|
લગ્નજીવનનો સાર શું સાંપડ્યો ? સંપાદકીય આ જીવનની વાસ્તવિકતા શું છે ? જન્મ થાય છે, ભણે છે, નોકરી-ધંધે લાગે છે, પરણે છે, મમ્મી-પપ્પા બની જાય છે, દાદા-દાદી બની જાય છે ને છેવટે ઠાઠડીમાં જાય છે ! આ જીવનનો હેતુ શો હશે ? મોજશોખ હશે કે પરોપકાર માટે હશે કે શાદી કરીને ઘર ચલાવવું એ હેતુ હશે ? પૈણવાની કિંમત ક્યારે હોત કે લાખો માણસોમાં એકાદ જણને પૈણવાનું મળ્યું હોત તો, આ તો બધા પૈણે એમાં શું ? અને પાછું સ્ત્રી-પુરુષે પરણ્યા પછી વ્યવહાર કેમ કરશો, એની કોલેજ ના મળે ને ભણ્યા વગર જ પૈણી જાય છે. પછી લાઈફ આખી ફ્રેેકચર થઈ જાય છે ! લગ્નજીવન તો બધા જીવી જાય છે પણ એનો સાર શું ? એ જ્ઞાની પુરુષ વિના સમજાવું મુશ્કેલ છે ! સર્વ પ્રકારના અનુભવોને લઈને તારણ કાઢવાનું છે. શાદી કરીને ખોળ કે સુખ શેમાં છે ? બૈરીમાં છે ? બાબામાં છે ? સસરામાં છે ? સાસુમાં છે ? એનું તારણ કાઢને! આ જગતની સગાઈઓ એ રિલેટિવ સંબંધોમાં છે, રિયલ નથી. માત્ર તારણ કાઢવા માટે સગાઈઓ છે. તારણ કાઢનારા માણસોને રાગ-દ્વેષ ઓછા થાય અને મોક્ષના માર્ગનો શોધક થાય. પણ અનંત અવતારથી માર ખાય છે, તારણ કાઢ્યું નથી કે શેમાં સુખ છે! જ્યારે તારણ કાઢશે કે આમાં સુખ નથી, તો તે પગથિયું છૂટશે અને ઉપરના પગથિયાં ચઢશે. જીંદગીમાં વાઈફે એક ફેરો અપમાન કર્યું હોય તો દાદાશ્રી કહે છે કે, હું આખી જીંદગી એ વાત ચૂકું નહીં. વેર વાળવા માટે નહીં પણ જીવનમાં તારણ કાઢવા માટે કે અપમાનને માટે જીવન છે કે મોક્ષ જતાં રહેવા માટે જીવન છે ? પણ એ વાત યાદ આવે તો વૈરાગ્ય આવેને! તો મોક્ષનો ધ્યેય બંધાયને! અને છેવટે મૂળ સ્વરૂપે પોતે શુધ્ધ ચેતન છે અને આ સંયોગ સ્વરૂપે જડ તત્ત્વ ભેગું થયું છે. એમાંથી કર્મના ઉદયે સ્ત્રી થાય, પુરુષ થાય ને પછી શાદી કરે. વેવાઈ થાય ને વેવાણો થાય. આત્મા કોઈનો ધણી કે વાઈફ હોતો હશે ? આત્માને કોઈ છોકરો થઈ શકતો હશે ? આ તો કર્મોના આધારે વ્યવહાર ઊભો થઈ જાય છે, આત્મામાં તો કશું ફેરફાર થતો નથી. આત્મા તો પરમાત્મા જ છે. આ તો માન્યતા ઊભી થઈ જાય છે હું ધણી છું, મારી વાઈફ છે. પણ ભ્રાંતિથી કાયમનો ધણી થઈ બેસે છે ! અથવા તો બીજા શબ્દોમાં કહેવું હોય તો ડ્રામાનો રોલ ભજવવાનો છે આખી જીંદગી, એમાં સાચું માની લઠ્ઠાબાજી લેવાયા કરે છે ને કર્મો બાંધી ગૂંચવાડા ભોગવે છે ! નાટકમાં રાજાનો પાઠ ભજવનારને ખબર હોય છે અંદરખાને 'હું કોણ છું' અને અભિનય શ્રેષ્ઠ કરી જાય છે. જ્યારે અહીં જીવનમાં અંદરખાને પોતે કોણ છે, પોતાની જાતને ઓળખી નથી. બસ એ ઓળખાણ થવા માટે અનંત અવતારથી ભટકી રહ્યો છે. એમાં જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મળે તો 'હું કોણ છું' ઓળખાણ પડે ને આ જીવનના ફસામણરૂપી નાટકનો અંત આવે. પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની અનુભવ વાણીનાં લગ્નજીવનના સારભૂત તારણો વિગતવાર પ્રાપ્ત થાય છે. જે વાચકને ઊંડી સમજ બક્ષશે! દીપકના જય સચ્ચિદાનંદ લગ્નજીવનનો સાર શું સાંપડ્યો ? શ્રધ્ધા , વિશ્વાસ તૂટયો જાતનો ય ! કાળ વિચિત્ર આવી રહ્યો છે. આંધીઓ ઉપર આંધીઓ થવાની છે ! માટે ચેતતા રહેજો. આ જેમ પવનની આંધીઓ આવે છે ને તેવી કુદરતની આંધી આવી રહી છે. મનુષ્યોને માથે મહામુશ્કેલીઓ છે. શેના આધારે જીવી રહ્યા છે, તેની પોતાને સમજણ નથી. પોતાની જાતની શ્રધ્ધા પણ જતી રહી છે ! હવે શું થાય ? જેને પોતાની જાત ઉપર વિશ્વાસ છે તેને આ જગતમાં બધું જ મળે એવું છે, પણ આ વિશ્વાસ જ નથી આવતો ને ! કેટલાકને તો એ ય વિશ્વાસ ઊડી ગયો હોય છે કે 'આ વાઇફ મારી જોડે રહેશે કે નહીં રહે ? પાંચ વરસ નભશે કે નહીં નભે ?' અલ્યા, આ પણ વિશ્વાસ નહીં ? વિશ્વાસ તૂટ્યો એટલે ખલાસ. વિશ્વાસમાં તો અનંત શક્તિ છે. ભલેને અજ્ઞાનતામાં વિશ્વાસ હોય. 'મારું શું થશે' થયું કે ખલાસ ! આ કાળમાં લોક બગવાઈ ગયેલા હોય છે. દોડતો દોડતો આવતો હોય તેને પૂછીએ કે 'તારું નામ શું છે ?' તો એ બગવાઈ જાય ! આ રીતે કેમ પોષાય તે ? અનંત શક્તિનો ધણી મહીં બેઠો છે અને આ દશા આવી હોતી હશે ?! પણ ધણી થતાં આવડ્યું નહીં તેનું આ થયું, વહુ થતાં ના આવડ્યું, બાપ થતાં ના આવડ્યું, છોકરો થતાં ના આવડ્યું, કશી બાબતમાં આવડ્યું નહીં. તેની જ આ ડખલ છે. જીવન જીવવાનો હેતુ શો હશે ? આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? કંઈક હેતુ તો હશે ને ? નાના હતા, પછી ઘૈડા થાય છે ને પછી નનામી કાઢે છે. નનામી કાઢે છે ત્યારે આપેલું નામ લઈ લે છે. અહીં આવે કે તરત નામ આપવામાં આવે છે, વ્યવહાર ચલાવવા ! જેમ ડ્રામામાં ભર્તૃહરિ નામ આપે છે ને ? 'ડ્રામા' પૂરો એટલે નામ પૂરું. એમ આ વ્યવહાર ચલાવવા નામ આપે છે અને એ નામ ઉપર બંગલા, મોટર, પૈસો રાખે છે અને નનામી કાઢે છે ત્યારે એની જપ્તિ થઈ જાય છે. લોકો જીવન ગુજારે છે ને પછી ગુજરી જાય છે ! આ શબ્દો જ 'ઇટસેલ્ફ' કહે છે કે આ બધી અવસ્થાઓ છે, ગુજારો એટલે વાટખર્ચી ! હવે આ જીવનનો હેતુ મોજશોખ હશે કે પછી પરોપકાર માટે હશે ? કે પછી શાદી કરીને ઘર ચલાવવું એ હેતુ છે ? આ શાદી તો ફરજિયાત હોય છે. કોઈને ફરજિયાત શાદી ન હોય તો શાદી ના થાય. પણ ના છૂટકે શાદી થાય છે ને ? આ બધું શું નામ કાઢવાનો હેતુ છે ? આગળ સીતા ને એવી સતીઓ થઈ ગયેલી, તે નામ કાઢી ગયેલી. પણ નામ તો અહીંનું અહીં જ રહેવાનું છે, ને જોડે શું લઈ જવાનું છે ? તમારી ગૂંચો ! જીવન જીવો હેતુપૂર્વકનું ! પૈણવાની કિંમત ક્યારે હોત ? લાખો માણસોમાં એકાદ જણને પૈણવાનું મળ્યું હોય તો. આ તો બધા જ પૈણે એમાં શું ? સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછીનો) વ્યવહાર કેમ કરવો, એની તો બહુ મોટી કૉલેજ છે. આ તો ભણ્યા વગર પૈણી જાય છે. ધર્મ વસ્તુ તો પછી કરવાની છે પણ પહેલી જીવન જીવવાની કળા જાણો ને શાદી કરતાં પહેલાં બાપ થવાનું લાયકાતપત્ર મેળવો. એક 'ઇન્જિન' લાવીએ, એમાં પેટ્રોલ નાખીએ અને ચલાવ ચલાવ કરીએ, પણ એ 'મિનિંગલેસ' જીવન શું કામનું ? જીવન તો હેતુસર હોવું જોઈએ. આ તો 'ઇન્જિન' ચાલ્યા કરે, ચાલ્યા જ કરે. એ નિરર્થક ના હોવું જોઈએ. એને પટ્ટો જોડી આપે તો ય કંઈક દળાય, પણ આ તો આખી જિંદગી પૂરી થાય છતાં કશું દળાતું નથી અને ઉપરથી આવતા ભવના વાંક ઊભા કરે છે !! આ તો લાઈફ બધી 'ફ્રેક્ચર' થઈ છે. શેના હારુ જીવે છે તે ભાને ય નથી રહ્યું કે આ મનુષ્યસાર કાઢવા માટે હું જીવું છું ! મનુષ્યસાર શું છે ? ત્યારે કહે, જે ગતિમાં જવું હોય તે ગતિ મળે અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષે જવાય ! આવા મનુષ્યસારનું કોઈને ભાન જ નથી. તેથી ભટક ભટક કર્યા કરે છે. અહીં અડચણો દૂર કરાવી લો ! હવે તમારા પ્રશ્નો પૂછો, જે તમારા ગૂંચવાડા હોયને તે બધા પૂછો. હું તમને બધા ખુલાસા આપું. હું તમામ પ્રકારના ખુલાસા આપવા આવ્યો છું તમને. તમે તમારા દુઃખો મને આપી દેશો તો હું લઈ લેવા તૈયાર છું. સુખો તમારી પાસે રહેવા દેજો. જો દુઃખો આપી દો અને તમે યાદ ના કરો ફરી, મારી આજ્ઞા પ્રમાણે, તો તમારી પાસે દુઃખ નહીં આવે, એ વાત નક્કી છે, એની ગેરન્ટી આપું છું. કારણ કે બધાં જગતનાં દુઃખો લેવા આવ્યો છું. કારણ કે મારે એકલાને ત્યાં દુઃખ નથી. મને ૨૭ વર્ષથી ટેન્શન રહ્યું નથી. એટલે તમારે જે દુઃખ હોય તે આપો પછી તમે યાદ ના કરો તો, નહીં તો પાછું આવશે. તમને એટલી બધી ખાતરી હોવી જોઈએ કે આ દાદાજીએ લીધું એટલે હવે મારે વાંધો નહીં. પછી તમારું નામેય નહીં લે. હું કીર્તિ લેવા નથી આવ્યો, હું કોઈ ચીજ લેવા નથી આવ્યો, કોઈ જાતની મને ભીખ નથી, માટે હું આવું કહું છું. તમારે જે અડચણ હોય તે મને કહો, તમે જાહેર કરો અને એ અડચણોને દૂર કરો. ફક્ત સમજણના ફેરથી જ આ ગુંચવાડા થયા છે. નકામા વહુના લપકાં ખાવા પડે છે. ભાગીદારના લપકાં ખાવાના, ઇન્કમટેક્સ ઓફિસરના લપકા ખાવાના. જ્યાં ને ત્યાં લપકાં ખા ખા કરે. શરમેય નથી આવતી કે બળ્યું, આટલાં લપકાં ખઈને જીવીશ, શા આધારે જીવીશ ! પણ તે ક્યાં જાય તે ? પછી નઠારો થઈ જાય ! પ્રશ્નકર્તા : આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઈએ તો દસમાંથી નવ જણાને દુઃખ છે. દાદાશ્રી : દસમાંથી નવ નહીં, હજારમાં બે જણ સુખી હશે, કંઈક શાંતિમાં હશે. બાકી બધું રાત-દહાડો બળ્યા જ કરે છે. જગતના દુઃખો દેખાયા કરે, જ્ઞાનમાં ! આ શક્કરિયું ભરહાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી, તેમ આ આખું જગત બફાઈ રહ્યું છે. અરે ! પેટ્રોલની અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે. માટે મૂર્છિત થવા જેવું આ જગત નથી. મૂર્છાને લીધે આવું જગત દેખાય છે અને માર ખઈ ખઈને મરી જવાનું ! ભરત રાજાને તેરસો રાણીઓ હતી. તે તેની શી દશા હશે ? આ ઘેર એક રાણી હોય તોય તે ઢેડફજેતો કરાવ કરાવ કરે છે, તો તેરસો રાણીઓમાં ક્યારે પાર આવે ? અરે, એક રાણી જીતવી હોય તે મહામુશ્કેલ થઈ પડે છે ! જીતાય જ નહીં. કારણ કે મતભેદ પડે કે પાછો લોચો પડી જાય ! ભરત રાજાને તો તેરસો રાણીઓ જોડે નભાવવાનું. રાણીવાસમાંથી પસાર થાય તો પચાસ રાણીઓનાં મોઢાં ચઢેલાં ! અરે, કેટલીક તો રાજાનું કાટલું જ કરી નાખવા ફરતી હોય. મનમાં વિચારે કે 'ફલાણી રાણીઓ એમની પોતાની ને આ પરભારીઓ ! એટલે કંઈક રસ્તો કરો.' કંઈક કરે તે રાજાને મારવા માટે. પણ તે પેલી રાણીઓને બુઠ્ઠી કરવા સારું ! રાજા ઉપર દ્વેષ નથી, પેલી રાણીઓ ઉપર દ્વેષ છે. પણ એમાં રાજાનું ગયું ને તું તો રાંડીશને ? ત્યારે કહે કે, 'હું રાંડીશ પણ આને રંડાવું ત્યારે ખરી!' આ અમને તો બધું તાદ્દશ દેખાયા કરે. આ ભરત રાજાની રાણીનું તાદ્દશ અમને દેખાયા કરે. તે દહાડે કેવું મોઢું ચઢેલું હશે, રાજાની કેવી ફસામણ હશે. રાજાના મનમાં કેવી ચિંતાઓ હશે, તે બધુંય દેખાય ! એક રાણી જો તેરસો રાજાઓ જોડે પૈણી હોય તો રાજાઓનાં મોઢાં ના ચઢે ! પુરુષને મોઢું ચઢાવતાં આવડે જ નહીં. સાર સમજીને રહો સંસારમાં ! ભરત રાજાએ તેરસો રાણીઓ સાથે આખી જિંદગી કાઢી અને તે જ ભવે મોક્ષ થયો ! માટે વાતને સમજવાની છે. સમજીને સંસારમાં રહો, બાવા થવાની જરૂર નથી. જો આ ના સમજાયું તો બાવો થઈને એક ખૂણામાં પડી રહે. બાવો તો, જેને સ્ત્રી જોડે સંસારમાં ફાવતું ના હોય તે થાય. અને સ્ત્રીથી દૂર રહેવાય છે કે નહીં, એવી શક્તિ કેળવવા માટેની એક કસરત છે. સંસારમાં તો 'ટેસ્ટ એક્ઝામિનેશન' છે. ત્યાં 'ટેસ્ટેડ' થવાનું છે. લોખંડ પણ 'ટેસ્ટેડ' થયા વગરનું ચાલતું નથી, તો મોક્ષમાં 'અન્ટેસ્ટેડ' ચાલતું હશે ? ભાંજગડ ચાલ્યા જ કરે, એનું નામ સંસાર. સંસાર એટલે રાગ-દ્વેષવાળો કકળાટ. ઘડીમાં રાગ અને ઘડીમાં દ્વેષ. લોકોને એક બીબી જ ભારે પડે છે, તો બીજી કરવાની કંઈથી. છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાનેય મોક્ષે લઈ જશે, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો'ક મગજની ખુમારીવાળો હોય તે કહેશે, 'સાહેબ, હું બીજી પૈણવા માગું છું.' જો તારે પૈણવું હોય તો મારી આજ્ઞા લઈને પૈણજે અને પછી આ પ્રમાણે વર્તજે ! તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ! ભરત રાજાને તેરસો રાણીઓ હતી તોય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત સ્ત્રીઓ છોડી દો તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત ? અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી અને બીજી પૈણવી હોય તો મને પૂછીને પૈણજે, નહીં તો પૂછ્યા વગર ના પૈણશો. જો છૂટ આપી છેને બધી ? ના ટકે, તેનું નામ નાટક ! વિકલ્પ કર્યા છે, પણ તેનો વાંધો નહીં. આપણે ડ્રામેટિક રહેવું જોઈએ. જાનવરો કરતાં આપણા સંસ્કાર, આપણી બુધ્ધિ વિશેષ હોવાથી, આપણે આ ગોઠવણી કરી છે. તે ગોઠવણી કરવામાં ય વાંધો નથી પણ ડ્રામેટિક રહો. આ ખરેખર ડ્રામા જ છે. તમે એકુંય દહાડો ડ્રામેટિક રહેલાં ? પ્રશ્નકર્તા : આપ કહો છો, એ પ્રમાણે ડ્રામા જ કરીએ છીએ. દાદાશ્રી : ના, ડ્રામા કર્યો તો ક્યારે કહેવાય કે ઇન્કમટેક્સવાળાનો રિફન્ડ આવે તો ય મહીં પેટમાં પાણી ના હાલે અને દંડ આવે તો ય પેટમાં પાણી ના હાલે. કારણ કે ડ્રામામાં તો કોને ખોટ જવાની ? ડ્રામા પૂરો થઈ રહે એટલે ખલાસ થઈ ગયું. ડ્રામામાં તો પેલો ભર્તુહરી કહેશે કે ભિક્ષા દેને મૈયા પીંગળા, એ બધું બોલે. જાતજાતના અભિનય કરે અને એ નાટકના જોનારા હતા ને અમારા બરોડામાં આ ભર્તુહરીનો ખેલ થયેલો. તે નાટક જોનારા બે-ચાર જણ નાસી ગયાં છે તે હજીય પાછાં નથી આવ્યા. એમને વૈરાગ્ય આવી ગયો કે બઈઓ આવી રીતે જ દગો-ફટકો કરે, તો સંસાર કેમ કરીને ચાલે ? અલ્યા, એણે દગો-ફટકો નથી કર્યો, આ તો નાટક છે. આ નાટકનો દગો-ફટકો (સાચો) માનીને પેલાં બિચારા જતાં રહ્યા. એવું છે, આ લોકોનું તો ! એણે તે ઘડીએ એ પાઠ પૂરો થઈ રહે એટલે પૂછ્યું હોતને, એ ભર્તુહરીને, કે ભઈ, તમને બહુ દુઃખ થતું હતું ? ત્યારે એ કહેશે કે ના, ના, મારે શાનું દુઃખ ! મારે તો પાઠ બરાબર ના ભજવુંને તો મારો પગાર કાપી લે. બાકી હું તો લક્ષ્મીચંદ છું. હું ખરેખર ભર્તુહરી નથી. હું તો ભાનમાં ને ભાનમાં જ રહું છું અને સાંજે મારે ઘેર જઈને ખીચડી ખાવાની છે. તે ય એને યાદ હોય. જાતને ઓળખે તો રહે નાટકીય સંસારમાં ! અહીં સિનેમામાં જાય છે ને ત્યાં મારંમાર કરતા હોય, ધાંધલ કરતા હોયને તો જોનારની મહીં કેટલાક લોક એવાં હોય છે કે રડી પડે છે. હવે, ખરેખર રડવા જેવી ચીજ છે ? કોઈ કોઈ સુંવાળા માણસ હોય તે રડી પડે ને ? એવું આ જગત છે. એટલે ડ્રામા છે આ, વાઈફ છે એ ડ્રામાની, ભાઈ છે એ ડ્રામાનો. પણ ડ્રામા ભજવાશે ક્યારે ? એક ફેરો અમારી પાસે આવશો અને તમને સેલ્ફનું રિયલાઇઝ કરી આપીશું, પછી તમારે ડ્રામા જેવું રહેશે. પછી તમને સંસારમાં કોઈ ચીજ દુઃખદાયી થઈ નહીં પડે. અને તમારું સુખ જતું ના રહે. આ તો કોઈક દહાડો સુખ જતું રહે છેને ? આ તો ઇટસેલ્ફ ડ્રામા થયેલું છે. જગત તમને ડ્રામા જેવું લાગતું નથી ? પ્રશ્નકર્તા : લાગે છેને ! દાદાશ્રી : તમે પોતે શુધ્ધાત્મા ને બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે 'સુપરફ્લુઅસ' કરવાના છે. પોતે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં રહેવું અને 'ફોરેન'માં 'સુપરફ્લુઅસ' રહેવું. લટકતી સલામ દેહ જોડે જ ! 'સુપરફ્લુઅસ' એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, 'ડ્રામેટિક'. તે ખાલી આ ડ્રામા જ ભજવવાનો છે. 'ડ્રામા'માં ખોટ ગઈ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. 'ડ્રામા'માં દેખાવ પણ કરવો પડે, ખોટ ગઈ હોય તો તેવો દેખાવ કરવો પડે, મોંઢે બોલીએ ખરાં કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઈએ. આપણે 'લટકતી સલામ' રાખવાની. ઘણા નથી કહેતા કે ભઈ, મારે તો આની જોડે 'લટકતી સલામ' જેવો સંબંધ છે ?! એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને 'લટકતી સલામ' આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઈ ગયો. આ દેહ જોડે પણ 'લટકતી સલામ', અમે નિરંતર બધા જોડે 'લટકતી સલામ' રાખીએ છીએ તોય બધા કહે કે, 'તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.' હું વ્યવહાર બધાય કરું છું પણ આત્મામાં રહીને. તમામ ગૂંચોના અમૂલ્ય ખુલાસા ! તમારે મોક્ષે જવું હોય તો જજો ને ના જવું હોય તો ના જશો, પણ અહીં તમારી ગૂંચોના બધા જ ખુલાસા કરી જાઓ. અહીં તો દરેક જાતના ખુલાસા થાય. આ વ્યવહારિક ખુલાસા થાય છે તો ય વકીલો પૈસા લે છે ! પણ આ તો અમૂલ્ય ખૂલાસો, એનું મૂલ્ય ના હોય. આ બધો ગૂંચાળો છે ! અને તે તમને એકલાને જ છે એમ નથી, આખા જગતને છે. 'ધ વર્લ્ડ ઈઝ ધ પઝલ ઇટસેલ્ફ'. આ 'વર્લ્ડ' 'ઇટસેલ્ફ પઝલ' થયેલું છે. જીવન જીવવાની કળા આ કાળમાં ના હોય. મોક્ષનો માર્ગ તો જવા દો, પણ જીવન જીવતાં તો આવડવું જોઈએને ? વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું ? ના સમજાય તો 'દાદા'ને પૂછવું, તો 'દાદા' તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે. તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે. ફસામણ સંસાર જંજાળમાં ! બીબી રીસાયેલી હોય ત્યાં સુધી 'યા અલ્લાહ પરવર દિગાર' કરે અને બીબી બોલવા આવી એટલે ભાઈ તૈયાર ! પછી અલ્લાહ ને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ ! એમ કંઈ દુઃખ મટી જવાનાં છે ? ઘડીવાર તું અલ્લાહ પાસે જાય તો કંઈ દુઃખ મટી જાય ? જેટલો વખત ત્યાં રહું એટલો વખત મહીં સળગતું બંધ થઈ જાય જરા, પણ પછી પાછી કાયમની સગડી સળગ્યા જ કરવાની. નિરંતર પ્રગટ અગ્નિ કહેવાય, ઘડીવાર પણ શાતા ના હોય ! જ્યાં સુધી શુધ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત ના થાય, પોતાની દ્રષ્ટિમાં 'હું શુધ્ધ સ્વરૂપ છું' એવું ભાન ના થાય ત્યાં સુધી સગડી સળગ્યા જ કરવાની. લગ્નમાં પણ દીકરી પરણાવતા હોય તો ય મહીં સળગ્યા કરતું હોય ! નિરંતર બળાપો રહે ! સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તે ય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એ ય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું પણ આમાંથી નીકળાય જ નહીં. ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય. માગ્યું એક, વળગ્યું અનેક ! કરોળિયો જાળું વીંટીને અને પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું. પાછી પોતે ગયા અવતારે માગણી કરી'તી, આપણે ટેન્ડર ભર્યું'તું બુધ્ધિના આશયમાં, કે એક વાઇફ, છોકરો ને છોકરી અને બે-ત્રણ રૂમો અને જરાક નોકરી એકાદ. આટલી જ વાત બુધ્ધિના આશયમાં હતી. તેને બદલે તો વાઇફ આપી તો આપી પણ સાસુ, સસરો, સાળો, સાળાવેલી, માસીસાસુ, કાકીસાસુ, ફોઈસાસુ, મામીસાસુ કેટલાં લફરાં ! આપણે જાણીએ નહીં કે આટલી બધી ફસામણ કરશે ! નહીં તો આ માંગણી જ ના કરત, બળી. અને પછી સાસુ એક દા'ડો ગાળો ભાંડેને તો કડવું લાગે. ઘરનાં સગાં સામાં થાય ખરાં, કોઈ દા'ડો ય ? એ ય સામાં થાય ખરાં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ત્યારે એવું આ જગત છે બધું. તેથી કૃપાળુદેવે એને કાજળની કોટડી કહી, પછી એમાં કોણ રહે ? એ તો બીજી જગ્યા છે નહીં, એટલે એમાં પડી રહેવું પડે છે ! આર્ય સંસ્કાર આવાં રહ્યા !! એટલે કંઈક વિચારવું પડશે, આમ ક્યાં સુધી ચાલશે આપણે ? અને આપણે ઇન્ડિયન, આ આપણા તો પગ ધોઈને પીવા જોઈએ એવા ઇન્ડિયન કહેવાય. પણ આપણે ત્યાં આ સંસ્કાર બધા ઊડી ગયા અને મૂળ જ્ઞાન ઊડી ગયું. એટલે આ ફજેતો થયો છે આપણો. અરે, આપણી ડોસીઓને જીવન જીવવાનો રસ્તો પૂછ્યો હોત તો કહેત કે, 'નિરાંતે ખાઓ-પીઓ, ઉતાવળ શું કામ કરો છો ?' માણસને શેની 'નેસેસિટી'(જરૂરિયાત) છે, તેની પહેલાં તપાસ કરવી પડે. બીજી બધી 'અન્નેસેસિટી'. એ 'અન્નેસેસટિી'ની વસ્તુઓ માણસને ગૂંચવે, પછી ઊંઘની ગોળીઓ ખાવી પડે અને ફોરેનવાળો તો એક જણ એવું કહેતો'તો કે ઇન્ડિયનો તો આ ડૉલર છે તે, નથી સ્ત્રી ભોગવતા, નથી માંસાહાર કરતા. આ ઇન્ડિયનોને સુખ જ નહીં લેતા આવડતું. અને દુઃખી પાર વગરના છે. એવું કહેતો'તો મને. પેલો માણસ માંસાહારેય કરે અને ત્રણ હજાર પગાર મળતો હોયને, તે છેલ્લે દહાડે એની પાસે ખૂટતા હોય અને તમે તો બારસો રૂપિયા બચાવ્યા હોય એ સારું છે, ખોટું નથી. પણ ઘરમાં પ્રેમ વધારો. છોકરા પણ ખુશ થઈ જાય ને બહાર જે દોડધામ કરતા હોય તે ઘેર આવતા રહે ! વાઇફ અને હસબન્ડ વાતો કરતાં હોયને તો છોકરાઓને ગમે મહીં. પણ આ તો કહેને, 'તે દહાડે મને આવું કહી ગયા હતાને, પણ મારા લાગમાં ત ો આવવા દો.' 'અલ્યા મૂઆ, પૈણેલા છો, મહીં ભેગા પડ્યા છો, પાર્ટનરશીપ છે, ફેમિલી છે. છતાં આ શું કરવા માંડ્યું છે તમે લોકોએ ? પહેલાં તો અર્ધાંગના કહેતા'તા. અર્ધું અંગ છે મારું. અને આવી સેઇફ સાઈડ કરી તેં ?! લગ્ન એટલે જિંદગીભરનું પ્રોમિસ ! લગ્ન કર્યા એટલે 'પ્રોમિસ' કર્યું આપણે. એટલે પ્રોમિસ તો પાળવું જ જોઈએ ને ! કોન્ટ્રાક્ટ કર્યો છે આ, તે આપણે પાળવો જ પડે ને ! હું હઉ પાળું જ છું ને ! છૂટકો જ નહીં ને ! અને સ્ત્રી શું દુઃખદાયી છે ? અલ્યા, તારી અક્કલ દુઃખદાયી, તેમાં સ્ત્રી શું કરે તે, તું વાકો છે તેમાં ? જીવન જીવતાં આવડ્યું હોય તો પસ્તાવો જ ના કરવો પડે. મારે જિંદગીમાં પસ્તાવો જ નથી કરવો પડ્યો. આખી જિંદગી કોન્ટ્રેક્ટનો ધંધો કર્યો તો ય પસ્તાવો નથી કર્યો. અને ભાગીદાર જોડે ચાલીસ વર્ષથી જોડે રહ્યા પણ મતભેદ નહીં પડ્યો, એક મતભેદ નહીં ! માંગેલું મળ્યું, તેમાં પસ્તાવાનું ક્યાં રહ્યું ? પ્રશ્નકર્તા : આપને કોઈ વખત પરણવા માટે પસ્તાવો થયેલો ખરો, કે 'ના પૈણ્યા હોત તો સારું'? દાદાશ્રી : ના, બા ! હું તો પસ્તાવો કરવાનું શીખ્યો જ નથી કોઈ દહાડો ય ! કાર્ય જ પહેલેથી એવું કરું, પસ્તાવો ના કરવો પડે. કારણ કે જગત પસ્તાવો કરે છે, પૈસા આપીને પસ્તાવો થાય કે 'આને મેં ક્યાં આપ્યા ?!' એવું નહીં. આપીને છોડી દેવાના. કારણ કે મને સમજણ પડી જાય કે એ એનો અહંકાર આપણને વેચી ગયો. આપણે તો એ દસ્તાવેજ મૂકી દેવાના અંદર. પાંચસો રૂપિયા લઈ ગયાં, તે વેચી ગયો એનો અહંકાર. લઈને પછી પાછાં આપી જાય, તો એનાં દસ્તાવેજ પાછાં આપી દેવાનાં. એટલે બધું ફોડ પડી જાય, પછી મહીં પસ્તાવો શાને માટે કરવો પડે ? આપણું ચીતરેલું ડ્રોઈંગ (ચિતરામણ) ત્યારે તો ભેગાં થયાં. તો હવે શેને માટે આપણે પસ્તાવો કરીએ ?! ડ્રોઈંગ હવે કંઈ ભગવાને કરી આપ્યું'તું ? આ તો આપણું જ ડ્રોઈંગ. રાજીખુશીથી સોદો કરેલો છે ને હવે ફરી જવાય ?! સોદો નહીં કરેલો ? પ્રશ્નકર્તા : કરેલો ને ! દાદાશ્રી : તે હવે ફરી જવાતું હશે ?! એક આંખ ગઈ, તો ય પ્રોમિસ નિભાવ્યું ! હીરાબાની એક આંખ '૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું. તે લોકોએ હીરાબાને સમજણ પાડી કે એક લાખ રૂપિયાનો દાવો માંડો, ડૉક્ટર પર. ત્યારે હીરાબા કહે છે, 'આ લોકો આવું બોલે છે. ડૉક્ટર સારામાં સારા માણસ છે. મારું સારું કરવા ગયો એમાં એનો શું ગુનો ? અને લોકો કહે છે, દાવો માંડો.' મેં કહ્યું, એ લોકો કહે. એને ક્યાં વઢવું ? પણ આપણે જે કરવું હોય એ આપણે કરીએ. એનો શો ગુનો બિચારાનો ? એ તો થવાનો યોગ થયો, ટાઈમ થયો એટલે આંખ ગઈ. એટલે લોકોના મનમાં એમ કે આ 'નવો' વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને ! અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, 'શું છે તમારે ?' ત્યારે એ કહે, 'આવું તમારું થયું ?' હવે તે દહાડે '૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, 'કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?' ત્યારે એ કહે, 'એક તો હીરાબાની આંખ ગઈ છે. બીજું પ્રજા કશું નથી.' મેં કહ્યું, 'પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલું ય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તે ય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.' વળી તેમને મેં કહ્યું, કે 'હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તો ય હાથ પકડીને હું દોરવીશ.' એ કહે, 'તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું ?' મેં કહ્યું, 'કૂવામાં નાખવી છે તમારી છોડીને ? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુઃખી થાય કે ના થાય ? મારી આંખ ગઈ ત્યારે આ થયું ને ?' અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, 'હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તો ય પ્રોમિસ એટલે પ્રોમિસ ! પૈણ્યા નથી પણ પ્રોમિસ આપ્યું છે ! કોઈ કહેશે કે તમે પૈણ્યા છો ? ત્યારે કહે કે પૈણ્યા નથી, પણ પ્રોમિસ આપેલું છે. પૈણેલા તો મેં બધા બહુ લોકો જોયાં, પણ અમે તો પ્રોમિસ આપેલું છે. પૈણતી વખતે પ્રોમિસ, હાથ નથી આપતા ? તે ઘડીએ પ્રોમિસ આપીએ છીએ અને તે ઘડીએ બ્રાહ્મણની વાત સાંભળેલી મેં. પછી બ્રાહ્મણ સમજતો હોય કે ના સમજતો હોય પણ ધ્રુવનો તારો દેખાડે. તે કઈ બાજુ છે, એ તો ઘણાં ફેરાં પશ્ચિમમાં હઉ દેખાડે, કે તમે જુઓ ધ્રુવનો તારો. તે હું જાણું કે આ બ્રાહ્મણ સમજતો નથી, પણ આપણે આપણી દ્રષ્ટિથી જોઈ લો ને ! આપણે ઉત્તર તરફ જુઓ. એ તો પશ્ચિમમાં દેખાડે, એ તો બિચારાંને ખબર જ નથી, એ તો આ કામ કરવાં આવેલો છે એ ભાડુતી તરીકે કામ કરે છે, એનું પેટ રળવા માટે કરે છે. એમાં ખોટું નથી. આપણે આપણી મેળે ઉત્તરમાં જોઈ લો ને ! એટલે આપણને સપ્તર્ષિ દેખાશે ! નિરીક્ષણ ૪૫ વર્ષનું, ત્યારે ઓળખાયા ! પ્રશ્નકર્તા : મારા લગ્ન થયાં પછી અમે બન્ને વ્યક્તિઓ એકબીજાને ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ, કોઈના સ્વભાવનો કોઈ મેળ ખાતો નથી, તો બન્નેના મેળ કેમ અને કઈ કઈ રીતે કરવા કે જેથી સુખી થવાય ? દાદાશ્રી : આ તમે જે કહો છોને, આમાં એકેય વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બન્ને વ્યક્તિ એકબીજાને ઓળખે, પણ એ નામે ય ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાંજગડ ના થાય. જરાય ઓળખતા નથી. મેં તો એ બુધ્ધિના ડિવિઝનથી, બધો મતભેદ બંધ કરી દીધેલો, પણ હીરાબાનું ઓળખાણ મને ક્યારે પડ્યું ? સાંઠ વર્ષે હીરાબાનું ઓળખાણ પડ્યું ! ૧૫ વર્ષનો હતો ત્યારે પૈણ્યો, ૪૫ વર્ષ સુધી એમને નિરીક્ષણ કર કર કર્યા ત્યારે ઓળખ્યાં મેં આમને કે આવાં છે ! પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન થયા પછી ઓળખાયાં ? દાદાશ્રી : હા, જ્ઞાન થયા પછી ઓળખાયાં. નહીં તો ઓળખાણ જ ના પડે, માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે કેવો છું, એટલે આ વાક્ય 'એકબીજાને ઓળખે છે.' એ બધી વાતમાં કશું માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી. પ્રશ્નકર્તા : આ વાત લૌકિકમાં લેવાની છે. અમે તો લૌકિકમાં છીએને ! દાદાશ્રી : હા, લૌકિકની જ વાત કરું છું પણ એ ઓળખે નહીં ને ! ઓળખે તો ભૂલ થાય જ નહીં. પત્નીની પ્રકૃતિ ઓળખવી કેવી રીતે ? પ્રશ્નકર્તા : હીરાબાની ઓળખાણ તમને સાંઇઠમે વર્ષે પડી ?! દાદાશ્રી : ઓળખાણ સાંઠ વર્ષે પડી મહાપરાણે. તો ય મહીં મતભેદ પડી જાય. નહીં તે દહાડે પછી મતભેદ પડી ગયો હતોને ? આ જ્ઞાન થયું'તું તો ય એક દહાડો મતભેદ પડી ગયો'તો. તે પછી બીજે દહાડે જઈને કહી આવ્યો, મેં કહ્યું, 'ભૂલ થઈ મારી હં કાલે.' ત્યારે કહે, 'ના, તમારી શાની ભૂલ ?! એમાં ભૂલ શાની ?' ઓળખાણ પડે તો આ ડખલ જ નથી. મિત્રને ઓળખીએ છીએ સારી રીતે. તે ય પૂરું નહીં પણ અમુકનો ઉદય ઓળખીએ છીએ. મિત્રની ઓળખાણ પડવાનો, પ્રયત્ન શાથી કરીએ છીએ કે 'આપણે બંધન નથી ને ત્યાં બંધન બાંધવું છે.' રિયલી સ્પીકિંગ બંધન નથી અને પ્રેમથી બાંધવું છેને, એટલે ઝીણવટથી એને ઓળખ ઓળખ ઓળખ કરીએ છીએ અને આ વાઇફને તો 'માર ઊંધું ને કર સીધું' ઓળખવાનો પ્રયત્ન જ નહીં. પ્રશ્નકર્તા : એ સમજાવો કે કઈ રીતે ઓળખવું ? પતિએ પત્નીને ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પ્રેમથી કેવી રીતે ઓળખવી, એ સમજાવો. દાદાશ્રી : ઓળખાય ક્યારે ? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ. જેમ આપણે રમવા બેસીને સામાસામી ચોકઠાં, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે ? અમે સરખાપણાનો દાવ આપીએ. પ્રશ્નકર્તા : કઈ રીતે આપો ? પ્રેક્ટિકલી કેવી રીતે આપો ? દાદાશ્રી : મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું હવળું બોલે તો ય પણ સરખાં હોય એવી રીતે એટલે પ્રેસર ના લાવીએ. એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની. હું બીજી રીતે કામ નથી લેતો બધા લોકોની પાસે ? મારું કહેલું કરે કે ના કરે બધા ? કરે કારણ કે એ આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉં છું. જ્ઞાન ના આપેલું હોય તો બીજી રીતે કામ લઈ શકે નહીં. તમને જ્ઞાન આપેલું છે માટે તમે બીજી રીતે કામ લઈ શકો. તે બીજી રીતે કહો તો બહુ ફેરફાર થાય. જ્ઞાન લીધાં પહેલાં જે રીતે કહેતા હતા, એ જ્ઞાન લીધાં પછીનામાં ફેરફાર કરવાનું કહું છું. બાકી બીજો, જેણે જ્ઞાન ના લીધેલું હોય, એને ના કહેવાય અમારાથી. એકને કાઢી ના નાખીએ ત્યાં સુધી બીજું જડે નહીં. એકને ખસેડો તો બીજું જડે. એવું તમને સમજાયું કે ના સમજાયું ? પત્નીને 'આવું' કહી તો જુઓ ! ઘરમાં બેસવાનું ગમે નહીં તો ય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એ ય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છેને, તો મોક્ષે જવાશે. પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ? દાદાશ્રી : હા. હીરાબાને, હું હજુ ય કહું છું ને ! આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, 'તમારા વગર હું બહારગામ જઉં છું તે મને ય ગમતું નથી.' હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે. 'હું હઉ તમને સાંભરું ?' મેં કહ્યું, 'સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?!' અને ખરેખર સાંભરે ય ખરાં, ન સાંભરે એવું નહીં ! આદર્શ હોય અમારી લાઇફ, હીરાબા ય કહે, તમે વહેલાં આવજો. પ્રશ્નકર્તા : આપે હીરાબા પાસે રજા માંગેલી ખરી ? અમે હવે જઈએ ? દાદાશ્રી : હા. એ આપે. 'વહેલા આવજો' એવું ય કહે અને કહે, બધાં લોકોનું ભલું થાય એવું કરો. પ્રશ્નકર્તા : એમની એક મોટામાં મોટી મહાનતા એ કે આ ઉંમરે દાદાને જગતકલ્યાણ માટે વિશ્વભરમાં ફરવા જવા દેતાં. દાદાશ્રી : એ પોતે આશીર્વાદ આપતાં હતાં અને જ્યારે હોય ત્યારે કહેશે, બધું કરીને આવો. કેવા સાચવ્યા પત્નીને, ઘૈડપણમાં ! તમે જાણો કે દાદાને કોઈ નથી. એ રહ્યા હીરાબા, અમારે ઘેર છે ને ! એમની લાગણી મને ના થાય ? તમને તમારાં બૈરી-છોકરાંની થાયને ! તે બે દહાડાથી કહેવડાવ કહેવડાવ કરે છે. 'વહેલાં આવજો, વહેલાં આવજો.' ગઈ સાલ તો ખંભાતની જન્મજયંતી ઉપર આવ્યા હતા જોડે ને જોડે બેઠા હતા બગીમાં. આ ફેરે ઘણું ય કહ્યું પણ ના આવ્યા. આ ધૂળ ઊડેને. અને હવે એક પગ ફીટ થતો નથી નીચે. પગ જરા લૂઝ થયેલો છે. તે કસરત ચાલુ છે. આ જુઓને, મને ૭૫ વર્ષ થયાં ને એમને ૭૩ વર્ષ થયાં છે. એમને આ વાંકા પગની ઉપાધિઓ જ ને બધી ! પણ જુઓ, આખો દહાડો આનંદમાં રહે છે. આખો દહાડો મસ્તીમાં, કારણ કે બીજો વિચાર જ નહીંને કોઈ જાતનો. એ ખરાબ છે કે સારું છે. એ ભાંજગડ નહીંને ! સબ અચ્છા !! પ્રશ્નકર્તા : તમને કફ થઈ ગયો. તે આખી રાત ઊંઘ્યા નથી, એ જ્યારે વાત કરતા હતા, ત્યારે હું એમના મોઢાના ભાવ જોતો હતો. મને કહે છે, ઊંઘ્યા નથી. આટલી બધી શરદી થઈ ગઈ છે. દાદાશ્રી : પછી મેં ગમ્મત કરી. મેં કહ્યું, 'હીરાબાને કહોને. દાદાને જોવાય ના આવ્યા ? ત્યારે એમણે કહેવડાવ્યું કે 'હું શી રીતે આવું ? મારાથી ચલાતું નથી.' ત્યારે મેં કહ્યું, 'તો હું આવું છું.' તે પછી હું ત્યાં જોવા ગયો. ત્યારે કહે, 'તમે શું કરવા આવ્યા ?' મેં કહ્યું, 'મારે સારુ છે.' મેં કહ્યું, 'તમને સારું હોય તો તમે આવો.' ત્યારે કહે છે, 'મારાથી પગથી ચલાતું નથી.' પણ મેં તો કહ્યું, 'અહીં જોવા ન આવ્યા દાદા ભગવાનને ? આ બધાં જોવા આવે ને તમે એકલા જ ના આવ્યા ? જોવા આવવું પડેને?' પ્રશ્નકર્તા : આવવું પડે પણ આ બધાય ભલેને જોવા આવી ગયા. પણ એમનામાં જે ભાવ રહેલો.... દાદાશ્રી : બસ, એટલે ભાવની જ કિંમત છે. બીજી શી કિંમત છે ? કિંમત જ ભાવની છે ને ! એક દહાડો હીરાબા કહેતા'તાં, 'હું ગબડી પડી તે મને કશુંય ના થયું. વાગ્યું પણ આવું ફ્રેક્ચર કશું ના થયું ને તમે કશું નહોતું કર્યું તો ય અત્યારે આ પગે ફ્રેક્ચર થઈ ગયું. તમારી પુણ્યૈ કરતાં મારી પુણ્યૈ ભારે.' ત્યારે મેં કહ્યું, 'પુણ્યૈ તો ભારે જ કહેવાયનેે અમને પૈણ્યા એ તમારી જેવી તેવી પુણ્યૈ છે ?!' હું ગમ્મત કરું કો'ક દહાડો. મેં કહ્યું, 'આ મારે ઘૈડપણ લાવવું નહોતું ઘૈડપણ પેસી ગયું આ મને. ત્યારે એ કહે, 'એ તો બધાને આવે. કોઈને છોડે નહીં.' એમને મોઢે કહેવાવડાવું. અને આપણું કરેલું આપણે જ ભોગવવું પડે. એમાં ચાલે નહીં, એવું કહે. અંતિમ દિવસો દરરોજ અંગૂઠે વિધિ કરાવે ! પણ હું વડોદરામાં હોઉં ત્યારે મારે હાજરી આપવા જવું પડે. જેમ ઘણાં માણસને પોલીસ ગેટ ઉપર હાજર નથી થવું પડતું રોજ ? હાજર થવું પડે. આ તો વિધિ કરી આપ્યા પછી પાછા આવવાની છૂટ. એમને વિધિ કરી આપવાની. એ ત્યાં ના આવી શકે એટલે મારે અહીં વિધિ કરાવવા જવું પડેને ? એમને મોક્ષે લઈ જવાનાં છે ને ? એમના છેલ્લા દિવસોમાં ત્રણ મહિના સાથે રહ્યા હતાં. જોડે ને જોડે ચોવીસેય કલાક. રાતે વિધિ-બિધિ બધું કરે. પ્રેશર હતું પહેલાં તે માથા પર પગ મૂકીને વિધિ કરતા હતા તે બંધ થઈ ગયેલું બધું. માથા પર બબ્બે પગ મૂકી અને વિધિ કરતા. ઠેઠ સુધી રોજ કરતા હતા. છેલ્લે દહાડે પણ એ જ કરેલું. પહેલું માથા પર બે પગ મૂકી અને અહીં કરવાની પહેલી વખત. પછી માથા પર એમ કરીને દસ મિનિટ કાઢવાની દરરોજની. બીજું શરીર તો ઊંચકાય નહીં અમારાથી. અને અડવા દેય નહીં કોઈ દહાડો. આટલું વિધિ કરી આપજો ને પછી 'જય સચ્ચિદાનંદ' બોલે. અમે વિધિ કરીએ કે તરત 'જય સચ્ચિદાનંદ' કહે. 'જય સચ્ચિદાનંદ' બોલે, જેટલો અવાજ નીકળે એટલો પણ મને સંભળાય જ નહીં. પણ આ બીજા બધા કહે કે બોલ્યાં. ના સંભળાય તેથી કંઈ નથી બોલ્યા એવું કેમ કહેવાય આપણાથી ? કોઈ ચાકરી કરનારું હશે એમને, છોકરાં નથીને ! પ્રશ્નકર્તા : પુણ્યૈ એવી છેને, ચોવીસે કલાક કોઈ છે જ. દાદાશ્રી : પછી એ પુણ્યૈ ઓછી કહેવાય ? જુઓને, એમને નથી છોકરું કે છોકરાની વહુ નથી. પણ સેવા કરનારા કેટલાં છે ! ખડે પગે બધા સેવા કરે. જ્યારે કેટલાકને તો ચાર ચાર છોકરાઓ હોય છતાં પાણી પારકો માણસ આવીને પાય ત્યારે. છોકરાં કંઈ કામ લાગે તે વખતે ? એ ક્યાંયે પરદેશમાં કમાવા ગયો હોય ! આવું જગત છે. વ્યવહારમાં વહુને રાખો ઉપરી ! જગત તો બહુ ઊંડું છે, રહસ્યવાળું છે આ જગત. અને આજે લોકોએ ભૂતાં ઘાલ્યાં છે અંદર, તે ખોટાં ભૂતાં ઘાલ્યા છે અને ભગવાનને ઉપરી બનાવ્યા છે તેથી ગૂંચવાડા વધ્યા છે. એના કરતાં ઉપરી આપણા ઘરની વાઇફ સારી. આપણો ઘરનો બોસ હોયને, તે બહુ સારો. બોસ તે માલપૂડાય કરી આપેને, જલેબી કરી આપે અને વઢે ય ખરી કોઈક દહાડો. આ ભગવાનને ઉપરી કરીને શું કામ છે તે ! જગતમાં કોઈ પણ ઉપરી છે એ તમારી ભૂલોનું પરિણામ છે. અને ભગવાનના ઉપરી થયેલા બધા ફાવેલા અને બૈરીના ઉપરી થયેલા બધા માર ખઈને મરી ગયેલા. ઉપરી થાય તો માર ખાય. પણ ભગવાન શું કહે છે ? મારા ઉપરી થાય તો અમે ખુશ થઈએ. અમે તો બહુ દહાડા ઉપરીપણું ભોગવ્યું, હવે તમે અમારા ઉપરી થાઓ તો સારું. પ્રશ્નકર્તા : પત્નીરૂપી બોસ નકામો છે એવો અર્થ થયો. દાદાશ્રી : ના, એમ નહીં. નકામા કહેવાય નહીં. તો ય બીજો બોસ કામ નહીં લાગે, આ જ બોસ કામ લાગે. પ્રશ્નકર્તા : એ ત્રાસ તો ખરો પણ ઓછામાં ઓછો ત્રાસ એનો, આ બોસનો. દાદાશ્રી : બાકી તમારો ઉપરી કોઈ છે જ નહીં. ઉપર ખાલી આકાશ છે. જે છે એ તમે જ છો. તમારા સિવાય કશું છે જ નહીં અને તમારો ઉપરી તમારી બ્લંડર્સ અને મિસ્ટેક્સ, બે ઉપરી છે. તમારો ઉપરી કોઈ નથી. અને વ્યવહારમાં તમારી સ્ત્રી ઉપરી, બીજું કોણ ઉપરી છે ? પ્રશ્નકર્તા : બહેનો માટે વ્યવહારમાં કોણ ઉપરી ? દાદાશ્રી : આ કાળ એવો છે કે આ કાળમાં સ્ત્રી ઉપરી જેવું થઈ જાય અને આપણને વાંધો ય શું છે ? સારી સારી રસોઈ આપતા હોય, તો આપણને એમનું ઉપરીપણું રાખવામાં વાંધો શો છે ? 'તમારું ઉપરીપણું સ્વીકારીએ, પણ તમે સારું સારું ખાવાનું અમને જમાડો' એમ કહીએ. કેટલા બધા હસે છે નહીં ! મજા આવે છે ને ! આમ કરતું કરતું જ્ઞાન મૂકેલું હોય તો જ્ઞાન પેસે, નહીં તો.... સમજ્યા કે ! હસે તો પચે આ જ્ઞાન. હસતા જાય, કરતાં જાય. તને હસવું બહુ આવે છે ને ! આ બોધકળા એ ય મારી ન્હોય, આ તો લોકોનું પુણ્ય જાગ્યું છે. પ્રશ્નકર્તા : જ્ઞાન કરતાં બોધકળા ઊંચી છે. દાદાશ્રી : ના, પણ આ લોકોનું પુણ્ય જાગ્યું છે. આવી બોધકળા હોય નહીં. આવી બોધકળા સ્વપ્નમાં ય હોય નહીં કોઈ દહાડો, તે આ લોકોનું પુણ્ય જાગ્યું છે. આ મને ક્યાંથી આવડ્યું ? આવું બધું આવડતું હશે ?! પ્રશ્નકર્તા : તમે ધારો તો આ હુક્કાને લોટો પણ કહેવડાવી શકો. તમારી પાસે કળા એવી છે કે આને એક વખત તો લોટો પણ કહેવડાવો. દાદાશ્રી : પણ બધા જોઈને કહે છેને ? એની કંઈ આંખો હું લઈ લઉં છું ? સંગ્રહસ્થાનમાં 'જો-જાણ', રાગ-દ્વેષ વિના ! અને આ સંસાર જે છે એ બધું મ્યુઝિયમ છે, તે મ્યુઝિયમમાં શરત શું છે ? પેસતાં જ લખેલી છે કે ભઈ, તમારે જે ખાવું-પીવું હોય, ભોગ કંઈ ભોગવવા હોય તો અંદર ભોગવજો. કશું બહાર લઈને નીકળવાનું નહીં અને વઢવાનું નહીં. કોઈની જોડે રાગ-દ્વેષ નહીં કરવાના. ખાજો-પીજો બધું પણ રાગ-દ્વેષ નહીં. ત્યારે આ તો અંદર જઈને પૈણે છે. અલ્યા મૂઆ, ક્યાં પૈણ્યા ?! આ તો બહાર જતી વખતે વેષ થઈ પડશે ! તે આ પછી કહેશે, હું બંધાયો. તે કાયદા પ્રમાણે મહીં જઈએ ને ખઈએ-પીએ, સ્ત્રી કરીએ તો ય વાંધો નથી. સ્ત્રીને કહી દેવાનું જો સંગ્રહસ્થાન છે, એમાં તો રાગ-દ્વેષ નહીં કરવાનો. જ્યાં સુધી અનુકૂળ આવ્યું તો ફરવું, પણ છેવટે આપણે રાગ-દ્વેષ વગર નીકળી જવાનું. એની પર દ્વેષ નહીં. કાલે સવારે બીજા જોડે ફરતી હોય તો ય એને દ્વેષ નહીં ? આ સંગ્રહસ્થાન આવું છે. પછી આપણે જેટલા જેટલા કીમિયા કરવા હોય એટલા કરો. હવે સંગ્રહસ્થાન ના કાઢી નંખાય. જે બની ગયું એ ખરું હવે તો. આપણે સંસ્કારી દેશમાં જન્મ્યાં ને ! એટલે મેરેજ-બેરેજ બધું પધ્ધતસરનું. ધણી તો કોને કહેવાય ? આટલું જો સ્ત્રીઓનું સન્માન થતું હોય ત્યાં એ દુઃખી કેમ હોય ?! સ્ત્રીઓનું કંઈક સન્માન હોવું જોઈએ. આમ ધણી થઈને બેસે છે. અને બીજા એક માણસને ત્યાં સરસ બઈ (પત્ની) હતી ત્યારે મેં કહ્યું, બઈને સારી રીતે તું રાખ. એને બહુ કડકાઈ ના કરવી એમ ! આવું ના શોભે, કહ્યું ત્યારે મને કહે છે, એ ચઢી બેસે. તે એ કોણે શીખવાડ્યું તને ?! તો તું શું કામ ભડકું છું, કહ્યું આ. એ ભડકાટ ખોટો છે બધો. ખોટા ભડકાટથી લોકો ભડક ભડક કરે એમાં દુઃખી થાય ઊલટું. કશું સ્ત્રી એવું ના ચઢી બેસે. પણ એને અણસમજણ પેસી ગઈ, ગોટાળો ! શું થાય હવે ! આ બધા માણસ છે તે કઈ જાતના લોક છે તે ! જરાક તો ધણી થતાં શીખો ! ધણી થવું સહેલી વસ્તુ નથી અને પાછાં સ્ત્રીને શું કહે છે, હું તારો ધણી થઉં ! આ મોટા ધણી આવ્યા ! રોજ બાઈસાહેબ ટૈડકાવતા હોય ને આ મોટા ધણી થઈ બેઠાં હોય ! ધણી તો કોનું નામ કહેવાય ? પોતાની સ્ત્રી આમ જોતાંની સાથે, એને નમ્રતા જાય નહીં કોઈ પણ ટાઈમે, એ ધણી કહેવાય. ત્યાં પ્રેમ હોય ! બાકી આને ધણી કેમ કહેવાય ? જેમ કૂતરી કૂતરા જોડે ઘૂરકિયાં કરેને, એમ ઘૂરકિયાં કરતી હોય. બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય ! ધણી તો કેવો હોય ? કોઈ દહાડો સ્ત્રીને, છોકરાંને હરકત ન પડવા દે એવો હોય. સ્ત્રી કેવી હોય ? કોઈ દહાડો ધણીને હરકત ના પડવા દે, એના જ વિચારમાં જીવતી હોય. બીબીને મનમાં એમ બેસી જાય કે ઓહોહો, આ દેવ જેવો માણસ છે, ત્યારે ધણી થયો કહેવાય. એને ય મહીં ન્યાય હોય કે ના હોય ? એને ય અક્કલ તો ખરી કે નહીં ? પ્રશ્નકર્તા : ખરી ! દાદાશ્રી : ધણી કોને કહેવાય ? સંસારને નભાવે તેને. પત્ની કોને કહેવાય ? સંસારને નભાવે તેને. સંસારને તોડી નાખે એને પત્ની કે ધણી કેમ કહેવાય ? એણે તો એના ગુણધર્મ જ ખોઈ નાખ્યા કહેવાયને ? 'વાઇફ' પર રીસ ચઢે તો આ માટલી ઓછી ફેંકી દેવાય ? કેટલાંક કપ-રકાબી ફેંકી દે ને પછી નવા લઈ આવે ! અલ્યા, નવા લાવવા હતા તો ફોડ્યા શું કામ ? ક્રોધમાં અંધ બની જાય, તે હિતાહિતનું ભાન પણ ગુમાવી દે. ધણી તો એવો હોવો જોઈએ કે બઈ આખો દહાડો ધણીનું મોઢું જોયા કરે. પ્રશ્નકર્તા : પરણ્યા પહેલાં બહુ જુએ છે. દાદાશ્રી : એ તો જાળ નાખે છે. માછલું એમ જાણે કે આ બહુ સારા દયાળુ માણસ છે તે મારું કામ થઈ ગયું. પણ એક વખત ખાઈ તો જો, કાંટો પેસી જશે. આ તો ફસામણવાળું છે બધું ! ડંખ ભોગવે બધા, બોલે નહીં કોઈ ! પ્રશ્નકર્તા : એક લેખકે કહ્યું છે કે આ લગ્ન એક એવો કિલ્લો છે કે જે બહાર છે એ અંદર જવા ઇચ્છે છે અને અંદર જે છે એ બહાર નીકળવા ઇચ્છે છે. દાદાશ્રી : હા, પણ શું કરે એ ! એવું છેને કે... એક દાખલો આપું. અહીં એક ગોખલો હોયને, ગોખલો. તે ગોખલામાં નાનો વીંછી બેસી રહેલો. હવે અહીં આગળ એક માણસને કંઈ વૉમિટ કે એવું તેવું કશું થઈ ગયું કે જેને માટે ભમરીના દરની જરૂર પડી. કશુંક દર્દ એવું થઈ ગયું કે ભમરીનું દર જો કદી એને આમ દ૨ ઘસીને આપેને, તો બેસી જાય એ. તે પછી પેલા ભાઈની તબિયત બગડેલી. તે એને કહ્યું કે ભઈ અહીં ભમરીનું દર ખોળી કાઢો. પછી ગોખલામાં ભમરીનું દર દેખાયું એટલે હાથ ઘાલ્યો આમ, ઊંચા પગ કરીને હાથ ઘાલ્યો, તે ભમરી તો એના દરમાં હતી નહીં. પણ ત્યાં વીંછી બેસી રહેલો. તેણે ડંખ માર્યો. હવે ડંખ માર્યો એટલે પેલો પાછો આવ્યો કે બળ્યું, મારાથી ઊખડી નહીં, કહે છે. બીજો કહે છે, મૂર્ખ એટલું ના ઊખડ્યું ! લે ઊખાડી આપું, કહે છે. તે પેલાએ હાથ ઘાલ્યો અને વીંછીએ ડંખ માર્યો તો એણે કહ્યું કે મને કેમ કહ્યું નહીં ! ત્યારે કહે, ના એ તું તો અક્કલવાળો છુંને, આ તારી અક્કલ તને દેખાડી આપું. એવું આ જગત છે ! પૈણ્યાનું સરવૈયું શું ? પૈણેલા જાણે કે આપણે તો આ ફસાયા, ઊલટાં ! ના પૈણેલા જાણે કે આ લોકો તો ફાવી ગયા ! આ બન્ને વચ્ચેનો ગાળો કોણ કાઢી આપે અને પૈણ્યા વગર ચાલે એવું ય નથી આ જગત ! તો શા માટે પૈણીને દુઃખી થવાનું ત્યારે કહે, દુઃખી નથી થતા, એક્સ્પીરીયન્સ (અનુભવ) લે છે. સંસાર સાચો છે કે ખોટો છે, સુખ છે કે નથી !? એ હિસાબ કાઢવા માટે સંસાર છે. તમે કાઢ્યો થોડોક હિસાબ ચોપડામાં ? પ્રશ્નકર્તા : મેં હિસાબ નથી કાઢ્યો ! દાદાશ્રી : એ હિસાબ કાઢવાનો. અમે આખી જિંદગી હિસાબ જ કાઢ કાઢ કર્યો. મને સમજાઈ ગયું કે આ બધા ખાતાં ખોટનાં છે. વેપાર અવળો પકડ્યો છે આપણે ! ત્યાર પછી ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) થવાયું. આ સંસારની ઝંઝટમાં વિચારશીલને પોષાય નહીં. જે વિચારશીલ નથી, તેને તો આ ઝંઝટ છે એની ય ખબર પડતી નથી, એ જાડું ખાતું કહેવાય. જેમ કાને બહેરો માણસ હોય, તેની આગળ તેની ગમે તેટલી ખાનગી વાતો કરીએ એનો શું વાંધો ? એવું અંદરેય બહેરું હોય છે બધું. એટલે એને આ જંજાળ પોષાય, બાકી આ જગતમાં મઝા ખોળવા માગે, તે આમાં તો વળી કંઈ મઝા હોતી હશે ? ઘાંચી બળદિયા જેવો સંસાર ! આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! ગોળ ગોળ ફર્યા કરે. તેવું આખો દહાડો આ બહાર કામ કરે. તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઈશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઈ ઠેરના ઠેર !! પછી એ બળદને શું કરે પેલો ઘાંચી ! પછી ખોળનું ઢેફું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ થઈને ફરી ચાલુ થઈ જાય પાછો. તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેફું આપી દે એટલે ભાઈ નિરાંતે ખઈને ચાલુ ! મારની યાદ, જન્માવે વૈરાગ્ય ! આ સંસારમાં બધાએ એવો માર ખાધેલો છે, તો ય પણ વૈરાગ નથી આવતો એ ય એક અજાયબી છે ને ! એવો ને એવો માર, કોઈ બીજી જાતનો, ત્રીજી જાતનો, બધો સંસારમાં માર જ ખાય છે. માર એટલે લપકાં કરે, તુંકારા કરે, મતભેદ પડે, એ ય માર કહેવાય. છતાંય વૈરાગ નથી આવતો. વૈરાગ એટલે પોતે જે માર ખાધેલો તે યાદ આવે તે. યાદ આવે તો વૈરાગ થાય. યાદ જ ના આવે તો પછી વૈરાગ શી રીતે થાય ? સમજાયું તમને કે ના સમજાયું ? પ્રશ્નકર્તા : 'યાદ આવે તે વૈરાગ' એ મારા મગજમાં બેસતું ન હતું. દાદાશ્રી : યાદ જ ના આવે તેને પછી વૈરાગ શાનો આવે ? રોજ ગાળો ભાંડે ને સાંજે યાદ ના આવે તો વૈરાગ શાનો આવે ? મને તો જ્ઞાન થતાં પહેલાં એટલું બધું યાદ રહેતું હતું કે બધી બાબતમાં નિરંતર વૈરાગ જ રહેતો હતો. પ્રશ્નકર્તા : એટલે જેટલી યાદશક્તિ એટલો વૈરાગ. દાદાશ્રી : હા, બરાબર છે. આ લોકો સંડાસ રોજ જાય છે, પણ કોઈ દહાડો વૈરાગ કોઈને જોયો તમે ? યાદશક્તિ જ નહીં તેથી. બહાર નીકળે કે પછી બધું ભૂલી ગયો પાછું ! બેભાન લોકોને શું પૂછવાનું ? અને ભાનવાળો તો ભૂલે જ નહીં કે આવું સાલું એંઠવાડો ને આ જાતનું જીવન ! અને તેમાં તે પછી હાથ ઘાલે જ નહીં ને ! પ્રશ્નકર્તા : પણ યાદશક્તિ એ તો રાગ-દ્વેષથી ઊભી થાય છે ને ? દાદાશ્રી : એ વાત જુદી છે. આ તો આ દશાની વાત કરીએ. એ યાદ સંસારનું સ્વરૂપ ઓળખાવે ! મને હીરાબાએ એક ફેરો અપમાન કર્યું હોય વખતે એમ માનોને, તો આખી જિંદગી હું ચૂકું નહીં. અને 'વૈરાગે' ય લઈ લઉં, વારે ય નહીં કંઈ. અપમાન ગળવા માટે સંસાર છે ? આટલી બધી કડકાઈ જોઈએ. આમ કેમ પોલંપોલ ચાલે એ ? અપમાન કરે તે ઘડીએ કડવાટ લાગે અને પછી ભૂલી જવાનું ? કડવાટ લાગે ને ભૂલે, એ માણસ તે માણસ જ કેમ કહેવાય ? એક ફેરો કડવાટ લાગ્યો ને પછી ભૂલી કેમ જવાય ? શેના આધારે ભૂલી જાય છે ? કે પેલી બેન (પત્ની) છે તે પાછી પોતાના બાબાને શીખવાડે કે જા, પપ્પાજીને કહે કે મમ્મી ચા પીવા બોલાવે છે. એટલે પેલો બાબો આવીને કહે, પપ્પાજી, એટલે આ ચગ્યો ! એટલે કડવાટવાળું કહેલું તે ભૂલી ગયો. આવું આ મેણો (ઘેન) થાય છે. અને આ ચગેય છે પાછો. એને જાગૃતિ જ નહીં ને ! ભાન જ નહીંને, અને 'પપ્પાજી' બોલે ત્યારે તન્મયાકાર થઈ જાય છે !! એટલે પેલો બાબો બે વચ્ચે સાંધી આપનાર, આવું જગત છે ! એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનની ય જરૂર નથી ને અપમાનની ય જરૂર નથી. પણ આપણું જીવન શું અપમાનને માટે છે ? એવું લક્ષ તો હોવું જોઈએને? પ્રશ્નકર્તા : એ તાંતો ના કહેવાય ? આપણે લક્ષમાં રાખીએ ને ભૂલી ના જઈએ તો એ તાંતો ના કહેવાય ? દાદાશ્રી : તાંતો ના હોય તો વૈરાગ રહે જ નહીંને ! તાંતો હોવો જ જોઈએ. આ તો એવું છેને કે આપણા મોક્ષમાર્ગની વાતમાં અંદર તાંતાની જરૂર નથી, પણ આ તો સંસારને માટે વાત કરીએ છીએ. સંસારના લોકો માટે આ વાત કરીએ છીએ, આ વ્યવહારિક વસ્તુ છે છતાં આમાં આખો ય વ્યવહાર ધર્મ છે. તાંતો તો વેર રાખે તે તાંતો કહેવાય. આપણે વેર રાખવાની જરૂર નથી. યાદ રાખવાની જરૂર છે, વેર નહીં. વીતરાગ ભાવે યાદ રાખવાનું છે. જ્ઞાની છોડાવે સંસાર જાળમાંથી ! બાકી આ દહાડા શી રીતે કાઢવા એ ય મુશ્કેલ થઈ પડ્યું છે. ધણી આવે ને કહેશે કે, 'મારા હાર્ટમાં દુઃખે છે.' છોકરાં આવે ને કહેશે કે, 'હું નાપાસ થયો.' ધણીને હાર્ટમાં દુઃખે છે ત્યારે એને વિચાર આવે કે 'હાર્ટ ફેઈલ' થઈ જશે તો શું થશે, બધા જ વિચારો ફરી વળે, જંપવા ના દે. 'જ્ઞાની પુરુષ' આ સંસાર જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે. મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા ! પોતે પરમાત્મા પણ થઈ બેઠો... આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઈ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે ? બાઈ જાણે કે હું રોટલા બનાવું ખરી, પણ કમાવી કોણ આપે ? એમ કરીને બેઉ પરણ્યાં ને સહકારી મંડળી કાઢી. પછી છોકરાં ય થવાનાં. એક દૂધીનું બી બાવ્યું, પછી દૂધિયાં બેસ્યા કરે કે ના બેસ્યા કરે ? વેલાને પાંદડે દૂધિયાં બેસે, એવું આ માણસો પણ દૂધિયાની પેઠ બેસ્યા કરે છે. દૂધી એમ નથી બોલતી કે મારાં દૂધિયાં છે. આ મનુષ્યો એકલા જ બોલે કે આ મારાં દૂધિયાં છે. જુઓને, આ જડ ને ચેતન બે ભેગાં થઈને કેવો સંસાર ઊભો થઈ ગયો ! પછી શાદી કરે, લગ્ન કરે, વેવાઈ થાય, કોઈ વેવાઈ થતું હશે ? તમે હજુ થયાં નહીં હોય વેવાઈ ને ? લોક વેવાઈ થાય, વેવાણો થાય, જમાઈ થાય, કાકા સસરા થાય, મામા સસરા થાય, કેટલી જાતની ડખલો ઊભી કરી છે ! એટલે આ લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ. પેઠા હોય તો ય નીકળી જવાય તો વધુ ઉત્તમ. અને નહીં તો ય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ. બાકી આત્મા કોઈનો ધણી કે કોઈની સ્ત્રી કે કોઈનો છોકરો થઈ શકતો નથી, ફક્ત આ કર્મો બધાં થઈ રહ્યાં છે. આત્મામાં તો કશું આમાં ફેરફાર થતો નથી. આત્મા તો આત્મા જ છે, પરમાત્મા જ છે. તે આપણે માની બેઠાં કે આ અમારી સ્ત્રી ! પતિ-પત્ની વ્યવહારથી, નહીં કે નિશ્ચયથી ! આ તો તમે ખરેખર ધણી-ધણિયાણી છો ? વાઈફ અને હસબન્ડ છો ? તે વ્યવહારથી છો, ખરેખર એ એક્ઝેટલી તમે નથી એવું. આ તો વ્યવહારથી છે આપણે. નામ, નામને પૈણ્યું છે અને તમે પોતે અનામી છો. અને ધણી કંઈ આપણા માલિક નથી હોતા. તારો માલિક ધણી નથી. તે 'મંગળાબેન'ના માલિક ધણી છે. 'તમે' જુદા છો. તમને એક દહાડો હું જ્ઞાન આપીશ ત્યારે તમને સમજાશે. પછી કશી અસર નહીં થાય. પ્રશ્નકર્તા : આપના કહેવા પ્રમાણે વ્યવહારથી પત્ની, બાકી નહીં. દાદાશ્રી : બાકી પત્ની નહીં, વ્યવહારથી પત્ની. બાકી ખરેખર પત્ની હોય તો થઈ જ રહ્યું ને ! પછી આપણી પાસે રહ્યું શું તે ? આપણે શુધ્ધાત્મા જુદા અને આ મંગળાના ધણી ! મનમાં એટલું સમજી જવાનું. મોઢે બોલવું નહીં. મનમાં સમજી લેવાનું કે આપણે જુદાં ને મંગળા જુદી, એવું દાદાએ મને કહેલું છે. એટલું તમારે રાખવાનું. સમજ પડીને ! આ એડજસ્ટમેન્ટ તો બધા ટેમ્પરરી છે. આ દેહ જ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ કંઈ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ નથી. એક માણસે મને, એક દહાડો દેખાડ્યા કે આ મારા સસરા છે, પેલાં આવ્યા તે, પછી છ મહિના પછી ભેગાં થયાં, પેલાં એના સસરા, ત્યારે મેં કહ્યું, તમે ફલાણા ભાઈના સસરા થાઓને ? તો કહે, 'હું શેનો એમનો સસરો !' ત્યારે હું વિચારમાં પડ્યો કે આ મારી સમજવામાં ભૂલ થઈ. ત્યારે મેં કહ્યું, કેમ ? તો કહે, 'મારી છોડીએ ડાયવોર્સ લીધાં, હવે હું શાનો સસરો !' હવે આવું ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં ડાયવોર્સ કેમ થાય, ભાઈ ? કારણ કે વન ફેમિલી રહેતાં નથી એટલે ! તમે કોઈ જાત્રાએ ગયા હોય, તો ત્યાં કોઈક વાંકો હોય તો સાચવી સાચવીને વઢંવઢા ના થાય એટલાં હારુ સાચવીએ કે નથી સાચવતાં ? કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : એવું આ પચાસ-સાઠ વર્ષ સાચવવાનું છે. જગત કેવું પોલંપોલ ! બાકી આ જગત બધું પોલંપોલ છે. છતાં વ્યવહારથી ના બોલે તો પેલાના મનમાં દુઃખ થાય. સ્મશાનમાં જોડે જઈને ત્યાં ચિતામાં કોઈ પડ્યું નહીં. ઘરના બધાંય પાછાં આવે, બધાં ડાહ્યા ડમરા જેવા છે. એની મા હોય તો એ ય રડતી રડતી પાછી આવે. પ્રશ્નકર્તા : પાછું એનાં નામનું કૂટે કે કશું મૂકી તો ના ગયા. અને બે લાખ રૂપિયા મૂકી ગયા હોય તો કશું બોલે નહીં. દાદાશ્રી : હા, એવું. આ તો નથી મૂકી ગયો તેનું રડે છે કે 'મરતો ગયો અને મારતો ગયો' એવું હઉ અંદર બોલે. કશું મેલ્યું નહીં ને અમને મારતો ગયો. હવે પેલાએ ના મૂક્યું એમાં પેલી બઈનું નસીબ કાચું એટલે ના મૂકાયું. પણ પેલાને ગાળ ખાવાની લખેલી, તે ગાળો ય ખાધીને ! આવડી આવડી ચોપડે. વળી પાછાં લોક પણ આવીને પૂછે કે તમારા ધણી કશું મૂકી ગયા નથી ? ત્યારે પાછું એવું બોલે કે ના, ના, બધું ય મૂકી ગયા છે. એમ તો ખાવા-પીવાનું બધું જ છે. હવે બધા આગળ બહાર આવું બોલે ને મનમાં પેલું બોલે ! એટલે શું છે, હકીકત આની પાછળ ! સર્વ અનુભવો, તારણ કાઢવા માટે ! જેમ છે તેમ સમજણ નહીં પડવાથી, આ દુનિયામાં ઝઘડા છે. જેમ છે એમ જાણે, ત્યારે પછી ઝઘડો હોતો જ નથી. તેથી ભ્રાંતિ કહીને ! કે મૂઆ, વગર કામનો માર ખાવ છો ને ! વાસ્તવિકતામાં એવું છે જ નહીં. અને સ્ત્રી-પુરુષ છે અને બૈરી-છોકરાં છે, એ બધું નહીં જાણવાથી જ બધું માની બેઠાં છો. લોકો કહે કે તમે આના ધણિયાણી થાવ. ને એ તો બધું વાંધો નહીં પણ એવું માની નહીં લેવાનું. લોક તો કહે જ. દેખે એવું ના કહે કે આ ધણી-ધણિયાણી ! પણ આપણે માની લઈએ તો ઊંધું થાય ને ? માની લઈએ તો માન્યાનું ભૂત આપણને વળગે. ખાલી બિલિફ જ બેસી ગઈ છે. જગતમાં સંયોગો તારણ કાઢવા માટે છે. એક્સ્પીરીયન્સ કરવા માટે છે. પણ લોકો ખાંચામાં પેસી ગયા છે. શાદી કરીને ખોળ કે સુખ શેમાં છે ? બૈરીમાં છે ? બાબામાં છે ? સસરામાં છે ? સાસુમાં છે ? શેમાં સુખ છે ? એનું તારણ કાઢને ! લોકોને દ્વેષ થાય, તિરસ્કાર થાય પણ તારણ ના કાઢે. આ જગતની સગાઈઓ એ રિલેટિવ સંબંધો છે, રિયલ નથી. માત્ર તારણ કાઢવા માટે સગાઈઓ છે ! તારણ કાઢનારા માણસોને રાગ-દ્વેષ ઓછા થાય અને મોક્ષના માર્ગનો શોધક થાય. વેરના હિસાબ ચૂકવવાનું કારખાનું ! આ સંસાર બધો હિસાબ ચૂકવવાનું કારખાનું છે. વેર તો સાસુ થઈને, વહુ થઈને, છોકરો થઈને, છેવટે બળદ થઈને પણ ચૂકવવું પડે. બળદ લીધા પછી રૂપિયા બારસો ચૂકવ્યા પછી બીજે દિવસે એ મરી જાય ! એવું છે આ જગત !! અનંત અવતાર વેરમાં ને વેરમાં ગયા છે ! આ જગત વેરથી ખડું રહ્યું છે ! આ હિન્દુઓ તો ઘરમાં વેર બાંધે અને આ મુસ્લિમોને જુએ તો એ ઘરમાં વેર ના બાંધે, બહાર ઝઘડો કરી આવે. એ જાણે કે આપણે તો આની આ જ ઓરડીમાં આની જ જોડે રાતે પડી રહેવાનું છે, ત્યાં ઝઘડો કર્યે કેમ પાલવે ? જીવન જીવવાની કળા શું છે કે સંસારમાં વેર ના બંધાય ને છૂટી જવાય. તે નાસી તો આ બાવા-બાવલીઓ જાય છે જ ને ? બાકી નાસી ના જવાય. આ તો જીવનસંગ્રામ છે, જન્મથી જ સંગ્રામ ચાલુ ! ત્યાં લોક મોજમજામાં પડી ગયાં છે. પોતાના કર્મ પોતે ભોગવે ! પ્રશ્નકર્તા : પતિ-પત્ની બન્ને લગભગ આખો વખત સાથે ને સાથે હોય છે. એમનો વ્યવહાર, એમના બન્નેના કર્મો પણ જોઈન્ટ (જોડે) બંધાય છે, તો એનાં ફળ એમને કેવી રીતે ભોગવવાનાં હોય છે ? દાદાશ્રી : ફળ તો તમારો ભાવ જેવો હોય એવાં તમે ફળ ભોગવો અને એમને ભાવ હોય એવું એમને ભાવનું ફળ ભોગવવાનું છે. પ્રશ્નકર્તા : એવું બને ખરું કે પત્નીના પુણ્યથી પુરુષનું ચાલતું હોય ? કહે છે ને બૈરીના પુણ્યથી આ લક્ષ્મી છે કે બધું સારું છે, એવું બને ખરું ? દાદાશ્રી : એ તો આપણા લોકોએ એક કોઈક માણસ બૈરીને બહુ મારતો હોયને, તેને સમજણ પાડી કે મૂઆ, આ તારી બૈરીનું નસીબ તો જો ! શું કરવા બૂમો પાડું છું ! એનું પુણ્ય છે તો તું ખાઉં છું, એમ કરીને ચાલુ થઈ ગયું. બધા જીવમાત્ર પોતાના પુણ્યનું જ ખાય છે. તમને સમજાઈ ગયુંને ! એ તો બધું આવું કરવું પડે તો જ રાગે પડેને ! સહુ સહુના પોતાના પુણ્યનું જ બધું ભોગવે છે અને પોતાનું પાપે ય પોતે જ ભોગવે છે. કોઈને કશું લેવા-દેવા ય નથી પછી. એક કિંચિત્ વાળ પૂરતી એ ય ભાંજગડ નથી. કર્યું, કરાવ્યું, અનુમોદયું... પ્રશ્નકર્તા : કોઈ શુભ કર્મ કરે, દાખલા તરીકે પુરુષ દાન કરે, પણ સ્ત્રીનો એમાં સહકાર હોય, તો બન્નેને ફળ મળે ? દાદાશ્રી : હાસ્તોને, કરનાર અને સહકાર આપનાર એટલે કરાવનાર, અગર તો કર્તા પ્રત્યે અનુમોદનાર, આ બધાને પુણ્ય મળે. ત્રણેયને - કરનાર, કરાવનાર અને કર્તા પ્રત્યે અનુમોદનાર. તમને જેણે કહ્યું હોય કે આ કરજો, આ કરવા જેવું છે, એ કરાવનાર કહેવાય, તમે કરનાર કહેવાઓ અને સ્ત્રી વાંધો ના ઉઠાવે એ અનુમોદનાર. બધાંને પુણ્ય મળે. પણ કરનારને ભાગે પચાસ ટકા અને પેલા પચાસ ટકા બે જણને વહેંચાઈ જાય. પ્રશ્નકર્તા : અમને પચીસ ટકા આપો એ ના ચાલે ? દાદાશ્રી : તો જાતે કરો. ઘરના માણસો તો ધણીને કહે, હિન્દુસ્તાનમાં ઘણાં લોકો, કે તમે આ બધું ઊંધા-છતાં કરીને પૈસા લાવો, તે તમારું પાપ આ તમને લાગે. અમારે કંઈ ભોગવવાનું નથી. અમારે નથી જોઈતું આવું. જે કરે એ ભોગવે. હવે પેલાં કહે કે અમારે નહીં જોઈતું એટલે એ અનુમોદના ના કરી એટલે એનાથી મુક્ત થઈ ગયા. પાર્ટનરશીપ (ભાગીદારી) કરવી હોય તે આપણી મરજીની વાત છે. એમાં કંઈ 'ડીડ' (કરાર) કરવાનું નથી કે સ્ટેમ્પ લાવવો પડતો નથી, વગર સ્ટેમ્પે ચાલે છે. પ્રશ્નકર્તા : અમારે ત્યાં મહિનામાં પચ્ચીસ દહાડા રસ્તે જતાને ય બોલાવીને હું જમવા લાવું. તો હવે હું તો ખાલી બોલાવી લાવું પણ મહેનત બધી તો એમણે કરીને જમાડવું પડે. તો આમાં પુણ્ય કોને વધારે મળે ? આપણે તો કરિયાણા, બીજું સામાન લઈ આવીએ, બાકી મહેનત તો એમણે કરીને ! દાદાશ્રી : એટલે તમે આમાં, તમે કરાવનાર કહેવાઓ, એ કરનાર કહેવાય. એની મહીં સાસુ હોય તે કહે, હારુ બા, બધાને જમાડજો ! તો એ અનુમોદનાર કહેવાય. આવી રીતે કરનાર, કરાવનાર અને અનુમોદનારથી ચાલે છે. હવે તે વખતે એમના મનમાં એમ થાય કે આવાં લફરાં તેડી લાવ્યાં ! આ શી ભાંજગડ ? એટલે કરનારને ભાંજગડ લાગે તો એને ભાગે ગયું બધુંય પાપ. તમારે ભાગે તો પુણ્ય આવ્યું. આ (વાઇફ) બહાર શું બોલે, આવનારાને એમ કહે કે તમે આવ્યા છો તે બહુ સારું થયું બા, આ મને ગમ્યું અને મનમાં શું બોલે કે આ કંઈથી તેડી લાવ્યાં વગર કામનાં આ લફરાં ! આનું નામ બધું જ કિન્ડર ગાર્ડન. પછી કરાર ભંગ કરાય નહીં ! પ્રશ્નકર્તા : આપણે ધર્મના માર્ગે જવું હોય તો, ઘર સંસાર છોડવો પડે. એ ધર્મના કામ માટે સારું કહેવાય પણ ઘરના લોકોને દુઃખ થાય પણ પોતાને માટે ઘરસંસાર છોડે એ સારું કહેવાય ? દાદાશ્રી : ના. ઘરવાળાનો હિસાબ ચૂકવવો જ પડે. એમનો હિસાબ ચૂકવ્યા પછી એ બધાં ખુશ થઈને કહે કે 'તમે જાવ' તો વાંધો નથી. પણ એમને દુઃખ થાય એવું કરવાનું નહીં. કારણ કે એ એગ્રીમેન્ટ(કરાર)નો ભંગ કરી શકાય નહીં. બાકી ધાર્યું કશું થાય નહીં. પુણ્ય કર્યું હોય તો ધાર્યું થાય. અને પાપ કરેલું હોય તો ધાર્યું કોઈ દહાડો થાય જ નહીં, તો પછી તમે બીજું શું કરવાના હતા ? અમથા સંડાસ જવાની શક્તિ નહીં ને શું કૂદાકૂદ કરે છે ? આપણને એમ છે કે આ આપણું ઘર છે ને કુટુંબ છે. ના, કર્મો ખપાવવાની દુકાન છે. ઘરાક-વેપારી જેવો સંબંધ છે. પ્રશ્નકર્તા : ભૌતિક સંસાર છોડી દેવાનું મન થાય છે, તો શું કરવું ? દાદાશ્રી : ભૌતિક સંસારમાં પેસવાનું મન થતું હતુંને, એક દહાડો ! પ્રશ્નકર્તા : એ તો ત્યારે જ્ઞાન નહોતું, હવે તો જ્ઞાન આવ્યું છે એટલે એમાં ફરક પડે છે. દાદાશ્રી : હા, એમાં ફરક પડે પણ જો એ પેઠા એટલે હવે નીકળવાનો રસ્તો ખોળવો પડે. એમ ને એમ ભાગી ના જવાય. લગ્નનો કેટલાં વર્ષનો કોન્ટ્રાક્ટ (કરાર) કરેલો છે ? પ્રશ્નકર્તા : ખબર નથી ? દાદાશ્રી : એવું છેને કોઈ કરાર લખી આપ્યો હોય તો કરાર પ્રમાણે ચાલવું પડેને ! પ્રશ્નકર્તા : એવો કરાર તો કોણ લખી આપે! દાદાશ્રી : ના, એ તો જન્મ વખતે કરાર લખાઈ જ જાય. આપણે સમજવું હોય તો સહી નહીં કરવી. એટલે નીચે મોઢે સહન કર્યે જ છૂટકો ! પ્રશ્નકર્તા : પણ કેટલાં જન્મો સુધી કરવું પડશે એવું ? દાદાશ્રી : એ તો ફરી કરાર પાછા કરવાની ભાવના થાય, તો નક્કી કરી રાખવું કે હવે ફરી કરાર કરવો જ નથી, તો નહીં થાય. પ્રશ્નકર્તા : હા દાદા, ગાંઠ વાળી દીધી છે, નક્કી જ કરી દીધું છે. દાદાશ્રી : કરી જ નાખવા જેવું. એ ગાંઠ કરારવાળી છે. આ છોકરાંઓ જોડે ય કરાર છે અને ધણી જોડે ય કરાર, બધા કરારો છે. આ સંસાર કરાર છે એનો વાંધો નહીં, આપણે છૂટા અને આ ય છૂટા, એવી રીતે ચાલે એવું છે. ચોપડાના હિસાબ, ચૂકતે થયે છૂટકો ! પ્રશ્નકર્તા : જીવનમાં જે કંઈ બને છે એ કર્મોદયને લીધે છે, તો પછી કર્મની કે કોઈ સંબંધની પસંદગી એ આપણી હોઈ જ ના શકેને ? દાદાશ્રી : એટલે તમારે આમની જોડે સમભાવે નિકાલ, ઉકેલ લાવવો જોઈએ. હા, આ વાઇફ કુદરતે નથી આપી, તમે પોતે જ લાવ્યા છો. જેની જોડે વ્યવહાર મંડાયો, તેની જોડેનો જ વ્યવહાર છે આ. જો વ્યવહાર ના મંડાયો હોત તો ના ભેગા થાત. પ્રશ્નકર્તા : એ પણ પૂર્વનો મંડાયેલોને, દાદા? દાદાશ્રી : હા, પૂર્વેનો મંડાયેલો તે આ ભવમાં ભેગા થયા. હવે ભવિષ્યમાં પાછું આગળ ન બંધાય, એટલા માટે તમે હવે શુધ્ધાત્મા તરીકે જ્ઞાતા-દ્રષ્ટા રહો. એટલે ચાર્જ ન થાય અને જૂનું છે તે ડિસ્ચાર્જ થયા કરે. પ્રશ્નકર્તા : એટલે આ સંસાર વ્યવહારમાં કેટલાક લોકો માતા-પિતા પોતાના દીકરાની પત્ની પસંદ કરવા જતાં હોય છે, દીકરીનો જમાઈ પસંદ કરવા જતાં હોય છે, પોતે પોતાની પસંદ કરવા. એમાં કયું ધોરણ આવતું હશે આ સંબંધોમાં ? દાદાશ્રી : બધા જ કર્મના ઉદય છે આ. કર્મના ઉદયની બહાર કશુંય નથી. એ તો એના મનમાં ખાંડ ખાય છે કે મેં પસંદ કરી ને હું લાવ્યો છું એટલે હવે મારે વાંધો નથી. પણ બે વર્ષ પછી પાછું એ ય ફ્રેક્ચર થઈ જાય. તમે બે ભેગા કેવી રીતે થયા, શું કારણથી થયા, કોણે ભેગા કરી આપ્યા ? પ્રશ્નકર્તા : ગયા જન્મમાં અમે બન્ને મિત્ર હતા એટલે ભેગા થયા. દાદાશ્રી : ના. ફ્રેન્ડ (મિત્ર) હોય તો ય ના થાય. ફ્રેન્ડ એક અવતારમાં સ્ત્રી ના થઈ જાય. ફ્રેન્ડને ચાર-પાંચ અવતાર જોઈએ ત્યારે સ્ત્રી થાય. એટલે આ બધો હિસાબ છે. બધો પાછલો હિસાબ છે એ ચૂકતે કરવાનો છે. આ જગતનાં લોકો હિસાબ ચૂકતે કર્યા પછી નનામીમાં જાય છે. આ ભવના તો ચૂકતે કરી નાખે છે જ ગમે તે રસ્તે, પછી નવા બાંધ્યા તે જુદા. હવે આપણે નવા બાંધીએ નહીં ને જૂના આ ભવમાં ચૂકતે થઈ જ જવાના. બધો હિસાબ ચૂકતે થયો એટલે ભઈ- બઈ ચાલ્યા નનામી લઈને ! જ્યાં કંઈ પણ ચોપડામાં બાકી રહ્યું હોય ત્યાં થોડા દહાડા વધારે રહેવું પડે. આ ભવનું આ દેહના આધારે બધું ચૂકતે જ થઈ જાય. પછી અહીં જેટલી ગૂંચો પડી હોય તે જોડે લઈ જાય ને ફરી પાછો નવો હિસાબ શરૂ થાય. જીવનારો જાય, વે ટુ સ્મશાન ! પ્રશ્નકર્તા : આપણો હિસાબ હોય અને પૂરો થઈ જાય એટલે પછી પેલી વ્યક્તિ દેહ છોડીને જતી રહે. પછી એનો કંઈ નવો હિસાબ બંધાય તો પછી આપણી જોડે ભેગી થાય ખરી ? એનો હિસાબ પાછો બીજો હોય તો એ વ્યક્તિ પછી બીજા ભવમાં કે ગમે ત્યાં ભેગી થાય ખરી ? દાદાશ્રી : એની જોડે બાંધ્યો હોય હિસાબ તો થાય. કોઈને દેખીને જગત ભૂલી જવાતું હોય તો હિસાબ બંધાઈ ચૂક્યો છે. 'મારો એકનો એક બાબો, મને ગમતું નથી એના વગર.' ત્યારે સ્મશાનમાં જઈશ ત્યારે શું કરીશ, 'એવું ના બોલશો, ના બોલશો. મારો એકનો એક બાબો છે.' કહે છે. તો ના બોલીએ તો કંઈ આ ગયાં વગર રહેવાના છે કંઈ ! ધંધો જ સ્મશાનનો છે ને, આ દુનિયાનો. એ સ્મશાનમાં જવા હારુ લોકો આ જન્મે છે. આવતો ભવ કોને ભાગે જાય ? પ્રશ્નકર્તા : દરેક દિવસ ઓછો થતો જાય છે. દાદાશ્રી : 'મારું' કહીને મરવાનું. 'મારું' છે નહીં પાછું. એ વહેલી જાય તો આપણે એકલા બેસી રહેવાનું. સાચું હોય તો બે સાથે જ જવું જોઈએને ? અને વખતે ધણીની પાછળ સતી થાય તો ય એ કયે માર્ગે ગઈ અને આ ધણી કયે માર્ગે ગયો હોય ! સહુ સહુના કર્મના હિસાબે ગતિ થવાની. કોઈ જાનવરમાં જાય ને કોઈ મનુષ્યમાં જાય, કોઈ દેવગતિમાં જાય. એમાં સતી કહેશે કે હું તમારી જોડે મરી જાઉં તો તમારી જોડે મારો જન્મ થાય. પણ એવું કશું બને નહીં. આ તો બધી ઘેલછા છે. આ ધણી-બૈરી એવું કશું છે નહીં. આ તો બુધ્ધિશાળી લોકોએ ગોઠવણી કરી છે. પ્રશ્નકર્તા : પછી આ ભવમાં એ જ પત્ની જોડે આખી જિંદગી રહ્યા હોય ને ભાવ કર્યા હોય ને 'આ જ ભવોભવ મળો' તો એનું એ જ મળે ખરું ? દાદાશ્રી : ના, બા. પ્રશ્નકર્તા : દાદા, સામે એવો જ ભાવ હોય તો ? સામે એવો ભાવ વાઇફનો હોય તો ? દાદાશ્રી : તો મળે. બન્નેનું એગ્રીમેન્ટ બરોબર મળે તો મળી આવે. પણ તે ય પાછું બન્નેનું એગ્રીમેન્ટ બરોબર. પણ પાપ તો જુદી જુદી જાતના કરેલાં ને ! એટલે તમે માણસમાં આવ્યા હોય ત્યારે એ છે તે ચાર પગવાળી થઈ હોય. બોલો હવે, તે આ મેળ પડવો બહુ વસમો છે. આવતે ભવે એનાં એ ભેગા થાય ક્યારે ? પ્રશ્નકર્તા : તો આ નેમીનાથ ભગવાન પણ સાત જન્મ સુધી સાથે હતાંને ? દાદાશ્રી : નવ-નવ અવતાર સુધી. પ્રશ્નકર્તા : દાદા, એમણે બન્ને જણે ભાવ કર્યા હશે એવાં ? દાદાશ્રી : હા, બન્ને જણે ભાવ કરેલા. પણ એ તો પાછું એક પત્નીવ્રત. અને એક પત્નીવ્રત અને પતિવ્રત હોય. બીજાનો તો વિચાર જ ના કરે. બીજો ધણી ગમે નહીં અને એક જ પતિ અને એક જ પત્ની. અને આ તો બીજી જગ્યાએ હઉ નાચી આવે. નાચી આવે કે ના નાચી આવે, નહીં ? કોઈ હાથમાં આવવી જોઈએ નાચવા. પ્રશ્નકર્તા : જો કોઈ જાતની તકરાર ના થાય, તો આવતા જન્મે પાછું સાથે રહેવાય ખરું ? દાદાશ્રી : આ જન્મમાં જ ડાયવોર્સ(છૂટાછેડા) થઈ જાય છે તે વળી આવતા ભવની શી વાત કરો છો ! એવો પ્રેમ જ ના હોય ને ! આવતા જન્મના પ્રેમવાળામાં તો કકળાટ જ ના હોય. એ તો ઇઝી લાઇફ (સરળ જિંદગી) હોય. બહુ પ્રેમની જિંદગી હોય, ભૂલ જ ના દેખાય. ભૂલ કરે તો ય ના દેખાય, એવો પ્રેમ હોય. પ્રશ્નકર્તા : તો એ પ્રેમવાળી જિંદગી હોય તો પછી આવતા ભવમાં પાછા એના એ ભેગા થાય કે ના થાય ? દાદાશ્રી : હા થાયને, આખી જિંદગી કકળાટ ન થયો હોય તો થાય. પ્રશ્નકર્તા : અને કકળાટ થાય તો ભેગા ના થાય એવું ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : જેમ કે થોડાં ઝઘડાં, થોડાક પ્રેમ, એવું બધું વારાફરતી હોય તો જિંદગી જીવવાની મજા રહે ! દાદાશ્રી : હા, પણ એ તો લોકોને પછી છૂટકો ના થાય ને આવું પોતે થઈ જાય, બોલે ત્યારે તો થઈ જાય છે આવું. સંસારી સંબંધો બંધાયા રાગ-દ્વેષથી ! પ્રશ્નકર્તા : તો ધણી, વાઇફ, મા-બાપ, છોકરાં, ભાઈ-બહેન વગેરેના જે સગાં-સંબંધી મળે છે એ કયા આધારે મળે છે ? દાદાશ્રી : એ તો આ બધો આપણો હિસાબ. ઋણાનુબંધ રાગ-દ્વેષના કારણે. રાગ-દ્વેષ થયેલા હોયને ! બહુ રાગ હોય ત્યારે છે તે મા થાય, બાપ થાય, વાઇફ થાય, ઓછો રાગ હોય તો કાકા થાય, મામા થાય, ફૂઆ થાય. આ બધું રાગથી જ બધું ઊભું થયું છે. રાગ ને દ્વેષ. દ્વેષ હોય તો ય મા થાય. તે બેને મા-દીકરાને મેળ જ પડે નહીંને ! આખી જિંદગી મેળ પડે નહીં બિલકુલ. પ્રશ્નકર્તા : અમે હવે પાછા હસબન્ડ અને વાઇફ તરીકે જ ભેગાં થવાના ? દાદાશ્રી : ના, એનો કંઈ નિયમ નહીં પણ ભેગા થશે. કોઈ પણ રસ્તે હિસાબ છે તે ભેગાં થશે. ત્યાં સુધી ચાલે નહીં, આ તો હિસાબી ખાતું છે બધું. મનમાં માની બેઠો છે કે હું ધણી, મૂઆ શેનો ધણી તું ? જ્યાં સુધી ડાયવોર્સ નહીં લીધા ત્યાં સુધી ધણી. આ તો કો'કને કહીએ કે આ મારા સસરા. તો ક્યાં સુધી ? પેલી બઈએ ડાયવોર્સ નહીં લીધો ત્યાં સુધી. પ્રશ્નકર્તા : દાદા, આપણામાં તો એવું બોલે, કે જનમ જનમ કા સાથ હૈ. દાદાશ્રી : હા, એવું બોલે. લોકોને એમ કરીને ગાંઠો વાળી લેવી છે, એમાં કશું વળે નહીંને ! કુદરતને ઘેર ચાલે નહીંને ! કુદરત તો બહુ ચોક્કસ. કશી સગાઈ નથી, કશું છે જ નહીં, બધું માનેલું છે, પણ માનેલું કંઈ છૂટે નહીં. માનેલું તો કાયદેસર રીતે છૂટે. ગયે ભવે ડિઝાઈન ચિતરી, આ ભવે મળી ! પ્રશ્નકર્તા : દાદા, અત્યારે આ વાઇફ જ મળી, તો ગયા ભવમાં આની જોડે જ ભાવ કરેલાં એટલે આ જ મળી ? દાદાશ્રી : ના, ના. પ્રશ્નકર્તા : તો કયા આધારે મળી ? દાદાશ્રી : એવું હોતું હશે ? ચાવીઓ કેટલા લીવરની આવે છે ? તાળા કેટલાં લીવરનાં હોય છે? પ્રશ્નકર્તા : કેટલાં લીવર ? ચાર લીવર, આઠ લીવર.... હોય એવા. દાદાશ્રી : તે આપણે કહીએ, જો ભઈ, છ લીવરનું તાળું લાવજે, હં, બે-ત્રણ લીવરનું ના લાવીશ. તે આપણે ગયા અવતારે ભાવના કરી હોયને કે 'આવા લીવરવાળું તાળું જોઈએ' એટલે મળી આવે. આપણને 'આ જ હતી' એવું નહીં, હિસાબ ! થોડું ગમે છેને બધું આ ?! બધું પૂછી લો. આ વર્લ્ડની ઓબ્ઝરવેટરી છે. અને તમે જે તાળું ખરીધ્યું તે જ આ તાળું. હવે બીજાનું તાળું જોઈને, તમને આ તાળું ગમતું નથી, એવું કહો તો એ તમારી ભૂલ છે. પછી આ તમે જે લીધી હતી તે જ ડિઝાઈન પાસ કરીને લીધેલી, ઉપરથી સહી સિક્કા હઉ છે. હવે તમે બીજાનું તાળું જુઓ એટલે કહો કે 'આવું જોઈએ, મારે ભાગ આ ક્યાંથી આવ્યું !' તે પછી એ ચાલતું હશે ? પછી એ જ તાળું આખો અવતાર ચલાવી લેવું પડે. તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : પણ એ પૂર્વભવનું કૉઝીઝ હોય ત્યારે જ ભેગા થાયને, અહીં આગળ સગા તરીકે ? વહુ કંઈ એમ ને એમ થતી નથી. અડસટ્ટો નથી આ, ગપ્પું નથી. એ તો પહેલાની ડિઝાઈન આપણી ચીતરેલી, એના ગુણ બધું ચીતરેલું, તે જ આવીને મળ્યું છે આ. એટલે આ જન્મ એ બધું છે તે ગપ્પું નથી. પોતાની ઇચ્છાથી પ્રગતિ છે. આ કંઈ કોઈના દબાણથી નહીં, પોતાની ઇચ્છામાં આવે તેવી જગ્યાએ જન્મ-બન્મ બધું જ આ થાય છે. ધણી એ પોતાની ઇચ્છામાં આવે તે લાવ્યા હોય પણ પછી છે તે સામાનું જુએ અને માપે એટલે આ તો આનો સારો છે ને મારો ખરાબ. એ ત્યાં પછી બગડી જાય. સહી કરેલા કોન્ટ્રાક્ટ, એમાં ભૂલ કોની ? બાકી લઈને આવે છે પોતાની ઇચ્છાપૂર્વકનું ટેન્ડર ભર્યું હતું એ. ડિઝાઈન-બિઝાઈન બધું એ લઈને આવે છે. પણ અહીં આવ્યા પછી બુધ્ધિથી ફરી જાય છે. એટલે હું કહું છું ચલાવી લે ને ! મૂઆ, તેં જ કરેલું છે, તેં સહી કરેલી માટે કોન્ટ્રેક્ટ પૂરો કરી નાખ ને ! આપણે સહી કરી આપી પછી.... ! પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : એક માણસ મને ફરવા તેડી ગયેલો, ઇન્જિનિયર હતો, ત્રીસ વર્ષનો હતો. મેં કહ્યું 'શું ચાલે છે ? વહુ જોડે ફાવે છે કે નહીં ?' 'નથી બોલતો એની જોડે' કહે છે. મેં કહ્યું 'અલ્યા, અત્યારથી નહીં બોલતો, તે આખી જિંદગી શી રીતે કાઢીશ તું ?' ત્યારે કહે, 'ના, એનો સ્વભાવ બરાબર નથી ને મિલનસાર નથી ને આમ નથી ને તેમ નથી.' મેં કહ્યું, 'ત્યારે જોવા શું ગયો હતો ત્યાં !!' ત્યારે કહે, 'અંદરનું કોણે જોયું છે ? મેં તો બહાર જોઈ.' ત્યાર પછી મેં એને સમજણ પાડી. હમણે ચાર-પાંચ જણ બેઠા હોય ને તને એક તાળું લેવા મોકલીએ અને તું બધાં તાળા જોઈ અને પછી તાળું લઈને આવ્યો પછી એને પાછું આપવા જવાનું થાય તો શરમ આવે કે ના આવે તને ! ત્યારે કહે, ના, એ તો પછી ના અપાય. ત્યારે મેં કહ્યું, આ લઈને આવ્યો મૂઆ તાળું, હવે આખી જિંદગી ચલાવી લે ! તે ચાલ્યું પણ, એનું ગાડું ચાલે છે અત્યારે ય ચાલે છે. આટલી મેં ચાવી વાસી આપી કે તાળું ખુલ્લું થઈ ગયું. અણસમજણ બધી ! તાળું લઈને આવ્યો હોય તો એટલો રોફ મારીએ છીએ કે મારું લાવેલું પાછું કેમ આપવું પડે હવે ! હું જોઈ કરીને લાવ્યો ને... નહીં તો પોતાનો રોફ શું રહ્યો એમાં તે ! અને આ તે કંઈ ભોટવા (માટલી) છે તે બદલાય ?! માટીના ભોટવા હોય તો બદલી લેવાય. ન્હોય ભોટવા આ તો. આવું ના થાય. એટલે કેટલાં રૂમ જોઈશે એ બધું પોતે લખીને લાવ્યો છે તે એટલું જ એને મળેલું હોય છે. હવે બીજાનું જોઈને એને લોભ જાગે છે અને તે તેનું નામ જ ઇન્વાઇટેડ (બોલાવેલા) દુઃખ. આ કો'કનું જોઈને લાવે તેથી દુઃખ આ. તે કોઈનો ધણી ય આપણે શું કરવા જોઈએ સારો, તે આપણો ખરાબ દેખાય. બધાં ય તડબૂચાં, એ કોઈ આવડું તડબૂચું, કોઈ આવડું હોય. ગયા અવતારનું એગ્રીમેન્ટ પછી જ આ બધું તમને મલે છે અને અહીં આવીને કો'કનું જોઈને ચંપે ચઢે તે પછી શું થાય તે ! હું તો કોઈ દહાડો કોઈનું જોઈને નકલ કરું જ નહીં ને ! હું જાણું કે આપણે કરાર કરીને આવ્યા છીએ. જે હોય એ કરેક્ટ (બરાબર). આ કરાર કરીને આવેલા છે. એટલે આમ સમજે નહીં, તો કરાર પ્રમાણે તું તારી મેળે આનો નિવેડો લાવી નાખ આ બાબતમાં. બીજો સારો કરાર કર નવો. નવો કરું ને તો સારો કર પણ આ જૂનો છે તે કરાર પર સહી થયા પછી બૂમ પાડીએ એ ગુનો છે. આ વાઇફને પાસ કરીને લાવ્યા અને હવે અહીંયા આગળ બૂમો પાડે તો શું થાય ? વાઇફ જાય નહીં ને નવું દહાડો વળે નહીં ! આ જ વાઇફ મળવી એ ગપ્પું નથી કે કો'કે ઘાલી દીધી ! આપણા કરાર પ્રમાણે છે. ફલાણા ગામની ને ફલાણાની દીકરી ને બધું કરાર ! મારી વાત સમજણ પડે તો કામ નીકળી જાય. પ્રશ્નકર્તા : બરાબર, સમજ પડી. દાદાશ્રી : એ તો કરાર છે આ. પ્રશ્નકર્તા : હવે આ સમજ્યા પછી મુક્તિની ઇચ્છા થાય છે. દાદાશ્રી : ત્યારે બીજું શું ઇચ્છા થાય તે ! તડબૂચાંનું જોઈને શું કાઢવાનું ! કેટલો સારો એનો ધણી ! વળી ધણી કહેશે કે કેટલી દેખાવડી છે ! એટલે એને પૂછું પછી, અહીંયા આવ. દેખાવડી તને બહુ દેખાય છેને ! હવે એક ફેરો દાઝી ગઈ અહીં આગળ. આખું શરીર આટલું, પગ-હાથ દાઝી ગયો, ચામડી ઉતરી જાય, પછી પરું નીકળે, તે ઘડીએ કહેશે 'હાથ ધોવડાવો તો તું શું કરું ?!' 'ના ધોવડાવું, ના ધોવડાવું.' ત્યારે મેરચક્કર ! ઘનચક્કર છું કે શું ? કેવી સરસ હતી ! તે હવે હાથ ફેરવને ?! પેલી બહુ મોહી હોયને તો પેલી કહે, લ્યો, હવે ચાટો અહીં આગળ, તો ટાઢો પડી જાય. એ આમાં શું કાઢવાનું છે ! આ તો રેશમી ચાદરે બાંધેલું માંસ છે, હાડકાં છે, રેશમી ચાદરે બાંધેલા ! શાદીના આધારે, વેષ સંસારી ! નાચ કરાવવો છે એવું જોઈએ કે નાચનારી લાવવી છે એવું જોઈએ છે ! એ નક્કી કરવું પડે ! નાચ કરાવવો છે એવું હોય એટલે નાચનારી તો આવે જ ! એના તબલા, ઢોલકાં, વાજા બધું લશ્કર લઈને આવે. નાચનારીના આધારે નાચ છે કે નાચના આધારે નાચનારી છે ! ઘીના આધારે પાત્ર છે કે પાત્રના આધારે ઘી છે ? ઘી અને પાત્રમાં તો સમજાય કે પાત્રના આધારે ઘી છે ! ઘી ઢળી ગયું તેથી સમજાય. પ્રશ્નકર્તા : એકબીજાના આધારે છેને ! દાદાશ્રી : હા, પણ એ સંસારી વાક્ય કહેવાય. અને આપણને અસંસારી જવાબ જોઈએ છે ! આપણે આહાર કરવા આવ્યા ને ખાવાની બધી વસ્તુઓ પડી હોય તો આહારીને લીધે આહાર કે આહારને લીધે આહારી ? આહારને લીધે આહારી છે એવું નાચના લીધે નાચનારી છે. હમણે કો'કને જેઠ હોય તો જેઠ કોના આધારે ? શાદી કરી તો જેઠ થયા, શાદી ના થઈ હોત તો જેઠ કે દિયર હોય ? એટલે શાદીના આધારે આ બધું છે ! એટલે આપણે જે યોજના કરી કે નાચ જોવો છે તો એ યોજના ફળે ત્યારે નાચનારી ભેગી થઈ જાય. એટલે આ ભવમાં જો સ્ત્રી ના જ ગમતી હોય તો આ ભવમાં ભાવથી નક્કી કરો, કે હવે લગ્ને ય કરવું નથી ને પૈણવું ય નથી ! એ ભાવ કરો તો પછી એનું પરિણામ આવતા ભવમાં આવે, આ ભવમાં તો ગયા અવતારનાં પરિણામ ભોગવ્યે જ છૂટકો. - જય સચ્ચિદાનંદ |
|---|