અબુધતા ત્યાં જ્ઞાની પદ !

સંપાદકીય

પ્રત્યક્ષ-પ્રગટ જ્ઞાની પુરુષ હોય કે જે મનના બધા લેયર્સ ઓળંગીને, બુદ્ધિના બધા લેયર્સ ઓળંગીને, જ્ઞાનના પ્રકાશમાં આવી ગયા છે, એ જ જગતની વાસ્તવિકતા ખુલ્લી કરે કે આ જગત કોણે બનાવ્યંુ, જગત કેવી રીતે ચાલે છે, આત્મા શંુ છે, પરમાત્મા શંુ છે, અંતઃકરણ શંુ છે, એ કેવી રીતે ઉત્પન્ન થયું, એ કેવી રીતે ચાલે છે અને એ કેવી રીતે વિલય થઈ શકે ? અંતઃકરણમાં દેહ ક્રિયા કરે છે તે બાહ્યકરણ છે, જ્યારે અંદર વિચારો આવે, ચિત્ત ભટકે, બુદ્ધિ નિર્ણય લે, અહંકાર સહી કરે એવંુ અંતઃકરણ ચાલ્યા જ કરતંુ હોય છે. પોતે જ્ઞાનસ્વરૂપી જ્યારે અંતઃકરણથી, બાહ્યકરણથી જુદો પડે ત્યારે જેમ છે તેમ અંતઃકરણના સ્વરૂપનંુ વર્ણન ખુલ્લું કરી શકે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર વિશે જાત જાતની વિગતોના લેખો, પુસ્તકો સંસારમાં જોવા મળે છે, પણ પોતે અંતઃકરણમાં રહીને લખ્યા હશે. એટલે યથાર્થતા પમાતી નથી અને અંતઃકરણની ઉપાધિથી મુક્ત થવાતું નથી. પરમ પૂજ્ય દાદા ભગવાને એ સર્વ ફોડ જગતને આપ્યા, જે જાણીએ તો પોતાને ય સમજાય કે હા, આવંુ અંતઃકરણમાં કાર્યો થાય છે તે અનુભવમાં આવે છે.

આત્મજ્ઞાનની દ્રષ્ટિ મળ્યા પછી પોતે પણ અંતઃકરણથી વિશેષપણે છૂટો છે તેવી પ્રતીતિ બેસી જાય છે. ધીરે ધીરે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં આવતો જાય છે. આત્મદ્રષ્ટિ તો મળી પણ જેમ છે તેમ જાણતો જાય તેમ તેમ તે તે અનુભવમાં આવી શકે. પૂજ્યશ્રીએ બુદ્ધિના સ્વરૂપના અસંખ્ય ફોડ પાડ્યા છે. જેમ જેમ વિગતે સમજતા જઈએ તેમ તેમ બુદ્ધિના સ્વરૂપની ઓળખાણ પડી તેમાંથી મુક્ત થવાતંુ જાય.

સંસારમાં જ્ઞાની કેટલાં ? એ ભેગા કરવા હોય તો હજારો ભેગા થઈ જાય પણ પછી તપાસ કરીએ બુદ્ધિ વગરના કેટલા આમાં ? તો બધાને પોતાની જાતને અબુધ તરીકે સ્વીકારવામાં કઠીન પડશે ! ત્યાં જ સાચા જ્ઞાનીની પરખ થાય છે. બધા કરતાં પોતાને વધુ બુદ્ધિશાળી ઠરાવવામાં મજા આવે છે પણ જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી જ્ઞાનીપદ ગણાતંુ નથી. જ્ઞાનીપદ એ દશા જ અબુધ પદ છે. કેમ ? કારણ કે બુદ્ધિ હોય ત્યાં અહંકાર સમાયેલો હોય જ. અહંકાર ખલાસ થાય ત્યારે બુદ્ધિ જાય, ત્યાં આત્મજ્ઞાનપ્રકાશ પૂર્ણપણે પ્રગટયો હોય. જે મનના, વાણીના કે દેહના માલિક ના હોય ! આ કાળનાં મહાન જ્ઞાની પૂર્ણદશામાં હોવા છતાં પોતાની જાતને અબુધ કહેવડાવે છે. એ આશ્ચર્યકારી લાગે છતાં હકીક્ત બની છે.

પ્રસ્તુત સંકલનમાં અબુધ એવા જ્ઞાની પદમાં વર્તતા પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણી બુદ્ધિના સ્વરૂપને જેમ છે તેમ ખુલ્લું પાડે તેવી સંકલિત થઈ છે, જે વાચકને બુદ્ધિની ઓળખવા નવો જ દ્રષ્ટિકોણ બક્ષશે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

અબુધતા ત્યાં જ્ઞાની પદ !

જગતમાં અબુધ 'અમે' એકલાં !

આપણે આ બધા રૂમમાં બેઠા છીએ, એમાં બુદ્ધિ કોઈને વધારે હશે ખરી ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિ કે જ્ઞાન ?

દાદાશ્રી : ના, બુદ્ધિ કોને વધારે હશે ?

પ્રશ્શનકર્તા : એ તો કેવી રીતે કહી શકાય ?

દાદાશ્રી : તમારામાં કેટલી બુદ્ધિ હશે ?

પ્રશ્શનકર્તા : મને કેમ ખબર પડે ? બીજો કોઈક કહે ત્યારે ખબર પડે.

દાદાશ્રી : હા. પણ લોક કહેતા હશે ને, બુદ્ધિશાળી છો, એ ?

પ્રશ્શનકર્તા : કહે.

દાદાશ્રી : એટલે બુદ્ધિ તમારામાં ખરી જ ને?

પ્રશ્શનકર્તા : હા. મર્યાદિત બુદ્ધિ કહી શકાય.

દાદાશ્રી : મારામાં બુદ્ધિ નહીં હોય એવું તમે માનો ? તમારા માન્યામાં આવે છે ? હેં ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે તમારામાં બુદ્ધિ નહીં હોય એવું તમે જાણો ?

પ્રશ્શનકર્તા : મારામાં બુદ્ધિ છે, એમ મને ખબર છે.

દાદાશ્રી : બુદ્ધિ વગરનો કોઈ માણસ તેં જોયેલો ખરો તારી જિંદગીમાં ? કે જોયેલો જ નહીં?

પ્રશ્શનકર્તા : જોયો છે.

દાદાશ્રી : તે બુદ્ધિ વગરનો માણસ શું કરતો હતો ?

પ્રશ્શનકર્તા : ના, પણ થોડીક તો બુદ્ધિ હોય જ ને !

દાદાશ્રી : હા. એટલે થોડીક તો બુદ્ધિ બધાને હોય જ. તો પણ બુદ્ધિ વગરનો એકુંય માણસ જોયેલો નહીં ?

પ્રશ્શનકર્તા : તે મને હાલ ખબર નથી.

દાદાશ્રી : મારામાં એક છાંટોય બુદ્ધિ નથી. મારામાં એક સેન્ટ પણ બુદ્ધિ નથી, એ તમને સમજાય ખરું ?

પ્રશ્શનકર્તા : એ વાત હું નથી સ્વીકારતો.

દાદાશ્રી : એક સેન્ટેય બુદ્ધિ નથી. હું એકલો જ બુદ્ધિ વગરનો માણસ છું. તમે બધા બુદ્ધિ ખોળવા આવો તો 'ભઈ, અહીં આગળ નહીં, આખી દુનિયામાં જો બુદ્ધિ ના હોય, એવો કોઈ પુરુષ ખોળો તો હું એકલો જ છું. હું અબુધ છું, એવો અમે સ્વીકાર કરેલો છે.

પ્રશ્શનકર્તા : એ આપની મહાનતા છે.

દાદાશ્રી : ના, મહાનતા મારે જોઈતી નથી. હું તો લઘુતમ છું. મારે મહાનતા જોઈતી નથી. મારે તો ના જોઈએ તો ય લોકો ફેંકે છે. અક્રમ વિજ્ઞાની કોનું નામ કહેવાય કે જેનામાં બુદ્ધિ સેન્ટ પરસેન્ટ ના હોય. અમારામાં એક ટકોય બુદ્ધિ નહીં.

પ્રશ્શનકર્તા : પણ એમ કેમ કહેવાય ? એ માનવામાં બેસે નહીં.

દાદાશ્રી : એવું છે ને, બુદ્ધિ નફો-ખોટ બે જ દેખાડે. અમારામાં બુદ્ધિ બિલકુલ ના હોય, અમે અબુધ ! અમે પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે કે અમે અબુધ છીએ. તમે એવું લખી શકો ?

પ્રશ્શનકર્તા : આબરૂનો સવાલ પેદા થાય એમ.

દાદાશ્રી : હા. આબરૂનો સવાલ ! અને મારે તો આબરૂ જતી રહેલી, એટલે હું લખું છું કે અમે અબુધ છીએ અને પુસ્તકમાં લખેલું જ છે. તમે વાંચ્યું નહીં હોય, નહીં ? વાંચ્યું નથી ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : અમે ચોખ્ખું લખ્યું છે, 'અમે અબુધ છીએ !' અને અબુધ જ છીએ, નહીં તો પોતે પુસ્તકમાં લખીને આબરૂ શું કરવા બગાડે ? પોતે અબુધ છે એવું કરીને પુસ્તકમાં કોણ લખે ? કો'કે કહ્યું હોય અબુધ, તો ગુસ્સો ચઢી જાય.

મારા જેવાં બુદ્ધિ વગરના માણસ કેટલા હોય દુનિયામાં ?

પ્રશ્શનકર્તા : એવું લાગતું નથી. બધા બુદ્ધિવાળા જ હોય.

દાદાશ્રી : બુદ્ધિ વગરનો હોય તો પછી એને દુનિયામાં કાઢી મેલેને લોકો ! લોકો તો જીવવા ય ના દે, નહીં ?

બુદ્ધિ શું કરે ? ઈમોશનલ કરે. મારામાં બુદ્ધિ નામે ય નથી. તેથી તો હું ફાવી ગયો ને ! અને આ વર્લ્ડમાં એક જ માણસ અબુધ હોય. બીજા બધા બુદ્ધિશાળી. સાધુ-આચાર્યો બધા બુદ્ધિશાળી.

એટલે જ્ઞાની એને કહેવાય કે જેનામાં બિલકુલ, એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય. બુદ્ધિવાળા તો છે જ ને આ લોક, ક્યાં નથી ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિ વગર જ્ઞાનીનો વ્યવહાર કેમ ચાલે ?

દાદાશ્રી : એ જ જોવાનું છે.

ફોરેનના સાયન્ટિસ્ટો આ વાત માનતા ન હતા. મેં કહ્યું, 'તમને માન્યામાં કેવી રીતે આવે આ ?! તમારી સમજમાં શી રીતે બેસે આ ?'

હું કહું છું કે બુદ્ધિ વગરનો છું. ત્યારે લોક કહે છે, 'ના. એવું ના બોલાય, જો જો, આવું બોલો છો ?' અલ્યા, પણ બુદ્ધિ નથી એટલે કહું છું. ત્યારે એના મનમાં એમ લાગે કે 'બધા બુદ્ધિશાળી છે. તો દાદા એકલા 'બુદ્ધિ વગરના હોય કંઈ ?' અરે, પેલા બુદ્ધિશાળી છે. તેથી તો બુદ્ધુ થવા બેઠાં છે !

પ્રશ્શનકર્તા : પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસ લાગે.

દાદાશ્રી : હા.

અહંકાર શૂન્ય, ત્યાં બુદ્ધિ શૂન્ય !

શા કારણથી લખ્યું કે અમારામાં બુદ્ધિ ના હોય ?

પ્રશ્શનકર્તા : હા, એ સમજાતું નથી એટલે આપ શું કહેવા માંગો છો ?

દાદાશ્રી : હું મારામાં બુદ્ધિ નથી એમ કહું છું. મારી પાસે બીજી કોઈ વસ્તુ તો હશે ને ? કંઈ અજવાળું તો હશે ને મારી પાસે ? બુદ્ધિ એક અજવાળું છે અને મારી પાસે જે અજવાળું છે, એ જુદું અજવાળું છે. અમારામાં જ્ઞાન હોય, પ્રકાશ હોય.

કોઈ કહેશે, તમે બુદ્ધિ વગરના છો તો આ બધું શી રીતે જાણો છો ? અમે જ્ઞાનના પ્રકાશથી જાણીએ છીએ. તમે બુદ્ધિના પ્રકાશથી જાણો છો. બન્નેને પ્રકાશ તો છે જ, પણ પ્રકાશમાં ફેર છે. તે તમારી બુદ્ધિ છે એ ઇન્ડિરેક્ટ (પરોક્ષ) પ્રકાશ છે, જ્યારે અમારું જ્ઞાન એ ડિરેક્ટ (પ્રત્યક્ષ) પ્રકાશ છે.

પ્રશ્શનકર્તા : જે ડિરેક્ટ પ્રકાશ કહ્યો તે જ અબુધપણું ? તમે જે કહો છો કે અમારામાં બુદ્ધિ ના હોય....

દાદાશ્રી : હા, એ જ અબુધપણું. ડિરેક્ટ પ્રકાશ ! એ જ અબુધપણું. કારણ કે પેલો અહંકારના થ્રુ (માધ્યમ દ્વારા) આવે છે, એટલે બુદ્ધિ કહેવાય છે અને અહંકાર ખલાસ થઈ ગયો એટલે ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો !

કેટલાંય અવતારોથી ખોળતો'તો એ પ્રકાશ મળ્યો. પ્રકાશ મળ્યો માટે આનંદ મળ્યો, એ આનંદ પાછો સીમા રહિતનો આનંદ છે, અસીમ આનંદ છે, સનાતન છે.

અહંકાર ને બુદ્ધિ બેઉ મને નથી. બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય. અને બુદ્ધિ હોય ત્યાં સુધી લિમિટેડ જ્ઞાન હોય, 'ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધીસ પોઈન્ટ' (આ છેડેથી આ છેડા સુધી) એ લિમિટેડ જ્ઞાન કશું ક્રિયાકારી ના હોય અને મારું જ્ઞાન અનલિમિટેડ છે. જે જ્ઞાન ક્રિયાકારી છે. જ્ઞાનપ્રકાશ ક્રિયાકારી છે. કેવળજ્ઞાન સ્વરૂપ છે. આખા બ્રહ્માંડની સત્તામાં પહોંચે એવું જ્ઞાન છે.

સંપૂર્ણ અબુધ હોય તો જ જ્ઞાની કહેવાય. વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની જેને બાકી ના હોય ! અને પરમાત્મા પણ જેને વશ થયેલો હોય !

પ્રશ્શનકર્તા : કોઈ ચીજ જાણવાની બાકી ના હોય એ શું છે ?

દાદાશ્રી : એ જ્ઞાન છે, પ્રકાશ છે અને બુદ્ધિ તો બહુ ડખો થયા કરે. બુદ્ધિથી જાણવાથી તો વઢંવઢા થાય છે, મતભેદ થાય છે બધા. પ્રકાશમાં મતભેદ ના હોય, ડખો ના હોય, કશું ના હોય. જેટલું જેટલું રિલેટીવમાં તમે વાંધો ઉઠાવશો એ બુદ્ધિવાદ. અમારે બુદ્ધિવાદ હોય નહીં. અમે રિલેટીવમાં અબુધ અને રિયલમાં જ્ઞાની !

જ્ઞાની પુરુષ કેવાં હોવા જોઈએ ? બુદ્ધિ વગરના હોવા જોઈએ. મારામાં બુદ્ધિ નથી, માટે મને સોલ્યુશન (સમાધાન) થઈ ગયું. બુદ્ધિ હશે ત્યાં સુધી સોલ્યુશન પૂરું નહીં થાય. એટલે બુદ્ધિ જ્યાં ના હોય ત્યાં જ્ઞાન હશે અને જ્ઞાન હશે ત્યાં બુદ્ધિ નહીં હોય, બેમાંથી એક જ હોય.

અને મારી પાસે આવે તે બુદ્ધિશાળીય જરા થોડા થોડા અબુધ થતાં જાય. જેને બુદ્ધિ વધારવી હોય, તેને મારી પાસે આવ્યે પોષાય નહીં. અને બુદ્ધિ નથી તેથી મારાથી છોકરાં ડરે નહીં, ઘૈડા ડરે નહીં, કોઈ ડરે નહીં મારાથી અને બુદ્ધિવાળાથી સહુ કોઈ ડરે. ઘરની વાઇફે ય આમ આમ કરતી હોય. મારામાં બુદ્ધિ બહુ હતી, ત્યારે મારાથી બહુ ડરતા'તા લોકો. તે બુદ્ધિ ગઈ એટલે અમે અબુધ થયેલા ને ! પણ તમને એ કમાણી ગમતી નથી, તેને અમે શું કરીએ હવે ?! કોઈને એ કમાણી ગમે છે, કોઈને ના ય ગમે. તમને અબુધની કમાણી નથી ગમતી, નહીં ?

પ્રશ્શનકર્તા : ગમે છે.

દાદાશ્રી : એમ ?!

પ્રશ્શનકર્તા : અમારી બુદ્ધિ ય ઓછી થઈ જશે ને ?

દાદાશ્રી : હા, ઓછી થશે ને ! એ બુદ્ધિ એમની કાઢી નાખવા માંડી. કારણ કે એ ભજે છે કોને ? અબુધને ભજે છે.

પ્રશ્શનકર્તા : જ્ઞાની તો અબુધ જ હોય ને ?

દાદાશ્રી : જ્ઞાની એકલા જ અબુધ હોય. બીજા બધા સતપુરુષ અબુધ ના હોય. કારણ કે અક્રમ માર્ગના જ્ઞાનીનો અહંકાર શૂન્ય ઉપર હોય. બુદ્ધિ શૂન્ય ઉપર હોય. અમે અબુધ કહેવાઈએ. આ જગતમાં એક પણ માણસ અબુધ ના હોય. બધા બુદ્ધિશાળી. કોઈ પણ માણસ અબુધ હોય નહીં અને અક્રમ માર્ગના જ્ઞાની અબુધ હોય.

પ્રબુદ્ધ થઈને પછી અબુધ !

આ વર્લ્ડમાં હું એકલો જ એવો છું કે જેને બુદ્ધિ નામે ય નથી.

પ્રશ્શનકર્તા : બુદ્ધિના સાક્ષી છો ને ?

દાદાશ્રી : સાક્ષી ખરા, સાક્ષી તો બધાના પણ બુદ્ધિ જ નથી મને.

પ્રશ્શનકર્તા : બુદ્ધિની પાર થયા છો.

દાદાશ્રી : એ બરોબર છે. પાર જ થયા કહેવાય. આમ ખરી રીતે લોકોને સમજાવવા માટે અમે અબુધ કહીએ. અમે એવું કહ્યું કે બુદ્ધિની પાર ગયા છીએ !

પ્રશ્શનકર્તા : તમે કહો છો કે અમે અબુધ છીએ. તો અબુધ અને પ્રબુદ્ધમાં ફેર શો ?

દાદાશ્રી : બે પ્રકારના અબુધ. એક તો જેને ઉંમર નાનીને લઈને બુદ્ધિ ડેવલપ થઈ નથી એ એક પ્રકારના અબુધ. અને એક સંપૂર્ણ બુદ્ધિ ડેવલપ થયા પછી જે બુદ્ધિને પોતે તાળું મારતો જાય એ બીજા પ્રકારના અબુધ. તે બુદ્ધિ સંપૂર્ણ ટોચ ઉપર ગયા પછીના જે અબુધ છે ને તે સાચા અબુધ. પેલું તો નાની ઉંમર હોવાથી બુદ્ધિ હજી એનામાં વ્યક્ત નથી થઈ. અમુક જ બાબતમાં વ્યક્ત થયેલી હોય. એની નેસેસિટી પૂરતી જ. આપણે એને કહીએ કે હમણે દુકાન ખોટમાં જાય છે, પૈસા-બૈસા ના વાપરીશ. તો એને ખોટ જાય એટલે શું, એ કશું સમજે નહિ ને ! બુદ્ધિ જ ના પહોંચેને ! એને તો આપણે વસ્તુ ના લાવી આપીએ ત્યાં પહોંચે કે આમ કેમ ?

એટલે બુદ્ધિ સંપૂર્ણ ટોચ પર ગયા પછી જે ખલાસ થાય એને અબુધ કહેવાય. પ્રબુદ્ધ થયા પછી કેટલાંય કાળ પછી અબુધ થઈ શકે ! પ્રબુદ્ધ થવું સહેલું છે ? પ્રબુદ્ધ એટલે બુદ્ધિ એડવાન્સ થતી ચાલી. લોકોની બુદ્ધિ કરતાં સહેજે વધારે પડતી બુદ્ધિ હોય ત્યારે પ્રબુદ્ધ કહે અને તેથી પ્રબુદ્ધ થયા પછી એ બુદ્ધિ આથમતી ચાલે એટલો અબુધ થાય.

પ્રશ્શનકર્તા : સંપૂર્ણ જાગૃત એને પ્રબુદ્ધ શબ્દ વપરાય ?

દાદાશ્રી : ના વપરાય. અહીં હિન્દુસ્તાનમાં પ્રબુદ્ધ તો બધા બહુ, જોઈએ એટલા છે. બુદ્ધિમાંથી પ્રબુદ્ધ થાય, બુદ્ધિ વધે ત્યારે. અને પ્રબુદ્ધમાંથી પછી બુદ્ધુ થઈ જાય.

પ્રશ્શનકર્તા : આપનામાં કયા પ્રકારની બુદ્ધિ ના હોય ? બુદ્ધિના પણ પ્રકારો છે ને ?

દાદાશ્રી : કોઈ પણ પ્રકારની બુદ્ધિ ના હોય અમારામાં. એટલે અમને તો ગાળો ભાંડે તો ય અમે આશીર્વાદ આપીએ અને ફૂલ ચઢાવે તો ય આશીર્વાદ આપીએ. કારણ કે મને તો એ ઓળખતો જ નથી. આ 'પટેલ'ને એ ઓળખે છે, મને તો શી રીતે ઓળખે ? 'એ. એમ. પટેલ'ને ઓળખે છે, તો એ 'એ. એમ. પટેલ'ને ગાળો ભાંડે તો મારે પાડોશી તરીકે સાચવવું પડે. તે પેલાને કહું કે ભઈ, શું કંઈક ખાસ કારણ ના હોય ગાળો ના ભાંડીશ. અને કારણ હોય તો ભાંડ ! એટલે બુદ્ધિ વગરનો જે બીજો સામાન હતો એ બધો મારી પાસે છે પણ બુદ્ધિ નથી. તમને આ વાત ગમે કે મારી પાસે બુદ્ધિ નથી ?

જ્ઞાની પુરુષ એ બધાથી મુક્ત કરાવે. પછી ભાંજગડ જ નહીં ને ! હા, એટલે સેન્ટ બુદ્ધિ ના હોય ત્યાં આપણો નિવેડો થાય તો ભગવાન પ્રગટ થાય. બુદ્ધિ હોય ત્યાં ભગવાન કોઈ દહાડોય પ્રગટ થાય નહીં, એવો આ દુનિયાનો નિયમ ! બુદ્ધિવાળો સ્વચ્છંદી હોય અને બુદ્ધિ વગરના ભગવાન હોય !

જ્ઞાની પુરુષ કોને કહેવાય ? જેનામાં સેન્ટ બુદ્ધિ ના હોય અને સેન્ટ અહંકાર ના હોય. દેહના માલિક ના હોય, વાણીના માલિક ના હોય, મનના માલિક ના હોય. આવી વાત તો દુનિયામાં ક્યારેય પણ સાંભળેલી ના હોય. બાકી આ બધું શાસ્ત્રોમાં લખેલું નથી. અમારામાં બુદ્ધિ નહીં તે વાત અમારી, એક-એક શબ્દ સાંભળવા જેવો. અમારામાં સેન્ટ પરસેન્ટ બુદ્ધિ ના હોય. અને તો જ એ કમ્પ્લિટ હંડ્રેડ પરસેન્ટ કરેક્ટ વાત હોય. અમારી આ વાત હજારો વર્ષ સુધી કોઈ ચેકી ના શકે.

પ્રશ્શનકર્તા : જ્ઞાન અને બુદ્ધિનો શું તફાવત ?

દાદાશ્રી : ઓહોહો, ધેર ઈઝ લાર્જ ડિફરન્સ (ઘણો મોટો તફાવત છે). બુદ્ધિ એ તો અહંકારી જ્ઞાન છે. આખા જગતનું બધું જ્ઞાન જાણતો હોય, પણ અહંકારી જ્ઞાન એ બુદ્ધિ અને બીજા શબ્દોમાં કહું તો ઈન્ડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ અને ઇગોઇઝમ વગરનું, નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય અને અહંકારી જ્ઞાન એ બુદ્ધિ કહેવાય છે !

આપણે લોકોને કહીએ, 'તમે અબુધ છો', તો એ ઊલટાં આપણને ગાળો ભાંડે ને મારંમાર કરે. અને મારામાં બુદ્ધિ રહી નથી. હું ડિરેક્ટ પ્રકાશથી જોઉં છું બધું. હું પુસ્તક વાંચતો નથી. અત્યારે કોઈ દહાડો પુસ્તક મેં વાંચ્યું ય નથી; વીસ વર્ષ પહેલાં વાંચેલું હશે પણ હમણાં પુસ્તક વાંચતો નથી. હું તો ડિરેક્ટ આમ જોઈને જવાબ આપું છું બધા.

તમારે મગજમાં જે આવે એ બધું પૂછજો, દરેક વસ્તુ અને હું સાયંટિફિક રીતે જવાબ આપવા માગું છું. કારણ કે બુદ્ધિ મારામાં બિલકુલેય નથી. અને તમારામાં બુદ્ધિ, એટલે ખરી મઝા ત્યારે જ આવે. તમે બુદ્ધિથી પ્રશ્શન જેટલા પૂછાય એટલા પૂછો. હું તમને જ્ઞાનથી જવાબ આપું. તમારો આત્મા કબૂલ કરવો જ જોઈએ. અને જો તમારો આત્મા કબૂલ ન કરે તો કાં તો તમે આડાઈ કરો છો કે ગમે તેમાં પણ છો. આત્મા કબૂલ કરવો જ જોઈએ. કારણ કે હું અબુધ રીતે બોલું છું. એટલે કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ જાતિનો, કોઈ પણ માણસ એને કબૂલ થવું જ જોઈએ. સમજણવાળો હોવો જોઈએ ! બુદ્ધિમાં આવેલો હોવો જોઈએ. પછી બુદ્ધિમાં ય અબુધ હોય છે. એનો આત્મા કબૂલ કરે કે ના ય કરે, એને સમજણે ય ના હોય એની. પણ જેને બુદ્ધિ છે એ વાતને સમજે.

પ્રશ્શનકર્તા : સંસ્કૃતમાં એક શ્શલોક છે કે રાજા તો એના રાજ્યમાં જ પૂજાય. પણ જે વિદ્વાન હોય એ આખા જગતમાં બધે જ પૂજાય. અને વિદ્વાન આપના જેવા અબુધ હોય તો જ.

દાદાશ્રી : હા, પણ અબુધ સિવાય તો ના બને. બુદ્ધિ તો લિમિટેશનનો પ્રકાશ છે. એટલે લિમિટવાળાનું તો ઓછી બુદ્ધિવાળા ના સ્વીકારે અને એનાથી જરા કંઈ આઘાપાછાં થયેલા હોય, મતભેદવાળા હોય, તે ના સ્વીકાર કરે. અહીં મતભેદ ના હોય. અહીં બધા સ્વીકાર કરે. બે વર્ષનું બાળક હોય તે ય સ્વીકાર કરે. આવડું બાળક મારી જોડે રમ્યા કરે, બે વર્ષનું બાળક હોય તે ય. કારણ કે અમે બાળક જેવા જ હોઈએ. બાળક છે તે અજ્ઞાનતાથી નિર્દોષ છે અને અમે જ્ઞાને કરીને નિર્દોષ હોઈએ. બસ આટલો જ ફેર. અમે આ કિનારાના ને પેલો પેલા કિનારાનો. પણ બન્ને બાળક જ કહેવાય.

બુદ્ધિના અંતે જગતથી મુક્તિ !

પણ આ વિજ્ઞાન બીજા કરતાં તદ્દન જુદું છે. આ વિજ્ઞાન કો'ક વખત એની મેળે ઊભું થાય છે !

આ વિજ્ઞાન કંઈ મારું બનાવેલું નથી. આ ઊભું થયેલું છે. તો અહીં જેટલાનું કામ નીકળ્યું એટલું કામ નીકળી ગયું. શાસ્ત્રકારોએ બહુ મોટું લખેલું છે, પાંચમા આરામાં ઘણાં લોકો કામ કાઢી જશે.

બહુ ઊંડું જગત છે. પુસ્તકોમાં આ જગત લખેલું જ નથી, એનું વર્ણન જ નથી. જેટલું વર્ણન થાય એટલું વર્ણન કરી ચૂક્યા આ બુદ્ધિથી. બુદ્ધિ પહોંચી ત્યાં સુધી વર્ણન કરી ચૂક્યા. બુદ્ધિથી ઉપર તો બહુ ઊંચું છે. બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હોય તેને સમજણ પડે. આખા જગતમાં મારા એકલાની બુદ્ધિ ખલાસ થઈ ગયેલી છે.

જ્યારે બુદ્ધિ જતી રહેશે ત્યારે જેમ છે તેમ દેખાશે. અત્યારે તો બધું બુદ્ધિથી દેખાય છે. બુદ્ધિની શરૂઆતથી આ જગત ઊભું થાય છે. કંઈ પણ બુદ્ધિની શરૂઆત થાય છે ત્યારથી જગત ઊભું થાય છે અને બુદ્ધિના અંતે એ જગતનો નાશ થાય છે. અને જેને બુદ્ધિનો અંત આવ્યો એ મુક્ત પુરુષ !

નફો-ખોટ દર્શાવવાનો ઠેકો...

પ્રશ્શનકર્તા : એક પ્રશ્શન એ રહે છે હવે કે બુદ્ધિ એટલે શું ? કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંતને જે છે તે સ્વરૂપમાં એક્સેપ્ટ કરવામાં અવરોધરૂપ બને તેને બુદ્ધિ કહેવાય ?

દાદાશ્રી : આને ને બુદ્ધિને લેવા-દેવા નથી. બુદ્ધિ એટલે શું ? નફો ને ખોટ બે જુએ, એનું નામ બુદ્ધિ. વ્હેર ઈઝ પ્રોફિટ એન્ડ વ્હેર ઈઝ લોસ (ક્યાં નફો છે અને ક્યાં ખોટ છે) ? પેલી તો બધી અવળી સમજણ કહેવાય. કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંતને જે છે તે સ્વરૂપમાં એક્સેપ્ટ(સ્વીકારી) કરવામાં અવરોધ કરવો એ રોંગ (ઊંધી) સમજણ કરે છે.

બુદ્ધિ તો, બસમાં બેસો તો ય આમ જોઈ લે કે ક્યાં આગળ નફો ને ક્યાં આગળ ખોટ છે ! જ્યાં જાવ ત્યાં નફો-તોટો બે જ દેખાડ દેખાડ કર્યા કરે અને ગૂંચવ ગંૂચવ કર્યા કરે, એનું નામ બુદ્ધિ. આ બુદ્ધિ જ બિચારાને ભટક ભટક કરાવડાવે છે. રસ્તે ચાલતાં ય નફો-ખોટ જુએ !

ટ્રેનમાં ચઢે તો ય આમ જોઈ લે કે નફો-ખોટ ક્યાં છે ! ભીડ હોય ને તો ભીડમાં લોકોને ધક્કા મારવાનું શીખવાડે કે માર ધક્કો ને આગળ ખસો. આવું, બુદ્ધિ પાંસરું રહેવા જ ના દે. માણસને જંપીને બેસવા જ ના દે. અલ્યા, અહીં ટ્રેનમાં ક્યાં રૂપિયા છે ? ત્યારે કહે, પણ જગ્યાની કિંમત છે. જો બેસવાનું બરાબર ના મળ્યું તો ઊભો ને ઊભો રહે. તેને જરા નીચે બેસવાનું કહે તો ના બેસે. આબરૂદારનો છોકરોને ! હું ઘણાંને કહું, શેઠ, નીચે બેસોને જરા ! શું આબરૂદાર લોકો ! તારા મોઢાં પર દીવેલ જો ફરી વળ્યું છે, મનમાં શું ય માની બેઠો છે !

જ્યાં જઈએ ત્યાં નફો ને તોટો દેખાડે કે ના દેખાડી દે ?

પ્રશ્શનકર્તા : દેખાડી જ દે.

દાદાશ્રી : તમને લાગે છે એવું કે અહીંથી આપણે ત્યાં ગયા પણ ફાયદો થયો નહીં. તો એ કોણે દેખાડ્યું ? બુદ્ધિ દેખાડે.

અહીં સત્સંગમાં આવે ને તો આવતાંની સાથે જ જુએ કે ક્યાં આગળ સારી જગ્યા છે. મકાન વેચાતું રાખવું હોય તો લત્તો સારો ખોળ ખોળ કરે. વસ્તુ સારી લેવા ગયો હોય ત્યાં ફાયદો જુએ ! દુકાને જાય તો નફો-ખોટ જોયા કરે. ઘરમાં કોઈથી તેલ ઢોળાઈ જાય, ખોટ ગઈ, તો બુદ્ધિ ત્યાં આગળ કૂદાકૂદ કરે !

આ તો બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ (વિનાશી ગોઠવણી) છે અને તેમાં સારું-ખોટું, ઊંધું-છત્તું, તમારી બુદ્ધિ તમને દેખાડ દેખાડ કરે છે. આ ત્રીસ વર્ષ સુધી ભઈબંધ સારો હતો અને એક દહાડો કોઈએ કહ્યું, તમારા ભઈબંધ આવું બોલતા હતા. તે બીજે દહાડે આપણી માટે એ ખરાબ થઈ જાય. છે આપણા લોકોને કશી કિંમત ? બુદ્ધિ દેખાડે, કે 'આપણી કિંમત પહેલાં હતી એટલી નથી હવે. અત્યારે ઓછી થઈ લાગે છે.' અલ્યા, અહીં શું કરવા નફો-ખોટ ? આનાં કંઈ સોદા કરવાના છે આપણે તે ? પણ બુદ્ધિનો સ્વભાવ એવો. નફો-ખોટ દેખાડે.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ વગર તો માણસ આગળ વધે જ કેવી રીતે ?

દાદાશ્રી : બુદ્ધિ હંમેશા સંસારમાં, આ નફો છે ને અહીં ખોટ છે, બે દેખાડે. બીજું કંઈ એના આગળ દેખાડવાની કોઈ લાઈન એને આવડતી નથી.

બુદ્ધિ શું કામ કરે છે ? ચોગરદમનું તમારું ક્યાં નુકસાન થાય છે, ક્યાં દુઃખ થાય છે, ક્યાં અડચણ આવે છે, સંસારની બાબતોમાં એ સાવચેત રહે છે અને સાવધાનીપૂર્વક કામ કરવા જાય છે અને ધંધામાં કંઈ અડચણ હોય તો એનું કેમ કરીને એન્ડ લાવવો, તે કામ કર્યા કરે. એનો ઉપાય ખોળી કાઢે, રસ્તો ખોળી આપે, બસ !

એટલે બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ દેખાડનારી છે. તેથી આપણે એને વગોવવા જેવી નથી. એ ય જરૂર છે પણ એના ટાઈમે પણ આપણે એને બહુ એવું કરવા જેવી નથી કે તારા વગર મારાથી જીવાશે નહીં. કારણ કે નફો ખોટ દેખાડે એ તો સંસારમાં ખેંચી જાય.

આપણે વેપારમાં તો બધે હવે ઉકેલ લાવી નાખવાનો છે. દુકાન કાઢી નાખવાની હોય ને, ત્યાં નફો તોટો જોવાનું હોય ? કાઢી નાખવી છે એટલે કાઢી નાખવાની છે. ત્યાં નફો-તોટો જોવાનું ના હોય. ત્યારે બુદ્ધિ કહે છે કે નફો-તોટો જોવાનું ! બુદ્ધિ શું દેખાડે ?

પ્રશ્શનકર્તા : નફો-તોટો દેખાડે.

દાદાશ્રી : નફો-તોટો એટલું જ દેખાડે, એનું નામ બુદ્ધિ. આમ થઈ જશે તો આમ વધારે થઈ જશે, તે આમ વધારે ખોટ જશે. નફા-તોટાથી શું થાય ? બુદ્ધિ કંઈ નફો-ખોટ પૂરી કરી આપવાની છે ? ઊલટો અજંપો થાય તે જુદો. અમે જ્યાં જઈએ ત્યાં વેશ થઈ પડે અમારે ! અમારે બુદ્ધિ નહીં ને, તે નફો-તોટો દેખાડે નહીં ને ! જ્ઞાનપ્રકાશમાં બેઉ સરખું છે. આ બુદ્ધિના પ્રકાશમાં નફો-તોટો બે જુદું દેખાય. તો ય આખું જગત બુદ્ધિના પ્રકાશમાં પડેલું છે, નફા-તોટામાં !

અમે તો અબુધ થઈને બેઠેલા. કોઈ કહે, તમારામાં બુદ્ધિ બહુ ? હું કહું કે 'ના, અમે અબુધ !' બુદ્ધિ હોત તો નફો ને તોટો દેખાડત ને ! હા, એ અજ્ઞાશક્તિ હંમેશા નફો ને તોટો બે જ દેખાડે. આટલા લેઈટ(મોડા) થયા. એ નફો ને તોટો કાઢે. રસ્તે કોઈ માણસે અવળે રસ્તે લીધા હોય, તો કહેશે, 'લે, અડધો માઈલ મારો નકામો ગયો !' બધામાં બુદ્ધિ નફો-તોટો જોયા કરે, ને નફો ને તોટો જ્યાં સુધી દેખાડે છે ત્યાં સુધી સંસારની બહાર નીકળવા ના દે અને અમે તો અબુધ, એટલે બીજી કશી ભાંજગડ નહીં ને ! અને અમે નફાને તોટો કહ્યો ને તોટાને નફો કહ્યો, તે 'વ્યવસ્થિત' (સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) છે. તેથી અબુધ છીએ ને ! 'વ્યવસ્થિત' જો અમે જાણતા ના હોત ને, તો અમે ય અબુધ ના થઈ જાત. એટલે અમે જાણીએ કે 'વ્યવસ્થિત' છે, પછી શું ભાંજગડ ! અને આ જ્ઞાન પછી તમને ય કહ્યું કે 'વ્યવસ્થિત' છે, માટે બુદ્ધિ નહીં વાપરો. અબુધ થાઓ તો ય ચાલશે તમારું બધું !

બુદ્ધિ, દ્વન્દ્વની જનની !

હવે અબુધ અને બુદ્ધિશાળીમાં ફેર શો હશે કંઈ ? એવું તમને લાગે છે ? મારે નફો-નુકસાન દ્વન્દ્વ રહ્યા નથી. દ્વન્દ્વ રહે નહીં એટલે પછી બુદ્ધિ ખલાસ થઈ જાય. નફો નહીં, નુકસાન નહીં. તમે ફૂલ ચઢાવો તો ય આટલો પ્રેમ અને તમે ગાળો દો તો ય આટલો પ્રેમ, તમારી જોડે ! જીવમાત્ર જોડે પ્રેમ રાખવાનો હોય. ગધેડા જોડે ય દોસ્તી. તમે ય ગધેડા જોડે દોસ્તી કરી શકો ? આ માણસો જોડે દોસ્તી કરતાં નથી આવડતી તમને. ત્યાં મતભેદ પડી જાય છે, તો ગધેડા જોડે તમને મતભેદ પડતાં વાર કેટલી લાગે ?!

પ્રશ્શનકર્તા : તે ય સરખા થઈ જાય ત્યાં તો.

દાદાશ્રી : હા, સરખા થઈ જાય. બુદ્ધિથી તો એ દ્વન્દ્વ ઊભા થાય. દ્વન્દ્વ જ ગમે એને, એ બુદ્ધિ. અને આ નફો-ખોટ પોતે દ્વન્દ્વ સ્વરૂપ હોય. બુદ્ધિ દ્વન્દ્વની જનની છે અને એ છે ત્યાં સુધી બધું અંદર ચાલ્યા કરવાનું.

પ્રશ્શનકર્તા : એટલે દ્વન્દ્વ ઊભો કરે એ બુદ્ધિ ?

દાદાશ્રી : હા, બધું દ્વન્દ્વ જ ઊભાં કરે. ના હોય ત્યાંથી શાંતિમાં બેઠા હોય ત્યાંથી ય આપણને ઊભાં કરાવડાવે.

પ્રશ્શનકર્તા : હવે દ્વન્દ્વ એને ઊભો ના થાય તો એ ઉર્ધ્વગતિએ જાય નહીં ને ?

દાદાશ્રી : ઉર્ધ્વગતિએ જવાની જરૂર નથી આપણે. એની મેળે જ થઈ રહ્યું છે. અજ્ઞા એ બુદ્ધિનું પ્રદર્શન છે. એ મોક્ષે જવા ના દે અને સંસારની બહાર નીકળવા જ ના દે. નફો-ખોટ જ દેખાડ્યા કરે. આમાં નફો ને આમાં ખોટ. દ્વન્દ્વ જ દેખાડે.

પ્રશ્શનકર્તા : દ્વન્દ્વ અને દ્વન્દ્વની અંદરની ફસામણ ને ઘર્ષણ, એ તો જીવનનો સતત ભાગ છે. જ્યાં ને ત્યાં દ્વન્દ્વ તો આવીને ઊભું જ રહે છે.

દાદાશ્રી : એટલે દ્વન્દ્વમાં જ જગત ફસાયેલું છે ને ! અને જ્ઞાની દ્વન્દ્વાતિત હોય એ નફાને નફો જાણે ને ખોટને ખોટ જાણે. પણ ખોટ ખોટ રૂપે અસર ના કરે. નફો નફા રૂપે અસર ના કરે. નફો ખોટ શેમાંથી નીકળે છે ? મારામાંથી ગયા કે બહારથી ગયા ? એ બધું જાણે !

બુદ્ધિ, સંસારમાં નિર્ણય લેનારી જ !

પ્રશ્શનકર્તા : મનને, બુદ્ધિને એક કરીએ, તો જ જ્ઞાનનું દર્શન થાય કે એમ ને એમ થાય ?

દાદાશ્રી : ના. બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિ તો સંસાર અનુગામી છે, સંસારમાં જ ભટકાવનારી છે. આ બુદ્ધિ તો માર ખવડાવી ખવડાવીને તેલ કાઢી નાખશે. બુદ્ધિ હંમેશા ય સંસારની બહાર નીકળવા જ ના દે. બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. એટલે ડિરેક્ટ પ્રકાશ હોય તો જ નીકળવા દે. બુદ્ધિ સંસારમાં હિતકારી છે પણ મોક્ષે જતાં વાંધો ઊઠાવે.

બુદ્ધિ તો સંસારને જ ચલાવનારી છે. સંસારમાં બુદ્ધિની જરૂર પડે છે. ત્યારે ઓટોમેટિકલી (આપોઆપ) ચાલુ થઈ જાય છે. બુદ્ધિ એ સંસારાભિમુખ છે. તો સંસારની અંદર ફળ આપે, પણ બહાર ના નીકળવા દે. મોક્ષે ના જવા દે. મોક્ષમાં તો જ્ઞાન પ્રકાશ જ જોઈશે. જ્ઞાન પોતે જ મોક્ષ સ્વરૂપ છે.

પ્રશ્શનકર્તા : એક્ઝેક્ટલી (ખરેખર) બુદ્ધિ શું કામ કરે છે ?

દાદાશ્રી : એક્ઝેક્ટલી બુદ્ધિનો જો મીનીંગ (અર્થ) જોવા જાય તો નિર્ણય સિવાય બીજું કામ જ નથી કરતી !

પ્રશ્શનકર્તા : એટલે ડિસીઝન (નિર્ણય) બુદ્ધિ જ લે છે ?

દાદાશ્રી : હા, ડિસીઝન બુદ્ધિ લે છે. બે પ્રકારના ડિસીઝન : એક મોક્ષે જવાનું ડિસીઝન પ્રજ્ઞા લે છે અને સંસારનું ડિસીઝન અજ્ઞા. અજ્ઞા એટલે બુદ્ધિ. અજ્ઞા-પ્રજ્ઞાના ડિસીઝન છે આ બધા.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ એ પરિણામને જોઈ શકે ને ?

દાદાશ્રી : હા, હા, પરિણામને જોઈ શકે. એ જોઈ શકે માટે બુદ્ધિ કહેવાયને અને નિર્ણય, નિશ્ચય લઈ શકે કે ના, આમ જ કરવું છે. એટલે બુદ્ધિ જોઈ શકે છે. પણ બુદ્ધિ જોવાં કરતાં વધારે કામ કરે છે, નિર્ણય કરે છે કે આ કરવું કે નહીં. એ 'યસ' (હા) કહે તો બધાનું કામ થાય.

એટલે બુદ્ધિ શું કામ કરે છે ? ફક્ત ડિસીઝન આપે છે કે ભાઈ, આમ કામ કરી જ નાખો. એ છેવટે જો તમારા પાપનો ઉદય હશે તો બુદ્ધિ જે ડિસીઝન આપશે ને, એ તમને નુકસાન થાય એવું આપશે અને પુણ્યનો ઉદય આવશે, તો બુદ્ધિ જે ડિસીઝન આપશે તે લાભદાયી થશે. એ ઉદય, તમારાં પુણ્ય ને પાપ ચલાવે છે ! બીજું ભગવાન કોઈ આને ચલાવનાર છે નહીં. પુણ્ય અને પાપનાં ફળ છે. સમષ્ટિમાંથી જે 'વ્યવસ્થિત' શક્તિ હું કહું છું ને, તેમાંથી આ ફળ અપાયા કરે છે ! આપણા લોકો બુદ્ધિને બુદ્ધિની રીતે સમજતાં નથી અને બધું બાફે છે. જે ડિસીઝન આપે છે તે બુદ્ધિ. કોઈ માણસ, જે ડિસીઝન જલદી આપનારો હોય તો જાણવું કે આ મોટામાં મોટો બુદ્ધિશાળી છે. ગમે તેવાં સ્ટેજમાં, હમણાં લાખ કેસ હોય તો લાખના તરત ડિસીઝન આપી દે તો આપણે જાણવું કે આ મોટામાં મોટો બુદ્ધિશાળી. અને તે ગૂંચાયો તો જાણવું કે બુદ્ધિ ઓછી છે કે નથી.

આપણે અહીં તો લોક શું ઝાલી પડ્યા છે કે જાતજાતની ટ્રીકો ને એ બધું આવડતું હોય ને, એને આપણા લોકો બુદ્ધિશાળી માને છે. નથી એ બુદ્ધિ ! બુદ્ધિ તો હંમેશા નિર્ણય જ કર્યા કરે. તરત નિર્ણય લે એને બુદ્ધિશાળી કહેવાય છતાં ટ્રીક એકંુય ના આવડતી હોય. એટલે બુદ્ધિ તો આ લોકો સમજ્યા જ નથી !! એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે બુદ્ધિનું કામ શું ? ત્યારે ડિસાઈડ કરવું. ચોક્કસ ડિસીઝન લઈ લેવું. ગમે તે જાતના પ્રશ્શનો ઊભા થાય પણ ડિસીઝન લેવું તે બુદ્ધિનું કામ અને પછી અહંકારની સહી થાય તો કાર્ય થાય.

પરીક્ષણ બુદ્ધિનું ને નિરીક્ષણ 'પોતાનું' !

પ્રશ્શનકર્તા : સારું-નરસું એનો વિવેક દેખાડે, પારખશક્તિ હોય એ બુદ્ધિ કહેવાય ?

દાદાશ્રી : હા. એટલે કંઈ આ પ્રકાશ આપે. કોઈ પણ જાતનો પ્રકાશ અને તેમાં આપણે પારખી શકીએ, તો એ બુદ્ધિ કહેવાય અને જે આપણને ડિસાઈડ કરવાનું શીખવે, બુદ્ધિ ડિસીઝન આપે. પણ પારખ થાય તો ડિસીઝન આપેને ? પારખ્યા વગર શી રીતે ડિસીઝન આપે ? ત્યારે બુદ્ધિની આગળ પ્રકાશનું બીજું હથિયાર કોઈ હશે ખરું ?

પ્રશ્શનકર્તા : હોય ને ! આ મનુષ્ય જન્મની જો મોટામાં મોટી દેણ હોય તો આ નિરીક્ષણ શક્તિ જ છે ને ?

દાદાશ્રી : હા, બીજા કોઈનામાં એ નથી.

પ્રશ્શનકર્તા : નિરીક્ષણમાં બુદ્ધિ નથી ?

દાદાશ્રી : ના. નિરીક્ષણમાં બુદ્ધિ નથી. પરીક્ષણમાં બુદ્ધિ છે. નિરીક્ષણ તો બહુ ઊંચું કહેવાય.

પ્રશ્શનકર્તા : એમાં જે સમજ છે તે જ અક્રમ સમજ કહેવાય ને ?

દાદાશ્રી : હા, તે જ અક્રમ સમજ કહેવાય. પરીક્ષણને આમાં લેવા-દેવા નહીં. પરીક્ષણ તો આ જગતમાં શક્તિઓ છે ને, એ પરીક્ષણ શક્તિઓ છે.

આપણામાં નિરીક્ષણ શક્તિ છે. પરીક્ષણ શક્તિ તો બધે જ્યાં ને ત્યાં વપરાયા કરવાની ને ! પરીક્ષણમાં બુદ્ધિ વપરાયા કરે. હમણે દૂધી લેવા ગયા હોય ને, તો દૂધીને નખ માર માર કરે, પરીક્ષા કરે અને પછી કહેશે, ઘૈડી છે. બીજું કશું અંદર કાપીને જોતો નથી. નખ મારીને જુએ ને કહેશે, ઘૈડી છે. એવું કહે કે ના કહે ? શાથી ?

પ્રશ્શનકર્તા : એ નિરીક્ષણ પરીક્ષણમાં પરિણમ્યું?

દાદાશ્રી : ના, નિરીક્ષણ તો આમાં આવતું જ નથી. આ તો પરીક્ષણ કરે છે. ભીંડા આમ કરીને ડીંટા તોડે, ઘૈડા છે, પરીક્ષણ કરે. નિરીક્ષણ શબ્દ બહુ ઊંચો છે.

બુદ્ધિ, હંમેશા ઈમોશનલ કરનારી જ !

હવે હું જે તમારી જોડે વાત કરું છું ને એ બુદ્ધિના અભાવવાળો માણસ છું અને તમે બુદ્ધિશાળી છો. બેનો મેળ શી રીતે પડે તે ?

રાત્રે તમને બુદ્ધિએ કંઈક દેખાડ્યું કે ફલાણાં માણસે મારું નુકસાન કર્યું છે એવું દેખાડ્યું કે એની સાથે તમે ઈમોશનલ(ચંચળ) થઈ જાવ. બુદ્ધિ જંપીને બેસવા ના દે.

બુદ્ધિ ઈમોશનલ કરે કે ના કરે ? તમારે કોઈની જોડે લઢવાનું બને કે ? તમારે લઢવાનું નહીં ને કોઈ જોડે ?

પ્રશ્શનકર્તા : ઈમોશનલ હોય તો લઢવાનું થાય.

દાદાશ્રી : હા, ઈમોશનલ જ હોય બધું. જગત બધું ઈમોશનલ જ હોય. છંછેડે કે ઈમોશનલ થઈ જાય. મોટા મોટા આચાર્યો છે ને, આપણે કહીએ કે તમારામાં અક્કલ નથી. તો એ પેલા ફેણ માંડે કે ના માંડે ? ફેણ માંડે તે જોયેલી ? એ ઈમોશનલ થઈ જાય બિચારાં.

મોશન (સહજ)માં રહે અને ઈમોશનલ થાય એમાં ફેર નહીં ? શું ફેર ?

પ્રશ્શનકર્તા : ઈમોશનલમાં માણસને અસર થાય.

દાદાશ્રી : શું અસર થાય એને ?

પ્રશ્શનકર્તા : સુખ-દુઃખની અસર થાય.

દાદાશ્રી : તે બુદ્ધિ ઈમોશનલ કરે. આ જાનવરો બધા મોશનમાં રહેવાનાં. ઈમોશનલ નહીં થવાનાં. ઈમોશનલ આ મનુષ્યો જ થાય છે. આ જેમ ટ્રેઈન છે એ મોશનમાં રહે છે. તે ઈમોશનલ થાય તો શું થાય ? આમ કૂદતી કૂદતી જાય તો શું થાય ?

પ્રશ્શનકર્તા : એક્સિડન્ટ થાય.

દાદાશ્રી : તેમાં બેસનારાં ને મઝા આવી જાય ને ?! મહીં બેઠેલાં બધાં રમકડાં તૂટી જ જાય ને ! જેમ ગાડીમાં પેલા માણસો મરી જાય એવું આ શરીરમાં નાની જીવાત પાર વગરની છે, તે આ ઈમોશનલ થવાથી શરીરમાં લાખ્ખો જીવો મહીં ખલાસ થઈ જાય છે. ઘણા દોષ બેસે. અને પછી કહેશે, હું અહિંસક છું. જીવડાં મારતો જ નથી, હિંસા તો મેં કરી જ નથી ! મેર ચક્કર, આખો દા'ડો હિંસા જ થયા કરે છે ! આ નર્યા જીવો જ મરી રહ્યાં છે. મહીં નરી જીવાત જ ભરેલી છે. તે ઈમોશનલ થાવ ત્યારે લાખો જીવોની હિંસાની જોખમદારી તમારે માથે આવે છે અને એ જોખમદારી ભોગવ્યે જ છૂટકો એવી જોખમદારી છે આ. એ ઊડી જાય એવી જોખમદારી નથી આ. પણ એ તો કુદરતી રીતે જ બધાંને હોય. જેમ પરણેલાં માણસને જોખમદારી ભોગવવી પડે છે, એમનાથી લાખો જીવોનું નુકસાન જ થાય છે ને ! એવી આ એક જોખમદારી છે અને તેનાં પાપ લાગે છે ને પાછી ફરજિયાત છે. એ ખબરે ય નથી કે કેટલાં પાપ થઈ રહ્યાં છે ! તે ઘડીએ ભયંકર પાપો બાંધે છે પણ એનું ભાન નથી. અજાણ્યે બાંધે છે પણ અજાણ્યાનું પાપે ય છોડતું નથી ને જાણીને બાંધે છે તેનું ય પાપે ય છોડતું નથી. અજાણ્યાનાં અજાણ્યાની રીતે ભોગવવા પડશે અને જાણેલાંનાં જાણીને ભોગવવા પડશે.

પ્રશ્શનકર્તા : ઈમોશનલમાં જીવાત કેવી રીતે મરી જાય ?

દાદાશ્રી : જે ગાડી કૂદતી કૂદતી ચાલે ને ઈમોશનલમાં, એવી રીતે આખા શરીરમાં બધા અવયવો ધ્રૂજી ઊઠે, ઈમોશનલ થાય તે વખતે, તે કેટલાંય જીવો મહીં મરી જાય છે. આમ સહજમાં એકુંય જીવ ના મરે. અત્યારે કશુંય ના થાય. પેલી પાર વગરની હિંસા છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિથી ઈમોશનલ વધે છે ?

દાદાશ્રી : બુદ્ધિ, ઈમોશનલ સ્વભાવની જ છે. એનો સ્વભાવ જ ઈમોશનલ છે અને જ્ઞાન ઈમોશનલ ના કરે, મોશનમાં રાખે.

તમારો ફ્રેન્ડ તમારી આગળ ચાલતો હોય ને એનાં ગજવામાંથી પૈસા પડતા હોય, તો તમે પાછળથી શું કરો, જોવામાં આવે કે તરત ? હેય, હેય, હેય તારા ગજવામાંથી....! અમને તો જ્ઞાન, તે જોયા કરીએ. છેટે રહીને બૂમ પાડીએ કે ભાઈ, તમારાં ગજવામાંથી પૈસા પડે છે. અમે દોડીને ઝાલી ના લઈએ અને બુદ્ધિ ઈમોશનલ કરે.

જ્ઞાન શું કહે છે ? મોશનમાં રહો ઈમોશનલ ના થાવ. બધું મોશનમાં જ શોભે. ઈમોશનલ થયું કે નકામું. ઈમોશનલ બહુ નુકસાનકર્તા છે. જે બુદ્ધિ પોતાનું નુકસાન કરે છે એ બુદ્ધિને માટે વાંધો કહું છું. જે બુદ્ધિ ઈમોશનલ કરાવે છે, મોશનમાં રહેવા દેતી નથી, મોશનમાંથી ઈમોશનલમાં લઈ જાય છે. એ બુદ્ધિને માટે કહું છું.

આપણે એમને પૂછયું હોય પહેલેથી કે ક્યાં જાવ છો ? ત્યારે કહે, 'નાટક જોવા'. ત્યારે નાટકનો અર્થ જ ન ટકે એનું નામ નાટક. અરે, એ તો તું જાણતો હતો, તો ય છે તે ત્યાં આગળ આવું આટલો બધો ઈમોશનલ થઈ ગયો ?! અને ઈમોશનલ થયો તો એને પૂછવું અંદર ખાનગીમાં જઈને કે હે ભર્તૃહરી ! તમે સાચું રડતા હતા ? ત્યારે એ કહે, 'ના ભઈ, જો અભિનય ના કરું તો મારો પગાર કાપી લે !' એટલે ચાર જણા ભાગી ગયા તે હજુ પાછા નથી આવ્યા. બાકી ઈમોશનલ થવા જેવું જગત જ નથી. ઈમોશનલ થઈ જવું એ આ મન-વચન-કાયાનો સ્વભાવ છે. પણ આપણે શું કરવું કે મોશનમાં રહેવું, તેમ પ્રયત્ન કરવો. આ મન-વચન-કાયાનો સ્વભાવ શું છે ? ઈમોશનલપણું. અને આપણી શું ખેંચ છે ? મોશનમાં રાખવું. એટલે નોર્માલિટી આવી જશે. અને આ તો એ ય ઈમોશનલ ને આપણે ય ઈમોશનલ થયા, તો શું થાય પછી ? ગાડી નીચે પડતું નાખે.

સાપ રૂમમાં પેઠાનું પેલા લોકોને જ્ઞાન નથી તેથી તેમને ઊંઘ આવે છે અને તમને સાપ પેઠાનું જ્ઞાન થયું છે, તે ક્યારે ઊંઘ આવે તમને ? સાપ નીકળ્યાનું પાછું જ્ઞાન થાય ત્યારે. આ ક્યારે પાર આવે ? સાપ નીકળે ક્યારે ને ઊંઘે ક્યારે ? એટલે આ બધું તેથી ઈમોશનલ થઈ જાય છે. એટલે આ બુદ્ધિ ઈમોશનલ કરે છે. અહમ્ તો નથી કરતો. અહમ્ તો બિચારો સારો છે આ બુદ્ધિના બધાં કારસ્તાન છે. તમારે વકીલોમાં બુદ્ધિ ઓછી હોય ને જરા ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિનો વધુ પડતો ઉપયોગ થયો હોય એટલે એવું થાય.

દાદાશ્રી : એ બુદ્ધિ હેરાન કરે છે બધું. ઈમોશનલ એ જ કરે છે. એ બુદ્ધિ હોય ને એ ઉદ્વેગ લાવે. અલ્યા ભાઈ, વેગમાંથી ઉદ્વેગમાં શું કરવા લાવ્યા ?

જ્ઞાની 'હર પલ' મોશનમાં જ !

પ્રશ્શનકર્તા : ઈમોશનલ ના થવાય એના માટે શું કરવું ?

દાદાશ્રી : તમને નથી ગમતું ઈમોશનલ થવાનું ?

પ્રશ્શનકર્તા : કોઈને ના ગમે પણ થઈ જવાય.

દાદાશ્રી : કોઈને ના ગમે, નહીં ? તમારે મોશનમાં આવવાની ઇચ્છા ખરી ?

હવે મોશનમાં ક્યારે રહેવાય કે બુદ્ધિ જાય ત્યારે મોશનમાં રહેવાય. ત્યાં સુધી મોશનમાં રહેવાતું નથી. બુદ્ધિ ઈમોશનલ કર્યા વગર રહે નહીં, ઈમોશનલ કરે જ ને ! બુદ્ધિવાળા ઈમોશનલ હોય.

હવે તમે મારી જોડે સત્સંગમાં બેસો તો તમારી જે આ બુદ્ધિ છે ને, તે વિપરીત બુદ્ધિ છે, તે સમ્યક્ થાય. તમે મારી જોડે બેસો, વાત સાંભળ સાંભળ કરો તો આની આ જ બુદ્ધિ ફેરફાર થઈ જાય. સમ્યક્ થાય અને સમ્યક્ થઈ એટલે પછી ઈમોશનલ ના કરે. અને અમારામાં તો બુદ્ધિ નહીં ને ! બુદ્ધિ હોય તો ઈમોશનલ કરે ને ?

અમે ઘડીવારેય ઈમોશનલ ના થઈએ. ચોવીસ કલાકમાં કોઈ ક્ષણ અમે ઈમોશનલ ના થઈએ. આ નિરંતર ચોવીસ કલાક જોડે રહે, પણ ઈમોશનલ નહીં જુએ. અમે કાયમ મોશનમાં હોઈએ. એટલે જ્યારે તમારે ફોટા લેવા હોય ને, ગમે ત્યારે અમે સંડાસમાં બેઠાં હોય તો ફોટો એવો ને એવો જ આવે. ખાતાં હોય, તો ય એવો ફોટો આવે. કો'કની જોડે લઢીએને તો ય ફોટો એવો આવે. કારણ કે મોશનમાં હોઈએ. ઈમોશનલી બુદ્ધિ નહીં ને ! અમારી બુદ્ધિ તો ખલાસ થઈ ગયેલી.

બુદ્ધિ, સેન્સિટિવ કરાવે !

બુદ્ધિ એ સેન્સિટિવ (ચંચળ) કરનારી છે. તને સેન્સિટિવ કરે છે કે નહીં કરતું ? આખા જગતને સેન્સિટિવ કરે. બુદ્ધિ શું કરે ? સેન્સિટિવ કરે. સેન્સિટિવનેસ તેં જોયેલી ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : સેન્સિટિવનેસ એટલે ?

પ્રશ્શનકર્તા : વીકનેસ ઓફ માઈન્ડ (મનની નબળાઈ).

દાદાશ્રી : વીકનેસ ઓફ માઈન્ડ નથી એ. માઈન્ડની વીકનેસ નથી એ. એ સેન્સની વીકનેસ છે. એ બુદ્ધિની વીકનેસ છે. એ વીકનેસ સેન્સિટિવ બનાવે. તે રઘવાયો રઘવાયો રઘવાયો થઈ જાય ને કશું ભાન ના રહે.

પ્રશ્શનકર્તા : આ સેન્સિટિવ એ જ ઈમોશનલ ?

દાદાશ્રી : એ ઈમોશનલ બધા. બધું એના જ પર્યાયો છે. પણ શબ્દ જુદા છે ને, એટલે એનાં પર્યાયમાં થોડો ફેર હોય પણ મૂળ ત્યાં જ જાય. સ્થૂળ અર્થમાં ત્યાં જ જાય અને સેન્સિટિવ સ્વભાવ કોઈ દહાડો સ્થિર ના થવા દે. અકળામણમાં ને અકળામણમાં રાખે. મોક્ષમાં ના જવા દે અને બુદ્ધિ જેમ જેમ ઓછી થાય તેમ નિરાકુળતા આવતી જાય, અકળામણ ઓછી થતી જાય.

એ નથી આત્માનું અંગ !

પ્રશ્શનકર્તા : આ ખાલી સમજવા જ પૂછું છું, કે આ બુદ્ધિને આ બધું જે છે, એ આત્માનું જ એક અંગ નથી ?

દાદાશ્રી : ન હોય. આત્માનું અંગ નથી. બુદ્ધિ અને આત્મા બે જુદી વસ્તુ છે. બુદ્ધિ હંમેશાય ઈગોઈઝમ (અહંકાર) વાળી હોય અને જ્ઞાન નિર્અહંકારી હોય.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ અને જ્ઞાન વચ્ચે સંવાદ ના થાય ?

દાદાશ્રી : જ્ઞાન હોતું જ નથી. જ્યાં બુદ્ધિ હોય ત્યાં જ્ઞાન હોતું જ નથી.

બુદ્ધિ ને જ્ઞાનમાં કંઈ ભેદ હશે ખરો ?

પ્રશ્શનકર્તા : ખરો.

દાદાશ્રી : શો ભેદ ?

પ્રશ્શનકર્તા : શબ્દમાં તો ફેર છે જ.

દાદાશ્રી : શબ્દમાં તો ફેર ઉઘાડો જ દેખાય છે. એ તો બધા સમજી ગયા પણ આમાં મૂળ શું ભેદ હશે ?

પ્રશ્શનકર્તા : આપ સમજાવો.

દાદાશ્રી : હવે બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ (પરોક્ષ) નોલેજ (જ્ઞાન) છે, ઇન્ડિરેક્ટ લાઈટ છે અને જ્ઞાન એ ડિરેક્ટ (પ્રત્યક્ષ) લાઈટ (પ્રકાશ) છે. એટલે જગત ઈન્ડિરેક્ટ પ્રકાશથી જ જીવે છે અને અમારે ડિરેક્ટ પ્રકાશ હોય. અને તમારે જ્ઞાનનો પ્રકાશ નથી, બુદ્ધિનો પ્રકાશ છે એટલે તમને ભેદ હોય કે આ આટલું અમારું ને આ એમનું અને તમારે તમારી જગ્યામાં ટ્રેનમાં બરોબર બેસી ગયા હોય તો ય તમે પેલાને કહેશો કે, 'ભઈ, આ જગ્યા મારી છે.'

ડિરેક્ટ અને ઈન્ડિરેક્ટ પ્રકાશ...

જ્ઞાનનો પ્રકાશ અને બુદ્ધિનો પ્રકાશ એમાં ફેર શું હશે ? બુદ્ધિ અને જ્ઞાન એનો ડિફરન્સ (તફાવત) હવે હું આપું. બુદ્ધિ અને જ્ઞાનનો ડિફરન્સ અત્યાર સુધી અપાયો જ નથી, કોઈ વખતે ય. કોઈ શાસ્ત્રમાં કોઈ શબ્દમાં અપાયું જ નથી. બુદ્ધિ અને જ્ઞાન જુદાં છે, એવું ય કોઈએ કહ્યું નથી. આ તમને વાત કરું. મારામાં બુદ્ધિ જરાય નથી.

પ્રશ્શનકર્તા : તો આપને બુદ્ધિ કરતાં જ્ઞાન વધુ છે એમ ?

દાદાશ્રી : એવું છે, બુદ્ધિ અને જ્ઞાનમાં ફેર ખરો કે નહીં ?

પ્રશ્શનકર્તા : હા, ફેર.

દાદાશ્રી : એ ફેર તને શી રીતે સમજાય છે ? કેટલો ફેર હશે ? આમાં ડિફરન્સ કેટલો ? બુદ્ધિ બાર આની હશે ને જ્ઞાન સોળ આની હશે, ચાર આનાનો ડિફરન્સ હશે ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિ તો જ્ઞાનની કક્ષાએ ન પહોંચી શકે ને ?

દાદાશ્રી : એવું છે ને, કે બુદ્ધિ શું છે એ તને સમજાવું. જ્ઞાન અને બુદ્ધિ બેનાં સ્વભાવમાં જ ડિફરન્સ છે. જેમ સોનું અને પિત્તળ - બે જુદું હોય ને ? પિત્તળ છે તે સોના જેવું દેખાય પણ છતાં ગુણધર્મમાં ફેર હોય એવી રીતે બુદ્ધિની વ્યાખ્યા આપું તને ! બુદ્ધિની વ્યાખ્યા તે સાંભળી જ નહીં હોય કોઈ દહાડો ય ! કેટલા ભાગને બુદ્ધિ કહેવી અને કેટલા ભાગને જ્ઞાન કહેવું તેની વ્યાખ્યા આપું.

જ્યાં કંઈ પણ બુદ્ધિ છે ત્યાં તમને 'ડાર્કનેસ' (અંધારું) લાગે. કારણ કે જ્ઞાન એ પ્રકાશ છે. ડિરેક્ટ પ્રકાશ છે અને આ બુદ્ધિ એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે.

પ્રશ્શનકર્તા : એટલે બુદ્ધિ તો ખાડામાં નાખે.

દાદાશ્રી : હા, ખાડામાં નાખે. કારણ કે એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે ને સાચો પ્રકાશ નથી !

બુદ્ધિ એ પ્રકાશ છે, એ કંઈ ગપ્પું નથી. બુદ્ધિના પ્રકાશથી જ તો બધું જગત ચાલી રહ્યું છે. જ્ઞાનપ્રકાશથી જગત ચલાવવાની જરૂર હોય નહીં. બે પ્રકાશમાં ફેર છે !

પ્રશ્શનકર્તા : બુદ્ધિ અને જ્ઞાનપ્રકાશ એ બેમાં શો ફેર છે ?

દાદાશ્રી : બહુ ફેર ! બુદ્ધિનો પ્રકાશ એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે, એ ડિરેક્ટ પ્રકાશ નથી અને જ્ઞાનપ્રકાશ એ ડિરેક્ટ પ્રકાશ છે તો કયું સારું ?

પ્રશ્શનકર્તા : ડિરેક્ટ સારું.

દાદાશ્રી : ડિરેક્ટ સારું ને ? હવે પણ જ્ઞાનની ને બુદ્ધિની ડેફિનેશન (વ્યાખ્યા) કહીશ ! વોટ ઈઝ ધી ટ્રુ (સાચી) ડેફિનેશન ?

પ્રશ્શનકર્તા : એની ડેફિનેશન નથી આપી શકાતી.

દાદાશ્રી : બુદ્ધિની વાત જવા દો, પણ એક બહારનો આપણે દાખલો સમજાવવો હોય, સિમિલિ, તો ઈન્ડિરેક્ટ પ્રકાશ જોયેલો તેં ? ક્યાં જોયેલો ?

પ્રશ્શનકર્તા : આ ટ્યુબલાઈટ છે, એ બધો.

દાદાશ્રી : ટ્યુબલાઈટ એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે ? ના. આ ટ્યુબલાઈટ છે અને અહીં પ્રકાશ પડે છે એ ડિરેક્ટ જ છે ને !

આ બુદ્ધિ અને જ્ઞાનની હું તમને ડેફિનેશન આપું. આ સૂર્યનારાયણનું અજવાળું એક મોટો જબરજસ્ત અરીસો હોય એની ઉપર પડે, તો એ ડાયરેક્ટ લાઈટ કહેવાય. અને અરીસો જરા ત્રાંસો આમ ડિગ્રીમાં રાખ્યો હોય તો એનું અજવાળું જે રસોડામાં પડે એ કેવું લાઈટ કહેવાય ? ઈનડિરેક્ટ લાઈટ. એ ય સૂર્યનું અજવાળું જ છે, પણ ઇનડિરેક્ટ લાઈટ છે. ડાયરેક્ટ લાઈટ ન હોય એ. બને એવું ? અને એનાથી રસોડામાં કામ કરી શકાય ખરું ? આનું અજવાળું પડે એટલે રસોડામાં લાભ થાય ખરો ? કેમ ? એવી રીતે આ જગતના બધા મનુષ્યો ઈન્ડિરેક્ટ પ્રકાશથી ચાલી રહ્યાં છે. હવે પ્રકાશ તો આત્માનો જ છે પણ પેલામાં અરીસો હતો અને આમાં શું હશે ?

પ્રશ્શનકર્તા : આત્માનો ભાવ ?

દાદાશ્રી : ના. આમાં ઈગોઈઝમ છે. ઈન્ડિરેક્ટ પ્રકાશ એટલે શું ? આત્માનો પ્રકાશ આમ પડે છે, તે અહંકારની થ્રુ આવે છે. આ બાજુ આત્મા, વચ્ચે અહંકાર અને અહંકારની થ્રુ જે આ બાજુનો પ્રકાશ પડે, એ બધો જ છે તે બુદ્ધિ અને વચ્ચે અમારે અહંકાર ખલાસ થઈ ગયેલો હોય એટલે પછી આમ સીધો પ્રકાશ જ પડે, એ જ્ઞાન !

રંગ, જેવો માધ્યમનો, તેવો પ્રકાશનો !

પ્રશ્શનકર્તા : બધામાં બુદ્ધિ વધતી-ઓછી કેમ હોય છે ? એકસરખી કેમ નથી ?

દાદાશ્રી : કર્મના આધારે અહંકાર હોય અને અહંકાર થ્રુ આ આત્માનો પ્રકાશ આવે એટલે બુદ્ધિ અહંકારના જેવી હોય. અહંકાર એવી બુદ્ધિ.

પ્રશ્શનકર્તા : એટલે એનો અર્થ એ થયો ને કે અહંકાર અને પૂર્વકર્મ, એ બન્ને ત્યાં આગળ એક થયું ને ?

દાદાશ્રી : અહંકાર એટલે પોતાની મિલ્કત કહેવાય. બધી કમાણી હોય ને, તે અહંકારમાં આવે. અનંત અવતારની જે કમાણી છે, કે ખોટ છે, તે અહંકારની અંદર આવે. તે લાઈટ પેલું અહંકારના થ્રુ મળ્યા કરે. બહુ સારી પુણ્યૈ હોય ત્યારે બુદ્ધિ બહુ ઊંચી હોય. તે અહંકારના થ્રુ (દ્વારા) આવે છે. અહંકાર મિડિયમ (માધ્યમ) છે. જીવમાત્રને ઈગોઈઝમ જુદાં જુદાં હોય એટલે એ પ્રકાશે ય જુદો જુદો હોય. જેટલી કેપેસિટી (ક્ષમતા) ઈગોઈઝમની, એટલી પ્રકાશની કેપેસિટી. જ્ઞાન તો એ ઓછુ-વત્તું થાય એવી વસ્તુ નથી અને સ્વયં પ્રકાશ છે, એન્ડ (અંત) જ ના આવે એવી વસ્તુ છે.

પ્રશ્શનકર્તા : અહંકાર ઓછો-વધતો હોય એ પ્રમાણે બુદ્ધિ ઓછી-વધતી હોય.

દાદાશ્રી : જેવો અહંકાર તેવી બુદ્ધિ. જ્યારે જ્ઞાન એ આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે. અહંકારના મિડિયમ થ્રુ નીકળે છે, એ બુદ્ધિ. અહંકાર ગાંડો હોય તો બુદ્ધિ ય ગાંડી હોય. અહંકાર ડાહ્યો હોય તો બુદ્ધિ ય ડાહી હોય.

પ્રશ્શનકર્તા : અહંકાર ડાહ્યો હોઈ શકે ખરો ?

દાદાશ્રી : ડાહ્યો એટલે બધી રીતે આમ, કોઈને ય નુકસાન ના કરે, કોઈને દુઃખ ના દે, એને આપણે ડાહ્યો જ કહીએ ને ! તે બુદ્ધિ પણ ડાહી હોય.

અહંકાર જો જાડો હોય તો બુદ્ધિ જાડી હોય. અહંકાર પાતળો હોય તો બુદ્ધિ પાતળી હોય. તલવારની ધાર જેવો ઈગોઈઝમ હોય ત્યારે એવી સૂક્ષ્મ બુદ્ધિ હોય. અહંકાર લુચ્ચો હોય તો બુદ્ધિ લુચ્ચી હોય. અહંકાર ચોર હોય તો ચોર બુદ્ધિ હોય. જેવો જેવો અહંકાર એવું એની થ્રુ આવે, એટલે બધું એ પ્રમાણે અજવાળું એવું જ હોય.

જેટલું ઈગોઈઝમ ચોખ્ખું, એટલો એ પ્રકાશ ચોખ્ખો. ઈગોઈઝમ જેટલું મેલું એટલો પ્રકાશ મેલો. એ વાત તમને સમજાય એવી લાગે છે, થોડીઘણી ?

પ્રશ્શનકર્તા : અહમ્ તો મેલો જ હોય છે ને ?

દાદાશ્રી : હા. તે અહમ્, જેટલો એ નોર્માલિટીથી એક્સેસ (વધારે પડતો) હોય ને, એ બધો મેલ કહેવાય. એની નોર્માલિટી હોય.

દરેકની બુદ્ધિ જુદી જુદી હોય છે ને ! એ અહંકારે ય જુદો જુદો હોય છે. પણ જો નિર્મળ અહંકાર હોય ને તો બુદ્ધિ બહુ સુંદર હોય.

અહંકાર ના હોય તો બુદ્ધિ ના હોય. તો શી રીતે ગાડું ચલાવો ? એટલે અહંકાર બધાને હોય જ. પણ અહંકાર કેટલાંકને ચોખ્ખો હોય, કોઈને મેલો હોય, ગોટાળીયો હોય. તે પ્રમાણે પેલું લાઈટ પડ્યા કરે.

જેવી બુદ્ધિ તેવો માણસ ગણાય !

પ્રશ્શનકર્તા : બર્નાડ રસેલે કહ્યું કે આ બુદ્ધિ જે છે, એ સારા માણસ પાસે એનો સારો ઉપયોગ થાય છે અને ખરાબ માણસ પાસે એનો ખરાબ ઉપયોગ થાય છે. બુદ્ધિ પોતે ન્યૂટ્રલ છે આમાં. એટલે મુખ્ય વસ્તુ સારાપણાનું છે.

દાદાશ્રી : એવું નથી. બુદ્ધિ ખરાબ છે એ માણસ જ ખરાબ છે. એટલે એના આધારે આ બુદ્ધિ નથી પણ બુદ્ધિના આધારે માણસ છે. એટલે તમારે આ બુદ્ધિ જોઈ લેવી એટલે તમે એની માટે નક્કી કરી શકો કે આ ખરાબ માણસ છે. એણે શું કહ્યું હતું ? સારા માણસના આધારે બુદ્ધિ સારી છે એમની. ના, બુદ્ધિ સારી છે માટે સારો માણસ છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ તો બધામાં તટસ્થ ભાવે રહેલી છે. એક માણસ ગુનો કરે છે અને એક માણસ સારું કાર્ય કરે છે, બુદ્ધિ બન્નેમાં સરખી જ છે. નૈતિકતા ઊંચી કે નીચી છે.

દાદાશ્રી : એવું કશું નથી. બુદ્ધિ સરખી હોઈ શકે નહીં. આ દુનિયામાં કોઈ માણસ એવો જન્મયો નથી કે બુદ્ધિ સરખી હોય. બુદ્ધિ એ ઈગોઈઝમના થ્રુ આવે છે. તે જેવો ઈગોઈઝમ હોય તેવી બુદ્ધિ હોય. બુદ્ધિ વધતે-ઓછે અંશે હોય. બુદ્ધિ વધવાનું સાધન શું ? જેટલું અહિંસાત્મક વલણ એટલી બુદ્ધિ ઊંચી જાય. બાકી બુદ્ધિ સરખી ના હોય. બુદ્ધિ તો આ ગાયો ભેંસો પોતાનો વ્યવહાર કરે છે ને, તે સારો વ્યવહાર કરે છે. તે આ મનુષ્યોને એટલો વ્યવહાર આવડતો નથી. ગાયો-ભેંસોમાં જમાઈ હોય, સસરા હોય, બધુંય હોય પણ એ વ્યવહારમાં કોઈ ઝઘડાં નહિ અને આમને ઝઘડાં. ત્યાં ડાયવોર્સ નહિ લેવા પડતા ને અહીં ડાયવોર્સ લેવા પડે છે. કારણ કે ભ્રમિત થયેલી બુદ્ધિ છે. એમની લિમિટેડ (સિમિત) બુદ્ધિ છે, બિચારાંની !

અહંકારના માધ્યમ દ્વારા પ્રકાશ !

પ્રશ્શનકર્તા : એટલે બુદ્ધિ અને અહંકાર એ એક બીજાની સાથે સંકળાયેલા છે.

દાદાશ્રી : હા, એ હોય તો આ હોય ને આ ના હોય તો એ ના હોય, તો બેઉ ઊડી જાય.

એટલે એની બુદ્ધિ ઉપરથી માણસનો અહંકાર બધો ખોળી કાઢે કે અહંકાર એનો કેવો છે ! એનું આમ ડ્રોઈંગ થાય.

પ્રશ્શનકર્તા : અહંકાર બુદ્ધિને લઈને ઊભો હોય છે ને ?

દાદાશ્રી : અહંકારને લીધે બુદ્ધિ છે. અહંકાર ના હોય તો બુદ્ધિ ના હોય.

પ્રશ્શનકર્તા : પણ અહંકારથી દૂર ના કરે એ ?

દાદાશ્રી : અહંકારમાંથી ક્યારેય પણ દૂર ન કરે.

પ્રશ્શનકર્તા : અહંકારમાં ઊંડા ઉતારે ?

દાદાશ્રી : હા. અહંકારમાં જ ઊંડા ઉતારે. બસ, એનો ધંધો જ એ. અહંકારમાં ઊંડા ઉતારવું એ એનો ધંધો.

પ્રશ્શનકર્તા : પણ અહંકારને લાવનારી બુદ્ધિ છે ને ?

દાદાશ્રી : ના. અહંકાર ઊભો થયેલો છે, તેમાંથી બુદ્ધિ ઊભી થયેલી છે. અહંકાર ઊભો થયો ને, તે આત્માનું લાઈટ તો આમ આવતું હતું, તેમાં અહંકાર ઊભો થયો, એટલે વચ્ચે આડ થઈ. આડમાં લાઈટ આવ્યું તેને બુદ્ધિ કહેવાય. ઈન્ડિરેક્ટ પ્રકાશમાં બધી ભૂલો થયા કરે. પણ અજવાળું ખરું-ખોટું ના કહેવાય. પણ એ અહંકાર થ્રુ કહેવાય. એનું મિડિયમ અહંકાર છે અને બુદ્ધિ હોય ત્યાં અહંકાર હોય જ.

પ્રશ્શનકર્તા : એટલે અરીસો એ અહંકાર થયો?

દાદાશ્રી : અરીસો એ અહંકાર થયો.

પ્રશ્શનકર્તા : પ્રકાશ તો, આત્માનો પ્રકાશ આવે, એ જ પ્રકાશ થયો ને ?

દાદાશ્રી : પ્રકાશ તો આત્માનો અરીસામાં પડ્યો અને અરીસાએ પછી પ્રકાશ ફેંક્યો. એટલે મિડિયમ થ્રુ થયું. એટલે આવરણવાળો થયો. એનો ડિરેક્ટ પ્રકાશ આવરણવાળો છે જ નહીં. આટલો પ્રકાશ લાધે ને, તો બહુ થઈ ગયું.

આપણે જ્ઞાન આપીએ છીએ, તે આટલો પ્રકાશ લાધે છે તે શું નું શું કરી નાખે છે ! પ્રકાશ તો થોડો જ લાધે છે. એકદમ ના લાધે. જેટલાં પાપ ધોવાયને એટલો લાધે.

પ્રશ્શનકર્તા : પ્રકાશ થોડો હોય પણ પછી વધતો જાયને ?

દાદાશ્રી : વધતો જાય. એ બીજ થયેલી હોય પછી ત્રીજ થાય, ચોથ થાય, પૂનમ થાય, દહાડે દહાડે પછી જેવો જેવો પુરુષાર્થ. પુરુષાર્થ મંદ હોય ત્યારે પ્રકાશે ય તેવો ! પુરુષાર્થ તો જોઈએ ને ?

અહંકાર ખલાસ થયે પરમાત્મા !

ડિરેક્ટ પ્રકાશનો જ્યારે ખેલ થાય ને, બધું કામ થઈ ગયું. પોતે પરમાત્મા થઈ જાય. પોતે આત્માને જાણે ને, ત્યારે પોતે પરમાત્મા થઈ જાય. જ્યારે અહંકાર ખલાસ થઈ જાય ત્યારે પરમાત્મા થઈ જાય. અહંકારને લઈને તો મનુષ્ય તરીકે રહ્યો છે જીવાત્મા અને અહંકાર હોય ત્યાં સુધી આવરણ. અહંકાર ના હોય ત્યારે બુદ્ધિ ય ના હોય જોડે જોડે. એ બેને સંબંધ છે. એક હોય તો બીજું હોય ને બીજું હોય તો એક હોય. અહંકાર ને બુદ્ધિનો સંબંધ છે. એટલે અમારે અહંકાર જતો રહ્યો. તે દહાડે બુદ્ધિ હઉ જતી રહી. એટલે અમે અબુધ કહેવાઈએ. અમારામાં બુદ્ધિ ના હોય. અમને અહંકાર બિલકુલેય નથી. એક સેન્ટ પરસેન્ટ અમને અહંકાર નહીં હોવાથી સીધો ડિરેક્ટ પ્રકાશ મળે, એ અમારું જ્ઞાન છે.

અહંકાર હોય એટલે એ લાઈટ બુદ્ધિ સ્વરૂપે હોય છે. વચ્ચે અહંકારનું મિડિયમ જ ઓગળી ગયું હોય તો જ્ઞાન હોય, જ્ઞાનપ્રકાશ હોય. એટલે અમારે અહંકારનું મિડિયમ ઓગળી ગયેલું એટલે જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ થાય. અમારો જીવતો અહંકાર, કે જે ક્રિયાકારી અહંકાર હતો તે ઓગળી ગયો. એટલે નવાં કર્મ ના ચાર્જ કરે. જૂનાં હોય તેનો એટલો અહંકાર રહ્યો, તે જૂનો ઉકેલ લાવી નાખે. એ અહંકાર નુકસાનકર્તા ના હોય. એટલે સીધું ડિરેક્ટ પ્રકાશ જ પડે. એટલે બધાં શાસ્ત્રોનો ફોડ, આ જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેનાં ફોડ ના આપી શકાય અને માંગો એ આપે. તમે જે માંગો એ બધી જ વસ્તુ આપે પણ કર્તાભાવે નહીં, નિમિત્ત ભાવે. કર્તાભાવ અમારામાં હોય નહીં ને !

પ્રશ્શનકર્તા : એ પ્રજ્ઞા કહેવાય ?

દાદાશ્રી : ના. પ્રજ્ઞાથી પણ ઉપર, એ જ્ઞાન કહેવાય ! પ્રજ્ઞા તો, એ જ્ઞાન અમે આપીએ છીએ ને એટલે પ્રજ્ઞા જ ઉત્પન્ન થાય છે આ બધાંને. એ પ્રજ્ઞા જ પછી એમને ચેતવે છે. અત્યારે ય એમને ચેતવે છે કોણ ? પ્રજ્ઞા જ ચેતવે છે !

અહંકારી જ્ઞાન, એ બુદ્ધિમાં સમાય !

ફોરેનવાળા લોકો કહે છે, અમે જે ભણ્યા આ બધું સાયન્સ એ જ્ઞાનને જ્ઞાન ના કહેવાય ? ત્યારે મેં એને સમજણ પાડી કે તમે જે ભણ્યા છો એ જ્ઞાન બુદ્ધિમાં સમાય છે. તમે બધા જ સબ્જેક્ટ(વિષય) જાણતા હોય, આખા વર્લ્ડના સબ્જેક્ટ જાણતા હોય, તો એ બુદ્ધિમાં સમાશે. ત્યારે કહે, શું કારણ ? ત્યારે મારે કહેવું પડે છે કે અહંકારી જ્ઞાનને જ બુદ્ધિ કહેવામાં આવે છે. અહંકારી જ્ઞાન છે જે તેને બુદ્ધિ કહેવામાં આવે છે. નિર્અહંકારી જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે.

એટલે અહંકારી જ્ઞાન એ ઈન્ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો. એટલે એને આખું દેખાય નહીં. પોતે કોણ છે, તે જ ના દેખાય. પોતે પોતાને દેખાય નહીં. એવું અહંકારી જ્ઞાન એ બુદ્ધિ છે !

આપણા લોકોએ બુદ્ધિને માન્ય કરેલી અને બુદ્ધિને આપણાં લોકો જ્ઞાન કહે છે. પણ બુદ્ધિ એ તો 'ઈન્ડિરેક્ટ નોલેજ' છે ! એ અહંકારી નોલેજ છે, મેં આ જાણ્યું ને આ મેં જાણ્યું, એટલે એને બુદ્ધિ કહી.

બહાર લોકોની પાસે જ્ઞાન હશે તે અહંકારી હશે કે નિર્અહંકારી ?

પ્રશ્શનકર્તા : અહંકારી.

દાદાશ્રી : એ અહંકારી જ્ઞાન એ બધી બુદ્ધિ અને એક જ સબ્જેક્ટ 'પોતે કોણ છું' એટલું જ જાણતો હોય, બીજું કશું જાણતો ના હોય, તો ય પણ એ જ્ઞાનમાં સમાય. કારણ કે નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન. જે જ્ઞાન જાણવામાં નિર્અહંકારીપણું હોય તે જ્ઞાન કહેવાય. ડિરેક્ટ જ્ઞાન ભલે થોડું હોય તો ય પણ નિર્અહંકારી હોય. પછી જેમ વધતું જાય, તેની વાત જુદી છે. પછી કેવળજ્ઞાન થાય.

પ્રશ્શનકર્તા : તો પછી નિર્અહંકારી થવા માટે પાછું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે ને ?

દાદાશ્રી : આ સમજવા માટે બુદ્ધિ હેલ્પીંગ ખરી. મારી પાસેથી વાત સમજવા માટે બુદ્ધિની જરૂર ખરી. પણ વાત સમજવા પૂરતી જ. પછી એને પોતાને જવું જ પડે. એને પોતાને ખાલી કરવું પડે. કારણ આપને સમજાયું ને, વોટ ઈઝ ધી ડિફરન્સ (તફાવત શું છે), જ્ઞાનમાં ને બુદ્ધિમાં ?

પ્રશ્શનકર્તા : હા, બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન ન આવે.

દાદાશ્રી : હા, એ વાત ખરી છે. બુદ્ધિ છે એ ખાલી કરે ત્યાર પછી એ રૂમમાં જ્ઞાન રહેવા આવે. અગર જ્ઞાન રહેવા આવે, ત્યારે બુદ્ધિ તરત પેલું ખાલી કરીને જતી રહે. એ જાણે કે હવે તો સોંપી દેવું પડશે.

પર ને સ્વ-પર પ્રકાશક !

પ્રશ્શનકર્તા : જ્ઞાની પુરુષને ડિરેક્ટ પ્રકાશ હોય છે અને ઈન્ડિરેક્ટ લાઈટ થોડું-ઘણું હોય છે.

દાદાશ્રી : ના, ઈન્ડિરેક્ટ લાઈટ બંધ જ. આવડો મોટો પ્રકાશ સીધો ડિરેક્ટ મળતો હોય, પછી પેલું ઈન્ડિરેક્ટ કોણ રાખે ? પણ તે એ સીધો પ્રકાશ ક્યારે ઉત્પન્ન થાય ? અને પેલો બુદ્ધિનો પ્રકાશ ક્યારે બંધ થાય કે જ્યારે અહંકાર ખલાસ થઈ જાય ત્યારે. અહંકારના આધારે બુદ્ધિ છે. એટલે આખા જગતની પાસે એ અહંકારની સિલ્લક હોય જ, એ સિલ્લક તો ખરી જ.

પ્રશ્શનકર્તા : હવે એ સિલ્લકના મારફતે જે પ્રકાશ આવે અને જ્ઞાની પુરુષ, સિલ્લક વગરના થઈ ગયા એનો પ્રકાશ. એ બે પ્રકાશમાં ય ફેર તો ખરો જ ને ?

દાદાશ્રી : પેલો પ્રકાશ તો પ્રકાશ જ ના કહેવાય ને ! એ તો ઈન્ડિરેક્ટ પ્રકાશ. ઈન્ડિરેક્ટ પ્રકાશ એટલે પ્રકાશ જ ના કહેવાય ને !

પ્રશ્શનકર્તા : ઈન્ડિરેક્ટ પ્રકાશ, જે પર પ્રકાશક ગુણ છે પણ તે સ્વપ્રકાશને લીધે જ છે ને !

દાદાશ્રી : એ 'લીધે' કે 'નહીં લીધે', એ જોવાનું નહીં. જે પર પ્રકાશવાળા છે, એટલે સ્વને જોઈ શકતા નથી માટે કંડમ (નકામું). એ ગ્લોબ કાઢી નાખો. આ ઈલેક્ટ્રિસિટીમાં નહીં ચાલે.

પ્રશ્શનકર્તા : જ્ઞાનની પરાકાષ્ટા આવી જાય એટલે બુદ્ધિની જરૂર નહીં.

દાદાશ્રી : એવું છે ને, અહીં આગળ મિણબત્તી સળગતી હોય. તે ક્યાં સુધી ચાલુ રાખીએ આપણે ? કે જ્યાં સુધી લાઈટ થઈ નથી ત્યાં સુધી અને લાઈટ થાય ત્યારે ? મિણબત્તી સળગતી રાખીએ, એ ભૂલ ખરી કે નહીં ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : પછી મિણબત્તીની જરૂર નહીં. એમ અમારે છે તે અંદર ડિરેક્ટ પ્રકાશ મળેલો એટલે અમારે બુદ્ધિ ના હોય. ઈન્ડિરેક્ટ પ્રકાશ ના હોય.

પ્રશ્શનકર્તા : આ સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, એ પોતાને આપે છે કે બીજાને આપે છે ?

દાદાશ્રી : એ બીજા લોકોને પ્રકાશ આપે છે ! અને આત્માનો પ્રકાશ તો સ્વ-પર પ્રકાશક છે, પોતાને પણ પ્રકાશ કરે છે અને પારકાંને ય પ્રકાશ કરે છે. એટલે આત્માનો પ્રકાશ બે જાતનો અને બુદ્ધિનો પ્રકાશ એક જ પ્રકારનો, પરને જ પ્રકાશ કરે છે. આ સૂર્યનો પ્રકાશ પણ પરને પ્રકાશ કરે છે. પોતાને પ્રકાશ નથી કરતા. આત્મા તો પોતાને પણ પ્રકાશ કરે અને પરને પણ પ્રકાશ કરે.

બુદ્ધિ એ પર પ્રકાશક છે. એટલે આપણે સ્વરૂપને જોવું હોય તો ના જોવા દે. પણ બીજું દેખાડે એટલે પારકી વસ્તુને દેખાડે. પોતાની કોઈ વસ્તુને ના દેખાડે અને જ્ઞાનપ્રકાશ એટલે શું ? એ સ્વ-પર પ્રકાશ છે. એટલે પોતાને અને પરને બન્નેને પ્રકાશ કરે છે. પરનું પણ જ્ઞાન અને પોતાનું પણ જ્ઞાન, સ્વ-પર પ્રકાશક છે. એ સાચું જ્ઞાન એ વિજ્ઞાન કહેવાય. એ ચેતનવંતુ હોય.

ગમ્યું તમને, આ છેલ્લું ફાઈનલ ? ફર્સ્ટ એન્ડ ફાઈનલ (પહેલો અને અંતિમ), આ છેલ્લામાં છેલ્લો જવાબ અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ અને સ્વપર પ્રકાશક છે. પોતાને ય દેખાડે અને પારકું ય દેખાય. જ્ઞેયને દેખાડે અને જ્ઞાતાને ય દેખાડે.

બુદ્ધિ સંયોગી, પોતે અસંયોગી !

જ્ઞાન એ મૂળ દ્રવ્ય છે અને બુદ્ધિ એ સંયોગી દ્રવ્ય છે. સંયોગ ભેગો થાય, ના ય થાય અગર તો સંયોગ ખસી ય જાય. એટલે બુદ્ધિ એ સંયોગી દ્રવ્ય છે.

પ્રશ્શનકર્તા : સંયોગના આધારે બુદ્ધિ તીવ્ર થતી જાય ?

દાદાશ્રી : પણ બુદ્ધિ પોતે જ સંયોગ છે. એ ભેગી થયેલી વસ્તુ છે. જ્ઞાન એ સંયોગ નથી, જ્ઞાન એ દ્રવ્ય છે અને બુદ્ધિ એ સંયોગ છે.

પ્રશ્શનકર્તા : એટલે બધાને એક જ જાતના સંયોગ હોય, પણ એકને લાઈટ ઓછું હોય તો એના પ્રમાણમાં બુદ્ધિની તીવ્રતા ઓછી રહે, એવું ?

દાદાશ્રી : એ ઓછું લાઈટ તો ઓછી બુદ્ધિ હોય ને અને લાઈટ વધારે એટલે બુદ્ધિ વધારે. બુદ્ધિ એટલે એક પ્રકારનું લાઈટ, તે પર પ્રકાશ સંયોગી પ્રકાશ. એ ક્યાં સુધી રહે કે પોતે સંયોગી હોય ત્યાં સુધી. 'ચંદુભાઈ' જોડે સંયોગ હોય ત્યાં સુધી અને આત્મા જોડે સંયોગ થયો એટલે અસંયોગી કહેવાય.

બધી સંયોગી વસ્તુ છે, એટલે બધી રિલેટીવ છે અને વિનાશી છે. એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. બુદ્ધિ પર પ્રકાશ છે. રિલેટીવ પ્રકાશ છે, રિયલ પ્રકાશ નથી. જ્ઞાન એ રિયલ પ્રકાશ છે.

બુદ્ધિની આંખે અહંકાર દેખતો !

દરેક બુદ્ધિ કંઈ ખરાબ હોતી નથી. વિપરીતતા દરેક જગ્યાએ હોતી નથી. બુદ્ધિ લોકોને અજવાળું આપે, પ્રકાશ આપે, કંઈક ઠંડક કરે.

પ્રશ્શનકર્તા : તો બુદ્ધિ સામાન્ય ભાવે ઠીક છે ?

દાદાશ્રી : એ ખોટી નથી વસ્તુ. બુદ્ધિને અહંકારથી પોઈઝન કરી નાખી છે. નહીં તો બુદ્ધિ કંઈ ખોટી વસ્તુ હોતી હશે ? પ્રકાશ છે. પર પ્રકાશ છે. તે પણ આત્માનો પર પ્રકાશ છે ને ? એટલે બુદ્ધિ કંઈ ખોટી વસ્તુ નથી. પણ એને અહંકારે કરીને પોઈઝનસ કરી નાખી છે અને જે બાબતમાં અહંકાર હોય તે બાબતમાં પ્રકાશ બિલકુલ હોય નહીં, ત્યાં આંધળો હોય. જે ખૂણામાં અહંકાર વધી ગયેલાં હોય ને ત્યાં આંધળો હોય. એ અહંકાર તો, નોર્મલ અહંકાર હોય તો તે ખૂણામાં પ્રકાશ પડે.

ઈગોઈઝમ હંમેશા આંધળો હોય. ઈગોઈઝમ દેખતો ના હોય, કોઈ દહાડોય. એને આંખ ના હોય. એનું નામ ઈગોઈઝમ. બુદ્ધિની આંખથી કો'ક દહાડો જુએ. બાકી પોતાની આંખ ના હોય. બાકી ઈગોઈઝમ તો આંધળો જ કહેવાય પોતે. આંધળાના સંગથી પાપ જ બંધાય ને !

અહંકાર સ્વભાવથી જ આંધળો !

અહંકારનો સ્વભાવ કેવો ? હું જે કરું છું એ જ સાચું છે. એ નક્કી માને. કારણ કે અહંકાર સ્વભાવથી જ આંધળો છે.

પ્રશ્શનકર્તા : એટલે પહેલેથી જ એવું માને કે હું જે કરું છું એ સાચું છે ?

દાદાશ્રી : પહેલેથી જ એવું માને છે. એ પોતે આંધળો છે, સ્વભાવથી જ આંધળો છે. પહેલેથી જ નક્કી કરીને ચાલે છે. એટલે આ આંધળો કૂટાયા જ કરે છે.

પ્રશ્શનકર્તા : પણ આંધળાની મદદે બુદ્ધિ તો હોય છે ને ?

દાદાશ્રી : બુદ્ધિ તો હોય ને ! બુદ્ધિ પણ શું કરે તે ? અહંકાર એટલે આંધળો. બુદ્ધિ પ્રકાશ આપે, પણ આંધળો પ્રકાશનો લાભ કેટલો ઉઠાવે ?

પ્રશ્શનકર્તા : પણ એ બુદ્ધિની મદદ લેને ? 'નોર્મલ કોર્સ'માંથી આગળ વધવા માટે બુદ્ધિની મદદ તો લે ને ?

દાદાશ્રી : બુદ્ધિને લીધે અહંકારને થોડું ઝાંખું દેખાય, પણ આંધળાને લાઈટ કેટલું દેખાય ? પોતે આંધળો એટલે એનાં બધાં છોકરાં એવા જ હોય ને?

ડિરેક્ટ પ્રકાશ પ્રકાશે અલૌકિકતા !

જ્ઞાન એ ડિરેક્ટ લાઈટ છે. એટલે ડિરેક્ટ લાઈટ પ્રાપ્ત થાય ત્યાર પછી અલૌકિક વાત સમજાય. ત્યાં સુધી અલૌકિક વાત સમજાય નહીં.

એટલે અમારે ઈન્ડિરેક્ટ પ્રકાશ જુદો રહ્યો અને ડિરેક્ટ પ્રકાશ થયો. એટલે અમારે જ્યાંથી ત્યાંથી બોલીએ ત્યાંથી બધું શાસ્ત્રમય જ હોય. એને પછી બીજો ફોડ ના પાડવાનો હોય.

પ્રશ્શનકર્તા : ડિરેક્ટ જ્ઞાન છે એ કેટલું જોઈ શકે ? ક્યાં સુધીનું જોઈ શકે ?

દાદાશ્રી : આ ડિરેક્ટ જ્ઞાન તો જેટલો પ્રકાશ પામે, જેટલું આવરણ ખસે ડિરેક્ટ જ્ઞાનનું, એટલું કેવળજ્ઞાન સુધી પહોંચે. એટલે આખું બધું જગત જોઈ શકે, બ્રહ્માંડ જોઈ શકે. એને તો પાર જ ના આવે ને ! ડિરેક્ટ પ્રકાશ એ તો અમારા જેવા જ્ઞાનીઓને હોય. ડિરેક્ટ પ્રકાશ એટલે બધું જોઈ શકે બધું. આ જગતમાં કોઈ ચીજ એવી નથી કે અમને ખબર ના હોય. એ ડિરેક્ટ પ્રકાશે કહેવાય. તારામાં બેઠેલા ખુદાને અમે જોઈ શકીએ છીએ ને તને તો અનુભવમાં ય ના આવે. ઘોડામાં, કૂતરામાં, બધામાં દેખાય. આ તો બધા પેકીંગ છે, વેરાઈટીઝ ઓફ પેકીંગ છે.

ડિરેક્ટ પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે અલૌકિક વસ્તુ આ બધી દેખાય દુનિયામાં. અલૌકિક વસ્તુઓ બધી સનાતન છે અને લૌકિક વસ્તુઓ બધી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી ! લૌકિક વસ્તુઓ બધી ઈન્દ્રિયગમ્ય છે ને અલૌકિક અતીન્દ્રિયગમ્ય છે.

અમને અમારા જ્ઞાનથી આ બધું જગત દેખાય કે જગત કેવી રીતે ચાલી રહ્યું છે, આ બધું શું છે ?

પ્રશ્શનકર્તા : તમે આ બધું જોઈ શકો છો ?

દાદાશ્રી : હા, જ્ઞાનથી બધું જોઈ શકીએ છીએ, ત્યારે જ આ વાત કરી શકાય ને ! નહીં તો વાત કરાય નહીં ને ! અને બુદ્ધિથી આ ના દેખાય. બુદ્ધિ તો બહુ વધે ને ત્યારે માણસ બુદ્ધુ થઈ જાય ! અને જ્ઞાની તો પરમાત્મા થાય.

જ્ઞાનમાં તો વધતું-ઓછું હોય જ નહીં ને ?! જ્ઞાન એટલે પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે, કેવળજ્ઞાન સ્વરૂપી છે.

આત્માનો અનંત જ્ઞાનપ્રકાશ !

પ્રશ્શનકર્તા : બુદ્ધિ વગર આપ આટલું બધું સમજાવો છો એ કેવી રીતે બને ?

દાદાશ્રી : બુદ્ધિ તો આટલું બધું સમજાવી શકે નહીં ને ! બુદ્ધિની લિમિટેશન(મર્યાદા) હોય. એ લિમિટમાં જ બતાવી શકે. બુદ્ધિ લિમિટેડ હશે કે અન્લિમિટેડ ?

પ્રશ્શનકર્તા : અન્લિમિટેડ (અમર્યાદિત).

દાદાશ્રી : ના, લિમિટેડ ! અને મારી પાસે અન્લિમિટેડ પ્રકાશ છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ લિમિટેડ(મર્યાદિત) કેવી રીતે ?

દાદાશ્રી : આ પ્રકાશ બધો છે. બુદ્ધિ એ પ્રકાશમાં ગણાય. આ ટ્યુબલાઈટનો બધો પ્રકાશ લિમિટેડ હોય કે અન્લિમિટેડ ?

પ્રશ્શનકર્તા : લિમિટેડ.

દાદાશ્રી : અને સૂર્યનો પ્રકાશ ?

પ્રશ્શનકર્તા : અન્લિમિટેડ.

દાદાશ્રી : ના, એ ય લિમિટેડ. ઘરમાં જુઓ તો કશું નહીં દેખાય. એ ય લિમિટેડ અને 'અમારો' પ્રકાશ તો અન્લિમિટેડ છે ! એ અન્લિમિટેડ પ્રકાશ એ જ્ઞાન કહેવાય અને લિમિટેડ પ્રકાશ એ બુદ્ધિ કહેવાય. એટલે લિમિટેડ પ્રકાશ બંધ થઈ ગયો અને અન્લિમિટેડ પ્રકાશ ઊભો થઈ ગયો.

પ્રશ્શનકર્તા : અન્લિમિટેડ જ્ઞાનવાળાને બુદ્ધિ વગરનાં કહી શકાય ?

દાદાશ્રી : પણ જ્ઞાન હોતું જ નથી કોઈ જગ્યાએ. એક સેન્ટેય જ્ઞાન ના હોય. આ જગતમાં કોઈને એક સેન્ટ જ્ઞાન છે નહીં, બુદ્ધિ છે. બુદ્ધિ કોઈ જગ્યાએ ૮૦ ટકા છે, ૮૫ ટકા છે, ૯૦ ટકા સુધી છે પણ જ્ઞાન ના હોય. એટલે બુદ્ધિ અને જ્ઞાનમાં આટલો ફેર.

પ્રશ્શનકર્તા : બુદ્ધિનાં લિમિટેશન્સ છે એટલે મુશ્કેલી પડે છે.

દાદાશ્રી : એટલે મુશ્કેલી જ પડે. બુદ્ધિમાં લિમિટેશન છે અને બુદ્ધિથી કોઈ પણ પ્રશ્શન સોલ્વ (ઉકેલ) થાય નહીં. કારણ કે બુદ્ધિ એ લિમિટેશનવાળી છે. બિગીનીંગ (શરૂઆત)થી એન્ડ(અંત)વાળી વસ્તુ છે એ અને આ જ્ઞાન એ અન્લિમિટેડ છે, એન્ડલેસ (અનંત) છે !

બુદ્ધિનું લાઈટ લિમિટેડ અને આત્માનું લાઈટ અન્લિમિટેડ છે. હું અન્લિમિટેડમાં રહું છું. મારે આ બુદ્ધિના લાઈટની શી જરૂર ? જ્યારે ઘરની લાઈટ જતી રહે છે ત્યારે લોક કેન્ડલ (મિણબત્તી) સળગાવે પણ પછી લાઈટ આવે ત્યારે કેન્ડલ રહેવા દે ખરાં ? બાકી બુદ્ધિ વગરના હોય ને ત્યાં જ્ઞાન છે. આપણાં તીર્થંકરો બુદ્ધિ વગરના હતા. સહેજે બુદ્ધિ ના હોય એ તીર્થંકર. અમને ય બુદ્ધિ નથી.

પ્રશ્શનકર્તા : અરિહંત ભગવાનને બુદ્ધિ નહીં ?

દાદાશ્રી : એમને બુદ્ધિ ના હોય. બુદ્ધિ હોય તો ભગવાન ના કહેવાય.

પ્રશ્શનકર્તા : પણ જ્ઞાની હોય ?

દાદાશ્રી : હા. જ્ઞાન, કેવળજ્ઞાન, એબ્સોલ્યુટ જ્ઞાન. કારણ કે બુદ્ધિ લિમિટેશનવાળી હોય. બુદ્ધિ લિમિટવાળી હોય અને એમનું અન્લિમિટેડ જ્ઞાન. એટલે બુદ્ધિ એમની પાસે ના હોય. લિમિટવાળી ચીજ જ એમની પાસે કોઈ હોય નહીં. મારી પાસે નથી તો એમની પાસે શી રીતે હોય ? બુદ્ધિ દરેકના ગજા પ્રમાણે લિમિટવાળી હોય જ્ઞાન લિમિટવાળું ના હોય. આ કંઈ જેવાં તેવાં બાવાઓનું જ્ઞાન ન હોય ! આ તીર્થંકરોનું જ્ઞાન છે !

- જય સચ્ચિદાનંદ