અધ્યાત્મની દ્રષ્ટિએ સિધ્ધાંતનું સ્વરૂપ !

સંપાદકીય

અધ્યાત્મમાં સૈધ્ધાંતિકતાની ખૂબ જ મહત્વતા છે. જેમ ભૌતિક વિજ્ઞાનમાં ૨ત્ર્ૅં =ત્ર્૨ં એટલે પાણી થાય જ, તેમાં એક એટમ હાઈડ્રોજનનો વધે કે ઘટે અથવા તો એક એટમ ઓક્સિજનનો વધે કે ઘટે તો પાણી થાય જ નહીં. તેને સિધ્ધાંત કહેવાય છે. પછી કોઇ કહે તે પછી અમેરીકા, લંડન કે દુનિયાને ગમે તે ખૂણે કરો તો ૨ત્ર્ૅં એટલે પાણી જ થાય. મોટા સાયંટિસ્ટ કરે કે એનો આસીસ્ટન્ટ કે ગમે તે કરે પણ પ્રયોગનાં પરિણામમાં તો સિધ્ધાંતમાં કોઇ ફેર હોય નહીં આજે ગઇ કાલે કે આવતી કાલે આ સિધ્ધાંત અફર જ રહે. અવિરોધાભાસ જ હોય પછી કોઈ કહે બેને બદલે એક એટમથી પાણી થાય તો તે વિરોધાભાસ કહેવાય. તેવું બની શકે જ નહીં ને ! તેવી રીતે આત્મતત્વ જડતત્વ આદિ અવિનાશી તત્વોના સંમેલન વિસર્જનથી આ જગતમાં અવસ્થાઓ દેખાય છેે, ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે. છતાં મૂળ તત્ત્વ બગડ્યું જ નથી, શુધ્ધ જ રહે છે. જેની પ્રાપ્તિ આત્મવિજ્ઞાની એવા સાયંટિસ્ટની કૃપાથી થઇ શકે છે. તે વાત પણ સિધ્ધાંતિક જ છે. ત્યાં સહેજ વિરોધાભાસ હોય તો આત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી.

જેમ ગટરના મેલા પાણીને કેટલાંય પ્રકારના સાધનો ગોઠવીને ખૂબ મહેનત કરીને ચોખ્ખું કરે. તો પણ એમાંથી હાઈડ્રોજન કે ઓક્સિજનની પ્રાપ્તિ થઈ શકતી નથી. હવે ખરાબમાંથી સારામાં જવું તેને અધર્મમાંથી ધર્મમાં આવવું કહેવાય. અને ગમે તેટલા ધર્મ પ્રાપ્તિ કર્યા પછી અધ્યાત્મમાં આવવાનું બાકી જ રહે છે. તત્ત્વને પામવાનું બાકી જ રહે છે. અનંત અવતાર મેલાને જ ચોખ્ખું કર કર કર્યું છે, શુધ્ધ તત્ત્વદ્રષ્ટિમાં આવ્યું જ નથી. અધ્યાત્મ એટલે આત્મા સન્મુખ થવું અને છેવટે આત્મપ્રાપ્તિ કરી કેવળજ્ઞાન દશાએ પહોચવું ત્યારે સિધ્ધાંત પૂરો થયો કહેવાય.

હવે ગટરના પાણીમાંથી કોઈ સાયંટિસ્ટ પ્રયોગ કરીને હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટો પાડે તો શું ઓક્સિજન કે હાઈડ્રોજન મેલા હશે કે ચોખ્ખા જ હશે ? ના, એ તો શુધ્ધ હોય જ. તેમ સંસારી રીતે ચોખ્ખા ગણાતા હોય કે મેલા ગણાતા હોય પણ મહીં આત્મતત્ત્વ તો બધામાં શુધ્ધ જ છે. પણ તેના જાણકાર પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની જ તેની પ્રાપ્તિ કરાવી શકે છે, આત્માને સપૂંર્ણ દ્રવ્યથી, ગુણધર્મથી પર્યાયથી બધી જ રીતે જાણી લીધો છે ને નિરંતર પોતે અનુભવી રહ્યા છે ને બીજાને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવે છે, તેવા જ્ઞાની પુરુષ ભેદ વિજ્ઞાન દ્વારા આત્મસાક્ષાત્કાર કરાવી શકે છે.

પ્રસ્તુત સંકલનમાં અક્રમ વિજ્ઞાની પરમ પૂજય દાદા ભગવાનની અનુભવદશાની વાણીમાં નીકળેલા સિધ્ધાંત, ઉપદેશ, બોધ, મોક્ષમાર્ગની પ્રાપ્તિના રહસ્યો, સ્યાદ્વાદ, અનેકાંત, ધર્મ, અધર્મ અને આત્મવિજ્ઞાનના વિશેષ ફોડ અંકિત થયા છે. જે આધ્યાત્મિકતાની યથાર્થ સમજણ ખુલ્લી કરી આપે છે. જે મોક્ષમાર્ગીને સમ્યક્ દ્રષ્ટિકોણ બક્ષશે.

દીપકના જય સચ્ચિદાનંદ

અધ્યાત્મની દ્રષ્ટિએ સિધ્ધાંતનું સ્વરૂપ !

અજવાળું પ્રગટે તે બોધ !

પ્રશ્નકર્તા : બોધ, ઉપદેશ અને સિધ્ધાંત. આ ત્રણ શબ્દો સમજાવો.

દાદાશ્રી : મીણબત્તી સળગે નહીં, તો જાણવું કે બોધ જ ન હોય આ. બોધનો તો બહુ ઊંડો અર્થ થાય છે. આ તો અંધારું ઘોર જેવું છે. પણ દીવાસળીથી મીણબત્તી સળગાવી આપે ત્યારે જાણવું કે બોધ આપ્યો. એટલે બોધ આપનાર બોધ આપે તો સામાને પ્રકાશ ઉત્પન્ન થવો જોઈએ. અને પ્રકાશ ના ઉત્પન્ન થાય તો, એ ય અંધારું છે અને આ ય અંધારું છે.

પ્રશ્નકર્તા : બોધમાં સાધનની કે નિમિત્તની જરૂર પડે ?

દાદાશ્રી : એ તો બોધ આપનાર માણસ તો હોય જ ને ! બીજું કોણ નિમિત્ત ?! મીણબત્તી દીવાસળીથી સળગાવો અને મીણબત્તી સળગી એટલે આપણે કહીએ ને, કે 'ભઈ, આણે મીણબત્તી સળગાવી.' નહીં તો ય મીણબત્તી સળગે એવી જ હતી. લોકો બોધ આપે છે ને, તે કહે, 'મારો બોધ નકામો ગયો.' અલ્યા તું છે જ નકામો ને ! નહીં તો બોધ શી રીતે નકામો જાય ? મીણબત્તી સળગ્યા વગર રહે નહીં. અને જેને આત્મા હાજર છે, તે બધી મીણબત્તીઓ જ છે.

પ્રશ્નકર્તા : બોધ, પછી એમાં ઉપદેશ શબ્દ છે.

દાદાશ્રી : બોધ જુદી વસ્તુ છે અને ઉપદેશ જુદી વસ્તુ છે. ઉપદેશ સળગે કે ના ય સળગે અને બોધ સળગવો જ જોઈએ. બોધ બહુ કિંમતી વસ્તુ છે અને બોધ આપવાનો અધિકાર કોને છે ? ફક્ત જ્ઞાની એકલાંને જ. ઉપદેશ આપવાનો અધિકાર, તે જ્ઞાનીથી નીચેની કક્ષાના હોય તો ચાલી શકે.

અક્રમ માર્ગ પમાડે સિધ્ધાંત કલાકમાં !

પ્રશ્નકર્તા : હવે 'સિધ્ધાંત' શબ્દ સમજવો છે.

દાદાશ્રી : સિધ્ધાંત ! જેમાં એક સેન્ટ જેટલો વિરોધાભાસ ના હોય અને ત્રણેય કાળમાં એ બદલાય નહીં. બીજું બધું બદલાયા કરે, પણ સિધ્ધાંત ના બદલાય. અનંત કાળથી એ બદલાય નહીં. તીર્થંકરો બદલાય, બીજું બધું બદલાય પણ સિધ્ધાંત ના બદલાય.

બે માર્ગ ધર્મના. એક ઉપદેશ માર્ગ અને બીજો સિધ્ધાંત માર્ગ. ઉપદેશ માર્ગ, વાળી લેવાય એવા અહંકારથી હોય. ઉપદેશવાળાને, વાળી લે એવો અહંકાર હોવો જોઈએ અને સિધ્ધાંત, અહંકાર રહિતપણે હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી ઉપદેશબોધ પરિણામ ન પામ્યો હોય, ત્યાં સુધી સિધ્ધાંતબોધ સમજાય નહીં ને !

દાદાશ્રી : પણ સિધ્ધાંતબોધ તો બાળકને સમજાય એવી વસ્તુ છે. આ 'બધા' સિધ્ધાંતબોધ સમજી ગયા ને ! આ 'બધા' ઉપદેશબોધ તો જાણતાં જ નથી ને સિધ્ધાંતબોધને સમજી ગયા.

પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં એવું કહેવામાં આવે છે કે ઉપદેશબોધ જ્યાં સુધી પરિણામ નહીં પામ્યો હોય ત્યાં સુધી સિધ્ધાંતબોધની સમજણ નહીં પડે.

દાદાશ્રી : પણ ઉપદેશ તો અનંતકાળથી સાંભળ સાંભળ કરીએ જ છીએ ને ! સિધ્ધાંત કે' દહાડે આવ્યો ? કોને ઘેર આવ્યો ? ઉપદેશ એકવચનીય છે, બહુવચનીય નથી અને લોકોએ બહુવચનીય કરી નાખ્યું. ઉપદેશ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ તો બહુવચનીય કરી નાખ્યું ત્યારે પેલામાં શું રહ્યું ? અને સિધ્ધાંત તો, ઉપદેશ કશુંય ના સમજતો હોય, તેને ય સમજણ પડે.

પ્રશ્નકર્તા : ઉપદેશ એકવચનીય અને સિધ્ધાંત બહુવચનીય, એટલે શું ? એ સમજવું છે.

દાદાશ્રી : એવું છે ને, ઉપદેશ એકવચનીય છે, એટલે કાઢી નાખવા જેવી વસ્તુ નથી, એવું કહેવા માગીએ છીએ. અને સિધ્ધાંત, એમાં જ જીવન કાઢવા જેવી વસ્તુ છે. આ બહુવચનીયનો અર્થ. ઉપદેશ કાઢી નાખવા જેવો હોય તો તો બહુ ઊંધું થાય. લોકોએ એકવચનીયને બહુવચનીય કર્યું, એટલે પેલું રહી ગયું અને ભટક ભટક કરે છે. એકવચનીય હોય, તેને બહુવચન ના કરી નાખવું જોઈએ.

સિધ્ધાંત, તેની જ કિંમત. આ શું છે, તે શું, આ શું, તે શું, એ બધું પૂછો એટલે ઉકેલ આવી ગયો. તમને અનુભવ થાય તો પૂછો અને અનુભવ થવા માટે અમે પહેલાં તમારાં પાપો ભસ્મીભૂત કરીએ. શેનાથી પાપો ભસ્મીભૂત થાય ? જ્ઞાનાગ્નિથી. એ ભસ્મીભૂત થાય એટલે તમને એમ ઠંડક લાગે ને ! આ બધી આમ જાગૃતિ રહે એટલે તમને સમજાય કે ધેર ઈઝ સમથિંગ. એને તમે શું કહો ? 'કંઈક છે' એવું કહો ને ? 'કંઈક છે', એનું નામ દર્શન. અને 'આ છે', એનું નામ જ્ઞાન. પછી ડીસાઈડ કરવાનું.

અનુભવી જ્ઞાની આપી શકે સિધ્ધાંત !

પ્રશ્નકર્તા : સિધ્ધાંતનો કોઈ સાદો ઘરગથ્થું દાખલો આપો.

દાદાશ્રી : સિધ્ધાંત એટલે 'આત્મા' અંદર જુદો છે, 'તું' પણ જુદો છે અને 'દેહ' પણ જુદો છે. પેલું છે તે કર્તાભાવથી દેહાધ્યાસ ઘટાડતા ઘટાડતા જવાનું. ત્યાં જો 'આત્મા જુદો છે' એવું બોલવામાં આવે ને, તો બધું આખું ઊંધું જ થઈ જાય, એટલે ત્યાં બધા 'આ જ આત્મા' એવું માનીને જ ચાલે. તો જ એ ત્યાગ કરી શકે. નહીં તો ત્યાગ કરી શકાય નહીં ને ! અને સિધ્ધાંતમાં તો કશુંય નહીં, આ ચોખ્ખેચોખ્ખું. આ બે ફાડિયાં. તેથી તો કલાકમાં પાર આવે. પણ અક્રમ કોણ આપી શકે ? સિધ્ધાંત કોણ આપી શકે ? કે જે આત્માને સંપૂર્ણ પર્યાયથી જાણી શકે અને તે પાછી થિયરી ના ચાલે. થિયરમ જોઈએ. થિયરી તો પુસ્તકમાં હોય.

કર્મક્ષયનો માર્ગ, બોધ-વીતરાગતા !

તેથી શ્રીમદ્ રાજચંદ્ર એ કહ્યુંને કે ! 'કર્મ મોહનીય ભેદ બે, દર્શન-ચારિત્ર નામ, હણે બોધ-વીતરાગતા, અચૂક ઉપાય આમ.'

જ્ઞાની પુરુષનાં બોધથી દર્શનમોહનીય હણાઈ જાય અને વીતરાગતાથી ચારિત્રમોહનીય જાય. ચારિત્રમોહનીય હોય, પણ વીતરાગતા રહે એટલે અડે નહીં. વીતરાગતા એને નાશ કરી નાખે.

આ જાયફળ હોયને, તે ઉપર કોચલું કાઢ્યા પછી જાયફળ ગણાય. નહીં તો જાયફળ એમ ને એમ મોઢામાં નાખીએ તો ? એટલે આ મોહનું કોચલું છે આખું, ત્યાં સુધી ચારિત્રમોહ ના કહેવાય. દર્શનમોહનું કોચલું કાઢે તો જે બાકી રહ્યો એ ચારિત્રમોહ. હવે દર્શનમોહનું જેણે કોચલું કાઢ્યું એટલે ક્ષાયક સમ્યક્્ત્વ થઈ ગયું. પણ એ કોચલું તે કાઢવું પડે. એમ ને એમ ચારિત્રમોહ કહીએ, એનો અર્થ જ નહીંને ! જ્યાં સુધી દર્શનમોહ ગયો નથી, ત્યાં સુધી કયો મોહ ? પાકો મોહ.

મૂળ હકીકતમાં શું છે ? ત્યારે કહે, બધો મોહ છે. આ પચ્ચીસ પ્રકારના મોહ અને પછી આ મિથ્યાત્વમોહ, મિશ્રમોહ, સમ્યક્ત્વમોહ, એમાંથી અમુક ભાગ એનું કોચલું જે છેને, ઉપરનું કવર એ દર્શનમોહ ઊડી જાય ત્યાર પછી રહ્યો ચારિત્રમોહ. અહીં જ્ઞાન મળવાથી દર્શનમોહ ઉડી જાય પછી છે તે આ પાંચ આજ્ઞા પાળવાથી ચારિત્રમોહ ખલાસ થાય.

વાસનામય તે વાસિત્ બોધ !

પ્રશ્નકર્તા : એક સ્તવનમાં જ આવે છે કે 'વાસિત બોધ આધાર'.

દાદાશ્રી : હા. વાસિત બોધ આધાર એ બહુ જ મોટી વાત છે. અહીં કહે છે, 'હે ભગવાન ! અમારે ભાગ તો વાસીત બોધ આધાર આવ્યો.' બોધ મળે છે પણ વાસિત.

પ્રશ્નકર્તા : વાસિત એટલે જૂનો ?

દાદાશ્રી : ના, જૂનો નહીં, જૂનો હોય તો તો સારો. વાસિત એટલે જે માણસ વાસનાવાળા છે, તેનો બોધ અમને મળે છે. એટલે એ અમને નિર્વાસિત બનાવતા નથી. બોધ નકામો જાય છે. બોધ નિર્વાસિત જોઈએ. જેને વાસના નથી, એનો બોધ જોઈએ. તે આ ભગવાનને તેથી અરજીઓ કરી છે કે અત્યારે આધાર કશો રહ્યો નથી અને બોધ વાસિત છે તેથી બહુ કંટાળી ગયા છે.

અત્યારે આપણો આ બોધ વાસિત ના કહેવાય. નિર્વાસિત બોધ જોઈએ, એ મહાવીર બોધ કહેવાય.

વાસિત બોધ આધાર એટલે શું કે જેને માનની કામનાઓ છે, કીર્તિની કામનાઓ છે. હવે આ સાધુઓને સ્ત્રી અને લક્ષ્મીની કામનાઓ તો ના હોય. ત્યારે માનની કામનાઓ, માનની ભીખ, કીર્તિની ભીખ, દેરાં બાંધવાની ભીખ, એ બધી ભીખો-કામનાઓમાં બધા પડ્યા છે, વાસનાઓમાં પડ્યા છે. એ જાતની વાસનામાં જ રહ્યા કરતો હોય, એનો બોધ કેમ અસર કરે ? એ તો જેને કીર્તિની ભીખ નથી, લક્ષ્મીની ભીખ નથી, સ્ત્રીની ભીખ નથી, કોઈ પણ પ્રકારની ભીખ નથી, તેને આ પરમાત્મપદ મળે. કીર્તિની ભીખ, એટલે જરાક અપકીર્તિ મળી હોય તો મોઢું ઊતરી જાય અને કીર્તિ મળી હોય તો એ 'એલીવેટ' પણ થઈ જાય.

આ તો વાસિત બોધને લોકો શું સમજ્યા ? વાસી ! એટલે જૂનાં ઘણા વખતનો, જૂનો. જૂનું તો મધે ય સારું હોય. ગોળ પણ જૂનો સારો હોય. તેમ બોધે ય જૂનો સારો હોય. આ તો વાસનાવાળો એટલે કામનાવાળો છે. તે નુકસાન કરે ઊલટું આપણને. એ ના સાંભળ્યું હોય તો સારું થાય.

જેમ મોટો પ્રખ્યાત હોય ને, તેમ વધુ વાસનાવાળો હોય. જેને આ બધા લોકો મોટા પ્રખ્યાત ગણે છે, એને વધારે વાસના હોય. એક જ્ઞાની પુરુષ એકલા જ નિર્વાસનિક હોય. અને એની વાણી વાસિત ના હોય. વાસનાવાળી ના હોય. એ વાણી તરત ફળે. અમારું વચનબળ મહીં પેઠું તો મહીં કામ કર્યા વગર રહે જ નહીં. એટલે અહીં બોધ કેવો હોય ? નિર્વાસનિક બોધ હોય. શુધ્ધ બોધ હોય અને બહાર બધે તો વાસનાવાળો બોધ અને એમને ય વાસના હોય. લૂગડું ફાટી ગયું હોય તો મનમાં એમ થાય કે આ શેઠ લાવી આપશે, ચશ્માં જોઈતા હોય તો આ લાવી આપશે. એટલે પછી 'આવો શેઠ, આવો શેઠ' કરે. એ પોતે જ આખો દહાડો અજંપો કર્યા કરે છે. એમનું જ કલ્યાણ નથી થતું, તો આપણો તો ક્યારે ઉકેલ થાય તે ?

જે વાણી સામાને ગમતી નથી, એ વાત જ બરોબર નથી. વાત સામાને ગમવી જ જોઈએ. વાત કેમ ના ગમે ?! સામા ખોટાં નથી. તો એ લોકો શું કહે ? 'અક્કલ વગરના. એટલે તમે તો મારી વાત સમજતા જ નથી.' અરે, તારી વાત સમજતા નથી કે તું એને સમજાવી શકતો નથી ? પાછો શું કરવા એને ટૈડકાવે છે ? એ તો સમજવા આવ્યો છે. પણ આવું બોલીને સામા માણસને ડિસ્કરેજ કરી નાખે. અને લોકે ય મારા જેવું સામું કદરૂપું બોલે એવા નથી. જ્યારે જ્ઞાન નહોતું ને ત્યારે કદરૂપું આપતો હતો. મેં કહ્યું, 'હું સમજવા આવ્યો છું ને તમે વળી પાછા મને કહો છો કે અક્કલ વગરનાં, સમજણ નથી.'

ખરી રીતે ઉપદેશક કેવા હોય ? એમને ગાળ ભાંડીએ, મારીએ તો પણ અવળું ના બોલે. કારણ કે તમને તો અજ્ઞાન છે એટલે કર્મ બાંધો. પણ એ બાંધે કે ? અત્યારે તો એ ય કર્મ બાંધે, તમારાથી વધારે બાંધે. ત્યાં કલ્યાણ ના થાય.

એટલે વાસનાવાળો બોધ છે બધે. બોધ નિર્વાસનિક જોઈએ, વીતરાગી બોધ જોઈએ. હવે એ અત્યારે રહ્યું નથી. તેથી તો લોક જો તરફડે છે, માછલાને પાણીની બહાર નાખેને અને જે સ્થિતિ થાય, એવી આજના લોકોની સ્થિતિ થઈ છે.

ભગવાન મહાવીરનો કેવો સિધ્ધાંત બોધ ! એક અક્ષર જ જો ફોરેનવાળાએ જાણ્યો હોત ને, તો ફોરેનવાળા ખુશ થઈ જાત તે.

બોધ નિર્વાસનીક ઘટે !

બહાર તો બોધ વાસિત લાગે, વાસનાવાળો. જેમ ધોતિયું પાંચ દિવસ પહેરે ને પછી કંટાળે તેવું લાગે. ભગવાને કહેલું કે, 'જ્યાં તીર્થંકર કે આત્મજ્ઞાની હોય ત્યાં બોધ નિર્વાસનિક હોય.' બાકી, તેમના પછી તો બોધ વાસિત જ હોય. કિંચિત્ માત્ર પણ જેને સંસારની વાસના છે તે બોધ વાસી કહેવાય, વાસનાવાળો બોધ કહેવાય. આવો બોધ આપે ત્યારે પોતે મોટા થવાની વાસના હોય. જ્ઞાનીઓ ના હોય ત્યાં સુધી વાસનાવાળા બોધનો આધાર હોય, એટલે કે વાસિત બોધનો આધાર હોય. પણ જ્ઞાનીઓ થાય ત્યારે નિર્વાસનિક બોધનો આધાર મળે અને તેથી જ મોક્ષ થાય ! અહીં સત્સંગમાં મહાત્માઓ એકબીજાનું કામ કરે, પણ અભેદભાવે, પોતાનું જ હોય તેમ !

આ બહાર બોધ વાસી નહીં, પણ 'વાસિત'. વાસી તો મોડો પણ પચે, પણ આ તો વાસનાવાળો. જ્યાં વાસના નથી ત્યાં મોક્ષ થાય.

વાસના બોધ બે પ્રકારનાં, પારકા માટે વાસના કરે એને સારી કહી, પણ પોતાને માટે કરે એને તો ભગવાને પણ 'ના' કહી.

એનાથી વધી જવાબદારીઓ !

પ્રશ્નકર્તા : તો થોડુંઘણું જાણનાર માણસોએ ક્યારેય કોઈને પ્રતિબોધ પમાડવો જ નહીં ?

દાદાશ્રી : પણ તે ઉપદેશક તરીકે નહીં. બીજી રીતે કરે. બીજી રીતે વાતો કરો સામસામી. આ તો મોટી છાપ પડે કે ભગવાનનો આ ઉપદેશક. એટલે એના પર વિશ્વાસ, એના બોર્ડ માર્યા, ભગવાનના પ્રતિનિધિ ગણાયા.

પ્રશ્નકર્તા : એ લોકો તો એમ કહે છે કે આ તો અમારા ભક્તોએ બોર્ડ માર્યા છે, અમે થોડા માર્યા છે ?

દાદાશ્રી : ભક્તો શું કરવા બોર્ડ મારે તે ? લૂગડાં તો એમણે બદલ્યાં, એ બોર્ડ કહેવાય અને પાછા ઉપદેશ આપ્યા.

પ્રશ્નકર્તા : પણ જ્યારે સાચું ઘી ના હોય, ત્યારે વેજીટેબલ ઘીથી ચલાવવું પડે, તો તેમાં શું ખોટું છે ?

દાદાશ્રી : આ ન હોય વેજીટેબલ ! સાંભળનારનું તો જે થવાનું હશે, તે થશે. પણ એને પોતાને જ આની જવાબદારી છે ને ?

પ્રશ્નકર્તા : એ બોધ લેવાની અને તારણ કાઢવાની એ શક્તિ કેવી રીતે ખીલે, દાદા ?

દાદાશ્રી : છે જ શક્તિ મહીં. બોધે ય લીધેલો છે. ખોટું છે એ ય જાણે છે પણ અટકે નહીં ને ? માલનો જથ્થો વધારે ભરેલો, તે અટકે નહીં અને ઓછો ભરેલો હોય તો અટકી જાય.

એટલે અહીં બધું પૂછાય. વર્લ્ડની હરેક વસ્તુ પૂછાય. બધા ખુલાસા થાય અહીં આગળ, એની દવા પણ છે. એકલો ખુલાસો જ નહીં, પણ એની દવા ય છે અહીં.

મોક્ષમાર્ગ પ્રાપ્તિ પથદર્શન !

પ્રશ્નકર્તા : મુમુક્ષુ આત્માને મોક્ષ મેળવવા કયા ધર્મની જરૂર પડે?

દાદાશ્રી : આત્મધર્મની જરૂર પડે.

પ્રશ્નકર્તા : કયા વેશમાં મોક્ષ મળે ?

દાદાશ્રી : વેશને ને મોક્ષને કંઇ લેવા દેવા નથી. નાગો ફરતો હોય કે કપડાં પહેરેલો ફરતો હોય, તેનો કશો વાંધો નથી. ગમે તે વેશમાં મોક્ષ મળે.

પ્રશ્નકર્તા : કયા સ્થાનકમાં મોક્ષ મળે ?

દાદાશ્રી : વીતરાગ ધર્મથી મોક્ષ મળે. વીતરાગ સ્થાનકમાં મોક્ષ મળે.

પ્રશ્નકર્તા : કઇ દશામાં મોક્ષ મળે ?

દાદાશ્રી : વીતરાગ દશામાં મોક્ષ મળે.

પ્રશ્નકર્તા : કયા વાડા, સંઘાડા, ફિરકામાં સાચો ધર્મ છે ? વાડા છે તે શું છે ? તેની જરૂર છે ?

દાદાશ્રી : વાડા એ બધા અંશધર્મ છે, 'રિલેટિવ' ધર્મ છે. જ્યાં પક્ષ છે ત્યાં મોક્ષ નથી, ત્યાં 'રિયલ' ધર્મ નથી. ગચ્છમાં સાચો ધર્મ નથી. કારણ કે એ એકાંતિક છે.

પ્રશ્નકર્તા : સદ્ગુરુની પિછાણ કઇ ?

દાદાશ્રી : સદ્ગુરુ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ હોય. શાસ્ત્રમાં વાંચી ના હોય, ક્યાંય સાંભળી ના હોય, છતાં અનુભવમાં આવે એવી જેની અપૂર્વ વાણી હોય !

પ્રશ્નકર્તા : આ જ સદ્ગુરુ છે તે કેમ કહેવાય?

દાદાશ્રી : અહીં ઠંડક વળે તો જાણવું કે આ સદ્ગુરુ છે.

પ્રશ્નકર્તા : સદ્ગુરુનાં લક્ષણ શું ?

દાદાશ્રી : કષાય, ક્રોધ-માન-માયા-લોભ રહિત પરિણામ !

પ્રશ્નકર્તા : આ કાળમાં સદ્ગુરુ ક્યાં ક્યાં બિરાજે છે ?

દાદાશ્રી : આ આપની સમક્ષ બિરાજે છે.

પ્રશ્નકર્તા : સદ્ગુરુ પામવા શું કરવું જોઇએ ?

દાદાશ્રી : પરમ વિનય.

પ્રશ્નકર્તા : સમ્યક્ત્વ, બીજજ્ઞાન અથવા બોધબીજ એ ધર્મનાં મૂળ ગણાય તો તેની પ્રાપ્તિ શા થકી થાય ?

દાદાશ્રી : કષાયરહિત સદ્ગુરુથી !

પ્રશ્નકર્તા : ધર્મની ઉત્પત્તિ એટલે કે ધર્મ શાથી થાય ?

દાદાશ્રી : કષાયરહિત સદ્ગુરુથી.

પ્રશ્નકર્તા : કઇ ક્રિયાથી અથવા શું કરવાથી ધર્મ થાય ?

દાદાશ્રી : જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયાથી ધર્મ થાય.

પ્રશ્નકર્તા : ધર્મનું સાધન શું ? ધર્મ કોને કહેવાય ?

દાદાશ્રી : ધર્મનું સાધન ઉપાદાન જાગૃત જોઇએ અને ધર્મ કોને કહેવાય ? પોતાના કષાય ઘટી જાય તો જાણવું કે ધર્મ ઉત્પન્ન થયો. કષાય ઘટે તો જાણવું કે ધર્મ થયો.

પ્રશ્નકર્તા : કઇ રીતે ધર્મમાં સ્થિર થવાય ?

દાદાશ્રી : ઉપાદાન જાગૃત કરવાથી સ્થિર થવાય.

પ્રશ્નકર્તા : મોક્ષનો સરળ ઉપાય શો ?

દાદાશ્રી : કષાય રહિત 'જ્ઞાની પુરુષ'ની સેવાથી મોક્ષમાર્ગ સરળ થાય.

પ્રશ્નકર્તા : કયા કયા સાધનથી મોક્ષ થાય ?

દાદાશ્રી : જ્ઞાનથી મોક્ષ થાય. સદ્જ્ઞાનથી, આત્મજ્ઞાનથી મોક્ષ થાય.

જ્ઞાની મળ્યે સરળતાથી પ્રાપ્તિ !

વીતરાગ થવા માટે પહેલું આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થવું જોઇએ. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થાય એટલે ચિંતા જ ના થાય, સંસારમાં રહે છતાં ચિંતા ના થાય. ચિંતા થાય તો એનો અર્થ જ શો છે ? આટલો મહાવીર ભગવાનનો સિધ્ધાંત સરળ છે, પણ જો 'જ્ઞાની' હોય તો. અને 'જ્ઞાની' ના હોય તો કરોડો ઉપાયે પણ ભગવાનના સિધ્ધાંતનો એક અંશ પણ પ્રાપ્ત થાય એવો નથી.

વીતરાગનો તો સિધ્ધાંતિક ધર્મ, એટલે 'કેશ' ફળ મળે. મોક્ષનું 'કેશ' ફળ મળે ! જે મોક્ષદાતા છે, તે નિષ્પક્ષપાતી છે. વીતરાગ ભગવાન મહીં છે તે નિષ્પક્ષપાતી છે. વીતરાગ ધર્મ કોનું નામ કે જે ૩૬૦ ડિગ્રીનો ધર્મ હોય, સંપૂર્ણ ધર્મ હોય. સાચો ધર્મ, રહસ્યપૂર્ણ ધર્મ નિષ્પક્ષપાતી હોય. પક્ષપાત એ ખોટું નથી, એ 'સ્ટાન્ડર્ડ'માં રાખે અને 'આઉટ ઓફ સ્ટાન્ડર્ડ'માં નિષ્પક્ષપાત છે. 'આ' તો 'સાયન્સ' છે, ધર્મ નથી. હિંદુ ધર્મ, જૈન ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ એ બધા ધર્મ છે. 'સાયન્સ' એક જ હોય ને ધર્મ જુદા જુદા હોય.

સર્વ ધર્મ, સ્વીકારે સ્યાદ્વાદ !

જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ, મુસ્લિમ ધર્મ, પારસી ધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરે બધા 'રિલેટિવ' ધર્મો કહેવાય. એ ધર્મોને ને 'આ' ને કશી લેવા-દેવા નથી. આ 'રિયલ' વસ્તુ છે. 'રિલેટિવ' ધર્મ એટલે 'સ્ટેપ બાય સ્ટેપ' આગળ વધારે. પણ તે ય 'રિલેટિવ' ધર્મ સાચા નથી. જ્યાં ગચ્છ-મત હોય ત્યાં એક પણ ધર્મ સાચો હોય નહીં. ગચ્છ ને મત હોય ત્યાં મોક્ષનો માર્ગ જ ના હોય. પક્ષ અને મોક્ષ બેઉ વિરોધાભાસ છે. જ્યાં ગચ્છ-મત છે ત્યાં સંસારી કરતાં પણ વધારે બંધન છે. મોક્ષ તો વીતરાગ ધર્મથી છે. સંપ્રદાય એટલે એકાંતિક કહેવાય. વીતરાગ ધર્મ એકાંતિક ના હોય, અનેકાંત હોય. વીતરાગ સંપ્રદાયની બહાર છે. વીતરાગ ધર્મ એટલે મતભેદરહિત. આપણો 'આ' અનેકાંત માર્ગ છે. અહીં પારસી હોય, જૈન હોય, મુસલમાન હોય, વૈષ્ણવ હોય, અહીં બધાને માફક આવે એવી વાત હોય. અહીં સ્યાદ્વાદ વાણી હોય. એકાંતિક ધર્મ હોય ત્યાં એક જ જાતના માણસો, એક મતવાળા જ બધા આવ્યા કરે, બીજા કોઇ જાય નહીં. વીતરાગ વાણીથી સર્વ દુઃખોનો ક્ષય થાય. મત અને ગચ્છ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ તો શું પણ ધર્મ પણ પામ્યા ના કહેવાય, બૂઝયો ના કહેવાય !

પ્રશ્નકર્તા : બૂઝયો કયારે કહેવાય ?

દાદાશ્રી : ક્લેશ જાય, ચિંતા જાય, ત્યારે બૂઝયો કહેવાય. ગાળો ભાંડે તો ય જેનામાં ક્લેશ-ચિંતા ના થાય, ધોલ મારે તો ય ક્લેશ ના થાય, હમણાં ગાડીમાં બેસાડે તો ય ક્લેશ નહીં ને ગાડીમાંથી તરત ઉતારી પાડે તો ય ક્લેશ નહીં, તો એ બૂઝયો કહેવાય ! નહીં તો બૂઝયો જ કેમ કહેવાય?

આગ્રહ રાખો આત્મા જાણવાનો જ !

કેટલાંક તો મતમાં પડી ગયા છે, પક્ષમાં પડી ગયા છે, તે પક્ષના જ પાયા મજબૂત કર કર કરે છે. મૂઆ, મતિયો થઈ ગયો છે ! તે પોતાના જ પક્ષના પાયા દિનરાત મજબૂત કરવામાં જ મનખો એળે જઈ રહ્યો છે ! અલ્યા, મોક્ષે જવું છે કે મતમાં-પક્ષમાં પડી રહેવું છે ? મોક્ષ એ કોઈ પક્ષમાં રહીને પ્રાપ્ત ના થાય. મોક્ષ અને પક્ષ એ બેઉ વિરોધાભાસ છે ! પક્ષાતીત થાય ત્યારે જ મોક્ષમાર્ગ મળે. જ્યાં નિષ્પક્ષપાતીપણું ત્યાં જ ભગવાન, ત્યાં જ મોક્ષ !

મતાંધ ક્યારેય 'સત્ય વસ્તુ'ને ના પામી શકે. કારણ કે પોતાના જ મતનો આગ્રહી થયેલો હોય, તે સામાનું સત્ય શી રીતે સ્વીકારે ? અને આ આગ્રહો કરે છે તે પરમેનન્ટ વસ્તુના કે ટેમ્પરરી વસ્તુના ? મૂઆ, જોઈએ છે પરમેનન્ટ વસ્તુ (આત્મા) અને આગ્રહ કર્યા કરે છે ટેમ્પરરી વસ્તુનાં ! તે આત્મા ક્યાંથી પ્રાપ્ત થાય ? સર્વ રીતે સંપૂર્ણ નિરાગ્રહી થઈ એક માત્ર આત્મા જાણવાનો આગ્રહ કરે, તો જ તે પ્રાપ્ત થશે. બધી કામનાઓ મૂકી માત્ર 'સત્ય'ને જ જાણવાનો કામી થાય, તો જ 'પરમ સત્ય' પ્રાપ્ત થશે.

જ્ઞાની દ્રષ્ટિએ ધર્મ શું ? વિજ્ઞાન શું !

ધર્મ અને વિજ્ઞાનમાં ફેર. વિજ્ઞાન એ સિધ્ધાંતિક હોય ને ધર્મ બધા 'રિલેટિવ' હોય, એનું ફળે ય 'રિલેટિવ' હોય ને એની ક્રિયા યે 'રિલેટિવ' હોય. તમે 'હું' 'ચંદુભાઈ છું' એમ માનીને જે કરો તે ધર્મ અને 'જેમ છે તેમ' યથાર્થ જાણ્યું તે વિજ્ઞાન કહેવાય. નિઃશંક થયા પછી, પોતાનું સ્વરૂપ જાણ્યા પછી 'જેમ છે તેમ' જાણે તે વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન અવિરોધાભાસ હોય, 'જેમ છે તેમ' 'ફેક્ટ' જ વસ્તુ બતાવે.

પ્રશ્નકર્તા : જરા વિગતથી એ સમજાવો.

દાદાશ્રી : એવું છે ને, 'તમે ચંદુભાઈ છો' એમ કરીને કોઇને ગાળ ભાંડો તો તે અધર્મ કહેવાય, અને કોઇને સારું સારું ખવડાવો-પીવડાવો, કોઇના મનને શાંતિ આપો એ ધર્મ કહેવાય અને કોઇને ખરાબ લાગે, કોઇના મનને અશાંતિ કરે તો એ અધર્મ કહેવાય. 'રિલેટિવ' વસ્તુથી 'રિલેટિવ' ઉત્પન્ન થાય છે અને 'રિયલ' વસ્તુથી 'રિલેટિવ' ઉત્પન્ન થતું નથી. 'રિયલ'થી બધું 'રિયલ' જ ઉત્પન્ન થાય છે, ફક્ત 'રિયલ'નું 'રિયલાઇઝ' કરવાનું બાકી છે. અત્યારે તો તમને ભ્રામક માન્યતાઓ છે કે 'આ બધી મારી શક્તિથી ચાલે છે, ભગવાને કર્યું, મારા ગ્રહો રાશિ છે.' ખરી રીતે કર્તા બીજો જ છે.

એ સ્વરૂપે જ્ઞાનઘન આત્મા !

સિધ્ધાંત ક્યારે કહેવાય ? ધર્માધર્મપદમાંથી આગળ વધે અને 'જ્ઞાની પુરુષ'ની કૃપાને પાત્ર થાય ત્યારે જ્ઞાનઘન આત્મામાં આવે. આત્મા જ્ઞાનઘન છે અને અવિનાશી છે. જ્ઞાનઘન એટલે શું કે ''વોટ ઇઝ 'રિયલ' એન્ડ વોટ ઇઝ 'રિલેટિવ' !'' એટલે કે શાશ્વતી અને અશાશ્વતી વસ્તુને ઓળખતો થાય ત્યારે 'થિયરી ઓફ રિયાલિટી'માં આવે ને મોક્ષ થાય. ત્યારે શુધ્ધાત્માનું લક્ષ બેસે, અલખ નિરંજનનું લક્ષ બેસે, ત્યારે કામ થાય. આ સંસાર 'રિલેટિવ' છે અને 'આપણે' 'રિયલ' છીએ. એટલે આપણે 'રિયલ'ના પક્ષમાં રહેવું અને 'રિલેટિવ'નો નિકાલ કરવો. વળગેલા ભૂતનો નિકાલ કરવો પડશે ને ?

આ તો 'સાયન્સ' છે. 'સાયન્સ'માં કોઇને મતભેદ ના હોય. મતભેદ ધર્માધર્મમાં હોય. જેટલા ધર્મો ચાલે છે એ બધામાં મતભેદ હોય, વિકલ્પો હોય. વિકલ્પ કયાં સુધી કહેવાય ? ધર્માધર્મ આત્મા છે ત્યાં સુધી. અધર્મને ધક્કા માર માર કરે તે ધર્મ. અલ્યા, અધર્મ જોડે ના ફાવતું હોય તો રાગદ્વેષ વગર રહેને ! પણ શી રીતે રહે ? અધર્મ જોડે દ્વેષ ને ધર્મ જોડે રાગ !! ધર્માધર્મ આત્મા એ મિથ્યાત્વ દશા છે. 'રિલેટિવ' ધર્મો ધર્માધર્મ કહેવાય. 'રિલેટિવ' ધર્મ કરે તે સારું કહેવાય, આગળ ઉપર સારું ખાવા-પીવા મળે ને ગાડું ચાલે. પણ એ બધા સગડીના સુખો કહેવાય. સગડી કંઇ કોટે વળગાડાય ? મોક્ષે જવા માટે તો અધર્મને કે કોઇને ધક્કો મારવો ના પડે. મોક્ષે જવા માટે તો અધર્મનો અને ધર્મનો બંનેનો નિકાલ કરવાનો. ધર્માધર્મ એ દેહનો, મનનો, બુધ્ધિનો, પ્રકૃતિનો સ્વભાવ છે; અને આત્માનો વીતરાગ સ્વભાવ છે. જો તમારે વીતરાગ સ્વભાવમાં રહેવું હોય તો ધર્મ જોડે પ્રેમ ના માંડશો ને અધર્મ જોડે કચકચ ના કરશો. 'ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એન્ડ રિયલ ઇઝ પરમેનન્ટ !'

'જ્ઞાની પુરુષ' જ્ઞાનઘન આત્મા આપી શકે, જે ધર્માધર્મમાંથી ઊંચકી લે. ધર્માધર્મ આત્મા છે ત્યાં સુધી રઝળપાટ છે. ધર્મનું ફળ ભૌતિક સુખો અને અધર્મનું ફળ ભૌતિક દુઃખો છે. ધર્મથી સંસાર પ્રાપ્ત થાય. 'થિયરી ઓફ રિયાલિટી'માં આવ્યો એટલે જ્ઞાનઘન આત્મા પ્રાપ્ત થાય. એની આગળ શું રહ્યું ? 'થિયરી ઓફ એબ્સોલ્યૂટીઝમ !' એ વિજ્ઞાનઘન આત્મા છે.

આ સ્વરૂપે છે વિજ્ઞાનઘન આત્મા !

જ્ઞાન એટલે આત્મા અને વિજ્ઞાન એટલે પરમાત્મા. આ તો 'સાયન્સ' છે. આત્મા-પરમાત્માનું 'સાયન્સ' એટલે સિધ્ધાન્ત ! એમાં કોઇ જગ્યાએ અંશ માત્ર 'ચેન્જ' ના થાય અને ઠેઠ આરપાર કાઢી નાખે. જ્ઞાનઘન આત્મામાં આવ્યા પછી, અવિનાશી પદને પામ્યા પછી વિજ્ઞાનઘનને જાણવું જોઇએ. વિજ્ઞાનઘન એટલે બધામાં 'હું જ છું.' એવું દેખાય એ વિજ્ઞાનઘન આત્મા કહેવાય - બંધાયેલો છતાં ય મુક્ત રહે ! 'જ્ઞાની પુરુષ' વિજ્ઞાનઘન આત્મા હોય ! 'થિયરી ઓફ એબ્સોલ્યુટીઝમ'માં જ નહીં પણ પોતે 'થિયરમ ઓફ એબ્સોલ્યુટીઝમ'માં હોય. આખા 'વર્લ્ડ'નું પુણ્ય જાગ્યું કે આ 'અક્રમ વિજ્ઞાન' નીકળ્યું, વિજ્ઞાનઘન આત્મા નીકળ્યો !!

આખું 'વર્લ્ડ' 'સાયન્સ' સ્વરૂપે છે. છતાં આજે લોક 'સાયન્સ' (અધ્યાત્મ વિજ્ઞાન)ને જાણતું નથી તેથી ધર્મની પાછળ દોડ દોડ કરે છે. પણ 'સાયન્સ' જાણી લે કે જગતમાં આટલી અવિનાશી વસ્તુ છે અને આ જગત કેવી રીતે ચાલે છે, તો એ છૂટો થઇ જાય. આ જ અત્યંત ગહન કોયડો છે !

સિધ્ધાંત, વીતરાગો વર્ત્યા તે !

એટલે વીતરાગોનો સિધ્ધાંત કેવો હોય ? અવિરોધાભાસ. આગળ જે વીતરાગ થઈ ગયા તેમનો જ સિધ્ધાંત છે આ. આ કંઈ જ્ઞાન નવું ઉત્પન્ન થતું નથી અને જૂનું જતું નથી. એનું એ જ જ્ઞાન ચાલ્યા કરે છે.

સિધ્ધાંત એટલે, જડભાવો અને ચેતનભાવો, જે ભગવાને જોયા એને સિધ્ધાંત કહેવાય. હા, જડ અને ચેતન નહીં, જડભાવો અને ચેતનભાવો એ જ અવલોક્યા. બાકી ભાવો તો રહેવાના જ. એ ભાવોનું ભાન નથી થાય એવું, બળ્યું !!

અબજ રૂપિયા આપવાથી ના મળે, આમાંનો એક અક્ષર સાંભળવાનો નહીં મળે. આ પરપોટો જીવે છે ત્યાં સુધી કામ કાઢી લો, પછી અક્ષરે ય સાંભળવાનો મળે નહીં. આ બધાને તો હજી પચશે ત્યારની વાત છે ને ! બાકી પચવું સહેલું નથી. પોતાને ફાયદો થઈ જાય. સિધ્ધાંત હાથમાં આવી જાય પણ પચ્યા પછી ઊગે. એ તો વાત જ જુદીને ! ઉગશે થોડું ઘણું પણ તે આવું ના ઉગે ને ! આવી અજાયબી ના ઊગે ! એટલે થોડું ઘણું ઊગશે. અમારા આશીર્વાદ છે. અમે આશીર્વાદ હઉ આપીએ !!

કોઈ પણ વસ્તુ 'જ્ઞાન'માં આવે પછી ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ના જાય, વિરોધ ઉત્પન્ન ના થાય. દરેક સિધ્ધાંતને 'હેલ્પ' કરી કરીને સિધ્ધાંત આગળ વધતો જાય. કોઈ પણ સિધ્ધાંત તોડે નહીં, વિરોધાભાસ ઉત્પન્ન ના થાય.

નક્કી કરેલું જ્ઞાન એ 'જ્ઞાન' ના કહેવાય. નક્કી કરેલું જ્ઞાન એ 'સિધ્ધાંત' કહેવાય. કોઈ પણ વસ્તુ સિધ્ધ થઈ પછી એનો અંત આવી ગયો. ફરી એને સિધ્ધ કરવી પડે નહીં. કાયમને માટે ત્રિકાળ સિધ્ધ હોય, એનું નામ 'સિધ્ધાંત' કહેવાય ! 'સિધ્ધાંત' કોને કહેવાય કે જે કોઈ કાળે અસિધ્ધાંતપણાને ના પામે.

જ્યાં સુધી 'સ્પષ્ટ વેદન' થાય નહીં, ત્યાં સુધી 'સિધ્ધાંત' પ્રાપ્ત ના થાય.

એ છે અધ્યાત્મિક વિજ્ઞાન !

પ્રશ્નકર્તા : આપે જે 'વિજ્ઞાન' શબ્દ વાપર્યો તે જ્ઞાન અને કર્મથી અલગ વસ્તુ છે ?

દાદાશ્રી : હા. અલગ વસ્તુ છે. જે જ્ઞાન કહેવાય છે તે અને કર્મ એ બે વિનાશી વસ્તુઓ છે અને જ્ઞાન વિરોધાભાસ પણ હોય. અને કર્મ તો પોતે જ વિનાશી છે. કર્મ વિનાશી, એનું ફળે ય વિનાશી હોય અને જ્ઞાન વિરોધાભાસ હોય. અને વિજ્ઞાન (સ્પિરિચ્યુઅલ સાયંસ) વિરોધાભાસ ના હોય, વિજ્ઞાન સિધ્ધાંતિક હોય.

લૌકિક ધર્મોનો રિવાજ !

જગતના બધા 'રિલેટિવ' ધર્મો વિરોધાભાસ-વાળા છે. 'રિલેટિવ' ધર્મ કોને કહેવાય કે આ ધોતિયાને શુધ્ધ કરવું હોય તો સાબુથી ધોવું પડે, પણ પછી સાબુ એનો મેલ મૂકતો જાય. સાબુનો મેલ કાઢવા ટીનોપોલ નાખો, તો તે ટીનોપોલ પાછું એનો મેલ મૂકતું જાય ! તેમ આ લૌકિક ગુરુઓ તમારો મેલ કાઢે અને પાછા પોતાનો મેલ મૂકતા જાય ! 'રિલેટિવ' ધર્મો બધાં મેલથી મેલ કાઢવાનું કરે છે !

છતાં ગુરુ કર્યા વગર ચાલે એવું નથી. 'ગુરુ વગર ચાલે એવું છે' કહેનાર વિરોધાભાસમાં છે. આ દુનિયામાં કોઈ દહાડોય ગુરુ કર્યા વગર કશું ચાલે એવું નથી, પછી એ ટેકનિકલ હો કે ગમે તે બાબત હો. 'ગુરુની જરૂર નથી' એ વાક્ય લખવા જેવું નથી. એટલે લોકોએ મને પૂછયું, 'આ કેટલાંક આવું કેમ કહે છે ?' મેં કહ્યું, જાણી-જોઈને નથી કહેતા, દોષપૂર્વક નથી કહેતા. પોતાને જે ગુરુ પ્રત્યેની ચીઢ છે, તે ગયા અવતારની ચીઢ આજે જાહેર કરે છે.

આ દુનિયામાં કોઈ માણસ એવો નથી નીકળ્યો કે જે ગુરુનો વિરોધી હોય. 'ગુરુ નહીં જોઈએ' એ શબ્દ કોઈ પણ માણસથી બોલાય જ નહીં. એટલે ગુરુ જોઈએ નહીં, એ બધી વિરોધાભાસી વાત કહેવાય. કોઈ એવું કહે કે 'ગુરુની જરૂર નથી' તો એ એક દ્રષ્ટિ છે, એનો દ્રષ્ટિરાગ છે.

પ્રશ્નકર્તા : હા, ગુરુ કરવા જ જોઈએ. ગુરુ વગર જ્ઞાન ના મળે, એ સિધ્ધાંત બરોબર છે.

ગુરુ કોને કહેવાય ?

દાદાશ્રી : એટલે ગુરુ કોનું નામ કહેવાય ? કંઈ કરવાનું ના કહે, એનું નામ ગુરુ ! આ તો રસ્તે ચાલતા ગુરુ થઈ બેઠા છે. પાછાં કહેશે, 'પંગું લંઘયતે ગિરીમ્.' અરે, આવું કહો છો, પણ અમને તમે તો કહો છો કે 'તું ચાલ.' તમે જ તો મને કહો છો કે 'મને તારે ખભે બેસાડી દે.' ગુરુ શું કહે છે ? 'મને ખભે બેસાડી દે.' 'અરે, હું પાંગળો અને તમે મારે ખભે બેસવાનું કહો છો ?' આ વિરોધાભાસ ના કહેવાય ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે શિષ્યે કશી તસ્દી નહીં લેવાની, તસ્દી ગુરુએ જ બધી લેવાની ?

દાદાશ્રી : હા, ગુરુએ જ કરવાનું. તમારે જો કરવાનું હોય તો તમારે એમ કહેવું જોઈએ, 'ત્યારે સાહેબ, તમારે શું કરવાનું ? કહો. જો તમારે કશું કરવાનું નહીં ને આ હુકમ જ કરવાનો હોય, તો એનાં કરતાં હું મારે ઘેર મારી વાઈફનો હુકમ માનીશ. વાઈફે ય પુસ્તકમાં જોઈને કહેશે ! તમે ય જો પુસ્તકમાં જોઈને, શાસ્ત્રમાં જોઈને કહો છો, તો એ ય પુસ્તકમાં જોઈને કહેશે. 'આમ કરો' કહેવાથી નહીં ચાલે. તમે કંઈક કરવા લાગો. મારાથી ના થાય એ તમે કરો ને તમારાથી ના થાય એ અમે કરીએ. એવું વહેંચણ કરી લો.' ત્યારે પેલા ગુરુઓ શું કહે ? 'અમે શાનાં કરીએ ?!' ત્યારે આપણે કહીએ, 'ત્યારે તમારી પાસે શુક્કરવાર વળે નહીં અને શનિવાર મારો થાય નહીં.' એવું કહી દેવું જોઈએ ને ?!

ગુરુ કર્યા પછી, કેવી દ્રષ્ટિ રાખવી ?

એના ઉપરથી હું દાખલો આપું. અમે જાતે એક ઝાડ રોપ્યું હોય અને ત્યાં આગળ અમારે જ રેલ્વે નાખવાની હોય ને એ ઝાડ રેલ્વેની વચમાં આવતું હોય ને જો કાપવાનો પ્રસંગ આવે, તો હું કહું કે મેં રોપેલું છે, મેં પાણી પાયેલું છે, માટે રેલ્વે ફેરવો પણ ઝાડ ના કપાવું જોઈએ. એટલે એક મહારાજને હું પગે લાગ્યો હોઉં તો એ ગમે તે કરે તો ય મારી દ્રષ્ટિ હું ના બગાડું. કારણ કે એ તો કર્માધીન છે. જે દેખાય છે એ બધું ય કર્માધીન છે. હું જાણું કે આમને કર્મના ઉદય ફરી વળ્યા છે. એટલે બીજી દ્રષ્ટિથી ના જોવાય આવું તેવું. જો ઝાડ કાપવું હતું તો ઉછેરવું નહોતું અને ઉછેરવું છે તો કાપીશ નહીં. આ અમારો સિધ્ધાંત પહેલેથી ! તમારો સિધ્ધાંત શું છે ? વખત આવે તો કાપી નાખવું હડહડાટ ?!

અમે સિધ્ધાંતિક હોઈએ કે, ભાઈ, આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો, રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય. અમારો સિધ્ધાંત હોય બધો. એવો કોઈને પડવા ના દઈએ. એની એ જ જગ્યાએ રહે એ પછી. એના વિચારો જ બધા ફેરવી નાખીએ અમે. અહીં બેઠાં બેઠાં. અહીં ઘેર બેઠાં બેઠાં એના વિચારો જ ફેરવી નાખીએ અમે. ત્યાં અમે વધારે મહેનત કરીએ જરા. મહેનત વધારે કરવી પડે. તમારે માટે, બધાને માટે મહેનત ના કરવી પડે. એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી વિચાર આગળ કરી શકે નહીં એવું કરવું પડે. એવો કો'ક જ કેસ હોયને ! બધા કેસ ના હોયને ?!

ત્રિગુણાત્મક પ્રકૃતિની પાર રહ્યો પુરુષ !

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ - એ ત્રણ ગુણોના અધિપતિ દેવતા છે. સત્ત્વ, રજ અને તમો. તમોગુણવાળા મહાદેવને ભજે, સત્ત્વગુણવાળા બ્રહ્માને ભજે ને રજોગુણવાળા વિષ્ણુને ભજે. જેને ભજે તેને તે ગુણ પ્રાપ્ત થાય. ઇન્ડિયામાં રજોગુણવાળા વધારે હોય છે પણ જગત તમોગુણમાં પડ્યું છે. આ ત્રણ ગુણના ત્રણ દેવતા છે. તે જન્મ્યા નથી, રૂપક મૂક્યા છે. વેદ પણ 'આ ત્રણ ગુણોથી મુક્ત થઈ તું પુરુષ થા' એમ કહે છે.

આ પ્રકૃતિ નાચ નચાવે છે ત્યારે અક્કરમી કહે છે કે હું નાચ્યો. મૂઆ ભમરડો ફરે છે તેમાં તેનો શો પુરુષાર્થ ? લાખ કમાયો ત્યારે કહે છે કે હું કમાયો ને ખોટ જાય છે ત્યારે મૂઆ કહે ને કે મેં ખોટ ઘાલી ! ત્યારે તો મૂઓ ભગવાન ઉપર ઢોળી પાડે છે. ભગવાને ખોટ ઘાલી, કહે છે. તે ભગવાન બિચારાને બાપ નહીં, કોઈ ઉપરાણું લેનારું નહીં, તેથી મૂઆ આ લોકો ભગવાન પર ખોટા આરોપ કરે છે !

આ તો પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે હું કરું છું. દાન આપવું, જપ-તપ, ધર્મધ્યાન, દયા, અહિંસા, સત્ય એ બધાં જ પ્રાકૃત ગુણો છે. સુટેવો ને કુટેવો એ ય પ્રાકૃત ગુણો છે. પ્રાકૃત ગમે તેવું રૂપાળું હોય પણ ક્યારે વેહ (વેશ) કાઢે કે ફજેત કરે તે કહેવાય નહીં.

એક રાજા હોય, બહુ દાનેશ્વરી ને ધર્મનિષ્ઠ હોય પણ જંગલમાં ભૂલો પડ્યો હોય ને ચાર દિવસ ખાવાનું ના મળ્યું હોય તો જંગલમાં ભીલને ત્યાં ભીખ માગીને ખાતાં તેને શરમ આવે ? ના આવે. ત્યારે ત્યાં તેનું દાનવીરપણું ક્યાં ગયું ? ત્યાં રાજાપણું ક્યાં ગયું ? અલ્યા ! મહીંથી પ્રકૃતિ બૂમ પાડી માગે છે, તે સંયોગોના સપાટામાં આવ્યો છે, તે વખતે રાજા પણ ભિખારી બની જાય તો પછી બીજાનું ગજું જ શું ? આ તો પ્રકૃતિ દાન અપાવે છે ને પ્રકૃતિ ભીખ મંગાવે છે, તેમાં તારું શું ? એક ચોર વીસ રૂપિયાની ચોરી કરે છે ને હોટલમાં નાસ્તાપાણી કરી મજા લૂંટે છે ને જતાં જતાં દસની નોટ પતિયાને આપી દે છે એ શું ? આ તો પ્રકૃતિની માયા છે ! કળાય તેમ નથી !

કોઈ કહેશે કે આજે મેં ચાર સામાયિક કર્યા ને પ્રતિક્રમણ કર્યાં ને બે કલાક શાસ્ત્રો વાંચ્યા. તેય મૂઆ પ્રકૃતિ કરાવે છે ને તું કહે છે કે 'મેં કર્યું.' જો તું જ સામાયિકનો કર્તા હોઉં તો બીજે દહાડે પણ કરને ! ત્યારે બીજે દહાડે કહે કે, આજે તો 'મારાથી નથી થતું' એમ બોલે છે અને કાલે 'મેં કર્યું' એમ બોલેલો તે કેટલો મોટો વિરોધાભાસ ! જો કરનારો તું જ હોઉં તો ક્યારેય 'નથી થતું' એમ બોલાય જ નહીં. નથી થતું એનો અર્થ જ એ કે તું કરનારો નથી. આખું જગત આવી ઊંધી સમજણથી અટક્યું છે. ત્યાગ કરે છે તે ય પ્રકૃતિ કરાવે છે ને ગ્રહણ કરે છે તે ય પ્રકૃતિ કરાવે છે. આ બ્રહ્મચર્ય પણ પ્રકૃતિ પરાણે પળાવે છે, છતાં કહે છે કે હું બ્રહ્મચર્ય પાળું છું. કેટલો મોટો વિરોધાભાસ !

આ રાગ-દ્વેષ, દયા-નિર્દયતા, લોભી-ઉદાર, સત્ય-અસત્ય આ બધા દ્વંદ્વ ગુણો છે. તે પ્રકૃતિના ગુણો છે ને પોતે દ્વંદ્વાતીત છે.

અસહજતાથી આત્મા રહ્યો દૂર !

ગમે તેવાં સંજોગ આવે, પણ રઘવાટિયો ના થઇશ. આત્મા રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, ત્યાં રઘવાટની જરૂર હોય ? ચા પીઓ, નાસ્તો કરો, વાજાં વગાડો, બધુંય કરો, પણ આ તો રઘવાટ, રઘવાટ ને રઘવાટ ને આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો પાણી ય ના પીવા દે, ગળે ઊતરવા ના દે. આપણે જો પાણી પીતા હોઇએ ને થોડી વાર કરીને તો કહેશે, 'ખસ, ખસ, અહીંથી જા, પ્રમાદ કરે છે ?' મેલ તારો પ્રમાદ ! પ્રમાદ તારે ઘેર લઇ જા, નથી જવું એવું મોક્ષમાં ! એવું મોક્ષમાં જવાતું હશે ? ગુરુ મહારાજ પાણી પીવા ના દે, ગળે ઊતરવા ના દે, એવું તે મોક્ષમાં જવાય ? તમે એવું જોયેલું ? રઘવાટ નહીં જોયેલો ?

પ્રશ્નકર્તા : જોયેલો ને; હું તો બે વર્ષ સાધુઓમાં રહી આવ્યો છું, દાદા.

દાદાશ્રી : ત્યાં પ્રમાદ નામનો શબ્દ હોય છે ને તે બધાને રઘવાટ રઘવાટ કરાવે છે. એના કરતાં તો પ્રમાદ કરને, તો રઘવાટ મટી જાય! કેટલો વિરોધાભાસ છે ? આ તો 'આ' સાયન્સ, અજાયબ સાયન્સ ઊભું થયું છે ! આ સાયન્સ ! આખું જગત મોંમા આંગળાં ઘાલશે એવું સાયન્સ પ્રગટ થયું છે, 'જેમ છે તેમ' ખુલ્લું થયું છે, નહીં તો અહીં ય રઘવાટ હોય ને, તો દાદા તમને ચા-બા પીવા ના દે, 'અલ્યા, ચા પી રહ્યા કે નહીં? ઊઠો, હેંડો, હેંડો ગાવ, ચાલો થબાકો પાડો' એમ કરે; પણ અહીં રઘવાટ-બઘવાટ નહીં ને ! આત્મા તેવો રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, એવો કંઇ ગાંડો હશે, આવો ? આપણે આત્મા જેવા થઇએ, તો આત્મા પ્રાપ્ત થાય.

એ તો ઊંચે ચઢાવવાનું પ્રયોજન !

પ્રશ્નકર્તા : ઘણા સ્ત્રોતો, સ્તુતિઓમાં એમ કહ્યું છે કે એ સ્તુતિનો પાઠ નિત્ય કરવાથી સંસારનાં બધાં સુખો ભોગવી અને પરમાત્માને પામી શકાય છે. આવું હોય તો આત્મજ્ઞાનને માટે મહેનત શા માટે કરવી ?

દાદાશ્રી : એવું છે ને, એ તો રસ્તો બતાવે છે કે પુણ્ય બંધાયેલી હશે તો ઊંચે ચઢશો, તો કોઈક દહાડો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો જડશે. પણ પાપ જ બંધાયેલું હોય, તેને આ રસ્તો જ ના જડે ને ? એટલે આવું લોકોને ઉત્તેજના માટે કહેલું. બાકી આ ખરેખર, 'એક્ઝેક્ટ' કારણ નથી.

ધર્મ હંમેશાંય સિધ્ધાંતિક હોવો જોઈએ. સિધ્ધાંતિક એટલે અસિધ્ધાંતપણાને ક્યારેય પામે નહીં અને ફળદાયી હોય. તરત ફળ આપે તો એ સિધ્ધાંત છે, નહીં તો તરત ફળ ના આપે તો એ સિધ્ધાંત કેમ કહેવાય ?

સહુ સહુની જગ્યાએ કરેક્ટ !

તમને લાગે છે ને, વાસ્તવિક છે આ વાત ?

પ્રશ્નકર્તા : હા, હા, બરોબર લાગે છે.

દાદાશ્રી : વાસ્તવિક એ ભ્રાંતિ વગરની વાત છે. ભ્રાંતિવાળી વાત બધી જ વિરોધાભાસ હોય. તેથી અમે કહીએ છીએ ને, અમારી વાણી સિવાય, તીર્થંકરોની વાણી સિવાય બીજી બધી વાણી વિરોધાભાસ છે. છતાં રિલેટિવમાં એ બધી વાત સાચી છે. કારણ કે સ્યાદ્વાદ ખરું ! વીતરાગોએ એને સ્યાદ્વાદ કહ્યું કે એક અંશથી ૩૬૦ ડિગ્રી સુધીની બધી વાત એની જગ્યાએ કરેક્ટ છે. ત્યાં આગળ જે વાતો ચાલે છે, જેમ એક બાબો બીજા બાબાને પાછો કહે, તો તે બેઉને સંતોષ થાય, એવી રીતે એનો વ્યવહાર ચાલુ હોય.

પ્રશ્નકર્તા : તો ય બંને બાબામાં ગયાં.

દાદાશ્રી : બેઉ બાબા. પણ બંનેને સંતોષપૂર્વક ચાલે. અને આપણું આ જ્ઞાન શીખવાડેલું હોય તો બાબાને મૂંઝવી નાખે. દસ વર્ષની છોડી બીજી દસ વર્ષની છોડીને કહે તે એક્ઝેક્ટ જ્ઞાન હોય. બંને સામસામી સમજી જાય. એટલે જ્યાં આગળ જે છે, એ બરોબર છે.

ફેર છે, લોજિકલ ને સિધ્ધાંતિકમાં !

પ્રશ્નકર્તા : ક્રમિકમાં વર્ણન કર્યું હોય, તે ઘણું લોજિકલ છે એમ લાગે.

દાદાશ્રી : લોજિકલ છે માટે એ સત્ય નથી. લોજિકલ છે, માટે મહાવીરનું વાક્ય ન હોય આ. આપણો એક શબ્દ લોજિકલ નથી. પચ્ચીસ-પચ્ચીસ વર્ષથી હું બોલ્યો છું પણ એક શબ્દ વિરોધાભાસ ઉત્પન્ન થયો નથી. ત્યાં સિધ્ધાંતની બહાર કશું હોય નહીં. સિધ્ધાંત એનું નામ કહેવાય કે અસિધ્ધાંતપણાને કોઈ કાળે, ક્યારેય પામે નહીં અને અસિધ્ધાંત એનું નામ કહેવાય કે સિધ્ધાંતને ક્યારેય ના પામે.

પ્રશ્નકર્તા : લોજિક એટલે શું ?

દાદાશ્રી : તર્ક બધું. અત્યારે ક્રમિક માર્ગ બધો તર્ક ઉપર બંધાયેલો છે. અને તેથી પામતા નથી ને ! એમાં શું પ્રાપ્ત કરી શકશો ? અહીં કિંચિત્માત્ર લોજિક નથી.

પ્રશ્નકર્તા : પેલાં પોતે જે જાણે છે, ક્રમિકનું જે જાણે છે, એ પ્રમાણે અક્રમને લોજિકલ કહે તો બરાબર કે નહીં ?

દાદાશ્રી : ના, કહેવાય જ નહીં અહીં. આ તો મહાવીરની વાણી કહેવાય. મહાવીરની વાણીને જો લોજિકલ કહે, તો પછી તો કોને સાચી વાણી કહેશે ?! આ તો ચોવીસ તીર્થંકરોની પરફેક્ટ વાણી છે !

પ્રશ્નકર્તા : આપણે ભલે 'લોજિકલ' શબ્દ પ્રયોગ કર્યો, પણ એ સમજી શકાય એવું છે, એમ એમનું કહેવું હશે ?

દાદાશ્રી : એ બરોબર છે. બુધ્ધિથી ના સમજાય તો કામનું જ નહીં. બુધ્ધિથી જ લોકો સમજીને આગળ વધે છે. પણ બુધ્ધિથી સમજાવી ન શકે. કોઈ પણ માણસ મહાવીરનો સિધ્ધાંત બુધ્ધિથી સમજાવી શકે નહીં. હા, એના એ જ શબ્દો, શાસ્ત્રોના શબ્દોથી સમજાવાય. પણ બુધ્ધિથી, પોતાના શબ્દોથી, એકુંય વાક્ય એકુંય માણસ નહીં બોલી શકે. મહાવીરની વાણી, અહંકારરહિત સિવાય કોઈ માણસ એક વાક્ય પણ બોલી શકે નહીં, એક વાક્ય નવું ઉત્પન્ન થાય નહીં. સમજવું જોઈએ આ. આ વાણી તો મહાવીરની વાણી કહેવાય. સૈધ્ધાંતિક વાણી મહાવીરની વાણી હોય. સૈધ્ધાંતિક વાણી શાસ્ત્રમાં ન હોય.

પ્રશ્નકર્તા : સિધ્ધાંત એટલે શું ?

દાદાશ્રી : સિધ્ધાંત એટલે વિરોધાભાસ ક્યાંય ન હોય. વીસ વર્ષ થાય, ચાળીસ વર્ષ થાય, પણ જે બોલ્યા હોય, જે લખ્યું હોય એમાં કોઈ દહાડો વિરોધાભાસ ના હોય. પેલું તો સંસાર તરફનું બધું વિરોધાભાસ કરનારું. હંમેશાં બુધ્ધિ હોય ત્યાં વિરોધાભાસ હોય જ. અને બુધ્ધિ છે ત્યાં સાપેક્ષતા છે, એટલે વિરોધાભાસ હોય જ.

શબ્દો સર્યા, સિધ્ધાંતમાંથી...

હવે પારિભાષિક શબ્દો એમાં કોને સમજણ પડે છે આ બધી ? કેટલા લોકો આ પારિભાષિક શબ્દો સમજતા હશે ? અને બધા લોકો પારિભાષિક શબ્દોમાં જ લખે. પોતાની ભાષામાં લખેલું એક પુસ્તક મને દેખાડો. કારણ કે પારિભાષિક શબ્દોનો પૂરેપૂરો અર્થ સમજાઈ જાય, આખો સિધ્ધાંત સમજાઈ જાય, ત્યાર પછી પોતાની ભાષાનો શબ્દ નીકળે. એમ ને એમ નીકળે નહીં. પછી એ ગમે ત્યાંથી બોલે તો સિધ્ધાંત જ હોય. પેલું તો શાસ્ત્રના આધારે જ બોલવું પડે. અને શાસ્ત્રમાં ભૂલચૂકવાળું હોય તો બોલવામાં ય ભૂલચૂકવાળું નીકળે. અને આ તો ગમે ત્યાંથી બોલે તો ય સિધ્ધાંત. કારણ કે એક માણસે જોયેલી વસ્તુ હોય. અને એમને પૂછ પૂછ કરે તો આમની પૂછો તો આમની કહે અને આમની પૂછો તો આમની કહે. ગમે ત્યાંથી પૂછે તો ય કહે. અને પોતાની ભાષામાં કહે. એ ઓછું ભગવાન મહાવીરની ભાષામાં કહે ?

પારિભાષિક શબ્દ કોઈ પણ વાતને તરત સમજવા ના દે. એટલે અમારી વાણીમાં પારિભાષિક શબ્દ ના હોય. કારણ કે મૂળમાંથી ઉત્પન્ન થયેલી છે.

બીજા બધા પુસ્તકોમાં પારિભાષિક શબ્દો કેમ છે ? મેં કહ્યું, એ તો લોન ઉપર લીધેલું જ્ઞાન છે. અને આ તો દરઅસલ જ્ઞાન છે. બીજમાંથી નીકળેલું જ્ઞાન છે આ. પેલું ડૂંડાનું જ્ઞાન છે, ફળનું જ્ઞાન છે. લોન ઉપર લીધેલું, પેલા લીધેલા શબ્દો એનાં એ જ પાછાં અહીં મૂકે. એનું એ જ ચાલ્યું છે ને ! બીજું શું ચાલે છે ?!

તે પારિભાષિક શબ્દો છે ને, સેટ થવાં જોઈએને ! એ એડજસ્ટ થવાં બહુ મુશ્કેલ છે. અમે પારિભાષિક શબ્દ રાખ્યો નથી. પારિભાષિક શબ્દો કોણે રાખેલા કે જેને એક્ઝેક્ટ અનુભવ નથી થયાં તેણે રાખેલા. જેને એક્ઝેકટ અનુભવ થયો તે પોતાની ભાષામાં ગમે તે બોલે.

આખા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી !

તમને કોઈ દહાડો ભગવાન ભેગા થાય છે ? વાતચીત કરે છે ? પણ તમારું ચિત્ત જ એ બાજુ નહીં ને ! ચિત્ત જ બહાર ને બહાર. એને ભગવાને શું કહ્યું ? બર્હિમુખી કહ્યું. અંતર્મુખી થયેલાં કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : કો'ક કો'ક વખત એનો આનંદ મળે છે.

દાદાશ્રી : એ અંતર્મુખ ના કહેવાય. એ તો અંતરદ્ષ્ટિ કરી કહેવાય. અંતર્મુખ તો જુદી વસ્તુ છે. અંતર્મુખ તો હેંડતા ચાલતા અંતર્મુખ, ઉઘાડી આંખે, બહાર જોતો જાય છતાં અંદર અંતર્મુખ હોય !

અને ચિત્ત ભગવાનમાં રહે તો સંસારમાં કશો બોજો જ ના લાગે. એટલે પોતાના સ્વરૂપમાં ચિત્ત રહેતું હોય, તેને શાનો બોજો લાગે ? સમાધિ જ રહે.

હું તો માર્કિંગ કર્યા કરતો. બીજા કશામાં જેનું ચિત્ત ના હોય એ માર્કિંગ કર્યા કરે ને મને એ ભાંજગડ હતી નહિ કોઈ જાતની. મને આ માર્કિંગ જોઈએ. છતાં ય પણ આ માર્કિંગ કરેલું જ્ઞાન નથી. આ તો ગિફ્ટ છે. નહિ તો આવડું મોટું અવિરોધાભાસ વિજ્ઞાન ઊભું કેમ કરીને થાય ?!

આત્મયોગ એ જ સિધ્ધાંત !

યોગ એટલે ટુ જોઇન, યુજ ધાતુ ઉપરથી થયેલો છે. જાણેલાંનો જ યોગ થાય. દેહનો યોગ, વાણીનો યોગ, તો કોઇ મનનો પણ યોગ કરે. આવાં યોગથી ભૌતિક શક્તિ વધે પણ મોક્ષ ના મળે. આત્મયોગથી જ મોક્ષ થાય.

આ જગતમાં મનોયોગી હોય છે, બુધ્ધિયોગી છે, અવળી-સવળી બુધ્ધિવાળા, કેટલાંક સમ્યક્ અને કેટલાંક વિપરીત બુધ્ધિવાળા હોય છે. દેહયોગી તપસ્વીઓ અને વચનયોગી વકીલો વગેરે વગેરે જાતજાતના ને ભાતભાતના યોગીઓ પડેલા છે. આત્મયોગ એ જ એક સાચો યોગ છે, બીજા બધા અયોગ છે. આત્મયોગમાં બેઠેલા હોઇએ ત્યારે મન ફાઇલો ધરે ત્યારે તેને કહેવું, કે ચાલ્યો જા ! નહિ તો તારું અપમાન કરીશ. હમણાં ના આવીશ, પછી આવજે. આત્મયોગના ધ્યાનમાં રહો ત્યારે અનુભૂતિ થાય અને તે અનુભૂતિ ના જાય. સ્વરૂપના ભાન સિવાય જે જે જાણો છો તે અજ્ઞાન છે. સ્વરૂપના ભાન પછી જે જે જાણો તે જ જાણેલું કહેવાય. આત્મયોગ થયો તે જ સ્વરૂપનું ભાન થયું. જ્ઞાનયોગ એ જ સિધ્ધાંત છે. ત્રિયોગ (મન-વચન-કાયાનો યોગ) એ અસિધ્ધાંત છે.

વિચાર્યા વિનાની વાણી !

એક બેન કહે છે કે, 'આ દાદા જે બોલે છે તે, હી થિંકસ ટુ મચ બીફોર હી સ્પીકસ્'. ત્યારે મેં એને કહ્યું કે, 'મારી વાણીની આટલી કદર કરનાર તું જ નીકળી. બીજું કોઈ નીકળ્યું નહીં.' એ બેનના મનમાં એમ થયું કે 'આ વાણી આટલી બધી સ્પીડી અને આવી અવિરોધાભાસ શી રીતે નીકળે ? એટલે વિચાર્યા વગર આટલું બધું નીકળે નહીં.' ત્યારે મેં કહ્યું, 'તારી વાતની નોંધ કરી. બાકી, ખરેખર અમે તો વિચારતા જ નથી ને ! હું વિચાર્યા વગર જ બોલું છું.' ત્યારે એ કહે છે, 'અરે, એવું કંઈ દુનિયામાં બનતું હશે ? આટલું બધું સરસ બોલો છો, ભૂલ વગરનું ! તમે ખૂબ વિચારો છો ને પછી બોલો છો.' મેં કહ્યું, 'ના, બિલકુલેય વિચારતો નથી ને પછી બોલું છું, તેથી આવું નીકળે છે. અમારે વિચારવાનું હોય નહીં. વિચારવાળો તો ગૂંચાયેલો જ હોય હંમેશાં.' આ તો કંઈ વિચારીને બોલતો હતો હું ? ના. આ તો ટેપરેકર્ડ વાગ્યા કરતી હતી. વિચારીને બોલું તો 'કરવું હતું' તેને બદલે 'કરવી હતી' થઈ જાય, ને પાછું એને સુધારવાનું. તમને સમજ પડે આ ?

જીતવામાં પોતે, હારવામાં નસીબ !!!

જો વિરોધાભાસ વર્તન ! આને જીવન જ કેમ કહેવાય ?! અને નસીબ જ હોય તો વકીલ ક્યાં ગયા ? જીતવામાં વકીલ હતા અને હારવામાં વકીલ નહીં ? કે નસીબ ? મોટાં જિતાડનારા આવ્યા ! જિતાડનારા તો ફરી હરાવે નહીં ને ! તો અલ્યા, તું બોલતો હતો કે બીજો કોઈ બોલતો હતો ? અને નસીબને શું કરવા જુએ છે ? આ તો ટેપરેકર્ડ છે. પણ બિચારાને ખબર નથી કે આ જીત્યો હતો તે ય ઓરિજિનલ ટેપરેકર્ડથી અને હાર્યો તે ય ઓરિજિનલ ટેપરેકર્ડથી.

આત્માનું કર્તાપણું નથી એમાં...

આત્મા શબ્દ બોલે એવો નથી. એટલે પોતાનો જે ભાવ છે એ ભાવમાં બધું ય આવી ગયું. એ શબ્દો બધા ય આવી ગયા. આ તો વિશેષભાવથી સંજ્ઞા ઉત્પન્ન થાય છે, ભાવસંજ્ઞા. એ ભાવસંજ્ઞામાંથી દ્રવ્યસંજ્ઞા થતાં થતાં બધી મહીં ક્રિયાઓ થાય. તે આ જે બોલાય છે, આ ટેપરેકર્ડ, એ દ્રવ્યસંજ્ઞા છે અને પેલી ભાવસંજ્ઞા છે. ભાવસંજ્ઞા જ્યારે પુદગલમાં પડે, પરિણામ પામે ત્યારે દ્રવ્યસંજ્ઞા થાય. ભાવસંજ્ઞા એ કૉઝિઝ છે અને દ્રવ્યસંજ્ઞા એ ઇફેક્ટ છે. એટલે આત્મા જાતે બોલે નહીં. એ તો કુદરતી રીતે બધું થઈ જાય છે. એટલે આત્માએ આમાં કશું કરવાનું નથી. વાણીનો કર્તા જો એને માનીએ તો એને તમે કર્તા માન્યો. આપણું હરેક બાબતમાં અવિરોધાભાસ પ્રૂફ થવું જોઈએ. એક શબ્દ વિરોધાભાસ ન લાગવો જોઈએ. એટલે આનો કર્તા નથી કોઈ. છતાં આત્મા આમાં અકર્તા ય નથી. એ આત્મા જાણવા જેવો છે. આત્મા જાણે તો બધો નિવેડો આવે. નહીં તો આનો નિવેડો નહીં આવે.

સ્યાદ્વાદ-અનેકાંતઃવ્યવહારમાં, નિશ્ચયમાં...

પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ સિધ્ધાંતનો ઉપયોગ રિલેટિવમાં ખપમાં આવે ?

દાદાશ્રી : સ્યાદ્વાદ રિયલમાં હોય નહીં, એ બધું રિલેટિવમાં હોય.

પ્રશ્નકર્તા : તો સત્માં સ્યાદ્વાદ હોય નહીં, એ સાચું છે ?

દાદાશ્રી : સત્ એટલે રિયલ અને રિયલમાં સ્યાદ્વાદ ના જ હોય ને !

પ્રશ્નકર્તા : તો વ્યવહારની અંદર અનેકાંત-વાદનો સમન્વય થાય ? થાય તો કેવી રીતે ?

દાદાશ્રી : તો નિશ્ચયમાં તો અનેકાંતવાદ છે જ ને, નિરાંતે. નિશ્ચય જે છે, એને તો વાદ જ નથી હોતો. એટલે આ તો વ્યવહારમાં જ અનુકૂળ થાય. એટલે બધા વાદ માત્ર જે છે, એ વ્યવહારમાં જ છે. એકાંતિકવાદે ય વ્યવહારમાં છે અને અનેકાંતવાદે ય વ્યવહારમાં છે. આગ્રહી વાણી ય વ્યવહારમાં છે અને સ્યાદ્વાદ વાણી ય વ્યવહારમાં છે. પણ સ્યાદ્વાદ વાણી એ છેલ્લી વાણી કહેવાય, ટોપમોસ્ટ વાણી કહેવાય. વાણીનું સરવૈયું આવી ગયું. અનેકાંત-એકાંતિકનું સરવૈયું આવી ગયું. એમ ડેવલપ થતું થતું એકાંતિકમાંથી ડેવલપ થાય.

પ્રશ્નકર્તા : રિલેટિવ માર્ગને એકાંત અને રિયલ માર્ગને અનેકાંત ગણી શકાય કે નહીં ?

દાદાશ્રી : રિયલ માર્ગને તો એકાંત કે અનેકાંત એ વસ્તુ જ નથી હોતી. રિયલ એટલે રિયલ. એમાં એકાંત કે અનેકાંત એવાં વિશેષણ હોય જ નહીં. વિશેષણ બધું રિલેટિવને હોય. એટલે રિલેટિવમાં એકાંતિક અને અનેકાંત છે. રિલેટિવમાં જે લોકો આગ્રહી છે, કે 'અમારું સાચું.' એ આગ્રહ કરે છે, એ એકાંત કહેવાય. અને બધાના ધર્મને બધાના સત્યને પકડે અને અનેકાંતની તરફ દ્રષ્ટિ જુએ. દુરાગ્રહ કરે નહીં, આગ્રહ કરે નહીં, ત્યારે એ અનેકાંત કહેવાય. કોઈ ધર્મનું પ્રમાણ સહેજે દુભાય નહીં. એવું હોય ત્યારે એ અનેકાંત કહેવાય. પણ એ રિલેટિવ છે, રિયલ નથી. રિયલમાં કોઈ વિશેષણ છે જ નહીં. રિલેટિવમાં વિશેષણ હોય. કારણ કે વાણી પોતે જ રિલેટિવ છે. વાણી રિયલ છે જ નહીં. તે એકાંતિક અને અનેકાંત પણ વાણીને સ્પર્શીને છે.

સંપૂર્ણ સ્યાદ્વાદમાં ખામી !

અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સ્યાદ્વાદ ના હોય. કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે. એ તો સંપૂર્ણ સ્યાદ્વાદ ! ઝપટમાં લીધા સિવાય બોલે એ. વાત તો એ એવી જ બોલે, પણ ઝપટમાં આવ્યા સિવાય.

પ્રશ્નકર્તા : આપનું આ સ્યાદ્વાદ કોઈ ઝપટમાં આવી જાય છે તેથી સંપૂર્ણ ના કહ્યું, તો ય પણ એ દર્શન તો સંપૂર્ણ છેને કે ભૂલ સ્યાદ્વાદમાં થઈ ગઈ ?

દાદાશ્રી : હા, દર્શન તો પૂરેપૂરું, દર્શનનો વાંધો નહીં. જ્ઞાને ય ખરું, પણ જ્ઞાનમાં ચાર ડિગ્રી ઓછું. એટલે આ સ્યાદ્વાદ છે તે ના હોય. અમારે દર્શન પૂરેપૂરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય. ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલની ય તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતાં ઘણો ટાઈમ લાગશે. તમે તો સ્થૂળ ભૂલો જુઓ છો. મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએને કે અમારો દોષ હોય, છતાંય કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાનો દેખાય.

પ્રશ્નકર્તા : સ્યાદ્વાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય ?

દાદાશ્રી : સ્યાદ્વાદ-અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદ્વાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદ્વાદ પૂરું થઈ રહે એટલે કેવળજ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. 'ફૂલ' દર્શન છે. તેથી બધાને કહ્યું ને કે કેવળદર્શન આપું છું.

બુધ્ધિની કલ્પનાથી પાર !

આખું ક્રમિક જ્ઞાન તો ભગવાને કેવળજ્ઞાનમાંથી કહ્યું અને કલ્પનામાં આવ્યું. અને આપણું આય કેવળજ્ઞાનથી કહ્યું, પણ કલ્પના બહારની વસ્તુ છે આ ! પેલામાં તો વિરોધાભાસ જડે, પણ અહીં ના જડે.

બધું જ બુધ્ધિની કલ્પનાથી ઊભું થયું છે, લૌકિક છે. બધા જ ધર્મોમાં જેની કલ્પનામાં જે જે આવ્યું તે શાસ્ત્રમાં લખ્યું. શાસ્ત્ર એ બુધ્ધિજન્ય જ્ઞાન જ છે. ચેતન એમાં ના જડે. જ્યારે જ્ઞાન એ તો સ્વયંપ્રકાશ છે અને એ જ્ઞાનીના હ્રદયમાં જ હોય. બુધ્ધિના પર્યાયો છે, એની બોધકળાઓ પાર વગરની છે. બુધ્ધિ છે તે અવસ્થાને સ્વરૂપ મનાવવા ફરે તેવી છે. માટે અમે કહીએ છીએ કે બુધ્ધિથી ચેતજો. બુધ્ધિ દેખાડે તે સમયે 'દાદા'ને યાદ કરીને કહે કે, 'હું વીતરાગ છું', તે બુધ્ધિબેન બેસી જાય.

સિધ્ધાંતને અવરોધક, ઊંધી સમજણ !

હું કહું છું કે બુધ્ધિ વગરનો છું. ત્યારે લોક કહે છે, 'ના. એવું ના બોલાય, જો જો, આવું બોલો છો ?' અલ્યા, પણ બુધ્ધિ નથી. એટલે કહું છું. ત્યારે એના મનમાં એમ લાગે કે 'બધા બુધ્ધિશાળી છે. તો દાદા એકલા 'બુધ્ધિ વગરના હોય કંઈ ?' અરે, પેલા બુધ્ધિશાળી છે. તેથી તો બુધ્ધુ થવા બેઠાં છે !!

પ્રશ્નકર્તા : એક પ્રશ્ન એ રહે છે હવે કે બુધ્ધિ એટલે શું ? કોઈ પણ વસ્તુ કે સિધ્ધાંતને જે છે તે સ્વરૂપમાં એક્સેપ્ટ કરવામાં અવરોધરૂપ બને, તેને બુધ્ધિ કહેવાય ?

દાદાશ્રી : આને ને બુધ્ધિને લેવાદેવા નથી. બુધ્ધિ એટલે શું ? નફો ને ખોટ બે જુએ એનું નામ બુધ્ધિ. વ્હેર ઈઝ પ્રોફિટ એન્ડ વ્હેર ઈઝ લોસ (ક્યાં નફો છે અને ક્યાં ખોટ છે). પેલી તો બધી અવળી સમજણ કહેવાય. કોઈ પણ વસ્તુ કે સિધ્ધાંતને જે છે તે સ્વરૂપમાં એક્સેપ્ટ (સ્વીકારી) કરવામાં અવરોધરૂપ કરવો એ રોંગ (ઊંધી) સમજણ કરે છે.

'રાઈટ બિલીફ'થી જ અવિરોધાભાસ ઉત્પન્ન થાય અને અવિરોધાભાસને 'સિધ્ધાંત' કહેવાય.

જ્ઞાની પાસે વિપરીત બુધ્ધિ થાય સમ્યક્ !

પ્રશ્નકર્તા : એટલે આ બુધ્ધિ તો બધું બગાડતી જ હશે કે કંઈક સારું કરતી હશે !

દાદાશ્રી : બધું જ બગાડે, કંઈ પણ વસ્તુ સુધારે નહીં. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી બુધ્ધિ મિથ્યાત્વી છે, મિથ્યા બુધ્ધિ છે. ત્યાં બધું જ બગડે. એટલે મોક્ષ સંબંધી બગડે. સંસારમાં સુધારો કરે વખતે, પણ મોક્ષના સંબંધી બધું જ બગાડે.

પ્રશ્નકર્તા : બુધ્ધિની આગળ મિથ્યા જ લાગે ને ? બુધ્ધિની આગળ સમ્યક્ ના લાગે ?

દાદાશ્રી : બુધ્ધિ મોક્ષમાં જવા જ ના દે. બુધ્ધિ જ્ઞાની પુરુષની પાસે બેસે ત્યારે એને એકદમ સીધું જ્ઞાન થાય નહીં. પણ એની બુધ્ધિ સમ્યક્ થાય. અનાદિકાળની જે વિપરીત બુધ્ધિ હતી, તે જ્ઞાની પુરુષ પાસે એક કલાકમાં જ બેસે ત્યારે એ સમ્યક્ બુધ્ધિ થવા માંડે. જેટલા પ્રમાણમાં સમ્યક્ થઈ ત્યારે એ સમ્યક્ દર્શનની વાત સમજવા માટે તૈયાર થાય. સમ્યક્ જ્ઞાનની વાત, સમ્યક્ ચારિત્રની વાત સમજવા માટે તૈયાર થાય.

વીતરાગ બોધ હ્રદયગત કઈ ગમે ?

પ્રશ્નકર્તા : વીતરાગ બોધ બુધ્ધિથી સમજાય પરંતુ હ્રદયગત થવા માટે શો ઉપાય ?

દાદાશ્રી : પહેલાં બુધ્ધિ છે તે સમ્યક્ બુધ્ધિ જોઈએ. આ તો વિપરીત બુધ્ધિ છે. અને વિપરીત બુધ્ધિથી જે સમજાયેલો વીતરાગ બોધ એ કોઈ દહાડો ફળ આપે નહીં. બુધ્ધિ સમ્યક્ જોઈએ. સમ્યક્ બુધ્ધિ સંતોની ભક્તિથી, સેવાથી ઉત્પન્ન થાય. અને સંસારનાં સંગથી વિપરીત બુધ્ધિ ઉત્પન્ન થાય. એ વિપરીત બુધ્ધિથી વીતરાગ બોધ ક્યારેય પણ સમજાય નહીં અને હ્રદયગત થાય નહીં.

જ્યાં સુધી નિજછંદ પરિણામી બુધ્ધિ છે, ત્યાં સુધી એ વિપરીત બુધ્ધિ છે. એ સમ્યક્ થાય નહીં. ત્યાં સુધી એ વિપરીતતા જ ભજ્યા કરે.

સમ્યક્ બુધ્ધિ લડાઈ ના કરે. લડાઈ થતી હોય તો કો'ક કહેશે, ભઈ, બેમાંથી કોણ સમ્યક્ બુધ્ધિવાળો ? બેમાંથી જે લડાઈને છોડી દે એ સમ્યક્ બુધ્ધિવાળો.

સમ્યક્ બુધ્ધિ કેવી હોય ? મત ના હોય, ગચ્છ ના હોય, જુદાઈ ના હોય, બીજી કોઈ ભાંજગડ ના હોય અને ગચ્છ-મતવાળી બુધ્ધિ, મિથ્યા બુધ્ધિ કહેવાય. આ અમારું ને આ એનું !

બુધ્ધિ પાછી મતાભિગ્રહવાળી. અભિગ્રહ શાનો ? મતનો. આત્માનો અભિગ્રહ કરવાને બદલે મતનો અભિગ્રહ કર્યો. ક્યારે કયે ગામ પહોંચે ? લાખ અવતાર થાય તો ય કશું વળે નહીં. અંતર શાંતિ થાય નહીં. અંતરદાહ બળતો બંધ ના થાય. અને જ્ઞાની પુરુષની પાસે તો અંતરદાહ કાયમનો મટી જ જાય. અંતરદાહ જ ના સળગે.

અત્યારે જે આ ચાલતી બુધ્ધિ છે ને, એ બધી વિપરીત બુધ્ધિ છે. જે આનંદઘનજીના વખતમાં સો ટકા સમ્યક્ બુધ્ધિ હતી તે દહાડે બુધ્ધિ સમ્યક્ હતી, વિપરીત બુધ્ધિ નહોતી. એ સમ્યક્ બુધ્ધિમાંથી ઘસાતી ઘસાતી ઘસાતી અત્યાર દસ-પંદર ટકા બુધ્ધિ રહી છે. ચોથા આરાના પૂર્ણ થયાં સુધી બુધ્ધિ બધી સમ્યક્ હતી.

બુધ્ધિ ને અધ્યાત્મિકતાનો સંબંધ ?

પ્રશ્નકર્તા : આધ્યાત્મિકતા અને બુધ્ધિ એને કંઈ સંબંધ ખરો ?

દાદાશ્રી : આમ કશો સંબંધ નહીં. ફક્ત આધ્યાત્મિક સમજવું હોય તો સમજવા માટે આપણને બુધ્ધિ સાધન તરીકે કામ લાગે. બાકી બુધ્ધિ હંમેશાં સંસારમાં જ ભટકાય ભટકાય કરે. બુધ્ધિનો સ્વભાવ એવો કે માણસને સંસારમાં જ ભટકાવ ભટકાવ ભટકાવ ભટકાવ કરે.

આધ્યાત્મિકમાં સ્થિર કરે, એ સ્થિરતાનો માર્ગ છે. અને આ ચંચળ, ને સ્થિરતા બે વિરોધાભાસ કહેવાય. બે સાથે બેસી શકે નહીં. બુધ્ધિ તો દરેક માણસને ઈમોશનલ કરનારી જ છે.

બુધ્ધિ નિર્મળ થાય ને, ત્યારે આ બધું સમજાય. નિર્મળ બુધ્ધિ ક્યારે થાય કે પરિગ્રહ ઓછો થાય. બીજું આજુબાજુ સંજોગો બધા ડહોળાયેલાં ના હોય. કેટલાક પ્રકારના બહુ સુંદર જવાબ આપે એ. મારી વાત સમજ્યા ? ઉપનિષદની બહાર છે આ વાત બધી.

પ્રશ્નકર્તા : જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળે નહીં ત્યાં સુધી તો આ પુસ્તકો પાછળ જ પડે.

દાદાશ્રી : હા, ત્યાં સુધી એ જરૂરિયાત કારણ કે બુધ્ધિનો વિષય છે. બુધ્ધિથી પરમાં જવું પડશે. તે જ્ઞાની પુરુષ મળે ત્યારે બુધ્ધિથી પરની વાતો જાણે. બાકી આ ઉપનિષદ ને એ બધા બુધ્ધિનો વિષય અને શબ્દ રૂપી. શબ્દો કશું કરે નહીં, પણ જ્ઞાની ના મળે ત્યાં સુધી શું કરે ? સારું ના મળે તો કંટ્રોલમાં મળે એવું ખાવું તો પડે ને ?

'સદ્બુધ્ધિ' એનું નામ કે ક્યારેય પણ વિરોધાભાસ ના લાવે. 'જ્ઞાની પુરુષ' પાસે એક કલાક બેસવાથી સદ્બુધ્ધિ ઉત્પન્ન થાય.

આ સિધ્ધાંત બુધ્ધિને ગાંઠે નહીં !

પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન છે એમાં આંતર ને બાહ્ય બંને આવી જાય ?

દાદાશ્રી : બેઉ આવી જાય, બેઉ આવી જાય. પહોંચી વળે બન્નેને. કારણ કે બુધ્ધિને ગાંઠતું જ નથી આ જ્ઞાન. ગમે એટલો બુધ્ધિશાળી હોય, સાયન્ટિસ્ટ હોય પણ જ્ઞાન ગાંઠે નહિ. અને સાયન્ટિસ્ટો જ પાછા મને કહે ને, કે જ્યારે મેં કહ્યું કે 'આ ટેપરેકર્ડ બોલે છે.' ત્યારે કહે, અમારે આ સમજાતાં બહુ વાર લાગશે. અને હું તો જવાબદારીવાળું બોલું છું. આ બેજવાબદારીવાળું નથી બોલતો. વાત છેવટે સમજવી પડશે અને આ સિધ્ધાંત તો બુધ્ધિને ગાંઠે એવો નથી. એટલે બુધ્ધિવાળાને બુધ્ધુ બનાવી દે એવો છે. આ સિધ્ધાંત એટલે એક-બે જણને મેં કહ્યું ને, 'શું કરવા આમાં બુધ્ધિ ચલાવો છો ? ન હોય બુધ્ધિ ચલાવવાનો રસ્તો આ. તમારી બુધ્ધિ તમને બુધ્ધુ બનાવશે. આ સિધ્ધાંત બુધ્ધુ નહીં બનાવે, અવળાં અર્થ કરીને તમારી બુધ્ધિ તમને બુધ્ધુ બનાવી દેશે. સિધ્ધાંત કંઈ નવરો નથી કે તમને બુધ્ધુ બનાવે અને આ તો સિધ્ધાંત છે. છેલ્લા સત્યાવીસ વર્ષથી આ વાણી નીકળી છે. એમાં ખોળી કાઢે કે એકુંય શબ્દ વિરોધાભાસ છે ?

આ તો વિજ્ઞાન છે. તરત મુક્તિને આપનારું છે. અને જો આ વિજ્ઞાન સમજી જાય તો તાળા મળે એવું છે, જ્યાંથી તાળો મેળવો, ત્યાંથી તાળા મળ્યા જ કરે. અને જે કોઈ પણ વસ્તુનો તાળો ના મળતો હોય તો એ વિજ્ઞાન જ ના કહેવાય. તાળો મેળવવો હોય તો તાળો મળી રહેવો જોઈએ. વિરોધાભાસ ક્યારે પણ ના આવવો જોઈએ. સો વર્ષ થાય, પણ વિરોધાભાસ હોય નહીં એનું નામ સિધ્ધાંત કહેવાય. આ 'અક્રમ સિધ્ધાંત' બુધ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુધ્ધિશાળીઓ મુંબઈમાં આવ્યા, પણ કોઈને ગાંઠતું જ નથી. કારણ કે બુધ્ધિથી પર વસ્તુ છે આ !! બુધ્ધિ તો લિમિટેડ (મર્યાદિત) હોય. આની લિમિટે ય ના હોય.

બુધ્ધિશાળી એટલે શું ? એને કોઈ કાયદો નહીં, 'નો લૉ !' આમથી ફેંકે, આમથી ફેંકે, આમથી ફેંકે. અને આ વિજ્ઞાન એક જ લૉમાં હોય કે બીજી બાજુ ફેરવાય નહીં. છતાંય આટલી ચોગરદમથી ફેંકે, બુધ્ધિ તો આમથી ય ફેંકે. ઘડીકમાં આમથી ય ફેંકે, ગબડાવી દેવા માટે. બુધ્ધિની ચારેય દિશા ખુલ્લી હોય, ને છતાં આ વિજ્ઞાન બુધ્ધિને ગાંઠતું નથી ! અને બધા સમજી જાયને. પાંચ વાક્યોમાં તો આખા વર્લ્ડનું સાયન્સ આવી જાય છે અને તે આ મારી ગોઠવણી નથી. આ કુદરતી નીકળેલું છે. ધીસ ઈઝ બટ નેચરલ (કુદરતી જ છે). બુધ્ધિથી ગોઠવણી ના થઈ શકે.

શું અક્રમ વિજ્ઞાન ! બુધ્ધિ બેઠી બેઠી પાણી પીયા કરે ? પાછું અવિરોધાભાસ ! વિરોધાભાસ ઉત્પન્ન ના થાય એવું. આ અવિરોધાભાસ સાયન્સ છે. અને તેમાં તમે પડ્યા. બોલો ! આખી કૉલેજ પસાર થઈ ગઈ, એટલે થઈ ગયું ! અને 'પોતાના' સુખ સાથે. એરકન્ડિશન્ડ ડબ્બો બધું સાથે. નહિ તો પહેલાં કેટલો બળાપો, બળાપા સાથે હતું !

અવિરોધાભાસ હોય એ સાચું જ્ઞાન, જેનો તાળો મળે. તમને તાળો મળે કે ? તમે વેપારી લોકો, તાળો કાઢો.

પહેલાં બુધ્ધિ જ્યાં સુધી હતીને, ત્યાં સુધી આ કોચેલું. પણ બુધ્ધિ ગયા પછી કોચે નહીંને ! નહીં તો બુધ્ધિ દરેકને કોચ્યા કરે. બુધ્ધિ હંમેશા ય જ્યાં સુધી છે ત્યાં સુધી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ ચાલ્યા જ કરે.

અક્રમ સિધ્ધાંત નવી જ ફોર્મ્યુલા !

આ નવી ફોર્મ્યુલા છે. આજના આ કળિયુગમાં જો નવી ફોર્મ્યુલા ના હોય તો કોઈ માણસ આને પહોંચી જ ના શકે. ફોર્મ્યુલા નવી છે, પણ આત્મજ્ઞાનનો પ્રકાશ તેનો તે જ છે. અને આવું ના હોય તો પહોંચી વળે નહીં ને ! પાછું મનને સમાધાન રહે. બુધ્ધિ ચૂપ થઈ જાય. બુધ્ધિ બોલતી બંધ થાય, વિકલ્પ કરતી બંધ થઈ જાય. અક્રમ વિજ્ઞાન બુધ્ધિને ગાંઠતું નથી. આ મોટી અજાયબી કહેવાય ને ! બધા જ્ઞાન બુધ્ધિને ગાંઠે. બુધ્ધિ એને તોડી નાખે, હંકે ! દરેકના જ્ઞાનને બુધ્ધિ તોડી નાખે. પણ અક્રમ વિજ્ઞાન બુધ્ધિને ગાંઠતું જ નથી. એ બહુ અજાયબી છે આ ! અને સિધ્ધાંતરૂપે છે આમ. જરાય કોઈ જગ્યાએ વિરોધાભાસ ના હોય. અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ વર્ષથી વિરોધાભાસ જોયો નથી. એક શબ્દેય અમારો વિરોધાભાસ નીકળ્યો નથી.

પ્રશ્નકર્તા : આપનાં જ્ઞાનવાક્યોમાં વિરોધાભાસ નથી. બધા નયની ઉપર છે. લોકો બધા વ્યુપોઈન્ટથી જુએ છે અને આપનું આ વ્યુપોઈન્ટની ઉપરનું છે.

દાદાશ્રી : કેવળ જ્ઞાન છે, બળ્યું ! ને વ્યુપોઈન્ટનું તો કેવળ જ્ઞાન ના થયું હોય ત્યાં સુધી. અને કેવળજ્ઞાન થયું એટલે વ્યુપોઈન્ટ જ રહ્યો નહીંને, ૩૬૦ ડિગ્રી ! હું પોતે ૩૫૬ ડિગ્રીમાં છું, પણ આ જ્ઞાન ૩૬૦ ડિગ્રીનું છે.

પ્રશ્નકર્તા : આપ અમને બોધ આપો છો, જે કંઈ પણ....

દાદાશ્રી : આ બોધ ના કહેવાય. આ તો બોધકળા છે. બોધ તો આત્મા સંબંધમાં હોયને ત્યાં લાગે. આ બીજી બધી વાતો તો આત્માસંબંધી નહીં ને !

પ્રશ્નકર્તા : પણ આ બીજે પ્રવચનો આટલા બધા લોકો સાંભળે તો એમને કંઈ લાભ થાય કે નહીં ?

દાદાશ્રી : થાયને ! આ તો લોકોને માટે સારા ભાવ કરે છે બિચારા. પૈસો લેતાં નથી, લેવાની જગ્યા છે અને જોઈતા હોય તો ભેગા થાય એવા છે, છતાં લેતાં નથી. એટલે લોકોને લાભ થાયને, બહુ થાય, પણ આમાં જ્ઞાનમાં સાચી વાત નહીં. સૈધ્ધાંતિક વસ્તુ નહીં આમાં. આ એક પ્રકારની ગાંડીઘેલી પણ ભગવાનની ભક્તિ છે. છતાં સૈધ્ધાંતિક વાત નથી, એટલે આપણને ફરી પાછી આમાં ભૂલ ના થાય, એવી વાત નથી. આ તો ગાડાં ગબડ્યા કરે.

અહીં વાત સાંભળે તેને મળતું જ આવે. બીજે બધે સંવાદી-વિવાદી કહેવાય. વિવાદ કરવા પડે. પછી પ્રતિવાદી, તે અહીંયા ના હોય. અને વાત અવિરોધાભાસ હોય. એટલે મળતું આવવું જ જોઈએ. આગળ પંદર વર્ષ પહેલાં વાત કરી હોય, તેની તે જ વાતને આજે મળતી આવતી હોય. શબ્દોનાં સ્વરૂપ જુદાં હોય, પણ વાત મળતી આવે. સિધ્ધાંત એક જ હોય. સિધ્ધાંત એનું નામ કહેવાય કે જે વાદ ઉપર વિવાદ ના હોય, વિરોધાભાસ હોય નહીં. અને ત્રણેય કાળ સત્ય હોય. વિરોધાભાસ હોતને, તો એ પછી ભવિષ્યમાં ચેકવું પડે.

આ 'અક્રમ વિજ્ઞાન'નું સૈધ્ધાંતિક સ્વરૂપ છે. બિલકુલ અવિરોધાભાસ સિધ્ધાંત એને કહેવાય. જ્યાંથી પૂછો ત્યાં સિધ્ધાંતમાં જ પરિણમે. કારણ કે સ્વાભાવિક જ્ઞાન છે આ !

દરેક પાને અવિરોધાભાસ !

અને સિધ્ધાંત અવિરોધાભાસ હોવો જોઈએ. સિધ્ધાંત એનું નામ કહેવાય કે પંદરસો પાન લખેલી ચોપડી હોય પણ પંદરસો પાનમાં એક લીટી પણ એનો વિરોધ કરતી ના હોય. આ તો ત્રીજે પાને બધા વિરોધાભાસ હોય. એને પુસ્તક કેમ કહેવાય ? હું તો આવાં પુસ્તક તરત જ બાજુએ મૂકી દઉં. મારી પાસે તમે લાખ પુસ્તકો લાવો, મૂકો તો હું તમને પાંચ કલાકમાં બધા છૂટાં મૂકી આપું કે આ છાપવા ખોટાં છે અને આ ખોટું બોધરેશન છે. અગર તો બુધ્ધિના આરામ સ્થાન છે. એ પુસ્તકો બુધ્ધિના રેસ્ટ હાઉસ છે. બુધ્ધિને રેસ્ટ હાઉસ જોઈએ ને ? તમારે રેસ્ટ હાઉસ નહોતા જોઈતા ?

પ્રશ્નકર્તા : જોઈતા હતા.

દાદાશ્રી : બધા બુધ્ધિના રેસ્ટ હાઉસ છે. મોક્ષ ના આપે, ફળ ના આપે, શાંતિ ના આપે. મને તો એ પહેલેથી જ ગમે નહીં. વિરોધાભાસ વાત આવે તો એને બાજુએ મૂકી દઉં.

સમકિતની દ્રષ્ટિ અવિરોધાભાસ હોય ને જેનું તમે પુસ્તક લાવશો ને, તો હું તમને પોતાને દેખાડી આપું કે આ વિરોધ છે, આ વિરોધ છે, તેમાં ફિફ્ટી પરસેન્ટ ઉપર વિરોધ બતાડું. કારણ કે અમારી દ્ષ્ટિ પડતાંની સાથે જ વિરોધ શું છે એ અમને સમજાઈ જાય. સમકિત દ્રષ્ટિ કોને કહેવાય કે પહેલે પાને લખેલું છે, પહેલું વાક્ય એને બીજું વાક્ય હેલ્પ કરતું હોય, ત્રીજું વાક્ય હેલ્પ કરતું હોય, આઠમે પાનનું છેલ્લું વાક્ય પણ હેલ્પ કરતું હોવું જોઈએ એનું નામ સમકિત દ્રષ્ટિ. સમકિત એટલે અવિરોધાભાસ. આ તો બધા વિરોધાભાસ દેખાય. અને વિરોધાભાસ એટલે અહંકારી વાણી પણ છતાંય હાર્ટિલી છે એટલે આપણે કહી શકીએ કે આ થોડા કાળમાં સમકિતને પામે એવા છે. જે બુધ્ધિગમ ઉપર પડ્યા છે, એ સમકિતને ના પામે.

જેમ બને તેમ બુધ્ધિની વાતો સાંભળશો જ નહીં, નહીં તો ય અબુધ થયા વગર ચાલવાનું નથી.

આપણું વિજ્ઞાન તો ચોગરદમથી તાળો મળે એવું છે. બીજે વિરોધાભાસ જડે, પણ આમાં વિરોધાભાસ ના જડે. અને આ તો એક્ઝેક્ટનેસને ! આટલાં આટલાં અઠ્ઠાવીસ વર્ષથી પ્રશ્ન પૂછે પણ એકુંય વિરોધાભાસ શબ્દ મહીં નથી !

બાકી કોઈ પુસ્તક લાવો એટલે એ કહી આપું કે ચોથે જ પાને એનું વિરોધ કરતું હોય. પણ વાંચનારને ખબર ના પડે. એવી જાગૃતિ હોય નહીંને અને મને તો પહેલે પાને શું લખ્યું છે એ ખ્યાલ હોય. આ વાક્ય કોને ટેકો આપી રહ્યું છે ને કોને ગોદો મારે છે, એ બેઉ મને ખ્યાલ હોય.

પહેલા વાક્યને કોણ હેલ્પ કરે ? બીજું વાક્ય હેલ્પ કરે. બીજાને કોણ હેલ્પ કરે ? ત્રીજું વાક્ય. એવું પચ્ચીસ પાના સુધી હેલ્પવાળું લખી લાવે. એ અવિરોધાભાસ કહેવાય. ત્યારે જગતના પુસ્તકો કેવાં હોય ? પહેલા પાને લખેલું હોય પછી કંઈ એવું જ વાક્ય મૂકે, તે પચ્ચીસેય પાન ઊડી જાય. એટલે વિરોધાભાસ હોય ત્યાં !

એટલે આ અક્રમ વિજ્ઞાન આખું સૈધ્ધાંતિક સ્વરૂપે છે. જ્યાંથી પૂછો ત્યાં સિધ્ધાંતમાં જ પરિણમે. કારણ કે સ્વાભાવિક જ્ઞાન છે આ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવેલી, ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ન જાય. વિરોધ ઉત્પન્ન ના થાય. દરેકના સિધ્ધાંતને હેલ્પ કરી કરીને સિધ્ધાંત આગળ વધતો જાય ને કોઈનો ય સિધ્ધાંત તોડે નહીં, વિરોધાભાસ ઉત્પન્ન ના હોય.

જ્ઞાન કોનું નામ કહેવાય ? બધી રીતે તાળો મળવો જોઈએ, વિરોધાભાસ ઉત્પન્ન થવો ના જોઈએ. અવિરોધાભાસ 'સિધ્ધાંત' તો તેનું નામ કે પચાસ વર્ષ પછી યે એ બોલે તો તેનું વાક્ય મળતું આવે, વિરોધાભાસ ના થાય.

આફરીન થશે એક દી' જગત !

એટલે આ કહું છું આ અક્રમ વિજ્ઞાન બહુ સાયન્ટિફિક છે, વિજ્ઞાન છે. એ તો જ્યારે બહાર પડશે ત્યારે ખબર પડશે કે આ શું છે ! આખું જગત એક દહાડો સો-બસો વર્ષે, પાંચસો વર્ષે પણ આફરીન થશે આની પર. અને વિજ્ઞાન એટલે અવિરોધાભાસ, સિધ્ધાંત. સિધ્ધાંત એનું નામ કહેવાય કે અસિધ્ધાંતપણાને ક્યારેય પણ ન પામે. બાકી સિધ્ધાંત છે કઈ જગ્યાએ ? કોઈ જગ્યાએ સિધ્ધાંત જોવામાં જ આવ્યો નથીને ! પચ્ચીસ પાના વાંચો ત્યારે વિરોધાભાસ થઈને ઊભું રહ્યું હોય. આ તો વિરોધાભાસ વાણી જ કોઈ દહાડો નથી નીકળી. ફ્રેશ હોય, નવું હોય, એને હેલ્પિંગ કરતું હોય.

એનું એ જ, પણ ફ્રેશ હોય. ફાઈલ શબ્દ તો બહુ સારો અંગ્રેજીમાં મૂક્યો છે પણ ! કારણ કે લોકો પછી પાછળ તપાસ કરવાના કે આ કયા યુગમાં થયું હશે ? એટલે અંગ્રેજોના યુગમાં આ થયું હશે એવી શોધખોળ કરશે. પછી કોઈ બાપોય રચનાર નથી, ચરોતરમાં થયેલું છે આ. એટલે આ ભાષા ઇટસેલ્ફ બધું કહી આપશે. ખોળનારને જડી આવશે.

આખું બ્રહ્માંડ રાજી 'જ્ઞાની' ઉપર !

આ આખું વિજ્ઞાન જ છે, અવિરોધાભાસી વિજ્ઞાન છે. અને વિજ્ઞાનની ભૂમિકા શું છે ? તમારા સર્વ પાપો ભસ્મીભૂત કરી નાખે છે. તેના વગર તો તમે સાક્ષાત્કાર પામો જ નહીં અને સાક્ષાત્કાર પામ્યા સિવાય મોક્ષે જઇ શકો નહીં, અને તે સાક્ષાત્કારયોગ નિરંતર રહેવો જોઇએ. એક ક્ષણ પણ સાક્ષાત્કારયોગ ના બદલાય, એની જાતે જ રહે, આપણે યાદ ના કરવો પડે.

આત્મા જાણવા માટે, અરે આત્મા જાણવાની વાત કયાં ગઇ પણ આત્મા કંઇક શ્રધ્ધામાં આવે કે 'હું આત્મા છું' એવી પ્રતીતિ બેસે એટલા માટે ભયંકર પ્રયત્નો લોકોએ આદર્યા છે. પણ એ શ્રધ્ધા બેસવી મુશ્કેલ થઇ પડે એવો વિચિત્ર કાળ છે. હવે આવા કાળમાં આત્માનો અનુભવ 'જ્ઞાની પુરુષ' પાસેથી થઇ જવો એ જ આ 'અક્રમ જ્ઞાન'ની સિધ્ધિઓ છે. બધા દેવલોકોની જે 'જ્ઞાની પુરુષ' પર કૃપા વરસે છે, આખું બ્રહ્માંડ જેના પર ખુશ છે, તેથી આ બધું પ્રાપ્ત થાય.

કામ કાઢી લો !

ઋષભદેવ ભગવાનના વખતથી અત્યાર સુધી 'ક્રમિક માર્ગ'નાં જ્ઞાની હોય તેને બે કે ત્રણ શિષ્યો હોય. એ ત્રણ શિષ્યોને સાચવે ને પોતે તપ-ત્યાગ કરે ને તે શિષ્યો પાસે ય કરાવે. આ ત્રણથી વધારે નહીં એવું ઇતિહાસ કહે છે. જ્યારે આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે દસ લાખ વર્ષે ય આવો માર્ગ નીકળે છે ને ! પ્રત્યક્ષ વગર કાંઇ વળે નહીં. 'વીતરાગ વિજ્ઞાન' પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી ! અને આ તો 'અક્રમ વિજ્ઞાન' તેમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેન્ક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ !

આવું જ્ઞાન આ સાડા ત્રણ અબજની વસતિમાં કોને ના જોઇએ ? બધાંને જોઇએ. પણ આ જ્ઞાન બધાંને માટે ના હોય. એ તો મહાપુણ્યશાળીઓ માટે છે. આ 'અક્રમ જ્ઞાન' ઊભું થયું, એમાં લોકોની કંઇ પુણ્યૈ હશે ને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા-ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને તેમને માટે 'આ' માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે અને અહીં સહેજાસહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે તેને આપી દઇએ. પણ લોકોને આના માટે કંઇ કહેવા જવાનું નથી હોતું.

આ 'દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઇ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં તો જેને ભાવના થઇને 'દાદા'નાં દર્શન કર્યા તો એ દર્શન 'ઠેઠ'ને પહોંચે છે. 'દાદા'એ આ દેહના નિકટના પડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આ 'અક્રમ જ્ઞાન' તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે. બીજા બધા માટે 'અક્રમ' મોક્ષ નથી. બીજા બધાને તો એના 'ક્રમિક માર્ગ'નો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડીશું. તેનાથી તે ઠેઠ પહોંચી જશે ! અહીં તો 'સહેજાસહેજ' જે આવી ચઢે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઇ આવે તેને અમે જ્ઞાન આપી દઇએ, 'દાદાની કૃપા મેળવી ગયો તેનું કામ થઇ ગયું !

- જય સચ્ચિદાનંદ