોકરાને ઉથામે કે પારકાનાં ઉથામે ? ત્યારે એક હરિજન હતો તે કહે, સાહેબ મારે છોકરું નથી. મને જો આપો તો હું ઉછેરું. ત્યારે ગામવાળા કહે કે આ છોકરો મરી જશે, એનાં કરતાં હરિજનને આપોને ! તે છોકરું હરિજનને આપ્યું. તે હરિજનને ત્યાં ઉછર્યો ને અઢાર વર્ષનો થયો ને પેલો વીસ વર્ષનો થયો. બ્રાહ્મણના ઘરવાળો છોકરો દારૂના પીઠા આગળ દારૂ વિરુધ્ધ પિકેટીંગ કરવા માંડ્યો. બન્ને ભાઈઓ, એક માના છોકરાઓ. તે આ હરિજનના સંસ્કારમાં આવ્યો, એટલે દારૂ ગાળવા માંડ્યો અને પેલો છે તે બ્રાહ્મણના સંસ્કારમાં રહ્યો તે પિકેટીંગ કરવા માંડ્યો કે દારૂ ના પીવાય, આમ ને તેમ. પછી એ ગામમાંથી એક મોટા જ્ઞાની પુરુષ જતા હતા. તેમને કોઈએ પૂછ્યું કે સાહેબ, આ બેમાં કોનો મોક્ષ થશે ? દારૂ ગાળે છે એનો કે દારૂનો વિરોધી જ છે એનો ? ત્યારે એ જ્ઞાની પુરુષે કહ્યું, 'ભઈ, આ દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે અને પેલો પીવાનો અહંકાર કરે છે. બેઉ અહંકારી છે. મારે ત્યાં બન્નેમાંથી કોઈનેય મોક્ષ ના મળે. આ તો આવો ન્યાય છે જગતનો. ન્યાય સમજી લેજો.

પેલો પીવાનો અહંકાર કરે છે અને આ સાધુઓ ત્યાગનો અહંકાર કરે છે ને આ ગ્રહણનો અહંકાર કરે છે. બેઉ ત્યાં પહોંચે નહીં. જેને ગ્રહણ-ત્યાગ જેવી વસ્તુ જ નહીં, જે સહજભાવે આવે છે તે જીવે છે, ખાય છે, પીવે છે, તો તેનો મોક્ષ છે.

અહંકાર, ક્રમિકમાં-અક્રમમાં !

અહીં અક્રમ માર્ગમાં જે અહંકાર રહે છે એ નિકાલી અહંકાર છે, ડિસ્ચાર્જ થતો અહંકાર છે; જ્યારે ક્રમિક માર્ગમાં જે અહંકાર રહે છે, તેમાં 'મારે આ કરવાનું છે, મારે આ ત્યાગવાનું છે' એ રહે. એટલે ક્રમિક માર્ગનો અહંકાર એ કર્મચેતના છે, એનાથી નવું ચાર્જ થતું જાય અને અહીં અક્રમ માર્ગમાં અહંકાર એ કર્મફળચેતના છે. છતાં એ નૈમિત્તિક છે. ક્રમિક માર્ગમાં અહંકાર કર્મને બંધાવે, કારણ કે ત્યાં તો આ ત્યાગ્યું ને પેલું બાકી છે, એવું રહ્યા કરે. હવે ત્યાગ્યું એ પહેલાંના અહંકારથી ને પાછો નવું કર્મ બાંધતો જાય. 'જ્ઞાની પુરુષ' તો જેનાથી કર્મ બંધાય છે તે આખું જ ઉડાડી દે. આ તો કેટલું સહેલું છે ! સરળ છે !! સહજ છે !!! ને ત્યાં ક્રમિકમાં ગયો ને તો વાળ જ ઉડાડી મેલે અને અહીં તો વાળ-બાળ બધું જ ચાલે.

મોક્ષ, કરાંજવાથી કે સહજથી ?

જે રિલેટિવે રિયલને પકડ્યું છે, રિયલને હાથ અડાડ્યો છે એ રિલેટિવ સાચું. જે રિલેટિવ રિયલને હાથ અડાડ્યો હોય એ કયું ? એ આ કૃપાળુદેવે ગાયું છે કે,

''અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?

વિચરશું કવ મહત્ પુરુષને પંથજો !''

પ્રશ્નકર્તા : આ પંથે વિચરવા માટે તો અમે અહીં આવ્યા છીએ.

દાદાશ્રી : હા, બરોબર છે. એટલે મહત્ પુરુષને પંથ ક્યારે વિચરીશું, એવી ભાવના એટલે કરી. એમણે પોતે પુસ્તકમાં લખેલું છે કે 'અમને બધા જ્ઞાની માની બેઠાં છે અને અમને તો હજુ ત્યાગ થતો નથી. અમારે સમાધાનપૂર્વક ત્યાગે ય થતો નથી અને અમને ગુરુ મળ્યા નથી. પણ લોકો અમને જ્ઞાની તરીકે માની બેઠાં છે. એટલે હજુ અમને સમાધાન થતું નથી.' એવું કહે છે. પછી પાછલા ભાગમાં સમાધાન થયું એમને. પણ ત્રેવીસમે વર્ષે સમાધાન ના થયું. કારણ કે ત્યાગ નહોતો થતો. તે પછી એમણે કહ્યું કે, 'કાં તો તું ઝેર પી અગર તો કંઈક ઉપાય કર, આ ત્યાગ થતો નથી.' હવે ત્યાગ શી રીતે થાય તે ? આ ત્યાગ પરસત્તાનો છે.

જેટલું સહજ થાય, એનું નામ ત્યાગ કહેવાય. અને કરાંજ્યો (પરાણે કરવા ગયો) કે માર્યો ગયો ! આ જગતમાં કોઈ ચીજ કરાંજવા જેવી નથી. કરાંજ્યો એ ભગવાનનો ગુનેગાર થાય છે. અને જગત આખું કરાંજવામાં જ સુખ માની રહ્યું છે. એમને સમજણ નથી કે આપણે શું કરી રહ્યા છીએ ? આપણું હિત કરી રહ્યો છે કે અહિત કરી રહ્યો છે. માણસ પોતે એમ કહે, પોતાનું કરવાપણું જાણીને કે હું કંઈક કરી નાખું. એવો ભાવ રાખે છે. જેમ સંડાસ જવા ગયો હોય ને, સંડાસ ના થાય એટલે પછી કરવા માટે કરાંજે એ લોકો. ત્યારે એ પેલા ડૉક્ટરને પૂછે. ડૉક્ટર શું કહે ? આવું કરશો નહીં. એટલે કરાંજેલું છે બધું. જ્યાં સહજ નથી ત્યાં કરાંજેલું. સહજ જ જરૂર છે અને આત્મા સહજ જ છે પોતે. આ તો દેહ અસહજ છે, ત્યાં સુધી આત્માનું અસહજપણું છે. દેહ સહજ થયો કે આત્મા સહજ છે. તેથી જ શાસ્ત્રકારોએ લખ્યું કે જગત આખું ઊઘાડી આંખે ઊંઘે છે. કરાંજીને અપવાસ કરે છે, કરાંજી કરાંજીને તપ કરે છે. અલ્યા, શા સુખના હારુ પાછળ પડ્યો છે અને જે કરાંજતો નથી એ શેમાં છે ? સહજતામાં છે. જેને આ કરાંજવું સમજાઈ ગયું એ સહજમાં ગયો અને સહજમાં ગયો એટલે મોક્ષ તરફ વળ્યો.

કોઈ પણ વસ્તુના હેબીચ્યુએટેડ ના થઈ જવાય. હેબીચ્યુએટેડ ના થાય ત્યાં સુધી આગળ ચાલજે, નહીં તો વસ્તુ તને તે વસ્તુમય બનાવી દેશે.

કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ટાઈમે, કોઈ પણ જગ્યાએ, એ જ્ઞાન સમાધાન આપે જ, એનું નામ જ્ઞાન કહેવાય. બીજા બધા તો એક જાતના ડખા છે. પણ આપણને તે અત્યાર સુધી આધાર આપતા હતા, હેલ્પ કરતાં હતાં. એટલે આપણે એને રાખી મેલ્યા હતાં. હવે તે કબાટો ખાલી કરી કરીને નાખી દેવાના. ઘણું ખરું કબાટ તો ખાલી થવા આવ્યું ને કે હજુ યે છે કબાટમાં ભરેલું ? બહુ માલ ભરેલો છે ?

'હું કરું' એ જ અજ્ઞાનતા !

ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી સહજ દશા હોય નહીં. ત્યાં 'આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, આ કરાય, આ ના કરાય.' એની કડાકૂટો ઠેઠ સુધી રહેવાની.

આ હમણાં એક ભઈએ વાત કરી હતી, 'કરો, કરો' કહેતા હતા ને ! એ આત્મા માટે કે આત્મજ્ઞાન માટે કહે છે, કરો. એટલે એ જે 'કરો' કહે છે ને, પણ એ આત્મજ્ઞાન કરોડો અવતારેય પામે નહીં. આત્મજ્ઞાન સહજ છે, એ સહજ સ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે 'સહજ'ને અને 'કરો'ને બેને આદિ વેર ! વેર ખરું કે નહીં ? 'સહજ' અવસ્થા 'કરવા'થી પ્રાપ્ત ન થાય. એ તો જ્ઞાની પુરુષની આમ કૃપા વરસે કે સહજ થયો તો દહાડો વળ્યો. જે લોકો એમ કહે કે, આમ કરો ને તેમ કરો, એ સહજ અવસ્થાથી વિરૂધ્ધ કરાવડાવે છે. સંસારમાં કર્મોેે બંધાવાની સ્થિતિ જ એ છે. ઊલટાં કર્મો વધારે બંધાય. સંસારમાં કંઈ પણ કરવું એ આત્મસ્વભાવની વિરૂધ્ધ છે. માટે એ આત્માનો વિરોધી છે. હવે કરનારાં મનમાં ખુશ થાય છે કે મેં આમ કર્યું ને તેમ કર્યું. અલ્યા, આ તો તેં રખડી મરવાનું કર્યું !

એટલે માણસે વિવેકથી સમજવું જોઈએ. 'વહેલું ઊઠવું જોઈએ.' પોસીબલ થાય તો ચાર-સાડા ચારે. પછી છે તે સમજી કરીને જે બન્યું એ સાચું. નિશ્ચય રાખવો છતાં જે બન્યું તે સાચું. પછી એમ પકડ નહીં પકડવાની, કરાંજવાનું નહીં. વીતરાગોનો માર્ગ કરાંજવાનો ન્હોય. કાં તો સહજ કાં તો કરાંજવું, બે જ હોય. તે આ કરાંજતા જોયેલા મેં લોકોને. તમે નહીં જોયા હોય કરાંજતાં ?

આ તો તમને ભેગા થયા ને, તે બધાય કરાંજે. રહેવા દે ને, બા ! મોક્ષના સારુ આવું હોતું હશે ?

પ્રશ્નકર્તા : વાતને પકડે એટલે આપણે જાણીએ આ કરાંજે છે.

દાદાશ્રી : હા. આત્મા તો કયે ગામ રહ્યો અને વર વગરની જાન જુઓ તો ખરાં ? વર તો હજુ આવ્યો નથી ને જાન જમવા બેઠી છે !

ગૃહિત મિથ્યાત્વથી ફસામણ !

જે મનુષ્ય નૈસગિર્ંક જીવન જીવતો હોય, બીજા કોઈનું જ્ઞાન પ્રાપ્ત ન કરતો હોય. એની ક્રમબધ્ધ અવસ્થાઓ છે. આ તો આની પાસેથી આ જ્ઞાન લઈને આવે, આની પાસે આ જ્ઞાન લઈને આવે, એને ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. એટલે જે કોઈની પાસેથી જ્ઞાન સ્વીકારે નહીં અને નૈસર્ગિક રહી શકતો હોય, તો પુદગલનાં ક્રમબધ્ધ પર્યાય છે ને ચેતનના ક્રમબધ્ધ પર્યાયો, એને મોક્ષે લઈ જાય.

હું શું કહેવા માંગું છું એ પોઈન્ટ આપને પહોચ્યું થોડું ઘણું ? ગૃહિત મિથ્યાત્વ એટલે લોકોએ જે શીખવાડ્યું કે આમ કરો, તેમ કરો, આની પાસેથી શીખ્યો, પેલાની પાસે શીખ્યો. બધો માલ પોતે ભર ભર જ કર્યો. હવે એ ખાલી કરવા માટે આ બધી ભાંજગડ છે. એને ખાલી કરવું રહ્યું ને ? નહીં તો તો સીધેસીધું હોય, ડાયરેક્ટ ક્રમબધ્ધ જ. પણ તે હવે આનું ભયર્ું એટલે શું થાય બીજું ? આ મુશ્કેલી ને !

પ્રશ્નકર્તા : એટલે મૂળ પ્રશ્ન એવો થાય છે કે પુરુષાર્થ ભાગ રહ્યો કે ના રહ્યો ?

દાદાશ્રી : પુરુષાર્થ આને માટે કરવો પડે છે. નહીં તો તો પેલો સહજ પુરુષાર્થ રહ્યા કરે છે. ક્રમબધ્ધ પર્યાયમાં તો સહજ પુરુષાર્થ હોય. એમાં આ માથાકૂટ ના કરવી પડે. આ તો જો માથાકૂટ કરવી પડે છે. કારણ કે બીજાનું ગ્રહણ કર્યું એણે. બીજાનો માલ ગ્રહણ કર્યો એટલે ગૃહિત મિથ્યાત્વ થયો. અને આખું જગત ગૃહિત મિથ્યાત્વમાં જ ફસાયું છે.

જ્ઞાન એનું નામ કહેવાય કે માણસોને સાહજિક બનાવે. શાસ્ત્રમાં તો આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને તપ કરો ને જપ કરો ને ફલાણું કરો ને એ બધું હોય. કરવાની જ કથા કહી છે. સહજ થવાનો રસ્તો જ કોઈએ દેખાડ્યો નથી. અહીં બેસે તો સહજ થઈ જાય કે ના થઈ જાય ? ત્યારે સહજ થવાનું છે. સહજ થયો કે પરમાત્મા થઈ ગયો. સહજાત્મ સ્વરૂપ પરમાત્મા કહેવાય. એટલે સહજ જ થવાનું છે.

પણ એ સ્વરૂપ સમજવું જ્ઞાની દ્રષ્ટિએ !

પ્રશ્નકર્તા : એમાં જે પેલો મંત્ર છે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ એની સાથે જાય ?

દાદાશ્રી : આત્મા તો સહજ જ હતો અને સહજ છે જ, પણ આ દેહ અસહજ હોવાથી એને અસહજ થવું પડ્યું. કર્તવ્યપણું છે એટલે. અને જ્યારે કર્તવ્યપણું છૂટશે એટલે આ દેહ અસહજ હોય તો પણ પેલો સહજ થઈ જાય.

પ્રશ્નકર્તા : સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કહે છે, એમાં સહજાત્મ સ્વરૂપ એટલે શું ?

દાદાશ્રી : આત્મા સહજ થઈ ગયો છે જેનો, તે પરમ ગુરુ કહેવાય. હવે આત્મા સહજ થયેલો હોય, તેને રાગ-દ્વેષ ને એ બધું ના હોય. રાગ-દ્વેષ અમુક પ્રમાણમાં જ, રાગ-દ્વેષ બાકી રહ્યા હોય થોડા ઘણા, પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય ત્યારથી એ સહજાત્મ સ્વરૂપ કહેવાય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય એટલે ધર્મધ્યાન ને શુકલધ્યાન બે જ હોય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મળેલા કોઈ ?

પ્રશ્નકર્તા : એ વાત મગજમાં નથી બેસતી.

દાદાશ્રી : હા, ના બેઠી તો એ, પણ શું શું હકીકત લાગે છે ? વાંધો શો આવે છે કહોને ?

પ્રશ્નકર્તા : સમજાતું જ નથી કશું.

દાદાશ્રી : કોઈ માણસ તમારી પાસે હીરા લેવા આવ્યો, સમજતો ના હોય તો એને શું ફાયદો થાય?

પ્રશ્નકર્તા : કશો ય નહીં.

દાદાશ્રી : હીરા લેતો હોય તો ? સમજણ ના હોય તો શું ફાયદો થાય ? ખોટમાં જાય વળી. સમજણ હશે તો કામ ચાલશે.

પ્રશ્નકર્તા : એટલે તો પૂછયું કે હું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો અર્થ શું કહેવાય ?

દાદાશ્રી : આ શ્રીમદ્ રાજચંદ્ર જેવા હોય તે સહજાત્મ સ્વરૂપ કહેવાય. જેને કષાયભાવ ના હોય અગર તો જેને મંદ કષાય હોય અને છે તે આર્તધ્યાન, રૌદ્રધ્યાન ના હોય. બાકી અત્યારના આપણા જે સાધુ છે લૌકિકમાં, અલૌકિકમાં એમને સાધુ કહ્યું જ નથી, ત્યાગી કહ્યાં છે.

પ્રશ્નકર્તા : ૐ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું રટણ કરે તો જીવને કંઈ ફળ મળે ?

દાદાશ્રી : ફાયદો થાય પણ સમજીને કરે તો.

પ્રશ્નકર્તા : શું ફાયદો થાય ?

દાદાશ્રી : એક માણસ 'હું ચોર છું, હું ચોર છું' બોલે તો શું નુકસાન થાય ? 'હું ચોર' નક્કી કરે.

પ્રશ્નકર્તા : ચોર ના હોય તો કંઈ નુકસાન નહીં.

દાદાશ્રી : અરે, ચોર ના હોય તો ય ચોર થઈ જાય. અને ચોર હોય તો ગાઢો ચોર થઈ જાય. અને પેલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કરેને તો એનું આત્મસ્વરૂપ મહીં પ્રકાશમાન થતું જાય ધીમે ધીમે પણ સમજીને બોલે તો.

પણ એ થાય શી રીતે ?

પ્રશ્નકર્તા : જેટલું સહજપણું એટલી સુખ-શાંતિ ?

દાદાશ્રી : ઊંઘમાં તો શરીરને ય શાંતિ હોય અને મનને ય શાંતિ, બધાને શાંતિ જ હોય. વિકલ્પ હોય નહીં ત્યાં આગળ. જેને ઊંઘ-નિદ્રા કહેવામાં આવે છે. તે પછી ગાઢ નિદ્રામાં સુખ પડે છે. એટલે ગાઢ નિદ્રામાં મન શાંત, મન થાક રહિત થાય છે. વાણીની બધી મશીનરી થાક રહિત થાય છે, દેહની મશીનરી થાક રહિત થાય છે અને ફ્રેશ થઈ જાય છે. અને પછી મહીં આત્મા હાજર હોવાથી નર્યું સુખ જ વર્તે છે. સવારમાં કહે ય ખરો, આ જ તો બહુ સરસ આનંદ આવ્યો હતો ઊંઘવામાં.

પ્રશ્નકર્તા : ઊંઘમાં જે શાંતિ લાગે છે એ સાચું સુખ છે કે ભ્રાંતિ છે ?

દાદાશ્રી : ના, સુખ છે પણ તે ભ્રાંતિનું સુખ છે. સાચું સુખ તો ઘણું બધું આગળ. સાચું સુખ તો એક ક્ષણ વાર જગતે જોયું નથી. આ તો કલ્પિત સુખ છે.

પ્રશ્નકર્તા : જે મોક્ષને પામી ધીરે ધીરે સહજપણે પોતાનો શીતળ સ્વભાવ ભજે છે. તે જ રીતે આત્મા પોતાના સહજ અવસ્થામાં આવે ત્યારે તે અવસ્થા, દ્રવ્ય પ્રમાણે થઈ જાય તો તે અવસ્થા સમકિત કહેવાય ? મોક્ષ કહેવાય ?

દાદાશ્રી : પણ એ શી રીતે થાય એવું ? વાત તારી સાચી છે પણ શી રીતે સહજ થાય ?

પ્રશ્નકર્તા : સમકિતનો દાખલો પાણીમાં ઉતારવો હોય તો આ ફીટ થશે ?

દાદાશ્રી : ના, પણ સમકિત સહજ અવસ્થા શી રીતે થાય ?

પ્રશ્નકર્તા : કે જેમ પાણી સહજ ઠંડું થઈ ગયું એમ એ સહજ અવસ્થા થાય ?

દાદાશ્રી : હા, એ પણ ક્યારે સહજ અવસ્થા થાય ? પોતાને 'પોતે કોણ છે' એવું ભાન થાય ત્યારે. ભાન થયા સિવાય બીજી વાતોમાં સહજ કોઈ દહાડો થાય નહીં, અસહજ થયા જ કરે છે દહાડે દહાડે. શું નામ છે તારું ? ખરેખર ચંદુભાઈ છું ?

પ્રશ્નકર્તા : એ તો દેહનું નામ છે.

દાદાશ્રી : દેહનું નામ. તારું નામ નહીં ? તો તારું નામ શું છે ?

પ્રશ્નકર્તા : હું તો જાણનારો ને દેખનારો છું, જ્ઞાયક છું.

દાદાશ્રી : એટલે ચંદુભાઈને ગાળો ભાંડે ને અપમાન કરે, તે ઘડીએ વાંધો નથી આવે એવો ?

પ્રશ્નકર્તા : થોડીક ઈફેક્ટ થાય.

દાદાશ્રી : ત્યારે કશું પામ્યા નથી. થોડી ઈફેક્ટ થાય, તેને કાલે વધારે થઈ જાય. આજે ભૂતે અડધો કલાક દુઃખ દીધું, કાલે છે તે બાવીસ કલાક સુધી દુઃખ દે, એને શું કહેવાય ? એ વળગાડ મટ્યો નથી. પછી આ ગજવું કપાય ત્યારે ?

પ્રશ્નકર્તા : નસીબમાં નહોતું એમ સમજી લઈએ.

દાદાશ્રી : હા પણ કશી અસર ના થાય બીજી ? સહજ અવસ્થા કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : જેમ પાણીનો સ્વભાવ શીતળ છે. જેમ પાણી ઉષ્ણમાંથી ઠંડું થઈ જાય એમ એ એનો સ્વભાવ છે.

દાદાશ્રી : એ સહજ કહેવાય, પણ તારી સહજતા શી રીતે ? તું કંઈ ગરમ પાણી નથી કે ઠંડો થઇ જવાનો છું ! એ તો શાસ્ત્રકારોએ દાખલો આપ્યો છે સહજતાની રીત બતાવવા માટે. એનો અર્થ આપણે નથી પાણી કે એમ ને એમ ટાઢા પડીએ ! સહજતા એટલે શું ?

પ્રશ્નકર્તા : વિકલ્પોનો, વિચારોનો જે ઉકળાટ છે એ ઓછો થઈ જાય.

દાદાશ્રી : વિકલ્પ છે ત્યાં કંઈ પણ કિંચિત્માત્ર સહજ છે જ નહીં. એ તો સહજની વાતો કરવી એ ગાંડપણ છે. કંઈથી શીખી લાવ્યો છે આ બધું ?

પ્રશ્નકર્તા : દ્રવ્યને પરિણામ માત્રથી ભિન્ન જોઈએ ત્યારે સાધક અવસ્થામાં દોષ કઈ રીતે દેખાય ?

દાદાશ્રી : હવે જોનાર કોણ ને સાધક અવસ્થા કોણ ? દ્રવ્યને પરિણામ માત્રથી ભિન્ન જોનાર એ કોણ ? અને સાધક અવસ્થા એ કોણ ?

પ્રશ્નકર્તા : પરિણામ તરફ જોયા કરીએ તો સ્થિરતા નથી આવતી અને સ્થિરતા ન આવે તો દોષ ઊભા થાય.

દાદાશ્રી : ના, ના. સંપૂર્ણ થઈ જાય ત્યારે સહજતા આવે. તારે જમતી વખતે રોટલી માંગુ છું કેે નથી માંગતો ? એની મેળે આવે એ સહજ. માંગવું ન પડે, એનું નામ સહજ. તમે શું કરો છો ?

જેનાથી શાંતિ રહે તે કરવું અને શાંતિ ઊડાડી મેલે તો એ પૃથક્કરણ ના કરવું. એ પેપર બાજુએ મૂકી દેવું. ઠંડી હોયને, તો ય છે તે આઈસ્ક્રીમ સ્ટવ પર ગરમ કરીને ના ખવાય. એની હદ હોય કે ક્યાં ક્યાં શું કરવું જોઈએ ? એટલે એનુંુ છે તે પૃથક્કરણ કરવાથી ફાયદો હોય તો કરવો, નહીં તો મન અશાંત થાય તો બંધ રાખવું. તમે કહો કે મારે ચા જોઈશે હમણે, એ સહજ ના કહેવાય. એની મેળે આવીને પડે એ ચા તે સહજ. એવું સહજ થોડું-ઘણું રહો છો કે નથી રહેતા ? રહો છો ને ? થયું ત્યારે પછી.

શાંતિ છતાં માદકતા !

હિમાલયમાં બેસવાથી શાંતિ થાય નહીં. શાંતિ આત્માને જાણ્યા સિવાય કોઈ દહાડો શાંતિ થાય નહીં અને આત્માના જાણનારના એ ફોલોઅર્સ સિવાય કોઈને શાંતિ થાય નહીં. પરમેનન્ટ શાંતિ થાય નહીં, પેલી શાંતિ થાય, પણ એ તો શું છે ? માદકતા ખાલી. માદકતાનો ધંધો માંડે છે. આજ તમને કહ્યું, એ તમને કરાવડાવ્યું, એ તમે કાલે ના કરો, તો ના ગમે. એ દારૂ જ કહેવાય ને ? કેફ વધારે પાછો એ માદકતા ઊભી કરે છે ને, અહીં અંગુઠે કપાળ મૂકાવીએ છે ને, આખું શરીર આમ આમ હલે. એનું શું કારણ ? પેલી માદકતા નીકળે છે પાછી. ઈગોઈઝમ પાછો નીકળે. સાહજીક ઈગોઈઝમ તો હોય દરેકને પણ આ તો નવું ઊભું કરેલું, આમ કરું ને તેમ કરું, ને આમ કરું ને તેમ કરું, પ્રયોગ કરું.

સહજ થયે છાક ઉતારે !

'આત્મજ્ઞાન સરળ-સીધું સહજ થયે છકે નહીં.' આ તમને આત્મજ્ઞાન સરળ-સીધું આપેલું છે. એ સહજ જ્યારે થશે. એટલે એને કેફ ના ચઢે. છકી ગયેલું ના હોય. લોક કહે ને કે આ છકી ગયું છે. જુઓને, અમથું થોડું થોડું જાણ્યું એમાં એનું છકી ગયેલું. એટલે છકે નહીં, છાકતો ના જાય. જે જાણ્યું તે છકે નહીં. ના જાણ્યું એ મૂઓ બહુ જોર કરે.

વીતરાગનું આત્મજ્ઞાન સહજ થયું, સાચું જ્ઞાન થયું તો છાક ચઢે નહીં. વીતરાગનો આપેલો આત્મા, જો એ જ પ્રગટ થાય તો છાક ના ચઢે ! બાકી બીજાએ આપેલા આત્માથી તો છાક ચઢી જાય ને 'હું છું, હું છું'નો કેફ રહ્યા કરે, તે રાતે ઊંઘમાં ય ના ઊતરે ! એક મૂરખમાં મૂરખ માણસ પોતાને મૂરખ કહે અને એને આત્મજ્ઞાન, એ સહજ થયું હોય તો છાક ના ચઢે ! એટલે કેફ ના ચઢે. પણ કેફ કરતાંયે છકે શબ્દ બહુ કઠણ છે.

પ્રશ્નકર્તા : ઊંડો અર્ર્થ છે.

દાદાશ્રી : હા, ઊંડો અર્થવાળો છે. તેથી ભગવાને કહેલું કે, 'જે જ્ઞાનથી છાક ચઢે, જે શાસ્ત્રથી છાક ચઢે એ અજ્ઞાન છે.' આત્મજ્ઞાન દરેક મનુષ્યે મનુષ્યે જુદાં હોય, પણ વીતરાગ ભગવાનનું એકલું જ આત્મજ્ઞાન કેફ ચઢાવે નહીં. વીતરાગની વાણી કેફ ઉતારે. આ તો કહે, 'આમ કરો, તેમ કરો, વૈરાગ્ય કરો, તપ કરો, ત્યાગ કરો.' એથી તો નર્યો કેફ ચઢે. એ તો દેવગતિ માટે કામનું, મોક્ષ માટે નહીં. જ્ઞાની પુરુષની વાણીથી કેફ ઊતરે અને જ્ઞાની પુરુષના ચરણનો અંગૂઠો એ ઇગોઇઝમને ઓગાળવાનું વર્લ્ડમાં એક જ સોલ્વન્ટ છે.

જ્ઞાન જ બનાવે શિવસ્વરૂપ !

પ્રશ્નકર્તા : 'શિવસંકલ્પ ઉપનિષદ'નું પહેલું આ વાક્ય, ફરી પાછું પૂછું છું, મન નથી તો કંઈ નથી, મન છે તો બધું છે. એ આ બે વસ્તુ, મન છે અને મન નથી એટલે શું ?

દાદાશ્રી : પણ 'નથી' એવું કરીને આ લોકો સમજ્યા પણ મનની ક્યારે જરૂર ન હતી, એમ જાણવું જોઈએ. આ તો વચ્ચે 'જરૂર નથી' એમ કરવા ગયા ને તેથી આ કોળાં જેવા થઈ ગયા. મન નથી એ તો આપણે કિનારે ઉતર્યા પછી કહેવાનું કે હવે મનની જરૂર નથી. હજુ સમુદ્રમાં બેઠો છે મૂઓ ને મનની જરૂર નથી, તે મનને ખલાસ કરવા ગયો. તે બધું નાવડું તોડીને ખલાસ કરી નાખ્યું, મનરૂપી નાવડું !

પ્રશ્નકર્તા : એટલે શિવસ્વરૂપ બનાવવાનું છે.

દાદાશ્રી : ના, શિવસ્વરૂપ જાણવાનું.

પ્રશ્નકર્તા : હા. અને પછી એ આપમેળે સહજ રીતે અનુભવાય છે.

દાદાશ્રી : સહજ રીતે જાણવાનું છે શિવ સ્વરૂપ. આપણું આ જીવ સ્વરૂપ તો આપણે જાણીએ જ છીએ.

પ્રશ્નકર્તા : એટલે બનાવવા જઈશું તો ફેઈલ (નાપાસ) થઈશું.

દાદાશ્રી : બનાવે તો કોણ બનાવનાર ? હુ ઈઝ ધી ક્રિયેટર ? શિવ સ્વરૂપનો ક્રિયેટર (બનાવનાર) કોઈ હોય નહીં. જ્ઞાન જ એને શિવ સ્વરૂપ કરે છે. બીજું કોઈ કરતું નથી.

તોય મૂળ આત્મા છેટો રહ્યો !

પ્રશ્નકર્તા : નાદબ્રહ્મ ક્યારે સંભળાય ?

દાદાશ્રી : નાદબ્રહ્મ તો બીજું બધું સાંભળવાનું બંધ કરી દો તો સંભળાય. આ કાનમાં બીજું બધું ના સાંભળે તો નાદબ્રહ્મ સંભળાય. પણ બીજું જાતજાતનું સાંભળવાની ઇચ્છાઓ તો બધી બહુ છે. આ જાણવું છે, તે જાણવું છે, આ સાંભળવું છે ને તે સાંભળવું છે ! કોઈ નકામી વાત કરવા બેઠો કે તરત પૂછશે 'શું થયું ? કેમ થયું ?' હવે નાદબ્રહ્મ તો જ્યારે આવી બધી ઇચ્છાઓ પૂરી થાયને ત્યારે નાદબ્રહ્મ સહેજે સંભળાય. એ તો સહજ સ્વભાવ છે. છતાં નાદબ્રહ્મ એ ય આત્મા નથી. એ તો એક જાતનાં વાજાં વાગે છે, એકાગ્રતા કરવાનું સાધન છે. એથી આગળ આત્મા તો બહુ છેટો છે.

આને હેન્ડલ સમાધિ કહી જ્ઞાનીએ !

પ્રશ્નકર્તા : દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે.

દાદાશ્રી : સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર છે, પણ પછી એ થોડી-ઘણી જતી રહે છે ?

પ્રશ્નકર્તા : એ તો જતી જ રહે ને !

દાદાશ્રી : તો એ ટેમ્પરરી સમાધિ કહેવાય કે પરમેનન્ટ ?

પ્રશ્નકર્તા : એ તો ટેમ્પરરી જ કહેવાય ને !

દાદાશ્રી : આ જગતમાં ચાલે છે તે બધી ટેમ્પરરી સમાધિ છે, જડ સમાધિ છે. સમાધિ તો નિઃક્લેશ અને નિરંતર રહેવી જોઇએ. આ તો બધી ટેમ્પરરી સમાધિ કરે છે. તમે સમાધિ એટલે શું સમજ્યા છો ?

પ્રશ્નકર્તા : એમાં મન એક જગ્યાએ અમુક કાળ સુધી ટકાવી રાખવું હોય તો તે રાખી શકાય.

દાદાશ્રી : પણ એમાં લાભ શો ? પ્રાણને કંટ્રોલ કર્યો તો લાભ થાય, પણ કાયમની ઠંડક થાય ? આ તો સગડી પાસે બેસે તેટલો વખત ઠંડી ઊડે, પછી એની એ જ ટાઢ ! સગડી તો કાયમની જોઇએ કે જેથી કાયમ ટાઢ ના લાગે. સમાધિ તો જુદી જ વસ્તુ છે. હાથે જો પંખો નાખવાનો હોય તો હાથ દુઃખે ને ઠંડક થાય, એવી હેન્ડલ સમાધિ શા કામની ? નાક દબાવવાથી સમાધિ થતી હોય તો બાબાને પણ નાક દબાવવાથી સમાધિ થાય. તો જરા નાના બાબાનું નાક દબાવી જોજો, એ શું કરશે ? તરત જ ચિઢાઇને બચકું ભરી લેશે. આ શું બતાવે છે કે આનાથી તો કષ્ટ થાય છે, એવી કષ્ટ-સાધ્ય સમાધિ શા કામની ? સમાધિ તો સહજ હોવી જોઇએ. ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં સમાધિ રહે તે સહજ સમાધિ. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને નાક તો દબાવ્યું નથી તો સમાધિ હશે ને ? હું નિરંતર સમાધિમાં જ છું અને કોઇ ગાળ ભાંડે તો ય અમારી સમાધિ ના જાય. આ નાક દબાવીને સમાધિ કરવા જાય એ તો હઠયોગ કહેવાય. હઠયોગથી તો સમાધિ થતી હશે ? આ ગુરુનો ફોટો જો કો'કે ઊઠાવી લીધો હોય તો ય તેને મહીં ક્લેશ થઇ જાય. સમાધિ તો નિઃક્લેશ હોવી જોઇએ અને તે ય પાછી નિરંતરની; ઊતરે નહીં એનું નામ સમાધિ ને ઊતરી જાય એનું નામ ઉપાધિ. છાંયડામાં બેઠા પછી તડકામાં આવે એટલે અકળામણ થાય

એવું. આધિ, વ્યાધિ ને ઉપાધિમાં ય સમાધિ રહે, એનું નામ સમાધિ. સમાધિ તો પરમેનન્ટ જ હોવી જોઇએ.

સાચી સમાધિ ક્યારે વર્તે ?

પ્રશ્નકર્તા : સમાધિ પરમેનન્ટ હોઇ શકે એ તો હું જાણતો જ નહોતો.

દાદાશ્રી : આખા જગતને બંધ આંખે સમાધિ રહે છે; એ પણ બધાંને રહે કે ના પણ રહે, જ્યારે અહીં આપણને ઊઘાડી આંખે સમાધિ રહે છે. ખાતાં, પીતાં, ગાતાં, જોતાં સહજ સમાધિ રહ્યા કરે. આ દાબડા બાંધીને તો બળદને ય સમાધિ રહે છે, એ તો કૃત્રિમ કહેવાય અને આપણને તો ઊઘાડી આંખે ભગવાન દેખાય, રસ્તે ચાલતાં, ફરતાં ભગવાન દેખાય. બંધ આંખે તો બધા સમાધિ કરે, પણ ખરી સમાધિ તો ઊઘાડી આંખે રહેવી જોઇએ. આંખો બંધ કરવા માટે નથી, આંખો તો બધું જોવા માટે છે ભગવાન જેમાં છે એમાં જો જોતાં આવડે તો. ખરેખર તો 'જેમ છે તેમ' જો, 'જેમ છે તેમ' સાંભળ, 'જેમ છે તેમ' ચાલ. અને છતાંય સમાધિ રહે એવી 'દાદા'ની સમાધિ છે. અને પેલાને તો જગ્યા ખોળવી પડે. અહીં એકાંત નથી, તો જગતમાં ક્યાં જઇશ ? અહીં તો પાર વગરની વસતિ છે. ભીડમાં એકાંત ખોળી કાઢતાં આવડે એનું નામ જ્ઞાન. આ ગાડીમાં ચોગરદમથી ભીડમાં દબાય ત્યારે મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર ચૂપ રહેશે, ત્યારે જેટલું જોઇએ તેટલું એકાંત લો. ખરું એકાંત તો ખરી ભીડમાં જ મળે તેમ છે ! ભીડમાં એકાંત એ જ ખરું એકાંત !

સાધુઓ હિમાલયમાં જઇને સમાધિ કરે છે, ેપૂર્વાશ્રમ છોડે ને કહેશે કે, 'હું ફલાણો નહીં, હું સંસારી નહીં, હું આ નહીં' તેથી થોડું સુખ વર્તે, પણ તે નિર્વિકલ્પ સમાધિ ના કહેવાય. કારણ કે તે સમજણપૂર્વક અંદર નથી ગયો.

પ્રશ્નકર્તા : એક જણને ઊભાં ઊભાં સમાધિ થઇ જાય છે તે મેં જોયું છે, આપણે બૂમ પાડીએ તો ય એ સાંભળે નહીં.

દાદાશ્રી : એને સમાધિ ના કહેવાય, એ તો બેભાનપણું કહેવાય. સમાધિ કોને કહેવાય ? સહજ સમાધિને, એમાં પાંચેય ઇન્દ્રિયો બધી જાગ્રત હોય, દેહને સ્પર્શ થાય તો ય ખબર પડે. આ દેહનું ભાન નથી રહેતું એ સમાધિ ના કહેવાય, એ તો કષ્ટ કહેવાય. કષ્ટ કરીને સમાધિ કરે એ સમાધિ ના કહેવાય. સમાધિવાળો તો સંપૂર્ણ જાગ્રત હોય !

પ્રશ્નકર્તા : કોઇ વ્યક્તિ સહજ સમાધિની સ્થિતિમાં રહી શકે કે નહીં ?

દાદાશ્રી : કો'ક જ માણસ રહી શકે. સહજ સમાધિમાં રહે એ જ ભગવાન કહેવાય.

પ્રશ્નકર્તા : માનવીનો અંતિમ ધ્યેય તો આ જ હોય ને ?

દાદાશ્રી : પોતાની ખોટી માન્યતાઓ છોડી દેવી, એ અંતિમ ધ્યેય. ખોટી માન્યતાઓના લીધે અસહજ થયેલું છે આ. માન્યતાઓ ખોટી છૂટી જાય, તો સહજ જ છે.

સાચી સમાધિ, જાગૃતિ સહિત !

આ ધર્મમાં મોટાં મોટાં વાક્યો લખે તે ય ભાવનિદ્રા. કોઇને દેહની સમાધિ વર્તે, તે તો મનના થરમાં પડી રહે. બાકી સમાધિ તો તેનું નામ કે દરેક પ્રકારની જાગૃતિ રહે; મન-વચન-કાયાથી વાળેવાળની જાગૃતિ રહે.

પ્રશ્નકર્તા : મનની સમાધિમાં આનંદ ક્યાંથી આવ્યો ?

દાદાશ્રી : એ તો માનસિક સમાધિ છે. બાકી ખરી સમાધિ તો સંપૂર્ણ જાગૃતિ સહિત હોય. સંપૂર્ણ જાગૃતનો આચાર 'વર્લ્ડ'માં ઊંચામાં ઊંચો હોય. જેમ જાગૃતિ વધતી જાય તેમ જગત વિસ્મૃત રહે, તેમ છતાંય એ જગતમાં તો સારામાં સારું કામ કરી બતાવે. જેટલી જાગૃતિ એટલું તમને સુખ વર્તશે. જેટલી જાગૃતિ એટલી તમને મુક્તિ વર્તશે. જેટલી જાગૃતિ એટલો તમને મોક્ષ વર્તાશે. જાગૃતિ એ જ મોક્ષ. આ સ્થળ જાગૃત થવા માટે જ છે. અહીં અમે જગાડીએ જ છીએ. જેમ પ્રેમભગ્ન માણસ મનના કોઇ ખૂણામાં ઊતરી જાય તેમ આ સમાધિવાળા મનના કોઇ ખૂણામાં ઊંડા ઊતરી જાય ને તેમાં જ આનંદ માણે. ખરી સમાધિ કોને કહેવાય કે બહાર સંપૂર્ણ જાગૃત ને અંદરે ય સંપૂર્ણ જાગૃત હોય. 'એવરીવ્હેર' જાગૃત હોય. તેને ઉઠતાં-બેસતાં-ખાતાં-પીતાં, પણ ખરી સમાધિ ના જાય. આધિ-વ્યાધિ-ઉપાધિમાં ય નિરંતર રહે તે ખરી સમાધિ. એને સહજ સમાધિ કહેવાય, નિર્વિકલ્પ સમાધિ કહેવાય.

જેને જોતાં જ સમાધિ થાય એ દર્શનને 'દર્શન' કહેવાય. કેટલાકને તો જોતાં જ ઊલટી થાય, માલ જ એવો ! પણ જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચાં દર્શન કહેવાય. આ અમારા બધાં દર્શન શાથી કર્યા કરે છે ? આ દેખાય છે એ જ બધાને સમાધિ કરાવ્યા કરે. એ સમાધિ તો કેવી છે ? એને તમે કાઢો તો ય જાય નહીં. એ સમાધિને કહીએ કે, 'હે સમાધિ, થોડા દિવસ પિયર તો જઇ આવ.' તો એ કહેશે, 'ના, આ સાસરી વગર મને નહીં ફાવે.' સમાધિને કહીએ કે, 'આ દેહને જરા ડખો કરાવવો છે, માટે તું જાને!' તો એ કહેશે કે, 'પહેલાં કહેવું હતું ને ! હવે એ ના બને.' હવે તો સહજ સમાધિ કાઢે તો ય ના જાય, હવે તો 'ખાય-પીએ, ઊઠે-બેસે, તેને જુએ જ્ઞાનાકાર.'

સંકલ્પ-વિકલ્પ બંધ થાય ત્યારે આત્મા નિર્વિકલ્પ થાય. નિર્વિકલ્પનું જ્ઞાન લીધા વગર નિર્વિકલ્પ ના થાય. એવાં કેટલાક યોગીઓ છે કે બધા જ સંકલ્પ-વિકલ્પ કાઢી નાખે અને એક જ સંકલ્પ-વિકલ્પ ઉપર આવે અને તે 'હું જ છું' હોય, લાઇટ ના હોય. તે દશા ઊંચી થાય, તેજ આવે પણ જ્ઞાન ના થાય. વસ્તુને (આત્મા) પોતાનો સ્વગુણ હોય, સ્વધર્મ હોય, સ્વઅવસ્થા હોય. ભગવાન અલખ નિરંજન છે. તે જ્ઞાની પુરુષના લક્ષમાં આવે. ધ્યેય જ્યાં સુધી જાણ્યો ના હોય ત્યાં સુધી ધ્યેય સ્વરૂપ ના થવાય. હજારો ઉલ્કાપાત આવે તો પણ સહજ સમાધિ ના જાય. ધારણા તો કલ્પિત હોય. ઇનડાયરેક્ટ પ્રકાશ એ રિલેટિવ આત્મા છે. રિયલ આત્મા એન્ડલેસ રહ્યા કરે, તેમાં ફક્ત જ્ઞાતા-દ્રષ્ટાપણું જ રહે છે. સર્વ રીતે મનનું સમાધાન રહે, તેનું નામ જ્ઞાન. પાંચેય ઇન્દ્રિયો જાગૃત હોય અને સમાધિ રહે તે જ સાચી સમાધિ છે. પ્રત્યેક અવસ્થામાં અનાસક્ત યોગ એ જ પૂર્ણ સમાધિ.

દેહથી છૂટ્ટાપણું ત્યાં નિર્વિકલ્પ સમાધિ !

યોગમાર્ગની સમાધિમાં મન-વચન-કાયાની બળતરા થાય ત્યારે યોગથી દેહની શાન્તિ લાગે ખરી પણ 'મુક્તિસુખ' અનુભવમાં ના આવે. એ સુખ તો આત્મયોગી જ અનુભવી શકે.

સમાધિ કોને કહેવાય ? આ દેહયોગની કષ્ટે કરીને પ્રાપ્ત કરેલી સમાધિ એટલે જેટલી વાર હેંડલ મારોે તેટલી વાર ઠંડક લાગે. કાયમની ઠંડક તો નિર્વિકલ્પ સમાધિ ઉત્પન્ન થાય ત્યારે જ મળે. નિર્વિકલ્પ સમાધિ એટલે સહજ સમાધિ ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અરે, ઝઘડતાં ય સમાધિ ના જાય. એવી સમાધિ ઉત્પન્ન થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય.

વિકલ્પી ક્યારેય પણ નિર્વિકલ્પી ના થઇ શકે. એ તો જે પોતે નિર્વિકલ્પી નેચરલ થઇ ગયા છે, તે જ બીજાને નિર્વિકલ્પપદ આપી શકે. દેહ અને આત્મા બિલકુલ છૂટા ને છૂટા રહે, ક્યારેય તન્મયાકાર ના થાય. પછી ગમે તે અવસ્થા હોય, તેનું જ નામ નિર્વિકલ્પ સમાધિ.

સહજ દશાના સ્ટેશનો !

યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ યોગનાં બધાં અષ્ટાંગ, અહીં આ જ્ઞાન મળ્યું એટલે તમારે પૂરાં થઇ ગયાં. તેથી આગળ આત્માનું લક્ષ પણ તમને બેસી ગયું છે. આપણે અહીંયાં તો દેહને ય સહજ રાખવાનો ને આત્માને સહજ રાખવાનો. તમને આત્માનો અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહ્યા કરે. પ્રતીતિથી નીચેના સ્ટેજમાં તમે ક્યારેય ના જાવ.

આ દ્વૈતની આગળ લાખ માઈલ પર અદ્વૈતનું 'સ્ટેશન' આવે ત્યાંથી લાખ માઈલ પર શબ્દનું 'સ્ટેશન' આવે. ત્યાંથી ઘણે દૂર નિઃશબ્દનું 'સ્ટેશન' આવે. ત્યાર પછી ત્રણ 'સ્ટેશન' આવે : (૧) સહજ પ્રતીતિનું મોટું 'સ્ટેશન' છે ત્યાં ! (૨) પછી સહજ લક્ષનું 'સ્ટેશન' ને (૩) છેલ્લે સહજ અનુભવનું 'સ્ટેશન' છે ! આ બધાં સ્ટેશનો વાડાની બહાર જ હોય.

આત્મા પ્રાપ્ત થયો, એનું નામ જ સમાધિ. હસતાં, ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, મહીં સમાધિ જાય નહીં, એ સહજ સમાધિ છે, એ વીતરાગ વિજ્ઞાન છે.

કોશિશ-પ્રયત્ન, પાંગળા આલંબનો !

એટલે 'આપણે કોણ છીએ ?' એ જાણવું તો પડશે કે નહીં જાણવું પડે ?

પ્રશ્નકર્તા : જાણવું પડે.

દાદાશ્રી : તેં જાણ્યું ?

પ્રશ્નકર્તા : એ જાણવાનો પ્રયત્ન કરું છું.

દાદાશ્રી : પાછો પ્રયત્ન ? પ્રયત્નથી તો સંડાસે ય ઉતરે નહીં, પ્રયત્ન તો થઈ જાય, એની મેળે થઈ જાય, એનું નામ પ્રયત્ન !

આ બે વાક્ય સંસારમાં ખોટાં પેસી ગયા છે. કાં તો કહેશે કે પ્રયત્ન કરું છું, નહીં તો કહેશે કે કોશિશ કરું છું. અલ્યા, શાની કોશિશ કર કર કરે છે તે ? જે એની મેળે જ થઈ જાય છે, એને શું કર કર કરવાનું ? હમણાં સાપ જતો હોય ને આપણે જોયો ના હોય ને એકદમ આપણી આંખ એના પર પડી કે તરત કૂદે ને ? એવો કૂદે કે સાપને અડે નહીં એવો કૂદે. તે ઘડીએ કોશિશ નથી કરતાં ને ? પ્રયત્નો ય ભૂલી જાય ને ? તે ઘડીએ આપણી શક્તિ કામ કરતી નથી, તે ઘડીએ અહંકાર કામ કરતો નથી. તે ઘડીએ બીજી ઓર જ શક્તિ કામ કરે છે ! અને જો જાતે કરતો હોય તો એ ગભરાઈને સાપની ઉપર જ પડે.

એવું છે, આત્મા જલ્દી જણાય એવો નથી. ચેતન જાણવાને માટે મનુષ્ય પાસે એવું કોઈ પણ સાધન નથી કે ચેતન જાણી શકે એ.

પ્રશ્નકર્તા : તો પછી એ જાણવા માટે પ્રયત્ન ના કરવો ?

દાદાશ્રી : પ્રયત્ન જે કરે છે, એમને કોઈ સત્તા પોતાના હાથમાં નથી. આ તો તમને એમ લાગે છે કે, આ બધું હું ચલાવું છું ને હું જ ઊંઘી જઉં છું, હું ઉઠું છું, મેં પ્રયત્નો કર્યા એવું જે લાગે છે ને, એ બધી પરસત્તા છે. એને તમે પોતાની સત્તા માનો છો.

પ્રશ્નકર્તા : એના માટે કંઈ પ્રયત્ન કરવાનો ખરો ?

દાદાશ્રી : પ્રયત્ન કરવાનો તમારાથી થશે નહીં. કારણ કે તમે પોતે વ્યગ્ર થઈ ગયા છો એટલે પ્રયત્ન થઈ શકે નહીં. એ તો સંપૂર્ણ એકાગ્ર હોય તો હું બતાવી દઉં. પણ એવું એકાગ્ર આ કાળમાં માણસ રહી શકે નહીં ને આ કાળમાં આટલી ભીડમાં, આવા તોફાની કાળમાં માણસ એકાગ્ર કેમ કરીને રહી શકે ? એટલે હું પહેલાં તમારા પાપ ધોઈ આપું છું, પછી તમને 'રાઈટ બીલિફ' બેસાડી આપું છું.

કર્મરહિત દશા ક્યારે ?

પ્રશ્નકર્તા : તો કર્મ વગરની આત્માની સ્થિતિ થતી હશે ને ? તે ક્યારે થાય ?

દાદાશ્રી : એક પણ સંજોગોની વળગણાં ના હોય ને, એને કર્મ વળગે જ નહિ કોઈ દહાડો ય ! જેને વળગણાં કોઈ પણ પ્રકારની હોય નહિ, તેને કોઈ પણ પ્રકારનો એવો કર્મોનો હિસાબ નથી કે એને કર્મ વળગે. અત્યારે સિધ્ધગતિમાં જે સિધ્ધ ભગવંતો છે, એમને કોઈ જાતનાં કર્મ વળગે નહિ. વળગણાં ખલાસ થઈ ગઈ કે વળગે નહિ.

આ તો સંસારમાં વળગણાં ઊભી થઈ છે અને તે અનાદિ કાળની કર્મની વળગણાં છે. અને તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી છે એ બધું. બધાં તત્ત્વો ગતિમાન થયા કરે છે ને તત્ત્વો ગતિમાન થવાથી જ આ બધું ઊભું થયું છે. આ બધી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. એનાથી આ બધાં વિશેષ ભાવ ઉત્પન્ન થયા છે. ભ્રાંતિ એટલે જ વિશેષભાવ. એનો મૂળ જે સ્વભાવ હતો, તેનાં કરતાં વિશેષભાવ ઉત્પન્ન થયો અને તેને લઈને આ બધો ફેરફાર થયો છે. એટલે પહેલાં કંઈ આત્મા કર્મ વગરનો હતો, એવું ક્યારેય બન્યું નથી. એટલે એ જ્યારે જ્ઞાની પુરુષની પાસે આવે છે ત્યારે ઘણો ખરો કર્મનો બોજો હલકો થયો હોય છે અને હળુકર્મી થયેલો હોય છે. હળુકર્મી છે ત્યારે તો જ્ઞાની પુરુષ ભેગા થાય. ભેગા થાય તે ય સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પોતાનાં પ્રયત્નથી જ કરવા જાય તો એવું થાય જ નહિ. સહજ પ્રયત્નો, સહેજાસહેજ મળી જાય, ત્યારે કામ થઈ જાય.

જાપ ત્યાં સહજતા નહીં !

રસ્તો જ જાણતાં નથી ત્યાં આગળ કેવી રીતે પહોંચાય ? જે ગામનો રસ્તો ના જાણીએ એ ગામ પહોંચે ખરાં ? ભલે મહીં ચોખ્ખા માણસ ખરાં, દસ-પંદર ટકા ચોખ્ખા યે ખરાં. સાવ એ ગયું નથી.

પ્રશ્નકર્તા : હવે જપ કરતાં, ગંગાજીના પ્રવાહની જેવી એકધારી જીવંત સહજ નિરંતરતા કેવી રીતે પ્રગટે ?

દાદાશ્રી : જપ કરનારો સહજતા દેખે જ નહીં કોઈ દહાડોય. સહજતા શબ્દ ને એને વેર છે. સામાસામી શબ્દો છે આ, વિરોધાભાસ. એટલે સહજતા શબ્દ ના હોય. સહજતા કોને કહેવાય કે જ્યાં કંઈ પણ કરવામાં આવે છે ત્યાં સહજતા હોતી નથી. સહજ એટલે અપ્રયાસ દશા. આપની સમજમાં આવે છે ?

પ્રશ્નકર્તા : ત્યાં સુધી માનસિક જપ કરવો કે મૌખિક ?

દાદાશ્રી : મૌખિક કરવો. માનસિક જપ કરતાં ફાવે નહીં માણસને, આ બધું થાય છે તમારે ? કામ લાગે એવુંુ છે કે એવું જ છે ?

પ્રયત્નો પણ સહેજાસહજ !

પ્રશ્નકર્તા : સમકિત માટેનો પ્રયત્ન જરૂરી નથી ?

દાદાશ્રી : નહીં, પ્રયત્ન તો એની મેળે, સહજ પ્રયત્ન હોવો જોઈએ. આ તો ખેતરાં ખેડે છે આ લોકો. એટલે આવતો ભવ ફળ લેવા માટે. સમકિતમાં ફળ રહિતનું હોવું જોઈએ. આ તો જપ-તપ બધું જે જે કરે છે ને, તેનું પુણ્ય બંધાય છે અને તેનું ફળ મળે છે. મોક્ષે જવા ભયંકર પ્રયત્નો કરે છે. એમાં એમનો દોષ નથી, એમને સંજોગ બાઝતો નથી. સમકિતનાં સાધનો આમ તો બહુ ભેગાં કર્યાં છે પણ સમકિતનો સંજોગ બાઝતો નથી.

ભગવાને પ્રયત્નદશામાં એબ્નોર્મલ થવાનું ના કહ્યું અને અપ્રયત્ન દશામાં ય એબ્નોર્મલ થવાનું ના કહ્યું છે. ભગવાન કહે છે કે નોર્માલિટીમાં બધેથી જ આવો. ભગવાને એબ્નોર્મલમાં તું જે કંઇ કરે તેને વિષય કહ્યો છે.

જ્ઞાન માટે પ્રયત્નો શું કામ ?

પ્રશ્નકર્તા : તો આ અક્રમ જ્ઞાન મેળવવા માટે બધાએ શું પ્રયત્ન કરવો જોઈએ ?

દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતું જ નથી.

પ્રશ્નકર્તા : પછી તમારી પાસે આવવાની શી જરૂર ?

દાદાશ્રી : મારા પાડોશીએ ય કાંઈ કરતા નથી. અને હું યે એમને, પાડોશીને કહેતો નથી કે અક્રમ જ્ઞાન લઈ લો. મને અહીં આગળ આવે ત્યારે એમને કહું, મને ભેગો થાય તો વાત કરું, નહીં તો કરું નહીં.

પ્રશ્નકર્તા : એ કરવાની યે શી જરૂર છે ?

દાદાશ્રી : નહીં, સહજભાવે જે બને તે ખરું.

પ્રશ્નકર્તા : સહજ ભાવે જે બન્યું એ તો બન્યા જ કરે છે.

દાદાશ્રી : હા, એવું જ. અમારે બીજો કંઈ ડખો કરવાનો છે નહીં અત્યારે આ સહજભાવે તમારી જોડે વાતચીત છે બધી. નવો ડખો આમાં કશો નથી. તમે ફક્ત સહજભાવમાં નથી. અમે તો સહજભાવમાં જ રહીએ છીએ. તમે સહજભાવમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો હવે. અને આ ફોરેનવાળા, એ તો બિચારા સહજ જ છે. આ ગાયો-ભેેંસો એ ય સહજ છે.

'હું કરું છું' છૂટે ત્યાં સહજતા !

પ્રશ્નકર્તા : મોક્ષ પણ સહજ રીતે આવતો હોય તો માણસે તેના માટે પ્રયત્ન કરવાની શી જરૂર ?

દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતો જ નથી. આ તો ખાલી અહંકાર કરે છે કે મેં પ્રયત્ન કર્યો.

પ્રશ્નકર્તા : આ હું અહીં આવ્યો, તે પ્રયત્ન કરીને આવ્યો ને ?

દાદાશ્રી : એ તો તમે એવું માનો છે કે હું આ પ્રયત્ન કરી રહ્યો છું, તમે સહજ રીતે જ અહીં આવ્યા છો. હું તે જાણું છું ને તમે તે જાણતા નથી. તમારું 'ઇગોઈઝમ' તમને દેખાડે છે કે 'હું હતો તો થયું.' ખરી રીતે બધી ક્રિયાઓ સ્વાભાવિક રીતે થઈ રહી હોય છે.

પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી એમ ?

દાદાશ્રી : કરવા જેવું ય કશું રહેતું નથી ને ના કરવા જેવું ય કશું રહેતું નથી. જગત જાણવા જેવું છે.

પ્રશ્નકર્તા : જાણવું કઈ રીતે ?

દાદાશ્રી : 'આ શું બને છે ?' એ 'જોયા' કરવાનું ને 'જાણ્યા' કરવાનું.

બધું સહજ રીતે ચાલે છે એનું ભાન થશે ત્યારે આત્મજ્ઞાન થશે. સહજ એટલે શું ? વિના પ્રયત્ને ચાલી રહ્યું છે. તેને આ લોકો કહે છે, 'મેં કર્યું, મેં કર્યું.'

'જીનમુદ્રા' શું કહે છે ? વીતરાગોની પદ્માસન વાળેલી, હાથ-પગ આમ એક પર એક મૂકી દીધેલી મુદ્રા ઉપદેશ આપે છે કે ''હે મનુષ્યો ! જો સમજણ હોય તો સમજી જાવ. તમારું ખાવા-પીવાનું, જરૂરિયાતની હરેક ચીજ તમે લઈને જ આવેલા છો માટે 'હું કર્તા છું' એ ભાન છોડી દેજો ને મોક્ષનો પ્રયત્ન કરજો !''

પ્રયત્નથી જાય આઘી સહજતા !

પ્રશ્નકર્તા : હવે એ જે ચિત્ત પ્રસન્નતા કેળવવા માટે આ બધા જે પ્રયત્નો કરે છે, એ ચિત્ત પ્રસન્નતા સાહજિક કહેવાય નહીંને ?

દાદાશ્રી : ના. એ પ્રયત્નો કરેને તે રિલેટિવ કહેવાય. અને રિલેટિવ એટલે પ્રયત્ન જ હોય અને રિયલ તો સહજ હોય. સહજ જોવું હોય તો મારી પાસે હોય ને પેલું રિલેટિવ હોય. કલ્પનાથી મારી મારીને ગોઠવવું પડે, કલ્ચર્ડ. લોકોને કલ્ચર્ડ ગમે છે, એટલા માટે કહું છું.

પ્રશ્નકર્તા : આ દર્શનશક્તિ જે છે તે દર્શન મેળવવાના પ્રયાસ કરે, તો આવરાઈ જાય છે.

દાદાશ્રી : પ્રયાસ માત્રથી બધું ઊંધું થાય. અપ્રયાસ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ. પ્રયાસ થયો એટલે સહજ રહ્યું નહીં. સહજતા ચાલી ગઈ.

પ્રશ્નકર્તા : હવે બધે કંઈક ને કંઈક પ્રયાસ બતાવ્યા છે. હવે એમાં કંઈ દર્શનશક્તિ ડેવલપ નથી થતી, સહજતા પ્રાપ્ત નથી થતી.

દાદાશ્રી : પ્રાપ્ત ના થાય. સહજ શક્તિ જુદી વસ્તુ છે. એ પ્રયત્નથી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. પ્રયત્નથી આઘી ને આઘી જાય છે અને સહજ શક્તિ નિર્વિકલ્પ છે.

'પોતે કોણ', જાણવું તે જ્ઞાન !

પહેલાં વિપરીત જ્ઞાન જાણવાનો પ્રયત્ન હતો, તેનાથી બંધનમાં અવાય. સમ્યક્ જ્ઞાન જાણવાનો પ્રયત્ન એ પોતાનું છે. એનાથી સ્વતંત્ર થવાય. વિપરીત જ્ઞાન એ ય જ્ઞાન છે. એ જાણવાનો ય 'ટેસ્ટ' આવે, પણ એનાથી બંધનમાં અવાય. જો તારે છૂટવું હોય તો 'આ' જાણવાનો પ્રયત્ન કર. નહીં તો જે છે તે બરોબર છે, 'કરેક્ટ' છે.

'હું કોણ છું' એનું ભાન જ નથી. 'પોતે' 'પોતાથી' ગુપ્ત રહેવાનો પ્રયત્ન કરે છે. પારકું જાણે બધું ! પોતે પોતાથી ગુપ્ત રહે છે એ અજાયબી જ છે ને !

મોક્ષમાર્ગ : સંસાર માર્ગ !

જ્ઞાન બે પ્રકારના : એક સંસારમાં શું ખરું ને શું ખોટું ? શું અહિતકારી ને શું હિતકારી દેખાડે તે અને બીજું મોક્ષમાર્ગનું જ્ઞાન. એમાં જો મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત થઇ જાય તો પેલું સંસાર માટેનું જ્ઞાન તો સહેજે ઉત્પન્ન થાય. કારણ કે એને દ્રષ્ટિ મળી ને ! દિવ્યદ્રષ્ટિ મળી ! મોક્ષમાર્ગનું જ્ઞાન ના મળે તો સંસારના હિતાહિતનું જ્ઞાન આપનારા સંતો મળવા જોઇએ. આ કાળમાં એવા સંતો દુર્લભ હોય છે.

એવું છે ને, આ સત્ય-અસત્ય એ વસ્તુ જ મોક્ષને માટે નથી. એ તો સંસાર માર્ગમાં બતાવ્યું કે આ પુણ્ય ને પાપ, આ બધાં સાધનો છે. પુણ્ય કરશો તો કો'ક દહાડો મોક્ષમાર્ગ ભણી જવાશે. મોક્ષમાર્ગ ભણી શાથી જવાય ? ઘરમાં બેઠાં બેઠાં ખાવાનું મળશે તો મોક્ષમાર્ગ ભણી જશેને ? આખો દહાડો મહેનત કરવામાં હોય તો શી રીતે કરશે ?! એટલે પુણ્યને વખાણ્યું આ લોકોએ. બાકી મોક્ષમાર્ગ તો સહજ છે, સરળ છે, સુગમ છે. પેલો 'રિલેશન'નાં આંકડાવાળો અને અહીં મોક્ષમાર્ગમાં 'નો રિલેશન' !!!

વાતને સમજવાની છે. વાત સમજે તો સહજમાં મોક્ષ છે. નહીં તો કોટિ ઉપાયે, ઊંધો થઈને બળી મરે તો ય મોક્ષ થાય એવો નથી. પુણ્યનું બંધન થશે, પણ બંધન થશે.

અધર્મ શબ્દની આપણને જરૂર નથી. અધર્મ શું છે ? ધર્મની સામેનો શબ્દ છે. ખોટું કરવું એનું નામ અધર્મ અને સારું કરવું એનું નામ ધર્મ. પણ બેઉ કર્તાભાવમાં છે અને આ આત્માનો તો સ્વાભાવિક ધર્મ છે, સહજ ધર્મ છે. હવે આત્મા પોતાના ધર્મમાં આવે તો પછી આ પૈણેલી સ્ત્રી હોય, તેનું શું થાય ? તેને કંઈ કાઢી મૂકાય ?

આત્મા જ્ઞાન સ્વરૂપ નથી, વિજ્ઞાન સ્વરૂપ છે. માટે વિજ્ઞાનને જાણો. વીતરાગ વિજ્ઞાન અઘરૂં નથી, પણ એનાં જ્ઞાતા ને દાતા નથી હોતા. કોઈક ફેરો એવા 'જ્ઞાની પુરુષ' હોય ત્યારે એનો ફોડ પડી જાય. બાકી સહેલામાં સહેલું હોય તો તે વીતરાગ વિજ્ઞાન છે; બીજા બધાં વિજ્ઞાન અઘરાં છે. બીજા વિજ્ઞાન માટે તો 'રિસર્ચ સેન્ટર' કાઢવાં પડે ને બૈરી-છોકરાંને બાર મહિના ભૂલી જાય ત્યારે રિસર્ચ થાય ! અને આ વીતરાગ વિજ્ઞાન તો 'જ્ઞાની પુરુષ' પાસે ગયા એટલે પ્રાપ્ત થઈ જાય, સહજ પ્રાપ્ત થઈ જાય.

- જય સચ્ચિદાનંદ.